વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ‘સ્વ’ સાથેના સંવાદનું કાવ્ય

    શ્વાસમાં વાગે શંખ  

    દર્શના ધોળકિયા

    બોધ

    (ગઝલ)

    ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
    ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

    દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે છે,
    જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

    કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
    જત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

    જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
    ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

    રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
    દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં કહેજે

    વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
    ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

    રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
    પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

    કટુ વાણી સુણે જો કોઈની વાણી મીઠી કહેજે,
    પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

    અરે! પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
    ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.

    અરે નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
    જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.

    પ્રભુનાં નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
    પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

    કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ,
    નિજાનન્દે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે.

    બાલાશંકર કંથારિયાનો પ્રથમ ને મહત્વનો પરિચય ગુજરાતી ગઝલનો પ્રારંભ કરનાર કવિ તરીકે તો છે જ; પણ ઉમાશંકરે તેમની યથાર્થ ઓળખ આ રીતે આપી છે : ‘ઓગણીસમી સદીના ઉતરાર્ધના કવિ બે – કલાન્ત અને કાન્ત. એક આપણી ગુર્જરીનો મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર છે, બીજો સાક્ષાત્ કરુણ છે.’

    ઈ.સ. ૧૮૫૮માં નડિયાદ મુકામે બાલાશંકરનો જન્મ ને ઈ.સ.૧૮૯૮માં વડોદરામાં મૃત્યુ. માત્ર ચાલીસ વર્ષના આયુકાળમાં બાલશંકરે કાવ્યલેખન, ઉત્તમ કૃતિઓના અનુવાદો અને ‘ભારતીભૂષણ’ નામક ત્રૈમાસિકનું સંપાદન પણ કર્યું. રેવન્યૂ ખાતામાં શિરસ્તેદાર રહ્યા. પાછળથી તેમણે અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી તરીકે કામ કરેલું. તેમની ઇચ્છા કવિજનો શાંત વાતાવરણમાં કાવ્યસર્જન કરી શકે એ માટે કવિલોકની સ્થાપના કરવાની હતી, પણ આ યોજના પાર પાડવામાં તેમને સંપત્તિ ગુમાવવી પડેલી. જીવનની અનેક વિષમતાઓની વચ્ચેય તેમણે સાહિત્યોપાસના ચાલુ રાખેલી. તેમની પાસેથી ‘કલાન્ત કવિ’ નામક ઉત્તમ રસાવહ કાવ્ય તેમ જ ગુજરાતી, હિંદી, ઉર્દૂ કાવ્યો ગુજરાતને સાંપડ્યાં. જેનું કવિના નિધન બાદ ઉમાશંકર જોશીએ સંપાદન કર્યું.

    ગુજરાતી ગઝલના આદરણીય પૂર્વજ બાલશંકરનું પ્રસ્તુત કાવ્ય, તેમની એક યાદગાર ગઝલ તરીકે આજ પણ સહૃદયોને ઝંકૃત કરતું રહ્યું છે. પ્રસ્તુત ગઝલનો મૂળ વિચાર મધ્યકાળના ઉત્તમ કવિઓએ પ્રબોધેલા વિચાર સાથે અનુસંધિત ત્ગાય છે. નરસિંહે વૈષ્ણવજન પાસે જે સમતા અપેક્ષી, મીરાંએ સાચા સંન્યાસીમાં ‘રામ રાખે તેમ રહેવાનો’ પ્રપત્તિભાવ કેળવ્યો ને પ્રબોધ્યો, અખા આદિએ પણ આ જ વાત જુદીજુદી રીતે સમજાવી એને જ વર્તમાન સંદર્ભની પરિભાષામાં વહેતી મૂકતાં બાલશંકરને પરમેશ્વરની ઇચ્છાએ માથે ચઢાવવામાં જ સાચું અસંગત્વ જણાયું છે.

    સમગ્ર કાવ્યનો દરેક શેર જુદી ભાત ઉપસાવતો હોવા છતાં આખીય ગઝલનો ‘સા’ ઈશ્વરેચ્છા સાથેનો સંવાદ છે. અહીં ‘ગુજરવા’નો અર્થ ‘પસાર થવા દેવો’નો છે. જગતનો નાથ મનુષ્યને જે જે મુશ્કેલીઓ કે પછી જીવતના આનંદો – જેમાંથી પસાર કરે તેમાંથી મનુષ્યે ગુજરતા રહેવાનું છે. અળપાયા વિના, જાતને લોપ્યા કે લેપ્યા વિના. ઈશ્વર જેમાં મનુષ્યનું હિત જુએ એમાં સ્વાભાવિક રીતે મનુષ્યે જોડાવાનું જ હોય, વિના વિરોધ, વિના પ્રશ્ન. કવિ સમજે છે દુનિયાની જાત ને ભાત. દુનિયા ભાગ્યે જ સત્ય પર અવલંબતી હોય છે. એનો આનંદ નરાતાર જૂઠ પર જ ખડો છે. એની જૂઠથી છલોછલ વાણીથી ડાહ્યા મનુષ્યે અપ્રસન્ન થવાનું નથી. દુનિયાનાં વાકબાણોને પોતા પરથી ગુજરવા દેવામાં જ શાણા માણસનું ડહાપણ સમાયેલું છે.

    કોઈ પણ કચેરીમાં કાજી પોતાને સૌનો ઉપરી માને છે. આપણે ત્યાં કહેવત છે તેમ, ‘કાજી દૂબલે ક્યું ? સારે ગાંવ કી ચિંતા.’ લઈને એ ફરતો રહેતો હોય છે. હકીકતમાં તેનું કોઈ મૂલ્ય નથી. એ પોતે માની બેઠો હોય છે કે તેનું મૂલ્ય છે. શાણા જને દુનિયાનો ન્યાય કરવામાં પડીને વ્યર્થ પીડા વહોરવાની જ ન હોય.

    એક-એક શેરમાં અળગા રહેવાની કલા શીખવતા કવિ કોઈ પણ ડાહ્યા માણસને થયેલા અનુભવને અભિવ્યક્ત કરતા રહીને જણાવે છે તેમ આ જગતનું યંત્ર સૂક્ષ્મદર્શક કાચ જેવું છે. એ પ્રકારના કાચમાં જેમ નાની વસ્તુ મોટી દેખાય તેમ જગતની આંખથી જોવા બેસીએ તો કોઈ પણ ઘટના તેના યોગ્ય પરિપેક્ષ્યમાં દેખાઈ શકતી નથી. આથી જગતની દ્રષ્ટિએ ન જોવામાં માલ છે. ડાહ્યા માણસે સજ્જન અને દુર્જન બંને પ્રકારના લોકોથી દૂર જ રહેવું. સોબતમાત્ર જીવનનાં દર્શનને અશુદ્ધ બનાવી દેતી હોય છે. કૃષ્ણ ગીતામાં જેને ‘અસંગત્વ’ કહે છે તે જ છે જીવન જીવવાની કલા. અર્જુનને ‘સંગમ્ ત્યકત્વા ધનંજય’ કહીને કૃષ્ણે તેને આંતર એકાંતમાં જ રહેવા ને રાચવા જણાવ્યું છે તેનું કારણ આટલું જ છે કે એમ ન કરતાં ક્યાંક ડહોળાઈ ન જવાય.

    આ પ્રકારના એકાંતમાં રમમાણ રહીને મનુષ્યે શાંતિ, સંતોષ ને નિર્મળતાથી રહેવું. મનમાં ઊઠતાં સુખદુઃખનાં દ્વંદ્વો કોઈને ન કહેવાં. સહદેવની જેમ એ મનમાં જ સમાવવાં-અતિજ્ઞાનની પીડા વેઠીને પણ. કારણ કે દુનિયા એ બંનેની ઠઠ્ઠા જ ઉડાવવાની છે, યા તો ઈર્ષા કરવાની છે.

    શાણ મનુષ્યને ઉત્તેજિત કરી શકે તેવાં ઘણાં પરિબળો હાજર જ હોય છે. તેમાંનું એક છે ક્રોધ. મનુષ્યનો એ મહાન વેરી છે. એને ભૂલથીય નજીક ન આવવા દેવો. એક ક્ષણ પણ ભલાઈની ગાળી શકાય તો એને જીવનનું મહાધન ગણવા કવિ ઉદ્યત થાય છે. જીવનના વાળાઢાળાથી અસંગ રહેવા ઈચ્છતા મનુષ્યે ઉન્મત જરૂર રહેવાનું છે, પણ શરત એ છે કે નિજાનંદમાં. પીવું જ હોય, નશો કરવો જ હોય તો પ્રભુપ્રેમનાં પીણાંનો કરવાનો છે.

    સામાન્ય રીતે મનુષ્ય પોતા પર ભાગ્યે જ કાબૂ રાખી શકતો હોય છે. આથી કોઈ કડવું વેણ કહે કે તરત જ માણસ ઊછળી પડીને કહેનારની સામે ચઢે છે. પણ પારકી મૂર્ખતા સામે મૂર્ખ થવનો કોઈ અર્થ જ નથી. શાણો જન પણ જો દુર્જનની સામે એના જેવો પ્રમાણિત થા તો ફરક ક્યાં રહ્યો? એ બધું જ જાણાવ સમજવા છતાં શાંત જ રહે તો જ એના શાણપણનું મૂલ્ય છે. મહાભારતમાં વનમાં નિવાસ કરતા પાંડવો પર દુઃખ વિતાડવાની ઇચ્છાથી આવેલા દુર્યોધનને સ્વર્ગમાં રહેતો ગંધર્વ ચિત્રસેન વશમાં લઈને પકડે છે ને યુધિષ્ઠિતની સમક્ષ બંધનયુક્ત દશામાં તેને ખડો કરીને કહે છે, ‘ધર્મરાજ, તમને ખબર નથી આ માણસ કેટલો દુષ્ટ છે. તેથી કહો શું સજા કરીશું?’ ત્યારે પ્રશાંતચિત્ત યુધિષ્ઠિરનો ઉત્ત છે, ‘કમભાગ્યે મને જ સૌથી વધારે ખબર છે કે દુર્યોધનના મનમાં શું છે ! પણ તેમ છતાં એને જવા દો. એ તો એવો છે, પણ હું એવો ન થઈ શકું.’ પારકી મૂર્ખતા સામે ઝેર ઓકવું એ દુર્જનનું જ કામ ને એનું જ ગજું ને એનું જ દુર્ભાગ્ય. ઉપર ઊઠેલો મનુષ્ય નિસ્તરંગ બનીને સઘળું જોયા કરે, ડહોળાયા વિના.

    સુખ પાછળ દોત મૂકતા આંધળા લોકેને ચેતવતા કવિનું દર્શન છે તેમ, નસીબ ગાંડી વસ્તુ છે. માગો તો સાથ ન આપે, ન માગો તો દોડતું આવીને વળગે. માટે એની જાળમાં કદી ન ફસાવું. કાળના બળને મૌન બનીને પસાર થવા દેવું. ન તો એના રંગમાં રંગાવું ન તો એના પ્રવાહમાં વહેવું. કાંઠે ઊભીને ભાગ્ય ને કાળની લીલા નિહાળતા રહેવામાં જ સાર.

    જગત તો શિકારી જેવું છે. એની જાળ હંમેશ માટે પથરાયેલી રહેવાની. એમાં ઉપરછલ્લો અભિનય કરીને રહેવું પણ અંદરથી તો અળગા ને અળગા જ. લોક ભલેને ‘છેતરાયા’ જાણીને રાજી થતું ! કલાતીની એક સરસ સલાહ છે : ‘છેતરવા કરતાં છેતરાવું સારું.’ જાત સામે તો નિર્મળ રહેવાય. છેતરનાર સામે જો જાતે આંખ માંડી તો ખેલ ખલાસ !

    અસંગત્વને ધીમેધીમે, ક્રમશઃ વરેલા મનુષ્યે પ્રભુપ્રીતિનાં ગીત ગાઈને મસ્ત રહેવું. કવિ જેવા તો કવિતાની માળા કરીને પ્રભુના કંઠમાં પહેરાવવામાં જ મસ્ત.

    છેલ્લે, જાતને સંબોધતા કવિ અનેરી મસ્તી અનુભવે છે પોતાના કવિપણાની. સર્જક તો સ્વયં જ અધિપતિ છે. એને શી પીડા? એ તો આત્મમસ્તીમાં જ મહાલે !

    છેલ્લી પંક્તિમાં આખાય કાવ્યનો સાર અપ્રગટ રહીનેય પ્રગટ થાય છે તેમ, આખુંય કાવ્ય જાતને સંબોધીને રચાયું, કહેવાયું છે. દુનિયા સાથે, ગુજરાતી ઘટનાઓ સાથે જ્યારે તાલમેલ સર્જવામાં મુશ્કેલી પડી છે ત્યારે કવિનો માંહ્યલો મદદે આવે છે ને કવિને પંપાળે છે, કવિની સરાહના કરે છે. ‘ગુરુ થા તારો તું જ’ કહેતા અખાની જેમ કવિનો આત્મા જ કવિને પ્રેરે – દોરે છે.

    જીવતરના વાળાઢાળાને જોતો રહેતો, ને છેવટે આત્મમસ્તીમાં તરતો કવિજીવ કાવ્યાન્તે શાંતરસમાં જઈને ઠરે છે. એની પાછળ સહેજે સમજાય છે તેમ, કવિની પોચટતા નથી પણ અંતરના ઊંડાણમાંથી પ્રગટેલી સમજ, ડહાપણ છે જે છેવટે જ્ઞાનમાં પરિણમે છે. કવિ માટે નોંધપાત્ર વાત તો એ છે કે આ જ્ઞાન કવિને ‘સ્વ’માંથી જ સાંપડ્યું છે, કવિના સર્જકત્વે કવિને આપેલી આ મોટી દેન છે.

    * * * * *

    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

     

  • હમ પરોં સે નહીં, હૌંસલો સે ઉડતે હૈ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
    હવે ધોધમાર વરસો તો કેવું ?
    બારી ઉઘાડીએ તો આવે અજવાળું
    હવે, બારણું ઉઘાડો તો કેવું ?

                                   -ભાગ્યેશ જહા

     

    પેરાલિમ્પિક રમતોમાં રાજીવ ગાંધી ખેલરત્નનો સર્વોચ્ચ એવોર્ડ જીતનાર દીપા માલિકે એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો ત્યારે જજે કહ્યું કે ‘તમને નથી લાગતું કે તમારો પગ ડગમગી રહ્યો છે ?’ ત્યારે દીપાએ ખુમારીથી જવાબ આપેલો કે ‘’કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમ મને ખુદને સુંદર સમજવાથી રોકી ન શકે.’ તેના આ જવાબે તેને વિજેતા બનાવી. અપંગ હોવાથી કોઈ વ્યક્તિનો સુંદર દેખાવાનો અધિકાર કોઈ છીનવી શકતું નથી.

    દીપા મલિક ૫૦ વર્ષની હરિયાણાની પેરાલિમ્પિક એથ્લેટ છે. જેણે સાબિત કર્યું કે અક્ષમતા માણસના મનમાં હોય છે. શરીરમાં નહીં. પેરાલિમ્પિક માણસો ખરેખર અપંગ નથી હોતા. તેઓ સુપર શક્તિમાન હોય છે. સામાન્ય માનવી જે નથી કરી શકતો એ કામ આ લોકો કરે છે. ઓલિમ્પિક જેવી ઈવેન્ટ્સ મહાનાયકોને જન્મ આપે છે જે ચમત્કારરૂપ હોય છે. ઈશ્વર આપણને કોઈ કામમાંથી અટકાવવા નહીં પરંતુ આપણી ભીતર પડેલી શક્યતાઓને, સત્વને બહાર લાવવા વિઘ્નો આપે છે. દીપાના ચહેરા પર સતત વિલસતું સ્મિત સામી વ્યક્તિને આશ્ચર્યચકિત કરે છે. એ જ્ઞાનપીઠ વિજેતા રાજેન્દ્ર શાહના કાવ્યની યાદ આપે છે કે…“ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર !”

    દીપાને ૧૯૯૯માં ૨૯ વર્ષની હતી ત્યારે પેરેલિસિસ થયો. તેનો કમરથી નીચેનો આખો ભાગ પેરેલાઈઝ્ડ છે. ચાલી ન શકવાને કારણે ૨૧ વર્ષથી વ્હીલચેર પર છે. તેમના સ્વાસ્થ્યની ગાડી પાટા પર લાવવા માટે તેમના પર કુલ ૩૧ નાની-મોટી સર્જરીઓ કરવામાં આવી ચૂકી છે. એમાંનાં મેજર ઑપરેશન કેવાં હશે એનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે દરેક ઑપરેશન વીસ-બાવીસ કલાક ચાલ્યું હતું. તેના પર ત્રણ મેજર સ્પાઈન સર્જરી થઈ ચૂકી છે. તેના ખભા પર ૧૮૩ ટાંકા છે. ૧૯૯૯ પછીથી તે પોતાના પગ પર ઊભી નથી થઈ શકી. પરંતુ દીપાએ આવી વિકટ સ્થિતિને માત આપીને ઓલમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. વિકલાંગ વર્ગમાં બાઈકિંગ, સ્વિમિંગ, કાર રેલી, શૉટ પુટ, ચક્ર ફેંક અને ભાલા ફેંક જેવી રમતોમાં દીપા માલિક ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે જેમાં તેણીએ ૫૪ નેશનલ ગોલ્ડ મેડલ્સ અને ૧૩ ઈન્ટરનેશનલ મેડલ્સ હાંસલ કર્યા છે. ભાલાફેંક કે ચક્રફેન્કમાં એથ્લેટનાહાથ અને કાંડામાં પૂરી તાકાત હોવી જોઈએ જેથી ભાલા કે ચક્રમાં ગતિ આવે. તેમના પેટથી નીચલા ભાગમાં તો કોઈ તાકાત હોતી જ નથી. તેમણે વ્હીલચેરમાં બેસીને જ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય છે. પણ દીપા આ બધી જ વિકટ સ્થિતિને મનોબળથી જીતી. પેરાલિમ્પિક ગેમ્સમાં નોંધનીય સિદ્ધિઓનાં કારણે તેમને ભારત સરકારે તેને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ એનાયત કર્યો છે. રમતોમાં વિશિષ્ટ સિદ્ધિઓ માટે દીપા મલિકનું નામ ચાર વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ચૂક્યું છે.

    એ પાંચ વર્ષની હતી ત્યારે જ તેની કરોડરજ્જુમાં એક ગાંઠનું નિદાન થયેલું. ખબર પડી કે હાડકામાં ટયુમર છે. ત્યારે સર્જરી પણ થયેલી. એ પછી નવમાં વર્ષે દીપા ચાલતી થયેલી. દીપાને નાનપણથી જ બાઈક ચલાવવાનો અતિ ક્રેઝ. લાઇસન્સ નહોતું છતાં માતા-પિતાથી છાની મોટર સાઇકલ ચલાવતી હતી. એકવાર તેના પપ્પાની ઓફિસના એક યુવાન પાસે નવી બાઇક જોઇ દીપાએ ફેરવવા માગી, થોડી અનાકાની બાદ તેણે હા પાડી. ખૂબ ચલાવીને પાછી આપી. બીજા દિવસે એ યુવાન તેના પપ્પા પાસે ગયો, નવી મોટરસાઇકલની ચાવી આપી અને કહ્યું કે ‘આ મોટરસાયકલ તમારી દીકરી માટે છે અને હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું.’ પછી મોટી પુત્રીનો જન્મ થયો. પુત્રી ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી અખૂટ સુખ હતું. પરંતુ એક દિવસ પુત્રી ઘરમાંથી દોડતી બહાર નીકળી અને કોઇની મોટર સાઇકલ સાથે અથડાઇ. તેને હોસ્ટિપલમાં લઇ ગયા. તેના માથામાં ઇજા હતી અને શરીરનો ડાબો ભાગ પેરેલાઈઝ્ડ થઈ ગયો હતો.. આખી દુનિયાતૂટી પડી કે ‘માતા-પુત્રી બંને એક સરખા જ છે. અપંગ માતાને આવું જ બાળક જન્મે.’

    દીપાની તકલીફો વધતા તપાસ કરાવી તો બેકમાં ટ્યુમર હોવાનું નિદાન થયું. પતિ આર્મીમાં હોવાને લીધે કારગીલમાં બદલી થઈ. ડોકટરે ઓપરેશનનું કહ્યું. પણ એ પછી તે ક્યારે ચાલી શકવાની નહોતી. પતિ સાથે સંપર્ક શક્ય ન હતો. અંતે ઓપરેશનના દિવસે ડોકટરે કહ્યું ‘તું છેલ્લી વાર મોજ પડે તેટલું ચાલી લે.’ તો દીપા દાદર ચઢીને ઓપરેશન થીએટર સુધી ગઈ. પતિ સાથે વાયરલેસ કોન્ટેક્ટ થયો અને પતિ-પત્ની બચ્ચે એક અનોખો સંવાદ થયો જે બંને વચ્ચેના અદભુત સાયુજ્ય અને નોખી સમજણ દર્શાવે છે. 

    “દીપા: હવે હું કદી ચાલી શકીશ નહીં.

    પતિ: હું તને આખી જિંદગી હાથમાં રાખીશ.

    દીપા: ઓપરેશન પછી મને પેરાલિસીસ થઇ જશે

    પતિ : ખાલી જીવતી રહેજે, બાકી જોઇ લઇશું.”

                   ખુદ્દારીને લીધે પ્લેનમાં મુસાફરી કરતા દીપા પોતાને વ્હીલચેર પેશન્ટના બદલે વ્હીલચેર ગેસ્ટ ગણાવે છે. કોઈ પણ સ્ત્રીને ચાંદી કરતા સોનું વધુ પસંદ હોય છે એ વાતને પોતાની વાતમાં હળવાશથી વણી લેતા એકવાર સિલ્વર મેડલ મળ્યો ત્યારે દીપાએ કહ્યું કે ‘સિલ્વર મેડલ ક્યા આયા ? બેબી કો ગોલ્ડ પસંદ હૈ.’ નકારાત્મકતાને દીપા સકારાત્મક વિચારોથી દૂર ધકેલી દે છે. એ ક્યારેક કહેતી હોય છે કે ‘આ વખતે ગોલ્ડની તૈયારી છે.’ દીપાના પતિ મેજર બિક્રમ સિંહ અને બન્ને દીકરીઓનો પણ તેમને ભરપૂર સાથ રહ્યો છે. આ નવા શરીરમાં નવી રીતે જીવન જીવવા માટે દીપા મલિક ઘર ચલાવવાથી માંડીને રમતો સુધીની દરેક વસ્તુ ફરીવાર શીખી. છેલ્લા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે ત્યારે દીપા મલિકે પેરાસ્પોર્ટ્સની માહિતી આગળ વધારવાના નિતનવા રસ્તા શોધ્યા. તેમનો જુસ્સો હજુ પણ શિખર પર છે. રાહત ઇન્દોરીએ આ મહામાનવોને જોઇને જ લખ્યું હશે કે…યે કૈંચિયા હમે ઉડને સે ખાક રોકેગી, હમ પરોં સે નહીં હોંસલો સે ઉડતે હૈ.”

    દીપા મલિકે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા (પીસીઆઈ)ના અધ્યક્ષ બનવા માટે ૧૬ સપ્ટેમ્બરે, ૨૦૧૯ના  રોજ  નિવૃત્તિ જાહેર કરી રમતને અલવિદા કહ્યું છે. હવે તેણી પેરા એથ્લેટ્સ માટે કામ કરી તેમને આગળ લાવવા માગે છે. નેશનલ સ્પોર્ટ્સ કોડ પ્રમાણે સક્રિય એથલીટ કોઈ પણ સંઘમાં સત્તાવાર રીતે હોદ્દો રાખી શકે નહીં. આ નિયમનું પાલન કરવા દીપા મલિક નિવૃત્ત થયા છે. દીપા એનજીઓ ‘વિલિંગ હેપ્પીનેસ’ની સંસ્થાપક છે. આ સંસ્થા વિકલાંગ ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરે છે. સુંદરતા અને અપંગતાને કોઈ નિસ્બત ખરી ? શારીરિક સક્ષમ હોવું એ સુંદરતાનો પ્લસ પોઈન્ટ છે ? ના જી. દીપાની પ્રતિભાનું અજવાળું તો સૂર્ય સાથે પણ હરિફાઈ કરે એવું છે.

    ઇતિ

    બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.

    -થોરો


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ન્યાયી સીમાંકનનો આધાર પારદર્શિતા, પરામર્શ અને નિષ્પક્ષતા છે.

    નિસબત

    ચંદુ મહેરિયા

    તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનની પહેલથી દેશના સાડત્રીસ વિપક્ષો સીમાંકનના મુદ્દે એકત્ર થયા છે. દક્ષિણના રાજ્યોએ વસ્તી નિયંત્રણના કાર્યક્રમોનો અસરકારક અમલ કરતાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે થતાં લોકસભા બેઠકોના સીમાંકનમાં તેમની બેઠકો ઘટવાની આશંકા છે. બેઠકો ઘટતાં કેન્દ્ર સરકારમાં તેમનો અવાજ નબળો પડશે તેથી તેઓ સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે દક્ષિણના રાજ્યોની લોકસભા બેઠકો ઘટશે નહીં તેવું આશ્વાસન આપ્યું છે પરંતુ વિરોધ અટક્યો નથી. બંધારણીય જોગવાઈઓને અનુરૂપ બંધારણીય જરૂરિયાત એવા સીમાંકને આજકાલની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

    ગ્રામ પંચાયતથી લોકસભા સુધીના મત વિસ્તારોની સીમાઓની આંકણી એટલે સીમાંકન, પરિસીમન કે ડીલિમિટેશન. ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાના મતાનુસાર કોઈ દેશની સંસદ કે રાજ્યની વિધાનસભાના ચૂંટણી ક્ષેત્રોની સીમા નક્કી કરવાની પ્રક્રિયા એટલે સીમાંકન. ભારતમાં મત વિસ્તારનું સીમાંકન વસ્તીના આધારે થાય છે. સીમાંકનનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી દેશની વસ્તીમાં તેમની હિસ્સેદારી પ્રમાણે હોય. એક વ્યક્તિ એક મતનો સિધ્ધાંત સચવાય અને મતવિસ્તારો સમાન હોય.

    બંધારણના આર્ટિકલ ૮૧માં લોકસભાની રચના પ્રક્રિયાની જોગવાઈ છે. તે પ્રમાણે રાજ્યોની વસ્તીના ધોરણે એક સમાન મતવિસ્તારોમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યોથી લોકસભા રચાશે. આર્ટિકલ ૮૨માં દર દાયકે થતી વસ્તી ગણતરી પછી  વસ્તીના આધારે લોકસભાની કુલ બેઠકોની રાજ્યોમાં વહેંચણી કરવાની અને તે પ્રમાણે મતવિસ્તારોનું સીમાંકન કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૭૦માં રાજ્યોની વિધાનસભાઓની પણ આ જ ધોરણે રચના થશે. જ્યારે અનુચ્છેદ ૩૩૦ અને ૩૩૨માં અનુસૂચિત જાતિ, જનજાતિઓ માટેની અનામત બેઠકોની જોગવાઈ છે.

    જુદા જુદા વરસોના ચાર ડીલિમિટેશન એકટ પ્રમાણે  દેશમાં ચાર વખત લોકસભા બેઠકોનું સીમાંકન થયું છે. ૧૯૫૨, ૧૯૬૩, ૧૯૭૩ અને ૨૦૦૨માં સીમાંકન થયું હતું. સીમાંકન માટે અલગ સીમાંકન આયોગ નામક બંધારણીય સંસ્થાની રચના કરવાની હોય છે. તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ બની શકે છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કે તે નક્કી કરે તે ઈલેકશન કમિશનર, સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત તેમાં એસોસિએટ મેમ્બર તરીકે નિષ્ણાતો કે લોકસભા-ધારાસભાના પાંચ-પાંચ સભ્યોની નિમણૂક કરવાની હોય છે.

    આ કમિશન વસ્તીગણતરીના અધિકૃત આંકડા સાથે દેશ અને રાજ્યના ચૂંટણી કમિશન સાથે મળીને મત વિસ્તારોની સીમા અને બેઠકોની સંખ્યા નક્કી કરે છે. સીમાંકનની કામગીરી સંપૂર્ણ પારદર્શિતાથી, રાજકીય પક્ષો અને લોકો સાથેના પરામર્શનથી અને પૂર્ણ તટસ્થતાથી કરવાની હોય છે. સીમાંકન આયોગ જે બેઠકોની સંખ્યા નક્કી કરે  અને  મત વિસ્તારોની જે હદ આંકે તે ફાઈનલ ગણાય છે. તેને કોઈ કોર્ટમાં પડકારી શકાતી નથી. સંસદ અને વિધાનગૃહોમાં સીમાંકન આયોગનો અહેવાલ તો રજૂ થાય છે પરંતુ તેના પર કોઈ ચર્ચા કરી શકાતી નથી. આ પ્રકારની જોગવાઈને કારણે સીમાંકન આયોગનું કામ ખૂબ જ કઠિન અને સર્વોપરી છે.

    ૧૯૫૧, ૧૯૬૧ અને ૧૯૭૧ના દાયકે થયેલી વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન  આયોગની રચના થઈ હતી અને બેઠકોની સંખ્યા નક્કી થઈ હતી. ૧૯૫૨માં લોકસભાના સભ્યોની કુલ સંખ્યા  ૪૯૪ હતી. તે પછી ૧૯૬૨માં ૫૨૨ હતી. અને ૧૯૭૩માં ૫૪૩ થઈ. ૧૯૬૦માં ગુજરાતના અલગ રાજ્યની રચના થયા બાદની ૧૯૬૨ની ચૂંટણીમાં રાજ્યમાં લોકસભાની બેઠકો ૨૨ હતી. જે વસ્તીના વધારા સાથે  ૧૯૬૭માં ૨૪ અને ૧૯૭૭માં ૨૬ થઈ હતી. ગુજરાત વિધાનસભાની સીટો ૧૯૬૨માં ૧૫૪,  તે પછી ૧૬૮ અને ૧૯૭૫થી ૧૮૨ છે..

    લોકસભાની કુલ બેઠકો ૫૪૩ અને ગુજરાત વિધાનસભાની બેઠકો ૧૮૨ છેલ્લા પચાસ વરસોથી સ્થિર છે અને વસ્તી વૃધ્ધિ છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ બંધારણ સુધારા મારફતે ભારત સરકારે તેમાં કોઈ વધારો ન કરવાનો કરેલો નિર્ણય છે. ૧૯૭૬માં આંતરિક કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે  પચીસ વરસો માટે (૨૦૦૦ સુધી)  લોકસભાની બેઠકોમાં ફેરફાર ના કરવા બેતાળીસમો બંધારણ સુધારો કર્યો હતો.  એ વખતે એવું કારણ આગળ ધર્યું હતું કે  જે રાજ્યોએ કુટુંબ નિયોજન કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડ્યા છે તેમની બેઠકો ઘટે નહીં અને વસ્તી વધારાને રોકી શકાય તે માટે આ જરૂરી છે.

    ૨૦૦૧માં ૮૪મા બંધારણ સુધારાથી અટલ બિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની એન ડી એ સરકારે વળી બીજા પચીસ વરસો સુધી એટલે કે ૨૦૨૫ સુધી લોકસભાની ૫૪૩ બેઠકો યથાવત રાખવાનો નિર્ણય કર્યો..હવે ૨૦૨૫માં નવો સીમાંકન એકટ અને આયોગ રચવાનાં છે. આ દાયકાના આરંભે થનારી વસ્તી ગણતરીના કોઈ અણસાર જણાતા નથી પરંતુ તેના આધારે થનારા સીમાંકન અને બેઠકોમાં વધારા-ઘટાડાની ચર્ચા થઈ રહી છે..

    દક્ષિણના રાજ્યોની દલીલ છે છે કે  ઉત્તર ભારતની તુલનામાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે સીમાંકન થાય તો તેમને નુકસાન થવાની અને બેઠકો ઘટવાની વાતમાં દમ છે. વળી તેમની બેઠકો ઘટવા કરતાં ઉત્તરની બેઠકો વધતાં સત્તા સંતુલનમાં તેમની ભૂમિકા સાવ નામશેષ થઈ જવાનો ડર પણ છે. તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક અને કેરળ એ પાંચ દક્ષિણ ભારતીય રાજ્યોની કુલ બેઠકો હાલમાં ૧૨૯ કે લોકસભાની કુલ બેઠકોમાં ૨૪ ટકા છે. ઉત્તરના મોટા રાજ્યોની બેઠકો ૧૭૪ કે ૩૨ ટકા છે. હવે જો વસ્તી વૃધ્ધિને ધ્યાનમાં લઈ બેઠકોની વહેંચણી થાય તો એકલા ઉત્તરપ્રદેશ અને બિહારની બેઠકો જ વધીને કુલ બેઠકોના ૩૦ ટકા અને દક્ષિણના પાંચ રાજ્યોની ઘટીને ૧૯ ટકા થશે. એટલે દક્ષિણ ભારતના રાજકીય પક્ષો સીમાંકન ૩૦ વરસો સુધી ટાળવાની માંગ કરી રહ્યા છે.

    દુનિયાના અન્ય લોકશાહી દેશો પૈકી અમેરિકામાં ૭ લાખની વસ્તીએ એક અને યુ.કેમાં ૧ લાખની વસ્તીએ ૧ એમ.પી. છે. જ્યારે ભારતમાં આશરે પચીસ લાખે એક એમ.પી. છે. વળી તેમાં પણ ભિન્નતાછે. કેરળમાં ૧૭ લાખે, રાજસ્થાનમં ૩૩ લાખે અને લક્ષદીપમાં ૫૦ હજારે એક એમ.પી છે. આ વિસંગતતા ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે પણ છે.

    સીમાંકનની બંધારણીય જરૂરિયાતનો રાજકીય પક્ષો પોતાના ફાયદા કે હિત માટે ઉપયોગ કરતા હોય છે. સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધીશના નેતૃત્વમાં બંધારણીય સંસ્થા એવું ડીલિમિટેશન કમિશન સત્તા પક્ષની કઠપૂતળી બની સીમાંકન કરે છે તેવી ફરિયાદ આજના સત્તા પક્ષો જ્યારે વિપક્ષો હતા ત્યારે અને વિપક્ષો જ્યારેક સત્તા પક્ષો  હતા ત્યારે કરતા રહ્યા છે. પોતાની વોટ બેન્કને એક તરફ કરતું અને વિરોધી વોટ બેન્કને વિભાજિત કરતું સીમાંકન થતું રહ્યું છે.એટલે આઝાદીના પંચોતેર વરસો પછી લોકતંત્રની મજબૂતી માટે પરામર્શન, પારદર્શિતા અને નિષ્પક્ષતાના આધારે સીમાંકન થાય તે દેશહિતમાં છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભીંત અને છતનું સત

    દેવિકા રાહુલ ધ્રુવ

    ભીંત શબ્દ દેખીતી રીતે ‘જડ’હોવાનો અર્થ ઊભો કરે છે. કારણ કે, ભીંત બને છે ઈંટ કે પથ્થરના એક સીધાસટ ચણતરથી. તેથી સ્વાભાવિક રીતે તેના વિશે આગળ કંઈ બીજો વિચાર આવે જ નહિ. વાત તો સાવ સાચી જ છે. પણ તે છતાં આ ભીંતની આસપાસ કેટકેટલું બનતું રહેતું હોય છે?

    સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે, ભીંતોની જરૂરિયાત ક્યારથી ઊભી થઈ હશે અને કેવા સંજોગોમાં થઈ હશે. એ વિશે વિચારતાં એમ લાગે છે કે, ધરતી પર માનવની હસ્તી ઊભી થઈ હશે ત્યારે જાતનાં રક્ષણ માટે, સલામતી માટે એને ભીંતોથી બાંધેલ કોઈ મુકામ અનિવાર્ય થઈ પડ્યો હશે. પછી જેમ necessity is a mother of invention તેમ ભીંતો પછી છત પણ બનાવવાનું સૂઝયું હશે.

    મને લાગે છે કે, મનુષ્ય માત્રના જીવનમાં આ બંને એક અનિવાર્ય આવશ્યકતા ગણી શકાય. અલબત્ત, આદિમાનવ જંગલમાં અને પહાડો કે ગુફાઓમાં પણ જીવતો જ હતો. પણ પછી તો ધીરે ધીરે જેમ જેમ સમાજ બનતો ગયો તેમ તેમ સામાજિક,આર્થિક અને અન્ય જરુરિયાતો મુજબ એની રચના અને ઉપયોગિતામાં પણ બદલાવો આવતા ગયા હશે એમ માની શકાય.

    આ વિશેના ઈતિહાસમાં ઊંડા ન ઉતરીએ તો પણ એમ લાગે છે કે, એના પાયાની વિગતો પણ રસપ્રદ તો ખરી જ. માટી,લાકડાંથી માંડીને પથ્થર,આરસપહાણ સુધીની વિવિધતા એમાં જોવા મળે છે. એટલું જ નહિ એના ઉપરની કોતરણી કે ડીઝાઈન વગેરે પણ સૌંદર્યલક્ષી બનતી ચાલી છે. તે ઉપરાંત રાજમહેલ કે કિલ્લાઓમાં બનાવેલ ભીંતો અને છત પણ જે તે સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ પાડતી દેખાય છે. બારી અને બારણાંની વાત તો આ બે પાયાની જરુરિયાત પછી આવે. આના અનુસંધાનમાં વિચાર તો એ આવે  કે, પ્રકૃતિના કોપથી અથવા કહો કે, ઠંડી,ગરમી,વરસાદ કે વાવાઝોડાથી બચવા માટે જે માનવજાતે ભીંત અને છત દ્વારા રક્ષણ મેળવવા મકાન બનાવ્યું; તે જ માનવજાતે આજના યુગમાં ટેક્નોલોજીના વિકાસ સાથે નવા માપદંડો નક્કી કર્યા.

    ભીંતથી ભાગલા વધાર્યા, ગોપનીયતાની જરૂર ઊભી કરી અને વૈભવમાં ઉમેરો કર્યો! હવે છત અને ભીંતોમાં ‘થર્મલ ઇન્સ્યુલેશન’ જોઈએ જ, ‘સાઉન્ડ પ્રૂફ’ વિના તો કેમ ચાલે? અને સુંદરતા માટે મજબૂત કાચની દિવાલોએ સ્થાન લીધું.

    હકીકતે મુખ્ય વિસરાઈ જતી વાત તો એ છે કે, ભીંત એ માત્ર ઈમારતના પ્રાણરૂપ નથી પણ મનુષ્યના જીવનનો પણ પ્રાણ છે. તે માત્ર સ્થાપત્યનો જ ભાગ નથી પણ માનવીની સ્થિરતા અને સુરક્ષાનાં પણ પ્રતીક છે. કહેવાય છે કે, “ભીંતોને કાન છે અને છતને આંખો.”

    આ લખતાં લખતાં એક જૂનો, લગભગ ૨૦૦૮નો સંવાદ અનાયાસે જ યાદ આવી ગયો. એક દિવસ દસ-પંદર મિનિટ માટે સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત શેઠને મળવાનું બન્યું હતું. તેમણે કહ્યું હતું કે “ચીલાચાલુ વિષય પર તો બહું લખાયું. કોઈ એવો વિષય પકડો કે જેના પર કશો વિચાર જ ન આવે. લખો, થૂંક પર લખો, ભીંત વિશે લખો, પથરા પર લખો.” પછી તો એ વાત સાવ વિસરાઈ ગઈ. આજે લાગે છે કે, એ વાતમાં તથ્ય હતું. કેટલાક વિષયો એવા હોય છે કે જેના પર વધુમાં વધુ વિગતો જ આપી શકાય કે ઈતિહાસમાંથી કંઈક મળી આવે તો તે આલેખી શકાય. પણ આવા જડ ગણાતા શબ્દો કે વિષયો પર  કશુંક રસપૂર્ણ શું હોઈ શકે? અને આ પ્રશ્ન સાથે એક વિચાર તણખો સળવળ્યો.

    આગળ લખ્યું તેમ “ભીંતને કાન હોય છે અને છતને આંખો.” ધીરે બોલ, કહેતાં દાદીમાના શબ્દો સાંભર્યા. અર્થાત, જડ કે નિર્જીવ વસ્તુઓમાં પણ,સૂક્ષ્મ અર્થમાં પ્રાણ હોય છે! વર્ષો પછી જૂના ઘરની મુલાકાતે જતાં, ભીંત પર હાથ ફેરવવાનું મન થાય છે અને તે સાથે તો એ ભીંતો કેટલું બધું કહેવા માંડે છે જાણે! સાંભળતાં સાંભળતાં કંઈ કેટલાંય પોપડાઓ ખરવા માંડે છે ને તરત નજર જાય છે ઉપર છત તરફ. એનાં નેવાંમાંથી કંઈ કેટલુંયે ટપકવા માંડે છે.  કવિ શ્રી જયંત પાઠકની એક કવિતાની બે પંક્તિઓમાં આ ભાવ વ્યક્ત થાય છે. એ લખે છે કે,

    “દિવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો પોપડે પોપડે ઉખડે છે.”

    કવિ શ્રી શૈલેશ ટેવાણીનો એક શેર ટાંકવાનું મન થાયઃ

    દૄશ્યો તમામ હોય છે ઘરની દીવાલ પર,
    સ્મરણની લીલ હોય છે ભીની દીવાલ પર.

    કોઈ હિંદી શાયરે  છત પર પણ લખ્યું છે કે,

    छत पर गुज़रे लम्हों की यादें,
    मुद्दतों बाद आज छत पर आई..

    અને હાં, સાહિર લુધિયાનીની પણ મર્મભરી પંક્તિઓ છેઃ

    बहुत गुरुर था छतको छत होने पर
    एक मंझिल ऑर बनी, छत फर्श हो गई—

    પહેલાંના સમયમાં એના ઉપરથી રુઢિપ્રયોગો પણ રચાયાં છે અને બધાં જ ખૂબ અર્થપૂર્ણ. દા.ત. કોઈના ઘરમાં મુખ્ય વ્યક્તિ મરણ પામે ત્યારે કહેવાતું કે, આ ઘરનું તો છત્ર ગયું કે ઘરની છત તૂટી પડી એમ કહેવાતું. તે સિવાય પણ કેટલીક કહેવતોઃ

    • છત ટપકે તો ઘરમાં પાણી ભરાય.
    • છત ન હોય તો મકાન અધૂરું લાગે.
    • છત છાની ન રહે.

    કોઈ વ્યક્તિ અવળે રસ્તે વળી જાય કે મોટી ભૂલો કરે તેને માટે આ માણસ તો ‘ભીંત ભૂલ્યો’ એમ કહેતાં. કોઈ ખોટા કામ માટે વગોવાય તો એમ કહેવાય કે  આ માણસ ‘ભીંતે ચડ્યો છે.’ કેટલાક લોકો એવા પણ હોય છે કે, પોતાની પાસે હોય કશું નહિ પણ બણગા ખૂબ ફૂંકે. એવા ખોટો દંભ કે ડોળ કરનાર વ્યક્તિઓ માટે “ભીંતમાં ભડાકા ને તાવડીમાં તડાકા’ એવો શબ્દપ્રયોગ/કહેવત/રુઢિપ્રયોગ વાપરવામાં આવે છે. તેનાથી ઊંધુ એ કે કોઈ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર  ગજા બહારનું પગલું ભરે અને પરિણામ બરાબર ન આવે તો ‘ભીંતમાં લાત મારીએ તો પગમાં લાગે ‘ એવી પણ કહેવત છે.

    સમાપનમાં કંઈક લખું ત્યાં તો ભીંત પર જડાયેલ માની તસ્વીર દેખાઈ. એ સાથે જ નજર અનાયાસે જ છત પર ગઈ. ન જાણે એ પણ ભીંત સાથે કેટકેટલી વાતો કરતી હશે ને ભીંત અને છત સાથે એના કેટલાં સંવાદ રચાતા હશે? ખેર!

    આમ, સાવ સામાન્ય લાગતાં અને જડ ગણાતાં આ બંને ઘટકો  માનવજીવનમાં પ્રાણ પૂરતાં અને દરેકના જીવનમાં વણાઈ ગયેલાં જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભીંત ધબકતી છે અને છત છલકતી છે. બંને વચ્ચે અવિનાભાવ છે. એટલે કે, ભીંત છે ત્યાં જ છત પણ છે જ; અને એમાં જ બંનેનું જીવન સાથે જોડાયેલ સત છે.

    અસ્તુ


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • એક ટુકડો જમીન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    અનારાધાર વરસાદથી વૃક્ષો ધોવાઈને સ્વચ્છ લાગતાં હતાં. ચારેકોર ફેલાયેલી લીલોતરીથી સૌનાં મન મસ્તીમાં હતાં. શ્રાવણ મહિનો એટલે જાણે ઉત્સવનો માહોલ.. રંગબેરંગી રાખડીઓથી દુકાનોય રંગીન બનતી, પણ સુખદાનું મન ઉદાસ થઈ જતું. દર વર્ષે એ રાખડી ખરીદતી અને રક્ષાબંધનના દિવસે મન મનાવીને સાથે લાવેલા ઢીંગલાના હાથે રાખડી બાંધી ઓવારણાં લેતી. એના માટે એ ઢીંગલો નહીં એકનો એક ભાઈ રંજન હતો. રંજન રિસાયો હતો. નાનો હતો ત્યારેય રિસાતો, પણ જલદી માની જતો.

    રંજનની યાદ આવતાં આંખમાં ઉમટેલાં આંસુની વચ્ચેય બાળપણના એ દિવસો નજર સામે તરી આવ્યા.

    એકવાર સુખદાના જન્મદિને એક ઢીંગલી મળી હતી, રંજને એ તોડી નાખી. એણે રંજન પરનો ગુસ્સો પેન પર કાઢ્યો, એની પેન તોડી નાખી. બસ પછી તો બંને ઝઘડી પડ્યાં અને ક્યાંય સુધી ઝઘડતાં રહ્યાં.

    માંડ માએ શાંત પાડ્યાં. એ દિવસ રક્ષાબંધનનો હતો. મોઢું ચઢાવીને સુખદા રંજન રાખડી બાંધવા બોલાવે એની રાહ જોતી બેઠી. ગુસ્સે ભરાયેલો રંજન પણ સુખદા આવીને રાખડી બાંધે એની રાહમાં બેસી રહ્યો.

    “આજના દિવસે બહેન ભાઈને સામે ચાલીને ટીકો કરીને રાખડી બાંધે. સાસરે જઈશ ત્યારે ખબર પડશે કે ભાઈની રાહ જોવાનું કેવું ભારે છે.” મા સુખદાને સમજાવતી.

    “ત્યારની વાત ત્યારે. આજે તો રંજન કહેશે તો જ રાખડી બાંધીશ.” સુખદા અકડમાં કહેતી.

    “બેટા, આજનો દિવસ તો બહેનનો. એને મનાવી લે અને તું તો પાછો નાનો છું…જા બોલાવ એને.” મા રંજનને સમજાવતી.

    સૌના ભાઈઓના હાથે રાખડીઓ જોઈને સુખદાનો જીવ બળતો હતો, પણ હજુ રંજન બોલાવે એવી જીદ હતી.

    “અરે ભાઈ, તું નસીબવંતો છું કે તારે બહેન છે. જા જઈને જોઈ આવ, જેને બહેન નથી એ ભાઈઓ કેવા નિમાણાં બનીને ફરે છે.” માએ ફરી રંજનને સમજાવ્યો. અંતે રજને આવીને કહ્યું,

    “લે ચાલ રાખડી બાંધી દે.” ત્યારે એ રાજી થઈ. રંજન સુખદા માટે એક ઢીંગલો લાવ્યો હતો. એકદમ રંજન જેવો. સાસરે આવતી વખતે સુખદા એ ઢીંગલો સાથે લઈ આવી હતી.

    રંજનને રિસાયે પંદર વર્ષ થઈ ગયાં હતાં. કોણ જાણે ક્યાં સુધી નારાજ રહેશે? સુખદાનાં હૃદયમાંથી નિસાસો સરી પડ્યો. મા સાચું જ કહેતી હતી. સાસરે આવીને રંજનના રિસામણાં આકરા લાગતાં હતાં.

    *****

    અચાનક ટપાલીનો અવાજ સાંભળીને એ ચમકી. ના, આજ સુધી ખુલ્લી આંખે જોતી એવું એ સપનું નહોતું. સાચે જ ટપાલી ખુશીની ખબર લઈને આવ્યો હતો. આ રક્ષાબંધન પર રંજન આવવાનો હતો. એ ફરી અતીતમાં સરી પડી.

    ભાઈ-બહેન અને મા-બાપુ. ચાર જણાંના સુખી પરિવારમાંથી અચાનક મા ચાલી ગઈ. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. હતી તો સુખદા રંજનથી ત્રણ વર્ષ મોટી, પણ મા ગઈ ત્યારથી નાનકડો રંજન એની મા અને દોસ્ત બની ગયો. સુખદાનાં લગ્નની જવાબદારી એણે જ સુપેરે પાર પાડી.

    વિદાયની એ ક્ષણો ભાઈ-બહેન માટે વસમી હતી.

    સુખદાના પતિ રામદેવ અને બીજા ત્રણ ભાઈઓ વચ્ચે સારી એવી જમીન હતી. સુખી પરિવાર, ગામમાં દબદબો હતો. ભાઈઓનાં વિવાહ પછી ઘરની સાથે જમીન ટુકડાઓમાં વહેંચાતી ગઈ.

    પોતાનાં દરેક કામમાં સુખદાની સલાહ લેતો રંજન સમજદારીની સીડીઓ ચઢતો ચઢતો જાતે નિર્ણયો લેવા માંડ્યો. સુખદાને બોલાવવાનું, સુખદા પાસે આવવાનું ઓછું થતું ગયું. અચાનક બાપુના દેહાંત પછી રંજને પોતે એક માત્ર વારસદાર છે એમ અરજી કરીને સંપત્તિ પર પૂરો હક મેળવી લીધો. વાયરો વાત લઈને આવ્યો ત્યારે સુખદાને જાણ થઈ કે હવે કાયદાની દૃષ્ટિએ એ બાપુની વારસદાર નથી.

    ગામનાં મોઢે ક્યાં ગરણું બંધાય છે? સગાંસંબંધીમાં ચર્ચા ચાલી કે, સુખદા રંજનની સગી બહેન નથી એનો અર્થ સુખદા અનૌરસ સંતાન છે. ઘરઘરમાં, ગામ આખામાં સુખદા સગી પુત્રી નહીં કોઈનું પાપ છે, એવી ચર્ચા ચાલી. સુખદા પ્રતિ ગામની સ્ત્રીઓનો વ્યવહાર બદલાયો.

    સુખદા અત્યંત વ્યથિત થઈ ગઈ.

    “અરે, રંજને એક વાર પણ કહ્યું હોત તો સામે ચાલીને એણે પોતાનો હક જતો કર્યો હોત. આવી રીતે તો રંજને જાણે એને જીવતેજીવ મારી નાખી. કોઈને મોં બતાવવા લાયક ન રાખી.”

    અંતે પતિના સહકારથી કોર્ટમાં કેસ દાખલ કર્યો. ના, એને સંપત્તિ નહોતી જોઈતી. પિતાનું નામ જોઈતું હતું. એ પિતાના નામથી વંચિત રહેવા માંગતી નહોતી.

    કોર્ટનો ચુકાદો આવ્યો. સુખદાને પિતાની સંપત્તિમાંથી એના હકનો ભાગ મળી ગયો. કોર્ટનો ચુકાદો સાંભળીને રંજન બોલ્યો હતો. “ સંબંધોનાં તમામ બંધનો આજે તૂટી ગયાં.”

    એ રડી પડી. એને તો માત્ર પિતાનું નામ જોઈતું હતું. સંપત્તિ નહીં. એને સૌ અનૌરસ સંતાન માને એ માન્ય નહોતું અને રંજન આ શું માની બેઠો? એ દિવસથી આજ સુધી રંજને એની સાથે કોઈ સંબંધ નહોતો રાખ્યો. પ્રત્યેક રક્ષાબંધને એ રંજનની રાહ જોતી રહી, રંજન જેવા એના ઢીંગલાનાં હાથે રાખડી બાંધતી રહી.

    આજે આટલાં વર્ષે રંજન રક્ષાબંધન પર આવવાનો હતો.

    “મમ્મી, કોનો કાગળ છે? દીકરાનો અવાજ સાંભળીને એ વર્તમાનમાં પાછી ફરી. સુખદા, એનો પતિ, પુત્ર સૌ ખુશ હતાં. રક્ષાબંધનને આડે બે જ તો દિવસ બાકી હતા. સુખદા તૈયારીમાં લાગી ગઈ. રક્ષાબંધને પહેરવા નવી સાડી, ભાઈ માટે આ, ભાભી માટે તે…ઓહોહો લાંબું લિસ્ટ હતું.

    સુખદાને નવાઈ લાગતી હતી કે, આટલાં વર્ષે રંજન કેવી રીતે માની ગયો હશે, એનાં રિસામણાં કેવી રીતે પૂરાં થયાં હશે?

    સુખદાને પોતાની વિપત્તિનો દિવસ યાદ આવ્યો. એને પથરીનાં લીધે પેટમાં ભયંકર દુઃખાવો હતો. ડૉકટરે ઓપરેશન કરવાની સલાહ આપી. પૈસાનો અભાવ હતો. ઘણાંએ વારસામાં મળેલી જમીનનો એ ટુકડો વેચવાની સલાહ આપી. સુખદા ટસની મસ નહોતી થઈ.

    “જે મારું છે જ નહીં એને હું કેવી રીતે વેચી શકું?” સુખદાનું હતું નહીં એ એણે જીવની જેમ જાળવ્યું હતું..

    ‘કોને ખબર રંજન કેવો દેખાતો હશે, એની દીકરી નૈની હવે તો અઢાર-ઓગણીસની થઈ ગઈ હશે!’

    રંજનનાં મનમાં પણ વિચારોનો વંટોળ હતો. સુખદાની ઉંમર થઈ ગઈ હશે, કેવી લાગતી હશે? સુખદાએ એને માફ તો કરી દીધો હશે ને, નહીં માફ કર્યો હોય તો કેવી રીતે મનાવીશ? અરે, પગે પડી જઈશ. સુખદા માટે શું લઈ જઉં તો એને ગમશે, સુખદા માટે શું કરું તો એને ગમશે?

    દુઃખના દિવસો લાંબા ચાલે સુખની ઘડી પળવારમાં પસાર થઈ જાય. સુખદાને મળવાનું નક્કી કર્યું ત્યારથી આજ સુધીનાં દિવસો ઝડપથી પસાર થઈ ગયા. આજે રંજન સુખદાનાં બારણે ઊભો હતો. સુખદાએ બારણાંથી માંડીને ઘરનો દરેક ખૂણો સજાવ્યો હતો. રંજનને આવકારતા સુખદા એને વળગીને રડી પડી.

    રંજનમાં આવેલા સુખદ બદલાવથી સુખદા વિમાસણમાં હોવા છતાં ખુશ હતી.

    “દીદી, મને માફ કરી દે. મને જાણ થઈ છે કે, તારાં જીવનમાં કેટલીય તકલીફો આવી છતાં તેં જમીનને હાથ નથી લગાડ્યો. આજે જ્યારે નૈની વસિયતમાં એનો હક માંગી રહી છે ત્યારે મને સમજાયું કે. તેં કંઈ ખોટું નથી કર્યુ.”

    સુખદા અવાક! રંજને એનાં આંસુ સાફ કરતા હાથ લંબાવ્યો.

    “દીદી, ચલો જલદીથી રાખડી બાંધી દો.”

    સુખદા બે અલગ સમયે કહેલી એક વાતનું અંતર અનુભવી રહી.

    નાનપણમાં રિસાયેલા રંજનનાં અવાજમાં હઠની સાથે હક હતો. આજે રંજનના સૂરમાં ક્ષમાનો, પ્રેમનો રણકો હતો.

    બાળપણની જેમ આજેય સુખદા રાખડી, મીઠાઈનો થાળ લઈને આવી. કંકુ-અક્ષતથી રંજનને વધાવી, આરતી ઉતારી. મોં મીઠું કરાવીને રાખડી બાંધી. રંજને સુખદા માટે લાવેલી ભેટ કાઢી તો એણે દૃઢતાથી રોકી લીધો.

    “આજે તું આવ્યો છે. આજે મારે તને કંઈક આપવું છે. તું નાનો છું, મના કરતો નહીં.” કહીને રંજને એક બોક્સ ખોલ્યું રાખડીઓ અને જમીનનાં કાગળ હતા.

    “આ એ રાખડીઓ છે જે આ ઢીંગલાના હાથને તારો હાથ કલ્પીને બાંધતી હતી અને આ એ કાગળો છે જેણે બહેનને ભાઈથી અલગ કરી દીધી હતી.

    “દીદી, એ જમીન પર તમારો હક છે.” રંજને કાગળો પાછા આપતા કહ્યું.

    “મારો જે હક હતો એ તો મને મળી ગયો, હવે આ ભેટ મારાં તરફથી નૈનીને આપજે કહીને સુખદા રંજનને વળગીને રડી પડી.


    ડૉ. પદ્મા શર્મા લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • દાદા-દાદી અને નાનાં પૌત્ર પૌત્રીઓ વચ્ચેની માયા-મમતા આટલી … !?

    આનંદ રાવ

    મારા ઘરની બરાબર સામેના ઘર પાસે એક કારીગરનો (હેન્ડીમેનનો) ટ્રક પાર્ક કરેલો હતો. હું મારા ડ્રાઈવ-વેમાં મારી ગાડીના કાચ લુછતો હતો. થોડી વારમાં હેન્ડીમેન એનું કામ પતાવી બહાર આવ્યો અને એનાં સાધનો એની ટ્રકમાં મુકવા લાગ્યો. એની નજર મારા ઉપર પડી. મેં પણ એના તરફ જોયું. અમને બંનેને જાણે કંઈક ચમકારો થયો. એ એના હાથ લુછતો લુછતો, રસ્તો ઓળંગીને મારી ગાડી પાસે આવીને ઊભો રહયો.

    “Are you Mr. Lin!?” નવાઈ ભર્યો પ્રશ્ન એણે કર્યો. એના મોં ઉપર ખુબ આનંદ દેખાતો હતો.

    ‘Yes. I am. Are you Steve!?” હું પણ એને ઓળખી ગયો. ત્રીસેક વર્ષ પછી અમે મળતા હતા.

    ‘Yes…I am Steve.” એ મને ભેટી પડયો. “Mr. Lin, you are still here in the same house! 40 yrs! … In the same house! Wow!”

    છ ફુટથી પણ વધારે ઊંચો. ગોરો. પડછંદ શરીરવાળો આ સ્ટીવ … લગભગ ચાળીસ વર્ષ પહેલાં, જ્યારે મેં આ મારુ ઘર ખરીધુ હતું ત્યારે ઘરનાં નાનાં નાનાં રીપેર કામ કરવા હું એને જ બોલાવતો. એ મારો કાયમનો
    હેન્ડીમેન બની ગયો હતો. પ્રમાણીક અને ખુબ મહેનતુ. પુરા વિશ્વાસથી એને કામ સોંપી દેવાય. સહેજે કામ ચોરી નહી. કોઈ દગાબાજી નહી. ગ્રાહકના અજ્ઞાનનો લાભ લઈને એને ખુબ ચાર્જ કરીને લુટી લેવાની તો વાત જ નહી. એને તો એવી કલ્પના પણ ના આવે.

    “સ્ટીવ, તું આટલાં બધાં વર્ષોથી ક્યાં ગુમ થઈ ગયો હતો.?”

    અમારા બંનેના શરીર ઉપર ઉમ્મર દેખાતી હતી.

    “મી. લીન. જવાદોને એ વાત. મારો એક મિત્ર છે. એ પણ મારા જેવુ જ કામ કરે છે. એ મને અહીંથી સો માઈલ દુરના વીસ્તારમાં લઈ ગયો. ત્યાં બધાં નવાં નવાં ઘરો બંધાતાં હતાં. એણે મને કહ્યું, “સ્ટીવ, એ એરીયામાં આપણે આપણી પ્લમ્બીંગ કંપની શરુ કરીશું. ખુબ બીઝનેસ મળશે. આમ થશે…તેમ થશે…એવી એની મોટી મોટી વાતોમાં હું આવી ગયો. આટલા વર્ષો જતાં રહ્યાં પણ કંઈ થયું નહી. એનાથી ઉલ્ટુ થતુ ગયુ. નવાં ઘરો હોવાથી કંઈ ખાસ રીપેર કામ મળતુ જ નહી. છેવટે હું કંટાળી ગયો. અને પાછો મારા આ જુના વિસ્તારમાં આવી ગયો. અહીં મારા જુના ઘરાકો ઘણા છે. જુઓને, તમે પણ હજુ અહીં જ છો.”

    અમે બંને હસી પડયા.

    “તારી વાઈફ લીન્ડા કેમ છે? તારો પેલો તોફાની દીકરો જોન અને દીકરી સીડી?”

    “લીંડા તો બહુ ખખડી ગઈ છે. આર્થરાઈટીસ ખુબ છે. બંને છોકરાં પરણીને ઠેકાણે પડી ગયાં છે. બંનેને સારી નોકરી છે. અને બંનેને બબ્બે છોકરાં છે. અમે બધાં એક બીજાની નજીકમાં જ રહીએ છીએ.”
    “Oh! So you are a grandfather now.”

    ‘Yes Sir… A very proud grandfather. Youknow, Mr. Lin, my daughter’s younger boy is now six years old. He is my buddy. He calls me all the time…. Talks too much. He constantly asks too many questions. He wants me to play with him all the time. If I play with other grandkids he gets jealous and gets very upset. He is a brilliant little guy. I call him Rikey.”

    અમારી વાતો ચાલતી હતી ત્યાં એનો ફોન રણક્યો.

    ‘That’s him calling. Excuse me …”

    “Yes, Rikey…”

    સ્ટીવે ફોન ઉપાડયો. મને સંભળાય એટલા માટે એણે ફોન સ્પીકર ઉપર મુકયો. નાજુક બાલ અવાજ મને પણ ફોનમાં સંભળાવા લાગ્યો.

    “Paa …. when are you coming? I have a brand-new toy to play with. I want you to come

    and see this new toy and play with me. Paa, hurry up. Please.”

    “Yes buddy. In just a few minutes I will be there and we will play with your new toy.

    OK? ,.. I am on my way … just a few minutes….all right…big boy… ! ”

    “Ok … Paa … but hurry up … ”

    સ્ટીવે ફોન બંધ કર્યો. ફોન ખીસ્સામાં મુકતાં મુકતાં એણે મોં ફેરવી લીધુ. મારા તરફ પીઠ કરી. મને આછુ ધ્રુસ્કુ> સંભળાયુ. મેં એને મારા તરફ ફેરવ્યો. એની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં. એ લુછવા એ મથવા લાગ્યો.
    “Steve, what is it? What happened?” મેં લાગણીથી પૂછ્યું. એના ખભે હાથ મુક્યો. એ એના કાંડાથી આંસુ લુછવા મથ્યા જ કરતો હતો.

    આ પડછંદ સ્ટીવ! આટલો નરમ!

    ઘરમાંથી પાણીનો ગ્લાસ લાવી મેં એને આપ્યો. બે ત્રણ ઘુંટડા લઈને એણે એની વેદનાં મારી આગળ ખુલ્લી કરી.

    “Mr. Lin, this my grandson is in the Childrens’ hospital. He has something extremely complicated in his brain. The doctors are trying their best. But last week they told my daughter that they have no hope. Mr. Lin, he is my buddy…maximum six months … the doctors …”

    એ એકદમ ભાંગી પડ્યો.

    એને આશ્વાસન આપવા હું ભારે હૈયે એનો ખભો પંપાળતો રહ્યો.

     []

  • મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s creatins for March 2025


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૯૭. મુઝતર બેહઝાદી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ ગીતકાર વિષે પણ નહીંવત માહિતી મળે છે. એવું જણાય છે કે દેશના ભાગલા બાદ એ પાકિસ્તાન જતા રહેલા. એ પહેલાં સૂરત, કૌન પરદેસી, સિંદબાદ ધી સેઈલર, ફ્લાઈંગ મેન જેવી ફિલ્મોમાં પચીસેક ગીત લખ્યા. આમાંના કેટલાક અન્ય ગીતકારો સાથે સહિયારાં હતાં.

    આ એમની એકમાત્ર ગઝલ-

    તેરે શબાબે હુસ્ન કી તાસીર દેખ કર
    તસ્વીર બન ગયા હું મૈં તસ્વીર દેખ કર

    જી ચાહતા હૈ રુખ કી તુમ્હારે બલાએં લું
    દિલ કહ રહા હૈ ઝુલ્ફ કી ઝંજીર દેખ કર

    અબ ગૌર કર રહા હું કે દિલ મુજ સે છિન ગયા
    હૈરાં હું તેરે હુસ્ન કી તાસીર દેખ કર

    કદમોં મેં તેરે આ કે ગુઝારું મૈં ઝિંદગી
    બેહોશ હો ગયા તેરી તસ્વીર દેખ કર..

    – ફિલ્મ : કૌન પરદેસી
    – એ આર ઓઝા
    – અલી હુસૈન મુરાદાબાદી


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • યોગની કાર્યશાળામાંથી મને શીખવા મળેલ જીવનપર્યંતના આઠ પદાર્થપાઠ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

     ‘યોગ’ સાથે મારો પહેલો પરિચય મારા શાળાના સમયકાળ દરમિયાન થયો હતો. એ સમયે શારીરિક શિક્ષણના વર્ગોમાં, યોગ એ ફક્ત જટિલ શારીરિક મુદ્રાઓના રૂપમાં શીખવવામાં આવતો હતો. થોડા વર્ષો પહેલા, હું યોગની એક કાર્યશાળામાં જોડાયો તેથી યોગના ફરીથી સંપર્કમાં આવ્યો. એ પરિચયે યોગ વિશે  જાગૃતિની એક નવી દૃષ્ટિ ખુલી. હમણાં વળી ફરીથી એક પ્રખ્યાત આધ્યાત્મિક શિક્ષક અને યોગી દ્વારા આયોજિત એક ખાસ્સી આગળની કક્ષાની  કાર્યશળા માટે નોંધણી કરાવી. એ અનુભવ શારીરિક અને માનસિક એમ બન્ને સ્તરે રીતે ખૂબ જ સારો અનુભવ રહ્યો છે.

    એ કાર્યશળામાંથી મેં શીખેલા કેટલાક પાઠ અહીં રજૂ કર્યા છે. હું એમ માનું છું કે આ પદાર્થપાઠ આપણા વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવનમાં શ્રેષ્ઠતાની કક્ષાએ પહોંચવામાં તે બહુ પ્રસ્તુત બની રહી શકશેઃ

    પ્રકાશ આપણી અંદર છે.

    આપણી અંદરનો આ પ્રકાશ એક પ્રેરક બળ (એક સોફ્ટવેર) છે જે આપણી અંદર અને આપણા દ્વારા સંપર્ક થતી દરેક વ્યક્તિ અને વસ્તુને સક્ષમ બનાવે છે. . જ્યારે આપણે તેને શોધીએ છીએ, પોતાને જાણી શકીએ છીએ, આપણી શક્તિઓથી સાકાર કરીએ છીએ અને તેને અમલમાં મૂકીએ છીએ ત્યારે જ આ પ્રકાશ તેજસ્વી રીતે ચમકી ઊઠે છે. એ તબક્કો એવો છે જેના પ્રકાશમાં આપણે, આપણામાં કે આપણી આસપાસનાં આપણા પ્રભાવ હેઠળનાં ક્ષેત્રમાં ફરક પડી શકીએ. આપણા ઉચ્ચ હેતુ શોધવાની જરૂર પુરી કરવા આપણે સતત આપણી બહારની વસ્તુઓ શોધીએ છીએ, પરંતુ આપણે પહેલા આપણી અંદર ડોકિયું કરવાની જરૂર છે. જે લોકો કોઈપણ બાબતમાં શ્રેષ્ઠ બને છે તે એવા લોકો છે  જાણે છે કે તેમના જીવનનો ખરો હેતુ શું છે.

    ક્ષણ શક્તિશાળી છે.

    નિયમિત અને ચોક્કસ લયમાં કરાતો શ્વાસોચ્છાશ્વાસ અને મનની એકાગ્રતા દ્વારા, યોગે મને વર્તમાન ક્ષણમાં રહેવાનું શીખવ્યું. આપણે ઘણીવાર ભૂતકાળ વિશે વધુ પડતું વિચારીએ છીએ અથવા ભવિષ્ય વિશે ચિંતા કરીએ છીએ. તેને પરિણામે આપણી પાસેથી વર્તમાન ક્ષણની સુંદરતા છીનવાઈ જાય છે. જ્યારે તમે કંઈ પણ ખાતાં હો, ત્યારે તમારા ખોરાક સાથે રહો. જ્યારે તમે કામ કરતાં હો, ત્યારે તમારા કામ સાથે રહો. મન તો મરકટ છે એ તો  ભટકવાની વૃત્તિ ધરાવે છે. પણ આપણે તો જે કંઈ પણ કરીએ છીએ તેમાં સભાનતાપૂર્વક એકાગ્રતા કેળવવાનો અભ્યાસ કરવાની જરૂર છે. આજની દુનિયામાં જ્યારે વિક્ષેપોની વણઝાર વણથંભી રહે છે ત્યારે મનને હાલની ક્ષણમં એકાગ્ર કરવાનું વધુ મહત્વપૂર્ણ છે.

    કંઈ પણ મોટું સિદ્ધ કરવા માટે શિસ્ત એક પૂર્વશરત છે.

    દરરોજ, કાર્યશળાના વર્ગનો સમય પુરો થયા પછી, આપણને નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરવાનું કહેવામાં આવે છે. યોગ એ સતત અભ્યાસ માગી લેતી વિદ્યા છે. આપણે જે પણ કરવાનું નક્કી કરીએ છીએ, તે આપણે દરરોજ કરવાની જરૂર છે. ચૂક્યા વિના, નિયમિતપણે. વ્યવસ્થિત રીતે. વિચારપૂર્વક.  મુશ્કેલ કાર્યો કરવાના પ્રયાસ કરતી વખતે આપણે જે પ્રતિકારનો સામનો કરીએ છીએ તેને શિસ્ત વિશેની પ્રતિબદ્ધતા હરાવે છે.

    પીડા આપણને મજબૂત બનાવે છે.

    પહેલી વાર જ્યારે તમે કોઈપણ આસન/મુદ્રા કરો છો, ત્યારે પીડા થવી અનિવાર્ય છે. તે જ પીડા (અથવા પીડા થશે એવી આપણી ધારણા)  જે પ્રતિકાર ઉત્પન્ન કરે છે. આપણે તે પીડાથી છટકી જવાનો પ્રયાસ કરીએ છીએ. યોગ દ્વારા થતો સતત અભ્યાસ આપણને મજબૂત, લવચીક અને સ્વસ્થ બનાવે છે. તે આપણને શારીરિક અને માનસિક બંને રીતે સ્થિતિસ્થાપક બનાવે છે. હું શીખ્યો છું કે કરવા ધારેલી કોઈ પણ પહેલ સાથે કંઈક પીડા સંકળાયેલી જ હોય છે. લાંબા ગાળાના ફાયદા મેળવવા માટે આપણે ટૂંકા ગાળાના દુખાવાને અવગણવાની જરૂર છે.

    પરિવર્તન (અને સુધારો) કુદરતી છે.

    ઘણા લોકો યોગ (અથવા વ્યાયામશાળા)ની શરૂઆત કરે છે અને બીજા જ દિવસથી તાત્કાલિક ફરક પડવાની અપેક્ષા રાખે છે (એક સમયે, હું પણ તેમ કરતો). બધાં અર્થપૂર્ણ પરિવર્તન કુદરતી છે. સતત પ્રયાસ અને સતત એ પ્રક્રિયા સાથે સંલગ્ન રહેવાથી પરિવર્તનની સ્વાભાવિકતા સાથે આપણે પણ લયબદ્ધ રહી શકીએ છીએ.

    માર્મિકતા શક્તિશાળી છે.

    જ્યારે આપણે મીણબત્તીની જ્યોતને જોઈએ છીએ, ત્યારે એક સ્થૂળ પ્રકાશ (જ્યોત પોતે) અને બીજો સૂક્ષ્મ પ્રકાશ (જ્યોતની આસપાસના પ્રકાશની આભા) હોય છે. એ સૂક્ષ્મ માર્મિકતા તે જ સમયે જ્યોતને સુંદર અને શક્તિશાળી બનાવે છે. યોગમાં, આપણી મુદ્રાઓ અને શ્વાસ સ્થૂળ છે, પરંતુ તેની અસરો સૂક્ષ્મ છે. આપણું શરીર સ્થૂળ છે જ્યારે મન અને આત્મા સૂક્ષ્મ છે. વ્યવસ્થાપનની દુનિયામાં, આપણી લાગણીઓ, લાગણીઓ અને અંતર્જ્ઞાન સૂક્ષ્મ  છે. સૂક્ષ્મને સ્પર્શ કરી શકનાર અગ્રણી પ્રભાવશાળી બને છે. પ્રેમ, ધીરજ, પ્રામાણિકતા અને ક્ષમા સૂક્ષ્મ લાગણીઓ છે, પરંતુ શક્તિશાળી પણ છે. તેનો જાદુ અંદર છે.

    ત્યાગ શક્તિની નિશાની છે.

    આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જે છોડી દે છે તે નબળો છે. છોડી દેવા માટે આપણે અળગા થવું પડે છે, જે ખરેખર મુશ્કેલ છે. યોગમાં, શ્વાસ બહાર કાઢવાની ક્રિયા એ ઝેરી તત્વોને જવા દેવાની ક્રિયા છે. જીવનની જેમ વ્યવસાયમાં પણ, આપણે શીખવાની જરૂર છે કે જે કામનું નથી અથવા તો ભવિષ્ય માટે હાનિકારક છે  તે શી રીતે છોડી દેવું અને માફ કરવું, જેથી આપણે આપણી મોહ અને માયાની સાંકળો તોડી શકીએ, મુક્ત રહી શકીએ અને પ્રગતિ કરી શકીએ.

    ખાઓ. પ્રાર્થના કરો. કામ કરો. પ્રેમ કરો.

    એક સત્રમાં, અમારા ગુરુએ અમને આ મુજબ બોલવાનું કહ્યું: “અડધું ખાઓ, પાણીનું સેવન બમણું કરો, ત્રણ ઘણી વધુ કસરત કરો, ચાર ઘણું વધુ હસો (ખુશ રહો), પાંચ ઘણું વધુ કામ કરો અને દસ ઘણી વધુ પ્રાર્થના કરો”. સ્વાસ્થ્ય અને ખુશી માટે આ એક સરળ, છતાં ખૂબ જ શક્તિશાળી સલાહ છે.

    આ બધા પાઠ બહુ મુશ્કેલ તો કહેવાય એમ છે જ નહીં . આપણે પહેલાથી જ આપણા જીવનમાં દૃઢતા, અભ્યાસ અને શિસ્તનું મહત્વ જાણીએ છીએ. મુશ્કેલ ભાગ એ જે જાણીએ છીએ તેને વ્યવહારમાં  અમલમાં મૂકવાનો, કરતાં રહેવાનો અને તેનાં અપેક્ષિત પરિણામો લાવી શકવાનો છે. યોગનો મારો અભ્યાસ મારા માટે આ આવશ્યક ગુણો કેળવવાનો અને મારા કાર્ય/જીવનના અન્ય ક્ષેત્રોમાં પરિવર્તન થતું જોવાનો એક માર્ગ છે. હું તન અને મનથી નવું શીખવા માટે હવે હંમેશાં તૈયાર રહું છું.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • કર્મના ૧૨ નિયમો

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    આપણી સાથે જે કંઈ થાય છે શા માટે થાય છે તેનાં રહસ્યની સીધી  સાદી રીતે સમજવા મટેની ચાવીઓ:

    કર્મનો સિદ્ધાંત 

    જેવું વાવશું તેવું લણશું.

    ધ્યાન કેન્દ્રિત કરવાનો નિયમ

                એક તીરથી બે નિશાન ન સધાય

     વિકાસનો નિયમ

    આપણે બદલીશું તો આપણું જીવન પણ બદલશે

     પરિવર્તનનો નિયમ

    ઇતિહાસમાંથી શીખીને જે પોતાની ભૂલ નથી સુધારતાં તેમની સાથે ઇતિહાસ પુનરાવર્તન પામતો રહે છે.

    વિનમ્રતાનો નિયમ

    જો સુધરવું હોય તો સ્વીકારતાં શીખીએ

    સર્જનનો નિયમ

    જિંદગી આપોઆપ નથી જીવાતી. આપણે તેને જીવી જાણવી પડે છે.

    અનુસંધાનનો નિયમ

    ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ચક્ર કમબદ્ધ જ ચાલે છે.

     જવાબદારીનો નિયમ

    આપણી જિંદગીમાં જે કંઈ છે તેની જવાબદારી આપણે જ સ્વીકારવાની છે.

    અહીં અને અત્યારેનો નિયમ

    અહીં અત્યારે રહેવું હોય તો ત્યાં ત્યારે ન રહેવાય.

    ધીરજનાં ફળનો નિયમ

    ધીરજમાં જેટલી ખંત ભળે એટલાં તેનાં ફળ મીઠાં.

    આતિથ્ય અને દાનનો નિયમ

    આપણું વર્તન આપણી વાણી અને આપણા વિચારનું પ્રતિબિંબ હોવું જોઈએ.

    મહત્વ અને પ્રેરણાનો નિયમ

    આપણને મળતું ફળ આપણે સીંચેલી ઊર્જા અને પ્રયત્નોનો પરિપાક છે.

    કર્મના આ બાર નિયમોને ઘુંટી ઘુંટીને જીવનમાં ઉતારીશું તો જીવન માત્ર જીવી નહીં જઈએ પણ જીવી જાણીશું.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.