-
તેરી બેવફાઈ પે હંસે જગ સારા
ધિક્કારનાં ગીતો
એક સ્ત્રી સામે વાંધો પડે ત્યારે ગામ આખાની સામે આખી સ્ત્રી જાતિની બદબોઈ કરવી એ યોગ્ય નથી જ.
દીપક સોલિયા
આજા મેરી બાહોં મેં આ… આ ગલે લગ જા… શારીરિક નિકટતા માટેનાં આ પ્રકારનાં આમંત્રણો મોટે ભાગે પુરુષ દ્વારા સ્ત્રીને અપાતાં હોય છે. આવી પહેલ કરવામાં સ્ત્રી કમસે કમ આરંભિક તબક્કે શરમાળ હોય તે એક સ્વાભાવિક બાબત ગણાય છે. એવું જાણે સ્વીકારાઈ ચૂક્યું છે કે કોઈ હસીના કદમ પહલે બઢાતી નહીં.
છતાં, હિન્દી ફિલ્મોમાં એકદમ ઓછાં છતાં યાદગાર ગીતો એવાં છે ખરાં, જેમાં સ્ત્રી સામે ચાલીને પુરુષને આમંત્રણ આપતી હોય. આવું એક ગીત છે, લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ના હો (ફિલ્મઃ વો કૌન થી). ધ મોસ્ટ રોમેન્ટિક સોંગ ઓફ ધ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હરીફાઈ યોજાય તો આ ગીત પાતળી તો પાતળી બહુમતીથી ચૂંટાઈ શકે ખરું. પાસ આઈયે કે હમ નહીં આયેંગે બાર બાર… જી ભર કે દેખ લિજીયે હમ કો કરીબ સે… સ્ત્રી દ્વારા અપતાં આવાં બોલ્ડ નિમંત્રણો ધરાવતા આ ગીતની વિશેષતા, અસરકારકતા, કાતિલતા એમાં સમાઈ છે કે એ ગીતમાં પ્રણય ઉપરાંત ઉદાસી પણ છે. અને સસ્પેન્સ પણ ખરું. આ આખું કોમ્બિનેશન ગીતને ધારદાર બનાવે છે.
પુરુષને નિમંત્રણ આપતી સ્ત્રીનું એક બીજું અત્યંત લોકપ્રિય ગીત છે બાહોં મેં ચલે આઓ... (ફિલ્મઃ અનામિકા). આ ગીતમાં પણ એકલો હાર્દિક રોમેન્સ નથી. એમાં શારીરિક રસિકતા ઉપરાંત હળવું રમતિયાળપણું પણ છે. એમાં પુરુષ વચ્ચે વચ્ચે શશશશ્… કહીને સ્ત્રીને તેનું વોલ્યૂમ ધીમું કરવા વિનવે છે. પણ સ્ત્રી ખીલી ઊઠી છે. એ બિન્ધાસ્ત થઈને કહે છેઃ હમસે સનમ ક્યા પરદા… ઓ… હમસે સનમ ક્યા પરદા… કમસે કમ આજ તો ખુલકે મિલો જરા હમસે.
આ ફિલ્મ અનામિકામાં સિચ્યુએશન એવી છે કે એક અજાણી, આફતગ્રસ્ત હિરોઈન (જયા ભાદુરી)ને હીરો (સંજીવ કુમાર) ઘરે લઈ આવે છે અને યાદદાસ્ત ગુમાવી ચૂકેલી (એવો દેખાડો કરતી) એ સ્ત્રીને ઘરમાં રાખે છે ત્યારે એક રાતે આ નારી બિન્ધાસ્ત ઘરધણીને નિમંત્રે છેઃ બાહોં મેં ચલે આઓ.
હીરો બિચારો અગાઉ પ્રેમમાં પછડાટ ખાઈ ચૂક્યો હોવાને કારણે નારીવિરોધી હતો. છતાં આ અજાણી અનામિકાના આહ્વાનોને તે અવગણી નથી શકતો અને એ પ્રેમમાં પડી જાય છે.
બાદમાં હીરોને એવી માહિતી મળે છે કે આ અનામિકાનો ભૂતકાળ ખરડાયેલો છે. પછી શું? હીરો તરત એવું વિચારી લે છે કે બધી જ સ્ત્રીઓ ખરાબ હોય છે એવી એની ધારણા ખોટી નહોતી.
પછી તો એક પાર્ટીમાં, અનેક લોકોની હાજરીમાં હીરો-હિરોઈન ભેગા થાય છે ત્યારે હીરો લલકારે છેઃ
મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગએ
જૈસે મેરે સપનેં બિખર કે
જલે મન તેરા ભી કિસી કે મિલન કો
અનામિકા તૂ ભી તરસે.ગીત પાર્ટીમાં ગવાઈ રહ્યું છે. ગાતાંગાતાં હીરોની નજર ઓળખીતાઓ સાથે મળે છે ત્યારે તે ઔપચારિક સ્મિત પણ રેલાવે છે. પરંતુ હસવા છતાં, શાંત રહેવા છતાં તે પોતાની વ્યથા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
તુઝે બિન જાને, બિન પહચાને, મૈંને હૃદય સે લગાયા
પર મેરે પ્યાર કે બદલે મેં તૂને, મુઝકો યે દિન દિખલાયા
જૈસે બિરહા કી રુત મૈંને કાટી, તડપ કે આહેં ભરભર કે
જલે મન તેરા ભી કિસી કે મિલન કો અનામિકા તૂ ભી તરસે.હું તને ઓળખી ન શક્યો, હું ઉલ્લુ બન્યો. પણ ઠીક છે, જેવી રીતે હું તડપ્યો એવી રીતે તું પણ તડપે એવી બદદુઆ આપ્યા પછી પણ હીરોનું પેટ નથી ભરાતું. ભાઈશ્રી પાછા લેખક છે (અને નાયિકા લેખકની મોટી ફૅન છે). શબ્દો સાથે પનારો પાડવાનું હીરોને સારું ફાવે છે. એટલે એ પોતાની હૈયાવરાળ વધુ આકરા શબ્દોમાં વ્યક્ત કરતાં કહે છેઃ
આગ સે નાતા, નારી સે રિશ્તા, કાહે મન સમઝ ન પાયા
મુઝે ક્યા હુઆ થા, એક બેવફા પે હાએ મુઝે ક્યોં પ્યાર આયા
તેરી બેવફાઈ પે હંસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે…યે કુછ ઝ્યાદા હો ગયા. હીરોને હિરોઈન સામે વાંધો પડ્યો ત્યાં સુધી તો જાણે ઠીક છે, પરંતુ ભડકેલો હીરો તો સમગ્ર નારીજાતિને વચ્ચે લઈ આવ્યો. એણે તો નારીને આગ સાથે સરખાવી દીધી અને પછી ભારે માંયલો શાપ આપ્યોઃ જા, તું બદનામ થાય અને તું રસ્તા પર નીકળે ત્યારે લોકો તારા પર હસે, થૂથૂ કરે.
આ બધી જ આકરી વાતો કહેતી વખતે હીરો પાર્ટીના માહોલમાં ચહેરા પર કૃત્રિમ શાલીનતા ટકાવી રાખે છે અને પોતાનો ટોન માઈલ્ડ રાખે છે. એટલે ગીતની ધૂન સોફ્ટ છે, મધૂર છે. પણ શબ્દો તો તેજાબી જ છે.
અલબત્ત, મોટા ભાગની ફિલ્મી વાર્તાની માફક અહીં પણ મામલો ગલતફહમીનો જ છે. હિરોઈન અસલમાં નિર્દોષ છે. એ વખાની મારી છે. એની પૂરી સચ્ચાઈની હીરોને જાણ નથી. આખી સચ્ચાઈ જાણ્યા બાદ હીરો પીગળી જાય છે, પરંતુ એ પહેલાં પૂરી વાત જાણ્યા વિના તે હિરોઈનને અત્યંત કઠોર શબ્દોમાં વખોડી કાઢે છે તેનું શું?
બસ, વાંકું પડે કે તરત ચુકાદા આપી દેવાના? સામેની વ્યક્તિની પરિસ્થિતિ સમજવાની કોશિશ જ નહીં કરવાની? અંગત સ્તરની સમસ્યાનો ઢંઢેરો ગામ આખા સામે પીટવાનો? સ્ત્રીને સૌની સામે બદનામ કરવાની?
આ ઠીક નથી.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
કાળું વાદળ ધોળું વાદળ
લતા જગદીશ હિરાણી
“માય ડીયર પપ્પાજી, અમારા ટીચરે રસ્તા પર ફરવા જવાનું કહ્યું છે… મારા મમતા ટીચર મને બહુ ગમે પપ્પા. એવા સરસ છે! અને વાતોય બહુ સરસ કરે!”
‘હમ્મ… હું પણ તને કેટલી વાર કહેતો હતો! પણ ચલો ટીચરે કહ્યું એટલે કરે છે એય બહુ સરસ. તું સમજી તો ખરી!”
હવે સાંજ પડે પીંકી અને પપ્પા બંને રોજ સાંજે ચાલવા જાય. પીંકીને તો મજા પડી ગઈ. પીંકી મમ્મીનેય કહેતી પણ મમ્મીને સાંજે રસોઇ કરવાનો ટાઇમ એટલે એ ન આવી શકતી. પીંકીના ઘરની બાજુમાં જ એક સરસ મજાનો ગાર્ડન હતો એટલે એમાં પીંકી અને પપ્પા બંન્ને જાય. પીંકી થોડુંક રમે, થોડાક હીંચકા ખાય અને પછી પપ્પા સાથે વોક પણ કરે.
પીંકીનું ઘર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની એક સોસાયટીમાં હતું. એક દિવસ પપ્પા કહે,
“ચાલ આજે આપણે બગીચાને બદલે આજે રોડ પર ચાલીએ.”
પીંકીને તો મજા પડી ગઇ. એને કંઇ નવું કે જુદું કરવા મળે એટલે એ ખુશ થઇ જાય.
પીંકી અને પપ્પા બંને મોટા રીંગ રોડ પર પહોંચી ગયા.
“પીંકી, અહીં આપણે ફૂટપાથ પર જ ચાલવાનું હોં કે !”
“હા પપ્પા, પણ આપણે ચાલીએ છીએ એ ફૂટપાથની બાજુમાં વળી એક નાનો રસ્તોય છે..
“હા બેટા આ રસ્તાને સર્વિસ રોડ કહેવાય. એના પર નાનાં વાહનો જઇ શકે.”
“એના પછીયે ફરી ફૂટપાથ છે, પપ્પા ચાલોને આપણે એ સાવ અંદરની ફૂટપાથ પર ચાલીએ.”
“હા, એ તારી વાત સાચી. ત્યાં દિવાલોની પાછળથી વૃક્ષો પણ ડોકાય છે જો..”
સાંજનો ટાઇમ હતો એટલે રસ્તા પર વાહનોની વણઝાર હતી. ગાડીઓ, સ્કૂટર ને બાઇકની જાણે રેસ ન લાગી હોય ! અને રસ્તા પર ધુમાડો ચોખ્ખો દેખાતો હતો.
બંને દિવાલ પાસે ચાલવા લાગ્યા.
“પપ્પા, આ સામ્મે ઉપર તો કંઇ દેખાતું નથી.”
“ચાલ સારું થયું, આ ઝાડ પાનની નજીક ચાલીએ તો ધુમાડો થોડો ઓછો લાગશે !”
“બધું ધુમાડાથી ઢંકાઇ ગયું છે. આટલા બધાં વાહનોનો ધુમાડો ક્યાં જાય?” પિંકી જરા અકળાઈ ગઈ.
“આપણે હંમેશા ગાડીમાં જઇએ એટલે તને ઉપર દેખાતું નહોતું. આજે દેખાયું. આ બતાવવા જ તને લાવ્યો છું બેટા !”
“પપ્પા, લોકો સાયકલ ચલાવતા હોય તો આટલો ધુમાડો તો ન થાય !”
“ખરી વાત છે બેટા. દૂર જવાનું હોય તો ભલે વાહન વાપરે પણ નજીકના વિસ્તારમાં તો સાયકલ વાપરી જ શકાય.”
“પપ્પા હવે નજીકની બધી જગ્યાએ હું સાયકલ જ વાપરીશ. અને હું મોટી થઇશ ને પપ્પા, ત્યારે બે વાહન રાખીશ. એક એક્ટીવા અને બીજી સાયકલ.”
“યસ યુ આર અ ગુડ ગર્લ”
ને એવામાં ચાલતાં ચાલતાં દિવાલ પાછળથી બોગનવેલ દેખાણી. એની ડાળીઓ બહાર નીકળી ઝૂકી ઝૂકીને જાણે એનાં ફૂલો બતાવતી હતી.. પીંકીને મજા આવી ગઇ.
“આ એક બાજુ આટલા વાહનો અને આટલા ધુમાડામાંયે આ બોગનવેલના ફૂલો કેવાં મસ્ત લાગે છે પપ્પા ?”
“એમ તો જો, આપણી જમણી બાજુ સર્વિસ રોડ પછી સળંગ કરેણના ફૂલોયે છે…”
“ચાલો આટલું તો મજાનું છે.”
હજી તો આ વાત પૂરી થાય ત્યાં તો ફૂટપાથ પર ભેંસના પોદળા શરૂ થયા. અરે બાપરે.. આખી ફૂટપાથ ભેંસના પોદળાથી ભરી હતી. પીંકી અને એના પપ્પાએ બીજી ફૂટપાથ પર જવું પડ્યું.
એ લોકો ડ્રાઇવઇન રોડની નજીક પહોંચવા આવ્યા હતાં પણ સામે રોડની બધીયે બિલ્ડીંગ ઝાંખી ઝાંખી હતી. ધુમાડામાં બધું ધુંધળું હતું. અતિશય ધુમાડાને લીધે પીંકીની આંખો બળવા માંડી.
“હવે પપ્પા આપણે આમ રોડ પર ચાલવા કદી નહીં આવીએ. આના કરતાં તો આપણો બગીચો સારો.”
“તારી મમ્મી બધાંને કહ્યા કરે છે ને કે બને ત્યાં સુધી સાયકલ ચલાવવી જોઇએ, બસ આટલી વાત સમજાવવા જ તને હું અહીં લઇ આવ્યો.”
“આમાં તો મમ્મી બધું સાચું જ કહેતી હોય છે. એ એમ પણ કહે છે કે સાયકલ ચલાવીએ તો બીજી કોઇ કસરતની જરૂર જ ન પડે. તબિયત મસ્ત રહે પણ પપ્પા, તમેય એનું ક્યાં સાંભળો છો ?”
“ચુપ.. ચિબાવલી, તારી ને મારી વાત જુદી…”
“જોયું ? હવે હું ગુડ ગર્લમાંથી ચિબાવલી કેમ થઇ ગઇ ? ન ચાલે પપ્પા, હવેથી તમે મમ્મીની વાત સાંભળશો તો જ હું મમ્મીની અને તમારી, બંનેની વાત સાંભળીશ…”
“ઓકે, ડન.”
“અને પપ્પા એક મસ્ત આઇડિયા કહું ?”
“બોલ ને ! તું આઇડીઆનો ભંડાર છો.”
“આ આપણા વૈજ્ઞાનિકો આટલી રિસર્ચ કરે છે ને તે એમણે એવાં વાદળ બનાવવાં જોઇએ જે થોડે ઉપર ઊડ્યા કરે. એક કાળું વાદળ હોય જે હવામાંથી બધી ગંદકી, કાર્બન ડાયોકસાઇડ ચુસ્યા કરે, અને પાછળ પાછળ બીજું ધોળું વાદળ ઊડતું હોય, એ નીચે ચોખ્ખી હવા સ્પ્રે કર્યા કરે…!”
“ઓહ, નોટ ઓન્લી ગુડ ગર્લ, યુ આર વેરી સ્માર્ટ ગર્લ ટુ…લવ યુ બેટા…”
પપ્પાના ખિસ્સામાં હાથ નાખી ચોકલેટ કાઢતાં પિંકીએ જવાબ આપ્યો,
“આઇ ટુ પપ્પા…”
-
સિંહની કેશવાળી
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક જંગલ હતું. બધા જંગલની જેમ આ જંગલમાં પણ ઘણા બધા પ્રાણીઓ રહે. વાઘ અને સિંહ, જિરાફ અને ચિત્તા, હરણાં અને હાથી, વરુ અને સાબર -બધાં પ્રાણીઓ અહીં હળીમળીને રહેતાં હતાં. એમાં પણ સસ્સુ સસલું, શાનુ શિયાળ અને ઉન્નું ઉંદર વચ્ચે ખાસ દોસ્તી હતી. બપોરે જયારે મોટા ભાગના પ્રાણીઓ ખાઈ-પી ને આરામ કરતાં હોય ત્યારે આ ત્રણેય મિત્રો મળે, એક ઝાડ નીચે બેસે અને અલક મલકની વાતો કરે.
એક દિવસ વાતોવાતોમાં એ ત્રણેયમાં કોણ વધારે બહાદુર એની ચર્ચા ચાલુ થઇ. પોતાના કાન ફફડાવતું ફફડાવતું સસ્સુ સસલું કહે, ‘આમ ભલે હું બીકણ લાગતું હોઉં, પણ આપણા ત્રણમાં સહુથી વધુ બહાદુર તો હું જ છું.’
આ સંભાળીને શાનુ શિયાળ તો ખડખડાટ હસવા માંડ્યું. સસલા સામે જોતું જાય અને હસતું જાય. સાથે ઉન્નું પણ હસવા માંડ્યો. સસ્સુને ખરાબ લાગ્યું. એણે થોડા ગુસ્સાથી પૂછ્યું, ‘એમાં તમને આટલું બધું હસવું શેનું આવે છે?’
શિયાળ કહે, ‘ઝાડ ઉપરથી એક બોર પડ્યું એમાં તો “આકાશ પડ્યું” એમ કહીને તેં આખા જંગલના પ્રાણીઓને ભગાવ્યા હતા. તું તારી જાતને બહાદુર કહે છે?’
સસ્સુ કહે, “પણ કૂવામાં એનું પ્રતિબિંબ બતાવીને મેં જ સિંહને કૂવામાં ધકેલ્યો હતો ને? એ વખતે તમારી બહાદુરી ક્યાં ગઈ હતી? હસવા કરતાં તમે એવું કોઈ પરાક્રમ કર્યું હોય તો કહો ને!’
પોતાની મૂછ ઉપર પંજો ફેરવતો ઉનદ્નું ઉદર બોલ્યો, “એકવાર સિંહ એક જાળમાં ફસાઈ ગયો હતો ત્યારે મેં એની જાળ કાપીને એને છોડાવ્યો હતો. આટલો નાનો છું તો પણ એની એટલી નજીક જતાં હું જરાયે ડર્યો ન હતો. જંગલનો રાજા જેનો આભાર માને એ ઓછો બહાદુર હોય? એ રીતે આપણા ત્રણમાં સહુથી વધુ બહાદુર તો હું જ છું.’
શાનુ કહે, ‘અરે પણ સિંહ જાળમાં ફસાયેલો હોય ત્યારે તો કોઈ પણ એની નજીક જઈ શકે. એ કંઈ બહાદુરી ન કહેવાય.’
સસ્સું અને ઉન્નુંએ એકબીજાની સામે જોયું અને બોલ્યા, “તું અમારા બન્નેની વાત કરે છે તો તારી બહાદુરી બતાવ ને! તે શું કર્યું છે?’
પોતાના ગાલ ફૂલાવતું શિયાળ બોલ્યું, મારા તો એક નહીં ઘણા પરાક્રમો છે. એકવાર સિંહે મને એના દાંતમાંથી વાસ આવે છે એમ પૂછ્યું ત્યારે ‘મને શરદી થઇ છે’ કહીને મેં એને મૂરખ બનાવ્યું હતું. બીજી એકવાર સિંહ બીમાર પડવાનો ઢોંગ કરીને એક પછી એક બધા પ્રાણીઓને ખાઈ જતો હતો ત્યારે મેં જ એ પ્રાણીઓના એની ગુફામાંથી બહાર ન આવતા પગલાં જોઇને હિંમતથી એની નજીક જવાની ના પાડી દીધી હતી. પછી બધા પ્રાણીઓને ચેતવ્યા પણ હતા. બોલો, હું જ છું ને સહુથી બહાદુર?”
ઉન્ું તરત બોલ્યો,, “ના ના. એ તો તારી ચતુરાઈ કહેવાય. બહાદુરી તો મારી જ છે.’
“ના, મારી’.
“ના મારી.’
ત્રણેય દોસ્તો વચ્ચે ખૂબ ચર્ચા થઇ. છેવટે એમણે નક્કી કર્યું કે જે સિંહની કેશવાળીના વાળ ગણી આવે એ સહુથી વધારે બહાદુર એવું માનવાનું. ત્રણે ય જણ આને માટે કબૂલ થયા. એમણે પાંચ દિવસ પછી એ જ જગ્યાએ મળવાનું નક્કી કર્યું.
એક બપોરે સિંહ એક ઝાડ નીચે સૂતો હતો ત્યારે ઉન્નું થોડી હિંમત કરીને એની નજીક ગયો. પણ એ જ વખતે પવન આવ્યો અને સિંહની મૂછના વાળ હાલ્યા. એટલે ઉન્નું તો પૂંછડી દબાવીને પાછો આવી ગયો. એણે વિચાર્યું કે જીવ ગુમાવવો એના કરતાં બીકણ કહેડાવવામાં વાંધો નહિ.
પછી શાનુ સસલું સિંહના સૂવાના સમયે એની કેશવાળીના વાળ ગણવા ઉપડ્યું. એ હજુ તો એનાથી થોડેક દૂર હતું ત્યાં સિંહે ઊંઘમાં પૂંછડી પછાડી. સસલું તો પાછું વાળીને જોવા પણ ન રહ્યું અને જાય ભાગ્યું. એણે પણ વિચાર્યું કે જીવ ગુમાવીને બહાદુર કહેવડાવવાની મૂર્ખામી ન કરાય. સસ્સુ અને ઉન્નુંને લાગતું હતું કે એમણે બરાબર જ કર્યું હતું. એમનું દોસ્ત શિયાળ પણ ખોટી હિંમત તો નહીં જ કરે.
હવે એમણે નક્કી કર્યા પ્રમાણે પાંચ દિવસ પછી એ લોકો નક્કી કરેલી જગ્યાએ મળ્યા. ઉન્નુ અને સસ્સુએ પોતાની બીકની વાત એમના દોસ્તોને જણાવી દીધી. એ સાંભળીને પાછું શિયાળ ખડખડાટ હસવા લાગ્યું. “બીકણ સસલું અને ફોશી ઉંદર’ એમ બોલતું જાય ને હસતું જાય. એના દોસ્તોને ખરાબ તો લાગતું હતું પણ શું કરે? થોડી વાર પછી શિયાળે હસવાનું બંધ કર્યું એટલે એમણે પૂછ્યું, “તું અમારા પર હસે છે પણ તારી વાત તો કહે. તું સિંહની કેશવાળીના વાળ ગણી શક્યું?’
શાનુ કહે, ‘એક એક વાળ હાથમાં લઈને ગણ્યો. સિંહની કેશવાળીમાં ૧૦૫૩ વાળ છે.’
“હે?’ પેલા બન્ને તો મોં ખોલીને આશ્ચર્યથી એની સામે જોવા માંડ્યા.“આમ મારી સામે શું જુઓ છો? સિંહની બાજુમાં બેસીને એની કેશવાળીના વાળ ગણી આવ્યો છું. ન મનાતું હોય તો એને પૂછી આવો. નહીં તો તમે પોતે ગણી લેજો.’
પેલા બંને શું બોલે? એમણે કબૂલ કરવું પડ્યું કે એ ત્રણેયમાં શિયાળ જ સહુથી વધારે બહાદુર હતું. એમણે એ માટે શિયાળને ઝુકી ઝૂકીને સલામ પણ કરી.
થોડી વાર પછી ત્રણેય વિખેરાયા. સસ્સુ અને ઉન્નું સમજી જ ન શક્યા કે શાનુએ એ કામ કેવી રીતે કર્યું હશે.
શાનુ શિયાળ મૂછમાં હસતું રહ્યું કે આ મૂર્ખાઓને ખબર નથી કે ખોટી બહાદુરી કરતાં ચતુરાઈ વધારે મહત્વની હોય છે. પોતે તો સિંહની નજીક જવાની હિંમત પણ ન હતી કરી અને તો પણ સહુથી બહાદુર કહેવાયો હતો!
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
આત્મદર્શનમ્ યોગ્યત્વમ્
નલિની નાવરેકર
શુચિર્ભૂત થઈને જેમ આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તેમ મન અને તન ‘શુચિ’ (સ્વચ્છ) કરીને આપણે પરમાત્માના મંદિરમાં પ્રવેશ કરીશું…. શુચિતાની જ્યાં સીમા આવે છે, ત્યાં આત્મદર્શનની યોગ્યતા આવે છે.” – વિનોબા (शुचित से आत्मादर्शन)
તન અને મન એટલે કે બાહ્ય અને અંતરની વિશેષ સ્વચ્છતા થશે ત્યારે આત્મદર્શનની યોગ્યતા આવે છે. આવી યોગ્યતા સુધી પહોંચવાનો પ્રયાસ આપણે કરવાનો છે.
એ તો આપણે જોયું કે બાહ્ય સ્વચ્છતા વિના આંતરિક શુદ્ધિ/ ચિત્તશુદ્ધિ સંભવી શકતી નથી. અને ચિત્ત શુદ્ધિ વિના, બાહ્ય શુદ્ધિનો કોઈ અર્થ નથી. ગયા અંકોમાં બાહ્ય સ્વચ્છતા અંગે આપણે ઘણી માહિતી મેળવી. હવે જીવનશુદ્ધિની થોડી વાત કરીશું. બહારની સ્વચ્છતાનું પરિણામ મન પર થાય છે, તો મન પ્રસન્ન થઈ જાય છે. પ્રસન્નતાનો અર્થ જ નિર્મળતા છે.
સત્સંગતિ અને સદ્ગ્રંથ પઠન : ચિત્તશુદ્ધિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે સત્સંગતિ. સંતોનું જીવન તેમજ સંતોના શબ્દો આપણી ચિત્તશુદ્ધિ કરીને આપણને આત્મદર્શનની ‘યોગ્યતા’ સુધી પહોંચાડી દેશે. વિનોબાજીનાં शुचित से आत्मादर्शन, મહાગુહા મેં પ્રવેશ, ગીતાપ્રવચન વગેરે ઘણાં પુસ્તકો તેમજ ગાંધીજીનાં મંગલપ્રભાત, સત્ય કી ખોજ, રામનામ વગેરે પુસ્તકો અને એકંદરે આપણા બધા સંતોના ગ્રંથોમાંથી આપણને સત્સંગતિનો ખજાનો જ મળશે. આપણા રોજબરોજના જીવનમાં કેટલાંક નાનાં-મોટાં સાધનો છે, જે ચિત્તશુદ્ધિને માટે મદદરૂપ થશે. તે છે પ્રાર્થના, નામસ્મરણ, પ્રાણાયામ, શરીરશ્રમ વ્રત, આહારશુદ્ધિ, અર્થશુચિતા – આ જીવનશુદ્ધિનાં મહત્ત્વનાં અંગ છે.
પ્રાર્થના : ગાંધી-વિનોબા પ્રાર્થનાને નિદ્રા, ભોજન અને સ્નાનની ઉપમા આપે છે. શરીરને માટે આ ત્રણે જેટલાં જરૂરી છે એટલાં જ, મન અને ચિત્તના આરામ, શાંતિ, પોષણ અને શુદ્ધિ માટે પ્રાર્થના જરૂરી છે. એક દિવસ પણ પ્રાર્થના ન થઈ શકે તો ગાંધીજી પોતાને અપરાધી માનતા હતા, અસ્વસ્થ થઈ જતા હતા.
પ્રાર્થના શું છે ? : એક તો છે, એ સર્વશક્તિશાળી ઈશ્ર્વરનું સ્મરણ અને સ્તવન ! બીજું છે, તેની પાસેની યાચના ! આપણી મર્યાદાઓ દૂર થાય, આપણી શુદ્ધિ થાય તેને માટે એને પ્રાર્થના કરવી ! ત્રીજું છે, ‘ગુણચિંતન !’ પ્રાર્થનામાં આપણે જે ગુણોનું ચિંતન કરીશું, તેને અમલમાં લાવવાનો પ્રયત્ન થશે. પ્રાર્થના મૌન પણ હોઈ શકે ને સશબ્દ તો હોય જ છે. વ્યક્તિગત પ્રાર્થના પણ જરૂરી છે, સામૂહિક પ્રાર્થનામાં તો લાભ છે જ. અંદરથી જેના પર શ્રદ્ધા હોય એવી પ્રાર્થના અને સામે આદર્શ ઊભો થઈ શકે તેવી પ્રાર્થના આપણે કરીએ.
નામસ્મરણ : પ્રાર્થના પણ એક રીતે જોવા જાવ તો નામસ્મરણ જ છે. વિનોબાજી કહે છે, “હું ગીતાને નામસ્મરણ જ માનું છું. તેમ છતાં નામસ્મરણનું એક જુદું જ સ્થાન છે, મહત્ત્વ પણ છે. ભગવાન- ના જે સ્વરૂપ અને નામ પર શ્રદ્ધા હોય, ભાવ હોય; જે નામ જેને પ્રિય હોય, એના નામનો જપ કરવો જોઈએ. કાનથી એનું જ શ્રવણ કરવું. સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવથી ભગવાનનું નામ લેવામાં આવે તો એ નામસ્મરણ મનને ધોવા માટે જરૂરથી મદદ કરતું હશે. દુનિયામાં જેટલાં પણ નામ છે, એ બધાં ભગવાનનાં જ નામ છે, એવું વિનોબાજી કહે છે.
ઘણાં લોકો માળા લઈને નામ જપ કરે છે. કોઈ માત્ર મોઢાથી નામસ્મરણ કરે છે. આવી રીતે નામસ્મરણ કરવામાં સૌની રુચિ કે વૃત્તિ નથી હોતી. તો ભજન કે ભક્તિગીતોના રૂપમાં નામજપ સારું છે. સાંભળ્યા કરવું જોઈએ. સંગીતમાં એક અદ્ભુત શક્તિ હોય છે. જે પ્રકારનું સંગીત આપણે સાંભળીએ છીએ તે પ્રકારના સંસ્કાર આપણા મન પર પડે છે.
પ્રાર્થના અથવા નામસ્મરણનો અધિકાર કોને છે ? આનો મજાનો પરંતુ અર્થપૂર્ણ જવાબ વિનોબાજીની વિચારપોથીમાં મળે છે. ‘જે પુણ્યશાળી છે તે ભગવાન પાસે જઈ શકે છે, કારણ કે તે પુણ્યશાળી છે.’ ‘જે પાપી છે તે ભગવાન પાસે જઈ શકે છે કારણ કે તે પાપી છે.’ આ જ વાત પ્રાર્થના અને નામસ્મરણને પણ લાગુ પડશે.
પ્રાણાયામ : પ્રાણાયામથી શ્ર્વાસ ‘સમ’ બને છે. શ્ર્વાસ ‘સમ’ થાય ત્યારે મન સ્થિર અને શાંત થાય છે. મગજમાં તાજગી આવે છે. શરીર સ્વસ્થ, વ્યાધિમુક્ત કરવા માટે પણ પ્રાણાયામનો ઉપયોગ થાય છે. જો શરીર સ્વસ્થ હોય તો મન પણ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે. અને સ્વસ્થ મન, શાંત થઈને શુદ્ધ થવા તરફ આગળ વધે છે. ધ્યાન રહે કે પ્રાણાયામ યોગ્ય પદ્ધતિથી થવો જરૂરી છે.
શરીરશ્રમ વ્રત : વ્રતપૂર્વક શરીરશ્રમ કરવો અને મજબૂરીમાં શરીર-શ્રમ કરવો એ બંને બાબતમાં અંતર છે. આ વ્રતના લાભ તો અનેક છે. પરંતુ જીવનશુદ્ધિ માટે તેનો લાભ વિશેષ પણ છે. આજકાલ ઘરમાં મશીનો અને ઑફિસમાં કમ્પ્યુટરને લીધે હાથથી કામ કરવાનું બહુ ઓછું થઈ ગયું છે. નહીં તો ઘરની સફાઈ, વાસણ માંજવાં, કપડાં ધોવાં જેવાં કામોમાં હળવો શરીરશ્રમ થઈ જાય છે. આંગણું તથા પરિસરની સફાઈ, બગીચામાં કામ કરવું, જુદી જુદી જરૂરિયાતો-કામો માટે બને તેટલું પગે ચાલીને જવું-આવવું – આ બધું જરૂરી છે. સ્ત્રી-પુરુષ બધાંએ જ આ કરવા જેવું છે. આમાં શરીરશ્રમ (વ્યાયામ) અને પ્રેમ એકસાથે થઈ જાય છે.
ખેતીનું કામ તો જીવનશુદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ કામ કહી શકાય. ખેતીમાં શ્રમ કરતી વખતે ખુલ્લી અને તાજી હવા તેમજ સૃષ્ટિનું સાંનિધ્ય મળે છે. તેનાથી જીવનશુદ્ધિનો લાભ પ્રાપ્ત થાય છે. વિનોબાજી કહે છે, ‘ભગવાનની ભક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન ખેતી છે. ખેતીમાં કામ કરવાથી વિકારશમન સહેલું બને છે.’
આહારશુદ્ધિ અને અર્થશુચિતા આદિ જીવનશુદ્ધિનાં અભેદ્ય અંગ છે. આમ આ બે સ્વતંત્ર અને વ્યાપક વિષયો છે.
આહાર શુદ્ધિ : आहार शुद्धो सत्व शुद्धि: ! ઉપનિષદમાં સૂત્ર છે, આહારથી ચિત્તશુદ્ધિમાં મદદ મળશે. શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું એ બધું આહારશુદ્ધિમાં આવી જાય છે. મનુષ્યને માટે શાકાહાર જ યોગ્ય છે.
અર્થશુચિતા : આમાં કમાવું તેમજ ખર્ચ કરવો એ બંને બાબતો આવી જશે. કેવી રીતે કમાવું અને કેટલું કમાવું એ મહત્ત્વની બાબતો છે. ક્યાં, કેવી રીતે તેમજ કેટલો ખર્ચ કરવો એ પણ મહત્ત્વનું છે.
(આ લેખમાળા ‘શુચિતા તરફ’ આ લેખ સાથે પૂરી થાય છે. સ્વચ્છતા અંગે વિજ્ઞાન અને અધ્યાત્મ વિશેના વિચાર, શાસ્ત્ર, માહિતી જેટલાં બની શકે તેટલાં વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેનો મને ખૂબ સંતોષ છે.
આપણા ગામ, દેશ તથા આપણા વ્યક્તિગત જીવનોના વ્યવહારમાં આમાંની કેટલીક વાતો ઊતરે તેવો આ લેખમાળાનો ઉદ્દેશ હતો. કેટલો સફળ થયો તે તો હું નથી જાણતી પરંતુ મારા પોતાના વ્યવહાર અને કાર્યમાં જરૂર ફાયદો થયો છે તેવું હું જરૂર કહી શકું. બાકી ભગવાનને અર્પણ….)
– નલિની નાવરેકર, નાસિક, ફોન : ૭૫૮૮૩૧૬૧૩૭
ભૂમિપુત્ર : ૧ જાન્યુઆરી, ૨૦૨૫
-
મોટરકારની ઘેલછા: ઝેરી હવાની મનસા
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
આ લેખ લખાઈ રહ્યો છે તે દરમ્યાન છાપામાં વાંચવામાં આવ્યું કે દિલ્હી શહેર શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યું છે અને ત્યાંની સૌથી મોટી સરકારી હોસ્પિટલ(લોકનાયક હોસ્પિટલ)માં શ્વસનતંત્રની બીમારીના ઇલાજ માટેની દવાઓની અછત સર્જાઈ રહી છે. આ એક જ સમાચાર પરિસ્થિતિની ગંભીરતા જણાવવા મટે પૂરતા છે. હવામાંના પ્રદુષણ માટે અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે. પરંતુ આફત નોતરવામાં સૌથી મોટો ફાળો વધતી જતી મોટરકારોની સંખ્યા છે એ સત્ય તરફ આપણે શાહમૃગવૃતિ સેવીએ છીએ. જો કે ખાનગી મોટરકાર ઉપરાંત પરિવહન માટે ટેમ્પો- ટ્રકો , ટેક્ષીઓ, રીક્ષાઓ વગેરેને કારણે પણ પ્રદુષણ વધે છે પરંતુ વત્તેઓછે અંશે તે પ્રજાની જરૂરિયાત છે. તેથી આ લેખમાં મુખ્યત્વે ખાનગી મલિકીની મોટરકારો પર ભાર મૂકવામાં આવ્યો છે.
આજથી લગભગ સાંઇઠ વર્ષ પહેલા અમેરિકાની સમૃદ્ધિ બાબતે સાંભળેલું કે ત્યાં ઘરદીઠ એક મોટરકાર હોય છે. સફાઇકામદાર પણ પોતાની મોટરકાર વાપરે છે. એ સમયે ભારતમાં લગભગ ચાર લાખ મોટરકાર હતી અને વસ્તી હતી ચાળીસ કરોડની. એટલે કે દર હજાર માણસે એક મોટરકાર, એ પણ ઘણીખરી શહેરોમાં. લાખો ગામડાં એવાં હતાં કે જ્યાં એક પણ મોટરકાર તો ન હતી ઉપરાંત સાયકલ સિવાય એક પણ ટુવ્હીલર પણ ન હતું. આજે ભારતમાં લગભગ સાત કરોડ મોટરકાર છે અને વસ્તી છે એક્સો ચાલીસ કરોડ, એટલે કે દર વીસ માણસે એક મોટરકાર છે. કેટલાક આદીવાસી વિસ્તારો સિવાય ભાગ્યેજ કોઈ ગામડું હશે જ્યાં એક પણ મોટરકાર નહીં હોય.
નાણાકીય વર્ષ ૨૦૧૪-૨૫માં ભારતમાં કુલ ૪૩,૨૦,૯૫૬ કારનું વેચાણ થયું હતું. આ તો ગૂગલગુરુએ આપેલી માહિતી છે. હવે આપણને સામે જ દેખાય છે તેની વાત કરીએ.
એકાદ મહિના પહેલા અમદાવાદ શહેરથી દૂર આવેલા એક પાર્ટીપ્લોટમાં લગ્નસમારંભ હતો. ત્યાં આવેલા મોટાભાગના મહેમાનો મોટરકારમાં આવ્યા હતા. જેમની પાસે પોતાની કાર ન હતી તેઓ બીજા સગાસબંધીની કારમાં આવ્યા હતા. મહેમાનોની સંખ્યા લગભગ પાંચ સો જેટલી હતી. એક અંદાજ લગાવી શકાય કે એ લગ્નસમારંભમાં ઓછામાં ઓછી દોઢ સો જેટલી મોટરકરોનો ઉપયોગ થયો હોવો જોઈએ. વળી હવેના સમયમાં લગ્નપ્રસંગ એક દિવસમાં ઉકેલાતો નથી મોટાભાગે બે દિવસ અને ક્યારેક વધારે દિવસો સુધી પણ ચાલતો હોય છે. આથી અનુમાન કરી શકાય કે એક જ લગ્ન પ્રસંગે ઓછામાં ઓછી ત્રણસો થી ચારસો મોટરકાર રસ્તા પર દોડી. આ તો એક જ પ્રસંગની માહિતી છે, અમદાવાદ દિલ્હી જેવા મોટાં શહેરોમાં ક્યારેક એક જ દિવસમાં હજારોની સંખ્યામાં લગ્નપ્રસંગો યોજાતા હોય છે.
ઉપર દર્શાવેલી વિગતોને આધારે એટલે કે વસ્તીદીઠ કારની સંખ્યાને માપદંડ તરીકે લઈએ તો આપણે દેશના આર્થિક વિકાસ બાબતે ગૌરવ લઈ શકીએ. સરકારની ઉદાર આર્થિક નીતિને લીધે લોકોની સમૃદ્ધિ વધી છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ ઢાલની બીજી બાજુ પણ છે. એ બાજુ કેવી છે તે Car24(ભારતીય બહુરાષ્ટ્રીય ઓનલાઈન માર્કેટપ્લેસ) ના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિક્રમ ચોપરાના *શબ્દોમાં જાણીએ[1]
“હું મોટરકારનું ભારતમાં વેચાણ કરતી કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું. સ્વાભાવિક છે કે મારું ગુજરાન કારચાલકો અને કાર ખરીદનારા ગ્રાહકો પર ચાલે છે. વાહનોની અવરજવર એ મારા ધંધાની કરોડરજ્જુ છે. આમછતાં હું સરકારને જાહેરમાં કહું છું કે વાતાવરણમાં ઝેર ઓકતી કારો પર અંકૂશ લગાવે. મારા જેવો જેની રોજીરોટી જ કાર છે તે રસ્તા પર કારને ઓછી કરવાનું કહે છે ત્યારે આપે સમજવું જોઈએ કે પરિસ્થિતિ કેટલી વણસી ગઈ છે. ભલે હું કારકંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોઉં, પરંતુ સાથે સાથે પાંચ વર્ષનાં એક બાળકનો પિતા પણ છું. મારા આ બાળકની ઉંમર તો ઘરની બહાર રમવાની છે પરંતુ તે બહાર રમવાને બદલે મને સવાલ કરે છે કે આકાશ આટલું ગંદુ કેમ છે? મારે ૮૦ વર્ષની ઉંમરના માબાપ છે જે ઘરની બહાર પગ મૂકતા ડરે છે, કારણ કે બહારની હવા તેમનાં ગળાં ખરાબ કરી નાખે છે. અહી હું કોઇ મોટા સિદ્ધાંતની કે રાજકારણની વાત નથી કરતો, પરંતુ મારા પરિવારના સભ્યોનાં ફેફસાં પર ઉભા થયેલાં જોખમની વાત કરું છું.”
તેઓ આગળ ઉમેરે છે,
“અગાઉ આપણે પ્રયોગ કરી ચૂક્યા છીએ, તેથી આપણને સૌને દિલ્હી શહેરની હવા ચોખ્ખી કરવાના ઉપાયોની જાણ છે જ. ૨૦૧૬માં ઓડ-ઇવનવાળા પ્રયોગને અંતે મળેલા અહેવાલ મુજબ હવામાં લગભગ ૧૪થી ૧૫ ટકા જેટલો સુધારો થયો હતો અને નાઇટ્ર્રોજન ઓક્સાઈડનો નોંધપાત્ર ઘટાડો થયો. હતો. ખરેખર તો આ પ્રયોગ કારગત નીવડેલો જ. પરંતુ આપણે તેમાં જરૂરી સુધારોવધારો કરીને આગળ વધવાને બદલે આખેઆખી યોજના જ રફેદફે કરી નાખી.
મને ગુસ્સો તો એ બાબતે આવે છે કે દુનિયાના અન્ય દેશોએ દર વર્ષે આવતી આ આફતને અટકાવવા માટે કરેલા ઉપાયોની દિલ્હીએ સદંતર અવગણના કરી છે. શિયાળામાં ડિઝલ પરના અંકુશો અને ભારે અવરજવરના(peak hours) ના સમયે ચોક્કસ રસ્તાઓ પર નીકળતાં વાહનો પર ફી વસુલ કરવાથી એ સમયે થનાર ટ્રાફિકમાં ઘટાડો આખા શહેરની વસ્તીના શ્વસોચ્છવાસમાં થતી ગૂગળામણને અટકાવી શકે. બાંધકામના સ્થોળેએ નિયમોના ભંગ કરનાર પાસેથી દંડ લઈ માત્ર તેમનું ખિસ્સું હળવું કરીને છોડી મૂકવાને બદલે યોગ્ય દેખરેખ રાખીને જરૂર લાગે બાંધકામ રોકીને પણ હવાને પ્રદુષિત થતી અટકાવવી જરૂરી છે.
શહેરના લોકોને તો સુખસગવડો અને ચોખ્ખી હવા બન્ને એક સાથે જ જોઇએ છે, જે ક્યારેય પણ બની શકે નહિ, અને ખાસ કરીને આપણે જે રીતે વાહનો હંકારીએ છીએ, બાંધકામ કરીએ છીએ અને અને ચીજવસ્તુઓને જાહેરમાં બાળીએ છીએ તે રીતે તો નહિ જ. આપણે એક પણ સુવિધા છોડવા તૈયાર નથી અને ચોખ્ખી હવાની માગણી કરીએ છીએ. આનો અર્થ એ જ છે કે શહેરની આ હાલત માટે અન્ય કોઇ નહિ, પરંતુ આપણે પોતે જ જવાબદાર છીએ.
કોઇને ગમે કે ન ગમે પરંતુ હું નમ્રતા છોડીને કહુ છું, જો કારને પ્રતિબંધિત કરવાથી પરિણામ મળે છે, તો તેમને પ્રતિબંધિત કરો. જો ડીઝલને ચાર મહિના માટે અદૃશ્ય કરી દેવાની જરૂર હોય, તો તેમ કરો. જો ઓડ-ઈવન કામ કરે છે, તો તેને પાછું લાવો. જો બાંધકામ સાઇટ્સ ધોરણોનું ઉલ્લંઘન કરે છે, તો તે દિવસે તેને બંધ કરો. જો કોઈપણ ઉદ્યોગ દીર્ઘકાલીન ગુનેગાર છે, તો તેને આરોગ્યની તાકીદની જેમ નિયમો પાળવા માટે મજબૂર કરો.
મારી વાત પર લોકોને ગુસ્સો આવતો હોય તો ભલે આવે, પરંતુ મારું બાળક જિંદગીભર એર પ્યુરિફાયરમાં રહે તેના કરતાં હું લોકોનો ગુસ્સો પસંદ કરીશ. જરૂરી પગલાં લેવામાં દિલ્હીનાં નિષ્ફળ જવાથી મારા પુત્ર અને માતા-પિતાના ફેફસા ખરાબ થઈ શકે છે, તેમનાં શરીરમાં નવા ફેફસાં મૂકી શકાતાં નથી. અને યાદ રાખજો કે તમે પણ તમારાં ફેફસાં બદલી શકવાના નથી.. શહેરના લોકો સત્તાવાળા દ્વારા થવી જોઇતી આવશ્યક કાર્યવાહીને બદલે સુખસુવિધા પસંદ કરવાનું ચાલુ રાખે છે, તો એનો સીધો અર્થ છે કે: ‘અમને જવાબદાર નાગરિક બનવાને બદલે ઝેરી હવા જ પસંદ છે.’
ખરેખર તો દિલ્હીને જાગૃતિની નહિ પણ શિસ્તની જરૂર છે. તેને એવી સરકારની જરૂર છે જે લોકોના ભલા માટે અળખી થવા તૈયાર હોય અને સાથે સાથે એવા નાગરિકોની પણ જરૂર કે જેમને પોતાનું આ પ્રિય શહેર છોડીને જતા રહેવું પડે એવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં અગવડતા ભોગવવા તૈયાર હોય.
કોઇને આ બધો બકવાસ લાગે પરંતુ શહેરની બદહાલતથી મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હોવાથી જ મારે આ ચર્ચા કરવી પડે છે.
કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન જ્યારે બાંધકામ, ઔદ્યોગિક પ્રવૃતિઓ અને વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો હતો ત્યારે હવા કેટલી બધી ચોખ્ખી થઈ ગઈ હતી તે આપણે સૌએ અનુભવેલું જ છે.
છતાં દરેક શિયાળે એક ની એક મોકાણ. અનેક પ્રતિબંધો , બાંધકામો રોકો, ડિઝલ વપરાતા વાહનો પર રોક લગાઓ વગેરે. પરંતુ જરા સરખી પણ હવા સુધરે તો બધું જ અગાઉની જેમ ચાલું થઈ જાય છે અને વળી પાછું પ્રદુષણ વધવા લાગે છે.”
આપણે વિક્રમ ચોપરાની વાત જાણી. હવે ગ્રુફાન બેગ ‘જે સિસ્ટમ ઑફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)’ ના સ્થાપક-નિર્દેશક છે તેઓ શું કહે છે તે જાણીએ[2],
“હાલ દિલ્હીનાં પડોશી રાજ્યોના ખેડૂતો પરાળ બાળતા નથી કે નથી કોઇ એવો તહેવાર જેમાં દારૂખાનું ફૂટતું હોય, હજુ શિયાળાની ઠંડી પણ તેની ચરમસીમાએ પહોંચી નથી. તેમ છતાં, દિલ્હીનો AQI બતાવે છે કે ૧૩ ડીસેમ્બરથી શહેરની હવા ખરાબ થઈ છે અને ટૂંક સમયમાં જ તે વધારે બગડવાની છે. ઓછામાં ઓછા એક મહિના સુધી તેમાં વધારોઘટાડો થતો રહેશે.
હવાની ગુણવતાનો સૂચિકાંક(AQI) ૫૦૦ સુધી પહોંચ્યો એ ગંભીર વાસ્તવિકતા છતી કરે છે. જ્યારે આ આંક આટલી ચરમસીમાએ પહોંચે છે ત્યારે પ્રદૂષણ સતત લાંબા સમય સુધી એટલે કે ૨૪-૪૮ કલાક કે તેથી વધુ આ સ્તરે જ રહે છે. દિલ્હીમાં હાલ પવન વાતો નથી એટલે કે હવા સ્થિર છે તેથી સ્વાભાવિક છે પ્રદુષણ લાંબો સમય સુધી રહે.”
પ્રદુષણ માટે સૌથી વધારે જવાબદાર શહેરમાં દોડતાં વાહનો છે. એ અંગે અંગે કેટલાક આંકડા આપતા શ્રી બેગ જણાવે છે,
“દિલ્હી શહેરવિસ્તાર માટેનો અમારો અંદાજ દર્શાવે છે કે PM2.5[3] નું ૪૩ ટકા જેટલું એટલે કે લગભગ અડધું પ્રદુષણ પરિવહનમાંથી આવે છે. જાહેરમાં ચીજવસ્તુઓને બાળવા વગેરેને કારણે ૧૫ ટકા, રહેણાંક અને ઔદ્યોગિક ઉત્સર્જનથી પ્રત્યેક ૧૩ ટકા અને માત્ર ૮ ટકા ધૂળના બારીક કણોમાંથી આવે છે. આમ સીધો જ હિસાબ છે કે સ્થાનિક ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરે છે, તો પ્રદૂષણનું સ્તર ૫૦ ટકા ઘટી જાય છે. આ માટે ક્યાં પ્રતિબંધ મૂકવો એની પ્રાથમિકતા પસંદ કરવાનું નીતિનિર્ધારકોએ નક્કી કરવું મુશ્કેલ નથી.
અસરકારક પરિણામ માટે આરોગ્યને હાનિકારક એવા વાયુઓનું ઉત્સર્જન રોકવા માટે લાંબા ગાળાના ઉપાયો જરૂરી છે. પરંતુ તેમ કરવાને બદલે બગડેલી હવાને ચોખ્ખી કરવા માટે કૃત્રિમ વરસાદ કે રસ્તા પર પાણીનો છંટકાવ કરવા જેવા બીનઅસરકારક, નિષ્ફળ અને વધું તો હાસ્યાસ્પદ ઉપાયો કરવામાં આવે છે.”
આ બન્ને મહાનુભવોએ દિલ્હી શહેર પૂરતી વાત કરી છે. પરંતુ દેશનાં અન્ય શહેરો માટે પણ આ સાચું છે કારણ કે અન્ય શહેરોમાં મોટરકારો કાંઇ પ્રાણવાયુંનું ઉત્સર્જન કરતી નથી! આથી દરેકે વાસ્તવિકતા સમજવી જરૂરી છે. એક કાયમી દલીલ છે કે અપૂરતા જાહેર પરિવહન(પબ્લિક ટ્રાન્સપોર્ટ)ને કારણે લોકોએ મોટરકારોનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ શહેરમાં આવજા કરવા માટે દરેકને અને દરેક સમયે કારનો ઉપયોગ કરવો જરૂરી નથી. નિવાસસ્થાનથી અર્ધો કિલોમીટરના અંતરે આવેલા કામનાં સ્થળે પહોંચવા માટે કારની શી જરૂર હોય? કેટલીક વખત તો સગાવહાલા મિત્રો સૌની પાસે કાર છે તો મારી પાસે પણ હોવી જોઇએ એવી દેખાદેખીથી જ વાહનો ખરીદવામાં આવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગમાં તો ક્યારેક એક કાર અપૂરતી લાગે છે. કોલેજમાં ભણતાં સંતાનોને અને બજારમાં ખરીદી કરવા જતી ગૃહિણીઓ માટે અલગ કાર તેમની જરૂરિયાત લાગે છે. પોતાની પાસે કાર નહીં હોય તો દરદીઓ શું વિચારશે? એ ખ્યાલથી પ્રેક્ટીસ ચાલતી હોય કે ના હોય પણ ડોક્ટર થયા એટલે કાર હોવી જ જોઇએ. જેમ ડોક્ટર માટે તેમ સમાજમાં મોભો ધરાવતા બીજા ધંધાદારીઓને પણ આ વાત લાગુ પડે છે. પ્રધાનો અને સરાકારી બાબુઓનો તો સરકારી કાર વિના પ્રજાના સેવક તરીકે સિક્કો પડતો જ નથી. (૨૦૦૫થી ૨૦૧૧ સુધી ઇંગ્લેન્ડમાં જ રહેલા નિહાર મેઘાણીએ નોંધ્યું છે કે ત્યાંના રાજકારણીઓ સાઈકલ પર ફરતા હોય એ બહુ જ સામાન્ય ઘટના છે. પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન લંડનના મેયર હતા ત્યારે સાયકલ પર જ બધે ફરતા)
પોતાની માલિકીની કાર હોવાથી પ્રવાસ કરવાનું પણ વધ્યું છે. નવાનવાં પ્રવાસ સ્થળો અને યાત્રાધામો ઊભા થતાં જાય છે. ગઢડા જઈએ છીએ તો ભેગાભેગું સાળંગપુર પણ જઈ આવીએ, એ પ્રકારનાં વલણો વધતા જાય છે. વાહનો દ્વારા ફેલાવવાં ઉપરાંત યાત્રાધામો અને પ્રવાસન સ્થ્ળોએ ભીડ કરીને ત્યાં પણ પ્રદુષણ ફેલાવવા લાગ્યા છીએ. વળી દિનપ્રતિદિન મેળાઓ ધાર્મિક કથાઓ અને ઉત્સવો વધતા જાય છે. સરકારો પણ ઉત્સવઘેલી થતી જાય છે. આથી આ સ્થળોએ પહોંચવા માટે પણ મોટરકારોનો વિશેષ ઉપયોગ થાય છે. આને કારણે રોડ પર વધતા ભારણ તેમજ અકસ્માતો એ તો અલગ ચર્ચાના મૂદ્દો છે જ. આ વાત ખાનગી મોટરકાર ઉપરાંત ટ્રાવેલ બસોને પણ લાગુ પડે છે. સરકાર લોકપ્રિયતા મેળવવા માટે વૃક્ષો કાપીને પણ યાત્રાધામો અને પ્રવાસન સ્થ્ળો સુધી પહોંચવા માટે રસ્તા બનાવે છે જેને લીધે વાહનોની અવરજવર વધતી જાય છે. એક વખત જ્યાં પહોંચવાનો રસ્તો દુર્ગમ હતો તેવા બદરીનાથ અને કેદારનાથ જેવા સ્થ્ળોએ પણ ડાકોરઅંબાજી જેવી ભીડ થવા લાગી છે!
દેશમાં ઉદારીકરણ પછી બધી જ ચીજવસ્તુઓની જેમ મોટાં પ્રમાણમાં મોટરકારો પણ ઠાલવવામાં આવી રહી છે. આને વિકાસ ગણાવવામાં આવે છે જેનાથી આપણો મધ્યમ વર્ગ અંજાઈ ગયો છે. સરકારો પાસે કોઇ અપેક્ષા નથી કારણ કે તેઓ રોજગારી અને આર્થિક વિકાસને જ આગળ ધરશે. આ બાબતે સરાકારો પર દબાણો કરવાની વાત તો ક્ષિતિજ પર પણ દેખાતી નથી. ખરેખર તો લોકોએ જ જાગૃતિ બતાવીને અતિ આવશ્યક હોય ત્યારે જ ઓટો વાહનો ખરીદવા જોઇએ. જો દીવાલ પર લખેલું જોવામાં આંખાઅડા કરીશું તો જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જશે ત્યારે જાગવામાં ઘણું મોડું થયું હશે.
[1] તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૫ના ઇન્ડિયન એક્સપ્રેસમાં તેમનો લેખ
[2] તારીખ ૧૭ ડીસેમ્બર ૨૦૨૫ના ઇન્ડિયન એક્સપ્રેસમાં તેમનો લેખ
[3] PM2.5 એટલે હવામાં ધૂળ, ધૂમાડો વગેરેનો બારીક કણ જેનો વ્યાસ ૨.૫ માઈક્રોમીટરથી ઓછો હોય. એક માઇક્રોમીટર એટલે કે ૧ સેન્ટીમીટરનો હજારમો ભાગ. આટલા સૂક્ષ્મકણો ઉચ્છવાસમાં બહાર નીકળી શકતા નથી અને ફેફસામાં ચોટીને નુક્શાન કરે છે. એક ઘનમીટર હવામાં જેમ જેમ આ સૂક્ષ્મકણોની સંખ્યા વધે તેમ પ્રદુષણ વધ્યું કહેવાય. આપણા દેશમાં આ સંખ્યા એકસોથી વધે તો ખૂબ જોખમી ગણાય છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
દત્તક
જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
શ્યામલ અને કુંજલના લગ્નને દસ વરસ થઇ ગયાં હતાં.ઘરમાં મમ્મી , પપ્પાની દાદા, દાદી થવાની..મૂડીના વ્યાજને રમાડવાની હોંશ હજુ પૂરી નહોતી થઇ. અને હવે મેડીકલ રીપોર્ટ મુજબ એ હોંશ પૂરી થઇ શકે તેમ પણ નહોતું. ઘરમાં સ્વાભાવિક રીતે જ ઉદાસીનો ઓછાયો છવાયેલ હતો. શું કરવું તે સમજાતું નહોતું. કુંતલની આંખો તો રડી રડીને સૂઝી ગઇ હતી. અનાથાશ્રમમાંથી કોઇ શિશુને દત્તક લેવાની વાત કુંતલના મનમાં ઉગી હતી. પરંતુ ઘરમાં કોઇને એ ગમે કે કેમ ? એ વિચારે તે વાત કરતાં અચકાતી હતી.
કુંતલના સાસુ, નીપાબહેન કુંતલના મનની વાત સમજી ગયા. અને એક દિવસ રાત્રે બધા બેઠાં હતાં ત્યારે કુંતલના મમ્મીએ જ પ્રસ્તાવ મૂકયો. અને તેના પપ્પાએ તેને ટેકો આપ્યો.
શ્યામલને એ વાત ન ગમી. તેણે પોતાનો વિરોધ જાહેર કર્યો. ’ ના, પપ્પા…બાળક વિના મને ચાલશે. કોઇનું બાળક લેવાના પક્ષમાં હું નથી. ‘ ’ પણ કેમ ? જન્મ આપવાથી જ કંઇ મા બની શકાય તેવું નથી જ ? કોઇ શિશુને તમે સ્નેહથી તમારી દુનિયામાં આવકારો. તેને દિલનો પ્રેમ આપો..તમારું જ જીવન મઘમઘી રહેશે. ‘ ’ ના, પપ્પા…હું અન્યના બાળકને નહીં સ્વીકારી શકું. મોટું થઇને એ કેવું નીવડે..કોને ખબર છે ? પારકા બાળકનો શો ભરોસો ? અને આમ પણ એ કોના પાપનું પરિણામ હોય ? કેવા સંસ્કાર હોય ? ના..ના…મને બાળક વિના ચાલશે. ‘ સામસામે અનેક દલીલો થઇ. મમ્મી, પપ્પાએ દીકરાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરી જોયો. પરંતુ વ્યર્થ..મમ્મી, પપ્પાની વાત કયારેય ન ટાળનાર પુત્ર આજે …… કુંતલના આંસુ પણ શ્યામલને ન પીગળાવી શકયા. હીબકાં ભરતી તે અંદર પોતાના રૂમમાં દોડી ગઇ. થોડી ક્ષણો મૌન છવાયું. ફરીથી તેના પપ્પાએ પુત્રને એકવાર સમજાવી જોયો.
પરંતુ શ્યામલ પોતાની વાત પર મક્કમ હતો. બે પાંચ ભારી ભરખમ .ક્ષણો….એક સન્નાટો. મૌન….શું બોલવું તે કદાચ કોઇને સમજાતું નહોતું. શ્યામલના પપ્પાએ પત્ની સામે જોયું.
પછી અચાનક તેમણે ધીમેથી કહ્યું. તેમના અવાજમાં શ્રાવણી ભીનાશ ભળી હતી.
‘ બેટા, આજે ન છૂટકે અમારે તને એક વાત….. ’ બેટા, અમે પણ તારી જેમ વિચાર્યું હોત તો…. તું આ ઘરમાં કદી સ્થાન પામી ન શકયો હોત. તારી મમ્મીની વાત મેં ન સ્વીકારી હોત તો…?
એટલે ?શ્યામલને કશું સમજાયું નહીં.
બેટા, તને કયારેય અમારા બંને તરફથી અમારા પ્રેમમાં કોઇ ખામી,કોઇ ઉણપ દેખાઇ છે ? ‘ ’ ના, મમ્મી, તમારી લાગણી અને સ્નેહતો મેં હમેશા અનુભવ્યા છે. આવું કેમ પૂછો છો ?
બેટા, જે વાત તને કયારેય નહોતી કહેવી એ આજે કહેવાની મારી ફરજ થ ઇ પડી છે. કાશ ! આ વાત તને ન કહેવી પડી હોત..! અને વાત સાંભળીને તેને જે લાગે તે પણ આજે હું સાચી વાત તને ન કરું તો હું ઇશ્વરની ગુનેગાર કહેવાઉં..એમ મને લાગે છે.
‘ મમ્મી, તમે કહેવા શું માગો છો ? મને તો કશું સમજાતું નથી. આજે કેમ આવી વાતો કરો છો ? ‘ જરા મૂંઝાતા શ્યામલે કહ્યું.
બેટા, આજથી ત્રીસ વરસ પહેલાં મારી સ્થિતિ પણ કુંતલ જેવી જ હતી. હું પણ મા બની શકું તેમ નહોતી. અને તારા પપ્પાએ પણ શરૂઆતમાં તારી જેમ જ વિરોધ કર્યો હતો. પણ સદનશીબે અંતે તે માની ગયા. અને તું આ ઘરમાં પ્રવેશ પામ્યો.’ એટલે મમ્મી ? ‘ શ્યામલ આગળ બોલી ન શકયો. ’ હા, બેટા, તને અમે અનાથાશ્રમમાંથી જ લાવ્યા હતા. અને આ વાત જિન્દગીમાં કયારેય તને કહેવાના નહોતા. પણ આજે ન છૂટકે…બેટા, કહેવી પડી છે. મને માફ કરી દેજે.’ કહેતા નીપાબહેન ગળગળા થઇ ગયા.
શ્યામલની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેતા હતા. તેણે ધીમેથી મમ્મીના ખોળામાં માથું મૂકયું. મમ્મી, તેં આ વાત મને કહી જ નથી. હું તારો જ દીકરો છું. અને રહીશ. મમ્મી, સોરી,મેં તમને બધાને દુ:ખ પહોંચાડયું છે. ‘ નીપાબહેનનો હાથ સ્નેહથી પુત્રના માથે ફરી રહ્યો. તેના પિતા મૌન બની આ ભાવ સમાધિ જોઇ રહ્યા. તેણે ધીમેથી કુંતલને બોલાવી. થોડીવારે શ્યામલે કુંતલને કહ્યું,’ આપણે દીકરી લેવી છે હોં.. તારા જેવી રૂપાળી..સરસ મજાની. મારા જેવો દીકરો નહીં. અને ઘરની દીવાલો પણ હસી ઉઠી.
એક મહિના પછી બધી કાનૂની વિધિ પતાવી કુંતલ અને શ્યામલે એક નાનકડી પરીને લઇને ગ્રહપ્રવેશ કર્યો ત્યારે દાદા, દાદી આરતીની થાળી સજાવીને પૌત્રીનું સ્વાગત કરવા તૈયાર ઉભા હતા.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. દિનેશ ઓ. શાહ – ૩
આ પહેલાં આપણે ડૉ. દિનેશ ઓ શાહના અમેરિકામાં પદાર્પણ પછીની તેમની જીવન સફર ના અનુભવો જાણ્યા.હવે તેમની અમેરિકાની જીવન ઝરમર વાંચીએ….
અમે પાંચ બે બહેન તેમજ ત્રણ નાના ભાઈઓ એકબીજાની ખુબ નજીક હતા. મારા માતુશ્રીના સંસ્કાર સિંચન થી પરસ્પર ખુબ પ્રેમ હતો. બીજા ભાઈ બહેનોને કેમ જલદી અમેરિકા બોલાવવા તેજ મારી ઝંખના હતી. મારા અહીં આવ્યા પછી ત્રણ વર્ષમાં મારો નાનોભાઈ ભુપેન્દ્ર અહીં કેમિકલ એન્જીનીયરીંગની ડિગ્રી લેવા આવ્યો. મેં મુંબઈ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ માં છોડેલું . તેણે પણ ૭ સપ્ટેમ્બર ૧૯૬૪ નાં દિવસે મુંબઈ છોડ્યું. અમે બંને ભાઈઓ સાથે ન્યુયોર્કમાં એક એપાર્ટમેન્ટ માં રહેતા હતા. ત્યાર પછી મારા બા અને સૌથી નાનોભાઈ વીરેન્દ્ર મુંબઈ છોડી સપ્ટેમ્બર ૧૯૬૬માં ન્યુયોર્ક આવ્યા. આ રીતે ત્રણ ભાઈઓ અને મારા બા અહીં પાંચ વર્ષના ગાળામાં આવી ગયા.
મને પી. એચ. ડી મળી ગયા પછી મારા બાની ઈચ્છા મને કોઈ સારી જીવનસાથી મળી જાય તે હતી. મને કહે તું ભારત જઈ કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી આવ. મને કોઈની સાથે અડધો કલાક વાત કરી હા અથવા ના જવાબ આપી દેવો તે પસંદ નહોતું. મારી ઓળખાણ કોઈ મિત્રની ત્યાં સુવર્ણા નામની છોકરી સાથે થઇ. સુવર્ણા પેન્સિલ્વાનિયા સ્ટેટ યુનિવર્સીટીમાં પી.એચ.ડી કરતી હતી. મારા માતુશ્રીને આ છોકરી ખુબ ગમી ગઈ. તેનો હસમુખો ચહેરો, આનંદી સ્વભાવ, તેમજ ઘરકામની કુશળતા મારા બાને સ્પર્શી ગઈ. અનેક મુલાકાતને અંતે અમારા લગ્ન કોલંબિયા યુનિવર્સીટીના અર્લ હોલ માં લગભગ ૧૨૫ વ્યક્તિઓની હાજરીમાં હિન્દૂ વિધિ પ્રમાણે
તારીખ ૬ એપ્રિલ ૧૯૬૮ના રોજ થયા . મારા પ્રોફેસરો, સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો ભારતીય તેમજ અમેરિકન આ પ્રસંગે હાજર હતા. મારા બા માટે આ અવર્ણનીય આનંદનો પ્રસંગ હતો.
અચાનક એક દિવસ પ્રોફેસર શુલમન ઉપર નાસાના એક અધિકારીનો પત્ર આવ્યો. તેમાં લખેલું કે અમારી સરફેસ કેમિસ્ટ્રીની બહુ સારી લેબોરેટરી છે પણ તેના મુખ્ય વૈજ્ઞાનિક નિવૃત થયા છે. અમારે કોઈ વ્યક્તિની જરૂર છે કે જે આ ફેસિલિટી વાપરી શકે અને સારું સંશોધન કરી શકે. તમારી લૅબોરેટરીના ડો. દિનેશ શાહના તાજેતરમાં પ્રગટ થયેલા પેપરો અમે વાંચ્યાં છે અને જો તેમને અહીં નાસામાં કામ કરવાની ઈચ્છા હોય તો અમે તેમને રેસિડન્ટ રિસર્ચ અસોસિએટશીપ આપવા તૈયાર છીએ. પ્રોફેસર શુલમને કહ્યું કે નાસામાં તમને ઘણું નવું શીખવાનું મળશે તેમજ તમે સરફેસ કેમિસ્ટ્રીને લગતા નાસાના પ્રશ્નો ઉકેલી શકશો. એટલે મેં નાસામાં જવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બર ૧૯૬૭ માં હું નાસાના એમસ રિસર્ચ સેન્ટર, કેલિફોર્નિયામાં જોડાયો. અહીં મને ખુબ નવું શીખવાનું અને જાણવાનું મળ્યું. ખાસ કરીને પૃથ્વીની જીવનકથા જાણવાની તક મળી. પૃથ્વીની શરૂઆત ક્યારે થઇ તેમજ પ્રાણવાયુ કઈ રીતે પેદા થયો તેમજ જીવંત પ્રાણીઓની શરૂઆત ક્યારે થઇ. પૃથ્વીના શરૂઆતના તબ્બકાને વૈજ્ઞાનિકો કેમિકલ ઈવોલૂશન કહે છે. મેં નાસામાં કઈ રીતે પૃથ્વી પર મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર પેદા થયા હશે તેના ઉપર સંશોધન કર્યું. તે ઉપરાંત પાણીનું બાષ્પીભવન ઓછું કરવું તેના ઉપર સંશોધન કર્યું. આ માટે મેં એક મોલીક્યુલ ઊંચાઈ ની ફિલ્મ પાણીની સપાટી ઉપર પાથરી હતી.
એમ્સ રિસર્ચ સેન્ટર સ્ટેનફર્ડ યુનિવર્સીટીના કેમ્પસથી લગભગ ત્રણ માઈલ દૂર હતું. આને લીધે હું ઘણીવાર સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ની મુલાકાતે જતો. ત્યાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં ઘણા ભારતીયો મારા મિત્રો બની ગયા. દર રવિવારે હું આ કેમ્પસમાં ન્યુયોર્ક ટાઇમ્સનું છાપું લેવા જતો. એક પારસી મિત્રે મારા લગ્ન માટે ફાઈન બ્લુ સૂટ ખરીદવામાં મદદ કરી. અહીં એરોસ્પેસ અને ફાર્મસીમાં કામ કરતા અનેક મિત્રો થઇ ગયા. લગ્ન પછીનું પહેલું વર્ષ અમારું ખુબ આનંદભર્યું અહીં પસાર થયું. દરેક વીકેન્ડમાં ક્યાંતો અમારી ત્યાં ડીનર પાર્ટી થતી અથવા કોઈ બીજા મિત્રની ત્યાં થતી. બીજા વર્ષે કોલંબિયા યુનિવર્સીટીએ મને બાયોલોજિકલ ઓસનોગ્રાફી ડિવિઝન માં હેડ ઓફ સરફેસ કેમેસ્ટ્રી લૅબોરેટરીની ઓફર આપી. તેમજ મારા માતુશ્રી અને બંને ભાઈઓ અમને મિસ કરતા હોવાથી અમે નાસા છોડી ન્યુયોર્ક પાછા ફરવાનું નક્કી કર્યું. અમે ૩,૫૦૦ માઈલ કાર ચલાવી આખું અમેરિકા જોતા જોતા તેમજ વચ્ચે અનેક મિત્રોને મળતા ન્યુયોર્ક આવી ગયા.
બાયોલોજીકલ ઓસનોગ્રાફી ડિવિઝનમાં મારે નવી લેબ સેટ કરવાની હતી. સંશોધન માટેના ટેબલો તેમજ મારી ઓફિસ અને સેક્રેટરીની ઓફિસ વગેરે મારી દેખરેખ નીચે કરાવ્યું. આ પણ ઘણો સારો અનુભવ હતો. પેટ્રીસીયા કિલિઅન નામની સેક્રેટરીને મારી ઓફિસનું કામ કરવા રાખી. બે ટેક્નિશિયન સંશોધન કરવા રાખ્યા. તે સમયે દરિયામાં ઓઈલથી ભરેલા બે વહાણો તૂટી ગયા હતા અને દરિયામાં માઈલો સુધીની ઓઇલ સ્પીલ થઇ હતી. તો આ ઓઈલને કઈ રીતે એકદમ નાના બિંદુ કરી તેને કઈ રીતે બાયો ડિગ્રેડેશન કરવું તેના માટે મેં રિસર્ચ પ્રોપોસલ ઍન્વીરેન્ટલ એજન્સીમાં મોકલ્યું. ત્યાર બાદ છ સપ્તાહનું વેકેશન લઇ અમે પહેલી વાર ૧૯૬૯માં ભારત ગયા. આઠ વર્ષમાં ભારત બહુજ બદલાયેલું લાગ્યું. મુંબઈ ખુબ ગીચ વસ્તીવાળું લાગ્યું.
અમે ફોન કરી માધુરીબેન દેસાઈને મળવા ગયા કે જેમની મદદથી હું કપડવંજથી નાસા સુધી પહોંચ્યો હતો. તેમણે ખુબ પ્રેમથી અમને આવકાર્યા . વાતવાતમાં તેમણે કહ્યુ કે અમારા માનવામાંજ નથી આવતું કે આઠ વર્ષ પહેલા તમે કૈક કામ શોધવા અમારે ત્યાં આવ્યા હતા અને આજે તમે કોલંબિયા યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી થઇ નાસા સુધી પહોંચી ગયા. અમે તમારા માટે ખુબ ગૌરવ અનુભવીએ છીએ. તેમણે સુવર્ણાને સાડી તેમજ થોડા સોનાના દાગીના આપ્યા તેમજ મને બેરિસ્ટર ભૂલાભાઈનું હાથમાં પહેરવાનું ઘડિયાળ ભેટમાં આપ્યું. મને કહે કે આ ઘડિયાળ પપ્પા માટે લંડનથી ખરીદેલું. થોડા સમય પછી એમની સાથે કારમાં અમને વલસાડ તેમની વાડી જોવા લઇ ગયા. ચણવાઇમાં આ વાડી ભુલાભાઇ દેસાઈની વાડી તરીકે ઓળખાય છે. આ વાડીના ચીકુ તેમજ કેરી તાજમહાલ હોટેલમાં મુંબઈ મોકલવામાં આવતી હતી.
મારા સાસરિયા પક્ષે કોઈએ મને જોયેલો નહિ. મુંબઈથી દાહોદ અમે ટ્રેનમા ગયા. દાહોદ સ્ટેશને ઉતર્યા ત્યારે સુવર્ણાના મામા હારતોરા લઈને મારુ સ્વાગત કરવા આવેલા. સુવર્ણાના અનેક સગાઓ મને લેવા દાહોદ સ્ટેશને આવેલા. એક કાર માં બેસી ૧૮ માઈલ દૂર અમે ઝાલોદ નામના ગામમાં પહોંચ્યા. સુવર્ણાના પપ્પા મમ્મીએ મને આવકાર્યો.
સુવર્ણા આ ગામની હાઈસ્કૂલમાં એસ.એસ.સી. સુધી ભણેલી. એના ચહેરા ઉપર પણ આનંદ ઉભરાતો હતો. સુવર્ણાના મામા મોટી ટ્રકમાં બધા સંબંધીઓ સાથે ઘણા પિક્નીકના સ્થળો જોવા લઇ ગયેલા. ત્યાર પછી અમે કપડવંજ ગયા અને ત્યાં પણ અમારું ભાવભીનું સ્વાગત થયું. મારી શાળામાં વિદ્યાર્થીઓ માટે નાસાને લગતું એક પ્રવચન ગોઠવાયેલું. મારા બાને સાથે લઇ ગયેલા અને પાછા આવવા માટે તેમને નવો વિસા લેવો પડે. અમેરિકન ઓફિસરે પાસપોર્ટ જોઈને કહ્યુ કે તમે ગઈ વખતે છ મહિનાના વિસા ઉપર ત્રણ વર્ષ રહી આવ્યા એટલે હવે તમને નવો વિસા ના આપી શકાય. વાતવાતમાં ઓફિસરે પૂછ્યું તમે ત્યાં શું કરો છો? તો મારી પાસે આગલા દિવસે ટપાલમાં મારી સેક્રેટરીએ મોકલેલું ન્યુઝપેપરનું કટિંગ હતું. જેમાં મારા ફોટા સાથે ન્યુઝ હતા કે મને સરકાર તરફથી નેવું હાજર ડોલરની રિસર્ચ ગ્રાન્ટ મળી છે. આ કટિંગ મેં તેમને બતાવ્યું. તેમનો ટોન એકદમ બદલાઈ ગયો. મને કહે , ડોક્ટર શાહ, આઈ નો યોર ક્લચર. યુ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ. આઈ વિલ ગીવ યુ ધ ફોર્મ્સ ફોર પરમેનન્ટ રેસિડેન્ટ વિસા ફોર યોર મધર સો શી કેન સ્ટે વિથ યુ એસ લોન્ગ એસ શી વોન્ટ્સ. ત્યારે મને એક કહેવત યાદ આવી, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સરવતે પૂજ્યતે! મારા બાને બે મહિનામાં પરમેનન્ટ રહેવાનો વિસા મળી ગયો અને અમેરિકા અમારી સાથે રહેવા આવી ગયા.
મારુ સંશોધન વગેરે સારું ચાલતું હતું. પરંતુ મારા એક મિત્રે સલાહ આપી કે જો તારે ભવિષ્યમાં પ્રોફેસર થવુ હોય તો તું કોઈ યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઈન થઇ જા . તારા બહુ રિસર્ચ પેપરો પ્રગટ થશે તો તને ટીચિંગ પોઝિશન નહિ મળે. યુ વિલ બે ઓવર ફવોલિફાઈડ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર પોઝિશન. મેં મારી સેક્રેટરીને વાત કરી કે મારે સો યુનિવર્સીટીમાં ટીચિંગ જોબ માટે એપ્લાય કરવું છે. આ વાત ખાનગી રાખવાની છે. નહીતો મારા પર જોબ ના છોડવા માટે બહુ દબાણ આવે. મેં જુદા જુદા વિષયોમાં લગભગ સો ડિપાર્ટમેન્ટ્સમાં એપ્પ્લીકેશન મોકલી. ૮૦ ના જવાબ જ ના આવ્યા. ૧૯ જગાએથી તમારું રેઝ્યુમે ખુબ ઈમ્પ્રેસીવ છે પરંતુ અમારી પાસે કોઈ ઓપનિંગ નથી. એક ફ્લોરિડા યુનિવર્સીટીમાંથી એવો જવાબ આવ્યો કે અમારી પાસે બજેટ નથી પરંતુ તમારું રેઝ્યુમે અમને ખુબ ગમ્યું અને તમે ભવિષ્યમાં આ બાજુ આવો તો અમારા ડિપાર્ટમેન્ટમાં સેમિનાર આપજો. મેં તરત જવાબ આપ્યો કે હું ફ્લોરિડા વિઝીટ કરવાનો છું અને તમારા બંને ડિપાર્ટમેન્ટમાં સેમિનાર આપીશ. તો હું મારા ખર્ચે ગેઇન્સ્વીલ, ફ્લોરિડા ગયો અને ત્યાં એનેસ્થેસિઓલોજી અને કેમિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં બે લેક્ચર આપ્યા. તે લોકોને મારા સેમિનાર ખુબ ગમ્યા. એક અઠવાડિયામાં મારા ઉપર મારી નિમણૂંક આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ એનેસ્થેસિઓલોજી અને કેમિકલ એન્જીનીયરીંગ થઇ છે તેવો પત્ર આવી ગયો. મારી સેક્રેટરી પેટ્રીસીયા કિલિઅન હજુ પણ દર વર્ષે મારા જન્મદિવસે મને ફોન કરે છે અને શુભેચ્છા પાઠવે છે. એને ખબર હતી કે હું જઈશ તો એની જોબ જતી રહેશે તો પણ એણે મારા માટે સો એપ્લિકેશન ટાઈપ કરી. એનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે.
મેં પી.એચ.ડી બાયોફિઝીક્સમાં કોલંબિયા યુનિવર્સીટીમાં કરેલું. મારા માટે કેમિકલ એન્જીનીયરીંગ અને એનેસ્થેસિઓલોજી બંને નવા વિષયો હતા. મેં મારા નાનાભાઈ ભુપેન્દ્ર સાથે કેમિકલ એન્જીનીયરીંગના મુખ્ય વિષયો અંગે ચર્ચા કરી અને કઈ રીતે સરફેસ કેમિસ્ટ્રીનો ઉપયોગ કેમિકલ એન્જીનીયરીંગ માં થઇ શકે તે માટે વાર્તાલાપ કર્યો.
લાઇબ્રેરીમાંથી કેમિકલ એન્જીનીયરીંગની ટેક્સટબુકો વાંચવા ઘેર લઇ આવ્યો. મને જે ભણાવવાની તક મળી હતી તેનો પુરે પૂરો સદુપયોગ કરવો હતો. મેં પહેલો કોર્સ ઇન્ટરફેસિઅલ ફીનોમેના ઈન એન્જિનિરીંગ ઉપર આપ્યો. તેમાં સરફેસ ટેન્શન અને સર્ફેક્ટન્ટ ટાઈપના કેમિકલનો શું ઉપયોગ થાય છે તે સમજાવ્યું. વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન બતાવતો કોર્સ ભણવાની ખુબ મજા આવી. તેમજ હું પુરેપુરા ઉત્સાહથી બધું સમજાવતો હતો. કોર્સના છેલ્લા લેક્ચરમાં એક વિદ્યાર્થી ડીનની ઓડિસમાંથી ફોર્મ લઇ આવી બધા વિદ્યાર્થીઓને ભરવા કહે. તેમાં લગભગ ૨૫ સવાલો હોય કે શિક્ષકનું મૂલ્યાંકન કરવાનું હોય. દરેક સવાલના જવાબમાં ૧ થી ૫ માર્ક આપવાના હોય. પછી બધા ફોર્મ ભેગા કરી એ વિદ્યાર્થી ડિનની ઓફિસમાં આપી આવે.
આ કોર્સ પત્યા પછી હું મારી કારમાં સુવર્ણા તેમજ મારી બે વર્ષની બેબીને લઇ સેન્ટલૂઇસ કેમિકલ એન્જીનીયરીંગ ની વાર્ષિક મિટિંગ એટેન્ડ કરવા ગયો. આ મિટિંગમાં મારે મારુ રિસર્ચ પેપર રજુ કરવાનું હતું. મિટિંગના બીજા દિવસે મારી સેક્રેટરીનો ફોન આવ્યો કે પ્રેસિડેન્ટની ઓફિસમાંથી ફોન આવ્યો છે કે આખી યુનિવર્સીટીમાં તમારા વિદ્યાર્થીઓએ તમારા ટીચિંગને સૌથી વધારે માર્ક આપ્યા છે અને તમને સ્ટાન્ડર્ડ ઓઇલ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડેશનનો એક હાજર ડોલરનો ચેક અને પ્લેક યુનિવર્સીટી સેનેટની મિટિંગમાં આપવામાં આવશે. વચ્ચે માત્ર ૩૦ કલાક હતા પણ હું સુવર્ણા તેમજ બેબી બીજલને લઇ કારમાં ગેઇન્સવિલ જવા નીકળી ગયા . પાંચ હજાર પ્રોફેસરોમાં મને મારા પહેલાજ કોર્સમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો તેનો અદભુત આનંદ હતો. વીસ કલાક સતત કાર ચલાવી ઘેર આવી ગયા . ત્રણ કલાક ઊંઘ લઇ સેનેટેની મિટિંગમાં હું, સુવર્ણા અને બીજલ ગયા. મને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યો. તો મારી પાછળ બીજલ પણ દોડીને સ્ટેજ ઉપર આવી ગઈ અને મારી બાજુમાં ઉભી રહી. પ્રેસિડેન્ટે મને ચેક અને પ્લેક આપ્યા ત્યારે બધાએ તાળીઓ પાડી અને મારી બાજુમાં ઉભી રહીને બીજલે પણ તાળીઓ પાડી . મારા વિદ્યાર્થીઓને પણ ખુબ આનંદ થયો. મને ૫ માંથી ૪.૯ એવરેજ માર્ક ટીચિંગ સ્કિલ માટે મળ્યા હતા. બીજા દિવસે લંડનના એક પ્રખ્યાત પ્રોફેસર મને મળવા આવ્યા હતા. તેમણે આ એવોર્ડ મારા ટેબલ પર જોયો તો મને કોંગ્રેચ્યુલેશન કહ્યા. પછી મને કહ્યું કે ડો. શાહ હું તમને શાને માટે અભિનંદન આપું છું તે જાણવું છે? એટલે મેં હા પાડી . તો એમણે કહ્યું કે તમારી માતૃભાષા ગુજરાતી છે અને છતાં તમે અંગ્રેજીમાં ભણાવી બેસ્ટ ટીચરનો એવોર્ડ મેળવ્યો. તમારા કોઈ અમેરિકન પ્રોફેસર ઇન્ડિયા જઈ ત્યાં ગુજરાતીમાં ભણાવી બેસ્ટ ટીચરનો એવોર્ડ લાવે? આ કારણથી તમને અભિનંદન આપું છું.
ક્રમશઃ
-
૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ મૂળભૂત અધિકારોનું હનન છે.
નિસબત
ચંદુ મહેરિયા
કોમનમેન માટે ૧૪૪મી કલમ એટલે એક સ્થળે ચાર કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ. પરંતુ ૧૪૪મી કલમનો વ્યાપ બહુ વિશાળ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં અમલી ૧૪૪મી કલમના જાહેરનામા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે શહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એક સાથે એકત્ર થવા, મંડળી રચવા કે રેલી-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
લોક આંદોલનો પર પ્રતિબંધ, હથિયારોની હેરાફેરી અને ગેરકાયદે હથિયારો રાખવા પર પ્રતિબંધ, માનવજીવન, આરોગ્ય અને સલામતી પર ખતરો, જાહેર સુરક્ષામાં ગરબડ રોકવી, તોફાનો અને ઉપદ્રવ અટકાવવા જેવા કારણોસર ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો લદાય છે. કોરોના મહામારીનો પ્રસાર રોકવા કે તોફાનોમાં જૂઠી અફવાઓ રોકવા ઈન્ટરનેટ બંધ કરવા પણ તેનો ઉપયોગ થાય છે. અસામાન્ય પરિસ્થિતિમાં અસાધારણ ઉપાયોની આવશ્યકતા રહે છે. હિંસા કે ઉપદ્રવની સ્થિતિને અટકાવવા તાત્કાલિક પગલા જરૂરી છે. કંઈક આવા ઉદ્દેશોથી આ કલમ ઘડાઈ છે. પરંતુ આજે તો તેનો હાલતા અને ચાલતા મનસ્વી ઉપયોગ થાય છે.
ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)૧૯૭૩ની કલમ ૧૪૪ મૂળે તો બ્રિટિશરોની દેન છે. આઝાદીના આંદોલનોને રોકવા અંગ્રેજ સરકાર તેનો ઉપયોગ કરતી હતી. સંસ્થાનવાદનો જે કેટલોક વારસો સ્વતંત્ર ભારતે જાળવી રાખ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલમ ૧૪૪ છે. નવરચિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા( BNSS) ૨૦૨૩માં પણ તે કલમ ૧૬૩ તરીકે જીવંત છે. તેથી ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં કાગળ પર અને વ્યવહારમાં બ્રિટિશકાળના કેટલાક અંશો સચવાયેલા લાગે છે. એક અન્ય અભ્યાસ પ્રમાણે ઈ.સ. ૧૮૬૧માં ગુજરાતના બરોડા સ્ટેટમાં પોલીસ અફસર ઈ.એફ ડેબુ( E.F. DEBOO)એ કલમ ૧૪૪ ઘડી હતી અને તેનો અમલ પણ થતો હતો!

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સરકાર વિરોધી આંદોલનોને રોકવા ૧૪૪મી કલમનો સતત ઉપયોગ થાય છે.એટલે તે બંધારણના અનુચ્છેદ ૧૯થી મળેલ નાગરિકોના શાંતિપૂર્ણ અને કાયદેસરના વિરોધના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. સરકાર વિરોધી દેખાવો, સભા, સરઘસોને વિફળ કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. લોકોના વિરોધને તે અટકાવે છે તેથી નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકનું ઉલ્લંઘન થાય છે.
૧૪૪મી કલમના મનસ્વી ઉપયોગને આઝાદી પૂર્વેથી માંડીને આજ સુધી અદાલતમાં પડકારવામાં આવતો રહ્યો છે. ૧૯૩૯માં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભના ચુકાદામાં કહેલું , એ વાતમાં કોઈ શંકા નથી કે ધારા ૧૪૪ હેઠળ સરકાર સ્વતંત્રતાને બાધિત કરે છે. પરંતુ જાહેર સલામતીના સંદર્ભે આવું કરવું અનિવાર્ય હોય ત્યારે જ સરકારે કલમ ૧૪૪નો ઉપયોગ કરી પ્રતિબંધો લાદવા જોઈએ. આ કલમથી એવા પ્રતિબંધો ન લગાવો જેની જરૂર ન હોય.
જન આંદોલનો જેમનો પ્રાણ હતો એવા સમાજવાદી નેતાઓ પર કલમ ૧૪૪ના ભંગના ઘણાં કેસો થતા હતા. એટલે રામ મનોહર લોહિયા, જ્યોર્જ ફર્નાન્ડીઝ અને મધુ લિમયેએ પણ ૧૪૪મી કલમના દુરપયોગ અંગે અદાલતોમાં ધા નાંખી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની જસ્ટિસ ગંગેશ્વરપ્રસાદની એકલ પીઠ સમક્ષ રામ મનોહર લોહિયાએ ૧૧,૧૨ ઓગસ્ટ ૧૯૬૬ના રોજ નિવેદન આપ્યું હતું. ૧૪૪મી કલમના વિરોધમાં અને તેને ગેરબંધારણીય ઠેરવવાની માંગ કરવા તેઓ અદાલતમાં આવ્યા છે તેનું કારણ આપતા લોહિયાએ માર્કાની વાત કરી હતી કે,” જબ જનતા બલવાન નહીં હોતી હૈ તો સરકાર કે અન્યાય કા મુકાબલા ન્યાયાલયોં મેં હોના હી ચાહિયે. ઈસીલિયે મુઝે આપ લોગોં કો કષ્ટ દેના પડ રહા હૈ” લોહિયાએ ધારા ૧૪૪ અને તેની સજા નક્કી કરતી ધારા ૧૮૮ બેઉને અસંવૈધાનિક ગણાવતી તર્કબધ્ધ દલીલો કરી હતી. પરંતુ અદાલતે ૧૪૪મી કલમની બંધારણીયતા અને કાયદેસરતા બરકરાર રાખી હતી.
૧૯૭૦માં સમાજવાદી નેતા મધુ લિમયેની પીટિશન પર સર્વોચ્ચ અદાલતના સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. તેમણે જિલ્લા કલેકટરો અને પોલીસ કમિશનરોને મળેલી ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો જાહેર કરવાની સત્તાને ન્યાયિક રીતે ઉપયોગમાં લેવાની અસામાન્ય સત્તા ગણાવી હતી અને તેની ન્યાયિક તપાસ થઈ શકે છે તેવું સ્પષ્ટ કર્યું હતું. કામદાર નેતા જ્યોર્જ ફર્નાંન્ડીઝે પણ ૧૯૮૪માં બોમ્બે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ધારા ૧૪૪નો દુરપયોગ રોકવાની સલાહ આપી કહ્યું હતું કે આ ધારાની જોગવાઈઓનો ઉપયોગ જાહેર શાંતિ જાળવવા ગંભીર પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતે કલમ ૧૪૪ અને ૧૮૮ને બંધારણીય ઠેરવવા સાથે તેના ન્યાયોચિત ઉપયોગને વારંવાર દોહરાવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર મેંગડે( M. R. MENGDEY)ની સીંગલ જજની બેન્ચનો તારીખ ચોથી ડિસેમ્બર ૨૦૨૫નો નવદીપ માથુર વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો ચુકાદો ૧૪૪મી કલમના ન્યાયિક ઈતિહાસમાં સીમા ચિહ્નરૂપ છે. વડી અદાલતે અમદાવાદ પોલીસ કમિશનરનું ૧૪૪મી કલમ અંગેનું તા. ત્રીજી નવેમ્બર ૨૦૨૫નું જાહેરનામુ જ રદબાતલ ઠેરવ્યું છે. અદાલતે તેના ચુકાદામાં મહત્વના અવલોકનો અને સૂચનો કર્યા છે.
પીટિશનરોએ અદાલત સમક્ષ ૨૦૧૯માં નાગરિકતા કાયદા વિરોધી આંદોલનોને રોકવા ૨૦૧૬થી ૨૦૧૯માં સતત ૧૪૪મી કલમ જારી રાખી હતી તેના પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે સીઆરપીસીની ધારા ૧૪૪(૪)માં પ્રતિબંધોની નિર્ધારિત સમય સીમા બે માસ અને વધુમાં વધુ છ માસ ઠેરવી છે ત્યારે પણ સરકારે તેનો અસીમિત સમય માટે અમલ કર્યો હતો. સતત , પુનરાવર્તિત અને ઘણીવારના પ્રતિબંધોને લક્ષમાં લઈને અદાલતે ૧૪૪મી કલમનું જાહેરનામુ રદ કર્યું હતું. અદાલતે સરકારને માત્ર સરકારી ગેઝેટમાં જ નહીં સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોમાં પણ ૧૪૪મી કલમ દ્રારા પ્રતિબંધો જાહેર કર્યાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા આદેશ કર્યો છે.
કાયદાનો અમલ કરતી વખતે સરકારી તંત્ર કેવું નઘરોળ બની રહે છે તેની સાબિતી ૧૪૪મી કલમ છે. પોલીસ અને વહીવટી તંત્ર સત્તાનો યથેચ્છ ઉપયોગ કરે છે. નાગરિકોને મળેલી કાયદાકીય સુરક્ષાની અવહેલના કરી સત્તાને મનસ્વી રીતે ભોગવે છે. ધારા ૧૪૪નો લેખિત આદેશ કરતાં પૂર્વે પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી નથી. વળી ચોક્કસ વિસ્તારને બદલે આખા શહેરમાં તે અમલી બનાવાય છે. લોહિયાએ અલ્હાબાદ હાઈકોર્ટને વિનંતીના સૂરમાં કહ્યું હતું કે,” હો સકતા હૈ કિ તાજીરાત હિન્દ કી જો કલમેં દૂષિત હૈં, ઉસે ઠીક કરને કી આશા હમ સર્વોચ્ચ ન્યાયાલય યા ઉચ્ચ ન્યાયાલયોં સે હી કર સકતે હૈં - લોકસભા મેં તો શાયદ ઈતની તાકત કભી ન હોગી જો ઉસે ઠીક કરે” લોહિયાની આ અરજ પછી સંસ્થાનવાદના અવશેષ સમી ૧૪૪મી કલમને કાયદાપોથીમાંથી દૂર કરીને સાચી અભિવ્યક્તિની સ્વતંત્રતા સ્થપાય તેવી આશા સંસદ પાસે તો રહેતી નથી પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જસ્ટિસ મેંગડેનો ચુકાદો ભવિષ્યમાં અદાલતો કંઈક કરશે તે બાબતે આશ્વસ્ત કરે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંસ્પર્શ- ૧૯
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
તમારે નદી, પહાડો, સાગનાં વૃક્ષો, જંગલો, અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય, સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ, ભણેલા, અભણ, જંગલમાં રહેતા આદિવાસી, સાધુ, ફકીર, ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હૃદય પર કાન ધરી સાંભળવી હોય, આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચવી જોઈએ. જો જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય, જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચવી જોઈએ.

આપણે નવલકથા વાંચતાં હોઈએ છીએ ત્યારે તે આપણી બુદ્ધિકક્ષા મુજબ સમજવા પ્રયાસ કરીએ છીએ, પણ લેખક તેમની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને એ કલ્પનાઓમાં વિહરતા કરી દે અને પછી નવલકથા પૂરી થાય એટલે નીચે ધરતી પર પાછા લાવી દે. આ બધું જ કાલ્પનિક હોય. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા, સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરૂપતા, તેમજ દુન્યવી સત્ય, કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે.
ભૌતિક સુખ અને આપણી ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિમાં શું ફરક છે તે ઊંડાણપૂર્વક છતાં સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.
પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા, સંસ્કૃતિને જાણે અને સામાન્ય માનવીઓનાં હૃયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી. તેની ડાયરીનાં એક એક પાના પર તેણે અનુભવેલી એક એક લાગણીની ભીનાશ પથરાયેલી અનુભવાય છે. નવલકથા વાંચીને તે ભીનાશ વાચક પણ અનુભવે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી, તેનો પરિચય થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે. આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં આલેખે છે.
વિદેશથી કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ, પ્રકૃતિની ગોદ, જંગલની હરિયાળી, નર્મદા કિનારો, નર્મદાનાં પરિક્રમા કરવાવાળાં, તેમની માન્યતાઓ ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વિગેરે કેવી રીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલે જ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. નવલકથા પરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે કે, પ્રેક્ષક અને વાચકનાં હૃદયને તેની સંવેદના સ્પર્શી જાય છે. વાચકનાં હૃદયને , પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયાં હચમચાવી મૂકે છે, બહારથી અને ભીતર સુધી ભારતીયતાની ઓળખ કરાવે છે.
તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તું જ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્ધાંતોમાંનો એક ‘ તે તું જ છે’ ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ.
નર્મદા તેમજ આપણી અન્ય પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ, તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે, તેની વાત કરીશું આવતા અંકે
તો ચાલો જોઈએ ,એવું જ કુદરત પાસે લઈ જતું અને આપણને ઢંઢોળતું જ નહીં જગાડતું ધ્રુવગીત,
ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.
આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ ભીનો ચંદરવો ગોળ ,ચાલ જાગીએ.
ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ એમાં સપનાંઓ બોળ,ચાલ જાગીએ.ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં રાચે છે કોક ,ચાલ જાગીએ.
ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર એમાં પગનો હિલ્લોળ ,ચાલ જાગીએ.ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.
ઝીણી ઘોડી ને એનો ઝીણો અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યાં આખોયે ચોક,ચાલ જાગીએ.
ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.
ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.કેટલું અદ્ભુત ગીત લખ્યું છે, દાદાએ ! કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતા દાદા આપણને પણ ઊગતા પહોરે ક્યાંક વાગતાં અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા જાગી જવાનું કહે છે. દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે. ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપે છે. ફૂલ છે તો ફોરમ છે અને રંગ, રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર ,તે ધારણાઓને તોડીને ,અતૂટ શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહે છે. અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.
આ ધ્રુવગીત જેવીજ વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે તમારે તેમની નવલકથા જ વાંચવી પડે!
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ત ૨૬/ ૧૭૦૧
પુસ્તકનું નામ: અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
ટીકાસમેત રચનાર: ‘સરોદે ઈત્તેફાક’ના એક અભેદમાર્ગપ્રવાસી
પ્રસિદ્ધ કરનાર: –
પ્રકાશન વર્ષ: ૧૮૯૫
કિંમત: –
પૃષ્ઠસંખ્યા: ૨૦૪
વિગત: ‘જવનિકા’, ‘પ્રપાત’ અને ‘ઉર્મિપ્રલાપ’ એમ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના આરંભે ‘જવનિકા’ અંતર્ગત વિવિધ પદ આપવામાં આવેલાં છે, જ્યારે બાકીના ભાગમાં લખાણો છે. આ પુસ્તકના કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/manilal-nabhubhai-dwivedi-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
