વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સંસ્પર્શ- ૨૦

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    તત્વમસિ એટલે “તે તું જ છે.” આ તે એટલે કોણ? આ તે એટલે ઈશ્વર, જીવ, પ્રકૃતિનું એક એક સજીવ,નિર્જીવ સર્જન.

    વૃક્ષ, પહાડ, નદી, સૂરજ, ચંદ્ર, તારા, ગગન, ધરા, લીલી હરિયાળીમાં વાતો પવન, આ બધાં સાથે એકરૂપતાનું દર્શન એટલે “તે તું જ છે.”

    હા,ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથા દ્વારા સામવેદનાં આ વાક્યને આપણને સરળતાથી સમજાવી દીધું છે કે આ સમગ્ર બ્રહ્માંડની દરેક સૃષ્ટિમાં તું જ સમાયેલો છે જો તને તે જોતાં અને પામતા આવડે તો!

    માત્ર ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એટલે ‘હું જ બ્રહ્મ છું’ નહીં કે “અયમાત્મા બ્રહ્મ “એટલે ‘આત્મા જ બ્રહ્મ છે “ પણ નહીં પરતું સમગ્ર બ્રહ્માંડની દરેક વસ્તુમાં તું છે.

    માણસનો જીવ જો પરમનો અંશ હોય તો આપણી આસપાસની સૃષ્ટિનાં તત્વો, સમગ્ર જીવો,પશુ-પંખી પણ પરમનાં જ તત્વ કહેવાય એટલે તેમાં પણ આપણે સમાયેલા છીએ- તે સામવેદની વાત નવલકથા દ્વારા દાદાએ સમજાવી છે.અને યાદ આવે નરસૈંયાની પંક્તિઓ,

    “નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
    તે જ હું તે જ હું શબ્દ બોલે
    અને
    શ્યામ શોભા ઘણી ,
    બુધ્ધિ ના શકે કળી,
    અનંત ઓચ્છવમાં પંથ ભૂલી
    જડ ને ચૈતન્ય રસ કરી જાણવો
    પકડી પ્રેમે સજીવન મૂળી….

    નવલકથાની શરૂઆત પરદેશમાં રહેતા નાયકને તેના પ્રોફેસર ભારત જઈને નર્મદા તટે વસતાં આદિવાસીઓ પાસે રહીને તેના પર રીસર્ચ કરવા જવાનું સૂચવે છે ,જે નાયકને ગમતું નથી. પરદેશમાં રહીને ત્યાંની સંસ્કૃતિને જ સભ્ય સંસ્કૃતિ માનતો નાયક ભારતના નર્મદા તટે રહેતાં આદિવાસીઓ સાથે રહી આપણે સંસ્કૃતમાં જેને ‘એતિહ્ય’ એટલે સંસ્કૃતિ કે પરંપરા કહીએ તેને જાણે છે અને તેને સંપૂર્ણ રીતે સ્વીકારે છે. દાદાએ આ વાત ડાયરીરૂપે તબક્કાવાર નવલકથામાં સરસ રીતે પીરસી છે.

    ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતા કેવી રીતે સમાયેલ છે, તે દાદાએ ખૂબ ઝીણવટપૂર્વક આલેખ્યું છે.

    ટ્રેનમાં બેઠેલો નાયક ,પોતાની નીચેની બર્થ પર એક માજીને એક બાજુ બેસી માળા કરતાં અને તે જ બર્થનાં બીજા છેડે બીજો પ્રવાસી કપડું પાથરી નમાજ પડતા જુએ છે. એક જ બર્થ પર,સામસામે છેડે બેસીને જુદા જુદા ધર્મના માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે.

    ભારતમાં જુદા ધર્મો,જુદી ભાષા, અલગ રીત-રિવાજો,સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર છતાં બધામાં કંઈક સામ્ય હોવાનો આભાસ નાયકને થાય છે. ટ્રેનમાં સાવ અજાણ્યા સહપ્રવાસીને નાતજાત, ધર્મ-ભાષાનાં વાડા ભૂલી, હળીમળી કુંટુંબીજનની જેમ એક જ નાસ્તાનાં ડબ્બામાંથી વહેંચીને ખાતો જોઈ તેમજ પોતાના અંગત કુટુંબીઓની વાત સ્વજન હોય તેમ કરતા જોઈ નાયક વિસ્મિત થઈ જાય છે.

    અમેરિકામાં એકલો રહેતો માણસ સભ્યતાનું મ્હોરું પહેરી, પોતાની સમસ્યાઓને એકલપંડે ઘુંટાઈને વેઠી, જીવતો જોતો નાયક વિચારમાં પડી જાય છે!

    ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર આફરીન થઈ જાય છે! નાની નાની અનેક હૃદયસ્પર્શી વાતો નાયકને પોતાના સાચા અસ્તિત્વની ઓળખ કરાવે છે. અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આપણો દેશ હજારો વર્ષોથી કેવી રીતે અખંડ રહી શક્યો છે, તેનું રહસ્ય નાયકને ધીરેધીરે સમજાતું જાય છે.

    તેથી પણ આગળ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ, અછતો, પૂરતાં કપડાં કે ખોરાકનો અભાવ છતાં પોતાની મસ્તીમાં મસ્ત થઈ સુખ-સંતોષથી આનંદમાં જીવતા આદિવાસીઓને જોઈ નાયકની સુખની વ્યાખ્યા બદલાઈ જાય છે.

    સુખ એટલે ભૌતિક સુખ સગવડો એમ માનતો નાયક, સુખ આપણી પોતાની વૈચારિક અવસ્થા છે. તે સમજી જાય છે. અમેરિકામાં અઢળક સુખ સાહ્યબીમાં જીવતાં માનવીઓ પણ આટલા સંતોષ અને બેફિકરાઈથી જીવી શકતા નથી તે સત્ય નાયક પામી જાય છે.

    આદિવાસીઓ સાથે જીવતાં, જીવન વિશેના વિચારોની નાયકની પરિભાષા બદલાઈ જાય છે. ભૌતિક સમૃદ્ધિ અને આંતરિક સમૃદ્ધિનાં ભેદને પામી જતો નાયક પોતાની પરંપરા, નર્મદાનાં તટવાસીઓ અને અભાવમાં પણ આનંદિત જીવન જીવતાં આદિવાસીઓ સાથે જ જીવવાનો નિર્ણય લે છે, તે આખી યાત્રા વાચકને પણ આશ્ચર્ય સાથે આહ્લાદકતાનો અનુભવ કરાવે છે.

    આ સાથે આ જ વાતની સાબિત કરતું ધ્રુવગીત પણ સાંભળીએ.

    ‘બાર બાય બાર જેવી બાથરુમ હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા,
    એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં,
    મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં.
    ખોરડાંને આડ નહીં ફરતે દિવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું,
    તક્તીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું,
    બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલ દોરડાં,
    મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં.
    ઘરમાં બેસું ને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણા તાળી લઈ જાય છે,
    કેમનું જિવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે,
    એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચીતરેલ બધાં મોરલા,
    મારાં ચાર-પાંચ નળિયાનાં ખોરડાં

    ધ્રુવદાદાને બાર બાય બારની બાથરૂમ અને પચ્ચી બાય ચોવીનાં મસ મોટા રૂમો અને બાથરૂમ હોય તેવા મહેલ જેવાં ઘરને, સંતોષ અને સુખોથી સમૃદ્ધ ચાર પાંચ નળિયાંથી ઢંકાએલ ઝૂંપડી ટક્કર મારે તેમ લાગે છે.

    તેમના આ નાનકડાં ખોરડામાં એટલે કે છાપરા જેવા ઘરમાં ચારેબાજુ ફરતી દીવાલ નથી કે નથી જાળી સાથેનાં બારી બારણાં. આ નાનકડી ઝૂંપડીમાં બહાર નામની બંગલાઓમાં લગાવી હોય તેવી નામની તક્તિ પણ નથી. પરતું ચોપન દિશાઓમાંથી વાતો પવન તેમની કુદરતની પવનની બારીઓમાંથી અનેરી ઠંડક રેલાવે છે. ઘરમાં બેસે તોય સૂરજનાં કિરણોનું તેજ અને ચંદ્રની ચાંદની તેમને તાળી દેતી હોય તેમ તેમની પર રેલાય છે.

    જીવન મરણની વાતો કરતાં મીઠાં વાયરા સાથે ઘરમાં રહી તે વાતો કરે છે અને આ મીઠા વાર્તાલાપમાં જાણે એક વાર હોઠ ફફડે ત્યાંતો ભીંતે ચીતરેલાં બધાં મોરલા ગહેકીને ટહુકો કરતાં સંભળાય છે. જ્યારે માણસ ભીતરથી આનંદિત હોય તો તેને બહારની દુન્યવી સંપત્તિનો કોઈ મોહ હોતો નથી. તે તો તેના નિજાનંદમાં મસ્ત હોય છે. આમ આ ધ્રુવગીતમાં દાદાએ નિજાનંદ જ સાચું સુખ છે તે સમજાવ્યું છે.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


     

    ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ

    બીરેન કોઠારી

    પુસ્તક ક્રમાંક: ખ ૯૦/ ૦૦૫૫૫    

    પુસ્તકનું નામ: ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ

    મૂળ લેખક: સ્ટેન્લી લેન-પૂલ

    ગુજરાતીમાં ભાષાન્‍તરકર્તા: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ગુજરાતી’ના તંત્રી

    પ્રકાશન વર્ષ: –

    કિંમત: –

    પૃષ્ઠસંખ્યા: ૨૫૧

    વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્‍ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ.

    કુલ બાર પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં ‘અકબરનો વારસો’ અને ‘ઔરંગઝેબનું કુટુમ્બ’ પછી પ્રથમ પ્રકરણ ‘શાહજાદો’ અને અંતિમ પ્રકરણ ‘ઔરંગઝેબની પડતી’ છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.


    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/stanley-lane-pole-ebooks


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • વૈચારિક શુદ્ધિના પ્રણેતા: પંડિત દીનદયાલ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    થાય છે, વાતનો ઉપાડ ખાસાં અઠ્ઠાવન વરસ પાછળ જઈને કરું: ૧૯૬૮ના ફેબ્રુઆરીની ૧૧મી તારીખે, એ દિવસોમાં ગમતા રાજપુરુષો પૈકી એક, જનસંઘના લગભગ સ્થપતિ જેવા દીનદયાલ ઉપાધ્યાયના અકાલમૃત્યુની ખબરે મેં કંઈક આંચકો અનુભવ્યો હતો. વય ૫૧-૫૨ની હશે, અને પક્ષપ્રમુખ થયાને તો હજુ આખા ૪૨૩ દિવસ માંડ થયા હશે. વળી એક દસકો પાછળ જઈને જોઉં છું તો ૧૯૫૮-૫૯ની એમની પહેલી રૂબરૂ મુલાકાત સ્મરણપટ પર ઊપસી આવે છે. એ ગાળામાં અમે કેટલાક મિત્રો નિખિલ ભારત વિદ્યાર્થી વર્તુલ એવા ભારીભરખમ નામ નીચે (બિલકુલ, ચકલી નાની ને ફૈડકો મોટો) પ્રવૃત્તિ કરતા હતા.

    ત્યારે હજુ ગુજરાત-મહારાષ્ટ્ર ર છૂટાં પડ્યાં નહોતાં અને મુંબઈ સરકારે પાઠ્યપુસ્તકોમાં લખનૌ લિપિ દાખલ કરવા વિચાર્યું હતું. સ્વાતંત્ર્યસૈનિક શિક્ષણકાર ઠાકોરભાઈ ઠાકોરે સૂચિત લિપિફેર સામે ઝંડો ઉપાડ્યો હતો અને અમને મિત્રોને પણ એ જ લાઈન પર વિરોધસૂર ઉઠાવવા જેવું લાગતું હતું. દીનદયાલ ઉપાધ્યાય અમદાવાદ આવ્યા હશે અને ગુજરાત જનસંઘના મહામંત્રી હરિપ્રસાદ પંડ્યાએ એમની સાથે અમે મળીએ એવું ગોઠવ્યું. કોંગ્રેસ કરકાર સામે વિરોધ પક્ષ તો તક જ શોધતો હોય એવી જાડી સમજ સાથે અમે મુલાકાતના સમયે અમદાવાદની મહારાષ્ટ્ર સોસાઈટીમાં ડો. વણીકરને ત્યાં પહોંચી ગયા.

    દીનદયાલે શાંતિથી બિલકુલ એકધ્યાન થઈને અમને સાંભળ્યા પણ સમર્થન ન આપ્યું. બલકે, કહ્યું કે ‘રાષ્ટ્રધર્મ’ માસિક, ‘પાંચજન્ય’ સાપ્તાહિક અને ‘સ્વદેશ’ દૈનિકની આરંભિક જવાબદારી સંભાળતા ને હેન્ડ કમ્પોઝમાં હાથ બટાવતા મેં પણ લિપિસુધારતની જરૂરત અનુભવી છે. જાહેર જીવનનું આ એક એવું લેસન હતું જે એ જ અરસામાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ મગનભાઈ પ્ર. દેસાઈ સાથેની મુલાકાતથીયે દૃઢાયું હતું. ઠાકોરભાઈ ઠાકોર અને એ અંગ્રેજી કયા ધોરણથી શીખવવું તે મુદ્દે સામસામે ખરાખરીના જંગમાં પડેલા હતા.

    મગનભાઈએ લખનૌ લિપિના વિરોધ કે સમર્થનની લપછપમાં પડ્યા વગર એક અચ્છા શિક્ષકની અદાથી અમને સમજાવ્યું હતું કે લિપિફેર એક સહજ પ્રક્રિયા હોઈ શકે છે, એટલે ફેરફાર માત્રથી બારોબાર વિરોધ ન થઈ શકે. વાત ક્યાંથી ક્યાં ચાલે છે તો લગરીક લોહિયાને પણ સંભારી લઉં. મગનભાઈ એ દિવસોમાં માતૃભાષાના માધ્યમ અંગે એમના આગ્રહથી ઉપલક ઉભડક સમજવશ ટીકાપાત્ર બન્યા હતા. ‘મગન માધ્યમ’ એ ઉપહાસવિષય હતો. એમને અને એમના પક્ષને (કોંગ્રેસ)ને ઝૂડવા માટે એ હાથવગો બલકે મોંવગો મુદ્દો હતો. પણ લોહિયા જેનું નામ, અમદાવાદની જાહેર સભામાં એમણે મગનભાઈની સૈદ્ધાંતિક ને શાસ્ત્રીય ભૂમિકાને ઉલટભેર વધાવી લેતાં મુદ્દલ સંકોચ કર્યો નહોતો.

    દીનદયાલ ઉપાધ્યાયના સ્મરણ સાથે એમની પહેલી પહેલી મુલાકાતની જોડાજોડ કેટલીક વાત ગાયની પૂંઠે પૂંઠે વાછડા પેટે ધ્રોપટ ચાલી આવી તે ચાલી આવી. ૧૯૫૧-૫૨માં, બારેક વર્ષની વયે મેં એમનું નામ પહેલી વાર સાંભળ્યું હશે. નેહરુ-પટેલે કોંગ્રેસ બહારનીયે પ્રતિભાઓ લઈને સ્વરાજનું પહેલું પ્રધાનમંડળ રચ્યું એમાંથી છૂટા થયા પછી શ્યામાપ્રસાદ મુખર્જીએ હિંદુ મહાસભામાં પાછા નહીં ફરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી જે નવો પક્ષ રચ્યો એને સંઘે આપેલા ચુનંદા સાથીઓમાં અંગ્રેજી સાહિત્યના અવ્વલ છાત્ર દીનદયાલ પણ હતા. સુદીર્ઘ મહામંત્રીકાળ દરમ્યાન સંગઠન બાંધવામાં તેમ વૈચારિક સફાઈની દિશામાં તો એ સ્થપતિ જેવા પુરવાર થયા હતા.

    ખેર, એમની પહેલી મુલાકાત પછી પાંચ-સાત વરસ કુદાવું છું ત્યારે થઈ આવતું સ્મરણ એમના ને લોહિયાના એ સંયુક્ત નિવેદનનું છે જેમાં ભારત-પાક સમવાય અગર અર્ધ-સમવાય (કોન્ફેડરેશન)ની હિમાયત હતી. દેખીતી રીતે જ, હિંદુત્વ રાજનીતિના ઘોર રાષ્ટ્રવાદ અને વિજીગીષુ વૃત્તિ સહિતના યુનિટરી નેશન-સ્ટેટના જડબેસલાક ચોકઠાની બહાર જતી આ વાત હતી. આગળ ચાલતાં ૧૯૯૯માં વડાપ્રધાન વાજપેયી મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત વાટે જે લવચીક અભિગમ દાખવવાના હતા તે પણ આ સંદર્ભમાં સાંભરે છે. નિતાન્ત મુસ્લિમદ્વેષમાંથી પોષણ મેળવતી રાજનીતિથી હટવા સાથેનું એમનું વ્યાપક ને ઉદાત્ત વલણ ૧૯૬૫માં મુંબઈનાં ચાર વ્યાખ્યાનોમાં એમણે એકાત્મ માનવ દર્શનની જે માંડણી મૂકી એમાંથી ફોરે છે.

    એકાત્મ માનવવાદની વિગતવિશદ ચર્ચા યથાપ્રસંગ કરીશું, પણ એમના વ્યાપક વલણ વિશે સહેજસાજ ભલે ને અછડતો પણ નિર્દેશ જરૂર કરું- જેમકે, દાખલા તરીકે, ધર્મરાજ્ય જેવા પ્રયોગને એમણે ‘રુલ ઓફ લો’ તરીકે ઘટાવ્યો હતો. હકીકતે, દીનદયાલના મતે ‘રાષ્ટ્ર’ માત્રને અંતરાત્મા સરખો કોઈક માર્ગદર્શક મુદ્દો કહેતાં ‘ચિતિ’ હોય છે. ભારતની ‘ચિતિ’ કોઈ હોય તો તે ધર્મ છે. હિંદુ ધર્મ અગર ઈસ્લામ એવા કોઈ અર્થમાં નહીં, પણ ધર્મ કહેતાં ધારણપોષણનું નિયામક બળ. (અરવિંદ જેમકે ધર્મને ‘કોડ ઓફ કન્ડક્ટ’ તરીકે સમજાવે છે.) આ જો રિલિજિયન નથી તો હિંદુ હોવાને ધોરણે રચાતું રાષ્ટ્ર પણ નથી.

    આ ચર્ચા જો આગળ લંબાય તો એમ પણ સમજાય કે સાવરકર-હેડગેવાર, ગોળવલકરની પરિઘિને દીનદયાલ કોઈક તબક્કે લાંઘી પણ શકે. અલબત્ત, આ શક્યતા ઉત્તર બલકે ઉત્તરોત્તર દીનદયાલની હોઈ શકતી હતી. ૨૦૧૬-૧૭માં નમો શાસને ૩૦૦ કરોડના ખર્ચે દીનદયાલ શતાબ્દી મનાવી… પણ પેલો ચિતિબોધ? ધર્મ છૂટી ગયો ને રિલિજિયનનું રાજકારણ સવાર થઈ ગયું. સહચિંતનની ભૂમિકાએ પેલી ગાયકવાડી કહેવત જરી ફેરવીને મૂકીએ તો હાથમાં દંડો ને બગલમાં મોઈ, સત્તા લેતાં ‘ચિતિ’ ખોઈ. આટલું, દીનદયાલ એકસો દસમે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩-૨-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • સંસારસંન્યાસ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    લાંબા સમય પછી નિવૃત્તિ બાદ ગજાધર બાબુને ઘેર આવેલા જોઈને શકુંતલાદેવી તો ભારે ખુશ. હાશ, હવે પતિની પસંદગીનું ખાવાનું બનાવીને એ એમને ખવડાવી શકશે. ખૂબ સેવા કરશે. લાંબા અરસા પછી પતિના સાંનિધ્યમાં સમય પસાર કરવાનો શકુંતલાના મનનો હરખ એના ચહેરા પર છલકાતો હતો.

    ૨૫ વર્ષથી એ પતિથી દૂર રહી. ગજાધર બાબુની નોકરી જ એવી હતી કે દર ત્રણ વર્ષે એમની ટ્રાન્સફર કોઈ દૂરદૂર શહેરોમાં થતી. સંતાનોને દર વખતે નવી જગ્યા, નવી સ્કૂલ, અલગ વાતાવરણમાં અગવડ ન પડે અને એમના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એટલે શકુંતલા પિયર હતું એ શહેરમાં સંતાનો સાથે રહી. ઘર સંભાળ્યું, સંતાનોના ઉછેર અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપતી રહી.

    સમય જતા મોટા દીકરાનું લગ્ન થતાં પુત્રવધૂ આવી. દીકરીને પણ ધામધૂમથી પરણાવી. નાના દીકરાને પરણાવવાનો સમય પણ નજીક આવતો ગયો. સઘળી જવાબદારી શકુંતલાએ એકલા હાથે પાર પાડી. મનમાં સતત આશાનો એક દીપ લઈને એ આ બધું કરતી રહી કે પતિ નિવૃત્ત થઈને ઘેર આવશે ત્યારે ઘર-પરિવારના સઘળા ભારથી મુક્ત થઈને સંપૂર્ણ સમય પતિ સાથે, પતિ માટે જ ફાળવશે.  ઉત્તરાર્ધનો સોનેરી સમય પતિ સાથે ગાળશે, પતિ સાથે ભરપૂર જીવશે. આટલા વર્ષોના વિયોગને એ ઉત્સવમાં બદલી નાખશે.

    છેલ્લા પાંચ મહિનાથી પુત્રવધૂને ઘરકામમાં કેળવવા માંડી હતી જેથી પોતે ઘરકામથી ફારેગ થાય તો પુત્રવધૂ સરળતાથી એ જવાબદારી સંભાળી શકે. આટલા વર્ષોથી પોતે તો પરિવાર સાથે રહી છે, પણ પતિ તો સાવ એકલા જ રહ્યા છે. પોતે પતિની એકલતાને, વર્ષોના સૂનકારને સુંવાળા સહચારથી ભરી દેશે.

    શકુંતલાદેવીનું સપનું સાકાર થવાનો દિવસ આવ્યો. ગજાધર બાબુ ઘેર આવ્યા, પણ આ શું?

    શકુંતલાદેવીને એ વાતનું આશ્ચર્ય થતું કે આટલા વર્ષે પત્ની સાથે રહેવાનો સમય આવ્યો ત્યારે પતિ મહાશયમાં કેમ જરાય ઉમળકો વર્તાતો નથી? શકુંતલાદેવી પાસે બેઠા હોય તો પણ પતિદેવ તો મોબાઇલમાં જ વ્યસ્ત. બાજુમાં બેઠેલી પત્ની તરફ નજર માંડવાના બદલે. પત્નીની વાતો સાંભળવાના બદલે એમનું ધ્યાન સતત મોબાઇલમાં જ રહેતું. હાથમાં ફોન અને ફોન પર ખટર પટર, પટર ખટર. શકુંતલા પાસે બેસતી તો ગજાધર બાબુ અસહજ બની જતા.

    આટલા વર્ષો એકલા રહ્યા પછી ગજાધરે WhatsApp, Twitter, Facebook, Instagram જેવા social media સાથે દોસ્તી કરી લીધી હતી. ફેસબુક તો જાણે એમની ઓળખ બની ગયું હતું. અવારનવાર ફેસબુક પર પોતાની પોસ્ટ શેર કરે રાખતા. મળ્યા ન હોય એવા લોકો સાથે વાતચીત અને વાહવાહીમાં સમય પસાર કરતા.

    એક શકુંતલાદેવી હતાં જેમણે ચાતકની જેમ પતિની રાહ જોઈ હતી. જીવનભરની કથા, વ્યથા પતિને જણાવવી હતી. પતિ એકલા રહેતા હતા એટલે એમને કોઈ જાતનો ઉચાટ, કોઈ દ્વિધા કે અવઢવ ઊભી ન થાય એટલે સતત સંજોગો સામે એ ઝઝૂમતી રહી. આ પચીસ વર્ષ કેવી રીતે પસાર કર્યાં છતાં એનો અણસારો સુદ્ધાં પતિ સુધી પહોંચવા નહોતો દીધો.

    શકુંતલાદેવી સરસ તૈયાર થતી, પણ પતિદેવને ફેસબુકની સુંદરીઓને જોવા આડે એક મિનિટની ફુરસદ જ ક્યાં હોય કે પત્ની સામે નજર માંડે? હવે તો સ્થિતિ એવી આવતી કે, શકુંતલાદેવી કંઈક કહેતા હોય તો પણ ગજાધરબાબુનું ચિત્ત એમનાં ‘બુદ્ધુ બોક્સ’- ‘Idiot Box’માં જ હોય. શકુંતલાદેવીએ ક્યારે, શું કહ્યું એ હવામાં જ જતું. બંનેના દિવસ-રાત પણ અલગ. શકુંતલાદેવી વહેલા સૂઈ જાય, પતિદેવ મોડા સુધી મોબાઇલમાં રચ્યાપચ્યા હોય. શકુંતલાદેવી સવારે વહેલા ઊઠે, પતિદેવ મોડી સવાર સુધી ઊંઘતા હોય.

    કેટલીય વાર શકુંતલાદેવીને લાગતું કે પતિદેવ કોઈની સાથે વાત કરી રહ્યા છે, પણ એમને જોઈને ચૂપ થઈ જાય છે.

    આ એ જ પતિ હતા જે કહેતા કે, “શકુ, તારા વગર રહેવું મારા માટે મોતથી બદતર દશા જેવું છે.” અને આજે પચીસ વર્ષે મળેલા પતિદેવ આટલા બદલાઈ ગયા?

    હાય રે, આટલા માટે જુદાગરો વેઠ્યો હતો?

    પતિદેવે અચાનક એક દિવસ શકુંતલાદેવીને જાણ કરી કે, સરકારનો રિટાયર્ડ લોકોને નોકરી પર રાખવાનો પ્રસ્તાવ એમણે મંજૂર કરી લીધો છે અને હવે પોતે નવી નોકરીવાળા નવા શહેરમાં જશે. શકુંતલાદેવીએ રાજી થઈને પતિ સાથે જવાની તૈયારી આદરી.

    પણ, ગજાધરબાબુએ એમના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતાં કહ્યું, “એમને ક્યાં ક્યાં જવું પડશે એ નિશ્ચિત નથી. વળી અહીં પૌત્ર-પૌત્રીઓ, પરિવારને શકુંતલાદેવીની જરૂર વધારે છે. પોતે તો પોતાની વ્યવસ્થા કરી લેશે.”

    “અરે ભગવાન, હવે પેન્શનની પૂરતી રકમ મળે છે તો નવી નોકરીની જરૂર છે જ ક્યાં? જીવનના આ પડાવ પર સાથે રહેવાનો સમય મળ્યો છે તો માણી લો ને?” પત્નીએ અકળામણ ઠાલવી.

    ગજાધરબાબુ પત્નીને કેવી રીતે સમજાવે કે, “હવે એમને એકલા રહેવાનું માફક આવી ગયું છે. WhatsApp, Twitter, Facebook, Instagram જ એમની દુનિયા છે અને એમાં જ મસ્ત રહેવાનું ગમે છે. પત્નીની સાથે રહેવાનું, પત્નીના સવાલોના જવાબ આપવાનું નથી ગમતું. હવે તો એકાકી જીવનમાં જ મસ્ત અને વ્યસ્ત રહેવું છે.”

    અને ગજાધરબાબુએ ફરી પોતાનો સામાન સમેટવા માંડ્યો. શકુંતલાદેવી ફરી રસોડું સંભાળવા તરફ વળ્યાં.


    ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • બાસમતી ચોખા

    આશા વીરેન્દ્ર

    પ્લાસ્ટર ઊખડી ગયેલી, પડું પડું થતી દીવાલ વાળું જર્જરિત ખંડેર જોઈને કોઈ માની ન શકે કે, એક જમાનામાં અહીં જમીનદારની શાનદાર હવેલી ઊભી હતી. જેવી હાલત હવેલીની એવી જ, કે કદાચ એનાથીય બદતર હાલત હતી એની માલકણ પારવતીની. ચીંથરું થઈ ગયેલી ચાદર ર્જીણ શરીર પર લપેટતાં એ રોજ કહેતી, “વહુ, આ બુઢ્ઢાં હાડકાંઓમાં ઠંડી સહન કરવાની તાકાત નથી રઈ. એકાદ જૂનું ગોદડું હોય તો કાઢી આલજે. વરંડામાં પડેલી પાટ પર સૂઉં છું તે રાતે ટાઢથી થીજી જવાય છે.”

    “ગોદડું ક્યાંથી લાવું? માવતરેથી લગન વખતે લાવી’તી ઈ ફાટીને તાર તાર થઈ ગ્યું છે. ઈ બેય છોકરાંઓનાં ડિલ પર નાખું છું. બસ! ઈ સિવાય હવે કાંઈ નથ.”

    ડોસી ચુપચાપ ઘરની કંગાળ હાલત પર નિસાસો નાખતી. માલિકના ગયા પછી હવેલીની પડતી શરૂ થઈ. ત્યારબાદ એક પછી એક નોકરોએ પોતાનો રસ્તો લઈ લીધો. એક ફક્ત ગોપી એને આપેલી ખોલીમાં પડી રહેતો ને થઈ શકે એવું પરચૂરણ કામ કર્યા કરતો. નવરાશના સમયે ઓટલે આવીને બેસતો ને કહેતો, “શેઠાણીબા, ઉં તો ક્યાંય નંઈ જવાનો. મારો જેંતી શેરમાં રે’વા બવ બોલાવે છ પણ મીં કીધું કે, જીવ્યો ઐયાં ને મરવાનો પણ ઐયાં જ!” એની ઇચ્છા પૂરી થઈ. ચાર દિવસ પહેલાં એણે દેહ છોડ્યો. ગઈકાલે જેંતી મોટર લઈને આવ્યો ને એણે જાહેરાત કરી, “મારા બાપનું સરાધ હું ધામધૂમથી કરવાનો છું. આખા ગામને જમવા નોતરવાનો છું.”

    ડોસી આ સાંભળીને બબડ્યાં, “જોઈએ તો ખરાં કે, મોટો સાયેબ થઈ ગ્યો છે તે શું જમાડે છે?”

    ત્યાં તો સ્કૂલેથી આવેલી નાનકડી દીકરીએ કહ્યું, “દાદી, ગોપીકાકાના ઘર પાસેથી આવી ને, ત્યારે મેં જોયું કે, ત્યાં આ…ટલો બધો ભાત રંધાય છે.”

    “હા, તે જમાડવાનો હશે, આખા ગામને- લાંગની દાળ ને જાડા ચોખા!”

    “ના બાઈજી, હવે તો ઈ લોકોય તુવેરની દાળ ને બાસમતી ભાત જમાડે છે.” સાસુની વાત સાંભળી રહેલી જમનાએ કહ્યું, “બાસમતી એટલે શું? દીકરીએ પૂછ્યું.”

    “બચાડીએ કોઈ દી જોયું હોય તો ખબર પડે ને? બેટા, બાસમતી ઈ ચોખાની એક જાત છે. કોલમ, મસૂરી, પરિમલ… કેટલી બધી જાતના ચોખા આવે, ખબર છે?” બોલતાં બોલતાં ડોસીનાં મોંમાં પાણી આવવા લાગ્યું. આ બધું સાંભળી રહેલા પ્રતાપને બહુ ગુસ્સો આવતો હતો. “સાલ્લા, બે બદામના નોકરડા, આખા ગામને જમાડે ને આપણે એમાં જમવાનું?” મોટેથી ઘાંટો પાડીને એણે સૌને કહી દીધું હતું, “જેંતી ભલે જાતે નોતરું આપવા આવે, પણ ખબરદાર છે કોઈ જમવા ગયું છે તો! ગમે તેમ તોયે આપણે એના માલિક છીએ. એમ ભુખ્ખડની જેમ જમવા બેસી જઈએ તો કેવું લાગે?”

    સાયકલ લઈને પ્રતાપ બહાર નીકળતો હતો ત્યારે જમનાએ એની પાછળ જઈને કહ્યું, “રોજ રોજ જાડા કુસકાના રોટલા ખાઈને બધાં કંટાળ્યાં છે. વીસ દિવસથી રોટલા ને ભાજીનું શાક- એની સિવાય કંઈ બનાવાયું જ નથી. માથી તો રોટલો ચવાતો પણ નથી.”

    “બધું સમજું છું પણ નસીબ આડેથી પાંદડું ખસતું નથી તો શું કરું?”

    થોડીવાર પછી જેંતી નિમંત્રણ આપવા આવ્યો હતો. શેઠાણીને પગે લાગીને ગળગળા સાદે કહ્યું હતું, “તમે તો અમારા અન્નદાતા છો. આજે જે કંઈ છું એ તમારા પ્રતાપે. સહકુટુંબ જમવા જરૂર પધારજો.”

    બંને નાનાં બાળકો જમવા જવા તૈયાર થઈ ગયાં હતાં પણ જમનાએ કહ્યું, “તમારા બાપા જાણશે તો ટાંટિયો ભાંગી નાખશે. બેસો, છાનાંમાનાં ઘરમાં!”

    પ્રતાપ આવ્યો ને પાંચે જણ જમવા બેઠાં પણ બેસ્વાદ ભોજન કોઈને ગળે ઊતરતું નહોતું. જેમતેમ લૂસ લૂસ ખાઈને ચારે અંદરના ઓરડામાં સૂવા જતાં રહ્યાં પણ પાટ પર સૂતેલી ડોસીને કેમે કરીને ઊંઘ આવતી નહોતી. ડેલી ખખડવાનો અવાજ આવ્યો ને એણે પૂછ્યું, “કોણ?”

    જેંતીએ કહ્યું, “મા, એ તો હું. તમે કોઈ જમવા ન આવ્યાં તે હું ખાવાનું ઢાંકવા આવ્યો છું. લાપસી, દાળ-ભાત, શાક બધું છે.” સાંભળીને ડોસીની આંખો ચમકી ઊઠી.

    “મા, કોની સાથે વાત કરતી હતી? કોઈ આવેલું?” પ્રતાપ ને એની પાછળ છોકરાંઓ અને જમના બધાં બહાર આવ્યાં.

    “જેંતી આવ્યો’તો. પરાણે ખાવાનું મૂકી ગયો. મેં ઘણી ના પાડી કે, હજી તો હમણાં બધાં પેટ ભરીને જમ્યાં છીએ, પણ ઈ ન માન્યો.”

    જમના ડરતાં ડરતાં બોલી, “હવે આવ્યું જ છે તો બેય છોકરાંઓને જમવા બેસાડી દઉં? ભૂખ્યા પેટે બેયને નીંદર નથી આવતી.”

    જવાબની રાહ જોયા વિના બેઉ બાળકો દોડતાં આવ્યાં ને થાળી લઈને ગોઠવાઈ ગયાં. હજી એ બંનેની થાળી પીરસાય ત્યાં ડોસીમા ડગુમગુ કરતાં આવ્યાં, “વહુ, મનેય ખાવાનું આપી જ દે. વરસો થયાં આવું બધું ખાધાને! ને ગોપી આપણો નોકર હતો એટલે એના ઘરનું ન ખાવું એવું ઓછું છે? કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી.”

    પ્રતાપ ત્રણેને અકરાંતિયાની જેમ ખાતાં જોઈ રહ્યો પછી જમના સામે જોઈ ધીમેથી બોલ્યો, “હજી ખાવાનું ઘણું વધ્યું છે, નહીં? આટલું સારું ખાવાનું ફેંકી દેવા કરતાં ચાલ, આપણે બેઉ પણ જમી લઈએ. થાળી પીરસ.”

    જમનાને પતિનો ‘ખબરદાર’ બોલતી વખતનો જુસ્સો યાદ આવ્યો. એ વિચારી રહી, ‘આ ભૂખ કેવી ભૂંડી છે! ગમે તેવા મગરૂર માણસને પણ કેવો લાચાર બનાવી દે છે! સ્વમાન સામે ભૂખ હંમેશાં જીતી જાય છે.’

    બંનેની થાળી પીરસીને સામે મૂકી ત્યારે પ્રતાપ પત્નીની આંખમાં આંખ નહોતો મેળવી શકતો. નીચી મૂંડી કરીને કોળિયા ભરી રહેલા પતિની મજાક કરતાં જમનાને કહેવું હતું કે, ‘કેમ, ના કહેતા હતા પણ આખરે જમવું પડ્યું ને?’

    પણ એનાથી એવી ક્રૂર મજાક ન થઈ શકી. હસવાનો પ્રયત્ન કરવા જતાં એની આંખમાંથી નીકળેલાં આંસુ દાળમાં પડ્યાં. જમીને આંગળાં ચાટી રહેલાં સાસુ અને બાળકોને જોઈને એના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો કે કરુણાનો એ એને પોતાને જ ન સમજાયું.


    (બસવરાજ સાદરની મૈથિલી વાર્તાને આધારે)


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક કલાકાર: ગાયકો એકથી વધુ [૪]

    નિરંજન મહેતા

    આ શ્રેણીના આ લેખમાં મનોજકુમાર વિષે રજૂઆત કરૂં છું. ન કેવળ એક અદાકાર પણ નિર્માતા નિર્દેશક અને ગીતકાર તરીકે પણ તેમણે આગવી પ્રતિભા દાખવી છે. જેમ સામાન્ય રીતે રાજકપૂર માટે મુકેશનો અવાજ બંધ બેસે છે તેમ મનોજકુમાર માટે મહેન્દ્ર કપૂરનો અવાજ. .તેં છતાં કેટલાક ગીતો અન્ય ગાયકોએ પણ ગાયા છે. વળી મનોજકુમારે દેશપ્રેમ દર્શાવતી કેટલીક ફિલ્મો બનાવી છે તેને કારણે તે ભારતકુમાર તરીકે પણ ઓળખાય છે.

    સૌ પ્રથમ જોઈએ ૧૯૬૨ની ફિલ્મ ‘‘બનારસી ઠગ’ના ગીતો

    પહેલા ગીતના ગાયક રફીસાહેબ

    अब मोहब्बत में जो पहले थी, वो तासीर नहीं
    अब वो शीरीं नहीं, लैला नहीं, वो हीर नहीं

    ગીતકાર અખ્તર વારીસ સંગીતકાર ઇકબાલ કુરેશી. મનોજકુમાર સાથે વિજયા ચૌધરી

    બીજા ગીતના ગાયક મુકેશ

    खुली खुली जुल्फों को बांध भी लो
    हो जाये न दुनिया में शम कही
    यु न देखो यूं न देखो
    तुम मुझको

    ગીતકાર અઝીઝ કૈસી સંગીતકાર ઇકબાલ કુરેશી. મનોજકુમાર સાથે વિજયા ચૌધરી

    ૧૯૬૨ની જ અન્ય ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા ‘

    પહેળા ગીતમાં મનોજકુમાર પર રચાયેલ આ ગીત એક પાર્શ્વગીત છે જે મહેન્દ્ર કપૂરના અવાજમાં છે

    खो गया है मेरा प्यार मेरा प्यार
    ढूंढता हु मै मेरा प्यार
    ढूंढता हु मै मेरा प्यार
    खो गया है मेरा प्यार मेरा प्यार

    ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન

    બીજું ગીત મુકેશના સ્વરમાં

    तेरी याद दिल से भुलाने चला हूँ
    के खुद अपनी हस्ती, मिटाने चला हूँ

    ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન

    ૧૯૬૨ની વધુ એક ફિલ્મ ‘મા બેટા’

    પહેલા ગીતમાં સ્વર છે હેમાંન્ત્કુમારનો

    मुहब्बत जिसको कहते
    हैं वोह इक
    धड़कन पुराणी है
    यह किस्सा हर नजर का
    है यह हर दिल
    की कहानी है

    મનોજકુમાર સાથે અમિતા. સ્વર છે હેમંતકુમાર અને લતાજીનાં. હેમંતકુમારનું સંગીત અને પ્રેમધવનનાં શબ્દો

    બીજા ગીતમાં સ્વર છે મુકેશનો.

    मैंने कहा जी मैंने
    कहा तुमसे हमें प्यार है
    मैंने कहा जी मैंने कहा हमको
    कब इंकार है मैंने कहा

    મનોજકુમાર સાથે અમિતા. સ્વર છે મુકેશ અને લતાજીનાં હેમંતકુમારનું સંગીત અને પ્રેમધવનના શબ્દો

    ૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘નકલી નવાબ’માં ત્રણ ગીતો એવા છે જેમાં ત્રણ જુદા જુદા ગાયકો છે

    પહેલા ગીતના ગાયક છે તલત મેહમુદ

    मस्त आँखें हैं की पैमाने दो
    हाय! आज तो मुझ को बहक जाने दो
    आ: इतने छलका के न पैमाने दो
    हाय! इक ज़रा होश में आ जाने दो

    સાથ આપ્યો છે શકીલાએ. સહગાયિકા છે આશા ભોસલે. ગીતકાર કૈફ ઈર્ફાની અને સંગીતકાર બાબુલ

    બીજું ગીત ગાયું છે રફીસાહેબે

    સાથ આપ્યો છે શકીલાએ. ગીતકાર રાજા મેહંદી અલી ખાન અને સંગીતકાર બાબુલ

    छेड़ा जो दिल का फ़साना
    हंसा ज़ोर से क्यों ज़माना
    अल्ला जाने मौला जाने

    ત્રીજું ગીત મુકેશના સ્વરમાં

    फूलो से रंगीन ज़मी है
    कतो का गुम भी यही है
    दुनिया के मलिक ये
    दुनिया तेरी है मेरी नही है

    સાથ આપ્યો છે શકીલાએ. ગીતકાર કૈફ ઈર્ફાની અને સંગીતકાર બાબુલ

    ૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’ના પહેલા ગીતના ગાયક છે રફીસાહેબ અને સહગાયક આશા ભોસલે.

    तिकी रिकी तिकी रिकी ताकुरी
    तिकी रिकी तिकी रिकी तुम
    कल जो मिला था
    मुझे ख्वाब में
    वही तो नहीं हो क्या तुम

    બીજા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર. સહગાયક લતાજી.

    छोड़ कर तेरे प्यार का दामन ये बता दे कि हम किधर जायें
    हम को डर है कि तेरी बाहों में हम खुशी से न आज मर जायें

    બંને ગીતમાં મનોજકુમારને સાથ આપ્યો છે હેલને બંને ગીતના ગીતકાર રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર મદન મોહન

    ૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘અપને હુએ પરાયે’

    પહેલા ગીતમાં ગાયક છે સુબીર સેન

    गगन के चँदा न पूछ हमसे, कहाँ हूँ मैं दिल मेरा कहाँ है
    गगन के चँदा न पूछ हमसे, कहाँ हूँ मैं दिल मेरा कहाँ है
    किसीके चाहत में खो गए हम, ना अपना दिल है, ना अपनी जाँ है

    મનોજકુમારને સાથ આપ્યો છે શશીકલાએ. શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વરમાં સાથ છે લતાજીનો.

    બીજા ગીતના ગાયક છે મુકેશ

    दुपटे की गिरह में बांध लीजिए
    मेरा दिल है कभी काम आएगा

    ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

    ૧૯૬૫ની ફિલ્મ ‘પૂનમ કી રાત’માં જે ગીતો છે તેમાના પહેલા ગીતના ગાયક છે મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ.

    तुम कहा ले चले हो सजन अलबेले
    ये कौन सा जहा है बताओ तो बताओ तो
    ये सफ़र अंजना ये प्यार की है राहे
    जरा संग मेरे तुम आओ तो
    तुम आओ तो
    तुम कहा ले चले हो

    બીજું ગીત ગયું છે રફીસાહેબે

    दिल तड़पे तड़पाये
    जिनके मिलान को तरसे
    वो तो न आये
    मौसम आये जाये

    બંને ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર સલીલ ચોંધરી

    ૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘શહીદ’

    પહેલું ગીત મહેન્દ્ર કપૂર અને સાથીઓએ ગાયું છે.
    मेरा रंग दे बंसती चोला माहे रंग दे बसंती चोला
    जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे
    जिसे पहन झाँसी की रानी मिट गई अपनी आन पे
    आज उसी को पहन के निकला हम मस्तों का टोला

    બીજું ગીત ગાનાર છે રફીસાહેબ

    सरफ़रोशी की तमन्ना
    अब्ब हमारे दिल में है
    देखना है जोर कितना
    बाजुए कातिल में है

    બંને ગીતોના ગીતકાર અને સંગીતકાર પ્રેમ ધવન

    ૧૯૬૫ની એક વધુ ફિલ્મ ‘હિમાલય કી ગોદ મેં’

    પ્રથમ ગીતના ગાયક છે રફીસાહેબ

    हाय सोनिये हिरिये हिरिये हाय रे हाय
    ओए सोनिया ओए सोनिया होए रंज़िया

    ગીતકાર કમર જલાલાબાદી

    બીજું ગીત મુકેશના સ્વરમાં

    मैं तो एक ख्वाब हूँ, इस ख्वाब से तू प्यार न कर
    प्यार हो जाए तो, फिर प्यार का इज़हार न कर

    ગીતકાર આનંદ બક્ષી

    બંને ગીતના સંગીતકાર કલ્યાણજી આણંદજી.

    ૧૯૬૬ની ફિલ્મ ‘સાવન કી ઘટા’

    પહેલું ગીત ગાયું છે મહેન્દ્ર કપૂરે શર્મિલા ટાગોરને ઉદ્દેશીને

    मेरी जान तुम पे सदके, एहसान इतना कर दो
    मेरी ज़िंदगी में अपनी, चाहत का रंग भर दो

    બીજું ગીત પણ શર્મિલા ટાગોરને ઉદ્દેશીને ગવાયું છે જેના ગાનાર છે રફીસાહેન

    होठो पे हसी आँखों में नशा
    पहचान है मेरे दिलबर की
    जब ढली नजर दिल मोह लिया
    क्या बात है इस जादूगर की

    બંને ગીતના ગીતકાર એસ.એચ બિહારી અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે.

    ૧૯૬૭ની ફિલ્મ ‘પત્થર કે સનમ’માં બે જુદા જુદા ગાયકો પાસે ગીતો ગવડાવ્યા છે.

    પહેલું ગીત નફરતભર્યું છે જે વહીદા રેહમાન માટે ગાયું છે રફીસાહેબે

    पत्थर के सनम, तुझे हमने, मुहब्बत का ख़ुदा जाना
    बड़ी भूल हुई, अरे हमने, ये क्या समझा ये क्या जाना

    બીજું ગીત મુમતાઝને ઉદ્દેશીને મુકેશે ગાયું છે

    तौबा ये मतवाली चाल झुक जाए फूलों की डाल
    चाँद और सूरज आकर माँगें, तुझसे रँग-ए-जमाल
    हसीना तेरी मिसाल कहाँ

    બંને ગીતોના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૬૭ની જ અન્ય ફિલ્મ ‘ઉપકાર’માં પણ બે ગાયકો છે.

    પહેલા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર અને સાથીઓ

    मेरे देश की धरती सोना उगले, उगले हीरे मोती
    मेरे देश की धरती …

    ગીતકાર ગુલશન બાવરા

    બીજા ગીતના ગાયક છે મુકેશ

    दीवानों से ये मत पूछो दीवानों पे क्या गुज़री है
    हाँ उनके दिलों से ये पूछो, अरमानों पे क्या गुज़री है

    ગીતકાર કમર જલાલાબાદી

    બંને ગીતના સંગીતકાર કલ્યાણજી આણંદજી

    ૧૯૬૯ની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’માં મોટા ભાગના ગીતો મહેન્દ્ર કપૂરે ગાયા છે પણ એક ગીત મુકેશના સ્વરમાં છે.

    कोई जब तुम्हारा हृदय तोड़ दे
    तड़पता हुआ जब कोई छोड़ दे
    कोई जब तुम्हारा हृदय तोड़ दे
    तड़पता हुआ जब कोई छोड़ दे
    तब तुम मेरे पास आना प्रिये
    मेरा दर खुला है खुला ही रहेगा
    तुम्हारे लिये

    બીજા ગીતો જે મહેન્દ્ર કપૂરે ગાયા છે તેમાનું એક

    है प्रीत जहाँ की रीत सदा
    मैं गीत वहाँ के गाता हूँ
    भारत का रहने वाला हूँ
    भारत की बात सुनाता हूँ

    બંને ગીતના રચયિતા ઇન્દીવર અને સંગીતકાર કલ્યાણજી આણંદજી

    ૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું પહેલું ગીત ગાનાર છે મહેન્દ્ર કપૂર

    जीवन चलने का नाम
    चलते रहो सुबह शाम
    के रास्ता कट जाएगा मित्र
    के बादल छंट जाए मित्र
    के दुःख से झुकना न मित्र
    के इक पल रुकना न मित्र

    ગીતકાર છે ઇન્દ્રજીત તુલસી

    બીજા ગીતના ગાયક છે મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ

    एक प्यार का नग़मा है, मौजों की रवानी है
    ज़िंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है

    ગીતકાર છે સંતોષ આનંદ

    બંને ગીતના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘બેઈમાન’નું પહેલું ગીત ગાયું છે મુકેશ અને લતાજીએ. રક્ષાબંધનને અનુલક્ષીને આ ગીત રચાયું છે નાઝીમા પર

    ये राखी बंधन है ऐसा
    जैसे चँदा और किरण का
    जैसा बदरी और पवन का
    जैसे धरती और गगन का

    બીજું ગીત ગયું છે મહેન્દ્ર કપૂરે સાથ આપ્યો છે આશા ભોસલેએ. મનોજકુમાર સાથે છે રેખા.

    पतला पतला रेशमी कुरता चुदिदार पजामा
    ज़ुल्फ़ के छे टुकड़े ये देख के मचा हंगामा

    ૧૯૭૪ની ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’માં બે ગાયકો છે

    પ્રથમ જોઈએ મહેન્દ્રકપૂરે ગાયેલું ગીત જેમાં ઝીનત અમાન અને અન્ય નજરે પડે છે

    और नहीं बस और नहीं, ग़म के प्याले और नहीं
    दिल में जगह नहीं बाकी, रोक नजर अपनी साकी तो

    બીજું ગીત ગાયું છે મુકેશે જેને સાથ આપ્યો છે લતાજીએ. મનોજકુમાર સાથે છે ઝીનત અમાન
    .
    मैं ना भूलूँगा, मैं ना भूलूँगी
    इन रस्मों को इन क़समों को
    इन रिश्ते नातों को

    બંને ગીતના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૮૧ની ફિલ્મ ‘ક્રાંતિ ‘

    આ ભજન ગાયું છે મહેન્દ્ર કપૂરે અને સાથ આપ્યો છે મીનુ પુરુશોત્તામે

    दुर्गा है मेरी माँ आंबे है मेरी माँ
    बोलो जय माता की

    ફક્ત ઓડીઓ

    બીજું ગીત નીતિન મુકેશના સ્વરમાં છે અને સાથ આપ્યો છે લતાજીએ.

    ज़िन्दगी की ना टूटे लड़ी
    प्यार कर ले घड़ी दो घड़ी
    लम्बी लम्बी उमरिया को छोड़ो
    प्यार की एक घड़ी है बड़ी

    બંને ગીતના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
    મનોજકુમારની બહુ ઓછી જાણીતી ૧૯૮૯ની ફિલ્મ ‘ક્લાર્ક’માં પણ એક કરતા વધુ ગાયકો છે.
    પહેલા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર જેને સાથ આપ્યો છે લતાજીએ. આ એક દેશભક્તિ ગીત છે.

    झूम झूम के गाओ रे
    मस्ती में सब आओ रे
    चुप चुप जनाब आप रहते हैं
    इस छुपी

    બીજા ગીતના ગાયક છે નીતિન મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ.

    छुपी चुपी छुपी चुपी में
    मैंने किया इरादा छुपी चुपी में
    उस इरादे में छुपा हैं प्यारा वादा

    બંને ગીતોમાં સહકલાકાર છે રેખા, બંને ગીતો લખ્યા છે ખુદ મનોજકુમારે અને સંગીતકાર છે ઉત્તમ જગદીશ.

    ૧૯૮૯ની અન્ય એક ફિલ ‘સંતોષ’નું પહેલું ગીત ગાયું છે નીતિન મુકેશે સાથમાં છે આશા ભોસલે

    बताओ तुम्हे प्यार कैसे करूँ
    मुझे प्यार करने की आदत नहीं
    मैं जैसा भी हो हा जैसा भी हो
    सामने हुँ खड़ा
    मुझे कुछ छुपाने की आदत नहीं
    बताओ तुम्हे प्यार कैसे करूँ
    मुझे प्यार करने की आदत नहीं

    ગીતમાં હેમા માલિની દર્શાવાઈ છે.

    બીજું ગીત ગાયું છે મહેન્દ્ર કપૂરે.

    आज मैं बेचैन हूँ
    यार मैं बेचैन हूँ
    ये महज तन्हाईया
    दर्द की अंगड़ाईयाँ
    ये महज तन्हाईया
    दर्द की अंगड़ाईयाँ
    मौत की परछाइयां

    બંને ગીતોના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ

    જ્યાં કોઈ ફિલ્મમાં એક કરતા વધુ ગીતો એક ગાયકે ગાયા હોય તો તેમાંથી એક જ ગીત ઉપર મુક્યું છે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • વૅલેન્ટાઇન દિવસના ફૂલ જેવી ગઝલ

    બાગમાં ભમરાની લાંબી લાઇન છે
    ફૂલ માટે રોજ વેલેન્ટાઇન છે !

    કોની જોડે પ્રેમના કીધા કરાર ?
    હોઠ પર કોની ગુલાબી સાઇન છે ?

    જા જઈ પૂછી જો આદમ-ઇવને
    ઈશ્કથી ચડિયાતી કોઈ વાઇન છે ?

    તારી યાદોની મજાનું શું કહું !
    તારા કરતાં પણ વધારે ફાઇન છે

    આ અજાણ્યો કોલ બીજાનો હશે
    એના નંબરમાં તો અંતે નાઇન છે

    – મેહુલ પટેલ ‘ઇશ

  • તલાશ (૧૯૬૯)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ઓ.પી. (ઓમપ્રકાશ) રલ્હન નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને ફિલ્મલેખક તરીકે ઠીક ઠીક જાણીતા બનેલા. તેમણે ‘ગહરા દાગ’, ‘મુઝરિમ’, ‘ફૂલ ઔર પથ્થર’, ‘હલચલ’, ‘બંધે હાથ’, ‘પાપી’ અને ‘પ્યાસ’ જેવી ફિલ્મો આપી. આ ફિલ્મો ઠીક સફળ રહી એમ કહી શકાય. ‘બંધે હાથ’માં તેમણે અમિતાભને મુખ્ય ભૂમિકામાં લીધા ત્યારે હજી અમિતાભની ખાસ ઓળખ ઊભી થઈ ન હતી. ‘ફૂલ ઔર પથ્થર’ ધર્મેન્દ્રની સૌ પ્રથમ સુવર્ણ જયંતિ ઉજવનાર ફિલ્મ ગણાય છે. ‘હલચલ’માં તેમણે બે નવા ચહેરા ચમકાવેલા- કબીર બેદી અને ઝીનત અમાન. ઝીનત અમાનને વધુ પ્રસિદ્ધિ મળી ‘હરે રામ હરે કૃષ્ણ’ થી. અભિનેતા તરીકે રલ્હન ઠીક હતા.

    જો કે, તેમની સૌથી જાણીતી અને લોકપ્રિય બની રહેલી ફિલ્મ એટલે ‘તલાશ’. ૧૯૬૯માં રજૂઆત પામેલી આ ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક રલ્હન જ હતા. ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર, શર્મિલા ટાગોર, બલરાજ સાહની, સુલોચના, ઓ.પી.રલ્હન, મદન પુરી જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ મેં ૧૯૮૮ – ૮૯ની આસપાસ વડોદરામાં જોઈ ત્યારે બહુ આશ્ચર્ય થયેલું કે આવી નબળી કથાવાળી ફિલ્મ શી રીતે ચાલી ગઈ? જો કે, એનો જવાબ પણ ફિલ્મ જોતાં જ મળી ગયો. એ માટેનું એક કારણ એટલે એસ.ડી.બર્મનનું સંગીત. મજરૂહ સુલતાનપુરીએ લખેલાં કુલ આઠ ગીતો તેમાં હતાં, જેને સચીનદાએ સંગીતબદ્ધ કર્યાં હતાં. એમાંના અમુક ગીતોની મૂળ ધૂન રવીન્દ્ર સંગીતની હતી, છતાં એને સચીનદાએ એ રીતે શણગારેલાં કે આજે પણ એ સાંભળવાં ગમે છે. ‘કર લે પ્યાર કર લે કિ દિન હૈ યહી’ (આશા), ‘પલકોં કે પીછે સે ક્યા તુમને કહ ડાલા’ (લતા, રફી), ‘આજ કો ઝુનલી રાત મા’ (લતા, રફી અને સાથીઓ), ‘તેરે નૈના તલાશ કરે જિસે’ (મન્નાડે), ‘ખાઈ હૈ રે હમને કસમ’ (લતા), ‘કિતની અકેલી કિતની તનહા સી લગી’ (લતા) અને ‘મેરા ક્યા સનમ મેરી ખુશી હૈ તુમ્હારી’ (આશા, મહેન્દ્ર કપૂર). આ ગીતો આજે પણ તાજગીસભર જણાય છે.

    (‘તલાશ’ની લોન્‍ગ પ્લે રેકર્ડનું કવર)

    જો કે, ફિલ્મનું શિરમોર ગીત મારી દૃષ્ટિએ તેનું ટાઈટલ સોન્‍ગ હતું. નાયક-નાયિકાના પ્રેમની મુખ્ય કથા હોય અને ટાઈટલ સોન્ગ મા વિશે, તેના મહિમાનું હોય એ જરા આશ્ચર્ય જણાય. પણ સચીનદેવ બર્મને પોતાના બુલંદ સ્વરે ગાઈને આ ગીતને એટલું ભાવસભર બનાવ્યું અને એટલી કોમળતાથી તેમાં ભાવ ઠાલવ્યા કે ફિલ્મનાં તમામ ગીતો પર એ હાવી થઈ ગયું એમ મને લાગે છે. આમ તો, આ ગીત ફિલ્મમાં બે ટુકડે આવે છે અને બન્ને વાર એનો અંતરો જુદો છે.

    અમે વસાવેલી સૌ પ્રથમ બે કેસેટો પૈકીની એક એસ.ડી.બર્મને ગાયેલાં ગીતોની હતી. આથી આ ગીત ‘આદિકાળથી’ પ્રિય બની રહ્યું છે. ફિલ્મમાં એ સાંભળવાની એટલી મજા નથી, જેટલી એ દૃશ્યો વિના, માત્ર અવાજથી સાંભળવામાં આવે છે.

    ગીતના શબ્દો આ મુજબ છે.

    ओ……. माँ…माँ…माँ….
    मेरी दुनिया है माँ, तेरे आँचल में
    मेरी दुनिया है माँ, तेरे आँचल में
    शीतल छाया तू, दुख के जंगल में।
    मेरी दुनिया है माँ, तेरे आँचल में

    ओ….मेरी राहों के दिये, तेरी दो अँखियाँ, तेरी दो अँखियाँ
    ओ..ओ..ओ…मुझे गीता सी कहीं, तेरी दो बतियाँ,तेरी दो बतियाँ
    युग में मिलता …
    युग में मिलता जो,सो मिला है पल में।
    मेरी दुनिया है माँ तेरे आँचल में

    ओ….मैने आँसू भी दिये, पर तू रोई ना, पर तू रोई ना
    मेरी निंदिया के लिये, बरसों सोई ना, बरसों सोई ना
    ममता गाती….
    ममता गाती रही, गम की हलचल में।
    मेरी दुनिया है माँ तेरे आँचल में
    शीतल छाया तू, दुख के जंगल में।
    मेरी दुनिया है माँ तेरे आँचल में

     

    ટાઈટલ્સ દરમિયાન આટલું ગીત સંભળાય છે. એ પછી બીજો અંતરો ફિલ્મમાં નાયકની માના મૃત્યુના દૃશ્ય વખતે આવે છે.

    ओ…काहें न धो के पीउं, ये चरन तेरे माँ, ये चरन तेरे माँ,
    ओ….देवता प्याला लिये, तरसे खड़े माँ,तरसे खड़े माँ,
    अमृत छलका…
    अमृत छलका है, इस गंगाजल में।
    मेरी दुनिया है माँ तेरे आँचल में
    शीतल छाया तू, दुख के जंगल में
    मेरी दुनिया है माँ तेरे आँचल में

     

    આ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ત્યારે અને અત્યારે : યુદ્ધની બદલાતી તાસીર

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ર. વૈદ્ય

    યુદ્ધ કથા: રમ્યા:

    આ એક સંસ્કૃત કહવત છે, જેનો અર્થ થાય છે કે યુદ્ધની વાતો મનોરજક હોય છે. આવં કેમ કહ્યું હશે તેનું આશ્ચર્ય થાય. કદાચ એટલે હોય કે એ જમાનામા યુદ્ધ વસ્તીથી દૂર, મદાનોમા લડાતાં અને સૂર્યાસ્તની વળાએ બધ પણ કરાતાં. શક્ય છે કે સજયનું મહાભારતનું વર્ણન  શહરીજનોને મનોરંજક લાગે, પરત ધૃતરાષ્ટ્રને તો ન જ લાગે. જેના માથા ઉપર યુદ્ધ ચાલતું હોય એવા નાગરિકોને માટે તો એ તકલીફ જ. ભલેને એનો દેશ જીતતો હોય.

    સમય જતાં યુદ્ધનું સ્વરૂપ બદલાતું જાય છે. બહુ પ્રાચીન સમયને છોડો, તો ૫૦-૬૦ વર્ષ પહેલાં ભારતે લડેલાં ત્રણ યુદ્ધો પણ સરહદ ઉપર જ લડાયાં હતાં. પરંતુ આજના યુદ્ધની અસર દેશની સીમાની અંદર દૂર સુધી પડે છે. દુશ્મનની જમીન કબજે કરવાનો ઇરાદો ન હોય તો પાયદળના સૈનિકોએ સરહદ પાર પણ નથી કરવી પડતી. મિસાઇલ, ડ્રૉન અને સાહસ હોય તો બૉમ્બર વિમાનો ઘરબેઠે છોડી શકાય છે. બે વર્ષથી ચાલી રહેલાં રશિયા–યુક્રેન અને ઇઝરાયલ–ગાઝાનાં યુદ્ધો આનાં વરવાં ઉદાહરણ છે. અક્ષાંશ-રેખાંશ ખબર હોય તો GPSની મદદથી જે મકાનને તોડવું હોય તે જ તોડી શકાય, એમાં અંધારપટ (બ્લૅકઆઉટ) પણ નડતો નથી. સૈદ્ધાંતિક રીતે આવા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ થવી ન જોઈએ, પરંતુ વ્યવહારમાં તેનાથી ઊંધું જ બનતું આપણે જોઈએ છીએ.

    આપણું પોતાનું છ માસ પહેલાંનું પાકિસ્તાન સાથેનું યુદ્ધ પણ આવું જ, ટેક્નોલૉજી આધારિત હતું. ભારતે મિસાઇલ તથા ડ્રૉનથી ત્રાસવાદીઓનાં રહેઠાણો ઉપરાંત વિમાની સેવાનાં યંત્રો નકામાં કરી દીધાં. આટલું થયા પછી જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે કેટલાય લોકો નારાજ થયા. એમની ઇચ્છા દુશ્મનને વધુ સજા કરવાની હતી; તેનું કારણ એ કે લડાઈ એક તરફી હતી. અમૃતસર, ભુજ કે જયપુર ઉપર દુશ્મનનાં વિમાનો ફર્યાં હોત કે પછી બ્લૅકઆઉટ ચાર શહેરમાં ચાર દિવસને બદલે ઘણાં શહેરોમાં ૧૪ દિવસ ચાલ્યો હોત તો કદાચ આવી યુદ્ધલોલુપતા ન દેખાઈ હોત. ૧૯૬૫ અને ૧૯૭૧માં પશ્ચિમ સરહદનાં ઘણાં શહેરોમાં અંધારપટ કરાતો હતો. સરહદ ઉપર યુદ્ધ હોવા છતાં શહેરના નાગરિકોને અસર તો પડતી જ. બંને લડાઈઓમાં ભારતનો હાથ ઉપર હતો તે છતાં યુદ્ધવિરામની જાહેરાત થઈ ત્યારે સર્વત્ર હાશકારાની જ લાગણી હતી. યુદ્ધની કથા રમ્ય હશે, પણ યુદ્ધ રમ્ય નથી હોતાં.

    ભવિષ્યનાં યુદ્ધો કેવાં હોઈ શકે તેની કલ્પના કરી શકાય છે. યુદ્ધ માત્ર નબળા શત્રુ (પાકિસ્તાન) સાથે જ થાય એવુંય નથી; ચીન સાથે પણ થઈ શકે. આ સંદર્ભમાં ભૂતકાળમાં આપણે જોયેલાં યુદ્ધોનો ટૂંકો પરિચય કરવો અસ્થાને નથી. આ ત્રણેય લડાઈઓ પ્રણાલિકાગત (Conventional), સરહદ પરની લડાઈઓ હતી.

    ચીન યુદ્ધ (૧૯૬૨) : દેશ માટે આ સૌથી પહેલું મોટું યુદ્ધ હતું. આથી અગાઉ આઝાદી પછી તરતના ગાળામાં પાકિસ્તાને કાશ્મીર ઉપર હલ્લો કર્યો હતો. ત્યારે માત્ર પાયદળ લડતાં તેથી એની અસર માત્ર સ્થાનિક પ્રજા ઉપર પડી, પણ દેશના બીજા ભાગોમાં એ માત્ર સમાચાર બનીને રહી ગઈ. ચીને તિબેટ હડપી લીધું તેથી દલાઈ લામાએ ભાગીને ભારતમાં શરણ લીધું. તેનાથી ચીન નારાજ હતું. ૨૦ ઑક્ટોબરે તેણે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ (ત્યારે NEFA કહેવાતું) એમ બે દૂરદૂરના ખૂણે ઘૂસણખોરી કરી. તેનું બહાનું છે કે બ્રિટિશ રાજ્ય અને તિબેટ વચ્ચે જે સીમા નક્કી થઈ હતી તે એને મંજૂર નથી. એ સીમારેખાને મેકમોહન રેખા કહે છે.

    તિબેટનો પઠાર આપણા કરતાં વધારે ઊંચાઈએ છે તેથી ચીનને એ સરહદે પહોંચવું સહેલું હતું, પરંતુ ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ લશ્કર પહોંચાડવું આપણે માટે અતિશય દુષ્કર હતું. શિયાળાની ઠંડીમાં એ સ્થળે લડાઈ કરવી લશ્કરને માટે પણ મુશ્કેલ. દેશના દૂરના ખૂણે લોકોને લડાઈના છાંટા ઊડ્યા નહોતા, કારણ કે બંને પક્ષોએ ઍરફોર્સનો ઉપયોગ નહોતો કર્યો . તે છતાં દેશના સામૂહિક માનસ ઉપર ઊંડી અસર થઈ, કારણ કે ચીનને આપણે મિત્ર માન્યું હતું તે છતાં હુમલો થયો. ચીનને આપણે પાછું ધકેલી ન શક્યા તેની નિરાશા અને ગુસ્સો પણ હતાં. આને કારણે દેશભક્તિનો જુદા પ્રકારનો જુવાળ જોવા મળ્યો. લોકો સરકારની સાથે ઊભા રહ્યા . સૈનિકોને લોહી અને સંરક્ષણ ફંડમાં ફાળો આપવા માટે લાઇનો લાગતી. ઉત્તર ભારતમાં લોકો સેનામાં ભરતી થવા લાગ્યા. વિદ્યાર્થીઓ એન.સી.સી. અને હોમગાર્ડમાં જોડાયા.

    યુદ્ધના વર્ણનની આપણી પહેલી ફિલ્મ ‘હક઼ીક઼ત’માં સૈનિકોનાં કુટુંબોની લાગણી વ્યક્ત થઈ. જાણીતું ગીત ‘અય મેરે વતન કે લોગોં…’ એ વખતે લખાયું અને શાળા-કૉલેજોમાં ખૂબ ગવાયું, ત્યારે તો શ્રોતાઓને એ ગીત સાંભળતાં આંસુ આવતાં. રેડિયો ઉપર જયમાલા અને જયભારતી જેવા કાર્યક્રમો લશ્કરના જવાનો માટે પ્રસારિત થવાનું શરૂ થયું. એ વાતાવરણ ૧૯૬૫ સુધી ચાલ્યું અને ત્યારે તેની ફરીથી જરૂર પડી.

    યુદ્ધ અને અંધારપટ: ૧૯૬૫ના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વિના યુદ્ધ શરૂ કર્યું. એના ટ્રેલર રૂપે માર્ચ મહિને કચ્છ સરહદે તેણે છમકલાં કર્યાં જ હતાં. તે વેળા જ ત્યાંના લોકોને લશ્કરી વાહનોની હેરફેરનો અનુભવ થઈ ગયો હતો. શહીદોના મૃતદેહો પોલીસ લાઇન્સમાં આવીને પછી એમના ગામે મોકલાતા હતા. આ રીતે ગમગીની અને લડાઈનું વાતાવરણ પહેલાં જ હતું. પરંતુ ઑગસ્ટ પછી તેમાં નવું પાસું ઉમેરાયું, તે હવાઈ હુમલાના ડરનું. પહેલી વાર બંને દેશોએ હવાઈ દળને યુદ્ધમાં ઉતાર્યું હતું. કચ્છ, રાજસ્થાન અને પંજાબ એમ આખી સરહદે મોરચા ખૂલ્યા હોવાથી પશ્ચિમ સરહદનાં બધાં શહેરોમાં રાત્રીનો અંધારપટ જાહેર થયો.

    ફ્લાઈટ લેફ્ટનન્ટ ટ્રેવર કીલરે ૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ છાંબ વિસ્તારમાં  ૧૯૬૫ના યુદ્ધનું IAF વતી ખાતું ખોલ્યું | By special arrangement

    યુદ્ધ દોઢ મહિનો ચાલ્યું, તેથી અંધારપટ માટે વીજળી બોર્ડ સપ્લાય જ બંધ કરી દે તેવું વ્યાવહારિક નહોતું. નાગરિકો ઉપર જવાબદારી હતી કે તેઓ તકેદારી રાખે કે પોતાના ઘરમાંથી પ્રકાશ બહાર ન જાય; ન શેરીમાં પડે ન આકાશમાંથી દેખાય. એ જમાનામાં બારીઓ લાકડાની જ બનતી તેથી બારી બંધ કરવાથી કામ ચાલી જતું. તેમાં જો મોટી તિરાડો હોય તો તેના ઉપર કાગળ ચોંટાડી દેતા. બારણાં ઉપર વેન્ટિલેટર કાચનાં હોય તો તેને પણ કાગળ લગાડવાનો. રાત્રે નાગરિક સંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ના યુવાન સ્વયંસેવકો, હોમગાર્ડ વગેરે ગલીઓમાં ફરતા અને બ્લૅકઆઉટનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોતા. કદાચેય હવાઈ હુમલામાં બૉમ્બ પડે તો શું કરવું તેની એ લોકોને તાલીમ અપાઈ હતી. રડાર ઉપર દુશ્મનનું વિમાન કે કોઈ શંકાસ્પદ ચલન દેખાય કે તરત શહેરમાં ઠેક ઠેકાણે મૂકેલાં સાયરન ગરજી ઊઠતાં. અવાજની તીવ્રતા ઉપર-નીચે થાય તેવું આ સાયરન જ ભય પેદા કરતું. તે વખતે ધરતીકંપમાં લઈએ તેવી કાળજી લઈ સલામત સ્થળે સંકોચાઈને બેસી રહેતા. ભય ટળી જાય ત્યારે ‘ઑલ ક્લિયર’નું સીધું વાગતું સાયરન બોલે. લોકોને એ અવાજ મિત્રનો અવાજ લાગતો!

    આવી એક અંધારી સાંજે વડા પ્રધાન શાસ્ત્રીજી આકાશવાણી પર આવ્યા. તેમણે કહ્યું કે સેનાના વડા મારી પાસે આવ્યા હતા. મેં એમને કહ્યું છે કે ‘બહાદુરો, આગે બઢો, દેશ આપકે સાથ હૈ.’ એ પછી થોડા દિવસે ભારતની સેના લાહોરના પાદરે પહોંચી ગઈ. રાવી નદીની આ પાર આપણી સેના અને સામે લાહોર. માર્ગ માં ખેમકરણ પાસે આપણે અમેરિકાની બનાવેલી ‘પેટન’ ટૅન્કો નો ખુરદો બોલાવ્યો. આ કામમાં જીવ ગુમાવનાર હવાલદાર અબ્દુલ હમીદને મરણોત્તર પરમવીર ચક્ર મળ્યું . પરંતુ ગુજરાતે પોતાના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાને ગુમાવ્યા. પરાજયનો સામનો કરી રહેલાં પાકિસ્તાને કચ્છના આકાશમાં સિવિલિયન પ્લેનને તોડી પાડ્યું, જેમાં એમનાં પત્ની પણ સાથે હતાં.

    ખેમકરણમાં પેટન ટેન્કનું કબ્રસ્તાન                                                      પરમ વીર ચક્ર અબ્દુલ હમીદ

    રશિયાની દરમિયાનગીરીથી યુદ્ધ ત્રેવીસમી સપ્ટેમ્બરે રોકાયું. ચીન સામે હાર પછી આ જીતથી દેશમાં નવો આત્મવિશ્વાસ આવ્યો. જોકે એ વર્ષે દુકાળ પડ્યો હતો અને અમેરિકાએ P.L. 480 હેઠળ મોકલાતી અન્નની મદદ બંધ કરી, તેથી અનાજની તંગી વરતાઈ. શાસ્ત્રીજીએ લોકોને સોમવારે એકટાણું કરવાની અપીલ કરી. લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. આખા દેશમાં ‘શાસ્ત્રીજીના સોમવાર’ના નામે એ ઉપવાસ પ્રચલિત બન્યા. તેમણે ‘જય જવાન, જય કિસાન’નું સૂત્ર પણ આપ્યું. એ બહાને હરિત ક્રાંતિનાં બીજ રોપાણાં.

    બાંગ્લા દેશ માટે લડાઈ : ૧૯૭૧થી પહેલાં પાકિસ્તાન દેશ બે ભાગમાં વહેંચાયેલો હતો : પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. પૂર્વ ભાગની બંગાળી પ્રજાએ સ્વાતંત્ર્ય ચળવળ ઉપાડી તેથી સૈન્યે ત્યાં ભીષણ અત્યાચાર ચલાવ્યો. તેના કારણે ૯૦ લાખ લોકો ભાગીને ભારત આવ્યા અને શરણાર્થી તરીકે રહ્યા. આ દબાણ હેઠળ ભારતની ગુપ્તચર સંસ્થા (RAW) તથા આપણી સેનાએ બંગાળી યુવાનોને ગેરીલા યુદ્ધની તાલીમ આપવી શરૂ કરી. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પશ્ચિમ મોરચે લડાઈ શરૂ કરે તે શક્ય હતું. આથી ભારત પણ તૈયારી કરતંુ હતંુ તે વાત જાણીતી છે. તેથી આગોતરા બચાવ તરીકે (preemptive strikeમાં) પાકિસ્તાને ત્રીજી ડિસેમ્બરના રોજ આપણાં ઘણાં બધાં હવાઈ મથકો ઉપર બૉમ્બમારો કર્યો. જેની રાહ વાતી જ હતી તે ખૂનખાર યુદ્ધ આમ શરૂ થયું.

    ગઈ લડાઈ કરતાં વધારે સંખ્યામાં હવાઈ હુમલાઓની સાથોસાથ આ વખતે બંને દેશનાં નૌકાદળ પણ યુદ્ધમાં ઊતર્યાં. બીજા જ દિવસે પાકિસ્તા ની સબમરીને આપણી યુદ્ધ નૌકા ‘ખુકરી’ને દીવ નજીક ડુબાડી દીધી. તેના જવાબમાં પૂર્વ કાંઠે વિશાખાપટ્ટનમ્ પાસે આપણે તેની એક સબમરીનને તોડી પાડી. પૂર્વ પાંખને એ લોકો મદદ ન પહોંચાડી શક્યા તેથી છેવટે ૧૬ ડિસેમ્બરે પાકિસ્તાનનું જે સૈન્ય ત્યાં હતું તેણે ઢાકામાં ભારત સામે સમર્પણ કર્યું. આપણે બંને મોરચે યુદ્ધવિરામ જાહેર કર્યો. નવા દેશ ‘બંગલા દેશ’નો આમ જન્મ થયો.

    ઓછા દિવસોનું હોવા છતાં આ યુદ્ધ ૧૯૬૫ કરતા વધારે તીવ્ર હતું. દેશનો આખો સમુદ્રકિનારો યુદ્ધના વાતાવરણમાં હતો. પાકિસ્તાની વિમાનોની ઉડાન આ વખતે દૂર સુધી ફેલાઈ હતી. એ વખતે ટેલિવિઝન ચૅનલો ન હતી. દૂરદર્શનનું એકમાત્ર કેન્દ્ર દિલ્હીમાં હતું, જે આકાશવાણી (રેડિયો) હેઠળ હતું, મુખ્યત્વે રેડિયો સમાચાર આપતો. એ જમાનામાં વર્તમાનપત્રો રણમોરચે ન જતાં, પરંતુ સ્રોતો પાસેથી મેળવેલી માહિતી આપવા વિશે કોઈ નિયંત્રણ ન હતાં. તેમ છતાં છાપાં સત્ય શોધક હોવાની સાથોસાથ જવાબદાર પણ હતાં. લોકોનો જુસ્સો ટકી રહે અને છતાં સમાચાર મળતા રહે તેવા સંયમથી કામ કરતાં. બીજી તરફ યુદ્ધ કરતા દેશોએ એકબીજાના નાગરિકોને યુદ્ધમાં ન સંડોવવાનો સંયમ રાખ્યો તે પણ નોંધપાત્ર છે.

    રાજકીય સમીકરણો અને ટેક્નોલૉજીના કારણે ભવિષ્યનાં યુદ્ધો માત્ર સરહદ પૂરતાં સીમિત રહે એવું માની ન શકાય. ૮૦ વર્ષ પહેલાં વપરાયેલું અને છતાં આધુનિક ગણાય તેવું શસ્ત્ર, તે પરમાણુ બૉમ્બ. એનો ઉપયોગ પણ કેમ, ક્યારે અને ક્યાં થાય તે ભાખવું સરળ નથી. આ વિવિધ સંભાવનાઓ માટે નાગરિકોની તૈયારી પણ જુદા પ્રકારની જોઈશે. આ બધાં છતાં ત્યાર જેવું કે અત્યારના પ્રકારનંુ યુદ્ધ જોવું ન પડે તેવી આશા રાખીએ.


    બધી સાંદર્ભિક તસવીરો – નેટ પરથી


    સૌજન્યઃ નવનીત સમર્પણ, નવેમ્બર, ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કટ ઍન્ડ પૅસ્ટ આર્ટ – ૧

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kalasampoot – Cut and paste art – 1

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com