-
મહેન્દ્ર શાહનાં જુલાઈ ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations for July 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
કાગ વ્યૂહની વાત
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
કાગડો બિમાર પડે છે ત્યારે કીડીઓને શોધે છે.
ઉડાઉડ નથી કરતો.
આશરો નથી ખોળતો.
શત્રુની પાસે બેસે છે …. અને તેમને બટકાં ભરવા દે છે.ન સમજાય તેવું છે ને?
કીડીઓના ચટકામાં ફૉર્મિક એસિડ ઝરે છે.
એ કુદરતી ડીટોક્ષ છે.
સાજા થવાની કુદરતની આગવી સંહિતા.નબળાં પડી જવાની એ નિશાની નથી.
એ કોઠસૂઝનું ડહાપણ છે.વ્યાપાર ઉદ્યોગમાં, નેતૃત્વમાં અને જીવનમાં પણ …
સામાન્યપણે જેને ટાળતાં હોઈએ તેનો સામનો કરવામાં સમસ્યાનો હલ છુપાયેલો હોઈ શકે છે.
પ્રતિભાવ. વિસંવાદ, જટિલતા. વિનમ્રતા.
કાગડો પીડાને નકારતો નથી.
તેનો તે લાભ ઉઠાવે છે.એમાં ટકી રહેવાની ભાવના નથી. એ વ્યૂહાત્મક દૃષ્ટિકોણ છે.
→ કેટલીક વાર, જ્યારે અહં ખતમ થાય છે ત્યારે ઘા પર રૂઝ વળવાનું શરૂ થાય છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ધીમે ધીમે થતા ફેરફારોની અસર મોડેથી સમજાય છે
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આજની ઝડપથી બદલતી જતી દુનિયામાં જે બાબતો તાકીદની, કે તત્કાળ ધ્યાન આપવી પડે કે અચાનક્બનતી હોય છે તેના તરફ આપણું ધ્યાન વધારે જતું હોય છે. ધીમે ધીમે થતી ઘટનાઓને આપણાં રડારનાં ધ્યાન પર લાવવાનું ભૂલી જઈએ છીએ.
એકાદ વાર, થોડુંક કંઈ ખાવાથી, સામાન્યતઃ, નુકસાન નથી થતું. પરંતુ લાંબા સમય સુધી આવી ઘણી બધી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય અંગેની સમસ્યા થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ખોટી રીતે થઈ ગયેલી એકાદ વાતની સંબંધ પર કોઈ સીધી અસર, કદાચ, નહી થાય. થાય તો મોટા ભાગે સુધારી લઈ પણ શકાય. પરંતુ વારંવાર થતી આવી દરેક વાતચીત આપણી વિશ્વાસપાત્રતાને મરણતોલ નુકસાન કરી શકે છે. તેના છેદા એવા તબક્કા સુધી પ્રસરે છે કે જ્યાં સંબંધ, મોટા ભાગે કાયમ માટે, કપાઈ જઈ શકે છે
કોઈ પણ સંસ્થાના સંદર્ભમાં, આવી પરિસ્થિતિઓ વધુ જટિલ બની જાય છે. જો એ સંસ્થામાં ભેડચાલવાળું વાતાવરણ હોય તો આ પરિસ્થિતિ ઘણી ઊંડે સુધી પ્રસરી શકે છે. એક વાર જે અલગ અપગ પેટા-વમળ સર્જાયાં હોય તે એકબીજાંને તેમજ સમગ્ર વ્યવસ્થાને અસર કર્યા જ કરે છે. છ્ટી છવાઈ જણાતી એક વ્યૂહાત્મક નિષ્ફળતાની અસર ટૂંકા ગાળામાં દેખાતી નથી પરંતુ લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે.
સારા સમાચાર એ છે કે: આ રજૂઆતથી વિપરીત પણ સાચું છે. કોઈપણ મોટી સફળતા, લગભગ હંમેશા, ઘણી નાની વસ્તુઓને યોગ્ય રીતે કરવામાંથી પરિણમતી હોય છે. કારકિર્દી એક એક સમયે મળતી એકે એક કારકિર્દીનની ઊંચી ઈમારતના પાયાને ઘડે છે. આમનેસામને અપેક્ષા મુજબ થતાં નાનાં નાનાં કામો વિશ્વાસપાત્રતાને ગાઢી બનાવે છે. અલગ અલગ સમયે થતા અલગ અલગ અનુભવ બોધપાઠનું મોટું ભાથું બની રહે છે. દરેક સંવાદ ટીમને તેની સફળતાની ઊંચાઇનાં એક કદમે આગળ ધપાવે છે. ધીમે ધીમે થતા ફેરફારો ક્રમાનુસાર થતા થતા ખૂબ શક્તિશાળી પરિવર્તનમાં ફેરવાઈ જાય છે.
આપણે શા માટે ધીમે ધીમે થતી બાબતોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જઈએ છીએ? કારણ કે આપણે તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં ખૂબ જ ઉલટભેર પ્રતિકિયા આપીએ છીએ. વિચાર કરવાની રાહ જોવાની ધીરજ રાખ્યા વિના કાર્ય કરવું આપ્ણા માટે વધુ મહત્વનું છે. કારણ કે જે પ્રણાલીઓને નજરની સામે જીવંત જણાય છે તેની આડમાં તંત્ર વ્યવસ્થા વિચારસરણી ઢંકાઈ જાય છે. આપણે અલગ અલગ ઘટકો પર કામ કરીએ ત્યારે સમગ્ર તંત વ્યવસ્થાનું ચિત્ર આપણી નજરના કેન્દ્રમાંથી ખસી જતું હોય છે.
અહીં મને ઉકળતા પાણીમાં પડેલા દેડકાના રૂપકની યાદ આવે છે.

તસવીર સૌજન્યઃ ચૌલા વોરા, લાલ આંખાળો દેડકો, કોસ્ટા રિકા દેડકાને ઉકળતા પાણીમાં મૂકવામાં આવે ત્યારેજો પાણી ગરમ હોય છે તો તે તરત જ કૂદી પડે છે. જો કે, જો તેને ખૂબ જ ધીમે ધીમે ગરમ થતા ઠંડા પાણીમાં મૂકવામાં આવે છે, તો દેડકો વધતા જતા ભયને સમજી શકતો નથી અને ગરમીનો આનંદ માણે છે. વધતાં વધતાં જેમ જેમ ગરમી અસહ્ય ક્ક્ષામાં ફેરવાય છે, ત્યારે તે કુદકો મારી બહાર નીકળી આવવા માટે અસમર્થ બની જાય છે. આખરે, તે ઉકળી ઉકળીને મૃત્યુ પામે છે.
અગ્રણીઓ અને સંચાલન વ્યાવસાયિકો તરીકે, તંત્ર વ્યવસ્થામાં ધીમા અને સૂક્ષ્મ ફેરફારોને ધ્યાનમાં લેવાની આપણી ક્ષમતા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તાત્કાલિક અને અચાનક ફેરફારોનો પ્રતિભાવ આપવાનું આપણું સામાર્થ્ય મહત્વનું છે.
અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા “ધ સન ઓલ્સો રાઇઝીસ[1]” માં, મુખ્ય પાત્રોમાંના એક માઇક કેમ્પબેલને પૂછવામાં આવ્યું છે, “તમે કેવી રીતે નાદાર થયા?”. માઇકે જવાબ આપ્યો, “ધીમે ધીમે… અને પછી અચાનક.”
[1] “The Sun Also Rises” by Ernest Hemingway
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
એસ ધમ્મો સનંતનો – આગમ શાસ્ત્ર : [૧] વૈષ્ણવ આગમ
– પ્રવાસી યુ. ધોળકિયા
પુરાણ, આગમ અને તંત્ર એ પૌરાણિક સનાતન હિંદુ ધર્મના ત્રણ આધાર સ્તંભો ગણાય છે. વિધિની એ વક્રતા છે કે ૯૦ ટકાથી વધારે હિંદુઓને આગમ શું છે તેની જાણ નથી.
આગમનો અર્થ સામાન્ય રીતે જે વેદમાં નથી એમ કરવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતના મહાજ્ઞાની રામાનુજાચાર્ય જણાવે છે કે વેદ સિવાયની પરંપરાઓથી પ્રાપ્ત થયેલું જ્ઞાન પણ માનવ ઉત્કર્ષ માટે આધારભૂત છે. તેનું કારણ એ છે કે આવું જ્ઞાન આચાર્યોના આંતરિક અનુભવો પર આધારિત છે. આમાનું એક શાસ્ત્ર આગમ છે.
આગમનો એક અર્થ એવી પરંપરા છે જે પરમ તત્વમાંથી બનેલ છે. તેમાં વિવિધ યોગાસનો, યંત્રવિજ્ઞાન અને પૂજન અર્ચન વડે સામાન્ય વ્યક્તિ પોતાની ઈચ્છાપૂર્તી કરી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
શિવમાં માનતા આચાર્યો એમ માને છે કે પાર્વતી શિવને કર્મ અને આધ્યાત્મ વિશે પ્રશ્ન કરે છે. શિવજીએ તેના જે ઉત્તર આપ્યા છે તેમાં આગમની ઉત્પતિ છે. પરંતુ શિવપંથીઓ કરતાં વૈષ્ણવપંથીઓનાં આગમ વધારે પ્રાચીન છે. બન્ને આગમશાસ્ત્રોમાં શંકરાચાર્યના અદ્વૈતવાદને જાકારો આપવામાં આવે છે. આ આગમોમાં ઈશ્વર અને વ્યક્તિ જુદાં છે. વ્યક્તિ અનન્ય ભક્તિ દ્વારા ભગવતકૃપા પામી શકે છે. દ્વૈતવાદ સ્વીકારવાનું મૂળ કારણ એ હતું કે દક્ષિણના આચાર્યો અતિ સંવેદનશીલ અને ભાવનાપ્રધાન હતા. તેથી તેઓને ઈશ્વરને પોતાની કક્ષાએ લાવવા ન હતા. તેમના માટે ભજન, કિર્તન અને અનન્ય શ્રદ્ધા દ્વારા ભગવાનની ભક્તિ સર્વોપરી હતી.
અત્રે એ વાત પણ નોંધવી જોઈએ કે પુરાણમાં સાંપ્રદાયિક ભક્તિવાદ અને તંત્રની વિધિઓમાં જે અદ્ભૂત વિજ્ઞાન છે તેને જોડતી કડી આગમો છે.
આગમોમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિમાં સરખા ગુણો નથી હોતા. પરંતુ સત્વ, રજસ અને તમસના ગુણો દરેક વ્યક્તિમાં વધતે ઓછે અંશે જરૂરથી હોય છે. હાજરા નામના ભારતીય વિદ્વાન કહે છે કે સાત્વિક ગુણ ધરાવતા હિંદુને તત્વજ્ઞાન વધારે ગમશે. ભાવનાશીલ અને રજોગુણી વર્ગને ભક્તિમાર્ગ પસંદ પડશે. સૌથી મોટી સંખ્યા ધરાવતો વર્ગ બહુ પ્રાથમિક કક્ષાનો હોય છે. એ વર્ગ તત્વજ્ઞાન કે ભક્તિને સમજી નથી શકતો. આ બાળકબુદ્ધિ ધરાવતો વર્ગ બીજા સમુહને અનુસરીને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતો ચોક્કસ થશે. આગમ ભગવાન અને તેની ભક્તિનાં અનેક પાસાંઓ દર્શાવે છે. તે આપણું માન્ય શાસ્ત્ર છે.
આગમ શાસ્ત્રમાં ઈશ્વરને જીવેતર ચિહ્ન રૂપે (aniconic) – વિષ્ણુને શાલિગ્રામ રૂપે. શિવને લિંગ રૂપે અને શક્તિ (માતાજી)ને શ્રીયંત્ર રૂપે – પૂજવામાં આવે છે.

શાલિગ્રામ લિંગ શ્રીયંત્ર સાકાર રૂપમાં વિષ્ણુને અનંત પર શયન કરતા તથા ચતુર્ભુજ સ્વરૂપે, શિવને પંચમુખધારી અને માતાજીને નવ સ્વરૂપોવાળી મૂર્તિ રૂપે દર્શાવાય છે. આ બન્ને સ્વરૂપોને મંદિરમાં અને હિંદુઓ પોતાના ઘરના મંદિરમાં રાખીને પુજી શકે છે. વિદ્વાનો વિષ્ણુને સાત્વિક શિવને તામસિક અને માતાજીને રાજસિક માને છે. તેના મંત્રો નીચે મુજબ છે.
૧) શ્રી વિષ્ણુ ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ૐ નમો નારાણાય
૨) શિવ ૐ નમઃ શિવાય
૩) માતાજી ૐ श्री क्लीं, ऍं, क्रीं, ह्रीं, दुम, क्रौं, धुं
આગમોમાં મંત્ર ઉપરાંત પાણિનીના યોગ પ્રમાણે સાધના વિધિ કરવાનું સૂચન છે. આગમમાં હોમ વિધિનું પ્રમાણ ઓછું છે, પરંતુ ગણપતિ માટે ખાસ હોમ વિધિ કરવામાં આવે છે. આ પ્રમાણે ઘી વડે આહુતિ અપાય છે. ઈશ્વરની તર્પણ વિધિમાં ભગવાનને પુષ્પ, જળ, અત્તર, દીપ, અન્ન અર્પણ કરવામાં છે. અદ્વૈતવાદી શંકર પણ મૂર્તિમાં વેદના પુરુષસુક્તનું સ્વરૂપ નિહાળે છે. આગમમાં મૂર્તિઓને વિગ્રહ કહેવામાં આવે છે.
વૈષ્ણવ આગમ
વૈષ્ણવ આગમને સંહિતા કહેવામાં આવે છે. વૈષ્ણવ આગમના વૈખાનસ અને પાંચરાત્ર એમ બે વિભાગો છે. આ બન્ને પદ્ધતિઓએ ભારતના તમામ પંથોની પૂજા અર્ચના પર ભારે અસર કરી છે. વૈખાનસ પરંપરામાં ભક્તિમાર્ગ એ વિષ્ણુને પામવા માટેનો સરળ માર્ગ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચરાત્ર ફાંટો આ બાબતમાં વૈખાનસ પરંપરાને અનુસરે છે. બન્ને પરંપરાઓમાં મંદિરોમાં કરાતા કર્મકાંડો, મૂર્તિની સેવા, દૈનિક પૂજનવિધિ, તથા ખાસ પ્રસંગોએ કરાતી વિધિઓ છે. બન્ને પરંપરા મંદિરના પૂજારીની ફરજો અને તેમની જીવન પદ્ધતિ માટેની સૂચનાઓ છે.
વૈખાનસો પોતાને અતિ પ્રાચીન માને છે. તેના સમર્થનમાં તેઓ જણાવે છે કે વૈખાનસ ઋષિને આગમ શાસ્ત્રનું જ્ઞાન સ્વયં બ્રહ્માજીએ આપ્યું હતું. તેઓ પોતાને વિષ્ણુ સાથે સીધી રીતે જોડાયેલા છે તેમ દૄઢપણે માને છે. બ્રહ્માજી ઉપરાંત સ્વયં વિષ્ણુએ વૈખાનસ ઋષિને વિષ્ણુની પૂજાવિધિ કઈ રીતે કરવી તે શીખવ્યું હતું. તેથી વૈખાનસ આગમમાં ભગવાન વિષ્ણુની પૂજનવિધિ પર સૌથી વિશેષ ભાર મુકવામાં આવે છે. એ પૂજનવિધિમાં વિષ્ણુજીની નાની મોટી બધી જરૂરિયાતોની પૂર્તિ કઈ રીતે કરવી તેની સચોટ માહિતી આપવામાં આવી છે.
કાળક્રમે, વૈખાનસ પરંપરાના પણ બે ભાગલા પડ્યા. તિરૂપતિ બાલાજી (આંધ્ર પ્રદેશ)ને વૈખાનસ પરંપરાનું સ્થાનક માનવામાં અવ્યું છે. બીજા ફાંટાને શ્રી વૈષ્ણવે તામિલનાડુના તિરૂચિરાપલ્લીના શ્રી રંગનાથ સ્વામીના મંદિરમાં સ્થાપિત કર્યા. આ બીજી પરંપરાની નેતાગીરી દક્ષિણ ભારતના પ્રખર જ્ઞાની શ્રી રામાનુજાચાર્યે લીધી. આમ છતાં બન્ને સ્થાનકોના ગર્ભગૃહમાં વૈખાનસ પદ્ધતિથી જ પૂજન-અર્ચન વિધિ થાય છે, પછી ભલે એ મંદિરોનાં પ્રાંગણના અન્ય મંદિરોમાં શ્રી વૈષ્ણવ પદ્ધતિ પ્રમાણે પૂજન થાય. શ્રી વૈષ્ણવ પરંપરાનું કાળક્રમે પાંચરાત્ર પરંપરામાં થયું. આ મંદિરોમાં લક્ષ્મીજીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
દક્ષિણના દરેક રાજવીઓ મંદિરોને અઢળક ધન અને ભૂમિનું દાન કરતા. દક્ષિણ ભારતની સંસ્કૃતિ મંદિર કેન્દ્રિત બની જવાથી રાજ્ય સત્તા કરતાં પણ મંદિરના પૂજારીઓની સત્તા વધતી ગઈ. આ પૂજારીઓ વેપારીઓને ઋણરૂપે ધન આપવા લાગ્ય. રાજવૉનું સ્થાન ગૌણ બન્યું. તિરૂપતિ બાલાજી અને ઓડીશાના જગન્નાથ મંદિરોના વૈભવ આજે પણ કોઈ રાજવીઓ કરતાં વધારે વૈભવશાળી અને ઓજસ્વી જણાય છે. વિદેશી આક્ર્મણો સમયે વૈષ્ણવ મંદિરો સૌથી વિશેષ લુંટાયાં. આપણી ધાર્મિક પ્રતિભા ઝંખવાઈ.
આગમ શાસ્ત્રની વૈખાનસ અને પાંચરાત્ર પરંપરાઓમાં ઋષિ સાધ્યે નારાયણની પૂજા પ્રસ્થાપિત કરી. નારદજીએ નારાયણની પૂજાને વિસ્તારી અને સર્વમાન્ય બનાવી. પછીથી, નારાયણની વિષ્ણુ, વાસુદેવ તથા ભાગવત પરંપરાઓનું એકીકરણ થયું. અંતમાં વિષ્ણુ કેન્દ્રમાં રહ્યા.
વૈખાનસ પરંપરામાં વૈખાનસ સંહિતા ઉપરાંત અથર્વવેદ, સ્માર્ત સૂત્ર, શ્રૌત સૂત્ર, અને તૈતરિય વૈદકિય સંહિતા પ્રેરિત ગ્રહ્યસૂત્રોનો સમાવેશ કરીને અનેક ગ્રંથો રચાયા. મંત્ર સંહિતામાં આપેલ વિધિવિધાન પ્રમાણે મૂર્તિની સ્થાપના, તેની પ્રાણપ્રતિષ્ઠા, મંદિરની સંરચના તથા ભક્તિસંગીત ઉપર માર્ગદર્શન આપતો આ ગ્રંથ પ્રમાણિત મનાય છે. આ રીતે દક્ષિણ ભારતમાં વૈષ્ણવ ભક્તિનો પ્રારંભ થયો અને તે પછીથી સમગ્ર ભારતમાં પ્રસરી ગયો.
ભારતમાં ધર્મ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં અનેક પરિવર્તનો આવ્યાં. પરંતુ વૈખાનસ પરંપરાના મહાન તાંત્રિક અત્રિએ જણાવ્યું છે કે જ્યારે વેદ પરંપરાનો ક્ષય થયો ત્યારે સ્મૃતિશાસ્ત્ર પ્રેરિત ધર્મ સ્થપાયો. તે પતિત થાય છે ત્યારે લોકો પૌરાણિક ધર્મો તરફ આકર્ષાય છે. આ પરંપરા પણ ભક્તો પરની પોતાની પક્ડ ગુમાવે છે ત્યારે આગમ પ્રેરિત વૈષ્ણવ પરંપરા જ તમામ વર્ગ માટે સ્વીકાર્ય બને છે. સનાતન પરંપરા આ રીતે અનેક પરિવર્તનો છતાં આજ સુધી ટકી રહી છે.
પાંચરાત્ર પરંપરા
આપણે ઉપરોક્ત પરંપરામાં માનીએ છીએ તેવો અર્થ નથી થતો. તેમાં પાંચનો અર્થ સમગ્ર થાય છે અને રાત્ર એ બ્રહ્મા-વિષ્ણુનું સ્વરૂપ છે. આમ પાંચરાત્રનો અર્થ સર્વસ્વની ઉપાસના એવો થાય છે. તેના ત્રણ મૂળ ગ્રંથો – શાત્વત, જયાખ્ય અને પૌષ્કર – ત્રય રત્ન કહેવાય છે. તે ઉપરાંત ત્રણ ગુણો પ્રમાણે પણ કેટલાક અન્ય ગ્રંથો છે, જે આ પ્રમાણે છે –
સાત્વિક – ઈશ્વર ભારદ્વાજ સૌયત્ન, દ્વૈખાનસ, ચિત્ર શિખંડી ઈત્યાદિ
રાજસિક – સનત કુમાર, પમોદભવ, સાંતત્પ, તેજોદર્પણ ઈત્યાદિ
તામસિક – પંચપ્રશ્નો, સંકપ્રશ્ન, તત્વસાગર
તેના કુલ ૩૦૦ જેટલા ગ્રંથ છે.
તેના વિષયવસ્તુમાં શ્રેડર નામના વિદેશી વિદ્વાન નીચેના વિષયોનો સમાવેશ કરે છે –
૧) દર્શન
૨) મંત્ર
૩) યંત્ર
૪) માયા યોગ
૫) પતંજલિ યોગ
૬) મંદિર નિર્માણ
૭) દેવ પ્રતિષ્ઠા વિધિ
૮) સંસ્કાર
૯) વર્ણાશ્રમ ધર્મ, અને
૧૦) ઉત્સવ.
જોકે ભારતના વિદ્વાનો પાંચરાત્ર પરંપરામાં જ્ઞાન, યોગ, ક્રિયા અને ચર્ચા પર વધારે ભાર મુકે છે. તેના ઉપાસ્ય દેવોમાં વિષ્ણુ, નારાયણ, વાસુદેવ, પુરુષોત્તમ, કેશવ અને ગોપાલ મુખ્ય છે. પાંચરાત્ર વિધિવિધાનો દ્વારા આ દેવોના ભક્તો પૂજન અર્ચન કરી સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. આ પરંપરામાં પુષ્કર સંહિતા મંત્ર, તંત્ર, પુરાણ અને ઇતિહાસને પણ સ્થાન આપે છે. શંકરાચાર્યના અદ્વૈતવાદને સંપૂર્ણ જાકારો આપવામાં આવ્યો છે.
પાંચરાત્ર પરંપરાનો તાત્વિક આધાર વ્યૂહ છે, જેને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ વિભાગ વાસુદેવ એ સાક્ષાત બ્રહ્મ છે. અન્ય ત્રણમાં સંકર્ષણ એટલે જીવસૃષ્ટિ, પ્રદ્યુમ્ન એટલે માનવીમાં રહેલું મન અને અનિરૂદ્ધ એટલે આપણું અહંકાર તત્વ છે. સાચા અર્થમાં તો આ ચાર ચતુર્વ્યુહ વિષ્ણુએ સર્જેલ સૃષ્ટિ છે. તેની ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુની મૂર્તિ ચતુર્ભુજ રૂપ છે. તેની દક્ષિણ બાજુએ મુખ પર ઉગ્ર ભાવ ધરાવનારી મૂર્તિ સંકર્ષણની છે. તેની બીજી બાજુએ પ્રદ્યુમ્નની મૂર્તિ છે. અનિરૂદ્ધની મૂર્તિના હાથમાં ધનૂષબાણ છે. આગમ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુનાં ૧૧૬ નામ આપવામાં આવ્યાં છે, જેમાં દશ અવતારો અને તેના અંતિમ અવતાર તરીકે ભગવાન કલ્કિનું નામ મળે છે. પાંચરાત્ર પરંપરામાં આ દેવોની અર્ધાગિનીઓનાં ૩૮ નામોનો ઉલ્લેખ છે.
પાંચરાત્ર મંદિરોમાં જે વૈષ્ણવ તહેવારો અને ઉત્સવો ઉજવાય છે તેમાં અંકુર પ્રસ્ફૂટન, ધ્વજારોહણ, અમાવાસ્યની વિધિઓ આપવામાં આવી છે. દેવોની પૂજામાં નિત્ય અને નૈમિતિક કારણોથી કરવામાં આવે છે. તેના વ્રતોમાં અગીયારસ દરેક વૈષ્ણવ માટે ફરજિયાત છે. અન્ય વ્રતોમાં દેવપોઢી અને દેવઊઠી અગીયારસ છે. જયંતીઓ અને વાર્ષિક ઉત્સવો ભારે ઉત્સાહથી ઉજવાય છે.દરેક માસની પણ ઉજવણી થાય છે. જાગરણ વિધિ પણ એક મહત્વની વિધિ છે. વધારામાં તિલોત્સવ, તિર્થોત્સવ, દાન, પૂનમવ્રત, અને હોલિકોત્સવ પણ મહત્વના ઉત્સવો છે. પાંચરાત્ર પરંપરામાં વ્યક્તિએ કોઈ પણ વિધિ વિધાન કરતાં પહેલાં પોતાના દેહની ભૂત શુદ્ધિ, એટલે કે પવિત્ર બનવાની, વિધિ પણ ફરજિયાત છે. સ્વાધ્યાય અને યોગ પણ તેમાં ખાસ મહત્વ ધરાવે છે.
આ રીતે વૈષ્ણવ આગમ વિના હિંદુ પરંપરા અપૂર્ણ છે.
સૌજન્યઃ वैष्णव पांचरात्र आगम | લેખકઃ रामचार्य मिश्र
હવે પછીના મણકામાં આગમ શાસ્ત્રો પૈકી શિવાગમ અને અન્ય આગમો વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
જળને વેડફવું એટલે જીવનને વેડફવું
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કશું નવું નથી. ઊનાળો આવે એટલે ચોફેર પાણીની તંગીની બૂમો. જરા અમથો વરસાદ પડે કે ઠેરઠેર પાણી ભરાઈ જવું અને એના નિકાલની સમસ્યા. જળાશયોમાં વરસાદી પાણીની આવક થઈ હોય, પણ મહોરમ કે ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન કરાતું જળપ્રદૂષણ. ફરી પાછા ઊનાળે પાણીની તંગીની બૂમાબૂમ. આ ચક્ર સતત ચાલતું રહે છે. સરકારની આમાં જવાબદારી બનતી હોય તો પણ કેવળ એટલું પૂરતું નથી. કેમ કે, આમાં દોષ સરકારને દઈ શકાય, પણ એનાં છેવટનાં પરિણામનો ભોગ બનવાનું આપણા એટલે કે નાગરિકોના ભાગે આવે છે. જો કે, સરકાર જેવી સરકાર પોતાની જવાબદારીનો ઊલાળિયો કરી દેતી હોય, અને નાગરિકોને એમાં કશું અજુગતું ન લાગતું હોય ત્યાં
નાગરિકો પોતાની જવાબદારી સમજે અને એ મુજબ વર્તે એ અપેક્ષા વધુ પડતી લાગે છે.
એ હકીકત સૌ જાણે છે કે આપણી પૃથ્વી પર ત્રણ ભાગ પાણી અને એક ભાગ જમીન છે. સાથોસાથ એ પણ સૌ જાણે છે કે આ ત્રણ ભાગ પાણી પૈકીનું ૯૬ ટકા પાણી સાગરમાં છે. એટલે કે તે પીવાલાયક નથી. સમગ્ર પૃથ્વી પર પીવાલાયક પાણી માંડ ત્રણેક ટકા છે, જેમાંનું મોટા ભાગનું ગ્લેશિયર કે હિમાચ્છાદિત પ્રદેશોમાં તેમજ ભૂગર્ભમાં છે. આમ, એક ટકાથી પણ ઓછું પાણી સીધેસીધું ઊપયોગમાં લઈ શકાય એ માટે બચે છે.
એટલે ખરું જોતાં, સમગ્ર પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ સરખામણીએ ઓછું છે, એમાંય ભારત જેવા દેશમાં પાણી બહુ અગત્યનું અને અનિવાર્ય પરિબળ છે. આને હજી ટકાવારીની રીતે જોઈએ તો ભારતમાં વિશ્વની કુલ વસતિના ૧૮ ટકા લોકો વસે છે, અને વિશ્વભરના પીવાલાયક પાણીના કુલ જથ્થા પૈકીનો ચાર ટકા જથ્થો તે ધરાવે છે. આને કારણે જળની અસમાન વહેંચણી થાય એ સ્વાભાવિક છે. એક તરફ શહેરો વધુ ને વધુ ગીચ બની રહ્યાં છે અને ત્યાં પીવાના પાણીની સમસ્યા સૌથી મોટી છે.
Earth.org નામની વેબસાઈટ પર્યાવરણને લગતી વિવિધ બાબતો, સમસ્યાઓ અને તેના ઊકેલની ચર્ચા કરતું એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. જળજાળવણી નિષ્ણાત અને અર્બન પ્લાનર એવા વિશ્વનાથ શ્રીકાન્તૈયા સાથે બેંગ્લોર શહેરના જળ આયોજન વિશે અર્થપૂર્ણ વાર્તાલાપ અહીં કરાયો છે, જે અનેક રીતે આંખ ઊઘાડનાર બની રહે છે.
સૌ પ્રથમ તો આ ચર્ચા બેંગ્લોરકેન્દ્રી શા માટે એ સમજવું જરૂરી છે. બેંગ્લોર આપણા દેશનું ત્રીજા નંબરનું સૌથી ગીચ શહેર છે, જેની વસતિ ચૌદ કરોડથી વધુ છે. તીવ્ર જળસંકટની અહીં નવાઈ નથી. જળસમસ્યા પર કામ કરવા માટે આનાથી વધુ લાયક સ્થળ કયું હોઈ શકે!
વિશ્વનાથ દ્વારા કેટલીક મૂળભૂત બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે, જે સમજણને બરાબર ઊઘાડી આપે એવી છે. તેમણે બે પ્રકારની અર્થવ્યવસ્થાની વાત કરી છે: રેખીય (લીનીઅર) અને વર્તુળાકાર (સર્ક્યુલર). રેખીય અર્થવ્યવસ્થા રેખાની જેમ સીધી લીટીમાં હોય છે, જેમાં ‘બનાવો, ઊપયોગ કરો અને નિકાલ કરો’નો અભિગમ હોય છે. એટલે કે આમાં સંસાધનોના ઊપયોગથી ઉત્પાદન મેળવવામાં આવે છે, તેનો ઊપયોગ કરવામાં આવે છે અને છેલ્લે તેનો કચરા તરીકે નિકાલ કરવામાં આવે છે. આનો અર્થ એ કે આ વ્યવસ્થામાં પાછા ફરવાપણું હોતું નથી. સંસાધન ખર્ચાઈ જાય છે, અને છેલ્લે એ કચરા તરીકે ફેંકાઈ જાય છે. આ બન્ને તબક્કા વચ્ચે આવતો ઊપયોગનો તબક્કો ઘણી વાર સાવ ઓછો હોઈ શકે એમ બને. આનો અંત એક યા બીજા પ્રકારના પ્રદૂષણમાં પરિણમે છે.
વર્તુળાકાર વ્યવસ્થામાં આનાથી વિરુદ્ધ બાબત હોય છે. તેમાં કોઈ પણ વસ્તુનો ઊપયોગ શક્ય એટલા વધુ સમય સુધી કરાતો રહે છે. ઊપયોગ, મરમ્મત, પુનરુપયોગ તેનાં મુખ્ય પાસાં છે. એ રીતે આ આખી પ્રણાલિ વર્તુળાકાર બની રહે છે.
રસપ્રદ બાબત એ છે કે પાણી આવી વર્તુળાકાર પ્રક્રિયા થકી વહે છે, જેને હાઈડ્રોલોજિકલ સાયકલ અથવા તો જળચક્ર કહે છે. પહેલાં એને સાદી પરિભાષામાં સમજીએ. આપણે સૌ જાણીએ છીએ કે તાપમાન વધે એમ જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે. એ જ રીતે વૃક્ષો અને વનસ્પતિનાં પાંદડામાંથી પણ બાષ્પોત્સર્જન થાય છે. તાપમાન ઘટતાં આ બાષ્પનું ઘનીભવન થાય છે, તેનું કદ વધે છે અને વાદળાં બંધાય છે, જે છેવટે વરસાદ, હિમવર્ષા કે કરાવૃષ્ટિ થકી પાછું પૃથ્વી પર વરસે છે. આ રીતે વરસેલા પાણીથી જળાશયોમાં તેમજ ભૂગર્ભમાં જળસ્તર વધે છે.
આ વરસેલા પાણીને બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ભૂગર્ભજળ ‘રિચાર્જ’ થઈ શકે એટલે ઊંડે ન ઉતરતું, જમીનમાં સંઘરાયેલું પાણી ‘ગ્રીન વોટર’ કહેવાય છે, જે ઊપયોગમાં લઈ શકાતું નથી. પૃથ્વીની સપાટી પર વિવિધ જળાશયોમાં સંઘરાયેલું પાણી ‘બ્લુ વોટર’તરીકે ઓળખાય છે, જેમાં નદીઓ, તળાવ-સરોવરો, બંધનાં જળાશયો, ખડકોમાં સંઘરાયેલાં પાણી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો આ પાણીને માનવ ઉપયોગમાં લઈ શકે છે.
આ જળચક્રમાં વનસ્પતિનું પ્રદાન ઘણું હોય છે. તેઓ પોતાનાં મૂળિયાં દ્વારા જમીનનો ભેજ શોષે છે અને પાંદડા દ્વારા બાષ્પનું ઉત્સર્જન કરે છે. એટલે કે જળચક્રમાં ભેજ જાળવવાના અને વરસાદી પાણીના વહી જવાના દરને તે નિયંત્રીત કરે છે.
આ આખું ચક્ર હવે ખોરવાઈ ગયું છે. માનવીય ગતિવિધિ અને હવામાન પરિવર્તનને કારણે તેની પર ગંભીર અસર થઈ છે, અને સરવાળે એનાથી માનવજીવન અસરગ્રસ્ત થઈ રહ્યું છે. સતત વધતા જતા શહેરીકરણની વિપરીત અસર આની પર થતી રહી છે અને થતી રહેવાની.
આનો કોઈ ઊકેલ ખરો? એ વિશેની વાત આગામી સપ્તાહે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૬
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
પાણીની અસમાન વહેંચણી
પરેશ ૨. વૈદ્ય
દેશની નૈઋત્યમાં અરબી સમુદ્ર તરફથી અને અગ્નિ ખૂણે બંગાળના ઉપસાગર તરફથી આવી ચોમાસાના બે ફાંટા ધીમે ધીમે આગળ વધી દેશના બધા વિસ્તારોમાં ફરી વળે છે તે આપણે જોયું. અહીં આશ્ચર્યની બાબત તેનું સમય પાલન છે. ચોમાસું બેસવાની તારીખો ઠીક ઠીક નિશ્ચિત છે. ખેતીપ્રધાન દેશ હોવાને કારણે કેરાળામાં મલબાર કાંઠે એ જો પહેલી જૂને પહોંચી આવે તો માત્ર હવામાન શાસ્ત્રીઓ જ નહીં પરંતુ દેશના નાણાપ્રધાનથી માંડી તે ખેડૂતો સુધી બધા જ નિરાંતનો દમ લે છે. અહીં ચિત્ર ૮માં ચોમાસું આગળ વધવાની તારીખો બતાવી છે. છેલ્લાં સાઠ વર્ષની માહિતી પરથી વિવિધ ઠેકાણે ચોમાસું બેસવાની સરેરાશ તારીખો નક્કી કરાઈ છે. કેરાળાથી પહેલાં આંદામાનમાં ૨૫મી મે એ પહેલો વરસાદ થઈ જાય છે, પરંતુ પહેલી જૂનની એની કેરળ સાથેની એપોઈન્ટમેન્ટ જાણે એક કિંવદંતી જેવી સ્થાપિત થઈ ગઈ છે. ગોવામાં ૬ જૂન અને મુંબઈમાં ૧૦ જૂન એ પણ જાણે ‘લેન્ડમાર્ક’ તારીખો છે. ૧૦ થી ૧૫ જુલાઈ સુધી એ આખા દેશને ફરી વળે છે.

ચોમાસું બેસવાની સરેરાશ તારીખો ભાતીગળ પ્રદેશો :
આમ છતાં એવું નથી કે આખા દેશમાં સરખો વરસાદ પડતો હોય. દેશ એટલો મોટો છે કે તેમાં નૈસર્ગિક વાતાવરણના અનેક પ્રકારો જોવા મળે છે. ઉત્તર અને મધ્યભારતમાં કરોડો લોકોએ જિંદગીમાં સમુદ્ર જોયો નથી હોતો. તો ગંગાના મેદાન અને તમિલનાડુના અમુક વિસ્તારમાં લોકોએ ટેકરીથી ઊંચો ડુંગર નથી જોયો હોતો. ક્યાંક બરફ પડે છે તો બીજી બાજુ એવી પણ જગ્યાઓ છે જ્યાં ઉષ્ણતામાન ૨૨૦સે.થી નીચે નથી જતું. આસામના લોકોને રાજસ્થાનનાં રણની કલ્પના કરવી મુશ્કેલ છે.
આ પ્રાદેશિક વિવિધતાને કારણે સ્થાનિક હવામાન પણ જુદાં જુદાં છે. વાદળાંને ઠરીને વરસવા માટે જોઈતાં ભેજ, ઉષ્ણતામાન અને હવાના પ્રવાહો દરેક જગ્યાએ એક સમાન નથી. ચોમાસાના બંને ફાંટા સરખા હોવા છતાં વરસાદ એક સમાન નથી. એમ પણ જોવા મળે છે કે એકનાં એક સ્થળે પણ વરસો-વરસ જુદાં પ્રમાણમાં વરસાદ થતો હોય છે.
નૈઋત્યના પવનોનો ફાંટો ભેજથી લબાલબ સૌ પહેલાં પશ્ચિમઘાટની હારમાળાને મળે છે. એટલે સમુદ્ર અને પહાડ વચ્ચેની પટ્ટીને (અને કાંઠા નજીકના સમુદ્રને) ખૂબ વરસાદ મળે છે. મુંબઈ શહેર અફાટ રીતે વધ્યા કરતું હોવા પાછળ આ પર્યાપ્ત પાણીનો પણ ફાળો છે. પરંતુ આ પહાડો પાર કર્યા પછી વાદળોની વરસવાની વૃત્તિ ઘટતી જાય છે. પૂર્વમાં પૂર્વઘાટ પાસે પણ ઓરિસ્સાને સારો વરસાદ મળે છે પણ ઘાટની પેલે પાર ઘટે છે. ગુજરાતની વાત કરીએ તો પશ્ચિમઘાટ તેની દક્ષિણની સરહદ પાસે પૂરો થઈ જાય છે. તેનો લાભ થોડો સુરત સુધી મળે છે. પરંતુ તે પછી ગિરનાર સિવાય મોટા પર્વત નથી. એટલે ક્રમશઃ વરસાદ ઉત્તર તરફ ઘટતો જાય છે. ગિરનારનો લાભ દક્ષિણ સૌરાષ્ટ્રને જરૂર મળે છે.
કચ્છ–રાજસ્થાન કોરાં કેમ ?
આખા દેશને ઓછો-વત્તો વરસાદ મળે અને તે મેઘનો ઉત્સવ મનાતો હોય છે ત્યારે કચ્છ અને રાજસ્થાનના લોકો માત્ર આકાશને તાકતા હોય છે. કંઈક અંશે બનાસકાંઠા અને સૌરાષ્ટ્રનો ઉત્તર ભાગ પણ એવી જ સ્થિતિમાં હોય છે. ચોમાસું બેસવાની તારીખો માત્ર કાગળ ઉપર જ છે. ટાઈમટેબલ હોય પરંતુ ટ્રેન જ ન આવતી હોય તેવી હાલત અહીં હોય છે. નૈઋત્યનો પ્રવાહ જે રીતે અમુક ખૂણે જમીન પર દાખલ થાય છે (ચિત્ર- ૯), તે કૂચને ડાબે છેડે કચ્છ રહી જાય છે. એ જ માર્ગ આગળ જતાં પશ્ચિમ રાજસ્થાનને ડાબે છોડતો જાય છે, જ્યાં જેસલમેર, બારમેર આવેલાં છે. તમિલનાડુમાં પણ કન્યાકુમારીની ઉત્તરે થોડો વિસ્તાર આવો છે. કચ્છ ઉપર વાદળ હોય તો પણ વરસતાં નથી. અહીં એક ખાસ પ્રકારનાં અતિશય સૂક્ષ્મ જળબિંદુ વરસે છે, જેને ‘મચ્છરિયા છાંટા’ કહે છે. એક કલાક તેમાં ઊભા રહો તો પણ ભીનાં ન થવાય. ઉપર તરફ જતી હવા ગુરૂત્વાકર્ષણને જીતવા નથી દેતી.

કચ્છને કોરાં મૂકી જતાં વાદળો ભૌગોલિક સ્થાન અને ઉપરના થરના પવનોની દિશાના કારણે ચોમાસાને અહીં કેટલું આળસ છે તે ચિત્ર ૮માં તારીખો જોતાં પણ સમજાશે. ચાર દિવસમાં ગોવાથી મુંબઈનું ૪૫૦ કિ.મી.નું અંતર કાપતો પ્રવાહ રાજકોટથી બન્ની વચ્ચેના દોઢસો કિલોમીટરને ૧૫ દિવસ લગાડે છે ! તેટલો જ વખત અજમેરથી જેસલમેર જવામાં લાગે છે. ઘણીવાર એવું બને છે કે કચ્છ અને રાજસ્થાનને બંગાળના ઉપસાગરવાળા પ્રવાહથી સારો વરસાદ મળે છે. ત્યારે નૈઋત્યને બદલે પૂર્વમાંથી વરસાદ થાય છે, જે ‘લૉ પ્રેસર’ પ્રણાલી આટલે દૂર આવી જવાથી થયો હોય છે. એને નથી તારીખનું બંધન, નથી પ્રમાણનું. ૨૦૦૮માં આવા ફિરકાથી રાજસ્થાનમાં એટલો વરસાદ થયો કે મહિના સુધી ભરાયેલું પાણી ઉતર્યું જ નહીં ! જો શક્તિશાળી ફિરકા ન હોય તો છેક ઓરિસ્સાથી દાખલ થતા ભેજમાંથી રાજસ્થાન પહોંચતાં સુધી શું બચ્યું હોય ?
વિદાયની તારીખો :
ચોમાસાનું આગમન જેટલું નિયત તારીખોએ થાય છે તેટલી ચોકસાઈ તેના પૂરાં થવાની તારીખોમાં નથી. તો ય તેનું અંદાજે સમયપત્રક છે ખરું. ચિત્ર ૧૦ માં નકશામાં આ તારીખો બતાવી છે. ચોમાસું પૂરું થવું એટલે પવનોની દિશા બદલવી. ઉત્તર ગોળાર્ધમાં આપણો શિયાળો એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો. એટલે હવે મહાસાગર તરફથી ભારત તરફ પવનો વાવાને કોઈ કારણ નથી રહેતું. પવનોની દિશા પલટાય છે; હવે ઉત્તર તરફથી પવનો શરૂ થશે. દક્ષિણ ભારતમાં તામિલનાડુને આ દિશાના પવનોથી પણ વરસાદ મળે છે, કારણ કે એ પવનો બંગાળના ઉપસાગર પરથી આવે છે તેથી ભેજ લાવે છે. તે સિવાય હવે ચોમાસું પૂરું થયું. જો વરસાદ થાય તો માવઠાંનો હશે.

ચોમાસું પાછું હટવાની તારીખો ચિત્રમાં વરસાદ હટવાની આ તારીખો ઉત્તર તરફથી શરૂ થાય છે. જ્યાં ચોમાસું છેલ્લે પહોંચેલું તે રાજસ્થાનમાંથી તે પહેલું હટે છે. તે પછી ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી અને છેવટે કેરળમાંથી સ્વાભાવિક છે કે કેરળમાં સૌથી લાંબુ ચોમાસું થયું. (તામિલનાડુની ડિસેમ્બર જાન્યુઆરીની તારીખો શિયાળુ ચોમાસું પૂરું થવાની છે; તેને ગણતરીમાં ન લેવી.)
દરેક સ્થળે ચોમાસું આવવા અને જવાની તારીખો વચ્ચેનો ગાળો ત્યાં ચોમાસાની લંબાઈ આપે. જેમ ઉત્તર તરફ જતા જાઓ તેમ આ ગાળો ઘટતો જાય છે. જેમ ચોમાસું ટૂંકું તેમ વરસાદ ઓછો હોય તે સ્વાભાવિક છે. અહીં કોષ્ટક-૩માં દેશના જુદા જુદા પ્રદેશો માટે આ માહિતી આપી છે.
: કોષ્ટક–૩: ચોમાસાંનો ગાળો અને વરસાદની માત્રા પ્રદેશ ચોમાસાનો ગાળો સરેરાશ વરસાદ સે.મી. ઇંચ રાજસ્થાન પશ્ચિમ રાજસ્થાન દોઢ મહિનો ૧૫ ૬ પૂર્વ રાજસ્થાન ૨૫ ૧૦ કચ્છ સવા બે મહિના ૩૦ ૧૨ સૌરાષ્ટ્ર ઉત્તર ત્રણ મહિના ૪૦ ૧૬ દક્ષિણ ૬૦ ૨૪ દક્ષિણ ગુજરાત વડોદરા સાડા ત્રણ મહિના ૧૦૦ ૪૦ સુરત ૧૫૦ ૬૦ મુંબઈ સાડા ત્રણ મહિના ૨૩૦ ૯૦ ઉ.પ્રદેશ, બિહાર સાડા ત્રણ મહિના ૧૦૦ ૪૦ ઓરિસ્સા ચાર મહિના ૧૫૦ ૬૦ ગોવા, કેરળ સાડા ચાર મહિના ૨૫૦ ૧૦૦ ઈશાનનાં રાજ્યો સાડા ચાર મહિના (વિવિધ) ૪૦૦/૧૦૦૦ ૧૫૦/ ૪૫૦ ભારત દેશ ૮૮ ૩૫ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ‘સરેરાશ’ એ ઠગારો આંકડો છે. એક વર્ષે ૧૫ સે.મી. (૬”) વરસાદ હોય અને બીજે વરસે ૪૫ સે. મી. (૧૮”) હોય તો સરેરાશ ૩૦ સે.મી. (૧૨”) ગણાય છે, પરંતુ તેથી ખરી માહિતી નથી મળતી. આથી વિજ્ઞાનિકો આંકડાશાસ્ત્રમાં વપરાતો બીજો પ્રાચલ (Parameter) જુએ છે. તેને ‘પ્રમાણિત વિચલન’ (Standard Deviation) કહે છે. વર્ષોવર્ષના આંકડામાં થતો ફેરફાર જો સરેરાશ મૂલ્યની નજીક હોય તો વિચલન ઓછું ગણાય છે. જેમ કે ભારતના ચોમાસાંના સરેરાશ વરસાદ ૮૮ સે.મી.માં પ્રમાણિત વિચલન ૮.૪ સે.મી. જેટલું છે. કમનસીબે એવું બને છે કે જ્યાં વરસાદ વધારે હોય તે સ્થળોએ વરસોવરસના ફેરફાર પ્રમાણમાં ઓછા હોય છે પણ ઓછા વરસાદના વિસ્તારોમાં આ વિચલન વધારે હોય છે.
કુદરત તરફથી આ બે બાજુની માર છે. આનો વાસ્તવિક દાખલો જોઈએ. ભારતીય હવામાન ખાતાંએ હિમાલય સિવાયના પ્રદેશોને પાંચ સબ ડિવિઝનમાં વહેંચ્યો છે. જેને સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ (મધ્ય ઈશાન ભારત) કહે છે, તેમાં ઓરિસ્સાથી બિહાર લગીના પ્રદેશો આવે છે. ત્યાં સરેરાશ ચોમાસું વરસાદ ૧૦૦ સે.મી. છે અને પ્રમાણિત વિચલન ૧૧ ટકા છે. તેથી વિરુદ્ધ ગુજરાત જેમાં આવે તે વાયવ્ય ભારત (પંજાબ પર્યંત)ની સરેરાશ વરસાદ માત્ર ૫૦ સે.મી. છે. પરંતુ વિચલન ૨૩ ટકા છે ! માત્ર કચ્છનું વિચલન ૪૦ ટકાથી વધારે છે. એટલે અહીંની પ્રજાને માટે વરસાદના આધારે જીવવું મુશ્કેલ હોય. એ માત્ર અછતના કારણે નહીં પરંતુ જિંદગીની અનિશ્ચિતતાના કારણે. મારવાડીઓ અને કચ્છીઓની મોટી સંખ્યા પોતાનાં વતનની બહાર શા માટે દેખાય છે તેનું કારણ આ છે.
દેશની વાત :
ભારત વિશાળ દેશ છે અને જુદી જુદી ભૌગોલિક રચનાવાળા પ્રદેશો તેમાં આવેલા છે. આથી બધે એક સરખો વરસાદ થાય તેવી તો અપેક્ષા ન જ હોય. એક કાચા અંદાજ તરીકે એમ કહી શકાય કે દેશના ત્રીજા ભાગમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૫ સે.મી. (૫૦ ઈંચ) કરતાં વધારે છે. પછીના એક તૃતીયાંશ ભાગમાં ૭૫ અને ૧૨૫ સે.મી. વચ્ચે (૩૦” થી ૫૦”) વરસાદ છે; અને છેલ્લા ત્રીજા ભાગમાં ૭૫ સે.મી. કરતાં પણ ઓછી સરેરાશ છે. (આખા દેશની સરેરાશ ૧૧૫ સે.મી. છે. તેમાંથી ૮૮ સે.મી ચોમાસામાં પડે.)
વિવિધ પ્રદેશોમાં વરસાદ ઓછો-વત્તો વિવિધ પ્રદેશોમાં પડવા છતાં આખા દેશના એકંદર વરસાદમાં ફેરફાર ઓછો દેખાય છે. કારણ કે સૂકા અને વર્ષાળ વિસ્તારોના આંકડા સરભર થઈ જાય છે. વિશાળ વિસ્તાર હોવાથી વિચલન પણ ઓછું દેખાય છે. આખા દેશમાં કુલ જેટલું પાણી વરસે તેને દેશનાં ક્ષેત્રફળથી ભાગી નાંખવાથી સરેરાશ વરસાદનો આંકડો મળે છે. (વરસાદની માપણીની રીત પ્રકરણ-૭માં જોઈશું). કોષ્ટક-૪માં તાજેતરનાં દશ વર્ષના ભારતના વરસાદના આંકડા છે. અહીં ચોમાસાના તેમ જ આખાં વર્ષના, એમ બે આંકડા આપ્યા છે. ચોમાસાના ચાર મહિના ઉપરાંત પણ ઠીક ઠીક પ્રમાણમાં વરસાદ પડે છે તે સ્પષ્ટ છે. તમિલનાડુમાં જેમ શિયાળુ ચોમાસું છે તેમ ઉત્તર ભારતમાં પણ શિયાળામાં વરસાદ પડે છે, ભલે તેને ચોમાસું નથી કહેવાતું. આપણે ત્યાં પણ માવઠાં થતાં જ હોય આ બધાં માટે ભેજ પશ્ચિમ અને વાયવ્યમાંથી દેશની બહારથી આવે છે જેને “વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ” કહે છે.
: કોષ્ટક – ૪ : વરસાદના દશ વર્ષના આંકડા વર્ષ ચોમાસુ વરસાદ
(મિ.મી.)
વાર્ષિક વરસાદ
(મિ.મી.)
૨૦૦૭ ૯૪૭ ૧૧૬૦ ૨૦૦૮ ૮૮૨ ૧૧૦૦ ૨૦૦૯ ૭૦૨ ૯૨૭ ૨૦૧૦ ૮૮૬ ૧૧૭૦ ૨૦૧૧ ૯૦૩ ૧૦૮૦ ૨૦૧૨ ૮૦૫ ૯૯૪ ૨૦૧૩ ૯૪૭ ૧૨૨૯ ૨૦૧૪ ૭૩૬ ૯૫૯ ૨૦૧૫ ૭૨૮ ૯૭૮ ૨૦૧૬ ૮૯૫ ૧૦૧૬ જોઈ શકાય છે કે ૨૦૦૯નું વર્ષ ખરાબ હતું. છેક ઈ.સ. ૧૮૯૯ પછી પહેલી વાર આટલો ઓછો વરસાદ હતો. (ગુજરાતમાં ૧૮૯૯ને છપ્પનીયો દુકાળ કહેવાયો હતો. તે કદાચ ઘણા વાંચકોને ખ્યાલ હોય). તે પછી ૨૦૧૫ પણ દુષ્કાળનું (નબળાં ચોમાસાંનું) વર્ષ હતું. સમગ્ર દેશમાં જ ઓછો વરસાદ પડે તેની પાછળ વિશ્વસ્તરનાં કારણો જવાબદાર હોય છે. તેની વાત પ્રકરણ-૧૨માં કરીશું. વર્તમાનમાં વધુ ચિંતા વૈશ્વિક ઉષ્મનને કારણે વરસાદની માત્રામાં થતા આત્યંતિક ફેરફારોની છે. તેની પણ વાત કરીશું.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાર્ટૂનકથા (૨૫)
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના પચીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયું હતું.
વાર્તાવ્યંગ્ય

(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
હૈયું પરબીડિયું
દેવિકા રાહુલ ધ્રુવ
હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ. આહાહાહા… વાંચવાનો કેવો આનંદ? માત્ર વાંચવાનો જ નહિ,અનુભવવાનો પણ.
આ બંને શબ્દો, હૈયું અને પરબીડિયુ – કેટકેટલાં ચિત્રો,ભાવો અને અર્થો ઊભાં કરે છે! ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે હૈયાંની વાતો ન કરી હોય કે કાગળ પર ઠાલવી, પરબીડિયામાં બીડીને રવાના ન કરી હોય. આ બંને શબ્દો વિશે જરા ઊંડાણમાં વિચારીએ.
પ્રથમ હૈયું શબ્દ અંગે વિચારીએ તો એ મૂળે સંસ્કૃત શબ્દ છે, હૃદ્. એટલે કે કોઈપણ વસ્તુનું હાર્દ. તેના ઉપરથી હૃદય શબ્દ બન્યો. તે વળી પ્રાકૃતમાં ‘હિયઅ’માંથી હૈયું બની ગુજરાતી સંસ્કરણ પામ્યો. હૈયું નાન્યતર જાતિનો શબ્દ છે. તેના પર્યાયી શબ્દો પણ ઘણા છે. દા.ત. હૈડું, મન, દિલ, અંતઃકરણ,હૃદય વગેરે. સંસ્કૃત શબ્દકોશ જણાવે છે તે મુજબ જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે અવયવ. સૌ જાણે છે તેમ વૈજ્ઞાનિકોએ તેના આકારને પણ વિગતે સમજાવ્યો છે. જગતના તમામ ચેતન જીવોમાં એનું કેટલું મોટું સ્થાન અને કામ છે.
એ વાત તો શારીરિક રોજીંદી ક્રિયાઓની. પણ તે ઉપરાંત તેના ભાવો તો કેવા કેવા અને કેટલા બધા? તેના ગમા- અણગમા, સુખ,દુઃખ, હર્ષ- શોક, વેદના, પીડા અનેકવિધ લાગણીઓ પણ અઢળક. વળી જે તે ભાવ મુજબ એની માત્રા પણ વધતી-ઓછી ખરી જ. સાચે જ હૈયું એક વિસ્મય છે અને રહસ્ય પણ છે જ. આધુનિક યુગના માનવીએ ઘણી શોધખોળો કરી,ખૂબ પ્રગતિ કરી પણ હજી સુધી આ હૈયાંની ચાંપ ક્યારે ખુલે છે અને ક્યારે બંધ થાય છે એની કોઈનેય ક્યાં ખબર પડી છે. એટલે એક રીતે તો હૈયાંની આસપાસ જ જગત છે અને જીવન છે, સંબંધ છે અને સગપણ છે, લગાવ છે અને અભાવ છે. તો વળી તેને કારણે જ તો સ્વભાવ છે અને પ્રભાવ પણ ખરો જ. હૈયાંમાં પ્રણય હોય,ઝંખના હોય,વાત્સલ્ય અને સ્નેહ, કાળજી અને કરુણા, ઝુરાપો અને અજંપોયે હોય. આમ એનું વૈવિધ્ય છે. એટલે જ વ્યવહાર જગતમાં જાતજાતના રુઢિપ્રયોગો વહેતા થયા અને કહેવતો પણ વપરાશમાં આવવા લાગી. કેટલાંક ઉદાહરણો જોઈ જ લઈએ.
હૈયું કબૂલ કરતું નથી, હૈયું ખાલી કરવું, હૈયું કઠણ કરવું, હૈયું ટાઢું હિમ હોવું, હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા, હૈયું ફૂટી જવું, હૈયું ફાટી જવું, હૈયું ખોલવું, હૈયું ભરાઈ આવવું, હૈયું હાથ ન રહ્યું, હૈયું ઠાલવવું, હૈયે હોળી સળગવી, હૈયું કહ્યું ના કરે એવું, હૈયે છે પણ હોઠે નથી, હૈયું હળવું ફૂલ થયું, હૈયે ટાઢક વળી, હૈયું કેસૂડાંનું ફૂલ, હૈયે રામ વસવા…. વગેરે વગેરે..
હૈયાંની આવી લાગણીઓ ગડી વાળીને થપ્પી બંધ કેવી ગોઠવાતી હશે તે તો એ જ જાણે પણ એ જ્યારે બહાર ઠલવાય અને એને ભેગી કરીને એક પરબીડિયામાં ભરી, ઇચ્છિત જગાએ પહોંચાડવામાં આવે ત્યારે સુખ કે દુઃખની જે જે ઊર્મિઓ પ્રતિભાવ પામે તે જાણે બીજું એક હૈયું બની ઉભરાય! કેવી રોમાંચક ક્ષણો! એટલે જ કવિઓ કહે છે કે, હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ.
આ પરબીડિયું શબ્દ પણ હૈયાંની જેમ નાન્યતર જાતિનો છે. તેમાંથી પણ એક વાત ફલિત તો થાય જ છે કે, જીવમાત્રનાં એ સ્પંદનો છે. માત્ર સ્ત્રી કે પુરુષો કે માનવીનો નહિ પણ પ્રત્યેક જીવને એના તમામ ગુણધર્મો લાગુ પડે છે.’ ધૂમકેતુ’ની ‘પોસ્ટઓફિસ’ વાર્તા યાદ આવી ગઈ. ત્યાં બેસીને અલીડોસો કંઈ કેટલાંયે પરબીડિયાં રોજ જોતો હતો. પોસ્ટઓફિસની નજરે તો એ માત્ર સામાનનો ઢગલો હતો. કાગળના કવરો હતાં અને ઉપર લખેલાં સરનામા મુજબ એ ખરી જગાએ પહોંચાડવાના હતાં. પણ અલીડોસો તો ક્યારે પરબીડિયું પોતાના હાથમાં આવે અને એમાં છલકાયેલ હૈયું ખોલવાની પ્રતીક્ષામાં હતો. એના હૈયાંને એક પરબીડિયાં સાથે ઘેરો નાતો હતો. જે કવરો ટપાલખાતાના કર્મચારીઓ માટે માત્ર એક કામ હતું તે જ પરબીડિયું તો એનું હૈયું હતું! ઝુરતું હતું.એમાંના ભાવો/પ્રતિભાવો વચ્ચે ઝુલતું હતું.
ઘણીવાર આ બંને શબ્દો કોઈ ગહન વિચારો તરફ દોરી જાય છે. પ્રત્યેક માનવીની અંદર એક ખાસ પ્રકારનું પેકીંગ કરીને, કાયાના પરબીડિયામાં ગોઠવીને, સુપ્રીમ પાવરે પૃથ્વી પર રવાના કર્યું છે. એ રોજ ધબકે છે. જાણે કે ખુલે છે અને મોકલનારને એનાં પ્રતિભાવો ( કર્મોના) પહોંચે છે. ને વળી એ પણ કેટલો મોટો એકાઉન્ટન્ટ કે દરેકનો બરાબર હિસાબ રાખે છે અને કોઈને કોઈ રીતે વળતો જવાબ પણ પાઠવે છે! ખૂબીની વાત તો એ છે કે, દરેકને પોતાનું જ પરબીડિયું વહાલું લાગે છે! બાકી આમ જોઈએ તો પરબીડિયાં પણ કેટકેટલી જાતનાં,અલગ અલગ આકારનાં, વિવિધ રૂપ અને રંગનાં. વિશ્વભરના માનવીઓનું-અરે, જીવમાત્રનું પણ એ જ છે ને? કેટકેટલું વૈવિધ્ય? છતાં દરેક પરબીડિયાનો ધબકાર,એની ભીતરના હૈયાંની જેમ જ એકસરખો. ત્યાં કોઈ ભેદભાવ નથી,પૂર્વગ્રહો નથી, કોઈ વાડાબંધી નથી.હા, એમાં છૂપાયેલા ભાવો/પ્રતિભાવો જુદા;બરાબર હૈયાંની જેમ જ ! તેથી જ સવારના પહોરમાં વાંચવામાં આવેલું પેલું વાક્ય “હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ” મનમાં એકદમ અંકિત થઈ ગયું. ને વિચારો જરા જુદી રીતે સરકતા ચાલ્યા; સવાલો પર સવાલો જાગ્યા કે, કાયાનાં પરબીડિયાંમાં હૈયાનો ધબકાર ? કે હૈયું જ પરબીડીયું? શ્રી જયંત પાઠકની સુંદર પંક્તિઓમાં જ જવાબ સાંપડે છે.
પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ !
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં :
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં !અસ્તુ.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
વિદેશ વસવાટનો સ્વર્ણિમ પરવાનો: હમ તો ચલે પરદેશ….
નિસબત
ચંદુ મહેરિયા
સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા(પીટીઆઈ)ના હવાલાથી દેશભરના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાએ સંયુક્ત અરબ અમીરાતમાં કશી શરત વિનાના નોમિનેશનબેસ્ડ ગોલ્ડન વિઝાના ન્યૂઝ પ્રગટ કર્યા હતા. એક લાખ દિરહામ કે લગભગ ત્રેવીસ લાખ રૂપિયામાં UAE (UNITED ARAB EMIRATES ) માં કાયમી વસવાટના સ્વર્ણિમ પરવાનાના આ સમાચારે ‘ હમ તો ચલે પરદેશમાં’ જીવતા ભારતીયોનો એક વર્ગ ખુશખુશાલ હતો. પરંતુ તેમની ખુશી ઝાઝી ના ટકી. કેમ કે થોડા દિવસ પછી યુએઈ સરકારે આ સમાચાર ધરાર ખોટા હોવાનું અને તેમની હાલની ગોલ્ડન વિઝાની સશર્ત પોલિસીમાં કોઈ ફેરફાર ન હોવાનું જણાવ્યું હતું. ૨૩ લાખમાં વિઝાના સમાચારો જેના થકી પ્રસર્યા હતા તે રયાદ ગ્રુપ( RAYAD GROUP) નામક યુએઈની કન્સલટન્સી ફર્મે પણ માફી માંગી છે. જોકે સરકારે તેના પર ખોટા સમાચાર પ્રસારિત કરવા બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી જે લોકો પોતાનો દેશ છોડીને લાંબા સમય માટે કે કાયમી બીજા દેશમાં વસવાટ કરવા માંગે છે તેમને આપવામાં આવતો પરવાનો એટલે ગોલ્ડન વિઝા. સરળ ભાષામાં કહેવું હોય તો પૈસાવાળાને મોટા રોકાણ બદલ બીજા દેશમાં સ્થાયી વસવાટ માટેની મંજૂરી. સ્વર્ણિમ પરવાનો કહેતાં ગોલ્ડન વિઝા હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સને કોઈપણ દેશમાં રહેવા, ભણવા, કામ કરવા અને આરોગ્યની સુવિધા માટે આપવામાં આવે છે. તે મેળવનારની હેલ્થ કેર ફેસિલિટી સાથેની કાયદાકીય રૂપમાં સંબંધિત દેશના નાગરિક જેવી સ્થિતિ હોય છે. આ પ્રકારના વિઝા જુદા જુદા દેશોમાં જુદા નામે ઓળખાય છે અને તેની કિંમત પણ જુદી જુદી હોય છે.
યુએઈમાં હાલમાં ઈન્વેસ્ટર્સ, બિઝનેસપર્સન, આઈટી પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો, તેજસ્વી અને પ્રતિભાશાળી વિધ્યાર્થીઓ, કલાકારો, સમાજસેવકો, સંશોધકો, એથ્લિટ્સ, માટે લાંબા ગાળાના વસવાટના ગોલ્ડન વિઝા ઉપલબ્ધ છે. ભારતીય ચલણમાં રૂ.૬.૭ લાખ કે ૩૦,૦૦૦ દિરહામની મન્થલી બેઝિક સેલેરી ધરાવતા સ્કીલ્ડ પ્રોફેશનલ્સ, ૪.૫ કરોડની ફિક્સ્ડ બેન્ક ડિપોઝીટ ધરાવતા કે એટલી જ સંપત્તિ ધરાવતા લોકો, ઓછામાં ઓછા રૂ. ૪.૬૭ કરોડનું બિઝનેસ કે રિયલ એસ્ટેટમાં રોકાણ ધરાવનાર વ્યક્તિઓ તથા રૂ. સવા કરોડથી વધુનો પ્રોજેકટ શરૂ કરવા ઈચ્છતા વ્યક્તિઓ પાંચ થી દસ વરસ સંયુક્ત અરબ અમિરાતમાં વસવાટનો સ્વર્ણિમ પરવાનો પ્રાપ્ત કરવાની પાત્રતા ધરાવે છે. યુઈએની ૨૦૨૫ની આશરે ૧.૧૩ કરોડની વસ્તીમાં ૪૦ લાખ ( આશરે ૩૫ટકા ) ભારતીયો છે. ૨૦૨૩માં તેણે ૭૯,૬૧૭ અને ૨૦૨૪માં ૧,૫૮,૦૦૦ ગોલ્ડન વિઝા આપ્યા હતા.તેમાં ૪૦ ટકા રોકાણકારો, ૨૮ ટકા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકો, ૨૨ ટકા ઉધમીઓ અને ૧૦ ટકા સંશોધકો હતા.
ગોલ્ડન વિઝા પોલિસી ધરાવતો યુએઈ કોઈ પહેલો કે એકમાત્ર દેશ નથી. અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, કેનેડા, ઈન્ડોનેશિયા, ઈટલી, માલ્ટા, સાઈપ્રસ, ટર્કી, ડોમિનિકા, પોર્ટુગલ, કોસ્ટારિકા, આયરલેન્ડ, હંગેરી, લાટવિયા, સર્બિયા અને બીજા કેટલાક દેશો પણ ખાસ કિમતે ગોલ્ડન વિઝા આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ , ગોલ્ડન વિઝા સ્કીમ શરૂ કરી છે. અમીરોને રોકાણના બદલામાં સ્થાયી વસવાટ આપતા અમેરિકાના ગોલ્ડન વિઝાની કિંમત ૪૨ કરોડ રૂપિયા છે. જોકે સિંગાપુરનો સ્વર્ણિમ પરવાનો તેનાથી ય મોંઘો છે. તેની કિંમત રૂ. ૬૨ થી ૩૧૦ કરોડ છે. અન્ય દેશોના જે ઉધ્યોગપતિઓ અને રોકાણકારોને આ વિઝા મળે છે તેઓના બિઝનેસના કદ પ્રમાણે વિઝાની કિંમત નક્કી થાય છે. સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા હરાજીથી આપવામાં આવે છે. જે સૌથી વધુ બોલી લગાવે તેને મળે છે. હાલમાં ૪૯૬ લોકો પાસે સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા છે. સપ્ટેમ્બર -૨૦૨૨થી ન્યૂઝીલેન્ડે ૨૫ કરોડની કિંમતનો ગોલ્ડન વિઝા શરૂ કર્યો છે. અનિશ્ચિત સમયના આ વિઝા હેઠળ તે મેળવનાર રહી શકે છે, ભણી શકે છે અને ધંધો-વ્યવસાય કરી શકે છે. એકટિવ ઈન્વેસ્ટર પ્લસ વિઝાની આ પોલિસીમાં વ્યક્તિએ નિશ્ચિત રકમનું રોકાણ કરવાનું હોય છે. ૧.૮ થી ૨.૩ કરોડનો કેનેડાનો ગોલ્ડન વિઝા જે વ્યક્તિ કેનેડામાં સ્ટાર્ટ અપ કે બિઝનેસ કરવા માંગે છે તેના માટે છે.
કોઈ પણ દેશ ગોલ્ડન વિઝા શા માટે આપે? રોકાણને આકર્ષવા, પોતાના દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા, નવા ઉધ્યોગ-ધંધા સ્થાપવા, મહેસૂલ અને કરની આવક વધારવા ઉપરાંત પોતાના દેશને જેની જરૂર છે તેવી પ્રતિભાઓ મેળવવા માટે આપે છે. સ્વર્ણિમ પરવાનો મેળવનાર વ્યક્તિનો અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ , શિક્ષણ અને વ્યાપારમાં યોગદાનનો લાભ મેળવવાનો પણ ઉદ્દેશ રહેલો છે.
ભારત સહિતના દેશોના જે લોકો ગોલ્ડન વિઝા માટે લાલાયિત છે તેઓના પણ પોતાના કારણો છે. આધુનિક સુખ-સગવડો, બહેતર જીવન શૈલી, વધુ સારું જીવનધોરણ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શિક્ષણ અને આરોગ્યની સગવડો, મહાનગરો-નગરોમાં પાયાની સગવડોના અભાવમાંથી મુક્તિ, , અનુકૂળ કરવેરા નીતિ, સરળ રોકાણ, વ્યાપાર માટે બહેતર વાતાવરણ અને વધુ તક જેવા કારણોથી તેઓ સ્વદેશ છોડી વિદેશ વસવા માંગે છે અને તે માટેના પ્રયત્નો કરે છે. દુનિયામાં ગોલ્ડન વિઝા ધારકોની ચોક્કસ સંખ્યા જાણવા મળતી નથી. પરંતુ ૨૦૨૩ના વરસમાં દુનિયાના લગભગ સવા લાખ કરોડપતિઓએ દેશ બદલ્યા છે.
ભારતમાં અતિ ધનિક કે અલ્ટ્રા રિચ લોકોની સંખ્યા વધી રહી છે. ૨૦૨૩ના ૨.૮ લાખ મોટા અમીરો પાંચ વરસ પછી વધીને ૪.૩ લાખ થવાના છે. સ્વર્ણિમ પરવાનો કોઈ સામાન્ય કામદાર કે કારીગર માટે નથી, અમીરો માટે છે. વરસે સરેરાશ પંદર લાખ ભારતીયો તેમની નાગરિકતા છોડી રહ્યા છે અને દર પાંચે એક અમીર ભારતીય વિદેશમાં વસવા માંગે છે. વિદેશ વસવાટના સપનાં જોતાં ભારતીય અમીરો ૩૬ થી ૪૦ વરસના છે કે પછી ૬૧ કરતાં વધુ વરસના છે. એક સર્વે પ્રમાણે ભારતના દોઢસો અલ્ટ્રા રિચ ભારતને બદલે યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએઈમાં સેટલ થવા માંગે છે.તે પૈકીના ચોથા ભાગનાએ તો તેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
જે દેશો સ્વર્ણિમ પરવાનો આપે છે તેઓ અમીરોને કે નાણાને પ્રાધાન્ય આપીને દુનિયામાં આર્થિક અસમાનતા વધારે છે. ગોલ્ડન વિઝાના આદાનપ્રદાન કરનારાના ઉદ્દેશો કંઈ શુધ્ધ જ છે એવું પણ નથી. તેઓ સંપત્તિ અને પ્રતિભા બંનેને હડપી લે છે. મની લોન્ડરિંગ , કરચોરી કે અન્ય ગુનાઓ કરનાર પણ પૈસાના જોરે ગોલ્ડન વિઝા મેળવી દેશ છોડી શકે છે. મેહુલ ચોકસી, નીરવ મોદી અને વિજય માલ્યા જેવાના કેસો તેના નમૂના છે.
એક દેશનો ધનિક જ્યારે બીજા દેશમાં પૈસાના જોરે નાગરિકતા ખરીદે છે ત્યારે તે મૂળ દેશના નાગરિકોને પણ નુકસાન કરે છે. કેટલાક દેશોએ સ્થાનિક લોકોના રોષ અને તેમની ઘટતી તકોને ધ્યાનમાં રાખીને સ્વર્ણિમ પરવાનાની નીતિ સીમિત કરી છે કે સ્થગિત કરી છે. એટલે ગોલ્ડન વિઝાના ફાયદા-ગેરફાયદા વિચારતી વેળાએ તેના દુરપયોગ અને સ્થાનિક નિવાસીઓના અધિકારો પરની તરાપને નજરઅંદાજ ન કરવી જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કુછ નહીં કહતે…
ધિક્કારનાં ગીતો
ઉન કો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહતે…
દીપક સોલિયા
વાસ્તવિક જીવનમાં બેવફાઈ ચાહે પુરુષ કરે કે સ્ત્રી, મામલો ઉગ્ર બની શકે. દિલ તૂટે ત્યારે પુરુષ ભાંગફોડ કરે, મારામારી કરે કે ઇવન ખૂન કરવાની કે ચહેરા પર એસિડ ફેંકવાની હદે પણ જઈ શકે. સામે પક્ષે સ્ત્રી પણ પ્રેમીની બેવફાઈ પછી હંમેશાં આંસુ પીને ચૂપચાપ બેસી નથી રહેતી. એ પણ વિફરેલી વાઘણ કે છંછેડાયેલી નાગણનું રૂપ ધરીને અતિ આકરું વર્તન કરી શકે.
આ થઈ વાસ્તવની વાત, પણ ફિલ્મી ગીતોમાં નારીની પીડા, નારીનો આક્રોશ મોટે ભાગે એકદમ સોફ્ટ અને સુંદર રીતે વ્યક્ત થયો છે. આવા એક ગીતની આપણે વાત કરીઃ જાના થા હમસે દૂર, બહાને બના લિયે. આ ગીત ફિલ્મ અદાલત (૧૯૫૮)નું છે. એ એક જ ફિલ્મમાં પુરુષથી નારાજ સ્ત્રીએ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ-પાંચ ગીતો ગાયાં છે. એમાંની ત્રણ તો ગઝલ છે.
એક તો આ જઃ જાના થા હમ સે દૂર.
બીજી, ઉન કો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહતે.
ત્રીજી, યૂં હસરતોં દાગ મહોબ્બત મેં ધો લિયે.
ત્રણેત્રણ અમર, શાનદાર, અફલાતૂન. આ ઉપરાંત, એક ગીત એવું છે જેમાં બે ગીતો છે. એક વર્ઝન લતાએ ગાયેલું અને બીજું આશાએ. લતાએ ધીમા લયમાં અને આશાએ તેજ લયમાં. એ બન્નેમાં પણ મુદ્દો તો એ જ છેઃ બેવફા પુરુષ સામેની ચીડ. એ ગીત, કહો કે ગીતો શરૂ થાય છે લતાના સ્વરમાં:
જા જા રે જા સાજના, કાહે સપનોં મેં આએ, જા કે દેસ પરાયે બેવફા
તુઝ કો ગરઝ ક્યા મેરી વફા સે, જિયું યા મરું મૈં તેરી બલા સે (લતા)દિલ તો દિયા થા તુઝે બડે અરમાન સે, પ્યાર લગાયા ભી તો કિસ બેઈમાન સે
દે હી ગયા જો દગા, સૈયા જા જા જા, જા જા જા સાજના (આશા)દો દિન કી પહલે ઝૂઠી ખુશી દી, દર્દ ભરી ફિર યે ઝિંદગી દી (લતા)
હાથ પકડ બૈઠે ક્યોં ઐસે મીત કા, ઢંગ ના આયે જિસે જરા સા ભી પ્રીત કા
જાને ના ક્યા હૈ વફા, જા જા જા, જા જા જા સાજના(આશા)વાત સ્પષ્ટ રીતે કહેવાઈ છેઃ તું બેવફા છે. તું પરદેશ જતો રહ્યો. હું જીવું કે મરું તને શો ફરક પડે છે. બહુ અરમાનો હતા મને તારા પ્રત્યે, પણ તું બેઈમાન નીકળ્યો. બે દિવસની ખુશી આપીને બદલામાં તું મને આખી જિંદગીનું દુઃખ આપી ગયો. તને પ્રેમની રીત જ નથી આવડતી, તને પ્રેમ શું છે એની ખબર જ નથી.
ફિલ્મમાં નરગિસ (લતા) કોઠા પર બેઠાંબેઠાં શાંતિથી આ ગાય છે. આ ઉપરાંત પણ બે ગઝલો નરગિસ એ જ કોઠા પર, એ જ રીતે સહેજ ઝુકેલી અવસ્થામાં બેસીને, એ જ ઉદાસ ચહેરા સાથે ગાય છે. આ ત્રણેય ગીતોમાં એ જ સારંગી-તબલાંવાળા સાજિંદાઓ છે. ફિલ્મ બનાવનારની હિંમતને દાદ આપવી પડે કે એક જ હિરોઈનને એક જ મુદ્રામાં એકદમ સ્થિર બેસાડી રાખીને ત્રણ-ત્રણ ગીતો ગવડાવવાં અને છતાં એવો વિશ્વાસ રાખવો કે આ ચાલશે… લોકો ચલાવી લેશે… લોકો વધાવી લેશે…
એમનો વિશ્વાસ સાચો ઠર્યો. આ વિશ્વાસ પાછળનું એક મહત્ત્વનું પરિબળ છે ગીતો લખનાર રાજેન્દ્ર કૃષ્ણ. આ ફિલ્મમાં રાજેન્દ્ર કૃષ્ણ ફક્ત ગીતકાર જ નહોતા, ફિલ્મનાં પટકથા-સંવાદો પણ એમણે જ લખેલા. સ્વાભાવિક છે કે રાજેન્દ્ર કૃષ્ણને પોતે લખેલા ગીતો પર ભરોસો હતો એટલે એમણે એવી પરવા ન કરી કે એક જ સ્ત્રી એક જ મુદ્રામાં બેસીને ત્રણ ગીતો ગાશે તો લોકો કંટાળશે તો નહીંને!
આ ફિલ્મનાં મહિલા નિર્માતા મલ્લિકા ક્વાત્રાને પણ ખાત્રી હતી કે ફિલ્મમાં નરગિસજી બેઠાં બેઠાં ગીતો ગાયાં કરશે તો પણ ફિલ્મ કંટાળાજનક બનવાને બદલે ઉલટાની દમદાર બનશે.
એમનું જજમેન્ટ સાચું હતું. આ ગીતો ફિલ્મની જાન છે, શાન છે. બાકી, એકદમ ફ્રેન્કલી વાત કરીએ તો ફિલ્મ ‘અદાલત’ જૂનવાણી, બીબાંઢાળ અને કંઈક અંશે રેઢિયાળ પણ છે. ફિલ્મમાં હીરો-હિરોઈન સાઈકલ પર ભટકાય, હિરોઈનને મુજરાની દુનિયામાં દોરી જનારી બહેનપણી રસ્તા પર ભટકાઈ જાય, હીરોના પિતાની કાર સાથે હિરોઈન રસ્તા પર અથડાઈ જાય (એવું લાગે જાણે હિરોઈન નિર્મલ એટલે કે નરગિસ ભારે એક્સિડેન્ટ પ્રોન છે). રસ્તા પરનાં આવાં આકસ્મિક અકસ્માતોની ભરમાર ફિલ્મને ‘ફિલ્મી’ બનાવે છે. છતાં, સહેજ ઉદાર ભાવ સાથે આ ફિલ્મ જોઈએ તો તે ખાસ્સી સ્પર્શી શકે તેવી છે અને તેની એ તાકાતનું રહસ્ય છે ગીતો.
ફિલ્મનાં અનેક ગીતોમાંનું મુખ્ય ગીત છેઃ
કુછ નહીં કહતે…
ફિલ્મના અંતિમ દૃશ્યમાં પણ બૅકગ્રાઉન્ડમાં આ ગીત વાગે છેઃ કુછ નહીં કહતે… અને સ્ક્રીન પર બે શબ્દો ચમકે છેઃ ધ એન્ડ.
આખું ગીત, રાધર ગઝલ, મસ્ત છેઃ
ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે;
અપની તો યે આદત હૈ કે હમ કુછ નહીં કહતે.મજબૂર બહોત કરતા હૈ યે દિલ તો ઝુબાં કો;
કુછ ઐસી હી હાલત હૈ કે હમ કુછ નહીં કહતે.કહને કો બહોત કુછ થા અગર કહને પે આતે;
દુનિયા કી ઇનાયત હૈ કે હમ કુછ નહીં કહતે.કુછ કહને પે તુફાન ઉઠા લેતી હૈ દુનિયા;
અબ ઇસપે કયામત હૈ કે હમ કુછ નહીં કહતે.
ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે…આ ગીત પણ બેઝિકલી પ્રેમીપુરુષ સામેની ફરિયાદનું જ ગીત છે, પણ એમાં કશુંક કહેવા કરતાં ન કહેવા પર ભાર મુકાયો છે. આ બ્યૂટી છે આ ગીતની. પ્રેમીની ટીકા કરવાને બદલે, ભડાસ કાઢવાને બદલે પ્રેમિકા ફક્ત એક જ વાત કહ્યા કરે છે કે છોડો, કુછ નહીં કહતે…
કંઈ ન કહીને ઘણું બધું કહેતા રાજેન્દ્ર કૃષ્ણાજીના આ ગીતની ચોટ શબ્દોમાં તો છે જ, પરંતુ એ ઉપરાંત ગીતની અસરકારકતાનાં મુખ્ય આધારો છે, લતાજીનો અવાજ અને મદન મોહનજીનું સંગીત.
આ બધું વાંચવાથી તમે ગીતને પૂરેપૂરું નહીં માણી શકો. એને માણવાની રીત એક જ છેઃ તેને સાંભળવું. તો અત્યારે જ સાંભળો આ ગીત. નેટ પર એ આસાનીથી ઉપલબ્ધ છે. ૮૦ ટકા ખાતરી સાથે કહી શકાય કે આ ગીત તમને ‘ઘાયલ’ કરશે.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
