આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.
એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
આ લેખમાળામાં અત્યાર સુધી આપણે વાંચી ગયા કે જીવનમાં સૌથી મોટો ફેરફાર સંદેશવ્યવહાર ક્ષેત્રે થયો. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટરે ઘણો ભાગ ભજવ્યો. આવું જ ક્રાન્તિકારી પરિવર્તન એક બીજા ક્ષેત્રે પણ થયું છે – તે છે સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્ર. આજની આરોગ્યસેવાઓ વિશે અસંતોષ વ્યક્ત કરનારાંઓએ ક્ષણિક ૧૯૫૦ના ભારતનું ચિત્ર નજર સામે લાવવા જેવું છે. :
દેશમાં બાળમરણનું પ્રમાણ અને લોકોનું સરેરાશ આયુષ્ય, એ બે આરોગ્યની સ્થિતિના અગત્યના સૂચકાંક (Index) છે. ભારતના સંદર્ભે તેનાં છેલ્લાં ૭૦ વર્ષના આંકડા આ મુજબ છે (બાળમરણ માટે અહી શિશુમરણના આંકડા લીધા છે, જેની વ્યાખ્યા છે “દર એક હજાર જીવતાં જન્મેલાં બાળકોમાંથી કેટલાં એક વર્ષ સુધીમાં ગુજરી જાય છે”).
વર્ષ
સરેરાશ
આયુષ્ય (વર્ષ)
શિશુમરણ
(એક હજારે)
૧૯૪૩
૨૭
–
૧૯૫૦
૨૫.૨
૧૮૯
૧૯૯૧
૬૦.૮
૮૬
૨૦૨૩
૭૦
૨૬
આને માત્ર આંકડા તરીકે નથી જોવાના.તેની પાછળનું સામાજિક ચિત્ર સાથે મૂકતાં જ “ત્યાર’ની લાચારી સમજાઈ શકે,
શાળાજીવનના દિવસો યાદ કરતાં બે-ત્રણ ચિત્રો નજર સામે આવે છે. એક કે, અમારા સહપાઠીઓમાં ઘણા એવા હતા જેના પિતા ન હોય. આજના બાળકને આવું મિત્રવર્તુળ અપવાદરૂપ જ છે. બીજું કે, અમારા વિસ્તૃત કુટુંબમાં ઘણાં માતાતુલ્ય વડીલ હતાં જે વિધવા હતાં. મોટા ભાગનાં બાળવિધવા. એક બે જણાં તો સાસરાં સૂધી પહોંચ્યાં જ ન હતાં. એ જમાનામાં તરુણ વયે લગ્ન થઈ જતાં અને વર-કન્યા વચ્ચે ઉમરનો તફાવત પણ ઘણો રહેતો. વધારામાં સ્ત્રીનું સરેરાશ આયુષ્ય પુરુષ કરતાં વધારે હોય (જે આજે પણ સાચું છે). આ બધા સંયોગોની સાથે હકીકત મેળવો કે સરાસરી આયુષ્ય ૩૦-૩૨ વરસનું જ હોય તો સમાજમાં વૈધવ્યનું પ્રમાણ વધારે દેખાય તે સ્વાભાવિક છે.
સમાજની આ વાસ્તવિકતા જૂની હિંદી ફિલ્મોમાં વ્યક્ત થતી. સુલોચના અને નિરુપા રોયને વિધવા માતાની જ ભૂમિકાઓ મળતી. એકાદ વાર નણંદ વિધવા હોય તો પાત્ર લલિતા પવારને મળે. ફિલ્મોમાં અને વાસ્તવિક સમાજમાં એકલા, પત્ની વિનાના, પુરૂષો ઓછા જોવા મળતા. મિત્રમંડળીમાં પણ માતા વિનાના મિત્રો ઓછા. આનું એક કારણ તો સ્ત્રીઓનુ લાંબું આયુષ્ય હોઈ શકે. વળી પુરુષો પત્નીના જવા પછી બીજાં લગ્ન કરી લેતા. એટલે ‘ઓરમાન’ ભાઈઓ કે બહેનો હોય તેવા પરિવારો ઘણા જોયા. એ વાત ફિલ્મોએ પણ કરી જ. આજે એ પ્રકારના પરિવાર નહિવત જોવા મળે. અલબત્ત, વાસ્તવિક અપરમાતાઓ આજના ફિલ્મનાં પાત્રો જેટલી કઠોર પણ નથી જ જણાતી.
શિશુમરણ :
શરૂઆતમાં આપેલા કોઠામાં આઝાદી સમયના શિશુમરણના આંક ઉપર ફરી નજર નાંખો. જીવતાં જન્મેલાં એક હજાર બાળકોમાંથી ૧૮૯ પોતાની ઉમરનો પહેલો જન્મદિવસ પણ નહોતાં જોઈ શકતાં! બીજા શબ્દોમાં દર પાંચ બાળકે એક પ્રભુને ઘેર પાછું જતું. એક વર્ષ જીવી જાય, તેને પાંચ વર્ષ પાર કરવા મુશ્કેલ હતાં. ૧૯૪૬ના આંકડા મુજબ દર એક હજાર જન્મમાંથી લગભગ અરધા બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામતાં (આને બાળમરણનો આંક Child Mortality Rate કહે છે.) આ કઠોર વાસ્તવિકતાની ઊંડી છાપ સામૂહિક માનસિકતા ઉપર પડી. સગર્ભા સ્રીનો ખોળો ભરવાની વિધિ માટે લોકો એવી બહેનોને શોધતા જેનું એક પણ બાળક મૃત્યુ પામ્યું ન હોય (માટે ‘અખોવન’ શબ્દ વપરાતો, જે હવે લુપ્ત થઈ ગયો છે). આને વહેમ કહો કે અંધશ્રદ્ધા, પરંતુ ત્યારની પરિસ્થિતિમાં એ ડરનું નિવારણ હતું. મારી મા અખોવન હોવાથી એક ફરજ તરીકે આ વિધિ માટે સતર્કતાથી જતી, એ બતાવે છે કે એવી બેનો શોધવી કેટલું મુશ્કેલ હરો.
એ જમાનામાં દંપતિને ૪ – ૫ બાળકો હોવાં સામાન્ય હતું. એથી જો પાંચ જન્મે એક મૃત્યુ થતું હોય તો સંભાવના (Probabilty) એવી કે લગભગ દરેક સ્રીનું એક બાળક ગયું હોય. સંતતિ નિયમનના નિષ્ણાતોનો અભિપ્રાય રહ્યો છે કે બાળમરણ ઘટે તો જન્મદર (વસતિવધારાનો દર) પણ ઘટે. આ વાત ભારત માટે સાચી સાબિત થઈ છે. આજ આપણો શિશુમરણનો આંક (IMR) ૧૮૯માંથી ૨૬ પ૨ આવી ગયો છે અને દંપતીને બાળકોની સંખ્યા ૨-૧ થઈ ગઈ છે, જે ૧૯૫૦માં ૬.૨ હતી! એક સ્રીને બે બાળક હોય તો વસતિવધારાનો દર સ્થિર થઈ ગયો મનાય છે (એ જુદી વાત છે કે શિશુમરણના આંક બાબત બાંગ્લાદેશ અને ભુતાન અનુક્રમે હજારે ૨૧ અને ૧૯ મૃત્યુથી આપણા કરતાં સારી સ્થિતિ એ છે). આપણું લક્ષ્ય વર્ષ ૨૦૩૦ સુધી એને દર હજાર જન્મે ૧૨ મૃત્યુ જેટલો નીચો લાવવાનું છે.
સુધારા પાછળ કારણો :
આયુષ્ય અને બાળમરણ તો પ્રચલિત સૂચકાંક છે. તે વિના પણ આપણી અંગત જિંદગી પરથી જાણીએ છીએ કે આપણા વડીલો કરતાં આપણે સ્વાસ્થ્ય બાબત સારી સ્થિતિમાં છીએ. એ ખરું કે હજુ પણ અંતરિયાળ ગામડાંઓમાં આરોગ્યનું માળખું બરાબર નથી, પરંતુ એવા મુશ્કેલ વિસ્તારો છેલ્લાં ૫૦ વર્ષમાં સંકોચાતા ગયા છે. આ વિષય પર ખૂબ લખાયું હશે અને જાડા અહેવાલો બન્યા હશે. પરંતુ, આ લેખના મર્યાદિત હેતુ માટે ચાર-પાંચ મુખ્ય કારણો આપી શકીએ. (સમાન મહત્ત્વને એક જ ક્રમ આપ્યો છે).
નવી પેઢીને માનવામાં ન આવે કે જે સમયની વાત ચાલે છે ત્યારે દાક્તર પાસે નિદાન કરવા માટે બે-ત્રણ સાધન જ હતાં. ટોર્ચ, સ્ટેથોસ્કોપ અને બ્લડપ્રેશર માપવાનું મશીન. એક્સ-રે (ક્ષ કિરણો) ભલે છેક ઈ.સ. ૧૮૯૫માં શોધાયાં હોય, તેનાં મશીન નાનાં શહેરોમાં ખાનગી ડૉક્ટર પાસે ન હતાં. માત્ર સરકારી દવાખાનામાં એ હોય, પરંતુ વીજળીના એક લાખ વોલ્ટ પર ચાલતાં એ મશીન જો બગડી જાય તો ત્યાં પણ મહિનાઓ સુધી રિપેર ન થતાં, આજે દરદીના બિછાના પાસે એક્સ-રે મશીન લઈ જવાય છે. ત્યારે એક માણસથી એ ઊપડે નહીં તેવડાં ભારે હતાં.
સોનોગ્રાફી ઇત્યાદી :
ક્ષકિરણોના બે જ ઉપયોગ હતાઃ – છાતીનો ફોટો લેવામાં અને હાડકાં તૂટે ત્યારે. ‘૭૦ના દાયકાના અંતમાં એન્જિઑગ્રાફી ભારતમાં આવી ત્યારે તેના ઉપયોગનો વ્યાપ વધ્યો. કમ્પ્યૂટરની મદદથી જ CT સ્કેન પણ આવ્યું, તેનાથી મગજની ત્રિ-પરિમાણી (3D) તસવીરો મળી. જરૂર પડે તો પેટમાંનાં બાળકનો એક્સ-રે, તેનું સ્થાન જાણવા માટે લેવાતો. પરંતુ ગર્ભને માટે વિકીરણ નુકસાનકારક હોવાથી તેના વિકલ્પે સોનોગ્રાફી શોધાઈ.
૧૯ અઠવાડિયાના ગર્ભનું સોનોગ્રાફી દૃશ્ય
અવાજનાં પરાશ્રાવ્ય (Ultra-sonic) મોજાંઓનો ઉપયોગ ઇજનેરી ઉથોગમાં તો થતો હતો. તે પછી માનવનાં અંગોને ટટોળવા માટે પણ થયો. મૃદુ સ્નાયુનાં અંગો માટે એક્સ-રે બહુ પ્રભાવી નહોતાં પણ સોનોગ્રાફીએ એનું કામ ઉપાડી લઈ નિદાનક્ષેત્રે નવી. કાન્તિ કરી. પેટ ઉપર એક ‘પ્રૉબ’ મૂકીને દાક્તર યકૃત, પિત્તાશય, મૂત્રાશય, કીડની, બરોળ, પ્રોસ્ટેટ – એ બધાંની તબિયત પાંચ મિનિટમાં જાણી
લે છે!
શરીરની વિવિધ પેશીઓના ચુંબકીય ગુણધર્મોનો ઉપયોગ કરી ચિત્ર આપનારી ‘મૅગ્નેટિક રેસોનન્સ ઇમેજિંગ’ (MRI) અને વિકિરણનો ઉપયોગ કરી અંગોનાં ચિત્ર આપનારી રીત PET-સ્કેન, એ બંને માત્ર ભૌતિક આકાર-પ્રકાર સુધી મર્યાદિત નથી. એ અંગોમાં થતા રાસાયણિક ફેરફાર અને ચયાપચયની પણ માહિતી આપે છે. તેને કારણે કેન્સરનાં નિદાનમાં મોટી મદદ મળે છે. આ બધી જ આધુનિક ટેક્નિકો ઇલેક્ટ્રોનિક્સનાં સૂક્ષ્મીકરણ વિના સંભવ ન બની હોત. કલ્પના કરો કે એક હાથે ઉપાડાય તેવાં કાર્ડિઓગ્રામ મશીન જ્યારે શોધાયાં ત્યારે તેનું વજન એક ટન કરતાં વધારે હતું! આ ઉપરાંત, મગજનો EEG, પેટની એન્ડોસ્કોપી (કે કોલોનોસ્કોપી), સ્નાયુઓના માયલોગ્રામ, આર્થ્રોસ્કોપ – એ બધા મળીને શરીરના કોઈ પણ ભાગની માહિતી આપી શાકે છે. આ બધાં વિના પણ ક્યારેક નિદાન થતું એ જ આશ્ચર્યની વાત છે. એ માટે ‘ત્યાર’ના દાક્તરોને પણ સલામ (આ પરીક્ષણનો અતિરેક પણ થાય છે તેય ખરું. તે વિશે પણ ક્યારેક વિચારીશું).
લોહીની તપાસમાં પણ હવે સંકુલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે. તેનાથી એકસાથે ઘણાં સેમ્પલો અને વધુ ઝડપથી ટેસ્ટિંગ કરવામાં મદદ મળે છે. વિરોધાભાસ કેટલો છે કે એ જમાનામાં એ જમનામાં ડાયબીટીસની બીમારીનું નિદાન લોહીની તપાસથી નહીં પણ પેશાબની તપાસથી થતું. આજે એની તપાસ દરદી ઘેર બેઠે જાતે કરે છે! પેશાબમાં સાકર ત્યારે જ દેખાય જ્યારે પ્રમાણ વધારે હોય. આથી, નિદાન મોડું થાય અને નુકસાન શરૂ થઈ ગયું હોય. જિનેટિક્સ અને બાયોટેકનોલોજી દાખલ થવાથી હવે લોહી દ્રારા કેટલાંય વિરલ દરદોની તપાસ શક્ય બની છે. સરેરાશ આયુષ્ય ૨૭ વર્ષથી ૭૦ વર્ષ થવા પાછળ આખી નિદાન પ્રણાલી પણ યશની હકદાર છે.
રોગ નિવારણ :
આજે મોટા ભાગના લોકો જીવનશૈલીના રોગો સામે લડે છે. મધુપ્રમેહ, હૃદયની વિવિધ બીમારી અને કૅન્સર એનાં મુખ્ય ઉદાહરણ. ત્યારે મોટી લડત જીવાણુ અને વિષાણુથી થતા રોગો સામે હતી. એલોપથીમાં તેને સંસર્ગજન્ય (communicable) રોગો કહે છે, જેવા કે, ક્ષય, ટાઇફોઇડ, કૉલેરા, મેલેરિયા, શીતળા (સાથે ઓરી-અછબડા). નિદાનનાં પરીક્ષણો ન હોવા છતાં પણ દાક્તરો તેને લક્ષણોથી પારખી લેતા, લાચારી ઉપચારક્ષેત્રે હતી. વિદેશી શાસકો આઝાદી સુધીમાં પ્લેગને લગભગ કાઢીને ગયેલા. પરંતુ બાકીના આપણી આબોહવાના રોગો હતા, તેમાં સફળતા નહોતી મળી.
પ્રજાના મોટા ભાગનો ઝોક આયુર્વેદ તરફ હતો, પરંતુ આ ચેપી રોગો સામે આયુર્વેદ પાસે કોઈ સચોટ ઉપચાર ન હતો. ક્ષયની નવી આવેલી દવા સ્ટ્રેપ્ટોમાઇસિન હજુ પ્રચલિત નહોતી થઈ. રોગ લાગુ પડે તો દર્દાને સમાજથી અળગો કરવા ‘સૅનેટોરિઅમ’માં મોકલવો એ એક જ ઉપાય હતો. પેનિસિલિન અને સલ્ફાનાં પ્રતિજીવાણુ દ્રવ્યો ૧૯૩૦ના ગાળામાં જ શોધાયાં હતાં, તેથી ૧૯૫૦ સુધી તેનો ઉપયોગ તો થતો પરંતુ બહુ સ્પષ્ટ હોય તેવા કિસ્સામાં જ. વાઇરસ માટે રસી એક જ ઇલાજ છે તે વાત સમજાઈ હતી, પરંતુ તેની વહીવટી વ્યવસ્થા વ્યાપક નહોતી. શીતળા પણ વાઇરસનો રોગ છે. તેનો ખોફ ખતરનાક હતો. મુખ્યત્વે બાળકોને પકડતા આ રોગ સામે માબાપ અસહાયતા અનુભવતાં. મૃત્યુ પણ થતાં. જે બચી જાય તેના શરીરે રહી જતા ડાઘ એ વ્યક્તિની જીવનભરની ઓળખાણ બની રહેતા. ‘ચંપા કોણ? પેલી શીળીના ડાઘવાળી?’ આવા સંવાદ અમે છેક યુવાન વય સુધી સાંભળ્યા છે. ડરના કારણે ઊભાં કરેલાં શીતળા “માતા’ અને ‘બળિયાદેવ’નાં મંદિરો આજેય એ ભયનાં સ્મારકરૂપે ઊભાં છે.
આઝાદ ભારતે રસીકરણનો કાર્યક્રમ પૂરા ખંતથી ઉપાડયો. પંચાવનથી વધારે વયનાં સ્ત્રી-પુરુષોનાં બાવડાં ઉપર બે કે ત્રણ ગોળ ચકતાં દેખાય છે તે આ રસીની સાબિતી છે. બાયોટેકનોલોજીતો હતી નહીં, જીવંત રસી આપવામાં આવતી. આ સઘન કાર્યથી, શીતળાનો રોગ દેશમાંથી તદ્દન નાબૂદ થઈ શક્યો અને ‘૭૦ના દાયકાથી રસી આપવાનું પણ બંધ થયું. ક્ષય રોગ માટે BCG રસી આપવા માટે પણ આરોગ્ય કર્મચારીઓ ફળિયે ફળિયે ફરતા અને શાળાઓમાં પણ જતા. ક્ષય જીવાણુજન્ય રોગ છે અને તેથી રસી એટલી કારગર ન થઈ શકી. એવો જ ઉત્સાહ મેલેરિયા નાબૂદી માટે પણ જોવા મળતો. બબ્બેની જોડીમાં કર્મચારીઓ ઘરે આવી પહોંચતા અને દીવાલોની ઉપર ડી.ડી.ટી.નો છંટકાવ કરી જતા. આશા અને ભયના માર્યા લોકો બારી-બારણાં ઉપર લાગેલી એ સફેદ છારીને ક્યારેય સાફ ન કરતા! બહુ મોડેથી ખબર પડી કે ડી.ડી.ટી.ની આડઅસર પણ હોય છે અને તેથી એ છંટકાવ બંધ થયો.
કુષ્ણ-સુદામાના સંવાદ “તને સાંભરે રે? “…મને કેમ વીસરે રે’ જેવાં આ સંસ્મરણો અમારી પેઢી માટે બહુમૂલ્ય છે, જન્મ લીધો ત્યારે જેની માત્ર ત્રીસ વર્ષ સુધી જીવવાની સંભાવના (Probability) હતી, તે જો ૭૫ વર્ષે આ વાતો કહી શકે છે, તો તેનું શ્રેય ત્યારના સ્વાસ્થ્ય કર્મચારીઓ, વહીવટકર્તાઓ અને દૂરંદેશી નેતાઓને જાય છે. દેશે દાખવેલ ધીરજ, નિષ્ઠા અને જ્ઞાનના સતત ઉપયોગની એ કહાણી છે.
માથું દુ:ખવું, તાવ તરિયો આવી જવો કે પેટની નાની મોટી ગરબડ ઊભી થઈ જવી-એવું તો હાલ્યા કરે ભાઇ ! એને આપણે બીમારી નહીં પણ “કટેવ થઈ ગઈ” કહી મનમાંથી કાઢી નાખતા હોઇએ છીએ. પણ ક્યારેક જેની પીડા અને રીબામણીથી કંટાળી જઈ માણસ મરવાનું પસંદ કરી બેસે, એટલી હદે કોઇ જાતની સારવારને ન ગાંઠે તેવા જળોની જેમ ચોટી જાય તેવા દર્દોની સંખ્યા પણ ઓછી નથી.
પંચોતેર વટાવી ગયેલા માનવીને, પછી તે ભાઇ હોય કે બહેન, કાં તો એને મધુપ્રમેહે ફસાવી પાડ્યા હોય, કે લોહીના ઉંચા-નીચા દબાણવાળી હ્યદયને લગતી કોઇ બીમારીનો ભોગ થઈ જવાયું હોય ! જે કોઇ આ બીમારીમાંથી બચી જવા પામ્યા હોય તેવા ભાગ્યશાળીને પગની એડી, ઘૂંટણ, ખભા કે કેડ ફરતો હાડકાંનો દુ:ખાવો ઠોંહા માર્યા કરતો હોય છે.
પહેલાના વખતમાં મધુપ્રમેહનો વાહો [રહેઠાણ] રહેતો વેપારી, સુખી, બેઠાડુ જીવનવાળાને ત્યાં. ખેડુતો, મજૂરો, કે કારીગરો, જેનાં પંડ્ય પરસેવે નીતરતાં હોય, એવી મલ્લમહેનત ભાળીને જ મધુપ્રમેહ આઘો ભાગતો અને હ્યદયરોગ ? એ તો કહે નાની ઉંમરવાળા અને પાતળિયા દેહવાળામાં શું જીવ નાખવો ? એયને જાડા, ખાધેપીધે સુખી અને બેઠાડુ માણહ સાથે જ એને મેળ જામતો !
સમય બદલાયો છે. ;
પણ હવે સમય બદલાયો છે. આપણી રહન-સહનની રીતો પણ બદલાઇ છે. શરીરને પરસેવો વાળવાની વાત ક્યાં કરવી ? થોડું આઘેરૂક જવું આવવું કે શરીરને થોડોકેય આલ પડે તેવી કોઇ પ્રવૃત્તિને આપણે ઢુંકડી જ આવવા દેતા નથી. શરીરશ્રમ ઓછો થઈ ગયો છે તે પણ એક કારણ ખરું આવા રોગોને બોલાવવાનું. અને વધુ વજનદાર કારણ બીજું એ પણ છે કે આપણા ખોરાકની રૂચિ અને રસો પણ બદલાયાં છે. સાજા રહેવું એ તો શરીરનો સ્વભાવ છે. પણ ખોરાકની આપણી પસંદગી અને ખાણીપીણીની ટેવો એવી બગાડી નાખી છે કે જેને બસ માંદા પડવાનો જ પ્રયત્ન કર્યો ગણી શકાય !
કોણ નાનું છે કે કોણ મોટું ? કોણ પાતળું છે કે કોણ છે લોંઠકું ? કોણ સ્ત્રી છે કે કોણ છે પુરુષ ? અરે, હવે તો કોણ બાળક કે કોણ છે વૃધ્ધ ? કશુંયે જોયા વિના દર્દો એને મનફાવે એ રીતે બેરોકટોક એવી જાળ બિછાવી રહ્યા છે કે ભલભલા એની લપેટમાં આવી જાય છે.
વધુ મહત્વ ખોરાકનું ;
દર્દ મટાડવામાં દવા ઉપયોગી છે, એના કરતાં પણ ખોરાક અતિ ઉપયોગી છે. આપણો ખોરાક જ જો સર્વાંગીણ બળવત્તર અને સુપાચ્ય હોય તો શરીરને તંદુરસ્ત રહેવાનું ખૂબ ફાવે છે. ખોરાક બાબતે યોગ્ય તકેદારી લેવાય તો દર્દનું આગમન થઈ ગયું હોય તો પણ તેની વિદાયગીરીની વેળા વહેલી લાવી શકાય છે. એવા બળવત્તર ખોરાક માધ્યમોને શોધીએ તો નજર “સોયાબીન” પર જઈને ઠરે છે.
ફળોમાં જેમ આમળાં – કઠોળમાં શ્રેષ્ઠ સોયાબીન;
સોયાબીન કઠોળ વર્ગનો પાક છે. તેમાં બીજાં બધાં કઠોળ કરતાં પ્રોટીનનું પ્રમાણ ઉંચેરું છે. અરે, માંસ અને માછલી [18૧૮ % પ્રોટીન] થી પણ સવાબે ગણું વધારે, એટલે કે 40 % અને એ પણ ગુણવત્તમાં શ્રેષ્ઠ, મનુષ્યને માટે ઉપયોગી એવા બધા જ પ્રકારના એમિનો એસિડથી છલોછલ ! અને છતાં સસ્તુ-કિંમતમાં નાનામાં નાના માણસને પણ પોસાય-પરવડે એવું !
સોયાબીનમાં ૨૦ % જેટલી ચરબી એવા વિશિષ્ટ પ્રકારની છે, કે તેના તેલમાંથી બનાવેલું ખાણું કોલેસ્ટીરોલ ન વધારતું હોવાથી હ્યદયરોગી માટે ખૂબ જ ઉપયોગી છે. કેલ્શિયમ અને લોહ પણ પુષ્કળ પ્રમાણમાં છે. લોહીમાં હીમોગ્લોબીનની ઊણપ કે શરીરમાં હાડકાંની નબળાઇ જણાતી હોય એવા માણસો માટે આનો ખોરાક આશીર્વાદરૂપ છે. જેમને પેટમાં ગેસની તકલીફ હોય તેમણે દૂધ અને દૂધની બનાવટોથી દૂર રહેવું પડતું હોય છે. સોયાબીનમાંથી બનેલી બનાવટોમાં લેક્ટોઝ સુગર નહીં હોવાથી, એવાઓ માટે સોયાબીન અતિ ઉપયોગી છે.
કાર્બોહાઇડ્રેટ્સ ૨૦ % હોવા છતાં સ્ટાર્ચની માત્રા નહિવત હોય છે. સોયાબીનમાંનો 20 % હિસ્સો તો દાણા પરની ફોતરીનો હોય છે. જે ફોતરીના રેસા એવા વિશિષ્ટ ગુણવાળા હોય છે કે જેના લીધે કાર્બોહાઈડ્રેટ્સમાંથી ગ્લુકોઝનું રૂપાન્તર જ ખૂબ ઓછા પ્રમાણમાં થવા દે છે. એટલે સોયાબીનમાંથી બનેલું ખાણું ડાયાબીટીસવાળા માટે ઉપયોગી પુરવાર થયું છે.
અરે ! છેલ્લું સંશોધન તો એમ કહે છે કે સોયાબીનમાં આઇસો ફ્લેવાન નામનું ફાયટો રસાયણ હોય છે, જેથી કેટલાંક વધુકાં વિશિષ્ટ કાર્યો કરવા તે શક્તિમાન છે. દા. ત. તેમાંનું એક ખાસ કરીને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરને આગળ વધવા દેતું નથી.
વપરાશ કેમ કરવો – પસંદગી પોતપોતાની ;
તેને આપણે રોજબરોજના ઉપયોગમાં લેવા બાબતે ઘણી બધી રીતો છે. સોયાબીન લોટ તરીકે, દૂધ તરીકે, દૂધમાંથી દહીં, છાશ અને પનીર બનાવીને, તેને બાફી, તેમાંથી કેન્ડી કે ટોફી બનાવીને, અરે ! શેકી-ભૂંજી-બાફી, તેમાં મસાલા ભેળવી જેમ મગ, મઠ, ચોળા કે ચણા ખાતા હોઇએ એમ પણ ખાઇ શકાય છે. મારા એક સ્નેહી તો ૧૦ કીલો ઘઉંમાં એક કીલો સોયાબીન ઉમેરી, દળી, તેની રોટલી બનાવી ખાય છે. જેથી રોટલીમાં તેલનું મોણ દેવાનો સવાલ હલ થાય છે અને છતાં રોટલી મસ્ત કૂણી કૂણી બની રહે છે-એમ એમનું કહેવાનું છે. સોયાબીન કેમ ખાવું-કેવીરીતે ખાવું તેની પસંદગીના વિકલ્પો ઓછા નથી. આ રીતે વ્યક્તિએ રોજના ૪૦-૫૦ ગ્રામ સોયાબીન લેવાનું રાખ્યું હોય તો ડૉક્ટરથી બચી રહેવાય છે.
ખેડૂતને મન મૂઠી ઉંચેરા મોલની ખેતીની રીત :
“અમૂક પ્રકારની જ જમીન જોઇશે”, “ખાસ જાતનાં જ ખાતરો ફાવશે” એવા ચાળા ને ચાગલાઇ કરનારો શ્રીમંત પાક આ નથી. સોયાબીન તો “કઠોળ” જેવા સરળ અને સોજા માવતરનું છોરું છે. સાવ જ ટુંકી મૂદતમાં તૈયાર થાય, વધારાની કશી જ માવજત માગે નહીં, કે રોગ-જીવાત લાગવાની ફરિયાદ પણ કરે નહીં, અરે ! પાલો અને પાંદડાં પશુઓને ભાવે એવા, અને ઉત્પાદન બાબતેય અન્ય પાકોથી લગરીકેય ઉતરતી નહીં !
પાક રહ્યો કઠોળ વર્ગનો. મૂળમાં હોય રાઇઝોબિયમ બેક્ટેરિયાનો વસવાટ. તેથી સોયાબીનનો છોડવો ખાય થોડું અને આપે વધારે ! હવામાંથી નાઇટ્રોજન પકડી મૂળ વિસ્તારમાં ભેગો કરે. પોતે તો ખવાય એટલો ખાય અને બાજુમાં ઊભેલાને પણ ખવરાવે બોલો !
બીજા ચોમાસુ પાકોની જેમ જ જમીન તૈયાર કરવી અને પોતાની પહોંચ પ્રમાણે ખાતરો આપવાં. ચોમાસામાં વરસાદ થયે વાવણી કરવી. “સૌનું થાય તે આપણું થાય” એવું સદાય મોટું મન સોયાબીનનું ! સેવામાં ખેડૂત તરફથી થતી વધ-ઘટ કે વાવણીમાં થોડું વહેલું-મોડું, એનોયે બહુ હરખ-શોક એને નહીં ! પૂર્તિ ખાતરની તો સામેથી જ ના પાડે એ, અને વરસાદની જેવીતેવી ખેંચ તો એના મનમાંયે નહીં ! વરસાદ વધુ ખેંચાવે અને સગવડ હોય તો અપાયેલ પિયતનું વ્યાજ સહિત ઉત્પાદનના રૂપમાં સાટું વાળી આપે એવો પાક ! જેવીતેવી જીવાતોને ગાંઠે એ બીજા, સોયાબીન નહીં ! રોગો કોઇ ઘાંયતાંય [બનતા સુધી ] ઢુંકડા જ આવે નહીં. ત્રણ-સાડા ત્રણ મહિને તો પાંદ પીળાં થઈ માંડે ખરવા અને જમીન લગોલગથી થડ પર શીંગોની એવી ઠાંહણી કે એની લણણી કરવા દાતરડું ક્યાં દાખલ કરવું એનો વિચાર કરતા કરી દે ! ધ્યાન બસ એટલું રાખવાનું કે શીંગો સાવ પાકીને પીળી દેખાય પછી જ લણણી કરવી, નહીં તો દાણાનો રંગ સફેદને બદલે લીલવર્ણો થાય. થ્રેસર હોય તો ઠીક, નહીં તો ખળામાં નાખી, સૂર્યતાપમાં સારી પેઠે સુકાવા દઈ, ઉપર બળદગાડું કે ટ્રેક્ટર હાંકી ઉપણી લેવાની જૂની રીત એને વધુ ફાવે.
વ્યાપ અને જાતો :
સૌરાષ્ટ્રમાં તો હજુ એની શરૂઆત થતી આવે છે, એટલે વાવેતરનો વિસ્તાર ઓછો છે. આખા દેશમાં આશરે ૭૫ લાખ હેક્ટરમાં થતા વાવેતરનું ઉત્પન્ન ૭૦ લાખ ટનનું છે. કુલ ખાદ્ય તેલોમાં તેનું ૧૦ % યોગદાન રહેલું છે. આપણે ત્યાં મધ્ય પ્રદેશમાં ખુબ સારા પ્રમાણમાં વાવેતર થાય છે. જથ્થામાં વધુ અને ઓછા સમયમાં તેની પાસેથી કેમ વધુ ઉત્પન્ન લઈ શકાય, તે માટેના સંશોધનો પણ ત્યાં ખૂબ પ્રમાણમાં થઇ રહ્યા છે. અહલ્યા-૧ અને અહલ્યા-૨ તથા ટુંકી મુદતમાં પાકતી અને પાક્યા પછી શીંગો ફાટતી ન હોય તેવી અહલ્યા-૩ અને અહલ્યા-૪ તેની જાણીતી જાતો છે. આપણે ત્યાં ગુજરાતમાં જી.એસ.૩૩૫, જે સફેદ દાણાવાળી છે, એ જાત સારી રીતે વિસ્તરતી જાય છે. ગુજરાત સોયાબીન -૧ ઓછા વરસાદવાળા વિસ્તાર માટે અને ગુજરાત સોયાબીન -2 વધુ વરસાદવાળા વિસ્તાર માટે પસંદ કરાય છે. ગુજરાત -૩, ક્લાર્ક-જે-૨૭૨ અને ૨૩૧ જેવી જાતો પણ સોયાબીનમાં પ્રચલિત છે.
ઓળખ :
દોઢથી બે ફૂટ સુધીની ઉંચાઈ અને બાળપણથી જ ઘેરા લીલા મગથી મોટાં એનાં પાન ! જેમ ઉંમર પાક્યે માણસોના વાળ રૂપેરી દેખાય, તેમ પાકટ સોયાબીનના પાન સોનેરી થાય ! એ દ્રશ્ય જોતાં લાગે જાણે ધરતીને પીળી સાડી ઓઢાડી શણગારી હોય ! શીંગો જોઇ હોય તો મધ્યમ પહોળા પટ્ટાની, આમ તો પાપડી વાલોળ જેવી જ. શીંગમાં દાણાની સંખ્યા ૪ થી ૬. દાણા લગભગ તુવેરના દાણાના કદના, પણ સફેદ, લીસ્સા અને ચમકીલા ! જોયા ભેળા આંખમાં વસી જાય તેવા !
ઉત્પાદન :
જૂન-જુલાઇમાં વાવણી કરાઇ હોય, બે હાર વચ્ચે ટૂંકું અંતર એક જ ફૂટનું રાખી, ૩-૪ ઇંચના ગાળે છોડવાની પારવણી કરી હોય, મુખ્ય પાક તરીકે લાગઠ જ લેવાયો હોય અને મન મૂકીને માવજત અપાઇ હોય તો નાના વીઘે ૨૦ મણ [૪૦૦ કીલો ] ઉત્પાદન અવળી આંટીએ [સહેજે-સરળતાથી] લઈ શકાય છે.
ખરા મૂંઝારામાં ભેરૂ – આંતરાપાકની અવેજી :
આપણે ત્યાંની ગુજરાતની ખેતીમાં હવે કપાસ એ મુખ્ય પાક બની ચૂક્યો છે. એમાંયે બી.ટી. બિયારણ આવતાં તે બીજા પાકોની સરખામણીએ ખેડૂતને કંઇક ઠીક સુઝાડતા પાક તરીકે ઊભરી રહ્યો છે ત્યારે, તેને લાંબો સમય ટકાવવો હશે તો, એની એ જમીનમાં લગાતાર દર વરસે કપાસ જ વાવ્યા કરવાને બદલે સાથમાં કોઇ બીજા પાકની ભેર લીધા વિના હાલવાનું નથી. પાકની ફેરબદલીનો લાભ મળતો થાય, રોગ-જીવાતમાં રાહત થાય અને સવા-કવા કે વરસાદની અનિયમીતતામાં વરસ સાવ નલ્લે [નિષ્ફળ ] ન જાય તે ગણતરીએ દ્રષ્ટિવાન ખેડૂતોએ મિશ્રપાક તરીકે કપાસની વચ્ચે ‘આંતરપાક’ તરીકે કંઇકને કંઇક, જેવા કે તલ, મગફળી, મગ-અડદ, મકાઇ કે નીચા રહેતા બાજરા જેવા પાકો દાખલ કર્યા છે. પણ જમીનો બધી વધારે પડતા રાસાયણિક ખાતરોના વપરાશ અને નબળા-દુબળા પાણીના વારંવારના પિયતથી થઈ ગઈ છે ખૂબ પિતવાડ અને ચોતરા જેવી કઠ્ઠણ ! કપાસની વચ્ચે મગફળી વાવીને ઉછેરવી બહુ ફાવે છે, પણ તેને ખેંચતી વખતે તે સારી પેઠે તૂટીને જમીનમાં જ રહી જાય છે. જ્યારે તલ ? તલનો પાક હવે થઈ ગયો છે સાવ ફોસરિયો ! [બીકણ-નબળો ] જરીક અમથો વધ-ઘટનો વરસાદ વરસે કે રોગ-જીવાતનો જરી અમથો સાંભળી જાય ફુંફાડો, ત્યાં ફસકીને બેસી જાય છે સાવ પાણીમાં ! બાજરાભાઇની તો વાત જ નહીં કરવાની ! ચિંધ્યું હોય કપાસની સોડ્યમાં રહી વધવાને વિકસવાનું, પણ એનો સ્વભાવ જ એવો, એટલે નીકળી જાય કપાસ કરતાં ક્યાંય ઊંચેરો ! છાંયો ને ઓથ એવા પાડી દે કે કપાસે ‘આંતરપાક’ બની જવું પડે ! બાકી રહ્યા મગ-અડદ જેવા કઠોળ. તો એ બધામાં મળતા ઉત્પાદનના વજનમાં ખાસ ભલીવાર ભળાતી નથી. ક્યો પાક કપાસના બે ચાસની વચ્ચે વાવવો તેની મથામણમાં સૌ ખેડૂતો છીએ.
એવા ટાણે સોયાબીનના છોડવાની નરવાઇ અને એની ઉત્પાદન આપવાની ગરવાઇનો જેમને પરિચય થયો છે, એની વાત કહું તો આપણા ચીલાચાલુ બીજા બધા પાકોમાં કપાસના આંતરપાક તરીકે સરસાઇ ભોગવી શકે એવો આના જેવો પાક બીજે ગોતવા ગયે જડશે નહીં, પણ આ તો સામેથી આપણા સૌરાષ્ટ્રના ખેડૂતોને શોધતો આવ્યો છે. તક છે ઝડપી લેવા જેવી – મારું તો એમ ભાર દઈને કહેવાનું છે ભાઇઓ !
સુડોકુ – તમને બહુ જ પ્રિય પઝલ-રમત : તમારા પોતાના જીવન જેવી.
નવ હાર, નવ સ્થંભ અને નવ ચોખંડી ખોખાંઓમાં વહેંચાયેલાં કુલ ૮૧ ખાનાંઓની રમત. આ ૮૧ માંથી લગભગ ૨૭ ખાનાંઓમાં આંકડાઓ આપેલા છે. આ તમને મળેલી મૂળ મૂડી છે. એ તમારા જીવનની : અરે! ભુલ્યો , રમતની સ્ક્રિપ્ટ છે – જાણે કે જન્મકુંડળીના નવ ગ્રહોથી રચાતું એક નાટક. તમારે બાકીના ખાનાં શોધી કાઢવાનાં છે. શરત એ કે દરેક હાર, સ્થંભ કે ખોખામાં નવે નવ આંકડા આવી જવા જોઈએ. કોઈ આંકડો બેવડાવો ન જોઈએ. જેમ જીવનનો દરેક અનુભવ એક અનન્ય અનુભવ હોય છે, તેમ આ નવે નવ આંકડા જુદા જ હોવા જોઈએ. બહુ જ તર્ક અને ધીરજ માંગી લેતી આ રમત છે. ક્યાંક એક ભુલ કરી દીધી અને તમે એવા ગૂંચવાડામાં પડી જવાના છો કે, રમત અધૂરી જ સંકેલી લેવી પડે. આ દારૂણ જંગ તો ખરાખરીનો ખેલ છે. તલવારની ધાર પર ચાલવાનું છે. ક્યાંય શરતચૂક ન ચાલે.
શરુઆતમાં તમે શોધી કાઢેલી જીવનપધ્ધતિ, અરે! તર્કપધ્ધતિ પ્રમાણે ચાર પાંચ જગ્યાઓએ તો એક જ શક્યતા તરત જણાઈ આવે છે. તમે હરખાઈ જાઓ છો. એના આધારે એક માત્ર શક્યતાવાળાં બીજાં બે ત્રણ ખાનાં પણ, થોડા પ્રયત્નો પછી તમને દેખાય છે. તમે અડધો જંગ જીતી ગયાના ગર્વમાં મુસ્તાક છો. જેમ બાળપણ મધુર હોય છે, તેમ સુડોકુનો શરુઆતનો આ ભાગ પણ સરળ અને ગૂંચવાડા વિનાનો લાગે છે. પણ હવે આ અડધે રસ્તે જ ખરી કઠણાઈ શરુ થાય છે. જ્યાં જુઓ ત્યાં બે, ત્રણ કે ચાર શક્યતાઓ જણાવા લાગે છે. બધે ત્રિભેટા જ ત્રિભેટા! ક્યાંય આગળ વધાય જ નહીં. તમે અકળાઈ ઊઠો છો. ક્યાંય તમે આગળ વધી શકતા નથી. આ માયાજાળમાં આગળ ધપવાની ચાવી ક્યાંક ખોવાઈને સંતાયેલી છે. પણ ત્યાં પહોંચતાં પહોંચતાં તમને પસીનો પસીનો થઈ જાય છે. જીવનની બપોરનો આ તાપ છે!
અને ત્યાં જ એકાએક પરમ તત્વની અસીમ કૃપાથી તે ચાવી આગળ તમે પહોંચી જાઓ છો. કોઈ પરીએ કરેલ પુષ્પવર્ષાની જેમ; ફરી એક વાર એક જ શક્યતાવાળાં ખાનાંઓની હારમાળા એક પછી એક તમારી ઉપર વરસવા માંડે છે. તમારા જીવનના મધ્યકાળના સુવર્ણયુગની જેમ તમારી સમ્પત્તિ અને સમૃદ્ધિ વધતાં જાય છે.
હવે પોણો જંગ જીતાઈ ચૂક્યો છે. વિજયશ્રી તમારા હાથવેંતમાં છે. પણ હવે બે બે શક્યતાવાળાં જોડકાં – એ જ વિતાડતા ત્રિભેટા – ફરી ખડા થઈ જાય છે. તમારી અકળામણનો આ છેલ્લો તબક્કો છે. આમ તો હવે ઘણાં ઓછાં ખાનાં તપાસવાનાં બાકી છે. પણ ફરી ચાવી ખોવાઈ ગયેલી છે. તમે ચોપડીની પાછળ આપેલો ઉકેલ જોવા તત્પર બનો છો. પણ તમારી મર્દાનગીને, રમત રમવાની તમારી ચાલાકીને આ છેલ્લો પડકાર છે. તમે વળી એ પ્રલોભન બાજુએ મુકી, ફરી એ તર્કયુધ્ધમાં ખુંપી જાઓ છો. ખણી ખણીને સાવ નિર્વાળ (!) એવા તમારા ચકચકિત માથાનાં વધારે વાળ ઓછા થવા માંડે છે. વીતેલા સમયને કારણે તમારી શક્તિઓની પણ સીમા આવી ગયેલી છે. તમે અકળાયેલા, થાકેલા, અશક્ત છો. એ બાળપણની મધુરતા અને યુવાનીનો તરવરાટ આ વાર્ધક્યમાં હવે ક્યાં છે?
અને ત્યાંજ એ છુપાયેલી ચાવી તમને દેખાઈ આવે છે. બસ એક નાનીશી અને છેવટની સમજણની (જીવનની જાગૃતિ ) જ જરુર હતી, જે તમને મળી ગઈ છે. અને મંજિલ પણ હવે ક્યાં દૂર છે? બાકીના ઉકેલોનું અવતરણ પત્તાનાં મહેલની જેમ ફરફરાટ થવા માંડે છે. ૮૧ ખાનાંઓનો એ મહેલ હવે પૂરો ભરાઈ ગયો છે. તમારો ખેલ હવે પૂરો થયો છે.
તમે આ સમસ્યાના ઉકેલનું, જીવનયુધ્ધની પેલી પાર આવેલું એ પાનું ઉત્કંઠાથી ઉથામો છો. એક એક કરીને બધી હારોમાં તમારો શોધી કાઢેલો ઉકેલ સાચો છે; તેમ જાહેરાત થતી જાય છે. અને જીવનની ફળશ્રુતિ, આ જંગ તમે સફળતાથી પાર કર્યો છે તેની ખાતરી થતાં તમે નિર્વાણ અવસ્થાની લગભગ સમાંતર કહી શકાય એવી સુખસમાધિમાં લીન બની જાઓ છો. રમતના અને જીવનના ત્રણ ત્રણ તબક્કે ખેલાયેલા જંગોનો ભવ્ય ભુતકાળ પણ તમે ભુલી જાઓ છો. હવે કેવળ વર્તમાનના પરિતોષનો ભાવ ચિત્તમાં ધારી તમારી આ રમત તમે સંકેલી લો છો.
જીવન યથાર્થ જીવ્યાનો આનંદ છે. હવે કોઈ તર્કની જરુર નથી. હવે કોઈ ચાવીઓની જરુર નથી. સુડોકુનો, જીવનનો આ ખેલ સફળતાથી તમે ખેલ્યા છો. બધી કસોટીઓમાંથી સર્વાંગ સાચી રીતે પાર ઉતર્યાની ગરિમા છે. કરી કો’ક દી કો’ક નવી જ સુડોકુ સમસ્યા ખેલવાનો સંકલ્પ કરી તમે નિવૃત્ત બનો છો. જીવનના અંતે પણ સુડોકુની આ રમત જેવો, આવો હાશકારો અનુભવી શકાય, એવું જીવન તમે જીવ્યા છો ખરા?
આવી જ એક કવિતા…
જીવન કસરત
કોઇ સરકે છે. કોઇ ટહેલે છે. કોઇ ધસમસ શ્વાસે દોડે છે. કોઇ હાંફે છે. કોઇ નીતરે છે. કોઇ લયમાં શિરને ડોલે છે.
કોઇ મરકે છે. કોઇ બબડે છે. કોઇ રડમસ ચહેરે લટકે છે. કોઇ ભારે ભારને ઊંચકે છે. કોઇ હળવા દડાથી ખેલે છે.
ધરતી સરકે છે પગ નીચે, પણ ચિંતા વિણ હું ઊભો છું. બળે કેલરી ક્ષણે ક્ષણે, પણ હું તો સાવ જ શીતળ છું.
કેટકેટલાં અંતર કાપું, છતાં નથી હું સહેજ ખસ્યો. આ વાત જીવનની છે કે પછી, ટ્રેડમીલથી એક દર્શન છે?.
એને કુદરતની એક અજાયબી કહી શકાય. છે તો એ ખારા પાણીનું જળાશય, પણ એના વિશાળ વિસ્તારને કારણે એને ‘સમુદ્ર’ કહેવામાં આવે છે. તે જગતનો સૌથી મોટો ભૂવેષ્ટિત એટલે કે રશિયા, અઝરબૈઝાન, કઝાખસ્તાન અને તુર્કમેનિસ્તાન તથા ઈરાનના ભૂમિવિસ્તારોથી ઘેરાયેલો એટલે કે ચારે બાજુથી બંધ સમુદ્ર છે. તે દરિયાઈ સપાટીથી ૨૭૯ મીટર નીચો છે. તેની મહત્તમ ઊંડાઈ ૧,૦૦૦ મી. જેટલી છે. વોલ્ગા ઊપરાંત અરબ, એમ્બા, ટરેક, કુરા અને અત્રેક નદીઓનું પાણી તેમાં ઠલવાય છે. અનેકવિધ જૈવપ્રણાલિઓ તેમજ મધ્ય એશિયાના વ્યાપાર અને સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર રહી ચૂકેલો કાસ્પિયન સમુદ્ર છેલ્લાં થોડાં વરસોમાં હવે પોતાના અસ્તિત્ત્વ માટે ઝઝૂમી રહ્યો છે. તેનું જળસ્તર સતત ઘટતું ચાલ્યું છે અને તેના તળ નીચેના સ્રોત ઊઘાડા થવા લાગ્યા છે. મરણોન્મુખ થઈ રહેલો આ સમુદ્ર કેટલું ટકશે એ સવાલ છે.
કાસ્પિયન સમુદ્રની વધુ વાત કરતાં અગાઉ મધ્ય એશિયામાં જ આવેલા અરલ સમુદ્રની વાત કરવા જેવી છે. ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની વચ્ચે આવેલું આ જળાશય પીઠા પાણીનું સરોવર હતું, પણ તેના વિશાળ વિસ્તારને કારણે એ પણ સમુદ્ર તરીકે ઓળખાતું હતું. બે નદીઓનું પાણી તેને ભરેલું રાખતું હતું. એ સમયે સંયુક્ત સોવિયેત સંઘે આ નદીઓના પાણીને અરલને બદલે કપાસની ખેતી માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એ સાથે અરલ સમુદ્રના ધીમા મૃત્યુનો આરંભ થયો. ચાર સાડા ચાર દાયકા સુધી આ ક્રમ ચાલતો રહ્યો અને અચાનક ૧૯૯૦માં સમગ્ર વિશ્વનું ધ્યાન આ દુર્ઘટના તરફ દોરાયું. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એક સમયે જ્યાં પાણીનાં મોજાં ઉછળતાં હતાં ત્યાં હવે ધૂળ ઊડવા લાગી હતી. વહાણો કાટ ખાતાં ત્યાંનાં ત્યાં જ પડી રહ્યાં હતાં. છેલ્લા અહેવાલ અનુસાર આ સમુદ્રનો પંચોતેર ટકા ભાગ સૂકાઈ જઈને હવે કેવળ પચીસ ટકા ભાગ જ બચ્યો છે, અને તેના ૯૦ ટકા જેટલો મીઠા પાણીનો જથ્થો નાશ પામ્યો છે. સમગ્ર વિસ્તારની જૈવપ્રણાલિની સાથોસાથ અર્થતંત્ર પણ પડી ભાંગ્યું. પર્યાવરણ ક્ષેત્રે આ દુર્ઘટનાને વિશ્વની સૌથી મોટી દુર્ઘટના લેખવામાં આવે છે. હવે તેની જળસપાટી વધારવાના ઊપાયો હાથ ધરાયા છે, પણ જે નુકસાન થઈ ગયું એને શી રીતે ભરપાઈ કરવું?
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
કાસ્પિયન સમુદ્રનો અંજામ આવો આવી શકે છે, અને તેનો આરંભ થઈ ચૂક્યો છે. એક અભ્યાસ અનુસાર આ સદીના અંત લગી તેનો ૩૪ ટકા જેટલો વિસ્તાર અને અઢારેક મીટર જેટલું તળિયું સૂકાઈ જશે. છેલ્લી સદી દરમિયાન કાસ્પિયન સીલની વસતિમાં ૯૦ ટકા જેટલો ચિંતાજનક ઘટાડો થયો છે. એકાદ વર્ષ પહેલાં જ કઝાખસ્તાનના કાંઠે બે હજાર જેટલી સીલ મૃતઅવસ્થામાં મળી આવી હતી, અને આવી ઘટના કંઈ પહેલવહેલી વારની નથી. મૂળ વાત એ છે કે હજી એકાદ દાયકા અગાઉ આ જ સ્થળે પચીસેક હજાર સીલની ગણતરી કરવામાં આવી હતી, અને ૨૦૨૦માં કઝાખસ્તાનની ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાઈડ્રોબાયોલોજી એન્ડ ઈકોલોજી દ્વારા કરાયેલા હવાઈ સર્વેક્ષણમાં સીલ સદંતર ગેરહાજર જણાઈ હતી. ઈન્ટરનેશનલ યુનિયન ફૉર નેચર્સ રેડ લિસ્ટ એસેસમેન્ટ દ્વારા કાસ્પિયન સ્ટર્જન પ્રકારની માછલીની એક સિવાયની તમામ પ્રજાતિને અતિશય સંકટગ્રસ્તની યાદીમાં મૂકાઈ છે. કાસ્પિયન સીલનો પણ એમાં સમાવેશ થઈ ગયો છે. આવનારી કરુણાંતિકાની આ નિશાની છે અને એ અંગે યોગ્ય પગલાં તાત્કાલિક ભરવામાં નહીં આવે તો મોટી પર્યાવરણીય દુર્ઘટના સર્જાવાનું જોખમ ઝળુંબી રહ્યું છે.
આમ થવાનું કારણ? મૂળમાં છે પેટ્રોલિયમ ઉદ્યોગ. કઝાખસ્તાનનાં મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત છે. વિશ્વનાં સૌથી વિશાળ ૧૦૦ તેલક્ષેત્રોમાં તેનું સ્થાન છે અને રાષ્ટ્રના અર્થતંત્રમાં તેનો મહત્ત્વનો હિસ્સો છે. સોવિયેત શાસનથી મુક્ત થયા પછી આ કંપનીઓ સાથે રાષ્ટ્રના કરાર સંયુક્તપણે કરાયા છે, જેથી રાષ્ટ્રને ઉત્પાદનમાં પણ હિસ્સો મળે. કઝાખસ્તાનના બંધારણ અનુસાર નૈસર્ગિક સંસાધનોની માલિકી રાષ્ટ્રના નાગરિકોની છે, નહીં કે સરકારની. જો કે, સરકાર દ્વારા આ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.
અલબત્ત, વદીમ ની નામના પર્યાવરણ કર્મશીલ આ સમુદ્રને મરતો અટકાવવા મેદાનમાં ઊતર્યા છે અને તેમણે ‘સેવ ધ કાસ્પિયન મુવમેન્ટ’ આરંભી છે. દેશના નૈસર્ગિક સંસાધનોને પોતાની નજર સામે નષ્ટ ન થવા દેવા માટે તેમણે કમર કસી છે. તેઓ જોરશોરથી કહી રહ્યા છે કે ગુપ્તતા અને નિષ્ક્રિયતાના દિવસો ગયા. હવે વિગતોને જાહેર કરીને લોકોને પોતાના હકથી માહિતગાર કરવાના છે. શાસકો દેશના નાગરિકોની અંધારામાં રાખીને કે તેમની જાણબહાર એવાં પગલાં ન ભરી શકે કે જેથી પર્યાવરણપ્રણાલિને હાનિ થાય. તેમણે સરકારને અદાલતમાં ઢસડી જવાની કાર્યવાહી આરંભી છે.
બીજા પણ કેટલાંક જૂથો આ બાબતે સક્રિય બન્યાં છે, પણ કાસ્પિયન સમુદ્રની બેહાલી નજરે દેખાય એવી, અવગણી ન શકાય એ હદની છે. નાનામોટાં પગલાં લેવાશે, પણ પેટ્રોલિયમ ઉદ્યોગનું શું? દેશના અર્થતંત્રનો મુખ્ય મદાર તેની પર રહેલો હોવાથી એ બાબતે કશું થઈ શકે તો એ ચમત્કારથી કમ નહીં હોય!
દેશના લોકો કેટલી જાગૃતિ દર્શાવે છે, કેટલા સંગઠિત થાય છે અને દેખીતા આર્થિક લાભને જતા કરીને લાંબા ગાળાના ફાયદા માટે સરકાર સાથે કેવી રીતે વાટાઘાટો કરી શકે છે એ આગામી સમયમાં મહત્ત્વનું બની રહેશે. પણ ત્યાં સુધીમાં નુકસાન સતત થતું રહેશે એ નક્કી છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦- ૦૪– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
કનુભાઈ પટેલ ગુજરાતના જાણીતા ચિત્રકાર, અભિનેતા, કળા મીમાંસક છે. હાલમાં તેઓ વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. કૉૅલેજ ઓફ ફાઈન આર્ટ્સના માનદ નિયામક તરીકે સેવા આપે છે.
જ્યારે હું ફાઈન આટર્સ કોલેજમાં ભણતો ત્યારે કલાના ઇતિહાસના પ્રશ્ર્નપત્રમાં એક પ્રશ્ર્ન પુછાયેલો કે શું સાધનોની વિપુલતા કરતાં માનવ શક્તિ દ્વારા વધારે સબળ સર્જનો થાય ખરાં? આજે જ્યારે આ લખવા બેઠો તો ફરી એ પ્રશ્ર્ન મનમાં ચકરાવો લેવા લાગ્યો. કળા એ હંમેશાં માનવીની સર્જનાત્મકતા, લાગણી અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનું પ્રતિબિંબ રહી છે. પરંતુ જ્યારથી આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉદય થયો ત્યારથી કલાત્મક સર્જનનું એક નવું સ્વરૂપ ઊભરી આવ્યું છે. AI આર્ટ કોમ્પ્યુટર અલ્ગોરિધમ્સ, મશીન લર્નિંગ અને ન્યૂરલ નેટવર્ક્સનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ, ગ્રાફિક્સ, શિલ્પો, ફોટોગ્રાફ્સ અને ડિજિટલ ઇમેજ સહિત અનન્ય અને વૈવિધ્યસભર આર્ટવર્કની રચનાઓ આપણને રચી આપે છે. AI આર્ટ એ તાજેતરનાં વર્ષોમાં કલાકારો, કલાપ્રેમીઓ અને સામાન્ય લોકોનું પણ વ્યાપક રૂપે ધ્યાન આકર્ષિત કરનારો રુચિકર વિષય છે. અરે, ક્યારેક તો AIજન્ય કળાસર્જનો સામે કલાકારો દ્વારા રચાયેલાં સર્જનો ઝાંખાં પડે છે !
તાજેતરનાં વર્ષોમાં AI આર્ટના બજારમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. AI આર્ટ ટેક્નોલોજીની પ્રગતિ અને લોકોના તેની પરત્વેના અભિગમમાં વૃદ્ધિ જોતાં AI-જનરેટેડ આર્ટવર્કને વ્યાપક અને વધુ માન્યતા પ્રાપ્ત થઈ છે. કેટલાંક AI આર્ટ ઊંચી કિંમતે વેચાઈ રહ્યાં છે, જેમાં AI-જનરેટેડ પેઇન્ટિંગ 2021માં એક હરાજીમાં આશરે ચાર લાખ ડોલરમાં વેચાયું છે. જોકે, AI આર્ટનું બજાર હજુ પ્રમાણમાં ઘણું નાનું છે. જે સતત વધે અને કલા બજારનો મુખ્ય ભાગ બની જાય તેવું બને. અલબત્ત, AI આર્ટ ઘણા નૈતિક, કાનૂની અને કલાત્મકતા વિશેના પેચીદા પ્રશ્ર્નો પણ ઊભા કરશે. જેને કારણે કલાની વ્યાખ્યા, કલાકારની ભૂમિકા અને કલાસર્જનના ભાવિ વિશે નવેસરથી વિચારવું પડશે. AI આર્ટની વિશેષતાઓ, લાભો, ખામીઓ, કળાજગત પર અસર અને કલાનું ભવિષ્ય શું થશે તે તો સમયાંતરે ખબર પડશે.
કેમેરાથી ટીવી સુધીની યાત્રાની શીખ
જ્યારે ઓગણીસમી સદીના મધ્યે કેમેરાની શોધ થઈ ત્યારે ચિત્રકલા ખતમ થઈ જશે અને ચિત્રકારો બેકાર થઈ જશે એવી ચર્ચાઓ ચાલી હતી. જેનું ચિત્ર બનાવવું હોય તેણે કલાકાર સામે કલાકો સુધી બેસવું નહિ પડે; માત્ર એક પલકારામાં કેમેરા સામે ઊભા રહીને વ્યક્તિની આબેહૂબ તસવીર તૈયાર થઈ જશે, તેથી વ્યક્તિચિત્ર (પોટ્રેટ) કરવાનું સાવ બંધ થઈ જશે તેમ મનાતું. પરંતુ આપણે જોયું કે સમયાંતરે ફોટોગ્રાફી એક અલગ કળા તરીકે સ્થાપિત થઈ અને કલાકારોએ સર્જનની નવી અને નરવી કેડી કંડારી. કેમેરાએ જગતમાં પોતાનું સ્થાન વિસ્તારીને આજે મુવિંગ અને ડીજીટલ ટેકનોલોજીમાં ખૂબ પ્રગતિ કરી અને નવાં ક્લેવર રચી આપ્યાં. તેના દ્વારા ચિત્રકલામાં પણ તેની ઉપયોગિતા વધી.
આગળ જતાં કેમેરા દ્વારા ફોટોગ્રાફી સિવાય પણ એક નવી કળા- સિનેમાનો જન્મ થયો જેણે કળાસ્વરૂપે ખૂબ ઝડપથી દુનિયા પર પોતાનો જાદુ પાથરી દીધો, એ ઘટનાના આપણે સહુ સાક્ષી છીએ. તે સમયે એમ કહેવાયું કે નાટ્યકળા હવે સિનેમા સામે ટકી નહિ શકે. આજે નાટક પણ પોતાના નવા ક્લેવરથી ચાલે છે. કેમેરાએ અભિનયની સૂક્ષ્મતાઓને રસિકજનો સામે મૂકી આપી. ટીવી આવ્યું ત્યારે સિનેમા ખતમ થઈ જશે એવો વાવર ફેલાયો. આજે બધાં જ કળા સ્વરૂપો અને ટેકનોલોજી પોતપોતાની જગ્યા જાળવીને માનવજીવન સાથે જોડાયેલાં છે. આમ, આજે જ્યારે AI આર્ટની ટેકનોલોજી કલાકારો સામે પડકાર બનીને આવી છે ત્યારે કળા પોતાના નવા સ્વરૂપનો રસ્તો કરી લેશે. દરેક નવી શોધ માનવતા સામે અનેક પ્રશ્ર્નો ઊભા કરે છે અને સમયાંતરે તેના ઉકેલો પણ મળતા રહે છે.
AI આર્ટ અને માનવસર્જિત કળા વચ્ચેનો ભેદ
AI આર્ટ એ ટેકનોલોજી છે, જ્યારે માનવસર્જિત કળા અંતર્જ્ઞાન, વ્યક્તિગત અનુભવો અને ભાવનાત્મક અભિવ્યક્તિનો ઉપયોગ કરીને સર્જવામાં આવે છે. AI આર્ટમાં એક ખાસ પ્રકારની ચોકસાઈ અને સુસંગતતા હોય છે. તેમાં કલાકારના અંગત સ્પર્શ અને વ્યક્તિગત શૈલીનો અભાવ રહે છે. માનવ સર્જિત કળા અ-સપ્રમાણ હોઈ શકે. વધુમાં AI આર્ટમાં ઘણીવાર અતિવાસ્તવ હોય છે. AI આર્ટની એક લાક્ષણિકતા એ પણ છે કે તે મોટેભાગે એકધારી અને પુનરાવર્તિત પેટર્ન ધરાવે છે. AI આર્ટમાં ચોક્કસ થીમ અથવા શૈલી હોઈ શકે છે જેને લીધે રંગ, રચના અને વિષયવસ્તુમાં એકરૂપતા જોવા મળે છે. AI આર્ટ તીક્ષ્ણતા (શાર્પનેસ) અને ઝીણી વિગતો તરફ ધ્યાન આપે છે, જે માનવસર્જિત કળા કરતાં વધુ શાર્પ હોય છે. થોડું પ્લાસ્ટિકપણું પણ AI જન્ય કળામાં વર્તાય છે. આ તફાવતો કલાનાં બે સ્વરૂપોને અલગ પાડવામાં અને દરેકના વિશિષ્ટ ગુણોને ઉજાગર કરવામાં મદદ કરે છે.
કલાકારોના અભિપ્રાયો અને નિસ્બત
AI આર્ટ અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપોને પ્રેરણા આપવાની અને કળાનાં પરંપરાગત સ્વરૂપોને પડકારવાની ક્ષમતા ધરાવે છે. અન્ય લોકો ચિંતા કરે છે કે કળાના નિર્માણમાં AIનો વધતો ઉપયોગ સર્જનાત્મકતામાં ઘટાડા તરફ દોરી શકે કારણ કે કલાકારો ટેક્નોલોજી પર વધુ નિર્ભર રહેશે અને તેમની પોતાની કલ્પના અને કૌશલ્ય પર ઓછા નિર્ભર રહેશે. આખરે, માનવ સર્જનાત્મકતા પર AI આર્ટની અસર કલાકારો તેનો ઉપયોગ કેવી રીતે કરવાનું પસંદ કરે છે અને તેઓ તેને પોતાની કલાત્મક પ્રેક્ટિસમાં કેવી રીતે વાપરે છે તેના પર નિર્ભર રહેશે.
કેટલાક કલાકારોને AI આર્ટના ઉદયથી કળાઉદ્યોગ પર તેની અસર વિશે ચિંતા છે. AI આર્ટ કળાઉદ્યોગમાં બેકારી વધારશે. જોકે, તેની સામે દલીલ એ છે કે AI આર્ટ નોકરીની નવી તકો ઊભી કરશે, જેમ કે AI સિસ્ટમ્સ ડિઝાઇન કરવા માટે, કલાની ચોક્કસ શૈલીઓ ઘડવા માટે અને AI સિસ્ટમને તાલીમ આપવા માટે કલાકારોની જરૂર પડશે. કેટલાકને ડર છે કે AI ટેક્નોલોજીની પ્રગતિ કલા ઉદ્યોગને સ્વચાલિતકરણ (ઓટોમેશન) તરફ દોરીને કલાકારોને લાગણી, વ્યક્તિગત સ્પર્શ અને સર્જનથી દૂર કરી દેશે. તે માનવ દ્વારા સર્જેલી કળાના અનન્ય ગુણોને નષ્ટ કરે અને મનુષ્યની કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાના મહત્ત્વને ઘટાડી શકે. મનુષ્યસર્જિત કળા મનુષ્યની સંવેદનાત્મક અભિવ્યક્તિ હોવાને કારણે તેની લાગણીઓ, મન, મગજ અને સમગ્ર વ્યક્તિત્વના સમત્વપૂર્વકના વિકાસમાં મદદરૂપ થાય છે, જે AI આર્ટમાં સંભવ લાગતું નથી.
કલાની દુનિયામાં AIની ભૂમિકા અંગે કેટલાક કલાકારો અલગ અલગ મંતવ્યો ધરાવે છે. કેટલાક લોકો AIને પ્રેરણા માટેના મૂલ્યવાન સાધન તરીકે, તેમજ પોતાની કળાને વિશિષ્ટ બનાવવા માટેના સાધન તરીકે જુએ છે, જે એકલા હાથે હાંસલ કરવી અશક્ય છે. વળી, કલાકારો સર્જનાત્મક વિચારો ઉત્પન્ન કરવા માટે AI અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. બંને કિસ્સાઓમાં AI આર્ટ કલાકારોને નવીન રીતે ટેકનોલોજી સાથે સહયોગ કરવાની તકો પૂરી પાડે છે.
AI આર્ટ કળાની નવી અને અનન્ય શૈલીઓ સર્જવાની એવી ક્ષમતા ધરાવે છે, જે મનુષ્યની કલ્પનાદૃષ્ટિથી પર અને અદ્ભુત હોય છે. વધુમાં પરંપરાગત કળાને સર્જવા માટે જે સમય લાગે છે તેવી કળા AI આર્ટ પલકારામાં અને ઓછા ખર્ચે બનાવી આપે છે. પણ તેની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં મૌલિકતાનો અભાવ છે. AI ફક્ત તેને જે ડેટા (એટલે કે છબીઓ)થી તાલીમ આપવામાં આવે તેના આધારે જ નવી છબીઓ (ઈમેજ) પેદા કરી શકે છે. વધુમાં, માનવકળાથી વિપરીત AI આર્ટમાં ભાવનાત્મક જોડાણ અને કલાકારના સ્પર્શનો અભાવ હોઈ તે ઓછી પ્રભાવશાળી રહે છે.
આ AI પ્રોગ્રામને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટાસેટ્સમાં શું સમાવવામાં આવ્યું છે તે અંગે માત્ર કલાકારોને જ નહીં, દરેકને ચિંતા હોવી જોઈએ. એક વેબસાઈટ લોકોને એવાં ચિત્રો અને ફોટા શોધવાની મંજૂરી આપે છે જેનો ઉપયોગ નવીનતમ AI એવાં ચિત્રો અને ફોટા તાલીમ આપવા માટે કરવામાં આવ્યો હોય. આમાં સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વ્યક્તિગત ફોટાઓનો પણ સમાવેશ થાય છે; કોઈ વ્યક્તિ પોતાના ફોટાઓ બીજાને વાપરવાની છૂટ (Access) રદ કરવામાં અસમર્થ હોય તો વ્યક્તિને કૌભાંડોમાં સંડોવવા માટે તેનો દુરુપયોગ સંભવિત છે. તેના કારણે ઘણા કોર્ટ કેસ થયા છે અને આવનાર સમયમાં ઘણી અરાજકતા સર્જાવાનો ભય રહેશે.
AI આર્ટની માલિકી એ એક જટિલ, પેચીદો અને વિવાદાસ્પદ મુદ્દો છે. કેટલાક નિષ્ણાતો એવી દલીલ કરે છે કે AI આર્ટને બૌદ્ધિક સંપદા ગણવી જોઈએ અને કળા પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા AI મોડલના નિર્માતાઓ પાસે અધિકાર હોવા જોઈએ. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જે કલાકાર AI મોડલ પસંદ કરે છે અને તેનો અમલ કરે છે તેની પાસે અંતિમ આર્ટવર્કના અધિકારો હોવા જોઈએ. કેટલાક દલીલ કરે છે કે AI આર્ટ ખરેખર સર્જનાત્મક નથી અને તેમાં મૌલિકતાનો અભાવ છે. જ્યારે બીજા કેટલાક માને છે કે AI મનુષ્યો જેટલી જ સર્જનાત્મક બની શકે છે. આમ, AI આર્ટ માલિકી અને બૌદ્ધિક સંપદા અંગેના અધિકારોના મુદ્દા વિશે નૈતિક પ્રશ્ર્નો પણ ઊભા કરે છે. આ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું અને કળાજગતમાં AI આર્ટનું સ્થાન શું રહેશે તે સમાજ અને કલાકારોની સમજણ પર નિર્ભર રહેશે.
અંતે, ભારતીય ચિંતને કળાને સાધના કહી છે એ દૃષ્ટિએ આ આખી વાતનું આકલન કરીએ તો જે કલાકારો કળાના વ્યવસાય સાથે જોડાયા હશે તેઓએ આ AI આર્ટના માધ્યમનો આજે નહીં તો કાલે સ્વીકાર કરવો પડશે અને જે કલાકારો કળાને સાધના ગણી તેની આરાધના કરે છે, તેઓએ પોતાના સર્જનની ગતિ અવિરત રાખી આકારથી નિરાકાર તરફ નિજાનંદની યાત્રા કરવી રહી !
જ્યારે મેં પહેલી વાર શોખ તરીકે પક્ષી જોવાનું શરૂ કર્યું ત્યારે હું એક પક્ષી ઘણાં સમયથી જોવા ઇચ્છતો હતો, જેનું નામ ભારતીય ગ્રે હોર્નબિલ, અથવા જેને આપણે ગુજરાતીમાં ચિલોત્રો તરીકે ઓળખીએ છીએ. આ પક્ષી પહેલા સૌરાષ્ટ્રમાં જોવા મળતા હતા, પણ હવે સૌરાષ્ટ્રના આકાશમાંથી ગાયબ થઈ ગયા છે. તેથી જ્યારે મને ખબર પડી કે હું અમદાવાદમાં મારી નાનીને મળવા જઈ રહ્યો છું, ત્યારે હું રોમાંચિત થઈ ગયો જૂનાગઢ અને કચ્છમાં સહેલાઈથી ન જોવા મળતા આ પક્ષીને જોવા ની તક મને અમદાવાદ માં મળશે!
સફર પહેલાં, મેં ઇબર્ડ રેકોર્ડ્સ તપાસ્યા અને નાનીના ઘરથી નજીક આશાસ્પદ તળાવો શોધી કાઢ્યા અને મારા નાના ભાઈ-બહેનો સાથે ચિલોત્રાની શોધમાં નીકળી પડ્યો.
પહેલું તળાવ નિરાશાજનક હતું: ધૂંધળું, ગટરથી ભરેલું અને નિર્જીવ, સિવાય કે બે નાની ડૂબકી (little grebe). પરંતુ એક સાંકડી ગલી અમને એક આશ્ચર્યજનક કળણ તરફ દોરી ગઈ – કદાચ વરસાદી પાણીના આ ખાલી પ્લોટ માં ભરાવાના કારણે શહેરની વચ્ચે આવું પરિસરતંત્ર સર્જાયું હશે એવું મેં ધાર્યું. તે જીવનથી ભરપૂર હતું: પેઇન્ટેડ સ્ટોર્ક્સ, જાંબલી બગલા, યુરેશિયન કૂટ્સ, બતક જેવા અનેક પક્ષીઓ ત્યાં જોયા. જેમ જેમ અમે આ ભીના મેદાનની નજીક એક રસ્તાના કિનારે આવેલા મોટા ઝાડ પાસે પહોંચ્યા, મેં મારા ભાઈ-બહેનોને શાંત રહેવા કહ્યું કારણ કે હોર્નબિલ શર્મિલા અને સંવેદનશીલ હોય છે પરંતુ હું વાત પૂરી કરી શકું તે પહેલાં, મારી બહેને કરેલા ઈશારા તરફ જોયું તો, એક મોટું પક્ષી, ચિલોત્રો! ઉડાન ભરી – ધીમા, ભારે પાંખોના ધબકારા સાથે ઊડતું સામે જ એક વડલે આવી બેઠું.થોડીવાર પછી, તેનો જોડીદાર તેની પાછળ આવ્યો, અને તે વડલાના ટેટા ખાવા લાગ્યા! મારા જોત જોતામાં જ બેલીડી એ ઉડાન ભરી અને દૂર બીજા ઝાડવા તરફ જતા રહ્યા પણ મારા મનમાં તેમની આ યાદી મુકી ગયા!
[નર ગ્રે હોર્નબિલ મોટા પોલાણ વાળા ઝાડ પાસે]ઇન્ડીયન ગ્રે હોર્નબિલ (Ocyceros birostris) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતો એક સામાન્ય હોર્નબિલ છે. તે મોટે ભાગે ફ્રુગીવોર એટલે કે ફળ ખાવાનું પસંદ કરે છે પણ બચ્ચા ઉછેરતી વખતે માદાની પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવા નર ચિલોત્રો સરિસૃપ અથવા અન્ય નાના પક્ષીઓનો શિકાર પણ કરે છે. આ પક્ષી સામાન્ય રીતે જોડીમાં જોવા મળે છે. તેના આખા શરીરમાં રાખોડી રંગના પીંછા હોય છે અને તેનું પેટ આછું રાખોડી અથવા ઝાંખું સફેદ હોય છે. તેની ચાંચ પર નાના શિંગડા જેવું સ્ટ્રકચર હોય છે જેનાથી તેને તેનું અંગ્રેજી નામ હોર્નબિલ મળે છે. નર ગ્રે હોર્નબિલની ચાંચ પરનું હોર્ન માદા કરતાં મોટું અને અણીદાર હોય છે. તે ઘણા શહેરી વિસ્તારોમાં જોવા મળતી થોડી હોર્નબિલ પ્રજાતિઓમાંની એક છે જ્યાં તેઓ રસ્તા પર મોટા વૃક્ષોની બખોલમાં માળો બનાવે છે અને ઊડતા ઊડતા સમડી જેવી ચીચીયારીઓ કાઢે છે
[ઇન્ડીયન ગ્રે હોર્નબિલની બેલડી: ડાબી બાજુ માદા (ચાંચ પર નાના હોર્નથી ઓળખી શકાય) અને જમણી બાજુએ નર (મોટું અને અણીદાર હોર્ન ચાંચ પર)]ગુજરાતી સંસ્કૃતિમાં, નર ગ્રે હોર્નબિલને પ્રેમથી “વહુઘેલો”તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ પ્રેમાળ પતિ થાય છે. આ ઉપનામ પક્ષીના અનોખા પ્રજનન વર્તનમાં ઊંડા મૂળ ધરાવે છે. માળો બાંધવાના મોસમ દરમિયાન, માદા હોર્નબિલ કાદવ, મળ અને ખોરાકના પલ્પનો ઉપયોગ કરીને પોતાને ઝાડની પોલાણમાં બંધ કરે છે, ફક્ત એક સાંકડુ છીદ્ર છોડી દે છે જેના દ્વારા નર તેને અને બચ્ચાઓને અઠવાડિયાઓ સુધી ખવડાવે છે.
પરિવાર પ્રત્યેની નિષ્ઠા અને વિશ્વાસનું આ નોંધપાત્ર વર્તન,જ્યાં નર તેના સાથી અને સંતાન માટે અથાકપણે પોતાની ફરજ નિભાવે છે, તે વફાદારી, જવાબદારી અને પારિવારિક બંધનનું સાંસ્કૃતિક પ્રતીક બની ગયું છે.
ભારતીય ગ્રે હોર્નબિલ બીજ ફેલાવનાર તરીકે ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિવિધ ફળો ખાઈને, આ પક્ષીઓ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની આસપાસના જંગલના પટ્ટાઓ અને લીલા કોરિડોરના પુનર્જીવનમાં મદદ કરે છે. તેમના આહારમાં જંતુઓ, નાના સરિસૃપ અને ક્યારેક પક્ષીઓના ઈંડાનો પણ સમાવેશ થાય છે, જે સ્થાનિક આહાર શૃંખલાને સંતુલિત કરવા માટે મહત્વપૂર્ણ છે. તે કુદરતી પોલાણવાળા મોટા વૃક્ષો પર માળો બનાવવા આધાર રાખે છે.
પરંપરાગત રીતે જંગલમાં રહેતા હોવા છતાં, ભારતીય ગ્રે હોર્નબિલ્સે શહેરી વાતાવરણમાં નોંધપાત્ર અનુકૂલન સાધી લીધું છે.અમદાવાદ જેવા શહેરોમાં, તેઓ ઘણીવાર ઉદ્યાનો, જૂના મંદિરના મેદાનો, બગીચાઓ અને રહેણાંક વિસ્તારોની નજીક જોવા મળે છે જે હજુ પણ આપણી વૃક્ષની પ્રજાતિઓને ટેકો આપે છે. જોકે, તેમનું શહેરી જીવન પડકારો વિનાનું નથી. શહેરી વિકાસને કારણે મોટા અને પોલાણ વાળા પરિપક્વ વૃક્ષો ઘટી ગયા છે અને તેની બદલે સુશોભન માટે ઉગાડેલા વિદેશી વૃક્ષોના વાવેતરને કારણે ખોરાક અને આશ્રય આપે તેવી જગ્યાઓમાં ઘટાડો થયો છે. ધ્વનિ પ્રદૂષણ, વાહનોની વધતી જતી અવરજવર અને ઘટતી લીલી જગ્યાઓ હોર્નબિલ્સ માટે સલામત સંવર્ધન સ્થળ શોધવાનું મુશ્કેલ બનાવે છે.
એક સમયે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સામાન્ય રીતે જોવા મળતા, ભારતીય ગ્રે હોર્નબિલની વસ્તી નિવાસસ્થાનના વિભાજન, માળાના વૃક્ષોનું નુકશાન અને શહેરી વિસ્તરણને કારણે ઘટીને શૂન્ય નજીક પહોંચી ગઇ હતી.હોર્નબિલની ઇકોલોજીકલ ભૂમિકાને સમજીને, ગુજરાત વન વિભાગે ગીરમાં હોર્નબિલના પૂનઃસ્થાપન માટેનો કાર્યક્રમ શરૂ કર્યો. ઓક્ટોબર ૨૦૨૧ માં ૫ પક્ષીઓની પ્રથમ બેચ છોડવામાં આવી હતી, ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૧ અને ફેબ્રુઆરી ૨૦૨૨ માં વધુ પક્ષીઓ છોડવામાં આવ્યા હતા – કુલ ૨૦ પક્ષીઓ મુકાયા. કેટલાક પક્ષીઓ પર દેખરેખ માટે સોલાર પાવર્ડ સેટેલાઇટ ટ્રાન્સમીટર ફીટ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં, ઓછામાં ઓછી ત્રણ જોડી જંગલમાં સફળતાપૂર્વક પ્રજનન કરી ચૂકી હતી, જે આ પ્રદેશમાં પ્રજાતિના પાછા ફરવા માટે એક આશાસ્પદ પગલું છે.
ભારતીય ગ્રે હોર્નબિલ વફાદારી, અનુકૂલનક્ષમતા અને પર્યાવરણીય સંતુલનનું પ્રતીક છે. અમદાવાદના કોંક્રિટ જંગલોમાં ઉડવાથી લઈને ગીરના જંગલોમાં માળો બાંધવા સુધી, તે આપણને યાદ અપાવે છે કે થોડા પ્રયત્નોથી, ખોવાયેલી પ્રજાતિઓ પણ પાછી આવી શકે છે અને ખીલી શકે છે. જેમ જેમ શહેરો વિકસે છે અને જંગલો સંકોચાય છે, તેમ તેમ નિવાસસ્થાન સંરક્ષણ, અને સાંસ્કૃતિક જાગૃતિ દ્વારા આવી અનુકૂલનશીલ પરંતુ સંવેદનશીલ પ્રજાતિઓનું રક્ષણ કરવું માત્ર જરૂરી જ નહીં – પણ ખૂબ જ ફળદાયી પણ બને છે.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
ભીતરમાં ભગવાન વસે તો, બધા દાખલા સહેલા, નથી કોઇ મોનોપોલી , જે પહોંચે તે પહેલા.
પ્રિય દોસ્ત,
દોસ્ત, મને કદીક બહું હસવું આવે છે. ઘણાં લોકો હું જાણે તેમનો ઇજારો હૌઉં એમ મારા દલાલ બનીને મને મેળવી આપવાની વાતો કરતા રહે છે. વાત કરે ત્યાં સુધી મને વાંધો નથી પરંતુ જે સલાહ પોતે અન્યને આપે, કે જ એરસ્તો બતાવે એ રસ્તો પોતે કદી અપનાવે નહીં. એ બધી સલાહો ફકત અન્યને આપવા માટે જ હોય છે. સ્વર્ગના રસ્તા બતાવીને સ્વર્ગનું વર્ણન એવી રીતે કરતા હોય જાણે એ હમણાં જ સ્વર્ગની મુલાકાત લઇને ન આવ્યા હોય..! એવે સમયે હું હસું નહીં તો શું કરું ? મેં બનાવેલા આજે મને સતત બનાવતા રહ્યા છે.
મન કે આત્માના અનુભવ માટે દોસ્ત, તું ભીતરની યાત્રાએ કદી નીકળતો જ નથી.પરમ પદ જાણે કયાંક ઉંચે આકાશમાં છે તારી એ માન્યતા ભૂલભરેલી છે. તારા કર્મ થકી જ તને પરમ પદની પ્રાપ્તિ થશે. અને એ પણ સંસારમાં રહીને જ.
દોસ્ત, કાલે હું તારા પર ખૂબ જ પ્રસન્ન થઇ ગયો. કાલે તારી દીકરીના લગ્ન હતા. એવે સમયે તારી હોસ્પીટલમાં કોઇને તારી જરૂર હતી. જો તું સમયસર ન પહોંચે તો કોઇની દીકરીના પ્રાણ સંકટમાં હતા. તું થોડી વાર મૂંઝાયો. પણ આખરે તેં બધાની માફી માગી અને કર્તવ્યને પહેલું સ્થાન આપ્યું. અને તું બધું છોડીને હોસ્પીટલમાં પહોંચ્યો. અને કોઇની માસૂમ દીકરીનો જીવ બચી ગયો. વાહ..દોસ્ત ! આજે હું તને સલામ કરું છું. હવે તું કોઇ પૂજા પાઠ નહીં કરે તો પણ ચાલશે. તારા જેવા માણસોનો મને ગર્વ છે.
બાકી આજે કોઇ જલદીથી બીજાનું નથી વિચારતા. મને જાણ છે કે લાડકવાયી દીકરીના લગ્ન છોડીને અન્ય માટે દોડવું સહેલું નથી. પણ દોસ્ત, સહેલું કામ તો સૌ કોઇ કરે. કઠિન કામ તો તારા જેવા વીરલા જ કરી શકે. મને તાર જેવા વીરલાઓનો હમેશા ખપ છે. મને ખાત્રી છે કે તેં પણ ખૂબ સંતોષ અને આનંદ અનુભવ્યા હશે. અને આ આનંદ જ સાચો આનંદ છે. કોઇ માટે કશુંક કરીને, કોઇને કશુંક આપીને, કોઇ માટે થોડું ઘણું ઘસાઇને જે આનંદ મળે છે એનો લ્હાવો ચૂકવા જેવો હરગિઝ નથી. અને એકવાર આવા લ્હાવાની, આવા આનંદની આદત પડી જાય તો પછી એ નશા જેવું કામ કરે છે. પછી કોઇ બાહ્ય નશાની જરૂર નથી રહેતી.હું આશા રાખું કે તને, મારા દરેક સર્જનને આવા સાત્વિક નશાની આદત પડી જાય. અને મારો કોઇ બાળ દુનિયામાં દુખી ન રહે. એવું વિશ્વ જોવાની મને હોંશ છે. મારી એ હોંશમાં તું તારો નાનકડો ફાળો જરૂર આપીશ.એવી શ્રધ્ધા સાથે
ગુજરાતમાં ગયા મહિને જ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ થઈ હતી. પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકાની ચૂંટણી પછીની પહેલી સામાન્ય સભામાં સોળમાંથી આઠ મહિલા નગરસેવિકાઓના પતિદેવો કે અન્ય પુરુષ સભ્યો ઉપસ્થિત હતા. નિયમ પ્રમાણે સામાન્ય સભામાં સભ્યો સિવાયના કોઈ હાજર રહી શકે નહીં એટલે હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસરે મહિલા સભ્યો સાથેના પુરુષ પ્રતિનિધિઓને બહાર જવા જણાવ્યું. સરપંચ પતિપ્રથાના જમાનામાં ચીફ ઓફિસરનું આ વર્તન બરદાસ્ત શેને થાય? એટલે તેમણે આવી ગુસ્તાખી કરનાર અધિકારીને અપમાનિત કરી પાઠ ભણાવ્યો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પછી ચૂંટાયેલા સભ્યોએ આખા રાજ્યમાં એક જ દિવસે એક સાથે ચાર્જ લેવાનો છતીસગઢ સરકારનો આદેશ હતો. પરંતુ કબીરધામ જિલ્લાના પરસવારા ગામના નવનિર્વાચિત મહિલા પંચાયત સભ્યોના બદલે તેમના પતિ કે કુટુંબના મર્દોએ ચાર્જ લીધો.આવું તો સહજ ગણાય એટલે તેમણે ઘટનાનો વીડિયો પણ જારી કર્યો. તેથી ઘણો ઉહાપોહ થયો. વિવાદ બાદ મહિલા સભ્યોને બદલે તેમના પુરુષ પ્રતિનિધિને સભ્ય પદના ગેરકાયદે શપથ લેવડાવવાના આરોપસર ગામના તલાટીને સરકારે ફરજમોકુફ કર્યા છે.
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના લાખનાખેત ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ કહે ત્યાં માત્ર સહીઓ જ કરે છે. સરપંચ તરીકેની સઘળી સત્તા અને જવાબદારીઓ તેમના પતિ પરમેશ્વર જ ભોગવે છે. જોકે રાજસ્થાનના અજમેર જિલ્લાની કાસીર ગ્રામ પંચાયતાના મહિલા સરપંચનો કિસ્સો તો તેનાથી અનેક ગણો આગળનો છે. તેમનો પુત્ર સરપંચની કામગીરી તો કરે જ છે, બેન્કના ચેક્સ પર સરપંચમાતેયની સહીઓ સુધ્ધાં કરે છે. ઓડિસાના કાલાહાંડી જિલ્લાના તુરેછડા ગામના મહિલા સરપંચના પતિએ મનરેગા કારકુનને ત્રીસ મજૂરોની ખોટી હાજરી પૂરવા આદેશ કર્યો. પણ તેણે તે ના માન્યો એટલે તેને કામ પરથી તગેડી મૂકવામાં આવ્યો.
દેશની અર્ધી આલમ એવી મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ આપતો તોંતેરમો અને ચુંમોતેરમો બંધારણ સુધારો ૧૯૯૨માં થયો હતો. પંચાયત-પાલિકામાં મહિલા અનામતના અમલને સવા ત્રણ દાયકા વીત્યા બાદની સ્થિતિ ઉપરના કેટલાક કિસ્સાઓમાં છે. વળી તે અપવાદરૂપ નથી પણ સાર્વત્રિક છે. ચૂંટાયેલા મહિલાને બદલે પતિ, પિતા, પુત્ર, ભાઈ કે જમાઈ વાસ્તવમાં કામ કરતા હોય તેવી બહુ વગોવાયેલી સરપંચ પતિ પ્રથા માત્ર ગામડાના પંચાયત સભ્ય કે સરપંચ સુધી જ મર્યાદિત નથી તે મહિલા ધારાસભ્ય, સાંસદ અને મંત્રી સુધી વિસ્તરેલી છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી કે પ્રતિનિધિત્વ નિશ્ચિત કરીને તેમની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના ઉમદા આશયથી જે મહિલા અનામત લાગુ પાડવામાં આવી છે તેને દેશની પિતૃસત્તાત્મક વિચારધારાએ બેમતલબ કરી દીધી છે.
આ પ્રશ્ન કેટલો વ્યાપક અને ચિંતાજનક છે તેનો ખ્યાલ એ હકીકત પરથી આવે છે કે દેશની સર્વોચ્ચ અદાલતે તેના પર નિર્દેશો આપ્યા છે. ભારત સરકારે તેના આધારે પૂર્વ ખાણ અને ખનિજ સચિવ સુશીલ કુમારના નેતૃત્વમાં સમિતિ બનાવી હતી. સમિતિએ તાજેતરમાં તેનો અહેવાલ સરકારને આપ્યો છે. આ અહેવાલમાં સરપંચ પતિપ્રથાની નાબૂદી માટે કઠોર દંડથી માંડીને જાગ્રતીકરણ માટેની ભલામણો કરવામાં આવી છે.
ભારતમાં કુલ ૨.૬૩ લાખ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતો છે. તેના કુલ ૩૨.૨૯ લાખ ચૂંટાયેલા સભ્યોમાં ૪૬.૬ ટકા કે ૧૫.૦૩ લાખ મહિલાઓ છે. પહેલી નજરે મહિલાઓને પંચાયતી રાજમાં લગભગ અડધોઅડધ રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે તેમ આંકડા દર્શાવે છે.પરંતુ આંકડાકીય માહિતી અને જમીની સચ્ચાઈ વચ્ચે આભ જમીનનું અંતર છે. ત્રણ દાયકે પરિસ્થિતિમાં સુધારો જરૂર થયો છે અને કેટલાક મહિલા પ્રતિનિધિઓએ અનેક અંતરાયો વચ્ચે સારું કામ કર્યું છે. પરંતુ હજુય મોટાપાયે વાસ્તવિક સત્તા પુરુષો જ ભોગવે છે.
મહિલાઓને ઉતરતી કે નીચી માનવાની વૃતિ, પુરુષકેન્દ્રી માનસિકતા, મહિલા ક્ષમતા અને નેતૃત્વ માટે અડચણ ઉભી કરતા સામાજિક-સાંસ્કૃતિક માપદંડો, ગરીબી, શિક્ષણનો અભાવ કે ઓછું શિક્ષણ, સામાજિક રૂઢિઓ , આર્થિક પરાધીનતા, મહિલા જાગ્રતિનો અભાવ, રાજકીય-સામાજિક- આર્થિક સંપર્કોનો અભાવ જેવા કારણોથી પ્રોક્સી નેતૃત્વ કે પુરુષોની છદ્મ રાજનીતિ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જોવા મળે છે. માત્ર સભ્ય પદ માટે જ નહીં સરપંચ, પાલિકા પ્રમુખ , તાલુકા- જિલ્લા પંચાયત પ્રમુખ કે મહાનગરપાલિકાના મેયર પદ માટે પણ મહિલા અનામત મુકરર કરી છે. એટલે પુરુષોના વર્ચસ હેઠળની સત્તાઓ મહિલાઓના હિસ્સે આવી છે. તે પુરુષોને પાલવે તેમ નથી. એટલે મહિલાઓ ભલે ચૂંટાય પણ રાજ તો પુરુષો જ ભોગવે છે.
મહિલાઓની રાજકીય ભાગીદારી નહિવત છે કે તેમાં વ્યાપક અસંતુલન છે. તેનો ઉકેલ મહિલા અનામત છે. આજે ભારત સહિત વિશ્વના લગભગ ૮૫ દેશોએ રાજકીય મહિલા અનામત થકી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારતા કાયદા ઘડ્યા છે. અમલમાં અખાડા છતાં તેના સારા પરિણામો જોવા મળ્યા છે. કેટલાક અભ્યાસ અને સંશોધનો મુજબ ગ્રામીણ રાજનીતિમાં મહિલાઓની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. મહિલા સાક્ષરતા દર વધ્યો છે. ભ્રષ્ટાચાર, પ્રજનન દર અને બાળ લગ્નોમાં ઘટાડો થયો છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં સુધારો થયો છે. વહીવટમાં સંવેદનશીલતા આવી શકી છે. શિક્ષણ, આરોગ્ય, મહિલા કલ્યાણ અંગેની સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચતો થયો છે. સૌથી મોટો લાભ તો મહિલાની યોગ્યતા, નેતૃત્વની ક્ષમતા અંગેના રૂઢિવાદી ખ્યાલોમાં બદલાવ આવ્યો છે. મહિલાઓના જાગ્રતીકરણ સાથે તેમનું રાજકીય સશક્તીકરણ થયું છે.
લોકતંત્રના પાયાની પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલા અનામતને લીધે સારા ફેરફાર થયા છે. આ દાયકાના અંત સુધીમાં ધારાસભા અને લોકસભામાં પણ મહિલા અનામત લાગુ થશે.. એટલે મહિલા નેતૃત્વને વધુ મજબૂત બનાવવા આજથી જ જાગ્રત થવાની જરૂર છે. તે માટે મહિલાઓના નેતૃત્વ નિર્માણ, નેતૃત્વ વિકાસ અને ક્ષમતાવર્ધનના કાર્યક્રમો કરવાની જરૂર છે. મહિલાઓના નામે જ્યાં પુરુષો રાજકીય સત્તા ભોગવતા હોય ત્યાં આકરો દંડ કરવો જોઈએ. સરપંચ પતિવાદને ઉગતો જ ડામી દેવા ગ્રામ સભાઓમાં જ મહિલા સરપંચ અને સભ્યોની ઓળખ અને ભૂમિકા જાહેર કરવી જોઈએ. મહિલાઓને વિકાસ કામો અંગે પર્યાપ્ત નાણાકીય ભંડોળ આપવું જોઈએ અને વહીવટી સહાયતા કરવી જોઈએ. કેરળની જેમ સરપંચ પતિપ્રથાના વિરોધીઓને પુરસ્કારવા જોઈએ. દેશના લગભગ તમામ રાજ્યોમાં પંચાયત સ્તરે પચાસ ટકા જેટલી રાજકીય મહિલા અનામત નીતિ વિધ્યમાન છે. તેને વધુ મજબૂતી બક્ષવાની જરૂર છે.
મહિલાઓના હાથમાં રહેલી રાજકીય નિર્ણય શક્તિ પુરુષોના હાથમાંથી લઈ લેવા માટે સામાજિક, સાંસ્કૃતિક વિચાર વલણો પણ બદલાવ માંગે છે. પંચાયતોમાં મહિલાઓના રાજકીય અધિકારોનું હનન થતું રોકવાની તાતી આવશ્યકતા છે. કાગળ પરની મહિલાઓની રાજકીય ભાગીદારીને વાસ્તવિક બનાવવી અનિવાર્ય છે. તો જ આંકડાઓમાં મજબૂત કે બરાબરીનું દેખાતું મહિલા રાજકીય પ્રતિનિધિત્વ હકીકત બની શકશે.
આજે વિશ્ર્વમાં ગંદાપાણીની એક મોટી સમસ્યા ઊભી થયેલી છે. ગામમાં કે શહેરમાં, દરેક ઘરમાં જે પાણીનો ઉપયોગ થાય છે, તેમાંથી ગંદુ પાણી પેદા થવું એ સ્વાભાવિક છે. આ ગંદુ પાણી વધુમાં વધુ પહોંચે છે નદીઓમાં. નદી આપણને ચોખ્ખું-સારું પાણી આપે છે. જ્યારે આપણે એને ગંદુ પાણી પાછું આપીએ છીએ. ઘરઘરનું, કારખાનાઓનું, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નદીમાં પહોંચે છે. લગભગ બધી જ નદીઓનું પ્રસન્નતા આપનારું શુદ્ધ જળ આપણે મેલું કરી મૂક્યું છે. નદીઓ ગટર બની ચૂકી છે. પાણીની જરૂરિયાત તો બધાને જ છે; તેથી આ જ નદીઓનું પાણી ફરીથી સ્વચ્છ, શુદ્ધ કરીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આજના વિકાસનું આ ઊંધું-ચત્તુ ચક્ર છે.
સવારે ઉઠીને મોઢું ધોવા માટેની ગાંધીજીની જરૂરિયાત એક લોટો પાણીની હતી. એક દિવસ સાબરમતી નદીને કિનારે તેઓ લોટો ભરીને થોડા દૂર ઊભા રહીને મોઢું ધોઈ રહ્યા હતા. વિચાર વિમર્શ માટે તેમની સાથે કોઈ લોકો આવ્યા હતા, વચ્ચે જ ગાંધીજી ગંભીર થઈ ને બોલ્યા, ‘અરે, પાણી તો પૂરું થઈ ગયું ને મોઢું ધોવાનું બાકી રહી ગયું !’ સાથે આવેલા લોકો હસવા લાગ્યા. તેમણે કહ્યું, ‘બાપુ, આપ પણ કમાલ કરો છો, આમાં આટલી ગંભીર થઈ જવાની ક્યાં વાત છે ? આટલી મોટી સાબરમતી સામે વહી રહી છે ! એક લોટો વધુ પાણી તેમાંથી લઈ લેશો તો શું બગડી જવાનું છે ? ગાંધીજીએ કહ્યું, ‘સાચી વાત છે, કેટલી મોટી નદી વહી રહી છે, પરંતુ ‘મારા એકલા માટે નહીં’ – કેટલી સંવેદનશીલતા, કેટલો ઊંડાણપૂર્વકનો તેમજ વ્યાપક અયોજનનો વિચાર તેઓ કરતા હતા !
કદાચ આ વાત સાંભળીને આપણને હસવું આવે. આટલી મોટી નદીમાં ‘એક લોટો’ પાણીનો હિસાબ આપણને સમજાય પણ નહીં. શહેરની દરેક વ્યક્તિ શૌચાલયમાં પાંચ, દસ કે વીસ લીટર પાણી કોઈ વિચાર વગર વાપરે છે; ત્યારે યાદ નથી આવતું કે ગામડાઓમાં દસ-વીસ લીટર પાણી-એક ઘડો ભરીને પાણી મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે.
સરકાર તરફથી ગામડાઓ માટે પ્રતિવ્યક્તિ, પ્રતિદિન પંચ્ચાવન લિટર પાણી અને શહેર માટે એકસો પાંત્રીસથી અઢીસો લીટર પાણીની વ્યવસ્થા કરવાનું સ્વીકારવામાં આવ્યું છે. આટલો મોટો તફાવત ?! પીવા તેમજ રસોઈ માટે તો બંને જગ્યાએ સરખા જ પાણીની જરૂર પડવાની. બીજા ઉપયોગો માટે જે પાણી છે તે બધું ગંદા પાણીમાં પરિવર્તિત થાય છે. આનો અર્થ સ્પષ્ટ છે, ગંદા-પ્રદુષિત પાણીનું ઉત્પાદન શહેરોને કારણે વધુ થાય છે.
ગામડામાંથી જે ગંદુ પાણી નીકળે છે તે પ્રતિદિન પ્રતિવ્યક્તિ ૩૦થી ૪૦ લીટર અને શહેરમાંથી ૧૦૦થી ૧૨૦ લીટર જેવું પ્રદુષિત પાણી નીકળે છે. મોટા શહેરોમાંથી તો પ્રતિવ્યક્તિ ૨૦૦ લીટર જેટલું ગંદુ પાણી પણ બહાર પડે છે. જે નદી તેમજ જમીનને પ્રદૂષિત કરે છે.
પાણી માનવજીવનની મૂળભૂત જરૂરિયાત છે. દરેક વ્યક્તિનો પાણી પર સમાન અધિકાર હોવો જોઈએ. દરેક વ્યક્તિને ઓછામાં ઓછું તેની જરૂરિયાત માટેનું પાણી તો મળવું જ જોઈએ. પાણીનો બગાડ થવો જોઈએ નહીં તે જેટલું જરૂરી છે તેની સાથે જ એ પણ જોવું જોઈએ કે ગંદા પાણીનો પણ બગાડ ન થવો જોઈએ. ગંદા પાણીનો યોગ્ય ઉપયોગ કરવાથી સારા (ચોખ્ખા) પાણીની બચત થઈ શકે છે. જો ગંદા (વેસ્ટ વોટર) પાણીનો તરત જ તેમજ નજીકમાં જ ઉપયોગ કરવામાં આવે તો આ પાણી એટલું ‘ખરાબ’ નથી હોતું.
આવી ક્રૂરતા !
ગંદુ પાણી રોગચાળો ફેલાવવા માટેનું કારણ બની શકે છે. તેને કારણે મચ્છરની સંખ્યામાં વધારો થાય છે અને મચ્છરને લીધે મલેરિયા, ફાયલેરીયા, મગજનો તાવ, ડેંગ્યુ વગેરે રોગોનો ફેલાવો થાય છે. ગંદા પાણીને લીધે જે કાદવ થાય છે તેને લીધે હૂકવર્મ (પેટમાં પડનારા એક જાતના જીવડા) થઈ શકે છે. આ ઉપરાંત ગંદુ પાણી જ્યારે એક જગ્યાએ સંગ્રહાયેલું રહે છે ત્યારે તેમાંથી ભયાનક દુર્ગંધ ફેલાય છે.
શહેરોમાં બંધ ગટરોમાં લાખો લીટર ગંદુ પાણી વહેવડાવી દેવાય છે. વચ્ચે વચ્ચે મોટી-ઊંડી ચેમ્બરો (કુંડીઓ) હોય છે. જ્યારે આ સીસ્ટમમાં કંઈ ખરાબી આવે છે ત્યારે મજૂરોને અંદર ઊતરીને સફાઈ તેમજ સમારકામ કરવું પડે છે. આટલા ગંદા તેમજ દુર્ગંધ મારતા ગટરના પાણીમાં ખભા સુધી ડૂબીને / ઊભા રહીને તેઓ કામ કરે છે. આવા કામમાં ઘણી વાર આપણે સંભાળીએ છીએ કે ઘણા મિત્રોનું મૃત્યુ પણ થઈ જાય છે. આ કેવી ક્રૂરતા છે !
આનો ઉપાય શું ?
આ ગંદા થયેલ પાણીનો જ્યાં પણ શક્ય હોય ત્યાં વિકેન્દ્રિત પદ્ધતિથી પુનરુપયોગ કરવો જોઈએ. શહેરોમાં પણ આ થઈ શકે તેમ છે. ગામડામાં તો થઈ જ શકે. ઘરની આસપાસ, સોસાયટીઓમાં કે રસ્તાઓ પર ફૂલઝાડ, શાકભાજી આ ગંદા પાણીથી ઉગાડી શકાય. જ્યાં આ શક્ય ન હોય ત્યાં ગટર તેમજ ચેંબરની સફાઈ મશીન દ્વારા જ કરાવવી જોઈએ, એમાં જ માનવતા રહેલી છે.
વ્યવસ્થાપનની પદ્ધતિઓ :
૧. ઘરના ફૂલ-ઝાડ કે શાકભાજીની ક્યારીઓમાં ઘરવપરાશમાંથી નીકળેલું ‘ગંદુપાણી’ વાપરવું તે સૌથી સારી પદ્ધતિ છે. ઘરની જગ્યા, તેની અનુકૂળતા – વ્યવસ્થા વગેરે જોઈને પાઈપ, ડ્રીપ પાઈપ, નીક, કુંડી વગેરેની મદદથી આવો બગીચો બનાવી શકાય.
૨. શોષખાડો, પાકો શોષખાડો, શોષનીક એ જમીનની અંદર, ગંદાપાણીની વ્યવસ્થાપન માટેની કેટલીક વિકેન્દ્રિત પદ્ધતિઓ છે. પૂરતી જગ્યા હોય તો આની આસપાસ પણ સારી રીતે વૃક્ષ ઉછરી શકે છે. તેમ ન કરી શકાય એવું હોય તો આ પાણી જમીનમાં શોષાઈ જાય છે અને સ્વચ્છ થઈને કુવા, હેંડપંપ વગેરે પાણીમાં મળી જાય છે.
૩. ગામ કે ફળીયાનું પાણી ખાલી જગ્યા હોય તો ત્યાં ભેગું કરીને મોટી સંખ્યામાં ફળ-ઝાડ અથવા ઔષધિઓ કે લાકડા માટેના વૃક્ષો ઉગાડી શકાય. આને માટે વેસ્ટ સ્ટેબિલાઈઝેશન પોંડ (સ્થિરીકરણ તળાવ) જેવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે.
ખાલી જગ્યામાં, નિશ્ર્ચિત અંતર પર પાળા બનાવીને તેમાં ગંદુ પાણી છોડવું અને વચ્ચેની જગ્યામાં ઝાડ રોપવા એ પણ એક રીત છે.
પાણીનો સંયમ
જેમ વસ્તુઓનો અસંગ્રહ કરવો જોઈએ તેમ જ પાણીના ઉપયોગમાં પણ સંયમ રાખવો જરૂરી છે. તેમાં જ શાણપણ રહેલું છે. ઓછામાં ઓછા પાણીથી કામ ચલાવવું, તેને અંગે જાગૃતિ રાખવી એમાં સૃષ્ટિ માટેનો પ્રેમ અને સંવેદનશીલતા સમાયેલા છે અને આધ્યાત્મિકતા પણ છે.
શહેરના લોકોને ચોવીસ કલાક પાણી જોઈએ છે. અને તેમને તે આપવામાં પણ આવે છે. તેથી પાણીની કિંમત તેઓ જાણતા જ નથી. ગાડીઓ ધોવી, રસ્તા ધોવા, વૃક્ષોને નવડાવવા અને કપડા-વાસણ તેમજ શૌચાલયમાં પણ વગર વિચાર્યે પાણીનો વપરાશ બસ કર્યે જ જાય છે. જે ગામોમાં નળયોજના પહોંચી છે ત્યાં પણ નળ બંધ કરવાનું ધ્યાન રાખવામાં આવતું નથી. આમ, પાણીની કિંમત કોઈ સમજતું નથી.
પવનાર (વર્ધા) આશ્રમ પાસે ધામ નદી આવેલી છે. એક દિવસ એક કાર્યકર્તા નદીમાં તરવાનો આનંદ લઈ રહ્યા હતા. ઘણી વાર સુધી તેઓ તર્યા. આખરે વિનોબાજીએ કહ્યું, ‘હવે બસ થયું. હજી કેટલીવાર તરવું છે ?’ કાર્યકર્તા કહે, ‘નદી પોતાની ગતિથી વહી રહી છે. હું તરી રહ્યો છું, તેમાં નુકસાન, ભૂલ શું છે ? વિનોબાજીએ કહ્યું, ‘અરે, અત્યાર સુધી માત્ર નદી વહી રહી હતી, હવે તેની સાથે તમારો સંયમ પણ વહી રહ્યો છે.’
આપણો સંયમ પાણી સાથે વહી રહ્યો છે ? આંતરિક વિકાસ અને સામાજીકતા માટે સંયમ જરૂરી જ નહીં આવશ્યક છે. પાણીનો ઉપયોગ કરતી વખતે સંયમ રાખવો જ જોઈએ. મોટા બંધો હોય, પાણીની મોટી યોજનાઓ હોય કે ઘરના નળનું પાણી – આપણો સંયમ તેમાં વહી જાય છે ! પાણી તેમજ ગંદા પાણીની માત્રા એકબીજા પર આધારિત છે. કોઈ પણ ભોગે પાણીનો ઉપયોગ સંયમથી કરવો જોઈશે. અને ગંદા પાણીનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ.
વિશ્વગ્રામના એ રૂડા વાવડ જાણ્યા તમે? વિદુષી વિમલાતાઈ ઠકારને, તિથિ મુજબ રામનવમીએ એકસો પાંચમું વરસ બેઠું તે ગુજરાત એમના એક અનોખા પ્રકાશન થકી ઊજવી રહ્યું છે. તાઈ ૨૦૦૯ની અગિયારમી માર્ચે (ધુળેટીએ) ગયાં એને જોતજોતાંમાં સોળ વરસ વીતી ગયાં- એમાં પણ એમની શતાબ્દી લગભગ વણમનાવી પસાર થઈ ગઈ! જોકે મોટા માણસોની જીવંત હાજરી વાસ્તે દુનિયાદારી ગાજોવાજો જરૂરી નથી: વીજચમકાર ન વરતાતો હોય ત્યારે પણ એ નંદાદીપ, કહો કે એ અખંડ દીવો અહોરાત્ર પ્રજ્વલિત જ હોય છે.
છ દાયકા પાછળ જઈ જોઉં છું તો ભૂદાન આંદોલન ગજબ ઊંચકાયેલું હતું. ગાંધી કોઈ ઈતિહાસવસ્તુ નથી પણ જાગતુંજોત જણ છે એની ડંકે કી ચોટ ગવાહી દેતું વિનોબાયન અજબ જેવી ભાવનાઓ જગવી રહ્યું હતું. ૧૮૫૭ પછી હવે ૧૯૫૭- એ તો સત આવન કી સાલ, કદાચ એ મતલબનું કંઈક સૂર્યકાન્ત ને ગીતા પરીખની જોડલીને ગાતી ને ગણગણતી સાંભળ્યાનું આ લખતાં સાંભરે છે; અને ગુજરાત કોલેજના છાત્રોને સંબોધતા જયપ્રકાશ સમક્ષ હેમકંકણ ઉતારતી કોલેજકન્યકા પણ જાણે છે કે નજર સામે તરવરે છે. બેસતે સ્વરાજે કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકતાં જયપ્રકાશ થકી સ્વરાજને પરિભાષિત કરતો જે અવાજ પ્રગટ થયો હતો તે જ અવાજ હવે સ્વરાજનિર્માણનાં નવસોપાન નિર્ધારી રહ્યો હતો. એક તબક્કે, જમીન ટોચમર્યાદાનો કાયદો જ્યાં હાંફી ગયો હતો, ભૂદાન મળવાનું કેમ જાણે એને આંબવાની હૈયાધારણ આપતું હતું: ન કાનૂન, ન કતલ- કેવળ કરુણાની આ જે લોકકવાયત ત્યારે ઉપડી હતી એનો એક તરુણ ને તેજતર્રાર અવાજ વિમલા ઠકારનો હતો.
પાછળ જોઉં છું તો એક તબક્કે લગભગ થંભી ગયાનું અનુભવું છું. નહીં કે આંદોલન ત્યારે એવું ધીમું પડી ગયું હતું, પણ વિમલાજી કેમ સંભળાતાં તો શું દેખાતાં પણ નહોતાં? એ કદાચ કંઈક કશ્મકશવશ અંતરમાં ઊંડા ઊતરી ગયાં હતાં અને દેખીતાં અંતર્ધ્યાન પણ થઈ ગયાં હતાં. એમને સારુ એક ગજબનાક વિચારમંથનનો એ ગાળો હતો. ફિલસૂફીના છાત્ર અને કંઈક અધ્યાત્મ પરંપરાનો વારસો: એમને પજવતી લાગણી એ હતી કે લોક દાન આપે છે અને લોક લે પણ છે, પણ માહોલ બધો દાતાપાતાની ચાલુ રસમ જેવો જ કેમ લાગે છે. જે આપે છે એની ચિત્તવૃત્તિમાં ખરેખર કશું પરિવર્તન થાય છે કે પછી એક અચ્છા ઓડકારે આવીને એ અટકી જાય છે. જો સામાજિક રીતે માલિકી હક્કના વિસર્જનનો સંસ્કાર પડતો હોય અને સવિશેષ તો, આપનાર અપાવનાર પક્ષે અહંનું વિગલન ન થતું હોય તો આ આંદોલન નકરું સપાટી પરનું જ ને. કશીક ‘ખોજ’ સારુ નીકળી પડેલી કન્યકાને માટે પલાખા નવેસર માંડવાની આ અંતરઘડી હતી.
વિમલાજીને માટે અંતરવલોણાના એ કાળમાં વાતનો વિસામો ને હૂંફઠેકાણું જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન ને પ્રત્યક્ષ પરિચય હતાં. દૈવી શક્તિના કોઈ દાવા કે કશા જાદુઈ તામઝામ ઠાઠમાઠ વિના કૃષ્ણજીના ચેતનસ્પર્શે વિમલાજીની શ્રવણશક્તિ પણ પુન: સ્થાપિત થઈ. કૃષ્ણમૂર્તિ પોતે વીસમી સદીની એક અનુત્તમ શખ્સિયત હતા. એની બેસન્ટના આયોજનમાં ગાજોવાજો, તામઝામ સઘળું એમને નવયુગના તારણહાર કહો કે પયગંબર રૂપે સ્થાપવા જારી હતું. એક વિશાળ સંગઠનના ચાંદતારા રૂપે એમણે પ્રકાશવાનું હતું. એક ક્ષણે કૃષ્ણમૂર્તિએ એ બધું ખંખેરી નાખ્યું. અવતાર પયગંબર નવયુગ પ્રદીપ કશુંયે થવાનો કે હોવાનો સરેઆમ ઈન્કાર કીધો. અહીં એમની ચિંતનરૂખમાં ઊંડે નહીં ઊતરતાં એટલું જ કહેવું બસ થશે કે એ ન તો બંધાયા, ન તો ગંઠાયા.
વિમલા ઠકારની આંતરસંવિત્તિનો જે પરિચય એમને થતો હતો તે પરથી જોકે એ એમને ચોક્કસ કહેતા કે You explode… થોડો વખત તો કેમ જાણે કૃષ્ણમૂર્તિની પાટે કોઈ આવવાનું હોય, એવીયે હવા બની. જોકે ન તો એ વિમલાને અભીષ્ટ હતું, ન તો એ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનને (કદાચ, કૃષ્ણજીને પણ) ઈષ્ટ હતું. દર્શનશાસ્ત્રોના અભ્યાસી વિમલા ધૂંઆધાર ભૂદાન ઝુંબેશ છાંડી કેવળ અંતરતમ સાથે સંવાદ અને અધ્યાત્મચિંતનમાં એક ગાળો લાંગર્યાઁ ખરાં, પણ એમાંય એમને સોરવાતું નહોતું. એક અંતરાલના મંથન કાળ પછી એમની જે સમજ બની તે એ કે ધ્યાનમાં સરી જઈ ભૌતિક અલગાવમાં રહેવું અથવા સામાજિક અભિવ્યક્તિથી અળગા રહેવું એ નપુંસકતા અને મૂલ્યહીનતા છે- અલબત્ત, બીજી બાજુ, ધ્યાનના આધાર વિનાનું સમાજકર્મ એક અહંકેન્દ્રી પ્રવૃત્તિ બની રહે છે. ‘સ્પિરિચ્યુઆલિટી એન્ડ સોશિયલ વર્ક’માંથી પસાર થતાં એમનું એકંદર દર્શન સુપેરે સમજાઈ રહે છે કે આપણા સમયમાં સામાજિક અભિજ્ઞતા ને સક્રિયતા વગરનું અધ્યાત્મ એક અય્યાશી છે. આનંદની વાત છે કે વિશ્વગ્રામની સદભાવ પહેલથી નિરંજન શાહે કરેલો એનો અનુવાદ યજ્ઞ પ્રકાશન મારફતે સુલભ થયો છે.
વિમલાતાઈની આ પરિણત ભૂમિકાને આપણે જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના એક વિરલ સંતુલન રૂપે પણ જોઈ શકીએ. જયપ્રકાશ કટોકટીની જાહેરાત સાથે પકડાયા ત્યારનું એમનું છેલ્લું વ્યાખ્યાન, દેશની એકાધિક ભાષાઓમાં ઊતરી સર્વજનસુલભ બને એનું આયોજન એમણે કર્યું હતું. તે વખતની તત્પરતા ને પ્રતિબદ્ધતાની વાત, એમના એ કાળના અંતેવાસીવત્ કિશનસિંહ ચાવડા પાસે સાંભળવાનું બન્યું છે. મતદાતા જાગૃતિ અભિયાન, ગુજરાત બિરાદરીની સ્થાપના આસામના યુવા આંદોલનથી માંડી પોલેન્ડની સોલિડારિટી મૂવમેન્ટ અને જર્મનીની ગ્રીન મૂવમેન્ટ સાથે સાર્થક સંવાદ સંપર્ક એમ એમનો સમગ્ર ઉત્તરકાળ અધ્યાત્મરત પણ એની અય્યાશીથી મુક્ત એવું મહાકાવ્યોપમ પરિમાણ ધરાવે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૦-૪– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ