-
ઉનાળામાં બરફનું તાપણું કેમ ના કરી શકાય?
ચેતન પગી

પર્યાવરણશાસ્ત્રીઓ અતિશય ગરમી, વરસાદ કે ઠંડી માટે ભલે આબોહવા પરિવર્તનને જવાબદાર ગણતા હોય પણ એક થિયરી એવી પણ છે કે ભારે વરસાદ એ ભજિયાં-દાળવડાંવાળાઓનું, અતિશય ઠંડી ચાવાળાઓનું અને સખત ગરમી આઇસક્રીમ-કોલ્ડ્રિંક્સવાળાઓનું કારસ્તાન છે. ગરમીના કેસમાં તો હવે એસી-કુલરવાળાઓ પણ કાવતરામાં સામેલ થઈ ગયા છે. અત્યાર સુધી કામધંધામાં વ્યસ્ત લોકોને ગરમી કેટલી ઓછી કે વધારે છે એની જાણ રહેતી નહોતી પણ હવે મોબાઇલ ફોનના સ્ક્રીન પર તાપમાનનો આંકડો દેખાતો થયા બાદ કોણ જાણે કેમ ગરમી વધારે લાગવા માંડી છે! ઘણીવાર એસી વસાવવા જેટલા પૈસાની વ્યવસ્થા થયા પછી પણ અચાનક ગરમી વધારે લાગવા માંડે છે. આપણે ત્યાં ગરમી વધારે પડે છે એટલા માટે એસી નથી ખરીદવામાં આવતું પણ આજુબાજુના બધા પડોશીઓને ત્યાં એસી આવી ગયું હોવાથી તે ખરીદવામાં આવે છે. ટૂંકમાં, ઉનાળો આવી ગયો છે. ત્યારે વાંચો ઉનાળામાં પ્રગટેલી કેટલીક છૂટક રમૂજો…
ઉનાળાનો એક ફાયદો એ છે કે માર્ચ-એપ્રિલમાં થતા પગારને ખરા અર્થમાં પરસેવાની કમાણી કહી શકાય છે.
ગ્લોબલ વોર્મિંગની સાદી સમજ એ રીતે પણ આપી શકાય કે પહેલાં ઉનાળામાં પંખા વગર ચાલતું નહોતું. હવે એસી વગર નથી ચાલતું. ગ્લોબલ વોર્મિંગમાં એસીની ઠંડકમાં પંખો ટાઢક અનુભવે.
ખરી ગરમી તો ત્યારે લાગે જ્યારે મોબાઇલ સ્ક્રીન પર તાપમાનનો આંકડો ૪૦ ડિગ્રીનો આંકડો પાર કરે અથવા છાપાના મથાળામાં ગરમી ‘કાળઝાળ’ સ્વરૂપ ધારણ કરે.
ઉનાળો એકમાત્ર એવી ઋતુ છે જેમાં તપેલી રસોડા સિવાય પણ હોઈ શકે છે. તફાવત એટલો જ કે રસોડાની તપેલીને સાણસીથી પકડી શકાય છે.
ઉનાળાને આમ તો ગરીબપરસ્ત ઋતુ પણ કહી શકાય. ચાલુ દિવસોમાં ‘સાહેબ આજકાલ ગરમ છે’ એવું સાંભળવા મળે જ્યારે ઉનાળામાં ગરીબ માણસને પણ ‘ગરમ થવાની’ તક મળે છે, અલબત્ત કામ કરીને. ઉનાળામાં લીંબુ શરબત સારો કે કેરીનો રસ? જવાબ લીંબુ શરબત હોઈ શકે. કારણ કે લીંબુને પકવવા કાર્બાઇડની જરૂર પડતી નથી.
દિવસે આકાશમાંથી અગનગોળા અને સાંજ પડે શેરીઓમાં બરફના ગોળા વરસે એનું નામ ઉનાળો. બરફ પીગળાવી દેતા ગ્લોબલ વોર્મિંગના કારણે જ આજે બરફના ગોળા માટે બસો રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.
ભરબપોર પછીની સાંજે બે ઘટના બને છે. આઇસક્રીમ જોઈને માણસ પીગળે છે અને પછી આઇસક્રીમ પીગળે છે.
ઉનાળાની ધોમધખતી ગરમીમાં રિલિઝ થતી ફિલ્મને હિટ બનાવવામાં સિનેમાઘરોના એરકન્ડિશનરનો ફાળો પણ નાનોસૂનો નથી.
એ. ટી. એમ.ની શોધ કરનાર ખરેખર જીવદયા પ્રેમી હશે. આજે એના કારણે જ શેરીનાં કૂતરાં એ. ટી. એમ.ની ઠંડક અનુભવી શકે છે.
જગતમાં બે પ્રકારના લોકો છે. એક શિયાળામાં ગરમાવો અને ઉનાળામાં ઠંડક શોધે છે. બીજા પ્રકારના લોકોની સંખ્યા હવે વધી રહી છે. તેઓ ઉનાળામાં એસીની ઠંડકમાં ધાબળા તળે ગરમાવો અનુભવે છે.
મિડલ ક્લાસ માટે ઉનાળો આશીર્વાદરૂપ ઋતુ છે. આ દિવસોમાં તેમના બાથરૂમના નળમાં વગર ગીઝરે ગરમ પાણી આવે છે.
શિયાળામાં લાકડા બાળીને તાપણું કરી શકાય તો ઉનાળામાં બરફનું તાપણું કેમ ના કરી શકાય?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
-
હાથ મેળવતાં હૈયું હરી લેનાર
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ,
એવા જણ કાજ તો સમય લખે ઈતિહાસ.-હરદ્વાર ગોસ્વામી
એકવાર ખલીલ જિબ્રાન એક ખેતર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં એમની નજર ચાડિયા પર પડી. આમ માણસ જેવો પણ તેમ માણસ જેવો નહીં. અર્થાત દેખાવે માણસ જેવો પણ સ્વભાવે માણસ જેવો નહીં. ફાટેલા-તૂટેલા કપડા પહેર્યા હતા પણ ચોકી કરવાની નિષ્ઠા નવીનક્કોર હતી. ચાડિયો નિર્જીવ હોવા છતાં તેની જીવંતતા સ્પર્શી ગઈ. તેમણે મનોમન ચાડિયાને સવાલ કર્યો. ‘તને એક જ અવસ્થામાં અવિરત ઊભા રહેવાનો થાક નથી લાગતો ?’
ત્યારે ચાડિયો જવાબ આપતો હોય એવું લાગ્યું. ‘પ્રકૃતિના પરિસરમાં રહેવાની મને મજા આવે છે. સૂર્ય-ચંદ્રની આવ-જા, ઉષા-સંધ્યાના મનમોહક રંગો અને રાતનું તારા ભરેલું આકાશ મને મોહે છે. પંખીઓનો ટહુકાર અને ઝરમર ઝરતો વરસાદ મને સતત આકર્ષે છે. એથી ય વધુ સેવા કરવાની મને તક મળી છે એનો આનંદ ઓર છે.
આપણે ત્યાં કહેવાય છે કે ‘માનવસેવા એ જ પ્રભુસેવા છે’ ઈશ્વરે જ્યારે માણસનો દેહ આપી અહીં ધરતી પર મોકલ્યા છે ત્યારે કોઈ નિસ્વાર્થ સેવા કરી ઈશ્વર તરફનું ઋણ અદા કરવું જોઈએ. આવી જ સેવાની મહેક ફેલાવી જીવી જનાર મધર ટેરેસા જુદી જ માટીના માનવી હતા. મોરારિબાપુ જેમ સત્ય, પ્રેમ અને કરુણાની વાત સતત કરતા રહે છે તેમ મધર ટેરેસાનો જીવનમંત્ર પણ પ્રેમ અને કરુણા હતા. તેમના માનવસેવાના કાર્યો અને સમગ્ર જીવન ઈશુને ચરણે સમર્પિત હતા. કુષ્ઠરોગીઓ, સમાજથી બહિષ્કૃત એવા દર્દીઓ, એઈડ્સ જેવા અસાધ્ય રોગથી પીડાતા મનુષ્યો આદિની આજીવન સેવા કરવી તે જ મધર ટેરેસાનો જીવનનો એકમાત્ર ધર્મ બની રહ્યો. તેમની સેવા દયાથી નહીં પણ કરુણાથી પ્રેરાયેલી હતી. ધર્મ કે સંપ્રદાયથી ઉપર ઉઠીને પ્રેમ અને સેવાના સનાતન મૂલ્યોનો મહિમા કરે તે મહામાનવ તો આપોઆપ વિશ્વવિભૂતિ બની જાય છે. લગભગ પોણી સદી જેવા દીર્ઘકાળ સુધી ‘બ્લેસેડ ટેરેસા ઓફ કલકત્તા’ના હુલામણા નામે વિશ્વભરમાં આદરપૂર્ણ સ્થાન પામેલ. મધર ટેરેસા હંમશા કહેતા ‘મનુષ્યજાતને રોટલાની ભૂખ કરતાં પ્રેમ માટેની ભૂખ ઘણી વધુ છે અને તેને તૃપ્ત કરવાનું કામ ઘણું મોટું છે.’બાળપણથી ધાર્મિક એવા મધર ટેરેસાએ ૧૮ વર્ષની ઉંમરે સિસ્ટર થઈ મિશનરી બનવા માટે ઘર છોડયું. મધર ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલબેલિયન રોમન કેથેલિક નન હતાં. તેઓએ કલકત્તામાં ઠેક-ઠેકાણે ચેરિટી મિશનરીની સ્થાપના કરી હતી. ૪૫ વર્ષ સુધી તેઓએ અવિરત સેવા કરી. ગાંધીજી હંમેશા કહેતા કે ‘Man can never be a woman’s equal in the spirit of selfless service with which nature has endowed her’. મધરે પ્રથમ ભારતભરમાં અને ત્યાર બાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડયું. ૧૯૭૦ના દાયકા સુધીમાં તો તેઓ ગરીબ, બીમાર, તરછોડાયેલા અને અસહાય લોકોનાં બેલી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર પણ બન્યું. પુસ્તકો પણ લખાયા. તેમના મૃત્યુ સમયે ૧૨૩ દેશોમાં આવા ૬૧૦ મિશન ચાલતાં હતાં. પ્રમુખસ્વામીના દેદીપ્યમાન ચહેરાને નીરખીએ તો આપણામાં અનોખી ચેતનાનો સંચાર થતો હતો તેવી રીતે મધર ટેરેસાને નજીકથી જાણનારા કહે છે કે તેમની સાથે હેન્ડશેક કરવાથી એવી ઉષ્માનો અનુભવ થતો હતો કે તેમની સાથે જોડાયા વિના છૂટકો જ ના થાય. તેમની સાથે હાથ મેળવતા જ જાણે કશુંક થઈ જતું હતું.
પોતાના જીવનના અંતિમ દિવસો સુધી તેઓ ગરીબ લોકોના શૌચાલય સ્વંય સાફ કરતાં હતાં. તેમની વાદળી રંગની કોરવાળી સાડી પણ તેઓ હંમેશા જાતે જ ધોતાં હતાં. મધર ટેરેસાએ નન(સન્યાસીની)ના વસ્ત્રોનો ત્યાગ કરી અને ભારતીય સાડી અપનાવી લીધી હતી. આ સાડી તેમની ખાસ ઓળખ એટલે બની કેમ કે આ સાડી રંગબેરંગી નહીં પણ સફેદ કલરની હતી અને તેની ચારેબાજુ વાદળી રંગની બોર્ડર રહેતી. તેઓ હંમેશાં આ જ સાડીમાં જોવા મળતાં. મધરે માત્ર પહેરવેશ જ નહીં પણ પોતાની રહેણીકરણી પણ ભારતીય જ કરી નાખી હતી. તેમનું ભોજન બહુ સાદું રહેતું હતું… ખીચડી, દાળ અને દસ-વીસ દિવસે એકવાર મચ્છી. મચ્છી એટલે કે બંગાળમાં તે સામાન્ય ખોરાક ગણાય છે. મધરને ચોકલેટ બહુ ભાવતી હતી. તેમનું અવસાન થયું ત્યારે તેમના ટેબલના ખાનામાં પણ કેડબરી ચોકલેટ પડેલી હતી. એટલે જ કદાચ એમની જીભમાં કદી કડવાશ જોવા મળતી ન હતી. ઢીંચણ વાળીને જમીન પર બેસવાનું, દાળ, ભાત, શાક વગેરેને થાળીમાં લઇને હાથથી ખાવાનું, કપડાંને જાતે ભારતીય રીત પ્રમાણે ધોવાનાં, આ બધું જ મધર જાતે કરતાં. તેમને ભારતીય નાગરીક્તવ ભલે ૧૯૫૧માં પ્રાપ્ત થયું પણ ભારતીય સંસ્કૃતિ તો તેમણે ક્યારની ય અપનાવી લીધી હતી.
૧૯૬૨માં મધર ટેરેસાને પદ્મશ્રી એનાયત કરીને ભારતે તેમનું પ્રથમ બહુમાન કર્યું હતું. ૧૯૭૯ના સમયમાં તેમને નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. વિશ્વ બૅન્કના પ્રમુખ રૉબર્ટ મેક્નામારાએ કહ્યું કે, “મધર ટેરેસા નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી લાયક છે, કેમ કે તેઓ માનવીય મર્યાદાઓનો ભંગ કર્યા વિના શાંતિ સ્થાપનામાં માનતાં હતાં.” ૧૯૭૨માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને ૧૯૮૦માં ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન ભારત રત્ન તેમને એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઍરલાઈન તથા ઍર ઇન્ડિયાએ મધર ટેરેસાની સેવાઓની કદર રૂપે તથા ભારતીય સમાજ પરના તેમના પ્રભાવને પારખીને તેમને ભારતમાં કે વિશ્વમાં ગમે ત્યાં નિ:શુલ્ક વિમાન મુસાફરીની સગવડ કરી આપી હતી. ભારતીય રેલવે દ્વારા પણ આવી જ સવલત મધરને પૂરી પડાઈ હતી.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાએ મધર ટેરેસાની જીવનકથા લખી છે. મધર ટેરેસાને તેઓ ૧૯૭૫માં પ્રથમવાર મળ્યા હતા. નવીન ચાવલાએ બીબીસીને જણાવ્યું કે, “મેં એક બાબત નોંધી હતી કે મધર ટેરેસાની સાડી એકદમ સ્વચ્છ હતી, પણ તેમાં ઘણી જગ્યાએ રફુ કરવામાં આવેલું હતું, જેથી તે ફાટેલી ન દેખાય.”
મેં કોઈ સિસ્ટરને પૂછ્યું હતું કે ‘મધરની સાડીમાં આટલા બધા રફુ કેમ કરેલા છે ?
તો તેમણે કહ્યું કે ‘નિયમ અનુસાર અમારી પાસે માત્ર ત્રણ જ સાડી હોવી જોઈએ. એક પહેરવા માટે, એક ધોવા માટે અને એક ખાસ પ્રસંગોએ પહેરવા માટે.’
મધર ટેરેસા પાસે પણ ત્રણ જ સાડી હતી. તેમણે પોતાની મરજીથી આવી રીતે ગરીબીને અપનાવી હતી, તેમની કોઈ મજબૂરી નહોતી.’ સત્ય, પ્રેમ અને કરુણાનું ઓઢણ મન માટે હતું.
નવીન ચાવલા કહે છે કે આટલું ગંભીર કાર્ય કરવા છતાં અને સતત દુઃખી અને પરેશાન લોકોની વચ્ચે રહેવાં છતાં તેમનામાં સેન્સ ઑફ હ્યુમર અકબંધ રહી હતી. તેઓ કહે છે, ‘બહુ ગંભીર સ્થિતિને પણ તેઓ હળવાશથી લેતાં હતાં. તેઓ કોઈ સિસ્ટરની નિમણૂક કરતા, ત્યારે એક જ શરત રાખતાં કે તેનામાં સેન્સ ઑફ હ્યુમર હોવી જોઈએ. તેઓ હંમેશા રમૂજ કરતાં રહેતાં હતાં.’
‘કોઈ વાત બહુ હસવા જેવી લાગે ત્યારે પોતાના કમરે હાથ રાખીને હસી હસીને બેવડ વળી જતાં હતાં.’
નવીન ચાવલા કહે છે, “મેં તેમને પૂછ્યું પણ હતું કે તમે આટલું ગંભીર કામ કરો છો તો પણ કઈ રીતે હસી શકો છો? કઈ રીતે સદાય હસતા રહો છો અને જોક્સ સંભળાવી શકો છો?”
‘તેમનો જવાબ હતો કે હું ગરીબ લોકો પાસે ઉદાસ ચહેરો લઈને ના જઈ શકું. મારે તેમની પાસે ખુશખુશાલ ચહેરા સાથે જ જવું પડે.’ મધર ટેરેસાની હંમેશા કહેતા ‘આ દુનિયા પર આપણે મોત અને દુઃખ નહીં, બલકે, શાંતિ અને આનંદ ફેલાવીએ’.
માનવતાલક્ષી પ્રવૃતિ કરવા છતાં ક્યારેક તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મધર ટેરેસા દ્વારા કરવામાં આવતા સેવાકિય કામકાજોને ક્યારેક નિંદાનો પણ ભોગ બનવુ પડ્યુ હતુ. એવું કહેવાતું કે મીડિયામાં સિફતપૂર્વક મધર ટેરેસાની એવી જ છબી ઉપસાવવામાં આવી કે એ ગરીબોના મસીહા અને સેવાની મૂર્તિ છે. પરંતુ તેમના કારણે દેશમાં ખૂબ ધર્માંતરણ થયું. મધર માટે કોઈ પણ વ્યક્તિને માન થાય કેમ કે તેઓ આલ્બેનિયન પરિવારમાંથી આવતા હતા અને પોતાનો દેશ છોડીને છેક અહીં કલકત્તામાં સેવા કરવા આવ્યા હતા. આ માટે તેમને શત શત વંદન પરંતુ તેમણે જે પ્રવૃત્તિ કરી તેમાં ધર્માંતરણનો હેતુ હતો તેને કોઈ નકારી શકે તેમ નથી. ભારત પાસે સૌથી મોટી આશા તમને શું છે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘બધાને જિસસ સુધી પહોંચાડવા’. તેમણે આ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે જો હિન્દુઓ શાંતિ ઈચ્છતા હોય, સુખ ઈચ્છતા હોય તો તેમણે જિસસને શોધવા જોઈએ.
સંઘના વડા મોહન ભાગવતે મધર ટેરેસા વિશે ટીકા કરી હતી કે તેમની સેવા હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા માટે હતી. એમાં આપણાં માધ્યમો ઉકળી ઉઠ્યાં. મધર સામેના ધર્માંતરના આક્ષેપો સામે કોઈ ચોક્કસ દાખલો એ આક્ષેપકારો પાસે નથી. અરોપ ચેટર્જી દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં મધર ટેરેસાના જુઠ્ઠાણા અને તેના ધર્માદાના કાર્યો વિશેની અતિશયોક્તિ વિશે વાતો કરેલી છે. મધર ટેરેસા અને તેના સેવાકાર્યો વિશે જે પ્રચાર કરવામાં આવ્યો હતો તે માત્ર આંશિક રીતે સાચું હતું. પત્રકાર અને લેખક ક્રિસ્ટોફર હિચેન્સે ૧૯૯૪માં ‘હેલ્સ એન્જલ’ નામની એક ડોક્યુમેન્ટરી બનાવી હતી જેમાં ટેરેસાના ચેરિટી કાર્યની ખૂબ ટીકા કરી હતી. એવું કહેવાતું કે મધરને પૈસાના રંગની પડી ન હતી. એ ભલે પછી ગુનાહિત કામમાંથી કે ગુનેગાર પાસેથી આવ્યા હોય. એ વિશે કોઈ પારદર્શિતા પણ નહોતી. મધર ટેરેસા અસંખ્ય વિદેશ પ્રવાસ પર ગયા હતા અને કોઈ દુર્ઘટના સમયે ભારતમાં ભાગ્યે જ ઉપલબ્ધ રહેતા, જેમ કે સપ્ટેમ્બર ૧૯૯૩માં લાતૂર ભૂકંપ અથવા કલકત્તામાં પૂર વખતે બનેલું તેમ.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર અને સર્જનક્ષેત્રે અત્યંત પ્રવૃત્ત એવા ફાધર વર્ગીસ પૉલે એમના પુસ્તક ‘વિશ્વવિભૂતિ: મધર ટેરેસા’માં મધર વિશે અનોખી અને પ્રભાવક રજૂઆત કરી છે. મધર ટેરેસાને નિકટતાથી જાણીને મૂલવ્યા છે અને કદર કરી છે. મધર વિશેના લેખોના આ સંગ્રહમાં તેઓ કહે છે કે ‘મને આ વિશ્વવિભૂતિને મળવાની તેમજ તેમને નજીકથી ઓળખવાની તક મળી છે. મારા અભ્યાસ અને અનુભવથી લખાયેલ આ પુસ્તકમાંથી મને આશા છે કે, મધર ટેરેસાની ટીકા કરનારાઓ તેમજ કદર કરનારાઓને તેમના વિશે કંઈક નવું પાસું જાણવા મળશે; કંઈક નવી દ્રષ્ટિ જોવા મળશે.’ પણ નિસ્વાર્થ સેવા કરનારે ‘કુછ તો લોગ કહેંગે…’ ગીત યાદ કરી હંમેશા કામ કરવું પડે એ નક્કી.
ઇતિ
મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હતો.
-થોમસ આલ્વા એડિસન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
મહાબોધિ મંદિર નિયંત્રણના જૂના વિવાદનો નવો અધ્યાય
નિસબત
ચંદુ મહેરિયા
બિહારની રાજધાની પટણાથી આશરે સવાસો અને બોધગયાના મહાબોધિ મંદિર કે મહા વિહારથી બેએક કિલોમીટર દૂરનું ગામ દોમુહાં. પંચશીલ ધ્વજથી ઢંકાયેલા કામચલાઉ માંડવા નીચે ચીવર ધારણ કરેલા ઘણાં બૌધ્ધ ભિખ્ખુઓ અને લોકો બેઠેલા છે. ગરમ લૂ ને આવતી અટકાવે તેવી કોઈ આડશ નથી. આ જગ્યાએ છેલ્લા બે મહિનાથી ધરણા ઉપવાસ આંદોલન ચાલે છે. મંડપ નીચે શાંત અને અહિંસક રીતે બેઠેલા ભિખ્ખુઓના હાથમાં પ્લે કાર્ડ છે. બેનર્સ અને પોસ્ટર્સ ઉપરાંત ગૌતમ બુધ્ધ, ડો. આંબેડકર અને ભારતીય બંધારણના ફોટા પણ નજરે ચઢે છે. બુધ્ધને ‘સમ્મા સંબોધિ’ કહેતાં બોધિ જ્ઞાન જ્યાં પ્રાપ્ત થયું હતું તે મહાબોધિ મંદિરના વહીવટમાં બૌધ્ધોની પૂર્ણ સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે અડચણરૂપ બિહાર સરકારનો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ રદ કરવાની તેમની માંગ છે. મહાબોધિ મંદિર બૌધ્ધોને સોંપવાના છેક ઓગણીસમી સદીના અંત ભાગથી આરંભાયેલા આંદોલનનો આ નિર્ણાયક અધ્યાય છે.
બૌધ્ધો માટે ચાર મહત્વના તીર્થસ્થાનો છે : ગૌતમ બુધ્ધનું જન્મ સ્થળ લુમ્બિની(નેપાળ), તેમને જ્યાં પૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે મહાબોધિ મહાવિહાર (બિહાર), પ્રથમ ઉપદેશ સ્થાન સારનાથ( ઉત્તરપ્રદેશ) અને નિર્વાણ સ્થળ કુશીનગર (યુ.પી.). બુધ્ધના જન્મ સ્થળ લુમ્બિની જેટલું જ મહાબોધિ મંદિર બૌધ્ધો માટે મહત્વનું આસ્થાસ્થાન છે. જો લુમ્બિની રાજકુમાર સિધ્ધાર્થનું જન્મસ્થળ છે તો રાજકુમાર સિધ્ધાર્થનો બુધ્ધ રૂપે અવતાર બિહારના બોધગયા સ્થિત મહાબોધિમાં થયો હતો. એટલે તે પણ તેમના જન્મસ્થળ જેટલું જ અગત્યનું છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આશરે અઢી હજાર વરસો પહેલાં બોધગયાના પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ સિધ્ધાર્થને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે બુધ્ધ બન્યા હતા.સમ્રાટ અશોકે ઈ.સ પૂર્વેની ત્રીજી સદીમાં ત્યાં એક મહા વિહાર બંધાવ્યું હતું. તેરમી સદી સુધી તેનું નિયંત્રણ અને સંચાલન બૌધ્ધો કરતા હતા. ઈ.સ ૧૫૯૦માં એક હિંદુ મહંતે ત્યાં મઠ સ્થાપતાં તે હિંદુ મઠ બની ગયું. હિંદુ મહાબોધિને હિંદુ ધાર્મિક સ્થળ કહેતા હતા. બુધ્ધને વિષ્ણુનો નવમો અવતાર, મંદિરમાં આવેલી મૂર્તિઓને પાંચ પાંડવ ગણાવતા હતા. ત્યાં હિંદુ વિધિથી હોમ હવન અને પિંડદાન થાય છે અને બૌધ્ધ તીર્થ સ્થળ તરીકે તેનો એકડો ભૂંસી નાંખવાના પ્રયાસો થતા હોવાનો બૌધ્ધોનો આરોપ છે.
બૌધ્ધો જેને મહાવિહાર કહે છે તે મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌધ્ધો હસ્તક હોવું જોઈએ તેવી માંગણી દાયકાઓ પહેલાં શ્રીલંક્ન બૌધ્ધ સાધુ અનાગારિક ધમ્મપાલે સૌ પ્રથમ વખત કરી હતી. ૧૯૨૨માં કોંગ્રેસના ગયા અધિવેશનમાં પણ આ માંગ ઉઠી હતી.એટલે સ્વતંત્રતા પછી ૧૯૪૯માં બિહાર સરકારે બોધગયા મંદિર અધિનિયમ ઘડ્યો હતો. આ કાયદા હેઠળ સરકારે સૌ પ્રથમ ૧૯૫૩માં બોધગયા મંદિર વહીવટી સમિતિની રચના કરી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ ગયાના કલેકટર હોદ્દાની રૂએ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને કમિટીમાં ચાર હિંદુ અને ચાર બૌધ્ધ મેમ્બર છે. સરકારે મહાબોધિ મંદિરના વહીવટ માટે બૌધ્ધો અને હિંદુઓની સંયુક્ત સમિતિ એટલે બનાવી હતી કે તે આ તીર્થને સાંઝી વિરાસત કે બૌધ્ધો અને હિંદુઓનો મઝિયારો ધાર્મિક વારસો ગણી કોઈને નારાજ કરવા માંગતી નહોતી.વળી ૧૯૪૯ના એકટમાં ગયાના કલેકટર હિંદુ ન હોય તો સમિતિના અધ્યક્ષ સભ્યોમાંથી કોઈ હિંદુ જ હોય તેવી જોગવાઈ કરી હતી!
બૌધ્ધો માટે આ મહત્વનું બુધ્ધ તીર્થ સ્થળ હિંદુ બની રહ્યું હતું તે અસહ્ય હતું.તેમણે સમયે સમયે લોકશાહી ઢબે રજૂઆતો અને શાંત અહિંસક આંદોલનો પણ કર્યા છે. ૧૯૯૫માં પંચ્યાસી દિવસ ચાલેલા આંદોલનના અંતે તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કાયદામાં સુધારો કરીને હિંદુ બહુમતીની શરત કાઢી નાંખી પણ બૌધ્ધોને વહીવટ ન સોંપ્યો. આંદોલનકારી પૈકીના એકાદ બૌધ્ધ ભિખ્ખુને મેનેજમેન્ટ કમિટીમાં સમાવી લેવાયા ખરા.
મહાબોધિ મંદિરના પ્રબંધનમાં બૌધ્ધોની કોઈ અસરકારક ભાગીદારી નથી એટલે બૌધ્ધો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ જ રદ કરવા માંગણી કરી રહ્યા છે. ગૌતમ બુધ્ધે આ સ્થળે જ્ઞાન પ્રાપ્તિ કરી હતી તેને અનુલક્ષીને યુનેસ્કોએ ૨૦૦૨માં મહાબોધિ મંદિરને વલ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બૌધ્ધ અને હિંદુ બંનેના મિશ્રણથી બૌધ્ધો નારાજ છે. બૌધ્ધો આ સ્થાને ધ્યાન અને તપસ્યા માટે આવે છે પરંતુ હિંદુઓના ઢોલ-નગારાના ઘોંઘાટ તેમને ત્રાસરૂપ છે. વિશ્વ ધરોહર બન્યા પછી મહાબોધિ મંદિરમાં કેમેરા પણ લઈ જઈ શકાતા નથી પરંતુ હિંદુઓ પિંડદાનની સામગ્રી લઈ જઈ શકે છે. બૌધ્ધ વિચાર અને આચારનું પાલન આ સાંઝી વિરાસતમાં થતું નથી. મંદિરને મળેલ દાનનો ઉપયોગ બૌધ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે થઈ શકતો નથી તેવી પણ બૌધ્ધોની ફરિયાદ છે.
ગઈ તારીખ બારમી ફેબ્રુઆરીએ મહાબોધિ મંદિરમાં આરંભાયેલા અનુષ્ઠાન સામે મંદિર પરિસરમાં જ બૌધ્ધ ભિખ્ખુઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. મહાબોધિ મંદિર પર નિયંત્રન માટે નિર્ણાયક આંદોલન તેમણે છેડ્યું છે. ગયાના કલેકટરે આ નીતિ વિષયક નિર્ણય છે અને તેના ઉકેલ માટે તેઓ કંઈ કરી શકે તેમ નથી તેમ જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા. પંદરેક દિવસ પછી બિહાર સરકારના અધિકારીઓએ આંદોલનકારીઓ સાથે બેઠક યોજી પણ તેનું કોઈ પરિણામ ન આવતાં શાંત અને અહિંસક આંદોલનને અટકાવવા મહાબોધિ મંદિર પરિસરથી ધરણા સ્થળને રાતોરાત બે કિલોમીટર દૂરના દોમુહાં ગામે ખસેડી નાંખ્યું. જોકે આંદોલનને સમગ્ર દેશના દલિતો અને નવબૌધ્ધોનું સમર્થન મળી રહ્યું છે. તેમના ટેકામાં દેશવિદેશમાં ધરણા આંદોલનો પછી બારમી મેના રોજ બોધગયામાં લાખો દલિતોની વિશાળ રેલી યોજાવાની છે.
ધાર્મિક વિવિધતા ધરાવતા આપણા દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા પણ એટલી જ છે. અનેક ધર્મોના લોકો અહીં વસે છે પણ તેઓ એક બીજાના ધર્મોના આદર સાથે સહજીવન વિતાવી શકે છે ખરા? દેશની મસ્જિદો નીચે મંદિરો અને શિવલિંગો શોધાય છે.બહુમતીના ધર્મની લાગણી લઘુમતી ધર્માવલંબીઓ સમજે તેવું ધાર્મિક જ્ઞાન પિરસાય છે. પરંતુ હળીમળીને સાથે રહેવાનું બનતું નથી.
યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ , એફિશયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૫ના વિરોધમાં થતી એક દલીલ સરકાર દ્વારા વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈથી વકફ બોર્ડમાં મુસ્લિમોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોખમાવાની છે. મહાબોધિનો વર્તમાન વિવાદ જોતાં લાગે છે કે વકફ કાનૂનના વિરોધની આ દલીલમાં વજૂદ છે.
બોધગયાના મઠ પાસે લાખો એકર જમીનો હતી અને તેના જમીનદાર મહંત ગ્રામીણ દલિત ખેતમજૂરોના શોષક હતા તે તો નજીકનો ભૂતકાળ છે. જયપ્રકાશ નારાયણ અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીએ બોધગયાના ગરીબ દલિત ખેતકામદારોને મઠની જમીન અપાવવા લાંબી લડતો કરી હતી. એ સમયે બૌધ્ધ ભિખ્ખુઓની ભૂમિકા શું હતી તે સવાલ છે.
મહાબોધિ મહાવિહાર આંદોલન સામે પણ તે નાગપુર-દાર્જિલિંગના બૌધ્ધ ભિખ્ખુઓનું આંદોલન હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે .સ્થાનિક દલિતો અને મેનેજમેન્ટ કમિટીના બૌધ્ધ મેમ્બર્સનો પણ તેમને સાથ નથી.બોધગયા વિસ્તારના ઘણાં ગામોમાં ૬૦ ટકા કરતાં વધુ વસ્તી દલિતોની છે પરંતુ દોઢસો ગામોના દલિતોને સંગઠિત કરી આંદોલનના માર્ગે વાળી બોધગયા મઠના મહંતના કબજામાં થી જમીનો અપાવવાનું મુશ્કેલ કામ ગાંધી સર્વોદયવાદીઓએ કર્યું હતું. બૌધ્ધ ભિખ્ખુઓ નવ બૌધ્ધોને માત્ર ધર્મ જ આપશે કે તેમના રોજિંદા જીવનના સવાલોના હલમાં પણ કંઈક કામ લાગશે?
બાબાસાહેબ આંબેડકરની એક ઓર જન્મ જયંતીની ઉજવણીના શોરગુલમાંથી મુક્ત થયા પછી જાતને પૂછવાનું છે તે તો એ છે કે બૌધ્ધ વિહારો ઠાલા ધર્મસ્થાનો બની રહેશે કે દલિત ચેતના કેન્દ્રો પણ બનશે? આ સવાલના જવાબમાં જ મહાબોધિ મહાવિહાર આદોલનની સફળતા રહેલી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આંબેડકરે માર્ક્સ વિચારમાંથી કંઈક આત્મસાત કર્યું જણાય છે
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
એ પ્રિલનું પહેલું પખવાડિયું રામનવમી (છઠ્ઠી એપ્રિલ) અને આંબેડકર જયંતી (૧૪મી એપ્રિલ) બેઉના જોગાનુજોગવશ ચિત્તમાં અવનવાં સ્પંદનો જગવી ગયું: એક તો આંબેડકર કૃત ‘રિડલ્સ ઑફ રામ’ (‘કોયડો એક રામ નામે’)ની યાદ કંઈક દૂઝતા કંઈક રૂઝતા જખમ પેઠે સામે આવી અને વળી ઈકબાલે જેમને ક્યારેક ઈનામે હિંદ કહી માનભેર પુકાર્યા હતા તે રામ ઈશ્વર તરીકે નહીં એટલા એક રાજકીય પ્રતીક અને પ્રતિમાન રૂપે પ્રક્ષેપિત થયા, એનોયે આ સમયગાળો છે.
વાત પણ વિલક્ષણ જ છે: એક પા ભાજપી સિદ્ધાંતકોવિદો અને વ્યૂહકારો આંબેડકરને ઓળવવામાં પડ્યા છે તો બીજી પા એ જ આંબેડકરનો એકંદર અભિગમ અને એમાંય રામ ને કૃષ્ણ પ્રકારના જનસામાન્યપ્રિય. એટલા જ વિશિષ્ટ અર્થમાં રાજ્યપ્રિય પાત્રોની એમની નિર્મમ નિર્ભીક સમીક્ષા…! ‘રિડલ્સ ઑફ રામ’ આ દિવસોમાં સાંભરી આવ્યું એના તત્કાળ નિમિત્તની વાત કરું જરી? ગયે મહિને પંક્તિ દેસાઈના પહેલકારી પ્રયાસથી પ્રદર્શન રૂપે ગુજરાતની દલિત ચળવળનો કંઈક ખયાલ લોકમાં રમતો થયો ત્યારે હાલ હયાત દલિત કર્મશીલોમાં કદાચ સૌથી વધુ ઉંમરલાયક, નવાબ્દીએ પહોંચું પહોંચું વાલજીભાઈ પટેલની હાજરી સહજ ધ્યાનાર્હ બની રહી હતી. આ વાલજીભાઈએ આજથી પાંત્રીસ-સાડત્રીસ વરસ પર ‘રિડલ્સ ઑફ રામ’ની પુસ્તિકા અનુવાદ રૂપે રમતી મૂકી હતી. એની એકથી વધુ આવૃત્તિઓ એ વર્ષોમાં થઈ હતી. એમાં, લગભગ છેલ્લી આવૃત્તિ અંગે ૧૯૯૪માં અનુવાદક, મુદ્રક, પ્રકાશક ત્રણે પર કેસ થયો હતો. મુદ્રક ને પ્રકાશક તો આટલે વરસે જીવનમુક્ત થઈ ગયા હતા, પણ વાલજીભાઈ તો આપણી વચ્ચે હતા અને હવે ‘નિર્દોષ’ છૂટ્યા છે. જોગાનુજોગ તો અલબત્ત એ પણ છે કે આ જ પુસ્તિકા હવે હેમન્તકુમાર શાહ મારફતે અનુવાદિત થઈને આપણી પાસે પહોંચી રહી છે.
વાલ્મીકિનો હવાલો આપીને આંબેડકરે તેમાં ખુલીને ચર્ચા કરી હતી. શિવસેનાએ એની સામે એક અર્થમાં મહારાષ્ટ્ર સળગાવ્યા જેવો ઘાટ હતો. રામની આંબેડકરની ચર્ચા વસ્તુત: ‘હિંદુ નામે કૂટ પ્રશ્ન’ એવા સમગ્ર ગ્રંથ આયોજનના પરિશિષ્ટ રૂપ હતી. વેદપ્રામાણ્ય આદિને પડકારની ભૂમિકાએથી થયેલા આ લેખન-સંશોધનમાં નાતજાતથી હિંદુ ઓળખાય કે કેમ એવોયે સવાલ આંબેડકરે ઉઠાવ્યો હતો અને આબાદ જવાબ આપ્યો હતો કે નાતજાતગત ઊંચનીચ તો આપણે ત્યાંના મુસ્લિમો ને ખ્રિસ્તીઓમાંયે ક્યાં નથી! તો, પછી ‘હિંદુ’ ઓળખવો કેવી રીતે?
દેખીતી રીતે જ આજની હિંદુત્વ રાજનીતિના મિથક પર કુઠરાઘાત સરખી આ બધી ચર્ચા હતી અને છે. આ બધું વાંચીએ, વાગોળીએ ત્યારે આનંદ તેલતુંબડેએ આંબેડકરની વૈચારિક જીવનીને આપેલું શીર્ષક ઈકોનોક્લાસ્ટ (મૂર્તિભંજક) સાચે જ સાર્થ અનુભવાય છે. એને શું કહીશું આપણે, ઈતિહાસની લીલા કે બીજું કૈં, કે આજે મૂર્તિભંજકની જ ‘મૂર્તિ’નું રાજકારણ ચાલી રહ્યું છે! ‘સનાતન’ના વિવાદને આંબેડકર કેવી રીતે જોશે? એ એને ‘શાશ્વત’ કહી શણગારવાને બદલે ‘સ્ટેટિક’ કહેતાં સ્થિર બલકે સ્થગિતવત્ કહે તો નવાઈ નહીં!
હિંદુત્વ રાજનીતિ, આંબેડકરથી વિપરીતપણે વેદપ્રામાણ્યને વરેલા દયાનંદને કેવી રીતે જોશેમૂલવશે? આની તો, ‘સત્યાર્થ પ્રકાશ’માં એમણે સંખ્યાબંધ ધર્મસંપ્રદાયોને પોતાની સમજ પ્રમાણે ખરેખરી સુણાવી છે એ સોરવી શકે એવો સ્વસ્થ સમાજ શોધનો વિષય છે. એક વાત સાચી કે પ્રકારાન્તરે આ બધો વ્યાયામ આપણી સ્વરાજખોજ અને સ્વરાજ સાધનાની જ સહવિચારસામગ્રી રૂપ છે. ગાંધીજીએ સમતા ને સ્વતંત્રતાનાં સહીપણાં પોતાની રીતે આંદોલનગત કર્યા, પણ નેતૃત્વનો એક વર્ગ પરચક્ર (અંગ્રેજ શાસન) સામે લડતો હતો તો બીજો વર્ગ વળી સાંસ્થાનિક રાજ સામે લડવાનું છે કે કથિત મુસ્લિમ આક્રમણ સામે તે બાબતે હાલંડોલ હતો. ભર ‘ક્વિટ ઈન્ડિયા’ એ આંબેડકરનું વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર હોવું (જેમ ગોળવલકરની ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ના પ્રસ્તાવનાકાર એમ. એસ. અણેનું પણ હોવું) આપણને પ્રશ્નો જગવે છે. જેલબેઠા ગાંધીજી અસ્પૃશ્યતાનો મુદ્દો ઊંચકે છે ત્યારે જવાહરને થાય છે કે ભરલડતે બાપુને આ ડાયવર્ઝન ક્યાં સૂઝ્યું!
ગુલામી પરની જેમની અદભુત પુસ્તિકા હમણાં ગુજરાતીમાં આવી રહી છે તે ફૂલેને ‘શિવાજી, અમારા શુદ્રોના રાજા’ એવો જે મહિમા હતો અને અંગ્રેજી રાજની કંઈક લિબરેટિંગ હાજરીનો જે મહિમા હતો, એને કેવી રીતે ઘટાવશું? ગમે તેમ પણ, બંધારણની મર્યાદામાં (અને આંબેડકરના આ ‘પવિત્ર’ બંધારણમાં પણ ધોરણસરની સુધારજોગવાઈ તો છે સ્તો!) રહીને અપાર મતવૈવિધ્ય અને મતમતાંતરક્ષમા વચ્ચે સહજીવનનો નાગરિક પડકાર આપણે ઝીલવાનો છે.
આંબેડકર જ જુઓ તમે, પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે ત્યારે કહે છે કે મેં ગાંધીજીને વચન આપ્યું હતું કે સ્થાપિત હિંદુ ધર્મને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો ધર્મ હું અંગીકારીશ. બુદ્ધ કે માર્ક્સ એવો પ્રશ્ન ઉપસ્થિત કરતે કરતે આંબેડકરે માર્ક્સ વિચારમાંથી પણ કંઈક આત્મસાત કર્યું જણાય છે. આ બધા દેખીતા પરસ્પર વિરોધી હોઈ શકતા વિચારોથી કમ સે કમ એટલું તો સમજાવું જોઈએ કે પ્રજાસત્તાક સ્વરાજની શુદ્ધિ ને પુષ્ટિ કોઈ એકદંડી પ્રક્રિયા નથી. ભાતીગળ મેળની કળા ને વિજ્ઞાન એ તો છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭-૪– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
વિશ્વ પુસ્તક દિવસની એક ઉજવણી
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
“આ વખતે ત્રેવીસમી તારીખનો તમે શું વિચાર કર્યો છે? “ એક મિત્રે પૂછ્યું?
“ત્રેવીસમી તારીખે વળી શું છે?”
“અરે આટલી પણ ખબર તમને નથી ? આ દેશનું શું થાવા બેઠું છે?”
દેશનાં નસીબમાં જે હશે તે થશે, પણ ત્રેવીસમી તારીખે છે શું?
“રહેવા દો તમને કહેવાનો કોઇ અર્થ નથી.”
છતાં મેં આગ્રહ રાખ્યો તો મિત્રે કહ્યું “મોબાઇલ આવતા બાળકો તો ઠીક મોટેરાઓ પણ પુસ્તક વાંચતા બંધ થઈ ગયા છે. પુસ્તકો વાંચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે ૨૩ એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમારે પણ આ દિવસ ઉજવવો જોઈએ.”

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી મેં મિત્રની સલાહ માન્ય રાખીને ખાતરી આપી કે હું પણ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી મારા ઘેર બેઠા પુસ્તક વાંચીને કરીશ.
“ એમ એકલા એકલા ઘેર બેસીને તો કાંઇ ઉજવણા થાતા હશે?” મિત્રે નારાજગી સાથેના ગુસ્સાથી ઉચાર્યું?
“તો શું કરવું જોઇએ? “ એમ પૂછતા મિત્રે જવાબ આપ્યો કે કોઇ હોલ ભાડે રાખીને લોકોને આમંત્રણ આપવું અને કોઇ વક્તાને પુસ્તકનું મહત્વ સમજાવવા માટે બોલાવવા. કાર્યક્રમના અંતે અલ્પાહાર કે ચા કોફીની વ્યવસ્થા કરવી.”
“ આમ ક્રરવામાં તો ઘણો ખર્ચ થાય”
“ તો એક કામ કરો, શહેરમાં આ નિમિત્તે ક્યાંક ને ક્યાંક કાર્યક્રમો યોજાતા હશે. તેમાંના કોઇ એકમાં તમે જોડાઇ જાઓ”
મને મિત્રનું આ સૂચન ગમ્યું. થોડા વર્ષોથી સાહિત્યને લગતા અનેક કાર્યકર્મો યોજાવા લાગ્યા છે. એથી પુસ્તક દિવસ નિમિત્તે તો કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક હોવો જ જોઈએ એવી ખાતરી હતી. વળી આ કાર્યક્રમો એ સી ની સુવિધા ધરાવતા હોલમાં હોય છે. ઉનાળામાં એ. સી.નો લાભ લેવા માટે કશું ન ખરીદ્યાના અપરાધભાવ સાથે કોઇ મોલમાં જઈને બેસી રહેવું એના કરતા સાહિત્યના કોઇ કાર્યક્રમમાં ગોઠવાઈ જવું યોગ્ય લાગ્યું. બેચાર કલાક ઠંડકમાં બેઠા પછી અલ્પાહાર અને ચાનો લાભ મળે અને બોનસમાં સાહિત્યના અને પુસ્તકના પ્રેમીઓમાં આપણું નામ લખાઈ જાય. મારામાં રહેલા અમદાવાદીની ચિત્તવૃતિને આ માફક આવે તેવું લાગ્યું. તપાસ કરતા ઘરની નજીકમાં જ એક હોલમાં પુસ્તક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયાનું જાણ્યું. કાર્યક્રમ ‘જય જોગણી મા’ નામની સંસ્થાના ઉપક્રમે એક મંદિરના સભાગૃહમાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રમુખ તરીકે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી હતા અને સંચાલક તરીકે એક મંદિરના પૂજારી હતા. મુખ્ય મહેમાન અને વક્તા તરીકે માતાજીની ચૂંદડીના એક જથ્થાબંધ વેપારી હતા.
સૌ પ્રથમ માતાજીના એક ભુવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યાર પછી એક બહેને માતાજીની સ્તુતિ ગાઈ. સંચાલકે માઇક હાથમાં લઈને મુખ્ય વક્તા સહિત ચારેક મંચસ્થ મહાનુભવોનો ટૂંકો પરિચય લંબાણથી આપ્યો અને દરેકને બે શબ્દ બોલવા કહ્યું.
પ્રથમ વક્તાએ કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાને અભિનંદન આપ્યા અને પોતાના બાળકોની પરીક્ષા પૂરી થઇ ગઈ હોવાથી તેમના જૂનાં પાઠ્યપુસ્તકો હવે પસ્તીમાં નહિ આપતા દાનમાં આપવાની જાહેરાત કરી. શ્રોતાઓએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી. ત્યાર પછીના બીજા બે વક્તાઓ પણ પ્રથમ વક્તાને અનુસરવા ઉપરાંત તેઓ પાઠ્યપુસ્તકો ઉપરાંત ગાઈડો પણ દાનમાં આપવા માગે છે તેવી જાહેરાત કરી. કહેવાની જરૂર નથી કે શ્રોતાઓએ આ જાહેરાતોને પણ તાળીઓથી વધાવી લીધી.
હવે મુખ્ય વકતાને બોલવાનો વારો આવ્યો. તેમણે પોતાનું વક્ત્વ્ય આ પ્રમાણે આપ્યું,
“માતાજીની કૃપાથી મને મુખ્ય મહેમાન તરીકે બોલાવવા બદલ હું સંસ્થાનો આભાર માનું છું. પુસ્તકો સાથેનો મારો નાતો ઘણો પુરાણો છે. મારા હાથમાંથી અનેક પુસ્તકો પસાર થઈ ગાયા છે કેમ કે મેં મારી કાર્કીર્દિની શરૂઆત પુસ્તકો બાઈન્ડ કરવાની દુકાનમાં નોકરી કરવાથી કરી છે. આજે હું જે કાંઇ છું તે પુસ્તકોને કારણે છું. આપ સૌના મનમાં સવાલ થતો હશે કે પુસ્તકો વાંચવાનો શોખ મને ક્યાંથી થયો હશે? તો જણાવું કે મારું બાળપણ તો ખૂબ ગરીબીમાં વીત્યું છે. જ્યાં ખાવાના જ સાંસા હોય ત્યાં પુસ્તકો ખરીદવાના પૈસા તો ક્યાંથી હોય? પણ સદભાગ્યે મારા ઘર પાસે એક પીપળો હતો. સામાન્ય રીતે લોકો વાંચી લીધા પછી પુસ્તકો પસ્તીમાં આપી દેતા હોય છે. પરંતુ કેટલાક લોકો ધાર્મિક પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે મારા ઘર નજીક આવેલા પીપળા નીચે મૂકી જતા. એ પુસ્તકોમાં ખાસ કરીને વ્રતકથાઓ જેવી કે સોળ સોમવારની વાર્તાઓ, સંતોષીમાની વાર્તા, બોળ ચોથની અને શીતળા માતાની વાર્તાનાં પુસ્તકો હતા. હું એ પુસ્તકો ત્યાંથી લઇને ક્યારેક વાંચતો. આ પુસ્તકો વાંચવાથી મારામાં ધાર્મિક સંસ્કારો તો રેડાયા ઉપરાંત મને પુસ્તકો વાંચવાનો શોખ પણ જાગ્યો. પુસ્તકો વાંચ્યા પછી હું મૂળ કિંમત કરતા અર્ધી કિંમતે પુસ્તકની દુકાને જ વેચી દેતો. આ રીતે પુસ્તકોએ મને આર્થિક લાભ પણ કરી આપ્યો. અત્યારે મોબાઇલના યુગમાં નવી પેઢી વાંચતી નથી તેનું મને ખૂબ જ દુખ છે. પરંતુ પોતાના પુસ્તક પરના પ્રેમને લીધે તથા સમાજનું હિત પોતાના દિલમાં વસેલું હોવાથી ‘જય જોગણી મા’ સંસ્થાના પ્રમુખ શ્રી શકરાજીએ આ કાર્યક્રમ યોજ્યો તેથી મને આશા જાગી છે કે સમાજમાં પુસ્તકોનું વાચન વધશે. શકરાજીની જેમ બીજા લોકોને પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવાની પ્રેરણા મળે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.”
અહીં શ્રોતાઓએ પ્રવચન પૂરું થયું માની તાળીઓ વગાડી. પરંતુ તેમની આ ધારણા ઠગારી નિવડી. મુખ્ય વક્તાએ બીજો એટલો જ સમય શકરાજીના ગુણગાન ગાવામાં લઈને વકત્વ્ય પૂરું કર્યું. ત્યાર પછી સંચાલકે કાર્યક્રમના અધ્યક્ષ શકરાજીને પ્રમુખીય પ્રવચન કરવા વિનંતિ કરી.
શકરાજીએ પ્રવચન શરૂં કર્યું, “મુખ્ય મહેમાને પુસ્તક વિશે આટલી બધી વાત કર્યા પછી મારે ખાસ કહેવાની જરૂર નથી. પરંતુ આ કાર્યક્રમ યોજવાનું મેં કેમ નક્કી કર્યું તે કહેવું પડે એમ છે. એક દિવસ મેં મોબાઇલમાં વાંચ્યું કે ત્રેવીસમી તારીખે આ કયો દિવસ કહેવાય છે? “
સંચાલકે તેમના કાનમાં કશુંક કહ્યું.
“હા, આખી દુનિયાનો પુસ્તક દાડો છે, એવું વાંચ્યું, આપણને કાંઇ એમા ગતાગમ પડે નહિ. પણ જેમ આડા દાડે ભગવાનનું નામ ના લેનારા ગોકુળ આઠમે ભગવાનની ધૂન બોલે અને બોલાવે છે તેમ આ દિવસે પબ્લિકે ચોપડી વાંચવી એવું કશુંક હશે. તપાસ કરી તો જાણ્યું કે કેટલાક વધારે ભણેલાઓને એમ લાગે છે કે અત્યારે ચોપડીઓ વંચાતી નથી એ બહું દુ:ખદ બાબત છે. ચોપડી નહિ વાંચવામાં કયા દુ:ખના ડુંગર તૂટી પડતા હશે? એ આપણા રામને સમજાયું નહિ. પણ પછી તો જાણ્યું કે કેટલાક લોકો ચોપડીઓ શા માટે વાંચવી જોઈએ તે સમજાવવા લોકોને ભેગા કરીને પોગરામો કરે છે. આપણે તો રહ્યા વખત પરમાણે હેંડનારા. એટલે થયું કે આપણે પણ કોઇ પોગરામ કરીએ એટલે તમને બધાને ભેળા કર્યા,. પાંચ માણહનાં મોઢાં જોવા મળે અને સારી સારી વાત્યુ પણ થાય. તમે બધા આ રીતે ભેળા થયા એ બદલ સંધાયનો આભાર માનું છું. જય જોગણી મા”
આ રીતે અધ્યક્ષનું પ્રવચન પૂરું થયું. આભાર વિધિ સંચાલકે જ કરી અને સૌને વિનંતી કરી કે હોલની બહાર પ્રસાદ રૂપે જે ચા નાસ્તો રાખવામાં આવ્યો છે તેનો લાભ લીધા વિના કોઇ ઘરે ન જાય. ઉપરાંત ત્યાં રાખેલી દાનપેટીમાં પોતાની ઇચ્છા પ્રમાણે પૈ- પૈસો નાખે.
આ રીતે કાર્યક્રમ પૂરો થયો. બહાર નીકળીને મેં પ્રસાદ લીધો, પરંતુ મને હંમેશા ક્યાંય દેખાતી નથી તેમ અહીં પણ દાનપેટી જોવા ન મળી. કાયમ પુસ્તક વાંચનારા એક દિવસે પુસ્તકથી વિમુખ રહીને કાર્યક્રમમાં હાજરી પુરાવે એ ઉપક્રમ મને ગમ્યો અને દર વર્ષે આવા કાર્યક્રમમાં હાજર રહેવાના સંકલ્પ સાથે ઘેર જવા નીકળ્યો.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઘુટન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સૂર્યનો હળવો ઉજાસ રેલાયો, ચા અને અખબારથી અમારી દૈનિક પ્રવૃત્તિની શરૂઆત થઈ.
“સાંજે સંગીતના કાર્યક્રમમાં જવાનું છે.” હાથમાં પકડેલા અખબારમાંથી નજર ખસેડીને એ બોલ્યા.
‘હેં, જરૂર આજે સૂર્યદેવનું આગમન પૂર્વમાંથી થયું હોવું જોઈએ.’
સંગીતના કાર્યક્રમમાં જવાનું નિમંત્રણ પતિદેવ આપી રહ્યા હતા. ભારે નવાઈની વાત.
“આપણાં શહેરની ગાયિકા છે. એમને સહયોગ આપવાની આપણી નૈતિક ફરજ છે.”
હું આશ્ચર્યથી એમની સામે જોઈ રહી.
“વૈભવી પ્રસાદ નામ હતું. હવે કદાચ એ વૈભવી પંડિત છે. બહુ વર્ષો પહેલાં અહીં નવોદિત કલાકારોને નિમંત્રણ આપવામાં આવતું. એમાંની એક આ વૈભવી પંડિત. ત્યારે એણે સૌને ખૂબ પ્રભાવિત કર્યા હતા. આગળ જઈને એ ખ્યાતનામ થશે એવું લાગતું જે આજે હકિકત છે. બેચાર વાર એને ટી.વી પર સાંભળી છે, પણ રૂબરૂ સાંભળવાની તો વાત જ જુદી.” વૈભવીનો પરિચય આપતા એમણે કહ્યું.
વૈભવી પંડિત રતલામની છે એની તો મને ખબર જ નહોતી.
આ એક એવો કાર્યક્રમ હતો જે નહોતો શાસ્ત્રીય કે નહોતો પારિવારિક. વિશુદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમને તો આવા કાર્યક્રમોમાં જરાય રસ નહોતો. લગ્ન પછી બેચાર વાર મારી સાથે આવ્યા, પણ સાવ નિરસતાથી બેઠા રહ્યા. ત્યારથી એમને ક્યારેય મારી સાથે આવવા કહ્યું જ નહીં.
સમાન રસ ધરાવતી બહેનપણીનાં ગ્રુપ સાથે હું જવા માંડી. દિવસે તો મુશ્કેલી નહોતી, પણ રાતના કાર્યક્રમમાં અગવડ પડતી. બહેનપણીઓની સાથે એમનાં પતિદેવ હોય. એ લોકો તો ઇચ્છતા કે હું એમની સાથે જઉં, પણ એ સૌની સાથે મને એકલીને જતાં સંકોચ થતો. અંતે છોકરાંઓ મોટાં થયાં પછી એમનેય સાહિત્ય, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસ ઊભો થાય એમ વિચારીને મારી સાથે લઈ જવાં માંડ્યાં.
નકુલ એના પિતાની જેમ જ નીરસ નીકળ્યો, પણ નિધિને રસ પડ્યો. પછી તો નિધિ રવીન્દ્રભવનમાં કયું પ્રદર્શન છે કે કયું નવું નાટક આવવાનું છે એની માહિતી લઈ આવતી. ક્યારેક તો ટિકિટો પણ લઈ આવતી. નિધિ યુ.એસ. ચાલી ગઈ પછી હું એકલી પડી. નિધિ વગર બહુ એકલતા લાગે છે.
આજે આમ અચાનક એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું એની નવાઈ લાગી.
ધાર્યું હતું એમ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. કાર્યક્રમ પૂરો થયો અને વૈભવી પંડિતને અભિનંદન આપવા ધસારો થયો.
મને પણ મન થયું.
‘ના’, એમનો કઠોર એકાક્ષરી જવાબ સાંભળીને વિચાર માંડી વાળ્યો. લોકોની વચ્ચે ચર્ચા કરવાનો અર્થ નહોતો. ઘેર આવીને બંને જમવા બેઠાં.
હંમેશની જેમ કાર્યક્રમ અંગે “વૈભવીને સાચે જ દાદ આપવી જોઈએ. સૌને એણે મંત્રમુગ્ધ કરી દીધાં.’ જેવી મારી વિશેષ ટિપ્પણી ચાલુ થઈ. એ મૌનીબાબા બનીને જમતા રહ્યા.
કોઈ સરસ કાર્યક્રમની મારા મન પર લાંબો સમય અસર રહેતી હોય એવી જ રીતે હું આ કાર્યક્રમના કેફમાં હતી. પહેલાં શ્યામકલ્યાણ પછી મધુકૌંસ અને અંતે ભજન. વાહ, શું માહોલ સર્જ્યો હતો!
ભજન નવું હતું, એનાં શબ્દો યાદ આવતા નહોતા એટલે પતિદેવને પૂછ્યું.
“તને તો ખબર છે કે મને આવા ગીતોમાં ક્યાં રસ છે કે મને યાદ હોય?”
“મને તો એમ કે તમારા શહેરની ગાયિકાને સાંભળવાં ગયાં છીએ તો ધ્યાનથી સાંભળી જ હશે ને?”
“ના.”
“તો પછી આ કાર્યક્રમમાં જવાનું પ્રયોજન શું? મને રસ છે એટલે તો નહીં જ લઈ ગયા હો.”
“બસ, મારે એ વૈભવીને જોવી હતી.”
પતિદેવ આજે આંચકા લાગે એવી વાત કરતા હતા. પછી એમણે જે વાત કરી એ સાવ અકલ્પ્ય હતી.
વાત જાણે એમ હતી કે, લગ્નની ઉંમરે પહોંચ્યા પછી યુવતીઓ જોવાનું શરૂ કર્યું એમાંની એક આ વૈભવી પ્રસાદ. મમ્મી, પાપા કે દીદીથી માંડીને ઘરમાં કોઈનેય એ સંબંધ મંજૂર નહોતો. સામાજિક અસામનતાને લીધે પપ્પાને એ સંબંધ પહેલેથી પસંદ નહોતો. સામાન્ય ઘરની છોકરી જરા દાબમાં રહે એટલાં પૂરતી મમ્મીની ઈચ્છા હતી. જો છોકરીમાં કંઈક વિશેષ હોય તો જ મંજૂરી આપવાની શરતે પાપાએ એને જોવાની રજા આપી.
વૈભવી સાવ સાદી અને સામાન્ય છોકરી લાગી એટલે પહેલી નજરે પસંદ ના પડી. સામાન્ય ઘરની છોકરીઓ પાસે એમનું સૌંદર્ય નિખારે એવાં પ્રસાધનો કે દેખાવને ઓપ આપે એવાં કપડાં ક્યાં હોય?
જોકે આજે તો એ ઠીકઠાક લાગતી હતી. અઠવાડિયે ત્રણ વાર બ્યુટી પાર્લરમાં જવાની એની હેસિયત થઈ ગઈ હતી. સફળતા અને આત્મવિશ્વાસથી એનો ચહેરો ચમકતો હતો.
“આટલી મોટી ગાયિકાનું માંગુ આવ્યું એનો ગર્વ થયો હશે નહીં?”
“ના, એ સમયે ગાયિકા તરીકે એટલી પ્રખ્યાત નહોતી.”
“આજે એને જોઈને એ સંબંધ ન સ્વીકારવાનો પસ્તાવો કે અફસોસ થતો હશે.” મેં સવાલ કર્યો.
“ના, એવાં તો કેટલાય માગાંનો અસ્વીકાર કરતાં જરાય અફસોસ નહોતો થયો, પણ આજની એમ.એલ.એ. દિવ્યાકુમારીનું માગું ન સ્વીકારવાનો જરૂર થાય છે. જોકે, ત્યારે એ એમ.એલ.એ. નહોતી. એના પપ્પા હતા. અમારાં બંનેના પપ્પા દોસ્ત હતા અને દોસ્તીને સંબંધથી મજબૂત કરવા ઉત્સુક હતા કારણ કે એ સંબંધ બહુ કામનો હતો. મમ્મી સિવાય સૌ તૈયાર હતાં. મમ્મીનું માનવું હતું કે, નેતાની દીકરી છે. અહીં આવીને આપણી પર નેતાગીરી કરશે. આપણે તો સામાન્ય ઘરની ઠીકઠાક દેખાતી છોકરી જ સારી. કહ્યું સાંભળે અને કરે.”
એમની વાત સાંભળીને સમજાયું કે આવા રુઆબદાર પરિવારમાં મારી પસંદગી એટલે જ થઈ કે હું સામાન્ય ઘરની ઠીકઠાક દેખાતી છોકરી હતી.
છોકરીઓ જોઈ જોઈને એ થાક્યા હતા. મને જોવા તો એ જાણે માથે કફન બાંધીને જ નીકળ્યા હતા કે છોકરી જેવી હશે એ હા પાડીને જ આવશે. એ વખતે મને લિટરેચરમાં મળેલા ગોલ્ડ મેડલની વાતથી અંજાયેલા પપ્પાએ મમ્મીનું સાંભળવાના બદલે વિટો એમના હાથમાં લઈ લીધો હતો. એ સાંભળીને હું આઘાતમાં આવી ગઈ. લગ્ન પછી એ ગોલ્ડ મેડલ સૌને ઘણી વાર બતાવવામાં આવતો અને અંતે ક્યાંક કબાટમાં મુકાઈ ગયો.
એ ગોલ્ડ મેડલનો કોઈ અર્થ ખરો?
ના, કારણ કે ભણતર માત્ર નોકરી કરવા માટે જ હોત તો એમની મમ્મી પણ બી.એ. પાસ કરીને નોકરી કરવાનાં બદલે ઘર અને પરિવાર જ સંભાળીને બેસી રહ્યાં ના હોત. વાત ક્યાંયથી શરૂ થાય અંતે મમ્મીનાં આચારવિચાર અને વ્યવહારકુશળતા સાથે સરખામણી પર આવીને અટકતી. ઘર હોય કે નોકર, કેવી રીતે સંભાળી લેવાય દાખલો આપાતો.
સારું હતું કે એમની નોકરીને લીધે ઘરથી દૂર જ રહેવાનું થયું, નહીંતર હું મારો આત્મવિશ્વાસ ગુમાવી બેઠી હોત.
ઘેર બેઠાં પી.એચ.ડી કરવાનું વિચાર્યું. વિષય અને ગાઇડ પણ નક્કી કરી લીધાં, પણ ચાર વર્ષમાં બે બાળકોને લીધે એ શક્ય ન બન્યું. મારાં શેક્સપિયર, હાર્ડી, ડિકેન્સ, સ્કૉટ,વર્ડ્ઝવર્થ, શેલી બંધ કબાટની જણસ બની ગયાં. મારો બીજો એક સામાન પણ જૂના ઘરનાં સ્ટોરરૂમમાં બંધ પડ્યો છે.
લગ્ન પહેલાં મને પેન્ટિંગનો શોખ હતો. ફાઇન આર્ટ્સનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. એમાનાં ઘણાં ચિત્રો વખણાયાં હતાં. લગ્નના સામાનની સાથે એક સંદૂકમાં એ પેન્ટિંગ પણ આવ્યાં, પણ સીધા જ સ્ટોરરૂમમાં મૂકાઈ ગયાં. કોઈએ ખોલીને જોયાં પણ નહીં.
એમાંનું અતિ પ્રસંશા પામેલું એક ચિત્ર ‘સવાર નિશ્ચિત છે.’ અમારાં રૂમમાં મેં મૂક્યું.
દરેક અંધારી રાત પછી આશાનું એક કિરણ હોય છે જ એવા વિચારને કેન્દ્રમાં રાખીને ચિત્ર દોર્યું હતું. એ ચિત્રમાં એક લાંબી ક્રમશઃ સાંકડી થતી જતી સુરંગ હતી. એનાં અંતિમ બિંદુએ સૂર્યનું કિરણ દેખાતું હતું.
બે દિવસ તો એમની ધીરજ રહી પછી અકળાઈને એ ચિત્ર હટાવી લેવા કહ્યું.
એમને એમાં ફક્ત અંધકાર અને નિરાશા જ દેખાતી. મને એમાં દરેક અંધારી રાત પછીનો અજવાસ દેખાતો. ઉદાસીની પાછળ ઉજાસ દેખાતો. ઘોર નિરાશા પછીની આશા દેખાતી.
પહેલાં પ્રસંગોપાત મારાં ચિત્રોમાંથી કોઈને ભેટ આપતી. પછી તો એ પણ બંધ કરી દીધું. માત્ર છોકરાંઓને ચિત્રકામ શીખવાડવા મારી કળાનો ઉપયોગ થતો. છોકરાંઓ મોટાં થતાં એમની પ્રવૃત્તિઓ જાતે કરતાં થયાં. હું ફરી એકાકી બની ગઈ. કોને કહું કે કોણ સમજવાનું હતું આ વ્યથા? મારી મા પણ એ વ્યથા સમજી શકતી નહોતી.
કહેતી કે, “વર અને ઘર બંને સરસ છે. મઝાનાં છોકરાંઓ છે. બીજું શું જોઈએ? જે છે એ સુખમાંથી આનંદ માણતા શીખ.”
નિષ્ક્રિયતામાં વળી સુખ કેવું?
વૈભવીને સાંભળીને આવ્યાં પછી આજે મનોમન એને કહેવાઈ ગયું, “વૈભવી સારું થયું તું આ અસુરોના મતલબ આ બેસુરોના ઘરમાં ન આવી નહીંતર ગાવાનો તો દૂર ગણગણવાનોય અવકાશ ન મળત. તારી ટ્રોફીઓનું પ્રદર્શન થાત અને પછી કબાટમાં ગોઠવાઈ જાત. તારાં સર્ટિફિકેટો ફ્રેમમાં જડી દેવાત. જેમ મારા રંગો બેરંગ બની ગયા, શબ્દો નિઃશબ્દ બની ગયા એમ તારો સૂર તારા ગળામાં જ અટવાઈને રહી જાત.
માલતી જોશી લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સરસ પૂતળી
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
“હજી ચિંતા કરવાની જરૂર નથી”, એમ કહી કહીને સલોમી સવારથી પોતાના મનને સમજાવતી રહી હતી; પણ કલાકો પસાર થતા ગયા તેમ એનું મન આશંકાથી ભરાવા લાગ્યું હતું. ફરી ગુરુવાર થયો હતો. આખું અઠવાડિયું નીકળી ગયું હતું – શ્રેણિકને મળ્યા વગર – “લગભગ મળ્યા વગર”, એમ વિચારતાં સલોમીએ માથું હલાવ્યું. માંડ માંડ વીત્યા હતા એ દિવસો, ને પરાણે ધીરજ રાખી હતી એણે, પણ આજે હવે એ જીવના ફફડાટને કેમેય શાંત કરી શકતી નહોતી.
ફરી એક વાર એ છેલ્લા સાત દિવસોની વિગતો યાદ કરવા માંડી. ગયા ગુરુવારે શ્રેણિક નિરાંતે મળ્યો હતો. હંમેશ મુજબ કામ પરથી સીધો જ એ આવી ગયો હતો અને રાત રહ્યો હતો. સલોમીએ તંદૂરી ચિકન બનાવી હતી. લાયબ્રેરીમાંથી ઇન્ડિયન ‘કૂક-બૂક’ લાવીને જાતે જ એ શીખી ગઈ હતી. શ્રેણિકને મસાલેદાર ખાવાનું જ ભાવતું ને શરૂઆતમાં એ ખાસ ખાતો જ નહીં. “ભૂખ નથી” કહી દેતો, અથવા સાથે પિત્ઝા લેતો આવતો. સલોમીએ તંદૂરી ચિકન બનાવવા માંડી ત્યારથી ગુરુવારે ઘેર જમવાનો રિવાજ શરૂ થઈ ગયો. કેટલી બધી વાર શ્રેણિકે એને કહ્યું હશે, “ સોમવારથી જ રાહ જોતો હોઉં છું કે ગુરુવાર ક્યારે આવે. બહાર જઈને તો બધું ખાતાં હોઈએ, પણ બેબી, તારા હાથની ચિકનની વાત ઑર છે.” શ્રેણિક એનાં ફોઈને ત્યાં રહેતો હતો ને આન્ટીના ઘરમાં ‘નૉનવૅજ’નું નામ પણ લઈ ના શકાતું.
શુક્રવારે સાંજે બંને જણ બહાર જમવા જતાં – મોટે ભાગે નાની, સાધારણ મેક્સિકન રૅસ્ટૉરાઁમાં. સલોમીને કોઈ ફેન્સી જગ્યાએ જવાનું મન થતું, પણ પૈસા ફેંકી દેવામાં શ્રેણિક માનતો નહીં. ઇન્ડિયન રૅસ્ટૉરાઁમાં ય એકાદ વાર જ ગયેલાં. “પાછું કોઈ ઓળખીતું મળી જાય”, શ્રેણિક કહેતો. એમાં શું વાંધો હોય, તે સલોમીને સમજાતું નહીં. શ્રેણિક કોઈ સમજૂતી આપતો નહીં ને પછી તો સલોમીએ પૂછવાનું ય બંધ કરેલું.
ગયા શુક્રવારે બહાર જવાનું બન્યું નહોતું. મળવાનું ય ક્યાં બન્યું હતું? ઑફીસે ગયા પછી શ્રેણિકે ફોન કરીને કહ્યું હતું, કે એને ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર જવું પડે તેમ હતું. “સૉરી, બેબી, આન્ટીનાં ખાસ બહેનપણીની સુપુત્રી મુંબઇથી આવી રહી છે. શેને માટે, ખબર છે? મુરતિયો શોધવા. કૅન યુ બિલીવ ઇટ? સાવ દેશી પૂતળીને અમેરિકામાં કોણ પસંદ કરવાનું?”, કહી એ હસેલો.
સલોમી નિરાશ થયેલી કે શ્રેણિક નહીં મળે. પણ કાંઈ નહીં, એક જ સાંજની જ વાત છે ને. એણે મન મનાવેલું. પછી શ્રેણિકના શબ્દો પર એ પણ હસેલી. ‘દેશી પૂતળી’ કહીને એ હંમેશાં ઇન્ડિયન છોકરીઓની મજાક કર્યા કરતો. ફોન મૂક્યા પછી શ્રેણિકને પહેલી વાર મળ્યાનો પ્રસંગ સલોમીને યાદ આવી ગયો. એના ‘ટાઉન’ના જાહેર ચોગાનમાં ઇન્ડિયન અસોસિયેશન તરફથી એક કાર્યક્રમ યોજાયેલો. ને એ ત્યાં જઈ ચડેલી. આમ તો રવિવારે બપોરે એ ખાસ બહાર નીકળતી નહીં. એક હૉસ્પિટલમાં એ નર્સ હતી ને શનિવારે એની રાતની ડ્યૂટી રહેતી. રવિવારે વહેલી સવારે એ ઘેર પહોંચતી, એટલે બપોર સુધી તો એ ઊંઘ પૂરી કરતી હોય. એ કાર્યક્રમ ઘરની નજીકમાં હતો, તેથી કુતૂહલ ખાતર એ ગયેલી.
ચોગાનમાં ભેગી થયેલી ભીડ જોઈને એને બહુ જ નવાઈ લાગેલી. એટલાં બધાં ઇન્ડિયન એક સાથે એણે ક્યારેય જોયાં નહોતાં. ત્યાં વહેંચવામાં આવી રહેલાં પ્રોગ્રામ-બ્રોશ્યોરનાં પાનાં ફેરવતાં એણે વાંચ્યું હતું કે એ દિવાળીનો વાર્ષિક કાર્યક્રમ હતો. કશોક ખાસ દિવસ હોવો જોઈએ, એટલો ખ્યાલ એને આવ્યો. ભેગી થયેલી ઇન્ડિયન સ્ત્રીઓ રંગરંગીન, ઝાકઝમાળ લાગતાં કપડાંમાં હતી. સલોમી થોડો સંકોચ પામી ગયેલી. એણે પોતે તો રોજનાં સાદાં કપડાં પહેરેલાં – બ્લૂ જીન્સ અને કાળું, સુતરાઉ, ઊંચા ગળાનું ટી-શર્ટ.
પાછળ થોડી ખાલી ખુરશીઓ જોઈ એ એકલી ત્યાં બેસી ગયેલી. પહેલાં થોડાં નૃત્યો થયાં. એ તો ઠીક હતાં, પણ પછી ગીતો શરૂ થયાં ત્યારે સંગીત બહુ જ મોટેથી વાગતું લાગ્યું. ભાષા ના સમજાય એટલે રસ પણ શું પડે? એ ઊઠી જવા કરતી હતી, ત્યાં જ શ્રેણિક એની પાસે આવી ચડેલો. બાજુમાં કોઈ છે?, પૂછી એ સાથે બેસી ગયેલો અને વાતો કરવા માંડેલો. પ્રોગ્રામ-બ્રોશ્યોર જોઈ એણે કહેલું, “આ બધાં જાહેરખબરોથી જ ભરેલાં હોય છે.” પછી દિવાળી એટલે શું તે થોડું સલોમીને સમજાવેલું, ને એનાં વખાણ કર્યા પછી એ બોલેલો, “ને જુઓ આ ઇન્ડિયન લેડિઝને. કોઈ કહે કે અમેરિકામાં રહે છે? તમે કેવાં જુદાં તરી આવો છો.”
સલોમીને હસવું આવી ગયેલું. “પણ હું અહીં જુદી પડું જ ને.”
શ્રેણિક બે ઘડી ચૂપ થઈ ગયો ખરો, પણ તરત જરા ઊંચા-નીચા થઈને વાત સુધારતાં કહ્યું, “હા, તમે ઇન્ડિયન નથી, એ બરાબર. પણ મારું કહેવાનું એમ હતું કે અમેરિકનોમાં -એટલેકે ધોળાઓમાં- એટલેકે તમારા લોકોની વચ્ચે પણ તમે દેખાઈ આવો એવાં છો. મારું કહેવાનું એમ છે કે તમે નોટિસેબલ છો.”
“થેન્ક યુ”, કહી સલોમી ઊભી થયેલી. સાથે ચાલતાં ચાલતાં શ્રેણિકે એને જમવાનું આમંત્રણ આપેલું. સલોમીએ આનાકાની કરેલી, પણ શ્રેણિકના આગ્રહ પાસે છેવટે નમતું મૂકેલું.
ત્યારથી જાણે આપોઆપ, એમનાં મળવાનાં દિવસો અને રાતો ગોઠવાઈ ગયેલાં. એમાં શનિવાર ખાલી રહેતો. સલોમીને રાતની પાળી હોય, અને શ્રેણિકને કોઈ ને કોઈ પાર્ટીમાં જવાનું હોય. સલોમી ક્યારેક શનિવારની રજા લઈ શકે તેમ હતી. સાથે પાર્ટીમાં જવાનું એને બહુ મન થતું, પણ શ્રેણિક એને ટાળતો. “હમણાં નહીં, બેબી. વખત આવવા દે. તારા જેવી સેક્સી પૂતળીને મારી સાથે જોઈને બધાંના છક્કા છૂટી જવાના.” શ્રેણિક એને પટાવી લેતો.
પહેલી વાર સલોમીએ પૂછેલું, ‘પૂતળી એટલે શું?’ અને ‘બધાં એટલે કોણ?’
“અરે, બધાં એટલે – એટલેકે મારાં બધાં ઓળખીતાં”, શ્રેણિકે પતાવેલું. “અને પૂતળી એટલે ડૉલ. ખૂબસૂરત -ખૂબ સુંદર ઢીંગલી.” એના મિત્રોમાં એ શબ્દો કોઈ પ્રકારની કુત્સિત મજાકના અર્થમાં વપરાતો – એ એણે નહોતું ઉમેર્યું.
શનિવારે સાંજે બંને મળતાં નહીં, પણ સલોમી કામ પર જવા નીકળે ત્યાં સુધીમાં શ્રેણિક એને ફોન જરૂર કરતો. ત્યારે વાત પણ નિરાંતે કરતો. એ જ પ્રમાણે સલોમીએ ફરી યાદ કર્યું કે ગયા શનિવારે શ્રેણિકે ફોન કરેલો ખરો, પણ વાત કરવાનો સમય એની પાસે નહોતો. એ બહુ ઉતાવળમાં હતો. સલોમીએ પૂછેલું, “ઍરપોર્ટ જતાં ટ્રાફિક તો બહુ નહોતો નડ્યો ને?”
“આવજે ત્યારે”, કહી ફોન મૂકી દે તે પહેલાં વળી સલોમીએ વાત લંબાવેલી, ને મુંબઈથી ઊતરી આવેલી દેશી પૂતળી વિષે પૂછેલું. જવાબમાં શ્રેણિક બોલેલો, “સ્માર્ટ છે, ને ઘણી મૉડર્ન. મને ખબર નહીં કે અહીં અમેરિકામાં ભણેલી છે.”
“પણ અહીં આવવાનો વિસા મળી ગયો એને? કહો છો ને કે કુંવારાંને વિસા નથી આપતા?”
“અરે, એની પાસે તો ગ્રીન કાર્ડ છે. એનું કુટુંબ વર્ષો સુધી અહીં જ રહેતું હતું. બેએક વર્ષથી જ બધાં મુંબઈ પાછાં ગયાં. હવે પરણવા માટે આ રીના અહીં આવી છે. એને તો તરત મુરતિયો મળી જવાનો. ચાલ, બેબી. પછી વાત કરીશું.” સલોમી વધારે કશું બોલે એ પહેલાં શ્રેણિકે ફોન મૂકી દીધેલો. પહેલી વાર એ પસ્તાયેલી કે જીદ કરીને ક્યારેય એણે શ્રેણિકના ફોન નંબર મેળવી લીધા નહોતા.
જીવ બાળીને અને ઉદાસ થઈને ઘેર બેસી રહેવા જેવો સમય સલોમી પાસે નહોતો. નોકરીમાંથી એમ રજા લેવાય તેમ નહોતી, પણ અંદર-અંદર એને ખાત્રી હતી કે રવિવાર શ્રેણિક નહીં ચૂકે. ને ખરેખર, બપોર પછી એ આવ્યો પણ ખરો. એને જોતાંની સાથે સલોમી એને ભેટી પડેલી, ને હોઠ પર ચૂમી કરવા માંડેલી. શ્રેણિકનો વર્તાવ અચાનક અતડો બનેલો હતો, એ પણ જાણે એના ધ્યાનમાં ના આવ્યું. “પહેલાં ચ્હા તો પીવડાવ”, કહીને શ્રેણિક દૂર થયેલો.
“હા, હા, જરૂર”, કહેતાં સલોમી શ્રેણિકને ભાવે તે પ્રમાણેની, ખૂબ દૂધવાળી ચ્હા બનાવવા માંડેલી. એની પોતાની કૉફી પીવાની ટેવ તો લગભગ છૂટી ગયેલી. સાથે બેસીને આ જાતની ચ્હા વાતો કરતાં કરતાં નિરાંતે પીવાનું એને ગમી ગયેલું. પણ આ રવિવારે શ્રેણિકનું ચિત્ત વાતો કરવામાં નહોતું. એ ફરી ઉતાવળમાં જ હતો. જલદીથી ચ્હા પતાવીને, “પેલું બ્લેઝર ક્યાં છે?” કહેતો એ કબાટ પાસે ગયેલો. સલોમીને એ બ્લેઝર બહુ જ ગમતું. એમાં એને શ્રેણિક બહુ દેખાવડો લાગતો. “ઓહ, માય નિક ઇઝ સચ અ હૅન્ડસમ ડૅવિલ”, કહી એ શ્રેણિકને વહાલ કરતી. છેલ્લા સાડા ચારેક મહિનાથી સલોમીના જ કબાટમાં એ લટકતું રહેલું. શુક્રવારે સાથે બહાર જમવા જતાં એ પહેરવાનો આગ્રહ સલોમી અચૂક શ્રેણિકને કરતી.
એ રવિવારે શ્રેણિકને એ બ્લેઝર પહેરી લેતો જોઈને એનો જીવ કપાયેલો. “એવું ક્યાં જવાનું છે? બીજું કંઇક પહેરીને જજે ને. નહીં તો, ચાલ, હું પણ સાથે આવું છું.” ને ઢીલી થઈને એણે કાકલૂદી કરેલી, “તારી સાથે લઈ જાને આજે મને. પ્લીઝ, નિક.”
“કમ ઑન, બેબી, તને ખબર છે ને કે એવું ખાસ કશું છે જ નહીં?” શ્રેણિકે ભળતો જ જવાબ આપેલો. “એવું છે કે ભઈ, મારે રીનાને એક પાર્ટીમાં લઈ જવાની છે. શું કરું, બોલ. આન્ટીનો હુકમ છે એટલે પાળવો જ પડે. પાછી અમારી કાસ્ટની જ છે એટલે.”
એ સમજૂતી સલોમીને ગળે ઊતરી નહોતી. “કાસ્ટની હોય એટલે શું થઈ ગયું?” ધીમા અવાજે એણે પૂછેલું.
જવાબમાં એના ગાલ પર સહેજ હોઠ અડાડી, ફક્ત “બાય, બેબી” કહી, ઘેરા ભૂરા રંગના બ્લેઝરમાં દેખાવડો લાગતો શ્રેણિક બારણાની બહાર નીકળી ગયો હતો.
સોમવારે સલોમી બૅન્કમાં અને લાયબ્રેરીમાં થઈને ઘેર આવી ત્યારે આન્સરિંગ મશિન પર શ્રેણિકનો ટૂંકો સંદેશ હતો. “કેમ છે, સલોમી? મઝામાં? બસ, કાંઈ કામ નથી. હલો કહેવા જ ફોન કર્યો હતો. ગૂડ બાય.”
હૃદય પર હાથ રાખીને સલોમી ઊભી રહી ગયેલી. “અરેરે, ઘરમાં નહોતી ત્યારે જ ફોન કર્યો?” એને ગળે ડૂમો ભરાઈ આવ્યો. ચાર-પાંચ વાર ટેપને આગળ-પાછળ કરીને શ્રેણિકનો અવાજ, એના શબ્દો એણે સાંભળ્યા કરેલા. આટલા મહિના પછી શ્રેણિકે એને ‘બેબી’ નહીં કહેતાં નામ દઈને સંબોધી હતી. સલોમીને એનું પોતાનું જ નામ વિચિત્ર લાગ્યું હતું. જાણે કોઈ બીજા જ માણસ માટેનો એ સંદેશો હતો. એ બોલનાર પણ શ્રેણિક નહીં, કોઈ બીજું જ હતું. એ અવાજ દૂર દૂર ક્યાંકથી આવેલો હતો.
ને ‘ગૂડ બાય’? પણ ગૂડ બાય એટલે શું? એણે ગૂડ બાય શા માટે કહ્યું હશે? ફક્ત બાય નહીં, પણ ગૂડ બાય. પણ ગૂડ બાય કેમ? આ પ્રશ્નનો હથોડો ઘડીએ ઘડીએ સલોમીના મગજ પર અથડાતો રહેલો.
સાથે જ રાહ જોવાતી રહેલી.
મંગળવાર આવ્યો ને ગયો. શ્રેણિકનો ફોન નહીં, મશિન પર કોઈ સંદેશો પણ નહીં. સલોમી કામમાં પૂરતું ધ્યાન આપી શકી નહોતી, ને નહોતી આખો દિવસ કશું ખાઈ શકી. બુધવારે બપોરે ફોન રણક્યો. બધું દુઃખ ભુલાઈ ગયું ને એના હોઠ પર સાચા પડ્યાનું સ્મિત ખેંચાઈ આવ્યું. દોડી આવીને ફોન ઉપાડતાંની સાથે એ બોલી, “ઓહ, નિક.”
“અરે, આ નિક નથી. ચૅટ છે, ચૅટ. તું કેમ છે, ફૂટલી?” એ મશ્કરીમાં હસેલો.
સલોમીની જીભે પૂતળીનો ઉચ્ચાર કેવો થતો તે શ્રેણિકે એને કહેલું.
“કોણ છો? કોણ બોલો છો?” સલોમી થથરી ગયેલી.
“અરે, હું ચૅટ. શ્રેણિકનો ફ્રેન્ડ ચેતન. ભૂલી ગઈ?”
ત્યારે સલોમીને એની ઓળખાણ પડતાં વાર ના લાગી. શ્રેણિકના એ એક જ ઓળખીતાને એ મળેલી – ને તે પણ અકસ્માત્ અને બે મિનિટ માટે. એ અને શ્રેણિક કોઈ ઇન્ડિયન દુકાનમાં તંદૂરી મસાલા લેવા ગયેલાં. ત્યાંથી નીકળતાં કોઈએ શ્રેણિકને બૂમ પાડેલી. એ જ ચેતન. બે ઇન્ડિયન છોકરીઓની સાથે હતો. એ બંને દૂર ઊભી ઊભી હસતી રહેલી, ને એમણે શ્રેણિકને “હલો, હૅન્ડસમ” કહેલું.
ચેતન સાવ પાસે આવીને ઊભેલો ને કહેલું, “યાર, ઓળખાણ તો કરાવ. સરસ પૂતળીને લઈને ફરતો લાગે છે તું તો.” શ્રેણિકે પરાણે ઓળખાણ કરાવી ત્યારે એ બોલેલો, “ હા, મારું નામ ચેતન ખરું, પણ તારે માટે ચૅટ. એ જ યાદ રાખજે. તને એ સહેલું પડશે” ને શેકહૅન્ડ કરવા પકડેલો સલોમીનો હાથ એણે દબાવેલો.
એના હાવભાવ ને વર્તાવ સલોમીને ત્યારે જ નહોતા ગમ્યા. “આવા સાથે તારે ક્યાંથી ભાઈબંધી થઈ?” એમ એણે શ્રેણિકને પૂછેલું. “ને પેલી છોકરીઓ કોણ હતી? એ પણ મને બહુ સારી નહોતી લાગી.”
“ એટલે જ તને હું એવાં બધાંથી દૂર રાખું છું. હવે સમજીને તું?” શ્રેણિકે જવાબ ઉડાવેલો.
ચેતનના ફોનથી સલોમીને એ પ્રસંગ સાંભરી આવ્યો. આજે પણ ચેતનની બોલવાની રીત એને ના ગમી. ચેતન બોલ્યે જતો હતો, “કેમ હું યાદ નથી આવતો? આવી હોંશિયાર ફૂટલી છું, ને ભૂલી ગઈ ચાર્મિન્ગ ચૅટને?”
શ્રેણિકની ચિંતામાં સલોમીએ અપમાનનો ભાવ કાબૂમાં રાખ્યો ને પૂછ્યું, “નિક તો સારો છે ને?”
“ અરે, એ સારો નહીં, બહુ સારો છે. કેમ, એણે તને કશું કહ્યું નથી? જો, એની ગરજ તો પતી ગઈ. એને તો ગ્રીન કાર્ડવાળી મળી જ ગઈ સમજ.”
સલોમી કશું સમજી નહોતી. “વ્હૉટ?”, એણે પૂછ્યું.
“અરે, ફૂટલી, તને કહું છું કે નિક તો હવે ગયો. નિકબિકને ભૂલી જા. પણ હું હાજર છું, ને તને કંપની આપવા તૈયાર છું. બોલ, ક્યારે આવું?”
વધારે સાંભળ્યા વગર સલોમીએ ફોન મૂકી દીધેલો. ચેતનની વાતોના સૂરથી એના મનને જાણે અપમાનના તમાચા વાગી ગયા. શ્રેણિક હવે નહીં આવે, એ વાત એને સાચી લાગી નહીં, ને એને માટેનું કારણ એ સમજી નહીં. એણે વિચાર્યું કે આ ફોન વિષે તો શ્રેણિકને કહેવું જ પડશે, ને આવા માણસ સાથે ભાઈબંધી ના રાખે એમ પણ સમજાવવું જ પડશે. આટલા મહિનાના એમના સંબંધમાં સલોમી જ હંમેશાં નમતું મૂકતી ને શ્રેણિકની ઈચ્છા પ્રમાણે કરતી આવેલી, પણ આ બાબતમાં તો શ્રેણિકે એનું માનવું જ પડશે. એ માનશે જ – સલોમીને ખાત્રી હતી.
આમ કરતાં અઠવાડિયું પસાર થયેલું, ને ફરી ગુરુવાર થયો હતો. આજે જમવાના સમય સુધીમાં તો શ્રેણિક આવી જ જવાનો, એ પોતાને કહેતી રહેલી. એમ કરતાં સાંજ પડવા આવી હતી. સલોમી રસોઈની તૈયારી કરવા લાગી. સિઝર સલાડ, ગાર્લિક બ્રૅડ અને તંદૂરી ચિકન – ગુરુવાર રાતનું શ્રેણિકનું એ ભાવતું ભોજન હતું. ફ્રિજ ખોલીને એણે સલાડની સામગ્રી બહાર કાઢી. ચિકનનું પેકેટ સ્ટોરમાંથી લાવીને અંદરના ખાનામાં મૂકી દીધેલું.
એ ખાનું ખેંચીને ચિકનવાળું પેકેટ હાથમાં લીધું ત્યારે પેકેટના પ્લાસ્ટિક પર એક ચાવી ટેપથી ચોંટાડેલી જોઈ. પહેલાં એને ધ્રાસકો પડ્યો- કોની ચાવી છે આ? આ પેકેટ પર ક્યાંથી આવી હશે?
સ્ટોરમાંથી કોઈની હશે?
પણ ટેપથી ઉખાડીને હાથમાં લેતાં એણે ચાવી ઓળખી. એ ચાવી હતી તો સલોમીના અપાર્ટમેન્ટની, પણ એ સલોમીની પોતાની નહોતી. એ શ્રેણિકની હતી. ચારેક મહિના પહેલાં શ્રેણિક ‘એક નાની ભેટ’ કહીને સરસ એક કી-ચેઇન લઈ આવેલો. સોનેરી ચેઇનને છેડે હૃદયના આકારનો સોનેરી અક્શર – અંગ્રેજીનો ‘બી’ અક્શર લટકાવેલો હતો. “બી ફૉર બેબી, તું મારી બેબી છે કે નહીં?”, શ્રેણિકે વહાલ કરતાં કહેલું. એ જ વખતે સલોમીએ પોતાની ચાવીઓ એમાં પરોવી દીધેલી, અને પોતાનાવાળી સાદી કી-ચેઇનમાં અપાર્ટમેન્ટની બીજી ચાવી પરોવીને શ્રેણિકને આપી દીધેલી. “આ ઘર હવે તારું પણ ખરું. તને જ્યારે મન થાય ત્યારે આવવાની છૂટ”, સલોમી બોલેલી.
આ એ જ ચાવી. પેલી સાદી કી-ચેઇન વગરની. શ્રેણિકે એને પાછી આપી દીધી- સાવ છાનીમાની. એક ગુનેગારની જેમ. એક કાયરની જેમ.
સલોમીની આંખો એ માની નહોતી શકતી. એનું મન એ માનવા તૈયાર નહોતું થતું, ને છતાં, ચાવી હતી તો ખરી જને. ક્યારે મૂકી હશે એણે? રવિવારે બ્લેઝર લેવા આવ્યો ત્યારે? પછીના ત્રણ દિવસમાં એ કામે ગઈ હશે ત્યારે? સાવ આમ ચોરની જેમ આવીને?
અચાનક શ્રેણિકને એ ચાવીની, એ ઘરની, એ સંબંધની જરૂર નહોતી. જતાં જતાં કશું કહેવાની જરૂર પણ એને ના જણાઈ? કોઈ કારણ નહીં, કશી સમજૂતી નહીં.
તો આટલો વખત એણે શું સલોમીનો ફાયદો જ ઉઠાવ્યો? પ્રેમનો કોઈ ભાવ નહોતો એના મનમાં? ચેતનની વાતથી લાગ્યું હતું એનાથી ઘણું વધારે અપમાન સલોમી અનુભવી રહી. શ્રેણિક સાથે ઓળખાણ થયા પછીના એ બધા મહિના એની આસપાસ ઢગલો થઈને પડ્યા. ફ્રિજને ટેકે નીચે જ એ નિર્જીવની જેમ ક્યાંય સુધી બેસી રહી.
પછી એકદમ એ ઝબકી ઊઠી – જાણે કશુંક એને ઢંઢોળી ગયું હતું. શું થયું હતું એનું ભાન આવતાં બેએક ઘડી થઈ. ટૂંટિયું વાળેલા પગ અકડાઈ ગયા હતા, ઢળી પડેલી ડોક દુઃખવા આવી હતી, પણ ચાવી હજી હાથમાં પકડાયેલી હતી. ભાન પાછું આવતાંની સાથે સળગતા કોલસાની જેમ એ ચંપાતી હોય એમ લાગ્યું, ને “ના, ના, ના”ની ચીસ પાડીને એણે ચાવી છોડી દીધી.
ચાવી જ્યાં પડી ત્યાં સળગવા માંડવાનું હોય એમ સલોમી એને તાકી રહી. પછી થોડા પ્રયત્નપૂર્વક એ ઊભી થઈ. અભાનની અવસ્થામાં જ જાણે એક નિર્ણય સ્પષ્ટ થઈ આવેલો. એનો અમલ એ ચૂપચાપ કરવા માંડી. પહેલાં તો એણે ફેંકવાનો કચરો ભરવા માટેની પ્લાસ્ટિકની મોટી એક થેલી બહાર કાઢી, પહોળી કરીને મૂકી, અને લાવી લાવીને ચીજો એમાં નાખવા માંડી – બેડરૂમમાંથી શ્રેણિકનાં ટી-શર્ટ, મોજાં, રૂમાલ; બાથરૂમમાંથી એનો અસ્ત્રો, શેવિંગ ક્રીમ, ટૂથબ્રશ. રસોડાના ટેબલ પર પડેલું ચિકનનું પેકેટ એમાં ફેંક્યું, ને નીચે પડેલી ચાવી ઉપાડીને ઉપર નાખી.
છેલ્લે, શ્રેણિકે વહાલ કરીને આપેલી સોનેરી કી-ચેઇન ફેંકી દેવા ધ્રૂજતા હાથે એ એમાંની ચાવીઓ કાઢવા માંડી. ઘરની, ટપાલપેટીની, ગાડીની, ડીકીની, હૉસ્પિટલના લૉકરની, દવાના કબાટની. એની અંગળીઓ બધી પકડી ના શકી અને એ ખણ ખણ કરતી નીચે ચારે તરફ પડવા માંડી. હૃદયના આકારના ‘બી’ અક્ષરવાળી સોનેરી કી-ચેઇન જ હાથમાં રહી ગઈ હતી. એને જોરથી પ્લાસ્ટિક બૅગમાં ફેંકતાં ફેંકતાં સલોમી હસવા માંડી – જોર જોરથી, ખડખડાટ, પેટ દબાવીને, હાથથી ટેબલનો ટેકો લઈને, મોઢું ઢાંકીને, ઊંડા શ્વાસ લઈને.
ઘણી વારે ધીરે ધીરે એનું હસવું અટક્યું. એ પછી ક્યાંય સુધી સલોમીની આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
વાદ્યવિશેષ – ૩૦ : ફૂંકવાદ્યો (૬) :શરણાઈ (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

ગઈ કડીમાં આપણે શરણાઈનો પ્રાથમિક પરિચય કેળવ્યો તેમ જ અમુક ચુનંદાં શરણાઈપ્રધાન ગીતો સાંભળ્યાં. આ કડીની શરૂઆતમાં હિન્દી ફિલ્મી સંગીતના આધુનિક યુગમાં થયેલો એક વિશિષ્ટ પ્રયોગ માણીએ. સને ૨૦૧૧ની ફિલ્મ રોકસ્ટારમાં સંગીતકાર એ.આર.રહેમાને સર્જેલી અને Dichotomy of Fame તરીકે ઓળખાયેલી એક ધૂન વ્યક્તિના માનસમાં રહેલા વિરોધાભાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે. મહદઅંશે શરણાઈ અને ગિટારના સમન્વયથી સર્જાયેલી આ ધૂન ખાસ્સી લોકપ્રિય છે.
હવે કેટલાંક વધુ ગીતો દ્વારા સમગ્ર આલેખનનું મૂલ્યવર્ધન કરીએ.
ફિલ્મ ચંગીઝખાન(૧૯૫૭)ના ગીત ‘જબ રાત નહીં કટતી’ના કારુણ્યભાવને શરણાઈવાદન વડે સંગીતકાર હંસરાજ બહલે બરાબર ઉપસાવ્યો છે..
૧૯૫૯માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ રાની રૂપમતીના ગીત ‘આ લૌટ કે આજા મેરે મીત’ની લોકચાહના આજે ૬૫ વર્ષે પણ બરકરાર છે. એક રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મના સંગીત નિર્દેશક શ્રીનાથ(એસ.એન.) ત્રીપાઠી જ ફિલ્મના નિર્દેશક પણ હતા!
૧૯૫૯ના જ વર્ષની ફિલ્મ ધૂલ કા ફૂલ માટે સંગીતનિર્દેશન એન. દત્તાનું હતું. આ ફિલ્મનું એક શરણાઈપ્રધાન ગીત ‘તૂ મેરે પ્યાર કા ફૂલ’ સાંભળીએ.
ફિલ્મ ચૌદહવી કા ચાંદ(૧૯૬૦)નાં સંગીતકાર રવિની તરજો પર બનેલાં ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. તે પૈકીનું એક લગ્નગીત ‘બાલમ સે મીલન હોગા’ શરણાઈના કર્ણપ્રિય અંશો ધરાવે છે.
https://www.youtube.com/watch?v=r30i4uexEP0
ફિલ્મ પ્યાર કી પ્યાસ(૧૯૬૧) વ્યવસાયિક રીતે બહુ સફળ ન થઈ, પણ સંગીતકાર વસંત દેસાઈની તરજો પર બનેલાં તેનાં ગીતો ખાસ્સાં જાણીતાં થયાં હતાં. અહીં આપણે આ ફિલ્મનું ગીત ‘મોરે અંગને મેં ઊજીયારા’ માણીએ, જેના વાદ્યવૃંદમાં શરણાઈના કર્ણપ્રિય ટૂકડાઓ સમાવિષ્ટ છે.
૧૯૬૮ની ફિલ્મ નીલકમલની અસાધારણ સફળતામાં રવિએ બનાવેલાં તેનાં ગીતોનું સારું એવું પ્રદાન રહ્યું હતું. એ ફિલ્મના કન્યાવિદાયગીત ‘બાબુલ કી દુઆયેં લેતી જા’ના વાદ્યવૃંદમાં શરણાઈ સતત હાજરી પૂરાવતી રહે છે.
સંગીતકાર ખય્યામની કારકીર્દિમાં ફિલ્મ ઉમરાવ જાનને એક મહત્વનો પડાવ ગણાવી શકાય. આ ફિલ્મનું એક શરણાઈનું પ્રાધાન્ય ધરાવતું ગીત ‘કાહે કો બ્યાહી બીદેસ’ સાંભળીએ.
આજની કડીનું સમાપન કરીએ ફિલ્મ ધડકન(૨૦૦૦)ના એક લાક્ષણિક લગ્નગીત ‘દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ’થી. આ ફિલ્મ માટે સંગીત શ્રવણ-નદીમની જોડીએ તૈયાર કર્યું હતું, આ ગીત સુખ્યાત કવ્વાલ નસરત ફત્તેહ અલી ખાને ગાયું છે.
ભાવકમિત્રોને આ બે કડીઓમાં સમાવાયેલાં ગીતોમાં થયેલા શરણાઈનો ઉપયોગ સાંભળ્યા પછી તેના સ્વરનો બરાબર અંદાજ આવ્યો હશે. આવતી કડીમાં નવા વાદ્ય સાથે ફરી મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
આમંત્રણને લગતાં ગીતો – आओ झूमें गाए
નિરંજન મહેતા
અગાઉ ૧૯૭૦ સુધીના ગીતોની મજા માણ્યા બાદ આવકાર માટે ગવાતા ગીતોનો આ ત્રીજો અને છેલ્લો લેખ પ્રસ્તુત છે.
૧૯૭૧ની ફિલ્મ ‘પરાયા ધન’નું આ ગીત ખેતરમાં કામ કરતાં લોકો વચ્ચે ગવાય છે.
आओ झूमें गाए
मिलके धूम मचाये
आओ झूमें गाए
मिलके धूम मचाये
चुनले गम के कांटे
खुशियों के फूल खिलाएમુખ્ય ભૂમિકામાં છે બલરાજ સહાની અને હેમા માલિની, આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી..બર્મને અને ગાયક છે કિશોરકુમાર તથા આશા ભોસલે.
૧૯૭૪ની ફિલ્મ ‘આરોપ’નું ગીત એક મુજરા ગીત છે જે રેહમાન સમક્ષ ગવાયું છે.
चंपा के दस पहले
चमेली की एक काली
अरे हाय मुख की साडी रेन
चतुर की एक घडी
चले आओ न सताओનૃત્ય કલાકારનું નામ જણાવાયું નથી પણ ગીતના શબ્દો છે માયા ગોવિંદનાં અને સંગીત છે ભૂપેન હઝારિકાનું. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ઝખ્મી’નું ગીત એક માર્મિક ગીત છે
आओ तुम्हे चाँद पे ले जाएं
प्यार भरे सपने सजाएं
छोटासा बंगला बनाएं
एक नयी दुनिया बसाएंકારમાં સફર કરતાં આશા પારેખ સુનીલ દત્ત અને બેબી પીન્કી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગૌહર કાનપુરી જેનું સંગીત છે બપ્પી લાહિરીનું. ગાયિકાઓ છે સુષ્મા અને લતાજી.
૧૯૭૬ની ફિલ્મ ‘મંથન’નું આ ગીત દૂધની સહકારી સંસ્થામાં દૂધ આપવા આવતી મહિલાઓ દ્વારા ગવાયું છે જે લોકોને પોતાના ગામ આવવા આમંત્રે છે
मेरो गाम काठा पारे
जहाँ दूध की नदियाँ बाहे
जहाँ कोयल कू कू गाये
म्हारे घर अंगना न भूलो नाમુખ્ય કલાકાર છે સ્મિતા પાટીલ. ગીતના શબ્દો છે નીતિ સાગરના અને સંગીત આપ્યું છે વનરાજ ભાટિયાએ. સ્વર છે પ્રીતિ સાગરનો.
૧૯૭૭ની ફિલ્મ ‘અમાનત’નું આ ગીત બે પ્રેમી વચ્ચેની છેડછાડનું ગીત છે
दूर रह कर न करो बात क़रीब आ जाओ
याद रह जाएगी ये रात क़रीब आ जाओ
एक मुद्दत से तमन्ना थी तुम्हें छूने की
आज बस में नहीं जज़्बात क़रीब आ जाओસાધનાને ઉદ્દેશતા મનોજકુમાર પર આ ગીત રચાયું છે. ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે રવિ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૮ની ફિલ્મ ‘હીરાલાલ પન્નાલાલ’નું આ ગીત એક કેબ્રે ગીત છે
आजा मेरे प्यार आजा
देख ऐसे ना सता
अब तो रहा नहीं जाए
आजा आजा आ
मेरे गले से लग जाગીતના કલાકરો છે અજીત, પ્રેમનાથ ને ઝીનત અમાન. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. આર.ડી.બર્મન અને આશા ભોસલે ગીતના ગાયકો.
આ ગીત બીજીવાર આવે છે જેમાં પ્રેમનાથ પોતાની પુત્રીને મનાવતા દેખાય છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે હેમંતકુમારનો.
૧૯૭૯ની ફિલ્મ મિ. નટવરલાલ’નું આમંત્રણ આપતું ગીત છે
आओ बच्चो आज तुम्हे एक कहानी सुनता हू
मैं शेर की कहानी सुनोगे
मेरे पास आओ मेरे दोस्तो एक किस्सा सुनोબાળકોનું દિલ બહેલાવવા અમિતાભ બચ્ચન તેમને વાર્તા સાંભળવા બોલાવે છે. આનંદ બક્ષીનાં શબ્દો અને રાજેશ રોશનનું સંગીત. સ્વર છે અમિતાભ બચ્ચન અને માસ્ટર રવિના.
૧૯૭૯ની ફિલ્મ ‘જુર્માના’નું ગીત
सावन के झूले पड़े, तुम चले आओ
आँचल ना छोड़े मेरा, पागल हुई है पवन
अब क्या करूं मैं जतन, धड़के जिया जैसे, पंछी उड़ेકલાકરો છે રાખી, અમિતાભ બચ્ચન અને વિનોદ મેહરા. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને. ગાયિકા લતાજી.
આ જ ગીત બીજીવાર મુકાયું છે જે દર્દભર્યું છે જેમાં ગાયકો છે આશા ભોસલે અને આર.ડી .બર્મન
૧૯૭૯ણની ફિલ્મ ‘નૂરીનું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે રચાયું છે.
आजा रे आजा रे ओ मेरे दिलबर आजा
दिल की प्यास बुझा जा रे
उजला उजला नर्म सवेरा रूह में मेरी झाँके
प्यार से पूछे कौन बसा है तेरे दिल में आ के
आजा रे आजा रे ओ मेरे दिलबर आजा
तू ही आ के बता जा रेફારુક શેખ અને પૂનમ ધિલ્લોન ગીતના કલાકારો છે જેના શબ્દો છે જાનીસાર અખ્તરના અને સંગીતકાર છે ખય્યામ. ગાયકો છે લતાજી અને નીતિન મુકેશ.
૧૯૮૩ની ફિલ્મ ‘લવર્સ’નું આ ગીત નામ પ્રમાણે બે પ્રેમીઓ પર રચાયું છે.
आजा ला ला ला
आजा ला ला ला
आ मुलाकातों का मौसम आ गया
आ मुलाकातों का मौसम आ गया
प्यार की बातों का मौसम आ गयाપ્રેમીઓ છે કુમાર ગૌરવ અને પદ્મિની કોલ્હાપુરે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને. સ્વર છે લતાજી અને અમિતકુમારનાં.
૧૯૮૨ની ફિલ્મ ‘બાઝાર’નું આ ગીત લગ્ન પ્રસંગે ગવાતું એક પારંપરિક ગીત છે
चले आओ सैयाँ रंगीले मैं वारी रे
साजन मोहे तुम बिन भाए ना
गजरा जी भाए ना गजरा
हो भाए ना गजरा ना मोतिया चमेली ना जूही ना मोगराગીતમાં એક કરતાં વધુ કલાકારો છે જેનું સંગીત ખય્યામનું છે. ગાયિકાઓ છે જગજીત કૌર અને પામેલા ચોપરા.
૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’નું આ ગીત બે યુવાન પ્રેમીઓ વચ્ચે એક નોકઝોક પ્રકારનું ગીત છે
आजा शाम होने आई
मौसम ने ली अंगड़ाई
तो किस बात की है लड़ाई
तू चल मैं आईઆ નોકઝોક સલમાન ખાન અને ભાગ્યશ્રી વચ્ચે થાય છે જેના શબ્દો છે અસદ ભોપાલીનાં અને સંગીતકાર છે રામ લક્ષ્મણ. સ્વર છે એસ.પી.બાલાસુબ્રમનીયમ અને લતાજીના.
૧૯૮૯ની ફિલ્મ ‘તાકતવર’નું ગીત એક પાર્ટી ગીત છે
आइए आपका इन्तजार था
आइए कब से दिल बेकरार थाસંજય દત્તને આવકાર આપતા આ ગીતના કલાકાર છે અનીતા રાજ. સમીર-ઇન્દીવરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. ગાયકો છે અનુ મલિક અને અલીશા ચિનાઈ.
૧૯૯૪ની ફિલ્મ ‘વિજયપથ’નું ગીત છે
आइये आपका इंतजार था
देर लगी आने में तुमको
शुक्र हैं फिर भी आये तो
आस ने दिल का साथ ना छोड़ा
वैसे हम घबराये तो
आइये आपका इंतजार थाરાહ જોતી તબુ માટે અજય દેવગણ આ ગીત ગાય છે. ફૈઝ અનવરના શબ્દોને સંગીત આપ્યું છે અનુ મલિકે જેને સ્વર મળ્યો છે કુમાર સાનુનો.
૧૯૯૭ની ફિલ્મ ‘ઇન્સાફ;નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે રચાયું છે જેમાં પ્રેમિકા શિલ્પા શેટ્ટી અક્ષયકુમારને આમંત્રે છે.
मेरी जाने जाना आजा
तुझे प्यार दूँ
दिल में बसाओ
सिर्फ तुझे चहु
जान लुटाऊ मैं तुझ पे
दिल में बसाओગીતના શબ્દો છે સમીરના અને સંગીત છે આનંદ મિલિન્દનું. ગાયિકા છે પરવેઝ ગાયત્રી.
બને તેટલા ગીતોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં કદાચ કોઈ ગીત બાકાત હોય તો ક્ષમા કરશો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૯૯. ભગવતી પ્રસાદ બાજપાઈ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ભગવતી પ્રસાદ બાજપાઈનું પણ એવું જ. નગણ્ય માહિતી. કુલ ત્રણ ફિલ્મો ( હુઆ સવેરા, ભક્ત પ્રહ્લાદ અને સૂરત ) માં વીસ ગીતો. આમાંના કેટલાક અન્ય ગીતકારો સાથે સહિયારાં. અહીં જે ફિલ્મની ગઝલ પ્રસ્તૂત કરી છે એ ‘ હુઆ સવેરા ‘ ની કથા – પટકથા અને સંવાદ પણ એમના જ હતા.એ એકમાત્ર ગઝલ –
બદલી હવા ખુશી કા ઝમાના બદલ ગયા
જીને કા અબ તો હાએ બહાના બદલ ગયામાલૂમ ન થા પલ મેં બદલતા હૈ યે જહાં
પલ ભર મેં ઝિંદગી કા ફસાના બદલ ગયાઆતે થે નગમેં લબ પે જિસકે સુબહો શામ
વો સાઝે ઝિંદગી કા તરાના બદલ ગયાસૈયાદ કી ઉસ્તાદ નિગાહેં ભી ક્યા કરેં
મુશ્કિલ સે તીર તાના – નિશાના બદલ ગયા..– ફિલ્મ : હુઆ સવેરા – ૧૯૪૮
– ગીતા દત્ત
– જ્ઞાન દત્ત
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
