વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૧૦૫. કુમાર શર્મા બનવાસી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    નામ પરથી એવું લાગે છે કે કુમાર શર્મા આ ગીતકારનું નામ અને બનવાસી તખલ્લુસ હશે. જો કે એમણે લખેલા ગીતોમાંના કોઈમાં એ તખલ્લુસનો ઉપયોગ થયો હોય એવું ભળાતું નથી. એમણે લખેલા કુલ વીસ ગીતોમાંથી ૬ મેનેજર ( ૧૯૪૭ ) ના, ૬ કિસ કી જીત ( ૧૯૪૮ ) ના, ૫ આફ્રિકા ( ૧૯૫૪ ) ના અને એક – એક ગીત વનરાજ ( ૧૯૫૨ ), બિહારી ( ૧૯૪૮ ) અને સિપૈયા ( ૧૯૪૯ ) નું છે.

    એમની એક માત્ર ગઝલ –

    દિલ કી દુનિયા પે છા ગયા કોઈ
    મુજકો અપના બના ગયા કોઈ

    મૈને અબ તક ન કુછ ભી સીખા થા
    પ્યાર કરના સિખા ગયા કોઈ

    મસ્ત આંખોં કે એક ઈશારે સે
    આગ દિલ મેં લગા ગયા કોઈ

    ચૈન તબ સે હી હો ગયા રુખસદ
    આંખ જબ સે લડા ગયા કોઈ

    પ્યાર મેં મૈં તો હો ગઈ પાગલ
    મુજ પે જાદૂ ચલા ગયા કોઈ..

     

    – ફિલ્મ : આફ્રિકા ૧૯૫૪
    – મુબારક બેગમ
    – રોબિન ચેટર્જી


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • એસ ધમ્મો સનંતનો – બે મહાકાવ્યો: શ્રીમદ્ રામાયણ અને મહાભારત [૩]

    પ્રવાસી યુ. ધોળકિયા

    સનાતન પરંપરાના એક ઘટક પૌરાણિક હિંદુ ધર્મ પર હવે આપણે પ્રકાશ પાડીશું.

    અગાઉના લેખમાં આપણે નોંધ્યું છે કે આગમ અને તંત્ર એ આ પૌરાણિક ધર્મના બે સ્તંભો છે. અત્રે આપણે એ પણ જણાવીએ કે પૌરાણિક ધર્મનાં બીજાં બે મહત્ત્વનાં અંગો રામાયણ અને મહાભારત છે.

    બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના પ્રથમ ભાગમાં આપણે કથા પ્રારંભ, રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?, રામના ચારિત્ર્ય અંગેની ટીકાઓ, તેમજ રામાયણ અને મહાભારત કાળનો સમાજ જેવાં વિવિધ પાસાંઓની વાત કરી.

    તે પછી બીજા ભાગમાં ભારતીય સંસ્કૃતિનાં આ બે મહાકાવ્યોની મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણતરી, વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ, કુરુ વંશવૃક્ષ, મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના, તેમજ આ મણકા માટે આધાર લીધેલા અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિ વગેરે બાબતોની વાત કરી.

    આજે હવે ત્રીજા અને છેલ્લા મણકામાં આપણે રામાયણ-મહાભારત કાળની સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ તેમજ અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિની વાત કરીશું.


    રામાયણ-મહાભારત કાળની સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ

    રામાયણ અને મહાભારત વચ્ચે ત્રેતા યુગ અને દ્વાપર યુગનાં વચ્ચેનું, એક યુગ જેટલું, સમયકાળનું અંતર છે. આમ છતાં, બન્ને મહાકાવ્યોના વ્યક્તિસમુહો અને ઘટનાઓમાં જે કેટલીક નોંધપાત્ર સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ રહેલી છે તેની સંક્ષિપ્ત ચર્ચા અસ્થાને નહીં ગણાય.

    ૧) વાલ્મીકી રામાયણ અને તેના પછી લખાયેલાં અનેક સંસ્કરણોમાં શ્રીરામ અને તેમના બહુખ્યાત ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કેન્દ્રસ્થાને છે. મહાભારતમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ એમ પાંચ ભાઈઓ છે. રામાયણમાંની પાંચમા ભાઈની ખોટ રામના અનન્ય ભક્ત હનુમાનના પાત્રથી પુરી થતી અનુભવી શકાય છે.

    ૨) રામાયણના મુળ નાયક અવતાર પુરુષ શ્રીરામ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અવતાર પુરુષ હોવા છતાં કથા નાયક નથી, પરંતુ સમગ્ર મહાભારત કથામાં છવાયેલા રહે છે. શ્રીકૃષ્ણની કૂટનીતિ અને દીર્ઘદૃષ્ટિને કારણે કૌરવો કરતાં પાંડવો ઓછી સંખ્યામાં હોવા છતાં પણ યુદ્ધમાં ભીષ્મને મરણતોલ હાલતમાં ઘાયલ કરવાને અને દ્રોણાચાર્ય, કર્ણ અને દુર્યોધન જેવા મહાપ્રરાક્રમી યોદ્ધાઓનો વધ કરી શકવાને સમર્થ બની શકે છે. બીજી દૃષ્ટિ જોઈએ તો ધર્મની રક્ષા કરવા મર્યાદાપુરુષોત્તમ એવા રામ સ્વયં ધર્મ અનુપાલન આચરણ કરીને પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણને વિકટ ધર્મસંકટમાં મુકે છે. જ્યારે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે વ્યવહારુ ધર્મ અપનાવીને કૌરવો અને તેમના સાથીઓ દ્વારા આચરતા અધર્મને પરાજિત કરે છે.

    ૩) પુત્રેષ્ઠિ યજ્ઞનો આશરો લઈને સૂર્યવંશની ઓગણચાલીસમી પેઢીના વંશજ માટે દશરથ પોતાની ત્રણ પત્નીઓ દ્વારા શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમ ચાર પુત્ર સંતાનો પ્રાપ્ત કરે છે.

    મહાભારત ચંદ્ર વંશની કથા છે. એક તબક્કે આ વંશનું સાતત્ય જાળવવું જોખમમાં આવી પડે છે. એ સમયે ભારદ્વાજ ઋષિની સહાયથી નિયોગપ્રાપ્તિનો માર્ગ અપનાવીને વંશનો વિલોપ થતો અટકે છે.

    આપણી ગાંધર્વ પરંપરા અનુસાર રાજા દુષ્યંત શંકુતલાથી દેહસંબંધ બાંધી ભરત નામના પુત્રને પ્રાપ્ત કરે છે. પ્રારંભમાં દુષ્યંત ભરતને પોતાના પુત્ર તરીકે સ્વીકારતા નથી. પરંતુ નાટકીય ઘટનાક્રમ પછી ભરતનો પુત્ર તરીકે તેઓ સ્વીકાર કરે છે તેથી ચંદ્રવંશ ટકી જાય છે. આ વંશમાં છ – સાત પેઢી પછી કુરુ રાજ્યધુરા સંભાળે છે. તેના નામથી હવે ચંદ્રવંશ કુરુવંશ તરીકે ઓળખાય છે.

    એ વંશમાં આગળ જતાં શાંતનુ રાજા બને છે. તેને ગંગાથી એક પુત્ર દેવવ્રત પ્રાપ્ત થાય છે. દેવવ્રત એટલે મહાભારતની કથાના ભીષ્મ પિતામહ. શાંતનુ સાથે લગ્ન થાય તે પહેલાં શાંતનુનાં બીજાં પત્ની સત્યવતીને ઋષિ પરાશરથી વેદવ્યાસ નામના પુત્ર છે. શાંતનુ સાથે લગ્નસંબંધથી સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્રો થાય છે. ચિત્રાંગદ પુત્રપ્રાપ્તિ પહેલાં જ યુદ્ધમાં મૃત્યુ પામે છે.  દેવવ્રતે આ જન્મ બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ લીધું છે. આ સંજોગોમાં  કુરુવંશને ચાલુ રાખવા  માટે આજની પેઢીને પણ આંચકો લાગે એવા નિર્ણય દ્વારા સત્યવતી ભીષ્મને કાશીનરેશની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરીને વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવા ફરજ પાડે છે.

    અંબા તો કોઈ અન્ય સાથે પ્રેમમાં હોવાને કારણે આ વાત નથી માનતી પણ અંબિકા અને અંબાલિકા વિચિત્રવીર્ય વેરે લગ્ન કરે છે. વિચિત્રવીર્ય સંતાનપ્રાપ્તિ માટે અસમર્થ છે. તેથી નિયોગ પદ્ધતિથી વેદવ્યાસ દ્વારા અંબિકાને ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાને પાંડુ એમ પુત્રો પ્રાપ્ત થાય છે. તદુપરાંત ધૃતરાષ્ટ્રની દાસીથી વેદવ્યાસ દ્વારા વિદુરની પણ પ્રાપ્તિ થાય છે. અંબા પોતાના પર કરાયેલા અત્યાચારથી રોષે ભરાઈને ભીષ્મને શ્રાપ આપે છે કે બીજા જન્મમાં તે જાતિ પરિવર્તન કરીને શિખંડી તરીકે પુરુષનો અવતાર લઈને ભીષ્મનાં મૃત્યુનું કારણ બનશે.

    ધૃતરાષ્ટ્રનાં લગ્ન ગાંધારી સાથે થયાં. એ લગ્નથી તેમને દુર્યોધન સહિત ૧૦૦ દીકરાઓ અને દુશાલા નામની એક દીકરી હતાં. તે ઉપરાંત એક વૈશ્ય કન્યાથી ધૃતરાષ્ટ્રને યુયુત્સુ નામનો પણ એક પુત્ર હતો. સત્યવતીએ પાંડુનાં લગ્ન કુંતી અને માદ્રી સાથે કરાવ્યાં. કુંતિને પુત્રપ્રાપ્તિનું મંત્રશક્તિનું વરદાન હતું. તે વરદાનની મંત્રશક્તિને ચકાસવા જતાં કુંતીને લગ્ન પહેલાં સૂર્યદેવથી કર્ણ પ્રાપ્ત થયો હતો. લગ્ન પછી કુંતીને અન્ય ત્રણ પુત્રો – (ધર્મદેવથી) યુધિષ્ઠિર, (વાયુદેવથી) ભીમ અને (ઇન્દ્રથી) અર્જુન – થયા હતા. એ જ મંત્રશક્તિની મદદથી માદ્રીને (અશ્વિની કુમારોથી) સહદેવ અને નકુળ એમ બે પુત્રો થયા હતા.

    આમ સૂર્યવંશ લગ્નની શાત્રોક્ત વિધિપૂર્વક સંતાનોની પ્રાપ્તિ કરે છે, જ્યારે ચંદ્રવંશ લગ્નેતર નિયોગ પદ્ધતિથી આગળ વધે છે.

    ૪) રામાયણમાં સૂર્યવંશના રાજા દશરથને બહુ જાણીતી શ્રવણ કથામાં શ્રાપ મળે છે. એ કથા મુજબ, એક સમયે દશરથ જંગલમાં મૃગયા નિમિત્તે નીકળ્યા હોય છે. તે સમયે શ્રવણ પોતાના અંધ મા – બાપ માટે નદીમાંથી ઘડા વાટે પાણી ભરવા આવ્યો હોય છે. ઘડામાં પાણી ભરાવાના અવાજને દશરથ હરણ પાણી પીવા આવ્યું છે એમ માનીને તીર છોડે છે, જેને કારણે શ્રવણનો વધ થાય છે. શ્રવણનાં અંધ મા – બાપ પાસે દશરથ પોતાના અપરાધનો સ્વીકાર કરે છે. શ્રવણનાં મા – બાપ દશરથને શ્રાપ આપે છે કે તેને પણ આ જ રીતે સંતાન વિયોગ થશે અને પોતાના અપરાધના બોજ હેઠળ દબાઈને તે મૃત્યુ પામશે. રામાયણની કથામાં જણાવ્યા મુજબ પાટવી કુંવર રામના રાજ્યાભિષેક સમયે દશરથનાં ત્રીજાં પત્ની દશરથ પાસે તેણે આપેલા બે વચનો પુરાં કરવાની માગણી કરે છે. એ વચનોના પાલન રૂપે કૈકેયી રામને ચૌદ વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને અયોધ્યાનો રાજ્યકારભાર માગે છે.  આ વચનોના આઘાતથી બીમાર પડેલ રામ – સીતા અને લક્ષ્મણના વનવાસની વ્યથામાં જ એક પણ પુત્રની હાજરી વગર અવસાન પામે છે.

    મહાભારત કથામાં પાંડુ એક વાર શિકાર માટે નીકળ્યા હોય છે ત્યારે સંભોગગ્રસ્ત હરણ અને હરણીનો વધ કરે છે. આ હરણ અને હરણી આમ તો શ્રાપિત ઋષિ અને તેનાં પત્ની હતાં. તેઓ પાંડુને શ્રાપ આપે છે કે ભવિષ્યમાં પાંડુ જ્યારે પણ કામગ્રસ્ત થશે ત્યારે તેનું મૃત્યુ થશે. પાંડુ તે પછી બહુ જ સંયમ પાળતા હતા. પરંતુ એક વાર મૃગયા વિહાર સમયે તે માદ્રી સાથે કામવશ થાય છે તેવું જ તેમનું મૃત્યુ થાય છે.

    આમ બન્ને મહાકાવ્યોમાં બન્ને વંશના જે તે સમયના રાજાઓનાં મૃત્યુની ઘટનાઓમાં શ્રાપને કારણે થતાં મૃત્યુની ઘટનાઓમાં સમાંતરતા જળવાતી જોવા મળે છે.

    ૫. વર્તમાન સમયમાં કોઈ પણ સામાજિક કે કૌટુંબીક ઝઘડાના મૂળમાં, તળપદી ભાષામાં, જર, જમીન અને જોરૂ માનવામાં આવે છે.

    રામયણમાં રામનાં પત્ની સીતા (સ્ત્રી / પત્ની)નું રાવણ દ્વારા અપહરણ યુદ્ધને નોતરે છે. એ યુદ્ધમાં રાવણનો વધ થાય છે. તે સાથે, અમુક અપવાદોને બાદ કરતાં, સમગ્ર રાક્ષસકુળનો પણ નાશ થાય છે.

    મહાભારતનાં યુદ્ધનું કારણ રાજ્ય (જમીન) માટે પાંડવો અને કૌરવો વચ્ચે વારસાઈ હક્કનો વિવાદ છે. રાજયનો અર્ધો ભાગ તો શું પણ કૃષ્ણે વિવાદની સુલેહ માટે માત્ર પાંચ ગામ આપવાની સલાહ માનવાની બાબતે પણ કૌરવોની આડોડાઈના ભાગ રૂપે દુર્યોધન ધરાર ના પાડે છે. જેને કારણે થયેલાં મહા યુદ્ધને અંતે કૃષ્ણની મદદથી પાંડવો ભરત વંશના રાજવી તરીકે પ્રસ્થાપિત થાય છે. પરંતુ એ યુદ્ધમાં લાખો લોકોનો સંહાર થાય છે. એ પછીથી કળિયુગની શરૂઆત થયેલી મનાય છે.

    આજે જ્યારે ઘોર કળિયુગની સંધિ ચાલી રહી છે ત્યારે જર (નાણાં/ સંપતિ)નું પ્રાધાન્ય જમીન અને જોરૂ કરતાં પણ વિશેષ બની રહ્યું છે. આજે હવે એમ જ માનવામાંઆવે છે કે જો ધન હશે તો જમીન અને જોરૂ બન્ને મળી શકે છે.

    ૬) રામાયણમાં વિભિષણ રાક્ષસ કુળ છોડી રામ, એટલે કે ધર્મ અને સત્ય,ને સાથ આપે છે. જો વિભિષણ ન હોત તો રામને રાક્ષસ કુળ પર સરળતાથી વિજય પ્રાપ્ત થયો હોત કે કેમ સવાલ છે. મહાભારતમાં વિભિષણની ભૂમિકા દુર્યોધનનો સાવકો ભાઈ યુયુત્સુ ભજવે છે. યુદ્ધમાં તેણે પાંડવોના પક્ષે રહીને તેમને ખુબ મદદ કરી હતી. યુદ્ધની સમાપ્તિ પછી, યુધિષ્ઠિર પ્રાંરભમાં યુયુત્સુને પોતાના સલાહકાર તરીકે અને પછીથી એક સ્વતંત્ર રાજવી તરીકે આદર આપે છે.

    ૭) રામયણમાં રાવણને તેના ભાઈઓ કુંભકર્ણ, વિભિષણ તેમજ અન્ય સલાહકારો રામ સાથે યુદ્ધ નોતરી લેવાને બદલે સીતાજીને આદર સન્માનપૂર્વક પરત કરવાનો આગ્રહ કરે છે. પરંતુ, રાવણપુત્ર મેઘનાદ (ઇન્દ્રજીત) પોતાના પિતાને આવું કોઈ પગલું ન ભરવાનો દુરાગ્રહ સેવે છે. પરિણામે, જે યુદ્ધ થાય છે તેમાં મેઘનાદનો લક્ષ્મણના હાથે અને રાવણ અને કુંભકર્ણનો રામના હાથે નાશ થાય છે.

    મહાભારતમાં શ્રીકૃષ્ણ, વિદુર અને અન્ય સલાહકારો દુર્યોધનને પાંડવોને તેમના હિસ્સાનું રાજ્ય સોંપી દઈને યુદ્ધ ટાળવાની સાચી સલાહ આપે છે. પરંતુ અહીં કર્ણ દુર્યોધનને આવી કોઈ સુલેહ કરવાની ના પાડે છે. એમ માની શકાય કે જો કર્ણ ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ ન થયું હોત  અને લાખો લોકોનો સંહાર રોકી શકાયો હોત !

    ૮) રામાયણમાં રામના સ્વર્ગારોહણ વિશેની આધારભૂત માહિતી મળતી નથી. જો સાતમા ઉત્તરકાંડને આપણે પ્રક્ષિપ્ત ન માનીએ તો રામે રાવણ્વિજય બાદ અયોધ્યા પર ૧૧ વર્ષ રાજ્ય કર્યું. તે પ્છીથી સીતાજી અને લક્ષ્મણની વિદાય બાદ તેમણે સરયુમાં જળસમાધિ લઈને પરમતત્ત્વમાં ભળી ગયા. મહાભારત કથા પ્રમાણે યુધિષ્ઠિરનાં ૩૬ વર્ષના શાસનકાળ પછીથી જરા નામના પારધીના હાથે શ્રીકૃષ્ણે પણ દેહત્યાગ કર્યો અને બ્રહ્મમાં વિલીન થઈ ગયા.

    આપણા ધર્મગ્રંથો પ્રમાણે રામ અને લક્ષ્મણની અંતિમ વિદાય પછી સૂર્યવંશના વંશજો તરીકે લવકુશ અને લક્ષ્મણના પુત્રો અંગદ અને ચંદ્રકેતુ, ભરતના પુત્ર ભૌમન્યુ અને શત્રુઘ્નના પુત્રો શત્રુગતિ અને સુબાહુએ જુદા જુદા પ્રદેશો પર શાંતિપૂર્વક રાજ્ય કર્યું.

    મહાભારતનાં યુદ્ધ પછીના ૩૬ વર્ષના શાસનકાળ બાદ, પાંચ પાંડવો અને દ્રૌપદીએ સુમેરૂ પર્વત પર જઈને હિમગાળામાં પોતાના દેહત્યાગ કર્યા. અભિમન્યુ અને ઉત્તરાના ગર્ભસ્થ સંતાનને મારી નાખવાના અશ્વત્થામાના પ્રયત્નને શ્રીકૃષ્ણએ નિષ્ફળ બનાવ્યો. પરિણામે યુધિષ્ઠિર પછી કુરુ વંશનું રાજ્ય પરીક્ષિતે નિભાવ્યું. દુર્ભાગ્યે, પરીક્ષિત વડે શમિક ઋષિનું અપમાન થયું, તેથી, ઋષિપુત્રના શ્રાપને લઈને પરિક્ષિતનું મૃત્યુ થયું. તેના પછી તેના પુત્ર જન્મેજયે પાંડવો અને કૌરવોનું રાજ્ય સંભાળ્યું અને ચંદ્રવંશને આગળ વધાર્યો. પુરાણોની યાદી પ્રમાણે સૂર્યવંશના પ્રમાણમાં ચંદ્રવંશે વધારે પ્રતાપી રાજાઓ આપવા છતાં આ વંશ પ્રમાણમાં વહેલો લુપ્ત થઈ ગયો.

    ૯) રામાયણમાં જોઈ શકાય છે કે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુઓ રામ અને અન્ય સૂર્યવંશીઓને ઓછી સલાહ આપે છે. જ્યારે મહાભારતમાં મૃત્યુશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર અને પાંડવોને રાજ્યધર્મ વિશે અને જીવનનાં અનેક પાસાંઓ બાબતે વિગતે ઉપદેશ આપે છે. યક્ષ અને યુધિષ્ઠિરના પ્રખ્યાત સંવાદમાં પણ માનવ સમાજને સ્પર્શતા અનેક ઉપદેશો છે. શ્રીમદ્‍ ભગવદ્‍ગીતામાં અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલ ઉપદેશ વિશ્વનો શ્રેષ્ઠ ઉપદેશ મનાય છે. એ આદેશોમાં યુદ્ધ પણ એક ધર્મ શી રીતે બની રહી શકે એવું પણ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ્યું છે. તે ઉપરાંત, માત્ર ૭૦૦ શ્લોકોમાં વેદજ્ઞાન અને વેદાન્તનું દોહન કરીને શ્રીકૃષ્ણે ભારતીય ઋષિ પ્રજ્ઞાને બચાવી લીધી છે. એમ કહેવાય છે કે ઉપનિષદો ભૂતકાળમાં અને બીજા બે કાળમાં પણ એટલાં જ પ્રાસંગિક છે અને આજના આધુનિક યુગમાં પણ આ વેદાન્ત દર્શન એટલું જ આધારભૂત છે. તે જ પ્રમાણે ભગવદ્‍ગીતામાં શ્રીકૃષ્ણે મોડર્ન મૅનેજમૅન્ટ ગુરુની ભૂમિકામાં અદ્‍ભૂત નાયક તરીકે ભાગ ભજવ્યો છે. પરિણામે, ભગવદ્‍ગીતા માત્ર આધ્યાત્મિક ઉપદેશ ગ્રંથ બની રહેવાને બદલે મૅનેજમૅન્ટ કાર્યપ્રણાલીનાં આધુનિક વિજ્ઞાનનું એક સીમાચિહ્ન બની રહેલ છે.

    ૧૦) આપણા ધર્મગ્રંથો લક્ષ્મણને શેષાવતાર માને છે. આથી લક્ષ્મણે જળસમાધિ લીધી ત્યારે તેઓ શેષનાગ બનીને સરયૂ નદીના જળમાં સમાઈ જાય છે.

    મહાભારતમાં શ્રીકૃષ્ણના મોટાભાઈ, બલરામ, પણ આવું જ વિશિષ્ટ પાત્ર છે, જેને પણ શેષાવતાર ગણવામાં આવે છે. કૌરવો અને પાંડવો વચેની બલરામની તટસ્થ નીતિ કૃષ્ણને પસંદ નથી હોતી. તેથી, જ્યારે કૃષ્ણને વિદિત થઈ જાય છે કે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ હવે અનિવાર્ય છે, ત્યારે તેઓ બલરામને ૪૨ દિવસનાં તીર્થાટન પર મોકલી દે છે. બલરામ મહાભારતના યુદ્ધના અંતિમ દિવસે પાછા ફરે છે. તે સમયે તેઓ યુદ્ધ સંહાર નિહાળીને અત્યંત નારાજ થાય છે. તે પછી તેઓ તરત જ જળસમાધિ લે છે. ત્યારે પણ તેમનું સ્વરૂપ શેષાવતારનું હોય છે.

    ૧૧) રામાયણમાં રાવણપુત્ર મેઘનાદને એક મહાન તાંત્રિક દર્શાવાયો છે. રામ – રાવણનું યુદ્ધ જ્યારે અંતિમ તબક્કામાં હોય છે ત્યારે મેઘનાદે દેવીતંત્રની સહાયથી રામ અને લક્ષ્મણના વધનો પ્રયાસ કર્યો હતો. તે એ પ્રયાસમાં નિષ્ફળ રહે છે અને લક્ષ્મણના હાથે તેનું મૃત્ય નિપજે છે.

    તાંત્રિક વિદ્યાની સહાય લેવાની ભૂમિકા મહાભારતમાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ ભજવી છે. પોતાના પિતા દ્રોણાચાર્યનું મૃત્યુ તે પાંડવોને હાથે છળકપટથી થતું જુએ છે.  તે પછી બધા કૌરવોને પણ યુદ્ધભૂમિમાં હણાયેલા જોઈને તેનામાં પ્રગટેલો ક્રોધાગ્નિ તેને બધો વિવેક ભુલાવી દે છે. શિવતંત્રનો તે મહાન ઉપાસક હતો. તેથી શિવતંત્રનો દુરુપયોગ કરીને પાંડવોથી થયેલા દ્રૌપદીના પાંચ પુત્રો, ધૃષ્ટદ્યુમ્ન અને પાંડવ સેનાના બચી ગયેલ અનેક વીરનાયકોનો સંહાર કરી નાખે છે. આમ છતાં પણ તેનો ક્રોધાગ્નિ શાંત થતો નથી, એટલે તે બ્રહ્માસ્ત્ર છોડીને ઉત્તરાના ગર્ભમાં રહેલ પુત્રને મારવાનો પ્રયાસ કરે છે. શ્રીકૃષ્ણ તેનો પ્રયાસ અસફળ  કરે છે અને શ્રાપ આપે છે કે અશ્વત્થામાએ કળિયુગના અંત સુધી પૃથ્વી પર ભટકતા રહેવું પડશે.

    ૧૩) રામાયણમાં દશરથની ત્રણ પત્નીઓ – કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી- ના મૃત્યુ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. જ્યારે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી સાથે યુદ્ધ પતી ગયાના થોડાં વર્ષો બાદ વનપસ્થાન કરે છે અને ગંગાદ્વાર નજીક દાવાનલમાં દેહત્યાગ કરે છે. માદ્રી પાંડુનાં અવસાન સાથે જ સતી થયાં છે.

    ૧૪) રામાયણમાં પ્રારંભમાં ખલનાયકની ભૂમિકા કૈકેયીની દાસી ભજવે છે. પછીથી એ ભૂમિકામાં રાવણની બહેન શુપર્ણખા ભજવે છે. મંથરાને કુબ્જા તરીકે વર્ણવાઈ છે. શુપર્ણખાનું નાક કાપી નાખીને લક્ષ્મણ તેને કદરૂપી બનાવે છે.

    મહાભારતમાં ખલનાયકની ભૂમિકા પ્રારંભમાં ગાંધારીનો ભાઈ શકુનિ ભજવે છે. દ્યુતમાં છળકપટથી યુધિષ્ઠિરને હરાવીને પાંડવો અને દ્રૌપદીને વનવાસ અપાવે છે. તે ઉપરાંત ભરી સભામાં દૌપદીનું ઘૃણાસ્પદ રીતે અપમાન પણ પ્રયોજે છે. એ કાર્યમાં દુર્યોધનની સાથે કર્ણ અને દુઃશાસન પણ વરવી ભૂમિકા ભજવે છે. અગ્નિમાંથી પેદા થયેલાં હોવાથી પોતાના અપમાનને દ્રૌપદી ભુલી નથી શકતાં અને મહાભારતનું યુદ્ધ કરાવીને બદલો વાળે છે.

    ૧૫) જો સાતમા ઉત્તરકાંડને ધ્યાનમાં ન લઈએ તો રામ સીતા સાથે અયોધ્યા પાછા આવીને રામરાજ્યની સ્થાપના કરે છે. પરંતુ મહાભારતમાં જ્યારે ગાંધારીને વિદિત થાય છે કે પોતાના પુત્રોને હણી નાખવામાં શ્રીકૃષ્ણની ભૂમિકા મુખ્ય છે ત્યારે ક્રોધિત થઈને તે શ્રીકૃષ્ણનો તેમના કુળ સાથે વિનાશ થઈ જશે એવો શ્રાપ આપે છે. ક્દાચ શ્રીકૃષ્ણને પોતાના કુળના આ રીતે થનાર નાશની નિયતિ અને કારણ જાણ હશે એટલે કોઈ પણ જાતના પ્રતિકાર વિના એ શ્રાપનો સ્વીકાર કરે છે. છેવટે યાદવાસ્થળીમાં સમગ્ર યાદવ કુળનો નાશ થાય છે.

    ૧૬) ભારત પરનાં બ્રિટિશ શાસન કાળ દરમ્યાન કેટલાક અંગ્રેજ અમલદારો ભારતના પ્રાચીન જ્ઞાનથી ભારે પ્રભાવિત થયા હતા. ૧૯મી સદીમાં આવા એક અમલદાર જે. એફ. હ્યુઈટ હતા. તેઓએ આપણા પ્રાચીન જ્ઞાનને કંઠસ્થ કર્યું. આટલેથી ન અટકતાં તેઓએ વિશ્વ સમક્ષ એવું સંશોધન રજુ કર્યું કે ભારતના ઋષિઓએ ગ્રહ નક્ષત્રોની ગણતરીને આધારે વિશ્વને સાચાં કેલેન્ડરની ભેટ આપી છે.

    હ્યુઈટે પ્રતિપાદિત કર્યું કે ક્રમાનુસાર પહેલાં બે ઋતુ, પછી ત્રણ ઋતુ,પછી ૧૧ મહિના, ૧૩, ૧૫ અને ૧૭ મહિનાનું વર્ષ અસ્તિત્વમાં આવ્યું. આજથી ૧૬,૦૦૦ વર્ષ પૂર્વે જ્યારે શ્રીરામનું રાજ્ય હતું ત્યારે વિશ્વભરમાં ૧૦-૧૦ મહિનાના ચાર એવાં ત્રણ વર્ષનાં ચક્રનું પણ પ્રચલન હતું. તેનું સૂત્ર આ પ્રમાણે છેઃ

    ૧. ૨૭ નક્ષત્રો x ૪૦ = ૧૦૮૦ દિવસ

    ૨. ૩૬૦ દિવસ x ૩ વર્ષ = ૧૦૮૦ દિવસ

    સામાન્ય પ્રજાને આ સંખ્યા યાદ રહી રહી જાય એટલે રાજાઓનાં નામ પણ દશરથ, દશાનન રાવણ વગેરે હતાં. રામે લંકામાં યુદ્ધ કર્યું ત્યારે પણ આ ગાળો દશ મહિનાનો હતો. ચારના આંકડાને પ્રતિપાદિત કરવા દશરથના પુત્રોની સંખ્યા ચાર લખી અને ત્રણની સંખ્યા દર્શાવવા દશરથની રાણીઓની સંખ્યા ત્રણની દર્શાવી.

    મહાભારતના સમયમાં ૧૮ મહિનાનું વર્ષ હતું અને મહિનો ૨૦ દિવસનો હતો. સામાન્ય લોકોને ૧૮ની સંખ્યા યાદ રહી જાય એટલે મહાભારતમાં ૧૮ પર્વો છે. કૌરવોની સેનાની સંખ્યા ૧૮ અક્ષૌહિણી છે. યુદ્ધનો સમયગાળો ૧૮ દિવસનો છે.  ભગવદ્‍ગીતાના અધ્યાય પણ ૧૮ છે.

    હ્યુઈટ લખે છે કે યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે પરીક્ષિત રાજા બને છે ત્યારે ભારતમાં સૂર્યની ગતિ આધારિત ૧૨ મહિનાના વર્ષનું પ્રચલન થાય છે. હ્યુઈટ જણાવે છે કે વિશ્વ આ માટે ભારતનું ઋણી છે.

    અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિ

     

    કૃતિ

    કર્તા

    રામાયણ

    વાલ્મિકી રામાયણ (ગુજરાતી)  ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
    વાલ્મિકી રામાયણ (હિન્દી અને ગુજરાતી)  ગીતા પ્રેસ, ગોરખપુર
    વાલ્મિકી રામાયણ (અંગ્રેજી)  રોબર્ટ અને સેલી ગોલ્ડમેન
    વાલ્મિકી રામાયણ (ગુજરાતી)  વિજયભાઈ પંડ્યા
    રામાયણ (સંસ્કૃત અને અંગ્રેજી)  ક્લે સંસ્કૃત લાયબ્રેરી
     The Ramayana Unravelled  અમી ગણાત્રા
    રામાયણ (અંગ્રેજી)  રાજ ગોપાલાચારી

    મહાભારત

    મહાભારત (અંગ્રેજી)  Johannes Adrianus Bernardus van Buitenen
    મહાભારત (અંગ્રેજી)  પી. લાલ
    મહાભારત (સંસ્કૃત અને  અંગ્રેજી)  ક્લે સંસ્કૃત લાયબ્રેરી
    મહાભારત (હિન્દી)  ગીતા પ્રેસ, ગોરખપુર
    The Mahabharat Unravelled  અમી ગણાત્રા
     મહાભારત (અંગ્રેજી)  રાજ ગોપાલાચારી

    રામાયણમાં અમરત્વને વરેલ રામના અનન્ય ભક્ત હનુમાનની છબી ભક્તોના હૃદયમાં રામ, સીતા, લક્ષ્મણ, ભરતની સમકક્ષ ગણાય છે. સંત તુલસીદાસે રામચરિત માનસમાં હનુમાન ચાલીસાની રચના કરીને આપણને ધન્ય કર્યાં છે.


    હવે પછી આપણે એક બીજા મહાન પ્રાચીન ગ્રંથ, ભગવદ્‍ ગીતા, વિશે વાત કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ઉંમરનું રહસ્ય

    દેવિકા રાહુલ ધ્રુવ

    જેમ સમયનું વિસ્મય છે તેમ ‘ઉંમર’ શબ્દનું વિસ્મય પણ છે અને રહસ્ય પણ છે. એક નહિ પણ એના ઘણાં બધાં રહસ્યો છે અને અનેક અર્થછાયાઓ છે. પહેલાં તો વિચાર એમ આવે કે ઉંમર એટલે ઉંમર. એમાં વળી શું રહસ્યો? સાચી વાત છે. પણ ગુજરાતી ભાષાના શબ્દોને સમૃદ્ધિની દેન છે. એટલે કે, શબ્દોમાં, એના અર્થોમાં, ભાવોમાં, સૌંદર્યમાં અનોખી તાકાત છે. જરાક ઊંડા ઉતરીને છણાવટ કરવા બેસીએ તો એમાંથી રસપ્રદ મઝાની વાતો મળતી જશે.

    પહેલો સવાલ એ કે, ઉંમર શબ્દ આવ્યો ક્યાંથી? તો એ મૂળ  અરબી શબ્દ उम्र પરથી ઉતરી આવેલો સ્ત્રીલિંગ શબ્દ છે. શબ્દકોષ મુજબ એનો અર્થ વય, વર્ષ, જીવનકાલ, આયુષ્ય વગેરે કરવામાં આવે છે તે તો સર્વવિદિત છે. અંગ્રેજી ડિક્ષનેરી પણ કહે છે કે, the length of time that a person has lived or a thing has existed. એટલે કે,  સજીવ વ્યક્તિ, નિર્જિવ વસ્તુ કે ઘટનાના સમયનું માપ એટલે ઉંમર. પણ એનાયે વિભાગો કેટલા બધા? જો માનવજાતની વાત કરીએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વયોવસ્થા વગેરે. જો જીવનની વાત કરીએ તો દશકો, શતકો/સદીઓ, યુગો વગેરે. દિવસનું પણ કલાકો, મિનિટો અને સેકંડમાં વિભાજન. કુદરતની વાત કરીએ તો ૠતુઓના ભાગ. હવે આ દરેક વિભાગો એક યા બીજી રીતે કશાકની સાથે જોડાયેલા છે.

    હવે વાત વિચારીશું માણસની ઉંમરની કે એ કોની સાથે જોડાયેલી છે. દરેક વ્યક્તિની ઉંમર મન સાથે જોડાયેલી છે અને તન સાથે તો જરૂર જોડાયેલી છે. આપણે ભલે કહીએ કે, ઉંમર એ માત્ર નંબરો છે. સરસ વાત છે અને એ જીવનને હકારાત્મક રસ્તે રાખવાનું એક જરૂરી મનોબળ પણ આપે છે; પણ  હકીકતે ઉંમર મુજબ દરેકનાં તન અને મન, બંનેના આવેગો સંકળાયેલા હોય છે. એટલે કે, દરેકની ઉંમર પ્રમાણે કાર્ય, કર્મ, ક્રિયાઓ, ગતિ, વિચારશક્તિ, સ્વભાવ વગેરે અલગ અલગ બનતાં જતાં હોય છે. એટલે ઉંમરનું આ એક પહેલું રહસ્ય છે. મા,પા,બા, બોલતા, ભાખોડિયાં ભરતા,પા પા પગલી માંડતા બાળકથી માંડીને જીવનની સંધ્યાએ પહોંચેલ, લાકડીને ટેકે ચાલતી અને સૂના બાંકડે બેઠેલ પ્રત્યેક વ્યક્તિની ગતિ-વિધિ, ઉંમર મુજબ બદલાતી રહેતી હોય છે. બીજું, ઉંમર પ્રમાણે બોલી બદલાય છે, રમકડાં બદલાય છે, ટેવો બદલાય છે, વર્તન બદલાય છે. જ્યારે આપણે ૧૦ની ઉંમરના હોઈએ ત્યારે આઈસ્ક્રીમ, ચોકલેટમાં રસ હોય, ૨૦ વર્ષની ઉંમરે ભણવામાં, કેરિયરમાં અથવા યૌવન સહજ ઊર્મિઓમાં રસ જાગે, ૩૦ની ઉંમરે પરિવાર, ઘર વગેરેમાં રસ હોય અને પછી તો જેમજેમ ઉંમર વધે તેમતેમ જરૂરિયાતો, શોખ અને ઘણું બધું બદલાતું જાય છે.

    હવે ઉંમરની આ બધી વિવિધતાને કારણે ભાષામાં એના ઉપરથી કેટકેટલી મઝાની કહેવતો, રુઢિપ્રયોગો વગેરે રચાયાં? બીજા શબ્દોમાં ઉંમર, તેની આ અલગ અલગ ગતિ-વિધિ મુજબ સાહિત્યના ખજાના સાથે સંકળાઈ એ પણ એક રસપ્રદ વાત જ ને?

    જુઓઃ

    ઉંમરમાં આવવું.
    પરણવાની ઉંમરે પહોંચવું.

    ઉંમરે પહોંચવું.
    અંતિમ પડાવે આવવું.

    અવસ્થાએ પહોંચવું.

    વાળ ધોળા થયા. વગેરે વગેરે.

    આટલી વાત પછી આ બધી કહેવતોના અર્થ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.

    હવે મુદ્દો તનનો વિચારીએ તો, ચહેરાની રેખાઓથી માંડીને ચામડી,ચાલ અને કદ પણ બદલાય છે એ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક જીવ માત્રને માટે થતી રહેતી  એ અનિવાર્ય સ્થિતિઓ છે અને છતાં નવાઈની અને રહસ્યની વાત તો એ છે કે, આપણે આપણને રોજેરોજ દર્પણમાં જોઈએ છીએ પણ ક્યારે અને કેવી રીતે આ બદલાવ થયો એ કોઈને ખબર પડતી નથી. બોલો, આ ઉંમરનો જ તકાજો નહિ તો બીજું શું?

    રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
    સાવ કાચી માટીનું સજેલું આ પુતળું, ક્યારે કાયાને બદલતું.
    પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
    કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું…..

    કુદરતમાં પણ આ જ છે ને?

    હવે આટલી વાત અને આ સમજણ તો બધાંને જ છે. તો ઉંમર વિશે બીજી જે ખાસ વાત છે તે એની હળવી હળવી અને મસ્તીભરી ઘટનાઓ.  કેટલાક લોકો એવા હોય છે કે તેમને ઉંમર વધવાની સાથે કેટલીક અસમર્થતાઓ ઊભી થતી હોય છતાં તેઓ એ સ્વીકારવા તૈયાર હોતા નથી. આમ તો એ સારી વાત કહેવાય. પણ એમાંથી કેટલીક વાર છબરડાઓ ઊભા થતા હોય છે. ખાસ કરીને આંખ અને કાનની તકલીફને કારણે. આ લખતાંની સાથે- ઓહો, અનાયાસે જ દલપતરામનું એક વર્ષો જૂનું પાત્ર જીવરામ ભટ્ટ સાંભરે છે.  એમને રાત્રે દેખાતું નથી અને છુપાવવા જાય છે. પણ પછી તો રાતના જમવાના સમયે કંસાર પીરસતા સાસુને, પાડી સમજીને લાત મારે છે અને પછી પોકળ બહાર પડે ત્યારે કેવું હાસ્ય નીપજે છે! એટલે ઉંમર ન સ્વીકારવાનું મિથ્યાભિમાન આવા ખેલો ઊભા કરે છે.

    આવી રીતે કાનની તકલીફને કારણે ઉભા થતા હજારો દાખલાઓ મળી આવે છે. એના ઉપરથી તોઃ
    “ મારી સાસુએ એમ કહ્યું કે ગોખમાં દીવો મેલ.
    મે ભોળીએ એમ જાણ્યું કે, સોડમાં દીવો મેલ’ જેવાં ગીતો પણ રચાતાં અને રમૂજી ટુચકા તો અસંખ્ય મળી આવે.

    એક માણસ તો વળી ઉંમરને કારણે સાંભળે ઓછું પણ પોતે બહેરો છે તે વાત માને જ નહિ. એની સાથે વાત કરનાર વ્યક્તિ મોટેથી બોલે તો એ તરત તાડૂકેઃ ધીમે બોલ ને, હું કોઈ બહેરો નથી!

    અહીં સુરેશ દલાલની એક મઝાની પંક્તિઓ યાદ આવે છે.

    આંખ તો મારી આથમી રહી ને  કાનના કૂવા ખાલી.
    એક પછી એક ઇન્દ્રિય કહે:   હમણાં હું તો ચાલી.

    આ છે ઉંમરની વાસ્તવિકતા.

    કેટલાકને વળી ખરેખર ઉંમર જણાતી નથી હોતી. તંદુરસ્તી એવી જાળવી રાખી હોય કે ૮૦ની ઉંમરે પણ ગરબા ફરી શકે અને નૃત્ય પણ કરી શકે. પણ ખુબી તો એ છે કે, તેમને જોનાર પ્રશંસા કર્યા પછી એક વાત તો જરૂર ઉમેરે કે, વાહ… આ ઉંમરે પણ તમે સરસ નાચી શકો છો! દેખાવ સુંદર લાગે તો પણ વખાણ કરતાં પેલું વાક્ય તો ઉમેરે જ ,  “આ ઉંમરે પણ..” એટલે આ ઉંમરનો ઉલ્લેખ કર્યા વગર તો કોઈ વાત કરે જ નહિ. જો વધુ યાદ કરીશું તો આપણે પણ દાદીમા માટે એમ કહેતા કે બાને “આ ઉંમરે” પણ કેટલું બધું હજી યાદ છે! અને નવાઈ તો એ છે કે આપણને આપણી “એ ઉંમરે” એવી સમજણ નથી હોતી પણ છેક દાદીની ઉંમરે પહોંચીએ છીએ ત્યારે જ સમજાય છે! એટલે ઉંમર સમજણ સાથે પણ કેવી સંકળાયેલી છે?

    સાચે જ, કહેવાયું છે ને કે, “ઉંમરનો સૂરજ આસમાને જેમજેમ ચડતો જાય તેમતેમ આપણા અહંનો પડછાયો અને સકલ બ્રહ્માંડમાં આપણો પોતાનો આપણે જ કાઢેલો ક્યાસ નાનો ને વાસ્તવિક થતો જાય છે.”

    આમ, ઉંમર શબ્દને વિસ્તારથી આ રીતે વિચાર્યા પછી કહેવાનું તો એટલું જ રહે કે, ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું. કારણ કે, Age is a matter of mind over matter. If you don’t mind it doesn’t matter.

    દરેક ઉંમરને એનું સૌંદર્ય છે. ચહેરાની દરેક રેખા, દરેક કરચલી કે ઉંમરના દરેક સળની પાછળ એક અણકહી વાર્તા છુપાયેલી છે. ઇંગ્રિડ બર્ગ્મેનનું એક સરસ  વાક્ય છે જેનો ભાવ એવો છે કે, ઉંમર એ એક પર્વત પરનું ચઢાણ છે. છેક ટોચ પર પહોંચીને પાછું વળી જોઈએ તો દૃશ્ય ખૂબ રળિયામણું લાગે. અબ્રાહમ લિંકને પણ એ જ કહ્યું છે ને કે, It is not years in your life that count. It’s the life in your years.

    શારીરિક ઉંમર ભલે વધે, માનસિક ઉંમર વધવા ન દેવી. સફળતાની અને સુખની એ  એક જ ચાવી. અમેરિકન એક કવયિત્રી પૅટ્રિસિયા ફ્લેમિન્ગની ઘણી કવિતાઓમાંથી ઉંમરના વર્ણન હોય છે અને તેમાંથી પ્રેરણાત્મક સંદેશાઓ મળે છે. તેમની એક લાંબી કવિતા I’m still hereના થોડા મને ગમતા અંશ સાથે આ લેખનું સમાપન કરું.

    My looks are nothing special,
    My face reveals my age,
    My body shows some wear and tear,
    And my energy’s not the same.

    Too often my memory fails me,
    And I lose things all the time.
    One minute I know what I plan to do,
    And the next it may just slip my mind.

     I’m still quite aware of the beauty inside,
    And my value should not be dismissed.

    I’m still here and want so much to live,
    And I know that there’s no one in this world quite like me,
    And no one who has more to give.

    ઉંમરનાં સૌંદર્યની કેવી સરસ વાત!

    I’m still quite aware of the beauty inside,
    And my value should not be dismissed.


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • તે નુકસાનકારક છે, પણ તેના વિના ચાલે એમ નથી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    હવે તો શાળામાં ભણતાં બચ્ચાં પણ જાણે છે કે પ્લાસ્ટિક એટલે પર્યાવરણનો દુશ્મન. તેનો ઊપયોગ ઘટાડવો જોઈએ, તેને રિસાયકલ કરવું જોઈએ વગેરે…પર્યાવરણને લગતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ આ વિષય પર વક્તવ્ય આપે, ચિત્ર દોરે કે નિબંધ લખે એટલે પત્યું. આયોજકોને અને સ્પર્ધકોને પર્યાવરણ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ થઈ જાય.

    શાળાઓમાં પણ રિસાયકલીંગ એક પ્રોજેક્ટ લેખે હાથ પર લેવામાં આવે છે, અને તત્પૂરતા વિદ્યાર્થીઓને તેનાથી જાગ્રત બનાવવાનો પ્રયત્ન કરાય છે. આ બધું તેને સ્થાને બરાબર છે, પણ એ કોઈ નક્કર ઊકેલ તરફ ભાગ્યે જ દોરી જાય છે. પ્લાસ્ટિક હવે આપણા જીવનનું એવું અભિન્ન અંગ બની ગયું છે કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણાં ઘરોમાં તે પ્રવેશી જાય છે. પ્લાસ્ટિકના ઊપયોગને ઘટાડવાની જાહેરખબરો વિવિધ પ્રસાર-પ્રચાર માધ્યમોમાં જોરશોરથી કરવામાં આવે છે, પણ એનું પરિણામ શું? પ્લાસ્ટિકનો ઊપયોગ હવે એક હદથી વધુ ઘટાડવો શક્ય નથી, પણ તેના રિસાયકલીંગની યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય તો સમસ્યા કંઈક હળવી બની શકે.

    છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન અનેકગણું વધ્યું છે. તે સસ્તું, સુયોગ્ય અને સક્ષમ હોવાથી અનેક ઠેકાણે તેનો ઊપયોગ થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ પચાસ વર્ષ પહેલાંની સરખામણીએ પ્લાસ્ટિકનો આપણો ઊપયોગ વીસ ગણો વધ્યો છે, એમ પ્લાસ્ટિકનો 90 ટકા કચરો લૅન્ડફીલમાં કે સમુદ્રમાં ઠલવાય છે અને સરવાળે અનેક સમસ્યાઓ ખડી કરે છે. પ્લાસ્ટિકના રિસાયકલીંગ માટે પર્યાવરણને સાનુકૂળ હોય એવા વિકલ્પ વિચારવા રહ્યા, એમ તેના નિકાલની અને નિકાલ ટાણે જ વિભાજનની સુયોગ્ય વ્યવસ્થા ગોઠવવી રહી.

    પ્લાસ્ટિકના તેના બંધારણ અનુસાર વિવિધ પ્રકાર હોય છે અને તમામ પ્રકારનાં પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે એવાં નથી હોતાં. આથી સૌ પ્રથમ એ જાણી લેવું જરૂરી છે કે કયાં કયાં પ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય એમ છે.

    પોલિઈથીલીન ટર્ફ્થેલેટ (પી.ઈ.ટી.- પૅટ) તરીકે ઓળખાતું આ પ્લાસ્ટિક મોટે ભાગે ખોરાકી અને પીણાંનાં પેકેજિંગ માટે ઊપયોગમાં લેવાય છે. એ મજબૂત, હલકું અને સોંઘું છે. સીંગલ-યુઝ પ્લાસ્ટિક તરીકે તે સામાન્ય રીતે વપરાય છે અને તે સંપૂર્ણપણે રિસાયકલ કરી શકાય છે.

    બીજા પ્રકારનું પ્લાસ્ટિક છે એચ.ડી.પી.ઈ. એટલે કે હાઈ ડેન્‍સિટી પોલિઈથીલીન. તે મજબૂત અને ભારે તેમજ કાટરોધક છે. દૂધ, ડિટરજન્‍ટ, બ્લીચ, શેમ્પૂ જેવાં ઉત્પાદનો માટે તે વધુ ઉપયોગમાં લેવાય છે. એચ.ડી.પી.ઈ.ને પણ રિસાયકલ કરી શકાય છે.

    એચ.ડી.પી.ઈ.ની જેમ એલ.ડી.પી.ઈ. એટલે કે લો ડેન્‍સિટી પોલિઈથીલીન મોટે ભાગે કડક અને લવચીક હોવાથી ટૂથપેસ્ટ, બ્રેડની કોથળીઓ વગેરેમાં ઊપયોગમાં લેવાય છે. તેને પણ રિસાયકલ કરી શકાય છે.

    પોલિપ્રોપીલીન એટલે કે પી.પી. તરીકે ઓળખાતું પ્લાસ્ટિક સૌથી વધુ રિસાયકલ થાય છે. તેના ઊંચા ગલનબિંદુને કારણે પી.પી.નો ઊપયોગ ઉષ્ણ પ્રવાહી ભરવા માટેનાં કે અન્ય પ્રકારનાં પાત્રો બનાવવા માટે થાય છે.

    આમ, આ ચાર પ્રકારનાં પ્લાસ્ટિકને  રિસાયકલ કરીને તેમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. એ જ રીતે અમુક પ્રકારનાં પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકતાં નથી. તેને પણ જાણી લેવાં જરૂરી છે.

    પી.વી.સી. તરીકે ઓળખાતું પોલિવિનાઈલ ક્લોરાઈડ તેમજ વિનાઈલ રિસાયકલ કરી શકાતું નથી, કેમ કે, રિસાયકલ દરમિયાન તેમાંથી ક્લોરિન ઝેરી સામગ્રી છોડે છે. આ પ્લાસ્ટિક મજબૂત અને ટકાઊ હોવાથી તેનો ઊપયોગ ખાદ્ય તેલ, શેમ્પૂ વગેરેની શીશીઓ, હોઝપાઈપ વગેરેમાં કરવામાં આવે છે.

    સ્ટાયરોફોમ તરીકે જાણીતું પોલિસ્ટાયરીન તમામ પ્રકારનાં પ્લાસ્ટિકમાં સૌથી મોટું પ્રદૂષક કહી શકાય. અનેક કંપનીઓએ હવે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઊપયોગ શરૂ કર્યો છે, છતાં ખોરાક લઈ જવા વપરાતાં મોટા ભાગનાં પાત્રો અને પેકેજિંગ પોલિસ્ટાયરીનનાં હોય છે. તે રિસાયકલ થઈ શકતું નથી.

    આ ઊપરાંત #7 તેમજ ‘Other’ છપાયેલું હોય એવી પ્લાસ્ટિક સામગ્રી કોઈ શ્રેણીમાં આવતી નથી, તેમજ તે રિસાયકલ પણ થઈ શકતી નથી. પોલિકાર્બોનેટ તેમજ પોલિલેક્ટિક એસિડનો આમાં સમાવેશ થાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ટૂંકમાં કહીએ તો નાગરિકો કે દુકાનદારો પર આકરો દંડ ફટકારી દેવાથી આ સમસ્યા ઊકેલી શકાશે નહીં. એનાથી કદાચ રાજ્યની તિજોરીમાં આવક થશે, પણ સમસ્યા ઠેરની ઠેર રહેશે. પ્લાસ્ટિકના રિસાયકલનું આયોજન યોગ્ય રીતે વિચારીને કરવામાં આવે તો સરવાળે સમસ્યાને હળવી કરવાની દિશામાં કંઈક નક્કર કામ થઈ શકે, કેમ કે, એ હકીકત હવે સ્વીકારવા સિવાય છૂટકો નથી કે પ્લાસ્ટિક વિના જીવન શક્ય નથી. પ્લાસ્ટિકના ઊપયોગ અંગે જાગૃતિ જરૂરી છે, પણ એકલી જાગૃતિથી કશું ન થાય. તેના રિસાયકલની વ્યવસ્થા અને એ માટેનું યોગ્ય તંત્ર ઊભું કરવું જરૂરી છે. આમ કરવામાં જેટલું મોડું થશે  એટલું નુકસાન છે, કેમ કે, પ્લાસ્ટિકનો ઊપયોગ દિન બ દિન એ હદે વધતો જાય છે કે તેની પર નિયંત્રણ મુશ્કેલ છે.

    માત્ર જાહેરાતો, પ્રચારપ્રસાર કે સ્પર્ધાઓ યા સૂત્રોને બદલે કંઈક નક્કર પગલાં ભરાય એ હવે અનિવાર્ય બની રહ્યું છે. પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા ઠેરઠેર ઊભી કરી શકાય તો એ બહુ કારગર નીવડી શકે એમ છે. નાગરિકોને પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવીને કામ પૂરું થઈ જતું નથી. શાસક પક્ષે વધુ મોટી જવાબદારી છે. છેવટે આનાથી થનારું નુકસાન એકલા શાસક કે એકલા નાગરિકનું નહીં, પણ સમગ્ર માનવજાતનું છે. સૌ આ બાબતે થોડા વધુ જવાબદાર બને તો આ સમસ્યા કદાચ કંઈક હળવી બની શકે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • હંગર ઇન્ડેક્સ : ભૂખમરામાં ભારત ક્યાં છે ?

    રમેશ ઓઝા

    ૨૦૨૪ના ‘વર્લ્ડ હંગર ઇન્ડેક્સ’ (ડબલ્યૂએચઆઈ) મુજબ જગતમાં કુલ ૧૨૭ દેશોમાં ભૂખની સમસ્યા છે અથવા પૂરતું પોષણ મળે એટલો ખોરાક મળતો નથી. જે બાળકો જન્મે છે તે કુપોષણના કારણે તંદુરસ્તી ભોગવતાં નથી અને કેટલાંક કમનસીબ બાળકો પાંચ વરસની ઉંમર ભાળતાં નથી. ડબલ્યૂએચઆઈએ ભૂખથી લઈને અપૂરતા પોષણ સુધીના કેટલાક માપદંડો વિકસાવ્યા છે અને તેને આધારે ગુણાંક આપે છે અને ગુણાંકના આધારે ઇન્ડેક્સમાં સ્થાન આપે છે. ભારતનું સ્થાન ૧૨૭ દેશોમાં ૧૦૫મું છે અને તેને મળેલા ગુણાંક ૨૭.૩ છે. ૨૦૦૦ની સાલમાં ભારતના ગુણાંક ૩૮.૪ હતા. ૨૦૦૮માં ૩૫.૨ હતા અને ૨૦૧૬માં ૨૯.૩ હતા. ૧૨૭ દેશેામાં ૧૦૫મું સ્થાન એ શરમની વાત છે.

    જો ગુણાંક ઘટાડવા હોય અને ઇન્ડેક્સમાં ઉપરના ક્રમે જવું હોય તો સારું હંગર મેનેજમેન્ટ જરૂરી છે. ભારતને ૨૦૦૦ની સાલમાં હંગર મેનેજમેન્ટમાં જે ગુણાંક મળ્યા હતા તેમાં ૧૧નો ઘટાડો કરવામાં ૨૪ વરસ લાગ્યાં. હજુ તો આપણે ૨૭ પર છીએ. શૂન્ય પર પહોંચતાં કેટલાં વરસ લાગશે એનો અડસટ્ટો તમે માંડી લો. ગુણાંકમાં જે ૧૧નો ઘટાડો થયો છે તેમાં ત્રણનો ઘટાડો ૨૦૦૦થી ૨૦૦૮ સુધીનાં વર્ષોમાં થયો હતો. છનો ઘટાડો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં થયો છે અને ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીનાં આઠ વરસમાં માત્ર બેનો ઘટાડો થયો છે. છની જગ્યાએ માત્ર બે. ભારત રફતાર પણ જાળવી નથી શક્યું. સ્થિતિમાં સુધારો થવાની જગ્યાએ બગડી રહી છે. જો આ રફતારે આપણે ભૂખનો સામનો કરીશું તો શૂન્ય પર પહોંચતાં આખી ૨૧મી સદી વીતી જશે અને બાવીસમી સદીમાં આપણે કેટલાક લોકોને ભૂખ્યા સુવડાવીને પ્રવેશીએ તો આશ્ર્ચર્ય નહીં !

    ૨૦૦૦ની સાલમાં ચીનમાં ગુણાંક ૧૩.૪ હતા જે અત્યારે પાંચની અંદર છે. શ્રીલંકાના ગુણાંકમાં ૨૪ વરસમાં દસ (૨૧.૭થી ૧૦.૯)નો ઘટાડો થયો છે અને ‘ડબલ્યૂએચઆઈ ઇન્ડેક્સ’માં ભારતથી ક્યાંય ઉપર ૫૬મા ક્રમે છે. નેપાળના ગુણાંકમાં ૨૩ (૩૭.૧ થી ૧૪.૭)નો ઘટાડો થયો છે. હંગર મેનેજમેન્ટમાં નેપાળ પાસેથી ધડો લેવા જેવું છે. નેપાળનો ક્રમ ૬૮મો છે. આવું જ મ્યાનમારનું. ૨૦૦૦ની સાલમાં મ્યાનમાર ૪૦.૨ ગુણાંક ધરાવતું હતું જે અત્યારે નીચે આવીને ૧૫.૭ ધરાવે છે. નેપાળના ગુણાંકમાં ૨૩નો ઘટાડો થયો તો મ્યાનમારના ગુણાકમાં ૨૫નો. મ્યાનમાર ‘હંગર ઇન્ડેક્સ’માં ૭૪મા ક્રમે છે. ૨૦૦૦ની સાલમાં બાંગ્લાદેશ ૩૩.૮ ગુણાંક ધરાવતું હતું જે આજે ૧૯.૯ સુધી નીચે આવી ગયું છે અને ડબલ્યૂએચઆઈના ‘હંગર ઇન્ડેક્સ’માં ૮૪મા ક્રમે છે. અંદાજે ૧૫નો ઘટાડો બાંગ્લાદેશ કરી શક્યું છે. પાકિસ્તાન આપણી પાછળ ૧૦૯મા ક્રમે છે અને એનો રાજીપો જો કોઈને અનુભવવો હોય તો અનુભવી શકે છે. પાકિસ્તાનની હંગર મેનેજેમન્ટની યાત્રા તો આપણા કરતાં પણ બદતર છે. ૨૦૦૦થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં ૧૨ (૩૬.૬થી ૨૪.૬)નો ઘટાડો, પણ ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં ત્રણ (૨૪.૬ થી ૨૭.૯)નો વધારો થયો. આપણે માત્ર બેનો ઘટાડો કર્યો અને પાકિસ્તાને ત્રણનો વધારો કર્યો. અફઘાનિસ્તાન ૧૧૬મા ક્રમે છે અને તેણે પણ ૨૪ વરસમાં ૪૯.૯ થી ૩૦.૮ એમ લગભગ વીસ ગુણાંકનો ઘટાડો કર્યો છે.

    ડબલ્યુએચઆઈના અહેવાલ મુજબ જો ગુણાંક ૫૦ કરતાં વધુ હોય તો તેવા દેશોની સ્થિતિ અત્યંત ચિંતાજનક (એક્સટ્રીમલી એલાર્મિંગ) ગણાય. જો ગુણાંક ૩૫થી ૫૦ની વચ્ચે હોય તો એ ચિંતાજનક (એલાર્મિંગ) ગણાય. જો ગુણાંક ૨૦ થી ૩૫ની વચ્ચે હોય તો તેને ગંભીર સ્થિતિ ગણાય. જો ગુણાંક ૧૦થી ૨૦ની વચ્ચે હોય તો તેને બહુ ગંભીર નહીં અને હળવી (મોડરેટ) સ્થિતિ ગણાય અને જો દસની અંદર હોય તો રાહતરૂપ કહેવાય. ભારત ભૂખની ગંભીર સ્થિતિ ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને છોડીને ભારતના પાડોશી દેશોમાંથી કોઈ દેશ આપણી સાથે નથી. ઘણા આગળ નીકળી ગયા છે. ભારત અને પાકિસ્તાન જ એવા દેશો છે જે હંગર મેનેજમેન્ટમાં આગળ જવાની જગ્યાએ પાછળ ગયા છે. ભારતે ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કર્યો હતો અને તેની તુલનામાં ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં માત્ર બેનો ઘટાડો કર્યો.

    આવું કેમ બન્યું ? આનું કારણ છે વિકાસલક્ષી ધોરણસર શાસનનો અભાવ અને ધર્મ અને ધર્મ આધારિત રાજકારણનો અતિરેક. હિંદુ-મુસલમાન અને ભારત-પાકિસ્તાન સિવાય કોઈ બીજી ચર્ચા જ નથી થતી. વિકાસનો વિમર્શ તો હવે મુઠ્ઠીભર સરોકાર ધરાવતા માણસો સુધી સીમિત થઈ ગયો છે. આજે તો જાણે દેશની સૌથી મોટી સમસ્યા ભૂખ નથી, મુસલમાન છે. જ્યાં પ્રાથમિકતા બદલાય ત્યાં પરિણામ બદલાય. એટલે તો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કરનાર દેશ એના પછીનાં આઠ વર્ષમાં માત્ર બેનો ઘટાડો કરી શક્યો છે.

    ૧૬મી ઑક્ટોબરે ‘વર્લ્ડ ફૂડ ડે’ ઊજવાયો એ નિમિત્તે આ વાત તમારા વાંચવામાં આવી હશે. ભારત પણ અન્નની બાબતે આત્મનિર્ભર છે. જે સમસ્યા છે એ ગરીબીની છે અને પુરવઠાની છે. એક તો લોકો સુધી અન્ન પહોંચતું નથી અને પહોંચે છે તો લોકો પાસે ખરીદવા માટે પૈસા નથી. મહાનતાની ગુલબાંગ હાંકવાનો કોઈ અર્થ નથી જ્યારે વાસ્તવિકતા લજાવનારી હોય.


    (દિ.ભા.માંથી ટૂંકાવીને સાભાર)


    ભૂમિપુત્ર : ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫

  • પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર

    પરેશ ૨. વૈદ્ય

    આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે એકવાર કહેવાયું હતું કે એમણે આપેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો તો લોકોને બહુ સમજાતા નહીં, તે છતાં લોકો એમને અનહદ પ્રેમ કરતા અને આદર આપતા. પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર માટે પણ આ વાત લાગુ પડે છે.

    પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર અને તેમનાં પત્ની મંગળા (રાજવડે) નારળીકર

    કારકિર્દીની શરૂઆતમાં બીગ બેંક થિયરીની સાથે અસહમતિ દર્શાવતું શોધપત્ર લખ્યું ત્યારે લોકોને કંઈક સમજાયું હતું , પણ પછીના છપન સત્તાવન વર્ષમાં એમણે જે સંશોધન કર્યા એ બાબતો લોકોને પૂરતી જાણ નથી;  તે છતાં એક મેધાવી અને વિનમ્ર વ્યક્તિ તરીકે એમની છાપ સામાન્ય જનમાં છે; ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને વૈજ્ઞાનિક વર્તુળોમાં એમની પ્રતિષ્ઠા ટોચ ઉપર રહી છે.

    કોલ્હાપુરમાં ૧૯ જુલાઈ ૧૯૩૮ ના દિવસે તેઓનો જન્મ. પરંતુ શાળાનું શિક્ષણ વારાણસીમાં થયું કારણ કે પિતા શ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગણિત વિભાગમાં અધ્યાપક હતા.  ૧૯૫૭માં BSc ની ડિગ્રી લઈને જયંત કેમ્બ્રિજ (ઇંગ્લેન્ડ) ગયા, જે ત્યારે બધા હોશિયાર વિદ્યાર્થીઓનું ગંતવ્ય સ્થાન હતું.  પીએચડી ના સંશોધન માટે ગાઈડ તરીકે તેમને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ફ્રેડ હોયલ મળ્યા તેથી તેઓના જીવનની દિશા જ બદલી ગઈ.  એ બંને એ સાથે મળીને બ્રહ્માંડની ઉત્પતિ વિશે એક શોધ પત્રમાં એવું કહ્યું જે ત્યાં લગીની માન્યતાની વિરુદ્ધ હતું.  બિગ બેંગ એટલે કે મોટા ધડાકા સાથે બ્રહ્માંડની ઉત્પત્તિની ત્યારની થીયરી ને બદલે એ લોકોએ કહ્યું કે બ્રહ્માંડ લગભગ સ્થિર છે. એ વધે છે, ફરી સંકોચાય છે,  ફરી વધે છે. એ લોકો એ તેને Quasi Steady State theory કહી. આ વાતે ચકચાર જાગી. માત્ર છવીસ વર્ષનો છોકરો અને તે ભારતનો એટલે ભારતમાં એને ખૂબ પ્રસિધ્ધિ મળી.  એ વખતે અમારી પેઢી સ્કૂલમાં હતી.

    એમની આ સિદ્ધિના સન્માનમાં ભારત સરકારે એમને બહુ નાની ઉંમરે પદ્મભૂષણનો ખિતાબ આપ્યો.  કેમ્બ્રિજમાં જ રહી એમણે વધારે સંશોધન અને અધ્યાપન ચાલુ રાખ્યા.  ૧૯૭૨માં ૩૪ વર્ષની ઉંમરે નારળીકર સ્વદેશ પાછા આવ્યા. એમનાથી અગાઉ ભાભા અને સારાભાઈ પણ કેમ્બ્રિજ છોડીને આવેલા.  અહીં મુંબઈની તાતા મૂળભૂત સંશોધન સંસ્થા (ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ TIFR) માં જોડાઈને સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર Theoretical Astrophysics ના વડા બન્યા.

    એમના વૈજ્ઞાનિક કાર્યોની સમાંતરે વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવાનું કામ પણ એ કરતા રહ્યા. વિજ્ઞાન કથા ( સાયન્સ ફિક્શન SciFi)  લખવી એ તેમનો શોખ હતો. મરાઠી વિજ્ઞાન પરિષદે જ્યારે વિજ્ઞાન કથાની સ્પર્ધાઓ યોજી ત્યારે તેમણે તેમાં ભાગ લીધો. પોતાના પ્રસિદ્ધ નામના વજનથી નિર્ણાયકો અંજાઈ ન જાય તે માટે એમણે કાલ્પનિક  નામથી એ પહેલી વાર્તા મોકલી. પોતાના નામ JVN થી ઉલટા NVJ અક્ષરો બને તેવું નામ, નારાયણ વિનાયક જગતાપ એ નામે. એ  વાર્તા ને પ્રથમ ઇનામ મળ્યું ! પરિષદ ને એમણે સાચી વાત જણાવી દીધી. અને એ પછી  વિજ્ઞાન કથા લખવામાં તેઓ એ પાછુ વાળી ને જોયુ નથી. કેટલીક ઉત્તમ કથાઓ એમનાં નામે છે.

    પ્રોફેસર જયંત નારળીકરનાં કેટલાંક વિજ્ઞાન કથા પુસ્તકો

    ૧૯૮૨ – ૮૩ માં પ્રો. નારળીકરે યુનિવર્સિટીઓમાં ખગોળ અને ખગોળ ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કરી શકાય તે માટે એક સામાન્ય કેન્દ્રની સ્થાપના કરવાની દરખાસ્ત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC પાસે મૂકી. એ વખતે UGC ના ચેરમેન જાણીતા વિજ્ઞાની (જે અગાઉ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર પણ રહ્યા હતા ) પ્રોફેસર યશપાલ હતા. એમણે માગણી સ્વીકારી પરંતુ એ શરત રાખી તેમના પ્રથમ ડાયરેક્ટર નારળીકર પોતે બને.  આ સંસ્થા ‘ઇન્ટર યુનિવર્સિટી કન્સોર્સિયમ ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ (IUCAA) આજે પુના યુનિવર્સિટીના કેમ્પસમાં ઊભી છે.  સંસ્થાના સ્થાપત્ય અને બાંધણીમાં નારલીકરની છાપ દેખાય છે.

    IUCAA, Pune – તેના ત્રણ સ્થાપકો અને ભૂતપૂર્વ ડાયરેક્ટર્સ નરેશ દધિચ, જયંત નારળીકર અને અજિત કેમ્ભવી

    જે સફરજનના ઝાડ નીચે બેસીને ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો  એમ કહેવાય છે,  એ ઝાડની એક કલમ અહીં પણ રોપવામાં આવી.૧૯૯૯ માં એ ઝાડને આ લેખકે પાંચ સાત ફૂટ ઊંચું જોયું હતું. કમનશીબે આપણી આબોહવામાં એ વિશેષ વૃક્ષ ટકી ન શક્યું.

    ભરપૂર ખ્યાતિ ને કારણે વિનમ્રતા જાણે એમનો સ્વભાવ બની ગયેલો. વિજ્ઞાન પ્રસારકોની સંસ્થા નેશનલ સેન્ટર ફોર સાયન્સ કોમ્યુનિકેટર્સ (NCSC) એ પુનામાં તેમની સંસ્થા ની સાથે મળીને વિજ્ઞાન લેખકો માટે કોન્ફરન્સ યોજવાનું નક્કી કર્યું ત્યારે તેમની એક જ શરત હતી કે ‘હું સ્ટેજ પર નહીં આવું’.  ત્રણે દિવસ એ ચોથી કે પાંચમી લાઈનમાં બેસીને શાંતિથી વ્યાખ્યાન સાંભળતા રહ્યા પણ ક્યારેય સ્ટેજ ઉપર આવ્યા નહીં.

    ૧૯૯૬માં વિજ્ઞાનને લોકભોગ્ય  બનાવવા માટે નો  યુનેસ્કોએ સ્થાપેલો કલિંગ એવોર્ડ એમને અપાયો.  ૨૦૦૫ માં તેઑ પદ્મવિભૂષણ અને ૨૦૧૧માં  મહારાષ્ટ્ર ભૂષણ બન્યા.

    નિવૃત્તિ પછીના સમયમાં તેઓ એક વિશેષ સંશોધન માં રત રહ્યા. PANSPERMIA એટલે કે પૃથ્વી ઉપર જીવન અવકાશમાંથી( એટલે ધૂમકેતુ અથવા ઉલ્કા દ્વારા) આવ્યું છે,   એ પ્રકારના વિચારની ચકાસણી માટે  શ્રીલંકા ના વૈજ્ઞાનિક વિક્રમસિંધે સાથે મળીને કામ કરી રહ્યા હતા.

    એમના પત્ની મંગલા રજવાડે (લગ્ન પછી નારળીકર ) પણ ગણિતના પ્રધ્યાપિકા હતાં અને પતિના કામમાં મજબૂત સાથીદાર હતાં. બે વર્ષ અગાઉ કેન્સરે તેમને ઉપાડી લીધાં.

    પત્નીને સાથ આપવા ડૉ. નારળીકર વીસમી મે ૨૦૨૫ ના દિવસે અનંતની યાત્રા એ નીકળી ગયા.

    આપણી સહુની એમને મનપૂર્વક શ્રધ્ધાંજલિ.


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અન્ડરવેરને ખીસું

    અવલોકન

    સુરેશ જાની

    તે દિવસે કપડાંના એક સ્ટોરમાં હું બેઠો હતો. મારી પત્ની ખરીદીમાં મશગૂલ હતી; અને મારે એની ખરીદી પતે એની રાહ જોવાની હતી. તે દિવસે સાથે વાંચવાની ચોપડી લાવવાનું ભુલી ગયો હતો; એટલે મારે નવરા બેઠા માખીઓ જ મારવાની હતી! અને આ અત્યંત ચોખ્ખાઈવાળા દેશમાં તો માખીઓ ય ક્યાં રેઢી પડેલી હોય છે? પ્રેક્ષાધ્યાન કરવા કોશિશ કરી; પણ કાંઈ ખાસ જામ્યું નહીં; એટલે હું આમતેમ ડાફોળિયાં મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

             સ્પોર્ટ્સવેરના એ વિભાગમાં અન્ડરવેર લટકાવેલાં હતાં અને આકર્ષણ માટેની આ વિશેષતા ઊડીને આંખે વળગે તેવી હતી. ત્યાં મારી નજર એની ઉપર ગઈ.

     અન્ડરવેરને ખીસું

    મારા પિતાજી હમ્મેશ દરજી પાસે  ખાસ અન્ડરવેર  સિવડાવતા હતા; તે યાદ આવી ગયું. કોઈ ખિસ્સાકાતરૂ કારીગરી કરી ન જાય; એ માટે સાથેની રોકડ રકમ એ ખિસ્સામાં તેઓ રાખતા હતા.

    પણ અહીં આ ફેશનેબલ દુકાનમાં અને તેય સ્પોર્ટ્સના કપડાંમાં એની શી જરૂર?- આ ક્રેડિટ કાર્ડના જમાનામાં?

    હું ઊભો થયો, અને ધ્યાનથી એ માલનો અભ્યાસ કર્યો. ત્યારે કેવળજ્ઞાન લાધ્યું કે, જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા જોગિંગ કરતી વખતે મોંઘાદાટ આઈફોન કે આઈપોડ રાખવા આ ખાસ સવલત બનાવનારે આપી હતી.

    અને કોણ જાણે કેમ; તરત એ બાઈ યાદ આવી ગઈ.

    દેશમાં એસ.ટી.ની બસમાં એ મારી બાજુની સીટ પર આવીને બેઠી હતી. કન્ડક્ટરે ટિકીટના પૈસા માંગ્યા; ત્યારે એણે સાલ્લાના છેડે વાળેલી  ગાંઠ છોડીને નોટ કાઢી. ટિકીટ મળ્યા બાદ, વધારાની રકમ તેણે પાછી સાલ્લાના છેડે બાંધી દીધી.

    કાળી મજુરી કરીને કમાયેલી રકમ રાખવા એ બાઈ માટે પર્સ રાખવું એ લક્ઝરી હતી!

    અને ઓલ્યા અન્ડરવેર પહેરીને જિમમાં વર્ક આઉટ કરનાર પાસે કેટલી બધી લક્ઝરી? શી જાહોજલાલી?

    માનવતાના બે સામસા્મા ધ્રુવ પરનાં બે અંતિમ બિંદુઓ. એક પાસે રોજનો રોટલો મળે એની જ પેરવીઓ ; અને બીજા પાસે એટલી સમ્પત્તિ કે, જિમ, જોગિંગ, આઈફોન, આઈપોડ અને એવું બધું.

    કેટલી વિષમતા? બેની તુલના કરતાં આંખે ઝળઝળિયાં આવી ગયાં.

    એનાથી વધારે હું શું કરી શકું તેમ પણ હતો?!

    ……

    બે  સાવ સામસામે આવેલા ધ્રુવોના આ વર્ણપટ( spectrum)માં આપણે ક્યાંક હોઈએ છીએ. અને સૌને ધખારો ખિસ્સાવાળું અન્ડરવેર ધરાવવાનો હોય છે. સમગ્ર જિંદગીની મુસાફરી – એ ધ્રુવ પર પહોંચવા માટેનો વલોપાત. અથવા તો ત્યાં પહોંચી શકાય તેમ નથી; તે સત્ય સમજાતાં મોક્ષ મેળવી આ બધા ધખારાથી મુક્તિ મેળવવાનો ધખારો! પણ એ બન્ને વૃત્તિઓના વવળાટમાં ક્યાંય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની,  એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.

    કદાચ એમ બને; અને મોટે ભાગે એમ બનતું પણ હોય છે કે, સાલ્લાના છેડે કાવડિયાં બાંધનાર વ્યક્તિ વર્તમાનમાં વધારે જીવતી હોય છે.

    અને બીજી એક વાત ખીસાં બાબત – “માનવી જન્મે છે ત્યારે ઝભલું અને મૃત્યુ પામે ત્યારે કફન એ બંન્ને અંતિમ છેડા ટાણે દેહના આવરણોને ખીસુ(ગજવું) નથી હોતું.” કશું લીધા વગર આવ્યા હતા; અને કશું લીધા વગર જવાનું છે. વાત તો એક જ છે. ખિસ્સાના ખેલ! એ અર્થહીન છે; તે જાણ્યા છતાં એના વગર આપણે જીવી નથી શકતા. બાળ અને કિશોર વયથી શરૂ થયેલી એ આદત – સોગાત ભેગી કરવાની- કફન ઓઢાડાય ત્યાં સુધી નથી જ જવાની! ખીસ્સું ભરેલું હોય કે ખાલી; બેન્ક એકાઉન્ટ તરબતર હોય કે, લઘુત્તમની નજીક – એ તો રહેવાના જ. લાખ ઉપદેશો ભલે ને મળ્યા કરે – બે કાન ભગવાને નિરર્થક નથી આપ્યા!

    આને માનવ જીવનની લાક્ષણિકતા ગણીએ કે વિડંબના – એ જ તો માનવ જીવન છે. માટે આ બધી તરખડમાં પડ્યા વિના, ‘આ ઘડી’ નું ખીસ્સું ખાલી ન રહી જાય, આનંદવિહોણું ન રહે – એનો હિસાબ રાખતા રહીએ તો?


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભૂદાન આંદોલન: એક અધૂરી ક્રાંતિની પોણી સદીએ…

    નિસબત

    ચંદુ મહેરિયા

    દેશ આઝાદ થયાને હજુ તો છ મહિના ય થયા નહોતા અને ગાંધીજીની હત્યા થઈ. ગાંધી હત્યાએ સર્જેલ શૂન્યાવકાશ, આઘાત અને વિષાદમાંથી ઉબરવા જ શાયદ વિનોબા ભાવેએ પહેલ કરી. માર્ચ ૧૯૪૮માં મહારાષ્ટ્રના સેવાગ્રામ(જિ.વર્ધા)માં ગાંધીજનોનું સંમેલન યોજ્યું. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ,  રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવાગ્રામ સંમેલનમાં ગાંધીજીના કાર્યોને આગળ વધારવાની વિચારણા થઈ હતી.

    ઈ.સ. ૧૯૦૪માં ગાંધીજીએ રસ્કિનનું ‘ અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યું હતુ. અને તે તેમના દિલોદિમાગમાં છવાઈ ગયું હતું .૧૯૦૮માં તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો ત્યારે ગાંધીજીએ તેના શીર્ષક તરીકે  ‘સર્વોદય’ શબ્દ સૂચવેલો. ‘હિંદ સ્વરાજ’  (૧૯૦૯)માં તેમણે સર્વોદયનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. સર્વોદય અર્થાત વધારેમાં વધારે માણસોનો વધારેમાં વધારે ઉદય એ ગાંધી વિચારનો અર્ક હતો. એટલે તેની આસપાસની સઘળી વિચારણાઓ પછી સેવાગ્રામ સંમેલનમાં ‘ વિચારની મુક્ત સંગતિની યોજના’  તરીકે ‘સર્વોદય સમાજ’  અને ‘ કાર્યની સુગઠિત વ્યવસ્થા કાજે ‘  ‘  સર્વ સેવા સંઘ’ ની રચના કરવામાં આવી. પંડિત નહેરુના આગ્રહથી વિનોબાએ પાકિસ્તાનથી આવેલા ચાળીસ લાખ નિરાશ્રિતોના પુનર્વાસનું ગંજાવર કામ હાથ પર લીધું. પુનર્વસનના કામ દરમિયાન વિનોબાને અમલદારશાહીના જડસુ, લોકવિરોધી અને વિચારહીન વલણોનો અનુભવ થયો. એટલે તેઓ લોકશક્તિ જાગ્રત કરવા દેશ આખામાં ઘૂમવા માંડ્યા.

    સર્વોદય સમાજના વાર્ષિક સંમેલનોની પરંપરામાં એપ્રિલ ૧૯૫૧માં આંધ્રના શિવરામપલ્લીમાં સંમેલન હતું. વિનોબા સેવાગ્રામથી ત્રણસો કિલોમીટરની પદયાત્રા કરીને સંમેલનમાં ગયા હતા. તેલંગાણાના  એ વિસ્તારમાં ત્યારે ભૂમિ સમસ્યા ચરમ પર હતી. સામ્યવાદીઓએ મોટા જમીનદારો સામે જમીનવિહોણાઓને સંગઠિત કરી હિંસા, લૂંટફાટ  તથા ખૂનામરકીથી જમીનો મેળવી હતી. એટલે વિનોબાએ તે વિસ્તારની જાતતપાસ માટે પદયાત્રાનું આયોજન કર્યું. ૧૫મી એપ્રિલ ૧૯૫૧ને રામનવમીના દિવસે હૈદરાબાદથી તેમણે પદયાત્રા આરંભી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ૧૮મી એપ્રિલ ૧૯૫૧ના દિવસે પદયાત્રા તેલંગાણાના નલકોંડા જિલ્લાના પોચમપલ્લી પહોંચી હતી. ૭૦૦ ઘરની વસ્તીના આ ગામમાં પોણા ભાગના જમીનવિહોણા ખેતમજૂરો હતા. સવાર સવારમાં જ પદયાત્રા પોચમપલ્લીની દલિત વસ્તીમાં ગઈ. દલિતોએ વિનોબાને કહ્યું,” અમે હાડતોડ મહેનત કરીએ છીએ પણ તો ય બે ટંક રોટલા ભેળા થતા નથી. અમારે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન જોઈએ છે. “ વિનોબાએ તેમની અરજ સાંભળી વળતાં પૂછ્યું તો દલિતોએ કહ્યું કે ‘ ૮૦ એકર જમીન મળે તો ભયો ભયો’ . ભલે તેમાં અડધી સૂકી કે બિનફળદ્રુપ હોય.સરકાર પાસે સરકારી પડતર જમીન મેળવવા વિનોબા વિચારતા હતા. એવામાં તેમણે સાથી પદયાત્રીઓ અને ગ્રામવાસીઓને પૂછ્યું કે ‘ શું ગામમાંથી તેમને જમીન આપી શકાય તેમ છે?’  એ જ સમયે રામચંદ્ર રેડ્ડીએ તેમના પિતાની સ્મૃતિમાં તેમની ઈચ્છાનુસાર ૧૦૦ એકર જમીન દાન આપવાનું કહ્યું અને જાણે કે નવી દિશા ઉઘડી.

    ભૂમિસમસ્યાગ્રસ્ત તેલંગાણાની એ પદયાત્રામાં વિનોબાએ બીજા દિવસે  પણ કોઈ સજ્જન ભૂમિવાન મળી રહેશેની આશે લોકો પાસે જમીન માંગી અને એ દિવસે પણ ૨૫ એકર મળી. એટલે વિનોબાને સર્વોદયનો  માર્ગ મળી ગયો. જમીનના દાને નવી વિચારસૃષ્ટિ ઉઘડી. ભારતની ભૂમિ સમસ્યાનો કરુણા, સદભાવના અને સમજાવટના માર્ગે ઉકેલ જડ્યો. ત્રીજા દિવસે ૨૦મી એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબાએ ભૂદાનયજ્ઞ શબ્દ જાહેર કર્યો અને તેમની શેષ યાત્રા તેને જ સમર્પિત કરી. આજે તો હવે તે હકીકતને પંચોતેર વરસ થયાં.

    બાદમાં ભૂદાનયજ્ઞ વિસ્તરીને આખા દેશમાં ભૂદાન આંદોલન અને અંતે ભૂદાન આરોહણ બન્યો. તેમાં ગ્રામદાન, સંપત્તિદાન, સાધનદાન અને જીવનદાન જેવા નવા આયામો ઉમેરાતાં  રહ્યાં . જમીન એ તો શોષણનું સૌથી મોટું સાધન છે. સ્વતંત્ર ભારતમાં જમીનોની માલિકી રાજા-મહારાજા, નિઝામો- નવાબો અને મોટા જમીનદારોની હતી. એ સંજોગોમાં વિનોબાએ હવા અને પાણીની જેમ જમીન પર પણ કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, તે લોકોની મઝિયારી સંપત્તિ છે એવો અલખ જગવ્યો. તે  જમીનદારોને અપીલ કરતાં કે ‘ હું દાન નહીં ગરીબોનો હક માંગુ છું’ . દાનં સંવિભાગના ન્યાયે દાન એટલે સમ્યક વિભાજન. ‘ ખેતીલાયક જમીનનો છઠ્ઠો ભાગ મને છઠ્ઠો ભાઈ  ગણી આપો’  એવી તેમની લાગણીસભર અપીલની ભૂમિવાનો પર ખાસ્સી અસર થતી અને જમીનો મળવા માંડી. ભૂદાન આંદોલનમાં જમીનોનું વિતરણ પણ સાથે જ થતું હતું.

    ૧૮મી એપ્રિલ ૧૯૫૧થી ૧૦મી એપ્રિલ ૧૯૬૪ના તેર વરસો સુધી ભૂદાન આંદોલન ચાલ્યું. ૫૮,૭૪૧ કિલોમીટરની પદયાત્રામાં ૪૨ લાખ એકર જમીન મળી.  જે ૧૮ લાખ જમીનવિહોણા પરિવારોને વહેંચવામાં આવી. તેમાં મોટાભાગના નિર્ધન દલિત, આદિવાસી, પછાત હતા. દેશમાં જે કુલ ૧૩,૦૦૦ ગ્રામદાન રજિસ્ટર થયા તેની બધી જમીન કે ભૂમિવાનોની વીસ ટકા જમીનો ગામની માલિકીની બની. ભૂદાન આંદોલન એક અહિંસક ક્રાંતિ હતી. તેણે કતલ કે કાનૂનના બદલે કરુણાના રસ્તે ગરીબી મિટાવી અને અમીરી ઘટાડી હતી. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભૂદાન આંદોલનની વ્યાપક અસર થઈ હતી. ગુજરાતે ભૂદાન આંદોલનમાં ૧૯૫૨થી ૧૯૫૮ના ગાળામાં ૧૮,૩૨૭ ભૂદાતાઓ પાસેથી ૧,૦૩,૫૪૩ એકર જમીન મેળવી હતી.

    પોણી સદીએ ભૂદાન આંદોલનના લેખાંજોખાં માંડતા જણાય છે કે ભારતની ભૂમિસમસ્યા ઉકેલવામાં તેનો અલ્પ ફાળો જરૂર છે. જમીનદારી નાબૂદીના કે જમીન ટોચમર્યાદાના કાયદા ઘડાયા કે તેને અદાલતી સમીક્ષાથી વેગળા રખાયા તેમાં ભૂદાન આંદોલનનું મહત્વનું યોગદાન છે. મોટા જમીનદારોને જ્યારે ભૂદાનયાત્રીઓ મળતા ત્યારે તેઓ અભિમાન કે ગૌરવને બદલે દબાતા અવાજે પોતાની માલિકીની જમીનનો મોટો આંકડો કહેતા હતા.એટલે તેમને ભાવનાત્મક સ્તરે શરમિંદા કરવાનું કામ આંદોલને કર્યું હતું. આ આંદોલનામાં ‘ શબરીના બોર અને સુદામાના તાંદુલ’  જેવા દાન મળ્યા હતાં તો પોતે ખપજોગી રાખીને બાકીની બધી જ જમીન દાન કરી હોય તેમ પણ બન્યું છે. એ અર્થમાં આંદોલનની વૈચારિક અને ભાવનાત્મક અસર બહુ પ્રબળ થઈ હતી.

    ભૂદાન આંદોલનની ભૌતિક સફળતા ખાસ જોવા મળતી નથી. ૧૯૫૧માં ખુદ વિનોબાજીએ આંદોલનના આરંભે દેશના સઘળા ભૂમિહીનો માટે પાંચ કરોડ એકર જમીનની જરૂરિયાત ગણાવી હતી. પરંતુ લગભગ સવા દાયકાના અંતે આંદોલન સમેટાયું ત્યારે માંડ અડધો કરોડ એકર પણ જમીન મળી નહોતી. એટલે આવશ્યકતાના દસમા ભાગ જેટલી જમીન મળી હતી. ગુજરાતમાં જમીન તો એક લાખ એકર મળી પણ તેમાંથી અડધી  (૫૦,૯૮૪ એકર) જ વિતરિત કરી શકાઈ કેમ કે  બાકીની જમીનો કોર્ટકચેરી અને હકદાવાના ચકકરમાં અટવાયેલી હતી. એટલે મળ્યા છતાં ના મળ્યા બરાબર હતી. આવું આખા દેશમાં પણ બન્યું હશે. ૧૯૫૧માં  દેશમાં આશરે પાંચ લાખ ગામડામાંથી માત્ર તેર હજાર ગામો જ ગ્રામદાની બન્યા તે  સિધ્ધિ પણ સામાન્ય ગણાય.

    ભૂદાન આંદોલનની એક અન્ય મર્યાદા એ રહી કે લોકોમાં ખાસ કરીને અમીરો અને જમીનદારોમાં દાનની લાગણી અને ભાવનાના જે ઉભરા વહેતા થયા તેને યોગ્ય રીતે અને સમયસર ચેનલાઈઝ અને ઈન્સ્ટિટ્યુલાઈશન ના કરી શકાયું. ભૂદાન કરનાર જમીનદારો અને જમીન મેળવનાર જમીનવિહોણાઓનું કોઈ સંગઠન ના બનાવાયું.  ભૂદાન અને અને ગ્રામદાનના કાયદા ઘડાયા તેમ ભૂદાનથી ઉભા થયેલા માહોલનો લાભ લઈને જમીન સુધારાના પ્રગતિશીલ કાયદા ઘડવા સરકાર પર દબાણ ઉભું કરવાની અમૂલ્ય તક પણ આંદોલને ન ઉઠાવી.

    ભૂમિ સમસ્યા આજે ય વણઉકલી છે. હવે તે વધુ તીવ્ર બની છે. ખેતીની જમીનોનું ઉધ્યોગો અને વિકાસ કામો માટે સરકાર બળજબરીથી અધિગ્રહણ કરે છે. મસમોટા ફાર્મ હાઉસિસ અને કોર્પોરેટ ફાર્મિગના જમાનામાં ખરા ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભૂદાન આંદોલનનું અમૃત વરસ  ભૂમિ સમસ્યાને આજે અને અબઘડી ઉકેલવાનું આહવાન તો કરે છે પણ  રસ્કિન-ગાંધી વિચાર ‘સર્વોદય’ થી આરંભાયેલી મજલ આજે તો ‘સબ કા વિકાસ’ના રાજકીય ‘બણગાંએ આવી ઉભી છે તે અંગે વિચારવા વિવશ કરે છે. સાંભળો છો કોઈ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઓજસ્વી નારીરત્નોની નિશ્રામાં

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    કૉલેજ કાળથી જ નીવડેલી વ્યક્તિઓનાં ચરિત્રનો અભ્યાસ મારા રસનો વિષય. તેમનું અરોહણ એ કાળે પણ રોમહર્ષ જગવતું. આવાં ચરિત્રોને પછીથી સ્વાધ્યાયની દૃષ્ટિએ જોવાનું થયું, જેણે તેમનું મહિમાગાન કરવાની ઇચ્છા મારામાં જગાવી.

    ‘૯૦ ના વર્ષમાં કચ્છના દૈનિકપત્ર ‘કચ્છમિત્ર’ના એક વિભાગ ‘કંકાવટી’નાં સંપાદિકા શ્રોમતી રમીલા મહેતાએ કશુંક લખવા સૂચવ્યું ને એ સંદર્ભે નાના પાયા ગર કૉલમ શરૂ કરી જેમાં અનુક્રમે સીતા, દ્રોપદી, મીરાં, મુક્તાબાઈ, શારદાદેવી, મદામ ક્યૂરી, હેલન કેલર ને રાબિયા વિશે લખાયું.

    ‘નારીવાદ’ સંજ્ઞા વિશે એ ગાળામાં તો હું બિલકુલ અજાણ જ હતી ને આજે પણ કદાચ તટસ્થ છું. મહાન સ્ત્રીઓનું મહિમાગાન કોઈ વાદના સંસ્ઘાપન માટે થતું હોય તો ન કરવું બહેતર. જાતે એક મહિલા હોવાનું ને અહીં પણ નારી પાત્રો પર પસંદગી ઢોળવાનું થયું છે તે બંને ઘટના મારે મન અકસ્માત છે. અહીં આલેખાયેલાં પાત્રોનું મને એક વ્યક્તિ તરીકે, મનુષ્ય તરીકે જ મૂલ્ય જણાયું છે.

    ‘કચ્છમિત્ર’માં પ્રગટ થયેલી લેખમાળાનાં પાત્રો તો આઠ જ હતાં. પણ ૧૯૯૫ના એપ્રિલમાં મારા પ્રાધ્યાપક ડૉ. ધીરેન્દ્રભાઈ મહેતા સાથે સણોસરાના પ્રવાસેથી પાછા ફરતાં બસમાં જ, મારી સુષુપ્ત ઇચ્છાને વાચા આપતાં સાહેબે જણાવ્યું :  “આ પાત્રો વિશે પુસ્તક થાય તો એક સારું કામ ઘાય.’ મોટા ભાઈ હરેશની પણ આ જ ઇચ્છા. ને આઠ પાત્રોમાંથી થયાં તેર. તેમાં ભળ્યું મારા વડીલ શ્રી કુન્દનલાલભાઈ ધોળકિયાનું. ચૌદ પાત્રો કરવાનું સૂચન. જેથી દમયંતીનું પાત્ર પ્રવેશ્યું.

    સીતાથી કસ્તૂરબા સુધીની આ યાત્રામાં સાત પાત્રો વિદેશી ને સાત ભારતીય છે એ પણ એક ત્રીજો અકસ્માત છે. મહાન તત્ત્વનો આવિર્ભાવ દેશકાંડથી પર છે એટલું જ અહીં અભિમત છે.

    લગભગ દોઢેક વર્ષ ચાલેલી આ પુસ્તકની મારી લેખનવાત્રા મારા માટે ચેતોવિસ્તારની યાત્રા બની રહી છે. એ ક્ષણોને મારા આયુકાળની ચરમ ને પરમ ક્ષણો તરીકે મારી સ્મૃતિ મંજૂપામાં સાચવવી મને ગમશે. તીર્થક્ષેત્રોના ભ્રમણ જેવો આનંદ આ ક્ષણોએ મને આપ્યો હોવાથી, કવિ પ્રેમાનંદના ‘નળાખ્યાન’ માં દમયંતીએ નળ માટે કહેલી પંક્તિનો ખંડ ‘દીઠે અડસઠ જાત્ર’ આ કૃતિના શીર્ષક તરીકે પસંદ કર્યો છે.

    લોકભારતી, સણોસરાના ભ્રમણમાં ધરબાયેલી આ પુસ્તકની જન્મક્ષણે, આ પુસ્તકની પ્રસ્‍તાવના શ્રી મનુભાઈ પ્રંચોળીના હસ્તે લખાશે એની તો ધારણા જ ક્યાંથી હોય ? માંદગી નિમિત્તે સારવાર માટે ભુજના કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવેલા મનૂદાદાનો લાભ લેવાનું ધીરેન્દ્રભાઈએ જ સૂચવ્યું ને એમણે હૂંફાળી વત્સલતાથી મને નવાજી દીધી એ ચોથા અકસ્માતનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું.

    મહિમામંડિત એવાં આ શાશ્વતકાલીન નારી પાત્રો વાચકો-ભાવકોના જીવનના અજવાળામાં પણ સહાયભૂત થશે એવી અપેક્ષા આનંદની આ પળે જાગે છે.

    દર્શના ધોળકિયા

    રિગલ ટાઇપ સામે, ન્યૂ મિન્ટ રોડ,
    ભુજ-કચ્છ-૩૭૦૦૦૧


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ડૉ. દર્શના ધોળકિયાનાં પુસ્તક ‘દીઠે અડસઠ જાત્ર’માંના શાશ્વતકાલીન નારી પાત્રોની આ સફર યાત્રાનો દરેક મણકો આપણે દર મહિનાના ચોથા મંગળવારે  વાંચીશું.

  • ગાંધી અને લાદેન વચ્ચેનો કાલ્પનિક સંવાદ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    અલબત્ત, જોગાનુજોગ, પણ બે વાત લગભગ એક સાથે બની: પહેલગામની આતંકી ઘટનાના હેવાલો હવામાં હશે અને કુરિયર વાટે ‘લોર્ડ ભીખુ પારેખ: પરિચય અને પરીક્ષણ’ એ પુસ્તક આવી મળ્યું. નેવું નાબાદ ભીખુ પારેખ બ્રિટનના જાહેર જીવનનું એક જાણવાજોગ જણ છે, અને રાજ્યશાસ્ત્ર તેમ રાજકીય ફિલસૂફી સહિતનાં ક્ષેત્રોમાં અમલસાડનું આ સોની સંતાન પોતાના નિકષ સાથે સક્રિય છે.

    નાગરિક નિસબત સાથેની એમની સ્વાધ્યાય સક્રિયતાનું એક વિલક્ષણ ઉદાહરણ મને હંમેશ એમણે નાઈન/ઈલેવન ખ્યાત બિન લાદેન અને મહાત્મા ગાંધી વચ્ચે યોજેલ કાલ્પનિક સંવાદરૂપે વરતાતું રહ્યું છે. એટલે આતંકી ઘટનાના દિવસોમાં ભીખુભાઈ વિષયક પુસ્તક આવી મળે ત્યારે સ્વાભાવિક જ પહેલું સ્મરણ બે’ક દાયકા પરના એમના આ કાલ્પનિક સંવાદનું થાય. ઈતિહાસકાર મકરંદ મહેતા આ પુસ્તક પર એમના અંતિમ પર્વમાં કામ કરી રહ્યા હતા. એમના નિધન પછી શીરીન મહેતા ને સિતાંશુ યશશ્ચંદ્રની વિદ્યાવત્સલ માવજત પામીને આ પુસ્તક આપણી પાસે આવ્યું છે અને એમાં ઉક્ત સંવાદનીયે ઝાંખી છે. જોકે આ સંવાદ તો પાછળથી ‘ડિબેટિંગ ઈન્ડિયા’ (૨૦૧૫)માં ગ્રંથસ્થ થયો એનાયે દસ-અગિયાર વરસ પહેલાં ‘પ્રોસ્પેક્ટ’ સામયિકમાંથી વિપુલ કલ્યાણી વાટે ‘ઓપિનિયન’ ને ‘નિરીક્ષક’માં ગુજરાતી અનુવાદમાં સુલભ થયો હતો.

    એક રીતે જુઓ તો મામલો બેઉ પક્ષે નાઈન/ઈલેવનનો છે. ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ ધરાશાયી થઈ ગયા એ ઘટના જો ૨૦૦૧ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઉદભવ થયો એ ઘટના ૧૯૦૬ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી. એપ્રિલ ૨૦૦૪ના ‘પ્રોસ્પેક્ટ’માં ‘ગાંધી અને લાદેન વચ્ચે એક કાલ્પનિક સંવાદ’ પ્રગટ કરતી વેળાએ ભીખુભાઈએ જે મુખડો બાંધ્યો હતો તે અહીં સાંભરે છે. એમણે લખ્યું હતું કે જગતભરના કરોડો લોકોની જેમ નાઈન-ઈલેવનની ઘટનાથી આતંકવાદનો જે ભય પેદા થયો છે તેનો હું પણ ટીકાકાર છું. આવા હિંસાચારના વિષચક્રનો કોઈ વિકલ્પ જ નહીં હોય? અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીથી ‌વિશેષ બીજી કોઈ વ્યક્તિ પાસેથી આના જવાબો મળી શકે જ નહીં. એમની અને બિન લાદેન વચ્ચે કાલ્પનિક વાદ-વિવાદ જગવવા પાછળ મારા બે હેતુઓ છે. એક, જગતભરમાં ફરી વળેલ વિકૃત વિચારને સમજવાનો આશય છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.

    ‘પ્રોસ્પેક્ટ’માં ૨૦૦૨૪માં છપાયેલો લેખ ૨૦૧૫માં ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ગ્રંથસ્થ થયો તેના વચગાળાનાં વર્ષો સંભારીને ભીખુ પારેખે કહ્યું છે કે ભલે આ સંવાદ કાલ્પનિક છે, પણ તે કોઈ રાજકીય શૂન્યાવકશામાં થઈ રહ્યો છે એમ કૃપા કરીને માનશો નહીં. લાદેન રૂપે કે ગાંધી રૂપે કરેલી રજૂઆત માત્ર બે વ્યક્તિની જ વાત નથી. લાદેનની હિલચાલ સાથે આરબો સહિત મુસ્લિમ સમાજને સંકળાયેલ ગણીએ તો તાજા ઘટનાક્રમમાં યાદ રાખવાજોગ વિગત ૨૦૦૯-૨૦૧૨ની ‘આરબ સ્પ્રિંગ’ની પણ છે. જુઓ કે ગાંધીના આચારવિચારથી પ્રભાવિત થઈ પશ્ચિમ એશિયાના હજારો મુસ્લિમોએ ટ્યુનિસિયા, ઈજિપ્ત અને યમનના સરમુખત્યારો સામે અહિંસક આંદોલનો કર્યાં હતાં. ઉલટ પક્ષે, ૧૯૦૬થી દક્ષિણ આફ્રિકામાં મંડાયેલ સવિનય કાનૂનભંગની ચળવળ સંભારો. (અને, એમ તો, ભારતમાં દાંડીકૂચ પ્રકારના વામન પણ વિરાટ અભિક્રમો ક્યાં નથી?)

    ગાંધી ને લાદેન વચ્ચે કેટલુંક સામ્ય છે. પોતપોતાને સમજાયેલ નૈતિક મૂલ્યો માટે જાન આપવા તૈયાર છે. બંને પશ્ચિમની ભોગવાદી, ભૌતિકવાદી, લશ્કરવાદી સંસ્કૃતિના આકરા ટીકાકાર છે. પણ માનવ ઈતિહાસ અને માનવ સમસ્યાઓને જોવાનો બંનેનો અભિગમ ભિન્ન છે. ધર્મની બાબતમાં ગાંધી સમાવેશી (ઈન્ક્લુઝિવ) છે, લાદેન મુસ્લિમ કોમ પૂરતો એકાંગી (એક્સ્ક્લુસિવ) છે. નેલ્સન મંડેલા, ડેસમન્ટ ટુટુ, માર્ટિન લ્યુથર કિંગની ચળવળો એક બાજુ અલ કાયદા, લશ્કરે તૈયબા, જેશે મહમદ બીજી બાજુ- આ બેઉ અભિગમો વચ્ચેનો ભેદ સ્ફુટ કરે છે. લાદેન ગાંધી પાસે ધારો કે સહકાર માગે તો શું કહે? ઈસ્લામે તેરમા સૈકામાં દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકામાં રાજ કર્યું. પશ્ચિમે ઔદ્યોગિક ક્રાંતિ કરી અમારા સામ્રાજ્યનો નાશ કર્યો, પેલેસ્ટાઈનનું વિભાજન કર્યું. યુરોપ-અમેરિકાને ફક્ત હિંસાની ભાષા આવડતી હોવાથી અમે પણ તેમ કરીશું. મારે મુસ્લિમ દેશોને અમેરિકાની પકડમાંથી છોડાવવા છે. ભૌતિકવાદ સામેના જંગમાં તમારો સાથ માંગું છું.

    અને ગાંધી શું કહે? હું પણ છેક ૧૯૦૮થી સાવરકર, ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા જેવા હિંસામાં માનતા ક્રાંતિકારીઓના પરિચયમાં હતો. મને તે જચતું નહોતું અને દક્ષિણ આફ્રિકાથી શરૂ કરી મેં અહિંસાના અસરકારક પ્રયોગો કર્યા. બહાદુરી અને બલિદાની તૈયારીનો હું પ્રશંસક છું, પણ હિંસા કરતાં અહિંસાથી સામાનું મન જીતી લેવું તે વધારે ટકાઉ અને નૈતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. તમે સામ્રાજ્યવાદનો વિરોધ કરો છો, પણ તમે પણ સામ્રાજ્યવાદી જ છો, કેમ કે તમારે ઈસ્લામી સામ્રાજ્ય સ્થાપવું છે. જેમ મેં મારા ધર્મની મર્યાદાઓ જોઈ તેની ઊણપો દૂર કરવાના પ્રયાસ કર્યા, પણ ઈસ્લામના સામાજિક કલેવરમાં સુધારો કરવાની તમારી કોઈ યોજના નથી. સમજો કે આત્મભોગ અને નૈતિક દબાણ દ્વારા જે શક્ય છે તે દમનનીતિ દ્વારા નથી.

    ખરું જોતાં આખી જ ચર્ચા વાંચવી જોઈએ, પણ અહીં તો એક આછી ઝલક કે ઝાંખી જ, નેવું નાબાદ ભીખુ પારેખની સાખે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૧ – ૦૫– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.