વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એક કલાકાર ગાયક અનેક : ‘બ્લફમાસ્ટર’ શમ્મીકપૂર

    નિરંજન મહેતા

    કદાચ આપની જાણમાં હોય કે નહીં તેની ખબર નથી પણ હાલમાં મારા ધ્યાનમાં એક નવતર માહિતી આવી. સાધારણ રીતે એક ફિલ્મમાં એક કલાકારના એક કરતાં વધુ ગીતો હોય ત્યારે તેના પર રચાયેલ દરેક ગીતનો પાર્શ્વગાયક એક જ રહે છે. પરંતુ એક એવી ફિલ્મ છે જ્યાં આમ નથી. ૧૯૬૩માં આવેલી ફિલ્મ ‘બ્લફમાસ્ટર’માં આવું જણાય છે.

    ફિલ્મમાં શમ્મીકપૂર પર ત્રણ સોલો ગીતો છે જેના પાર્શ્વગાયક અલગ અલગ છે. પહેલું ગીત છે

    गोविंदा आला रे आला ज़रा
    मटकी सम्भाल बृजबाला
    गोविंदा आला रे …
    अरे एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला
    अरे एक दो तीन …

    ફિલ્મમાં જન્માષ્ટમીના ઉપલક્ષમાં ઉજવાતા તહેવાર પ્રસંગે આ ગીત રચાયું છે. ગીતનો પ્રભાવ એટલો છે કે આજે પણ જન્માષ્ટમીના દિવસે આ ગીત ધૂમ મચાવે છે તે નિર્વિવાદ છે. ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.

    બીજું ગીત છે

    सोचा था प्यार हम ना करेंगे
    सूरत पे यार हम ना मरेंगे
    फिर भी किसी पे दिल आ गया

    આ એક રોમેન્ટિક ગીત છે અને તે માટે મુકેશના અવાજને સંગીતકારે યોગ્ય ગણ્યો અને તે યથાર્થ બની રહ્યો.

    ત્રીજું ગીત એક દર્દભર્યું ગીત છે

    ऐ दिल अब कहीं न जा
    न किसी का मैं न कोई मेराजब चले हम,
    राह उलझी प्यार दुनिया ने किया
    राह सीधी जब मिली तो सब ने ठुकरा दिया

    કલાકારની વ્યથાને વાચા અપાતા આ ગીત માટે એવો હલકભર્યો સ્વર જોઈએ જે સંગીતકારને હેમંતકુમારમાં જણાયો અને તેમના સ્વરમાં ગીત બનાવ્યું. ગીત સાંભળશો તો હેમંતકુમારના દર્દભર્યા અવાજને તમે પણ મહેસુસ કરશો.

    ત્રણેય ગીતોના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૧૧૧ – બેકલ અમૃતસરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ શ્રેણીના અંત તરફ પહોંચતાં અચાનક એક એવા ગીતકાર જડી આવ્યા જેમણે એકથી વધુ ગઝલો લખી અને એકંદરે સારી લખી. આ ગીતકાર એટલે બેકલ અમૃતસરી. ૧૯૪૦ ના દાયકામાં એ ખાસ્સા સક્રિય હતા.

    એમનું અસલ નામ બલદેવ ચંદર અને જીવનકાળ ૧૯૧૭ થી ૧૯૮૨. કારકિર્દીની શરૂઆત એમણે લૈલા મજનુ, મેરા પંજાબ, મેરા માહી અને રાવી પાર જેવી પંજાબી ફિલ્મોમાં ગીતલેખનથી કરી. ૧૯૪૨ ની હિંદી ફિલ્મ જવાબમાં ત્રણ ગીતો લખી હિંદી ફિલ્મોમાં પદાર્પણ કર્યું.

    કુંદનલાલ સહગલે માત્ર બે જ પંજાબી ગઝલો ગાઈ અને એ બન્ને આ બેકલ સાહેબે લખેલી. એમણે ત્રણ પંજાબી ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. જવાબ ઉપરાંત નગદ નારાયણ ( ૧૯૪૩ ), માલી ( ૪૪ ), રામાયણી ( ૪૫ ), ભક્ત પ્રહ્લાદ ( ૪૬ ), મોહિની ( ૪૭ ), બિરહિન (૪૮ ), છોટી દુનિયા ( ૫૩ ) અને લેડી રોબિનહૂડ ( ૫૯ ) જેવી ફિલ્મોમાં એમણે ૬૦ થી વધુ ગીતો લખ્યાં. બિરહિન, જગ્ગુ, મિસ કોકા કોલા, હઝાર પરિયાં, બહાદુર લુટેરા જેવી ફિલ્મોમાં કથા, પટકથા અને સંવાદ પણ લખ્યાં.

    એમની ત્રણ ફિલ્મી ગઝલ જોઈએ –

    બલાએં લૂં મૈં ઉસ દિલ કી જો દુનિયા કે લિયે રો દે
    જહાં વાલોં કે રંજો ગમકો અપને ખૂન સે ધો દે

    જલા કે આશિયાં અપના બસા કે ગૈર કી મહેફિલ
    કિસી કે સોઝે  ગમ મેં અપને સાઝે દિલ કો ભી ખો દે

    મેરી આંખોં મેં ઉસ કી આંખ હી ઈઝ્ઝત કે કાબિલ હૈ
    જો આંસુ બન કે બહ જાએ ઉસી કો ખુદ મેં હી ખો દે

    – ફિલ્મ : જવાબ ૧૯૪૨
    – પી સી બરુઆ
    – કમલ દાસગુપ્તા

     

    ઈસ ટૂટે હુએ દિલ કા અબ કૌન સહારા હૈ
    અપને ન બને અપને અબ કૌન હમારા હૈ

    ઐ દુનિયા બતા હમકો જાએં તો કિધર જાએં
    હમકો તો નઝર આતી મંઝિલ ન કિનારા હૈ

    જીના ભી અગર ચાહેં કિસ આસ પે હમ જી લેં
    ઉમ્મીદ કે આકાશ પે અબ ચાંદ ન તારા હૈ

    અબ કિસસે ગિલા શિકવા અબ કિસસે શિકાયત હો
    તકદીર કે મારોં કો તકદીર ને મારા હૈ..

    – ફિલ્મ : છોટી દુનિયા ૧૯૫૩
    – જી એમ દુર્રાની
    – રાજહંસ કટારિયા

     

    સૌ બાર મિલે મિલ કર બિછડે મૈં દિલ કી લગી કો બુઝા ન સકી
    હર બાર સુનાના જી ચાહા પર દિલ કા હાલ સુના ન સકી

    તેરી યાદ મેં આહેં ભર ભર કે ઔર દુનિયા સે ભી ડર ડર કે
    કઈ હાર પિરોએ તેરે લિયે મૈં એક તુઝે પહના ન સકી

    દિલ પ્રેમ કી આગ મેં જલતા ગયા મેરે પ્યાર કા પૌધા ફલતા ગયા
    ફલદાર હુઆ તો ઐ કિસ્મત મૈં ઉસકા ભી ફલ ખા ન સકી

    વો બિછડ ગએ મુજસે મિલ કે અરમાન તડપતે હૈં દિલ કે
    મૈં ઉજડી હુઈ તેરે કદમોં મેં એક છોટી સી દુનિયા બસા ન સકી

     

    – ફિલ્મ : છોટી દુનિયા ૧૯૫૩
    – સુલોચના કદમ
    – રાજહંસ કટારિયા


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • લોખંડના ઉત્પાદનનાં અમેરિકાનાં કારખાનાંઓ

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kalasampoot – Steel mills of America

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ત્યારે અને અત્યારે: શૌચ વિષે સોચ

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધુ વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ૨. વૈદ્ય

    ગયા અંકમાં આપણે પાણી બાબત પરિસ્થિતિની વાત કરી. પાણીને અંગત સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય એ બંનેની ચાવી માનવામાં આવી છે. તે જ રીતે શૌચાલય પણ જાહેર તેમ જ અંગત આરોગ્યનો મહત્ત્વનો ઘટક છે. યોગાનુયોગ તેનો પાણીની પ્રાપ્તિ જોડે પણ સંબંધ છે. આપણે જોયું કે પાણીની બાબતમાં ‘ત્યારે’ અને “અત્યારે’ વચ્ચે બહુ ફરક નથી. પરંતુ આ ગાળામાં શૌચાલયની બાબતમાં ખૂબ મોટા ફેરફાર જોવા મળ્યા છે. આજે એની વાત કરીશું. જેમ હિંસાથી ભરપૂર ફિલ્મમાં અગાઉથી કહેવાય છે કે અમુક હિસ્સા જોવા મુશ્કેલ થશે, તેમ અહીં પણ સુગમ વાચકોને ચેતવી દઈએ કે અમુક વાક્યો વાંચતાં સુરચિનો ભંગ થઈ શકે છે, પરંતુ એ વાસ્તવિકતાનો ભાગ છે.

    આજે શૌચાલય આપણાં ઘરની અંદર બેઠાં છે. ઘણી વાર તો એકદમ રસોડાની સામે જ હોય છે. ૬૦ વર્ષ પહેલાં આ વિચારથી જ લોકોને કમકમાટી છૂટી હોત. પરંતુ આજે એ ચાલી જાય છે, કારણ કે હવે એ ઘણાં સાફ હોય છે. કેટલીય જગ્યાએ નહાવાનો બાથરૂમ અને શૌચાલય એકસાથે, એક દરવાજાની અંદર હોય છે અને તેથી સરસ શણગારેલાં હોય છે. રંગરંગીન અને ચિત્રોવાળી ટાઇલ્સથી મઢેલો બાથરૂમ અને તેમાં “એર ફ્રેશનર’ મૂડ્યું હોય તો દાખલ થઈને ઘડી ભર ભૂલી જાઓ કે તમે જાજરૂમાં છો! પંચતારક હોટેલમાં તો એ જ ઓરડીમાં નહાવાનું ટબ મૂક્યું હોય. ઘણા લેખકો તો અહીં ચિંતન પણ કરતા હોય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આ સ્વચ્છતા બે ઘટકોને આભારી છે. એક તો ગટર યોજના અને બીજી લીસી, ચળકતી ટાઇલ્સ, ચીનાઈ માટીનાં બનેલાં ટાઇલ્સ અને ભાંડા (કમોડ)ને ગ્લેઝ ચડાવેલો હોવાથી તેને સાફ રાખવાં સરળ છે. આજથી ૭૦ વર્ષ પહેલાંનાં જાજરૂ જેણે વાપર્યા છે તેને ખબર છે કે પથ્થર અને સિમેન્ટની રચનામાં દીવાલો કે ફર્શને સાફ રાખવાં કેટલાં મુશ્કેલ હતાં, પણ તેની અસ્વચ્છતા પાછળ આ મુખ્ય કારણ નહોતું.

    ઘરથી બહુ દૂર

    એ દિવસોમાં શૌચાલયને ઘરની અંદર તો શું, તેની નજીકમાં પણ સ્થાન ન હતું. આંગણ મોટું હોય તો મૂળ મકાનથી શક્ય તેટલું દૂર તેને રખાતું. સામાન્‍ય રીતે ફળિયાની ડેલી સૌથી દૂર હોય, આથી એ એક્લુંઅટ્લું ડેલીની બાજુમાં ઊભું રહેતું. ક્યારેક ફળિયાની રચના એવી હોય કે ઘરથી એક સો ફૂટ દૂર સુધી જવું પડતું. બત્તી વિનાના એ દિવસોમાં રાત્રે ત્યાં જતાં બાળકો તો ઠીક, મોટેરાં પણ ડરે. મુંબઈ જેવાં મહાનગરોમાં પણ ચાલીની સિસ્ટમમાં જાજરૂ ઘરની બહાર જ હતાં. ત્યાં એ સમૂહમાં રહેતાં. વખત જતાં સ્નાન માટે બાથરૂમ ઓરડામાં કરી શકાયા, પણ શૌચાલય તો કોઈ ન કરે. આજે પણ આવી ચાલો મોજૂદ છે. ૧૯૬૦ના દાયકામાં જ્યારે મધ્યમવર્ગને પરામાં જઈ ‘સેલ્ફ કન્ટેઇન્ડ’ ફ્લેટમાં જવાનું મળ્યું ત્યારે એ શબ્દનો અર્થ જ હતો, “જાજરૂને સમાવનારો ફ્લેટ’.

    આ તો થઈ એવાં ઘરોની વાત જ્યાં જાજરૂ હતાં. દેશની પોણી વસતિ પાસે મકાન હોવા છતાં શૌચાલય હતાં નહીં. ગામડાં તેમ જ નાનાં ગામોમાં પ્રથા હતી વસતિથી થોડે દૂર ઝાડીમાં જઈ મોકળા થવાની. એ. થયું ઘરથી દૂર નહીં, પણ બહુ દૂર. એ એટલું સ્વાભાવિક હતું કે બોલચાલની ભાષામાં “જંગલ જવું’ કે “સીમે જવું’ એ કુદરતી હાજતનાં વૈકલ્પિક નામો હતાં, ત્યારે વસતિ આજ કરતાં ચોથા ભાગની અને ખાલી જગ્યા બમણી હોવાથી આ ‘રિવાજ’ની પર્યાવરણ કે શિષ્ટાચાર ઉપર કોઈ ખરાબ અસર પડતી નહોતી. ગાયના છાણની જેમ મનુષ્ય-મળ પણ નાઇટ્રોજનયુક્ત હોય, તેથી સીમની માટીમાં ભળી ખાતરનું કામ કરતો.

     

    જંગલ જવું –  Photo Credit – WaterAid  Mansi Thapliyal
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સ્વચ્છતાની દષ્ટિએ નાનાં નગરો અને મધ્ય કક્ષાનાં ગામોની પરિસ્થિતિ સારી ન હતી. ગામની બહાર જંગલમાં જવાની સગવડ નહોતી, કારણ કે ગામનો વિસ્તાર મોટો હતો. બીજી તરફ હજુ ગટરવ્યવસ્થા  કે સેપ્ટિક ટેન્કના વિચાર પણ ઊપસ્યા ન હતા. પાણીના નળ પણ આવ્યા નહોતા. એટલે જાજરૂ એ ખરેખર ‘પાયખાનાં’ હતાં. એ ઓરડીમાં બે પગ રાખવાનાં પગાં સિવાય કંઈ નહોતું. બે પગાંની વચ્ચે ફર્શમાં મોટું કાણું રહેતું. પાણી બહારથી લઈને જવાનું. ઓરડી જમીનથી બે-અઢી ફૂટ ઊંચી બનતી. બે પગથિયાં ચઢીને પગાં સુધી પહોંચાતું. જેથી કરીને ઓરડીની નીચેના ભાગમાં એક ચેમ્બર બને. એક બાજુથી ખુલ્લો ગોખલો જ સમજો. ઉપરના કાણામાંથી પડતો મળ આ ગોખલામાં જમા થાય. દષ્ટિના શિષ્ટાચાર ખાતર આ ચેમ્બરને પતરાનો દરવાજો કે ઢાંકણું રહેતું જેથી શેરીમાંથી જતા લોકોની સુરુચિ જળવાઈ રહે. તળપદી ભાષામાં આ જગ્યાને “પોખરો’ કહે છે.

    ફ્લશ કરવાના શૌચાયલથી ટેવાયેલા વિચારશીલ વાચકને પ્રશ્ન તો થશે જ કે અહીં જમા થતા વિષ્ટાપિંડનો નિકાલ કેમ થતો હશે ? કમનસીબે એને ડબ્બામાં નાખીને લઈ જવા સિવાય નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી. એમાં પાણી વગેરે પણ પડયાં હોવાથી એ દુનિયાનું સૌથી અઘરું કામ હતું. દુઃખદાયક સ્મરણ છે કે એક જીવતાજાગતા માણસે એ ડબ્બો માથે ઉપાડીને ગામને સોંસરવું તેના નિકાલ માટે જવું પડતું! કેટલીક સુધરાઈઓએ આ માટે ગાડીની વ્યવસ્થા કરી હતી, તે એક અપવાદ.

    આજે પાછળ દષ્ટિ કરતાં એમ કહી શકાય કે એ જ વખતે ગામડાંમાં લોકો “ખુલ્લામાં શૌચ” કરતા હતા તે વધુ “માનવીય’ રીત હતી. એ સ્વચ્છ ન લાગે, પણ ગામડાંના લોકો એ રીતની સુધારેલી આવૃત્તિ – ખાડાનાં જાજરૂ – અપનાવીને સ્વચ્છતા પણ દાખવી શક્યા હોત. આઝાદીની પહેલાં જ્યાં મોટો માનવસમૂહ એકઠો થાય ત્યાં લંબચોરસ ખાડા તૈયાર કરી, સીધો તેમાં મળત્યાગ કરવાની પદ્ધતિ હતી જ. ગાંધીજીના કાર્યકર્તાઓએ આ વ્યવસ્થા સહજ રીતે અપનાવી હતી. કંતાન કે ગૂણીના પડદાથી પાર્ટિશન કરી અનેક જાજરૂ ઊભાં કરવાની રીત સર્વોદય સંસ્થાઓનાં મિલનોમાં આજ પણ વપરાય છે. ખાડા કરતાં નીકળેલી. માટીના ઢગમાંથી બે મુઠી માટી ઉપર નાંખી દેવાથી ગંધ પણ નથી આવતી અને કમ્પોસ્ટ જલદી બને છે. માટીમાં પ્રચુર માત્રામાં જીવાણુ (બૅક્ટેરિયા) હોય છે જે આ કામ કરી આપે છે.

    આઝાદી પછી બનેલા ખાદી ગ્રામોદ્યોગ પંચે ખાડાના જાજરૂને વ્યાવહારિક બનાવવા ઘણો અભ્યાસ કર્યો. તેમાંથી બે-ત્રણ પ્રકારની ડિઝાઇનો બનાવી, જે શહેરોમાં પણ ઉપયોગમાં લઈ શકાય. સામાન્‍ય રીતે પ્રવર્તતી પાણીની અછતને ધ્યાનમાં લઈને ઓછાં પાણીથી ચાલતી વ્યવસ્થા પણ હતી. રાજ્ય સરકારોએ આ સુધારા અપનાવ્યા. સંયુક્ત મુંબઈ પ્રાંતમાં એ ક્યારે લાગુ થયા તે ખબર નથી, પરંતુ અમારા ગામમાં ગુજરાતનું જુદ્દુ રાજ્ય બન્યા પછી તરત નવી પદ્ધતિનાં શૌચાલય બનાવવાનું શરૂ થયેલું. જૂની પદ્ધતિનાં પોખરાવાળાં જાજરૂ બંધ કરી દેવાયાં. રાજ્ય સરકારે નગરપાલિકા મારફત સબસિડી આપી નવાં જાજરૂ બનાવવાનું દરેક ઘર માટે ફરજિયાત કર્યું, ત્યાર સુધી ચીનાઈ માટીનાં ભાંડાં પ્રચાલિત થઈ ગયેલાં એટલે સ્વચ્છતા જાળવવી શક્ય હતી. તેથી આવાં નવાં શૌચાલય ઘરની નજીક બનાવતાં લોકો અચકાતા નહોતા.

    તે પછી ઘણા વખતે ગટરયોજના આવી. ઘરનાં બીજાં અશુદ્ધ પાણી સાથે જાજરૂને પણ જોડવાની પરવાનગી આવી. એ સ્વૈચ્છિક હતું, પરંતુ ૧૦-૧૫ વર્ષોમાં ચિત્ર એટલું બદલાઈ ગયું કે જાજરૂને ઘરમાં લઈ આવવાનું પણ શક્ય બન્યું. મહાનગર અને નાનાં નગરો વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત દૂર થયો.

    બાયો-ટોઇલેટ :

    આ છે આવતી કાલનું શૌચાલય. ભારતીય રેલવેએ પ્રાયોગિક ધોરણે “બાયો – ટોઇલેટ’નો ઉપયોગ અમુક ટ્રેનોમાં કર્યો છે. એમાં લાકડાના વહેર જેવા માધ્યમમાં એવાં જીવાણુ (બેક્ટેરિયા) ભેળવવામાં આવ્યાં હોય છે જે પ્રાણવાયુની ગેરહાજરીમાં પણ જીવી શકે. મળનું વિઘટન કરી એ ખાતર બનાવે છે. આ બધું એક બોક્સમાં બંધ કરીને શૌચાલયની નીચે લગાડ્યું હોય છે. એ નાનું ખોખું પાણીથી ભરાઈ ન જાય તે માટે ફ્લશ કરવા માટે પાણીને બદલે શૂન્યાવકાશ દ્રારા કચરાને અંદર ખેંચી લેવામાં આવે છે. આટલા પૂરતી તેમાં વીજળી (કે બેટરી)ની જરૂર પડે છે. એ સફળ થાય તો બીજાં ઘણાં ક્ષેત્રે તેનો ઉપયોગ થઈ શકે. દૂર જનારી બસો કે મેટાડૉર જેવાં ટૂરિસ્ટ વાહનોમાં એ લગાડી શકાય તો સગવડભર્યું બને. રહેણાકનાં મકાનોમાં એ આવે છે કે કેમ તે તો સમય બતાવશે, કારણ કે એટલી બધી માત્રામાં ખાતરનું વિતરણ અને વપરાશ શક્ય છે કે નહીં તે તપાસવું પડે.

    અને છેલ્લે..

    જીવનમાં છ-સાત દાયકામાં આવેલા ફેરફારો વિશેની આ શ્રેણીમાં જાજરૂનો લેખ શા માટે? તો એ બતાવવા માટે કે પરિવર્તન માત્ર ટ્રાન્ઝિસ્ટર કે કમ્પ્યૂટર જેવી મોટી-મોટી ટેક્નોલોજીથી જ આવ્યું છે તેવું નથી. “એપ્રોપ્રીએટ ટેક્નોલૉજી” કહેવાય તેવા સાદા અને અસરકારક વિચારથી પણ જીવનની ગુણવત્તા સુધરી શકે છે તેનો દાખલો આપવા.


    સૌજન્યઃ નવનીત સમર્પણ *  એપ્રિલ ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૧૪

    મારો અફસોસ..

    નીલમ  હરીશ દોશી

    જયાં બરફ પડતો હોય,  ત્યાં હું તાપણું થાઉ
    મારી અંગત તરસ છે.

    સુ..

    પ્રિય દોસ્ત,

    તું  ઘણીવાર બધાને કહેતો ફરે છે કે હમણાં મારો સમય સારો ચાલતો નથી. હમણાં પનોતી ચાલે છે. મારા કોઇ કામ હમણાં સીધા ઉતરતા જ નથી. શું ધાર્યું હોય અને શું થઇ જાય છે કંઇ સમજાતું નથી.વગેરે વગેરે..વાતો કરી નિષ્ક્રિય બનીને સારા સમયની પ્રતીક્ષામાં બેસી રહે છે.કે પછી કોઇ કહેવાતા જયોતિષી પાસે દોડતો રહે છે.

    અને દોસ્ત, ત્યારે એ જોઇને હું બહું વ્યથા અનુભવું છું. તું આવા કોઇ ચક્કર, આવી કોઇ માન્યતામાં ફસાઇને બેસી રહે એ મને કેમ ગમે ? દોસ્ત, સમય કદી ખરાબ કે સારો નથી હોતો.સારા કે ખરાબ આપણે પોતે કે આપણા કર્મો હોય છે. જે ભોગવવાના હોય છે. બાકી કોઇ સમય કદી એકધારો રહેતો નથી. સુખ, શાંતિના દિવસો હોય કે પીડા, મુશ્કેલીના દિવસો હોય, બેમાંથી કોઇ દિવસો કોઇના રોકયા રોકાતા નથી કે કોઇના કહેવાથી ચાલ્યા નથી જતા. જે સમય સામે છે એનો સ્વીકાર એ જ સાચો રસ્તો છે. હસીને સ્વીકાર કે રોદણાં રોઇને. જે અનિવાર્ય છે એનો ખેલદિથી સ્વીકાર થવો ઘટે. એમાં જ તારી શોભા અને તારું ગૌરવ છે. તારાથી અનેકગણા દુખી લોકો વિશ્વમાં છે. એના કરતા તો તારી પરિસ્થિતી અનેકગણી સારી છે જ ને ? તો પછી દુખી થવાને બદલે નિષ્ઠાપૂર્વક  સંજોગોને બદલવાનો  બદલવાનો પ્રયાસ કરવો રહ્યો અને સંજોગો ન બદલી શકાય તો સ્વીકારીને ધૈર્યપૂર્વક પ્રતીક્ષા કરવાની.

    દોસ્ત, મને કદીક અફસોસ પણ થાય છે કે માહિતીના યુગમાં  તમે ક્રાન્તિ કરી છે એની ના નહીં. પણ વિચાર, સંવેદના, માનવસંબંધો આ ઝડપની આંધીમાં કયાં અને કયારે ખોવાઇ જાય છે એ સમજાતું નથી. પોતાની જાતની દોસ્તી તૂટી છે, સ્વના ઉંડાણમાં જવાનું બનતું નથી. એકી સાથે અનેક ઘોડે ચડવું છે. જિંદગી પર ભાર વધતો જાય છે, ખાલીપણુ માથુ ઉંચકતું જાય છે, એની તરફ આંખ આડા કાન કરવાના પ્રયત્નો તરીકે શોપીંગનો ક્રેઝ વધતો રહે છે. જરૂર હોય કે ન હોય ગાંડાની જેમ ખરીદી કરીને ક્ષુલ્લ્ક આનંદ મેળવવાનો પ્રયાસ તું કરે છે. અને ખુશ થયાના ભ્રમમાં રહીએ છીએ. આ દુષ્ચક્ર આખરે કયાં સુધી ?

    દોસ્ત, તું  પારકાને ઓળખતા હોવાનો દાવો ચીપિયો પછાડીને કરતો રહે છે પણ તારી જાતને તું ઓળખે છે ખરો ? કે એવો પ્રયાસ પણ કદી કર્યો છે ખરો ? કદીક્સ  શાંતિથી બેસીને તારી જાત વિશે વિચાર કરે છે ખરો ? પ્રામાણિક જવાબ આપીશ ?

    લિ. તારો જ ઇશ્વર


    પ્રાર્થના એટલે છલોછલ જીવન શક્તિ, તર્કની પેલે પારનો પ્રદેશ.

    જીવનનો હકાર

    દુ:ખના પર્વત પરથી ઇશ્વરને ઉત્તમ માનવ મળે છે.

  • વાઘની સંખ્યા વધી એનો આનંદ, પણ….

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પહેલાં વગર વિચાર્યે પ્રકૃતિનું યા પ્રાકૃતિક જીવોનું નિકંદન કાઢવું, પછી તેનું ભાન થતાં તેના પર નિયંત્રણ લાદીને સંવર્ધનના પ્રયાસ કરવા, અને એ પ્રયાસમાં સફળતા મળે એટલે રાજી થવું-માનવજાતના વિકાસના ઈતિહાસની આ તરાહ રહી છે. એ વિકસીત, વિકાસશીલ કે અવિકસીત હોય એવા દરેક દેશપ્રદેશને લાગુ પડે છે.

    તાજેતરનાં વરસોમાં વાઘની સંખ્યામાં થયેલા વધારાને કારણે આ હકીકત વધુ એક વાર યાદ આવી. વાઘની સંખ્યા ૨૦૧૪માં ૨,૨૨૬ હતી, જે વધીને ૨૦૧૮માં ૨,૯૬૭ થઈ, અને ૨૦૨૨માં તે નોંધપાત્ર રીતે વધીને ૩,૬૮૨ થઈ. અત્યાર સુધીમાં વાઘની સૌથી ઓછી સંખ્યા ૨૦૦૬માં નોંધાઈ હતી, જે ૧,૪૧૧ હતી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    વાઘની સંખ્યામાં વધારો થાય એ આનંદની બાબત છે, પણ કેવળ સંખ્યામાં વૃદ્ધિ પૂરતી કહી શકાય ખરી? વાઘ માટે તેની આસપાસનું પર્યાવરણ એમનું એમ રહ્યું છે ખરું?

    વાઘ શિકાર પર જીવનારું પ્રાણી છે, અને તે અમુક જાતનાં હરણ, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. હકીકત એ છે કે મધ્ય-પૂર્વ ભારતમાં, ખાસ કરીને ઓડિશા,ઝારખંડ અને છત્તીસગઢમાં આવાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

    ‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ ઈન્‍ડિયા’(ડબલ્યૂ.આઈ.આઈ.) અને ‘નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઓથોરિટી’(એન.ટી.સી.એ.) દ્વારા હાથ ધરાયેલા, ખરીવાળાં જાનવરોના આ પ્રકારના સૌ પ્રથમ આકલનમાં આ હકીકત જાણવા મળી. ખરીવાળાં જાનવરો વાઘના ખોરાકનો મોટો હિસ્સો હોય છે, તેમજ જંગલની પર્યાવરણપ્રણાલિમાં પણ તેઓ અગત્યનો ભાગ ભજવે છે. વનવિસ્તારમાં ઘટાડો, વિકાસ, કૃષિવિસ્તારમાં વિસ્તરણ, શહેરીકરણ અને શિકાર જેવાં વિવિધ પરિબળોને કારણે આમ બની રહ્યું છે.

    આના પરિણામરૂપે માનવ-વન્ય પશુઓ વચ્ચે ટકરાવના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.

    વન્ય પશુઓના માંસનો ખોરાક તરીકે વધુ ઊપયોગ તેમજ જે તે વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તતી અશાંતિ વન્ય પશુઓની ઊપસ્થિતિ પર નકારાત્મક અસર કરતી હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જે સરવળે ખરીવાળાં પશુઓની સંખ્યામાં ઘટાડો કરે છે. જેમ કે, મધ્ય ભારતના મહત્ત્વના કોરિડોર ગણાતા ઝારખંડના પલામૂમાં ડાબેરીઓના અંતિમવાદી વલણને લઈને ઘણા પડકાર છે, જેની અસર વન્ય પશુઓ પર થાય છે.

    શિકાર થનારાં પશુઓના ઉછેર માટે આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ચીતળ અને સાબરનું સંવર્ધન સ્થળ પર જ સલામત બંધ જગ્યાઓમાં એ રીતે કરવામાં આવે કે જેથી શિકારી પશુઓ દૂર રહી શકે.

    પહેલી નજરે વિચિત્ર જણાય એવી આ વાત છે. પહેલાં શિકાર થનારાં પશુઓને ઉછેરો, તેમને શિકારી પશુઓથી દૂર રાખો, અને એ મોટાં થાય એટલે પછી શિકારી પશુઓના શિકાર માટે એમને છૂટાં મૂકી દો. કુદરતી સંતુલન એક વાર ખોરવાય એ પછી માનવને પોતાની સિમીત દૃષ્ટિથી આવા વિચિત્ર વિચાર આવતા હોય છે. આવાં તિકડમ લગાવતી વખતે માણસોને એ ખ્યાલ નથી રહેતો કે આ પૃથ્વીની સમગ્ર જૈવપ્રણાલિ એકમેક સાથે સંકળાયેલી છે, જેમાં પશુપંખીઓ ઊપરાંત વનસ્પતિનો પણ સમાવેશ થાય છે.

    એ પણ જાણવા જેવું છે કે પૂર્વ અને મધ્ય ભારતના વિસ્તારોમાં શિકારમાં ઘટાડો થઈ રહ્યો છે, તો દેશના અન્ય વિસ્તારોમાં એથી ઊલટી સ્થિતિ જોવા મળે છે. ઊત્તરાખંડ અને ઊત્તર પ્રદેશથી લઈને પૂર્વ બિહાર સુધી વિસ્તરેલા શિવાલીક ગિરિમાળાના તેમજ ગંગાનાં મેદાનોના પ્રદેશમાં તથા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શિકાર માટેનાં પશુઓની સંખ્યા સ્થિર રહી છે. પશ્ચિમ ઘાટમાં ચીતળ, સાબર, જંગલી સૂવર, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓ વ્યાપકપણે છે, જ્યારે ઈશાન ભારતમાં જંગલી સૂવર તેમજ હોગ પ્રકારનાં હરણ વધુ જોવા મળે છે.

    ભારતમાં વિશ્વની કુલ વસતિના ૭૦ ટકા વાઘ આવેલા છે. તેમના ખોરાકનો મુખ્ય આધાર આવાં પશુઓ પર છે. કેવળ વાઘ જ નહીં, દીપડા, જંગલી કૂતરા, વરુ અને ઝરખ જેવાં પશુઓ પણ આ જ પ્રાણીઓનો શિકાર કરે છે.

    આવાં ખરીવાળાં જાનવર પ્રત્યેક વસતિ ગણતરી વખતે નોંધવામાં આવે છે ખરાં, પણ તેમની સંખ્યાનું આંકડાકીય આકલન પહેલવહેલી વખત કરવામાં આવ્યું છે. આથી તેમને કેવળ વાઘની સંખ્યાનુસાર ગણવાને બદલે સમગ્રતયા પણ જોવાની જરૂર છે. એક અંદાજ મુજબ ખરીવાળાં ત્રીસ પ્રાણીઓ પ્રતિ સો ચો.કિ.મી. વિસ્તારમાં ચાર વાઘ માટે પર્યાપ્ત ગણાય. આવાં પ્રાણીઓની સંખ્યા અને માનવ-વન્ય પશુ વચ્ચેના ટકરાવને સીધો સંબંધ છે. મહારાષ્ટ્રના તાડોબા કે મધ્ય પ્રદેશના રાતાપાની અભયારણ્યોમાં વાઘ પાળેલાં ઢોરઢાંખર પર હુમલો કરે છે, કેમ કે, એ વિસ્તારોમાં ખરીવાળાં અન્ય પશુઓ એટલે કે વાઘનાઆહારનું પ્રમાણ ઓછું છે.

    આ આખી કવાયત જોતાં ખ્યાલ આવશે કે અત્યારે ખરીવાળાં પશુઓનો મુખ્ય હેતુ જાણે કે વાઘના આહાર બાબતનો જ છે. જાણે કે સ્વતંત્રપણે તેમનું કોઈ મહત્ત્વ કે પર્યાવરણપ્રણાલિમાં કોઈ સ્થાન જ નથી. અન્ય કઈ કઈ રીતે તે પર્યાવરણપ્રણાલિને અસર કરતા હશે એનું સંશોધન થાય ત્યારે ખરું. જો કે, પર્યાવરણપ્રણાલિને નહીં, પણ માનવજાતને મદદરૂપ થતાં હોય તો જ એવા કોઈ સંશોધન માટે અવકાશ રહેતો હોય છે. પોતાને ખપમાં આવે એટલા પૂરતો જ માનવોને અન્ય જીવો કે ચીજવસ્તુઓનો ઊપયોગ હોય છે.

    આપણી વિકાસયોજનાઓ, પ્રવાસન કે અન્ય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોમાં પર્યાવરણને લગતા કે અન્ય આડઅસરના અભ્યાસ કેવળ નામ પૂરતા હોય છે. એ થાય છે ખરા, પણ તેનો અમલ જવલ્લે જ થતો જોવા મળે છે, કેમ કે, એનો સાચેસાચો અમલ કરવામાં આવે તો પછી જે તે વિકાસપ્રકલ્પને જ પડતો મૂકવાનો આવે.

    પર્યાવરણ, પ્રકૃતિ, વિકાસ, રાજકારણ, નાણાંકીય કૌભાંડ- આ બધાની આપણે એકમેક સાથે એ હદે ભેળસેળ કરી દીધી છે કે હવે કોઈ પણ મુદ્દો નિરપેક્ષ રીતે વિચારવો શક્ય રહ્યો નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૩

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    ભેજ, ઝાકળ અને ઉષ્ણતામાન

    પરેશ ૨. વૈદ્ય

    પણે જોયું કે વિષુવવૃત્તની આસપાસનાં ક્ષેત્રોમાં જો જમીનનો મોટો પ્રદેશ મહાસાગરની પાસે હોય તો પવનો અમુક ચોક્કસ રીતે વાય છે અને આપણને મળ્યું તેવું ચોમાસું આપે છે. પરંતુ પવન અને ચોમાસાં વચ્ચેની કડી તે ભેજ છે, જે હવામાનનું અગત્યનું ઘટક છે. કહે છે કે પૃથ્વી ફરતે વાતાવરણમાં દશ હજાર અબજ ટન ભેજ ભળેલો છે. હવામાં ભળેલા આ ભેજને પવનો પોતા સાથે આગળ-પાછળ, ઉપર-નીચે લઈ જાય છે. રોજેરોજ આશરે દશ ટકા જેટલો ભેજ ઠરીને પાણી કે બરફરૂપે હવામાંથી બહાર પણ આવી જાય છે. આ પ્રકરણમાં ભેજ અને પવનના સંબંધોની વાત કરીશું.

    વરાળ અને બાષ્પ :

    પૃથ્વી ઉપર જીવનનો આધાર જળચક્ર છે એ વાત આપણે જાણીએ છીએ. સમુદ્રનાં પાણીની વરાળ થઈને વાદળાં બને, તેથી વરસાદ પડે અને નદીઓ બને. એનાં પાણી સમુદ્રમાં જઈને જળનું ચક્ર પૂરું કરે તેવું શાળામાં શીખ્યાં. આ વાતમાં બાળમાનસ એમ પણ કલ્પી લે છે કે જાણે સમુદ્રનું પાણી ઉકળતું હશે ! ખેર, પાણીએ હવામાં ભળવા માટે ઉકળવાની જરૃર નથી. આ ગૂંચવડો ‘વરાળ’ શબ્દને કારણે છે. આપણી ભાષાઓમાં વરાળ અને બાષ્પ એક જ અર્થમાં વાપરીએ છીએ. પાણી કે દાળ ઉકળે ત્યારે જે વરાળ નીકળે તેને અંગ્રેજીમાં ‘સ્ટીમ‘(Steam) કહે છે, એ ૧૦૦ સે. ઉષ્ણતામાને બને છે પરંતુ શિયાળાની સવારે સવારે તમારા ઉચ્છ્વાસમાં જે સફેદ ‘ધુમાડો’ નીકળે છે તે ‘બાષ્પ’ છે, જેને અંગ્રેજીમાં ‘વૅપર’(Vapour) કહેવાય છે. ઝાડની ડાળીને છેડેનાં અમુક પાંદડાઓનાં જૂથની આસપાસ પ્લાસ્ટિકની થેલી બાંધી દો તો એક-બે કલાકમાં તેના પર બાષ્પ પથરાઈ ધૂંધળી થઈ જશે. આમ બાષ્પ બનવા માટે એક સો અંશ ઉષ્ણતામાન જરૂર નથી. એ દરેક ઉષ્ણતામાને બન્યા કરતી હોય છે.

    કપડાં સૂકવવા માટે તડકામાં મૂકો તો તેમાંનું પાણી ઉડી જાય છે. તેને બદલે છાંયામાં રાખો તો ય સૂકાય તો છે જ એટલું કે તેને વાર લાગે છે. બંને વેળા કપડામાં રહેલાં પાણીની બાષ્પ થઈ હવામાં ભળતી હોય છે. તડકામાં એ જલદી થાય છે. એમ તો ઘરની અંદર પણ ફર્શ પર પોતું કર્યા પછી પાણી ઊડી જ જાય છે. એક થાળીમાં પાણી મૂકી રાખો તો બે દિવસમાં તે ય ઊડી જશે. એપણ “સૂકાવા”નો જ એક પ્રકાર છે. સર્વે પ્રકારમાં પાણી બાષ્પ થઈ જતું હોવાથી તેને ‘બાષ્પીભવન’ કહે છે. તે સામાન્ય ઉષ્ણતામાને જ થાય છે.

    પાણીની થાળી પર ઝળુંબી રહેલી હવા બાષ્પને લઈ જવા તૈયાર જ હોય છે. એ બાષ્પ લે એટલે એ ‘ભેજવાળી’ થઈ જાય અને નવી બાષ્પ ન લે. પરંતુ જો એ હટી જઈ નવી હવા આવે તો તે ભેજ ઉપાડે છે. આમ જ્યાં પવન વધારે હોય ત્યાં બાષ્પ પણ ઝડપથી બન્યા કરે છે. આપણે એને ‘જલદી સૂકાવું’ કહીએ છીએ. પોતું કર્યા પછી પંખો ફેરવવાનું પણ પ્રયોજન આ જ છે.

    સંતૃપ્ત હવા :

    પરંતુ માનો કે હવા સ્થિર છે. તો એ કેટલો ભેજ ઉપાડી જઈ શકે તેને કોઈ મર્યાદા ખરી ? બિલકુલ ખરી. કાચનું એક હવાબંધ બોક્ષ લઈ તેને તળિયે પાણી ભરેલ થાળી મૂકો. પાણીની સપાટી અમુક સ્તરથી નીચે જશે જ નહીં. અંદરની હવાથી સમાવાય તેટલો ભેજ તેણે લઈ લીધો, પછી પાણી કેમ ઊડે ? હા, જો હવાનું ઉષ્ણતામાન થોડું વધારો તો થોડો વધુ ભેજ એ સમાવી શકે. ફરીથીથોડીવારે એ સંતૃપ્ત થઈ જાય અને પાછું પાણી ઊડવાનું બંધ થઈ જાય. આમ દરેક ઉષ્ણતામાને અમુક નિશ્ચિત માત્રામાં જ ભેજ (કે પાણી) સમાઈ શકે છે. માનો કે આપણું ખોખું ૧ મીટર x ૧ મીટરx ૧ મીટર એવી સાઈઝનું હોય. એ થઈ એક ઘનમીટર હવા; તો તેમાં આટલો ભેજ કે પાણી સમાઈ શકે.

                 ઉષ્ણતામાન       પાણીનું વજન

                 ૨૬. સે.          ૨૫ ગ્રામ

                  ૨૧. સે.          ૧૮ ગ્રામ

                  . સે.            . ગ્રામ

              – સે.          ૪.૪ ગ્રામ

    જેમ ઉષ્ણતામાન ઘટતું જાય તેમ તે ઓછું પાણી સમાવી શકે છે. માત્ર તેટલાં પાણીથી એ હવા સંતૃપ્ત થઈ જાય છે. પાણીમાં ખાંડ ઓગળવા જેવી આ વાત છે. પહેલી ચમચી ખાંડ તુરત ઓગળી જાય છે. પછી એક એક ચમચી ઉમેરતાં જાઓ તેમ વધુનો વધુ વાર લાગતી જાય છે. છેવટે ખૂબ હલાવવા છતાં ખાંડ ઓગળ્યા વિના પડી રહે છે. ત્યારે જો પાણીને ગરમ કરો તો એ ખાંડ પણ ઓગળી જાય છે. જેમ ગરમ પાણી વધુ ખાંડ સમાવે તેમ ગરમ હવા વધુ ભેજ સમાવે.

    આ પરથી સાપેક્ષ ભેજ(Relative Humidity)ની વાત પણ સમજી શકાશે. રેડિયો કે ટી.વી.ના હવામાન સમાચારમાં ‘સાપેક્ષ આર્દ્રતા’ શબ્દ હમેશાં આવતો હોય છે. માનો કે આજે ૨૧ સે. ઉષ્ણતામાન છે અને દર ઘનમીટર હવામાં ૯ ગ્રામ પાણી (એટલે કે બાષ્પ, ભેજ) છે. ઉપર આપેલ કોઠા મુજબ આ ઉષ્ણતામાને ૧૮ ગ્રામ બાષ્પ આટલી હવામાં રહી શકતી હતી. પરંતુ હવામાનના સંયોગો મુજબ માત્ર અડધો એટલે કે ૯ ગ્રામ છે. તો સાપેક્ષ ભેજ ૫૦ ટકા કહેવાશે. બીજા શબ્દોમાં હવા કંઈક સૂકી જ છે. ભેજ સાડા ચાર ગ્રામ હોત તો સાપેક્ષ આર્દ્રતા(R.H.)પચ્ચીસ ટકા કહેવાત. સંતૃપ્ત હવાની સરખામણીએ ભેજનું પ્રમાણ માપવાનું આ એકમ છે.

    ઝાકળબિંદુ :

    બહુ જ સૂકા પ્રદેશને બાદ કરો તો હવામાં ભેજ તો હોય જ છે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછો. દૂરથી જુઓ તો તળાવ કે સમુદ્રની સપાટી ઉપર ધુમ્મસનો પટ્ટો દેખાશે કારણ કે સમુદ્ર અને સરોવરની સપાટી ઉપરની હવા ભેજથી સંતૃપ્ત હોય છે. તળાવનાં પાણીના અણુઓ એમાં સતત ભળ્યા કરતા હોય છે. જ્યાં નદી-તળાવ ન હોય ત્યાં પણ વનસ્પતિનાં પાંડદા જમીનમાંથી ખેંચેલા પાણીને હવામાં ઉડાડતાં હોય છે. સમુદ્ર કાંઠાથી દૂરના પ્રદેશોમાં ભેજ ઓછો હોય. હવાની ગતિ અને ઉષ્ણતામાન પણ ભેજ નક્કી કરે. પરંતુ આ બધો ભેજ કંઈ વાદળાં નથી બની જતો. તાે વાદળાં કેમ અને ક્યારે બને ?

    એ સમજવા એક પ્રયોગ કરીએ. અગાઉ વાત કરી તેવું કાચનું બોક્ષ લો. તેની અંદર હવા છે તેમાં પણ ભેજ તો હશે જ. માનો કે એટલો ભેજ છે કે જો ઉષ્ણતામાન ૩૦ સે. હોય તો એ હવા સંતૃપ્ત નથી થતી પરંતુ જો ઉષ્ણતામાન ૨૬ સે. થઈ જાય ત્યારે એ સંતૃપ્ત થઈ જશે. ત્યાં જ માનો કે ઉષ્ણતામાન ઘટીને ૨૫ સે. થઈ જાય, તો શું થતું જણાશે ?

    હવા સંતૃપ્ત થઈ જશે અને બાકીનો ભેજ બહાર ફેંકી દેશે. એ વધારાનો ભેજ બોક્ષની દિવાલ પર જામશે અને કાચ ધૂંધળો થશે. જો ઉષ્ણતામાન હજુ વધારે ઘટે તો કાચ પર વધુ ભેજ બાઝશે અને ટીપાં થઈને વહેવા માંડશે. બોક્ષને બદલે ખુલ્લામાં વહેતી હવા જો અચાનક ઠંડી પડે તો વધારાનો ભેજ ઝાડનાં પાદડાં કે બાલ્કનીની રેલિંગ ઉપર ઝાકળનાં ટીપાંરૂપે બાઝે છે. રાતની વચ્ચે જ્યારે ઉષ્ણતામાન ઘટી જાય અને હવામાં સારો ભેજ હોય તો બીજે દિવસે સવારે આવી ઝાકળ જોવા મળે છે. ક્રિકેટની ‘ડે ઍન્ડ નાઈટ’ મૅચમાં રાતે ૯-૧૦ વાગ્યા પછી બોલરો ભીના બોલથી પરેશાન હોય છે. આવું કાંઠાનાં શહેરોમાં વધુ બને છે કારણ કે હવામાં ભેજ વધારે હોવાથી ઉષ્ણતામાન થોડું ઘટવાથી જ તે બહાર પડવા લાગે છે.

    આમ જે ઉષ્ણતામાને હવા ભેજથી સંતૃપ્ત થઈ જાય તે એનું ઝાકળબિંદુ કહેવાય છે. સમજી શકાય તેવું છે કે તેનો આધાર સાપેક્ષ આર્દ્રતા – હવામાં કેટલો ભેજ છે તે બાબત પર હોય. વધારે ભેજ હોય તેવી હવામાંથી ભેજ જલદી બહાર આવી જાય. વાદળાં એ પેલાં બોક્ષની દિવાલ પરનાં ધુમ્મસ જેવી ઘટના છે. એ ઠરેલા ભેજનું સ્વરૂપ છે પરંતુ તેમાં ભેજરૂપે પાણીનાં ટીપાં અતિશય સૂક્ષ્મ કદનાં હોય છે. એક મિલીમીટરના ય હજારમા ભાગ જેટલા વ્યાસનાં આ ટીપાં એટલાં તો હલકાં હોય કે ગુરૃત્વાકર્ષણ તેને નીચે નથી લઈ આવતું. આથી વાદળાં ધૂંધળા ઢગલા તરીકે હવામાં તરતાં રહે છે.

    ભેજને ઠારીને વાદળાં બનાવવા માટે કુદરતે શી યોજના કરી છે તેની વાત હવે પછીના પ્રકરણમાં…

     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [૨]

    પહેલા અંકમાં આપને પ્રીતિબહેનનાં જીવનના પ્રારંભિક પરિચય પછી તેમને અમેરિકા ભણી જતાં અને ત્યાં ગોઠવવાનો પ્રયાસ કરતાં જોયાં.
    હવે આગળ.

    એ અરસામાં હજી અમેરિકામાં ભારતીય વ્યક્તિઓ ઘણી ઓછી દેખાતી હતી. મારી કોલેજમાં તો બીજી કોઈ નહતી. મારે ભાગ્યે જ કોઈ ભારતીય ઓળખાણો થઈ હતી, પણ ન્યુયોર્કમાં નાનપણની એક મિત્ર હતી. એણે અને એના પતિએ પણ મને પોતાના કુટુંબની ગણી લીધી, પોતાનાં મિત્રો સાથે ઓળખાણો કરાવી, અને ઘણી હુંફ આપી. ન્યુયોર્ક જેવા મહાનગરના રોજિંદા જીવનમાંનાં વહેવારુ જ નહીં, પણ સર્વ પ્રકારનાં કળાત્મક પાસાં સાથે પરિચય શરૂઆતમાં તો આ મિત્રો સાથેના હળવા-મળવામાંથી મને થતો ગયો. પછી ધીરે ધીરે એ પાસાં મારી અંદરના ચેતન-તત્ત્વનો મોટો અંશ બની ગયાં.

    આ મારો ત્રીજો જન્મ થયો કહેવાય. એક તો ભારતમાં, બીજો અમેરિકા આવી ત્યારે થયો, ને આ હવે ન્યુયોર્ક શહેરમાં વસવા માંડી ત્યારે થયો ગણાય. આ ત્રીજા જન્મે તો મને ઉગારી લીધી. ન્યુયોર્કમાંના પ્રત્યેક દિવસે મારામાં કશું ને કશું ઉમેરાતું ગયું. સામાન્યતાની દીવાલો તૂટતી ગઈ. સાંસ્કૃતિક સીમાઓ વિકસતી ગઈ. રહેવા માટે ભાડાનો નાનો ઓરડો જ હોય, તે ભલે, પણ આકાશ જેવું વિશાળ વિશ્વ મારું ઘર બનતું ગયું. વળી, વિશ્વભરના દરેક ક્ષેત્રની મૌલિક રજુઆતો ન્યૂયોર્કમાં થતી જ રહે, તેથી નૃત્ય, નાટક, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે દરેક કળા-પ્રકારને વૈશ્વિક સ્તરે હું જોવા પામી, એમને સમજતી થઈ, અને માણતી રહી.

    મોટા ભાગના લોકો પરદેશ ગયા પછી મૂળ છૂટી જવાની વાત કરતા રહેતા હોય છે. એવું કશું હું કહી શકું તેમ નથી. હા, તીવ્ર ઘર-ઝુરાપો ભારતને માટે અનુભવતી રહી, ને દસ વર્ષ સુધી એ ભૂમિ, એ હવા માટે રડતી રહી. (જોકે દર વર્ષે ભારત જવા પણ માંડેલી.) છતાં, ન્યુયોર્કમાં વસતાં, સમાંતર રીતે, મારી અંદર જે ઉમેરણ થતું ગયું તેણે કાંઈ મારાં મૂળથી મને જુદી ના કરી દીધી. જે ઈન્ડિયન મૂલ્યો અને સંસ્કાર લઈને નીકળી હતી તે તો રહ્યાં જ, પણ સાથોસાથ, સાચે જ, વિશ્વની કળાત્મક, સર્જનાત્મક, વ્યાપક ઉર્જા મારામાં પ્રાણ ભરતી રહી.

    કાળક્રમે ગુજરાતી સર્જકો આમંત્રણથી અમેરિકા આવતા થયા. ઉમાશંકરભાઈ, હરીન્દ્રભાઈ, ચિનુભાઈ, મનોજભાઈ, ભગવતીકુમાર, રજનીકુમાર, મકરંદભાઈ, કુન્દનિકાબેન અને અન્ય સર્વે મારે ત્યાં ઊતયાં હોય. એમના સમય ને રસ પ્રમાણે મેં એમને ન્યૂયોર્ક શહેર બતાવ્યું હોય. ગુણવંતભાઈને પુસ્તકોની દુકાન આકર્ષે, તો નિરંજનભાઈને પગે ચાલીને શહેર જોવામાં રસ. શહેરની એતિહાસિક તેમજ આધુનિક ઈમારતો અને એમના સ્થર્પાતેઓ વિષે, મારા પોતાના અંગત રસ અને કુતૂહલને કારણે, હું વિગતો જાણવા માંડી ગઈ હતી. ચાલતાં ચાલતાં વાતોમાં એ વિગતો વણી લેતી જાઉં. નિરંજન ભગત તો શહેરની ગાઈડ બૂક વાંચીને, એને હાથમાં રાખીને ફરે. મને કહે, “પ્રીતિ, આવું બધું તો ગાઈડ બૂકમાં નથી !” મેં કહ્યું, “અરે, હું આ શહેરની જીવતી-જાગતી ગાઈડ બૂક છું.”

    રસ, કુતૂહલ, ઉત્સાહ, વિસ્મય – આ જાણે મારી આંતર્‍ચેતનાનાં ધરવ-તત્ત્વો બનતાં ગયાં હતાં. બધી જ બાબતોમાં રસ, સતત કુતૂહલ, ના ખૂટતો ઉત્સાહ, મુગ્ધકર વિસ્મય. કૈંક આમ. ને રવીન્દ્રનાથના એક ગીતમાં છે તેવી અનુભૂતિ, કે “ આનંદની ધારા રાત-દિવસ આખા ભુવનમાં કેવી વહેતી રહે છે.”

    ગુજરાતી આગંતુકો ઉપરાંત ભારતનાં અન્યભાષી સર્જકો સાથે પણ ખૂબ પ્રમાણમાં મળવાનું થયું. મોહન સામંત, કૃષ્ણ રેડી, ભગવાન કપુર જેવા જાણીતા ચિત્રકારો, અને વસંત રાય, રમેશ મિશ્રા, ઈન્દ્રનીલ રૉયચોધુરી જેવા સંગીતકારો સાથે સારો પરિચય થયો. વળી, અસમ, કેરળ, ઉત્તર પ્રદેશ વગેરેમાંથી આવેલાં સર્જકો; ને બંગાળનાં તો અનેક કળાકારો ને સર્જકો મળ્યાં, જેમકે, સત્યજીત રાય, ભવાનિ સેન, સમરેશ મજુમદાર, સુભાષ ઘોષ, જય ગોસ્વામી, નવનીતા દેવ-સેન, સલિલ ચૌધરી, કનિકા બેનરજી, સુચિત્રા મિત્ર, હેમંતકુમાર, ઉત્તમકુમાર, ફીરોઝા બેગમ, દેવપ્રસાદ હાલદાર, જોગેન ચોધુરી ઇત્યાદિ કેટલાંય. સુનીલ ને સ્વાતિ ગંગોપાધ્યાય સાથે તો કોટુંબિક ઘનિષ્ટતા થઈ. પછી સુનીલદાનાં ચાર પુસ્તકો મેં ગુજરાતીમાં અનુદિત કર્યા. મારા કામથી એ ખૂબ પ્રસન્ન થયા હતા.

    બંગાળી સાહિત્ય વાંચવાની શર્‌આત, વર્ષો પહેલાં, મેં છસો પાનાંની “ચોરંગી” નામની નવલકથાથી કરેલી. એના લેખક કેવળ ‘શૉંકૉર’ (શંકર) તરીકે બંગાળમાં વિખ્યાત છે. ન્યુયોર્કમાં એમને મળવાનું થયું ત્યારે મારા આનંદનો પાર નહતો. આખી સાંજ મેં એમને કહ્યા કર્યું, “ તમે તો મારું બંગાળી બાળપણ છો.”

    પણ હું અમેરિકામાં રહેતી હતી. શું ફકત ઈન્ડિયન નામો અને વ્યક્તિઓના સંપર્કમાં જ આવી હતી હું? ના, ના. ગ્રીન કાર્ડ મળી જવું જો જાદુ જેવું હતું, તો ખરેખર તો, ન્યુયો્કમાંનું મારું આખું જીવન જાણે કોઈ જાદુઈ છડીથી સ્પશીયેલું હતું. ચમત્કાર જ કહી શકાય. નહીં તો પાશ્ચાત્ય, અપરિચિત કળાઓ માટે આવો રસ પાંગયી કઈ રીતે? વેસ્ટર્ન મ્યુઝીકના અમુક પ્રકારો તો પહેલેથી સાંભળવા માંડ્યા હતા (મને હજી યાદ છે કે સોથી પહેલો કાર્યક્રમ, લિન્કન સેન્ટરમાં, વાન ફિલબર્ન નામના યુવાન પિયાનિસ્ટનો સાંભળ્યો હતો), પણ કાળક્રમે મને બે મૌલિક અમરિકન સંગીત-પ્રકાર સૌથી વધારે ગમવા માંડ્યા – કન્ટ્રિ મ્યુઝીક અને જાઝ મ્યુઝીક. જાઝના સૂર તો પ્રાણ સુધી સ્પર્શી જતા હોય છે. અને ગાયકોમાં બે તો મુખ્ય- ફ્રેન્ક સિનાત્રા અને એલા ફિત્ઝજેરાલ્ડ. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પઠન, વક્તૃત્વ અને રજુઆતોમાં પણ હું હાજર રહેતી હતી, એટલે દુનિયાનાં મુખ્ય સર્જકો અને ભાષાઓ પ્રત્યે પણ ધ્યાન આપી શકાયું.

    વિશ્વનાં સાહિત્ય, સંગીત અને વિવિધ કળા માટે મારા શોખ અને અભ્યાસ જેમ જેમ વધતા ગયા તેમ તેમ અનેક વિશિષ્ટ વ્યક્તિઓનાં નામ અને કામ પણ યાદ રહેવા માંડ્યાં. આ કળા-ક્ષેત્રોના સંદર્ભે જેનો અભ્યાસ કે ખાસ પરિચય ના હોય તેવું પણ આપોઆપ મગજમાં, સ્મરણમાં નોંધાવા લાગ્યું, સમાવા લાગ્યું. હું ન્યુયોર્ક શહેરની પ્રેમી બની ગઈ હતી, અને ન્યુયોર્ક સાથેની ઘનિષ્ઠતાને કારણે જાણે મારી બુદ્ધિ પણ વધી હતી !

    ફક્ત યાદો જ નહીં, જે યાદગાર છે તેમાં મને વધારે રસ છે, અને એવું જ થોડું અહીં નોંધી રહી છું : નાટ્યકાર જોસેફ પાપ્પ એક એવા આર્ષદૃષ્ટા હતા, જેમને લીધે શેક્સપિયરથી માંડીને સમકાલીન નાટકો ન્યુયોર્કની આમજનતાને માટે જોવાં શક્ય બન્યાં. હું એમને મળી ત્યારે એમણે ખાદીનો આછા કેસરી રંગનો ઝભ્ભો પહેરેલો. જુડિથ જેમિસન નામનાં આફ્રીકન-અમેરિકન નૃત્યકારને મેં સ્ટેજ પર ઘણી વાર જોયેલાં. એક વાર એમને નજીકથી જોયાં. એમનું વ્યક્તિત્વ એવું તો શાલીન, કે એમની સાથે સરસ વાતો થઈ શકી.

    બધાં આવાં સરળ નથી પણ હોતાં. નોબેલ ઈનામ-વિજેતા રશિયન સર્જક જોસેફ બ્રૉડ્સ્કીનાં કાવ્યોના મેં ગુજરાતીમાં અનુવાદ કરેલા. એક સાહિત્યિક કાર્યકર્મમાં મળ્યા ત્યારે એમણે એ જોયા, સહેજ આભાર માન્યો, પણ સામે હસવાનું નામ નહીં. વિખ્યાત સંગીતકાર ફિલિપ ગ્લાસ પણ એવા જ અતડા. એમણે “સત્યાગ્રહ” નામના ગાંધીજી-વિષયક ઓર્પેરા માટેનું મ્યુઝીક લખ્યું છે. મુલાકાત દરમ્યાન આખો વખત એમનું મુખ ગંભીર જ રહ્યું. ક્રાંતિકારી ગણાતા અમેરિકન કવિ ગિન્સબર્ગનું પણ એવું જ. કોઈ વાર કવિ-ગોઠડીમાં સાથે થઈ જઈએ, પણ જલદી સ્મિત ના કરે. સાવ જુદો અનુભવ થયો ઍથૉલ ફ્યુગાર્ડ નામના વિખ્યાત દક્ષિણ આફ્રીકી નાટ્યકાર સાથે. એમને તો વળી ત્રણેક વાર મળવાનું થયું. એ તો હસમુખા અને વાચાળ. એમનાં નાટકો જોવા હું એકસો માઈલ દૂર ગાડી ચલાવીને જતી. એ અત્યંત અસરકારી નાટકો ઉપરાંત, એમની સાથે મો.ક.ગાંધીની વાત પણ નીકળેલી.

    મારા પ્રિય અમેરિકન નાટ્ય-લેખક માર્ક મૅડૉફ સાથે અને મારા પ્રિય અમેરિકન વાતીકાર રેમન્ડ કાર્વર સાથે મળવાનું ના થયું. મૅડૉફ કયાંયે ગુમ થઈ ગયા, ને કાર્વર ખોટી ટેવો અને અનિયમિત જીવનને કારણે સમય પહેલાં મૃત્યુ પામેલા. એમનાં સંગિની અને જાણીતાં અમેરિકન કવયિત્રી ટૅસ ગાલાઘર એક વાર મળેલાં. એ દેખાવે ને સ્વભાવે સુશીલ, એમનાં કાવ્યો સંવેદનશીલ. કાર્વરનું કામ યુરોપના દેશોમાં પણ વંચાય છે, એમ મેં કહ્યું ત્યારે એ ખુશ થયેલાં, અને કાર્વરને ગુમાવવાને કારણે કૈંક ઉદાસ પણ.

    જેને ન્યૂયોર્કની “નાટ્ય-આકાશગંગા’ કહી શકાય તેવા બ્રૉડ્વે-મંચ પર રોજનાં પચાસથી વધારે નાટકો રજૂ થાય. અનેક વર્ષોના નિવાસ દરમ્યાન ત્યાં અસંખ્ય, અને કેટલાંક અસામાન્ય, નાટકો અભ્યાસીની નજરથી જોયાં. અમુક પર લેખ પણ લખ્યા. વિખ્યાત અમેરિકન સમકાલીન નાટ્યકારો, જેવાકે નીલ સાયમન, આર્થર મિલર, ટેનેસિ વિલિયમ્સ, યુજીન ઑનીલ વગેરેનાં નાટકો વાંચેલાં, તે બધાંની રજુઆતો નરી આંખે જોવા મળતી રહી. રાતે બાર વાગ્યે નાટક જોઈને, સબ-વે ટ્રેન લઈને, કે ચાલીને ઘેર જતાં મને કશી બીક નહીં. હું ત્યારથીયે પોતાને “ન્યુયોર્કર” જ માનતી થઈ ગઈ હતી!

    ઉપરાંત, ન્યૂયોર્કના અનેકવિધ નાટ્ય-મંચ પર અનેકાનેક જાણીતાં અદાકારોને પણ જોયાં : બેન કિન્ગસ્લિ, હૈન્નિ ફૉન્ડા, ગ્લૅન ક્લોઝ, મેંડોના, જીન હેંકમેન વગેરે. અને વિશ્વ-વિખ્યાત કેટલીયે વ્યફિતઓ પણ જોવા મળી : દલાઈ લામા, ઇસામુ નોગુચિ, ઍંડી વૉહૉલ, બિલ ફિલન્ટન, મુખ્ય પ્રમુખ બારાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ, માથી સ્ટુઅર્ટ વગેરે. મિસિસ જેંકિ કૅનેડિ તો એક નાના ઓંડિટેરિયમમાં એક ખાસ ફિલ્મ જોવા જતાં લિફ્ટથી જ સાથે હતાં. અડકી શકાય તેટલાં પાસે, પણ સામે ય જોવાય નહીં. તાકીને તો નહીં જ! ઔચિત્ય-ભંગ તો ક્યાંથી કરાય?

    +                             +                              +

    અમેરિકામાં હું કાંઈ કેવળ પરોક્ષ ઉપસ્થિતિ રાખીને જ નહતી રહી. જેમ ભારતમાં જુદી જુદી કળાઓ શીખતી ગયેલી, તેમ અહીં પણ જાતજાતની કળાઓ હું શીખવા માંડેલી. જેમકે, ચાઈનિઝ બ્રશ પેઈન્ટિન્ગ, મૅક્રૅમૅ, વીવિન્ગ, પોંટરી, પિયાનો પ્લેઇન્ગ, મશિન પર સિલાઈ, અરબી-ડાન્સિન્ગ વગેરે. ને ફોટા તો બધાં પાડતાં હોય, પણ ફોટોગ્રાફીની કળાને શીખવાની હોય છે. હું ડાર્કરૂમ-વર્ક શીખી. ઘરમાં એનલાર્જર, પ્રિન્ટર વગેરે જર્‌રી ચીજો વસાવી. પછી રસોડામાં કાળા પડદાથી બારી-બારણાં ઢાંકીને ડાર્કરૂમ બનાવું, ને એમાં ધીરજથી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ તૈયાર કરું. પણ આ દરેક કળા એવી હતી કે તૈયારી કરવામાં જ બહુ સમય નીકળી જાય.

    આ બધાંની, તેમજ ગુજરાતી કાર્યક્રમોમાં હાજરી આપવાની અને કાવ્ય-પઠન વગેરે કરવાની સાથોસાથ ન્યૂયોર્કમાં થતા, એટલેકે અમેરિકન સાહિત્યના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે હું હાજરી આપતી ગઈ. એવા અનેક કાર્યક્રમોમાં અંગ્રેજીમાં લખેલાં મૌલિક કાવ્યો વાંચવાની તકો પણ મને મળી. અમુક વિખ્યાત વિશ્વ-કવિઓનાં કાવ્યોના ગુજરાતીમાં અનુવાદ પણ કરવાના થયા. કેટલીક વાર આંતરરાષ્ટૄય એંન્થોલોજી માટે પણ એ કામ કરવા મળ્યું. મારાં અંગ્રેજી કાવ્યો પણ કેટલીક એંન્થોલોજીમાં સ્થાન પામ્યાં છે. આમ, અનેકવિધ પ્રવૃત્તિઓ સમાંતરે ચાલતી ગઈ હતી.

    અલબત્ત, દરેક પ્રવૃત્તિ દરરોજ ના થાય, પણ થતી તો રહે જ. મને લાગ્યા કર્યું છે, કે એક પછી એક જુદાં જુદાં દ્વાર કેવાં ખૂલતાં ગયાં હતાં. ઉપરાંત, બન્યું એવું કે ભ્રમણ કરવાનું શરૂ થઈ ગયું હતું, અને લખવાનું પણ. છેવટે, ધીમે ધીમે કરતાં, આ બે પ્રવૃત્તિઓમાં જ મહત્તમ સમય જવા માંડ્યો, અને કાળકમે એ બંને જ મારા જીવિતનો ઊંડામાં ઊંડો અર્થ બની ગઈ.

    “અમેરિકન ડ્રીમ”નો અર્થ હું એમ સમજી હતી, કે સમય પાસેથી જીવનમાં સ્થાવર ને સંપત્તિની નહીં, પણ આંતરિક આનંદ, સંતોષ, મુક્તતાની ભેટ મળે તો જ આ શબ્દ-પ્રયોગની વ્યાખ્યા સાર્થક થઈ ગણાય. શું નથી જોઈતું, તે વિષે મારા મનમાં હું સ્પષ્ટ હતી. મને અમેરિકામાં “વધુ ને વધુ મેળવવા’ પ્રત્યે કશું આકર્ષણ ક્યારેય થયું જ નહીં. ન્યુયોર્ક શહેરની અસાધારણતાએ મારી સર્વે ઈન્દ્રિયોને સતેજ કરી દીધી, મારા મનને સઘળું પ્રિય કરી લેવા માટે મુક્ત કરી દીધું, ને મારા હુદયને સુંદર બધું ચાહવા માટે વિશાળ કરી દીધું.

    નોકરી લીધી તો હતી. પહેલી નોકરી ન્યુયોર્ક પબ્લિક લાયબ્રેરીમાં હતી. ત્યાં જ ટકીને, અન્ય હજારો-લાખો આગંતુકોની જેમ, આગળ વધી શકી હોત. પણ મેં છ જ મહિના કામ કર્યું, પછી એ છોડીને દેશ ચાલી ગઈ. પહેલવહેલી અમેરિકા આવી ત્યારે કકળીને વિચાર્યું હતું કે ક્યારેય દેશ જવાશે ખરું? ને તે પછી દોઢેક વર્ષ થતાંમાં જ, ત્રણેક મહિના માટે, હું દેશ જતી રહી. પાછી આવી ત્યારેય કાંઈ નોકરીમાં ના લાગી ગઈ. બલ્કે, બે સૂટકેસમાં સમાય તેટલી મારી “સંપત્તિ” કોઈને ત્યાં મૂકીને હું, જે હજી નહોતો ગમતો તે, અમેરિકા દેશને જોવા ને સમજવા નીકળી પડી. ત્યારથી જ મને ભૂમિ-દર્શન અર્થપૂર્ણ લાગે, તેથી મેં વિમાન નહીં, પણ બસ
    દ્વારા મુસાફરી કરી. ગ્રેહાઉન્ડ કહેવાતી બસ-કંપની આખા દેશમાં એકથી બીજે છેડે જાય. મેં ત્રણ મહિના સુધી સળંગ અમેરિકાની બધી દિશાઓમાંનાં દૂર દૂરનાં, નાનાં ને મોટાં, નામ સાંભળ્યું હોય તેવાં ને સાવ અજાણ્યાં હોય તેવાં પણ અનેક સ્થાનો જોયાં. દિવસે કલાકોના કલાકો, અને રાતની રાતો ય બસમાં. મન અને હુદય છક થતાં ગયાં – શબ્દાતીત પ્રાકૃતિક સુંદરતા, ને એમાં વળી અકલ્પ્ય વૈવિધ્ય. અમેરિકાનું આ બહુલ ભૂમિ-દર્શન કર્યું તે પછીથી મારું હૈયું અહીં ઠરવા લાગ્યું.

    મારા જીવનનો આ સો પ્રથમ સાવ એકલાં કરેલો પ્રવાસ. સાંસ્કૃતિક સીમા પ્રમાણેના જે પણ પ્રતિબંધ કુટુંબમાં હતા તેમને અતિક્રમી જઈને, સાવ જુદા, જાતે જ કહું તો ઘણા વિશિષ્ટ એવા, પરિમાણનું મારી વ્યક્તિગતતામાં પ્રદાન થયું. પાછું ફરી થોડા મહિના કામ કર્યું ના કર્યું ને યુરોપ જોવા જતી રહી. એમાં તો ઘર-ઝુરાપાનું કારણ અપાય તેમ નહતું. બસ, હું હજી અજાણ હતી પણ મને પ્રવાસી બનાવવા માટેનો,
    વિશ્વ તરફથી, એ પહેલો સાદ હતો. યુરોપ જતાં પહેલાં ફેન્ચ ભાષા શીખી. ત્યાં કેટલાક દેશોમાં એ કામમાં આવી શકે, તે કારણે. સળંગ અઢી મહિના યુરોપના દેશોમાં બસ, ટ્રેન અને બોટ લઈને ફરી. છેલ્લે, ત્યાંથી પણ ફરી ભારત જઈ જ આવી. પછી તો સ્પેનિશ શીખી, ને એ ભાષા બોલાતા કેટલાયે દેશોમાં ગઈ. જાપાન પહેલેથી મારો પ્રિયમાં પ્રિય દેશ રહ્યો છે, તેથી જાપાની ભાષા શીખવા પણ હું પ્રેરાઈ.


    ક્રમશઃ

  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    સ્વચ્છ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ભારતના ચૂંટણી પંચનો દુનિયામાં ડંકો વાગે છે. પરંતુ આજકાલ તેની એ જ સાખ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટરી સ્પીચ, પ્રેસ કોન્ફરન્સ અને હવે આર્ટિકલ ( MATCH-FIXING MAHARASHTRA) દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકશન કમિશનની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ મહારાષ્ટ્રના ચૂંટણી વિજયને મતોની ચોરી ગણાવી ચૂંટણી પૂર્વેના છ માસમાં મતદારોમાં થયેલા વધારાને અસાધારણ અને પંચની સત્તા પક્ષ સાથેની મિલીભગતથી થયેલો ગોટાળો કહ્યો છે.

    અઢાર લોકસભા અને સંખ્યાબંધ વિધાનસભાઓની ચૂંટણીઓનું મુશ્કેલ, પડકારજનક અને ગંજાવર કામ ચૂંટણી પંચે પાર પાડ્યું છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪ પ્રમાણે બંધારણીય સંસ્થા તરીકે સ્થાપિત ચૂંટણી પંચનું કાર્ય મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવા સુધીનું છે. ભારતની ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા વચ્ચે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન થી વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સરાહનીય કાર્ય કર્યું છે. દેશના દુર્ગમ વિસ્તારોના મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓ  અને ચૂંટણી સામગ્રીને પગપાળા, બોટ અને હાથી-ઊંટ સવારીથી પહોંચાડી ચૂંટણીઓ પાર પાડી છે. ચૂંટણી પંચની નિમણૂક સંપૂર્ણ સરકાર હસ્તક હોવા છતાં પંચની નિષ્પક્ષતા મુદ્દે ઝાઝા વિવાદો થયા નથી.

    જોકે છેલ્લા એકાદ દાયકાથી ચૂંટણી પંચ વિવાદોના ઘેરામાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે એમ્પાયરને બદલે ખેલાડી (અને એય બારમો) તરીકે ઓળખે છે. ઈલેકશન કમિશન સરકારના કહ્યાગરા તરીકે વર્તતું હોવાની છાપ ઊભી થઈ રહી છે. સરકારી તંત્ર સાથેના મેળાપીપણાથી વિપક્ષોને વેઠવું પડે છે અને જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષી મહાયુતિ વિજય માટે આશાવાદી હોવા છતાં સત્તાધારી મહા અઘાડી ભારે બહુમતીથી પુન: સત્તામાં આવી ત્યારે વિરોધ પક્ષોના ગઠબંધને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ભારે શંકાઓ વ્યક્ત  કરી છે.

    મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકસભાની ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીમાં સત્તાધારી બીજેપી ગઠબંધન કરતાં વિરોધ પક્ષોના ગઠબંધનને વધુ લોકસભા બેઠકો પર જીત મળી હતી. તેના  છ જ મહિના પછી થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. જે લોકસભા બેઠક વિપક્ષ જીત્યો હતો તેના હેઠળની વિધાનસભા બેઠકોમાં પણ તેની હાર થવી તે ચિંતા અને વિવાદનો વિષય છે. આ કારણે ચૂંટણી પંચ પર સત્તા પક્ષના પક્ષધર અને કઠપૂતળી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

    લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં મતદારોમાં થયેલો આઠ થી દસ ટકાનો( ચાલીસ લાખ મતદારોનો) વધારો સૌથી મોટો વિવાદનો મુદ્દો છે. રાહુલ ગાંધીના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ થી ૨૦૨૪ના પાંચ વરસોમાં બત્રીસ લાખ મતદારો વધ્યા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણીના છેલ્લા છ જ માસમાં ચાળીસ લાખ મતદારો વધ્યા હતા. આ વૃધ્ધિ અભૂતપૂર્વ અને અસાધારણ તો છે જ , શંકા પણ જન્માવે છે. રાહુલ ગાંધીના આરોપ પ્રમાણે ભાજપ અને સાથી પક્ષો લોકસભા ચૂંટણીમાં જ્યાં નબળા હતા તે જ વિસ્તારોમાં મતદારોમાં અને છેલ્લા કલાકોમાં મતદાનમાં વૃધ્ધિ મતોની ચોરી માટે ઘડાયેલો પ્લાન છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના મતક્ષેત્ર નાગપુરમાં પણ ત્રીસ હજાર મતદારો વધ્યાનું જણાવ્યું છે.

    ઈલેકશન કમિશન રાહુલ ગાંધીના આરોપના પ્રત્યુત્તરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં તમામ રાજકીય પક્ષોની સામેલગીરી સાથેની પારદર્શી પ્રક્રિયાનું વિગતે વર્ણન કરે છે. મતદારોમાં થયેલ વધારા-ઘટાડા સામે કોઈએ જે તે સમયે કોઈ વાંધો ન લીધો હોવાનું ગાણું ગાયે રાખે છે. વિરોધપક્ષોની માંગ છે કે પંચ લોકસભા અને વિધાનસભા ઈલેકશનની ડિજિટલ મતદાર યાદીઓ પૂરી પાડે કે જાહેર કરે. જેથી તેમના આરોપના આધારો આપી શકાય. પરંતુ પંચ આ માટે તૈયાર નથી.

    વિપક્ષનો બીજો આરોપ તેથી પણ વધુ ગંભીર છે.મતદાનના છેલ્લા એક બે કલાકોમાં થયેલા આઠ ટકા જેટલા વધારાને તેઓ અપ્રત્યાશિત કહે છે. અને આ મતદાન વૃધ્ધિના પંચે જણાવેલા કારણો તેમને પ્રતીતિકર લાગતા નથી કે સંતોષી શકતા નથી. એટલે તેઓ મતદાન કેન્દ્રના ફૂટેજ અને બીજા ઈલેકટ્રોનિક દસ્તાવેજોની માંગણી કરે છે.

    મતદાનના છેલ્લા કલાકોમાં મતદાનની ટકાવારીમાં થયેલા અસામાન્ય વધારાના વાજબી કારણો અને આધારો પૂરા પાડવાને બદલે ચૂંટણી પંચની ભલામણથી ભારત સરકારે ૧૯૬૧ના ચૂંટણી પ્રક્રિયા સંબંધી નિયમોના નિયમ ૯૩માં સુધારો કર્યો છે. આ સુધારા પ્રમાણે ઈલેકટ્રોનિક ડોક્યુમેન્ટસ( સીસીટીવી ફૂટેજ, વેબ કાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ) જાહેર કરવા કે જાહેર નિરીક્ષણ માટે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંચ અને સરકારનું આ પગલું વિરોધપક્ષના આરોપોને સાચા ઠેરવવા લેવાયું હોવાનું પ્રથમ નજરે લાગે છે.

    ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સ પરની બંધી પછી ઈલેકશન કમિશને દેશના તમામ ચૂંટણી અધિકારીઓને જો તેમના મતવિસ્તારની ચૂંટણીને અદાલતમાં પડકારવામાં આવી ન હોયતો પિસ્તાળીસ દિવસ પછી તમામ ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સનો નાશ કરવા જણાવ્યું છે. આ આદેશ પણ વિપક્ષના ચૂંટણી પંચની તટસ્થતા સામેના આરોપોને સાચા ઠેરવે છે.

    રાહુલ ગાંધી સહિતના ઘણાં વિપક્ષી નેતાઓ જ્યારે પંચની  નિષ્પક્ષ ભૂમિકા સામે સવાલ કરે છે ત્યારે પંચનું વલણ તટસ્થતા દર્શાવવાનું કે સંવાદનું નથી પણ આક્રમક અને વિરોધનું છે. ઈલેકશન કમિશન માટે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એક સમાન હોવા જોઈએ. તેને બદલે  જો પંચ ખુદ તેમને વિરોધી માને તો તે સ્વસ્થ લોકતંત્ર માટે સારી બાબત નથી.

    ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે સરકારના વલણ સંદર્ભે અદાલતી પડકાર અને રાજકીય વિવાદ થયા છે. એક વ્યક્તિના ચૂંટણી પંચને નવમી લોકસભા પૂર્વે, ૧૯૮૯માં,  તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. એનું દેખીતું કારણ તો એ સમયના ચૂંટણી કમિશનર આરવીએસ પેરીશાસ્ત્રી પર સરકારી અંકુશનું હતું. રાજીવ ગાંધી પછીના વડાપ્રધાન વી.પી.સિંઘે એટલે જ તેને કમિશનમાંથી કમિશનરમાં ફેરવી નાંખી એક વ્યક્તિનું બનાવ્યું હતુ. ૧૯૯૩માં પી.વી.નરસિંહરાવે તેમના પ્રધાનમંત્રી કાળમાં ફરી તેને ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. ગુજરાતન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગોધરા, અનુગોધરાકાંડ પછી વિધાનસભાની જલદી ચૂંટણીઓ ઈચ્છતા હતા પરંતુ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ તેમાં સંમત નહોતા. એટલે ચૂંટણી સભાઓમાં મોદી જેમ્સ માઈકલ લિંગદોહના પૂરા નામ સાથે ચૂંટણી કમિશનર પર આક્ષેપો કરતા હતા.  આ હકીકતો દર્શાવે છે કે ગઈકાલની અને આજની સરકારો ચૂંટણી પંચ તેમની મનમરજી મુજબ વર્તે તેવા પ્રયાસો કરે છે.

    ચૂંટણી પંચના સભ્યો અને તેમની સંખ્યા બાબતે કોઈ સ્પષ્ટ કાયદો ન હોવાથી ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે કાયદો ન ઘડાય ત્યાં સુધી વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઈ ન્ડિયાની સમિતિ પંચના સભ્યોની પસંદગી કરે તેવો આદેશ કર્યો હતો. હાલની સરકારને તે માફક આવે તેવો ન લાગ્યો એટલે તેણે વડાપ્રધાન, કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષી નેતાની પસંદગી સમિતિ બનાવી છે. એ રીતે તેણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બાદબાકી કરીને અને કેબિનેટ મિનિસ્ટરને સામેલ કરીને સમિતિમાં પોતાની બહુમતી ઉભી કરી દીધી છે.

    ટી.એન. શેષન અને જે.એમ .લિંગદોહ જેવા અપવાદોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ચૂંટણી કમિશનર તેમની નિષ્પક્ષતા અને રાજકીય પક્ષો પર ધાકની કાયમી છાપ છોડી શક્યા છે. ભારત જેવા વિશાળ દેશમાં લોકતંત્રની આધારશિલા નિષ્પક્ષ, ન્યાયી અને સ્વતંત્ર ચૂંટણીઓ છે. તેના માટે ચૂંટણી પંચનું તટસ્થ હોવું અને તટસ્થ દેખાવું જરૂરી છે.

    રાહુલ ગાંધીએ એમના તાજેતરના લેખમાં ઈલેકશનની કમિશનની તટસ્થ ભૂમિકા હંમેશા અને બધે જ નહીં પણ ઘણીવાર શંકા પેદા કરનારી હોવાનું જણાવ્યું છે. પંચે આ બાબતને વિપક્ષો હારે છે એટલે પંચ પર દોષનો ટોપલો ઢોળે છે એ રીતે જોવાને બદલે હકારાત્મક ગણી વિરોધ પક્ષો સામે હલ્લાબોલની ભૂમિકાને બદલે સંવાદની ભૂમિકા રચી તેનો તટસ્થતા પુરવાર કરવાનો વર્તમાન કસોટી કાળ વધુ ન લંબાય તેમ કરવું જોઈએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સત્સંગ

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    શ્રાવણી  પરણીને સાસરે આવી. ચુસ્ત પુષ્ટિમાર્ગી પરિવારમાંથી આવેલી  શ્રાવણીને  સાસરે આવીને શરૂઆતમાં તો ખૂબ આશ્ચર્ય થતું. તેને બધું અજુગતું લાગતું. પિયરમાં નાહ્યા સિવાય રસોડામાં પગ ન મૂકી શકાતો કે દૂધ ન પી શકાતું. જયારે અહીં  સાર્થક ના ઘરમાં તો બધું ચાલે. જેને જયારે જે કરવું હોય તે કરે..કોઇ આચાર વિચાર, નિયમ જેવું જ નહીં. અરે,શ્રાવણીના સાસુ પોતે પણ નાહ્યા ધોયા સિવાય ચા, નાસ્તો કરવા આરામથી બેસી જાય.  સેવાપૂજાનું તો નામોનિશાન નહીં. ઉઠે એટલે પહેલું કામ ઘરમાં રેડિયો કે ટેપ ચાલુ કરવાનું થાય.

    બધાએ નાસ્તો કરવા  સાથે જ બેસવાનું. શ્રાવણીની સેવા પૂજા હજુ ન થઇ હોય તો સાસુ કહેશે, ‘તમારા દેવી દેવતાને પછી મનાવી લેજો. પહેલા બધા સાથે નાસ્તો કરી લઇએ.. શ્રાવણીને સેવા કર્યા સિવાય નાસ્તો કરવો ન ગમે. અને બધાની સાથે નાસ્તો કરવાનો હોય તેથી બહું વહેલું ઉઠવું પડતું.

    સાસુ કહેતા..સવારનો અને રાતનો આ બે સમય તો ઘરમાં બધાએ સાથે બેસવાનું જ. આખા દિવસમાં આમ તો સાથે બેસવાનો સમય કયાં મળવાનો ? દરેક વાતચીત આ સમયે જ થાય. એમાં કોઇ ઉતાવળ ન ચાલે. બગીચામાં ખુરશી પાથરેલી જ હોય. ગપ્પા મારતા હસી મજાક કરતા એક કલાક નિરાંતે ચા નાસ્તો ચાલે. પછી રસોઇનું કામ શરૂ થાય અને ટિફિન લઇને સાર્થક  અને  તેના પપ્પા ઓફિસે જાય, શુભાંગી  કોલેજે જાય પછી નિરાંતે સાસુજી બાથરૂમમાં ઘૂસે. નાહીને યે સેવા પૂજાનો સમય કયાં હોય ? યાદ આવે તો કયારેક ફકત અગરબત્તી કરે..બાકી બે ચાર છોકરાઓ ટયુશન માટે આવી જાય એને ભણાવવા બેસી જાય.

    શ્રાવણીને આ બધું એવું તો વિચિત્ર લાગે. બપોરે તો જમવામાં સાસુ, વહુ બે જ હોય.. જમીને આડે પડખે થવાને બદલે અનુબેન સંગીત કલાસમાં ઉપડે. શરૂઆતમાં શ્રાવણીને પણ બહું કહી જોયું સાથે આવવા માટે.પણ શ્રાવણીને એવું બધું ન ગમે. જમીને તેને સૂવાની આદત હતી. તેના પિયરમાં તો જમીને બધાને નિરાંતે સૂવા જોઇએ જ. અનુબેન કલાસમાંથી આવે ત્યાં દીકરી કોલેજેથી આવી ગઇ હોય. આવીને થોડીવાર બધા સાથે બેસી એ એના નૃત્યના કલાસમાં જાય. શ્રાવણીને ખૂબ નવાઇ લાગે. ’છોકરીઓને વળી નાચતા શું શીખવાનું ? આપણા વૈષ્ણવના ઘરમાં એ ન શોભે. કાલે સવારે સાસરે જશો ત્યારે ત્યાં જઇને શું નાચવાના છો ?  અને આસપાસમાંથી કોઇ એવું કશું શીખવા જતું હોય તો એની પંચાત ચાલે..પેટભરીને એની નિંદા કરવાનું દાદીમા ચૂકે નહીં. અને મમ્મીને પણ દાદીમા સાથે રહીને કદાચ એનો જ વારસો આવ્યો હતો. વરસોથી આવું સાંભળવા ટેવાઇ ગયેલ શ્રાવણીને બહું અજુગતું લાગે. અહીં તો કોઇને કોઇની પંચાત કરવાનો સમય જ કયાં હતો ? શ્રાવણીને જે કરવું હોય તે કરે એમાં કોઇ આડે આવે તેમ નહોતું. પણ શ્રાવણીને શું કરવું તે જ સમજાતું નહીં. અહીં કોઇ સાંજે દેવદર્શન કરવા મંદિરે નહોતું જતું. કથા, વાર્તા, સત્સંગનું તો નામોનિશાન નહોતું. તેથી એકલું એકલું જવું તેને  પણ ગમ્યું નહીં. સાસુ આટલા મોટા થઇને પણ  નથી જતા..તો પછી પોતે કેમ જાય ?

    જોકે એક વસ્તુ તેણે અહીં જોઇ. તેના પિયરમાં વૈષ્ણવ ધર્મના બધા આચાર વિચાર પળાતા..પરંતુ કામવાળીને જમવાનું દેવામાં રાતનું વધ્યું ઘટયું જ કયારેક દેવાતું..કે તેને કોઇ જરૂર પડે ને કદીક માગે તો તેને ખીજાઇને મનાઇ જ કરી દેતા. જયારે અહીં તો કામવાળીને પોતે બધા ખાય એ જ ખાવા મળતું. અને તે પણ પેટ ભરીને..તેના ભાગની રસોઇ ઘરમાં કરવાની જ. સાસુ કહેશે, આપણે મોટા દાન ધરમ તો નથી કરી શકતા.ગરીબને એક સમય જમાડી તો શકીએ ને ? અહીં તેણે સાસુને કયારેય દૂધના લોટા લઇને મંદિરે જતા નહોતા જોયા..પરંતુ ઘણીવાર ગરીબ બાળકોને દૂધ પીવડાવતા સાસુને અચૂક જોયેલા..આવું આવું તો કેટલું યે તેને જોવા મળતું.

    ધીમે ધીમે શ્રાવણીની આંખ સામે એક નવી દુનિયાના દર્શન થતા ગયા. એક નવું ભાવવિશ્વ ઉઘડતું ગયું. એક નવી ક્ષિતિજને તે સમજતી અને ઓળખતી થઇ..કોઇની  સલાહ, સૂચના સિવાય તે આપમેળે કેળવાતી ગઇ.  પરિવર્તન પામતી ગઇ.

    હવે સાચો ધર્મ શું છે એની જાણ શ્રાવણી પામી ગઇ. સાસુની સાથે એક નવી દુનિયામાં તેણે પ્રવેશ કર્યો.જયાં સાચો આનંદ હતો. સાચી સેવા પૂજા હતી..સભરતાથી છલકતું જીવન હતું. હવે તેને ઠાકોરજી પાસે બેસવાનો સમય જ કયાં બચતો હતો ? તેણે તો સાસુની સાથે એક અનાથાશ્રમમાં જોડાઇને કેટલાયે બાળકોને શિક્ષણ આપવાનું તેમની સાથે રમવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. આ જ હવે તેની કથા હતી..અને આ જ હવે તેનો સત્સંગ હતો.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે