-
આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૨
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
વરસાદી પવનો
પરેશ ૨. વૈદ્ય
આમ તો ચોમાસું કેમ થાય છે તે વિષે આપણે શાળામાં શીખી જ ગયાં છીએ. તેમ છતાં નવા સંદર્ભમાં ફરી એકવાર યાદ કરી લઈએ. આપણા દેશના વિશાળ જમીનના પટની દક્ષિણે તેનાથી ય વિશાળ હિન્દી મહાસાગર આવેલો છે. ઉનાળામાં સૂર્ય માથા ઉપર આવે તેથી ગરમી પડે છે; આ ગરમીથી પાણી કરતાં જમીન વધારે જલદી ગરમ થાય છે. આથી જમીનના સંપર્કમાંથી હવા પણ ગરમ થઈ ઉપર જાય છે. આમ ત્યાં હવાનું દબાણ ઘટે છે. તે જગ્યાએ મહાસાગર પરની ભારે અને ઠંડી હવા ધસી આવે છે. આ થયા ઉનાળાની મોસમના પવનો. સમુદ્ર પરથી આવતા આ પવનો સાથે ભેજ ઉપાડતા આવે છે. ભેજના આ જથ્થામાંથી વાદળાં બને છે. (પવન, ભેજ અને વાદળાં વચ્ચેના સંબંધોની વાત પછીનાં પ્રકરણમાં કરીશું.) આ ભેજ અને વાદળાં દેશમાં જે રીતે આગળ વધે છે, તે આપણું ચોમાસું. કુદરતનો આ ક્રમ એટલો નિયમિત છે કે જૂનની પહેલી તારીખે એ કેરાળામાં મલબાર કિનારે અને દશમી જૂને મુંબઈને કાંઠે અડકે છે. પ્રવાહનો બીજો ફાંટો બંગાળના ઉપસાગરમાંથી દેશમાં દાખલ થાય છે.
હવામાનના ઘટકો :
માત્ર આપણી આસપાસ જ મોસમી પવનો વાય છે તેવું નથી. પૃથ્વીના આખા ગોળા ઉપર મોસમી પવનોનો એક નિયત ક્રમ છે, જે વિવિધ વિસ્તારોની આબોહવા નક્કી કરે છે. આબોહવા લાંબાગાળાનું લક્ષણ છે, પરંતુ હવામાન ટૂંકા ગાળાની ઘટના છે. અમુક સ્થળે હવામાનની વાત કરવી એટલે ત્રણ પ્રાચલો (Parameter)ની વાત થાય. એ છે પવનની દિશા અને ઝડપ, સ્થળનું ઉષ્ણતામાન અને હવામાં ભેજનું પ્રમાણ. આપણે જોઈશું કે આ ત્રણનો પાછો પરસ્પર સંબંધ પણ છે. (જેમ કે પવનની ગતિ વધે તો ઉષ્ણતામાન ઘટે.) આ પ્રાચલોમાં દરેક સ્થળે દિવસ દરમિયાન ફેરફાર પણ થતા રહે છે. આપણે પહેલાં માત્ર પવનની વાત કરી લઈએ.
કુદરત હંમેશાં સમતોલન સ્થાપવાનો પ્રયત્ન કરતી હોય છે. આવું એક સમતોલન હવાનાં દબાણનું છે. અેવાં સમતોલનની શોધમાં પૃથ્વી ફરતેનો હવાનો પ્રચંડ જથ્થો હમેશાં જ આમ-તેમ ધસ્યા કરતો હોય છે. આ બધાં હલનચલનની ઊર્જા સૂર્યમાંથી મળે છે. વાવાઝોડાં જેવા અપવાદને બાદ કરતાં હવાના પ્રવાહો અમુક નિયમ લયમાં જ વહેતા હોય છે. તેનું કારણ છે કે સૂર્ય અને પૃથ્વીનું અંતર, પૃથ્વીનો ધરી સાથે જો ૨૩૦નો ખૂણો, ધરતીના ગુણધર્મો, સૂર્યની ગરમી એ બધું લગભગ નિર્ધારિત જ છે. પૃથ્વીના પરિભ્રમણ કાળ મુજબ સૂર્ય તરફથી મળતી ઊર્જાની માત્રાની વધઘટનું પણ એક વર્ષ- બાર મહિનાનું ચક્ર છે. જ્યારે વધુ ગરમી પડે તેને ઉનાળો કહીએ છીએ અને ઓછો સૂર્યપ્રકાશ હોય તેને શિયાળો. આમ ઋતુઓ થાય છે અને તેને અનુરૃપ પવનના પ્રવાહોમાં પણ ફેરફાર થાય છે. પરંતુ આખા વર્ષનાં એક આવર્તનને ધ્યાનમાં લો તો વરસોવરસ બધું નિયત રીતે જ બન્યા કરે છે.
સામાન્ય રીતે વિષુવવૃત્ત પર સૌથી વધારે ગરમી પડે તેથી ત્યાંની ધરતી વધારે ગરમ થાય. તેના સંસર્ગમાં રહેલી હવા ગરમ થઈ, હલકી બને અને તેથી ઊંચી ચઢે. તેથી ત્યાં હવાનું દબાણ (પ્રેસર) ઘટે અને નિયમ મુજબ નજીકના વધારે દબાણવાળા વિસ્તારો તરફથી હવા વિષુવવૃત્ત તરફ જાય. ચિત્ર-૨માં બતાવ્યું છે તેમ ઉત્તર તેમ જ દક્ષિણામાંથી વિષુવવૃત્ત તરફ પવનો વાય છે. (પવનની દિશા તીરની દિશામાં માનવી.) બીજી તરફ ઉપર ગયેલી હવા ધ્રુવો તરફ વળે છે – ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફ. ચિત્રમાં આ યાત્રા ગોળાની ડાબી બાજુ બતાવી છે. ધ્રુવો ઉપર ઠંડી હોવાને કારણે ત્યાંની હવા ઘટ્ટ અને ભારે હોય, તેથી ધ્રુવો પર હવાનું દબાણ વધારે હોય છે. તેથી એ હવા વિષુવવૃત્ત તરફના પ્રવાહમાં જોડાતી રહે છે. એટલે ઉપર આકાશમાં ઊભા ABCD થી બતાવેલ સમતળમાં હવાનું ચક્ર ચાલુ રહે છે.

ચિત્ર ૨: પૃથ્વી ફરતે પવનોની સામાન્ય દિશા આથી એક નિયત સ્થળ A અથવા E ઉપર માણસ ઊભો રહી ઊંચું જુએ તો તેના માથા પર જુદી જુદી ઊંચાઈએ હવા સામસામી દિશામાં ગતિ કરતી હશે. હવા તો દેખાય નહીં પરંતુ જો વાદળાંની ઋતુ હોય તો તેને તેના બે થર દેખાશે, માથા ઉપરનાં વાદળાં અને ખૂબ ઊંચે ખેડાયેલ ખેતર જેવાં કે પીછાં જેવી રચનાવાળાં વાદળાં. એ બંને થરો સામસામી દિશામાં મુસાફરી કરતા હશે. અા બાબતે સૌ પ્રથમ અવલોકન ભારતમાં શ્રી જી.ટી.વૉકર નામના અંગ્રેજ સજ્જને કર્યા. તેઓ છેક ૧૯૦૮માં કેમ્બ્રિજ છોડી અહીં હવામાન ખાતાના વડા બનીને આવેલા. બીજા એક અંગ્રેજ હેડલીએ પણ આ થરોનો અભ્યાસ કર્યો.
વૈશ્વિક સ્તરે પવનના પ્રવાહોની આ સાદી સમજ થઈ. વાસ્તવમાં સ્થિતિ થોડી સંકુલ છે. ધ્રુવ પરથી હવા સીધી વિષુવવૃત્ત સુધી નથી આવી પહોંચતી. ‘જેટ સ્ટ્રીમ‘નામના પ્રવાહો ત્યાં નજીકમાં જ જુદું ચક્ર બનાવે છે તેવી રીતે વિષુવવૃત્ત પાસે ઉપર ગયેલી હવા પણ વચ્ચેના અક્ષાંશો પાસે જ ઠંડી થઈ જાય ઉતરી આવે છે. એટલે આકૃતિમાંનું ચક્ર ABCD ખરેખર ત્રણ પેટા ચક્રોમાં વિભાજીત છે. તે ઉપરાંત પૃથ્વીની ધરીભ્રમણની પશ્ચિમથી પૂર્વની પ્રચંડ ગતિના કારણે પવનો ડાબા-જમણા મરડાય પણ છે, એ વિષે પછી જોઈશું.
આપણા ચોમાસા માટે વિષુવવૃત્ત નજીકના પ્રવાહો અગત્યના છે. બંને ગોળાર્ધમાંથી હવા અહીં આવી મળે છે અને ઉપર જાય છે. આ એક સાંકડો પટ્ટો છે જે ચિત્ર ૩માં કાળી જાડી રેખાથી બતાવ્યો છે. તેને Inter Tropical Convergence Zone કે આંતરવૃત્તિય મિલન પટ્ટો(ITCZ) કહે છે. વિષુવવૃત્ત કરતાં એ થોડો ઉપર કે નીચે હોય છે. ચોમાસાં સિવાયના સમયે તે મોટાભાગે હિન્દ મહાસાગર પરથી જ પસાર થાય છે. નાવિકો તેને “ડોલ્ડ્રમ“ Doldrum તરીકે ઓળખે છે કારણ કે સઢવાળાં વહાણના જમાનામાં અહીં ગતિ રોકાઈ જતી અથવા ગમે તે તરફ જતી. ઉનાળામાં આપણા દેશનો મોટો જમીનનો ભાગ સમુદ્ર કરતાં વધુ ઝડપથી ગરમ થાય તેથી તેની ઉપરની હવા ઉપર જવા લાગે છે. આથી પ્રવાહોના મિલનનો પેલો ITCZ પટ્ટો સરકીને ઉપર આવે છે. જુલાઈ મહીનાની તેની જગ્યા ટપકા વળી જાડી લીટીથી બતાવી છે. સમુદ્રને બદલે હવે એ ધીરે ધીરે ભારતની ધરતી પર આવતો જાય છે.

ચિત્ર ૩ : આંતરવૃત્તીય મિલન પટ્ટો આપણે અગાઉ ચિત્રમાં જોયું હતું કે વિષુવવૃત્તની દક્ષિણના ક્ષેત્રોમાં પવનો ઉત્તર તરફ જતા હતા અને તેના ઉપરના ભાગમાં પવનો દક્ષિણ તરફ વાતા હતા. હવે પટ્ટો જેમ ઉપર તરફ ખસતો જાય છે, તેમ ક્રમશઃ પવનની દિશા ઉલટાવા માંડે છે. એ જયારે વિષુવવૃત્ત પાર કરે તે પછી જ્યાં પહેલાં પવનો વિષુવવૃત્ત તરફ જતા હતા, તે હવે વિષુવવૃત્ત દિશામાંથી આવવા લાગે છે. આ ચોમાસું બેસવાની નિશાની છે. જેમ જેમ પટ્ટો ઉપર ખસતો જાય તેમ તેમ ચોમાસું આગળ વધતું જાય.

ચિત્ર ૪ : પવનની ગતિની સંજ્ઞાઓ ઉત્તર ગોળાર્ધમાં જ્યારે શિયાળો બેસે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. ત્યારે આ પટ્ટો પાછો દક્ષિણ દિશામાં ખસે છે અને ઓસ્ટ્રેલિયાને શિયાળુ વરસાદ આપે છે. આકૃતિ ૧માં વિશ્વના એવા વિસ્તાંરો બતાવ્યા હતા જ્યાં વરસાદની અલાયદી ઋતુ હોય. આ એવી જગ્યાઓ છે જ્યાં ધરતીનો મોટો ખંડ સમુદ્રની સામે પડતો હોય અને વિષુવવૃત્ત પાડોશમાંથી પસાર થતી હોય. સમુદ્ર એટલે ભેજનો સ્રોત. પવન, ભેજ અને વાદળાંનો સંબંધ આવતાં પ્રકરણમાં સમજશું.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN : B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.
-
સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [૧]
વિશ્વના સાતેય મહાખંડના અનેક દેશો અને વિવિધ સંસ્કૃતિઓ સાથે એકરૂપ થઈ વિશ્વમાનવની કક્ષાએ પહોંચેલાં એકલપ્રવાસી પ્રીતિ સેનગુપ્તાનું નામ વિશ્વગુર્જરી એવોર્ડ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અને અકાદમી તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળેલા પુરસ્કારો સાથે જોડાઈને ગુજરાત માટે ગૌરવવંતુ બન્યું છે. જગતની કોઈ પણ સ્ત્રી જેમાંથી પ્રેરણા અને હિંમત મેળવી શકે તેવું અનુભવોનું અમૃત એમનાં લખેલાં પચાસથી વધારે પુસ્તકોમાં છલકાતું જોવા મળે.અંગ્રેજીમાં માસ્ટર્સની પદવી મેળવ્યા પછી અમેરીકામાં વર્ષોથી રહેતાં હોવા છતાં ગુજરાતી ભાષા પરનું એમનું પ્રભુત્વ પણ વિરલ છે. દસેક જેટલા વિદ્યાર્થીઓ જેમનાં લેખનકાર્ય પર PhD કરે છે તે પ્રીતિ શાહ સેનગુપ્તાનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૬૮થી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં છે. હાલ ફ્લોરિડા રાજ્યમાં તેઓ તેમના પતિ સાથે રહે છે.
સૌનાં મિત્ર એવાં પ્રીતિ સેનગુપ્તાએ અનેક દેશોનો અનેકવાર પ્રવાસ કરીને મૈત્રીનાં પુષ્પો ખીલવ્યાં છે. આ દરમ્યાન તેઓ અનેક વિશ્વવિખ્યાત મહાનુભવોના સંપર્કમાં પણ આવ્યાં છે. ઉત્તરધ્રુવની હાડ ગાળી નાખે તેવી બર્ફિલી ભૂમિમાં, ત્યાં સુધી સાથે પહોંચેલા દસ સભ્યોની ટુકડી વચ્ચે ભારતનો ધ્વજ લહેરાવીને વંદન કરતી એકમાત્ર નારી તરીકે અનેક માટે વંદનીય બની રહેલાં પ્રીતિ સેનગુપ્તા ગુજરાતીઓનું ગૌરવ છે.
Email: preetynyc@aol.com
: : વજ્ર સમ કઠોર, કુસુમ સમ ઋજુ : :
પુથ્વી પરના ભ્રમણ દરમ્યાન જોયેલી અસંખ્ય નદીઓ – સાબરમતી, હડસન અને વચમાં હુગલી, વોલ્ગા, એમેઝોન, ઓકાબુકો, મિસિસિપિ જેવી અનેક – તે બધીમાં ઘણું ઘણું પાણી વહી ગયું છે, ને સાથે, જીવનનાં વર્ષો, નાનકડા શઢવાળી નાવની જેમ, એ પ્રવાહ પર ડગમગતાં ગયાં છે. સરળ વહેણ પર આનંદની, તેમજ તોફાન દરમ્યાન ભયની ઘણી બધી પળો યાદ પણ નથી; બલ્કે, એમને ભૂલવાનો ઉદ્યમ જ વધારે રહ્યો છે.
અલબત્ત, અમેરિકામાંનાં શરૂઆતનાં દસેક વર્ષો દરમ્યાન દેશ-ઝુરાપો ઉત્કટ રહ્યો, આગલી યાદો મનમાં જકડાયેલી રહી, અને વિયોગનાં, વિયુક્તિનાં, વિચ્છેદનાં આંસુ સતત વહેતાં રહ્યાં. પણ ખૂબ ધીરે ધીરે કરતાં, જીવન વિષેની સમજણ વિકસતી ગઈ, અને દરેક બાબતની સ્વીકૃતિનો અભિગમ સ્થાયી થયો. અલબત્ત, આ દરમ્યાન જીવ મુંઝાતો પણ રહ્યો, કે હું કોણ છું? પછી એક સૉનેટમાં કૈંક આમ લખ્યું, કે મારા અસ્તિત્વની ગરિમા ક્યાં કેન્દ્રસ્થ થયેલી છે? – પૂર્વમાં કે પશ્ચિમમાં? છેલ્લે, પરિવર્તન પામેલી આંતર્ચેતનાની સમજણ વ્યફ્ત થઈ છે, કે મારા મનનું વિશ્વ દિશા ને દેશોની સીમાઓથી પરે, અસામાન્ય રીતે, સ્થિત છે.
+ + +
સૌ પ્રથમ અમેરિકાના મહાનગર ન્યુયોર્કના જે.એંફ.કે. વિમાનમથકે ઊતરી ત્યારે આછા ભૂરા રંગની સાડી પહેરેલી, એવું હજી આછું આછું યાદ છે. સાડી શું કામ પહેરી હશે? ઘેર તો હંમેશાં ફ્રૉક જ પહેરતી હતી. પણ મનમાં શું એમ હશે કે કયાંક જઈએ છીએ, તો તેયાર થવું જોઈએ? એ પ્રારંભિક કાળમાં કોઈને હજી કશો ખ્યાલ જ ક્યાં હતો અમેરિકા આવવું એટલે શું તેનો?
અમેરિકા-પ્રવેશ માટેના સાઠના દાયકાનાં છેલ્લાં વર્ષોના નિયમ પ્રમાણે પાંસળીના એંફસ-રેનું
મોટું પેકેટ હાથમાં હતું, તે ય યાદ છે. અમદાવાદથી નીકળતાં ખૂબ રડી હતી, પણ પછી, મુંબઈથી ન્યુયોર્ક સુધીમાં, વિમાનમાં એકલાં બેઠાં બેઠાં, નિરાધારપણે, આંસુ વધ્યાં હતાં કે નહીં, તેનું કોઈ સ્મરણ નથી. જે.એફ.કે.થી બીજી ફલાઇટને માટે બીજા એરપોર્ટ પર જવાનું હતું. ત્યારે તો જેનું નામ પણ ખબર નહતી એ લગવાર્ડિયા એરપોર્ટ પર કઈ રીતે જવાનું તે હું ક્યાંથી જાણં? એંરલાઈન દ્વારા ત્યાં લઈ જવાની ગોઠવણ થઈ હતી, એવો કૈંક ખ્યાલ છે.+ + +
એમ નહતું કે ભારતમાં | ગુજરાતમાં| અમદાવાદમાં જીવન સંકુચિત હતું. બીલકુલ નહીં. જીવન સાધન-સંપન્ન અને આધૂનિક હતું, મોટા બંગલામાં રહેવાનું હતું, કામ કશું જાતે કરવાની જરૂર જ નહીં. રસોડામાં તો મહારાજ- એટલેકે બ્રાહ્મણ રસોઇયા હોય, ત્યાં તો જવાય જ નહીં, ને તેથી રસોઈ શીખવાનો પ્રશ્ર જ નહતો. પણ બીજી પ્રવૃત્તિઓ ક્યાં ન હતી?
જાતજાતની કળાઓ શીખી, બહોળું વાંચન રહ્યું, ને વર્ષમાં બે-ત્રણ વાર બહારગામ જવાનો રિવાજ હતો. આ બધી દિશાઓ ઘરમાંથી, કુટુંબ દ્વારા જ, ખુલતી ગઈ હતી.
કળાઓ લઈએ તો ભરતકામ જેવું તો મમ્મીએ જ પાસે બેસાડીને શીખવાડવા માંડ્યું હોય. ચિત્રકામ શીખી, ચિત્રો કર્યા, ને મમ્મીના કેટલાયે સાલ્લા પર બોર્ડર, પાલવ ને બુટ્ટા મે ચિતરી આપ્યાં હતાં. શાસ્ત્રીય સંગીત શીખવા માંડ્યું. પછી મારું મન રવીન્દ્ર-સંગીત તરફ અને ઉર્દુ ગઝલો તરફ ખેંચાયું. એ બંને રીતની ગાયકી હું કૈંક ઊંડાણથી શીખી, ને એ બંને ભાષાઓનો અભ્યાસ પણ જીવનભરનું આકર્ષણ બનીને રહ્યો છે.
સ્કૂલમાં ભરતનાટયમ્ નૃત્યના ક્લાસ શરૂ થયા, તો તરત મને એમાં દાખલ કરી દીધી. નાટકમાં પણ ખૂબ રસ હતો. એક બાજુ હું ખૂબ શરમાળ. આંખો ઊંચી ના થાય, અને બીજી બાજુ સ્ટેજ ઉપર પાત્રને પ્રોજેફ્ટ કરી શકતી. કોલેજમાં પણ નાટક કર્યા. હજી એક કળા છે, જે હું શીખી, અને એમાં ખૂબ પારંગત થઈ. એ કળા તે બાટિક. હું નવા નવા રંગોના સંમિશ્રણ કરવા લાગી, અને રેશમી સાડીઓ બનાવવા લાગી. અન્યો તરફથી ઓર્ડર પણ મળવા માંડ્યા. પછી તો હું મિલની છાપેલી સાડી પહેરું તોયે બધાં પૂછે, “આ તેં કરી છે?” આવું સાંભળીને મનમાં બહુ ખુશી થાય !
ભણવામાં પણ બહુ જ મઝા પડે, ને નંબર બીજો તો આવે જ. લખવાનું પણ શરૂ થઈ ગયેલું. સ્કૂલમાં હતી ત્યારથી જ પ્રવાસ-નિબંધ તેમજ કાવ્યો લખતી હતી, ને શાળાના સામયિકમાં તેમજ બીજે ક્યાંક ક્યાંક છપાતાં પણ હતાં. કોલેજ દરમ્યાન એક અંગ્રેજી છાપામાં લખતી થઈ હતી. વળી, નાનાં નાટકો લખીને મિત્રો સાથે ભજવ્યાં પણ ખરાં! આમ મૌલિક સર્જન થવા માંડ્યું એના કારણમાં કદાચ મારું અનવરત વાંચન હશે. ગુજરાતી, હિન્દી, બીજી ભાષાના ગુજરાતી અનુવાદો, અને અંગ્રેજી સાહિત્યનાં ખૂબ પુસ્તકો વાંચ્યાં. વર્ષગાંઠ પર શું જોઈએ છે, એમ પુછવામાં આવે, તો તરત જવાબ હોય, “ચોપડીઓ !”
અમદાવાદમાં કોઈ પણ કાર્યક્રમ હોય, અને એને વિષે છાપામાં વાંચ્યું હોય, અથવા રસ્તા પર એની જાહેરાતનું બોર્ડ જોયું હોય, ને એ જોવા જવાનું મન થયું હોય. પછી ઘેર આવીને જોઉં તો મમ્મીએ ટિકિટો મંગાવી જ લીધી હોય.. ક્યારેક અંગ્રેજી, કે હિન્દી નાટક કે વાતીલાપ હોય, કે બંગાળી ફિલ્મ આવી હોય, તો અચૂક જોવા-સાંભળવા જવાનું.
આ રીતે વિવિધ બાબતો શીખવાનું, જોવાનું, જાણવાનું, સમજવાનું નાનપણથી જ શરૂ થયેલું. ત્યારે તો મનમાં સ્પષ્ટ કોઈ જ ખ્યાલ ન હતા, કે ન હતી આટલા બધા શોખ ને રસને લીધે પણ જાત માટેની હોશિયારી કે સભાનતા. જીવનમાં ખાસ્સો વિરોધાભાસ હતો એમ તો – એક બાજુ પ્રવૃત્તિઓનો પાર નહીં, ને બીજી બાજુ મોટાં કહે તેમ જ કરવાનું, ને શિસ્ત રાખવાની. વળી, હું માનું છું કે મારા ગાંધીવાદી પિતા તરફથી હું આદર્શવાદ (Idealism) પામી, ને મારાં કળાપ્રિય મા પાસેથી સૌદર્યવાદ (Aesthetics). જેમ દરેક સુંદર વસ્તુ ગમતી થઈ, તેમ કરુણા તે અનુકંપાના, તથા ગમતું બધું ખરીદવાની બિન-જરુરિયાત માટેના સિદ્ધાંત મનમાં સ્થાયી થતા ગયા. વિવેકાનંદ અને ગાંધીજી વાંચતી હતી, મન પર એની છાયા, તેમજ સાદગી હંમેશાં માટે રહ્યાં.
છેક શરૂઆતથી જાણે કેટલાંક દ્વન્દ્વ મારા જીવનનો, તેમજ મારા વ્યક્તિત્વનો, ભાગ બનેલાં છે. જેમકે, વલણ હંમેશાં ગંભીર હોય છે, પણ એને લીધે મનમાં સહજ આનંદની ગેરહાજરી નથી હોતી. વળી, કાળક્રમે બીજાં દ્વન્દ્વ ચિત્તમાં આલેખાતાં ગયાં, જેમ કે ઇન્ડિયા ને અમેરિકા, ગુજરાત ને બંગાળ, ગાંધી ને ટાગોર, સરદાર પટેલ ને વિવેકાનંદ, અમદાવાદ ને ન્યુયોર્ક શહેર; ને સૌથી વધારે તો, લેખન અને પ્રવાસ, એટલેકે ઘર અને આખી દુનિયા. લેખનને લીધે મને ઘરમાં રહેવાનું કારણ મળ્યું, તો પ્રયાણોને લીધે વિશ્વ આખાને પામી શકી. તેથી જ વિરોધી જેવા આ શબ્દો – કે મનોમન મક્કમ નિર્ધારયુક્ત (વજૂ સમ દૃઢ) પણ ખરી, અને ઊંડી સંવેદનશીલતાયુક્ત (કુસુમ સમ ઋજુ) પણ ખરી.
જે આવશ્યક નહોતું બન્યું તે હતું કૃત્રિમ ધાર્મિકતાનો આગ્રહ. મમ્મી એમનાં જમાના અને જીવન પ્રમાણે ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓને અનુસરતાં. હું મન થાય ત્યારે હાજરી આપતી, પ્રસાદનો આનંદ લેતી, પણ કોઈ કિયાકાંડ કરવાની કે શીખવાની ફરજ પડી નહતી. ચોક્કસ, રામાયણ-મહાભારતની તથા અન્ય પૌરાણિક કથાઓ હંમેશાં સાંભળવા મળતી જ, અને ઘરમાં રોજ ગવાતાં પદો, શ્લોકો અને ભજનો પણ આપોઆપ મુખસ્થ થતાં ગયાં. આ થયું વૈષ્ણવ ઘરની સ્વાભાવિક સંસ્કૃતિનું મનની અંદરનાં મૂળ સુધીનું સિંચન.
આ આખી વાત છે તો એક વ્યક્તિનાં સર્વ-સાધારણ જીવનની, પણ જે અર્થઘન બાબત છે તે આ, કે નાનપણમાં જે જે જાણ્યું, જે રસ વિકસ્યા, જે મૃલ્યો કેળવાયાં તે બધું જ એ સાંસ્કૃતિક મૂળના આધારરૂપ રહ્યું. પરદેશમાંના લાંબા વસવાટ પછી, તથા એક નહીં, અનેક પર-દેશોનાં વિશિષ્ટ પાસાંને સમજ્યાં, ને ક્યારેક અપનાવ્યા પછી પણ, એ મૂળ ઊંડાં ઊતરતાં રહ્યાં. એ ક્યારેય સૂકાયાં નહીં, બલ્કે ફાલતાં રહ્યાં.
સ્વ-મહત્ત્વના કે કોઈ મહત્ત્વાકાંક્ષાના કશા પણ ખ્યાલ નહતા, પણ એ કુટુંબદત્ત મૂળનું જેટલું ઊંડાણ રહ્યું તેટલો એમનો વ્યાપ પણ થતો ગયો. તેથી, હું જેટલી ભારતીય રહી તેટલી જ સર્વ-દેશીય પણ બનતી ગઈ. આ જે પ્રક્રિયા અને પરિણામ હું પામતી રહી તે જ છે મારા જીવનમાંનો કશો પણ વિશિષ્ટ અંશ.
+ + +
હું અમેરિકા જઈ રહી હતી, આગળ અભ્યાસ માટે, અને તદ્દન એકલી. આને જ કહેવાય ફરી જન્મ લેવો તે? સાવ નવી જગ્યાએ નવી જ જિંદગી શરૂ થવાની હતી. તે વખતે તો એમ જ, કે ક્યારેય ભારત જવાનું થશે જ નહીં. એ વાસ્તવિકતાનો ખ્યાલ અત્યંત કારમો હતો. ખરેખર તો, દેશ છોડતાં પહેલાંના ઘણા મહિનાઓથી જીવ કલ્પાંત કરવા લાગ્યો હતો, કે આ ધરતીથી દૂર જવાનું છે?, આ હવાથી દૂર થવાનું છે?
ન્યુયોર્કના વિમાન-મથકે કોઈ લેવા આવનારું હતું નહીં. જ્યાં ભણવાનું હતું ત્યાં કોઈ ઓળખીતું હતું નહીં. પહેલા કેટલાક દિવસ વ્હાય.ડબલ્યુ. સિ.એ.માં રહી. પાણી યે ના ભાવે, અને શાકાહારી ખાવાનું ક્યાં મળે તે પણ ખબર ન હતી. સારું હતું કે નાની ઉંમરે ઓછું ખાઈને, નહીં ખાઈને ચલાવી લેવાતું હતું. પછી કોઈ અમેરિકન દપતીના ઘરમાં રૂમ ભાડે લીધો. ત્યાં રસોડાની સગવડ હતી, પણ રસોઈ કરતાં કોને આવડતું હતું? કાચું-કોરું બનાવી-ખાઈને દહાડા કાઢ્યા હશે, એમ માનું છું. એક વાત યાદ છે કે મહિનાઓ સુધી ક્યાયે ઘઉનો લોટ દેખાયો નહતો. મેંદાના લોટની ભાખરી બનાવીને ખાધા કરી હતી, ને પેટમાં દુઃખાવો થઈ આવ્યો હતો. વળી, બધું કામ જાતે કરવાના પણ આ દહાડા હતા. ટુવાલ, ચાદરો ને બીજાં
કપડાં હાથે ધોતી હતી. ઈસ્ત્રી નહતી, તો કપડાં સરખાં વાળીને ખુરશીની ગાદી નીચે મૂકી દેતી. એના પર બેસતાં રહેવાથી ઈસ્ત્રી થઈ જતી !કોલેજ જવા માટે એક મોટો રસ્તો ઓળંગી, એ પછીના રસ્તા પરથી બસ લેવાની, એટલું જાણી લીધું હતું. કૅમ્પસ પર ગાડીઓનો પાર નહીં. અહીં બધાં પોતાની ગાડી લઈને આવે? આવો પ્રશ્ર પહેલાં પહેલાં થતો રહેલો. પછી એ રીતથી ટેવાઈ જવાયું. અમેરિકાના જીવનની જાતજાતની વાસ્તવિકતા જોવા-સમજવાની આ તો હજી શરૂઆત હતી. છોકરીઓ માટેની કોલેજ હતી, એટલે રૂપાળી ગોરી છોકરીઓ કેમ્પસના બગીચા જેવા કમ્પાઉન્ડમાં દેખાતી રહેતી. મારે કેટલીક સરસ મૈત્રી થઈ ત્યાં.
ભણવાનું તો ખૂબ મોંઘું લાગે. તો ડીનની સાથે વાત કરતાં મારે માટે કોઈ ઉપાય શોધાવા લાગ્યો. વિચાર કરીને, ફીને બદલે, કાલિદાસનું “શાકુંતલ’ અને રવીન્દ્રનાથનું “ગીતાંજલિ” પુસ્તક (બંને અંગ્રેજીમાં) ભણાવવાની સ્કોલરશિપ મને આપવામાં આવી. ભારતની બહાર ભણાવવાની રીત બહુ જુદી હોય, તે મારે સમજવું ને શીખવું પડ્યું. હજી તો હમણાં જ, આ પહેલવહેલી જ મેં અમેરિકાની કોલેજ જોઈ હતી. અમેરિકન યુવતીઓ ખૂબ ધ્યાનપૂર્વક મને સાંભળતી રહી, અને કેટલીકે વાર્ષિક નિબંધોમાં આ અનુભવને અત્યંત ઊંડો અને અર્થપૂર્ણ તરીકે વર્ણવ્યો.
આમ પૈસાની તાણ, પણ કૉર્લેજના રસ્તામાં આવતા એક થિયેટરમાં જો ઍડવર્ડ આલ્બિ કે ટૅનૅસિ વિલિયમ્સ જેવા અમેરિકન લેખકોનાં સાહિત્યિક નાટકો પરથી બનેલી ફિલ્મ ચાલતી દેખાય તો પાછાં જતાં બસમાંથી ઊતરી જાઉં, ને એ ફિલ્મ જોઉં ત્યારે જ જાણે મનમાં શાંતિ થાય! અલબત્ત, ઘણો આનંદ પણ. હું અંગ્રેજી ને હવે અમેરિકન સાહિત્યની અભ્યાસી, તેથી આવી ફિલ્મો જોઈને જાણે જીવને પોષણ મળે.
અમેરિકામાંના પહેલા જ વર્ષમાં એક અત્યંત મોટું સદ્ભાગ્ય મને મળ્યું. હવે તો યાદ નથી, કે છએક મહિનાની અંદર જ મેં, અમેરિકામાં સ્થાયી થવા માટે જરૂરી એવા, “ગ્રીન કાર્ડ” માટે અરજી કરવાનો વિચાર કયાંથી કર્યો હશે. તે કાળે પાંચ વર્ષ રહેવું પડે તેવા કોઈ નિયમ હતા. દોઢેક મહિનામાં ઈન્ટરવ્યુ પણ આવી ગયો. મને પુછવામાં આવ્યું, “અમેરિકામાં રહીને શું કરવા માગો છો?’ મારામાં આમ તો ખાસ કોઈ વહેવારુ બુદ્ધિ નહીં. ઉછરેલી જ કુટુંબની સુરક્ષિતતામાં. પણ એ ઘડીએ મને જે જવાબ સૂઝ્યો એણે અમેરિકામાં રહેવાની સમસ્યાનો નિકાલ કરી આપ્યો. મેં (કશા અણધાર્યાં) ડહાપણપુર્વક કહ્યું હતું, “હું ટીચર બનવા માગું છું.” ઈમિગ્રેશન ઓફીસરને એ જવાબ સંતોષકારક લાગ્યો હશે, તે મારી અરજી સ્વીકારાઈ ગઈ. બીજાં કેટલાંક અઠવાડિયાંમાં, પરવાનગીની સાબિતીરૂપે, ભૂરા રંગનું “ગ્રીન કાર્ડ” મારા
હાથમાં આવી ગયું.અરજી કર્યા પછી ત્રણ જ મહિનામાં મને આ પ્રાપ્તિ થઈ ગઈ હતી. જિંદગીમાં પહેલી જ વાર મેં જાતે કશું પણ અગત્યનું વિચાર્યું હતું, એને અંગે આવશ્યક ગોઠવણ કરી હતી, અને સફળ પરિણામ મેળવ્યું હતું. ને આ હતો મારા નિજી જીવનમાંનો પહેલો ‘જાદુઈ’ અનુભવ. જાણે મારા જીવનની નોકાનું સુકાન હવે મારા પોતાના હાથમાં હતું.
હવે હું નોકરી કરી શકું તેમ હતી, પણ હજી માંડ થોડા પૈસા હતા, ને કોઈ પાશ્ચાત્ય કપડાં પણ નહીં. ઘેર રોજ પહેરતી હતી તેવાં કોઈ ફ્રૉક કે સ્કર્ટ હું સાથે લાવી નહતી. કેમ્પસ પર તો ઘેરથી લાવી હતી તે રેશમી સાડીઓ હું પહેરતી. એકાદ ડ્રેસ ખરીદી શકાત, પણ રોજ નોકરીમાં તો કેટલાં બધાં કપડાં જોઈએ. તેથી નોકરી શોધવા જતાં હું ચુડીદાર-ફૂરતું પહેરતી હતી. એ કાળે “ગ્રીન કાર્ડ” મેળવવામાં ખાસ કોઈ નિયમ ન હતા, પણ નોકરી પર સ્ત્રીએ શું પહેરવું તેના નિયમો હતા ! ચુડીદાર એટલે પેન્ટ કહેવાય, અને એ સમયે સ્ત્રીઓને ઓંફીસોમાં પેન્ટ પહેરવાની છૂટ ન હતી. છતાં, કોઈ બૅન્કમાં કે મોટી ઓફીસમાં તો નહીં, પણ એક નાની જગ્યાએ નોકરી મળી તો ગઈ. પણ થોડા જ વખતમાં એ છોડી દઈને મેં ન્યૂયોર્ક જતાં રહેવાનો નિર્ણય કર્યો.
જોકે એ પહેલાં, નોકરી ત્યજીને, હું “ધ બહામાઝ’ નામના દ્વીપ-દેશમાં જઈ આવી. “ગ્રીન કાર્ડ” હતું તેથી જ અમેરિકાની બહાર જઈ શકાયું. નોકરી, કરિયર, આવકમાં રસ નહીં, પણ અન્ય સ્થાન જોવામાં ત્યારથી જ ઘણો વધારે રસ હશે, એમ કહી શકું છું. કોલેજમાં સારી મિત્ર બની ગયેલી પામેલા “ઘ બહામાઝ’ની હતી, ને એણે મને એનાં માતા-પિતાને ઘેર જવા આમંત્રણ આપ્યું હતું. આને હું મારું “અમેરિકન બાળપણ” કહું છું. પ્રવાસી તરીકેનો આ સ્પષ્ટ આરંભ હતો. પામેલા હજી પણ મારી નજીકની મિત્ર રહેલી છે. એ ઈગ્લંડમાં વસે છે, ને એનાં વર અને દીકરીઓને માટે હું કુટુંબની સદસ્ય છું.
ક્રમશઃ
-
પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું
નિસબત
ચંદુ મહેરિયા
જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો-ઉદ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત,આદિવાસી, વંચિત,પછાત, ગરીબ માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકારસહિતના સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતા રહે છે. જમીનદારો માટે તે ગરીબોના શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝૂમવું પડે છે.
સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી હતી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાયદાનો દ્રઢતાપૂર્વક અમલ થયો હતો. તેથી એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા ઘણાં પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા હતા. ૧,૭૨૬ ગામોના ૫૧, ૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલ ગણોતિયાઓને મળી હતી. આજે સર્વક્ષેત્રે પટેલોના વર્ચસના મૂળમાં તેમની આ જમીન માલિકી છે.
જોકે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભાવનગરમાં ભરાયેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા હતા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા હતા.
ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિ સુધાર કાયદાઓ હેઠળ જમીનો મળવી જોઈતી હતી. ૧૯૪૮ના ગણોતધારા અને ૧૯૬૧ના જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ગણોતિયા અને જમીનવિહોણાને જમીન આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું(સાંથ) લઈને ભૂમિવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડ હક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે.
રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીન ભૂમિહીનોને આપવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાયદાઓ તળે જમીનો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે ત્યાં તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણા, સોઢાણા અને અન્ય દલિત હત્યાકાંડોના મૂળમાં દલિતોનો જમીનનો સવાલ રહેલો હતો.
જંગલ સાથે આદિવાસીનો અભિન્ન નાતો છે.તેઓ પરંપરાગત રીતે પેઢીઓથી જંગલની જમીનો ખેડે છે અને વનપેદાશો પણ મેળવે છે. પરંતુ અંગ્રેજોના પગલે દેશી સરકારે પણ જંગલ જમીનો ખેડવા પર બંધી ફરમાવી હતી. ગુજરાતના આશરે ૧૮,૦૦૦ માંથી ૪૭૩૨ ગામો વનવિસ્તારમાં આવેલા છે. પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લામોમાં જંગલ જમીન નામે કરવા લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. તેના પરિણામે ઘણા આદિવાસીઓને જંગલ જમીનની સનદો આપવી પડી હતી. ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમબંગાળ અને ત્રિપુરામાં જંગલ જમીનો નામે કરવાનો સવાલ હતો.કેન્દ્ર સરકારના વન અધિકારોની માન્યતા અધિનિયમ-૨૦૦૬ અને નિયમો-૨૦૦૭ના આધારે જંગલ જમીન ખેડનારાઓને જમીન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ અમલના પ્રશ્નો તો છે જ.
જમીન માલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ ટકા દલિતો જમીનો ધરાવતા હતા.તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫ ટકા થયા હતા. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯ ટક હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫ ટકા થયા હતા. ગુજરાતમાં ૬૩.૨૪ ટકા દલિતો ભૂમિહીન છે. આ હકીકતો દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીન માલિકીને સીધો સંબંધ છે. એટલે જમીન વિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીન સુધાર કાયદાઓનો અમલ થાય અને માત્ર ૫ ટકા જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦ ટકા ગરીબી ઘટી શકે છે. તેથી જ કહેવાયું છે કે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન.
બંગાળના દીર્ઘ ડાબેરી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિ સુધાર કાનૂનોનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. પરંતુ તે ભૂમિવિહોણા માટે નથી. ગુજરાતમાં જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેત સહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ તે મેળવી લીધી છે અને તેના ખરા હકદાર ભૂમિહીન દલિતોએ તો જમીન માટે ઝૂઝવાનું જ રહ્યું છે.
નવી અર્થનીતિ , વધતા શહેરીકરણ-ઔધ્યોગિકરણ , સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને વિકાસની રાજનીતિના વર્તમાન માહોલમાં જમીન સુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિ કાયદા કરી રહી છે. ખેતીની સમૃધ્ધ જમીનો વિકાસ અને જાહેર હિતના નામે અધિગૃહિત કરી મોટા ઉધ્યોગગૃહોને આપી દેવામાં આવે છે. ભલે ભારત સરકારને વિપક્ષી દબાણ સામે ઝૂકીને ભૂમિ અધિગ્રહણ બિલ પડતું મૂકવું પડ્યું પણ રાજ્ય સરકારોએ આવા કાયદા ઘડ્યા જ છે ને? આ કાયદાઓ થકી જમીનો ભૂમિહીનોને નહીં ઉધ્યોગોને મળી છે.
આ સ્થિતિમાં ભૂમિહીનોનો જમીન મેળવવાનો સંઘર્ષ વધુ આકરો થઈ રહ્યો છે. ડો.બાબાસાહેબ આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતાં કહ્યું હતું કે, ” જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ દઝાડી શકે છે. જમીનના મુદ્દે દલિતો અને બીજા જમીનવિહોણાઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે આપણે અને આપણું બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે”. બાબાસાહેબની આ ચેતવણીની અવગણના સંસદ, વિધાનગૃહો, સરકારો અને સમાજ પોતાના અસ્તિત્વના ભોગે જ કરી રહી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુખનું સરનામું આપો..
ડો. શ્યામલ મુનશી
સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
સુખનું સરનામું આપો.ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
સુખનું સરનામું આપો.કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
સુખનું સરનામું આપો.
: આસ્વાદ :
દેવિકા ધ્રુવ
કવિ શ્રી શ્યામલ મુનશીનું કાવ્ય ‘સુખનું સરનામું આપો’ ખૂબ મઝાનું અને અર્થપૂર્ણ કાવ્ય છે. ત્રણ અંતરામાં પથરાયેલ આ કાવ્ય ઘણું જાણીતું અને માનીતું થઈ ગયું છે. કારણ કે, જીંદગીનો અસલ અર્થ અને માનવ સ્વભાવનો ખરો રંગ એમાં ઝીલાયો છે.
ગીતની ધ્રુવપંક્તિમાં સુખના સરનામાની અરજ છે એવો સીધો અર્થ સમજાય છે પણ ખરેખર માત્ર એટલું જ નથી. એમાં એક સનાતન ખોજની તીવ્ર આરત છે, ઊંડેથી નીકળતી એક સાચી ઝંખનાનો સૂર સંભળાય છે.
જીવન-સિક્કાના બે પાસાં છે; સુખ અને દુઃખ. અને માણસ માત્રને સુખની જ અભીપ્સા છે. દરેક વ્યક્તિએ સુખને જ અનુભવવું છે, કાયમ માટે સુખમાં રહેવું છે. પણ હકીકતે એને દુઃખ જ દેખાયા કરે છે. જે નથી તેને પામવાની સતત શોધમાં એ ભટકતો રહે છે. એ મૂંઝાતો રહે છે, એવા અટવાઈ ગયેલા માનવીનો ભાવ, આ ગીતની ધ્રુવપંક્તિ સાથે અનાયાસે જોડાઈને યથોચિત લયમાં વ્યક્ત થાય છે કે, ‘જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; સુખનું સરનામું આપો.’ કવિને બરાબર જાણ છે કે, સુખ એ કોઈ નકશા પર દર્શાવેલ ટપકું નથી કે જ્યાં જમીન, દરિયાઈ કે હવાઈ માર્ગે પહોંચી જઈ શકાય. છતાં પણ જીવનપથ પર મૂંઝાયેલ માણસની મનોવ્યથાને, એના મનમાં જાગી રહેલા સવાલોને પ્રથમ અંતરાના શબ્દોમાં પ્રતિબિંબિત કરે છે. જેને સુખની શોધ કરવી છે પણ સમજણ નથી કે ક્યાંથી મળે ને કઈ રીતે એ મળે? એ પૂછે છે કે,
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?સવાલો જ કેટલા દયાને પાત્ર છે? સામાન્ય જનસમુદાય આનાથી વધારે બીજું વિચારી પણ શું શકે? મોટાભાગના લોકોની બંધ આંખ સામે એક સુખ નામનો સોનેરી ઝાંપો જ હોય છે એવું કવિને અહીં ફલિત કરવું છે જે સાહજિક રીતે અભિવ્યક્ત થયું છે. અહીં કેટલીક કાવ્યપંક્તિઓ યાદ આવ્યા વગર રહેતી નથી. કવિ શ્રી જગદીશ જોશીએ એક કવિતામાં ‘મને આપો ઉછીનું સુખ થોડું, હજી યે ના એવડું તો થઈ ગયું મોડું’ દ્વારા આવી જ કોઈ વાત કરી છે. ઘણાં કવિઓએ ગુજરાતી ગીતો થકી સાચા સુખને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, અનેક પ્રશ્નો ઊભા કરી, સુખને પામવાના જુદા જુદા માર્ગો આલેખ્યા છે.આ ગીતના બીજા અંતરામાં વિષયને આગળ વધારતાં કેટલીક અટકળોની વાત આવે છે. ગીતનાયક વિચારે છે કે,
ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો;
ખુલ્લી આંખો એટલા માટે રાખવાની કે રસ્તે ખાડા -ટેકરા આવે તો દોડતાં દોડતાં પડી ન જાઉં કે ચોર લૂંટારા આવે તો લૂંટાઈ ન જાઉં.
વળી એ વિચારે છે કે, સુખ કદાચ આકાશમાં હશે તો? તો પક્ષીની જેમ પાંખો ફેલાયેલ રાખું જેથી ઝટ દઈને ઊડી શકાય! અને જો સુખ મધદરિયામાં મળતું હોય તો પછી તરાપો પણ તૈયાર રાખું ને? બધી જ રીતે તૈયાર રહેવાની અવનવી રીતો વિચારી રાખે છે.
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !ખરેખર માણસની મનોદશા અને વ્યથાની નરી વાસ્તવિકતાનું સૂક્ષ્મ વર્ણન આ બીજાં અંતરામાં અનુભવાય છે. વિચારોના વમળોમાં વીંટળાતી વ્યક્તિ છેવટે થાકી જાય છે. એની ધીરજ ખૂટી જાય છે. સુખને ઝંખતી અને ખોટી રીતે વિચારતી વ્યક્તિઓને થાય છે કે, સુખ કેટલે હશે, ક્યાં હશે? કેટલા માઈલ દૂર હશે? ક્યારે મળશે? હવે હું છલાંગ મારું કે ડગ ચાલુ રાખું? આ આખીયે ધારણાઓ એ ખરેખર તો માનવ સ્વભાવની કરુણ વાસ્તવિક્તા છે, જનસમાજનું દર્પણ છે. મર્કટ મનડું એમ જ વિચારે કે,
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?એ ભાવ સુપેરે વ્યક્ત કરી, છેલ્લી પંક્તિમાં કવિએ સંભવિત ઉત્તર આપી દીધો છે કે, આવું બધું કંઈ ન કરો, મૂંઝાવાને બદલે,અટવાવાને બદલે અને ખરું ખોટું વિચારવાને બદલે,
‘મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.’
વાહ..વાહ.. કવિ. મન અને મૃગજળ વચ્ચેના અંતર માપવાની વાતનો ઈશારો કરી એક ગહન ભીતરનો દીવો પ્રગટાવી દીધો. બધું જ ભીતર છે. સુખ, શાંતિની સાચી સમૃદ્ધિ આપણી અંદર છે, બહાર તો કેવળ મૃગજળ છે. સુખનું સાચું સરનામું ભીતર છે. સુખ એ કોઈ પાનાં પરનો નક્શો નથી કે મનગમતા રંગનો સુશોભિત ઝાંપો નથી. એનું કોઈ GPS નથી કે જેને હાથમાં રાખી,એણે ચીંધેલા માર્ગ મુજબ ચાલીને, દોડીને,ઊડીને કે તરાપા થકી પહોંચી શકાય. એ કેટલા ફર્લાંગ, માઈલ કે જોજનો દૂર છે એ સવાલ જ નથી. કારણ કે, માણસના મનમાં જ છે, માયાવી મૃગજળને વીંધતી સાચી સમજણમાં જ છે. એટલે કે, સુખનું સરનામું આપણા અંતરમાં જ છે.
અહીં કવિવર ટાગોરની વિચારધારા યાદ આવે છે કે, વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે. તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરાજરા ફેરફાર કરી, મનપસંદ બનાવી લઈ તેને સુખનો સ્પષ્ટ આકાર આપીએ. કેટલી સાચી વાત છે! મન અને મૃગજળ વચ્ચેના અંતરને માપતાં આવડે તેને સુખનું સરનામું મળે જ.
કવિ શ્રી તુષાર શુક્લની પણ એક પંક્તિ આ જ વાતને સમર્થન આપે છે કે, “સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.”
ગીતસ્વરૂપે રચાયેલ આ કાવ્ય નખશીખ સુંદર છે. એમાં વિષયને અનુરૂપ આરત અને અરજભર્યા યથોચિત શબ્દોથી ઉઘાડ છે, ત્રણે અંતરામાં વિષયનો ક્રમબદ્ધ વિકાસ છે. પ્રશ્નો અને આશ્ચર્યોના ભાવ અને તે મુજબનો સરળ લય છે, તો છાપો, ઝાંપો, તરાપો, માપો જેવા મઝાના પ્રાસ પણ કાવ્યત્ત્વને વધુ ઘેરો રંગ બક્ષે છે. છેલ્લી પંક્તિમાં પ્રયોજાયેલા લાઘવભર્યા શબ્દો કવિતાના હાર્દની ઊંચાઈ સુધી પહોંચ્યા છે.
વ્યવસાયે સર્જન, ડો. શ્યામલ મુનશીની કલમ તેમને એક અચ્છા સર્જક તરીકે પણ બિરદાવે છે. આ ગીતના સ્વરાંકનને તેમના જ અવાજમાં સાંભળવાનો પણ એક લહાવો છે. કવિ, સંગીતકાર અને ગાયકને સલામ.
અસ્તુ.
Devika Dhruva. | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
એસ ધમ્મો સનંતનો – શ્રીમદ્ ભગવદ્ગીતા
પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન પરંપરાવિશ્વના સાગરોથી ઊંડી અને હિમાલયથી ઊંચી છે. પુરાણો અને મહાકાવ્યો પર આપણે અગાઉના લેખોમાં ટુંકું વિવેચન જોઈ ગયાં. હવે તેનાં ત્રીજા પાસાં, શ્રીમદ્ ભગવદ્ગીતા, પર અવલોકન કરીશું.

મૂળ લિથો પ્રિન્ટ – વાસુદેવ પંડ્યા આશરે ઇ.સ. ૧૯૩૨ વર્તમાન સમયમાં ભગવદ્ગીતા ખ્રિસ્તીઓનાં બાઈબલ કે મુસ્લિમોનાં ક઼ુરાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ મહાભારતમાં ભીષ્મપર્વમાં અર્જુનના સારથિ તરીકેની ભુમિકા ભજવી રહેલા શ્રીકૃષ્ણના મુખેથી કહેવાયેલી આ બોધકથા સમાવવામાં આવી છે. યુદ્ધના મેદાનમાં અર્જુન જ્યારે પોતાની સામે પોતાના ગુરુઓ, વડીલો અને બાંધવોને સામે પક્ષે જૂએ છે, ત્યારે હામ હારી જઈને પોતાના હથિયાર હેઠાં મુકવા તત્પર બની જાય છે. આ સમયે અવતારપુરુષ એવા શ્રીકૃષ્ણ તેના સારથિ તરીકે માર્ગગ્દર્શક બનીને અર્જુનને ક્ષત્રિય ધર્મ સમજાવે છે અને પોતાનું કર્તવ્ય બજાવવાનું કહે છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ રૂપે રચાયેલ આ ગ્રંથમાં સામાન્ય માનવીને ઉપદેશ સ્વરૂપે સમગ્ર વેદ અને ઉપનિષદના જ્ઞાનની ઊંડી સમજ અપાઈ છે.
ગીતાનું એટલું મહાત્મ્ય છે કે મધ્યકાળમાં તેના ઉપર શકરાચાર્ય અને અનેક તત્વજ્ઞોએ ટીકાભાષ્યો લખ્યામ છે. આધુનિક સમયમાં લોકમાન્ય ટિળક, શ્રી અરવિંદ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, ચિન્મયાનંદ, ઓશો રજનીશથી લઈને ડૉ. એસ રાધકૃષ્ણન જેવા અનેક લોકોએ ખુબ જ માર્મિક વિવેચનો લખ્યાં અને પ્રવચનો આપ્યાં છે. લોકોને પ્રેરણા આપનારા દીપ ત્રિવેદીએ તો અત્યારના સમયમાં પોતાના વિચારો રજૂ કર્યા છે.
સનાતન હિંદુ ધર્મના વિરોધી પશ્ચિમના વિદ્વાનો અને પશ્ચિમને અનુસરનારા આપણા દેશના તથાકથિત વિદ્વાનો ભગવદ્ગીતાની આકરી ટીકા કરે છે. આવી વિશ્વવંદ્ય કૃતિને પણ તેઓ બુદ્ધના ધમ્મપદ અને એવા અન્ય અનેક ઉપદેશો પર આધારિત છે એવું ભારપૂર્વક પ્રતિપાદિત કરવા મથતા રહે છે. પોતાની દલીલમાં સમર્થનમાં તેઓ કહે છે કે બુદ્ધે તેમના પ્રવચનોમાં ધર્મ અને કર્મ પર વિવેચન કર્યાં છે. તેઓ દરેક વ્યક્તિને બુદ્ધમાં માનવાનું, તેમણે સથાપેલ સંઘમાં જવાનું અને તેમના ઉપદેશોને અનુસરવાનું કહે છે. શ્રમણ જો આ પ્રમાણે કરે તો નિર્વાણ પામી શકશે. શ્રીકૃષ્ણ પણ ભગવદ્ગીતામાં ધર્મ અને કર્મ પર ઉપદેશ આપે છે અને શ્રીકૃષ્ણ પર શ્રદ્ધા રાખવાનું કહે છે. વિદ્વાનોના ઉપરોકત વર્ગને આમાં બુદ્ધના આદેશોની બેઠી નકલ દેખાય છે. આ વિદ્વાનો એમ પણ પ્રતિપાદિત કરે છે કે મહાભારતનું સૌથી મોટું, સૌથી પ્રાચીન, મહાકાવ્ય છે. તેથી તેની રચનાને બહુ લાંબો સમય લાગ્યો. તેનું અંતિમ સ્વરૂપ આજથી ૨૩૦૦ વર્ષ પૂર્વે રચી શકાયું.
બુદ્ધના નિર્વાણ પછી પરિસ્થિતિ બદલાઈ. હવે બૌદ્ધ ધર્મ ભારતનો સર્વમાન્ય ધર્મ બન્યો. તેને પડકાર આપવા બ્રાહ્મણ વર્ગ આગળ આવ્યો. તેમણે લગભગ આજથી ૧૭૦૦ વર્ષ પહેલાં મહાભારતનું નવસંસ્કરણ કર્યું. આ સમયે તેમાં ગીતાજીનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આમ ધમ્મપદનો આધાર લઈને રચાયેલી ભગવદ્ગીતા મહાભારતનું અંગ બની વિશ્વપ્રસિદ્ધ બની ગઈ. આવી ક્ષુલ્લક ટીકાઓ પાયાવિહિન છે.
ગીતાજીમાં શ્રીકૃષ્ણે માત્ર ધર્મ અને કર્મ પર ઉપદેશ નથી આપ્યો. તેમણે તો કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ અને જ્ઞાનયોગનું એકીકૃત દર્શન કરાવ્યું છે. તેમાં તેમણે ત્રિગુણાત્મક – સત્વ, રજસ્ અને તમસ્ ગુણો- સૃષ્ટિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સ્પષ્ટતા કરી છે. શ્રીકૃષ્ણે દરેક ભક્તને સંસારમાં રહીને છતાં સંસારથી અલિપ્ત રહીને ભક્તિરસના આનંદમાં તરબોળ થવાનું જણાવ્યું છે. ભક્ત માટે આ માર્ગ મોક્ષનો માર્ગ છે.
બુદ્ધના શ્રમણોમાં એક પ્રકારની ઉદાસિનતા છે. તેઓમાં હકારાત્મકતાને અવકાશ નથી.બુદ્ધનો માર્ગ શ્રમણને શૂન્યમાં વિલિન કરે છે.
બન્ને ધર્મોની પરંપરાઓની કેટલીક ખાસ અનુકરણીય પરંપરાઓ છે. અસત્ય, કે અર્ધસત્ય,ના આધાર પર કોઈ પણ ધર્મની પરંપરાઓ પર ટીકા કરવી તે બુદ્ધ કે શ્રીકૃષ્ણ જેવી વિશ્વની મહાન વિભૂતિઓના અપમાન સમાન છે.

સંસ્કૃતમાં લખાયેલ ભગવદ્ગીતાનું દેવનાગીરી ભાષાનું સંસ્કરણ આશરે ઇ.સ. ૧૮૦૦-૧૯૦૦ આ ગંથ પર એટલું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે કે હવે શું લખવું તે આ લેખકને સમજાતું ન હતું. અંતે, સ્વામી વિવેકાનન્દે ૧૮૯૯માં સ્થાપના કરેલ અદ્વૈત આશ્રમ, માયાવતી (પ્રકાશન શાખાઃ કોલકત્તા) દ્વારા પ્રકાશિત થતાં માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકમાં તેના તંત્રીએ ભગવદ્ગીતાનું વેદ આધારિત જે દર્શન કરાવ્યું છે તેનો ઋણસ્વીકાર સાથે અહીં ટુંક સાર રજૂ કર્યો છે.
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે પ્રથમ વખત યોગના ચાર માર્ગ ઉપર પૂર્ણ વિવેચન આપ્યું છે. શ્રી અરવિંદ તેને એકીકૃત (Integral) યોગ તરીકે સમજાવે છે. આ ચાર યોગ એટલે
કર્મયોગ
ભક્તિયોગ
ધ્યાનયોગ, અને
જ્ઞાનયોગ.
ઉપરોક્ત તંત્રીલેખમાં પ્રબુદ્ધ ભારતના તંત્રી લખે છે કે મહાભારત કાળમાં વૈદિક ધર્મમાં માત્ર અતિશય ખર્ચાળ અને પશુબલિથી રક્તરંજીત થયેલા યજ્ઞોની બોલબાલા હતી. ધનિક વર્ગ એ યજ્ઞોનો ઉપયોગ તેમની ભોગવિલાસની પ્રવૃતિઓને સંતોષવા કરતા હતા. સામાન્ય પ્રજા તો જાણે વૈદિક પરંપરાથી બહિષ્કૃત જ થઈ ગઈ હતી. શ્રીકૃષ્ણનું હૃદય આ પીડિત વર્ગ માટે અતિ આર્દ્ર બની ગયું હતું. તેઓએ ભોગવિલાસી જીવન જીવતા ધનિક વર્ગ અને પુરોહિતો બળવો પોકાર્યો. સામાન્ય લોકો ધર્મના માર્ગ તરફ વળે એ માટે ગીતામાં ઉપદેશ આપ્યો.
તેઓએ સામાન્ય પ્રજાને ઉદ્દેશીને કહ્યું કે તમારે તમારાં કર્મોથી ભાગવાનું નથી. પરંતુ તે તરફનો પોતાનો અભિગમ બદલવાનો છે. દરેક કર્મ એ જ એક પવિત્ર યજ્ઞ છે. તે કરતી વખતે માનવીએ પોતાને ઈશ્વર તરફની અનન્ય ભક્તિ તરફ વાળી દેવાની છે. આમ, સામાન્ય વ્યક્તિ ઈશ્વરના ઉપદેશને અનુસરીને કર્મયોગ અને ભક્તિયોગના માર્ગે પોતાનું જીવન વ્યતિત કરે તેવો તેમનો સંદેશ છે. આમ તો એ સમયે સામાન્ય લોકો ઉપરાંત અન્ય લોકો પણ કર્મયોગ અને ભક્તિયોગનું પાલન કરતા તો હતા, પણ તેમના જીવનમાં કશુ ખુટતું હતું. શ્રીકૃષ્ણે આ વર્ગને ત્રિગુણાત્મક સૃષ્ટિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની ભેદરેખા, ઈશ્વરભક્તિ અને મનન, ચિંતન અને નિદિધ્યાસન પાળવાની પદ્ધતિઓ દર્શાવી.
તંત્રીશ્રીએ ઉપરોક્ત પોતાના લેખમાં ભગવદ્ગીતાના આ શ્લોકો ટાંક્યા છે
ભક્તિયોગ (ગીતા ૧૦-૧૦)
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥ભાવાનુવાદઃ
જેઓ મારામાં ભક્તિભાવ ધરાવીને મારી પુજા કરે છે તેઓને હું પ્રેમપૂર્વક જ્ઞાન આપું છું કે જેથી તેઓ મને પામી શકે.
ગીતા (૯-૧૪)
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ભાવાનુવાદઃ
યોગી સ્થિરમન (સ્થિતપ્રજ્ઞ) થઈને મને સતત ભજે અને મારૂં શરણ સ્વીકારે તો હું એમને ભક્તિના પ્રકાશથી પરિપૂર્ણ કરૂં છું.
ગીતા (૬-૧૪)
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थित: |
मन: संयम्य मच्चित्तो युक्त आसीत मत्पर: ||ભાવાનુવાદઃ
જે શાંત મન અભય અને બ્રહ્મચર્ય પાળીને પોતાના વિકારો પર અનુશાસન કેળવશે તેઓ મને સર્વોચ્ચ ગણશે.
ગીતા (૧૩-૨)
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत |
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ||ભાવાનુવાદઃ
હે ભરતવંશી અર્જુન, તું આ ભૌતિક જગતને ક્ષેત્ર તરીકે અને મને (એટલે કે શ્રીકૃષ્ણને) ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખ. આ જ સાચું જ્ઞાન છે.
શ્રદ્ધાભક્તિ (ગીતા ૧૭- ૩)
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ||ભાવાનુવાદઃ
હે ભરતવંશી અર્જુન, દરેક વ્યક્તિ શ્રદ્ધાવાન છે. જેની જેવી શ્રદ્ધા તેવું તેનું બાહ્ય સ્વરૂપ છે.
ઉમદા ગુણ (ગીતા ૬-૯)
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु |
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ||ભાવાનુવાદઃ
જે શ્રેષ્ઠ છે તે કલ્યાણકર્તા, મિત્ર, તટસ્થ, શત્રુ અને બંધુમાં કોઈ ભેદ નથી જોતો. તે પાપી હોય કે પુણ્યાત્મા હોય, તેને એક જ દૃષ્ટિથી જૂએ છે. (આવા લોકો જ મને બહુ પ્રિય છે).
સમાપન કરતાં તંત્રી લખે છે કે ભગવદ્ગીતામાં અનેક અધ્યાત્મ માર્ગોને એકીકૃત જ્ઞાન તરીકે દર્શાવાયા છે. આ માર્ગનું અનુસરણ કરી વ્યક્તિ પોતાના ભૌતિક જીવનનું પરિવર્તન કરીને દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્ગીતામાં ઈશ્વર સમગ્રને સ્વીકારે છે. તેથી ગીતા એ વેદનું દિવ્ય દર્શન છે અને શ્રીકૃષ્ણ જગતગુરુ છે.
ઉપસંહાર કરતાં કહી શકાય કે ભગવદ્ગીતાના ઉપદેશો માનવમાત્રને તેની અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ અને ઉદાસીનતામાંથી શાશ્વત આનંદ ભણી લઈ જવાનો અદ્ભૂત માર્ગ બતાવે છે.
હવે પછીના મણકામાં આગમ શાસ્ત્ર વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
૨૫ જૂન, ૧૯૭૫ની બે યાદો
નરેશ પ્ર. માંકડ
વહેલી સવારનો સમય, ૨૫મી જૂન ૧૯૭૫, હજી તો ઊંઘમાંથી જાગ્યો હતો ત્યાં જ મારા પ્રથમ સંતાન, પુત્રીના જન્મના સમાચાર મળ્યા. હું હોસ્પિટલમાં દોડી ગયો.
ત્યાં મને ધારાસભ્ય અરવિંદભાઈ મણિયારના ભત્રીજા બહાર જ મળી ગયા અને લાગલો જ સવાલ કર્યો, ” સમાચાર મળ્યા? ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી છે, અરવિંદકાકાથી માંડીને દેશના તમામ નેતાઓ – જેપી, મોરારજીભાઈ, અટલજી બધાને જેલમાં નાખ્યા છે.”
આજે એ ઐતિહાસિક ઘટનાની પચાસમી વર્ષગાંઠ છે.
એના વિશે અસંખ્ય રસપ્રદ પુસ્તકો લખાયાં છે.
પરંતુ, અત્યારે એની વાત નથી કરવી, માત્ર એક નામને વધાવવું છે, જેણે તત્કાલીન રાજ્યવ્યવસ્થા સામે ગાંધીજીની જેમ જનસમુદાયને જગાવી દીધો: જયપ્રકાશ નારાયણ.
કિશોરવયમાં એમનું ” સમાજવાદથી સર્વોદય” વાંચ્યું ત્યારે મારી એમના વિશે છાપ અનિર્ણિત, અનિશ્ચયી ,ફાંફાં મારતા રાજકારણી તરીકે ગણી કાઢવા જેવી હતી.
પછી ૧૯૬૨ – ૬૩ ના વર્ષોમાં જ્યારે બે સમાજવાદી પક્ષો – પ્રજા સમાજવાદી તથા સંયુક્ત સમાજવાદીનું જોડાણ કરવાના પ્રયાસો ચાલતા હતા ત્યારે ફરી જયપ્રકાશનું નામ ઉભર્યું. અદમ્ય નેતા રામ મનોહર લોહિયાએ જાહેર કર્યું કે જો જોડાણની નેતાગીરી જયપ્રકાશ લેતા હોય તો તેઓ પોતાના પક્ષનું બિનશરતી વિલીનીકરણ કરવા તૈયાર છે. સમાજવાદીઓમાં જેપીનું આવું ઉચ્ચ સર્વમાન્ય સ્થાન હતું.
ત્યાર બાદ લગભગ એક દશક પછી ફરી તેઓ દેશવાસીઓના દિમાગમાં ઊભર્યા – બિહારના છાત્ર આંદોલનથી. એ આંદોલનની અસર ગુજરાતના ઉકળતા ચારુ જેવા રાજકારણ પર પડી. જેપીને એની પણ નેતાગીરી લેવાનો આગ્રહ થયો અને ચળવળને બળ મળ્યું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી એ સમયનું એક લોકપ્રિય સૂત્ર હતું:
અંધકારમાં એક પ્રકાશ
જયપ્રકાશ, જયપ્રકાશબિહાર આંદોલન વખતે એક ગીત આવ્યું હતું:
जयप्रकाश का बिगुल बजा तो जाग उठी तरुनाई है
રાજકોટમાં પોતાના વક્તવ્યમાં જયપ્રકાશે પોતે જ એની બીજી પંક્તિ ઉમેરી:
तिलक लगाने तुम्हें जवानों क्रांति द्वार पर आई है।
એ ઉન્મુક્ત સાહસના એ દિવસો આજે યાદ આવે છે અને સાથે વિલિયમ વર્ડ્સવર્થના શબ્દો પણ યાદ આવે છેઃ
Bliss was it in that dawn to be alive
But to be young was very heaven.ઈશ્વરકૃપા હતી એ પરોઢ કે જીવતા છીએ
પણ યુવાન હોવું એ તો સ્વર્ગ જ છે.આ યાદગીરી પણ એક લહાવો છે, અન્ય એક કવિએ કહ્યું છે તેમ:
God gave us memory so that we might have roses in December.
ભગવાને આપણને એટલે યાદશક્તિ આપી છે કે ડિસેમ્બરમાં પણ આપણે ગુલાબ માણી શકીએ.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઈન્દિરા ગાંધીને પોતાની સત્તાનો ભય કેમ હતો?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
૨૫મી જૂને બરાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને- જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી. અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો. ઈન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું- અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.
૧૯૭૧ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઈન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું. આ જળથાળ સંજોગ ૨૫મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઈન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.
મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઈન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમજ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાનમંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઈન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.
દરમ્યાન, ચુકાદાને પગલે ૧૮મી જૂને મળેલી કોંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઈન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી- તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે. ૨૫મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું: સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ!
નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના- તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.
કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળવી ઈન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું. ૨૧મી ને ૨૨મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, ૧૨મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પ. બંગાળના મુખ્યમંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.
આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન ૨૦૨૫થી માર્ચ ૨૦૨૭ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે. દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમજ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. ૧૯૪૭ના સ્વરાજ કાળથી તેમ ૧૯૫૦ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે.
૨૦૨૫-૨૦૨૬ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
‘દીવાસળી’
ગિરિમા ઘારેખાન
બાજુની રૂમમાંથી આવતા ભાઈ-ભાભીની વાતચીતના અવાજો સાંભળીને શોભા પથારીમાં બેઠી થઈ ગઈ. ગાઢ નિદ્રા તો એ ઘરમાં પાછી આવી એ દિવસથી દુ:શ્મન જ થઈ ગઈ હતી. સહેજ ખડખડાટથી પણ એની આંખ ખૂલી જતી. આ અવાજો તો બધી રીતે એની ઊંઘ ઉડાડી દે એવા હતા.
‘કાલે પાછા એક છોકરાવાળા પ્રતિમાને જોવા આવવાના છે. શોભાનું શું કરીશું?’ ભાઈ ભાભીને પૂછતો હતો.
‘એને કહીશું કે ભરાઈ રે રસોડામાં. બહાર આવે જ નહીં.’
‘જે આવે છે એ બધા થોડુંક તો સાંભળીને જ આવે છે. આ છોકરાની મા કોઈ ને કોઈ બહાને ઘરમાં આમ તેમ ફરશે જ. એ વખતે શોભાને રસોડામાં જોશે તો શું કહીશું?’
‘આ તમારી બેન ! શું કામ પાછી આવી હશે? ગામમાં તો લોકો ગુસપુસ કરે જ છે. આવી વાત છાની રહેતી હશે? એ તો હવે જિંદગીભર આપણા માથે જ બેસવાની છે. હવે એને લીધે નાનીનું ય નહીં ગોઠવાય? અરેરે! મારું તો જીવવાનું હરામ થઈ ગયું.’
ઉશ્કેરાટમાં ભાભીનો અવાજ મોટો થઈ ગયો હતો. અડધી બહેરી મા તો નીચે કંઈ સાંભળતી નહીં હોય. આમે ય એ ભાઈને ક્યાં કશું બોલી શકે છે? પ્રતિમા અહીં સૂતી હોત તો એને સીધું પૂછી જ લેત કે મારું પાછા આવવાનું તને ય નથી ગમ્યું? પણ એ તો હમણાંથી જાણે અભડાઈ જતી હોય એમ પોતાનાથી આઘી જ રહે છે. સૂઈ જાય છે પણ નીચે મા સાથે.
શોભા સમજી ન હતી શકતી કે જે થયું એમાં એનો વાંક શું હતો? એ તો અવારનવાર જતી એમ એ દિવસે પણ મા સાથે શહેરમાં દરજી પાસે ગઈ હતી- હાથસિલાઈનું કામ લેવા અને થઈ ગયેલા કપડાં પાછા આપવા. મા બહુ વર્ષોથી આ કામ કરતી હતી. ભણવામાં હોશિયાર હોવા છતાં શોભાએ પણ બારમા પછી આ કામે વળગી જવું પડ્યું હતું. પ્રતિમા અત્યારે બારમામાં ભણતી હતી એટલે એ મદદ નહોતી કરતી. ભાભી બબડાટ કરતી કરતી ઘરનું કામ કર્યા કરતી. ભાઈને કારખાનાનું સ્થળ નજીક પડે અને ભાડું પણ ઓછું હોય, એટલે એમણે શહેરથી દૂર ઘર ભાડે રાખ્યું હતું. એ અને મા શહેરમાં જઈને દરજી પાસેથી કપડાં ઉપર હાથસિલાઈ કરવાનું કામ લઈ આવતાં. છકડા રીક્ષામાં આવવા જવાનું રાખતાં એટલે પૈસા ઓછા થતાં.
શોભાના કમનસીબે એ દિવસ ખરાબ ઊગ્યો હતો. એ લોકો પહોંચ્યા ત્યારે દરજી દુકાન બંધ કરીને ક્યાંક બહાર ગયો હતો. ખાસો વખત રાહ જોવી પડી. પાછા ફરતાં જે છકડામાં બેઠાં એ બંધ પડી ગયો. અધવચ્ચે ઊતરી જવું પડ્યું. બીજી છકડો મળ્યો ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. શોભાને એ આખું દૃશ્ય અત્યારે પણ નજર સામે દેખાતું હતું. દર વખતની જેમ એ કપડાં ભરેલો થેલો લઈને રીક્ષાના ખૂણામાં બેસી ગઈ હતી જેથી ચડઊતર કરતા માણસોને થેલો વચ્ચે ના નડે. માને અંદરની બાજુ રૂંધામણ થતી, પરસેવાની વાસ સહન ન થતી, એટલે એ બહારના છેડે બેસતી. એટલે કોઈ પણ પેસેન્જર ચડે કે ઊતરે, મા એ તો નીચે ઊતરવું જ પડતું.
એ દિવસે રીક્ષામાં પાછળ છ પેસેન્જર બેઠેલા હતા–એ બે જણ અને ચાર પુરુષો. શહેરથી એમના ઘેર પહોંચતા સુધી રસ્તામાં થોડો નિર્જન રસ્તો આવતો હતો. ત્યાં જ બે પેસેન્જરે ઉતરવા માટે રીક્ષા ઊભી રખાવી. શોભાની મા નીચે ઊતરી. પેલા બે પણ નીચે ઊતર્યા અને જાણે આગળથી નક્કી કરેલું હોય એવી રીતે મા પાછી બેસે એ પહેલા તો રીક્ષાવાળાએ રીક્ષા મારી મૂકી. શોભાએ મા ને બૂમો પાડતી પાછળ દોડતી આવતી જોઈ. પરિસ્થિતિ સમજાતાં એણે ચાલુ રીક્ષાએ કૂદી જવાનો પ્રયત્ન કર્યો. પણ એક જણાએ એને બાથ ભરીને પકડી લીધી. બીજાએ એનું મોં દાબી દીધું.
ટી.વી.માં જોયેલા અને સમાચારોમાં સાંભળેલા બળાત્કારના અનેક દૃશ્ય શોભાની આંખ સામે આવી ગયાં. પણ એના આશ્ચર્ય વચ્ચે પેલા લોકોએ એવું કશું જ ન કર્યું. એમણે રીક્ષાના પડદા પાડી દીધા. એ લોકો એને દૂરની કોઈ અવાવરું ઓરડીમાં લઈ ગયા અને બહારથી તાળું મારી દીધું.
શોભા આખી રાત ફફડતી રહી. એ લોકો ઓરડીની બહાર જ બેસી રહ્યાં હતા. શોભાને એમની વાતો સંભળાતી હતી.
‘છોડીને કોઈએ હાથ નથી લગાવાનો. કુંવારી છોડીના વધારે પૈહા મળે એવું કાનજી કેતો’તો. એણે જ આ આઇડિયા આપેલો.’
‘તે આપણે આને વેસવા ક્યાં જૈહું?’
‘કાનજી કાલે અહીં આવીને આને લઈ જાહે અને પૈહા દઈ જાહે. પસી આપડે સૂટા.’
શોભાને ખ્યાલ આવી ગયો કે આ લોકો કોઈ રીઢા ગુનેગારો નથી. પણ, પેલો કાનજી કોઈ કોઠામાં મૂકી આવશે પછી નહીં છૂટી શકાય. અહીંથી જ ભાગવું પડશે. રીક્ષાવાળો જાય તો બીજા બેને પહોંચી વળાશે. બીજા દિવસે બપોરે એણે સાંભળ્યું કે રીક્ષાવાળો ખાવાનું લેવા ગયો છે એટલે એણે બારણું ખખડાવ્યું. પેલા બે એ અંદર ડોકિયું કર્યું. શોભાએ બે આંગળી બતાવી.
‘અલ્યા હું કરસું?’
‘તું લઈ જા. પેલો કાનજી આવશે તો કોક તો અહીં હોવું જોય ને?’
ખાસા આગળ જઈને શોભાએ પેલાને દૂર ઊભા રહેવાનું કહ્યું. પછી તો સહેલું હતું. જ્યાં રસ્તો લઈ જાય ત્યાં દોડવાનું જ હતું. એના નસીબે બાઇક પર જતો એક પોલીસવાળો મળી ગયો અને રાત પહેલા તો શોભા ઘેર હતી. આમ તો એની આટલી ગેરહાજરી ગામમાં કોઈને ધ્યાનમાં પણ ના આવત. પણ એની મા એ ઘેર પહોંચતા પહેલાં જ એમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. બીજા દિવસ બપોર સુધીમાં તો આખું ગામ શોભાના અપહરણ વિશે જાણી ગયું હતું. રાઈને પહાડ બનતા વાર ક્યાં લાગવાની હતી ?
શોભાના ભાઈ- ભાભીએ વિચારી લીધું હતું કે હમણાં શોભાનું ક્યાંય ગોઠવાવાનું શકય નથી. વાત વધુ વણસે એ પહેલા એમણે પ્રતિમા માટે બહારગામના છોકરાઓ જોવાનું ચાલુ કરી દીધું હતું.
************ ************** *********
આજે ફરી એક વાર ભાઈ ભાભીની વાતચીતના અવાજથી શોભાની આંખ ખૂલી ગઈ હતી.
‘તમારી કલંકીની બેને જીવવાનું હરામ કરી નાખ્યું છે. પાછી આવવાને બદલે એ ગાડીના પાટા પર સૂઈ કેમ ના ગઈ? એને લીધે નાનીનુંય ક્યાંય ગોઠવાતું નથી. મારે તો બે ય નણંદો જિંદગીભર મારા માથે ચડીને નાચવાની.’ ભાભીએ રડવાનું ચાલુ કર્યું.
‘તું રડ નહીં. આપણે કોઈ ઉપાય શોધીશું.’
‘ઉપાય શું? હવાયેલી દીવાસળીને ફેંકી જ દેવી પડે.’
અવાજ ધીમા થઈ ગયા. આગળની વાતચીત શોભા સાંભળી ન શકી.
બીજે દિવસે ધોધમાર વરસાદને લીધે ગામમાં પાણી ભરાઈ ગયા હતા. લાઈટ જતી રહી હતી. શોભા મા સાથે રસોડામાં હતી. ઉપરથી ભાઈની બૂમ સંભળાઈ. શોભા ઉપર ગઈ એ સાથે ભાભીએ રૂમનું બારણું બંધ કરી દીધું. પ્રતિમા પણ એમની સાથે ઊભેલી હતી. ભાભીએ પકડેલા કેરબામાંથી કેરોસીનની વાસ આવી રહી હતી.
શોભા બધું સમજી ગઈ. આ વરસાદમાં કોઈને એની બૂમો સંભળાવાની નથી. સળગાવી દીધા પછી આપઘાત સાબિત કરવાનું કેટલું સહેલું છે ! આવું તો રોજ છાપામાં આવે છે. એક વાર તો એને વિચાર આવ્યો કે ભલે આ લોકો સળગાવી દે. ગામલોકોની રોજે રોજ વીંધતી નજરોથી મરવા કરતાં એકવારમાં પાર આવી જાય. સ્મશાનને બદલે અહીં ઘરમાં જ ચિતા ભલે થઈ જતી.
પણ બીજી જ પળે માનો દયામણો ચહેરો દેખાયો. જીજીવિષા જાગૃત થઈ ગઈ. કોઈ વાંક વિના મારે શું કામ મરવાનું? ઘરમાંથી કાઢી મૂકશે તો માને લઈને નીકળી જઈશ. સિલાઈ કામ આવડે છે, એ કરીશ. પણ આમ કમોતે તો નહીં જ મરું.
થોડીક ક્ષણો સુધી શોભા ત્રણે ય જણ સામે જોતી રહી. પછી મક્કમ અવાજે બોલી, ‘તમારું ભલું ઈચ્છું છું એટલે કહું છું. કાલે રાત્રે તમારી વાત સાંભળ્યા પછી હું આજે સવારે જ પોલીસસ્ટેશનમાં લેખિત આપી આવી છું કે, મને કંઈ થાય તો મારા ભાઈ-ભાભી એને માટે જવાબદાર હશે. હવે કાલે જઈને પ્રતિમાનું નામ પણ ઉમેરાવીશ.’
ગુસ્સાથી ધ્રૂજતો ભાઈ શોભા તરફ ધસ્યો પણ પ્રતિમાએ એને પકડી લીધો. ભાભી હજી ખૂણામાં કેરબો પકડીને ઊભી હતી. શોભાએ સળગતી નજરે એની સામે જોયું. ભાભીને લાગ્યું કે એ જ્વાળામુખીની આગથી કેરોસીન સળગવા માંડશે. એના હાથમાંથી કેરબો પડી ગયો. નીચેથી માની બૂમ સંભળાઈ, ‘શોભા, બીજી માચીસ ક્યાં રાખી છે? આમાં તો બધી દીવાસળી હવાઈ ગઈ છે. ગેસ કેવી રીતે સળગાવું?’
શોભાએ જવાબ આપ્યો, ‘આવું મા. હવાયેલી દીવાસળીને કેવી રીતે સળગાવવી એ મને આવડે છે.’
[ઉત્સવ, દીપોત્સવી, ૨૦૨૨ ]
ગિરિમા ઘારેખાન
૧૦, ઈશાન બંગલોઝ,સુરધારા-સતાધાર રોડ, થલતેજ ,અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન-૮૯૮૦૨૦૫૯૦૯ -
માની વાત કદી ખોટી હોઈ શકે ખરી ?
દક્ષા વ્યાસ
(પગલાં જળનાં)
એમણે
ખાખી વર્દીવાળાઓએ
પકડી લીધો હતો
બંધ કર્યો’તો કોઇ કમરામાં.કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી
લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં.
વિચાર્યું’તું
લઈ જઈશ સાડી સરસ મઝાની
માને માટે.સમજાતું નથી
કામ કરવામાં ખોટું શું છે ?
સૌ કામ તો કરે છે !બાપા લારી ખેંચે છે
મા વાસણ ચમકાવે છે
ભોલો ચાની લારી પર.
કામ કરશું નહીં તો ખાશું શું ?માએ કહ્યું’તું
’મહેનતની રોટી ખાજે બેટા !’
મહેનત તો કરતો’તો
એમાં ખોટું શું કર્યું ?માની વાત
કદી ખોટી હોઈ શકે ખરી ? -
વાદ્યવિશેષ (૩૨) ફૂંકવાદ્યો (૮) બેગપાઈપ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
મૂળભૂત રીતે સ્કોટલેન્ડમાં ઉદભવેલું આ વાદ્ય સદીઓથી યુરોપના અન્ય દેશોમાં પણ ખાસ્સું લોકપ્રિય બની રહ્યું છે. સમય વિતતાં બેગપાઈપ ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ પ્રવેશીને ખાસ કરીને ખાસ કરીને કુચ અને સરઘસોમાં વાગતું જોવા-સાંભળવા મળે છે. આપણે ત્યાં આ વાદ્ય ‘મશક બેન્ડ’તરીકે પણ ઓળખાય છે.

ફૂંકવાદ્યોની જેમ જ આ વાદ્યમાં હવા દાખલ કરી,તેની રચનામાં સમાવિષ્ટ પાઈપ્સ (ભુંગળીઓ)માંથી બહાર નીકળતી તે હવાને યોગ્ય પદ્ધતિથી નિયંત્રીત કરીને ધાર્યા સૂર ઉત્પન્ન કરી શકાય છે.
તેની રચના તસવીરમાં જોઈ શકાય છે. ચામડામાંથી અથવા તો જાડા,મજબૂત કાપડમાંથી બનેલી મશક જેવી કોથળી (બેગ)માં એક છેડે જોડાયેલી પાઈપથી હવા દાખલ કરવામાં આવે છે. તે બેગના બીજા છેડે એક કરતાં વધુ પાઈપ્સ જોડાયેલી હોય છે. આ કારણથી વાદ્યને તેનું નામ – બેગપાઈપ- મળ્યું છે. વાદક બેગ સાથે ઉપરના ભાગે જોડાયેલી પાઈપમાં ફૂંક મારીને બેગમાં હવા દાખલ કરે છે. વાદ્ય એ રીતે પકડવામાં આવે છે,જેથી બેગ વાદકના એક હાથ અને કમરની વચ્ચે રહે. જરૂર મુજબ બેગને દબાણ આપતાં હવા આગળ વધી,ચેન્ટર અને ડ્રોન કહેવાતી પાઈપ્સમાં દાખલ થાય. અહીં ચેન્ટર કહેવાતી એક પાઈપમાં નિયત અંતરે છીદ્રો પાડેલાં હોય છે,જેની મદદથી બહાર નીકળતી હવા વડે અપેક્ષિત સૂર નિષ્પન્ન થાય છે. આ ઉપરાંત ડ્રોન તરીકે ઓળખાતી પાઈપ્સમાંથી બહાર નીકળતી હવા વડે કોઈ એક ચોક્કસ સૂર જ વાગતો રહે છે. આમ,આ વાદ્ય વડે ચોક્કસ સ્વરોની સૂરધારા (હાર્મની) વગાડી શકાય છે.
એક વીડિઓ જોવાથી બેગપાઈપની રચના,વગાડવાની પદ્ધતિ તેમ જ તેના સ્વર બાબતે પ્રાથમિક જાણકારી મળી શકશે.
હવે માણીએ કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો,જેના વાદ્યવૃંદમાં બેગપાઈપના સ્વર સાંભળવા મળે છે.
ફિલ્મ ચોરીચોરી (૧૯૫૬)ના ગીત ‘ઓલ લાઈન ક્લીયર’ની શરૂઆતથી જ વાદ્યવૃંદમાં બેગપાઈપના અંશો કાને પડતા રહે છે. ફિલ્માંકનમાં પરેડની અસર ઉભી કરવા માટે આ વાદ્ય વપરાયું છે. સ્વરનિયોજન શંકર-જયકિશનનું છે.
https://www.youtube.com/watch?v=vxaONMbmzA8&list=RDvxaONMbmzA8&start_radio=1
૧૯૫૭માં રજૂ થયેલી ફિલ્મ ‘ગેઈટવે ઑફ ઈન્ડીયા’નાં ગીતો મદનમોહનના સ્વરનિર્દેશનમાં તૈયાર થયાં હતાં. તેમાંના ગીત ‘ચલ મેરે દિલ ઉડનખટોલે’ની પ્રસ્તુત ક્લીપ માણતાં શરૂઆતથી જ બેગપાઈપના સ્વરો સંભળાતા રહે છે. વળી એક કલાકાર આ વાદ્ય સાથે પણ નજરે પડે છે.
https://www.youtube.com/watch?v=pd1xDe-HB8w&list=RDpd1xDe-HB8w&start_radio=1
૧૯૬૧ની ફિલ્મ રામુદાદા માટે સંગીત ચિત્રગુપ્તે તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘ચલો મન મેં લગન લે કે પ્યાર કી’સાંભળતાં જ તેના વાદ્યવૃંદમાં સમાવિષ્ટ બેગપાઈપના અંશો પારખી શકાશે.ફિલ્મ જબ પ્યાર કીસી સે હોતા હૈ (૧૯૬૪)માં શંકર-જયકિશનનું સંગીત હતું. તેના ગીત ‘તુમ જૈસે બીગડે બાબુ સે’માં બેગપાઈપના ટૂકડાઓ વિશિષ્ટ અસર ઉભી કરે છે. અહીં ભાવકોનું ધ્યાન શંકર-જયકિશનની શૈલી બાબતે ખેંચવાની ઈચ્છા થાય છે.ફિલ્મમાં ચિત્રાંકિત એકલ કે સમુહ નૃત્ય સાથેના ગીત માટે આ સંગીતકારો પ્રમાણમાં લાંબો પૂર્વાલાપ(Prelude) તૈયાર કરતા હતા. આ ગીતમાં તે જણાઈ આવે છે.
હવે માણીએ ૧૯૬૪ની અતિશય સફળ ફિલ્મ સંગમનાં બે ગીતો – ‘બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં’ અને ‘મૈં ક્યા કરું રામ મુઝે બુડ્ઢા મીલ ગયા’. કહેવાની જરૂર નથી કે આ ફિલ્મની સફળતામાં શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતોનું માતબર પ્રદાન રહ્યું છે. બેગપાઈપના અંશો ધરાવતાં આ બેય ગીત એક પછી એક સાંભળીએ.
‘બોલ રાધા બોલ’ગીતની શરૂઆતમાં રાજ કપૂર બેગપાઈપ વગાડતા જોઈ શકાય છે. વળી મધ્યાલાપમાં પણ આ વાદ્યનું પ્રાધાન્ય છે.છે. આમ જોતાં બેગપાઈપ જ મુખ્ય વાદ્ય હોય એવું આ એકમાત્ર ગીત છે.
https://www.youtube.com/watch?v=jhvEAqNJ1xA&list=RDjhvEAqNJ1xA&start_radio=1
‘મૈં ક્યા કરું રામ’ગીતમાં પણ બેગપાઈપના અંશો કાને પડતા રહે છે. રાજ કપૂરની સાથે એ વાદ્ય પણ નજરે પડે છે.
શંકર-જયકિશનનું એક વધુ સ્વરનિયોજન માણીએ. ૧૯૬૫ની ફિલ્મ ગુમનામના ગીત ‘ઈસ દુનિયા મેં જીના હો તો સુન લો મેરી બાત’ના વાદ્યવૃંદમાં આ સંગીતકારોએ બેગપાઈપનો કર્ણપ્રિય ઉપયોગ કર્યો છે.
https://youtu.be/BmOgZ5A63eo?si=BRyYJdR_To4_gBKf
૧૯૬૫ના જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ નીલા આકાશ માટે મદનમોહને સંગીત તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘ઈન આંખોં સે નઝર કે તીર’માણીએ. શરૂઆતમાં જ નાયિકા અને અન્ય સહાયકો બેગપાઈપ વગાડતાં જોઈ શકાય છે,સમગ્ર ગીત દરમિયાન આ વાદ્યના અંશો સંભળાતા રહે છે.
ફિલ્મ બાદલ (૧૯૬૬) માટે ઉષા ખન્નાએ સ્વરબદ્ધ કરેલા ગીત ‘અપને લીયે જીયે તો ક્યા જીયે’માં બેગપાઈપના અંશો સાંભળવા મળે છે.
હવે સાંભળીએ ૧૯૬૭ની ફિલ્મ દિવાનાનું ટાઈટલ ગીત ‘દિવાના મુઝ કો લોગ કહે’. મધ્યાલાપના વાદ્યવૃંદમાં બેગપાઈપના ટૂકડાઓનું પ્રાધાન્ય આસાનીથી પારખી શકાય છે.
હવે એક શૌર્યગીત ‘ચલો સિપાહી ચલો’ની વાત કરીએ. આ ગીત ફિલ્મ ચલો સિપાહી ચલો’માંથી લેવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ ફિલ્મની સાલવારી મળતી જ નથી! આ બાબતે સૌથી આધારભૂત ગણાતા એવા હરમંદીર ‘હમરાઝ’દ્વારા સંપાદિત કોશ – Hindi Talkie Film Index-માં પણ આ ફિલ્મની રજૂઆત ‘સાઠના દાયકામાં’થઈ એવો જ ઉલ્લેખ છે. ફિલ્મ ગુમનામીમાં ભલે રહી ગઈ હોય,તેનું આ શિર્ષકગીત એક શૌર્યગીત તરીકે ખુબ જ જાણીતું છે. ગીતના પૂર્વાલાપ (પ્રિલ્યુડ)માં બ્યુગલ સંભળાય છે અને મધ્યાલાપ (ઈન્ટરલ્યુડ)માં બેગપાઈપના અંશો ગુંજવા લાગે છે.
૧૯૭૦ની ફિલ્મ ધરતી માટે ગીતો શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. આ ફિલ્મનું એક ખુબ જ જાણીતું ગીત ‘ખુદા ભી આસમાં સે’બેગપાઈપના અંશોથી સજાવાયેલું છે.
https://www.youtube.com/watch?v=2Q-McgeA-H8&list=RD2Q-McgeA-H8&start_radio=1
રાહુલદેવ બર્મનના સંગીતનો જે ફિલ્મની સફળતામાં મોટો ફાળો હતો તે કારવાં (૧૯૭૧)ના ગીત ‘દૈયા યે મૈં કહાં આ ફંસી’ના વૈવિધ્યસભર વાદ્યવૃંદમાં આરંભે બેગપાઈપનો કર્ણપ્રિય ઉપયોગ થયો છે.
https://www.youtube.com/watch?v=gT7dABHA92E&list=RDgT7dABHA92E&start_radio=1
એ હકિકત સર્વવિદિત છે કે ૧૯૭૦ પછી ઈલેક્ટ્રોનિક વાદ્યો બજારમાં આવ્યાં અને તેવા એક જ વાદ્યયંત્રની મદદથી અનેક વાદ્યોના સ્વર ઉપજાવી શકાતા હોવાથી મૂળ વાદ્યોનું ચલણ મોટી માત્રામાં ઘટી ગયું.તેમ છતાં પણ કોઈ કોઈ ગીત માટે સંગીતકારો મૂળ વાદ્યોનો ઉપયોગ કરતા આવ્યા છે. ઉદાહરણ તરીકે ૧૯૭૭ની ફિલ્મ હમ કીસી સે કમ નહીંના ગીત ‘હમ કો તો યારા તેરી યારી’માં રાહુલદેવ બર્મને એક ઠેકાણે પરેડની અસર નીપજાવવા માટે બેગપાઈપનો ઉપયોગ કર્યો છે.
૧૯૮૫ની ફિલ્મ ઝબરદસ્તના ગીત ‘જબ યારા ચાહા તૂ ને’ના વાદ્યવૃંદમાં રાહુલદેવ બર્મને બેગપાઈપનો છૂટથી ઉપયોગ કર્યો છે. અહીં પણ આ વાદ્ય પરેડની અસર ઉભી કરવા માટે ઉપયોગે લેવાયું છે. ગીત માણીએ.
https://www.youtube.com/watch?v=uj5OLjty0l4&list=RDuj5OLjty0l4&start_radio=1
આ કડીમાં અહીં અટકીએ તે પહેલાં એ હકિકતની નોંધ લઈએ કે શંકર-જયકિશનની બેલડીએ તેમના વાદ્યવૃંદમાં બેગપાઈપનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે પરેડની અસર દર્શાવવા માટે વપરાતા આ વાદ્યનો હળવાં રોમેન્ટીક ગીતોમાં જવલ્લે જ જોવા મળ્યો છે બીજી એક હકીકતની નોંધ પણ લેવા જેવી છે. તે એ કે બેગપાઈપનો ઉપયોગ થાયો હોય એવાં ગીતોના પડદા પર જોવા મળતા ફિલ્માંકનમાં બેગપાઈપ દર્શાવાઈ હોય તે જરૂરી નથી. ઘણાં ગીતોમાં પડદા પરના પાત્રને શરણાઈ કે એ પ્રાકારનું ફૂંકવાદ્ય વગાડતું બતાવાયું હોય છે. આવી વિસંગતી થી મૂંઝાવાની જારૂર નથીનથી કેમ કે,ફિલ્માંકનની જરૂરીયાત અલગ હોય છે. મૂળ વાત એ છે કે બેગપાઈપના સ્વરનો ખ્યાલ આવી જાય તે પછી જે તે ગીતના વાદ્યવૃંદમાં તેના સૂરને તરત જ ઓળખી શકાય. આવતી કડીમાં નવા ફૂંકવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
