-
જ્યાં ભૂતકાળનો આરંભ થાય છે
મંજૂષા
વીનેશ અંતાણી
ઘણાં વર્ષો પહેલાં ચીનથી આવી અમેરિકામાં વસેલાં માતાપિતાની પુત્રી, હવે અમેરિકાની નાગરિક, લેખિકા એમી ટેનની વર્ષ ૨૦૧૭માં પ્રકાશિત સ્મૃતિકથાનું નામ છે – ‘વ્હેર ધ પાસ્ટ બિગિન્સ’. એ સ્મૃતિકથાનું નામ ‘જ્યાં ભૂતકાળનો આરંભ થાય છે’ મને પહેલી નજરે ગમી ગયું હતું.
આપણો ભૂતકાળ ક્યાંથી શરૂ થાય એ નક્કી કરવું અઘરું છે. આપણા મૂળિયાં શોધવા આપણે કેટલા ઊંડા ઊતરી શકીએ તે પણ પ્રશ્ન છે. સામાન્ય રીતે આપણે સ્મૃતિને આપણા જન્મસમય સુધી ખેંચી શકીએ અને માતાપિતા કે વધારેમાં વધારે દાદાદાદીની વિગતો સુધી પહોંચી શકીએ. વંશાવળીમાં રસ ધરાવતા લોકો પૂર્વજોનાં નામ અને અરસપરસ લોહીના સંબંધોની વિગતો સાચવી રાખે છે, તેમ છતાં બે-ત્રણ પેઢી પહેલાંના પૂર્વજોના જીવનમાં બનેલી હકીકતો વિશે ઝાઝું જાણવા મળતું નથી, આપણી રુચિ પણ હોતી નથી.
એમી ટેને પોતાની સ્મૃતિને સતેજ રાખવા પ્લાસ્ટિકના સાત પીપમાં જૂનાં દસ્તાવેજો, પત્રો, ફોટા અને સ્મૃતિચિહ્નો જેવી સામગ્રી સાચવી રાખી હતી. સ્મૃતિકથા લખવા માટે એનો આધાર લીધો હતો, તેમ છતાં એમણે માતાપિતા અને કેટલાંક સમકાલીન પરિવારજનો વિશે જ લખ્યું છે, એથી વધારે ઊડાં ગયાં નથી. જ્યારે આફ્રિકન-અમેરિકન લેખક અલેક્સ હેલી એમના ખૂબ જાણીતા પુસ્તક ‘રૂટ્સ’માં સાત પેઢી સુધીના ભૂતકાળના તળમાં ઊંડા ઊતર્યા છે. એ માટે એમણે સંખ્યાબંધ અધારભૂત લેખિત દસ્તાવેજો અને મૌખિક સામગ્રીનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા, જુદાં જુદાં સ્થળોની મુલાકાત લીધી અને આફ્રિકાનાં ગામડાં સુધી પહોચ્યા. એ રીતે ભૂતકાળનું પગેરું શોધાતા એ કુન્તા કુન્તિ નામના માતૃપક્ષના એક પૂર્વજના ગામમાં પહોંચ્યા. અહીં એમની યાત્રા પૂરી થઈ કારણ કે કુન્તા કુન્તિ એમના પરિવારના સૌથી જૂના પૂર્વજ હતા. અહીંથી એમણે ભૂતકાળ ઊલેચવાની શરૂઆત કરી અને અમેરિકાના વર્તમાન સુધી પહોંચ્યા.

‘રૂટ્સ’નો આરંભ છેક ઈ. સ. ૧૭૫૦ની એક સવારથી થાય છે. એ સમયે ગુલામોનો વેપાર કરતા ક્રૂર માણસો કુન્તા કુન્તિ અને બીજા લોકોને સાંકળથી બાંધી ઘેટાં-બકરાંની જેમ વહાણોમાં ભરી અમેરિકા ઉપાડી ગયા હતા. આફ્રિકાનાં જંગલોમાં વસતાં સ્ત્રી-પુરુષોને પશુઓની જેમ પકડી જતા અને અમેરિકાના શ્રીમંતોને વેચતા. એમનું રીતસરનું લિલામ કરવામાં આવતું હતું. ગુલામ સ્ત્રી-પુરુષોનાં સંતાનો અમેરિકામાં જન્મ્યાં અને વર્ષો સુધી ગુલામીની પીડા વેઠતાં રહ્યાં. સમય જતાં એમની યાતનાઓએ માલિકો અને સરકાર સામે વિદ્રોહ કર્યો. લાંબા સંઘર્ષ પછી એમને ગુલામીમાંથી મુક્તિ મળી અને તેઓ અમેરિકાના નાગરિક બન્યા. આ સઘળી વિગતો ‘રૂટ્સ’માં આલેખાઈ છે, તેમ છતાં ‘રૂટ્સ’ કેવળ ઐતિહાસિક દસ્તાવેજ નથી. લેખકે એને સ્પષ્ટપણે નવલકથા કહી નથી, પરંતુ એની કથનરીતિ નવલકથા જેવી પસંદ કરી છે.
અલેક્સ હેલીએ આ પુસ્તક માટે ‘ફેક્ટ’ અને ‘ફિકશન’ બે શબ્દો જોડી ‘ફેક્શન’ શબ્દપ્રયોગ કર્યો છે. એમણે સંશોધન અને લેખન પાછળ સતત બાર વર્ષ કામ કર્યું હતું. વચ્ચેવચ્ચે હતાશાના ગાળા આવતા રહ્યા, છતાં એમણે પોતાના ‘ભૂતકાળના આરંભ’ સુધી પહોંચવા માટે આદરેલો યજ્ઞ અધૂરો છોડ્યો નહોતો. ‘રૂટ્સ’ ૧૯૭૬માં પ્રકાશિત થઈ ત્યારે એના પ્રકાશકે બે લાખ નકલ છાપી હતી. બધી નકલો થોડાં અઠવાડિયાંમાં જ વેચાઈ ગઈ. ત્યાર પછી એનું વેચાણ લાખોની સંખ્યામાં થતું રહ્યું. વિકિપીડિયા પ્રમાણે એના છત્રીસ ભાષામાં અનુવાદ થયા છે. ટેલિવિઝન માટે રૂપાંતરણ થયું.
‘રૂટ્સ’ માટે અલેક્સ હેલીને પુલિત્ઝર પ્રાઇસથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ સ્વાભાવિક હતી. વતનમાંથી મૂળસોતી ઊખડી ગયેલી આફ્રિકન પ્રજાની યાતનાઓ અને સ્વની ઓળખ શોધવાના પ્રયાસની કથા વાચકોને અંદરથી હચમચાવી જાય છે. ‘રૂટ્સ’ ગુલામોએ ભોગવેલી યાતના, વેદના અને એમાંથી મુક્ત થવાની કદી ન બુઝાતી ધધકની કથા છે. કેન્દ્રમાં છે કુન્તા કુન્તિ નામનો એક ગુલામ અને એની પાછળની સાત પેઢીનાં પાત્રો. એ પાત્રોની આસપાસ અસંખ્ય કાળા ગુલામોના જીવનસંઘર્ષની કથા પણ એમાં આલેખાઈ છે. એમનાં જન્મ, મૃત્યુ, પ્રણય, લગ્ન વિશે અનેક વિગતો મળે છે. કોઈ પણ સમયે બીજા ક્રૂર માલિકને વેચાઈ જવાનો ભય અને પોતાના પરિવારથી અલગ થઈ જવાનો ઓથાર ‘રૂટ્સ’ની કથામાં સતત ઊપસતો રહે છે. ગુલામીની યાતના વચ્ચે પણ એ લોકો પોતાનો સાંસ્કૃતિક વારસો કોઈ પણ ભોગે સાચવી રાખવા મથ્યાં હતાં.
અલેક્સ હેલીએ એમની નાની પાસેથી જૂના સમયની અને એમની જાતિની પરંપરાઓની ઘણી વાતો સાંભળી હતી. એના પરથી એમને પોતાનાં મૂળિયાં શોધવાની પ્રેરણા મળી અને એમણે ‘રૂટ્સ’ લખવાનો વિચાર કર્યો. અલેક્સના પૂર્વજોમાંથી ગુલામીનો ભોગ બનનારી પહેલી વ્યક્તિ કુન્તા કુન્તિ. અમેરિકામાં ગુલામીના જીવન વચ્ચે એ એનાં સંતાનોને એમની મૂળ સંસ્કૃતિની વાતો કહેતો. એનાં સંતાનો પોતાનાં સંતાનોને કહેતાં. એ રીતે ચાલતી મૌખિક પરંપરા દ્વારા તેઓ એમના સંસ્કાર, રીતરિવાજો અને ભાષાને શક્ય તેટલી જાળવી શક્યા. આ પ્રક્રિયા વર્તમાન પેઢી સુધી ચાલતી રહી.
હેલીએ ‘રૂટ્સ’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે: ‘પ્રાચીન વડવાઓની સ્મૃતિને અને મૌખિક પરંપરાને જાળવી રાખવાના અસાધારણ પ્રયત્નોને લીધે જ આપણે માનવજાતના આદિમ સમય સુધી પાછલા પગે પહોંચીને જાણી શકીએ છીએ કે આપણે કોણ છીએ.’ અલેક્સ હેલી પોતાનાં મૂળિયાં શોધવા પાછલા પગે યાત્રા કરતા એમના માતૃપક્ષના પૂર્વજ કુન્તા કુન્તિના ગામમાં પહોંચ્યા તે ક્ષણનો ઉલ્લેખ એમણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે: ‘મને લાગ્યું કે હું સદીઓ પહેલાંના મારા ગામમાં પહોંચી ગયો છું અને મારા પૂર્વજ કુન્તા કુન્તિને જંગલમાં કામ કરતા જોઈ રહ્યો છું.’
દરેક વ્યક્તિના ભૂતકાળમાં એવી જ કોઈ ક્ષણ પડેલી હોય છે, જ્યાં એના ભૂતકાળનો આરંભ થાય છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
મુદ્દો વંદે માતરમની દેશવ્યાપી અપીલનો છે!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
વ ર્ષો થયાં એ વાતને. ત્યારે સંજય-તુલા વરસોવરસ સદભાવના પર્વ યોજતાં: ફિલ્મકાર આનંદ પટવર્ધનથી માંડીને આરીફ મોહમ્મદ ખાન સહિતની પ્રતિભાઓએ એમાં ભાગ લીધાનું સાંભરે છે.
આરીફ મોહમ્મદ ખાન યાદ આવવાનું કારણ એમણે તાજેતરનાં વરસોમાં કેરળના રાજ્યપાલ તરીકે સકારણ-અકારણ વહોરેલા વિવાદો નથી, પણ સદભાવના સત્રમાં એમણે વંદે માતરમના પોતે કરેલ ઉર્દૂ અનુવાદની જે ઝલક આપી હતી એ છે. અને હવે તરતમાં વંદે માતરમની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ અંગેની મહોત્સવ સમિતિના ગુજરાત એકમ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એ અતિથિવિશેષને નાતે વક્તવ્ય આપવાના છે.
છઠ્ઠી જુલાઈના આ અમદાવાદ આયોજન બાદ સાર્ધ શતાબ્દી મહોત્સવ ગુજરાતનાં જુદાં જુદાં કેન્દ્રોમાં પણ સપ્તાહ દરમ્યાન ઊજવાશે. એમાં અલબત્ત વડોદરા તો હોય જ, કેમ કે એ તો શ્રી અરવિંદના પૂર્વાશ્રમનું જાગતું થાણું. ૧૯૦૫માં કર્ઝને બંગાળના હિંદુ-મુસ્લિમ ભાગલા પાડ્યા તે સાથે બંગભંગ વિરોધી આંદોલને લીધેલો ઉપાડો દેશભક્ત અરવિંદને ખેંચી રહ્યો હતો. વડોદરા કોલેજના એમના છાત્રો કનૈયાલાલ મુનશી અને ભાઈલાલ પટેલ (ભાઈકાકા)એ ‘કેમ ચાલ્યા’ એવું પૂછવા ને રોકવા કોશિશ કરી ત્યારે બે શબ્દોએ ભરેલો એટલો ભારેલો ઉત્તર હતો: ‘મધર્સ કૉલ.’ વસ્તુત: આ ટૂંકા જવાબનાં મૂળ બંગભંગ સાથે સહસા ઊંચકાયેલ ‘વંદે માતરમ’માં હતાં.
બંગાળના અક્ષરજીવનના અગ્રપુરુષ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ રચના કરી’તી તો કે’દીની, ૧૮૭૫માં, પણ બંગજનનું ધ્યાન એના તરફ ખેંચાયું તે બંગભંગ વિરોધી આંદોલનના પ્રથમ ઉદ્રેક સાથે: યુવા રવીન્દ્રનાથ હિંદુ-મુસ્લિમ ઐક્યભાવના પૂર્વક ‘રાખીબંધન’ સાથે કલકત્તાના રાજમાર્ગો પર ‘વંદે માતરમ’ ગાતા નીકળી પડેલાઓમાં મોખરે હતા. ૧૮૭૫માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે ૧૮૮૨માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે ‘વંદે માતરમ’નું એક નારા તરીકેનું ખેંચાણ ખાસું રહ્યું, આજે પણ છે. જોકે એ પછી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’ પણ ખાસાં ગાજ્યાં ને ગાજે છે.
અલબત્ત, આ પૈકી ‘વંદે માતરમ’ રચના ને જયઘોષ બેઉ વહેલાં આવ્યાં અને એમની ભાવાત્મક અપીલ આજે પણ એકંદરે બરકરાર છે. એક તબક્કે ‘વંદે માતરમ’ રચના એના ઉત્તર અંશોના હિંદુ રણકાથી સાંકડી વરતાવા લાગી હતી અને કોઈ કોઈ આંતરધર્મી અથડામણમાં એનો પ્રયોગ કેમ જાણે ‘વોર ક્રાય’ તરીકે પણ નોંધાયો હતો. વસ્તુત: બંકિમચંદ્રે ‘વંદે માતરમ’ને જે નવલકથામાં (‘આનંદમઠ’માં) પ્રયોજ્યું છે. એમાં વાત તો સંતાનધર્મની છે. ધર્મ એ સંજ્ઞા એમાં મૈત્રીના અર્થમાં, આપણે સૌ ભાઈભાઈના વ્યાપક અર્થમાં પ્રયોજાઈ છે.
અરવિંદે ‘વંદે માતરમ’ના પૂર્ણ પાઠનો અંગ્રેજી અનુવાદ કર્યો તો એમાં ધર્મને સારુ ‘કન્ડક્ટ’ શબ્દ વાપર્યો છે. ‘વંદે માતરમ’ની અપીલને સમજાવતાં એમણે અંગ્રેજીમાં કહ્યું છે કે તેણે આપણામાં ‘રિલિજિયન ઓફ પેટ્રિયોટિઝમ’નો સંચાર કર્યો. તો, ‘ધર્મ’ અને ‘રિલિજિયન’ વચ્ચે વિવેક કરનાર પ્રતિભાને હિંદુ ધર્મ અને ‘ધર્મ’ વચ્ચે પણ વિવેક હોય જ ને. જે અરવિંદે આરંભે એને બંગાળનું રાષ્ટ્રગીત કહ્યું હતું તેને એ દેશ આખા માટેના મંત્ર તરીકે પુરસ્કારતા થયા અને બીજી બાજુ જાહેર જીવનની દૃષ્ટિએ એની પહેલી બે કડીઓ પર વ્યાપક સહમતિ સધાઈ.
જવાહરલાલ નેહરુ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ અને સુભાષ બોઝની સમિતિએ રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વક આ નિર્ણય લીધો હતો. આગળ ચાલતાં બંધારણ સભા સમક્ષ રાષ્ટ્રગીતનો પ્રશ્ન આવ્યો ત્યારે વિધિવત રજૂઆત કરતા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં વંદે માતરમની ઐતિહાસિક ભૂમિકા રહી છે તે જોતાં વંદે માતરમ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની જોડાજોડ રાષ્ટ્રીય ગાન તરીકે સમાન દરજ્જે રહેશે.’
બંકિમચંદ્રે એમના સામયિક ‘બંદદર્શન’માં છેક ૧૮૭૪માં સરસ મુદ્દો કર્યો હતો કે ‘બંગાળ હિંદુ-મુસ્લિમોનું છે, નહીં કે એકલા હિંદુઓનું… બંગાળની ભલાઈ સારુ એ જરૂરી છે કે હિંદુ-મુસલમાનમાં એકતા સધાય… જ્યાં સુધી મુસલમાનોને એમ લાગશે કે બંગાળી અમારી ભાષા નથી… કેવળ. ઉર્દૂ-ફારસીથી કામ ચલાવીશું તો એકતા સ્થાપિત નહીં થાય, કેમ કે એકતાની જડમાં ભાષાની એકતા હોય છે.’
મુદ્દો, સ્વીકૃત વંદે માતરમની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે, સ્વીકૃત પાઠ મમળાવીએ તો બંગાળને વટીને ભારતને વ્યાપી રહે છે, એમ કહેવું એ તો આપણો પરંપરાગત સંસ્કાર માત્ર છે. રાજકીય વિચારધારાના વણછે એના અહોગાન અગર અવમૂલ્યન બેઉથી બચી વિશ્વહિતને અવિરોધી બલકે સંવાદી રાહે આત્મખોજભેર આગળ વધવાનો પ્રજાસૂય પડકાર તે સ્તો આ સાર્ધ શતાબ્દીનો સંદેશ છે… નહીં તો, બંકિમ પોતાનાથી નાનેરા રવિને વિશ્વકવિ કેમ કહે, કહો જોઉં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૨ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
પૈસા અને પરખ
સરયૂ પરીખ
“અનેક વર્ષ પછી પણ મને ખટકે છે કે એ બાળકીને હું મારી પાસે રાખી ન શકી. એ આજે કેવી હશે!” મીનુના અવાજમાં કરૂણ સંવેદના ભરી હતી.
અમારી ઓળખાણ અંગ્રેજી ભાષાના અભ્યાસના બહાને થઈ, જે તરત જ મિત્રતામાં પરિણમી. ભારતમાં શ્રીમંત પિતાની પુત્રી મીનુના સોળ વર્ષની ઉંમરે, ૨૬ વર્ષના ડોક્ટર સાથે લગ્ન થયા હતા. દરેક કામમાં કુશળ અને આજ્ઞાંકિત મીનુનું જીવન સુખી હતું. પતિના અવસાન પછી, છાસઠ વર્ષની મીનુ છએક વર્ષ પહેલાં અમેરિકા આવી, તેની બે દીકરીઓની નજીક પોતાનું ઘર લઈ અમારા ટેક્સાસના ગામમાં સ્થાયી થઈ હતી.
“કઈ બાળકીની વાત?” મારી પ્રશ્નાર્થ નજરના જવાબમાં મીનુએ વાત કરીઃ
“આ ચાલીસેક વર્ષ પહેલાની વાત છે. મારા પતિ ભારતમાં ડોક્ટર હતા. મધ્યપ્રદેશમાં અમારા વિસ્તારમાં તેઓ એક જ anesthesiologist હોવાથી આજુબાજુના ગામોની હોસ્પિટલમાં એમને વારંવાર જવું પડતું.”
એક દિવસ બાજુના ગામથી આવીને મારા પતિ કહે કે, “આજે એક કરૂણ ઘટના બની. એક સારા ઘરની સ્ત્રીએ ચોથી દીકરીને જન્મ આપ્યો. આ બાળકીના જન્મ પછી, એક ગરીબ બાઈએ છોકરાને જન્મ આપ્યો. શ્રીમંત દંપતીએ ધમાલ કરી કે બાળકો બદલ્યા છે અને છોકરો અમારો છે. પણ, તેમની કારી ફાવી નહીં તો…બાળકીને હોસ્પિટલમાં છોડી જતાં રહ્યાં.” મને જાણે કોઈએ હથોડો માર્યો હોય તેવી હું વિહ્વળ થઈ ગઈ.
મેં કહ્યું, “અરે! હવે એ બાળકીનું શું થશે?” તો મારા પતિએ કહ્યું કે, “અનાથ આશ્રમમાં મૂકી દેશે.”
મેં વિનતિ કરી, “તમે જાણો છો કે એવી સંસ્થાઓમાં બાળકોની દશા કેવી થાય છે? આપણે બાળકીને લઈ આવીએ અને હું આપણી બે મહિનાની દીકરી સાથે તે અનાથને ઉછેરીશ.”
“ના.” હંમેશની જેમ…મારા પતિનો નિર્ણય અંતિમ હતો અને મારા ઘણા આગ્રહ છતાં, હું એ બાળકીને અમારા ઘરે લાવી શકી નહીં. પુરુષપ્રધાન સમાજમાં મીનુનો અવાજ દબાઈ ગયો.
મીનુને દુઃખી જોઈ હું બોલી, “ચાલ હું તને એક સરસ વાત કહું. એ સમયે હું ભારત ગઈ હતી અને ભાઈના ઘરની મહેમાન હતી. એક દિવસ રસોડામાં, તેમનાં ઘરકામ કરનાર ઊર્મિલાની પૌત્રી સાથે છ વર્ષનો છોકરો રમી રહ્યો હતો.
મેં બહાર જઈ ભાભીને પૂછ્યું, ‘આ ઉર્મિલાની પૌત્રી સાથે મજાનો છોકરો રમે છે…તે કોણ છે?”

“એ ઊર્મિલાના ભાઈનો છોરો, મોહન, ગામડેથી આવ્યો છે.” ભાભી આગળ બોલ્યા, “અરે! તેની પાછળ રસપ્રદ વાત છે. તેના ભાઈના લગ્ન પછી તેમને બાળકો નહોતા થતાં. એક દિવસ ઊર્મિલાની બા વગેરે ગામડાની હોસ્પિટલમાં દીકરીની પ્રસુતિ અંગે રાહ જોતા બેઠાં હતાં. ત્યાં હોસ્પિટલમાં વાત ચાલી કે કોઈ બાઈ નવા જન્મેલા છોકરાને મૂકી નાસી ગઈ. નાના ગામડામાં સમાજ-સંસ્થા નહોતી કે વ્યવસ્થા કરી શકે. ઊર્મિલાના બા અને ભાઈએ ડોક્ટર પાસે બાળકને સંભાળવાની માંગણી કરી. ડોક્ટરે કાગળીયા કરી આ છોકરાને સોંપી દીધો. જુઓને…ઊર્મિલાના ભાઈ-ભાભી અને પરિવાર મોહનને મેળવી બહુ ખુશ છે”
મીનુ બોલી, “આ તો સરસ વાત. દીદી, આગળ જતા એ ત્યજ્ય બાળકી વિશે વધુ વિગતો જાણવા મળી.”
મીનુએ આગળ વાત કરી. “વર્ષો વીત્યા…મારી દીકરી કોલેજમાં ભણતી હતી. રજાઓમાં તેની ખાસ બેનપણી નેહાને લઈને અમારે ઘેર આવી. મને કહે “મમ્મી! નેહાની મમ્મી, આશાઆન્ટી તમારાં જ ગામના છે.”
મીનુ કહે, “હાં, અમે એક શાળામાં ભણતા હતા.”
નેહાએ પોતાના લગ્નમાં મીનુ અને પરિવારને આમંત્રિત કર્યા. નેહાના લગ્નમાં ખુશી ખુશી તેના માતા-પિતાને મીનુ અને તેના ડોક્ટર પતિ મળ્યા. તો બીજી જ ક્ષણે, તે યજમાન પતિ-પત્નીના ચહેરા પર શરમ ફરી વળી અને મીનુના પતિ ગુસ્સે થઈ એક તરફ જતા રહ્યા, મીનુ તેમની પાછળ દોડી.
ડોક્ટર કહે, “મીનુ! તને પેલી ત્યજાયેલી બાળકીની વાત યાદ છે ને? તે આ જ જોડી, તારી મિત્ર આશા અને તેના પતિએ છોકરાની માંગણી કરી હતી.”
ઘરે જતા પહેલાં, મીનુ આશા પાસે ગઈ અને બોલી, “તું તારી જાત સાથે કેમની જીવી શકે છે?”
“રોજ મરી મરીને.” દર્દીલા અવાજ સાથે આશા બોલી. “ચોથા બાળકના જન્મ પહેલાં, અમારા સાધુબાવાએ ખાતરી આપી હતી કે છોકરો જ થશે. અમારી અંધશ્રદ્ધા અને મારા પતિની સખ્તાઈ સામે હું એ નબળી ઘડીમાં ન લડી શકી,”
મીનુ દયાથી જોઈ રહી. આશા બોલી, “મેં ખાનગીમાં તપાસ કરી તો જાણ્યું કે ત્રીજે દિવસે એક પરદેશી દંપતી મારી બાળકીને દત્તક લઈ ગયા હતા.”
માનવતા અને પ્રમાણિકતા વ્યક્તિની શ્રીમંતાઈ કે ગરીબી પર આધારિત નથી. અંધશ્રદ્ધા અને રૂઢિવાદના નેજા હેઠળ માનવ ક્રૂર કર્મ કરે છે…
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com
-
શોક
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
શક્તિપદ ઑફિસ જવા નીકળતો હતો ને સામે ટપાલીને પત્ર અને ચોપાનિયું લઈને ઊભેલો જોયો. ચોપાનિયું ખોલવાની જરૂર નહોતી. પત્ર પર ઉતાવળે નજર કરી.
પ્રતિમાના પિયર-વર્ધમાનથી કાકાનો પત્ર હતો. પ્રતિમાની માનો દેહાંત થયો હતો. પત્રમાં લખ્યું હતું, “બે-ચાર દિવસની માંદગી પછી ગઈ રાત્રે તારી માનું અવસાન થયું. ભાઈ નથી, હવે ભાભી પણ ના રહ્યાં. અમારા માટે તો હવે માત્ર તું જ. આ પત્ર વાંચીને આવી જજે. તારાં આવવાથી અમને સાંત્વન મળશે.”
બાકીનું વાંચવા જેટલી શક્તિપદમાં હિંમત નહોતી. પ્રતિમાનો જીવ એની માતામાં અટકેલો હતો. થોડા સમયથી અમસ્તીય પ્રતિમા અકળાયેલી રહેતી. આ સમાચાર જાણીને એની પર આભ તૂટી પડશે. કેવી ધાંધલ મચાવશે એ વિચારથી એને ચિંતા થઈ.
હવે એ ઑફિસે નહીં જઈ શકે એ બીજી અને મોટી ચિંતા. ઑફિસનો નિયમ હતો કે, જે પહેલી તારીખે ઑફિસ ન આવે એમને સાત તારીખ સુધી આગલા મહિનાનો પગાર ન મળે.
પત્ર આપવા ઘરમાં જવું કે બારોબાર ઑફિસ ચાલ્યા જવું? પ્રતિમાને પત્ર આપશે એ પછી નીકળી જ નહીં શકાય.
શું કરવું. પત્ર લઈને ઑફિસે ચાલ્યા જવું? સાંજે આવીને એવું કહીને પત્ર આપવો કે સવારે ઉતાવળમાં ખીસામાં રહી ગયો? ના…ના.. એ તો ખોટું કહેવાય.
કેટલાય દિવસથી પિયરથી પત્ર નહોતો આવ્યો એની પ્રતિમાને ચિંતા તો હતી જ.
મનમાં કેટલાય વિચારો આવ્યા. એક મિનિટ પહેલાં એ નીકળી ગયો હોત કે ટપાલીએ એને જોયો ના હોત તો આ નોબત જ ના આવત. પાછો વિચાર આવ્યો, હંમેશાં ટપાલી એના હાથમાં જ પત્ર આપે એવું ક્યાં બને છે? ટપાલ તો એ બારીમાંથી જ સરકાવી દે છે.
હા, એ જ બરાબર છે. ટપાલીની જેમ બારીમાંથી ટપાલ સરકાવી દઉં, પણ જો એને આમ કરતા કોઈ જોઈ ગયું તો શું? અરે, પ્રતિમાએ જ જોઈ લીધો તો શું? પ્રતિમા રોકકળ મચાવી દેશે.
એનાં કરતાં અંદર જઈને બારીની નીચે ટપાલ મૂકીને નીકળી જવું ઠીક રહેશે.
દબાતા પગલે એ અંદર આવ્યો. પ્રતિમા રસોડામાં હતી. રસોઈની સુગંધ આવતી હતી એ મુજબ પ્રતિમા તરત બહાર નહીં આવે એવું લાગતું હતું. ચોપાનિયું લેવા જાય ત્યારે ઉપર જ દેખાય એમ પત્ર મૂક્યો. હાશ, હવે ઑફિસે જઈ શકશે અને આખો દિવસ પ્રતિમાની રોકકળનો સામનો નહીં કરવો પડે.
જેટલું ઝડપથી વિચાર્યું એટલી ઝડપથી દબાતા પગલે અંદર જઈને ચોપાનિયાની ઉપર પત્ર મૂકીને ઑફિસે જવા નીકળ્યો ત્યારે મનમાં હળવાશ હતી.
જોકે ઑફિસે પહોંચતા સુધીમાં હળવાશના બદલે મન પર અપરાધનો ભાર હાવી થવા માંડ્યો.
આ શું કર્યું? જો પ્રતિમાના હાથમાં પત્ર આવ્યો, આખો દિવસ રડતી રહી તો દીકરાના શું હાલ થશે? કોણ એને સંભાળશે? ઘેર પાછા જવાનો વિચાર આવ્યો, પણ વહેલા ઘેર જવા માટે કારણ શું આપવું એનાં કરતાં જેમતેમ કરીને આખો દિવસ ઑફિસમાં કામ કરી લેવું સારું.
અંતે જે થયું એનું પરિણામ ભોગવી લેવાનું વિચારીને કામ શરૂ કર્યું.
******
રસોઈ પૂરી કરીને પ્રતિમા બહાર આવી. ‘છાયા-છબી’નો નવો અંક જોઈને ખુશ થઈ અને કાકાનો પત્ર નજરે પડ્યો. આમ તો કાકા વિજયાદશમીએ યાદ કરવા સિવાય ક્યારેય પત્ર નથી લખતા તો આજે? મા ઠીક હશે ને? પ્રતિમાના મનમાં ચિંતાનો વંટોળ ચઢ્યો.
પત્ર હાથમાં લઈને એક શ્વાસે વાંચ્યો. બીજી જ ક્ષણે ધબ કરતી પછડાઈ. હૃદયનું તળ ફાડીને આક્રંદ ફૂટ્યું.
મા નથી રહી? બધું જ ખતમ થઈ ગયું ને એને સાધારણ સમાચારની જેમ માત્ર બે લીટી લખીને જણાવવામાં આવ્યું છે!?
આ પત્ર થોડો વહેલો મળ્યો હોત, શક્તિપદ હાજર હોત તો એણે પ્રતિમાને તાત્કાલિક વર્ધમાન લઈ જવાની તજવીજ કરી હોત. પ્રતિમાને ત્યાં પહોંચેલી જોઈને કેટલા લોકો ભેગા થઈ ગયા હોત, પણ હાય રે..અત્યારે તો આ પહાડ જેવું દુઃખ સહેવા ઘરમાં એ એકલી જ હતી.
શું કરે? કોની સાથે વાત કરીને મનનું દુઃખ હળવું કરે? કોઈકને કહેવું જ રહ્યું કે કેવી તકલીફદેહ ઘટના બની ગઈ છે?!
એટલામાં બાજુના રૂમમાંથી દીકરાનો ચીસો પાડીને રડવાનો અવાજ સંભળાયો. દોડીને જોયું. દીકરાની આંગળીએ કાળો મંકોડો ચોંટ્યો હતો. હવે દસ મહિનાના બાળકને મંકોડો કરડે તો એનો ડંખ વીંછી જેટલો કારમો હોય ને! દીકરાને શાંત રાખવામાં માનું મરણ મનમાંથી આઘું ઠેલાયું. એટલામાં ચૂલા પર મૂકેલી દાળ ચોંટવાની વાસ આવી. ઉતાવળમાં ગેસ બંધ કરવાનો રહી ગયો હતો.
આફત ચારેકોરથી એક સામટી આવતી હશે? એક હાથે રડતા દીકરાને તેડી, રસોડા તરફ દોટ મૂકી. ગેસ બંધ કરીને બહાર આવીને પેલો પત્ર જોઈને મા નથી રહી એ ઘા તાજો થયો. એ ત્યાં બેસી પડી. હવે એ ક્યારેય માને જોઈ નહીં શકે? બાપુનો તો એ નાની હતી જ ને સ્વર્ગવાસ થયો હતો. મા જ સર્વસ્વ હતી. પત્રમાં પ્રતિમાના જીવનના આ સૌથી કારી ઘાના સમાચાર હતા. રડી રડીને થાકેલો દીકરો એના ખોળામાં જ સૂઈ ગયો અને ઉદાસ પ્રતિમા પત્ર પકડીને ક્યાંય સુધી ગુમસૂમ બનીને વિચારતી રહી.
કોણ જાણે ટપાલી ક્યારે પત્ર નાખી ગયો હશે? શક્તિપદ ઑફિસે જવા તૈયાર થતો હશે ત્યારે? એ રસોડામાં હતી ત્યારે? દીકરાને મંકોડો કરડ્યો ત્યારે?
અંતે પ્રતિમાના મનનો ઊભરો શમી ગયો, એ સ્વસ્થ બની. વળી વિચાર આવ્યો કે, શક્તિપદ આવે ત્યારે એ સ્વસ્થતાથી સમાચાર આપશે તો એ શું ધારશે? એનાં કરતાં એણે ટપાલ જોઈ જ નથી એમ વર્તવાનો નિર્ણય લઈ લીધો.
હા, એ જ ઠીક રહેશે ‘છાયા-છબી’ પત્રિકા અને પત્ર બારીની નીચે મૂકીને ઊભી થઈ.
શક્તિપદ આવીને ટપાલ અને પત્રિકા જોઈને પૂછશે તો કહી દેશે કે, દીકરાની સારસંભાળ પાછળ અને રસોઈની તૈયારીમાં સમય નથી મળ્યો.
બપોરના ત્રણ વાગી ગયા હતા. સવારનું ખાવાનું એમનું એમ પડ્યું હતું એ કામ કરવાવાળીને આપી દેવાનું નક્કી કરીને સાંજની રસોઈ માંડી. જાણે કંઈજ નથી બન્યું, પોતે એકદમ ઠીકઠાક છે એવી રીતે શક્તિપદને ભાવતું શાક અને પૂરીઓ બનાવવાની તૈયારી આદરી.
સાંજે શક્તિપદ ઘેર આવ્યો ત્યારે રોકકળ હશે એવી એની ધારણા ખોટી પડી. આજે પણ રોજના જેવું જ સામાન્ય વાતાવરણ હતું. રોકકળ તો શું સામાન્ય અવાજ પણ નહીં? સમાચાર વાંચીને પ્રતિમા વર્ધમાન ચાલી ગઈ હશે? બેહોશ થઈ ગઈ હશે? દીકરાના શું હાલ હશે? હવે શક્તિપદને પોતાની મૂર્ખામીનું ભાન થયું.
હિંમત એકઠી કરીને બારણું ખખડાવ્યું. પ્રતિમાએ જ બારણું ખોલ્યું.
શક્તિપદ શ્વાસ લે એ પહેલાં પ્રતિમાએ દીકરાની આંગળીએ મંકોડો ચટક્યોથી માંડીને, દીકરા પાછળ બીજું કોઈ કામ નથી કરી શકી કે જમી પણ નથી વગેરે અહેવાલ વિસ્તારથી આપી દીધો.
શક્તિપદના કાન પ્રતિમાની વાતોમાં, પણ ધ્યાન બારીની નીચે પડેલી ટપાલ પર હતું. પત્રિકા તો દેખાઈ પણ ઉપર મૂકેલી ટપાલ ક્યાં? પ્રતિમાને ટપાલ બાબતે પૂછે પણ કેવી રીતે?
પ્રતિમા તો શક્તિપદને જમાડવાની ઉતાવળમાં હોય એમ રસોડામાં ચાલી ગઈ. એની પીઠ ફરતાં જ શક્તિપદે ચોપાનિયું ઊઠાવ્યું. ચોપાનિયાની નીચે વર્ધમાનથી આવેલો પત્ર મળ્યો.
અરે, પોતે તો પ્રતિમાને દેખાય એમ પત્ર ચોપાનિયાની ઉપર મૂક્યો હતો તો એ નીચે કેવી રીતે? દીકરો હજુ ભાખોડિયાં ભરતો નહોતો કે એણે ટપાલ આઘીપાછી કરી હોય!
આશ્ચર્ય અને આઘાતથી એ બઘવાઈ ગયો. શું કરવું? પત્ર હમણાં વંચાવવો કે જમવાનું પૂરું થાય પછી?
જોકે હાથમાં લેતાંની સાથે જોયું તો એક ખૂણામાં હળદરનો ડાઘ દેખાયો, પણ ત્યારે એની પડપૂછમાં પડવાના બદલે કાગળ વાંચીને જાણે માથે વીજળી પડી હોય એમ પ્રતિમાને બૂમ મારી.
“અરે, અહીં આવ. આ જો કાકાએ શું લખ્યું છે?”
પ્રતિમા જાણે પહેલી વાર કાગળ વાંચતી હોય એમ ચિત્કાર સાથે ચક્કર ખાઈને પછડાઈ. પ્રતિમાને ભાનમાં આણવા એના ચહેરા પર પાણી છંટકોરતા શક્તિપદ વિચારી રહ્યો…
“કાગળ જે જગ્યાએ મૂક્યો હતો એનાં બદલે નીચે કેવી રીતે ચાલ્યો ગયો અને કાગળના ખૂણે આ હળદરનો ડાઘ દેખાય છે એ……?”
આશાપૂર્ણા દેવી લિખીત, રણજીત કુમાર અનુવાદિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૧૧૦. અર્શી અજમેરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
બહાર અજમેરી પછી એક વધુ અજમેરી એટલે આ અર્શી અજમેરી.
અપેક્ષાનુસાર એમના વિષે ઝાઝી માહિતી ઉપલબ્ધ નથી. બસ એટલું કે એમણે ધૂપછાંવ, ડંકા, દારા, શિકાર અને શહનાઝ ફિલ્મોમાં દસેક ગીત લખ્યા. ગઝલ આ એક જ અને એ પણ એક યુગલ ગીતના સ્વરૂપમાં –
ક્યા હાલ હૈ હુઝૂર કે દિલ કા મેરે બગૈર
શાયદ વહાં ભી જી નહીં લગતા મેરે બગૈરમાના કે મૈં તુમ્હારે લિયે બેકરાર હું
લેકિન તુમ્હેં ભી ચૈન ન આયા મેરે બગૈરશાયદ મેરે બગૈર ન બહલા તુમ્હારા દિલ
લેકિન તુમ્હારા દિલ ભી તો મચલા મેરે બગૈરરૂઠે થે ઈસ લિયે કે મનાએ કોઈ હમેં
ક્યા ઔર કોઈ તુમકો મનાતા મેરે બગૈર..– ફિલ્મ : શિકાર ૧૯૫૫
– લતા – જી એમ દુર્રાની
– બુલો સી રાની
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં જૂન ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s art creations for June 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
કૉલેજની ડીગ્રીનાં જોરે ૨૦૩૦માં તમારી કારકિર્દી સલામત નહીં રહી શકે
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
ટીપણું લઈને રસ્તે બેઠેલા કોઈ જ્યોતિષીની આ ભવિષ્યવાણી નથી. આ તો સામે આવીને ઊભેલી હકીકત છે.
ઝેરોધાના નિખિલ કામથ તો બહુ સ્પષ્ટપણે જણાવે છે :
“માત્ર રચનાત્મક, વ્યૂહાત્મક, લોકાભિમુખી નોકરીઓ (કે વ્યવસાયો) ટકી રહેશે.”[1]
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ચાર વર્ષનો ડીગ્રીનો અભ્યાસક્રમ તમને બચાવી નહી શકે, જો:
- AI એ કામ વધારે સારી રીતે કરી શકશે.
- દર બે વર્ષે તમે નવાં નવાં કૌશલ્યો શીખતાં નહીં રહો.
- તમારૂં સ્થાન, તમારાં કામનાં મૂલ્ય પ્રદાનથી નહીં પણ, પદાનુક્રમના ટેકે ટકી રહ્યું છે.
સોંસરવો ઘા તો આ છે :
મોટા ભાગના ઉચ્ચતમ ડીગ્રીધારીઓ હવે મૂર્ખા સવાલો પૂછતાં ડરે છે.
અનુકુલનશીલતાને વધાવતી દુનિયામાં, આ મનોદશા ઘાતક નીવડે છે.
પુનઃકૌશલ પ્રાપ્તિનાં ત્રણ પગલાંની પુનરાવર્તી ત્વરિત કસરત (દરરોજ ૧૫ મિનિટ)
૧/ એક પ્રચલિત વલણ જણાવતો ન્યૂઝલેટર અચુક વાંચો .
૨/ ૧૦ મિનિટનાં નાનાં નાનાં કામનો અભ્યાસ કરો..
૩/ લાઈવ સ્કિલ્સ પાનાં પર એક વિજય અંકે કરો.નવાં કૌશલ્ય શીખવાં એ હવે કોઈ વિકલ્પ નથી. એ તો પ્રાણવાયુ છે.
ડીગ્રીથી નૈયા પાર નહીં ઉતરે. લાઈફ બોટ તો (તમારા) નિર્ણયો બનશે.
મહત્વની પાદ નોંધઃ “2025 skill” પર તમારો પ્રતિભાવ ઉત્પલ વૈણવને જણાવો અને વળતરમાં તેમનું ૫ મિનિટનું routine + resource તમારા ઇ-મેલ પર મેળવો.
[1] “What jobs will be relevant in 10 years?”
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
એમઆરઆઈ પરિક્ષણના મારા સર્વ પ્રથમ અનુભવના કેટલાક બોધપાઠો
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
તાજેતરમાં, મારી પીઠના નીચેના ભાગમાં સ્લિપ ડિસ્ક તરીકે વધુ જાણીતી હર્નિયેટ ડિસ્કનું નિદાન કરવા માટે મેં સર્વ પ્રથમવાર એમઆરઆઈ (MRI) સ્કેન કરાવ્યું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સ્લિપ ડિસ્ક ધ્યાન પર ન લેવા જેવી બાબત તો નથી, પણ સદનસીબે, મારા કિસ્સામાં બહુ ગંભીર પણ નહોતી. મારે ફક્ત મારી પીઠનું ખાસ ધ્યાન રાખવાની, કસરત કરવાની અને તણાવનું સારી રીતે સંચાલન કરવાની જરૂર છે.
MRI, અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગમાં એક સાંકડી ચુંબકીય નળીમાં જવાનો સમાવેશ થાય છે જેના દ્વારા આંતરિક શરીરની રચનાઓની છબીઓ લેવામાં આવે છે. નળી એક સાંકડી ઠંડી જગ્યા છે અને એકવાર પ્રક્રિયા શરૂ થઈ જાય, પછી તે કાન ફાડી નાખે અને ગમે નહીમ એવા ખૂબ જ ઘોંઘાટીયા અવાજો રૂપે કામ કરે છે. કોઈને તો જાણે યુદ્ધના મેદાનની વચ્ચે હોય તેવું લાગે છે. જે ભયંકર અનુભવ તરીકે શરૂ થયું હતું તે મારા માટે કેટલાક રસપ્રદ પાઠ સાથે સમાપ્ત થયું.
જ્યારે હું સ્કેન માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે હું ખૂબ જ ચિંતિત હતો. જ્યારે હું ઠંડી સાંકડી નળીમાં સરકી ગયો ત્યારે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. જોકે, મને જોકે બંધૈયાર જગ્યાની ભીતિ (ક્લોસ્ટ્રોફોબિયા) નથી, પણ એટલી સાંકડી જગ્યામાં દાખલ થવું એ થોડું અસ્વસ્થ કરનારું જરૂર હતું. થોડીવાર પછી, પ્રક્રિયા શરૂ થઈ અને અવાજે મારી પહેલેથી જ વધી ગયેલી ચિંતામાં વધારો કર્યો. બાહ્ય અંધાધૂંધીથી બચવા માટે, મેં અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારી આંખો બંધ કરવાનું નક્કી કર્યું. મારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી હૃદયના ધબકારા સ્થિર કરવામાં મદદ મળી.
પછી મેં મારા જીવનમાં અત્યાર સુધી થયેલા બધા અદ્ભૂત અનુભવો પર મારું મન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. મારા ભૂતકાળની છબીઓ મારા મનમાં જગ્યા ભરવા લાગી. બાળપણમાં ઝાડની ટોચ પર કેવી રીતે ચડી ગયો હતો, તાજેતરમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે, આગલે દિવસે મેં ખાધેલી ચોકલેટ આઈસ્ક્રીમ વિશે, મારા પુત્રના ઘરમાં ખુશીથી દોડવા વિશે, મારા પરિવારની હૂંફ વિશે, અમારી મુસાફરી વિશે, મેં ચુંટેલા સુંદર ફૂલો અને પક્ષીઓ વિશે વગેરે જેવી ઘટનાઓ વિશે વિચારવા લાગ્યો. આ દૄશ્યોની જીવંત છાપે મારી સામે પડેલી ખાલી જગ્યા પર કબજો કરી લીધો. એ બધી છાપ એટલી સૂક્ષ્મ અને ગહન હતી કે હું ખરેખર ખૂબ જ અસ્વસ્થતાભર્યા વાતાવરણમાં હસી શકતો હતો.
હું શું શીખ્યો?
હું શીખ્યો કે બે દુનિયા છે – એક આપણી અંદરની અને બીજી આપણી બહારની. અંદરની દુનિયા આપણા અનુભવો, લાગણીઓ, આશાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ અને સપનાઓની અનુભૂતિની બારીકીઓ બનેલી છે.. બહારની દુનિયા સ્થૂળ છે – (મોટેભાગે) ભૌતિક વસ્તુઓથી બનેલી છે. આપણે આપણી અંદર રહેલી દુનિયાના દૃષ્ટિકોણથી આપણી બહારની દુનિયા જોઈએ છીએ. આપણી અંદરની દુનિયા બહારની દુનિયા કરતાં ઘણી વધુ રંગીન, આબેહૂબ અને શક્તિશાળી છે. મુશ્કેલ પસંદગીઓ કે પ્રતિકૂળતાના સમયે, હંમેશા આપણી અંદર રહેલી દુનિયાનો વધુ આદર કરીએ.
હું એ પણ શીખ્યો કે આપણા અનુભવો ભૌતિક વસ્તુઓ કરતાં ઘણા મૂલ્યવાન છે. આપણા જીવનની ગુણવત્તા, આપણી પાસે રહેલી વસ્તુઓ દ્વારા નહીં, પરંતુ, મોટાભાગે, આપણા અનુભવોની ગુણવત્તા દ્વારા નક્કી થાય છે. જ્યારે હું જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ વિશે વિચારતો હતો, ત્યારે ફક્ત મારા અનુભવો જ આગળ આવ્યા, વસ્તુઓ નહીં. મુખ્ય વાત એ છે કે એવા અનુભવો બનાવવામાં રોકાણ કરવું જોઈએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે.
કોઈની સાથે વાત કરી શકાય તેમ ન હતું, કે મને વ્યસ્ત રાખવા માટે કોઈ સાધનો ન હતાં, તેથી એ ગીચ જગ્યામાં બંધ થઈ જવાથી મને મારી પોતાની અંદર ડોકિયું કરવાની તક મળી. એકાંત કિંમતી છે કારણ કે તે આપણને આપણા પોતાના સ્વ સાથે રહેવા અને આપણા જીવનમાં સુંદર દરેક વસ્તુની પ્રશંસા કરવાની તક આપે છે.
જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે હું વિચારી રહ્યો હતો કે જ્યારે આપણે જીવન માટે થોડું જોખમ અનુભવીએ છીએ ત્યારે આપણે તેના વિશે કેટલું શીખીએ છીએ. મારા માટે ખરેખર શું મહત્વનું છે તે વિશે વધુ જાગૃત થઈને હું ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી બહાર નીકળ્યો.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
પસંદગી બેમાંથી એકની નહીં, બન્નેની કરવાની છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
મામલો આડત્રીસ વર્ષ જેટલો જૂનો છે, પણ વારંવારની માગણી છતાં તેનો નિવેડો ન આવવાથી છેલ્લા ઘણા સમયથી તેમાં ગરમાવો આવી રહ્યો છે. વાત ગોવા રાજ્યની અને તેની અધિકૃત ભાષા કોંકણીની છે. ત્રણેક વર્ષ અગાઉ આ કટારમાં આ વિવાદ બાબતે વિગતે લખાયું હતું એ જરા તાજું કરી લઈએ.
ગોવાની અધિકૃત ભાષા કોંકણી છે, અને ગોવા આધિકારીક ભાષા કાનૂન ૧૯૮૭, પરિચ્છેદ ૨ (સી) અનુસાર ‘કોંકણી એટલે દેવનાગરી લિપિમાં લખાયેલી કોંકણી ભાષા.’ હવે દેવનાગરીની સાથોસાથ રોમન લિપિમાં લખાયેલી કોંકણી ભાષાને પણ અધિકૃત ગણવાની માંગ થઈ રહી છે.
આ પ્રકારની માંગણી પહેલી વાર થઈ રહી નથી. પાંત્રીસ વર્ષથી, એટલે કે ફેબ્રુઆરી, ૧૯૮૭માં ભાષા કાનૂન અમલી બનાવાયો ત્યારથી રોમન લિપિમાં લખાતી કોંકણીને અધિકૃત ભાષાનો દરજ્જો આપવાની માંગણી કરાતી આવી છે. આવી માંગણી કરનારાના મતાનુસાર કોંકણીને કેવળ દેવનાગરી લિપિ પૂરતી મર્યાદિત કરી દેવી રોમન લિપિમાં કોંકણી લખી રહેલાઓને અન્યાય કરવા બરાબર છે. અગાઉ કોંકણીને ગોવાની અધિકૃત ભાષાનો દરજ્જો આપવાનું અભિયાન ચાલેલું એ દરમિયાન કેવળ દેવનાગરી લિપિ પૂરતી કોંકણીને મર્યાદિત કરવાની વાત ન હતી. રોમન લિપિમાં કોંકણી લખનારા લોકોનો પણ આ અભિયાનમાં મહત્ત્વનો હિસ્સો હતો. એ માટેનો ઓપિનિયન પોલ થયો એમાં પણ રોમન લિપિમાં કોંકણી લખનારાની ભૂમિકા મહત્ત્વની હતી. આ માંગણી કરનારાઓના જણાવ્યા અનુસાર દેવનાગરી લિપિના તરફદારોએ રોમન લિપિના તરફદારોનો દ્રોહ કર્યો અને ગોવા આધિકારીક ભાષા કાનૂન, ૧૯૮૭માં કોંકણી ભાષાની વ્યાખ્યાને કેવળ ‘દેવનાગરી લિપિ’ પૂરતી સીમિત કરી દીધી.
રોમન લિપિના તરફદારોની દલીલ છે કે આધિકારીક ભાષા કાનૂનમાંથી રોમન લિપિની બાદબાકી કરી દેવી એ લોકોની આકાંક્ષાઓને અપાયેલો છેહ છે. તેઓ કહે છે કે ભાષાની ખરી સુગંધ એની વિવિધતાસભર એકતામાં રહેલી છે. બન્ને લિપિને અધિકૃત કરવાથી ગોવાની ઓળખ સમા બહુવિધ વારસાની જાળવણી થઈ શકશે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી અસલમાં ‘રોમી કોંકણી’ તરીકે ઓળખાતી, રોમન લિપિમાં લખાતી કોંકણીનો જૂનો ઈતિહાસ છે. સોળમી સદીના ગાળામાં ગોવા આવેલા કેથલિક મિશનરીઓએ આ લિપિને પ્રત્યાયનના માધ્યમ તરીકે અપનાવી. સત્તરમી સદીમાં મરાઠાઓ દ્વારા સ્થાનિક કેથલિકો અને તેમનાં ચર્ચ પર વારેવારે હુમલા થવા લાગ્યા. તેને પગલે પોર્ચુગીઝ શાસને ગોવામાં કોંકણીનું દમન શરૂ કર્યું, જેથી સ્થાનિક કેથલિક લોકો પૂર્ણપણે પોર્ચુગીઝ શાસકો સાથે તાદાત્મ્ય અનુભવી શકે. આનું ધાર્યું પરિણામ મળવા લાગ્યું. ધીમે ધીમે દસ્તાવેજોમાં પણ પોર્ચુગીઝ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. એમ ન થાય તો તેના ભંગ બદલ કારાવાસની સજા થતી. આ દોર સતત ચાલતો રહ્યો. પરિણામે અહીંના ભદ્ર લોકો પોર્ચુગીઝની સાથેસાથે મરાઠી અપનાવવા લાગ્યા અને કોંકણી નોકરોની ભાષા ગણાવા લાગી.
આપણા દેશને સ્વાતંત્ર્ય ૧૯૪૭માં મળ્યું, પણ ગોવા પર પોર્ચુગીઝ શાસન ચાલુ રહ્યું, જેમાંથી તેને છેક ૧૯૬૧માં મુક્તિ મળી. એ સાથે જ પોર્ચુગીઝનો અસ્ત કળાવા લાગ્યો અને અંગ્રેજીનો ઉદય થવા લાગ્યો. એ પછી ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવવાની વાતે મરાઠી અને કોંકણી ભાષાને ગોવાની અધિકૃત ભાષા ઘોષિત કરવા માટેનો સંઘર્ષ ચાલ્યો. અખિલ ભારત કોંકણી પરિષદે પોતાના આઠમા અધિવેશનમાં કેન્દ્રિય સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી કે કોંકણીને ભાષા તરીકે માન્યતા આપવામાં આવે. આખરે ગોવા સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ બની રહ્યો અને કોંકણી ભાષાને નવેસરથી સ્વીકૃતિ મળવા લાગી.
‘રોમી કોંકણી’માં ગોવાના કેથલિક ચર્ચનું ધર્મસાહિત્ય લખાયેલું છે. એ ઉપરાંત ગોવાની મુક્તિ અગાઉ કોંકણી સાહિત્ય પણ મોટે ભાગે આ લિપિમાં જ લખાતું. ફાધર એદુઆર્દો બ્રુનો ડીસોઝાએ ‘ઉદેંતેચે સાળક’ નામનું માસિક ઈ.સ.1889માં રોમી કોંકણીમાં પ્રકાશિત કરેલું. પહેલવહેલી કોંકણી નવલકથા ‘ક્રિસ્તાંવ ઘરાબો’ પણ એમણે આ જ લિપિમાં લખેલી. રેજિનાલ્ડો ફર્નાન્ડિસે ‘રોમી કોંકણી’માં દોઢસોથી બસોની વચ્ચે નવલકથાઓ લખેલી છે. આમ, રોમી કોંકણીની પરંપરા જૂની, અને ઘણી ખેડાયેલી છે.
રોમી કોંકણી અભિયાનના અગ્રણી તોમાઝીન્હો કાર્દોઝોની દલિલ અનુસાર આ અભિયાનને કોંકણી બોલતા સમુદાય તરફથી વધુ સહયોગ મળે એ જરૂરી છે. કેમ કે, છેલ્લાં થોડાં વરસોમાં કોંકણી ભાષાની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. રોમન લિપિનો ઊપયોગ કરનારાઓને દેવનાગરી લિપિના ઊપયોગ માટે દબાણ કરવામાં આવતાં તેઓ લઘુમતિમાં હોવાનું અનુભવે છે. થોડા સમય અગાઉ સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ દેવનાગરીમાં યોજાવાની ઘોષણા કરાઈ. કાર્દોઝો કહે છે કે અન્ય કોઈ લિપિને ઊતારી પાડવાનો અમારો હેતુ નથી, બલકે અમે આ લિપિને પણ માન્યતા મળે એમ ઈચ્છીએ છીએ.
‘ગ્લોબલ રોમી લિપિ અભિયાન’ના પ્રમુખ કેનેડી અફોન્સોએ જણાવ્યું કે રોમન લિપિના સમાવેશ બાબતે જરૂરી સુધારો સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આ ચળવળને તીવ્ર બનાવવામાં આવશે. તેમણે શાળાઓમાં પણ આ લિપિ દાખલ કરવાની માગણી કરી છે. આ મુદ્દે રાજકારણીઓને ખાસ રસ નથી, યા તેમની ઈચ્છાશક્તિ નથી એમ સૌને લાગે છે. આ રાજકીય નિષ્ક્રિયતાને ઢંઢોળવા માટે હવે આ આંદોલનને તીવ્ર બનાવતા જવાની ઘોષણા કરવામાં આવી છે. થોડા સમય અગાઉ તેત્રીસેક ગ્રામ પંચાયતોએ રોમન લિપિને સમાન કાનૂની દરજ્જો આપવાની માગણી કરવાનો ઠરાવ કર્યો છે.
સરકારની ઉદાસીનતા આ બાબતે કળાતી નથી. કદાચ તે આ મામલાને સાંસ્કૃતિક ઓળખ સાથે સાંકળતી હોય એમ બને. એ કિસ્સામાં પણ ‘રોમી કોંકણી’ની દીર્ઘ પરંપરા છે જ. આમ કરવામાં કદાચ મિથ્યા સ્વદેશાભિમાન આડે આવતું હોય એ શક્યતા પૂરેપૂરી છે.
ગુજરાતી બાબતે આપણે આવી કશી ફિકર કરવાની જરૂર નથી. ભાષા જેવી ક્ષુલ્લક બાબતના રાજકારણમાં આપણે ક્યાં માનીએ છીએ?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૭ : કાલિમ્પૉન્ગ, સિક્કિમ
પ્રીતિ શાહ-સેનગુપ્તા
ભુતાનના પહાડો પર વસેલા થિમ્ફુ શહેરથી ઊતરીને તળેટીમાં ફરી એક રાત રહેવું પડ્યું. જાહેર બસો લઈને મારે ફરવાનું, તેથી બસોના સમય પ્રમાણે મારું પત્રક ગોઠવ્યા કરવું પડે. રાતવાસો કર્યો ફુન્ટશૉલિન્ગની એક હોટેલમાં, પણ જવાનું પાછાં ભારતમાંની જગ્યાઓમાં. કાદવ અને ધમાલની વચમાં ભારતના જયગાંવની બસો ઊભી હતી. હાઇ-વે ૩૧ પર થઈને જતી બસમાં મારે લગભગ ૨૦૦ કિ.મિ. જવાનું હતું. છએક કલાકે હું ઉત્તર બંગાળના કાલિમ્પૉન્ગ સ્થાને પહોંચવાની હતી.
ચ્હાના નાના બગીચાઓ અને નાનાં ગામો આવતાં ગયાં. રસ્તા પરની વનસ્પતિ ધૂળના પડ નીચે ગુંગળાતી લાગતી હતી. વચમાં રસ્તો ખૂબ ખરાબ ને તૂટેલો. પશ્ચિમ બંગાળ રાજ્યની સરકાર પોતાના આ ઉત્તરીય વિભાગને જાણે ભૂલી ગઈ છે. શિલિગુડીનો રસ્તો ફંટાઇ ગયા પછી પહાડ પર જવા માંડેલો રસ્તો છેવટે સુંદર થયો. ખાસ કરીને બહુ જ ચંચળ, રમતીયાળ, શીઘ્રગતિ નદી તિષ્તાને કારણે. આકાશ અને ઝાડ-પાનના પ્રતિબિંબને લીધે એ ભૂરી-લીલી લાગતી હતી. એના અમળાટ રસ્તાના વળાંકોની સાથે સુબદ્ધ રહેતા હતા. આહા, આવું અપરૂપ કશું મારે ક્યારનું જોવું હતું. તે છેક અહીં દેખાયું. તિષ્તાની સહોપસ્થિતિથી પર્વતાલેખ વિશિષ્ટ મોહિની પામ્યા.
તિષ્તાનો પટ કાંકરાળો હતો, અને સફેદ, મલમલી રેતીથી સુંવાળો પણ હતો. એની બંને તરફ ઊંચી શિલાઓ કે ઢોળાવો હતા. કોઈ કેડી નહીં, કેડીની સંભાવના પણ નહીં. આ કાંઠા પર કોઈના પગ નહીં પડ્યા હોય. મારી નજરો પડી, અને ધન્ય થઈ. બ્રિટિશ દ્વારા બનાવાયેલો એક ઊંચો પુલ આવ્યો -સાંકડો તો એવો કે કોઈ બીજું વાહન ઝડપથી આગળ જવા જાય તો જોખમી બને. તિષ્તા ગામ પાસે એક તપાસ-થાણું છે. પરદેશી મુસાફરો માટે. ત્યાં આવેલા લાકડાના પુલ પર થઈને એક જ વાહનને જવા દેવામાં આવે છે. પુલની પેલી બાજુ પરથી દાર્જિલિન્ગ ગુરખા પર્વતીય સમિતિનો અમલ શરૂ થાય છે. કાલિમ્પૉન્ગ હવે પંદર કિ.મિ.
આ છેલ્લો ભાગ તો બહુ જ નિજી લાગ્યો. ખાખરાનાં ઊંચા ઝાડ, વાંસની જુદી જુદી જાતો, અન્ય વૃક્શો, કેળનાં ઝુંડ, અને વચમાં ફૂલો -સુરજમુખી, બોગનવેલ, પોઇન્સેટિયા વગેરે. નાના સરસ બંગલા આવે, ને એમના બાગોમાં ગુલાબ-ગલગોટા પણ ખરા. ઢોળાવો પર થોડાં ડાંગરનાં ખેતર પણ બનેલાં. બધું એવું હાથવગું લાગે. પછી કાલિમ્પૉન્ગનું બસ-સ્ટેશન આવ્યું અને જાદુઇ સંમોહન તૂટ્યું. ગામમાં રાતવાસા માટે મેં રૂમ લઈ લીધી. પછી ગાડીઓ વગરના રસ્તાઓ પર ચાલી. સાડા પાંચમાં તો અંધારું, ને દીવાબત્તી નહીં. લોકો ઑળા જેવા લાગે. નગરપાલિકા ખર્ચો બચાવે છે, એમ લૉજના માલિકે પછી મને કહેલું.
બંગાળીઓને આ જગ્યા બહુ પ્રિય છે. કલકત્તાથી નિરાંત મેળવવા અહીં આવનારાંની સંખ્યા ખૂબ મોટી છે. કાલિમ્પૉન્ગની એક તરફ મોલેગાઁવ નામની પર્વતમાળા છે, બીજી તરફ સિક્કિમ-દાર્જિલિન્ગના પર્વતો. રિષિ બંકિમ પાર્ક શાંત અને સરસ લાગ્યો. થોડી વાર ગુરાસ, હિમચંપા, લાલ પત્તી વગેરે ફૂલોની વચ્ચે હું બેઠી. નજીકમાં હતું ગૌરીપુર હાઉસ. રવીન્દ્રનાથ પોતે અહીં આવીને રહેવાનું પસંદ કરતા. ને કેમ ના કરે? ગૃહના વરંડામાંથી કાંચનઝંઘા પર્વત-સંપુટનાં શિખરો દૃશ્યમાન રહે છે. હવે મકાન બંધ છે, ને સરકારી માલિકીની જગ્યા ગણાય છે. રવીન્દ્રનાથનું અહીં બીજું પણ ઘર હતું- ચિત્રભાનુ નામનું. એમાં કળા-શિક્ષકો માટેનું શિક્ષણ કેન્દ્ર વસાવાયું છે. કવિને ગમે તેવો વપરાશ છે એનો.
કાલિમ્પૉન્ગમાં ચારે તરફ સળંગ પર્વતો અને અતિ-સુંદર દૃશ્યો. જાણે જોયા જ કરીએ. અહીં સૈન્યના સારા એવા વસવાટ ઉપરાંત ગોલ્ફ કોર્સ, નવું ખુલેલું મ્યુઝિયમ, બગીચા, જનરલ તેમજ રક્તપીત હૉસ્પિટલો છે. વળી, મેં ત્રણ મુખ્ય ધર્મ-વિષયક પ્રવૃત્તિ જોઈ. બુદ્ધ મંદિર અને ભિખ્ખુઓના મઠમાં ધ્યાન, ને પઠન ચાલુ હતાં. કાલી મંદિરમાં પૂજા ને આરતી થતાં હતાં. અને ખ્રિસ્તી ધર્મનું એક મોટું સરઘસ નીકળ્યું. સ્ત્રી-પુરુષો, બાળકો તથા પરદેશથી આવેલા ને સ્થાનિક પાદરીઓ મળીને હજાર અનુયાયીઓ હશે. દરેક જૂથથી ગવાતાં જતાં ધર્મગાન પહાડોની કેડીઓ પર ગુંજી ઊઠ્યાં હતાં.
ં ં ં ં
મને લાગતું હતું કે મારા સમયને જાણે પૈડાં લાગ્યાં હતંા, અને મારા દિવસો જાહેર બસ બની ગયા હતા. વળી, પૈસા પણ વપરાતા વપરાતા છેલ્લા બે હજાર રુપિયા સુધી આવીને રહ્યા હતા. બાગદોગરાથી દિલ્હી જવાના વિમાન માટેના ત્રણેક હજાર મેં જુદા મૂકી રાખેલા. વિચાર આવ્યો કે ટ્રેન લઈ લઉં તો વાપરવા માટે વધારે પૈસા રહે. પણ તો પટના વચમાં આવે, ને ત્યાં ઊતરી જવાનું મન થાય. ના, જેમ નક્કી કરેલું છે તેમ જ સારું છે. ઓછા પૈસામાં પૂરતી મઝા મેળવવાની આવડત છે મારી પાસે.
કાલિમ્પૉન્ગથી સિક્કિમ જતાં બહુ કલાકો થતા નથી, પણ એવું બને કે છેક ના પણ પહોંચાય. આ પર્વતીય વિસ્તારમાં રસ્તા ફસકી પડવાના બનાવ વારંવાર બનતા હોય છે. હું પહોંચી ગઈ. સરહદ પરના થાણા પર સિક્કિમની પોલિસે આવીને બધું તપાસ્યું. મારી બૅગ ખોલાવી. આ રમ્ફૂમાંના નાના એક બજારમાં દારૂની સાતેક દુકાનો સિવાય કાંઇ દેખાયું નહીં. પછી સાંભળેલું કે સિક્કિમિઝ પુરુષોને પત્તાં-જુગાર રમવાનો અને દારૂ પીવાનો ઘણો શોખ હોય છે. અહીં કમાવાનું ખરું, પણ ટૅક્સ આપવાના હોતા નથી. ચીનની નજીક કહેવાય તેવો વિસ્તાર હોઇ આ છૂટ.
મુખ્ય શહેર ગૅન્ગ્ટૉક એકાવન હજાર ફીટ ઊંચે વસેલું છે. ચારે તરફ આવેલી પર્વતમાળાઓમાં ધુમ્મસ વસતું રહે છે. શિખરો સફેદ વાદળો સાથે ભળતાં રહે છે. જોકે સવારે હિમાચ્છાદિત શૃંગો પરિષ્કાર દેખાઇ આવે છે. બરફ પડે પણ ઘણો. આ નવેમ્બરનો અંત હતો, છતાં સદ્ભાગ્યે ઋતુમાન ખાસ્સું સહ્ય હતું. મને હરવા-ફરવામાં તકલીફ ના પડી. ગૅન્ગ્ટૉકની ગલીઓમાં આમથી તેમ ચાલ્યા કર્યું.
ટૂરિસ્ટ ઑફિસમાં જઈ બે ટૂરમાં જવાનું ગોઠવ્યું, ઇન્ડિયન ઍરલાઇન્સની ઑફિસમાં જઈ પેલી વિમાનની ટિકિટ ખરીદી લીધી. પોસ્ટ ઑફિસમાંથી અમદાવાદ ખૈરિયતના વાવડનો એક તાર મોકલી આપ્યો. સુપરમાર્કેટ અને તૈયાર કપડાંની દુકાનોમાં જોવા જેવું કાંઈ ના લાગ્યું. લાલ માર્કેટ વળી થોડી રસપ્રદ હતી. ત્યાંથી મેં એક બાખુ કહેવાતો લાક્શણિક પોષાક ખરીદ્યો. અન્યત્ર છ-સાત માળનાં મકાન થયેલાં હતાં. ખાસ આકર્ષક ના લાગે. પણ સિક્કિમિઝ યુવતીઓ મૉડર્ન પોષાકમાં નજરે ચઢી આવે તેવી જરૂર લાગે.
સવારે ટૂરિસ્ટ ઑફિસની મિનિ-બસમાં છાન્ગુ, કે ત્સાન્ગો તળાવ જોવા નીકળી. ચાલીસેક કિ.મિ. દૂર છે, પણ નકશામાં દેખાતું નથી, કારણકે એ સુરક્ષિત વિસ્તારમાં છે. ચીનની સરહદ આ તળાવથી સોળ જ કિ.મિ. દૂર, સાડા બાર હજાર ફીટ ઊંચા પર્વતો પરથી જતી ગણાય છે. ગાન્ગ્તૉકથી બહાર નીકળતાં જ મિલિટરીનાં ટીનનાં રહેઠાણ શરૂ થાય છે. રસ્તો ક્યાંક સારો, ક્યાંક તૂટી પડેલો, અને અત્યંત ઊંચો તેમજ સતત ગોળ ફરતો જતો. દસ હજાર ફીટ ઊંચે પહાડો વનસ્પતિ વગરના ને સૂકા બન્યા. ઢોળાવો પર હલકો બરફ છંટાયેલો હતો.તળાવ બહુ મોટું નથી. કેટલું ઊંડું છે તે કોઈ જાણતું નથી, ને તેથી એ જાણે પવિત્ર બનેલું છે. એને માટે વાયકાઓ ઊભી થઈ છે. જેમકે, એની અંદર એક સુવર્ણ મંદિર છે, તથા અંદરથી પાણી વહ્યા જ કરે છે, વગેરે.
કેડી વગરના એક ઊંચા ઢોળાવ પર તો કોઈ ના ચઢ્યું -એ માટે યાક પ્રાણી બનવું પડે, પણ તળાવને ફરતે બધાં ચાલ્યાં. પાણી એકદમ ચોખ્ખું હતું, અને સ્વાદમાં મીઠું હતું. કિનારે થોડો બરફ બનવા લાગ્યો હતો. એક મહિનામાં તો બધી સપાટી થીજી જવાની.
સવારના સૂરજથી અમને સરસ હૂંફ મળી હતી, ત્યાંથી નીકળ્યા પછી મિનિટોમાં પેલાં સફેદ, પોચાં વાદળની જગ્યાએ આકાશ ઘેરું થવા લાગ્યું. મને થયું કે ત્યાં ક્યાંક બર્ફીલો વરસાદ શરૂ થવામાં હશે. મેં એક પાટિયા પર વાંચેલું કે તળાવની આસપાસ વર્ષે ત્રણથી ચાર ફીટ જેટલો બરફ પડતો હોય છે. બહુ કઠિન અને કઠોર હોય છે સરહદી વિસ્તારો. નરી આંખે એ જોઇએ ત્યારે જ ખ્યાલ આવે કે કેવું અઘરું હોય છે જવાનોનું જીવન.
ં ં ં ં
બીજા એક દિવસની ટૂરમાં ગૅન્ગ્ટૉકની બહારની કેટલીક જગ્યાઓ જોવા મળી. એક બૌદ્ધ મઠના પ્રાર્થના-ખંડમાં ભિખ્ખુઓ પ્રતીકાત્મક ઉપસ્થિતિની સામે, લોટ અને માખણની બનાવેલી આકૃતિઓ ધરાવીને પૂજા કરી રહ્યા હતા. લાક્ષણિક સંગીત ધીમું ગવાતું હતું. મુખ્ય મંદિરની પાછળ બીજું વધારે જૂનું મંદિર હતું. એમાં ગુરુ ગુએન પ્રતિસ્થાપિત હતા. ત્યાં લખ્યું હતું કે આઠમી સદીમાં મહાગુરુ પદ્મસંભવ દ્વારા સિક્કિમનો ગોપિત ભૂમિ કહેવાતો પ્રદેશ આશીર્વાદ પામ્યો હતો.
અહીંનું તિબેટ પરના અભ્યાસ માટેનું કેન્દ્ર ભારતમાં સૌથી વિશિષ્ટ ગણાય છે. ૧૯૫૭માં દલાઇ લામાએ એનો પાયો નાખેલો, ને પછીને વર્ષે જવાહરલાલ નહેરુએ એનું ઉદ્ઘાટન કરેલું. સરસ મકાન પર પીળું છાપરું, લાલ બારી ને થાંભલા, તથા રંગીન બૌદ્ધ પ્રતીકો કરાયેલાં છે. લેપ્ચા, તિબેટી, નેપાલી, સંસ્કૃત ભાષાઓમાંની અપ્રાપ્ય હસ્તપ્રતો ઉપરાંત એમાં પ્રદર્શિત થાન્કા, બુદ્ધ પ્રતિમાઓ, ચિત્રો તથા ધાર્મિક સામગ્રી અસાધારણ લાગી. સાથે આવેલા હસ્તકળા એમ્પોરિયમમાં અમુક સારી ચીજો, જાજમો, કોતરણીવાળાં ટેબલો વગેરે હતું, પણ ત્યાંને માટે સમય ખૂબ ઓછો અપાયો હતો.
એન્ચી નામનો મઠ બસો વર્ષ પહેલાં સ્થાપિત થયેલો. ન્યિન્ગ્મા પંથનું એ મુખ્ય સ્થાન ગણાય છે. પહાડી રસ્તે થઈ, મઠના દરવાજાની અંદર જતાં જ બંને બાજુ સફેદ તથા રંગીન ધર્મ-ધજાઓનાં તોરણ જોવા મળ્યાં. બે વૃદ્ધ લામા ધીરે ધીરે ચાલવા નીકળેલા હતા. શાંત મંદિરના કક્શની દીવાલો પર ખૂબ સુંદર બૌદ્ધ ચિત્રો કરેલાં હતાં. મુખ્ય પ્રતિમા સફેદ કાપડથી ઢંકાયેલી હતી, પણ દીવાલમાંના નાના ગોખલાઓમાં પીત્તળની કુલ એક હજાર બુદ્ધ-મૂર્તિઓ ગોઠવેલી હતી. ભવ્ય કહેવાય એવું ગર્ભગૃહ હતું.બેએક નાના સરસ બગીચા પસાર કરતાં કરતાં ટૂર ગૅન્ગ્ટૉકથી પચીસ કિ.મિ. દૂર લઈ ગઈ. અમુક ઢોળાવો પર ડાંગરનાં સોપાન-ક્શેત્રો હતાં, પણ લણાઇ ચૂકેલાં, તેથી સૂકાં, કથ્થાઇ ને ખાલી. એમને છૂટાં પાડતી પાળો લીલી હતી. પછી એમની ઉપર થતાં, સામે તરફ ગયાં તો નીચે શહેર પથરાયેલું દેખાયું. પણ શહેરમાંથી આ રમ્તેક મઠ નથી દેખાતો. આ કાગ્યુ પંથ ચાર તિબેટી પંથમાંનો એક છે. એના સોળમા પ્રણેતાને ચીની આક્રમણને કારણે તિબેટ છોડીને ભાગવું પડ્યું હતું, ને એ અમેરિકામાં મૃત્યુ પામ્યા હતા.
મઠના વિશાળ કમ્પાઉન્ડમાં ચારેક માળનાં મોટાં મકાનોમાં ભિખ્ખુઓ માટેની શાળા અને રહેવાના ઓરડા છે. મંદિર ઘણું મોટું છે. બહારની દીવાલો પર બૌદ્ધ ચિત્રો હતાં, ને અંદરનો ભાગ ધાર્મિક ચીજોથી ભરપુર હતો. બાજુના નાના ખંડમાં એક ભિખ્ખુ પૂજા કરી રહ્યો હતો. મુખ્ય દરવાજાની બહાર બે વૃદ્ધ લામા હાથ-ચક્ર ફેરવી રહ્યા હતા. બહુ શાંતિદાયક સ્થાન હતું. ચોતરફ હિમાચ્છાદિત પર્વતોનું સુભગ દર્શન થતું હતું. ત્યાંથી નીચે ઊતરી જતાં વચ્ચે સારાસ્મા ઉદ્યાન જોવા રોકાયેલાં. એ પણ સરસ ને આવો જ પ્રસન્નકર હતો.
ગૅન્ગ્ટૉકમાં સાંસ્કૃતિક કાર્યક્રમની નોટિસ જોઈને એક સાંજે હું લોક-નૃત્યો જોવા ગઈ હતી. રસ્તામાં બત્તીઓ નહોતી. મોટરોની હૅડલાઇટોથી દેખાતું રહ્યું. હૉલ ભરાઈ ગયો હતો. મેં કાર્યકર્તાઓને કહ્યું, હું ગુજરાતી છું, બહુ દૂરથી આવી છું, ને મને આગલી હરોળમાં જગ્યા આપવામાં આવી. સ્થાનિક પ્રજા સાથે બેસીને એક સાંજ માણવા મળી. એકલી પ્રવાસિનીને હંમેશાં આવો લાભ પણ મળતો નથી હોતો.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
