-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : સંકટ પર સંકટ
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
લગ્નજીવન થી આગળ
નરેન ચાર વર્ષનો અને મીના સવા વર્ષની થઈ ત્યારે હું ત્રીજી વાર ગર્ભવતી થઈ. ડિલિવરીને ત્રણ મહિના બાકી હતા ત્યારે અમારી પાંચ નંબરની પુત્રી કુસુમ મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.
એક દિવસ ‘તેઓ’ કશા કારણસર મારા ૫ર ગુરસે થયા હતા. મને એવું એવું સંભળાવ્યું કે હું જમી પણ નહિ. બપોરના સમયે ‘એમની’ કુસુમ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. કુસુમે તેમને કહ્યું કે, “મારી મેટ્રિકની પરીક્ષા માથે આવી છે તો બાઈને તેમનાં કાકીને ત્યાં વીસનગર મોકલી આપો. તેઓ અહીં હશે તો મારાથી પરીક્ષાની તેયારી નહિ થાય.’
‘તેઓ’ ગુસ્સે થઈ ગયા અને કુસુમને કહ્યું, “બાઈની જગ્યાએ તારી પોતાની મા હોત તો શું તેં તેને ક્યાંય મોકલવાનું કહ્યું હોત કે?’
વાત વધતી ગઈ. હું રસોડામાં જઈ બેઠી. હું તો ફક્ત તેમની ઊંચા અવાજે થતી વાત સાંભળી શકતી હતી. તેમણે કુસુમને કહ્યું, “રસોઈ કરવા માટે એક બ્રાહ્મણ બાઈ આવવાની છે. ઘરકામ માટે જીબા છે, અને નરેનને હરિલાલ સંભાળે છે, તો બાઈ અહીં રહે તેમાં તને શો વાંધો છે?’
કુસુમ પણ ક્રોધે ભરાઈ હતી. બાપ-દીકરી વચ્ચે મોટે મોટેથી અંગ્રેજીમાં જે વાતચીત થતી હતી, તે મને શી રીતે સમજાય? ‘એમણે’ વાતચીતનો અંત આણ્યો અને આગળની ઓસરીમાં જતા રહ્યા. તે વખતે એમનાં માસી વઢવાણ આવ્યાં હતાં અને અમારા ઘરની બાજુમાં જ તેમના પુત્રને ત્યાં ઊતર્યા હતાં. એમની અને કુસુમની વચ્ચેનો ઝઘડો પૂરો થયો ન થયો ત્યારે માસી-મા અમારે ત્યાં આવ્યાં, અને ઓસરીમાં ‘એમની’ સાથે બેસી વાત કરવા લાગ્યાં. અહીં કુસુમનો કોધ સીમા પાર કરી ગયો હતો.
થોડી વાર બાદ મેં કુસુમને પાછળની ઓસરીના દરવાજા પાસે બેઠેલી જોઈ, અને ક્ષણમાં તેને ફિટ આવી હોય તેમ પડી ગઈ. તેના ગળામાં જાણે ડૂચો ભરાઈ ગયો હોય તેમ તેણે ગળા ઉપર હાથ રાખ્યા હતા. હું ગભરાઈ ગઈ, અને સામાન્ય રીતે કોઈને ફિટ આવે ત્યારે ચહેરા પર અને માથા પર પાણીની વાછટ મારીએ, તેમ લોટામાં પાણી ભરી ભરીને હું તેના માથા પર રેડવા લાગી. અચાનક મારી નજર તેની સાડી પર ગઈ અને જોયું તો તે લાલ લાલ થઈ ગઈ હતી. તેનું મુખ ઊંચું કરી જોયું તો મોઢું પણ લાલ રંગથી ભરાઈ ગયું હતું. આ જોઈ મેં ચીસો પાડવાનું શરૂ કર્યું. મારી રાડ સાંભળી ‘તેઓ’, માસીમા અને બીજા લોકો દોડતા આવ્યા. ડૉકટરને બોલાવવામાં આવ્યા, પણ તે આવે તે પહેલાં કુસુમ બેભાન થઈ ગઈ. આખી રાત તેણે બેહોશીમાં કાઢી. સવારે છ વાગ્યે તેને ભાન આવ્યું, પણ કશું બોલી શકી નહિ. ‘’તેઓ’ ઘણા ગભરાઈ ગયા હતા. કુસુમને બચાવવાના બધા પ્રયત્ન નકામા ગયા. અંતે બપોરના બાર વાગ્યે તેણે પ્રાણ ત્યાગ્યો.
(બાઈની નોંધઃ કુસુમ બેભાન થયા પછી અમને ઘણી વાર બાદ જાણવા મળ્યું કે પિતાની સાથે ઝઘડો થયા બાદ તે ઘણા ગુરસામાં હતી. ‘તેઓ’ માસીમા પાસે બહાર ઓસરીમાં હીંચકા પર બેઠા ત્યારે કુસુમે નોકર પાસેથી દવાના કબાટમાં મૂકેલી કોગળા કરવાની લાલ દવાની પાઉડર [પોટેશિયમ પરમેંગેનેટ -સંપાટ] ની બાટલી માગી. હરિલાલ દવા આપે તે પહેલાં ‘એમણે’ હરિલાલને પાણી લાવવાનું કહ્યું તેથી તેણે કુસુમની આજ્ઞા ન માનતાં સીધો પાણી લઈ “એમની? પાસે ગયો. કુસુમનો સંતાપ સીમા વટાવી ગયો. તેણે કબાટમાંથી શીશી કાઢી તેમાંની બધી દવાનો ફાકડો માર્યો હતો અને પાછળની ઓસરીમાં બેસી ગઈ હતી. દવાની ખાલી શીશી કબાટની બહાર પડી હતી.)
અમે બન્ને પતિ-પત્ની પર વજાઘાત જેવું અરિષ્ટ આવી પડયું. પોલીસ પણ આવી પહોંચી. તે વખતે મારા એક દિયર (‘એમના’ માસીના દીકરા) ત્યાં જ પોલીસ ઇન્સ્પેક્ટર હતા, તેથી બધી કાર્યવાહી સરળતાથી પતી ગઈ. અમારી દીકરી ગઈ, તેનું દુઃખ તો બાજુએ રહ્યું, પણ જગતમાં કોઈને પણ મોઢું બતાવવા જેવી અમારી સ્થિતિ રહી નહિ. આ જાણે ઓછું હોય તેમ હું અપરમાતા હતી તેથી આનું સૌથી મોટું કલંક મારા મસ્તક પર જ આવ્યું. અમારી કુસુમ એટલી હોશિયાર વિદ્યાર્થિની હતી કે આખી હાઈસ્કૂલમાં તે હંમેશાં પહેલો નંબર મેળવતી. મારી સાથે તેનો સંબંધ સારો હતો. મારી સાથે તેણે કદી પણ ઝઘડો કર્યો ન હતો. પરંતુ આ ઘટના થઈ તેથી મને મર્યા જેવું થઈ આવ્યું. તેના મૃત્યુનો આરોપ મારા પર આવ્યો. જ્યાંત્યાં વાત ફેલાઈ ગઈ. મને સાતમો મહિનો ચાલતો હતો અને ગર્ભાવસ્થા ઘણી ત્રાસદાયક હતી, તેમાં આ ઘટના થઈ. ‘એમણે’ “બડી દીદી’ને તાર કર્યો અને તે સાંજે આવી પહોંચી. આવતાંવેંત તેણે મારા પર શાબ્દિક મારો શરૂ કર્યો. હું નિઃસહાયતાથી ઘણું રડવા લાગી તો તેણે કહ્યું, ‘હવે આ રડવાનો ઢોંગ કોને બતાવવા માટે કરો છો? મારી તો બહેન ગઈ, અને તમે…’
આખી બીનામાં મારો કોઈ દોષ ન હતો. મને તેઓ વીસનગર કે બીજે ગમે ત્યાં મોકલે કે ન મોકલે, મારા માટે બધું એકસરખું હતું. જે વિધિલિખિત હતું તે થઈ ગયું. મારા મસિયાઈ દિયર ત્યાં હતા તેથી બધી કાર્યવાહી ઝડપથી પતી ગઈ, નહિ તો ‘એમના’ ઉપર આખી જિંદગીભરનો ડાઘ લાગી જાત. આમ પણ અમારા બન્નેને કલંકની કાળી ટીલી ચોંટાડીને અમારી દીકરી ચાલી ગઈ. પંદરેક દિવસ બાદ ‘એમણે’ મને મારાં કાકીને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેમણે અગાઉ જ શાંતિથી લીધો હોત તો આમાંનું કશું થયું ન હોત. મારાં કાકીની આર્થિક પરિસ્થિતિ તે વખતે ઘણી ખરાબ હતી. અમારા બાબાની સૌરાષ્ટ્રની નોકરીનું જે માસિક ૨૧ રૂપિયાનું પેન્શન મળતું હતું. તેમનો અને તેમનાં પાંચ સંતાનોનો નિર્વાહ આ અલ્પ રકમમાંથી કરવો પડતો હતો. આથી મને પણ તેમની પાસે જવામાં સંકોચ થતો હતો.
કુસુમને ગયે આઠ કે દસ દિવસ થયા હતા ત્યાં મારાં મોટાં જેઠાણી અમદાવાદથી આવ્યાં. તેમણે તો ઘોડાગાડીમાંથી ઊતરતાંવેંત મારા પર ગાળો અને આક્ષેપની વર્ષા કરવાનું શરૂ કર્યું. ‘એમને’ કહે, “આ બાઈને અને તેનાં છોકરાંઓને એક ઓરડી રાખી ત્યાં હાંકી કાઢી મૂકો. તમારાથી એમને વેગળાં કરી નાખો.’
આમ કહી તે મારા પર ફરીથી વરસી પડયાં. મારો કોઈ વાંક હોત તો મેં બધાંનાં જૂતાંનો માર સહન કર્યો હોત. મારો કોઈ દોષ ન હોવા છતાં જે-તે મને જે ગાળો આપવા લાગી જતા હતા. મને એમના ઠાણાભર્યા આક્ષેપો પર અત્યંત ગુસ્સો આવ્યો, પણ આવી સંકટમય સ્થિતિમાં મારા જેવી એક નિઃસહાય અબળા કરી પણ શું શકે? હું ભીંત પર મારું માથું જોર જોરથી અફાળવા લાગી. મારા પેટમાં સાત મહિનાઓ ગર્ભ હતો, અને હું બેભાન થઈને પડી. આ અવાજ સાંભળી અમારા આડોશીપાડોશી દોડતા આવ્યા. તેમણે મારાં જેઠાણીને અને ‘એમને’ ઠપકો આપ્યો. ‘આમનો કશો વાંક નથી તેમ છતાં તમે બધાં તેમને શા માટે દોષ આપો છો?’ આમ કહી તેમણે મારા મોં પર પાણી છાંટી શુદ્ધિમાં આણી. ત્યાર બાદ આઠેક દિવસમાં મારી રવાનગી વીસનગર કરવામાં આવી.
નરેન મારી સાથે આવવા તૈયાર નહોતો તેથી છેલ્લી ઘડીએ તેનાં કપડાં સામાનમાંથી બહાર કાઢ્યાં, અને રાતની ટ્રેનમાં હું વીસનગર જવા નીકળી. બીજે દિવસે સવારે જ નરેનને એટલો તાવ ચઢયો કે તેના મસ્તકમાં તેની ઝાળ પહોંચી ગઈ અને તે બેભાન થઈ ગયો. એવું લાગતું હતું કે એના પ્રાણ તાળવે ચોંટી ગયા હતા. તે દિવસે તો એ મૃત્યુમુખમાંથી પાછો ફર્યો. જો તે મારી સાથે આવ્યો હોત અને ટ્રેનમાં આ રીતે માંદો પડ્યો હોત તો તે બચી શકત નહિ. પણ પરમ કૃપાળુ ઈશ્વરે તેને મારી સાથે ન જવાની બુદ્ધિ આપી. તેને સુવાણ આવ્યા બાદ “બડી દીદી” – લલિતા સાથે તે અમદાવાદ ગયો.
નરેન લલિતાને “આક્કા” કહીને બોલાવતો. ‘બડી દીદી’ને મારા પ્રત્યે ગમે તેવો પૂર્વગ્રહ હોય, પણ મારાં બાળકો પ્રત્યે તેને ઘણી માયા હતી. હું વીસનગર પહોંચી તો ખરી પણ ત્યાં ગયા બાદ ચાર જ દિવસ બાદ કાકીને સ્ટેટ તરફથી મળનારું પેન્શન બંધ થઈ ગયું. મારા માટે હવે પ્રશ્ન થઈ પડ્યો. આવી હાલતમાં હવે હું શું કરું? ઘરમાં કોઈ કમાનારું હોત તો મારાં કાકી મને સંભાળવામાં કદી પણ પાછી પાની કરે તેવાં ન હતાં. અંતે નાઈલાજ થઈ મેં ‘એમને’ પત્ર લખ્યો કે જ્યાં સુધી હું કાકીને ત્યાં છું ત્યાં સુધી ‘એમણે’ મારા ખર્ચના પૈસા મોકલવા જોઈશે. “એમણે” મારી વાત માની અને પૂરો ખર્ચ મોકલવાનું શરૂ કર્યું. પ્રસવનો સમય આવ્યો અને વિજયાદશમીને દિવસે મને બીજી કન્યા આવી – સુધા. આ વખતે હું દવાખાનામાં હતી. મારાં કાકીએ મારી અત્યંત પ્રેમથી કાળજી લીધી. સમય પર મારી બહેનોના હાથે ખાવા-પીવાની વસ્તુઓ મોકલતાં અને રાતે હૉસ્પિટલમાં મારી પાસે સૂવા આવતાં. મારું પથ્ય-પાણી પૂરી રીતે જાળવ્યું અને મને મારી માની જરા જેટલી ઊણપ ભાસવા દીધી નહિ. મારી બહેનોએ પણ મીનાને એટલા પ્રેમથી સંભાળી કે મને તેનું કશું જોવું પડતું નહોતું. કન્યાજન્મના એકવીસ દિવસ બાદ “એમણે” મને તેડવા રવિને મોકલ્યો અને તેની સાથે હું વઢવાણ પાછી આવી. તે વખતે તો રવિ પણ મારી સાથે આત્મજનની જેમ વર્તતો હતો. હું પણ તેમની સાથે પ્રેમથી વર્તતી અને કદી પણ તેમને વઢી ન હતી. હવે અમારી સાથે ફક્ત રવિ અને તેનો નાનો ભાઈ મધુ રહેતા હતા.
મધુથી નાની દીકરી ભાનુ અને સૌથી મોટા પુત્ર ‘બડી દીદી’ લલિતાબાઈ સાથે અમદાવાદ રહેતા હતા. લલિતાબાઈ શિક્ષિકા હતાં, અને મોટા પુત્રને પણ ત્યાં જ નોકરી મળી હતી. થોડા દિવસ બાદ નરેનને સંભાળવા માટે રાખેલ હરિલાલ તેના કાકાને ત્યાં વીસનગર ગયો તેથી તેની જગ્યાએ સજુભા નામના એક રાજપૂત છોકરાને રાખ્યો. તે વખતે સસ્તાઈનો જમાનો હતો. એક રૂપિયામાં અઢી શેર શુદ્ધ ઘી મળતું! અનાજ અને અન્ય વસ્તુઓ પણ ઘણી સસ્તી હતી. સજુભાને અમે માસિક બે રૂપિયાનો પગાર આપતા તેમાં પણ તે ઘણા રાજી હતા. ‘એમના” પગારમાંથી અને અમદાવાદના તેમના મકાનના ભાડામાં અમારો સંસાર સુખેથી ચાલતો હતો
સુધા છ મહિનાની થઈ અને અમારા પરિવાર પર ફરી એક વાર સંકટમય પ્રસંગ આવી પડ્યો. અમારા લલિતાબાઈ (“બડી દીદી”) અમદાવાદ હતાં. એક દિવસ તેમણે કોણ જાણે કઈ દવા લીધી અને નિશાળે નોકરીએ ગયાં. ત્યાં ગયા પછી તો તેમનાથી બેસી પણ શકાતું ન હતું. તેમની રજા પણ ફક્ત દોઢ દિવસની બાકી હતી, છતાં રજા લઈને મહા મુશ્કેલીથી તેઓ ઘેર પાછાં આવ્યાં. ઘેર આવીને બારણાને અંદરથી સાંકળ વાસી, પથારી પાથરી સૂઈ ગયાં. સાંજે ભાનુ નિશાળેથી પાછી આવી. બાજુમાં એક મરાઠા કુટુંબ રહેતું હતું, તેમને પણ ખબર ન હતી કે લલિતાબાઈ ઘેર આવી ગયાં હતાં. ભાનુએ જોર જોરથી દરવાજો ખખડાવ્યો, બારણું ખોલવા મોટે મોટેથી બૂમો પાડી તેમ છતાં અંદરથી બારણું ખોલવામાં આવ્યું નહિ. આખરે આજુબાજુથી પાડોશીઓ આવી ગયા અને બારણું તોડી અંદર જઈને જોયું તો લલિતાબાઈ બેશુદ્ધ થઈને પડ્યાં હતાં. તેમને એ હાલતમાં હૉસ્પિટલમાં લઈ ગયા અને પોલીસે ઘરને સીલ મારી દીધું.
પોલીસ કોઈને પણ લલિતાબાઈ પાસે જવા દેતા નહોતા. અમને આ બાબતનો તાર આવ્યો એટલે અમે તરત અમદાવાદ આવ્યાં. આવીને જોયું તો ઘરને સીલ લાગ્યું હતું. શું થયું છે, શી બાબત છે તેની અમને જાણ પણ ન થઈ. ઘર પર સીલ લાગ્યું હોવાથી અમે મારાં બીજાં માસી-સાસુમાને ઘેર ઊતર્યાં. દવાખાને જઈને જોયું તો લલિતાબાઈ હજી બેભાન હતાં. અમે હૉસ્પિટલના રોજ ધક્કા ખાતાં હતાં, પણ અમને તેમની પાસે જવા દેવામાં આવ્યાં નહિ. ચાર દિવસ બાદ તેઓ હોશમાં આવ્યા તો પણ અમે તેમને મળી શક્યા નહિ. હૉસ્પિટલમાં અમારા એક સગા કામ કરતા હતા, તેમણે લલિતાબાઈને એવી જુબાની આપવાનું કહ્યું કે તેમનું માથું દુખતું હતું, પણ દુઃખશામક ગોળીને બદલે ભૂલથી ઊંઘની ગોળીઓ લેવાઈ ગઈ. પોલીસે આજુબાજુના લોકોની જુબાની લીધી. અમારા પાડોશી તો પહેલેથી જ ગભરાઈને ત્યાંથી નાસી ગયા હતા. પૂરી કાર્યવાહી થઈ ગયા બાદ તેમણે અમને લલિતાબાઈને મળવાની રજા આપી.
આ વખતે અમે વઢવાણથી જીબાને સાથે લઈ ગયા હતા. ‘તેઓ” અને જીબા સવારથી જ હૉસ્પિટલમાં પહોંચી જતાં હતાં, જ્યારે હું ઘરકામ-રસોઈમાં માસી-સાસુમાને મદદ કરવા માટે ઘેર રહેતી હતી. સાંજે અમે બધાં સાથે જતાં. સવારે જ્યારે પોલીસે ‘એમને કહ્યું કે તેઓ લલિતાબાઈને મળી શકે છે, અને તેઓ અને જીબા તેમને મળ્યાં, ત્યારે લલિતાબાઈએ પહેલો પ્રશ્ન કર્યો, “વઢવાણથી કોણ કોણ આવ્યું છે?’
જીબાએ કહ્યું, “તમારાં બા, નરેન અને બેબી પણ આવ્યાં છે.”
“બાઈ અહીંયાં શા માટે આવ્યાં છે? એમનું અહીં શું કામ છે?”
આ વાત સાંભળી મને અત્યંત દુઃખ થયું. થોડા દિવસ બાદ પોલીસે અમારા ઘર પરથી સીલ ઉતાર્યું ત્યારે અમે ઘેર ગયાં. ઘરમાં સાફ-સફાઈ કરી અને ઘર વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. બધાંની રસોઈ હું કરતી હતી અને લલિતાબાઈ માટે જમવાનો ડબો તૈયાર કરી આપતી હતી. લલિતાબાઈને હૉસ્પિટલમાંથી રજા આપવાના હતા તેથી મારાં જેઠાણી અમારે ત્યાં આવ્યાં અને મને કહ્યું, “બાઈ, આજકાલમાં લલિતા ઘેર આવવાની છે. તમને જોઈને તે ઘણી ગુસ્સે થઈ જશે, તો તમે અહીં તમારું કોઈ સગું હોય તો તમે અને તમારા છોકરાં તેમને ત્યાં જતાં રહો.’
આ બધા લોકોને મારા પ્રત્યે આટલી બધી કટુતા અને દૂષિત પૂર્વગ્રહ શા માટે હતો તે મને કદી પણ સમજાયું નહિ. આમ જોવા જઈએ તો મને વીસનગરમાં રહેતાં મારાં કાકી અને વડોદરાના મામા સિવાય મારું પોતાનું કહી શકાય એવું કોઈ સગું નહોતું. નસીબજોગે મારાં કાકીનાં બહેન અમદાવાદમાં અમારી હવેલીની સામે જ રહેતાં હતાં, તેથી હું મારાં બાળકોને લઈ તેમને ત્યાં રહેવા જતી રહી.
લલિતાબાઈને જે કાંઈ થયું હતું તેના માટે તેઓ પોતે એકલા જ જવાબદાર હતાં, અને તે તેમણે પોતાની જાતે કરી લીધું હતું. આમાં મારો શો દોષ હતો? શા માટે તેઓ મારું મુખ પણ ન જોવા માંગતાં ન હતાં તે મારી સમજ બહારની વાત હતી.
હું મારાં કાકીનાં બહેન – જેમને હું નાનપણથી જ માસી કહેતી હતી, તેમને ત્યાં હતી. ‘તેઓ’ લલિતાબાઈને હવેલીમાં લઈ આવ્યાં. મને તો ત્યાં પ્રવેશ નિષિદ્ધ હતો! લલિતાબાઈને પથારીમાંથી ઊઠવાની પણ શક્તિ રહી ન હતી, તેથી મારાં જેઠાણીને તેમની બધી સેવા કરવી પડતી હતી. ‘એમને’ પણ આ બધું જોઈને દુ:ખ થયું કે કેમ, તેમણે મને જીબા સાથે વઢવાણ જવાનું કહ્યું.
જે દિવસે અમે વઢવાણ જવા નીકળવાનાં હતાં, નરેનને સખત તાવ ચઢયો. બે દિવસમાં તો તેનું આખું શરીર અછબડાથી ભરાઈ ગયું. તાવ ઓછો થતો ન હતો, તો પણ હું તેને ભરબીમારીની હાલતમાં લઈ જીબા સાથે વઢવાણ જવા ટ્રેનમાં બેઠી. વઢવાણ આવ્યા બાદ તેની હાલત ઘણી ગંભીર થઈ ગઈ. ‘તેઓ’
અમદાવાદ હતા, અને હું અહીં એકલી. પરંતુ મારા ભગવાન મારી સાથે હતા. સાતમે દિવસે નરેનનો તાવ ઊતર્યો અને ઓરી શમ્યા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો.
અમદાવાદમાં લલિતાબાઈની શુશ્રુષા કરી કરીને મારાં જેઠાણી કંટાળી ગયાં હતાં, અને તેમણે તો કહી પણ દીધું કે, “હવે મારાથી આ કામ થઈ શકે તેમ નથી.’ અંતે “એમણે’ પણ લલિતાબાઈને કહ્યું, “બાઈને અહીં રહેવા દીધાં હોત તો તેણે ખુશીથી તારી માવજત કરી હોત. આવું સાંભળવું તો ન પડત!’ લલિતાબાઈની સેવા કરવા માટે અમદાવાદમાં હવે કોઈ રહ્યું ન હતું, તેથી ‘એમણે’ તેમને વઢવાણ લાવવાનું નક્કી કર્યું. લલિતાબાઈએ ફરીથી પોતાનો અણગમો વ્યક્ત કર્યો. તેમણે પિતાને કહ્યું, “વઢવાણ લઈ જવી હોય તો મને સ્ટેશનથી સીધા હોસ્પિટલમાં દાખલ કરાવી દેજો. હું ઘેર નહિ આવું.’ ‘એમણે’ તેની હઠથી કંટાળીને હા કહી.
પણ બનવાકાળ એવું થયું કે સ્ટેશનથી દવાખાને જતાં જતાં બપોરના બાર વાગી ગયા હતા અને ડૉકટર ઘેર ગયા હતા. વઢવાણની આ નાનકડી હોસ્પિટલમાં પથારી ખાલી ન હતી તેથી ત્યાંના કર્મચારીઓ લલિતાબાઈનો કેસ લેવા તૈયાર થયા નહિ. અંતે નાઇલાજ થઈને તેમને ઘેર આવવું પડયું. છએક દિવસ બાદ હૉસ્પિટલમાં પથારી ખાલી થતાં તેમને ત્યાં દાખલ કર્યા, ત્યાં સુધી તેમની બધી સેવા મારા હાથે જ થઈ. દવાખાનામાં તેમનું પથ્ય, ખાસ આહાર વગેરે હું જ બનાવીને મોકલતી હતી. આ ઉપરાંત હૉસ્પિટલમાં તેમના માટે એક ખાસ બાઈ પણ અમે રાખી હતી. આમ વીસ-બાવીસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ તેમની પ્રકૃતિ સુધરી અને તેઓ ઘેર આવ્યાં. ત્યાર બાદ પૂરો આરામ કર્યા બાદ લલિતાબાઈ અમદાવાદ ગયાં અને નોકરી પર હાજર થયાં.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
શબરી | મેચ્યોરિટી
શબરી
(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)
સૌમ્ય જોશી
અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરીમારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરીદૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરીરામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરીતેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરીકલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
મેચ્યોરીટી
રક્ષા શુક્લ
મારે કેટલા મેચ્યોર થવું જોઈએ ?
પેલું પક્વ હોવું….!
મારા પાસે દરેક ક્ષણે
કેવી અને કેટલી મેચ્યોરીટીની અપેક્ષા રખાતી હશે ?અતિ પક્વ થઈને હું ખરી પડું એ પહેલા
મેચ્યોર સાબિત થવા મારે શું શું કરવું જોઈએ ?
અને શું શું છોડવું જોઈએ ?અને હા, તે તે મુજબની પકવતા બતાવ્યા પછી
મને મેચ્યોર હોવાનું સરતી મળશે ખરું ?
કોણ મને એની ટકોરાબંધ ખાતરી આપશે ?અને ધારો કે
જે તે પળે હું અમુક માત્રામાં મેચ્યોર થાઉં
તો એ પકવતા સૌને પૂરી તો પડશે ને ?કે સંજોગો અને વ્યક્તિ બદલાતા
મેચ્યોરીટીની વ્યાખ્યા અને ડિમાન્ડ પણ બદલાશે ?હું ઘડીક પાસ અને ઘડીક નાપાસ થવાની ?
‘ને હે …આ લાં….બી લોહીઝાણ ટેસ્ટમાં પાસ થાઉં
એટલી મેચ્યોરીટી મારી ઝોળીમાં
ઈશ્વરે આપી હશે ખરી ?પણ સાલુ, મેચ્યોર સાબિત થતા દરેક વખતે
મારી હયાતીનો કોઈ ને કોઈ ટુકડો જરૂર હણાશે…ખટાક્…….
ને હું મારામાંથી જ બાદ કરીશ.
પણ પછી હું શેષ બચીશ ખરી ?હું મને જ મળીશ ખરી ?
નહીં મળું તો હું મને ક્યા શોધીશ ?
સૌને થયેલી એ નિરાંતમાં કે મારી મૂંગી ચીસોમાં ?
-
ફિલ્મી ગઝલો – ૧૦૨. રફીક ગઝનવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ર
ફીક ગઝનવી સાહેબ મૂલત: સંગીતકાર અને અભિનેતા હતા. અભિનેત્રી અને ગાયિકા સલમા આગા ( નિકાહ ) એમની પૌત્રી. ભારત વિભાજન બાદ લાહૌર જઈ વસ્યા. ત્યાં કેટલીક ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. અહીં વિભાજન પહેલાં નિર્મિત અને એમનું સંગીત હોય એવી ફિલ્મોમાં મઝધાર, લૈલા મજનૂ, એક દિન કા સુલતાન, ઝીનત, ચલ ચલ રે નૌજવાન, મઝાક, પૃથ્વી વલ્લભ, કિસકી બીવી, સિકંદર, ભાગ્ય, બહુરાની, ચલતી દુનિયા, અપની નગરિયા, કિસ લિયે, સિતારા, મેરે લાલ, દો ઔરતેં, ગુલાબ ડાકુ, પ્રેમ પૂજારી, બહન કા પ્રેમ, જવાની દીવાની, ઈંતેકામ, રોશન આરા અનેહીર રાંઝા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાંથી ઘણી ફિલ્મોના ગીતો લોકપ્રિય થયેલા. વીસેક ફિલ્મોમાં એમણે અભિનય પણ કર્યો. ૧૯૪૩ ની ‘ નઝમા ‘ સહિત કેટલીક ફિલ્મોમાં પાર્શ્વગાયન પણ કર્યું.અહીં આપેલી ગઝલ એ એમણે ફિલ્મો માટે લખેલી એકમાત્ર રચના :
વો દિલ ગયા વો દિલ કે સહારે ચલે ગએ
જિન સે થા હમ કો પ્યાર વો પ્યારે ચલે ગએતુમ થે હરેક ચીઝ થી મેરે નસીબ મેં
તુમ ક્યા ગએ નસીબ હમારે ચલે ગએરોશન થા જિનકે દમ સે મેરા દિલ મેરા ખયાલ
વો ચાંદ ભી ગયા વો સિતારે ચલે ગએજબ બંધ આંખ કરતે હૈં યે દેખતે હૈં હમ
જૈસે કે હમ ભી સાથ તુમ્હારે ચલે ગએ..– ફિલ્મ : તોહફા ૧૯૪૭
– ગીતા દત્ત
– એમ એ રઉફ ઓસમાનિયા
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘જાગો’ લગતા ગીતો : जागो रे जागो प्रभात आया
નિરંજન મહેતા
ફિલ્મોમાં હાલરડાં તો હોય છે પણ સુતેલાને જાગૃત કરવા માટે કે અન્ય કોઈ કારણસર પણ થોડાક ગીતો ધ્યાનમાં આવ્યા છે.
શરૂઆત કરીએ ૧૯૪૧ની ફિલ્મ ‘સિકંદર’ના આ ગીતથી. જેમાં વનમાલા(?) આવતી જવાનીને અનુલક્ષીને ગાય છે.
उठ जाग जवानी आती है
उठ जाग
उठ-उठ दरवाज़ा खोल ज़रा
उठ-उठ दरवाज़ा खोल ज़रा
कुछ देख ज़रा कुछ बोल ज़राગીતકાર છે પંડિત સુદર્શન અને સંગીતકારમાં બે નામ છે, રફીક ગઝનવી અને મીર સાહેબ. ગાયિકા કદાચ મેનકાબાઈ.
૧૯૪૭ની ફિલ્મ ‘મેરી અમાનત’નું ગીત છે
उठो न भाई
देखो तो भोर भईવિડીઓ ન હોવાને કારણે કોને સંબોધીને આ ગવાયું છે તે જણાતું નથી પણ સુતેલા બાળકને માટે હોઈ શકે. ગીતકાર નિરંજન શ્રીવાસ્તવ અને સંગીતકાર શ્રીધર પાર્સેકાર. સ્વર છે કૃષ્ણ રાવનો. (ફક્ત ઓડીઓ)
૧૯૫૩ની ફિલ્મ ‘બાઝ’નું આ ગીત એક સમૂહ નૃત્યગીત છે જેમાં મુખ્ય કલાકાર છે ગીતા બાલી.
छम छम छम घुंघरू बाजे
………
जागो जागो सवेरा हुआ रात गईગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત છે ઓ.પી. નય્યરનું. ગાયિકા ગીતા દત્ત.
૧૯૫૪ની ફિલ્મ ‘પ્રતિમા’નું આ ગીત પણ એક ઓડીઓ છે એટલે વિડીઓ ન હોવાને કારણે કોને સંબોધીને આ ગવાયું છે તે જણાતું નથી
जागो हुआ सवेरा रे
गयी बीत वो रेन सुहानी
गयी बीत वो रेन सुहानीजीवन रेन बसेरा रे
जीवन रेन बसेरा रे
जागो हुआ सवेरा रे जागोનરેન્દ્ર શર્માના શબ્દો અને અરુણકુમારનું સંગીત. સ્વર છે પારુલ ઘોષનો. (ફક્ત ઓડીઓ)
૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’નું આ અત્યંત પ્રચલિત યુગલ ગીત છે.
जाग दर्द-ए-इश्क़ जाग, जाग दर्द-ए-इश्क़ जाग
दिल को बेक़रार कर, छेड़ के आँसुओं का राग
जाग दर्द-ए-इश्क़ जाग, जाग दर्द-ए-इश्क़ जागબે પ્રેમીઓના પ્રેમને ઉજાગર કરતા આ ગીતના કલાકારો છે બીના રોય અને પ્રદીપકુમાર. રાજીન્દર કૃષ્ણનાં શબ્દોને સંગીત આપ્યું છે સી રામચંદ્રએ અને સ્વર છે હેમંતકુમાર અને લતાજીના.
૧૯૫૪ની ફિલ્મ ‘મજબૂરી’નું ગીત પણ ક્યા સંદર્ભમાં છે તે જણાતું નથી પણ શબ્દો પરથી જણાય છે કે એક ભાઈ પોતાની બહેનને ઉદ્દેશીને જગાડવા આ ગીત ગાય છે .
जागो जागो जागो
जागो बहना हुआ सवेरा
तुम बिन कहा लागे दिल मेराબલરાજ સહાની કદાચ ગીતના કલાકાર. શબ્દો ડી.એન મધોકનાં અને સંગીત રોબીન ચેટરજીનું. સ્વર છે તલત મેહમુદનો. (ફક્ત ઓડીઓ)
૧૯૫૭ની ફિલ્મ ‘પાયલ;નું આ ગીત એક સમૂહનૃત્ય ગીત છે જે સંદેશાત્મક ગીત છે.
जागो और जगाओ
तुम सो भी चुके
तुम रो भी चुके
अब होश में आ भी जाओ
जागो और जगाओકલાકારો છે પદ્મિની અને સુનીલ દત્ત. રાજીન્દર કૃષ્ણના શબ્દો અને હેમંતકુમારનું સંગીત. મન્નાડે અને લતાજી ગાયકો.
૧૯૫૮ની ફિલ્મ ‘ટેક્ષી ૫૫૫’નું આ ગીત એક પ્રભાતિયા રૂપે છે.
भोर भई पंछी धुन ये सुनाए
जागो रे गई ऋतू फिर नहीं आयेરાખી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે પ્રેમ ધવન અને સંગીતકાર છે સરદાર મલિક. ગાયિકા લતાજી.
૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મેહબૂબ’નું આ ગીત પ્રેમસભર છે :
ऐ हुस्न ज़रा जाग तुझे इश्क जगाये
बदले मेरी तकदीर जो तू होश में आये (२)રાજેન્દ્ર કુમાર સાધનાને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે શકીલ બદાયુનીનાં અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’નું આ ભક્તિગીત છે જે લોકોને સવારનાં ઉઠાડવા માટે ગવાયું હોય તેમ જણાય છે.
हर नयी किरण के साथ
मंगल संदेश लाया
जागो रे जागो प्रभात आयाઓડીઓ હોવાને કારને કલાકારની ખબર નથી પણ શબ્દો છે ભરત વ્યાસનાં અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીતમય સ્વર છે મન્નાડેનો
૧૯૬૫ની ફિલ્મ ‘ઊંચે લોગ’નું આ ગીત એક પ્રેમીના મનોભાવને જાગૃત કરે છે
जाग दिल-ए-दीवाना रुत जागी वस्ल-ए-यार की
बसी हुई ज़ुल्फ़ में आयी है सबा प्यार की
जाग दिल-ए-दीवानाફિરોઝખાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તએ. પ્રેમસભર સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૫ની ફિલ્મ ‘ભૂત બંગલા’નું આ ગીત મેહમુદ પર રચાયું છે. :
जागो सोनेवालो सुनो मेरी कहानी
क्या अमीरी क्या गरीबी भूलो बाते पुरानीહસરત જયપુરીનાં શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. ગાયક કિશોરકુમાર.
બાકીના ગીતો હવે પછીના લેખમાં
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
મહેન્દ્ર શાહનાં વૉટર કલર પેઈન્ટીંગ્સ ઃ૧
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah Kala Sampoot May 2025 Water Colors
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ત્યારે અને અત્યારે : આરોગ્ય: સિક્કાની બીજી બાજુ
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
જાણીતી નવલકથા “ઝેર તો પીધાં છે જાણી જાણી…’માં નાયિકાના પિતા ગોપાળબાપાની માંદગી અને મૃત્યુનો પ્રસંગ આવે છે. દવા લેવાની એ ના પાડે છે. કહે છે,“ઓષધમૂ જાહન્વી તોયમ્”, ગંગાનું જળ જ હવે ઔષધ છે. સંબંધીઓ એમની પથારીની આસપાસ બેઠા રહે છે, ભજન ગાય છે અને એ વાતાવરણમાં બાપા દેહ છોડે છે.
નવલકથાનો આ ભાગ ૧૯૫૨માં પ્રકાશિત થયો. એ દિવસોમાં આ પ્રકારનુ દ્રશ્ય સામાન્ય હતું. દાક્તરો જેનું નામ ન પાડી શકતા એવી બીમારી લાંબી ચાલતી. કુદરતી ક્રિયાઓ પણ પથારીમાં જ થાય તો તેની વ્યવસ્થા પણ કુટુંબીજનો કંટાળા વિના કરતા. ધીરેધીરે ઊંડા ઊતરતા વડીલોને સમ્ભવત: પોતાના એકમાત્ર જીવનની લાબી યાત્રા યાદ આવતી હશે અને પાસે બેઠેલાં સ્વજનોનો તેમાં જે ફાળો હશે તે પણ. ભજનમાં ભગવાનની યાદ વિદાયની પીડા ઘટાડતી હશે. ઘરમાં ગંગાજળની સીલ કરેલી ટબૂડી રહેતી, ખરે જ અંત સમય આવે ત્યારે મોઢામાં મુકાતું. આમાંથી ઘણું આજે જોવા નથી મળતું.
પહેલાં તો મહિનાઓ સુધી પથારીવશ રહેવું પડે તેવી લાંબી માંદગીના કેસ ઓછા થાય છે. પણ જો એવી સ્થિતિ આવે તો આસપાસ વીંટળાઈને બેસીને બીમારને કંપની આપવાનો સ્વજનો પાસે સમય નથી. સંતાનો હવે ઓછાં હોય છે અને હોય તેમાંથી કોઈ બહારગામ કે વિદેશમાં હોય. શહેરમાં અંતરો વધી જવાને કારણે ઇચ્છા હોય તો પણ સગાંવહાલાં રોજ ન આવી શકે. દૈનિક સારવાર ઘરમાં રહેતા સભ્યોથી ન થાય તો પગારદાર ‘એટેન્ડન્ટ’ આવે છે. એ પડેલાં તો ડાયપર પહેરાવે છે! ઘરે વિઝિટ લેતા ફૅમિલી ડૉક્ટરની વ્યવસ્થા મોટાં શહેરોમાં તો અદશ્ય થઈ ગઈ છે. આથી દરદીની પીડા ઓછી કરવા હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવવાના પ્રસંગ વધારે છે. આમેય તબીબી શાસ્ત્ર પાસે બધી સમસ્યાનો કંઈક તો હલ હોય જ તેવી માન્યતાને કારણે અંત સમયે પણ, વડીલોને હૉસ્પિટલ લઈ જવા જોઈએ તેવું સામાજિક દબાણ સંતાનો પર હોય.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ખાનગી હોસ્પિટલો નવા દરદીને ઇન્ટેન્સિવ કેઅર યુનિટ (ICU)માં મૂકવા તત્પર હોય છે, પરંતુ તેમાં સ્વજનોને દાખલ થવા નથી મળતું. એટલે વડીલોને માટે પૂજા-પ્રાર્થનાનું આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવાનો તો સવાલ જ નથી થતો. અંતિમ ક્ષણોમાં સંતાનોનો હાથ, હાથમાં લેવાની પણ તક દરદીને નથી મળતી. ક્યારેક તો એવી પરિસ્થિતિ થાય છે કે સ્વજને છેલ્લો શ્વાસ ક્યારે લીધો એય સંતાનોને ખબર નથી પડતી.
વેપારી હોસ્પિટલો :
આઝાદી વખતે અને તે પછી પણ અમુક સમય હૉસ્પિટલ તો સરકારી જ હતી. અપવાદરૂપે મુંબઈ, કલકત્તા અને દિલ્હીમાં એક-એક ખાનગી હોસ્પિટલો હતી. ધીમેધીમે ટ્રસ્ટની બનાવેલી હોસ્પિટલો આવી. તે રીતે ખાનગી નર્સિંગ હોમ પણ આવ્યાં, જેમાં ૪-૬ પથારીઓ હોય. તેમાં મોટા ભાગનાં પ્રસૂતિ ગ્રુહો હતાં. આ બધી ખાનગી સંગવડો સેવા માટે હતી. દાતાનાં ટ્રસ્ટો આરોગ્ય વિશે કંઈક કરવા માગતાં હતાં. દાક્તરોનાં નર્સિંગ હોમ એમનાં જ્ઞાનનો ઉપયોગ હતો, જેમ વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના ક્ષેત્રનું કામ કરવા ઓફિસ ખોલે અને ફી લઈને કામ કરે તેમ દાક્તરનાં નર્સિંગ હોમ હતાં. એમાં વેપાર કે ધંધાનો દષ્ટિકોણ ન હતો.
૧૯૮૩માં ‘એપોલો’એ પહેલી કૉર્પોરેટ હૉસ્પિટલ મદ્રાસ (હવે ચેન્નઈ)માં સ્થાપી ત્યારથી દશ્ય બદલાઈ ગયું છે. જે હૉસ્પિટલના શેરબજારમાં ભાવ બોલાય તેનું અસ્તિત્વ ધંધા માટે છે અને ધ્યેય નફો છે એ વાતમાં ક્યાં શંકા રહી? આ કારણે ત્યાં જે સેવા મળે છે તેની ઢબ જ જુદી છે. તેથી સેવોઓનો વિસ્તાર થયો તે ખરું, પરંતુ સારવાર મોંઘી થઈ ગઈ. ક્યારેક તેમાં અનીતિ અને અનિષ્ટ પણ પેસી જાય છે. દિલ્હીની એક હૉસ્પિટલનો કિસ્સો જાણીતો છે, જેમાં એક તરુણીનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ કુટુંબ પાસેથી સારવારનું બિલ વસૂલે જતા હતા! આવી વેપારી જગ્યાએ કામ કરતા દાક્તરો માયાળુ કે સેવાભાવી હોઈ શકે, પરંતુ એ જ વેળા તેઓ કંપનીની નોકરીમાં છે અને તેની નીતિઓથી બંધાયેલા છે. પરદેશી કંપનીઓ પણ અહીં આવી હૉસ્પિટલ ખોલવા માંડી છે તે બતાવે છે કે તેમાં કેટલો નફો છે.

ગયા લેખમાં વાત કરી તેમ નિદાન અને ઉપચાર માટે નવાં યંત્રો શોધાયાં છે, પરંતુ એ પાર વિનાનાં મોંઘાં છે. એમાં રોકેલી મૂડીનું વળતર મળતું રહે તેવું ‘હોસ્પિટલ કંપની’ જરૂર ઇચ્છે. તે કારણે એના પ્રતિનિધિ તરીકે ડૉક્ટરે તમને તર્ક વિનાનાં પરીક્ષણો માટે મોકલવા પડે. ‘મેડીક્લેઈમ’ની સગવડ લીધી હોય તેવા કિસ્સામાં આ કામ વધુ મોકળાશથી થાય છે! પેટની સારવાર માટે દાખલ થયેલા અમારા એક સંબંધીને રજા આપતાં પહેલાં કિરણોત્સર્ગી આઇસૉટૉપ વાપરીને હૃદયની તપાસ (MIBI ટેસ્ટ) કરી આપી. દરદીએ પૈસા ચૂકવવાના નહીં એટલે એ ખુશ, પરંતુ વિના કારણે શરીરમાં કિરણોત્સર્ગી રસાયણ પેસાડ્યું તેનું શું?
દર્દી ગ્રાહક બન્યો :

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સર્જન પોતાની નિપુણતાથી અને બીજા ડૉક્ટરો પોતાના જ્ઞાનથી જીવન બચાવી શકે છે. આથી ગઈ પેઢીઓએ દાક્તરને ભગવાનતુલ્ય માન્યા હતા. પરંતુ જ્યારથી લૅબ સાથે કે દાક્તરોમાં આપસ માં કમિશનની લેતીદેતી ની શંકા પડી છે, આ ભાવના નબળી પડવા લાગી છે. દાક્તર અને દરદી વચ્ચે એક ખાસ વિશ્વાસનો સંબંધ હતો તે અત્યારે નબળો પડેલો દેખાય છે. એટલે સુધી કે હવે દાક્તરી સેવાને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મુકાઈ છે. ડૉક્ટરોનો ભક્ત હતો તે દરદી હવે ‘ઘરાક’ બની ગયો. ભૂલ થાય તો દરદી કાયદો બતાવશે તેવા ડરને કારણે હવે હૉસ્પિટલો અને ડૉક્ટરો વધુ ને વધુ પરીક્ષણો કરાવવા લાગ્યાં છે. આમ મોંઘી સારવાર વધુ મોંઘી બની છે. અંગત વાતચીતમાં ડોક્ટરો તબીબી શિક્ષણ મોંઘું થયું હોવાને કમિશન વ્યવસ્થા માટે જવાબદાર ઠરાવે છે. એ ખરું છે કે અમારી પેઢીમાં જે ડૉક્ટરો બન્યા તે સરકારી મેડિકલ કૉલજોમાં, નજીવી ફી ભરીને ભણ્યા હતા. આજે મોટી સંખ્યા ખાનગી કોલેજોમાંથી ભણી ઊતરે છે, જ્યાં ફી કલ્પનાતીત છે. ગરીબ તો ઠીક, મધ્યમ વર્ગને પણ પરવડે તેવી નથી.
બેઅસર દવાઓ :
તબીબી ક્ષેત્રની ધસમસતી પ્રગતિની એક આડઅસર છે દવાઓનો અતિરેક. શરૂમાં જ્યારે માત્ર ગણીગાંઠી દવાઓ જ હતી ત્યારે દવા વિના ચલાવી લેવાની વૃત્તિ હતી. જેમ-જેમ નવાં દ્રવ્યો આવતાં ગયાં, ઉપચાર સરળ લાગ્યા એટલે લોકોની સહનશક્તિ ઘટતી ગઈ. દુ:ખાવા કે તાવની દવાઓ લોકો જાતે લેવા લાગ્યા અને ઍન્ટિબાયોટિક્સ ડૉક્ટરોએ ઉદારતાથી લખવા માંડી. શરદી કે પેટના ઝાડા જેવી તકલીફોમાં હંમેશાં પ્રતિ—જીવાણુ દવાની જરૂર નથી હોતી, પરંતુ ડૉક્ટરોએ બીજી દવાઓની સમાંતરે એ પણ આપવા માંડી. ગૂમડાં જેવા બાહ્ય ચેપને પણ જલદી કાબૂમાં લાવવા માટે ખાવાની ઍન્ટિબાયોટિક છુટ્ટા હાથે વપરાઈ. કેટલાક લોકો ડોઝ અધૂરો પણ છોડતા.
આ બધાને કારણે જીવાણુની કેટલીક જાતો આ દવાઓને પેંધી પડી ગઈ. આને ‘એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ’ કહે છે. એને કારણે બીજી વાર દવાનો વધુ ડૉઝ લેવો પડે અથવા એ લાગુ જ ન પડે તો જુદા પ્રકારના દ્રવ્યથી બનેલી દવા દેવી પડે. મેલેરિયા માટે ક્લોરોક્વીન અને ટાઈફોઈડ માટે સ્ટ્રેપ્ટોમાઇસીન આવી ત્યારે ચમત્કારિક ગણાતી. ધીમેધીમે તેની ધાર બુઠ્ઠી થઈ રહી છે. નવી અને વધુ આકરી દવાઓ શોધાતી ગઈ, પરંતુ તે છતાં કેટલાક જીવાણુઓ ‘અમર’ બની ગયા છે. ઓપરેશન થિયેટરને ચેપમુક્ત રાખવા એ હૉસ્પિટલો સામેનો આજે મોટો પડકાર છે! એવું પણ નથી કે જેણે બિનજરૂરી દવા લીધી હોય કે ડૉઝ અધૂરો છોડ્યો હોય તેને જ ‘આકરી’ દવા લેવી પડે. અમુક દવા સાથે સમજૂતી કરી લીધી હોય તે જીવાણુનો પ્રકાર જેના પણ શરીરમાં જાય તેણે જુદી દવા જ લેવી પડે.

ચારે તરફથી આશીર્વાદ વરસાવતા આરોગ્ય ક્ષેત્રના વિકાસની વચ્ચે અહીં જોઈ તેવી તકલીફોને લોકો અવગણે છે. તેનું કારણ એ દૂઝણી ગાયની લાત છે, જે મળે છે તે ગુમાવ્યા કરતાં વધારે છે.
આયુષ્ય ૨૭માંથી ૭૦ વર્ષ થવાની એ કિંમત છે અને જેને ભાગે એ કિંમત ચૂકવવાની આવે તો એનાં મૂળ તબીબી વિકાસમાં નથી જોઈ શકતાં.
છેલ્લે એક ઊક્તિ :
એ જમાનામાં બધાનો જન્મ ઘરે થતો,
બધાનું મૃત્યુ પણ ઘરે જ થતું.
આજે કોઈનો જન્મ ઘરે નથી થતો અને
અડધાં મૃત્યુ હૉસ્પિટલમાં કે તેના રસ્તામાં
થાય છે.
સૌજન્યઃ નવનીત સમર્પણ * ફેબ્રુઆરી ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઇશ્વરના ઇ મેઇલ….૧૨
સહજ અને સરળ બનીએ…
નીલમ હરીશ દોશી
સહજ અને સરળ બનો,
કોઇની યાત્રા કે કોઇની હજ બનો..પ્રિય દોસ્ત,
લાગે છે ઇમેઇલને ઝરુખે આવવાની હવે મને પણ આદત પડી ગઇ છે. આ ઝરુખો મને એટલા માટે ગમે છે કે અહીં પત્ર મળવાની પ્રતીક્ષા નથી કરવી પડતી. તરત દાન ને મહાપુણ્યની જેમ પત્ર મોકલ્યો નથી કે મળ્યો નથી. દોસ્ત, મને પણ તારી જેમ સેન્ડનું બટન દબાવવાનું ફાવી ગયું છે.
દોસ્ત, કાલે મને તારી એક વાત જરા પણ ન ગમી. કાલે જમીને તું તારા એ.સી. ઓરડામાં આરામ ફરમાવતો હતો. બહાર કાળઝાળ ગરમી હતી.ધોમધખતો તાપ હતો. એ.સી.રૂમમાં બેસીને પણ તું સતત ગરમીની ફરિયાદ કરી રહ્યો હતો. ત્યાં તારું ધ્યાન બહાર તારા ફળિયામાં કામ કરી રહેલા માળી પર ગયું. ધોમ ધખતા તાપથી થાકીને એ થોડી વાર વિસામો ખાવા ઝાડ નીચે બેસીને પસીનો લૂછી રહ્યો હતો. એને બેસેલો જોઇ તારો મિજાજ છટકયો
‘ તને બેસી રહેવાના પૈસા મળે છે ? કામચોર અને એવા અનેક વિશેષણોથી તેં એને નવાજયો. નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. માળી બિચારાએ માફી માગી અને કરગર્યો કે પાંચ મિનિટ પોરો ખાવા જ બેઠો હતો. ગરમીમાં..
ગરમી લાગતી હોય તો ઘેર જઇને બેસ.
અને તેં એને પાંચ મિનિટ પણ જંપવા ન દીધો.
દોસ્ત, મને તારા આ વર્તનથી બહું દુખ થયું. તને ગરમી લાગે અને એ નાના માણસને ગરમી ન લાગે એમ ? ઠીક છે..કામ એની ડયુટી છે.પણ આવો સખત તાપ હોય ત્યારે તું એને સામેથી થોડી વાર આરામ કરવાનું ન કહી શકે ? એટલી દયા, કરૂણા નાના માણસ પર ન રાખી શકે ? ઠંડી, ગરમી બધું મોટા, અમીર માણસોને જ લાગે ? નાના, ગરીબ માણસોને નહીં ? દોસ્ત, હું તારાથી નારાજ છું. હું નારાજ છું તારા આ અમાનવીય વર્તનથી. બહાર મોટી મોટી વાતો કરનારો, દયા, ધર્મની વાત કરનારો તું આવો દયાહીન ? દોસ્ત, તારી પૂજા હું કેમ સ્વીકારી શકું ?
દોસ્ત, નાના માણસોને તુચ્છકારથી જોવાની, એમને હડધૂત કરવાની તારી આદત બદલી શકીશ તો મને આનંદ થશે.દોસ્ત, તારી પાસે પૈસો છે એથી તું મોટો થઇ ગયો ? દોસ્ત, આવી નાની નાની અનેક બાબતો છે જેનો વિચાર કદીક શાંતિથી બેસીને કરીશ તો બની શકે તને તારી ભૂલ સમજાય. મને તારી પાસેથી હીરા માણેકની અપેક્ષા નથી પણ દોસ્ત, તારી પાસેથી થોડી માણસાઇની આશા તો રાખી શકું ને ?
મને એક બીજી વાતનું પણ આશ્વર્ય હમેશા થાય છે. તું મારે મંદિરે મારા દર્શન માટે આવે છે.પણ ત્યારે યે તાર મનમાં તો તારી ઓફિસ, તારા કામ જ રમતા હોય છે. તો કયારેય એવું બને છે ખરું કે ઓફિસમાં હોય ત્યારે તારું ચિત્ત મારામાં જ હોય. મંદિરમાં ઓફિસ યાદ આવે પણ ઓફિસમાં તને કદી મંદિર યાદ આવે ખરું ?
તાર જવાબની મને પ્રતીક્ષા રહેશે.
લિ. તારો ઇશ્વર
પ્રાર્થના એટલે દિલથી દિવ્યતાનો સ્વીકાર
જીવનનો હકાર.
આપણે દરેક જણ અન્યનું કંઇક ને કંઇક દુ:ખ તો ઓછું કરવા અવશ્ય સમર્થ છીએ.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
સંસ્કૃતિભેદ જોડે પણ ખરો, અને તોડેય ખરો
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘જાડીયો’, ‘ગોલુમોલુ’, ‘ખેંપટ’, ‘સુકલકડી’, ‘ચીંચપોકલી ઑફ બૉમ્બે’ જેવા અનેક શબ્દો શરીરસૌષ્ઠવ ધરાવતા કે ન ધરાવતા લોકો માટે ઊપયોગમાં લેવાતા આપણા કાને પડતા આવ્યા છે, અને આપણે પણ કોઈકનો ઊલ્લેખ આ રીતે કરતા આવ્યા છીએ. આવામાં આજકાલ અભ્યાસ માટે વિદેશ સ્થાયી થઈ રહેલી યુવા પેઢી પશ્ચિમી સમાજના વ્યક્તિસ્વાતંત્ર્યના વ્યવહારુ અમલને જુએ છે અને ભારતમાં રહેતા પોતાના વડીલોને સમજાવવા પ્રયત્ન કરે છે કે આને ‘બૉડી શેઈમિંગ’ કહેવાય, અને કોઈને એના શારિરીક વર્ણન થકી ઓળખવું એ અસભ્યતા ગણાય. વાત તો સાચી છે, પણ આમાં મૂળભૂત ફરક સંસ્કૃતિનો છે. કોઈને ઘણા લાંબા સમયે મળતા હોઈએ ત્યારે અનાયાસે જ ‘તમે બહુ દુબળા થઈ ગયા’ કે ‘તમારું વજન સહેજ વધ્યું જણાય છે’ જેવાં વાક્યોની આપ-લે આપણે ત્યાં સામાન્ય વ્યવહાર છે. આપણી સંસ્કૃતિનું આ એ હદે અભિન્ન અંગ બની રહ્યું છે કે આવું ન પૂછવામાં આવે તો લોકોને ખરાબ લાગી જાય છે. જીવનના ઉત્તરાર્ધમાં પશ્ચિમી દેશોમાં સ્થાયી થયેલા વડીલો ત્યાંના તંત્ર અને તેની કાર્યપદ્ધતિની ભરપૂર અને વાજબી પ્રશંસા કરે છે, પણ તેમને ‘દેશ’ના ‘સામાજિક’ વાતાવરણની ખોટ બહુ સાલે એમ જોવામાં આવ્યું છે. આને જ કદાચ સંસ્કૃતિભેદ કહી શકાય.
હમણાં એપ્રિલ, ૨૦૨૫ના પૂર્વાર્ધમાં થાઈલેન્ડનું એક રેસ્તોરાં સાવ જુદા જ કારણોસર સમાચારમાં ચમક્યું. આ રેસ્તોરાંવાળાએ બહાર પાંચ ઊભા સળિયા અલગ અલગ અંતરે ઊભા કરીને એક ફ્રેમ બનાવી હતી. સૌથી પહેલા બે સળિયા વચ્ચેનું અંતર સાવ ઓછું, એ પછી એ અંતર સહેજસાજ વધતું જાય. સૌથી સાંકડી જગ્યા ધરાવતા સળિયાની વચ્ચેથી જે ગ્રાહક પસાર થઈ શકે એને વીસ ટકા વળતર, એ પછી વળતર પાંચ પાંચ ટકા ઘટતું જાય અને છેલ્લે પાંચ ટકા વળતર પછીના સળિયા વચ્ચે એકદમ પહોળી જગ્યા હોય. આનો અર્થ એટલો કે સાવ પાતળી વ્યક્તિ જે ઓછી જગ્યામાંથી નીકળી શકે એ વીસ ટકા વળતરની હકદાર બને, એ પછી અનુક્રમે પંદર, દસ અને પાંચ ટકા વળતર મળે. એટલે કે શરીર વધુ એમ વળતર ઘટતું જાય. આ ચાર પૈકી એકેમાંથી પસાર થઈ ન શકે એને કશું વળતર ન મળે અને પૂરેપૂરું બીલ ચૂકવવાનું થાય. હતું તો આ ગતકડું, પણ જે રીતે એ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર પ્રસર્યું એ પછી તેની પર જાતભાતની ટીપ્પણીઓ થઈ અને વિચારસ્વાતંત્ર્યનો ગજબનો પરચો જોવા મળ્યો.[1]
તેના વિડીયોમાં એક ગ્રાહક પંદર ટકા વળતર ધરાવતા અવકાશમાંથી પ્રવેશવાનો પ્રયત્ન કરે છે અને તેના મિત્રો પાનો ચડાવે છે. જો કે, એ આમાંથી પસાર થઈ શકતો નથી અને આખરે પાંચ ટકા વળતરવાળી ફ્રેમમાંથી પસાર થાય છે. પહેલી વાર જોતાં આ દૃશ્ય રમૂજ પ્રેરે છે, પણ અનેક લોકોએ પોતાની અકળામણ ઠાલવી છે. આ રેસ્તોરાંના માલિકોને તેમણે અસંવેદનશીલ ગણાવ્યા છે. કેટલાકે તેમની પર ‘બૉડી શેઈમિંગ’નો તેમજ વજન બાબતે નકારાત્મક અભિપ્રાયને દૃઢ કરવાનો આરોપ મૂક્યો છે. એક જણે લખ્યું, ‘અમેરિકા હોત તો આની પર કોઈકે દાવો માંડી દીધો હોત.’ તો કોઈકે કહ્યું, ‘આમાં ખોટું શું છે? આને કારણે ભોજનસંબંધી સમસ્યાઓ વધી શકે છે. લોકોને ખાવાની મજા લેવા દો અને તગડા થવા દો.’ એક જણે એમ કહ્યું કે આ એક જ શારિરીક કસોટી છે કે જેને હું પસાર કરી શક્યો છું.
આમ જોઈએ તો, સામાન્યપણે કોઈ સ્વાસ્થ્યના હેતુથી બહાર ભોજન લેતું નથી. શોખ, આદત, કાં જરૂરિયાતથી એમ થતું જોવા મળે છે. અમસ્તો પણ રજાઓમાં બહાર ભોજન લેવાનો પ્રવાહ આપણે ત્યાં હવે વધેલો જણાય છે. રેસ્તોરાંથી માંડીને શેરીના નાકે ઊભેલી લારીઓ પર ગ્રાહકોનાં ટોળેટોળાં જોવા મળે છે. ઘણાં ભોજનસ્થળોએ મૂળભૂત સ્વચ્છતાનો જ પ્રશ્ન હોય છે, ત્યાં ગ્રાહકના સ્વાસ્થ્ય અને શારિરીક બાંધાને લક્ષમાં કોણ લે? રેસ્તોરાં કે લારી ન કરી શકે એવા લોકો ‘ક્લાઉડ કીચન’માં એટલે કે પોતાના ઘેર જ ‘બહારનું’ ભોજન તૈયાર કરી-કરાવીને ગ્રાહકોને પહોંચાડે એ ચલણ પણ પુષ્કળ વધ્યું છે. આવી ગળાકાપ સ્પર્ધા વચ્ચે કોઈ પણ રીતે ગ્રાહકોને આકર્ષવા માટે અવનવાં ગતકડાં વિચારીને અમલી બનાવાતાં હોય છે. તેનો મૂળભૂત આશય જ એ હોય છે કે એના વિશે વાત થાય, એ વધુ ને વધુ ચર્ચાય, એની પર સામસામા મતનો મારો થાય, કેમ કે, સાદા પ્રચારનો વ્યાપ અને અસર મર્યાદિત હોય છે.
પ્રવર્તમાન સમયમાં ‘નેટીઝન’ એટલે કે ઈન્ટરનેટનો ભરપૂર ઊપયોગ કરતા લોકોની સંખ્યા વધી છે. જગતની જ નહીં, બ્રહ્માંડની એકે એક બાબત પર, શક્ય એટલી ત્વરાએ પોતાનો મત આપવાને તેઓ પોતાનો મૂળભૂત અધિકાર ગણે છે. ઘણાને માટે આમ કરવું સમય પસાર કરવાનું સાધન છે, તો ઘણા તેને પોતાની ફરજ પણ સમજે છે.
આની સામે એક વાસ્તવિકતા એવી છે કે આ માધ્યમ પર ચર્ચાયેલા મુદ્દાનું ટકાઉપણું ખાસ નથી. આજે એક તો કાલે બીજો મુદ્દો ચર્ચાવા લાગે છે, અને એની પર ‘નેટીઝન’ પોતાનો મત પ્રગટ કરવા માંડે છે. અપવાદ સિવાયના મોટા ભાગના કિસ્સે આવી ચર્ચા ‘ચાના કપમાં વાવાઝોડા’ સમી પુરવાર થાય છે. પોતાની મતિને સ્થિર રાખવાની, ભિન્ન મતનો આદર કરવાની તેમજ અધૂરી જાણકારી થકી અભિપ્રાય ફેંકવાથી બચવાની અઘરી કવાયત કરી શકનારા ઓછા ‘નેટીઝન’ હોય છે.
[1] સાંદર્ભિક વિડીયો ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૫ : ગોવાહત્તી – આસામ
પ્રીતિ શાહ-સેનગુપ્તા
શિલૉન્ગથી ગોવાહત્તી જતી બસ ભરાઈ ગઈ. ત્રણેક પુરુષોને ઊભાં રહેવું પડ્યું. બધાના હાથમાં, ખીસામાં અને મોઢાંમાં ચૂનો લગાડેલાં અને કાચી સોપારી ભરેલાં પાન હોય જ. રોજનાં એંસી ખાનારા તો ઘણા મળે. બધાના દાંત લાલ. કહોવાતા પણ હશે. બધા ઉધરસ ખાતા રહે, જ્યાં હોય ત્યાં થૂંક્યા કરે. આ ટેવ નહીં, નશો છે આ રાજ્યોના લોકો માટે. વળી, બધી બસોમાં ધૂમ્રપાનની મનાઇનાં વાક્ય લખેલાં હોય છે, પણ કોઈ એના પર ધ્યાન નથી આપતું. કંડક્ટર પોતે જ બીડી પીતો હોય એમ બને. આ વાસ અને વાહનોના ધુમાડાથી ભરાઈ જતી હવામાં શ્વાસ લેવાનું પણ અઘરું બનતું હતું. હું તો શરૂઆતથી જ થાકી ગયેલી, ને હજી તો આસામની તળેટી સુધી પહોંચતાં ચારેક કલાક થવાના હતા.
વચ્ચે બરાપાનીનું સુંદર સ્થાન મનને તાજગી આપી જાય છે. ઘેરા લીલા પહાડોથી વીંટળાયેલું ભૂરું ભૂરું સરોવર. શંકુદ્રુમોનો પાર નહીં. આવી જગ્યાએ રહેવું ગમ્યું હોત. મેઘાલયમાં જતી વખતે આ દૃશ્ય જોવા નહોતું મળ્યું. વિમાનમથક અહીંથી નજીક છે, એટલે રહેવાની સગવડ પણ હશે જ. એક વાર, લીલા ઢોળાવોનો એકરંગ ભાંગતો અસંખ્ય સૂરજમુખીનો ચળકતો બેશરમ પીળો પથરાટ મનને હરખાવી ગયો.
હજી નીચે ઊતરતાં, રસ્તા પર ધસી અને ફસકાઈ પડેલી જમીનમાં દટાઈ ગયેલી વનસ્પતિનાં થોડાં થોડાં પાંદડાં બિચારાં બહાર રહ્યાં હતાં. વળાંકો તો બહુ જ નરમ થયેલા હશે, કારણકે કેટલીક ટ્રકો ખાઇમાં સરકી ગયેલી કે ઊથલી પડેલી. બાંધેલો માલ પહેલાં ખસેડવો પડે ને પછી જ ટ્રકોને સીધી કરી શકાય. ડ્રાયવરો શું કામ ચલાવતા હશે વાહનોને આટલી ઝડપે? આ પર્વતીય રાજ્યોમાં જાહેર બસની દરેક મુસાફરી જોખમી છે. ક્યારે અકસ્માતમાં સપડાઇ જઇએ તે કહેવાય નહીં. હું રોજેરોજ જીવને મુઠ્ઠીમાં લઇને નીકળી પડું છું.
ં ં ં ં
ગોવાહત્તીમાં પ્રવેશતાં વાહનો અને હૉર્ન મારવાનું વધી જાય છે. હું આશરે જ રિક્ષા લઈને ટૂરિસ્ટ લૉજમાં ગઈ. રૂમ મળી ગયો, ને એ હતો ય સારો. ચોખ્ખો. પથારી પર મચ્છરદાની હતી, ને તે ય ચોખ્ખી. ખાવાનું નહોતું મળતું ત્યાં, પણ લાયબ્રેરી, મ્યુઝિયમ, સ્ટેશન વગેરે ત્યાંથી નજીક લાગ્યાં. મ્યુઝિયમમાં તો તરત જ ગઈ. ખૂબ જ સરસ મધ્યયુગીય પાષાણ-શિલ્પ પ્રદર્શિત થયેલાં હતાં. વિષ્ણુ, સૂર્ય, યમુના, શિવ વગેરેનાં શિલ્પ શાંતિથી જોયાં. ઉત્તર-પૂર્વ નાટ્યોત્સવ અને પુસ્તકમેળો પણ શરૂ થવાનાં હતાં. મને એક-બે નાટક જોવા મળશે એમ ધારું છું.
રાત કમાલની ગઈ. જાત-જાતના અવાજો. લોકોના, ટેલિવિઝન, વાહનોનાં હૉર્ન, ટ્રેનોની વ્હિસલ, બાજુનાં રૂમમાંથી નસકોરાં – એટલી પાતળી હશે દીવાલો?, અને હતા કૂતરા, જંગલમાં હોય તેમ ભસ્યા આખી રાત. સવાર વહેલી પડી. ફરીથી સ્ટાફનો ઘોંઘાટ શરૂ થઈ ગયો. મચ્છર ના નડ્યા તો અનવરત અવાજ નડ્યા.
સવારે રસ્તા પર ભીડ કે ઘોંઘાટ નહોતા. પહોળા ચોખ્ખા રસ્તા પર મોટાં, જૂનાં, ઘેઘૂર વૃક્શોનો મોભો, ફૂટપાથો તૂટેલી નહીં, હવામાં જરા ભીનાશ. કૉટન કૉલેજ, હાઇ કૉર્ટ, ન્યાયાધીશોના નિવાસો, સર્કીટ હાઉસ, હોટેલ અશોક વગેરે પાસે થઈ ચાલતાં ચાલતાં હું અચાનક નદી પાસે આવી ગઈ. આ તો મહાનદ બ્રહ્મપુત્ર, પણ એ હતી ક્યાં? ધુમ્મસમાં એ અવગુંઠિત હતી. હું ઊભી હતી તે કિનારે મને પાણી દેખાતું હતું, પણ પછી ભૂખરા રંગનો વ્યાપ પેલે પાર અને ક્શિતિજ સુધી પહોંચતો હતો. પોતાના જળ-સામર્થ્યથી જન-જીવન પર આધિપત્ય રાખતી ગૂઢ ને રહસ્ય-સમ ઉપસ્થિતિ.
જરા આગળ ચાલી તો એક નાની માર્કેટમાં પહોંચી ગઈ. તાજાં શાક અને નારંગીના ઢગલા લઈને પુરૂષો વેચવા બેઠા હતા. સરસ હતી માર્કેટ. નહીં ભીડ, ઘોંઘાટ, ભીનું કે ગંદું. પછી તો મઝા જ પડેને. ભીમની ગદા જેવી મોટી, જાડી ભારે ભારે દૂધી, સાવ પાતળાં ને લાંબાં રીંગણ, ઝીણાં આંબળાં, ઑલિવ જેવડાં ખાટાં જલપાઇ, સ્ટારફ્રૂટ, થોડી શેરડી, ને બીજાં કેટલાંક શાક જે ઓળખાયાં નહીં. મારકેટને છેડે નૌકા માટેનો મંચ હતો. બે મોટી સ્ટીમરો બાંધેલી ઊભી હતી, પણ જાહેર નૌકા મોડી હતી. સવારના નવ વાગેલા હજી તો. એકદમ ધીરે ધીરે ધુમ્મસ વિખેરાતું લાગતું હતું. વચમાંના પથ્થરિયા ટાપુ અને સામેનો કિનારો સાચુકલા બનતા જતા હતા. આખું દૃશ્ય રાખોડી હતું, પણ નજર એના પરથી ખસતી નહોતી.
કિનારે આવેલાં દૂરનાં ગામો સુધી જતી-આવતી આ નૌકાના ટાઇમનું કાંઇ નક્કી નહીં. મોડી આવે, ને ના યે આવે. ગ્રામજનોનું શું થતું હશે? મારો જીવ બળી ઊઠ્યો. કાંપથી છવાયેલી પોચી ભેખડો પર ચાલીને આગળ જવાનો વિચાર આવ્યો, પણ એવું કોઈ કરતું લાગ્યું નહીં. મુખ્ય એવા મહાત્મા ગાંધી રોડ પર થઈને જવું જ સારું હતું. એક મેદાનમાં સ્કૂલના છોકરાંની રમત-ગમત ચાલતી હતી. બીજા મોટા મેદાનમાં એક તરફ ક્રિકેટ રમાતી હતી ને બીજી તરફના ઘાસમાં નદીમાં ધોવાયેલાં ગાંસડીબંધ કપડાં, ચાદરો વગેરે સૂકવવા મૂકાતાં હતાં. માધવદેવ ઉદ્યાન, ભગવાન મહાવીર ઉદ્યાન વગેરેમાં જાજરમાન ઝાડ નીચે ગામડાંનાં કુટુંબો બેઠાં-સૂતાં હોય, ખાવાનું વેચાતું હોય, કોઈ હજામત કરાવતું હોય. છાંયડામાં બહુ સારું લાગે આપણને પણ. જોકે રસ્તા પર અસહ્ય ટ્રાફિક, હૉર્ન, ભીડ કે ધક્કામુક્કી નથી.
થોડે આગળ જતાં એક ઘાટ પર લાકડા ને વાંસની બનાવેલી લાંબી નૌકાઓ હતી. હવે તો એ બધીમાં પાણી, ડીઝલ ને તેલથી ચાલતી મોટરો લગાવેલી હોય છે. મેં એક ભાડે કરી. પાણી ડહોળું લાગે, ને નદી શાંત. મને એમ કે પાષાણી એક ટાપુ પરનું ઉમાનંદ મંદિર આજે જોઈ જ આવું. કાંપવાળા કિનારેથી પગથિયાં ચઢીને ટેકરી પર ગઈ. ચંપાનાં ઝાડ, છાંયડો, ઠંડક. આહા, ટલા બધા પાણીની વચમાં કેવી સરસ, ને ખાલી જગ્યા હતી. મંદિર ૧૯મી સદીનું ગણાય છે, પણ નીચે રહેલું શિવલિંગ કદાચ સ્વયંભૂ હોય, એમ કહે છે. શિવ અને ગણેશનું મંદિર, ને અંદરના ટાઇલો પર રાધે-શ્યામ લખેલું હતું.

ઉમાનંદ મંદિર
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીહોડીવાળા ત્રણે છોકરા કશું પીવામાં પડ્યા હતા. આસામમાં આ વખતે દારુબંધી હતી, પણ આમ આટલે દૂર કોણ જોવા-પકડવા આવવાનું હતું. મને કહે, નિરાંતે ફરો. ટેકરી પર બાવાઓની વાંસની ઝૂંપડીઓ હતી. દરેકને તાળાં. એક ખુલ્લી હતી એમાં મચ્છરદાની દેખાઈ. જોયું તો બે-ત્રણ બાવા અને ચારેક પૂજારીઓ ઝાડની નીચે પત્તાં રમવા બેઠા હતા. પૂજા કરવા આવનારાં અહીં ઓછા, તેથી આ લોકો બિચારા નવરા વધારે રહે.
ગોવાહત્તીમાં મેં બીજાં ત્રણ મંદિર જોયાં. ત્રણેય જુદાં, આગવાં. ફરી એક વાર હોડી લઈને પેલે પાર ગઈ. પાણીની વધ-ઘટ પ્રમાણે ખસેડી શકાય તે માટે ઘાટનાં પ્લૅટફૉર્મ તરતાં જેવાં હતાં. હાલતાં રહે. પહોળા પટ પછી રાજદુવાર ગામ શરૂ થાય. મોટરનું નામ નથી અહીં. લોકો ચાલે. નદીની પાઉડર જેવી સુંવાળી રેતમાં છોકરા ફૂટબૉલ રમે. છોકરીઓ તાંબાનો ઘડો કેડે લઈ પાણી ભરવા નદી પર આવે. નાનેરાં તો પહેરેલે કપડે જ પાણીમાં પડે. ન્હાય, તરે, ને ભીનાં જ ઘર તરફ ભાગે. આ નદી મા છે. એ પ્રમાળ છે ને કૃદ્ધ પણ છે.
ગલીઓમાં થઈને હું દલ ગોવિંદ મંદિર પર ગઈ. મોટું કમ્પાઉન્ડ, સાવ શાંત. વાંસળીવાળા કૃષ્ણની નાની મૂર્તિ હતી. દર્શન થઈ ગયાં. બાજુના વરંડામાં બેસીને મોટી ઉંમરની સ્ત્રીઓ ભજન ગાતી હતી. કેટલીક વિધવા લાગી. કેટલીક ધીમે ધીમે હજી આવતી હતી. રાજદુવાર ગામનાં કુટુંબોની માતામહ બપોરે અહીં ભેગી થાય છે. દૂરથી પણ મને સોપારી છોલાતી, પાન કપાતાં દેખાયાં. સમાગમની આવી જિંદગી હવે ક્યાં બહુ રહી છે?
ચાર વાગતાંમાં તો સૂરજ જોર ગુમાવી બેઠેલો. પહાડ પછી પહાડના આકારો ભૂખરા થઈ ગયા હતા. કશું સ્વપ્નિલ હતું આ દૃશ્યમાં. ભૂખરો રંગ પણ આટલો આકર્ષક હોઈ શકે? રેશમનો રંગ હવામાં. રેશમનું પોત નદીનું. જળ અને સ્થળ પરસ્પરમાં મગ્ન. સૂર્ય-બિંબ પક્વ રક્તિમ હતું. એના સ્પર્શે જળ સોનેરી-ગુલાબી થયું હતું. વાતાવરણ ગ્રામ્ય-રમ્ય હતું. ત્વરા વગરનું, કર્કશ રવ વગરનું. અપાર મૃદુત્વ, અપાર માધુર્ય. બ્રહ્મપુત્ર પર સૂર્યાસ્ત જોવાની ઝંખના હતી, તે સંપૂર્ણ થઈ.
ં ં ં ં
કામાખ્યાનું મંદિર તો ખૂબ જાણીતું. નીલાચલ પર્વત પર એ આવેલું છે. બસમાં ભારે ભીડ હોય. ચઢતાં ને ઉતરતાં પણ મુશ્કેલી. પંડાઓ ઊભા જ હોય, જોકે પાછળ ના પડે. મંદિરને રસ્તે બે બાજુ દુકાનો. એમાં પૂજાપો, પતાસાં, માતાને ધરાવવા માટેનાં બંગડી-ચુંદડી, ગલગોટાના હાર વગેરે, તથા ખાવા-પીવાનું મળે. આસપાસ કબૂતર, બકરા-બકરીઓ ને વાછરડાં પણ દેખાય. અંદર જવા માટે લાઇન. બે કલાક તો થઈ જ જાય. પચાસ રૂપિયા આપો તો સીધાં અંદર લઈ જાય.

કામાખ્યાનું મંદિર
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીમંદિર તેરમી સદીથી પણ પહેલાંનું ગણાય છે. ધર્મ-કથા પ્રમાણે પાર્વતીના દેહના એકાવન ટુકડા થયેલા, ને જુદી જુદી જગ્યાઓએ પડેલા. જેમકે, વૈષ્ણોદેવીમાં વાળ, જ્વાલાપુરમાં જીભ, ક્યાંક આંગળી, ક્યાંક આંખ, એમ અહીં યોનિ છે. અંદર ઘણાં શિલ્પ છે. સરસ પણ કંકુથી લાલ થયેલાં. લાલ કપડું પાથરીને બેઠેલા પૂજારીઓની સામે માતાની મૂર્તિઓ અને શિવલિંગો ફૂલોના હારથી દટાયેલાં હોય. કાંઈ જ દેખાય નહીં. બાજુના ફોટામાં જોવાનું. નાનાં ભીનાં પગથિયાં ઊતરીને છેક નીચે જાઓ ત્યાં પાણી સ્વયં પ્રગટ થાય છે, પણ એવું અંધારું કે કશું ના દેખાય, ને લપસવાની ભીતિ. સાવ નાની જગ્યા. ત્યાં ઘુંટણિયે પડીને સ્પર્શ કરવાનો, આચમન કરવાનું. પૂજારી બેઠા હોય. એ ચાંદલો કરે, હાર પહેરાવે, ને ભેટ માગે. મેં મૂકી નહીં, તો ચિડાયો. આ અંધારા કુંડમાં બીજી તરફ લક્શ્મી અને સરસ્વતી છે. આંખો એમનાં સુધી પહોંચે નહીં. ભીડ, ધમાલ ને ધંધાદારી વલણોની વચમાં ચિત્ત એકાગ્ર થાય પણ નહીં. પણ દર્શન, સ્પર્શ, આચમન કર્યાનો સંતોષ.
બહાર નીકળીને બે કલાક મેં આગળ-પાછળ ફર્યા કર્યું. નાનાં સ્થાનક, શિલા પર કોતરેલાં શિલ્પ, અને ગાર-માટી-છાણથી લીંપેલાં ઘણાં ઘર. ગામનું ગામ જ જાણે. પછી કોઈએ મને કહ્યું કે કામાખ્યામાં દસ હજારની વસ્તી છે. હાજર હતી તે બસમાં તો ભીડ થઈ ગઈ. ઘણા પુરુષો બહાર લટક્યા. એક વૃદ્ધા સાથે વાત કરતી બીજી બસની રાહ જોતી હું બેઠી. વીસેક મિનિટ એમ ગઈ. મેં કહ્યું, મા, તમારી ટિકિટ હું લઈશ. તો એ કહે, ના, ના, પૈસા છે. બસ આવતાં એ પહેલાં ચઢી ગયાં. હું તો ધક્કામાં જ અંદર થઈ ગઈ. માએ મારી જગ્યા રાખી હતી. ઊતરતાં એમણે મારા હાથ પર હાથ ફેરવ્યો. જીવ બળ્યો એમને છોડતાં.
એક સવારે ગોવાહત્તીના પલટન બજાર તરફ હું ગઈ. મારે આસામમાં પ્રથાગત એવું નામઘર જોવું હતું. પૂછ્યા પછી, હોટેલ જનતાની ગલીમાં એ દેખાઈ આવે તેવું છે. ખૂબ મોટી જમીન સાથેનું આ નામઘર ૧૯૫૪માં બંધાયું હતું. એક મોટો હૉલ, એની ત્રણ તરફ વરંડો. કીર્તન અને પૂજા ચાલતાં હતાં. પાંચ-છ પાટો મૂકીને બનાવાયેલા સિંહાસન ઉપર હરિ તથા રામ શબ્દ લખેલા. કોઈ મૂર્તિ અહીં હોતી નથી. વૈષ્ણવધર્મના પ્રણેતા શંકરદેવ દ્વારા નામઘરનો અભિગમ સ્થાપિત થયેલો. દેવનાં નામ ને સ્મરણ જ. પ્રતિમા નહીં. આપણી બાજુ વલ્લભાચાર્યે સ્થાપેલી બેઠકોની જેમ.

નામઘર
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીભજન ને પઠન સાંભળી હું નીકળવા ગઈ, તો એક પૂજારીએ મને રોકી. કહે, શરમાવાનું નહીં. આ મંદિર છે. અહીં બધાં પ્રસાદ ખાઈને જ જાય. બાફેલા મગ, ચણા, ચોખા પર આદુ, કોપરું, મીઠું નાખેલું. સાથે ફળના કટકા. કેળના પાનના ટુકડા પર મૂકીને આપ્યું. અંદર જઈને મીઠાઇ ધરાવાયેલી તે પણ લઈ આવ્યા. સરસ જલેબી અને છાનાની બરફી હતી. આ અનુભવથી, અને આ શહેરથી હું સંપૂર્ણપણે સંતૃપ્ત થઈ હતી.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સંભારણું -૪ – જનમ સાથે જોડાયેલું ખાલી ગાડું
શૈલા મુન્શા
હરિ હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારે,
મેં તો લગામ દીધી હાથ હરિને પ્રભુ ચાહે તો પાર ઉતારો”વર્ષો જૂનું આ ભજન જે ક્યારેય જૂનું તો થયું જ નથી, ભલે આજે રોકેટ યુગ આવી ગયો. હમણાં આ ભજન એક મિત્રની પ્રથમ પુણયતિથિની ભજન સંધ્યામાં સાંભળ્યું અને મનમાં વિચારોના ઘોડા દોડવા માંડ્યા. કેટલી આરત ભરી છે આ ભજનમાં! બાળક જન્મે ત્યારે તો આ ગાડું સાવ ખાલી જ હોય છે વર્ષો પસાર થતાં થતાંમાં તો પાપ પુણ્યના કેટલાય પોટલાં ભરાતા જાય છે.
આ સાથે હમણા વોટ્સેપ પર મળેલો એક સંદેશ પણ મજાનો છે અને અર્થસભર પણ!!
જન્મ અને મરણ પર વહેંચાતી મીઠાઈ જેના નામે વહેંચાય છે એ ભલા ક્યાં એ ખાઈ શકે છે, છતાં એ ભ્રમમાં કે બધું મારું જ છે અને મેં જ બધું પ્રાપ્ત કર્યું છે એ ભાર માથે લઈ માનવી સતત જીવતો હોય છે.
“જન્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી
શરુ થતી આ જિંદગીની રમત
શ્રાદ્ધના દૂધપાક પર
આવીને પુરી થાય છે.બસ….
આજ તો જીવનની મીઠાશ છે,
દુર્ભાગ્ય તો એ છે કે
માણસ આ બન્ને વખતની બન્ને મીઠાઈ
પોતે ખાઈ નથી શકતો
છતાં પણ
બધું મારુ જ છે
ના ભ્રમમાં જિંદગી જીવે છે”આજે આ સ્મરણોના પટારામાં કોઈ એવો મણકો શોધી રહી છું જે વ્યક્તિની સારપ અને કોઈના અહંકારના પોટલાં ખોલે.
વર્ષો પહેલાં અમારા પાડોશમાં એક મા દિકરો રહેતાં હતાં, એકનો એક દિકરો અને પિતાની છત્રછાયા નાનપણમાં ગુમાવી એટલે સહજ રીતે તે માતાની વધુ નિકટ હોય. સંસ્કારી ઘરની દીકરી પુત્રવધૂ બની ઘરમાં આવી. થોડા દિવસ તો નવી આવેલી પુત્રવધૂને ઘરના રીતરિવાજથી માહિતગાર થતાં લાગ્યાં. ધીરે ધીરે સાસુની દખલગીરી દરેક વાતમાં દેખાવા માંડી, એકનો એક દીકરો છે, મમ્મીએ જ મોટો કર્યો છે એમ સમજી નીનાએ બને એટલો સહકાર આપવા માંડ્યો. એક વર્ષ પછી દીકરીનો જન્મ થયો અને સાસુનો ગુસ્સો બન્ને પર વરસવા માંડ્યો, નવજાત બાળકીને વહાલ કરવાને બદલે સાસુનુ એ બ્રહ્મવાક્ય બની ગયું કે”પથરો જણ્યો” નીનાએ પોતાના માવતરની વગોવણી ના થાય એ માટે સહન કર્યે રાખ્યું. પાડોશીના નાતે નીના કોઈકવાર અમારા ઘરે આવતી, પણ પાછળ જ એની સાસુ આવી જ સમજો, જાણે નીના કોઈ વાત અમને કરી દેવાની હોય!!
આવી તકલીફો વચ્ચે નીનાને ફરી દિવસ રહ્યાં. પ્રસુતિ માટે નીનાને પિયર મોકલતાં સાસુએ ચોખ્ખું ફરમાન કર્યું કે જો દીકરી જન્મે તો પાછા આવવાની કોઈ જરુર નથી. ફરી દીકરીનો જન્મ થયો. માવડિયા પતિએ ફોન સુધ્ધાં ના કર્યો. અંતે માતા પિતાની સમજાવટે નીનાએ છૂટાછેડા લેવાનુ નક્કી કર્યું. પોતે ભણેલી હતી અને બન્ને દીકરીઓની સંભાળ લઈ શકે એમ હતી.
વર્ષો સ્વાભિમાનથી એકલા રહી નોકરી કરી નીનાએ દીકરીઓને એન્જિનિયર બનાવી, વધુ અભ્યાસ માટે લંડન મોકલી. એણે લગામ પ્રભુને હાથ સોંપવાને બદલે, પોતાની દુઃખી અવસ્થા પર આંસુ વહેવડાવવાને બદલે હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો. અજે જ્યારે નીનાની દીકરીઓને સ્વમાનભેર જીવતાં, વિદેશની ધરતી પર નામ રોશન કરતાં જોઉં છું, ફેસબુક પર સ્વતંત્ર રીતે દેશદેશાવર ફ્રરવાના ફોટા જોઉં છું તો હૈયું હરખથી છલકાઈ ઊઠે છે. બાજુમાં રહેતાં મનોજની માતા તો અવસાન પામી, પણ એની જિંદગી અત્યારે જે કારમી હાલતમાં પસાર થઈ રહી છે તે પણ જોઈ રહી છું. ડાયાબીટીશ, હાર્ટની તકલીફ અને એકલવાયું જીવન!!
જનમ સાથે જોડાયેલું ખાલી ગાડું કેટકેટલા પોટલાં, અભિમાન, અહંકાર માલિકીભાવ સત્તા, રુઆબથી ક્યારે ભરાતાં જાય છે એ સમજ આવતાં આવતાં અંત પાસે આવી જાય છે!!
વહિદા રહેમાન, જયાભાદુરી, ધર્મેંદ્રની ફિલ્મ “ફાગુન” યાદ આવી ગઈ. એની કથા પણ કાંઈ આવી જ છે, અને અંતમાં “તીસરી કસમ” ફિલ્મના ગીતના બોલ યાદ આવી ગયા.
“दुनिया बनानेवाले
क्या तेरे मनमें समाई
काहे को दुनिया बनाई
तूने काहेको दुनिया बनाईमीत मिलाके तूने सपने जगाए
सपने जगाके तूने
काहे को दे दी जुदाई
तूने काहे को दुनिया बनाई!!!આ વિચાર સાથે હરિને પ્રાર્થના, જીવનરુપી આ ગાડું ઘણા સદગુણ, દુર્ગુણોથી ભરેલું છે, મુકામ સુધી પહોંચતા ક્યાંક વધુ ઠોકર ના વાગે એ સંભાળજો, હરિ હળવે હળવે હંકારજો!!!!
ડાયરીના પાના આવા જ સંભારણાથી તો ભરાતાં જાય છે…….
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
