વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૪ :

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    વાદળાં કેમ બને ?

    પરેશ ૨. વૈદ્ય

    પણે સમજ્યાં કે ભીની હવામાંનો ભેજ ઠરે તો સૂક્ષ્મ જળકણિકાઓ રૂપે વાદળ બને. આ માટે હવા ઉપર જવી જોઈએ. જમીનનાં થરે ભવન વાતા તો આપણે અનુભવ્યા છે પણ ઉપર તરફ કેમ વહે? સદભાગ્યે કુદરતી ઘણી વ્યવસ્થાઓ કરી રાખી છે જેનાથી હવા ઉપર પણ જાય છે અને વાદળાં પણ બને છે. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં આ ઘટના જુદી જુદી રીતે બને છે, સ્થાનિક ભૂગોળ અને પવનના પ્રવાહો મુજબ.

    સૂકી હવા ૭૮ ટકા નાઈટ્રોજન, ૨૧ ટકા ઓક્સિજન અને એકાદ ટકા આર્ગનની બનેલી હોય છે. પાણીની બાષ્પ (ભેજ) આના કરતાં ઘણી હલકી હોય; તેથી ભેજવાળી હવા સૂકી હવા કરતાં ઘણી હલકી હોય. વળી એ ગરમ જમીનના સંપર્કથી ગરમ થાય તો વધુ ભેજ સમાવે અને તેથી વધુ હલકી બને. આમ સાદી હવાની હાજરીમાં ગરમ-ભીની હવા ઉપર ચડી જાય તે સ્વાભાવિક છે.

    ભારતના સંદર્ભમાં નૈઋત્યનાં ચોમાસામાં આવતી ભેજવાળી હવાને ઉપર ચડવામાં પર્વતો પણ મદદરૂપ છે. કેરાળાથી મુંબઈ સુધી વિસ્તરેલો પશ્ચિમ ઘાટ અરબી સમુદ્ર તરફથી આવતા પવનોને તો પૂર્વ ઘાટ બંગાળના ઉપસાગર તરફથી આવતા પવનોને સરળતાથી ઊંચે જવા દે છે. (જુઓ ચિત્ર) અંગ્રેજીમાં તેને ‘ઑરોગ્રાફીક ચઢાણ’ કહે છે.

    પર્વતોને કારણે વાદળોનું આરોહણ

    હવા ઠંડી પડે

    ભેજવાળી હવા ઊંચી ચઢે ત્યારે બે રીતે તે ઠંડી પડે છે. એક તો એ છે કે સમુદ્રની સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે. પહાડો પર આથી જ ઠંડી હોય છે. દર એક કિલોમીટર ઊંચાઈએ આશરે ૭૦ સે. જેટલું ઉષ્ણતામાન ઘટે છે. સ્થળ અને ઋતુ મુજબ આ આંકડો થોડો બદલે. સાથેનાં કોષ્ટકમાં ઓક્ટોબર મહિનામાં દિલ્હીનાં આકાશ પર નોંધેલા ઉષ્ણતામાનના આંકડા છે.

    સંદર્ભ ખાતર નોંધીએ કે માઉન્ટ એવરેસ્ટ ૮.૮ કિ.મી. ઊંચો છે અને જેટ વિમાનો સામાન્ય રીતે ૯ થી ૧૦ કિ.મી.ની ઊંચાઈએ ઊડે છે. ત્યાં આગળ ઉષ્ણતામાન શૂન્યની નીચે ૪૦ સે. હોય છે. આ તો આડવાત્ થઈ. હવાને સંતૃપ્ત થવા આટલે જવાની જરૂર નથી. ભેજની માત્રા પ્રમાણે દોઢ-બે કિલોમીટર ઉપર જતાં જ સૂક્ષ્મ જલશીકરો બનવા લાગે છે.

    કોષ્ટક
    ધરતીથી  ઊંચાઈ અને ઉષ્ણતામાન
    ઊંચાઈ

    (મિટર)

    ઉષ્ણતામાન

    (સે.)

    ઊંચાઈ

    (મિટર)

    ઉષ્ણતામાન

    (સે.)

    જમીન પર ૩૦ ૪૨૦૦
    ૧૬૦૦ ૧૮ ૪૮૦૦
    ૧૯૦૦ ૧૫ ૫૪૦૦
    ૨૩૦૦ ૧૧ ૬૦૦૦ ૧૧
    ૨૮૦૦ ૬૭૦૦ ૧૭
    ૩૨૦૦ ૭૧૦૦ ૨૧
    ૩૪૦૦ ૮૧૦૦ ૩૦
    ૩૭૦૦ ૧૦૦૦૦ ૩૯

    બીજી વાત એ છે કે જેમ જમીનથી ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય છે. તેથી ત્યાં વાતાવરણનું દબાણ ઓછું હોય છે. નીચેથી હવા જ્યારે ઉપર જાય ત્યારે દબાણ ઘટવાને કારણે પ્રસરે છે. કુદરતનો નિયમ છે કે પ્રસરતો વાયુ ઠંડો થાય. (એ નિયમ ઉપર રૅફ્રિજરેટર ચાલે છે.) આથી ઉપર જતી હવા ઠંડી પડતી જાય છે. આ બંને કારણોથી પેલાં કાચનાં બોક્ષમાંની હવાની જેમ આ હવા ઓછો ભેજ હોય તો પણ ઉષ્ણતામાન ઘટવાને કારણે સંતૃપ્ત થઈ જાય છે અને જે ઊંચાઈએ ઉષ્ણતામાન ઘટીને ઝાકળબિંદુ જેટલું ઓછું થઈ જાય તે સ્થળે ઠરવા લાગે છે. બીજા શબ્દોમાં ત્યાં વાદળું બને છે. આ ઊંચાઈથી નીચે વાદળ બને નહીં. આથી જ તમે વિમાનમાં મુસાફરી કરતી વખતે જોયું હશે કે વાદળાંના ઘટાટોપનો નીચેનો છેડો એક સમાન સપાટીએ હોય છે. ઉપરના ભાગે ભલે વાદળાંના ગોટા ઉપર-નીચે હોય, તળિયું તો આખા જૂથનું એક જ સ્તરે હોય છે. આ ઊંચાઈ તે ઝાકળબિંદુ ઉષ્ણતામાનનું આકાશમાં સ્થળ.

    માટીની ભીની સુગંધ

    ઋતુના પ્રથમ વરસાદની અગત્યની ઓળખ છે માટીની સુગંધની. અનેરી અને રોમાંચક હોવાથી આપણે તેનેમીઠીકહીએ છીએ; વરસાદ જોડે સંકળાયેલી હોવાથી કોઈ તેને પ્રેમથીભીનીસુગંધ પણ કહે છે. ક્યાંથી આવે છે? ક્યારાની ભીની માટીમાંથી તો નથી આવતી. સુગંધ એક પ્રકારનાં જીવાણુના કારણે છે. ભેજમાં જીવે છે અને પછી સૂકાઈને ધૂળમાં પડયાં રહે છે. પાણી પડતાં જાગૃત થઇ જીઓસ્મિન નામનું રસાયણ છોડે છે જેને આપણે પહેલા વરસાદની સુગંધ કહીએ છીએ.

    રાત્રે ગાજવીજ સાથે વરસાદ થયો હોય તેની બીજી સવારે વાતાવરણમાં કંઇક જુદું લાગે છે. ઓઝોન વાયુની  સુગંધના કારણે છે. વીજળી થવાથી ઉષ્ણતામાને ઓક્સિજન (O2) વાયુના કેટલાંક અણુઓ ઓઝોન (O3)માં પરિવર્તિત થાય છે

    ભેજ ઠરે ત્યારે કોઈ આધાર ઉપર ઠરે છે. જમીનની સપાટીએ ઝાકળબિંદુઓ પાંદડા કે ફુલ કે કઠેડાની ઠંડી સપાટી પર બેસે છે. ઊંચે આકાશમાં પણ તેને કરવા માટે કંઈક આધાર જોઈએ. સદભાગ્યે હવા ક્યારેય શુદ્ધ નથી હોતી. ધુમાડાના અતિસૂક્ષ્મ કણો કે પછી મીઠાંની બારીક કણીઓ હવામાં તરતાં હોય છે જેના ઉપર ભેજ ઠરે છે અને વાદળ બને છે.

    પદાર્થ વિજ્ઞાનની કેટલીક પ્રક્રિયાઓ ભેજવાળા હવાને આ ઝાકળબિંદુ સ્થળ કરતાં પણ ઉપર લઈ જાય તેવું બને છે. જો ભેજ ચાર કિલોમીટર જેટલો ઊંચે ચાલ્યો જાય તો જે વાદળ બને તે પાણીનાં નહીં પણ બરફની સૂક્ષ્મ કણિકાઓનાં બનેલાં હોય છે. ખેડેલાં ખેતર જેવાં ખૂબ ઊંચાં વાદળો તમે ક્યારેક જુઓ છો તે આવાં બરફનાં વાદળ છે.

    આકાશમાં ઝાકળ

    હવામાનો ભેજ ઠરીને ઝાકળરૂપે ઘાસ, પાંદડાં કે ધાતુની સપાટીઓ ઉપર બેસે છે. તે રીતે ઉપર આકાશમાં પણ ભેજ ઠરવા માટે કોઈ આધાર તો જોઈએ. હવામાં ઝળૂંબતા સૂક્ષ્મ કણો આવી સપાટી પૂરી પાડે છે. સમુદ્રનાં મોજાં ખડકો જોડે અથડાઈને ઉછળે તેમાંથી મીઠાંની કણીઓ બને છે. કણો, ધુમાડાના કણો, વંટોળમાં ઉડતી રણની રેતીના સૂક્ષ્મ કણો અને સૌંદર્ય પ્રસાધનના સ્પ્રે કૅનમાંથી નીકળતાં રસાયણના કણો ભેજને ઠરવામાં મદદ કરે છે. આવા સૂક્ષ્મ કણોનેએરૉસોલકહે છે, જે વાદળાનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.

    મોસમ સિવાયનાં વાદળાં

    અત્યાર સુધી આપણે એ જોયું કે નૈઋત્યના ભેજવાળા પવનો પૂર્વઘાટ કે પશ્ચિમઘાટની મદદથી ઉપર જાય તો વાદળાં કેમ બને છે પરંતુ ચોમાસાં જેવી ઋતુ નથી ત્યાં પણ વરસાદ પડે છે અને પહાડો નથી ત્યાં પણ વરસાદ પડે છે. તેની પ્રક્રિયા જુદી છે. તેમાં ઠંડી, સૂકી હવા અને ભીના ગરમ હવાના મોટા પ્રવાહો સામસામા આવી મળે છે. તેના કારણે ગરમ હવાનો જથ્થો(Front) ઠંડી હવાના પટ્ટાની ઉપર ચડી જાય છે. આ પછીની પ્રક્રિયા જેમાં ભેજ ઠરીને વાદળાં બને તે આપણે અગાઉ જોઈ તે રીતની જ છે. ચિત્રમાં આનો એક પ્રકાર બતાવ્યો છે.

    ગરમ હવા ઊંચે જઈ કમોસમી વાદળાં

    વર્ષા અને હિન્દી સિનેમા

    વર્ષાગીતો આમ તો સંગીતનો ખાસ પ્રકાર છે. શાસ્ત્રીય સંગીતમાં મલ્હારના ઘણા પેટા રાગો વરસાદ જોડે સંકળાયેલા છે પણ વરસાદની સૌથી વધુ મજા લે છે. હિન્દી સિનેમા અને સંગીત. રેડિયો ચાલુ કરતાં ચારપાંચ ગીતે એક ગીત જરૂર વરસાદ પર નીકળી આવે છે. “તમારી બે ટકાની નોકરી માટે મારો લાખેણો શ્રાવણ કાં ગુમાવો છો?” એવો ટોણો મારતી ઝીનત અમાન ઘણાને યાદ હશે. રાજકપૂર જેવા રસીલા ડાયરેક્ટરોએ ભીની સાડીવાળી નાયિકાની લાચારીનો ઉપયોગ બોક્ષ ઓફિસ જીતવા માટે ભરપૂર કર્યો. ઈટાલી અને જાપાનના વિખ્યાત દિગ્દર્શકો પાસે આમ કરવા વરસાદ રૂપી કોઈ બહાનું નથી!

    યુરોપમાં વાર-તહેવારે, વિના ઋતુએ વરસાદ પડે છે તે આ પ્રક્રિયાથી. આપણે ત્યાં કમોસમી માવઠાં થાય છે તે પણ આ રીતે જ. નકશો જોતાં જણાશે કે યુરોપને ત્રણ બાજુ સમુદ્રો છે જે ભેજના સ્રોત છે. અહીં જો ઠંડી અને ભારે હવા સ્થિર હોય ત્યારે ભેજવાળી હવાનું મોજું આવી ચડે તો તે પોતે જ ઊંચી ચડી જાય છે. ક્યારેક એવું ય થઈ શકે કે આવનારી હવા ઠંડી હોય અને સ્થાનિક હવા ગરમ હોય તો ગરમ હવાને ઠંડો જથ્થો ઉપર ધકેલે છે. ગરમ હવા ઉપર જઈ તેનો ભેજ કરી વાદળાં બને. આ પ્રક્રિયામાં ક્યારેક આલ્પ્સ પર્વતના ધીમા ઢોળાવો પણ મદદ કરે છે.



    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [3]

    બીજા અંકમાં, તેઓ જેને “ત્રીજો જન્મ”કહે છે તેવી સુશ્રી પ્રીતિબહેનની અમેરિકાની જીવનશૈલી ઝલક જોવા મળી. હવે આગળ……

    આવા મારા ઉત્ફુલ્લ સમય-કાળ દરમ્યાન એક એવો બનાવ બન્યો હતો કે જેને હું મારા અમેરિકામાંના જીવનનો બીજો ચમત્કાર ગણું છું. નાનપણથી હું બંગાળી સાહિત્યના ગુજરાતી અનુવાદો વાંચતી આવેલી, અને રવીન્દ્રનાથનાં ગીતો ગાતાં શીખેલી. મનમાં એક હસવા જેવો ખ્યાલ હતો, કે બંગાળી કવિને પરણવું છે ! એવું, કે જે ગુજરાતમાં શક્ય ના બન્યું હોત તે કોઈ જાદુઈ રીતે ન્યુયોર્કમાં બન્યું. એક બંગાળી ભદ્રજન સાથે મુલાકાત, મૈત્રી, પ્રેમ ને પછી લગ્ન થયાં. જોકે મેં ઘણી વાર કહ્યું છે, કે “ સારું છે કે ઈશ્વરે કવિ મને બનાવી. જો એ કવિ હોત તો અમે “ખાખી બંગાળી’ હોત!” આટલો વિનોદ જાત પ્રત્યે !

    પછી તો એના બંગાળી મિત્રો સાથે મારી ઓળખાણો થઈ, બધા બંગાળી કાર્યક્રમોમાં જવાનું થવા માંડ્યું, રવીન્દ્રનાથના ડાન્સ-ડામામાં ભાગ લીધો, કોલમ્બિયા યુનિવર્સિટીના મંચ પર બંગાળી કાર્યક્રમોમાં ગાયું, ન્યૂયોર્કની ટાગોર સોસાયટી સાથે વર્ષો સુધી એની કારોબારીમાં જોડાયેલી રહી. બધાં બંગાળીઓ મને બંગાળી જ માને. જે જાણતાં હોય તે પણ ભૂલી જાય કે હું “ઓંબોંગાલી’ છું! ન્યુયોર્કમાં રહેતાં રહેતાં મને આખું બંગાળી-વિશ્વ આવી મળ્યું. અન્યોની વાતો સાંભળી સાંભળીને હું બંગાળી બોલતાં શીખી ગઈ, અને જાતે, એકદમ ઝટપટ – પંદર મિનિટમાં – બંગાળી વાંચતાં શીખી ગઈ. ને એ પછી તો કેટલી બંગાળી ચોપડીઓ વાંચી – શૉકોરથી શરૂ કરીને ‘શરચ્ચંદ્ર’, ને રવીન્દ્રનાથ, તારાશંકર બંદોપાધ્યાય, આશાપુર્ણાદેવી ઈત્યાદિથી સુનીલ ગંગોપાધ્યાય. આ એક વધારે પરિમાણ – ગુજરાતી, અમેરિકન અંગ્રેજી, પછી બંગાળી. અને વિશ્વમાંથી તો હજી કેટલુંયે ઉમેરાવાનું હતું.

    લગ્ન થતાંની સાથે શ્રી સેનગુપ્તાએ કહ્યું, કે “ તારે નોકરી કરવાની જરૂર તથી. હું હંમેશાં તારી સંભાળ રાખીશ.” તે મારે વળી નોકરી કયાં કરવી જ હતી ! આવી વ્યક્તિનું મને આવી મળવું, તે છે મારા જીવનનો બીજો, અને સદાયે માટેનો અદ્‍ભૂત ચમત્કાર. ભાગ્ય તરફથી મળેલો આશીર્વાદ.

    બસ, આ પછી તો દુનિયાનાં બધાં બારણાં ખુલી ગયાં, અને બધા રસ્તા સામસામા થઈ ગયા. હવે તો છ મહિનાની નોકરી કરવાની પણ જરૂર ના રહી. ખૂબ રસથી ને પ્રેમથી મેં આ ગોળ પુથ્વી પર આવર્તનો લેવા માંડ્યાં. મારા વરને ક્યારેક ટાપુ-દેશો પરના મોંઘા રિઝોર્ટમાં જવા સિવાય પુથ્વી-દર્શનમાં જરા પણ રસ નહીં, ને મારે માટે એ તીવ્ર ખેંચાણ. મારો વર ચિંતા કર્યા કરે, પણ ક્યારેય મને રોકે નહીં. હું કેટલો નિજાનંદ પામું છું એ જોઈને પોતે પણ ખુશ થાય. અત્યાર સુધીમાં પંદરેક વાર પૃથ્વી ફરતે જઈ આવી છું. અમેરિકા અને યુરોપ પછી બીજા વધારે દૂરના દેશો તરફ ગઈ, વધારે અઘરા પ્રવાસો કરવા લાગી. બધું જ એકલાં, જાતે
    જાતે, એકદમ મક્કમ નિધીર. કેટલી હિંમત કરું છું, એવો કશો “વહેમ’ નહીં, ને સાથે જ, ભયનો ને બીકનો કશો ભાવ નહીં.

    ખરેખર તો, મનમાં વિશ્વાસ રહેતો – અન્યો માટે. એમ, કે કારણ વગર સંશય કરવાનું, ને શંકિત થવાનું શા માટે? સહજ આનંદ અને સતત વિસ્મય જાણે મારી જીવન-નાવનાં બે હલેસાં બની ગયાં. બસોમાં ફરું ને ધરમશાળા જેવી નાની સ્થાનિક જગ્યાઓમાં રાત રહું, જે મળે તે ખાઈ લેતી હોઉં; ઘણી મહેનત કરીને ભ્રમણ કરતી હોઉં, પણ ફ્યારેય કંટાળો નહીં, ને ભાગ્યે જ જાતને પણ ફરિયાદ. વિશ્વભરમાં કેટકેટલા પ્રવાસો બસમાં કર્યા, ને તે પણ કલાકોના કલાકો, અને દિવસો સુધીના. જેમકે, પહેલી વાર અલાસ્કા ગઈ ત્યારે કેનેડાના વાનકુવર શહેરથી બસ લીધેલી. પાંચ દિવસ પછી પાંચમી રાતે ત્યાં ફેરબૅન્ક્સ ગામે પહોંચી. આમાં
    પહેલા અડતાલિસ કલાક એક જ બસમાં, એક જ સીટ પર ગાળ્યા હતા. કુદરતની કમાલને જોયા કરી હતી. શું રોમાંચ, શું ઉલ્લાસ; કંટાળાને માટે મનમાં જગ્યા જ ના થાયને. આ રીતે ટ્રેન-સફર તો ઘણા દેશોમાં કરી છે, પણ ટ્રેનમાં પિસ્તાલિસ કલાકો સળંગ મુસાફરી ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ કરી છે. ભૂમિ, બસ, જોતી જ રહું.

    દર વર્ષે, વર્ષમાં ચાર મહિના-છ મહિના પ્રવાસ થતા ગયા, ને અમુક વખતે મને ખ્યાલ આવ્યો કે સ્થાનો પર તો જઈ જ રહી છું, પણ એક પછી એક કરતાં પૃથ્વીના જુદા જુદા મહાખંડમાં પણ જઈ રહી છું. હું મારી જ પ્રક્રિયાથી સભાન બની, અને વધારે આદરપૂર્વક વિશ્વના પ્રદેશોમાં જવાનાં આયોજન કરવા માંડી. હું માનતી આવી છું, કે જે નજીક હોય તે પહેલાં જોવું જોઈએ, ને પછી ક્રમશ: દૂરનું, અજાણ્યું, અઘરું, જોવા જવાનું વિચારવું જોઈએ. જાણે એક પછી એક પગથિયું ચઢતાં જવાનું. સદ્‍ભાગ્યે, અમેરિકા આવી તે પહેલાં ભારતમાં વારંવાર થયેલા પ્રવાસો દ્વારા સમગ્ર જન્મભૂમિને નયનથી ને હૃદયથી નવાજવા પામી હતી. અલાસ્કા, હવાઈ અને આખા અમેરિકાને જોયું, અને યુરોપ, મેંફિસકો, કૅનેડા ગયા પછી જ જાણે હું પૂર્વ એશિયાના અત્યંત સુંદર દેશો – કોરિઆ, જાપાન, તાઈવાન વગેરે – જોવાને લાયક બની. પછી એશિયા ખંડના અન્ય દેશો જોયા. આટલા મોટા આફ્રીકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડમાં પણ ઘણા દેશો આવેલા છે. વળી, ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ. આખી લાંબી યાદી અહીં કયાં બનાવું? પણ એમ કહી શકું કે નિયમિત તથા વ્યવસ્થિત રીતે ફરતાં ફરતાં એકસો દસથી વધારે દેશોનાં દર્શન કર્યા છે. કેટલાયે દેશોમાં એકથી વધારે વાર ગઈ, કારણકે બધે ગમી જાય, ને ફરી જવાનું મન તો તૈયાર જ હોય. ભારત તો દર વર્ષે જતી હતી, અને ત્યાં પણ વિભિન્ન સ્થળો જોવા જતી રહું. ઉત્તર-પૂર્વના પ્રાંતો હોય, કે ઉત્તર પ્રદેશમાંનાં યાત્રાધામ હોય, કે કર્ણાટકનાં પ્રાચીન સ્મારક-સ્થાનો હોય, મારે તો જાણે બધું જ જોવું હોય. સ્તેહસિક્ત લોભ એક આ જ- સ્થાનો જોવાનો. એમને ફરી ફરી જોવાનો !

    વળી, પૃથ્વી પર તો જાણે પેટા-ખંડો પણ છે. જેમકે, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલો મધ્ય-અમેરિકા કહેવાતો ભૃમિ-ભાગ. ઉપરાંત, દરેક દરિયામાં ઘણા દ્વીપ-દેશો હોય છે. એ બધા તો એટલા વિયુક્ત, ને એટલા નાના, કે એમને કયા ખંડમાં ગણવા તે ઘણી વાર જાણે સમજાતું નથી હોતું. એટલાન્ટીક સમુદ્ર, પેસિફિક સમુદ્ર, કરીબિયન સમુદ્રમાંના એવા કેટલાયે દ્વીપ-દેશો પર પણ હું ગઈ. દરેક ટાપુ પર જન-જીવન પણ વિશિષ્ઠ એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રીકા, ઓસ્ટ્રેલિયા – એમ છ ખંડોમાંના અસંખ્ય દેશોમાં ફરી વળી, ને તે પછી જ એન્ટાર્કીટેકા જવા મેં મારી જાતને પરવાનગી આપી. છેલ્લે જાણીતો થયેલો તેથી એ સાતમો ખંડ કહેવાય છે, ને પ્રવાસી તરીકે મારે એને યોગ્ય આદર આપવો હતો. એ તો જાણે શબ્દાતીત અદ્‍ભૂત જગ્યા હતી. માંડ કશી ભૂમિ. અમુક કિનારા પાસે લાવા-રજ દેખાય. વધારે તો, આખો યે મહા-વિસ્તાર બરફથી છવાયેલો. સફેદ વાદળાં જોઈને થાય આ પહાડ હશે? હિમનદીઓ પોતાના જ વજનથી તૂટીને વિરાટકાયી હિમખંડો બનીને સમુદ્રમાં તરતી હોય. અલૌકીક સ્થાન, પારલોકીક અનુભવ. આ અસાધારણ હિમમંડિત સ્થાન-દર્શન કરીને વહાણ દુનિયા તરફ પાછું જવા માંડ્યું, ત્યારે ન બનવું જોઈએ તે બન્યું. પાણીમાં ઊંડે રહેલા પાષાણોની સાથે વહાણનું તળિયું અથડાયું, ને એવું ઘસાયું કે તત્કાળ વહાણમાં પાણી ભરાવા લાગ્યું. બધાં મશિનો બંધ થઈ ગયાં, બધે અંધારું થઈ ગયું. વહાણ મધદરિયે વાંકું વળીને અટકી પડ્યું. ધમાલ મચી ગઈ. આ વહાણ આર્જેન્ટીનાના નૌકાદળનું હતું, ને પહેલી વાર આમ પ્રવાસીઓને લઈને એંન્ટાર્કીટેકા આવ્યું હતું. બધા ખલાસીઓ સ્પેનિશ જ બોલે, અને એ બધા પણ ગભરાઈ ગયેલા. વહાણ તૂટ્યું પછી ખૂબ ઉતાવળે સ્પૅનિશમાં સૂચનાઓ આવવા લાગી. કશું સમજાય તહીં.

    છેવટે બધાં મુસાફરોને તૃતક પર ભેગાં કરવામાં આવ્યાં. દરેક જણ, એક પછી એક કરીને, દોરડાની નિસરણી પકડીને ઊતરતું ગયું. એ નિસરણી તો થોડે સુધી જ જતી હતી, તેથી દરેક જણે પાણીમાં નાખેલી રક્ષા-નાવના નાના ચોરસ “મોઢા” માં કૂદવું પડ્યું. સાચવીને જ સ્તો. નીચે હતો બરફના પાણીનો બનેલો સાગર, એમાં મોટીમસ વહેલ માછલીઓ તરે, ને ડોલમડોલ નાવડીમાં “પડવાનું” – નહીં તો બચવાનો કોઈ ઉપાય નહીં.

    બચવા અંગેની વાત તો લાંબી છે, પણ અહીં આટલું પુરતું છે. જાન બચી, તે જ; બાકી બધું ગુમાવ્યું – કપડાં, પૈસા, જરૂરી ચીજો, બે કૅમેરા, ત્રણસો જેટલા ફોટા, ને એથીયે વધારે તો, પાસપોર્ટ અને ગ્રીન કાર્ડ. (વષી પહેલાં “જાદુ’થી મળ્યું હતુંને એ! ) મુસાફરો અગિયાર દેશોમાંથી આવેલાં, ને હું એક જ ઈન્ડિયન હતી. મારો પાસપોર્ટ પણ ઈન્ડિયન હતો. એ તો ફરીથી ન્યુયોર્કના ઈન્ડિયન કોન્સ્યુલેટ સાથે અમુક માથાકૂટ કર્યા પછી મળી ગયો, પણ ગ્રીન કાર્ડ ફરી મેળવતાં અમેરિકન સરકારના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની બેદરકારીને લીધે જે મુશ્કેલી પડી, તેને તો યાદ કરતાં પણ જીવને કષ્ટ થાય છે.

    ઓગણીસમી-વીસમી સદીમાં દરિયો ઘણો ખેડાતો. ગુજરાતીઓ ભાગ્ય અજમાવવા દરિયાપાર જવાનું જોખમ પણ ખેડતા. ત્યારે પણ વહાણો તૂટતાં, ને મુસાફરો જાન ગુમાવતા. એ પછી કદાચ દાયકાઓ બાદ એક ગુજરાતી સ્ત્રી, વહાણ તૂટી પડ્યાથી, જીવ ખોવાની અણી પર આવી હતી. આ પણ થયો જ ને કોઈ પ્રકારે વિચિત્ર (અને વિસ્મયકર) અંગત દતિહાસ.

    હું કહેવા લાગી હતી : “ મારી જિંદગી એંન્ટાર્કીટેકાની પહેલાં, અને એંન્ટાર્કીટિકાની પછી”, પણ ભાગ્યના તડકા-છાંયાની વાતો આપણે સાંભળતાં આવ્યાં છીએને? તો એવું જ કાંઈ બન્યું મારી સાથે. એ કમભાગી વહાણ તો પછીથી ત્યાં જ ડુબી ગયું. સદ્‍ભાગ્યે કોઈ જાનહાનિ નહોતી થઈ. મેં દુન્યવી સઘળું ગુમાવી દીધું હતું, ને તોયે હું એક અત્યંત અગત્યની રીતે ભાગ્યવાન બની હતી. વહાણમાં દરરોજ હું જેમાં નોંધ કરતી હતી, ને રોજ એ દેવી સ્થાન પર કાવ્ય લખતી હતી, તે નોટબૂક બચી ગઈ હતી. જે થેલો હંમેશાં ખભા પર રહેતો – પાણીની બૉટલ, ગોગલ્સ, રૂમાલ, હેંટ, એકાદ કૅમેરા જેવી ચીજો સાથે – એમાં એ દિવસે એ નોટબૂક પણ હતી. એ બચી, તો હું બચી ગઈ. એમાં એંન્ટા્કીટેકાની સ્તુતિમાં બાર કાવ્યો લખેલાં. ફોટા તો જાણે ત્યાં ફરીથી જઈને ફરી પણ પડાય, પણ જો એ શબ્દો ગુમાવત તો હુદય એવું તો તૂટી જાત, કે જીવને કળ વળતાં કેટલોયે સમય લાગત. કદાચ કળ વળત જ નહીં. મને તો લાગતું હતું કે જો એ શબ્દો ગુમાવ્યા હોત તો જીવ પણ ગુમાવી દીધો હોત.

    સંસારમાં ફરી ગોઠવાઈ ના ગોઠવાઈ એટલાંમાં મારું ધ્યાન પુથ્વીના ગોળા પર છેક ઉત્તરે આવેલા આર્કીટેક સમુદ્ર પર ગયું. ઓહો, એ પણ કેટલો અમાપ વિસ્તાર છે. એમાં જ છે ઉત્તર ધ્રુવ. એની ચોતરફ ગ્રીનલેન્ડ, અમેરિકા, કૅનેડા, રશિયા વગેરે દેશોના ઉત્તરના છેડા છે. મારા સ્થાન-પ્રેમી મનને થયું, હું જો ત્યાં જઈ શકું – છેક દક્ષિણ પછી છેક ઉત્તરે – તો પુથ્વીના ગોળાકારને જાણે હું આલિંગનમાં લઈ શકું. વળી, આવો અનંત પ્રસ્‍તાર, ભલે જળનો, પણ એ સાડા સાતમો ખંડ તો ગણાવો જ જોઈએ. આમ, મારા મનમાં અને મારા માનવા પ્રમાણે, પુથ્વી પર સાડા સાત ખંડ છે !

    ચુંબકીય ઉત્તર ધ્રુવ પર જતું અભિયાન, કેનેડાના છેક ઉત્તરના હિસ્સામાં રેઝોલ્યુટ નામના કેનેડાની સરકારે બનાવેલા થાણા પરથી શરૂ થયું. અમે પાંચ મુસાફર હતાં. ચાર પુરુષો યુરોપના ચાર દેશો- આયરલેંન્ડ, ઈગ્લંડ, સ્વિત્ઝરલેંન્ડ, જર્મની- માંથી આવેલા. પાંચમી હું તે ઈન્ડિયન. ઉપરાંત પાંચ સ્થાનિક ઇનુઇત જાતિના પુરુષો. અભિયાનમાં સ્ત્રી હું એક જ, ને મારા તંબુમાં પણ હું એકલી. દુનિયા આખીમાં એકલી હોઉં, તો ધ્રુવીય વિસ્તારમાં પણ કેમ નહીં ! એક અંદેશો જરાક રહે, કે જો આ્કીટેક પ્રદેશમાં ફરતાં રહેતાં સફેદ રીંછમાંનું એકાદ આવી ચઢશે, તો બીકના મા્યી બૂમ પણ નહીં પડાય. જોકે સાથેના બે ઈનુઇત પુરુષો પાસે રાઈફલ હતી, ને એ રાખવી ત્યાં જરૂરી ગણાય છે.

    રૅઝોલ્યુટ થાણં છોડ્યું કે દુનિયા આખી પાછળ રહી ગઈ. અરે, ભૂમિ જ છૂટી ગઈ. હવે આગળપાછળ, ચારે તરફ હતો આર્કીટેક સમુદ્ર. તદ્દન થીજેલો. સદીઓથી થીજીને રહેલું પાણી. એના પર જ સ્લેજ જાય, એના પર જ દિવસો સુધી રહેવાનું, ને બરફની જ પથારી. હવામાન માઇનસ પચાસ, સાઠ, સિત્તેર ડિગ્રી. પહેલાં કદિયે ના કરી હોય એવી આ સફર હતી. મારા જીવનની આ મહાયાત્રા હતી.

    ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચીને અમારાં બધાંના દેશોના ધ્વજ ફરકાવ્યા. મારો પાસપોર્ટ હજી ઈન્ડિયન જ હતો, તેથી ઈન્ડિયન ધ્વજ લગાવેલો. રેંઝોલ્યુટ થાણામાં રાખેલી નોંધપોથી પરથી પછી ખબર પડેલી કે ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચનાર હું પ્રથમ ભારતીય વ્યક્તિ બની હતી.

    દુનિયા જ નહીં, પણ હું સંસારથી પણ મુક્ત થઈ ગઈ હતી. દુન્યવી એક્કે ચીજ લીધી નહતી. ઘડિયાળ પણ મેં સાથે નહતી રાખી. એવું બંધન પણ શા માટે રાખવું? ચોતરફ ચોવીસે કલાક ફેલાયેલા રહેતા પ્રકાશ સામે જોઈને હું સમયને સમજવા પ્રયત્ન કરતી. મેં નોંધ્યું કે મોડી સાંજ થવા માંડે ત્યારે પ્રકાશ કેંક દૂધિયો થતો હતો. આદ્ય-પ્રવાસીઓ આવી જ રીતે સમયને, આકાશને, દિશાઓને સમજતા હશે ને? કદાચ પોતાના ચિત્તને પણ.

    અસહ્ય જેવી ઠંડી, સ્લૅંજમાં બેઠે બેઠે પળે પળે આવતા રહેતા આંચકા વગેરેને લીધે અત્યંત કઠિન હતું આ સાહસ, પણ અસામાન્‍ય-વિરલ હતો આ અનુભવ. ઈશ્વરીય તત્ત્વ મારી અંદર જ સમાયું હશે, નહીં તો બચું કઈ રીતે આમ અહીં, ને અન્યત્ર? ઉછેરવશ, ટેવવશ, શ્રદ્ધાવશ, ગણેશની નાની મૂર્તિ અને થોડાં ફૂલો હું સાથે લઈ ગઈ હતી. ફૂલો તો ઠંડીમાં સાવ સૂકાઈ ગયેલાં, પણ બરફની એક શિલા પર મૂર્તિ પધરાવી, ને ફરતે સૂકી પાંખડીઓ મૂકી. અગરબત્તી માટે દીવાસળી સળગી નહીં, કારણકે પવન હતો. જાણે મેં ત્યાં એક નિજી સ્થાનક બનાવ્યું.

    આ સાહસની વિગતો ઘણી છે. એટલું કહું, કે આ મહાયાત્રાની નોંધ ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ટીલેવિઝન, રેડિયો, અખબારો વગેરેમાં પણ લેવાઈ હતી. આ પ્રયાણ વિષે મેં ત્રણ પુસ્તકો લખ્યાં. પહેલું અંગ્રેજીમાં લખ્યું. કાવ્યો પણ અંગ્રેજીમાં જ લખ્યાં હતાં. બીજું ગુજરાતીમાં લખ્યું, અને બે બીજાં કાવ્યો પણ. ત્રીજું લખાણ ભારત સરકારના પ્રકાશન કેન્દ્ર દ્વારા આમંત્રિત થયું હતું. એ મેં અંગ્રેજીમાં લખ્યું, ને ગુજરાતી પણ કરી આપ્યું. એ પછી હિન્દી, બંગાળી, ઉડિયા, પંજાબી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. શાળાઓમાં એ વંચાય છે, ને મને વિદ્યાર્થીઓ સાથે આ વિષે વાત કરવા આમંત્રણ મળતાં
    રહે છે. ભારત તથા કેટલાક અન્ય દેશોમાં પણ, ઓછામાં ઓછી બસો વાર, આ વિષે મેં સચિત્ર રજુઆતો કરી છે. પુથ્વી પર ઉત્તરથી યે ઉત્તરે હું પહોંચી હતી. આ ભૌગોલિક રીતે થયેલું અભિયાન. જોકે,
    સમયના સંદર્ભમાં આ પ્રક્રિયા ઉત્તરોત્તર થતી આવી હતી, ને મારી આંતર્ચેતનાના સંદર્ભમાં એ આધ્યાત્મિક રીતે થતી ગઈ હતી. મારી હયાત અવસ્થામાં એક એકલ્પ્ય, ને અનપેક્ષિત મુકામ બન્યો હતો. હું હજી કહું છું, ને હજી માનું છું, કે હું સાવ નજીવી જેવી વ્યક્તિ, ને કશી ચરમ જગ્યાએ પહોંચવા પામી. સાવ શૂન્યથી શરૂ કર્યું મેં, ને છેક ઉત્તર ધુવ પર જઈ શકી. જે રીતે સીમિત થઈને રહેવાનું પ્રથાગત કુટુંબોમાં ફરજીયાત હોય છે તેની બહાર, અને સાચે જ, કોઈક રીતે જાતની બહાર, હું નીકળી ગઈ હતી.

    #                                #                                     #

    પ્રસથાન અને લેખન – બંને નાનપણથી જ થતાં રહ્યાં હતાં, પણ સામાન્‍ય પરિમાણમાં. જીવનને જ્યારે મારે જાતે સન્‍માનવાનું, ચાહવાનું, જીવવાનું આવ્યું ત્યારે આ બંને પ્રવૃત્તિઓ પાંગરી ઊઠી, અને સદાયે એકમેકને પૂરક બનીને ચાલતી રહી. અમેરિકામાં આરંભનાં વર્ષો દરમ્યાન પ્રવાસ શરૂ થયા હતા, પણ ક્યારેક ક્યારેક કાવ્યો સિવાય બીજું લખવાનું અટકી ગયું હતું. ભાષાના છોડને, નવી હવા ને માટીમાં, ફલો હજી આવવા નહતાં માંડ્યાં.

    ૧૯૮૨માં હું પહેલી વાર મધ્ય-પૂર્વના દેશોમાં ગઈ – ઇજિપ્ત, પેલેસ્ટાઇન, જોર્ડન, ને ખાસ તો ઈઝરાયેલ. ત્યાં જેરુસલેમની ઝાંખી કરી, અને હુદય-મંદિરનાં દ્વાર ખુલી ગયાં. ઇશુના જીવનનાં સ્થાનો દ્વારા હું સ્પર્શી, અને એ સાથે ભાષા અને સાહિત્યનાં દેવી ટેરવાં પર પુન:પ્રસ્‍થાપિત થયાં. “જેરુસલેમની જાત્રા” નામનો લેખ મનના ઊંડાણમાંથી ઊભરાઈ આવ્યો. એ છપાયો. પછી તરત ચીન ગયેલી. એ તો તે કાળે “ચોથું વિશ્વ” લાગેલું. એના પર બે લાંબા નિબંધ લખ્યા. ને પછી તો જ્યા જ્યા ગઈ ત્યાં ત્યાંની આરતી શબ્દો દ્વારા ઉતારતી ગઈ. છતાં, શિવકુમાર જોષી જેવા મિત્રોએ જ્યારે કહ્યું કે “ હવે નિબંધ-સંગ્રહ છપાવ”, ત્યારે ઘણો અચંબો થયેલો. અરે, હોય કાંઈ? મારી તે કાંઈ ચોપડી થતી હશે? પણ થઈ. એ પ્રથમ પુસ્તક તે “પૂર્વી”. એમાં દુનિયાના પૂર્વીય પ્રદેશોના લેખો છે – પૂર્વ એશિયા, પૂર્વ આફ્રીકા, મધ્ય-પૂર્વ વગેરે.

    માન્યું નહતું, ને શરૂઆત થઈ. માન્યું નહતું, ને પુસ્તકો ચાલુ રહ્યાં. પ્રવાસ પર તેવીસ થયાં, ને એ સિવાય લલિત નિબંધ, કવિતા, વાતી, નવલકથા, અનુવાદો વગેરેનું કામ પણ થતું જ રહ્યું. ભારતમાં ભ્રમણ (તે ય એકલાં જ) કરતાં કરતાં લીધેલા અસંખ્ય ફોટાઓમાંથી ચૂંટીને ૪૮૦ જેટલી તસ્વીરોનું એક પુસ્તક (ઘણા શ્રમપૂર્વક) થયું. એનું નામ “આપણ ઈન્ડિયા” – (Our India). એ મારું પ્રિય પુસ્તક, અને દેશને કરેલું તર્પણ છે. લખ્યાં છે તો બધાં જ પુસ્તકો ભાષાના સ્નેહમાં ખૂબ આનંદથી, પણ એમાંયે અમુક પુસ્તક મને બહુ વહાલાં છે. જાપાનના પહેલા છ પ્રવાસો (હવે નવ થયા છે) પરનું પુસ્તક “ સંબંધની ત્રતુઓ.” લાંબા ભૂમિ-પટે જતા જાપાન દેશમાં, ઉત્તરથી દક્ષિણ, ઘણી જગ્યાઓએ ગઈ, બધીને ચાહી. વળી, જાપાનની દરેક ઋતુ દરમ્યાન હું ત્યાં હાજર રહેલી છું.

    તિબેટના ભ્રમણ પરનું પુસ્તક “દેવો સદા સમીપે.” આખો એ પ્રદેશ ખૂબ ઊંચાઈ પર છે. મેં ત્યાં બસમાં ભૂમિ-માર્ગે મુસાફરી કરી. લાગે કે મારગ ઉપર ને ઉપર ચઢતો જાય છે, લાગે કે દેવો અહીંથી નજીકમાં જ રહેતા હોવા જોઈએ. હું બહુ સ્વપ્ન સેવતી નથી – પ્રવાસ અંગે પણ નહીં. જાણે દેવો જ સ્થાનોનું સ્મરણ મારા મનમાં પ્રેરે છે ! પણ લ્હાસામાં આવેલા, દલાઈ લામાના એક હજાર કક્ષોના બનેલા વારસાગત પ્રાસાદ-સંપુટને જોવાની ઇચ્છા મારા મનમાં એક સપનું બની બેઠી હતી. તિબેટી લોકોને માટે જે દેવનો અવતાર છે, તે પોતે જીવ બચાવવા ૧૯૫૯માં તિબેટથી ભાગી છૂટેલા, ને હજી ક્યારેય ઘેર પાછા જઈ શક્યા નથી. આ હકીકત મારા જીવને પીડતી રહે છે. “પોટાલા પૅલેસ” કહેવાતું એમનું નિવાસ-સ્થાન હવે તો ચીની સૈનિકોનું ઘર બનાવી દેવાયું છે. મુસાફરે પણ ત્યાં બહુ સાવધાન રહેવું પડે છે. એ દિવસે મેં એમને યાદ કરીને ખાસ, એ પહેરતા હોય છે તેવા ચંપાઈ રંગનાં કપડાં પહેરેલાં.

    દક્ષિણ આફ્રીકા દેશના પહેલા ચાર કે પાંચ પ્રવાસો પરનું પુસ્તક તે “ સૂતર સ્નેહનાં.” ગાંધીજીના ઘણા સંદર્ભોએ એને પણ મારું પ્રિય પુસ્તક બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા ચોથી વાર ગઈ પછી એના પર બીજું પુસ્તક લખ્યું. એનું નામ “આટલી બધી ભૂમિ” છે, કારણકે એ વખતે મેં પિસ્તાલિસ કલાકની ટ્રેન-સફર કરેલી, કેવળ ભૂમિને જોવા. એ સૂકા રણ જેવો, વનસ્પતિ વગરનો, ‘કશું નહીં’ જેવો પ્રદેશ છે. વળી, ઓસ્ટ્રેલિયાનું “રક્તિમ કેન્દ્ર” કહેવાતા વિસ્તારમાં ફરીથી ગઈ, અને ‘ઉલૂરુ’ કહેવાતા અજાયબ મહા-પાષાણને બીજી વાર જોવા ભાગ્યશાળી થઈ. કાવ્ય-સંગ્રહોનાં તો બધાં નામ મને પસંદ છે : “જૂઈનું ઝૂમખું”, “ઓ જુલિયેટ”, “ખંડિત આકાશ”, “બેતરફી પ્રેમ”. વળી, “સાત ખંડ, સાતસો ઇચ્છા”માં સાતેય, બલ્કે મારા મતે સાડા સાત, ખંડ પરનાં પ્રવાસ-કાવ્યો છે, ને “અકારણ હર્ષે” (આ શબ્દો રવીન્દ્રનાથના એક ગીતમાં છે) નામના સંગ્રહમાં ચાર ભાષાઓનાં – ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી – મૌલિક કાવ્યો છે.

    ખેર. અત્યારે કુલ પચાસ પુસ્તકો થયાં. ઈનામો પણ મળતાં રહ્યાં- ગુજરાત સાહિત્ય પરિષદ અને અકાદમીમાંથી દસેક મળ્યાં હશે. એની નોંધ કરતાં જવાનું મને સૂઝ્યું જ નથી. બીજાં પણ ખૂબ સરસ પારિતોષિક પ્રાપ્ત થયાં- વિશ્વ ગુર્જરી, સમર્પણ સન્‍માન, નર્મદ ચંદ્રક, ગુજરાતનું ગૌરવ, ગુર્જર ગિરા, મહેતા પારિતોષિક, કવિ ડાહ્યાભાઈ ચંદ્રક, ગાર્ડિ ડાયસ્પોરા પારિતોષિક વગેરે. આમાંનાં કેટલાંક પહેલી વાર દરિયા-પાર આવ્યાં. “કુમાર સુવર્ણચંદ્રક” તો અસંખ્ય વર્ષોના એના ઈતિહાસમાં, એ વર્ષે, પહેલી વાર કોઈ લેખિકાને મળ્યો હતો !

    ખરેખર, હજીયે આ બધું મને જાદુ જેવું જ લાગે છે. પણ કૃપાવંત છું તે તો કબુલ કરવું જ પડે. સ્થાન-પ્રેમી એકલ સ્ત્રી-પ્રવાસી તરીકે કોઈ દેવી તત્ત્વ મારું ધ્યાન રાખતું ગયું, મને આંચ ના આવવા દીધી. શબ્દ-ભક્ત સર્જક તરીકે કોઈ દૈવી તત્ત્વ મને સતત પ્રેરણા બક્ષતું રહ્યું. મારા લલાટે સૃષ્ટિ અને શબ્દ, ભ્રમણ અને ભાષા લખાયાં હશે.

    મારાં મમ્મી ક્યારેક કહેતાં, “ ફરવામાં આટલા પૈસા ખર્ચે છે તે ઘરેણાં કરાવતી હોય તો.” ને એમણે જ મને ઘણી વાર કહેલું, “ બહેન, તું બહુ સંતોષી.” એમને ખ્યાલ આવી ગયેલો, કે આ છોકરી કોઈ સ્વીકાર્ય જીવન-રીતિમાં બંધાઈને નહીં રહી શકે. પહેલાં એ ચિંતા કરતાં, ને પછી જોયું કે હું સુખ-આનંદમાં છું એટલે એ નિશ્ચિંત થયાં હતાં. લેખન-ક્ષેત્રે મારી પ્રગતિ એમણે જોઈ નહીં, નહીં તો એ ઘણો હર્ષ પામ્યાં હોત.


    ક્રમશઃ

  • ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

    નિસબત

    ચંદુ મહેરિયા

    સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ અભય ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે હમણાના એક ચુકાદામાં પગપાળા રાહદારી માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ નાગરિકોને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. તેમાં પગે ચાલતા નાગરિકના સલામત, યોગ્ય અને સુલભ ફૂટપાથના હકનો સમાવેશ કર્યો છે. ફૂટપાથના અભાવે પગે ચાલનારાને  જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે. જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં ૨૧ ટકા પગે ચાલનારા હોય છે. ભારતમાં ૨૦૨૩માં સડક દુર્ઘટનાઓમાં મરનારાઓમાં દર પાંચમી વ્યક્તિ પગપાળા ચાલનારી હતી. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ફૂટપાથના અભાવે રસ્તા પર ચાલવું હતું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં  જણાવ્યું છે કે નગરો અને મહાનગરોના નાગરિકો  અબાધિત ફૂટપાથનો ચાલવા માટે ઉપયોગ કરી શકે તે સુરક્ષિત અને સન્માનજનક જીવનનો ભાગ છે. ફૂટપાથ વગર પગે ચાલનારાને રસ્તા પર ચાલવા મજબૂર કરવા તે તેમના જીવન જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. ફૂટપાથોનું નિર્માણ અને સારસંભાળ માત્ર સામાન્ય લોકો જ નહીં દિવ્યાંગો પણ સહેલાઈથી વપરાશ કરી શકે તેમ હોવું જોઈએ. ફૂટપાથ પરથી ગેરકાયદે દબાણો હઠાવવા જોઈએ અને લોકો અબાધિત ઉપયોગ કરી શકે તેવી હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને  ફૂટપાથોની ઉપલબ્ધતા અને સારસંભાળ સુનિશ્ચિત કરતી નીતિ  ઘડવા પણ હુકમ કર્યો છે. અગાઉ ૨૦૧૮માં બોમ્બે હાઈકોર્ટે આ અંગે આપેલ ચુકાદાને તમામ રાજ્યો આદર્શ ગણી તે પ્રમાણેની માર્ગદર્શક સુચનાઓ અને અમલનો અહેવાલ બે મહિનામાં રજૂ કરે તેમ પણ અદાલતે જણાવ્યું છે.

    દેશની સૌથી મોટી અદાલતને ફૂટવે અને ફૂટપાથ અંગે ચિંતા વ્યક્ત કરતા આદેશો કરવા પડે છે ત્યારે સ્થિતિ કેટલી ગંભીર હશે અને પગપાળા રાહદારીઓ માટે કેટલું જોખમ હશે તેની ગંભીરતા સમજાવી જોઈએ. શહેરી ભારતમાં ૨૮ ટકા લોકો પગપાળા ફરે છે. શહેરોમાં આસપાસના ગામડાના લોકો પણ ખરીદી માટે આવતા હોય છે અને તેઓ પણ મોટેભાગે પગપાળા જ હોય છે.આ સંજોગોમાં આઈઆઈટી દિલ્હીનો તાજેતરનો ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ ઓન રોડ સેફ્ટી આપણી આંખ ઉઘાડનારો છે. દેશમાં સરેરાશ ૧૯ થી ૭૩ ટકા સડકો પર જ ફૂટપાથ આવેલી છે. જમ્મુ કશ્મીરમાં માત્ર ૩ જ ટકા ફૂટપાથ છે. તે પછીના ક્રમે પુડુચેરીમાં ૫ ટકા છે. બિહારમાં ૧૯ અને હરિયાણામાં ૨૦ ટકા રોડ સાથે ફૂટપાથ છે. સૌથી વધુ ફૂટપાથ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે.

    બાળકો અને બુઝુર્ગો માટે આપણા રસ્તા સવિશેષ  મુશ્કેલ છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલામાં ૧૯.૫ ટકા  પગે જતા રાહદારીઓ છે. ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં કુલ ૭.૯ લાખ  લોકોના મોત  માર્ગ અકસ્માતમાં થયા હતા. તેમાંથી ૧.૫  લાખ લોકો પગપાળા જતા માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની સલામતી માટેની કાયદાકીય જોગવાઈઓ સીમિત છે. તેથી આ દિશામાં કોઈ ખાસ ધ્યાન આપતું નથી.

    શહેરોની ચોથા ભાગની વસ્તી પગપાળા રાહદારીઓની હોવા છતાં આપણા શહેરી આયોજનમાં ફૂટપાથની પાયાની જરૂરિયાતનું કોઈ સ્થાન જોવા મળતું નથી. ભારતના બંધારણે નાગરિક માત્રને દેશમાં ગમે ત્યાં નિર્બાધ ફરવાનો અધિકાર તો આપ્યો છે પરંતુ શહેરોમાં અસલામત રસ્તા અને ફૂટપાથના અભાવે પગપાળા રાહદારીના અધિકારો ઉવેખાય છે. ફૂટપાથ સમાવેશી અને બાધામુક્ત હોવી જોઈએ.પણ વાસ્તવમાં ફૂટપાથોનો અભાવ છે અને જ્યાં છે ત્યાં તેના પર દબાણો છે. ફૂટપાથ વૈકલ્પિક સગવડ નથી પણ અનિવાર્ય આવશ્યકતા છે તે સાદું સત્ય કોઈને સમજવું નથી.

    ફૂટપાથો પર નાના મોટા ધંધા રોજગાર કરનારાઓનું દબાણ છે. ધાર્મિક સ્થળોનું દબાણ છે અને ગરીબોમાં સૌથી વધુ ગરીબ લોકોનો આશિયાના ફૂટપાથ છે. એક અંદાજ મુજબ દેશમાં પચીસેક લાખ લોકો ફૂટપાથને ઘર બનાવી જીવનના દિવસો ટૂંકા કરે છે. જે લોકો ફૂટપાથ પર રહેવા લાચાર છે તેમની ઘરવખરીમાં રાંધી ખાવા ચુલો કે થોડા વાસણો, ગાભા-ડૂચા અને ગંધાતી ગોદડીઓ હોય છે. જસ્ટિસ એમ.પી. ઠક્કરની આગેવાની હેઠળના લો કમિશનના ૧૩૮મા અહેવાલમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ, બોમ્બેના સર્વેક્ષણના તારણો ટાંકવામાં આવ્યા હતા. તે પ્રમાણે ફૂટપાયરીઓ પર જીવતા લોકોમાં ૫૩ ટકા શાકભાજી, ફળ-ફૂલ, આઈસ્ક્રીમ,  રમકડાં, ફુગ્ગા વેચવાના અને બીજા નાના  સ્વરોજગાર કરનાર અને ૩૮ ટકા ઘરેલુ નોકર, બાંધકામ મજૂર અને છૂટક મજૂરી જેવી આકસ્મિક રોજી કરનારા હતા. ભારતના ગરીબોને તેમની રહેઠાણની સ્થિતિ પ્રમાણે ક્રમ આપવો હોયતો પહેલા ચાલીઓમાં રહેતા, તે પછી ઝૂંપડાઓમાં રહેતા અને અંતે ફૂટપાથ પર રહેનાર છે.

    સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો ફૂટપાથ પર ચાલવાનો નાગરિક અધિકાર સ્થાપે છે અને દબાણમુક્ત ફૂટપાથ ઈચ્છે છે ત્યારે ફૂટપાથ પર રહેનારા ગરીબોનું શું તેવો સવાલ ઉઠે છે. કેરળ અને કર્ણાટક હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓમાં મંદિર સહિતના ધાર્મિક દબાણો ફૂટપાથ પર ન હોવા જોઈએ તેમ જણાવ્યું છે. ત્રિવેન્દ્રમ ચેમ્બર ઓફ કોમર્સની રિટ પર કેરળ હાઈકોર્ટે રાજકીય પક્ષો અને બીજા સંગઠનો ધરણા, આંદોલન, દેખાવો માટે ફૂટપાથને બાધિત ન કરી શકે તેમ જણાવ્યું હતું. એટલે ફૂટપાથને ઘર બનાવનારા પણ દબાણકર્તા છે અને તેમને હઠાવવા પડે. ત્યારે ફૂટપાથ પર પહેલો હક કોનો ? પેટનો કે પગનો? તેવો સવાલ વિચારવો પડે.

    ગઈ સદીના નવમા દાયકે માનવ અધિકાર સંગઠન PUCLના એક સંમેલનમાં જસ્ટિસ વી.એમ. તારકુડેએ કહ્યું હતું,  ‘ ‘ ફૂટપાથના રહેવાસીઓને પણ રહેવાનું સ્થાન મેળવવાનો મૂળભૂત અધિકાર છે. એમનો એ અધિકાર બીજાના અધિકારની આડે આવતો હોય , જેમકે ટ્રાફિક અથવા તો કહેવાતી ડિસન્સી, તો પણ ડિસન્ટ લાઈફ કરતાં લાઈફ મહત્વની છે. લાઈફના ભોગે ડિસન્સી જળવાતી હોય તો આપણે ડિસન્સીનો ભોગ આપીને લાઈફને જ જાળવવા ઠેક સુધી પ્રયત્ન કરવા જોઈશે. થોડા ઉચ્ચ કે ઉપલા મધ્યમવર્ગના ‘ડિસન્સી’ના ખ્યાલો જો ગરીબ શ્રમજીવી જનતાના રહેઠાણ મેળવવાના હકની આડે આવતા હોય તો એ ડિસન્સી અને ટ્રાફિક સેન્સ જહન્નમમાં જાય! જે દેશ પોતાના નાગરિકોને આઠ ચોરસ ફૂટનો ઓટલો નથી આપી શકતો તે દેશમાં ડિસન્સી શક્ય બનવાની નથી. આસમાનની નીચે રહેવાનો અધિકાર માત્ર બંધારણે બક્ષ્યો છે એમ નહીં , બંધારણ બનતાં પહેલાંનો, અરે બાવા આદમની ઓલાદ પેદા થઈ ત્યારથી એને પ્રાપ્ત થયેલો અધિકાર છે. એને માત્ર રહેવાનો નહીં, કામની જગાએ, જ્યાં રોજી પ્રાપ્ત થાય તેવી જગાએ રહેવાનો મૂળભૂત અધિકાર છે”

    અબાધિત ફૂટપાથના અધિકાર સંબંધી વર્તમાન ચુકાદાના સંદર્ભમાં પણ જસ્ટિસ તારકુંડેએ કશું જૂદું કહ્યું ન હોત. એટલે પગની સલામતીમાં પેટ વિસરાવું જોઈએ નહીં.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સંસ્પર્શ – ૧૩

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    અતરાપી નવલકથામાં ધ્રુવદાદાએ સારમેયનાં સંવાદો દ્વારા જીવનમાં પળેપળે ધ્યાનમાં લેવા જેવી અનેક વાતો સહજતાથી સમજાવી છે જેમાંની મને એક વાત ખૂબ ગમી તેની વાત આજે આપ સૌ સાથે વહેંચીશ.

    સારમેય જેના ખેતરમાં રહે છે, તે તેના દોસ્તાર સાથે સપનું-સપનુંની રમત રમે છે. આ સપનું-સપનુંની રમત જે આપણે સૌ રમી રહ્યાં છીએ. “આ જીવન જ એક સપનું છે” જે આપણે સૌએ સમજવાની જરૂર છે.આપણે સૌ આપણું સમગ્ર જીવન ઘર, જમીન, જાયદાદ, પૈસા, કુંટુંબકબીલાનાં મોહમાં વિતાવીએ છીએ. જીવનની પાછલી અવસ્થામાં પણ આ બધું છોડીને જવાનું છે એ ખબર હોવા છતાં તેનો મોહ કે માયા જરા પણ છોડી શકતા નથી. ખરાબ સપનામાંથી જાગી જઈએ અને ખબર પડે કે આ તો સપનું હતું તો કેટલો હાશકારો અનુભવીએ છીએ. પરતું આ જીવન જ સ્વપ્નવત્ છે. અહીં ભેગું કરેલું બધું એમ જ મૂકીને જતાં રહેવાનું છે અને સ્વપ્નવત્ જીવન ક્યારે અચાનક પૂરું થઈ જવાનું છે તેની પણ જાણ આપણને નથી.છતાં તે સપનાને સાચું માનીને જ સૌ જીવી રહ્યાં છીએ.

    સારમેયનો દોસ્તાર જ્યારે કહે છે કે હમણાં હમણાં હું ઊંઘી નથી શકતો,મને વિચારો આવ્યા કરે છે કે મારી આ મિલકતોનું શું થશે? અહીં કોણ રહેશે? મને કોણ સાચવશે? મારી પાછળ શું થશે? અને ત્યારે જીવન સ્વપ્નને સમજાવવા એ દોસ્તાર સાથે સારમેય સપનું-સપનુંની રમત રમવાની વાત કરે છે.

    દોસ્તારનો દીકરો પ્રશાંત શહેરમાં રહે છે. દોસ્તારનાં મોટાં ઝાડપાનથી લીલાંછમ્મ ખેતરમાં પ્રશાંતને રિસોર્ટ કરવી છે. આ વાતે દોસ્તાર ચિંતિંત છે. સારમેયને જ્યારે દોસ્તાર આ અંગે વાત કરે છે ત્યારે સપનું-સપનુંની રમત રમાડી સપનામાં આપણને જે ગ્રહ કે નક્ષત્ર ખૂબ ગમતું હોય તેની પર રહેવા જઈને તેના સૌંદર્યને કેવી રીતે સપનામાં આપણે માણીને આનંદ લઈએ છીએ એ સારમેય સમજાવે છે. ખરેખર તો આપણે પૃથ્વી પર જ હોઈએ છીએ તેવી રીતે જ આ ખેતર, જમીન બધું તારું સમજે છે એ તારી ભૂલ છે. એ પણ તારે અહીં જ છોડીને જવાનું છે. એમ સપનું -સપનુંની રમત રમાડી સારમેય દ્વારા ધ્રુવદાદા આપણને સમજાવે છે. આપણાં સૌની ચિંતા પણ દોસ્તાર જેવી જ હોય છે. દોસ્તારની વાત કહી દરેક દુનિયાનાં આમ આદમીની મનોસ્થિતિ ધ્રુવદાદાએ અરીસો ધરી આપણને સૌને બતાવી દીધી છે.

    બીજી પણ એક સરસ વાત સારમેય કહે છે કે “તું વીલ કરીને આ જમીન, આ દરિયા કિનારાની જગ્યા પ્રશાંતને આપવાનો નિર્ણય કરે, પણ એ નિર્ણય માત્ર તમે બે જણ ન લઈ શકો. તારે આ ઝાડવાંને, દરિયાને, વાડીને પણ તેની ઈચ્છા પૂછવી જોઈએ. આ વાત દોસ્તાર સરસ રીતે સમજી ગયો.”

    તેણે તેના દીકરાને બોલાવીને કહે છે, “આ ખેતર અને જમીન અને મિલકત એક શરતે કોઈને પણ મળશે કે આમાંનું  એકપણ ઝાડવું આપમેળે સુકાય નહીં ત્યાં સુધી તેને કાપવું નહીં ,તે જેને માન્ય હશે તેને જ આ મિલકત મળશે.”

    આમ અતરાપીમાં ધ્રુવદાદાએ “જીવન એક સપનું છે “તેમ સમજી જીવવાનો અને વૃક્ષોમાં પણ જીવ છે, તે પણ આપણી મૂલ્યવાન સંપત્તિ છે.- એમ સમજાવી અને પર્યાવરણ રક્ષણની સુંદર વાત કરી છે.

    અતરાપીનાં અંતમાં સારમેય સાક્ષીભાવ સાથે, મોહ-માયાથી વિમુક્ત જીવન જીવે છે અને મોક્ષ પામે છે. કૌલેયક સાધુ બનીને જીવે છે અને ઘણું પુણ્ય કમાય છે છતાં તે પુણ્ય ભરપાઈ થઈ જતાં ફરી જન્મ લેવો પડે છે એવો સંદેશ પણ અતરાપી દ્વારા દાદાએ આપ્યો છે.

    સારમેય કેવું જીવન જીવે છે તેની જ રજૂઆત હોય તેવું આ ઘ્રુવગીત જૂઓ-

    “નામ સંકીર્તન ભજન મેં ના કર્યું.
    સંતનું કહેવું સજન મેં ના કર્યું.
    આવીને ઉપદેશકો બોલી ગયા
    સાંભળી લીધું શ્રવણ મેં ના કર્યું
    ક્યા ગુરુ ક્યા ગ્રંથને શોધ્યા કરું
    તો સુણો સાધો વચન મેં ના કર્યું
    આ ભવે પેલા જનમની વારતા
    કેટલું કેવું સરસ મેં ના કર્યું
    શું કરું વૈકુંઠની આશા કરી
    મોક્ષને નામે તરસ મેં ના કર્યું
    શબ્દને મારી તરફ વાંધો પડે
    એટલું મોટું કવન મેં ના કર્યું
    હું કશુંયે નહીં કરું આપો વચન
    તેં કહેલું તરત મેં ના કર્યું

    સારમેય આ ગીતમાં લખેલ જિંદગી જીવ્યો.

    પરતું જે જીવ્યો તે સાફ દિલ સાથે, માનવતાવાદી જીવન, કશાય દંભ કે ડોળ વગરનું તથા તેને જે સત્ય લાગ્યું તે પ્રમાણે જીવ્યો અને મોક્ષનો અધિકારી બન્યો. આમ અતરાપીમાંથી પસાર થઈ તેની અનેક વાતો મારા મનને સ્પર્શી ગઈ . તમને સૌને પણ તે વાતો ગમશે.

    આવતા અંકે દાદાનાં બીજા પુસ્તક સાથે મળીશું.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : લઘુચિત્ર શૈલીમાં ચીતરેલાં ચિત્રો

    બીરેન કોઠારી

    ભારતીય લઘુચિત્રોની શૈલીથી આપણામાંના મોટા ભાગના પરિચીત હશે, કેમ કે, દરેકને ઘેર કોઈક ને કોઈક રીતે એવું એકાદું ચિત્ર હશે જ. લઘુચિત્રોમાં મોગલ, મેવાડ, કાંગડા જેવી વિવિધ શૈલીઓ પ્રચલિત હતી. યુરોપિયન ચિત્રકળાથી વિપરીત એ સપાટ (Flat), પરિપ્રેક્ષ્ય (perspective)ના અભાવવાળી, છાયાપ્રકાશની રમત વિનાની રહેતી. તેમાં ઝીણવટનું મહત્ત્વ ઘણું હતું. માનો કે ચંપાનું કે નાળિયેરીનું ઝાડ હોય તો એનાં એકે એક પાનની નસોનું ચિત્રણ કરાયું હોય. મકાનનું ચિત્ર હોય તો એ આર્કિટેક્ચરની રીતે ખોટું ચિતરાયેલું હોઈ શકે, પણ એની જાળીઓ-દરવાજા વગેરેની ભાત એકદમ બારીકીથી ચીતરાયેલી હોય. તેમાં પ્રાકૃતિક તત્ત્વો- પશુ, પક્ષી, વનરાજી-નો ઉપયોગ છૂટથી કરાતો. વાસ્તવદર્શી ચિત્રકળાના સામાન્ય નિયમ અનુસાર નજીકની વસ્તુ મોટી અને ઘેરી જણાય, અને દૂરની વસ્તુ નાની અને આછી, પણ લઘુચિત્રોમાં આ નિયમ સામાન્યપણે જોવા મળતો નહીં. લઘુચિત્રોની બીજી વિશેષતા એ હતી કે એમાં માનવાકૃતિઓનું કદ બહુ મોટું નહોતું. કેમ કે, એમાં મહત્ત્વ વ્યક્તિની સાથેસાથે આસપાસના વાતાવરણનું પણ રહેતું. તદુપરાંત તેમાં દર્શાવાતા ચહેરા મોટે ભાગે પ્રોફાઈલ (પડખે દોરાયેલા)માં રહેતા, જ્યારે શરીરનો અગ્ર ભાગ દોરવામાં આવતો. અહીં મેવાડ શૈલીનું એક લઘુચિત્ર લાક્ષણિક લઘુચિત્ર કેવું હોય એનો ખ્યાલ આપવા માટે મૂક્યું છે.

    (મેવાડ શૈલીનું એક લઘુચિત્ર}

    ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો લગભગ દરેક લઘુચિત્રશૈલીમાં જોવા મળે છે. એ ઉપરાંત મોગલ શાસકોનાં ચિત્રો પણ આ શૈલીમાં જોઈ શકાય છે.

    ભૂપેન ખખ્ખરે સાઠના દાયકાના મધ્યમાં ગુલામ મોહમ્મદ શેખ સાથે રાજસ્થાનમાં-કોટા-બુંદી-ઉદેપુર-નાથદ્વારાનો પ્રવાસ કર્યો. એ પછી તેઓ ચંડીગઢના મ્યુઝિયમમાં પણ ગયા. અનેક અનેક લઘુચિત્રો તેમની નજર તળેથી પસાર થયા. એ પછી સહજપણે તેમનાં ચિત્રોમાં લઘુચિત્રશૈલીનો પ્રવેશ થયો.

    પોતાની કળાયાત્રાનો આરંભ ભૂપેને કોલાજથી કરેલો. (જેના વિશે અગાઉની પોસ્ટમાં લખાયું છે) એ યાત્રાના આગળના તબક્કામાં તેમણે લઘુચિત્રોની શૈલી અપનાવી.

    એટલે એમાં વિષયો આધુનિક હોય, વાતાવરણ પણ પ્રવર્તમાન હોય, પણ શૈલી લઘુચિત્રોની. ભૂપેને બનાવેલાં ચિત્રો જોવાથી ખ્યાલ આવશે કે તેમણે આ શૈલીનો ઉપયોગ શી રીતે કર્યો.

    આગળ જતાં ભૂપેનની શૈલીમાં પરિવર્તન આવતું ગયું, છતાં લઘુચિત્રશૈલીની કેટલીક બાબતો તેમનાં ચિત્રોમાં દેખાતી રહી.

    (અમેરિકન સર્વે ઓફિસર)
    (પ્રજાસત્તાક દિન)
    (તોપ સાથેનો લેન્‍ડસ્કેપ)
    (ચર્ચ અને માળી)
    વિદાય લેતો માણસ (વિદેશ જતો)
    (લાલ કિલ્લા પાસે શંકરભાઈનું પોર્ટ્રેટ)

    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કેનેડી: અમેરિકા ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

    તવારીખની તેજછાયા

    સેમ્યુઅલ હંટિંગ્ટનનો ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’નો મુદ્દો ચગ્યો, પણ નરસિંહ, મીરાં, કબીર, ગાંધીને સંભારીને ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન’ની સંજીવની આપણને સાંભરતી નથી.

    પ્રકાશ ન. શાહ

    વાત અલબત્ત ૨૬મી જૂન ૧૯૭૫થી ૨૦૨૫ની પચાસ વરસી આસપાસ ચાલતી હશે. પણ તવલીન સિંહે એમની કોલમમાં ૧૯૬૩ની ૨૬મી જૂન યાદ કરી: તે તારીખે તત્કાલીન અમેરિકી પ્રમુખ કેનેડીએ પશ્ચિમ બર્લિનમાં યાદગાર પ્રવચન કર્યું હતું. કેનેડીએ સરસ કહ્યું હતું ત્યારે કે ‘સ્વતંત્રતાના મારગમાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે, અને લોકશાહી પણ કંઈ સર્વાંગસંપૂર્ણ નથી; પણ આપણે કદાપિ આપણા લોકોને મુલકમાં બાંધી રાખવા સારુ દીવાલ ખડી કરવી પડતી નથી.’

    કેનેડી તે દિવસે બર્લિનમાં બોલી રહ્યા હતા. એ એવા દિવસો હતા જ્યારે સોવિયત રશિયાના પ્રભાવક્ષેત્ર એટલે કે પૂર્વ જર્મનીએ બે’ક વરસ પર (૧૯૬૧ અધવચ) પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે ૧૫૫ કિલોમીટર લાંબી દીવાલ ચણી લીધી હતી; કેમ કે પૂર્વની કંઈક બંધ દુનિયામાંથી પ. બર્લિનમાં અને તે વાટે યુરોપ-અમેરિકામાં ખુલ્લી દુનિયામાં નોકરીધંધાના ઉઘાડ વાસ્તે, કંઈક મુક્ત શ્વાસ સારુ જવા માટે એકધારો ધસારો ચાલુ હતો. દીવાલ ઊભી કરાઈ તે પૂર્વે સહેજે પાંત્રીસ લાખ લોકો પૂર્વ જર્મની છોડી ગયા હશે એવો અંદાજ છે. વસ્તુત: બેઉ બાજુએ હતા તો જર્મનો જ. પણ બીજા વિશ્વયુદ્ધને અંતે રશિયાએ અને બાકી મહાસત્તાઓએ જે વહેંચણી સમજૂતી કરી તેને અન્વયે જર્મનીના ભાગલા પડ્યા હતા અને એ રીતે પૂર્વ જર્મની સામ્યવાદી શૃંખલામાં હતું. કેનેડીએ ૧૯૬૩માં દીવાલનો ઉલ્લેખ કર્યો તે જેમ હકીકત હતી તેમ એક રૂપક પણ હતું.

    ૧૯૯૦માં બર્લિનની દીવાલ પણ ગઈ અને બેઉ જર્મની પણ એક થઈ ગયા. પણ હું ૧૯૮૫માં બંને જર્મનીમાં ફર્યો ત્યારે સામાન્ય નાગરિકને ભાગ્યે જ કલ્પના હતી કે અમે એક થઈ શકીશું. જે પણ સંવાદતકો મને મળી એમાં સાંભળવા મળતો સૂર અલગ રાજકીય એકમ પણ ભાવનાત્મક એકતા તરેહનો હતો. પૂર્વ જર્મનીમાં મેં જોયું કે મોટી સંખ્યામાં રૂસના યુવા સૈનિકો સતત તૈનાત હતા. પ. જર્મનીનાં ટીવી પ્રસારણ પૂર્વ જર્મનીમાં ઝીલી શકાતાં હતાં અને તે આ સૈનિકો તબિયતથી જોતા હતા. એટલે પશ્ચિમ બર્લિનમાં મીડિયાકર્મીઓ જોડે વાત કરવાનું થાય ત્યારે મેં કહ્યું કે ‘રૂસી યુવાનોને ખુલ્લી દુનિયાનો પરિચય થાય છે તે કેટલું સારું છે! વતન પાછા ફરશે ત્યારે જરૂર મુક્તિનો સ્પંદ લઈને જશે.’ એક બુઝુર્ગ જર્મને જોકે વિરોધસૂર નોંધાવ્યો: ‘અમારા ટીવી કાર્યક્રમોમાં મેટ્રોસેક્સ્યુઅલ ખટાટોપ હોય છે જે વાસ્તવમાં ‘મુક્ત સમાજ’નો એક અંશ માત્ર છે. અમારી લોકશાહીની ધડકન, એના ચડાવઉતાર, સામાન્ય માણસની રોજમર્રાની જદ્દોજહદ… બધું મેટ્રોસેક્સ્યુઅલ ઢોલનગારાં વચ્ચે દબાઈ જાય છે. એટલે પૂર્વ જર્મનીમાં તૈનાત રૂસી યુવા સૈનિકો ‘મુક્ત દુનિયા’નું વિકૃત નહીં તો પણ ખંડદર્શન લઈને જશે, એનું શું.’

    આ તો સમાજદર્શન થયું. પણ સમાજ અને મુલક બંધાય કેમના, તમે પૂછશો. જવાબમાં વળી કેનેડી પાસે જઉં. એમણે એક વક્તવ્યમાં એ મુદ્દે રાજીપો ને કૌતુક પ્રગટ કીધાં હતાં કે ‘આપણો દેશ, આપણું આ અમેરિકા, વાસ્તવમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. ક્યાં ક્યાંથી આવ્યા અને ઠલવાયા છીએ આપણે… યુરોપભરમાંથી, લેટિન અમેરિકાથી, વળી આફ્રિકી-અમેરિકા એશિયાઈ, કેટકેટલા.’ પરંતુ આ જે બહુલતાનો સમાદર, કેટલું કાઠું કામ છે. અમેરિકાની સિવિલ રાઈટ્સ ચળવળનો જ વિચાર કરો ને. દર્શકે એમના અંતિમ પર્વમાં ‘મુક્તિમંગલા’ નવલકથા લખવા માંડી હતી. ૨૦૦૧માં એ ગયા ત્યારે સાહિત્ય પરિષદના પત્ર ‘પરબ’માં એ પાંચ હપ્તે અટકી ગઈ હતી. એમને આ નવલકથા લખવાનું ખેંચાણ એ મુદ્દે હતું કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, લિંકન કાળમાં, આફ્રિકી-અમેરકી બાંધ‌વોના બચાવ બાબતે (અને ગુલામી નાબૂદીનાં દ્વાર ખોલવા બાબતે) સામસામે બે ગોરી ફોજ ટકરાઈ હતી.

    એક રીતે, આ કૌરવ-પાંડવના મહાભારતને કદાચ બાજુએ મૂકી દે એવું મહાભારત હતું અને છે. વાત લિંકનથી અટકી નથી. આગળ ચાલતાં કેનેડીના સમયમાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં નવી ભોં ભાંગી અને પછી ૨૦૦૯-૨૦૧૭નાં વર્ષોમાં તો આફ્રિકી-અમેરિકી બરાક હૂસેન ઓબામાને આપણે પ્રમુખ તરીકે જોયા.

    જે એક ચર્ચા ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’ (સેમ્યુઅલ હંટિંગ્ટન, ૧૯૯૬)ને ધોરણે ચાલે છે એનુંયે કંઈક વજૂદ હોઈ શકે છે. પણ તે સાથે, તમે જુઓ, પ્રજાઓ, સમાજો પોતાની અંદરની મથામણથી ગુણાત્મક રીતે આગળ વધે છે. વિનોબા જેને ક્રાંતિની લલિતકળા તરીકે ઓળખાવવાનું કદાચ પસંદ કરે એવી આ ઈતિહાસ પ્રક્રિયા ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ની છે. નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આ બધાં ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ના ઉત્તમ નમૂના છે. ગમે તેમ પણ નવી દુનિયામાં પ્રજાઓની આવનજાવન એવી ને એટલી હોવાની છે કે એમાં નાગરિક માત્રના અધિકારના સ્વીકાર-સમાદર પર સ્થિત બંધારણીય રાષ્ટ્રવાદની રૂએ જ ચાલવાપણું હોવાનું છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • લખ મને | જો ભીંત ખખડાવશો

    (૧) લખ મને ~ દિલીપ પરીખ
     
    કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
    જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
    તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
    તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
    અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
    તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
    કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
    અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
    મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
    ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !
    **********************************************************
     
    (૨) જો ભીંત ખખડાવશો ~ ભરત ભટ્ટ ‘પવન’
    રંગ થોડો ઊખડે, જો ભીંતને ખખડાવશો ;
    અવસરો નીચે પડે, જો ભીંતને ખખડાવશો. 
    ઈંટના કંઠે ડૂમો બાઝે અને એવું બને –
    સ્હેજ ત્યાં રેતી રડે, જો ભીંતને ખખડાવશો.
    બારીઓ લાચાર થઇ જુએ તમાશો, પણ પછી ;
    બારણાં તમને લડે, જો ભીંતને ખખડાવશો.
    જે જૂની છબિઓ હતી કાલે ભીંતોની શાન, એ –
    એકદમ નજરે ચડે, જો ભીંતને ખખડાવશો.
    યાદમાં જેની તમે મુઠ્ઠી પછાડી’તી કદી,
    એ જ આવીને અડે, જો ભીંતને ખખડાવશો.
  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : ફરી સૌરાષ્ટ્ર ભણી

    વિમલાતાઈ

    જીવનનો મહાયજ્ઞથી આગળ

    અમદાવાદમાં અમે ઠરીઠામ થવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં તેવામાં  મારી નાની બહેન દમુની દીકરી શાન્તાનાં લગ્ન નીકળ્યાં. લગ્નમાં હાજરી આપવા અમે ભાવનગર જિલ્લાના એક ગામે ગયાં. લગ્નસમારંભ પતી ગયા પછી દમુનાં સાસરિયાંમાંના એક સગાએ મને કહ્યું, “તમે સૌરાષ્ટ્રમાં મકાન ખરીદો. પાંચ હજારમાં તો મોટો બંગલો મળી જશે.”

    તેમની વાત સાંભળી હું ભાવનગર મકાન જોવા ગઈ. મને તેમણે ઘણાં મકાન બતાવ્યાં. તેમાંનો એક બંગલો મને ઘણો ગમી ગયો. બંગલો મોટો હતો, અને તેમાં સાત આંબા અને કેટલાંક અન્ય ફળનાં વૃક્ષ હતાં. તેમાં રહીને પણ હું પેટાભાડૂત રાખી શકું તેમ હતું, અને ભાડાના સો રૂપિયા આવે તેમ હતું. મેં આ મકાન લેવાનું નક્કી કર્યું. પૈસાની વ્યવસ્થા કરવા અને પરિવારના બધા લોકોનો આ બાબતમાં વિચાર લેવા

    હું અમદાવાદ ગઈ. મારી પાસે “એમની” ગ્રેચ્યુઈટીના ફક્ત ત્રણ હજાર રૂપિયા હતા, જ્યારે મકાનની કિંમત હતી પાંચ હજાર. મારી પાસે હવે મારાં ઘરેણાં વેચવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. મેં “એમના” એક ખાસ મિત્ર હતા, તેમની સલાહ લીધી. તેમણે કહ્યું, “હાલ સોનાનો ભાવ સારો ચાલે છે. હું પોતે પણ અમારી પાસેનું સોનું વેચવાનો છું.” મેં ઘરના બધા લોકોની સંમતિથી મારાં બધાં ઘરેણાં અને ચાંદીનાં વાસણ વેચ્યાં. સોનું ૬૨ રૂપિયે તોલાના ભાવે વેચ્યું ત્યારે ૩૦ તોલાના મને રૂ. ૧૬૬૨, અને ચાંદીના વાસણના રૂ. ૪૦૦ મળ્યા, એમ પાંચ હજાર રૂપિયા પૂરા થયા. હવે મારી પાસે એક રતીભાર સોનું રહ્યું નહિ.

    ખેર. એવામાં ભાવનગરથી પત્ર આવ્યો કે મકાનનો સોદો પતાવવા તરત આવી જાવ. બધાની સંમતિ લઈને મેં ભાવનગર જવાનું નક્કી કર્યું. ભાવનગરમાં ઘણી સસ્તાઈ હતી અને ઘર પણ ઓછાં ભાડાં
    પર મળી જતાં હતાં. આથી મકાન વેચાતું લેવાય ત્યાં સુધી ભાડાની ઓરડીમાં રહેવાનું નક્કી કર્યું.
    ભારતના આઝાદી દિન – ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે મેં ભાવનગર જવા પ્રયાણ કર્યું.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • એક કલાકાર ગાયક અનેક : ‘બ્લફમાસ્ટર’ શમ્મીકપૂર

    નિરંજન મહેતા

    કદાચ આપની જાણમાં હોય કે નહીં તેની ખબર નથી પણ હાલમાં મારા ધ્યાનમાં એક નવતર માહિતી આવી. સાધારણ રીતે એક ફિલ્મમાં એક કલાકારના એક કરતાં વધુ ગીતો હોય ત્યારે તેના પર રચાયેલ દરેક ગીતનો પાર્શ્વગાયક એક જ રહે છે. પરંતુ એક એવી ફિલ્મ છે જ્યાં આમ નથી. ૧૯૬૩માં આવેલી ફિલ્મ ‘બ્લફમાસ્ટર’માં આવું જણાય છે.

    ફિલ્મમાં શમ્મીકપૂર પર ત્રણ સોલો ગીતો છે જેના પાર્શ્વગાયક અલગ અલગ છે. પહેલું ગીત છે

    गोविंदा आला रे आला ज़रा
    मटकी सम्भाल बृजबाला
    गोविंदा आला रे …
    अरे एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला
    अरे एक दो तीन …

    ફિલ્મમાં જન્માષ્ટમીના ઉપલક્ષમાં ઉજવાતા તહેવાર પ્રસંગે આ ગીત રચાયું છે. ગીતનો પ્રભાવ એટલો છે કે આજે પણ જન્માષ્ટમીના દિવસે આ ગીત ધૂમ મચાવે છે તે નિર્વિવાદ છે. ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.

    બીજું ગીત છે

    सोचा था प्यार हम ना करेंगे
    सूरत पे यार हम ना मरेंगे
    फिर भी किसी पे दिल आ गया

    આ એક રોમેન્ટિક ગીત છે અને તે માટે મુકેશના અવાજને સંગીતકારે યોગ્ય ગણ્યો અને તે યથાર્થ બની રહ્યો.

    ત્રીજું ગીત એક દર્દભર્યું ગીત છે

    ऐ दिल अब कहीं न जा
    न किसी का मैं न कोई मेराजब चले हम,
    राह उलझी प्यार दुनिया ने किया
    राह सीधी जब मिली तो सब ने ठुकरा दिया

    કલાકારની વ્યથાને વાચા અપાતા આ ગીત માટે એવો હલકભર્યો સ્વર જોઈએ જે સંગીતકારને હેમંતકુમારમાં જણાયો અને તેમના સ્વરમાં ગીત બનાવ્યું. ગીત સાંભળશો તો હેમંતકુમારના દર્દભર્યા અવાજને તમે પણ મહેસુસ કરશો.

    ત્રણેય ગીતોના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૧૧૧ – બેકલ અમૃતસરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ શ્રેણીના અંત તરફ પહોંચતાં અચાનક એક એવા ગીતકાર જડી આવ્યા જેમણે એકથી વધુ ગઝલો લખી અને એકંદરે સારી લખી. આ ગીતકાર એટલે બેકલ અમૃતસરી. ૧૯૪૦ ના દાયકામાં એ ખાસ્સા સક્રિય હતા.

    એમનું અસલ નામ બલદેવ ચંદર અને જીવનકાળ ૧૯૧૭ થી ૧૯૮૨. કારકિર્દીની શરૂઆત એમણે લૈલા મજનુ, મેરા પંજાબ, મેરા માહી અને રાવી પાર જેવી પંજાબી ફિલ્મોમાં ગીતલેખનથી કરી. ૧૯૪૨ ની હિંદી ફિલ્મ જવાબમાં ત્રણ ગીતો લખી હિંદી ફિલ્મોમાં પદાર્પણ કર્યું.

    કુંદનલાલ સહગલે માત્ર બે જ પંજાબી ગઝલો ગાઈ અને એ બન્ને આ બેકલ સાહેબે લખેલી. એમણે ત્રણ પંજાબી ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. જવાબ ઉપરાંત નગદ નારાયણ ( ૧૯૪૩ ), માલી ( ૪૪ ), રામાયણી ( ૪૫ ), ભક્ત પ્રહ્લાદ ( ૪૬ ), મોહિની ( ૪૭ ), બિરહિન (૪૮ ), છોટી દુનિયા ( ૫૩ ) અને લેડી રોબિનહૂડ ( ૫૯ ) જેવી ફિલ્મોમાં એમણે ૬૦ થી વધુ ગીતો લખ્યાં. બિરહિન, જગ્ગુ, મિસ કોકા કોલા, હઝાર પરિયાં, બહાદુર લુટેરા જેવી ફિલ્મોમાં કથા, પટકથા અને સંવાદ પણ લખ્યાં.

    એમની ત્રણ ફિલ્મી ગઝલ જોઈએ –

    બલાએં લૂં મૈં ઉસ દિલ કી જો દુનિયા કે લિયે રો દે
    જહાં વાલોં કે રંજો ગમકો અપને ખૂન સે ધો દે

    જલા કે આશિયાં અપના બસા કે ગૈર કી મહેફિલ
    કિસી કે સોઝે  ગમ મેં અપને સાઝે દિલ કો ભી ખો દે

    મેરી આંખોં મેં ઉસ કી આંખ હી ઈઝ્ઝત કે કાબિલ હૈ
    જો આંસુ બન કે બહ જાએ ઉસી કો ખુદ મેં હી ખો દે

    – ફિલ્મ : જવાબ ૧૯૪૨
    – પી સી બરુઆ
    – કમલ દાસગુપ્તા

     

    ઈસ ટૂટે હુએ દિલ કા અબ કૌન સહારા હૈ
    અપને ન બને અપને અબ કૌન હમારા હૈ

    ઐ દુનિયા બતા હમકો જાએં તો કિધર જાએં
    હમકો તો નઝર આતી મંઝિલ ન કિનારા હૈ

    જીના ભી અગર ચાહેં કિસ આસ પે હમ જી લેં
    ઉમ્મીદ કે આકાશ પે અબ ચાંદ ન તારા હૈ

    અબ કિસસે ગિલા શિકવા અબ કિસસે શિકાયત હો
    તકદીર કે મારોં કો તકદીર ને મારા હૈ..

    – ફિલ્મ : છોટી દુનિયા ૧૯૫૩
    – જી એમ દુર્રાની
    – રાજહંસ કટારિયા

     

    સૌ બાર મિલે મિલ કર બિછડે મૈં દિલ કી લગી કો બુઝા ન સકી
    હર બાર સુનાના જી ચાહા પર દિલ કા હાલ સુના ન સકી

    તેરી યાદ મેં આહેં ભર ભર કે ઔર દુનિયા સે ભી ડર ડર કે
    કઈ હાર પિરોએ તેરે લિયે મૈં એક તુઝે પહના ન સકી

    દિલ પ્રેમ કી આગ મેં જલતા ગયા મેરે પ્યાર કા પૌધા ફલતા ગયા
    ફલદાર હુઆ તો ઐ કિસ્મત મૈં ઉસકા ભી ફલ ખા ન સકી

    વો બિછડ ગએ મુજસે મિલ કે અરમાન તડપતે હૈં દિલ કે
    મૈં ઉજડી હુઈ તેરે કદમોં મેં એક છોટી સી દુનિયા બસા ન સકી

     

    – ફિલ્મ : છોટી દુનિયા ૧૯૫૩
    – સુલોચના કદમ
    – રાજહંસ કટારિયા


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.