-
ફિલસુફીભર્યાં ગીતો – ૩૭ – ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
નિરંજન મહેતા
૧૯૮૫ની ફિલ્મ ‘મેરી જંગ’નુ એક પ્રોત્સાહિત કરતુ ગીત છે
जीत जायेंगे हम
जीत जायेंगे हम
तू अगर संग हैं
ज़िन्दगी हर कदम
एक नयी जंग हैं
तूने ही सजाये हैं
मेरे होठों पे ये गीत
तेरी प्रीत से जीवन
में बिखरा संगीत
मेरा सब कुछ तेरी
देंन है मेरे मन के मीतहौसला न छोड़
कर सामने जहा का
बदल रहा हैं देख
रंग आसमान का
ये शिकस्त का नहीं
ये फ़तेह का रंग हैंरोज़ कहा ढूँढेंगे ये
सूरज चांद सितारों को
आग लगा कर हम रोशन
कर लेंगे अंधियारों को
घूम नहीं जब तलक
दिल में ये उमंग हैंકોઈનો સહારો હોય તો જીવનની મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકાય તે આ ગીતનો મર્મ છે.
જીવનમાં ડગલેણે પગલે મુશ્કેલીઓ તો આવવાની. કંટકભર્યા આ રસ્તે સાથીનો સહારો જ તમારા મુખ પર સ્મિતની લહેરખી દોડાવાશે.
સાથે સાથે આપણે સાથીનો આભાર પણ માનીએ છીએ કે જે કાંઈ મેં મેળવ્યું છે તે તારી મહેરબાનીથી. મારા જીવનમાં તે જ સંગીતને ઉજાગર કર્યું છે. ત્યારે સલાહ મળે છે કે તારે હિંમત ન હારવી જોઈએ. નીડર બની મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ. પરિસ્થિતિ બદલાઈ રહી છે ત્યારે તે તારી હાર ન માનતા તારી જીતના સ્વરૂપમાં જોશે તો તે મુશ્કેલી આસાન બની જશે.
આગળ કહ્યું છે કે રોજ રોજ કોણ તને માર્ગ દેખાડશે? બહેતર છે કે તું જ તારા જીવનના આ અંધકારને ઓળંગીને તારી જિંદગીને પ્રકાશમય કર. જ્યાં સુધી તારા મનમાં ઉમંગ છે ત્યાં સુધી તું નિશ્ચિંત મુશ્કેલીઓને વળોટીને આગળ વધી શકીશ.
https://youtu.be/hYPktmwYA-g?si=weOKdfPzrhC37XHW
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
જૂથનું બળ
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક ગામ હતું. ગામની વચ્ચોવચ્ચ એક નાનું ઝાડ હતું.આ ઝાડ ઉપર નીની ચકી અને મુમુ ચકી સરસ માળા બનાવીને એમાં પોતાના ચકલાઓ સાથે રહેતી હતી. નીની અને મુમુ બંને બહેનપણીઓ. એમના ચકલા સુમો અને મોન્ટુ પણ એકબીજાના ભાઈબંધ. ચારેય જણ સાથે સાથે આનંદ કરે.
થોડા સમય પછી નીની અને મુમુએ ઈંડા મૂક્યાં. ચારેય પંખીઓ ઘણા ખુશ થયા. પછી તો નીની અને મુમુએ બહાર જવાનું બંધ કરી દીધું. એ લોકો તો આખો દિવસ ઈંડાને સેવે અને એમાંથી બચ્યાંની બહાર નીકળવાની રાહ જુએ. બંને બહેનપણીઓ પોતપોતાના માળામાં બેસીને વાતો કરે કે હવે તો આપણા બચ્ચાં આવશે. આપણે એમને સરસ દાણા ખવડાવીશું. પછી ઉડતા પણ શીખવાડીશું. આમ વાતોવાતોમાં એમનો દિવસ આનંદમાં પસાર થઇ જાય. સાંજે બંને ચકા માળામાં પાછા ફરે પછી ચારે ય જણ દિવસભરની વાતો કરે.
એક દિવસ કંઇક જુદું થયું. સુમો અને મોન્ટુ રોજની જેમ સાંજે માળામાં પાછા ફર્યા. જુએ છે તો એમની ચકલીઓ માળાની બહાર બેસીને રડતી હતી. ચકલાઓને ચિંતા થઇ. એમણે પૂછ્યું, “નીની, મુમુ, કેમ રડો છો?”
ચકલીઓ તો કશો જવાબ ન આપે અને બસ રડ્યા જ કરે. પછી ચકલાઓએ માળામાં જોયું તો એમાં એક પણ ઈંડું જ નહીં! એમને નવાઈ લાગી- અરે! ઈંડા ક્યાં ગયા? નીનીના માળામાં ચાર અને મુમુના માળામાં સરસ મજાના ત્રણ ઈંડા હતા. થોડા દિવસો પછી તો એમાંથી બચ્ચાં નીકળવાના હતા.
પછી નીની અને મુમુએ રડતાં રડતાં ચકલાઓને કહ્યું, “એક મોટી સમડી આવી હતી. એ આપણા બધા ઈંડા ખાઈ ગઈ. અમે બન્ને એને ઘણું કરગર્યા, પણ એણે એમનું ન સાંભળ્યું. ઉપરથી એણે તો પાંખની એક ઝાપટ મારીને અમને દૂર મોકલી દીધી. અમે બંને રડતી રહી એને સમડી બધા ઈંડા ખાઈ ગઈ.’
આ સાંભળીને સુમો અને મોન્ટુ પણ ઘણા ઉદાસ થઇ ગયા. પણ થઇ શું શકે? એમણે સમજાવીને એમની ચકલીઓને છાની રાખી.
થોડા સમય પછી પાછો નીનીનો ઈંડા મૂકવાનો સમય થયો. પણ આ વખતે એ ઈંડા મૂકવાથી જ ડરતી હતી. એણે ઘણી વાર પેલી સમડીને એમના ઝાડની આજુબાજુ ચકરાવા લેતી જોઈ હતી. સુમોને પણ ડર તો હતો જ. એ લોકો બીજા વૃક્ષ ઉપર માળા બાંધી શકે. પણ સમડીનો શું ભરોસો? એ તો ગમે ત્યાં પહોંચી શકે. હવે શું કરવું?
એક દિવસ સુમો, મોન્ટુ, નીની અને મુમુ આને માટે વિચાર કરવા બેઠાં. થોડું વિચારીને નીનીએ કહ્યું, “આપણા ઝાડથી થોડેક જ દૂર એક બીજું નાનું ઝાડ છે. મેં એના ઉપર ઘણી ચકલીઓ અને બીજા નાના પંખીઓને રહેતાં જોયાં છે. એમને પણ સમડી હેરાન તો કરતી જ હશે. આપણે એમને પૂછીએ કે એ લોકો એને કેવી રીતે ભગાડે છે?”
બધાને આ વિચાર ગમ્યો. બીજે દિવસે સાંજે એ ચારેય તો ઉપડ્યાં એ બાજુના ઝાડ ઉપર રહેતા એ પંખીઓને મળવા. ત્યાં જઈને એમણે પોતાની ઓળખાણ આપી. પછી એ પંખીઓને પોતાની મૂંઝવણ જણાવી. એ પંખીઓને પણ પણ સમડી એવી જ રીતે હેરાન કરતી હતી. એમના ઈંડાને પણ એ ખાઈ જતી હતી અને એ બધા પણ એનાથી બચવાનો ઉપાય શોધતા જ હતાં.
થોડી વાર વિચાર કરીને મોન્ટુ ચકલાએ કીધું, *મને એક વિચાર આવે છે. આપણે બધા સાથે મળીને એ સમડીને જરૂર ભગાડી શકીએ.’ પછી એણે બધાં પંખીઓને પોતાનો વિચાર જણાવ્યો.
બધા એને સાથ આપવા તૈયાર થયા. મોન્ટુએ કહ્યું, “આપણે એકવાર ડરવાનું બંધ કરીશું તો જ આપણો ડર જશે.’
થોડા દિવસ પછી નીનીએ પોતાના માળામાં ચાર ઈંડા મૂક્યાં. એ દિવસથી એમણે નક્કી કર્યા પ્રમાણે બાજુના ઝાડના પંખીઓ વારાફરતી એના માળાની નજીક આવી જાય. પછી ઝાડની ડાળીઓમાં સંતાઈ જાય. બધા વારાફરતી ચણવા જાય એટલે નીની ક્યારેય એકલી ન પડે. આ વાતથી અજાણ સમડીએ એક દિવસ નીનીના માળામાં ચાર નાના નાના મસ્ત ઈંડા જોયાં. એના મોઢામાં તો પાણી આવી ગયું. એ ઈંડા ખાવા માટે નીચે ઉતરી અને એ ઝાડની એક ડાળી ઉપર આવીને બેઠી.
પણ આ શું? એ માળાની નજીક જાય એ પહેલા તો આજુબાજુથી બીજી ઘણી ચકલીઓ અને બીજા નાના પંખીઓ આવી ગયાં. બે ત્રણ પંખીઓ ઊડીઊડીને એને ચાંચો મારવા માંડ્યા. તો અમુક એની પૂંછડીમાંથી પીંછા ખેંચવા માંડ્યા. સમડી જોરથી પાંખો ફફડાવે એટલે થોડી વાર માટે બધાં ઉડી જાય પણ તરત જ પાછા આવે. સમડીને ચાંચો મારે. એક બે આવા નાના પંખી તો સમડી પહોંચી વળે. પણ આટલા બધાની સામે શું કરી શકે?
સમડી અકળાઈ ગઈ અને ‘બીજી વાર આવીશ’ એમ વિચારીને જતી રહી. બે દિવસ પછી એ ફરીથી આવી. આ વખતે પણ એવું જ થયું. એની પૂંછડીમાંથી ઘણા બધા પીંછા ખેંચાઈ ગયા.
આવું બે ત્રણ વાર થયું એટલે સમડી સમજી ગઈ. તેને થયું-આ પંખીઓ ભલે નાના છે, પણ એમની પાસે જૂથનું બળ છે. એટલે હવે એમને જીતી નહીં શકાય.
સમડી ત્યાં આવતી બંધ થઇ ગઈ. બધાં પંખીઓને શાંતિ થઇ ગઈ. થોડા સમયમાં નીનીના ઈંડામાંથી સરસ મજાના બચ્ચાં નીકળ્યાં. મુમુ અને મોન્ટુની સાથે એમના બધા નવા મિત્રો પણ એમને રમાડવા આવ્યા. એ મિત્રોને સમજાઈ ગયું હતું કે હેરાન કરે એનાથી ડરવાનું નહીં. ભેગા મળીને એનો સામનો કરીએ તો જીત મળે જ.
ગિરિમા ઘારેખાન | મો-૮૯૮૦૨૦૫૯૦૯
-
ઋતુના રંગ : ૪ :

ભાવનગર.
તા. ૧૨ – ૨ – ૩૬
વહાલાં બાળકો !
હજી શિયાળો ચાલે છે. એમ એ કાંઈ ઝટ નહિ જાય. ટાઢ હોળી તાપીને જશે, અને જતાં જતાં પૂછડું પછાડશે. તે વખતે છેલ્લી વારની ઠંડી પડી જશે.
હા, હમણાં જરા ગરમ હવા થઈ છે. ગિજુભાઈએ ગરમ બંડી કાઢી નાખી છે. ગિજુભાઈને ટાઢ બહુ વાય છે; જ્યારે ગિજુભાઈ બંડી કાઢી નાખે ત્યારે સમજવું કે હવે ઉનાળો નજીક છે.
પણ હજી શિયાળાનો વા વારંવાર વાય છે. શિયાળુ પંખીઓ હજી અહીં છે. શિયાળો ગાળવા આવેલું થરથરા હજી એક થાંભલેથી બીજે થાંભલે બેસે છે, અને જરા નીચે બેસી પાછું ઊંચું થઈ ઊડી જાય છે. પેટ અને નીચલો ભાગ ઈંટ જેવો લાલ અને ઉપલો કાળો, એવો એનો રંગ છે; જરાક નિરાંતે જોશો તો તુરત તે ઓળખાશે. તે ઝટઝટ ઊડી જાય છે, એટલે તમને નિરાંતે જોવા તો નહિ જ દે.
વારુ, હવે થોડીક ગરમીની શરૂઆત થઈ છે, એટલે ટુકટુક દેખાવા લાગ્યું છે. આપણા વાળાના થાંભલે તે બેઠેલું દેખાશે. થાંભલામાં હવે તે પોતાની ચાંચે ગોળ ઊભો ખાડો પાડશે, અને આગળ ઉપર તેમાં તે પોતાના માળા મૂકશે. ટુકટુક પોતાનો માળો બાંધતું નથી, પણ લાકડામાં ખોદી કાઢે છે.
ટુકટુક રૂપાળું પક્ષી છે. તેની ચાંચનો ઉપરનો ભાગ લાલ રંગનો છે, અને પીછાં લીલા રંગનાં છે; તેને જોવું ગમે તેવું છે. હવે જેમ ગરમી વધતી જશે તેમ તેમ ટુકટુક બોલશે. પોતાનું ડોકું એક વાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ હલાવશે, અને દરેક વખતે તે ટુક…..ટુક બોલશે. આપણે અજાણ્યા હોઈએ તો આપણને લાગે કે આમ કોણ કરતું હશે ? કોઈને પક્ષીનો વહેમ તો જાય જ નહિ. જ્યારે બરાબર ગરમી પડશે ત્યારે તેનો એવો અવાજ આવશે કે જાણે કોઈ લુહાર ઠામ ઘડે છે. ટણિંગ ટણિંગ એવો અવાજ આવશે. એટલે તો કેટલાક એને લુહારીડો કહે છે. અંગ્રેજીમાં તેને કોપરસ્મીથ કહે છે.
વારુ, હવે શિયાળો ઊતરશે એટલે ગરીબ લોકો રાજી થશે. હાથેપગે ચડી ગયેલો મેલ એની મેળાએ મેળાએ ઊખડશે. એવી કહેવત છે કે ” ફાગણે ફુવડનો ય મેલ જાય. ”
હમણાં જામફળ-જમરૂખ સુંદર આવે છે. જામફળ ધોળાં અને રાતાં બે જાતનાં થાય છે. તમને કઈ જાતનાં ભાવે છે ? મને તો બન્ને જાતનાં ભાવે છે. શિયાળાનું બીજું ફળ બોર છે. એ તો તમે ધરાઈને ખાતાં હશો. આપણે એક વાર બાલમંદિરમાં ગાજર અને બોર આણ્યાં હતાં, ખરું ? ગાજર ફળ નથી પણ કંદમૂળ છે. ગાજર ખવાય, હો ! ગાજરમાં વિટામીન છે. અમે નાના હતા ત્યારે ગાજર બહુ ખાતા. કરડ કરડ ખાધે જ રાખતા. એનો વચલો ભાગ ન ખાતા; એ કડવા જેવો લાગે. ગાજર ખાઓ, મૂળા ખાઓ, રીંગણાં ને પાપડી ખાઓ; આ બધાં શિયાળુ શાક ખાઓ. ચણા-રીંગણાંનું શાક પણ ખાશો જ ખાશો.
બાકી તમારે ત્યાં અડદિયો, ગડદિયો, ગૂંદરિયો, બૂંદરિયો, એવા પાક કર્યા હોય તો તે પણ ખાઓ; બદામપાક ને સાલમપાક ખાઓ. ગરીબનાં છોકરાં રોટલા ખાય, તમે પાક ખાઓ.
આ તો શિયાળો છે; હવે ઉનાળો આવશે. તે વખતે દાઢી ડગડગાવે એવી ટાઢ કેવી હતી તે પણ તમે ભૂલી જશો. તે વખતે કહેશો કે શિયાળો કેવો હતો ? વારંવાર શિયાળો આવશે ને વારંવાર પાછું તમે ભૂલી જશો. એમ છે, ત્યારે ! એ જ.
લિ. તમારો
ગિજુભાઈ
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
સંભારણું – ૬-૧૯૭૨ થી ૨૦૨૨ – આજીવન શિક્ષિકા
શૈલા મુન્શા
અષાઢમાં આવતો ગુરુ પૂર્ણિમાનો તહેવાર બધા શિક્ષકોના જીવનનો મહત્વનો અને યાદગાર દિવસ હોય છે. મારા માટે આ પચાસ વર્ષની યાત્રા અતિ મુલ્યવાન સંભારણું છે.
આજે ઘણા સમયે ડાયરી હાથમાં લીધી, કારણ એક તો નીંદર આંખથી વેરણ થઈ ગઈ હતી. નિંદ્રાદેવીને શરણે જવાના પ્રયાસ નાકામા થતાં લાગ્યાં ત્યારે થયું મનમાં ઊભરાતા વિચારોના વંટોળ જંપવા નહિ દે, અને ક્યાંથી જંપવા દે!!! આવતી કાલની સવાર બસ મારા જીવનના એક અધ્યાયની છેલ્લી સવાર! વર્ષો વિતાવેલી શિક્ષિકાની કારકિર્દીને આખરી સલામ!!!
યૌવનના પગથારે કોઈ ખાસ ઘટના કે બનાવ એક ડાયરીમાં ટપકાવવાની આદત હતી, થોડા વર્ષો એ ક્રમ ચાલ્યો અને વિસરાયો, પણ અમેરિકા આવી સામાનમાં સાથે રાખેલી ડાયરીએ ફરી રોજિંદા પ્રસંગો રુપે અવનવા પ્રસંગો ટપકાવવાની એ ટેવ સજીવન થઈ.
૧૯૭૨ થી ૨૦૨૨
પચાસ વર્ષનો સમયગાળો!! મારા જીવનનુ અવિસ્મરણીય સંભારણું,૧૯૭૨નો એ ગોઝારો દિવસ જ્યારે અમે અમારી મમ્મીને એક જીવલેણ અકસ્માતમાં ગુમાવી. પપ્પાનું અવસાન પહેલાં જ થઈ ગયું હતું અને મમ્મી નૂતનવિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરી અમારો ઉછેર કરી રહી હતી. મારું કોલેજનું ભણતર હજી પુરું જ થયું હતું અને આ કારમો આઘાત સહેવાનો વારો આવ્યો. મારાથી નાની બહેન અને સાવ નાનકડો ભાઈ.
કહેવાય છે કે રાતે અસ્ત થતો સૂર્ય સવારે ઉદય પામે જ છે એમ મારા જીવનમાં બે સૂર્યનો ઉદય થયો. અમારા નાના, નાનીએ અમારો હાથ ઝાલી અમને પાંખમાં લીધાં અને સ્કૂલના સંચાલકોએ મને મમ્મીની જગ્યાએ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી આપી મારા મમ્મી પ્રત્યેનો આદર અને અહોભાવ એ રીતે વ્યક્ત કર્યો.
જે સ્કૂલમાં હું મમ્મીની દીકરી બની પ્રસંગોપાત જતી ત્યાં એક સહ શિક્ષિકા તરીકે સહુએ મને વહાલ અને પ્રેમથી અપનાવી લીધી. મારા વડીલ શિક્ષકગણની હું લાડકી દીકરી જ રહી, સહુની દોરવણી અને માર્ગદર્શને સરળતાથી હું જીવનનો એ અધ્યાય શરુ કરી શકી. એકવીસ વર્ષના એ સમયગાળામાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું!!
દર વર્ષે આવતાં નવા વિદ્યાર્થીઓ જેમને મેં દસમા, અગિયારમાં ધોરણમાં ભણાવ્યા એ આજ સુધી મને એટલો પ્રેમ અને આદર આપી રહ્યાં છે, સતત સંપર્કમાં છે. ૧૯૭૨થી ૧૯૯૩, હજારો વિદ્યાર્થીઓ આજે એમના જીવનમાં પ્રગતિ કરી રહ્યાં છે અને એમની પ્રગતિનું શ્રેય જ્યારે અમ શિક્ષકોને આપે છે ત્યારે જીવતર ધન્ય થયું લાગે છે. ૨૦૦૦ની સાલમાં અમેરિકા જવાનુ થયું પણ નૂતનવિદ્યામંદિર, એ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની યાદનો ખજાનો મારા હૈયામાં સંઘરાયેલો રહ્યો.
મારી ૨૦૧૮ની ભારત મુલાકાત એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યાદગાર બનાવી દીધી. મારા માટે ખાસ મોટા મેળાવડાનું આયોજન કર્યું. મમ્મી સાથે કામ કરી ચુકેલા અને મારી સાથે પણ કામ કરી ચુકેલા કેટલાક વડીલ શિક્ષકોને મળવાનો, એમનો વાત્સલ્યભર્યો હાથ આશીર્વાદરુપે મસ્તકે અનુભવવાનો અનેરો લહાવો મળ્યો સાથે કેટલાકના અવસાનના સમાચાર દિલને રડાવી ગયા.
એ બાળકો જે આજે તો પચાસની ઉમરે પહોંચવા આવ્યા છે, એમની સાથે વિતાવેલી એ સાંજ અને સ્કૂલના જુના અનુભવો, અમારી ખાસિયતો, અનુભવોના પ્રસંગો ફરી એમના મુખે સાંભળી હાસ્યના ફુવારાથી હોલ ઝાકમઝાળ થઈ ગયો. કેટલાય સ્મરણોનું નવું ભાથું યાદોના ખજાનામાં ઉમેરાયું!!!
૨૦૦૧ થી અમેરિકામાં પણ મારો મનગમતો વ્યવસાય શિક્ષિકાનો જ અપનાવ્યો, ફક્ત ફરક એટલો હતો કે અહીં અમેરિકામાં દિવ્યાંગ બાળકો, માનસિક રીતે થોડા અસ્વસ્થ બાળકો સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અહીં આવી નવી શિક્ષણ પધ્ધતિ અને બાળકોને મળતા વિવિધ લાભ વિશે ઘણુ શીખવા મળ્યું.અમેરિકામાં બાળકોને બધા જ પ્રકારની સગવડ અને ખાસ કરી ભણતર માટે જે સુવિધા છે એને NCLB (NO CHILD LEFT BEHIND) કહેવાય છે. જ્યાં બાળકોને અને એમના ભણતરને સર્વ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. બધી જ પબ્લિક સ્કૂલમાં બારમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે. વિદેશી બાળકોને અંગ્રેજી શિખવાડવા દરેક સ્કૂલમાં ખાસ સુવિધા હોય.
ભારતમાં ભલે હું માધ્યમિક વિભાગના બાળકોને ભણાવતી હતી, પણ અમેરિકામાં પ્રાથમિક વિભાગ જેને પ્રાથમિક શાળા કહેવાય છે ત્યાં ૨૨ વર્ષ નાના ત્રણ થી છ વર્ષના દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું અને જીવનમાં ઘણા નવા અનુભવોનું ભાથું ભેગું કર્યું. દરેક બાળકની પીડા, જુદી જુદી લાગણી, જુદા જુદા લેબલ એમની માનસિક અવસ્થા પ્રમાણે, અને સાથે માતા પિતાનું વર્તન એમની સાથે!!
દુનિયાની નજરે દિવ્યાંગ બાળકો, મારી નજરે કોઈ સામાન્ય બાળકથી કમ નથી એ મને સમજાયું. આ નિર્દોષ દેવદૂતોનો અઢળક પ્રેમ હું પામી. બે દિવસની ગેરહાજરી પછી જ્યારે સ્કૂલે પહોંચુ અને બધા બાળકો કિલકારી કરતાં વિંટળાઈ વળે એ સુખ જેણે માણ્યું હોય એ જ જાણે!! એમના નટખટ તોફાનો અને મસ્તીએ મને એમના રોજિંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને મારા બ્લોગ પર લખાતાં એ પ્રસંગો “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રકાશિત થયાં. એ પુસ્તકના પ્રસંગોએ ભારતના ખંભાત શહેરના શિક્ષક રાજેશભાઈને દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાના નવા વિચાર મળ્યાં અને એમનો આભાર વ્યક્ત કરતો પત્ર જ્યારે મને મળ્યો ત્યારે મને મારું કાર્ય અને જીવવું સાર્થક લાગ્યું.
૮ જુન ૨૦૨૨ના દિવસે શિક્ષિકા તરીકેના મારા જીવનના એક અધ્યાયનું સમાપન થયું. શિક્ષિકા તરીકે નિવૃત થઈ. પચાસ વર્ષ મોટા થી નાના બાળકો વચ્ચે વિતેલી જીંદગી!! ભારત અને અમેરિકા, બધેથી મળેલો અને આજે પણ મળતો રહેલો નિઃસ્વાર્થ પ્રેમ, એ મારો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.
નિવૃત થવાનો વિચાર કર્યો ત્યારથી મન વિતેલા વર્ષોનુ સરવૈયું કાઢી રહ્યું હતું અને પલ્લું બસ પ્રેમ, પ્રેમ, આદર અને મળેલી લાગણીથી ઝુકેલું હતું.
હ્યુસ્ટનની મોટી સ્કૂલ ડિસ્ટ્રીક (Houston Independent school District) એના special need Department તરફથી લગભગ ૪૦૦ જેટલી સ્કૂલમાંથી મને મળેલો Best Teacher Assistant નો ખિતાબ મારા માટે સર્વોત્તમ પુરસ્કાર છે.
સ્કૂલના છેલ્લા દિવસે પ્રિંન્સીપાલ, સહુ સાથી શિક્ષકો, સ્ટાફ તરફથી મળેલું માન સન્માન અને વિશેષ તો મારા નાના બાળકો અને એમના માતા પિતા તરફથી મળેલા લાગણીસભર પત્રો એ મારા જીવનનું અતિ મુલ્યવાન સંભારણું છે.
કાલ હું નહિ રહું, પણ મારા મોટા કે નાના વિદ્યાર્થીઓના મનમાં શૈલાબહેનની એક મીઠી યાદ જરુર રહેશે અને એ જ તો મારી મુડી છે!
મારા જીવનનું એક અતિ મુલ્યવાન સંભારણું છે.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
કીડી પર કટક ને વરુ છુટ્ટા ફરે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘સમયના જે તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એનાથી તમે વાકેફ ન હો તો મારી વાર્તાઓ વાંચો અને તમે એ વાર્તાઓ સહન કરી શકતા ન હો એનો અર્થ એ કે આ સમય જ અસહ્ય છે. મારા લેખનમાં કોઈ ખામી નથી.’ આ વાત ખ્યાતનામ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોએ લખી હતી. આ વાત વારેવારે યાદ આવે છે, પણ મંટોના સંદર્ભે નહીં. સંદર્ભો બદલાતા રહે છે.
આજકાલ ઈન્દોરસ્થિત એક કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયાની પાછળ મધ્ય પ્રદેશની સરકાર લાગેલી છે. હેમંત માલવીયાએ ચીતરેલા, વડાપ્રધાન મોદી અને તેમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ને દર્શાવતા એક કાર્ટૂનથી દુભાઈને એક કાર્યકર્તા દ્વારા માલવિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. એ પછી અદાલતમાં આ મામલો આવતાં અદાલતને એ કાર્ટૂન ‘અભદ્ર’ જણાયું. માલવિયાને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરવામાં આવ્યો.

હેમતં માલવીયાનું એક જૂનું કાર્ટૂન
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીઅલબત્ત, કાર્ટૂનિસ્ટ માલવિયાએ જણાવ્યું કે એ કાર્ટૂન પોતે કોવિડના સમયગાળા દરમ્યાન બનાવેલું. પરિસ્થિતિ જોતાં અદાલત કાર્ટૂનિસ્ટને પાઠ ભણાવવા મક્કમ હોય એમ લાગે છે. અગાઉ એક વાર માલવિયાએ બાબા રામદેવનું એક કાર્ટૂન ચીતરીને તેમનો ખોફ વહોરી લીધો હતો. બાબાએ તેમની પર દાવો માંડી દીધો હતો.
આવી કોઈક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મંટોનું કથન યાદ આવે છે. કાર્ટૂનિસ્ટો ખરું જોતાં સમાજને અરીસો ધરે છે. એમની રીત આગવી હોય છે, અને વ્યંગ્યની ધારને કારણે એ ધાર્યું નિશાન પાર પાડી શકે છે. કાર્ટૂનિસ્ટે ધરેલા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને અકળાઈ જનાર એને સહન કરી શકતો નથી, એનો અર્થ એ કે મામલો જ અસહ્ય છે. પણ આ એમને સમજાવે કોણ? છેવટે સત્તાધારી પક્ષ પાસે આખેઆખું તંત્ર હોય છે અને તેના સહારે એ ‘કીડી પર કટક’ દોડાવે છે.
બાબા રામદેવ ગુનાહિત બેદરકારી આચરે, અપપ્રચાર કરે અને લોકોને ગેરમાર્ગે દોરીને કરોડોનો વ્યાપાર કરે, પણ એમ કરતાં તેઓ પકડાઈ જાય ત્યારે એમને માત્ર ઠપકો આપીને જવા દેવામાં આવે છે. આથી થોડા સમય પછી બેશરમીથી તેઓ આવું તૂત લઈને ફરી વાર મેદાનમાં આવી જાય છે. આની સામે એક કાર્ટૂનથી ન્યાયતંત્રને દેશની અખંડિતતા, એકતા, સુરક્ષા વગેરે જોખમાઈ જતાં લાગે છે. આ હકીકતથી મોટી મજાક શી હોઈ શકે?
ગુજરાત રાજ્યમાં એક પુલ તૂટી જાય ત્યારે ભણતરે સિવિલ એન્જિનિયર એવા મુખ્યમંત્રી જણાવે છે, ‘ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટી ગયો છે.’ આનાથી વધુ સંવેદનહીન બાબત કોઈ હોઈ શકે ખરી? કાયદાની, નાગરિકોની આ મજાક નથી? પણ ના. આ બધાને નજરઅંદાજ કરીને પ્રમાણમાં નબળી પ્રજાતિ છે એની પર ધોંસ જમાવવાથી તેમની પર ધાક બેસાડી શકાશે એમ સરકારને લાગે છે. આવી પ્રજાતિમાં કાર્ટૂનિસ્ટોનો વારો ચડી જાય, એટલું જ નહીં, વારેવારે ચડતો રહે એમાં શી નવાઈ?
શાસક પક્ષનું ટ્રોલ દળ વ્યક્તિની વય, પ્રદાન કે વ્યક્તિત્વની પરવા કર્યા વિના કેવળ સત્તાપક્ષની આલોચના કરનાર કોઈ પણનું ચરિત્રહનન કરી શકે, ખરાબમાં ખરાબ ગાળો બોલી શકે, યા નરાતળ જૂઠાણાં ફેલાવી શકે, અને તેની સામે કંઈ પગલાં લેવામાં ન આવે, જ્યારે કોઈ સામાન્ય નાગરિક કશી બાબતની સાચી ટીકા કરે કે તરત તેની પાછળ તંત્રને દોડાવી મૂકવામાં આવે.
થોડા મહિના અગાઉ મહિલા કાર્ટૂનિસ્ટ રચેતા તનેજાને પણ ‘અદાલતની અવમાનના’ બદલ દોડતાં કરાયાં હતાં. ‘સેનીટરી પેનલ્સ’ નામની પોતાની કાર્ટૂન શ્રેણીમાં તેમણે સર્વોચ્ચ અદાલતના સત્તાપક્ષ તરફી વલણની ટીકા કરતાં કાર્ટૂન દોર્યાં હતાં. અલબત્ત, તેમના વકીલે જણાવ્યું હતું કે અદાલતની ટીકા કંઈ એની અવમાનના નથી. રચેતાનાં કાર્ટૂનની વિશેષતા એ છે કે તેઓ કેવળ ‘સ્ટીકી ફીગર્સ’ તરીકે ઓળખાતાં, કેવળ પાતળી રેખાઓ વડે માનવાકૃતિઓ ચીતરે છે, જેમાં કોઈ પાત્રની વ્યક્તિગત ઓળખ સુદ્ધાં થઈ શકે એમ નથી. આથી તેમણે કહેલું, ‘વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો કરતા દેશની સર્વોચ્ચ અદાલત મારાં ‘સ્ટીકી ફીગર્સ’ વિશે વાત શી રીતે કરી શકે?’
પોતાની ટીકાની જરાઅમથી ચેષ્ટાથી દોડતી થઈ જતી સરકારના, વિશ્વની સૌથી વિશાળ ગણાતી લોકશાહીના વડાપ્રધાને પોતાના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન એક પણ પ્રેસ કોન્ફરન્સ નહીં યોજીને પોતાના વલણનો પુરાવો આપી દીધો છે, અને તેમના ચાહકોને એમાં કશો વાંધો નથી. બીજી તરફ અમેરિકા જેવા સર્વશક્તિમાન દેશના વડા ડોનાલ્ડ ટ્રમ્પ હવે એવા આપખુદ, અરાજક કે આખાબોલા હશે, પત્રકારોને મળવાનું ટાળ્યું નથી.
સંવાદની આપણા દેશની ભવ્ય પરંપરાનાં ગાણાં ગાવાં સહેલાં છે, અને ગાણાં ગાતે ગાતે એ જ પરંપરાની હત્યા કરવી વધુ સહેલી છે. સમર્થકો પરંપરાની આવી હત્યાને વાજબી ગણાવે એમાં એમનો સ્વાર્થ હશે, યા સમજણનો અભાવ, કે ફરજનો ભાગ હશે, પણ તેમને સમજાતું નથી કે આના દ્વારા તેઓ પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે, અને પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે લોકશાહીનાં મૂલ્યોને તેઓ નેવે મૂકી રહ્યા છે. આમ કરવામાં દેશને જે નુકસાન થતું હશે એ થશે, એથી વધુ નુકસાન તેમને પોતાને થઈ રહ્યું છે. પણ ખેર! એ તો લાંબા ગાળાની વાત છે.
સરકારને આમ કરવામાં કદાચ પોતાની બહાદુરી લાગતી હશે, પણ ખરેખરા બહાદુર એ કાર્ટૂનિસ્ટોને કહી શકાય, જેઓ એકલે હાથે, કટકની પરવા કર્યા વિના પોતાને જે લાગે છે એ ચીતરવાની હિંમત દર્શાવે છે, અને વારંવાર દર્શાવતા રહે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [૪]
ત્રીજા અંકમાં, સુશ્રી પ્રીતિબહેનના એકલ પ્રવાસોની સહેલગાહ આપણે શંબ્દદેહે માણી. હવે આ અંતિમ અંકમાં તેમના આવા એકલ પ્રવાસોનું તેમનું દર્શન સમજીએ …..
હંમેશાં એકલી જ પ્રવાસ કરીશ, એવું કાંઈ નક્કી નહોતું કરી રાખ્યું. અરે, એવું વિચાર્યુ પણ નહોતું. ભારતમાં તો છોકરીએ ક્યાંયે એકલાં જવાનું જ ના હોય. એવી જરૂર નહીં, ને એવી રજા પણ તહીં. મને ય નહતી. ઉપરાંત, ભારતમાં ક્યાંયે એ સ્વીકાર્ય પણ નથી. સાથે આવે એવાં, કે જેને આવી ઈચ્છા હોય તેવાં કોઈ મિત્ર હતાં નહીં. ને સાચે તો, હું એવું પૂછવા પણ નહોતી રહી. મારા સમયે, ને ઇચ્છા પ્રમાણે, નીકળી જવામાં કશું અસ્વાભાવિક, કે ભયજનક મને ક્યારેય લાગ્યું જ નથી.
હું પોતે હજીયે આશ્ચર્ય પામું છું કે કર્યું કઈ રીતે આ બધું? કેટલા અઘરા, ને ખતરનાક પ્રવાસો થયા. ત્રીજા વિશ્વના દેશો, મુસ્લિમ દેશો, ભાષા બીલકુલ ના જાણતાં હોઈએ એવા દેશો; ક્યાંક શાકાહારી ખાવાનું મેળવવાની મુશ્કેલી, ફયાંક રહેવાની જગ્યા શોધવાની મુંઝવણ. જાણે કશુંયે સહેલું નહીં. વળી, કોઈક જાતે જ બનાવેલા નિયમ મુજબ, ચાલી શકાય તો બસ નહીં,
ને બસ હોય તો ટેફસી નહીં કરવાની ! જ્યા જાઉં ત્યાંના સમાજ સાથે ભળવાની, ત્યાંના જીવનને સમજવાની ઉત્કંઠા. અમુક દેશોમાં, ત્વચાના રંગ ને મુખાકૃતિને કારણે આપણે કૈંક પણ અંશે એમનાં જેવાં લાગીએ, પણ જાપાનમાં, ને કયારેક યુરોપના ગોરા દેશોમાં પણ, લોકોને હું ત્યાંની જ લાગું, ને તે મારા એમને સુસંગત વર્તનને લીધે.
મને બહુ જ સંતોષ થાય – એમ, કે મને તો ત્યાં ઘર જેવું લાગે જ છે, પણ એમને પણ હું જાણે ઘરની જ લાગું છું. જુદા પડવાની નહીં, બલ્કે ભળી જવાની તત્પરતા ! ઘણા દેશોમાં મારાં મિત્રો બન્યાં છે, સ્થાનિક ઘરોમાં હું રહી છું, ને સ્થાનો ભલે જુદાં દેખાય, જીવન બધે કેવું સરખું હોય છે તે પ્રમાણ્યું છે.
એમ તો ઘણા પ્રવાસ દરમ્યાન “પુરતી’ તકલીફો પડી હોય, પણ એ ભુલાઈ જ જાય ! એક દાખલો આપું : મધ્ય-અમેરિકાના સાત દેશોમાં હું સ્થાનિક બસો લઈ લઈને ગઈ. બેલિઝ, ગૉતેમાલા, હોન્દુરાસ, નિકારાગ્વા, એંલ સાલ્વાદોર, કોસ્તા રિકા અને પનામા. દરેક સરહદ પગપાળા ઓળંગવાની. ઘણાં જણ મને ત્યાં ત્યાંની, સ્પેનિશભાષી માની લે. બાવન જેટલા દિવસ ફરી, એમાં પહેલા બત્રીસ દિવસ તો ભાત ને ચોળા સિવાય ભાગ્યે જ કશું શાકાહારી મળ્યું હશે. પણ થાય, કે કાંઈ નહીં, ભાવે તેવું તો છે ને! ઉપરાંત, નાની નાની, ધરમશાળા જેવી જગ્યાઓમાં રહું. મોડી રાત સુધી, અને પરોઢિયાંથી, વાહનો અને બસોનો ઘરઘરાટ થતો
રહે. ઊંઘ આવે નહીં, ક્યાંતો ઊડી જાય. ચાલીસેક જેટલી રાતો આમ ગયા પછી આખરે રાતે રાતે પુરતી ઊંઘ મળતી થઈ હતી. પણ ઘેર પાછી આવી પછી કોઈ પુછે, તો આ બધું યાદ જ તના આવે. હું તો કહું કે બહુ જ મઝા આવી ! શ્રમ ઘણો લીધેલો, પણ એ પ્રવાસ પર મને બહુ સ્નેહ છે. એના પરનું પુસ્તક તે “એક પંખીનાં પીંછાં સાત.”પહેલી વાર મધ્ય-પૂર્વ ગઈ ત્યારે ઇજિપ્તથી ઈઝરાયેલ વિમાનમાં ગઈ, પણ પાછાં આવતાં ભમિ-માર્ગે જવાનું વિચાર્યું. ન્યુયોર્ક ટાઈમ્સમાં એવી સફર વિષે કોઈએ લખેલું. મેં વાંચ્યું એટલે બસ, મારે પણ એમ કરવું હતું. તેલ-અવીવથી મુસાફરી શરૂ થઈ, બે બસો બદલવી પડી, સાઈનાઈ રણને પસાર કર્યું, નૌકા વારા સુએઝ કૅનાલને પેલે પાર ગઈ, ને પછી હજી એક બસ લઈને કેરો પહોંચી ત્યારે રાતના બાર વાગી ગયા હતા. અઢાર કલાક થયા હતા. જાણે માંડ માંડ પહોંચી. ઘણી અઘરી સફર હતી. એ વિષે લખવા માંડ્યું ત્યારે મે એક નવો વાક્ય-પ્રયોગ બનાવ્યો : “ હિંમતે-જનાના, તો મદદે-યગાના.” કોઈ સ્ત્રી હિંમત દાખવે તો જે ખાસ
મિત્ર છે તે – એટલેકે ખુદા – મદદે જરૂર આવશે ! આવા જ વિશ્વાસે જીવનના વહેણમાં મારાં વહાણ ચાલતાં રહ્યાં છે !વહાણની વાત નીકળી છે તો એક-બે વાત કરું. કેટલીક સાગર-સફરો કરી, એમાં એક વાર તો વહાણ ભાંગ્યું હતું. હું ગ્રીસ બીજી વાર ગઈ ત્યારના પ્રવાસ દરમ્યાન નાફ્સોસ નામના એક તાના ટાપુ પરથી એથેન્સ જતું વહાણ લેવાની હતી, પણ ચારેક દિવસ સુધી વહાણ આવ્યાં કે ગયાં જ નહતાં, કારણકે દરિયામાં ખૂબ તોફાન થયેલાં, ને બે વહાણો અને દોઢસો જેટલાં મુસાફરો ડુબી ગયેલાં. લગભગ આવું જ બનેલું ઉત્તર યુરોપની સફરમાં. સ્વિડનથી વહાણ લઈને સામે ફિનલૅન્ડને કિનારે હું તો પહોંચી ગઈ, પણ પછીને દિવસે એક મોટું વહાણ ત્યાં જ ડૂબ્યું હતું. હું બચતી રહી, તે કોઈની કૃપાને જ કારણે. મને એક વાર કોઈએ કહ્યું હતું, કે “ તારા માથા પર કૃષ્ણ છે.” એટલેકે, જેમ વાસુદેવના માથા પરની છાબડીમાં બાળ-કૃષ્ણ હતા, તે જમનાનાં પૂર પણ ખસી ગયાં હતાં, તેમ.
હવે જે અનુભવ કહેવાનો છે તે સ્પેઈનથી મોરોક્કો જતાં થયેલો. ઈન્ડિયન, તે પણ એકલી, ને તે પણ સ્ત્રી – આવી ત્રિશૂલી પરિસ્થિતિમાં કેટલાં પડતાં હશે? એ વહાણમાં મને એકલી જોઈને સ્થાનિક પુરુષો કહેવા માંડ્યા, “ તમારાંથી મોરોક્કો એકલાં જવાય જ નહીં. એમાં બહુ જોખમ છે. પાછાં જતાં રહો.” મેં કટાક્ષમાં કહ્યું, “વહાણ તો અત્યારે મધ-દરિયે છે. તરતી તરતી કિનારા તરફ જાઉં તો છે!” હું વહાણને આશરે જ હતી, ને નસીબજોગે આ વખતે એ તૂટ્યું કે અથડાયું કે ડૂબ્યું નહીં !
ઉત્તર મોરોક્કોના તાન્જિયેર બંદરે ઊતરી ત્યારે મોડી સાંજ પડી ગયેલી, ને પુરુષોની ઘણી ભીડ હતી. કોઈએ મદદ માટે ના પૂછ્યું, પણ કોઈએ સહેજે છેડતી કરી નહીં. ગામ તરફ જતે રસ્તે મેં જવા માંડ્યું. એક તરફ ઘુઘવાટ કરતો દરિયો, ને બીજી તરફ કેટલીક નાની હોટેલો દેખાઈ. મેં એકમાં પુછ્યું, તો મને રૂમ આપવાની ના પાડી. જરા આગળ બીજીમાં પુછ્યું, ત્યાં પણ ના પાડી. અંધારું થઈ ગયેલું, ને હવે મારા મનમાં, હંમેશ મુજબ, “પ્લાન બી’ ની આવશ્યકતા ચકરાવા લાગી. જોકે, રહેવાસીઓનાં ઘરનાં બારણાં ઠોકવાં પડે તે પહેલાં એ જ રસ્તે હજી આગળ ગઈ. ત્રીજી હોટેલ આવી. ત્યાં પુછ્યું, તો વળી મને રૂમ આપ્યો. નાનકડો, પણ ચોખ્ખી ચાદરવાળો ખાટલો તો હતો. આહા, કેવી નિરાંત !
એકલી સ્ત્રીને રૂમ આપવા બધાં તેયાર નથી હોતાં. આવું ભારતમાં તો બને જ છે. પૂનામાં એક વાર મને સાતમી હોટેલમાં માંડ જગ્યા મળેલી. એમાંની એકમાં તો મને ચોખ્ખું જ કહેલું, કે એકલી સ્ત્રીને રૂમ આપીએ તો કાંઈ ને કાંઈ ગરબડ થતી જ હોય છે. આસામમાં પણ આમ બનેલું. મણિપુરના ઈમ્ફાલ શહેરમાં અડધી રાતે કોઈ દારૂ પીધેલા માણસે બારણું ખખડાવ્યા કરેલું. બીજે દિવસે મેં હોટેલ બદલી લીધેલી. શિલિગુડીમાં પણ કોઈએ વહેલી સવારે બારણું ઠોક્યું, ને કહે, “ ખોલો, કામ છે.” હસવું, રડવું, કે ગુસ્સે થવું, તે પણ ના સમજાય. એમ કહો, કે બારણાં તોડવા સુધી કોઈ નથી પહોંચ્યું !
અન્ય-વિશ્વાસ તો સ્વભાવમાં જ હતો, પણ આત્મ-વિશ્વાસ કે સ્વતંત્ર વિચારસરણી પર તો કુટુંબના માનસ દ્વારા નિયંત્રણ જ હતાં. છતાં, દબાયેલો-દટાયેલો આત્મ-વિશ્વાસ થોડો પણ હશે તો ખરો જને, નહીં તો કઈ રીતે આરંભનાં વર્ષો ગયાં હશે અમેરિકામાં? પ્રવાસી તરીકે એ વધતો ગયો, ને એના મૂળમાં કોઈએ બોલેલું એક વાક્ય હતું. અજાણી ભાષાઓવાળા દેશોમાં – યુરોપ ખંડમાં – સૌથી પહેલી વાર ગઈ ( હવે તો ત્યાં ચાલીસ-પિસ્તાલિસ વાર ગઈ હોઈશ.) ત્યારે લંડનથી શરૃ કરીને, ટ્રેન દ્વારા ડોવરના બંદરે પહોંચેલી. ત્યાંથી જે વહાણ લેવાનું હતું તે મધરાતે ઊપડવાનું હતું. ગામમાં ફરતાં એક થિયેટરમાં ડિ.એચ.લૉરેન્સની એક
નવલકથા પરથી થયેલું નાટક ચાલતું જોયું, ને ટિકિટ ખરીદીને હું એ જોવા બેસી ગઈ. પછી વહાણ લઈને બેલ્જિયમના ઉસ્ટેન્ડ બંદરે ઊતરી. ત્યાંથી ટ્રેન લઈને બ્રુઝુહ નામના ગામે આવી ત્યારે મળસકાના સાડા ત્રણેક વાગેલા.તાના સ્ટેશનના વેઇટિન્ગર્મમાંની લાકડાની એક બેન્ચ પર હું સૂઈ ગઈ. પોણા સાતેક વાગ્યે જાગી ત્યારે કલબલાટ સંભળાયો. માંડ માંડ આંખો ખોલીને જોયું તો રૂમ ગણવેશ પહેરેલા, સ્કૂલે જતા છોકરાઓથી અને કામે જતા લોકોથી ભરાઈ ગયેલો. કોઈએ મને જગાડી કે ઢંઢોળી «હતી. ખૂબ સંકોચ સાથે હું ઊઠી ગઈ. બાથરૂમમાં મોઢું ને આંખો ધોયાં, બ્રશ કર્યું, એક થેલા જેટલો સામાન હતો તે લોકરમાં મૂફ્યો, ને ગામ તરફ ગઈ. આ બ્રુઝૂહ ગામ ખૂબ સુંદર અને એતિહાસિક ગણાય છે, તેથી આખા યુરોપ ખંડને જોવાની શરૂઆત મેં ત્યાંથી કરેલી. ફરતાં ફરતાં એક અમેરિકન યુવક મળ્યો. વાતચીત દરમ્યાન એણે કહ્યું, કે “ એકલો પ્રવાસે નીકળ્યો છું એટલે મનમાં જરા બીક લાગ્યા કરે છે.” બસ, આ એક જ વાક્ય, ને મારા મનમાં જે મુંઝવણના ભાવ હશે તે દૂર થઈ ગયા. મને થયું, “ઓહો, એક અમેરિકન પુરુષને પણ ગભરાટ થઈ શકે છે, એકલાં ફરતાં ડર લાગી શકે છે, તો હું તો એક યુવતી, ને તેય ગોરી નહીં, પણ એકલી બહુ દેખાતી ના હોય તેવી ઈન્ડિયન જાતિની; તો આ સાવ શરૂઆતે મને જરા ફફડાટ હોય, સંકોચ થતો હોય તો તે સ્વાભાવિક ગણાય.’
ડર-બર જેવા ભાવ તો જાણે એ ઘડીએ જ ગયા. આ પછી સહેજ અનિશ્ચિતતાનો ભાવ પણ એક જ વાર અનુભવેલો, ને તે પહેલી વાર સિંગાપોર પહોંચી ત્યારે. ચીની મહોલ્લામાં એક રૂમ લીધેલો, ને મન જરા ચંચળ હતું. ત્યારે મેં જાતને કહેલું, “અરે, અડધા કલાક જેટલો સમય તો આપ પોતાને.” ને ખરેખર, એટલા વખતમાં મેં એરપોર્ટથી લીધેલાં ચોપાનિયાં વાંચી લીધાં, શહેરનો નકશો જોઈ લીધો, ને પછી શહેરને જાણતી હોઉં તેમ નીકળી પડી –
સિંગાપોરની રાતે સિંગાપોરની ગલીઓમાં. મારી જ આ સલાહ મને હંમેશાં યાદ રહી છે, ને તે વખતથી કોઈ પણ જગ્યાને સહેજમાં મારી કરી લેવા માટે હું તૈયાર હોઉ છું.
* * * * * * * * *
દુન્યવી ખાસ કશું જોઈતું નહતું, ને મળી તો આખી દુનિયા પોતે. જોકે એ સહેલું નહતું જ. અરે, ઘણી કંઠિનાઈ સહન કરી છે. ને અસંખ્ય અપમાનો. ક્યારેક હું કહી ૬ઉ છું, કે દરેક બોર્ડર પર મેં “લાતો’ ખાધી છે. તે શાને લીધે, એ કહીશ તો કોઈ માનશે નહીં. આંતરરાષ્ટીય પ્રવાસ દરમ્યાન મારી ભારતીયતા અને ભારતીય દેખાવને કારણે ઘણા ઓંફીસરો કૃદ્ધ થતા હશે. એને માટે હું કહું, “યહ મુંહ ઓર મસૂર કી દાલ!’ ભારતીય પાસપોર્ટ હતો ત્યારે તો જાણે માથે પસ્તાળ જ પડતી, ને અમેરિકન પાસપોર્ટ થયા પછી પણ કયારેક ઉપરોક્ત કારણો નડ્યાં છે.
હું તોયે પ્રયાણ કરતી રહી છું, વિશ્વને ચાહતી રહી છું. અમેરિકામાં ૨૦૦૧માં જે હોનારત થઈ, તે પછી જાણે એક કલાકમાં જ વિશ્વ-માનસ બદલાઈ ગયું. તરત જ, જેને હું “ શંકાનો યુગ” કહું છું, તે શૠ થઈ ગયો. અમેરિકી નાગરિકોની આંખમાં, ઈન્ડિયન ચહેરા, ઈન્ડિયન વ્યફ્રિતઓ મુસ્લિમ. કે આરબ જેવાં લાગવા માંડ્યાં. એટલે એમના વર્તાવમાં તત્કાળ સંદેહ અને અસહિષ્ણુતા દેખાઈ આવવા લાગ્યાં. ત્યાં સુધી એકલી પ્રવાસ કરતી સ્ત્રી જોઈને કદાચ તવાઈ લાગે, પણ વેરભાવ ના જાગે. આ કારમા આત્મઘાતી વિમાની હુમલા પછી, એકલી નીકળી પડેલી સ્ત્રી – ને તેય મુસ્લિમ જેવી દેખાતી – શંકાને પાત્ર બની, અને આપઘાતી બૉમ્બર મનાવા લાગી. ઈન્ડિયન તરીકે અપમાન અને તિરસ્કાર અનુભવ્યાં હતાં. હવે એથી પણ વધારે ખરાબ વલણ ને વર્તાવ અનુભવવાનાં આવ્યાં.
મારા નસીબની એટલી બલિહારી કે હું કયારેય કોઈ શારીરિક અત્યાચારનો ભોગ ના બની. બધી જગ્યાએ એકલી જ હોઉં, પણ પુરુષ તરફથી કોઈ કનડગત ક્યારેય ના થઈ. પહેલી વાર દક્ષિણ અમેરિકા ગઈ ત્યારે ત્યાંના પુરુષોના લેટિન – રોમાન્ટિક – સ્વભાવ માટે ચિંતા હતી. પણ કોઈએ છેડતી કે ઈશારા પણ કર્યા નહીં. ત્યારે હું હસતી, કે કોઈને મારા દેખાવમાં રસ «હતો, ફક્ત મારા અમેરિકન નાણામાં જ હતો !
વ્યક્તિ તરીકે, ને વ્યક્તિતગત રીતે હું નસીબદાર રહી છું. જે ઇચ્છયું તે મળતું રહ્યું. પણ અનેકાનેક વાર પરિચિતોનાં અણગમા અને અસૂયાનું સહેલું નિશાન બનતી રહી છું. આમ કેમ હશે, તે કયારેય હું સમજી નથી. કદાચ એ પણ નસીબનું કોઈ દયાહીન પાસું જ હશે. મનદુઃખ અને માનસિક સંતાપથી બચવા માટે હું જાતને અળગી કરીને, સાક્ષીભાવે જીવનને જોતાં શીખી. જીવની આસપાસ એક દૃઢ કોચલું બનાવતી ગઈ, કે જેથી અંદર રહેલી ઋજુ જગ્યાને હાનિ ના પહોંચે.
મેં જે કર્યું તે આપમેળે અને આપબળે જ કર્યું. ભાષારત તેમજ ભ્રમણરત એકાકી ભાવે રહેતાં રહેતાં જાત સાથે એકલાં રહેવાની ખૂબ સરસ ટેવ પડી, મન સાથે સારી ઓળખાણ થઈ, ને બાહ્ય કોઈ આધારનું પ્રયોજન ના રહ્યું. મને કોઈએ હાથ ઝાલીને દોરી નથી. વિશ્વ-ક્ષેત્રે નહીં, ને શબ્દ-ક્ષેત્રે પણ નહીં. જાણે એક સૈનિકનું બનેલું સૈન્ય, અને એક ચાહકની સર્વ-સ્થાન માટેની ઝંખના. પછી તો લક્ષ્ય પણ એક જ થઈ ગયું હતું – વિશ્વ પોતે ! પૃથ્વી પર જોયેલી બધી નદીઓ જેમ મહાસાગરોમાં ભળીને એકરૂપ થવા માંગતી હશે, તેવું કંઇક.
-
આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૫
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
મેઘની સવારી અને પડાવ
પરેશ ૨. વૈદ્ય
आषाढस्य प्रथम दिवसे, मेघमाक्रिष्टसानु
वप्र क्रिडा परिणतमगज प्रेक्षणीयं ददर्श.
– मेघदूतमકવિ કાલિદાસનાં પ્રસિદ્ધ સંસ્કૃત કાવ્ય ‘મેઘદૂતમ્’ના બીજા શ્લોકમાં કવિ કહે છે કે “યક્ષે આષાઢ મહિનાના પહેલાં દિવસે રામગિરી પર્વત પર ઝળુંબી રહેલાં વાદળાંને જોયું તો તેમાં એને મુક્કો મારવામાં મગ્ન એવા હાથીનો આકાર દેખાયો.” કવિને એક વર્ષ સુધી પોતાની પત્નીને મળવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેથી તેણે આ વાદળાં જોડે પત્નીને સંદેશો મોકલવાનો વિચાર કર્યો. યક્ષ્ાની વાર્તાના આધારે કાલિદાસ ખરેખર તો ચોમાસાંના સુંદર વાતાવરણનું વર્ણન કરવા ધારે છે. મેઘના રસ્તામાં આવતાં નદીઓ, પહાડો અને નગરોમાં ચોમાસું કેવું લાગે છે તેની વાત આ કાવ્યમાં છે. દોઢ હજાર વર્ષ અગાઉનાં સંસ્કૃત સાહિત્યમાં વરસાદની ઋતુ માટે એક લાંબુ કાવ્ય રચાય અને પ્રખ્યાત થાય તે જ બતાવે છે કે ચોમાસું આપણી સંસ્કૃતિનાં મધ્યસ્થાને છે.
ઉજ્જૈનમાં રાજા ભોજનું રાજ્ય હતું ત્યારે કવિ કવિદાસ થઈ ગયા. તેથી મેઘને રસ્તાનું માર્ગદર્શન કરતાં એ આજે જે મધ્યપ્રદેશ છે તેનાં શહેરો અને નદીઓની વાત કરે છે. આ સ્થળે ‘મેઘદૂતમ્’ ને યાદ કરવાનું કારણ એ છે કે ભારતમાં ચોમાસાંનો જે ફાંટો બંગાળના ઉપસાગર તરફથી દાખલ થાય છે તેના પ્રવાસ માર્ગનું આ વર્ણન છે. સંદેશ વ્યવહારનાં કોઈ સાધનો ન હતાં તે કાળે કવિએ પવનોના માર્ગની સાચી સમજ દાખવી છે. આ મહાકાવ્યને અંજલિ આપવા પ્રથમ તેનું હિન્દી ભાષામાં રસપાન કરી આગળ વધીએ.
મેરા સંદેશા લે જાના
ગાયક : જગમોહન
સંગીત : કમલ દાસગુપ્તા
પ્રવાહના બે ફાંટા
આપણાં ચોમાસાના ભેજનું મુખ્ય સ્રોત દક્ષિણે આવેલ હિંદ મહાસાગર છે. તેના બે પેટા વિભાગો અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર – જાણે ભેજનાં ‘લોકલ ગોડાઉનો’ છે. માર્ચ મહિના પછી સૂર્યનાં કિરણો કર્કવૃત્ત પર સીધાં પડે એટલે ભારતના મધ્ય અને ઉત્તરના વિસ્તારો ગરમ થવા લાગે. આથી વિષુવવૃત્તની દિશામાંથી ઉત્તર તરફ વાતા પવનો ફૂંકાવા લાગે છે. પરંતુ પૃથ્વી પ્રચંડ ગતિથી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. તેની સાથે ઉત્તર તરફ જતા પવનોને પણ પૂર્વ તરફ (ચિત્રમાં જમણી તરફ) ધક્કો આવે છે. તેને ફેરલનો નિયમ કહે છે. તેને કારણે પવનની દિશા દક્ષિણથી ઉત્તરને બદલે નૈઋત્યથી ઈશાન તરફ થાય છે. ચિત્ર-૮માં આ તીરોથી બતાવ્યું છે. આ થયો દેશની ડાબી તરફનો ફાંટો, જેને અરબી સમુદ્રનો ફાંટો કહે છે.

ચોમાસાની યાત્રાના બે ફાંટા દક્ષિણ ભારતના દ્વિપકલ્પની બીજી તરફથી ચોમાસાના પ્રવાહનો બંગાળના ઉપસાગરનો ફાંટો દાખલ થાય છે. એ થોડો જુદી રીતે વર્તે છે. ઈશાન તરફ જઈ તે બંગાળ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોને તો વરસાદ આપે જ છે પરંતુ તેને એક પેટા-ફાંટો પણ છે. એ આંધ્ર અને ઓરિસ્સાના કાંઠેથી દેશમાં દાખલ થાય છે. કુદરતે આમ બનવા માટે એક બીજી વ્યવસ્થા કરી આપી છે. જેને ઓછાં દબાણની પ્રણાલિ (Low Pressure System)કહે છે. મધ્યભારતના ધરતી ગરમ થવાથી ત્યાંની હવા ઉપર જતાં આ ઓછું દબાણ પેદા થાય છે. આની અસર હેઠળ ઈશાન તરફ જતાં ફાંટામાંથી અમુક હિસ્સો આ તરફ પણ વળે છે.
‘મોન્સૂન બ્રૅક‘
હવામાનનો અભ્યાસ ઉપગ્રહ પર આધારિત થયા પછી વિજ્ઞાનીઓનાં ધ્યાનમાં એક વાત આવી છે; ચોમાસાની મધ્યમાં અમુક દિવસો એવા આવે છે કે દેશના મોટા ભાગ ઉપર વાદળાં નથી દેખાતાં. એને ‘મોનસૂન બ્રેક‘ – ‘ચોમાસાનો વિસામો‘ – કહે છે. જુલાઈના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં બનતી આ ઘટના બતાવે છે કે ત્યારે ઓછાં દબાણનું કોઈ ક્ષેત્ર ક્યાંય નથી બન્યું હોતું. આમ બનવાનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ સમજવાનો પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે.
અહીં પશ્ચિમ ઘાટ જેટલા ઊંચા અને સતત પહાડ નથી; તેમ છતાં ભેજ ઠરીને વાદળાં બને છે. એ માટે એક જુદી સંકુલ પ્રક્રિયા જવાબદાર છે. ઉપર જતી હવા ઉપરના થરો વધુ દબાણ પેદા કરી ચક્રાકારે ફરવા લાગે છે અને વધુ હવા નીચેથી ખેંચે છે. આમ હવા ઉપર જવાથી આપોઆપ વાદળાં બનતાં રહે છે. આ વાદળાં ઈશાન તરફ જવાને બદલે પોતાની ઊર્જાથી જ મધ્ય ભારત તરફ આગળ વધે છે. કવિ કાલિદાસનો મેઘ આ સવારીનો સભ્ય હતો. ક્યારેક તો આ ‘ડિપ્રેશન’નાં જોરે બંગાળ ઉપસાગરનો ફાંટો કચ્છ અને રાજસ્થાન સુધી પણ પહોંચી જાય છે. બંને તરફનાં ચોમાસામાં આ પ્રક્રિયા ખૂબ સારું ટાઈમટેબલ પાળે છે, જે એક આશ્ચર્ય રહ્યું છે.
વાદળમાંથી વરસાદ
વાદળાંઓએ ધરતી પર સવારી તો શરૂ કરી, પરંતુ તેનો પડાવ ક્યાં હશે તે તેને ય ખબર નથી હોતી. કુદરતની હજુ કેટલીક કરામતોમાંથી તેણે પસાર થવાનું છે. અતિસૂક્ષ્મ (૦.૦૨ થી ૦.૦૫ મિલીમીટર) વ્યાસના જળકણો સ્વરૂપે ટનબંધ પાણી લઈને તરતું વાદળ જ્યારે ગુરૂત્વાકર્ષણ સામે હારી જાય ત્યારે તે વરસી પડે છે. વાદળાંની પોતાની રચના અને એ જ્યાં હોય તે સ્થળનું વાતાવરણ, એ બંને મળીને આવી પરિસ્થિતિ પેદા થાય છે. યોગ્ય સ્થિતિની શોધમાં મેઘ સેંકડો કિલોમીટરની યાત્રા કરી નાંખે છે તો કેટલાકના નસીબમાં વરસવાનું જ નથી હોતું.
હથેળીમાં તમે વરસાદનું ટીપું ઝીલો ત્યારે કેવડું મોટું હોય છે ? બે કે ત્રણ મિલીમીટરનું. એનો અર્થ કે પેલાં સૂક્ષ્મ બિંદુઓ હજારોની સંખ્યામાં એકઠાં થયાં હશે, તો જ એ વરસવાને પાત્ર થયાં હશે. ગુરૂત્વાકર્ષણ ઉપરાંત ક્યારેક વાદળાંની અંદર જ પવનનો ઉર્ધ્વ પ્રવાહ હોય છે. એ તો થોડાં મોટાં થયેલ જળકણોને પણ અદ્ધર કરી રાખે છે અને વરસવા નથી દેતો પરંતુ વાદળની અંદર જ ઉપર-નીચે કરતાં કરતાં સૂક્ષ્મ ટીપાં એકબીજાં સાથે જોડાઈને કે બીજો ભેજ ઉપાડીને મોટાં થતાં રહે છે. જ્યારે પવનની ઉર્ધ્વ ગતિ કરતાં તેની નીચે પડવાની ગતિ વધી જાય ત્યારે તેવાં ટીપાંઓ વરસાદરૂપે આવે છે.
: કોષ્ટક – ૨:
વરસાદનાં વિવિધ જળકણો
જળબિંદુનો પ્રકાર ત્રિજ્યા (મિલીમીટરમાં)
નીચે પડવાનો વેગ (મિટર/સેકન્ડ)
વાદળામાંના સૂક્ષ્મ કણો ૦.૦૨ થી ૦.૦૫ ૦.૨૫ ઝીણા છાંટા ૦.૨૫ ૨ ૦.૫ ૩.૯ વરસાદ ૧.૫ ૮.૧ ૨.૫ ૯.૧ સ્નૉ ૫ ૧.૭ વરસવાની આ પ્રક્રિયાનાં ભૌતિકશાસ્ત્રમાં ઊંડા નહીં ઉતરીએ પરંતુ તેના એક-બે મુખ્ય ઘટકો જાણી લઈએ. એક છે વાદળાંની ઘનતા. તેમાં કેટલું પાણી છે તે. જેમ કે એવું વાદળ કે દર ઘનમીટરે એક ગ્રામ પાણી પણ ન હોય તો ટીપાંઓ ઓછાં કે દૂર-દૂર હાેય. ત્યારે એક ટીપાંની બીજાં ટીપાંને મળવાની તકો ઘટી જાય. બીજી વાત છે વાદળનું ઉષ્ણતામાન. વાદળું બહુ ઊંચે હોય જ્યાં ઉષ્ણતામાન શૂન્ય કરતાં ઓછું હોય તો તેમાં સૂક્ષ્મ જળકણો બરફની કણી બની ગયા હોય છે. આને ‘ઠંડા વાદળ’ કહે છે. ઠંડા પ્રદેશોમાં આવાં વાદળ હોય. આપણે ત્યાં પણ જો વાદળનો ઘટાટોપ બહુ ઊંચો હોય તો તે જગ્યાએ શૂન્ય નીચે ઉષ્ણતામાન થાય છે. શિયાળામાં થતાં માવઠાંના વાદળામાં પણ બરફની કણીઓ થાય અથવા અતિશય ઠંડી જળકણી હોય. એ જ્યારે નીચે પડે ત્યારે પ્રવાસમાં નવું પાણી મેળવે તે બરફ બનતું જાય અને કોચલાંની જેમ જમા થાય. એક કદ કરતાં મોટી બરફની ગોળી થઈ જાય તો તે ફૂટે. તેની સૂક્ષ્મ કણીઓ પોતામાં નવું પાણી ઉમેરી ‘સ્નૉ’ તરીકે વરસે અને જો ગોળી ન ફૂટે તો ‘કરા’ સ્વરૂપે નીચે આવે, જેવું આપણે ત્યાં બને છે.
વાતાવરણનું દબાણ
આમ તો હવાનું વજન નહીં બરાબર છે પરંતુ વાતાવરણનો એકસો કિલોમીટર કરતાં ય જાડો થર ધ્યાનમાં લો તો તેનું ઠીક ઠીક વજન ધરતી પર, ચીજો ઉપર અને આપણાં શરીર પર પણ પડે છે. પ્રત્યેક ચોરસ સેન્ટિમીટર વિસ્તાર પર આશરે એક કિલોગ્રામ જેટલું વજન પડે છે; તેને વાતાવરણનું દબાણ કહે છે.
હવામાન શાસ્ત્રીઓ વાતાવરણનાં દબાણ માટે જુદો એકમ વાપરે છે. સમુદ્રની સપાટીએ સામાન્ય રીતે જણાતાં દબાણને ‘બાર’ કહો તો તેના હજારમાં ભાગને ‘મિલીબાર’ કહેવાયું. એ એકમમાં હવામાન વિજ્ઞાનીઓ વાત કરે છે. સામાન્ય રીતે ૧૦૧૦ મિલીબાર રહેતું દબાણ જો ૯૯૦ કે ૯૯૫ મિલીબાર થઈ જાય તો તેને ‘ઓછાં દબાણનું ક્ષેત્ર’ કહેવાય છે. ચોમાસામાં ભારતની ભૂમિ પર ઘણી જગ્યાએ આવાં ક્ષેત્રો ઊભાં થાય છે. ત્યાં વરસાદની સંભાવના વધારે હોય છે. આગાહીમાં વપરાતા શબ્દો ‘લૉ પ્રેસર ઝોન’, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન એ બધા ઘટનાની અલગ અલગ તીવ્રતા બતાવે છે.

વાદળ ફાટવું :
દર વર્ષે – બે વર્ષે આપણે છાપામાં આવી ઘટનાની વાત વાંચીએ છીએ. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવું બને છે જેથી અતિશય વરસાદ થઈ અચાનક પૂર આવે છે. અંગ્રેજીમાં તેને Cloud Burst કહે છે. વાદળું જો સંયોગવશ સંતૃપ્ત વરાળવાળું હોય અને તેમાં વળી પહાડના ઢોળાવના કારણે ઊંચું ચઢવા માંડે તો એ જલદી ઠરવા માંડે છે. આમે ય હિમાલયમાં ઉપરની હવા ઠંડી હોય જ છે. આથી સૂક્ષ્મ ટીપાંઓ અતિશય ઝડપથી એકબીજામાં મળી મોટાં બનવા લાગે છે. પવનનો ઉર્ધ્વ પ્રવાહ કે ગુરૂત્વાકર્ષણ તેને અદ્ધર રાખી શકે તે કદથી ય મોટાં એ અચાનક બની જાય છે. આથી વરસાદ રૂપે ધીમે ધીમે પડવાને બદલે વાદળું જાણે જમીન પર ધસી પડતું હોય તેટલી ઝડપે પાણી વરસાવી દે છે. જો એક કલાકમાં અઢી ઈંચ (૧૦ સે.મી.)થી વધુ વરસાદ પડે તો તેવી ઘટનાને હવામાનશાસ્ત્રીઓએ ‘વાદળું ફાટ્યું’ એવી વ્યાખ્યા આપી છે.
એક અપવાદ તરીકે ૨૬ જુલાઈ ૨૦૦૫ના રોજ પહાડોને બદલે મુંબઈમાં આવું બન્યું હતું. સંભાવના એવી છે કે કોન્ક્રીટની ગરમીને કારણે ભેજવાળી હવાનો જથ્થો વધારે ઉપર ચઢી ગયો અને ત્યાં અચાનક ઠંડો થયો. એ દિવસે વાદળાંનો ઘટાટોપ ૯ કિ.મી. ઊંચો થઈ ગયો હોવાનો અંદાજ છે.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ભાષાને ધર્મ કે સંપ્રદાયના વાડાથી મુક્ત રાખીએ
નિસબત
ચંદુ મહેરિયા
તમિલનાડુ પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રિભાષા ફોર્મ્યુલા ઊંધા માથે પટકાઈ છે. જો રાજભાષા હિન્દીના આ હાલ હોય તો ઉર્દૂનું તો પૂછવું જ શું?
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગરપાલિકાની નવી ઈમારત પરના સાઈન બોર્ડમાં નગરપરિષદ, પાતુર મરાઠી ઉપરાંત ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું. સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ કેટલાકને ન ગમ્યો.પૂર્વ નગરસેવિકા વર્ષાતાઈ સંજય બાગડેએ આ બાબતે પહેલાં નગરપાલિકા, કલેકટર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી. પરંતુ ધાર્યો પ્રતિસાદ ન મળ્યો.એટલે તેમણે પાલિકાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો. ૧૯૫૬થી ચાલી આવતી મરાઠી ઉપરાંત ઉર્દૂ સાઈન બોર્ડની આ પરંપરાની વિરુધ્ધ ૨૦૨૦થી આજ સુધીમાં બે વાર બોમ્બે હાઈકોર્ટ અને બેવાર સુપ્રીમ કોર્ટમાં તેમણે દાદ માંગી. ૧૯૬૫ અને ૨૦૨૨ના મહારાષ્ટ્રના રાજભાષા સંબંધી કાયદાઓનો હવાલો આપી વર્ષાતાઈએ પાતુર નગરપાલિકાના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ ભાષા હઠાવી લેવા માંગ કરી હતી. પરંતુ અદાલતોએ તેમની માંગણીને ગેરકાયદે ઠેરવી છે. એક નગરપાલિકાની ઈમારત પરના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ દૂર કરવા છેક સુપ્રીમ સુધી લડવાની આ હિંમત ભાષાના મુદ્દે આપણે કઈ હદે આડા, ઝનૂની અને સંકીર્ણ છીએ તે તો દર્શાવે છે જ સાથે સહિષ્ણુતાની આવશ્યકતા અને ભાષાની વિવિધતાની સરાહનાની જરૂરિયાત કેટલી બધી છે તે પણ સ્પષ્ટ કરે છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સુધાંશુ ધૂલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે પિટિશનરના વકીલોની એ દલીલ સ્વીકારી નહીં કે રાજ્ય સરકારના રાજભાષા સંબંધી અધિનિયમોથી નગરપાલિકાઓનો વહીવટ મરાઠીમાં કરવાનો હોય છે એટલે સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ થઈ શકે નહીં. ન્યાયાધીશોએ મરાઠીમાં વહીવટનો મતલબ એ નથી કે અન્ય ભાષાનો સાઈન બોર્ડમાં પણ ઉપયોગ ન થઈ શકે તેમ જણાવી તેમની અપીલ નામંજૂર કરી છે. ખંડપીઠ વતી જજમેન્ટ લખતાં જસ્ટિસ ધૂલિયાએ ઉર્દૂ ભાષા અંગે કરેલી ટિપ્પણીઓ ખૂબ જ મહત્વની છે અને ભાષા મુદ્દે દેશમાં ચાલતા વર્તમાન વિવાદોમાં વિચારણીય છે.
જીવનની કોઈ પણ બાબતને ધર્મના ચશ્મે જોવાની આપણને આદત પડી છે. એટલે ભાષાને પણ આપણે એ જ નજરે જોઈએ છીએ. અદાલતે ઉર્દૂને મુસલમાનોની, પારકી કે પરદેશી ભાષા ગણવાની ગેરસમજમાંથી બહાર આવવા અપીલ કરી છે. ઉર્દૂ ભાષા ભારતમાં જન્મેલી ભારતીય ભાષા કે ઈન્ડો આર્યન ભાષા છે. તેને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં ઉદભવેલી ઉર્દૂ ગંગા-જમની તહજીબ કે હિંદુસ્તાની તહજીબનું બહેતરીન ઉદાહરણ છે. ઉર્દૂ અદબ (વિનમ્રતા, સન્માન, માન-મર્યાદા) ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. વસ્તીની જેમ દેશમાં ભાષાઓ પણ મિશ્ર છે અને ઉર્દૂ તો વળી હિન્દીની ભગિની ભાષા છે. બંનેની ઉત્પતિ અને વિકાસ લગભગ સાથે સાથે જ થયા છે. લિપિ ભેદ સિવાય બંનેમાં ઘણી સમાનતા છે. મુન્નવર રાણા સાચું જ કહે છે, લિપટ જાતા હું માં સે ઔર મૌસી મુસ્કુરાતી હૈ. ઉર્દૂ મેં ગઝલ કહેતા હું ઔર હિંદી મુસ્કુરાતી હૈ.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ભારતમાં પેદા થયેલી ઉર્દૂ ખરેખર ક્યાં જન્મી તે અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. તેનું જન્મસ્થાન વ્રજ, દિલ્હી અને દખ્ખન હોવાના દાખલા દેવાય છે. ઉર્દૂ શબ્દ તુર્કી ભાષાના ઓરદુ પરથી ઉતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ છાવણી કે શાહી પડાવ થાય છે. તે ફારસી, અરબી અને તુર્કીથી પ્રભાવિત ભાષા છે. ભારતમાં ઉર્દૂ શબ્દ વપરાયો તે પહેલાંની તેની દીર્ઘ સફરમાં તે હિન્દવી, જબાન-એ હિંદ, હિન્દી, જબાન-એ-દેહલી, રેખ્તા, ગુજરી, દક્ખની, જબાન-એ ઊર્દૂ-એ-મુઅલ્લા, જબાન-એ ઉર્દૂ અને અંતે ઉર્દૂ કહેવાઈ હતી. ઉત્તરપ્રદેશના અમરોહામાં ઈ.સ.૧૭૫૧માં જન્મેલા કવિ-શાયર ગુલામ હમદાની મુસહફીએ સૌથી પહેલા ઈ.સ. ૧૭૭૦માં ઉર્દૂ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. મોગલોના આગમન સાથે જન્મેલી અને પછી તેમના રાજ દરબારમાં સ્થાન પામેલી ઉર્દૂ આમ જનતાની બોલી છે.
પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ દેશ આખામાં વસ્તીનો કોઈને કોઈ ભાગ ઉર્દૂનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા દેશમાં ૫.૭૭ કરોડ હતી. ઉત્તરપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એ પાંચ રાજ્યોમાં જ કુલ ઉર્દૂ બોલનારી વસ્તીના ૮૫ ટકા વસ્તી છે. જમ્મુ-કશ્મીરની તે રાજભાષા છે. તો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલગંણા અને દિલ્હીમાં તેને બીજી રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત છે. બંધારણની આઠમી અનુસૂચિમાં જે બંધારણમાન્ય ૨૨ ભાષાઓ છે તેમાં ઉર્દૂનો સમાવેશ થયેલો છે. દક્ષિણ એશિયાઈ ભાષા ઉર્દૂ ભારત અને પાકિસ્તાનમાં વધુ બોલાય છે . તે ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ખાડી દેશો , અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તે બોલાય છે. ઉર્દૂ સાહિત્ય ઘણું સમૃધ્ધ છે અને તેમાં મહાન સાહિત્યકારો જન્મ્યા છે. આ સાહિત્યકારોમાં મુસલમાનો જેટલા હિંદુઓ પણ છે.
૧૯૨૩ના કોંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કોંગ્રેસની કાર્યવાહીમાં હિન્દુસ્તાનીનો ઉપયોગ કરવાનો ઠરાવ થયો હતો. ભાષાના સાંપ્રદાયિકરણ અને અંગ્રેજોના હાથે ભાષાના રાજનીતિકરણને અનુભવી ચૂકેલા ગાંધીજી હિન્દી અને ઉર્દૂના મિશ્રણસમી હિંદુસ્તાનીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા માંગતા હતા.તેમાં ઉર્દૂ કે દેવનાગરી બંનેમાંથી કોઈ પણ લિપિમાં લખવાની અનુમતી હતી.તેઓ એમ પણ ઈચ્છતા હતા કે ફારસીનિષ્ઠ ઉર્દૂ અને સંસ્કૃતનિષ્ઠ હિન્દી ના હોય પણ બેઉનું સંમિશ્રણ હોય તેવી ભાષા હોવી જોઈએ.
આજે ઉર્દૂને સંકીર્ણ દ્રષ્ટિએ કે તેને ભારતીય ભાષાને બદલે મુસલમાનોની ભાષા તરીકે જોવામાં આવે છે. તેના મૂળમાં ભારતના કોમી ધોરણે થયેલા ભાગલા અને પાકિસ્તાને ઉર્દૂને કૌમી જબાન(રાષ્ટ્રભાષા) બનાવી તે છે. પાકિસ્તાનની જેમ તેની રાષ્ટ્રભાષાને પણ ભારતીયોનો એક વર્ગ દુશ્મન કે પરાયાની નજરે જુએ છે. ઉર્દૂ ભારતમાં જ જન્મી છે અને પાંગરી છે તે હકીકત ભૂલાવી દેવાય છે. સાહિત્ય, સંસ્ક્રુતિ અને કલાના શક્તિશાળી માધ્યમના રૂપમાં વિકસિત થયેલી ઉર્દૂ મિશ્રિત વારસો ધરાવતી ભાષા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ ભાષાને કોઈ ધર્મ નથી તે એક સમુદાય, પ્રદેશ અને લોકોની ભાષા છે અને પરસ્પરના આદાન-પ્રદાનનું માધ્યમ છે. ભાષા સંબંધી સંકીર્ણ અને સાંપ્રદાયિક વિવાદોમાં લોકોની સંવેદનાઓ, જૂની માન્યતાઓ અને રાજનીતિની ભૂમિકા રહેલી છે.
સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઉર્દૂ ભાષા વિષે ટાંકેલી આ પંક્તિઓ સૌને વિચારવા પ્રેરે છે:
ઉર્દૂ હૈ મેરા નામ
મૈં ખુસરો કી પહેલી
ક્યોં મુઝ કો બનાતે હૌ
તાજ્જુબકા નિશાના
મૈંને ખુદ કો કભી મુસલમાન નહીં માના
દેખા થા કભી મૈંને ભી ખુશિયોં કા જમાના
અપને હી વતન મૈં હું
મગર આજ અકેલી
ઉર્દૂ હૈ મેરા નામ
મૈં ખુસરો કી પહેલી.” પોતાને માત્ર હિન્દી કે ઉર્દૂ સુધી મર્યાદિત રાખવો તે બુધ્ધિમત્તા અને દેશભક્તિની ભાવના વિરુધ્ધનો ગુનો છે”, એવી ગાંધીજીની ચેતવણી પણ અનેક વિચારજાળા સાફ કરતા સુપ્રીમના ચુકાદા સાથે સંભારીએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઉપશમની આરાધિકા : સીતા
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
ભારતીય સાહિત્યના આદિ કવિ વાલ્મીકિનો સમયગાળો ભારત દેશનો પ્રશિષ્ટ (Classic) યુગ છે. રામાયણ ને મહાભારત આથી જ, આપણાં પ્રશિષ્ટ મહાકાવ્યો છે. આ બંને કૃતિઓમાંથી તત્કાલીન સમાજજીવમની શિષ્ટ છબી ઊપસે છે. સામાન્ય રીતે તો સાહિત્ય જિવાતા જીવનને ઝીલતું હાય છે. પણ મહાકાવ્યોનાં સ્વરૂપ પાસે એક ખાસ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે.. મહાકાવ્યમાં નાયક અસામાન્ય હોય છે; મહાકાવ્યનાં અન્ય પાત્રોમાં પણ આચારનિષ્ઠા હોવી આવશ્યક ગણાય છે.; મહાકાવ્યને અંતે જીવનમૂલ્યોનું સંસ્થાપન થતું હોય છે. આથી મહાકાવ્ય અન્ય સાહિત્યકૃતિ કરતાં જુદું પડતું હોય છે.
“રામાયણ’ ને “મહાભારત’માં જો કે બંને કવિઓએ જીવનની વિષમતાઓને શુદ્ધ વાસ્તવિક અભિગમથી આલેખવાનો પૂરો યત્ન કર્યો છે. જીવનની નક્કર અને કઠોર વાસ્તવિકતાઓની વચ્ચે આ કૃતિઓનાં આદર્શ પાત્રો ટકી રહે છે ને એ રીતે કૃતિમાં સત્યનું સ્થાપન થાય છે. બાકી તો વ્યાસ અને વાલ્મીકિએ ઉત્તમ ઘટનાઓ, આદર્શમય ચરિત્રોની વચ્ચે જીવનની વરવી લાગે તેવી, અસહ્ય ઘટનાઓને પૂરા તાટસ્થ્યથી નિરૂપીને કૃતિને પૂર્ણતાની નજીક પહોંચાડવાનો સફળ પ્રયત્ન કર્યો છે એવું આદરપૂર્પક કહેવાની ફરજ પડે તેમ છે.
વાલ્મીકિકૃત ‘રામાયણ’ પ્રશિષ્ટ કૃતિ તરીકે સન્માન પામી શકે તેવી કૃતિ હોવાનું એક મુખ્ય કારણ તેનામાં રહેલું શાશ્વત દર્શન છે. વાલમીકિનાં પાત્રો ક્યારેય પુરાણાં લાગે એવાં નથી. વાલ્મીકિ આ અર્થમાં “આધુનિક ‘ કવિ લાગે છે. રવીન્દ્રનાથ ટાગોર જેને “દૃષ્ટિકોણની આધુનિકતા’ કહે છે તેવી આધુનિકતા વાલ્મીકિનાં પાત્રોમાં અનેક જગાએ જોવા મળે છે. આ પાત્રોમાં એ દૃષ્ટિએ સીતા વિશેષ આકર્ષે તેવું પાત્રત્વ ધરાવે છે.
મૂળ કૃતિના અભ્યાસના અભાવે સીતાના પાત્રની જે છાપ ભાવકના મનમાં પડેલી છે તે વાલ્મીકિને વાંચતાં સાચી ઠરતી નથી. સામાન્ય ભાવક સીતાને વ્યક્તિત્વ વિનાની પતિવ્રતા સ્ત્રી માની બેસવાની ભૂલ કરે છે. સીતા જાણે દુ:ખોથી ઘેરાઈ ગઈ છે, અન્્યાયનું ભાજન બનેલી છે, રામે તેને માટે જે સ્થિતિ નિર્મી છે એ સ્થિતિને મૂંગે મોઢે સ્વીકારતી ગઈ છે. સીતાનું નામ લેતાં જ સાક્ષાત દુખની મૂર્તિ આપણી નજર સમક્ષ ઊપસે છે. સીતાનું આવું ચિત્ર એના અદ્ભુત વ્યક્તિત્વને ભારે અન્યાયકર્તા બને છે.
વાલ્મીકિએ જે સીતાને આલેખી છે એ સીતા અસાધારણ છે, ગરિમામય છે, ઉપશમની દેવી હોવા છતાં ઓજસ્વી છે. સીતાનાં પાત્રને કમશ: ઉઘાડતા વાલ્મીકિની પ્રસન્નતા પદે પદે વેગ પકડતી જણાય છે. વાલ્મીકિ ભારે મિતભાષી કવિ છે. પોતાનાં અસામાન્ય પાત્રોનો પરિચય કરાવવાની એમને જરાય ઉતાવળ નથી. પાત્રોને બનતાં સુધી, પ્રથમ પરોક્ષ રીતે પ્રગટ કરીને પ્રત્યક્ષ કરવાની વાલ્મીકિની આદત સીતાના આલેખનમાંય દેખાય છે.આથી જ, સીતાનો પહેલવહેલો પરિચય તેના વિવાહ સમયે ભાવકને પરોક્ષ રીતે થાય છે. પોતાની મહિમાવંત નાયિકાના આગમનનું કવિ અદબથી ઉદ્ઘાટન કરે છે. રાક્ષસોનો ધ્વંસ કરીને વિશ્વામિત્ર સાથે જનકના રાજ્યમાં આવેલા રામ ને લક્ષ્મણ સમક્ષ રાજા જનક પોતાનું ધનુષ બતાવવા ઇચ્છે છે. આ ધનુષ જનક પાસે શિવની અમાનત તરીકે પડેલું છે. જનક આ ક્ષણે જણાવે છે કે અગાઉ યજ્ઞ માટે ભૂમિનું શોધન કરતી વખતે હળની અણી(સીતા)થી જમીન ખોદતાં મારી પુત્રી મને મળી આવી છે. આવી અયોનિજા પુત્રીને જનક સામાન્ય વ્યક્તિના હાથમાં સોંપવા માગતા નથી. આ કારણે તેમણે પુત્રીને ‘વીર્યશુલ્કા’ રાખેલ છે . સીતાને મેળવવા ઇચ્છતા પુરુષે પોતાનાં પરાક્રમની કિંમત ચૂકવવાની છે. એ કિંમત પેટે જેને અત્યાર સુધી કોઈ ઊંચકી પણ શક્યું નથી એવા મહાદેવના ધનુષને તોડવાનું છે.
સીતાનો અહીં બેવડો પરિચય મળે છે : જન્મની અસાધારણતા અને વિદેહરાજ એવા જનકને મન પોતાની અસાધારણ પુત્રીનું અસાધારણ મૂલ્ય. સીતાના આ પરોક્ષ પ્રવેશ સમયે એ અનુપસ્થિત છે ને છતાં એનું પાત્ર આ ક્ષણથી રાચક રીતે છવાઈ જાય છે.
રામ, સીતા માટે જનકે નક્કી કરેલું મૂલ્ય ચૂકવે છે ત્યારે પ્રસન્ન થઈને અભિનંદતા જનક પોતાની પુત્રી રામને પતિરૂપે મેળવીને ‘જનકવંશની કીર્તિનો વિસ્તાર કરશે’ એવી ખાતરી આપે છે. સીતાને મળેલું આ સૌથી પહેલું પ્રમાણપત્ર છે. જનક જેવા પિતા પાસેથી એ મળેલું હોઈ, એને અંતિમ પ્રમાણપત્ર પણ ગણી શકાય.
લગ્ન કરીને અયોધ્યામાં સ્થિર થયેલી, કિશોરવયની સીતાનાં ગુણલક્ષણો વર્ણવતા વાલ્મીકિ નોંધે છે : ‘સીતા રામને અત્યંત પ્રિય હતી, કેમ કે તે એના પિતા જનક દ્વારા રામના હાથમાં પત્નીરૂપે સોપાયેલી હતી; સીતાના પાતિવ્રત્ય અને સૌંદર્ય જેવા ગુણોથી રામનો એના પરેનો પ્રેમ ઉત્તરોત્તર વધતો રહ્યો હતો. જનકનંદિની સીતા રામના હાર્દિક અભિપ્રાયને પોતાના હૃદયથી જ વધારે સારી રીતે જાણી લેતી હતી અને સ્પષ્ટરૂપે વ્યક્ત પણ કરી દેતી હતી…!’ સીતા રામને પ્રિય હોવાનું પહેલું કારણ વ્યાવહારિક છે ને બીજું ને ત્રીજું એના ગુણોને કારણે છે. વિષમ પરિસ્થિતિમાં પગ મૂકતાં પહેલાંની સીતાનો આ પરિચય પછીની ઘટનાઓને સમજવામાં ભારે મદદરૂપ થાય છે.
કમળના બિસતંતુ જેવી કોમળ સીતા જીવનદર્શનની બાબતમાં અત્યંત સ્પષ્ટ છે. આ વાતનો પ્રથમ પરિચય રામના વનગમન સમયે થાય છે. વનમાં જતાં પહેલાં સીતાની રજા લેવા આવેલા રામ, સીતાને પરિસ્થિતિથી વાકેફ કરીને સીતાએ હવેના સંજોગોમાં રાખવાના વર્તન અંગે સલાહ આપે છે ત્યારે સીતાએ રામને આપેલો ઉત્તર પત્ની સીતાનો નહીં પણ વ્યક્તિ સીતાનો છે. નાયિકાની દીપ્તિમંત એવી આ ક્ષણોને ભારે પ્રસન્નતા અને વિવેકથી વાલ્મીકિએ મૂકી આપી છે : ‘પ્રિયવાદિની વિદેહકુમારી સીતાજી, જે સર્વ પ્રકારે સ્વામીનો પ્રેમ મેળવવા યોગ્ય હતી તે પ્રેમથી કંઈક નારાજ થઈને બોલી, ‘આપ મને ઓછી (સામાન્ય) સમજીને આ શું કહી રહ્યા છો ? આપની આ વાતો સાંભળીને મને હસવું આવે છે. તમે જે કહ્યું છે તે અસ્ત્ર-શસ્ત્રોના જ્ઞાતા વીર રાજકુમારને છાજે તેવું નથી; તેમજ અપયશ આપનારું હોઈ, સાંભળવા યોગ્ય પણ નથી. બધા સંબંધોમાં માત્ર પત્ની જ પતિના ભાગ્યનું અનુસરણ કરનારી છે. આથી મને પણ તમારી સાથે વનમાં રહેવાની આજ્ઞા મળી ગઈ છે. ઊંચા ઊંચા મહેલોમાં રહેવું, વિમાનોમાં ચડીને ફરવું કે અણિમા વગેરે સિદ્ધિઓ દ્વારા આકાશમાં વિચરવું – આ બધાં કરતાં સ્ત્રી માટે પતિનાં ચરણોની છાયામાં રહેવું વધારે મહત્ત્વનું છે.’ …
સીતાનાં આ વચનો તેને રામની કહ્યાગરી પત્ની નહીં પણ સમાનધર્મા તરીકે વ્યક્ત કરે છે. આ વચનોથી પણ આગળ વધીને રામને એ તારસ્વરે સમજાવતાં કહે છે, ‘મારે કોની સાથે કેવું વર્તન રાખવું એ વિષયમાં મારાં માતા-પિતાએ મને અનેક પ્રકારે શિક્ષણ આપ્યું છે. આથી એ વિષયમાં મને કોઈ શિક્ષણ આપવાની જરૂર નથી. તમે તો વનમાં રહીને બીજા લોકોની પણ રક્ષા કરી શકો છો તો પછી મારી રક્ષા કરવી એ તમારા માટે કઈ મોટી વાત છે ?… તમારા વિના મને સ્વર્ગનો નિવાસ પણ રુચશે નહિ. તમારો વિયોગ મારા માટે મૃત્યુને લાવનારો બનશે.’
સીતાના કથનના ઉત્તરમાં રામ ફરીથી વનનાં દુ:ખો વર્ણવે છે ત્યારે સીતાનો આ આખરી ઉત્તર છે કે “હુ જાણું છું કે વનવાસમાં અવશ્ય ઘણાં દુ:ખો પ્રાપ્ત થાય છે. એ જેનાં મન ને ઇન્દ્રિયો એના વશમાં નથી એને જ જણાય છે. હું આપની પત્ની છું, ઉત્તમ વ્રતને પાળવાવાળી ને પતિવ્રતા છું, તો પછી ક્યું કારણ છે જેથી અને સાથે લઈ જવા માગતા નથી ?’ આટલું કહ્યા પછી પણ રામ તેને સાથે લઈ જવા અંગે અનિચ્છા દર્શાવે છે ત્યારે ભાગ્યે જ પ્રતાપ દર્શાવતી સીતા રામને અટકમાં લેતાં કહે છે, ‘શું મારા પિતા વિદેહરાજ જનકને આપને જમાઈ તરીકે મેળવતી વખતે એ ખબર હશે કે આપ કેવળ શરીરથી જ પુરુષ છો, કાર્યથી તો સ્ત્રી છો ? તમે મને છોડીને ચાલ્યા જાવ ને અજ્ઞાનવશ સંસારના લોકો જો એમ કહે કે સૂર્ય સમાન તેજસ્વી રામમાં તેજ અને પરાક્રમનો અભાવ છે તો એમની અસત્ય ધારણા મારા માટે કેટલી દુ:ખની વાત બનશે ? …જેનો કૌમાર્યાવસ્થામાં જ તમારી સાથે વિવાહ થયો છે અને જે લાંબા કાળ સુધી તમારી સાથે રહી ચૂકી છે તેવી મારા જેવી સતી-સાધ્વી પત્નીને આપ સ્ત્રીની કમાણી ખાતા નટની જેમ બીજાના હાથમાં સોંપી દેવા માગો છો ? આપ મને જેની અનુકૂળ રહેવાની શીખ આપો છો ને જેને કારણે તમારો રાજ્યાભિષેક રોકાયો છે એ ભરતને વશ વર્તીને તમે જ રહો, હું નહીં રહી શકું.’
વાલ્મીકિએ જો આ વાક્યો નોંધ્યાં ન હોય તો એ સામાન્ય ભાવકે કલ્પેલી સીતાનાં વાક્યો હશે કે કેમ એવી શંકા ઊઠે. રાજ્ય ગયા છતાં પણ રામ તટસ્થ છે તો સીતાની અલિપ્તતા પણ કંઈ ઓછી નથી. રામ સાથેની આખીય વાતચીતમાં સીતાએ કયાંય પણ રાજ્યનો દશરથ કે કેકેયીનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી. એને તો સંબધ છે માત્ર રામની સાથે. સીતા સાથેની આ ક્ષણોમાં રામ પણ જાણે ઝંખવાઈ ગયા છે.
આ પ્રકારની સૌમ્ય ગરિમાને સીતાએ અવારનવાર પ્રગટાવી છે. વનવાસ દરમિયાન અત્રિપત્ની અનસૂયા સીતાને પતિવ્રતાનું પાલન કરવા ઉપદેશે છે ત્યારે અનસૂયાનું માન જાળવીને ઉત્તર આપતી સીતાનું ક્ષાત્રત્વ જોવા જેવું છે. વિનીતભાવે સીતા અનસૂયાને જણાવે છે, ‘આપ સંસારની સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છો. નારીનો ગૂરુ એનો પતિ જ હોય છે એ વિષયમાં આપે મને જે ઉપદેશ કર્યો એની મને પહેલેથી જાણ હતી. મારા પતિ અનાર્ય હોત તો પણ હું એમની સેવા કરત, ત્યારે રામની તો વાત જ ક્યાં છે. આ અંગે મારાં સાસુ કૌશલ્યાએ તેમ જ મારી માતાએ મને ઉપદેશ આપેલો જ છે !’
રામને ગુરુ માનતી સીતાએ જરૂ૨ જણાઈ છે ત્યારે રામને મૈત્રીભાવે કેટલોક ઉપદેશ પણ કર્યો છે. રાક્ષસોના વધ માટે રામને ઉદ્યત થયેલા જોઈને કરુણાર્દ સીતાએ રામને સલાહ આપતાં કહ્યું છે, ‘આપ મહાન પુરુષ છો તો પણ અત્યંત સૂક્ષ્મતાથી વિચારતાં આપ અધર્મમાં પ્રવૃત્ત ધયા છો. મિથાભાષણ, પરસત્રીગમન અને વેર વિના જ બીજા પ્રત્યે ફૂરતાભર્યુ આચરણ જેવા દોષોથી આપ મુક્ત છો, આપ જિતેન્દ્રિય છો પણ બીજાં પ્રાણીઓની હિસા કરવા ઉદ્યત થયા છો. આપના હાથમાં રહેલું ધનુષ આપને યૃદ્ધ કરવા પ્રેરશે જ. આથી પ્રેમ ને આદરને કારણે હું આપને જણાવું છું કે તમારે રાક્ષસોને મારવા જ જોઈએ. મન ને ઇન્દ્રિયોને વશમાં રાખનાર ક્ષત્રિયવીરો માટે સંકટમાં પડેલાં પ્રાણીઓ માટે જ ધનુષ ધારણ કરવું એ પ્રયોજન છે. ક્યાં શસ્ત્રધારણ ને ક્યાં વનવાસ ! ક્યાં ક્ષત્રિયોનો હિંસામય કઠોર ધર્મ ને ક્યાં બધાં પ્રાણીઓ પર દયા કરવારૂપ આ તપ – આ બધું પરસ્પરવિરુદ્ધ જણાય છે. અત્યારે આપણે દેશધર્મનું પાલન કરવું જોઈએ. કેવળ શસ્ત્રોનું સેવન કરવાથી મનુષ્યની બુદ્ધિ કૃપણ પુરુપો જેવી કલુષિત થઈ જાય છે. આથી આપ અયોધ્યા જઈને જ ફરી ક્ષાત્રધર્મનું અનુષ્ઠાન કરજો. રાજ્ય ત્યાગીને વનમાં આવી જવાથી આપ મુનિવૃત્તિથી રહો તો જ મારાં સાસુ-સસરાને અક્ષય પ્રસશ્નતા થશે… આ સંસારમાં ધર્મ જ સાર છે. ચતુર મનુષ્ય ભિશ્ન ભિન્ન વાનપ્રસ્થોચિત નિયમો હારા પોતાના શરીરને ક્ષીણ કરીને યત્નપૂર્વક ધર્મનું સંપાદન કરે છે. કારણ કે સુખદાયક સાધનોથી સુખના હેતુભૂત ધર્મની પ્રાપ્તિ થતી નથી.” આટલું કહ્યા પછી વિનગ્રતાપૂર્વક રામની સ્તુતિ કરતાં વાતને સમેટતાં એમ પણ કહે છે કે ‘આપને ધર્મનો ઉપદેશ આપવા માટે કોણ સમર્થ છે ? આપ આ વિષયમાં તમારા અનુજ સાથે બુદ્ધિપૂર્વક વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરો.’ રામે ઉત્તરમાં સીતાના વિચારને અભિનંઘો છે તેમ જ એની સરાહના પણ કરી છે. આ આખીય ઘટના રામ-સીતાનાં પ્રસન્ન ને મૈત્રીસભર દામ્પત્યનું સુઘડ ચિત્ર સ્પષ્ટ કરે છે.
પ્રેમ, પવિત્રતા, લજજા, ધૃતિ જેવા મહાન ગુણોની સ્વામિની એવી સીતા રામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે કરીને એક જ વાર એના કેન્દ્રમાંથી હલી ઊઠી છે. સુવર્ણમૃગનો વેશ ધારીને આવેલા મારીચની પાછળ રામને મોકલ્યા પછી લક્ષ્મણના નામથી મારીચે પાડેલી બૂમથી ચિંતિત થયેલી વૈદેહી લક્ષ્મણને ન કહેવાનાં વચન કઢી બેસે છે. વાલ્મીક્રિએ આ ક્ષણે તેને “ક્ષુબ્ધ’ જણાવી છે. રામ પ્રત્યેનો તેનો પ્રેમ એને મોહમાં ખેંચી ગયો છે.
સીતાના જીવનમાં થોડી વાર માટે આવેલી આ વિક્ષુબ્ધતાએ એનાં પછીનાં જીવનને છિન્નભિન્ન કરી નાખ્યું છે. રામનો બે વખતનો વિરહ તેને માટે ભોગવવાનો આવ્યો છે. પણ આ ક્ષણોને સીતાએ પોતાનાં સ્વભાવગત સ્થૈર્યથી ઓળંગી લીધી છે. પરિણામે રાક્ષસ રાવણ પણ તેનું કંઈ બગાડી શક્યો નથી.

અશોકવનમાં સીતા – ચિત્રઃ રાજા રવિ વર્મા
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીરામનું દૂતત્વ કરવા ગયેલા હનુમાન, જેમને વાલ્મીકિએ ‘બુદ્ધિમતાં વરિષ્ઠમૂ’ તરીકે ઓળખાવ્યા છે તેઓ પણ સૌતાને જોઈ દુઃખમિશ્રિત આદરથી આંદોલિત થાય છે. હનુમાન જૂએ છે આવી સીતાને મલિન વસ્ત્રોમાં રાક્ષસીઓથી ઘેરાઈને બેઠી હતી. ઉપવાસને કારણે દુર્બળ અને દીન દેખાઈ રહો હતી; શુક્લ પક્ષના આરંભ જેવી ચન્દ્રની કળા જેવી નિર્મળ ને ફશ દેખાતો હતી; ધુંધળી સ્મૃતિના આધારે થોડીક ઓળખાણથો દેખાતા એના રૂપથી એની સુંદર પ્રભા વિખરી રહી હતી અને ધુમાડાથી ઢાંકેલા અગ્નિ જેવી દેખાતી હતી …. એ સુખ ભોગવવાને યોગ્ય હતી પણ દુઃખથી સંતપ્ત થઈ રહી હતી. રામની સેવામાં રુકાવટ આવવાથી વ્યગ્ર થઈ રહી હતી. ‘ આવી સીતાને જોતાં હનુમાનને રામનું ભાગ્ય પ્રશંસનીય જણાય છે. આવી અનુપમ પત્ની વિના રામ જીવી શકે ચે ઘટના હનુમાનને સુરક્ષિત ચિંત્ય જણાય છે. સુંદર નેત્રોવાળી સીતા પોતાના શીલથી સુરક્ષિત છે એવું જાણીને હનુમાન મનોમન સીતાનું અભિવાદન કરે છે.
હનુમાનને સીતાનો પહેલો પરિચય તેના બાહ્ય દેખાવથી થયો છે. તો તેનો બીજો પારિચય રાવણ સાથે સીતાની થયેલી વાતચીતથી થયો છે આ પરિચય હનુમાન જેવા તાકિક પુરુષને વધુ સ્પર્શી જાય છે. સોતાને મનાવવા આવેલા રાવણ સાથે પવિત્ર હાસ્યવાળી સીતા તણખલાને આડશ રાખી વાત કરે છે. આ આખીય વાતચીત ક્ષત્રિયાણી સીતાને, રાજરાણો સીતાને છાજે તેવી છે. રાવણને સૌમ્યતાપૂર્વક સમજાવતાં સૌતાએ તેને આત્મીયજનોને પ્રેમ કરવા જણાવ્યું છે. પોતાનું માહાત્મ્ય પ્રગટ કરતાં સીતા જણાવે છે કે, “જેમ પાચારી પુરુષ સિદ્ધિઓની ઈચ્છા કરી શકતો નથી તેમ તું મારી ઇચ્છા કરવા યોગ્ય નથી… હું સતી અને પરકી સ્ત્રી છું. જેમ તારી સ્ત્રીઓ તારાથી રક્ષણ પામે છે તેમ બોજાઓની પણ તારે રક્ષાકરવી જોઈએ . તું તારી જાતને આદર્શ બનાવીને તારી જ સ્ત્રીઓમાં અનુરક્ત રહે. જે પોતાની સ્ત્રીઓથી સંતુષ્ટ રહેતો નથી તેની બુદ્ધિ ધિક્કારવા યોગ્ય છે. એવા ચપળ ઈન્દ્રિયોવાળા ચંચળ પુરુષને પરસ્ત્રીઓ હરાવે છે.”
રાવણની ચિંતા કરતી કલ્યાણી સીતા તેને પૂછે છે કે “શું તારે ત્યાં સત્પુરુષો રહેતા નથી કે રહેતા હોવા છતાં તું એને અનુસરતો નથી જેથી કરોને તારી બુદ્ધિ આવી આચારશૂન્ય થઈ ગઈ છે ?… જેનું મન સદુપદેશને ગ્રહણ કરતું નથી એવા રાજાના હાથમાં પડીને મોટાં મોટાં સમૃદ્ધિશા રાજ્યો ને નગરો નષ્ટ થઈ જાય છે .આથી આ રત્નરાશિથી પૂર્ણ એવી લંકા તારા હાથમાં આાવીને માત્ર તારા અપરાધથી ઝડપથી નષ્ટ થઈ જશે.”
આટલું કહ્યા પછી પોતાની ગરિમા પ્રગટ કરતાં સીતા સ્પષ્ટ થઈને કહે છે, “જેમ પ્રભા સૂર્યથી અલગ નથી તેમ હું રઘુનાથથી અભિન્ન છું. ઐશ્વર્ય કે ધનથી તું મને લોભાવી નહીં શકે. શ્રીરામની સમ્મનિત ભુજાઓ પર માથું રાખનારી હું બીજાઓના હાથનો તકીયો કેમ કરી શકું? જેમ વેદ વિદ્યા આત્મજ્ઞાની બ્રાહ્મણની જ સંપત્તિ છે તેમ હું કેવળ એ પૃથ્વીપતિ રામની ભાર્યા થવાજ યોગ્ય છું. તારા માટે એજ યોગ્ય છે કે વનમાં સમાગમની ઈચ્છાવાળી હાથણીને જેમ કોઈ હાથી સાથે મેળવી દે તેમ તું મને દુઃખિયાને રામ પાસે પહોંચાડ. જો તને તારી રક્ષા અને દારૂણ બંધનથી બચવાની ઈચ્છા હોય તો તરે રામને મિત્ર બનાવી લેવા જોઈએ. એનાથી વિપરિત કરતાં તું ભારે વિપત્તિમાં મુકાશે. ”
સીતાનાં આવાં આવેગરહિત છતાં સ્પષ્ત વિધાનોથી ગુસ્સે થયેલો રાવણ સીતાને મારી નાખવાની ધમકી આપે છે. ત્યારે વિહ્વળ થયા વિના વિહ્વળ થયા વિના જણાવે છે કે, “મારુ તેજ તને ભસ્મ કરવા માટે પૂરતું છે. માત્ર શ્રીરામની આજ્ઞા ન હોવાને કારણે તેમ જ મારી તપસ્યાને સુરક્ષિત રાખવાના વિચારથી જ હું તને ભસ્મ કરતી તથી. હું મતિમાન શ્રીરામની પત્ની હોઈ, મને હરવાની તારામાં શક્તિ જ નહોતી. નિ:સંદેહ તારા વધને માટે જ વિધાતાએ આ વિધાન રચ્યું છે.’
રાવણ સાથે સીતાની આટલી વિસ્તૃત વાતચીત પહેલી ને છેલ્લી વારની છે, જે હનુમાનની ઉપસ્થિતિમાં થયેલી છે. સીતાની ભાષામાં રહેલી શાલીનતા, સ્વગૌરવ છતાં દુશ્મનનું પણ માન જાળવવાની વૃત્તિ, રોષનો અભાવ ને નારીત્વને જાળવવાની તેની આવડત હનુમાનને નતમસ્તક બનાવે છે. હનુમાન સીતા સમક્ષ પોતાનું મૂળ રૂપ પ્રગટ કરે છે ત્યારે સીતા એમનું સ્વાગત કરતાં કહે છે, ” તમને આત્મજ્ઞાની ભગવાન રામે મોકલ્યા છે તો અવશ્ય મારે માટે તમે વાતચીત કરવા યોગ્ય છો. દુર્હર્ષ વીર એવા રામ મારી પાસે એવા કોઈ પુરુષને ન જ મોકલે જેનાં પરાક્રમને તેઓ ન જાણતા હોય તેમ જ જેમના શીલ-સ્વભાવની તેમણે પરીક્ષા કરી ન હોય.’
સીતાના વિલાપથી દ્રવિત થયેલા હનુમાન સીતાને પોતાની સાથે લઈ જવા જણાવે છે ત્યારે વિવેકમૂર્તિ સીતા હનુમાનને અન્યાય ન થાય એ રીતે જણાવે છે, “તમારી શક્તિ હું જાણું છું. પણ તમારી સાથે આવવું કોઈ પણ દષ્ટિએ ઉચિત નથી. કારણ કે તમારો વેગ વાયુ સમાન છે. એ મને મૂર્છિત પણ કરી શકે. તમારી પીઠ પરથી હું નીચે પણ પડી શકું. રાવણ તમારો પીછો કરે તો તમારે લડવું પણ પડે.”
હનુમાનનાં પરાક્રમને આટલી દાદ આપ્યા પછી સીતા બે મહત્ત્વની વાત કરતાં એનું બુદ્ધિમાન વ્યક્તિત્વ પ્રગટાવે છે. તેને મતે હનુમાન બધા રાક્ષસોનો વધ કરે તો રામના યશને વિઘ્ન નડે. વળી પતિવ્રતા નારી હોવાથી શ્રીરામ સિવાય બીજા કોઈ પુરુષને સીતા સ્વેચ્છાએ સ્પર્શ કરવા માગતી નથી. રાવણનો સ્પર્શ તો બળાત્કારે થઈ ગયો છે. સીતાની આટલી સ્પષ્ટતાથી બૃદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા હનુમાન સીતાના પાત્રને સાદર અભિવંદે છે. સીતાનું આ દર્શન હનુમાનને મતે રામની ધર્મપત્નીને અનુરૂપ છે.
સીતા, દુશ્મનને પણ પેમ કરવાનું, આદર આપવાનું મન થાય એવી શુદ્ધ આાચારપિષ્ઠ સ્ત્રી છે. આથી જ, રાવણના મૃત્યુ પછી વિલાપ કરતી મંદોદરી રાવણના મૃતદેહને અનુલક્ષીને જણાવે છે, ‘ભગવતી સીતા અરુન્ધતી અને રોહિણીથીયે વધારે પતિવ્રતા છે. એ વસુધાની વસુધા અને શ્રીનીયે શ્રી છે. પોતાના સ્વામી પ્રત્યે અનુરક્ત અને સૌની પૂજનીયા એવી દેવી સીતાનો તિરસ્કાર કરીને તમે ભારે અનુચિત કર્મ કર્યું છે. એને પામવી તો દૂર રહી, ઊલટું એ પતિવ્રતાની તપસ્યાથી તમે બળીને ખાખ થઈ ગયા. આશ્ચર્ય તો એ વાતનું છે કે એનું અપહરણ કરતી વેળા તમે બળીને રાખ કેમ ન થઈ ગયા ?’ રાવણપત્ની હોવાને નાતે મંદોદરી સીતાની ઈર્ષા કરે એવા નિરૂપણની આપણને અપેક્ષા હોય. પણ સીતાના ચારિત્ર્યની સુવાસ એના વિરોધીને પણ પુલકિત કરી દે તેવી સક્ષમ છે.
રાવણના મૃત્યુ પછી રામે પહેલાં તો સીતાને હનુમાન દ્વારા માત્ર યુદ્ધમાં મળેલા વિજયની સૂચના જ પહોંચાડી છે. આ ક્ષણે સીતાએ પણ રામને મળવાની કોઈ ઉતાવળ કે ઉત્સાહ દર્શાવ્યાં નથી. ઉત્સાહના અતિરેકની આ ક્ષણને સીતા ભારે માવજતથી જાળવી લે છે.
સીતા પાસે આવેલા હનુમાન સીતાના પાતિવ્રત્યની જ જીત જાહેર કરીને સીતાને હેરાન કરનાર રાક્ષસીઓને મારી નાખવા ઇચ્છે છે. પણ રાજનીતિ તેમ જ ધર્મને જાણનારી સીતા ઔચિત્યને દર્શાવતાં હનુમાનને વારે છે. તેને મતે આ રાક્ષસીઓ રાજાને અધીન હતી. સાધુપુરુષનું કામ માત્ર સદાચારની રક્ષા કરવાનું જ છે એવું માનતી સીતા મનુષ્યનાં મનને બરોબર જાણે છે. “એવું કોઈ પ્રાણી નથી જેનાથી કોઈ અપરાધ ન થાય’ એવું કહીને સીતાએ સમત્વની ચરમ કોટિ અહીં પ્રેગટ કરી છે.
અગાઉ, સીતાએ ક્ષુબ્ધાવસ્થામાં કરેલી લક્ષ્મણની અવમાનનાનો ઉત્તર વાળતા હોય તેમ રામે સીતાને બોલાવી મંગાવ્યા પછી ભરી સભા વચ્ચે સીતાનો ઉપાલંભ કર્યો છે. સીતાને છોડાવવા પાછળ કુળની કીર્તિને સાચવવાનો જ ઇરાદો છે એમ કહેતા રામ કઠોર થઈને સીતાને અન્ય જગાએ, અન્ય વ્યક્તિ પાસે સ્થિર થવા જણાવે છે. સીતા પરપુરુષ પાસે રહેલી છે તેથી રામને માટે ત્યાજ્ય છે એવું જાહેર કરેતા રામને જોઈને સીતા જરા પણ ખળભળ્યા વિના સૌમ્યતાપૂર્વક આંખ ઉઠાવે છે. આ ક્ષણની સીતામાં પૃથ્વીતત્ત્વની સૌમ્યતા જાળવાઈ છે તો વિદેહ જનકના લાલનપાલનથી કેળવાયેલી સમજ અને તેની અભિવ્યકત કરવાની ક્ષમતા એનાં દીપ્તિમંત પાત્રને સંપૂર્ણતં ઉઘાડે છે. રામને એ સવિનય જણાયે કે : “આપ આવી કઠોર, અનુચિત, કર્ણકટુ, રૂક્ષ એવી વાત મને શા માટે સંભળાવો છો? જેવી રીતે કોઈ નિમ્ન શ્રેણીનો પુરુષ કોઈ નિમ્ન શ્રેણીની સ્ત્રીને ન કહેવા જેવી વાતો પણ કહે છે તેમ આપ પણ મને કહો છો. નીચ સ્ત્રીઓનું આચરણ જોઈને સમસ્ત સ્ત્રી જાતિ પર સંદેહ કરતા હો તો એ અનુચિત છે. જો તમે મને ઓળખી હોય તો આ સંદેહને મનમાંથી કાઢી નાખજો …. આપણો અનુરાગ સાથે સાથ એવધ્યો છે. છતાંય આપ મને ન ઓળખી શક્યા હો તો એ મારૂં દુર્ભાગ્ય છે. હનુમાનને મોકલ્યા ત્યારે જ મારો ત્યાગ કર્યો હોત તો તમે જીવને જોખમમાં મુકીને કરેલો યુદ્ધનો વ્યર્થ પરિશ્રમ તમારે કરવો ન પદત. આપના મિત્રોને પણ અકારણ કષ્ટ ન પડત. રાજા જનકની યજ્ઞભૂમિમાં જન્મી હોવાથી હું ‘જાનકી’ તરીકે ઓળખાઉં છું. વાસ્તવમાં મારી ઉત્પત્તિ થઈ નથી.હું ભૂતળમાંથી પ્રગટી છું. મારી આ વિશેષતાને તમે લક્ષમાં લીધી નથી. બાલ્યાવસ્થામાં તમે કરેલું મારૂં પાણિગ્રહણ, મારી તમારા પ્રત્યેનો ભક્તિ ને શીલને પણ તમે ધ્યાનમાં લીધું નથી’. અહીં ભરી સભામાં સીતાએ રામનાં આવાં કઠોર ને અનુચિત વચનો સાંભળવાં પડ્યાં એ નહિં પણ પોતાનાં ચારિત્ર્યનું પ્રમાણ આપવું પડ્યું એ ઘટના કરૂણનો વિભાવ બને છે.
પૂર્વજીવનમાં આવી અનેક કરૂણતાઓને સમાવતી સીતાને કાળે અંત લગી છોડી નથી. મહારાણી બનેલ સીતા પર લોકોને સંદેહ છે. ઉમદા એવી પત્ની પર ચારિત્ર્ય વિસે આવેલા અક્ષેપોથી વિહ્વળ બનેલા રામ, સીતાને છોડવાનો નિર્ણય કરે છે. સીતાને મળ્યા વિના જ, લક્ષ્મણની સાથે તેને વનમાં મોકલતા રામ બહારથી તેનો ગર્ભાવસ્થાનો દોહદ પૂરો કરવાનું જણાવે છે. પરિસ્થિતિથી અજાણ એવી સીતા જતી લક્ષ્મણને પોતાને થતાં અપશુકનો વિશે જણાવે છે ત્યારે પણ કલ્યાણનો કામના કરવાનું ચૂકતી નથી. જતાં જતાં એ રામનું, સાસુઓનું ને પ્રજાનું કલ્યાણ ઇચ્છે છે.
અહીં એક રીતે જોતાં જે કામ રાવણે કરેલું તે જ પ્રજાસે દોહરાવ્યું છે એવું સ્પષ્ટ રીતે જણાય પણ કલ્યાણમયી સીતાએ રાવણ ને પ્રજા બંનેને શુભ ભાવનાઓની ભેટ જ આપી છે. સીતા સત્યની ધારક છે એનો આ એક ૪ પુરાવો પૂરતો છે.
લક્ષ્મણના મુખેથી રામે કરેલા પોતાના ત્યાગની વાત સાંભલીને સીતા પાસે બે પ્રશ્નો છે. તેનો કોઈ ઉત્તર કદાચ વાલ્મીકિને પણ સાંપડ્યો નહિ હોય. લક્ષ્મણને એ કહે છે, મુનિજન મને પૂછશે કે રામે કપા અપરાધથી મારો ત્યાગ કર્યો છે, ત્યારે હું શો જવાબ આપીશ ? મારો કયો અપરાધ દર્શવીશ ? આમ તો હું ગંગાજળમાં મારો દેહ અર્પણ કરી દેત; પણ એવું ય કરી રાકું તેમ નથી કેમ કે રામનો વંશ મારા પેટમાં છે.’ આ ક્ષણે પણ રામ પ્રત્યેના તેના કર્તવ્યથી એ પૂરી સજાગ છે.
વિલાપ કરતા ને ક્ષમા માગતા લક્ષ્મણને એ શાંતિથી આશ્વાસન આપતાં જણાવે છે કે લક્ષ્મણનું અત્યારનું કર્તવ્ય ‘મહારાજ ‘ રામની આજ્ઞા પ્રમાણે સીતાને ત્યજવાનું જ હોઈ શકે. લક્ષ્મણનો તો કોઈ અપરાધ સીતા માની જ કેવી રીતે શકે ?
સૌમિત્રિ સાથે રામને સંદેશો આપતાં સ્વગોરવને સાચવી લેતાં સીતા જણાવે છે, “તમે તો મારી શુદ્ધિને જાણો જ છો. પણ અપયશથી ડરીને તમે મને ત્યાગી છે. મારે કારણે જે અપવાદ ફેલાયો તેને દૂર કરવાની મારી પણ ફરજ છે. તમે સાવધાનીપૂર્વક પ્રજાજનો સાથે ભાઈઓ જેવો જ વ્યવહાર કરજો.’ આ ક્ષણે સીતા રામની પ્રિયતમા બની જાય છે. પતિનો વિશ્વાસ તેના માટે એટલો બળવાન છે કે પ્રજાના મતની તેને પડી નથી. એનો વિલાપ રામથી દૂર થવાનો છે, લોકાપવાદનો તો એ ન જ હોઈ શકે.
સત્યના કઠોર માર્ગની ચિર પ્રવાસી સીતાની આ વિષમ ક્ષણોમાં દોડતા આવેલા ઋપિ વાલ્મીકિ જાણીને તેને “પતિવ્રતા’નું સંબોધન કરે છે. આશ્રમની મુનિપત્નીઓને સીતાની સોંપણી કરતાં યથાર્થ રીતે જ વાલ્મીકિએ સીતાની ઓળખ આપતાં કહ્યું છે, “મારા કહેવાથી અને વધારે તો પોતાના ગૌરવથી જ સીતા તમારા સાટે વિશેષ આદરણીય છે.”
દ્રૌપદીના જીવનમાં બનેલી વસ્ત્રાહરણની ભીષણ ઘટના કરતાંયે સીતાના જીવનની અંતિમ ક્ષણો વધારે ભીષણ જણાય છે. અશ્વમેધ યજ્ઞ કરતા રામના દરબારસાં આવેલા વાલ્મીકિ સમક્ષ રામ સીતાને ફરીથી ભરી સભા વચ્ચે સતીત્વનું પ્રમાણ આપવા જણાવે છે. આ ક્ષણે રામાયણના આરંભે ક્રૌંચવધથી વિક્ષિપ્ત થયેલા વાલ્મીકિની એ ક્ષણ પુનરાવર્તિત થાય છે. આરંભે નિષાદ પ્રતિ શાપવાણી ઉચ્ચારતા આ ઋપિ એ શાપવાણીને પોતા ઉપર લઈને કહી બેસે છે, “આ સીતા ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળી ને ધર્મપરાયણા છે. આપે લોકાપવાદથી ડરીને મારા આશ્રમ પાસે તેને છાડેલી. આ લવ-કુશ તમારા જ પુત્રો છે. હું પ્રચેતા(વરુણ)નો દસમો પુત્ર છું. મારા મોઢેથી કદી અસત્ય નીકળતું નથી. જો સીતામાં કંઈ દોષ હોય તો મારી હજારો વર્ષની તપસ્યાનું મને કળ ન મળો. જો એ નિર્દોષ હોય તો મારાં પાપશૂન્ય કર્મોનું ફળ મને મળો. મેં મારી દિવ્યશક્તિથી એ જોઈ લીધું છે કે સીતા ભાવ અને વિચારથી પવિત્ર છે. એટલે જ એ મારા આશ્રમમાં પ્રવેશ પામી શકી છે. તમને પણ એ પ્રાણથીયે પ્રિય છે. તમે જાણો છો કે એ શુદ્ધ છે પણ લોકાપવાદના ડરથી કલુષિત ચિત્ત થઈને તમે એને ત્યાગી છે.’
રામાયણનો આરંભ ને અંત અન્ય વ્યક્તિએ કરેલી નિર્દોપની હત્યા પર આવીને એક બને છે. સીતાને કારણે આખીય કૃતિ ટ્રેજેડી કરતાંય વધુ તો પચાવી શકાય એવી શુદ્ધતમ વાસ્તવિક કૃતિ બનીને અટકે છે.
સભાની મધ્યમાં બીજી વાર થયેલા અપમાનની આ ક્ષણે સીતાએ કોઈ જ પ્રતિભાવ આપવાનું પસંદ કરવાને બદલે નિર્ણાયક થવાનું ઉચિત માન્યું છે. હંમેશાં રામની આજ્ઞામાં રહેલી સીતાએ આ ક્ષણે સ્વતંત્ર નિર્ણય લઈને પોતાની શુદ્ધિના પ્રમાણ તરીકે મૃત્યુનું આહ્વાન કર્યું છે. જે પૃથ્વીએ તેને જન્મ આપ્યો છે તે જ પૃથ્વીએ તેને સમાદરપૂર્વક અંતિમ આશ્રય આપીને મૃત્યુ બક્ષ્યું છે. યજ્ઞભૂમિના શોધનની ક્ષણે પ્રગટેલી સીતાનો જીવનયજ્ઞ આ ક્ષણે મૌનપૂર્વક સમેટાયો છે. જાતનું શમન કરતી સીતા મૃત્યુક્ષણે રામથી પણ જાણે તટસ્થ બની છે. અયોનિજા હોવાને નાતે એને માતાપિતા તો નથી જ, અંતે પતિ ને પુત્રોને પણ એણે કર્ણનાં કવચ-કુંડળની જેમ અલગ કરી નાખ્યા છે.
સીતાની નિર્વાણક્ષણ રામાયણના ધીરોદાત્ત નાયક રામને માટે પણ એમના જીવનયજ્ઞની ચરમ ક્ષણ છે. રામનું અપાર મહિમાવંત ચરિત્ર છતાં સીતા અંતે પતિના મહિમાનું અતિક્રમણ કરતી સાબિત થાય છે. રામાયણનો અંત સીતાની દીપ્તિવંત પ્રતિભાને લઈને સદ્-અસદ્નીયે પાર જઈને આવતો લાગે છે. ને તેથી જ, બાહ્ય રીતે કરુણ એવી કૃતિ ઉપશમની બનીને વિરમે છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૩
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
“ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આ લેખમાળામાં આજથી આપણે રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરવાની શરૂઆત કરીશું.
આમ તો ગુરુદેવે કળા અને સાહિત્યના અનેક આયામો સર કર્યા છે પણ બહુમુખી પ્રતિભા ધરાવતા ગુરુદેવ હંમેશા કહેતા કે “আমি কবি” અર્થાત પ્રથમ હું એક કવિ છું. જે પારદર્શિતાથી તેમની સંવેદનાઓની અભિવ્યક્તિ તેમની કવિતામાં અને ગીતોમાં થયેલી જણાય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું ચોક્કસ લાગે કે આટલી સચોટ અભિવ્યક્તિ માત્ર એક કવિ હૃદય જ કરી શકે.
ગુરુદેવને સતત એવું લાગ્યા કરતુ કે કોઈક અણદીઠી ચેતના, કોઈક અગમ્ય શક્તિ તેમને સર્જન કરવા પ્રેરી રહી છે. આ દિવ્ય શક્તિથી અભિભૂત થઇ ગુરુદેવ કહેતા કે મારી સર્જનાત્મકતા એ “મારી” નથી પણ આ દિવ્ય શક્તિ મને હાથ પકડીને કરાવી રહી છે. તેમના માટે એ દિવ્ય શક્તિ, એ પરમ ચેતના તેમની સર્જનત્મકતાની ધરોહર હતી. એ પરમ ચેતનાને ઉદેશીને અને એ ચેતના માટેની ગુરુદેવની સંવેદનાઓને પ્રદર્શિત કરતી બધીજ રચનાઓનો સમાવેશ ગીતબિતાન પુસ્તકના પૂજા વિભાગમાં થયો છે. ગુરુદેવના ગીતોમાં રહેલા ભાવના ઊંડાણને સમજવાની મારી કોઈ પાત્રતા નથી તે છતાંય ગીતબિતાન લેખમાળાના હવે પછીના ૬-૮ભાગમાં આપણે આ પૂજા વિભાગમાંથી ચૂંટેલી કવિતાઓ માં રેલાતી સંવેદનાઓનું આચમન કરવાનો પ્રયત્ન કરીશું.
આજે આપણે પૂજા પારજોયમાં વર્ગીકૃત થયેલી એક ખુબજ સંવેદનશીલ કવિતા જેની રચના ગુરુદેવે 1914 માં કરી હતી અને તેનું શીર્ષક છે আমার হিয়ার মাঝে লুকিয়ে ছিলে Aamar hiyar maajhe lukiye chhile અર્થાત “ભીતરે મારી રહ્યો, વાસ તમારો…” માં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાનું સ્વરાંકન રાગ પીલુ પર આધારિત છે અને તેને એકતાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે.
ભીતરે મારી રહ્યો, વાસ તમારો…
ભીતરે મારી રહ્યો વાસ સદા તમારો
સહવાસ તમારો મને ન ઓળખાયો
ખૂંદી વળ્યો એકેએક મંદિરો મઝારો
મારા અંતરનો મારગ મુજથી ભુલાયોમુજ પર વરસતી હેતની હેલી મહી
કૃપાનો મેહ તમે જ તો વરસાવ્યો
મુજ આશા-નિરાશાને આંગણીયે
પડછાયો તમારો જ નિત્ય અંકાયો
ધબકી રહ્યા તમે શ્વાસ થઇ મારો
બસ,ભાસ તમારો મને ન પરખાયોમારી ખુશીઓના ખુલ્લા ખજાનામાં
નિત તમારા સ્મિતનો પડઘો ઝીલાયો
મારી અવળી સવળી થતી બાજીમાં
નિત તમારી રમતનો દાવ ખેલાયો
અંતરે રહી તમે કરતા રહ્યા પોકારો
બસ ,સાદ તમારો મને ન સંભળાયોમારા રુદિયાના ઊંડા કોતરો મહી
પગલાંનો પગરવ તમારો પરખાયો
આર્તનાદ ભરેલા મારા ગીતો મહી
બસ, ફક્ત તમારો જ સૂર રેલાયો
બિરાજી ભીતરે, કરતા રહ્યા તમે ઈશારો
બસ, ઈશારો તમારો મને ન સમજાયો©અલ્પા શાહ
એ પરમ ચેતના, એ દિવ્ય શક્તિને ઉદબોધીને ગુરુદેવ આ કવિતામાં પોતે પોતાની ભીતર વસેલા પરમાત્માને નિહાળી શકવાની અસમર્થતા નમ્ર અને દીન ભાવે રજુ કરે છે. આ દીનતાના ભાવને ઘેરો કરતા આગળ ગુરુદેવ લખે છે કે, જીવનમાં અનુભવાતા પ્રત્યેક આશા-નિરાશા, હાર-જીત, આનંદ-વિશાદમાં એ દિવ્ય શક્તિની હાજરી હતી, જેની અનુભૂતિ કરવામાં તેઓ અસમર્થ નીવડ્યા. આમ જોવા જઈએ તો આ ગીતમાં ગુરુદેવ એક કબૂલાત(confession) કરે છે. આ દીનતા અને અસમર્થતાનો ભાવ અને કબૂલાત કરવાની તાકાત જયારે આપણો અહં બાજુમાં મૂકીએ ત્યારેજ ઉદ્ભવે. આધ્યાત્મિક માર્ગની સીડી પર લાંબી સફર કાપ્યા પછી જ આવો ભાવ હૃદયમાં પેદા થાય. ગુરુદેવ પોતે તો એક સિદ્ધ આધ્યાત્મિક કવિ (Spiritual Poet) હતા અને કદાચ એટલેજ તેમને તેમની સંવેદનાઓને આટલી પારદર્શિતા થી અહીં રજુ કરી છે.
મારા, તમારા સૌના હૃદયના ઊંડાણમાં એ દિવ્ય ચેતનાનો વાસ છે પણ કદાચ રાગ દ્વેષ અને મોહ કેરા પડળોની નીચે દટાયેલી એ ચેતનાની જ્યોતને આપણે અનુભવી નથી શકતા. આ સમગ્ર સૃષ્ટિમાં આપણાથી સૌથી નિકટ એ દિવ્ય પરમ શક્તિ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભગવદ્દ ગીતાના નીચેના શ્લોકમાં અર્જુનને કહે છે તેમ
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित: |
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च || 20||પરમાત્માનો વાસ દરેક દરેક આત્મામાં રહેલો છે. અને આ પરમશક્તિ એજ સર્વનો આદિ, મધ્ય અને અંત છે. જેમ ગુરુદેવે આ કાવ્યમાં લખ્યું છે તેમ પ્રભુને કોઈ મંદિરમાં શોધવાની જરૂર જ નથી, માત્ર આપણી ભીતર જ ઝાંખવાની જરૂર છે. એ પરમ ચેતના આપણા સૌમાં પ્રત્યેક શ્વાસ બનીને ધબકે છે, એ તો આપણા રોમેરોમમાં વણાયેલો છે અને આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અને સંવેદનોનો કર્તા-હર્તા છે, બસ જરૂર છે માત્ર એને અનુભવવાની, એની સાથે તાદામ્ય સાધી એકરૂપ થવાની અને તેના મય બની જવાની…. અને જે દિવસે એ પરમ ચેતના ભીતરથી વિલીન થશે ત્યારે આ શ્વાસની ધમણ અટકી જશે અને માત્ર આ શરીરરૂપી ખોળિયું રહી જશે.
સો વર્ષથી વધારે સમય પહેલા રચાયેલી આ રચનાને ઘણા બધા પ્રખ્યાત બંગાળી કલાકારોએ પોતાનો સ્વર આપ્યો છે અને હજુ આજે પણ, બંગાળી ભાષાની કોઈ પણ સમજ ન હોય તે છતાંય આ રચનાનો એક એક શબ્દ આપણા હૃદય સોંસરવો ઉતરી જાય તેવું સુંદર સ્વરાંકન ગુરુદેવે કરેલ છે.. રબીન્દ્રસંગીતની એક ખાસિયત એ છે આ બધીજ રચનાઓને આધુનિક સમય દરમિયાન પણ તેના મૂળભૂત સ્વરાંકન પ્રમાણે જ ગાવામાં આવે છે (થોડી ઘણી વાદ્યોની છૂટછાટ ને બાદ કરતા)
તો ચાલો, આ ગીતના મુખડાંને માણતા માણતા આપણી ભીતર નજર કરીને એ પરમ શક્તિને ઓળખવાનો પ્રયત્ન કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારામાર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ….
