વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વાઘની સંખ્યા વધી એનો આનંદ, પણ….

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પહેલાં વગર વિચાર્યે પ્રકૃતિનું યા પ્રાકૃતિક જીવોનું નિકંદન કાઢવું, પછી તેનું ભાન થતાં તેના પર નિયંત્રણ લાદીને સંવર્ધનના પ્રયાસ કરવા, અને એ પ્રયાસમાં સફળતા મળે એટલે રાજી થવું-માનવજાતના વિકાસના ઈતિહાસની આ તરાહ રહી છે. એ વિકસીત, વિકાસશીલ કે અવિકસીત હોય એવા દરેક દેશપ્રદેશને લાગુ પડે છે.

    તાજેતરનાં વરસોમાં વાઘની સંખ્યામાં થયેલા વધારાને કારણે આ હકીકત વધુ એક વાર યાદ આવી. વાઘની સંખ્યા ૨૦૧૪માં ૨,૨૨૬ હતી, જે વધીને ૨૦૧૮માં ૨,૯૬૭ થઈ, અને ૨૦૨૨માં તે નોંધપાત્ર રીતે વધીને ૩,૬૮૨ થઈ. અત્યાર સુધીમાં વાઘની સૌથી ઓછી સંખ્યા ૨૦૦૬માં નોંધાઈ હતી, જે ૧,૪૧૧ હતી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    વાઘની સંખ્યામાં વધારો થાય એ આનંદની બાબત છે, પણ કેવળ સંખ્યામાં વૃદ્ધિ પૂરતી કહી શકાય ખરી? વાઘ માટે તેની આસપાસનું પર્યાવરણ એમનું એમ રહ્યું છે ખરું?

    વાઘ શિકાર પર જીવનારું પ્રાણી છે, અને તે અમુક જાતનાં હરણ, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. હકીકત એ છે કે મધ્ય-પૂર્વ ભારતમાં, ખાસ કરીને ઓડિશા,ઝારખંડ અને છત્તીસગઢમાં આવાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

    ‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ ઈન્‍ડિયા’(ડબલ્યૂ.આઈ.આઈ.) અને ‘નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઓથોરિટી’(એન.ટી.સી.એ.) દ્વારા હાથ ધરાયેલા, ખરીવાળાં જાનવરોના આ પ્રકારના સૌ પ્રથમ આકલનમાં આ હકીકત જાણવા મળી. ખરીવાળાં જાનવરો વાઘના ખોરાકનો મોટો હિસ્સો હોય છે, તેમજ જંગલની પર્યાવરણપ્રણાલિમાં પણ તેઓ અગત્યનો ભાગ ભજવે છે. વનવિસ્તારમાં ઘટાડો, વિકાસ, કૃષિવિસ્તારમાં વિસ્તરણ, શહેરીકરણ અને શિકાર જેવાં વિવિધ પરિબળોને કારણે આમ બની રહ્યું છે.

    આના પરિણામરૂપે માનવ-વન્ય પશુઓ વચ્ચે ટકરાવના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.

    વન્ય પશુઓના માંસનો ખોરાક તરીકે વધુ ઊપયોગ તેમજ જે તે વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તતી અશાંતિ વન્ય પશુઓની ઊપસ્થિતિ પર નકારાત્મક અસર કરતી હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જે સરવળે ખરીવાળાં પશુઓની સંખ્યામાં ઘટાડો કરે છે. જેમ કે, મધ્ય ભારતના મહત્ત્વના કોરિડોર ગણાતા ઝારખંડના પલામૂમાં ડાબેરીઓના અંતિમવાદી વલણને લઈને ઘણા પડકાર છે, જેની અસર વન્ય પશુઓ પર થાય છે.

    શિકાર થનારાં પશુઓના ઉછેર માટે આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ચીતળ અને સાબરનું સંવર્ધન સ્થળ પર જ સલામત બંધ જગ્યાઓમાં એ રીતે કરવામાં આવે કે જેથી શિકારી પશુઓ દૂર રહી શકે.

    પહેલી નજરે વિચિત્ર જણાય એવી આ વાત છે. પહેલાં શિકાર થનારાં પશુઓને ઉછેરો, તેમને શિકારી પશુઓથી દૂર રાખો, અને એ મોટાં થાય એટલે પછી શિકારી પશુઓના શિકાર માટે એમને છૂટાં મૂકી દો. કુદરતી સંતુલન એક વાર ખોરવાય એ પછી માનવને પોતાની સિમીત દૃષ્ટિથી આવા વિચિત્ર વિચાર આવતા હોય છે. આવાં તિકડમ લગાવતી વખતે માણસોને એ ખ્યાલ નથી રહેતો કે આ પૃથ્વીની સમગ્ર જૈવપ્રણાલિ એકમેક સાથે સંકળાયેલી છે, જેમાં પશુપંખીઓ ઊપરાંત વનસ્પતિનો પણ સમાવેશ થાય છે.

    એ પણ જાણવા જેવું છે કે પૂર્વ અને મધ્ય ભારતના વિસ્તારોમાં શિકારમાં ઘટાડો થઈ રહ્યો છે, તો દેશના અન્ય વિસ્તારોમાં એથી ઊલટી સ્થિતિ જોવા મળે છે. ઊત્તરાખંડ અને ઊત્તર પ્રદેશથી લઈને પૂર્વ બિહાર સુધી વિસ્તરેલા શિવાલીક ગિરિમાળાના તેમજ ગંગાનાં મેદાનોના પ્રદેશમાં તથા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શિકાર માટેનાં પશુઓની સંખ્યા સ્થિર રહી છે. પશ્ચિમ ઘાટમાં ચીતળ, સાબર, જંગલી સૂવર, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓ વ્યાપકપણે છે, જ્યારે ઈશાન ભારતમાં જંગલી સૂવર તેમજ હોગ પ્રકારનાં હરણ વધુ જોવા મળે છે.

    ભારતમાં વિશ્વની કુલ વસતિના ૭૦ ટકા વાઘ આવેલા છે. તેમના ખોરાકનો મુખ્ય આધાર આવાં પશુઓ પર છે. કેવળ વાઘ જ નહીં, દીપડા, જંગલી કૂતરા, વરુ અને ઝરખ જેવાં પશુઓ પણ આ જ પ્રાણીઓનો શિકાર કરે છે.

    આવાં ખરીવાળાં જાનવર પ્રત્યેક વસતિ ગણતરી વખતે નોંધવામાં આવે છે ખરાં, પણ તેમની સંખ્યાનું આંકડાકીય આકલન પહેલવહેલી વખત કરવામાં આવ્યું છે. આથી તેમને કેવળ વાઘની સંખ્યાનુસાર ગણવાને બદલે સમગ્રતયા પણ જોવાની જરૂર છે. એક અંદાજ મુજબ ખરીવાળાં ત્રીસ પ્રાણીઓ પ્રતિ સો ચો.કિ.મી. વિસ્તારમાં ચાર વાઘ માટે પર્યાપ્ત ગણાય. આવાં પ્રાણીઓની સંખ્યા અને માનવ-વન્ય પશુ વચ્ચેના ટકરાવને સીધો સંબંધ છે. મહારાષ્ટ્રના તાડોબા કે મધ્ય પ્રદેશના રાતાપાની અભયારણ્યોમાં વાઘ પાળેલાં ઢોરઢાંખર પર હુમલો કરે છે, કેમ કે, એ વિસ્તારોમાં ખરીવાળાં અન્ય પશુઓ એટલે કે વાઘનાઆહારનું પ્રમાણ ઓછું છે.

    આ આખી કવાયત જોતાં ખ્યાલ આવશે કે અત્યારે ખરીવાળાં પશુઓનો મુખ્ય હેતુ જાણે કે વાઘના આહાર બાબતનો જ છે. જાણે કે સ્વતંત્રપણે તેમનું કોઈ મહત્ત્વ કે પર્યાવરણપ્રણાલિમાં કોઈ સ્થાન જ નથી. અન્ય કઈ કઈ રીતે તે પર્યાવરણપ્રણાલિને અસર કરતા હશે એનું સંશોધન થાય ત્યારે ખરું. જો કે, પર્યાવરણપ્રણાલિને નહીં, પણ માનવજાતને મદદરૂપ થતાં હોય તો જ એવા કોઈ સંશોધન માટે અવકાશ રહેતો હોય છે. પોતાને ખપમાં આવે એટલા પૂરતો જ માનવોને અન્ય જીવો કે ચીજવસ્તુઓનો ઊપયોગ હોય છે.

    આપણી વિકાસયોજનાઓ, પ્રવાસન કે અન્ય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોમાં પર્યાવરણને લગતા કે અન્ય આડઅસરના અભ્યાસ કેવળ નામ પૂરતા હોય છે. એ થાય છે ખરા, પણ તેનો અમલ જવલ્લે જ થતો જોવા મળે છે, કેમ કે, એનો સાચેસાચો અમલ કરવામાં આવે તો પછી જે તે વિકાસપ્રકલ્પને જ પડતો મૂકવાનો આવે.

    પર્યાવરણ, પ્રકૃતિ, વિકાસ, રાજકારણ, નાણાંકીય કૌભાંડ- આ બધાની આપણે એકમેક સાથે એ હદે ભેળસેળ કરી દીધી છે કે હવે કોઈ પણ મુદ્દો નિરપેક્ષ રીતે વિચારવો શક્ય રહ્યો નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૩

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    ભેજ, ઝાકળ અને ઉષ્ણતામાન

    પરેશ ૨. વૈદ્ય

    પણે જોયું કે વિષુવવૃત્તની આસપાસનાં ક્ષેત્રોમાં જો જમીનનો મોટો પ્રદેશ મહાસાગરની પાસે હોય તો પવનો અમુક ચોક્કસ રીતે વાય છે અને આપણને મળ્યું તેવું ચોમાસું આપે છે. પરંતુ પવન અને ચોમાસાં વચ્ચેની કડી તે ભેજ છે, જે હવામાનનું અગત્યનું ઘટક છે. કહે છે કે પૃથ્વી ફરતે વાતાવરણમાં દશ હજાર અબજ ટન ભેજ ભળેલો છે. હવામાં ભળેલા આ ભેજને પવનો પોતા સાથે આગળ-પાછળ, ઉપર-નીચે લઈ જાય છે. રોજેરોજ આશરે દશ ટકા જેટલો ભેજ ઠરીને પાણી કે બરફરૂપે હવામાંથી બહાર પણ આવી જાય છે. આ પ્રકરણમાં ભેજ અને પવનના સંબંધોની વાત કરીશું.

    વરાળ અને બાષ્પ :

    પૃથ્વી ઉપર જીવનનો આધાર જળચક્ર છે એ વાત આપણે જાણીએ છીએ. સમુદ્રનાં પાણીની વરાળ થઈને વાદળાં બને, તેથી વરસાદ પડે અને નદીઓ બને. એનાં પાણી સમુદ્રમાં જઈને જળનું ચક્ર પૂરું કરે તેવું શાળામાં શીખ્યાં. આ વાતમાં બાળમાનસ એમ પણ કલ્પી લે છે કે જાણે સમુદ્રનું પાણી ઉકળતું હશે ! ખેર, પાણીએ હવામાં ભળવા માટે ઉકળવાની જરૃર નથી. આ ગૂંચવડો ‘વરાળ’ શબ્દને કારણે છે. આપણી ભાષાઓમાં વરાળ અને બાષ્પ એક જ અર્થમાં વાપરીએ છીએ. પાણી કે દાળ ઉકળે ત્યારે જે વરાળ નીકળે તેને અંગ્રેજીમાં ‘સ્ટીમ‘(Steam) કહે છે, એ ૧૦૦ સે. ઉષ્ણતામાને બને છે પરંતુ શિયાળાની સવારે સવારે તમારા ઉચ્છ્વાસમાં જે સફેદ ‘ધુમાડો’ નીકળે છે તે ‘બાષ્પ’ છે, જેને અંગ્રેજીમાં ‘વૅપર’(Vapour) કહેવાય છે. ઝાડની ડાળીને છેડેનાં અમુક પાંદડાઓનાં જૂથની આસપાસ પ્લાસ્ટિકની થેલી બાંધી દો તો એક-બે કલાકમાં તેના પર બાષ્પ પથરાઈ ધૂંધળી થઈ જશે. આમ બાષ્પ બનવા માટે એક સો અંશ ઉષ્ણતામાન જરૂર નથી. એ દરેક ઉષ્ણતામાને બન્યા કરતી હોય છે.

    કપડાં સૂકવવા માટે તડકામાં મૂકો તો તેમાંનું પાણી ઉડી જાય છે. તેને બદલે છાંયામાં રાખો તો ય સૂકાય તો છે જ એટલું કે તેને વાર લાગે છે. બંને વેળા કપડામાં રહેલાં પાણીની બાષ્પ થઈ હવામાં ભળતી હોય છે. તડકામાં એ જલદી થાય છે. એમ તો ઘરની અંદર પણ ફર્શ પર પોતું કર્યા પછી પાણી ઊડી જ જાય છે. એક થાળીમાં પાણી મૂકી રાખો તો બે દિવસમાં તે ય ઊડી જશે. એપણ “સૂકાવા”નો જ એક પ્રકાર છે. સર્વે પ્રકારમાં પાણી બાષ્પ થઈ જતું હોવાથી તેને ‘બાષ્પીભવન’ કહે છે. તે સામાન્ય ઉષ્ણતામાને જ થાય છે.

    પાણીની થાળી પર ઝળુંબી રહેલી હવા બાષ્પને લઈ જવા તૈયાર જ હોય છે. એ બાષ્પ લે એટલે એ ‘ભેજવાળી’ થઈ જાય અને નવી બાષ્પ ન લે. પરંતુ જો એ હટી જઈ નવી હવા આવે તો તે ભેજ ઉપાડે છે. આમ જ્યાં પવન વધારે હોય ત્યાં બાષ્પ પણ ઝડપથી બન્યા કરે છે. આપણે એને ‘જલદી સૂકાવું’ કહીએ છીએ. પોતું કર્યા પછી પંખો ફેરવવાનું પણ પ્રયોજન આ જ છે.

    સંતૃપ્ત હવા :

    પરંતુ માનો કે હવા સ્થિર છે. તો એ કેટલો ભેજ ઉપાડી જઈ શકે તેને કોઈ મર્યાદા ખરી ? બિલકુલ ખરી. કાચનું એક હવાબંધ બોક્ષ લઈ તેને તળિયે પાણી ભરેલ થાળી મૂકો. પાણીની સપાટી અમુક સ્તરથી નીચે જશે જ નહીં. અંદરની હવાથી સમાવાય તેટલો ભેજ તેણે લઈ લીધો, પછી પાણી કેમ ઊડે ? હા, જો હવાનું ઉષ્ણતામાન થોડું વધારો તો થોડો વધુ ભેજ એ સમાવી શકે. ફરીથીથોડીવારે એ સંતૃપ્ત થઈ જાય અને પાછું પાણી ઊડવાનું બંધ થઈ જાય. આમ દરેક ઉષ્ણતામાને અમુક નિશ્ચિત માત્રામાં જ ભેજ (કે પાણી) સમાઈ શકે છે. માનો કે આપણું ખોખું ૧ મીટર x ૧ મીટરx ૧ મીટર એવી સાઈઝનું હોય. એ થઈ એક ઘનમીટર હવા; તો તેમાં આટલો ભેજ કે પાણી સમાઈ શકે.

                 ઉષ્ણતામાન       પાણીનું વજન

                 ૨૬. સે.          ૨૫ ગ્રામ

                  ૨૧. સે.          ૧૮ ગ્રામ

                  . સે.            . ગ્રામ

              – સે.          ૪.૪ ગ્રામ

    જેમ ઉષ્ણતામાન ઘટતું જાય તેમ તે ઓછું પાણી સમાવી શકે છે. માત્ર તેટલાં પાણીથી એ હવા સંતૃપ્ત થઈ જાય છે. પાણીમાં ખાંડ ઓગળવા જેવી આ વાત છે. પહેલી ચમચી ખાંડ તુરત ઓગળી જાય છે. પછી એક એક ચમચી ઉમેરતાં જાઓ તેમ વધુનો વધુ વાર લાગતી જાય છે. છેવટે ખૂબ હલાવવા છતાં ખાંડ ઓગળ્યા વિના પડી રહે છે. ત્યારે જો પાણીને ગરમ કરો તો એ ખાંડ પણ ઓગળી જાય છે. જેમ ગરમ પાણી વધુ ખાંડ સમાવે તેમ ગરમ હવા વધુ ભેજ સમાવે.

    આ પરથી સાપેક્ષ ભેજ(Relative Humidity)ની વાત પણ સમજી શકાશે. રેડિયો કે ટી.વી.ના હવામાન સમાચારમાં ‘સાપેક્ષ આર્દ્રતા’ શબ્દ હમેશાં આવતો હોય છે. માનો કે આજે ૨૧ સે. ઉષ્ણતામાન છે અને દર ઘનમીટર હવામાં ૯ ગ્રામ પાણી (એટલે કે બાષ્પ, ભેજ) છે. ઉપર આપેલ કોઠા મુજબ આ ઉષ્ણતામાને ૧૮ ગ્રામ બાષ્પ આટલી હવામાં રહી શકતી હતી. પરંતુ હવામાનના સંયોગો મુજબ માત્ર અડધો એટલે કે ૯ ગ્રામ છે. તો સાપેક્ષ ભેજ ૫૦ ટકા કહેવાશે. બીજા શબ્દોમાં હવા કંઈક સૂકી જ છે. ભેજ સાડા ચાર ગ્રામ હોત તો સાપેક્ષ આર્દ્રતા(R.H.)પચ્ચીસ ટકા કહેવાત. સંતૃપ્ત હવાની સરખામણીએ ભેજનું પ્રમાણ માપવાનું આ એકમ છે.

    ઝાકળબિંદુ :

    બહુ જ સૂકા પ્રદેશને બાદ કરો તો હવામાં ભેજ તો હોય જ છે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછો. દૂરથી જુઓ તો તળાવ કે સમુદ્રની સપાટી ઉપર ધુમ્મસનો પટ્ટો દેખાશે કારણ કે સમુદ્ર અને સરોવરની સપાટી ઉપરની હવા ભેજથી સંતૃપ્ત હોય છે. તળાવનાં પાણીના અણુઓ એમાં સતત ભળ્યા કરતા હોય છે. જ્યાં નદી-તળાવ ન હોય ત્યાં પણ વનસ્પતિનાં પાંડદા જમીનમાંથી ખેંચેલા પાણીને હવામાં ઉડાડતાં હોય છે. સમુદ્ર કાંઠાથી દૂરના પ્રદેશોમાં ભેજ ઓછો હોય. હવાની ગતિ અને ઉષ્ણતામાન પણ ભેજ નક્કી કરે. પરંતુ આ બધો ભેજ કંઈ વાદળાં નથી બની જતો. તાે વાદળાં કેમ અને ક્યારે બને ?

    એ સમજવા એક પ્રયોગ કરીએ. અગાઉ વાત કરી તેવું કાચનું બોક્ષ લો. તેની અંદર હવા છે તેમાં પણ ભેજ તો હશે જ. માનો કે એટલો ભેજ છે કે જો ઉષ્ણતામાન ૩૦ સે. હોય તો એ હવા સંતૃપ્ત નથી થતી પરંતુ જો ઉષ્ણતામાન ૨૬ સે. થઈ જાય ત્યારે એ સંતૃપ્ત થઈ જશે. ત્યાં જ માનો કે ઉષ્ણતામાન ઘટીને ૨૫ સે. થઈ જાય, તો શું થતું જણાશે ?

    હવા સંતૃપ્ત થઈ જશે અને બાકીનો ભેજ બહાર ફેંકી દેશે. એ વધારાનો ભેજ બોક્ષની દિવાલ પર જામશે અને કાચ ધૂંધળો થશે. જો ઉષ્ણતામાન હજુ વધારે ઘટે તો કાચ પર વધુ ભેજ બાઝશે અને ટીપાં થઈને વહેવા માંડશે. બોક્ષને બદલે ખુલ્લામાં વહેતી હવા જો અચાનક ઠંડી પડે તો વધારાનો ભેજ ઝાડનાં પાદડાં કે બાલ્કનીની રેલિંગ ઉપર ઝાકળનાં ટીપાંરૂપે બાઝે છે. રાતની વચ્ચે જ્યારે ઉષ્ણતામાન ઘટી જાય અને હવામાં સારો ભેજ હોય તો બીજે દિવસે સવારે આવી ઝાકળ જોવા મળે છે. ક્રિકેટની ‘ડે ઍન્ડ નાઈટ’ મૅચમાં રાતે ૯-૧૦ વાગ્યા પછી બોલરો ભીના બોલથી પરેશાન હોય છે. આવું કાંઠાનાં શહેરોમાં વધુ બને છે કારણ કે હવામાં ભેજ વધારે હોવાથી ઉષ્ણતામાન થોડું ઘટવાથી જ તે બહાર પડવા લાગે છે.

    આમ જે ઉષ્ણતામાને હવા ભેજથી સંતૃપ્ત થઈ જાય તે એનું ઝાકળબિંદુ કહેવાય છે. સમજી શકાય તેવું છે કે તેનો આધાર સાપેક્ષ આર્દ્રતા – હવામાં કેટલો ભેજ છે તે બાબત પર હોય. વધારે ભેજ હોય તેવી હવામાંથી ભેજ જલદી બહાર આવી જાય. વાદળાં એ પેલાં બોક્ષની દિવાલ પરનાં ધુમ્મસ જેવી ઘટના છે. એ ઠરેલા ભેજનું સ્વરૂપ છે પરંતુ તેમાં ભેજરૂપે પાણીનાં ટીપાં અતિશય સૂક્ષ્મ કદનાં હોય છે. એક મિલીમીટરના ય હજારમા ભાગ જેટલા વ્યાસનાં આ ટીપાં એટલાં તો હલકાં હોય કે ગુરૃત્વાકર્ષણ તેને નીચે નથી લઈ આવતું. આથી વાદળાં ધૂંધળા ઢગલા તરીકે હવામાં તરતાં રહે છે.

    ભેજને ઠારીને વાદળાં બનાવવા માટે કુદરતે શી યોજના કરી છે તેની વાત હવે પછીના પ્રકરણમાં…

     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [૨]

    પહેલા અંકમાં આપને પ્રીતિબહેનનાં જીવનના પ્રારંભિક પરિચય પછી તેમને અમેરિકા ભણી જતાં અને ત્યાં ગોઠવવાનો પ્રયાસ કરતાં જોયાં.
    હવે આગળ.

    એ અરસામાં હજી અમેરિકામાં ભારતીય વ્યક્તિઓ ઘણી ઓછી દેખાતી હતી. મારી કોલેજમાં તો બીજી કોઈ નહતી. મારે ભાગ્યે જ કોઈ ભારતીય ઓળખાણો થઈ હતી, પણ ન્યુયોર્કમાં નાનપણની એક મિત્ર હતી. એણે અને એના પતિએ પણ મને પોતાના કુટુંબની ગણી લીધી, પોતાનાં મિત્રો સાથે ઓળખાણો કરાવી, અને ઘણી હુંફ આપી. ન્યુયોર્ક જેવા મહાનગરના રોજિંદા જીવનમાંનાં વહેવારુ જ નહીં, પણ સર્વ પ્રકારનાં કળાત્મક પાસાં સાથે પરિચય શરૂઆતમાં તો આ મિત્રો સાથેના હળવા-મળવામાંથી મને થતો ગયો. પછી ધીરે ધીરે એ પાસાં મારી અંદરના ચેતન-તત્ત્વનો મોટો અંશ બની ગયાં.

    આ મારો ત્રીજો જન્મ થયો કહેવાય. એક તો ભારતમાં, બીજો અમેરિકા આવી ત્યારે થયો, ને આ હવે ન્યુયોર્ક શહેરમાં વસવા માંડી ત્યારે થયો ગણાય. આ ત્રીજા જન્મે તો મને ઉગારી લીધી. ન્યુયોર્કમાંના પ્રત્યેક દિવસે મારામાં કશું ને કશું ઉમેરાતું ગયું. સામાન્યતાની દીવાલો તૂટતી ગઈ. સાંસ્કૃતિક સીમાઓ વિકસતી ગઈ. રહેવા માટે ભાડાનો નાનો ઓરડો જ હોય, તે ભલે, પણ આકાશ જેવું વિશાળ વિશ્વ મારું ઘર બનતું ગયું. વળી, વિશ્વભરના દરેક ક્ષેત્રની મૌલિક રજુઆતો ન્યૂયોર્કમાં થતી જ રહે, તેથી નૃત્ય, નાટક, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે દરેક કળા-પ્રકારને વૈશ્વિક સ્તરે હું જોવા પામી, એમને સમજતી થઈ, અને માણતી રહી.

    મોટા ભાગના લોકો પરદેશ ગયા પછી મૂળ છૂટી જવાની વાત કરતા રહેતા હોય છે. એવું કશું હું કહી શકું તેમ નથી. હા, તીવ્ર ઘર-ઝુરાપો ભારતને માટે અનુભવતી રહી, ને દસ વર્ષ સુધી એ ભૂમિ, એ હવા માટે રડતી રહી. (જોકે દર વર્ષે ભારત જવા પણ માંડેલી.) છતાં, ન્યુયોર્કમાં વસતાં, સમાંતર રીતે, મારી અંદર જે ઉમેરણ થતું ગયું તેણે કાંઈ મારાં મૂળથી મને જુદી ના કરી દીધી. જે ઈન્ડિયન મૂલ્યો અને સંસ્કાર લઈને નીકળી હતી તે તો રહ્યાં જ, પણ સાથોસાથ, સાચે જ, વિશ્વની કળાત્મક, સર્જનાત્મક, વ્યાપક ઉર્જા મારામાં પ્રાણ ભરતી રહી.

    કાળક્રમે ગુજરાતી સર્જકો આમંત્રણથી અમેરિકા આવતા થયા. ઉમાશંકરભાઈ, હરીન્દ્રભાઈ, ચિનુભાઈ, મનોજભાઈ, ભગવતીકુમાર, રજનીકુમાર, મકરંદભાઈ, કુન્દનિકાબેન અને અન્ય સર્વે મારે ત્યાં ઊતયાં હોય. એમના સમય ને રસ પ્રમાણે મેં એમને ન્યૂયોર્ક શહેર બતાવ્યું હોય. ગુણવંતભાઈને પુસ્તકોની દુકાન આકર્ષે, તો નિરંજનભાઈને પગે ચાલીને શહેર જોવામાં રસ. શહેરની એતિહાસિક તેમજ આધુનિક ઈમારતો અને એમના સ્થર્પાતેઓ વિષે, મારા પોતાના અંગત રસ અને કુતૂહલને કારણે, હું વિગતો જાણવા માંડી ગઈ હતી. ચાલતાં ચાલતાં વાતોમાં એ વિગતો વણી લેતી જાઉં. નિરંજન ભગત તો શહેરની ગાઈડ બૂક વાંચીને, એને હાથમાં રાખીને ફરે. મને કહે, “પ્રીતિ, આવું બધું તો ગાઈડ બૂકમાં નથી !” મેં કહ્યું, “અરે, હું આ શહેરની જીવતી-જાગતી ગાઈડ બૂક છું.”

    રસ, કુતૂહલ, ઉત્સાહ, વિસ્મય – આ જાણે મારી આંતર્‍ચેતનાનાં ધરવ-તત્ત્વો બનતાં ગયાં હતાં. બધી જ બાબતોમાં રસ, સતત કુતૂહલ, ના ખૂટતો ઉત્સાહ, મુગ્ધકર વિસ્મય. કૈંક આમ. ને રવીન્દ્રનાથના એક ગીતમાં છે તેવી અનુભૂતિ, કે “ આનંદની ધારા રાત-દિવસ આખા ભુવનમાં કેવી વહેતી રહે છે.”

    ગુજરાતી આગંતુકો ઉપરાંત ભારતનાં અન્યભાષી સર્જકો સાથે પણ ખૂબ પ્રમાણમાં મળવાનું થયું. મોહન સામંત, કૃષ્ણ રેડી, ભગવાન કપુર જેવા જાણીતા ચિત્રકારો, અને વસંત રાય, રમેશ મિશ્રા, ઈન્દ્રનીલ રૉયચોધુરી જેવા સંગીતકારો સાથે સારો પરિચય થયો. વળી, અસમ, કેરળ, ઉત્તર પ્રદેશ વગેરેમાંથી આવેલાં સર્જકો; ને બંગાળનાં તો અનેક કળાકારો ને સર્જકો મળ્યાં, જેમકે, સત્યજીત રાય, ભવાનિ સેન, સમરેશ મજુમદાર, સુભાષ ઘોષ, જય ગોસ્વામી, નવનીતા દેવ-સેન, સલિલ ચૌધરી, કનિકા બેનરજી, સુચિત્રા મિત્ર, હેમંતકુમાર, ઉત્તમકુમાર, ફીરોઝા બેગમ, દેવપ્રસાદ હાલદાર, જોગેન ચોધુરી ઇત્યાદિ કેટલાંય. સુનીલ ને સ્વાતિ ગંગોપાધ્યાય સાથે તો કોટુંબિક ઘનિષ્ટતા થઈ. પછી સુનીલદાનાં ચાર પુસ્તકો મેં ગુજરાતીમાં અનુદિત કર્યા. મારા કામથી એ ખૂબ પ્રસન્ન થયા હતા.

    બંગાળી સાહિત્ય વાંચવાની શર્‌આત, વર્ષો પહેલાં, મેં છસો પાનાંની “ચોરંગી” નામની નવલકથાથી કરેલી. એના લેખક કેવળ ‘શૉંકૉર’ (શંકર) તરીકે બંગાળમાં વિખ્યાત છે. ન્યુયોર્કમાં એમને મળવાનું થયું ત્યારે મારા આનંદનો પાર નહતો. આખી સાંજ મેં એમને કહ્યા કર્યું, “ તમે તો મારું બંગાળી બાળપણ છો.”

    પણ હું અમેરિકામાં રહેતી હતી. શું ફકત ઈન્ડિયન નામો અને વ્યક્તિઓના સંપર્કમાં જ આવી હતી હું? ના, ના. ગ્રીન કાર્ડ મળી જવું જો જાદુ જેવું હતું, તો ખરેખર તો, ન્યુયો્કમાંનું મારું આખું જીવન જાણે કોઈ જાદુઈ છડીથી સ્પશીયેલું હતું. ચમત્કાર જ કહી શકાય. નહીં તો પાશ્ચાત્ય, અપરિચિત કળાઓ માટે આવો રસ પાંગયી કઈ રીતે? વેસ્ટર્ન મ્યુઝીકના અમુક પ્રકારો તો પહેલેથી સાંભળવા માંડ્યા હતા (મને હજી યાદ છે કે સોથી પહેલો કાર્યક્રમ, લિન્કન સેન્ટરમાં, વાન ફિલબર્ન નામના યુવાન પિયાનિસ્ટનો સાંભળ્યો હતો), પણ કાળક્રમે મને બે મૌલિક અમરિકન સંગીત-પ્રકાર સૌથી વધારે ગમવા માંડ્યા – કન્ટ્રિ મ્યુઝીક અને જાઝ મ્યુઝીક. જાઝના સૂર તો પ્રાણ સુધી સ્પર્શી જતા હોય છે. અને ગાયકોમાં બે તો મુખ્ય- ફ્રેન્ક સિનાત્રા અને એલા ફિત્ઝજેરાલ્ડ. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પઠન, વક્તૃત્વ અને રજુઆતોમાં પણ હું હાજર રહેતી હતી, એટલે દુનિયાનાં મુખ્ય સર્જકો અને ભાષાઓ પ્રત્યે પણ ધ્યાન આપી શકાયું.

    વિશ્વનાં સાહિત્ય, સંગીત અને વિવિધ કળા માટે મારા શોખ અને અભ્યાસ જેમ જેમ વધતા ગયા તેમ તેમ અનેક વિશિષ્ટ વ્યક્તિઓનાં નામ અને કામ પણ યાદ રહેવા માંડ્યાં. આ કળા-ક્ષેત્રોના સંદર્ભે જેનો અભ્યાસ કે ખાસ પરિચય ના હોય તેવું પણ આપોઆપ મગજમાં, સ્મરણમાં નોંધાવા લાગ્યું, સમાવા લાગ્યું. હું ન્યુયોર્ક શહેરની પ્રેમી બની ગઈ હતી, અને ન્યુયોર્ક સાથેની ઘનિષ્ઠતાને કારણે જાણે મારી બુદ્ધિ પણ વધી હતી !

    ફક્ત યાદો જ નહીં, જે યાદગાર છે તેમાં મને વધારે રસ છે, અને એવું જ થોડું અહીં નોંધી રહી છું : નાટ્યકાર જોસેફ પાપ્પ એક એવા આર્ષદૃષ્ટા હતા, જેમને લીધે શેક્સપિયરથી માંડીને સમકાલીન નાટકો ન્યુયોર્કની આમજનતાને માટે જોવાં શક્ય બન્યાં. હું એમને મળી ત્યારે એમણે ખાદીનો આછા કેસરી રંગનો ઝભ્ભો પહેરેલો. જુડિથ જેમિસન નામનાં આફ્રીકન-અમેરિકન નૃત્યકારને મેં સ્ટેજ પર ઘણી વાર જોયેલાં. એક વાર એમને નજીકથી જોયાં. એમનું વ્યક્તિત્વ એવું તો શાલીન, કે એમની સાથે સરસ વાતો થઈ શકી.

    બધાં આવાં સરળ નથી પણ હોતાં. નોબેલ ઈનામ-વિજેતા રશિયન સર્જક જોસેફ બ્રૉડ્સ્કીનાં કાવ્યોના મેં ગુજરાતીમાં અનુવાદ કરેલા. એક સાહિત્યિક કાર્યકર્મમાં મળ્યા ત્યારે એમણે એ જોયા, સહેજ આભાર માન્યો, પણ સામે હસવાનું નામ નહીં. વિખ્યાત સંગીતકાર ફિલિપ ગ્લાસ પણ એવા જ અતડા. એમણે “સત્યાગ્રહ” નામના ગાંધીજી-વિષયક ઓર્પેરા માટેનું મ્યુઝીક લખ્યું છે. મુલાકાત દરમ્યાન આખો વખત એમનું મુખ ગંભીર જ રહ્યું. ક્રાંતિકારી ગણાતા અમેરિકન કવિ ગિન્સબર્ગનું પણ એવું જ. કોઈ વાર કવિ-ગોઠડીમાં સાથે થઈ જઈએ, પણ જલદી સ્મિત ના કરે. સાવ જુદો અનુભવ થયો ઍથૉલ ફ્યુગાર્ડ નામના વિખ્યાત દક્ષિણ આફ્રીકી નાટ્યકાર સાથે. એમને તો વળી ત્રણેક વાર મળવાનું થયું. એ તો હસમુખા અને વાચાળ. એમનાં નાટકો જોવા હું એકસો માઈલ દૂર ગાડી ચલાવીને જતી. એ અત્યંત અસરકારી નાટકો ઉપરાંત, એમની સાથે મો.ક.ગાંધીની વાત પણ નીકળેલી.

    મારા પ્રિય અમેરિકન નાટ્ય-લેખક માર્ક મૅડૉફ સાથે અને મારા પ્રિય અમેરિકન વાતીકાર રેમન્ડ કાર્વર સાથે મળવાનું ના થયું. મૅડૉફ કયાંયે ગુમ થઈ ગયા, ને કાર્વર ખોટી ટેવો અને અનિયમિત જીવનને કારણે સમય પહેલાં મૃત્યુ પામેલા. એમનાં સંગિની અને જાણીતાં અમેરિકન કવયિત્રી ટૅસ ગાલાઘર એક વાર મળેલાં. એ દેખાવે ને સ્વભાવે સુશીલ, એમનાં કાવ્યો સંવેદનશીલ. કાર્વરનું કામ યુરોપના દેશોમાં પણ વંચાય છે, એમ મેં કહ્યું ત્યારે એ ખુશ થયેલાં, અને કાર્વરને ગુમાવવાને કારણે કૈંક ઉદાસ પણ.

    જેને ન્યૂયોર્કની “નાટ્ય-આકાશગંગા’ કહી શકાય તેવા બ્રૉડ્વે-મંચ પર રોજનાં પચાસથી વધારે નાટકો રજૂ થાય. અનેક વર્ષોના નિવાસ દરમ્યાન ત્યાં અસંખ્ય, અને કેટલાંક અસામાન્ય, નાટકો અભ્યાસીની નજરથી જોયાં. અમુક પર લેખ પણ લખ્યા. વિખ્યાત અમેરિકન સમકાલીન નાટ્યકારો, જેવાકે નીલ સાયમન, આર્થર મિલર, ટેનેસિ વિલિયમ્સ, યુજીન ઑનીલ વગેરેનાં નાટકો વાંચેલાં, તે બધાંની રજુઆતો નરી આંખે જોવા મળતી રહી. રાતે બાર વાગ્યે નાટક જોઈને, સબ-વે ટ્રેન લઈને, કે ચાલીને ઘેર જતાં મને કશી બીક નહીં. હું ત્યારથીયે પોતાને “ન્યુયોર્કર” જ માનતી થઈ ગઈ હતી!

    ઉપરાંત, ન્યૂયોર્કના અનેકવિધ નાટ્ય-મંચ પર અનેકાનેક જાણીતાં અદાકારોને પણ જોયાં : બેન કિન્ગસ્લિ, હૈન્નિ ફૉન્ડા, ગ્લૅન ક્લોઝ, મેંડોના, જીન હેંકમેન વગેરે. અને વિશ્વ-વિખ્યાત કેટલીયે વ્યફિતઓ પણ જોવા મળી : દલાઈ લામા, ઇસામુ નોગુચિ, ઍંડી વૉહૉલ, બિલ ફિલન્ટન, મુખ્ય પ્રમુખ બારાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ, માથી સ્ટુઅર્ટ વગેરે. મિસિસ જેંકિ કૅનેડિ તો એક નાના ઓંડિટેરિયમમાં એક ખાસ ફિલ્મ જોવા જતાં લિફ્ટથી જ સાથે હતાં. અડકી શકાય તેટલાં પાસે, પણ સામે ય જોવાય નહીં. તાકીને તો નહીં જ! ઔચિત્ય-ભંગ તો ક્યાંથી કરાય?

    +                             +                              +

    અમેરિકામાં હું કાંઈ કેવળ પરોક્ષ ઉપસ્થિતિ રાખીને જ નહતી રહી. જેમ ભારતમાં જુદી જુદી કળાઓ શીખતી ગયેલી, તેમ અહીં પણ જાતજાતની કળાઓ હું શીખવા માંડેલી. જેમકે, ચાઈનિઝ બ્રશ પેઈન્ટિન્ગ, મૅક્રૅમૅ, વીવિન્ગ, પોંટરી, પિયાનો પ્લેઇન્ગ, મશિન પર સિલાઈ, અરબી-ડાન્સિન્ગ વગેરે. ને ફોટા તો બધાં પાડતાં હોય, પણ ફોટોગ્રાફીની કળાને શીખવાની હોય છે. હું ડાર્કરૂમ-વર્ક શીખી. ઘરમાં એનલાર્જર, પ્રિન્ટર વગેરે જર્‌રી ચીજો વસાવી. પછી રસોડામાં કાળા પડદાથી બારી-બારણાં ઢાંકીને ડાર્કરૂમ બનાવું, ને એમાં ધીરજથી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ તૈયાર કરું. પણ આ દરેક કળા એવી હતી કે તૈયારી કરવામાં જ બહુ સમય નીકળી જાય.

    આ બધાંની, તેમજ ગુજરાતી કાર્યક્રમોમાં હાજરી આપવાની અને કાવ્ય-પઠન વગેરે કરવાની સાથોસાથ ન્યૂયોર્કમાં થતા, એટલેકે અમેરિકન સાહિત્યના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે હું હાજરી આપતી ગઈ. એવા અનેક કાર્યક્રમોમાં અંગ્રેજીમાં લખેલાં મૌલિક કાવ્યો વાંચવાની તકો પણ મને મળી. અમુક વિખ્યાત વિશ્વ-કવિઓનાં કાવ્યોના ગુજરાતીમાં અનુવાદ પણ કરવાના થયા. કેટલીક વાર આંતરરાષ્ટૄય એંન્થોલોજી માટે પણ એ કામ કરવા મળ્યું. મારાં અંગ્રેજી કાવ્યો પણ કેટલીક એંન્થોલોજીમાં સ્થાન પામ્યાં છે. આમ, અનેકવિધ પ્રવૃત્તિઓ સમાંતરે ચાલતી ગઈ હતી.

    અલબત્ત, દરેક પ્રવૃત્તિ દરરોજ ના થાય, પણ થતી તો રહે જ. મને લાગ્યા કર્યું છે, કે એક પછી એક જુદાં જુદાં દ્વાર કેવાં ખૂલતાં ગયાં હતાં. ઉપરાંત, બન્યું એવું કે ભ્રમણ કરવાનું શરૂ થઈ ગયું હતું, અને લખવાનું પણ. છેવટે, ધીમે ધીમે કરતાં, આ બે પ્રવૃત્તિઓમાં જ મહત્તમ સમય જવા માંડ્યો, અને કાળકમે એ બંને જ મારા જીવિતનો ઊંડામાં ઊંડો અર્થ બની ગઈ.

    “અમેરિકન ડ્રીમ”નો અર્થ હું એમ સમજી હતી, કે સમય પાસેથી જીવનમાં સ્થાવર ને સંપત્તિની નહીં, પણ આંતરિક આનંદ, સંતોષ, મુક્તતાની ભેટ મળે તો જ આ શબ્દ-પ્રયોગની વ્યાખ્યા સાર્થક થઈ ગણાય. શું નથી જોઈતું, તે વિષે મારા મનમાં હું સ્પષ્ટ હતી. મને અમેરિકામાં “વધુ ને વધુ મેળવવા’ પ્રત્યે કશું આકર્ષણ ક્યારેય થયું જ નહીં. ન્યુયોર્ક શહેરની અસાધારણતાએ મારી સર્વે ઈન્દ્રિયોને સતેજ કરી દીધી, મારા મનને સઘળું પ્રિય કરી લેવા માટે મુક્ત કરી દીધું, ને મારા હુદયને સુંદર બધું ચાહવા માટે વિશાળ કરી દીધું.

    નોકરી લીધી તો હતી. પહેલી નોકરી ન્યુયોર્ક પબ્લિક લાયબ્રેરીમાં હતી. ત્યાં જ ટકીને, અન્ય હજારો-લાખો આગંતુકોની જેમ, આગળ વધી શકી હોત. પણ મેં છ જ મહિના કામ કર્યું, પછી એ છોડીને દેશ ચાલી ગઈ. પહેલવહેલી અમેરિકા આવી ત્યારે કકળીને વિચાર્યું હતું કે ક્યારેય દેશ જવાશે ખરું? ને તે પછી દોઢેક વર્ષ થતાંમાં જ, ત્રણેક મહિના માટે, હું દેશ જતી રહી. પાછી આવી ત્યારેય કાંઈ નોકરીમાં ના લાગી ગઈ. બલ્કે, બે સૂટકેસમાં સમાય તેટલી મારી “સંપત્તિ” કોઈને ત્યાં મૂકીને હું, જે હજી નહોતો ગમતો તે, અમેરિકા દેશને જોવા ને સમજવા નીકળી પડી. ત્યારથી જ મને ભૂમિ-દર્શન અર્થપૂર્ણ લાગે, તેથી મેં વિમાન નહીં, પણ બસ
    દ્વારા મુસાફરી કરી. ગ્રેહાઉન્ડ કહેવાતી બસ-કંપની આખા દેશમાં એકથી બીજે છેડે જાય. મેં ત્રણ મહિના સુધી સળંગ અમેરિકાની બધી દિશાઓમાંનાં દૂર દૂરનાં, નાનાં ને મોટાં, નામ સાંભળ્યું હોય તેવાં ને સાવ અજાણ્યાં હોય તેવાં પણ અનેક સ્થાનો જોયાં. દિવસે કલાકોના કલાકો, અને રાતની રાતો ય બસમાં. મન અને હુદય છક થતાં ગયાં – શબ્દાતીત પ્રાકૃતિક સુંદરતા, ને એમાં વળી અકલ્પ્ય વૈવિધ્ય. અમેરિકાનું આ બહુલ ભૂમિ-દર્શન કર્યું તે પછીથી મારું હૈયું અહીં ઠરવા લાગ્યું.

    મારા જીવનનો આ સો પ્રથમ સાવ એકલાં કરેલો પ્રવાસ. સાંસ્કૃતિક સીમા પ્રમાણેના જે પણ પ્રતિબંધ કુટુંબમાં હતા તેમને અતિક્રમી જઈને, સાવ જુદા, જાતે જ કહું તો ઘણા વિશિષ્ટ એવા, પરિમાણનું મારી વ્યક્તિગતતામાં પ્રદાન થયું. પાછું ફરી થોડા મહિના કામ કર્યું ના કર્યું ને યુરોપ જોવા જતી રહી. એમાં તો ઘર-ઝુરાપાનું કારણ અપાય તેમ નહતું. બસ, હું હજી અજાણ હતી પણ મને પ્રવાસી બનાવવા માટેનો,
    વિશ્વ તરફથી, એ પહેલો સાદ હતો. યુરોપ જતાં પહેલાં ફેન્ચ ભાષા શીખી. ત્યાં કેટલાક દેશોમાં એ કામમાં આવી શકે, તે કારણે. સળંગ અઢી મહિના યુરોપના દેશોમાં બસ, ટ્રેન અને બોટ લઈને ફરી. છેલ્લે, ત્યાંથી પણ ફરી ભારત જઈ જ આવી. પછી તો સ્પેનિશ શીખી, ને એ ભાષા બોલાતા કેટલાયે દેશોમાં ગઈ. જાપાન પહેલેથી મારો પ્રિયમાં પ્રિય દેશ રહ્યો છે, તેથી જાપાની ભાષા શીખવા પણ હું પ્રેરાઈ.


    ક્રમશઃ

  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    સ્વચ્છ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ભારતના ચૂંટણી પંચનો દુનિયામાં ડંકો વાગે છે. પરંતુ આજકાલ તેની એ જ સાખ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટરી સ્પીચ, પ્રેસ કોન્ફરન્સ અને હવે આર્ટિકલ ( MATCH-FIXING MAHARASHTRA) દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકશન કમિશનની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ મહારાષ્ટ્રના ચૂંટણી વિજયને મતોની ચોરી ગણાવી ચૂંટણી પૂર્વેના છ માસમાં મતદારોમાં થયેલા વધારાને અસાધારણ અને પંચની સત્તા પક્ષ સાથેની મિલીભગતથી થયેલો ગોટાળો કહ્યો છે.

    અઢાર લોકસભા અને સંખ્યાબંધ વિધાનસભાઓની ચૂંટણીઓનું મુશ્કેલ, પડકારજનક અને ગંજાવર કામ ચૂંટણી પંચે પાર પાડ્યું છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪ પ્રમાણે બંધારણીય સંસ્થા તરીકે સ્થાપિત ચૂંટણી પંચનું કાર્ય મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવા સુધીનું છે. ભારતની ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા વચ્ચે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન થી વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સરાહનીય કાર્ય કર્યું છે. દેશના દુર્ગમ વિસ્તારોના મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓ  અને ચૂંટણી સામગ્રીને પગપાળા, બોટ અને હાથી-ઊંટ સવારીથી પહોંચાડી ચૂંટણીઓ પાર પાડી છે. ચૂંટણી પંચની નિમણૂક સંપૂર્ણ સરકાર હસ્તક હોવા છતાં પંચની નિષ્પક્ષતા મુદ્દે ઝાઝા વિવાદો થયા નથી.

    જોકે છેલ્લા એકાદ દાયકાથી ચૂંટણી પંચ વિવાદોના ઘેરામાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે એમ્પાયરને બદલે ખેલાડી (અને એય બારમો) તરીકે ઓળખે છે. ઈલેકશન કમિશન સરકારના કહ્યાગરા તરીકે વર્તતું હોવાની છાપ ઊભી થઈ રહી છે. સરકારી તંત્ર સાથેના મેળાપીપણાથી વિપક્ષોને વેઠવું પડે છે અને જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષી મહાયુતિ વિજય માટે આશાવાદી હોવા છતાં સત્તાધારી મહા અઘાડી ભારે બહુમતીથી પુન: સત્તામાં આવી ત્યારે વિરોધ પક્ષોના ગઠબંધને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ભારે શંકાઓ વ્યક્ત  કરી છે.

    મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકસભાની ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીમાં સત્તાધારી બીજેપી ગઠબંધન કરતાં વિરોધ પક્ષોના ગઠબંધનને વધુ લોકસભા બેઠકો પર જીત મળી હતી. તેના  છ જ મહિના પછી થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. જે લોકસભા બેઠક વિપક્ષ જીત્યો હતો તેના હેઠળની વિધાનસભા બેઠકોમાં પણ તેની હાર થવી તે ચિંતા અને વિવાદનો વિષય છે. આ કારણે ચૂંટણી પંચ પર સત્તા પક્ષના પક્ષધર અને કઠપૂતળી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

    લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં મતદારોમાં થયેલો આઠ થી દસ ટકાનો( ચાલીસ લાખ મતદારોનો) વધારો સૌથી મોટો વિવાદનો મુદ્દો છે. રાહુલ ગાંધીના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ થી ૨૦૨૪ના પાંચ વરસોમાં બત્રીસ લાખ મતદારો વધ્યા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણીના છેલ્લા છ જ માસમાં ચાળીસ લાખ મતદારો વધ્યા હતા. આ વૃધ્ધિ અભૂતપૂર્વ અને અસાધારણ તો છે જ , શંકા પણ જન્માવે છે. રાહુલ ગાંધીના આરોપ પ્રમાણે ભાજપ અને સાથી પક્ષો લોકસભા ચૂંટણીમાં જ્યાં નબળા હતા તે જ વિસ્તારોમાં મતદારોમાં અને છેલ્લા કલાકોમાં મતદાનમાં વૃધ્ધિ મતોની ચોરી માટે ઘડાયેલો પ્લાન છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના મતક્ષેત્ર નાગપુરમાં પણ ત્રીસ હજાર મતદારો વધ્યાનું જણાવ્યું છે.

    ઈલેકશન કમિશન રાહુલ ગાંધીના આરોપના પ્રત્યુત્તરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં તમામ રાજકીય પક્ષોની સામેલગીરી સાથેની પારદર્શી પ્રક્રિયાનું વિગતે વર્ણન કરે છે. મતદારોમાં થયેલ વધારા-ઘટાડા સામે કોઈએ જે તે સમયે કોઈ વાંધો ન લીધો હોવાનું ગાણું ગાયે રાખે છે. વિરોધપક્ષોની માંગ છે કે પંચ લોકસભા અને વિધાનસભા ઈલેકશનની ડિજિટલ મતદાર યાદીઓ પૂરી પાડે કે જાહેર કરે. જેથી તેમના આરોપના આધારો આપી શકાય. પરંતુ પંચ આ માટે તૈયાર નથી.

    વિપક્ષનો બીજો આરોપ તેથી પણ વધુ ગંભીર છે.મતદાનના છેલ્લા એક બે કલાકોમાં થયેલા આઠ ટકા જેટલા વધારાને તેઓ અપ્રત્યાશિત કહે છે. અને આ મતદાન વૃધ્ધિના પંચે જણાવેલા કારણો તેમને પ્રતીતિકર લાગતા નથી કે સંતોષી શકતા નથી. એટલે તેઓ મતદાન કેન્દ્રના ફૂટેજ અને બીજા ઈલેકટ્રોનિક દસ્તાવેજોની માંગણી કરે છે.

    મતદાનના છેલ્લા કલાકોમાં મતદાનની ટકાવારીમાં થયેલા અસામાન્ય વધારાના વાજબી કારણો અને આધારો પૂરા પાડવાને બદલે ચૂંટણી પંચની ભલામણથી ભારત સરકારે ૧૯૬૧ના ચૂંટણી પ્રક્રિયા સંબંધી નિયમોના નિયમ ૯૩માં સુધારો કર્યો છે. આ સુધારા પ્રમાણે ઈલેકટ્રોનિક ડોક્યુમેન્ટસ( સીસીટીવી ફૂટેજ, વેબ કાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ) જાહેર કરવા કે જાહેર નિરીક્ષણ માટે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંચ અને સરકારનું આ પગલું વિરોધપક્ષના આરોપોને સાચા ઠેરવવા લેવાયું હોવાનું પ્રથમ નજરે લાગે છે.

    ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સ પરની બંધી પછી ઈલેકશન કમિશને દેશના તમામ ચૂંટણી અધિકારીઓને જો તેમના મતવિસ્તારની ચૂંટણીને અદાલતમાં પડકારવામાં આવી ન હોયતો પિસ્તાળીસ દિવસ પછી તમામ ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સનો નાશ કરવા જણાવ્યું છે. આ આદેશ પણ વિપક્ષના ચૂંટણી પંચની તટસ્થતા સામેના આરોપોને સાચા ઠેરવે છે.

    રાહુલ ગાંધી સહિતના ઘણાં વિપક્ષી નેતાઓ જ્યારે પંચની  નિષ્પક્ષ ભૂમિકા સામે સવાલ કરે છે ત્યારે પંચનું વલણ તટસ્થતા દર્શાવવાનું કે સંવાદનું નથી પણ આક્રમક અને વિરોધનું છે. ઈલેકશન કમિશન માટે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એક સમાન હોવા જોઈએ. તેને બદલે  જો પંચ ખુદ તેમને વિરોધી માને તો તે સ્વસ્થ લોકતંત્ર માટે સારી બાબત નથી.

    ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે સરકારના વલણ સંદર્ભે અદાલતી પડકાર અને રાજકીય વિવાદ થયા છે. એક વ્યક્તિના ચૂંટણી પંચને નવમી લોકસભા પૂર્વે, ૧૯૮૯માં,  તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. એનું દેખીતું કારણ તો એ સમયના ચૂંટણી કમિશનર આરવીએસ પેરીશાસ્ત્રી પર સરકારી અંકુશનું હતું. રાજીવ ગાંધી પછીના વડાપ્રધાન વી.પી.સિંઘે એટલે જ તેને કમિશનમાંથી કમિશનરમાં ફેરવી નાંખી એક વ્યક્તિનું બનાવ્યું હતુ. ૧૯૯૩માં પી.વી.નરસિંહરાવે તેમના પ્રધાનમંત્રી કાળમાં ફરી તેને ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. ગુજરાતન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગોધરા, અનુગોધરાકાંડ પછી વિધાનસભાની જલદી ચૂંટણીઓ ઈચ્છતા હતા પરંતુ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ તેમાં સંમત નહોતા. એટલે ચૂંટણી સભાઓમાં મોદી જેમ્સ માઈકલ લિંગદોહના પૂરા નામ સાથે ચૂંટણી કમિશનર પર આક્ષેપો કરતા હતા.  આ હકીકતો દર્શાવે છે કે ગઈકાલની અને આજની સરકારો ચૂંટણી પંચ તેમની મનમરજી મુજબ વર્તે તેવા પ્રયાસો કરે છે.

    ચૂંટણી પંચના સભ્યો અને તેમની સંખ્યા બાબતે કોઈ સ્પષ્ટ કાયદો ન હોવાથી ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે કાયદો ન ઘડાય ત્યાં સુધી વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઈ ન્ડિયાની સમિતિ પંચના સભ્યોની પસંદગી કરે તેવો આદેશ કર્યો હતો. હાલની સરકારને તે માફક આવે તેવો ન લાગ્યો એટલે તેણે વડાપ્રધાન, કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષી નેતાની પસંદગી સમિતિ બનાવી છે. એ રીતે તેણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બાદબાકી કરીને અને કેબિનેટ મિનિસ્ટરને સામેલ કરીને સમિતિમાં પોતાની બહુમતી ઉભી કરી દીધી છે.

    ટી.એન. શેષન અને જે.એમ .લિંગદોહ જેવા અપવાદોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ચૂંટણી કમિશનર તેમની નિષ્પક્ષતા અને રાજકીય પક્ષો પર ધાકની કાયમી છાપ છોડી શક્યા છે. ભારત જેવા વિશાળ દેશમાં લોકતંત્રની આધારશિલા નિષ્પક્ષ, ન્યાયી અને સ્વતંત્ર ચૂંટણીઓ છે. તેના માટે ચૂંટણી પંચનું તટસ્થ હોવું અને તટસ્થ દેખાવું જરૂરી છે.

    રાહુલ ગાંધીએ એમના તાજેતરના લેખમાં ઈલેકશનની કમિશનની તટસ્થ ભૂમિકા હંમેશા અને બધે જ નહીં પણ ઘણીવાર શંકા પેદા કરનારી હોવાનું જણાવ્યું છે. પંચે આ બાબતને વિપક્ષો હારે છે એટલે પંચ પર દોષનો ટોપલો ઢોળે છે એ રીતે જોવાને બદલે હકારાત્મક ગણી વિરોધ પક્ષો સામે હલ્લાબોલની ભૂમિકાને બદલે સંવાદની ભૂમિકા રચી તેનો તટસ્થતા પુરવાર કરવાનો વર્તમાન કસોટી કાળ વધુ ન લંબાય તેમ કરવું જોઈએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સત્સંગ

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    શ્રાવણી  પરણીને સાસરે આવી. ચુસ્ત પુષ્ટિમાર્ગી પરિવારમાંથી આવેલી  શ્રાવણીને  સાસરે આવીને શરૂઆતમાં તો ખૂબ આશ્ચર્ય થતું. તેને બધું અજુગતું લાગતું. પિયરમાં નાહ્યા સિવાય રસોડામાં પગ ન મૂકી શકાતો કે દૂધ ન પી શકાતું. જયારે અહીં  સાર્થક ના ઘરમાં તો બધું ચાલે. જેને જયારે જે કરવું હોય તે કરે..કોઇ આચાર વિચાર, નિયમ જેવું જ નહીં. અરે,શ્રાવણીના સાસુ પોતે પણ નાહ્યા ધોયા સિવાય ચા, નાસ્તો કરવા આરામથી બેસી જાય.  સેવાપૂજાનું તો નામોનિશાન નહીં. ઉઠે એટલે પહેલું કામ ઘરમાં રેડિયો કે ટેપ ચાલુ કરવાનું થાય.

    બધાએ નાસ્તો કરવા  સાથે જ બેસવાનું. શ્રાવણીની સેવા પૂજા હજુ ન થઇ હોય તો સાસુ કહેશે, ‘તમારા દેવી દેવતાને પછી મનાવી લેજો. પહેલા બધા સાથે નાસ્તો કરી લઇએ.. શ્રાવણીને સેવા કર્યા સિવાય નાસ્તો કરવો ન ગમે. અને બધાની સાથે નાસ્તો કરવાનો હોય તેથી બહું વહેલું ઉઠવું પડતું.

    સાસુ કહેતા..સવારનો અને રાતનો આ બે સમય તો ઘરમાં બધાએ સાથે બેસવાનું જ. આખા દિવસમાં આમ તો સાથે બેસવાનો સમય કયાં મળવાનો ? દરેક વાતચીત આ સમયે જ થાય. એમાં કોઇ ઉતાવળ ન ચાલે. બગીચામાં ખુરશી પાથરેલી જ હોય. ગપ્પા મારતા હસી મજાક કરતા એક કલાક નિરાંતે ચા નાસ્તો ચાલે. પછી રસોઇનું કામ શરૂ થાય અને ટિફિન લઇને સાર્થક  અને  તેના પપ્પા ઓફિસે જાય, શુભાંગી  કોલેજે જાય પછી નિરાંતે સાસુજી બાથરૂમમાં ઘૂસે. નાહીને યે સેવા પૂજાનો સમય કયાં હોય ? યાદ આવે તો કયારેક ફકત અગરબત્તી કરે..બાકી બે ચાર છોકરાઓ ટયુશન માટે આવી જાય એને ભણાવવા બેસી જાય.

    શ્રાવણીને આ બધું એવું તો વિચિત્ર લાગે. બપોરે તો જમવામાં સાસુ, વહુ બે જ હોય.. જમીને આડે પડખે થવાને બદલે અનુબેન સંગીત કલાસમાં ઉપડે. શરૂઆતમાં શ્રાવણીને પણ બહું કહી જોયું સાથે આવવા માટે.પણ શ્રાવણીને એવું બધું ન ગમે. જમીને તેને સૂવાની આદત હતી. તેના પિયરમાં તો જમીને બધાને નિરાંતે સૂવા જોઇએ જ. અનુબેન કલાસમાંથી આવે ત્યાં દીકરી કોલેજેથી આવી ગઇ હોય. આવીને થોડીવાર બધા સાથે બેસી એ એના નૃત્યના કલાસમાં જાય. શ્રાવણીને ખૂબ નવાઇ લાગે. ’છોકરીઓને વળી નાચતા શું શીખવાનું ? આપણા વૈષ્ણવના ઘરમાં એ ન શોભે. કાલે સવારે સાસરે જશો ત્યારે ત્યાં જઇને શું નાચવાના છો ?  અને આસપાસમાંથી કોઇ એવું કશું શીખવા જતું હોય તો એની પંચાત ચાલે..પેટભરીને એની નિંદા કરવાનું દાદીમા ચૂકે નહીં. અને મમ્મીને પણ દાદીમા સાથે રહીને કદાચ એનો જ વારસો આવ્યો હતો. વરસોથી આવું સાંભળવા ટેવાઇ ગયેલ શ્રાવણીને બહું અજુગતું લાગે. અહીં તો કોઇને કોઇની પંચાત કરવાનો સમય જ કયાં હતો ? શ્રાવણીને જે કરવું હોય તે કરે એમાં કોઇ આડે આવે તેમ નહોતું. પણ શ્રાવણીને શું કરવું તે જ સમજાતું નહીં. અહીં કોઇ સાંજે દેવદર્શન કરવા મંદિરે નહોતું જતું. કથા, વાર્તા, સત્સંગનું તો નામોનિશાન નહોતું. તેથી એકલું એકલું જવું તેને  પણ ગમ્યું નહીં. સાસુ આટલા મોટા થઇને પણ  નથી જતા..તો પછી પોતે કેમ જાય ?

    જોકે એક વસ્તુ તેણે અહીં જોઇ. તેના પિયરમાં વૈષ્ણવ ધર્મના બધા આચાર વિચાર પળાતા..પરંતુ કામવાળીને જમવાનું દેવામાં રાતનું વધ્યું ઘટયું જ કયારેક દેવાતું..કે તેને કોઇ જરૂર પડે ને કદીક માગે તો તેને ખીજાઇને મનાઇ જ કરી દેતા. જયારે અહીં તો કામવાળીને પોતે બધા ખાય એ જ ખાવા મળતું. અને તે પણ પેટ ભરીને..તેના ભાગની રસોઇ ઘરમાં કરવાની જ. સાસુ કહેશે, આપણે મોટા દાન ધરમ તો નથી કરી શકતા.ગરીબને એક સમય જમાડી તો શકીએ ને ? અહીં તેણે સાસુને કયારેય દૂધના લોટા લઇને મંદિરે જતા નહોતા જોયા..પરંતુ ઘણીવાર ગરીબ બાળકોને દૂધ પીવડાવતા સાસુને અચૂક જોયેલા..આવું આવું તો કેટલું યે તેને જોવા મળતું.

    ધીમે ધીમે શ્રાવણીની આંખ સામે એક નવી દુનિયાના દર્શન થતા ગયા. એક નવું ભાવવિશ્વ ઉઘડતું ગયું. એક નવી ક્ષિતિજને તે સમજતી અને ઓળખતી થઇ..કોઇની  સલાહ, સૂચના સિવાય તે આપમેળે કેળવાતી ગઇ.  પરિવર્તન પામતી ગઇ.

    હવે સાચો ધર્મ શું છે એની જાણ શ્રાવણી પામી ગઇ. સાસુની સાથે એક નવી દુનિયામાં તેણે પ્રવેશ કર્યો.જયાં સાચો આનંદ હતો. સાચી સેવા પૂજા હતી..સભરતાથી છલકતું જીવન હતું. હવે તેને ઠાકોરજી પાસે બેસવાનો સમય જ કયાં બચતો હતો ? તેણે તો સાસુની સાથે એક અનાથાશ્રમમાં જોડાઇને કેટલાયે બાળકોને શિક્ષણ આપવાનું તેમની સાથે રમવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. આ જ હવે તેની કથા હતી..અને આ જ હવે તેનો સત્સંગ હતો.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • જ્યાં ભૂતકાળનો આરંભ થાય છે

    મંજૂષા

     વીનેશ અંતાણી

    ઘણાં વર્ષો પહેલાં ચીનથી આવી અમેરિકામાં વસેલાં માતાપિતાની પુત્રી, હવે અમેરિકાની નાગરિક, લેખિકા એમી ટેનની વર્ષ ૨૦૧૭માં પ્રકાશિત સ્મૃતિકથાનું નામ છે – ‘વ્હેર ધ પાસ્ટ બિગિન્સ’. એ સ્મૃતિકથાનું નામ ‘જ્યાં ભૂતકાળનો આરંભ થાય છે’ મને પહેલી નજરે ગમી ગયું હતું.

    આપણો ભૂતકાળ ક્યાંથી શરૂ થાય એ નક્કી કરવું અઘરું છે. આપણા મૂળિયાં શોધવા આપણે કેટલા ઊંડા ઊતરી શકીએ તે પણ પ્રશ્ન છે. સામાન્ય રીતે આપણે સ્મૃતિને આપણા જન્મસમય સુધી ખેંચી શકીએ અને માતાપિતા કે વધારેમાં વધારે દાદાદાદીની વિગતો સુધી પહોંચી શકીએ. વંશાવળીમાં રસ ધરાવતા લોકો પૂર્વજોનાં નામ અને અરસપરસ લોહીના સંબંધોની વિગતો સાચવી રાખે છે, તેમ છતાં બે-ત્રણ પેઢી પહેલાંના પૂર્વજોના જીવનમાં બનેલી હકીકતો વિશે ઝાઝું જાણવા મળતું નથી, આપણી રુચિ પણ હોતી નથી.

    એમી ટેને પોતાની સ્મૃતિને સતેજ રાખવા પ્લાસ્ટિકના સાત પીપમાં જૂનાં દસ્તાવેજો, પત્રો, ફોટા અને સ્મૃતિચિહ્નો જેવી સામગ્રી સાચવી રાખી હતી. સ્મૃતિકથા લખવા માટે એનો આધાર લીધો હતો, તેમ છતાં એમણે માતાપિતા અને કેટલાંક સમકાલીન પરિવારજનો વિશે જ લખ્યું છે, એથી વધારે ઊડાં ગયાં નથી. જ્યારે આફ્રિકન-અમેરિકન લેખક અલેક્સ હેલી એમના ખૂબ જાણીતા પુસ્તક ‘રૂટ્સ’માં સાત પેઢી સુધીના ભૂતકાળના તળમાં ઊંડા ઊતર્યા છે. એ માટે એમણે સંખ્યાબંધ અધારભૂત લેખિત દસ્તાવેજો અને મૌખિક સામગ્રીનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા, જુદાં જુદાં સ્થળોની મુલાકાત લીધી અને આફ્રિકાનાં ગામડાં સુધી પહોચ્યા. એ રીતે ભૂતકાળનું પગેરું શોધાતા એ કુન્તા કુન્તિ નામના માતૃપક્ષના એક પૂર્વજના ગામમાં પહોંચ્યા. અહીં એમની યાત્રા પૂરી થઈ કારણ કે કુન્તા કુન્તિ એમના પરિવારના સૌથી જૂના પૂર્વજ હતા. અહીંથી એમણે ભૂતકાળ ઊલેચવાની શરૂઆત કરી અને અમેરિકાના વર્તમાન સુધી પહોંચ્યા.

    ‘રૂટ્સ’નો આરંભ છેક ઈ. સ. ૧૭૫૦ની એક સવારથી થાય છે. એ સમયે ગુલામોનો વેપાર કરતા ક્રૂર માણસો કુન્તા કુન્તિ અને બીજા લોકોને સાંકળથી બાંધી ઘેટાં-બકરાંની જેમ વહાણોમાં ભરી અમેરિકા ઉપાડી ગયા હતા. આફ્રિકાનાં જંગલોમાં વસતાં સ્ત્રી-પુરુષોને પશુઓની જેમ પકડી જતા અને અમેરિકાના શ્રીમંતોને વેચતા. એમનું રીતસરનું લિલામ કરવામાં આવતું હતું. ગુલામ સ્ત્રી-પુરુષોનાં સંતાનો અમેરિકામાં જન્મ્યાં અને વર્ષો સુધી ગુલામીની પીડા વેઠતાં રહ્યાં. સમય જતાં એમની યાતનાઓએ માલિકો અને સરકાર સામે વિદ્રોહ કર્યો. લાંબા સંઘર્ષ પછી એમને ગુલામીમાંથી મુક્તિ મળી અને તેઓ અમેરિકાના નાગરિક બન્યા. આ સઘળી વિગતો ‘રૂટ્સ’માં આલેખાઈ છે, તેમ છતાં ‘રૂટ્સ’ કેવળ ઐતિહાસિક દસ્તાવેજ નથી. લેખકે એને સ્પષ્ટપણે નવલકથા કહી નથી, પરંતુ એની કથનરીતિ નવલકથા જેવી પસંદ કરી છે.

    અલેક્સ હેલીએ આ પુસ્તક માટે ‘ફેક્ટ’ અને ‘ફિકશન’ બે શબ્દો જોડી ‘ફેક્શન’ શબ્દપ્રયોગ કર્યો છે. એમણે સંશોધન અને લેખન પાછળ સતત બાર વર્ષ કામ કર્યું હતું. વચ્ચેવચ્ચે હતાશાના ગાળા આવતા રહ્યા, છતાં એમણે પોતાના ‘ભૂતકાળના આરંભ’ સુધી પહોંચવા માટે આદરેલો યજ્ઞ અધૂરો છોડ્યો નહોતો. ‘રૂટ્સ’ ૧૯૭૬માં પ્રકાશિત થઈ ત્યારે એના પ્રકાશકે બે લાખ નકલ છાપી હતી. બધી નકલો થોડાં અઠવાડિયાંમાં જ વેચાઈ ગઈ. ત્યાર પછી એનું વેચાણ લાખોની સંખ્યામાં થતું રહ્યું. વિકિપીડિયા પ્રમાણે એના છત્રીસ ભાષામાં અનુવાદ થયા છે. ટેલિવિઝન માટે રૂપાંતરણ થયું.

    ‘રૂટ્સ’ માટે અલેક્સ હેલીને પુલિત્ઝર પ્રાઇસથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ સ્વાભાવિક હતી. વતનમાંથી મૂળસોતી ઊખડી ગયેલી આફ્રિકન પ્રજાની યાતનાઓ અને સ્વની ઓળખ શોધવાના પ્રયાસની કથા વાચકોને અંદરથી હચમચાવી જાય છે. ‘રૂટ્સ’ ગુલામોએ ભોગવેલી યાતના, વેદના અને એમાંથી મુક્ત થવાની કદી ન બુઝાતી ધધકની કથા છે. કેન્દ્રમાં છે કુન્તા કુન્તિ નામનો એક ગુલામ અને એની પાછળની સાત પેઢીનાં પાત્રો. એ પાત્રોની આસપાસ અસંખ્ય કાળા ગુલામોના જીવનસંઘર્ષની કથા પણ એમાં આલેખાઈ છે. એમનાં જન્મ, મૃત્યુ, પ્રણય, લગ્ન વિશે અનેક વિગતો મળે છે. કોઈ પણ સમયે બીજા ક્રૂર માલિકને વેચાઈ જવાનો ભય અને પોતાના પરિવારથી અલગ થઈ જવાનો ઓથાર ‘રૂટ્સ’ની કથામાં સતત ઊપસતો રહે છે. ગુલામીની યાતના વચ્ચે પણ એ લોકો પોતાનો સાંસ્કૃતિક વારસો કોઈ પણ ભોગે સાચવી રાખવા મથ્યાં હતાં.

    અલેક્સ હેલીએ એમની નાની પાસેથી જૂના સમયની અને એમની જાતિની પરંપરાઓની ઘણી વાતો સાંભળી હતી. એના પરથી એમને પોતાનાં મૂળિયાં શોધવાની પ્રેરણા મળી અને એમણે ‘રૂટ્સ’ લખવાનો વિચાર કર્યો. અલેક્સના પૂર્વજોમાંથી ગુલામીનો ભોગ બનનારી પહેલી વ્યક્તિ કુન્તા કુન્તિ. અમેરિકામાં ગુલામીના જીવન વચ્ચે એ એનાં સંતાનોને એમની મૂળ સંસ્કૃતિની વાતો કહેતો. એનાં સંતાનો પોતાનાં સંતાનોને કહેતાં. એ રીતે ચાલતી મૌખિક પરંપરા દ્વારા તેઓ એમના સંસ્કાર, રીતરિવાજો અને ભાષાને શક્ય તેટલી જાળવી શક્યા. આ પ્રક્રિયા વર્તમાન પેઢી સુધી ચાલતી રહી.

    હેલીએ ‘રૂટ્સ’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે: ‘પ્રાચીન વડવાઓની સ્મૃતિને અને મૌખિક પરંપરાને જાળવી રાખવાના અસાધારણ પ્રયત્નોને લીધે જ આપણે માનવજાતના આદિમ સમય સુધી પાછલા પગે પહોંચીને જાણી શકીએ છીએ કે આપણે કોણ છીએ.’ અલેક્સ હેલી પોતાનાં મૂળિયાં શોધવા પાછલા પગે યાત્રા કરતા એમના માતૃપક્ષના પૂર્વજ કુન્તા કુન્તિના ગામમાં પહોંચ્યા તે ક્ષણનો ઉલ્લેખ એમણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે: ‘મને લાગ્યું કે હું સદીઓ પહેલાંના મારા ગામમાં પહોંચી ગયો છું અને મારા પૂર્વજ કુન્તા કુન્તિને જંગલમાં કામ કરતા જોઈ રહ્યો છું.’

    દરેક વ્યક્તિના ભૂતકાળમાં એવી જ કોઈ ક્ષણ પડેલી હોય છે, જ્યાં એના ભૂતકાળનો આરંભ થાય છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • મુદ્દો વંદે માતરમની દેશવ્યાપી અપીલનો છે!

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    વ ર્ષો થયાં એ વાતને. ત્યારે સંજય-તુલા વરસોવરસ સદભાવના પર્વ યોજતાં: ફિલ્મકાર આનંદ પટવર્ધનથી માંડીને આરીફ મોહમ્મદ ખાન સહિતની પ્રતિભાઓએ એમાં ભાગ લીધાનું સાંભરે છે.

    આરીફ મોહમ્મદ ખાન યાદ આવવાનું કારણ એમણે તાજેતરનાં વરસોમાં કેરળના રાજ્યપાલ તરીકે સકારણ-અકારણ વહોરેલા વિવાદો નથી, પણ સદભાવના સત્રમાં એમણે વંદે માતરમના પોતે કરેલ ઉર્દૂ અનુવાદની જે ઝલક આપી હતી એ છે. અને હવે તરતમાં વંદે માતરમની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ અંગેની મહોત્સવ સમિતિના ગુજરાત એકમ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એ અતિથિવિશેષને નાતે વક્તવ્ય આપવાના છે.

    છઠ્ઠી જુલાઈના આ અમદાવાદ આયોજન બાદ સાર્ધ શતાબ્દી મહોત્સવ ગુજરાતનાં જુદાં જુદાં કેન્દ્રોમાં પણ સપ્તાહ દરમ્યાન ઊજવાશે. એમાં અલબત્ત વડોદરા તો હોય જ, કેમ કે એ તો શ્રી અરવિંદના પૂર્વાશ્રમનું જાગતું થાણું. ૧૯૦૫માં કર્ઝને બંગાળના હિંદુ-મુસ્લિમ ભાગલા પાડ્યા તે સાથે બંગભંગ વિરોધી આંદોલને લીધેલો ઉપાડો દેશભક્ત અરવિંદને ખેંચી રહ્યો હતો. વડોદરા કોલેજના એમના છાત્રો કનૈયાલાલ મુનશી અને ભાઈલાલ પટેલ (ભાઈકાકા)એ ‘કેમ ચાલ્યા’ એવું પૂછવા ને રોકવા કોશિશ કરી ત્યારે બે શબ્દોએ ભરેલો એટલો ભારેલો ઉત્તર હતો: ‘મધર્સ કૉલ.’ વસ્તુત: આ ટૂંકા જવાબનાં મૂળ બંગભંગ સાથે સહસા ઊંચકાયેલ ‘વંદે માતરમ’માં હતાં.

    બંગાળના અક્ષરજીવનના અગ્રપુરુષ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ રચના કરી’તી તો કે’દીની, ૧૮૭૫માં, પણ બંગજનનું ધ્યાન એના તરફ ખેંચાયું તે બંગભંગ વિરોધી આંદોલનના પ્રથમ ઉદ્રેક સાથે: યુવા રવીન્દ્રનાથ હિંદુ-મુસ્લિમ ઐક્યભાવના પૂર્વક ‘રાખીબંધન’ સાથે કલકત્તાના રાજમાર્ગો પર ‘વંદે માતરમ’ ગાતા નીકળી પડેલાઓમાં મોખરે હતા. ૧૮૭૫માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે ૧૮૮૨માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે ‘વંદે માતરમ’નું એક નારા તરીકેનું ખેંચાણ ખાસું રહ્યું, આજે પણ છે. જોકે એ પછી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’ પણ ખાસાં ગાજ્યાં ને ગાજે છે.

    અલબત્ત, આ પૈકી ‘વંદે માતરમ’ રચના ને જયઘોષ બેઉ વહેલાં આવ્યાં અને એમની ભાવાત્મક અપીલ આજે પણ એકંદરે બરકરાર છે. એક તબક્કે ‘વંદે માતરમ’ રચના એના ઉત્તર અંશોના હિંદુ રણકાથી સાંકડી વરતાવા લાગી હતી અને કોઈ કોઈ આંતરધર્મી અથડામણમાં એનો પ્રયોગ કેમ જાણે ‘વોર ક્રાય’ તરીકે પણ નોંધાયો હતો. વસ્તુત: બંકિમચંદ્રે ‘વંદે માતરમ’ને જે નવલકથામાં (‘આનંદમઠ’માં) પ્રયોજ્યું છે. એમાં વાત તો સંતાનધર્મની છે. ધર્મ એ સંજ્ઞા એમાં મૈત્રીના અર્થમાં, આપણે સૌ ભાઈભાઈના વ્યાપક અર્થમાં પ્રયોજાઈ છે.

    અરવિંદે ‘વંદે માતરમ’ના પૂર્ણ પાઠનો અંગ્રેજી અનુવાદ કર્યો તો એમાં ધર્મને સારુ ‘કન્ડક્ટ’ શબ્દ વાપર્યો છે. ‘વંદે માતરમ’ની અપીલને સમજાવતાં એમણે અંગ્રેજીમાં કહ્યું છે કે તેણે આપણામાં ‘રિલિજિયન ઓફ પેટ્રિયોટિઝમ’નો સંચાર કર્યો. તો, ‘ધર્મ’ અને ‘રિલિજિયન’ વચ્ચે વિવેક કરનાર પ્રતિભાને હિંદુ ધર્મ અને ‘ધર્મ’ વચ્ચે પણ વિવેક હોય જ ને. જે અરવિંદે આરંભે એને બંગાળનું રાષ્ટ્રગીત કહ્યું હતું તેને એ દેશ આખા માટેના મંત્ર તરીકે પુરસ્કારતા થયા અને બીજી બાજુ જાહેર જીવનની દૃષ્ટિએ એની પહેલી બે કડીઓ પર વ્યાપક સહમતિ સધાઈ.

    જવાહરલાલ નેહરુ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ અને સુભાષ બોઝની સમિતિએ રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વક આ નિર્ણય લીધો હતો. આગળ ચાલતાં બંધારણ સભા સમક્ષ રાષ્ટ્રગીતનો પ્રશ્ન આવ્યો ત્યારે વિધિવત રજૂઆત કરતા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં વંદે માતરમની ઐતિહાસિક ભૂમિકા રહી છે તે જોતાં વંદે માતરમ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની જોડાજોડ રાષ્ટ્રીય ગાન તરીકે સમાન દરજ્જે રહેશે.’

    બંકિમચંદ્રે એમના સામયિક ‘બંદદર્શન’માં છેક ૧૮૭૪માં સરસ મુદ્દો કર્યો હતો કે ‘બંગાળ હિંદુ-મુસ્લિમોનું છે, નહીં કે એકલા હિંદુઓનું… બંગાળની ભલાઈ સારુ એ જરૂરી છે કે હિંદુ-મુસલમાનમાં એકતા સધાય… જ્યાં સુધી મુસલમાનોને એમ લાગશે કે બંગાળી અમારી ભાષા નથી… કેવળ. ઉર્દૂ-ફારસીથી કામ ચલાવીશું તો એકતા સ્થાપિત નહીં થાય, કેમ કે એકતાની જડમાં ભાષાની એકતા હોય છે.’

    મુદ્દો, સ્વીકૃત વંદે માતરમની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે, સ્વીકૃત પાઠ મમળાવીએ તો બંગાળને વટીને ભારતને વ્યાપી રહે છે, એમ કહેવું એ તો આપણો પરંપરાગત સંસ્કાર માત્ર છે. રાજકીય વિચારધારાના વણછે એના અહોગાન અગર અવમૂલ્યન બેઉથી બચી વિશ્વહિતને અવિરોધી બલકે સંવાદી રાહે આત્મખોજભેર આગળ વધવાનો પ્રજાસૂય પડકાર તે સ્તો આ સાર્ધ શતાબ્દીનો સંદેશ છે… નહીં તો, બંકિમ પોતાનાથી નાનેરા રવિને વિશ્વકવિ કેમ કહે, કહો જોઉં.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૨ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • પૈસા અને પરખ

    સરયૂ પરીખ

    “અનેક વર્ષ પછી પણ મને ખટકે છે કે એ બાળકીને હું મારી પાસે રાખી ન શકી. એ આજે કેવી હશે!” મીનુના અવાજમાં કરૂણ સંવેદના ભરી હતી.

    અમારી ઓળખાણ અંગ્રેજી ભાષાના અભ્યાસના બહાને થઈ, જે તરત જ મિત્રતામાં પરિણમી. ભારતમાં શ્રીમંત પિતાની પુત્રી મીનુના સોળ વર્ષની ઉંમરે, ૨૬ વર્ષના ડોક્ટર સાથે લગ્ન થયા હતા. દરેક કામમાં કુશળ અને આજ્ઞાંકિત મીનુનું જીવન સુખી હતું. પતિના અવસાન પછી, છાસઠ વર્ષની મીનુ છએક વર્ષ પહેલાં અમેરિકા આવી, તેની બે દીકરીઓની નજીક પોતાનું ઘર લઈ અમારા ટેક્સાસના ગામમાં સ્થાયી થઈ હતી.

    “કઈ બાળકીની વાત?” મારી પ્રશ્નાર્થ નજરના જવાબમાં મીનુએ વાત કરીઃ

    “આ ચાલીસેક વર્ષ પહેલાની વાત છે. મારા પતિ ભારતમાં ડોક્ટર હતા. મધ્યપ્રદેશમાં અમારા વિસ્તારમાં તેઓ એક જ anesthesiologist હોવાથી આજુબાજુના ગામોની હોસ્પિટલમાં એમને વારંવાર જવું પડતું.”

    એક દિવસ બાજુના ગામથી આવીને મારા પતિ કહે કે, “આજે એક કરૂણ ઘટના બની. એક સારા ઘરની સ્ત્રીએ ચોથી દીકરીને જન્મ આપ્યો. આ બાળકીના જન્મ પછી, એક ગરીબ બાઈએ છોકરાને જન્મ આપ્યો. શ્રીમંત દંપતીએ ધમાલ કરી કે બાળકો બદલ્યા છે અને છોકરો અમારો છે. પણ, તેમની કારી ફાવી નહીં તો…બાળકીને હોસ્પિટલમાં છોડી જતાં રહ્યાં.” મને જાણે કોઈએ હથોડો માર્યો હોય તેવી હું વિહ્વળ થઈ ગઈ.

    મેં કહ્યું, “અરે! હવે એ બાળકીનું શું થશે?” તો મારા પતિએ કહ્યું કે, “અનાથ આશ્રમમાં મૂકી દેશે.”

    મેં વિનતિ કરી, “તમે જાણો છો કે એવી સંસ્થાઓમાં બાળકોની દશા કેવી થાય છે? આપણે બાળકીને લઈ આવીએ અને હું આપણી બે મહિનાની દીકરી સાથે તે અનાથને ઉછેરીશ.”

    “ના.” હંમેશની જેમ…મારા પતિનો નિર્ણય અંતિમ​ હતો અને મારા ઘણા આગ્રહ છતાં, હું એ બાળકીને અમારા ઘરે લાવી શકી નહીં. પુરુષપ્રધાન સમાજમાં મીનુનો અવાજ દબાઈ ગયો.

    મીનુને દુઃખી જોઈ હું બોલી, “ચાલ હું તને એક સરસ વાત કહું. એ સમયે હું ભારત ગઈ હતી અને ભાઈના ઘરની મહેમાન હતી. એક દિવસ રસોડામાં, તેમનાં ઘરકામ કરનાર ઊર્મિલાની પૌત્રી સાથે છ વર્ષનો છોકરો રમી રહ્યો હતો.

    મેં બહાર જઈ ભાભીને પૂછ્યું, ‘આ ઉર્મિલાની પૌત્રી સાથે મજાનો છોકરો રમે છે…તે કોણ છે?”

    “એ ઊર્મિલાના ભાઈનો છોરો, મોહન, ગામડેથી આવ્યો છે.” ભાભી આગળ બોલ્યા, “અરે! તેની પાછળ રસપ્રદ વાત છે. તેના​ ભાઈના લગ્ન પછી તેમને બાળકો નહોતા થતાં. એક દિવસ ઊર્મિલાની બા વગેરે ગામડાની  હોસ્પિટલમાં દીકરીની પ્રસુતિ અંગે રાહ જોતા બેઠાં હતાં. ત્યાં હોસ્પિટલમાં વાત ચાલી કે કોઈ બાઈ નવા જન્મેલા છોકરાને મૂકી નાસી ગઈ. નાના ગામડામાં સમાજ-સંસ્થા નહોતી કે વ્યવસ્થા કરી શકે. ઊર્મિલાના બા અને ભાઈએ ડોક્ટર પાસે બાળકને સંભાળવાની માંગણી કરી. ડોક્ટરે કાગળીયા કરી આ છોકરાને સોંપી દીધો. જુઓને…ઊર્મિલાના ભાઈ-ભાભી અને પરિવાર મોહનને મેળવી બહુ ખુશ છે”

    મીનુ બોલી, “આ તો સરસ વાત. દીદી, આગળ જતા એ ત્યજ્ય​ બાળકી વિશે વધુ વિગતો જાણવા મળી.”

    મીનુએ આગળ વાત કરી. “વર્ષો વીત્યા…મારી દીકરી કોલેજમાં ભણતી હતી. રજાઓમાં તેની ખાસ બેનપણી નેહાને લઈને અમારે ઘેર આવી. મને કહે “મમ્મી! નેહાની મમ્મી, આશાઆન્ટી તમારાં જ ગામના છે.”

    મીનુ કહે, “હાં, અમે એક શાળામાં ભણતા હતા.”

    નેહાએ પોતાના લગ્નમાં મીનુ અને પરિવારને આમંત્રિત કર્યા. નેહાના લગ્નમાં ખુશી ખુશી તેના માતા-પિતાને મીનુ અને તેના ડોક્ટર પતિ મળ્યા. તો બીજી જ ક્ષણે, તે યજમાન​ પતિ-પત્નીના ચહેરા પર શરમ ફરી વળી અને મીનુના પતિ ગુસ્સે થઈ એક તરફ જતા રહ્યા, મીનુ તેમની પાછળ દોડી.

    ડોક્ટર કહે, “મીનુ! તને પેલી ત્યજાયેલી બાળકીની વાત યાદ છે ને? તે આ જ જોડી, તારી મિત્ર આશા અને તેના પતિએ છોકરાની માંગણી કરી હતી.”

    ઘરે જતા પહેલાં, મીનુ આશા પાસે ગઈ​ અને બોલી, “તું તારી જાત સાથે કેમની જીવી શકે છે?”

    “રોજ મરી મરીને.” દર્દીલા અવાજ સાથે આશા બોલી. “ચોથા બાળકના જન્મ પહેલાં, અમારા સાધુબાવાએ ખાતરી આપી હતી કે છોકરો જ થશે. અમારી અંધશ્રદ્ધા અને મારા પતિની સખ્તાઈ સામે હું એ નબળી ઘડીમાં ન લડી શકી,”

    મીનુ દયાથી જોઈ રહી. આશા બોલી, “મેં ખાનગીમાં તપાસ કરી તો જાણ્યું કે ત્રીજે દિવસે એક પરદેશી દંપતી મારી બાળકીને દત્તક લઈ ગયા હતા.”

    માનવતા અને પ્રમાણિકતા વ્યક્તિની શ્રીમંતાઈ કે ગરીબી પર આધારિત નથી. અંધશ્રદ્ધા​ અને રૂઢિવાદના નેજા હેઠળ માનવ ક્રૂર કર્મ કરે છે…


    સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

  • શોક

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    શક્તિપદ ઑફિસ જવા નીકળતો હતો ને સામે ટપાલીને પત્ર અને ચોપાનિયું લઈને ઊભેલો જોયો.  ચોપાનિયું ખોલવાની જરૂર નહોતી. પત્ર પર ઉતાવળે નજર કરી.

    પ્રતિમાના પિયર-વર્ધમાનથી કાકાનો પત્ર હતો. પ્રતિમાની માનો દેહાંત થયો હતો. પત્રમાં લખ્યું હતું, “બે-ચાર દિવસની માંદગી પછી ગઈ રાત્રે તારી માનું અવસાન થયું. ભાઈ નથી, હવે ભાભી પણ ના રહ્યાં. અમારા માટે તો હવે માત્ર તું જ. આ પત્ર વાંચીને આવી જજે. તારાં આવવાથી અમને સાંત્વન મળશે.”

    બાકીનું વાંચવા જેટલી શક્તિપદમાં હિંમત નહોતી. પ્રતિમાનો જીવ એની માતામાં અટકેલો હતો. થોડા સમયથી અમસ્તીય પ્રતિમા અકળાયેલી રહેતી. આ સમાચાર જાણીને એની પર આભ તૂટી પડશે. કેવી ધાંધલ મચાવશે એ વિચારથી એને ચિંતા થઈ.

    હવે એ ઑફિસે નહીં જઈ શકે એ બીજી અને મોટી ચિંતા. ઑફિસનો નિયમ હતો કે, જે પહેલી તારીખે ઑફિસ ન આવે એમને સાત તારીખ સુધી આગલા મહિનાનો પગાર ન મળે.

    પત્ર આપવા ઘરમાં જવું કે બારોબાર ઑફિસ ચાલ્યા જવું? પ્રતિમાને પત્ર આપશે એ પછી નીકળી જ નહીં શકાય.

    શું કરવું. પત્ર લઈને ઑફિસે ચાલ્યા જવું? સાંજે આવીને એવું કહીને પત્ર આપવો કે સવારે ઉતાવળમાં ખીસામાં રહી ગયો? ના…ના.. એ તો ખોટું કહેવાય.

    કેટલાય દિવસથી પિયરથી પત્ર નહોતો આવ્યો એની પ્રતિમાને ચિંતા તો હતી જ.

    મનમાં કેટલાય વિચારો આવ્યા. એક મિનિટ પહેલાં એ નીકળી ગયો હોત કે ટપાલીએ એને જોયો ના હોત તો આ નોબત જ ના આવત. પાછો વિચાર આવ્યો, હંમેશાં ટપાલી એના હાથમાં જ પત્ર આપે એવું ક્યાં બને છે? ટપાલ તો એ બારીમાંથી જ સરકાવી દે છે.

    હા, એ જ બરાબર છે. ટપાલીની જેમ બારીમાંથી ટપાલ સરકાવી દઉં, પણ જો એને આમ કરતા કોઈ જોઈ ગયું તો શું? અરે, પ્રતિમાએ જ જોઈ લીધો તો શું? પ્રતિમા રોકકળ મચાવી દેશે.

    એનાં કરતાં અંદર જઈને બારીની નીચે ટપાલ મૂકીને નીકળી જવું ઠીક રહેશે.

    દબાતા પગલે એ અંદર આવ્યો. પ્રતિમા રસોડામાં હતી. રસોઈની સુગંધ આવતી હતી એ મુજબ પ્રતિમા તરત બહાર નહીં આવે એવું લાગતું હતું.  ચોપાનિયું લેવા જાય ત્યારે ઉપર જ દેખાય એમ પત્ર મૂક્યો. હાશ, હવે ઑફિસે જઈ શકશે અને આખો દિવસ પ્રતિમાની રોકકળનો સામનો નહીં કરવો પડે.

    જેટલું ઝડપથી વિચાર્યું એટલી ઝડપથી દબાતા પગલે અંદર જઈને ચોપાનિયાની ઉપર પત્ર મૂકીને ઑફિસે જવા નીકળ્યો ત્યારે મનમાં હળવાશ હતી.

    જોકે ઑફિસે પહોંચતા સુધીમાં હળવાશના બદલે મન પર અપરાધનો ભાર હાવી થવા માંડ્યો.

    આ શું કર્યું? જો પ્રતિમાના હાથમાં પત્ર આવ્યો, આખો દિવસ રડતી રહી તો દીકરાના શું હાલ થશે? કોણ એને સંભાળશે? ઘેર પાછા જવાનો વિચાર આવ્યો, પણ વહેલા ઘેર જવા માટે કારણ શું આપવું એનાં કરતાં જેમતેમ કરીને આખો દિવસ ઑફિસમાં કામ કરી લેવું સારું.

    અંતે જે થયું એનું પરિણામ ભોગવી લેવાનું વિચારીને કામ શરૂ કર્યું.

    ******

    રસોઈ પૂરી કરીને પ્રતિમા બહાર આવી. ‘છાયા-છબી’નો નવો અંક જોઈને ખુશ થઈ અને કાકાનો પત્ર નજરે પડ્યો. આમ તો કાકા વિજયાદશમીએ યાદ કરવા સિવાય ક્યારેય પત્ર નથી લખતા તો આજે? મા ઠીક હશે ને? પ્રતિમાના મનમાં ચિંતાનો વંટોળ ચઢ્યો.

    પત્ર હાથમાં લઈને એક શ્વાસે વાંચ્યો. બીજી જ ક્ષણે ધબ કરતી પછડાઈ. હૃદયનું તળ ફાડીને આક્રંદ ફૂટ્યું.

    મા નથી રહી? બધું જ ખતમ થઈ ગયું ને એને સાધારણ સમાચારની જેમ માત્ર બે લીટી લખીને જણાવવામાં આવ્યું છે!?

    આ પત્ર થોડો વહેલો મળ્યો હોત, શક્તિપદ હાજર હોત તો એણે પ્રતિમાને તાત્કાલિક વર્ધમાન લઈ જવાની તજવીજ કરી હોત. પ્રતિમાને ત્યાં પહોંચેલી જોઈને કેટલા લોકો ભેગા થઈ ગયા હોત, પણ હાય રે..અત્યારે તો આ પહાડ જેવું દુઃખ સહેવા ઘરમાં એ એકલી જ હતી.

    શું કરે? કોની સાથે વાત કરીને મનનું દુઃખ હળવું કરે? કોઈકને કહેવું જ રહ્યું કે કેવી તકલીફદેહ ઘટના બની ગઈ છે?!

    એટલામાં બાજુના રૂમમાંથી દીકરાનો ચીસો પાડીને રડવાનો અવાજ સંભળાયો. દોડીને જોયું. દીકરાની આંગળીએ કાળો મંકોડો ચોંટ્યો હતો. હવે દસ મહિનાના બાળકને મંકોડો કરડે તો એનો ડંખ વીંછી જેટલો કારમો હોય ને! દીકરાને શાંત રાખવામાં માનું મરણ મનમાંથી આઘું ઠેલાયું. એટલામાં ચૂલા પર મૂકેલી દાળ ચોંટવાની વાસ આવી. ઉતાવળમાં ગેસ બંધ કરવાનો રહી ગયો હતો.

    આફત ચારેકોરથી એક સામટી આવતી હશે? એક હાથે રડતા દીકરાને તેડી, રસોડા તરફ દોટ મૂકી. ગેસ બંધ કરીને બહાર આવીને પેલો પત્ર જોઈને મા નથી રહી એ ઘા તાજો થયો. એ ત્યાં બેસી પડી. હવે એ ક્યારેય માને જોઈ નહીં શકે? બાપુનો તો એ નાની હતી જ ને સ્વર્ગવાસ થયો હતો. મા જ સર્વસ્વ હતી. પત્રમાં પ્રતિમાના જીવનના આ સૌથી કારી ઘાના સમાચાર હતા. રડી રડીને થાકેલો દીકરો એના ખોળામાં જ સૂઈ ગયો અને ઉદાસ પ્રતિમા પત્ર પકડીને ક્યાંય સુધી ગુમસૂમ બનીને વિચારતી રહી.

    કોણ જાણે ટપાલી ક્યારે પત્ર નાખી ગયો હશે? શક્તિપદ ઑફિસે જવા તૈયાર થતો હશે ત્યારે? એ રસોડામાં હતી ત્યારે? દીકરાને મંકોડો કરડ્યો ત્યારે?

    અંતે પ્રતિમાના મનનો ઊભરો શમી ગયો, એ સ્વસ્થ બની. વળી વિચાર આવ્યો કે, શક્તિપદ આવે ત્યારે એ સ્વસ્થતાથી સમાચાર આપશે તો એ શું ધારશે? એનાં કરતાં એણે ટપાલ જોઈ જ નથી એમ વર્તવાનો નિર્ણય લઈ લીધો.

    હા, એ જ ઠીક રહેશે  ‘છાયા-છબી’ પત્રિકા અને પત્ર બારીની નીચે મૂકીને ઊભી થઈ.

    શક્તિપદ આવીને ટપાલ અને પત્રિકા જોઈને પૂછશે તો કહી દેશે કે, દીકરાની સારસંભાળ પાછળ અને રસોઈની તૈયારીમાં સમય નથી મળ્યો.

    બપોરના ત્રણ વાગી ગયા હતા. સવારનું ખાવાનું એમનું એમ પડ્યું હતું એ કામ કરવાવાળીને આપી દેવાનું નક્કી કરીને સાંજની રસોઈ માંડી. જાણે કંઈજ નથી બન્યું, પોતે એકદમ ઠીકઠાક છે એવી રીતે શક્તિપદને ભાવતું શાક અને પૂરીઓ બનાવવાની તૈયારી આદરી.

    સાંજે શક્તિપદ ઘેર આવ્યો ત્યારે રોકકળ હશે એવી એની ધારણા ખોટી પડી. આજે પણ રોજના જેવું જ સામાન્ય વાતાવરણ હતું. રોકકળ તો શું સામાન્ય અવાજ પણ નહીં? સમાચાર વાંચીને પ્રતિમા વર્ધમાન ચાલી ગઈ હશે? બેહોશ થઈ ગઈ હશે? દીકરાના શું હાલ હશે? હવે શક્તિપદને પોતાની મૂર્ખામીનું ભાન થયું.

    હિંમત એકઠી કરીને બારણું ખખડાવ્યું. પ્રતિમાએ જ બારણું ખોલ્યું.

    શક્તિપદ શ્વાસ લે એ પહેલાં પ્રતિમાએ દીકરાની આંગળીએ મંકોડો ચટક્યોથી માંડીને, દીકરા પાછળ બીજું કોઈ કામ નથી કરી શકી કે જમી પણ નથી વગેરે અહેવાલ વિસ્તારથી આપી દીધો.

    શક્તિપદના કાન પ્રતિમાની વાતોમાં, પણ ધ્યાન બારીની નીચે પડેલી ટપાલ પર હતું. પત્રિકા તો દેખાઈ પણ ઉપર મૂકેલી ટપાલ ક્યાં? પ્રતિમાને ટપાલ બાબતે પૂછે પણ કેવી રીતે?

    પ્રતિમા તો શક્તિપદને જમાડવાની ઉતાવળમાં હોય એમ રસોડામાં ચાલી ગઈ. એની પીઠ ફરતાં જ શક્તિપદે ચોપાનિયું ઊઠાવ્યું. ચોપાનિયાની નીચે વર્ધમાનથી આવેલો પત્ર મળ્યો.

    અરે, પોતે તો પ્રતિમાને દેખાય એમ પત્ર ચોપાનિયાની ઉપર મૂક્યો હતો તો એ નીચે કેવી રીતે? દીકરો હજુ ભાખોડિયાં ભરતો નહોતો કે એણે ટપાલ આઘીપાછી કરી હોય!

    આશ્ચર્ય અને આઘાતથી એ બઘવાઈ ગયો. શું કરવું? પત્ર હમણાં વંચાવવો કે જમવાનું પૂરું થાય પછી?

    જોકે હાથમાં લેતાંની સાથે જોયું તો એક ખૂણામાં હળદરનો ડાઘ દેખાયો, પણ ત્યારે એની પડપૂછમાં પડવાના બદલે કાગળ વાંચીને જાણે માથે વીજળી પડી હોય એમ પ્રતિમાને બૂમ મારી.

    “અરે, અહીં આવ. આ જો કાકાએ શું લખ્યું છે?”

    પ્રતિમા જાણે પહેલી વાર કાગળ વાંચતી હોય એમ ચિત્કાર સાથે ચક્કર ખાઈને પછડાઈ. પ્રતિમાને ભાનમાં આણવા એના ચહેરા પર પાણી છંટકોરતા શક્તિપદ વિચારી રહ્યો…

    “કાગળ જે જગ્યાએ મૂક્યો હતો એનાં બદલે નીચે કેવી રીતે ચાલ્યો ગયો અને કાગળના ખૂણે આ  હળદરનો ડાઘ દેખાય છે એ……?”


    આશાપૂર્ણા દેવી લિખીત, રણજીત કુમાર અનુવાદિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૧૧૦. અર્શી અજમેરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    બહાર અજમેરી પછી એક વધુ અજમેરી એટલે આ અર્શી અજમેરી.

    અપેક્ષાનુસાર એમના વિષે ઝાઝી માહિતી ઉપલબ્ધ નથી. બસ એટલું કે એમણે ધૂપછાંવ, ડંકા, દારા, શિકાર અને શહનાઝ ફિલ્મોમાં દસેક ગીત લખ્યા. ગઝલ આ એક જ અને એ પણ એક યુગલ ગીતના સ્વરૂપમાં –

    ક્યા હાલ હૈ હુઝૂર કે દિલ કા મેરે બગૈર
    શાયદ વહાં ભી જી નહીં લગતા મેરે બગૈર

    માના કે મૈં તુમ્હારે લિયે બેકરાર હું
    લેકિન તુમ્હેં ભી ચૈન ન આયા મેરે બગૈર

    શાયદ મેરે બગૈર ન બહલા તુમ્હારા દિલ
    લેકિન તુમ્હારા દિલ ભી તો મચલા મેરે બગૈર

    રૂઠે થે ઈસ લિયે કે મનાએ કોઈ હમેં
    ક્યા ઔર કોઈ તુમકો મનાતા મેરે બગૈર..

    – ફિલ્મ : શિકાર ૧૯૫૫
    – લતા – જી એમ દુર્રાની
    – બુલો સી રાની


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.