મનોજખંડેરિયા–જુલાઈ૬, ૧૯૪૩
અવિનાશવ્યાસજુલાઈ૨૧ ૧૯૧૨ અને
ઉમાશંકરજોશી–જુલાઈ૨૧૧૯૧૧
ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા એટલેગુજરાતીગઝલનુંગિરિશિખરઃ
કવિ શ્રી ઉમાશંકરજોશી એટલે જેમની લેખિનીનો પારસ જ્યાં અડે એ સોનું થઈ જાય એવા યુગદ્રષ્ટા કવિ.. અને અવિનાશ વ્યાસ એટલે જેમણે સંગીતની કંકાવટીમાં કલમને બોળીને, ગુજરાતના વિશાળ ભાલે અણમોલ ગીતોના ચાંદલા કર્યાં છે તે કવિ અને સંગીતકાર.
હ મણાં જ એક સોજ્જો અવસર સયાજીનગરી વડોદરામાં ઊજવાઈ ગયો: એમ. એસ. યુનિવર્સિટીના અધ્યાપક યુનિયનના પૂર્વ અગ્રણી અને સેનેટ-સિન્ડિકેટ પર રહેલા સક્રિય જણ, પ્રોફેસર આઈ. આઈ. પંડ્યાના સંસ્મરણો ‘મેજર હિન્ટ્સ’ના ગુજરાતી અનુવાદના પ્રકાશનનો એ પ્રસંગ હતો. કેવળ એની જ નહીં પણ ગુજરાતના એકંદર અધ્યાપક આંદોલન આસપાસનીયે થોડીકેક વાતો આજે અહીં કરવાનો ખયાલ છે.
૧૯૭૩-૭૪નાં વરસોમાં નવનિર્માણ આંદોલન અને છાત્રો સાથે અધ્યાપકી સહયોગિતાનાંયે સ્મરણો ઉભરાઈ આવે એ સહજ હતું અને છે. નવનિર્માણનો યુવા ઉદ્રેક, એના થોડાં વરસ આગમચની યુરોપી-અમેરિકી છાત્ર હિલચાલ જોતાં સ્ટુડન્ટ પાવરનો એક દબદબો લઈને આવ્યો હતો. પરિવર્તનના ઓજાર તરીકે વયસંઘર્ષ, રિપીટ, વયસંઘર્ષની હર્બર્ટ માર્કુઝ કીધી માંડણી હતી તો ‘યૂથ ફોર ડેમોક્રસી’ના જેપી દીધા સૂત્રનીયે હવા હતી. નવનિર્માણના પ્રથમ પ્રસ્ફોટ સાથે અધ્યાપક આંદોલન પણ હતું. પણ કોંગ્રેસે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત આપ્યા તે સાથે અધ્યાપકોના એક હિસ્સાએ ‘નવ દો ગ્યારા’માં નિજનું મોચન લહ્યું.
અંગત જોડાણથી ખસીને એક કેસ સ્ટડી તરીકે એ દિવસો, એ મહિનાઓ જોઉં છું ત્યારે નકરા રાજકીય પેચપવિત્રાની રીતે આ ઘટનાક્રમને નહીં જોતાં એક મૂળભૂત અવલોકન આસપાસ ચિત્ત નાંગરવા કરે છે. નવનિર્માણને જેમ પ્રારંભિક તબક્કે અધ્યાપક આંદોલનનો સથવારો હશે તેમ ૧૪ ઓગસ્ટ શ્રમજીવી સમિતિએ સર્જેલ માહોલનીયે એમાં અનુગુંજ હતી. એ તબક્કે સમગ્ર આંદોલનની જે સાર્વત્રિક અપીલ ઊભી થઈ એનું રહસ્ય (ગીતાકાર તો કદાચ ‘સ્વારસ્ય’ કહે) એ બીનામાં હતું કે જનમાનસમાં સીમિત અને સાર્વત્રિક (પર્ટિક્યુલર અને જનરલ) હેતુની એક અજબ જેવી તદ્રુપતા સધાઈ હતી. અધ્યાપક આંદોલન હો, છાત્રયુવા આંદોલન હો, શ્રમિક આંદોલન હો, અગ્રતાક્રમે એમના પોતપોતાના હેતુઓ હોય એમાં કશું અસ્વાભાવિક નથી. પણ સંસ્કૃત પરંપરામાં ચારુતાનો મહિમા એના પ્રિયેષુ સૌભાગ્યફલા નિખારમાં છે તેમ પર્ટિક્યુલર આંદોલનનો મહિમા એ જનરલ કહેતાં વ્યાપક સાથે કેવું ને કેટલું સંકળાઈ શકે એમાં છે. સ્ફૂટ આંદોલનો અને નાગરિક સમાજ સાથેના વ્યાપક સંધાનની રમઝટ, એ ચાલુ ચૂંટણી વહેવારથી ક્યાંયે અદકેરી લોકશાહી ઓળખ ને પરખ છે. સાર એટલો જ કે વિવિધ પ્રજાવર્ગોએ ‘જનરલ’ અને ‘પર્ટિક્યુલર’ના રસાયણની રગ કેળવી લેવી રહે છે.
આ કસોટીએ આજે યુનિવર્સિટી સ્પિરિટ ક્યાં છે? નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળમાં કોમન યુનિવર્સિટી એક્ટની પૂર્વકોશિશ વટહુકમથી થઈ ત્યારે સ્વાયત્તતાને મુદ્દે યુનિવર્સિટીના વડા હોદ્દેદારો મૌન હશે પણ પ્રો. પંડ્યાએ અને યુનિયન સાથીઓએ કેવળ પગાર, ઈજાફા, નોકરીની સલામતીની વાજબી ગણતરીઓમાં જ બંધાઈ ન રહેતાં સ્ટીમ રોલરી કે બુલડોઝરી ગુજરાત મોડેલ સામે ઝંડો ફરકાવ્યો. આંદોલનને ગુજરાતભરમાંથી સમર્થન મળ્યું અને આશ્ચર્ય કે માર્ગદર્શક મંડળમાં હજુ નહીં ધકેલી દેવાયેલા અડવાણીને પંડ્યા ને સાથીની વ્યક્તિગત મુલાકાતમાં આ મુદ્દો વસ્યો. એમણે રાજ્ય સરકારને આ રસ્તે આગળ નહીં જવાની સાફ ને સફાળી સલાહ આપી. રાજ્ય સરકારને વળોટીને લોકશક્તિ ને રાજ્યશક્તિનાં આ સહિયારાં ત્યારે તે વાત અટકાવી શક્યાં હતાં. અલબત્ત, ત્યારના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી પદે પહોંચ્યા તે પછી આ મુદ્દે તવારીખ તેજની નહીં પણ છાયાની હોય એ જુદી વાત છે.
સરેરાશ યુનિયનિસ્ટથી ઉફરાટે પ્રો. પંડ્યાના યુનિવર્સિટી સંધાનમાં તમે જેમ પ્રતિકાર ને પડકારના તેમ કશીક રચનાના પણ સમર્પક ઉન્મેષો જોશો. આપણા જાહેર જીવનમાં અને યુનિયન પ્રવૃત્તિમાં આ બે વાનાં સાથેલગાં હોય તે કેવી મોટી વાત છે એ ‘મેજર હિન્ટ્સ’માંથી પસાર થતા સમજાય છે. તે સાથે એ પણ સમજાઈ રહે છે કે હમણેનાં વરસોમાં આપણે કેવા દુર્દૈવમાંથી પસાર થઈ રહ્યા છીએ. અગાઉની સરકારો વિશે પણ આપણે નાગરિક છેડેથી પ્રશ્નો ઉઠાવવાના થતા નહોતા એવું તો નહીં કહી શકાય. પણ ત્યારે શૈક્ષણિક નિમણૂકોમાં પક્ષપાત થયો જણાય તે વખતે પણ મોટા ભાગની નિમણૂકો સરવાળે સમકક્ષ સમીક્ષામાં ટકી જતી જણાતી હતી. અહીં સંઘસંધાનથી વધુ મોટું પ્રમાણપત્ર બીજું એકે નહીં અને વિષયની ક્ષમતા ભગવાને ગીતામાં વર્ણવેલ નિર્વિષયી જેવી, એવા દાખલેદાખલા તમને સૂંડલામોંઢે જડશે. તેની સામેની રજૂઆતો ભીંતે અફળાઈને પાછી પડતી રહી છે- જેમ કે, પ્રો. મનોજ સોનીની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂક અને તેમના કાર્યકાળમાં થયેલ નિમણૂકો, ચઢતીબડતી, બધું સંઘસંપર્ક આધીન, એવું એક વરવું ચિત્ર સરસ્વતી વસ્ત્રાહરણનું અહીં જોવા મળે છે. શૈક્ષણિક અનવસ્થાનું ચિત્ર માનો કે હુસેન કોઈક અવસ્ત્ર આકૃતિથી ઉપસાવે, પણ અહીં તો વાસ્તવિક જ વસ્ત્રાહરણ…
આ બધી ચર્ચા છેવટે તો એટલા સારુ કે આપણે વિદ્યાક્ષેત્રે બલકે સર્વક્ષેત્રે વસ્ત્રાવરણની પ્રજાસૂય પહેલની રીતે લગરીકે વિચારી શકીએ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૬ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
સવારથી જ અનુભા ધમાલમાં હતી. કારણમાં એ જ કે થોડા દિવસ માટે એ બહારગામ જવાની હતી. ને તે પણ એકલાં નહીં, પણ શિઉલીની સાથે. તેથી જ શું એ આટલી ચંચળ, આટલી ઉત્સુક બનેલી હતી? કે પછી સવારની ટપાલમાં આવેલા એક કાગળથી એ હચમચી ગઇ હતી? એ કોનો હતો તે તો અક્ષર પરથી સમજાઇ ગયું હતું. આટલા વખતે આ કાગળ? એ જ્યારે કાગળ લખતી હતી ત્યારે તો એક વાર પણ જવાબ નહતો આપ્યો. વર્ષો પછી પણ એ ઉપેક્ષાનો ચમચમાટ એના સ્મરણપટ પર હતો.
એકાએક શું કામ કાગળ લખ્યો હશે ધનંજયે? કવરને પકડીને જરા વાર એને જોઈ રહી, પણ અત્યારે એ વાંચવાનો સમય એની પાસે નહતો. વળી શિઉલીને એ બતાવવા પણ નહતી માગતી. સાથે લેવો, કે પછી પાછાં આવીને વાંચવો? – એ વિષેની ખેંચતાણ મનમાં થઇ રહી હતી. અને કદાચ એનું જ ટૅન્શન હતું.
આમ તો, શિઉલી સાથે આવવા તૈયાર થઇ ગઇ ત્યારથી જ અનુભા અકલ્પ્ય આનંદ અને જરા ગભરાટની મિશ્રિત લાગણીઓમાં ગુંચવાઇ ગઇ હતી. મહિનાઓ પછી ધીરે ધીરે કરતાં એને દીકરી જાણે પાછી મળી હતી. રખે ને એ ફરી દૂર થઇ જાય.
કેટલો કઠિન વીત્યો હતો એ સમય. પણ તે વખતે અનુભાએ ધીરજ રાખી હતી. એને હજી યાદ હતી પોતાની એ ઉંમર. એ પોતે એકવીસની હતી ત્યારે એને ક્યાં કશી જ સમજણ હતી,?,ને જાતે વિચાર કરવાની આવડત તો બીલકુલ નહતી.
એ ઉંમરે અનુભાનું લગ્ન નક્કી થયું હતું. એમાં પણ એ વાંધો ઉઠાવી શકી નહતી. મન મનાવેલું કે કાંઇ નહીં, સાસરું ઘરની નજીક તો છે. એને ક્યાં કોઇએ કહેલું કે ધનંજય તો તરત જ અમેરિકા જતો રહેવાનો હતો. પત્ની માટેના વિસાની તૈયારી એણે શરૂ કરાવી દીધેલી – પછી જે છોકરી પત્ની બને તેની સહી વગેરેનું જ કામ બાકી રહે ને. અનુભાને દેશ તો શું, શહેર પણ છોડવું નહતું. પણ એનો વિરોધ પિતાએ જરા પણ કાને ના લીધો. માતાએ પણ એમ જ સમજાવેલી કે જે મૂરખ હોય તે જ છોકરી અમેરિકા જવા ના માગે.
આ બધા વિચારોમાં એ ક્યારે કામ ભૂલીને બેસી પડી હતી તેનો એને ખ્યાલ નહતો રહ્યો. પોતાની પાસેની ચાવીથી બારણું ખોલીને શિઉલી ક્યારે અંદર આવી તેની પણ એને ખબર ના પડી. શિઉલીએ જોરથી કહ્યું, ક્યાં છે, મા, તું? કેટલી વાર છે? હજી શું બાકી છે?
અરે ભઇ, હું તૈયાર જ છું, અનુભા બોલી. કાગળ સાથે નહીં લેવાનું એણે એકદમ, એ ઘડીએ જ નક્કી કરી નાખ્યું. શિઉલી સૂટકેસ લઇને બહાર નીકળી એટલાંમાં જલદીથી અનુભાએ કાગળ ફોન પાસેના ખાનામાં સરકાવી દીધો, ને ઉતાવળે ફ્લૅટનું બારણું બંધ કર્યું.
શિઉલીને ગ્રીસ જવાની, અને ખાસ તો ત્યાંના વિખ્યાત સાન્તોરિનિ અને મિકોનોસ ટાપુઓ જોવાની બહુ જ ઈચ્છા હતી. પહેલવહેલી વાર દીકરીની સાથે આમ નીકળવાનું બનતું હતું. અનુભા વિચારવા નહતી બેઠી. એણે તરત રજા મૂકી દીધેલી, અને શિઉલીની એકવીસમી વર્ષગાંઠની ભેટ તરીકે આ ટ્રીપ આપવાનું નક્કી કરી દીધેલું. બસ, હવે સાત દિવસ ચોવીસે કલાક શિઉલી એની સાથે ગાળવાની હતી. ભેટ તો જાણે એને પોતાને મળવાની હતી.
પછી તો બધો વખત – ઍથેન્સમાં તેમજ એ બે ટાપુઓ પર-બંને જણાં સાથે મ્યુઝિયમોમાં ગયાં, દુકાનોમાં ફર્યાં, સાંકડી ગલીઓમાં ચાલ્યાં. દિવસને અંતે નાની, શાંત જગ્યામાં જમવા બેસી સાંજને અને રંગીન સૂર્યાસ્તને ઊજવ્યાં. ને રાતે? ઊંઘવાને બદલે વાતો. આડીઅવળી વાતોની વચમાં અર્થપૂર્ણ વાતો પણ થતી રહી. પપ્પાને શિઉલીએ યાદ કર્યા, પણ વધારે તો કટકે કટકે અનુભાના સંઘર્ષનો ખ્યાલ એને મળતો ગયો.
અનુભાએ પોતે એ ખ્યાલ રાખ્યો કે ધનંજયને અન્યાય ના કરે. એણે જાણી જોઇને માનસિક ક્રૂરતા દાખવી હતી એવું સાવ નહતું. એની સમજણ પ્રમાણે એ વર્ત્યો હતો. ઘણાંયે હશે કે જેમને અનુભા જ સ્વાર્થી લાગતી હોય. પણ ઘણાં વર્ષ ભારતીય સ્ત્રી અને ફક્ત પત્ની તરીકે ગાળતાં ગાળતાં એક દિવસ એને લાગ્યું હતું કે પોતે વ્યક્તિ બની રહી હતી. પોતાના જીવનના હક્ક પણ જરૂરી હતા, એમ એને સમજાવા માંડયું. આટલાંમાં અમેરિકામાં છવ્વીસ વર્ષ વીતી ગયાં હતાં. એકવીસ-બાવીસ વર્ષે જે છોડવાની ફરજ પડી હતી તે હવે તો સાવ છૂટી જ ગયું હોયને. સર્વસ્વ છોડવું પડવું હતું એને – દેશ, શહેર, મા-બાપ, કુટુંબીઓ, મિત્રો. બધુંયે કે જે પ્રિય હતું, પરિચિત હતું.
સાથે જ વિશ્વાસ પણ. શરુઆતમાં ધનંજયે ખાત્રી આપેલી – એમ તો વચન જ આપેલું, કે બેએક વર્ષમાં ભારત પાછાં ફરી જ જઇશું. એ પછી અનુભા રડતી, કરગરતી રહેલી. ધનંજય મનાવતો, સમજાવતો, સંભળાવી દેતો, હસી કાઢતો, ગુસ્સે થતો, બારણું પછાડી કલાકો માટે બહાર ચાલી જતો. એ સાડા પાંચ વર્ષ ઉદાસ ચિત્તે વીત્યાં. દરમ્યાનમાં અનુભાને અમુક સારાં મિત્રો થયાં, એ સારી રસોઈ કરતી થઈ ગઈ, કમ્પ્યુટર વાપરતી થઈ, જાઝ મ્યુઝિકનો શોખ કેળવાયો – જોકે તે ધનંજયની ગેરહાજરીમાં. જયારે એ પ્રેગ્નન્ટ થઈ ત્યારે એણે ગાડી ચલાવતાં શીખી જવાનો આગ્રહ રાખ્યો. પહેલાં તો ધનંજયની ચોખ્ખી ના જ હતી. તને શું જરૂર પડવાની છે?, એની દલીલ હતી. અંતે એક ખાસ મિત્ર-દંપતીની મદદથી એણે ડ્રાઇવિંગ શીખી લીધું.
પોતાની મજલ વિષે અનુભા સભાન તો હજી નહતી થઈ, પણ મનમાં કોઇ ફણગા ફૂટવા લાગ્યા હતા. ક્ષિતિજ પર અત્યાર સુધી અટકી ગયેલી એની નજર હવે આકાશ તરફ જોવા લાગી હતી. એના મનમાં થઈ રહેલા ફેરફારો શું એના શરીરમાં થઈ રહેલા ફેરફારો પર આધારિત હતા? છ વર્ષે અનુભા મન ને તનથી સાચો હર્ષ અનુભવવા લાગી હતી. બાળક જન્મે તે પહેલાંથી જ એ એનો આભાર માનવા લાગી હતી.
ધનંજય એની નિરાશા છુપાવી શકયો નહતો. મહિનાઓ સુધી બાળકને એણે હાથમાં પણ લીધું નહતું. પણ અનુભા માટે દીકરીનું અવતરવું અત્યંત મોટી કૄપા સમાન હતું. સાક્શાત દેવી જ એને બચાવી લેવા એના જીવનમાં આવી પહોંચી હતી. ધનંજયને એનું નામ કાજૉલ પાડવું હતું. અનુભાને શિઉલી પસંદ હતું. પેલો સંદર્ભ કાળા રંગ સાથે હતો, પણ આ તો ગોરી હતી. એ કોમળ ફૂલોની જેમ જ શ્વેત-ગુલાબી. કદાચ પહેલી જ વાર ધનંજયનું કાંઇ ચાલ્યું નહતું.
એક ગ્રીક સાંજે વાત સાંભળતાં સાંભળતાં શિઉલીએ કહ્યું, સારું થયું કે મારા નામ માટે તેં નમતું ના મૂક્યું. પણ મા, તું હવે ક્યારેય ઈન્ડિયા નહીં જાય?
અરે, એમ તે કાંઇ હોય? જઇશ, પણ મન થશે ત્યારે, ફાવશે ત્યારે. ને જરૂર હતી ત્યારે ગઈ જ હતી ને. પણ તેય છેક સાત વર્ષે. પહેલવહેલી વાર. મારી મા ખૂબ માંદી હતી. એની ખાસ સેવા તો હું ના કરી શકી, પણ મને સંતોષ છે કે એ તને જોવા તો પામી. તારું નામ એને બહુ જ ગમેલું, હોં.
બીજાં ચાર વર્ષે તને લઈને હું ફરી ઈન્ડિયા ગઈ ત્યારે તારાં દાદી માંદાં હતાં. કાકા-કાકી તો અહીં નોકરી કરે. એમને તરત રજા મળે તેમ હતી નહીં. એટલે આપણે ગયેલાં. મેં મારી ફરજ પૂરેપૂરી બજાવી. ચાર મહિના ગાળ્યા, એમને સાજાં પણ કરી દીધેલાં – મેં ને દાક્તરોએ. પણ મારી મા તે પહેલાં ગુજરી ગયેલી. એ ખોટ ઓછી હોય તેમ બાપુજી પણ એ વખતે જ અચાનક ગુજરી ગયા. આ પછી ત્યાંથી મારું મન તદ્દન ઊઠી ગયું. ત્યારથી ઈન્ડિયામાં મારું કાંઇ નથી. દેશ છે, ને શહેર હશે, પણ નથી મા-બાપ કે નથી એવાં મિત્રો રહ્યાં.
અનુભાને માટે જન્મથી પરણ્યા સુધીનાં વર્ષોનો આખો ભૂતકાળ ઇસ્ત્રી થઈ ગયેલી ચાદર જેવો બની ગયેલો હતો. યાદોની ભાગ્યે જ કોઈ સળ એમાં બચી હતી. ને હવે એ માટે કોઇ પસ્તાવો કે આંસુ પણ બચ્યાં નહતાં. એવી જરૂર પણ નહતી રહી હવે. અનુભાના જીવનનો સંપૂર્ણ અર્થ શિઉલી હતી. પહેલેથી એને એ અમેરિકામાં જ ઉછેરવા માગતી હતી. અને ધનંજય પણ ક્યાં ઈન્ડિયા પાછાં ફરવાનું નામ હજી લેતો હતો?
પણ મા, તને ભણવાનો વિચાર કઈ રીતે આવ્યો?
તારે લીધે, અનુભા હસી. તું કિન્ડરગાર્ટનમાં જવા માંડી ત્યારે મને કહેતી કે “મા, તું પણ આવને. તું નહીં ભણે તો તને કાંઈ નહીં આવડે”. તેં એક વાર એમ પણ કહેલું કે “કાંઇ નહીં, મા, હું તને ભણાવીશ.”
શિઉલી સ્કૂલમાં જોડાઈ ત્યારે એની સાથે રહેવાના ઉદ્દેશથી અનુભા ત્યાં મદદગાર તરીકે સમય આપવા માંડી હતી. એને ઘણું શીખવા મળતું ગયું. દીકરીની સાથે એ પોતે પણ મોટી થવા માંડી. એમાંથી એવું સૂચન મળ્યું કે એ ડિપ્લોમા કોર્સ કરી લે તો એને નોકરી પણ મળી જઈ શકે. આ આઇડિયાએ જાણે એની આંખો ખોલી નાખી. એણે ક્લાસ શરૂ કરી દીધા. ગાડી શીખ્યા પછી આ બીજું મોટું પગલું એણે ભરેલું. જાણે એની બુધ્ધિની ત્વચાનાં છિદ્રો પણ હવે ખુલી જઈ રહ્યાં હતાં, અને કશુંક તેજસ્વી એની અંદર પ્રવેશી રહ્યું હતું.
સૌથી પહેલી નોકરી એણે સ્કૂલમાં જ લીધી. એમાંથી એને બીજી તકો મળી. રાજ્ય સરકારની પરીક્ષા પાસ કર્યા પછી સ્કૂલ ઇન્સ્પેક્ટરની પદવી એને ઘણી ફાવી ગઈ. એ સંસ્થામાં જ એની ઓળખાણ કેટલાંક અમેરિકનો સાથે થઈ. એમને ઘેર આવવા-જવાનું પણ થવા માંડયું.
શિઉલીની કૉલેજ પૂરી થઈ પછી એ પણ, બીજાં છોકરાંની જેમ, આગળ ભણવા પહેલાં થોડો વખત નોકરી કરવા માગતી હતી. ઉપરાંત એક બહેનપણીની સાથે એ ફ્લેટ લઇને પોતાની મેળે રહેવા ઇચ્છતી હતી. અનુભાને આ કશાનો વાંધો નહતો. બલ્કે એ તો પ્રોત્સાહન જ આપતી. પણ ધનંજય શિઉલીને પરણાવી દેવા માગતો હતો. આટલાં જલદી લગ્ન, ને તે પણ ઇન્ડિયામાં. “સારાં કુટુંબો ને સારા છોકરાઓ ત્યાં જ મળવાનાં”, એ કહેતો. અનુભા કહેતી કે અમેરિકામાં જન્મેલી ને ઉછરેલી છોકરીને એની ઇચ્છા વિરુદ્ધ પરણાવાય જ કઈ રીતે? ને તે પણ ઈન્ડિયામાં? ધનંજયની દલીલ હવે એ હતી કે તારે જ તો હંમેશાં પાછાં જવું હતું. હવે જ્યારે હું લઈ જવા તૈયાર છું ત્યારે વાંધા શા માટે પાડે છે? અને છોકરાંને શું ખબર પડે? એણે ઊમેર્યું હતું, અને મા-બાપનું કહ્યું તો માનવાનું જ હોયને.
અનુભાને ખબર ના પડી કે હસવું કે રડવું, કે પતિની હાંસી કરવી કે દલીલો કરવા બેસવું. પોતાની પાછાં જવાની આજીજીઓને તો પચીસ વર્ષ થયાં. ત્યારે આપેલાં વચન તો ધનંજયે ત્યારે જ ફગાવી દીધેલાં. જે રીતે પ્રાણીની જેમ નાથીને એને અહીં લાવવામાં આવેલી તે જ રીતે એ હવે એને પાછી ખેંચી જવા માગે છે? શું એ શક્ય છે તેમ માને છે ધનંજય? શું એની એ જ હતી એ, તેમ માને છે? પચીસ વર્ષમાં થયેલી એની મજલનો કશો અંદાજ નહીં હોય ધનંજયને?
અનુભાને એ વાતની પણ ખબર ના પડી કે આનો ઉકેલ શું હોઈ શકે, અને એ જો ઇન્ડિયા જતાં રહેવા, ને મા-દીકરીને સાથે લઈ જવા માગતો જ હોય તો એને કોઈ રીતે રોકી શકાય ખરો?
ધનંજયે ઘર વેચવા મૂકી દીધું. નસીબજોગે એની ઑફિસ બીજી કંપની સાથે જોડાઈ રહી હતી, ને તેથી ઊંચી પદવીવાળાંને નોકરી છોડ્યા પછી પણ લાભ મેળવવાની તક અપાઈ રહી હતી. જો સ્વેચ્છાએ નોકરી છોડે તો ધનંજયને સારું એવું બોનસ ઉપરાંત છ મહિનાનો પગાર મળે તેમ હતું. આટલું તો ઘણું લાગ્યું એને, કારણકે એમ તો બીજી બચત પણ હતી. ઘર વેચાય એના પણ પૈસા આવવાના. ત્યાં જ એનાં મા ફરી ખૂબ માંદા પડ્યાના સમાચાર આવ્યા. હવે ઘર વેચાય ત્યાં સુધી એ રાહ જોઈ શકે તેમ નહતો. એણે અનુભાને કહ્યું કે કાંઈ નહીં. થોડાં મોડાં જઈશું. તું ને શિઉલી લેવાનું – નહીં લેવાનું છૂટું પાડવા માંડો. હું પાછો આવીને પછીથી એ પતાવી દઈશ.
પણ બધું બહુ જ ઝડપથી બની ગયું. ઘર માર્કેટમાંથી ખસેડી લે તે પહેલાં એક સરસ ઑફર મળી. એમાંથી સારો એવો નફો મળે તેમ હતું. અનુભાની ઑફિસના સીનિયર અકાઉન્ટન્ટ જ્હૉનની સલાહ ઘર તરત વેચી દેવાની હતી. આ કારણે શિઉલી ખૂબ ચિડાઈ હતી. જ્હૉન તે વળી કોણ નક્કી કરનારો. પપ્પાની રાહ નહીં જોવા માટે માની સાથે ઘણો ઝગડો કર્યો એણે. અનુભાએ એને સમજાવી કે પોતે જે કરશે તે યોગ્ય જ કરશે, કુટુંબના લાભમાં જ કરશે. પણ શિઉલી મિજાજમાં ઘરમાંથી નીકળી ગઈ હતી.
અનુભાની નજર હૃદયની અંદર ઊંડે ઊંડે ઊતરી હતી, ને શું યોગ્ય કહેવાય તે પામવા મથી હતી. એક ક્શણે જાણે એવો વજ્રપાત થયો કે બધું સ્પષ્ટ થઈ આવ્યું. બસ, આ જ ઉકેલ હતો. એ ઘર વેચશે, એમાંના અમુક પૈસામાંથી એક નાનો ફ્લૅટ લેશે, બાકીના પૈસા બચતમાં મૂકશે. એ ધનંજયના. નોકરીમાંથી પોતાનું નીકળી રહેશે, એવો એનો આત્મવિશ્વાસ હતો. ધનંજયને અમેરિકામાં આવીને રહેવું હશે ત્યારે જરૂર એ ફ્લૅટમાં રહી શકશે. પણ એ પોતે અને શિઉલી હાથ ખંખેરીને ઈન્ડિયા પાછાં જવાનાં નહતાં. ગંગામાં અને હડસન નદીમાં ઘણું પાણી વહી ગયું હતું. હવે એ વહેણમાં પાછાં ફરાય તેમ નહતું. આ જ વિષદ નિર્ણય હતો અનુભાના હૃદયનો, અને એની બુધ્ધિનો.
શિઉલી સાથે દલીલો, ઝગડા, રુદન ચાલ્યા કર્યું. પછી અબોલા. બધાં કામોની વચમાં પણ અનુભાનું હૈયું કપાતું રહ્યું હતું. એણે શિઉલીને કહ્યું પણ નહતું કે ધનંજયનો પ્લાન શું હતો – ઈન્ડિયા પાછાં જવું, એનું ત્યાં લગ્ન કરવું વગેરે. એને શું કામ અપસેટ કરવી?, એણે વિચાર્યું હતું.
કેટલાક મહિનાઓ પછી શિઉલી પોતે જ દોડીને આવી હતી, વળગીને રડી હતી. તેં મને કશું કહ્યું કેમ નહીં, મા? છેક હમણાં મને કાકી પાસેથી જાણવા મળ્યું. એમને પણ નહતી ખબર કે તેં મને નથી કહ્યું. રીટા આન્ટી પણ આટલાં વર્ષે હવે વિનોદ અંકલ સાથે ઇન્ડિયા પાછાં નથી જતાં રહેવાનાં. કાકી એવી રીતે કોઈ બીજાં આન્ટીની વાત પણ કરતાં હતાં.
અનુભાની દુનિયામાં આ સાથે મેઘધનુષ જેવા રંગ પૂરાઇ ગયા હતા. શિઉલી સમજી હતી કે જે પત્ની અને માતા હોય તે સ્ત્રી વ્યક્તિ પણ હોય છે. જે નિર્ણયને કારણે અનુભાએ મહિનાઓથી વિરોધો અને અપમાનો સહ્યાં કર્યાં હતાં તે નિર્ણય પસ્તાવા જેવો નહતો, તે સાબિત થઈ ગયું હતું. હવે શિઉલીએ જ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સમજણનાં આટલાં બધાં વર્ષો જ્યાં ગાળે ત્યાંનું જીવન જ એનું પોતાનું થઈ ગયું હોયને. એ છોડીને જવાનો આદેશ ખરેખર જુલમ જ કહેવાય. મા, હું આશા રાખું છું કે સમય આવ્યે હું પણ તારા જેવી બની શકું – મૅચ્યૉર, કૉન્ફિડન્ટ, પેશન્ટ. અને બ્રેવ. એ અનુભાને ભેટી પડી હતી.
ં ં ં ં
ગ્રીસથી આવીને શિઉલી સીધી એના ફ્લૅટ પર ગઈ. ટૅક્સીમાં અનુભાએ એને પહેલાં ઉતારી દીધી. બંનેને કાલની ઑફિસની તૈયારી કરવાની હતી. ઘેર આવીને અનુભાએ હાથ-મોંઢું ધોયાં, રસોડામાં જઈ ચ્હા માટે પાણી મૂક્યું, પછી સંદેશા સાંભળવા ફોનનું મશિન ચલાવ્યું. કામના ત્રણ સંદેશા હતા – એક કાકીનો, એક ઘનિષ્ટ મિત્ર રીટાનો, ને એક હતો ઇન્ડિયાથી – ધનંજયનો.
ધનંજયે કાગળ મળ્યે અનુભાની પાસેથી તરત એક ફોન-કૉલની આશા રાખી હતી. કાગળમાં એણે અનુભાની માફી માગી હતી. ને હવે ફોન પર પણ એ જ કહ્યું હતું. એમ પણ કે પોતે કેટલો સ્વાર્થી હતો તે સમજતાં એને આટલાં બધાં વર્ષ થયાં હતાં વગેરે. એ કાગળ અનુભા ભૂલી જ ગઈ હતી પ્રવાસ દરમ્યાન. પણ હવે ફોનનો આ સંદેશો મળી ગયો. હવે કાગળનો જવાબ એક-બે દિવસમાં લખી મોકલાશે. ખબરઅંતર જ પૂછવાના હતા. માફીની વાત પર એ જરા પણ ભાર મૂકવા માગતી નહતી.
ગરમ ચ્હાનો કપ લઈને, ટેવ પ્રમાણે એ રેડિયો પર જાઝ સ્ટેશન ચલાવવા ગઈ. પણ કશું યાદ આવતાં એણે હૅન્ડબૅગ ખોલીને એક સી.ડી. કાઢી, અને પ્લેયરમાં ગોઠવી. થોડી પળોમાં ગાયિકા હારિસ ઍલેક્સિઉનો મખમલી સ્વર ફ્લૅટમાં ફેલાવા લાગ્યો. સંગીત હતું તો ગ્રીક ભાષામાં, પણ સાથે અંગ્રેજીમાં સાર આપેલા હતા. પહેલા જ ગીતનું નામ હતું – ઘેર પાછાં ફરતાં. અતિ મૃદુ સ્વરે ગાયિકા કહેતી હતી કે, મારી પાસે લાખોની સંપત્તિ નથી, પણ હું ધનવાન છું. મારું આ નાનું ઘર મારી દુનિયા છે, ને જુઓ તો, આખી મોટી દુનિયા મારું ઘર બની ગઈ છે.
સોફાના તકિયા પર માથું ટેકવીને, એ મુલાયમ સૂરો સાંભળતાં સાંભળતાં અનુભાની આંખો ભીની થઈ આવી હતી, ને એના ચહેરા પર આછું સ્મિત પ્રસરતું ગયું હતું.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
આ એક એવી જગ્યા હતી જ્યાં કેટલાય જાણીતા-અજાણ્યા ચહેરા નજરે પડતા. આમતેમ ટહેલતા એક ટેન્ટ પાસે આવીને એક જરા જાણીતો લાગતો ચહેરો જોઈને અતુલ આગળ વધતો અટકી ગયો. ચહેરો જાણીતો લાગ્યો ખરો, પણ હજુ પરિચિતતાનો અણસાર આવતો નહોતો.
એ સ્ત્રી સ્મિતવદને નમસ્તે કરતી જરા નજીક આવી.
હજુ….હજુય અતુલ એને ઓળખવામાં નિષ્ફળ રહ્યો. અતુલની આ મથામણ એ સ્ત્રી સમજી શકી.
વર્ષો પહેલાં જોયેલા એ ચહેરા પરની નિર્દોષતા, કુમાશ શોધવાનો અતુલનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. હા, ઉમાના ડાબા ગાલ પરનો તલ, મોટી ગોળ આંખોનું આકર્ષણ અકબંધ હતું. એની વાતો કરવાની ઢબ એની એ જ હતી. જોકે પહેલાં હંમેશાં લાંબા ખુલ્લા રહેતા વાળ બંધાયેલા હતા. હેર-ડાઈની ચમકમાં ઉમાના વાળની અસલ ચમક ખોવાઈ ગઈ હતી. ઉમાના ગંઠાયેલા શરીરમાં અસલની કોમળતા શોધવી મુશ્કેલ હતી.
“અંદર આવો. આ જ અમારું ઘર છે.” અતુલને અવઢવમાં જોઈને ઉમા બોલી અને ટેન્ટનો અધખુલ્લો પડદો ખોલીને અંદર જવા રસ્તો કર્યો. અંદર માત્ર એક પલંગ અને લાકડાની બે ખુરશીઓ હતી. અતુલને બેસવા ખુરશી તરફ ઈશારો કરીને ઉમા પલંગ પર બેઠી.
ઉમાને જોઈને અતુલના મનમાં કેટલાય વિચારો આવ્યા, પણ આ ક્ષણે જે સૌથી મહત્વનો લાગ્યો એ સવાલ અતુલે કર્યો.
“કોણ કોણ છે તમારા પરિવારમાં?
“એક દીકરો, એક દીકરી. દીકરો બારમા અને દીકરી દસમા ધોરણમાં છે.”
“પિતા?”
“પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં ગુજરી ગયા.”
“ઓહ! માફ કરજો, મને ખબર નહોતી.”
“ક્યાંથી ખબર હોય, તમે તો વિદેશમાં હતા. પણ, તમારા વિશે હું થોડુંઘણું જાણું છું. તમારા લગ્ન થઈ ગયા, વિદેશ ચાલ્યા ગયા, બે સંતાનો છે અને હવે પાછા આવીને ઊંચી પદવી પર કામ કરો છો. આજકાલ કોઈ ફિલ્મ બનાવવાના છો. અને, એમાં તમારે આશ્ચર્ય પામવાની જરૂર નથી. તમારાં વિશે અખબારમાં વાંચ્યું છે.”
અતુલના ચહેરા પર આશ્ચર્ય જોઈને ઉમા બોલી અને ચા મૂકવા ઊભી થઈ.
“હું ચા નહીં પીઉં.” ઉતાવળે અતુલ બોલ્યો.
“કેમ, અમે ગરીબ છીએ એટલે?”
“ના, ના એવું નથી. હું ચા બહુ ઓછી પીવું છું. પણ, ચાલો આજે લઈશ.”
આટલાં વર્ષે ઉમાને જોઈને અતુલના મનમાં અનેક વિચારો આવ્યા. નજર સામે વીસ વર્ષ પહેલાંનું દૃશ્ય તરી આવ્યું.
એ એમ.એ. કરતો હતો ત્યારે ઉમા હાઇસ્કૂલની પરીક્ષા આપીને ઉનાળાની રજાઓમાં એની મોટી બહેનનાં ઘેર આવી હતી. પંદર-સોળ વર્ષની ઉંમરે ભારે નટખટ લાગતી ઉમા અતુલની નાની બહેન સાથે એના ઘેર પણ આવતી. અતુલ ઉમા પ્રત્યે થોડો આકર્ષાયોય ખરો. એકવાર અતુલે ઉમાનો હાથ પકડ્યો, ઉમા હાથ છોડાવીને તેજીથી સીડીઓ ઉતરી ગઈ, પણ ઉમાના હાથના સ્પર્શથી થયેલી ઝણઝણાટી હાથથી માંડીને અતુલના હૃદય સુધી પહોંચી.
ત્યાર બાદ અતુલ અને ઉમાને ક્યારેય એકલાં મળવાની તક મળી જ નહીં. બંને એકમેકને દૂરથી જોઈને સ્મિતની આપલેથી આગળ ન વધી શક્યાં કે, ન તો અતુલ એના ઘણાં પ્રયાસો છતાં ઉમા સાથે સંપર્ક વધારી શક્યો.
બસ, બંને વચ્ચે આટલો જ પરિચય રહ્યો.
ઉનાળાની રજાઓ પૂરી થતાં અતુલ શહેર ચાલ્યો ગયો અને જ્યારે છ મહિના પછી પાછો ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે ઉમાના વિવાહ થઈ ગયા હતા.
શરૂઆતમાં ઉમાનો માસૂમ ચહેરો અતુલને અવારનવાર યાદ આવતો, પણ સમય જતા એ ઉમાને ભૂલવા લાગ્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ એ વિદેશ ચાલ્યો ગયો. પાછો આવ્યો, નોકરી મળી, લગ્ન થયાં, સંતાનો થયાં.
કાશ્મીરના સંજોગો બદલાયા. ડહોળાતાં જતાં, અસલામત વાતાવરણમાં અનેક કાશ્મીરી શરણાર્થીઓ જમ્મુ જેવાં શહેરોમાં આવવા માંડ્યાં હતાં.
અતુલને શરણાર્થીઓ પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. શિબિર વિશે, શિબિરમાં રહેતા શરણાર્થીઓ વિશે માહિતી એકઠી કરવા કેમ્પમાં આવ્યો ત્યારે કલ્પના પણ નહોતી કે અહીં ઉમા સાથે આવી રીતે મુલાકાત થશે.
વિચારોમાં ડૂબેલા અતુલના હાથમાં ઉમાએ ચાનો કપ મૂક્યો. ઉમાના હાથનો સ્પર્શ થતાં એ ભૂતકાળમાંથી વર્તમાનની સપાટીએ પાછો આવ્યો. અચાનક અતુલે ઉમાનો હાથ પકડી લીધો. અતુલના હાથમાં હાથ રહેવા દઈને ઉમા એમ જ સ્થિર ઊભી રહી. આંસુનું એક ટીપું અતુલના હાથ પર પડ્યું અને પછી આંખ છલકાઈ.
કદાચ, ક્યારેક અતુલના હાથમાંથી હાથ છોડાવી લીધો હતો એની વ્યથા હતી કે, જે આંખમાંથી આંસુ બનીને અતુલનો હાથ ભીંજવતી હતી??
કદાચ….
ઓમકાર કૌલ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
“મિસ્ટર પોટેટો ચીપ્સ, લેડીઝ કો શરાબ ઑફર કરને કા તરીકા યે હૈ કિ હરીકેન આયે, તૂફાન આયે, ભૂચાલ આયે, લેકિન ગ્લાસ સે એક બુંદ શરાબ ભી ન છલકે, ઔર છલકે તો કાયદે સે છલકે. યૂં….” અને પછી ‘ઢીશૂમ…’ કરતોકને હીરો દ્વારા સામેવાળાના પેટમાં મુક્કો.
સમજનારા સમજી ગયા હશે કે આ દૃશ્ય હૃષિકેશ મુખરજીની ફિલ્મ ‘જુર્માના’નું આરંભિક દૃશ્ય છે. પણ બિલકુલ આ જ દૃશ્ય હૃષિકેશ મુખર્જીની એ જ વર્ષે આવી ગયેલી ફિલ્મ ‘ગોલમાલ’માં પણ જોવા મળે છે. એ શી રીતે?
‘ગોલમાલ’ના હીરો પ્રસાદ (અમોલ પાલેકર)ને તેનો મિત્ર દેવેન (દેવેન વર્મા) પોતાની સાથે મોહન સ્ટુડિયો પર લઈ આવે છે, કેમ કે પ્રસાદને નોકરીના ઈન્ટરવ્યૂ માટે કુર્તા-પાયજામાની જરૂર છે. સ્ટુડિયો પર ‘જુર્માના’ના ઉપર જણાવેલા દૃશ્યનું શૂટિંગ ચાલતું હોય છે. દિગ્દર્શક ‘કટ ઈટ’ કહે છે એ પછી શૂટિંગ કરતા અમિતાભ સેટ પરથી બહાર નીકળે છે. પોતાના મિત્ર દેવેનને જુએ છે અને કહે છે, ‘હેય! દેવેન?’ દેવેન પૂછે છે, “હાય હીરો! કિસકી નૌકરી કર રહા હૈ?” અમિતાભ કહે છે, “હૈ યાર, જુર્માના!” દેવેન કહે, “અભી તક કમ્પ્લીટ નહીં હુઈ?” અમિતાભ: “નહીં, યાર.” એ પછી એકાદ સંવાદ અને બન્ને છૂટા પડે છે. સ્ટુડિયો પર આવેલી શાળાની વિદ્યાર્થીનીઓ અમિતાભને ઘેરી વળે છે અને અમિતાભ એક ખુરશીમાં બેસીને સૌને ઓટોગ્રાફ આપે છે. (આ દૃશ્ય આ લીન્ક પર જોઈ શકાશે. https://youtu.be/2po8kELDZY8?t=898 )
આમ, ‘ગોલમાલ’ ફિલ્મમાં જ હૃષિદાએ સિફતપૂર્વક પોતાની આગામી ફિલ્મ ‘જુર્માના’નો પ્રચાર કરી દીધો. આવી કરકસર હૃષિદાની ખાસિયત હતી. મર્યાદિત પાત્રો, મુખ્યત્વે પરિસ્થિતિજન્ય હાસ્ય, સીધેસીધી તેમજ સચોટ છતાં સંક્ષિપ્ત કથનશૈલીને તેમની વિશેષતા કહી શકાય. તેમની ઘણી ફિલ્મોમાં ટાઈટલ સોન્ગ મૂકાયેલાં હોય છે, પણ ફિલ્મનો કેન્દ્રવર્તી સાર કહેવાને બદલે તેનો ઉપયોગ મુખ્યત્વે કથાપ્રવાહને આગળ વધારવા માટે કરાયેલો જોવા મળે છે. આને કારણે તેમની ફિલ્મોમાં એવું ઓછું જોવા મળે છે કે ટાઈટલ ગીતનું ફિલ્મમાં અન્ય સ્થાને કે અંત ભાગે પુનરાવર્તન થયું હોય.
શ્રી લોકનાથ ચિત્રમંદિર નિર્મિત, હૃષિકેશ મુખર્જી દિગ્દર્શીત ‘જુર્માના’ની રજૂઆત (૧૯૭૯)માં થઈ. તેમાં રાખી, અમિતાભ બચ્ચન, વિનોદ મહેરા, ડૉ. શ્રીરામ લાગૂ, અસરાની, ફરીદા જલાલ, એ.કે.હંગલ વગેરે કલાકારોની મુખ્ય ભૂમિકા હતી.
અમિતાભ બચ્ચન અને વિનોદ મહેરાને લઈને આ પછી હૃષિકેશ મુખરજીએ ‘બેમિસાલ’ (૧૯૮૨)માં બનાવી. ‘જુર્માના’ અને ‘બેમિસાલ’ વચ્ચે એક વિચિત્ર કહી શકાય એવું સામ્ય હતું. બન્નેમાં નાયિકા રાખી હતાં, પણ ‘જુર્માના’માં એમનો નાયક અમિતાભ છે, અને વિનોદ મહેરા સાથે કોઈ નાયિકા નથી. તો ‘બેમિસાલ’માં રાખીના નાયક તરીકે વિનોદ મહેરા છે, અને અમિતાભ સાથે કોઈ નાયિકા નથી.
(‘જુર્માના’ના શૂટિંગ દરમિયાન અમિતાભ અને રાખી સાથે હૃષિકેશ મુખરજી)
‘જુર્માના’નાં કુલ ચાર ગીતો હતાં, જે આનંદ બક્ષીએ લખેલાં. સંગીતકાર હતા રાહુલદેવ બર્મન. ‘સાવન કે ઝૂલે પડે’ અને ‘છોટી સી એક કલી ખીલી થી’ લતા મંગેશકર દ્વારા ગવાયાં હતાં. ‘હે સખી રાધિકે બાવરી હો ગઈ’ લતા અને મન્નાડેએ ગાયેલું, જ્યારે ચોથું ગીત ‘નાચૂં મૈં ગાઓ તુમ’માં આશા ભોંસલેનો મુખ્ય સ્વર હતો, સાથે રાહુલ દેવ બર્મનનો અવાજ પણ હતો. આ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવામાં આવ્યું હતું.
(રાહુલદેવ બર્મન અને આનંદ બક્ષી)
ગીતના શબ્દો આ મુજબ હતા.
एक दो तीन चार पांच छ सात आठ नौ दस…बस!
Hey everyone! Come on. Let’s play a musical game. Will you?
नाचूं मैं, गाओ तुम, गाऊँ मैं, नाचो तुम नाचूं मैं गाओ तुम, गाऊँ मैं नाचो तुम हम दोनों मिलके नाचे और देखे आप,
you stop
नाचूं मैं, गाओ तुम, गाऊँ मैं, नाचो तुम नाचूं मैं, गाओ तुम, गाऊँ मैं मैं मैं मैं, नाचो तुम चुन लो साथी, जो पसंद करो कभी खेल शुरु करो, कभी बंद करो ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला चुन लो साथी, जो पसंद करो कभी खेल शुरु करो, कभी बंद करो समझे आप?
you stop
આમ તો આ ગીતમાં બીજા બે અંતરા પણ છે, છતાં ટાઈટલમાં ફક્ત એક જ અંતરો સંભળાય છે.
આ આખું ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
કુલવંત અથવા કુલવંતસિંહ જાનીનો ફિલ્મ પ્રવેશ ૧૯૭૦ ના દાયકામાં થયો. એમણે ૭૦ થી ૯૦ ના દાયકામાં અનેક ફિલ્મોમાં પટકથા અને સંવાદ પણ લખ્યા. આ ફિલ્મોમાં હમરાહી, પાપી, પ્યારા દુશ્મન, સરદાર, મુહબ્બત કી કસમ, એક હી રાસ્તા, ઘર બાઝાર, અધિકાર, સૂર્યવંશી, કલ કી આવાઝ અને ઈમાનદાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બે ટીવી ફિલ્મ ધરતી આકાશ અને તેરી મેરી કહાનીના સંવાદ પણ એમણે લખ્યા.
દરાર, લલકાર, ગાલ ગુલાબી નૈન શરાબી, એક લડકી બદનામ સી, દાદા, અલીબાબા મરજીના, લડાકુ, મેરા સલામ જેવી ફિલ્મોમાં સોથી વધુ ગીતો પણ લખ્યા. એ જમાનામાં એમનું લખેલું અને યેસુદાસ દ્વારા ગવાયેલું ફિલ્મ ‘ દાદા ‘ નું ‘ દિલ કે ટુકડે ટુકડે કર કે મુસ્કુરા કે ચલ દિયે ‘ ખૂબ લોકપ્રિય થયેલું.
ન કરે નારાયણ અને માનો કે કોઇને જીવડું [સાપ] અડી ગયું તો ? તો કોઇપણ જાતના દોરા=ધાગા-ડોકમાં ફાળકી કે ઝેર ઉતારવાના મંત્રો-તંત્રો જેવા ઇદંતૃતિયં નુસ્ખા અજમાવવાના બંધ રાખી જેમ બને તેમ વહેલામાં વહેલા નજદીકના સારા દવાખાને દરદીને કેમ પહોંચાડવો એ જ હિતાવહ ગણાય.
જો કે સાપ અમસ્તો અમસ્તો વિના કારણે કદિ કરડતો નથી. પણ આપણે તો રહ્યા ખેડૂત ! વેળા ક વેળા-વાડી-ખેતર્ના શેઢા-પાળા કે અડાબીડ ઊભી મોલાતોમાં કામ કરતાં ક્યારેક ઘાસ-પૂસમાં છૂપાએલ સાપની પૂંછડી દબાઇ ગઈ હોય તો એ પોતાના સ્વબચાવ અર્થે અથવા તો કોઇ વેળા એના ઋતુકાળની ઉછળકુદમાં ઓચિંતાની આપણા દ્વારા કોઇ ખલેલ ઊભી થઈ ગઈ હોય, તો ખીજવાઈ જઈને સાપે ડંખ મારી દીધો હોય ત્યારે એ સીમ-વગડેથી ઝટ ઝટ રવાના થઈ ઘણી ઉતાવળ કરવા છતાં દવાખાને પહોંચવામાં કેટલોક વખત લાગી જ જવાનો ને ?
તો બસ, મારું કહેવાનું એટલું જ છે કે “આ બટકું ભરવાથી તે દવાખાને પહોંચવા સુધીના વચ્ચેના સમયગાળામાં સાપનું ઝેર ઉતારી દઈ, દરદીને રાહત કરાવી આપે એવો કોઇ ઉપાય મળી જાય તો આપણે એની અજમાયેશ કરીએ કે નહીં ?” સાપનું ઝેર ઉતારી આપી, દરદીને ઝેરમુક્ત કરી દે એવો સફળ ઉપાય છે-જે વૈદ શ્રી શોભન વસાણી [દલપતભાઇ વસાણી] એ અમોને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓને શિખવ્યો હતો.
એમાં કરવાનું શું ? “સાપે દંશ દીધો” એવા સમાચાર મળ્યા ભેળું કોઇ એક ઉતાવળિયા જણે દોડતાં જઈ, નજદીકના પીપળાના ઝાડવે પહોંચી કુણાં કુણાં પાનવાળી બે-ત્રણ તીરખી તોડી લાવવાની. તેનાં પાન તોડતાં ડીટિયાં પર ધસી આવેલ ક્ષીર-પ્રવાહી લુછાઇ ન જાય તે રીતે બે પાંદ તોડી, પોતાના બન્ને હાથમાં એક એક પકડી, દરદીના બન્ને કાનમાં એક એક ડીટિયું દાખલ કરી, પાનની ડાંડલીને કાન સાથે બરાબર સજ્જડ રીતે પકડી રાખવી. આમ કરવાથી દરદીને કાનમાં જોરદાર દુ:ખાવો શરૂ થશે, એટલે તે માથું ધુણાવવા માંડશે કે હાથ વતી કાન છોડાવવા ધમપછાડા કરવા માંડે એવે ટાણે જરૂર પડે તો બીજા એક-બે જણાની દરદીને પકડી રાખવામાં મદદ લેવી.
થોડા સમયમાં કાનમાં દાખલ કરેલ ડીટિયાં કાળાં પડી જશે. એટલે એ પાન દૂર કરી, બીજાં નવાં પાનનાં ડીટિયાં કાનમાં દાખલ કરી ટકાવી રાખવાં. આમ ચાર-પાંચ વખત કરવામાં આવશે ત્યાં દરદીની પીડા ઘટી જશે અને દવાખાને પહોંચતાં સુધીમાં દરદી ઝેરમુક્ત થઈ જશે. આ પ્રયોગની કોઇ આડ અસર નથી, અને એને માટે કોઇ વધારાનો સમય પણ વેડફવાની વાત નથી. માત્ર દવાખાને પહોંચતા સુધીના સમયગાળામાં જ અજમાવી જોવાની ભલામણ છે. આમ પીપળાના વૃક્ષને માનવ-જીંદગીને પૂન: ધબકતું કરવા માટે અપાએલ પ્રકૃતિદત “વરદાન” ન કહીએ તો બીજું શું કહીશું કહો !
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
“પ્રાણવાયુ” બાબતે કેવડું મોટું યોગદાન ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે “अश्व्स्थ: सर्व वृक्षाणामहम“ – વૃક્ષોમાં હું પીપળો છું !” વૃક્ષોની તો આખી દુનિયા છે ભૈ ! લીમડો, વડલો, ખીજડો, હરમો, જાંબુડો, આંબો, ઇંગોરિયો, કેરડો જેવા અસંખ્ય વૃક્ષોમાંથી માત્ર “પીપળો” જ ભગવાન કૃષ્ણને વધુ મહત્વનો કેમ લાગ્યો ?
મિત્રો ! પીપળા પ્રત્યે ભગવાનના પક્ષપાતનું કારણ એ પણ ખરું કે બીજા વૃક્ષોની સરખામણીએ પીપળાના વૃક્ષની દેહરચના નીરખીશું તો ખ્યાલ આવશે કે આ વૃક્ષના દરેક પાન એકબેજાથી છૂટા છૂટા અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકે તેવા ગોઠવાયેલાં જણાશે. જેમકે પાંદડાંની નસો બધી સ્પષ્ટરીતે ઉપસેલી હોવાછતાં તેની સપાટી ખુબ જ લીસી અને એવી ચકચકિત હોય છે કે તે વધુમાં વધુ સૂર્યપ્રકાશને સમાવી લઈ, વધુમાં વધુ પ્રકાશ સશ્લેષણની ક્રિયા કરી શકે ! અરે, બીજાં વૃક્ષો ઝાંખા પ્રકાશમાં આવું કામ નથી કરી શકતા એવા ઝાંખા પ્રકાશમાં પણ પીપળો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા-અંગારવાયુને પોતાના ખોરાકની રાંધણક્રિયામાં વાપરી-બદલામાં પ્રાણવાયુ રૂપે વધુ રૂપાન્તરિત કરી આપવાનું વિરલ કામ કરી દેખાડે છે. તેજ કારણે આપણા ઋષિ-મુનીઓ અને ગલઢેરાઓએ ધર્મ અને પવિત્રતા સાથે વિજ્ઞાનને વણી લઈ, દેવમંદિરો અને ગામડાંઓની ભાગોળે પીપળાના વૃક્ષો બહુ ગણતરી પૂર્વક જ ઉછેરાવ્યા હોય એવું નથી લાગતું ?
આ વાતને આધુનિક વિજ્ઞાનનો ટેકો : થોડા વરસો અગાઉ અમેરિકાના બોસ્ટન શહેરમાં દુનિયાભરના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રીઓની એક કોન્ફરસ યોજાએલી. અને એમાં જર્મનીના એક વનસ્પતિશાસ્ત્રીએ એવું જણાવ્યું કે “ આ પૃથ્વી પર અનેક જાતના વૃક્ષો છે. પરંતું એ બધામાં “પીપળો’ એક માત્ર એવું ચમત્કારિક વૃક્ષ છે કે જે 24 કલાક એટલે કે દિવસ અને રાત વાતાવરણમાં વધુમાં વધુ ઓક્સિજન છોડી પર્યાવરણને શુદ્ધ કરવામાં મોટામાં મોટો ફાળો આપી રહ્યું છે.” આમ આપણે જેને દેવતુલ્ય ગણી જેની પૂજા-અર્ચના અને આરધના કરીએ છીએ એ પીપળાને હવે વિદેશના વિજ્ઞાનીઓ પણ અત્યંત ઉપયોગી વૃક્ષ જણાવી રહ્યા છે.
અભિનંદન : તા- ૧૦-૦૮-૨૦૨૧ના ફૂલછાબ અખબારમાં “વાચકોના દરબાર” માં છપાએલ વિગત જાણી કે “વાગુદડ ગામે પીપળાના અસંખ્ય વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું.” ઘટના વખાણવા લાયક અને પર્યાવરણ માટે ખુબ જ હિતકારી હોઇ, વિશ્વના આ ભયંકર પ્રદુષિત વાતાવરણમાંથી બચાવવા માટેનું આ ઉમદા કાર્ય કરનાર સૌ કર્મવીરોને અમારા તરફથી રાજીપો અને અભિનંદન !
ઓળખ : પીપળાને હિંદીમાં “પીપલ” , સંસ્કૃતમાં “અશ્વસ્થ” અને અંગ્રેજીમાં “સેક્રેડફીગ કે બો ટ્રી” કહે છે. આમ જોઇએ તો આજ દિન સુધી પીપળાના વૃક્ષોનું કોઇએ વ્યવસ્થિત પ્લાંટેશન કર્યું હોય તેવું જાણવામાં આવ્યું નથી. આ વૃક્ષો ગામડાંની ભાગોળે, સીમ-વગડે કૂવા-તળાવના કાંઠે, ખીણો, ડુંગરાઓ, જૂનાં ખંડેરો અને નદીના કોતરોમાં ટવર્યાં ટવર્યાં જોવાં મળતાં હોય છે. આ ઝાડને પ્રકૃતિએ એવા કઠ્ઠણ સ્વભાવનું બનાવ્યું છે કે એ એકવાર ઊગી ગયું ? પછી વરસો સુધી સારી-નરસી ગમે તે જમીનમાં અને પાણી-માવજતની કોઇ જ માગણી વિના ટકી રહેવાની ક્ષમતા ધરાવનારું છે.
સિમેન્ટ ચણેલી દિવાલમાં પીપળો સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
તેનાં પાન હદય આકારનાં, ડીંટા પાસે સહેજ સંકોચાયેલાં, અને તળિયે પહોળાં તથા વચ્ચેના ભાગે વધુ પહોળા-ટોચ તરફ સાંકડાં અને છેલ્લે છેલ્લે અણિદાર-એવાં ઘાટનાં હોય છે. ઝાડની છાલ પર કાપ મૂકીએ તો દૂધ [ક્ષીર] નીકળે છે. પાનખર ઋતુમાં આ વૃક્ષનાં બધાં પાન ખરી જઈ, વૃક્ષ સાવ ઠુંઠા જેવું બની જાય છે અને પછી આખા ઝાડ પર કૂણી કૂણી કાચ જેવી ચમકદાર-તબકતી કુંપળો ફૂટી નીકળે છે. ઝાડ પરનું આ દ્રશ્ય જોઇ, કોઇ કવિએ “પીપળ પાન ખરંતા હસતી કુંપળિયાં, અમ વીતી તમ વિતશે ધીરી બાપુડિયા !” કુંપળો અને વૃદ્ધ થઈ –પાકીને ખરી પડતાં પાંદડાંઓ વચ્ચેનો સંવાદ આ રીતે સંભારીને મનુષ્ય જીવનમાં પણ નાની ઉંમરવાળાઓએ વૃદ્ધોને દેખી તેની અવગણના ન કરવી જોઇએ, કારણ કે તમે પણ ધીરા રહો, ધીરે ધીરે કરતા તમ સૌને પણ વૃદ્ધાવસ્થા આવવાની જ છે ! એવો શીખ-સંદેશ પીપળાને નિમિત્ત બનાવી આપી દીધો છે.
પીપળાના ફૂલો તો હોય છે એકદમ બારીક ! તેના ફૂલમાંથી ફળ બંધાતાં તે ગોળ ચણા જેવડાં થાય, જે સ્વાદે તૂરાં-મધુરાં હોય છે. કાચાં ફળને તોડતાં દૂધ નીકળે છે.અને પાકાં ફળમાં ઝીણી ઝીણી જીવાતોનો પાર હોતો નથી. પણ પક્ષીઓને તો આ ફળો મીજબાનીની ગરજ સારે છે. પીપળા વૃક્ષોનું રોપાણ આમ ગણીએ તો પંખીની ચરક દ્વારા- બિયાં જ્યાં ને ત્યાં ચોતરફ ધરતી પર પડી, વરસાદ આવતાં ઊગી નીકળવાની રીતે થાય છે. અને બીજી રીતે તેનું વર્ધન કરવું હોય તો જે પીપળાને ઝીણી ઝીણી વડવાઇઓ આવી હોય તેવા ઝાડની ડાળીઓના કટીંગ ચોપવાથી પણ નવું ઝાડ તૈયાર કરી શકાય છે.
ઔષધીય પ્રદાન : પીપળાના પાન, તેની છાલ, તેના ફૂલ અને ફળ તેમજ મૂળ સહિતના દેહભાગો ઔષધીય ગુણો ધરાવતા હોવાથી માનવ જીંદગીની દરેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે એવું આયુર્વેદનું કહેવાનું છે. ડોકટરની સલાહ અનુસાર ઉપયોગ કરવાથી તેના ફળનું કે ચૂર્ણનું સેવન મગજના કોષોને ચેતનવંતા બનાવે છે. બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો કરી શરીરમાં બળ-ઉત્સાહનો સંચાર કરે છે.
તેનાં પાન અને છાલના ઉપયોગથી પેટનો દુ:ખાવો, કબજિયાત, એસીડીટી, હદયરોગ તેમજ ચામડીના ખુજલી, ધાધર જેવા હઠીલા દરદોમાં રાહત અને દાંતના દુ:ખાવામાં તેની પાતળી ડાંડલીનું દાંતણ તથા તોતડું-બોબડું બોલનાર બાળકને પાકાં ફળોનું સેવન લાભદાયી બને છે. લીવરનું દર્દ હોય કે આંચકી આવતી હોય, નપુસંકતા હોય, આંખનો દુ:ખાવો હોય કે ભલેને ઝેરી જીવડાંનું ઝેર ચડ્યું હોય, પાનનો રસ, છાલનું ચૂર્ણ અને તેની ભસ્મ અક્સીર ઉપાય છે.
પિરામિડ ઘાટનાં પાન : લગભગ તો સૌને આ બાબતનો ખ્યાલ હશે જ કે કોઇપણ મંદિરનો ઘુમ્મટ હોય, સારા- નરસા પ્રસંગોમાં વપરાતું નાળિયેર-શ્રીફળ હોય, ધાતુનો કોઇ કળશ હોય, કે પછી ભલેને કોઇ મોદકરૂપી તૈયાર થયેલ પ્રસાદ હોય ! દરેકનો આકાર શંકુ-પિરામિડ જેવો જ હોય છે ને ? વિજ્ઞાને કબુલ્યું છે કે પિરામિડ આકારની વસ્તુઓમાં શક્તિ સંચય કરવાની અને તેમાં વધારો કરવાની જબરી ક્ષમતા રહેલી છે. તે દ્રષ્ટિએ મૂલવતાં આપણા આ પીપળવૃક્ષના પાંદાડાંઓને પણ પ્રકૃતિએ શંકુ-પિરામિડનો આકાર આપી એની શ્રેષ્ટતામાં એક છોગું ઓર ચડાવી દીધું છે !
અન્ય યોગદાન : મનુષ્યોને ખોરાક પાણી અને ઔષધી કરતાંયે વધારે જરૂરિયાત ચોખ્ખી હવાની હોય છે. એટલે પીપળા જેવા વધુ પ્રાણવાયુ ઉત્પન્ન કરનાર વૃક્ષની ફરતે સવારમાં પ્રદક્ષિણા કરવામાં આવે તો શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં સંચાર થતાં રક્તની શુદ્ધિ થાય. અને તેનાથી શરીરના દરેક અંગમાં શક્તિ-સ્ફુર્તિ અને સ્વસ્થતાનું ઉમેરણ થવા ઉપરાંત મગજને પણ શુદ્ધ લોહી મળવાથી મન પણ પ્રફુલિત અને ઉત્સાહી બને છે.
આ વૃક્ષ મનને શાંત કરી શકે તેવી હકારાત્મક ઉર્જાનું ઉદભવસ્થાન હોઇ, મંદિરોનાં પ્રાંગણમાં ઉછેરાય છે.તેની નીચે બેસીને જ ભગવાન બુદ્ધે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું. તેથી તો પીપળાને “બોધી વૃક્ષ” જેવું આધ્યાત્મિક હુલામણું નામ પ્રાપ્ત થયેલ છે. જેથી બૌધ ધર્મમાં પણ પીપળાના વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.
પીપળો મસ્ત એવો ગુણકારી પ્રાણવાયુ યુક્ય છાંયડો આપવા ઉપરાંત સીલ કરાવામાં અને રંગકામ કરવા ઉપરાંત દવાઓ બનાવવામાં ખુબ જ ઉપયોગી એવી બોરડીની લાખ કરતાંએ ગુણવત્તામાં શ્રેષ્ઠ એવી લાખ પણ આપે છે.
લોક માન્યતાઓ :પીપળાને પૂજનારા, એને થડિયે પાણી રેડનારા અને એની ફરતે પ્રદક્ષિણા ફરનારા ઘણા બધા લોકો સમાજમાં મળી આવે છે. અરે ! જે વૃક્ષમાં બ્રહ્મા-વિષ્ણું અને મહેશનો વાસ છે એવા આ ઝાડ નીચે બેસીને શ્રાધ વગેરે ક્રિયાકર્મો પણ કરવામાં આવે છે. કોઇ લોકો પીપળાને દેવવૃક્ષ માની બહુ જ ભાવથી પાણી-સાકર-દૂધ અને સિંદૂર વડે તેની પૂજા કરે છે, તો બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે. આ વૃક્ષના દેહભાગો યજ્ઞાદિ હોમ-હવનમાં “સમિધ’ તરીકે ઉપયોગી હોઇ, તેને કાપવા કે બાળવા બાબતે ધર્મે મનાઇ ફરમાવાયેલ છે.
વિચારો ! કૃષ્ણાવતાર-અંતમાં પારધીનું બાણ વાગી ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગની ઘટના પીપળાના વૃક્ષ નીચે જ ઘટી હોવાથી- ભગવાનના દેહત્યાગ માટે નીમિત્ત અને સાક્ષી પણ પીપળો જ થયો ગણાય ને ? અરે ! નવજાત શીશુના જન્મના છઠે દિવસે બહેનો દ્વારા કરવામાં આવતી “છઠ્ઠી” ની વિધિ વખતે વિધાતાએ બાળકની જિંદગીનું ભવિષ્ય લખવા એ નનકુડા બાળકની પાસે “પેન” ની સાથે “પીપળાના પાંચ પાન” મૂકવાનો રિવાજ આજે પણ ચાલુ જ છે !
તો કેટલાક વળી “ભૂતનું સ્થાન પીપળે” કહી અકાળે અવસાન પામેલા કે અધુરી ઇચ્છાએ મૃત્યુ પામેલા જીવોએ મૃત્યુ પછી તુરત પૂનરજન્મ નહીં પામતાં કર્મભૂમિની આસપાસ સુક્ષ્મદેહે એટલેકે આત્મા સ્વરૂપે ભટકતા હોય, જેને સૌ ભૂત પ્રેત કહે છે, તેઓનું પણ આશ્રયસ્થાન આ પીપળાનું વૃક્ષ જ છે, એવી લોકમાન્યતા છે.
દેશ અને દુનિયા પર હાવી થઈ બેઠેલા “કોરોના” વાઇરસના હુમલા પછી સૌને સમજાઇ ગયું છે કે આપણી જીંદગી માટે “પ્રાણવાયુ” કેટલું અગત્યનું પરિબળ છે ! ઘેર ઘેર કંઇ વેંટિલેટર વસાવી ન શકાય, પણ આવા બધા વૃક્ષો તો વેંટિલેટરના બાપ સમાન છે અને પાછા કુદરતી છે ! આપણે આવા વૃક્ષોના ગુણોને ધ્યાનમાં લઈ તેનું વધુમાવધુ રોપાણ થાય તેવા પ્રયત્નો કરીએ. અને તેઓને કદિ દુભવવા નહીં એવું પ્રણ લઈએ.
જો તમે કોઈ જળાશય પાસે ઉભા હોવ અને નજીકના ઝાડ પરથી પાણીમાં વાદળી રંગનો ઝબકારો જુઓ, તો તમે કદાચ એક કિંગફિશરને એક્શનમાં જોયું હશે. કિંગફિશર્સને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવે છે; રિવર કિંગફિશર્સ, ટ્રી કિંગફિશર્સ અને વોટર કિંગફિશર્સ. પ્રજાતિઓ વચ્ચે રંગો બદલાતા હોવા છતાં, મોટાભાગના કિંગફિશર પાસે લાંબી, અણીદાર ચાંચ અને સારી દ્રષ્ટિ છે જે તેમને દૂરથી તેમના શિકારને જોવામાં મદદ કરે છે.
કિંગફિશર્સ તેમના અનન્ય શિકારના લક્ષણો માટે જાણીતા છે. તેઓ પાણીની અંદર માછલીનો શિકાર કરે છે અને તેને ડાળખી પર પાછા લઈ જાય છે, ડાળી પર વારંવાર પછાડી માછલીને મારી નાખે છે અને પછી તેને આરોગે છે . તેમની આંખો પટલ દ્વારા સુરક્ષિત છે જે તેમને પાણીમાં ડૂબકી મારવામાં અને તેમના શિકારને શોધવામાં મદદ કરે છે. તેમની આંખો પાણીની સપાટીથી આવતા પ્રકાશને પણ સમાયોજિત કરી શકે છે, જે તેમને જળાશયની ઊંડાઈ માપવામાં મદદ કરે છે.
ભારત કિંગફિશરની 12 પ્રજાતિઓનું ઘર છે, પરંતુ તેમાંથી ત્રણ અન્ય પ્રજાતિઓના પ્રમાણમાં ઘણી વધુ જોવા મળે છે. વ્હાઇટ-થ્રોટેડ કિંગફિશર, કોમન કિંગફિશર અને પાઇડ કિંગફિશરની ત્રિપુટી દેશના મોટાભાગના ભાગોમાં – નદી કિનારે, ખેતરોમાં, ધમધમતા શહેરોમાં પણ જોઈ શકાય છે. છતાં “સામાન્ય” કહેવાતા હોવા છતાં, આ દરેક પક્ષી પોતાની ખાસ જરૂરિયાતો, પસંદગીઓ અને પડકારો દ્વારા આકાર પામેલ જીવન જીવે છે.
શ્વેત કંઠ કલકલિયો (White throated Kingfisher)
[ઇલેક્ટ્રિક તાર પર બેઠેલ શ્વેત કંઠ કલકલિયો]ત્રણમાંથી, શ્વેત કંઠ કલકલિયાને મોટાભાગના લોકો ઓળખે છે. તે તેમના ભૂરા માથા અને ગળા પર સફેદ ડાઘ અને પાંખો અને પીઠ પરનો ચમકતો ઇલેક્ટ્રિક વાદળી રંગથી આરામ થી ઓળખાય છે. તેની મજબૂત લાલ ચાંચ પણ દૂર થી દેખાઈ જાય. તેના મોટાભાગના ભાઈઓથી વિપરીત, આ કિંગફિશર પાણી સાથે બંધાયેલું નથી. તે ઘણીવાર ઇલેક્ટ્રિક વાયર, સૂકા ઝાડ અથવા છત પર બેઠેલું જોવા મળે છે -તેનો કલકલ અવાજ ખુબજ દૂર સુધી સંભળાય છે,ઘણીવાર પક્ષી દેખાય તે પહેલાં જ અવાજ સંભળાય છે. તેના વિશિષ્ટ અવાજ પર થી તેને ગુજરાતી માં કલકલિયો કહેવામાં આવે છે. તેના નામ થી વિરુદ્ધ તે ફક્ત માછલી જ નહીં પણ જંતુઓ, દેડકા, ગરોળી, નાના સાપ અને ઉંદરો પણ ખાય છે ક્યારેક તે અન્ય નાના પક્ષીઓનો પણ શિકાર કરતો જોવા મળ્યો છે. તે તળાવ, ખેતરો, બગીચાઓ, હાઇવે, જંગલો પાસે પણ રહી શકે છે. તેના ઘણા પ્રકારના વાતાવરણમાં ટકી શકવા અને ઘણા પ્રકારના ખોરાક ખાઈ શકવાને કારણે, વૈજ્ઞાનિકો તેને “જનરલિસ્ટ” કહે છે. અનુકૂલન કરવાની આ ક્ષમતાએ તેને સમગ્ર દેશમાં વ્યાપકપણે ફેલાવવામાં મદદ કરી છે. એક રીતે, શ્વેત કંઠ કલકલિયો આપણી સાથે રહેવાનું શીખી ગયું છે.
[નાનો કલકલિયો તેને ગમતા અને અનુકૂળ વાતાવરણ માં]બીજી બાજુ, કોમન કિંગફિશર શાંત અને વધુ નાજુક જીવન જીવે છે. કદમાં ઘણું નાનું – લગભગ ચકલી જેટલું – તે ઉડતા રત્ન જેવું લાગે છે. તેની પીઠ ચમકતા વાદળી રંગની હોય છે, તેનું પેટ ઘેરા નારંગી રંગનું હોય છે, અને તેની ગરદન નીચે એક નાનો સફેદ ડાઘ રહેલો હોય છે. તે સ્વચ્છ, શાંત પાણીની નજીક જોવા મળે છે – જેમ કે નાની નદીઓ, ગામડાના તળાવો અને ધીમી ગતિએ વહેતા નાળાઓ. આ પક્ષી શરમાળ હોય છે. તે નદી કિનારે નાની ડાળી અથવા ખડક પર શાંતિથી બેસી પાણીમાં હલચલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પછી, એક ઝાટકે ઝંપલાવી, તે નાની માછલી અથવા પાણીના જંતુને પકડે છે.
[નાનો કલકલિયો માછલીના શિકાર સાથે]કોમન કિંગફિશરને પુષ્કળ ખોરાક અને માળા બનાવા નરમ માટી વાળા કાંઠાની જરૂર હોય છે જ્યાં તે માળો ખોદી શકે. તે ગંદા, ઘોંઘાટીયા વાતાવરણમાં ટકી શકતું નથી. તેથી જ, તેના નામમાં કોમન હોવા છતાં, તે હવે ઘણા વિસ્તારોમાં સામાન્ય નથી રહ્યું. કોમન કિંગફિશર ને ઇકોલોજીની ભાષા માં “specialist” કહે છે! Specialist એટલે એવી પ્રજાતિઓ જે બહુ ચોક્કસ પ્રકારના ખોરાક પર, વાતાવરણ કે રહેઠાણમાં જ તેમનું જીવન શક્ય બનાવી શકે છે! કોમન કિંગફિશરને નાની ચોખ્ખી નદીઓ જેમાં માછલી મળી રહે અને પાણી પણ વધારે ઊંડું ન હોય, આસપાસ કિનારે વનસ્પતિ અથવા ઝાડ હોય જેની ડાળખી પર તે બેસી શકે અને માળો બનાવવા માટે નમણી માટી વાળા કિનારા હોય, આટલું મળી રહેતું હોય તો જ કોમન કિંગફિશર ત્યાં રહી શકે એની વિપરિત વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર એક generalist છે! તેનો મતલબ તેને ગમે તે વાતાવરણ ચાલે, તે જંગલોમાં, ખેતરોમાં પણ રહી શકે અને જે મળે તે ખોરાક ખાઈ લે! કોમન કિંગફિશરની હાજરી એ સંકેત છે કે નજીકનું પાણી હજુ પણ સ્વસ્થ છે.
કાબરો કલકલીયો (Pied Kingfisher)
[ ડેમના કિનારે માછલીની શોધમાં બેઠેલ કાબરો કલકલિયો]કાળો અને સફેદ, કાંટાદાર ચોટલી અને ઝડપી પાંખો સાથે, પાઇડ કિંગફિશર જેને ગુજરાતીમાં કાબરો કલકલિયો કહે છે તે મોટા જળાશયો ઉપર એક જ જગ્યા એ ઘણી વાર સુધી ઉડી અને માછલીઓ માટે ઝડપથી ડાઇવિંગ કરતું જોવા મળે છે. તે ઓછું શરમાળ, વધુ સામાજિક છે, અને સામાન્ય રીતે ડેમ, નદીઓ અને મોટા તળાવોની નજીક જોવા મળે છે. અન્ય બેથી વિપરીત, તેને શિકાર પર નજર રાખવા સમયે ડાળખી પર બેસવાની જરૂર પડતી નથી તે હવામાં એક જ જગ્યા પર ઘણી વાર સુધી સ્થિર રહી શકે છે અને આ વર્તન તેને મોટા જળાશયો પર શિકાર કરવા માટે અનુકૂળ બનાવે છે.
તે માળો પણ પાણીથી લગભગ પાંચ ફૂટ ઉપર ઊભી કાદવની દિવાલમાં ખોદે છે. જોડીના બંને સભ્યો ખોદકામમાં મદદ કરે છે. ત્રણેય પ્રજાતિઓમાં આ સામાન ટેવ દર્શાવે છે કે તેમના સંવર્ધન માટે કુદરતી નદી કિનારા કેટલા જરૂરી છે. કમનસીબે, આધુનિક આયોજનમાં આ જરૂરિયાતને ઘણીવાર અવગણવામાં આવે છે.
[પાઇડ કિંગફિશરની એક જ જગ્યા પર હવામાં સ્થિર રહી ને શિકાર શોધવાની રીત જોવા આ લિંક પર ક્લીક કરો:
ઘણા શિકારીઓની જેમ, કિંગફિશર ખોરાક શૃંખલામાં ઉચ્ચ સ્થાન ધરાવે છે અને ખાસ કરીને ઝેરી તત્વો માટે સંવેદનશીલ હોય છે. ખેતરો અને કારખાનાઓમાંથી નદીઓ અને તળાવોમાં હાનિકારક રસાયણો છોડાય છે. પાણીમાં નાના જીવો આ રસાયણોને શોષી લે છે. નાની માછલીઓ તેવા એક થી વધારે જીવોને ખાય છે, અને પછી કિંગફિશર એક થી વધારે માછલીઓને ખાય છે. જેમ જેમ રસાયણો ખોરાક શૃંખલામાં ઉપર જાય છે, તેમ તેમ દરેક સ્તર પર તેમનું પ્રમાણ વધતું જાય છે – આ પ્રક્રિયાને બાયોમેગ્નિફિકેશન કહેવાય છે. જ્યારે તે કિંગફિશર સુધી પહોંચે છે, ત્યારે ઝેર તેના શરીરને નુકસાન પહોંચાડવા, તેના ઇંડાને અસર કરવા અને સમય જતાં મૃત્યુનું કારણ પણ બને તેટલું કેન્દ્રિત થઈ જાય છે. મૃત્યુના અન્ય કારણોમાં બિલાડીઓ દ્વારા શિકાર, બારીઓ અથવા વાહનો સાથે અથડામણ અને ભારે મશીનરીનો ઉપયોગ કરીને નદી કિનારાના બાંધકામ દરમિયાન માળાઓનો નાશ સામેલ છે. આ ધીમા જોખમો ચૂકી જવા સરળ છે – પરંતુ તે બધા ખતરનાક છે.
જોકે ભારતમાં મોટાભાગના કિંગફિશરને ઓછી ચિંતાજનક (least concern) પ્રજાતિઓ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, પણ તેમની વસ્તી ઘટી રહી છે. જંગલોનું વિભાજન અને જળ સંસ્થાઓનું પ્રદૂષણ તેમના ગઢમાં કાપ મૂકી રહ્યું છે ઉદાહરણ તરીકે, કોમન કિંગફિશર ઘણા વિસ્તારોમાંથી ગાયબ છે જ્યાં તે એક સમયે સામાન્ય રીતે જોવા મળતું હતું. જો આપણે સાવચેત નહીં રહીએ, તો આ “સામાન્ય” પક્ષીઓ લાંબા સમય સુધી સામાન્ય રહી શકશે નહીં.
આપણે બીજો એક ખતરો પણ ઉકેલવો જોઈએ – કોંક્રિટ રિવરફ્રન્ટ બનાવવાનો ટ્રેન્ડ. આ પ્રોજેક્ટ્સ સ્વચ્છ અને આધુનિક દેખાઈ શકે છે, પરંતુ તેઓ નરમ, કાદવવાળા કિનારાઓનો નાશ કરે છે જે કિંગફિશર સહિત ઘણા પક્ષીઓને માળાઓ ખોદવા માટે જરૂરી છે. આ ટ્રેન્ડ કુદરતી જીવનને ટાઇલ્ડ રસ્તાઓ, સુવ્યવસ્થિત લૉન અને સુશોભનના છોડથી બદલી નાખે છે જે જંતુઓ અથવા પક્ષીઓના જીવનને ટેકો આપતા નથી. પરિણામ? એક નિર્જીવ જગ્યા જેમાં પતંગિયા નથી, પક્ષીઓનો અવાજ નથી અને કોઈ ઇકોલોજીકલ અર્થ નથી.
આ કોંક્રિટ રિવરફ્રન્ટ અને પોલિશ્ડ પાર્ક્સ સાથે આપણે ખરેખર શું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે આપણે પોતાને પૂછવું જોઈએ. પ્રકૃતિ પહેલેથી જ સુંદર છે. જંગલ નદી કિનારા,જંતુઓ અને માછલીઓથી ભરેલા, આપણી પાસે જે જોઈએ તે બધું છે – જો આપણે તેને જોવાનું પસંદ કરીએ તો! વિકાસના છીછરા વિચારોનો પીછો કરવામાં, શું આપણે ભૂલી રહ્યા છીએ કે ખરેખર શું સ્થળને જીવંત બનાવે છે?
સારા સમાચાર એ છે કે આપણે હજી પણ માર્ગ બદલી શકીએ છીએ. કિંગફિશરનું રક્ષણ પાણીના રક્ષણથી શરૂ થાય છે,નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખીને, સ્થાનિક વૃક્ષો વાવીને, ઝેરી રસાયણોનો ઉપયોગ ટાળીને! પ્રકૃતિને બચાવીને આપણે આપણી જાતને બચાવી શકીએ છીએ!!
“નેતાઓએ વહેતાં મૂકેલાં કોમી ઝેરથી ભરેલાં વાતાવરણમાં સામાન્ય પ્રજા તણાઈ ગઈ. ધસમસતાં આ પ્રવાહમાં પોતાને ધકેલનારા નેતાઓ તીરે સલામત ઊભા હતા તેવું ભાન પ્રજાને આવ્યું, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તોફાનોનાં વમળમાં અટવાતા એમનાથી સ્વસ્થતાપૂર્વક પાછળ નજર થઈ શકતી ન હતી. પ્રવાહની સાથે તણાયે જ છૂટકો હતો.”
(કમળાબેન પટેલ :૧૯૧૨થી ૧૯૯૨)
ઉપરનું અવતરણ દેશનાં વિભાજન સમયે રમખાણો દરમિયાન જે બન્યું તેના સંદર્ભમાં કમળાબેન પટેલે ૧૯૭૯માં લખેલા પુસ્તક ‘મૂળ સોતાં ઉખડેલા’ માંથી ઉતારેલું છે.
એ વખતના તોફાનો માટે કોમી રમખાણ શબ્દ ઘણો નાનો પડે તેમ હતું. માત્ર કત્લેઆમ, લૂંટફાટ કે આગજની જ નહિ, પુરૂષોની હિજરત કે કતલ થયા પછી તેમની સ્ત્રીઓ પર અહીં લખી ન શકાય તેવા અત્યાચારો અને અપહરણો પણ કરવામાં આવ્યાં હતાં. તોફાનો શાંત પડ્યા પછી તો અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ હતી. તેમાં મુખ્ય સમસ્યા પાકિસ્તાનમાં અપહ્રુત થયેલી કે રખડી પડેલી હિંદુ-શીખ સ્ત્રીઓ તેમજ બાળકોને શોધીને ભારતમાં લાવવાની અને તે પ્રકારની ભારતમાંની મુસ્લિમ સ્ત્રીઓને શોધીને પાકિસ્તાનમાં પહોંચાડવાની હતી. આ કાર્ય માટે બન્ને દેશો વચ્ચે સમજૂતી થયેલી અને તેના અંતર્ગત કેટલાક નિયમોને આધીન સ્ત્રીઓની પુન:પ્રાપ્તિનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. માત્ર સરકારી તંત્ર મારફત આવા કામ થવા લગભગ અશક્ય હોય છે. આથી નિષ્ઠાવાન સમાજસેવકોની પણ મદદ લેવામાં આવી હતી. પાકિસ્તાનમાંથી હિંદુ સ્ત્રીઓ અને બળકોને શોધીને ભારત પહોંચાડવાના કામમાં જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવિકા મૃદુલાબેન સારાભાઇના માર્ગદર્શન હેઠળ કમળાબેન પટેલ[1] આગળ આવ્યાં.
અપહ્રુત થયેલી હિંદુ સ્ત્રીઓ અને બાળકોને પાકિસ્તાનનાં ગામોમાંથી ત્યાંની પોલીસની મદદથી શોધીને તેમને લાહોરની હિંદુ નિર્વાસિતોની છાવણીમાં લઈ આવવાનું અને ત્યાર બાદ તેમને ભારતમાં મોકલી આપવાની વ્યવસ્થા પર ધ્યાન રાખવાનું કામ કમળાબેન સંભાળતા. આ છાવણીમાં આવતી ઘણી બધી સ્ત્રીઓ અને બાળકોની આપવીતી પથ્થરને પણ પીગળવે તેવી હતી. કમળાબેને આમાના કેટલાક પ્રસંગો અને બીજા અનુભવો તેમનાં પુસ્તકમાં લખ્યા છે. દારુણ વિભીષિકાઓની વચ્ચે ક્યારેક રણમાં મીઠી વીરડી સમાન માનવતાનાં દર્શન કેટલાક પાકિસ્તાનના મુસ્લિમોએ કરાવ્યાં હતા. તેમાંનો એક પ્રસંગ અહીં મૂક્યો છે.
પાકિસ્તાનના શેખપુરા જિલ્લાનાં એક નાનાં ગામમાં ઇંદરસિંહ નામનો એક ખેડૂત યુવાન તેનાં માબાપ, બે ભાઈ, વીસ વર્ષની એક બહેન અને દાદી સાથે રહેતો હતો. ઓછી પણ ફળદ્રુપ જમીનને કારણે કુટુંબનું ગુજરાન થઈ રહેતું હતું. તોફાનો તો ૧૯૪૭ના એપ્રિલ માસથી જ શરૂ થઈ ગયા હતાં, તેથી પરિવારમાં બધા બીકથી ફફડતાં હતાં. પરંતુ ઘરબાર અને જમીન છોડીને ક્યાં જવું એની મોટી મુંઝવણ હતી. જૂનજુલાઇ આવતા તો તોફાનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું. પરિવારને હવે પાકિસ્તાનમાં રહેવામાં સલામતી નથી એમ સમજાયું. સૌથી વધારે જોખમ યુવાન દીકરીને માથે હતું. કેમ કે મારકાટ ઉપરાંત સ્ત્રીઓનાં અપહરણની ઘટનાઓ વધવા લાગી હતી. આથી ઇંદર બહેનને લઈને એક બસમાં ગામથી દસેક માઈલ દૂર આવેલા લાહોરમાં રહેતી પોતાની માસીના ઘરે જવા નીકળ્યો, કેમ કે અહીં તેને સલામતી લાગતી હતી.
બસ આગળ વધતી ગઈ તેમ ‘મારો કાપો’ના પોકારો કરતાં ગાંડાતુર ટોળાંઓ સામે મળવા લાગ્યાં. એક સ્થળે બસ ટોળાથી ઘેરાઈ ગઈ. ટોળાના માણસોએ બસમાં દાખલ થઈને હિંદુ લાગતા મુસાફરોને નીચે ઉતારીને મારવા માંડ્યા ઈંદરનાં શરીર પર છરીના ઘા કરીને તેની બહેનને ઝૂંટવી લીધી. પછી ઇંદરને એક ઝાડ નીચે ફેંકી દીધો. ગળા પર થયેલા છરીના ઘાને કારણે ઘણું લોહી વહી ગયું અને તે બેભાન બની ગયો.
એને પોતાને ખ્યાલ ન રહ્યો કે કેટલો સમય તે ઝાડ નીચે પડી રહ્યો હશે, પણ જ્યારે આંખ ખૂલી ત્યારે કોઇનાં ઘરમાં હતો. ઘરના લોકો અને ઘરનું વાતવરણ સાવ અજાણ્યું લાગતું હતું. પોતે એટલો બધો ડરી ગયો હતો કે ભાનમાં હોવા છતાં આંખ બંધ કરીને પડી રહ્યો. પરંતુ આખરે મારની અસહ્ય વેદનાને લીધે તેના મોંમાથી ઊંહકાર નીકળી ગયો. આધેડ જણાતી એક સ્ત્રીએ તેનાં માથા પર હાથ ફેરવ્યો અને મોંમા પાણીનું ટીપું મૂક્યું. સ્ત્રીએ તેને વહાલથી કહ્યું, “ડરના મત બેટા, જલદી આરામ હો જાયેગા” આ સાંભળીને ઇંદરને તો પોતે સ્વપ્નમાં હોય એમ લાગ્યું.
વાસ્તવમાં તે ભારતના ગુરદાસપુર જિલ્લામાંથી હિજરત કરીને પાકિસ્તાન આવેલા એક મુસ્લિમ કુટુંબના ઘરમાં હતો. આ એ કુટુંબ હતું, જેણે ભારતમાં પોતાના સૈફુ નામના જુવાન દીકરાને હિંદુ તોફાનીઓને હાથે ઠાર થયેલો જોયો હતો અને પછી બધી જ માલમિલ્કત છોડીને જેમતેમ કરીને જીવ બચાવીને પરિવાર પાકિસ્તાનનાં પંજાબનાં એક છેવાડાનાં ગામમાં પહોંચી ગયો. ત્યાં અપરિચિતોની વચ્ચે એક મકાનમાં ઠરીઠામ થઈને રહેવા પ્રયાસ કરવા લાગ્યો.
બનેલું એવું કે એક વહેલી સવારે આ મુસ્લિમ કુટુંબની એક મહિલાએ કુદરતી હાજતેથી પાછાં ફરતાં ઇંદરને લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો, ઉતાવળે ઘેર જઈને તેણે પોતાના પતિને આ વાત કરી. માનવતાને ધોરણે પરિવારજનોએ ઇંદરને પોતાના ઘરે લઈ આવવા વિચાર્યું. પરંતુ તે સમયે વાતાવરણ એવું હતું કે કોઇ હિંદુ કાફરને આશરો આપવામાં આવ્યો છે તેની ગામલોકોને જાણ થાય તો ઇંદર ઉપરાંત આ મુસ્લિમ પરિવારની પણ કતલ થઈ જાય તેવી પૂરેપૂરી દહેશત હતી. આમછતાં પતિપત્નીએ હિંમતભર્યો નિર્ણય કરી, કોઇને પણ ખ્યાલ ના આવે તે રીતે ઇંદરને ઘરમાં લાવી દીધો. લાગતું હતું કે બેચાર દિવસમાં ઇંદરને સારું થઈ જશે, પણ પુષ્કળ લોહી વહી જવાથી તે ઘણો નબળો પડી ગયો હતો. ગળાનો ઘા રુઝાતા લાંબો સમય લાગે તેમ હતું. વળી હિંદુ તરીકે ઇંદરને ઘરમાં લાંબો સમય સુધી રાખી શકાય તેમ હતું નહિ. આથી ગામમાં તેમણે વાત વહેતી મૂકી કે તેમનો એક દીકરો ગુરદાસપુરમાં પાછળ રહી ગયો હતો તે ઘાયલ સ્થિતિમાં તેમની પાસે આવી પહોંચ્યો હતો. આમ પણ હિજરત કરીને આવેલા આ પરિવારને ગામલોકો ઓળખતા તો ન જ હતા. એટલે ગામલોકોને કોઇ શક ગયો નહિ ઉલ્ટાની તેમણે સલાહ આપી કે દીકરાને હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. આ સલાહ ઝડપી લઈને ઇંદરને હોસ્પિટલમાં દાખલ કરી દીધો અને તેંનું નામ લખાવ્યું હિંદુઓના હાથે મૃત્યુ પામેલા પોતાના દીકરા સૈફુનું. આ બધો સમય ઇંદર તો પોતાને કોઇ ઓળખી જશે એ બીકે ફફડતો જ રહ્યો. પરંતુ સદભાગ્યે કોઇ ઓળખી શક્યું નહિ કારણ કે પંજાબમાં હિદુ અને મુસ્લિમના આહારવિહાર, આચાર અને પોશાક એક સરખા હોય છે. હોસ્પિટલમાંથી ઘેર આવી ગયા પછી છ માસ સુધી તેને પથારીમાં જ પડી રહેવું પડ્યું. થોડો સ્વસ્થ થયો કે તરત જ તેને માબાપ, ભાઈ અને તોફાનીઓએ છીનવી લીધેલી બહેનની તીવ્ર યાદ આવવા લાગી. વળી જે પરિવારમાં તે આશરો લઈ રહ્યો હતો તે કાંઇ ખમતીધર તો હતો નહિ, ભારતમાં બધી જ માલમિલ્કત છોડીને આવ્યો હતો. આ લોકો પર ક્યાં સુધી બોજ બનીને રહેવું? એવો વિચાર પણ તેને આવતો હતો. પરંતુ પરિવારના લોકો તો તેને દીકરા તરીકે રાખવા જ ઇચ્છતા હતા. કેમે કરીને ઇંદરે પોતાના માતાપિતા અને ભાઈઓની ભાળ મેળવવા રજા માગી લીધી. તપાસ કરતો કરતો તે કમળાબેનની છાવણીમાં પહોંચ્યો. કમળાબેને તેની વાત સાંભળી, માનવતાના પૂજારી એવા પેલા મુસ્લિમ પરિવારને મનોમન વંદન કર્યા અને તેના માતાપિતાનો પત્તો મળે ત્યાં સુધી ઇંદરને છાવણીમાં રાખવાનું વિચાર્યું.
છાવણી હિંદુ માટેની હતી અને ઈંદર હિંદુ હોવા છતાં તેની ઓળખ તો મુસ્લિમ તરીકેની હતી. વળી પાકિસ્તાન સરકારની છાવણી પર બારીક નજર હતી આથી લાંબો સમય તેને અહીં રાખી શકાય તેમ ન હતું. ઇજાઓને કારણે તે એટલો નબળો પડી ગયો હતો કે જાતે પોતાના કુટુંબની તપાસ કરવા જઈ શકે તેમ ન હતો. જેમતેમ કરીને કમળાબેને કોઇ વિશ્વાસુને સાથે મોકલીને ઇંદરને તેનાં ગામ જવાની છૂપી ગોઠવણ કરી આપી પરંતુ ગામમાં તેના માતાપિતા કે ભાઈની ભાળ મળી નહિ અને છાવણીમાં પાછો ફર્યો.
કમળાબેનની ઇચ્છા પેલા મુસ્લિમ પરિવારને મળવાની હતી આથી એક મુસ્લિમ કાર્યકર્તાની મદદ લઈને મળવા ગયા. પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું, આગ્રહ કરીને નાસ્તો કરાવ્યો. કમળાબેન પણ સાથે મીઠાઈ અને ફળફળાદિ લઈને ગયા હતા.
ઇંદરથી છૂટા પડતા આ દંપતિ જાણે પોતાના સગા દીકરાને પરદેશ મોકલતાં હોય એમ ગળે વળગીને ખૂબ રડ્યાં. કમળાબેન લખે છે કે લાગણીભર્યા આ વાતાવરણમાં તેઓ ભાગલાની યાતનાઓ અને બન્ને કોમોએ એકબીજા પર ગુજારેલા જુલમોને વીસરી ગયાં. ઇંદરને તો એક માતાપિતાથી વિખુટા પડ્યા બાદ બીજા માની લીધેલા માબાપથી છૂટા પડવાનું બન્યું
બીજા દિવસે કોઈ બાતમી મળ્યાથી ઇંદર તપાસ કરવા જલંધરની છાવણીમાં ગયો અને ત્યાં તેની બહેન મળી ગઈ આ ઉપરાંત તેનાં માબાપ પણ બીજી એક નિર્વાસિતોની છાવણીમાંથી મળી ગયાં.
કહેવાની જરૂર નથી કે બન્ને દેશમાં પ્રસરેલા કોમી ઝેરભર્યા વાતવરણમાં ઇંદરે માનવતાની મહેક અંકે કરી હશે.
[1] (*ક્મળાબેનનો પરિચય.: ‘મૂળ સોતાં ઉખડેલાં’ પુસ્તકમાં કમળાબેને ક્યાંય પણ પોતાનો નાનો સરખો પણ પરિચય આપ્યા વિના સીધા જ ભાગલા પછી તેમને સોંપાયેલી કામગીરી અને અનુભવોની જ વાત કરી છે. અન્ય કોઇ પુસ્તકમાં પણ તેમના વિશે લખાણ જોવામાં આવ્યું નથી. આથી ગૂગલને સહારે જ તેમની તસવીર સહિતનો તેમનો પરિચય આપવા પ્રયાસ કર્યો છે.
વતન તેમનું હતું ચરોતરનું સોજિત્રા ગામ અને જન્મ નડિયાદમાં થયો હતો. પિતા શંકરભાઈ પટેલની ચાર દીકરીઓમાં કમળાબેન સૌથી મોટાં હતાં. શંકરભાઈ નાની ઉંમરે જ વિધુર થયા હતા, આથી પોતાની ત્રણ નાની બહેનોની દેખભાળ કરવાની જવાબદારી કમળાબેનને માથે આવી હતી. પછી ગાંધીજી પ્રત્યેનાં અદમ્ય ખેંચાણને લીધે શંકરભાઈ ચારેય સંતાનોને લઈને સાબરમતી આશ્રમમાં આવી ગયા. લગ્ન થયા બાદ થોડા જ સમયમાં એટલે કે ૧૮ વર્ષની ઉંમરે કમળાબેન વિધવા થયાં હતાં.
મૃદુલાબેન સારાભાઇ અવારનવાર ગાંધીઆશ્રમની મુલાકાતે આવતાં, તેથી અહીં તેમને કમળાબેનનો પરિચય થયેલો. કમળાબેનમાં કાર્યક્ષમતા, સમર્પિતતા તેમજ સંવેદનશીલતાના ગુણો તેમણે જોયેલા. આથી જ વિભાજન પછી જ્યારે નિર્વાસિતોનો પ્રવાહ ઓછો થયો ત્યારે તેમણે કમળાબેનને પાકિસ્તાનમાં અપહ્રુત થયેલી સ્ત્રીઓને શોધીને લાહોરની છાવણીમાં લાવવાની અને ત્યાંથી ભારત મોકલવાની કામગીરીની જવાબદારી સોંપી. કામગીરી જોખમી તો હતી જ ઉપરાંત કમલાબેનની યુવાન વયને કારણે વધારે જોખમી હતી. પરંતુ બધા જ ભયને ત્યાગીને કમળાબેને પોતાની જુવાનીનાં ઉત્તમ વર્ષો આ કામમાં ગાળ્યાં આ દરમ્યાન પોતાને થયેલા સારાનરસા અનુભવો તેમણે પોતાના પુસ્તક ‘મૂળાસોતા ઉખડેલ’ માં વર્ણવેલા છે.
‘મુળસોતાં ઉખડેલા’ એ માત્ર પુસ્તક જ નથી પરંતુ ભાગલા વખતે બન્ને કોમોનાં હેવાન બની ગયેલા માનસ, બન્ને દેશોના સરકારી તંત્રમાં રહેલા મોટાભાગના અધિકારીઓમાં નિષ્ઠાનો અભાવ તો ક્યાંક ક્યાંક સામાન્ય માણસો અને કોઇ અધિકારીઓએ પોતાનો ધર્મ કે દેશ ભૂલી જઈને માનવતાને આપેલી પ્રાથમિકતાનો એક દસ્તાવેજ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જિજ્ઞાસુઓએ આ પુસ્તક વાંચવું રહ્યું.)
ટેક્નોલોજીના વર્તમાન સમયમાં કેટલાક એવા શબ્દો ચલણી બન્યા કે જેના અનુવાદની કે એનો અર્થ સમજાવવાની કશી જરૂર ન પડે. આવો એક શબ્દ છે ‘સેલ્ફી’. ૨૦૦૨માં નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’ શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો હતો. હવે તો આ શબ્દ અને પ્રથાનું ચલણ એ હદે વ્યાપક બની ચૂક્યું છે કે લોકો કોઈ પણ સ્થળે અને સમયે ‘સેલ્ફી’ ખેંચીને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મૂકતા થઈ ગયા છે. જાણેઅજાણે તેઓ પોતાની અંગત અને વ્યક્તિગત ક્ષણોને આ રીતે જાહેર કરી રહ્યા છે. આ પ્રથાનું વળગણ એટલું પ્રસરી ચૂક્યું છે કે તે ‘ન્યૂ નોર્મલ’ બની રહી છે. ‘સેલ્ફી’ ખેંચવા અને તેને જાહેર માધ્યમ પર મૂકવા પાછળની માનસિકતા કંઈક એવી કહી શકાય કે પોતે અન્યોથી વિશેષ છે અને દુનિયાને તેઓ બતાવવા માગે છે કે કેવા વિશિષ્ટ સ્થળ સુધી પોતે પહોંચ્યા છે. ‘સેલ્ફી’ કોઈ પણ સ્થળની હોય, એને જાહેરમાં મૂકવા પાછળની માનસિકતા મોટે ભાગે આનાથી અલગ હોતી નથી. આ માનસિકતાને કારણે જે તે સ્થળની ગરિમા જળવાતી નથી. આ આખા મામલે સૌથી વધુ ભોગ લેવાતો હોય તો સામાન્ય વિવેકનો. આ સમસ્યા કોઈ એકલદોકલ સ્થળ કે ત્યાંના લોકોની નહીં, બલકે વિશ્વવ્યાપી છે એમ કહી શકાય. વખતોવખત વિવિધ દેશોના આ પ્રકારના કિસ્સા પ્રસારમાધ્યમોમાં ચમકતા રહે છે.
જૂન, ૨૦૨૫માં ઈટાલીના ફ્લોરેન્સ શહેરની ઉફીઝી આર્ટ ગેલરીમાં એક વિચિત્ર બનાવ બન્યો. ઈટાલીના તસ્કેની પ્રાંતની રાજધાની એવું ફ્લોરેન્સ શહેર ચૌદમીથી સોળમી સદી દરમિયાન કળાના નવજાગરણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું. આ શહેરમાં આવેલી, ત્રણસો વર્ષ પુરાણી ઉફીઝી ગેલરીમાં ગોયા, ટીયેપોલો, કેનેલેતો જેવા ખ્યાતનામ ચિત્રકારોની અસલ કૃતિઓ પ્રદર્શિત કરાયેલી છે, જેની મુલાકાતે વિશ્વભરમાંથી અનેક પ્રવાસીઓ આવતા રહે છે.
વિખ્યાત ચિત્રકાર એન્તોન દોમેનીચી ગેબીઆનીએ ઈ.સ.૧૭૧૨માં ચીતરેલું તસ્કન રાજકુંવરી ફર્દિનાન્દ દ મેદીચીનું ચિત્ર અહીં પ્રદર્શિત છે. એક પ્રવાસીએ આ ચિત્ર આગળ ઊભા રહીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો અને એમાં સંતુલન ગુમાવતાં તે ચિત્ર તરફ ગબડ્યો. કેનવાસ પર દોરાયેલા એ અસલ ચિત્રમાં આને કારણે કાણું પડી ગયું. એ પ્રવાસીને પકડીને પોલિસને હવાલે કરાયો છે, અને ગેલરીને થોડો સમય માટે બંધ કરવામાં આવી છે. પ્રવાસી પર પોલિસ કાર્યવાહી થશે, પણ ચિત્રને જે નુકસાન થયું એનું શું?
થોડા સમય પહેલાં વેરોના શહેરની પાલાઝો મેફાઈ ગેલરીમાં પણ એક દુર્ઘટના બની હતી. ખ્યાતનામ ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘની અતિ જાણીતી કૃતિ પરથી પ્રેરિત થઈને નિકોલા બોલા નામના એક કલાકારે એની ‘ખુરશી’નું શિલ્પ બનાવેલું. એક દંપતિએ એની પર બેસવાની ચેષ્ટા કરતાં એ શિલ્પ તૂટી ગયું.
ગેલરી અને મ્યુઝિયમના સત્તાવાળાઓ કંઈ એકે એક કૃતિ માટે સલામતિની વ્યવસ્થા કરી શકે નહીં, કેમ કે, અતિ જાણીતાં આવાં કલાસ્થાનોએ પ્રવાસીઓનો ધસારો પુષ્કળ રહેતો હોય છે. મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવો પણ વ્યવહારુ નથી. કેવળ કડક કાયદો પણ અહીં ચાલી શકે એમ નથી. આ સંજોગોમાં પ્રવાસીઓએ જ કેળવાવું પડે. પ્રવાસીઓએ આવા ઐતિહાસિક સ્થળની ગરિમા જાળવવી જરૂરી છે. તેનું માહાત્મ્ય સમજાય, મૂલ્ય ખબર પડે તો કદાચ એ આવી ચેષ્ટા કરતાં કદાચ વિચારે. જો કે, ટેક્નોલોજી જે ઝડપે પ્રસરીને હાથવગી બની રહી છે એમાં સારાસારનો વિવેક લુપ્ત થઈ ગયો છે. લોકો હજી ટેક્નોલોજીની એક વિશેષતાથી પરિચીત થાય, ટેવાય એ પહેલાં તો નવું પાસું ઊમેરાઈ જાય છે. આવામાં વિવેક કેળવાય શી રીતે? આવી બાબતે કાનૂન બનાવવા મુશ્કેલ છે, કેમ કે, એ અંગેનો ખરડો પસાર થઈને કાનૂન બને એ પહેલાં તો ટેક્નોલોજી ક્યાંય આગળ નીકળી ગઈ હોય.
જાહેર પરિવહનનાં સાધનોમાં મુસાફરી કરનાર સૌ કોઈનો અનુભવ હશે કે કોઈ ને કોઈ સહપ્રવાસી પોતાના ફોનમાં રીલ જોઈ રહ્યો હોય અને ફોનનો અવાજ ખૂબ ઊંચો હોય. આને લઈને નીપજતો ત્રાસ એટલો હોય છે કે સહન કરવો મુશ્કેલ થઈ પડે. એવા જણને અવાજ ધીમો કરવાનું કહેવામાં આવે તો મોટા ભાગના કિસ્સામાં એ નારાજ થઈ જાય એવી શક્યતા રહે છે.
કોઈક સ્થળની મુલાકાતની યાદગીરી તરીકે ત્યાં તસવીર ખેંચાવવી અને કોઈ સ્થળે ‘સેલ્ફી’ લેવી એ બન્નેમાં થોડો તફાવત છે. ‘સેલ્ફી’માં કેન્દ્રસ્થાને ‘સેલ્ફ’ એટલે કે ‘સ્વ’ હોય છે, અને તેનો મુખ્ય હેતુ અંગત યાદગીરી નહીં, પણ ઘોષણા માટે હોય છે. અનેક લોકોને કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ સાથે ‘સેલ્ફી’ ખેંચવાનો શોખ હોય છે. આવી તસવીરોમાં ઘણી બધી વાર એ જાણીતી વ્યક્તિનું ધ્યાન સુદ્ધાં ન હોય અને તેમની સાથે તસવીર ખેંચીને તેને જાહેર માધ્યમમાં મૂકવામાં આવે છે. એ તસવીર ‘સેલ્ફી’ લેનારની મૂર્ખામીને જ ઉજાગર કરે છે. ગમે તે સ્થળે, પોતે પોતાની તસવીર ખેંચવાની લ્હાયમાં ઘણી બધી વાર સામાન્ય વિવેક અને સામાન્ય બુદ્ધિ કોરાણે મૂકાઈ જાય છે. સંવેદનશૂન્યતા અને દેખાડાબાજી આવી તસવીરોમાં સાફ ઝલકે છે.
ટેક્નોલોજી અનેક સુવિધા આપે છે, પણ એના ઊપયોગ માટેનો સ્વવિવેક આપણે કેળવવો પડે. એમ કરવા માટે કોઈ વિશેષ સમજણની નહીં, સાદી સમજણ કાફી છે. નાગરિકધર્મના ઘણા પાઠ હવે નવેસરથી કેળવવાનો આ સમય છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.