વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલસુફીભર્યાં ગીતો – ૩૬ – ज़िन्दगी प्यार का गीत है

    નિરંજન મહેતા

    ૧૯૮૩ની ફિલ્મ ‘સૌતન’નુ આ ગીત જિંદગીની ખૂબીઓને વર્ણવે છે

     

    ज़िन्दगी प्यार का गीत है
    इसे हर दिल को गाना पड़ेगा
    ज़िन्दगी गम का सागर भी है
    हँसके उस पार जाना पड़ेगा

    जिसका जितना हो आँचल यहाँ पर
    उसको सौगात उतनी मिलेगी
    फूल जीवन में गर ना खिलें तो
    काँटों से भी निभाना पड़ेगा
    ज़िन्दगी प्यार का गीत है
    इसे हर दिल को गाना पड़ेगा

    है अगर दूर मंज़िल तो क्या
    रास्ता भी है मुश्किल तो क्या
    ज़िन्दगी प्यार का गीत है
    इसे हर दिल को गाना पड़ेगा

    આ ગીત દ્વારા કહેવાયું છે કે જો તમે જિંદગીને સકારાત્મક દ્રષ્ટિથી જોશો તો તે તમને પ્રેમભર્યું ગીત લાગશે અને તો તમારે તે દરરોજ માણવું પડશે. દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતા જ હોય છે અને જ્યારે દુઃખ પ્રમાણમાં બહુ લાગે ત્યારે તેને હસતે મુખે સહન કરશો તો તમે તે દુઃખસાગરને પાર કરી શકશો.

    કહેવાય છે કે જેની જેટલી હેસિયત હોય તે તેટલું પામે છે. તેવા જ અર્થમાં કહ્યું છે કે જેનો જેટલો પાલવ તેને તેમાં સમાય તેટલી જ ભેટ મળશે.

    ભલે સુખનો અનુભવ ન થાય પણ દુઃખ આવે તેને નિભાવવું રહ્યું. આવા સમયે મંજિલ દૂર જણાશે અને રાહ પણ મુશ્કેલીભરી જણાશે પણ ત્યારે હિંમત ન હારતા તેને અપનાવી લો કારણ જીંદગી પ્યારનું ગીત છે અને તે સમજીને તમારે જીવવું જરૂરી છે.

    પદ્મિની કોલ્હાપુરે અને શ્રીરામ લાગુ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાવનકુમાર અને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. સ્વર છે લતાજીનો.

    આ ગીત વધુ બે વાર મુકાયું છે પણ થોડા શબ્દોના ફેરફાર સાથે.

    બીજા ગીતમાં પણ પદ્મિની કોલ્હાપુરે છે પણ રચાયું છે રાજેશ ખન્ના પર. ગીતકાર સાવનકુમાર અને સંગીતકાર ઉષા ખન્ના. સ્વર છે કિશોરકુમાર

    વળી ત્રીજું ગીત દર્દભર્યું જણાય છે. પદ્મિની કોલ્હાપુરે અને રાજેશ ખન્ના ગીતના કલાકારો છે, ગીતકાર છે સાવનકુમાર જેને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. યુગલગીતના ગાયકો છે કિશોરકુમાર અને લતાજી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૧૦૯. સાજન દેહલવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    સાજન દેહલવીએ ફિલ્મોમાં પ્રવેશ ૧૯૭૩ માં કર્યો. એમની ફિલ્મ ‘ ઠોકર ‘ ( ૧૯૭૪ ) માં એમણે સંગીતકાર શ્યામજી ઘનશ્યામજી માટે લખેલાં બે ગીત ખૂબ લોકપ્રિય થયા. ‘ મૈં ઢૂંઢતા હું જિનકો રાતોં કો ખયાલોં મેં ‘ ( મુકેશ ) અને ‘ અપની આંખોં મેં બસા કર કોઈ ઈકરાર કરું ‘ ( મોહમ્મદ રફી ). એ ફિલ્મનું લેખન પણ એમણે જ કુલવંત સિંહ જાની સાથે મળીને કરેલું. આ ઉપરાંત જોહ્ની મેરા યાર, તીન ચેહરે, પ્યાર કી મંઝિલ, કૈસે કૈસે લોગ, હીરોઈન એક રાત કી, બદલા ઔર બલિદાન, ધુંએં કી લકીર, ડાકુ, ભેદભાવ, રાજુ દાદા જેવી નિષ્ફળ ફિલ્મોમાં પાંત્રીસ જેટલા ગીતો લખ્યાં. આમાંની ઘણી ફિલ્મોમાં સંગીત શ્યામજી ઘનશ્યામજીનું હતું.

    એ રચનાઓમાંની ગઝલ આ એક જ –

    મહેફિલ મેં ઉસને દેખા મુજે જબ નઝર બદલ કે
    આંખોં મેં મેરી આએ આંસુ મચલ મચલ કે

    જા કે કહો સિતારોં ઉસ બેવફા સે કહના
    કાટી હૈ રાત હમને કરવટ બદલ બદલ કે

    તુમ પ્યાર કા સહારા મુજકો અગર ન દોગે
    રહ જાઉંગી મૈં એક દિન શમા કી તરહ જલ કે

    આ જાઓ મુજ પે નઝરેં લોગોં કી ઉઠ રહીં હૈં
    દુનિયા મેરી બદલ દો મેરે સાથ સાથ ચલ કે

    બસ ઈતની ઈલ્તેજા હૈ ગર હો સકે તો કરના
    મરને કે બાદ મેરે આના કબર  ચલ કે …

    – ફિલ્મ : ડાકુ ૧૯૭૫
    – ઉષા મંગેશકર
    – શ્યામજી ઘનશ્યામજી


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ઋતુના રંગ : ૩ :

    ગિજુભાઈ બધેકા

    બાલમંદિર : ભાવનગર.

    તા. ૨ – ૨ – ૩૬

    વહાલાં બાળકો !

    હજી શિયાળો ચાલે છે, ખરું ? અત્યારે મહા મહિનો છે. શિયાળાના ચાર માસ ગણાય છે : કારતક, માગશર, પોષ અને મહા. એમ છતાં કારતકમાં ઠંડી થોડી હોય છે અને ઘણી વાર નથી હોતી; અને ફાગણની પૂનમ સુધી તો ઠંડી સારી રીતે પડે છે. લોકો તો એમ માને છે કે ફાગણ માસની હોળી તાપ્યા વિના ટાઢ ઊડે જ નહિ.

    ગયા અઠવાડિયામાં બહુ ઠંડી ન હતી એટલે કામ કરવાની મજા આવી. છતાં હજી ગરમી તો વધી જ નથી. વચ્ચે બેત્રણ દિવસ બપોરે ઠીક ઠીક પવન રહ્યો એટલે બાલમંદિરનાં બાળકો સંગીતમાં આવ્યાં જ નહિ, અને અખાડામાં રમવા લાગ્યાં. આ ઋતુમાં બાળકોને તડકો બહુ ગમે છે. અખાડામાંથી તેઓ ખસતાં જ નથી. તેઓ ત્યાં લપસે છે, કૂદે છે, દોડે છે, ચોરચોર રમે છે, હીંચે છે, ને ચક્કાર પર પણ જાય છે. બાળકો ઓરડામાં આવે નહિ એટલે અમે બધાં અખાડામાં જઈને ઊભાં રહીએ છીએ. ઓરડામાં જ કાંઈ થોડું ભણતર છે ? અખાડામાં આ બધું ભણતર જ છે ના !

    શિયાળો; ઉનાળો અને ચોમાસું : એમાં તમને કઈ ઋતુ ગમતી હશે એ તો તમે જાણો. પણ એ સાચું છે કે ગરીબનો ઉનાળો અને પૈસાદારનો શિયાળો. શિયાળે ઓઢવા-પાથરવા જોઈએ, પહેરવા પણ જોઈએ, અને ભૂખ પણ વધારે લાગે. અને તે માટે પહેરવાઓઢવાનું તેમ જ સારું સારું ખાવાનું ગરીબ પાસે તો નથી. શિયાળે પૈસાદારને શું ? ટાઢ વાય તો આ…ને મજાની સગડી પાસે તાપે, ગરમ મોજાં પહેરે, શાલો ઓઢે અને રજાઈઓ ઓઢીને સૂઈ રહે. બિચારાં ગરીબો ટાઢે ઠૂંઠવાય. એમને પૂરું પાથરવા-ઓઢવાનું હોય તો કે ? અને તડકે કે સગડીએ ક્યાંથી તાપે ? પેટને માટે કડકડતી ટાઢમાં પણ કામે તો જવું જ પડે. બાકી ઉનાળો આવે ત્યારે ગરીબોને નિરાંત. ફાટલાં કપડાં હોય તો યે ચાલે. શહેરમાં સેંકડો લોકો ફૂટપાથ ઉપર એમ ને એમ પડ્યા જ રહે છે. પણ એમને આવી રીતે પડ્યા જ રહેવું ગમે છે એમ ન માનજો. એમની પાસે પૈસા નહિ, ઘર નહિ, ખાટલાગોદડાં નહિ એટલે એમની આવી દશા.

    વારુ, એ તો બધું બદલાશે જ. હમણાં તો આપણે આપણો શિયાળો તો વિતાડીએ ? કાં, લીલા ચણાના શાક ખાઓ છો કે નહિ ? પાપડીનાં ને તુવેરનાં ઊંધિયાં ય ખાતા હશો. રીંગણાનો ઓળો ખાતા હશો; હમણા મોટાં અને કાળાં રીંગણાં બહુ આવે છે. ને એમ તો શિયાળુ શાકમાં કેટલાં ય આવે છે : પાપડી, નોલકોલ, મેથી, વાલોળ, કોબી, રીંગણાં, ફૂલગોબી, મોગરી, ને એ બધાં. કહો, તમને કયું શાક ભાવે, ભલા ?

    શાક ખાવા જોઈએ એ તમે જાણો છો ? લીલાં શાકો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શકરિયાં, ગાજર, મૂળા, મોગરી, ટમેટાં, કોબી ને એવાં એવાં શાકો તો ચાવી ચાવીને ખાવાથી બહુ ફાયદો થાય એમ બધા કહે છે. લાલ ટમેટાં બહુ ગુણકારી, હં ! એની કચૂંબર થાય, એનો સૂપ થાય, અને એનો મુરબ્બો પણ થાય. તમારી બાને આવડતો હોય તો કહેજો કે કરી આપે.

    હમણાં જમરૂખ આવે છે, બોર આવે છે; જોજો, ખાવાનું ભૂલી જતાં નહિ. તમે તમારા ભણતરમાં એટલાં બધાં કદી ન પડતાં કે ખાવાપીવાનું ભૂલી જવાય. તો તો બધું ભણતર નકામું જાય.

    જામફળ ઉપર જરા મીઠું ભભરાવજો; તો ખટાશ ઓછી થઈ જશે ને મીઠાશ આવશે. જામફળનો પણ મુરબ્બો થાય; એકલી કેરીનો જ થાય એમ નથી. પણ આ બધું તમને મળે છે; બિચારાં ગરીબનાં છોકરાંને મુરબ્બા વળી કેવા ? અને જામફળો અડધાં પાકાં ને અડધાં કાચાં એવાં કાછિયાઓ એને વેચે; પૂરા પૈસા આપે તો યે સારું ન આપે તો !

    આ શિયાળામાં ઘરમાં બેસી ન રહેતાં; જરાક બહાર ફરવા જજો. જરા ધુમ્મસ પડતું હોય ત્યારે બહાર જશો તો મજા આવશે. નજીકનાં ઘરો પણ નહિ દેખાય; આકાશ, સૂરજ, ને એવું કાંઈ યે નહિ દેખાય. ત્યારે બધું ઝાંખું ઝાંખું જોવાની યે મજા પડશે. મોટા મોટા ડુંગરા ઉપર તો એવું ધુમ્મસ વરસે કે બે જણા સાથે ચાલતા હોય તોપણ એકબીજાને ન વરતાય. આપણે ધુમ્મસમાં જ ઘેરાઈ જઈએ; કશું જ ન ભળાય.

    ગામડામાં જતા હો તો ઘઉંના ખેતરો જોવા જરૂર નીકળજો. ઘ‌ઉં શિયાળે થાય એ ખબર તો છે ને ? તમને ચોપડી ભણનારને એની ખબર નથી હોતી. ઘ‌ઉંના લીલાંછમ ખેતરો જોઈ તમારી આંખને ટાઢક વળશે. ઘ‌ઉંની વચ્ચે પીળાં પીળાં ફૂલવાળા છોડને તમે ક્યાંથી ઓળખો ? એ રાઈના છોડ છે. રાઈના છોડે પીળાં ફૂલ આવે છે. છોડ બહુ સુંદર લાગે છે. લીલી હરિયાળી વચ્ચે પીળો ગુચ્છ કેટલો બધો ખીલી ઊઠે છે ! બંગાળમાં તો રાઈનાં ખેતરો હોય છે. એટલે તો આખું ખેતર પીળા ગાલીચાથી બિછાવેલું હોય એવું લાગે. એટલું બધું સુંદર કે વાત ન કરો !

    આપણા કાઠિયાવાડના ભાલમાં ઘ‌ઉં બહુ થાય છે. અત્યારે ભાલ આખો લીલોછમ હશે. ઉનાળે ત્યાં જઈ જુઓ તો આખી ધરતી ધખધખતી હોય; એકે ઝાંખરું ન મળે. માત્ર ઝાંઝવાનાં જળ દેખાય ને આપણે છેતરાઈએ. પંજાબમાં પણ અત્યારે ઘ‌ઉં ઊગ્યા હશે.

    ઠીક ત્યારે, આ કાગળ જરા લાંબો થઈ ગયો. હવે વખત મળે લખીશ.

    લિ. તમારા

    ગિજુભાઈના આશીર્વાદ


    માહિતી સ્રોત : વિકિસ્રોત

,
  • છોટીયાની ચતુરાઈ

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    એક હતું જંગલ. બધા જંગલની જેમ આ જંગલમાં પણ ઘણા બધા પ્રાણીઓ રહેતાં હતાં. એમાં સહુથી વધારે સસલાં. સફેદ, ભૂખરા, સસલાંના ઝુંડ ને ઝુંડ જંગલમાં ફર્યા કરે.

    જંગલમાં એક શિયાળ પણ રહેતું હતું. એને આ કુણા કુણા સસલાં બહુ ભાવે. આમ તો એ સસલાને દોડવામાં પહોંચી ન વળે, પણ લાગ મળે ત્યારે સસલાને પકડીને ઓહિયા કરી જાય.

    એનાથી બચવા માટે સસલાં જમીનની નીચે ઘર બનાવીને રહે. પણ એ લોકો ભૂખ્યા થાય ત્યારે ઘાસ ખાવા બહાર નીકળે. પેલું શિયાળ ત્યાં ટાંપીને બેઠેલું જ હોય. એ તરત જ તરાપ મારીને સસલાને પકડી લે. સસલાના રામ રમી જાય.

    બધાં સસલાં આ શિયાળથી ત્રાસી ગયા હતા. પણ કરવું શું?

    સસલાઓએ ખાવા પીવા માટે તો એમના ઘરની બહાર નીકળવું જ પડે ને? શિયાળ એટલું લુચ્યું હતું કે એ ક્યારે ક્યાં આવીને બેઠું હશે એની કોઈને ખબર ન પડતી.

    દિવસે દિવસે સસલાંની સંખ્યા ઘટવા માંડી. એ જોઇને એક વૃદ્ધ સસલાને ઘણી ચિંતા થઇ. એને થયું કે આમ ને આમ ચાલશે તો અમે તો ખલાસ જ થઇ જઈશું.

    એક વખત પેલું શિયાળ જંગલમાં દેખાતું ન હતું. એ કદાચ પોતાના ભાઈબંધને મળવા નજીકના બીજા જંગલમાં ગયું હતું ત્યારે વૃદ્ધ સસલાએ બધા સસલાંને એક મેદાનમાં ભેગા થવાનો આદેશ આપ્યો. દાદા સસલાના આદેશને માન આપીને જંગલમાં હતાં એ બધા સસલાં ડરતે ડરતે એ મેદાનમાં ભેગા થયા. શિયાળના ત્રાસને કેવી રીતે અટકાવવો એની ઘણી ચર્ચા થઇ. પણ કોઈને કોઈ ઉપાય સૂઝતો ન હતો.

    છેલ્લે બધાં સસલાં જયારે ખૂબ નિરાશ થઈને બેસી ગયાં. ત્યાં એક નાનું સસલું ધીમેથી બોલ્યું, હું તો બહુ નાનું છું. પણ તમે બધા જો મને સાથ આપો તો હું એ શિયાળથી કાયમ માટે છૂટકારો અપાવી શકું.”

    “તું?” “તું?” “અલ્યા ટેણીયા તું?” બધા સસલાં બોલવા માંડયા. ઘણાને તો હસવું પણ આવી ગયું. જયારે કોઈ કંઈ નથી કરી શકતું ત્યારે આ છોટીયું શું કરવાનું હતું હે?

    દાદા સસલાએ બધાને શાંત રહેવાનું કહ્યું. એમણે કહ્યું, તલવાર જે કામ ના કરી શકે એ સોય કરી જતી હોય. આપણે છોટીયાને સાંભળીએ તો ખરા.’

    છોટીયાએ સભાની વચ્ચે આવીને પોતે વિચારેલો ઉપાય બધાને જણાવ્યો. એ સાંભળીને સસલાં તો ખુશખુશાલ! એમને સમજાયું કે આમાં તો અક્કલથી આપણી આવડતનો ઉપયોગ કરવાનો છે. બીજું કંઈ
    નહીં.

    છોટીયાએ બતાવેલા ઉપાય પ્રમાણે બધા સસલાંએ ભેગા થઈને એક જગ્યાએ જમીનમાં ઊંડો ખાડો ખોદ્યો. પછી એમાં આરપાર નીકળી જવાય એવી સુરંગ બનાવી. હવે પેલું શિયાળ જંગલમાં પાછું આવી
    ગયું છે એવું એમણે જાણ્યું ત્યારે એમણે એમની યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું.

    યોજના પ્રમાણે પેલું બહાદુર છોટીયું શિયાળ જ્યાં બેઠું હતું ત્યાંથી પસાર થયું. શિયાળને તો એને જોઇને મોંમાં પાણી આવી ગયું. આમે ય ઘણા દિવસથી એને સસલું ખાવા મળ્યું ન હતું. આ તો પાછું નાનું નાનું
    કોમળ સસલું!

    “વાહ! યમ્મી! આજે તો મજ્જા જ મજ્જા’ એમ બોલતું શિયાળ છોટીયાની પાછળ દોડ્યું.

    છોટીયું તો દોડતું દોડતું એને પેલી સુરંગ પાસે લઇ આવ્યું અને ગાવા માંડ્યું, “ શિયાળ ભાઈ, આવો આવો હવે મને ખાઓ ખાઓ’. ગાતું ગાતું સસલું સુરંગમાં પેસી ગયું.

    દોડીદોડીને વધારે ભૂખ્યું અને વધારે ગુસ્સે થયેલું શિયાળ હવે તો આ સસલાને ખાવા ખૂબ ઉતાવળું થયું હતું. એ પણ એની પાછળ સુરંગમાં ઘૂસ્યું. પણ સુરંગ તો હતી સાંકડી. સસલું તો એમાં અંદર જઈને
    આરામથી બીજી બાજુથી બહાર નીકળી ગયું. પણ શિયાળ અંદર ફસાઈ ગયું.

    હવે આજુબાજુ સંતાઈને રહેલા બધાં સસલાં ત્યાં દોડી આવ્યા અને સુરંગના મોં પાસે ભેગી કરીને રાખેલી માટી અંદર નાખવા માંડયા. થોડી જ મીનીટોમાં સુરંગમાંથી બહાર નીકળવાના બંને રસ્તા બંધ!

    શિયાળ તો અંદર એવું ફસાયું હતું કે જ્યાં હતું ત્યાંથી હાલી પણ શકતું ન હતું. એણે અંદરથી ઘણી બૂમો પાડી પણ એનું સાંભળે કોણ?

    એ દિવસ પછી જંગલમાં શિયાળ દેખાયું નથી. કદાચ એ પેલી સુરંગમાંથી બહાર નીકળી શક્યું જ નહીં હોય. હવે બધાં સસલાં ત્યાં શાંતિથી રહે છે, ફરે છે, ઘાસ ખાય છે, લ્હેર કરે છે અને હા, છોટીયાની
    ચતુરાઈ અને બહાદુરીના વખાણ પણ કર્યા કરે છે.


    ગિરિમા ઘારેખાન | મો-૮૯૮૦૨૦૫૯૦૯

  • ખાલી ભરી ભરી

    દેવિકા રાહુલ ધ્રુવ

    એક નવી વાત..સ્મશાનગૃહની…ચોંકી જવાય એવી વાત. સ્વાભાવિક છે. શબ્દ જ ચોંકાવનારો છે. પણ ના અને હા..! આ એક મુક્તિધામની વાત છે, અંતિમ વિશ્રામસ્થાનની. સાવ ખાલી ખુલ્લી જગા અને છતાં ભરીભરી. એક એક કણ પાસે મણમણની વાત.

    ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક ખુલ્લી વિશાળ જગામાં બાંધવામાં આવેલ સુખદાયી મુક્તિધામની. થોડા વર્ષો પહેલાં જ એનું હૃદયંગમ વર્ણન સાંભળ્યું હતું ને કલમ સળવળી ઉઠી. ત્યાર પછી તો દ્રષ્ટિઆર્ટ ગેલેરી તરફથી ખાસ તૈયાર કરવામાં આવેલ ચંદ ક્ષણોની વિડીયો પણ જોવા મળી. દિલને ખૂબ શાતા વળી.

    સ્વજનોને ખાંધે જતી શબવાહિનીની આસપાસ (કદાચ) ફરતો જીવ સૌથી પ્રથમ પ્રવેશે છે એક સુંદર કોતરણીવાળા કમાનાકાર સુશોભિત દરવાજામાં, ધીરા ધીરા સંગીતના શાંત,કરુણ નાદસાથે..તેને “તત્ત્વમ્ અસિ” કૃષ્ણ-રાધા આવકારે છે. તેના પ્રવેશદ્વાર આગળ બે દ્વારપાળ ઉભા છે જાણે મૃત્યુની રખેવાળી ન કરતા હોય ! થોડાં પગલાં આગળ ચાલો ત્યાં સજીવ લાગે તેવી જુદી જુદી મૂર્તિઓ એક પછી એક માર્ગમાં આવતી જાય ને મનમાં એક અનોખા સ્વર્ગીય સ્થળની આકૃતિ ઉપસતી જાય. શબરી, ગુરુ નાનક, ભગવાન બુદ્ધ, શંકરાચાર્ય, મીરાં, સાંઇબાબા, ફિકરને ફાકી કરી ફરનાર ભગત નરસિંહ મહેતા રાહમાં મળતા જાય, દરેકનાં પ્રિય ગીત/ભજન/કવિતા વાગતાં જાય. આહા..હા..હા.. કેટલી ભવ્ય યાત્રા હશે !! જોતાંજોતાં ત્યાં જવા માટે, એ લ્હાવો લેવા માટે ઘડીભર મરવાનું મન થઈ આવ્યુ!

    હા, તો થોડા કદમ આગળ અને એક સંસારચક્ર દેખાયું. પંચ-મહાભૂતનું વર્તુળ આવ્યું. જળ, આકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીનું. જીવન પછીના જીવનમાં પણ એ સઘળું હશે ? વિચારધારા આગળ ચાલે ત્યાં તો ત્રિશૂળધારી અલકનિરંજન શંકર, પાર્વતી, હાથીની સૂંઢ પર આરુઢ ગણપતિ, તે પછી ધનુર્ધારી શ્રીરામ,ગદાધારી હનુમાન, વિશ્વના સર્જક  બ્રહ્મા, સાથમાં લક્ષ્મીદેવી, પાલનહાર વિષ્ણુ, શતદલ કમળ પર બિરાજમાન સરસ્વતી, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બંસીધર, રાસરમૈયા નટખટ કૃષ્ણ, વંદનીય મહાત્મા ગાંધી વગેરે મૂર્તિમંત થતાં ગયાં. મન શોકારહિત થતું જતું આગળ વધે ત્યાં તો પવિત્ર મંદિરો અને દેરાસરોની હારમાળા ધીરે ધીરે પ્રસન્નતાની છાલક અર્પતી જાય અને એમાં વધારો કરે રાહની કલાકારીગીરીથી ભરપૂર સુરક્ષિત, સુશોભિત દીવાલો.

    આટલું  જોતાંજોતાં અને ખરેખર તો સાચા અર્થમાં માણતાં જતાં જોયું કે,વચ્ચે એક ઈન્ટર્નલ દરવાજો આવે છે જ્યાંથી બે ફાંટા પડે છે.એક રાહ દશાવતાર તરફ લઈ જાય છે અને બીજો અંતિમધામ તરફ..આ નાનકડી કેડી કેટલી સાંકેતિક છે ! એક  શાયરે કહ્યું છે ને કે, “કેટલી આકરી પરીક્ષા છે, જીવન મૃત્યુની પ્રતીક્ષા છે!

    વધુ આગળની યાત્રાના રસ્તે શેષશય્યા પર શોભાયમાન લક્ષ્મીનારાયણ આવે છે, ત્યાં ગીતારથ ઉભેલ છે અને આગળ છે દશાવતારની મૂર્તિઓ. એકસરખી કતારમાં ગોઠવેલી આ મૂર્તિઓ એક ‘ડીવાઈન’  દ્રશ્ય ઉભું કરે છે. સંગીતના  સુમધુર ધીમા સૂરો તો  સતત ચાલુ જ.

    છેલ્લે બીજા બે ફાંટા પડે છે .૧) લાકડા પર અગ્નિદાહ ને ૨) ઈલેક્ટ્રીક રીતે વીજળી સમ વિસર્જન…

    માનવીનું જીવન અને વિકાસ, જીવને ક્યાંથી ક્યાં સુધી, કેવીકેવી રીતે લઇ જાય છે ! માટીમાંથી જન્મેલો અને જીવનભર લાકડે  વળગેલો  માણસ અંતે લાકડે ચઢી  ફરી પાછો માટીમાં જ મળી જાય છે અને લાકડાની ફ્રેઈમમાં  ભીંત પર ટીંગાઈ જાય છે!

    “રાખના રમકડા…કાચી માટી ને કાયામાંથી માયા કેરા રંગ લગાયા…તંત અનંતનો તૂટ્યો ત્યાં તો રમત અધૂરી રહી.. તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ…રાખના રમકડાં.”મૃત્યુ વિશે ઘણું લખાયું છે, ખૂબ સુંદર લખાયું છે પણ આવા જીવને લઈ જતાં મુક્તિધામો વિશે ઝાઝુ લખાયાનું જાણમાં નથી.

    આ મુક્તિધામ એટલે કશાકમાંથી છૂટી જવાની જગા નથી. કોઈ બંધનથી પર થવાનું સ્થાન નથી. પણ સ્વમાંથી સર્વસ્વ કે સમષ્ટિને પણ પેલે પાર કશુંક હશે તેના તરફ આનંદપૂર્વક જીવને પ્રયાણ કરાવતી એક  રમણીય જગા જેના હિંડોળે પ્રસન્નતાથી ઝુલવાનું મન થાય. પરમ શાંતિની કાલ્પનિક અનુભૂતિ કેવી આલ્હાદક! આમ તો ખાલી ખાલી છતાં ભરી ભરી લાગે!

    પહેલાં કદી જોવા કે જાણવા નહિ મળેલ એવી આ જગાની વાતો સાંભળીને, વિડીયો જોઈને મનને ખૂબ જ સારું લાગ્યું. આ વિચાર જેને જાગ્યો હશે તે અને આ કામ કરનાર દરેક વ્યક્તિ અઢળક પ્રશંસાને પાત્ર છે એટલું જ નહિ, તેઓ તો નિયતિને કારણે થતા દુઃખભર્યા વિલાપની વચ્ચે પણ સુખને શોધી કાઢી, જગતમાં વ્હેંચનાર મહાન વિભુતિઓ સમા છે. તે સૌને મારા વંદન.

    એમ લાગે છે કે, જતા જીવ પાછળ વિલાપ, આક્રંદ અને રુદન કરતાં સ્વજનો અને મિત્રોના હૃદયને હિંમત અને શક્તિ મળે અને જીવનભર ઝઝુમેલા અને વિદાય પામી ચૂકેલા જીવને છેવટે તો આવા શાંતિ-રાહમાં જતાંજતાં સાચા અર્થમાં મુક્તિ મળે તે હેતુથી પણ આ જાતના મુક્તિધામ દરેક દેશના, દરેક શહેરમાં હોવા જોઇએ. જો કે, વિશ્વનાં ઘણાં શહેરોમાં આવા મુક્તિધામો બંધાયા હોવાનું જાણવા પણ મળ્યું છે. ખાલી છતાં ભર્યુંભર્યું, શાંત મૌન સંકેતોના કોલાહલથી ગાજતું અને પડઘાતું આ સ્થાન, મુક્તિધામ.

    ક્યાંક વાંચેલાં સરસ વાક્યો યાદ આવ્યાં.

    “A Place Where Smiles Meet Tears. The long  new journey begins here!” \

    અને

    “emptiness is not a state of nothingness, but a starting point for growth and fulfillment. ”

    ખરેખર આ અજબ ખેલ માટે, મુક્તિના મુકામ માટે તો, એટલે જ કહેવાનું મન થાયઃ

    અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
    તમે આવો બેઘડી, તો ઘડી વહાલી લાગે.
    ભરીભરી લાગે..

    અસ્તુ…


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • નદી, પર્વતને પોતાનો કાનૂની હક આપી શકાય?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    જરા વિચિત્ર લાગે એવી વાત છે. નદીને આપણી સંસ્કૃતિમાં લોકમાતા કહેવાઈ છે, કેમ કે, એક માતાની જેમ તે આપણા જીવન સાથે અભિન્નપણે જોડાયેલી હતી, અને જીવનની મોટા ભાગની જરૂરિયાતો પૂર્ણ કરતી હતી. હવે આ વિશેષણ કે સંબોધન કેવળ નિબંધોમાં કે પાઠ્યપુસ્તકોમાં જ રહી ગયું છે. એનો અર્થ એવો કે નદીઓની ઊપયોગિતા મટી ગઈ? નદીઓની ઉપયોગિતા એની એ જ રહી છે, બલકે તેના પાણીને નાથીને સિંચાઈ, વીજળી જેવી સવલતો હવે સાવ સુલભ બની છે. મોટા ભાગના લોકો શબ્દાર્થમાં પણ નદીથી દૂર ને દૂર થતા ગયા છે. નદીને ‘લોકમાતા’ જેવો દરજ્જો આપણે આપ્યો, પણ કદી એવો વિચાર આવ્યો કે નદીને પોતાને પણ કોઈ હક હોય? આપણા જેવા દેશમાં માનવના મૂળભૂત હકનો જ પ્રશ્ન હોય ત્યાં નદીના હક અંગે કોઈને શી રીતે વિચાર આવી શકે? મોટા ભાગની નદીઓને આપણે પૂજ્ય ગણીને તેનું માનવ યા દેવીસ્વરૂપ કલ્પ્યું છે, પણ એ કેવળ એક રમ્ય કલ્પના જ રહી છે.

    ઈતિહાસ જોતાં એટલો ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને પૂજતા હતા. હજી આજે પણ ઘણી આદિ જાતિઓમાં આ પરંપરા જોવા મળે છે.

    માનવી, માનવ સર્જનો અને કુદરત વચ્ચેનો પરંપરાગત પદાનુક્રમ (photo-MDPI)
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘જળ એ જીવન છે’ જેવું સૂત્ર બહુ ચવાયેલું, પણ સાચું છે. છતાં એ હકીકત છે કે કુદરતી સંસાધનોને આપણે કેવળ આપણા ઊપયોગ પૂરતા મૂલવતા હોઈએ છીએ. મનુષ્યને એ કશા કામમાં લાગે તો એ ચીજ  કામની, નહીંતર નકામી. ખરેખર તો કુદરતમાં કોઈ ચીજ નકામી નથી, કેમ કે, કુદરતી સર્જનમાં માનવ કેન્‍દ્રસ્થાને નથી જ નથી.

    પૃથ્વી પર જળસંકટ તોળાવાનો ખતરો દિન બ દિન વધી રહ્યો છે, અને એ બાબતે જે દૃષ્ટિકોણ અપનાવાય છે એમાં માનવજરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે છે. આને કારણે જીવન માટે અમૂલ્ય જણાતો પાણી જેવો નૈસર્ગિક સ્રોત વ્યાપારી જણસ બની ગયો છે, જેને વેચી કે ખરીદી શકાય છે. આથી જળાશયોને થતું કોઈ પણ પ્રકારનું નુકસાન કેવળ માનવહિતના ત્રાજવે જ તોળવામાં આવે છે. આવો, માનવકેન્‍દ્રી અભિગમ સરવાળે એ બાબતનો દ્યોતક છે કે માનવેતર ચીજો કેવળ માનવની જરૂરિયાતોને સંતોષવા કે તેમના ઊપભોગ માટે છે. આથી પર્યાવરણને અસર કરનાર કોઈ પણ પ્રકલ્પની પર્યાવરણ પર થનારી સંભવિત અસરોને પણ માનવદૃષ્ટિએ અથવા તો માનવના લાભાલાભ પૂરતી જ ધ્યાનમાં લેવામાં આવે છે. પર્યાવરણને થતા નુકસાનના ભોગે આર્થિક વિકાસ થતો હોય તો તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.

    ખરું જોતાં માનવો પ્રકૃતિથી અલગ નથી, બલ્કે તેનો જ હિસ્સો છે, અને પૃથ્વી પરના પ્રત્યેક જીવનું હિત એકમેક સાથે સંકળાયેલું છે. આ મુખ્ય મુદ્દાને લક્ષ્યમાં રાખીને એક એવી વાત પર ચર્ચા શરૂ થઈ છે કે પ્રત્યેક પ્રજાતિ તેમજ પર્યાવરણપ્રણાલિને હક લાગુ પડવા જોઈએ. આમાં નદી, પર્વત તેમજ ખુદ પૃથ્વીનો પણ સમાવેશ કરવામાં આવે છે.

    આના પ્રારંભિક અમલરૂપે ૨૦૨૧માં કેનેડાની મેગ્પાઈ નદીને એક જીવિત વ્યક્તિ ગણીને તેને હક પ્રદાન કરવામાં આવ્યા. કેનેડાની જળવિદ્યુત પરિયોજના હાઈડ્રો ક્વેબેક થકી પર્યાવરણને થયેલા નુકસાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. તે માટેની ઘોષણામાં લાબ્રાડોર-ક્વેબેક દ્વિપકલ્પના મોટા ભાગના સ્થાનિક લોકોના રક્ષણ માટેના પ્રયાસો સામેલ હતા. કેનેડામાં આ પ્રકારની ઘોષણા અને નિર્ણય પહેલવહેલી વાર કરાયાં છે. તેના થકી આ નદીની કાનૂની ઓળખ બનાવવાનો મુખ્ય હેતુ છે. આ નિર્ણયને આનુષંગિક બીજા અનેક ઠરાવો પસાર કરાયા, જેને પગલે નદીને નવ કાનૂની હકો તેમજ તેના રક્ષક તરીકે સ્થાનિક લોકોને સ્થાપવામાં આવ્યા. નદીને પ્રદાન કરાયેલા હકોમાં તેને જીવવાનો, અસ્તિત્વ ધરાવવાનો, વહેવાનો, પ્રદૂષણમુક્ત રહેવાનો અને દાવો કરવાનો હક મુખ્ય કહી શકાય. આ નદી સાથે જેમનું જીવન જોડાયેલું છે એવા સ્થાનિકો તમામ નિર્ણયપ્રક્રિયામાં સામેલ હશે અને નદી વતી દાવો કરી શકશે યા નદીને કોઈ પણ રીતે નુકસાન થાય તો વળતર માંગી શકશે. અલબત્ત, હજી એ બાબત અસ્પષ્ટ રહી છે કે નદી પર નિર્માણ થનારી વિકાસયોજનાઓને આ શી રીતે અસર કરશે, જેમાં બંધનો પણ સમાવેશ થાય છે. કેમ કે, કેનેડાના કાનૂનમાં હજી પ્રકૃતિના માનવસ્વરૂપને લગતા કાનૂનનું અસ્તિત્વ નથી, અને તેને અદાલતમાં પડકારી શકાય છે.

    એક વાત છે કે આ પ્રકારની પહેલ ભલે મોડી તો મોડી, પણ આવકાર્ય કહી શકાય એવી છે. આનો વ્યાપ હજી વિસ્તારવામાં આવે તો અત્યાર સુધી જે નુકસાન થયું છે એ કદાચ મટી ન શકે, પણ હવે પછી થનારું નુકસાન અટકે એવી સંભાવના ખરી. કેનેડામાં આ અખતરો અપનાવાય તો વિશ્વના અન્ય દેશો પણ તેને અનુસરી શકે એમ બને.

    આ ઊપક્રમ અને તેની પાછળ રહેલો હેતુ બેશક ઉમદા છે, પણ એ જોવાનું રહે છે કે તેનો અમલ કેવોક રહે છે. કેમ કે, હરેક કાનૂનનો હેતુ સારો હોવા છતાં છેવટે એ લખાયેલા અક્ષરો છે. તેનું અર્થઘટન કે અનર્થઘટન ઈરાદા પર અવલંબે છે. બીજું કે આખરે આ કાનૂન માનવે પોતે ઘડેલો છે. એટલે પોતાના લાભ ખાતર એ તેને તોડીમરોડી શકે એ શક્યતા નકારી શકાય એમ નથી. નદીને જીવિત વ્યક્તિ ગણવામાં આવી છે, પણ હકીકતમાં એ એવી ન હોવાથી કાયદાનો અમલ કરનારા દલા તરવાડીની નીતિ અપનાવી શકે એ ભય અસ્થાને નથી.

    જે હોય એ, આ બધી હજી પછીની વાત છે. એટલું આશ્વાસન લઈ શકાય કે માનવે કુદરતને કરેલા નુકસાનની માત્રામાં થોડોઘણો ઘટાડો થાય, થોડીઘણી જાગૃતિ આવે તોય આવા કાનૂનનો હેતુ બર આવ્યો ગણાશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સાબુ પર સાબુ – પાંચ અવલોકનો

    અવલોકન

    સુરેશ જાની

    –  ૧ –

    સાબુ પર સાબુ? આ તે કેવી ઊટપટાંગ વાત? હા! એમ જ છે. લો જોઈ જ લો ને  –

    તમે કહેશો- “અહો! આમ વાત છે. આમાં શું નવાઈ? અને તે પણ ગુજરાતીને?  અમદાવાદીને? આમાં એક જ સંદેશ

    ત્રેવડ … કરકસર…

    આજે સાબુની બચેલી પતરી બચાવો. એમ બને કે,  કાલે નહાવા સાબુ જ ન હોય.

    કારણ?

    માનવજાતના માથા પર
    તોળાઈ રહેલી તાતી તલવાર;
    ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
    ઉવેખી ન શકાય તેવો,અચૂક અણસાર.

    પથ્થરયુગથી સ્પેસમાં પહોંચેલો કાળા માથાનો ( કે, બીજા ગમે તે રંગના માથાનો), માથા ફરેલ માનવી કશોક ઊકેલ તો શોધી જ કાઢશે; અથવા સૌથી બળિયો બીજા બધાંને ઢાળી દઈ,  એકદંડિયા મહેલમાં મિત્રમંડળ, કુટુમ્બ કબીલા સહિત મઝેથી મહાલશે. પણ, આજે તો સાબુ પર સાબુ મૂકો અને એ પળને થોડીક આઘી ધકેલો – પથ્થરયુગમાં પાછા ધકેલાઈ જવામાંથી બચવાનો ઊકેલ મળી જાય તે પહેલાં.

    –  ૨ –

    સાબુની નાનકડી પતરી હવે તો સાવ નાની થઈ ગઈ છે. મોટા સાબુમાં ઓગળવાની પ્રક્રિયા લગભગ પતવામાં જ છે. એની મોટા ભાગની જાત પાણી સાથે ઓગળીને વહી ગઈ છે. હવે દ્વૈતનું અદ્વૈતમાં રૂપાંતર થવાનું છે.

    સમજુને બીજું કશું કહેવાની જરૂર છે ખરી?

    – 

     નવા સાબુની ઉપર ચોંટાડેલો નાનકડો, જૂનો સાબુ અને તેનીય ઉપર ચોંટાડી છે – ટચૂકડી, ત્રણેમાં સૌથી જૂની પતરી.   જે સૌથી નાનો છે; તે સૌથી જૂનો છે. કદાચ સાબુના એ ભાગને વાપરવામાં ન આવે; તો તે એમનો એમ રહે અને મોટા દેખાતા સાબુભાઈ પણ નાનકડા બની જાય. સાબુની નવી પેઢી આવે અને તેમને ઓલ્યા વડીલોની વચ્ચે ધકેલી દે! ત્રણને બદલે ચાર પડ બની જાય – એમ પણ બને!

    આપણા મન પર તો આવાં કેટલાંય પડ છે. સાબુ તો શું, ડુંગળીનાં કે કોબિજનાં પડ પણ એની આગળ કોઈ વિસાતમાં નથી. કદાચ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાથી સંઘરાયેલાં અનેક પડ/ ડી.એન.એ. જન્મતાંની સાથે આપણને આપી દે છે. જેમ જેમ મો ટાં થતાં જઈએ છીએ; તેમ તેમ બીજાં અનેક ઊમેરાતાં જાય છે. પેલાં જૂનાં તો બહુ સૂક્ષ્મ હોય છે – આપણી મોટા ભાગની પ્રતિક્રિયાઓ  આ જૂના, રૂઢ થઈ ગયેલા, વજ્રલેપ બની ગયેલા  સંસ્કારો થકી હોય છે.

    એમને અતિક્રમી અંદરના પોતને ઝળહળાવવા બહુ કઠણ તપ કરવું પડે છે. જેમ જેમ આ પડ ઉકેલાતાં જાય છે; તેમ તેમ જૂનાં ઊભરવા માંડે છે. જેમ મોટા સાબુને ઓગાળવો વધારે સરળ છે; તેમ નવા વહેમો જલદી ઓગળી શકે છે. પણ એ બુડ્ઢા ખખ કેમેય જવાનું નામ નથી લેતાં!

    નવા જમાનાની રીત વધારે સારી. જૂની પતરીઓને આમ સંઘરવા કરતાં ફેંકી દઈ, સાવ નવો નક્કોર સાબુ જ વાપરવો!

    – 

           સ્ટોરમાં ફરતાં સાબુઓની થપ્પી પર નજર કેન્દ્રિત થઈ, અને એક વિચાર સ્ફૂર્યો. ત્યાં તો ફોટો પડી શકે તેમ ન હતું; આથી ઘેર આવી, ઘરના સ્ટોરમાંથી કાઢીને આ ફોટો પાડ્યો –

    ઉપરા ઉપરી ત્રણ સાબુ મૂકેલા છે. અથવા એમ દેખાય છે! જે દેખાય છે; તે સાબુ નથી. રેપર છે. અંદર સાબુ હોય કે ન પણ હોય! આપણી નજર સામે માણસ દેખાય છે.એ માણસ હોય કે ન પણ હોય!  મોટા ભાગે આપણે રેપર – મહોરાં જ જોતાં હોઈએ છીએ. અને આપણે ખુદ પણ રેપર જ – અનેક મહોરાં જ.

    બીજી રીતે કહીએ તો,  આપણે બાહ્ય દેખાવ પરથી જ અનુમાન બાંધી લેવા ટેવાયેલા હોઈએ છીએ. મૂળ તત્વ ક્યાં સહેલાઈથી જોઈ શકાતું હોય છે?

    – 

     બાથરૂમમાં જતાં સાબુ પર નજર ગઈ. ગયા શુક્રવારે જ નવો કાઢ્યો હતો. જૂનો કોણ જાણે ક્યાં હતો! પણ ગઈકાલે એ જૂનો સાબુ હાજર થઈ ગયેલો દેખાયો- નવા પર સવારી કરીને જ તો!   બે જણ થોડા દિવસ અલગ અલગ રહ્યા હતા. નવાની ઉપર જૂનો મૂકીએ તો અળગો જ રહે. પણ આજે બે એકરૂપ થઈ ગયા હતા – અલગા કરવા હોય તો પણ ન થાય.    ચપટિક કે ચમચિક  પાણીનો પ્રતાપ. થોડું અમથું જ પાણી – પણ બન્નેની સપાટીઓને સ્નિગ્ધ કરી નાંખે. એ સ્નિગ્ધ સપાટી સૂકાતાં સૂકાતાં સાબુનો ચીકણો રસ બન્નેને એટલો તો વળગે; કે બેય સાબુ એકરૂપ થઈ જાય.

    પાણી એટલે જીવન. કોઇ સજીવ એના વિના જીવિત ન રહી શકે. પણ અહીં તો નિર્જીવ સાબુમાંય એણે કમાલ કરી હતી. છૂટા રહેલા બે સાબુને ભેગા કરી દીધા હતા.

    પાણીના કેટકેટલા ગુણ? જીવનને પ્રગટાવે, પોષે, વર્ધન કરે; અને નિર્જીવને પણ જોડે. એવું જ સજ્જનનું પણ હોય છે ને? મૈત્રીભાવ જગાવે.  સદભાવનાને વ્યાપક કરે. છૂટા પડી ગયેલા વચ્ચે મનમેળ કરાવે. મંગળભાબનાને ઉદ્દીપિત કરે – જાતે સૂકાઈને પણ.

    भवतु सब्ब मंगलं


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    ચોમાસું આપણું આગવું

    પરેશ ૨. વૈદ્ય

    ચોમાસું એ શબ્દશઃ આપણી જીવનદોરી છે. આપણી જિંદગી જોડે એ ચૂપચાપ વણાયેલું છે. તમે શહેરમાં રહેતા હો કે ગામડામાં, ખેતી કરતા હો કે ઉદ્યોગમાં રોકાયેલા હો કે પછી સમાજસેવક હો, ચોમાસાં જોડે તમને સંબંધ છે જ. કદાચ તમને જ તેની જાણ ન હોય તો પણ. સારાં અને ખરાબ ચોમાસાંનો તફાવત તહેવારોની ઉજવણીના ઉત્સાહમાં, રોજેરોજ મળતાં પાણીના ક્વોટામાં અને છેવટે બજાર ભાવોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

    આપણાં અસ્તિત્વના એક ભાગ જેવું આ ચોમાસું એક આશ્ચર્યકારક ઘટના છે તે વાત તરફ આપણું ધ્યાન નથી ગયું. એની મહત્ત્વની વિશેષતા એ છે કે તે માત્ર ભારતીય ઉપખંડની પ્રજા માટે કુદરતે સર્જેલી એક આગવી પ્રક્રિયા છે. વરસાદની એક જુદી ઋતુ બીજે નથી હોતી. યુરોપ કે અમેરિકામાં ‘ચોમાસું’ નામે કોઈ ઋતુ નથી. અંગ્રેજી શબ્દ ‘મોન્સૂન’ ખરું જોતાં અરબી શબ્દ “મૌસીમ“નો અપભ્રશં છે અને ચાર માસ જોડે તેને સંબંધ છે. આપણા દેશમાં પણ હવામાનશાસ્ત્રીઓ માટે ‘મોન્સૂન’ શબ્દનો એક ખાસ અર્થ છે જે નૈઋત્યમાંથી આવતા પવનોની ઓળખાણમાં વપરાય છે.

    દુનિયામાં બીજા પણ બે પ્રદેશ છે જ્યાં આપણા જેમ વરસાદની જુદી ઋતુ હોય. પ્રશાંત મહાસાગરને પશ્ચિમ કિનારે ઈન્ડોનેશિયા-મલેશિયા વગેરે ટાપુઓનો સમૂહ અને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં અમુક ભાગ એ એક પ્રદેશ. બીજો થોડો વિસ્તાર પશ્ચિમ આફ્રિકામાં છે જ્યાં નિયત સમયે વરસાદ થાય છે. સાથેનાં ચિત્રમાં વિશ્વના નકશામાં એ બતાવ્યા છે. આ બધા વિસ્તાર વિષુવવૃત્તની આસપાસ જ છે. આ મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વિશ્વમાં બીજે બધે વરસાદ તો છે પણ તેની જુદી ઋતુ નથી. કેટલાકને બારે માસ પાણી વરસે છે તો કેટલાકને નહીં જેટલું. વર્ષાને ચોક્કસ ટાઈમટેબલ કે દિશા પણ નથી.

    ચિત્ર ૧ : ચોમાસાની ઋતુ હોય તેવા વિશ્વના વિસ્તારો

    આ કારણે આ ‘ખાસ’ ચોમાસાંનો આપણી જિંદગી જોડેનો તાલમેલ પણ એવો છે જે વિશ્વમાં બીજે નથી. એક રીતે એણે જાણે આપણી સંસ્કૃતિ જ ઊભી કરી આપી છે, જે આપણી આગવી છે. જેઠ મહિનાથી જ, કુટુંબમાં આવનારાં બાળકની જેમ આવનારાં ચોમાસાંના આકાર-પ્રકારની વાતો માત્ર ખેડૂતો જ નહીં પણ બધા કરવા લાગે છે. મકાનને રંગ કરવો હોય તો ચોમાસું પૂરું થવાની રાહ જોવાય છે અને અગાસીમાં ડામર તેનાથી પહેલાં લગડાવી દેવાની ઉતાવળ હોય છે. છાપામાં છત્રીની જાહેરખબરો મે મહિનાથી શરૃ થાય છે અને સપ્ટેમ્બર પછી દેખાતી નથી.

    ગળતી છતને ઢાંકવા માટેનાં પ્લાસ્ટિકના તાકા અને વરસાદી બૂટ મુંબઈના ફૂટપાથ પર દેખાવા લાગે કે તરત દરેક જણ પોતાનાં માળિયાં પર આ ચીજોનો સ્ટોક છે કે નહીં તે વિચારી લે છે. શાણી સુધરાઈઓ ગટરો સાફ કરાવવાનું શરૃ કરે છે તો ગામડામાં સહકારી મંડળીઓ બિયારણની વહેંચણીનાં ટાઈમટેબલ ઘડવા લાગી જાય છે. આપણી એસ.ટી. બસોનું એક જુદું ચોમાસું સમયપત્રક છે ! એ ભલે આપણા રસ્તાઓની હાલતની ચાડી ખાતું હોય પણ બતાવે છે કે ચોમાસું આપણી વ્યવસ્થાનું એક અંગ છે. જૈન મુનિઓની જેમ ચાતુર્માસ ન પાળનારા પણ આ ચાર માસની લયમાં ચાલે છે. આ બધું કરતી વખતે એ ખ્યાલ આપણને નથી હોતો કે આ પળોજણ અને તેનો આનંદ કે ત્રાસ એ બધાં આપણાં આગવાં છે – લાખેણાં છે.

    એટલે જ અષાઢને પ્રથમ દિવસે વાદળાંને પોતાના પ્રેમિકા માટે સંદેશો લઈ જવાની આજીજી કરતા યક્ષની કલ્પના વર્ડઝવર્થ કે કીટ્સ ને નહીં આવી, પણ આપણા કાલિદાસને આવી. એણે તો પોતાના ગામ રામટેક (મધ્યપ્રદેશ)થી છેક માનસરોવર સુધીનો મેઘનો યાત્રામાર્ગ પોતાનાં કાવ્ય ‘મેઘદૂત’માં દોરી કાઢયો છે ! આપણા એક બીજા કવિને થોડી જુદી અનુભૂતિ થઈ — તેણે ગાયું કે “મન મોર બની થનગાટ કરે.” હેમૂ ગઢવી અને કોરસે આ એવું તો ગાયું છે કે ઉનાળામાં સાંભળો તોય અષાઢ આવ્યો હોય તેવો થનગનાટ અનુભવાય છે.

    હવામાન અને સંસ્કૃતિ

    યુરોપનાં નિરભ્ર આકાશને જોઈને ત્યાંના કવિઓએ બાળકો માટે લખ્યું:

    ટ્વિંકલ ટ્વિંકલ લિટર સ્ટાર, હાઉ આઈ વન્ડર વૉટ યુ આર.’

    તો ચોમાસાંથી લથબથ આપણા શિક્ષણશાસ્ત્રીઓને આ ગીત વધુ યોગ્ય લાગ્યું:

    આવરે વરસાદ, ગેબરિયો પરસાદ
    ઉની ઉની રોટલી, ને કારેલાનું શાક.’

    સમગ્રપણે જુઓ તો ચોમાસાંની ઘટનાએ આપણને એક અલાયદી સંસ્કૃતિ ઘડી આપી છે. આધુનિક સમયમાં રોજિંદુ પાણી ભલે નદીને બદલે નળમાંથી આવતું હોય પરંતુ કાવ્યથી માંડીને અર્થતંત્ર સુધી ચોમાસાંની છાપ છે તે નકારી શકાય તેમ નથી. એવું આ ચોમાસું કેમ ઉદ્ભવે છે અને એ આપણું આગવું કેમ છે તે જાણવાની ઉત્કંઠા થવી સ્વાભાવિક છે. આપણા દેશની ભૂગોળ – હિંદ મહાસાગર સામેનું તેનું સ્થાન – અને વિજ્ઞાનના સાદા સિદ્ધાંતોનાં સુભગ મિલનના કારણે આ થાય છે. આવતાં પ્રકરણોમાં એની રસપ્રદ વાતો કરીએ.


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


    ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN ‏ : ‎ B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.

  • સ્મૃતિસંપદા – આવકાર

    ૨૦૨૩માં ‘ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ગુર્જરીના સહયોગથી, સુશ્રી રેખાબહેન સિધલ સંપાદિત એક પુસ્તક ‘સ્મૃતિસંપદા’  પ્રકાશિત થયું. તેમાં અમેરિકા નિવાસી ૧૫ લેખકોએ પોતાની અનુભવ ગાથા લખી છે.

    ગયા બુધવારે આપણે આ પુસ્તકના વિષય્ને વિસ્તારથી સમજાવતું સુશ્રી રેખાબહેન સિંધલનું નિવેદન વાંચ્યું.

    આજે શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા પુસ્તકને આવકરતાં આ મુજબ કહેવાયું છેઃ

    ‘રમૃતિસંપદા’ની મજા જ એ છે કે એમાં વ્યક્તિની સિદ્ધિને બદલે એણે ખેડેલા સંઘર્ષોનો આલેખ મળે છે. કેવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અને કેવાં જુદાં જુદાં ધ્યેય સાથે આ વક્તિઓએ નવી દુનિયાના સાવ નોખા-અનોખા પડકારો ઝીલ્યા છે, એની હૃદયસ્પર્શી અનુભવકથા મળે છે.

    જુલાઈ મહિનાથી દર બુધવારે આપણે આ પુસ્તકનો ક્રમશઃ આસ્વાદ કરીશું.


    રેખા સિંધલના ‘સ્મૃતિસંપદા’ પુસ્તકની સાથે ગુર્જરીની ગ્રંથશ્રેણીનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે મૌલિક અનુભૂતિઓના એક નવા આકાશના ઉઘાડનો અનુભવ થાય છે. માતૃભૂમિની મમતા, કુટુંબીજનોનો સ્નેહ અને દેરાની સંસ્કૃતિનાં મૂલ્યો સાથે વ્યક્તિ જ્યારે અમેરિકાની નવી દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે એની સામે એકાધિક પડકારો હોય છે. માત્ર એક વ્યક્તિ બીજા દેશમાં પ્રવેશતો નથી, બલ્કે એક સંસ્કૃતિની વિરાસત લઈને બીજી પડકારભરી સંસ્કૃતિમાં ડગ માંડતો હોય છે. ક્યાંક પ્રાપ્ય જીવનમૂલ્યોને સાચવવાની ખેવના હોય, ક્યાંક માતા કે માતૃભૂમિ પ્રત્યેનું અદમ્ય ખેંચાણ હોય અને એ બધું સ્મૃતિપટલ પર સ્થિર થઈને બેઠું હોય અને સામે ભિન્ન પરિસ્થિતિ, અજાણ્યા લોકો, આગવી જીવનશૈલીનો પડકાર ઝીલવાનો હોય.

    ‘સમૃતિસંપદા’ પુસ્તકમાં પંદર જેટલી વ્યક્તિઓના અમેરિકાની ભૂમિ પરના અનુભવો એમના હદયની લિપિથી લખાયેલા મળે છે. આમાં કેટલાક તો દેશ અને વિદેરામાં પોંખાયેલા સર્જકો છે, તો વળી કોઈએ પોતીકા કૌવતથી અમેરિકાના અર્થતંત્રને સુધારવામાં ભૂમિકા ભજવે છે તો કોઈ અવકારવિજ્ઞાનમાં ઉચ્ચસિદ્ધિ હાંસલ કરનાર મહાનુભાવ છે, પરંતુ આ “રમૃતિસંપદા’ની મજા જ એ છે કે એમાં વ્યક્તિની સિદ્ધિને બદલે એણે ખેડેલા સંઘર્ષોનો આલેખ મળે છે. કેવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અને કેવાં જુદાં જુદાં ધ્યેય સાથે આ વક્તિઓએ નવી દુનિયાના સાવ નોખા-અનોખા પડકારો ઝીલ્યા છે, એની હૃદયસ્પર્શી અનુભવકથા મળે છે. અને એને કારણે જ આ પુસ્તકમાં એક મોટી કશ્મકશ આલેખાઈ છે.

    પોતાનાં જીવનમૂલ્યો સાચવીને પરાઈ ધરતી પર જીવવાનું હોય, વળી અવિરત કાર્ય કરતાં ક્યારેક હતાશા કે નિરાશાનો અનુભવ થતો હોય, ધાર્યું ન હોય તેવી રીતે પડકારો સામે વીઝાતા હોય અને એની વચ્ચેથી એમણે કઈ રીતે પોતાનો માર્ગ શોધ્યો અને ભલે ‘એકલો જાને રે’ જેવી સ્થિતિ હોય, છતાં હિંમત હાર્યા વિના એ ક્ષેત્રમાં પ્રગતિ કરી. કલ્પના કરીએ કે સાવ અજાણ્યો દેશ, અજાણી ધરતી અને અજાણ્યા લોકો વચ્ચે એકલ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાને શું સહન કરવું પડયું નહીં હોય? એમના સંકલ્પની કેવી કેવી કસોટી થઈ હશે? એનો આલેખ અહીં મળે છે.

    ગાંધીપ્રભાવની સાથે અમેરિકાના ન્યૂજર્સી વૉશિંગ્ટન ડીસીના અર્થતંત્રને સુધારવાની સિદ્ધિ મેળવનાર શ્રી નટવરભાઈ ગાંધીએ કેવા કેવા પ્રશ્નોનો સામનો કર્યો હશે અને એમાંથી કઈ રીતે નવું માર્ગદર્શન આપ્યું હશે. એમની કવિતામાં આંતરજીવનનો આલેખ મળે છે અને જયંત મહેતા જેવા તો જ્યાં ટી.બી.ના અનેક દર્દીઓ હતા એવા જ્હોન્સન સિટીના ગ્રામીણ વિસ્તારમાં કાર્ય કરે છે, ત્યારે અમેરિકાથી ભારતમાં આવીને કાર્ય કરનારા ડોક્ટરો અને સમાજસેવકોનું સ્મરણ થાય છે. ડૉ. વિક્રમ સારાભાઈથી  પ્રભાવિત એવા કમલેશ લુલ્લાએ મેળવેલી સિદ્ધિની વાત અહીં દેવિકા ધ્રુવ દ્વારા મળે છે તો દેવિકા ધ્રુવમાં ભારતના ભૂતકાળના અનુભવો અને અદ્યતન ટેકનૉલોજી બંનેનો વિરલ સમન્વય દષ્ટિગોચર થાય છે. બાબુ સુથાર જેવા આપણા બહુશ્રુત, ભાષાવિજ્ઞાન અને લેખકની વાત અહીં મળે છે. તો ડૉ. દિનેશ શાહની કાવ્યરચનાઓ તો અમે સહુએ અમદાવાદમાં પણ માણી છે. અશોક વિદ્રાંશ, સરયૂ દિલીપ પરીખ, રેખા સિંધલ, ડૉ. ઈંદુ રમેશ શાહ, મનસુખ વાઘેલા, સપના વિજાપુરા, જગદીશ પટેલ અને અરવિંદ થેકડીના અમેરિકામાં સ્થાયી થયા પછીની ગડમથલના અનુભવો ગુજરાતી પ્રજાના વણઝૂકતા ખમીરની ઝાંખી કરાવે છે.

    અહીં વ્યક્તિ વિકાસ સાધવા આવે છે, પણ એણે પોતાની સંવેદના સુપેરે જાળવી રાખી છે. અહીં જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ભેદ નથી, બલ્કે એ બંનેનું વહાલભર્યું મિલન છે. આ અનુભવોમાં પરાયી ધરતી પર જીવનવિકાસ ઝંખનારાઓને માટે સામે આવતા પડકારોને કઈ રીતે ઝીલી શકાય અને એમાંથી પાર ઊતરી શકાય એની કેટલીયે ચાવીઓ આપે છે.

    અહીં આલેખાયેલા અનુભવો, મુશ્કેલીઓનો કરેલો સામનો, પ્રગતિ માટેની જહેમત, માતૃભાષાના સાહિત્યને ખીલવવાની કોરિશ એ. સઘળું અન્ય સહુ કોઈને પથદર્શક બને તેવું છે. દેશ અને વિદેશના સીમાડાઓ ભૂંસીને એ વ્યક્તિના ભીતરમાં રહેલા બળને જાગૃત કરે છે.

    કુમારપાળ દેસાઈ
    ૧૩-બી, ચંદ્રનગર સોસાયટી,
    જયભિખ્ખુમાર્ગ, પાલડી,
    અમદાવાદ-380 007
    kumarpald1@gmail.com

  • ગાંધીજીની ક્સ્તૂરી : બા

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    હિંદુ ધર્મ જીવનને ચાર ખંડોમાં વહેંચે છે. એ ખંડોનું હિંદુઓની આરણ્યક સંસ્કૃતિની અસર હેઠળ ‘આશ્રમ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ આશ્રમો અનુક્રમે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ છે. મનુષ્યના જીવનનો તે સમયના લોકશિક્ષકો એવા ૠષિઓએ દોરેલો આ એક આલેખ છે. માનવી જો આ ક્રમાનુસાર જીવનને પસાર કરે તો એની જીવનયાત્રા સહજ રીતે વિકસિત થતી રહે એવો એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ આની પાછળ કામ કરતો જણાય છે.

    આ ક્રમમાંથી પસાર થતા માનવને માટે જીવનનો કોઈ અનુભવ કરવાનો રહી જતો નથી. આથી એ અંતે પરિપકવ સિદ્ધ થઈને બહાર પડે છે. આ ચાર આશ્રમોમાંથી જ હિંદુ ધર્મના ચાર પુરૂષાર્થો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ સિદ્ધ થાય છે. આ ચારેય પુરુષાર્થોમાંથી પસાર થવાની અનિવાર્યતા ડાહ્યા માણસોએ જોઈ છે. આથી જ તો ‘ભાગવત’માં નોંધાયું છે તે મુજબ મહર્ષિ વ્યાસ શુકદેવને પ્રમાણિત કરવા માટે વિદેહી એવા જનક રાજા પાસે મોકલે છે. રાજા જનક પણ શુકદેવના સંન્‍યાસને, જો એ શુકદેવનો સંન્યાસ ન હોત તો, આત્યંતિક ગણે છે કેમકે એ બીજા ત્રણ આશ્રમોના પુરુષાર્થોમાંથી  પસાર થયા વિનાનો છે !

    ભારતમાં યુગની માંગ પ્રમાણે, દરેક સમયે જે મહાત્માઓ અવતર્યા, બલકે તેમનો આશ્રય લઈને સત્ય અવતર્યું તેમાં વૈવિધ્ય છે. રઘુવંશના રાજાઓ, શિબિ, જનક જેવા મહર્ષિ સમાન રાજર્ષિઓ ૠષિઓએ આંકેલી જીવનરેખાને રસ્તે ચાલીને ક્રમશ: વિકસ્યા, પરંતુ યુગ બદલાતાં આપણને બુદ્ધ અને મહાવીર જેવા યુગપુરુષો સાંપડ્યા, જેમના જીવનમાં અચાનક વળાંકબિંદુ આવ્યું. આ મહાપુરુષોએ આશ્રમવ્યવસ્થાને કાપી નાખીને, તેનું અતિક્રમણ કર્યુ. જીવનને એક છલાંગે નાથીને સત્યનો મહિમા કરવામાં તેઓ આગળના મહાપુરુષોથી જુદા પડ્યા.

    બુદ્ધ અને મહાવીરના સમયથી આગળ આવતાં, આધુનિક યુગમાં સત્યનું સંસ્થાપન નવી રીતે થયેલું જોવા મળ્યું. સત્ય કેટલીકવાર સામાન્‍ય દેખાતા મનુષ્યમાં પણ આશ્રય લઈને વિસ્ફોટક રીતે અવતરી શકે છે તેનું ઉત્તમ દૃષ્ટાંત આ સદીમાં મહાત્મા ગાંધીએ પૂરું પાડયું. કાઠિયાવાડી કુટુંબમાં, સામાન્ય દેખાવ, સામાન્ય સમજ ધરાવતા મોહનદાસ કરમચંદ ગાંધીમાં કોઈ અકસ્માતે સત્યનો ગર્ભ રહ્યો જે શાંત ભાવે જન્મ્યો, ઊછર્યો, વિકસ્યો ને પરાકાષ્ઠાએ પહોંચ્યો. દુનિયાભરના મહાપુરુષો, ચિંતકો, વિચારકો, પ્રજાસમગ્ર સત્યનું આ પ્રકારનું પ્રાકટ્ય એક પ્રકારના વિસ્મયથી નિહાળી રહ્યાં.

    ગાંધીજીમાં ઊછરતું સત્ય ક્રમશ: વ્યાપક પણ બન્યું. તેમના સત્યના ચેપથી અનેક લોકો તેમના ભણી ભારે આકર્ષાયા ને ગાંધીજીનો વિસ્તાર વધતો ગયો. એમના આરંભકાળના જીવનમાં, કૌટુંબિક દૃષ્ટિએ ગાંધીજી કદાચ એકલા હતા. માતા-પિતા તો અભ્યાસ દરમિયાન જ મૃત્યુ પામેલાં. મોટા ભાઈ ને ભાભી સાથે સ્નેહનો સંબંધ રહ્યો પણ ગાંધીજીના આફ્રિકાવાસને કારણે આ સંબંધોમાં નિકટતા ઓછી થતી ગઈ. વળી ગાંધીજીની સત્યનિષ્ઠા ને સિદ્ધાંતનિષ્ઠા પણ તેમના સંબંધોનું પોત પાતળું રાખવાનાં કારણો બન્યાં. આ સંજોગોમાં માત્ર પત્ની કસ્તૂર જ તેમની બાજુમાં હતાં. ગાંધીજીની બાજુમાં રહેવાનો શો અર્થ હતો એનો અંદાજ તો ‘આત્મકથા’માં ગાંધીજીએ આપ્યો જ છે. આ ઉપરાંત ગાંધીજીના મિત્રોએ તેમના પર કરેલા નર્મ-મર્મો પરથી પણ આ વાત સમજાય તેમ છે.

    ગાંધીજીનું જીવન એક પ્રકારની તપસ્યા બની રહ્યું તો કસ્તૂરબાનું જીવન બીજા પ્રકારની. ગાંધીજીનું તપ મૂલ્યોને ખાતર હતું, બાનું પતિને ખાતર. પહેલા તપનું તો એક પરિણામ પણ મળવાનું હતું  જ્યારે બીજા તપની ફલશ્રુતિ માત્ર પ્રેમ ને આત્મસંતોષમાં જ સમાયેલી હતી. આથી સ્વાભાવિક રીતે જ બીજું તપ વધારે ચડિયાતું સિદ્ધ થતું હતું.

    કસ્તૂરબાના જીવનને તપાસતાં તેમને કયા પ્રકારની સ્ત્રીમાં મૂકવાં એવો પ્રશ્ન સહેજે થાય. ગાંધીજી પહેલાંના આપણા દેશના મહાપુરુષોની પત્નીઓએ ક્યાંક તો પતિથી પણ આગળનું સ્થાન ભોગવ્યું છે તેમની વિદ્યાપ્રીતિને લઈને, ગુણવાન હોવાને કારણે કે રૂપની અસાધારણતાને લીધે.  કસ્તૂરબા માટે આમાંનું કોઈ ધોરણ કદાચ કામ ન લાગે. તેનું એક કારણ એ છે કે જીવનના પ્રારંભે જો ગાંધીજી સામાન્‍ય વ્યક્તિ હતા તો બા પણ સામાન્‍ય જ હતાં. ગાંધીજી માનવીમાંથી મહાત્મા બન્યા એ આખીય યાત્રામાં બાનો અસાધારણ સાથ હોવા છતાં એમણે પતિનું અનુકરણ કરવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. તેમના વ્યક્તિત્વનાં જે પાસાંઓ આકર્ષે તેવાં છે તે તેમનાં પોતીકાં છે, ગાંધીચીંધ્યાં નથી. વ્યક્તિત્વની આ મૌલિકતાને લઈને કસ્તૂરબા સૌથી વધુ ધ્યાન ખેંચનારું મહિલા પાત્ર બની રહે છે. તેમનાં ચરિત્રને તપાસીને તેમને પ્રણમવાનું કે તેમના પગલે ચાલવાનું મન થવાને બદલે એક પ્રકારનો મૈત્રીમિશ્રિત આદરનો ભાવ જાગે છે, સાથોસાથ સુખદ આશ્ચર્ય પણ જન્મે છે.

    સને ૧૮૬૯ના એપ્રિલમાં, પોરબંદરમાં, ગાંધીજીથી છ માસ પહેલાં જન્મેલાં કસ્તૂરબા તેર વર્ષની ઉંમરે જ સાદા-સીધા મોહન સાથે દામ્પત્યની ગાંઠે ગંઠાયાં ત્યારે મહાન નારી થવાનાં ઝાંખાં-પાંખાં ચિહ્નો પણ તેમનામાં વરતાયાં નહોતાં. સંસારની માંડણીનાં આરંભકાલીન વર્ષોમાં મોહને તેમના પર “ધણીપણું” અજમાવવા યત્ન કર્યો છે તો સામે પક્ષે કસ્તૂરબા પણ “ધણિયાણી” થઈને પતિના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં સફળ થયાં છે. પોતાની રજા વિના પત્ની ક્યાંય બહાર ન જાય એવું ઇચ્છતા ગાંધીજીને કસ્તૂરબાએ ધાર્યું કરવા નથી જ દીધું. ગાંધીજી જેમ તેમના પર દાબ મૂકે તેમ કસ્તૂરબા વધારે છૂટ લેવાની હિંમત બતાવે.

    પાછળથી પોતાનાં આ ‘ધણીપણા’ વિશે જાગ્રત થયેલા ગાંધીજીએ કસ્તૂરબા પાસે તેનો એકરાર કરતા એક પત્રમાં લખ્યું છે : ‘આત્મબળ વગરનું બીજું બળ જ નકામું છે. એવું આત્મબળ મોટેભાગે બહેનોમાં જોવામાં આવે છે. તારા અને મારા જીવનનો તો એ સચોટ પુરાવો છે જ, …જો ને, મેં તારા પર કેટલી વાર ધણીપણું અજમાવ્યું છે ? આજે એનો વિચાર કરું છું ત્યારે એ ધણીપણાનો તેં આત્મબળથી મારી સામે જે જવાબ આપ્યો છે તે

    જ મારે મન ઈશ્વરી બક્ષિસ છે, અને એ પરથી જ હું માનું છું કે હિંદની સ્ત્રીઓનો જો વિકાસ સાધવામાં આવે અને સ્ત્રીઓમાં પડેલું સુસ્ત આત્મબળ જાગ્રત થાય તો તેઓ દેશનો વાનપલટો કરી શકે.’

    કસ્તૂરબાએ જે કર્યું છે તે આ. પોતામાં સુષુપ્ત રીતે પડેલાં આત્મબળને સમય- સંજોગ આવતાં તેમણે સંકોર્યું છે, મક્કમ નિર્ણયાત્મકતાથી. ગાંધીજીની ને બાની બાલ્યાવસ્થાથી જ બાનાં આ આત્મબળે કોર કાઢી છે. હાઈસ્કૂલમાં ભણતા ગાંધીજીએ જ્યારે એક વ્યસની મિત્રની સોબતને લઈને દારૂને માંસાહારનું સેવન કરેલું ત્યારે તેમને વારવામાં માતાપિતાની સાથે કસ્તૂરબાએ પણ પતિ સામે વાંધો નોંધાવેલો. બાના સ્વતંત્ર મિજાજની આ પહેલી ઓળખ હતી.

    બાની યુવાનીનો ઘણો સમય પતિથી જુદા રહેવાનો ગયો છે. એ સમયગાળામાં તેમની લાગણીઓ શી હશે તે વિશે બહુ જાણવા મળ્યું નથી. છેક ૧૮૯૩માં ગાંધીજી બીજી વાર દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાને સાથે લેતા ગયા છે. આટલા સમય સુધી, એટલે કે ૧૮૮૨થી ‘૯૩ સુધીમાં આ દંપતીને પરસપર ઓળખવાનો, પારખવાનો સમય જ મળ્યો નથી. પહેલાં ભણવા ને પછી નોકરી અર્થે વિદેશ ગયેલા ગાંધીજીનું અંગત કહેવાય એવું જીવન ૧૮૯૩ સુધી બહુ ઓછું ઊપસી શક્યું છે. આ સમયગાળા દરમિયાન કસ્તૂરબાનું અસ્તિત્વ જ જાણે કે વિસરાઈ ગયું છે. ગાંધીજીનો તેમના સાથેનો કોઈ પત્રવ્યવહાર પણ થયો જણાતો નથી. કદાચ એમાં જુનવાણી સમાજવ્યવસ્થા ને કુટુંબવ્યવસ્થા પણ જવાબદાર હોય.

    દેશમાં રહેતા તે દરમિયાન ગાંધીજીએ પત્નીને એક સ્ત્રી તરીકે જ જોઈ છે એવી કબૂલાત ‘આત્મકથા’માં અનેક જગાએ તેમણે કરી જ છે. દક્ષિણ આફ્રિકામાં આ દંપતીનું શરૂ થયેલું દામ્પત્યજીવન આરંભથી જ બા માટે કસોટીભર્યું બની રહે છે. સુધરેલા ગણાવાની હોંશમાં બાપુએ કુટુંબમાં યુરોપિયન પોશાક દાખલ કર્યો, જેમાં બૂટ-મોજાં જેવી વસ્તુઓ હતી, જે બાને પસંદ ન પડી. તેવું જ ખાવામાં વપરાતા છરી-કાંટા અંગે થયું.
    પછીથી બાપુનો મોહ ઊતરતાં વળી એ બધું છોડવાનું થયું. આથી ફરી મુશ્કેલી સર્જાઈ. આ બધી કસ્તૂરબાની નાની-નાની કસોટીઓ હતી.

    ૧૯૦૬માં, લગભગ ૩૬-૩૭ વર્ષની ઉંમરે ગાંધીજીએ પોતાના જીવનમાં બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ કર્યો એને બાની મોટી કસોટી કહી શકાય. આ બાબતમાં પતિને સમ્મતિ આપવી એ કંઈ જેવી તેવી વાત નહોતી. પરંતુ બાનો બાપુને આ બાબતમાં સંપૂર્ણ સહયોગ મળ્યો. આ ક્ષણથી જ કસ્તૂરબાએ એક સ્ત્રી મટીને સાધ્વી બનવાની શરૂઆત કરી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કદાચ આ જ ક્ષણથી તેઓ ‘બા’ પણ બન્યાં. સ્ત્રી જ્યાં સુધી કોઈની પત્ની હોય છે ત્યાં સુધી એ ‘સ્ત્રી’ રહે છે. પુરુષના ઉપભોગનું સાધન મટતાંવેત એના માતૃત્વનો ઉદય થતો હોય છે. કસ્તૂરબાના માતૃત્વનાં મૂળ આ ક્ષણમાં પડેલાં હશે. પાછળથી જેઓ રાષ્ટ્રપિતાનાં પત્નીને નાતે રાષ્ટ્રમાતા બનવાનાં હતાં તેનો આ ક્ષણે પ્રાદુર્ભાવ થયો ગણાય.

    બ્રહ્મચર્યનું પાલન કસ્તૂરબા માટે તો બાપુ કરતાંયે મોટી સિદ્ધિ ગણાય કેમ કે ગાંધીજી માટે તો એ સંકલ્પ હતો, જ્યારે બા માટે હતો માત્ર સ્વીકાર, પોતાની ઇચ્છાથી કરેલું વ્રત. ગાંધીજીને આ વ્રતનું પાલન કરવા માટે ખૂબ મથવું પડયું છે પણ કસ્તૂરબાને એવી કોઈ મથામણ થઈ હોવાનું જણાતું નથી. ક્યારેક તો એવું પણ કહેવાનું મન થાય છે કે બ્રહ્મચારી થયા પછીના ગાંધીજીને બાએ વધુ ચાહ્યા છે. બાને કદાચ ‘પતિ’ મોહનદાસ સાથે મતભેદ છે, પણ પછીથી ‘મહાત્મા’ મોહનદાસ સાથે ઓગળવું તેમને ખૂબ જચ્યું છે. કારણ કે પછીથી તેમનું પુરુષપણું તેમના વ્યક્તિત્વમાંથી બાદ થયું છે. કોઈ પણ સ્ત્રીની એક તબક્કે આ માંગ હોય છે જેનો
    લાભ કસ્તૂરબાને જ સાંપડયો છે. આ લાભ સાંપડતાંવેત બા, ગાંધીજીનાં પત્ની મટીને શિષ્યા થઈ ગયાં છે. અવિકારી બનેલા મહાત્મા ગાંધી સાથે તાલમેલ મેળવવો તેમને સહજ જણાયો છે.
    કસ્તૂરબા પરિવર્તન પામતાં જીવનમાં, એટલે કે ગાંધીજીના દરેક સિદ્ધાંત સાથે એકરૂપ બની શક્યાં એના મૂળમાં ગાંધીજીના હીરને પારખવાની તેમનામાં રહેલી શક્તિ દેખાય છે. તેમનું વ્યક્તિત્વ ગાંધીજીની હામાં હા ભેળવે તેવું તો નહોતું જ. વળી ગાંધીજી સાથે ચાલવાથી તેમની પત્ની તરીકે તેમનું ગૌરવ કે પ્રતિષ્ઠા વધે એની પણ એમને દરકાર જણાતી નથી. તટસ્થ રહીને એમણે પતિને પારખ્યા છે ને એમની સાથે ચાલવાની હામ ભીડી છે. આ હામ તેમણે છેક સુધી ટકાવી રાખી છે – એવી રીતે કે એ ટકાવવાની ગંધ પણ ન આવે. ખુદ ગાંધીજી પણ પત્નીના આ ગુણથી ચકિત થયા છે. કસ્તૂરબામાં ટકેલી હામનાં બીજ દક્ષિણ આફ્રિકાના એક પ્રસંગમાં પડેલાં જોવા મળે છે. ગાંધીજીના એક કુટુંબીજન શ્રી કાળીદાસભાઈએ એક વાર ગાંધીજીને કહેલું, ભાઈ, તમે તો જીવનમાં બહુ ફેરફાર કર્યો… આ કસ્તૂરબાઈએ પણ કંઈ વૈભવ ન માણી જાણ્યો.’ જવાબમાં
    ગાંધીજીએ જણાવ્યું તે મુજબ તેમના તરફથી બાને બધી જ છૂટ હતી. બાપુએ બાને રેશમી સાડી પહેરતાં કે સોનાની બંગડી પહેરતાં પણ રોક્યા નહોતાં. બાપુએ કરેલાં આ પ્રકારના સંવાદનો માર્મિક ઉત્તર આપતાં બાએ જણાવ્યું, ‘તમે તો બધુંય લાવી આપ્યું પણ મેં ક્યારે તે વાપર્યું છે ? જોઈ લીધું કે તમારો રસ્તો જુદો છે. તમારે તો સાધુ સંન્યાસી થવું છે. તો પછી મારે મોજશોખ માણીને શું કરવું હતું ? તમારી વાત જાણી લીધા પછી તો આપણે મન વાળી લીધું.’

    મન વાળી લેવાની આ વાત પરાણે સ્વીકારેલી નથી પણ આંતરિક સમજમાંથી નિષ્પન્ન થયેલી છે. જો એ પરાણે સ્વીકારાઈ હોત તો કસ્તુરબાને ‘બા’ બનવામાં અડચણ પડત. ગાંધીજીએ પણ તેમનો સ્વીકાર
    ન કર્યો હોત. બાની સ્વેચ્છાપૂર્વકની સમજનો ગાંધીજીએ આપેલા આ અભિપ્રાયમાં કૃતજ્ઞતાપૂર્વકનો ટેકો છે : ‘બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કંઈ મારી ખેંચથી નહોતું બન્યું, પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો હતો. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોય તે પોતાનું ધાર્યુ કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહેતી. પણ મારું જાહેર જીવન જેમ ઉજ્જ્વળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે મારામાં અને મારા કામમાં- સેવામાં ભેદ ન રહ્યો.’
    ગાંધીજીએ કરેલો ‘પુખ્ત વિચાર’ પ્રયોગ સાર્થ છે. કસ્તૂરબામાં વિચારની પ્રૌઢિ છે જે પાછી સ્વયંસ્કુરિત છે. આ પ્રૌઢિ ગાંધીજીનું અનુકરણ કરવામાંથી નહિ પણ જીવનની સમજમાંથી જન્મી છે ને વિકસી છે. બામાં ખીલી ઉઠેલી મક્કમતા, નિર્ણયાત્મકતાનાં કેવાં કેવાં રૂપ જોવા મળે છે ! દક્ષિણ આફ્રિકામાં તેમને રક્તસાવની તકલીફ થયેલી ત્યારે ડૉક્ટરે ક્લોરોફોર્મ વિના જ શસ્ત્રક્રિયા કરેલી ! આ પછી તેમનું શરીર વળ્યું નહીં ત્યારે ડૉક્ટરે તેમને માંસ આપવાની અનિવાર્યતા જોઈ. ગાંધીજીને આ અંગે ડૉક્ટરે ફોન કર્યો. સ્વાભાવિક રીતે જ ગાંધીજી આ બાબતમાં સંમત નહોતા પણ બાની જો ઇચ્છા હોય તો પોતાની ના નથી એવું તેમણે ડૉક્ટરને જણાવ્યું. પછીથી ગાંધીજીને ખબર પડી કે ડૉક્ટરે ફોન કરતાં પહેલાં જ બાને સેરવો પાઈ દીધેલો ! નારાજ થયેલા બાપુએ બાને આ અંગે પૂછ્યું ત્યારે બાએ સેરવો લેવાની ચોખ્ખી ના પાડી. મનુષ્યદેહ વારંવાર આવતો નથી તેથી એને ન વટલાવવાનું ઇચ્છતાં બાએ બાપુના ખોળામાં દેહ પાડવાની તૈયારી બતાવી. છેવટે કસ્તૂરબાને તેમની નાજુક હાલતમાં જ બાપુ ડરબનથી ફિનિક્સ ને ફિનિક્સથી અઢી માઈલ પગરસ્તે લઈ ગયા ને કેવળ પાણીના ઉપચારથી તેમનું દર્દ મટાડયું.

    આ ઘટના પછી ગાંધીજીને ઘેર આવેલા એક સ્વામીએ બા-બાપુ પાસે મનુસ્મૃતિને ટાંકીને માંસાહારની નિર્દોષતા સિદ્ધ કરવા ઘણી દલીલો કરી ત્યારે બાનો જવાબ આટલો જ હતો : ‘મારે માંસનો સેરવો ખાઈને સાજા નથી થવું. હવે તમે મારું માથું ન દુઃખવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી કરવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.’

    કસ્તૂરબાએ જ્યાં જ્યાં ગાંધીજીની વાત કે મતને સ્વીકાર્યા છે તે પોતાની માન્યતા તેમને મળતી હોવાને કારણે. જરૂર જણાઈ છે ત્યાં તીવ્ર વિરોધ કરીને પણ તેમણે પોતાની વિચારધારાનું સન્‍માન જાળવ્યું છે. ‘આત્મકથા’માં નોંધાયેલો એક જાણીતો પ્રસંગ આ વાતની સાક્ષી પૂરે છે. ડરબનમાં વકીલાત કરતા ગાંધીજીને ઘેર એક ખ્રિસ્તી મહેતાજી રહ્યા. ગાંધીજીના ઘરમાં પેશાબને સારુ ખાસ વાસણ રાખવામાં આવતું, જેને ગાંધીજી કે બા જ ઉપાડતાં. ક્યારેક આવાં વાસણ મહેતાજીઓ પણ ઉપાડતા. પણ આ મહેતાજી નવા હતા. આ વખતે કસ્તૂરબાને હદ આવી ગયેલી લાગી. આ વાસણ બાપુ ઉપાડે એ પણ તેમને ગમતું ન હતું અને પોતાને ઉપાડવું ભારે લાગતું હતું. આથી તેમણે ઠપકાભરી, રડતી આંખે વાસણ ઉપાડયું. બા આ પ્રકારનું કામ હસતાં હસતાં કરે એવો આગ્રહ સેવતા બાપુએ નારાજગીથી બાને ઠપકાના બે બોલ કહ્યા, જવાબમાં ‘રાખો તમારું ઘર, હું ચાલી.’ કહેતાં બાનો બાપુએ હાથ પકડયો ને દરવાજા સુધી તેમને ખેંચી ગયા. દરવાજે પહોંચીને આ શાણી સ્ત્રીએ જણાવ્યું, ‘તમને તો લાજ નથી, મને છે. જરા શરમાઓ. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી ? અહીં મા-બાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ઘુંબા જ ખાવા રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.’ આ પ્રસંગે ગાંધીજી શરમાયા પણ છે ને પછીથી સસંકોચ એકરાર કરતાં નોંધ્યું છે, અમારી વચ્ચે ઝઘડાઓ તો પુષ્કળ થયા છે પણ પરિણામ હંમેશાં કુશળ આવ્યું છે.’ પત્નીએ પોતાની અદ્‍ભૂત સહનશક્તિથી જીત મેળવી છે.

    વિદ્યા, વિચારસરણી, જીવન પ્રત્યેની દૃષ્ટિ જેવી અનેક બાબતોમાં સ્વાભાવિક રીતે જ ગાંધીજી ને બા વચ્ચે ઘણું અંતર છે. આથી કરીને ગાંધીજીના કેટલાક વિચારોનો અમલ કરવા માટે બાએ મનને કેળવવું પડયું છે ને પછી એની આદત એમને પડી છે. અપરિગ્રહ ને ખાદી વિચાર આનાં ઉદાહરણો છે. અપરિગ્રહ ગાંધીજીનું તો વ્રત જ હતું. બાએ પણ તેમાં સાથ આપેલો. પણ બા આખરે એક ગૃહસ્થ સ્ત્રી હતાં. તેમને કુટુંબ, સંતાનો વળગેલાં હતાં. આથી ક્યારેક બાને તંગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો. એક વાર આશ્રમમાંથી બે ટૂંક ભરીને બાનાં કપડાં ચોરાયાં. ગાંધીજીને આશ્ચર્ય થયું કે બા પાસે આટલાં કપડાં ક્યાંથી ? તપાસ કરતાં જણાયું તે મુજબ બાને ભેટ આવેલી સાડીઓ તેમણે પુત્ર હરિલાલની દીકરીઓ માટે રાખી મૂકેલી. ગાંધીજીએ આ બનાવ પછી તેમને સંગ્રહ કરવાની સખત મનાઈ કરેલી – ત્યાં સુધી કે દીકરાઓ કે પૌત્ર-પૌત્રીઓ આવતાં ત્યારે તેમની પાસેથી પણ ખાધાખોરાકીનું બીલ લઈને એ પૈસા આશ્રમમાં જમા કરાવવામાં આવતા ! અપરિગ્રહની વૃત્તિ પછી તો બાએ એવી કેળવી કે મુસાફરી વખતે ગાંધીજીને કહેવું પડતું : ‘બા આપણને બધાંને હરાવે છે. આટલો જૂજ સામાન અને આટલી જૂજ જરૂરિયાતો બીજા કોઈને છે ? સાદાઈ માટેનો મારો આટલો બધો આગ્રહ છતાં મારી સામગ્રી તેના કરતાં બમણી છે.”

    અપરિગ્રહ જેવું જ ખાદી ધારણ કરવા અંગેનું બાનું વલણ રહેલું. પહેલાં તેમને ખાદી પહેરાવવા માટે બાપુને ખુશામત કરવી પડેલી. પણ પછી જ્યારથી તેમણે ખાદી અંગીકારી કે થયું. આંગળીમાંથી નીકળેલા લોહી પર પાટો પણ ખાદીનો જ બાંધે. એ ખરબચડી હોય તોય બાને ન ખૂંચે. ગાંધીજી માટેનું દૂધ જો મિલના કાપડથી ગળાતું બા જુએ તોપણ તરત જ ખાદીનું કાપડ મંગાવે. પતિની સિદ્ધાંતનિષ્ઠા પૂરેપૂરી સચવાય એ માટે બા મરી પડે.

    બાની આ અટલતા અનન્ય હતી. તેમને એક જ ટેવ રહી ગયેલી અને તે કૉફીની. આશ્રમમાં એક વાર નવા આવેલા ભાઈએ બાપુ પાસેથી ચા-કૉફી વિરુદ્ધની દલીલો સાંભળીને પૂછેલું, ‘બા કેમ કૉફી પીએ છે ?’ ત્યારે ગાંધીજીએ કહેલું, ‘તમને ખબર નથી કે બાએ બીજું શું છોડયું છે. હવે જો કૉફી પણ છોડવાનું તેને કહું તો મારા જેવું જુલમી બીજું કોઈ ન હોય.’ જોકે છેવટે બાએ કૉફી પણ છોડી દીધેલી.

    બાનો ગાંધીજી પ્રત્યેનો આ પરિપક્વ પ્રેમ તેમનાં દામ્પત્યને ઈર્ષ્યા આવે એ રીતે ખીલવી શક્યો છે. સૌને સમાન ગણતા ગાંધીજીના હૃદયનો એક ખૂણો માત્ર બા માટે જ અનામત હતો એવી ક્ષણો પણ અનેક વાર ગાંધીજીના જીવનમાં ઝબકી ગયેલી દેખાય છે. બાપુની સેવા આમ તો સૌ આશ્રમવાસીઓ સરખા હિસ્સામાં કરતા પણ બાપુના પગે ઘી ઘસવાનું કામ તો બાનું જે. બાનાં મૃત્યુ પછી બાપુએ આ કામ અન્ય કોઈ પાસે કરાવવાનો ઇન્કાર કર્યો. એક વાર આશ્રમની બાળાઓએ તે માટે આગ્રહ કર્યો ત્યારે કંઈક ગમગીન થઈને બાપુએ કહેલું, ‘મારે જો ઘી જ ઘસાવવાનું હોત તો બા ચાલી શા માટે જાત ?’

    બાના અંત સમયે બાપુએ તેમની ખડે પગે ચાકરી કરેલી ને એ તક આપવા માટે ઈશ્વરનો અત્યંત આભાર માનેલો. આ સમય દરમિયાન કોઈ બાપુને વિરામ લેવા જણાવતું ત્યારે બાસઠ વર્ષના આ સાથીદારને અંત સમયે છોડવાની બાપુ ચોખ્ખી ના પાડી દેતા. બાનાં મૃત્યુની રાત્રે પોતાના સાથીઓ સમક્ષ અનાસક્ત મહાત્માએ નિખાલસભાવે એકરાર કરતાં કહેલું, ‘બા-વિહોણા જીવનની હું કલ્પના જ કરી શકતો નથી. મારા જીવનનું એ અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે તે કદી ભરાઈ શકવાનું નથી.’

    બાનાં અવસાન પછી વાઈસરોય લોર્ડ વેવેલના શોકસંદેશના ઉત્તરમાં બાપુએ બાને જે અંજલિ આપી છે તે તેમના ક્રમશ: વિકસેલા દામ્પત્યનું એકદમ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે : ‘… જો કે એના મૃત્યુને લીધે સતત વેદનાથી એ છૂટી, એટલે એને ખાતર મેં એના મૃત્યુને આવકાર આપ્યો છે, તો પણ મને લાગે એમ મેં ધાર્યું હતું એના કરતાં આ ખોટથી મને વધારે લાગે છે. અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાંની સંમતિ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહેલાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો… તે બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હું એને જક્કીપણું ગણતો. પણ આ સત્યાગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં મારી ગુરુ બનાવી.’

    બાપુએ એક વિદેશી વ્યક્તિ પાસે ખોલેલી અંગત ક્ષણોમાંથી સ્પષ્ટ દેખાય છે કે બ્રહ્મચર્ય બાને વિશેષ ભાવ્યું છે. આ વ્રતે એમનાં સ્વમાન ને આત્મગૌરવને જાળવવામાં મદદ કરી છે. આ ઘટના પછી પતિ એમના પરમેશ્વર બન્યા છે. આ ઘટનામાં પણ જોવા હોય તો એમના વૈષ્ણવધર્મના દૃઢ સંસ્કાર જોઈ શકાય.

    બાના જીવનની અનેક ઘટનાઓને જોઈ રહેલાં બીજાં લોકોને બા પ્રત્યે સમભાવ થયો છે ને બાપુ પ્રત્યે કંઈક નારાજગી જન્મી છે. ઘણાંને બાપુ જુલમી પતિ લાગ્યા છે. લીલાવતી મુનશીએ બાને આ અંગે પત્ર લખ્યો છે તેના ઉત્તરમાં ઘવાઈને બાએ જણાવ્યું છે : ‘તમે કેમ જાણ્યું કે ગાંધીજી મને બહુ દુખ આપે છે ?… મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય… મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દૃષ્ટિ હોય તો કહે. તે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે…’ બા પાસે જીવનનું સમાધાન છે. એ તેમણે શોધ્યું નથી, તેમને મળ્યું છે.

    કસ્તૂરબાએ ગાંધીજીને હક્ક-દાવા વિનાનો નિરપેક્ષ પ્રેમ કર્યો. ગાંધીજીના જીવનમાં કેન્દ્રસ્થાને રહેવાનો કદી પ્રયત્ન ન કર્યો. હંમેશાં બીજાઓને બાપુની નજીક જવા દેવામાં મદદ કરી. આ કારણે તેઓ જિંદગી ને એના કરતાંયે ખતરનાક એવા પોતાના મહાત્મા પતિને જીતી શક્યાં.
    મીરાંબહેને ચકિત થઈને બા વિશે વિસ્મયમુગ્ધ થઈને નોંધ્યું છે : ‘તેઓ વધારે પડતી વાતો કરીને બાપુનો સમય કદી બગાડતાં નહિ. બાપુની આસપાસનાં બધાં માણસોમાં બાપુને તે ઓછામાં ઓછી તકલીફ આપતાં અને વધારેમાં વધારે સેવા કરતાં.’ કદાચ આ જ કારણે બાપુને અને બાને એ ખબર હતી કે બા જ બાપુના જીવનમાં હંમેશાં મોખરે રહ્યાં. બાએ ક્યારેક કોઈને વાગે નહીં એવી નાજુક રીતે પોતાનો ‘વિશેષ પ્રેમ’ વ્યક્ત પણ કર્યો છે. ૧૯૩૨માં ગાંધીજીએ કરેલા ઉપવાસ સમયે બા સાબરમતી જેલમાં ને બાપુ યરવડા જેલમાં હતાં. આ સમયે બાપુની ચિંતા કરતાં બા કહેતાં, ‘ઘણી પુરાણની વાતો સાંભળી પણ આવું તપ ક્યાંય ન જોયું… જોકે કાંઈ વાંધો નથી. એમ તો મહાદેવ છે, વલ્લભભાઈ છે, સરોજિની દેવી છે; પણ આપણે હોઈએ તો ફેર પડે ને ?’ આ એક જ વાક્ય બંનેની એકબીજાં માટેની અનિવાર્યતા પ્રગટ કરવા માટે પૂરતું છે.

    ગાંધીજીને આટલો પ્રેમ કરવાને કારણે જ બાપુને વિશે કાંઈ પણ કહેવાનો તેમનો હક્ક છે.
    પતિની નાડને બરાબર પારખતી આ સ્રી ગાંધીજીના ઉપવાસ સમયે તેમના વિશે ફરિયાદ કરતા દાક્તરને સાધિકાર કહે છે, “Yes, I know he is my husband. He always plays mischief.” પોતાના તોફાની પતિને નાથતાં તેમને બરાબર આવડ્યું છે. આથી જ તો ગાંધીજીએ તેમને જન્મોજન્મ પત્ની તરીકે ઇચ્છયાં છે. આવી પત્નીને કૃતજ્ઞતાપૂર્વક અભિવંદતાં બાપુએ નોંધ્યું છે : ‘મારી પત્ની વિશેનો મારો પ્રેમ અને લાગણી હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ વિશેનો મારો પ્રેમ અને લાગણી વર્ણવી શકું.’ બાને હિંદુ ધર્મનો પર્યાય માનતા બાપુને માટે બા શું નહીં હોય ?

    મહાત્મા ગાંધી જેવા પતિ પાસેથી કોમળ લાગણીઓ મેળવતાં બાને સીતા, દ્રૌપદી કે શારદામણિદેવી જેવાં નારીરત્નો કરતાં વધુ નસીબદાર ઠેરવવાં પડે. બાને આવી અંજલિ મળી તેમાં આ યુગની આધુનિક વિચારધારાનો પ્રભાવ છે. ગાંધીજીનું સત્ય રામ, રામકૃષ્ણ પરમહંસ કે બાપુના આરાધ્ય એવા હરિશ્ચંદ્ર કરતાંયે વધુ સૂક્ષ્મતલને પામવા મથતું સત્ય છે. એમનું દર્શન યુગનાં સંદર્ભે કરીને વધુ સાફ સાબિત થયું છે, જેનો લાભ તેઓ પત્નીને આપી શક્યા છે. યુગનાં મૂલ્યોને અતિક્રમી ન શકતા રામ ને સંન્‍યાસીની મર્યાદા જાળવતા રામકૃષ્ણ પરમહંસ જે કરવા ધારવા છતાં ન કરી શક્યા એ વિચાર ગાંધીજી અમલમાં મૂકી શક્યા છે. આ અર્થમાં બાનાં તપને એક ફલશ્રુતિ સાંપડી છે એટલું તો ચોક્કસ.

    બાના જીવનને જોતાં અનાયાસે આ યુગનાં બીજાં શ્રેષ્ઠ નારીરત્ન શારદામણિદેવીનું સતત સ્મરણ થાય છે. આ બંનેની સરખામણી કરવાનો તો કોઈ સવાલ જ ઊઠતો નથી. બા ગૃહસ્થ સ્ત્રી છે, શારદાદેવી સંન્‍યાસિની છે, સંન્‍યાસીનાં પત્ની છે ને સંન્‍્યાસીઓનાં ગુરુ છે. તેમની હેસિયત જુદા પ્રકારની ને ઘણી ભારે છે. પણ અહીં તેમનું સ્મરણ થવાનું એક કારણ એ છે કે આ બંને સ્ત્રીઓએ પતિ પ્રત્યેનો માલિકીભાવ બિલકુલ જતાવ્યા વિના સૌના પિતા એવા પુરુષોને પરણીને સૌની માતા થવામાં આનંદપૂર્વકનું ગૌરવ અનુભવ્યું છે. પોતાનાં માતૃત્વને વ્યાપક બનાવતાં બનાવતાં આ બંને સ્રીઓ પતિની પણ મા બની ગઈ છે જે તેમનાં માતૃત્વનાં અંતિમ ચરણને સૂચવે છે.

    એક સામાન્ય સ્ત્રી હોવાના નાતે બા સતત ઘડાતાં રહ્યાં છે. તેમના જીવનમાં અનેક ગાંઠો આવી છે. આથી જ તેઓ વધારે પોતીકાં લાગે છે, ને અનુકરણીય પણ. તેમની વિકાસયાત્રાને સફળ બનાવવામાં ગાંધીજીનો ક્યાંય હાથ નથી એ તેમણે મેળવેલી મોટી સિદ્ધિ ગણાવી જોઈએ. આ અર્થમાં તેમણે સ્વનામને ધન્ય કર્યું છે.

    ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪માં મૃત્યુ પામેલાં બાને સરોજિની નાયડુએ આપેલી અંજલિ બાનું અંતિમ, ઉપયુક્ત મૂલ્યાંકન કરતી બની રહે છે ઃ ‘હિન્દી સ્ત્રીત્વના જીવન્ત પ્રતીક સમાં, એ નાજુક છતાં બહાદુર નારીના આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાવ. જે મહાપુરુષને તેઓ ચાહતાં, જેની સેવા ઉઠાવતાં અને અજોડ શ્રદ્ધા, ધૈર્ય અને ભક્તિપૂર્વક જેને અનુસરતાં, એને ખાતર કાયમ ભોગ આપ્યા કરવાનો જે કપરો માર્ગ તેઓએ સ્વીકાર્યો હતો. તે માર્ગે ચાલતાં ક્ષણ પણ તેમના પગ ડગ્યા નથી અથવા તેમનું દિલ પાછું પડયું નથી. તેઓ મૃતત્વમાંથી અમરત્વમાં ગયાં અને આપણી ગાથાઓમાંની, આપણાં ગીતોમાંની અને આપણી તવારીખમાંની વીરાંગનાઓની મંડળીમાં પોતાનું હક્કનું સ્થાન પામ્યાં, તેનો આપણે આનંદ માણીએ.’

    એક વીરાંગનાએ બીજી વીરાંગનાને આપેલી આ અંજલિમાં બાની સ્વચ્છ પ્રતિભાનો થયેલો સાદર સ્વીકાર સૌને સ્વીકાર્ય ઠરે એવો સાચો છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.