-
એમની મુઠ્ઠીમાં આપણું ભાવિ છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
બદલાતી જતી ખાનપાનની આદતો માનવના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી રહી છે, તેમ આ આહારને લઈને પર્યાવરણ પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે. આમ વાંચીને પહેલી નજરે એમ લાગે કે આવું શી રીતે બને? આંકડા અને અહેવાલ જોતાં તેની ભયાનકતા સમજાય.
બિનઆલ્કોહોલિક પીણાં બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની કોકા કોલાનું ઉદાહરણ આ સમજવા માટે પૂરતું રહેશે. એક અહેવાલ અનુસાર ઈ.સ. ૨૦૩૦ સુધીમાં આ કંપની દ્વારા ઊપયોગમાં લેવાતું પ્લાસ્ટિક પ્રતિ વર્ષ ૯૧૦ કરોડ પાઉન્ડ (આશરે ૪૧૩ કરોડ કિ.ગ્રા.)ના આંકડાને પાર કરી જશે. ઈ.સ. ૨૦૨૩માં આ કંપની દ્વારા વપરાયેલા પ્લાસ્ટિકના આંકડાની સરખામણીએ આમાં વીસ ટકા વધારો જણાયો છે. આ જથ્થો કેટલો? પૃથ્વી ફરતે સો કરતાં વધુ વખત પ્લાસ્ટિક વીંટાળી શકાય એટલો.
અમેરિકાસ્થિત ‘ઓશના’ જૂથે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં દર્શાવ્યું છે કે કોકાકોલા દ્વારા પેકેજિંગ માટે ઊપયોગમાં લેવાયેલા ૧૩૦ કરોડ પાઉન્ડ જેટલા અધધ પ્લાસ્ટિકનો જથ્થો વિશ્વભરના જળમાર્ગોમાં પ્રવેશવાની વકી છે, જે ૧૮૦ લાખ બ્લૂ વ્હેલના પેટમાં પહોંચી શકે એટલો છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવવામાં કોકા કોલા કંપની પ્રથમ સ્થાને છે. પર્યાવરણમાં મળી આવતા બ્રાન્ડેડ પ્લાસ્ટિકના કચરામાં તેનો ૧૧ ટકા હિસ્સો હોય છે. તેના પછીના ક્રમે પેપ્સિકો, નેસ્લે, ડેનન અને ઓલ્ટ્રીઆ જેવી કંપનીઓ છે. હાલ કોકા કોલા કંપની વરસેદહાડે તેર હજાર કરોડ પ્લાસ્ટિક બોટલો પેદા કરે છે. એક અંદાજ અનુસાર દર વરસે તે પચાસ હજાર કરોડ કરતાં વધુ બોટલોનું વેચાણ કરે છે.

©-OCEANA_Danny-Ocampo_Location-Mabini-Batangas
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીએ સૌ કોઈ જાણે છે કે કોકા કોલા એક બહુરાષ્ટ્રીય કંપની છે. તેના દ્વારા બનાવાતું અને વેચાતું પીણું પાણીમાં બનાવાયેલું એક દ્રાવણ માત્ર છે, જેનું કોઈ સ્વાસ્થ્યલક્ષી મૂલ્ય નથી. માત્ર ને માત્ર સ્વાદ ખાતર અને ઘણા ખરા કિસ્સામાં દેખાદેખીથી યા મોભાના કાલ્પનિક ખ્યાલથી પ્રેરાઈને લોકો તે પીવે છે. આમ તો દુનિયાનો પ્રત્યેક નાગરિક પોતાને મરજી પડે એ ખાવા કે પીવા માટે સ્વતંત્ર છે, પણ આ પીણાને લઈને જગતભરના પર્યાવરણ પર જે વિપરીત અસર થઈ રહી છે અને એ સતત વધતી રહી છે તેથી આટલી ટીપ્પણી.
માત્ર ને માત્ર તગડો નફો રળવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને ગંભીર નુકસાન કરે તો એનું કશું સામાજિક ઉત્તરદાયિત્ત્વ ખરું કે નહીં? ડિસેમ્બરમાં આ કંપનીએ પોતાનાં પર્યાવરણસંબંધી સ્વૈચ્છિક લક્ષ્યાંકોમાં ફેરફાર કર્યો હતો. અગાઉની જળ, પેકેજિંગ, હવામાન અને કૃષિ અંગેની પોતાની નિસ્બત અનુસાર ૨૦૨૨માં તેણે ઘોષણા કરેલી કે તેનાં પીણાંમાંનાં ઓછામાં ઓછા પચીસ ટકા રીફીલેબલ કે પાછા આપી શકાય એવાં પાત્રોમાં વેચવામાં આવશે. હવે કંપનીની વેબસાઈટ પરથી આ પ્રતિજ્ઞા હટાવી લેવાઈ છે.
નવી ઘોષણામાં જણાવાયું છે કે હવે તે પ્રાથમિક પેકેજિંગમાં ૩૫થી ૪૦ ટકા સામગ્રી રિસાયકલ કરેલી વાપરશે. પ્રાથમિક પેકેજિંગ એટલે ઉત્પાદન સાથે સીધો સંપર્ક ધરાવતી સામગ્રી. ‘ઓશના’ના જણાવ્યા અનુસાર, આ કંપની પ્રવર્તમાન સ્તરેથી પ્લાસ્ટિકનો ઊપયોગ ત્યારે જ ઘટાડી શકે જો તે વર્ષ ૨૦૩૦ સુધીમાં રિયુઝેબલ પ્લાસ્ટિકનો ઊપયોગ ૨૬.૪ ટકા પર લાવી શકે.
‘રિસાયકલ’ અને ‘રિયુઝ’માં ફરક છે. ‘રિસાયકલ’માં એ સામગ્રીમાંથી જ નવી સામગ્રી બનાવવાની હોય છે, જેનો પુન:ઉપયોગ થઈ શકે. ‘રિયુઝ’માં એ જ સામગ્રીનો પુન:ઉપયોગ કરવાનો હોય છે. ‘ઓશના’ના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ મેટ લીટલજોહનના જણાવ્યા મુજબ, આ કંપનીની નિયંત્રણ બહારની પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન ‘રિસાયકલ’થી નહીં, પણ ‘રિયુઝ’થી થઈ શકે એમ છે. રિસાયકલ કરેલી સામગ્રીમાંથી બનાવેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકની બૉટલો નવી પ્લાસ્ટિક બૉટલોની જેમ જ દરિયાઈ પ્રદૂષણ કરે છે અને સમુદ્રી સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. અને આ કંપની સૌથી વધુ પ્રદૂષણ કરતી કંપની તરીકે બદનામ છે.
બીજી તરફ કોકા કોલાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ ક્વીન્સીએ પોતાના રોકાણકારોને ચેતવતાં જણાવ્યું છે કે ટ્રમ્પ સરકાર દ્વારા લોખંડ અને એલ્યુમિનિયમની આયાત પર વધારાયેલા ૨૫ ટકા ટેરીફને કારણે ડબ્બામાં પૅક કરેલા ખોરાક અને પીણાંની કિંમતમાં વૃદ્ધિ થઈ શકે છે, જેને કારણે કંપની દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગમાં વધારો થઈ શકે છે.
સો વાતની એક વાત એ છે કે પર્યાવરણ-બર્યાવરણ માર્યા ફરે, કંપનીને એનું જતન કે જાળવણીમાં કશો રસ નથી. નાણાંનું જોર હોય ત્યાં કોઈ કશું કરી શકતું નથી. સરકાર પણ નહીં. પર્યાવરણની સુરક્ષા કે જાળવણી અંગે વાતો તો ઘણી થાય છે, કાગળ પર ઘણી યોજનાઓ ઘડાય છે, પણ સરવાળે આ બધું પર્યાવરણને પ્રદૂષિત કરવામાં થોડો ઊમેરો કરે છે. એ ઉપરાંતની એની કોઈ અસર હોય તો એ છેવટે ઊપભોક્તાના ખિસ્સા પર થાય છે. સરકારોને રસ છે આવકમાં. પર્યાવરણના પ્રદૂષણનું આભ એ હદે ફાટ્યું છે કે એમાં એકલદોકલ નાગરિકો કે નાગરિકસમૂહોનું થીંગડું ખાસ કારગત ન નીવડી શકે.
રાક્ષસી કદની કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા કરોડોના વ્યવહારો ગુમાવવા કોને પોસાય? એક જાગ્રત નાગરિક બિચારો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પુન:ઉપયોગ કરીને પર્યાવરણ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ લેતો હોય તેની સામે આવી કંપનીઓ અઢળક કચરો પેદા કરીને તેને ગમે ત્યાં ઠાલવીને પર્યાવરણને અનેકગણું પ્રદૂષિત કરી મૂકે છે. હવે તો તેઓ આને ખુલ્લેઆમ કરતા થયા છે, અને એની જરા પણ શરમ રહી નથી. સમગ્ર માનવજાતનું ભાવિ હવે આવા પ્રદૂષકોના હાથમાં કેદ છે. એનો અંજામ શો હશે એની કલ્પના કરવાની જરૂર નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સંભારણું – ૫ – પતરાવળી
શૈલા મુન્શા
હમણાં થોડા વખત પહેલા મારા મિત્રે એક વોટ્સેપ મોક્લ્યો હતો જેમાં જર્મનીના રેસ્ટોરન્ટમાં પતરાવળીમાં ભોજન પીરસવાનું શરુ કર્યું એનો ચિત્ર સાથે ઉલ્લેખ હતો. પર્યાવરણ બચાવવા લોકોએ આ નવી ઝુંબેશ આદરી હતી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી જોગાનુજોગ એ જ સાંજે અમારા જુના સ્નેહી મળવા આવ્યા અને એમને પણ એવો જ વોટ્સેપ મળ્યો હતો.
જે ચીજ ભારતની પરંપરા હતી, એ માદરે વતનથી લુપ્ત થતી ગઈ અને વિદેશોમાં એની વાહ વાહ થવા માંડી. મનના પટારાના દરવાજા ખુલી ગયા અને મન પચાસ સાંઠ વર્ષ પાછળ દોડી ગયું.
સ્કૂલમાં પડતી ઉનાળાની લાંબી રજાનો સમય અને ગામમાં લગનની મોસમનો સમય!!
વતન તો અમારું ઠાસરા, ડાકોર પાસે આવેલું ગામ, પણ ધીરેધીરે કામધંધા, ભણતર નિમિત્તે લોકો ગામ બહાર નીકળવા માંડ્યા અને અમદાવાદ, વડોદરા, મુંબઈ, અને છેક કલકત્તા, મદ્રાસ, હાલનું ચેન્નાઈ સુધી વસવાટ કરવા માંડ્યા. એક પરંપરા ચાલુ રાખી કે મોટાભાગે દીકરા કે દીકરીના લગ્ન ગામમાં એટલે કે ઠાસરા જઈ કરવા. એ જમાનામાં બહુ પ્રેમલગ્નનું ચલણ નહોતું. પોતાની ન્યાતમાંથી જ માતા પિતા પોતાના દીકરા કે દીકરી માટે
યોગ્ય પાત્ર શોધતાં, સાથે સાથે કુટુંબની વંશાવળિની ખબર મેળવાતી. ગામમાં દરેક જણનું ફળિયું એમની અટક પ્રમાણે કહેવાતું જેમ કે દેસાઈની ખડકી, મહેતા ફળિયું, શેઠની પોળ, વગેરે વગેરે. દરેકનું પોતીકું ઘર હોવાથી લગનગાળામાં જગ્યાની છૂટ રહેતી.
ઠાસરા અને એની ખડકી એ ફળિયું આજે પણ મારી નજર સામે આબેહૂબ તરવરે છે. દરેકની અટક પ્રમાણે બધાના ઘર એ આખી ગલીમાં રહેતા.
દેસાઈ ખડકીમાં મારા નાના કનૈયાલાલ નંદલાલ દેસાઈનું જબરદસ્ત બે માળનું મકાન. નાના તો વર્ષોથી ધંધા રોજગારને લીધે કલકત્તા જઈ વસ્યા હતા, પણ એમના નવ સંતાનોમાં મોટાભાગના દીકરા, દીકરી ઠાસરામાં જ પરણ્યા.
આહા!! કેવા મજાના એ દિવસો હતાં. ઘરના કે ન્યાતના બીજા કોઈના લગ્ન પ્રસંગે ઊનાળો આવ્યો નથી કે અમારી સવારી ઠાસરા જવા તૈયાર થઈ જતી.
મુંબઈથી ટ્રેનમાં આણંદ જવાનું, અડધી રાતે આણંદ પહોંચી ઠાસરા જવા નાની ગાડીની રાહ જોવાની અને વહેલી સવારે આણંદના સ્ટેશને આણંદના પ્રખ્યાત ગોટા લીલા મરચાં સાથે ખાવાના!!! અત્યારે પણ મોઢામાં પાણી આવી ગયું.
ગામમાં થતાં લગનની મજા જ કાંઈ જુદી હતી.
ઉનાળામાં ગામમાં અમે બધા મામા માસીના ભાઈ બહેનો ભેગા થતાં. અમારા એ ઘરની પાછળ વાડામાં સ્નાન કરવાની ઓરડી અને એની પાસે કુવો અને પાસે જ પાણી ગરમ કરવાનો બંબો મુકેલો હોય. આમ તો કાશીબા જ બધા માટે કુવામાંથી પાણી સીંચી આપે, પણ અમને પણ શોખ થતો અને ડોલ કુવામાં નાખી ગરગડી પરથી રસ્સી ખેંચવાનો પ્રયત્ન કરતાં. ઘણીવાર ડોલ થોડી ઉપર આવે અને હાથમાંથી દોરડું સરકી જાય. ધબ્બ કરીને ડોલ પાછી કુવાને તળિયે. કાશીબા અમારા ઘરનું બધું કામ કરે પણ જ્યારે અમે બાળકો કુવાની આસપાસ પાણી કાઢવાની રમત કરતાં હોઈએ ત્યારે તો એ ખડેપગે ત્યાંજ ઉભા હોય, અમારું ધ્યાન રાખવા. કાશીબા કામવાળા નહિ પણ ઘરના જ સદસ્ય, બધાની ખબર લઈ નાખે અને પાછાં નાની કે ઘરના બીજાં વડીલ પણ એમને એટલુંજ માન આપે.
બપોર પડે અમને છોકરાંવને હુકમ કરે “જાવ છજામાં ડોલ ભરીને કેરી પલાળી રાખી છે, ખાવ તમતમારે મજેથી” અને અમે બધા બાળકો હુંસાતુસી કરતાં કેરી ખાવા પહોંચી જઈએ.
નાનાએ ઉપરનો એક ઓરડો ખાસ કેરી માટે રાખ્યો હોય. કાચી પાકી કેરીની સોડમથી આખો ઓરડો મઘમઘી રહ્યો હોય.
ગામના લગન પણ અનોખા. રાતે જ લગન થાય. ચમકતાં પિત્તળના બટનવાળા લાલ કોટ પહેરીને બેન્ડવાળા આગળ ચાલતાં હોય, સાથે મોટા ફાનસ પકડી લાઈટવાળા હોય. આખા ગામમાં વરઘોડો ફરે અને પછી કન્યાને માંડવે પહોંચે. ગાદી તકિયા બિછવેલા હોય, અને વડીલો માટે થોડા સોફા મુકેલા હોય. રાતભર લગનની વિધિ ચાલે. અમે બાળકો તો ક્યારના પોઢી ગયા હોઈએ. મોટેરાઓ પણ ઝોકાં ખાતા હોય. વહેલી સવારે કન્યા વિદાયનો સમય આવે ત્યારે ઉંઘરેટી આંખે બધા વરકન્યાને લઈ નીકળે.
ગામના લગનની બીજી ખાસ મજા તે વાડીએ જમવા જવાનું. પાણી માટે બધા પોતાના ઘરેથી પિત્તળનો પેચવાળો કળશ્યો ભરતાં આવે. વાડીમાં ભોંય પર બેસવાનું અને સામે પતરાળાં મુકેલા હોય, પીરસણિયા હાથમાં કમંડળ લઈ પીરસવા નીકળે.કાબેલ માણસોને જ કમંડળ મળે. નવાસવાં પીરસણિયા પુરી કે ફુલવડીના થાળ લઈ નીકળે. મોટાભાગે છાલવાળાં બટાકા અને રીંગણનું શાક, મોહનથાળ, મેંદાની કડક પુરી અને એકાદ બીજું શાક હોય. પડિયામાંથી દાળના રેલાં જતા હોય અને શાક સાથે થોડી માટીની રજ પણ ભળતી હોય, તો પણ એ દાળનો સ્વાદ હજી દાઢે વળગેલો છે.
જમણની તૈયારી આગલી રાતથી થતી હોય. ઘરના અને સહુ સગાં વહાલા રાતે વાડીએ પહોંચી જાય, શાક સમારવાનું, લોટ બાંધવાનો અને મસ મોટા ચુલા પર દાળ ઉકળતી હોય. મોટી કડછી લઈ રમણિકમામા દાળને ધમરોળતા હોય. એમના જેવી દાળ બનાવવાની હાથોટી કોઈની નહિ. ચુલાની સામે નાનુ ટેબલ લઈ બઠા હોય. હાડપાડ શરીર મોટી મુછો અને કરડાકીભર્યો ચહેરો, અમને છોકરાંવને પણ રાતે વાડીમાં જવાની મજા પડે પણ મામાનો થોડો ડર પણ લાગે. મામા એક હાક મારે “છોકરાવં બટાકા પાણીની ડોલમાં નાખવા માંડો” અને અમે ગુણીમાંથી થાળી ભરી ભરી પાણીમાં નાખતાં જઈએ. એકબાજુ ચા ઉકળતી હોય અને મઠીયાં ચેવડાની જ્યાફત ચાલતી હોય એ દિવસો અને એ મજા જેણે માણી હોય તે જ જાણે!!
વાડીમાં જમણવાર પતે પછી ગામની વિધવા સ્ત્રીઓ, ઘરડાં માણસો જે જમવા ના આવી શક્યા હોય એમને ત્યાં પીરસણ ઢાંકવા જવાનું. અમે માથે નાની નાની બોઘરણીને ઉપર વાડકામાં પીરસણ લઈને નીકળીએ અને મોડી રાતે ઘરે લગનના ગીત ગાતાં ગાતાં પાછા વળીએ. કેવા મજાના દિવસો, ના કોઈ ડર મોડી રાતે આવવાનો, સવારે મન થાય ત્યારે ઉઠવાનું, ફળિયામાં રમવાનું અને રોજ કોઈ ને કોઈને ત્યાં લગનમાં જવાનું
એક પતરાવળીએ સંસ્મરણોનો પટારો ખોલી દીધો અને એક પછી એક સંભારણાના મોતી યાદની રેશમ દોરીમાં પરોવાતાં ગયા.
આજે શહેરોમાં ઉજવાતા લગ્ન પ્રસંગો અને જમણવારમાં દુનિયાભરના વિવિધ પકવાનોનો થાળ પણ એ આનંદ આપી શકતાં નથી જે બાળપણમાં પતરાળામાં છાલવાળું બટાકાનુ શાક કે મોહનથાળ ખાઈને મળતો.
આજે ફેશનમાં લોકો પતરાવળી તો રાખે છે પણ પ્લાસ્ટિકમાંથી બનેલી
ખરેખર ” बंदर क्या जाने अदरख का स्वाद” કહેવત યાદ આવી જાય!!!!!!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૬ : શવાલકુચિ, ફુન્ટશૉલિન્ગ
પ્રીતિ શાહ-સેનગુપ્તા
ગોવાહત્તીની આસપાસમાં હજી મને શવાલકુચિ (કે સાઉલકુચિ) જવાની ઈચ્છા હતી. ત્યાં જવા માટે બસ લેવા નીકળી તો સવારે રસ્તા વળાતા હતા, અને હવા બસના ધુમાડાને લીધે શ્વાસને લાયક નહોતી રહી. મિનિ-બસો હડતાળ પર હતી, અને જાહેર બસો અડધા સમયપત્રક પર ચાલતી હતી. ક્યાંયે છાંયડો નહોતો. રાહ જોતાં ઊભાં ક્યાં રહેવું? આખો દિવસ ઘણા કષ્ટમાં ગયો, પણ ટકી ગઈ હું.
આદાબારીની બસ આવતાં હું બેસી ગઈ. મારી બાજુમાં કોઈ બેસતું નહોતું. છેવટે મારું ધ્યાન ગયું કે ડાબે સ્ત્રીઓ માટેની સીટ હતી, જમણે પુરુષો માટેની. ભીડ થવા માંડે પછી આ નિયમ ટકતો નથી. એક દંપતી ચઢ્યું ત્યારે બીજી ખાલી જગ્યા રહી નહોતી, ને તેથી પત્ની મારી બાજુમાં બેઠી. આદાબારીના ખુલ્લા મેદાનમાં બનેલા બસોના અડ્ડા પરના હૉર્નના ઘોંઘાટની તો કલ્પના પણ ના કરી શકાય. આથી વધારે ઘોંઘાટિયા જગ્યા મેં ક્યારેય સહી નહીં હોય. અવાજથી મારું માથું દુઃખવા લાગ્યું. ધુમાડો ખાઈ ખાઈને ગળું તો દુઃખતું જ હતું.
અહીંથી બસ બદલીને હવે શહેરની બહાર, કુદરતી માહોલમાં પાંત્રીસેક માઇલ જવાનું હતું. ઝાડ-પાન હતાં પણ પરિસર સૂકો લાગતો હતો. ઝૂંપડીઓ એવી જ સુઘડ અને સરસ. ક્યાંક ડાંગરનાં ખેતરોમાં કેટલાક માણસો કામ કરતા દેખાતા હતા. એક વાર ઉર્દુમાં લખેલું પાટિયું જોઈ ખ્યાલ આવ્યો કે આ આખી વસ્તી મુસ્લિમ છે. પહેરવે-ઓઢવે કશો ફેર નહીં. સ્ત્રીઓ ચાંદલા અને સિંદૂર સાથે જ હોય. પુરુષોનાં મોઢાં પાસેથી જોઈએ ત્યારે મુસલમાની લાગે.
એક-બે નદીઓ આવતાં આસામનો ગ્રામ-પ્રદેશ સરસ ભીનો-લીલો બન્યો. પાતળી, ચપટી, લાંબી નાવમાં માછીમારો પોતાના કામમાં રત હતા. સંખ્યાબંધ લાંબા વાંસની જટિલ રચનાની સાથે માછલી પકડવાની જાળ લગાવેલી હતી. રસ્તો સારો નહોતો, ને આ બસની સીટ તો પાટિયું જ. તે પણ એવું સાંકડું કે બેની સીટ પર બે જણને બેસવું મહામુશ્કેલ. બસ પૂર્વ તરફ વળી ત્યારે પવન આવવા માંડ્યો. નહીં તો બસમાં હવા પણ નહીં. છેલ્લે ક્યાંક જમણે વળ્યા પછી બસ ઊભી રહી. કંડક્ટર છોકરાએ મને ઇશારો કર્યો. મેં એને કહી રાખેલું મને શાઉલકુચિ ઉતારવા.
ઊતરીને જોયું તો આ તો રસ્તાનો મોડ હતો. ગામનું તો નામ નહીં. ક્યાં જાઉં હવે? બીજા લોકોની પાછળ અનિશ્ચિત ભાવે ચાલી. રસ્તે છાંયડો તો નહીં જ, પણ સૂરજ પણ સામો. વણકરોનું આ ગામ જોવાની શું ઇચ્છા હશે આટલી? ગામ નહીં, મારે કામ જોવું હતું. દેશમાંનું વણાટ-કળાનું આ અગ્રગણ્ય સ્થાન છે. અહીં જાણે બધાને જ વણતાં આવડે. અઘરી ડિઝાઇન કરતાં થઈ ગયેલા વણકરોને ઘણો સારો પગાર મળે. ઘેર ઘેર શાળ હોય, ને જ્યાં ધંધો વિકસાવ્યો હોય ત્યાં છ-સાત કે આઠ-દસ શાળો પણ હોય. અંદર જઈ જઈને મેં ચાલુ કામ જોયું. હિંદી બોલતું એકાદ જણ આવીને થોડું સમજાવતું જાય. મુંગા સિલ્ક આસામમાં બને છે, બાકીના રેશમી, સુતરાઉ ને મિશ્ર તાર બૅન્ગૅલોર અને કલકત્તાથી આવે છે. વેચાણ થતું ક્યાંય દેખાયું નહીં.
ઐે શાળ-કેન્દ્રની સામે, ઝૂંપડી જેવા એક કમરામાં બેન્ચ પર બેસીને મેં ગરમ ગરમ રોટી ને ભાજી ખાધાં. ભાત, માછ ને આમલેટ પણ ત્યાં મળે. ચાર-પાંચ જણ જ બેસી શકે તેવી બેન્ચ પર મારી સાથે કોઈ બેઠું નહીં. બે-ત્રણ વણકરો ધીરજ અને દાક્ષિણ્ય દાખવીને હું ખાઈ રહું તેની રાહ જોતા ઊભા રહ્યા. એ ખ્યાલ પણ મને જરા પછી આવ્યો. માથું તરત ઊતરી તો ના ગયું, પણ ભૂખ શમી, જરા આરામ મળ્યો.
ફરી તડકામાં ચાલીને પાછી જતી બસ લેવા મુખ્ય રસ્તે ગઈ. જે બસ મળી તે અડધે જ જતી હતી, કારણકે અમુક નદી પરનો પુલ ધોવાઈ ગયો હતો. નદીના ભાઠામાં, સુંવાળી ગરમ રેતીમાં, બપોરના તડકામાં માઇલેક પગે કાપીને પેલે કાંઠે ગઈ. ત્યાંથી બસમાં ઊભાં ઊભાં આદાબારી પહોંચી. ફરી બીજી બસ લીધી ત્યારે અંતે ગોવાહત્તી આવ્યું.
ં ં ં ં
વહેલી સવારે છ વાગ્યાની તો ટ્રેન લેવાની હતી. એ ઊપડી પંદર મિનિટ મોડી, ને ક્યાંય સુધી ઝડપ પકડી નહીં. બ્રહ્મપુત્ર પરથી ગઈ ત્યારે સાત વાગી ગયા હતા. આછા અજવાળામાં એનાં પાણી ભૂખરાં લાગતાં હતાં. ક્યારે જોઇશ આ મહાનદને ફરીથી? નવ કલાક પછી મારે ન્યૂ જલપાઇગુડી ઊતરવાનું હતું. દૂર દેખાતા પર્વતો એક એક કરીને અદૃશ્ય થતા ગયા. એટલી બધી નદીઓ આવી. પંદર તો ખરી જ, કદાચ વધારે. લગભગ બધી મોટી, પહોળી. તિબેટના પર્વતોમાંથી નીકળીને બ્રહ્મપુત્રમાં સમાવા વહી આવી હોય.
ભૂમિ ડાંગરનાં ક્ષેત્રોથી છવાયેલી હતી. સોનેરી આભાવાળી હરિયાળી. વચમાં ચારેક ઝૂંપડીઓને ઓથ દેતાં ઝાડનાં ઝૂંડ આવી જાય. શાતાદાયક દૃશ્ય. ત્યાં વળી, ધૂળમાં રમતાં છોકરાં દેખાય, એમનાં જીવનના વિચારે ચઢી જાઉં, ને થોડો જીવ બાળું. ક્યારેક વળી એમ થાય કે ઝાડના છાંયામાં બેસી રહેવા મળે તો કેવું ગમે. પણ શહેરથી ટેવાયેલા મનને કેટલો વખત ગમે?, જાતને પૂછું પણ ખરી.
ન્યૂ બૉન્ગાઇગાઁવ સ્ટેશને ઘણા બધા કિશોરો-યુવકો જાત જાતની, ચીન ને જાપાનમાં બનાવેલી, ચીજો લઈને ટ્રેનમાં ચઢી આવ્યા. ક્રીમ, સેન્ટ, પ્રસાધન, ઘડિયાળ, ટૉર્ચ, કૅલ્ક્યુલૅટર, કૅમૅરા. હું બાઘાની જેમ જોઉં, પૂછું, ક્યાંથી આવે છે આ બધું? એ બધા કહે, સરહદ નજીક છે. કઈ બૉર્ડર, મને થાય. એમ માનવામાં આવે છે કે આ બધું નેપાલથી ઘુસાડાતું હોય છે. દરેક કમ્પાર્ટમેન્ટમાંના ઉતારુઓ ભાવતાલ કરવામાં પડી ગયા.
ન્યૂ જલપાઇગુડી સ્ટેશન શિલિગુડીથી આઠેક કિ.મિ. દૂર છે. મારે એક રાત અહીં કાઢવી પડે એમ હતી. એને માટે કોઈ હોટેલનો નાનો સાદો રૂમ ચાલી ગયો. શિલિગુડીમાં બે લાખ જેટલી વસ્તી. એનો ત્રીજો ભાગ બિહારી છે, એમ મૅનેજરે મને કહ્યું. આ ગામમાં એક જ બાબત આકર્ષક હતી, અને તે હતી કંચનજંઘાની ઉચ્ચગિરિમાળાનું દર્શન. તળેટીમાં રહ્યે રહ્યે આમ હિમાવરિત શિખરો જોવા મળે તે કેવું વિસ્મય.
રાત અવાજવાળી જ રહી. કેટલીયે ટ્રકો ખખડતી ગઈ હશે. મોડી રાતે કોઈ મારું બારણું ખખડાવતું રહ્યું, એક મિનિટ માટે ખોલવા વિનંતી કરતું રહ્યું. કહે, હોટેલનો માણસ છું, દિદિ, ખોલોને. હું ગભરાઈ નહોતી ગઈ,પણ ખોલવાનું તો ના જ હોયને. મચ્છરો એમનું કામ કરતા રહેલા. એકદમ વહેલી સવારે પ્રવાસીઓનું કોઈ જૂથ પંથે પડ્યું. મારી પોતાની બસ સાડા સાત વાગ્યે જવાની હતી. પૂરતા લોકો ના થાય ત્યાં સુધી, કલાકેક જેવું, ઊભાં રહેવું પડ્યું. રસ્તો વચમાં ખરાબ આવી જતો હતો. બે બાજુ ગુલમહોરનાં ઝાડ હતાં. પણ ઉત્તર-પૂર્વમાં ક્યાંયે ફૂલ જોવા ના મળ્યાં – શિયાળા તરફ જતી આ ઋતુમાં.
જતાં જતાં દેખાયું કે રસ્તા પરનાં ઝાડ, વનસ્પતિ ને ચ્હાના છોડ ધૂળથી ઢંકાયેલાં રહે છે, ડાંગરનાં ડૂંડાંમાં ધૂળ જાય છે, ગાયો ઘાસમાં ચોંટેલી ધૂળ ખાય છે. કુદરતનું જીવન જાણે ટૂંપાતું રહે છે. ક્યાંક થોડાં ઝાડ, ક્યાંક થોડી ઝૂંપડીઓ, ક્યાંક સૂકી જમીન, ક્યાંક ડાંગરનાં ખેતર. પહોળા પટવાળી બે નદીઓમાંની એકમાં ખૂબ પાણી હતું. અચાનક ધુંધળી હવામાં તરતા પર્વતો દેખાવા લાગ્યા. પછી બસ એ દિશામાં વળી.
હવે મારું પ્રયાણ ભુતાન પ્રતિ હતું. ગોવાહત્તીથી ટ્રેન, શિલિગુડીમાં રાતવાસો, હવે આ બસ, ને એમાં ચાર કલાકે હજી તો હું છેક તળેટીમાંની સરહદે માંડ પહોંચી. આ સરહદ પર ચીની રંગ-રૂપની એક પ્રતીકાત્મક પ્રવેશ-કમાન છે. અહીં ભારત અને ભુતાન છૂટાં પડે છે, અને ભેળસેળ પણ થાય છે. માલ-સામાન લઈ જવો હોય તો બતાવવો પડે, વેરો ભરવો પડે, છુપાવેલો પકડાય તો દંડ આપવો પડે. બાકી લોકો અને ઘણા ધંધા પણ આમથી તેમ ચાલુ જ રહે છે. ભારત તરફનું જયગાઁવ અવ્યવસ્થિત, એનો રસ્તો તૂટેલો અને કાદવિયો. ભુતાન તરફના ફુન્ટશૉલિન્ગમાં રસ્તા મોટા, સારા. બધે ચોખ્ખાઇ, માછ-મચ્છર નહીં. બે ગામ પ્રવેશ-કમાનની બે બાજુ. અડધી મિનિટ અને પાંચ પગલાંમાં બધું બદલાઈ જાય. કેવી નવાઇ. આપણી તરફ એ જ ગંદકી, ભીડ, કાદવ ને ભીનું. આ જ હંમેશની સ્થિતિ લાગે છે ત્યાં. ફુન્ટશૉલિન્ગ આમ તો ભારતે જ વસાવેલું છે, પણ કેટલો બધો ફેર. લોકો ઓછા, વાહનો ઓછાં, અને હોટેલો પણ ત્યાં.
બસમાંથી ઊતરીને પગ-રિક્શા કરીને હું દોડાદોડ ભુતાન માટેનો પરવાનો મેળવવા ગઈ. સહેજ મોડી પડેલી, પણ સાહેબે સહી કરી આપી. પાછી પેલી બાજુ દોડી, પણ એટલામાં એ દિવસની એકની એક મિનિ-બસ પહાડો પર વસેલા થિમ્પુ શહેર જવા નીકળી ગઈ હતી. મારે એક રાત ફુન્ટશૉલિન્ગમાં રહી જવું પડ્યું. સમયની રીતે મને ભુતાન મોંઘું પડતું હતું, પણ છેક અહીં આવ્યા પછી હવે જવાનું તો ખરું જને.
ં ં ં ં
સવારે સાત વાગ્યાની મિનિ-બસ, ને એને સાત કલાક થવાના. પહેલા તપાસ-થાણા પર માણસે બધાંની બધી વિગતો ચોપડામાં નોંધી. ગેડુ થાણા પર અમને રોક્યાં નહીં, અને ચિમાકોઠી થાણા પર જલદીથી સિક્કો મારી આપ્યો. એ પછી બસ પંદર મિનિટ માટે રોકાઈ. ત્યાં ખોલેલી નાની વીશીમાં ગરમ ખાવાનું મળતું હતું. ભાત, શાક, ચિકન, અને શાકાહારી મોમો. મેં જલદીથી મોમો ખરીદીને ખાઇ લીધા. આવી અમથી જગ્યાએ ટૉઇલેટ પણ આટલું ચોખ્ખું, ને પાણીના નળ સાથેનું હોઈ શકે છે. કેવી નિરાંત. આખો આ ભુતાન દેશ ખૂબ સ્વચ્છ છે તે દરરોજ, દરેક જગ્યાએ મને દેખાતું ગયું.
પણ ફુન્ટશૉલિન્ગથી થિમ્પુ સુધીની દોઢસો કિ.મિ.ની મુસાફરી તે જાણે રોલરકોસ્ટરની સવારી ના હોય. સતત વળાંકો, બધા પાછા સાંકડા ને ખૂબ તીવ્ર. આ ઉપરાંત, ઊંચે ચઢતો જતો રસ્તો. પહેલી મિનિટથી પહાડ શરૂ થયા હતા, તે સહેજમાં ગિરિવર બની ગયા હતા. તાસો નદી ઘણી વાર સાથે રહી. એનો પટ પહોળો અને કાંકરિયાળો હતો, પાણી વચમાં જ વહેતું હતું. સમગ્ર વનસ્પતિ ગાઢ અને ઘેરી લીલી હતી, તેથી પર્વતો કર્કશ કે તીક્શ્ણ નહોતા લાગતા. એમાં થઈને ઝીણાં શાં ઝરણાં અને નાનકડા રૂપેરી અનેક ધોધ લપસી આવતા હતા.
એક રમતિયાળ નદી આનંદ આપતી જતી હતી. પણ એ હિસ્સામાં અચાનક પહાડો તદ્દન સૂકા થયા હતા, ને ભૂમિ કેવળ કથ્થાઇ, ખાલી. ડાંગરનાં ખેતરો ખેડાઈ ગયાં હતાં, અને સૂકાં ઠૂંઠાં પાછળ રહ્યાં હતાં શિયાળા ખાતે. બસ થોડો વખત નીચે તરફ ગઈ, પછી બીજી ગિરિપંક્તિ તરફ ગઈ, ને ફરી ઉપર ચઢવા લાગી. નદી ત્યાં જ ક્યાંક રહી ગઈ. ચાપ્ચા નામની વસાહતનાં વીસેક જેટલાં નાનાં, એકસરખાં ઘર કેટલાક ઢોળાવો પર છૂટાં-છવાયાં છંટાયેલાં હતાં. બધાં સફેદ રંગેલાં, ઘેરા લાકડાના મોભ-થાંભલા પર ટકેલાં, અને છાપરાં લાક્શણિક ચારે બાજુ ઢળતાં. દૃશ્ય કોઈ જુદી જ રીતે સંમોહક હતું. નવા જ સ્થાનનો આ પ્રથમ નૂતન-સુંદર આવિષ્કાર હતો.
આગળ જતાં બે જગ્યાએ ધસી આવેલી, ફસકી ગયેલી ભેખડોને સરખી કરવાનું કામ ચાલી રહ્યું હતું. બાકી બધે આખા હાઇ-વેની સતહ એકદમ સરસ રહી હતી. ઘણી બધી તાતા ટ્રકો સળંગ આવતી-જતી રહેલી. અહીં કોઈ જરૂર વગર, વળાંક સિવાય હૉર્ન નથી મારતું. કેવું સંયત વર્તન. જોકે ડ્રાયવરે હિન્દી ફિલ્મોનાં ગીતો ચલાવી દીધેલાં, ને ત્યારે મારે કાનમાં પૂમડાં ભરાવવાં પડેલાં.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
કઠોર, અનુચિત અને વિચિત્ર એવી જામીનની શરતો
નિસબત
ચંદુ મહેરિયા
કથિત અપરાધીને મળતા જામીન ક્રિમિનલ લૉ સિસ્ટમનું અગત્યનું ઘટક છે. જરૂર પડે ત્યારે અદાલત સમક્ષ હાજર થવાના વચન સાથેની કહેવાતા આરોપી કે પ્રતિવાદીની સશર્ત જેલમુક્તિ એટલે જામીન. જ્યાં સુધી કોઈ આરોપીને અદાલત દોષિત ન ઠેરવે ત્યાં સુધી તે નિર્દોષ છે અને જામીનનો હક્દાર છે. ગુનેગારના અધિકારો અને રાજ્યના હિતો વચ્ચે જામીન સંતુલન સાધે છે.
જામીન માટે કાયદામાં કોઈ અલાયદી વ્યવસ્થા નથી. સર્વોચ્ચ અદાલતે એકાધિક વાર જામીનના અલગ કાયદાની હિમાયત કરી છે. પરંતુ હાલ તો તેની અનુપસ્થિતિમાં જામીન આપવા તે ન્યાયાલયના ન્યાયિક વિવેક પર આધારિત છે. આરોપીનો ગુનો કે તેની સામેના આરોપોને ધ્યાનમાં રાખીને તેને શરતોને આધીન હંગામી, કાયમી અને આગોતરા જામીન આપવામાં આવે છે. જામીનની શરતોમાં મુખ્યત્વે સાક્ષીઓ પર દબાણ ઉભું ન કરવું, સાક્ષીઓને ફોડવાના પ્રયાસો ન કરવા અને આરોપીએ તેની સામેના કેસને અસર થાય તેવું કશું ન કરવું તેનો સમાવેશ થાય છે. પરંતુ આજકાલ અદાલતો અજીબોગરીબ, કઠોર અને અનુચિત શરતો જામીન આપતા લાદે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી મૂળે હરિયાણાની એક વ્યક્તિ પર છેતરપિંડી સહિતના અપરાધોની તેર પોલીસ ફરિયાદો જુદા જુદા રાજ્યોમાં થઈ હતી. આરોપીને તમામ કેસોમાં જામીન મળ્યા પરંતુ તે જેલમાંથી બહાર આવી શક્યો નહીં કારણ કે માત્ર બે જ કેસમાં તે જામીનની શરતો પૂરી કરી શક્યો હતો.. બાકીના કેસોમાં જામીનની શરતો પૂરી થાય એવી નહોતી. તમામ કેસોમાં અલગ અલગ જામીનદાર આપવાની સ્થિતિમાં આરોપી નહોતો. વળી કેટલાક રાજ્યોની હાઈકોર્ટોએ તો સ્થાનિક જામીનની માંગણી કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો અદાલતે કહ્યું કે આ તો વ્યક્તિને જામીન ન આપ્યા બરાબર કે એક હાથે આપીને બીજા હાથે લઈ લેવા જેવું છે. જામીનની આવી શરતો કથિત આરોપી માટે અંતહીન જેલની સજા હોય છે. આખરે સર્વોચ્ચ અદાલતે આરોપીની જામીનની શરતો હળવી કરતાં તેનો છૂટકારો શક્ય બન્યો હતો.
ડ્રગ તસ્કરીના કેસમાં પકડાયેલા એક નાઈજીરિયન નાગરિકના જામીન અંગે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ મેપથી તેનું લોકેશન તપાસ અધિકારીને મોકલવા, વિદેશી નાગરિક હોઈ દેશ છોડી ભાગી નહીં જાય તેવું પ્રમાણપત્ર નાઈજીરિયન દૂતાવાસ કે ઉચ્ચાયોગ પાસેથી મેળવી રજૂ કરવાની શરતો મૂકી હતી. આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડુ પરના એક કેસમાં તેઓ જાહેર રેલીઓ કે સભા-સરઘસોમાં ભાગ લઈ નહીં શકે તેવી જામીનની શરતો મૂકી હતી. ઓડિસા હાઈકોર્ટે આરોપીને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે રાજકીય પ્રવૃતિમાં ભાગ ન લેવાની, રાજસ્થાન હાઈકોર્ટે એક લાખ દંડ, એક લાખનાજામીન અને રૂ. પચાસ હજારના બેલ બોન્ડ રજૂ કરવાની શરતો રાખી હતી. સુપ્રીમ કોર્ટને જામીનની શરતો કઠોર અને અનુચિત લાગતાં તેણે હળવી કરી હતી. સાથે જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૨૧ મુજબ જામીનના હકનો જીવવાના અને જીવનની સ્વતંત્રતાના હકમાં સમાવેશ થાય છે. બેલ કન્ડીશન એવી ન હોવી જોઈએ કે જેથી કથિત આરોપીનો છૂટકારો ન થાય.વળી દંડની શરત તો સજા બરાબર છે અને તે અયોગ્ય છે. આરોપી ગુના કરવાની ટેવ ધરાવે છે એવા આરોપથી જામીનનો ઈન્કાર પણ ન થઈ શકે તેમ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.
ઘણીવાર અદાલતો અસંગત કે કેસ સાથે સીધો સંબંધ ન ધરાવતી જામીન શરતો પણ મૂકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે મોહમ્મદઅલી જૌહર યુનિવર્સિટી, રામપુરને સીલ કરવાની શરતે આજમ ખાનના જામીન મંજૂર કર્યા હતા. આ શરત સર્વથા અયોગ્ય હતી. યૌન ઉત્પીડનના આરોપીની જામીનની શરત મધ્યપ્રદેશની હાઈકોર્ટે પીડીતા પાસે રાખડી બંધાવવાની મૂકી હતી. બળાત્કારના કેસના કથિત ગુનેગારને ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવાની શરતે જામીન પર જેલમાંથી મુક્ત કર્યો હોવાનું પણ બન્યું છે. જામીનની આ પ્રકારની શરતો અંગે ટિપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, કોર્ટોએ તેના જામીન આદેશોમાં અને શરતોમાં મહિલાઓ અને સમાજમાં તેમની સ્થિતિ બાબતે રૂઢિવાદી કે પિતૃસત્તાત્મક માન્યતાઓ વ્યક્ત કરવાથી બચવું જોઈએ.
અવ્યવહારુ, અસંભવ અને પાળવી મુશ્કેલ એવી જામીનની શરતોથી બચવા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. જામીન બોન્ડ, રોકડ જામીન, સંપત્તિની માલિકી જેવી જામીનની શરતો ગરીબો માટે પાળવી મુશ્કેલ છે અને આ પ્રકારની શરતોથી તેમને છતે જામીને જેલમાં ગોંધાઈ રહેવું પડે છે. આપણી અદાલતો તમામ અપરાધીને પૈસાપાત્ર અને ધનવાન સંબંધી ધરાવતા માને છે તેને લીધે આ પ્રકારની શરતો મૂકે છે. જે આખરે ગુનેગારને કનડે છે. એક સરખા અપરાધમાં એક્ને મોટી રકમ અને બીજાને નાની રકમના જામીન બોન્ડની શરતો જોવા મળી છે. એક્ને કઠોર શરતો અને બીજાને નરમ શરતો, એક પર કઠોર પ્રતિબંધ અને બીજાને કોઈ બંધી જ નહીં એવા ભેદભાવો પણ અદાલતોએ જામીનની શરતોમાં કર્યા છે.
જામીન માટે કેટલીક વિચિત્ર કહી શકાય તેવી શરતો પણ અદાલતો મૂકે છે. એક યુવતીની છેડતીના કેસમાં પકડાયેલા ધોબીનો વ્યવસાય કરતી વ્યક્તિને બિહારની સ્થાનિક અદાલતે છ મહિના સુધી ગામની મહિલાઓના કપડાં ધોવાની શરતે જામીન મંજૂર રાખ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે જામીન મંજૂર કરતાં કથિત આરોપીને ગૌશાળામાં એક લાખનું દાન કરવા, એક મહિનો ગૌ સેવા કરવાની શરત મૂકી હતી. પાંચ ગરીબ બાળકોના એક વરસનો શિક્ષણ ખર્ચ ઉઠાવવાની શરતે ગેરકાયદે દારુ વેચતા વ્યક્તિને જામીન મળ્યા હતા. કોમી ઉશ્કેરણી કરતી સોશિયલ મીડિયા પોસ્ટના કથિત અપરાધીને રાંચી કોર્ટે પાંચ લાઈબ્રેરીમાં કુરાનની નકલો આપવાની શરતે જામીન આપ્યા હતા. હત્યાના આરોપીને મધ્યપ્રદેશ હાઈકોર્ટે વૃક્ષો વાવવાની, તેનો ઉછેર કરવાની, છ થી આઠ ફૂટના દસ વૃક્ષો માટે ટ્રીગાર્ડ લગાવવાની અને ત્રણ વરસ સુધી દર ત્રણ મહિને તેના ફોટા કોર્ટને મોકલવાની શરતે જામીન આપ્યા હતા.. જ્યારે જામીનનો નિર્ણય અદાલતના વિવેક પર અને આરોપી પરના આરોપ પર નિર્ભર હોય ત્યારે સામાન્ય કે ગંભીર ગુનાના આરોપી પર આવી અજીબોગરીબ શરતો લાદતું ન્યાયતંત્ર સમજવું મુશ્કેલ બને છે.
જોકે આપણી અદાલતો જેમ કેટલાક કિસ્સામાં અતિ કઠોર હોય છે તેમ કેટલાકમાં અતિ નરમ પણ હોય છે. ૧૪ વરસની અનાથ સગીરા ભત્રીજી પર બળાત્કાર કરનાર વીસ વરસના યુવાન કાકાને બોમ્બે હાઈકોર્ટે એ શરતે જામીન આપ્યા હતા કે આરોપીની ઉંમર નાની છે એટલે તેને પસ્તાવો થશે! પટણા હાઈકોર્ટે સત્તાધારી જેડીયુના વિધાન પરિષદ સભ્યના પુત્રને ગેરકાયદે ખનનના મની લોન્ડરિગ, પીએમએલએ હેઠળના કેસમાં જામીનની કઠોર જોગવાઈઓ બાજુ પર રાખીને જામીન આપ્યા .એટલું જ નહીં પોતાના જામીન હુકમમાં નિર્ણયના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતનું કથન જેલ અપવાદ છે, જામીન નિયમ છેનો હવાલો આપ્યો અને અદાલતના સ્વવિવેકનો ઉલ્લેખ કર્યો હતો. જોકે આ બાબતે સર્વોચ્ચ અદાલતે આકરુ વલણ દાખવી જામીન રદ કર્યા હતા.
જામીનની શરતોના મુદ્દે પ્રવર્તતી આ પ્રકારની સ્થિતિનો એક ઉકેલ જામીનનો અલાયદો કાયદો હોઈ શકે. જામીનની શરતોનું પુનર્મૂલ્યાંકન અને સરળીકરણ કરવાથી તે વધુ સુલભ બનશે અને ગરીબો, વંચિતોને રાહત મળશે. મનમાની ધરપકડો અને ખોટા કેસો, કે જેલોમાં સબડતા અન્ડર ટ્રાયલને જામીનની પાળવી સરળ શરતો જેલ મુક્તિ અપાવી શકે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ન કર
-
પાછા ફરવું એ નિવૃત્તિ નથી
મંજૂષા
વીનેશ અંતાણી
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી ક્રિકેટજગતમાં શૂન્યાવકાશ છવાઈ ગયો છે. એમણે અચાનક અને કેટલાકના મતે થોડી વહેલી નિવૃત્તિ શા માટે લીધી એની ચર્ચા ચાલતી રહેવાની છે. અન્ય ક્ષેત્રોના પ્રતિભાશાળી લોકો પણ ક્ષેત્રસંન્યાસ લે ત્યારે આ જ પ્રકારનું આશ્ચર્ય થાય છે.
પોતાના કામમાં આનંદ આવતો હોય, જાત અને અન્ય લોકો માટે નવા માપદંડ ઊભા કર્યા હોય, તેઓ પોતે પણ એ માપદંડથી આગળ જવા કટિબદ્ધ હોય, છતાં એક સમયે એમને લાગે છે કે અટકવું પડશે. ધ્યેયપ્રાપ્તિ માટે દિવસ-રાત જોયા વિના વર્ષો સુધી કઠોર પરિશ્રમ કરતા લોકો પોતાને કે પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકતા નથી. એક તબક્કે એમને સમજાય છે કે જીવનમાં આનંદ માણવા માટે અન્ય માર્ગો પણ છે અને એ વિકલ્પોને એમણે અવગણ્યા છે. એ બધું સંચિત થતું થતું માનસિક દ્વંદ્વની પરાકાષ્ઠાએ પહોંચે છે, શરીર અને મન હિસાબ માગવા લાગે છે ત્યારે એમણે ખુદને ‘રુક જાઓ’ જેવો આદેશ આપવો અનિવાર્ય બની જાય છે.

અમેરિકાના મહાન તરવૈયા માઇકલ ફેલ્પ્સે ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વિમિંગની સ્પર્ધામાં અઠાવીસ સુવર્ણચંદ્રકો સહિત સૌથી વધારે ચંદ્રકો જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એની આ સિદ્ધિ વર્ષોની કઠોર સાધનાનું પરિણામ છે. એ વર્ષોમાં એ પોતાના શરીર અને મન, પરિવાર કે અન્ય કોઈ બાબત પર ધ્યાન આપી શક્યા નહોતા. માણસ માત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા જ જન્મતો નથી. ક્યારેક સફળતાનો આનંદ પણ કોરવા લાગે છે. એના કામમાં એકનિષ્ઠ માઇકલે એક દિવસ પોતાનું મન ખોલ્યું હતું: ‘મારી સમગ્ર કારકિર્દીમાં મારા શરીરની સંભાળ લેનાર ઘણા લોકોની ટીમ હતી, પરંતુ મારા મનની સંભાળ લેનાર કોઈ નહોતું.’ એ ઘણીવાર હતાશા અને ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. કલ્પના પણ ન આવે કે એને આપઘાત કરવા સુધીના નકારાત્મક વિચારો પણ આવ્યા હતા. આ સ્થિતિ વધારે કપરી થવા લાગી ત્યારે એણે શરીરની સાથે માનસિક સ્વસ્થતાની સંભાળ લેવાનું શરૂ કર્યું. માઇકલે કહ્યું છે: ‘તમે ઉચ્ચતમ શિખરો સર કરી લીધાં હોય ત્યારે સવાલ થાય કે હું આ શું કરી રહ્યો છું? કોના ભોગે આ બધું હાંસલ કર માગું છું? હું કોણ છું?’ હું કોણ છું અને શા માટે છું એવા સવાલ જાગવા માંડે એ ઘડી કોઈ પણ વ્યક્તિના જીવનમાં નિર્ણાયક બને છે. માઇકલને પણ સમજાયું કે એ પોતાને અને એની સાથે જોડાયેલા લોકોને અન્યાય કરી રહ્યો છે. ‘એથી મને થયું, મારે આ બધું છોડી દેવાનો સમય આવી ગયો છે અને મેં મારા જીવનમાં બીજા માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો. એ નિર્ણય લીધા પછી મને લાગ્યું કે હું મને અને મારી આસપાસના લોકોને પ્રેમ કરી શકું છું. અત્યાર સુધી હું મને કોઈ માનવની જેમ નહીં, એક તરવૈયા તરીકે જ જોતો હોતો.’ માઇકલની સારવાર કરનાર સાઇકોથેરપિસ્ટ એરિકા વિકેટે કહ્યું હતું: ‘બ્રેકિંગ પોઇન્ટ પર પહોંચેલા લોકોને ક્યારેક લાગે છે કે તેઓ અત્યાર સુધી કરતા હતા એનો હવે કોઈ અર્થ રહ્યો નથી, એમને જીવનમાં ફરીથી નવો અર્થ અને આનંદ મેળવવાની ઇચ્છા તીવ્ર બનવા લાગે છે.’
ધ્યેયસિદ્ધિ ઘણું માગી લે છે. પોતાના ક્ષેત્રમાં ચોક્કસ ધ્યેય સાથે નિષ્ઠાપૂર્વક આગળ વધતી વ્યક્તિને એના ભાગે આવેલું કાર્ય કરવામાં અપૂર્વ આનંદ મળે છે. બધા લોકોમાં એવી નિષ્ઠા નથી હોતી કે એવા સંજોગો પણ નથી હોતા. મોટા ભાગના લોકો ચોક્કસ હેતુ વિના ફક્ત આર્થિક ઉપાર્જન માટે કામ કરે છે. એ ખોટું પણ નથી. દરેક લોકોના જીવનમાં ઉચ્ચ સફળતા મેળવવાના યોગ હોતા નથી, છતાં તેઓ આનંદથી જીવે છે. પોતાનું કામ કરવામાં આનંદ તો આવવો જ જોઈએ. ઘણા તો એમને કરવાં પડતાં કામને ધિક્કારે છે. એ સ્થિતિ રગશિયા ગાડાની જેમ જીવન ઘસડવા જેવી છે. કામમાં આનંદ આવતો ન હોય તો પરાણે ખેંચાતી સ્થિતિથી અસંતોષ જન્મે છે. એમાં આગળ વધવાની કોઈ દિશા હોતી નથી.
સામાન્ય માણસને લાગુ પડતી આ બાબત ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારી વ્યક્તિને પણ લાગુ પડે છે. એવી સ્થિતિ ઊભી થાય ત્યારે શક્ય હોય તો માણસ એના જીવનનો રાહ બદલી આનંદ મળે તેવી બીજા પ્રકારની પ્રવૃત્તિ તરફ ધ્યાન આપવા પ્રેરાય છે. એક સાઇકોલોજિસ્ટ કહે છે, ‘તમને લાગે કે તમને તમારા કામમાં આનંદ મળતો બંધ થયો છે કે એમાં કોઈ ચોક્કસ હેતુ રહ્યો નથી ત્યારે તમે જીવનનો માર્ગ બદલી શકો. આનંદ અને સંતોષનાં સ્મિતથી જીવન વધારે શોભે છે.’ જીવનમાં આનંદ માણવાનો અધિકાર કેવળ સફળતાના કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓનો જ નથી, એના પરિવારનો પણ છે. પત્ની ચોવીસે કલાક ઘરમાં બેસીને રાહ જોયા કરતી હોય, પતિ-સાથીદારની જરૂર હોય ત્યારે એ એની પાસે ન હોય, સંતાનો મોટાં થવા લાગ્યાં હોય, પરિવારનાં બીજા સભ્યોને પણ તમારી હૂંફની જરૂર હોય અને તમે ગેરહાજર હો એવી સ્થિતિનું વજન વધવા લાગે તો એ સમય પાછા ફરવાનો છે.
સફળતાની પણ એક સીમા હોય છે અને એની સામે પાર એક ઘર આવેલું હોય છે, જ્યાં એક દીવો ટમટમતો હોય છે. એ દીવાનું અજવાળું આંખો આંજી નાખતા પ્રસિદ્ધિના પ્રકાશથી વધારે શાતા આપે છે. ઘરનો રસ્તો ભૂલી જવાય તે પહેલાં પાછા ફરવું એ નિવૃત્તિ નથી, ઉચ્ચતમ આનંદ, હૂંફ અને સંતોષનો આરંભ છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
કેપ્ચા એટલે શું? શા માટે જરૂરી છે?
કેવલ ઉમરેટિયા
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે, ટિકિટ બુક કરતા સમયે કે પછી કોઇ વેબસાઇટ પર લોગઇન કરતી વખતે i am not a robot લખેલા બોક્સ પર ક્લિક કર્યુ છે? ૮ – ૧૦ ફોટોમાંથી ટ્રાફિક લાઇટ સિલેક્ટ કરી છે? કે પછી 9+8 કેટલા થાય તેનો જવાબ લખ્યો છે? લખ્યો જ હશે અને એ સિવાય પણ આવું ઘણુંબધું કર્યુ હશે. આ બધું જ કેપ્ચા માં આવે. ઘણી વખત તેમાં મજા આવે તો વળી ક્યારેક કેપ્ચા માથાનો દુખાવો લાગે. કોઇ ઓનલાઇન પ્રોસેસ કરતી વખતે જો ચારથી પાંચ વખત કેપ્ચા ભરવાના આવે તો કમ્પ્યુટરની સ્ક્રીન તોડી નાંખવાનું મન થાય.

જો કે સવાલ એ છે કે આ કેપ્ચા એટલે શું? તેની શું જરુર છે? કેપ્ચા એટલે શું? આપણે જેને ‘કેપ્ચા’ કહીએ છીએ તે ટૂંકું નામ છે. તેનું આખું નામ છે, Completely Automated Public Turing test to tell Computers and Humans Apart. એટલે કે એક એવો ટેસ્ટ જે નક્કી કરે છે કે સામે માણસ છે કે મશીન (બોટ-કમ્પ્યુટર). કેપ્ચા સુરક્ષા પદ્ધતિ છે. તે ખરાઇ કરે છે કે વેબસાઇટ પર અસલી માણસ જ કામ કરી રહ્યો છે, ઓટોમેટેડ સોફ્ટવેર નહીં. તેનો હેતુ વેબસાઇટ્સને હેકર્સ, સ્પૈમર્સ અને ઓટોમેટેડ બોટ્સથી સુરક્ષિત રાખવાનો છે.
કેપ્ચા શા માટે જરૂરી છે? અત્યારે ડિજિટલ યુગમાં આપણે બધું જ ઓનલાઈન કરીએ છીએ – શોપિંગ, બેંકિંગ, ટિકિટ બુકિંગ, સોશિયલ મીડિયા અને ઘણું બધું. ડિજિટલ દુનિયામાં ખાલી માણસો નથી પણ બોટ્સ પણ છે, એવા ઓટોમેટિક પ્રોગ્રામ જે અનેક રીતે નુકસાનકારક અને જોખમી છે. આ બોટ્સને રોકવા માટે કેપ્ચા સરળ અને અસરકારક રીત છે. કેપ્ચા ભલે તમને સાવ સામાન્ય લાગે, પરંતુ તે સાઇબર સુરક્ષાની પહેલી દીવાલ છે. સ્પૈમ – બોટ્સ ઘણીવાર વેબસાઇટ્સ પર નકામી કોમેન્ટ્સ, લિંક્સ અથવા જાહેરાતો પોસ્ટ કરે છે. કેપ્ચા તેને અટકાવે છે અને વેબસાઇટને સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે. ફેક એકાઉન્ટ બોટ્સ સોશિયલ મીડિયા અથવા ઇ-મેલ જેવી વેબસાઇટ્સ પર હજારો નકલી એકાઉન્ટ બનાવી શકે છે. કેપ્ચા તેમને આમ કરતા અટકાવે છે. ઓટોમેટિક ટિકિટ બુકિંગ બોટ્સ ઘણીવાર એકસાથે અનેક ટ્રેન, મૂવી અથવા ઇવેન્ટ ટિકિટો બુક કરે છે અને પછી તેને ઊંચા ભાવે વેચે છે. કેપ્ચા આવું થતું રોકવામાં મદદ કરે છે. વેબસાઇટ હેકિંગ બોટ્સ પાસવર્ડ અનુમાન લગાવવા માટે લાખો વખત પ્રયત્નો કરી શકે છે. આમ કરતા પહેલા કેપ્ચા ટેસ્ટ લે છે, જેમાં બોટ્સ નિષ્ફળ જાય છે. ડેટા ચોરી બોટ્સ વારંવાર ઓનલાઈન ફોર્મ જેમ કે કોન્ટેક્ટ ફોર્મ, ઈમેલ સબ્સ્ક્રિપ્શન વગેરે ભરીને વેબસાઇટ સર્વર પર લોડ લાવે છે. કેપ્ચા આ દુરુપયોગને અટકાવે છે.
બોટ્સ એટલે શું? બોટ્સ કે જેને રોબોટ પ્રોગ્રામ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓટોમેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેર છે જે ઇન્ટરનેટ પર માણસોની જેમ જ કામ કરી શકે છે, અને તે પણ અનેક ગણી ઝડપે. આ બોટ્સ થાક્યા વિના કે અટક્યા વિના, દર સેકન્ડે લાખો કામ કરી શકે છે. કેટલાક બોટ્સ સારું કામ કરે છે, પરંતુ કેટલાક બોટ્સનો ઉપયોગ ખરાબ કામ માટે થાય છે. એ કહેવાની જરૂર નથી કે ઇન્ટરનેટ પર સારાં કરતાં ખરાબ બોટ્સની સંખ્યા વધારે હોય છે.
કેપ્ચા કઇ રીતે કામ કરે છે? કેપ્ચાનું કામ એ સાબિત કરવાનું છે કે તમે માણસ છો. તે સામાન્ય રીતે એક નાની ટાસ્ક આપે છે, જે માણસો માટે સરળ હોય છે પણ મશીનો માટે મુશ્કેલ હોય છે. જેમ કે વાંકાચૂકા અક્ષરો વાંચવા અને લખવા, કેટલાક ફોટોમાંથી ટ્રાફિક લાઇટ કે બસને ઓળખો, i am not a robot ચેકબોક્સ પર ક્લિક કરો. માણસો આ પ્રકારનાં કામ એકદમ સરળતાથી પૂરાં કરી શકે છે કારણ કે આપણું મગજ અને આંખો વસ્તુઓને બુદ્ધિપૂર્વક ઓળખે છે. જો કે બોટ્સ (કમ્પ્યુટર પ્રોગ્રામ્સ) આ કાર્યોમાં નિષ્ફળ જાય છે કારણ કે તેમની પાસે સ્માર્ટ સેન્સ નથી હોતી અથવા તો ખૂબ જ ઓછી હોય છે. કેટલાક કેપ્ચા તમારા માઉસની હિલચાલ, ટાઇપિંગની સ્ટાઇલ અને વેબસાઇટ પર તમે કેટલો સમય વિતાવો છો તે પણ ટ્રેક કરે છે. તેનો ઉપયોગ કરીને તમે માણસ છો કે નહીં તે નક્કી કરે છે.
કેપ્ચાની શરૂઆત કઇ રીતે થઇ? કેપ્ચાનો વિચાર સૌપ્રથમ સાલ ૨૦૦૦ માં અમેરિકાની ‘કાર્નેગી મેલન યુનવર્સિટી ના વૈજ્ઞાનિકો લુઈસ વોન આહ્ન (Luis von Ahn) અને તેના સાથીદાર મેન્યુઅલ બ્લમ (Manuel Blum) તેમજ નિકોલસ હોપર (Nicholas Hopper)ને આવ્યો હતો. તેમનો ઉદ્દેશ નકલી એકાઉન્ટ બનાવનારા અથવા સ્પેમ ફેલાવતા ઓટોમેટેડ બોટ્સથી વેબસાઇટ્સને સુરક્ષિત રાખવાનો ઉપાય શોધવાનો હતો. તે સમયે ‘યાહૂ’ જેવી કંપનીઓ ઓનલાઈન ફોર્મ્સ અને એકાઉન્ટ્સ સાથે સંઘર્ષ કરી રહી હતી કારણ કે બોટ્સ હજારો નકલી એકાઉન્ટ્સ બનાવતાં હતાં. લુઈસ વોન આહ્ન અને તેમની ટીમે એક ઓટોમેટેડ ટેસ્ટ બનાવ્યો જે ફક્ત માણસો જ પાસ કરી શકે, બોટ્સ નહીં. આ ટેસ્ટનું નામ હતું કેપ્ચા – Completely Automated Public Turing test to tell Computers and Humans Apart. રસપ્રદ વાત એ છે કે કેપ્ચાનો વિચાર એલન ટ્યુરિંગના ‘ટ્યુરિંગ ટેસ્ટ’ થી પ્રેરિત હતો, એક એવો ટેસ્ટ જે કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકે છે કે કેમ તે નક્કી કરવા માટે બનાવવામાં આવ્યો હતો. કેપ્ચા પણ એ જ વિચાર સાથે બનાવવામાં આવ્યું, પરંતુ તેનો ઉપયોગ તેનાથી વિપરિત કામ માટે કરવામાં આવ્યો – માણસ અને કમ્પ્યુટરને અલગ પાડવા માટે. ત્યારબાદ કેપ્ચાનું વધુ આધુનિક સ્વરૂપ સામે આવ્યું, જે reકેપ્ચા તરીકે ઓળખાયું. તેને ૨૦૦૯ માં ‘ગૂગલ’એ ખરીદી લીધું. શરૂઆતમાં તે માત્ર સુરક્ષા પૂરતું સીમિત નહોતું પણ દુર્લભ પુસ્તકો અને જૂના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવાનો પણ હતો. આજનું reકેપ્ચા I am not a robot ચેકબોક્સથી લઈને માઉસની એક્ટિવિટી, ટાઇપિંગ અને બ્રાઉઝિંગ હેબિટના આધારે સામેની વ્યક્તિ માનવ છે કે બોટ છે તે નક્કી કરે છે.
શું કેપ્ચાને મૂર્ખ બનાવી શકાય? હા, ક્યારેક કેપ્ચાને પણ મૂર્ખ બનાવી શકાય છે. આજકાલ AI અને મશીન લર્નિંગ એટલા ઝડપી બની ગયા છે કે બોટ્સ પણ કેટલાંક કેપ્ચા, ખાસ કરીને જૂનાં ટેક્સ્ટ કેપ્ચા ઉકેલી શકે છે. કેટલાક બોટ્સે ટેક્સ્ટ ઓળખવાનું શીખી લીધું છે, ઇમેજ રિકગ્નિશન ટેકનોલોજી ફોટો ઓળખી શકે છે. કેટલાક હેકર્સ ‘કેપ્ચા ફાર્મ્સ’ નો ઉપયોગ કરે છે, જ્યાં માણસો પૈસાના બદલામાં કેપ્ચા ઉકેલે છે. જો કે આનો અર્થ એ નથી કે કેપ્ચા નકામા છે. અત્યારે AI ના સમયમાં પણ કેપ્ચા સુરક્ષા માટે મજબૂત ટૂલ છે, કંપનીઓ પણ તેને વધુ મજબૂત બનાવવા કામ કરે છે. કેપ્ચા એ નાનકડું પણ અત્યંત મહત્ત્વનુ સિકયૂરિટી ટૂલ છે. તે આપણને બોટ્સ, સ્પેમ અને સાઇબર હુમલાઓથી બચાવવા માટે ચુપચાપ કામ કરે છે. ભવિષ્યમાં, જ્યારે કેપ્ચા વધુ સ્માર્ટ બનશે, ત્યારે તમારે કંઈપણ ક્લિક કરવાની જરૂર પણ નહીં પડે – અને સુરક્ષા પહેલાં કરતાં વધુ સારી થશે.
કેપ્ચાના પ્રકાર સમયની સાથે કેપ્ચાનો પણ વિકાસ થતો ગયો. સાવ સાદા ટેક્સ્ટ તરીકે શરૂ થયેલા કેપ્ચાના આજે ઘણાબધા પ્રકાર છે.
૧ ટેક્સ્ટ કેપ્ચા: આડાઅવળા તેમજ નાના મોટા અક્ષરો અને નંબર દેખાય છે. જેને ઓળખીને તમારે બોક્સની અંદર લખવાના હોય છે. આ સૌથી જૂનો અને સૌથી વધારે ઉપયોગી કેપ્ચાનો પ્રકાર છે.
૨ ઇમેજ કેપ્ચા: ફોટોની એક ગ્રિડ એટલે કે ૮-૯ નાના ફોટો આવે છે, જેનીઅ ઉપર લખેલું હોય છે કે ‘ટ્રાફિક સિગ્નલવાળા ફોટો સિલેક્ટ કરો’ અથવા તો ‘બસ દેખાતી હોય તે ફોટો સિલેક્ટ કરો’ વગેરે. આ સિવાય ફોટોમાં કોઇ વસ્તુની દિશા નક્કી કરવાનું પણ પૂછવામાં આવે છે.
૩ ઓડિયો કેપ્ચા: આ રીત ખાસ કરીને દૃષ્ટિહીન લોકો માટે ઉપયોગી છે. જેમાં ઓડિયો સ્વરૂપે નંબર અથવા શબ્દ બોલવામાં આવે છે, જેને ટાઇપ કરવાનો હોય છે.
૪ મેથ કેપ્ચા: આમાં ગણિતનો કોઇ સવાલ પૂછેલો હોય છે, જેમ કે 9+8=? એવા સવાલ હોય છે કે જેમાં તર્ક લગાવવાની જરૂર પડે છે.
૫ બીહેવિયરલ કેપ્ચા: કોઈ સવાલ નથી પુછાતો, વેબસાઇટ તમારી એક્ટિવિટી જોઈને નક્કી કરે છે કે તમે માણસ છો કે બોટ્સ. તમારી એક્ટિવિટીના આધારે નિર્ણયો લે છે. i am not a robot કેપ્ચાનો સમાવેશ બીહેવિયરલ કેપ્ચામાં થાય છે. તમે જે રીતે ચેકબોક્સની અંદર ક્લિક કરો ત્યારે તમારા કર્સરની એક્ટિવિટી ટ્રેક કરવામાં આવે છે.
દિવ્ય ભાસ્કરની ‘રસરંગ’ પૂર્તિની ‘અપડેટ’ કોલમમાંથી સાભાર
-
ખરીદી ખુશીની
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ઓમુ આજે ખૂબ ખુશ હતો.
ઑફિસના કોઈ કામને લીધે દહેરાદૂનથી કાકા આવ્યા હતા અને ઓમુના ઘેર રોકાયા હતા. ઓમુએ કાકાની ખૂબ સેવાચાકરી કરી. કાકાને ગામમાં ફેરવ્યા અને નાનાં મોટાં કામ માટે સમયસર મદદ કરતો રહ્યો. આજે દહેરાદૂન પાછા જવાના સમયે કાકાએ ઓમુના હાથમાં દસ રૂપિયા મૂક્યા.
કાકાને ઓમુ ખૂબ વહાલો હતો. કાકા સુખી હતા, પણ એમને કોઈ સંતાન નહોતાં. કાકાની ઈચ્છા હતી કે, ઓમુને પોતાની સાથે દહેરાદૂન લઈ જાય. ત્યાં એને સારી સ્કૂલ અને પછી કૉલેજમાં ભણાવે.
ઓમુના બાપુ ગામની પાઠશાળાના ચોકીદાર હતા. એ કાકા જેટલા સંપન્ન નહોતા, પણ ઓમુની હાજરી જ એમના માટે સૌથી મોટું સુખ હતું. ઓમુ વગર ઘરમાં ક્યાં કોઈને ગમે?
નમ્ર અવાજે પણ પૂરી મક્કમતાથી ઓમુને મોકલવાની અનિચ્છા પ્રગટ કરી જ દીધી.
ઓમુને આજ સુધી ક્યારેય એક સામટા દસ રૂપિયા મળ્યા નહોતા. કાકાએ આપેલા દસ રૂપિયા જોઈને એ તો રાજીના રેડ. શું કરે? શું ખરીદે? એને સમજણ જ નહોતી પડતી.
“રવિવારે તારા બાપુ તને બજાર લઈ જશે. તારે જે લેવું હોય એ લેવામાં મદદ કરશે.” અંતે માએ ઉકેલ આણ્યો.
“અરે એવું શું કામ! પૈસા એના છે, એની મનમરજી હોય એ જાતે જ નક્કી કરે.” બાપુએ ઓમુના માથે જવાબદારી નાખી.
આ તો બહુ મઝાની વાત. ઓમુ વધુ ખુશ થઈ ગયો. દસ રૂપિયા તો મોટી રકમ. હવે એમાંથી જીતુ પાસે છે એવી એક પેન્સિલ, એક રબર અને જેની ખાસ જરૂર હતી એવું એક ફૂટપટ્ટી ખરીદી શકશે. ફૂટપટ્ટી વગર સીધી લીટી ખેંચવાનું અઘરું હતું. ફૂટપટ્ટી તો એ જરૂર લેશે.
બાપુ જોડે બજાર જવા નીકળ્યો ત્યારે આખા રસ્તે એટલો તો આનંદમાં હતો કે અનાયાસે ફિલ્મી ગીત ગાતો રહ્યો. બાપુ ફિલ્મી ગીત નહીં, પણ ભજન ગાવું જોઈએ એમ હંમેશાં કહેતા. પણ આજે તો એને મળેલી દસ રૂપિયાની અમીરીને લીધે ઓમુ ખુમારીમાં હતો.
******
“ભગવાનના નામે આ ગરીબને કંઈક આપો. બે દિવસથી ભૂખ્યો છું. ભગવાન તમારું ભલું કરશે.” ચાર રસ્તા પર બેઠેલો એક વૃદ્ધ આજીજી કરતો હતો.
ગરીબ વૃદ્ધની આંખોમાં આંસુ હતાં.
ઓમુને એ દિવસ યાદ આવ્યો જ્યારે એના બીમાર બાપુને હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. એમના માટેની દવાઓ, અલગ જાતના ભોજનની વ્યવસ્થા કરવી પડે એમ હતી. મા ભારે ચિંતામાં હતી. ઘરમાં પૈસા તો દૂરની વાત ખાવાનું સુદ્ધાં નહોતું.
માની વ્યથા જોઈને ઓમુએ કહ્યું હતું, “મા મને જરાય ભૂખ નથી. બપોરે રાજુની માએ અમને બંનેને બહુ બધું ખાવાનું આપ્યું હતું. હવે મારાથી તો જરાય ખવાશે નહીં. એક ગ્લાસ પાણી પી લઈશ, બસ. અને હા, પૈસાની વ્યવસ્થા થઈ જશે. તું ચિંતા ના કરતી.” કહીને એ પથારીમાં પડ્યો. ઊંઘવાની બહુ મથામણ કરી, પણ ભૂખના લીધે ઊંઘ આવી નહોતી.
ફરી ઓમુને એ ગરીબ વૃદ્ધનો અવાજ સંભળાયો. ભૂતકાળની ભૂતાવળમાંથી એ પાછો ફર્યો.
આરામથી ગરીબ વ્યક્તિને બે રૂપિયા આપી શકાય એમ હતા. બે રૂપિયા આપતાંય આઠ રૂપિયા એની પાસે રહેવાના હતા જેમાંથી એ ઘણી વસ્તુ લઈ શકે એમ હતો. એણે વૃદ્ધને બે રૂપિયા આપ્યા.
“બાબા, આમાંથી કંઈક ખાવાનું લઈ લેજો. ભૂખ લાગે ત્યારે પેટમાં કેવું દુઃખે એની મને ખબર છે.”
“ભગવાન તને રાજી રાખે બેટા. ભારે ભૂખથી મને પેટમાં દુઃખે છે. પણ કમજોરીના લીધે હું ક્યાં લેવા જઉં, તું લાવી આપીશ?”
ઓમુ દોડતો બજારમાં જઈને દોઢ રૂપિયાની પૂરી-ભાજી લઈ આવ્યો. આઠ આના હજુ વધતા હતા. બાજુની દુકાને જલેબી તળાતી જોઈ. પચાસ પૈસાની જલેબી લીધી.
બાબા તો ખુશ ખુશ.
“ઘણું જીવજે બેટા, ભગવાન તને લાંબી ઉંમર આપે. મોટો માણસ બને અને ખૂબ ધન કમાય એવી પ્રભુને પ્રાર્થના.”ભૂખથી પીડાતા એ માણસે ઝટપટ ખાવા માંડ્યું. નગરપાલિકાના નળ પરથી ઓમુએ પાણી લાવી આપ્યું. બાબા તો ભારે રાજી.
ફરી ફિલ્મી ગીત ગણગણતા ઓમુએ બાકીના આઠ રૂપિયામાંથી પેન્સિલ, રબર, ફૂટપટ્ટી લેવા બજાર તરફ ચાલવા માંડ્યું.
હજુ તો માંડ આગળ વધ્યો ત્યાં એનો દોસ્ત રાજુ સામે મળ્યો. આંખમાંથી લગાતાર આંસુ વહેતાં હતાં.
રાજુનો નાનો ભાઈ બીમાર હતો. માએ પાંચ રૂપિયા આપીને દવા લેવા મોકલ્યો હતો. લાંબી ભીડમાં ઊભા રહ્યા પછી જ્યારે એનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે ખીસ્સામાંથી કોઈએ રૂપિયા સેરવી લીધા હતા. દુકાનદારને હાથ-પગ જોડ્યા, પણ દુકાનદારે દાદ ન આપી. ભાઈને ભયંકર તાવ અને અનહદ પીડા થતી હતી. ભાઈને કંઈ થઈ ગયું તો? ભાઈ મરી જશે તો?
‘તો’ નામનો રાક્ષસ જડબું ફાડીને ઊભો હતો.
ઓમુની નજર સામે ફરી બાપુ તરી આવ્યા. એ દિવસે જો પાઠશાળાના પ્રિન્સિપાલે મદદ ન કરી હોત તો? આગળ વિચાર્યા વગર ઓમુએ બચેલા આઠ રૂપિયામાંથી દવા લેવા પાંચ રૂપિયા રાજુને આપ્યા.
“ઓમુ, મારી મા પાસે તને પાછા વાળવા પૈસા નહીં હોય તો?”
“ચિંતા ના કર દોસ્ત. તું દવા લઈને ઝટ ઘેર જા. તારો ભાઈ જરૂર સાજો થઈ જશે.”
હવે ફક્ત ત્રણ રૂપિયા બચ્યા. ક્ષણભર ઓમુ થોડો ઉદાસ થઈ ગયો. એના બાપુ ક્યારેય એને એક સામટા દસ રૂપિયા આપી શકે એમ નહોતા.
જોકે હજુ ત્રણ રૂપિયામાંથી કંઈક તો મળી જ જશે એ વિચારે ઓમુની ચાલમાં તેજી આવી.
આહાહા…બજારમાં જાતજાતની પેન્સિલ, રબર અને એને જોઈતી હતી એવી જ ફૂટપટ્ટી હતી.
ત્યાં ઓમુની નજર બાજુની દુકાનમાં ગોઠવેલી કાચની રંગબેરંગી બંગડીઓ પર પડી. માના અડવા હાથ યાદ આવ્યા. કામ કરતાં કરતાં બંગડીઓ તૂટી ગઈ પછી પૈસાના અભાવે બીજી બંગડી લઈ શકી નહોતી. બંગડીઓથી ભરેલા માના હાથની ઓમુએ કેટલીય વાર કલ્પના કરી હતી?
ત્રણ રૂપિયામાં મીનાકારીવાળી બે ડઝન બંગડીઓ લીધી અને માને આપી. બરાબર માના હાથના માપની હતી. મા ખુશ.
બંગડીઓ પહેરેલા હાથ કેવા શોભતા હતા? ઓમુ પણ ખુશ.
“અરે, પણ તું તારા માટે શું લાવ્યો?” માએ પૂછ્યું.
“હું…..?” એકાદ પળ અટકીને ઓમુ એકદમ ખુશહાલ ચહેરે બોલ્યો, મેં મારા માટે ખુશી ખરીદી.”
ફરી એની ગમતી ધૂન ગણગણતો રમવા દોડી ગયો.
ડૉ. શોભા ઘોષ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
SMS
નલિની રાવલ
“મેસેજ આયા મેસેજ આયા મેસેજ આયા…” ની કોલર ટ્યુન સુમિત્રાબેનના મોબાઇલ પર ગાજી. સાંજના સાતેક વાગ્યે સુમિત્રાબેન રસોડામાં રસોઈ કરી રહ્યા હતા અને મોબાઇલ હંમેશની જેમ તેમનાથી ઘણે દૂર ડ્રોઈંગરૂમમાં પડ્યો હતો. ટ્રાન્ઝિસ્ટર રેડિયો પર રેડિયો મિર્ચી સાંભળતા કામ કરી રહેલા સુમિત્રાબેનને ફોન ન સંભળાયો. તેમના પતિ કાંતિભાઈએ ડોરબેલ વગાડી ત્યારે તે દરવાજો ખોલવા ગયા, અને મોબાઈલ ચેક કર્યો, તો 2 મિસકોલ ને મેસેજ હતો.
“હશે… નવરી પડીશ,ત્યારે જોઈશ…” વિચારી સુમિત્રાબેને કાંતિભાઈ માટે હાથ મોઢું ધોવા ગેસ પર પાણી મૂક્યું. “સાંભળો છો? આ વખતે ઠંડી પણ ખૂબ આકરી પડી… ઠંડા પાણીમાં તો હાથ નથી નખાતો. તમારા માટે ગરમ પાણી મૂક્યું છે, ઠંડા પાણીએ પાછા હાથ પગ મોઢું ન ધોઈ લેતા…” કહેતા સાડલાના છેડે હાથ લૂછીને તેમણે ભાખરી કરવી શરૂ કરી. કાંતિભાઈ હાથ મોઢું ગરમ પાણીએ ધોઈને ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. સુમિત્રાબેને ગરમ ગરમ ભાખરી પીરસી. નિયમ મુજબ જમતી વખતે કાંતિભાઈએ વાતનો દોર ચાલુ રાખ્યો.
“આજે તો મનસુખભાઈ પરીખ રજા પર હતા…. એમની દીકરીને સાસરે ખૂબ દુઃખ હતું. સાસરિયાના દબાણમાં એ પાછી ઘેર ન આવી, તો જીવતી બાળી નાખી. એનો નાનકડો દીકરો ન’માયો થઈ ગયો. સાંજે ઓફિસ છૂટ્યા પછી આખો સ્ટાફ તેમને ત્યાં ગયો હતો. બંને પતિ-પત્નીની તો હાલત બહુજ ખરાબ હતી એના મિસિસ તો બેભાન થઈ ગયા હતા.”
“અરેરેરે…! માણસો આવું કેમ કરતા હશે? વાજતે ગાજતે લગ્ન કરીને વહુ લઈ આવતા લોકો, કેમ વહુના દુશ્મન થઈ જતા હશે ?અને… મનસુખભાઈ પણ કેવા..! દુઃખી દીકરીને સાસરે રહેવા જ કેમ દીધી? દીકરી પરણાવી દીધી એટલે સંબંધ થોડા જ પૂરા થઇ જાય છે? ”
“પણ, મનસુખભાઈને તો આવી કશી જાણ જ નહોતી ને ! દીકરીએ પાંચ વર્ષના લગ્ન જીવનમાં અણસાર સુદ્ધાં માબાપને આવવા દીધો નહોતો. એટલે તો મનસુખભાઈને વધારે દુઃખ થતું હતું કે દીકરી કંઈ બોલી કેમ નહીં… ”
કાંતિભાઈએ દુઃખી અવાજમાં કહ્યું. બંનું મન ઉદાસ થઈ ગયું. રોજની જેમ જમીને ટીવી પર સમાચાર જોવાનો નિયમ પણ કાંતિભાઈ ભૂલી ગયા, અને બેઠા બેઠા મેગેઝીનના પાનાં ફેરવવા લાગ્યા. રસોડું આટોપીને સુમિત્રાબેન ડ્રોઈંગરૂમમાં સાડીના પાલવે હાથ લુછતાં લુછતાં આવ્યા અને અચાનક તેમને મોબાઇલ યાદ આવ્યો. “કોનો એસએમએસ હશે? કોનો મિસ કોલ હશે?” વિચારતા તેમણે ફોન ઉપાડ્યો, ને આમતેમ ચશ્માની શોધખોળ શરૂ કરી.
“શું કરે છે? ” કાંતિભાઈ એ પૂછ્યું.
“આ જુઓને, ચશ્મા મૂકીને ભૂલી જવાય છે અને જોઈએ ત્યારે જડતા નથી.”
કાંતિભાઈએ કહ્યું, ” એક જગ્યા નક્કી કરી રાખો તો આવું ન થાય. પણ અત્યારે ચશ્મા શું કરવા છે? ”
“મૂકોને..! નથી જોઈતા ચશ્મા આ મોબાઇલમાં મિસકોલ છે, અને એસએમએસ આવ્યા છે તે તમે જોઈ આપો, લ્યો…!”કહી સુમિત્રાબહેને મોબાઈલ કાંતિભાઈના હાથમાં મુક્યો. કાંતિભાઈએ મોબાઇલ લીધો અને બોલ્યા. “એક મિસ કોલ તો વિદ્યાનગરથી આપણા યતીનનો છે બીજો મિસકોલ તારી બેન પ્રવીણાનો છે. પ્રવીણા પણ ખરી છે હો… આપણા કરતાં તો એ પૈસાવાળી છે.. તો પણ એક કોલ નથી કરી શકતી”.
“એ તો એક નંબરની લોભણી છે. એનું કામ હોય અને પાછો ફોન પણ આપણે જ કરવાનો. હું તો કરતી જ નથી ને… કામ હોય તો કરે ફોન” સુમિત્રાબેન બોલ્યા.એ દરમ્યાનમાં કાંતિભાઈએ એસએમએસ ઓપન કરી લીધો હતો. આ એસએમએસ એમની દીકરી સુનિધિનો હતો…..”
મમ્મી.. પપ્પા… મને માફ કરજો, હું તમારા આપેલા જીવનને સાચવી ન શકી, હું મારું જીવન ટૂંકાવું છું, મારા મોત માટે કોઈ જ જવાબદાર નથી. મારી દીકરીનું સુનિધિ માનીને પાલનપોષણ કરજો… ”
એસએમએસ વાંચતા વાંચતા તો કાંતિભાઈના પગ નીચેથી જાણે ધરતી જ ખસી ગઈ.
“ના… ના.. આવું ન બને… હજુ સાંજે તો ફોન પર તેની સાથે વાત થઈ છે…ના… ના.. આવું ન બને. કેટલી ખુશ હતી, એના પતિ સુકેતુ અને દીકરી અંશુ સાથે દરિયે ફરવા જવાનું કહેતી હતી…. ”
‘શું છે? શું બબડો છો? કોનો એસએમએસ છે? ” સુમિત્રાબેન ને ફાળ પડી. એસએમએસની વિગત જાણવા તે અધીરા થઈ ગયા. કાંતિભાઈએ કંઈ પણ બોલ્યા વગર મોબાઈલ સુમિત્રાબેનના હાથમાં પકડાવી દીધો, અને પોતાના ચશ્મા ધ્રુજતા હાથે તેમના હાથમાં પકડાવ્યા. સુમિત્રાબેનને કાંતિભાઈનો ચહેરો જોઈને કંઈક અજુગતું થયાનો અણસાર આવી ગયો, પણ મન મક્કમ કરી એસએમએસ વાંચ્યો અને ત્યાં જ સોફા પર ફસડાઈ પડ્યા.
“તું આમ હિમ્મત ન હાર…આ કોઈકની મજાક છે, આપણી સુનિધિ…!ના…ના..!” જે વાત એમના મનને ઢંઢોળતી હતી અને માનવા ન માનવાની અવઢવમાં અટવાતી હતી તે વાત ન માનવા કાંતિભાઈ સુમિત્રાબેનને સમજાવી રહ્યા હતા. તેમણે તરત સુનિધિના સાસરે ફોન જોડ્યો. ફોન સુનીધિની સાસુએ ઉપાડ્યો.
” જય શ્રીકૃષ્ણ બેન! હું કાંતિભાઈ.. કેમ છો? ”
” જય શ્રીકૃષ્ણ કાંતિભાઈ મજામાં ને? શું કરે છે સુમિત્રાબેન? ”
“એ મજામાં છે સુમંતભાઈની તબિયત કેમ છે? સુકેતુકુમાર, સુનિધિ,બાળકો બધા મજામાં ને?”
મનના ફફડાટ પર કાબુ રાખતા કાંતિભાઈ બોલ્યા. પણ, સામે છેડેથી વેવાણના અવાજ પરથી એવું ન લાગ્યું કે, કંઈ અજુગતું બન્યું છે.
“અરે..! બધા મજામાં.. અત્યારે વેકેશન છે એટલે શુચિને લઈને બંને ફરવા ગયા છે. બીજું ફરમાવો…..!” કાંતિભાઈના મનમાં હાશકારો થયો. તેમણે કહ્યું બસ બેન, ફરમાવાનું શું?આ તો અમસ્તો જ ફોન કર્યો. તમારા બધાની યાદ આવીને એટલે…. લ્યો સુમિત્રાને આપુ.”
સુમિત્રાબેન કાંતિભાઈનો વાર્તાલાપ સાંભળી સ્વસ્થ થઈ ગયા હતા. તેમણે પણ વેવાણ સાથે સુખાકારીની આડીઅવળી વાતો કરી ફોન મૂકી દીધો, અને સુવાની તૈયારી કરવા લાગ્યા. કાંતિભાઈએ ન્યુઝ ચેનલ ચાલુ કરી, અને દસેક મિનિટ ટીવી જોઈ હળવાશ અનુભવીને બેડરૂમમાં સુવા ગયા. રાતના લગભગ પોણા બાર થયા હશે.કાંતિભાઈનો મોબાઇલ રણક્યો. પહેલી બે ત્રણ રિંગ તો સાંભળી ન સાંભળી થઈ, ઘડિયાળમાં જોયું તો પોણા બાર થયા હતા. “અત્યારે કોણ હશે…?”તે બબડયા. નંબર જોયો તો સુકેતુકુમારનો નંબર હતો. મનમાં શંકાઓનો સમુદ્ર ફરી વળ્યો. તેમણે તરત ફોન ઉપાડ્યો.
“હેલો… બોલો સુકેતુ કેમ છો?”
“પપ્પા… પપ્પા…” સુકેતુ ધ્રુસ્કે ચડ્યો હતો.
” શું થયું?..કંઈ કહો તો ખરા? ”
” પપ્પા… સુનિધિ.. ” તે આગળ ન બોલી શક્યો.
“શું થયું સુનિધીને?”….. કાંતિભાઈ લગભગ બરાડી પડ્યા. સુમિત્રાબેન સફાળા બેઠા થઈ ગયા.
‘પપ્પા….” સુકેતુએ રડતા રડતા કહ્યું, “પપ્પા… સુનિધિએ દરિયામાં ઝંપલાવી દીધું…” અને તેનું ડૂસકું કાંતિભાઈને સંભળાયુ. કાંતિભાઈને તરત પેલો એસએમએસ યાદ આવી ગયો. તો શું તે મેસેજ સાચો હતો? અને તેમના હાથમાંથી ફોન પડી ગયો. સુમિત્રાબેને તેમને ઢંઢોળ્યા. હં.. હં… કરતા કાંતિભાઈ વર્તમાનમાં આવ્યા અને સુમિત્રાબેનનો હાથ પકડી બોલ્યા, “આપણે સુનિધિના ઘેર જવાનું છે….”
“પણ શું કામ?.. અડધી રાત્રે….? શું થયું? હાફળાંફાંફળાં થયેલા સુમિત્રાબેને પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.
“તું ઊઠ તો ખરી… ચાલ જલ્દી…!”
“પેલો એસએમએસ…!” સુમિત્રાબેનનો પ્રશ્ન અધૂરો રહ્યો. બંને સુનિધિનાં ઘરે પહોંચ્યા. ચાર પાડોશી ને ઘરના સિવાય કોઈ નહોતું. વેવાણ સુમતિબહેન રડતાં હતાં અને વેવાઈ સુમંતભાઈ.. નાની શુચિને ખોળામાં પંપાળતા હતા. તેમની આંખોમાં પણ આંસુ હતા.
સુમિત્રાબેને સુનિધીને ન જોઈ, માનું કાળજુ કંપી ગયું. મગજમાં મેસેજ આયા, મેસેજ આયા… ની રિંગટોન ઘુમરાવા લાગી.તેમણે લગભગ દોટ જ મૂકી. સુમતિબહેન પાસે જઈ પૂછ્યું, “શું થયું સુમતિબેન…? સુકેતુકુમાર સુનિધિ ક્યાં..?” સુમતિબેન ધ્રુસકે ચડ્યા. સુનિધિ તો તેમની લાડકી દીકરી હતી. વહુની જેમ તેમણે ક્યારેય કોઈ દિવસ તેને રાખી ન હતી.તેમના પાડોશી શીલાબેને વાત પકડી લીધી.
“બેન… શાંતિથી સાંભળો..! જે થવાનું હતું, તે થઈ ગયું. થવા કાળને કોણ રોકી શકે? કાળ માથે ચડી બેઠો, ને દીકરી હતી ન હતી થઈ ગઈ…. ”
“શું છે? આવી ગોળ ગોળ વાત કેમ કરો છો? કોની દીકરી હતી ન હતી થઈ ગઈ?”
સુમિત્રાબેન તાડુક્યાં. ત્યાં જ સુનિધિની નાની નણંદ આવી, અને સુમિત્રાબહેનના ખોળામાં માથું નાખી રડવા લાગી,
“માસી… ભાભીએ આવું કેમ કર્યું? ભાભીને આપઘાત કરવાની શું જરૂર હતી?”
આ સાંભળી સુમિત્રાબેને કાંતિભાઈની સામે જોયું, કાંતિભાઈએ હા માં માથું ધુણાવ્યું… અને પછી તો સુમિત્રાબહેનના બધા જ બંધ છૂટી પડ્યા. તે સુમતિબહેનને વળગીને પોકે પોકે રડી પડ્યાં. સુમતિબહેનનું પણ રુદન હૈયાફાટ બની ગયું હતું. નાની શુચી પણ રડતી હતી. પડોશીઓએ બધાને પાણી આપ્યું પણ પાણી પીવાની ઈચ્છા જ ક્યાં કોઈનામાં હતી ! કલાક દોઢ કલાક બાદ રડવાનું બંધ થયું, પણ ડૂસકાં તો ચાલુ જ હતા. કાંતિભાઈએ શુચિના માથે હાથ ફેરવતા ફેરવતા સુમંતભાઈ તરફ પ્રશ્નાર્થની નજરે જોયું.
“આજે સાંજે તો હસતા આનંદ કરતા સુકેતુ સુનિધિ શુચીને લઈને દરિયે ફરવા ગયાં હતાં. તેઓ બહાર જ જમવાના હતા. આજે રવિવાર હતો, એટલે સુનિધિએ શીરો પણ બનાવ્યો હતો. એના વર્તન પરથી કોઈ રીતે નહોતું લાગતું કે તે આવું પગલું ભરશે! તમને તો ખબર છે, સુનિધિ તો અમારી તો લાડકી હતી…..”
સુમંતભાઈ બોલ્યા. સુકેતુએ પણ ટાપસી પુરી.
“હા પપ્પા… આજે તો હું સ્કૂટર પણ નહોતો લઈ ગયો. સુનિધિની ઈચ્છા હતી, ટેક્સીમાં જવું છે. કેમ શુચિ….!” શુચિ કઈ ન બોલી, તેની સામે તાકી રહી અને દાદાના ખોળામાં વધુ લપાઈ ગઈ. સુમંતભાઈએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. મળસ્કે પોલીસ આવી પહોંચી.
“રાત ભર લાશ કી તલાશ કી, પર અબ તક લાશ નહીં મિલી ખોજ અભિ જારી હૈ. સુકેતુ કૌન હૈ ભાઈ, આપ લોગો મેં…?” ઇન્સ્પેક્ટરના પ્રશ્ન પર સુકેતુ આગળ આવ્યો. “તેરી બીવી થી?” ” જી હા…” પગથી માથા સુધી નજરમાં જ માપતા ઇન્સ્પેક્ટર એ કહ્યું, “૧૦ બજે આ જાના થાને પર પૂછતાછ કરની હૈ. ” અને ડંડા ફટકારતી પોલીસ જતી રહી.બધા એમને એમ પથ્થર બની બેસી રહ્યા. કાંતિભાઈ અને સુમંતભાઈ બધા સગા સંબંધીઓને ફોન કરવા નામ અને ફોન નંબર લખતા ગયા. પડોશી મયંકભાઈ કે જે ઘરના સદસ્ય જેવા હતા તેમણે ફોન કરવા શરૂ કર્યા. મયંકભાઈના મિસિસ શીલાબેન ઘરે બધા માટે ચા બનાવવા ગયા. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ સગા સંબંધી મિત્રો આવવા લાગ્યા.
સુકેતુ પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશને જવા નીકળી ગયો હતો. પોલીસ સ્ટેશને પૂછતાછમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા સુકેતુએ ઘટનાનું વિવરણ આપ્યું અને કહ્યું,
“સાહેબ… હજુ તો હું કંઈ સમજુ ત્યાં તો તેણે દરિયામાં ઝંપલાવી જ દીધું.” વારંવાર એકની એક વાત પૂછાતા તે અકળાયો અને ગુસ્સે થઈને બોલી ઉઠ્યો,
“જનાર જતી રહી.. હવે શું છે મારો જીવ લેશો કે શું…?” સુકેતુના આ વાક્યથી દૂર બેઠેલા ઇન્સ્પેક્ટરના કાન ચમક્યા. ટાચણીથી દાંત ખોતરતા ટેબલ પર લાંબા પગ કરી બેઠેલા ઇન્સ્પેક્ટરે ટાંચણી ફેંકી દીધી. હાથમાં તેનો દંડુકો લઈને સાથળ પર પછાડતો પછાડતો તે સુકેતુ નજીક આવ્યો. દાઢીએથી પકડીને એનું મોઢું પોતાના તરફ ફેરવી, નેણ ઉલાળી તેની સામે તીખી આંખોથી જોયું. આ દૃષ્ટિ સુકેતુના હૈયા સોસરવી નીકળી ગઈ.
“ક્યોં..બે..! બહોત ચરબી ચડ ગઈ છે ક્યા? બીવી કો સમંદર મેં ધક્કા દે કે, ઉસીકે ફોન સે ઉસકે હી બાપ કો જુઠા એસએમએસ કર દિયા હૈ, ઔર અબ જૂઠ બોલતા હૈ સા….લા..! પોલીસ કો ઘુમાતા હૈ..?”
” શું કહો છો સાહેબ..? હું. હું.. હું…એવું કરું? ” સુકેતુની જીભે તેનો સાથ છોડી દીધો અને તે તતબબ કરવા લાગ્યો. “ક્યા બોલા બે….!તેરી તો….!” કહી ઇન્સ્પેક્ટરે જેવો હાથ ઉપાડ્યો કે તેણે ચહેરા આડા બે હાથ ધરી દીધા.
“કહું છું… .. કહું છું…. સાહેબ… તમને કેવી રીતે ખબર પડી કે મેં……?”
“તેરે જેસે સૌ શાતિર રોજ યહાં આતે હૈ…. સમજા ક્યા…? ક્યોં મારા બીવી કો? કોઈ દૂસરા લફડા થા…? ”
અને….. સુકેતુ પોપટની જેમ સાચું બોલવા લાગ્યો સુકેતુ અને શ્યામલી બંને સાથે નોકરી કરતા હતા. બંનેને પરણવું હતું અને આ લગ્ન વચ્ચે અવરોધ હતી સુનિધિ.. બંનેના ઝઘડા વધતા ચાલ્યા. શ્યામલી પણ ઝઘડે સુનિધિ પણ ઝઘડે. અંતે કંટાળીને સુનિધિનું કાટલું કાઢી નાખ્યું. સુનિધીનાજ મોબાઈલથી આત્મહત્યાનો મેસેજ કરી દીધો, જેથી આ હત્યા આત્મહત્યામાં ખપી જાય. પોલીસે હત્યાનો મામલો ચોપડે નોંધી લીધો અને સુકેતુને હવાલાત ભેગો કરી તેના ઘરે ખબર આપ્યા.
સુકેતુના માતા પિતા સુમંતભાઈ અને સુમતિબહેને તો તરત જ દીકરાના નામનું નાહી નાખ્યું કારણ કે, તે પણ સુનિધીને દીકરીની જેમ રાખતા હતા. એમને તો સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે દીકરો આવો નપાવટ નીકળશે. સુમંતભાઈ ભગવાનને પ્રાર્થી રહ્યા,
“ભગવાન સુકેતુને ફાંસીની સજા કરજો, અને સાત જન્મે આવો કપાતર ન આપજો.”
સુમિત્રાબહેન અને કાંતિભાઈના તો પગ જ ભાંગી ગયા છે. કાંતિભાઈ પુરુષ છે હૈયું કાઠું કરીને બેઠાનો ડોળ કરે છે…. પણ સુમિત્રાબહેનતો સૂનમૂન થઈ ગયા છે. બારણે પથરાયેલી આંખોને છે, દીકરીના અંતિમ દર્શનની પ્રતીક્ષા….
******સમાપ્ત******
નલિની રાવલ
સરનામું : 28 હરિ કૃપા સોસાયટી,
જી બી ટ્રેનિંગ સેન્ટર પાસે
ઇસ્કોન હાઇટ્સની સામે
ગોત્રી રોડ વડોદરા 390021
મોબાઈલ : 962472 1529 -
વાદ્યવિશેષ (૩૧) : ફૂંકવાદ્યો (૭) : ક્લેરીનેટ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ક્લેરીનેટ (ઘણા લોકો ક્લેરીઓનેટ પણ કહે છે) ફૂંકવાદ્યો તરીકે જાણીતાં વાદ્યોમાંનું એક છે. ઉપરની તસવીરમાં જોઈ સ્શકાય છે તેમ તેની રચનામાં મુખ્યત્વે લગભગ દોઢથી બે ફીટ લંબાઈનો અને ૧૫ સેન્ટીમીટર વ્યાસ ધરાવતો ધાતુનો પોલો નળાકાર જોવા મળે છે. તેના બહારી છેડે એક ભુંગળ જેવી રચના હોય છે, જ્યારે નળાકારના સામેના છેડે જેના વડે વાદ્યમાં ફૂંક મારી શકાય તેવી માઉથ પીસ કહેવાતી પાતળી રચના જોડાયેલી હોય છે. માઉથપીસમાં રીડ તરીકે જાણીતી એક પાતળી પટ્ટી હોય છે, જેની મદદથી વાદ્યમાં ભરાતી હવા ચોક્કસ માત્રામાં કંપી, નળાકારની બહાર નીકળતી વખતે ખાસ સ્વર નીપજાવે છે. બહાર નીકળતી હવાને નળાકાર ઉપર નિયત અંતરે ગોઠવાયેલ ચાંપો વડે નિયંત્રીત કરી, અપેક્ષિત ધૂન વગાડવામાં આવે છે.

ક્લેરીનેટ વિવિધ આકારોમાં અને પ્રકારોમાં મળી આવે છે. જો કે તમામ પ્રકારોની મૂળ રચના તો સમાન જ હોય છે. સામાન્ય રીતે વરઘોડામાં અને સરઘસો સાથે વાગતાં બેન્ડમાં આ વાદ્ય અચૂક જોવા મળે છે. આ કારણથી તેને સાદું વાદ્ય ગણી લેવાય છે. પણ, સંગીતના જાણકારો તેને એક સંપૂર્ણ વાદ્ય તરીકે ઓળખાવે છે. ભારતીય તેમ જ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના કલાકારોએ ક્લેરીનેટ પર બહુ યાદગાર રચનાઓ છેડી છે. ઉદાહરણ તરીકે મીઠાલાલ વર્મા નામેરી કલાકાર આ વાદ્ય પર પહાડી ઠૂમરી રજૂ કરી રહ્યા છે. આ ધૂન સાંભળવાથી ક્લેરીનેટના સ્વરનો પરિચય થઈ શકશે.
હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદમાં ક્લેરીનેટનો સારો એવો ઉપયોગ થયો છે. આપણે કેટલાંક ચુનંદાં ઉદાહરણો માણીએ.
૧૯૪૧ની ફિલ્મ ખજાનચીના ગીત ‘લૌટ ગયી પાપન અંધિયારી’ના વાદ્યવૃંદમાં સંગીતકાર ગુલામ હૈદરે ક્લેરીનેટનો સુપેરે ઉપયોગ કર્યો છે.
ફિલ્મ મહલ(૧૯૪૯) માટે સંગીતકાર ખેમચંદ પ્રકાશે તૈયાર કરેલાં ગીતો હિન્દી ફિલ્મી સંગીત માટે સીમા ચિહ્ન્રરૂપ બની રહ્યાં છે. અહીં તે પૈકીનું એક ‘મુશ્કિલ હૈ બહોત મુશ્કિલ, ચાહત કા ભૂલા દેના’ સાંભળતાં ખ્યાલ આવશે કે ગાયકી સાથે ક્લેરીનેટ કાને પડતું રહે છે.
સચીનદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ફિલ્મ અફસર(૧૯૫૦)નાં ગીતો આજે સાડાસાત દાયકા પછી પણ ચાહકોમાં ભારે પ્રિય બની રહ્યાં છે. તે પૈકીના એક ‘નૈના દિવાને કુછ નહીં માને’ સાથે ક્લેરીનેટની મધુર સંગત માણીએ.
ફિલ્મ આરામ(૧૯૫૧)ના સંગીતકાર હતા અનિલ બિશ્વાસ. તેમણે આ ફિલ્મના યાદગાર ગીત ‘મીલ મીલ કે બીછડ ગયે નૈન’ના વાદ્યવૃંદમાં ક્લેરીનેટનો પ્રભાવક ઉપયોગ કર્યો છે.
૧૯૫૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ બૈજુ બાવરાની સફળતામાં નૌશાદની ધૂનો પર બનેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. તે પૈકીના એક ગીત ‘ઝૂલે મેં પવન કે આયી બહાર’માં ક્લેરીનેટના ધ્યાનાકર્ષક અંશો કાને પડતા રહે છે.
બહોત દિન હુએ(૧૯૫૪) નામની પ્રમાણમાં અજાણી ફિલ્મનું ગીત, ‘હીલ મીલ પૂજીયે નાગદેવતા’ માણીએ. એના વાદ્યવૃંદમાં ક્લેરીનેટના ટૂકડા આસાનીથી પારખી શકાય છે. આ ફિલ્મનું સંગીત પણ અજાણ્યા કહી શકાય સંગીતકારો શંકર શાસ્ત્રી અને બાલકૃષ્ણ કલ્લા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે(૧૯૫૫) ના ગીત ‘સૂનો સૂનો મોરે રસીયા’ના વાદ્યવૃંદમાં ક્લેરીનેટનો અસરકારક પ્રયોગ થયેલો માણી શકાય છે. સંગીતકાર હતા વસંત દેસાઈ.
૧૯૫૬ની ફિલ્મ ઢાકે કી મલમલનું એક ગીત ‘જાદૂગર સાંવરીયા’ ક્લેરીનેટના કર્ણપ્રિય અંશોથી મઢેલું છે. આ ફિલ્મનું સંગીત ઓ.પી.નૈયરે તૈયાર કર્યું હતું.
હવે માણીએ ફિલ્મ સચ્ચા જૂઠાનું ક્લેરીનેટપ્રધાન ગીત ‘મેરી પ્યારી બહનીયાં બનેગી દુલ્હનીયાં’. સંગીત કલ્યાણજી-આણંદજીએ તૈયાર કર્યું હતું, પ્રસ્તુત ક્લીપમાં નાયક એક વરઘોડામાં વિવિધ વાદ્યો વગાડે છે, જ્યાં 0.59 થી 1.7 દરમિયાન તે ક્લેરીનેટ છેડી રહેલો જોઈ શકાય છે.
વરઘોડાને સંલગ્ન વધુ એક ગીત માણીએ. ૧૯૭૩ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ગુલામ બેગમ બાદશાહ માટે સંગીત કલ્યાણજી-આણંદજીએ તૈયાર કર્યું હતું. તે ફિલ્મનું ગીત ‘ઘોડી પે હો કર સવાર’ ક્લેરીનેટના પ્રભાવક અંશોથી સજેલું છે.
https://www.youtube.com/watch?v=ofCjicIg_Bg
ફિલ્મ ફાઈવ રાઈફલ્સ(૧૯૭૪)માં કલ્યાણજી-આણંદજીનું સંગીતનિર્દેશન હતું. ઉક્ત ફિલ્મના ગીત ‘જબ સે સરકાર ને ‘નશાબંદી તોડ દી’માં ગાયકીની સાથે સાથે ક્લેરીનેટના સૂરો વહેતા રહે છે.
https://www.youtube.com/watch?v=nVwZzXK_buI
પ્રસ્તુત ગીત ‘મેરી કિસ્મત મેં તૂ નહીં શાયદ’માં કરુણ ભાવ ઉપજાવવા માટે ક્લેરીનેટના સૂરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત ધરાવતી ફિલ્મ પ્રેમરોગ(૧૯૮૨)નાં ગીતો આજે પણ ખાસ્સાં લોકપ્રિય છે.
https://www.youtube.com/watch?v=F9EI6cz_ff4
આજની કડીની આખરમાં ૧૯૮૩ની ફિલ્મ મવાલીનું ક્લેરીનેટના કર્ણપ્રિય અંશો ધરાવતું ગીત ‘રામા રામા રામા રામા રામા રામા’ સાંભળીએ. સંગીત નિર્દેશન બપ્પી લાહીરીનું છે.
https://www.youtube.com/watch?v=RYO2y6fVfaU
અહીં અટકીએ. હવે પછીની કડીમાં અન્ય એક ફૂંકવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
