-
મનરેગાના બે દાયકા: પડકારો અને પ્રાસંગિકતા
નિસબત
ચંદુ મહેરિયા
સંસદના અંદાજપત્ર સત્રમાં ઓડિશાના કોરાપુટ મતવિસ્તારના અનુસૂચિત જનજાતિના કોંગ્રેસ સાંસદ સપ્તગિરિ શંકર ઉલાકાના નેતૃત્વ હેઠળની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીનો અહેવાલ રજૂ થયો હતો. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલયની એકત્રીસ સભ્યોની સંસદીય સ્થાયી સમિતિએ મનરેગામાં મહત્વના સુધારા સૂચવતી ભલામણો તેના સંસદ સમક્ષના રિપોર્ટમાં કરી છે. મનરેગાના કામના દિવસો અને દૈનિક વેતનમાં વૃધ્ધિ કરવા સમિતિએ ભલામણ કરી છે.
ગ્રામીણ ભારતના અકુશળ નાગરિકોને કામનો અધિકાર આપતો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ ( NAREGA) યુપીએ-૧ના સત્તાકાળમાં ઘડાયો હતો. આ કાયદામાં ગામડાના બિનકુશળ શ્રમિકોને સરકાર પાસે કામ માંગવાનો કે વિકલ્પે બેકારી ભથ્થું આપવાની જોગવાઈ છે. ૨૦૦૯ની ગાંધીજયંતીથી કાયદા સાથે ગાંધીજીનું નામ જોડવામાં આવ્યું છે. હવે તે ‘મનરેગા’ કે મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ તરીકે ઓળખાય છે. બીજી ફેબ્રુઆરી ૨૦૦૬થી કાયદાનો અમલ શરૂ થયો તે હકીકતને હવે તો બે દાયકા થવા આવ્યા છે. પરંતુ જેમ તેની પ્રાસંગિકતા વધી છે તેમ તેની સામેના પડકારો પણ વધ્યા છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ગામડાના લોકોને ઘરઆંગણે તેમની માંગણીથી વરસના ફરજિયાત સો દિવસનું કામ આપી સ્થળાંતર રોકવાનો આ કાયદાનો ઉદ્દેશ છે. તેનાથી આર્થિક રીતે નબળા લોકો માટે રોજગાર ઉભો કરવો છે. કામની જરૂરિયાત ધરાવતા લોકો અને ગ્રામ્ય વિકાસ કાર્યો વચ્ચે મેળ બેસાડીને ચાલતા મનરેગાથી પંચાયતી રાજ અને ગ્રામ સભાનું મહત્વ ઉભું થયું છે .વળી લોકતંત્ર છેક તળિયાના લોકો સુધી પહોંચ્યું છે. મનરેગા થકી પલાયન રોકવાનો તો સ્થાનિક મજૂરીનાa દર વધારવાનો પણ હેતુ છે. અને તે ઘણે અંશે સાકાર થયો છે. કાયદા દ્વારા ગરીબી ઘટાડવાનો તેમ ૩૦ ટકા શ્રમિકો મહિલા રાખવાની જોગવાઈથી મહિલા સશક્તીકરણનો પણ આશય છે.
ગામના તળાવો ઊંડા કરવા , રસ્તાઓનું નિર્માણ, મકાન બાંધકામ, સિંચાઈ, પૂર નિયંત્રણ, વનીકરણ, નહેર સફાઈ, પ્રધાન મંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન , પાણીનો સંગ્રહ અને તેનું સંવર્ધન તથા બીજા પર્યાવરણ સંબંધી કામો મનરેગા હેઠળ કરવામાં આવે છે. એટલે મનરેગા ખાડા ખોદવાની કે પૂરવાની યોજના નથી. પરંતુ તેના થકી ગ્રામીણ ભારતમાં અનેક નાના મોટા વિકાસ કામો થયા છે. માળખાકીય સુવિધાઓ ઉભી થઈ છે.
કરોડો શ્રમિકોને રોજી આપતી ‘મનરેગા’ વિશ્વની સૌથી મોટી રોજગાર યોજના છે. જોકે તેમાં શ્રમિકોની માંગણીથી વરસના સો દિવસ જ રોજી આપવામાં આવે છે. વળી મનરેગા મજૂરોનું વેતન લઘુતમ વેતનથી પણ ઓછું છે. એટલે તેનાથી મજૂરોના જિંદગીના થોડા દહાડા ટૂંકા થાય છે પરંતુ તેમનાa જીવનધોરણમાં કોઈ સુધારો થતો નથી. કામના વિકલ્પે બેરોજગાર ભથ્થું આપવાની કાયદામાં જોગવાઈ છે ખરી પરંતુ તેનો ક્યાંય અમલ થતો નથી.
એટલે સંસદીય સમિતિએ કામના દિવસો ૧૦૦ થી વધારીને ૧૫૦ કરવાની અને ‘મનરેગા’ શ્રમિકોનું રોજનું વેતન રૂ. ૪૦૦ કરવાની મહત્વની ભલામણ કરી છે. જ્યારથી ‘મનરેગા’ નો અમલ શરૂ થયો છે ત્યારથી જ તેના કામના દિવસો અને મજૂરીનો દર વધારવાની માંગણી થતી રહી છે. વર્તમાન સરકાર ખાસ કરીને વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તો ‘મનરેગા’ ને યુપીએ સરકારની રોજગાર ક્ષેત્રે વિફળતાનું સ્મારક ગણાવી હાંસી ઉડાવી હતી..પરંતુ કોરોના પછીના બેરોજગાર ભારતને ‘મનરેગા’ નો જ આશરો હતો. અન્નના અધિકારને વશવર્તી સરકાર ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપે છે ત્યારે કામ કરીને રોજી માંગતા હાથને સરકાર નિરાશ ના કરી શકે.
‘મનરેગા’ ના બે દાયકાનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે ગ્રામીણ શ્રમિકોની આ જીવાદોરી પ્રત્યે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ ઘટતી જાય છે. મનરેગાના બજેટમાં થતો ઘટાડો અને કામ માંગતા હાથમાં થતો વધારો તેની સામેનો સૌથી મોટો પડકાર છે. મનરેગા મજૂરોને ઓછું વેતન અને તે પણ ઘણાં વિલંબથી ચુકવાય છે. આખા દેશમાં એક સરખો વેતન દર નથી. ૨૦૨૪-૨૫ના વરસમાં મજૂરીનો વધેલો સરેરાશ દર માત્ર ૨૮રૂ. છે. મનરેગા માટે કેન્દ્ર ૯૦ ટકા અને રાજ્ય ૧૦ ટકા હિસ્સો ફાળવે છે. હાલમાં મનરેગાના ખાતામાં રૂ. ૨૩,૪૪૬.૨૭ કરોડનું કરજ છે. આ દેણામાં વિલંબથી ચુકવાતી મજૂરીનો મોટો ભાગ છે.
ભ્રષ્ટાચાર નિવારણના નામે મનરેગા મજૂરી કામદારોના બેન્ક ખાતામાં સીધી જમા થાય છે. હવે કામદારોના જોબકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત કરાયા છે. આધાર કાર્ડમાં મામૂલી ભૂલ કે અન્ય નજીવા કારણોસર અડધા કરોડ કરતા વધુ જોબકાર્ડ રદ કરવામાં આવ્યા છે. જોબકાર્ડ કુટુંબદીઠ આપવામાં આવે છે. તેમાં કુટુંબના ચારથી પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. એટલે લગભગ બે કરોડ લોકોને ‘મનરેગા’થી વંચિત રહીને ભૂખમરો વેઠવાનો વારો આવ્યો છે.
જ્યારે ‘મનરેગા’ માટે થતી નાણાકીય ફાળવણી સૌથી વધુ હતી ત્યારે ૨૦૦૮-૦૯ અને તે પછીના એક બે વરસોમાં પણ તે જીડીપીના ૦.૫૩ થી ૦.૫૫ ટકા આસપાસ હતી. હાલમાં તો તે ૦. ૩૦ થી ૦.૩૩ ટકાની વચ્ચે છે. અકુશળ અને અસંગઠિત ‘મનરેગા’ શ્રમિકો માટેના ખર્ચની સરખામણી ઉધ્ધોગોને આપેલી ટેક્સમાં રાહત સાથે કરીએ તો તે જીડીપીના ૩ ટકા જેટલી છે. એકલા ડાયમંડ અને ગોલ્ડની કંપનીઓને મળેલી કરવેરાની છૂટ મનરેગાના બજેટ કરતાં બેગણી છે. ત્યારે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ અને પ્રાથમિકતા શું છે તે સમજી શકાય છે.વળી ઉધ્ધ્યોગોથી પેદા થતી રોજી અને મનરેગાથી પેદા થતી રોજીમાં જમીન આસમાનનું અંતર છે.
કેન્દ્ર સરકાર ‘મનરેગા’ ના બજેટની રાજ્યોને ફાળવણીમાં ભેદભાવ રાખે છે. જ્યાં ડબલ એન્જિન સરકાર હોય ત્યાં પૂરતી અને સમયસર ફાળવણી થાય છે જ્યારે વિપક્ષી રાજ્ય સરકારોને ઓછી અને મોડી ફાળવણી થાય છે. આમ કરીને તે કેન્દ્ર વિપક્ષશાસિત રાજ્યોની સરકારોના મનરેગા શ્રમિકોમાં અસંતોષ જન્માવવામાં સફળ થાય છે.
ટેકનોક્રસીમાં વૃધ્ધિ ‘મનરેગા’ સામે મોટો પડકાર છે. બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરવું, ઈ-મસ્ટર રોલ જેવા ગતકડાં શ્રમિકોને વધુ હેરાન કરવા જ કાઢવામાં આવ્યા હોય તેવું અનુભવે જણાયું છે. એટલે તેનાથી છૂટકારો મળે તો જ આ કાયદાનો સુચારુ અમલ થઈ શકે છે.
‘ મનરેગા’ ના ઘણા ઉદ્દેશો પાર પડ્યા છે. રોજીરોટી અર્થે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર ઘટ્યું છે.’ મનરેગા’ ના કારણે ગામડાઓમાં ખેતમજૂરી સહિત અન્ય રોજીના દર વધ્યા છે. કામદારોની અછત ઉભી કરી શકાઈ છે. તેમની સોદાશક્તિ વધારી શકાઈ છે. મહિલાઓનું સશક્તીકરણ થયું છે. એટલે તેની સાર્થકતા અને પ્રાસંગિકતા સ્વયંસ્પષ્ટ છે.
મહાત્મા ગાંધી શ્રમિકો માટે જીવન યોગ્ય દરમાયો ઈચ્છતા હતા પરંતુ તેમના નામ સાથે જોડાયેલા આ રોજગાર ખાતરી કાયદામાં શ્રમિકને તે મળતો નથી. તે કેટલી મોટી કરૂણતા છે. સરકાર અને શ્રમિક બેઉ માટે મનરેગા જીવાદોરી છે .એટલે સંસદીય સમિતિની ભલામણો સ્વીકારીને સરકાર મનરેગા મજૂરોના કામના દિવસો અને રોજગારીનો દર વધારીને તેને વધુ સાર્થક કરી શકે છે. ‘મનરેગા’ના બે દાયકે ગ્રામીણ શ્રમિકોની જેમ શહેરી ગરીબો માટે પણ મનરેગા જરૂરી છે તે દિશામાં વિચારવાની તાતી જરૂર છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આકાશમાં જૂઠાં વાદળાં છે
અનિલ જોશી
આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.
:આસ્વાદઃદેવિકા ધ્રુવસિદ્ધહસ્ત કવિ શ્રી અનિલ જોશીને આપણે ફેબ્રુઆરી ૨૦૨૫માં ગુમાવ્યા. આમ તો એ ગીતોના કવિ. એમના ગીતો નદીના વહેણ જેટલી નૈસર્ગિકતાથી ગતિ કરનારાં અને ખૂબ જાણીતાં બનેલાં. પણ આ છે તેમની એક અછાંદસ કવિતા. એમાં એ કહે છે કે, આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.અહીં જુઓ કે કવિને કહેવું છે કે, વરસાદ નથી એટલે પાણી નથી. પણ એ કેવી રજૂઆત કરે છે કે, વાદળાં જૂઠાં છે! આક્ષેપથી શરૂઆત. પાણી નથીની વાત પણ સાવ જુદી જ રીતે કહે છે કે, ક્યાંય પાણી નથી એટલે કે, નળની પાઈપમાંયે પાણી નથી એટલે અંધારું ટૂટિયું વાળીને બેઠું છે. સજીવારોપણ અલંકાર પ્રયોજ્યો છે અને પછી ઉમેરે છે કે, પાણી હડતાલ પર ગયું છે! ઓહોહો… આવી કલ્પના કોઈએ કરી છે?
પછી આગળ એ કહે છે કે,
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.અહીં એકદમ વ્યંગ કર્યો છે અને તે પણ ખૂબ ઓછા શબ્દોમાં. કહે છે કે, પાપ ધોવા માટેય પાણી નથી એટલું જ નહિ, અછત હોય ત્યારે બચતમાં આંખના આંસુ લાવીને મૂકી દીધા છે! અહીં તો શબ્દે શબ્દે ચિત્ર ઊભું કરી દીધું છે. એક તો આકાશને તાકીને બેસી રહેલા લાચાર માણસો અને બીજું આંસુના પાણી બચાવતા લોકો! હવે આ સૂકા દુકાળના વાતાવરણને વધુ ઘેરો રંગ આપતા આગળ એ શું કહે છે? ઉપમા કોની આપે છે?
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.આ કલ્પન જ કેવું, કદી ન જાગે એવું, સાવ જ જુદું છે? પછી એના કારણ તરફ આગળ વિચારતા એ કહે છે કે,
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાર્થના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?અહીં કવિ કલાપીની પંક્તિઓ જરૂર યાદ આવે જ.
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
જો કે, એ પરિસ્થિતિ જુદી હતી.અનિલ જોશી કહે છે કે, વરસાદ આપણા કરોડો ગુનાઓને માફ કરવાના મૂડમાં નથી.
૧.૨.૩.૪. નહિ કરોડો ગુનાઓ.. કેટલી કરુણતા ભરી છે? એ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.
અને છેલ્લી પંક્તિમાં એ આબાદ વાત કરી દે છે!
એમ કહીને કેઃ
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.
સખતની ચોટ સાથે આ કવિતા પૂરી થાય છે.
આમ તો આ નાની અછાંદસ કવિતા છે. પણ તેમાં કેટકેટલું ભર્યું પડ્યું છે? વરસાદ નથી તેથી પાણી વિનાના ત્રસ્ત જગતનું વર્ણન છે. તેમાં વિવિધ અલંકારો છે, કાર્ય-કારણનું ચિંતન છે, તેમાં વ્યંગ છે. જૂઠા જગતના પાપો કે ખોટા કર્મો પર વેધક બાણો છોડ્યાં છે અને અંતે પાણી પર શ્લેશ કરીને માનવજાતને ભારોભાર ઠપકારીને સમજાવી દીધી છે. આ બધું જ ચિત્રાત્મક બન્યું હોઈ વાચક મન પર અંક્તિ થઈ જાય છે. એક અછાંદસ કવિતામાં આવો સરસ વિવિધ ભાવોનો લય, લયબદ્ધ ગીતોથી ચઢી જતો વર્તાય છે!
કવિ શ્રી અનિલ જોશીની ખોટ લાગશે જ. તેમની કવિતાની અ-ક્ષર કાયાને આ શબ્દાંજલિ સાથે નમન.
અસ્તુ.
Devika Dhruva | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
મારો પોતાનો અલાયદો રૂમ
મંજૂષા
વીનેશ અંતાણી

બરાક ઓબામા યુ. એસ. એ.ના પ્રમુખ હતા ત્યારે એમની પત્ની મિશેલ જાહેર જીવનમાં ખૂબ વ્યસ્ત રહેતાં હતાં. પતિની સાથે અને ફર્સ્ટ લેડી તરીકે એમની વિઝિબિલિટી ઘણી હતી. વર્ષ ૨૦૧૦માં ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા એમને વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું હતું. ઓબામા પ્રમુખપદેથી નિવૃત્ત થયા પછી પણ મિશેલ જાહેર કાર્યક્રમોમાં દેખાતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી એમની જાહેરમાં ઉપસ્થિતિ ઓછી થવા લાગી હતી. એ કારણે ઓબામા દંપતી છૂટાછેડા લેવાનું છે એવી અફવાઓએ જોર પકડ્યું હતું. થોડા સમય પહેલાં મિશેલે એક ઇન્ટરવ્યૂમાં છૂટાછેડાની અફવા નકારી કાઢી હતી અને કહ્યું હતું કે એ હવે ‘પોતાના’ સમયનો ‘પોતાની રીતે’ ઉપયોગ કરવા માગે છે. એ જાત પ્રત્યે વધારે ધ્યાન આપી રહ્યાં છે. બહારથી લાદવામાં આવતી અપેક્ષાઓની સરખામણીમાં એ પોતાને જે કરવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. એમણે કહ્યું હતું: ‘મારી બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે, એથી મારી ઇચ્છા મુજબ મને ગમતાં કામો કરવાની સ્વતંત્રતા મળી છે.’ એ એમનું કેલેન્ડર પોતાના અગ્રતાક્રમ પ્રમાણે જ ઘડવા માગે છે. મિશેલે કહ્યું હતું કે મહિલાઓએ જીવવાની દિશા જાતે નક્કી કરીને આગળ વધવું હોય તો ઘણી વાર ‘અસુવિધા’નો સામનો કરવો પડે છે. લોકો સ્વીકારવા તૈયાર નથી હોતા કે કોઈ મહિલા ‘પોતાની રીતે’ જીવવાનું વિચારી શકે.
આ દૃષ્ટાંત વર્ષ ૨૦૨૫નું છે. આજના સમયમાં પ્રતિભાવંત મહિલાઓ જાહેર જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદાન કર્યું છે અને કરવાની છે, અવકાશયાત્રા, રાજકારણ, સાહિત્ય અને અન્ય કળાઓ. રમતગમત, વિજ્ઞાન-ટેક્નોલોજીમાં સંશોધન અને શોધ, બિઝનેસ, શિક્ષણ – એમ અગણિત ક્ષેત્રોમાં આજે મહિલાઓ અગ્રેસર છે. ‘પુરુષ સમોવડી’ શબ્દ હવે જૂનવાણી બની ગયો છે. સ્ત્રી કોઈની સમોવડી બનવાની સ્પર્ધામાં નથી, એ હજી પણ વધારે આગળ વધવા માટે પોતાની જાત સાથે જ સ્પર્ધા કરી રહી છે. એમને સ્ત્રી હોવાનું ગૌરવ છે, પરંતુ એમને માત્ર સ્ત્રી તરીકે જ જોવામાં આવે તો તે એમને મંજૂર નથી. સ્ત્રી હોવાનો અર્થ માત્ર એટલો જ નથી કે એ પુરુષ નથી. કદાચ પુરુષ હોવું એમના માટે મહત્ત્વનું ન પણ હોય. સ્ત્રી માટે સ્ત્રી હોવું જ પર્યાપ્ત અને સંપૂર્ણ છે. એક સમયે પુરુષોએ કબજે કરી લીધેલા સમાજમાં મહિલાઓએ એમના અધિકારો માટે ઝઝૂમવું પડ્યું હતું.
એ વિષય પર ૧૮૮૨માં જન્મેલાં અંગ્રેજીનાં સુપ્રસિદ્ધ લેખિકા વર્જિનિયા વૂલ્ફે ‘અ રૂમ ઓફ વન્સ ઑન’ નામનું પુસ્તક આપ્યું છે. એમાં એમનો સંદર્ભ મહિલા સાહિત્યકારોનો છે, છતાં એમના વિચારો સમગ્ર મહિલાઓના અધિકાર અને અને એમના અસ્તિત્વના સ્વાતંત્ર્યના પ્રશ્નો પર વેધક પ્રકાશ પાડે છે. એમણે એવા મતલબનું કહ્યું હતું કે તમે અમારા પર ગમે તેવાં કડક બંધનો લાદો, તમારી પાસે એવો કોઈ દરવાજો નથી, કોઈ તાળું નથી, કોઈ આગળિયો નથી કે જેનાથી તમે ‘મારા’ એટલે કે સ્ત્રીઓનાં આંતર્વિશ્વને, એની ચેતનાને, કેદ કરી શકો. આ વિધાનથી એમણે પુરુષપ્રધાન સમાજની સામે રીતસરનો પડકાર ફેક્યો હતો. એમણે લખ્યું છે તેમ તે સમયે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીના પ્રાંગણની લૉન પર ચાલવાની છૂટ નહોતી અને અધિકૃત પરવાનગી વિના લાઇબ્રેરીમાં પ્રવેશ કરવાની અનુમતિ નહોતી. એ વાત કહેવા માટે એમણે એક યુનિવર્સિટીને કાલ્પનિક નામ આપીને ઉદાહરણ આપ્યું હતું. વર્જિનિયા વૂલ્ફના સમયમાં સ્ત્રી-અધિકારોની ચળવળ જોર પકડી રહી હતી. એમનું જાણીતું વિધાન છે કે દરેક સ્ત્રીનો પોતાનો એક અલાયદો રૂમ હોવો જોઈએ. લેખનકાર્ય માટે મહિલાસર્જકોની અલગ જગ્યાના સંદર્ભમાં કહેવાયેલો આ મુદ્દો બધી મહિલાઓને લાગુ પડે છે. દરેક સ્ત્રી પાસે પોતાનું કામ પોતાની રીતે કરવાનો પૂરતો અવકાશ આપતું અલાયદું સ્થાન હોવું જોઈએ, એની પાસે નવરાશનો સમય હોય, પ્રાઇવસી હોય અને આર્થિક આઝાદી પણ હોય.
સ્ત્રીઓની પરિસ્થિતિમાં ઘણો બદલાવા આવ્યો છે, છતાં ઘણું કરવાનું બાકી છે. સ્ત્રીઓને સમજવા માટે પુરુષોએ પુરુષત્વના ખોખલા અને દંભી દાયરામાંથી બહાર નીકળવું પડે. સ્ત્રીને સન્માનની નજરે જોવામાં આવે, એણે અવ્યક્ત રાખેલું પણ આપણા સુધી પહોંચે એવી પરિસ્થિતિ ઊભી કરવાની જવાબદારી સમગ્ર સમાજની છે. પુરુષોએ પચાવી પાડેલા દરેક અધિકાર પર સ્ત્રીઓનો પૂરો હક છે. એ હક એમણે માગવાનો ન હોય, સામેથી મળવો જોઈએ.
સંથાલી કવયિત્રી નિર્મલા પુતુલની હિંદી કવિતામાં એક આદિવાસી કન્યા એના જીવનસાથી તરીકે સામાન્ય માણસ જેવા પુરુષને ઝંખે છે. એનામાં મર્યાદાઓ હોય, પણ એનું વલણ માનવીય હોય. આદિવાસી કન્યાને સર્વગુણ સંપન્ન પતિ જોઈતો નથી, સહૃદયી પાત્ર જોઈએ છે, જે સાચા અર્થમાં સાથીદાર હોય. કન્યા એના પિતાને કહે છે: ‘મને એવા પુરુષ સાથે પરણાવજો, બાબા, જે કબૂતરની જોડીની જેમ હંમેશાં મારી સાથે રહે, ઘરનાં અને ખેતરોનાં કામોથી માંડી નાનાંમોટાં સુખ-દુ:ખ મારી સાથે વહેંચે. એ સૂરીલી વાંસળી વગાડતો હોય અને ઢોલક-ઢોલ વગાડવામાં પારંગત હોય.’ એક સ્ત્રી તરીકે એને જીવનમાં સૂર અને લયતાલનો સમન્વય જોઈએ છે. એ કહે છે: ‘વસંતના દિવસોમાં પતિ મારે માટે પલાશનાં ફૂલ લાવે, હું ભૂખી હોઉં તો એ એક કોળિયો પણ પેટમાં નાખી ન શકે. બાબા, મને એવા પુરુષ સાથે પરણાવજો.’
આ કવિતાની આદિવાસી કન્યાને પણ માર્શેલ ઓબામા, વર્જિનિયા વૂલ્ફ અને આજની અનેક સ્ત્રીઓની જેમ પોતાના જીવનમાં પોતાનું અલાયદું સ્થાન જોઈએ છે, કોઈએ કહ્યું છે – જો એ લોકો એમની સાથે બેસવા માટે તમારા માટે ખુરસી ખાલી ન રાખે તો ફોલ્ડિંગ ખુરસી લઈ આવજો અને તમારું સ્થાન નિયત કરજો.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
વી. એમ. તારકુંડેઃ નાગરિક સ્વતંત્રતા આંદોલનના લડવૈયા
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જે પી આંદોલન અને કટોકટીની પચાસીના આ દોરમાં બિપિન શ્રોફ અને અશ્વિન કારીઆ આદિ સાથીઓની પહેલથી જસ્ટિસ વિ. મ. તારકુંડે કૃત ‘રેડિકલ હ્યુમેનિઝમઃ સ્વાતંત્ર્ય અને લોકશાહીની ફિલસૂફી’નું નવસંસ્કરણ પ્રાપ્ત થઈ રહ્યું છે એ સુભગ જોગાનુજોગ છે. જોગાનુજોગ તો, એમ તો, એ પણ છે કે મૂળે આ ગુજરાતી અનુવાદ અમે ચંદ્રકાન્ત દરુ ટ્રસ્ટ મારફતે રમતો મૂક્યો હતો અને અનુવાદક હતા દિનેશ શુક્લ.
કટોકટી સામેના લડવૈયાઓમાં ખાસ કરીને બંધારણીય નૈતિકતા અને નાગરિક સ્વાતંત્ર્યના મુદ્દે તારકુંડેનું નામ અગ્રહરોળમાં લેવાતું રહ્યું છે. કટોકટી સામેની લડતની વૈચારિક ચાલના એમને જે ભૂમિકાએથી મળી હશે એનો ઓછો ખયાલ એમના આ પુસ્તક વાટે મળી રહે છે. એ વર્ષોમાં દિલ્હી સ્થિત તારકુંડે અને અમદાવાદ સ્થિત દરુની ધરી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના સંઘર્ષ માટે ભારત આખામાં ધ્યાનાર્હ બની રહી હતી, જેમ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ એ બે તનુકાય પત્રો પણ મસમોટાં છાપાં કરતાં સવિશેષ પ્રભાવક બની રહ્યાં હતાં. સેન્સરશિપની ઈંદિરાઈ જાહેરાતને અંગે તારકુંડેએ તૈયાર કરેલી નોંધ, આ મર્યાદાઓમાં રહીને પણ કેટલું કેટલું છાપી શકાય છે તે દર્શાવતી હતી. જોકે, છાપાંને એનો ખાસ ખપ નયે હોય… અને હા, સરકારી તંત્ર પણ પોતાના હુકમની મર્યાદામાં રહેવા સારુ ત્યારે ક્યાં બંધાયેલું હતું?
આ લખતાં સાંભરે છે કે બરાબર એપ્રિલ ૧૯૭૪માં જ જયપ્રકાશ નારાયણની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં જનતંત્ર સમાજ (સિટિઝન્સ ફોર ડેમોક્રસી- સીએફડી)નું સ્થાપના સંમેલન મળ્યું હતું અને લોકશાહી મૂલ્યો ને પ્રક્રિયાનાં સંગોપન ને સંવર્ધનની ચિંતા ફરતે ચર્ચા કરી હતી. દેશના જાહેર જીવનની રીતે ૧૯૭૪માં એક નિર્ણાયક મોડ પરની એ બીના હતી. ૧૯૭૪નાં આરંભનાં અઠવાડિયાં નવનિર્માણનાં હતાં. પરિવર્તનની રાજનીતિમાં ખાસી સ્થગિતતા અનુભવતા જયપ્રકાશને યુવા ચેતનામાં કંઈક પ્રકાશ વરતાયો ન વરતાયો ત્યાં તો બિહારમાં છાત્ર ઉદ્રેક પરત્વે દમનરાજના સંદર્ભમાં એમણે સીધી જવાબદારી લેવાની આવી. ‘આફ્ટર નેહરુ, હુ?’ આ પ્રશ્નના ઉત્તરમાં વખતોવખત સંભારાતા રહેલા જયપ્રકાશે સત્તાના સીધા રાજકારણથી કિનારો કરી લોકકારણમાં ઝંપલાવ્યું હતું, અને દેશમાં સંઘર્ષને બદલ કોન્સેન્સસ કહેતાં એકંદરમતી માટેની કોશિશમાં સાર્થકતા જોઈ હતી. ગુજરાતના છાત્રોને અને સર્વોદયના સાથીઓને મળ્યા પછી પટણા પાછા ફરતાં પૂર્વે પણ એમણે દિલ્હીમાં વડાપ્રધાન ઈંદિરા ગાંધી સાથે ઠીક સમય ગાળ્યો હતો, એકંદરમતીભર્યા ઉકેલની ખોજમાં… પણ, દરમ્યાન, માર્ચમાં પટણા જે રીતે ભડકે બળ્યું, સમીકરણનું બદલાવું કદાચ દુર્નિવાર હતું.
જોકે વાત આપણે એપ્રિલ ૧૯૭૪ની કરતા હતા. જનતંત્ર સમાજના સંમેલનમાં ભાગ લઈ દરુ પાછા ફર્યા કે તરત અમે એમને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્રમાં, રસ ધરાવતા સૌને સંબોધવા તેડ્યા. ફેબ્રુઆરીની જેપી મુલાકાત પછી શાંતિ પ્રતિષ્ઠાન ત્યારે એક નર્વ સેન્ટર તરીકે ઉભરી રહ્યું હતું. બીજી પાસ, સંઘર્ષને અનિવાર્ય લેખવા માંડેલા અમે લોકો જનતંત્ર સમાજ તરેહની પ્રવૃત્તિને વાલતી વ્યાયામની જેમ જોતા અને તે અમને આકર્ષતી નહીં. દરુ સાથેની ચર્ચાથી સમજાયું કે આ કોઈ સ્કિન-સેવિંગ મંડળી નથી, પણ લાંબી લડતના અનુસંધાનમાં નાગરિક અધિકારોની ઉપયોગિતા અને કાનૂની કવચની રીતે પરિવર્તનની રાજનીતિમાં માનનારી મંડળી છે. કરવટ લઉં લઉં તવારીખમાં એક મોટો અવરોધ એ હતો કે ઈંદિરાજી ૧૯૭૪ના માર્ચની ૧૫મીએ ગુજરાત વિધાનસભાનું વિસર્જન થયું તે પછી ક્યાંય સુધી ચૂંટણી ટાળતાં જ રહ્યાં. ખાસું એક વરસ રાહ જોઈ મોરારજીભાઈએ અનશન પર જવાનું નક્કી કર્યું. અને એમની વય ને તબિયતનો ખયાલ રાખી વડાપ્રધાને ગૃહપ્રધાન ઉમાશંકર દીક્ષિત ને મોરારજી દેસાઈની મુલાકાત યોજી ગુજરાતમાં જૂનમાં ચૂંટણી આપવાનું સ્વીકાર્યું તેમ મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ (એમઆઈએસએ કહેતાં મિસા)નો રાજકીય ઉપયોગ નહીં કરવાની બાંહેધરી પણ આપી.
દરમ્યાન, પક્ષ-અપક્ષ સૌ મળીને જેપી આંદોલનની આબોહવામાં લોકસંઘર્ષ સમિતિ રચાઈ ચૂકી હતી અને એના ઠરાવ સાથે જનતા મોરચો અસ્તિત્વમાં આવ્યો હતો. ૧૯૭૭માં રચાનારી જનતા પાર્ટીનો એ અગ્ર સંકેત હતો, અને કહેવું હોય તો કહી શકાય કે સ્વરાજપૂર્વ કોંગ્રેસ શો એ સુખાભાસ પણ હતો. બારમી જૂને ગુજરાત વિધાનસભાનાં પરિણામોમાં જનતા મોરચો, કંઈક મોચવાતો પણ આગળ હતો. એ જ તારીખે અલાહાબાદ હાઈકોર્ટનો એ શકવર્તી ચુકાદો પણ આવી પડ્યો કે ચૂંટણીમાં ગેરરીતિ સબબ ઈંદિરાજી સાસંદ તરીકે ગેરલાયક ઠરે છે. આનો પ્રતિભાવ શો, ક્યારેક વિગતે વાત કરીશું. અત્યારે તો એટલું જ કહેવું બસ થશે કે ‘ઈંદિરાજી ઈઝ ઈન્ડિયા’ જેવા એકાધિકારશાહી સ્તુતિગાન વચ્ચે સત્તા-સમીકરણવશ ઈંદિરાજીએ આ વરસમાં જાહેર કરવામાં ઉગાર જોયો.
પચાસીના આ વરસમાં વખતોવખત, પ્રસંગોપાત એની વિગતોમાં જઈશું, જરૂર જઈશું. પણ અહીં એટલું જ સંભારીએ કે ત્યારે ગુજરાત અને તમિલનાડુ (અનુક્રમે બાબુભાઈ જશભાઈ અને કરુણાનિધિના નેતૃત્વમાં) સ્વાધીનતાના ટાપુ બની રહ્યાં. કવચિત અને સંકલન સમિતિરૂપે બાબુભાઈના ગાંધીનગરના નિવાસસ્થાને મળતા – શો જોગાનુજોગ! નિવાસમાં પ્રવેશતાં જ અશ્વમેધના ઘોડાને રોકતા લવકુશ નજરે પડતાઃ અમને એમાં બાબુભાઈ ને કરુણાનિધિ, ગુજરાત ને તામિલનાડુ દેખાતા. જૂન ૧૯૭૫ પછી આવી એક બેઠકમાં, દરુએ બાબુભાઈને કહ્યું તારકુંડેએ અમદાવાદમાં રાષ્ટ્રીય સ્તરની નાગરિક સ્વાધીનતા પરિષદ યોજવા પુછાવ્યું છે. એ અવશ્ય હોય જ, આપણે ત્યાં જ હોય, આ નિર્ણય પર આવતા બાબુભાઈની આગેવાનીમાં અમે ત્રીસ જ સેકંડ માત્ર લીધી હતી. ઓક્ટોબર ૧૯૭૫ની એ પરિષદને ગુજરાત ઓક્ટોબર ૨૦૨૫માં સંભારશે?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦-૪– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
જેલમનું વહેતું પાણી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
લાહોર સ્ટેશન છોડીને ગાડી એ તરફ ગતિ કરી રહી હતી જ્યાં ચૌદ વર્ષ પહેલાં આગ લાગી હતી, લાખો લોકો ભસ્મ થયાનાં નિશાન હજુ અંકિત હતાં. હું કાંપી ઊઠ્યો.
લાંબી અંધકારભરી ગુફામાં ટ્રેન પ્રવેશી. વિચાર આવ્યો કે હવે આપણેય અંધકારને હવાલે?
લાહોરથી સૌ યાત્રીઓ ગુરુદ્વારાનાં દર્શન કરીને હવે પાછાં ફરી રહ્યાં હતાં. પંજાસાહિબની યાત્રાથી અનિષ્ટ દૂર થાય છે એવું સાંભળ્યું હતું. પણ, માનવમાં રહેલા દાનવનું અનિષ્ટ દૂર થયાનું સાંભળ્યું નહોતું.
મા સ્થિરભાવે ટ્રેનની બારીમાંથી બહાર દૂર કંઈક જોઈ રહી હતી. ખેતરો વટાવીને સપાટ જમીન શરૂ થઈ. બાજુમાં બેઠેલા મામાજી અને બાકીના સૌ યાત્રીઓ ઉદાસ હતા.
“મા, તને તો બધા રસ્તા યાદ હશે, કેટલીય વાર તું અહીંથી પસાર થઈ હોઈશ, નહીં?”
માના ચહેરા પર ઘણું બધું ખોઈને માંડ મેળવ્યું હોય એવું સ્મિત આવ્યું.
“હા રે, મને એક-એક સ્ટેશન યાદ છે, પણ આજે ચૌદ વર્ષે બધું જ સાવ અજાણ્યું લાગે છે. પહેલાં લાહોર પાર કરતાં મનમાં ઉમંગ થતો. આપણું ગામ-સરાઈ, સરાઈના એકએક ચહેરા યાદ છે. ત્યારે તો સ્ટેશન પર કેટલાય લોકો લેવા આવતા. હવે ત્યાં કોણ આપણું છે કે સ્ટેશને આવે?”
માની આંખો તરલ થઈ. પિતાજીએ ઉત્તરપ્રદેશમાં ધંધો જમાવ્યો ત્યારથી અમે મા સાથે રહેતાં. પિતાજી એકાદ વાર પંજાબ આવતા, પણ પિતાજીને મળવાં મા બેત્રણ વાર જઈ આવતી. એ સમયે પંજાબનું વિભાજન નિશ્ચિત હતું. પંજાબની પાંચે નદીઓનું પાણી જાણે ઉન્માદનો તીખો શરાબ બની રહ્યું હતું.
છેલ્લી વાર અમારા સૌના વિરોધ છતાં માએ પંજાબ જવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય એટલે આગમાં કૂદી પડવાની વાત, પણ મા ક્યાં માને? ધરાર ગઈ જ. વીસેક દિવસે પાછી આવી ત્યારે ચરખાથી માંડીને ઘરનો ઘણોખરો સામાન લેતી આવી. એ પછી પંજાબ આગમાં લપેટાયું. ઘર, ગામ, શહેર બધું જ સળગવા માંડ્યું. આગ અટકી ત્યારે અમૃતસર અને લાહોરની વચ્ચેનો એ આખો વિસ્તાર ઊંડી ખાઈ સમો બની ગયો. સમય જતાં સૌ ભૂલવા માંડ્યાં કે, એ ખાઈની પેલે પાર અમારું ગામ હતું. એ પાકી સડક પાસેથી અલ્લડ છોકરી જેવી ઉછળતી જેલમ નદી વહેતી હતી.
અત્યારે એ ખાઈ પર બંધાયેલા પુલ પરથી પસાર થઈને ટ્રેન અમારાં ગામ સરાઈ તરફ ગતિ કરી રહી હતી.
“રાત્રે ખબરે નહીં પડે અને એકાદ વાગ્યે સરાઈ આવશે, પણ હવે ત્યાં આપણું છે શું?” હું બોલ્યો.
“પહેલાંય તારા માટે ત્યાં હતું જ શું?” મા બોલી.
બંનેનાં દિલમાં ચચરાટ હતો. રાત પડતા હું અને મામાજી આડા પડ્યા. મા હજુ બારીની બહાર અંધકારમાં તાકતી બેઠી હતી.
અર્ધ નિંદ્રાવસ્થામાં એક સ્વપ્ન જોયું જાણે કોઈ અજાણી લાલ તરલ ચીજે મને ચારે તરફથી ઘેરી લીધો હતો. ગભરાઈને સફાળો જાગ્યો તો મા ઉત્તેજનાથી કાંપતી દેખાઈ.
અમારી ગાડી સરાઈ સ્ટેશન પર ઊભી હતી. પ્લેટફોર્મ પર લેમ્પનો હળવો ઉજાસ હતો. અજબ જેવો કોલાહલ સંભળાયો. મારું રોમરોમ કાંપી ઊઠ્યું. ચૌદ વર્ષ પહેલાંની ઘટના યાદ આવી. એ સમય હતો જ્યારે ગાડીઓમાંથી લોકો ગાજર-મૂળાની જેમ કપાઈને ફેંકાતા હતા.
નજીક આવેલાં ટોળાંમાંથી કોઈનો અવાજ આવ્યો, “અરે આ ગાડીમાં છે કોઈ સરાઈનું?”
વાત શું છે એ પૂછું એ પહેલાં મા બોલી, “હા, અમે છીએ સરાઈના.”
આટલું સાંભળતા જ ટોળાંમાં ઉત્તેજના ફેલાઈ. આજુબાજુ ફરતા લોકોય અમારા ડબ્બા પાસે એકઠા થવા માંડ્યા.
“તમે કોણ, તમારું ઘર કયું?” કોઈએ પૂછ્યું.
“આ મારી મા છે. મારા પિતાનું નામ સરદાર મૂલાસિંહ.”
“અરે, તમે સરદાર મૂલાસિંહના પત્ની, રવેલસિંહના ભાભી? સૌ ખેરિયતમાં છો ને?” પૂછનારના અવાજમાં આત્મિયતાનો રણકો હતો.
સંબંધીઓનાં ક્ષેમકુશળ પૂછીને કેટલાય લોકોએ એમની પાસેની પોટલીઓ અમારા હાથમાં મૂકવા માંડી. જોતજોતામાં અમારી બર્થ કપડાંઓની પોટલીઓથી ભરાઈ ગઈ. હું હક્કાબક્કા, મા સ્તબ્ધ અને મામાજી તદ્દન ચૂપ.
થોડી વાર પછી માએ પોતાની જાત સંભાળી. ખુશીથી ચહેરો ચમકી ઊઠ્યો. કેટલુંય કહેવું હોય એમ હોઠ ફડફડતા હતા, પણ બોલી શકતી નહોતી. આંખો છલકાઈ રહી હતી.
એટલામાં ત્યાં ઊભેલા ગાર્ડે લીલી બત્તી બતાવી, સીટી મારી. બે-ત્રણ જણાએ એમને રોકી લીધા. કોઈએ લાલટેન પકડેલો એમનો હાથ નીચો કરી દીધો.
“અરે બાબુ, થોડી વાર ઊભી રહેવા દો. આ લોકો આપણા ગામના મૂલાસિંહના ઘેરથી છે.”
“ભાભી, સરદારજી કેમ છે, એ પંજાસાહિબના દર્શન કરવા ના આવ્યા?” એક વયસ્ક મુસલમાને પૂછ્યું.
“સરદારજી નથી રહ્યા.” મા ધીમેથી બોલી.
“હેં, કેમ કરતાં?”
“એમના પેટની રસોળી ફૂટી અને બીજા દિવસે જ ગુજરી ગયા.” મેં જવાબ આપ્યો.
“બહુ નેક ઈન્સાન હતા.”
અને પછી તો એકબીજાના ખબરઅંતર પુછાયાં.
“પરજાઈ, તમારાં છોકરાંઓને લઈને પાછાં આવી જાવ.” એકે કહ્યું અને કેટલાયે ઝીલી લીધું.
“પાછા આવી જાવ..પાછા આવી જાવ.”
અત્યાર સુધી શાંત રહેલા મામાજી ધીમેથી ગણગણ્યા.
“બદમાશ નહીં તો. પહેલાં મારીમારીને અહીંથી ભગાડ્યાં અને હવે કહે છે પાછાં આવો, લુચ્ચા છે સૌ.”સારું હતું કે પ્લેટફોર્મ પર ઊભેલા લોકો સુધી એમના શબ્દો પહોંચ્યા નહોતા.
એ લોકો તો જાણે ‘પરજાઈ, તમે છોકરાંઓને લઈને પાછાં આવો. પાછાં આવો’ની રટ લગાવીને ઊભા હતા.
મા કશું જ બોલી શકતી નહોતી. આભાર માનતી હોય એમ હાથ જોડીને બેઠી હતી.
દૂર ઊભેલા ગાર્ડે લીલી બત્તી દેખાડીને સીટી મારી. ધીમેધીમે ગાડીએ ગતિ પકડી. અમારા ડબ્બાની સાથેસાથે ભીડ પણ ચાલવા લાગી.
“અચ્છા તો નમસ્કાર પરજાઈ, રવેલસિંહને અમારા સલામ કહેજો અને હા, ખુશ રહેજે દીકરા.”
મા હાથ જોડીને અસ્ફૂટ સ્વરે કંઈક બોલી અને ગાડીએ પ્લેટફોર્મ છોડ્યું. બારીમાંથી ડોકું કાઢીને જોયું તો ભીડમાંથી લોકો હાથ હલાવીને આવજો, આવજોની બૂમો મારતા હતા. ગાડીની ગતિ પકડી. ડોકું અંદર લઈને જોયું તો, મા દુપટ્ટાથી આંખો લૂછતી હતી. બંધ તૂટ્યો હોય એમ એની આંખમાંથી આંસુ રેલાયે જતાં હતાં.
ગાડી જેલમ પર બાંધેલા પુલ પર આવી ગઈ. ખડર..ખડર..ખડર. રાતની નીરવતામાં અવાજ આવતો હતો.
આજે આ પત્થર અને લોખંડથી બનેલા મજબૂત પુલની નીચે લોહીની નદી નહીં જેલમનું સ્વચ્છ પાણી વહી રહ્યું હતું.
મહિપ સિંહ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સગપણનો સેતુ
અંકિતા સોની
ફેક્ટરીની બહાર બાંકડા પર બેઠેલો રઘુ ઊંડા વિચારમાં ડૂબેલો હતો. હમણાં હમણાંથી અહીં બેસવું એનો રોજનો નિયમ બની ગયેલો. સાંજના બરાબર છ ના ટકોરે ચોકલેટની ફેકટરી બંધ થતી.બધા કામદારો પોતપોતાના ઘર તરફ પગ માંડે પણ કોણ જાણે રઘુને ઘરે જવું ગમતું જ નહોતું. છેક મોડી રાતે એ ઘરે જવા ઉઠતો ને સવારે નવના ટકોરે પાછો ફેક્ટરીમાં કામે હાજર થઈ જતો.
શહેરમાં આવ્યે હજુ તો માંડ ચાર મહિના જ થયા હતા. એમ તો ગામડામાં ખેતી અને ઘરનું ઘર હતું પણ બહેનના લગન પછી માની માંદગીમાં દેવું ખૂબ વધી ગયું ને ઘર અને ખેતર બંને ગીરવે મુકવાની નોબત આવી. પત્ની રૂખીએ ખરે વખતે પોતાના દાગીના વેચીને ખોરડું બચાવીને ખાનદાની બતાવી. પોતાનો ખાસ મિત્ર હરજી પણ પડખે ઉભો રહ્યો. અહીં શહેરમાં ચોકલેટની ફેકટરીમાં ચોકલેટના રેપર વાળવાનું કામ મિત્ર હરજીની ઓળખાણથી મળેલું.
રૂખીને માની ચાકરી કરવા ગામડે રાખીને શહેરમાં એ એકલો જ રહેતો. શરૂ શરૂમાં રઘુ અઠવાડિયે કામમાં રજા પાડીને માને જોવા ઘેર જતો ત્યારે રૂખી માટે ખોબો ભરીને ચોકલેટ લઈ જતો. મીઠું શરમાતી રૂખી સાડલાના છેડે ચોકલેટ મૂકીને ગાંઠ વાળી દેતી.
એવામાં મિત્ર હરજીની માનું અવસાન થઈ ગયું. હરજીની પત્ની તો દીકરા જીવાને જન્મ આપતાં જ સ્વર્ગે સિધાવી ગયેલી. હરજીની મા બંને બાપ દીકરાનો એકમાત્ર સહારો હતી. એના ગયા પછી જીવાને કોણ રાખશે એ પ્રશ્ન હરજીને કોરી ખાતો.
રઘુ હરજીની માના બારમા તેરમા પર ગામડે ગયો ને ત્યાં રૂખી અને હરજી વચ્ચે કંઈક રંધાતુ હોવાનો અણસાર આવતા એને ઝાટકો લાગ્યો. આઘાતમાં સરી ગયેલો રઘુ કામનું બહાનું કાઢીને શહેરમાં પાછો આવી ગયો.
થોડા દિવસ પછી મા બીમાર હોવાનો રૂખીનો સંદેશો મળતાં એ રજા લઈને ગામડે આવ્યો અને ફરી પાછા શહેર જવાનું કરતો હતો ત્યાં રૂખી જીવલાને તેડીને આવી.
“એ હોભડો સો..? તમોને એક વાત કરવી સે..હમણાં ક્યોય જતા નહીં..”રૂખી રઘુને રોકતા બોલી.
“ચ્યમ..હું સેં..જે કે’વું હોય ઈ જલ્દી બોલ..” રઘુ જરા ગુસ્સાથી બોલ્યો.
“આ તો હરજી ભૈ ખરાને..” રૂખી શરૂઆત કરતાં ધીમેથી બોલી.
“હા.. તે..હું સે એનું..” રઘુ કંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતો.
“ઇ તો હું એમ ક્યઉ સુ કે ઓમ ન ઓમ ચ્યો લગણ ચાલહે..અમ ઇમની બા તો ગ્યા.. જીવલાન કુણ રાખહે..”
રૂખી ચિંતાતુર થઈને બોલી.
“ઇ બધું ઈને જોવાનું..તારે હું સે..” રઘુ જરા નફટાઈમાં બોલ્યો.
“પણ હું ઈમ કવ સુ ..તમે લખમી ને ઓળખો સોં..?”
“ના..એ કુણ..ઈનું હું સે અતાણમાં..”
“મારી કાકાની છોડી સેં.. ઇ અભાગણીના વરને મર્યે વરહ થયું..એનું આપણે હરજી ભૈ હારે ગોઠવીએ તો..જીવલાને ય મા મલસે..તમ જરા વાત કરી જુઓ ન..મેં કીધું પણ..”
રૂખીની વાત સાંભળીને રઘુની શંકાના વાદળ પળમાં વિખેરાઈ ગયા. આંગણામાં રમતા જીવલાને ચોકલેટ આપી ખભે બેસાડીને નવા સગપણનો સેતુ બાંધવા એણે હરજીના ઘર તરફ ઉમંગથી દોટ ભણી.
અંકિતા સોની (ધોળકા) | ankitacsoni@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૧૦૧ . સાક઼િબ લખનવી.
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નૂર, આરઝૂ, બેહઝાદ, શમ્સ, મજાઝ અને હસરત લખનવી પછી વધુ એક લખનવી એટલે સાકિબ લખનવી સાહેબ. મૂળ નામ મિર્ઝા ઝાકિર હુસૈન કઝલબાશ. આ શૃંખલામાં સમાવિષ્ટ અન્ય કેટલાક શાયરોની જેમ એ પણ ઉર્દુ અદબની ઊંચી હસ્તી હતા. એમના બે જાણીતા શેર જોઈએ :સુનને વાલે રો દિયે સુન કર મરીઝે ગમ કા હાલ
દેખને વાલે તરસ ખા કર દુઆ દેને લગેઆધી સે ઝિયાદા શબે ગમ કાટ ચુકા હું
અબ ભી અગર આ જાઓ તો યે રાત બડી હૈઅહીં આપેલી ગઝલ એ એમની એકમાત્ર ફિલ્મી ગઝલ અને એટલું જ ફિલ્મી પ્રદાન. પહેલાં એ ગઝલ :
કહાં તક જફા હુસ્ન વાલોં કી સહતે
જવાની જો રહતી તો ફિર હમ ન રહતેનશેમન ન જલતા નિશાની તો રહતી
હમારા થા ક્યા ઠીક રહતે ન રહતેકોઈ નક્શ ઔર કોઈ દીવાર સમજા
ઝમાના હુઆ હમકો ઈસ તરહ રહતેઝમાના બડે શૌક સે સુન રહા થા
હમીં સો ગએ દાસ્તાં કહતે કહતે..– ફિલ્મ : તોહફા ૧૯૪૭
– મુકેશ
– એમ એ રઉફઉપરોક્ત ગઝલનો છેલ્લો શેર ઉર્દુના અમર શેરોમાં સ્થાન ધરાવે છે. ફિલ્મ સર્જક એસ યુ સન્ની ( મેલા, કોહીનૂર, પાલકી ) ને એ શેર એટલો પસંદ પડી ગયો કે એમણે એ શેરને પોતાની દરેક ફિલ્મમાં શરુઆતી ઓળખ તરીકે પસંદ કરેલો. ( જે રીતે મહેબૂબ ખાન સાહેબની દરેક ફિલ્મની શરૂઆતમાં ‘ મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, જો ભી હોતા હૈ મંઝૂરે ખુદા હોતા હૈ ‘ નું પઠન આવતું )
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં એપ્રિલ ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations for April 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ગુણવત્તા – પોતાપણાનો ભાવ હોય તો ઉત્તરોત્તર વધારે સારૂં કરી શકાય
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા

તમે જે કંઈ કરો છો તેની બધી જ ગુણવત્તાનો પૂરેપુરો સંબંધ તમારા કામ પર, તમારી પ્રવૃત્તિઓ અને તમે જે પ્રક્રિયા સાથે જે પદ્ધતિમાં કામ કરો છો તે પ્રક્રિયાના અન્ય ભાગો પર નિર્ભર છે. જ્યારે તમે એવું કામ કરો છો જે ઉપયોગી અને ગુણાત્મક હોવાની સાથે સાથે અન્ય લોકો માટે મૂલ્યવાન હોય, ત્યારે તે તમારા આત્મસન્માનને પોષે છે; તમને વધુ સારી વ્યક્તિ બનાવે છે. ગયા વખત કરતાં સતત વધુ સારું પ્રદર્શન કરીને, તમે તમારાં વ્યક્તિત્વનું સ્તર ઊંચું કરો છો અને વિકાસ કરો છો.
આ એક ચક્રીય પ્રક્રિયા છે, જે ફક્ત વધુ સારી કે શ્રેષ્ઠ કુશળતા ધરાવવાથી નહીં પરંતુ વધુ સારું કરવાના ઇરાદાથી શરૂ થાય છે. આ એ જ ઇરાદો છે જેને આપણે “માલિકીભાવ” કહીએ છીએ તેને ચલાવે છે. આનો અર્થ એ છે કે, જ્યાં સુધી તમને તમારા કામમાં માલિકી ભાવ ન હોવ, ત્યાં સુધી તમે ક્યારેય છેલ્લી વખત કરતાં વધુ સારી રીતે કામ કરી શકશો નહીં. જ્યારે તમે તે કરો છો, ત્યારે એ કામ તમારી ઓળખનો એક ભાગ બની જાય છે. તમે તેને વધુ મૂલ્યવાન બનાવો છો. તમે એવી બાબતોમાં સારું કરી બતાવો છો જેને તમે વધુ મૂલ્યવાન ગણો છો. જ્ઞાનની દુનિયામાં, તમારું કામ તમારી હસ્તરેખાની છાપ ધરાવે છે. તે તમારા વિશે એક કથાનક બની જાય છે. જો તમે કોઈપણ સ્તરના અગ્રણી હો તો આ વધુ મહત્વનું છે.
સંસ્થાગત પદક્રમ, નિષ્ફળતાનો ડર, ઉપરી અધિકારીઓ સાથે વિશ્વાસનો અભાવ, ઝીણી નજરે વ્યવસ્થાપન કરવું અને નબળા સંચાલન જેવી બાબતોથી કંટાળીને, આપણે ઘણીવાર આપણા કામને એક કરવા ખાત્ર કરવા લાયક વ્યવહાર તરીકે ગણીએ છીએ. હું આ કરું છું અને મને તેની આ ફળ મળે છે. તમે ફક્ત તે જ કરો છો જે તમારા વ્યવસાય માટે આવશ્યક છે. થોડા મહિનાઓ સુધી આ રીતે કામ કરવાથી તમે ઉદાસીન, નિરુત્સાહી બની જશો. જો તમે મહત્વાકાંક્ષી છો, તો તણાવમાં રહેવા લાગશો. તમારા કામની ગુણવત્તા ઘટી જશે અને તમારો વિકાસ અટકી જશે. કામ કરવાનો અને જીવવાનો આ એક સારો રસ્તો નથી, ખાસ કરીને જ્યારે આ એકમાત્ર જીવન તમારી પાસે (અને આપણા બધા પાસે) હોય!
વધુ સારો વિકલ્પ એ છે કે તમે જ્યાં છો ત્યાંની જવાબદારી ઉપાડી લેવાથી શરૂઆત કરો.. સમસ્યાઓ સ્વીકારો, શક્ય ઉકેલોનું મૂલ્યાંકન કરો અને તમારા માર્ગ પર કામ કરો. આ સરળ ન હોઈ શકે, પરંતુ લાંબા ગાળે, આ બધાં બાહ્ય પરિબળોને કારણે તમારા કામની ગુણવત્તા સાથે સમાધાન કરવું અને તમારા કામકાજમાં પ્રગતિ ન કરવી એ પીડાદાયક તેમજ ખર્ચાળ નીવડી શકે છે!
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સપ્તાહાંત એક વિચાર, આખા અઠવાડીયાનું ભાથું
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
“સપ્તાહના અંતના વિચારો આખાં અઠવાડીયાના કામ પર કેવી અસર કરે છે એ વિશે કદી વિચાર્યું છે?’ એક વાર રીસેસમાં ચા પીતા પીતાં મેં વિક્રાન્ત અને વિવેકને પૂછ્યું.
વિક્રાન્ત તેની લક્ષ્યસિદ્ધિમાં ખુંપેલો રહેતો. સપ્તાહાંત રજાઓમાં પણ તે એ વિશે કંઇક વિચારતો રહેતો હોય અને પછીના અઠવાડીયાનું આયોજન કરતો રહેતો હોય. તેને લગન દેખાઈ જ આવતી હતી. સોમવારે તેની પાસે અવનવા વિચારો તૈયાર જ હોય. પરિણામે, તેના પ્રોજેક્ટ્સ કાયમ ધસમસાટ પ્રગતિ કરતા જ જોવા મળે.
વિવાન ઊંધો છેડો હતો. સપ્તાહાંત રજાઓમાં તેના મગજનો કામ અંગેનો વિભાગ બંધ જ હોય. એમ કરીને એ કામના અઠવાડીયા માટેની પોતાની ઉર્જા ફરીથી ચાર્જે કરતો. આખું અઠવાડીયું તે કામમાં એટલો રત રહેતો કે શુક્રવારે બપોર સુધીમાં તો તે થાકી પડતો. સોમવારે પણ તેની ગાડીને ઝડપ પકડતા થોડો સમય લાગતો. તેનું કામ ચોખ્ખું, પણ પ્રમાણમાં થોડું ઓછું ઝડપી હોય. તેની પાસે બહુ નવા વિચારો પણ ખાસ ન હોય.
અમારી એ દિવસે વાત થયા પછી વિક્રાન્તની કામ કરવાની પદ્ધતિનો ફરક વિવાનના ધ્યાન પર આવ્યો. વિવાનને સમજાઈ ગયું કે અઠવાડીયા દરમ્યાન એકલી મહેનત કામ નહીં આવે, મહેનતને પણ SMART બનાવવી જોઈશે. આટલું સમજાવું એ મહત્ત્વનું કદમ જરૂર હતું. તેને અમલમાં મુકવો એ વળી એક આગવો પડકાર હતો, કેમકે હવે તેણે પોતાની વિચારસરણી પણ બદલવાની હતી.
→ અઠવાડિયા દરમ્યાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સપ્તાહાંત દિવસોમાં પણ એ જ જોમ કામ કરતું રહે એ જરૂરી છે.

પાદ નોંધ. — સોમવાર થી શુક્રવાર જ ધબકતું રહે એવું જોશ કેટલે ઉંડે સુધી પ્રસરી શકે?
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
