-
આચાર્ય કૃપાલાની ૨૦૨૫માં આપણી વચ્ચે પાછા ફરે તો?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
બરાબર એકતાળીસ વરસ પાછળ જાઉં છું: ૧૯૮૨ના માર્ચની ૧૯મીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (ડી 6માં) દાદા કૃપાલાનીના અંતિમ શ્વાસોમાં કંઈકે અધ્ધરજીવ પણ પ્રાર્થનાવિનત પદોમાં ઊભા છીએ. થોડી વારે લગારે મ્લાન થયા વગરનો એમનો ચહેરો સહજક્રમે સંકેલાતો વરતાય છે. (રવીન્દ્રનાથ, એમના તો વેવાઈ, સાચા લાગે છે કે જગતજનની એના બાળને એક થાનલેથી બીજા થાનલે લઈ રહી છે.) જેવા આચાર્યસત્તમ એવા જ સ્વાતંત્ર્યસેનાની, અંતિમ પદોમાં શું વિચારતા હશે એ?
એક સંભવિત ઉત્તર તો એમણે થોડાં વરસ પર, વયે ખાસાં ૧૯ વરસ નાનાં સુચેતાજી ગયાં ત્યારે જ એમની અધૂરી આત્મકથાનાં પ્રાસ્તાવિક વચનોમાં આપી દીધો હતો-હર શ્રદ્ધાળુ હિન્દુ ઈચ્છે છે કે મારી આંખ મીંચાય ત્યારે નજર સામે કિરતાર હોય. પણ મને ભય છે કે અંતિમ પળોમાં મારી સામે સુચેતા તરવરતાં હશે. ખરું પૂછો તો એમના જેવા સમર્પિત, કહો ને કે મય્યર્પિત, જીવનના કર્મીને પ્રિયજનને ઈશ્વર એવો ભેદ ક્યાંથી હોઈ શકે. ચાલુ રાજનીતિ વચ્ચે હરપળ ભગવદ્દ સંનિધિ એવું એ જીવ્યા.
આ લખું છું ત્યારે સાંભરે છે કે એમની જોડે કશુંક રાજકીય વાચન કરતો બેઠો હોઉં ને લગાર ખંડ પડે તો મેગ્નિફાઇંગ ગ્લાસ લઇ ‘નારદ ભક્તિસૂત્ર’માં કે એવા કશાકમાં (વારેવારે જોકે માસ્ટર મશાય લિખિત ‘ગોસ્પેલ’ – ‘રામકૃષ્ણ કથામૃત’માં) પરોવાઈ જાય. ‘શું સેવા કરી શકું, દાદા?’ એકવાર પ્રભુદાસ પટવારીની પરસાળમાં એમની પાસે બેઠો હતો અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ દીવાનસાહેબે પૂછ્યું. દાદાએ ‘રામકૃષ્ણ કથામૃત’ ભણી આંગળી ચીંધીને કહ્યું – ‘આમાંથી, સહેજે જે ખૂલે તે વાંચી સંભળાવો.’
કેવું જીવન જીવ્યા હતા એ. સ્વરાજ બેઠું ન બેઠું અને એ કોંગ્રેસ પ્રમુખ પદે વરાયા હતા. હજુ વિધિસર પદગ્રહણ કરે એ પૂર્વે જ, ભાગલાના એ દિવસોમાં પૂર્વ બંગાળથી આવતી ખબરો વચ્ચે ગાંધીજીએ પ્રાર્થના પ્રવચનમાં જ કહ્યું કે (કૃપાલાનીએ મોડેથી સાંભળ્યું હશે કે વળતે દહાડે છાપામાં જોયું હશે) કે કૃપાલાની ત્યાં જઈ સૌને મળશે. એ ગયા તો એવા ગયા કે ઑગસ્ટે અધવચ એ અને રામ મનોહર લોહિયા દિલ્હીમાં અશાંત કોલકાતામાં શાંતિ સ્થાપનમાં રોકાયેલા હતા. મધરાતે (૧૪મી ને ૧૫મી ઑગસ્ટના સંધિકાળે બંધારણસભામાં સુચેતાએ ‘વંદેમાતરમ્’, ‘જનગણમન’ અને ‘સારે જહાં સે અચ્છા’ ગાયાં તે એમને કોઈ મિત્રને ત્યાં રેડિયો પર સાંભળ્યું હતું.) સ્વરાજ આવ્યું અને રાજ્યનિર્વહણનું દાયિત્વ નેહરુ-સરદારને ખભે આવ્યું. બાપુ તો અલબત્ત લોકમાંઝાર રહેવું પસંદ કરે. કૃપાલાનીએ સંસદમાં ને સંસદ બહાર રહીને સ્વીકારેલી ભૂમિકા રાજને અંગે સોક્રેટિસ બગાઇની હતી. નેહરુએ પ્રધાનમંડળમાં જોડાવા કહેવડાવ્યું તો કીડવાઈ મારફતે જવાબ ગયો કે આગ્રહ હોય તો જ તો ભ્રષ્ટાચારની તપાસનું ખાતું આપો, નેહરુ મનના મોકળા હશે, પણ રાજ જેનું નામ તેને આંતરિક પણ બગાઈ સોરવાય શાની…વાત ઊગી એવી જ આઠમી પણ ગઈ!
કટોકટી કાળે તો એ અલબત્ત રણમોઝાર જ હોય, આકરી માંદગીના મહિનાઓ બાદ કરતાં…અને એની વચ્ચે પણ એમનાં વ્યંગિયાં ને નર્મમર્મ એની તો વાત જ શી. હોસ્પિટલની પથારીએ હતા. કંઈકે જાતભાતની ટોટીઓએ શરીર સોહતું હતું. ખબર કાઢવા ગયા તો કહે કે આ તો ઇંદિરાઈ કટોકટી જેવું છે – નો કોન્સ્ટિટ્યૂશન. ઑલ એમેન્ડમેન્ટ્સ! એ વર્ષોમાં દેશના અંતરાત્મા શા ઉભરેલા જયપ્રકાશ અને લોકવિલક્ષણ બગાઈધર્મી કૃપાલાની, બેઉનો મિજાજ તો જુઓ: જનતા રાજ્યારોહણ અને મોરારજી પ્રધાનમંડળની રચના પછી થોડે વખતે, વડાપ્રધાનની પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર આ બેઉ નેતાઓએ એક જાહેર નિવેદન મારફતે સંબંધિત સૌને અનુરોધ કર્યો હતો કે વ્યક્તિગત સરકારી કામકાજ સારું અમને મળશો મા.
કમાલ તો માર્ચ ૧૯૭૭ની જનતા વિજય સભાનો અવસર હતો. જયપ્રકાશ એમાં સામેલ થઈ શક્યા નહોતા, કેમકે ડાયાલિસિસવશ જિંદગી બસર કરનાર તરીકે એમને માટે સમય ને શક્તિ બેઉનું રેશનિંગ દુર્નિવાર હતું. પરાજયની ક્ષણોમાં નિઃસહાય એકલતા અનુભવતી ‘બેટી ઈંદુ’ને મળવામાં એમને સારું સભામાં સામેલ થવું સહેલું નહોતું. કૃપાલાની જરૂર પહોંચ્યા હતા અને સીધાસાધા સાફદામન શબ્દોમાં આચાર્યોપમ વેણ પણ કાઢ્યા હતા. વિરાટ જનમેદનીને જાણે ખખડાવતા હોય એમ એમણે કહ્યું હતું: ‘અમારા પગ પકડતા શાને આવો છો? અમે તો પોલિટિશિયનો છીએ, ડૅમ પોલિટિશિયનો. અમે કોઈ વેરી સ્પેશિયલ માણસો નથી. મારે તમને સાફ શબ્દોમાં ચેતવી દેવા જોઈએ કે આવું કરશો તો માંડ ગયેલી ગુલામી પાછી આવશે. ત્રીસ ત્રીસ વરસ લગી અમારો જયજયકાર પોકારીને તમે શું મેળવ્યું? કટોકટી કે બીજું કંઈ? કોઈ દિવસ પોલિટિશિયનોના પગ પકડશો ના. ગભરાશો ના. ડરશો ના. સમજીને ચાલજો કે અમે સંન્યાસી નથી અને અમારે સ્વાર્થનાં સગાંનો તોટો નથી. અમારી લગામ તમે માલિકો બરાબર તમારા હાથમાં રાખી શકો તો જ લોકશાહી અને આઝાદીનો કોઈ મતલબ છે.’
માર્ચ ૧૯૭૭ના આ ઉદ્દગારો છે. માર્ચ ૧૯૮૨માં કૃપાલાની ગયા. માનો કે માર્ચ ૨૦૨૫માં એ આપણી વચ્ચે પાછા ફરે તો? આજે પણ એમણે કદાચ એ જ કહેવાનું રહે એવું તો નથી ને? જયપ્રકાશનો પ્રિય ઉદ્દગાર હતો કે સાપનાથ જાય અને નાગનાથ આવે એવું જોઈતું નથી. કૃપાલાની તો કૃપાલાની રહ્યા. એ ખેવના કે કોઈ દિવસ પોલિટિશિયનોના પગ પકડશો ના. વળી ઉમેરવાના કે ડરશો ના. ગભરાશો ના.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯ – ૦૩– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
અર્વાચીન જાબાલી અને સત્યકામનો ન્યાય માટેનો સંઘર્ષ
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
એપ્રિલ ૨૦૧૦નો કોઇ દિવસ હતો. લખનૌની એક મહિલા હોસ્ટેલના દરવાને પંદરેક વર્ષની ઉંમરના એક કિશોરને અંદર દાખલ થતો રોકતા કિશોરે હોસ્ટેલની એક મહિલાનું નામ-સરનામું લખેલી એક ચબરખી બતાવી. થોડી વારે દરવાન ૪૨ વર્ષની ઉંમરની એક મહિલાને બોલાવી આવ્યો. કેટલોક સમય તો એ મહિલા અને પેલો કિશોર પરસ્પરને જોતા જ રહી ગયા. આખરે મૌંન તોડીને કિશોરે ગભરાતા ગભરાતા પૂછ્યું “તમે મારા મમ્મી છો?” મહિલા ભૂતકાળમાં સરી પડી અને અચાનક તેના મગજમાં થયેલા ઝબકારે વર્ષોની લાગણીનો બંધ તોડી નાખ્યો.પોતે કિશોરને ભેટી પડી. બન્ને માદીકરો ખાસ્સો સમય હોસ્ટેલની પરસાળમાં વાતો કરતા બેસી રહ્યા.
કિશોર જે મહિલાને મળવા વર્ષોથી તડપાપડ થઈ રહ્યો હતો તેને આપણે જાબાલી તરીકે જ ઓળખીશું. તેનો જન્મ ઉત્તર પ્રદેશના હરદોઇ ગામમાં થયો હતો. પિતા લશ્કરમાં સુબેદાર. તેથી વારેવારે તેમની બદલી થતી હતી. તેઓ ઇચ્છતા કે જાબાલી કોઇ એક સ્થળે રહીને અભ્યાસ કરે. તેથી ૧૦ વર્ષની જાબાલીને તેમણે હરદોઇથી ૬૧ કિલોમીટર અંતરે આવેલા શાહજહાંપુર નામના કસ્બામાં રહેતી મોટી દીકરીને ત્યાં ભણવા મૂકી. અહીંની હિંદી શાળા જાબાલીને ગમી ગઈ અને ભણવામાં મજા આવવા લાગી. મોટી થઈને પોતે વરદીધારી પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન પણ સેવવા લાગી.
વર્ષ આવ્યું ૧૯૯૪નું ને જાબાલી ૧૨ વર્ષની થઈ. બધું સમુસુતર ચાલતું હતું. પરંતુ એક દુર્ઘટનાએ તેનું સ્વપ્ન રોળીટોળી નાખ્યું . શાહજહાંપુરનું રહેણાક શાળાના નિર્જન રસ્તા પર એક કબ્રસ્તાનની નજીક હતું. શાળાએ જતાઆવતા કેટલાક બદમાશો તેની સામે ખરાબ ચેનચળા કરતા. બદમાશોમાં બે નામચીન ગુંડા- ૨૫ વર્ષનો ગુડ્ડુ હસન અને ૨૧ વર્ષનો નકી હસન નામના સગાભાઇ- પણ હતા. બન્ને ટ્રક ડ્રાઇવર હતા અને જાબાલીના રહેણાકની પાસે જ તેમની ટ્રક પાર્ક કરતા. આ વિસ્તારમાં તેમની એટલી મોટી ધાક હતી કે તેમની સામે કોઇ હરફ પણ ઉચ્ચારી શકતું નહિ. બન્યું એવું કે એક દિવસે જાબાલી ઘરમાં એકલી હતી તેનો ગેરલાભ લઈને આ બે નરાધમોએ તેના પર દુષ્કૃત્ય આચર્યું. નરાધમો આટલાથી અટક્યા નહિ, છ મહિના કરતા વધારે સમય સુધી તેઓ જાબાલીને પરેશાન કરતા રહ્યા. પરંતુ બદમાશોની ધમકી અને ડરના લીધે તે પોતાની બહેનને કે કોઈને પણ કશું કહી શકી નહિ
આ વાતને મહિનાઓ વીત્યા. એક દિવસે જાબાલીને કાંઇક અસુખ જણાતા તેની બહેન તેને ડોક્ટરની પાસે લઈ ગઈ. ડોક્ટરે તપાસીને આખા પરિવાર પર પહાડ તૂટી પડે એવું નિદાન કર્યું કે જાબાલી તો ગર્ભવતી છે. ઉંમર ફક્ત ૧૩ વર્ષ હતી, ગર્ભભાત કરવો શક્ય ન હતો. હવે લોકનિંદાથી બચવા શારજહાંપુર છોડવું રહ્યું. બનેવીએ અહીંથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા રામપુર ગામે પોતાની બદલી કરાવી. અહીં ૧૯૯૫ના ફેબ્રુઆરી મહિનાના એક દિવસે જાબાલીએ એક પુત્રને જન્મ આપ્યો. કોઈ સગાએ નવજાત શિશુને હરદોઇ ગામમાં જ એક યુગલને દત્તક આપવાની ગોઠવણ કરી દીધી. તે સમયે તો જાબાલીને પોતાના પ્રસવની પીડા સિવાય બીજો કશો ખ્યાલ ન હતો. તેનું બળક જીવીત છે કે મૃત તેની પણ તેને જાણ ન હતી. પરંતુ આખરે તો તે એક માતા હતી. થોડા દિવસ પછી તેને પોતાના બાળકનું શું થયું હશે તે બાબતે જિજ્ઞાસા થઈ. પરંતુ ૧૩ વર્ષની કાચી ઉંમરની બાળા પૂછે પણ કોને અને કઈ રીતે?.
અ વાતને ચારેક વર્ષ પસાર થયા અને જાબાલી ૧૭ વર્ષની થઈ. તેના સગાઓએ વારાણસીમાં તેને માટે એક મૂરતિયો શોધીને તેનાં લગ્ન પણ કરાવી આપ્યા. ત્રણેક વર્ષ પછી એટલે કે ૨૦૦૨માં તેને એક દીકરો અવતર્યો. હવે તે ઘણી ખુશ હતી. પોતાના આ દીકરાને ઉછેરવામાં મન પરોવીને સુખના દિવસો પસાર કરવા લાગી.
પરંતુ સુખ લાંબો સમય ટક્યું નહિ. શાજહાંપુરમાં તો કાનાફુસી શરુ થઈ ગઈ હતી અને પછી જેમ વા વાત લઈ જાય તેમ એક દિવસે જાબાલીના ધણી સુધી વાત પહોંચી. તેને જાબાલીના પીયરીયાએ હકીકત છૂપાવીને પોતાની સાથે દગો કર્યો તેમ લાગ્યું. જાબાલીના ઘરના તમામ લોકોનું તેની પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું. તેનું બનાવેલુ કોઇ જમે પણ નહિ. તેના પતિએ તો તેની સાથે વાત સુધ્ધા કરવાનું બંધ કરી દીધું. પોતાના જ પરિવારમાં તે બહિષ્કૃત થઈ ગઈ. પોતાની વ્યથા કહે તો પણ કોને? તેની પાસે પિયરનો કોઈ ફોન નંબર પણ ન હતો. હતું માત્ર સરનામું. આથી તેણે બહેનને પોતાનું વીતક કહેતો પત્ર લખ્યો. જવાબમાં બહેને પોતાનો ફોન નંબર મોકલ્યો. ફોન પર હકીકત જાણી બહેને તેને આશ્વાસન આપ્યું કે તે બધી જ રીતે સહાય કરશે, ઉપરાંત જેમ બને તેમ જલ્દીથી ઘર છોડી દેવા કહ્યું. પતિને તો આટલું જ જોઇતું હતું. તે જાતે જ જાબાલીને પાંચ વર્ષના પુત્ર સાથે બસ સ્ટેન્ડે મૂકી આવ્યો. અહીંથી જાબાલીએ તેની બહેન જ્યાં રહેતી હતી તે ઉત્તર પ્ર્દેશના રેણુકૂટ જવા માટેની બસ પકડી. વર્ષ હતું એ ૨૦૦૭નું.
બહેનબનેવી પર બોજો બનીને ક્યાં સુધી રહેવાશે? તેને બદલે પોતાના પગ પર જ ઊભા રહેવું જોઈએ. આમ વિચારીને તેણે જ્યાં તેને રોજગારીની તક દેખાઈ એ લખનૌની વાટ પકડી. થોડા સમયમાં તેને નાનુમોટું સીવણકામ પણ મળવા લાગ્યું.
હવે વર્ષ આવ્યું ૨૦૦૯નું. હરદોઇમાં પાલક માતાપિતાને ત્યાં ઉછરતો દીકરો -જેને આપણે સત્યકામ તરીકે જ ઓળખીશું- કિશોર અવસ્થાએ પહોંચી ગયો. પાલક માબાપ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. પોતે ઉચ્ચ વર્ણના ન હોવા છતાં મોટા થઈને સત્યકામને સમાજમાં સારુ સ્થાન મળે તે હેતુંથી તેની અટક પણ સવર્ણના જેવી રાખી દીધી. પરંતુ આજુબાજુના લોકો તેને સવાલો કરવા લાગ્યા કે તારી અટક તારા પરિવારથી કેમ જુદી છે? તું દેખાવે તારા પરિવારના લોકો જેવો કેમ નથી? બાકી હતું તો ક્યાંકથી શાહજહાંપુરાની ઘટનાની વાત પણ ગામમાં પહોંચી ગઈ. જો કે પાલક માબાપે તો માત્ર એટલી જ જાણ કરી કે તને તારા માતાપિતાએ કોઇ તકલીફને કારણે અમને સોંપ્યો હતો. સોળ વર્ષનો સત્યકામ હવે આજુબાજુથી પૂછાતા સવાલોથી ત્રાસી ગયો. તેણે નક્કી કર્યું કે કોઇપ્ણ હિસાબે પોતાના સાચા માતાપિતાને શોધી કાઢવા. જેમને તે મામા કહેતો એવા એક ટ્રક ડ્રાઇવરને મળ્યો. મામાએ પણ શક્ય તેટલી મદદ કરવાની તૈયારી બતાવી. ડ્રાઇવીંગના ધંધાને કારણે તેમણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં રખડવું પડતું. શાહજહાંપુરમાં તેમણે ઠેક્ઠેકાણે તપાસ કરી. છેવટે લખનૌની એક મહિલા હોસ્ટેલમાં તેમને જાબાલીની ભાળ મળી. અહીંનું સરનામું તેમણે કાગળની એક ચબરખીમાં લખીને સત્યકામને આપ્યું
સત્યકામ અને જાબાલીનું મિલન તો થયું પરંતુ હોસ્ટેલમાં જગ્યાના અભાવે લાંબો સમય ત્રણ જણાએ સાથે રહેવું શક્ય ન હતુ. વળી નાના છોકરાને તો આગંતુક પોતાની માતાના પ્રેમમાં ભાગ પડાવવા આવ્યો હોય તેમ લાગ્યું. તેને થતો અણગમો સત્યકામને સાથેના વર્તનમાં જણાઈ આવતો. પરંતુ સમય જતા ત્રણેય લાગણીના બંધને બંધાઈ ગયા.
જાબાલીએ નાનીમોટી અનેક નોકરી કરવાની સાથે ભણવાનું પણ ચાલું રાખ્યું ને પોલીટિકલ સાયન્સની ડીગ્રી પણ મેળવી. એક મોટી બાંધકામની કંપનીમાં નોકરી પણ તેને મળી. ત્રણેય જણા હવે ભાડાના એક મકાનમાં રહેવા લાગ્યાં. પરંતુ સત્યકામને ચેન પડતું ન હતું. પોતાનો જન્મ કેવા સંજોગોમાં થયો અને શા માટે પોતાને તજી દેવામાં આવ્યો હતો એવા સવાલો તે જાબાલીને કર્યા કરતો. છેવટે એક દિવસે જાબાલીએ આરંભથી અંત સુધી એ દુ:સ્વપ્નની કથા જણાવી દીધી. ૨૪ વર્ષનો સત્યકામ તો સાંભળીને સ્તબ્ધ બની ગયો. થોડો સમય તો સન્નાટો વ્યાપી ગયો. જો કે પછી તો જાણે બધુ ભૂલાઇ ગયું હોય એમ કોઈએ એ વિષય ઉખેળ્યો નહિ. આ વર્ષ હતું ૨૦૧૯નું.
પરંતુ એક દિવસ અગિયારમાં ધોરણમાં ભણતા નાના દીકરાએ કહ્યું કે આપણે એ નરાધમોને શોધી કાઢવા જોઈએ અને તેના પર કેસ ઠોકી દેવો જોઈએ. આ સાંભળીને જાબાલી તો ગભરાઈ જ ગઈ અને કહ્યું કે રહેવા દો, આપણું તેમની સામે કશું જ ચાલશે નહિ. આપણે આ લપમાં પડવાને બદલે જેમ ચાલે છે તેમ ચાલવા દઇએ.. પરંતુ હવે સત્યકામે દોર પોતાના હાથમાં લઈ લીધો. જાબાલી તો દુર્ઘટનાનું સ્થળ, એ નરાધમો અને તેના સબંધીઓથી પણ દૂર રહેવા માગતી હતી. પરંતુ સત્યકામ તેના નિર્ણયમાં અડગ હતો. જાબાલીને તેણે હિમત આપી. બીજે જ દિવસે તે જાબાલીને લઈને શાહજહાંપુરનાં પોલીસ સ્ટેશને પહોંચી ગયો.
હંમેશા કરતી આવી છે તેમ પોલીસ તો સવાલ કરવા લાગી,” અત્યાર સુધી ક્યાં ગયા હતા? બનાવ ચોક્કસ કયા સમયે અને સ્થળે બન્યો? આરોપીનાં નામઠામ શું છે? વગેરે. જાબાલીને તો દુષ્કર્મીઓના સાચા નામોની પણ જાણ ન હત. વળી ૨૪ વર્ષમાં તો શાહજહાંપુરનું એ સ્થળ અને તેની આજુબાજુ ઘણુંબધું બદલાઇ ગયું હતું. વિગતોના અભાવે તપાસ અધિકારી મંગલ સિંઘને તપાસ કેવી રીતે કરવી તેની સૂઝ પડતી ન હતી. ત્યાર પછી જાબાલીએ બેત્રણ વખત પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી પરંતુ તપાસનો દોર આગળ વધી શક્યો ન હતો.
દરેક ગુંડો પોતાના મૂળ નામ ઉપરાંત કોઇ ને કોઇ અલગ નામથી કુખ્યાત હોય છે તેમ આ બદમાશો બાબતે પણ હતું .તેમાનાં એકનું આવું નામ જાબાલીને યાદ આવી ગયું. આ સમયે મહંમદ મુખ્તાર નામનો એક એડ્વોકેટ તેની મદદે આવ્યો. તેણે સેશન કોર્ટમાં કેસ ફાઇલ કરીને પોલીસ તપાસ માટેનો હુકમ કરાવ્યો. ત્યાર પછીના બે વર્ષ સુધી જાબાલી પોતે પણ શાહજાંપુરના આંટાફેરા મારીને એ દુષ્કર્મીઓની તપાસ કરતી રહી. પંદર હજારની આવકમાં દરેક ફેરે ૨,૦૦૦નો ખર્ચ કરવો પરવડે તેમ હતું નહિ. પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા.
એક દિવસે તેની સાથે તેના બન્ને દીકરા, તેની બહેન અને બહેનના સબંધીઓ પણ સાથે રહ્યા. ટુકડી પહોંચી એક મોટરગેરેજમાં. જાબાલીએ ત્યાંના એક કારીગરને કહ્યું કે ફલણા નામના મારા સગા આ કસ્બામાં રહે છે તેમને મળવું છે. જો આપની પાસે તેમનું સરનામું કે ફોન નંબર હોય તો આપી શકશો? પેલા કારીગરે તો સીધો જ ગુડ્ડુ હસનને ફોન જોડીને જાબાલીને આપ્યો. સામા છેડાના અવાજ પરથી જાબાલીને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ આ જ પેલો કાળા કામનો કરનારો છે. હવે પોલીસ માટે કામ સહેલું બની ગયું. ફોન નંબર પરથી તેને અને તેના ભાઈને શોધી કાઢ્યો અને તેના પર સમન્સ કાઢીને ધરપકડ કરી અદાલતમાં કેસ દર્જ કરાવ્યો. પરંતુ ગૂન્હો સાબિત કરવા માટે પુરાવો તો જોઈએ જ. પોલીસે ગુડ્ડુ હસન, નકી હસન અને સત્યકામ એમ ત્રણેયના ડી એન એ સેમ્પલ લીધા. લેબોરેટરી તપાસમાં નકી હસન અને સત્યકામના ડી એન એ મેચ થઈ ગયા. પુરાવો મળી ગયો. આ વર્ષ હતું ૨૦૨૧નું.
અદાલતમાં કેસ ચાલતો હતો તે દરમિયાન એક વખત જાબાલી બસમાં બેસીને લખનૌ જતી હતી ત્યારે બસમાં બદમાશોનો એક સગો જાબાલીને મળ્યો અને પૂછ્યું કે તું હજુ જીવે છે? ઉપરાંત કેસ પાછો ખેંચવા કહ્યું. જાબાલીને આમાં ધમકી દેખાઈ. આ બદમાશ તેનો પીછો નહિ છોડે તેમ લાગતા તે બસમાંથી ઉતરી ગઈ અને બીજો લાંબો રૂટ પકડીને લખનૌ પહોંચી.
કેસ ૨૦૨૪ સુધી ચાલ્યો. અંતે આરોપીઓને ૧૦ વર્ષની જેલ પડી. જિંદગીમાં છેવટે કશુંક તો થયું એ બાબતે જાબાલી આશ્વશ્ત થઈ.
દરમ્યાન નાનો દીકરો બી એ પાસ થઈ ગયો. સત્યકામને ડ્રાઇવરની નોકરી મળી અને લગ્ન કરીને એક સંતાનનો પિતા પણ બની ગયો. પત્રકારે પૂછતા તેણે જણાવ્યું “મારી પત્નીને બધી જ ખબર છે અને તેણે રાજીખુશીથી મને જેવો છું તેવો અપનાવી લીધો છે”
આપણે જાબાલી અને સત્યકામના સંઘર્ષની કથા ભલે પૂરી થયેલી માનીએ. પરંતુ દેશમાં એક જ જાબાલી થોડી છે? દર વીસ મિનિટે એક દુષ્કૃત્યની ઘટના બને છે, તેમાંની મોટાભાગની મહિલા કશું બોલતી નથી. સંઘર્ષ તો માત્ર જીવવા માટેનો કરે છે. ન્યાય મટેનો સંઘર્ષ તો વીરલ જ હોય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં તો સત્યકામને ઋષિપદ આપવામાં આવતું જ્યારે આજે સત્યકામો તો કચરાના ઢગલાને કે અનાથ આશ્રમને હવાલે થાય છે. જાબાલીઓએ તો પોતાનો કોઈપણ દોષ ન હોવા છતાં અપરાધભાવ સાથે જ જીવન ગુજારવું પડે છે.
(૨૨ જૂન ૨૦૨૪ના ઇંન્ડિયન એક્ષ્પ્રેસની શનિવારની પૂર્તિમાં પ્રગટ થયેલા વિધાત્રી રાવ નામની પત્રકારનો લેખ- જે તેણે દિલ્હીની એક હોટેલમાં જાબાલીની લીધેલી મુલાકાતમાં- તેણે કહેલી આપવીતીની આધારે લખ્યા પરથી.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે. -
વાલીઓમાં તો જ પડે વટ્ટ
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
વાલીઓમાં તો જ પડે વટ્ટ
ધોળે’દિ આકાશે તારા દેખાડીને ખિસ્સા કરવાના સફાચટ
વાલીઓમાં તો જ પડે વટ્ટશિક્ષણ તો બિચારૂ પકડાયેલ માંકડું છે; નાચે નચાવે જેમ નટ
વાલીઓમાં તો જ પડે વટ્ટકેજી થી ટ્વૅલ્થ લગી તંગ એક દોરી પર યોજવાની હોય છે આ દોડ
કુમળાં ક્યારામાં “ફર્સ્ટ આવવું” એ વાવીએ ને ઊગી નીકળે છે આખી હોડ.
એમ જ ઉશ્કેરવાના “ઘોડાની રેસમાં જેમ બુક્કી બોલે છે સટાસટ્”
વાલીઓમાં તો જ પડે વટ્ટનવ્વાણું પોઇન્ટ નવ્વાણું ટકાઓના હોર્ડીન્ગ લગાડતા શી વાર ?
મોટીવેશનલ કંઈક ભાષણની જાળ ગૂંથી તખ્તા કરવાના તૈયાર
દેખાદેખીમાં ભલે લાગતી આ લાઈનો પણ આપણે નહીં બોલવાનું કટ્
વાલીઓમાં તો જ પડે વટ્ટ
લીલીછમ ડાળી પર ઝૂલતા આ માળામાં ટહુકા નહીં કરવાના વેસ્ટ
ખુલ્લા આકાશે તો જ એન્ટ્રી દેવાની પ્હેલા પાંખોનો લેવાનો ટેસ્ટ
એડમિશન આપવામાં થોડુંક ટટળાવીએ તો કિંમત વધે છે ફટાફટ
વાલીઓમાં તો જ પડે વટ્ટ -
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – નસીબ ખૂલ્યાં?
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
મૂળ વગરની વેલ થી આગળ
મારી હતાશા વધતી ગઈ. કોઈ ઉદ્યમ શીખવા કે આગળ અભ્યાસ કરવાના ઉદ્દેશથી હું અહીં આવી હતી તેનો કે મારાં લગ્ન વિશે અહીં કોઈએ વિચાર ન કર્યો. જે ભાવનાથી હું વડોદરા આવી તેના પર ક્યારનું પાણી ફરી ગયું હતું. ઘરમાંથી બહાર નીકળવામાં પણ અડચણ હતી. શું કરવું તે સમજાતું ન હતું.
મારી બાના દૂરના સગામાં થતા મસિયાઈ ભાઈ પરદેશ રહેતા હતા. એક વાર તેઓ રજાઓમાં વડોદરા આવ્યા હતા અને તેમણે મને “આવડી મોટી’ થયેલી જોઈને બાઈજીમાસીને કહ્યું, “આનાં લગ્ન હું ગોઠવી આપીશ.’ તેમના મામાનાં પ્રથમ પત્નીના અવસાનને સાત વર્ષ થઈ ગયાં હતાં. તેમને ફરી લગ્ન કરવાં નહોતાં, પણ તેમની માના આગ્રહને કારણે તેઓ લગ્ન માટે તૈયાર થયા હતા. અમને મળ્યા બાદ તેઓ સીધા સૌરાષ્ટ્રમાં તેમના મામાને ત્યાં પહોંચી ગયા તથા તેમના કાન પર આ વાત આણી. અને આઠ સંતાનના આ વિધુર પિતા – તેમના મામાનો સંબંધ મારા માટે લઈ આવ્યા! થોડા દિવસ બાદ ‘તેઓ’ મને જોવા આવ્યા અને તેમણે મને પસંદ કરી. તેમનાં અત્યંત સધન એવાં વૃદ્ધ માતા હયાત હતાં અને તેમને દાયજાની કે કરિયાવરની અપેક્ષા નહોતી.
હું મૂંઝવણમાં પડી ગઈ. એટલું ખરું કે જેમના માટે પ્રસ્તાવ આવ્યો હતો તેઓ ઘણા ઊંચા અને પ્રતિષ્ઠિત પરિવારના હતા. તેઓ ત્રણ ભાઈ હતા અને દરેકને પોતાનું સ્વતંત્ર મકાન હતું. આ જોઈ બધાએ મને હા કહેવા માટે ખૂબ સમજાવી. અંતે નાઇલાજ થઈ મારે હા કહેવી પડી. હા કહેવા પાછળ એક કારણ એ પણ હતું કે ઓશિયાળા જીવનથી હું અત્યંત કંટાળી ગઈ હતી. આમ પણ મારી હૂંડી ક્યાંય વટાવાતી નહોતી. નરસિંહ મહેતાની હૂંડી તો કૃષ્ણે વટાવી. મારા જેવી આશ્રિત સ્ત્રીની હૂંડી સ્વીકારવા કોઈ તૈયાર ન હોવાથી સામે આવેલો આ પ્રસ્તાવ મારે આંખ બંધ કરીને સ્વીકારવો પડયો. કન્યાપક્ષ તરફથી કશું પણ લેવાની એ લોકોએ ના કહી હતી. આમ જોવા જઈએ તો મારાં લગ્નમાં મને ફૂટેલું વાસણ આપવા પણ કોઈ આવતું ન હતું. મારા ભાવિ પતિની ઉમર ચાળીસી વટાવી ગઈ હતી અને તેમને પ્રથમ પત્નીથી આઠ છોકરાં હતાં તે વાત મારા કાન સુધી આવવા દીધી ન હતી. આ પ્રસ્તાવનો ઇન્કાર કરવો કે હા કહેવી એ મને તો સૂઝતું નહોતું. લગ્નનો પ્રસ્તાવ લાવનાર ડોક્ટરે મને ઘણી લાલસા આપી અને મને કહ્યું કે આ પ્રસ્તાવને અનુમતિ આપ.
મારાં લગ્નમાં અમારી રસમ મુજબ આપવો પડે તેવો દાયજો-કરિયાવર તો બાજુએ રહ્યો, પણ મારો નવો સંસાર શરૂ કરવા માટે એક ફૂટેલું વાસણ પણ આપવા માટે કોઈ આગળ આવ્યું નહિ. આથી અમારાં લગ્ન કોઈ યાત્રાના સ્થળે કરવાનો વિચાર થયો. નજીકમાં નજીક યાત્રાધામ કેવળ ડાકોર હતું તેથી લગ્નનો વિધિ ત્યાં કરવાનું નક્કી કરવામાં આવ્યું.
મારા ભાવિ પતિની દિવંગત પ્રથમ પત્નીનાં સંતાનોની ઇચ્છા હતી કે તેમના પિતાએ બીજાં લગ્ન ન કરવાં જોઈએ. અને તેમની વાત સાહજિક અને સાચી હતી, એવું મને પણ લાગ્યું. મારાં ભાવિ સાસુમા વયોવૃદ્ધ હતાં, પણ તેઓ એટલાં શ્રીમંત હતાં કે તેઓ કોઈના પર અવલંબીને રહેતાં ન હતાં. તેમણે હઠ કરી હતી કે તેમનો આ વિધુર પુત્ર લગ્ન નહિ કરે તો તેમનો જીવ ગતિ નહિ પામે, તેથી તેઓ મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા હતા.
ઓગણીસ વર્ષની ઉમરે ૧૯૩૪ની સાલમાં મારાં લગ્ન થયાં.
લગ્નમાં મારા બાબાને બોલાવ્યા હતા, પણ તેમને આ સંબંધ પસંદ ન હોવાથી તેઓ લગ્નમાં આવ્યા નહિ. હું પણ તેમને છોડીને વડોદરા જતી રહી હતી તેનું તેમને માઠું લાગ્યું જ હશે. વળી આટલાં બધાં બાળકોના પિતાને પોતાની ભત્રીજી આપવાની તેમને જરા પણ ઇચ્છા ન હતી. પણ હું શું કરું? લોકોને ત્યાં કેટલા દિવસ પડી રહું ? માસી તો પોતાની પૌત્રીના લાડકોડ કરવાના વ્યવસાયમાંથી માથું પણ ઊંચું નહોતાં કરી શકતાં. વળી તેમના ઘરમાં રહેતી હોવા છતાં મને કશાની છૂટ ન હતી. મામીને ત્યાં ખાવાપીવાનું ભરપૂર મળતું હતું, પણ માના છત્ર સિવાય બધું વ્યર્થ હતું. જે પણ પરિસ્થિતિમાં મારાં આ લગ્ન થતાં હતાં તે મારાં પૂજ્ય બાની સમક્ષ થયાં હોત તો તેના મનમાં એક સમાધાનની લાગણી રહેત કે ચાલો, લીલાનાં લગ્ન તો થયાં, ભલે તેના નસીબમાં સુખ ન હોય. જમાઈનું મુખ જોવા માટે તેણે ઓછી જહેમત ઉઠાવી હતી? તેણે કેટકેટલા પંથવર શોધ્યા હતા, પણ હું જ કમનસીબ નીકળી. મારા નસીબમાં વિધુર જ લખ્યો હતો તે લેખ થોડા જ ખોટા પડવાના હતા? આ બધું જવા દો. મને એક સારું કુટુંબ મળ્યું તેનો મને સંતોષ હતો. પણ સગાંવહાલાંઓએ ઘણી ટીકાટિપ્પણી કરી. તેઓ કહેવા લાગ્યાં, “બાઈ રે બાઈ, આટલી મોટી ઉમરના આધેડને છોકરી આપી?’ આમ જોવા જઈએ. તો એમની ઉમર એટલી બધી હોય તે જરા પણ જણાતું ન હતું. વધુમાં વધુ આડત્રીસેક વર્ષના હોય તેવા તેઓ લાગતા હતા. અમારા સંબંધીઓને ખ્યાલ આવે તે માટે લગ્ન પછી મેં અમારો ફોટોગ્રાફ ખેંચાવીને વડોદરા મોકલ્યો. તે જોયા પછી લોકોની ટીકા બંધ થઈ અને તેઓ કહેવા લાગ્યા, ચાલો, છોકરી સુખી થઈ!
લગ્નમાં મારાં મામા, મામી અને બનને માસીઓ આવી હતી. કન્યાદાન મામાએ કર્યું. મામીએ. મને કીમતી અષ્ટપુત્રી સાળુ આપ્યો અને નાનાં માસીએ એક ચાંદીની જણસ આપી. લગ્ન જૂની વૈદિક પદ્ધતિથી થયાં અને સમગ્ર કાર્ય નિર્વિેઘ્ન પતી ગયું. લગ્નનો બધો ખર્ચ મારા નાના દિયરે કર્યો.
મારા પતિ મારાં કરતાં ર૫ વર્ષ મોટા હતા. શું કરીએ? મારા નસીબમાંપંથવર જ નહોતો ત્યાં કોઈ શું કરી શકે? બાબાએ મારા માટે યોગ્ય વર શોધવા કાંઈ ઓછા પ્રયત્ન કર્યા હતા? તેમણે કેટલાય પૈસા ખર્ચ્યા, પણ હું જ દુર્દેવી નીકળી. બીજા કોઈનો આમાં દોષ ન હતો.
લગ્નમાં મને ત્રીસ તોલા સોનું અને ઘણી કીમતી સાડીઓ મળી. આટલાં બધાં ઘરેણાં અને મકાન જોઈને મારી વડીલ ગણાતી માસીએ મને આ ઘરમાં આપી, પણ ગમે તેટલું આપો કે કરો, મારા માટે તો એંઠા થાળ જેવો સંસાર મને ધરવામાં આવ્યો હતો ને?
“નવપરિણીતા’ થઈને સૌપ્રથમ હું મારાં જેઠાણીને ત્યાં અમદાવાદ ઊતરી. ત્યાર પછી નાના દિયરને ઘેર બે દિવસ રોકાઈ. નાના દિયર અમદાવાદમાં જ મોટા હોદ્દા પર અફસર હતા. મારા પતિને સૌરાષ્ટ્રમાં નોકરી હતી અને તેમનાં પ્રથમ પત્નીનાં સંતાનો તેમની સાથે જ રહેતાં હતાં. હું પ્રથમ વાર અમદાવાદ આવી હતી તેથી મારી મોટી દીકરી તેનાં ત્રણ છોકરાંને લઈ મને મળવા આવી હતી. મને મોટી દીકરી છે તેની તો મને ખબર જ ન હતી. મને તો ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે “એમને’ પ્રથમ પત્નીથી ત્રણ બાળકો છે! મને તો ઘણું આશ્ચર્ય થયું, પણ જવા દો એ વાત.
મારા નાના દિયર પ્રેમાળ હતા. તેમનો સ્વભાવ ઘણો જ સારો હતો. તેઓ મને અને “એમને’ ફરવા લઈ ગયા. દિયરજીએ મારા માટે એક મોટી પેટી, બે સાડીઓ અને અન્ય વસ્તુઓ ખરીદી આપી, કારણ કે મને બાઈજીમાસીએ એક સારી પેઢી પણ આપી ન હતી. હું તો મારી બાની જૂની ટ્રંક લઈને આવી હતી. બાઈજીમાસીએ તો મને બે જૂની સાડી પણ આપી નહોતી. “એમણે’ તો મને કહી સંભળાવ્યું, “કેમ અલી, તને રોજ પહેરવાની સાડી પણ તારા પિયરિયાંએ આપી નથી?’
હું શું બોલું?
આઠેક દિવસ અમદાવાદ સગાંવહાલાંઓને ત્યાં રહી હું પતિગૃહે જવા નીકળી.
નવવધૂના સ્વરૂપે મેં મારા પતિગૃહે વઢવાણ કેમ્પ ખાતે પ્રથમ વાર પ્રવેશ કર્યો. ઘરમાં આવતાં જ એક પછી એક મારાં છ સંતાનોએ આવીને મને નમસ્કાર કર્યો. મેં પણ આગળ વધીને મારાં સાસુજીને પગે પડી પ્રણામ કર્યા. તેઓ મારા વિનયને જોઈ ઘણાં ખુશ થયાં, પણ ખરેખર તો હું હેબતાઈ ગઈ હતી. આટલાં મોટાં છ સંતાનોના પરિવારની સાર-સંભાળ મારાથી કેવી રીતે થઈ શકશે તેની ધાસ્તીથી હું બીમાર પડી ગઈ. એક તરફ આ ચિંતા હતી, ત્યાં મારા પતિના સાથી અમલદારોની પત્નીઓ મને મળવા આવી, અને મને જોઈને કહ્યું, “અરે, આ તો ઘણાં નાનાં દેખાય છે!! આમ પણ શરીરે હું કાંઈ હૃષ્ટપુષ્ટ નહોતી.
પતિગૃહે એક વાતની નિરાંત હતી કે ઘરમાં રસોઈ કરવા મહારાજ હતો, તેથી આવતાંવેત મને ચૂલો ફૂંકવો પડયો નહિ. પણ કોણ જાણે કેમ, મને અહીં આવતાંવેત તાવ આવવા લાગ્યો. સાસુજી કહેવા લાગ્યાં, “આવી માંદલી વહુ ક્યાંથી લઈ આવ્યો?” પણ ચોવીસ વર્ષના મારા મોટા પુત્રથી માંડી સાત વર્ષની દીકરી જેટલાં સંતાનોને – જેમના વિશે હું સાવ અજ્ઞાત હતી, તે જોઈ કઈ નવપરિણીત યુવતીની ભાવનાને આઘાત ન પહોંચે? અંતે મેં મન મજબૂત કર્યું. આ બધાં છોકરાં હવે મારાં છે, અને તેમની જવાબદારી અને સુખાકારી મારા ૫ર અવલંબે છે તેથી મારે ગભરાયે નહિ ચાલે એવો નિશ્ચય કર્યો અને ઘરમાં સાફસફાઈ કરી, અને ઘર વ્યવસ્થિત રીતે સજાવ્યું. મને આમ કામ કરતી જોઈ સાસુજી ઘણાં પ્રસન્ન થયાં.
મારી બે નંબરની દીકરી – જે મારી ઉમરની જ હતી, તેણે લગ્ન કર્યા ન હતાં, કારણ કે પિતા અને બધાં ભાઈબહેનોની જવાબદારી તેના પ૨ હતી. સ્કૂલ ફાઇનલની પરીક્ષા પાસ કર્યા પછી તેણે ભણવાનું બંધ કર્યું હતું. ઘરમાં મહારાજ હતો, પણ મારા આવ્યા પછી તે કહેવા લાગ્યો, હવે બાઈ આવ્યાં છે તો હું નોકરી શોધવા અમદાવાદ જઉં છું.’
મારા દિયર મને મૂકવા વઢવાણ કેમ્પ આવ્યા હતા, તેઓ અમદાવાદ પાછા જતા હતા. તેમણે ઘણા લોકોને નોકરી અપાવી હતી, અને અમારા મહારાજને પણ નોકરી અપાવશે એવું કહેવાથી તે અમદાવાદ ઊપડી ગયો. હવે આખા ઘરની રસોઈ કરવાની જવાબદારી મારા પર આવી પડી. અન્ય ઘરકામ કરવા માટે એક બાઈ હતાં તે ઘણું બધું કામ પતાવી દેતાં. હું માત્ર ‘એમના’થી ઘણી ગભરાતી હતી. તેમની સામે જતાં પણ હું ડરતી હતી. સાસુમાને હું ઘણું સંભાળવા લાગી. તેમણે અત્યંત સુખમાં જીવન વિતાવ્યું હતું. રોજ રાતે તેમના પગ દબાવ્યા વગર હું કદી સૂવા ગઈ નહિ. રાતના અગિયાર વાગી જાય તો પણ તેમની સેવામાં મેં કદી ખંડ પડવા દીધો નહિ. તેવી જ રીતે બધાં બાળકો માટે પણ બધું કામ કંટાળ્યા વગર કરતી હતી. તે સમયે બધી ચીજ-વસ્તુઓ ઘણી સસ્તી મળતી હતી, તેથી છોકરાંઓ માટે આખો મહિનો ચાલે એટલી મેવા-મીઠાઈ મંગાવી રાખતી. બાળકોએ પણ મને કદી ત્રાસ આપ્યો નહિ. ફક્ત બે નંબરની દીકરી ઘણા કડક સ્વભાવની હતી. મારા આવ્યા પછી પણ ઘર પરનો અંકુશ તેણે પોતાના હાથમાં જ રાખ્યો હતો. તે જે કરવા ધારે તે જ ઘરમાં થતું. કેટલાક મહિના બાદ તે મારાં સાસુજી સાથે અમદાવાદ ગઈ ત્યારે ક્યાંક ઘરનું સૂત્ર મારા હાથમાં આવ્યું.
“એમનો’ સ્વભાવ ઘણો સખ્ત હતો તેથી છોકરાં પણ તેમનાથી ડરતા હતા. મારામાં હવે માતૃત્વનાં લક્ષણ જણાવા લાગ્યાં! ગર્ભાવસ્થામાં મારી તબિયત જરા જેટલી સારી નહોતી રહેતી તેવામાં “એમને’ તેમના અંગ્રેજસાહેબ સાથે માઉન્ટ આબુ જવાનું થયું. છોકરાંને પણ ઉનાળાની રજાઓ હતી, તેથી અમને સહુને તેમણે આબુ લઈ જવાનો વિચાર કર્યો. તે સમયે આબુના પહાડ પર કશું જ મળતું નહોતું. ત્યાં જવાનું થાય તો આખા મહિનાની સીધું-સામગ્રી લઈ જવી પડે તેવું હતું તેથી તેઓ એકલા સાહેબ સાથે આબુ ગયા. તેમણે છોકરાંને અમદાવાદ મોકલ્યા, અને મને વડોદરા મોકલી. થોડા દિવસ નાની અને મામા-મામીને ત્યાં રહી અમદાવાદ સાસુજી સાથે ગાળ્યા અને વઢવાણ કેમ્પ પાછી આવી.
સાસુજી અમારી સાથે ક્વચિત્ રહેતાં. અમદાવાદની મોટી હવેલીમાં જ તેમનું વાસ્તવ્ય રહેતું. મારે એક જેઠાણી અને એક દેરાણી હતાં. જેઠ નાના પુત્રને મૂકી અવસાન પામ્યા હતા. દેરાણી પણ મારી જેમ બીજી વારનાં હતાં. સાસુજીએ તેમના ત્રણે પુત્રોનાં લગ્ન ઘણી નાની વયે કરી નાખ્યાં હતાં. લગ્ન વખતે વહુઓની ઉમર નવ-નવ વર્ષની હતી! અમારા ઘરની પરિસ્થિતિ ઘણી જ સારી હતી. દરેક વહુને સાસુજીએ. સો-સો તોલા સોનું આપ્યું હતું. સોનાનાં ફૂલની વેણીથી માંડી કમરપટ્ટો,ચંદ્રહાર, બિંદી, બંગડી-કડાં સુધીનાં ઘરેણાં દરેક વહુને પહેરાવ્યાં હતાં. તેમનાં પોતાનાં પણ સો તોલા સોનાંનાં ઘરેણાં હતાં. મારા સસરા સૌરાષ્ટ્રમાં ઊંચા પગાર પર સુપરિન્ટેન્ડન્ટ હતા. તે જમાનાની સસ્તાઈ પણ એટલી હતી કે સોનું વીસ રૂપિયે તોલો મળતું. સસરાજીએ, અમદાવાદમાં એક જંગી હવેલી બંધાવી હતી, અને ઘરમાં રાચરચીલું પણ એટલું જ હતું. સાસુજીએ પણ દાન કરીને ઘણી ખ્યાતિ કમાઈ હતી. ઠેઠ કન્યાકુમારી સુધીની ચાર ધામની યાત્રા બે વાર કરી હતી. સ્વભાવે તેઓ ઘણાં ધાર્મિક વૃત્તિનાં હતાં અને કેટલાય ગરીબ વિદ્યાર્થીઓને તેમણે વિદ્યાદાન કર્યું હતું. આટલું બધું કરવા છતાં તેમણે આખી ઈસ્ટેટ સંભાળીને રાખી હતી.
મારી ‘ડિલિવરી’નો સમય નજીક આવતાં ‘તેઓ’ વિચાર કરવા લાગ્યા કે પ્રસૂતિ માટે મને ક્યાં મોકલવી. આખરે તેમણે મને કહ્યું કે વડોદરા જા. બાઈજીમાસીને ત્યાં જવાની મારી જરા પણ ઇચ્છા ન હતી, પણ પતિના નિર્ણય આગળ મારું શું ચાલે? જોકે બધો ખર્ચ “તેઓ’ કરવાના હતા તેથી થોડા દિવસ અમદાવાદ ગાળી મારે વડોદરા જવું એવું નક્કી થયું. આમ હું અમદાવાદ આવી.
મારી ગર્ભાવસ્થાના સમાચાર મારા યેસુબાબાને મળતાં તેઓ મને લેવા સીધા વઢવાણ કેમ્પ પહોંચી ગયા. તેઓ ત્યાં પહોંચે તે પહેલાં મારી રવાનગી વડોદરા થઈ ચૂકી હતી. બાબાને નિરાશ થઈ એકલા જ પાછા જવું પડ્યું. આ સાંભળી મને એટલું દુ:ખ થયું જેનું વર્ણન ન કરી શકું. તેમણે તો મારી ડિલિવરીનો બધો જ ખર્ચ ઉપાડી લીધો હોત. મેં પણ તેમની પાસે જવાનો વિચાર કર્યો હતો, પણ જાળિયા એક નાનકડું ગામ હતું. ત્યાં તો નર્સ પણ ન હતી. હું ત્યાં રહેતી હતી ત્યારે સુવાણીને હાથે ઘણા કેસ બગડી ગયા હતા તે મેં જાતે જોવું હતું. આથી બાબાને ત્યાં ન જતાં મારે સ્વખર્ચે વડોદરા જવું પડયું.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ફિલસુફીભર્યાં ગીતો – ૩૩ – आदमी मुसाफिर है
નિરંજન મહેતા
आदमी मुसाफिर है, आता है, जाता है
आते जाते रस्तें में यादें छोड जाता हैझोंका हवा का, पानी का रेला
मेले में रह जाए जो अकेला
फिर वो अकेला ही रह जाता हैकब छोडता है ये रोग जी को
दिल भूल जाता है जब किसीको
वो भूलकर भी याद आता हैक्या साथ लाए, क्या तोड़ आए
रस्तें में हम क्या क्या छोड़ आए
मंज़िल पे जा के याद आता हैजब डोलती है जीवन की नैय्या
कोई तो बन जाता है खेवैय्या
कोई किनारे पे ही डूब जाता है૧૯૭૭ની ફિલ્મ ‘અપનાપન’નું આ ગીત બસમાં ગવાય છે. બસની અંતિમ સીટ પર બેઠેલા સુધીર દળવી અને સાથી આ ગીત દ્વારા જીવનની ફિલસુફીને ઉજાગર કરે છે.
જન્મ લઈએ અને મૃત્યુ પામીએ તે વચ્ચેના સમયને આપણે જીવન કહીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ જીવન એક મુસાફરી સમાન છે. આ મુસાફરી દરમિયાન આપણે કેટલીયે આપણી યાદો છોડતા જઈએ છીએ કે અન્યોની યાદ માણતાં જઈએ છીએ. જેમ હવાની લહેર કે પાણીનો રેલો એકલો જ સફર કરે છે તેમ આ જીવનના મેળામાં જે એકલો રહે છે અને અન્યો સાથે ભળતો નથી તે પછી એકલો જ રહી જાય છે.
આગળ કહે છે કે જે આપણે ભૂલી ગયા હોઈએ તે વખત જતાં ફરી ફરીને યાદ આવ્યા કરે છે કારણ આપણને એક પ્રકારની ન ભૂલવાની માંદગી લાગુ હોય છે.
અવારનવાર આપણને જાણ કરાતી હોય છે કે તમે કશું લઈને નથી આવ્યા અને જશો ત્યારે પણ કશું સાથે લઇ નહી જાઓ. તે જ પ્રમાણે આ જીવનની મુસાફરીમાં વચ્ચે વચ્ચે આપણે જે પણ કાંઈ છોડીને આવ્યા છીએ તે આગળની સફરમાં યાદ આવતું રહે છે.
આગળ બહુ સુંદર કહે છે કે જ્યારે તમારી જીવનનૈયા ડોલતી હોય ત્યારે કોઈ નાવિકરૂપે તેને સંભાળતો હોય છે.
પણ કેટલાક એવા પણ છે જે નાવિકને શોધતા નથી અને ત્યારે તે કિનારે ઊભો હોવા છતાં ડૂબી જાય છે એટલે કે પાપની દુનિયામાં સરકી જાય છે.
ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૯૫. શોર નિયાઝી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
‘ ઠોકર ‘ ૧૯૫૩ ફિલ્મના એક વધુ ગીતકાર એટલે શોર નિયાઝી. એમના વિષે ખાસ વિગતો ઉપલબ્ધ નથી. એમણે ‘ ઠોકર ‘ ફિલ્મની અહીં આપેલી ગઝલ ઉપરાંત ઓ તેરા ક્યા કહના, ગોલીબારી, ઝાલિમ જાદૂગર, કાલા જાદૂ અને ગન ફાઈટર ફિલ્મોમાં બાર ગીત લખ્યા. ૧૯૫૭ ની ફિલ્મ ‘ દો રોટી ‘ અને ૧૯૬૭ ની ‘ ચંદન કા પલના ‘ ના સંવાદ પણ એમણે લખેલા.
એમની એકમાત્ર ગઝલ –
મૌજ કી ઔર ન તૂફાં કી ખબર હોતી હૈ
ડૂબને વાલે કી સાહિલ પે નઝર હોતી હૈયે ન પૂછો શબે ગમ કૈસે બસર હોતી હૈ
કરવટેં રાત દિન લે લે કે સહર હોતી હૈદિલ કી ધડકન તેરા પૈગામ સુનાતી હૈ મુજે
તુજસે પહલે તેરે આને કી ખબર હોતી હૈપૂછતા હૈ જો કોઈ મુજસે મેરા હાલ હૈ જો
કહના પડતા હૈ કે હંસતે હી ગુઝર હોતી હૈ– ફિલ્મ : ઠોકર ૧૯૫૩
– આશા ભોંસલે
– સરદાર મલિક
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મોહમ્મદ રફી – શાસ્ત્રીય રાગ પર આધારિત હિંદી ફિલ્મ ગીતો
સુબોધ ચંદ્ર અગ્રવાલ
સંકલિત અનુવાદઃ અશોક વૈષ્ણવ
૧૯૫૦ ના દાયકાના મધ્ય સુધીમાં મોહમ્મદ રફી એ સમયના બધા જ પુરુષ પાર્શ્વગાયકોમાં વધારે અને વધારેમાં વધારે રેન્જ ધરાવતા ગાયક તરીકે સ્થાન મેળવી ચૂક્યા હતા. પરંતુ શાસ્ત્રીય રાગ પર આધારિત ફિલ્મી ગીતોની વાત આવે ત્યારે પહેલું સ્થાન અચૂકપણે મન્ના ડેને જ મળતું. પૂછો ન કૈસે મૈને રૈન બીતાઈ (મેરી સૂરત તેરી આંખે, ૧૯૬૩- સંગીત: એસ ડી બર્મન – રાગ આહિર ભૈરવ), સુર ના સજે ક્યાં ગાઉં મૈં (બસંત બહાર, ૧૯૫૬ – સંગીત: શંકર જયકિશન -રાગ: પીલુ) કૌન આયા મેરે મનકે દ્વારે (દેખા કબીરા રોયા, ૧૯૫૭ – સંગીત મદન મોહન – રાગ રાગેશ્રી), બૈરન હો ગઈ રૈના (દેખા કબીરા રોયા, ૧૯૫૭ – સંગીત મદન મોહન – રાગ: જયજયવંતી) જા તો સે નહીં બોલું કન્હૈયા (પરિવાર, ૧૯૫૬- લતા મંગેશકર સાથે – સંગીત: સલીલ ચૌધરી – રાગ: હંસધ્વનિ) જેવાં ગીતો મન્ના ડે સિવાય કોઈ ગાઈ શકે એવી કલ્પના સામાન્ય શ્રોતાને ન પણ આવે એટલી હદે મન્ના ડે અને શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો એકરાગ ગણાય છે.
ચાહકો માટે અમુક ગાયક વધારે પસંદ કે ઓછા પસંદ હોઈ શકે, પરંતુ કોઈ પણ ગાયકોની ગાયકીની સરખામણી હંમેશાં અસ્થાને જ ગણાય. તેથી, મોહમ્મદ રફીએ ગાયેલાં શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોની મન્ના ડે દ્વારા ગવાયેલાં ગીતોની સરખામણી કર્યા વિના જ આપણે અહીં મોહમ્મદ રફીએ ગાયેલાં, શાસ્ત્રીય રાગ પર આધારિત, કેટલાંક અનોખાં ગીતોને અહીં યાદ કરીશું.મન તરપત હરિદર્શન કો આજ – બૈજુ બાવરા (૧૯૫૩) – ગીતકાર શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ – રાગઃ માલકૌંસ .
શાસ્ત્રીય ગાયન શીખતાં લોકો માટે માલકૌંસનો અભ્યાસ કરવ માટે આ ગીત એટલું જ સ્વીકૃત છે જેટલું હિંદી ગીતના ચાહકોને ગમે છે. ભાવનું ઊંડાણ, અંદરના વલોપાત છતાં પરમ શાંતિની આભા જેવી માલકૌંસની બધી જ લાક્ષણિકતાઓ આ ગીતમાં છે.
ઓ દુનિયા કે રખવાલે – બૈજુ બાવરા (૧૯૫૩) – ગીતકાર શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ – રાગઃ દરબારી
ગીત રાગ દરબારીને પુરો ન્યાય કરે છે. પણ દરબારી જેવા ભવ્ય રાગમાં આવી મનોવ્યથાની પોકાર ખૂંચે છે.
રાગ દરબારીમાં આ ગીત બહુ શોભે છેઃ
મૈં નિગાહેં તેરે ચહેરે સે હટાઉં કૈસે – આપકી પરછાઈયાં (૧૯૬૪) – ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન – સંગીતઃ મદન મોહન
મૈને ચાંદ ઔર સિતારોંકી તમન્ના કી થી – ચંદ્રકાન્તા (૧૯૫૬) – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીત એન દત્તા – રાગઃ ભિમપલાસી
ભિમપલાસી સાંભળવામાં બહુ મીઠો લાગે એવો રાગ છે. એન દત્તાએ ગીતની ધુનનું બંધારણ પણ બહુ સરળ રાખ્યું છે. મોહમ્મદ રફીએ પણ બહુ હરકતોમાં પડ્યા વિના જ ગીતના ભાવને બહુ સહજતાથી રજુ કર્યા છે.પરિણામે ગીત લાંબું હોવા છતાં ખુબ જ લોકપ્રિય રહ્યું છે.
હમ બેખુદીમેં સનમ તુમકો પુકારે – કાલા પાની (૧૯૫૮) – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ એસ ડી બર્મન – રાગઃ છાયાનટ
એસ ડી બર્મને આ ગીત પોતે ગાયેલ બંગાળી ગેરફિલ્મી ગીત ઘુમ ભુલેચી નિજુમ એય નિશિથે માંથી રૂપાંતરિત કરી છે. એ બંગાળી ગીતની ધુન પણ પાછી એસ ડી બર્મનના સહાયક જયદેવને બહુ પ્રિય એવી અલ એ રસુલમેં જો મુસલમાન હો ગયે એવી ભક્તિ રચના પરથી કરી હતી.
અહીં આ ગીતને ગઝલની ગાયકીના અંગમાં પ્રસ્તુત કરેલ છે, જેના માટે છાયાનટ બહુ જ ઉપયુક્ત માધ્યમ બની રહે છે.
https://youtu.be/Bz4SvsSCoxE?si=ZBvMiawOA5bOTIJ4
મધુબનમેં રાધિકા નાચે રે – કોહિનૂર (૧૯૬૦) – ગીતકાર શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ – રાગઃ હમીર
શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોમાં મોહમ્મદ રફીનાં બહુ જ લોકપ્રિય ગીતોમાં આ ગીતની ગણના હંમેશાં થતી રહી છે. પરદા પર જેટલી સહજતાથી દિલિપ કુમારે આ ગીતને આત્મસાત કર્યું છે એટલી જ સહજતાથી મોહમ્મદ રફીએ પણ ગીતને જીવંત બનાવ્યું છે. ગીતમાં જે જે તાન પરદા પર મુકરીએ ભજવી છે તે ઉસ્તાદ નિયાઝ અહમદ ખાને સુરબદ્ધ કરી છે.
ઝિંદગી આજ મેરે નામ સે શરમાતી હૈ – સન ઑફ ઈન્ડીયા (૧૯૬૨) – ગીતકાર શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ રાગઃ જયજયવન્તી
બોલના ભાવોની અભિવ્યક્તિની સાથે નશાની અસર હેઠળ એકબીજામાં ભળી જાતો શબ્દોની લડખડાહટ અનુભવાતી હોય તેવો ભાવ કેટલો અસરકારક અનુભવાય છે! મુખડાને દરેક વખતે અલગ અલગ ઢબથી ગાવું અને અંતરાનો ઉપાડ ઊંચા સ્વરમાંથી કરવાની રફીની આગવી છાપ પણ અનુભવાય છે.
નાચે મન મોરા મગન તીકરા ધીગી ધીગી – મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતકારઃ એસ ડી બર્મન – રાગઃ ભૈરવી
એક જ અભિનેતા માટે એસ ડી બર્મને આત્મખોજ માટેનાં ગીત માટેની મન્ના ડે (પૂછો ન કૈસે મૈને રૈન બીતાઈ) અને અંદરથી ફૂટતા આનંદની અભિવ્યક્તિ માટે મોહમ્મદ રફીની પસંદગી કરીને શાસ્ત્રીય સંગીત ગાયકી વિશે મોહમ્મદ રફીની ક્ષમતા અને રેન્જની ચર્ચા પર તો જાણે પૂર્ણવિરામ જ મુકી દીધું.
દ્રુત લયમાં નૃત્યની સંગત કરતી પંડિત સામતા પ્રસાદની તબલાંની થાપ સાથે ખુલ્લા સ્વરે મોહમ્મદ રફીની ગીતની અદાયગી મંત્રમુગ્ધ કરી મુકે છે.
રાધિકે તુને બંસરી ચુરાઈ – બેટી બેટે (૧૯૬૪) – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ શંકર જયકિશન
હિંદી ફિલ્મનાં ગીતોમાં ઘણી વાર સંગીતકારો ગીતની ધુનને કોઈ રાગ પર આધારિત કરે પણ રાગનાં શાસ્ત્રીય સ્વરૂપ સાથે બહુ સુમેળ ન રાખે. આ ગીતમાં તો દરબારી કાનડા, નાયકી કાનડા, કાફી અને પટદીપનું સંમિશ્રણ છે. લેખકના મત મુજબ ગીતના પૂર્વાલાપમાં વાંસળીના સુર પીલુ પર અધારિત છે.
મન રે તુ કાહે ન ધીર ધરે – ચિત્રલેખા (૧૯૬૪) – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીતઃ રોશન – રાગઃ યમન (કલ્યાણ)
બે એક દાયકા પહેલાં ‘આઉટલુક’ સામયિકે શ્રેષ્ઠ ગીતની પસંદગી માટે એક સ્પર્ધા રાખેલી. તેમાં આ ગીત હિંદી ફિલ્મોનાં સર્વકાલિન શ્રેષ્ઠ ગીત તરીકે આ ગીત પસંદ થયેલ.
રોશને યમનમાં સંગીતબદ્ધ કરેલ અન્ય ગીતોમાં સલામ એ હસરત ક઼ુબુલ કર લો (બાબર, ૧૯૬૦), દિલ જો ભી કહેગા માનેંગે હમ (દિલહી તો હૈ, ૧૯૬૩), છુપા લો દિલમેં યું પ્યાર મેરા (મમતા, ૧૯૬૬) અને આ જ ફિલ્મનું સંસાર સે ભાગે ફિરતે હો સાંભળીએ તો પ્રસ્તુત ગીતની અદાયગી મોહમ્મદ રફીએ કેટલી સમૃદ્ધ કરી છે તેનો ખયાલ આવી જાય છે.
સાઝ હો તુમ આવાઝ હું મૈં – સાઝ ઔર આવાઝ (૧૯૬૬) – ગીતકારઃ ખુમાર બારાબંક઼્વી – સંગીતઃ નૌશાદ – રાગઃ પટદીપ
ભિમપલાસીમાં કોમળ ‘ની’ને શુદ્ધ ‘ની’માં રજૂ કરવાથી પટદીપ બને છે. આટલો જ ફેરફાર ભિમપાલાસીની સ્રીસહજ કોમળતાને પટદીપની પુરુષ સહજ આક્રમકતામાં પરિવર્તિત કરી નાખે છે.
કોઈ સાગર દિલકો બહલાતા નહીં – દિલ દિયા દર્દ લિયા (૧૯૬૭) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ – રાગઃ કલાવતી / જનસમ્મોહિની
શાસ્ત્રીય સંગીતની ગાયકીનું કોઈ પણ અંગ આ ગીતમાં ભાળી શકાતું નથી, એટલે શાસ્ત્રીય સંગીતનો પરિચય ન હોય એવા શ્રોતાને આ ગીત શાસ્ત્રીય રાગ પર આધારિત હોય એવો ખ્યાલ આવે તેમ નથી.
ચંદ્રકાન્તા.કોમ નોંધે છે કે ગીતની અદાયગીમાં રિષભનો એટલો ઓછો ઉપયોગ કરાયો છે કે ગીત કલાવતીની વધારે નજદીક કહી શકાય.
https://youtu.be/XPIrOczxnDY?si=8NEH1-Mi3g8oPFIF
દિલ કે ઝરોકેમેં તુઝ કો બીઠા કે – બ્રહ્મચારી (૧૯૬૮) – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ શંકર જયકિશન – રાગઃ શિવરંજની
આ જ વર્ષમાં શંકર જયકિશને પ્રસિદ્ધ કરેલ રેકર્ડ, ‘રાગ જાઝ સ્ટાઈલ’, માં તેઓએ આ રાગને હજુ એક નવી શૈલીમાં રજૂ કર્યો હતો.
બે અપવાદ સિવાય, આ તો એટલાં પ્રતિનિધિ ગીતો છે જેમાં જે તે ગીતની બાંધણી રાગનાં બંધારણને મહદ અંશે અનુસરાઈ છે અને ગીતની અદાયગી રાગની શાસ્ત્રીય ઢબને છતી કરે છે. આ સિવાય તો હજુ ઘણાં ગીતો મળી શકે, પણ તેની વાત કોઈ બીજા આ વિષયના નિષ્ણાત ફરી કોઈ વાર કરે ત્યારે……
સોંગ્સ ઑવ યોર પર શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલના લેખ, Classical Songs of Mohammad Rafi, With Some Thoughts on Gara નો આંશિક અનુવાદ
શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલનો સંપર્ક subowal@gmail.com વિજાણુ સરનામે કરી શકાય છે.
મોહમ્મદ રફી – રાગ ગારા પર આધારિત ગીતો સહિત શાસ્ત્રીય રાગ પર આધારિત કેટલાંક પ્રતિનિધિ હિંદી ફિલ્મગીતો લેખ હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે
-
પ્લાસ્ટિકની માયા
નલિની નાવરેકર
જીવનના કયા ક્ષેત્રમાં આજે પ્લાસ્ટિક નથી પહોંચ્યું ? આપણા ઘરમાં પાણી આવે છે – તે પીવીસી પાઈપ દ્વારા. વીજળી પહોંચે છે, તેમાં પણ પ્લાસ્ટિક વપરાય છે. બધાં વાહનોમાં આજે પ્લાસ્ટિક વપરાવા માંડ્યું છે. શૈક્ષણિક સાધનોમાં પણ પ્લાસ્ટિકનો કેટલો બધો વપરાશ છે! વિદ્યાર્થીઓના હાથમાં ઘણો સમય રહેનારી પેન અને જે હાથથી છૂટી જ નથી શકતો તે મોબાઈલ ફોન, લેપટોપ વગેરેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાય છે. બજારમાં જુઓ તો બધો જ સામાન પ્લાસ્ટિકમાં પેક કરેલો હોય છે. અને ઘરની અંદરની તો વાત જ જવા દો ! ટેબલ-ખુરશીથી માંડીને ટૂથબ્રશ સુધીની બધી જ ચીજવસ્તુઓ આજકાલ આપણે પ્લાસ્ટિકની વાપરવા માંડ્યા છીએ. કેવી રીતે ચાલશે આપણને પ્લાસ્ટિક વિના ?
પ્લાસ્ટિકને લીધે આપણું જીવન કેટલું સરળ બની ગયું છે ! સસ્તું છે, હલકું છે, સાફ કરવામાં વળી સરળ. પ્લાસ્ટિકની વસ્તુઓ દેખાવમાં સુંદર અને વળી રંગ તો એકદમ આકર્ષક ! સૌથી મોટી વાત તો એ છે કે એને કારણે અનેક પ્રકારની સુવિધા ઊભી થાય છે. કોઈ પણ કામ માટે પ્લાસ્ટિક સામે હાજરાહજૂર છે. આ યુગ જ પ્લાસ્ટિકનો છે. પરંતુ સાવધાન ! પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. તેના કચરા (નિકાલ)નો પ્રશ્ન બહુ જ મોટો છે.
પ્લાસ્ટિકનો કચરો એક મોટી તેમજ ગંભીર સમસ્યા છે. એ વાત આપણે થોડી-ઘણી જાણીએ છીએ. આ પ્રશ્ર્ન માત્ર આપણો નથી, વિશ્ર્વ આખાનો છે. તેથી તેના ઉકેલ માટે તેમજ વિઘટન પામી શકે તેવું જૈવિક પ્લાસ્ટિક કેવી રીતે બનાવી શકાય તે અંગેનું સંશોધન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તેમાંથી કદાચ સારો ઉપાય માનવજાતને મળી જાય. પરંતુ ક્યાં સુધી ?
આજે પણ પ્લાસ્ટિકના કચરાનું પુનર્ચક્રીકરણ (રીસાઈક્લીંગ) તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ બધા પ્રકારના પ્લાસ્ટિકનું નથી થતું. જે થાય છે તેમાં પણ મર્યાદા રહેલી છે. અને આ પ્રક્રિયામાં પણ પ્રદૂષણ તો થાય જ છે. વિઘટનશીલ પ્લાસ્ટિક બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. પરંતુ આ પ્રયોગો હમણાં તો આર્થિક રીતે ખાસ્સા મોંઘા છે. પ્લાસ્ટિકના કચરામાંથી ઈંધણ બનાવવામાં સફળતા મળી છે. પરંતુ તેમાં પણ પ્રદૂષણ તથા અન્ય પ્રશ્નો ઊભા થાય છે. આ બધા પ્રયોગો થઈ રહ્યા છે પરંતુ પ્લાસ્ટિકના કચરાની જે વિકરાળ સમસ્યા છે તેના પ્રમાણમાં ખૂબ જ ઓછા છે. અને મુખ્ય વાત એ છે કે પ્લાસ્ટિકને કારણે માનવસ્વાસ્થ્ય પર તેમજ સૃષ્ટિના સ્વાસ્થ્ય પર જે માઠી અસર પડે છે તે પ્રશ્ન તો જેમનો તેમ જ છે.
પોલીમરાઈઝેશન (પ્લાસ્ટિક બનાવવાની પ્રક્રિયા) વખતે જે રસાયણોનો ઉપયોગ થાય છે તેમાંથી કેટલોક ભાગ બાકી રહી જાય છે. તે પ્લાસ્ટિકમાં ભળી જતો નથી. જ્યારે આપણે એ પ્લાસ્ટિકમાં ભીના કે સૂકા ખાદ્ય પદાર્થ મૂકીએ છીએ ત્યારે તે પદાર્થમાં આ રસાયણ ભળે છે. આ પદાર્થ સાથે તે આપણા શરીરમાં પ્રવેશ કરીને આરોગ્યને હાનિ પહોંચાડે છે. ખોરાકને સંબંધિત (કાપવું, વીણવું, ગાળવું વગેરે) ક્રિયાઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી તેના સૂક્ષ્મકણો આપણા પેટમાં જાય છે. આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે માંદગી આવે છે.
દુનિયામાં મોટા ભાગના દેશોમાં પીવાના પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યા છે. પ્લાસ્ટિકની બોટલમાંના પાણીમાં તો તે હોય જ છે. શરીરની સાથે સાથે આપણા મગજ પર પણ આની વિપરીત અસર થાય છે. પ્લાસ્ટિકની બોટલ અથવા થેલીમાંથી દરદીઓને સલાઈન અથવા લોહી ચઢાવવામાં આવે છે, તેમાંથી તે માણસના લોહીમાં પ્રવેશે છે. ફેફસાં માટે આ જોખમકારક બની શકે છે.
જે લોકો નાયલોન, પોલીએસ્ટર વગેરેનાં કપડાં પહેરે છે તે ખરેખર તો પ્લાસ્ટિક જ પહેરે છે. કારણ કે તે પ્લાસ્ટિકનું જ એક ઉત્પાદન છે. અને તેની અસરો પણ પ્લાસ્ટિક જેવી જ છે. આજે જે નવી ગાડીઓ બને છે તેમાંથી જે ગંધ આવે છે તે પણ પ્લાસ્ટિકમાંથી થેલેટ વગેરે વાયુ સ્વરૂપે છૂટા પડે છે તેની જ હોય છે. જે શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ પામે છે.
પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ-જેમ જૂની થતી જાય છે, તેમ-તેમ ‘માયક્રોપ્લાસ્ટીક’ની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે પ્લાસ્ટિકના અતિસૂક્ષ્મ કણ તેમાંથી નીકળવા માંડે છે, અને સ્વાભાવિક રીતે જ નાક, મોઢું અથવા ચામડી દ્વારા તે આપણી અંદર પ્રવેશ કરે છે. પ્લાસ્ટિકને બાળવામાં આવે છે ત્યારે ડાયોક્સિન તથા અન્ય પ્રદૂષિત વાયુઓ હવામાં ફેલાય છે. આ કાર્સેનોજેનિક એટલે કે કેન્સર કરનારા વાયુઓ છે. શરીરની અંત:સ્રાવી ગ્રંથિઓ પર તેની સૌથી ખરાબ અસર થાય છે.
આમ, આપણે જોયું કે પ્લાસ્ટિકની આરોગ્ય પર બહુ જ માઠી અસર થાય છે. શ્ર્વસનતંત્ર, મજ્જાતંત્ર તેમજ પ્રજનનતંત્ર વગેરેને તે અસર પહોંચાડે છે. પ્રોસ્ટેટગ્રંથિ મોટી થવી, ડાયાબીટીસ, મૂત્રપિંડના વિકાર, ચામડીના રોગો, કેન્સર, માનસિક બીમારીઓ વગેરેનું તે કારણ બને છે. પ્રતિકારશક્તિનો ઘટાડો પણ પ્લાસ્ટિકની માઠી અસરનું જ એક પરિણામ મનાય છે. પીવીસીનું ઉત્પાદન કરતા કારખાનામાં કામ કરનારા કામદારોમાં યકૃતના કેન્સરનું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે.
વધેલું ખાવાનું આપણે પ્લાસ્ટિકની થેલીમાં ભરીને કચરામાં નાંખી દઈએ છીએ. ગાય તેમજ અન્ય પ્રાણીઓ પ્લાસ્ટિકની થેલી સહિત આ ખોરાક ખાતાં તેમના પેટમાં પ્લાસ્ટિક ભેગું થાય છે. જેને કારણે તેમનું મૃત્યુ પણ થતું હોય છે.
જમીન પર થતી અસર
આજે આપણા દેશમાં પ્લાસ્ટિકનો કચરો ન પડ્યો હોય અને પવનથી આમ-તેમ ન ફેલાતો હોય તેવું એક પણ ગામ કે ગલી કદાચ નહીં હોય. આપણાં ગામો-શહેરોના રસ્તાઓને વિરૂપ કરનારું ગંદકીભર્યું દૃશ્ય જ્યાં ને ત્યાં જોવા મળે છે. આવો કચરો જ્યાં પડ્યો રહે છે અથવા દાટવામાં આવે છે ત્યાં સ્વાભાવિક છે કે કશું ઊગી શકે નહીં. ધીરે-ધીરે આ જમીન મૃત:પ્રાય થતી જાય છે. ખેતરોમાં આચ્છાદન અથવા બીજા કોઈ હેતુથી આવેલું પ્લાસ્ટિક ફોટોડિગ્રેડ (ધીમે-ધીમે નાના નાના ટુકડા થવાની પ્રક્રિયા) થઈને જમીનની ઉત્પાદકતા ઘટાડે છે. શહેરોની ગટરોમાં ભેગું થયેલું પ્લાસ્ટિક પાણી વહેવામાં અડચણ પેદા કરે છે. વરસાદના દિવસોમાં આ બાબત પૂર લાવવા માટે કારણભૂત બને છે (વર્ષ ૨૦૦૫નું મુંબઈનું પૂર).
સૌથી વધુ અસર સમુદ્ર પર
વિશ્ર્વભરમાં વપરાતો પ્લાસ્ટિકનો કચરો આખરે પહોંચે છે સમુદ્રમાં. પ્લાસ્ટિકની સમસ્યાનું સાચું (વિકરાળ) સ્વરૂપ જોવું હોય તો સમુદ્ર તરફ જવું પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્વેક્ષણ જણાવે છે કે, આજે મહાસાગરોમાં વીસ કરોડ મેટ્રીક ટન કચરો એકઠો થયો છે અને એવું અનુમાન છે કે વર્ષ ૨૦૩૪ સુધી આ પ્રમાણ બમણું થઈ જશે. પ્રશાંત મહાસાગરમાં ૧૬ લાખ ચોરસ કિ.મી. પ્લાસ્ટિકનો તરતો ટાપુ બની ચૂક્યો છે. આ સૌથી મોટો ટાપુ છે પરંતુ, આવા ઘણા ટાપુઓ વિશ્વભરના સમુદ્રોમાં મોજૂદ છે. પૃથ્વી પરનું જીવન જેના પર નિર્ભર કરે છે તે મહાસાગરોની આ પરિસ્થિતિ છે ! હવાઈ (યુ.એસ.એ.)ના સમુદ્રના તળમાં જે પત્થર છે તેમાં પીવીસી અને પોલીથીન ચોંટી ગયા છે. આંદામાન સમુદ્રના તળિયામાં પણ આવા પથ્થરો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આને કારણે પથ્થરોમાં જેમનું નિવાસસ્થાન છે તે જીવોને ખૂબ નુકસાન થાય છે.
આટલું બધું જાણ્યા પછી પણ શું આપણે એમ જ કહીશું કે પ્લાસ્ટિક વિના તો નહીં ચાલે ? રસ્તાની બાજુમાં અને કચરાના ડેપો (સંગ્રહસ્થાન)માં પડેલા કચરા સામે આંખ બંધ કરીને તો નહીં ચાલે ને ? જળચર, જમીન પરનાં પ્રાણીઓ અને પક્ષીઓની થતી દુર્દશા- પ્રત્યે શું બહેરા બની જઈશું ? કચરો ઉપાડવાવાળા સફાઈ કરનારાઓની પરિસ્થિતિ શું હૃદયશૂન્ય બનીને નજરઅંદાજ કરીશું ? જાણ્યા પછી પણ જડ બનીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા રહીશું ?
વિકલ્પ શોધીએ
ઘરમાં અને વ્યક્તિગત ઉપયોગ બાબતે ઘણી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વિકલ્પ ખૂબ સહજતાથી મળી શકે તેમ છે. કેટલીક વસ્તુઓ માટે શોધખોળ પણ કરવી પડે. તો કેટલાક વિકલ્પો અંગે વિચાર કરવો પડે. શું પચાસ-સાઠ વર્ષ અગાઉ પ્લાસ્ટિક વિના આપણે સુખી ન હતા ? શું ત્યારે પ્લાસ્ટિક વિના આપણું કોઈ કામ અટકતું હતું ? થોડા લાભ અને સુખ-સુવિધા માટે આપણે લાંબા સમયનાં દુ:ખ તેમજ સમસ્યાઓનો સામનો કરવાનું કેમ પસંદ કરીએ છીએ ?
ગામડાઓ પોતાના અધિકાર વાપરીને પ્રતિબંધ લગાવીને પ્લાસ્ટિક મુક્ત બની શકે છે ! ઘર પણ પ્લાસ્ટિક મુક્ત બની શકે છે. વ્યક્તિ તો જરૂર થઈ જ શકે. મારા એકલાના કરવાથી પણ ફાયદો એ થશે કે મારા આરોગ્ય પર ખરાબ અસર નહીં પડે. અને વિશ્ર્વવ્યાપી સમસ્યાનો હું ભાગ નહીં બનું, તેનું સમાધાન પણ હું લઈ શકીશ.
સુંદરતાની વાત કરીએ. સુતરાઉ કપડાં, લાકડાની વસ્તુઓ વગેરેનો સ્પર્શ, તેને જોવું (દર્શન), અનુભવમાં એક પ્રકારની શીતળતા, સાત્ત્વિકતા, શાંતિ છે. પ્લાસ્ટિકના રંગ તેમજ સૌંદર્ય આક્રમક લાગે છે. જે પ્લાસ્ટિકની આ મોહમાયામાંથી નહીં છૂટી શકે તે સંસારની મોહમાયામાંથી છૂટી શકશે ?
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪
-
દેશી ગાયનું “ગોબર” એક ચમત્કારી પદાર્થ
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
વિખ્યાત એકટર અમીરખાનના પ્રસિદ્ધ ટી.વી. પ્રોગ્રામ “સત્યમેવ જયતે” માં ગાયના ગોબરની મહત્તા વિષે કોઇંબ્તુરના એક સફળ પ્રયોગવીર I.G.S.ના પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી નિવાસન જણાવે છે કે “ગાયો દૂધ આપે છે પણ ૫-૭ બચ્ચાને જન્મ આપ્યા પછી જ્યારે તે દૂધ આપતી બંધ થઈ જાય છે ત્યારે આપણો સમાજ એને “નકામી” થઈ ગયેલી ગણે છે. અને એવું જ ખેતી દ્વારા આડપેદાશ રૂપી નીકળતા છોડવાઓ અને ફળ-શાકભાજીના નીકળતાં છાલ-છીલકાના કૂચાને પણ સાવ જ નકામા ગણી ફેંકી દેવામાં આવે છે. પણ સમાજ જેને “નકામી” ગણે છે એવી આ બંને બાબતોને જો એકબીજા સાથે જોડતો-સમન્વય કરવામાં આવે તો કેવું ઉત્તમ પરિણામ મેળવી શકાય છે તેનો તેમણે સફળ પ્રયોગ કર્યો છે. તેઓ કહે છે “રોજેરોજ શાકમાર્કેટ અને ઘરેઘરેથી લીલા અને તાજા શાકભાજીના છાલાં –ડીટિયાં-પાંદડાં –શીંગોનાં ફોફાં જેવા કચરાને એકઠો કરી ગાય દીઠ ૩૫ કિલો ખાવા આપું છું. ગાયોએ તો નથી દૂધ આપવાનું કે નથી બચ્ચાં આપવાના. માત્ર ગોબર આપ્યે રાખે તોયે આર્થિક રીતે પરવડતો વ્યવસાય જણાયો છે.
પશુને ખવરાવેલ ખોરાકમાંથી અંદાજે ચોથા ભાગના વજનનું ગોબર મળતું હોય છે. એ ગોબરને અમે ગોબરગેસપ્લાન્ટમાં નાખી એમાંથી મીથેન ગેસ મેળવી લીધા પછી જે રબડી-સ્લરી નીકળે તેને અમે અળસિયાંને ખવરાવી એના દ્વારા દુનિયાનું શ્રેષ્ઠ ખાતર ગણાય કે જે ખેતીપાકો માટેનો ઉત્તમ ખોરાક પૂરવાર થયેલ છે અને ખેડૂતો જેને “કાળુંસોનું” કહે છે તેવું “વર્મીકંપોસ્ટ” મેળવીએ છીએ.”
શ્રી નિવાસનની આટલી વાત તો આપણેએ માનતા થઈ ગયા છીએ કે ગાયો માત્ર “ગોબર” જ નહીં, પણ એ ઉપરાંત મૃત્યુલોકના અમૃત સમાન પ્રાણીજન પ્રોટીન રૂપી સંપૂર્ણ આહાર ગણી શકાય તેવું હાંડામોઢે દૂધ, માનવ આરોગ્ય અને પર્યાવરણ રક્ષક તથા ખેતીપાકોને રોગ-જીવાત સામે વાર કરી શકે તેવું ગોમૂત્ર આપવા ઉપરાંત જેના કંધોલે ભારતીય ખેતીનો ભાર વાહન થઈ રહ્યો છે તેવા ધીંગા ધોરી [બળદ] ની ભેટ આપે છે પરંતુ શ્રી નિવાસને માત્ર ગોબર માટે ગાયો પાલવવી યે નુકશાન કારક નથી એ બતાવી આપ્યું છે. તે નકામા ગણાતા ઘાસપૂસ અને ફળ-શાકભાજી દ્વારા નીકળતા કચરાને ખાઈને જેના અનેકવિધ ઉપયોગો થઈ રહ્યા છે એવું મોંઘામૂલું માત્ર “ગોબર” જ આપ્યા કરે તો પણ આપણાં માટે આર્થિક દ્રષ્ટિએ પણ પૂર્ણ લાભકારી છે. આવી સચોટ હકીકત હોવાછતાં આપણે ગાંયોને દૂધ આપતી બંધ થયા પછી “નકામી” ગણી-રેઢિયાર બનાવી શા માટે રખડતી કરી મેલીએ છીએ ? એનો સીધો અર્થ એમ થાય કે ગાયના ગોબરની જે કિંમત છે એનાથી આપણે હજુ અજાણ છીએ. મારૂં કહેવાનું બસ એટલું જ કે આવા ગોબર વિશેની પૂરતી પિછાણ ખેડૂતને કે ખેતી વ્યવસ્થાપકને નાં હોય તો આખું સાંબેલું વાસીદામા વળાઈ ગયું ગણાય હો મિત્રો !
ગાય-ગોબરના અનેકવિધ ઉપયોગો
[1]…ગાયનું ગોબર –એ ઉપયોગી જીવણુઓના જબરા જથ્થાવાળું- પોતીકું અને સસ્તું આદર્શ ખાતર પૂરવાર થયું છે.
“ગાય” એ ખેડૂત અને માલધારીના આંગણ-વાડી-ખેતરનું ઉપયોગી અને પાલતુ, પોતીકું-કૂટુંબીજણ હોય તેવું પ્રાણી ગણાય. એટલે એના દ્વારા મળતું ગોબર એના પાલક માટે સહજ મળતો પદાર્થ છે. નાં કશેથી લાવવાનો વાહતુક ખર્ચ કે નાં કશી લેણદેણની માથાકૂટ ! બસ, ખાલી ગોબર એકઠું કરી લેવાનું, પરાવલંબન કોઈ જાતનું નહીં ! કોઈ વિશેષ કામગીરી કરવાની નહી
ગોબરને સેડાવીને સીધેસીધું પણ વાડી-ખેતરોમાં ઉમેરી શકાય છે. પરંતુ જો ગોબરને ગેસપ્લાન્ટમાં નાખી સ્લરી રૂપે બહાર કાઢવામાં આવે તો “મીથેન ગેસ” મળે એ વધારામાં અને જમીનના ઉપયોગી જીવાણુંઓનો સીધો ખોરાક બની, તેની સંખ્યામાં વધારો કરી જમીનની જીવંતતા અને મુલાયમતા બક્ષનારું છે. એ દુનિયાએ જાણી-માણી લીધું છે.
વરસો પહેલાથી ગોબરથી ચાલતા ગેસપ્લાન્ટ અમારા ગામ માલપરામાં પોણોસોથી વધુ સંખ્યામાં આજે યે કાર્યરત છે. જેમાંથી નીકળતા મીથેન ગેસને અમે લોકો કુટુંબની રસોઈ બનાવવા ઉપરાંત ઘર રોશની માટે લાઈટ તરીકે ઉપયોગમાં લઈએ છીએ.
અને આગળ કહું તો ગોરખપૂરના શ્રી પ્રહલાદ બ્રમચારીજીએ ગોબરને ગેસપ્લાન્ટમાં નાખ્યા પછી છૂટા પડતાં મીથેન ગેસને બાટલામાં ભરી, ઇચ્છિત બીજા સ્થળે લઈ જઈ ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાના પ્રયોગો શરૂ કર્યા છે.
એ સારું છે કે હમણાં હમણાથી જેનો પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે તે “ગાય આધારિત પ્રાક્રતિક ખેતી” પદ્ધત્તિ છે તે રસ્તે બનતા જીવામૃતમાં પાણીમાં ગોમૂત્ર, કઠોળલોટ, ગળ્યા પદાર્થ, સાથે જો ગાયનું ગોબર ભેળવાયેલ નાં હોય તો “જીવામૃત” કે “ઘન જીવામૃત” એકે ય બની શકતા નથી. કારણ કે ઉપયોગી બેક્ટેરિયાનો મોટો જથ્થો ગાયના ગોબરમાં જ હોય છે. બાકીના પદાર્થો તો બેક્ટેરિયાની ખોરાકી ચીજો છે. ખેતીપાકોના પોષણ અને સંરક્ષણ બંને બાબતોમાં યોગદાન આપનાર જીવામૃત માટે ગોબર જ મુખ્ય પદાર્થ છે.
ખરું કહીએ તો ગોબર એ એટલા માટે આદર્શ ખાતર છે. કે એની અંદર વનસ્પતિને જરૂરી મુખ્ય-ગૌણ અને સૂક્ષ્મ-બધા જ તત્વો જરૂરી માત્રામાં હોવા ઉપરાંત ગોબર એ પ્રાક્રતિક પદાર્થ હોવાથી ભૂમિના કણાયોજન, નિતારશક્તિ, હવાની અવરજવર જેવા ગુણોમાં પણ ઉમેરો લાવી જમીનના બંધારણ સુધારણાનું મોંઘામૂલું કામ સંભાળનાર છે.
[૨] “ગોબર” એ ઉત્તમ ઇંધણ છે. વગડે વિહરતા-ચરતાં પ્રાણીઓના સુકાઈ ગયેલા ગોબરને “અડાયા છાણાં“ તરીકે વીણી લાવી અગરતો પાલતુ ગાય-ભેંશના ગોબરને વ્યવસ્થિત કુંવાળ-ઢૂહાં-ફોફી કે કોલસી સાથે મિશ્રણ કરી બનાવેલ છાણાનો ઉપયોગ શહેરની ગરીબ વર્ગની અને ગામડાંની અરધોરધ વસ્તી લાકડાની સાથોસાથ કરી રહી છે.
અરે, અતુલકુમાર શાહના એક લખાણમાં મે વાંચ્યું છે કે ૨૫-૩૦ વરસમાં વિશ્વના પેટ્રોલના ભંડારો ખતમ થવાના છે. ત્યારે વૈકલ્પિક ફ્યુઅલ તરીકે યુનાઈટેડ એરલાઇન્સે એક નવા બાયો ફ્યુયલની શોધ કરી છે. જેમાં વિમાનમાં ગંધ ન આવતી હોય તેવું ગોબર ભરવામાં આવે છે. અને તેનાથી વિમાનનું પ્રાયોગિક ઉડ્ડયન શરૂ થઈ ગયું છે. ટોયેટો કાર વાળાએ પણ આ જ દિશામાં ગોબરથી ગાડી ચલાવવાના પ્રયોગો શરૂ કરી દીધા છે.
આપણે ત્યાં જંગલો ધૂમ રીતે કપાઈ રહ્યા છે જેથી પર્યાવરણ ઉપર મોટી આફત તોળાઈ રહી છે. તેમાં થોડીકેય રાહત ઊભી કરવા વાસ્તે સ્મશાનમાં લાકડાની સાથોસાથ ગોબરમાંથી બનાવેલ લાકડાનો ઉપયોગ શક્ય બનાવવા ગોબરમાંથી લાકડાં બનાવવાનું મશીન તૈયાર થઈ ગયું છે. સ્મશાનમાં એક વ્યક્તિ માટે વપરાતા ૨૫૦ કિલો લાકડામાં ૧૦૦ કિલો ગોબરથી બનેલાં લાકડાં વાપરવાની વ્યવસ્થા ઊભી કરાય તો કેવળ છાણ આપતું એક પણ ગોવંશ-જીવ કતલખાને ન જાય એવું અતુલકુમાર શાહનું કહેવાનું છે.
[3].. ગોબરની રાખ પણ એટલી જ ઉપયોગી છે સુકાએલ ગોબર-છાણાની રાખ એ પણ ઉત્તમ સેન્દ્રીય ખાતર છે. અરે, ગંદવાડવાળી જગ્યાએ રાખ ભભરાવવાથી તે સ્થળ દૂરગંધ રહીત અને જંતુમુક્ત બની જાય છે. મોલાતોમાં મસી-મોલોના ઉપદ્રવ વખતે ખેડૂતો મોલાત ઉપર આવી રાખનો છંટકાવ કરી છોડને જંતુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવતા હોય છે. અને ગૃહિણીઓ વરસોથી વાસણ સફાઈ માટે આનો ઉપયોગ કરી રહી છે. જે ખરેખર જોઈએ તો હાથની ચામડીને શુષ્ક-રૂખી બનાવનાર ડીટર્જન્ટ પાવડરની સરખામણીએ આરોગ્ય માટે સહેજ પણ પ્રતિકૂળ બનતી નથી.
ગોબરના ઘણાબધા અન્ય ઉપયોગો
[1]….તમે માનશો ? સ્વચ્છતા લાવવામાં ગોબર સાબુનેએ પાછળ રાખી દે છે. ખેતીમાં પિયત માટેનું એન્જિન જ્યારે ખોટવાય ત્યારે તેને રીપેર કરનારાના હાથ કાળા ઓઈલથી એવા ખરાબ રીતે બગડી જાય છે કે સાબુ આખો ખૂટવાડે તોયે કાળા મટતા નથી. તો ? બસ, હવે તાજા ગોબરનો લોંદો લઈ હાથમાં ખૂબ મસળો ! ગોબરમાં રહેલી તેજાબી અસરથી જોતજોતામાં હાથ વાસણ જેમ ઉટકાઈ જશે. આ યે છે ને ગોબરનો ચમત્કાર !
[2]….લૂણી પાંજરાપોળમાં ઘી, મધ, દૂધ, ગોમૂત્ર અને ગોબરમાંથી બનાવેલ પંચગવ્યમાંથી અનેક પ્રકારની ઔષધીઓ બનાવતા શ્રી વસનજીભાઇ જણાવે છે કે મચ્છરોને ભગાવવા હવે ગોબરની નાની થેપલીઓ માર્કેટમાં ધૂમ વેચાઈ રહી છે. તેના પર કપૂર મૂકીને ધૂપ કરવાથી એક પણ મચ્છર ઘરમાં રહેતું નથી.
[3]….મોટાભાગની નર્સરીઓમાં મોટા રોપા ઉછેરવા માટે પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ હવે ગોબરમાંથી એક કલાકમાં 100 જેટલાં કુંડા બનાવવાની ક્ષમતા ધરાવતું હાથબનાવટનું મશીન માત્ર 15000 રૂપિયામાં તૈયાર થઈ ગયું છે. અને પૂરજોશમાં તેનું કામ ચાલુ થઈ ગયું છે.
[4]…..આજે પણ ગામડાઓમાં પિંઢોરના [માટીના] મકાનોમાં ગોબરનું લીંપણ પ્લાસ્ટર તરીકે ઘરની દીવાલો અને ભોંયતળિયે ચોખ્ખાઈ-મજબૂતાઈ ઉપરાંત જંતુરહીતતા જાળવવાનું કામ કરે છે. અરે, બીજા કોઇથી ન થઈ શકે તેવું એટમિક દૂષણો સામે સંરક્ષણ પૂરું પાડવાનું અમૂલું કામ પણ આ ગોબરનું લીંપણ કરી આપે છે. એનોયે ચમત્કાર ઓછો ગણાય ?
[5] ગાયના ગોબરનો એક સાવ નવીનતમ ઉપયોગ એટલે “ ખાદી પ્રાકૃતિક કલર”
આપણાં દેશમાં સામાન્ય સ્થિતિના માણસોને વ્યાજબી કીમતે ઉત્તમ દરજ્જાનો કલર મળી રહે એ ઉદ્દેશથી ભારત સરકાર સંચાલિત ખાદીગ્રામોદ્યોગ આયોગે ગાયના ગોબરને કેન્દ્રમાં રાખી “ખાદી પ્રાક્રતિક કલર” વિકસીત કરેલ છે. આમ ગણીએ તો ખાદી પ્રાક્રતિક કલર એ મકાનની અંદર-બહારની દીવાલો અને ભોયતળિયે ગાયના ગોબરથી લીંપણ કરવાની જૂની ભારતીય પરંપરાથી પ્રેરિત એક નવી પર્યાવરણ પૂરક પહેલ જ ગણાય.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આપણે ત્યાં સૌરાષ્ટ્રમા રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામ [તા-ગોંડલ]ના ખેડૂત ભાઈ શ્રીકિશોરભાઇ વોરા [મો-98243 30327] ના જણાવ્યા પ્રમાણે આ કલરની વિશેષતા ગણીએ તો આમાં મૂખ્ય ઘટક દેશી ગાયનું ગોબર જ છે. આ ગોબરને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરીને ડિસટેમ્પર અને ઇમલસન તૈયાર કરેલ છે. વળી ઇમલસન પેઇન્ટ મેટ ફિનિશ સાથે સફેદ રંગના બેઝમાં ઉપલબ્ધ હોઇ, આમાં આપણી પસંદગી પ્રમાણેનો રંગ મિશ્રિત કરી શકાય છે. અને દીવાલ પર લગાવ્યા પછી ૪-૬ કલાકમાં જ સુકાઈ જાય છે. વળી પાણીથી ધોવાલાયક એટલે કે વૉશેબલ અને પાછો પાણી અવરોધક-વોટરપ્રૂફ અને ખૂબ જ ટકાઉ તથા દીવાલ માટે રક્ષણાત્મક કવચ તૈયાર કરનાર છે.
આ કલરની પાર વગરની આગવી વિશેષતાઓની વધુ વાત કરતા શ્રી કિશોરભાઇનું કહેવાનું છે કે “ખાદી પ્રાકૃતિક કલર એ કોઈપણ જાતની ગંધથી મૂક્ત છે. વિષાણુ અને ફુગરોધક હોવા ઉપરાંત ઝેરમૂક્ત અને ભારે ધાતુ રહીત તથા ગરમી રોધક હોઇ સરવાળે પર્યાવરણ પૂરક-ઇકોફ્રેન્ડલી અને કીમતમાં પણ વ્યાજબી છે ! આવો કલર સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ “નિરાલી પેઈટ્સ” દ્વારા “ખાદી પ્રાકૃતિક કલર” એ નામે ઉત્પાદન કરી, ૧-૪-૧૦ અને ૨૦ એમ ચાર પ્રકારના પેકીંગ કરી અમે વેચાણમા મૂકેલ છે.”
વાહ ! આવો સસ્તો, સારો અને પ્રાક્રતિક કલર આપણાં મકાનના રંગરોગાન માટે વાપરવો એ બધી રીતે ઉત્તમ તો ગણાય જ, ,ઉપરાંત એ બહાને ભારતીય ગોવંશની સેવા કર્યાંનું પૂણ્ય પ્રાપ્ત થાય તે વધારામાં ! વિચારજો
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
બકરી જીતવા ફૂટબોલ – કલ્પના મહેતા
અવલોકન
– સુરેશ જાની

ઝારખંડના લાતેહાર જિલ્લાના નાનકડા ગામ ધોતીમાં જન્મેલી રૂપાંતી મુંડાનું એક જ સ્વપ્ન હતું, ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનવાનું. ધોતી ગામ નક્સલવાદીઓના વિસ્તારથી ઘેરાયેલું છે. ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલી રૂપાંતીનું બાળપણ નક્સલવાદીઓના ભયના ઓછાયા હેઠળ વીત્યું હતું. બાળવિવાહ અને માનવ તસ્કરી તો ઘર ઘરની કહાની હતી. નક્સલવાદીઓ ગામના કોઇ પણ ઘરમાં ઘૂસી જતા અને અનાજ, પૈસા તેમ જ છોકરીઓની માગણી કરતા. ધોતી ગામના લોકો ગરીબીના કારણે દીકરી પાંચ વર્ષની થાય કે તેને વેચી દેતા. આવા વાતાવરણમાં ઉછરેલી ૨૦ વર્ષીય રૂપાંતીએ ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનવાનું સ્વપ્ન જોવાનું સાહસ કર્યું.
રૂપાંતીએ ત્રીજા ધોરણથી ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. એક દાયકા સુધી તેણે આ રમત રમી તેમાં નિપુણતા હાંસલ કરી હતી. તેની શાળાના શિક્ષક ભગતનામે તેને ફૂટબોલ રમવાની પ્રેરણા આપી હતી. તેમણે જ રૂપાંતીને રમવા માટે શૂઝ ભેટમાં આપ્યા હતા. અગાઉ રૂપાંતી સાદા ચપ્પલ પહેરીને જ રમતી હતી. ફૂટબોલ પ્રત્યે લગાવ અને શિક્ષકની તાલીમથી તેણે આ રમતમાં સફળતા મેળવી હતી. કેરિયરની શરૂઆત થઇ ઇન્ટર સ્કૂલ મેચોથી. ત્યારબાદ તેણે ‘ખાસી’ ફૂટબોલ તરીકે ઓળખાતી ઇન્ટ્રા અને ઇન્ટર વિલેજ મેચોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ખાસી ફૂટબોલમાં જીતનારને બકરી ભેટમાં આપવામાં આવતી હતી અને ‘અમે બકરી મેળવવા જ રમતા.’ એમ રૂપાંતી હસતા હસતા કહે છે.તેનો દિવસ સવારે સાડાચાર વાગ્યામાં શરૂ થઇ જતો હતો. વહેલાં ઊઠી તે સૌ પ્રથમ ઘરના તમામ કામ પતાવી દેતી. સાડાસાત સુધીમાં તો તેની તાલીમ શરૂ થઇ જતી. બે કલાકની પ્રેક્ટિસ બાદ તે ઘરે પાછી ફરતી અને તૈયાર થઇ શાળામાં જતી. ફૂટબોલની રમત તેના જીવનનો એક હિસ્સો બની ગઇ હતી. તેને ફૂટબોલ રમવું ખૂબ ગમતું. બાળપણમાં તો તેને એમ જ હતું કે ફૂટબોલ એટલે ખાસી મેચ, જેમાં જીતવાથી બકરી મળે. આ રમત રાષ્ટ્રીય સ્તરે રમાય છે તેની રૂપાંતીને જાણ પણ નહોતી.
૧૪ વર્ષની વયે તેણે પ્રથમ વાર ગામની હદ પારી કરી મેચ રમી હતી. રાજ્યસ્તરની ટીમના સિલેક્શન માટે તે પહેલીવાર ગામની બહાર નીકળી હતી. વર્ષ ૨૦૧૧માં ઉત્તરાખંડમાં યોજાયેલી મેચમાં ઝારખંડની ટીમની તે સભ્ય હતી. એ જ વર્ષે રૂપાંતીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાને યાદ કરતા રૂપાંતી કહે છે કે મારા પિતા હંમેશાં મને મદદ કરતા, મારી રમતને ટેકો આપતા. જ્યારે પણ હું મેચ રમવા જતી ત્યારે તેઓ સાથે આવતા અને મારી સફળતા માટે પ્રાર્થના કરતા.
રાજ્યસ્તરની ટીમમાં સારા દેખાવને કારણે તેનું રાષ્ટ્રીય ટીમમાં સિલેક્શન થઇ ગયું. તાલીમ માટે તેને કેરળ જવાનું હતું, પરંતુ પિતાના આકસ્મિક મૃત્યુના કારણે પૈસાની તંગી હતી. તેની માતા પાસે કેરળ સુધીના પ્રવાસના પૈસા પણ નહોતા. રૂપાંતીની માતાએ જેમ તેમ કરીને પૈસા એકત્ર કરી તેને કેરળ ખાતે તાલીમ કેમ્પમાં મોકલી હતી. કેમ્પમાં તેણે સખત મહેનત કરી હતી. આકરી તાલીમ બાદ તેને વિશ્વાસ હતો કે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટમાં તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળશે. ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું અને ‘ઇન્ડિયા’ લખેલા જર્સી પહેરવાનું સપનું ત્યારે ચકનાચૂર થઇ ગયું જ્યારે વિઝા મેળવવા માટે તેની પાસે પૈસા નહોતા. વિઝા માટેની ફીની સગવડતા કરવી રૂપાંતીના ગરીબ પરિવાર માટે મુશ્કેલ હતી.
ટૂર્નામેન્ટમાં સહભાગી થઇ ન શકી એનો આઘાત હજુ ઓછો હોય એમ તેના પર વધુ એક દુ:ખનો પહાડ તૂટી પડ્યો. વર્ષ ૨૦૧૫માં તેનો ભાઇ નક્સલવાદીના હુમલાનો ભોગ બન્યો. ભાઇના મૃત્યુ સમયે તે જમશેદપુરના ટ્રેઇનિંગ કેમ્પમાં હતી. સમાચાર સાંભળીને રૂપાંતી ઢળી પડી, અને ટ્રેઇનિંગ અધૂરી મૂકી ઘરે પાછી ફરી. તેણે નક્કી કરી લીધું કે હવે ફરી ફૂટબોલ રમવા આવવું જ નથી. તેના ભાઇનો હત્યારો તેના જ ગામના નક્સલવાદી નેતાનો પુત્ર હતો. રૂપાંતીને જાણવા મળ્યું હતું કે મારો ભાઇ ઇર્ષાનો ભોગ બન્યો હતો. બસ, તેણે ફૂટબોલ રમવાનું છોડી દીધું અને દારૂ બનાવવા માટે વપરાતા મહુઆ નામનાં ફૂલો એકઠાં કરવાના કામમાં જોતરાઇ ગઇ. પારકાં ઘરના કામ અને મજૂરી શરૂ કરી.
પણ રૂપાંતીના નસીબમાં ફૂટબોલ રમવાનું લખેલું જ હતું. તેની મહેનત આમ એળે જાય એ કદાચ નિયતિને પણ પસંદ નહીં પડ્યું હોય એમ વર્ષ ૨૦૧૬માં તેની મુલાકાત આહાન ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ડૉ. રશ્મિ તિવારી સાથે થઇ. રશ્મિબેન માનવતસ્કરીનો ભોગ બનનારી આદિવાસી મહિલાઓના હિતમાં કાર્ય કરતા હતા. પીડિત મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાડવા અને તેમને આત્મનિર્ભર કરવા તેમની સંસ્થા બનતા પ્રયત્નો કરતી. આદિવાસી મહિલાઓને તેમની આવડત અનુસાર આગળ વધારવા રશ્મિબેન બનતા તમામ પ્રયાસો કરતા. તેમને ખબર હતી કે રૂપાંતી ફૂટબોલ રમે છે. એક દિવસ તેમણે રૂપાંતીને કહ્યું કે, તું દિલ્હી આવીશ?’. પિતા અને ભાઇના મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળી રૂપાંતીએ પોતાના સપનાને સાકાર કરવા દિલ્હી જવાનો નિર્ણય લીધો. તેને રશ્મિબેન પર પૂરો ભરોસો હતો.

રશ્મિબેને રૂપાંતીને અન્ય યુવતીઓ સાથે મળીને પોતાની ફૂટબોલ ટીમ બનાવવા પ્રોત્સાહિત કરી. એ વખતે તેની વય માત્ર પંદર વર્ષની હતી. ફૂટબોલની રમતની સાથે સાથે તેણે માતા, મોટી બહેન અને ભાઇની પત્ની તેમ જ બાળકોની જવાબદારી ઉપાડી લીધી. તે પરિવારની એકમાત્ર કમાઉ વ્યક્તિ હતી. આઠ મહિના સુધી રૂપાંતીએ તેના પરિવારનું એકલા હાથે ભરણપોષણ કર્યું હતું.
ઑસ્લો ખાતે યોજાનારી ૧૫મી ‘હોમલેસ વર્લ્ડ કપ’ની ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તેણે પોતાની જાતે પૈસાની સગવડતા કરી લીધી. પચાસથી વધુ દેશ અને પાંચસોથી વધુ રમતવીરો સાથેની આ ટૂર્નામેન્ટમાં વિશ્વના શેરી ફૂટબોલરો એકઠાં થયા હતા. ‘રૂપાંતી’ લખેલું ઇન્ડિયાનું જર્સી પહેરવાનું તેનું સપનું સાકાર થયું એ ક્ષણ તેના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની રહી.
‘હોમલેસ વર્લ્ડ કપ’માં ભાગ લીધા બાદ તેને સમજાયું કે,
આર્થિક સંકડામણ ક્યારેય સપનાની આડે આવી ન શકે.
દરમિયાન ધોતી ગામના લોકો તેના વિશે જાતજાતની વાતો કરતા હતા. યુવકોની રમત રમવાની શું જરૂર છે? આમાં કંઇ નહીં વળે. ગામવાસીઓની પંચાત અને ટીકા રોજની વાત હતી. અગાઉ આવી વાતો સાંભળી રૂપાંતી નાસીપાસ થઇ જતી, પરંતુ હવે તેણે લોકોની પરવા કરવાનું છોડી દીધું હતું. રૂપાંતીએ એક જ વાત પકડી રાખી હતી : લોકો ભલે ગમે તે કહે ભારતની ફૂટબોલ ટીમના કોચ બનવાનું સપનું પૂરું કરવું જ છે.
ઉપરાંત તે અન્ય આદિવાસી યુવતીઓને મદદ કરવા માગતી હતી. ભારતના અંતરિયાળ વિસ્તારમાં રહેતી તેના જેવી અન્ય યુવતીઓને તેમના સપનાં સાકાર કરવામાં મદદરૂપ થવા રૂપાંતી પ્રયત્નશીલ રહેતી.
આ દરમિયાન પુત્રના મૃત્યુનો આઘાત સહન ન થતાં તેની માતાએ પાણીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. આઠ સભ્યના પરિવારની જવાબદારી રૂપાંતીના ખભે હતી. આટલા મોટા પરિવારનું પેટ ભરવા તેને ફાર્મિંગ અને આહાન ફાઉન્ડેશનની આવક ચાલુ રાખવા કામ કરવું પડતું. ધોતી ગામમાં ફૂટબોલની રમતને આગળ વધારવા તે એક કોચિંગ સેન્ટર ખોલવા માગતી હતી. આદિવાસી યુવતીઓ ફૂટબોલ રમી શકે એ માટે તેણે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું.
મારે હજુ બીજી ૨૦ રૂપાંતી ઊભી કરવી છે, જે ભારતના અંતરિયાળ વિસ્તારમાં રહેતી ગરીબ આદિવાસી યુવતીઓનું જીવન બદલી શકે, એમ તે કહે છે. આદિવાસી યુવતીઓ રાજ્ય સ્તરની અને રાષ્ટ્ર સ્તરની ફૂટબોલ ટીમનો હિસ્સો બની શકે એ જ રૂપાંતીનું ધ્યેય છે.
સંદર્ભ –
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=384315
https://www.thebetterindia.com/115495/rupanti-munda-international-footballer/
https://www.aahanfoundation.org/
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
