વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જીવનની ખાટી મીઠી : છે કોઇ જવાબ ?

    નીલમ  હરીશ દોશી

    અક્ષરા અને નિશાંતના નિશાંતના પ્રેમલગ્ન  હતા. અને સામાન્ય રીતે બને છે તેમ નિશાંતના પ્રેમનો રંગ ચાર વરસમાં તો કયાં ઉડી ગયો એ ખબર પણ ન પડી. અને દ્રષ્ટિ બદલાતા પહેલા એકબીજાના ગુણ દેખાતા હતા. ખૂબીઓ દેખાતી હતી.એ જ હવે અવગુણ..ખામી બની સામે આવવા લાગ્યા.

    પુત્રીના જન્મ પછી અક્ષરાનું ધ્યાન  સ્વાભાવિક રીતે જ દીકરી પાછળ વધુ રહેવા લાગ્યું. અને  પ્રેમલે તેમાં સાથ આપવાને બદલે તેને પોતાની અવગણના માની લીધી.

    અને એ કારણ હોય કે ગમે તે પણ તે તેની જ ઓફિસની આસ્થા તરફ આકર્ષાયો.આકર્ષાવા માટે કારણોની ખોટ તો કોને, કયારે  હોય છે ? દિવસે દિવસે એ આકર્ષણ વધતું ચાલ્યું. અને પછી તેને નામ અપાયું ફરી એકવાર પ્રેમનું. અને અક્ષરાથી આ વાત કયાં સુધી છૂપી રહી શકે ?  હજુ તો એ વાત પર ઝગડો થાય એ પહેલા જ એક દિવસ ઓફિસે ગયેલ નિશાંત ઘેર પાછો આવ્યો જ નહી. આવી ફકત તેની એક ચિઠી..જેમાં તેણે બહુ સાદા શબ્દોમાં જણાવ્યું હતું કે

    ‘આપણા બનેના સ્વભાવનો મેળ ખાય તેમ નથી. અને તેથી તે તેની જિંદગીથી દૂર જાય છે. શકય હશે તો પૈસા મોકલાવતો રહીશ. અને બાકી તેને જે કરવું હોય તે કરવા સ્વતંત્ર છે. ’

    શું કરવું તે અક્ષરાને સમજ ન પડી. એકલી એકલી રડે પણ કેટલો સમય ? પિયરના દરવાજા બંધ હતા. મા બાપ હતા નહીં અને ભાઇ ભાભી રાખે તેમ હતા નહીં. સાસરામાં પણ એવું કોઇ નહોતું.જે તેનો  વિસામો બની શકે. બે વરસની પુત્રી અને તે હવે નિશાંતના શબ્દોમાં કહીએ તો સ્વતંત્ર હતા. !

    જીવનનાવ એકલા હાથે સામે પૂરે  હંકારવાની હતી. કલકલ વહેતા જળ અચાનક થંભી ગયા હતા. શું કરવું તે દિશા શોધવાની હિમત પણ થોડા સમય માટે જાણે તે ગુમાવી બેઠી હતી.પરંતુ માસુમ પુત્રીને ઉછેરવાની હતી..તેનામાં રહેલ  “મા “ જાગી ઉઠી. અને જીવન સંઘર્ષ શરૂ થયો. પ્રશ્નો તો ઘણાં આવ્યા..પરંતુ અક્ષરાની અંદરની સ્ત્રી  અને મા હવે હારવા નહોતી માગતી. સંજોગોને આધીન થઇ રડવાને બદલે તેણે મક્ક્મતાથી સામનો કર્યો.

    સદનશીબે અક્ષરાએ સંગીતમાં વિશારદ કરેલ.તેથી ધીમે ધીમે તેણે સંગીતના ટયુશન શોધ્યા. નોકરીનો સવાલ નહોતો કેમકે નાનકડી પુત્રીને કોને ભરોસે મૂકીને જાય ? તે દીકરીને એકલે હાથે ઉછેરવા લાગી. એ ટયુશનની આવકમાંથી દીકરીને સારી સ્કૂલમાં ભણાવવી, તેની જરૂરિયાતો પૂરી કરવી..રસ્તો કંઇ આસાન તો નહોતો જ. છતાં દસ વરસની આકરી તપસ્યા પછી સંગીતની દુનિયામાં તેનું નામ, એક સ્થાન થયું. જીવન થોડુ સરળ બન્યું. પુત્રી પણ હવે બાર વરસની થઇ હતી. પુત્રીના પિતા વિષેના પ્રશ્નના જવાબમાં તેણે સરળતાથી જે સત્ય હકીકત હતી તે જ કહી દીધી હતી. જેથી એક સત્ય સો જૂઠાણાથી બચાવી શકે. પણ….અચાનક આજે દસ વરસો બાદ નિશાંત વાવાઝોડાની જેમ ફરી એકવાર તેની જિંદગીમાં આવ્યો. પોતાની ભૂલની માફી માગી. તે પોતાની કથની કહેતો રહ્યો, પ્રેમની દુહાઇ દેતો રહ્યો. હવે તે એકાકી બની ગયો હતો. જીવનમાં એક ઠોકર તેણે ખાધી હતી..પસ્તાયો હતો. સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો તેને માફી મળવી જોઇએ..ગઇ ગુજરી ભૂલી જવા તેણે અક્ષરાને વિનંતિ કરી. પણ અક્ષરાએ તેની કોઇ વાત સાંભળવાની શાંતિથી ના પાડી દીધી.

    ‘ મને એમાં હવે કોઇ રસ નથી. તમારા કહ્યા મુજબ હું સ્વતંત્ર છું. અને રહેવા માગુ છું. મને તમારા માટે નફરત કે પ્રેમ કંઇ નથી.મારે માટે તમે જે ક્ષણે કંઇ પણ કહ્યા સિવાય અમને છોડીને ચાલ્યા ગયા હતા..તે ક્ષણથી જ અજનબી બની ગયા હતા. અને અજનબીના કોઇ વર્તનનું દુ:ખ લગાડવાનું ન હોય.’

    નિશાંતે જયારે બહું કહ્યુ ત્યારે તેણે ધીમેથી ફકત એક જ પ્રશ્ન પૂછયો,

    ‘ તમારી જગ્યાએ હું કોઇ સાથે ચાલી ગઇ હોત ને દસ વરસ પછી આવીને માફી માગી હોત તો તમે આપી શકત ખરા ? ‘

    નિશાંત શું બોલે ?

    આવા પ્રશ્નનો જવાબ આમ પણ પુરૂષ પાસે કયારેય હોતો નથી. પુરૂષ કરે એ એક નાની એવી ભૂલ માત્ર..અને સ્ત્રી કરે એ પાપ…આ આપણા સમાજની તાસીર છે. પુરૂષપ્રધાન સમાજનું આ સામાન્ય લક્ષણ છે. સ્ત્રી એવી કોઇ ભૂલ કરીને વરસો પછી આવે ત્યારે કોઇ પુરૂષ એને સ્વીકારી શકે ખરો ? સદીઓથી અગિનપરીક્ષા સીતા જ દેતી આવી છે ને ? વસ્ત્રાહરણ દ્રૌપદીનું જ થતું આવ્યું છે. અને કોઇ સ્ત્રી જયારે આ બધી પ્રથા સામે અવાજ ઉઠાવે છે ત્યારે એને બંડખોર કે નારીવાદીનું લેબલ લગાડી દેતા  સમાજને જરાયે વાર કયાં લાગે છે ? કયાં સુધી ? આખરે કયાં સુધી ? નિશાંતની જેમ આપણા કોઇ પાસે એનો જવાબ છે ખરો ?


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : કોલાજ દ્વારા કર્યો આરંભ

    બીરેન કોઠારી

    વિસંગતિ, વક્રતા અને વિચિત્રતા આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. રોજબરોજ એવાં કેટલાંય દૃશ્યોના આપણે સાક્ષી કે હિસ્સેદાર બનતાં હોઈએ છીએ કે આપણે એની સાવ ઉપેક્ષા કરતા થઈ જઈએ છીએ. કોઈક મોંઘાદાટ સ્થળે પેટ ભરીને ખાધા પછી, ઘણું બધું ચાખવા ખાતર મંગાવીને એ ન ભાવતાં તેને એમનું એમ રહેવા દીધા પછી બહાર આવીએ અને પોતાના વાહનમાં ગોઠવાઈએ ત્યાં જ કોઈક મહિલા કે બાળક આવીને આપણી આગળ હાથ લાંબો કરતી પોતાના પેટ તરફ ઈશારો કરે છે અને આપણે એને અવગણીને વાહનની ચાવી ફેરવીએ છીએ. હરવાફરવાના સ્થળે વિવિધ રાઈડમાં ટિકિટ ખરીદીને બેઠા પછી એ સ્થળેથી બહાર આવીએ ત્યારે કોઈક બાળક ફુગ્ગા કે પ્લાસ્ટિકનાં રમકડાં વેચવા માટે આપણી આગળ ધરે છે. એની કાંખમાં નાનો ભાઈ કે બહેન પણ હોઈ શકે. આપણે એને અવગણીને આગળ વધી જઈએ છીએ. માર્ગની આજુબાજુથી ગેરકાયદે દબાણો તોડવા માટે આખું તંત્ર કામે લાગી જાય, પણ માર્ગની વચ્ચે આવેલી કબર કે મંદિર પર લોકોની એવી ભીડ ઉમટે છે કે ટ્રાફિક જામ થઈ જાય. કોઈ બહુમાળી ઈમારતના દાદર ચડતાં તેના લાલ ખૂણા આપની નજરે પડે છે, અને એ લાલ રંગની ઉપર મૂકાયેલી વિવિધ દેવીદેવતાઓ કે સંતોની છબિ ધરાવતી ટાઈલ્સ આપણને દેખાય છે. ધર્મસ્થાનોની અંદર ઉમટતી શ્રદ્ધાળુઓની ભીડ અને તેની બહાર જોવા મળતી ભિક્ષુકોની ભીડ જોયા પછી સવાલ થાય કે ભિક્ષુકો ક્યાં વધારે છે? અંદર કે બહાર? ધર્મસ્થાનની અંદર દિવસમાં ચચ્ચાર વાર કદાચ સફાઈ થતી હશે અને એ સેવા આપવા માટે ‘સેવકો’ પડાપડી કરતા હશે, પણ એ જ ધર્મસ્થાનની બહારની દિવાલે લાલ અક્ષરે લખ્યું હશે, ‘સ્વચ્છતા જાળવો’ અથવા ‘અહીં ગંદકી કરવી નહીં.’

    આવી તો કેટલીય પરિસ્થિતિઓ આપણા રોજિંદા જીવનમાં પેદા થતી રહે છે. ભૂપેન ખખ્ખરની ઝીણી નજરે આવી બાબતો આવતી, અને તેમની લાક્ષણિક રમૂજ તેમાં ભળતી. આથી સાવ શરૂઆતમાં તેમણે કોઈક વિષય પર ચિત્રો બનાવવાને બદલે કોલાજ બનાવ્યાં.

    સસ્તાં, ફૂટપાથિયાં ચિત્રો- ઓલિયોગ્રાફમાંથી કાપેલી દેવીદેવતાઓની છબિઓને ચોંટાડીને તેની આસપાસ લાલ, ભૂરો, પીળો જેવા ભડકીલા રંગોના થપેડા કર્યા. એની પર ‘ગ્રાફિટી’ (ભીંત પર લખાયેલાં લખાણો) પણ એમની એમ રાખી. અમુક કોલાજમાં તેમણે કંતાનના ટુકડા ગોઠવીને એની પર રંગના થપેડા લગાવ્યા છે. આમાં અલબત્ત, ‘ચિત્ર’ કહી શકાય એવું કશું નહોતું. જે હતું એ સંયોજન અને કલ્પના હતી. પણ તેમનાં આવાં કોલાજની નોંધ લેવાઈ. ભૂપેન આવી બાબતો પર ટીપ્પણી કરતા નહીં, કેમ કે, આ સારું ને પેલું ખરાબ, એવી કોઈ વાત તેમણે કહેવી નહોતી. તેમને તો એ જ દર્શાવવું હતું કે આમ છે.

    તેમના સાવ શરૂઆતના ગાળાના કેટલાક કોલાજ અહીં મૂકેલા છે.


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જયપ્રકાશ નારાયણ: સંપૂર્ણ ક્રાંતિના મહાનાયક

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    હવે થોડાં અઠવાડિયાં, અને કટોકટીરાજ જાહેર થયું એની પચાસવરસીએ પહોંચીશું. તે નિમિત્તે વર્તમાનમાં ખોડાઈ લગરીક ભૂત ને કંઈક ભાવિ જોવાતપાસવાનો સણકો કમબખ્ત કેડો મેલતો નથી.

    ૨૦૨૫ના જૂનની પાંચમીના ઉંબર કલાકોમાં ઊભી આજે ૧૯૭૪ અને ૧૯૭૫ના જૂનની પાંચમી નિમિત્તે થોડીક દિલખુલાસ નુક્તેચીની કરવા ચહું છું.

    ૧૯૭૫ના જૂનના પહેલા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ગુજરાતના ચૂંટણી પ્રવાસમાં હું જયપ્રકાશજીની જોડે હતો. વચ્ચે વચ્ચે યદૃચ્છા વાતો થતી રહેતી એ ગુજરાત વિશે કંઈક પૂછેસંભારે; વળી આ દિવસોમાં બિહારમાં શું હશે, શું નહીં, એનીયે વાત કંઈક સ્વગતોક્તિની રીતે કરે. મુદ્દે, આગલા વરસની, ૧૯૭૪ની, પાંચમી જૂન એમને સારુ ખાસ હતી. અને ઓણ એ તારીખે તે બિહારમાં નથી, એનો કંઈક વસવસો પણ એમને હશે. જતી જિંદગીએ, જોકે નવપ્રભાતે, એક સિપેહસાલાર જુએ એવાં ક્રાંતિસપનાં એ જોતા હશે- અને તાકડે પોતે સીધી સમરભૂમિ એટલે કે બિહારમાં નથી, એ વાસ્તવિકતાએ કંઈક સોરવાતા પણ હશે. નવનિર્માણના છાત્રયુવા સમુદાય સાથે દોસ્તી દિલ્લગી ને દિલની વાતો કરવાનો તો ગાંધી-રુઝાન ધરાવતી બિરાદરી સાથે લોકઆંદોલનને સંભવિત વળાંકની રીતે પ્રગટ મંથનનો એક દોર પૂરો કરી એમણે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં દિલ્હી મુકામ કીધો હતો. વડાંપ્રધાન ઈંદિરા ગાંધી સાથે તેમ વિપક્ષ નેતાઓ સાથેની વાતચીતમાં હજુ એ સંવાદખોજની ભૂમિકાએ હતા. બિહાર પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો. શાંતિમય હિલચાલની શરતે એમણે યુવાનોનું નેતૃત્વ સ્વીકાર્યું ને આંદોલન આગળ ચાલ્યું.

    મને સાંભરે છે, એ જ મહિનાઓમાં તો ધર્મવીર ભારતીએ કાવ્યકેમેરે આબાદ ચિત્ર કંડાર્યું હતું:

    ખલક ખુદા કા, મુલુક બારશાકા હુકુમ શહર કોતવાલકા
    હર ખાસો આમકો આગાહ કિયા જાતા હૈ કિ ખબરદાર રહેં
    ઔર અપને અપને કિવાંડો કો અંદરસે કુંડી ચઢાકર બંદ કર લેં
    ગિરા લેં ખિડકિયોં કે પરદે ઔર બચ્ચોં કો બહાર સડક પર ભેજેં
    ક્યોં કિ એક બહત્તર બરસકા બૂઢા આદમી
    અપની કાંપતી કમજોર આવાજ મેં સડકોં પર
    સચ બોલતા હુઆ નિકલ પડા હૈ!

    જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમને મન મુદ્દો કેવળ રાજીનામાંમાં સીમિત નહોતો. ધોરણસરની નવી ચૂંટણીની વાત તો જાણે ખરી, પણ કાયદા કાનૂનની ન એવીતેવી વાતે અગર આટેપાટે અટકવાનો ખયાલ મુદ્દલ નહીં: ગાંધીમાહોલમાં એ આઝાદીના જંગમાં કૂદી પડ્યા હતા તે માત્ર ગોરા સાહેબોને સ્થાને કાળા કે ઘઉંવરણા સાહેબોના સ્થાપના સારુ તો નહીં- એ લડાઈ સમાજ પરિવર્તનની હતી. વંદેમાતરમનો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના દોર સાથે નકરા રાજપલટાથી આગળ જવા સારુ હતો. સન સુડતાલીસ પછી ધારો કે એ ધારા છૂટી ગઈ હોય તો હવે આ એના પુન:આ‌વાહનની પળ હતી- હાસ્તો, ’૪૭નું ઊંધું ૭૪!

    ૧૯૭૪ની પાંચમી જૂને એટલે સ્તો પટણાના ગાંધી મેદાનમાં વિરાટ રેલીને સંબોધતા જયપ્રકાશે કહી નાખ્યું’તું કે આ જંગ સાપનાથ જાય અને નાગનાથ આવે એટલા પૂરતો નથી… સંપૂર્ણ ક્રાંતિનો આ જંગ છે, સંપૂર્ણ ક્રાંતિનો! બરાબર અંતે વરસ પૂરું થઈ રહ્યું છે ને ત્યારે પોતે પટણામાં એની રૂ-બ-રૂ યાદ આપવા વાસ્તે નથી એનો એમને કંઈક ખટકો હતો. સ્વગતોક્તિની રાહે એ કંઈક ગણગણતા પણ જણાયા હતા- ગર મૈં વહાઁ હોતા. સામ્રાજ્ય પરિવરત્નના આંદોલનમાં સત્તા પરિવર્તન – વિધાનસભાની ચૂંટણીએ ફતેહ સાથે અને છતાં બેડો ગરક તો નહીં થઈ જાય ને એ એમની અમૂઝણ હતી.

    ગમે તેમ પણ, નડિયાદની જાહેર સભા પછી વિઠ્ઠલ વિદ્યાલયમાં ઉત્સાહી યુવજનો સાથે વાર્તાલાપ કરવાનો બન્યો ત્યારે જયપ્રકાશ પાછા અસ્સલ મિજાજમાં આવી ગયા. કોઈએ ચંબલના બાગીઓ વિશે પૂછ્યું તો એમણે જે જવાબ આપ્યો એ હતો પણ રસિક એટલો જ સૂચક કે એના કરતાં હાલનું કામ લગાર કાઠું છે! વડોદરા પહોંચ્યા, જ્યોતિના ગેસ્ટ હાઉસમાં- ને એ કંઈક આરામ સારુ આડા પડ્યા ત્યાં મને (અલબત્ત એમના માટે) મળવા પત્રકાર મિત્રો કિરીટ ભટ્ટ ને વિક્રમ રાવ આવી પહોંચ્યા. એમની ચિંતા રાજ્યના મંત્રી અને પૂર્વ મેયર ઠાકોરભાઈ જેવા બધી જ રીતે પહોંચતા ઉમેદવાર સામે જનતા મોરચાના આજીવન સેવાવ્રતી ને અક્ષરશ: અકિંચનવત પેંઢારકરની ઉમેદવારીને અંગે હતી. એ તો વાત કરીને ગયા, પણ જેપી ઊઠ્યા ત્યારે એમને મેં આ વાત કરી. પેંઢારકરને એ જૂના સમાજવાદીને નાતે જાણતા પણ હશે. એમણે મને કહ્યું, તું એક ચિઠ્ઠી લખીને તૈયાર રાખજે અને મારા વક્તવ્યમાં હું હાલની ચૂંટણીપ્રથા ને આકરા ખર્ચા વિશે કહું કે તરત મને આપજે. હું એક રાજકીય સંપન્ન સામે સમર્પિત વિપન્નનું સમર્થન એ લોકશાહીની જરૂરત છે તે નામજોગ સમજાવીશ.

    કહેવાની જરૂર નથી, આ ચિઠ્ઠી કરામતે ચૂંટણી પરિણામમાં રંગ દાખવ્યો હતો! બીજે દિવસે રાત્રે રાજકોટની સભા પૂર્વે મેં ચિમનભાઈ શુક્લને કહ્યું કે જેપીના ભાષણ પૂર્વે અમારી સાથેનાં મંદાબહેન, બિહાર આંદોલનનું ધ્રુવગીત ગાશે: ‘જયપ્રકાશ કા બિગુલ બજા તો જાગ ઊઠી તરુણાઈ હૈં.’ જયપ્રકાશે ભાષણની શરૂઆતમાં જ આ ગાન સંભાર્યું ને કહ્યું કે તે કોઈ ચૂંટણીગીત નથી. પરિણામ પછી પણ ચાલુ લડતનું એ સંકલ્પગાન છે ને પોતે એની જોડપંક્તિ ઉમેરી: ‘તિલક લગાને તુમ્હેં જવાનોં ક્રાંતિ દ્વાર પર આયી હૈ.’

    જૂન ’૭૪થી જૂન ’૭૫ વચ્ચેની એક વરસની મજલમાં જેપી ભરજોસ્સે કદાચ જોતા હતા કે તિલક ને દ્વાર વચ્ચે અંતર હોવાનું છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૪ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • સામે કાંઠે | ગઝલ ભેજની

    સામે કાંઠે

    ચંદ્રકાન્ત શાહ

    આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?

    આ કાગળને બે કાંઠે જે
    અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
    એનાથી તું પલળે છે ત્યાં જેવું
    હું પણ એવું પલળું છું અહીં!

    શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
    અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
    આવ ઊતર કાગળમાં-
    હું પણ મારું ધુબકો
    ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?

    કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?

    કાગળની ચોફેર અવાજો સૂનકારના
    ધોધમાર ને લથબથ લથબથ
    ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?

    સીનસીનેરી ઝાંખીપાંખી
    લીલોતરી નીતરતી તારી આંખ
    વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?

    મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
    તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?

    આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?


    ગઝલ ભેજની

    – હર્ષદ ચંદારાણા

    આ હવામાં આજ કેવળ ભેજ છે
    આંસુઓનો એક દસ્તાવેજ છે

    દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
    કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે

    સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
    ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?

    હાથ પાસે પેન, કાગળ, મેજ છે
    નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે

    જેમ પાણીમાં વમળ આમેજ છે
    આ હવામાં એમ છૂપો ભેજ છે

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : હિંમતનગર

    વિમલાતાઈ

    ગૃહિણી જીવન અને સંસારની આંટીઘૂંટી થી આગળ

    ચિત્ર-વિચિત્ર અનુભવો બાદ અમે રાજકોટ છોડ્યું. હિંમતનગર જવા માટે અમારે અમદાવાદ ટ્રેન બદલવાની હતી તેથી બે દિવસ અમદાવાદ રોકાઈને અમે હિંમતનગર પહોંચ્યાં. અહીં અમારી રહેવાની વ્યવસ્થા ત્યાંના રાજાસાહેબના જૂના મહેલમાં કરવામાં આવી હતી. જૂના દરબારગઢ તરીકે જાણીતી વાસ્તુમાં ઘણા સ્વતંત્ર આવાસ હતા, તેમાંના એકમાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો. સરકાર તરફથી અમને એક ઓર્ડરલી આપવામાં આવ્યો હતો. અમને સાવ એકલવાયું ન લાગે તે માટે અમે વઢવાણથી જીબાને પણ બોલાવી લીધાં.

    નરેન તથા ત્રણે દીકરીઓને નિશાળમાં દાખલ કરાવ્યાં, નિશાળ દરબારગઢની સામે જ હતી તેથી મનમાં ધરપત હતી. થોડા દિવસ બાદ રજવાડાની નોકરીમાં રખાયેલા નવા અધિકારીઓ આવવા લાગ્યા. શરૂઆતમાં તેમને પણ અમારી જેમ દરબારગઢમાં ઉતારો અપાયો. બધા અફસરો સહકુટુંબ આવ્યા હોવાથી મને ઘણો આનંદ થયો, કેમકે શરૂઆતના બે-ત્રણ મહિના મને એકલતા ઘણી સાલતી હતી આવેલા પરિવારમાંના એક શ્રી દાતાર વડોદરાના હતા. તેમની સાથે અમારો ઘનિષ્ઠ સંબંધ બંધાયો. શ્રીમતી દાતાર અને મારી વચ્ચે બહેનો જેવો સંબંધ થઈ ગયો.

    કેટલાક દિવસ બાદ અમારા માટે નવા બંગલા બંધાતા હતા તેમાં અમે રહેવા ગયાં. અહીં આવ્યા બાદ એમના સ્વભાવમાં ઘણું સારું પરિવર્તન આવ્યું. મને જૂના બંધિયાર વાતાવરણમાંથી થોડી સ્વતંત્રતા મળ્યા જેવું લાગ્યું અને હવે મને પાડોશમાં રહેતા અફસરોની પત્નીઓ સાથે સંપર્ક રાખવાની, હળવામળવાની અને વાતચીત કરવાની છૂટ મળી હતી. આમ તો એમનો સ્વભાવ જરાય વહેમી નહોતો. એક વાર એમણે અમારે ત્યાં અંગ્રેજ પાદરીસાહેબને બોલાવ્યા હતા, ત્યારે એમણે તેમનું સ્વાગત મારી પાસેથી હસ્તધૂનન જેવી અંગ્રેજી પદ્ધતિથી કરાવ્યું હતું. તેમને હારતોરા પણ મારી પાસેથી પહેરાવ્યા હતા. પાદરીસાહેબે મહારાષ્ટ્રીયન ભોજન કરવાની ઇચ્છા દર્શાવી હતી તેથી મેં તેમના માટે પૂરણપોળી જેવા ઘણાં વ્યંજનો રાંધ્યાં. તેઓ ઘણા ખુશ થઈ ગયા અને જતી વખતે મને તેમનાં ઘણાં ધર્મપુસ્તકો આપતા ગયા.

    અમારાં જીબા હવે વૃદ્ધ થઈ ગયાં હતાં અને અમારા પરિવારને તેમણે વીસ વર્ષ સાથ આપ્યો હતો. મારી સાથે તેઓ આઠ વર્ષ હતાં. તેમણે મારી એટલા પ્રેમથી સેવા કરી હતી અને મારાં બાળકોને એવાં સાચવ્યાં હતાં જે હું કદી ભૂલી શકીશ નહિ. તેમના ગયા બાદ હિંમતનગરનાં જ એક પ્રૌઢ બહેન અમારે ત્યાં કામે આવ્યાં. તેઓ પણ ઘણાં સારાં હતાં. રાતે મારા પગ દબાવ્યા વગર ઘેર ન જતાં. સરકાર તરફથી પણ એક ઓર્ડરલી મળ્યો હતો જે ઘરનું બીજું બધું કામ કરતો. હું મારા માણસોને મારાં સ્વજનોની જેમ સંભાળતી. ખાવાપીવાની બાબતમાં મેં કદી પણ તેમની સાથે ભેદભાવ કર્યો નહિ. ઘરમાં બધાં માટે જે રાંધતી તે જ તેમને જમાડતી. આપણા નોકરો પર સ્વજન જેવી મમતા રાખવી જોઈએ એવું હું માનું છું.

    અમારા માટે બંધાતો સરકારી બંગલો પૂરી રીતે તેયાર નહોતો થયો તેમ છતાં મે માસમાં અમે ત્યાં રહેવા ગયાં. કામ ચાલુ હોવાથી બંગલામાં મને જોઈએ. તેવા સુધારા-વધારા મેં કરાવી લીધા તેથી બંગલો ઘણો સુંદર થઈ ગયો હતો. બીજા બંગલા તૈયાર થઈ ગયા બાદ બાકીના અફસરો પણ ત્યાં રહેવા આવી

    ગયા તેથી અમને સારો પાડોશ મળ્યો અને વ્યક્તિગતરૂપે અમારું જીવન હવે ઘણી સુખશાંતિથી વ્યતીત થતું હતું.

    બંગલો પ્રશસ્ત હતો તેથી અમારા અગાઉના ઘરના પુત્રો – મોટાભાઈ અને રવિનાં લગ્ન હિંમતનગર કરવાનું અમે નક્કી કર્યું. લગ્નની તેયારી મેં ઘણા હોંશથી શરૂ કરી. સાધનસામગ્રી ભરવાનું શરૂ કર્યું, અને તે માટે મેં ત્રણ મણ ખાંડ, આઠ ડબા કેરોસીન, બે ડઝન કોલસાની ગૂણો – આમ મોટા પાયા પર સામાન ભર્યો. મેં પોતે છ-સાત જાતનાં અથાણાં બનાવી રાખ્યાં. અમારા પુત્રો માટે મેં પ્રેમથી આટલા મોટા પાયા પર તૈયારી કરી રાખી હતી! બંગલાના કંપાઉંડમાં બાગબગીચો પણ સુંદર રીતે સજાવ્યો હતો અને તેમાં ભાત ભાતનાં ફૂલના છોડ અને ગુલાબ લગાડયાં હતાં. હું ઘણી ખુશ હતી. મને થયું, હવે આપણા સુખના દિવસ આવી પહોંચ્યા!

    નવી જગ્યા હતી તેથી કે કોણ જાણે કેમ, ‘એમની’ તબિયત વચ્ચે વચ્ચે નાદુરસ્ત રહેવા લાગી. તેમને કાંઈ ને કાંઈ થતું જ રહેતું. એવામાં નરેનને સખત તાવ આવ્યો અને તાવમાં ચીસો પાડવા લાગ્યો. બેભાન અવસ્થામાં મને કહેતો હતો, “બાઈ, જુઓ, પેલો કાળો કાળો માણસ મને બોલાવે છે, અને કહે છે મારી સાથે ચાલ. એની આંખો લાલઘૂમ છે અને મોટા મોટા દાંત છે.”

    હું તો ઘણી ગભરાઈ ગઈ. મેં તેને ભગવાનનું નામ લેવાનું કહ્યું અને મેં  પોતે રામનામનો જપ શરૂ કર્યો. સતત તેના માથા પર મીઠાનાં પાણીનાં પોતાં રાખ્યા ત્યાર પછી તે થોડો શાંત થયો. તેને થોડું ઠીક લાગ્યું જ્યારે તે શુદ્ધિમાં આવ્યો, ત્યારે તેણે મને કહ્યું, “સાચે જ, બાઈ, એ માણસ મને તેની સાથે જવાનું કહેતો હતો.” ઈશ્વરે મારા પર કૃપા કરી અને નરેન સાજો થયો. ત્યાર પછી તેને એવી કોઈ મોટી માંદગી નડી નહિ.

    આ પ્રસંગ બાદ અમારા પ્રથમ ઘરની સૌથી નાની દીકરી ભાનુ અને ભત્રીજાની પુત્રી ખેડબ્રહ્મા અને ઈડર જોવા માટે અમારે ત્યાં આવ્યાં. સમીસાંજનો સમય હતો અને “તેઓ” તેમના નિયમ પ્રમાણે છાંટોપાણી કરવા બેઠા હતા. હું રસોઈ કરતી હતી  ત્યાં ભાનુ આવી. અમે થોડી વાતચીત કરી ત્યાં અચાનક મારી સામે જોઈને તેણે કહ્યું, “બાઈ, તમારા ભાલ પર કંકુ નથી. ઝટ જઈને લગાડી આવો.”

    મારા સૌભાગ્ય-ચિહ્નની બાબતમાં હું ઘણી ચોકસ હતી, તેથી હું સફાળી ઊઠી અને અરીસામાં જોવા ગઈ કે શું ખરેખર જ હું કંકુ લગાડવાનું ભૂલી ગઈ હતી કે કેમ? અરીસાની ભાજુમાં જ હું કંકાવટી રાખતી. મેં અરીસામાં ડોકિયું કર્યું તે “એમણે” જોયું, અને ટીખળમાં એવું કંઈ બોલ્યા કે મારા હૃદય પર જાણે ચીરો પડ્યોઃ “હવે અરીસામાં શું જુએ છે? તારું સૌભાગ્ય કુમકુમ તો જવા બેઠું છે.”

    મેં ગભરાઈને કહ્યું, “આવા અભદ્ર શબ્દ શા સારુ બોલતા હશો?”

    આ વાત થઈ ત્યારે જ્યેષ્ઠ મહિનો ચાલતો હતો. તે સમય તો મેં કંપતા

    મનથી જેમતેમ કરીને ગુજાર્યો, પરંતુ લગભગ છ મહિના બાદ ભગવાનને ઘીનો દીવો કર્યો, પણ અચાનક મારા હાથેથી દીવો નીચે પડી ગયો. ત્રીજા અપશુકન ત્યારે થયા જ્યારે મારા હાથેથી કંકુથી છલોછલ ભરેલી રૂપાની કંકાવટી ઊંધી પડી ગઈ. એક અગમ્ય વ્યાધિમાં મારા દિવસ ગુજરવા લાગ્યા.

    નવા બંગલામાં રહેવા ગયાને બે-અઢી મહિના થયા હતા. થોડા દિવસથી એમનું માથું અત્યંત દુખવા લાગ્યું. શિરદર્દની દવા ચાલુ કરી તેનાથી થોડા દિવસ આરામ રહ્યો, પણ ફરીથી મસ્તકમાં ભયંકર દુખાવો ઊપડ્યો. દુખાવો પણ એવો કે અસહ્ય ચસકા ઊપડતા. પણ તેમણે તેની વધુ પરવા ન કરી અને મોટા પુત્ર અને રવિનાં લગ્નની તૈયારી કરવામાં ધ્યાન પરોવવા લાગ્યા. લગ્ન માટે “એમણે” એક ડઝન શર્ટ, છ પાયજામા, બે ઉત્તમ પ્રકારના સૂટ વગેરે સિવડાવવા આપ્યાં.

    અમારા આઠ વર્ષના લગ્નજીવનમાં એમણે આટલાં બધાં કપડાં એકસાથે કદી પણ સિવડાવવા આપ્યાં ન હતાં. આમ બીજે ધ્યાન પરોવવાનો પ્રયત્ન કરવા છતાં તેમની શિરદર્દની બીમારી ઓછી થવાને બદલે વધતી જ ગઈ. તેવામાં એમના એક ખાસ મિત્રની નાની દીકરી સખત માંદી પડી ગઈ. આખી રાત તેના કપાળ પર મીઠાનાં પાણીનાં પોતાં રાખવા પડતાં હતાં. લોકો વારાફરતી તેમને ત્યાં આખી રાત બેસતા. “એમનું માથું ભયંકર દુઃખતું હતું છતાં પણ તેમણે ત્યાં આખી રાતનો ઉજાગરો કર્યો. તેમના મિત્રે કહ્યું પણ ખરું કે, “દાદા, તમારી પોતાની તબિયત સારી નથી, તો તમે ઘેર જઈને આરામ કરો. જરૂર પડશે તો તમને આવવાનું જરૂર કહીશ.” તેઓ શાના માને? તેમણે મિત્રને કહ્યું, “જુઓ, કાલે ઊઠીને મને કંઈ પણ થાય તો મારી પાસે કોણ આવશે?”

    આ વાતને આઠ જ દિવસ થયા હતા. શ્રાવણ મહિનો બેઠો હતો. એક દિવસ ઓફિસમાં એમનું માથું ઘણું દુખવા લાગ્યું. આમ પણ એમની તબિયત સારી નહોતી રહેતી તેથી તે દિવસે સવારે જ ઓફિસમાંથી એક મહિનાની રજા લઈને ઘેર આવ્યા. આવીને મને કહ્યું, “આજે મારું માથું ઘણું જ દુખે છે. મારે જમવું નથી, તો તું જમી લે. હું જરા આરામ કરું છું.” તેઓ ન જમે તો હું પણ જમતી નહિ તે તેઓ જાણતા હતા. તેથી તે દિવસે તેમણે મને પરાણે જમવા બેસાડી. હું જમવા બેઠી ત્યારે જ તેઓ સૂવાના ઓરડામાં આરામ કરવા ગયા.

    બપોરે બે વાગ્યાના સુમારે તેઓ જાગ્યા અને મને કહ્યું, “હવે મને થોડું ઠીક લાગે છે. ચાલ હું જમી લઉં.” મેં જમવાનું ગરમ કર્યું અને થાળી પીરસવા લાગી. જમતાં પહેલાં એમને થોડી બ્રાંડી પીવાની ટેવ હતી, તેથી થોડી બ્રાંડી પી અને જમ્યા.

    થોડો વખત આરામ કર્યો ત્યાં અમારા પાડોશમાં રહેતા અફસરોની સ્ત્રીઓ એમની તબિયત જોવા આવી. તેમની સાથે વાતો કર્યા બાદ બધી બહેનોએ એમને કહ્યું, “દાદા, તમારાં પત્ની ઘણી નાની ઊમરનાં છે, અને તેમનાં ખોળામાં ચાર-ચાર નાનકડાં બાળકો રમવાની વયના છે. બાઈ માટે કંઈક તો કરી રાખો!”

    તેમણે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે. મારી તો હવે ઉમર થઈ ગઈ છે તે હું જાણું છું. જરા તબિયત સારી થાય એટલે બધી વ્યવસ્થા સરખી રીતે કરવાનો છું.” થોડી વાર બાદ બધી બહેનો ઘેર ગઈ. રાતે આઠેક વાગ્યાના સુમારે એમના મસિયાઈ ભાઈ, જે વઢવાણમાં પોલીસઈન્સ્પેક્ટર હતા, તેમનો માણસ ચિઠ્ઠી લઈને આવ્યો. તેમણે લખ્યું હતું કે, “હું હિંમતનગર આવ્યો છું, તો મને મળવા આવો.” મેં તેને બારોબાર સંદેશ આપ્યો કે એમની તબિયત સારી નથી તેથી તેઓ આવી શકે તેમ નથી. બને તો તમે આવો તો સારું. થોડી વાર બાદ તેમનો માણસ પાછો આવ્યો અને તેમનો સંદેશ આપ્યો કે તેઓ “દાદાને મળવા કાલે આવશે.” કોણ જાણે કેમ પણ તેઓ મળવા આવી શક્યા નહિ.

    બીજે દિવસે મોડી સવાર સુધી એમણે મારી સાથે ઘણી વાતો કરી. ચા પીધી, પણ જમ્યા નહિ. બપોરના લગભગ દોઢ વાગ્યા હતા અને હું મારી દીકરીઓના વાળ ઓળતી હતી ત્યાં એમણે મને બોલાવીને કહ્યું, “અલી, અહીં મારી પાસે આવીને બેસ.” મેં ત્રણે દીકરીઓને મારાં ખાસ બહેનપણી મિસિસ દાતાર પાસે વાળ ઓળાવવા મોકલી. બે વાગ્યાના સુમારે વાત કરતાં કરતાં એકદમ એમને કોણ જાણે શું થઈ

    આવ્યું, બેભાન થઈને આમતેમ દોડવા લાગ્યા. મેં બૂમ પાડીને પાડોશીઓને બોલાવ્યા. આઠ-આઠ માણસો એમને ઝાલીને પથારીમાં સુવડાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેમને રોકી શકતા નહોતા. હું તો ઘણી ગભરાઈ ગઈ. હૈયું બેસી ગયું. હું તો ચોધાર આંસુએ રડવા લાગી. આજુબાજુ રહેતા બધા અફસરો દોડી આવ્યા. એમની હાલતમાં ફેર ન પડ્યો તેથી રાતે અમદાવાદ મોટા દીકરાઓને તાર કર્યો.

    આખી રાત બધા એમની પાસે બેસી રહ્યા. ત્યાં અમારી જ્ઞાતિના એંજિનિયર હતા, તેઓ અને તેમનાં પત્ની મને ધીરજ આપતાં હતાં, હિંમત રાખવા સમજાવતા હતાં, પણ મને ક્યાંથી ધીર આવે? મારા કાળજાના કટકા થતા હતા. હે ભગવાન, આ કેવું અરિષ્ટ મારા મસ્તક પર આવી પડ્યું?

    અમારા પાડોશીએ તાર કર્યો, તેમાં બંને મોટા પુત્રોને ફક્ત એટલું લખ્યું હતું કે તાત્કાલિક રીતે અહીં આવી જાવ. ત્યાં લલિતાબાઈને એવું લાગ્યું કે દીકરાઓનાં લગ્નની વાત કરવા માટે તેમને બોલાવ્યા છે, તેથી તેમણે ફક્ત મોટાને અને રવિને મોકલી આપ્યા. પોતે ન આવ્યાં. બંને ભાઈઓએ બીજે દિવસે રવિવારે આવીને જોયું તો અહીં આવી ગંભીર પરિસ્થિતિ હતી. વિધિની કરણી તો જુઓ, પુત્રોનાં લગ્ન માટે તેમણે સીવવા આપેલા સૂટ અને અન્ય કપડાં પણ તે જ વખતે તૈયાર થઈને આવ્યાં. એમને તો કશું પણ જોવા, સમજવાની શુદ્ધિ નહોતી. એમને તપાસવા ત્રણ-ત્રણ ડૉકટરો આવી ગયા, પણ તેમને કશું સમજાયું નહિ કે એમને શો વ્યાધિ હતો. એમના મગજમાં પાણી થયું હતું [મેનિન્જાઈટિસ –સંપાત્ર] તેનું નિદાન આ ડૉકટરો કરી શક્યા નહિ. તેમણે કહ્યું, “દાદાને વિષબાધા થયા જેવું લાગે છે.” હું તો હેબતાઈ ગઈ. એમને એવું કશું કરવાનું કોઈ પ્રયોજન જ ન હતું.

    અમારી બંનેની વચ્ચે ઘરમાં કોઈ પણ કારણસર કદી પણ કંકાસ થયો નહોતો. રાજકોટ છોડ્યા બાદ તો અમારા દિવસો ઘણી જ સુખશાંતિમાં વ્યતીત થતા હતા. કોણ જાણે આ ડૉકટર કેવા હતા! કેટલાય દિવસથી એમને માથામાં અસહ્ય દુખાવો થતો હતો તેનો તેમણે નિદાન કરતી વખતે વિચાર જ ન કર્યો. એક તો તેઓ યોગ્ય નિદાન ન કરી શક્યા, અને ઉપરથી તેમની આ હાલત અંગે અમારા મોટા પુત્રોએ દોષનો તમામ ટોપલો મારા માથા પર એક નિ:સહાય કમનસીબ સ્ત્રી પર ઢોળ્યો. જરા વિચાર કરો તો, શું મને મારાં ચૂડીચાંદલો અને સૌભાગ્ય વહાલાં નહોતાં? જેમના પર મારું સમગ્ર જીવન અવલંબી રહ્યું હતું, એમને હું શા માટે હાનિ પહોંચાડું? મારા જ પગ પર હું શા માટે કુહાડી મારી લઈશ? કોઈ આનો જવાબ આપી શકશે? અમારા પુત્રોએ તો મારા પર અસહ્ય શબ્દપ્રહાર કરી લીધા, અને કહ્યું, આ નાનકડા શહેરમાં એમનો ઉપચાર થઈ શકે તેમ નથી. એમને અમદાવાદ લઈ જઈએ.

    અંતે તેમણે સાંજના પાંચ વાગ્યાની ટ્રેનમાં એમને અમદાવાદ લઈ જવાનું નક્કી કર્યું. મારી પેટીને તાળું લગાવીને મેં મિસિસ દાતારને ત્યાં રાખી. એમની ઓફિસના ચાર મિત્રો, એક નોકર અને અમે બધાં અમદાવાદ જવા નીકળ્યાં, ત્યારે મારી કેવી વ્યથા, એટલું દારુણ દુઃખ થયું હશે એનું વર્ણન કરી શકાય તેમ નથી, અને કરું તો પણ કોઈને એની વિકટતાનો ખ્યાલ નહિ આવે. તે વખતે મને એવું લાગ્યું કે અમારા આખરી વિયોગનો સમય આવી પહોંચ્યો છે. મારું હૃદય વિદર્ણ થઈ ગયું. આંખમાંનાં અશ્રુ સુકાતાં નહોતાં.

    ખેર, ટ્રેન ચાલવા લાગી. તેઓ તો ચોવીસ કલાક બેહોશ હાલતમાં હતા. ટ્રેનમાં સમીસાંજે થોડી ક્ષણો માટે એમને ભાન આવ્યું. ચારે તરફ નજર નાખીને મારી તરફ જોયું અને મને જ બોલાવી. મને કહ્યું, “મને પાણી આપ.” મેં તરત એક નાના પવાલામાં પાણી ભર્યું અને એમના હોઠ સુધી લઈ ગઈ તો મને કહે,

    “અલી, મારા મોટા ટંબ્લરમાં પાણી લાવ.” એમને હંમેશાં એક રતલ પાણી રહે એવડા મોટા ગ્લાસમાં પાણી પીવાની ટેવ હતી. મેં તરત તેમાં પાણી ભરીને પિવડાવ્યું. પાણી પીધા બાદ તેઓ ફરી બેભાન થઈ ગયા. રાતે આઠ વાગ્યે અમે અમદાવાદ પહોંચ્યાં. સ્ટેશન પર પહેલેથી જ એમ્બ્યુલન્સ કાર તૈયાર રાખવાનું કહી રાખ્યું હતું તેથી એમ્બ્યુલન્સમાં બેસી અમે સૌપ્રથમ ઘેર ગયાં. અમારો ભાણેજ ડૉકટર હતો અને ઘરમાં પણ બે ડૉકટર રહેતા હતા. તેમણે બીજા બે નિષ્ણાતોને બોલાવ્યા. આ પાંચ ડૉકટરોની કમિટીએ એમને તપાસીને તરત જ નિદાન કર્યું કે એમને મેનિન્જાઈટિસ છે અને તત્કાળ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ખસેડવાનું કહ્યું. અમારા “મોટાં” પુત્ર-પુત્રીઓએ તો મને ક્યારનીયે એમ્બ્યુલન્સમાંથી ઉતારી દીધી અને મને અને મારાં બાળકોને મૂકીને હૉસ્પિટલ જતાં રહ્યાં. પણ મારાથી થોડું રહેવાય તેમ હતું? નાનાં બાળકોને નોકરને હવાલે કરી, મારાં મસિયાઈ નણંદને લઈ હું સીધી હૉસ્પિટલ પહોંચી ગઈ.

    મારો આધારસ્તંભ, મારો મોભ તૂટી પડ્યો હતો, ત્યાં છોકરાંઓની શું ચિંતા કરું?

    એમને દાખલ કરવામાં રાતના બે વાગી ગયા. મારું તો જાણે અસ્તિત્વ જ નહોતું એવું જાણી બધાંએ મને બાજુએ રાખી. આખી રાત હું બાજુએ ઊભી આંસુ સારતી હતી. કોઈએ મારા તરફ ધ્યાન આપ્યું નહિ કે ન તો મને એમની નજીક જવા દીધી. એમની સ્પેશિયલ રૂમમાં જવાની રાહ જોઈ જોઈને હું થાકી, અને વહેલી સવારે હું ઘેર ગઈ. બીજે દિવસે અમારા “મોટેરા”એ મને હૉસ્પિટલ જવાની પરવાનગી આપી ત્યારે હું ત્યાં જઈ શકી. એમની રૂમમાં જઈને જોયું તો તેઓ નિશ્ચેષ્ટ પડ્યા હતા. થોડી વારે મોટા ડૉકટર આવ્યા અને એમની બેહોશ અવસ્થામાં જ એમના મગજમાંથી સિરિંજ વતી પાણી કાઢ્યું.

    ત્રીજે દિવસે સવારે હું, મારાં માસી-સાસુમા અને અન્ય ઘણા લોકો હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેઓ ભાનમાં આવ્યા હતા. માસીબાને જોતાં જ તેઓ ઓળખી ગયા, અને તેમને પૂછ્યું, “ઓ હો, યમુનામાસી, તમે વળી ક્યારે આવ્યાં?” એમને તો ખ્યાલ હતો કે તેઓ હજી હિંમતનગર છે. આટલું બોલીને તેઓ પાછા બેહોશી તરફ વળી ગયા. આમ તેઓ થોડી થોડી વારે ભાનમાં આવતા અને પાછા બેહોશ થઈ જતા હતા. એમની આવી હાલત હતી છતાં પણ અમારાં મોટાં સંતાન મને એમની પાસે સાંજના ફક્ત અર્ધો કલાક જ બેસવા દેતાં હતાં. મને એમની સેવા પણ કરવા દીધી નહિ. એમની પત્ની તરીકેનો અધિકાર મારી પાસેથી ખૂંચવી લેવાયો હતો.

    ફરી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે ઈશ્વરે એમની વાચા છીનવી લીધી. હું તેમની પાસે ગઈ તો એકટક મારી સામે જોતા જ રહ્યા. હાથ વડે નિશાની કરી મને પૂછ્યું, “તું ક્યાં હતી? બાળકો ક્યાં છે?” ત્યાર પછી ડાબા હાથ પર જમણા હાથની આંગળી વડે લખવાની નિશાની કરી વારંવાર કાગળ-પેન્સિલ માગ્યાં. તેઓ મને શું કહેવા માગતા હતા એ તો ઈશ્વર જ જાણે. મને તો એમની પાસે એકલાં બેસવાની પણ એમનાં પુત્રો અને લલિતાબાઈએ મનાઈ કરી હતી, ત્યાં એમને કાગળપેન્સિલ ક્યાંથી આપું? વારે વારે તેઓ કાગળપેન્સિલ માગતા હતા, પણ તેમના પુત્રોએ તેમની વિનવણી તરફ જરા પણ ધ્યાન આપ્યું નહિ. તેમને ડર લાગતો હતો કે કોણ જાણે એમના પિતાજી બાઈને શું લખીને આપી જશે!

    છઠ્ઠે દિવસે સાંજે એમને મળવા હું ગઈ ત્યારે મારાં સગાં નણંદ મારી સાથે હતાં. આ વખતે પણ એમણે હાથની નિશાની વડે મને કાંઈ કહેવાનો પ્રયત્ન કર્યો.  ત્યાર પછી મારા મંગળસૂત્ર પર હાથ મૂકીને નિશાની કરી કે, “આ હવે જઈ રહ્યું છે.” મારા કંકુ તરફ આંગળી કરીને નિશાની કરી કે, “તારું સૌભાગ્ય કુમકુમ પણ હવે ભૂંસાઈ રહ્યું છે.” એમને ખબર પડી ગઈ હતી કે તેઓ હવે પ્રભુને ધામ જઈ રહ્યા છે. અમારાં મોટાંઓએ તો નરેનને પણ એમની પાસે ફક્ત એક જ વાર જવા દીધો હતો. હૉસ્પિટલમાં આવતી સ્ત્રીઓ પણ કહેવા લાગી, “કેવા લોકો છે, આ? આવા સમયે પણ પત્નીને પોતાના પતિ પાસે રહેવા નથી દેતા?” મારું તો કાળજું ચૂર ચૂર થઈ રહ્યું હતું. મારા હૃદય પર શી વીતતી હશે તેનો કોઈને ખ્યાલ નહિ આવતો હોય?

    સાતમા દિવસે એમની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેમને ઓક્સિજન પર રાખવા પડ્યા. એમનાં મોટાં છોકરાંઓ મને તો એમના શરીરને પણ સ્પર્શ કરવા દેતાં નહોતાં. એમણે જીવતેજીવ મારો એમની સાથેના સંપર્કનો વિચ્છેદ કરી નાખ્યો. રવિવારે બપોરે બે વાગ્યે તેઓ ફરી ભાનમાં આવ્યા અને ત્યાં હાજર હતા તેમને બધાંને પૂછવા લાગ્યા, “બાઈ ક્યાં છે? નરેન ક્યાં છે?” કોઈએ જવાબ ન આપ્યો અને તેમની આંખમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યાં. (આ વાત મને ઘણા દિવસ બાદ જાણવા મળી). એમની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી એની મને ખબર પડી ગઈ હતી, પણ એમની અંતિમ રાત્રિએ મને એમની પાસે રહેવા ન દીધી. મને બધાંએ ઘેર મોકલી દીધી.

    સોમવારે, એકાદશીને દિવસે પરોઢિયે પાંચ વાગ્યે મને દુખના સાગરમાં છોડી તેઓ સ્વર્ગે ગયા. તેમણે પ્રાણ ત્યાગ કર્યો એની મને ખબર પડવા દીધી નહિ. એમના અંતિમ શ્વાસ વખતે મને એમની પાસે રહેવા દીધી નહિ. સવારે છ વાગ્યે એમના દીકરાઓએ મને હૉસ્પિટલ લઈ જવા કોઈકને અમારે ઘેર મોકલ્યા. આ માણસે પણ મને કહ્યું નહિ કે તેઓ તો ક્યારના ચિરવિદાય લઈ ચૂક્યા હતા. હૉસ્પિટલમાં પહોંચીને જોઉં છું તો એમના પાર્થિવ દેહને એમની રૂમની બહાર કાઢીને સ્મશાનયાત્રા માટે તૈયાર કરી રાખ્યા હતા. મને તો તેમનું અંત્ય દર્શન પણ કરવા દીધું નહિ. એમની નનામી જોઈને હું બેભાન થઈને પડી ગઈ. મારું શિરછત્ર ભગવાને છીનવી લીધું હતું. એક પહાડ જેવડું દુઃખ કેવળ ત્રીસ વર્ષની વયે આ અભાગણીના કર્મમાં આવી પડયું હતું. મારા શિર પર આકાશ તૂટી પડયું હતું. એમના આધારને કારણે મને કદી પણ કોઈ વાતની અછત, ઊણપ, દુખ કે વ્યથા ભાસ્યાં નહોતાં. એમની સેવામાં મેં મારી અંગત હોંશ, ગમો-અણગમો, વ્યક્તિગત પસંદગી બધું જ બાજુએ રાખ્યું હતું. એમની છત્રછાયા નીચે સારા, નરસા – બધા પ્રસંગોને મેં મધુર પ્રસાદ તરીકે સ્વીકારી લીધા હતા. હાય રે દૈવ! મારા વિધાતાએ મારાં બાળકોને અનાથ કરી નાખ્યાં. આ દુર્દેવી સ્ત્રીના નસીબમાં આવડું મોટું દુ:ખ નાખીને એ તો ચાલ્યા ગયા. હવે પછીના મારા દિવસો કેમ કરીને કાઢીશ? લગ્નજીવનના દસમા વર્ષમાં મેં હજી હમણાં જ પ્રવેશ કર્યો હતો. હવે મારું અને મારાં બાળકોનું શું થશે અને કેવી રીતે અમારા દિવસો ગુજરશે એની ચિંતામાં મને દિવસમાં પાંચ પાંચ વાર બેહોશીની “ફિટ” આવવા લાગી. નરેન ફક્ત નવ વર્ષનો હતો અને મારા પિયરનો મને કશો જ આધાર નહોતો. મારાં કાકીની પરિસ્થિતિ પણ સારી ન હતી. એમની મોટી દીકરી નલિની શિક્ષિકા થઈ હતી અને તેમના પરિવારનું ભરણપોષણ એ જ કરતી હતી. અમારો ભાઈ – કાકીનો એક માત્ર પુત્ર – કેવળ તેર વર્ષનો હતો, તેથી તેમના તરફથી કશા પણ આધારની મને અપેક્ષા ન હતી. મારી પાસે લગ્નમાં મળેલા ઘરેણાં અને એમની ગ્રેચ્યુઇટીની થોડીઘણી રકમ હતી.

    એમના સ્વર્ગવાસના ત્રીજા દિવસે અમારા મોટા દીકરાઓ અને લલિતાબાઈએ હિંમતનગરથી મારી ટૂંક મંગાવી લીધી અને તે ખોલી, તેમાંના બધા કાગળ-પત્ર, દસ્તાવેજ વગેરે હસ્તગત કરી લીધાં. હું એવી શોકમગ્ન હતી કે તેમના આ કૃત્ય સામે હું એક અક્ષર પણ બોલી શકી નહિ. આવી હાલતમાં મને આધાર આપનારું કોઈ નહોતું. મારા કોઈ હિતૈષીએ વડોદરા રહેતાં મારાં બાઈજીમાસીને અને કાકીને મારા વૈધવ્યની જાણ કરતો પત્ર લખ્યો હતો, તેથી પત્ર મળતાં જ ચોથે દિવસે તેઓ આવી પહોંચ્યાં ત્યારે મને મારાં પોતાનાં કહી શકાય તેવા આપ્તજનની સાંત્વના મળી. મારી હાલત અસહાયતાની પરાકાષ્ઠાએ પહોંચી હતી. એક તો મારાં બાળકો નાનાં હતાં અને પિયરનો કશો આધાર નહોતો. પિયરના મારા એકમાત્ર આધાર મારા યેસુબાબા હતા, એમને તો પરમાત્માએ ક્યારના અમારી પાસેથી ઝૂંટવી લીધા હતા. હું એવી તો ગભરાયેલી હતી, અને મારા હૃદય પર એવો ધ્રાસકો પડ્યો હતો કે મારી આસપાસ શું થઈ રહ્યું છે એનો મને ખ્યાલ જ નહોતો. એમના બારમા અને તેરમા દિવસના ધાર્મિક વિધિ મારા દિયરે પૂરા કર્યા.

    પંદરમે દિવસે બધા વિધિ પતી ગયા અને શોક પ્રદર્શિત કરવા આવેલા આપ્તજનો ગયા કે તરત અમારાં મોટાં ચિરંજીવી લલિતાબાઈએ પોતે આગેવાની લઈ, અમારા પરિવારની કોઈ પણ જ્યેષ્ઠ વ્યક્તિને મધ્યસ્થ તરીકે બોલાવ્યા વગર ઘરમાંની બધી કીમતી વસ્તુઓ, મારી સાસુમાનાં ઘરેણાં, ચાંદીનાં વાસણો – જે કેટલાંય કિલોગ્રામ વજનનાં હતાં – આપસમાં એટલે પોતાના સગા ત્રણ ભાઈઓ, પોતે અને ભાનુ વચ્ચે વહેંચી લીધાં. સાસુમાનાં ઘરેણાં અને જર-જવાહરમાંથી મને કશું મળ્યું નહિ. મારો તો આધારસ્તંભ જ તૂટી પડ્યો હતો તેનો શોક કરવાનું છોડી આવી ક્ષુલ્લક ભાંજગડમાં મને પડવું નહોતું. મને કોઈનું કાંઈ જોઈતું નહોતું.

    લલિતાબાઈએ મારી પાસે મને લગ્નમાં મળેલાં ઘરેણાં રહેવા દીધાં, અને થોડી ચાંદીની વસ્તુઓ આપી. મારું સર્વસ્વ તો “એ” હતા – જેમને ઈશ્વરે લઈ લઈ લીધા હતા. લગ્નજીવનનાં માત્ર દસ વર્ષ પૂરાં થયાં ત્યાં તો પરમાત્માએ મારા જીવનમાં રાખથી રંગોળી ભરી. આમ જોવા જઈએ તો એમનું શરીર સુદૃઢ હતું. એમને જોઈને કોઈ પણ ન કહી શકે કે તેઓ આટલાં બધાં સંતાનોના પિતા હતા. એમનું જવું તેને તો મારા દુર્દેવી નસીબનો જ દોષ માનવો રહ્યો. એક સ્ત્રી માટે વૈધવ્ય કરતાં બીજું મોટું દુઃખ કયું હોઈ શકે?


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • મહેન્દ્ર શાહનાં મે ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s creations for May 2025

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૧૦૬. મધુકર બિહારી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર મધુકર બિહારી વિષે રસપ્રદ હકીકત એ કે એમણે માત્ર એક જ ફિલ્મ ‘ વિદ્યાર્થી ‘ માં સાત ગીત લખ્યા. એ ફિલ્મની કથા – પટકથા – સંવાદ એમણે જ લખ્યા અને નાયક તરીકેનું પાત્ર પણ એમણે જ નિભાવ્યું !

    એ ફિલ્મની આ જાણીતી ગઝલ એ એમની એકમાત્ર ગઝલ –

    ઉન્હેં મંઝિલ નહીં મિલતી જો કિસ્મત કે સહારે હૈં
    હૈ ઉનકી ઝિંદગી ભી મૌત જો હિમ્મત કો હારે હૈં

    ભલે તૂફાન ટકરાએં તેરી કિસ્મત કી લહરોં સે
    જિન્હેં ખુદ પર ભરોસા હૈ વો હરદમ હી કિનારે હૈં

    જો દેકર ઝિંદગી જીતે ઉન્હેં ક્યા મૌત કા ડર હૈ
    જો બુઝ કર રૌશની કરતે વહી રૌશન સિતારે હૈં

    નહીં મુશ્કિલ હૈ કુછ દુનિયા મેં ગર ઈંસાન ચાહે તો
    ફલક ચૂમે કદમ આ કર જો કુદરત કે નઝારે હૈં..

    – ફિલ્મ : વિદ્યાર્થી ૧૯૬૬
    – મોહમ્મદ રફી
    – બાબુ સિંગ


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ખેલકૂદ, જીવન અને નેતૃત્વ – રમતમાંથી નીપજતા કેટલાક બોધપાઠો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

     

    સામાન્યપણે ટેબલ ટેનિસ રમતી વખતે હું ધડાધડ સ્મેક્સ મારવાનું વધુ પસંદ કરૂં છું. પરંતુ આજની ખાસ રમતમાં, મારો હરીફ રક્ષણાત્મક રીતે રમી રહ્યો હતો.  પહેલી થોડી વાર મેં બોલને સ્મૅક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેં પોઈન્ટ ગુમાવ્યા.

    આ જોઈને મારા ડબલ્સ પાર્ટનરે આવીને મારા કાનમાં કહ્યું, “સામેવાળાની રમત મુજબ તમારી રમતમાં પ્રતિભાવ આપો. ફક્ત તમારી શૈલીથી જ ન રમ્યે રાખો, પરંતુ સામેવાળા જે રીતે રમી રહ્યા છે તેના અનુસાર અનુકૂલન સાધો.

    જ્યારે મેં અનુકૂલન સાધ્યું, ત્યારે મારી રમત સ્થિર થઈ અને તેનાથી અમારા હરીફો પર થોડું દબાણ વધ્યું. હું શીખ્યો કે અનુકૂલનક્ષમતા અને સાંદર્ભિક ગોઠવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે – પછી  તે કુટુંબ હોય, કામ હોય કે ભલેને કોઈ રમત હોય!

    મેં મારા પાર્ટનરની સલાહ પર કામ કર્યું અને ફક્ત એક સરળ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું: બોલને સતત નેટની બીજી બાજુ પાસ કરો. જે કામ સરળ, સીધોસાદો શૉટ કરી શકે છે ત્યારે કોઈ જોખમી, આક્રમક શૉટનો ઉપયોગ શા સારૂ કરવો?

    અમારા હરીફોએ મારી લયને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરીને થોડા પોઈન્ટ ગુમાવ્યા. મને સમજાયું કે લાંબા સમય સુધી સતત સરળ વસ્તુઓ કરવી, અને દરેક વખતે પ્રસંગવશાત સ્વયંસ્ફુરણાથી નાના કરેલા સુધારાઓ, ક્યારેક અચાનક કંઈક તીવ્ર કે આક્રમક વા કરતાં વધુ કામયાબ અને વધુ શક્તિશાળી બની શકે છે.

    તે પછીની એક બીજી સિંગલ્સની રમતમાં, મારો હરીફ બેચેન હતો. ટેક્નિકલી સારો ખેલાડી હોવાને કારણે, તે પોતાની રમતને ખૂબ ગંભીરતાથી લેતો હતો. તે આખો દિવસ પ્રેક્ટિસ કરતો રહેતો, ખોટો શૉટ રમાઇ જાય તો પોતાની મુઠ્ઠીઓ કચકચાવીને પોતાના પર જ ગુસ્સો કાઢતો. તેની સખત પ્રેક્ટિસ પાછળનું તેનું પ્રેરક બળ નિષ્ફળતાનો કાલ્પનિક ડર હતો; જેના કારણે તે તેની રમતનો ખરો આનંદ માણી શકતો ન હતો. રમત શરૂ થતાં સુધીમાં તો તે થાકી ગયો હતો!

    જ્યારે તમારો અભ્યાસ પરિપક્વ થાય છે, ત્યારે તે તમને વધુ ચિંતા નહીં કરાવે, પણ વધુ શાંત થવામાં મદદ કરશે!


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ખરી સમસ્યા બહારની દુનિયામાં નહીં પણ આપણી અંદર જ રહેલી છે

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    હાઈવે પરનો પેલો ફળ વેંચનારો યાદ છે? – વ્યાપાર ઉદ્યોગમાં માન્યતાની શક્તિ વિશે વાત કરતાં કરતાં મેં તુષારને પૂછ્યું.

    એ ફળ વેંચનારો અભણ હતો પણ કૃતનિશ્ચયી હતો. આખો દિવસ તે પોતાનાં ફળો વેંચવા માટે મહેનત કરતો રહેતો.  નવા નવા નુસ્ખા પનાવીને ગ્રાહકોને ખરીદવા માટે આકર્ષતો રહેતો. એનો વેપાર ધમધોકાર ચાલતો હતો. જેટલું વેચાણ થાય તેમાંથી બીજા દિવસ માટે વધારે સારાં અને વધારે વૈવિધ્યનાં ફળો લાવતો. પરિણામે, એનો ધંધો વધારે સારી રીતે ચાલતો હતો.

    એક દિવસ શહેરમાં ભણેલો દિકરો આવ્યો. દીકરા પાસે દેશની આર્થિક સ્થિતિનું જ્ઞાન છલકાતું હતું. તેણે પોતાના બાપને ચેતવ્યો, ‘બાપા, આર્થિક પરિસ્થિતિ ઘણી વિકટ ચાલી રહી છે. આવનારો સમય બહુ કપરો નીવડી શકે છે.

    ફળ વેંચનારને પણ ચિંતા પેઠી. હવે તે ઓછાં, અને સસ્તાં ફળો લાવવા લાગ્યો. તેનું વેચાણ તો ત્યારથી વધારે ને વધારે ગગડવા લાગ્યું.

    ‘મારો દીકરો સાચું કહેતો હતો’, તે હવે બબડતો રહેતો. ‘સમય ખરેખર બહુ ખરાબ આવ્યો છે.

    પરંતુ હકીકત એ હતી કે, આર્થિક પરિસ્થિતિ નહીં, પણ તેની બદલાયેલી માનસિકતાને કારણે તેનો વેપાર બેસી ગયો હતો. જેવો તે મંદીમાં માનવા લાગ્યો તેવી જ મંદી વાસ્તવિકતા બની તેની સામે આવી ગઈ.

    → ખરી સમસ્યા બહાર નથી, પણ આપણી અંદર રહેલી માનસિકતા છે, જે આપણા પ્રયાસોના પરિણામોને ઘડે છે.

    પાદ નોંધ : ઘણી વાર બાહ્ય પરિબળો કરતાં આપણી માન્યતાઓને આપણું નસીબ સોંપી દેવામાં ખરી સમસ્યા રહેલી હોય છે.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પ્રહલાદ ચુન્નીલાલ ( પી. સી.) વૈદ્ય: એક ગણિત યોગી

    થોડાં વર્ષો પહેલાં વેબ ગુર્જરીએ પ્રોફેસર જયંત નારળીકરને વિનંતિ કરી હતી કે તેમનો ગુજરાતના અગ્રગણ્ય ગણિતશાસ્ત્રી પ્રોફેસર પી સી (પ્રહ્‍લાદ ચુનીલાલ) વૈદ્ય પરનો તેમનો લેખ પ્રકાશન અર્થે આપે.

    નારળીકર સાહેબે એકદમ સરળ હિંદીમાં એ લેખ લખી આપ્યો. એટલું જ નહીં, પણ એ લેખની સાથે એક નોંધ પણ લખી કે મને ગુજરાતી આવડતું નથી એટલે આ લેખનો તમારે અનુવાદ કરવો પડશે.

    કેટલી સરળતા અને નમ્રતા.

    આટલી જ સરળતા અને નમ્રતા આ લેખમાંનાં બન્ને મુખ્ય પાત્રોમાં પણ સહજપણે અનુભવી શકાય છે.

    વેબ ગુર્જરીની સાઈટ ક્રેશ થઈ ગઈ એટલે એ લેખ તો ઉડી ગયો. તેથી, પ્રોફેસર જયંત નારળીકરની યાદને તાજી કરવાની સાથે પ્રોફેસર પી સી (પ્રહ્‍લાદ ચુનીલાલ) વૈદ્ય પરનો તેમનો લેખ આજે પ્રકાશિત કરીએ છીએ.

    આ લેખમાં જે ‘નાર્લીકર સાહેબ’નો ઉલ્લેખ છે તે શ્રી જયંત નારળીકરના પિતાશ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકર છે.


    જયંત નાર્લીકર
    આયુકા, પુણે

    મારા બાળપણની એક યાદ! હું  કદાચ પ્રાથમિક શાળામાં હોઈશ. મારા પિતા એક પત્ર લઈને આવ્યા અને મારી માતાને કહ્યુંઃ “સાંભળો! વૈદ્ય સાહેબ આવવાના છે… આપણા સેમિનારમાં વ્યાખ્યાન આપશે.”

    “એકલા આવે છે કે કુટુંબ સાથે?” માએ પૂછ્યુ

    “એકલા! એમની દીકરીઓ હજી સ્કૂલમાં છે.” પિતાનો ખુલાસો સાંભળીને મા થોડી નિરાશ થઈ ગઈ.

    ૧૯૪૦-૫૦નો એ જમાનો હતો. બ્રિટિશ રાજ તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું.  એક બાજુ, સત્યાગ્રહ, હડતાળ, રમખાણો વગેરે ચાલ્યા કરતાં તો બીજી બાજુ, દેશની યુનિવર્સિટીઓ, કૉલેજો અને શાળાઓ પોતાની તમામ  ક્ષમતાઓ સાથે શિક્ષણની ફરજો બજાવવામાં લાગી હતી. મારા પિતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા. તે સમયના રિવાજ મુજબ, બનારસની બહારથી કોઈ કામ (લેક્ચર, પરીક્ષા, સેમિનાર, વગેરે) માટે યુનિવર્સિટીમાં આવતા પ્રોફેસરો તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા  માટે ગેસ્ટ હાઉસ પસંદ ન કરતા પણ  પોતાના ઓળખીતા એવા શિક્ષક કે પ્રોફેસર ઉપર  છોડી દેતા.

    એટલે મેં ધાર્યું હતું કે મુલાકાતી મહેમાન, વૈદ્ય સાહેબ, બહારથી આવતા બીજા પ્રોફેસરોની જેમ કોટ-પેન્ટવાળા હશે. પણ જ્યારે સ્ટેશનેથી આવ્યા અને ટાંગામાંથી ઊતર્યા  ત્યારે મને નવાઈ લાગી કે આ મુસાફરે તો  ઝબ્બો-પાયજામો પહેર્યાં હતાં અને વળી માથે ગાંધી ટોપી!  મારા ચહેરા પર અચંબો માએ જોઈ લીધો હોય તેમ મને કહ્યું “દીકરા, આ પ્રોફેસર વૈદ્યસાહેબ છે.”

    xxxx

    તેમનો સાદો પહેરવેશ – ખાદીનો ઝબ્બો-પાયજામો ગાંધી ટોપી – જોઈને ખ્યાલ ન આવે કે એમના વિચારો કેવા  ઉચ્ચ વિચારો હતા. જો તેમના વિચારોને જ માત્ર ધ્યાનમાં લઈએ તો વૈદ્યસાહેબ અંદર અને બહાર બંને રીતે શિક્ષક હતા, અને તે પણ ફક્ત કોઈ યુનિવર્સિટીના જ નહીં, પરંતુ પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચતમ સંશોધનના વિષયો સુધીના!

    શિક્ષકો તો અનેક પ્રકારના હોય છે. એક બાજુથી તમને એવા શિક્ષકો મળશે જે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનના પ્રકાશથી આંજી દે છે. પરંતુ એ ઝળહળતું જ્ઞાન વિદ્યાર્થીની શંકાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જાય છે. બીજી બાજુ,  એવા પણ શિક્ષકો હોય છે જેમની ભણાવવાની રીત જ એવી અઘરી હોય છે કે વિદ્યાર્થીઓ દુઃખી થઈને કહે છે: આના કરતાં તો ચોપડીઓ સારી છે, તો પછી આવા શિક્ષકનો શું ફાયદો?

    પરંતુ વિદ્યાર્થીઓને પોતાની રીતે વિચારવાની ટેવ પાડતા હોય, એવા શિક્ષકો બહુ ઓછા હોય છે. સમસ્યા ભૂમિતિને લગતી હોય, તો આવા શિક્ષક વિદ્યાર્થીઓને એવા પ્રમેયો વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરશે જે સમસ્યાના ઉકેલમાં મદદ કરી શકે. એક સારા શિક્ષકની ખાસિયત એ છે કે ઉપરોક્ત પ્રશ્ન ઉકેલ્યા પછી, વિદ્યાર્થી કહેશે: “મેં ઉકેલ્યો!” પીસી વૈદ્ય  એવા જ મહાન શિક્ષક હતા.

    હું તેમને મળ્યો ત્યારે એમણે મને શું કહ્યું તે તો યાદ નથી પણ મને તેની સાથે વાત કરવામાં કોઈ ખચકાટ નહોતો. પાછળથી ખબર પડી કે આ સજ્જન બ્લેકબોર્ડ પર સૌથી અઘરામાં અઘરા પ્રશ્નો પણ ઉકેલી શકે છે. તે સમયે, મને ન તો ખ્યાલ હતો કે ‘સૌથી અઘરો’ પ્રશ્ન શું હોય અને તેને કેવી રીતે ઉકેલવો તેની મને તો કંઈ ગતાગમ નહોતી.

    xxxx

    પ્રહલાદ ચુન્નીલાલ વૈદ્ય એવા હતા જેમને કારણે કબીરદાસનો દોહો સાર્થક થયો.

    गुरु गोविंद दोनों खड़े, काके लागू पाँय ।
    बलिहारी गुरु आपने गोविंद दियो बताय ||

    અહીં ‘ગોવિંદ’ નો અર્થ ગણિતની સમસ્યા હલ કરવાની યુક્તિ માનો!

    વૈદ્ય સાહેબની એક પહેલ એટ્લે ગુજરાત ગણિત બોર્ડ! વૈદ્ય સાહેબે ગણિતના શિક્ષકોને મદદ કરવા માટે આ સંસ્થા સ્થાપી. ગણિતના શિક્ષકોની સમસ્યાઓ ઉકેલવામાં શિક્ષકોને મદદ કરવા માટે વ્યાખ્યાનો, કાર્યશાળાઓ, ચર્ચાસત્રો વગેરે  યોજવાનો સંસ્થાનો ઉદ્દેશ હતો.  એમણે કલ્પનાશક્તિને જીવંત રાખવા માટે એક સામયિક પણ શરૂ કર્યું.  ‘સુગણિતમ્’ નામનું આ મેગેઝિન ગણિતના શિક્ષકોને મદદરૂપ લેખો પ્રકાશિત કરે છે.

    ઘણી વાર હું વૈદ્ય સાહેબ સાથે શિક્ષકોની બેઠકમાં જતો. એ વખતે મને ખ્યાલ આવ્યો કે લોકો આ સરળ વ્યક્તિને કેટલું માન આપે છે. મને લાગે છે કે તે બધા શિક્ષકો જાણતા હતા કે આ માણસ, ભલે તે સરળ દેખાય પણ શિસ્તનું મૂર્ત સ્વરૂપ હતો. તેઓ એ પણ જાણતા હતા કે જો પોતે જાતે પ્રયાસ કર્યા પછી પણ કોઈ પ્રશ્ન ઉકેલી નહીં શકે તો આ ‘શિક્ષકોના શિક્ષક’ એનો ઉકેલ શોધી આપશે, ખાલી બેઠા રહેશું અને કંઈ નહીં કરીએ તો પ્રશ્ન ઉકેલાશે નહીં.

    xxxx

    મને યાદ છે કે એક વાર  હું અને મારો નાનો ભાઈ અનંત મારા પિતાના અજમેરવાળા ઘરેથી મુંબઈ ગયા હતા. અજમેરથી અમદાવાદ થઈને મુંબઈ જવાનું હતું. આ રૂટ પર અમારે સવારથી સાંજ સુધી અમદાવાદમાં એક દિવસ વિતાવવાનો હતો. એટલે પિતાએ  એમને પૂછ્યું. વૈદ્ય સાહેબે તેનો તરત જ જવાબ લખ્યો: “જયંત અને અનંતને કહો કે મારે ઘરે આવે, અહીં જ જમે અને આરામ કરે.”

    અમે તે દિવસ એક સાદા કુટુંબમાં આરામથી ગાળ્યો. ટેન અમદાવાદ પહોંચી તો જોયું કે વૈદ્યસાહેબ પોતે જ અમને લેવા આવ્યા હતા.  ઘરમાં અમને કુટુંબના સભ્ય જેવો જ વ્યવહાર મળ્યો. મને હજુ પણ યાદ છે કે  અમે રસોડામાં બેસીને જમ્યા હતા. વૈદ્યસાહેબનાં પત્ની પાકકલામાં કેવાં પારંગત તે પણ યાદ છે.

    અમારી આગળની મુસાફરી ગુજરાત મેઇલ દ્વારા હતી. વૈદ્ય સાહેબે કહ્યું, “ચિંતા ન કરો. તમારા બંનેનું રિઝર્વેશન છે. ટ્રેન સમયસર પ્લેટફોર્મ પર આવશે. રિક્ષાથી સ્ટેશને પહોંચવા માટે તો અડધો કલાક ઘણો છે.” તેમના આશ્વાસન છતાં, મને ચિતા હતી કે. વૈદ્ય સાહેબ ભલે કુશળ ગણિતશાસ્ત્રી હોય, પણ શું તેમનું ગણિત રેલવેને પણ લાગુ પડશે?

    સમય જતાં, મને આ પ્રશ્નનો જવાબ મળી ગયો. રિક્ષાઓ સમયસર આવી. સમયસર રેલ્વે સ્ટેશન પહોંચ્યા. ગુજરાત મેઇલ સમયસર પ્લેટફોર્મ પર આવી. અમારી બર્થ પણ સમયસર મળી ગઈ. અને જ્યારે ટ્રેન સમયસર રવાના થવા લાગી, ત્યારે અમને  આશીર્વાદ આપતા વૈદ્ય સાહેબના શાંત ચહેરા પર એક સૂક્ષ્મ સ્મિત દેખાયું. જાણે કહેતા ન હોય: “જુઓ! મારું રેલવેનું ગણિત પણ સાચું પડ્યું ને?”

    xxxx

    ભલે હું વૈદ્ય સાહેબને બાળપણથી ઓળખતો હતો, છતાં તેમના સંશોધન કાર્યનું મહત્વ મને ધીમે ધીમે સમજાયું. ખગોળશાસ્ત્રમાં આપણને બ્રહ્માંડમાં પ્રકાશસ્રોતોનાં કેટલાંયે ઉદાહરણો મળે છે. આઈન્સ્ટાઈનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે જો આવા સ્રોત બહુ ઘણી ઊર્જા છોડતા ન હોય અને કોઈ ધરીની ચારે બાજુ ભ્રમણ ન કરતા હોય તો એ ગોળાકાર હોય છે. આવા ગોળાકાર પદાર્થનું ગણિત શ્વાર્ત્ઝ્ચાઇલ્ડે બહુ વિસ્તારથી વિકસાવ્યું હતું.

    પરંતુ એનાથી આગળ, જે પ્રકાશ સ્રોત તીવ્ર ઉર્જા ઉત્સર્જિત કરતા હોય તેનું ગણિત શું હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ મળવામાં ૨૫-૩૦ વર્ષ લાગી ગયાં.

    ૧૯૪૦ ની આસપાસ, મુંબઈના એક વિદ્યાર્થીને સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો, સમજવાનો અને તેમાં સંશોધન કરવાનો વિચાર આવ્યો. પરંતુ આ્ના માટે તેમને એક માર્ગદર્શકની જરૂર હતી જે પોતે આ સિદ્ધાંતને સમજતો હોય. આવા જ એક સજ્જને બોમ્બે યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું. તેમને સાંભળતાંની સાથે જ વિદ્યાર્થીને લાગ્યું કે તેની  યોગ્ય ગુરુની શોધ પૂરી થઈ ગઈ છે.

    પીસી વૈદ્ય નામના તે વિદ્યાર્થીનો પરિચય બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં ગણિતના પ્રોફેસર વિષ્ણુ વાસુદેવ નાર્લીકર સાથે થયો. વૈદ્ય સાહેબે પૂછ્યું, “શું તમે મને આ ક્ષેત્રમાં માર્ગદર્શન આપશો?”

    વિદ્યાર્થીનો રેકોર્ડ સારો હતો અને આ ક્ષેત્રમાં સંશોધન કરવાની માનસિક ક્ષમતા પણ હતી. પણ નાર્લીકર સાહેબ જાણવા માંગતા હતા કે તેઓ પોતાનું, પોતાની પત્નીનું અને પોતાની નાની દીકરીનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે?

    “મેં મારી પાછલી નોકરીઓમાંથી થોડા પૈસા બચાવ્યા છે. મને લાગે છે કે એ રકમ એક વર્ષ સુધી ચાલી જશે.” વૈદ્યસાહેબને વિશ્વાસ હતો કે તેમનું ગણિત સાચું નીકળશે. તેમને એવો પણ વિશ્વાસ હતો કે તેમના સંશોધન કાર્ય માટે એક વર્ષ પૂરતું હશે.

    આ રીતે, વૈદ્યસાહેબે બનારસમાં એક વર્ષ માટે ભાડાના મકાનમાં રહેવાની વ્યવસ્થા કરીને પોતાનું સંશોધન કાર્ય શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ વ્યાપક સાપેક્ષતા દ્વારા ઊર્જા વિસર્જન કરનારા સ્રોતોનું વિશ્લેષણ કરવાનો હતો.

    સંશોધન આપણને નવા અને અજાણ્યા માર્ગો પર લઈ જાય છે. ગુરુ-શિષ્યની જોડી ઉત્સાહથી આ માર્ગો પર ફરવા લાગી. એક દિવસ એવો આવ્યો જ્યારે વૈદ્ય સાહેબ તેમના શિક્ષક પાસેથી પોતાનું ગણિત ચકાસવા માંગતા હતા. ગુરુએ કહ્યું, “ટેબલ પર રાખો, હું આજે જ જોઈ લઈશ.”

    વૈદ્યસાહેબ કેટલાંક કામો પૂરાં કરવા બહાર નીકળ્યા. પ્રશ્ન ૭૫ ટકા ઉકેલાઈ ગયો હતો. જો અહીં સુધીનું બધું ગણિત સાચું હોય તો પ્રશ્નનો બાકીનો ભાગ બે-ત્રણ દિવસમાં ઉકેલી શકાય તેમ હતું. પણ જો અત્યાર સુધીની ગણતરી ખોટી ન હોય તો!

    જ્યારે વૈદ્યસાહેબ પાછા ફર્યા, ત્યારે ગુરુએ કહ્યું, “બધું બરાબર છે. હવે બાકીનો ભાગ પણ પૂરો કરો!”

    હકીકતમાં ગુરુના અનુભવી જ્ઞાને તેમને પ્રશ્નનો બાકીનો ભાગ પૂરો કરવા માટે આહ્વાન કર્યું, પરંતુ તેમણે તેને હાથ ન લગાડ્યો. આ પ્રશ્ન તેમના વિદ્યાર્થીનો છે… તેણે એનો ઉકેલ શોધવો જોઈએ.

    વૈદ્યસાહેબે સમયસર આખી સમસ્યાનો ઉકેલ લાવી દીધો અને ખૂબ જ આનંદથી ગુરુ સમક્ષ રજૂ કર્યો.

    તે વાંચ્યા પછી, નાર્લીકરસાહેબે કહ્યું, “ખૂબ સરસ. હવે તેને સંશોધન પત્ર તરીકે લખો. આપણે તેને એક સારા રીસર્ચ જર્નલમાં મોકલાવશું.”

    જ્યારે વૈદ્ય સાહેબ લેખિત થીસીસ લાવ્યા, ત્યારે ગુરુજીએ એક ભાગ કાપી નાખ્યો… વૈદ્ય સાહેબે થીસીસ લેખકનાં નામ વી.વી.નાર્લીકર અને પી.સી. વૈદ્ય લખેલાં હતાં પણ નાર્લીકર સાહેબે પોતાનું નામ છેકી નાખ્યું અને ફક્ત “પી. સી. વૈદ્ય” રહેવા દીધું!

    સામાન્ય રીતે તો,  ઘણા ગુરુઓ તેમના શિષ્યોનાં નામ સાથે પોતાનાં નામ ઉમેરતા અને તેમના શિષ્યોની મહેનતનો ગેરલાભ લેતા. આ સ્થિતિમાં, નાર્લીકર સાહેબની આ રીત અનોખી હતી. મોટા ભાગનું કામ વૈદ્યે કર્યું હોય, તો તેનો યશ પણ વૈદ્યને જ મળવો જોઈએ.

    xxxx

    ઉપસંહાર તરીકે  એ કહેવું યોગ્ય છે કે આ કાર્ય માટે નાર્લીકરજીનું માર્ગદર્શન જરૂરી હતું, છતાં આ સંશોધનનો બધો યશ વૈદ્યસાહેબને જ મળે તે યોગ્ય હતું. આ બહુ અગત્યની વાત છે, કારણ કે ૧૯૬૫-૭૦ દરમિયાન ઊર્જાના વિસર્જન કરનારા સ્રોતોનો પ્રશ્ન બહુ પ્રચલિત થયો. કારણ તે સમયે ખગોળશાસ્ત્રીય અવલોકનોમાં આવા મોટા, ગાઢ, તેજસ્વી ઉર્જા સ્રોતો મળવા લાગ્યા. અને આજે પણ વૈદ્યસાહેબની શોધને Vaidya Metrics (વૈદ્યનો જવાબ) તરીકે  ઓળખીને સન્માન આપે છે.


    મૂળ હિંદીમાં લખાયેલા લેખનો અનુવાદઃ દિપક ધોળકિયા