-
ચિંતા કર્યે ચાલશે ના. / અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
(૧)
ચિંતા કર્યે ચાલશે ના.
-રવીન્દ્રનાથ ટાગોર
તારાં સ્વજન તને જાય મૂકી તો
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
તારી આશા-લતા પડશે તૂટી;
ફૂલ ફળે એ ફાલશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.માર્ગે તિમિર ઘોર ઘેરાશે
એટલે શું તું અટકી જાશે?
વારંવારે ચેતવે દીવો
ખેર, જો દીવો ચેતશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.સુણી તારા મુખની વાણી
વીંટળાશે વનવનનાં પ્રાણી
તોય પોતાના ઘરમાં તારે
પાષાણના હૈયાં ગળશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.બારણાં સામે બંધ મળે,
એટલે શું તું પાછો વળે?
વારંવારે ઠેલવાં પડે,
બારણાં તોયે હાલશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.(૨)
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
-ભગવતીકુમાર શર્મા
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી – નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ -
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પુત્રજન્મ
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
નસીબ ખૂલ્યાં? થી આગળ
સગર્ભાવસ્થામાં ભાવિ માતાનાં કેટલાં લાડ-કોડ થતાં હોય છે! મને તેમાંનું કશું જોવા મળ્યું નહિ. હા, એટલું ખરું કે વડોદરા જતાં પહેલાં થોડા દિવસ અમદાવાદ રહી ત્યારે સાસુજીએ અમારા રિવાજ મુજબ મારા માટે ભોજનસમારંભ યોજ્યો હતો.
દશેરા બાદ હું વડોદરા બાઈજીમાસીને ત્યાં આવી અને ૧૯૩૪ના નવેમ્બર મહિનાની ૨૭મી તારીખે મને પુત્ર-રત્ન પ્રાપ્ત થયું!
અહીં એક મજાની વાત કહું! જેમ મારી પ્રસૂતિનાં ચિહ્ન જણાવા લાગ્યાં, અને અત્યંત દર્દ ઊપડવા લાગ્યું કે તરત મારાં મહાન માસીએ કહ્યું, “લીલા, તારી ડિલિવરી માટે નર્સ આવવાની છે, તો તેની ફી અને તેના માટેનું ઘોડાગાડીનું ભાડું કાઢ જોઉં!’ હું તો વેદનાથી પીડાતી હતી, તેમ છતાં તેવી સ્થિતિમાં માસીબાએ મારી પાસેથી પૈસા કઢાવ્યા! આપણે તો આપણી પાડોશમાં રહેનાર સ્ત્રી પર આવો કટોકટીનો સમય આવ્યો હોય તો તે પણ સંભાળી લઈએ. પૈસા થોડા ભાગી જતા હોય છે? મને બાઈજીમાસી પર ઘણો ગુરસો આવ્યો, જવા દો એ વાત. એટલું સાચું કે મને દીકરો આવ્યો તેથી બધા ખુશ હતા અને બધે પેંડા વહેંચ્યા, કારણ કે મારી બાના પરિવારમાં કોઈને દીકરો ન હતો. આથી સહુને આનંદ થાય તે સહજ હતું.
પુત્રજન્મના આઠમા દિવસે મારી તબિયત બગડી અને સખત તાવ આવવા લાગ્યો. મારા બાળક અને મારા પ્રત્યે એટલું દુર્લક્ષ્ય થવા લાગ્યું કે ન પૂછો વાત. મારી દશા તો અત્યંત બૂરી થઈ ગઈ. મને આવશ્યકતા હતી તેવી કોઈ વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બાળકના નામકરણનો સંસ્કાર અમારી પ્રથા પ્રમાણે જન્મના બારમા દિવસે કરવામાં આવવો જોઈએ. તેને બદલે એકવીસમે દિવસે કરવામાં આવ્યો. જોકે આ મારો પ્રથમ પુત્ર હતો તેથી નામકરણવિધિ ઘણી ધામધૂમથી ઊજવાયો. બાળકનું નામ નરેન્દ્ર રાખવામાં આવ્યું. બાળકને ઘણો ચાંદલો અને ભેટની વસ્તુઓ આવી. મારાં સાસરિયાં તરફથી બાળકને ભેટ આવી નહિ! મારા માતૃપક્ષમાંથી કેવળ મારાં સૌથી નાનાં માસીએ થોડુંઘણું આપ્યું, પણ આવેલો ચાંદલો કે ભેટની વસ્તુઓ મને તો જોવા સુધ્ધાં ન મળી. બધી વસ્તુઓ અને રોકડ બાઈજીમાસીની ટૂંકમાં કેદ થઈ ગયાં!
મારાં નાની મને – ર૪ દિવસની સુવાવડી પૌત્રીને મૂકી નાનાં માસી સાથે મુંબઈ ગયાં. બાઈજીમાસી નિશાળે ભણાવવા અને તેમનાં પોતરાં ભણવા માટે સવારે નીકળી જતાં. મને એકલીને આખો દિવસ ઘરમાં પડી રહેવું પડતું હતું, તેથી મેં “એમને’ પત્ર મોકલ્યો કે મને વહેલી તકે આવીને લઈ જાય. “એમનો’ જવાબ આવ્યો કે આટલી જલદી હું તને લઈ જઈ શકીશ નહિ.
મને દીકરો આવ્યો તેની જાણ બાબાને થતાં તેમને એટલો આનંદ થયો કે ન પૂછો વાત. પણ તેમની તબિયત સારી નહોતી તેથી તેઓ મને જોવા આવી શક્યા નહિ. તેમની માંદગી વધી અને નરેન જે દિવસે સવા મહિનાનો થયો તે જ દિવસે મને દુઃખદ સમાચાર મળ્યા. મારા પરમ પૂજ્ય યેસુબાબા અમને બધાંને છોડીને પ્રભુદ્ધારે ગયા. દમુનાં લગ્ન પછી તેમને મૂટીને હું જે દિવસે વડોદરા ગઈ ત્યાર પછી હું તેમને મળી જ શકી નહિ તેનું મને અત્યંત દુઃખ થયું. મારું તો તેઓ સર્વસ્વ હતા. તેમણે મને ઘણી સંભાળી હતી અને મારા માટે બધું જ કર્યુ હતું, અને ભાગ્ય તો જુઓ, તેમના અંતકાળે તેમને હું મળી શકી નહિ.
મારાં કાકીને ચાર દીકરીઓ અને એક દીકરો હતાં. કાકાના અવસાન વખતે મારી બાની જેમ તેઓ પણ ગર્ભવતી હતાં. અમારા બાબા એક સામાન્ય માંદગીમાં ગયા, તેઓ જાણતા હતા કે આ માંદગીમાં જ તેઓ દેહ છોડવાના છે. તેમને જ્યોતિષશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું. તેઓ માંદગીના બિછાના પર હતા ત્યારે કાકીનાં અપરમાતા ત્યાં જ હતાં. તે દિવસે સવારે બાબાએ તેમને કહ્યું હતું કે, ‘આજની સંધ્યાએ. હું તમારી સાથે નહિ હોઉં.’ અને સાચે જ, તે સાંજે બાબાએ સ્વર્ગે જવા પ્રસ્થાન કર્યું. મારાં કાકીની ઉમર ફક્ત ત્રીસ જ વર્ષની હતી. વળી તેઓ ગર્ભવતી હતાં. મારી બા પણ ત્રીસમા વર્ષે જ વિધવા થઈ હતી, અને તે પણ તે સમયે ગર્ભવતી હતી. બિચારાં કાકીને નાની વયમાં જ આ દુ:ખ આવી પડયું તેનું મને અસહ્ય દુઃખ થયું. હું તેમને મળવા પણ જઈ શકી નહિ. બાબાના અવસાન બાદ તેઓ વીસનગર મારાં નાનાં ફોઈને ઘેર ગયાં. બાબા રાજ્યમાંથી રિટાયર થયા હતા તેથી રાજ્ય તરફથી તેમને થોડુંઘણું પેન્શન મળવા લાગ્યું. થોડા દિવસ અમારાં ફોઈને ત્યાં રહ્યા બાદ કાકીએ એક સ્વતંત્ર ઓરડી ભાડે રાખી અને ત્યાં રહેવા ગયાં. પૂરા સમયે તેમને પુત્રી અવતરી, પણ થોડા દિવસ બાદ તે અવસાન પામી.
મને ત્રણ મહિના થયા ત્યારે બાઈજીમાસી મારા ખર્ચે મને મૂકવા વઢવાણ કેમ્પ આવ્યાં. તે વખતે. મારાં સાસુજી ત્યાં જ હતાં. તેમણે માસીને સાડી ભેટમાં આપી, પણ મને એક ખંડ (જરીની કોરવાળું પોલકાનું કાપડ) પણ ન આપ્યો. મારું બાળક નાનું હોવાથી સાસુજીએ મહારાજ રાખવાનો વિચાર કર્યો અને તરત બધાંનાં મોઢાં કટાણાં થઈ ગયાં! તેમ છતાં જેમતેમ કરી તેઓ તૈયાર થયા અને મહારાજ રાખ્યો. નરેનની બાળલીલા જોઈ બધાં ખુશ થતાં હતાં. સાસુજી મારી સાથે લગભગ એક વર્ષ રહ્યાં અને મેં તેમની મનોભાવથી સેવા કરી. તેમના આશીર્વાદથી અને મારી બાની કરેલી સેવાચાકરીથી મને ઘણું સારું ફળ મળ્યું હતું, તે હું કેમ કરીને વીસરી શકું?
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
બે મઝાનાં ફાગણી ગીતો
(૧)
ખેલો હો, રસિયા ફાગ !
રસરંગની છલકે છાબ,
ખેલો હો, રસિયા! ફાગ ! રસરંગની…કલિ કલિ પર મધુકર ગુંજે કોકિલ બંસી બજાવે;
મલયાનિલની પાંખ પલાણી પરાગ વસંત વધાવે.ફૂલ્યો ફાગણ, ને ધરતીએ રંગ કેસરી ચોળ્યો;
હૈયેવાટકડે મેંયે તે પ્રીતરંગને ઘોળ્યો!પ્રણયસિતારી બજી મધુરું, સચરાચર પુલકાવે;
અણદીઠી, અણતોષી ઝંખા અંતરને છલકાવે.હૈયાનું આસન છે સૂનું, પિયુ ચરણરજ પાડો;
ભવભવની હું ઘેલી ઝંખું મીટ નેહની માંડો.— પ્રેમશંકર હ. ભટ્ટ
(૨)
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી ‘તી તોય જરી ડોલી ના ડોલી ના…. મારેoફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…. મારેoરેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના… મારેo— નંદકુમાર પાઠક
-
ફિલ્મી ગઝલો – ૯૮. શ્યામ હિંદી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ફિલ્મોમાં સોથી વધુ ગીતો લખનાર શ્યામ હિંદીની પણ ખાસ વિગતો ઉપલબ્ધ નથી સિવાય કે એમણે ખુફિયા મહલ, ગુલામ બેગમ બાદશાહ, સિંદબાદ ધી સેઈલર, પુલિસવાલી, અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ, રાજ દરબાર, માલા ધી માઈટી, શાને હિંદ, મધુર મિલન, મમતા, જોડીદાર, તૂફાન ક્વીન, રૂમાલ, શૌકીન, જાદૂઈ સિંદૂર, સ્ટંટ ક્વીન, જોકર, બિગડે દિલ, શેક હેંડ, જયહિંદ અને દિલ્લી એક્સપ્રેસ જેવી ગુમનામ ફિલ્મોમાં ગીતો લખ્યા.
એમણે રંગા ઔર રાજા, સાઝ ઔર સનમ, હમ દિવાને, મૈં હું જાદુગર, રંગીલા રાજા, સચ્ચે કા બોલબાલા અને ખુફિયા મહલ જેવી ફિલ્મોમાં કથા અને સંવાદ પણ લખ્યાં.
એમની એકમાત્ર ગઝલ ફિલ્મ સર્કસ વાલે ( ૧૯૫૦ ) ની છે. એના ગાયક કોણ છે એની માહિતી નથી. સંગીત ચિત્રગુપ્તનું હતું. આ રચનાનો કોઈ વિડીયો કે ઓડિયો ઉપલબ્ધ નથી. એ રચનાના શબ્દો :
મુસ્કુરાતે હુએ યું આંખ ચુરાયા ન કરો
ગુલ ખિલાતે હુએ યું તીર ચલાયા ન કરોહાથ ધો બૈઠેંગે હમ દિલ સે કિસી દિન યું હી
ઈન છલકતી હુઈ આંખોં સે પિલાયા ન કરોટૂટ કર રોતે હૈં દિલ ખોલ કે હમ રાતોં કો
મોતિયોં કો મેરી જાં ઐસે ગંવાયા ન કરોદિલ બહલતા હૈ રકીબોં કા મૈં જલ જાતા હું
અપની મહેફિલ મેં હંસી મેરી ઉડાયા ન કરો..
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કર્ઝ (૧૯૮૦)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
હિન્દી ફિલ્મોમાં ટાઈટલ્સ દરમિયાન જ્યારે જ્યારે ગીતનો ઉપયોગ થાય છે ત્યારે તેના હેતુ વિવિધ હોય છે. ક્યારેક તે ફિલ્મની કથાનો મધ્યવર્તી સાર જણાવે છે, ક્યારેક તે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં સંક્રાંતિ દર્શાવે છે, તો ક્યારેક તે ફિલ્મના મુખ્ય પાત્રની વિશેષતાઓ દર્શાવે છે. ઘણી વખત આમાંનું કશું ન હોય એમ પણ બને છે. ફિલ્મની કથાનો સાર જણાવતું ટાઈટલ સોન્ગ ફિલ્મમાં મોટે ભાગે બે-ત્રણ વખત આવે એમ બને. ઘણા કિસ્સામાં ફિલ્મના અંતે પણ તે હોય છે, જેથી કથનનું આખું વર્તુળ પૂરું થયું હોય એમ જણાય છે.
એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં સંક્રાંતિના કિસ્સે મોટે ભાગે ફિલ્મનો નાયક નાનેથી મોટો થાય અને એ સૂચવતું ગીત વાગે એ અતિ સામાન્ય પરિસ્થિતિ છે. આ સ્થિતિમાં નાયકના બાળપણનો હિસ્સો ટાઈટલ્સ પૂર્વે બતાવાય છે.
૧૯૮૦માં રજૂઆત પામેલી ‘મુક્તા ફિલ્મ્સ’ નિર્મિત, સુભાષ ઘાઈ દિગ્દર્શીત ‘કર્ઝ’માં પણ કંઈક આવી જ વાત હતી. અભિનેતા તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છતા સુભાષ ઘાઈને વધુ પ્રસિદ્ધિ લેખક-દિગ્દર્શક તરીકે પ્રાપ્ત થઈ. જો કે, પોતાની ફિલ્મના એકાદ ગીતની એકાદી કડીમાં તેઓ દેખા દઈ દેતા હતા. ‘કાલીચરણ’ (૧૯૭૬), ‘વિશ્વનાથ’ (૧૯૭૮), ‘ગૌતમગોવિંદા’ (૧૯૭૯) પછી આવેલી તેમની ‘કર્ઝ’ દ્વારા તેમને વ્યાપક પ્રસિદ્ધિ મળી. આ ફિલ્મ ૧૯૭૫માં આવેલી અંગ્રેજી ફિલ્મ ‘The reincarnation of Peter Proud’ પરથી પ્રેરિત હતી. ફિલ્મમાં પુનર્જન્મની સાવ અતાર્કિક અને ગળે ન ઉતરે એવી વાર્તા હતી, છતાં તેનાં ગીત-સંગીત અને માવજતને લઈને આ ફિલ્મ અત્યંત સફળ રહી. પોતાની સામાન્ય છબિથી વિપરીત, લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે આમાં કથાને અનુરૂપ પાશ્ચાત્ય સંગીત તૈયાર કર્યું અને તેનાં મોટા ભાગનાં ગીતો લોકપ્રિય બની રહ્યાં. અલબત્ત, આ ફિલ્મનું સૌથી લોકપ્રિય બનેલું ગીત ‘ઓમ શાંતિ ઓમ’ મૂળ અંગ્રેજી આલ્બમ Soca Explosion ના લોર્ડ શોર્ટીએ ગાયેલા ગીત ‘Om shanti om’ (https://www.youtube.com/watch?v=jvTiFwqy1CE)ની સીધી જ નકલ હતું, તો બીજું લોકપ્રિય ગીત ‘એક હસીના થી, એક દિવાના થા’ અંગ્રેજી આલ્બમ ‘We as love’ના જ્યોર્જ બેન્સનની ધૂનની સીધી ઉઠાંતરી હતું. (https://www.youtube.com/watch?v=ohUVwZkD1W0 )

આ ફિલ્મ અને તેનાં ગીતો લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ, ઋષિ કપૂર, સુભાષ ઘાઈ વગેરેની ઓળખ બની ગયાં.
2008માં ‘કર્ઝ’ (Karzzz) નામે રજૂ થયેલી, સતીશ કૌશિક દિગ્દર્શીત ફિલ્મ આ જ ફિલ્મનું પુનર્નિર્માણ હતી, જેમાં હીમેશ રેશમિયા અને ઉર્મિલા માતોંડકરની મુખ્ય ભૂમિકા હતી. ‘કર્ઝ’નાં ગીતો એવાં જાણીતાં બન્યાં કે એનાં ગીતોમાં આવતા મુખ્ય શબ્દસમૂહનો ઉપયોગ કરીને ‘મૈં સોલહ બરસ કી’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘પૈસા યે પૈસા’, એક હસીના થી’, ‘આશિક બનાયા આપને’, ‘દર્દે-દિલ’, ‘એક દીવાના થા’ જેવી ફિલ્મો બની. ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મની કથાનો આરંભ જ ‘કર્ઝ’ના મૂળ ગીત ‘ઓમ શાંતિ ઓમ’થી થાય છે.

(‘કર્ઝ’ દરમિયાન (ડાબેથી): સુભાષ ઘાઈ, આનંદ બક્ષી અને લક્ષ્મીકાન્ત) 1980માં રજૂઆત પામેલી ‘કર્ઝ’માં ઋષિ કપૂર, રાજકિરણ, ટીના મુનિમ, સીમ્મી ગ્રેવાલ, પ્રાણ વગેરે કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ છ ગીતો હતાં. ‘દર્દે દિલ. દર્દે જિગર’ (મ.રફી), ‘ઓમ શાંતિ ઓમ’ (કિશોરકુમાર), ‘તૂ કિતને બરસ કા’ (કિશોરકુમાર, લતા મંગેશકર), ‘એક હસીના થી, એક દિવાના થા’ (કિશોરકુમાર, આશા, ઋષિ કપૂર), ‘કમાલ હૈ કમાલ હૈ’ (મન્નાડે, કિશોરકુમાર, અનુરાધા અને સાથીઓ) તેમજ ‘પૈસા યે પૈસા’. આનંદ બક્ષીએ લખેલાં આ તમામ ગીતોને લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે સંગીતબદ્ધ કર્યાં હતાં.
આ ગીતો પૈકીનું ‘પૈસા યે પૈસા’ ગીત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવાયું હતું, જેમાં કથાનાયકના બાળપણથી લઈને પુખ્ત થવા સુધીની અને પુખ્ત થયા પછી ગાયક બનવાની સફર દર્શાવાયેલી છે. ગીત ઘણું લાંબું જણાય, પણ હકીકતમાં આ ગીતનો એક જ અંતરો છે, અને મુખડાનું પુનરાવર્તન સતત થતું રહે છે, છતાં ગીત કર્ણપ્રિય બની રહે છે.
ગીતના શબ્દો આ મુજબ છે:
लललला…एक दो
लालालालाला…तीन चार,
ललला लालालालाला पांच छएक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!
एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!प्रेम देखा, प्यार देखा
यारी देखी, यार देखा
दिल के आरपार देखा
ये सारा संसार देखा
ऊपर-नीचे, अन्दर-बाहर, दूर-पास
मौसम है इक जैसा….पैसाएक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સુખ તો હાજર છે, જોઈએ છીએ ?
હરેશ ધોળકિયા
આપણને મહાપુરુષો ગમે ખૂખ છે, તેમને પૂજવા પણ તૈયાર હોઈએ છીએ, પણ તેઓ જે કહે છે તેમાં આપણને ખાસ રસ હોતો નથી, કારણ કે તેઓ જ્યારે આપણા સાથે વાત કરે છે ત્યારે આપણને એમ લાગે છે કે તેઓ આપણી મર્યાદાઓને ખુલ્લી કેરે છે. અલબત, તેઓ એમ કરતા હોતા નથી. તેઓ તો સામાન્ય સંદર્ભમાં વાત કરતા હોય છે, પણ આપણે અનેક મર્યાદાઓથી પીડાતા હોવાથી આ સામાન્ય સંદર્ભ પણ આપણને અંગત ટીકા લાગે છે અને આપણે જલ્દી નારાજ થઈ જઈએ છીએ. અરે, એમના ગયા પછી પણ, વર્ષો પછી પણ, તેમની વાણી પણ આપણને અકળાવે છે. એટલે આપણે તેમને ખાસ વાંચતા પણ નથી અને ભૂલી જવાનો પ્રયાસ કરીએ છીએ. હા, ફરજિયાત માન આપવું પડે ત્યારે થોડી ક્ષણો માટે સંયમ રાખી તે કાર્ય કરી લઈએ છીએ, પણ પછી તરત ભૂલી જઈએ છીએ. આનું કારણ એ છે કે આપણી મર્યાદાઓને જાણવા છતાં આપણે તે દૂર કરી શકતા નથી અને તેની પીડાથી તો હેરાન થતા હોઈએ જ છીએ. તેમાં વળી આ લોકો જાહેરમાં કહે છે ! તે સહન થાય વળી ?
આપણા વચ્ચે મહર્ષિ શ્રી અરવિંદ આવી ગયા. તેઓ શર્આતમાં એક જબરા ક્રાન્તિકારી હતા, પણ પછી અચાનક યોગ તરફ વળી ગયા અને ભારતના એક મહાન આધુનિક યોગી બની ગયા. તેમણે યોગમાં જે સંશોધનો અને અનુભૂતિઓ કરી છે તે જાણીએ તો ચકિત જ થઈ જઈએ. તેમને જાણવા કે વાંચવા એક લહાવો છે. અલખત, એ થોડા કઠીન છે, છતાં વાંચવા ગમે તેવા છે. પણ, કરી, અહી એ જ સવાલ ઊભો થાય છે કે તેમની વાણી પણ કયારેક આપણને કેડે તેવી છે. કયારેક એવું સીધું કહી દે છે કે આપણને માડું લાગી જાય.
હમણાં તેમનાં બે વિધાન વાંચવાં મળ્યાં. આ વિધાનો પરથી આ બાબત સ્પષ્ટ થશે. એક વિધાન વ્યકિત માટે છે અને બીજ વિધાન સમુઢ માટે છે. સાદાં સીધાં લાગતાં વિધાન હચમચાવે તેવાં છે.
પ્રથમ વિધાન આ છે :
” લાગણીની મૂરચ્છાવસ્થામાં વ્યકિત ઘણી વાર પોતાના અગ્રાનને જ ગ્રાન સમજી તેમાં સૌ કોઈને બાંધી રાખવા માગે છે.”
સીધું સાદું લાગતું આ વિધાન ખતરનાક છે-આળા હોઈએ તો ! (અને છીએ જ !) બે આક્ષેપ છે આ વાકયમાં. એક છે કે માણસ અગ્ઞાની છે. અને બીજો છે કે માણસ મૂચ્છિત છે. ત્રીજો આક્ષેપ ગૂઢ છે કે માણસ
બુધ્ધિ અને લાગણીમાં સમતોલ નથી. વધારે પડતો લાગણીશીલ છે.આ વાત સાચી છે ?
પોતાને જ પૂછવાની જરૃર છે. શું વ્યકિત સમતોલ બુધ્ધિ -એટલે કે બુધ્ધિ અને લાગણીનું સમત્વ- ધરાવે છે ? સદીઓથી માનવજાતનું અવલોકન કરશું- ઈતિહાસના માઘ્યમથી-તો માણસ ખુઠ્ધિથી ઓછો જીવે છે અને આવેશથી વધારે જીવે છે. કોઈ પણ કાર્ય રવા પહેલાં ખુધ્ધિથી વિચાર ઓછો કરે છે, પણ લાગણીથી વિચાર કરે છે. હવે તકલીફ જ આ છે. વિચાર બુધ્ધિ થી કરવાનો છે અને કામ લાગણીથી કરવાનું છે. માણસ મોટા ભાગે ઉલટું કરે છે. એટલે જો લાગણીથી વિચાર કરાશે તો તેમાં સમત્વ નહીં સચવાય. વ્યકિત એક તરફ ઢળી જશે. પક્ષપાત અને પૂર્વગ્રઢનો ભોગ બની જરો. પરિણામે તેનાં બધાં જ કામ અસમતુલિત થશે. સમાજોમાં નજર કરશું તો આવું જ જોવા મળશે. કોઈ લાભ આપવાનો હરો તો આપનાર ” પોતાના! લોકોને વધારે લાભ આપશે. ‘ પારકા’ને લાભ આપવામાં ખચકાશે. પોતામાં પણ પ્રથમ તો કુટુંબ જ રહેશે. પછી આગળ વધશે. એટલે જ સર્વત્ર પરિવારવાદની બોલબાલા છે. આ બધાનું કારણ એ છે કે, શ્રી અરવિંદ કહે છે તેમ, વ્યકિત લાગણીમાં મૂર્ચ્છિત થઈ જાય છે. મૂર્ચ્છિત થવુ એટલે સ્વસ્થ અને સમતોલ વિચાર ન કરી શકવો. કોઈ એક બાજુ ઢળી પડવું.
બીજ, પાયામાં માણસ અજ્ઞાની છે. અહીં અજ્ઞાનનો અર્થ સામાન્ય જ્ઞાનનું અજ્ઞાન એવો નથી. જગતનું તેને બરાબર સાન છે, પણ જે ”સત્ય” છે તેનું અજ્ઞાન છે. અને સત્ય એક જ છે કે બધું જ ચેતના છે. સમગ્ર જગત એક જ ચેતનાથી ચાલે છે. આ જ્ઞાન માણસ પાસે નથી. તે એમ માને છે કે ” પોતે જે માને છે ” તે જ સત્ય છે. અને આ સત્ય બધાએ માનવું જ જોઈએ એવો તેનો હડાગ્રહ હોય છે. અને જેટલું અગ્ઞાન વધારે, તેટલો હઠાગ્રહ વધારે હોય છે. આ હઠાગ્રહ અંગત રહે ત્યાં સુધી ચાલે, પણ તેને બીજાઓએ પણ માનવું જોઈએ એ આગ્રહ બીજાઓને હેરાન કરે છે. આવી વ્યકિત બીજાઓને પોતાના મતમાં ખાંધી રાખવા માગે છે. ન માને તો જબરદસ્તી કર છે. બળનો ઉપયોગ કંરે છે. પોતાની જ વિચારસરણી બધાએ માનવી એવો હઠાગ્રહ રાખે છે. આજે ઘરના વડીલોથી માંડીને દેશના સતાધીશો સુધી ખધા તેમના આસપાસ રહેનારાઓને -સંતાનો અને પ્રજાને- તકલીફ આપ્યા કરે છે. અનેક ઘરો, ઘરો બદલે, હકીકતે જેલ જ હોય છે. સંતાનો ગુંગળાતાં હોય છે. પ્રજા પણ સતાધીશોના તુકકાઓથી સતત હેરાન થયા કરે છે. પરંપરા, ધર્મ, કલ્યાણ યોજના જેવાં રૂપાળાં નામોથી આ ત્રાસ આપવામાં આવે છે. આ બધાને સમજાવીએ તો નથી સમજતા કારણ કે તેઓ ” લાગણીથી મૂચ્છિત” હોય છે. “‘ પોતાનાં અજ્ઞાનને” જ જ્ઞાનન અને સત્ય માને છે. અને મજાની વાત એ હોય છે કે હેરાન થનારા પણ બીજા સંદર્ભમાં ” આવા જ ” હોય છે. તેઓ બીજા સંદર્ભમાંઅન્યોને હેરાન કરતા હોય છે. જાણે કે ખો-ખો”ની રમત ચાલે છે. દેરક જણ બીજાને ‘ખો’ આપી પ્રેમ વગેરેને નામે હેરાન કરે છે. આ સંદર્ભમાં આ વિધાન ખતરનાક છે. માણસની જબરી નબળાઈ જાહેર કરી દે છે.
એવું જ બીજું વિધાન છે -સમૃહને લાગુ પડતું…
શ્રીઅરવિંદ કહે છે :
!’ જે જમાનામાં કે દેશમાં સમાધાન માટે સદ્દા તૈયાર એવા બુધ્ધિમાન મૃત્સદીઓ જ હશે, તે દેશ કે જમાનો કદી મહાન નહીં હોય. વારંવાર વાંચશું તો કાંટા જેમ ચૂભરો.
અત્યારનો જમાનો કેવો છે ? આજના કહેવાતા બુધ્ધિમાન મૃત્સદીઓ કેવા છે ? દેખાય છે કયાંય સત્યનિષ્ઠા ? સિધ્ધાંત, પ્રેમ ? સત્ય માટે લડવા કે જરૂર પડે તો મરવા કોઈ દેખાય છે ? બધી જ બાબતોમાં સમાધાન નથી દેખાતું ? બધું જ ચલાવી લેવાની વૃતિ નથી જોવા મળતી ? પૈસા, સતા, પ૬ વગેરે માટે સતત નીચા નમી પોતાની આત્મછબીને હલકી કરતા નેતાઓ કે ખુઘ્ધિમાનો નથી દેખાતા ?
આ બધું મળતું હોય તો કોઈ પણ વિચારો કે મૂલ્યો છોડવાની તૈયારી બતાવતા નથી દેખાતા ? એક નાનાં પ૬ કે થોડા પૈસા કે સતા માટે મૂલ્યવાન વિચારોનો ત્યાગ નથી કરતા ? તરત સમાધાન સાધી લેવા તત્પર નથી દેખાતા ?આજે – આવા ખુધ્ધિમાનો દ્વારા- જેને ખૂબ ગાળો અપાય છે તે ગાંધીને તપાસો. ચૌરીચીરામાં નાની હિંસા થઈ કે તરત ચળવળ બંધ કરી દીધી હતી તેમણે. બધાએ ખૂબ વિરોધ કર્યો કે આવું તો બને. પણ ગાંધીએ ના જ પાડી દીધી. ન જ માન્યા.માટે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વસ્થ રહ્યો. નૈતિક રહ્યો. માટે ગાંધીનો પ્રભાવ રહયો-સમાધાન ન સાધવાની વૃતિના કારણે. આજે જાહેરમાં એવું કોઈ જોવા મળે છે જે કોઈ મૂલ્ય માટે સમાધાન ન કરી કહેવાતા લાભો જતા કરે ? ચારે બાજ બધી જ બાબતોમાં સમાધાન કરતા જોવા મળે છે. ‘ ચલાવી લો”, ” જવા દો!’ એ જ જાણે વર્તમાન સૂત્રો છે. એટલે જ ટ્રમ્પ કે પુતીન જેવા નેતાઓ ચલાવી લેવાય છે. ગમે તેવા સતાધીશો ચલાવી લેવાય છે. અને પ્રજાને પણ આવા જ સતાધીશો ફાવે છે, કારણ કે તેને પણ ”લાભ’ લેવો છે. મફતનું લેવું છે. લાયકાત વિના લેવું છે. અને આ માટે તો સતત સમાધાન કર્યા કરવું પડે.
અને તેનું પરિણામ શું આવે છે ?
શ્રી અરવિંદ કઢે છે કે આવો સમય કે દેશ કયારેય મહાન હોતા કે થતા નથી.
સંભવ છે, તરત દલીલ થશે કે આપણો દેરા તો સતત પ્રગતિ કરે છે. જી.ડી.પી વધતો જ જાય છે. આ મહાનતા નથી ? વર્તમાન ભૌતિક પ્રગતિ કદ્દાચ આર્થિક રીતે ‘ મહાન” કહેવાતી હશો, પણ છે નહીં. આ પ્રગતિનું પરિણામ શું દેખાય છે ? સમગ્ર જગત “કલાઈમેટ ચેન્જ”નો ભોગ અન્્યું છે. સતત પ્રદૂષણ વધે છે. ગરમી-ઠંડી વરસાદ બધામાં અતિરેક છે. ચારે બાજ હિંસાનું સામ્રાજ્ય ચાલે છે. ૬૨ પળે સ્વચ્છંદતા વધે છે. મશીનની ગુલામી વધે છે. આ ભોગવાદ સંતોષવા !’ ગમે તેમ કરીને ” વધારે પૈસા મેળવવાની હાયવોય કરાય છે. પૈસો જ પરમેશ્વર ખની ગયો છે. તે મેળવવા ગમે તેવા કાવાદાવા, કપટ, ભ્રષ્ટાચાર કરવા પડે તો ચલાવી લેવાય છે. શરીર પણ વૈંચવું પડે તો માન્ય છે. અરે, ધર્મનો પણ દુર્પયોગ કરવો પડે તો તે કરવાની પણ તૈયારી છે. જી.ડી.પી. કોઈ શ્રમ, મહેનત, પ્રમાણિકતા કે મૂલ્યોના પરિણામે નથી વધતો. આ જી.ડી.પી.થી કોઈને શાંતિ નથી મળતી. આવક સાથે અશાંતિ પણ વધે છે. હોસ્પિટલો પણ વધે છે. માનસિક અસ્વસ્થતા પણ વધે છે. તાણ, ખી.પી., હદયરોગ, ડાયાખિટીસ વગેરે પણ વધે છે. નાના યુવાનોનાં મોત પણ વધે છે. પરિવારો તૂટતાં જાય છે.
જ્યાં ચારે બાજ હાયવોય હોય તેને સ્વસ્થ સમાજ ન કહી શકાય. આજે પ્રગતિ છે, સ્વાસ્થ્ય નથી. ઉતમ ટેકનોલોજી છે, પણ તે જ અશાંતિનું કારણ બની છે. તેણે માણસને ગુલામ બનાવી દીધો છે. સગવડોએ કુદરતને અસમતુલિત કરી નાખી છે. સમગ્ર જગતમાં દરેક સ્થળે એક યા બીજી અશાંતિ અને અસ્વસ્થતા દેખાય છે. સંસારીઓ તો ડીક, સન્યાસીઓ પણ તેનો ભોગ બને છે. તપસ્યાનું સ્થાન ફાઈવ સ્ટાર આશ્રમોએ લીધું છે. ત્યાગનું સ્થાન વિવિધ ભોગોએ લીધું છે. સન્્યાસીઓ પણ સતાધીશો અને ધનવાનો સામે માથું નમાવતા જોવા મળે છે. એ શાંતિ આપી શકે ? તેમને પણ ટકવા સતત સમાધાન કરવું પડે છે.
એટલે આજનું જગત ભલે ”પ્રગતિશીલ” દેખાતું હશે, પણ એ પ્રગતિ સતત સમાધાનનું પરિણામ છે. મૂલ્યહીન છે. એટલે જ આંતરિક સમાધાન નથી. તૃષ્તિનો ઓડકાર નથી. એટલે, સ્વસ્થ જીવન માટે લાગણીની મૂચ્છા દૂર કરવી પડશે અને પોતાના અગ્રાનને અગ્રાન જ માની નમ્ર થવું પડશે અને સત્ય મેળવવાનો આગ્રહ રાખવો પડશે. સમાંતરે સત્ય ખાખતે સમાધાન નથી કરવાનું. સત્ય ખાતર બધાનો ત્યાગ કરવાનો આગ્રહ રાખવો પડશે.
કહેવાતા ખુધ્ધિમાન કે મૃત્સદી નથી થવાનું, પણ સ્વસ્થ વિચારશીલ વ્યકિત થવાનું છે.આવું થાય તો કાલે જગત સ્વસ્થ થઈ જાય. પ્રજા સ્વસ્થ થઈ જાય. સર્વત્ર શાંતિ પણ સ્થપાઈ જાય.
એ માટે કેવળ ઈચ્છાશકિતની જરૃર છે.
( કચ્છમિત્ર : તા: ૧૩-૪- ૨૦૨૫ : રવિવાર )
૦૦૦
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૯
એલેકઝાન્ડર હમ્બોલ્ટ – એક વિશાળ વ્યક્તિત્વ અને અભિભૂત કરતું જીવન પૃથ્વી અને માનવ-અસ્તિત્વનું ભવિષ્ય સ્પષ્ટ કરતું અમાપ કાર્યફલક
લેખન-સંકલન : યાત્રી બક્ષી
ઘણી વાર ‘ગાગરમાં સાગર’ રૂઢિપ્રયોગ વપરાતો હોય છે, પણ આ લેખમાળાની પૂર્વતૈયારી રૂપે યાદી બનાવી ત્યારે આ રૂઢિપ્રયોગને આ રીતે વિસ્તરતો જોવા મળશે એવી મને કલ્પના નહોતી. પૃથ્વી ઉપર માનવસમાજે ઊભા કરેલા દેશ, જાતિ, ધર્મ, ભાષા તમામને અતિક્રમીને એક જ જીવનમાં વિશાળ જીવન- ઉપલબ્ધિ ભેટ ધરી જનાર એક અનોખું વ્યક્તિત્વ જે કેડીએ ચાલ્યું તે જાણવાનો રોમાંચ આજે વહેંચવો છે.
એક યુગ હતો જયારે આર્યવર્ત જ્ઞાનનું ઉદ્ગમ અને વિસ્તરણ કેન્દ્ર હતું, જે કાળ કહો કે વિખવાદ, એકતાના અભાવને કારણે, પોતાના ખંડિત અસ્તિત્વમાં ગર્વ લઈ સંતુષ્ટ કે ઉદાસીન હતું ત્યારે બીજી તરફ નવોત્થાનના તરંગો ૧૫મી સદીથી શરૂ થયા અને સમગ્ર પૃથ્વી પર જ્ઞાનનો પ્રકાશ પશ્ર્ચિમ તરફથી ઊઠવો શરૂ થયો. આ નવોત્થાન જ્ઞાનની તમામ શાખાઓમાં સક્રિય થઈ તેમાં મોટાભાગના પોતાની વિશિષ્ટ શાખામાં સ્થાપિત ધારાઓને બાજુ પર રાખી આગળ વધતા હતા ત્યારે એક પ્રકૃતિપ્રેમી જે કવિની સંવેદનશીલતા સાથે જટિલ તથ્યો સાથેની અનેક ઉપલબ્ધિઓ દુનિયા સામે પીરસે છે. આપણે છેલ્લા બે લેખોમાં બે એવા અભ્યાસુઓ વિષે જાણ્યું જેઓ વિના પ્રયાસે ભારત આવે છે અને ભારતની પ્રકૃતિને પામવાના પ્રયાસો કરે છે. આજે એવા જ્ઞાનપિપાસુ વિષે જાણીશું જેઓ પ્રબળ ઇચ્છા છતાં ભારત ભૂમિ પર વિલસતી પ્રકૃતિ જોઈ શક્યા નહિ. આજે વાત કરવી છે એક જર્મન જિજ્ઞાસુ એલેકઝાન્ડર હમ્બોલ્ટના યોગદાનની. એલેકઝાન્ડર હમ્બોલ્ટને ‘ઇકોલોજી’ના પિતા તરીકે ગણવામાં આવે છે, ખાસ કરીને અક્ષાંશ અને ઊંચાઈનો ઉપયોગ કરીને વનસ્પતિ ક્ષેત્ર (જીઓબોટની) અને આબોહવાનું વર્ણન કરતા તેમના કાર્ય માટે; કારણ કે તેઓ સર્વપ્રથમ હતા જેઓએ આબોહવા પરિવર્તનમાં માનવીય પ્રવૃત્તિઓની ભૂમિકા, ભૂસ્તરશાસ્ત્ર અને તારાઓની રચના જેવા દૂરના ભવિષ્યના ખ્યાલો પણ રજૂ કર્યા.
એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટનો જન્મ ૧૭૬૯ માં પ્રશિયાના બર્લિનમાં એક પ્રખ્યાત કુલીન પરિવારમાં થયો હતો. બાળપણ સુખસમૃદ્ધિ અને યોગ્ય કેળવણીની તકો સાથે ઘડાયું. તેમણે તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન કુદરતી અને ભૌતિક વિજ્ઞાન, ભાષાઓ, કળા અને ફિલસૂફીને આવરી લેતું વ્યાપક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ પ્રૂશિયન મંત્રી, ફિલસૂફ અને ભાષાશાસ્ત્રી વિલ્હેમ વોન હમ્બોલ્ટના નાના ભાઈ હતા.
૧૭૯૧ થી ૧૭૯૭માં, તેમણે સેક્સોનીમાં ફાઈબર્ગ સ્કૂલ ઓફ માઈન્સ ખાતે કેન્દ્રિત અર્થ વ્યવસ્થા, ખાણો અને ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ‘જેના’ અને ગોટિંગેન યુનિવર્સિટીઓમાં રાજ્ય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. મહાન પશ્ર્ચિમી વિચારકો, કવિઓ, વિજ્ઞાનીઓ, સંગીતકારો અને ચિત્રકારોના એ સમયમાં ઇમેન્યુઅલ કાન્ટ, આર્થર શોપનહોઅર, જોહાન વુલ્ફગેંગ, વોન ગોચ અને ફ્રેડરિક શિલર જેવા વિદ્વાનો હમ્બોલ્ટના સમકાલીન હતા. કાર્લ ફ્રેડરિક ગોયે ભૌતિકશાસ્ત્રનો વધુ વિકાસ કર્યો, એલેસાન્ડ્રો વોલ્ટા અને માઈકલ ફેરાડ વીજળીના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા હતા. વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટ અને લુડવિંગ વાન બીથોવનની કૃતિઓ પણ આ યુગની ભેટ હતા. ત્યારે હમ્બોલ્ટ આ વિખ્યાત વિદ્વાનોના પ્રભાવ હેઠળ આવ્યા, જેના કારણે તેમની સફરો અને શોધોમાં વૈશ્ર્વિક માનવતાવાદી નિસબત જીવંત રહી.
એલેકઝાન્ડર હમ્બોલ્ટ ૧૭૯૨ માં ફ્રાઈબર્ગ સ્કૂલ ઓફ માઈન્સમાંથી સ્નાતક થયા બાદ બેરેઉથ અને ફિચટેલ પર્વતોમાં નિરીક્ષક તરીકે ખાણ વિભાગમાં પ્રશિયન સરકારી હોદ્દા પર નિયુક્ત થયા. આ તેમની પ્રથમ નોકરી હતી. સોનાની આ ખાણમાં પોતાની વ્યાવસાયિક જવાબદારીઓ સાથે તેઓએ ફ્રાઈબર્ગની ખાણોમાં જોવા મળતી વનસ્પતિઓની યાદી અને ઓળખનું કામ આરંભ્યું. તેના આધારે લેટિનમાં તેમના ‘ફ્લોરે ફિબરજેન્સિસ, એકસેડન્ટ એફોરિઝમી એક્સ ડોક્ટ્રિના, ફિઝિયોલોજિએ કેમીકીએ પ્લાન્ટેરમ’નું પ્રકાશન થયું, જે તેમનાં વનસ્પતિશાસ્ત્રીય સંશોધનોનું સંકલન હતું.
આ પ્રકાશન સાહિત્યકાર વિચારક જોહાન વુલ્ફગેંગ વોન ગોચના ધ્યાન પર આવ્યું, જેને લીધે તેઓને વનસ્પતિના રૂપાંતરણ વિષે ચર્ચા કરવા યુવાન વૈજ્ઞાનિકને મળવામાં રસ જાગ્યો છે, કારણ કે તેઓએ વનસ્પતિની શરીરરચના ઉપર પોતાની ધારણાઓ અને બારીક વ્યાખ્યાઓ વિકસિત કરી હતી. ડાર્વિનની પાયાના સિદ્ધાંતોની શોધનાં બહુ વર્ષો પહેલાં ગોચ પોતાનાં અવલોકનોના આધારે માનતા કે દરેક જીવ પોતાની આંતરસૂઝના કારણે વિશિષ્ટ શરીર રચના ધરાવે છે અને બાહ્ય પરિબળોના પ્રતિભાવ રૂપે તેઓ પરિવર્તન કરી શકે છે. (આ સિદ્ધાંતને આગળના સમયમાં ચાર્લ્સ ડાર્વિન ‘નેચરલ ઇન્સ્ટિક્ટ એન્ડ એડેપ્ટેશન’ના મથાળા સાથે વિશ્ર્વ સમક્ષ મૂકે છે.) મોટા ભાઈ ભાષાવિદ વિલીયમ હમ્બોલ્ટ, બંનેની મુલાકાત ગોઠવી આપે છે અને એલેકઝાન્ડર હમ્બોલ્ટ પ્રખર વિચારકોના વર્તુળમાં પ્રવેશ પામે છે.
૧૭૯૪ માં, હમ્બોલ્ટનો વેઇમર ક્લાસિસીઝમ જૂથમાં પ્રવેશ થયો કે જે જર્મન વૈચારિક સાહિત્યિક આંદોલન હતું, જે જૂની સાંસ્કૃતિક રૂઢિઓથી વિપરીત માનવતાવાદી વિચારધારામાં માનતા પ્રખ્યાત બૌદ્ધિક અને સાંસ્કૃતિક નેતાઓનું જૂથ હતું.ખાણની નોકરીમાંથી ૧૭૯૭ માં, હમ્બોલ્ટ ત્રણ મહિના માટે જેના આવ્યા અને આ સમય દરમિયાન હમ્બોલ્ટ અને ગોએથે સાથે મળીને શરીરરચના પર જેના યુનિવર્સિટીનાં પ્રવચનોમાં હાજરી આપી અને સાથે મળી કેટલાક રોમાંચક પ્રયોગો કર્યા.
તેમણે પોતાની જાતને એક વૈજ્ઞાનિક સંશોધક તરીકે તૈયાર કરવા માટે સમર્પિત કરી, તેમણે હેમ્બર્ગ ખાતે વાણિજ્ય અને વિદેશી ભાષાઓનો અભ્યાસ કર્યો, ફાઈબર્ગ સ્કૂલ ઓફ માઈન્સમાં ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ અને જેના ખાતે શરીરરચના,ખગોળશાસ્ત્ર અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ વગેરે શાખાઓમાં તેઓ એકસાથે નિપુણતા મેળવતા ગયા. આ દરમ્યાન ફાઈબર્ગ ખાતે તેઓ સંખ્યાબંધ વ્યક્તિઓને મળ્યા કે જેઓ તેમની પાછળની કારકિર્દીમાં તેમના માટે મહત્ત્વપૂર્ણ સાબિત થવાના હતા. હમ્બોલ્ટનો પ્રવાસ પ્રત્યેનો જુસ્સો લાંબા સમયથી હતો. ૧૭૯૨ અને ૧૭૯૭ માં, હમ્બોલ્ટ વિયેનામાં હતા; ૧૭૯૫માં તેમણે સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી દેશોમાં ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ અને વનસ્પતિઓના અભ્યાસો માટે પ્રવાસ કર્યા. ૧૭૯૬ સુધી એવું કંઈ દેખાતું નહોતું કે હમ્બોલ્ટને એક દિવસ તેના સમકાલીન લોકો દ્વારા નેપોલિયન પછી વિશ્ર્વની સૌથી પ્રખ્યાત વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવશે. તેમ છતાં સિવિલ સર્વિસ છોડ્યા પછી – તેમણે પોતાની જાતને ફક્ત સંશોધન માટે સમર્પિત કરી. આ તબક્કે એલેકઝાન્ડર કુદરતની કેડીએ ગંભીર સફર ખેડવા પ્રતિબદ્ધ થાય છે.
૧૭૯૯માં, હમ્બોલ્ટે લેટિન અમેરિકામાં પ્રકૃતિની તપાસ કરવા માટે વૈજ્ઞાનિક અભિયાનની શરૂઆત કરી. ૧૮૦૪ સુધી તેમણે લેટિન અમેરિકામાં પ્રવાસ કર્યો. આ સમય દરમિયાન, તેમણે ૬,૩૧૦ મીટર પર ચિમ્બોરાઝો જવાળામુખીના ચઢાણ સહિત ત્રણ મુખ્ય અભિયાનો કર્યાં. હમ્બોલ્ટે તેમના જીવનમાં હજારો કિલોમીટરની મુસાફરી કરી, પરંતુ ૧૯૨૮૬ ફિટ (૫૮૭૮ મીટર) ખાસ કરીને તેમની યાદમાં રહી ગઈ, તેમના ચિમ્બોરાઝોના ચઢાણને કારણે જે તે સમયે વિશ્ર્વનો સૌથી ઊંચો પર્વત માનવામાં આવતો હતો. ૧૮૦૨ માં, નબળાં સાધનો સાથે, હમ્બોલ્ટ અને ટુકડીએ હાલના એક્વાડોરમાં નિષ્ક્રિય જ્વાળામુખીના શિખર તરફ કૂચ કરી. ૫૪૦૦ મીટરની ઊંચાઈએ માંદગી ફાટી નીકળી. પર્વતારોહકોને લોહી વહેવા લાગ્યું અને ચક્કર આવવા લાગ્યા, પરંતુ તેમ છતાં તેઓ પોતાની જાતને ખેંચી ગયા. ૩૦૩૧ ટોઇસેન પર, એટલે કે ૫૯૧૭ મીટરી ટોચ પર પહોંચી ગયા હતા. એક કેવેસે તેમને આગળ વધતા અટકાવ્યા. હમ્બોલ્ટ આ પર્વત પર કેમ ચઢ્યા ? તેઓ સાબિત કરવા માંગતા હતા કે પૃથ્વીની અંદરની પ્રચંડ અગ્નિશક્તિ તેની સપાટીને આકાર આપે છે. તેને શિખરની નજીકના ખડકથી ખાતરી થઈ જે તેને કોલસાની યાદ અપાવે છે.
આ સાહસિક પ્રવાસ પર્વતારોહણની ખ્યાતિ માટે નહીં, પરંતુ પ્રકૃતિ સંશોધન માટે કરવામાં આવ્યો હતો. તે આ અગ્નિપરીક્ષાને ક્યારેય ભૂલ્યા નહીં. હમ્બોલ્ટ અને બોનપ્લાન્ડે ૬૦,૦૦૦ છોડના નમૂનાઓ એકત્રિત કર્યા અને લગભગ ૩૬૦૦ નવી પ્રજાતિઓ શોધી કાઢી. વનસ્પતિશાસ્ત્રીઓએ તેમનાં લેટિન અમેરિકન સંશોધનોની વ્યવસ્થિત ચાર ભાગોમાં એકદમ ચોક્કસ પ્રવાસ માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે. જેથી તેઓ છોડના નમૂનાઓ ક્યાંથી એકત્રિત કરે છે તે ઓળખી શકાય. હમ્બોલ્ટ સર્વપ્રથમ વિજ્ઞાની હતા, જેમણે વન્યજીવોની પ્રજાતિઓની જે-તે વિસ્તારમાં વિવિધતા અને વિપુલતાનો આધાર તે વિસ્તારના વ્યાપ સાથે રહેલો છે તે નોંધ્યું. એક વૈજ્ઞાનિક અવધારણા તરીકે આજે આપણે તેને ‘કેરિંગ કેપેસીટી ઓફ ધ એરિયા’ એટલે કે જે તે વિસ્તારની જીવોને પોષવાની વહનક્ષમતા તરીકે જાણીએ છીએ. તેમણે એ પણ નોંધેલું કે આ ક્ષમતા એક તબક્કે પૂરી થતાં આજ વિવિધતા અને વિપુલતા ઘટતી જાય છે.
હમ્બોલ્ટના જ્વાળામુખીને સમજવાના જુસ્સાને સંતોષવા માટે લેટિન અમેરિકા પણ એક ઉત્તમ સ્થળ સાબિત થયું. યુરોપમાં કેટલાક સક્રિય પર્વતોની બહાર જ્વાળામુખીના પર્વતોની રચના વિશે બહુ ઓછી માહિતી હતી, અને તેમની ટૂંકી સફરમાં હમ્બોલ્ટ અને બોનપ્લાન્ડ ડઝનેક પર્વતો ચઢી જશે એવી તેઓને પણ કલ્પના નહિ હોય.. ઊંચાઈ, દબાણ, ભૂસ્તરશાસ્ત્ર અને ચુંબકીય હોકાયંત્ર બેરીંગ્સ પર ડેટા લેતા અને કોલમ્બિયન વૈજ્ઞાનિક ફ્રાન્સિસ્કો જોસ ડી કેલ્ડાસની તકનિકી કુશળતા દ્વારા સહાયિત માપનો ઉપયોગ કરીને તેઓએ સમગ્ર એન્ડીસ પર્વતમાળાનો પ્રવાસ કર્યો. આ માપદંડોથી હમ્બોલ્ટને જાણવા મળ્યું કે પૃથ્વીનું ભૌગોલિક વિષુવવૃત્ત તેના ભૌગોલિક વિષુવવૃત્ત કરતાં લગભગ ૫૦૦ માઈલ દક્ષિણમાં છે. પછીના જીવનમાં તેમણે વિશ્ર્વભરમાં જીઓમેગ્નેટિક મોનિટરિંગ સ્ટેશનોનું પ્રથમ સંકલિત નેટવર્ક સ્થાપ્યું જે મોટા ડેટા, આંતરરાષ્ટ્રીય સહયોગી વિજ્ઞાન અને વિકેન્દ્રિત પ્રયોગોના યુગને ૧૮મી સદીમાં જ પ્રતિસ્થાપિત કરી નાખે છે.
દક્ષિણ અમેરિકાની બીજી વૈજ્ઞાનિક શોધ
ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી એઈમેબોનપ્લાન્ડની સાથે, વેનેઝુએલા, એક્વાડોર, મેક્સિકો, ક્યુબા અને અન્ય પ્રદેશોમાં ફેલાયેલા હમ્બોલ્ટનાં નક્કર સંશોધનોથી હવામાનશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્રીય, જૈવિક અને માનવશાસ્ત્રીય તારણોની સંપત્તિ મળી. ૧૭૯૯ થી ૧૮૦૪ સુધીની તેમની લાંબી લેટિન અમેરિકન સફરને દક્ષિણ અમેરિકાની બીજી વૈજ્ઞાનિક શોધ તરીકે ઊજવવામાં આવી હતી. યુરોપમાં પરત ફરી તેઓ પેરિસ અને બર્લિનમાં રહ્યા. ૧૮૦૪ માં યુરોપ પરત ફર્યા બાદ, તેમણે છોડના ૫૦,૦૦૦ નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં વર્ષો ગાળ્યાં અને બહુ-વોલ્યુમ સેમિનલ વર્ક ‘પર્સનલ નેરેટિવ ઑફ ટ્રાવેલ્સ’ સહિત વ્યાપકપણે પ્રકાશિત કર્યા. તેમણે શોધ્યું કે સમાન પ્રકારની વનસ્પતિઓ વિશ્ર્વભરમાં સમાન અક્ષાંશો અને ઊંચાઈએ ઊગે છે. ૧૮૦૭માં, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના છોડ વચ્ચેની સમાનતાના આધારે, હમ્બોલ્ટે પૂર્વધારણા કરી હતી કે આ વનસ્પતિઓએએક સમયે એક જમીનસમૂહની રચના કરી હતી- આ વિચાર જે હવે વ્યાપકપણે સ્વીકૃત છે. વનનાબૂદી, સિંચાઈ અને ઔદ્યોગિક કેન્દ્રોમાંથી ઉત્સર્જિત વરાળ દ્વારા માનવ આબોહવાને કેવી રીતે બદલી નાખે છે તેનું તેમનું વર્ણન અન્ય ભવિષ્યદર્શી અવલોકન હતું.
લેટિન અમેરિકામાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઔપચારિક રીતે વર્ણન કરનાર પ્રથમ વ્યક્તિ ન હોવા છતાં (સ્પેનિશ વનસ્પતિશાસ્ત્રી જોસ સેલેસ્ટિનો મુટીસે તેઓ આવ્યા ત્યાં સુધીમાં એક વિશાળ વનસ્પતિ સંગ્રહ એકત્ર કરી લીધો હતો), હમ્બોલ્ટના અભિયાનને તેમણે યુરોપીયન નમૂનાઓ સાથે કરેલી સરખામણીઓને કારણે અનન્ય બનાવ્યા હતા. જે રીતે આ વનસ્પતિઓ જુદી જુદી જગ્યાએ ફેલાયેલી હતી તે બાબતને તેમણે સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિઓ સાથે જોડી. આ ક્રોસ-કોન્ટિનેન્ટલ સરખામણીઓ આખરે બાયોજીઓગ્રાફીના ક્ષેત્રને જન્મ આપશે, અને હમ્બોલ્ટે તેમને વિશ્ર્વના પ્રથમ ઇકોલોજી પુસ્તક, છોડની ભૂગોળ પર નિબંધમાં નક્કર સ્થાન આપ્યું.
લેટિન અમેરિકામાં હમ્બોલ્ટ માત્ર માનનીય જ નહીં, લોકોના હીરો તરીકે સાચા માનવતાવાદી તરીકે એક પ્રેરણાદાયી આદરણીય વ્યક્તિત્વ છે, કારણ કે તેઓ દરેકને માન આપતા હતા, પછી ભલે તેઓ ગમે ત્યાંથી આવ્યા હોય અથવા તેઓ જેવા દેખાતા હોય. એક જાણકાર ખાણકામ મૂલ્યાંકનકાર તરીકે, તેઓ લેટિન અમેરિકાની ખાણોમાં સૌથી ઊંડા ખારા સુધી ગયા. તેમણે જે જોયું તેનાથી તે ભયભીત થઈ ગયા, ખાસ કરીને ન્યુ સ્પેનમાં, આજના મેક્સિકોમાં. ભૂગર્ભમાં કામ કરતી સ્થાનિક વસ્તી માટેની ક્રૂર પરિસ્થિતિઓ તેમને અસ્વીકાર્ય હતી. મેક્સિકોમાં, હમ્બોલ્ટને સ્વતંત્રતા ચળવળના એક ભાગ તરીકે અને દેશના સ્થાપક પિતા તરીકે ગણવામાં આવે છે. ક્યુબામાં તેઓ હજુ પણ ગુલામી સામેની હિમાયત માટે આદરણીય છે. અને વેનેઝુએલામાં, તે હજી પણ ચાઇમા લોકોના ખેડૂતોમાં જાણીતા છે, કારણ કે તેમણે એક વાર કેથોલિક ચર્ચ અને તેની દમનની પદ્ધતિઓ સામે પગલાં લીધાં હતાં. એક વિજ્ઞાની પોતાના સમાજ અને માનવતાવાદી અભિગમથી અલગ રહી ક્યારેય પ્રકૃતિના જતન માટે વાસ્તવલક્ષી યોગદાન ના આપી શકે એવું માનનારા આજના વિજ્ઞાનીઓને હમ્બોલ્ટના જીવનમાંથી ઘણી શીખ મળી શકે તેમ છે. ૧૮૨૯ માં, તેમણે રશિયાની બીજી સફર કરી. ઘણા મહિનાઓ સુધી ચાલી. આખરે તેઓ પ્રશિયા પરત ફર્યા. એક વૈજ્ઞાનિક તરીકે પોતાને જ નહીં પરંતુ એક અગ્રણી સંશોધક-વૈજ્ઞાનિક તરીકે સ્થાપિત કરવા ઉપરાંત, હમ્બોલ્ટે પુશિયન રાજા ફ્રેડરિક વિલિયમ (ત્રીજા)ને સલાહ આપવા સહિત અસ્થાયી રૂપે પ્રુશિયન રાજા વતી રાજદ્વારી તરીકે પણ વિવિધ જાહેર સેવાની ભૂમિકાઓમાં સેવા આપવાની વિશિષ્ટ કારકિર્દી પણ મેળવી હતી.
એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ એક જર્મન પોલીમેથી, ભૂગોળશાસ્ત્રી, પ્રકૃતિવાદી, સંશોધક અને રોમેન્ટિક ફિલસૂફી અને વિજ્ઞાનના સમર્થક હતા. વનસ્પતિશાસ્ત્રીય ભૂગોળ પર હમ્બોલ્ટના વિશાળ કાર્યએ જૈવભૂગોળના ક્ષેત્રનો પાયો નાખ્યો, જ્યારે લાંબા ગાળાના પદ્ધતિસરના ભૂ ભૌતિક માપનની તેમની હિમાયતે આધુનિક ભૂ ચુંબકીય અને હવામાનશાસ્ત્રીય દેખરેખની પહેલ કરી.
ભૌતિક ભૂગોળ, આબોહવાશાસ્ત્ર, ઇકોલોજી અથવા સમુદ્રશાસ્ત્ર જેવી કુદરતી વિજ્ઞાન શાખાઓના સભ્યો હમ્બોલ્ટને તેમના સ્થાપક તરીકે જુએ છે. તેમના અદ્યતન વર્ષોની શ્રેષ્ઠ કૃતિ, “કોસ્મોસ. ડ્રાફ્ટ ઓફ એ ફિઝિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ વર્લ્ડ,” ચાર વોલ્યુમો, તેના વ્યાપક અભિગમમાં અનન્ય રહ્યા છે. તેમના મલ્ટી-વોલ્યુમ માસ્ટરવર્ક ‘કોસમોસ’એ તત્કાલીન નવલકથાના ખ્યાલને લોકપ્રિય બનાવ્યો હતો કે આપણો ગ્રહ પૃથ્વી એક વિશાળ ‘સુપર ઓર્ગેનિઝમ’ તરીકે કાર્ય કરે છે. હમ્બોલ્ટે પર્યાવરણ વિજ્ઞાન શાખાને આકાર આપવામાં માનવતાની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો અને માનવ-પ્રકૃતિની ક્રિયાપ્રતિક્રિયામાં સમજપૂર્વકનાં વહીવટ અને ટકાઉપણાની હિમાયત કરી હતી. તેમના વિચારોને જૈવ ભૂગોળ, ઇકોલોજી અને પર્યાવરણીય વિજ્ઞાન જેવી નવી શાખાઓમાં અભિવ્યક્તિ મળી. ડાર્વિન જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિકો હમ્બોલ્ટથી ખૂબ પ્રભાવિત હતા.
કોસ્મોસ
દરેક વસ્તુ બીજા બધા સાથે જોડાયેલ છે પરંતુ તેનો અર્થ શું છે અને તેનો હમ્બોલ્ટ સાથે શું સંબંધ છે? હમ્બોલ્ટ ‘ક્લાઇમેટીક વેજીટેશન ઝોન’નું દસ્તાવેજીકરણ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે સાબિત કર્યું કે વિશ્ર્વભરના પર્વતોમાં યોગ્ય ઊંચાઈએ સમાન વનસ્પતિ ઊગે છે. તેમણે એ પણ સાબિત કર્યું કે આબોહવાનાં ક્ષેત્રો અનુસાર આ વનસ્પતિઓ તેઓ ક્યાં સ્થિત છે અને વૃદ્ધિ પર તેમની શું અસર છે. તેમણે માનવ દ્વારા, વનનાબૂદી દ્વારા, કૃત્રિમ સિંચાઈ દ્વારા અને ઔધોગિક કેન્દ્રોમાં ગેસ અને ગરમીના ઉત્સર્જન દ્વારા થતા આબોહવામાં પરિવર્તનને માન્યતા આપી હતી. એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટે તેમના સૌથી પ્રભાવશાળી કાર્ય, ‘કોસ્મોસ’, એન્ટવર્ફ એઈનર ફિઝિશે વેલ્ટબેસ્પ્રેઇબુંગના ચાર વોલ્યુમમાં અસંખ્ય નિષ્ણાતોના સમર્થન સાથે વૈજ્ઞાનિક તારણોનો સારાંશ આપ્યો.
તેમના પુસ્તક, એસેસ ઓન ધ જીયોગ્રાફી ઓફ પ્લાન્ટ્સમાં સૌપ્રથમ વાર છપાયેલ, આ છબી હમ્બોલ્ટના જીવનના એકબીજા સાથે જોડાયેલા જાળાના વિચારનું પ્રથમ નિરૂપણ છે, અથવા નેચરગ્લેમાલદે, જેનું ભાષાંતર ‘પ્રકૃતિનું ચિત્રણ’ તરીકે થાય છે. પર્વતના ક્રોસ સેક્શન પર વિવિધ વનસ્પતિ ઝોનની કલ્પના કરવામાં આવે છે, જે ડાબી અને જમણી બાજુએ થયેલી ટિપ્પણીઓ દ્વારા ઊંચાઈ, તાપમાન અને ભેજના માપ સાથે સંબંધિત હોઈ શકે છે. આ ચિત્રણને ચિમ્બોરાઝો નકશા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જ્વાળામુખી ચિમ્બોરાઝો અને કોટોપેક્સીનું ક્રોસ સેક્શનમાં ચિત્રણ છે, જેમાં છોડની ભૂગોળ વિશે વિગતવાર માહિતી છે.
આ ચિત્રને ધ જીઓગ્રાફી ઓફ પ્લાન્ટ્સ, ૧૮૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જે ગ્લોબલ વોર્મિંગના વિશ્ર્લેષણ માટે ઉપયોગમાં લેવાય છે. આ નકશો હકીકતમાં અન્ય એન્ટિસાના જવાળામુખીની વનસ્પતિ દર્શાવે છે. જોડાણોના સર્વગ્રાહી જાળાના આ વિચારે તે સમયના પ્રબળ વૈજ્ઞાનિક વિચારોને નાટ્યાત્મક રીતે અલગ દ્રષ્ટિકોણ આપ્યો, જે વ્યક્તિના સ્તરે સજીવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં મનુષ્યો અલગ પડે છે – તે સમયના પ્રબળ વૈજ્ઞાનિક વિચારો મોટાભાગે કાર્લ લિનિયસથી પ્રભાવિત હતા જે પ્રત્યેક સજીવને માનવીથી અલગ એકમ તરીકે જોતા હતા, પરંતુ હમ્બોલ્ટનાં જોડાણોના સર્વગ્રાહી જાળાની વિભાવનાએ તદ્દન અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો. હમ્બોલ્ટે જીવનના જાળામાં જટિલ સંપર્કો સંગ્રહાયેલા છે એ પરિકલ્પનાની રજૂઆત કરી જે પછીથી ચાર્લ્સ ડાર્વિનની ‘જીવનનું જટિલ જાળું -વેબ ઓફ લાઈફ’ નામે પૂર્ણતયા વિકસિત વ્યાખ્યા તરીકે પ્રસિદ્ધ થઈ. ડાર્વિને પણ માન્યું હતું કે સજીવો તેમના પર્યાવરણ સાથે પારસ્પરિક આદાન પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, વૃક્ષો દ્વારા ફેલાતી છાયાનો તાપમાન પર પ્રભાવ, અથવા જમીન પર વનસ્પતિને સ્થિર કરતાં પરિબળો વગેરે.
આનાથી તેને અનુભૂતિ થઈ કે મનુષ્યો પણ આ જાળામાં જટિલપણે ફસાઈ ગયા છે. હમ્બોલ્ટે એ બાબતની પુષ્ટિ કરી હતી કે કૃષિ ઉત્પાદન માટે વસાહતીઓ દ્વારા કરાતા જલપ્લાવિત ભૂમિ ભાગોનું દોહન તેને સૂકવી નાખે છે. ખેતી માટે જંગલોની સફાઈ, ખાસ કરીને યુરોપિયન અને અમેરિકન કાપડ બજારો માટે, રોકડ પાકો માટે જંગલોની સફાઈ પૃથ્વીના ઉત્પાદક ભૂમિ વિસ્તારોમાં કરવામાં આવે છે. તે ઘસારાના દૂરગામી પ્રભાવો છોડે છે, જે કરોડો વર્ષોની કુદરતી વનસ્પતિઓ દ્વારા કરવામાં આવેલા અમૂલ્ય આવરણ રૂપી પ્રદાનની વિપુલતાને શુષ્ક અને બિનઉત્પાદક બનાવી દે છે. આ સંદર્ભમાં, તેઓ માનવ-પ્રેરિત જમીન-ઉપયોગ અને કુદરતી વિશ્ર્વ પર આબોહવા પરિવર્તનની અસરોને પ્રકાશિત કરનાર પ્રથમ વ્યક્તિ હતા.
હમ્બોલ્ટના કાર્ય અને વિચારોના પડઘા સમકાલીન વિજ્ઞાનમાં જીવે છે. ૩૦૦ થી વધુ પર્વતો પોલીપ્લોઇડ પ્લાન્ટ ડિસ્ટ્રિબ્યુશનની વૈશ્ર્વિક સ્તરે સરખામણી, છોડ વચ્ચે પર્યાવરણીય ક્ષેત્રોનું ચિત્રણ અને પ્રાણીઓ અને પર્વત જૈવવિવિધતાના ભૌતિક પ્રભાવો હોવાના દાખલાઓની સમીક્ષા પ્રજાતિઓના સહઅસ્તિત્વને સંચાલિત કરતી ક્રિયાપ્રતિક્રિયાઓ કદાચ હમ્બોલ્ટની કલ્પના કરતાં પણ વધુ જટિલ છે.
પર્વતની જૈવવિવિધતા પર જમીનના ઉપયોગ અને આબોહવાના પ્રભાવનું અન્વેષણ દર્શાવે છે કે પશ્ર્ચિમી દેશોમાં કૃષિ ઉત્પાદનોની વધતી જતી વેપાર માંગને કારણે દક્ષિણ ગોળાર્ધમાં વધુ પડતા જમીનના ઉપયોગથી ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. એ પણ અંદાજ છે કે આ બે મુખ્ય ચાલકબળોને કારણે એમેઝોન જંગલની ૫૮% પ્રજાતિની વિવિધતા ચિંતાજનક રીતે આગામી ૩૦ વર્ષમાં નષ્ટ થઈ શકે છે. હમ્બોલ્ટ વિષુવવૃત્ત ખાતેના જીઓમેગ્નેટિક વિસંગતતાઓના મૂળ અને ચાલકબળોના સેન્ટ્રલ એન્ડીસના ઇતિહાસ પર ‘અલ્ટિપ્લાનો-પુના મેગ્મા બોડી’ના પ્રભાવ વિશે જાણવા માટે આકર્ષિત થયા. આ ખોજના કારણે તેઓ આગળ જતાં જાણી શક્યા હોત કે જવાળામુખીના વિસ્ફોટના કારણે કેનેરી ટાપુઓની રચના અસ્તિત્વમાં આવી હશે કારણ કે તેમની કેટલીક આંતરસૂઝથી ખેડાયેલાં સંશોધનોએ કુદરતની આવી અનેક અગમ્ય કેડીઓ ખોલી આપી છે.
હમ્બોલ્ટને પ્રાકૃતિક સંશોધનોના ગોડફાઘર માનવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ, છોડ, નદીઓ, પર્વતો, ગિરિમાલા, ત્યાં સુધી કે એસ્ટરોઇડને એલેક્સઝાન્ડર વોન હમ્બોલ્ટનું નામ આપવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત હમ્બોલ્ટ પેંગ્વિન હોય, કદાવર હમ્બોલ્ટ કરંટ હોય અથવા પ્રમાણમાં અજ્ઞાત યીસ્ટ ફૂગ પિચિયા હમ્બોલ્ડટી હોય. તેમનું નામ ૧૯ પ્રાણીઓની પ્રજાતિઓ, ૧૭ છોડ, બે હિમનદીઓ, આઠ પર્વતો અને શ્રેણીઓ, એક નદી, બે એસ્ટરોઇડ, ચંદ્રનો સમુદ્ર, એક ચંદ્ર ઉપરનો ઢોળાવ વગેરે સાથે જોડાયેલું છે. અને સ્થળોનાં નામો તો એક એરપોર્ટ અને અસંખ્ય શાળાઓને એલેક્સઝાન્ડર હમ્બોલ્ટના નામ સાથે જોડવામાં આવ્યા છે. બર્લિનની પ્રખ્યાત હમ્બોલ્ટ યુનિવર્સિટી પણ હમ્બોલ્ટ ભાઈઓના નામે પ્રખ્યાતિ પામી છે.
ભવિષ્યદર્શી મહાન કોમ્યુનિકેટર
વિકિપીડિયાની હજુ સુધી શોધ થઈ નથી, પરંતુ જો તમે તમારા જ્ઞાનને દુનિયાભરમાં ફેલાવા માંગો છો તો તમે શું કરશો? હજુ ઈન્ટરનેટનાં જાળાં અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ મોજૂદ નથી ત્યારે વિશ્ર્વવ્યાપી નેટવર્ક કેવી રીતે બનાવશો? એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટે કુલ મળીને લગભગ ૫૦,૦૦૦ પત્રો લખ્યા. રોજના ઓછામાં ઓછા બે પત્રો લખવાનો એમનો નિયમ રહ્યો. આ રીતે તેમણે અન્ય વૈજ્ઞાનિકો સાથે વિચારોની આપ-લે કરી, તેમનાં તારણોનું દસ્તાવેજીકરણ કર્યું અને તેમનાં સંશોધન પરિણામોનું આદાનપ્રદાન કર્યું. આજની ખુલ્લા બજારની વ્યવસ્થાનાં ૨૦૦ વર્ષો પહેલા આજે પણ અસ્તિત્વમાં રહેલા ૧૩,૦૦૦ પત્રોના આધારે, તેમના નેટવર્કનું કદ આશરે ૨,૫૦૦ લેખકો અને પ્રાપ્તકર્તાઓનું અનુમાન કરી શકાય છે.
ઇતિહાસકાર એન્ડ્રીયા વુલ્ફે સંશોધકનું વિશ્ર્લેષણ કર્યું છે અને, જર્મન મેગેઝિન સ્ટર્ન સાથેની એક મુલાકાતમાં તારણ કાઢ્યું છે : “તે આપણા ગ્રહ પરના પ્રથમ પર્યાવરણવાદી હતા. પર્યાવરણીય ચળવળના પિતા, જે માણસે શોધ્યું કે માણસો આબોહવા બદલી શકે છે.” આજે પણ, જ્યારે વૈશ્ર્વિક પર્યાવરણીય પડકારો અસ્તિત્વ માટેનો ખતરો બની ગયા છે ત્યારે હમ્બોલ્ટે તેમની પ્રાકૃતિક આંતરદૃષ્ટિ અને કુદરતના રક્ષણ માટેના જુસ્સાથી પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે, જે તેમને પર્યાવરણના પિતા તરીકે ઓળખાવે છે. એલેકસઝાન્ડર વોન હમ્બોલ્ટ (૧૭૬૯-૧૮૫૯) એક પ્રકૃતિ સંશોધક, સાર્વત્રિક પ્રતિભા અને સર્વદેશી, વૈજ્ઞાનિક અને આશ્રયદાતા હતા. ૧૮૫૯માં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં, તેમણે બર્લિનમાં તેમનું ચિત્ર દોર્યું હતું. તેઓ અવિવાહિત, પ્રકૃતિવિજ્ઞાનને સમર્પિત દીર્ઘાયુ જીવન જીવ્યા. હમ્બોલ્ટ પણ મૃત્યુ પછીના જીવનમાં દૃઢપણે માનતા હતા. તેણે તેના મિત્ર ચાર્લોટ હિબ્રાન્ડ ડાયડને લખેલો પત્ર જણાવે છે : “ભગવાન સતત પ્રકૃતિ અને સંજોગોની નિમણૂક કરે છે; જેથી, શાશ્ર્વત ભવિષ્યમાં તેના અસ્તિત્વ સહિત, વ્યક્તિનું સુખ નાશ પામતું નથી, પરંતુ તેનાથી વિપરીત તે વધે છે અને વધતું રહે છે.”
આપણી આ લેખમાળાના હમ્બોલ્ટ એક એવા પથિક છે જેમણે કુદરતની અનેક કેડીઓ કંડારી અને આવનારા અનેકો માટે અસંખ્ય કેડીઓની દિશાઓ ખોલી આપી.

(સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો)
યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ નવેમ્બર, ૨૦૨૪
-
સરમુખત્યારશાહી વલણમાં કોણ ચડે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ચૂંટણીઓ ટાણે આપણા દેશને ‘વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ’ ગણાવવામાં આવે છે. લોકશાહીના મૂળમાં ખરેખર તો અબ્રાહમ લિંકનની વ્યાખ્યાનુસાર, ‘લોકો માટે, લોકો વડે અને લોકો દ્વારા’ ચાલતી શાસનવ્યવસ્થા છે. અલબત્ત, પોણો સો વરસની લોકશાહીના આપણા અનુભવે સમજાય છે કે આ સૂત્ર કેવળ પાઠ્યપુસ્તકમાં લખવા પૂરતું છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં એનું ભાગ્યે જ કશું સ્થાન છે. એમાં ફેરફાર કરીને કહી શકાય કે ‘મુઠ્ઠીભર લોકો વડે, મુઠ્ઠીભર લોકો માટે, મુઠ્ઠીભર લોકો દ્વારા’ ચાલતી શાસનવ્યવસ્થા. એવું નથી કે આ ફેરફારવાળું સૂત્ર કેવળ ભારતીય લોકશાહીને જ લાગુ પડે છે. મૂળ મુદ્દો એ છે કે લોકશાહીથી બહેતર વિકલ્પ ન મળે ત્યાં સુધી આ શાસનવ્યવસ્થા ચલાવ્યા સિવાય આરો નથી. સત્તાધીશો લોકશાહીના મૂળ હાર્દને બાજુ પર મૂકીને, લોકશાહીના માળખાકીય મર્યાદામાં રહીને જ મનમાની કરી શકે છે. ભારતીય લોકશાહીના આરંભકાળથી આવાં અનેક ઉદાહરણો મળી આવે એમ છે.
બીજી તરફ, અન્ય રાજ્યવ્યવસ્થા ધરાવતા ભારતના પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતા અને સૈન્યનું શાસન લગભગ સાતત્યપૂર્વક ચાલતી આવેલી ઘટનાઓ છે. લોકશાહીનો પ્રાણ છે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય, વિચારસ્વાતંત્ર્ય સહિત બીજાં અનેક પ્રકારનાં સ્વાતંત્ર્ય, જેને લોકશાહીમાં જન્મસિદ્ધ હક ગણાવાય છે. આ કારણે પ્રસારમાધ્યમોને લોકશાહીની ચોથી જાગીર ગણાવાયાં છે. ઈન્ટરનેટના આગમન પછી પ્રસારની ઝડપ અકલ્પનીય હદે વધી છે અને સારા કે ખરાબ સમાચાર યા બાબતો જોતજોતાંમાં પ્રસરી જાય છે.
ઈન્ટરનેટનો ઊપયોગ બહોળો થતો ગયો એમ સરકારને તેમાં જોખમ જણાવા લાગ્યું અને વારેતહેવારે તેને પ્રતિબંધિત કરવાનું શરૂ થયું. ઘણાખરા કિસ્સામાં તો આગોતરી સાવચેતીરૂપે ઈન્ટરનેટ પ્રતિબંધિત કરાતું ગયું. આરંભે જૂજ લોકોની પહોંચમાંથી ઈન્ટરનેટ હવે જનસામાન્ય લગી પહોંચી ચૂક્યું છે અને વ્યક્તિગત, સામાજિક તેમજ આર્થિક વ્યવહારો માટે અનિવાર્ય બની ચૂક્યું છે. આ સ્થિતિમાં તેને કામચલાઉ પ્રતિબંધિત કરવામાં નાગરિકોએ પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે. આમ છતાં, સંભવિત કે વાસ્તવિક મુશ્કેલ પરિસ્થિતિને નિયંત્રણ હેઠળ લાવવા માટે ઈન્ટરનેટને પ્રતિબંધિત કરવાનું હથિયાર ભારતીય સરકાર માટે હાથવગું બની રહ્યું છે.
એ જાણીને નવાઈ લાગે કે વર્ષ 2024 દરમિયાન ભારતમાં કુલ 84 વાર ઈન્ટરનેટને પ્રતિબંધિત કરાયું. વિશ્વભરના લોકશાહી દેશોમાં આ આંકડો સૌથી વધુ છે. અલબત્ત, વર્ષ 2023 દરમિયાનના 116 વખતના આંકડાની સરખામણીએ તેમાં ઘટાડો નોંધાયો છે એમ કહી શકાય. હજી વધુ નવાઈ લાગે એવી હકીકત એ છે કે સતત રાજકીય અસ્થિરતા ધરાવતા ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં આ ગાળા દરમિયાન 85 વખત ઈન્ટરનેટને પ્રતિબંધિત કરાયું હતું. એટલે કે ભારતની સરખામણીએ ફક્ત એક જ વાર વધુ. તો પાકિસ્તાનમાં માત્ર 24 વખત ઈન્ટરનેટને પ્રતિબંધિત કરાયું.
એ જાણવું જરૂરી છે કે ભારતમાં કુલ 84 વાર મૂકાયેલા પ્રતિબંધ પૈકી 41 વિરોધ પ્રદર્શન ટાણે હતાં, તો 23 કોમી હિંસા વખતે. આમાં સૌથી વિચિત્ર અને નવીસવી જોવા મળેલી બાબત હતી પરીક્ષા દરમિયાન મૂકાયેલો પ્રતિબંધ. પાંચ સ્પર્ધાત્મક પરીક્ષા વખતે ઈન્ટરનેટને બંધ કરવામાં આવ્યું હતું. મણિપુરમાં સૌથી વધુ 21 વખત, હરિયાણા તેમજ જમ્મુ-કાશ્મીરમાં બાર બાર વખત એ પ્રતિબંધિત કરાયું.
અમેરિકાસ્થિત સ્વૈચ્છિક સંગઠન ‘એક્ટિવ નાઉ’ દ્વારા ચલાવાયેલી ‘કીપ ઈટ ઑન’ ઝુંબેશનાં મેનેજર ફેલીસીયા એન્થોનિયોએ ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે હવે આપણે લોકશાહીની મંદીના યુગમાં પ્રવેશી રહ્યાં છે, જેમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્યને ઈન્ટરનેટ બંધ કરવું કે સેન્સરશીપ જેવી પ્રયુક્તિઓ વડે રુંધવાના પ્રયાસ વધતા જાય છે. શાસકો લોકોના અવાજને, લોકોની ચળવળને સ્પષ્ટપણે અવગણતા હોવાનું જણાઈ આવે છે. આ લક્ષણ સરમુખત્યારવાદ તરફ દોરી જતું, લોકશાહીને પાછળ ધકેલતું હોવાનું સૂચક છે, જે અત્યંત ભયજનક કહી શકાય.
સ્પર્ધાત્મક પરીક્ષાટાણે ઈન્ટરનેટ પ્રતિબંધિત કરવાનું પગલું લેવામાં કદાચ આપણો દેશ પહેલવહેલો હોય તો નવાઈ નહીં! એક તરફ ટેક્નોલોજીમાં અગ્રેસર બનીને દેશને ફલાણાઢીકણાનું ‘હબ’ બનાવવાની વાતો અને વચનો છે, તો બીજી બાજુ પરીક્ષા જેવા ક્ષુલ્લક મામલે ઈન્ટરનેટ બંધ કરી દેવાની ચેષ્ટા! એ સૂચવે છે કે નથી કોઈની પરીક્ષામાં થતી ગેરરીતિની સમસ્યાના મૂળ સુધી જવાની ઈચ્છા કે નથી એ પ્રણાલિમાં ફેરફાર કરવાની ઈચ્છાશક્તિ. ટૂંકો રસ્તો અપનાવો અને જેમ ચાલતું હોય એમ ચાલવા દો. શું સત્તાધીશો એ જોઈ શકતા નહીં હોય કે ઈન્ટરનેટ પ્રતિબંધિત કરવાને લઈને અફવાઓ વધુ વેગ પકડી શકે એમ છે?
વિચિત્રતા એ છે કે સરમુખત્યારશાહી ધરાવતા કે નાગરિક યુદ્ધથી ગ્રસ્ત હોય એવા દેશોમાં પણ ઈન્ટરનેટ બંધ કરવાનું પ્રમાણ ભારતથી ઘણું ઓછું છે. ઈન્ટરનેટ થકી પ્રત્યાયન અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યનો જ એક પ્રકાર કહી શકાય. વિરોધ પ્રદર્શન કરવું પણ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તેને રોકવા માટે ઈન્ટરનેટ બંધ કરવું લોકશાહીવિરોધી માનસિકતા જ ગણાય. સર્વોચ્ચ અદાલત દ્વારા સૂચવાયું છે કે ઈન્ટરનેટને પ્રતિબંધિત કરવું જરૂરિયાત અને પ્રમાણભાન અનુસાર હોવું જોઈએ. સરકાર આ બાબતને કાં અવગણે છે કે પછી કોઈ પણ રીતે એને પોતાના ચોકઠામાં બંધબેસતી કરી દે છે.
પોતાની માનીતી સરકાર કે પક્ષ હોય ત્યારે અનેક લોકો એમ માનવા પ્રેરાય છે કે સરકારનું આવું વલણ યોગ્ય છે, કેમ કે, ‘અમુક’ લોકો તો જ ‘સીધા’ રહે છે. સરમુખત્યારશાહી વલણ આમ માનનારાને પણ પકડમાં લઈ લે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
હજી કદાચ પ્રજા મટીને નાગરિક બનવાની સફર બાકી છે. એમાં અત્યારે તો પાછા પગલે જઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩- ૦૪– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
‘એમણે’ છીનવી લીધેલું બાળપણ
મંજૂષા
વીનેશ અંતાણી
બાળપણની સ્મૃતિઓ દરેક વ્યક્તિના મનમાં જીવનભર સચવાઈ રહે છે. એને ક્યારેય કાટ નથી લાગતો અને એનો રંગ ઊખડતો નથી. અનેક વાર કહેવાઈ ચૂક્યું છે કે બાળપણ આપણી મહામૂલી મૂડી છે, છતાં મોટા થયા પછી એ વાત પોતાને વારંવાર યાદ અપવવાની જરૂર પડે છે. આપણા ઉપર ઉંમરના થર ચઢતા જાય છે અને આપણે બાળપણથી દૂર થતા જઈએ છીએ. આપણાં સંતાનોને કે બીજાં બાળકોને ચિંતા વિના હસતાં-રમતાં જોઈએ ત્યારે એમાં આપણા બાળપણની ઝલક દેખાઈ જાય છે.

બાળપણમાં બધું નવું હોય છે. નાનામાં નાની બાબત માટે જિજ્ઞાસા, સતત કશુંક નવું કરવાની ઉત્સુકતા અને વિસ્મય બાળપણનાં ચાલકબળ છે. બાળક માટે કશું જ અશક્ય હોતું નથી. મોટા થયા પછી જ આપણે જાતને યાદ અપાવ્યા કરીએ છીએ કે ‘મારાથી આ ન કરાય’ કે ‘આ તો હું નહીં જ કરી શકું’, બંધનો મોટા થયા પછી લાદવા લાગીએ છીએ. બાળપણમાં બધું સંભવ છે, નેપોલિયન બોનાપાર્ટની જેમ બાળકની ડિક્સનેરીમાં ‘ઇમ્પોસિબલ’ શબ્દ હોતો નથી. બાળક ઊડતા ઘોડા પર બેસી પલકવારમાં સાત સમંદર પાર કરી શકે છે, પશુ-પક્ષી સાથે વાતો કરી શકે છે, આકાશમાં વાદળાંના આકારોમાંથી હાથી, સિંહ, જિરાફ, હોડી જેવી કલ્પનાઓ કરી શકે છે. ઉંદરને સાત પૂંછડી હોય છે અને ઢીંગલીઓ જીવતીજાગતી બહેનપણી હોય છે. માણસ વૃદ્ધ થાય પછી ફરી બાળક બની જાય છે, સ્મૃતિના ખજાનામાંથી બાળપણની વાતો યાદ કરી મમળાવવાની મજા આવે છે.
એંસી વર્ષની એકલી રહેતી મહિલાએ એના સેલ ફોન નાનપણની બધી બહેનપણીઓના નંબર સેવ કર્યા છે. એમને ફોન કરે અને કલાકો સુધી એમની સાથે માણેલા નાનપણની વાતો કરે. આ પ્રવૃત્તિથી એને એકલવાયું લાગતું નથી. એ એનું નાનપણ ફરી જીવી રહી છે. અલ્ઝાઇમરનો ભોગ બનેલો સિત્તેર વર્ષનો પુરુષ બીજું બધું ભૂલી ગયો છે, પરંતુ એના નાનપણની બધી વાતો એને યાદ છે. એણે બચેલી થોડી સ્મૃતિઓમાં પોતાનું નાનપણ સાચવી રાખ્યું છે. આજે સાઠ-પાંસઠની ઉંમર વટાવી ગયેલાં લોકોએ નાનપણમાં આંબલીના કાતરા પાડ્યા હશે, ચોરીછૂપીથી કેરીઓ તોડી હશે, તળાવ કે નદીમાં ધુબાકા માર્યા હશે, ઊંચાં ઝાડ પર વાંદરાની જેમ ચઢ્યા હશે, મા-બાપની વઢ ખાધી હશે, દાદા-દાદી પાસેથી વાર્તાઓ સાંભળી હશે, શેરીમાં રમતાંરમતાં ધૂળધૂળ થઈ ગયાં હશે, કટ્ટી કરી હશે અને થોડીવારમાં એકબીજાની ડોકમાં હાથ નાખી ફરી જિગરજાન ભાઈબંધ થઈ ગયાં હશે, પાંચીકા ઉછાળ્યા હશે, કોડીઓ અને લખોટીથી ગજવાં ભર્યાં હશે, ઘાઘરો-ચોળી પહેરી સખીઓની સાથે ગરબા લીધા હશે, ઘરઘર રમ્યાં હશે. બાળપણમાં બધાંએ કોઈ જવાબદારી વિના, આવતી કાલની ચિંતા કર્યા વગર, ક્ષણેક્ષણનો ભરપૂર આનંદ મેળવ્યો હશે, હસતાં-રમતાં જીવનના પાઠ શીખી લીધા હશે અને પછી વિકરાળ જીવનમાં પ્રવેશ કર્યો હશે.
આજનું બાળપણ બદલાઈ ગયું છે. ત્રણ-ચાર વર્ષની ઉંમરે બાળકને મોટા થવાની ફરજ પાડવામાં આવે છે. શેરીરમતો અદૃશ્ય થઈ ગઈ છે, કોડીઓ અને લખોટીઓ ભૂતકાળ બની ગઈ છે. ‘હાલો, ગલૂડિયાં રમાડવા જઈએ’ની મોજ ઘરમાં ભસ્યા કરતા ‘પેટ ડોગ’માં સીમિત થઈ ગઈ છે. મોઢામાં નાખેલી માટીની પેનનો સ્વાદ ચાખવા મળતો નથી. પાટીમાં લખેલું થૂંકથી ભૂંસવાની ‘કળા’ લુપ્ત ગઈ છે. બાથરૂમમાં બેસી શરીર પર પાણી રેડી દેતાં બાળકો તળાવ-નદીમાં ભૂસકા મારવાના રોમાંચથી વંચિત રહી ગયાં છે. આજનું બાળપણ સ્વિમિંગ પુલના બંધિયાર પાણીમાં ડબકડોયાં કરી રહ્યું છે. કબડ્ડી, લંગડીદાવ, ગિલ્લીદંડા જેવી મર્દાની રમતોની જગ્યાએ સ્માર્ટફોનની ‘ગેમ્સ’ આવી ગઈ છે. વિસ્ફારિત આંખે દુનિયા જોવા માગતાં બાળકો નાની ઉંમરે આવી ગયેલાં ચશ્માંના કાચમાંથી ‘કૃત્રિમ’ નજરે દુનિયા જોવા લાગ્યાં છે. આજે બાળકો ‘વાતો’ નથી કરતાં, ‘વ્હોટ્સઅપ’ પર ‘હાઇ’ – ‘વાઉ’ના મેસેજ મૂકવા લાગ્યાં છે.
કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા બાળકોને મળેલું વરદાન છે એ સત્ય આજે ધૂંધળું પડવા લાગ્યું છે. એ વિશે કોઈએ એના બ્લૉગમાં સરસ ઉદાહરણ આપ્યું હતું. એક શાળામાં ચિત્રકામની હરીફાઈ યોજાઈ હતી. નાના ક્લાસનાં બાળકોએ નદીનું ચિત્ર બનાવવાનું હતું. કોઈએ નદીકાંઠે વૃક્ષો દોર્યાં, કોઈએ નદીમાં હોડી તરવા મૂકી. છ વર્ષની એક છોકરીએ નદીને લગતું કશું ન દોર્યું, પણ એક બિલાડીનું ચિત્ર બનાવ્યું. શિક્ષકોએ એને ઝીરો આપ્યો. માતાપિતા દીકરી પર ગુસ્સે થઈ ગયાં અને પૂછ્યું – ‘તેં ચિત્રમાં નદી કેમ દોરી નહીં. એ તો કેટલુ સહેલું છે, છતાં તે બિલાડીનું ચિત્ર દોર્યું? બિલાડીને નદી સાથે લાગે કે વળગે?’ છોકરીએ જવાબ આપ્યો, ‘પણ મમ્મી, મારી બિલાડીને તરસ લાગી હતી એટલે એ નદી શોધતી હતી.’
બાળમાનસ અભ્યાસી અમેરિકાની લેખિકા ઍરિકા ક્રિસ્ટાકિસે બાળક હોવાના મહત્ત્વ વિશે સરસ પુસ્તક લખ્યું છે – ‘Importance of Being Little.’ એણે કહ્યું છે કે બાળકોના ઉછેર અને શિક્ષણપદ્ધતિના સંદર્ભમાં આપણે જોખમી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આપણી એડલ્ટ અપેક્ષાઓ બાળકો પર લાદીને આપણે એમને એમના બાળપણમાં જ ગુમાવી રહ્યાં છીએ.’ બાળકોની દુનિયાને એમની નજરે જોવી જોઈએ, આપણાં બેતાલાં ચશ્મામાંથી નહીં. આપણે બાળકોને બીજું કંઈ આપી ન શકીએ તો ચાલશે, એમનું બાળપણ છીનવી લેવાનું પાપ તો ન જ કરવું જોઈએ.
થોડાં વર્ષો પછી આજનું કોઈ બાળક મોટું થઈને કહેશે – ‘હું જીવનમાં અસાધારણ વ્યક્તિ બનતા પહેલાં સાધારણ બાળક રહેવા માગતો હતો, પણ ‘એમણે’ મારી પાસેથી મારું બાળપણ છીનવી લીધું.’ એ અને એના જેવાં બીજાં બાળકો જેની સામે આંગળી ચીંધી શકે તેવાં ‘એમણે’ની સંખ્યા ઘણી મોટી છે.
૦૦૦
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
બમ્બઈ…: જગ્યા મળવી એ સ્પેસમાં પહોંચ્યાં બરાબર
ચેતન પગી
અમદાવાદ, રાજકોટ કે ગુજરાતના કોઈ પણ શહેરમાં રહેતા લોકોને પોતાનું ઘર નાનું લાગતું હોય તો એકવાર મુંબઈ આંટો મારી આવવા જેવો છે. પાછા આવ્યા પછી ઘર નાનુ પડે છે એ ફરિયાદ નહીં રહે એ નક્કી છે.
મુંબઈ નગરીમાં જગ્યા મેળવવી એ સ્પેસમાં પહોંચવા જેટલું જ પડકારજનક કામ છે. તમારે આળસ મરડતા પહેલાં પણ આજુબાજુમાં કોઈ નથીને એનું ધ્યાન રાખવું પડે જેથી કોઈના હાથ અડી ન જાય. મુંબઈવાસીઓને આળસ ખાવા માટે લોનાવાલા-ખંડાલા જવું પડે છે. મુંબઈની ચાલીમાં ઘર કે એપાર્ટમેન્ટમાં નાનકડો ફ્લેટ ધરાવતો કોઈ પણ માણસ ઓછામાં ઓછા એક બંગલાનો માલિક છે. કારણ કે એના મુંબઈના ઘરના ભાવમાં ગુજરાતના કોઈ પણ શહેરમાં બંગલો ખરીદી શકાય છે. મુંબઈમાં ઉત્તમ એક્ટરો મળી આવે છે એનું પણ આ જ કારણ છે. રહેવા માટે જગ્યા મળતી નથી એટલે એક્ટરને કાયમ કેરેક્ટરમાં જ રહેવું પડે છે.
ગુજરાતમાં રહેતો માણસ સવારે પથારીમાંથી બેઠો થઈને આળસ મરડીને, છાપું લઈને, ડ્રોઇંગ રૂમમાં થઈ બાલ્કની સુધી આવે એટલા અંતરમાં મુંબઈમાં ત્રણ ઘર ઓળંગી શકાય છે. મુંબઈના બિલ્ડરો ક્રૂર પ્રજા જણાય છે. કોઈ ટોચે પહોંચી ન જાય એટલે તેઓ બિલ્ડિંગોને ઊંચી ને ઊંચી બનાવી રહ્યાં છે. એક દિવસ મુંબઈની બિલ્ડિંગો એટલી ઊંચી થઈ જશે કે ટૉપ ફ્લૉરના ફ્લેટની બાલ્કનીમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થતું જોઈ શકાશે.

મુંબઈવાસીઓ ઇન્ટરનેટ વિના રહી શકે છે પણ લોકલ ટ્રેન વિના નહીં. લોકલ સરેરાશ મુંબઈવાસીઓનું ઘર, ઑફિસ પછીનું ત્રીજું ઘર છે. ઘરની જેમ જ લોકલ ટ્રેનમાં પણ તમને શાક સમારતી બહેનો, ભજન-કીર્તન કરતાં લોકો જેવાં દૃશ્યો નિહાળવાં મળશે. ટ્રેનમાં બેઠા પછી અને ઊતરતાં પહેલાં જેટલો સમય મળે એટલામાં મુંબઈવાસી જીવી લે છે. તમે મુંબઈમાં રહેતી કોઈ પણ વ્યક્તિને ઇટલીના સોહામણા સમુદ્રકાંઠે આલીશાન વિલા અને ચર્ચગેટની ફાસ્ટ લોકલ ટ્રેનની વિન્ડો સીટ એમ બે વિકલ્પ આપો તો એ આંખનું મટકું માર્યા વિના વિન્ડો સીટ પસંદ કરશે. મુંબઈના એક મિત્રએ સપનામાં વિન્ડો સીટ આવતી હોવાનો સ્વમુખે સ્વીકાર કર્યો હતો. ઘરમાં એક બારી હોય અને બારીમાંથી બહાર આકાશ દેખાતું હોય એવાં સપનાં આવવાના મુંબઈવાસીઓને બંધ થઈ ગયાં છે. જે લોકો એવું માને છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો મોટો પડકાર છે તેઓ સાંજે છ વાગ્યાની ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેનમાં અંધેરી સ્ટેશનેથી પ્રવેશી બતાવે. જો તમે ભીડને ચીરીને, શરીરનાં તમામ અંગોને સુરક્ષિત રાખીને સાંજની ટ્રેનમાં બેસી શકતા હોય તો તમારા માટે માઉન્ટ એવરેસ્ટ ‘ઠીક મારા ભૈ’ ટાઇપની જગ્યા છે. પહેલાં લોકલમાં બેસવાની જગ્યા મળી જાય તો હાશ એવું માનવામાં આવતું. હવે અંદર પ્રવેશી શકાય અને ઊભા રહેતી વખતે પકડવા માટે હેન્ડલ મળી જાય તો પણ ‘હાશ’ અનુભવી લેવાય છે. સવારે જાગીને લોકલ ટ્રેન પકડ્યા પછી અને સાંજે નોકરીએથી આવતાં લોકલ છોડ્યા પછી મુંબઈનો કોઈ પણ માણસ મોહ-માયા-મોક્ષ જેવા કોઈ પણ વિષયે કોઈ પણ નામે મેમોરિયલ લેક્ચર આપી શકે છે.
વિશ્વભરમાં મુંબઈ કદાચ એકમાત્ર એવું શહેર હશે જ્યાંના લોકો દિવસમાં સૌથી વધુ ચાલતા હોય. સરેરાશ મુંબઈવાસી પોતાના જીવનકાળમાં પૃથ્વીની ઓછામાં ઓછી એક પ્રદક્ષિણા થઈ જાય એટલું ચાલી નાખતો હશે. ઘરેથી નીકળીને સ્ટેશને પહોંચવામાં, સ્ટેશનેથી ઊતરીને નોકરી-ધંધાની જગ્યાએ પહોંચવામાં એને એટલું બધું ચાલવું પડે છે કે વાત ન પૂછો. ગુજરાતમાં રોજનાં દસેક હજાર સ્ટેપ્સ થઈ જાય એટલે માણસ હવે હેલ્થ સારી રહેશે એમ માનીને નિશ્ચિંત થાય છે. વિચાર કરો જેમના રોજનાં એવરેજ સ્ટેપ્સ પચ્ચીસ-પાંત્રીસ હજાર થઈ જતાં હોય એવાં મુંબઈવાસીઓની હેલ્થ કેવી હશે? મુંબઈમાં ચાલવું ફરજિયાત છે, થાકવાની મનાઈ છે અને જગ્યા મળતી નથી એટલે બેસવાનો સવાલ જ પેદા થતો નથી. સારું છે મુંબઈ દરિયાકાંઠે છે, નહીંતર અહીંની બહાદુર પ્રજા મોર્નિંગ વૉકમાં વાયા આફ્રિકા થઈને અમેરિકા સુધી ચાલી શકે છે. મુંબઈમાં દરિયો એટલે જ છે જેથી લોકો અટકી જાય, પણ તેઓ અટકતાં જ નથી. પાછા વળીને ફરી લોકલ પકડી લે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
