વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૯૬. રૂપબાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    દેખીતું છે કે રૂપબાની એક ઉપનામ – તખલ્લુસ છે. ચાલીસના દાયકામાં બસ્સોથી વધુ ગીત લખ્યા હોવા છતાં કમનસીબી એ કે એમના વિષે કોઈ વિગતો મળતી નથી. એમનું અસલ નામ, એ પુરુષ હતા કે સ્ત્રી એ પણ નહીં. એટલું જાણવા મળે છે કે એ ગીતકાર ઉપરાંત વાર્તા લેખક અને પટકથાકાર પણ હતા.

    એમણે જે ફિલ્મોમાં ગીત લખ્યા એમાં અલ્લાદીન, અલ્લાદીન કી બેટી, અરબ કા ચાંદ, બગદાદ કા ચોર, બલમા, બડી બાત, બેતાબ, કોલેજિયન, દરિયાઈ લુટેરા, ધનવાન, મઝદૂર કી બેટી, ગેબી તલવાર, ઘર, ઘર કી શોભા, ગુલામ બેગમ બાદશાહ, મહારાની, હિંદ મેલ, જાદુઈ અંગૂઠી, જાદૂઈ બંસરી, જાદુઈ શહનાઈ, જાદુઈ સિંદૂર, જીવન છાયા, કિસ્મત કા સિતારા, કુલ કલંક, મા બાપ, પોલિસવાલી, રત્નમંજરી, રૂમાલ, રૂપ વસંત, શાહે મિસર, સિંદબાદ ધી સેઈલર નો સમાવેશ થાય છે.

    એમાંની એકમાત્ર ગઝલ –

    યે હવાએં સલામ કહતી હૈં
    યે ઘટાએં સલામ કહતી હૈં

    હો મુબારક યે આજ કા મિલના
    યે નિગાહેં સલામ કહતી હૈં

    ફૂલ હંસતે હૈં જબ જવાની મેં
    તબ હવાએં સલામ કહતી હૈં

    ફિર મુહબ્બત ને ઝિંદગી પાઈ
    ફિર દુઆએં  સલામ કહતી હૈં..

    – ફિલ્મ : ઘર ૧૯૪૫
    – અમીરબાઈ કર્ણાટકી
    – અલ્લા રખા કુરેશી


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વાદ્યવિશેષ – ૨૯ : ફૂંકવાદ્યો (૬) :શરણાઈ (૧)

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    શરણાઈ એવું વાદ્ય છે, જેને કોઈ જ પરિચયની જરૂર નથી. પૂરા ભારતવર્ષમાં કોઈ પણ ધાર્મિક/માંગલિક પ્રસંગની શરૂઆત શરણાઈના સૂરોથી થાય છે એમ કહેવામાં વધારે પડતી અતિશયોક્તિ નથી. આમ છતાં પણ સદીઓ સુધી આ વાદ્ય મોખરાની શ્રેણીમાં આવ્યું નહીં અને તે લોકવાદ્ય જ ગણાતું રહ્યું. તેને  ટોચની હરોળમાં બેસાડવાનું શ્રેય નિર્વિવાદપણે ઉસ્તાદ બિસ્મીલ્લાહ ખાનને જાય છે. શાસ્ત્રીય ભારતીય સંગીત માટે તેમણે શરણાઈનો ઉપયોગ કર્યો અને તેને દુનિયાભરમાં પ્રસિધ્ધિ અપાવી. એક સમય એવો આવ્યો કે ફિલ્મી વાદ્યવૃંદોમાં પણ શરણાઈનું માનભર્યું સ્થાન બની રહ્યું. આરંભમાં આ મહાન કલાકારે ઓલ ઈન્ડીયા રેડીઓ (આકાશવાણી) માટે છેડેલો મંગલધ્વનિ સાંભળીએ.

    શરણાઈ લાકડાનું બનેલું પોલું શંકુઆકારનું વાદ્ય છે, જે ડબલ રીડ ધરાવે છે.છે. સામાન્ય રીતે શુભ પ્રસંગોએ વગાડવામાં આવતા આ વાદ્યના સૂરોમાં એવી તીવ્રતા છે કે કાબેલ વાદક એના વાદન થકી આર્તનાદ જેવી અસર ઉભી કરી શકે અને કરુણરસ નીપજાવી શકે. હિન્દી ફિલ્મોનાં અનેક ગીતોમાં શરણાઈનો આવો ઉપયોગ પણ સાંભળી શકાય છે. આમ કહી શકાય કે શુભ પ્રસંગ ઉપરાંત કારુણ્યને ઘેરું બનાવવા માટે પણ આ વાદ્ય પ્રયોજાયું છે.

    હવે કેટલાંક એવાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ કે જ્યાં વાદ્યવૃંદમાં શરણાઈનો પ્રયોગ થયો હોય.

    ૧૯૫૪માંપ્રદર્શિત થયેલી ફિલ્મ નૌકરીના પ્રસ્તુત ગીત ‘ઝૂમે રે કલી ભંવરા ઉલઝા ગયા કાંટોં મેં’ના વાદ્યવૃંદમાં શરણાઈના અંશો ખાસ્સા ધ્યાનાકર્ષક છે. આ ફિલ્મનાં ગીતોનું સ્વરનિયોજન સલિલ ચૌધરીએ કર્યું હતું.

    ૧૯૫૪ની જ ફિલ્મ શબાબનું ગીત ‘આયે ના બાલમ’ સાંભળતાં જ ખ્યાલ આવે છે કે શરણાઈના અંશો ગાયકીની સાથે સાથે વહેતા રહે છે. સંગીત નૌશાદનું છે.

    નૌશાદનું સ્વરનિયોજન ધરાવતું ફિલ્મ મધર ઈન્ડીયા(૧૯૫૭)નું ગીત ‘પી કે ઘર આજ પ્યારી દુલ્હનીયાં ચલી’ માણીએ. વાદ્યવૃંદમાં શરણાઈના ટૂકડાઓ સ્પષ્ટ સાંભળી શકાય છે.

    https://www.youtube.com/watch?v=RifnGGEjRSY

    ૧૯૫૭ની જ ફિલ્મ જનમ જનમ કે ફેરેના શરણાઈપ્રધાન ગીત ‘બજ રહી શહનાઈ’માં આ વાદ્યનો પ્રભાવ સતત અનુભવાતો રહે છે. આ ફિલ્મ માટે સંગીત એસ.એન. ત્રીપાઠીએ આપ્યું હતું.

    ૧૯૫૯માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ નવરંગનાં સી.રામચંદ્રના સ્વરનિયોજનમાં તૈયાર થયેલાં ગીતો આજે સાડા છ દાયકા પછી પણ લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ખુબ જ જાણીતા ગીત ‘તૂ છૂપી હૈ કહાં’ના વાદ્યવૃંદમાં સંગીતકારે વિવિધ વાદ્યોનો ઉપયોગ કર્યો છે. તેમાં શરણાઈનો પણ પ્રભાવક પ્રયોગ થયેલો જણાઈ આવે છે.

    ૧૯૫૯ના વર્ષમાં એક એવી ફિલ્મ પ્રદર્શિત થઈ, જેમાં શરણાઈ જાણે કે એક પાત્ર હોય! આ ફિલ્મ હતી ગૂંજ ઉઠી શહનાઈ. સંગીતકાર વસંત દેસાઈના નિર્દેશનમાં બનેલાં ગીતો પૈકીનું એક ગીત ‘તેરી શહનાઈ બોલે’ માણીએ. આ ફિલ્મ માટે ઉસ્તાદ બિસ્મીલાહ ખાને શરણાઈ વગાડી હોવાની હકિકત જાણીતી છે. જો કે તેમણે માત્ર ફિલ્મની પશ્ચાદભૂ માટે વાદન કર્યું હતું. આ તેમ જ અન્ય ગીતોમાં સંભળાતા શરણાઈના અંશો રામલાલ નામના એક અલ્પખ્યાત સંગીતકારે છેડ્યા હતા.

    https://www.youtube.com/watch?v=YNcahKnxuE4

    ઉપર ઉલ્લેખ થયો એ રામલાલ શરણાઈ તેમ જ વાંસળીના કાબેલ વાદક હોવા ઉપરાંત એક ઉત્કૃષ્ટ સ્વરકાર પણ હતા. તેમના સંગીતથી મઢેલી ફિલ્મ સેહરા(૧૯૬૩)નું ગીત ‘તકદીર કા ફસાના’ શરણાઈના હ્રદયસ્પર્શી અંશો ધરાવે છે.

    https://www.youtube.com/watch?v=KVmC_jnDPYc

    ૧૯૬૪ના વર્ષમાં શહનાઈ નામક એક ફિલ્મ રજૂ થઈ હતી. રવિના નિર્દેશનમાં તૈયાર થયેલું ગીત ‘ક્યા અજબ સાઝ હૈ યેહ શહનાઈ’ શરણાઈના કર્ણપ્રિય અંશોથી મઢેલું છે.

    ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ(૧૯૭૭)નું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ નિર્દેશિત કર્યું હતું. તેના ગીત ‘રંગમહલ કે દસ દરવાઝે’ના વાદ્યવૃંદમાં શરણાઈના સૂરો આસાનીથી પારખી શકાય છે.

    https://www.youtube.com/watch?v=WcpxysXa4Dw

    ૧૯૭૦માં ફિલ્મી વાદ્યવૃંદમાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનું આગમન થયું. એક જ વાદ્યના ઉપયોગથી જુદાં જુદાં અનેક વાદ્યોના સૂરો નીપજાવી શકાય તેવી આ સગવડને પગલે પરંપરાગત વાદ્યોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો ચાલ્યો છે. પણ તોયે સંગીતકારો એવી તરજો બનાવતા રહે છે, જ્યાં કોઈ અસલ વાદ્યનો ઉપયોગ ધારી અસર ઉપજાવી શકે. ઉદાહરણરૂપે ૨૦૦૪ની ફિલ્મ સ્વદેસના ગીત ‘યેહ જો દેસ હૈ તેરા’ માટે સંગીતકાર એ.આર.રહેમાને શરણાઈના સૂર છેડાવ્યા છે.

    આવતી કડીમાં શરણાઈના સૂરે મઢ્યાં કેટલાંક વધુ ગીતો સાથે મળીશું.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ઋતુના રંગ : પરિચય

    શ્રીદક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા : પુસ્તક ૧૭ મું
    સંપાદક : ગિજુભાઈ

    ઋતુના રંગ

    લેખક :

    ગિજુભાઈ બધેકા

    આવૃત્તિઓ

    પહેલી આવૃત્તિ : જાન્યુઆરી૧૯૩૭
    બીજી વાર : ઓગસ્ટ ૧૯૬૪
    પુનર્મુદ્રણ : માર્ચ ૧૯૬૪

    આ પુસ્તકની ૧૯૬૪ની આવૃત્તિ ૭૨ પાનાંની હતી.

    ગિજુભાઈ બધેકા

    પ રિ ચ ય

    આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારોનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાનાં બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે.

    ‘બુધવારિયું’ નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે.

    જાન્યુઆરીથી જુલાઈ સુધીનો નિસર્ગપરિચય આ ચોપડીમાં છે. આની પાછળ બીજી ચોપડી ઊભેલી છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • ચાલો બાળકો, પંખીઓના દેશમાં

    આ મહિનાથી બાળ સાહિત્ય વિભાગમાં દર ઓથા શુક્ર્વારે આપણે વેબ ગુર્જરી પર સુશ્રી ગિરિમા ઘારેખાનના ત્રીજા બાળવાર્તા સંગ્રહ ‘પંખીઓના દેશમાં’ માંની બાળ વર્તાઓ રજૂ કરીશું.
    સુશ્રી ગિરિમા ઘારેખાનનાં બાળ વિશ્વનો પ્રાસંગિક પરિચય, તેમના જ શબ્દોમાં, અહી રજૂ કર્યો છે.
    સંપાદક મડળ – વેબ ગુર્જરી

    બાળકોનો વાર્તાઓ સાંભળવાનો રસ ક્યારેય ઓછો થાય? છેલ- છબો અને બકોર પટેલ, છકો- મકો અને છોટા ભીમ, પેઢી દર પેઢી બાળકોની ઉંમર પ્રમાણે વાર્તાઓ વંચાયા જ કરતી હોય. દાદીમાના ખોળામાં માથું રાખીને સૂતે સૂતે વાર્તાઓ સાંભળતા બાળકો પોતે વિજ્ઞાનકથાઓ અને સાહસકથાઓ વાંચતા થઇ જાય એ વચ્ચેના વર્ષોમાં બદલાતા રસ અને સમજ પ્રમાણે બાળકો કેટલી બધી વાર્તાઓના વિશ્વમાં વિહાર કરી આવતા હોય!

    બાળકો વાર્તાઓ સાંભળતાં હોય કે વાંચતા હોય ત્યાં સુધી એમને નવી નવી વાર્તાઓ પીરસતા પણ રહેવું જ પડે ને? એટલે જ મારો ત્રીજો બાળવાર્તા સંગ્રહ ‘પંખીઓના દેશમાં’ બાળકોને આપતાં મને ઘણો જ આનંદ થાય છે. પહેલા સંગ્રહ ‘પતંગિયાની ઉડાન’ ને પ્રતિષ્ઠિત અંજુ નરશી પારિતોષિક મળ્યું અને બીજા સંગ્રહમાં સમાવિષ્ટ વાર્તા ‘ કોનો અભાર માનું?’ને સ્મિતા પારેખ બાળવાર્તા સંગ્રહનું પ્રથમ પારિતોષિક મળ્યું પછી બાળવાર્તાઓ લખવાનો ઉત્સાહ તો વધ્યો જ છે અને સાથે સાથે બાળકો માટે સારું જ લખવું એવો સંકલ્પ પણ દ્રઢ બન્યો છે.

    આ સંગ્રહની બધી જ વાર્તાઓ બાળભોગ્ય છે. અહીં પતંગિયાને રંગો આપતાં ફૂલો છે તો એકબીજાને મદદ કરતાં પંખીઓની વાત પણ છે. મમ્મીની ફૂંકથી પીડાને ભૂલી જતું ચુનમુન છે તો શિયાળને હંફાવતા છોટા સસલાની ચતુરાઈ પણ છે. પંખીઓ જૂથના બળની વાત કરે છે અને માણસો માટે ફરિયાદ પણ કરે છે. પશુ અને પંખીઓ ઉપરાંત આમાં બાળકોની પોતાની વાતો તો ખરી જ. પોલીસથી ડરાય નહીં અને શારીરિક દેખાવને માટે આત્મવિશ્વાસ ઓછો કરાય નહીં એવું સમજાવતા મોન્ટુ અને સાર્થક બાળકોને ગમશે જ. ભોલુ આપીને આનંદ મેળવવાનું કહી જશે તો શુભમ વળી ટાઈમ મશીનની સેર કરાવશે. લડતી લડતી બે વાદળીઓ આવીને વરસાદની વાત પણ કહી જશે અને હા, શિયાળની અને કાગડાની ચતુરાઈ કે પછી એક પરીનો જાદુ ન આવે ત્યાં સુધી તો બાળવાર્તાનું પુસ્તક પૂરું કઈ રીતે થાય?

    આ પુસ્તક આમ તો સાવ અચાનક જ બન્યું છે. એને માટે સહુથી પહેલા તો આભાર માનું આદરણીય શ્રી મોતીભાઈ પટેલનો[સમણું], જેમણે હું બાળવાર્તાઓ પણ લખું છું એમ જાણીને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે પ્રકાશકને પ્રેર્યા. એમને સાદર વંદન કરું છું. અવનિકા પ્રકાશનના શ્રી વિજયભાઈ ભાવસાર એવા નમ્ર અને ઉત્સાહી પ્રકાશક છે જે ઘેર આવીને વાર્તાઓની ફાઈલ લઇ જાય અને પછી કહે કે ‘હવે તમે બધું મારી ઉપર છોડી દેજો. તમારે કોઈ ફિકર નહીં કરવાની.’ અને ખરેખર એ બધી જ જવાબદારી લઈને સરસ પુસ્તક બનાવે. એમના વિના તો ‘પંખીઓના દેશમાં’ જવાનું શક્ય જ ન બનત. આભાર ,વિજયભાઈ.

    પીઢ સાહિત્યકાર શ્રી યોસેફ્ભાઈ મેકવાનને મેં આ વાર્તાઓની ફાઈલ મોકલી હતી. એમણે એકે એક વાર્તા એમની કુશળ, અનુભવી દ્રષ્ટિથી તપાસી, જ્યાં જ્યાં ફેરફારની જરૂર લાગી ત્યાં નોંધ, સુધારા કર્યાં અને સ્નેહથી માર્ગદર્શન કર્યું. પોતાના અત્યંત વ્યસ્ત સમયમાંથી મારે માટે એટલો સમય ફાળવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર યોસેફ્ભાઈ. વંદન.

    તો ચાલો બાળકો, પકડો આ પુસ્તક હાથમાં અને પહોંચી જાઓ વાર્તાઓની પાંખે ચડીને પંખીઓના દેશમાં.

    ગિરિમા ઘારેખાન
    ૧૦, ઇશાન બંગલોઝ
    સુરધારા-સતાધાર રોડ
    થલતેજ
    અમદાવાદ-૩૮૦૦૫૪
    ફોન-૮૯૮૦૨૦૫૯૦૯

  • સંસ્પર્શ -૯

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    જીવનમાં મોજ કોણ કરી શકે? જે ખૂબ વિદ્વાન છે તે, જેણે ખૂબ વાંચ્યું છે તે કે જેની પાસે ખૂબ પૈસા છે તે ?

    ના, તમે આવા ભ્રમમાં હોવ તો તરત જ તેને દૂર કરો. તમને એક એક ઉદાહરણ સાથે વાતો કરતા કરતા ધ્રુવદાદા ‘સમુદ્રાન્તિકે’ ની કથામાં  સમજાવી દે છે કે, આ દરિયા કિનારે વસતા લોકો ભણેલાં નથી, તેમની પાસે એક ટંક ખાવાનો રોટલો અને કાંદો છે, પણ  તેઓ કોઈ ફરિયાદ વગર મોજથી જીવે છે. તેમનું  હ્રદય દરિયા જેટલું વિશાળ છે. તેમણે વેદ, ઉપનિષદ વાંચ્યાં નથી, પણ તેમને માણસ માણસ પ્રત્યે અખૂટ પ્રેમ છે. પ્રકૃતિ, પશુપંખી અને પરમની બનાવેલ સમગ્ર સમષ્ટિને તે સાચા હ્રદયથી મનભરીને પ્રેમ કરે છે. સચ્ચાઈથી ચાહે છે. જેમાં ક્યાંય દેખાડો કે દંભ નથી અને તે અનુભવને આપણી સાથે વહેંચી દાદા આપણને પણ એ જ નિર્દોષતા સાથે સરળતા અને સહજતાથી પ્રેમ કરવાનું શીખવે છે.

    ‘સમુદ્રાન્તિકે’ માં ધ્રુવદાદાએ દરિયા કિનારે વસતા લોકોની વાતચીતમાંથી તારણ કાઢી, સંવાદોમાં જે શબ્દો મૂક્યાં છે તે ખરેખર એક એક વાક્યમાં આપણને જીવનનું  તત્વજ્ઞાન  પીરસી જાય છે. એક વૃદ્ધ સ્ત્રી  જે ચાલી પણ નથી શકતી, તે  દરિયે નહાવા આવે છે. તેને  જ્યારે કહેવામાં આવે છે કે “એક ડોલમાં દરિયાનું પાણી લાવી આપીએ,તમે તેનાથી નાહી લો.”

    ત્યારે તે કહે છે,” દરિયો કંઈ ડોલમાં ના સમાય.” કેટલી મોટી વાત કરી આ વૃદ્ધાએ ! દાદા કહે છે, આ વૃદ્ધ સ્ત્રી  ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પણ તેને અહીં લાવનાર માત્ર ધર્મ નથી. તે તો તેના દરિયાને મળવા આવી છે. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા – છીપલાની ભેટ ધરીને શણગાર્યું છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે. તેના સમગ્ર જીવનનાં કડવા-મીઠાં સ્મરણોનો જે સાક્ષી રહ્યો છે. એ દરિયો આ વૃદ્ધાને સાવ પોતીકો લાગે છે. તેને દરિયાને મળવું છે કારણ તે તેના દરિયાને અઢળક પ્રેમ કરે છે, તે તેના પ્રેમમાં ભીંજાઈ જીવનની પાછલી અવસ્થામાં આનંદ લેવા ઈચ્છે છે.

    સમુદ્રાન્તિકેનો નાયક,રાત્રે ક્રિષ્ના સાથે દરિયામાં શઢવાળી હોડીમાં સફર કરી રહ્યો હોય છે, ત્યારે પણ ક્રિષ્ના કહે છે, ”બધાંને બે જણ હંકારે, એક ઉપરવાળો ને બીજો દરિયો.’ ભગવાન જેટલી જ  લાગણી, પ્રેમ અને મહત્વ તેઓ દરિયાને આપે છે અને આ ખારાપાટનાં લોકોનો પ્રકૃતિનાં સર્જનપર પ્રેમ જોઈ, આપણો દૃષ્ટિકોણ પણ દરિયા માટે બદલાઈ જાય છે.

    સુખી માણસ કોણ? કે સુખની વ્યાખ્યા શું ? મોજમાં જિંદગી કેવી રીતે ગુજારાય ? તેનો સુંદર સંદેશ પણ આ દરિયા કિનારે વસતા લોકો આપણને આપે છે. દરિયા કિનારાની આ પથરાળ જમીનમાં અનાજ પકવવું કેટલું અઘરું છે? ભર બપોરની પરસેવે રેબઝેબ કરતી ગરમીમાં કામ કરતાં ખેડૂત આદિવાસીને જ્યારે નાયક પૂછે છે ,

    “કેમ છે?”

    ત્યારે તે જવાબ આપે છે,

    “હાકલાં છીએ.”

    એટલે કે ખૂબ મઝામાં છીએ અને ધ્રુવદાદાના સૌને ખૂબ ગમતાં ગીતનું સર્જન  થાય છે.
    ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
    આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

    ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
    એકલી ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ
    તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે
    આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે. 

     ધ્રુવદાદાનું સૌને ખૂબ ગમતા આ ગીતમાં દાદા કહેવા માંગે છે,

    આપણી પાસે પ્રભુની કૃપાથી બધું જ હોવા છતાં કોઈ પૂછે કે ,”કેમ છો ?”તો આપણને અનેક ફરિયાદો હોય છે. આ આદિવાસી ખેડૂત પાસે ફાટેલા કપડાં, માથે ધગધગતો તપેલો સૂરજ, કાળીમજૂરીને અંતે પરાણે મળતો રોટલો અને રહેવા માટે નાની ઝૂંપડી છે છતાં પણ એ આનંદસભર જિંદગી જીવે છે. પોતે રસ્તે જનારને પણ પોતાનો સાવ અંગત હોય તેમ “બાપા ! હાકલા છીએ” તેમ કહે છે.

    જિંદગી કેમ જીવવી જોઈએ ? ફરિયાદ વગર મોજથી, તે આ નાના માણસ પાસેથી શીખવાનું છે. તે તો દરિયા પાસે રહી દરિયાની જેમ જ હિલ્લોળા લેતો પોતાનું જીવન ગુજારે છે.

    તેણે તો તેનાં ફાટેલા ખિસ્સામાં પણ પોતાની મોજને  સાચવીને મૂકી છે. તેની પાસે કોઈ  કિંમતી ખજાનો નથી પણ તેના આનંદ અને મનની મોજનો ખજાનો કિંમતી દરદાગીના અને પૈસાથી પણ વધારે છે. એની ભીતરની મોજ એટલી મોટી છે કે તેને પેટી પણ નાની પડે છે. એ એના, અંદરનાં આનંદથી એટલો છલોછલ છે એટલે રસ્તે જતાં આવતાં લોકો પણ તેને પોતાનાં લાગે છે. એને ક્યારેય એકલાપણું લાગતું નથી. આનંદથી હર્યોભર્યો આ દૂબળો, હંમેશા મેળામાં ફરતો હોય તેવો આનંદ અનુભવે છે. તેને ક્યાં જવાની જરૂર છે હિમાલયમાં તપ કરવા કે શાસ્ત્રોને વાંચવાંની !

    અને આ મસ્તમૌલા આદમીને જોઈ ધ્રુવદાદા આગળ ગાય છે.

    આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
    વધઘટનો કાંઠાંઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,
    સૂરજ તો ઊગે ને આથમીયે  જાય મારી ઉપર આકાશ એમનેમ છે
    આપણે તો કહીએ કે દરિયા -શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

    જીવનની કઠિનાઈઓ સાથે જીવતાં આ નિર્મળ હૃદયનાં લોકોનાં જીવનમાં આંખમાં પાણી આવી જાય એટલી મુશ્કેલીઓ આવે છે પણ તેની સામે તેઓ ઝઝૂમે છે, પણ તેમની ભીતર રહેલી પ્રેમની ,લાગણીની તેમજ દરેક માનવને સૃષ્ટિનાં સર્જનને અને તેના થકી પરમને ચાહવાની ભીનાશ ઓછી નથી થતી. દરિયાની ભરતી ઓટની ચિંતા કિનારાને કરવી હોય તો કરે, દરિયો તો તેની જરાયે પરવા કરતો નથી. એવી રીતે  દરિયા કિનારે વસતાં માનવીઓ પણ સૂરજ આથમે કે ઊગે, સુખ દુ:ખ આવે અને જાય પરતું આકાશની જેમ અડગ રહી તેમનો જીવન જીવવાનો સિદ્ધાંત અને સરળતા, નિખાલસતા અને પ્રેમને એમનેમ રાખીને મોજમાં જીવે છે. તેમજ દરિયાશી મોજને પણ કુદરતની રહેમ સમજે છે.

     ધ્રુવદાદાનું આ ગીત દુનિયાનાં દરેકે દરેક માનવીને કેટલી મોટી શીખ આપી જાય છે ! આપણે માત્ર ને માત્ર આ ગીતને યાદ રાખીને જીવીએ તો પણ હંમેશા ખુશી અને આનંદથી દરિયા જેવી મોજમાં જીવી શકીએ.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ફાસ્ટ ફર્નિચર સસ્તું છે, પણ ટાળવા જેવું છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    મનુષ્ય સુસંસ્કૃત થતો ગયો એમ તેની જરૂરિયાત વધતી ચાલી. એક યા બીજા પરિબળથી વર્ગ વિભાજન થતું ચાલ્યું. કાળક્રમે એટલી બધી ચીજોનો ઊપયોગ તે કરવા લાગ્યો કે ભાગ્યે જ તેના દ્વારા વપરાતી કોઈ ચીજ એવી હશે જે કુદરતને નુકસાન ન કરતી હોય. તેના ઉપયોગની ચીજો વધતી ગઈ, કુદરત સાથેનો તેનો સંપર્ક છૂટતો ગયો, આથી કુદરત સાથેનું સંતુલન ખોરવાતું ચાલ્યું. પર્યાવરણ ક્ષેત્રે આજે જે સ્થિતિ છે એ ક્યારથી થઈ એનો ખાસ કશા અભ્યાસ વિના અંદાજ માંડીએ તો પણ ખ્યાલ આવશે કે એ બધું છેલ્લા ચારસો-પાંચસો વરસ દરમિયાન થયું છે, અને હવે એની ઝડપ વધી છે.

    કુદરતને નુકસાન કરતી આપણા દ્વારા ઊપયોગમાં લેવાતી હોય એવી અવનવી ચીજોની યાદી દિન બ દિન વધી રહી છે. આવી એક વધુ ચીજ એટલે ‘ફાસ્ટ ફર્નિચર’. નામ જ સૂચવે છે એમ આ ફર્નિચર ‘ઝડપી’ છે, એટલે કે ઝડપી બને છે, સસ્તું પડે છે અને ઝડપથી નકામું બની જાય છે. મકાનના આંતરિક સુશોભનનો મહિમા હવે અતિશય વધ્યો છે, અને અનેક કિસ્સામાં ફર્નિચરનું બજેટ મકાન બાંધકામના બજેટ જેટલું કે એથી વધુ હોવાની નવાઈ રહી નથી. મકાનમાલિક એ આંકડો ગૌરવભેર ટાંકતા ફરે છે.

    આ પ્રકારનું ફર્નિચર જથ્થાબંધ બને છે, ઝડપથી તેમજ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને મોટી બ્રાન્‍ડનેમ હેઠળ ઑનલાઈન મળતું જોવા મળે છે. આ પ્રકારનું ફર્નિચર ઘણાખરા કિસ્સે ઊતરતી ગુણવત્તાવાળું, ભાંગીતૂટી શકે એવું હોય છે, જેની વારેવારે મરમ્મત કરવી પડે છે, અને અમુક વાર એ પણ શક્ય બનતું નથી. દેખીતું છે કે આ પ્રકારના ફર્નિચરમાં ઓછી ટકાઉ હોય એવી સામગ્રી વપરાય છે. એમાં ફોર્માલ્ડિહાઈડ, બેન્‍ઝિન અને વિનાઈલ એસિટેટ જેવાં હાનિકારક રસાયણો કે કેન્‍સરકારકો હોઈ શકે છે,  જે માનવ માટે જોખમી છે. આવું સસ્તું ફર્નિચર લાંબું ચાલતું નથી. પાંચ-સાત વર્ષ બહુ થઈ ગયાં! એ પછી ઘણાખરા મામલે તે લેન્‍ડફીલમાં ઠલવાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    હવે જોવા મળતાં ફર્નિચરમાં ટકાઉપણું ઓછું અને બાહ્ય ચમકદમક વધુ જોવા મળે છે. કારણ એ કે માંગ એવી છે. લોકોનાં રસરુચિ એટલી ઝડપથી બદલાઈ રહ્યાં છે કે તેઓ સતત નવિનતા ઝંખે છે. પહેલાંના સમયની જેમ ત્રણ ત્રણ ચાર ચાર પેઢી સુધી ચાલતું ફર્નિચર હવે તેમને કંટાળો નીપજાવે છે. ગ્રાહકોની આ માનસિકતાનો બરાબર લાભ ફાસ્ટ ફર્નિચરના ઉત્પાદકો ઉઠાવે છે. ઓછી કિંમત અને ચમકદમક તેમજ આકર્ષક દેખાવને તેઓ આગળ ધરે છે, જેનાથી ગ્રાહકો મોહિત થયા વિના રહેતા નથી. તેમાં વિકલ્પો પણ અનેક મળે છે. ખર્ચેલા નાણાં અનુસાર તે થોડો સમય કામ આપે એટલે બહુ થયું એમ ગ્રાહકો માને છે.

    એ હકીકત છે કે હવે ફર્નિચર આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આમ છતાં જૂજ લોકો એ અંગે પોતાની પસંદગી બાબતે એકદમ સ્પષ્ટ હોય છે. મોટે ભાગે તેમની જરૂરિયાત ‘ઊભી’ કરવામાં આવે છે યા એને અમુક તૈયાર ચોકઠામાં ‘બેસાડવામાં’ આવે છે. એક વાર તેને ગ્રાહક મંજૂરી આપી દે એ પછી આખી કવાયત એ જરૂરિયાતને યોગ્ય ઠેરવવાની હોય છે.

    આનો ઊપાય ખરો? પર્યાવરણ સાથે સંકળાયેલી કોઈ પણ બાબતનો ઊકેલ ન હોય એમ બને નહીં. સવાલ એ છે કે ઊપભોક્તા તરીકે આપણને એવો ઊકેલ વિચારવો જરૂરી લાગે છે કે કેમ. એક વાતે સૌ લગભગ એકમત હશે કે જૂના જમાનાનું ફર્નિચર ખૂબ ટકાઉ આવતું હતું. જૂનાં ફર્નિચરમાં ટકાઉપણાની સાથેસાથે કારીગરી પણ જોવા મળતી. એ ફર્નિચર પણ લાકડામાંથી જ બનતું હતું, પણ એ પેઢી દર પેઢી વપરાતું રહે તો નવું લાકડું એટલું ઓછું વપરાય. કશા કારણ વિના ઘણા લોકો નવું ફર્નિચર વસાવવા માટે જૂના ફર્નિચરને કાઢી નાખે છે. આવા ફર્નિચરનું નવસર્જન આસાનીથી કરાવી શકાય. સારો કારીગર મળે તો સાવ ઓછા ખર્ચે તેને એ સરખું કરી આપી શકે.

    આ બધું કરતાં પહેલાં મનોમન એ વિચારી લેવા જેવું છે કે ફર્નિચરનો અસલી ઊપયોગ પોતાની સધ્ધર આર્થિક સ્થિતિના પ્રદર્શનનો છે કે તેના સુયોગ્ય વપરાશનો? ખરેખર તો પર્યાવરણને પોતે કરેલા નુકસાન બદલ શરમ અનુભવવાને બદલે ફાસ્ટ ફર્નિચર થકી પોતે બહુ મોટો વાઘ માર્યો હોવાનું ગૌરવ લેનારા લોકો બહુમતીમાં છે. ખરેખર તેઓ પર્યાવરણરૂપી વાઘને મારી જ રહ્યા છે, પણ તેને માટે તેમને કશો અફસોસ નથી.

    ‘કશુંક નવું’, ‘કશુંક હટકે’, ‘કશુંક યુનિક’ કરીને બીજાઓને દેખાડી દેવાની લ્હાયમાં પર્યાવરણનો એવો સોથ વળી રહ્યો છે કે એ કયા તબક્કે અટકશે એ અંદાજ આવવો મુશ્કેલ છે. એના વિશેની સભાનતા પ્રગટશે એ પહેલાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હશે.

    આપણે વ્યક્તિગત સ્તરે એટલું કરી શકીએ કે કોઈ પણ ફર્નિચર કેવળ સસ્તું મળે છે એટલા માટે તેને ખરીદી ન લઈએ. ખરીદી જરૂરિયાત મુજબ જ કરીએ. જો કે, આપણા એકલાની આ જવાબદારી નથી, પણ પર્યાવરણલક્ષી નીતિના ધોરણે કશું થાય ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવું વ્યર્થ છે. કશીક નીતિ બનશે તો પણ છેવટે એ કોઈક નવા કર કે કિંમતની વૃદ્ધિમાં પરિણમે એ શક્યતા વધુ છે. પર્યાવરણ વધુ ન બગડે એ કંઈ કેવળ સરકારની જવાબદારી નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦- ૦૩– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સુકાઈ ગયેલા વનસ્પતિપણાની કથા

     વીનેશ અંતાણી

     

    દક્ષિણ કોરિયાની નવલકથાકાર હાન કાંગને વર્ષ ૨૦૨૪નું સાહિત્યનું નોબલ પારિતોષિક જાહેર થયું તે પહેલાં વર્ષ ૨૦૧૬માં એમની નવલકથા ‘વેજિટેરિયન’ને ઈન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યું હતું. આ નવલકથાથી હાન કાંગ આંતરરાષ્ટ્રીય ફલક પર જાણીતાં થયાં અને એની ઘણી ચર્ચા થઈ. ગુજરાતીમાં પણ એના વિશે લખાયું છે.

    ‘વેજિટેરિયન’ની નાયિકા યંગ-હેને એક રાતે સપનું આવે છે કે એ એક પ્રાણીને મારી એનું માંસ ખાય છે. હિંસક અને જુગુપ્સા ઉપજાવતું સપનું જોયા પછી એ માંસાહાર ત્યજી સંપૂર્ણપણે શાકાહારી બની જાય છે. એનો પતિ, એનાં માતપિતા અને એનો પરિવાર યેન-હેના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરે છે. એ ઘરમાં પતિ માટે પણ માંસ રાંધતી નથી. એક દિવસ એના પિતા બળજબરીથી એના મોઢામાં માંસનો ટુકડો ખોસે છે. એવી બળજબરી સહન ન થવાથી યંગ-હે છરીથી પોતાના હાથના કાંડની નસ કાપી નાખે છે. યેન-હેના માંસાહાર નહીં જ કરવાના અડગ નિર્ધાર અને બીજા લોકોના વિરોધની ઘટનાઓ પછી આગળ વધતી આ નવલકથા ઊંચું ઉડાન ભરે છે. એમાંથી કથાનાં નવાંનવાં પરિમાણો ઊઘડતાં જાય છે અને ‘વેજિટિરયન’ નવલકથા અનેક અર્થઘટનોની શક્યતા ખુલ્લી રાખતી વિશિષ્ટ નવલકથાની ઊંચાઈએ પહોંચે છે.

    હાન કાંગે આ નવલકથા ૨૦૦૩થી ૨૦૦૫ના સમયગાળામાં લખી હતી. તે પહેલાં વર્ષ ૧૦૦૭માં એમણે એક વાર્તા લખી હતી – ‘ધ ફ્રૂટ્સ ઑફ માય વુમન’. તે વખતે જ એમને આ વાર્તા પરથી નવલકથા લખવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તરત લખી શક્યાં નહોતાં. બીજી બે નવલકથા લખ્યા પછી એમણે ‘વેજિટેરિયન’ લખી. ‘ધ ફ્રૂટ્સ ઑફ માય વુમન’ વાર્તાના ઘણા અંશો ત્રણ ભાગમાં વહેંચાયેલી ‘વેજિટિરિયન’ નવલકથાના પહેલા ભાગમાં વિશેષ જોઈ શકાય છે.

    એ વાર્તામાં ત્રીસીની આસપાસ પહોંચેલાં પતિ-પત્નીની વાત છે. ચારેક વર્ષના સામાન્ય લગ્નજીવન પછી એક દિવસ પત્ની એના પતિને કહે છે કે એને વાંસામાં નાનકડું ચાઠું થયું છે. પતિ ચાઠું જુએ છે, પરંતુ ગંભીરતાથી લેતો નથી. થોડા સમયમાં ચાઠું મોટું થતું વધારે ફેલાય છે. એથી પતિ પત્નીને ડૉક્ટર પાસે જવાનું કહે છે. ડૉક્ટરને પણ કશું ગંભીર જણાતું નથી. તેમ છતાં પત્નીમાં ન સમજાય એવાં પરિવર્તન આવવાં લાગે છે. એનું વજન ઘટવા લાગે છે. ખાવાનું ભાવતું નથી. વારંવાર ડિપ્રેશનમાં સરી પડે છે, બોલવાનું લગભગ બંધ કરી દે છે. એના સુંવાળા વાળ સૂકાં પાંદડાં જેવાં બરડ થઈ જાય છે. ચાઠું એની આખી પીઠ અને છાતી પર વિસ્તરે છે. એને કપડાં ઉતારી તડકામાં નગ્ન ઊભા રહેવાની ઇચ્છા થાય છે. એ કોઈ અલગ વ્યક્તિની જેમ દૂરદૂર ક્ષિતિજ પાસે ચાલી ગઈ હોય એવું લાગે છે. થોડા મહિના પછી પતિ ઑફિસના કામે બીજા શહેરમાં જાય છે. એક અઠવાડિયા પછી પાછો આવે છે ત્યારે પત્ની ઘરમાં ક્યાંય દેખાતી નથી. ઘણા દિવસ પહેલાં વપરાયેલાં વાસણો એઠાં પડ્યાં છે. પતિને નવાઈ લાગે છે કે એ અચાનક ક્યાં ચાલી ગઈ છે. ત્યાં જ બાલ્કનીમાંથી પત્નીનો ક્ષીણ અવાજ સંભળાય છે. પતિ જુએ છે તો એ બાલ્કનીમાં બંને હાથ ઊંચા રાખી આગળની બાજુ વળીને ઘૂંટણિયે બેઠી છે. એનું આખું શરીર ઘેરા લીલા રંગનું થઈ ગયું છે. મોઢાનો રંગ પાંદડાંના રંગ જેવો થઈ ગયો છે. પત્ની પાણી માગે છે. પતિ એને પાણી પાય છે પછી એના આખા શરીરે અને વાળમાં પણ રેડે છે, કરમાયેલા છોડ જેવી પત્ની પાણી મળવાથી તંદુરસ્ત છોડ જેવી બની જાય છે. એનું શરીર લીલા રંગમાં ઝગારા મારવા લાગે છે. સાથળમાંથી નવાં મૂળિયાંનાં અંકૂરો ફૂટ્યાં છે અને છાતીમાં લાલ રંગનાં ફૂલો ખીલ્યાં છે. એમાં ફળ પણ આવે છે. પાનખરમાં ફરી કરમાવા લાગે છે. એના પર ઊગેલાં પાંદડાં સુકાઈને ખરી પડે છે. વાર્તાના અંતમાં પતિ વિચારે છે – વસંત આવશે ત્યારે એ ફરી મહોરી ઊઠશે? એનાં ફૂલો કરી ખીલી ઊઠશે?

    મારા અર્થઘટન પ્રમાણે આ વાર્તા માણસમાત્રમાં રહેલા પ્રાકૃતિક વનસ્પતિપણાની છે. માનવો જંગલમાં રહેતા ત્યારે એમનું પ્રકૃતિ સાથે ગાઢ સાંનિધ્ય હતું. માણસ કહેવાતી સભ્યતા તરફ આગળ વધતો ગયો અને ભૌતિકતા તરફ વળતો ગયો તેમતેમ એ પ્રકૃતિથી વિમુખ તો થઈ ગયો, સ્વાર્થ ખાતર એ જ જંગલો અને વૃક્ષોનો વિનાશ કરતાં પણ ખચકાયો નહીં. એ કારણે એનામાં રહેલું ‘વનસ્પતિપણું’ સુકાઈ ગયું છે. આજનો માણસ એનાં કુદરતી તત્ત્વો ગુમાવી બેઠો છે. ‘વેજિટેરિયન’ નવલકથામાં પણ મને એવો જ એક સૂર સંભળાયો છે. ‘ધ ફ્રૂટ્સ ઑફ માય વુમન’ વાર્તાની નાયિકા ખરેખર વૃક્ષ-છોડ બની જાય છે. ‘વેજિટેરિયન’ નવલકથાની નાયિકામાં પણ એ જ ઇચ્છા વારંવાર પ્રગટ થતી રહે છે. ઉત્તમ સાહિત્યકૃતિમાં એકથી વધારે અર્થઘટનોની શક્યતા રહેલી હોય છે. ‘વેજિટેરિયન’ના વાચકો પણ એમના દેશની સંસ્કૃતિ અને સામાજિક પરંપરા પ્રમાણે એનું અર્થઘટન કરી શકે એવો અવકાશ છે.

    ‘વેજિટેરિયન’ને બુકર પ્રાઇઝ મળ્યું પછી હાન કાંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ નવલકથા લખતાં હોય ત્યારે કેટલાક પ્રશ્નો એમના મનમાં હોય છે. નવલકથાઓ દ્વારા ‘એ માણસ હોવું એટલે શું’ એવા સવાલનો જવાબ શોધવા માગે છે, પરંતુ નવલકથાના અંત સુધી પહોંચે ત્યારે એ સવાલ સવાલ જ રહી જાય છે. ‘વેજિટેરિયન’ નવલકથામાં પણ કશાકનો અનુત્તર રહેલો જવાબ શોધવાનો પ્રયાસ છે. દરેક વાચકને જે જવાબ મળશે તે એનો પોતાનો જ હશે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • તમે ક્યારેય સોયના નાકામાંથી પસાર થતા દોરાને નિહાળ્યો છે?

    ચેતન પગી

    આ સવાલ જેને જેન-ઝી નામે ઓળખવામાં આવે છે એ પેઢીને લાગુ પડતો નથી. (આ જનરેશનને તો આમ તો ‘પેઢી’ શબ્દ સાથે પણ લેવાદેવા નથી). વર્ષ ૧૯૯૯ પછી અને ૨૦૧૨ પહેલા પૃથ્વીલોકમાં પધારેલા આ અવતારી બાળકોને ખુશ કરવા બહુ આસાન છે. એમને જાદુ બતાવવા માટે ટોપીમાંથી કબૂતર કાઢવાની જરૂર નથી. સોયના નાકામાંથી દોરો પસાર કરી બતાવશો તો પણ એ ‘વાઉ’ પોકારી ઉઠશે. જો કે જેન-ઝી પછીની પેઢીનાં બાળકોને રાજી કરવા માટે નાકામાંથી દોરો પસાર કરવાની પણ જરૂર નહીં પડે. માત્ર સોય બતાવીશું તો પણ એમના મોંઢામાંથી ‘માઇન્ડબ્લોઇંગ’ સરી પડશે.

    આધુનિક ભારત હવે સોયથી લઈને રોકેટ સુધીની બધા જ અણિયાળાં ઉપકરણો જાતે જ સર્જી શકે છે. જે ગતિએ આપણે અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યાં છે એ જોતા એક દિવસ આપણે અણિયારા સવાલોનું ઉત્પાદન પણ કરતા થઈ જશું એ નક્કી છે. બાય ધ વે, ઉપગ્રહને ભ્રમણકક્ષામાં તરતો મૂકવાના ઇસરોના મિશન જેટલું જ પડકારજનક કાર્ય સોયના નાકામાંથી દોરો પસાર કરવાનું છે. આપણે આંખો ઝીંણી કરીને બાજુવાળો (કે વાળી) વૉટ્સએપમાં કોની જોડે શું ચૅટ કરે છે એ જોવા ટેવાયેલા છીએ પણ એ જ આંખોને ઝીણી કરીને નાકામાંથી દોરો પસાર કરવાની કળા આપણે હાથે કરીને વિલુપ્ત કરી રહ્યાં છીએ.

    આ કળાને નષ્ટપ્રાય થતી બચાવવા માટે ઓલિમ્પિકમાં તિરંદાજીની જેમ સોય-દોરો પરોવવાની રમત પણ સામેલ કરી શકાય છે. દિવસમાં પાંચ વખત સોય-દોરો પરોવવાની પ્રવૃત્તિ આંખો માટે સારી કસરત પુરવાર થઈ શકે છે. તેનાથી ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવાની આંખોની ક્ષમતામાં વધારો થશે.

    જો કે આ કસરત કર્યા પછી ઇન્સ્ટાગ્રામ પર સોયમાંથી વગર જફાએ દોરો પસાર કરવાની કોઈ નવી તરકીબ મળી આવે તો નવાઈ નહીં. દોરાનો છેડો પકડીને નાકામાંથી પસાર કરતી વખતે આંખોની સાથે ધ્યાન અને એકાગ્રતાની પણ કસોટી થાય છે. તમે માર્ક કરજો. નાકામાંથી દોરો પસાર થઈ રહ્યો હોય બરાબર ત્યારે જ આપણા મુખારવિંદના નાકા સમાન નાકમાં મીઠી ખંજવાળ ઊપડે છે. એટલું જ નહીં તમે એક હાથેથી પકડેલા દોરાના છેડા કે બીજા હાથમાં રાખેલી સોયની અણી વડે નાકમાં ખંજવાળી શકતા નથી. આ સ્થિતિમાં તમારે શસ્ત્રો હેઠાં મૂકીને નાક સમક્ષ શરણાગતિ સ્વીકાર્યા વિના છૂટકો નથી. મોબાઇલની રિંગ, કૂકરની સીટી કે દૂધનો ઉભરો જેવી તાકીદે હાથ ધરવી પડે એવી કામગીરી સોયના નાકામાંથી દોરો પસાર કરતી વેળાએ જ કરવાની આવે છે.

    અત્યાર સુધી શાંત ચાર રસ્તે અચાનક ટ્રાફિક જામ સર્જાય કંઇક એવી આ સ્થિતિ છે. સોય-દોરો પરોવવાની ઘટના પણ કેટલી સાહિત્યિક હોઈ શકે છે એ વિશે આજસુધી કોઈ સર્જકે વિચાર્યું કેમ નથી. સાહિત્ય સંસ્થાઓ આગામી બેઠકમાં ‘ગાજ-બટન અને સોય-દોરાની જુગલબંધી એક સાહિત્યિક પરિકલ્પના’ નામે સત્ર યોજી શકે છે. ઘોંચપરોણા માત્ર હરીફ સાહિત્યકારની સાથે જ કરી શકાય એવો ઠરાવ ક્યાં કોઈ પસાર કર્યો છે? માત્ર સાહિત્યકારો જ નહીં ચિંતકો અને વિચારકોએ પણ આ વિચારોત્તેજ ઘટનાની અવગણના કરી છે. જેના છેડે હૃદયને વીંધી નાખે એવી અણી છે એવી સોય પોતાના જ હૃદયને નાજુક નમણા દોરા થકી વિંધાવે એ ઘટના કેમ કોઈ ચિંતકને પજવતી નથી? વસંતની પરોઢે કોયલનો ટહુકો સાંભળીને ઊર્મિઓની ભરતી અનુભવતા કવિઓએ ક્યારેક સોયના નાકામાંથી પસાર થતા દોરાને શાંત ચિત્તે નિહાળવા જેવો છે. શાંત પાણીમાં હળવે હળવે તરી રહેલી માછલીની જેમ દોરો પણ નાકામાંથી પસાર થવાની મથામણ કરે છે. નટખટ કાનુડો ગોપીઓને પજવે એમ દોરાનો છેડો પણ નાકામાંથી પસાર થવાની આનાકાની કરીને સોયની સુક્ષ્મ દિવાલને અડીને યુ-ટર્ન મારી લે છે. આટલેથી અટકતું નથી. એ પછી દોરાનો છેડો જાણે ‘દોરા ગંગા કિનારે વાલા…’ ગાતો હોય એમ મસ્તીભરી નજરે આપણી સામે તાકી રહેશે. સોય-દોરાની આ જુગલબંધી ક્યારેક એટલી લાંબી ચાલે છે કે શું સાંધવાનું હતું એ પણ ભૂલાઈ જાય છે.

    જેમની પાસે પંચાગ હાથવગું હોય તેઓ વિજય મુહૂર્તમાં આ કામગીરી કરે તો સફળતા મળવાના ચાન્સિસ વધારે છે. જેમ લોઢું લોઢાને કાપે એમ અણીદાર સોયના નાકાની આરપાર કાઢવા માટે દોરાના છેડાને બે હોઠ વચ્ચે દબાવીને અણીદાર બનાવવામાં આવે છે. મોટાભાગના કેસમાં આ ઉપાય અસરકારક નીવડે છે. પણ શક્ય છે કે સોયમાં દોરો પરોવી લીધા પછી તમને યાદ આવે કે તિરાડો એટલી પહોળી થઈ ગઈ છે કે સોય-દોરાથી સંધાઈ શકે એમ નથી.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

  • તરુણોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બંધીના વખાણ અને વિરોધ

    નિસબત

    ચંદુ મહેરિયા

    તાજેતરની ગુજરાતના અરવલ્લી જિલ્લાની છાપે ચઢેલી એક સત્ય ઘટના. પાંચમીમાં ભણતી દસ વરસની બાળકી ઈન્સ્ટાગ્રામને કારણે  સોળ વરસના  કિશોરના પરિચયમાં આવી.પરિચય વધતાં એક દિવસ બાળા ભાગીને કિશોર પાસે પહોંચી ગઈ. છત્રીસ કલાકના સહવાસ દરમિયાન બંનેએ લગ્ન પણ કરી લીધા અને પતિ-પત્નીની જેમ શરીર સંબંધ પણ બાંધ્યો. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાની તરુણો પરની ભયાનક અસરનો આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. અને એટલે જ દુનિયામાં ટીનેજર્સના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધની માંગ બળવત્તર બની છે. કેટલાક દેશોએ તો તેનો અમલ પણ શરુ કર્યો છે.

    અમેરિકી સેનેટ સમક્ષની સુનાવણીમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વાલીઓની માફી માંગતા કહ્યું હતું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે ઘણા બાળકો-કિશોરો અને તેમના માબાપોને વેઠવું પડ્યું છે. તેમને મોટું નુકસાન થયું છે. આ ખરેખર ન થવું જોઈએ.

    ૨૦૨૪નો ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ થયેલો  શબ્દ  બ્રેન રોટ ( Brain rot ) છે. મગજનો સડો  જેવો શાબ્દિક અર્થ ધરાવતો આ શબ્દ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગ અને તેને લીધે ત્યાં જોવા મળતી નકામી કે અર્થહીન સામગ્રીની મગજ પર થતી  ખરાબ અસરને  વ્યક્ત કરે છે તેમ જ તે અંગેની વૈશ્વિક ચિંતાને પ્રતિબિંબિત કરે છે.

    ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો દેશ છે જેણે બાકાયદા સોળ વરસથી ઓછી વયના બાળકો-કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બંધી ફરમાવી છે. ઓસ્ટ્રેલિયન સેનેટમાં ૩૪ વિરુધ્ધ ૧૯ મતે પસાર થયેલ સોશિયલ મીડિયા સેફ્ટી અમેન્ડમેન્ટ બિલ કે સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલની જોગવાઈ મુજબ સોળ વરસ કે તેથી ઓછી વયના બાળકો-તરુણોનો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ, સ્નેપચેટ, અને ટિકટોકનો ઉપયોગ ગુનો ગણાશે. જોકે ટીનેજર્સ કે તેના માતા-પિતાને બદલે કાયદામાં કંપનીઓને દોષિત ઠેરવવવામાં આવી છે અને આકરો દંડ નક્કી કર્યો છે.

    વધુ સ્ક્રીન ટાઈમ આરોગ્ય માટે હાનિકારક હોઈ સિંગાપોર સરકારે હેલ્થ પ્લાનનું આયોજન કરવું પડ્યું છે. નોર્વે સરકાર અલ્ગોરિધમની પ્રચંડ તાકાત સામે બાળકોને સલામતીનું કવચ પૂરું પાડવા તેર વરસ કરતાં વધુ વય સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ઠરાવવાની છે. ફ્રાન્સ ગવર્નમેન્ટ પંદર વરસથી ઓછી વયના બાળકો માટે માબાપની સંમતિ જરૂરી કરવાની છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં પ્રતિબંધ અમલી છે. સ્પેનમાં તો ત્રણ વરસ સુધીના બાળકોના સ્માર્ટફોન વપરાશ પર પૂર્ણ અને ત્રણ થી છ વરસ માટે અંશત: પ્રતિબંધ છે.

    ભારતમાં હાલમાં પ્રતિબંધની બાબત વિચારણામાં ન હોવાનું આઈટી મંત્રાલયના સચિવે કહ્યું છે. પરંતુ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટ ૨૦૨૩ના નિયમોના મુસદ્દામાં અઢાર વરસથી નાની વયના કિશોરોના સોશિયલ મીડિયાના ઉપયોગ માટે માબાપની સંમતિ અનિવાર્ય બનાવી છે. ગુજરાતમાં સરકાર માર્ગદર્શિકા તૈયાર કરવાની છે.

    સ્માર્ટ ફોનનો વપરાશ અને સોશિયલ મીડિયાનો વ્યાપ ઘણો મોટો અને સાર્વત્રિક છે. તેના લાભાલાભ પણ છે. એટલે બાળકો તથા કિશોરોના ઉપયોગ પર કેટલાક દેશોએ પ્રતિબંધ લાદ્યો તો કેટલાકે નિયંત્રણો મૂક્યા તે પગલાંની સરાહના ખૂબ થઈ છે. કંપનીઓ સિવાયનો એક વર્ગ તેનો તાર્કિક વિરોધ પણ કરે છે.

    અભ્યાસો દર્શાવે છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે માનસિક અને શારીરિક આરોગ્ય સંબંધી સમસ્યાઓ જન્મે છે. વળી ટીનેજર્સમાં તો તેનું પ્રમાણ વધુ છે. સોશિયલ મીડિયાનું વળગણ તેમને સ્માર્ટ ફોનના વ્યસની બનાવી દે છે. ચીડિયાપણું, મેદસ્વિતા, એકાગ્રતાનો અભાવ, ઓછી ઉંઘ  જેવી સમસ્યાઓ ઉભી થાય છે. કરોડરજ્જુ અને આંખોની મુશ્કેલી જોવા મળે છે. અભ્યાસ અને વાચન પ્રત્યે દુર્લક્ષ સેવે છે. વ્યાયામથી દૂર થાય છે. સામાજિક સંબંધો પર અસર પડે છે. માતાપિતા સાથેનો સંવાદ ઘટ્યો છે. અશ્લીલ સામગ્રી સરળ રીતે હાથવગી થતાં તરુણો પર નકારાત્મક અસર ઉભી થાય છે. બાળકો શાંત અને સિંગલ માઈન્ડેડ બની જાય છે. અધિક ઉપયોગ અને અધિક નિર્ભરતા સંવાદની ક્ષમતા ઘટાડે છે. તરુણોમાં જોવા મળતા ચિંતા અને તણાવ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગને લીધે છે.  આ તમામ બાબતોના નિવારણ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક નિયંત્રણો કે પ્રતિબંધ એક જ વિકલ્પ લાગે છે. આ પ્રકારના વિચારો ધરાવતા લોકો (જે બહુમતીમાં છે) બંધીને વાજબી ઠરાવી તેના વખાણ કરે છે.

    સોશિયલ મીડિયા પર બંધીના કાયદા અને નિયંત્રણો માટેના નિયમોનો સૌથી ઉગ્ર અને મુખર વિરોધ કંપનીઓએ કર્યો છે.  એલન મસ્કના મતે આ બંધી નાગરિકોને માહિતી સુધી પહોંચતા અટકાવવાનો પ્રયાસ છે. કંપનીઓને સજા કે દંડ પણ તેમને અસ્વીકાર્ય છે. એ ખરું કે હાલના કાયદા અને નિયંત્રણો ઘણાં મર્યાદિત છે અને તે બૂરી અસરને ખાળવાનો પ્રયાસ છે. તે કિશોરોને ઈન્ટરનેટ કે માહિતી સુધી પહોંચતા પૂર્ણપણે અટકાવતો નથી. સોશિયલ મીડિયા વિચારોના આદાનપ્રદાનનું મૂલ્યવાન સાધન છે. જેમનો અવાજ કથિત મુખ્યધારામાં ગૌણ છે તે સબળ રીતે  આ માધ્યમનો ઉપયોગ કરી શકે છે અને કરે પણ છે. અમેરિકામાં આફ્રો-અમેરિકન યુવકની હત્યાની ઘટના કે અરબવસંતમાં તેણે જાગ્રતિ માટે મોટો રોલ ભજવ્યો હતો. સોશિયલ મીડિયા અફવા ફેલાવે છે, દુશ્મની વધારે છે તો તે બૌધ્ધિક દુનિયાનું નિર્માણ પણ કરી શકે છે. વંચિતો, દુભાયેલા લોકો અને અન્યના સંઘર્ષોમાં તે ધારદાર હથિયાર બની શકે છે. લોકજાગ્રતિ કે આંદોલન માટે તેમ ધંધા રોજગાર માટે પણ તે કામનું છે. કિશોરોના સ્ક્રીન ટાઈમને ઘટાડીને કે તેમને જાગ્રત કરીને  આ કામ થઈ શકે છે. પ્રતિબંધ યોગ્ય ઉકેલ નથી એમ માનનારો એક વર્ગ છે.

    ટીનેજર્સને સોશિયલ મિડીયાની નકારાત્મક અસરોથી બચાવવા માટે મોટેરાંઓએ પહેલ કરવી પડશે. એક અંદાજ મુજબ મોટેરાં સરેરાશ પાંચ કલાક અને તે પણ મોટેભાગે બાળકોની હાજરીમાં સોશિયલ મીડિયા પર ગાળે તો તેની અસર બાળકો પર થવાની જ છે. એટલે બાળકો પર બંધી મૂકતા પહેલાં મોટેરાં સ્વયં નિયંત્રણ  કરે તે જરૂરી છે. એક સર્વે પ્રમાણે ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ સરેરાશ ૨.૪ કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે. દુનિયામાં સૌથી વધુ દૈનિક સરેરાશ ચાર કલાક ફિલિપાઈન્સના લોકો ખર્ચે છે પરંતુ જાપાનીઓ માત્ર પોણો કલાક જ ખર્ચે છે. તેના પરથી જાપાન કેમ દુનિયાનો અગ્રણી દેશ છે તે સમજાવું જોઈએ.

    કોરોનાએ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના આપણને આદિ બનાવી દીધા છે. ઓનલાઈન શિક્ષણે બાળકો અને કિશોરોને પણ તેનો વધુ ઉપયોગ કરતા કર્યા  અને હવે તેના વ્યસની થઈ ગયા છે. આજકાલ પુસ્તકોનું સ્થાન સ્માર્ટફોને, કાગળનું સ્થાન સ્ક્રીને અને પેનનું સ્થાન કી બોર્ડે લઈ લીધું છે. એટલે તેના વળગણથી પૂર્ણ છૂટકારો તો શક્ય લાગતો નથી પરંતુ વિવેકસરનો ઉપયોગ તેની માઠી અસરો જરૂર ઓછી કરી શકે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સુધા મૂર્તિ…સાદગીની મૂર્તિ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    અમે રાખમાંથીયે બેઠા થવાના,
    જલાવો તમે તોયે જીવી જવાના.

    ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
    અમે ભીંત ફાડીને ઊગી જવાના.

                              -હર્ષ બ્રહ્મભટ્ટ

     

    કુદરતે તો સ્ત્રીને અઢળક બક્ષ્યું છે પણ સમાજની માનસિકતાએ એને સાવ ઓછું આપ્યું છે. કાયદાઓ બદલાયા છે છતાં સ્ત્રીને મુક્ત આકાશ મળતું નથી. ઊલટાનું એ દંભની દાદાગીરીનો ભોગ બની છે. એને અપાતા સ્વાતંત્ર્યમાં સન્માન કરતા સાર્કેઝમનો સૂર વધુ સંભળાતો હોય છે. મહાભારતમાં એક શ્લોક છે ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમ્ અર્હતિ’. આ કેટલે અંશે સ્વીકાર્ય હોય શકે એ ચર્ચાનો વિષય છે. પણ સ્ત્રી રૂટેડ હોય છે અને વહેતી પણ હોય છે. એવું ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિએ સાબિત કર્યું છે. વર્જીનિયા વુલ્ફ ખૂબ સુંદર વાત કહે છે કે ‘Lock up your libraries if you like; but there is no gate, no lock, no bolt that you can set upon the freedom of my mind’. સંભારણાની સફર, મનની વાત, શોધે તેને જડે અને તમે જ તમારું અજવાળું જેવા અનેક પ્રેરણાદાયી પુસ્તકોના લેખિકા સુધા મૂર્તિ નોખી જ વાતો લઈને આવે છે. જે આપણાં જીવનને સાવ બદલી નાખે છે. તેમણે અનેક નવલકથાઓ, ટેકનીકલ અને મોટીવેશનલ પુસ્તકો, બાળસાહિત્ય, પ્રવાસવર્ણનો તથા જીવન ઉપયોગી લેખો લખ્યા છે.

    રોજીંદા પ્રશ્નો અને તકલીફો સામે સંઘર્ષ કરતા આપણે અંદરની સહજતા ખોઈને દુનિયા વિચારે એ ઘરેડમાં વિચારતા થઇ જઈએ છીએ. દુનિયાથી જુદું – ‘Out of Box’ વિચારવાનો આપણને સમય જ હોતો નથી. અથવા ચીલો ચાતરી શકવાની તાકાતનો આપણામાં અભાવ હોય છે. રિવાજોની કેદમાં મર્યાદાના વજનિયાં ઊંચકીને મુક્ત વિહાર ન કરી શકતું મન અંતે થાકે છે. જિંદગીને વેંઢારે છે. નાના હોઈએ ત્યારે કેવા ક્રિએટીવ હોઈએ ! આઈડિયાબાજ મગજ બધે મેથી મારવા દોડતું હોય. ચાલો, ‘હવે તો મોટા થઈ ગયા’ના રિટાયરમેન્ટને ઉફરા વિચારવાના વહેણે વાળીએ. આપણા પ્રશ્નોના ઉકેલ આપણી અંદર જ છે. રોજ સામે મળતા સામાન્ય માણસોની ભીતર રહેલા મુઠ્ઠી ઊંચેરા કદને આપણે પામી શકતા નથી. ‘નોખી માટીના જીવ’માં આવા પ્રતિષ્ઠિત ન હોય તેવા ઉમદા માનવીઓની હ્રદયસ્પર્શી વાતો છે. જે સૌને ઉમદા જીવવા પ્રેરિત કરે છે. અહીં સુધા મૂર્તિની સરળ અને વિનોદી શૈલીનો પણ પરિચય થાય છે. એ વાતો જાણે સુગંધિત ફૂલોનો આખો બગીચો છે.

    ઈન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ જુદી જ દિશા ભણી ઉઘાડી છે. એમના ‘મનની વાત’ પુસ્તકમાં મુંબઈના ભિખારી ચાચાની વાત હોય કે ડાંગના શૈલેષકુમારની, દરેક પ્રસંગ મનનીય છે, અવિસ્મરણીય છે. શ્રી સોનલ મોદીએ સુધા મૂર્તિના ઉત્તમ પુસ્તકોનો અનુવાદ ગુજરાતની વ્યવહારકુશળ પ્રજાને સ્પર્શી જાય તેવી સરળ અને સચોટ ભાષામાં કર્યો છે. સુધા મૂર્તિને ભાગે પણ એમના બાળપણથી લઈને એમનાં કુટુંબ જીવનમાં, મુસાફરીઓ દરમિયાન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં કામને લીધે એવી અસંખ્ય સત્યઘટનાઓનો હિસ્સો બનવાનું આવ્યું છે. એ જ અનુભવો એમણે એમના સ્પષ્ટ છતાં હૂંફાળા અંદાજમાં ‘જીવનની વાત’ નામના પુસ્તકમાં વહેંચ્યા છે. સુધા મૂર્તિ કહે છે કે જિંદગી નામની નમકીન ચીજ સાથે મળેલા સમયગાળામાં સૌએ નિયતિએ ગોઠવેલ શતરંજની બાજી રમી લેવાની છે. કંઈ કેટલાયે વિધ વિધ અને અદ્ભુત પાત્રો એ માર્ગે આપણને મળશે, ઘડશે અને અવનવાં આકારોમાં ઢાળશે. કર્ણાટકમાં યુવાન વયે ધર્મ અને કુપ્રથાના નામે દેવદાસી બનાવી દેવામાં આવતી સ્ત્રીઓને મદદ કરવા ગયેલા સુધા મુર્તિને પહેલા તો દેવદાસીઓએ અપમાનિત કરી તગેડી મૂક્યા હતા. પછીથી તેમના સંતાનોને ભણાવવા બાબતે રસ લેતા સુધાજી ધીમે ધીમે તેઓના ‘અકકા’- મોટીબેન બની ગયા. ‘થ્રી થાઉઝન્ડ સ્ટિચીઝ’ પુસ્તકમાં એમણે દેવદાસીઓના જીવનની હ્રદય વલોવી નાખતી પીડાની વાત કરી છે. તે વખતે યુવાન સુધા મૂર્તિને તેમની વ્યથા સાંભળ્યા પછી સમજાયું કે ફ્ક્ત પૈસાનું યોગદાન આપવું એ તેમની યાતના અને સંઘર્ષનો ઉકેલ નથી. તેમનામાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનની લાગણીનો સંચાર કરવો અનિવાર્ય છે.

    સુધા મૂર્તિના વ્યક્તિત્વના અનેક પાસા છે. એક ઉત્તમ માનવીય ગુણો ધરાવનાર સુધાજી એન્જિનિયરિંગના વિદ્યાર્થિની, સફળ ઉદ્યોગપતિના પ્રેરણામૂર્તિ, કમ્પ્યુટર સાયન્સના લેકચરર, ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સેવા કાર્યો કરનાર સમાજ સેવિકા, ઉત્તમ લેખિકા અને એક કોલમિસ્ટ પણ છે. ટાટાની ટેલ્કોમાં નોકરી માટેની જાહેરાતમાં ‘મહિલાઓએ અરજી ન કરવી’ એવું સ્પષ્ટ જણાવાયું હતું. કંપનીની આવી ભેદભાવયુકત નીતિ અંગે તેમણે સીધો ટાટાને જ ટીકાત્મક પત્ર લખી નાખ્યો. તેમના આ આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈને ટાટાએ તેમનો ઇન્ટરવ્યૂ લેવડાવ્યો અને પછી તો  તેમણે ટેલ્કોમાં આઠ વર્ષ સુધી નોકરી કરી. એક બાજુ પતિની ઇન્ફોસિસ કંપની આગળ ધપવા લાગી ત્યારે બેવડી જવાબદારી અદા કરવી મુશ્કેલ બનવા લાગી. આથી તેમણે ટેલ્કોમાં રાજીનામું આપી દીધું. સુધા મૂર્તિને ટાટાએ તેમની ઇન્ફોસિસ કંપની અંગે કોઈ ડંખ વિના હૃદયથી શુભેચ્છા આપી અને ઈન્ફોસિસનું નામ મોટું થાય ત્યારે સમાજોપયોગી કાર્યો કરવાની આપવાની સોનેરી સલાહ પણ આપી. ઈન્ફોસીસ ફાઉન્ડેશન દ્વારા સુધા મૂર્તિ, સ્વાસ્થ્ય, શિક્ષા, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ અને ભારતીય કળા અને સંસ્કૃતિને આગળ વધારવાનુ કાર્ય કરે છે. તેમનું  પહેલેથી જ એક સ્વપ્ન હતું  કે દરેક સ્કૂલ  દીઠ એક પુસ્તકાલય હોવું જરૂરી છે. આના ફલ સ્વરૂપે ઇન્ફોસિસ ફાઉન્ડેશને અનેક સરકારી તેમ જ ખાનગી શાળાઓમાં ‘લાયબ્રેરી’ ઊભી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો છે. જેના દ્વારા વિદ્યાર્થીને સારા પુસ્તકોનુ વાંચન કરવાનો મોકો સતત મળી શકે. અને આ સ્વપ્નને તેઓએ પૂર્ણ પણ કર્યું. જે માટે સુધા મૂર્તિ અંતરાળ ગામોમાં ખુદ ફરે છે. હોટલની સુવિધા ન હોય, ત્યાં કોઈ શિક્ષકના ઘરે રાતવાસો કરવાનું તે પસંદ કરે છે, ભોજન લે છે અને તેમના અનુભવોને પોતાની આગવી શૈલીમાં પોતાના લેખોમાં બયાન પણ કરે છે. અત્યાર સુધીમાં આવી અગણિત લાયબ્રેરીઓ ઊભી કરવા બદલ તેઓને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. માત્ર બેંગ્લોર શહેરના વિસ્તારોમાં તેમણે દશ હજાર જેટલા સાર્વજનિક શૌચાલય બનાવ્યા છે. તે ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ શૌચાલય બનાવવા માટે મદદ કરી રહ્યા છે. દેશના પુરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે ૨૩૦૦થી વધારે ઘરો બનાવી આપ્યા છે. અને દેશ માં જ્યાં પણ કુદરતી આફતો આવે છે, ત્યાં તેઓ અને તેમના કાર્યકરો સેવા અર્થે પહોંચી જાય છે. ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં જ્યારે સુનામી આવ્યું ત્યારે સેંકડો લોકો મદદ માટે આગળ આવ્યા, પણ આ બધામાં સામાજિક કાર્યો કરવામાં અગ્રેસર રહેતા સુધા મૂર્તિ દ્વારા કરવામાં આવેલી મદદ સાવ અનોખી હતી. તેમણે સેંકડો મહિલાઓ માટે ચાર ટ્રક ભરીને સેનેટરી નેપકીન્સ મોકલાવ્યા હતા.

    દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો સાથ હમેશા હોય છે, તેમ નારાયણ મૂર્તિની પ્રગતિનો પ્રારંભ જ તેમના પત્ની હતા. પત્ની સુધા મૂર્તિના છુપાવીને મુસીબતના સમયે કામ આવે તે માટે એકઠા કરેલા દશ હજાર રુપયાની રકમથી જ નારાયણ મૂર્તિએ ઈન્ફોસીસ કંપનીની શરૂઆત કરી હતી. તેઓ ઈન્ફોસીસ ફાઉન્ડેશનના ચેર-પર્સન તો છે જ. ઉપરાંત બીલ ગેટ્સના ‘ગેટ્સ ફાઉન્ડેશન’માં પણ સામાન્ય સ્વાસ્થ્ય દેખભાળની બાબતોના સદસ્ય છે. સુધાજીના માતાને કવિતા લખવાનું ગમતું. એ વાતને તેઓ તેમની લખવાની ઇચ્છાનું મૂળ માને છે. તેમણે ૧૯૭૯માં પ્રથમ પ્રવાસકથા લખી. તેઓ અમેરીકામાં ત્રણ મહિના એકલા રહેલા એની એ પ્રવાસકથા છે જેના પ્રકાશિત કરવા અંગે એમણે કદી વિચાર્યું ન હતું. તેઓ એક ખૂબ  જ સારા સાહિત્યકાર અને લેખક પણ છે. આજ સુધીમાં તેઓના ઈંગ્લીશ, હિન્દી, કન્નડ અને બીજી અનેક ભાષાઓમાં ૨૪ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે અને એનાં ૧૬ ભારતીય ભાષાઓમાં અનુવાદ થયાં છે. અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં એ સારી સંખ્યામાં વેચાયાં પણ છે. તેઓનું એક પુસ્તક ‘હાઉ આઈ ટોટ માય ગ્રાંડમધર ટુ રીડ એન્ડ અધર સ્ટોરીઝ એટલે કે ‘મેં કેવી રીતે મારા દાદીમાને વાંચતા અને બીજી વાર્તાઓ શીખવી’નું દેશની ૧૫ ભાષાઓમાં અનુવાદ થયો છે. બાળવાર્તા લખવામાં સફળ નીવડેલાં સુધા મૂર્તિનું બાળસાહિત્ય અત્યંત સરળ ભાષામાં હોય છે. લખવા બેસે છે ત્યારે એમની સામે નાનું બાળક બેસીને સાંભળતું હોય એવી તેઓ કલ્પના કરે છે. એની આંતરસૂઝ અને સજાગતા ઉત્તમ પ્રકારની છે જે જાણે છે કે બાળક માટે કેવી ભાષા યોગ્ય રહેશે. એમની વાર્તાનો બોધ મુખર પણ નથી કે આજના બાળકોના દફતર જેવો ભારેખમ પણ નથી.

    ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. આર. નારાયણ મૂર્તિ અને તેની પત્ની સુધા મૂર્તિ પર બાયોપિક ફિલ્મ બનાવવાની તૈયારી થઈ રહી છે. એક સમાચાર મૂજબ સુધા મૂર્તિના પાત્ર માટે આલિયા ભટ્ટના નામનો વિચાર થઈ રહ્યો છે. આમ પણ આલિયા ભટ્ટ અત્યારે એક સારી બાયોપિકની શોધમાં છે . આ એક્ટ્રેસ માટે સુધા મૂર્તિ જેવી ઇન્સ્પાયરિંગ અને આઇકોનિક પર્સનાલિટીનું પાત્ર ભજવવું ચેલેન્જિંગ રહેશે. આ ફિલ્મ મૂર્તિની જીવનકથની પર આધારિત હશે, જેમાં તેમનું દેશ માટેનું યોગદાન અને તેમની કારકિર્દીની સફરને કેન્દ્રમાં રાખવામાં આવશે. આ ફિલ્મનું શિર્ષક ‘મૂર્તિ’ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન અશ્વિની ઐય્યર તિવારી કરશે. અશ્વિની પ્રખ્યાત ડાયરેક્ટર છે. તેણે બરેલી કી બર્ફી અને પંગા જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. સુધા મૂર્તિને ફિલ્મ જોવાનો અતિ શોખ છે. તેમણે એક વર્ષમાં ૨૬૫ ફિલ્મ પણ જોયેલી છે. તેમની ‘ડૉલરવહુ’ નવલકથા ઝી ટીવી પર સીરીયલરૂપે પ્રસારિત થઈ હતી.

    સુધા મૂર્તિને ૨૦૦૬માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓને વિવિધ પ્રકારના અનેક પુરસ્કારો મળી ચુક્યા છે. રોટરી ક્લબ દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’, કન્નડમાં ‘અતીમાબે પુરસ્કાર’, ‘ઓજસ્વીની પુરસ્કાર’, ‘મિલેનિયમ મહિલા શિરોમણી પુરસ્કાર, ‘બસશ્રાવી પુરસ્કાર’, ક્રોસ વર્લ્ડ રેમંડ બુક્સ એવોર્ડમાં લાઈફ ટાઈમ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, માનદ ડોકટરેટની ઉપાધિ, અભ્યાસ દરમિયાન અનેક ગોલ્ડ મેડલ તેમ જ અનેક વિધ અન્ય પુરસ્કારો મળી ચુક્યા છે. સમાજની મહિલાઓ અને શ્રીમંત લોકો માટે તેઓ, એક શ્રેષ્ઠ ઉદાહરણ સ્વરૂપ રહ્યા છે.


    ઇતિ

    ભાષા એટલે વિચારોનો પહેરવેશ.

    -ડૉ. જોનસન


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.