વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જાણવા જેવા વ્યક્તિ, મુનિભાઈ મહેતા

    પરિચયઃ

    મુનિભાઈ મહેતાનો બાલ્યકાળથી કવિતા લખવાનો શોખ આજે પણ ચાલુ છે.૧૯૬૦માં, ભાવનગરમાંથી મુનિભાઈ સર્વપ્રથમ વિદ્યાર્થી I.I.T. Bombayમાં પ્રવેશ મેળવીને, B.S in Chemical Engineering and Doctorate મેળવીને જ્વલ્લંત કામગીરી સાથે પદ્મશ્રી નેશનલ એવોર્ડથી સન્માનિત છે. એક વૈજ્ઞાનિક, મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત, સમાજસેવક, સંશોધક, એક સંવેદનશીલ કવિ, એ બધાનો સુંદર સમન્વય એટલે મુનિભાઈ મહેતા.

    વડોદરામાં ‘સાયન્સ સેન્ટર’ સ્થાપના અને ‘વહો વિશ્વામિત્રી’ અભિયાન પર, વિશિષ્ટ કામ કરી રહ્યા છે.

    આજે પણ, સતત રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તર પર સેવા આપી રહ્યા છે, તેમજ કાષ્ટતરંગ વાદ્યસંગીતમાં પારંગત છે.  અને મારે માટે… એક સ્નેહાળ મોટાભાઈ છે…

    સરયૂ મહેતા-પરીખ.


    શેત્રુંજીના પાણી

    નીલ સ્વચ્છ નીર વહે અનઘ જ્યાં,
    આ શેત્રુંજીનાં પાણી, આ શેત્રુંજીના પાણી.

    નથી શાંત આ ચંચલ છે એક અરબીની પટરાણી,
    ભરાય ક્રોધે ત્યારે લડીને ગામો જાય છે તાણી.  આ શેત્રુંજીના.

    ચોમાસે સરવરિયા જેવી, ઉનાળે કરમાણી,
    કાઠિયાવાડની ધરતી પર એ, પટ મોટે પથરાણી. આ શેત્રુંજી.

     

    કાગળની હોડી

    વરસતા વરસાદે કાગળની હોડીની
    જેમ વહી જાય ભીની યાદો
    ઘરમાં હું બંધ બસ ખૂલ્લી એક
    બારી એમાંથી થાય સંવાદો ….

    સમય તો , બાંધ્યો બંધાય નહીં
    ખુશબુ રહે ક્યાંય ઊંડા શ્વાસમાં
    ભીંજાય યાદો ને આંસુઓ ઉગ્યા ત્યાં
    મેદાને ઊભેલાં ઘાંસમાં….

    મોગરાના ફૂલ ઝીલે ટપકતા મોતી અને
    અંતર કોરૂંનથી પાણી
    હું યે ચાહું ફરી વહેતી થઈ જાય
    મારે રૂદયેથી જૂની સરવાણી….

    ભીંજાવું મારે ને ભીજવી હું દઉં બધું
    ધરતી આકાશસૂરજ ચાંદો
    વરસતા વરસાદે કાગળની હોડીની
    જેમ વહી જાય ભીની યાદો

    વહો વિશ્વામિત્રી

    પાવાગઢથી નીકળી વ્યાસેશ્વર આગળ વધતી.
    જમણે રામેશ્વર ભીમેશ્વર જૂનું નામ કૌશીકી.
    પુરાણકાળથી પાવન કરતી ગુજરાતની ધરતી,
    વહો વિશ્વામિત્રી.

    ચોમાસામાં દરિયો બનતી બાકી રહેતી સૂકી.
    વૃક્ષો-ખેતર-સ્વચ્છ કિનારા જોવા આંખો ભૂખી.
    આવો કરીએ હળીમળીને ફરીથી એને વહેતી,
    વહો વિશ્વામિત્રી.

    તપ  કરતાતા ઋષિ મુનિઓ એને કાંઠે કાંઠે.
    ગાયત્રીના મંત્ર રચાયા અહીં કુદરત સંગાથે.
    વહો, પાવાગઢથી દરિયે ફરી નાચતી કૂદતી,
    વહો વિશ્વામિત્રી


    કૃષિગોષ્ઠી…એક લઘુ કથા.   

    લેખકઃ  મુનિભાઈ મહેતા

    કૃષિ વિદ્યાપીઠ (GAU) તરફથી સેટેલાઈટ કૃષિગોષ્ઠીનું એક નવું સેટેલાઈટ સ્ટેશન નાનકડા ભુઆ ગામ પાસે મુકાયું ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. ભુઆ ગામ જ કેમ? સેટેલાઈટ કૃષિગોષ્ઠી એટલે વૈજ્ઞાનીકો અને તજજ્ઞો ગાંધીનગરના સ્ટૂડીઓથી ખેડૂતો – વિજ્ઞાનીઓ વચ્ચે સીધો સંવાદ થાય – ખેતીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં મોટું પગલું હતું. ગુજરાત રાજ્યની કૃષિ વિદ્યાપીઠના કુલપતિ પોતે ઉદ્‍ઘાટન કરવા આવ્યા અને પછી ભુઆ ગામના વૃધ્ધ નાનજીઆતાનું ઘર શોધતા એમની ડેલીએ પંહોચી ગયા. સાથેના અધિકારીઓને કુલપતિએ કહ્યું, “મારી માતાનો જન્મ આ ગામમાં થયો હતો. નાનજીઆતાને કહો કે વૈદ ભાણજીબાપાનો પૌત્ર-ભુઆ ગામનો ભાણો, મળવા આવ્યો છે.”

    હાથમાં લાકડી લઈ ડગુમગુ કરતા નાનજીઆતા ડેલીએ આવ્યા. સાહેબને જોઈ બે હાથ ફેલાવી દોડ્યા…”મારો ભાણો આવ્યો, મારો વાલો આવ્યો!” અને પગે લાગવા વાંકા વળેલા કુલપતિને ઉભા કરી – હરખે છાતીએ ચાંપી રડતા જાય અને બોલતા જાય. સૌની આંખોમાં આશ્ચર્ય અને આંસુ ઊભરાયા.

    પછી વાતચીતનો દોર ચાલુ થતાં આતાએ હળવેથી કહ્યું,”દીકરા, તેં આ કૃષિગોષ્ઠી અને અવકાશમાં થી ખેડૂતોની હારે વાત કરવાનું તો શરૂ કર્યું, ઈ તો બહુ સારૂ…પણ અમારા બેય પોતરા અહીં ચાલીશ વીઘા જમીન રેઢી મૂકીને સૂરત હીરા ઘસવા ભાગી ગ્યા છે. એક ઓરડીમાં રે’ છે. ઈ પાછા આવે એવું પેલા કરને!”


    મૌજમેં રહેના, ખોજમેં રહેના, મસ્ત મગન ઉસે ઢૂંઢતે રહેના.
    રંગભર ધરતી આકાશ રંગીન, રંગ દીય ઉસકે રંગમેં રહેના.
                           હ્રદયકી બંસી મિલી પ્રેમસે જીસકે, ધૂન ઉસીકી બજાતે હી રહેના.
    મીરાને ઢૂંઢા, કબીરને ઢૂંઢા, મસ્ત મગન ઉસે ઢૂંઢતે રહેના.

    કોઈ ભલા મીલે કોઈ હો છલિયા, અપને આપકો તુમ મત છલના.
    બાત કિસીકી માનો ન માનો, અંતરકી મુનિ સુનતે રહેના.
    મૌજમેં રહેના…

    સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

  • હીરાખત

    નલિની નાવરેક

    “જે દેશ પોતાના વસ્ત્રનું ઉત્પાદન નથી કરી શકતો, તે પહેર્યા છતાં નિર્વસ્ત્ર છે. અને જે દેશ પોતાની જરૂરિયાતનું અન્ન જાતે નથી પેદા કરી શકતો તે ભલે ખાય છે છતાં ભૂખ્યો જ છે.” – પશ્ર્ચિમના એક દાર્શનિકનું આ વાક્ય છે.

    મનુષ્યે જીવતા રહેવું હોય તો તેણે ખેતી કરવી પડશે. અને દેશે જો આઝાદ રહેવું હશે તો જરૂરી છે ખેતીમાં સ્વાવલંબન ! તે માટે જમીનને હંમેશાં ફળદ્રુપ રાખવી જરૂરી છે. અને તેને માટે તમામ સજીવ કચરો ફરીથી જમીનમાં જવો જોઈએ. ઝાડનાં પાંદડાં હોય કે પ્રાણી-પક્ષીઓનાં મળમૂત્ર હોય – એ બધું જમીનને ફળદ્રુપ બનાવે છે – આ સૃષ્ટિનું કુદરતી ચક્ર છે તે આપણે સમજવું જોઈએ.

    બધાં જ પ્રાણીઓનો પેશાબ ખાતરનો એક મહત્ત્વનો સ્રોત છે. તેમાં ગંદું કે સૂગ લાવવા જેવું કશું નથી. ઊલટું તેનો ઉપયોગ ન કરવો તે ખોટું પગલું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાતરરૂપે તેનો ઉપયોગ થવો જોઈએ. પાલતુ પશુઓ (ગાય-બળદ વગેરે) તથા માનવ પેશાબનો ઉપયોગ પ્રમાણમાં સરળ છે. અગાઉ પણ આનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવતો હતો. અને આજે પણ નવા નવા પ્રયોગો થયા કરે છે.

    વિદેશોમાં થયેલ પ્રયોગો

    નેધરલેન્ડની રાજધાની એમસ્ટેરડમમાં લોકો પોતાની અગાશી પર જે ખેતી કરે છે તેમાં ખાતર તરીકે પેશાબનો ઉપયોગ કરી રહ્યા છે. શહેરના મુખ્ય ચોકમાં અદ્યતન સુવિધાવાળી મૂતરડીએા બનાવી છે. લોકો તેનો ઉપયોગ કરે છે. અને તેમાંથી બનેલા ખાતર વડે આખા શહેર માટે શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. ‘સફાઈ અને પાણી’ અંગે કામ કરનારી એક પેઢીએ આ પ્રકલ્પ વિકસાવ્યો છે.

    દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવેલા પ્રયોગોથી તેમને જાણવા મળ્યું કે ખાતર તરીકે પેશાબનો ઉપયોગ કરવાથી ખેતીમાં ઘણો લાભ થાય છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે.

    પશ્ર્ચિમ આફ્રિકાના નાયજર દેશમાં પ્રયોગ થયા. એક-એક કુટુંબના સ્તર પર પણ આ વ્યવસાય બની શકે તેમ છે. માનવપેશાબનું ખાતર બનાવીને તેને વેચી શકાય છે.

    સ્વીડન, દક્ષિણ યુરોપ, દક્ષિણ આફ્રિકા, મેક્સીકો વગેરે દેશોમાં માનવપેશાબના ખાતર વડે વિવિધ ઉત્પાદનો કરવામાં આવી રહ્યાં છે.

    ભારતમાં થયેલા પ્રયોગો

    આપણા દેશની કૃષિ પરંપરામાં માનવમળની જેમ જ મનુષ્યના પેશાબનો ઉપયોગ પણ ખાતર તરીકે વર્ષોથી કરાતો આવ્યો છે. ગોવા તેમજ બીજા પ્રદેશોમાં જ્યાં નારિયેળનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, ત્યાં મોટાં મોટાં માટલાઓમાં મનુષ્યનો પેશાબ એકત્ર કરવામાં આવતો હતો. જેનો યોગ્ય સમયે નારિયેળની ખેતી માટે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે તામિલનાડુમાં કેળાની ખેતીમાં માનવ પેશાબનો ઉપયોગ કરીને ઉત્પાદન સારું આવે તેના માટે પ્રયત્નો થતા હતા.

    કેટલાંક વર્ષો પહેલાં કરવામાં આવેલા પ્રયોગોના થોડા દાખલા જોઈએ :

    •     મહારાષ્ટ્રમાં કાકા ચવ્હાણ નામના જંગલ અધિકારી હતા. વૃક્ષ ઉછેરના સારા પ્રયોગો તેમણે કર્યા હતા. તેઓ શિવામ્બુના ઉપાસક હતા. તેમના સંગઠનના સભ્યોને તેઓ અચૂક કહેતા કે આવતી વખતે પેશાબ ભેગો કરીને લાવજો. આ ભેગો થયેલો પેશાબ તેમણે ખેડૂતોને આપ્યો. મહારાષ્ટ્રના કોપરગાંવ તેમજ પૂનાની પાસે તેમણે કામ કર્યું હતું. આ રીતે સાત હજાર લીટરથી વધુ પેશાબ તેમણે વહેંચ્યો. ખેડૂતોને તેનો ફાયદો દેખાયો. ખેતરોમાં પાક સારો આવ્યો.

    નાસિકના નિર્મલગ્રામ નિર્માણ કેન્દ્રમાં પણ કેટલાક પ્રયોગો અમે કર્યા, જે નીચે પ્રમાણે છે :

    •       માનવપેશાબ ખાતર તરીકે કેટલું અને કેવી રીતે ઉપયોગી છે તેનો અભ્યાસ.
    •       વાસી પેશાબની દુર્ગંધ કઈ રીતે રોકી શકાય તેના પ્રયોગ.
    •       પેશાબ ભેગો કરવો તેમજ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો. તેના પર કામ થયું.

    આ પ્રકલ્પનો ઉપયોગ શાળાાઓ, મહાવિદ્યાલયો, બસ સ્ટેન્ડ, બજાર વગેરે સ્થળોએ કરી શકાય તેમ છે. તે એક વ્યવસાય તરીકે પણ વિકસી શકે.

    •      ઘેર-ઘેર એકદમ સરળ પદ્ધતિથી હીરાખત (પેશાબમાંથી બનાવવામાં આવતું ખાતર) કઈ રીતે તૈયાર કરી શકાય તેના પણ પ્રયોગો કરવામાં આવ્યા.
    •      તાજો પેશાબ બગીચામાં વારાફરતી ફૂલ છોડ તેમજ શાકભાજીને યોગ્ય પ્રમાણમાં આપવાનો સાદો પ્રયોગ કરવામાં આવ્યો અને સારાં પરિણામો જોવા મળ્યાં.

    મંત્રીઓ પણ વિચાર કરે છે

    આપણા એક કેન્દ્રીય મંત્રીએ પણ દિલ્હી સ્થિત પોતાના બંગલાના બગીચામાં આ પ્રયોગ કરીને પોતાના બગીચાને સમૃદ્ધ બનાવ્યો. પોતે પ્રયોગ કરીને તેમણે કહ્યું, “ખેડૂતોએ આ રીતે પેશાબનો ઉપયોગ ખેતીમાં કરવો જોઈએ. તેનાથી તેમના ઉત્પાદનમાં વધારો થશે.” બીજા એક કેન્દ્રીય મંત્રીએ મુંબઈ જેવાં શહેરોનો માનવપેશાબ ભેગો કરીને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના સામે મૂકી.

    આમ એક પ્રમાણમાં ઉપેક્ષિત પરંતુ મૂળભૂત મુદ્દા અંગે આપણા મંત્રીઓ વિચાર કરે તે બહુ મહત્ત્વનું છે. પરંતુ આ મુદ્દો સમજ્યા વગર તેની ટીકા થઈ. સોશિયલ મીડિયા પર તેની હાંસી ઉડાવવામાં આવી. પેશાબનો ઉપયોગ કરવો અથવા તેના પર ચર્ચા કરવી ઘૃણાસ્પદ, શરમ-જનક બાબત લાગે છે. ભૌતિકવાદને કારણે ઉપર-ઉપરનું વિચારવાની આપણને ટેવ પડી હોવાને લીધે તેમજ સભ્યતાની ખોટી કલ્પનાઓને લીધે આવી માનસિકતા થઈ જાય છે. પરંતુ આ યોગ્ય નથી. સ્વચ્છતા, આરોગ્ય તેમજ ખેતીની દૃષ્ટિએ હીરાખત ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. અને તેનો ઉપયોગ કરવાથી એકસાથે ઘણી સમસ્યાઓ હલ થઈ શકે તેમ છે.

    શોષણ નહીં, પોષણ

    હજારો વર્ષોથી ચાલી આવેલી આપણી ખેતીની પરંપરાને ભૂલીને આપણે રાસાયણિક ખેતીને અપનાવી. આજે આ રસાયણોને લીધે આપણી જમીનોને ખૂબ મોટું નુકસાન થયું છે. એટલું જ નહીં, જે અનાજ, શાકભાજી, ફળનાં ઉત્પાદન થાય છે તેમાં પણ આ ઝેરી રસાયણોના અંશ આવી ગયા છે. અને તે આપણે આરોગીએ છીએ. પરિણામ ગંભીર છે. માનવ- આરોગ્ય અને પૃથ્વીના આરોગ્ય પર તેની માઠી અસરો આપણે જોઈ રહ્યા છીએ. સાર્વજનિક તેમજ અન્ય જગ્યાઓએ વ્યવસ્થા વિના પેશાબ કરવાથી અસહ્ય ગંદકી પેદા થાય છે. તે સાફ કરવા વળી વધારે પાણીનો ઉપયોગ કરવો પડે છે. તેને બદલે યોગ્ય પદ્ધતિથી ખેતીમાં તેનો ઉપયોગ થાય એ જ સાચો અને સરળ ઉપાય છે ને વળી ફાયદાકારક પણ.

    નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ફોસ્ફેટ વગેરે પોષકતત્ત્વો ખેતી માટે ખૂબ જ જરૂરી છે. આ બધાં તત્ત્વો માનવપેશાબમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આપણી વિડંબના તો જુઓ, આપણે પેશાબનો ઉપયોગ નથી કરતા, નાક ચઢાવીએ છીએ અને લાખો ડોલરનો ખર્ચ કરીને આ પોષક તત્ત્વોની આયાત કરીએ છીએ ! જેને માટે બીજા દેશો પર આધાર રાખીએ છીએ !

    પેશાબના ખાતરને હીરાખત કહે છે. સોનખત કરતાં પણ વધુ પોષકતત્ત્વો હીરાખતમાં રહેલા છે. આટલું કિંમતી ખાતર આજે આપણે નકામું જવા દઈએ છીએ, જે ભારે અફસોસની વાત છે.


    નલિની નાવરેકર | (નાસિક) મો.: ૭૫૮૮૩૧૬૧૩૭


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર :  ૧ નવેમ્બર, ૨૦૨૪

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ !

    નિસબત

    ચંદુ મહેરિયા

    બંધારણના અનુચ્છેદ એકવીસ અનુસાર ભારતીય નાગરિકનો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર, તેના જીવન જીવવાના અધિકારનો, મહત્વનો હિસ્સો છે. પરંતુ દેશ આખામાં, સવિશેષ શહેરોમાં, મોટાપાયે પ્રદૂષિત વાતાવરણમાં આપણે જીવવું પડે છે. હવા, પાણી, અવાજ અને જમીનના પ્રદૂષણની સમસ્યા બહુ ગંભીર છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દસ દેશોમાં આપણી ગણના થાય છે.

    વૈશ્વિક જળ ગુણવત્તા સૂચકાંકમાં ૧૨૨ દેશોમાં ભારતનો ક્રમ ૧૨૦મો હોવાનું નીતિ આયોગના અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. પીવાનું શુધ્ધ પાણી માનવ જીવન માટે અતિ આવશ્યક છે.પરંતુ આપણા દેશના પાણીના સિત્તેર ટકા સ્ત્રોત પ્રદૂષિત છે. ગંગા અને બીજી નદીઓને મા ગણતા નદીપ્રધાન દેશમાં પીવાનું ચોખ્ખું પાણી જાણે કે દોહ્યલું છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    વાયુ ગુણવત્તા અહેવાલ ૨૦૨૪માં આપણે ત્રીજા ક્રમે છીએ અગાઉ આપણે પાંચમા નંબરે હતા. એટલે વાયુ ગુણવત્તામાં આપણું સ્થાન સુધર્યું છે. પણ એથી બહુ હરખપદૂડા થવાની જરૂર નથી. કેમ કે જે દેશો આપણા કરતાં વધુ ગંદી હવામાં જીવે છે તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને કોન્ગો છે. એટલે આ સુધારાથી વિશ્વગુરુએ હરખાવાનું ન હોય. દુનિયાના મોખરાના પ્રદૂષિત શહેરોમાં ભારતના તેર શહેરો છે. તેમાં રાજધાની દિલ્હી બીજા નંબરે છે. પ્રતિ વર્ષ દિવાળી પછીના દિવસોમાં દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. દિલ્હીના પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા  અને ઉત્તરપ્રદેશના ખેડૂતો ખેતરોમાં પરાળ સળગાવે તેનો ધૂમાડો અને પ્રતિબંધ છતાં દિલ્હીવાસીઓના પોતાના દિવાળીના ફટાકડાના પ્રદૂષણે માઝા મૂકી છે. દર વરસે આ વિકરાળ સમસ્યાથી પાટનગર દિલ્હી પીડાય છે. વાહનો માટે ઓડ ઈવન , ભારે વાહનો પર પ્રતિબંધ, શાળાઓમાં રજાઓ, સરકારી અને ખાનગી કંપનીઓમાં વર્કફ્રોમ હોમ કે કામના કલાકોમાં ફેરફાર, વ્રુક્ષો પર પાણીનો છંટકાવ  જેવા પગલાં છતાં સમસ્યા કાયમી બની ગઈ છે.

    ધ્વનિ પ્રદૂષણની જિકર થાય કે તરત મસ્જિદોના લાઉડ સ્પીકર યાદ આવે છે. પરંતુ જન્મ , લગ્ન અને મરણ જેવા સામાજિક પ્રસંગો કે તમામ ધાર્મિક પ્રસંગો આપણે અવાજ કર્યા વિના ઉજવી શકતા નથી તે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. હવે તેમાં ડીજેનું દૂષણ ઉમેરાયું છે. તે કેટલું ખતરનાક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે તેનો અનુભવ હજુ હમણાંનો તાજો છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના  કડાણા ગામે  લગ્નના વરઘોડામાં ડબલ ડીજેનો અવાજ એટલો ઘાતક બન્યો કે ઘોડે બેઠેલા વરરાજાની મગજની નસ ફાટી ગઈ હતી!

    પ્રદૂષણની સૌથી માઠી અસર માનવીના આરોગ્ય પર થાય છે. ફેફસાં, હ્રદય, મગજ અને લોહીને વાયુ પ્રદૂષણ અસર કરે છે. અસ્થમા, સ્ટ્રોક, હ્ર્દય રોગ અને માનસિક તણાવ જેવા રોગોના દર્દીઓને તે સવિશેષ અસર કરે છે. અકાળે મોત, ગર્ભપાત, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને મૃત બાળકનો જન્મ પણ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. વિશ્વમાં ૮ મિલિયન લોકોના અકાળે મોતનું કારણ વાયુ પ્રદૂષણ છે. ૨૦૧૯માં ભારતની  અર્થવ્યવસ્થામાં વાયુ પ્રદૂષણે જીડીપીના ત્રણ ટકા નુકસાન કર્યું હતું. દુનિયામાં ૧.૨ લાખ કરોડ કામના દિવસો તેના લીધે ઘટ્યા હતા.

    પર્યાવરણ, પ્રદૂષણ અને જળ વાયુ પરિવર્તન વૈશ્વિક સમસ્યાઓ છે. સરકારો અને સમાજે મળીને તેનું નિવારણ કરવાનું છે. નાગરિકોની જાગ્રતિ અને ભાગીદારી મહત્વની છે જ પરંતુ સરકારોની પ્રાથમિકતા આ મુદ્દે કેટલી છે તે પણ અગત્યનું છે. ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને યોજનાઓ છે છતાં સમસ્યા વકરી રહી છે. ૨૦૧૮માં ભારત સરકારે પ્રદૂષણ નિયંત્રણ યોજના શરૂ કરી હતી. સંપૂર્ણપણે કેન્દ્રપોષિત આ યોજનાનો મહત્વનો હિસ્સો નેશનલ  ક્લીન એર પ્રોગ્રામ( N C A P)  છે. યોજનાના ઉંચા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. દેશના ૧૩૧ શહેરોમાં ૨૦૧૯-૨૦માં અસ્વચ્છ હવાનું જે સ્તર હતું તેને ૨૦૨૬ સુધીમાં ૪૦ ટકા સુધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ ગમે તેવી સારી યોજના પણ અમલદારશાહી નો  ભોગ બનતી હોય છે.

    ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સભ્ય ભુવનેશ્વર કલિતાના અધ્યક્ષપણા હેઠળની સંસદની સ્થાયી સમિતિનો સંસદના ગત સત્રમાં રજૂ થયેલા અહેવાલની કેટલીક વિગતો ચોંકાવનારી અને ચિંતાજનક છે. વરસ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્ર  સરકારે રૂ. ૮૫૮ કરોડ પ્રદૂષણ નિયંત્રણ યોજના માટે ફાળવ્યા હતા. પરંતુ સમિતિના જણાવ્યા મુજબ વર્ષાંતે તેમાંથી માત્ર રૂ.૭.૨૨ કરોડ અર્થાત એક ટકા કરતાં ઓછો ખર્ચ થયો હતો. આ નાણાં કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રદૂષણ નિયંત્રણ માટે આપવાના  હતા. પરંતુ નાણાકીય  વરસ પૂરું થયું ત્યાં સુધી બાબુશાહીએ યોજનાને મંજૂરી જ ન આપી એટલે ચોપાસ બેફામ ફેલાઈ રહેલા પ્રદૂષણને અટકાવવા માટે કરોડો રૂપિયા વણવપરાયેલા રહ્યા હતા.

    હવે દિલ્હીની નવી રાજ્ય સરકારે ચાલુ વરસના બજેટમાં રૂ.૫૦૬ કરોડની જોગવાઈ  વન અને પર્યાવરણ માટે કરી છે. દિલ્હી  સરકાર તેનો પૂર્ણ ક્ષમતા અને રાજકીય ઈચ્છાશક્તિથી ઉપયોગ કરે છે કે કેમ તેની કસોટી આ વરસની દિવાળીએ જ થશે. કેન્દ્રે નિયંત્રણ માટે જે રૂ.૮૫૮ કરોડ ફાળવ્યા હતા તે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયના કુલ બજેટનો ૨૭ ટકા જેટલો મોટો હિસ્સો હતો. તે તો વણ વપરાયેલો રહ્યો જ છે પરંતુ સંસદીય સમિતિએ નોંધ્યું છે તેમ ૨૦૨૪-૨૫માં મંત્રાલયે તેને ફાળવેલ નાણાનો ૫૭ ટકા જ ખર્ચ કર્યો છે. દેવભૂમિ ઉત્તરાખંડની રાજ્ય સરકારે તો તેના પર્યાવરણ ફંડનો ગેરઉપયોગ કર્યો હોવાનું સીએજીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પર્યાવરણ માટેનું રાજ્ય સરકારનું ફંડ રાજ્યના ચીફ સેક્રેટરીના બંગલાના રંગરોગાન,  તેમના માટે એકાધિક લેપટોપ અને આઈ ફોન ખરીદવામા વાપર્યું છે. ઉત્તરાખંડને પ્રક્રુતિએ કેટલું બધું આપ્યું છે. પરંતુ માનવીય ભૂલો અને જાગ્રતિના અભાવે ઉત્તરાખંડનું પ્રાકૃતિક સોંદર્ય નષ્ટ થઈ રહ્યું હોય ત્યારે પર્યાવરણ ફંડનો ગેર ઉપયોગ ભારે ચિંતાનો વિષય બનવો જોઈએ.

    ૧૯૪૪ થી ૧૯૫૫ના ગાળામાં પ્રગટ થયેલ ભગવદ્ગોમંડળમાં અને ૧૯૨૯માં પ્રગટ સાર્થ ગુજરાતી જોડણી કોશમાં પર્યાવરણ શબ્દ નથી. પરંતુ પ્રદૂષણ શબ્દ છે! ભગવદ્ગોમંડળમાં  પ્રદૂષણનો અર્થ નષ્ટ થવું તે અને  સાર્થ ગુજરાતી જોડણી કોશમાં હાનિકારક કે ઝેરી તત્વોથી વાતાવરણનું દૂષિત થવું કે બગડવું તે  જણાવેલ છે. એટલે  પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યા વીસમી-એકવીસમી સદીની છે.

    ખરાબ પર્યાવરણ અને અને પ્રદૂષણને કારણે અનેક હાનિકારક અસરો થઈ રહી છે. તેને નાથવાના  સરકાર અને સમાજના પ્રયત્નો બહુ પાંખા જણાય છે.તેમાં સરકારી નાણા વણવપરાયેલા રહેવા કે બીજો ઉપયોગ થવો તે ગંભીર સમસ્યા છે. પ્રદૂષણના સ્ત્રોત કે કારકો ઓછા કરવા એ પ્રદૂષણ  નિવારણની સૌથી કારગર  રણનીતિ છે. જો પ્રદૂષણ નિયંત્રણ કે નિવારણ માટે સર્વસંમતિ છે,  પૂરતી કાયદાકીય જોગવાઈ છે તો હવે તેના નિયંત્રણ અને અંતે નિવારણ માટે ભગીરથ પ્રયાસો થવા જોઈએ.તો જ આપણી આવતીકાલ પ્રદૂષણમુક્ત હશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સંસ્પર્શ -૧૧

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    યોન્ત: પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ્
    સજ્જીવયત્ અખિલશક્તિધર: સ્વધામ્ના |
    અન્યશ્ચહસ્ત ચરણશ્રવણ ત્વ ગાદીન્
    પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ્ ॥

    આવા ખૂબ સરસ અર્થવાળા શ્લોક થકી પરમને નમન કરી, ધ્રુવદાદા તેમની ‘અતરાપી’ નવલકથાની શરૂઆત કરે છે. સામાજિક બંધનો,રીતરિવાજો,માન્યતાઓ,ધારણાઓ આ બધું એકબાજુ રાખીને પણ કંઈ સત્ય છે ,અને તે સત્ય શું છે તે જાણવું હોય તો સૌએ ‘અતરાપી’ વાંચવી પડે.

    ઉપરોક્ત શ્લોકનો અર્થ છે. સ્વધામ એટલે કે પોતાની જગ્યાએથી જે મારામાં પ્રવેશે છે. તે ભગવાન આપણે જેને માનીએ છીએ તે, પ્રસુપ્તામ એટલે સૂતેલા નહીં ,સુષુપ્ત નહીં,જાગવાની તૈયારી સાથે એટલે જમીનમાં પાણી નાંખો અને બીજ નાંખો એટલે તરત ફાટે એટલે કે જે જીવંત છે. સમય મળતાં,અનુકુળ વાતાવરણ મળતાં જે પ્રગટવાનું છે ,તે પ્રગટવા માટે તૈયાર મારી પ્રસુપ્ત વાણીને, મારી ત્વચાને,પ્રાણને, હાથ ,પગને આંખોને જે જાગૃત કરે છે ,તે પરમશક્તિને હું નમન કરું છું.આ શક્તિ આપણા સૌમાં એક જ છે. પૃથ્વી પરનાં બધાં જીવોમાં પણ તે પરમશક્તિ છે જ..એમ કહી નવલકથાની શરુઆતમાં જ ખાસ સંદેશ દાદા આપી દે છે કે દરેકે દરેક જીવમાં એક જ પરમનો વાસ છે તે તું સમજી લે.

    ધ્રુવદાદાનાં દરેક નવલકથાનાં નામની જેમ અતરાપી પણ એક સાવ ન સાંભળેલું , જુદું જ નામ છે. આ તળપદો શબ્દ ગામડામાં રોજનો બોલાતો શબ્દ છે. પહેલાંનાં સમયમાં ગામમાં કે પોતાનાં ફળિયામાં કોઈનાં પણ ત્યાં મહેમાન આવે તો પડોશીઓ તે મહેમાનને પોતાના ઘેર જમવા કે ચા પીવા બોલાવવા પોતાના બાળકને મોકલે. જાણીતો, પોતાનો ઓળખીતો, ગોળનો, કુટુંબનો હોય તો બાળક તેને પોતાના પિતાનું નામ દઈ મહેમાનને કહે કે ‘મારા ઘેર જમવા કે ચા પીવા આવજો ‘તેમ મારાં પિતાએ કહ્યું છે પરતું કોઈ અજાણ્યો હોય તો બાળક કહે ,’અતરાપી છે. ‘  એટલે તે આપણા ગોળનો કે આપણો નથી તે અતરાપી.ઘ્રુવદાદાનું નવલકથાનું નામ પણ આપણે ન જાણતાં હોઈએ તેવું અતરાપી એટલે આપણાથી અજાણ્યું છે.

    વાર્તાનો નાયક કોણ છે ? ખબર છે ? કૂતરો. એક કૂતરાનાં સંવાદ અને જીવન દ્વારા ધ્રુવદાદાએ બહુ બધું કહી દીધું છે. નવલકથામાં ગર્ભશ્રીમંતનાં ત્યાં રહેતી સદભાવિની કૂતરીને બે ગલૂડિયાં જન્મે છે. દયાળુ માલિકણ પૃથાના ભત્રીજાને આ તાજાં જન્મેલા બચ્ચાં બહુ ગમે છે, તે એમને પોતાની સાથે લઈ જવાનું કહે છે પણ બચ્ચાંએ હજુ આંખ પણ નથી ખોલી એટલે ફોઈ ના પાડે છે. ભત્રીજો તેના નામ પાડે છે. સારમેય ,નાનાં ગલૂંડિયાનું નામ અને મોટાનું નામ કૌલેયક. ફરી પાછી દેખાય ,ધ્રુવદાદાનાં નામની કમાલ. સારમેય કેટલું સરસ નામ છે નહીં? હા,પણ તમારા દીકરા કે દીકરીનું નામ ન પાડતાં કારણ એનો અર્થ છે ઈન્દ્રીયોનો કૂતરો એટલે કે ઈન્દ્રીયો રૂપી કૂતરો. કૌલેયક એટલે મોટો ઈન્દ્રીયોનો કૂતરો.

    આમ એક કૂતરાને નાયક બનાવી દાદા વ્યંગાત્મક રીતે સૂચવે છે કે આપણે કેવી માન્યતાઓ,વાણી અને વર્તનનાં આપણાં સાવ અલગ અભિગમ,લોકોની એકબીજા પ્રત્યેની ચોક્કસ સંવાદો દ્વારા દર્શાવાતી લાગણીઓનું દર્શન,પશુ-પંખીની જેમ ઝાડ-પાનની પણ ભાષા હોય છે ,જે આપણે ક્યારેય સમજ્યાં જ નથી – જેવી અનેક વાતો ધ્રુવદાદા સારમેય જેવાં પરાણે વહાલાં લાગે તેવાં ગલૂડિયાનાં એક વાક્યનાં સંવાદમાં સમજાવી દે છે. નવલકથાનાં એક એક સંવાદમાં છૂપો ગૂઢાર્થ રહેલો છે. મીઠો સારમેય માલિકણ પૃથાને કહે છે,”માળીને ત્યાં ખાઉં છું તો તે મને પૂંછડી હલાવવાનું નથી કહેતો અને અહીં તો પૂંછડી હલાવો નહીં તો ખાવાનું ન મળે ,આવું કેમ?”આ સંવાદ મૂકી દુનિયાનાં દરેક શ્રીમંત કે વગદારને ખુશ રાખવા નાના માણસોને કરવી પડતી ખુશામતની વાત કરી છે.

    તોફાની સારમેય દોડતાં દોડતાં એક નાના છોડનું કૂંડું તોડી નાંખે છે.અને માળી સારમેયને કહે છે કે,”યે પૌંધે ક્યા કહતે હૈ સુન” ત્યારે તે પૂછે છે ,ફૂલ-ઝાડ બોલે છે? “ એની મા અને ભાઈ ના પાડે છે, પણ માળી કહે છે કે તેઓ બોલે છે. સારમેય પૃથાને પૂછે છે અને પૃથા કહે છે “જેવો જેનો અનુભવ.”સારમેય પૂછે છે અનુભવ એટલે શું? પૃથા કહે છે “,પોતે જાણવું,પોતે સમજવું તેવું કંઈક.”અને સારમેય પોતાનો અનુભવ પોતે જાતે અનુભવીને લેવાનું નક્કી કરે છે. આમ જીવનનો ,પરમનો,પ્રકૃતિ સાથેનાં સંવાદનો અનુભવ બીજાનું કહેલું સાંભળીને કે ધર્મગુરુઓની કરેલ કોઈ પોકળ વાત પરથી કે માત્ર શ્લોકો રટીને નહીં ,પરતું તેનો જાત અનુભવ કરીને જાણવી તેમ ધ્રુવદાદા મને કહેતા સંભળાય છે.

    સારમેય એક નાનું ગલૂડિયું ,પોતાના સ્વભાવ વિરુદ્ધ ધ્યાનસ્થ થઈ પરમને અનુભવવાનો પ્રયત્ન કરે છે અને ધ્યાન કરવાનાં સમય અને પરમનો અવાજ કેવીરીતે સાંભળવો તે દાદા સમજાવે છે આ વર્ણનમાં” પરોઢની નીરવ શાંતિમાં સારમેયે અચાનક ક્યાંકથી કોઈક અજાણ્યો ,સૂક્ષ્મ સ્પંદન સમો ,અશ્રાવ્ય સ્વર આવતો અનુભવ્યો. તે સ્વરને કોઈ ભાષા કે દિશા ન હતી. છતાં પણ સારમેયને લાગ્યું કે કોઈક તેની સાથે વાત કરવા માંગે છે. ક્યાંય સુધી તે પેલા સ્વરને સાંભળતો રહ્યો. પૂર્વમાં ઉજાસ પથરાયો.સારમેય પેલા કૂંડાંઓને સ્પષ્ટ જોઈ શક્યો. મૂરઝાએલાં હતા તે બધાં જ છોડવાઓ ફરી તાજા થઈ મહોરી ઊઠ્યાં હતા.”જાણે સૂરજના એ પહેલાં કિરણે છોડવાંઓને પ્રાણ પૂર્યા અને પરમનાં આ અનુભવને જોઈ સારમેય આનંદિત થઈ છોડવાઓને વહાલ કરવા ગળું લંબાવી તેમને વહાલ કરી પોતાની નાનકડી પૂંછડી હલાવવા લાગ્યો.

    આવા સંવાદ વાંચી મારું રોમરોમ, કોઈ અનોખું સ્પંદન અનુભવી સારમેયની જેમ જ પરમનો અનુભવ લેવા ઉત્સુક બને છે. સારમેયને હવે આ ઘરની બહાર નીકળી બહારની દુનિયા જોઈ તેનો અનુભવ લેવા જવાનું મન થાય છે. મા સદભાવિની અને ભાઈ કૌલેયક તેને ના પાડે છે પણ સારમેય તો જુદીજ માટીનો બનેલો છે , તે તો ઘરની બહાર નીકળી જાય છે. તેને આ બંધિયાર ઘરમાં શ્વાન થઈને રહેવામાં રસ નથી. અને ધ્રુવદાદા ગાઈ ઊઠે છે.

    ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા
    જોતી રહી બજાર અમે ચાલતા થયા

    રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત
    હર પળ દરેક હાલ અમે ચાલતા થયા

    ઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે
    એ પી લીધી શરાબ અમે ચાલતા થયા

    અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી
    પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયા

    કોઈ મજાની રાત અજાણ્યા સ્થળે જડી
    ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયા

    આ હાથની લકીર હજી રોકતી હતી
    પગનો હતો મિજાજ અમે ચાલતા થયા

    ચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી
    મંજિલની છોડ વાત અમે ચાલતા થયા

    ધ્રુવદાદા જીવનસફરમાં ઘરની બહાર નીકળી ડુંગર પર, દરિયા કિનારે, ગિરનાં જંગલમાં જઈ પ્રકૃતિ સાથે રહી, તેની સાથે વાત કરી પરમને પામવાની કોશિશ કરે છે અને ક્યાંય બંધાએલ રહ્યા વગર ,મુક્તિનો અનુભવ લેવા બંધનમુક્ત થઈએ તો જ પરમને ઓળખવાની કોશિશ થાય તેમ કહી ગાય છે, “રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત,હર પળ દરેક પળ ચાલતા થયા”કોઈની સાથે ક્યાં જવું છે ?તેની ચર્ચા કર્યા વગર, મંજિલ અંગે વાત પણ કર્યા વગર ,બસ પોતાની મસ્તીમાં પરમની શોધમાં ,ચાલતા રહેવાનું કહે છે. તેમની દરેક નવલકથા બીજા લેખકોની નવલકથા કરતાં એકદમ નોખી હોય છે. પ્રેમની વાત ખરી , પણ લૌકિકપ્રેમ નહીં. તમે જેટલી વાર નવલકથા વાંચો ,તો દરેક વખતે કંઈ નવું પામો. તેમના ગીતો પણ સાવ અલગ, અલગારી તેમનાં જેવાં જ.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧

    રબીન્દ્રસંગીતમાં છલકતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન

    અલ્પા શાહ 

    “ગીતબિતાન” – એક બંગાળી શબ્દ – જેનો અર્થ થાય છે “Garden of Songs” અર્થાત ગીતોનું ઉપવન. આ એક એવું ઉપવન છે જે શબ્દોની સમૃદ્ધિથી મલકાય છે ,જેમાં સપ્તકના સાત સ્વરોની સુરાવલીઓ રેલાય છે  અને જે અઢળક માનવીય  સંવેદનાઓથી છલકાય છે.  “ગીતબિતાન” એટલે વિશ્વકવિ રબીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી ૨૨૦૦ થી વધુ રચનાઓનો અમૂલ્ય સંગ્રહ. જેમાંની ૭૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન પણ ગુરુદેવે પોતે કરેલ છે. અને આ ગીતો થકી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જે આખી શૈલી અસ્તિત્વમાં આવી તે રબીન્દ્રસંગીત.

    કહેવાય છે કે “Poetry contains the reflection of poet’s feelings and emotions” અર્થાત કવિ હૃદયમાં ઉઠેલી સાશ્વત સંવેદનાઓ અને લાગણીઓ શબ્દો દ્વારા વહી નીકળે છે ત્યારે કવિતા રચાઈ જાય છે. “ગીતબિતાન”ના કાવ્યો પણ ગુરુદેવના આંતરમનની સંવેદનાઓનું પ્રતિબીંબ છે. પ્રકૃતિ અને પરમેશ્વર સાથે એક અદમ્ય અને અનેરો નાતો અનુભવતા ગુરુદેવે કિશોરાવસ્થાથીજ તેમની સંવેદનાઓને શબ્દ દ્વારા કવિતા રૂપે વહેતી કરી અને એ કાવ્યને સૂરના શણગારે સજાવી અને આમ ૧૮૭૫માં પ્રથમ રબીન્દ્રસંગીત શૈલીના ગીતની રચના થઇ. અને બસ પછીતો સતત પાંચ દાયકા ઉપરાંતના વર્ષો દરમિયાન આ ઉપવનમાં એક પછી એક પુષ્પો ખીલતા ગયા અને વિશ્વને રબીન્દ્રસંગીતના ગીતો થકી રત્નોની ભેટ મળતી રહી. “ગીતબિતાન” ગીતસંગ્રહમાં ધરબાયેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરીએ તે પહેલા ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરના જીવન પરિચય પર એક ઝલક નાખીએ.

    જો કે ગુરુદેવનો ઔપચારિક પરિચય આપવાની નથી મારી કોઈ લાયકાત કે નથી એવી કોઈ જરૂર… ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર – એક બહુમુખી પ્રતિભા. The personification of versatility. સર્જનાત્મકતા (creativity), બુદ્ધિમતા(intellect) અને સંવેદનશીલતા(empathy/compassion) નો અદભુત સમન્વય એટલે કવિવરનું વ્યક્તિત્વ. તેમના વ્યક્તિત્વે સમગ્ર માનવજાતિની ક્ષમતાના એક નવાજ આયામનો પરિચય કરાવ્યો. એક પ્રખર લેખક અને સાહિત્યકાર, એક સંવેદનશીલ કવિ, એક ઉચ્ચકોટિના સંગીતકાર અને ગાયક, એક નિષ્ઠાવાન દેશભક્ત, એક ગહન ફિલસૂફ, એક વિખ્યાત ચિત્રકાર, ૧૯૧૩માં સાહિત્યનું  નોબેલ પારિતોષિક જીતનાર અને  સુપ્રસિદ્ધ શાંતિનિકેતન તથા વિશ્વભારતી યુનિવર્સિટીના સંસ્થાપક  રબીન્દ્રનાથ ટાગોરનો જન્મ ૧૮૬૧માં  થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમને બંગાળી સાહિત્ય સંગીત અને કળાને સ્વરચિત વાર્તાઓ, નાટકો, કવિતાઓ, અને ગીતો દ્વારા એક નવો જન્મ આપ્યો અને વિશ્વના ફલક પર જાણીતું કર્યું. તેમનું કાર્યક્ષેત્ર  બંગાળીની સાથે સાથે અંગ્રેજી ભાષા સુધી વિસ્તરેલું હતું અને ગુરુદેવે પોતે પોતાની અમુક  કવિતાઓનું  English translation કર્યું.અનેક જીવનકાળમાં કરી શકાય તેવું કાર્ય એક જીવનકાળ દરમિયાન કરીને કવિવરે ૧૯૪૧માં આ જગતમાંથી સ્થૂળ દેહે વિદાય લીધી. ગુરુદેવે ભલે સ્થૂળ દેહે વિદાય લીધી, પણ તેમના ધબકારા તેમણે સર્જેલા સાહિત્ય અને સંગીતના વારસામાં હજે આજે પણ ધબકે છે અને આવતીકાલે પણ ધબકતા રહેશે…

     

    કહેવાય છે કે કવિવર રબીન્દ્રનાથ ટાગોર નખશીખ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ માનવીય લાગણીઓને  અને મનોભાવોને સમજી શકતા હતા અને  અનુભવી શકતા હતા અને કદાચ એટલેજ રબીન્દ્રસંગીતના ગીતોમાં માનવ મનના બધાજ મનોભાવો અને લાગણીઓ શબ્દો  દ્વારા પ્રતિબિબિત થયેલ છે. રબીન્દ્રસંગીતના ગીતોમાં પરમાત્મા પ્રત્યેનો આદર અને અહોભાવ ડોકાય છે તો પ્રિયજન માટેનો પ્રેમભાવ પણ પ્રદર્શિત થાય છે. તેમાં પ્રકૃતિ સાથે શબ્દો અને સંગીતથી તાદામ્ય સધાયેલ છે તો તેમાં દેશભક્તિનો જોમ અને જુસ્સો પણ કંડારાયેલ છે. આમ રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવે માનવમનની સંવેદનાઓના મેઘધનુષને જગત સામે પીરસ્યું છે. જે સઘળું તેમના “ગીતબિતાન” અર્થાત “Garden of songs” પુસ્તકમાં ધરબાયેલ છે …

    એ પુસ્તકને કેન્દ્રમાં રાખીને મારે તેમાં રહેલા ચૂંટેલા કાવ્યો/ગીતોનો ભાવાનુવાદ કરી તેમાં રહેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન આ લેખમાળા દ્વારા તમારી સાથે કરવું છે…. આશા રાખું છું કે તમે પણ મારા આ પ્રયત્નમાં મારી સાથે રહેશો અને મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો અને હા, તમારા માર્ગદર્શન અને પ્રતિભાવો – કે જે આ કલમ વિકસાવવામાં પાયારૂપ છે તે પણ આપતા જ રહેશો.

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા-૧૦

    સીમિત જીવનદોર પરંતુ જીવસૃષ્ટિને જાણવાની અસીમિત જિજ્ઞાસા : જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સ

    લેખન-સંકલન : યાત્રી બક્ષી

    આપણે જાણ્યું કે એલેકઝાન્ડર હમ્બોલ્ટ દીર્ઘાયુ જીવનમાં દુનિયાને અખૂટ દસ્તાવેજો આપી ગયા. એ સાથે અનેક વ્યક્તિઓમાં પ્રકૃતિને પામવાની ચિનગારી પેટાવતા ગયા. તેઓ અનેક ઊગતા સાધકોના પથદર્શક રહ્યા. તેમાંના એક હતા જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સ.

    જોહાન સ્પિક્સ વિશે ઇન્ટરનેટ ઉપર સરળતાથી ખાસ વિગતો મળતી નથી, હમ્બોલ્ટમાં ક્યાં અટકવું એ સમસ્યા હતી તો એક વિશેષ માહિતીએ મારું કુતૂહલ વધારી દીધું. આજે પણ અજીબો ગરીબ લાગતા આ અત્યંત અજાયબ પ્રાણીજગતમાં ડૂબકી લગાવનારા વિશે સારી એવી ઇન્ટરનેટ સફર પછી મને સીમિત છતાં અધિકૃત અત્યંત રસપ્રદ માહિતીઓ મળી.

    આ એ સમય છે જ્યારે યુરોપમાં ફ્રેન્ચ ક્રાંતિનું વાતાવરણ જનતાના માનસ પર છવાયેલું હતું ત્યારે, જ્યારે નેપોલિયન શ્રેષ્ઠ સેનાની તરીકે પ્રખ્યાતિની ચરમ પર હતા ત્યારે કેટલાક એવા પ્રવાસીઓ હતા જે પ્રકૃતિને પામવાની હોડ લગાવી રહ્યા હતા. તેમાંના એક જોહાન સ્પિક્સ. નેપોલિયનનાં યુદ્ધો ૧૭૯૬થી ૧૮૧૫ સુધી ચાલ્યાં. ૧૭૮૧માં જન્મેલા જોહાન બરાબર જ્યારે નેપોલિયન ફ્રાન્સના સમ્રાટ બને છે તે ગાળામાં પ્રકૃતિ ખેડવા નીકળી પડે છે.

    જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સનો જન્મ નાના બવેરિયન (જર્મની) શહેરમાં એક ગરીબ ડૉક્ટરને ત્યાં થયો હતો. એક અસાધારણ પ્રતિભાવાન વિદ્યાર્થી, જોહાને બેમ્બર્ગ વુર્ઝવર્ગની યુનિવર્સિટીઓમાં ફિલસૂફી અને તબીબીશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ઓગણીસ વર્ષની નાની ઉંમરે પીએચડીની ડિગ્રી હાંસલ કરી. એ સમયે વિચારક ફિલસૂફ ફ્રેડરિક વિલ્હેમ જોસેફ શેલિંગ સાથે ઓળખાણ થયા બાદ સ્પિક્સને જીવન અને પ્રાણી સામ્રાજ્યના અભ્યાસમાં પોતાની સાચી રુચિની સમજ કેળવાઈ.

    ૧૮૦૮માં, તબીબી ડૉક્ટર તરીકે બે વર્ષ સુધી કામ કર્યા પછી – ઓગણીસમી સદીની શરૂઆતમાં બવેરિયાના રાજા મેક્સિમિલિયન – પ્રથમને સ્પિક્સની પ્રાણીશાસ્ત્રના ક્ષેત્રમાં રુચિની જાણ થઈ. વિપરીત સંજોગોમાં રાજાની ઉદારતાને કારણે સ્પિક્સને શિષ્યવૃત્તિ મળી અને કુદરતની કેડીઓ ખૂલી ગઈ. આ સહાયના પરિણામે જોહાન પેરિસની મુસાફરી કરી શક્યા, જ્યાં તે મહાન ફ્રેન્ચ પ્રકૃતિવાદી જ્યોર્જ ક્યુવિયરને મળ્યા. પ્રાણીશાસ્ત્રના અભ્યાસની વિશ્ર્વની રાજધાની પેરિસમાં તેમણે મેળવેલું આ જ્ઞાન અમૂલ્ય હતું. ૧૮૧૧માં તેમને પ્રાણીના નમૂનાઓના સંગ્રહના ક્યુરેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે હવે ‘ઝૂઓલોજિશે સ્ટેટ્સમમલુંગ મ્યુન્યેન’ -બવેરિયન સ્ટેટ કલેક્શન ઓફ ઝુઓલોજી, તરીકે ઓળખાય છે.

    ૧૮૧૧માં, મ્યુનિકમાં બવેરિયન એકેડેમી ઓફ સાયન્સમાં પ્રાણી-શાસ્ત્રના પ્રથમ ક્યુરેટર બન્યા. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ સાથેના પત્ર-વ્યવહારથી દક્ષિણ અમેરિકન અભિયાનની યોજનાઓ શરૂ થઈ. ૧૮૧૧ અને ૧૮૧૫ની વચ્ચે, સ્પિક્સે પ્રાણીશાસ્ત્રીય વર્ગીકરણનો ઇતિહાસ, કપિમાનવ (પ્રાઈમેટ્સ) પર કામ અને અલગ અલગ માનવ કબીલાની માનવ ખોપડીઓની તુલનાત્મક રચના સહિત અને પથદર્શક અભ્યાસો પ્રકાશિત કર્યા. મ્યુનિકમાં તેમના કાર્યખંડમાં સખત મહેનત કરતી વખતે, તેમને તેમની સંભાળ હેઠળના સંગ્રહને વિસ્તૃત કરવા માટે જીવનમાં એક વાર તક આપવામાં આવી હતી. અહીં વનસ્પતિઓનો વિષય સંભાળનારા માર્ટિસની સરખામણીએ મેં સ્પિક્સ વિશે વધુ વિગતો મેળવવા એટલે પસંદ કર્યું છે કે તેઓએ પ્રાણીજગતમાં મૌન અને રહસ્યમયી લાગતા જીવોને જગત સમક્ષ રજૂ કર્યા છે.

    ૧૮૧૫માં સ્પિક્સ, વનસ્પતિશાસ્ત્રી કાલ ફ્રેડરિક વોન માર્ટિઅસ (૧૭૯૪-૧૮૬૮), અને અન્ય કેટલાક પ્રકૃતિવાદીઓને બ્રાઝિલ દ્વારા સત્તાવાર રીતે નિમાયેલ ઑસ્ટ્રિયન અભિયાનમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ૧૮૧૭થી ૧૮૨૦ સુધી, અલગ-અલગ અથવા સળંગ, અનેક તબક્કાઓમાં મુસાફરી કરીને, દેશના આંતરિક ભાગમાં સ્પિક્સ અને માર્ટિઅસની શોધખોળ ઓગણીસમી સદીનાં સૌથી મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભિયાનોમાંની એક બની.

    કિંગ મેક્સિમિલિયન, એક ઉત્સાહી પક્ષી સંગ્રાહક અને વિજ્ઞાનના આશ્રયદાતા હતા. તેઓએ સ્પિક્સ અને કાર્લ ફ્રેડરિક ફિલિપ માર્ટિઅસ નામના બાવીસ વર્ષના વનસ્પતિશાસ્ત્રીને શાહી મંડળમાં જોડાવા માટે વ્યવસ્થા કરી, જે આર્ક-ડયેસની સાથે દક્ષિણ અમેરિકા જવાના હતા. તેમના આગમન પર વૈજ્ઞાનિકોએ બ્રાઝિલના પ્રાકૃતિક ઇતિહાસનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધરવાનો હતો, સ્પિક્સ પ્રાણીજીવન અને અવશેષો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, માર્ટિઅસ વનસ્પતિઓ ઉપર.

    ૧૩મી જુલાઈ ૧૮૧૭ના રોજ, બ્રાઝિલનાં ભાવિ મહારાણી અને બે યુવાન બવેરિયન વૈજ્ઞાનિકોને લઈને જહાજ તેમના મુકામ પર પહોંચ્યું. સ્પીક્સ અને માર્ટિઅસના ૧૮૨૪માં લખાયેલા ગ્રંથમાં જણાવે છે કે, “બીજા જ ખંડની ભૂમિ પર જ્યારે જહાજનું એન્કર અથડાયું ત્યારે જેનું વર્ણન ના કરી શકાય તેવી ઉત્તેજનાભરી પળો હતી. તેઓને ઉષ્ણકટિબંધીય આબોહવાને અનુકૂળ થવા અને પોર્ટુગલના કિંગ જોઆઓ લાવેલના સુંદર પુસ્તકાલયના કુદરતી ઇતિહાસ વિભાગનું નિરીક્ષણ કરવા માટે શરૂઆતમાં રાજધાની રિયો ડી જાનેરો અને નજીકના સાઓ પાઉલોમાં છ મહિના ગાળવાનો સમય આપવામાં આવ્યો. આ જોડી આખરે ડિસેમ્બરમાં બ્રાઝિલના છૂટાછવાયા સ્થાયી થયેલા આંતરિક ભાગો ખેડવા નીકળી ત્યારે ઘણી મુશ્કેલીઓ તેમની રાહ જોતી હતી. નબળા નકશાઓ અને પૂરથી ભરેલા ખરાબ રસ્તાઓએ તેમની પ્રગતિ ધીમી કરી; વળી અસહ્ય ગરમી, ઝેરી સાપ, તો લટાર મારતી બિલાડીઓ અને જંતુઓના ટોળાએ કેમ્પનું જીવન તણાવપૂર્ણ બનાવ્યું. અધૂરામાં પૂરું, તેમનો માર્ગદર્શક એક રાત્રે તેની સાથે તેમની ઘણી કિંમતી વસ્તુઓ લઈને ગાયબ થઈ ગયો.

    બ્રાઝિલ પોર્ટુગીઝની વસાહત તરીકે, મોટે ભાગે વિજ્ઞાન માટે જાણે અજ્ઞાત હતું. જોકે, તેને સામ્રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ બંને પ્રવાસીઓ બ્રાઝિલ પહોંચ્યા તે પહેલાં જ વધુ ખોજ, વધુ નમૂનાઓનો સંગ્રહ અને ઉપયોગી થાય તેવા નકશાઓ અને બારીક ચિત્રણો અને વિગતોભર્યા દસ્તાવેજો તૈયાર કરવાની ઊંચી અપેક્ષાઓ બાંધવામાં આવી હતી, જે સાથે અહીં કેટલીક ઘેરી સમસ્યાઓ પણ ભેટમાં મળવાની હતી. સ્પિક્સે તેના સાથી બવેરિયન કાર્લ ફ્રેડરિક ફિલિપ વોન માર્ટિઅસ સાથે મળીને ઝડપથી શોધખોળ શરૂ કરવાની તક ઝડપી લીધી. તેઓ ખાસ કરીને આ વિસ્તારના સ્વદેશી લોકોમાં રસ ધરાવતા હતા – સ્પિક્સને પણ, તે સમયના ઘણા પ્રકૃતિવાદીઓની જેમ “વૈજ્ઞાનિક રીતે” વર્ગીકૃત કરવા માટે વિવિધ જાતિના લોકોની ખોપરીઓનું પૃથક્કરણ કરવાનું ઝનૂન હતું.

    સ્પિક્સ અને માર્ટિઅસ રિયો ડી જાનેરોથી શરૂ કરીને, અંદર તરફ ગયા, દરિયાકાંઠાના પર્વતો ઓળંગ્યા, શુષ્ક કેટીંગાસમાંથી ઉત્તર તરફ આગળ વધ્યા અને છેવટે એમેઝોન નદીની મુસાફરી કરી. મૂળ આદિવાસીઓ સાથે હિંસક બનાવો સહિતનાં જોખમો ખૂબ વાસ્તવિક હતાં. વધુમાં, સ્પિક્સ અચાનક બીમાર રહેવા લાગ્યા. તેમ છતાં, મુખ્યત્વે પ્રાણીઓના પરંતુ સાથેસાથે તેણે જે મૂળ આદિવાસીઓનો સામનો કર્યો હતો તેના પણ તેણે નમૂનાઓ એકત્રિત કરવાનું અને અવલોકનો રેકોર્ડ કરવાનું ચાલુ રાખ્યું.

    જોકે, સ્પિક્સ અને માર્ટિયસે તેમની સફરના અંતે કબૂલ્યું હતું કે, “અહીંના આદિવાસીઓની આપણને લાગતી કઠિન પરંતુ વાસ્તવમાં સરળ જીવન પદ્ધતિમાં કેટલાંક વિલક્ષણ આભૂષણો હતાં.” તેઓએ લખ્યું, “અમારા પ્રાકૃતિક ઇતિહાસના તમામ પ્રકારના સંગ્રહો માટે જ્યાં સુધી નમૂનાઓ એકત્રિત કરવાનો સંબંધ હતો, અમે મહદ્અંશે સફળ રહ્યા છીએ. અસંખ્ય જોખમો હોવા છતાં, અપવાદ વિના તે તમામ નમૂનાઓ સદ્નસીબે તેના સુરક્ષિત અંતિમ મુકામ પર પહોંચી ગયા છે, આવી સફળતાની ભેટ બહુ ઓછા પ્રવાસીઓને મળે છે.”

    ૧૬ એપ્રિલ, ૧૮૨૦ના રોજ તેઓ બેલેમ બંદરે પહોંચ્યા ત્યાં સુધીમાં, તેઓ બ્રાઝિલના શુષ્ક ઉત્તર પૂર્વીય ખૂણેથી પસાર થઈને લગભગ ૪,૦૦૦ માઈલની મુસાફરી કરીને એમેઝોનના દુર્ગમ વર્ષાવનોમાં ઊંડે સુધી પહોંચી ગયા હતા. ડિક્શનરી ઑફ સાયન્ટિફિક બાયોગ્રાફી નોંધે છે તેમ “તેમના આ પ્રવાસના પરિણામે તેઓએ પક્ષીઓની ૩૫૦ પ્રજાતિઓ, સસ્તન પ્રાણીઓની ૮૫ પ્રજાતિઓ, માછલીઓની ૧૧૬ પ્રજાતિઓ, ૨,૭૦૦ જંતુઓ અને ૬,૫૦૦થી વધુ વનસ્પતિના નમૂનાઓ એકત્રિત કર્યા અને તે સાથે સંગ્રહમાં ૫૭ જીવંત પ્રાણીઓનો સમાવેશ થાય છે. જેનાથી આવનારા સમયમાં અસંખ્ય કાર્યો માટેની સામગ્રીનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.

    આમાંના ઘણા, વિજ્ઞાન માટે અજાણ હતા. આ સંગ્રહે લુઈસ અગાસીઝ સહિત અન્ય વિદ્વાનો માટે આવશ્યક સામગ્રી પૂરી પાડી હતી, જેમની પ્રથમ પ્રકાશિત કૃતિ સ્પિક્સ અને માર્ટિઅસ માછલીનો અભ્યાસ હતો, જે યુરોપમાં પાછી લાવવામાં આવી હતી. ૧૮૧૭થી ૧૮૨૦ સુધી, દેશના આંતરિક ભાગમાં સ્પિક્સ અને માર્ટિઅસની શોધખોળ ૧૯મી સદીની સૌથી મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભિયાનોમાંની એક બની. બીમારીઓ અને કષ્ટદાયક અવરોધો હોવા છતાં, સ્પિક્સ એમેઝોન નદી અને તેનાં જંગલોમાંથી પેરુની સરહદ સુધી ગયા. ૧૭૩૦-૪૦ના દાયકામાં લા કોન્ડામાઈન પછી આ વિસ્તારોની શોધખોળ કરનારા તેઓ પ્રથમ યુરોપિયન હતા. આ બે જર્મનો એમેઝોનના મુખ પર આવેલા બેલેમથી ૧૮૨૦માં યુરોપ માટે રવાના થયા હતા.

    તેઓએ પ્રાણીસૃષ્ટિના નમૂનાઓ એકત્ર કરવામાં ત્રણ વર્ષ ગાળ્યાં. સ્પિક્સે ચાર વોલ્યુમના કાર્યમાં પોતાના આ અભિયાનને સંકલિત કર્યું અને માછલી, વાંદરા, ચામાચીડિયા, કાચબા, દેડકા અને સાપ પર લખાણો પ્રકાશિત કર્યાં. તેમની સફળતાના સન્માનમાં, સ્પિક્સને પરત ફરતા રિટર- “સર’ના બિરુદથી નવાજવામાં આવ્યા અને એક વિશિષ્ટ પદના પ્રતીક તરીકે તેમના નામમાં “વોન” શબ્દનો ઉમેરો થયો. સ્પિક્સે એકત્રિત કરેલાં કરોડ અસ્થિધારી પ્રાણીઓનો તરત જ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ખાસ કરીને પક્ષીઓ કે, જેના આધારે ૧૮૨૪ અને ૧૮૨૫માં બે – વોલ્યુમમાં પ્રકાશિત થયેલી તેઓની ‘એવિયમ નોવા’ દુનિયાને ભેટ મળી.

    તેણે અને માર્ટીયસે પ્રવાસ વર્ણનનો પહેલો ભાગ પણ બહાર પાડ્યો હતો, જેનો હેતુ એ હતો કે તેમનું લખાણ સામાન્ય વાચકો તેમજ વૈજ્ઞાનિકો માટે રસ ઉપજાવે. તે વોલ્યુમ, ૧૮૨૩માં જર્મન અને ૧૮૨૪માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું, જે હજી પણ અત્યંત રસપ્રદ વાંચન છે. દુર્ભાગ્યે, સ્પિક્સની તબિયત ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેમની કઠોર મુસાફરીએથી પાછા ફર્યા પછી પણ ક્યારેય સુધરી ન હતી, અને ૧૮૨૬માં, પિસ્તાળીસ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. માર્ટિઅસ, જેમણે સ્પિક્સ સાથે શરૂ થયેલા પ્રવાસવર્ણનના અંતિમ બે ભાગ પૂરા કર્યા હતા, તે ખૂબ જ પ્રતિષ્ઠિત વનસ્પતિશાસ્ત્રી બન્યા જેઓ ૧૮૬૮માં અવસાન પામ્યા.

    જોકે, સફર અને તેમના અકાળ મૃત્યુ વચ્ચેના સમયગાળામાં, એકલા અથવા સહયોગીઓ સાથે, તેમણે કરોડરજ્જુધારી પ્રાણીઓના તમામ વર્ગો ઉપરાંત મૃદુકાય (મોલસ્ક) અને અષ્ટપાદ (આર્થ્રોપોડ્સ) પર આઠ પુસ્તકો તૈયાર કર્યા. જેમાંના ત્રણ ગ્રંથો હર્પેટોલોજિકલ વિષયો એટલે કે ઉભયજીવી અને સરીસૃપ વર્ગને સંબંધિત માહિતી આપે છે. ‘સર્પન્ટમ’ – સાપ, ક્રેસિલિયન્સ અને ઍમ્ફિસ્બેનિઅન્સનો જેમાં સમાવેશ છે તે સ્પિક્સના સહાયક, જે.બી.વાગલર દ્વારા, સ્પિક્સની નોંધોમાંથી લખવામાં આવ્યું હતું જે ૧૮૨૪માં પ્રકાશિત થયું હતું. ૧૮૨૪માં જ પ્રકાશિત થયેલું બીજું પુસ્તક ટેસ્ટુડીનમ એટ રાનારુમ (કાચબા અને દેડકા પર) સ્પિક્સ દ્વારા લખવામાં આવ્યું હતું અને ૧૮૨૫માં પ્રકાશિત લેસરટારમ પ્રકાશન (ગરોળી અને મગર પર) સ્પિક્સ દ્વારા લખવામાં આવ્યું હતું. વિડ-ન્યુવિડના હાથ-રંગીન પ્રિન્ટ્સ સાથેનાં વિપુલ પ્રમાણમાં ચિત્રો ધરાવતા આ સમૃદ્ધ વોલ્યુમોએ બ્રાઝિલિયન ‘હર્પેટોફૌના’ના અભ્યાસ માટે મજૂબત પાયો પૂરો પાડ્યો.

    એક મહાકાવ્ય સમા પ્રવાસમાં, ૧૮૧૭ અને ૧૮૨૦ની વચ્ચે, વનસ્પતિશાસ્ત્રી માર્ટિયસ અને પ્રાણીશાસ્ત્રી સ્પિક્સે સાઓ પાઉલો, રિયો ડી જાનેરો, મિનાસ ગેરાઈસ, બાહિયા, પરનામ્બુકો, પિયાઉ, મારન્હાઓ, પેરા અને એમેઝોનાસની મુલાકાત લઈને હજારો કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

    ૧૯મી સદીના યુરોપિયનો માટે બ્રાઝિલ કેટલું મનમોહક સ્થળ હતું તેની આજે કલ્પના કરવી કદાચ મુશ્કેલ છે. આ બે જિજ્ઞાસુ પ્રવાસીઓએ પોતાની આંખો સમક્ષ એક સંપૂર્ણ નવું બ્રહ્માંડ જોયું. પોતાના મૂળ દેશોની સૂચનાઓ હેઠળ, તેઓએ પ્રત્યેક ઇંચનું મેપિંગ, વર્ણન અને દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું. ભૌગોલિક અને ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણો હાથ ધરવામાં આવ્યાં. તેમનું એકમાત્ર ધ્યેય બીજું કંઈ નહીં પણ, આ સમૃદ્ધ અને ભવ્ય ભૂમિની દરેક વિગતને કબજે કરવાનું હતું. આ પ્રવાસીઓનાં કાર્યો, તે સમયના ઐતિહાસિક રોજિંદા જીવનની આપણી હાલની સમજણમાં વધારો કરવા માટેનો એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે.

    જો આ વિગતવાર અને વિચારશીલ દસ્તાવેજો ન હોત તો માનવ- જાતિ વિષે તથા તે સમયની અખંડ કુદરતની ભવ્યતા વિશેની આધારભૂત માહિતીનો પણ મોટાભાગનો હિસ્સો નાશ પામ્યો હોત. બવેરિયન પ્રકૃતિવાદીઓ જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સ અને કાર્લ ફ્રેડરિક ફિલિપ વોન માર્ટિઅસ દ્વારા તૈયાર કરવામાં આવેલા બધા દસ્તાવેજોમાંથી ‘બ્રાઝિલિયનમાં રિઈઝ’ અથવા ‘ટ્રાવેલ્સ ઇન બ્રાઝિલ’, કદાચ સૌથી વિગતવાર અને સૌથી રસપ્રદ છે.

    સ્પિક્સના નામથી પ્રજાતિઓની ઓળખ :

    દક્ષિણ અમેરિકાની સરીસૃપ વર્ગની ત્રણ પ્રજાતિઓ જેમાં બે સાપ અને એક કાચબો, પક્ષીઓમાં લોકપ્રિય સ્પિક્સ મકાઉ સહિત અન્ય છ પ્રજાતિઓ, સસ્તન વર્ગમાં ચામાચીડિયા અને વાંદરા સહિતની પાંચ પ્રજાતિઓ તથા કેટ ફિશ માછલી મળી કુલ આશરે પંદરેક પ્રજાતિઓને સ્પિક્સના નામ સાથે જોડવામાં આવ્યા છે.

    બે પ્રકૃતિવાદીઓનો વિપુલ વારસો વૈજ્ઞાનિકોથી પણ આગળ વિસ્તરેલો છે. જ્યારે તેઓ સમગ્ર બ્રાઝિલમાં પ્રવાસ કરતા હતા ત્યારે, સ્પિક્સ અને માર્ટિઅસ તેઓને મળેલા લોકો અને રિવાજો, સુમેળભરી સાંસ્કૃતિક વિવિધતા કે જેમાં તેઓ વારંવાર રહેતા હતા, સ્વદેશી, કાળા, મિશ્ર અને સફેદ પૃષ્ઠભૂમિના લોકો તમામ આ સાંસ્કૃતિક માનવવંશીય પરિબળો એક શક્તિશાળી બહુ-સાંસ્કૃતિક મેળાવડામાં એકઠા થવા લાગ્યા હતા. આજે આ અલગ અલગ માનવ સમુદાયોનું બાહુલ્ય અને જીવ વિવિધતા આપણે ગુમાવવા લાગ્યા છીએ ત્યારે કુદરતની કઠિન કેડીઓ કંડારનારાને જાણવા સમજવા અને બિરદાવવા રહ્યા.


     યાત્રી બક્ષી | paryavaran.santri@gmail.com


    (ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનોને આધારે)


    ભૂમિપુત્ર : ૧ ડિસેમ્બર, ૨૦૨૪

  • બીલીનાં ફૂલ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આજકાલ શહેરમાં ફૂલોનાં ભાવ વધ્યા છે. મકાન પાછળની જમીન પણ ખાલી જ પડી છે. બીલીનાં ઝાડ વાવીએ તો ઘણી કમાણી થઈ શકે એમ હતી. આમ તો બીલીપત્રના ભાવ અમીર લોકોને જ પરવડે, પણ જનતાને લૂંટીને જ અમીર બનેલા લોકોને લૂંટવામાં વળી શી શરમ?

    પાછળની જમીન ખોદવા માટે મજૂરની જરૂર હતી. એક માણસ મજૂરી માટે મળી ગયો. એને જોઈને લાગતું નહોતું કે, આ માણસ બે-ત્રણ હાથ ઊંડે સુધી જમીનનું ખોદકામ કરી, માટીમાં ભેળવેલું ખાતર પૂરીને બીલી રોપી શકે. જે કામ કરતા જુવાન માણસને પાંચ દિવસ લાગે એ કામ આ બુઢ્ઢો આદમી કેવી રીતે કરશે?

    એ ગરીબ માણસની શારીરિક અક્ષમતા કરતાં એની જરૂરિયાત, મજબૂરી ઘણી વધારે પ્રબળ હતી. એને મજૂરીમાં મળવા જોઈએ એ કરતાંય ઓછા દામમાં પણ એ કામ કરવા તૈયાર હતો. ખરેખર તો મારે એને વધુ પૈસા આપવા જોઈએ, પણ મને વધુ નફો મળશે એમ વિચારીને એણે માંગેલી જરા અમસ્તી મજૂરી મંજૂર કરી જ દીધી. લોભને ક્યાં વળી થોભ?

    “બાબુજી, મહેનતનું કામ છે, પણ હું તોલમોલ નહીં કરું. બસ બપોરે તમે જે ભાત રાંધ્યા પછી એનું પાણી ફેંકી દો છો એ મને પીવા આપજો.” એ વૃદ્ધના અવાજમાં આજીજી હતી.

    મારી પત્ની સમજી ગઈ કે, સસ્તામાં મજૂર મળી ગયો છે એટલે જાણે ઉપકાર કરતી હોય એમ એ ફેંકી દેવાતું ભાતનું પાણી પીવડાવવા રાજી થઈ ગઈ. ખરેખર તો ભાતનું પાણી જ પુષ્ટિવર્ધક  હોય, પણ અમે તો છડેલાં ભાતને ધાન સમજીને આરોગવા ટેવાયેલાં છીએ.

    આમ ને આમ અગિયાર દિવસ પસાર થઈ ગયા. જે કામ બતાવ્યું એ કરતો રહ્યો. અંતે એક શબ્દ બોલ્યા વગર જે પૈસા આપ્યા એ લઈ લીધા. કામ પૂરું થયું એના બીજા દિવસે કામની અપેક્ષાએ આવીને ઊભો રહ્યો.

    કૂવામાંથી પાણી ખેંચીને છોડને પીવડાવવાનું કહ્યું તો એ પણ સાવ નજીવી રકમમાં કરવા તૈયાર થઈ ગયો. સવારે તડકો ચઢતામાં આવી જતો, સાંજ ઢળે ત્યાં સુધી કામ કર્યા કરતો.

    હમણાંથી મારી પત્ની ભાતનાં પાણીની સાથે બાળકોએ થાળીમાં છાંડેલો ભાત, સૌનાં ખાધાં પછી વધેલું શાક કે ચટણી પણ ઉમેરતી.

    જે દિવસે એને મહિનાનો પગાર મળ્યો તે દિવસે એના ચહેરા પર આનંદ છવાઈ ગયો. બીજા દિવસે આવીને કહેવા માંડ્યો,

    “કાલે જે પગાર મળ્યો એ મારી દીકરીને આપ્યો ત્યારે જઈને એણે મુઠ્ઠીભર ભાત રાંધીને ખવડાવ્યો.”

    “રોજ નથી ખવડાવતી?”

    “કસમથી બાબુજી, તમારા ઘેર ભાતનાં પાણી અને તમે ફેંકેલું ધાન સિવાય કશું જ પેટમાં ગયું નથી.”

    મારા શરીરમાંથી કંપન પસાર થઈ ગયું. એ બુઢ્ઢા આદમીનો દીકરો મરી ગયો પછી વહુએ અલગ ઘર વસાવી લીધું હતું.

    “દીકરી ખાવા નથી આપતી?”

    “શું થાય બાબુજી, પૈસાનો જ ખેલ છે બધે. રાત્રે પૂરો પગાર આપ્યો ત્યારે મુઠ્ઠીભર ભાત મળ્યો. હવે એ પૈસાથી અમારા દિવસો પસાર થઈ શકશે.”

    બસ, ત્યારથી એ બુઢ્ઢો આદમી અમારા ઘરનો જ એક હોય એવો બની ગયો. હવે થોડો ભાત ખવડાવીને એની ખાતિરદારી થવા માંડી. બીલીના છોડ પર કળીઓ આવવાં માંડી હતી. એ બુઢ્ઢો કળીઓ વેચી આવતો. જો કે, જાણકારીના અભાવે ભાવ કરતાં ઓછા ભાવે એ કળીઓ મેં વેચી હતી છતાં બુઢ્ઢાને પગાર આપવા ઉપરાંત એમાંથી ત્રણસો રૂપિયાનો નફો થયો હતો.

    ચોમાસામાં બુઢ્ઢો કામ પર ન આવ્યો. એની ભાળ કેવી રીતે કરવી એ સવાલ હતો. આટલા સમયથી અમારા ઘેર કામ કરતો, પણ અમને એનું નામ કે ઠામ સુદ્ધાં ખબર નહોતી.

    કામથી કામ રાખવાવાળી આ માણસજાત આટલી સ્વાર્થી?

    નવાઈની વાત તો એ બની કે, ઘણા દિવસો પછી એના મહોલ્લામાં રહેતી એક શાકવાળી પાસેથી જાણવા મળ્યું કે એ મરી ગયો છે.

    એ કહેતી હતી કે, “લાંબા સમય  સુધી એ બીમાર રહ્યો. એની દીકરી બહુ નિર્દય હતી. બાપ બીમારીમાંથી ઊઠ્યો પછી એણે સરખી રીતે બાપની સંભાળ લીધી જ નહીં. દીકરીએ તો  ડૉક્ટરને કહી દીધું કે, દૂધ કે ફળ ક્યાંથી લાવે, એના માટે પૈસા તો જોઈએ ને? ગરીબી ભલભલાની માણસાઈ ખતમ કરી દે છે.”

    એ બુઢ્ઢા માણસની અવદશાની વાત સાંભળીને સાચે જ મને દુઃખ થયું.આમ તો મેં પણ એની સાથે કેટલો અન્યાય કર્યો હતો?

    બીલીના છોડ રોપવાવાળો એ હતો, દેખરેખ રાખવાવાળોય એ હતો, બીલીની કળીઓ વેચીને પૈસા લાવનાર પણ એ જ હતો. જે નફો થયો એ તો ખરેખર બુઢ્ઢાની મહેનતનો કહેવાય અને મેં તો ભારે મોજથી એની મહેનતનનાં ફળ મારા ખિસ્સાંમાં પધરાવી દીધાં.

    વિચારતો હતો કે, જનતાને લૂંટીને જ અમીર બનેલા લોકોને ફૂલ વેચીને લૂંટવામાં વળી શી શરમ?

    એની મહેનત માટે માંડ ચાર સિક્કા આપીને, ભાતનું પાણી પીવડાવીને મેં પણ એની સાથે  અન્યાય જ કર્યો ને? બગીચાની જમીન મારી, મને ફળ મળ્યું પણ મહેનત કરવાવાળાને ભૂખ્યા પેટે તનતોડ મહેનત કર્યા પછી ફળ ના જ મળ્યું.

    એના માટે જવાબદાર કોણ?


    ચાંગટિ સોમયાજુલુ ‘ચાસો’ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મારી દીકરી, મારી ગુરુ

    આશા વીરેન્દ્ર

    આજે તમને દૂરના ભૂતકાળમાં લઈ જાઉં. સાલ હતી લગભગ 1978- 79 ની. ત્યારે મારી દીકરી મનસ્વી પંદરેક વર્ષની. મનસ્વી એટલે અમારો શ્વાસ અને પ્રાણ. એના થકી આખુંય ઘર ધબકતું લાગે. એને નિતનવી ટીખળ સૂઝે. કંઈક ને કંઈક મજાક-મસ્તી કરીને સૌને હસાવતી રહેન ધારી હોય એવી સરપ્રાઇઝ આપતી રહેપણ તે દિવસે તો એણે હદ કરી.

    હું અને મનસ્વી બંને મેટ્રો થિયેટરમાં કોઈ ફિલ્મ જોવા ગયાં હતાં. પાછાં ફરતાં રસ્તો ક્રોસ કરીને હું તો સામી બાજુ પહોંચી ગઈ. મને એમ કેમનસ્વી મારી પાછળ જ આવે છેપણ ત્યાં એની બૂમ સંભળાઈ,       “મમ્મીમારાથી જરા પણ ચલાતું નથી. મારા પગ એકદમ કડક થઈ ગયા છે.”

    સાજી-સારી છોકરીથી અચાનક ચાલી ન શકાય એવું શી રીતે બનેમને બહુ ગુસ્સો આવ્યો કેઆ તે કંઈ મજાક કરવાની રીત છે ભલે એ સમયે મુંબઈમાં આજ કરતાં પા ભાગનો પણ ટ્રાફિક નહોતોતે છતાં આટલાં વાહનોની અવરજવર વચ્ચે એ આ રીતે રસ્તાની અધવચ્ચે આમ ઊભી રહી જાય તરત જ મને થયુંના નાએવી નાદાન તો એ નથી જ. ઊલટી પોતાની ઉંમર કરતાં એ વધુ પરિપક્વ છે. હું  સામી બાજુ ગઈ અને ત્યારે એના ચહેરા પર જે ગભરાટ અને મૂંઝવણ જોયાં એના પરથી મને લાગ્યું કેકંઈક ગરબડ છે. એણે મારો હાથ પકડી લીધો અને ધીમા અવાજે બોલી,  “મમ્મીકોણ જાણે શું થયું પણ મારાથી એક ડગલું પણ માંડી નથી શકાતું.”

    મેં તરત જ ટેક્સી રોકી ને અમે ઘરે આવ્યાં. અમારા ત્રીજે માળે આવેલા ઘરે પહોંચવા દાદર ચઢવામાં જો કેએને થોડી તકલીફ પડી પણ તોયે ધીમેધીમે એ દાદર ચઢી ગઈ. થોડીવાર સોફા પર બેસીને આરામ કર્યા પછી એને સારું લાગતું હતું. એણે કહ્યું“મમ્મીએ વખતે મનેશી ખબર શું થઈ ગયુંપણ હવે મને સાવ સારું છે. Don”t worry.”

    એણે ભલે ચિંતા ન કરવાનું કહ્યું પણ શી ખબર કેમમારાં મનમાંથી તે દિવસે જોયેલો એનો ડરથી ફિક્કો પડી ગયેલો ચહેરો ખસતો નહોતો. ત્યારપછીના થોડા દિવસોમાં એને બે-ત્રણવાર તાવ આવી ગયો. આખો વખત બોલ બોલ કર્યા કરતી મારી ચકલી એકાએક શાંત અને ગંભીર થઈ ગઈ હતી. નિલેશ એ વખતે પોતાની બિઝનેસ ટૂર પર હતા અને એ વખતે કંઈ આજના જેવી ફોનની સગવડ હતી નહીં. વળી હું કહું તો શું કહું મારી આવી વાત સાંભળે તો એ તો હસવા જ લાગી જાય, “આટલી નાની વાતમાં એટલી બધી ચિંતા શું કરવાની?”

    એના પગ લાલ થઈ ગયા ને પગ પર સોજા આવી ગયા તે દિવસે મેં નક્કી કર્યું કેકાલે જ ડોક્ટર પાસે જવું. બીજે દિવસે એ એકદમ સાજી-સારી હતી, પણ મારાં મનનાં સમાધાન ખાતર હું એને ડોક્ટર પાસે લઈ જ ગઈ. મેં અત્યાર સુધીમાં જે કંઈ થયું એની વાત કરી પણ તે દિવસે તો એ એટલી બધી નોર્મલ હતી કે ડોકટર કહેવા લાગ્યા“આ એક જ સંતાન હોય નેએની તકલીફ છે. આજકાલની મમ્મીઓ ઓવર પ્રોટેક્ટેડ થઈ ગઈ છે. આ ઉંમરે આવું થાય એ સામાન્ય છે. જાવખાઈ-પી ને મજા કરોને દીકરી સિવાય બીજા કામમાં તમારું ચિત્ત પરોવો.”

    મને લાગ્યું કેહું ડોક્ટરને બરાબર સમજાવી ન શકી. ખેર ! મનસ્વીના રોગની અને એની પીડાની એટલી લાંબી દાસ્તાન છે કેએનું ટૂંકમાં વર્ણન કરવું શક્ય નથીપણ એની વધતી જતી તકલીફો વખતે હું રાત ને દિવસ એની પડખે રહી. જરાવાર માટેય એને રેઢી ન મૂકી. રાત્રે એ જંપી ગઈ હોય ત્યારે હું દેશ-વિદેશની મેડિકલ જર્નલો વાંચી વાંચીને એના રોગ વિશે માહિતી મેળવવા લાગી. મારા આ પ્રયત્નો થકી હું જાણી શકી કેએને કેન્સર કરતાં પણ ભયંકર એવો અસાધ્ય રોગ થયો છે. જેનો કોઈ ચોક્કસ ઉપાય હજુ સુધી શોધાયો નથી.

    મારી સદાની હસતી-રમતી દીકરી મારી નજર સામે કરમાતી જતી હતીહજી ખીલું ખીલું થતી કળી બિડાતી જતી હતી ને હું લાચાર થઈને જોવા સિવાય કંઈ કરી શકતી નહોતી. આમ ને આમ લગભગ ત્રણ વર્ષમાં કેટલાય ડોક્ટરોને બતાવ્યા પછીકેટલાય ટેસ્ટ કરાવ્યા પછી ક્યાંય આશાનું કિરણ ન દેખાય ત્યારે હું હતાશ થઈ જતી. મારાથી બોલાઈ જતું“ મારી બધી મહેનત નકામી ગઈ. આઈ સિમ્પલી વેસ્ટેડ માય એનર્જી.” એવે વખતે  એ મને કહેતી,  “મમ્મીએનર્જી ઈઝ નેવર વેસ્ટેડ. ઈટ ઈઝ ઓલ્વેઝ કન્વર્ટેડ. હું ન હોઉં ત્યારે તું તારી એનર્જીનેતારી આવડતને અને મારા પ્રત્યેના તારા પ્રેમને બીજાને મદદરૂપ થવામાં કન્વર્ટ કરજે. આ રોગ વિશે તું હવે આટલું બધું જાણે છે તો એને લેખો લખીને લોકો સુધી પહોંચાડજે.”

    હંમેશા જકડીને મારો હાથ પકડી રાખતી મારી દીકરીએ અંતિમ સમયે કહ્યું“મમ્મીઅઢાર વર્ષનો આપણો સાથ હવે છૂટવાની તૈયારી છે ત્યારે તું મારો હાથ પકડી રાખીશ તો હું જઈ નહીં શકું. મારો હાથ છોડી દે. આપણા ઋણાનુબંધ પૂરા થયા. હવે મને વિદાય આપ.”

    આજે હું લેખો દ્વારા આ રોગ માટેની જાગૃતિનું કામ કરું છું કે પછીમનસ્વી જેવડી દીકરીઓને શિક્ષણમાં કે માંદગી વખતે સહાય કરવાનો પ્રયત્ન કરું છું એની પાછળ મારી નાનકડી ગુરુની પ્રેરણા રહેલી છે.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • બિરાજબહુ (૧૯૫૪)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    કોઈ લેખકની, ખાસ કરીને નવલકથાકાર કે વાર્તાકારની લોકપ્રિયતા નક્કી કરવાનો કોઈ ચોક્કસ માપદંડ નથી. કોઈ નવલિકાસંગ્રહ કે નવલકથાસંગ્રહની કેટલી આવૃત્તિઓ થઈ કે કોની વધુ કથાઓનું ફિલ્મના પડદે રૂપાંતરણ થયું એ પણ સાર્વત્રિક માપદંડ ન ગણી શકાય. આમ છતાં, અમુક લેખક એવા હોય છે કે તેઓ વાર્તાકાર, નવલકથાકાર તરીકે પણ આદર અને લોકપ્રિયતા પામ્યા હોય, એમ તેમની કથા પરથી બનેલી ફિલ્મોએ પણ સફળતા પ્રાપ્ત કરી હોય.

    વિલીયમ શેક્સપિયરનાં નાટકોને કદાચ આ શ્રેણીમાં મૂકી શકાય, કેમ કે, એ વિશ્વની વિવિધ ભાષાઓમાં એક યા બીજા સ્વરૂપ રૂપાંતરિત થતા રહ્યાં છે. ભારતીય લેખકોમાં આવું માન સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે શરદબાબુને આપી શકાય.

    લેખક તરીકે તેમણે અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી. તેમની વાર્તાઓના અનુવાદો અનેક ભાષાઓમાં થયા. અનેક વાર્તાઓ પરથી ફિલ્મો બની. કહેવાય છે કે સમગ્ર ભારતીય ઉપખંડમાં વિવિધ ભાષાઓમાં ૯૦ જેટલી ફિલ્મો બની છે. ગુજરાત અને ગુજરાતીઓ પર તેમનો પ્રભાવ જાણીતો છે. તેમનો જીવનકાળ ૧૮૭૬- ૧૯૩૮ સુધીનો હતો, તો ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જીવનકાળ ૧૮૫૫ – ૧૯૦૭ સુધીનો હતો. ગોવર્ધનરામે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ અનેક રીતે યુગપ્રવર્તક બની રહી. તેના પ્રથમ ભાગનું પ્રકાશન ૧૮૮૭માં કરવામાં આવ્યું. તેની વૈચારિક અસરની વાત ન કરીએ અને સ્થૂળ અસરની વાત કરીએ તો ગુજરાતી નામ પાડવાની એક આખી પરંપરા ‘સરસ્વતીચંદ્ર’ પછી આરંભાઈ એમ કહી શકાય. અલબત્ત, આનો કોઈ ચોક્કસ અભ્યાસ નથી, પણ ધારણા છે. ગુણલક્ષી, લંબાણવાળાં નામ ગુજરાતીઓમાં આ પછીના અરસામાં જોવા મળે છે.

    ગુજરાતી નામની આવી જ પરંપરા શરદબાબુની નવલકથાઓના ગુજરાતીમાં અવતરણ પછી આરંભાઈ. અંતે ‘ઈશ’ કે ‘ઈન્દ્ર’ ધરાવતાં નામો ગુજરાતીમાં આવવા લાગ્યાં. ‘ઈન્દ્ર’વાળાં નામોમાં છેલ્લો જોડાક્ષર (ન+દ્ર) નીકળી જતાં ‘ન’ રહે એવાં નામો પણ ગુજરાતીમાં એ અરસામાં ભરપૂર આવ્યાં. (ઉદાહરણ: બીરેન્‍દ્રનું બીરેન, નરેન્દ્રનું નરેન વગેરે) અલબત્ત, આ પણ કેવળ અવલોકન છે, કોઈ ચોક્કસ અભ્યાસ નથી.

    શરદબાબુની એક અતિશય લોકપ્રિય નવલકથા એટલે ‘બિરાજબહુ’, જે ૧૯૧૪માં પ્રકાશિત થયેલી. મહાદેવભાઈ દેસાઈએ કરેલો તેનો અનુવાદ ‘વિરાજવહુ’ના નામે ૧૯૨૪માં પ્રકાશિત થયો. એ પછી રમણલાલ સોનીએ તેમજ શ્રીકાન્ત ત્રિવેદીએ કરેલો અનુવાદ પણ પ્રકાશિત થયેલો. આ કૃતિને પડદા પર ઉતારવાનું શ્રેય બીમલ રાયને ફાળે જાય છે.

    હીતેન ચૌધરી નિર્મિત, બીમલ રાય દિગ્દર્શીત ‘બિરાજબહુ’ની રજૂઆત ૧૯૫૪માં થઈ હતી. કામિની કૌશલ, અભિભટ્ટાચાર્ય, પ્રાણ, મનોરમા જેવા કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી.

    પ્રેમ ધવને લખેલાં કુલ છ ગીતોને સલિલ ચૌધરીએ સ્વરબદ્ધ કર્યા હતા. એકે એક ગીતમાં બંગાળી સંગીતનો પ્રભાવ સાંભળવા મળે છે. હેમંતકુમારે ગાયેલાં બે ગીતો ‘એક પલ દરસ દિખા જા’ અને ‘મેરે મન ભૂલા ભૂલા કાહે ડોલે’માં હેમંતકુમારના સ્વરને લઈને જે અસર ઊભી થાય છે એ સાંભળીને જ ખ્યાલ આવે. અન્ય ગીતોમાં ‘સુનો સીતા કી કહાની’ (મ.રફી અને સાથીઓ), ‘દિલ મેરા તુઝ પે સદકે’ (શમશાદ બેગમ) અને ‘તેરા ઘર આબાદ રહે, જા રી દુલ્હનીયા જા’ (લતા, શ્યામલ મિત્રા અને સાથીઓ) છે. ‘તેરા ઘર આબાદ રહે’નો આરંભ પંજાબી હીર જેવો જણાય, અને પછી એની અસલ ધૂનમાં સલીલ ચૌધરીની કમાલ જણાઈ આવે.

    આ પાંચ ઉપરાંત છઠ્ઠું ગીત એટલે ‘માઝી રે, ચલ નૈયા રામ કરેગા પાર’, જે નિર્મલ ચૌધરીએ ગાયું છે, જેનો ઉપયોગ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો છે. એ ભટિયાલી પ્રકારનું હોય એમ જણાય છે અને ઘણી વાર સચીન દેવ બર્મનના કોઈ ગીતની યાદ અપાવી દે એવું છે. ‘માઝી’, ‘નૈયા’, ‘કિનારા’, ‘પૂરવૈયા’ જેવા શબ્દો બંગાળી પ્રભાવ હેઠળ અનેક હિન્દી ગીતોમાં આવ્યા છે અને એનાં એ રૂપક છતાં તેનો ભાવ દરેક ગીતમાં અલગ હોવાથી એ ખાસ્સાં જાણીતાં બની રહ્યાં છે.

    ગીતના શબ્દો આ મુજબ છે.

    माझी रे, ले चल रे नैया, माझी, राम करेगा पार
    माझी रे, ले चल रे नैया, माझी, राम करेगा पार

    हां किनारा भवसागर का, कोई जाने ना,
    चलते रहना ही जीवन है,
    रुकना मौत  का  नाम रे भैया,
    नैया राम करेगा पार….

    माझी रे,
    माझी रे,
    राम करेगा पार नैया,
    राम करेगा पार

    નીચે આપેલી લીન્કમાં ‘બિરાજબહુ’નાં તમામ ગીતો છે, પણ આ લીન્‍ક પર ક્લીક કરવાથી સીધું આ ગીત જ સાંભળી શકાશે.

     

     


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ફિલ્મી ગઝલો – ૧૦૩. માહિર ઉલ કાદરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    માહિર ઉલ કાદરી સાહેબનું પણ ઉર્દુ સાહિત્ય ક્ષેત્રે ખાસ્સું નામ હતું. મૂળ નામ મંઝૂર હુસૈન. પોતે નવલકથાકાર અને કવિ હતા. વિભાજન બાદ પાકિસ્તાન જતા રહ્યા.

    કવિતાના વીસથી વધુ દીવાન જેમાં મેહસૂસાતે માહિર, નગ્માતે માહિર, જઝ્બાતે માહિરનો સમાવેશ થાય છે.

    અહીં આપી છે એ ગઝલની ફિલ્મ તકદીર ઉપરાંત જીવન, ઝીનત, ઝબાન અને મિટ્ટી જેવી ફિલ્મોમાં વીસેક ગીત લખ્યાં. એમાં એકમાત્ર ગઝલ આ –

    તુમસે દુનિયા મુજે છુડાતી હૈ
    આખરી આસ ટૂટી જાતી હૈ

    ક્યા કરું હાએ મૈં કિધર જાઉં
    સાંસ ભી આહ બનકે આતી હૈ

    મૈને દુનિયા કા ક્યા બિગાડા હૈ
    મેરે દિલ કો યે ક્યોં દુખાતી હૈ..

    – ફિલ્મ : તકદીર ૧૯૪૩
    – શમશાદ બેગમ
    – રફીક ગઝનવી


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.