-
પ્રસર્યું છે વિષ ડાળેડાળે પાનેપાને
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પ્રદૂષણ અને તેની માનવજીવન તેમજ પર્યાવરણ પર થતી અસરો વિશે અનેક લેખો, પુસ્તકો લખાયાં છે. પરિસંવાદો યોજાતા રહે છે, અને વિવિધ માધ્યમોમાં તેમના વિશે વારેતહેવારે ફિકર વ્યક્ત થયા કરે છે. પ્રદૂષણને નિવારવાની નીતિઓ નક્કી થાય અને એ અમલી બને એ સમયગાળામાં પ્રદૂષણ અનેકગણું વધી ગયું હોય છે. સાર એટલો કે પ્રદૂષણ કેવળ કાનૂનથી નિયંત્રિત થાય એ શક્ય નથી. એના માટે દાનત બહુ મહત્ત્વની બાબત છે, કેમ કે, સમયાંતરે પ્રદૂષણ ફેલાયું હોય એવાં નવાં નવાં ક્ષેત્રો ઊઘડતાં જાય છે.
જેમ કે, એક નવિન અભ્યાસમાં જણાયું છે કે પ્રદૂષિત જમીન પર ઊગી નીકળતાં વગડાઉ ફૂલો ઝેરી ધાતુઓનું શોષણ કરે છે, અને પરાગરજ વાહકો દ્વારા તેનો ફેલાવો થતો રહે છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોના અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે સફેદ ક્લોવર અને બાઈન્ડવીડ જેવી, નીંદણ પ્રકારની વનસ્પતિ દ્વારા જમીનમાં રહેલાં આર્સેનિક, કેડમિયમ, ક્રોમિયમ અને સીસું જેવી ધાતુઓના અંશો જમીનમાંથી શોષ્યા છે. માખીઓ દ્વારા આ વનસ્પતિનાં ફૂલોમાંથી રસ ચૂસવામાં આવે ત્યારે અનાયાસે ધાતુના આ અંશો પણ તેમાં ભળે છે. વિશ્વભરના આહાર ઉત્પાદનમાં માખી જેવા પરાગરજવાહકો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટામેટાં અને સફરજન પર ફળ બેસવાનો મુખ્ય આધાર તેની પર હોય છે. આથી જમીનના આ પ્રદૂષણનું વહન અન્યત્ર થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.

પ્રદુષણને કારણે ફૂલોની સુવાસ બદલી ગઈ હોય તો ફુંધાં, પતંગિયાં, ભમરા એ ફૂલો તરફ આકર્ષાશે નહીં.
Image courtesy of Floris Van Breugel
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીસંશોધનના અહેવાલમાં જણાવાયા મુજબ, વિશ્વભરનાં શહેરોની જમીનમાં ધાતુઓના અંશ ભળીને તેને પ્રદૂષિત કરવાની મોટી સમસ્યા છે. અને આ સમસ્યા દિન બ દિન વધતી જાય છે. અમેરિકામાં લોખંડના ઉદ્યોગો અગાઉ રહી ચૂક્યા હોય એવા ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડ શહેરમાંથી જમીનના આવા નમૂના એકત્ર કરાયા હતા. આ જમીન પર અગાઉ લોખંડના ઉત્પાદન ઊપરાંત તેલની રિફાઈનરી તેમજ ઓટોમોબાઈલ ઉદ્યોગો હતા. તેની અસરરૂપે જ અહીંની જમીનમાં આ ધાતુઓના અંશ ભળ્યા હોવાનું મનાય છે.
સંશોધકોએ આ સ્થળે ઊગેલી વિવિધ વનસ્પતિઓનો અર્ક કાઢીને તેનું પૃથક્કરણ કર્યું, જેમાં તેમને અલગ અલગ વનસ્પતિઓ દ્વારા શોષાયેલા જુદી જુદી ધાતુના અંશ જણાયા. આ બધામાં ભૂરાં ફૂલ ધરાવતા ચિકોરીના છોડમાં સૌથી વધુ માત્રામાં ધાતુઓ જોવા મળી. એ પછી તેનાથી સહેજ ઓછી માત્રામાં ધાતુના અંશ સફેદ ક્લોવર, જંગલી ગાજર અને બાઈન્ડવીડમાં જણાયા. તમામ વનસ્પતિઓના અર્કમાં સૌથી વધુ માત્રા સીસાની અને એ પછી ક્રોમિયમ, કેડમિયમ તથા આર્સેનિકની મળી આવી. એવું પણ જોવા મળ્યું કે ડેન્ડીલીઅન જેવી વગડાઉ વનસ્પતિમાં ધાતુના અંશનું પ્રમાણ ઓછું જણાયું. એનો સૂચિતાર્થ એવો કે એ જ સ્થળની અન્ય વનસ્પતિઓની સરખામણીએ ધાતુને અર્કમાં રૂપાંતરિત કરવાની આ વનસ્પતિની આંતરિક લાક્ષણિકતા મર્યાદિત હશે. એ જ રીતે ધાતુના અંશનું સૌથી વધુ પ્રમાણ સામાન્ય મીલ્કવીડ તરીકે ઓળખાતી વનસ્પતિમાં જોવા મળ્યું, જે આર્સેનિકનું હતું. જંગલી ગાજરના અર્કમાં કેડમિયમ, તો ચિકોરીમાં ક્રોમિયમ અને સફેદ ક્લોવરમાં સીસાનું સૌથી વધુ પ્રમાણ મળી આવ્યું.
એમ માનવાની જરાય જરૂર નથી કે આવું કેવળ અમેરિકામાં જ બન્યું છે. ઓડિશા રાજ્યના આઠ જળપ્લાવિત વિસ્તારોમાં (વેટલેન્ડ) સીસું અને ક્રોમિયમ જેવી ધાતુઓનું પ્રમાણ મળી આવ્યું છે, જેમાં ભારતના સૌથી વિશાળ કૃત્રિમ જળાશય હીરાકુડનો પણ સમાવેશ થાય છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ ધાતુઓ કેન્સરકારક છે.
આધુનિક યુગમાં શહેરીકરણ, ઔદ્યોગિકરણ જેવી ગતિવિધિઓને કારણે જળપ્લાવિત વિસ્તારમાં ભારે ધાતુઓ જમા થતી રહે છે. આ ધાતુઓ જમીન દ્વારા પાકમાં જઈ શકે છે, જે છેવટે માનવશરીરમાં પ્રવેશે છે. વિવિધ વિસ્તારમાં અલગ અલગ ધાતુઓ જુદા જુદા પ્રમાણમાં મળી આવે છે. આપણે આપણા આ ગ્રહને કઈ હદે પ્રદૂષિત કરી મૂક્યો છે એનું આ ઉદાહરણ છે. આપણે ગંદકી એ રીતે ફેલાવતા રહીએ છીએ કે છેવટે એ આપણા જ જીવન માટે ઘાતક બને.
પ્રવાસીઓની આવનજાવન વધુ પડતી રહે છે એવા સાગરતટો પર પણ ભારે ધાતુઓ જોવા મળી છે, જે જાહેર સ્વાસ્થ્ય માટે અતિશય નુકસાનકારક છે. માનવજાત માટે ઘાતક કહી શકાય એવી ધાતુઓનું પ્રમાણ અહીં જોવા મળ્યું છે.
ફૂલના અર્કમાં, ખેતરમાં ઊગેલી ફસલમાં સુદ્ધાં ધાતુનું પ્રમાણ જોવા મળે એવી ભયાનક સ્થિતિ અને એ સ્થિતિ પ્રત્યેની ઉદાસીનતા વર્તમાન યુગની તાસીર છે. વારેવારે, વિવિધ વક્તવ્યો, લેખો, વાર્તાલાપ કે પરિસંવાદોમાં એ બાબતે ઘૂંટીઘૂંટીને ટકોર કરવામાં આવે છે કે ભાવિ પેઢીને આપણે કેવી પૃથ્વી વારસામાં આપીને જઈશું! હકીકત એ છે કે વર્તમાન પેઢી માટે જ આ પૃથ્વી એ હદે પ્રદૂષિત થઈ ગઈ છે કે કઈ ચીજ પ્રદૂષિત થવાની બાકી હશે એ સવાલ છે.
આને કાબૂમાં લેવા માટે કોઈ સરકારી નીતિ હશે કે કેમ, અને હશે તો એ કેટલી અમલી હશે એ સવાલ છે. મુખ્ય વાત એ છે, અને એને આપણે સૌએ ફરીફરીને યાદ રાખવાની છે કે પ્રદૂષણને કેવળ કાનૂનથી નિયંત્રીત કરી શકાવાનું નથી. આપણે નાગરિકોએ પણ જાગૃતિ કેળવવાની છે, અને આપણું પ્રદાન આપવાનું છે. પ્રવાસનને કારણે પ્રદૂષણ વધે એ સ્વાભાવિક છે, કેમ કે, સૌ કોઈનું હોય એ સ્થાન કોઈનું નથી હોતું. પ્રવાસી તરીકે પણ આપણે થોડી જવાબદારી દાખવવી જરૂરી છે. હકીકત એ છે કે જે ભયાનક ભાવિની કલ્પના કરવામાં આવે છે, એ બાબત ક્યારની વર્તમાન બની ગઈ છે, અને આપણને એનો અંદાજ સુદ્ધાં નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આપણું જ આગવું ચોમાસું : વિષય પરિચય
પરેશ ૨. વૈદ્ય
આપણી ત્રણ ઋતુ શિયાળો,ઉનાળો અને ચોમાસાં. એ ત્રણેયમાં સૌથી સુંદર ચોમાસું. એનુ સૌંદર્ય માણવા માટે હળવા વરસાદમાં કોઇ નદી કે સમુદ્ર સામે જઈને ઉભા રહો કે પછી પહાડ કે જંગલમાં હો, તો કુદરત સાથે એક થઈ ગયાની લાગણી થશે. વરસાદ એ પ્રકૃતિએ માણસને આપેલી અનુપમ ભેટ છે. પાણી તો પૃથ્વી પર હતું, તેથી જ તો સજીવસૃષ્ટિ પેદા થઈ, પરંતુ વરસાદ તેને વારંવાર તાજું કરીને આપે છે. કુદરતે એવી પ્રક્રિયાઓ ઘડી છે કે જેથી વરસાદની ઘટના બને.

આપણે દક્ષિણ એશિયાના દેશોનો વરસાદ પ્રત્યેના ભાવ વિશેષ છે કારણ કે અહીં એ મુખ્યત્વે એક ખાસ ઋતુ દરમિયાન જ આવે છે. આમ ચોમાસું એવી લાખેણી ભેટ છે, જે વિશ્વની મોટા ભાગની પ્રજાને નથી મળી. ભૂગોળ અને વિજ્ઞાનની આંખે જુઓ તો એ એક અજાયબી જ છે. આપણા દેશ માટે ચોમાસું એટલે માત્ર વરસાદ નથી. તેને વીંટળાઈને આપણી આખી સંસ્કૃતિ પડી છે – કુદરતી સૌંદર્ય, રિવાજો, ધર્મ, પ્રેમ, સમાજકારણ અને અર્થકારણ. આપણાં અસ્તિત્વમાં જેનો આટલો ફાળો હોય તેવી ઘટનાને સમજી લેવી એ આપણી ફરજ અને જરૃરત છે. અહીં પુસ્તકમાં એ કરવાનો પ્રયત્ન છે. વરસાદને લગતાં વૈજ્ઞાનિક સત્યો, તેની આગાહી માટેના પ્રયત્નો, ચોમાસાંને સંલગ્ન ઘટનાઓની સમજૂતી અને તેના પાણીની પ્રાપ્તિ જોડેના સંબંધની ક્રમશઃ ચર્ચા કરી છે. ઊંડાણ એટલું જ છે જેટલું તેના પરિચય માટે જરૃરી હોય.
આપણી સંસ્કૃતિની બીજી ખાસિયત એટલે હિન્દી સિનેમા. સ્વભાવિક છે કે તેનાં સંગીતમાં પણ ચોમાસું વ્યાપ્ત હોય. આથી દરેક પ્રકરણને છેડે એ પ્રકરણની વાતનો પડઘો પાડતું એક ગીત મૂક્યું છે, તેની યુ-ટયૂબ લિંક સાથે. વાંચકો તેને સાંભળીને એ વાતાવરણની અનૂભુતિ કરીને પછીનાં પ્રકરણ તરફ જઈ શકે.
આપ લેખમાળા બાબત આપના અભિપ્રાય આવકાર્ય છે.
ડૉ. પરેશ ર. વૈદ્ય
વાશી (નવી મુંબઈ)૫ જુન ૨૦૨૫ (વિશ્વ પર્યાવરણ દિવસ)
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
૨૦૨૨માં આ લેખમાળા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલ. ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN : B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.
આપણે અત્યારે ચોમાસાના મહિનાઓમાં પ્રવેશી રહ્યાં છીએ. તેથી આ પુસ્તક પર આધારિત લેખમાળા દ્વારા આપણે વરસાદ અને ચોમાસાં વિશે બહુ રસપ્રદ વૈજ્ઞાનિક માહિતી વેબ ગુર્જરી પર હવે પછી દર બુધવારે મેળવતાં રહીશું.
સંપાદકીય મંડળ, વેબ ગુર્જરી -
સ્મૃતિસંપદા – નિવેદન
૨૦૨૩માં ‘ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ગુર્જરીના સહયોગથી, સુશ્રી રેખાબહેન સિધલ સંપાદિત એક પુસ્તક ‘સ્મૃતિસંપદા’ પ્રકાશિત થયું. તેમાં અમેરિકા નિવાસી ૧૫ લેખકોએ પોતાની અનુભવ ગાથા લખી છે.
જુલાઈ મહિનાથી દર બીજા, ત્રીજા અને ચોથા બુધવારે આપણે આ પુસ્તકનો ક્રમશઃ આસ્વાદ કરીશું.
વેબ ગુર્જરી પર આ પુસ્તકને ક્રમશઃ પ્રકાશિત કરવા માટે સહમતિ આપવા બદલ વેબ ગુર્જરી સુશ્રી રેખાબહેન સિંધલનો આભાર માને છે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
રેખા સિંધલ
અમેરિકાની સંસ્કૃતિ વિશે કે અહીં વસેલા ગુજરાતીઓ વિષે મેં અત્યાર સુધી ગુજરાતીમાં જે કાંઈ વાંચ્યું છે તેમાં વિગતો અપૂરતી લાગે. ગુજરાતમાં મિત્રો અને સગાંવહાલાંઓને પણ સમજાવવાનું મુશ્કેલ કે તેઓની માન્યતાઓ અનુભવના સત્યથી દૂર છે. હા એ હા કરવી ગમે નહીં અને વેકેશનમાં આનંદ કરવા જઈએ ત્યારે અહીંના સંઘર્ષોની વાતો કરવાનું મન પણ ન થાય. થોડા સમય પછી એવી સ્થિતિ થઈ કે અમેરિકામાં કોઈ ભારતની ટીકા કરે તે ન ગમે અને ગુજરાતમાં રહી કોઈ અમેરિકાની ટીકા કરે તે પણ આકરી લાગે. આ કારણે મારા અનુભવો લખવાનો વિચાર ઘણા વખતથી હતો. અહીં વસેલા અન્ય ગુજરાતીઓના અનુભવોની વાતો સાંભળીને એમના પ્રત્યે આદર વધે અને એમની વાત પણ બીજાને કહેવાનું મન થાય. અમેરિકામાં પ્રવેશ વખતની ઉંમર, પાર્શ્વભૂમિકા, ધ્યેય અને વ્યક્તિત્વની વિવિધતા ધરાવતો ગુજરાતીઓનો એક વિશાળ વર્ગ અહીં છે. એમના જીવન વિશે જાણવામાં અને જણાવવામાં મને હંમેશા રસ રહ્યો છે. અન્ય સાથીદારો સાથે મળીને અનુભવો લખવાનો રસ વધતો ગયો અને ગણગણ્યા કરું કે, “તારી જો હાક સુણીને કોઈ ન આવે તો એકલી જાને રે.’

Bruece Fieler લિખિત Life In the Transitionની ઓડિયો બુક સાંભળી આ રસ વધુ પોષાયો. ન્યૂયોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર આ પુસ્તકમાં સાચાં ઉદાહરણો આપી લેખકે સમજાવ્યું કે જીવનમાં અણધાર્યા ફેરફારો થકી ઊભી થતી વિષમ પરિસ્થિતિને કારણે નહીં પણ એનો સામનો કરવાની અલગ રીતને કારણે જીવન ઉન્નત કે અવનત થાય છે. અમેરિકાની અજાણી ભૂમિ પર જીવનયાત્રા શરૂ કરનારા ગુજરાતીઓના અનુભવોની વાતોમાં પણ આ સત્ય ઉજાગર થાય છે. મારા અને બીજાના જીવનની વાતો ગ્રંથસ્થ કરવાનો વિચાર Bruece Fielerના પુસ્તકમાં લખાયેલા કિસ્સાઓ સાંભળી દઢ થયો. આ વિચાર મેં ડો. જયંતભાઈ મહેતાને જણાવ્યો. એમણે એમાં રસ લીધો એટલે મારો ઉત્સાહ વધ્યો. થોડા દિવસો પછી શ્રી તરૂણભાઈ સૂરતીએ. સ્વ. પ્રમોદાબહેન જોશીના પ્રેરણાદાયક જીવન વિશે લખવા મને અનુરોધ કર્યો. અમેરિકામાં વસેલા ગુજરાતીઓની અનુભવકથાઓ ગ્રંથસ્થ કરવાનો વિચાર તો મનમાં હતો જ. એ પછી પન્તાબહેન નાયક સાથે વાત થઈ અને શ્રી નટવરભાઈ ગાંધીએ એમના અનુભવો મોકલ્યા ત્યાં સુધીમાં લગભગ દસથી વધારે લેખકો પોતાના અનુભવો લખવા તેયાર થયા. મિત્ર સરયૂ પરીખે બહુ ઉત્સાહ અને ચોકસાઈથી બધી નોંધો કરવા માંડી. દર મહિને ઝૂમ પર મિટિંગનું નક્કી કર્યું. વિશ્વપ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાએ આ વિચારને બિરદાવ્યો અને સક્રિય રસ સાથે જોડાયા. એમનો સહકાર મળ્યા પછી સારું કામ થરો એવો વિશ્વાસ વધ્યો.
એક વિશેષ નોંધ એ છે કે અપવાદરૂપે ડૉ. કમલેશ લુલ્લાની કથા દેવિકા ધ્રુવ દ્વારા શાબ્દદેહે પ્રગટ થઈ છે. જે વિશે તેઓ લખે છે કે, “ભારત મારી માતૃભૂમિ છે, અમેરિકા મારી કર્મભૂમિ છે અને ગુજરાત મારા રોમરોમમાં વસે છે એમ કહેનાર કવિ હૃદયના ડૉ. કમલેશ લુલ્લાની અવકારા વિજ્ઞાની તરીકેની પ્રસિદ્ધિ તેમને વિશ્વમાનવની હરોળમાં મૂકે છે. વડોદરાની સંસ્કારભૂમિમાં જન્મેલ આવી વિરલ વિભૂતિની જીવનકથાના મહત્ત્વના અંશો તેમના જ શબ્દોમાં સાંભળવા માટે હું સ્વયંને સદ્દભાગી ગણું છું અને ધન્યતા અનુભવું છું.” ‘તેમની જીવનકથાની ઝાંખી કરીએ તે પહેલાં એક વાતનો રાજીપો વ્યક્ત કરવો છે કે, આ લેખનકાર્ય માટે ડૉ. કમલેશ લુલ્લાએ તેમનો અમૂલ્ય સમય આપી, અનુકૂળ સમયે, નિયમિત રીતે ફોન પર, આનંદપૂર્વક અને અત્યંત સાહજિક રીતે વિગતો પૂરી પાડી છે જેને કારણે આ કામ સરળ બની શક્યું છે.’ – દેવિકા ધ્રુવ
પરદેશની ધરતી પર પાંગરતા વસાહતીઓની પહેલી પેઢીનો સંઘર્ષ ગ્રંથસ્થ કરી અલગ દષ્ટિકોણથી વિચારતા કરવાનો નમ્ર પ્રયાસ છે. ભારતથી આવેલા મુલાકાતીઓ અહીંના વસાહતીઓના જીવનને જે રીતે જુએ છે અને લખે છે તથા વિઝિટર વિઝા પર આવેલા પ્રવાસીઓના અનુભવો અને વસાહતીઓએ જાતે લખેલા સ્વાનુભવોમાં ઘણો ફર્ક હોય તે સ્વાભાવિક છે. આત્મકથાના અંશોથી લખાયેલી આ જીવનકથાઓ હવે પછી આવનારી પેઢી માટે પ્રેરણાત્મક બની રહે એવી આશા છે.
આ પ્રકારનાં પુસ્તકો માટે ગુજરાતી સાહિત્ય સાથે વપરાતા ‘ડાયાસ્પોરા’ શબ્દ અંગે ઘણા મતભેદો છે. ‘ડાયાસ્પોરા’ શબ્દની ઉત્પતિ, અર્થ અને ઉપયોગ વિશે વિચારતાં તેની વ્યાખ્યા અઘરી થઈ જાય. સાહિત્યના પ્રકાર તરીકે ‘ડાયાસ્યોરા’ શબ્દથી દ્વિધા ઊભી થાય છે. બીજા કોઈ દેશો આ શબ્દનો આ રીતે ઉપયોગ કરે છે કે કેમ? તેનો જવાબ ગૂગલ સર્ચથી સ્પષ્ટ થતો નથી. માતૃભાષામાં લખાયેલી જે કૃતિમાં વિદેશની મહેક હોય તે કૃતિ માટે ‘દ્વિદેશી’ શબ્દ વધુ યોગ્ય જણાય છે. લેખકના ભાવવિશ્વમાં બંને દેશો છવાયેલા હોય ત્યારે જ દિદેશી કૃતિ પ્રગટે એવું મારું માનવું છે. ડાયાસ્પોરા વિશે વધુ વાત ન કરતાં એટલું કહીશ કે ડાયાસ્પોરા સાહિત્યને બદલે સાહિત્યના દરેક પ્રકારમાં વિશેષણ તરીકે “દ્રેદેશી’ શબ્દ ઉમેરી શકાય. દ્વિદેશી સાહિત્યને અલગ પ્રકાર ગણીએ. તો પણ એની સાથે અન્ય પ્રકારો નવલકથા, નવલિકા, કાવ્યો વગેરે જોડવાં જ પડે. ડાયાસ્પોરા કહેવાતા આ દ્વિદેશી સાહિત્યનો પ્રસાર વધે તે પહેલાં એની વિભાવના વધુ સ્પષ્ટ થાય અને એક આગવી ઓળખ વિદેશી ગુજરાતી લેખકોની કૃતિઓને. મળે તેવી શુભકામના છે.
રેખા સિંધલ
મરફ્રીશાબરો, ટેનેસી, (USA)
મો. 615-260-8794 | E-mail: rekhasindhal@gmail.com -
સંસ્પર્શ -૧૨
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાએ ‘અતરાપી ‘ નવલકથામાં સારમેય ગલુડિયાંનાં પાત્ર દ્વારા લોકોની જીવાતી જિંદગી અંગેનાં સરસ વ્યંગાંત્મક સંવાદો મૂક્યાં છે. બધાં કરતાં જુદું અને ઊંધું વિચારવાનો તેમનો નોખો દ્રષ્ટિબિંદું દરેક સંવાદમાંથી આપણને નવો બોધ આપે છે. સારમેય પરમનો અનુભવ કરવા અને છોડવાં પણ બોલે છે ,તે જાણવા ધ્યાનસ્થ બની પરમનો અવાજ સાંભળવા કોશિશ કરે છે.
પરમનો અવાજ કવિઓને તેમની કલ્પના પ્રમાણે ક્યાં ક્યાંથી સંભળાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપતાં મને યુવા કવયિત્રી પારુલ ખખ્ખરની કવિતા યાદ આવી જાય છે ,જેને પરમનો અવાજ સાંભળવાની કોશિશ જ કરવી હોય તે ક્યાં ક્યાંથી તેને સાંભળી શકે છે તે પણ જાણીએ.
અલી મોજડીએ ચોંટેલી ધૂળ ,તારા સમ
મને મોજડીમાં સંભળાતું ‘સોહમ્’ ‘સોહમ્’મોજડી પ્હેરનાર મોભી મૂંગા
મોજડીએ ટાંકેલા મોતી મૂંગામોતીના જાણતલ જોષી મૂંગા
જોષીનાં ભાઈબંધ જોગી મૂંગાપેલો મોતીડો મલકાતો મોધમ્
મને મોજડીમાં સંભળાતું ‘સોહમ્’
‘ સોહમ્’મોજડી પહેરીને ચાલતાં આપણને સૌને તો ચીચુડ,ચીચુડ થતું સંભળાય પરતું તેમાં ‘સોહમ્’ પારુલબહેન જેવા અદના કવયિત્રીને સંભળાય છે.
ધ્રુવદાદાની આ ‘અતરાપી’ નવલકથાનાં સંવાદો પણ સાવ નોખા છે.સારમેય તોફાની છે .તેને ભણવું નથી ગમતું,શિક્ષકો તેનો ભાઈ કહ્યાગરો છે ,તો તેના તરફ વધુ ધ્યાન આપે છે.અને સારમેય તરફ ધ્યાન નથી આપતા. એટલે ત્યાં ધ્રુવદાદા વ્યંગમાં કહે છે કે ‘શિક્ષકો પણ ડાહ્યા છોકરાને ભણાવે છે અને તોફાની પ્રત્યે દુર્લક્ષ સેવે છે.’ડાહ્યા કૌલેયકને માલિક ગાડીમાં મંદિરે અને બહાર બધે તેમની સાથે લઈ જાય છે.ગાડીમાંથી ભાઈને ઉતારતો જોઈ ,સારમેય તેને પૂછે છે,
“તને આ ગાડીની પોચી ગાદીમાં નખ મારવાનું મન નથી થતું?
ત્યારે કૌલેયક કહે છે,
“મને મન થાય છે પણ મનને ગમે એ નહીં કરવાનું એટલે નિગ્રહ કરવાનો.”
આમ જે ગમે તે નહીં કરવાની વાત પર સુંદર રીતે ધ્રુવદાદાએ વ્યંગ કર્યો છે ,ઘણાં ધર્મોમાં આ મનોનિગ્રહ દ્વારા ધર્મ કરવાની વાત છે.માનવતાપૂર્ણ સહજ જીવન જીવી ,નાનામાં નાના માણસને પ્રેમ કરી જીવીએ તો કદાચ સાચી રીતે જીવી શકાય તેવો દાદાનો ભાવ છે.માત્ર મનોનિગ્રહ જ ધર્મ છે,તેવું નથી, તેમ દાદાનું માનવું છે.
સારમેયને તેના વિશાળ બંગલાની બહારની દુનિયા જોવાની ઈચ્છા થાય છે અને તે એક દિવસ તેની માની ઈચ્છા વિરુધ્ધ ઘરમાંથી બહાર નીકળી જાય છે. ચાલતાં ચાલતાં તેને મોટો દરવાજો દેખાય છે.તેમાં ડોકિયું કરે છે ,તો એક ભયાનક અવાજે ભસતો કાબરચીતરો પૂંછકટ્ટો કૂતરો તેને કહે છે,
“આ મારો ઇલાકો છે,અહીં કેમ આવ્યો? ભાગ અહીંથી.”
સારમેય પૂછે છે,
“ઇલાકો એટલે શું?
“જેને છોડીને બહાર ન જઈ શકાય તેને તમે ઇલાકો કહો છો,ખરું ને?”
સારમેયને થાય છે કોઈને પોતાનો ઇલાકો શા માટે હોવો જોઈએ?
આમ કહી દાદાએ નાતજાતનાં ,જ્ઞાતિનાં,ધર્મોનાં,ગરીબ-અમીરના,દેશ-દેશનાં,પ્રાંતોનાં વાડા શા માટે હોવા જોઈએ ? તેમાંથી સૌએ બહાર નીકળવાની જરુર છે તેમ સમજાવ્યું છે.આમ સારમેયનાં પાત્ર દ્વારા પોતાનાં વિચારો ધ્રુવદાદાએ સહજતાથી રજૂ કર્યા છે.
સારમેય ચાલતાં ચાલતાં આગળ જાય છે.આગળ જતાં નદી આવે છે, એણે નદી ક્યારેય જોઈ નથી અને થાકીને તે કિનારે બેસે છે . મંદ મંદ વાતા ઠંડા પવન સાથે તેને ફરી પેલો અજાણ્યો સ્વર સંભળાય છે.
આમ જ્યારે તમે બધું છોડી,એકલા મુક્ત મને પ્રકૃતિની ગોદમાં ધ્યાનસ્થ થઈ તમારી જાત સાથે સમય ગાળો તો તમને પણ પેલો અજાણ્યો સ્વર સંભળાશે ,તેમ દાદા સૂચવે છે.
સારમેયને ત્યાં ‘કાળો’નામે કૂતરો મળે છે .જે સારમેયને પૂછે છે,
“તું ભૂલો પડી ગયો છે?”
ત્યારે સારમેય હા ,કહી ,કહે છે,
“મને હવે પાછા જવાનો મારાં ઘરનો રસ્તો ખબર નથી.”
કાળો તેને પોતાની સાથે લઈ જાય છે અને નદી પાર કરવા તેની સાથે નાવમાં બેસાડે છે.
સારમેય નાવનાં નાવિક સાથે વાત કરે છે ,આ સંવાદ ખૂબ સરસ છે.
નાવિક કહે છે “ આ નદી જન્મગિરિ પહાડમાંથી નીકળી છે. અનાદિકાળથી વહી રહી છે,પણ કેટલો સમય વહેવાની છે તે હું જાણતો નથી.એટલે સારમેયે કહ્યું,
“ જાણ્યાં પછી પણ કંઈ જાણવાનું બાકી રહી જાય છે?”
આ કેટલી મોટી અને સાચી વાત છે કે જીવનભર તમે દરેક વસ્તુ જાણવાની કોશિશ કરતાં જશો છતાં કંઈક જાણવાનું તો રહી જ જાય છે. કોઈ દુનિયામાં સંપૂર્ણ જાણકાર નથી.
ભરેલી નાવમાં બેઠેલો સારમેય બધાંની સાથે હોવાછતાં પોતાનાં વિચારવિશ્વમાં તલ્લીન હતો. તેવું દાદા લખે છે ત્યારે સમજાવે છે કે,
“બધાંની વચ્ચે રહીને પણ તમે તમારી આગવી મોજમાં રહો.કોઈ તમને ખલેલ ન પહોંચાડી શકવું જોઈએ.”
સારમેય નદીમાંથી પસાર થાય છે પણ જેમાંથી તે પસાર થયો,તેનું નામ નદી છે તેવી તે નાનકડાં ગલૂડિયાંને ખબર નથી અને તે નાવિકને પૂછે છે,
“નદી ક્યાં છે?”
બધાં તેની પર હસે છે પણ નાવિક સરસ જવાબ આપે છે,
“મેં તને નાવમાં બેસાડ્યો ત્યારે તે હતી. જેને પાર કરીને આપણે આવ્યા તે, આ પળે આપણે જેની વાત કરીએ છીએ તે નદી અત્યારે અહીં નથી.”
આમ કહી અને જીવન એ સતત ચાલતી પરિવર્તન સાથેની પ્રક્રિયા છે. ગયેલો સમય પાછો આવતો નથી.આગળનાં ભવિષ્યથી આપણે સાવ અણજાણ છીએ ,તે વાત ગર્ભિત રીતે કહી દીધી છે.અને ધ્રુવદાદાએ આ આખી વાતને તેમના સુંદર ધ્રુવગીતમાં પણ ગાઈ છે.
મને ઊંઘમાં યાદ આવે તે શું છે
કોઈ જાણે હું છું ,કોઈ જાણે તું છેઆ નિદ્રાની રચના જગાડી છે કોણે
તને હું ના પૂછું મને તું ન પૂછેચીરી નાંખું છાતી તો મારામાં હું છું
હવે ખાતરી દો તમારામાં તું છેઅમારા સમયની અમે રેખ આંકી
પછીનો સમય તે લીસોટાને લૂછેજૂઓ કાચમાંથી સર્યે જાય રેતી
કહો તે ‘હતી’ ‘છે’’હશે’ છે કે ‘છું ‘ છેસંબંધોના એવા સ્તરે આવ યારા
મને કોણ પૂછે તને કોણ પૂછેજીવનનો મર્મ સમજાવતી કેટલી સુંદર વાત! દાદાની ‘અતરાપી’માં અને આ ધ્રુવગીતમાં ધ્રુવદાદાએ દર્શાવી છે.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
‘શતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
નિસબત
ચંદુ મહેરિયા
વિશ્વનાથન આનંદથી ડી.ગુકેશ સુધીની ચેસમાં વલ્ડ ચેમ્પિયનોની બિનસાંપ્રદાયિક ભારતમાં ઉજળી પરંપરા છે. હજુ હમણાં જ તેર વરસની મુસ્લિમ કિશોરી ફાતિમા તુજ જહેરાએ મુસ્લિમ બહુલ જમ્મુ-કશ્મીરમાં રાજ્યકક્ષાની ચેસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો છે. આ જ દિવસોમાં અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે ચેસ કે શતરંજની રમતને ઈસ્લામવિરોધી ગણાવીને તેના પર પ્રતિબંધ લાદયો છે!

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ૨૦૨૧થી અફઘાનિસ્તાનમાં સત્તાનશીન તાલિબાનોનો ઈસ્લામી કાયદા પ્રત્યેનો કઠોર દ્રષ્ટિકોણ જાણીતો છે. તેમણે મહિલાઓને તો કોઈપણ રમતોમાં ભાગ લેવાની બંધી ફરમાવી જ છે હવે શતરંજ પર પ્રતિબંધ મૂક્યો છે અને અફઘાનિસ્તાનના શતરંજ મહાસંઘને વિખેરી નાંખ્યો છે. ધાર્મિક ફરજ કે કર્તવ્યથી ધ્યાન ભટકાવે તે પ્રવૃતિ પ્રતિબંધિત હોવી જોઈએ, એવી શરિયા કાનૂનની જોગવાઈનો હવાલો આપીને અફઘાન સરકારે શતરંજની રમત પર રોક લગાવી છે. જોકે વિશ્વના માનવ અધિકાર સંગઠનો અને રમત સંસ્થાઓને જરા સારુ લગાડવા એવી સ્પષ્ટતા કરી છે ખરી કે શતરંજની રમત ઈસ્લામી કાયદાને અનુકૂળ છે કે કેમ તેની સ્પષ્ટતા અને ચકાસણી થાય ત્યાં સુધી તે પ્રતિબંધિત રહેશે. પરંતુ અગાઉ માર્શલ આર્ટ કે મહિલાઓને સ્પોર્ટ્સમાં ભાગ લેવા પર ફરમાવેલા પ્રતિબંધ જેવો આ પણ કાયમી પ્રતિબંધ જ છે. તાલિબાનોની દલીલ છે કે શતરંજ એક પ્રકારનો જુગાર છે કે જુગારનો સ્ત્રોત છે. શતરંજ રમતાં લોકો તેમાં એટલા રમમાણ થઈ જાય છે કે તેમને જવાબદારીઓનું કોઈ ભાન રહેતું નથી. તે એટલે સુધી કે નમાજ પઢવાની ધાર્મિક ફરજ અદા કરવાનું પણ ચૂકી જાય છે. એટલે આ રમત નુકસાનકારક અને પ્રતિબંધને લાયક છે.
એક ચેસ બોર્ડ, બે ખેલાડી અને બત્રીસ પ્યાદાં (પ્રત્યેકના સોળ-સોળ) ની શતરંજની રમત બુધ્ધિજીવીઓની રમત કહેવાય છે. રમતવીરની બુધ્ધિ, ધૈર્ય અને પૂર્વાનુમાનની કસોટી કરતી આ રમતના એક ખેલાડીના ભાગે આવતા સોળ પ્યાદાં (સોળ સફેદ અને સોળ કાળા) માં એક રાજા, એક રાણી, બે હાથી, બે ઊંટ, બે ઘોડા અને આઠ સિપાહી હોય છે. સફેદ પ્યાંદાથી રમતનો આરંભ થાય છે . શહ અને માતની શતરંજની ચાલમાં રાજા કે બાદશાહને જીતવાનો અને બંદી બનાવવાનો હોય છે. એટલે આ રમત રણનીતિક રમત છે અને તેમાં યુધ્ધના મેદાનનું અલ્પ અનુકરણ છે. ચેસની રમતને હ્યુમન સાઈકોલોજી, મેથ્સ અને કમ્પ્યૂટર સાયન્સ સાથે સંબંધ છે. બૌધ્ધિક મનોરંજન માટેનો આ ખેલ માનસિક વ્યાયામ માટેનું યુવા દિલોનું લોકપ્રિય સાધન છે. આલોચનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરનાર અને દિમાગને તેજ કરનાર આ રમત ગણાય છે.
શતરંજની રમતનું ઉદભવસ્થાન ભારત હોવાનું મનાય છે. ભારતની ચતુરંગ નામક રમતમાં તેનાં મૂળ રહેલાં છે. પંદરમી સદીમાં યુરોપમાં આધુનિક શતરંજનું સ્વરૂપ વિકસિત થયું છે. હેરોલ્ડ જેમ્સ રુથવેન મુરે લિખિત અને ઈ.સ. ૧૯૧૩માં ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રકાશિત કરેલ ‘ હિસ્ટ્રી ઓફ ચેસ’ કિતાબમાં શતરંજનો વ્યાપક અને અધિકૃત ઈતિહાસ આલેખાયો છે. આ પુસ્તકમાં તેના પરના પ્રતિબંધની પણ ઘણી માહિતી છે.
ધર્મ, રંગ, લિંગ, દેશ જેવા ઘણાં કારણોથી શતરંજની રમત પ્રતિબંધિત થઈ હોવાનો દીર્ઘ ઈતિહાસ છે. ઈસ્લામ અને ક્રિશ્ચિયન ધર્મે જ નહીં બૌધ્ધ અને યહુદી ધર્મે પણ તેના પર રોક લગાવી છે. શતરંજના પ્યાદાંની નકકાશીદાર આકૃતિ તસવીર જેવી છે અને ઈસ્લામમાં તસ્વીર વર્જ્ય છે એટલે ઈસ. ૬૫૫માં ઈસ્લામના એક ફાંટામાં તેને અસ્વીકૃત કરવામાં આવી હતી. બૌધ્ધોએ તેને વ્યભિચારના રૂપમાં જોઈને બંધી ફરમાવી હતી. ફ્રાન્સના રાજા લુઈ નવમાએ ઈ.સ. ૧૨૫૪માં ધર્મયુધ્ધથી પરત આવી દંડના દર્દરૂપે શતરંજ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતા. તેમને આ રમત બેકાર અને ઉબાઉ લાગી હતી. ચીન અને રશિયા પણ અગાઉ તેના પર બંધી ફરમાવી ચૂક્યા છે. અશ્વેતોને આ રમત રમવા પર રોક લાગેલી હતી. તો રંગભેદ આચરતા દક્ષિણ આફ્રિકા સામે વિરોધ રૂપે રંગભેદ વિરોધી દેશોએ તેની સાથે ચેસ રમવાનો ઈન્કાર કરેલો છે. હિજાબ પહેરવાના અને લો કટ બ્લાઉઝના કારણે મહિલા ચેસ ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિશ્વ શતરંજ સંગઠન (FIDE- FEDRATION OF INTERNATIONAL DES ECHECS) નું બાકી લેણું નહીં ચુકવવાની સજા તરીકે યુગાન્ડા, ઈથિયોપિયા અને નાઈજીરિયા પર શતરંજ રમવા પર રોક લગાવી હતી.
આંતરરાશ્ટ્રીય શતરંજ મહાસંઘે ટ્રાન્સ જેન્ડરોને શતરંજની રમતની બહાર રાખ્યા છે. આ વળી કંઈ જુદા જ પ્રકારનો પ્રતિબંધ છે. ચેસ રમત સંગઠનનું કહેવું છે કે લિંગ પરિવર્તનની રમતવીરની સ્થિતિ પર મહત્વની અસર પડે છે એટલે ટ્રાન્સ જેન્ડરને ઓપનમાં પ્રવેશની છૂટ છે પરંતુ માત્ર મહિલાઓ કે પુરુષો માટે પ્રતિબંધ છે.
શતરંજની રમત પર ધાર્મિક કે બીજા કારણોસરનો પ્રતિબંધ ઘણી અસરો જન્માવે છે. તાલિબાનોના પ્રતિબંધથી અફઘાનિસ્તાનના ઘણા ચેસ પ્લેયર્સ દેશ છોડી ગયા છે. અફઘાનિસ્તાનમાં પાંચસો જેટલા શતરંજ ખેલાડીઓના ઉજ્જવળ અને બહેતર જીવનનો માર્ગ બંધ થઈ ગયો છે. પ્રતિગામી અને સંકીર્ણતાથી લેવાયેલા ચેસ બંધીના પગલાં પછી અફઘાનિસ્તાનના ઘણાં કાફે બંધ થઈ ગયા છે અને સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આ રોકને લીધે માનસિક આરોગ્ય અને વ્યવસાય બંને પર ખરાબ અસર પડી છે. જ્યારે ઘણા ઈસ્લામિક દેશોમાં ચેસ સ્વીકાર્ય છે અને સેક્યુલર દેશોમાં મુસ્લિમો બેરોકટોક શતરંજ રમે છે ત્યારે ધર્મના નામે આ બંધી માનવીની સરળ સ્વતંત્રતા છીનવી લે છે.
અફાઘાનિસ્તાને માર્શલ આર્ટને સ્વરક્ષણની રમતને બદલે બહુ જ હિંસક ગણી અગાઉ પ્રતિબંધિત કરી છે. હવે ચેસને બંધી ફરમાવી છે. મનોરંજન અને રમતના કેટલાક અન્ય રૂપો પર અફઘાનિસ્તાનમાં અગાઉથી જ પ્રતિબંધ લાગુ છે. તેમાં ચેસનો ઉમેરો થયો છે. સમયની બરબાદી કે જુગારને ઉત્તેજનની નજરે જોવાને બદલે જો તેને સકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો શતરંજ ઘણી કામની રમત લાગે છે. તેમાં સ્પર્ધક વચ્ચે દુશ્મની કે નફરત ઉભી થાય છે તેવો તર્ક પણ વાહિયાત છે. ઓનલાઈન કે ડિજિટલ ચેસમાં પણ ભયસ્થાનો રહેલાં છે. તેમ માની તેનાથી દૂર રહેવાનું વલણ ખોટુ છે. શતરંજનો ખેલ માત્ર સપાટી પર મનોરંજક લાગે છે અને વાસ્તવમાં તો તે એક પ્રકારનો જુગાર છે તેમ ગણી તેના પરના પ્રતિબંધનો બચાવ કરવો વાજબી નથી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૨
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરીએ તે પહેલા આજે આપણે ગીતબિતાન પુસ્તક અને રબીન્દ્રસંગીતની સર્જન યાત્રા પર એક ઝલક નાખીશું
રબીન્દ્રસંગીતની સર્જનયાત્રાનો પ્રસાર લગભગ છ દાયકા સુધીનો છે. અગિયાર વર્ષના રવિ ઠાકુરે 1875ની આસપાસ માતૃભૂમિ અને દેશભક્તિને લગતા પ્રથમ ગીતની રચના કરી અને આ સર્જનયાત્રા ૧૯૪૧ સુધી અવિરત પણે ચાલુ રહી અને એટલું જ નહિ એ વિવિધ પરિમાણો થકી વિકસતી ગઈ.
રબીન્દ્રસંગીતની સર્જનયાત્રા ત્રણ તબક્કામાં વહેંચી શકાય જે ગુરુદેવના અંગતજીવન સાથે વણાયેલ છે . પહેલો તબક્કો કે જે ૧૮૭૫-૧૯૦૦ સુધીનો ગણી શકાય. આ ૨૫ વર્ષ દરમિયાન ગુરુદેવે શબ્દને સ્વરના શણગાર પહેરાવી તેને ગીતનું સ્વરૂપ આપવાની પોતાની પ્રતિભા સાથે તાદામ્ય સાધ્યું. ગુરુદેવ માટે સંગીત એ એક કળા જ નહતી પણ તેમના અસ્તિત્વનું અવિભાજ્ય અંગ હતું. ભારતીય શાસ્ત્રીય સંગીતના શિષ્ય એવા ગુરુદેવે આ વર્ષો દરમિયાન પોતાના સંગીતના જ્ઞાનને વિસ્તાર્યુ અને તેમાં પાશ્ચાત્ય અને લોકગીતનો ઉમેરો કર્યો. રબીન્દ્રસંગીતના ઘણા પ્રચલિત ગીતો પાશ્ચાત્ય સંગીતની અસર અનુભવાય છે. લોકસંગીતમાં તેઓ બંગાળમાં પ્રચલિત એવા બાઉલ સંગીતથી પ્રભાવિત થયા. આજ કાળ દરમિયાન તેમણે “વાલ્મિકી પ્રતિભા” અને “માયાર ખેલ” નામની નૃત્યનાટિકાની રચના કરી.
વીસ વર્ષના ગાળાના બીજા તબક્કાના પગરણ મંડાયા શાંતિનિકેતનમાં ૧૯૦૧માં. આ તબક્કામાં ગુરુદેવના સંગીતને એક નવી ઉર્જા અને પ્રેરણા સાંપડી. તેમણે શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોનો સુમેળ કરી પોતાના ગીતોનું સ્વરાંકન કરવાનું ચાલુ કર્યું. શાસ્ત્રીય સંગીતની સાથે સાથે તેમણે ભજન અને ઠુમરી જેવી સંગીત શૈલીમાં પોતાના ગીતોને ઢાળ્યા. પણ દરેકની જિંદગીમાં આવતા ઉતારચઢાવની જેમ ગુરુદેવના અંગત જીવનમાં આ તબક્કો ઘણોજ કપરો સાબિત થયો. ૧૯૦૧ થી ૧૯૭ના ટૂંકા ગાળામાં ગુરુદેવના પત્ની, એક પુત્રી, પિતા અને એક પુત્રનું અવસાન થયું. આટલા ટૂંકા ગાળામાં ચાર અંગત સ્વજનો ગુમાવ્યા બાદ ગુરુદેવની સંવેદનાઓ શરુ શરૂમાં તો જડવત થઇ ગઈ પણ શબ્દો અને સંગીતનો સહારો લઈને ગુરુદેવ પોતાના આઘાતમાંથી બહાર આવ્યા. આ સમયમાં રચાયેલા તેમના ગીતોમાં મૃત્યુ અને તેના અર્થ અને તેની સાથેનો સંવાદ કેન્દ્ર સ્થાને જોવા મળે છે. તેમને તેમની પત્નીના મૃત્યુ સમયે લખ્યું કે “There is sorrow, there is death, there burns the fire of separation, yet there is peace and yet there is bliss and yet there is the sense of the eternal”. ધીમે ધીમે ગુરુદેવ તેમની સંવેદનાઓને એક એવા મુકામ પર લઇ ગયા કે જ્યાં તેઓ તેમની સંવેદનાઓ થકી સર્વ સાથે ભાવાત્મક રીતે ગુંથાયેલ રહીને પણ અલિપ્ત રાખી શક્યાં. મન અને આત્માની સાચી ગતિ આ માનવીય સંબંધોની પેલે પાર પરમાત્મા સાથેના સંબંધમાં છે તે સત્યની પ્રતીતિ અને અનુભૂતિ તેમણે કરી.
રબીન્દ્રસંગીતની સર્જનયાત્રાનો છેલ્લો તબક્કો આવ્યો ૧૯૨૧ થી ૧૯૪૧. આ ગાળા દરમિયાન ગુરુદેવે 850 ગીતોની રચના કરી. ગુરુદેવ રચિત બધાજ ગીતોના શબ્દો સંવેદનાથી છલકતા હતા અને એક અલગ જ ઢાળમાં તેમનું સ્વરાંકન થયેલ હતું આ બધા ગીતો આ ગાળામાં રબીન્દ્રસંગીત તરીકે જાણીતા થયા અને આમ રબીન્દ્રસંગીત શૈલીનો જન્મ થયો. આજ ગાળામાં તેમના ગીતોના સ્વરાંકનમાં કીર્તન શૈલી અને કર્ણાટકી સંગીત શૈલીનો સમાવેશ કર્યો. ભારતના ખ્યાતનામ સંગીતકારો સાથે ગુરુદેવ આ ગાળા દરમિયાન સતત સંપર્કમાં રહ્યા. આ ગાળા દરમિયાન દેશભક્તિના જુવાળને વેગ આપતા ગીતોની પણ ગુરુદેવે રચના કરી.
જીવનની સંધ્યાએ ગુરુદેવે પોતેજ સ્વરચિત ગીતોનો સંગ્રહ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું અને તેને “ગીતબિતાન” એવું નામ આપ્યું. ગીતબિતાનની પ્રથમ આવૃત્તિ ૧૯૩૧-૧૯૩૨માં પ્રકાશિત થઇ. ૧૯૩૮માં ગુરુદેવે પોતાના ગીતોનું વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું અને ૧૯૪૧માં ગીતબિતાન સંગ્રહની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ. આ સંગ્રહમાં ગુરુદેવે પોતાના ગીતોનું 6 ભિન્ન વિભાગોમાં એટલે કે પારજોય(পরজায়)
માં વર્ગીકરણ કરેલ છે. માનવમનની સંવેદનાઓનું આગળ વર્ગીકરણ કરતા, દરેક વિભાગનું પાછું અનેક ઉપવિભાગમાં વર્ગીકરણ કરેલ છે. પ્રથમ વિભાગ એટલે “પૂજા” પારજોય. આ વિભાગ મારો સૌથી વધુ પ્રિય વિભાગ છે. જેના દરેક ગીતોમાં ગુરુદેવનું પરમાત્મા સાથેનું અતૂટ અને અદમ્ય જોડાણ અનુભવાય છે. બીજો વિભાગ એટલે “પ્રેમ” પારજોય જેમાં પ્રેમની સર્વોપરિતાની ગાથા ગાતા ગીતોનો સમાવેશ થયેલ છે. ગુરુદેવ પરમાત્મા સાથે પણ પ્રિયજનનો નાતો ધરાવતા હતા. He felt spiritual romanticism with the Divine. એટલે પ્રેમ પારજોયના બધાજ ગીતો ભલે લખાયા હોય પરમાત્માને કેન્દ્રમાં રાખીને પણ પ્રિયજનને પણ એટલાજ લાગુ પડે છે.
ત્રીજા વિભાગમાં “પ્રકૃતિ” ને લગતા ગીતોનો સમાવેશ કર્યો છે. ગુરુદેવ માટે પરમાત્મા અને પ્રકૃતિ તેમનું ચાલક બળ હતા. ચોથો વિભાગ “આનુષંગિક” એટલે કે પ્રાસંગિક ગીતોનો છે જેમાં લગ્ન, જન્મદિવસ જેવા પ્રસંગોને લગતા ગીતો છે. પાંચમો વિભાગ “સ્વદેશ” કે જેમાં દેશ ભક્તિને લગતા ગીતોનો સમાવેશ થાય છે અને છઠ્ઠા વિભાગ કે જેને “બિચિત્રો” નામ આપવામાં આવ્યું છે જેમાં પ્રકીર્ણ ગીતોનો સમાવેશ કરેલ છે. ૧૯૪૧માં ગીતબિતાનનું પ્રકાશનનું કામ પૂર્ણ થયુ જેમાં તેમણે “ઉદબોધન” નામની પ્રસંગોપાત કવિતા પણ રચી. અને આમ આ ભવ્ય કાવ્ય/ગીત સંગ્રહની રચના થઇ.
આ ગીતબિતાન ગીત સંગ્રહમાંથી તેમાં રહેલા ચૂંટેલા કાવ્યો/ગીતોના ભાવાનુવાદ દ્વારા તેમાં રહેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરવાની શરૂઆત આપણે આવતા લેખથી કરીશું. આશા રાખું છું કે તમે પણ મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો.
-
અસમાન લડાઈ લડતાં ઈંદિરા અને જયપ્રકાશ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ખબર નથી, ૧૯૭૫ની ૧૨મી જૂનની એ વિજયસાંજે અમે સાથીઓ ભોજનનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ભોગીભાઈ ગાંધીને ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા વખતનાં એમનાં આ વચનો સાંભર્યાં હશે કે કેમ, ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથે લદાઈ ચૂક્યું હશે.
પચાસીની સ્મરણપગથીએ ચાલતાં જૂન ૧૯૭૫ની જયપ્રકાશની ગુજરાત યાત્રાની વાત માંડી જ છે તો બીજી પણ થોડી ટિટાઈબિટાઈ ઉર્ફે ખાટીમીઠી સંભારી લઉં. પાંચમી જૂન શો સંપૂર્ણ ક્રાંતિ દિવસ હોય અને પોતે પટણા ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ન હોય એ લોકનાયકને સારુ કંઈક વસમુંયે હશે. પણ માર્ચ ૧૯૭૪માં, નવનિર્માણોત્તર દિવસોમાં પોતે બિહારની છાત્રયુવા ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે એમનો હાડનો પ્રતિસાદ એ હતો કે સન બયાલીસ સરખો અધિનાયકવાદ સામેનો એક વાસંતી સંઘર્ષ દોર દેશભરમાં શરૂ થઈ ચૂક્યો છે. નવેમ્બર ૧૯૭૪માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જેપી ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે. આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ ૧૯૭૫માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી- અને એ સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલકડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષત હતી.
પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કોંગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કોંગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.
એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: ૧૯૫૬માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કોંગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ- એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કોંગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જેપી પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ. આમ, ગુજરાતના જેપી પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો.
આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કોંગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાંમંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી: ‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો, દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’ જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.
ઈંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા… ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઈંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઈંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!
એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળવું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો… હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં: લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશનેય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી- યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)
ખેર, ૧૯૭૫ના ૧૨મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઈંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો. એ વિજયસાંજ અમે ગાંધીનગરમાં જ એક સંઘર્ષ સાથીના જન્મદિવસ નિમિત્તે પ્રીતિભોજન સાથે મનાવી હતી. જેપી આંદોલનના જોગંદર ભોગીભાઈ સાથે હોઈ ઓર ઉમંગ હતો.
આ લખું છું ત્યારે પચાસ વરસને અંતરેથી મને કૌતુક અને જિજ્ઞાસા જાગે છે કે આનંદની એ ક્ષણોમાં ભોગીલાલ ગાંધીને એમની આશંકા સાચી પડવામાં છે એવો થડકો સુદ્ધાં હશે ખરો? ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા વખતે એ ‘ઈંદિરાજી કયે માર્ગે?’ લઈને આવ્યા જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું કે ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથ લડાઈ ચૂક્યું હશે…
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
પિતૃદિન નિમિત્તે પ્રાસંગિક ગઝલ
ડો. માર્ગી દોશીઈશ્વર ,ખુદા, અલ્લાહ, પરમાત્મા.. બધાં સાક્ષાત છે,
જ્યારે વિષય, કિરદારમાં “પપ્પા”ની માંડી વાત છે.લખવા કહ્યું ભગવાન વિશે કોઈએ જ્યારે મને,
ટાંક્યું જે મેં કાગળ ઉપર, ‘પપ્પા’નું એ દૃષ્ટાંત છે.ખિસ્સે ખુમારીનાં ભરી સિક્કા સતત ખર્ચે વજૂદ,
પપ્પાનાં જીવનથી જ સમજ્યા લાગણી, જઝબાત છે.એ દૂરથી પણ દીકરીની કેટલી પરવા કરે!
પપ્પાનું આંગણ આજ પણ લાગે સુરક્ષિત પ્રાંત છે.છંદો અને બંધારણો ટૂંકા પડે અહીંયા જુઓ,
પપ્પા ગઝલમાં હોય જો, હર એક ગઝલ વેદાંત છે!
(૨) ડેડી તમે..સ્વ. હિમાંશુ ભટ્ટડેડી તમે કોઈ નવી વાતો સુણાવોખોળામાં લો, બેસો મને સપના ગણાવો.બોલે તમારા હોઠ, ને બોલે છે આંખોમસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો.આ બે તમારા હાથ છે, દુનિયા અમારીમારા તમે બે હાથમાં દુનિયા સમાવો.જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીનાંકાંટા અને આજે મને પુષ્પો બતાવો.માણી શકું હું જિંદગીને મારી રીતેધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવોલોકો કહે છે ગાય જેવી દિકરી હોચાલો ફરીથી એમને ખોટા ઠરાવો.ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલાવ્હાલપ તમારું મારા કણ-કણ માં સમાવો.મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડીકાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …
…
-
નિર્ણય
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
હારુને ઘડિયાળમાં સમય જોવાની વ્યર્થ કોશિશ કરી પછી બહાર ચંદ્રના આછા અજવાળા પરથી રાતના ત્રણ વાગ્યા હશે એવો અંદાજ કાઢ્યો. મન પરના ભારના લીધે ઊંઘી શકતો નહોતો. આંખ બંધ કરવા મથતો તો નજર સામે ચિત્રવિચિત્ર ચહેરા તરી આવતા. માથે ઘુમતા પંખાનો અવાજ અને મનમાં ઘુમરાતા વિચારો કનડતા હતા. વિચારોના હુમલાનો મન પર ભાર વધ્યો. કપાળેથી પસીનો નીતરવા માંડ્યો. એ ગભરાઈને બેઠો થઈ ગયો અને રૂમની બહાર આવ્યો.
સામે પલંગ પર મા અને નાની બહેન સૂતાં હતાં. માના ચહેરા પર એની ઉંમર કરતાંય વધુ વ્યથા, પીડાનાં નિશાન હતાં અને અઝરાના ચહેરા પર ઉંમર કરતાંય વધુ માસુમિયત. મન ભરાઈ આવ્યું. પાછો રૂમમાં આવી ગયો.
“હે ભગવાન, શું કરું? નાજાન માટે થઈને મા, બહેન, ઘર છોડી દઉં કે, મા અને બહેન માટે થઈને જેને જીવનભર સાથ આપવાનો નિર્ણય કર્યો છે નાજાનને છોડું?”
માનો પ્રેમ શીતળ છાંયા જેવો હતો તો નાજાન એના જીવનમાં વસંત બનીને આવી હતી. કોઈ એકની પસંદગી એટલે જીવન-મૃત્યુ વચ્ચેની પસંદગી.
જે દિવસે નાજાનની માએ હારુનને બોલાવીને એના મનની વાત કરી ત્યારે હારુન ત્રિશંકુની દશાએ આવીને ઊભો.
“હારુન, ખરેખર તો આ વાત છોકરા-છોકરીના પરિવારજનો કરે, પણ સંજોગો એવા છે કે નિર્ણય તારે લેવાનો છે એટલે તારી સાથે વાત કરવી જરૂરી છે.” નાજાનની માએ હારુનને બોલાવીને કહ્યું હતું.
વાત જાણે એમ હતી કે, નાજાન પાંચ વર્ષની હતી ત્યારે એના પિતાનું અવસાન થયું. માએ કપડાં સીવીને, અનેક તકલીફો સહીને નાજાનનો ઉછેર કર્યો હતો. દરેક માની જેમ દીકરીનું જીવન થાળે પડે એવું નાજાનની મા ઈચ્છતી હતી. નાજાન નાની હતી ત્યારે મા એનો સહારો હતી, હવે નાજાન માનો સહારો બની ગઈ હતી. માને ડર હતો કે દીકરી મા માટે થઈને એની ખુશી કુરબાન કરી દેશે. માને એકલી છોડીને એ સાસરે નહીં જ જાય.
“તું મને સ્વાર્થી સમજીશ એ હું જાણું છું હારુન, પણ મારી એટલી અપેક્ષા છે કે નાજાન લગ્ન પછી અહીં મારી સાથે જ રહે. આ સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી.”
વાત સાંભળીને હારુન સ્તબ્ધ થઈ ગયો. નાજાનની માની વાત એ સમજતો હતો, પણ એના સંજોગો, એની જવાબદારીનું શું?
“માસી, મને વિચારવા માટે થોડો સમય આપો.” હારુન માંડ આટલું કહી શક્યો.
હારુનની નજર નાજાન પર પડી. એના ચહેરા પર ઉચાટ, અવઢવ અને આંખમાં આંસુનાં પૂર હતાં. હારુન અને મા વચ્ચે એનોય પ્રેમ અટવાયો હતો. હારુનને મન થયું કે, એ નાજાન પાસે જઈને એને આશ્વાસન આપે. પણ, એ પત્થરની જેમ જડાઈ ગયો. એક ક્ષણ તો એને થયું કે સાચે જ એ પત્થર હોત તો! એને આટલી પીડા ન થાત.
નાજાનની જેમ એ પણ લાચાર હતો. મા પ્રત્યેના પ્રેમ, બહેનની જવાબદારીથી એના પગ બંધાયેલા હતા.
******
પ્રભાતનો આછો અજવાસ રેલાયો ત્યાં સુધી એ જાગતો રહ્યો. મા ઊઠશે ત્યારે એને જાગતો જોઈને ઉચાટ કરશે એ વિચારથી એનો ઉચાટ વધ્યો. મા માટે એને અસીમ પ્રેમ હતો. નાનો હતો ત્યારથી માની નાની અમસ્તી તકલીફથી એ પરેશાન થઈ જતો. મા બીમાર પડે ત્યારે એને એટલી ચિંતા થઈ જતી કે ના પૂછોને વાત. મા પરાણે એને રમવા મોકલતી અને એ થોડી વારમાં તો રમત પડતી મૂકીને માને જોવા દોડી આવતો.
માને કંઈ થઈ જશે તો એની દુનિયા અંધકારમય બની જશે એવા વિચારો એને ઘેરી વળતા. એ સમજણો થયો ત્યારથી માને તકલીફો વેઠતી જ જોઈ હતી. જીવનમાં ક્યારેક ઝબક વીજળી જેવી ખુશી આવતી, બાકી ઘોર અંધકારમાં જ એનું જીવન પસાર થતાં જોયું છે. પતિની લાચારીનો ભાર પૃથ્વીની જેમ એ ખમતી રહી. ધૈર્યના અગાધ સાગર જેવી મા ધીરેધીરે મુરઝાતી ચાલી, એનું શરીર ખોખલું થતું ચાલ્યું. હારુન જાણતો હતો કે, એ માનું જીવનબળ હતો. એનું અસ્તિત્વ મા માટે પ્રાણવાયુ સમાન હતું.
માએ અનેક સંઘર્ષનો સામનો કરીનેય હારુનની તમામ ઈચ્છાઓ પૂરી કરી હતી. હારુનની પ્રગતિ, સફળતા કે આજે ઘરની જે જવાબદારી સંભાળી શકવા સમર્થ બન્યો હતો એની પાછળ માનું પીઠબળ હતું.
‘આજે જ્યારે એ માની ઈચ્છાઓ પૂરી કરી શકે, સુખ આપી શકે, ખુશ રાખી શકે એ ક્ષમતાએ પહોંચ્યોં હતો ત્યારે પોતાની ખુશી માટે માને જ છોડવાનો નિર્ણય લેવાની ઘડી આવી? જે માની નાનીનાની પરેશાની જોઈને વ્યથિત થતો એ માને છોડીને અન્ય રહેવા જશે ત્યારે એ કેટલી વ્યથિત થશે?’ હારુન જાતને સવાલ કરતો રહ્યો.
પડખું ફેરવતાની સાથે વિચાર બદલાયા.
“શું કરું? અન્ય માટે થઈને મારી ખુશી જતી કરું? મારું ભવિષ્ય, મારી જિંદગીનો નિર્ણય લેવાનો મને પૂરેપૂરો હક છે. મારી ખુશી, મારી જિંદગી નાજાન છે. સઘળું છોડીનેય એને સાથ આપીશ એવું વચન આપ્યું છે. કોઈ પણ ભોગે એ વચન હું નિભાવીશ.”
*****
“હારુન…” મા એને બોલાવવા આવી ત્યારે વિચારોમાં ડૂબેલા હારુનના ચહેરા પર ઉચાટ જોઈને માને ચિંતા થઈ.
“હારુન, ઑફિસ જવાનો સમય થયો. હજુ તૈયાર નથી થયો? પહેલી વાર માના સવાલો પર એને ખીજ ચઢી.
“નથી જવું ઑફિસ. આખી રાત જાગ્યો છું. માથું દુઃખે છે.” એણે અકળાઈને જવાબ આપ્યો. મા સામે જોયું. એને વ્યથિત જોઈને પોતાની રૂક્ષતા પર પર શરમ આવી.
“મા, ચિંતા ના કર. થોડીવારમાં ઠીક થઈ જશે.” થોડા નરમ થઈને જવાબ આપ્યો.
મા બહાર ચાલી ગઈ. તૈયાર થઈને બહાર આવ્યો. અઝરા ચા લઈને આવી.
“ભાઈ, માએ કહ્યું કે તમને ઠીક નથી.”
મા-બહેનને ચિંતા કરતા જોઈને સ્વસ્થ થવા મથ્યો. હિંમત એકઠી કરીને માને હાથ પકડીને પાસે બેસાડી.
“મા, કાલે નાજાનની માએ બોલાવ્યો હતો. એ ઈચ્છે છે કે લગ્ન પછી હું એમની સાથે જઈને રહું.” અચકાતા અચકાતા એ બોલ્યો.
માના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું, પણ એ સ્મિતની પાછળ વેદના છલકાતી દેખાઈ.
“બસ, આટલી જ વાત માટે તું આટલો પરેશાન થાય છે? તને એમ કે હું મંજૂરી નહીં આપું? અરે, તારી ખુશીમાં અમારી ખુશી છે. આજે જ જઈને નાજોની માને હા કહી આવજે. મેં તને મોટો કર્યો, એનો અર્થ એ નહીં કે અમારા માટે તારી ખુશી જતી કરવાની.” પોતાની વ્યથા મનમાં ભંડારી દઈને માએ કહ્યું.
શું બોલે હારુન? એના ગળામાં ડૂમો અટવાયો.
“ભાઈ, તમે અમને છોડીને જતા રહેશો?”
જાણે કોઈ ધડાકો થયો હોય એમ અઝરાનો અવાજ સાંભળીને એ અંદર સુધી હલી ગયો. શું કરવા જઈ રહ્યો હતો એ?
“અઝરા….” ઊંડાણમાંથી બહાર આવતો હોય એમ બોલ્યો. અઝરાએ એના અસ્તિત્વને તૂટતું, વેરવિખેર થતું બચાવી લીધું.
શૌકત હુસેન શોરો લિખીત (ડૉ સંધ્યા કુંદનાની અનુવાદિત) વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વતન
લતા હિરાણી
ફળિયામાં ઘટાદાર લીમડો. ઘુંટણવા ઉંચી, થાંભલીઓના ટેકે ઉભેલી દેશી નળિયાવાળી ઉબડખાબડ ઓસરી. એમાં એક મોટો ગોખલો. ગોખલામાં માતાજીનો નાનકડો મઢ. શુરાપુરાયે પૂજાય. મઢ આડે, ફાટવાને વાંકે લટકતો એક પડદો. ઓસરીમાં જમણી બાજુ મોટા પાણિયારા પર માટલાં ને ચકચકાટ બેડાં. બે-ચાર ઘોબાવાળા લોટા પ્યાલા ખરાં. ઘરમાં નજરને ગમે એવું કાંઈ દેખાતું હોય તો આ પાણિયારું ને લીમડાની ઘટા.
મનહર ક્યારેક પૂછતો માને, “કેટલું માંજ્યા કરે છે આ બેડાંને ?” આવો ચળકાટ એણે માના ચહેરા પર ક્યારેય નહોતો જોયો.
ઓસરીમાં બે બારણાં પડે. એક રાંધણિયાનુ. નળિયામાંથી પડતા ચાંદરણા સિવાય ત્યાં બીજો કોઈ પ્રકાશ નહીં. ચુલા ઉપરનું એક નળિયું ખસેડી ધુમાડાને જવા માટે જગ્યા કરેલી દેખાય એટલું જ, બાકી ચુલો ફૂંક્યા કરતી મા રાંધણિયામાં ભરાઈ રહેતો ધુમાડો ખાઈ ખાઈ ઠોં ઠોં કર્યા કરતી. રાંધણિયાની બાજુમાં એક ઓરડો. એમાં જુનો પટારો ને ઘંટી હતા. નવાં કપડાં પેટીમાં ને જુના લુગડાંનું પોટલું વાળેલું દેખાય. જો કે આ સમૃદ્ધિમાંયે વાલજીએ દીકરા મનહરને કૉલેજ કરાવેલી એ ખરું. કૉલેજ પૂરી થઈ અને વેકેશનમાં આમતેમ રખડતા મનહરને હવે ઝટ નોકરી મળી જાય એની વાલજીને વાટ હતી.
મનહર કૂદકા મારતાં ઓસરીમાં ચડ્યો.
’બા, ખાવાનું દે, બહુ ભુખ લાગી છે’
‘બેટા, જરા ધાણ રાખ. ખાવાનું ભાગી નહીં જાય.’ મોટીબાએ ટપાર્યો.
‘મોટીબા, ફળિયામાંથી ટાંટિયા ધોઈને જ ચડ્યો છું.’
‘માતાજીને માથું નમાયું?’
‘આ તમારા ગોખલા ને દેવલા…..’
‘એમ નો બોલાય દીકરા, ઈ ભગવાન કે’વાય.’ મોટીબા ઝીણું બબડ્યા,
‘તારો બાપેય આવો જ હતો…. અથરો. હવે કંઈક ટાઢો પડ્યો’.
મનહર ક્યાં મોટીબાની વાત સાંભળવા ઉભો રહે એમ હતો ! અંદર જઈ બાની સામે પલાંઠી વાળીને બેસી ગયો.
’બાપુજીએ પૈસા દીધા છે ને? મારે બે નવા બુશકોટ સીવડાવવાના છે. એક દિવાળીનો ને બીજો બેસતા વરસનો.’
બા કાંઈ ન બોલી. થાળી પીરસીને દીકરા પાસે મુકી દીધી. મનહરે કોળિયો ન લીધો.
’પૈસા દે ને બા!’
‘તારા બાપુજીને આવવા દે. ખાધા કેડે ઈ જ આલશે.’
‘વળી પાછી ઈ જ વાત. બાપુજી કે’શે, તારી બાને દઈ દઈશ ને તું કે’છ તારા બાપુજી દેશે. આમ ને આમ તમે દિવાળી કાઢી નાખશો.’
ફળિયામાં બાપુજીએ ખોંખારો ખાધો. બાએ ઝટ ઝટ પાણીનો લોટો ભરી દીધો ને રોટલા ઘડવા માંડી.
‘તેં હજી ખાવાનું શરુ નથી કર્યું?”
મનહર કાંઈ બોલ્યો નહીં. એણે હાથ એઠો કરીને મુકી દીધો હતો.
’આજે ચમનશેઠ પાસે ફરીને જઈને આયો.’ જરા ધીમે સાદે બાપુજી બોલ્યા.
મનહર કે બા કોઈ કાંઈ ન બોલ્યું. બાએ પીરસેલી થાળી બાપુજી પાસે મુકી.. એમણે હાથમાં પાણી લઈ થાળી ફરતે ગોળ ધાર કરી ને બે ઘડી આંખ બંધ કરી કંઈક મંતર ગણગણ્યા.
’એલા મનિયા, શું બેઠો બેઠો જોયા કર છ! ખાવા માંડ ને !’
’મારા બુશકોટના કાપડનું શું કર્યું?’
’નહીં થાય, આ ફેરા નહીં થાય.’
’શું કામ? દિવાળી આવે છે. મારા ભાઈબંધે નવા બુશકોટ સીવડાવવા નાખીયે દીધા.”
”તે તું કાંઈ ઉઘાડો ફરે છે? જોયો મોટો દિવાળીવાળો!”
“તમે મને હા કહી ‘તી. હું એસ.એસ.સીમાં એંશી ટકા લાવ્યો’તો ત્યારેય તમે એકવાર હા કઇને પછી નામકર ગ્યા ’તા.”
“તે તારા બાપને ગામનો ગરાસ નથી! ઇ તો કહું છું, ચમનશેઠ પાસે આજ ફરીને ગ્યો’તો પણ દીકરીના લગન લીધા છે તી ઇનેય ખરચ હોય ને !”
“તે એની દીકરી પૈણે એમાં આપણે દિવાળી બગાડવાની?”
“ને નવા લુગડાં પેરીએ તંયે જ દિવાળી થાય ?”
થાળી હડસેલતો હડફ દઈને મનહર ઉભો થઈ ગયો.
”ઉભો રે, ઉભો રે બેટા…” બા કહેતી રહી ને મનહર રાંધણિયાની બહાર નીકળી ગયો. ડેલીની બહાર નીકળી એણે હાથમાં પથરો લીધો ને કર્યો ઘા. વાઉં વાઉં કરાંજતુ કુતરું ભાગ્યું.
આખો દિવસ ભુખ્યો ને ભુખ્યો એ સીમમાં રખડતો રહ્યો. તળાવની પાળે બેઠો. ગળું સુકાતું હતું પણ પાણી ન પીધું તે ન જ પીધું. ક્યાંક વાડ તોડી નાખી ને ક્યાંક કોઈકની સાથે નાની વાતમાં ઝઘડી પડ્યો.
મોડી રાતે એ ફળિયામાં હળવેકથી દાખલ થયો.
‘આવી ગયો ભાઈ?’
મોટીબા ખાટલામાંથી બેઠા થયા. બાજુમાં એનો ખાટલો ઢાળીને ગોદડું પાથરેલું હતું. મનહરે પગ પર બે લોટા પાણી રેડી ખાટલામાં પડતું મુક્યું.
”જરા સબુરી રાખ બેટા, આમ ઉંબાડિયા મેલ્યે તો આપણાં કાળજા બળે.” મોટીબાને મનહરની બહુ ચિંતા હતી.
”આ તે કેવાં લોક માડી? આ શેઠિયાઓની મજુરી કરી કરીને બાપાની કાયા કંતાઈ ગઈ તોય બાર મહિને આપણા હકના પૈસા માટેય કરગરવાનું ? બાપુજી કાંઈ ન કહી શકે?”
”ભાઈ એ લોક આપણું ધણી છે. તારી બોનને પૈણાવી તંયે એણે જ રુપિયા ધીર્યા’તા ને !”
”તે એ તો ઢગલો વ્યાજ લઈને….. સાલાવ ખોટી દાનતવાળા !”
“હાલ ઉઠ, પે’લા થોડું ખાઈ લે”
મોટીબા રાંધણિયામાં ગયા. રાતનો રાખેલો રોટલો ને તાંસળી ભરીને દૂધ લાવ્યા. મનહર કોળિયા ભરતો હતો પણ એનું મન ક્યાંક બીજે હતું.
મોટીબાએ એની વિચારમાળા તોડી.
‘તું તો ભણ્યો છો ને બાપલા! મોટો સાહેબ થાજે ને દોથા ભરીને પગાર લાવજે.’
મનહર ઉઠીને મોટીબાના ખાટલામાં ભરાણો,
‘બા, મારે પરદેશ જાવું છે.’
‘શું કરવા?’
‘અહીંના જેવા લોક એવું ભણતર! પરદેશ જઈને મોટી ડિગ્રી લઈશ ને ખૂબ રુપિયા કમાઈશ.’
મોટીબા મુંગામંતર થઈ ગયા.
સવારે વાત કરશું – કહેતાં મોટીબા પડખું ફરીને સુઈ ગયાં.
વહેલી સવારે આ બાજુ આખો લીમડો કલબલ્યો ને અંદર બાનું વલોણું. મનહરની આંખ ખુલી ગઈ. મોટીબા ઓસરીની કોર પર બેસીને માળા કરતા હતા. હાથમાં દાતણ અને એ જ વાત લઈ મનહર મોટીબા પાસે આવ્યો. મોટીબા ઘડીક એની સામું જોઈ રહ્યાં. એને ખબર હતી કે મનહર જેવો મિજાજનો તેજ હતો, ભણવામાંયે એવો જ તેજ હતો. કૉલેજના છેલ્લા વરસનુ એનું પરિણામ બહુ ઉંચુ આવ્યું હતું. મોટીબાને આ એકનો એક પોતરો બહુ વહાલો હતો. પરદેશ ભણવા માટે બહુ રુપિયા જોઈએ એય ખબર હતી.
આખા દિવસમાં આટલી મોટી વાત, એકાદ અંધારે ખૂણે બની ગઈ. એની જિંદગી બનતી હોય તો હવે આ જાતી જિંદગીએ મારે દાગીનાને શું કરવા છે, એમ વિચારીને મોટીબાએ પોતાના બધા દાગીના આપી દીધા. મનહરે મનમાં નક્કી કરી લીધું કે ભણીગણીને કમાણી થવા માંડશે એટલે મોટીબાને દાગીના નવા કરાવી દઈશ. કોઈને ખબર પડશે તો હોબાળો થઇ જશે એટલે આખી યોજના ખાનગી રાખવી એવું મોટીબાએ ખાસ સમજાવી દીધું.
ત્રણ મહિના પછી ઘરમાં કોઈને કહ્યા વગર એણે લંડનની ફ્લાઇટ પકડી લીધી.
લંડન એરપોર્ટ પર એ ચૂપચાપ ઊભો હતો. એના કાન ચમક્યા,
’હાય, હેન્ડસમ…’
મને કોઈ થોડું બોલાવે! – તો યે મનહરે પાછું વાળીને જોયું. એક પ્રૌઢ અંગ્રેજલેડીનું હુંફાળું સ્મિત એને પોતાના માટે જ વરતાયું. ખચકાતાં ખચકાતાં એ હસ્યો. લેડી ખુશ થઈ.
‘હું ક્યારની તને જોઉં છું.’ અંગ્રેજી છાંટવાળું ગુજરાતી સાંભળીને મનહર બાઘાની જેમ એની સામે જોઈ રહ્યો. એ જવાબ ન આપી શક્યો.
‘નવાઈ લાગે છે ને દીકરા! પણ હું ગુજરાતમાં ઘણું રહી છું ને મને તારા જેવા બહુ લોકોએ મદદ કરી હતી.’
મનહર ઘડીક એની સામે ને ઘડીક વિશાળ કાચની વોલ સામે જોતો રહ્યો.
“મારી સામે જો, સ્વીટ બોય ! અહીં બેસ.’ એ બેઠી અને મનહરને હાથ પકડી પોતાની પાસે બેન્ચ પર બેસાડયો.
‘બહુ મુંઝાયેલો લાગે છે માય સન !’
મનહરને આંચકા ઉપર આંચકા મળી રહ્યા હતા.
રાંધણિયામાં બાની પીરસેલી થાળી હડસેલી ત્યારના ઉચાટભર્યા મનહરને આ અંગ્રેજલેડી મારિયાની વાતથી ઘણી રાહત લાગી. મોટીબાએ દાગીના આપ્યા ત્યારેય એણે જબરો અપરાધભાવ અનુભવ્યો હતો અને પછી તો ભાગદોડમાં દિવસો ક્યાં નીકળી ગયા ખબર ન રહી.
મારિયાના બે ચાર વાક્યો ને હેતાળ સ્પર્શ… એણે એકધારી આપવીતી સંભળાવી દીધી.
“ડોન્ટ વરી સન, મારા હાઉસમાં એક રુમ ખાલી છે. તું એમાં રહેજે”.
“ઓ આન્ટી…… સર્ચીંગ યુ…. ” કહેતી એક ચુલબુલી ગોરી છોકરીએ આવીને મારિયાનો હાથ ખેંચ્યો.
‘શી ઇઝ લીઝા અને લીઝ, આ મનહર… માય હેન્ડસમ બોય, લંડનમાં લીઝ તને કંપની આપશે.’ કહીને મારિયા હસી.
લીઝાએ કોઇ પ્રતિભાવ ન આપ્યો.
મનહરનો વિષાદ ઓગળતો ચાલ્યો. પછીના દિવસો બહુ ઝડપથી પસાર થઈ ગયા. મારિયાની જેમ એય એને લીઝ જ કહેતો. મનહર રોજ લીઝની સાથે યુનિવર્સિટીઓમાં ફરતો. ધક્કા ખવડાવવા બાબતે અને તુમારશાહીમાં એને આ દેશ ઇન્ડિયા કરતાં ચડિયાતો લાગ્યો.
“મન, ચાલને મારી સાથે જર્મની આવી જા. મારી યુનિવર્સિટીમાં તને એડમિશન મળી જશે.”
આ સંબોધનથી મનહર આખેઆખો ઓગળી જતો. બંને વચ્ચે દોસ્તી જામી ગઈ હતી. પોતાના નામનું ટુંકુ રુપ ‘મનિયા’ એણે બાપુજીના ગુસ્સામાં સાંભળ્યું હતું. બા અને મોટીબા એને મનુ કહેતા. એને યાદ આવ્યું લીઝે એકવાર એના નામનો અર્થ પૂછ્યો હતો ! ને એને સમજાવતા પોતે શરમાયો હતો.
જર્મનીમાં લીઝે મનહરને જુદી રૂમ પણ ન રાખવા દીધી. ભણવાની સાથે બંનેએ પહેલાં પાર્ટટાઇમ ને પછી ફુલટાઇમ જોબ કરતાં કરતાં જીવનને ભણી લીધું.
એ લંડન હતો ત્યારે એને એવા સમાચાર મળ્યા હતા કે મોટીબા ગયા. એ પછી મનહરની સ્મૃતિમાં ગામ સાવ ધુંધળું કહો કે અદૃશ્ય થતું જતું હતું. હવે સમયની ગંધ પણ છેક જ ઓગળી ગઈ હતી. ક્યારેક ઇંડિયા વિશે કંઇ સમાચાર એના કાને પડતા તો એ સાંભળ્યું ન સાંભળ્યુ કરતો. એને દેશ યાદ જ નહોતો કરવો. અહીં લીઝના સાથમાં જીવન સુંદર, સમૃદ્ધ અને રળિયામણું બની ગયું હતું. ગામમાં જીવેલા ઉબડખાબડ વરસોનો લીઝે ખંગ વાળી દીધો હતો, એ સુખનો પર્યાય બની ગઈ હતી.
ક્યારેક એના મનમાં પેલો ઘટાદાર લીમડો ઉભરાતો ને એ આંખ બંધ કરી બાળકની જેમ લીઝની ભરાવદાર છાતીમાં ચહેરો સંતાડી દેતો. પ્રવાહની જેમ વહ્યે જતું જીવન જરા ખળભળ્યું, જ્યારે મનહરે કાયદેસર પરણવાની જીદ પકડી.
“મેરેજ કર્યે શું ફેર પડશે ? આપણે સાથે જ રહેવાના છીએ. તને કાંઈ શંકા છે ?”
“ના, હું તારું રુંવાડે રુંવાડું ઓળખું છું. પણ આ આપણા બાળકને મારે બાપનું નામ આપવું છે.”
“એ તો મળશે જ.”
“એમ નહીં, કાયદેસર! જેમ મારા દેશમાં થાય છે એમ.”
મનહરનું વર્તન ઘણીવાર સાવ બે જુદા જુદા છેડાનું અનુભવાતું.
‘આમ તો તારા દેશને તું હેટ કરે છે.’ લીઝથી કહેવાઈ ગયું.
મનહર ચુપ થઈ ગયો પણ પરણવાની વાતમાં એણે બાંધછોડ ન કરી.
નામ રાખતી વખતેય એ એવો જ મક્કમ રહ્યો હતો.. ‘મારી દીકરીનું નામ પૂર્વા જ.’
હસીને લીઝ બોલી, ‘તારો દેશ પશ્ચિમમાં છે!’
દસ વર્ષ પરણ્યાના અને એ પહેલાંના ત્રણ વર્ષ સાથે જીવ્યાના. એક જ વ્યક્તિ સાથે આટલાં વર્ષો જીવી શકવાનું રહસ્ય લોકો એને પૂછતા !
લીઝા કહેતી, ‘મન મૂળ ઇન્ડિયાનો.. આ પૂર્વના દેશનું કલ્ચર !’
મનહર બોલી ઉઠતો, ‘તારુંયે ખોળિયું જ પશ્ચિમનું છે !’
લીઝા એને ‘ખોળિયું’ શબ્દનો અર્થ પુછતી ને મનહર ક્યાંક ખોવાઈ જતો.
પરી જેવી દીકરી હતી મનહરની.. લીઝા જેવી ગોરી ચામડી, ભુરી આંખો ને મનહર જેવા વાંકડિયા વાળ.
હાઇસ્કૂલે જતી થઈ ને મનહરને ફડકો પેસી ગયો. રોજ સાંજ પડે પૂર્વાને પાસે બેસાડી એના ફ્રેંડ્ઝની બાબતમાં પૂછ્યા કરતો. લીઝા બધું જોતી અને ચુપ રહેતી.
એક વાર પૂર્વાએ પૂછ્યું હતું., ‘મોમ, મારી ફ્રેંડ્ઝ હવે પીલ્સ લે છે. મારે લેવાની ?
એ દિવસની જેમ જ મનહર હડફ દઇને પ્લેટ હડસેલતો ઉભો થઇ ગયો. એનો ચહેરો લાલઘુમ ને ભમરની પણછ ખેંચાઈ. જો કે એ કંઈ બોલી ન શક્યો. આ દેશના વેશ એ જાણતો હતો. લીઝા પણ ગંભીર થઈ ગઈ હતી. મનહરની નસેનસમાં વહેતા પ્રવાહથી એ વાકેફ હતી.
થોડા દિવસો પછી….
ડાઇનિંગ ટેબલ તૈયાર હતું. લીઝે મનહરને કેટલી વાર બોલાવ્યો. ખાવાનું ઠંડુ થતું હતું.
‘પૂર્વાને આવવા દે.’’
’શી વીલ કમ લેટ’
’વ્હોટ?’ મનહરનો અવાજ ફાટ્યો.
‘કૂલ ડાઉન ડિયર, આવું તો હવે થતું રહેવાનું.’
‘પણ તેં મને કહ્યું કેમ નહીં?’
’ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે એમાં શું કહેવાનું?
’ભાડમાં જાય એની પાર્ટી’ મનહર બોલતાં તો બોલી ગયો પણ એને નવાઈ લાગી, આ શબ્દ એની જીભ પર આટલા વરસેય એટલી જ તાકાતથી આવ્યો! એ ખમચાઈ ગયો.. લીઝાને એમાં સમજ પડે એમ નહોતું પણ એના ધુંધવાટ પરથી પામી ગઈ.
‘કમ ઓન મન રીલેક્સ’…… લીઝે મનહરનો બરડો પંપાળ્યો.
મનહરે માંડ બે કોળિયા ખાવાનું ગળે ઉતાર્યું. મન ડુબકા ખાતું હોય અને એકે શબ્દ ન ટપકતો હોય એવો આ પહેલો પ્રસંગ હતો.
પૂર્વાની વાટ જોવાનો અર્થ નહોતો. એ કપડાં બદલીને પથારીમાં પડ્યો.
આટલા વરસો પછી મનહરની આંખમાં બા ઉગી, આંખમાં ઝળઝળિયાં ભરેલી.
મોટીબાએય જાણે પ્રગટ થઇને કહ્યું, ‘કાંઈ વાંધો નહીં. સુખી રે’જે બેટા. અંતે બધુંય તારા માટે જ હતું ને !’
એ બેઠો થઈ ગયો, લાઉન્જમાં જઈ ચુપચાપ ટહેલતો રહ્યો. ટપ ટપ…. ટપ ટપ….મનહરના પગલાં સંભળાતા રહ્યાં. લીઝા બહાર ન આવી. જેમ બને તેમ ઝડપથી મનહર જાતે જ પરિસ્થિતિ સ્વીકારી લે, એમાં સૌની ભલાઈ હતી.
મોટી ગ્લાસવિન્ડોમાંથી મનહરની નજર બહાર આથડ્યા કરી. ગાર્ડનમાં રાખેલા લેમ્પપોસ્ટની ઝાંખી લાઇટ આસપાસના અંધારાને વધારે ઘેરું બનાવતી હતી ને અજવાળું કોઇ પગલાં નહોતું ઉઘાડતું. એની મુટ્ઠીઓ ઉઘાડબંધ થતી હતી. આખરે બેડરુમમાં જઇને એણે ફોન ઉપાડ્યો.
’ઇટ ઇઝ ટુ લેટ.’ લીઝે આડો હાથ ધર્યો.
રીસીવર ક્રેડલ પર ને મનહરની કાયા બેડ પર પછડાયા. બહાર પવન ફુંકાયો. થોડું ઘણું અજવાળું યે વરસાદની ધારે વહી ચાલ્યું…
મનહરની આંખ સામે એ દૃશ્ય ખડું થયું જ્યારે પહેલી વાર એ પગ પછાડતો ઘરેથી નીકળી આખો દિવસ સીમમાં રખડ્યો હતો. સાંજ પડે હાથમાં ફાનસ લઇને શોધવા નીકળેલા બા-બાપુજીની આંખો પોતાને જોઈને કેવી વરસી હતી ! એ આખેઆખો વહેરાઈ ગયો.
માનવીના હૈયા ગમે એવા નંદવાયા હોય, દિવસ-રાતને આ કોઈ બાબત સાથે કોઈ નિસબત નથી હોતી અને અહીંની સવારને તો ઉગતાંય ક્યાં આવડતું હતું ? સમરના થોડાક મહિના બાદ કરતાં ઘડિયાળ જોઇને જ સમજવાનું કે હવે સવાર થઈ !
લીઝા જાગી. મનહરનો બેડ ખાલી હતો. પૂર્વા ગેટ ખોલી અંદર પ્રવેશતી હતી.
લીઝા હૉલમાં આવી.
મનહર ફોન પર હતો… ‘યસ, અરજન્ટ… ઇંડિયાની ત્રણ ટિકિટ…
……………….
પ્રકાશિતઃનવચેતન * ૬– ૨૦૦૮
કુમાર * ૧- ૨૦૨૦
