વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શું મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીનો અધિકાર છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૫૫ ટકા મોંઘવારી ભથ્થું( DEARNESS ALLOWANCE- D.A.)  મળે છે. ગુજરાત સરકારના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે ૫૫  ટકા ડી.એ. મળે છે.પરંતુ પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓ-કર્મચારીઓને માત્ર ૧૮ ટકા જ  મળે છે. એટલે પશ્ચિમ બંગાળના કર્મચારી યુનિયનો કેન્દ્રના દરોને અનુરૂપ  મોંઘવારી ભથ્થું મેળવવા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકારને રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો ઉપરાંત તેમણે અદાલતમાં ધા નાંખતા સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળ સરકારને  ૨૦૦૯થી ૨૦૧૯ના ચડત મોંઘવારી ભથ્થાના ૨૫ ટકા ત્રણ માસમાં ચુકવી દેવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના હુકમથી વેતન સમાનતાના વિવાદમાં કર્મચારીઓને આંશિક રાહત જરૂર મળી છે પરંતુ હજુ લડાઈ બાકી છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    મોંઘવારીમાં થતી વૃધ્ધિને ધ્યાનમાં રાખીને ૧૯૭૦ના દાયકામાં સરકારી કર્મચારીઓને  અને તેને પગલે પંચાયત કર્મચારીઓ, સરકારી અને અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક- બિન શૈક્ષણિક કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનો આરંભ થયો હતો. વેતન આયોગોએ પણ સ્વીકાર્યું હતું કે સતત વધતા ફુગાવાને લીધે વેતનનું વાસ્તવિક મૂલ્ય ઘટી જાય છે. એટલે પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ આપવું જોઈએ. વધતા ભાવોને પહોંચી વળવા મોંઘવારી ભથ્થા કે ડી.એ તરીકે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતી આ વધારાની મદદ છે. તે સરકારી કર્મચારીના પગાર કે પેન્શનરના પેન્શનનો મહત્વનો હિસ્સો છે. વરસમાં બે વાર,  જાન્યુઆરી અને જુલાઈએ તેમાં વધારો થાય છે.

    અખિલ ભારતીય ગ્રાહક મૂલ્ય સૂચકાંક ( All India Consumer Price Index- AICPI)  ના આધારે ડી.એ. ની ગણતરી થાય છે. ગ્રાહક મૂલ્ય સૂચકાંકમાં વૃધ્ધિ  થાય ત્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. સામાન્યત: કર્મચારીઓ કે પેન્શનરોને મૂળ વેતન કે પેન્શનની એક ચોક્કસ ટકાવારી તરીકે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીના જીવન ખર્ચને પહોંચી વળવા ઉપયોગી છે. તેનાથી કર્મચારી-અધિકારીની કાર્યક્ષમતા વધે છે અને સંતોષમાં વધારો થાય છે. સામાજિક સલામતી, કર્મચારીઓને એકત્ર રાખવા, પ્રતિભાના સંરક્ષણ માટે પણ તે લાભદાયી છે. ડી.એ. કર્મચારીને મોંઘવારીમાં રાહત આપે છે અને આર્થિક સંકટમાં સહારો બને છે.

    ગુજરાત સરકારે એના સરેલા, દેસાઈ અને અહેમદી પે કમિશન પછી ૧૯૮૭થી કેન્દ્રનું ચોથું પગાર પંચ અપનાવ્યું છે અને ત્યારથી ગુજરાતના કર્મચારીઓને કેન્દ્રીય પગારપંચ મુજબ પગાર  અને ભથ્થાં મળે છે. એટલે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પણ મળે છે.  ૨૦૧૬થી કેન્દ્ર સરકારના સાતમા વેતન પંચ પ્રમાણેના પગારો ગુજરાતનો સરકારી કર્મચારી મેળવે છે. ગુજરાતની જેમ ઘણાં રાજ્યોએ કેન્દ્રના પગાર પંચને અપનાવ્યું છે.

    પશ્ચિમ બંગાળમાં પહેલું પે કમિશન ૧૯૭૧માં રચાયું હતું. તે પછી દર દાયકે તે રચાવું જોઈએ. તે પ્રમાણે ૧૯૮૧માં બીજું, ૧૯૯૦માં ત્રીજું, ૧૯૯૮માં ચોથું , ૨૦૦૯માં પાંચમું અને ૨૦૨૦માં છઠ્ઠુ પગારપંચ રચાયું હતું. જ્યારે કેન્દ્રના અને ઘણાં રાજ્યોના કર્મચારીઓ સાતમા વેતન પંચ પ્રમાણે પગારો મેળવે છે ત્યારે પશ્ચિમ બંગાળના કર્મચારીઓને તેનાથી એક પંચ પાછળ છઠ્ઠા વેતન પંચ મુજબ પગાર-ભથ્થાં મળે છે અને કેન્દ્રના કર્મચારીઓ કરતાં ૩૭ ટકા ઓછું મોંઘવારી ભથ્થું મળે છે.

    કેન્દ્રના ધોરણે પગાર નહીં તો કમ સે કમ મોંઘવારી ભથ્થું મળવું જોઈએ તેવી પશ્ચિમ બંગાળના કર્મચારીઓની માંગ સાથેના વિરોધ આંદોલનો બેઅસર રહ્યા તેથી કર્મચારી યુનિયનોએ કોર્ટ પાસે ન્યાય મેળવવાનો માર્ગ અખત્યાર કર્યો. પહેલા તેમણે સ્ટેટ ટ્રિબ્યુનલમાં પિટિશન કરી પરંતુ ત્યાં તેમની વિરુધ્ધમાં નિર્ણય આવ્યો. એટલે તેમણે કલકત્તા હાઈકોર્ટ પાસે ન્યાય માંગ્યો. મે-૨૦૨૨માં કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને તેના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ડી.એ. ચુકવી આપવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટના જજમેન્ટને સ્વીકારવાને બદલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન કરી. અઢાર મુદતો પછી મે-૨૦૨૫માં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે રાજ્ય સરકારને ત્રણ મહિનામાં ચડત ડી.એ.નો ચોથો ભાગ ચુકવી દેવા આદેશ આપ્યો છે.

    સુપ્રીમ કોર્ટે તેના જજમેન્ટમાં મોંઘવારી ભથ્થાને કાનૂની અધિકાર ગણ્યો છે. તેમ્જ ડી.એ.ને કાયદાકીય રીતે અમલ કરવા યોગ્ય હક કહ્યો છે. અગાઉ ૧૯૮૬ના એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું કર્મચારીનો અભિન્ન અધિકાર છે. ૨૦૨૧માં કેરળ હાઈકોર્ટે ડી.એ.ની ચુકવણી ન કરવી તે કર્મચારીઓ સાથે રાજ્યનો ભેદભાવ છે અને બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન છે, એમ જણાવ્યું હતું. ૨૦૨૨માં કલકત્તા  હાઈકોર્ટે  ડી.એ. ને કાનૂની અધિકાર ઠેરવી સરકારી નાંણાકીય અક્ષમતા કે નાણાંના બોજની દલીલ સ્વીકારી નહોતી. પશ્ચિમ બંગાળ સરકારના કેસની વધુ સુનાવણી ઓગસ્ટ માસમાં સુપ્રીમ કોર્ટમાં થવાની છે. એ વખતે સંવિધાનના અનુચ્છેદ ૨૧ માં જણાવ્યા પ્રમાણેના માનભેર આજીવિકા રળવાનો અને તેમાં સમયાંતરે વધારાનો અર્થાત મોંઘવારી ભથ્થાનો કર્મચારીને મૂળભૂત અધિકાર  છે કે કેમ તેની ચર્ચા અને  નિર્ણય થઈ શકે છે.

    સર્વોચ્ચ અદાલતમાં પશ્ચિમ બંગાળ સરકારની દલીલ હતી કે ચડત ડી.એ.ના ૨૫ ટકાની ચુકવણી માટે પણ રાજ્ય પર રૂ.૧૦,૦૦૦ કરોડનો બોજ પડશે. સામે કર્મચારી યુનિયન વતી દલીલ થઈ હતી કે તેમના રૂ.૪૧,૦૦૦ કરોડ ડી.એ. પેટે રાજ્ય સરકાર પાસે લેણાં છે. મોંઘવારી ભથ્થાની ચુકવણીથી રાજ્ય પર નાણાંકીય બોજ પડે છે અને સરકારના ખર્ચમાં વધારો થાય છે,  રાજકોષિય ખાધ વધે છે. તે સવાલ છે જ. બીજી તરફ મોંઘવારી ભથ્થાની ચુકવણીમાં સરકારો વિલંબ કરે છે અને કર્મચારીઓને તો મોંઘવારીનો માર સહન કરવો જ પડે છે. તેવો પ્રશ્ન કર્મચારીઓ ઉઠાવે છે અને તે વાજબી પણ છે.

    પહેલી જુલાઈ ૨૦૨૪નું ચડત મોંઘવારી ભથ્થું ચુકવવા ભારત  સરકારે ઓકટોબર -૨૦૨૪ના અંતે આદેશ કર્યો હતો. તેન પગલે ગુજરાત સરકારે ડિસેમ્બર ૨૦૨૪માં ઠરાવ કર્યો હતો. પહેલી જાન્યુઆરી ૨૦૨૫નું ડ્યુ ડી.એ. કેન્દ્ર અને ગુજરાત સરકારે  એપ્રિલ ૨૦૨૫માં ચુકવવા આદેશ કર્યો હતો. એટલે મોંઘવારી અને ફુગાવા સામે રાહત માટે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું ભારે વિલંબથી અને ક્યારેક તો છ મહિના પછી આપવામાં આવે છે. તેનું એરિયર્સ હપ્તે હપ્તે ચુકવવામાં આવે છે. તેથી ડી.એ. નો મૂળ હેતુ જળવાતો નથી.

    મોંઘવારી તો સૌ કોઈને નડે છે. પરંતુ તેની સામે રાહત તરીકે મોંઘવારી ભથ્થું માત્ર સરકારી કર્મચારીઓને  જ મળે છે. વળી સરકારી કચેરીઓમાં જ કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ, ફિક્સ પગારદારો. પાર્ટટાઈમ એમ્પ્લોઈઝ વગેરેને તે મળતું નથી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું મળતું નથી. દેશના વિશાળ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદારો પણ કોઈ મોંઘવારી સામે આવી નાણાંકીય રાહત મેળવતા નથી. તે દિશામાં પણ ચિંતન અને ચિંતા કરવાની આવશ્યકતા છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • તેરા ઇમોસનલ અત્યાચાર!

    ધિક્કારનાં ગીતો

    પ્રેમસંબંધમાં વાંકું પડે ત્યારે માણસ કેટલું વાંકું બોલી શકે તેનો એક નમૂનો

    દીપક સોલિયા

    વાત ચાલી રહી છે ફિલ્મોનાં કેટલાંક યાદગાર ધિક્કાર ગીતો વિશે. આવું એક ચોટદાર ગીત અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ.ડીમાં છે. ફિલ્મની નાયિકા પારો (માહી ગીલ)ના લગ્ન ટાણે બે બેન્ડવાળા આક્રોશભેર ગાય છેઃ

    તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
    તેરા ઇમોસનલ અત્યાચાર.

    આ ઝેર જેવું કડવું ગીત એક રીતે જોતાં કન્યાવિદાયનું ગીત પણ છે, કારણ કે ગીતમાં વારંવાર રીપિટ થતી એક પંક્તિ આ છેઃ જાઓ, જાઓ ઓ દિલબર…

    જઈ રહેલી કન્યા ફિલ્મના હીરો દેવ (અભય દેઓલ)ની દિલબર છે. લગ્નસમારંભ લગભગ પૂરો થઈ ચૂક્યો છે. કન્યાવિદાયનો સમય થઈ ગયો છે. હીરો અભય દેઓલ વોડકાની બોટલ સીધી મોઢે માંડીને ખાલી કરે છે. પછી એ પોતે ગાવાની તો શું બોલવાની પણ સ્થિતિમાં નથી, પણ તેના દિલની વાતોને જાણે બે બેન્ડવાળા ગાઈને વ્યક્ત કરી રહ્યા છે, આ શબ્દોમાં:

    જિયા જિયા જિયા જિયા ડોલે
    એક દો તીન ચાર… છે…

    આમાં ચાર અને છની વચ્ચેનો પાંચનો આંકડો કેમ ગાયબ છે એવું બધું નહીં પૂછવાનું. આ ઘાયલ દિલબર છે, બાલમંદિરનું છોકરું નથી, જે એક, બે, ત્રણ, ચાર પછી પાંચ બોલે. એ તો આવું બધું બોલેઃ

    યહ દિલ પિઘલા કે સાઝ બના લૂં
    ધડકન કો આવાઝ બના લૂં
    સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં…

    વેદનાની તીવ્રતા જુઓ તમે. કવિ દિલને ઓગાળીને વાદ્ય બનાવવા માગે છે અને દિલના ધબકારને અવાજ બનાવવા માગે છે. એ તીવ્રપણે વ્યક્ત થવા માગે છે અને એમના મુખમાંથી નીકળે છે શું? મુખમાંથી બે ચીજ નીકળે છે. એક તો આ ગીત નીકળે છે અને સાથોસાથ સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં. એ દહનનો ધુમાડો છે. એ જલનનો ધુમાડો છે. એ ધુમાડો શેનો છે એ વિશે કવિ સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટતા કરતાં આગળ કહે છેઃ

    સીને મેં જલતી હૈ અરમાનોં કી અર્થી
    અરે વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ

    હૃદયમાં અરમાનોનાં શબ સળગી રહ્યા છે. એની પીડા એવી છે જે પ્રેમી સહી પણ નથી શકતો અને પ્રિયાને સરખી રીતે કહી પણ નથી શકતો. એટલે એ કહે છેઃ વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ. શું કહું તને કે શું થયું? ખેર, આવું કંઈક થયું…

    હાય સપને દેખે જન્નત કે, પર મિટ્ટી મેં મિલ જાએં
    ફૂંકે રે, ઘરબાર કી દુનિયા કો બોલે ગુડ બાય
    ચઢ જાએ હાય અલ્લાહ જિસકો ભી યે બુખાર
    તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
    તેરા ઇમોસનલ અત્યાચાર…

    અચાનક પ્રેમી પોતાની અંગત પીડાને વ્યાપક બનાવી દે છે. તે કહે છે વાત ફક્ત મારી જ નથી. મારી માફક જે કોઈ પણ પ્રેમમાં સ્વર્ગ મેળવવાનાં સપનાં જુએ છે એનાં સપનાં છેવટે ધૂળમાં રગદોળાય છે; પ્રેમનો તાવ જેના પણ મગજમાં ચડી જાય છે એ પછી પોતાના ઘરબારની દુનિયાને ફૂંકી મારીને તેને ગુડ બાય કહી દે છે. એ જાણે કહે છેઃ ભાડમાં જાય દુનિયા, બહુ થયો તારો જલવો, તારા પ્યારથી તૌબા… બહુ થયો તારો ઇમોસનલ અત્યાચાર.

    અલબત્ત, અત્યાચાર શબ્દ મોટો છે, પરંતુ જરા નાના શબ્દો વાપરીને કહીએ તો નાનામોટા ઇમોસનલ ત્રાસ અને ઇમોસનલ દબાણ કાદુના ડાયરા જેવા હોય છે. એ તો સંબંધોની દુનિયામાં ડુંગરે ડુંગરે, ઠેર ઠેર જોવા મળે. આવા ત્રાસથી ત્રાસિત લોકોનાં હવે તો સંગઠનો પણ રચાય છે. મુંબઈમાં આવા પુરુષોનું એક સંગઠન છે. અલબત્ત, એ પ્રેમમાં નાસીપાસ થયેલા એટલે કે પ્રેમિકાને ન પામી શકેલા પુરુષોનું સંગઠન નથી, બલ્કે એ સ્ત્રીને પામી ચૂકેલા પીડિત પુરુષોનું સંગઠન છે. એનું નામ વિશિષ્ટ છેઃ વાસ્તવ ફાઉન્ડેશન. થોડા સમય પહેલાં આ ફાઉન્ડેશને શ્રાદ્ધપક્ષ નિમિત્તે પિંડદાનનો એક કાર્યક્રમ યોજેલો. પિંડદાન આમ તો સદ્ગતોનું જ થાય, પરંતુ વાસ્તવ ફાઉન્ડેશન આયોજિત પિંડાદાન પ્રોગ્રામમાં જીવતી (વર્તમાન કે ભૂતપૂર્વ) પત્નીઓનું પિંડદાન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં એવા પચાસેક પતિઓએ ભાગ લીધો જેમના યા તો છૂટાછેડા થઈ ચૂક્યા છે અથવા તો છૂટાછેડાની પ્રોસેસ ચાલી રહી છે. પિંડદાન મૂળભૂત રીતે પિતૃઓની મુક્તિ-મોક્ષ માટેની વિધિ છે, જ્યારે આ દુઃખી પુરુષોએ લગ્નજીવનની વસમી યાદોમાંથી પોતાનો પિંડ છૂટે એ માટે પિંડદાનની વિધિઓ કરી. મુંબઈના પોશ એવા વાલકેશ્વર વિસ્તારમાં આવેલા બાણગંગા તળાવમાં ભાવભેર પિંડદાન કરનારા આ પીડિત પુરુષોમાંના એકે તો આખી વિધિ એટલી બધી સિરિયસલી કરી કે વિધિના ભાગરૂપે તેણે મુંડન પણ કરાવી નાખ્યું.

    જોકે ફિલ્મ દેવ.ડીનો હીરો દેવ મુંડન નથી કરાવતો અને એ તો પરણેલો પણ નથી. એની તકલીફ એ છે કે એની પ્રિયતમાની અન્ય પુરુષને પરણીને હવે જઈ રહી છે.

    એ નિમિત્તે, બેન્ડવાજાવાળા બે પુરુષો ગાઈ રહ્યા છેઃ

    જાઓ, જાઓ ઓ દિલબર
    ઓ દિલબર ઓ…
    હવે તું જા. હવે નથી વેઠાતું મારાથી.
    હો ગઈ દિલ કે પાર ટ્રેજેડી, ટ્રેજેડી
    લુટ ગઈ રે બહાર, ગુલ સુખ સુખ મુરઝાએ
    બોલ બોલ, વ્હાય ડિડ યુ ડિચ મી
    ઝિંદગી ભી લે લે યાર કિલ મી…

    અર્થ સ્પષ્ટ છેઃ આ ટ્રેજેડી હવે હૃદયની સહનશક્તિથી પણ આગળ નીકળી ગઈ છે. દિલનું ગુબાલ સુકાઈ સુકાઈને ચીમળાઈ ચૂક્યું છે. તેં આવું શું કામ કર્યું? આના કરતાં તો મારો જીવ લઈ લે… મારી નાખ મને.

    ભાઈ તો મરવાની વાત પર ઉતરી આવ્યા. મરવાની વાત કરવી એ પોતે જ એક પ્રકારનો ઇમોસનલ અત્યાચાર થયો. આ ખાસ સમજવા જેવું છે. આ ગીતમાં, આ ફિલ્મમાં અને બીજા પણ અસંખ્ય કિસ્સાઓમાં ઇમોસનલ અત્યાચારની ફરિયાદ કરતો પુરુષ ફાઈનલ હિસાબમાં પોતે જ મોટો અત્યાચારી સાબિત થાય એવું પણ બને.

    એ વિશે, આવતા અંકે.



    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • જરૂરતમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    એક રૂડો પ્રયોગ આપણી પરંપરામાં પેઢાનપેઢી ઊતરી આવ્યો છે… ગંગાપૂજા ગંગાજલે! હવે તરતના દિવસોમાં, બાવીસમી જૂને, દર્શક ફાઉન્ડેશન માઈધાર સ્થિત પં. સુખલાલજી લોકવિદ્યાલયનું અભિવાદન કરી રહ્યું છે. કુદરતની કૃપા જુઓ કે માઈધારથી માંડી મણાર, સણોસરા, આંબલા સરખાં પ્રમાણમાં અજાણ્યાં જેવાં ગામનામ ગુજરાતના વિદ્યાનકશે મુકાયાં તે નાનાભાઈ-મનુભાઈ અને અન્ય આરંભસાથીઓના ઋષિકાર્યને કારણે… માટે સ્તો કહ્યું કે ગંગાપૂજા ગંગાજલે.

    માઈધારની વાત પર આવું તે પહેલાં પાછળ જાઉં જરી? ૧૯૭૭-૭૮માં, મુગ્ધતાથી કહેતા તેમ જનતા પર્વ ઉર્ફે બીજા સ્વરાજની વાસંતી હવાના એ દિવસોમાં એક વાર વાત વાતમાં મનુભાઈએ કહ્યું કે એક ન્યૂઝચેનલે લોકભારતી આવવા સારુ પૂછાવ્યું છે. પછી એમણે ફોડ પાડ્યો કે મૂળે તો એ ન્યૂઝચેનલની ટીમ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર દસ્તાવેજી કામ કરી રહી હતી. એણે એમને શિક્ષણ પ્રશ્ને પૂછ્યું ત્યારે મોરારજીભાઈએ લાંબા વહીવટી ઉજાસમાં કેટલીક વાતો કરી હશે, પણ પછી સહજ ક્રમે કહી નાખ્યું હતું કે ભારતની નવરચનાને લગતા શિક્ષણ વિશે મારા વિચારો સમજવા હોય તો લોકભારતીની મુલાકાત લેજો.

    બીજા સ્વરાજના આરંભકાળની આ વાત સંભારું છું ત્યારે મન ઈતિહાસમાં ઓર પાછળ જવા કરે છે. નાનાભાઈ તો પછી થયા: બાકી, પ્રો. નૃસિંહ પ્રસાદ ભટ્ટનો એક દબદબો ને રુતબો હતો. બીલખા આશ્રમ અને શ્રીમન નથુરામ શર્માનો સુવર્ણકાળ કહી શકાય એ દિવસોમાં પ્રસાદજી એમની ગાદીએ પણ આવી શક્યા હોત. અમસ્તાં પણ કેવું વ્યક્તિત્વ હશે એમનું, એનો એક સંકેત રણજિતરામની અધૂરી નવલકથા માંહેલા પ્રો. સાહેબરામના પાત્ર પરથીયે મળી રહે છે.

    વારુ. લાંબી દાસ્તાંમાં નહીં જતાં, એમણે ભાવનગરમાં છાત્રો સાથે સહજીવન શરૂ કર્યું એનો એક પ્રસંગ ટાંકું. ગુરુપૂર્ણિમાએ એ શ્રીમન નથુરામ શર્માના સ્મરણપૂર્વક છાત્રો કને વંદન કરાવતા હશે ત્યાં ડંગોરાભેર કવિ કાન્ત સહસા પ્રગટ થયા: લ્યા, તારો ગુરુ હશે તો હશે એમાં તારા વિદ્યાર્થીઓને શેના જોતરે છે? દેખીતી રીતે જ, ગુરુડમના કોચલા કે કોશેટામાંથી બહાર નીકળવા સારુ ઠમઠોરતી એ અર્ધપરિભાષિત પણ સ્વરાજલેરખી હતી. કાળક્રમે, અંતરઅજવાળે દક્ષિણામૂર્તિનો સ્વતંત્ર વિકાસ, એમાં નાનાભાઈ સાથે ગિજુભાઈ-હરભાઈ સરખી પ્રતિભાઓનું હોવું, એ સામાન્ય વાત અલબત્ત નહોતી. જેમ અંતરઅજવાળે તેમ ગાંધીપ્રતાપે નાનાભાઈને ઊગી રહ્યું કે અમે નવી ભોં ભાંગી રહ્યા હોઈએ તો પણ બહુજન ભારતને, કહો કે ગ્રામભારતને જે શિક્ષણની જરૂર છે તે ક્યાં છે? નગરવર્ચસ્ છાંડી એ આંબલા સરખા ગામડે જઈ બેઠા. એક વેળાના પ્રોફેસર હવે ધૂળી નિશાળના મહેતાજી હતા.

    દર્શક અને સાથીઓ સંગાથે ૧૯૩૮થી જે વાત નવી બની રહી હતી તે તો એ કે હાલો ને ગામડે જાઈં એ સ્વરાજસાદ સુણી કોઈએ ગામડામાં નિશાળ ચલાવી હોય તો ભલે, પણ ગામડાંની નિશાળ-ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો આ પહેલો પહેલો પ્રયોગ હતો. એ નિરંતર વિકસતો રહ્યો અને વર્ધા યોજના સાથે સંકળાયેલા ડૉ. ઝાકિર હુસેન સ્વરાજ પછી એક કાળે નઈ તાલીમ વિશે ક્યાંય કશું નથી એવા અવસાદમાંથી અનિલભાઈ ભટ્ટના વારામાં આંબલાની મુલાકાત સાથે બહાર આવી ગયા હતા.

    હું જાણું છું, વાત કંઈક લંબાઈ રહી છે પણ શાલેય શિક્ષણ પછી સ્વાભાવિક જ ઉચ્ચ શિક્ષણ અને અધ્યાપન મંદિર સરખી ખરી દૂંટીની માંગમાંથી લોકભારતીનો ઉદય થયો જે ઢેબરભાઈના અર્ધ્ય ઉદગારોમાં ‘એક અકિંચન બ્રાહ્મણ’ની ભેટ હતી. કૃષિ ગોપાલન તો બરાબર, પણ પ્લેટોથી માર્ક્સનુંયે શિક્ષણ. કેમ વારુ. તો કહે, ઉત્પાદક છે તે નાગરિક નથી અને નાગરિક છે તે ઉત્પાદક નથી. આ જુવારાં ન ભાંગે જ્યાં સુધી, સમાજ આખો કડેધડે કેમ થાય ત્યાં સુધી? મોટ્ટી વાત હતી આ, પછીથી સી.પી. સ્તો સરખા જેને ‘ટુ કલ્ચર્સ’ના કોયડા તરીકે ઓળખાવવાના હતા. સરસ. પૂરા કદની ગ્રામ વિદ્યાપીઠનો તો સોજ્જો દાખલો બેઠો.

    ૧૯૭૭-૭૮ના જનતા પર્વમાં જ ટાંકણે લોકભારતીનાં પચીસ વરસ થયાં. એક રીતે એની ટોચ તેમ ગલનબિંદુ બેઉ આવી ગયાં હતાં- અને એક વાત પૂર્વે રવિશંકર મહારાજે નાનાભાઈ-મનુભાઈને કહી હશે એ તો સ્મૃતિમાં સતત ટકોરા દેતી જ હતી કે છોકરાંનાં મા-બાપનેય શીખવવાનું ન ભૂલશો.

    બહોળા અર્થમાં એ હતી તો લોકશાહી નાગરિકતાની ચિંતા જ. જે ગ્રામસમાજમાં લોકભારતી પરિવારે કામ કીધું ત્યાં નવી પેઢી તો બની આવી સંસ્થાકીય કામોમાં, વિકાસ પ્રવૃત્તિમાં, પોતીકાં મહેનતમજૂરીનાં કામોમાં સમગ્ર વિસ્તારમાં એની હાજરી પણ ઉભરી આવી, પંચાયત ને સહકારીથી માંડી ધારાસભામાંયે તે બિંબિત થવા લાગી. પણ તરુણો ને વૃદ્ધો વચ્ચે આખી એક-બે પેઢી એવી હતી જેને માટે હવે વૈધિક શિક્ષણનો સવાલ કે શક્યતા કશું નહોતું. એમની વચ્ચૈ અવૈધિક શિક્ષણનું કંઈ ગોઠવ્યું હોય તો? પોતપોતાનાં કામમાં, પછી તે કૃષિ ગોપાલન હોય કે ગ્રામ ઈજનેરી, એને કંઈક નવું જાણવા ને શીખવા મળે અને સાથે સાથે બદલાતી દુનિયા ને પલટાતા સમાજના પ્રવાહો ને પરિબળોની સમજ પણ. ખેતી ને આનુષંગિક કામોના ટૂંકી મુદતના ઓપ વર્ગો, સાસુ-વહુની સહિયારી સામેલગીરીવાળા સ્વચ્છતા શિક્ષણ ને બાળઉછેરના વર્ગો, આસપાસની દુનિયામાં શું ચાલે છે તેના વર્ગો… ગામ પોતે જ જાણે કે શાળા! હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : જીવનનો મહાયજ્ઞ

    વિમલાતાઈ

    હિંમતનગર થી આગળ

    એમને પરલોક ગયે બે મહિના થઈ ગયા. મને થયું કે હવે મારે કોઈ હુન્નર શીખી લેવો જોઈએ જેથી હું મારા પોતાના પગ પર ઊભી રહીને મારાં બાળકોનો માનભેર ઉછેર કરી શકું. મેં સીવણકામના ક્લાસમાં જોડાવાનું નક્કી કર્યું. પ્રશ્ન હતો મારી નાની દીકરીઓનો. તેમને કોણ સંભાળે? મને લલિતાબાઈ પાસેથી સૂચના કહો કે આદેશ મળ્યો સુધા અને જયુને તેમની માસીને ઘેર મોકલી આપો. માસી એટલે દમુ નહિ, પણ મારાં કાકીની મોટી દીકરી નલિની, જે પોતાના તેર વર્ષના નાના ભાઈ, બે નાની બહેનો અને કાકીનો સંસાર નિભાવતી હતી. મારી પાસે અન્ય કોઈ રસ્તો ન હતો. મન કઠણ કરીને હું મારી નાની દીકરીઓને નલિની અને કાકી પાસે વીસનગર મૂકી આવી અને સીવણક્લાસમાં જોડાઈ. આ ત્રણ મહિનાનો કોર્સ હતો અને માસિક દસ રૂપિયાની ફી અને સાધનસામગ્રીના મળીને ચારસો રૂપિયા આપવાના થતા હતા. મારી પાસે જે થોડાઘણા પૈસા હતા તેમાંથી થોડી રકમ ફી તરીકે આપી.

    મારો ક્લાસ સવારના સાત વાગ્યે શરૂ થતો. ક્લાસની જગ્યા અમારા ઘરથી દોઢેક માઈલના અંતર પર હતી અને ત્યાં પગપાળા જવું પડતું. રોજ વહેલાં ઊઠી, નાહીધોઈ, રસોઈ અને બીજાં ઘરકામ પતાવી સવારના સાડા છ વાગ્યે ઘરમાંથી નીકળી જતી. અમારો સીવણક્લાસ સ્ત્રી-પુરુષોનો મિશ્ર વર્ગ હતો, અને સ્ત્રીઓ માટે બે મહિના પહેલાં જ વર્ગ શરૂ થઈ ગયો હતો. ક્લાસ શરૂ કરીને એક મહિનો પૂરો થયો અને સ્ત્રીઓને અભ્યાસક્રમ પૂરો થઈ ગયો. વર્ગમાં હું એકલી જ સ્ત્રી રહી ગઈ હતી. અહીં પણ નસીબ બે ડગલાં આગળ હતું! એમના અવસાન બાદ મને માનસિક તાણને લીધે ફિટ આવતી હતી (જેમાં મારું આખું શરીર ખેંચાતું અને લાકડાની જેમ અક્કડ થઈ જતું) તેની મારી શ્રવણશક્તિ પર વિપરીત અસર થઈ હતી અને મને હવે ઓછું સંભળાવા લાગતું હતું. કોઈ સામાન્ય રીતે વાત કરે તો મને સંભળાય નહિ તેથી અમારા શિક્ષક અમને જે શીખવતા તે મને સમજાતું નહિ. અંતે તેઓ પણ કંટાળી ગયા અને મેં સીવણ ક્લાસને તિલાંજલિ આપી. વીસનગરમાં મારી બેઉ દીકરીઓને ગોઠતું નહોતું. તેમાં જયુ તો ફક્ત ત્રણ જ વર્ષની હતી. આટલી નાની બાળકી મા વગર કેવી રીતે રહી શકે? આખરે મેં જ વિચાર કર્યો કે જે નસીબમાં લખ્યું હરો તે થશે અને બન્નેને વીસનગરથી ઘેર લઈ આવવાનો વિચાર કર્યો.

    થોડા દિવસ બાદ અમને સમાચાર મળ્યા કે અમારે હિંમતનગરનો સરકારી બંગલો ખાલી કરવાનો હતો. આ માટે હું અને લલિતાબાઈ ત્યાં ગયાં. અમારા મોટા દીકરાઓનાં લગ્ન માટે મેં જય્થાબંધ સામાન વેચાતો લીધો હતો તે આ બાઈએ માટીના મૂલથી વેચી નાખ્યો. મારા ઘરસંસાર માટે વર્ષોથી અને પ્રેમથી એકઠો કરેલ સામાન પણ પાણીના ભાવે કાઢી નાખ્યો. મેં તેમને ઘણી વિનવણી કરી કે, “મને અને મારાં બાળકોને હાલ પૂરતું હિંમતનગર રહેવા દો. અહીં મેં આખા વર્ષનું અનાજ, તેલના ડબા વગેરે ભરી રાખ્યાં છે અને નરેનનું શિક્ષણ પણ ફી ભર્યા વગર થઈ જરે.’ મારાં જેઠાણીએ કહ્યું, “ત્યાં એકલાં રહીને તમે બધાં બગડી જશો. અમે તમને હિંમતનગર રહેવાની રજા નહિ આપીએ. પરિવારનાં “મોટાં’ઓના આવા વિરોધ સામે મારું શું ચાલે? એક તો કાનમાં બહેરાશની વિકલાંગતા આપીને ભગવાન પણ મારી પાછળ પડી ગયા હતા. કોઈ વાતનું મને સુખ નહોતું લાધ્યું. થોડા દિવસ બાદ મારી બેઉ નાની દીકરીઓ – સુધા અને જયુ-ને તેમની માસીએ સથવારો જોઈને મારી પાસે મોકલાવી આપી. મારા દિવસ હવે દુઃખમય થઈ ગયા અને પરતંત્રતામાં વીતવા લાગ્યા.

    લલિતાબાઈએ હવે મોટાભાઈ અને રવિનાં લગ્નની તૈયારી કરવાનું નક્કી કર્યું, અને ફરીથી અનાજ-સામગ્રી વેચાતી લેવા લાગ્યાં. પરંતુ રવિ અચાનક માંદો પડી ગયો. [તેને લોહીની ઊલટી સાથે ફેફસાંનો ક્ષય થયો હતો -સંપા.] તેથી તેનાં લગ્ન મોકૂફ રાખવા પડયાં. તેની માંદગીની વાત જાણી તેના ભાવિ સસરાએ રવિને પોતાની દીકરી આપવાની સ્પષ્ટ ના કહી. તેમની સુશીલ દીકરીએ કહ્યું, “મારા નસીબમાં જે થવાનું હશે તે થશે, પણ લગ્ન તો રવિ સાથે જ કરીશ.’ આ કન્યા એટલી સારી અને સુસ્વભાવી હતી કે જ્યારે “એમનું’ અવસાન થયું ત્યારે તેણે અમારે ત્યાં સતત દસ દિવસ સુધી અમારા ઘરનું બધું કામ ઉપાડી લીધું હતું. તેની મરજી, મનોમન જેને પતિ માન્યો હતો તેની સાથે જ લગ્ન કરવાની હતી, તેની પરવા કર્યા વગર તેના પિતાએ આ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને તેનાં લગ્ન અન્ય સ્થળે કરી નાખ્યાં. આ છોકરીનો ઝૂરી ઝૂરીને થોડા જ મહિનામાં દેહાંત થયો.

    “એમનું” અવસાન થયું ત્યારે અમારું આખું મકાન ભાડે આપ્યું હતું, તેમાંના ઉપરના માળે રહેનારા ભાડવાતોએ મકાન ખાલી કર્યું ત્યારે અમે અમારા મકાનમાં રહેવા ગયાં. ઘરનો સમગ્ર કારભાર તો સંપૂર્ણ રીતે લલિતાબાઈના હાથમાં જ હતો. તેમણે રવિને હવાફેર કરવા સૌરાષ્ટ્રમાં મોકલ્યો. મારાં જેઠાણી તેની સાથે ગયાં. થોડા દિવસ બાદ લલિતાબાઈએ મોટાભાઈને મુંબઈ લઈ જઈ તેનાં રજિસ્ટર લગ્ન કર્યા અને મને પ્રથમ પુત્રવધૂ મળ્યાં. અમે બન્ને સાસુ-વહુ ઘણાં સંપીને રહેતાં હતાં. તેમનો સ્વભાવ પણ ઘણો જ સારો હતો, તેમ છતાં તેમને કોઈ જાતની સ્વતંત્રતા ન હતી. બજારમાં સસ્તામાં સસ્તું જે શાક હોય તે લલિતાબાઈ પોતે જઈને લઈ આવતાં, અને તેઓ જે કહે તે પ્રમાણે હું અને મારાં પુત્રવધૂ કરી  આપતાં.

    મારાં વહુ ગર્ભવતી થયાં. તેમને ડિલિવરી માટે લલિતાબાઈએ તેમને પિયર મોકલી આપ્યાં. પોતાની માતા પાસે તેઓ જવા નીકળ્યાં ત્યારે પણ તેમની સાથે તેમણે કોઈને ન મોકલ્યાં. મારી ઘણી ઇચ્છા હતી કે મારાં વહુના સીમંત વખતે પૂજન અને ભોજનસમારંભ યોજું, પણ સત્તા આગળ શાણપણ ચાલતું નહોતું. દિવસ પૂરા થતાં તેમને દીકરી આવી. રિવાજ અને મારી હોંશ મુજબ મારી પાસે જે થોડુંઘણું હતું તેમાંથી મારી પહેલી પૌત્રી માટે સુંદર ભેટ આપવાનો વિચાર કર્યો અને તેમની અમદાવાદ આવવાની રાહ જોતી હતી. કમનસીબે મારી પૌત્રી એક મહિનાની થઈને ગુજરી ગઈ.

    હવે લલિતાબાઈએ મને જુદા થવાનું કહ્યું. મેં તેમને આર્જવતાપૂર્વક કહ્યું, “નરેન મેટ્રિક પાસ થાય ત્યાં સુધી તો અમને તમારી સાથે રહેવા દો! ત્યાર પછી અમે ખુશીથી જુદાં રહેવા જઈશું.’ લલિતાબાઈએ મને ચોખ્ખું કહી દીધું કે, “તમારી પાછળ ખરચા કરાવીને મારા ભાઈઓને મારે દેવાળિયા નથી બનાવવા. તમે કોઈ કામધંધો શરૂ કરો. આજના જમાનામાં કામ કરવામાં કોઈ નાનમ નથી.” આવી વાત સાંભળીને મને ઘણું લાગી આવ્યું અને મેં મનમાં જ નક્કી કરી નાખ્યું કે આવું ઓશિયાળું અને પરતંત્ર જીવન જીવવા કરતાં સ્વતંત્ર રહેવું વધુ સારું. બનવાજોગ તે વખતે લલિતાબાઈએ અમારા મકાનમાં નીચેના માળે રહેનારા એક ભાડવાત પાસેથી જગ્યા ખાલી કરાવી. મને તો અમારા ઘરમાં પણ જગ્યા ન મળી હોત, પણ હું મારાં બાળકોને લઈને ક્યાં જઉં? અમારું પોતાનું મકાન હોવા છતાં હું બહાર અન્ય કોઈ જગ્યાએ શા માટે રહેવા જઉં?

    અંતે નીચેના માળે એક વિશાળ હૉલ હતો તેમાં પાર્ટિશન નાખ્યું અને હોલનો લગભગ બેતૃતીયાંશ ભાગ અને તેની પાછળની પરસાળ અમને રહેવા માટે આપી. પરસાળના બે ભાગ કરેલા હતા જેમાંના એક ભાગમાં નાનકડી બાથરૂમ બનાવી હતી અને બીજામાં રસોડું. મકાનમાં બે ભાડવાત રહેતા હતા, તેમની પાસેથી આવતા ભાડાના લલિતાબાઈએ ચાર ભાગ પાડ્યા. તેમાંનો એક ભાગ મને અને બાકીના ત્રણ ભાગ પોતાના ભાઈઓ માટે રાખ્યા. આ ભાગ કરતાં પહેલાં અમારાં સાસુમાએ વસાવેલા ૫૦૦-૬૦૦ માણસોની રસોઈ થઈ શકે એવા મોટાં વાસણોને લલિતાબાઈએ ભંગારના ભાવે કાઢી નાખ્યાં, જેની મને ખબર પણ પડવા દીધી નહિ, અને બધી રકમ પોતાની પાસે રાખી લીધી. અમને જુદા કાઢ્યા ત્યારે બાકી રહેલાં વાસણોની વહેંચણી વખતે પણ કોઈ વડીલ વ્યક્તિને મધ્યસ્થી તરીકે ન રાખી. મનમાં ફાવ્યું તે પ્રમાણે નાનાં નાનાં વાસણો મને આપી દીધાં. મેં કશું ન બોલતાં તેમણે મને જે આપ્યું તે લઈ લીધું.

    ખરું જોવા જઈએ તો “એમણે” પોતે પોતાની હયાતીમાં જ બધી જણસ, ઘરવખરીની વસ્તુઓ અને ઘરની વહેંચણી કરવી જોઈતી હતી. મારી પોતાની ઉમર નાની હતી – તેમનાં મોટાં ત્રણ છોકરાંઓ કરતાં પણ મારું વય નાનું હતું. વળી મારા ખોળામાં “એમનાં” ચાર નાનાં નાનાં બાળકો હતાં. “એમનો” પોતાનો સ્વભાવ પણ એવો કે એમણે કદી પણ મારી સાથે સ્વસ્થ ચિત્તથી પોતાની ઘરસંપત્તિની કે પોતાના જીવન પશ્ચાત્ તેની વહેંચણી કેવી રીતે કરવા માગતા હતા તેની કદી પણ વાત કરી ન હતી. જીવતેજીવ કશું કરી શક્યા નહિ, તો મૃત્યુ સમયે તેમનાથી શું થઈ શકવાનું હતું? અંત સમયે “એમને” અમારી ચિંતા એટલી મૂંઝવતી હતી કે તેમના ખોળિયામાંથી પ્રાણ નીકળતા નહોતા. મને પાછળથી જાણવા મળ્યું કે અંતે જ્યારે મોટાએ એમનો હાથ ઝાલીને વચન આપ્યું કે, “બાઈને અને સૌથી નાનાં ચાર ભાઈબહેનોને હું સંભાળીશ” ત્યારે એમનો જીવ પ્રસ્થાન પામ્યો. પરંતુ આ વચનનો કશો ઉપયોગ નહોતો.

    એમના ગયા બાદ કેવળ દોઢ વર્ષમાં જ તેમણે અમને જુદાં કરી નાખ્યાં. મકાનના ભાડાના ચોથા ભાગના હિસ્સા તરીકે લલિતાબાઈએ મને માસિક ૩૬ રૂપિયા આપવાનું ઠરાવ્યું. મોટાએ કદાચ અમને સાચવ્યાં હોત, પણ લલિતાબાઈને હસ્તક નિયંત્રણની ધુરા હતી તેથી તેઓ પોતે જે નક્કી કરે તે પ્રમાણે ઘરની પ્રત્યેક વ્યક્તિએ કરવું જ પડતું. ખેર, અમે હવે સ્વતંત્ર રહેવા લાગ્યાં હતાં. આ નાનકડી આવકમાંથી જે છાશ રોટલો અમને મળી રહેતાં હતાં તેને અમે સંતોષથી સ્વીકારીને રાજીખુશીથી રહેવા લાગ્યાં.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • માઈક મળે તો કોઈ છોડે ?

    વ્યંગ્ય કવન

    કૃષ્ણ દવે
     

    પરસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
    માઈક મળે તો કોઈ છોડે ?

    નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
    આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે,
    વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
    માઈક મળે તો કોઈ છોડે ?

    ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં,
    કંટાળો જાણે કે આખ્ખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં!
    તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
    માઈક મળે તો કોઈ છોડે ?

    ‘છેલ્લી બે વાત’ -એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે,
    છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે,
    સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
    માઈક મળે તો કોઈ છોડે ?

  • આવિષ્કાર (૧૯૭૩)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્ય અને સંગીતકાર કાનુ રોયનું સંયોજન ગજબનું છે. મુખ્યત્વે ઘરના આંતરિક કલહને સચોટ રીતે રજૂ કરતી ફિલ્મના દિગ્દર્શન પર બાસુદાની હથોટી, અને એમાં કાનુ રોયનું સંગીત.

    ૧૯૭૩માં રજૂઆત પામેલી, ‘આરોહી ફિલ્મ મેકર્સ’ નિર્મિત, બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘આવિષ્કાર’ પણ આવી જ એક ફિલ્મ. રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, દીના ગાંધી, સત્યેન કપ્પુ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મમાં પણ ગૃહક્લેશ મુખ્ય વિષય હતો.

    ફિલ્મનાં કુલ ચાર ગીતો હતાં અને એક રાજેશ ખન્નાના મુખે કાવ્યપાઠ. બે ગીતો કપિલ કુમારે લખેલાં, જ્યારે એક ગીત જ્ઞાનદેવ અજ્ઞિહોત્રીએ. એક ગીત પારમ્પરિક હતું. ‘નૈના હૈ પ્યાસે મેરે‘ (આશા ભોંસલે) કપિલનું લખેલું, તો ‘માં કો પુકારકર પૂછા બચ્ચેને’ (મન્નાડે) જ્ઞાનદેવનું લખેલું હતું. જગજિત અને ચિત્રાના સ્વરે ગવાયેલું ‘બાબુલ મોરા નૈહર છૂટો હી જાય‘ પારમ્પરિક ગીત હતું. (આ ઠુમરીના લખનાર અવધના નવાબ વાજિદ અલી શાહ હતા એમ કહેવાય છે).

    (કાનુ રોય)

    જો કે, આ ફિલ્મ કોઈ એક જ ગીતથી યાદ રહી ગઈ હોય તો એ હતું મન્નાડે દ્વારા ગવાયેલા, કપિલ દ્વારા લખાયેલા ગીત ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ થી. આ ગીતના શબ્દોમાં વ્યક્ત થતા દર્દને સંગીતકારે સંયમિત સંગીત દ્વારા વધુ તીવ્ર બનાવ્યું હોય એમ એને સાંભળતાં જ લાગે. ફ્લુટ અને સિતારનું મિશ્રણ દર્દને વધુ ઘેરું કરે છે. મન્નાડેએ પણ એકદમ સંયત સ્વરે આ ગીત ગાયું છે. આ ગીત ફિલ્મના ટાઈટલ સોન્‍ગ  તરીકે વપરાયું હતું.

    ગીતના શબ્દો આ મુજબ હતા.

    हंसने की चाह ने इतना मुझे रुलाया है
    हंसने की चाह ने इतना मुझे रुलाया है
    कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
    हंसने की चाह ने इतना मुझे रुलाया है

    दिल तो उलझा ही रहा ज़िन्दगी की बातों में
    सांसें चलती हैं कभी कभी रातों में
    दिल तो उलझा ही रहा ज़िन्दगी की बातों में
    सांसें चलती हैं कभी कभी रातों में
    किसी की आह पर तारों को प्यार आया है,
    कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
    हंसने की चाह ने इतना मुझे रुलाया है

    सपने छलते ही रहे रोज़ नई राहों से
    कोई फिसला है अभी अभी बाहों से
    सपने छलते ही रहे रोज़ नई राहों से
    कोई फिसला है अभी अभी बाहों से
    किसकी ये आहटें, ये कौन मुस्कुराया है
    कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
    हंसने की चाह ने इतना मुझे रुलाया है

    कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
    हंसने की चाह ने इतना मुझे रुलाया है

    આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.

     


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ફિલ્મી ગઝલો – ૧૦૮. શકીલ નોમાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ઉર્દુ સાહિત્યમાં શકીલ નોમાનીના પુસ્તક ‘ નક્શે તમન્ના ‘ નો ઉલ્લેખ મળે છે. એ જ અહીં ઉલ્લેખેલ ગીતકાર હશે એ સુનિશ્ચિત નથી.

    હિંદી ફિલ્મ ક્ષેત્રે એ અભિનેતા અને ગીતકાર તરીકે જાણીતા હતા. એમણે ‘૫૦ અને ‘૬૦ ના દાયકાની ઉસ્તાદોં કે ઉસ્તાદ, રિપોર્ટર રાજુ, અમર, રાજહઠ, તુ નહીં ઔર સહી, બારૂદ, બંબઈ કી બિલ્લી, કલ્પના, સહારા, બાગી હસીના અને માર્વેલ મેન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.

    ગીતકાર તરીકે દિલ ભી તેરા હમ ભી તેરે, તું નહીં ઔર સહી, મેરા શિકાર, સ્ટેટ એક્સપ્રેસ, રિપોર્ટર રાજુ, મેજિક કાર્પેટ, ડાકુ માનસિંગ, સૈરે પરિસ્તાન, ફ્લાઈટ ટૂ આસામ અને લેડી રોબિનહુડ જેવી ફિલ્મોમાં વીસેક ગીત લખ્યાં. એમાં આ એક જ ગઝલ –

    મૈં બેચેન રહ્યા હું વો જાનતે હૈં, ઉન્હેં મેરી હાલત કી સબકુછ ખબર હૈ
    ઉન્હીં કી તવજ્જો કી યે સાદગી હૈ, ઉન્હીં કી નિગાહોં કા દિલ પર અસર હૈ

    મુહબ્બત દિલોં પર અસર કર ચુકી હૈ, જો કહતી હૈ દુનિયા વો હો કર રહેગા
    મૈં ક્યા ચાહતા હું વો ક્યા ચાહતી હૈ, ન મુજકો ખબર હૈ ન ઉનકો ખબર હૈ

    મિલે ગમ કઝા મેં મૈં કુરબાન જાઉં, સલામે મુહબ્બત કહાં આ ગયા
    વો રાતોં કો રોતી હૈ સોતી નહીં હૈ, જો આલમ ઈધર થા વો આલમ ઉધર હૈ..

    – ફિલ્મ : લેડી રોબિનહુડ ૧૯૫૯
    – નિર્મલા દેવી
    – શાર્દૂલ ક્વાત્રા

    ( આ ગઝલના ત્રીજા શેરના શબ્દો બુદ્ધિગમ્ય નથી લાગતા. અસ્પષ્ટ શબ્દો સાંભળીને લખ્યા હોઈ ભૂલ હોવાનો પૂરો સંભવ છે. )


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ચાતક: વરસાદના દૂતનો ભૂલાયેલો વારસો!

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    દર વર્ષે, સૂકી ધરતી ફરી શ્વાસ લેવાનું શરૂ કરે તે પહેલાં, ગરમ ભારતીય ઉનાળાની શાંતિમાં એક તીક્ષ્ણ, પણ મધુર અવાજ ગુંજી ઊઠે છે – “પિઉ-પિઉ… પિઉ-પિઉ…” આ અવાજને ખેડૂતો, કવિઓ અને પક્ષી પ્રેમીઓએ એક સંકેત તરીકે ઓળખવાનું શીખી લીધું છે: કે વરસાદ નજીક છે.

    આ અવાજ પાઇડ કકૂ નો છે અને ગુજરાતીમાં તેને ચાતક કહે છે, જે એક આકર્ષક કાળું અને સફેદ પક્ષી છે – જે ઘણીવાર તેની પાંખો પર સફેદ રંગના ઝબકારા સાથે આકાશમાં ઉડતું જોવા મળે છે.

    જ્યારે આકાશ ચોમાસાના વાદળોથી ભરેલું હોય છે, ત્યારે આ પક્ષી પોતાની પૂર્વ આફ્રિકાથી ભારત સુધીની સફર કરે છે, ભારતખંડ તરફની વરસાદી હવાઓનો પીછો કરે છે. તેના આગમન સાથે શરૂ થાય છે વાર્તાઓ, પ્રાચીન ગીતો યાદ આવે છે, અને સૂકી ભૂમિ વરસાદના વચનની રાહ જુએ છે.

    [ Pied Cuckoo (Clamator jacobinus)]
    તેના માથા પર સુંદર કાળી ઉભી ચોટલી, ઉપરથી કાળું અને નીચે સફેદ જાણે કોઈ ફિરંગીએ સુંદર કાળો સૂટ પહેર્યો હોય તેવું લાગે જેનાથી તેને તેનું બીજું અંગ્રેજી નામ “Jackobin cuckoo” મળે છે! આવી લાક્ષણિકતાઓ પર થી પાઇડ કુકૂને ઓળખવું ખૂબ સહેલું છે. પાંદડાઓમાં અદૃશ્ય થઈ જતા ઘણા પક્ષીઓથી વિપરીત, આ કુકૂ હિંમતભેર પોતાને જાહેર કરતી હોય તેવું લાગે છે, ઘણીવાર ખુલ્લી ડાળીઓ પર બેસે છે, પ્રજનન ઋતુ દરમિયાન મોટેથી બૂમ પાડે છે. “પિયુ-પિયુ” ના સૂર ગ્રામ્ય વિસ્તારોમાં ગુંજતા હોય છે, ક્યારેક એક બીજા પાછળ ઉગ્રતાથી ઉડી ને પીછો પણ કરે છે, આ વર્તન પ્રણય અને પ્રાદેશિક વિવાદો બંને સાથે જોડાયેલું છે.

    ભવ્ય દેખાતા હોવા છતાં, ચાતક પોતાનો માળો પોતે બનાવતા નથી કે પોતાના બચ્ચાંને ઉછેરતા નથી. તેના પિતરાઇ ભાઇ જેવા, એશિયન કોયલ – જે અજાણ કાગડાના માળામાં ઇંડા મૂકવા માટે પ્રખ્યાત છે – ની જેમ પાઇડ કુકૂ પણ એક બ્રૂડ પેરાસાઇટ છે. આનો અર્થ એ છે કે તે અન્ય પક્ષીઓના માળામાં તેના ઇંડા મૂકે છે, ખાસ કરીને જંગલી લાલેડા (Jungle Babbler), જે ચાતકના બચ્ચાંને પોતાના બચ્ચા તરીકે ઉછેરે છે. ઘણા લોકો કોયલ-કાગડાના સંબંધમાંથી આ વર્તન ઓળખે છે, આ વર્તન ખાલી કોયલ માટે સીમિત નથી, પરંતુ કુકૂ પરિવારના પક્ષીઓની લાક્ષણિકતા છે.

    પર્યાવરણીય દ્રષ્ટિકોણથી, બ્રૂડ પરોપજીવીતા કુકૂને બચ્ચાની સંભાળ રાખવામાં  ઓછો સમય બગડે છે અને તે સમય ખોરાકની શોધ, માદાને આકર્ષવા ગીત ગાવા અને મુક્તપણે સ્થળાંતર કરવામાં વાપરી શકે છે.ભલે આ વર્તન કપટ જેવું લાગે છે, પરંતુ આ વર્તન હજારો વર્ષોથી વિકસિત થયું છે અને સંતુલન જાળવવામાં સૂક્ષ્મ ભૂમિકા ભજવે છે. બેબલર્સ જેવા યજમાન ઘણીવાર ફક્ત એક જ ચાતકના બચ્ચાને ઉછેરે છે અને આમ કરવાથી, તેઓ માળાના સંરક્ષણને સુધારવા માટે પસંદગીયુક્ત દબાણનો અનુભવ કરે છે. પરોપજીવી અને યજમાન વચ્ચેની આ સહઉત્ક્રાંતિકારી શસ્ત્ર સ્પર્ધા કુદરતના જટિલ નિયંત્રણ અને સંતુલનમાં ફાળો આપે છે.

    [Pied cuckoo (ચાતક) કેટરપિલર (ઇયળ)ના કિલ સાથે]
    ભારતમાં તેના ટૂંકા રોકાણ દરમિયાન, ચાતક ઇકોસિસ્ટમમાં સક્રિય ભૂમિકા ભજવે છે. તે મુખ્યત્વે જંતુઓ – ખાસ કરીને રુવાંટીવાળી ઇયળો અને તીડ – ખાય છે જેમાંના ઘણા ખેતીમાં નડતરરૂપ છે. આને ખાઈને, કુકૂ ખેડૂતો માટે કુદરતી સાથી બને છે, જે ચોમાસામાં વનસ્પતિ અને જંતુઓના વિકાસ સાથે થતા રોગચાળાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

    તમે તેને ઝાડીઓ, ખેતરો, બગીચાઓ અને જંગલની ધાર પર જોશો તેવી શક્યતા છે – એવી જગ્યાઓ જ્યાં તેના યજમાન પક્ષીઓ પણ આરામથી રહે છે અને જંતુઓનું જીવન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે ઇલેક્ટ્રિક વાયર, ઝાડની ટોચ અથવા, પર્ણ વિનાની ડાળીઓ જેવી ખુલ્લી જગ્યાઓ પર  બેસવું પસંદ કરે છે, જ્યાં તેઓ માદાને આકર્ષવા ગીત ગાઈ શકે છે, ખોરાક શોધી શકે છે અથવા નજીકના માળાઓ પર નજર પણ રાખી શકે છે.

    ચાતકની સૌથી રસપ્રદ વાત એનો ચોમાસાના પવન સાથેનો  સંબંધ છે. જ્યારે દક્ષિણ ભારતમાં આ પક્ષીની વસ્તી આખું વર્ષ રહે છે, ત્યારે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં (ગુજરાત સહિત) જોવા મળતી વસ્તી –  યાયાવર છે! આ પક્ષીઓ સબ-સહારન આફ્રિકાથી મુસાફરી કરે છે, દક્ષિણપશ્ચિમ સમુદ્ર પાર કરી ચોમાસા પહેલા આવે છે. તેમનું આગમન એટલું યોગ્ય સમયે થાય છે કે, સદીઓથી, લોકો માને છે કે ચાતક તેની પાંખો પર વરસાદ લાવે છે અથવા તો ખાલી વરસાદનું જ પાણી પીવે છે! જે દેખીતી રીતે ગેરમાન્યતા છે!

    આ વાત ખાલી “વરસાદ સમયે જ આ પક્ષીનું આગમન થાય છે” તેવું વ્યક્ત કરે છે!

    આ ટ્રાન્સકોન્ટિનેન્ટલ સ્થળાંતર,જે ટેરેસ્ટ્રીઅલ પક્ષીઓમાં દુર્લભ છે, તેનો હજુ પણ સેટેલાઇટ ટેગિંગ અને રિંગિંગ પ્રોગ્રામ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જોડાણ સ્પષ્ટ છે: પક્ષી ચોમાસાના માર્ગને અનુસરે છે, જ્યારે જમીન લીલી થવા લાગે છે અને યજમાન પક્ષીઓ પ્રજનન શરૂ કરે છે ત્યારે પહોંચે છે – એક સાંકડી બારી જે તેની પ્રજનન સ્ટ્રેટેજી સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે.

    ચાતક: એક કાવ્યાત્મક પ્રતિમૂર્તિ

    ભારતની સાંસ્કૃતિમાં ચાતક એ માત્ર પંખી નથી — એ એક પ્રતીક છે. ઉનાળાની તરસ અને વરસાદની તલબ માટે ચાતકનું આકાશ તરફ જોયા કરવું આપણા અનેક ગુજરાતી અને હિન્દી કાવ્યસંગ્રહોમાં જોવા મળે છે.

    સંત કવિઓએ તેને અખૂટ તપશ્ચર્યા અને અડગ આશાનું રૂપ આપ્યું છે — એક એવું પંખી જે ધરતીના પાણીને નકારીને માત્ર વીજવૃષ્ટિની બૂંદ માટે રાહ જુએ છે.

    સંસ્કૃત માં સરસ રીતે લખાયું છે કે:

    रे रे चातक सावधान मनसा मित्र क्षणं श्रूयाताम्
    अंभोदा बहवो वसंती गगने सर्वेपि नैतादृशा:
     केचिद वृष्टिभिराद्रयन्ति बसुधां, गर्जन्ति केचिदवृथा
     यं-यं पश्यति तस्य तस्य पुरतो मा बुहि दीनं वच:

     [અરે ભલા ચાતક! જરા ખ્યાલ તો કર ! આભમાં અનેક પ્રકાર ના વાદળ હોય છે. એમાંથી કેટલાક અનરાધાર વરસે છે અને કેટલાક ઠાલાં ગરજે છે. ત્યારે એમાં ઓળખ્યા વિના જ્યાં ત્યાં “પિયુ પિયુ” નાં વેણ શા માટે ઉચ્ચાર્યા કરે છે?]

    અવારનવાર પ્રશ્ન થાય — એવી સુંદર રચનાઓ હવે ક્યાં ગઈ? આજે ચાતક જેવા પ્રતિકાત્મક પંખીઓનું ઉલ્લેખ હવે માત્ર સાહિત્યિક ઇતિહાસ માં જ કેમ છે?

    એ સમયે, માણસ પાસે મનોરંજન અને સમય પસાર કરવાના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હતા. કાં તો તમે કોઈ કલા શીખો (લેખન, વાંચન, ગાયન, નૃત્ય વગેરે) અથવા તો કુદરત સાથે સમય પસાર કરો(ડુંગરા ચડો, વાડીએ બેસો, નદીએ નહાવા જાઓ વગેરે)— એ જ બે રસ્તા હતા.

    જેના કારણે તે સમયના સાહિત્યમાં, સંગીતમાં અને ચિત્રકળામાં મોટા ભાગે કુદરતનાં નમૂનાઓ, ઋતુઓ, પશુ–પક્ષીઓ, વૃક્ષો વગેરે જોવા મળે છે.

    આજના સમયમાં,“ચીલ–ઝડપે” બદલાતી દુનિયાએ કુદરત સાથેનો સંબંધ નબળો કરી નાખ્યો છે, પહેલા તો આવી વાર્તાઓ અને કવિતાઓ ઘરડા વ્યક્તિઓ પોતાના પુત્ર/ પૌત્રને કરતાં, પણ હવે તે આચરણ કરવામાં આવતું નથી અને કુદરતની સાથે–સાથે આપણા સાહિત્યિક વારસા પર પણ વિલુપ્ત થવાનું જોખમ છે!

    ચાલો, ચાતકને માત્ર કાવ્યમાં નહીં, પણ આપણી નજરે જોવાનું શીખીએ! તેનો વ્યવહાર વિષે જાણીએ તેને બચાવીએ, અને તેને બચાવવા માટે તેના રહેઠાણ, ખોરાક, યજમાન પક્ષીઓ (હોસ્ટ પક્ષીઓ, જેના માળામાં ચાતક ઈંડા મૂકે છે)ને પણ બચાવીએ!


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • “સહકાર” એક જબરું સામુહિક બળ……..ખેડૂતો માટે પણ

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    એક ડબીમાં કપૂર અને હીંગ બન્નેને ભેળાં મૂકવામાં આવ્યાં, એક નહીં, પૂરા પાંચ વરસ સુધી ભેગાં રાખ્યાં ! પાંચ વરસ પછી પણ કપૂરની અસર હીંગને ન થઈ, અને હીંગની અસર કપૂરને ન થઈ ! કપૂર કપૂર જ રહ્યું અને હીંગ હીંગ જ રહી ! એકલસુડી માનસિકતાનો આ થયો ઉત્તમ નમૂનો !

    એ જ રીતે કપૂર હીંગની જેમ એક પ્યાલામાં દૂધ અને સાકર ભેળાં કરો ! પણ આમનું સાથે રહેવાનું પરિણામ એ આવશે કે એકબીજાના સહકારથી દૂધ દૂધ મટી જશે અને સાકર સાકર મટી જશે ! દૂધ અને સાકર એકબીજામાં એવા એકાકાર બની જઈને બન્નેના ભેળા સ્વાદવાળું મીઠું ને મધુર પીણું બની જશે ! આ દૂધ અને સાકર બન્નેના પરસ્પરના સહકારનું, પરસ્પરના સ્વાર્પણનું જ  પરિણામ ગણાયને મિત્રો !

    આમ આપણે  ખેડૂતો એકબીજાની સાથે હિંગ અને કપૂરની જેમ રહીએ તો છીએ ભેળા ભેળા જ ! પણ એક બીજાની નીકટ આવતા નથી, એક બીજા સાથે મનથી- દિલથી હળીભળી શકતા નથી. હા, ભળવાનો દેખાવ જરૂર કરીએ છીએ-સ્નેહમિલનો યોજાય છે, જમણવારો થાય છે, સભાઓ અને સંમેલનો ગોઠવાય છે, અરે, ઉત્સવો ઉજવાય છે. પણ એ પૂર્ણ થયે પછી પાછા સૌ થઈ જઈએ છીએ હતા એવાને એવા એકલહૂડા-સાવ નોખા ને નોખા !

    બીજા ધંધાર્થીઓ ખેડૂતોની માનસિકતા બાબતે ટીકા કરતા હોય છે. એ લોકોને એવું કહેતા મેં અનેકવાર કાનોકાન સાંભળ્યા છે કે “જો ચીભડાંની ગાંહડી સરખી રીતે બંધાય તો ખેડૂતોનું સંગઠન સધાય !” ગાંસડીમાંથી કેટલાક ચીભડાં બહાર વેરાયા વિના ન રહે ! એમનો કહેવાનો ભાવાર્થ બસ એવો જ છે કે ખેડૂતોમાં એકબીજાને સહકાર આપવાની ભાવનાની ઊણપ છે. શું એમની આ વાત સાચી છે ? જો “હા” હોય તો હવે આવું ચાલવાનું નથી.

    “વિના સહકાર- નહીં ઉદ્ધાર” એ કહેવત ખરેખર સાચી છે. કોઇ એકલો સર્વસંપૂર્ણ નથી. એક વાર્તા છે ને કે એક હતો આંધળો અને એક હતો લંગડો ! બન્નેને નદી પાર કરવી હતી. નદી બહુ ઊંડી ન હતી, પાણી ધીમે ધીમે વહી રહ્યું હતું. આંધળો જોઇ શકતો નહોતો અને લંગડો ઊભો ઊભો ચાલી શકતો નહોતો. પોતપોતાની રીતે  નદીપાર કરવા બન્ને અશક્ત હતા. હવે શું કરવું ? એવામાં આંધળાને ઉપાય સુજ્યો, લંગડાને કહે, “ મિત્ર ! આપણે એકલા એકલા તો સામે કાંઠે જઈ શકવાના નથી ? પણ આપણે જો એકબીજાની મદદમાં રહીશુ તો જરૂર નદી પાર કરી શકશું. તું ચાલી શકતો નથી, તો મારી પીઠ પર બેસીજા. તું તો બધું જોઇ શકે છે, એટલે તું મને રસ્તો બતાવજે અને મારા બન્ને પગ સલામત છે એટલે હું નદીના પાણીમાં ચાલતો રહીશ, અને એ રીતે આપણે બન્ને નદી પાર કરી જશું.” અને એ રીતે એકબીજાના સહકારથી આંધળો અને લંગડો બન્ને નદી પાર કરી ગયા.

    એકલા હાથથી તો તાળી પણ નથી પાડી શકાતી તો બીજાં મહત્વના કાર્યો તો શી રીતે થઈ શકે કહો !

    હું માલપરાની લોકશાળામાં અભ્યાસ કરતો હતો તે દિવસોમાં અમે વિદ્યાર્થીઓ એક ટુચકો ભજવતા. એક સાધુ મહાત્માને બકરીનું નાનકડું બચ્ચું ખંભે ઉપાડી ચાલ્યા આવતા જોઇ થોડે દૂર રસ્તાને કાંઠે ઊભેલા ત્રણ ઠગ લોકોની ડાઢ ડળકી. અને ત્રણે એ અંદરો અંદર મસલત કરી વાળી કે મહાત્મા પાસેથી બકરીનું બચ્ચું પડાવી લીધે પાર છે ! ત્રણે જણ થોડા થોડા અંતરે ઊભા રહી ગયા અને ક્યારે મહાત્મા નજીક આવે એની રાહ જોવા લાગ્યા. જેવા મહાત્મા નજીક આવ્યા કે પ્રથમ ઊભેલા ઠગે કહ્યું, “ અરે મહાત્મા ! આ કુતરીના બચ્ચાને ખભે ઉપાડી ક્યાં લઈ જાઓ છો ?” સાધુ મહાત્મા કહે, “કૂતરીનું બચ્ચું નથી, બકરીનું છે. મને એક માલધારીએ આશ્રમે લઈ જઈ, મોટું કરી, દૂધ પીવામાં ખપમાં આવે એ માટે દાનમાં આપ્યું છે.” કહી સાધુ તો ચાલવા માંડ્યા.

    થોડે દૂર ગયા ત્યાં બીજો ઠગ મળ્યો. તેણે કહ્યું, “અરે મહાત્મા આ કૂતરું કેમ ખભે ચડાવ્યું છે ? શું હવે આશ્રમમાં કૂતરાં પાળવાનો ધંધો શરુ કર્યો છે ?” મહાત્માને થયું, “કેમ બીજોયે આમ કહે છે ? લાવ બરાબર જોઇ લઉં” કહી બચ્ચાં સામું આંખ ફેરવી જોઇ જોયું. અને મનોમન બોલ્યા, “કાંઇ, કૂતરું નથી લાગતું, છે તો બકરું જ !“  વળી આગળ ચાલવા માંડે છે ત્યા થોડે દૂર ગયા ત્યાં ત્રીજો ઠગ મળી ગયો. એ કહે “અરે અરે. સાધુ મહાત્મા ! આ કૂતરાને ખભે ઉચકીને ક્યાં લઈ જાઓ છો ?” ત્રણેય જણની એક સરખી વાત સાંભળી મહાત્માના મનમા ઠસી ગયું કે “જો બધા જ કહે છે કે મારા ખભે જે બચ્ચું છે તે કૂતરીનું છે. તો સાચેસાચ એ કૂતરીનું જ હોવું જોઇએ” એવું વિચારી ભફ કરતું બચ્ચું નીચે ફેંકી પોતે હાલતા થઈ ગયા ! અને પછી પેલા ત્રણેય ભેળા થઈ બકરીના એ બચ્ચાને ઉપાડી ગયા. આમ કોઇને છેતરી પાડવા જેવા કામમાં લાગેલી ટોળીએ પણ એકબીજાનો સહકાર મેળવવો પડતો હોય તો સારા કાર્યોમાં તો કેવાય રૂડાં પરિઁણામો મેળવી શકાતા હોય છે.

    ઝીણા જીવો અને પશુ પક્ષીઓમાં પણ સહકારી ભાવના :

    કીડી-મકોડા જેવા ઝીણા જીવડાંને એકલ દોકલ રૂપમાં જમીન પર ચાલતું આપણે ક્યારેય ભાળશું નહીં. કીડી-મકોડીને ખપતા કોઇ ખાદ્ય પદાર્થની ગંધ તેનું નાક ઘણે દૂરથી મેળવી લેતું હોય છે. અને કીડી એની પાસે પહોંચ્યા ભેળી તે પદાર્થને ખાવા નથી લાગી જતી. તે ચીજને અડકી-તરત જ બીજી કીડીઓને સંદેશો દેવા દોડાદોડી કરવા માંડે છે અને જોતજોતામાં અસંખ્ય કીડીઓ એ પદાર્થ પાસે પહોંચી જઈ, સૌ સાથે મળી તેને યોગ્ય જગ્યાએ ખસેડવાની મહેનતમાં લાગી જાય છે. તમે માનશો ? કીડી પોતાના વજનથી પચાસગણું વધારે વજન ઢસડી જવાની શક્તિ ધરાવતી હોય છે.

          ખેડૂતોની વાડીઓની ઊભી મોલાતોને ખાઈ-ખુંદી બગાડી નાખવાના ઇરાદે દિવસ-રાત ભમતાં રાની રોઝડાં, ભુંડડાં-હરણાં અને રેઢિયાર ખુંટડાઓ પણ સહકારી મંડળી રચીને જ વાડી પર ત્રાટકતા આપણે કયાં નથી જોઇ રહ્યા ? એને પણ એવી ભાન હોય છે કે એકલદોકલ રીતે હલ્લો કરવામાં એટલી કામયાબી નથી મળતી જેટલી સમૂહમાં રહેવાથી મળે છે, બોલો !

        અરે, આપણા આંગણ-શેરીઓમાં કે વાડી-ખેતરોમાં ભમતા-ફરતા પંખીડાંની હલચલ પર ક્યારેક નિરાંતવા નજર કરશું તો ભાળશું જ કે કબુતરાં, ચકલાં, કાબરો, વૈયાં, લેલાં કે કાગડા, બગલાં, પોપટ-સૂડા, જેવા પક્ષીઓ પણ સમૂહમાં એકબીજાના સહકારથી ભેળા ભેળા જ ટોળાબંધ જ રહેતાં અને ઉડતાં ભાળીએ છીએ. અરે સુગરી તેનો માળો પણ એકલ દોકલ રીતે નહીં, જે ઝાડ પર બનાવે ત્યાં ક્યારેક નજર કરજો, ત્રણ ચારથી માંડી વીસ-પચીસ જેટલી સંખ્યામાં જૂલતા હીંચકાની આખી વસાહત ઊભી કરેલી ભળાશે !

           લાઇનબદ્ધ રીતે આકાશે ઉડતા કુંજ પક્ષીઓમાં રીતસર એવી સમજણ હોય છે કે સૌએ લાઇનબદ્ધ રીતે જ ઉડવું. ઉડવામાં પવનનો અવરોધ ખુબ જ આવતો હોવાથી જુવાન અને શક્તિશાળી હોય તેવા 2-5 પક્ષીઓ સૌથી મોખરે, પછી વચ્ચે ઘરડાં-બુઢાં-બીમાર અને નાની વયના, અને છેલ્લે પાછા સશક્ત હોય તેવાએ રહેવાનું હોય છે. આવી વ્યવસ્થાને ચૂસ્તપણે સૌએ વળગી રહેવાનું હોય છે અને એટલે જ સૌ સલામતરીતે ધાર્યો પ્રવાસ વિના વિઘ્ને કરી શકે છે, તેવી સમજણ પ્રકૃતિએ પંખીઓમાં પણ આપી છે, અને એ પ્રમાણે એનો અમલ એ સમાજ બહુ ચીવટ લઈને કરે પણ છે.

          અમે પતિપત્ની બન્ને ઇઝ્રાઇલ ખેતી જોવા-સમજવા અને વિશ્વકૃષિમેળો માણવા ૨૦૧૫માં ત્યાં ગયાં હતાં. ત્યાંથી આપણ-ખેડૂતોને ઉપયોગી ઘણી બધી બાબતો જાણવા-સમજવા મળી. તે ઉપરાંત ત્યાં ૫૦ -૬૦ અને ૧૦૦ -૧૨૫ ખેડૂત કુટુંબો સહકારી ભાવનાથી ભેળા ભેળા જ રહેતા હોય, બધાં જ એક રસોડે જમતાં હોય, બધાનાં કપડાં એક લોંડ્રીમાં ધોવાતાં હોય, બધાંના બાળકો એક નિશાળમાં ભણતાં હોય, બધાને એક સરખા કલાક કામ કરવાનું હોય, પછી કામ ભલે પોતપોતાની આવડત પ્રમાણે સૌએ કરવાનું હોય પણ વેતન દરેકને સરખું મળતું હોય, અને વરસ દા’ડે ખેતી અને અન્ય ધંધામાંથી માંથી મળતો નફો પણ સૌને સરખે હિસ્સે મળતો હોય એવા કેટલાક “કિબુત્સ” ની અમે મુલાકાત લીધી હતી. એકબીજાના સહકાર સાથે રહેવાના કેવા કેવા લાભો એ લોકો મેળવી રહ્યા છે તેની વાતો જાણી અમે તો દંગ રહી ગયા હતા.

    આપણે એકબીજાને સહકાર દાખવતા થઈ જઈએ તો :

    આપણામાં કહેવત છે કે “પહેલો સગો પાડોશી” આપણે રહ્યા ખેડૂત. વ્યવસાય હોય ખેતીનો. આપણા ખેતર-વાડી ફરતી એ કોઇને કોઇની જમીન તો આવેલી જ હોય ! એટલે એ જમીનવાળા થયા આપણા શેઢાપાડોશી ! એમની સાથે સહકારભર્યું વર્તન હોય તો આપણી ઘણી ચિંતા ઓછી થઈ જાય, જેમકે કોઇ કારણસર આપણે વાડીથી દૂર જવાનું થાય ત્યારે તેઓને ભલામણ કરી દઈએ કે “ભૈલા, ધ્યાન રાખજે વાડીનું-ઘડીક” તો કોઇ રેઢિયાર ઢોરું-હરણાં-રોઝડાં કે બાંગરિયા ખુંટિયા તો શું કોઇ અસાગરા માણસો સુધાંના દેન નથી કે રેઢી વાડીમાં ઘુસી નુકશાન કરી શકે !

         અરે, વાડી લઈને બેઠા હોઇએ એટલે કામોય કેટલાય પ્રકારના હોય અને પાર વિનાના સાધનોનોય ખપ પડતો હોય છે. કોશ-કોદાળી-પાવડો-તગારાં-ત્રિકમ-ચીપિયો, ખંપાળી-કુહાડો-ધુંસરી-પાના-ચલાખા-પછેડી-બુંગણ-કે દાતરડી-જેવા કોઇને કોઇ સાધનની ઓચિંતાની જરૂર ઊભી થાય કે ક્યારેક વળી રેંકડામાં પંચર પડી જવું કે દવા છાંટવાનો પંપ બગડી જવો,કે બળદ લૂલો થઈ જવા જેવા સાધન સરંજામના ખોટકા-ભાટકા વખતે શેઢાપાડોશી જ ભેરે આવે જો આપણે એની સાથે સહકારભર્યું વર્તન રાખ્યું હોય તો !

         ખેતી કામમાં અકસ્માતો ઓછા નથી ઊભા થતા. ક્યારેક કોઇ બાંગરિયું છોકરું કાંટાળી વાડમાં મધ પાડવા ગયું, ને વાડ સળગી તો ? ખળામાં બાજરાના ડુંડા તપાવવા પહોળા કરેલા હોય અને ઓચિંતાનો વરસાદ હરુડવા માંડે તો ? વાડીના ગાય-ભેંશને પ્રસુતિની પીડા ઉપડે અને છૂટકારો ન થતા ડૉક્ટરને તેડાવ્યા પછી નિદાન કરે કે “બચ્ચું આડું છે, જાનવરને સુવરાવી ગોળ ગોળ દોડવવું પડશે એવું કહે તો ? આવા અણધાર્યા આકસ્મિક પ્રસંગે એકલા માણસ શું કરી શકીએ કહો ! પાડોશી સાથે સહકારભર્યું વર્તન હોય તો સાદ કર્યા ભેળા તેઓના સાતેય કામ પડતા કરી આપણી મદદમાં હાજર થઈ જાય ને ?

          જાહેર સહકારી ભાવનાની વાત કરીએ તો આજે ગામડે ગામડે જે સહકારી મંડળીઓ કાર્યરત છે તે સહકારી ભાવનાનો ઉત્તમ નમૂનો છે. આણંદ અને મહેસાણા વિસ્તારમાં દૂધ સહકારી મંડળીઓ અને એના થકી ચાલતી અમૂલ જેવી દૂધ ડેરીઓ પણ સહકારી ભાવનાના ઉત્તમ અને પ્રેરણાદાયી નમૂનાઓ છે. પણ માત્ર “દૂધ” એક ખેડૂતોની પેદાશ નથી. દૂધ ઉપરાંત પણ અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, મસાલા, તેલીબિયાં અને રૂ-રેસાના પાકો પણ ખેડૂતો પકાવીએ છીએ. તે બધાનું વેચાણ પણ એકલ દોકલ ધોરણે જે થઈ રહ્યું છે તેને બદલે સહકારી રીતે વિવિધ સંગઠનો શરૂ કરાયા હોય તો વધુ સારા ભાવો જરૂરથી મળી શકે.

    અને એવું જ ખેતીમાં વપરાતા ખાતર-બિયારણ-પાકરક્ષક દવાઓ અને નાના મોટા ખેત ઓજારોની ખરીદીમાં પણ એકલદોકલ રીતે ખરીદ કરવામાં બહુ માર ખમવાનો થાય છે. અમે “કૃષિ વિકાસ મંડળ” ના  સભ્યોએ ભેગા મળી, થોડી મૂડી ઊભી કરી એક “અપના કિસાન મોલ” શરૂ કર્યો, અને જથ્થાબંધ રીતે જણસોની ખરીદી કરી બજાર કરતા ઘણા બધા ઓછા ભાવે ખેડૂતોની છૂટક જરૂરિયાતો  પૂરી પાડી શકાય છે તેવો સફળ અનુભવ અમોને રહ્યો છે.

    એવું જ કેટલીક મૂલ્યવર્ધિત પ્રક્રિયાઓ દરેક ખેડૂત માટે વ્યક્તિગત રીતે કરવી સંભવ નથી. એમાં જોઇતું મૂડી અને સમયનું રોકાણ જો સહકારી ક્ષેત્રે જવાય તો જ ઊભું કરી શકાય તેમ છે. દુનિયાના તમામ અર્થકારણોમાં સહકારી પદ્ધતિ જ સર્વશ્રેષ્ઠ પૂરવાર થઈ છે. પરંતુ તે માટે આપણે સૌએ સંકુચિત કુટુંબભાવનાની જગ્યાએ સામૂહિક જીવનભાવના લાવવી જરૂરી થઈ પડે છે.

    મિત્રો ! ચારેકોર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે ચાલુ નોકરિયાતોના સંગઠન હોય, નિવૃત નોકરિયાતોના સંગઠન હોય, વેપારીઓના સંગઠન હોય, ઉદ્યોગકારોના, ટ્રક માલિકોના, રીક્ષાવાળાના, અરે ! દાઢી-બાલ કરનારા અને ઢોલ વગાડનારાના પણ જો સંગઠનો હોય અને એ લોકો એ સંગઠનના જોરે પોતાનો અવાજ સરકારમાં રજુ કરી, [એ અવાજ માત્ર એક વ્યક્તિનો નહીં પણ એક સહકારી સમાજ-સંગઠનનો અવાજ હોઇ, સરકારે પણ સાંભળવો પડે] ધાર્યા કાર્યો કરાવી શકતા હોય તો પછી જ્ઞાતિ-જાતિની વાત છોડો-જે ખેતી કરે છે તે બધા ખેડૂતો ગણાય. ગણતરી કરીએ તો કેટલી વિશાળ ખેડૂતોની સંખ્યા થાય ? અને છતાં ખેડૂતોનો અવાજ સરકારના કાને ન ધરાતો હોય તો કારણ બસ આ એક જ છે કે આપણા ખેડૂત સમાજમાં સહકારની ભાવના ખૂટે છે, અને ખેતીકરનાર વર્ગનું મજબુત સંગઠન નથી.

    મનુભાઇ પંચોળી-દર્શક તો એટલે સુધી કહેતા કે વાત સાવ સાચી હોવા છતાં તેનું ધાર્યું પરિણામ લાવવું હોય તો “સત્યને પણ સંગઠિત થવું પડતું હોય છે.” સાવ સાચી વાત કહી છે એમણે. આપણે ત્યાં જિલ્લા અને રાજ્ય લેવલે ખેડૂતોનું એક બિપિનભાઇ દેસાઈ વાળું  “ખેડૂત સમાજ” નામક સંગઠન કાર્યરત છે, એના દ્વારા ખેડૂતોના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેના સફળ પ્રયત્નો પણ થયા છે, છતાં હોવો જોઇએ એટલો ટેકો ખેડૂતો તરફથી મળી રહ્યો નથી એ પણ એટલી જ સાચી વાત છે, જે ખરેખર ખેડૂતોની નબળાઇ જ ગણાય. એ બાબતે જાગૃત થઈ, આ નબળાઇ આપણે જેટલી વહેલી ખંખેરશું એટલા વહેલા બે પાંદડે થઈશું.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • હાસ્યમિમાંસા

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    ‘વિચાર કરતાં વિધિ હસે છે,
    ધન દાટતા, ધરા હસે છે,
    શસ્ત્ર સજો, ત્યાં કાળ હસે છે,
    મૂરખને જગ આખું હસે છે,
    મૂરખ મનમાં સૌને હસે છે’

    (જૂની રંગભુમિનું ગીત)

     

    થોડા દિવસો પહેલા ક્યાંક વાંચવામાં આવ્યું કે માત્ર માણસ જ નહિ કેટલાક પ્રાણીઓ પણ હસે છે. ઉંદર, ડોલ્ફિન, ઘુવડ કૂતરાં અને ઘોડા હસે છે, પરંતુ બિલાડી હસતી નથી. પ્રાણીશાસ્ત્રીઓએ ‘હસતાં’ અને ‘નહિ હસતાં’ પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું છે કે નહિ તેની અમને જાણ થઈ નથી, પરંતુ પ્રાણીઓનાં ખુશ થવાને અને હસવાને સબંધ હોય તેમ લાગે છે. ગધેડાં ખુશ થાય છે ત્યારે ભૂંકે છે અને તેમનાં ધ્વનિંમાં માત્ર સ્વર જ હોવા છતાં વ્યંજન તરીકે ‘ચ” ને ઘૂસાડીને “‘હોંચી હોંચી’ એવું જ સાંભળવું’ એમ કોઇ આદી શ્રોતાએ ઠરાવ્યું હોય તેમ લાગે છે. જે કાંઇ હોય પરંતુ ગધેડાની હસવાની આ રીત હશે એમ માની શકાય.

    ગધેડાને વૈશાખનંદન કહેવા પાછળ તે વૈશાખ મહિનામાં વિશેષ ભૂંકે છે તેવું કારણ આપવામાં આવે છે. પરંતુ તે વૈશાખ મહિનામાં જ કેમ વધારે ભૂંકે છે તેનું કારણ જાણ્યું નથી. વિચાર કરતા લાગે છે કે વૈશાખ મહિનામાં લગ્નગાળો હોય છે અને લગ્ન કરવા જતા મૂરતિયાઓને જોઈને ગધેડાને હસવું આવતું હશે. તેઓ મનોમન વરરાજાઓને કહેતા હશે, “બેટાઓ આજે ભલે ખુશ થાઓ, પરંતુ પછી તો તમારા નસીબે અમારી જેમ ભાર વહન કરવાનો જ આવશે”!

    હસવાની બાબતે ગધેડાપુરાણ જરા લંબાઈ ગયું. આપણે વાત તો કરવી છે માણસનાં હસવાની. માણસ હસે તો છે જ પરંતુ તે એક જ પ્રકારે હસતા નથી. પ્રકારપ્રેમી વિદ્વાનોએ જેમ ૬૪ પ્રકારની કળાઓ, માતાજીના ભક્તોએ જેમ
    ૬૪ પ્રકારની જોગણીઓની વાત કરી છે તેમ એક હાસ્ય લેખકે માણસનાં હસવાંના પણ
    ૬૪ પ્રકારો પાડ્યા છે. હાસ્યના આ ચોસઠેચોસઠ કળાના નામ વર્ણવવાનો ઉપક્રમ રાખીને વાચકોને ત્રાસ આપવા માગતો નથી આથી લૂચ્ચું હાસ્ય, ખંધુ હાસ્ય, અટહાસ્ય વગેરે નમૂના પૂરતા નામો લખ્યાં છે.

    જાણકારો કહે છે કે હસવું એ માણસની મૂળભૂત જરૂરિયાત છે. પ્રાચીન કાળથી મનુષ્યની આ જરૂરિયાત પૂરી કરવાના પ્રયાસો થતા રહ્યા છે. આપણાં પ્રાચીન નાટકોમાં રાજાને હસાવવા માટે ખાસ વિદુષક નામનો હોદ્દો રાખવામાં આવતો. તે વખતનાં બંધારણમાં હોદ્દાની રૂએ વિદુષકને રાજાના અંગત મિત્ર તરીકે અને સલાહકારની ફરજ પણ બજાવવાની રહેતી. પરંતુ લોકશાહીમાં પ્રજા એ જ રાજા હોવાથી રાજકીય પક્ષો પ્રજાને હસાવવા માટે વિદુષક તરીકે કેટલાક પ્રવક્તાઓની પસંદગી કરતા હોય છે.

    જૂની રંગભૂમિમાં નાટકની ગંભીરતાથી ઘેરાયેલા પ્રેક્ષકોને મુક્તિ અપાવવા મુખ્ય નાટકને સમાંતર એક પ્રહસન રાખવામાં આવતું જેથી પ્રેક્ષકો મુક્તપણે હસી શકે. એ જ રીતે વાચકો માથેથી ગંભીર વાચનનો ભાર ઉતારવા માટે સાહિત્યમાં પણ હાસ્ય લેખોનો એક વિભાગ રાખવામાં આવતો હોય છે. રસાયણશાસ્ત્રમાં નાઈટ્રસ ઓક્સાઈડ નામના એક વાયુને લાફિંગ ગેસ એવું નામ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ વાયુનો ઉપયોગ ડીપ્રેસનના દરદીઓની સારવાર માટે કરવામાં આવે છે.

    હંમેશા ખલનાયકની ભૂમિકા ભજવેલી હોવાથી અભિનેતા પ્રાણને હાસ્યનું મૂલ્ય કેટલું તેની ખબર ન હતી. આથી તે ફિલ્મ જંજીરના એક ગીતમાં અમિતાબ બચ્ચનને “તેરી હસીકી કિમત ક્યા હૈ? બતા દે તું” એવો સવાલ કરે છે!

    હાઈસ્કુલમાં અમારે કાકાસાહેબ કાલેલકરનો ‘હકીમસાહેબ’ નામનો એક પાઠ ભણવામાં આવતો. કાકાસાહેબ બાળક દત્તુ હતા ત્યારે એક વખત બીમાર પડેલા. તેમની સારવાર એક હકીમ સાહેબ કરતા. આ હકીમસાહેબ તેમને દવાની પડીકીઓ તો આપતા ઉપરાંત રમૂજી વાતો પણ એવી કરતા કે બાળક દત્તુ હસી પડતો. સાજા થયા પછી કાકાસાહેબે નોંધ્યું છે કે તેઓ નક્કી કરી શક્યા ન હતા કે પોતે હકીમસાહેબની દવાને કારણે બીમારીમાંથી મુક્ત થયા કે તેમની વાતોથી!

    નિષ્ણાતોએ હાસ્યનો આરોગ્ય સાથેનો સબંધ વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા પ્રયાસો કર્યા છે. તેમના મત મુજબ માણસની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રજીવક સી યોગ્ય પ્રમાણમાં હોવું જોઇએ. ખોરાક કે દવા તરીકે પ્રજીવક સી લેવાને બદલે માણસ ખુશ થઈને હસે તો પ્રજીવક સી વધારે ઉત્પન્ન થાય છે. આ અંગે નોર્મન કઝિ‌ન્સ નામના એક અમેરિકન લેખકે કરેલો પ્રયોગ જાણીતો છે. પ્રયોગની વિગતો તેમણે પોતાનાં Anatomy of illness નામનાં પુસ્તકમાં વર્ણવી છે. ગંભીર રીતે બીમાર પડનારને આપણે હોસ્પિટલમાં એડમિશન અપાવી દેતા હોઈએ છીએ પરંતુ નોર્મન કઝિ‌ન્સનો પોતાનો અભિપ્રાય હતો કે ગંભીર રોગના દરદી માટે હોસ્પિટલ સહેજ પણ યોગ્ય સ્થળ નથી! પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે પોતાને આરામ કરવાનો સમય હોય ત્યારે હોસ્પિટલના માણસો ટેસ્ટ કરવા માટે લોહીના નમૂનાઓ લેવા આવતા. ક્યારેક તો ભર ઉંઘમાંથી જગાડીને લોહીનો નમૂનો લેતા. કેટલાક ટેસ્ટ તો તેમને બીનજરૂરી લાગતા હતા આથી તેમણે એવું વિધાન પણ કર્યું હતું કે અમુક ટેસ્ટ તો હોસ્પિટલ પોતાની કાબેલિયત દર્શવવા માટે જ કરતી હોય તેમ લાગે છે! આથી તેઁમણે હોસ્પિટલ છોડી દીધી અને એક હોટેલમાં આશરો લીધો જ્યાં તેમણે કોમેડી ફિલ્મો જોઇ અને તેમાંથી નિષ્પન થયેલા હાસ્યે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી. છેવટે તેઓ અસાધ્ય બીમારીમાંથી બહાર આવ્યા.

    આરોગ્યના રક્ષકોએ નોર્મન કઝિ‌ન્સનો દાખલો લઈને દર્દીના ઉપચારમાં હાસ્યનો ઔષધ તરીકે ઉપયોગ કેમ કર્યો નથી એ મને સમજાતું નથી! મારી વણમાગી સલાહ છે કે દરેક જનરલ હોસ્પિટલમાં જેમ ફિઝિયોથેરેપીનો અલગ વોર્ડ હોય છે તેમ એક હાસ્યનો વોર્ડ પણ હોવો જોઈએ. આ વોર્ડમાં શાહબુદ્દીન રાઠોડ સાહેબ જેવા હાસ્ય કલાકારોને બોલાવીને લોકોને હસાવવા જોઇએ.

    હાસ્યના પ્રકારકારોએ માણસની મૂછને હાસ્ય સાથે જોડીને મૂછમાં હસવું એવો પ્રકાર પણ કહ્યો છે. અન્યને જાણ ન થાય તે રીતે હસવાને ‘મૂછમાં હસવું ’ એમ કહેવાય છે. માત્ર પુરુષોને જ હોવા છતા સ્ત્રીઓના આ પ્રકારે હસવાને પણ ‘મૂછમાં હસવું’ કેમ કહેવાતું હશે એવો સવાલ જિજ્ઞાસુઓને થવો સ્વાભાવિક છે. કદાચ અહીં મૂછનો પ્રયોગ દ્ર્વ્યવાચક નામ તરીકે નહીં પણ સ્થળવાચક તરીકે થતો હશે! ખેતરમાં મોલ ઊભો હોય કે ના ઊભો હોય પણ ખેતરને તો ખેતર જ કહેવું રહ્યું!

    હાસ્યવિદોના જણાવ્યા પ્રમાણે હાસ્ય ચેપી હોય છે. એકનાં હસવાની અસર થતા બીજો પણ હસે છે. પરંતુ દરેક વખતે એ સાચું નથી હોતું. કેટલીક વખત એક વ્યક્તિનું હસવું અન્ય માટે દુ:ખદ કે અપમાનજનક હોય છે. રસ્તા ઉપર માણસ એકાએક પડી જતા માણસને જોઇને લોકોને હસવું આવતું હોય છે. આને કારણે પેલી વ્યક્તિને અપમાન કે મજાક જેવું લાગે છે. પરંતુ કેટલક ખેલદિલ માણસો પડી ગયા પછી પોતે પણ હસવા લાગતા હોય છે. આમ ઝેરનું મારણ ઝેર એ જ્ઞાન કામે લગાડીને પોતે પણ હસવા લાગે તો તેને અપમાનની અસર થતી નથી.

    હાસ્ય એ કુદરતે માણસને આપેલી અમૂલ્ય ભેટ હોવા છતાં તેનો દુરુપયોગ પણ થતો હોય છે. મહાભારતની કથા પ્રમાણે પાંડવોએ રાજસૂય યજ્ઞ સમયે એક રંગ મહેલ બનાવ્યો હતો અને એ જાદુઇ રંગમહેલમાં દુર્યોધનને જળની જગ્યાએ સ્થળ દેખાતા તે પાણીમાં પડી ગયા જેથી દ્રૌપદી દુર્યોધનનો ઉપહાસ કરતી હસવા લાગી, કહેવાય છે કે તેથી જ મહાભારતના યુદ્ધનાં બીજ રોપાયાં.

    આમછતાં માણસનું નિર્દોષ અને નૈસર્ગિક હાસ્ય તો લાભકારક જ છે. પરંતુ હાલના તણાવના યુગમાં નૈસર્ગિક હાસ્ય લુપ્ત થતું જાય છે. માણસોએ (ક્રુત્રિમ)હસવા માટે લાફિંગ કલ્બો ઉભી કરવી પડે છે. ઉપરી સાહેબે કે કોઈ કહેવાતા મોટા માણસે કહેલી જોકમાં કૃત્રિમ રીતે હસવું પડે છે. માણસ આલ્બર્ટ કામુંના પુસ્તક ‘ આઉટસઈડર’ના નાયક જેવો સંવેદનહીન બની ગયો છે. હસવાનું તો ઠીક રડવાનું પણ ભૂલતો જાય છે. એમ લાગે છે કે લાફીંગ ક્લબની જેમ ક્રાઇંગ ક્લબો પણ ઉભી કરવી પડશે જેમાં માણસ કૃત્રિમ તો કૃત્રિમ પણ મુક્તપણે રડી શકે!


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.