વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ગીધ: સ્વછતા ના ઠેકેદાર

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    શું તમે ગીધ જોયું છે?

    જો હું તમને પૂછું, “શું તમે ગીધ જોયું છે?” અને તમે એકવીસમી સદીમાં જન્મ્યા છો, તો કદાચ તમારો જવાબ ના હશે – જેમ કે મારો હતો!

    બાળપણમાં આફ્રિકન સવાના વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં મને ગીધ જોઈ ખૂબ જ કુતુહલ થતું. પહેલી નજરે ભલે તેઓ કદરૂપા દેખાતા હોય, પણ ડોક્યુમેન્ટરીઝ જોઈને મને ખ્યાલ આવ્યો કે તેમનો કદરૂપો દેખાવ કુદરતના કઠોર પરિબળો સામે સતત સંઘર્ષ કરતા જીવન દ્વારા ઘડવામાં આવ્યો હતો. તેઓ શુદ્ધ અસ્તિત્વવાદી છે – કુદરતની સૌથી અક્ષમ્ય કસોટીઓમાંથી પસાર થયેલા જીવો પરંતુ કોણે કલ્પના કરી હતી કે તે કુદરત નહીં, પણ માનવસર્જિત દુર્ઘટના હશે, જે તેમને તે જ આકાશમાંથી લગભગ ભૂંસી નાખશે જ્યાં તેઓ એક સમયે રાજ કરતા હતા!

    જ્યારે મેં મારી માતાને આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમના જવાબથી મને નવાઈ લાગી. ફક્ત તેમણે જ નહીં, પણ મારી આસપાસના વીસમી સદીમાં જન્મેલા બધા લોકોએ એક જ વાત કહી: ” ગીધ કે? હા ખૂબ જોયા! ફક્ત એક જ નહીં- અઢળક! સેંકડો જોયા, ઊંચા ઉડતા અને રણ અથવા ડમ્પયાર્ડ પર મૃત્યુ પામેલા માલ-ઢોરનું શવ-ભક્ષણ કરવા ભેગા થતા! આખા વડના વૃક્ષો અને ખડકો તેમની ચરકથી ધોળા થઈ જતાં, એટલી સંખ્યામાં ગીધ રહેતા!

    આ સાંભળીને હું હંમેશા પૂછતો, “જો તેઓ આટલા સામાન્ય હતા, તો મેં કેમ એક પણ ગીધ નથી જોયું? અને હવે હું તેમને ક્યાં શોધી શકું?”

    આ પ્રશ્ન હંમેશા એક વિચિત્ર મૌન દ્વારા અનુસરવામાં આવતો – એક મૌન જે જવાબોની અછત અને તેમની વિચારવાની ક્ષમતાના અંતને દર્શાવે છે. એવું લાગતું હતું કે તેઓએ પહેલાં ક્યારેય તેના વિશે વિચાર્યું ન હતું. પછી તેઓ હસીને કહેતા, “ગીધ તો હવે નથી રહ્યા! ગાયબ થઈ ગયા” – બસ એમ જ? ક્યાં? કેવી રીતે? છેલ્લી વાર તેઓએ ક્યારે ગીધ જોયું હતું? આ પ્રશ્નો હંમેશા અનુત્તરિત રહ્યા.

    દરેક જીવને જીવન ટકાવવા માટે પ્રકૃતિમાં પોતાની ભૂમિકા શોધવી પડે છે. કુદરતી દુનિયામાં કંઈપણ હેતુ વિના અસ્તિત્વમાં નથી – દરેક પ્રજાતિ એક મોટા ઇકોલોજીકલ કોયડામાં બંધબેસે છે. ગીધ આ ઉત્કરાંતિક વિશેષતાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. શિકાર કરતા અન્ય શિકારીઓથી વિપરીત, ગીધ મૃત પ્રાણીઓના અવશેષો પર આધાર રાખવા માટે વિકસિત થયા.આ કદાચ ગંદુ લાગે, પણ એવું નથી.હજારો વર્ષોથી, ગીધમાં ખાસ લક્ષણો વિકસ્યા છે જે તેમને આ કામ માટે યોગ્ય બનાવે છે. તેમની દ્રષ્ટિ ખૂબ જ તેજ છે જેથી તેઓ આકાશમાં ખૂબ ઊંચાઈથી શબને જોઈ શકે છે. તેમની મોટી પાંખો તેમને વધુ ઊર્જા ખર્ચ કર્યા વિના લાંબા અંતર સુધી ઉડવામાં મદદ કરે છે. તેમના માથા પર પીંછા હોતા નથી જેથી ખોરાક લેતી વખતે લોહી અને માંસ પીંછા સાથે ચોંટી ન જાય.તેમની પાસે એસિડિક પાચન તંત્ર છે જે સડતા માંસમાં રહેલા હાનિકારક જંતુઓનો નાશ કરે છે. આ બધી સુવિધાઓ ગીધને પ્રકૃતિની સફાઈ પ્રણાલીમાં સૌથી મહત્વપૂર્ણ પ્રાણીઓમાંનું એક બનાવે છે.

    ગીધ રોગોના ફેલાવાને અટકાવે છે અને ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેમની ગેરહાજરીમાં, શબ લાંબા સમય સુધી સડે છે જંગલી કૂતરાઓની વસ્તીમાં વધારો કરે છે અને હડકવા જેવા રોગોનો ફેલાવો તરફ દોરી જાય છે.

    ભારત  ગીધની નવ પ્રજાતિઓનું ઘર છે. આમાંથી ચાર પ્રજાતિઓ ગુજરાતની નિવાસી છે: શ્વેત પીઠ ગીધ (White-rumped vulture), ભારતીય ગીધ અથવા ગિરનારી ગીધ (Indian Vulture ), રાજગીધ (red headed vulture), ખેરો ગીધ (Egyptian Vulture) અને અન્ય ત્રણ – યુરેશિયન ગ્રિફોન, હિમાલયન ગીધ, ડાકુ ગીધ (Cinereous Vulture) – યાયાવર છે એટલે કે શિયાળામાં ગુજરાતની મુલાકાત લે છે. ડાકુ ગીધ ભારતનું સૌથી મોટું ગીધ છે જેની વિંગસ્પેન ૧૦ ફીટ જેટલું હોય છે

    હાલમાં પણ, અમદાવાદ અને ગાંધીનગર નજીકના ડમ્પયાર્ડમાં શ્વેત પીઠ ગીધ રહે છે અને ઇજિપ્તીયન ગીધ, યુરેશિયન ગ્રિફોન અને હિમાલયન ગીધ જેવા સ્થળાંતર કરનારા ગીધ નિયમિત મુલાકાત લે છે. આ ડમ્પયાર્ડ સ્થાનિક ખોરાક ક્ષેત્ર તરીકે કાર્ય કરે છે, ખાસ કરીને શિયાળામાં, મિશ્ર ટોળાને આકર્ષે છે.

    ગિરનાર પર્વત, તેના વિશાળકાય ખડકો  સાથે, ભારતીય ગીધની (Indian Vulture) ખૂબ સારી વસ્તીનો માળા બનાવા માટે અને પોતાની પેઢી આગળ વધારવા માટે નો આધાર છે, ગિરનારની ટેકરીઓ પરના પોલાણમાં તેઓ માળો બનાવે છે, અને તેથી તેમને સ્થાનિક રીતે ગુજરાતીમાં ગિરનારી ગીધ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ વારંવાર ગીર જંગલમાં સિંહ અથવા દીપડાના શિકારના બચેલા ખોરાક પર પોતાનું ભોજન લેતા જોવા મળે છે. તેમની સાથે, તુલનાત્મક રીતે દુર્લભ રાજગીધ કે જે ખડકો નહીં પણ મોટા વૃક્ષો પર માળો બાંધવાનું પસંદ કરે છે, તે પણ ગીર અને ગિરનારના જંગલોમાં જોવા મળે છે.

    પહેલાં, કચ્છમાં શ્વેતપીઠ ગીધ અને ભારતીય ગીધ બંનેની મોટી વસ્તી હતી. હકીકતમાં, ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ગુજરાતમાં સૌથી વધુ શ્વેતપીઠ ગીધહતા. પોલાડિયા ગામ નજીકના ડુંગરાળ જંગલને સરકાર દ્વારા ગીધ સંરક્ષણ કેન્દ્ર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યું હતું.

    (અશ્વિન પોમલે ૨૦૦૪ દરમિયાન પોલાડિયા ગામ (કચ્છ) ની મુલાકાત લીધી હતી અને ૨૫૦ શ્વેતપીઠ ગીધ અને ૧૬૫ ભારતીય ગીધ નોંધ્યા હતા. કમનસીબે, હવે ત્યાં ભાગ્યે જ કોઈ ગીધ છે)
    (૨૦૦૩-૪ માં કચ્છમાં ગીધના સુવર્ણ દિવસો. મૃતદેહના ઢગલા પાસે એકઠા થયેલા ગીધ અને ઘરના ઉપર માળો બનાવતા શ્વેતપીઠ ગીધ)

    (Source of both photos :- birdsofgujarat.co.in, photo credit:- Ashwin Pomal)

    ૧૯૯૦ ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ભારતમાં ગીધનો તીવ્ર ઘટાડો અચાનક અને ભારે હતો. ત્રણ ગીધની પ્રજાતિઓ (શ્વેતપીઠ, ભારતીય અને સ્લેન્ડર-બિલ્ડ ગીધ) માંથી ૯૫% થી વધુની વસ્તી એક દાયકામાં અદૃશ્ય થઈ ગઈ. વૈજ્ઞાનિકો મુજબ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ પશુચિકિત્સકો અને ખેડૂતો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પીડાનાશક (painkiller)દવા ડાયક્લોફેનેક હતી . જ્યારે ગીધ ડાયક્લોફેનેકની સારવાર પામેલા ઢોરના મૃતદેહ ખાતા, ત્યારે તેમની કિડની ફેલ થઈ જતી અને તેઓ ઝડપથી મૃત્યુ પામતા!

    ભારત સરકારે ૨૦૦૬ માં ડાયક્લોફેનેકના પશુચિકિત્સામાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો, અને એક સુરક્ષિત વિકલ્પ – મેલોક્સિકેમ – ને પ્રોત્સાહન આપ્યું. અનેક જાગૃતિ અભિયાનો અને સંરક્ષણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. લુપ્ત થવાની ખૂબ નજીક આવી ગયેલી ગીધની પ્રજાતિઓ માટે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરો સ્થાપવામાં આવ્યા. તેમની વસ્તીની પુનઃસ્થાપના માટે સલામત ક્ષેત્રો ઓળખવામાં આવ્યા, અને દેખરેખના પ્રયાસો વધારવામાં આવ્યા.

    આજે, ગુજરાત અને સમગ્ર ભારતમાં ગીધ પર રેડિયો અને સેટેલાઇટ ટેલિમેટ્રી જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને તેમનું મોનીટરીંગ કરવામાં આવે છે!

    આ બધા પ્રયાસો છતાં, કુદરતી વસ્તી હજી સુધી સંપૂર્ણપણે પાછી આવી નથી પરંતુ આશા છે. લોકો વધુ જાગૃત થઈ રહ્યા છે. સંરક્ષણવાદીઓ, વન વિભાગ અને સ્થાનિક સમુદાયો તેમને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    ભારતીય પૌરાણિક કથાઓમાં, ગીધનું  પાત્ર ખરાબ કે ગંદુ નથી – તે બલિદાનનું પ્રતીક છે. સીતાને રાવણથી બચાવવા માટે જટાયુએ પોતાનો જીવ આપ્યો. વાસ્તવમાં, ગીધ હંમેશા એ જ કૃતજ્ઞ, બલિદાનની ભૂમિકા ભજવે છે – આપણે જે ગંદકી કરીએ છીએ તેને સાફ કરવી, અનેક જીવલેણ રોગ નો ફેલાવ અટકાવવો અને પ્રકૃતિનું સંતુલન જાળવવું.

    આપણે તેમના માટે એક એવા આકાશના ઋણી છીએ જ્યાં તેઓ પાછા ફરી શકે.

    જો હું તમને ફરીથી પૂછું – શું તમે ગીધ જોયું છે?

    અને તમારો જવાબ હજુ પણ ના છે… કદાચ બહાર જઈને એક ગીધ શોધવાનો સમય આવી ગયો છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ક્યારે આઘા કરશું આવા અંધ-રીતિ રિવાજોને ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

     “હીરજીભાઈ ! આવતી કાલે તમારે બેય જણાએ અમારી હારે ખરખરે આવવાનું છે.” સવારના પહોરમાં પાડોશી ભાઈ ભગાએ આદેશ કર્યો. પ્રસંગ છે ૧૯૭૧ની સાલનો. જ્યારે અમે અમારા જૂના ગામ ચોસલામાં રહેતા હતા ત્યારનો.

    “કેમ, કોણ ગુજારી ગયું ? ”

    “અમારી દીકરીના જેઠ. મોઢાનું કેન્સર થૈ ગ્યું તુ. ખર્ચો ખૂબ કર્યો તો. બે વાર તો ઉપરેશન કરાવ્યુ તું. તોય બચ્યા નૈ ! કટંબ પાછું પૈસે ટકે બૌ સુખી છે, એટલે ખરખરે આવનારા બધાને જમી કારવીને જ જવા દેવાના-એવી “ગળી કાણ્ય” ની ગોઠવણ કરી છે.” આટલું કહી, ભગાએ વાતમાં ઉમેરણ કર્યું કે “અને અમારી બેને પાછું  કેવરાવ્યું છે કે સાવ બે-ચાર જણા નહીં, કાંકય ઠીક સંખ્યામાં મારા પિર્યાં [પિયરયા] નું – એટલે કે તમારા બધાનું હારું દેખાય એટલા જણા કાણ્ય લઈને આવજો. એટલે તો વીહક જણાએ ખરખરે જવું એવું ગોઠવ્યું છે. તમે બેય તયાર રેજો.” આટલી વાત  કરી ભગો અન્યોને કાણ્યમા આવવાનું કહેવા ઉપાડી ગયો.

      અમારા પાડોશી ભગાએ દીધેલ કાણયના સમાચાર વિષે આગળ વિચારીએ તો પહેલી વાત તો એ કે ભગો વીસ જણાની કાણ્ય લઈ તેની બહેનના જેઠને ઘેર જવાનું ગોઠવી રહ્યો હતો, તેઓમાંથી તેની બહેનના જેઠને કે એના કુટુંબને નજીકથી ઓળખતા હોય એવા જણની સંખ્યા કેટલી ? બહુ બહુ તો ભગો, એના પત્ની, અને એના બા-બાપાની હાજરી હોય તો એ બે-એટલા નજીકના જણ ગણાય. એટલાને એમની બહેનના ઘર માથે આવી પડેલ દૂ;ખનું થોડુકેય દર્દ હોય ! પણ બાકીના સોળ અઢાર જણા કે જેઓમાંથી કોઈને પણ એ કુટુંબ સાથે ઓળખાણ-પિછાણ નથી એવાને દાડિયા કરીને કાણ્ય કરવાનો માભો દેખાડવા જવું કેટલું વ્યાજબી ગણાય ?

    અને માનો કે કોઈ કુટુંબમાં દીકરી દૂ;ખાણી હોય કે કોઈ ભાણેજ-ભત્રીજા જેવી નાની ઉમરવાળી વ્યક્તિનું અવસાન થયું હોય ત્યારે તે વધુ દૂ;ખદાયક ઘટના ગણાય. આવે વખતે ખરખરે આવનારા પુરુષો માથે ફાળિયાં ઓઢી, ઊંચા રાગે ઑ…હો….હો…ના અવાજો કરતા કરતા ઘેર આવવાનો રિવાજ છે. આવા અઘટિત પ્રસંગે નજીકના સગા-સંબંધીને દૂ;ખ હોય જ. એ સમજાય તેવી વાત છે. પણ માથે ફાળિયા ઓઢી બજારેથી લાંબા રાગે રો કકળનો દેખાડો કરવા કરતાં ઘેર દૂ’ખી લોકોની સાથે બેસી ખરખરો [ખરખરાનો ખરો અર્થ તો “ખોંખારો” એવો થાય છે. “મૂંઝાશો નહીં. અમે તમારી સાથે છીએ” એવો સધિયારો આપવાના આ વેણ છે.] કરવાથી દૂઃખ હળવું કરી શકાય છે.

    વળી બહેનો તો બજારેથી છાતી કૂટતા કૂટતા અને મોટે મોટેથી રડતાં રડતાં આવતાં હોય એવું દ્રશ્ય તો સામાન્ય બની ગયું છે. પણ કોઈ કોઈ પ્રસંગે તો વધારામાં આંગણામાં આવી જાણે રાસ લેતા હોય એ રીતે કૂદતા કૂદતા “મરશિયા” [દૂઃખને વધુ ઘાટું બનાવનારા ગીત, અને એવાં ગીત ગવરાવનાર નિષ્ણાંત સ્ત્રી ને પાછી સાથે લાવેલ હોય ] ની રમઝટ બોલાવે બોલો ! જૂઓ તો ખરા, ખરખરે જનાર સ્ત્રી-પુરુષો ત્યાનું દૂ;ખ હળવું કરાવવા- કુટુંબીજનોને દિલાસો દેવા અને દૂઃખ કાપવામાં અમે તમારી સાથે છીએ તેવો  હુંફ-હોંકારો  આપવા જતાં હોઈએ છીએ કે આવા રોણું લાવનારા કરૂણ ગાણા ગાઈ ગાઈ દૂઃખને વધુ ઘાટું બનાવવા ?

    વળી અમારા પાડોશી ભગાએ જે “ગળી કાણ્ય” ની વાત કરી એ બાબતે તમે જ વિચારો ! મૃત્યુની પાછળ મિજબાની ? એ કેટલે અંશે વ્યાજબી ગણાય ? હા, દીકરા-દીકરીના લગ્નનો પ્રસંગ હોય, તો એ આનંદનો પ્રસંગ ગણાય. આવા ટાણે સગા-સંબંધીઓ  આપણાં આમંત્રણને માન આપી  સૌ આવતા હોય, આવા ટાણે માપસરના મિષ્ટાનવાળું જમણવાર ગોઠવ્યું હોય તો ભલે હરખથી સૌ જમે, એ સમજાય તેવી વાત છે. પણ માનો કે સાવ વૃધ્ધ માવતરનું મૃત્યુ થયું હોય તો પણ કાળ એ કાળ છે. મૃત્યુ એ તો કુટુંબ માટે દૂ;ખદાયક ઘટના જ ગણાય ! દિલાસો-ખોંખારો આપવા સગાવહાલાકે મિત્રો-સંબંધીઓ આવે તો ભલે આવે. જો કે હવે પૂરાણા રીતિરિવાજોમાં થોડા બદલાવ આવ્યા છે એ મુજબ મોટાભાગે તો ખરખરે આવનારા બધા પોતપોતાના વાહનો લઈને આવવા લાગ્યા છે, જેથી બપોરા કરવા કોઈ રોકાતું હોતું નથી. અને માનો કે છતા રોટલાટાણું થઈ ગયું હોય તો ઘરનાની સાથે શાક-રોટલા-જેવું જે સાદું ભોજન જમતા હોઈએ તેવું જમાડી દેવાય તો એ વિવેકસભર જ વ્યવસ્થા કરી ગણાય.

    આગળ વાત કરીએ તો અવસાન થયા પછી અગિયાર કે બાર દિવસે કે કોઈ કોઈ કુટુંબોમાં ૫-૭ કે ૯ દેવસે “પાણી ઢોળ” ની વિધિ રખાતી હોય છે. જેમાં મૃત્યુ પામનારાના મોક્ષાર્થે ઘેર ખાટલો કળપવાનો અને ગાયને ગળે સાતધાનિયું ટીંગાડી એને પૂંછડે કુટુંબના દરેક સભ્યે પાણી રેડવાનું ! પૂછીએ તો કહે, ખાટલો કળપવામાં ખાટલો અને એના પર મૂકેલ બધી વસ્તુઓ-ગાદલું, ગોદડું, ઓશીકું, ચાદર, છત્રી, ચંપલ, દાદા હોય તો લાકડી, અને દાદી હોય તો નાકે સૂંઘવાની બજરની દાબડી તથા ફળાફળાદિ જેવું બધું કળપવામાં મૂકાયું હોય તે બધું ત્યાં પહોંચે અને મૃતાત્માને વાપરવામાં અનુકૂળતા રહે.

    આમતો આપણે બધા જાણતા હોઈએ છીએ કે દેહ પોતે કશું સાથે લઈને જન્મ લેતો નથી અને કશું સાથે લઈને જતો નથી. તો પછી આ “ખાટલો કળપવા” નું ભૂત લોકમાનસમાન ક્યાંથી ભરાઈ ગયું તે સમજાતું નથી. હા, એ બહાને બ્રાહ્મણ અને ગરીબ ગૂરબાને આ વસ્તુઓનું દાન થઈ રહયું છે-એટલી વાત સાચી. પણ આ બધી વસ્તુ મૃતાત્માને મળી રહેશે એવી ભ્રમણામાં રહેવું કેટલા અંશે વ્યાજબી ગણાય ?

    અને ગાયને પૂંછડે પાણી શુંકામ રેડવું ? તો  કહે એવું કરવાથી કુટુંબના સભ્યોએ ગાયને પૂંછડે રેડેલ પાણી મૃતાત્માને પોગ્ય થાય છે અને વધારામાં વૈતરણી પાર કરવામાં પણ મદદરૂપ થાય છે. બોલો ! ગાયના પૂંછડે રેડેલ પાણી પોગ્ય થાય ? કે માતપિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એની જરૂરિયાત મુજબ એ માગે ત્યારે પાણી પાયું હોય તો પોગ્ય થાય ? બાકી વૈતરણી કોણે કોણે ભાળી છે બોલો ! મૃત્યુ પામેલ દેહને તો અગ્નિસંસ્કાર-ભૂમિસંસ્કાર કે જળસંસ્કાર જે જેને મનગમતી વાત હોય તે મુજબ આપી દેવાય છે. પણ એ દેહમાંથી આત્મા કયાઁ ગયો એ કોઈ જાણી શક્યું છે ખરું ? એ બધું સંતો-જ્ઞાનીઓ અને પ્રકૃતિ-કુદરત ઉપર છોડીએ. આપણે તો ગાયને પૂંછડે પાણી રેડવાને બદલે એને મોઢે ચોખ્ખું પાણી પાઈએ અને પેટ પૂરણ ખાણ-ચારો મળે એવું કરવાનું નીંમ  લઈએ  તો સાચું તર્પણ થયું ગણાય.

    બીજાની પછી, પહેલા અમારા કુટુંબની જ વાત કરૂં તો અમારા બાપા ભીખાભાઇ હદયરોગના હુમલાથી બહુ નાની ઉંમરમાં [૪૫ વરસ] જ્યારે અમે ચોસલા ગામે રહેતા હતા ત્યારે ૧૯૬૭ની સાલે અવસાન પામ્યા.તે દિવસોમાં તો અંધશ્રધ્ધા સોળે કળાએ ખીલેલી હોવાછતાં ખરખરે આવનારને બજારેથી ગૂડો વાળી રોતા રોતા નહી આવવાની સૂચના આપી રાખેલ હતી. અને  કોઈ કોઈને વળી ચોસલા તો હતું અંતરિયાળ ગામડું, જ્યાં તે દિવસોમાં કોઈ બસ વ્યવહારા તો શું, ત્રણ પૈડાં વાળી રિક્ષા યે દુર્લભ હતી, એટલે ખરખરે આવવામાં મોડું થઈ જતું એવે વખતે તેઓને અગવડ ન પડે એટલામાટે અમારી સાથે રોટલા-શાકનું સાદું ભોજન કરાવીને જ વિદાય આપતા.

    અને માલપરા રહેણાક કર્યા પછી અમારા બા ૮૫ વરસની ઉમરે [૨૨૦૦૯ ની સાલે ] પોતાની ત્રીજી પેઢીના બાળકોને રમાડીને અવસાન પામ્યા. તો અમે નથી ખાટલો કળપ્યો, નથી ગાયને પૂંછડે પાણી રેડ્યું, કે નથી બારમું –તેરમું કરી સૌને લાડવા જમાડયા. ખરખરે આવનારા સૌ સાથે રોટલાટાણું થયે સાથે બેસી સાદું ભોજન જમ્યા છીએ. હા, યથાશક્તિ બ્રાહ્મણ-ગરીબગૂરબાને દાન-દક્ષિણાનો સાદો વ્યવહાર ઘરની બહેનોએ કરેલો. અને અમારા માતા-પિતાએ પોતાની આગવી દ્રષ્ટિથી અમ સંતાનોને શિક્ષણ સાથે સુસંસ્કાર પણ મળે એ અર્થે પૂ.માટલીયાભાઇએ સ્થાપેલી વાત્સલ્યધામ લોકશાળામાં ભણાવ્યા હતા. એટલે આ શાળામાં માતા-પિતાની “ગુણ સ્મરણ સ્મૃતિ”  રૂપે ત્રણ અભ્યાસખંડ બનાવી દઈને તર્પણ કર્યું છે.

    સુરતમાં મારા મુરબ્બી મિત્ર શ્રી રામજીભાઇ ઈંટાળિયા રહે છે. એમનું આખું કુટુંબ આવા ચોઘડિયા-શુકન-અપશુકન-મૂહુર્ત-કાણ્ય-કારજ-ભૂવા-ડાકલા જેવા હંબક રીતરિવાજોમાં બિલકુલ માનનારું નહી. એમના પિતાજી પૂરી ઉમરે અવસાન પામ્યા. એમના કુટુંબને હું બહુ નજીકથી ઓળખું છું. મેં  કાયમખાતે જોયા કર્યું છે કે આખું કુટુંબ એ બાપુજીની ખડે પગે સેવા કરી, બાપુજીને પૂરીરીતે પ્રસન્ન રાખતા હતા. એમના અવસાન પછી તેઓએ  નથી ખાટલો કળપ્યો, નથી ગાયને પૂંછડે પાણી રેડ્યું, અરે, એતો પૈસે ટકે પહોંચતું કુટુંબ હતું, છતાં નથી ગળી કાણ્ય ગોઠવી ! અને  તમે માનશો ? એમણે પિતાજીના અવસાન નીમિત્તે “બેસણું “ જ બંધ રાખેલું બોલો ! હા, સ્નેહી-સબંધીઓ-મિત્રોને જાણ કરી દીધી કે “અમારા પિતાશ્રીનું પૂરી ઉમરે અવસાન થયું છે, તેની જાણ કરીએ છીએ. કોઈએ કાણ્ય નીમિત્તે ધક્કો ખાવાની જરૂર નથી.” સમાજે આવા કુટુંબનો દાખલો લઇ  અને એ પ્રમાણે અમલ ન કરવો  જોઈએ?

    હમણાં તાજેતરમાં તા- ૧૮ – ૭ – ૨૦૨૩ ના રોજ અમારા બંધુ સમાન ભાઈ શ્રી મહેન્દ્રભાઈ બલર [સુરત] ના માતુશ્રીએ પૂરા ૧૦૦ વરસનું આયુષ પૂર્ણ કરી દેહ છોડયો. એ જડીબાના ચાર દીકરા-વહુવારુ અને બાળકોથી હર્યુંભર્યું પૂરીરીતે આર્થિક સંપન્ન કુટુંબ હોવા છતાં બેસણું-ગળીકાણ્ય-ખાટલો કળપવો કે ગાયને પૂંછડે પાણી રેડવાના રીતિરિવાજની તો વાત જ નહીં, અને “લૌકિક ક્રિયા” પણ બંધ રાખેલ છે” એવા સંદેશા સાથે ચારેય ભાઈઓ અને ચારેયભાઇઓના પત્નીઓના મોબાઈલ નંબરો જણાવી તા-૨૦-૭-૨૦૨૩ના ૮ થી ૧૨ વાગ્યા સુધીનો સમય લાગતાં-વળગતા સૌને ટેલિફોનિક ખરખરાનો સમય જણાવી દીધો. બોલો !

    આગળ કહું તો અમારા ગામ માલપરામાં પૂ.માટલીયાભાઇ અને તેઓની સાથેના સહકાર્યકરોના ૨૫-૩૦ વર્ષના જીવંત તપ થકી “શિક્ષણ દ્વારા ગ્રામોત્થાન” ના ધ્યેય સાથે ગ્રામસમાજમાં સંસ્કાર-સમૃધ્ધિને લગતી કેટલીક ઉદાહરણીય પ્રણાલીઓ અમલી બની છે, એમાની  એક પ્રણાલી “મૃત્યુ પાછળના કારજ-દાડા બંધ” ની પણ છે. માલપરામા મોટી વસ્તી પટેલોની, અને પટેલ સમાજમાં એવો જ શિરસ્તો કાયમી દ્રઢ થઈ ગયો છે કે “મૃત્યુ” એ મૃત્યુ છે, તેની પાછળ મિજબાની ન હોય ! અને દરેકના મનમાં પાછી પૂરી સમજણ કે “કારજ” બંધ રાખવા પાછળનો અર્થ એવો પણ નથી કે એ નીમિત્તે કરવા પડતાં ખર્ચમાંથી છૂટકારો મળે !

    મૃતાત્માની સ્મૃતિ અને સ્મરણ નીમિત્તે એ કુટુંબે પોતે ધારેલ ૫-૨૫ કે ૩૦-૪૦ હજાર ખર્ચની રકમ ગામના કોઈ સુવિધા કે સંસ્કાર કાર્ય, જેવા કે-પાણીનું પરબ , હવાડા ઉપર છાંયો, સ્નાનઘાટ, સ્મશાનઘર, બાલમંદિર, પ્રા.શાળા કે લોકશાળામાં યથાશક્તિ સૌ આપી સામાજિક ફરજ નિભાવ્યાનો પણ  સંતોષ  અનુભવે છે.

    જો કે પહેલાની જેમ હવે કેટલાક સમજદાર કુટુંબોમા મૃત્યુ દિનથી શરૂ કરી ૧૧ કે ૧૨ દિવસો સુધી ખરખરો અને કાણ્ય ચાલુ રખાતા એની જગ્યાએ માત્ર એક કે વધીને બે દિવસ પૂરતું જ બેસણું અને હવે તો એથી પણ આગળ આવી માત્ર “ટેલિફોનિક ખરખરો” અને એ પણ એક દિવસ-નિર્ધારિત કરેલ કલાકો દરમ્યાન જ કરવાનો એવો શિરસ્તો શરૂ થઈ ગયો છે.

    મિત્રો અને મુરબ્બીઓ ! સમાજમાં સૌની આર્થિક સ્થિતિ સમાન હોતી નથી. કેટલાક પૈસેટકે પહોંચતા કુટુંબો કારજ-દાડાના પ્રોગ્રામો ભવ્યરીતે કરી રહ્યા છે ત્યારે મધ્યમવર્ગનાં કુટુંબોને આટલો બધો ખર્ચ કરવાની હૈસિયત ન હોઇને તે કુટુંબ મનથી મુંઝારો-નાનપ અનુભવે છે. તથા સમાજમાં સૌની હરોળમાં રહેવા-કહોને કુટુંબની સામાજિક આબરૂ બચાવવા [જેમ “ઘણ વાંહે ઢાંઢી ઢસડાય” તેમ] તેને પણ માથાભારે ખર્ચ કરવાની ફરજ પડે છે. અને એ દાડા-કારજ પાછળ કરેલ લખલૂટ ખર્ચની કળ વળતાં એ કુટુંબને વરસો લાગી જાય છે. આવું ન થવું જોઈએ એવું જો લાગતું હોય તો જરા આર્થિક સધ્ધર કુટુંબોએ શ્રીરામજીભાઇ ઈંટાળિયા અને શ્રીમહેન્દ્રભાઇ બલરના કુટુંબની જેમ સાદાઈથી પ્રસંગ પૂર્ણ કરી દાખલો બેસાડવો જોઈએ. તો જ ધીરે ધીરે અન્ય કુટુંબો પણ આવા અંધ રીતિરિવાજોમાંથી મુક્તિ મેળવતા થાય.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • એક કલાગુરુનો અભિપ્રાય

    જ્યોતિન્દ્ર ભટ્ટ

    (જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઈન આટર્સના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને વિશ્વવિખ્યાત ચિત્રકાર અને ફોટોગ્રાફર છે. તેમણે ઈટાલી અને ન્યૂયોર્કમાં પણ તાલીમ લીધી છે. ૨૦૧૯માં તેમને કળાક્ષેત્રે પદ્મશ્રી અને ૨૦૨૨માં લલિતકલા એકેડમી એવોર્ડ પણ મળ્યા છે.)


    કળા ક્ષેત્રમાં આજનો મહત્ત્વનો પડકાર છે – સંકલ્પનાની અછત. આજકાલના વિદ્યાર્થીઓ કશુંક બનાવી દે છે, સર્જન કરી દે છે ખરા! પણ તે પાછળ શી વિભાવના કે સંકલ્પના છે તે વિશે સ્પષ્ટ ન હોય તેવું બને. જો AI આ પડકારને પહોંચી વળવામાં ઉપયોગી થાય તો કલાક્ષેત્રને મોટી મદદ થશે.


    કેમેરાની શોધ ૧૮૩૯માં થઈ. તે વખતે પ્રથમ વાર ફોટોગ્રાફને જોઈને એક મહાન ફ્રેંચ ચિત્રકારે કહેલું, ‘From today, painting is dead!’ પણ ખરેખર એવું થયું નહીં. કેમેરાની શોધ પછી પણ ચિત્રકળાનો વિકાસ થયો છે. બલ્કે ચિત્રકારો માટે કેમેરો એક મહત્ત્વનું સાધન બન્યો છે. એટલે મારા મતે કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી. બજારુ પરિબળો આવી ટેક્નોલોજીને આપમેળે સમતુલામાં લાવી  દેશે. તેનાથી નવાં પરિમાણો ખૂલશે.

    અલબત, એનાથી કેટલાક કલાકારોના રોજગાર પર અસર અચૂક થશે પણ રોજગારના પ્રકાર બદલાય તેવું બને. અમુક કામો માટે કલાકારોનો સમય બચશે. તેમની આગળ વધુ વિકલ્પો ખૂલે, વધુ સારા પ્રયોગો કરી શકે એવું બને. આમ, કલાનો અને કલાકારોનો વિકાસ થશે એમ મારું માનવું છે. પણ મહત્ત્વનું એ છે કે, માણસના વિકાસમાં સર્જનાત્મકતા મહત્ત્વનો ભાગ ભજવે છે અને તે મશીન આધારિત થાય તો માણસના હૃદય અને મગજને માઠી અસર થઈ શકે.

    નાગરિકોએ એ સમજવાની જરૂર છે કે કળા એ  કળા છે! તેમણે કળાને પારખવાની નરવી દ્દષ્ટિ પેદા કરી કોઈ ધર્મ કે સંપ્રદાયની ટૂંકી નજરથી મુક્ત થઈને કળાને જોતાં શીખવું જોઈએ. નાગરિકોની બુદ્ધિમાં કૃત્રિમતા પેસાડીને કળાકૃતિઓનો તિરસ્કાર કરાય તે ઠીક નથી. કલાકારો આ ટેક્નોલોજીનો સંયમ અને વિવેકથી ઉપયોગ કરે અને સરકાર કલાકારો અને બૌદ્ધિકોની સલાહ લઈને નિયમન (Regulations) કરે તે જરૂરી ગણાય.

    નવા ઊગતા કલાકારો નવી ટેક્નોલોજી નહીં વાપરે તો જુનવાણી થઈ જઈ શકે. આમે ય કોઈ ટેક્નોલોજી રોકી રોકાતી નથી. તે આવવાની જ હોય તો આપણે તેની સાથે કઈ રીતે સંબંધ બાંધવો તે શીખી લેવું જોઈએ. તેમાં વિવેકનો ઉપયોગ અનિવાર્ય ગણાય.

     


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર:  ૧૨ ઓગસ્ટ ૨૦૨૩

  • સતત વહેતું રહેવું જોઈએ ભાષાનું વહેણ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કોઈ પણ કાળે, કોઈ પણ પ્રદેશની સંસ્કૃતિની ચોક્કસપણે વ્યાખ્યા કરવી મુશ્કેલ કામ છે, કેમ કે, સંસ્કૃતિ એક સામૂહિક, છતાં વ્યક્તિગત બાબત છે, અને વરસોના કે દાયકાઓના નહીં, સદીઓના વહેણ પછી તેની ભાત ઊપસે છે. તે ભૂગોળ તેમજ ઈતિહાસનાં અનેક પરિબળોને આધારે ઘડાય છે. પોતાની સાંસ્કૃતિક ઓળખને જાળવવી લોકોને ગમતી હોય છે, પણ તેમાં મિથ્યાભિમાન અને ગૌરવજ્ઞાન ભળે ત્યારે એ સંયોજન હાસ્યાસ્પદ રીતે ખતરનાક બની રહે છે. લોકોના આવા વલણને ઊજાગર કરતાં અનેક પાત્રો વિવિધ સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણે ત્યાં ભદ્રંભદ્ર કે સ્પેનમાં ડોન કિહોટેનાં પાત્રો કાલ્પનિક હોવા છતાં સાર્વત્રિક અને સર્વકાલીન બની રહ્યાં છે. પ્રવર્તમાન સમયમાં સંસ્કૃતિગૌરવ રાજકારણપ્રેરિત બન્યું છે. આને કારણે ગઈ કાલે રમૂજી અને વાસ્તવથી ઘણી છેટે લાગતી કલ્પનાઓ આજની વાસ્તવિકતા બની રહી છે. નાગરિકો પણ મિથ્યાસંસ્કૃતિગૌરવના સમૂહગાનમાં જોડાય ત્યારે આવી વાસ્તવિકતા અસહ્ય બની રહે છે.

    સંસ્કૃતિગૌરવનું એક મહત્ત્વનું અંગ છે ભાષા. હકીકતમાં તે પ્રત્યાયન માટેનું માધ્યમ છે, પણ તેને ગૌરવ અને એથી આગળ ગર્વ સાથે સાંકળવામાં આવે ત્યારે બહુ વરવી અને વિષમ પરિસ્થિતિ સર્જાય છે. ઘણા સંસ્કૃતિપ્રેમીઓ પોતાને ભાષાપ્રેમી ગણાવે છે, અને વારેવારે શુદ્ધ ભાષાનો આગ્રહ રાખતા જોવા મળે છે. એ વાત અલગ છે કે આ આગ્રહ સામાન્ય રીતે અન્યો માટે હોય છે.

    એ વાત વિચારવા જેવી છે કે હકીકતે ‘શુદ્ધ ભાષા’ જેવું કશું હોય છે ખરું? ભાષા સમય સાથે, પરિસ્થિતિ સાથે સતત બદલાતી રહે છે. સાંસ્કૃતિક આદાનપ્રદાન દરમિયાન તેનો વિસ્તાર પણ થતો રહે છે. એમાં પણ ‘બોલી’ની વાત સાવ અલગ છે. ‘બાર ગાઉએ બોલી બદલાય’ જેવો પ્રયોગ બોલીનું વૈવિધ્ય સૂચવે છે. ઘણી બોલીમાં વિપુલ શબ્દસમૃદ્ધિ અને અભિવ્યક્તિ હોય છે, તો ઘણી બોલીમાં મર્યાદિત શબ્દભંડોળ હોઈ શકે છે. આ એક સામાન્ય બાબત છે, અને એ સમજવું જરૂરી છે કે આમાં ગૌરવ કે શરમ જેવું કશું નથી.

    એક સમયે અંગ્રેજોએ અડધી દુનિયા પર રાજ કર્યું. તેને કારણે તેમની ભાષા અંગ્રેજીનો પણ જબરો પ્રભાવ તેમના દ્વારા શાસિત વિસ્તારો પર પડ્યો. આ પ્રભાવ એટલો ઊંડો છે કે અનેક સ્થળે શાળામાં શીખવાતી માતૃભાષાનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું. આના માટે અંગ્રેજી નહીં, પણ આપણા લોકોનો અંગ્રેજી માટેનો અહોભાવ જવાબદાર છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ હોવું જોઈએ એ પાયાની બાબત માવતર અને શાળાસંચાલકો અવગણે છે. વિરોધાભાસ અને વક્રતા એ છે કે એક તરફ માતૃભાષાની સ્થિતિ કથળી રહી છે, અંગ્રેજી માટેનો અહોભાવ સતત વધતો રહ્યો છે, તો બીજી બાજુ માતૃભાષાનું મિથ્યાભિમાન પણ સતત વધતું રહ્યું છે.

    સામે પક્ષે અંગ્રેજીની સ્થિતિ શી છે? એ હકીકત છે કે અંગ્રેજી બોલાતી ન હોય એવા દેશો પણ પોતપોતાની રીતે વિકસ્યા છે, જેમાં જાપાનનો દાખલો સૌથી વધુ દેવાય છે. આમ જોઈએ તો, સમગ્ર યુરોપ ખંડમાં સુદ્ધાં બધે અંગ્રેજીનું ચલણ નથી. આમ છતાં, એ સ્વીકૃત હકીકત છે કે અંગ્રેજી વિશ્વભાષા બની રહી છે. બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનું અંગ્રેજી સાવ અલગ છે. પણ અંગ્રેજી ભાષાનાં દ્વાર જગતની તમામ ભાષાઓના શબ્દો માટે ખુલ્લા છે. અંગ્રેજીનો પ્રમાણભૂત ગણાતો શબ્દકોશ ‘ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનેરી’ (ઓ.ઈ.ડી.) પ્રતિ વર્ષ અનેક નવા પરભાષી શબ્દોને સમાવે છે, એટલું જ નહીં, તેની યાદી પણ બહાર પાડે છે.

    હમણાં ઓ.ઈ.ડી.એ એક પહેલ કરી. આ પહેલ છે ‘બિનઅનુવાદક્ષમ’ શબ્દોને સમાવવાની. ‘બિનઅનુવાદક્ષમ’ એટલે એવા શબ્દો કે જેના અનુવાદમાં મૂળ શબ્દનો ભાવ આવતો ન હોવાથી તેનો અનુવાદ શક્ય નથી. આથી તેને મૂળ રૂપે જ વાપરવામાં આવે. આ રીતે ‘ઉછીના’ લેવાયેલા શબ્દો ક્રમશ: અંગ્રેજી ભાષાનો જ હિસ્સો બની રહે. આ શબ્દો વિવિધ ભૂખંડનાં છે, જેમાં અગ્નિ એશિયા, દક્ષિણ આફ્રિકા, આયર્લેન્‍ડ વગેરે પ્રદેશોના ૪૨ શબ્દોનો સમાવેશ થાય છે.

    તસ્વીર સ્રોતઃ Rituparna/via Instagram
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘બિનઅનુવાદક્ષમ’ શબ્દો કેવા હોઈ શકે? ઉદાહરણથી સમજીએ. સૂર્યોદય પહેલાંના સમયગાળા માટે ગુજરાતીમાં પરોઢ, મળસકું, ઉષા, વહાણું, પ્રાત:કાળ, મોંસૂઝણું જેવા વિવિધ શબ્દો છે, જે મુખ્યત્વે આપણા વિસ્તારની ભૌગોલિક ઘટના પર આધારિત છે. અંગ્રેજીમાં ‘અર્લી મોર્નિંગ’ કે ‘ડોન’ જેવા શબ્દોમાં બધું સમાઈ જાય છે. આને ભાષાની મર્યાદા નહીં, પણ વિશેષતા ગણી શકાય.

    પ્રાચીન સંસ્કૃતિઓના સમયગાળા દરમિયાન વ્યાપાર, યુદ્ધ, સ્થળાંતર વગેરે દ્વારા વિવિધ શબ્દોની આપલે થતી. જેમ કે, સંસ્કૃત પર્શીઅન સામ્રાજ્યથી લઈને અગ્નિ એશિયા તરફ વહી, લેટિન તેના વ્યાકરણ અને શબ્દો સહિત આધુનિક યુરોપીય ભાષામાં પ્રસરી. એ જ રીતે અરબી, ઉર્દૂ, અંગ્રેજી શાસકો, આક્રમણખોરોની સાથોસાથ તેમના શબ્દો પણ આપણી ભાષામાં પ્રવેશતા ગયા. આવા માહોલમાં ભાષા કે સંસ્કૃતિની ‘શુદ્ધતા’ની જડતા હાસ્યાસ્પદ બની રહે છે. હજી માંડ પોણો સો-સો વરસ પહેલાંની ગુજરાતીને આજની ગુજરાતી સાથે સરખાવતાં નવાઈ લાગે. ભાષા પોતે જ એટલી બદલાઈ હોય તો એમાં અન્યભાષી શબ્દો સામે વાંધો કે વિરોધ કરનારા હાસ્યાસ્પદ જ બની રહે. ભાષા અંગેનો આવો જડાગ્રહ ભાષાકીય વિનિમયના ઈતિહાસને અવગણીને એક પ્રકારનું બંધિયારપણું પેદા કરે છે. અન્યભાષી શબ્દોના સમાવેશ થકી અન્ય સંસ્કૃતિમાં ડોકિયું કરવાની એક બારી આપણી સમક્ષ ખૂલે છે.

    સાર એટલો કે એ ભૂલભરેલી માન્યતાને ત્યાગવી રહી કે કોઈ પણ સંસ્કૃતિ યા ભાષા પરિવર્તનશીલ નથી. પરિવર્તનશીલતા સમગ્ર સૃષ્ટિનો નિરપવાદ નિયમ હોય ત્યાં આવો મિથ્યા ખ્યાલ આપણને બંધિયાર બનાવે છે. નિયમ આપણા બંધિયારપણાની પરવા કર્યા વિના અમલી બનતો રહે છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • બરફ બાળીને તાપણું કરવામાં કોને રસ છે?

    ચેતન પગી

    કોરોના મહામારીની આડ અસરને કારણે આપણને ડબલ્યૂ. એફ. એચ. એટલે કે વર્ક ફ્રોમ હોમની સુવિધા મળી હતી. કાશ્મીરની દુઃખદ ઘટના પછી સર્જાયેલા સંજોગોએ આપણને ફરી ડબલ્યૂ. એફ. એચ.ની તક પૂરી પાડી છે; વોર ફ્રોમ હોમ. આ સુવિધા પૂરી પાડવા માટે રાષ્ટ્રની કુસેવામાં સદૈવ સમર્પિત આપણે હિંદી ન્યૂઝ ચેનલોનો આભાર માનીએ એટલો ઓછો છે. ચેનલોને સૈન્યની સૂચના પ્રમાણે કવરેજ કરવામાં રસ નથી. તેઓ ઇચ્છે છે કે ચેનલની સૂચના મુજબ સૈન્ય પોતાની રણનીતિ આગળ ધપાવે. પ્રાઇમ ટાઇમમાં આપણા સ્માર્ટ ટીવીના પરદે પદાર્પણ કરતા પરાક્રમી એન્કરો શો ચાલુ થતા પહેલાં પેટ્રોલના કોગળા કરતા હશે એ નક્કી છે. એના વગર એમના દઝાડતા શબ્દો કેવી રીતે નીકળી શકે?

    હમણાં થોડા દિવસ ટીવીની બાજુમાં પાણીની ડોલ ભરી રાખવા જેવી છે. એન્કરના આગઝરતા શબ્દોના કારણે ગમે ત્યારે ઘરમાં આગ લાગી જવાની આશંકા છે. પ્રાઇમ ટાઇમ શોની ચર્ચાને કારણે આપણા ઘરનું વાતાવરણ ભલે ગરમ થઈ જતું હોય પણ એન્કરો જે જગ્યાએથી ચર્ચાના નામે ચિચિયારાનું સંચાલન કરે છે એ સ્ટુડિયોમાં એસીની ઠંડક એક દોરો પણ ઓછી ન હોય એની ખાસ કાળજી રાખવામાં આવે છે. ટેક્નોલોજી ખરેખર આગળ વધી છે. આપણે ટીવીના રિમોટનું બટન દબાવીને શત્રુ દેશની સરજમીને ખેદાનમેદાન કરી શકીએ છીએ. હવે તો રિમોટમાં સેલ નાખતી વખતે પણ બંદૂકમાં બુલેટ લોડ કરતા હોય એવી ફીલિંગ આવે છે.

    અત્યાર લગી એમ હતું કે આપણે પહલગામની પીડાદાયક ઘટના પછી લડાઈ લડી લેવા માગીએ છીએ, પણ હવે એવો ડાઉટ પડી રહ્યો છે કે લડી લેવા માગતા આપણે સૌ પહલગામ જેવું કંઇક થાય એની રાહ જોઈને બેઠા હતા. એક હોય છે હોય છે પેટ ખાલી હોવાથી લાગતી ભૂખ અને બીજી હોય છે કંઇક ચટાકેદાર-મજેદાર ખાવાનું મન થાય ત્યારે લાગતી ભૂખ. નક્કી આપણે કરવાનું છે કે યુદ્ધની આપણી ભૂખ કયા પ્રકારની છે. આપણે લડાયક હોવાનો ડોળ કરતી લડાઇપ્રિય પ્રજા છીએ.

    આપણે હંમેશાં એવું ઈચ્છીએ છીએ કે આપણા મનોરંજન માટે કોઈ બે જણા બાખડવા જોઇએ. ગમે એટલી ઉતાવળ હોય તો પણ રસ્તા પણ બે જણ વચ્ચે થતી બોલાચાલી જોયા વિના આપણે રહી શકતા નથી. આવી ઘટના વખતે આપણે મુખ્યત્વે બે કારણોસર થોભી જતા હોઈએ છીએ. બાખડરનાર બેમાંથી કોણ સૌથી વધુ અપશબ્દો બોલે છે એ તપાસવા અને બીજું બબાલ માત્ર બોલાચાલી પૂરતી છે કે એમાં મારામારીનું આકર્ષણ પણ ઉમેરાય છે કે નહીં એ ચકાસવા.

    આપણે ઓફિસમાં અડધી રજા મૂકીને પણ બોલાચાલી જોવા તૈયાર છીએ. શરત માત્ર એટલી કે આ બોલાચાલી મારામારીમાં પરિણમવી જોઈએ. શેરીઓમાં કે રસ્તા પર થતા ઝઘડા-મારામારી પર મનોરંજન વેરો લાગુ કરવામાં આવે તો સરકારને મલ્ટિપ્લેક્સ કે સિનેમાઘરો કરતાં વધારે આવક થઈ શકે એમ છે. અત્યાર સુધી માળા ફેરવતા હોઈએ એમ ‘ઇન્સ્ટાગ્રામ’ પર રીલ ફેરવતા આપણે અચાનક ટેન્કો અને તોપો ગરજતી જોવા માટે આતુર બની ગયા છીએ. ઓફિસમાં ચેર બદલાઈ જાય તો પણ ‘કામ કરવામાં મજા નથી આવતી’ એવા આપણે ઈચ્છીએ છીએ કે સરહદે પારાવાર હાડમારીઓ વેઠતા સૈનિકો આપણી યુદ્ધ જોવાની આપણી ઈચ્છા સંતોષવા માટે દુશ્મનો પર તૂટી પડે.

    એમાં પણ આપણના નસીબમાં જે પાડોશી આવ્યો છે એ પણ ઓછો નથી. જેમને તદ્દન અભણ માનવામાં આવતા હતા એવા તાલિબાન જેવા તાલિબાનો પણ શાંતિની વાતો કરતા થઈ ગયા પણ પાકિસ્તાનના શાસકો સુધરવાનું નામ લેતા નથી. કેન્સરની રસી આવી જશે પણ ભારતદ્વેષની એમની બીમારીની રસી કોઈ વિજ્ઞાની શોધી શકે એમ નથી. જોકે, લંડન કે ન્યૂયોર્ક જેવાં શહેરોના પોશ વિસ્તારમાં આવેલા આલીશાન બંગલા તેમની આ બીમારીના કારણે જ તો બંધાઈ શક્યા છે.

    આપણે વેકેશનમાં કાશ્મીરનો પ્લાન બનાવીએ છીએ પણ પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ, નેતાઓ કાશ્મીરના કારણે યુરોપ, અમેરિકામાં વેકેશન માણી શકે છે. કાશ્મીરના સફરજન હેલ્થ માટે સારા માનવામાં આવે છે. પાકિસ્તાની નેતાઓ માટે કાશ્મીર એવું સફરજન છે જે એમના બેન્ક ખાતાને સેહતમંદ રાખે છે. બરફ બાળીને તાપણું કરવાનું કોઈ પાકિસ્તાની શાસકો પાસેથી શીખે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

  • હું મારી ચાલ નહીં બદલું

    કિશનસિંહ ચાવડા

    મારું રાજ્ય મોટું હતું, પણ અમારું રેલ્વેસ્ટેશન નાનું હતું. લોકલ ગાડી માત્ર બે જ મિનિટ ઊભી રહેતી અને મેલગાડી પકડવા માટે અમારે આગલી લોકલગાડીમાં નીકળી જંક્શને પહોંચવું પડતું. હું મારા કાફલા સાથે લખનૌ જતો હતો અને ત્યાંથી અમે મસૂરી જવાના હતા. સ્ટેશન ઉપર એક નાનાશા રાજ્યના ધણી પણ અલ્લાહાબાદ જવા માટે પધાર્યા હતા.પ્લૅટફૉર્મ ઉપર એમને બેસવા માટે સ્ટેશન માસ્તરની એકની એક ખુરશી બહાર કાઢવામાં આવી હતી અને દરબાર બરાબર જ્યાં એંજિન આવીને ઊભું રહે ત્યાં જ પ્લૅટ્ફૉર્મને છેડે બેઠા હતા. આગળ પાછળ હુકમ ઉઠાવવા હજૂરિયાની હાર વીખરાયેલી ઊભી હતી. એટલામાં તો એક ઘંટો વાગ્યો, સીટી વાગી અને ગાડીએ દૂરથી જ પોતાનું આગમન જાહેર કર્યું. એક હજૂરિયાએ પેલા રાજાસાહેબને નિવેદન કર્યું કે ગાડી આવે છે. એટલે તરત જ હુકમ થયો કે હવે પાન બનાવો. પાન બની રહ્યું અને ગાડી પણ આવી ગઈ. ત્યાં વળી હુકમ થયો કે હુક્કો ભરો. હુક્કો ભરાયો ન ભરાયો ત્યાં ગાડીએ સીટી મારી અને પોતાની ઊપડવાની વાત જાહેર કરી.

    સ્ટેશનમાસ્તર દોડતો આવ્યો. દરબારનો પહેલા વર્ગનો ડબ્બો છેક પાછળના ગાર્ડના ડબ્બાની પણ પાછળ હતો. હું પણ એ જ ડબ્બામાં બેસવાનો હતો એટલે હું તો અંદર બેસીને દરબારની વાટ જ જોતો હતો. દરબારના માણસોએ સામાન ઊંચકીને દોડવા માંડ્યું. ગાડી તો ધીરેથી ઊપડી. ચાલતી ગાડીએ સામાન અંદર ધકેલાયો. સ્ટેશન માસ્તરે લીલીને બદલે લાલ ધજા કરી એટલે ગાડી જરા અટકી. હું ઊતરીને દરબારને લેવા દોડ્યો. ત્યાંતો દરબાર હજી કોગળો કરતા હતા. મહામહેનતે મેં એમને સમજાવ્યા ત્યારે ડબ્બા તરફ એમણે ચાલવાની હામ ભીડી. એક હજૂરિયાએ હુક્કો ઝાલ્યો છે. હુક્કાની નળી દરબારના હાથમાં છે. બીજો હજૂરિયો પાનનો મોટો ચાંદીનો ડબ્બો ઉઘાડીને પાન ધરી રહ્યો છે. ચાલતાં ચાલતાં, અને દરબાર પાન ખાતાં ખાતાં વચ્ચે નળીમાંથી ધુમાડો કાઢતા કાઢતા ચાલે છે.

    મારી ધીરજ ખૂટ્તી હતી. સ્ટેશનમાસ્તર અકળાયા હતા. ત્યાં તો એમનાથી લાલને બદલે લીલી ધજા બતાવાઈ ગઈ અને ગાડી પાછી ધીરેથી ઊપડી. મેં દરબારને કહ્યું કે જરા જલદી પગ ઉપાડો. જવાબ મળ્યો કે ગાડીને જવું હોય તો જાય પણ હું મારી ચાલ નહીં બદલું. હું દોડીને ડબ્બામાં ચઢી ગયો અને અંદર જઇને પાછી સાંકળ ખેંચી. ગાડીની ઉપર ઉપકાર કરતા હોય તેમ પોતાની ગજગતિએ દરબાર આખરે ગાડીમાં બેઠા. એમાં કમાયો સ્ટેશનમાસ્તર. દરબારે ખુશ થઇને ડબ્બામાંથી સ્ટેશનમાસ્તરને પચ્ચીસ રૂપિયા બક્ષિસ આપ્યા અને એના ઉમંગમાં એણે જોરથી લીલી ઝંડી ઉડાવીને ગાડીને વિદાય આપી.


    “અમાસના તારા”માંથી સાભાર

  • જીવનની ખાટી મીઠી :સાચો ઝગમગાટ

    નીલમ  હરીશ દોશી

    હવે દિવાળી આડા દસ દિવસ જ બાકી છે હોં..દિવાળીની કોઇ ખરીદી આપણે કરી નથી…બીજું કંઇ નહીં તો દીકરા માટે એકાદ જોડી કપડાં,થોડા ફટાકડાં અને મીઠાઇ.. શુકન માટે રંગ અને દીવાઓ… આપણે બંને તો ચલાવી લેશું..છોકરાને તો બધાનું જોઇને મન થાય જ ને ? દસ વરસના દીકરા પાર્થિવ પર સ્નેહથી હાથ ફેરવતા અર્પિતા બોલી. પાર્થિવ ઘસઘસાટ સૂતો હતો. તેના ચહેરા પર ઉંઘમાં યે મંદ સ્મિત ફરકતું હતું. કદાચ  સપનામાં  ફટાકડાં ફોડવાની ખુશી છલકતી હતી..

    કેતન એક ખાનગી પેઢીમાં કલાર્ક હતો. આમ તો ત્રણ જ જણાનું નાનું કુટુંબ હતું..તેથી  અત્યાર સુધી તો ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. પરંતુ ગયા વરસે બહેનના લગ્ન માટે લોન લીધી હતી એના હપ્તા કપાતા હતા તેથી હાથ થોડો ખેંચમાં રહેતો હતો. બસ..એક વરસ તકલીફ પડવાની હતી. પછી વાંધો નહીં આવે.  બાકી જીવન સરસ રીતે ચાલતું હતું. અર્પિતા જેવી સંસ્કારી, સમજુ પત્ની મળી હતી એ કંઇ ઓછું નસીબ હતું ? પાર્થિવ ભણવામાં ખૂબ હોંશિયાર હતો..સંસ્કારી હતો..મોટો થઇને જરૂર આગળ આવશે..બસ..પતિ, પત્નીનું એકમાત્ર સપનું….

    હા..અર્પિતા, આવતી કાલે આપણે બધા સાથે  જ બજારમાં જઇશું અને ખરીદી કરીશું.દીકરાને  મનગમતા કપડાં  અને ફટાકડા લઇ આપીશું. બનશે તો  તારે  માટે પણ….

    ‘ મારી પાસે તો હજુ ઘણાં કપડાં છે. હા, પૈસા વધે તો તમારે માટે એક નવું શર્ટ જરૂર લેશું. ઘણાં સમયથી તમે કપડાં  લીધા જ નથી.

    ‘અરે, મારી પાસે તો પૂરતા કપડાં છે. આપણે પાર્થિવ માટે જ  બધું લેશું.’

    પતિ પત્ની બંને કયાંય સુધી દીકરાના ઉજ્જવળ   ભાવિની મીઠી કલ્પનામાં ખોવાતા રહ્યા.

    બીજે દિવસે ત્રણે બજારમાં ઉપડયા. એક જોડી કપડાં પાર્થિવ માટે લીધા..થોડી મીઠાઇ લીધી. પાર્થિવ ખુશખુશાલ.

    પપ્પા..હવે ફટાકડાં.. થોડા દીવા અને રંગોળીના રંગો..બસ…વધારે કોઇ વસ્તુની જરૂર નથી.

    કેતને એક તરફ જઇ  ખિસ્સામાં રહેલ  પૈસા ગણી જોયા. રંગ અને દીવડાં તો આવી જશે. ફટાકડા ખાસ નહીં આવે..બે ચાર ફૂલઝડી કે એવું કશું.. લેવાઇ જશે.

    ત્રણે આગળ વધ્યા..હસતા હસતા વાતો કરતા જતા હતા..પાર્થિવની ખુશીનો પાર નહોતો.નવા કપડાં લેવાઇ ગયા..બસ હવે ફટાકડા… ફરતા ફરતા ત્રણે ફટાકડાના સ્ટોલ પાસે આવ્યા. થોડી ફૂલઝડી લીધી..બે ચાર બીજા નાના ફટાકડા લીધા…પપ્પા..બોમ્બ..પપ્પા જમીનચક્રી.. આટલા બધા ફટાકડાં જોઇ પાર્થિવનું બાળમન સહેજે  લલચાઇ રહ્યું.પણ કેતનને તેના ખિસ્સાનો ખ્યાલ રાખવાનો હતો ને ?

    બસ..બેટા..બાકીના કાલે..અત્યારે મારા ખિસ્સામાં વધારે પૈસા નથી. કેતને સાચી વાત કહી. હા, પણ કાલે આપણે વધારે પૈસા લઇને આવીશું હોં..કાલે બીજા ફટાકડા લેશું. કેતને દીકરાને આશ્વાસન  આપતા કહ્યું.

    ઓકે..પપ્પા…નો પ્રોબ્લેમ…આપણે કાલે લેશું.. ધાર્યા કરતા વધારે ખર્ચાઇ ગયા હતા અને હવે આજે બીજું કશું  થઇ શકે તેમ નહોતું.

    ‘ અર્પિતા, હવે રંગ અને દીવડા..તારા લાભ શુભના પોસ્ટર વગેરે આવતી કાલે વાત…’ હા..હજુ તો સમય છે. કંઇ વાંધો નહીં..દિવાળી કંઇ કાલે નથી. બધા ઘેર આવ્યા. પાર્થિવ નવા કપડાં માપવામાં વ્યસ્ત બની ગયો. અર્પિતાએ જલદી જલદી  રસોઇ બનાવી. બીજે દિવસે ત્રણે થોડા બીજા ફટાકડા, રંગ અને દીવા લેવા બહાર નીકળતા હતા. ત્યાં તેની પડોશમાંથી   અવાજ સંભળાયો. શું કરું ? દવા લાવવાના પૈસા તો જોઇએ ને ?

    પણ દવા વિના તો….આ માસૂમ… અર્પિતા અને કેતન સાંભળી રહ્યા. પડોશીની હાલતથી તેઓ અજાણ નહોતા. પરંતુ આટલી હદે પરિસ્થિતિ ખરાબ છે એની જાણ તેમને નહોતી.

    કેતન અને અર્પિતાએ એકબીજા સામે જોયું.

    અર્પિતા, બાજુમાં આવી સ્થિતિ હોય ત્યારે આપણી ફરજ આપણે ચૂકવી ન જોઇએ.બરાબરને ? હા..કેતન..રંગ, કે દીવા નહીં લેવાય તો ચાલશે..તેમની નાની દીકરીની દવા વધારે અગત્યની છે. અને, પપ્પા, મારે ફટાકડા પણ નથી લેવા..આપણે નિક્કી બેબીની દવા લાવીશું. પાર્થિવ બાજુમાં રહેતી નિક્કીને રમાડવા ઘણીવાર જતો હતો.

    અને ફટાકડા, રંગ અને દીવાને બદલે નિક્કી બેબીની દવા આવી ત્યારે બધાની આંખમાં આંસુનો ભીનો ભીનો ઉજાસ ઉઘડયો હતો. દિવાળીને દિવસે રંગબેરંગી દીવા ન થયા..કે લાભ શુભના રંગીન સ્ટીકર ન લાગ્યા..પરંતુ નાનકડી નિક્કીના કિલકિલાટ હાસ્યથી બંને ઘર ઝગમગી ઉઠયા હતા. રંગીન દીવડાઓની જરૂર જ કયાં હતી ? અલબત્ત એક નાનકડું માટીનું કોડિયું  પોતાની મીઠી રોશની ફેલાવવાનું ચૂકયું નહોતું.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તા પર ‘સુપ્રીમ’ અતિક્રમણ

    નિસબત

    ચંદુ મહેરિયા

    સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ જે.ડી.પારડીવાલા અને જસ્ટિસ આર.મહાદેવનની પીઠનો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને તેમની સમક્ષ રજૂ થયેલાં  વિધેયકને ત્રણ મહિનાની સમયસીમામાં મંજૂરી આપવા આદેશ આપતો ચુકાદો અક્ષરશ: ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે.

    તમિલનાડુ વિધાનસભાએ જાન્યુઆરી ૨૦૨૦ થી એપ્રિલ ૨૦૨૩ના સમયગાળામાં પસાર કરેલા દસ વિધેયકોને રાજ્યપાલ આર.એન.રવિ લાંબા સમયથી મંજૂરી આપતા નહોતાં. એટલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટની  દેવડીએ ધા નાંખી. બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ મળેલા ન્યાયિક સમીક્ષાના વિશેષાધિકાર કે અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને અદાલતે અસીમિત સમયથી રાજ્યપાલની મંજૂરીની રાહ જોતાં દસ બિલોને વિધાનસભાએ પસાર કરેલ તારીખથી જ મંજૂર કરવાનું અસામાન્ય પગલું ભર્યું છે. ૪૧૫ પાનાંના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વિધેયકો પાસ કરવામાં વિલંબના રાજ્યપાલના  નિર્ણયને ગેરકાયદે અને મનસ્વી ગણાવ્યો હતો. રાજ્યપાલે આમ કરીને લોકોની ઈચ્છાને કચડી છે અને વિધાનસભાના કામમાં અડચણ ઉભી કરી છે એમ કહેવા સાથે અદાલતે બંધારણ નિર્માતાઓના  એ સ્વપ્નને યાદ કર્યું છે કે બંધારણ રાજ્યપાલને રાજકીય પાર્ટીના પ્રતિનિધિ બનવાની મંજૂરી આપતું નથી.

    બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે કેન્દ્ર કે રાજ્યના પ્રધાનમંડળની  સહાય અને સલાહ પ્રમાણે જ કામ કરવાનું રહેશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે. પરંતુ વિપક્ષી રાજ્યોના રાજ્યપાલો તેમની બંધારણે ચીંધેલ જવાબદારી નિભાવવાને બદલે કેન્દ્રના  સત્તા પક્ષના ખેતરપાળો તરીકે કામ કરે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, દિલ્હી, તેલગંણા, તમિલનાડુ અને કર્ણાટક જેવા વિપક્ષી રાજ્યોમાં વિપક્ષની અગ્ર ભૂમિકા રાજ્યપાલો ભજવતા જોવા મળે છે. એટલે આ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો વચ્ચે સતત ટકરામણો થાય છે.

    ૨૦૨૩માં તમિલનાડુના રાજ્યપાલે તો વિધાનસભા સમક્ષ તેમનું અભિભાષણ વાંચવાનો જ ઈન્કાર કર્યો હતો. આ કૃત્ય તેમની બંધારણીય જવાબદારીની વિરુધ્ધનું હતું. વિપક્ષી રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલા વિધેયકોને રાજ્યપાલો રાજકીય કારણોસર દબાવી રાખતા હોઈ અનેક રાજ્યોએ ન્યાય માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ જવું પડ્યું છે. અગાઉ પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને તેઓ વિધેયકો મંજૂર નહીં કરીને આગ સાથે રમી રહ્યા હોવાનું  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

    સુપ્રીમ કોર્ટના વર્તમાન ચુકાદાને વ્યાપક પ્રમાણમાં આલોચના અને આવકાર મળ્યાં છે. વિપક્ષોને આ ચુકાદો તેમની જીત લાગ્યો છે તો સત્તાપક્ષને તે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની સત્તા પર તરાપ કે અતિક્રમણ લાગ્યું છે. દેશના ટોચના બંધારણીય પદે વિરાજતા અને અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તૃણમૂલ કોંગ્રેસની વિપક્ષી સરકારને પૂરતા પ્રમાણમાં રંજાડી ચૂકેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની આકરી આલોચના કરી છે. અનુચ્છેદ ૧૪૨ ને તેમણે લોકતાંત્રિક  સંસ્થાઓ પર અદાલતના પરમાણુ મિસાઈલ સાથે સરખાવીને કેટલાક જજીસ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તતા હોવાનું પણ જણાવ્યું છે. ભાજપના અતિ મુખર લોકસભા સભ્ય નીશિકાંત દુબેએ અદાલતની ટીકા કરતાં ત્યાં સુધી કહી નાંખ્યું કે જો હવે સર્વોચ્ચ અદાલત જ કાયદા ઘડવાની હોય તો સંસદની જરૂર ક્યાં છે? તેમના જ પક્ષના રાજ્યસભા સભ્ય દિનેશ શર્માએ પણ તેમના વિચારોની અનુમોદના કરી છે.

    લોકતંત્રના ત્રણ આધારસ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેનો આ સંઘર્ષ કંઈ નવો નથી કે પહેલ વારનો નથી. સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો જેમને સંસદ અને ધારાસભાના કામમાં દખલ લાગે છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપરવટ જતો લાગે છે તેમણે એ સવાલનો જવાબ આપવો પડશે કે ચૂંટાયેલી ધારાસભાએ પસાર કરેલ વિધેયકોને રાજ્યના સર્વોચ્ચ બંધારણીય વડા અસીમિત સમય સુધી દબાવી રાખે અને ન્યાયતંત્ર તેને મંજૂર કરે તો તેનાથી લોકતંત્ર મજબૂત થાય છે કે નબળું પડે છે?

    ત્રણ માસની સમયમર્યાદામાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમની સમક્ષના વિધેયકો મંજૂર કરવા તેવું અદાલતી ચુકાદામાં નક્કી કર્યું છે, તે હાલની સરકારના ગૃહ મંત્રાલયના નવ વરસ પૂર્વેના આદેશના આધારે છે. તેમાં સુપ્રીમે  લોકતંત્રનું કયું અહિત કર્યું છે?  ખરેખર તો વિધેયકોને રોકીને રાજ્યપાલોએ વિધાનગૃહોની સર્વોચ્ચતાને પડકારી છે. સુપ્રીમના ટીકાકારો અદાલતો સમક્ષના પડતર કેસોની સમયમર્યાદાનું શું ? એમ પૂછે છે. તેઓ એ હકીકત વિસરી જાય છે કે અદાલતમાં કેસોના ભરાવા માટે કોઈ રાજકીય કારણો કે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી. આ બે બાબતોને સરખાવી જ કેવી રીતે શકાય?

    સર્વોચ્ચ અદાલત ક્યારેક ન્યાયિક સક્રિયતા દાખવે છે કે તેના અધિકાર ક્ષેત્રની બહાર જાય છે તેની ના નહીં. આ ચુકાદામાં પણ સર્વોચ્ચ અદાલતે બંધારણીય વડા સમક્ષના બિલોને ન્યાયિક દ્રષ્ટિકોણથી ચકાસવા અનુચ્છેદ ૧૪૩ અનુસાર સુપ્રીમનો અભિપ્રાય મેળવવા જણાવ્યું છે. અહીં સવાલ ઉભો થાય કે શું આ શક્ય છે? સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા હેઠળ કાયદાની ચકાસણી કરવાની છે નહીં કે વિધેયકોની. જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેમની સમક્ષના વિધેયકો ન્યાયિક સમીક્ષાને પાત્ર ગણશે તો તેની મંજૂરીમાં વધુ વિલંબ થશે કે નહીં ?

    જો ત્રણ માસની મર્યાદામાં બિલો પાસ ન થાય તો ન્યાયિક સમીક્ષા માટે રાજ્યોને કે કેન્દ્રને અદાલત પાસે આવવા જણાવ્યું છે તે પણ કેટલું યોગ્ય છે?  વિલંબિત ન્યાયથી અને પડતર કેસોથી ઉભરાતી અદાલતો સમક્ષ વધુ કેસોનો ભરાવો નહીં થાય? અદાલતે ત્રણ મહિનાની સમયસીમા નક્કી કરી છે તે પર્યાપ્ત નથી? વળી તેના ભંગ માટે અદાલતમાં બોલાવવા કેટલું ઉચિત ગણાય?

    સુપ્રીમ કોર્ટ સુપર સંસદ તરીકે વર્તી હોવાની ટીકાના સંદર્ભે કોણ સુપ્રીમ છે?  સંસદ કે સર્વોચ્ચ અદાલત?  તે મુદ્દો પણ ચર્ચવાલાયક છે. કાયદા ઘડવાની એકમાત્ર સત્તા બંધારણે સંસદ અને ધારાસભાઓને આપી છે એટલે જે કાયદા ઘડે તે સુપ્રીમ એમ તર્ક કરી શકાય. પણ સંસદે ધડેલા કાયદાની સમીક્ષા કરી તે બંધારણને  અનુરૂપ છે કે કેમ તે નક્કી કરી ગેરબંધારણીય કાયદાને રદ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ હસ્તક છે એટલે કાયદા ઘડનાર કરતાં રદ કરનાર વધુ ઉચ્ચ ગણાય એ રીતે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે એવી દલીલ થાય છે. પરંતુ આ સઘળી ચર્ચામાં એ હકીકત વિસારે પાડી દેવાય છે કે સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીનું સર્જન બંધારણે કર્યું છે. એટલે ન તો સંસદ સર્વોચ્ચ છે કે ન તો ન્યાયતંત્ર. સર્વોચ્ચ તો છે આ દેશનું બંધારણ.

    વકફ સુધારા કાયદા પર સુપ્રીમના અણિયાળા સવાલો પછી સુપ્રીમ કોર્ટ પર સત્તાપક્ષે હુમલો કર્યો છે તેથી સ્વતંત્ર ન્યાયતંત્ર પર ડારો બેસાડી શકાય. અગાઉ સુપ્રીમે કોલેજિયમને બદલે ન્યાયિક નિમણૂક અંગેનો કાયદો અને ઈલેકટોરલ બોન્ડને ગેરકાયદે ઠરાવેલ છે. સુપ્રીમના સરકારવિરોધી ચુકાદાઓથી સરકારો વિચલિત થઈ જાય છે અને બંને વચ્ચે સંઘર્ષ થાય છે.

    સૌથી મહત્વનો સવાલ તો એ છે કે તમિલનાડુના રાજ્યપાલે જે દસ વિધેયકો અટકાવ્યા હતા તે કોઈ લોકહિતના કાયદા માટેના નહોતા પણ મોટાભાગના રાજ્ય યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક માટેના હતા. એટલે આખરે બધો ખેલ લોકહિતનો નહી, સત્તા કે વિપક્ષના ખુદના રાજકારણનો છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ટાગોર જયંતીએ રાષ્ટ્રવાદનાં વ્યાખ્યાનોનો અભ્યાસ કેમ નહીં?

    તવારીખની તેજછાયા

                     રવિન્દ્રનાથ ઠાકુર
             ૭ મે ૧૮૬૧ । ૭ ઓગસ્ટ ૧૯૪૧

    પ્રકાશ ન. શાહ

    ચિદાકાશમાં રમતું ઓઠું અલબત્ત આજે રવીન્દ્ર જયંતી છે, એનું છે. હૃદયસ્થ રવીન્દ્રનાથ ૧૬૪ વર્ષ પૂરાં કરી ૧૬૫મે પ્રકાશી રહ્યા છે ત્યારે વાનાં તો ઘણાં ઉભરે છે- પણ આજે એક-બે મુદ્દા પૂર્વ સાંસદ ને હાર્વર્ડ ઈતિહાસવેત્તા સુગત બોઝના સહારે કરવા ધારું છું.

    સુગત પાછા નેતાજીના પરિવારના, સુભાષબાબુના ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર એટલે રાષ્ટ્રીય ચળવળનો સંસ્કાર, અને અલબત્ત બંગાલ રિનેસાંસનો પણ.

    હવે તો ખાસાં નવ વરસ અને લટકામાં ત્રણ મહિના થયા એ વાતને પણ સુગત બોઝે, પોતે જાદવપુરથી ચુંટાયેલા સાંસદ તરીકે ફેબ્રુઆરી ૨૦૧૬માં લોકસભામાં વ્યક્ત કરેલા વિચારોમાં આપણાં ઉચ્ચતમ શિક્ષણકેન્દ્રોમાં અને બૌદ્ધિક વિમર્શમાં આ શું ચાલી રહ્યું છે એને અંગેની અંતરતમની ચિંતા વ્યક્ત થથી હતી. નિમિત્ત હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તેજસ્વી દલિત છાત્ર રોહિત વેમુલાએ વિષમ સંયોગમાં કરેલ આત્મહત્યાનું હતું.

    સુગત બોઝે અગાઉના થોરાત સમિતિના તપાસ હેવાલનો જે હવાલો આપ્યો એ હૃદયવિદારક હતો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં નોંધાયેલી ૨૩ આત્મહત્યા પૈકી ૧૯ દલિત, ૨ આદિવાસી અને ૧ મુસ્લિમ છાત્રની હતી.

    કેમકે મને સુગતની રવીન્દ્રપ્રીતિનો કંઈક અંદાજ છે, મને હતું કે એ ‘દુર્ભાગી દેશ’ને સંભારશે: ‘હે મુજ દુર્ભાગી દેશ! જેઓનું તેં અપમા કર્યું છે તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે… તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આ‌વીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર પર અભિશાપ ચોડી દીધો છે. હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, જો તું બધાંને નહીં બોલાવે, અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.’

    ખેર, સ્પીકર સુમિત્રા મહાજનની અધ્યક્ષતામાં બોલતાં સુગતે કહ્યું હતું કે રોહિતની કારુણિકાથી આપણા ‘કલેક્ટિવ કોન્શ્યન્સ’માં કંઈક તો થવું જોઈએ. પણ અહીં તો એક હૃદયશૂન્ય સરકાર છે જેને છેવાડાના જણનો ચિત્કાર સંભળાતો નથી. જણે જણને સારુ સામાજિક ન્યાય શક્ય બનાવવાને બદલે સત્તા પક્ષ યુનિ. છાત્રોના અજંપાને ઓઠે પોતાના ખાસ પ્રકારના રાષ્ટ્રવાદનુંમ રોલર ફેરવે છે અને ટીકાકારમાત્રને રાષ્ટ્રવાદ વિરોધી કૂચડે રંગે છે. માદામ સ્પીકર, હું કોઈ કોમ્યુનિસ્ટ નથી. હકીકતે એક સુપ્રતિષ્ઠ સામ્યવાદી ઉમેદવારને હરાવીને આ ગૃહમાં આવ્યો છું, પણ આપણા તરુણ છાત્રો માર્ક્સ અગર આંબેડકરથી પ્રેરાઈ અભિવ્યક્ત થતા હોય તો હું એમના સ્વાતંત્ર્યનો આદર કરું છું… અસંમતિને ગુનાઈત લેખવાનું વલણ દુરસ્ત નથી. આ ધોરણે તો આપણે ટાગોરને પણ રાષ્ટ્રદ્રોહી ઠરાવીશું.

    સુગતે ઉમેર્યું હતું કે સ્વરાજની ચળવળમાં આપણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ પાસે રાષ્ટ્રવાદના પાઠ શીખ્યા છીએ. એમાં પણ બંગાળમાં તો અમે વિવેકાનંદ, ટાગોર, દેશબંધુ દાસ, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષથી પ્રેરિત થયા છીએ. અનુરાગ ઠાકુરને કહું કે અરવિંદે મહાભારતની ચર્ચા કરતા ‘ચક્રવર્તી’ની વિભાવના કેવી રીતે સમજાવી છે તે જરી વાંચો-વિચારો. ચક્રવર્તીનું સુવાંગ રાજ નહોતું- રાજ્ય, રાજ્ય સ્વાયત્ત હતાં, એના પર એની આણ (સુઝરેનટી) હતી, એટલું જ. જેઓ, સરકારી પાટલીઓ પરથી, ‘સેન્ટ્રલાઈઝ્ડ ડેસ્પોરિઝમ’ની જેમ રાષ્ટ્રવાદની વાત કરે છે એમને અરવિંદના શબ્દોની યાદ આપું કે પ્રાદેશિક પ્રજાઓના મુક્ત જીવનને ભોગે ‘એકતા’ની વાત બરાબર નથી.

    હમણાં મેં ટાગોરને યાદ કર્યા, સુગતે ઉમેર્યું હતું, એમણે આપણું રાષ્ટ્રગીત રચ્યું છે, પણ એ રાષ્ટ્રવાદના કેટલા મોટા આલોચક પણ હોઈ શકતા હતા! રાષ્ટ્રવાદ આશીર્વાદ ને અભિશાપ બેઉ હોઈ શકે તે એ જાણતા હતા. અનુરાગ ઠાકુર નેતાજીનો હવાલો આપીને વાત કરે છે પણ એમને યાદ આપું કે ૧૯૩૩-૧૯૩૬નાં વર્ષો યુરોપમાં ગાળ્યા તે પછી વતન પરત થતાં એમણે કરેલી ને દોહરાવેલી એક ટિપ્પણી એ હતી કે યુરોપમાં જે નવો જર્મન રાષ્ટ્રવાદ હું જોઈને આવ્યો છું તે ‘સંકુચિત, સ્વાર્થી અને ઉછાંછળો’ છે. તો, એક પા રાષ્ટ્રવાદનું મુક્તિદાયી સ્વરૂપ અને બીજી પા રાષ્ટ્રવાદની જુલમી તાસીર, બેઉ આપણને સમજાવાં જોઈએ તેમ વિશ્વ ઈતિહાસના એક છાત્ર તરીકે હું આ ગૃહને કહેવા માંગું છું.

    વિવેકાનંદ, ચિત્તરંજનદાસ, અરવિંદ, સુભાષ, લાલ ને બાલ સાથેના પાલ, આ સૌની સ્વાધ્યાયસાખે સુગતે કહેલી વાતો, રાષ્ટ્રવાદને સામાજિક ન્યાય ને સ્વાતંત્ર્યના સંદર્ભમાં જોવા અને સમજવાની એમની એક ઈતિહાસવિદ તરીકેની અપીલ રવીન્દ્ર જયંતીએ આપણને દિલને દરવાજે દસ્તક દે છે. સુગતનું ભાષણ સમેટતાં હું એક સંભારણું વળીને દોહરાવ્યા વગર રહી શકતો નથી. રાષ્ટ્રવાદના મુદ્દે ગાંધી-ટાગોર વિવાદ સુપ્રતિષ્ઠ છે. એક તબક્કે રોમા રોલાએ સૂચવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં રવીન્દ્રનાથનાં રાષ્ટ્રવાદનાં વ્યાખ્યાનોનો અભ્યાસ થવો જોઈએ. સવાઈ ગુજરાતી કાકા કાલેલકરે ઠાવકા શબ્દોમાં વળતી બાતમી આપી હતી કે એ અમારા અભ્યાસક્રમમાં છે!

    સત્તા-પ્રતિષ્ઠાન, સ્વાતંત્ર્ય આંદોલન દરમ્યાન રાષ્ટ્રવાદના મુદ્દે ઊભી થયેલી એકંદરમતીને આ ચળવળના નેતાઓમાંથી કેટલાકને ખાસ ‘પોતાના’ તરીકે આગળ કરી જે એક કથિત વૈકલ્પિક વિચારની રાજનીતિ ખેલવા ચાહે છે એના સંદર્ભમાં ઈતિહાસજ્ઞ સુગત બોઝની આ માંડણી આપણે સારુ પથ્ય ખાણદાણ શી બની રહે છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૭ – ૦૫– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • નર અને નારી: ટોમ એન્ડ જેરી

    ધિક્કારનાં ગીતો

    ફિલ્મ દેવ ડીનું ‘ઇમોસનલ અત્યાચાર’ ગીત કોણે ગાયેલું?

    દીપક સોલિયા

    માનવજાતનું ગાડું ગબડતું રહ્યું છે, કારણ કે સ્ત્રી-પુરુષ વચ્ચે સંસર્ગ જળવાઈ રહ્યો છે, બેય જૂથો એકમેકથી દૂર નથી જતાં રહ્યાં. બાકી, સ્ત્રી-પુરુષ વચ્ચે લિંગભેદ છે જ, પરંતુ રંગભેદ, જ્ઞાતિભેદ, ધર્મભેદ, રાષ્ટ્રભેદની જેમ લિંગભેદ ક્યારેય નર અને નારી સમુદાય વચ્ચેનાં રમખાણો કે યુદ્ધનું કારણ નથી બન્યો. એ બદલ ઇશ્વરનો આભાર. ટચ વૂડ.

    બાકી, સ્ત્રી-પુરુષનું ખાતું પહેલેથી જ આવું રહ્યું છેઃ બેયને એકમેક વિના પણ ચાલે નહીં અને બન્નેને એકબીજા સાથે વાંધા પણ બહુ પડે. પછી અમુક પુરુષો તો ત્રાસીને ફેંસલો સુણાવી દેઃ સ્ત્રી એટલે નરકની ખાણ. સામે પક્ષે પુરુષોના ખરાબ અનુભવોથી દાઝેલી કોઈ સ્ત્રી પણ ચુકાદો આપેઃ પુરુષ એટલે ભમરાની જાત. ઠીક છે. પોતપોતાની સાચી-ખોટી માન્યતાનો સૌને હક છે, પરંતુ આવી બધી અંગત માન્યતાઓ સમગ્ર નરજાતિ-નારીજાતિ વચ્ચે આગ લગાડી શકતી નથી, હિંસા ફેલાવી નથી શકતી. ફરી ઇશ્વરનો આભાર. ફરી ટચ વૂડ.

    તો, આપણે ફક્ત એટલું સ્વીકારીને આગળ વધીએ કે સ્ત્રી-પુરુષ વચ્ચે જેમ પ્યાર હોય એમ ધિક્કાર પણ હોય. અને એટલે જ હિન્દી ફિલ્મોમાં માત્ર પ્યારનાં ગીતો નથી, ધિક્કારનાં ગીતો પણ છે. જોકે પ્યારનાં ગીતોની સંખ્યા ઘણી વધારે છે. એની સરખામણીમાં ધિક્કારનાં ગીતો ઓછાં છે.

    એનું કારણ કદાચ એ હશે કે સંસારમાં પણ પ્રેમ ઝાઝો અને ધિક્કાર ઓછો છે. સ્ત્રી-પુરુષના પ્રેમ-ધિક્કારને ત્રાજવે તોળીએ તો પ્રેમનું પલડું નમે. ધિક્કારનું વજન ઓછું પડે. એટલે જ બધું ટક્યું છે. પ્રેમ નિકટતા પ્રેરે. નિકટતા સંતાન રચે. ધિક્કાર હિંસા પ્રેરે. હિંસામાં માણસ ખતમ થાય. પ્રેમ મતલબ સર્જન અને ધિક્કાર મતલબ વિનાશ. સંસારમાં બન્ને છે. બન્ને હંમેશાં રહેવાનાં. અંધારું-અજવાળું, ઠંડી-ગરમી, ઉત્તર-દક્ષિણ, શુભ-અશુભ આવા બધા ધ્રૂવો છે એટલે જ તો એ ધ્રૂવોની વચ્ચે સંસાર છે. સંસાર મતલબ ધ્રૂવોની વચ્ચેનો વ્યાપ.

    તો, ધિક્કાર છે. ધિક્કાર રહેવાનો. ધિક્કાર ભલે રહેતો. અને આ ધિક્કારને વ્યક્ત કરતાં ગીતો પણ ભલે રચાતાં.

    ધિક્કાર-ગીતો ઉપયોગી પણ ખરાં. ઘવાયેલો પુરુષ કે સ્ત્રી પોતાનું દર્દ નજીકના લોકો સાથે શૅર કરવા ઉપરાંત ‘પેઈન કિલર’ની ટીકડી રૂપે એવાં ગીતો પસંદ કરતાં હોય છે, જેમાં પુરુષ સ્ત્રીની કે સ્ત્રી પુરુષની આકરી ટીકા કરતાં હોય, બદદુઆ દેતાં હોય

    કોઈ ભગ્નહૃદયી પુરુષ કે સ્ત્રી આવાં ગીતો સાંભળે-જુએ ત્યારે જાણે તેમને પોતાની લાગણીને વાચા મળી રહી હોય તેવું લાગવાથી તેઓ એ ગીતને ભરપૂર માણી શકે છે, એ સાંભળીને બે ઘડી ખુશ થઈ શકે છે, તેમને એ કડવાં ગીતો ‘મધૂર’ લાગી શકે છે.

    માટે પ્રેમી કે પ્રેમિકાની બેવફાઈ વિશેનાં, સામેનાં પાત્રની ખરાબી વિશેનાં, સામેનાં પાત્રનું બૂરું ઇચ્છતાં આવાં કેટલાંક ધિક્કાર-ગીતો સુપરહિટ પણ સાબિત થયાં છે. આ ગીતો બેઝિકલી નેગેટિવ (મૂળભૂત રીતે નકારાત્મક) હોવા છતાં એક સેફ્ટી વાલ્વ તરીકે, હૃદયમાં એકઠી થયેલી કડવાશની વાસ્તવિકતાના સ્વીકાર અને અભિવ્યક્તિ તરીકે આવા ‘તોછડાં’ ગીતોની એક મર્યાદિત જ ભલે, પણ ઉપયોગિતા તો ખરી જ.

    આવાં કેટલાંક નોંધપાત્ર ગીતો વિશે વાત કરીએ.

    શરૂઆત કરીએ અનુરાગ કશ્યપની ફિલ્મ દેવડીના એક ગીતથી. એ ગીત છેઃ ઇમોસનલ અત્યાચાર. ઇમોશનલ નહીં, ઇમોસનલ. સ સગડીનો સ. ઉત્તર ભારતના હિન્દીભાષી લોકો ‘ઇમોસનલ’ જ બોલે.

    ૨૦૦૯માં ફિલ્મ દેવ ડી રિલીઝ થઈ ત્યારે આ ગીત આખા દેશ પર જાણે છવાઈ ગયેલું અને સૌને એ જાણવામાં રસ પડેલો કે આ ગાયકો છે કોણ? એનો જવાબ એ હતો કે હિમાચલ પ્રદેશના કોઈ ગામમાં પોતાનું નાનું બેન્ડ ધરાવતા અજાણ્યા બેન્ડબાજાવાળા આ બે ગાયકો છે અને એમનાં નામ છેઃ રંગીલા અને રસિલા.

    સાંદર્ભિક તસ્વીરઃ નેટ પરથી

    ફિલ્મ-પત્રકારોએ આ રંગીલા-રસિલાનો ઇન્ટરવ્યૂ લેવાની કોશિશો કરી. કેટલાક ફિલ્મ સંગીતકારોએ પોતાનાં ગીતો ગવડાવવા માટે પણ રંગીલા-રસિલાને શોધ્યા.

    પણ પછી એ કોઈને મળ્યા જ નહીં. દેવ ડીના સંગીતકાર અમિત ત્રિવેદીને જ્યારે જ્યારે પૂછવામાં આવ્યું કે આ રંગીલા-રસિલા છે ક્યાં, ત્યારે તે કહેતાં કે પછી એ બેય સાથે કોન્ટેક્ટ નથી રહ્યો, એ લોકો જડતા નથી.

    ફિલ્મ રિલીઝ થયાનાં નવ વર્ષ બાદ ગીતકાર અમિત ત્રિવેદીએ એક મુલાકાતમાં આ ગીતના ગાયકો વિશે ચોંકાવનારી વાત કહી, જેનો સાર આ પ્રમાણે છે.

    સંગીતકાર અમિત ત્રિવેદી અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યે મળીને આ ગીત તૈયાર કર્યું. એમણે નક્કી એવું કરેલું કે કોઈ પ્રોફેશનલ કવ્વાલીગાયકો પાસે આ ગીત ગવડાવીશું. પણ એ પહેલાં ગીતકાર-સંગીતકારે એટલે કે અમિતાભ ભટ્ટાચાર્યે અને અમિત ત્રિવેદીએ જાતેપોતે ગાઈને આ ગીતનું એક રફ વર્ઝન તૈયાર કર્યું અને ગીત-સંગીત મૂળભૂત રીતે બરાબર છે એવું ગ્રીન સિગ્નલ મેળવવા માટે દિગ્દર્શક અનુરાગને એ કાચું ગીત સંભળાવવામાં આવ્યું. અમિત ત્રિવેદીએ અનુરાગને કહ્યું, ફાઈનલ વર્ઝનમાં આ ગીત કવ્વાલીગાયકો ગાશે. અનુરાગ ભડક્યા. એ કહે કે ગાયકો બદલવાની શી જરૂર છે? આ જે વર્ઝન તમે મને સંભળાવ્યું તેમાં જે ગાયકો છે એ જ બરાબર છે. અમિત ત્રિવેદીએ ફોડ પાડ્યો કે આ ગાયકો તો અમે જ છીએ, ખુદ ગીતકાર અને સંગીતકાર. અનુરાગે જીદ કરી કે મારે આ જ પ્રકારની બરછટ ગાયકી જોઈએ છે. માટે હવે ગાયકો બદલવાનો સવાલ જ પેદા નથી થતો.

    એમાં લોચો એ પડ્યો કે ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યની એવી એક ઇચ્છા-મહેચ્છા હતી ખરી કે આગળ જતાં તે ગીતો લખવા ઉપરાંત ગાયક પણ બનશે, પરંતુ આ ગીત તેમણે પોતાનો અવાજ સહેજ બગાડીને, જરા કાર્ટૂનિશ લાગે એવા સ્વરમાં ગાયેલું. તો ભટ્ટાચાર્યબાબુને એવો ડર લાગ્યો કે જો આ ગીત તેમણે ગાયેલા પ્રથમ ગીત તરીકે લોન્ચ થશે તો હો ગયા કામ તમામ… પછી કોઈ એમને ગાયક તરીકે તક નહીં આપે અને ગાયક તરીકેની સંભવિત કારકિર્દી રોળાઈ જશે. એટલે છેવટે અસલી ગાયકો (ગીતકાર-સંગીતકાર)નાં નામ છુપાવીને ગાયકો તરીકે બેન્ડ માસ્ટર્સ રંગીલા-રસિલાનાં નામો તરતાં મુકાયાં. પછી લોકોએ એ ગાયકોને બહુ શોધ્યા. પણ એ જડ્યા નહીં. ક્યાંથી જડે? હોય તો જડે ને!

    ખેર, તો એ સુપરહિટ ગીતમાં ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને સંગીતકાર અમિત ત્રિવેદી પોતપોતાના અવાજોને તોડીમરોડીને બેન્ડ-બાજાના ગાયકો તરીકે ‘ગાંગરે’ છેઃ

    તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
    તેરા ઇમોસનલ અત્યાચાર…


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com