-
ફિલ્મી ગઝલો – ૧૦૭. રામમૂર્તિ ચતુર્વેદી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
રામમૂર્તિ ચતુર્વેદી ગીતકાર ઉપરાંત અભિનેતા, લેખક અને નિર્દેશક પણ હતા. ૭૦ ના દાયકા લગી તેઓ સક્રિય રહ્યા. આપસ કી બાત, ઈમાન ધરમ, આંખિન દેખી, બાદલ, મહેબૂબા, ફિર કબ મિલોગી, દગાબાઝ જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. બિદેસિયા ( ભોજપુરી ), આયા તૂફાન, આધી રોટી, અલબેલી, સ્ટેશન માસ્ટર જેવી ફિલ્મોના કથા – પટકથા લખી.
૧૫૦ થી ય વધુ ગીતો લખ્યા. એમણે ગીત લખ્યા એમાં મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અને પૈરાણિક હતી. એમાં સાજન, રાજા, પરિંદે, રૂપા, ભક્ત પ્રહલાદ, નસીબ, દેહાતી, સાવન આયા રે, હમારા ઘર, ચોર, અલખ નિરંજન, નઈ દુનિયા, દેવ કન્યા, મહાકવિ કાલીદાસ, રત્નાવલિ, સિપૈયા, ગાલી, દિલ કી બાત, જેલ યાત્રા, આદાબ અર્ઝ, અંગુરી, ઉષા હરણ, શરારત, પરાયા ધન, મુજરિમ, ગુડિયા, પુલ, મૈં ક્યા કરું જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
એમની એકમાત્ર ગઝલ –
ચૈન તુમસે કરાર તુમસે હૈ
ઝિંદગી કી બહાર તુમસે હૈહમને ખેલી હૈ જાન કી બાઝી
જીત તુમસે હૈ હાર તુમસે હૈદિલ મેં આતે હો આરઝૂ બન કર
દર્દ કો ભી કરાર તુમસે હૈમુજકો દુનિયા કી કુછ ખબર હી નહીં
હોશ ઈતના હૈ – પ્યાર તુમસે હૈ..– ફિલ્મ : પનિહારી ૧૯૪૬
– સુરેન્દ્ર
– એસ એન ત્રિપાઠી – અલી હુસૈન
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘જાગો’ લગતા ગીતો : भोर भई उठ जाग रे बंदे
નિરંજન મહેતા
‘જાગો’ને લગતા થોડા ગીતો અગાઉ તા. ૧૦/૫ના લેખમાં મુક્યા હતાં. આ લેખમાં ત્યાર પછીના વર્ષોના ગીતો રજુ કરૂં છું. જો કે આ કદાચ સંપૂર્ણ યાદી ન પણ હોય.
૧૯૬૬ની ફિલ્મ ‘મેરે લાલ ‘નુ ગીત છે
भोर भई उठ जाग रे बंदे
रेन गई अब सो ना प्यारे
समय चुक फिर पछतावेगा
समय चुक फिर पछतावेगा
ऐसा अवसर कब आएगाચેતના જગાવતા આ ગીતના મુખ્ય કલાકરો છે દેવકુમાર અને ઇન્દ્રાણી મુખર્જી. ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે હેમંતકુમારનો.
૧૯૬૯ની ફિલ્મ ‘હનુમાન ચાલીસા’નુ ગીત હનુમાનજીને જગાડવા ગવાયું છે.
जागो हे बजरंगबली
अब सोच ही सोच में दिन न गुजरो
कौन नहीं जानत है जग में
कपि संकट मोचन नाम तिहारोમુખ્ય કલાકારો મહિપાલ અને અનીતા ગુહા. રચયિતા અને સંગીતકારની માહિતી નથી આપી. ગાયક છે મન્નાડે.
૧૯૭૦ની ફિલ્મ ‘આદમી ઔર ઇન્સાન’નુ આ ગીત પ્રોત્સાહક ગીત છે.
जागेगा इंसान ज़माना देखेगा
उठेगा तूफ़ान ज़माना देखेगा
बहता चलेगा मीलों नहरों का पानीझूमेगी खेती जैसे झूमे जवानी
चमकेगा देश हमारा मेरे साथी रे
आँखों में कल का नज़ारा मेरे साथी रे
नवयुग का वरदान ज़माना देखेगाકલાકાર છે ધર્મેન્દ્ર. સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનુ સંગીત. ગાયક છે મહેંન્દ્ર કપૂર.
૧૯૭૩ની ફિલ્મ ‘અગ્નિરેખા’નુ આ ગીત એક હાલરડું છે.
जाग मेरे मोती जाग
बदल रही है तेरी मेरी किस्मत धीरे धीरेકલાકાર છે શારદા. ગીતકાર છે કવિ પ્રદીપ અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. સ્વર છે લતાજીનો.
૧૯૭૪ની ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ક્રૂક’નું આ ગીત એક સામાજિક સંદેશો લઈને આવ્યું છે
पहेरा दो होशियारी से भाई जागते रहना
बचना चोरबाज़ारी से भाई जागते रहनाઓમ પ્રકાશ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે અઝીઝ કાશ્મીરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયક છે મહેંન્દ્ર કપૂર.
૧૯૭૮ની ફિલ્મ ‘આંખી દેખી’નુ આ ગીત એક પારંપરિક ભજન છે.
उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है
जो सोवत है सो खोवत है, जो जगत है सोई पावत हैગીતને સંગીત આપ્યું છે જે. કૌશિકે અને ગાયક છે રફીસાહેબ. ફક્ત ઓડીઓ
આજ વર્ષની અન્ય પ્રચલિત ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’નુ પ્રભાતિયું છે.
इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
जागो उठ कर देखो
जीवन ज्योत उजागर हैઝીનત અમાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે નરેન્દ્ર શર્મા અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.
૧૯૮૦ની ફિલ્મ ‘મહાબલી હનુમાન’નુ આ ગીત અગાઉ જણાવેલ ફિલ્મ ‘હનુમાન ચાલીસા’માં આવેલ ગીતની પુનરાવૃત્તિ છે.
जागो हे बजरंगबली
अब सोच ही सोच में दिन न गुजरो
कौन नहीं जानत है जग में
कपि संकट मोचन नाम तिहारोઆ ગીતના કલાકાર છે દારાસિંહ જે હનુમાનના પાત્રમાં છે અને જામ્બુવંત બનેલ કલાકાર તેણે ઉદ્દેશીને ગાય છે. ગીતકાર છે ઉદય ખન્ના અને સંગીતકાર છે કમલકાંત. ગાયક છે મન્નાડે.
૧૯૮૧ઈ ફિલ્મ ‘મંગળસૂત્ર’નુ આ ગીત એક વ્યથિત પત્નીની પ્રાર્થના રૂપે છે.
हे प्रलयंकर भीम भयंकर
हे शिवशंकर दाता
आग लगी मेरे जीवन में
रखना लाज विधाताઘાયલ અનંત નાગને માટે રેખા આ પ્રાર્થના કરે છે જેના શબ્દો છે નિદા ફાઝલીના અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયિકા લતાજી.
૧૯૮૯ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’નુ આ ગીત પણ એક પ્રાર્થનાના રૂપમાં છે.
जागो जागो हे देवी माता
सदा सुहागन रहू मै
ये वरदान लेने आई हु मैડીમ્પલ કાપડિયા ઉપર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, સ્વર છે અનુરાધા પૌડવાલનો.
૧૯૯૯ની ફિલ્મ ‘હુ તુ તુ’નુ આ ગીત એક પ્રોત્સાહક ગીત છે.
जागो जागो जागते रहो हे
जागो जागो जागते रहोआग के दाँतो में इन्सान फसे है
डर लगता है डर लगता हैસમાજને જાગૃત કરનાર છે નાના પાટેકર. ગુલઝારના શબ્દોને સંગીત આપ્યું છે વિશાલ ભારદ્વાજે જેને સ્વર મળ્યો છે રૂપકુમાર રાઠોડનો.
૨૦૦૭ની ફિલ્મ ‘ધર્મ’નુ આ ગીત માનવને જાગૃત કરવાનો ઉદ્દેશ હોય તેમ જણાય છે.
भइ भोर जागो
जैसे छाये अरुणाईઆ એક પાર્શ્વગીત છે જેના શબ્દો છે વરુણ ગૌતમના અને સંગીત છે દેબજ્યોતી મિશ્રનુ. ગાયક છે.સોનું નિગમ.
૨૦૧૫ની ફિલ્મ ‘બેજુબાન ઈશ્ક’નુ આ ગીત એક પાર્શ્વગીત છે જેમાં સવારની પ્રાકૃતિક સુંદરતાને બખૂબી દર્શાવી છે.
भोर भई और कोयल जागी
गीत मधुर गायो रेઆ ગીત સ્નેહા ઉલ્લાલ પર રચાયું છે. જશવંત ગંગવાનીના શબ્દોને રૂપેશ વર્માએ સંગીત આપ્યું છે જે ઓસમાણ મીરના સ્વરમાં છે. ગીત સાંભળતા જ નરસિંહ મહેતાનું પ્રભાતિયું યાદ આવ્યા વગર નહિ રહે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તંતુ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો
સંકલનઃ અશોક વૈષ્ણવ
આર ડી બર્મનની શરૂઆતની ફિલ્મો – છોટે નવાબ (૧૯૬૧), ભૂત બંગલા (૧૯૬૫), તીસરા કૌન (૧૯૬૫) અને પતિ પત્ની (૧૯૬૬) – સંગીતની દૃષ્ટિએ શાસ્ત્રીય, લોક ગીત, પ્રાદેશિક ગીતોના આધાર પર રચાતાં ‘૫૦ના દાયકાની હિંદી ફિલ્મોના ગીતોની કેડી પર જ રચાતાં જોવા મળે છે. જોકે વ્યાવસાયિક માપદંડો પર આર ડીની સંગીત યાત્રા હજુ સફળ નહોતી રહી. એક તરફ નિયતિ બંધ થતા દરવાજાઓ દ્વારા તેમની કસોટી કરી રહી હતી તો સાથે સાથે તેમને સફળતાની તક મળે એવી કેટલીક બારીઓ પણ ખુલ્લી મુકી રહી હતી. આવી એક બારી હતી નાસીર હુસ્સૈનની ફિલ્મ તીસરી મંઝિલ (૧૯૬૭). આ ફિલ્મનાં પાશ્ચાત્ય ધુનો પર આધારિત ગીતોની અઢળક સફળતાએ આર ડી બર્મનની સાંગીતની કક્ષાનો દરજ્જો જ બદલી નાખ્યો. તીસરી મંઝિલ પછી આર ડી તેમની રચનાઓની બાંધણીમાં શાસ્ત્રીય, લોક ગીત, પ્રાદેશિક ગીતોનાં સંમિશ્રણને યથોચિત સ્થાન આપતા રહ્યા, પણ તેમની સમગ્ર કારકિર્દી પર તેમની છાપ પાશ્ચાત્ય સંગીત પ્રેમી સંગીતકાર તરીકેની જ બની રહી.
કોઇ પણ પ્રકારની શૈલી પર તેમનું ગીત આધારિત હોય પણ આર ડી બર્મનની પ્રયોગશીલતા તો બરકરાર જ રહેતી. બાસુ (ચક્રબોર્તી – સેલોવાદક), મનોહરી (સિંગ – સેક્ષોફોનવાદક) અને મારૂતિ (રાવ કીર – તાલવાદક)ની તેમના સંગીત સહાયકોની ત્રિપુટીએ આર ડીના પ્રયોગોને સફળ અને સહજ રીતે અમલ મુકવામાં એટલી જ કમાલ દર્શાવી. પરિણામે, ખાસ કોઈ બાંધછોડ કર્યા વિના આર ડી બર્મનનું સંગીત બદલતી જતી દરેક પેઢીની રૂચિને અનુરૂપ બની રહ્યું.આર ડી બર્મનની વાદ્યવૃંદ રચનાઓના પ્રયોગોને કેન્દ્રમાં રાખતી આ શ્રેણીમાં આજે આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તંતુ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો વિશે વાત કરીશું.
રજુઆતની સરળતા માટે આપણે પહેલાં ભારતીય તંતુવાદ્યોનો પ્રયોગોની નોંધ લઈશું અને તે પછી પાશ્ચાત્ય તંતુવાદ્યોના પ્રયોગોનાં કેટલાંક ઉદાહરણો જોઈશું.
સ્વાભાવિક છે કે શરૂઆત તેમના સંગીત સહાયકો પૈકી તંતુવાદ્ય નિષ્ણાત, બાસુ ચક્રબોર્તીના સેલોના જ કેટલાક અભિનવ પ્રયોગોથી કરીશું.
બાસુ ચક્રબોર્તીના સેલો પરના તેમ જ વાયોલિન સમુહ પરના સુરસમુહના વિલંબિત પ્રયોગો તેમની આગવી ઓળખ બની રહ્યા. અહીં આપણે તેમના ત્રણ એવા બહુખ્યાત પ્રયોગોની નોંધ લઈશું જેન થકી આર ડી બર્મનનાં સંગીતને પણ ચાર ચાંદ લાગી ગયા.
‘શોલે’ માં ગબ્બરનો નાટ્યાત્મક પ્રવેશ
ગબ્બરની હાજરી છે એટલું જ સાંભળતાં લોકોના મનમાં વરૂ-શિયાળની લાળીના અવાજો સંભળાવા લાગે. ગબ્બરના ખુબ જાણીતા સંવાદ ‘કિતને આદમી થે’ જેટલો જ આ પાર્શ્વસંગીતનો ટુકડો દર્શકોને મોહી લેતો. આપણા માન્યામાં ન આવે કે આ અવાજ સેલોનો વિલંબિત સુરસમુહ છે. જોકે બાસુ ચક્રબોર્તીના પુત્ર, સંજીવે, એક લાઈવ કાર્યક્રમમાં આ શી રીતે કરાયું હતું તે બતાવ્યું છે એટલે શંકાને કોઈ સ્થાન નથી રહેતું.
રુક જાના ઓ જાન હમ સે દો બાતેં કર કે ચલી જાના – વૉરન્ટ (૧૯૭૫) – કિશોર કુમાર – ગીતકારઃ આનંદ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
આ ગીતના પૂર્વાલાપમાં ‘રૂક રૂક જેવો જે અવાજ સંભળાય છે તે બાસુ ચક્રબોર્તીએ સેલો દ્વારા નિપજાવ્યો છે.
https://youtu.be/gfHP-GyneAk?si=xG6CyQvhhb667YtB
હમ કો યારા તેરી યારી – હમ કિસી સે કમ નહીં (૧૯૭૮) – કિશોર કુમાર, આશા ભોસલે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
આ ગીતની મધ્યલાપ અને કાઉન્ટર મેલોડીની વાદ્યગુંથણી હિંદી ફિલ્મનાં ગીતોના યુવા ચાહક વર્ગ માટે જીવનપર્યંતની યાદગીરી છે.
આર ડી બર્મને સંતૂર, સરોદ, સારંગી, તાર શરણાઈ જેવાં અનેકવિધ ભારતીય તંતુવાદ્યોના પણ બહુ રસપ્રદ પ્રયોગો વાયોલિન સમુહની સાથે અજમાવ્યા છે. તે પૈકી કેટલાક પ્રયોગો અહીં રજૂ કર્યા છે.
કિતના પ્યારા વાદા હૈ ઈન મતવાલી આંખોંકા – કારવાં (૧૯૭૧) – મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
તાર શરણાઈ હિંદી ફિલ્મોમાં મહદ અંશે મુજરાના ગીતોમાં બહુ પ્રચલિત છે. અહીં ૦.૫૮થી ૧.૦૯ સુધીમાં તાર શરણાઈ આનંદના ભાવોને વ્યક્ત કરવા પ્રયોજાયેલ છે.
https://youtu.be/K-6rS_EjRMU?si=jKBgq8Dlv9TnDviN
ઈસ મોડ પે જાતે હૈં – આંધી (૧૯૭૫) – લતા મંગેશકર, કિશોર કુમાર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
મધ્યલાપમાં હરિપ્રસાદ ચૌરસિયાનીવાંસળી, ઝરિન દારૂવાલાની સરોદ અને જયરામ આચાર્યની સિતાર જીવનના રસ્તાઓના દુર્ગમ વળાંકોની અનુભૂતિને ઘેરી બનાવે છે.
મેરે નૈના સાવન ભાદો – મેહબૂબા (૧૯૭૬) – લતા મંગેશકર – ગીતકારઃ આનંદ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
આમ તો આખાં ગીત દરમ્યાન સરોદના સુર કાઉન્ટર મેલોડીનો સાથ પુરાવતા રહે છે, પણ ઝરીન દારૂવાલાની સરોદની સારંગી સાથેની ૩.૧૭થી ૩.૫૧ સુધીની જુગલબંધી પરદા પર નાયિકાની ગહન હિલચાલને વધુ રહસ્યમય બનાવે છે.
https://youtu.be/hVTjWPG5v4M?si=MZMmvARRq2Qfq76s
હોઠો પે બીતી બાત આયી હૈ – અંગૂર (૧૯૮૧) – આશા ભોસલે – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
ઉલ્હાસ બાપટ દ્વારા સર્જાયેલા સરોદના હળવા સુરટુકડા પૂર્વાલાપ અને મધ્યલાપના પ્રારંભને વધારે માદક વાતાવરણ બનાવવામાં સુર પુરાવે છે.
જાને ક્યા બાત હૈ – સન્ની (૧૯૮૪) – લતા મંગેશકર – ગીતકારઃ આનંદ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
ઉસ્તાદ સુલ્તાન ખાન દ્વારા સ્વરબદ્ધ થયેલા, ૨.૦૩ થી ૨.૧૦ સુધીના, સાંરંગીના રાતના અંધારાને વધારે કરૂણ બનાવે છે.
હવે આપણે આર ડી બર્મનના પાશ્ચાત્ય તંતુવાદ્યોના કેટલાક નોંધપાત્ર પ્રયોગો વિશે વાત કરીશું.
આર ડી બર્મને તીસરી મંઝિલ પહેલાં અને પછી પણ પાશ્ચાત્ય તંતુવાદ્યોના રસપ્રદ પ્રયોગો કર્યા છે. બન્ને પ્રકારના એક એક પ્રયોગો જોઈએઃ
આઓ ટ્વિસ્ટ કરેં – ભૂત બંગલા (૧૯૬૫) – મન્ના ડે – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ આર ડી બર્મન
કાઉન્ટર મેલોડી સંગાથમાં બાસ ગિટારની આગવી હાજરી અનુભવી શકાય છે.
ની સુલ્તાના રે પ્યાર કા મૌસમ આયા – પ્યાર કા મૌસમ (૧૯૬૯) – મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
પૂર્વાલાપના આલાપમાં, ૦.૩૧ થી ૦.૩૬, બાસ ગિટાર કાઉન્ટર મેલોડી સંગાથ કરે છે, પરંતુ આર ડીનાં સંગીતના કળાત્મક પાસાંનોજે ખયાલ ૦.૪૧ થી ૦.૪૬ દરમ્યાન થોડાક સુરમાં મળે છે તે આર ડીની સંગીતની સૂઝનો પરિચય કરાવવા માટે પુરતો બની રહે છે.
પરંતુ, નિયતિએ આર ડીની સંગીત કારકિર્દીને નવી જ ભ્રમણકક્ષામાં લઈ જવા માટે તો તીસરી મંઝિલને જ નક્કી રાખેલ હશે.
આજા આજા મૈં હું પ્યાર તેરા (તીસરી મંઝિલ, ૧૯૬૭ – મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન)ના પૂર્વાલાપમાં દિલીપ નાઈકે છેડેલા ઊંચા સ્વરના, આક્રમક, ચુંબકની જેમ ધ્યાન ખેંચી લેતા સુરોએ ગિટારને, અને તેની સાથે પાશ્ચાત્ય વાદ્યોને, આર ડી બર્મનનાં સંગીતની વાદ્યવૃંદ રચનાઓમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરી આપ્યું.
દેખીયે સાહિબો …. વો કોઈ ઔર થી યે કોઈ ઔર હૈ – તીસરી મંઝિલ (૧૯૬૭) – મોહમ્મદ રફી – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
અહીં એ જ બાસ ગિટાર પૂર્વાલાપમાં હળવી સુરાવલી સર્જે છે, અને પછી સાવ જ સામે છેડે જઈને પહેલા અને ત્રીજા મધ્યલાપમાં ઊંચા સુરનો ઉત્તેજના પુરી પાડતો સંગાથ કરે છે.
સંગીતના આ ટુકડાઓની રચના કેવી રીતે થઈ તેની an untold story ભાનુ ગુપ્તા, તેમના પોતાના (બંગાળી) શબ્દોમાં, ૧.૧૧ થી ૧.૫૫ સુધીમાં વર્ણવે છે..
જાને ભી દો ના … (સાગર, ૧૯૮૫) માં તો ગિટારનો બહુ અભિનવ પ્રયોગ કરાયો છે. આંરંભના ચાર સુર બાદ બાસ ગિટાર તાલ ગિટાર બનીને તાલ વાદ્યનો સંગાથ કરે છે. અને તાલ વાદ્ય પણ ગિટાર સાથે સામાન્યપણે પ્રયોજાતાં ડ્ર્મ્સ કે બોંગોકોંગો નથી પણ તબલાં છે !
હવે એક એવો પ્રસંગ લઈએ જે ઇન્ટરનેટ પર બહુ જોવાઈ ચુક્યો છે. પરંતુ પ્રયોગાત્મકતાની વાત આવે ત્યારે આર ડી અને તેના વાદકો સાવ વિચારી ન શકાય એવા પ્રયોગોને પણ અદ્ભૂત રીતે ગીતની બાંધણીમાં ગોઠવી દેતાં અચકાત નહીં, એ વાતનું પ્રમાણ આ પ્રસંગથી વધારે સારૂં કદાચ કોઈ ન મળે તેથી અહીં ફરી એક વાર નોંધ લઈશું.
ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ)નું રિહર્સલ ચાલી રહ્યું હતું. દરેક સાજિંદા પોતપોતાને મળેલ નોંધ મુજબ સુર સજાવી રહ્યા હતા. એવામાં ભાનુ ગુપ્તાથી એક ભુલ થઈ ગઈ. ભાનુ ગુપ્તા પણ નક્કી થયેલ યોજના મુજબ સંગીતરચના જ થવી જોઈએ એ બાબતે તો બહુ જ આગ્રહી હતા. એટલે આ ભુલ થતાં વેંત શરમાઈ ગયા. આર ડીએ પણ એ સુર સાંભળ્યો અને બેઠા હતા થ્યાંથી ભાનુ ગુપ્તાને કહ્યું કે મારે તો એ સુર જ જોઈએ. એ પછીતો અનેક પ્રસંગોએ આર ડીએ કહ્યું છે કે આવી ‘અદ્ભુત’ ભુલ તો ભાનુ જ કરી શકે.
સોનાની એ મેખ જે બહુમૂલ્ય હીરો બની ગઈ તે ‘ભુલ’ આ હતી –
શોલેનાં ટાઈટલ સંગીતમાં ભાનુ ગુપ્તાની ગિટાર પરની કમાલ તો આપણે અનેકવાર સાંભળી હશે. એ દિલ ડોલાવતી સુરાવલીની રચના કેવી રીતે થઈ એ ભાનુ ગુપ્તા ફરી એક વાર કરી બતાવે છે.
ભુપિન્દર સિંગના સ્વરને આપણે આર ડીના કેટલાંય ગીતોમાં સાંભળ્યો છે. ભુપિન્દર આર ડીની વાદ્યવૃંદનો પણ બહુ મહત્ત્વના સભ્ય હતા. ભુપિન્દરની ગિટાર પરની હથોટીનો આર ડીએ વાદીયાં તેરા દામન (અભિલાશા, ૧૯૬૮ – મોહમ્મદ રફી, લતા મંગેશકર) ૧.૦૬થી ૧.૦૮ સુધી જે ખુબીથી ઉપયોગ કર્યો છે આર ડીની વાદ્ય કલાકારની પરખની સૂઝનું પ્રમાણ છે.
આર ડી બર્મનની તેના સહયોગીઓની આગવી આવડત પારખવાની સૂઝ વિશે આ કિસ્સો પણ બહુ જાણીતો છે.
એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને – કિનારા (૧૯૭૭) – ભુપિન્દર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
ગુલઝાર તેમના અપદ્યાગદ્ય ગીતો માટે પંકાયેલા છે. આર ડી બર્મન તો તેમને હંમેશાં કહેતા કે છાપાંનું કટિંગ મને પક્ડાવીને તેના પર ધુન બનાવવાનું કહો છો! આવું જ એક ગીત ગુલઝારે આર ડીને આપ્યું. ફિલ્મમાં તે સંવાદની જેમ ગવાતું બતાવવાનું હતું. આર ડી અને તેમની ટીમે બહુ મથામણ કરી પણ મેળ નહોતો પડતો. આખરે થાકીને નક્કી કરાયું કે ભુપિન્દરને બોલાવો અને કહો કે આ ગીત ગાવાનું છે. ભુપિન્દરને કહ્યું કે તારી રીતે ગિટારનો તાલ બેસા ડ અને આ ગીતનું રિહર્સલ કર. ભુપિન્દરે ખાસ્સી એવી મહેનત કરી એ પછી આર ડી એ કહ્યું કે હવે રેકોર્ડિંગ રૂમમાં જા અને આ રીતે જ ગીત રેકોર્ડ કર.
ગીતની સાથે બહુ જ આવશ્ય્ક એટલો કાઉન્ટર મેલોડી સંગાથ ગોઠવવામાં આવ્યો અને ભુપિન્દરને ફાવ્યું તેમ ગીત રેકોર્ડ થયું. પણ આ ગીત આર ડી, ભુપિન્દર અને ગુલઝાર માટે સર્વકાલીન શ્રેષ્ઠ ગીતો પૈકી એક ગીત બની રહ્યું.
હવે મેન્ડોલીનના અવનવા ઉપયોગનાં થોડાંક ઉદાહરણો જોઈએ.
રાત કલી એક ખ્વાબમેં આયી – બુઢ્ઢા મિલ ગયા (૧૯૭૧) – કિશોર કુમાર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
૦.૦૭ સુધી જ મેંડોલીનના થોડાક સુર, બાસ ગિટારથી પૂર્વાલાપનો ઉપાડ અને તેની સાથે ધીમું ધીમું ગણગણવું, આપણને પણ સ્વપ્નનિદ્રામાં લઈ જાય છે !
આપ કી આંખોંમેં કુછ મહેકે હુએ સે ખ્વાબ હૈ – ઘર (૧૯૭૮) – લતા મંગેશકર, કિશોર કુમાર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
૦.૧૩થી પ્રારંભમાં મેન્ડોલીનના મૃદુ સુર મધ્યાલાપના અન્ય તંતુ વાદ્યોના ઊંચા સુરની સાથે એક અદ્ભુત અનુભૂતિ સર્જે છે.
https://youtu.be/NbqCWwlNKrA?si=-Uh4Pi6fHpBK0QjD
આ લેખનું સમાપન એક એવાં ગીત યુગલથી કરીએ જે ટ્વિન સોંગ તરીકે બહુ જ પ્રચલિત સંસ્કરણો ગણાય છે. આ ગીત કિશોર કુમાર અને મોહમ્મદ રફીની ગાયકીની સર્ખામણી વિશે વધારે ચર્ચામાં રહ્યું છેપરંતુ, આપણને અહીં એ ચર્ચા સાથે કોઈ નિસબત નથી.
તુમ બિન જાઉં કહાં – પ્યાર કા મૌસમ (૧૯૬૯) – કિશોર કુમાર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
ફિલ્મમાં આ ગીત પહેલી પેઢીના પાત્ર (પિતા) વડે ગવાય છે. આખાં ગીતમાં વાદ્ય તરીકે મેન્ડોલિન કેન્દ્રમાં છે કેમકે પરદા પરનું પાત્ર મેન્ડોલિન વગાડતું હોય છે. અહીં મેન્ડોલિનના પ્રમુખ વાદક મનોહરી સિંઘ છે.
ગાયકની પસંદગી વિશે બન્ને વર્ગના ચાહકો વચ્ચે જેટલી ચર્ચા થઈ છે એટલી જ ચર્ચા આ ગીતનાં મોહમ્મદ રફીના સંસ્કરણ માટે કોણે મેન્ડોલિન વગાડેલ છે અને કયું વાદન વધારે સારૂં છે એ ચર્ચા પણ બહુ થઈ છે. વિવિધ લાઈવ કાર્યક્રમોના જે બન્ને વાદકો ચર્ચામાં રહ્યા છે તેમના જ વીડીયો હવે ઉપલબ્ધ છે તેના પરથી ચોક્કસપણે સ્પષ્ટ બને છે કે કિશોર કુમારનાં સંસ્કરણ માટે મનોહરી સિંઘ અને મોહમ્મદ રફીનાં સંસ્કરણ માટે કિશોર દેસાઈએ મેન્ડોલિન લગાડેલ છે.
તુમ બિન જાઉં કહાં – પ્યાર કા મૌસમ (૧૯૬૯) – મોહમ્મદ રફી – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
ફિલ્મમાં આ સંસ્કરણ પછીની પેઢીનું પાત્ર (પુત્ર) ગીત ગાય છે. કારણકે આ ગીત પુત્ર બાળપણમાં પોતાના પિતાને સાંભળી સાંભળીને જ શીખ્યો છે એટલે ગીતની મુળ ધુનમાં કંઈ ફેરફાર કરાયો નથી. પણ હવે નવી પેઢી આ ગીત ગાય છે તે દર્શાવવા માટે જેમ અલગ જ શૈલીના ગાયક (રફી)ને લેવાયા તેમ મેન્ડોલિન પણ અલગ જ રીતે વાગે એ માટે મનોહરી સિંઘે સામેથી કિશોર દેસાઈને આમંત્રિત કર્યા. કિશોર દેસાઈની મેન્ડોલિન લગાડવાની પદ્ધતિ મુળથી જ અલગ રહી છે. એટલે મેન્ડોલિનના સુર તેઓ દ્વારા નિપજે તે મનોહરી સિંઘની મેન્ડોલિન વગાડવાની પદ્ધતિથી નિપજતા સુર કરતાં સાવ જ અલગ હોય.
આટલું સમજ્યા પછી આ સંસ્કરણને ધ્યાનથી સાંભળીશું તો રફીની ગાયકી અને કિશોર દેસાઈની મેન્ડોલિન શૈલીનો તફાવત સમજાવા લાગશે.
https://youtu.be/TKxirYqKfdU?si=LLhte7F-eXMBtcbh
યુટ્યુબ પર આર ડી બર્મનના અનેકવિધ તંતુવાદ્યોના અવનવા પ્રયોગોને હવે સાંભળવા મળે છે.આશા કરીએ કે એ બધા પ્રયોગો હવે સાંભળીશૂં ત્યારે એ પ્રયોગોને વધારે સારી રીતે માણી શકાશે.
આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના ધ્યાનાકર્ષક પ્રયોગોની આ શ્રેણીમાં હવે પછી ફૂંક વાદ્યોના પ્રયોગો વિશે વાત કરીશું.
+ + +
Credits and Disclaimers:
- The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
- The photograph is taken from the internet, duly recognizing the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.
-
મહેન્દ્ર શાહનાં વૉટર કલર પેઈન્ટીંગ્સ : ૨
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot – Watercolors Part 2
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ત્યારે અને અત્યારે : પાણી બાબત: ઠેરના ઠેર
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
‘સોના ઈંઢોણી, રૂપા બેલડું રે નાગર ઊભા રહો રંગરસિયા.’

આ જાણીતું લોકગીત છે, જે એટલું જૂનું છે કે જ્યારે ઈંઢોણી, બેડું અને ગાગર એ ઘરગથ્થુ શબ્દો હતા. આજે મોટાં અને નાનાં શહેરોમાં ઈંઢોણી કદાચજોવા જ નહીં મળે. જ્યાં બેડલું જ જોવા ન મળે તો તેને આધાર આપતી ઈંઢોણીનું શું કામ? એ વખતે ઈંઢોણીની આખી ‘રેન્જ’ દેખાતી. ખજૂરીનાં પાનોને ગૂંથીને બનાવેલ ઈંઢોણી, કપડાનો વીંટો વાળી બનાવેલ કામચલાઉ ઈંઢોણી અને છેવટે સુંદર, નાનાં મોતીઓથી સજાવેલ ઈંઢોણી. આ છેલ્લો પ્રકાર આજેય નવરાત્રીના ગરબાને ટેકો આપે છે. નવી પેઢીને એ કારણે તેનો પરિચય હોય તેમ બને.
એ દિવસોમાં નળમાં પાણી ગણ્યાંગાઠ્યાં શહેરોમાં જ આવતું. બાકીનાં ગામો કૂવા ઉપર આધાર રાખે અને ગામડાં તળાવ ઉપર. ત્યાંથી ઘર સુધી પાણી લઈ આવે તે પનિહારી. આજે પ્લાસ્ટિકના કેરબા (જેરી કેન) વપરાય છે, પરંતુ ત્યારે પ્લાસ્ટિક તો હતું જ નહીં, સ્રીઓ ગાગર અથવા બેડું વાપરે. તેમાં એક મોટો હાંડો હોય અને તેની ઉપર નાનો કળશો. આ ત્રીસ કિલોગ્રામનું વજન માથામાં એક બિંદુએ ન આવે એટલે પહેલાં ગોઠવે ઈંઢોણી અને તેના ઉપર ગાગર. જેમ સાઇકલ ધીમે ચલાવવા કરતાં ઝડપે ચલાવવામાં સમતુલન સહેવું પડે તેવું આ પનિહારીઓનું. એ ધીરેધીરે મહાલતી ક્યારેક જ દેખાય – ઝડપથી દોડી જતી હોય. અને એવી ઝડપી ચાલેય એ ત્રણ-ચારનાં વૃંદમાં વાતો કરતી જતી હોય. કેટલીક પોતાના ઘર માટે પાણી લઈ જતી હોય તો કેટલીક જેને ત્યાં કામ કરતી હોય તેના માટે પાણી લઈ જતી હોય.આજે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ધોરણ રાખ્યું છે કે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે દરેક વ્યક્તિદીઠ રોજનું ૧૪૦ લિટર પાણી જોઈએ. બહુ ઓછી નગરપાલિકા આ ધોરણે પાણી આપી શકે છે. પાણી નળમાં આવતું હોય ત્યાં આ પ્રમાણની ચકાસણી પણ સહેલી નથી. નળમાં પાણી આવવાનો સમય કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે નથી હોતો. કુટુંબ નાનું હોય તો માથાદીઠ વધારે પાણી મળી રહે અને મોટા કુટુંબને જણદીઠ ૧૪૦ લિટર કરતાં ઓછું.

સ્વેચ્છિક કાપ :
હવે, આ જ ધોરણ કૂવેથી લવાતાં પાણીને લાગુ કરો. પાંચ માણસના કુટુંબને માટે રોજ ૭૦૦ લિટર પાણી લાવવું પડે. બેડલું લઈને જાઓ તો ૨૦-ર૫ ફેરા કરવા પડે! હાથમાં વધારાનો કળશો ઉપાડો તો બે-ચાર ફેરા ઓછા. ઘરે ઠાલવી પાછા કૂવે આવો, પાણી ખેંચો, ભરો અને બીજો ફેરો કરો. કૂવો નજીક હોય તો પણ ૭૦૦ લિટર પાણી ભરવાને પાંચેક કલાક લાગે અને આટલું પાણી ઘરમાં ક્યાં સાચવવું? કેટલાં પીપ, કોઠી, ટાંકી અને માટલાં જોઈએ. એટલે વાસ્તવિકતા એવી કે લોકો ૮-૧૦ બેડાં પાણીથી ચલાવી લેતા. કામવાળાં બહેન એનાથી વધુ આપી જ ન શકે. પાંચ જણના કુટુંબ માટે આ થયું ૫૦થી ૬૦ લિટર માથાદીઠ પાણી. વાતનો સાર એ કે કૂવામાં પાણી તો રહેતું, પણ બીજાં કારણોસર લોકો મર્યાદિત પાણી વાપરતા.
એ જ સમયે મહાનગરો અને અમદાવાદ-વડોદરા જેવાં શહેરોમાં પાણી ભલે નળમાં આવતું, તેની પ્રાપ્તિ બાબત સંતોષ નહોતો. ખાર-બાંદ્રા જેવાં મુંબઈનાં સમૃદ્ધ પરાંઓમાં પણ પાણી ભરવા રાતે ૧૨ વાગ્યે કે પરોઢે ચાર વાગ્યે ઊઠવું પડતું. મકાનની અગાસી ઉપર ટાંકીઓ બનાવવાની પ્રથા હજુ નહોતી. તેથી કસમયે ઊઠવું જ પડતું અને ગામના લોકોની જેમ કોઠી અને પીપડાંઓમાં જ પાણી ભરીને આખો દિવસ વાપરવું પડતું. એ દષ્ટિએ ત્યારે શહેર અને ગામોની પરિસ્થિતિમાં બહુ ફરક ન હતો.આવું જ કંઈક પાણીના સંદર્ભે ત્યાર અને અત્યારની પરિસ્થિતિ વિશે કહી શકાય. આગળ જોઈશું કે જીવનનાં અન્ય ક્ષેત્રોમાં જેટલો તફાવત ૭૦ વર્ષમાં પડ્યો તેવું પાણી બાબત નથી થયું. ટેક્નૉલૉજીનો ઉપયોગ અહીં બહુ પ્રભાવી રીતે નથી થયો. બહુ જ પ્રાથમિક સ્તરની ટેક્નોલોજી દાખલ થઈ છે. સૌથી પહેલા યાંત્રિક હૅન્ડ-પમ્પ આવ્યા, જેને કેટલાક લોકો ડંકી કહે છે. પાણી જો બહુ ઊંડે ન હોય તેવાં સ્થાનોએ આવા પમ્પ બેસાડવાથી મોટા ગરગડીવાળા કૂવા બાંધવાની જરૂર ન રહી. બહેનોએ દોરડાં ખેંચવાની મહેનત બંધ થઈ, પરંતુ આ પમ્પોની જાળવણી અગત્યની છે. ગામડાંમાં સારા મિકેનિક ન મળવાથી મોટા ભાગે પમ્પો બગડેલા પડયા રહેતા.
સામૂહિક નળો
ડીઝલ એન્જિનથી ચાલતા અને વીજળથી ચાલતા પમ્પો આવ્યા ત્યારે આશીર્વાદરૂપ બન્યા. ડીઝલ પમ્પો મુખ્યત્વે ખેતર અને વાડીમાં વપરાયા. કેટલીય કલ્પનાશીલ નગરપાલિકાઓએ જાહેર કૂવા ઉપર સિમેન્ટના ટાંકા બનાવ્યા, તેમાં ૮-૧૦ નળો બેસાડી જે વ્યવસ્થા બની તેને પાણીનાં ‘સ્ટેન્ડ’ કહેવતાં. પનિહારીઓ હવે ગરેડી સામે નહીં, નળ સામે બેડાંની લાઇન લગાવતી થઈ.

કોઈ ગામમાં જાઓ ત્યારે આવાં સ્ટેન્ડ કેટલાં છે અને કેટલાં કામ કરતાં રહ્યાં છે એ જોઈને મ્યુનિસિપાલિટી-પંચાયતની કાર્યક્ષમતાનો અંદાજ આવે. બીજી તરફ બાવડાનું બળ વાપર્યા વિના પાણી મળવાથી તેનો ઉપયોગ અને વ્યય વધ્યાં. ખેતરોમાં વિનામૂલ્ય વીજળી મળવાથી એટલાં પાણી જમીનમાંથી ખેંચાવા લાગ્યાં કે પાણીનાં તળ જલદી નીચે ગયાં અને ખેતરની જમીન ઉપર ભૂતળનો ક્ષાર ફેલાવા લાગ્યો. પંજાબની હરિત કાન્તિનું આ અવળું પાસું નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે.
સાઠના દાયકામાં નવા રાજય હેઠળ નાનાં શહેરોમાં નળયોજના ક્રમશઃ આવવા લાગી. સાંકડી ગલીઓમાં ખોદાએલા રસ્તાઓની અગવડ લોકોએ ખુશીથી સહન કરી, કારણ કે પોતાનો સામાજિક દરજ્જો હવે વધવાનો હતો! ઘીમેધીમે બેડલાં અને ઈંઢોણી દશ્યમાંથી દૂર થતાં ગયાં. એક દોઢ દસકો આ પ્રગતિ પ્રસરતી હતી ત્યારે હજુ ભોંયમાં ટાંકા (અન્ડર ગ્રાઉન્ડ ટાંકી) અને અગાસીની ટાંકી પ્રચાલિત નહોતાં થયાં. એટલે પાણી પીપ અને કોઠીમાં ભરવાનું ચાલુ જ રહ્યું. આ રીતે સંઘરેલ પાણીથી કપડાં ધોવામાં તો ખાસ ફરક ન પડતો; પરંતુ હાથ ધોવા અને વાસણ ઘસવામાં અગવડ હતી. એક હાથમાં લોટો લઈ, પાણી રેડી બીજા હાથને ધોવાથી સફાઈ બરાબર ન થતી. એ જમાનામાં વાસણ રાખ કે ધૂળ-માટીથી ઘસાતાં. આ રાખને કાઢવા માટે મોટાં તગારાં કે ટબમાં પાણી લઈ, વાસણને તેમાં ડુબાડીને કાઢવું એ એક જ રીત હતી. થોડાં વાસણો પછી એ પાણી ગંદું થઈ જાય, તો ક્યારેક આવાં બે પાત્ર રાખે. એકમાં સાફ કરી વાસણ બીજા પાત્રમાં ફરીથી ધૂએ. આરોગ્યની દષ્ટિએ આ કોઈ આદર્શ પરિસ્થિતિ ન હતી. નળમાંથી પાણી પડતું હોય અને નીચે બે હાથ આપસમાં ચોળીને સાફ થાય તે જ સાચી રીત. તેવું જ વાસણ ધોવા વિશે.
૨૪ કલાક પાણી
જ્યારે ભૂગર્ભ ટાંકા અને ઓવરહેડ ટાંકીની પ્રથા શરૂ થઈ તે પછી આ બની શક્યું. આ નાની વાત લાગે છે, પરંતુ સામાન્ય સ્વાસ્થ્ય ઉપર તેની સ્પષ્ટ અસર થઈ. હજુ આજેય ઘણાં સ્થળે આવી સગવડ નથી – તો લોકો સિન્ટેક્સની ટાંકી બેસાડીને નળમાં પાણી આણે છે. ‘માઇન્ડ સેટ’નો આ સકારાત્મક ફેરફાર આધુનિકતામાં વણાઈ ગયો છે. (જ્યારે ઘરે બેડાંથી પાણી આવતું ત્યારે પણ કેટલાંક ઘરોમાં એ નળવાળી સિમેન્ટની ટાંકીમાં ઠલવાતું. એ લોકો પોતાના સમયથી આગળ હતા!) આ કારણે એક નવો શબ્દ નગરજીવનમાં દાખલ થયો – “ચોવીસ કલાક પાણી”. મોટાં શહેરોમાં લોકો ફ્લેટ ખરીદે અથવા ભાડે લેવા જાય ત્યારે જે બે-ચાર મુદ્દાની પૂછપરછ કરે, તેમાં એક આ જરૂર હોય છે, “અહીં ચોવીસ કલાક પાણી આવે છે?’ વાસ્તવમાં દેશની કોઈ મ્યુનિસિપાલિટી ર૪ કલાક પાણી આપી શકે નહીં અને નહીં જ આપતી હોય. પરંતુ આ પ્રશ્નનો અનુવાદ એ છે કે “તમને નગરપાલિકા જેટલું પાણી આપે છે તે તમે બધાં એટલું સમજીને વાપરો છો કે જેથી નળમાં ચોવીસે કલાક પાણી આવતું રહે?”
નળ આવ્યા પછી એક નવી સમસ્યા વિચાર માગે છે. કોઈ કારણસર પાણી આવે નહીં કે આવ્યું ત્યારે ભરી ન શક્યા તો તમે શું કરો? નવા જમાનામાં મોટાં શહેરોમાં પાણી મેળવવું મુશ્કેલ છે. નાનાં શહેરોમાં પણ વિકલ્પો ઓછા છે. સુધરાઈએ કૂવા નકામા બનાવી નાખ્યા છે. કેટલાકને બૂરી નાખ્યા અને ઉપર દુકાનો બનાવી દીધી છે, કેટલાકમાં જાળી નાખી છે તેથી દોરડું ફેંકાય તેમ નથી. કેટલાક એવા અવાવરું છે કે માત્ર કબૂતરોના નિવાસ તરીકે વપરાય છે. નસીબદાર હો તો કોઈ ટેન્કરવાળો મોંઘા ભાવે પાણી પહોંચાડશે, પરંતુ એની શુદ્ધતા અજાણી હશે. આધુનિકતાની આ કિંમત છે. ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાં લાચારી નહોતી અનુભવાતી. પાણીનો ગ્રોત્ર નજીક હતો, ગમે ત્યારે ત્યાં જઈને લાવી શકવું શક્ય હતું.
થોડી ટૅક્નૉલૉજી
વસતિવધારાને કારણે પાણી બાબત સ્વાવલંબન ઘટતું જાય છે. એ દૂરદૂરથી આવે છે. ૧૯૭૦માં મુંબઈનું પાણી ૨૫-૩૦ કિલોમીટરથી આવતું – હવે સવાસો કિ.મી. દૂર ઇંગતપુરીથી આવે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પાણી પાંચસો કિ.મી. દૂર સરદાર સરોવરથી આવે છે. પાણી બાબત ટેક્નૉલૉજીનો ફાળો હોય તો આટલો જ છે. એય નવી ટેક્નોલોજી નથી. ડેમ અને કેનાલ તો ૭૦ વર્ષ પહેલાં પણ હતાં, હા, પાણીને ધકેલવા મહાકાય પમ્પો વપરાય છે, તે અગાઉ ભારતમાં પ્રાપ્ય ન હતા.
વિજ્ઞાનનો એક બીજો ફાળો તે પીવાનાં પાણીનાં ફિલ્ટરોનો. વિવિધ પ્રકારનાં ફિલ્ટર પાણીને જંતુરહિત કરીને આપે છે એ તો એક વાત, વધુ અગત્યનું એ છે કે જે પાણી વાપરી ન શકાતું તેને હવે વાપરી શકાય છે. ભૂગર્ભનું અતિશય ક્ષારવાળું પાણી રિવર્સ ઓસ્મોસીસ – ૨.૦. (વિપરીત પરાસરણ)ની પ્રક્રિયા દ્વારા પીવાલાયક બની આપણા વપરાશના જથ્થામાં દાખલ થયું. જે સ્થળોએ પાણી ચાર-પાંચ દિવસે આવે છે તે લોકો માટે રસોઈનાં પાણીનો આટલો જથ્થો સાચવવો મુશ્કેલ હતો. ફિલ્ટરની મદદથી સંઘરેલાં પાણીને જોઈએ ત્યારે પીવાલાયક બનાવી શકાય છે તે ઉપકારક છે.
આ એક અપવાદ બાદ કરતાં પાણીની પ્રાપ્તિ અને ઉપયોગમાં એટલું નવું નથી બન્યું જેટલું જીવનનાં બીજાં ક્ષેત્રોમાં છેલ્લાં ૭૫ વર્ષમાં થયું. પાણીનું ઉત્પાદન નથી થઈ શકતું. વરસાદ આજે એટલો જ પડે છે જેટલો ૧૯૫૦માં હતો, પરંતુ વસતિ સાડા ત્રણ ગણી થઈ! આથી માથાદીઠ પ્રાપ્તિ ૭૦ ટકા ઘટી ગઈ તે સ્પષ્ટ છે. સામે, માથાદીઠ વપરાશ વધતો ગયો. તેમાં સ્વાસ્થ્યના સિદ્ધાંતોની સાથે આધુનિક જીવનશૈલીનો પણ સિંહફાળો. “ત્યારે’ દસ લિટર પાણીમાં સ્નાન થતું અને ૫૦ લિટરમાં આખા ઘરનાં કપડાં ધોવાતાં. બાથ-ટબ, શાવર અને વૉશિંગ મશીન એવું નહીં કરવા દે.

ભારત સરકારે જળજીવન મિશન હેઠળ દરેક ઘરને નળથી પાણી પહોંચાડવાનું નક્કી કર્યું છે. સ્વાભાવિક છે કે દેશમાં દરેક ગામ પાસે પાણીની પ્રાપ્તિ સમાન ન હોય અને તેથી WHOના ૧૪૦ લિટર (પ્રતિ વ્યક્તિ)ના માનકને વળગી રહેવું મુશ્કેલ છે. આથી ઓછામાં ઓછું પપ લિટર આપવાની નેમ છે. આ એ જ માત્રા છે જે ‘૬૦ના દાયકામાં પનિહારીઓ માથે ગાગરમાં લાવી શકતી હતી!
આમ પાણી બાબત આપણે ઠેરના ઠેર છીએ, અને રહેશું.
સૌજન્યઃ નવનીત સમર્પણ * માર્ચ ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઇશ્વરના ઇ મેઇલ..૧૩
મારી ભીતર ચંદનનો લેપ..
નીલમ હરીશ દોશી
ये रास्ते ले ही जाएंगे….मंजिल तक, तू हौसला रख,
कभी सुना है कि अंधेरे ने
सुबह ना होने दी हो..?પ્રિય દોસ્ત,
દોસ્ત, આજે ફરી એકવાર તારા કાર્યથી મારી ભીતરમાં જાણે ચંદનનો લેપ થઇ ગયો. ને મને કેવી યે ટાઢક મળી. આજે તું કોઇ ઇન્ટરવ્યુ આપવા જતો હતો. ખૂબ ઉતાવળમાં હતો.ત્યાં રસ્તામાં કોઇ અકસ્માત થયેલો તેં જોયો. અને તેં જોયું કે કોઇ યુવક ઘવાઇને લોહીલુહાણ હાલતમાં ત્યાં પડયો હતો. ખાસ્સું ટોળું તો જમ અથયેલું પણ યુવકને હોસ્પીટલે પહોંચાડવાવાળું કોઇ નહોતું. કયાંક પોલીસના લફરામાં ફસાઇએ તો ? કે કોઇ પાસે સમયનો અભાવ હતો. કોઇ નિર્લેપ બનીને ખસી જતું હતું.તો કોઇ બૂમો પાડતા હતા.પણ આગળ આવીને કોઇ જવાબદારી નહોતા લેતા.
તેં એ બધું જોયું અને તારા ઇન્ટરવ્યુનો વિચાર કર્યા સિવાય તે યુવકને હોસ્પીટલે પહોંચાડયો. એ અજાણ્યા યુવકને તાત્કાલિક લોહી આપવું પડે તેમ હતું. તારું લોહી એને મેચ થતું હતુમ. તેં તુરત તેં લોહી આપવાની સંમતિ દર્શાવી અને લોહી આપ્યું એ યુવકના માતા, પિતા પહોંચ્યા ત્યાં સુધી તું ખડે પગે એ અજાણ્યા યુવક સાથે રહ્યો. એ યુવકના માતા પિતાએ ભીની આંખે તારો આભાર માન્યો.
હવે તને તારો ઇન્ટરવ્યુ યાદ આવ્યો અને તું દોડયો. જોકે તેં વિચાર્યું હતું કે હવે જવાનો કોઇ અર્થ નથી કેમકે ખાસ્સું લેઇટ થયું હતું છતાં તું ગયો તો ખરો જ. તારા દિલમાં કોઇનો જીવ બચાવ્યાનો સંતોષ છલકતો હતો. નોકરી ભલે જાય પણ એક સારું કામ થયું એથી તારા સાતે કોઠે જાણે દીવા પ્રગટયા હતા.
અને તારા આશ્વર્ય વચ્ચે તેં ઇન્ટરવ્યુના સ્થળે પહોંચીને જોયું તો ઇન્ટરવ્યુ લેવા આવનાર સાહેબ કોઇ અગમ્ય કારણસર લેઇટ થયા હતા. તને હાશકારો થયો. નિસ્વાર્થભાવે અન્યની સંભાળ લેનારની કાળજી તો મારે રાખવી જ રહી ને ? તારો ઇન્ટરવ્યુ સરસ ગયો. અને તને નોકરી પણ મળી ગઇ. તારી ભીતરની આસ્થા વધારે દ્રઢ બની જ હશે કે કરેલું સત્કર્મ કદી વ્યર્થ જતું નથી. દોસ્ત, તારા આ કાર્યથી હું ખુશ છું અને મારા આશીર્વાદ હમેશા તારી સાથે છે. બસ આ કેડીએ ચાલતો રહેજે અને અન્યને પણ પ્રેરણા બનતો રહેજે.
દોસ્ત, જીવનમાં આવા નાના નાના સત્કાર્યોનું મૂલ્ય જરા યે ઓછું નથી. અન્ય કોઇ નોંધે કે ન નોંધે, હું આવા કાર્યોની નોંધ જરૂર રાખું છું એ શ્રધ્ધા રાખજે. આ જ તો મારી સાચી સેવા, પૂજા છે. મને આવી જ કોઇ પૂજાનો ખપ છે. ભકતના, સાધુ, સંતના કોઇ લેબલ સિવાયના આવા માનવની મને ગરજ છે.તું બનીશને આવો મને ગમતો માનવ?
લિ.તારો જ ભગવાન
પ્રાર્થના એટલે ચૈતન્યની વસંત. ભાવ સમાધિમય પ્રસન્ન વાતાવરણ.
જીવનનો હકાર
જો આપણે આંતરિક રીતે ભરપૂર હશું તો આપણે જાણીતા છીએ કે નહીં તેનું કોઇ મહત્વ નહી રહે.
-
પીગળતી જતી હીમનદીનો રેલો ઘરઆંગણે આવી પહોંચશે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પર્યાવરણ બાબતે ચિંતા કરવાની પણ એક ફેશન બની રહી છે. એમ કરવાથી પોતાને સારું લાગે, અને એવું અનુભવાય કે આપણે પર્યાવરણ બાબતે સજાગ છીએ. ફેશન તો ફેશન, એ બહાનેય પર્યાવરણ બાબતે ચર્ચા થાય એ જરૂરી છે. કેમ કે, પર્યાવરણને થઈ રહેલું નુકસાન એટલું આગળ વધી ગયું છે કે એમાંથી કયું ક્ષેત્ર બાકી હશે એ સવાલ છે. માનવવસવાટ હોય એવાં સ્થળોએ તો નુકસાન છે જ, પણ માનવવસવાટ ન હોય એવાં સ્થળોએ પણ પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
એ બાબતથી હવે ભાગ્યે જ કોઈ અજાણ હશે કે વૈશ્વિક સ્તરે તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે સમુદ્રના પાણીનું સ્તર વધી રહ્યું છે, કેમ કે, ઠંડા પ્રદેશોમાં રહેલા ગ્લેશીઅર એટલે કે હીમનદીઓ પીગળી રહી છે. આમ છતાં, ગ્લેશીઅરના પીગળવાની ઝડપે નવેસરથી ચિંતા ઊભી કરી છે.
‘નેચર’ પત્રિકા દ્વારા કરાયેલા એક નવિનતમ અભ્યાસમાં જણાયું છે કે ઈ.સ.૨૦૦૦થી ૨૦૨૩ દરમિયાન ગ્લેશીઅરોએ દર વર્ષે ૨૭,૩૦૦ કરોડ ટન બરફ ગુમાવ્યો છે. આ સમયગાળામાં ગ્લેશીઅરોનો કુલ ૬,૫૪,૦૦ ટન જથ્થો પીગળ્યો છે, જેને પરિણામે વૈશ્વિક સ્તરે સમુદ્રતળ ૧૮ મિ.મી. ઊપર આવ્યું છે. એટલે કે ગ્લેશીઅર પીગળવાને કારણે પ્રતિ વર્ષ ૦.૭૫ મિ.મી. જેટલું જળસ્તર ઊંચું આવતું ગયું. વિશેષત: ૨૦૧૨ – ૨૦૨૩ના ઉત્તરાર્ધના સમયગાળા દરમિયાન બરફ પીગળવાનો દર પૂર્વાર્ધના એટલે કે ૨૦૦૦ – ૨૦૧૧ના સમયગાળા કરતાં ૩૬ ટકા વધુ હતો. યુનિવર્સિટી ઑફ ઝ્યુરીકના ગ્લેશીઅરનિષ્ણાત સેમ્યુઅલ નસબોમરના જણાવ્યા અનુસાર આ સદીની આખર સુધીમાં ગ્લેશીઅરનો જથ્થો ઘટતો જશે અને સંભવત: એનો દર વધશે.
ગ્રીનલેન્ડ અને એન્ટાર્ક્ટિકાની હિમચાદરો કરતાં અલગ એવી હીમનદી એટલે કે ગ્લેશીઅર ઈ.સ.૨૦૦૦ આસપાસ આશરે ૭,૦૬,૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં વિશ્વભરમાં પ્રસરેલી હતી. તેના પીગળવાથી અનેક બાબતો અસરગ્રસ્ત થાય છે. સ્થાનિક ભૂસ્તરથી લઈને દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રાદેશિક જૈવપ્રણાલિઓ, પ્રાદેશિક જળસ્રોતો, વૈશ્વિક જળચક્ર તેમજ ઊર્જાચક્રોનો તેમાં સમાવેશ થાય છે.
ઈન્ટરગવર્ન્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈ.પી.સી.સી.) દ્વારા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન અને ગ્લેશીઅરના પીગળવા સંબંધી ગરમી પેદા કરતી ગતિવિધિઓ બાબતે નક્કર અને તત્કાળ પગલાં લેવાની જે અપીલ કરેલી એનો અમલ હાથ ધરવાનો આ સમય છે.
ગ્લેશીઅરના જથ્થાનો અંદાજ મેળવવા માટે સંશોધકોએ ક્ષેત્રીય તેમજ ઉપગ્રહ થકી વિવિધ અભ્યાસ હાથ ધરીને વિગતો એકઠી કરી હતી. ગ્લેશીઅરના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સૌ પ્રથમ વાર ૨૨ માર્ચના રોજ ‘વિશ્વ ગ્લેશીઅર દિવસ’ની ઉજવણીની ઘોષણા યુનેસ્કો દ્વારા કરવામાં આવી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આપણી આ વિશેષતા રહી છે કે પહેલાં એક ચીજને મરણતોલ હાલતમાં લાવી મૂકવાની અને પછી એનો કોઈ દિવસ નક્કી કરીને દર વરસે એની ઉજવણી કરવાની. સીધો અર્થ એ કરી શકાય કે જેના દિવસની ઉજવણી કરવામાં આવે એનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું સમજવું. એક સમય એવો હતો કે એવું મનાતું કે ગ્લેશીઅરો આદિથી અનંત સુધી શાશ્વત રહેશે. આવા, ‘શાશ્વત’ મનાતા ગ્લેશીઅરનું હવે અસ્તિત્વ જોખમાઈ ગયું છે. સામાન્ય રીતે, લોકોની નજરથી દૂર રહેનારા આ ગ્લેશીઅર માનવજીવન માટે અત્યંત લાભદાયી છે. એ સતત પીગળતા રહે તો સમુદ્રનું સ્તર ભયજનક રીતે વધતું રહે, અને તેના કાંઠે આવેલા વિસ્તારોને તે ડૂબાડી શકે. ગ્લેશીઅરની હવામાન પર અનેક અસરો છે. મોટા ભાગની નદીઓમાંની જળરાશિ તેને આભારી છે. તેમજ તાપમાનના નિયંત્રણ તથા સંતુલનમાં તેની મહત્ત્વની ભૂમિકા છે.
આપણી વિવિધ ગતિવિધિઓને કારણે વૈશ્વિક તાપમાનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વક્રતા એ છે કે આ ગતિવિધિઓ થકી ખાસ કશું મેળવી લેવાનું નથી, સિવાય કે સમૃદ્ધ અને વિલાસી જીવનશૈલી. ઝડપ, ટેક્નોલોજી અને સંપર્કક્ષમતા એવાં પરિબળો છે કે જેની કોઈ ટોચમર્યાદા નથી. એ જેટલાં પણ હોય, ઓછાં જ લાગે અને હંમેશાં એ વધુ ને વધુ મેળવવાની લાલસા જાગે. આને કારણે અનેક નૈસર્ગિક સંસાધનોનો સોથ વળી ગયો છે, અને હવે એની ઝડપ ધાર્યા કરતાં અનેકગણી વધી છે. અશ્મિજન્ય ઈંધણનો વપરાશ બેકાબૂ બન્યો છે, જેની સીધી અસર વૈશ્વિક તાપમાન પર થાય છે.
ટેક્નોલોજીનો એક ઊપયોગ ગ્લેશીઅર પર થતી વિપરીત અસરના અભ્યાસનો અવશ્ય છે, અને તેના થકી બરાબર જાણી શકાયું છે કે તે કેટલી ઝડપે સંકોચાઈ રહી છે. પણ તેને લગતાં પગલાં આપણે ભરવાનાં છે. અહીં ફરી એક વાર એ સવાલ થાય કે એકલદોકલ નાગરિક તરીકે આપણે શું કરી શકીએ?
વ્યાપક સ્તરે પર્યાવરણનો પ્રશ્ન આવે ત્યારે આ મૂંઝવણ હંમેશાં થતી હોય છે, કેમ કે, તેમાં સામૂહિક, નીતિગત પ્રયાસો વધુ કારગર નીવડે છે. પણ એ યાદ રાખવું જરૂરી બની રહે છે કે સમૂહ આખરે વ્યક્તિઓનો બનેલો છે. પર્યાવરણને હાનિ પહોંચે એવી અનેક ચીજવસ્તુઓ આપણે વાપરતા હોઈએ છીએ. એ આદત પર સહેજ નિયંત્રણ લાવીએ તો પર્યાવરણને થતું નુકસાન ઘટાડી શકાય. સીધેસીધું ગ્લેશીઅર પીગળતું અટકાવી ન શકીએ તોય શું? જે, જ્યાં અને જેટલું થઈ શકે એ કરીએ તો ઘણું.
પ્રવાસે જતી વખતે જે તે સ્થળને આપણે કઈ હદે નુકસાન પહોંચાડીએ છીએ એ વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે ગમે એટલાં નાણાં કોઈની પણ પાસે હોય, પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ એનાથી થઈ શકવાની નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કેરીઃ પેટીમાંથી પેટમાં પહોંચતું પરમસુખ
ચેતન પગી

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી પીળું હોય એ બધું ભલે સોનુ ન હોય પણ માર્ચથી મે-જૂન સુધીના દિવસોમાં બજારમાં જેટલું પીળું દેખાય એ બધું જ કેરી હોવાની પૂરેપુરી સંભાવના છે. જેમનો જન્મ સિત્તેર, એંસી કે નેવુંના દસકામાં થયો છે એ એવી છેલ્લી પેઢી છે જેમણે કેરી આંબેથી તોડીને પણ ખાધી છે અને બજારમાંથી તોડીને સોરી, ખરીદીને ખાધી છે. એમણે પારકા આંબેથી કેરી તોડવા બદલ માર પણ ખાધો છે અને મોંઘા ભાવની કેસર ખરીદીને ખિસ્સાં પર માર પણ સહન કર્યો છે.
આપણે ત્યાં ઋતુઓ ભલે છ હોય પણ સિઝન અગણિત છે. જેમાં વરસની શરૂઆતમાં આવતી પતંગની સિઝનથી લઈને પિચકારીની સિઝન, સ્કૂલના ચોપડા-યુનિફોર્મની સિઝન, અથાણાં કરવાની સિઝન, મરચું-હળદર ભરવાની સિઝન ફરવા જવા સુધીની સિઝનો સામેલ છે (હવે ચૂંટણીઓ બારેમાસ આવતી હોવાથી એની સિઝન લિસ્ટમાંથી દૂર કરવામાં આવી છે). બધી જ સિઝનોનો લાભ લઈ શકાય એ માટે બજારમાં સિઝનેબલ વેપારીઓનો અલગ ચોકો જોવા મળે છે. તેઓ ચાલતી કોઈ પણ ગાડી (સિઝન)માં ચઢીને વકરો કરી જાણે છે.
જોકે, આ બધી સિઝનોમાં શિરમોર છે કેરીની સિઝન. આ સિઝનમાં ભાજપને સમર્થન આપતા હોય એવા આદમીઓ પણ આમ પાર્ટીમાં જોડાયા વિના રહી શકતા નથી. આ સિઝનમાં તમે ફ્લેટના પાંચમા માળે જવા માટે સીડીઓ ચઢવાનું પસંદ કરશો તો દરેક ફ્લેટની બહાર ડસ્ટબિન પર કેરીની ખાલી પેટીઓ જોવા મળશે. ના, કેરીના ગોટલા જોવા નહીં મળે, કારણ કે ગુજરાતીઓ માત્ર કેરીમાંથી જ નહીં પણ ગોટલામાંથી પણ ગમતો ‘રસ’ કાઢવાના ઉપાયો જાણે છે. કેરી એ કદાચ એકમાત્ર એવું ફળ છે જેને સિઝન દરમિયાન કાપીને, ચૂસીને કે રસ કાઢીને ખાઈ શકાય છે અને અથાણાં બનાવીને આખું વરસ ખાઈ શકાય છે. આપણને કેરી ખાવાની ઉતાવળ હોય છે એમ વેપારીઓને કેરીમાંથી કમાઈ લેવાની ઉતાવળ હોય છે. ગરમી વકરી હોય ત્યારે એમને કેરીમાંથી વકરો કરવાની તક મળે છે.
સ્કૂલમાં ભણાવવામાં આવતું મેથ્સ અને બજારનું મેથ્સ અલગ હોય છે. બજારમાં તમને બે કિલો કેરીમાંથી કાઢવામાં આવેલો ચાર કિલો રસ પણ મળી જશે. આ દાખલો તમને ગણિતના સર પણ સમજાવી નહીં શકે. માત્ર મેથ્સ જ નહીં અહીં બજારના બાયોલોજીના સિદ્ધાંતો પણ જુદા હોય છે. જે કેરીને પાકતા વનસ્પતિશાસ્ત્રના નિયમ પ્રમાણ આઠ દિવસ લાગે એ કેરી વેપારશાસ્ત્રના નિષ્ણાતો બે દિવસમાં પકવી શકે છે. આ વેપારીઓ જુદા પ્રકારની કાર્બન ક્રેડિટને હકદાર છે.
તમને ભલે કેરીમાં રસ હોય, વેપારીઓને નફામાં રસ છે. આંબે લાગતા મોર સાથે આરંભ થયેલું કેરીનું અસ્તિત્વ સ્વાદ રસિયાઓના વન્સ મોર વન્સ મોરની ડિમાન્ડ સાથે પેટમાં ઓગળી જાય છે. કેરીનો માત્ર સ્વાદ નહીં પણ સુગંધ પણ વૈવિધ્યસભર છે. કાચી કેરી, આછી-પાતળી પાકેલી કેરીથી લઈને અથાણાં માટેની કેરી સુધીની સુગંધની લાંબી રેન્જ માણી શકાય છે.
કોઈ મસમોટા મલ્ટિપ્લેક્સમાં પાંચ-સાત સ્ક્રીન પર અલગ-અલગ ટેસ્ટની ફિલ્મો ચાલતી હોય એમ કેરી પણ સ્વાદનું અનોખું મલ્ટિપ્લેક્સ છે. જેમાં તમે અનેક પ્રકારની કેરી મનેફાવે એ રીતે માણી શકો છો એ પણ ઇન્ટરવલ પાડ્યા વિના.
આજકાલ નાની અમથી વાતોમાં લોકો ઓફેન્ડ થઈ જતા હોય છે. વડોદરાથી સુરત જતી એસ. ટી. બસમાં ચઢેલા મુસાફરે જાણે કોઈ ટ્રોફી જીતી લાવ્યો હોય એવા ગર્વ સાથે કેરીની પેટીઓ બસના માળિયે ચઢાવીને સીટ ગ્રહણ કરતાં એણે કહ્યું, ફળોના રાજાની સિઝન છે. કેરી ખાવી તો પડે જને?’ બાજુમાં બેઠેલો મુસાફર દક્ષિણ ગુજરાત ભણીનો હતો. એણે કહ્યું, ‘ઠીક છે. પણ કેરીને ફળોનો રાજા કહેવાની જરૂર ખરી?’ જવાબમાં પેલા ભાઈએ માત્ર એટલું પૂછ્યું, ‘તમે ક્યારેય ચીકુનું અથાણું ખાધું છે?’ એ પછી બંને વચ્ચે કોઈ સંવાદ થયો હોય એવું બસ કન્ડક્ટરને યાદ નથી.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
-
કાર્ટૂનકથા (૨૪)
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના ચોવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયું હતું.
બીરેન કોઠારી
વાર્તાવ્યંગ્ય

(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પ્રાકૃતિક ખેતી નાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે
નિસબત
ચંદુ મહેરિયા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના પ્રેરક, સમર્થક અને હિમાયતી છે. તેમના પ્રયાસોથી ગુજરાતમાં કેટલાક ખેડૂતો અને ગાંધી સંસ્થાઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જ્યારે ખેતી અને ખેડૂત બેઉ સંકટમાં છે ત્યારે પ્રાકૃતિક ખેતી તેમનો ઉગારો છે અને રાસાયણિક ખેતીનો આશાવાદી વિકલ્પ છે.
દેશ આઝાદ થયો ત્યારે આપણે ખાધ્યાન્નની બાબતમાં સાવ જ પરાવલંબી હતા. લગભગ બધું જ અનાજ બીજા દેશોમાંથી આયાત કરવામાં આવતું હતું. હરિયાળી ક્રાંતિ અને ખેતીના યાંત્રિકીકરણે આપણે અન્નની બાબતમાં ન માત્ર સ્વાવલંબી થયા પણ વધારાનું અનાજ પણ પકવતા થયા છીએ.પરંતુ તેના કારણે અનેક સમસ્યાઓ પણ પેદા થઈ છે. રાસાયણિક ખાતરો, હાઈબ્રીડ બિયારણો અને જંતુનાશકોને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક ખેતીથી કૃષિ ઉત્પાદન વધ્યું છે પરંતુ ખર્ચ પણ વધ્યો છે અને સિંચાઈ માટે પાણીનો વપરાશ વધતાં જમીનના તળ ઉંડા ગયાં છે. ખાધ્યસામગ્રી જંતુનાશકોને કારણે નુકસાનકર્તા બની છે. એટલે પર્યાવરણ, જમીન અને પાણીને બચાવવા તથા રસાયણમુક્ત ખોરાકની ચીજો માટે હવે પ્રાક્રુતિક ખેતીનો વિકલ્પ અપનાવાઈ રહ્યો છે.
સજીવ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, વૈદિક ખેતી અને શૂન્ય બજેટ ખેતી જેવા વિવિધ નામે ઓળખાતી કૃષિ પધ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી..પશુઓના છાણનું દેશી ખાતર, ગૌમુત્ર, પંચદ્રવ્ય, મશીનોને બદલે હાથથી ચલાવી શકાય તેવા કૃષિ ઓજારોના ઉપયોગથી આ ખેતી થાય છે. પ્રાક્રુતિક ખેતી ફાયદાકારક છે, સરળ છે તેમ મહેનત અને સતત દેખભાળ માંગી લેતી ખેતી પધ્ધતિ છે. તેમાં સ્વદેશી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.
રસાયણ મુક્ત પારંપારિક એવી આ ખેતીના જનક એક જાપાની અને એક ભારતીય કિસાન હતા. માનવ, જમીન, છોડ અને પશુ આધારિત આ ખેતીના ઘણાં ફાયદા છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત આવે છે. નાના અને સીમાંત ખેડૂતો માટે તે આશીર્વાદરૂપ છે. કુદરત કે વરસાદ આધારિત ખેતીમાં પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને રોવા વારો આવે છે જ્યારે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો હોઈ પ્રતિકૂળ સંજોગોમાં નુકસાન પણ ઓછું થાય છે. કૃષિ ખર્ચ ઘટાડવા અને આવક વધારવા માટે આ ખેતી લાભદાયી છે. જમીનની ફળદ્રુપતા વધે છે. ખેતરોમાં ખેતી માટે ઉપકારક અળસિયા વધુ જોવા મળે છે. રસાયણો અનેક જંતુનાશકોથી મુક્ત હોઈ આરોગ્ય માટે ફાયદાકારક છે. અળસિયા જેવા જીવો જમીનમાં વધવાથી જમીન ભેજવાળી રહે છે. માટીના ઢેફાં બને છે, જેનાથી હવાપાણી સહેલાઈથી જમીનમાં ઉતરી શકે છે. પાણીનો વપરાશ ઓછો થાય છે.
જમીન , પાણી અને પર્યાવરણ સુધરે છે તે મોટો લાભ છે. રસાયણિક ખેતીથી થયેલા ભૂમિક્ષરણને તે અટકાવે છે. વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં રાસાયણિકની તુલનામાં પ્રાકૃતિક ખેતીના પાકો ટકી રહે છે તેવું અનુભવે જણાયું છે. દેશમાં ૧૬.૬ ટકા લોકો કુપોષિત હોય અને ૭૪.૧ ટકા લોકો જો પોષક આહારનો ખર્ચ વહન કરી શકે તેમ ન હોય તેવા ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઓફ યુનાઈટેડ નેશન્સ (FAO)ના રિપોર્ટને સાચો માનીએ તો પ્રાકૃતિક ખેતીથી તેમને પોષક આહાર મળી શકે છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે તેમને બહારથી કોઈ ચીજ ખરીદવી પડતી નથી. યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને જમીનમાંથી જ પાકને જરૂરી પોષક્તત્વો મળી રહે છે. પાણી અને વીજળીની જરૂરિયાતમાં મોટો ઘટાડો થાય છે. રાસાયણિક ખેતીથી ખેતરોમાં જે ઝેર વાવવામાં આવતું હતું તેનાથી છૂટકારો મળે છે.
ભારતમાં ખેતી પર નભતી વસ્તીનો પંચ્યાસી ટકા હિસ્સો નાના આને સીમાંત ખેડૂતોનો છે. જે બેથી ચાર એકર જમીન ધરાવે છે. તે પ્રાકૃતિક ખેતી અપનાવે અને જીવન ગુજારા માટે જ ખેતી કરતા હોય તો તેમને ખર્ચ ઓછો આવે છે અને દેવાથી બચી શકે છે. સરકાર અને સમાજના સાર્થક પ્રયાસોના લીધે નાના અને સીમાંત ખેડૂતોને સંતોષજનક આવક અને રોજી મળી શકે છે. ઘરના ગુજરાન ઉપરાંત થોડી બીજી આવક પણ થાય છે. પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી અને ફળોની બજારમાં વધુ માંગ છે એટલે જો બજાર અને વેચાણની યોગ્ય વ્યવસ્થા થઈ શકે તો તે વરદાન સમાન છે. નાના ખેડૂતો સ્વપ્રયત્નોથી અને થોડી કૃષિ નિષ્ણાતોની મદદથી રાસાયણિક ખેતીથી બિનઉપજાઉ થયેલી જમીનને પ્રાકૃતિક ખેતીના એક બે પાકથી વધુ ઉપજાઉ બનાવી શકે છે.
કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો પ્રાકૃતિક ખેતી માટે ખાસ સવલતો આપે છે. ડિસેમ્બર ૨૦૨૪થી ભારત સરકારે નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ( NMNF)નો આરંભ કર્યો છે. આગામી બે વરસોમાં તેનું લક્ષ્યાંક છે કે પંદર હજાર સમૂહોને અને એક કરોડ ખેડૂતોને આવરી લઈને ૭.૫ લાખ હેકટર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવી. આ માટે એક હજાર બાયો રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવશે. રાસયણિક ખેતી માટે સરકારને વરસે પાંચ કરોડ ટન ખાતરની આયાત કરવી પડે છે. વળી ખાતર પર સરકાર ખેડૂતોને રૂ. એક લાખ કરોડની સબસિડી ચૂકવે છે. જો છાણિયા ખાતરનો ઉપયોગ વધે તો મોંઘું વિદેશી હુંડિયામણ બચે, આયાત ઘટે અનેક ખાતર સબસિડી પણ ઓછી થાય .
પ્રાકૃતિક ખેતીની સૌથી મોટી મર્યાદા કે ખામી તેમાં ખેત ઉત્પાદન રાસાયણિક ખેતીને મુકાબલે ઓછું હોય છે તે છે. અલબત્ત તેની સામે બીજા અનેક ફાયદા છે જ. પણ જ્યારે સમગ્ર ખેતી બજાર આધારિત હોય ત્યારે ઓછું ઉત્પાદન ખેડૂતોને તેના તરફ આકર્ષતા રોકે છે. કૃષિ નિષ્ણાત દેવિંદર શર્માના મતે રાસાયણિક પધ્ધતિથી પકવેલા અનાજના આહારમાં કિલોએ પર્યાવરણને ત્રણ ગણું નુકસાન થાય છે તે પ્રાકૃતિક ખેતીથી અટકે છે. એટલે આ બાબતે ખેડૂતોમાં જાગ્રતિ જરૂરી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી દુનિયાની માત્ર ૦. ૯ ટકા ખેતીની જમીનની પર જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારત સરકારના મિશન હેઠળ પણ બહુ ઓછી કૃષિ ભૂમિને પ્રાકૃતિક ખેતી તળે લાવી શકાઈ છે. જેમ ઉત્પાદન ઓછું તેમ પ્રાકૃતિક ખેતીના શાકભાજી, ફળો અને અનાજ મોંઘા છે તે પણ મોટી મર્યાદા છે.એટલે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા અનાજના ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમ એસપી) અલગથી જાહેર કરવાની ખેડૂતોની માંગ છે. જો મધ્યાન્હ ભોજન યોજના અને આંગણવાડીઓને ભોજન અને નાસ્તામાં માત્ર પ્રાકૃતિક ખેતીથી પકવેલી ચીજો જ વાપરવાનો નિયમ થઈ શકે તો આ ખેતીને ટકવાનું બળ મળી રહે.
દેશની ૬૦ થી ૭૫ ટકા વસ્તી ખેતી પર આધારિત છે અને જીડીપીમાં કૃષિનું યોગદાન ૧૩.૬ ટકા છે ત્યારે આપણી અંદાજપત્રની જોગવાઈઓ તેને અનુરૂપ છે ખરી? ભારત સરકારના ગત ૨૦૨૪-૨૫ના બજેટમાં ખેતી માટે ૧.૫૨ લાખ કરોડની જોગવાઈ હતી જે કુલ બજેટના માંડ ૩ ટકા હતી. જ્યારે નીતિનિર્માતાઓ માટે કૃષિ ક્ષેત્રની આવી ઉપેક્ષા હોય ત્યારે પ્રાકૃતિક ખેતીની પ્રગતિ બહુ ધીમી રહેવાની તે નક્કી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
