પ્રદૂષણની સામાન્ય જાણકારી અને એ અંગેની આપણી જાગૃતિ, જો હોય તો પણ અતિ મર્યાદિત હોય છે, કેમ કે, આપણે સાવેસાવ ‘નિર્દોષપણે’ ઊપયોગમાં લેતા હોઈએ એવી કેટલીય ચીજવસ્તુઓની પર્યાવરણ પર ક્યાં, કેટલી અને શી અસર થાય છે એ આપણે ભાગ્યે જ જાણીએ છીએ.
આવી એક ચીજ છે સનસ્ક્રીન લોશન. તેનો ઉપયોગ સૂર્યપ્રકાશથી થતી હાનિકારક અસરથી ત્વચાનું રક્ષણ કરવાનો છે. તે સૂર્યદાહની અસરને તેમજ ત્વચાના કેન્સરના જોખમને ઘટાડે છે. સૂર્યમાંના પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ/યુવી) કિરણોને આ લોશન શોષી લે છે અને તેને ત્વચાના અંદરના સ્તર સુધી પહોંચતાં અટકાવે છે. સનસ્ક્રીન લોશન ક્રીમ, જેલ, સ્પ્રે, સ્ટીક વગેરે જેવા વિવિધ સ્વરૂપે ઊપલબ્ધ છે, અને જ્યાં સૂર્યદાહ લાગવાની સંભાવના હોય ત્યાં તેનો ઊપયોગ કરવામાં આવે છે. ક્રિકેટરો રમતી વખતે, યા તરવૈયાઓ તરતી વેળાએ કે ખાસ કરીને દરિયાના પાણીમાં પ્રવેશતાં અગાઉ સનસ્ક્રીન લોશન લગાવાય છે. સ્વાભાવિક છે કે આપણી ત્વચા પર લગાવાયેલા આ લોશન પર પાણીની અસર થાય અને તેનો કેટલોક ભાગ પાણીમાં ભળે. એક અંદાજ અનુસાર પ્રતિ વર્ષ આશરે છથી ચૌદ હજાર ટન સનસ્ક્રીન લોશન દરિયાના પાણીમાં ભળે છે. તેની સીધી અસર દરિયામાં રહેલાં પરવાળાનાં ખડકો પર થાય છે. તે કાં મનુષ્યો દ્વારા કે પછી નકામા પાણીમાં ભળીને દરિયામાં ઠલવાય છે.
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
યુવી ફિલ્ટરયુક્ત આ લોશનમાં સામાન્ય રીતે ઓક્ઝિબેન્ઝોન અને ઓક્સિનોક્ઝેટ હોય છે. તેને કારણે પરવાળાનાં ખડકોનો રંગ ઊડી જાય છે, તેની લાર્વામાં વિકૃતિ આવે છે અને પરિણામે માછલીઓની ફળદ્રુપતા ઘટે છે. ખાસ કરીને ઓક્ઝિબેન્ઝોન સમુદ્રી જીવોમાંના અંત:સ્રાવોના સંતુલનને ખોરવી દે છે. હવાઈ અને પલાવ જેવાં દરિયાઈ પ્રવાસનસ્થળોએ એ વિસ્તારની નાજુક જૈવપ્રણાલિઓના રક્ષણ માટે આ રસાયણો ધરાવતાં સનસ્ક્રીનને પ્રતિબંધિત કર્યાં છે.
વિજ્ઞાનીઓએ ચેતવણીના સૂરે જણાવ્યું છે કે દરિયાઈ પર્યાવરણમાં સનસ્ક્રીનનાં રસાયણોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે, જેને કારણે દરિયાઈ સૃષ્ટિ અને પરવાળાંના ખડકો પર ખતરો તોળાઈ રહ્યો છે. ‘મરીન પોલ્યુશન બુલેટિન’માં જણાવાયા અનુસાર આ પ્રદૂષકોની અસર બાબતે તત્કાળ સંશોધનની જરૂર છે, કેમ કે, તેની વિપરીત અસર દૂરગામી હોઈ શકે છે.
એવું નથી કે કેવળ પ્રવાસીઓની વધુ અવરજવરવાળા સ્થળે જ સનસ્ક્રીનનાં પ્રદૂષકો મળી આવ્યાં છે. એન્ટાર્ક્ટિકા જેવા દૂરસુદૂરના સ્થળે પણ એ જોવા મળ્યાં છે. આ રસાયણોનું વિઘટન ઝટ થતું નથી, અને તે દરિયાઈ પ્રજાતિઓની સ્નાયુપેશીઓમાં એકઠા થતાં રહે છે. આની અસર સમગ્ર આહારકડી પર થાય છે.
આ પ્રદૂષકોને દૂર કરવામાં વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાસ કાર્યક્ષમ નથી. તેને કારણે એ પર્યાવરણમાં ફર્યા કરે છે. પરવાળાનાં ખડકો આમ પણ જળવાયુ પરિવર્તનથી અસરગ્રસ્ત છે. એક અભ્યાસ અનુસાર સનસ્ક્રીનમાંના રસાયણોની સાવ ઓછી માત્રા પણ થોડા દિવસોમાં પરવાળાંના ખડકોને રંગવિહીન કરી મૂકે છે. ઊર્જા માટે આ પરવાળાં જેની પર અવલંબિત છે એવી લીલ તેમાંથી છૂટી પડે એટલે કે તે સાવ નબળાં પડી જાય છે અને મોટે ભાગે મૃત બની જવાની શક્યતા રહે છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે સમુદ્રજળના તાપમાનમાં થતી વૃદ્ધિ અને રાસાયણિક પ્રદૂષણને કારણે આ ખડકોમાં ઘસારો વધુ ઝડપી બને છે.
એવું નથી કે સનસ્ક્રીનનાં રસાયણો કેવળ પરવાળાંનાં ખડકોને જ નુકસાન પહોંચાડે છે. અનેકવિધ દરિયાઈ જીવસૃષ્ટિ માટે તે હાનિકારક છે. આમાંનાં ઘણાં રસાયણો ચરબીમાં દ્રાવ્ય હોવાને કારણે તે દરિયાઈ જીવોની પેશીઓમાં એકત્ર થાય છે અને આહારકડીમાં ઊપરની તરફ જાય છે. આને કારણે મોટા જીવો પર તેની અસર પડે છે. માનવ દ્વારા આહારમાં લેવાતા દરિયાઈ જીવોનો પણ આમાં સમાવેશ થાય છે.
આનો કોઈ ઊપાય ખરો? આવી ચીજોથી પર્યાવરણને થતા નુકસાન વિશે જાણ થાય ત્યાં સુધીમાં પર્યાવરણને ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. આવી ચીજોનો ઊપયોગ એટલો વ્યાપક બની ગયો હોય છે કે તેનું ઉત્પાદન સદંતર બંધ કરી દેવું શક્ય હોતું નથી. તેની બનાવટ અંગેની નીતિઓ ઘડવાની પ્રક્રિયા તાત્કાલિક થઈ શકતી નથી, અને વ્યક્તિગત સ્તરે ગમે એટલા સન્નિષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છતાં તે અપૂરતા બની રહે છે. તેનાથી આંતરિક સંતોષ સિવાય ખાસ કશી ઉપલબ્ધિ થતી નથી હોતી.
હવાઈ અને પલાવ જેવાં પગલાં લેવાનું ઘણાં પ્રદેશો વિચારી રહ્યા છે. સાથોસાથ પરવાળાંનાં ખડક માટે નુકસાનકારક ન હોય એવાં ‘રીફ સેઈફ’ સનસ્ક્રીન લોશન વિકસાવવાનું પણ ઉત્પાદકોને જણાવાઈ રહ્યું છે, જેમાં નોન-નેનો ઝીન્ક ઓક્સાઈડ કે ટીટેનિઅમ ડાયોક્સાઈડ જેવાં દરિયાઈ સૃષ્ટિ માટે ઓછાં હાનિકારક રસાયણોનો ઊપયોગ કરવામાં આવ્યો હોય. સાથોસાથ દરિયાઈ સ્થળોએ આવતા પ્રવાસીઓને એ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે જેથી તેઓ રક્ષણાત્મક વસ્ત્રો પહેરે અને સનસ્ક્રીન લોશનનો ઊપયોગ ટળી શકે.
આ બધું જો કે, બાટલીમાંથી જીન નીકળી ગયા પછી તેને ફરી પાછો બાટલીમાં પૂરવાની નિરર્થક કવાયત જેવું છે, કેમ કે, પ્રવાસન ઉદ્યોગ થકી થતી આવક અને એ રળી આપતા પ્રવાસીઓને નારાજ કરવાનું કોણ પસંદ કરે? છેવટે આખો મામલો નાણાં પર આવીને અટકે છે.
આમ છતાં, ‘જાગ્યા ત્યાંથી સવાર’ના ધોરણે સમુદ્રી પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા માટે જે કંઈ પગલાં લેવામાં આવે એ ઈચ્છનીય છે. ભલે ને એ મોડા હોય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩- ૦૩– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
એક સવારે, જ્યારે હું મારા પડોશમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચકલી અને કાબરના ટોળા વચ્ચે અચાનક શાંતિ ભંગ થઇ. હવામાં એક પડછાયો ખૂબ જ ઝડપથી પસાર થયો– એક તીક્ષ્ણ અને ચપળ શિકારી, જેની નજર તેનો શિકાર શોધી રહી હતી. થોડીવારમાં જ પાંખોનો ભયાવહ ફફડાટ થયો અને પછી શાંતિ. આપણા ઉપખંડનો એક નાનો બાજ, શકરો (Shikra) (Tachyspiza badia) ત્યાં ત્રાટક્યો હતો!
[માદા શિકરા અન્ય નાના પક્ષીના શિકાર સાથે]શિકરા એક નાનું શિકારી પક્ષી છે, જેનું કદ કબૂતર જેટલું જ હોય છે પણ માદા શિકરાની પીળી અને નર શિકરાની લાલ આંખો અને તીક્ષ્ણ નખ એની એક કુશળ શિકારી તરીકેની ખરેખરી ઓળખ આપે છે. તેની પાંખો ટૂંકી, ગોળાકાર હોય છે અને પૂંછડી સાંકડી અને થોડી લાંબી હોય છે. પુખ્ત વયના પક્ષીનો નીચેનો ભાગ સફેદ હોય છે જેમાં બારીક રુફસ બાર હોય છે જ્યારે ઉપરનો ભાગ રાખોડી રંગનો હોય છે.
શહેરો, ગામડાં, અને જંગલોમાં વસવાટ કરનાર આ પક્ષી મૌન અને સતર્ક શિકારી છે. તેને ગુજરાતીમાં શકરો અથવા શકરો-બાજ કહે છે.
ગરુડ અને ગીધ શિકારની શોધમાં ઊંચી ઉડાન ભરતા હોય છે, તેનાથી વિપરીત,શકરો વધુ ગુપ્ત અભિગમ પસંદ કરે છે. તે ડાળી પર શાંતિથી બેસે છે, તેની આસપાસના વિસ્તારોને સ્કેન કરે છે, અને જ્યારે યોગ્ય સમય આવે છે, ત્યારે તે ઝડપી, સચોટ અને નિર્દય રીતે હુમલો કરે છે. તે નાના પક્ષીઓ, ગરોળી, ઉંદરો અને જંતુઓનો પણ શિકાર કરે છે, જે સરિસૃપોની વસ્તીને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
[નર શકરો કાચિંડા (garden lizard)ના શિકાર સાથે]ઘણા શિકારી પક્ષીઓ નિવાસસ્થાનના વિનાશને કારણે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ શિકરા એક અપવાદ છે. તે શહેરી જીવન, બગીચાઓ, ઉદ્યાનો અને કોલેજ કેમ્પસમાં પણ શિકાર કરવા માટે નોંધપાત્ર રીતે અનુકૂળ થઈ ગયું છે. તેને હવે વિશાળ જંગલોની જરૂર નથી; ખાલી થોડાક વૃક્ષોનો સમુહ અને શિકાર મડી જતો હોય તો તેનું જીવન ટકી જાય.
પરંતુ તેનો અર્થ એ નથી કે તેનું જીવન સરળ છે. માનવ હાજરી ઘણીવાર તેના શિકારની રીતોને વિક્ષેપિત કરે છે. મેં તાજેતરમાં એક નર શિકરા જોયો જેના પંજામાં કબૂતરનું બચ્ચું હતું જેને તે પોતાના માળામાં ઈંડાને સેવતી માદા માટે લઈ જતો હતો, પણ મારી હાજરીનો આભાસ થતાં જ તેણે માર્ગ બદલીને, મને અવળે માર્ગે દોરવા ગોળ ગોળ ઉડતો ગયો અને પછી ઓઝલ થઈ ગયો. – આ પ્રસંગ યાદ અપાવે છે કે ભલે તેઓએ આપણી દુનિયામાં અનુકૂલન સાધી લીધું છે, છતાં તેના જીવનમાં આપણો વિક્ષેપ પસંદ નથી.
શિકરા નિઃશંકપણે ગ્રામીણ વિસ્તારો અને બગીચાઓમાં સારી રીતે અનુકૂળ થઈ ગયા છે, કારણ કે ત્યાં માળા બાંધવા માટે વૃક્ષોની વિપુલતા છે. તેનાથી વિપરીત, સમડીઓની સંખ્યા શહેરોમાં ખીલી છે, કારણ કે તેમને માળો બનાવવા માટે ઝાડની જરૂર નથી અને તેઓ કચરા અને ભંગારમાંથી વધેલા માંસના ટુકડા, ઉંદર વગેરે ખાઈને ટકી શકે છે, જ્યારે શકરા માટે વિપરીત સાચું છે – તેઓ ખોરાક માટે ફરજિયાતપણે શિકાર કરે છે, અને માળો બનાવવા માટે વૃક્ષો પર આધાર રાખે છે.
જોકે, ઝડપી શહેરીકરણ લેન્ડસ્કેપને બદલી રહ્યું છે. ગગનચુંબી ઇમારતો વધી રહી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારો અને તેના સાથેના વૃક્ષોનું આવરણ અદૃશ્ય થઈ રહ્યું છે. સામાન્ય રીતે શહેરોમાં વૃક્ષોની ઘનતા ઓછી હોય છે, અને જ્યાં વૃક્ષો વાવવામાં આવે છે, ત્યાં પણ સ્થાનિક પરીસરતંત્રને (ઇકોસિસ્ટમને) ધ્યાનમાં લીધા વિના તેમની પસંદગી કરવામાં આવે છે. ઘણા શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણના નામે દેશી અથવા વિદેશી વૃક્ષોના કૃત્રિમ મોનોકલ્ચર (એક જ પ્રકારના વૃક્ષો વાવેલાં) હોય છે જે નાના પક્ષીઓ, જંતુઓ, ખિસકોલી વગેરે નાના જીવોને ટેકો આપવામાં નિષ્ફળ જાય છે – જે શકરા માટે મુખ્ય શિકાર છે. શિકારની સમૃદ્ધ વસ્તી વિના, આ અનુકૂલનશીલ શિકારી પણ ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.
શકરા અને અન્ય વન્યજીવોની વસ્તી સમૃદ્ધ રહે અને પરીસરતંત્ર સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરવા માટે, સ્થાનિક ઇકોસિસ્ટમને ટેકો આપતા, સંતુલિત અને ટકાઉ નિવાસસ્થાનને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકારના દેશી વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નાના કદનું હોવા છતાં, શિકરા તેની ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે આહારશૃંખલામાં સર્વોચ્ચ સ્થાને હોવાથી સરિસૃપો, નાના પક્ષીઓ, ઉંદર, ખિસકોલી વગેરે પ્રાણીઓનો શિકાર કરીને તેમની વસ્તી કાબૂમાં રાખી કુદરતી સંતુલન જાળવીને, તે પરોક્ષ રીતે કૃષિને પણ લાભ આપે છે. સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ, તેની શિકાર કરવાની કુશળતા માટે પ્રશંસા કરવામાં આવી છે! છતાં કેટલાક લોકો તેને નાના પક્ષીઓનો શિકાર કરવાના કારણે તેને નકારાત્મક રીતે જુએ છે પરંતુ પ્રકૃતિ ભાવના પર કામ કરતી નથી તે સંતુલન પર કામ કરે છે! આપણા પડોશમાં શિકરાનું અસ્તિત્વ એક સ્વસ્થ ઇકોસિસ્ટમની નિશાની છે. તેનો અર્થ એ છે કે ખોરાક શૃંખલા અકબંધ છે, વૃક્ષો હજુ પણ આશ્રય પૂરો પાડે છે, અને જીવન તેના જટિલ જોડાણના સ્વરૂપમાં ચાલુ રહે છે.
આગલી વખતે તમે કોઈ પંખીની ચેતવણીની બૂમ સાંભળો, ત્યારે થોડું ઉંચું જોશો તો કદાચ શિકરા–એ મૌન શિકારી, તમને એક નજર કરી રહ્યો હશે—એક ખૂણે બેઠો બેઠો તમારા અને કુદરત વચ્ચેનો એક જીવંત સંદેશ વહેંચતો!
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
ડૉ. શ્રેય દેસાઈ દક્ષિણ ગુજરાતના ઝઘડિયા આસપાસના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય અને વિકાસનાં કામો માટે કાર્યરત સેવારૂરલના સંશોધન વિભાગના વડા છે. તેઓ ડીજીટલ હેલ્થ ક્ષેત્રમાં સંશોધક, સલાહકાર, કાર્યક્રમો વિકસાવનાર, જાહેર આરોગ્યમાં કામ કરનાર તરીકે તથા આદિવાસી સમાજમાં દાક્તર તરીકે સેવા આપી રહ્યા છે.
સામાન્ય રીતે રોગના નિદાન માટે દર્દી ડૉક્ટર પાસે જાય છે, તે એકસ-રે, લેબોરેટરીના ટેસ્ટ કરાવે, સોનોગ્રાફી, સીટી સ્કેન કરાવે. તેના રિપોર્ટને આધારે પેથોલોજિસ્ટ કે રેડિયોલોજિસ્ટ પરિણામોનું અર્થઘટન કરે છે. જેથી દર્દીનું નિદાન થઈ શકે. આ ક્ષેત્રે બે પડકાર છે : એક વધુ ખર્ચ અને બીજું ગ્રામીણ વિસ્તારમાં સારા ડૉકટર, લેબોરેટરી કે રેડિયોલોજીનાં કેન્દ્રોની અછત. વળી, ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા પણ નબળી ગણાય. આરોગ્ય સેવાઓ આપવામાં અસમાનતા પણ રહેલી છે. જાહેર ક્ષેત્રના આરોગ્યકર્મીઓની મોટી ફોજની અસરકારકતા અને કાર્યક્ષમતા એકંદરે ઓછી છે. એમનો ખાસ્સો સમય ડોક્યુમેન્ટેશનમાં જવાથી સેવા આપવાનો સમય બગડે છે. આ પડકારોનો કાંઈક અંશે ઉકેલ અઈંજન્ય ટેક્નોલોજીમાં જણાય છે. AI ઘણી તકો ખોલી શકે તેમ છે.
સાંદર્ભિક તસ્વીર: AI in Healthcare | IIHMR Bangalore
AIજન્ય ટેક્નોલોજીથી રોગોના નિદાન અને સારવાર માટે હાલમાં શહેરોના દાક્તરો, મોટાં દવાખાનાં અને લેબોરેટરી પર મદાર રાખવો પડે છે. AIજન્ય ટેક્નોલોજી આમાં હકારાત્મક ફેરફાર લાવી શકે છે. સૌ પ્રથમ પેરામેડિકલ તાલીમ લીધેલ વ્યક્તિઓ AIજન્ય ટેક્નોલોજીની મદદથી લગભગ દાક્તરકક્ષા સુધીની નિદાન અંગેની સલાહ આપી શકે છે. ભારતમાં ગામેગામ આશા કાર્યકરો, ફીલ્ડ નર્સ, પ્રાથમિક આરોગ્યકેન્દ્રો ઉપલબ્ધ છે. યોગ્ય AI અલ્ગોરિધમની મદદથી તેમની ક્ષમતા વધારી શકાય. દર્દીઓને કદાચ શહેરોમાં ન જવું પડે. એવા ઘણા પ્રયોગો થઈ રહ્યા છે કે લેબોરેટરી વિના કે નિષ્ણાત વિના પણ નિદાન બાબતે મોટી ક્રાંતિ આવી શકે તેમ છે.
જેમ કે બેકાબૂ ડાયાબિટીસને લીધે આંખના પડદાને નુક્સાન થાય તો દ્દષ્ટિને નુક્સાન થાય છે. આવી રેટિનોપથીના નિદાન માટે દર્દીએ આંખના પડદાના નિષ્ણાત પાસે જવું પડે છે. AIની મદદથી ગ્રામ્યસ્તરે એક ખાસ પ્રકારના કેમેરા-રેટિનોસ્કોપની મદદથી ઘર આંગણે એક પેરામેડિકલ કાર્યકર પણ આંખનો ફોટો લઈ AIના મોડલ-અલ્ગોરિધમ થકી ઘણી ચોક્સાઈપૂર્વક દર્દીને ડાયાબિટિક રેટિનોપથી છે કે નહીં તેનું પ્રારંભિક નિદાન કરી શકે છે. આ દ્વારા આંખના પડદાના ડૉક્ટરની જરૂરિયાત ઘટાડી શકાય. તે બહુ મોટો ઉપકાર ગણાય. એવું જ છાતીના એક્સ-રેને વાંચવા માટે આજે રેડિયોલોજિસ્ટની જરૂર પડે છે, જે ગામડામાં હોતા નથી. AIજન્ય ટેક્નોલોજીથી એક્સ-રે પડે અને તે સાથે જોડાયેલ અલ્ગોરિધમ તરત જ કહી શકે અને દર્દીને જો ક્ષય થયો હોય તો તેનું નિદાન કરી શકે.
રોગોની સારવાર માટે ઘણા AI-અલ્ગોરિધમ બની રહ્યા છે, જેમાં વ્યક્તિગત સારવારના વિકલ્પો ખુલ્લા થયા છે. ઉદાહરણરૂપે ચેટ GPT કે અન્ય લાર્જ લેન્ગવેજ મોડેલ્સ (LLM) દ્વારા જે તે દર્દી માટે, ઉંમર, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ અનુસાર કયા પ્રકારની સારવાર સૌથી વધુ અસરકારક રહેશે તેની વધુ સારી સ્પષ્ટતા મેળવી શકાશે. સર્જરી અંગેના નિર્ણય બાબતે પણ આ લાગુ પડે છે, સાથોસાથ AIના ઉપયોગથી આરોગ્યકર્મી કે સામાન્ય વ્યક્તિને પોતાના રોગનાં લક્ષણોને આધારે ઓનલાઈન અભિપ્રાય મળવા માંડશે, જે હાલમાં ગૂગલ સર્ચથી મળતા અભિપ્રાય કરતાં વધુ ગુણવત્તાસભર હશે.
AI ટેક્નોલોજીને યોગ્ય રીતે વાપરવામાં આવે તો તે ડૉક્ટરનો એક હોંશિયાર મદદનીશ બની રહેશે. ઉદાહરણથી વાત સમજીએ. ઇલેક્ટ્રોનિક રીતે મેડિકલ રેકર્ડ રાખવાનું શરૂ થયા પછી ડૉક્ટર અને દર્દી વચ્ચેના સંવાદમાં મોટો ફેર આવ્યો છે. આજે દર્દી જ્યારે તેની પીડા કે લક્ષણોનું વર્ણન કરતો હોય છે ત્યારે ડૉક્ટરો દર્દી સાથે આંખ મિલાવવાને બદલે કમ્પ્યુટરમાં હિસ્ટ્રી ટાઈપ કરતા હોય છે અને દર્દી સાથે સંવેદનશીલ ભાવનાત્મક સંબંધ બનવાની તક ઘટી જાય છે. AI ટેક્નોલોજી આપમેળે દર્દના વર્ણનને ટાઈપ કરી લે તો ડૉક્ટર દર્દી પ્રત્યે વધુ ધ્યાન આપી શકે. આ ખૂબ ઉમદા બાબત છે. આવું શક્ય બનાવવા માટે AIજન્ય ટેક્નોલોજીના વિકાસ પહેલાં એક સ્પષ્ટ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે જેથી દર્દી, ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફની તકલીફોનો ઉકેલ આવી શકે. આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના આર્ટીક્યુલેશન માટે સંવેદનશીલ ડૉક્ટરો અને સામાન્ય વ્યક્તિની ભૂમિકા અનિવાર્ય છે.
આરોગ્ય સંશોધનક્ષેત્રે નવી દવાઓના સંશોધનમાં તેની ઘણી ઉપયોગિતા જણાય છે. દવાઓમાં વપરાતાં રસાયણોના મોટા ડેટાબેઝનું ઝડપથી પૃથક્કરણ કરીને કઈ દવા કયા રોગમાં કામ લાગશે તે વિશેનાં સંશોધનો ઝડપી બનાવી શકાશે. અન્યથા હાલમાં વપરાતી પરંપરાગત પદ્ધતિઓ લાંબો સમય માંગી લે છે.
મેડિકલ શિક્ષણમાં પણ સંભવિત ફાયદા છે. આ ટેકનોલોજીથી વ્યક્તિગત શિક્ષણ થઈ શકશે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની શીખવાની જરૂરિયાત, ક્ષમતા અને શૈલી અલગ અલગ હોય છે. તેમના સબળા-નબળા વિષયો અલગ અલગ હોય છે. હાલના મેડિકલ શિક્ષણમાં બધા જ વિદ્યાર્થીઓને એક જ વર્ગ કે પદ્ધતિથી શીખવવામાં આવે છે. હવે AI થકી વિદ્યાર્થી તેની પ્રકૃતિ અને જરૂરિયાત મુજબ શિક્ષણ લઈ શકશે. બીજો ફાયદો એ છે કે મેડિકલ શિક્ષણ ક્ષેત્રે એક અનુભવાત્મક શિક્ષણ (Experiential Learning)ની તક ઊભી થશે. જેમ આજે ડ્રાઈવિંગ માટે કૃત્રિમ વાતાવરણમાં આબેહૂબ સ્થિતિ ઊભી કરાય છે તેમ Artificial Stimulationની મદદથી ઘણી સારી તાલીમ થઈ શકશે.
અલબત્ત, કેટલીક બાબતો અઈંજન્ય ટેક્નોલોજીને સોંપી શકાય તેમ નથી. સૌથી પ્રથમ કોઈ મશીન દર્દી સાથે લાગણીના સંબંધો ન બનાવી શકે, એ તો દાક્તર કે આરોગ્યકર્મી જ બનાવી શકે. બીજું, નિદાન અને સારવારમાં કેટલાક ક્લિષ્ટ પ્રશ્ર્નો આવે છે. તેના ઉકેલ માટે દર્દીનો ઇતિહાસ, સામાજિક પૂર્વભૂમિકા, દર્દીની પ્રાથમિક્તાને ધ્યાને લઈને ક્રીટીકલ થિંકીંગની જરૂર પડે છે. આ કામ અઈંજન્ય ટેક્નોલોજી હરગિજ કરી ન શકે કે તેને સોંપી ન શકાય. ત્રીજું, દર્દીની ભૌતિક તપાસ કોઈ દાક્તરે કરવી અનિવાર્ય છે. તે કોઈ રોબોટ કે મશીનને સોંપી ન શકાય.
AIના વપરાશમાં સાવચેતી જરૂરી છે. પ્રથમ જોખમ છે, દર્દી અને વ્યક્તિઓના ડેટાની પ્રાઈવસી અને સલામતીનું. ડેટાની ચોરી કે લે/વેચ દ્વારા સર્વેલન્સ (પ્રજા/દર્દી પર નજર રાખવી તે) વધવાની શક્યતા છે. AI મોડેલ્સ ખૂબ જ મોટા ડેટા સેટનો ઉપયોગ કરી બનેલાં હોય છે અને તે કોઈ ચોક્કસ વ્યક્તિની માહિતી મેળવી શકે છે. જો સાવચેતી ન રહે તો દર્દીની સંમતિ વિના તેનો ડેટા બીજા પાસે જતો રહે.
આ ડેટાનો દુરુપયોગ કંપની દ્વારા, સરકાર દ્વારા કે અન્ય દ્વારા થાય. આ જોખમને ટાળવા ડેટા ડિ-આઈડેન્ટિફિકેશન એટલે કે માહિતીમાંથી વ્યક્તિની ઓળખને કાઢી નાંખવાની વાજબી માંગણી થઈ રહી છે. સાથોસાથ સરકારોએ પણ AIના દુરુપયોગને ટાળવાની પહેલ શરૂ કરી છે. હાલમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા અઈંના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે સ્વાગતને પાત્ર છે.
બીજું જોખમ, AIના ઉપયોગથી અસમાનતા વધી શકે છે. કારણ કે AIના સંશોધન અને વિકાસ માટે ઘણો ખર્ચ થતો હોઈ ટેક્નોલોજી એટલી મોંઘી થાય કે સમાજમાં પાછળ રહી ગયેલ વર્ગોને તે ન પરવડે, ન મળે. જો આમ થાય તો અસમાનતા વધે. આ જોખમને ઘટાડવાનું કામ આપણા જેવી સંસ્થાઓ અને વ્યક્તિઓએ કરવાનું રહે. હાલમાં ચાલતા અઈંના સંશોધન, વિકાસ અને અમલમાં આપણા જેવા સંવેદનશીલ લોકો અને સરકાર શરૂઆતથી જ ભાગ લે તે જરૂરી છે. તથા આપણા આદર્શોને તેમાં પરોવવામાં આવે તો AI ટેકનોલોજી ઉપયોગી થઈ શકે તેમ છે. મારા મતે AI ટેકનોલોજીથી સામાન્ય પ્રજા વધુ જાણકાર બનીને સક્ષમ બનશે અને તેમ થશે તો અનૈતિક રીતભાતોથી પોતાની જાતને બચાવી શકશે.
મહત્ત્વનું જોખમ પરતંત્રતાનું છે. કોઈપણ દર્દી કે સમસ્યાના ઉકેલ માટે પોતાનું મગજ કસવાને બદલે મશીન પાસેથી જ ઉકેલ શોધવાની કુટેવ આરોગ્યકર્મીઓને પડી જાય. આ બાબત એટલા માટે પણ જોખમી છે કે AIનાં મોડેલ હજી ઘણાં અધકચરાં છે, તેમાં પૂર્વગ્રહો રહી જાય છે, તે સંપૂર્ણ નથી અને તેથી નિર્ણયમાં અનુભવજન્ય માનવ હસ્તક્ષેપ અનિવાર્ય છે. આના ઉપાય માટે મેડિકલ શિક્ષણના અભ્યાસક્રમમાં AIના વાજબી ઉપયોગને હવે સમાવવું જોઈએ.
ટેક્નોલોજી પોતે સારી કે ખરાબ નથી હોતી, તે આપણા ઉપયોગ પર આધાર રાખે છે. ટેક્નોલોજીને કોણ, કોને માટે અને શેને માટે વાપરે છે, તેનું નિયમન કઈ રીતે થાય છે, તે માટેના કાયદા કેવા બને છે તેના પર તે સારી કે ખરાબનો આધાર છે. સર્જન પાસેની છરી ઓપરેશન દ્વારા દર્દીને સારો પણ કરી શકે છે અને મારી પણ નાંખી શકે છે. આ માટે પ્રજાની સામૂહિક જાગૃતિ જરૂરી છે. જો ટેકનોલોજીના વિકાસની શરૂઆતથી જ ઈરાદાઓને નેક રખાશે અને તેમાં સંવેદનશીલ વ્યક્તિઓ જોડાશે તો સારાં પરિણામો આવશે.
આ બાબતે ઉત્કૃષ્ટ સંશોધનની જરૂર પડશે. સોફ્ટવેર તો બની જશે પણ વાસ્તવિક પ્રજાજીવનમાં શું ફેર પડયો તે જાણવા ટ્રાન્સલેશન રિસર્ચની પણ જરૂર રહેશે. સાથોસાથ AIજન્ય ટેક્નોલોજીથી સૂચવેલ નિદાન અને સારવાર સચોટ છે કે નહીં તેના સંશોધનની પણ જરૂર પડશે. વિશેષ કરીને મેડિકલ ક્ષેત્રે તો આ ટેક્નોલોજી ખાસ્સી અધકચરી હોઈ સંશોધન સંસ્થાઓની ભૂમિકા ઘણી મોટી બનશે.
સરકારે વહેલી તકે આ ટેક્નોલોજીના નિયમન માટે ધારા-ધોરણો અને કાયદાઓ બનાવવાનું કરવું જોઈએ. હાલમાં તો તેના સંશોધન, વિકાસ અને અમલ માટે કોઈ કાયદા નથી. ભારતે તેમાં પહેલ કરવી જોઈએ. ટેક્નોલોજીના વિકાસ સાથે એવી વ્યવસ્થા કે શરતો હોય છે જેથી તેને ઓછા ભાવે કે વિનામૂલ્યે (Open Source) રખાય. સામાજિક સંસ્થાઓએ તેના સંશોધન અને વિકાસમાં અત્યારથી જ જોડાઈ કંપનીઓ સાથે ભાગીદારી શરૂ કરવી જોઈએ. એ માટે સાવધાની રાખી આપણે હકારાત્મક રીતે વિચારવું જોઈએ. આપણા સિદ્ધાંતો અને પ્રાથમિકતાને મક્કમ રાખીને પણ એ શક્ય છે. એમ કરવાથી ટેક્નોલોજીના વિકાસમાં મૂળમાંથી જ કામ થશે.
ટેક્નોલોજી કંપનીઓ AIજન્ય ટેક્નોલોજીના ઉપયોગ માટે મધ્યમ અને ઓછી આવકવાળા દેશો પાસે ઓછા નફાની અપેક્ષા રાખે. લોકહિતમાં જોડાયેલ વ્યક્તિ અને સંસ્થાઓને તેના વિકાસમાં પહેલેથી જ સામેલ કરે. જેથી જે પ્રોડક્ટ બહાર આવે તે સસ્તી, સચોટ અને ગુણવત્તાને સુધારનારી, આરોગ્યકર્મીઓને સક્ષમ બનાવનારી અને પર્યાવરણ માટે લાભદાયક હોય. સમાજ પાસે એ પણ અપેક્ષા છે કે AIજન્ય ટેક્નોલોજીના ઉપયોગ માટે પોતાની સમજ અને ક્ષમતામાં વધારો કરે.
સેવારૂરલ છેલ્લાં દોઢ વર્ષથી AIજન્ય ટેક્નોલોજીનો લાભ ગ્રામીણ પ્રજાને થાય તેવા પ્રયોગોમાં જોડાયું છે. અમે પણ શીખી રહ્યા છીએ.
બાબાસાહેબ ડો.આંબેડકરે દલિતોને ‘હુકમરાન સમાજ’ બનાવવાનું જે સોણલું જોયું હતું તેનો જ્ઞાતિવાદથી ખદબદતી હિંદી પટ્ટીમાં અમલ કરાવી જાણનાર રાજનેતા એટલે કાંશીરામ( જન્મ પંદરમી માર્ચ, ૧૯૩૪ ,અવસાન નવમી ઓકટોબર, ૨૦૦૬). ભારતના દલિત ચળવળના ઈતિહાસ પર અમીટ છાપ મૂકી જનાર કાંશીરામની સૌથી મોટી ઓળખ બહુજન સમાજ પક્ષના સ્થાપક અને દેશની બહુજન રાજનીતિના જનકની છે.
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
૧૯૩૨ના પૂના કરારના બે વરસ બાદ પંજાબના દલિત રૈદાસી શીખ પરિવારમાં કાંશીરામનો જન્મ થયો હતો. તેમનું જન્મસ્થળ પંજાબના હોંશિયારપુર ઈલાકાના રોપડ જિલ્લાનું ખવાસપુર ગામ. ખાધેપીધે સુખી કિસાન પરિવારના બાળક-કિશોર કાંશીરામને ન તો જ્ઞાતિપ્રથાનો કે ન તો ગરીબી- અભાવનો કોઈ અનુભવ થયો હતો. ચાર બહેનો અને ત્રણ ભાઈઓનું તેમનું કુટુંબ જેમ આર્થિક તેમ શારીરિક તાકાતે પણ સંપન્ન હતું.. બાળપણથી જ ‘કોઈની શું મજાલ કે અમને હાથ લગાડી શકે “ એવી તાકાત મળી હતી. નાત બિરાદરીના પહેલા સાયન્સ ગ્રેજ્યુએટનું બહુમાન મેળવનાર કાંશીરામ પણ અન્ય અનામતજીવી દલિત જમાતની જેમ સરકારી નોકરીમાં લાગી ગયા હતા.
૧૯૫૬માં બાબાસાહેબના નિર્વાણના શોકે સહકાર્યકર ગૈનીને ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ના જોયા ત્યાં સુધી તેમને બાબાસાહેબનો પણ કશો પરિચય નહોતો. ૧૯૫૮માં પંજાબથી વાયા દહેરાદૂન પૂનામાં તેઓ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મિલિટરી એક્સ્પ્લોઝીવમાં સંશોધન અધિકારીના પદે નોકરીમાં હતા. ૧૯૬૪માં તેમના સંસ્થાને જાહેર રજાઓની યાદીમાંથી ડો. આંબેડકર અને ગૌતમ બુધ્ધ જયંતીની જાહેર રજાઓ રદ કરી નાંખી. ૧૯૫૬માં બાવીસ વરસના કાંશીરામને ડો.આંબેડકરના જીવનકાર્યનો પરિચય થયો હતો. પરંતુ તેના એકાદ દાયકે પણ આ જાહેર રજાઓની કમીના વિરોધમાં અવાજ ઉઠાવવા જેટલા એ જાગ્રત અને સક્ષમ નહોતા. રાજસ્થાની દલિત એવા સંસ્થાનના વર્ગ ૪ના કર્મચારી દીના ભાનાએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને બરતરફી વહોરી તે ક્ષણ કાંશીરામ માટે સાક્ષાત્કારની હતી. તેમણે ભાનાનું સમર્થન કર્યું અને તે ઘડીથી દલિત જાગ્રતિ માટે પાછું વળીને જોયું નહીં. દીના ભાનાને ન્યાય અપાવવા તે એવા તો લાગી ગયા કે નોકરીને પણ તિલાંજલી આપી દીધી આજીવન અપરિણિત રહી દલિત ઉત્થાનમાં લાગી જવાના સંકલ્પ સાથે પરિવારનો પણ ત્યાગ કરી દીધો હતો.
દીના ભાના પ્રકરણ વખતે એક જ રાતમાં ત્રણ વાર ડો.આંબેડકરના ‘ એની હિલેશન ઓફ કાસ્ટ’ નું તેમણે વાચન કર્યું. એ રીતે બાબાસાહેબના વિચારવારસાએ કાંશીરામનો પથ અજવાળ્યો હતો. અનામતજીવી ગણાતી અને નવા બ્રાહ્મણની ગાળો ખાતી દલિત સરકારી અધિકારીઓ-કર્મચારીઓની જમાતને જ તેમણે દલિત ચળવળ માટે ખપમાં લીધી.ચૌદમી ઓકટોબર ૧૯૭૧ના રોજ કાંશીરામે પૂનામાં દલિત, આદિવાસી, અન્ય પછાત વર્ગો અને લઘુમતી વર્ગના કર્મચારીઓનું ‘બામસેફ’ -પૂના સંગઠન બનાવ્યું હતું. સાઈકલ પર જ એ ફરતા અને પોતાના વિચારો કર્મચારીઓને જણાવતા. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ દિલ્હીમાં ‘ બામસેફ’ ( ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન- BAMCEF)ની રાષ્ટ્રીયસ્તરે સ્થાપના કરી અને પે બેક ટુ સોસાયટીનો નિયમ સૌને સમજાવ્યો હતો.
અનામતના લાભાર્થી દલિત-આદિવાસીઓ સાથે તેમણે પછાતવર્ગો-લઘુમતીઓને જોડી બહુજન એકતાની સંકલ્પના કરી હતી. ‘બામસેફ’ ને કાંશીરામ બિનરાજકીય, બિનધાર્મિક અને બિનઆંદોલનાત્મક સંગઠન રાખવા માંગતા હતા. તેથી ૧૯૮૧માં તેમણે કર્મચારીઓ સિવાયના દલિતોને પણ સંગઠનમાં જોડવા ડી એસ ફોર (દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ) ની રચના કરી હતી. કાંશીરામે બામસેફ અને ડી એસ ફોર મારફત પોતાના વિચારોને બૌધ્ધિક અને આંદોલનકારી માર્ગે ફેલાવવા દેશભરમાં પ્રયાસો કર્યા. “ઓપ્રેસ્ડ ઈન્ડિયન” અને “બહુજન સંગઠક” નામક છાપાં- સામયિકો કાઢ્યા. આ નામો જ તેમની વિચારધારાના ધ્યોતક નથી શું?.
કાંશીરામને માત્ર રાજકીય નેતા કે ગઠબંધન રાજનીતિના માહોલમાં અવસરવાદી સત્તાશૂરા તરીકે ખતવી નાંખનારાઓએ તેમની આરંભિક અને થોડી મર્યાદિત એવી સામાજિક ચળવળોને પણ સંભારવી જોઈએ. ‘આપણી બુધ્ધિ, આપણો પૈસો અને આપણી મહેનત’ ના સૂત્રે ચાલતા કાંશીરામની ઉત્તરપ્રદેશની ફતેહના મૂળમાં દલિત મહિલાઓનું દારૂબંધી અભિયાન રહેલું છે . માયાવતીની દોમદોમ સાહ્યબીની વાતો માધ્યમોમાં ખૂબ ચગે છે પણ કાંશીરામની સાઈકલ માર્ચ અને ‘ બે પૈડાં બે પગ’ ઝુંબેશ વિશે ભેદી મૌન પળાય છે. યોગેન્દ્ર યાદવે તેમના અંજલિ લેખમાં કાંશીરામની સભાઓમાં સભા સ્થળ જેટલી જ મોટી જગ્યા સાઈકલોના પાર્કિંગ માટે રાખવામાં આવતી હોવાનું અને તેમના દલિત ચાહકો કેટલાય કિલોમીટર દૂરથી સાઈકલો પર સભામાં આવતા હોવાનું નોંધ્યું હતું.
રાજકીય સત્તાને વંચિતો-બહુજનોના સઘળા દુ:ખોની ગુરુચાવી માનતાં કાંશીરામે ‘ ભાઈચારા બનાવો’ , ‘ જાતિ તોડો, સમાજ જોડો’ જેવાં સામાજિક આંદોલનો પણ કર્યા હતા. ‘ સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિ’ કાંશીરામના આંદોલનના અનિવાર્ય ભાગ હતા. રાજકીય અનામતોને કારણે દલિત રાજકારણીઓનો ‘ચમચાયુગ’ જન્મ્યો હોવાનું તેઓ ભાર દઈને કહેતા હતા. તેમણે ચમચાયુગની ટીકા તો કરી છે પણ તેની નાબૂદીના ટૂંકા ગાળાના , લાંબા ગાળાના અને કાયમી ઉપાયો પણ બતાવ્યા હતા.
કાંશીરામે દલિતોને રાજકીય સત્તા તરીકે સ્થાપવા ‘બહુજન સમાજ પાર્ટી’ ની સ્થાપના કરી હતી.તેના પાયામાં બહુજન કર્મચારીઓનું ‘ બામસેફ’ સંગઠન હતું તે ભૂલવું ન જોઈએ. જોકે બહુજન સમાજ પાર્ટીને રાજકીય સત્તાનું કેન્દ્ર બનાવવા માટે તેમના સામાજિક-આર્થિક આંદોલનો ભૂલાઈ ગયા એટલે દલિતોને માત્ર રાજકીય સત્તા તરીકે સ્થાપતી મૂલ્યહીન અને વિચારધારા વગરની રાજસત્તા જ કેટલાક વરસોથી શેષ રહી છે.
બહુજન સમાજ પાર્ટીએ કાંશીરામના ગૃહરાજ્ય અને અનેક સામાજિક આંદોલનો પચાવી ચૂકેલા પંજાબ, ફુલે-આંબેડકરની ભૂમિ મહારાષ્ટ્રને બદલે જ્ઞાતિવાદ અને સામંતવાદથી ખદબદતા ઉત્તરપ્રદેશમાં કાઠું કાઢ્યું તેનો માયનો પણ સમજવા જેવો છે. બસપા રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવી શકી અને યુ.પી.માં માયાવતી એકાધિકવાર મુખ્યમંત્રીનો તાજ પહેરી શક્યા છે દેશના સૌથી મોટા રાજ્યમાં બીએસપીને લગભગ ચોથા ભાગના મતદારોનું સમર્થન મળતું થયું અને કશ્મીરથી અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ કાંશીરામનો કઠિન પરિશ્રમ રહ્યો છે.
કાંશીરામે ઈચ્છ્યું હોત તો તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કે ભાજપની કૃપાથી રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ તેઓ દલિત સમાજને ‘ હુકમરાન સમાજ’ બનાવવા માટે વડાપ્રધાનની ખુરશીથી ઓછું કશું જ ઈચ્છતા નહોતા. ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા જુદી જુદી રાજકીય વિચારધારાના પક્ષો સાથે તેમણે રાજકીય ગઠબંધનો કર્યા હતા. સાપનાથ અને નાગનાથની લડાઈમાં તેઓ દલિત નોળિયારૂપી સત્તા નિયંત્રણ ઈચ્છતા હતા. આંબેડકરની બૌધ્ધિકતા અને જગજીવન રામની અસીમિત રાજકીય સત્તા કરતાં કાંશીરામે જુદો માર્ગ પસંદ કર્યો હતો. એકાદ દસકામાં જ તેમણે બહુજન સમાજ પાર્ટીને દેશભરમાં ગાજતી કરી મૂકી હતી. પરંતુ કાંશીરામ તેનો લોકશાહી ઉછેર કે મૂલ્યલક્ષી વિચારધારાવાળી રાજકીય પાર્ટી તરીકેનો વિસ્તાર કરી શક્યા નહીં. તેઓએ માયાવતીને ઉત્તરપ્રદેશના રાજપથ પર સ્થાપ્યાં અને પોતાના રાજકીય ઉત્તરાધિકારી પણ બનાવ્યાં હતાં. જોકે માયાવતીની મહત્વાકાંક્ષાઓ અને રાજકીય પ્રોઢિનો અભાવ કાંશીરામના અધૂરા કાર્યને આગળ ધપાવશે કે કેમ એવો સવાલ બસપાની વર્તમાન હાલતા જોતાં તેના સમર્થકો અને ચાહકોને થાય છે.
ભારતની દલિત રાજકીય ચળવળોનો ‘ ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ થી આરંભાયેલા ઈતિહાસને કાંશીરામ ‘બહુજન સમાજ પક્ષ’ સુધી લાવ્યા છે. બહુજન સુપ્રીમો તરીકે જ નહીં , દલિત ચેતના કે શક્તિનું રાજકીય તાકાતમાં, રાજસત્તામાં રૂપાંતર કરનાર અને તે માટે અનામતલાભાર્થીઓનો યોગ્ય ઉપયોગ કરી જાણનાર વિચારક તરીકે પણ કાંશીરામ કાયમ યાદ રહેશે.
દોસ્ત, આજે તો તને અભિનંદન આપવાનું મન થાય છે. આજે તેં મને ખુશ કરી દીધો.આજે એક નવી કેડી તેં કંડારી.બની શકે આવતી કાલે એ કેડી પરથી અનેક લોકો પસાર થાય અને કેડી રાજમાર્ગ બની રહે. અને એનું શ્રેય તને પ્રાપ્ત થાય.
તારી પાસે અઢળક સંપત્તિ છે અને તારા એકના એક દીકરાના લગ્ન હતા.સ્વાભાવિક રીતે જ તને અને તારા સ્વજનોને હોંશ હોય કે દીકરાના લગ્ન ધામધૂમથી થાય અને આખું ગામ જોઇ રહે. ધાર્યું હોત તો તું એ જરૂર કરી શકયો હોત. અનેક શ્રીમંત લોકો એમ કરે જ છે. પણ એને બદલે તેં નવી કેડી કંડારી. આ લગ્ન દરેક રીતે મને ગમ્યા. એક તો તેં તારા દીકરાએ પસંદ કરેલી યુવતીને હોંશથી સ્વીકારી . એની જ્ઞાતિ તારા કરતા અલગ અને તારા સમાજની દ્રષ્ટિએ ઉતરતી હોવા છતાં તેં એને દિલથી આવકારી.નાતજાતના ભેદભાવ મિટાવવાનો એક નાનકડો પ્રયાસ.બીજું દીકરીના પિતા પાસેથી દહેજ લેવાનો તમારા સમાજનો નિયમ તેં સાવ જ નેવે મૂકયો. પહેરેલા કપડે જ દીકરીને તારા ઘરમાં આવકારી અને સૌથી મોટી વાત .દીકરાના લગ્નમા બંને પક્ષના ફકત અગિયાર માણસો જ હાજર રહેશે અને કોઇ દેખાડા નહીં થાય. લગ્ન કંઇ નવી નવાઇના નથી થતા.દુનિયા આખી લગ્ન કરે છે એમ મારો પુત્ર પણ કરે છે તો એમાં કંઇ એ મોટું પરાક્રમ નથી કરતો. અને લગ્નના ખર્ચ કરવાન એબદલે એ બધો પૈસો તેં હોસ્પીટલમાં ગરીબ દર્દીઓ માટે ફાળવ્યો. હા, દીકરાના લગ્નમાં તમે મન મૂકીને નાચ્યા, આનંદ જરૂર કર્યો. પણ આનંદ ફકત પૈસાથી જ થઇ શકે એ વાતને તેં ખોટી સાબિત કરી.
વાહ.મારા દોસ્ત, હું તો હરખાઇ ગયો. તારા જેવી સાધન સંપન્ન વ્યક્તિ જયારે આવી કોઇ નવી કેડીએ ચાલવાની શરૂઆત કરે તો અન્ય લોકો એમાંથી જરૂર પ્રેરણા લઇ શકે. દોસ્ત, સલામ તને.
દોસ્ત, લોકો બીમાર પડે છે ત્યારે ચમત્કારિક રીતે તુરત સાજા થવાની પ્રાર્થના કરે છે. પણ દોસ્ત એવું પણ બની શકે છે કે એ સમયે તને રોગમુકત કરવા માટે અનેક ડોકટરો, વૈદ્યો, દવાની શોધ કરી રહ્યા હોય, થાકયા વિના મહેનત કરી રહ્યા હોય, તેમની તપસ્યા નિષફળ ન જાય એ તરફ મારું ધ્યાન કેન્દ્રિત થયુ હોય. કેમકે તારા જેવા બીજા અનેક રોગીઓ છે જેમને એ દવાની જરૂર પડી શકે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આસપાસ સ્પંદિત માહોલમાં કંઈક લખવા ધારું છું તો આઝાદ હિંદમાં ગુજરાતને મળેલા એકના એક આંદોલનપુરુષ ઈન્દુલાલ યાજ્ઞિક સ્મરણમાં દડી આવે છે. ૧૯૭૧માં અમદાવાદથી ચોથી વાર ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે: યુરોપીય સમાજવાદી આંદોલનમાં, એમાં પણ ખાસ તો ફ્રાન્સમાં સમાજવાદની ભૂમિકામાં સ્ત્રીઓની આઝાદી ને પ્રેમની મુક્તિની ભાવના ભળેલી હતી એ વધુ વાંચતાં ગુજરાતમાં સ્ત્રી કેળવણી ને મહિલા જાગૃતિ સાથેનાં આરંભકાળનાં સંભારણાં આળસ મરડી ફેરજાગૃત થયાં છે. વાંચન અને વિચારવિનિમય સર એ દ્વારે દ્વારે ભમે ભટકે છે, ને ત્યાં દિલ્હીમાં ડેનિયલ લતીફીને ઘરે જઈ પહોંચે છે- કેમ કે લતીફીનાં પત્ની સ્ત્રી સ્વાતંત્ર્યવાદી છે અને નારીમુક્તિ ક્ષેત્રે નવચિંતનના પ્રવાહોમાં રમેલાં છે.
રહો, આ લતીફી કોણ તે વિશે ઉતાવળે બે શબ્દો કહું. ૧૯૮૫માં ખાસા ગાજેલા ને છેવટે રાજીવ ગાંધીની સરકારને લઈ ચાલેલા શાહબાનુ ચુકાદાની સિદ્ધિ ધારાશાસ્ત્રી લતીફીને નામે ઈતિહાસજમે છે. કોંગ્રેસના સ્થાપક સભ્ય અને ત્રીજા અધિવેશનના પ્રમુખ બદરુદ્દીન તૈયબજીના એ પૌત્ર. એમણે ક્રિમિનલ પ્રોસીજર કોડને અન્વયે શાહબાનુને ફારગતી બાદ મળવામાત્ર પતિસહાય વાસ્તે યશસ્વી અદાલતી લડત લડી જાણી હતી. હવે પાછા એપ્રિલ ૧૯૭૨ની એ રાત ભણી જ્યારે શ્રી અને શ્રીમતી લતીફી સાથે ઈન્દુલાલ બરાબરના જામ્યા છે. નારીચળવળ સંબંધે એમની સમૃદ્ધ લાઈબ્રેરી મન ભરીને જોઈ છે, અને એ પૈકી એક પુસ્તક, ‘ફેમિનિન મિસ્ટિક’ ચહીને લાવ્યા છે ને રાતવરત વાંચવા મંડી પડ્યા છે. વળતે અઠવાડિયે (૧૧-૪-૭૨ના રોજ) એમની ડાયરીનોંધ બોલે છે: ‘મારા મનમાં એક વિચાર ઊપસ્યો છે કે જેમ ‘ફેમિનિન મિસ્ટિક’ની લેખિકાએ ઘણી સ્ત્રીઓને પૂછીને, મુલાકાત લઈને તેને આધારે પુસ્તક લખ્યું તેમ હું પણ સ્ત્રીઓના જીવન વિશે પ્રશ્નપત્રો તૈયાર કરી તેના જવાબ નાની-મોટી સ્ત્રીઓ પાસેથી મેળવું અને તે પરથી પુસ્તિકા લખું.’
આ લેખિકા તે બેટી ફ્રીડાન. ૧૯૬૩માં તેઓ ‘મિસ્ટિક’ લઈને આવ્યાં. મનોવિજ્ઞાનના અભ્યાસ સાથે એ પત્રકારિતામાં હશે તે દરમ્યાન એમને આ પ્રકલ્પ સૂઝેલો અને સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે મુલાકાત બાદ તે એ તારણ પર પહોંચેલાં કે સ્ત્રીઓ લગ્ન સાથે બાળઉછેર અને ઘરકામને એ હદે અગ્રતા આપતી થઈ જાય છે કે એમની ઘણી હોંશ અતૃપ્ત રહે છે. એમની સામે ઊપસાવાતું આદર્શ રોલ મોડેલ પણ ગૃહિણી તરેહનું હોય છે. આ પુસ્તકનું પ્રકાશન અમેરિકાનાં સેકન્ડ વેવ ફેમિનિઝમ તરીકે ઊંચકાયું. સ્ત્રી મતાધિકારનાં પચાસ વરસ નિમિત્તે ૧૯૭૦ના વિરાટ આયોજન પાછળ પણ ‘મિસ્ટિક’કાર ફ્રીડાનની ઠંડી તાકાત હતી. એમ કરતાં, ૧૯૭૫ના આંતરરાષ્ટ્રીય મહિલા વરસ સાથે યુનાઈટેડ નેશન્સે 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો: આજે ૨૦૨૫નું વરસ બરાબર એની પચાસીનું વરસ છે.
આ જોગાનુજોગ સંભારીએ ત્યારે એંશી લગોલગના ઈન્દુલાલ કેવા ને કેટલા તરોતાજા હશે, એનો અંદાજે અહેસાસ આવે છે. હશે, પણ આઠમી માર્ચ જ કેમ: ૧૯૦૭થી ૧૯૧૭ સુધીનો યુરોપ-અમેરિકાનો દસકો આખો એની પાછળ ભાગ ભજવી ગયો છે. ૧૯૦૭માં સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી મંડળી (સેકન્ડ ઈન્ટરનેશનલ) મળી હતી. ગુર્જર ભારતવાસી તરીકે ૧૯૦૭ના સ્ટુટગાર્ટ મિલનનો મહિમા આપણે સારુ અમથોયે અગાઉથી મેડમ કામાએ ત્યાં સ્વતંત્ર હિંદનો પહેલો ધ્વજ લહેરાવ્યો હતો એ વાતે છે સ્તો. આ સ્ટુટગાર્ટ મિલનમાં જ જર્મન માર્ક્સવાદી ક્લેરા ઝેટકિને સમાજવાદી પરિષદની સાથોસાથ, સમાજવાદી સંસ્કૃતિના બહોળા પટ પર સ્ત્રી સંગઠનની પણ હિમાયત કરી હતી. ક્રાંતિકારી રાષ્ટ્રવાદી તરીકે ઓળખાતાં મેડમ કામા અને માર્ક્સવાદી ક્લેરા ઝેટકિન… એકમંચ ને એકસ્વર! સમજાય છે કંઈ?
રાષ્ટ્રવાદના હાલના વિશેષ વાર્તિકથી ઉફરાટે કામાબાઈનો રાષ્ટ્રવાદ મુદ્દલ સંકીર્ણ નહોતો. વ્યાપક આંતરરાષ્ટ્રીય પરિમાણ સમેત ન્યાયી સમાજનો મુદ્દો એની બુનિયાદમાં હતો. ૧૯૦૮માં આવા જ કંઈક સમાજવાદી રુઝાનથી ન્યૂયોર્કમાં વિરાટ મહિલા રેલી નીકળી હતી, જેમાં કામદાર યુનિયનની રચનાનો અને મતાધિકારનો મુદ્દો પ્રધાન હતો. એ તારીખ આઠમી માર્ચ હતી. ૧૯૧૭માં રશિયામાં પણ એક અનોખી આઠમી માર્ચ ઊજવાઈ હતી: પેટ્રોગાડની કામદાર મહિલાઓ શાંતિ અને રોટીના સાદ સાથે રસ્તા પર આવી, ફેક્ટરીઓ બંધ રહી, બગાવતનો દાવાનળ ભભૂકી ઊઠ્યો. આગળ ચાલતાં, ૧૯૨૩માં, લેનિને આઠમી માર્ચને મહિલા દિવસનો દરજ્જો જાહેર કર્યો. ૧૯૦૭થી ૧૯૧૭ની આ બધી મથામણ ૧૯૭૫ પહોંચતે પહોંચતે યુનાઈટેડ નેશન્સ થકી જગત તખતે આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લેખે સુપ્રતિષ્ઠ થઈ. અલબત્ત, ગુજરાત છેડે ઈન્દુલાલના કેમિયો પ્રવેશ ઉપરાંત પણ નિરાંતે ને વિગતે વાત કરવી રહે છે. ઘણું જોવું, સમજવું, તપાસવું રહે છે.
એક પા અખિલ હિંદ મહિલા પરિષદ જેવા ઉન્મેષો તો બીજી પા આગળ ચાલતાં જ્યોતિસંઘ, સેવા, અવાજ સરખી રચનાત્મક પહેલ- અનેક રીતે, બહુધા, આ બધું જાણવાજોગ છે. નમૂના દાખલ બે ઈલાબહેનો (ઈલા ભટ્ટ, ઈલા પાઠક)ની ઉભડક જિકર કરું. જોગાનુજોગ, વાયકા તો એવીયે ખરી કે બેઉનાં નામ ચંદ્રવદન મહેતાને આભારી છે. ઉપલા મધ્યમ વર્ગની (કહો કે કંઈક ભદ્ર વર્ગની) મહિલા પ્રવૃત્તિને મોટે પટે સેવા અને કેટલેક અંશે અવાજ શ્રમજીવી મહિલા લગી ગઈ ગયાં. એક બાજુ જો સ્ત્રીની કેવળ કુટુંબગત ઓળખને બદલે સ્વતંત્ર ઓળખનો સવાલ હતો તો બીજી બાજુ મહિલા પ્રવૃત્તિ સમાજ નવરચનાના વ્યાપક અભિગમથી અળગી પડીને ન ચાલે એનો પણ સવાલ હતો ને છે.
મેં નમૂના દાખલ ‘સેવા’ ને ‘અવાજ’ બે નામ લીધાં, પણ ગુજરાતમાં નાને પાયે એકાધિક મહિલા પ્રવૃત્તિ કેન્દ્રો છે જેને વિશેય ધોરણસરની નોંધને અવકાશ છે. અહીં તો માત્ર, આરંભે જ કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પચાસીએ સ્પંદિત માહોલમાં ચપટીક નિરીક્ષા ને લગરીક નુક્તેચીનીનો ખયાલ છે, એટલું જ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨ – ૦૩– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
દેશમાં ‘ભારત છોડો’ આંદોલનની ઊગ્રતા પણ બે-ત્રણ મહિનામાં ઓસરી ગઈ, પણ એ ચાલતું રહ્યું અને લોકો પોતાનું બલિદાન દેતા રહ્યા. મહાત્મા ગાંધીએ આંદોલનને છૂટો દોર આપી દીધો હતો પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા કોંગ્રેસના નેતાઓને દેશમાં સૂનકાર ભાસતો હતો. આમ છતાં ૧૯૪૫માં વિશ્વયુદ્ધના અંતે સરકારે બધાને છોડવાનું શરૂ કર્યું ત્યારે એમના સત્કાર માટે ઠેકઠેકાણે હજારોની ભીડ ઊમટી પડી.. ખરેખર તો ૧૯૪૫ પછી જનતાએ જ કોંગ્રેસનું મનોબળ વધાર્યું. નેતાવિહોણી જનતા ઉલટી વધારે દૃઢતાથી અંગ્રેજ સરકારનો સામનો કરવા કટિબદ્ધ થઈ ગઈ હતી.
‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ દેશમાં એક જ જણને – આસામના કુશલ કુંવરને – ફાંસી થઈ અને બાકી અસંખ્ય લોકો સરઘસો પર પોલિસના ગોળીબારમાં મૃત્યુને વર્યા. પહેલાં કુશલ કુંવરની વાત કરીએ તે પછી ગુજરાતના શહીદોને અંજલિ આપીએ, કારણ કે બધાને નામજોગ યાદ કરવાનું સહેલું નથી.
કુશલ કુંવરનો જન્મ આસામના ગોલાઘાટ જિલ્લાના ગામ બલિજાન ચરિયાલીમાં ૧૯૦૫ના માર્ચની ૨૧મીએ થયો. ૧૯૨૦માં એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ અસહકાર આંદોલનમાં કૂદી પડ્યા. તે પછી જીવનનિર્વાહ માટે નોકરી કરી પણ ૧૯૩૬માં બધું છોડીને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ૧૯૪૨માં ઑગસ્ટ ક્રાન્તિની શરૂઆત થતાં એમણે સરૂપાથર જિલ્લામાં કોંગ્રેસે બનાવેલી શાંતિ સેનાની સરદારી લીધી. એ વર્ષના ઑક્ટોબરની દસમીએ સરૂપાથરના યુવાનોની મૃત્યુ વાહિની (Death Squad)ના કેટલાક ક્રાન્તિકારીઓએ એક મિલિટરી ટ્રેનને પાટા પરથી ઉથલાવી નાખી. આમાં અસંખ્ય સૈનિકો માર્યા ગયા. ધૂંવાંફૂંવાં થયેલી સરકાર આડેધડ ધરપકડો કરવા લાગી. અનેક લોકો દમનનો ભોગ બન્યા,
૧૩મી તારીખે કુશલ રેલવે સ્ટેશન તરફ જતા હતા ત્યારે પોલીસે એમને પકડી લીધા. એમના બચાવમાં ઘણા વકીલો આગળ આવ્યા પણ શાંતિ વાહિનીનો એક સભ્ય પુલિન બરુઆ પોલીસનો સાક્ષી બની ગયો. કુશલ કુંવર, કનકેશ્વર કુંવર, ધર્મકાન્ત ડેકા અને ઘનશ્યામ સૈકિયાને મોતની સજા કરવામાં આવી. પણ કુશલ સિવાયના ત્રણ જણની દયાની અરજી મંજૂર કરીને એમની મોતની સજા ઘટાડીને દસ વર્ષની જેલની સજા અપાઈ. કુશલ કુંવર કોઈ જાતના હિંસાત્મક કાર્યમાં માનતા નહોતા પણ એમણે ગેરકાનૂની કેસમાં પોતાનો બચાવ ન કર્યો. ૧૫મી જૂને એમને વહેલી પરોઢે ફાંસી આપી દેવાઈ. વિદેશી સરકારે છેક ૧૭૫૭થી જ હિંસાનો રસ્તો લીધો હતો અને કાનૂનને નામે અસંખ્ય ગેરકાનૂની હત્યાઓ કરી તેમાં કુશલ કુંવર અંતિમ હતા.
ગુજરાતના શહીદો –૧૯૪૨
(વિરોધ દેખાવોમાં ભાગ લેનારા અને પોલીસની ગોળીથી અથવા જેલમાં થયેલા અત્યાચારોને કારણે કે અત્યાચારોને પરિણામે ગંભીર હાલતમાં છોડી દેવાયા પછી મૃત્યુ પામ્યા હોય તેવા સ્વાતંત્ર્યવીરો. બધાં નામો અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે છે. નામોનો ક્રમ કોઈનું વધારે કે ઓછું મહત્ત્વ દર્શાવતો નથી).
૧. છોટાભાઈ પટેલઃ જન્મ ૧ ઑક્ટોબર ૧૯૦૮. ગામ ધુણાદરા, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે ડાકોરમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.
૨. ચીબાભાઈ પટેલઃ પિંજારત, સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં પોલીસે પકડ્યા અને જેલમાં અત્યાચાર ગુજાર્યો. ઑક્ટોબરમાં જેલમાં જ મૃત્યુ.
૩. ગોરધનદાસ રામીઃ જન્મ ૧૯૨૦. ગામ બાબરા, જિલ્લો અમદાવાદ. ૯મી ડિસેમ્બરે અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.
૪. ગોવિંદરાવ ઉતરાણકરઃ જન્મ ૧૫ માર્ચ ૧૯૧૭. મહેસાણા જિલ્લો. એ ગ્રેજ્યુએટ હતા અને સ્થાનિકની સ્કૂલના હેડ માસ્ટર હતા. ૨૫મી ડિસેમ્બરે વિસનગરમાં એક સરઘસ નીકળ્યું તેમાં ગોવિંદરાવ પણ હતા. એક પોલીસ કોન્સ્ટેબલે શાંતાબેન પટેલ નામની એક મહિલા અને એના પિતા સાંકળચંદ પટેલ તરફ રિવૉલ્વર તાકી પણ એ ગોળી છોડી શકે તે પહેલાં ગોવિંદરાવે રિવૉલ્વર ઝુંટવી લેવાની કોશિશ કરી ત્યારે પોલીસે એમના પર જ ગોળીઓ છોડી દીધી. ૧૯૪૩ની ૧૫મી જાન્યુઆરીએ એમનું હૉસ્પિટલમાં અવસાન થયું.
૫. ગુણવંત માણેકલાલ શાહઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ઉંમર ૧૮ વર્ષ. ૯મી ડિસેમ્બરે એક સરઘસ પર પોલીસના ગોળીબારમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા.
૬. કુમારી જયાવતી સંઘવીઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૪૩ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયાં. પોલીસ દળ સરઘસ પર ત્રાટક્યું ત્યારે નાસભાગમાં પડી ગયાં. એ એમના માટે પ્રાણઘાતક બન્યું અને એ જ દિવસે એમનું અવસાન થયું.
૭. ઝીણાભાઈ મેસુરિયાઃ ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય હતા. પોલીસે એમની ધરપકડ કરી લીધી. જેલમાં એમના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો. એમાં એ સખત માંદા પડી ગયા. તે પછી એમને છોડવામાં આવ્યા પણ બે-ત્રણ મહિનામાં જ એ મૃત્યુ પામ્યા.
૮. કાનજીભાઈ આણંદજી બારૈયાઃ જિલ્લો ભાવનગર. એમના ગામમાં ૨૨મી ઑગસ્ટે સરકારના વિરોધમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયા. પોલીસે ગોળીબાર કરતાં મૃત્યુ થયું.
૯. કુમારી (ડૉ.) પ્રભાવતીઃ સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે જેલવાસ ભોગવ્યો. ત્યાં અમાનુષી અત્યાચાર અને ભયંકર ગંદકીને કારણે બીમાર પડી ગયાં. એમને છોડવામાં આવ્યાં પણ એ જ વર્ષમાં એમનું મૃત્યુ થયું.
૧૦. મગનભાઈ પટેલઃ ગામ માતવડ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે એમના ગામમાં જાહેર સભા મળી તેના પર પોલીસે ગોળીબાર કર્યો. મગનભાઈ ઘાયલ થઈ ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું.
૧૧. મણિલાલ પટેલઃ જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૨૨. ગામ ચાણસ્મા, પાટણ. મણિલાલ અને એમના ત્રણ-ચાર મિત્રોએ ‘ભારત છોડો’ આંદોલનમાં સત્યાગ્રહ કેમ કરવો તે શીખવવાનું પોતાના માથે લીધું. એ ગામેગામ જતા. ૧૮મી ઑગસ્ટે એક ગામેથી પાછા ફરતાં અડાસ રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે કેટલાક સિપાઈઓ એમના તરફ આવતા હતા. મણિલાલ અને એમના મિત્રો જાતે જ પોલિસ તરફ આગળ વધ્યા. પોલીસે પૂછ્યું ત્યારે એમણે પોતે ‘સત્યાગ્રહી’ છે એમ કહ્યું. એમણે એ પણ કહી દીધું કે અમારી ધરપકડ કરવી હોય તો કરી લો. સિપાઈઓએ એક ક્ષણની પણ રાહ જોયા વિના ગોળીઓ વરસાવી. એમાં મણિલાલના પ્રાણ ગયા.
૧૨. મણિશંકર ધીરજલાલઃ જન્મ ૧૯૧૮. તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. એમના ગામે ‘ભારત છોડો’ આંદોલન માટે જાહેર સભા યોજાઈ તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા.
૧૩. મનુભાઈ મહેતાઃ જિલ્લો રાજકોટ. આઠમી ઑગસ્ટે આંદોલન શરૂ થયું તે સાથે જુદા જુદા ઠેકાણે સભાસરઘસો થવા લાગ્યાં. ઑગસ્ટમાં જ આવા એક કાર્યક્રમ દરમિયાન પોલીસની ગોળીનો શિકાર બન્યા.
૧૪. મનુભાઈ પટેલઃ જન્મ ૨૯ જુલાઈ,૧૯૩૦. ચકલાશી, જિલ્લો ખેડા. ઉંમર ૧૨ વર્ષ. ‘ભારત છોડો’ આંદોલનનું એક સરઘસ એમના ગામમાં જ નીકળ્યું. આ બાર વર્ષનો છોકરો કશા પણ ભય વિના ત્રિરંગો લઈને નીકળ્યો, પોલીસની ગોળીથી વીંધાઈ ગયો.
૧૫. મોહન કાળાઃ ગામ પિલુદરા, જિલ્લો મહેસાણા. એમના ગામમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં જાન ગયો.
૧૬. મોહનદાસ પટેલઃ દહેગામ જિલ્લો વડોદરા. એમના ગામમાં સરઘસ નીકળ્યું એમાં એ જોડાયા અને પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યા.
૧૭. મોહનલાલ પટેલઃ ગામ કાન્તિપુર, જિલ્લો ખેડા. પોલિસના ગોળીબારમાં માર્યા ગયા ( વિગતો ઉપર ૧૧–મણિલાલ પટેલ પ્રમાણે)
૧૮. મોરારભાઈ પટેલઃ જ્ન્મ ૧૮૯૦. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.
૧૯. મોરારભાઈ પોચિયાભાઈઃ કરાડી, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે નીકળેલા સરઘસમાં પોલીસે કરેલા ગોળીબારમાં ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા.
૨૦. નાનુભાઈ પટેલઃ ગામ કરજીસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. એમણે ૧૯૩૦ના સવિનય કાનૂન ભંગ (મીઠાનો સત્યાગ્રહ) આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો. તે પછી ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા. ૩૦મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોતને ભેટ્યા.
૨૧. નારણભાઈ મોહનભાઈપટેલઃ અમદાવાદ. ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૨ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું. પોલીસે એને વીખેરી નાખવા ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.
૨૨. નરહરિભાઈ રાવળઃ અમદાવાદના વિદ્યાર્થી. ઑગસ્ટમાં એક સરઘસ નીકળ્યું તેમાં એમને પોલીસે પકડી લીધા. જેલમાં પોલીસે એમના પર સિતમ વરસાવ્યો. ૩૦મી ઑક્ટોબરે જેલમાં જ મૃત્યુ થઈ ગયું.
૨૩. નાથાલાલ શાહઃ જન્મ ૧૯૨૩. ગામ રામપુરા, જિલ્લો અમદાવાદ. એક સરઘસમાંથી પોલીસે એમને પકડી લીધા. ૯મી નવેમ્બર ૧૯૪૩ના રોજ જેલમાં પોલિસના અતિશય અત્યાચારને કારણે મૃત્યુ થયું.
૨૪. નટવરલાલ વનમાળીદાસ શાહઃ તાલુકો નડિયાદ. ૧૮મી ઑગસ્ટે ખેડામાં એક સભા પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં એમનો બલિ લેવાયો.
૨૫. નવિનચંદ્ર વેરાગીવાળાઃ મૂળ સૂરતના પણ કલકત્તામાં રહીને ભણતા હતા. ગાંધીજીએ ‘ભારત છોડો’નું એલાન કર્યું ત્યારે એમણે પોતાની કૉલેજની આસપાસ વિરોધ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો. પોલીસે એમને પકડીને કોયમબત્તુરની જેલમાં મોકલી દીધા. ત્યાં પોલીસના અત્યાચારને કારણે ૧૯૪૩ની શરૂઆતમાં જેલમાં જ અવસાન થયું.
૨૬. પુષ્પવદન મહેતાઃ અમદાવાદ જિલ્લાના વતની. ૧૯૪૩ની ૧૦મી જાન્યુઆરીએ અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં માર્યા ગયા.
૨૭. રમણલાલ દેસાઈઃ મૂળ સૂરતના પણ નાગપુર રહેતા હતા. ૧૯૪૨માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહમાં જોડાયા. એમની ધરપકડ થઈ. જેલમાં પોલીસે એમની સાથે પાશવી વ્યવહાર કર્યો. નવેમ્બરમાં એમને પૅરોલ પર છોડવામાં આવ્યા પણ બહાર આવ્યા પછી થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા.
ર૮. રણછોડભાઈ પટેલઃ જન્મ ૧૯૨૪. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું. (જૂઓ ઉપર ૧૮– મોરારભાઈ પટેલ)
૨૯. રસિકલાલ જાનીઃ જન્મ ૧૯૨૬ અમદાવાદ. ૯મી ડિસેમ્બરે સરઘસ પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.
૩૦. રતિલાલ પટેલઃ જન્મ ૧૯૧૭. ગામ ભાદરણ, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે પોલીસે વીંધી નાખ્યા (વિગતો ૧૧–મણિલાલ પટેલ અને ૧૭–મોહનલાલ પટેલ)
૩૧. શંકરભાઈ ધોબીઃ જન્મ ૧૯૨૮ તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. ૧૪ વર્ષનો વિદ્યાર્થી. ગામમાં સરઘસ નીકળ્યું તેને રોકવા માટે પોલિસે ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.
૩૨. ડૉ. શિવલાલ પટેલઃ જન્મ ૧૯૦૨. ગામ જેતલપુર તા. દસ્ક્રોઈ, જિલ્લોઃ અમદાવાદ. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવાના આરોપસર ૧૩મી ડિસેમ્બરે એમની ધરપકડ થઈ. જેલમાં અમાનુષી અત્યાચારને કારણે ૧૯૪૩ના મે મહિનાની ૨૦મીએ જેલમાં જ મૃત્યુ થયું.
૩૩. શિરીષકુમારઃ જન્મ ૧૯૨૬. ઉંમર ૧૬ વર્ષ. સૂરત. એમણે સરકાર વિરોધી ચોપાનિયાં વહેંચ્યાં. ૧૦મી ઑગસ્ટે નંદરબારમાં વિદ્યાર્થીઓનું સરઘસ નીકળ્યું તેની આગેવાની લીધી. મંગળ બજાર પાસે પોલીસે એમને રોક્યા પણ વિદ્યાર્થીઓએ પરવા ન કરી એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો પણ વિદ્યાર્થીઓ ન અટક્યા. માણેક ચોક સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો. શિરીષ કુમાર છોકરીઓને ગોળીબારથી બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે ઘાયલ થયા અને હાથમાં ઝંડા સાથે જ મોતને ભેટ્યા.
૩૪. સોમાભાઈ પંચાલઃ જન્મ ૧૯૨૭. ગોકુલપુરા, જૂનું વડોદરા રાજ્ય. હવે જિલ્લો પંચમહાલ. વડોદરામાં ‘ભારત છોડો’ના સમર્થનમાં સરઘસ નીકળ્યું તેના પર કોઠી પાસે પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોત થયું.
૩૫. ઠાકુરભાઈ દેસાઈઃ ગામ સુજાન (સૂરત). ઑગસ્ટ મહિનામાં પોલીસે એમને પકડી લીધા. જેલમાં એમના પર સખત જુલમો થયા. ઑક્ટોબર કે નવેમ્બરમાં એમને છોડી દેવામાં આવ્યા.
૩૬. ઉમાકાન્ત કડિયાઃ જન્મ ૧૫ નવેમ્બર ૧૯૨૧. અમદાવાદ. એમને નાનપણથી જ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ હતો. નવમી ઑગસ્ટે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકોએ સભાસરઘસ યોજ્યાં અને સરકાર વિરોધી સૂત્રો પોકાર્યાં. પોલીસે એમને વીખેરી નાખવા માટે ગોળીબાર કર્યો એમાં ઉમાકાન્ત કડિયાને અસંખ્ય ગોળીઓ વાગી અને એ મૃત્યુને વર્યા.
૩૭. વિનોદ કિનારીવાલાઃ જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪. એ કૉલેજમાં ભણતા હતા. વિદ્યાર્થીઓએ ૧૦મી ઑગસ્ટે કૉલેજના પ્રાંગણમાં જ ભારત છોડો આંદોલન માટે એક સભા રાખી. એ વખતે પોલીસનો આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ત્યાં પહોંચી ગયો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો પોતાની ટુકડીને આદેશ આપ્યો. વિનોદ કિનારીવાલાનું એમાં મૃત્યુ થયું.
૦૦૦
આ સાથે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ હોમી દેનારા સૌ નામી-અનામી શહિદોને અંજલીરૂપ આ શ્રેણીનો અંત આવે છે. ૩૪ મહિનાની આ પાવક યાત્રામાં આપ સૌ સાથે રહ્યા અને મને સહન કર્યો તે માટે સૌનો આભારી છું. હજી ઘણાયે શહીદો એવા હશે જેની માહિતી મને મળી નથી. આ ચૂક માટે આપણા એ વીર પૂર્વજોનો ક્ષમાપ્રાર્થી છું. આપણે બધા શહીદો સમક્ષ નતમસ્તક છીએ.
(૨) DICTIONARY OF MARTYRS: INDIA’S FREEDOM STRUGGLE (1857-1947) Vol.III. Government of India (Released on 19 March 2019).
ભારત સરકારે પ્રકાશિત કરેલી ઉપરોક્ત ગ્રંથમાળા ( ચાર ભાગ-છ પુસ્તક) બહુ ઉપયોગી છે. આ લેખ આ ગ્રંથમાળાના ત્રીજા ભાગને આધારે તૈયાર કરેલો છે. પરંતુ આ ગ્રંથમાળામાં શહીદોનાં નામ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને સંકલિત કરાયાં છે એટલે દરેકને ઘટના પ્રમાણે અલગ પાડવાનું ભગીરથ કાર્ય છે. આથી ઇતિહાસની આ દરેક ઘટનામાં શહીદોનો અલગ સંગ્રહ તૈયાર કરવાની જરૂર છે. સદ્ભાગ્યે, આ ગ્રંથોના ઍડીટર સંપૂર્ણતાનો દાવો નથી કરતા એટલે બીજા પણ અનામી શહીદો હોઈ શકે છે. ગુજરાતની બાબતમાં પણ નામો બાકી રહી ગયાં હોય એ શક્ય છે).
સ્રોતઃ (નીચે અલગ અલગ ગ્રંથોની લિંક આપી છે, એમના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે):
આ વાત છે ૧૯૬૭-૬૮ની. અમારી કોલેજ એક ૨૧ એકરની એસ્ટેટના આગળના ૭ એકરમાં બનાવી હતી. સાઈઠના દસકામાં પણ ૭ એકરના કેમ્પસવાળી કોલેજ મુંબઈના પરામાં હોવી એ બહુ મોટી વાત હતી. માયાનગરી મુંબઈની મોટામાં મોટી સમસ્યા હંમેશા જગ્યાનો અભાવ અને સતત વધતા જતા ભાવ રહ્યા છે. અભાવ અને ભાવની વચ્ચે ઝૂલતી આ નગરીનું આકર્ષણ અહીં રહેનારાઓને અને આવનારાઓને કઈંક અદભૂત બીના જેમ જ સતત અને સદૈવ રહ્યું છે. અમારી કોલેજની માઈક્રોબાયોલોજીની લેબોરેટરી પહેલા માળ પર હતી. અને કોલેજનું મકાન અંગ્રેજી “Z” shape માં હતું. અમારી માઈક્રોબાયોલોજીની લેબની બારીઓ એસ્ટેટના પાછળના હિસ્સામાં ખૂલતી હતી. ત્યાં ઓછામાં ઓછા ૨૫-૩૦ નાના કોટેજીસ હતા, જે વર્તુળ આકારમાં પથરાયેલા હતા.
આપણા રામનો ત્યારે પણ સીધો જ હિસાબ હતો, જો એક્સપરીમેન્ટ જલદી પતે તો અથવા ન ગમતો હોય કે રસ ન પડતો હોય એવો એક્સપરીમેંન્ટ હોય તો, બારીબહાર, જમીન અને આકાશ વચ્ચે પથરાયેલી આ કોટેજીસની માયાને અપલક નીહાળતા રહેવાનું! ૧૮-૧૯ વર્ષની એ ઉમરનો તકાજો એટલો તો મજેદાર હતો કે બસ, એમ જ થતું, “મૈં હી મૈં હું દૂસરા કોઈ નહીં”. એ વખતે અને એ ઉમરે આ ફનાખોરીવાળી દુનિયાનું સત્ય સમજાયું નહોતું કે, “ખુદા હમકો ઐસી ખુદાઈ ન દે! કે અપને સિવા કુછ દિખઈ ન દે!”
અમારી, જુનિયર ક્લાસની, લેબ સોમવારથી ગુરુવાર- રોજ સવારે આઠ વાગે શરુ થતી. સમયસર, લગભગ, પોણા આઠની આજુબાજુ, હું લેબમાં પહોંચીને, મારા ડેસ્ક પર તે દિવસના પ્રયોગ માટેના બધા જરુરી સાધનોને ગોઠવી દેતી. જેથી અમારા લેબ ઈન્સ્ટ્રક્ટર આવે એ પહેલાં બધું તૈયાર હોય. મારું આ જુનિયર વર્ષ શરુ થયાને હજુ બે અઠવાડિયા જ થયાં હતાં.
મને આજે પણ બરબર યાદ છે, એ જુનિયર વર્ષનો દિવસ. રોજના ક્રમ મુજબ તે દિવસે સવારે, લેબમાં જઈને હું બધું ગોઠવતી હતી કે અચાનક મારું ધ્યાન, બિલકુલ સામે રહેલા કોટેજ પર ગયું. પહેલા માળ પર આવેલી અમારી લેબ અને સામેના કોટેજ વચ્ચે ૨૦ ફૂટના રસ્તા સિવાય બીજું કઈં નહોતું. આથી બધું જ સાફ જોઈ શકાતું હતું. એ કોટેજના વરંડામાં, હિંચકા પર અડોઅડ બેસીને આધેડવયના પતિ-પત્ની, સવારનો નિત્યકમ જાણે પતાવીને, ઓફિસ માટે તૈયાર થઈને, ચા કે કોફી પી રહ્યા હતા. બેઉ જણાં પોતામાં મસ્ત હતાં. બેઉની ઉમર લગભગ ૪૫-૫૦ની વચ્ચે લાગતી હતી. બેઉના મોઢા પર આછું સ્મિત હતું અને માથું હલાવીને તેઓ કઈંક વાતો કરતાં હતાં. અંકલ આન્ટીને પ્રેમ નીતરતી આંખે જોતાં એટલું જ નહીં, પણ એમણે આન્ટીના હાથને એકાદ બે વાર આમતેમ જોઈને ચૂમી લીધો હતો. મને થયું, કેટલા સુખી છે બેઉ?
મારા ક્લાસમાં ભણતી, મારી ખાસ મિત્ર, આયેશાને આ યુગલ મેં ત્યારે જ બતાવીને કહ્યું “યાર, આપણને પણ આવો જ કોઈક જીવનસાથી મળવો જોઈએ જેની સાથે જુવાની જીવતાં જીવતાં, વૃદ્ધ થવાની પણ મજા પડે! અને હા, મને ફિલ્મોનો અને ફિલ્મી ગીતોનો ચસકો કેટલો બધો છે, એ તો તું જાણે જ છે!” મેં આંખ મીંચકારીને કહ્યું.
“તો? હવે તમે મે’મસાબ ગીત પણ ગાશો તો એ બિચારાને ગાતાં પણ આવડવું જોઈશે?” આયેશા બોલી
હું હાથમાંના એપરેટસ કાઉન્ટર પર મૂકતાં બોલી, “હાસ્તો! મેં તો નક્કી કરી જ લીધું છે કે જ્યારે છોકરાઓ જોવાનો પ્રોગ્રામ શરુ થશે ત્યારે એક સવાલ એ પોટેન્શિયલ કેન્ડિડેટને જરુરથી જ પૂછીશ કે, તમે તમારી જાતને, આજથી ૨૦-૨૫ વર્ષો પછી, તમારા જીવનસાથી સાથે ફુરસદની પળો કઈ રીતે વિતાવતાં કલ્પી શકો છો? જેનો પણ જવાબ હશે કે ‘મને મારી જીવનસંગિની સાથે વરંડામાં હિંચકા પર ઝૂલતાં, ફિલ્મી ગીતો સાંભળવું અને ગાવું ગમે,’ હું એની સાથે લગ્ન કરી લઈશ! અને, પછી, સમય આવે હું તો મારું ફેવરીટ ગીત, “ગાતા રહે મેરા દિલ” એની સાથે ગાઈશ જ, બરાબર, આમ વરંડાના હિંચકે ઝૂલતાં!”
આયેશા મારા માથામાં ટપલી મારી, “ઓ મેડમ, તને ગીત ગાવાવાળાની નહીં, પણ તારા મગજનો ઈલાજ કરવાવાળાની જરુર છે! મને તો પહેલેથી ખબર છે કે તારા મગજના વાયરીંગમાં કઈંક ‘માલફંક્શન’- ખરાબી છે! કોઈ આવી રીતે તે પોતાના પતિની પસંદગી કરતું હશે અને એ પણ ખુલ્લે આમ, વરંડામાં હિંચકે એને બેસાડીને મેમસાબ, “ગાતા રહે મેરા દિલ” એની સાથે ગાશે? તું તારા થનારા પતિદેવને દેવાનંદ સમજે છે? વોટ ઈઝ રોંગ વીથ યુ?” પછી બે હાથ જોડીને કહે, “મારી મા, તું તારી અક્કલ ચલાવ્યા વિના, તારા પેરન્ટસ જેને કહે તેને પરણજે! નહીં તો નક્કી દુઃખી થશે!”
મેં આ સાંભળી ગંભીરતાથી એને કહ્યું, “એક કરેક્શન છે.”
આયેશા બોલી, “તારું એ કરેક્શન પણ તું બોલી નહીં નાખે ત્યાં સુધી આપણે એક્સપરીમેંન્ટ પર ધ્યાન નહીં આપી શકીએ! તો બોલો મેડમ? બોલ, કહી નાખ!”
મેં આયેશાને આંખ મારતાં ધીરેથી કહ્યું, ”વાત જાને મન, એમ છે કે, મારા “એ” દેવાનંદ હશે કે નહીં, પણ, હું, મને વહીદા રહેમાન જ સમજું છું એનું શું! વોટ યુ સે? હં?” અને અમે બેઉ હસી પડ્યાં.
પછી તો આ મારો અને આયેશાનો, રોજનો ક્રમ થઈ ગયો હતો. ભલેને એક્સ્પરીમેંન્ટ કેટલો પણ રસપ્રદ હોય કે ન હોય, સોમ થી ગુરુ, રોજ એ આધેડ દંપતીને, સવારના સાત ને પચાસે, વરંડાના હિંચકે બેસી ચા-કોફી પીતાં જોવાનું અમને વ્યસન થઈ ગયું હતું. આમ ને આમ અમારું જુનિયરનું વરસ પૂરું થયું. કોલેજના છેલ્લા દિવસે અમે, એકમેકના સંપર્કમાં રહેવાના કોલ કરતા હતાં. વેકેશનમાં કોણ શું કરવાના છે, એની વાતો અને મજાક મસ્તી ચાલતી હતી કે કોણ શું શું મસ્તી કોલેજની ‘મિસ’ કરશે અને મને પણ ઓચિંતો વિચાર આવ્યો કે “રોજ સવારે, સામેવાળા અંકલ-આન્ટીને આમ હિંચકા પર ઝૂલતાં જોવા નહીં મળે!” મને થયું કે મારે એક વાર અંકલ-આંન્ટી મળવું જોઈએ. અંકલ તો ઓફિસ પર હોય પણ આન્ટી તો ઘેર હશે જ.
મેં આયેશાને કહ્યું, “યાર, મને આ સામેવાળા અંકલ અને આંટીને મળવું છે, ઉનાળાની છુટ્ટી પર જતાં પહેલાં મારે એમને કહેવું છે કે એમને જોઈને, મને સાયુજ્યની સાચી સમજણ આવી છે!”
આયેશા મારો હાથ પકડીને મને ખેંચતા બોલી, “તારું મગજ સાચે સાવ ચસકી ગયું છે! જાન ન પીછાન, મૈં તેરા મહેમાન! એમ તે કોઈના ઘરમાં જવાતું હશે? સીધેસીધી ઘેર ચાલ, હવે!”
આ બાજુ, મેં પણ નક્કી કર્યું હતું કે સમર વેકેશન શરુ થાય તે પહેલાં એમને મળવું જ છે. હું આયેશાને હાથ પકડીને એમના ઘર સુધી ઘસડીને લઈ ગઈ. બપોરનો ત્રણ વાગ્યાનો સમય હતો.
અમે કોટેજની બેલ મારી અને કામવાળી બાઈએ દરવાજો ખોલ્યો. મેં પૂછ્યું, “આંટીજી કે અંકલ કોઈ ઘરે છે?”
બાઈએ કહ્યું, “આજે સાહેબની તબિયત સારી નહોતી તો શેઠાણી એમને ડોક્ટર પાસે લઈ ગયા હતા”.
કોણ જાણે કેમ મારાથી પૂછાઈ જવાયું, “બીજું કોઈ ઘરમાં નથી? મેડમના બાળકો કે કોઈ?”
કામવાળીએ કહ્યું, “મેમસાબને એક જ દિકરી છે જે લગ્ન પછી અમેરિકા રહે છે. તમારે કોઈ સંદેશો આપવો છે?”
અમે નમ્રતાથી ના પાડી. અમે પાછા વળતાં હતાં, ત્યાં મેં દરવાજા પરની નેઈમ પ્લેટ વાંચી, જેના પર લખ્યું હતું. ”Mr. and Mrs. Aanand R. Desai, MA, LLB, Advocate, High Court”. હું ને આયેશા બેઉ એ વાંચીને બોલ્યાં, એકી સાથે, “ઈમ્પ્રેસીવ!” અને મલકી પડ્યાં.
****
વેકેશન, તો આવ્યું એવું જ જાણે પૂરું થઈ ગયું. માઈન્ડ ઈટ, આ બધા પ્રી-ફેસબુક અને પ્રી-સોશ્યલ મિડીયાના દિવસો હતા. આ વેકેશન દરમ્યાન, હું અને આયેશા બે ચાર વાર મળ્યા પણ હતાં અને હસતાં હસતાં, એકાદવાર તો એડવોકેટ મિ. એન્ડ મિસીસ આનંદ દેસાઈ અને હિંચકાને યાદ પણ કરી લીધો હતો. ૧૫મી જૂન આવી, અમારા સિનીયર વરસનો પ્રથમ દિવસ! અમારું સ્કેજ્યુલ આવી ગયું હતું. સિનીયર વરસમાં લેબ પાંચેપાંચ દિવસ હતી. આયેશાએ મારી મશ્કરી પણ કરી કે હવે હું સોમથી શુક્ર, રોજ એડવોકેટ અને એમના પત્નીના “હિંડોળા”ના દર્શન કરી શકીશ! બીજે દિવસે, રાબેતા મુજબ હું તો સવારના ૭ ને ૪૫ મિનીટે લેબમાં પહોંચી ગઈ અને મારા એક્સપરિમેન્ટ માટેના સાધનો કાઢતાં કાઢતાં, હિંચકા પર ક્યારે મીસ્ટર અને મિસીસ એડવોકેટ આવે એની રાહ જોતી હતી અને બરબર સાત ને પચાસે, ધેર ધે વેર, બિલકુલ પહેલાંની જેમ જ. પણ પહેલાં કરતાં થોડો ફરક એ હતો કે બહેન થોડા વધારે સરસ રીતે તૈયાર થઈને આવ્યાં હતાં અને ભાઈ પણ સુટેડબુટેડ હતાં પણ કોઈ બીજા જ હતા. ટૂંકમાં, ભાઈનું રીપ્લેસમેન્ટ થઈ ગયું હતું!
મેં આયેશાનું ધ્યાન દોર્યું. આયેશા કહે, “કોઈ મહેમાન આવ્યાં હશે.” અને વાત પછી તો રોજના કામમાં ભૂલાઈ ગઈ.
બીજે દિવસે, ફરી આગલા દિવસવાળા જ ભાઈ અને બહેન એના એ જ. આમ આખુંય અઠવાડિયું નીકળી ગયું. હું રોજ જ રાહ જોતી કે ક્યારે ઓરિજીનલ એડવોકેટ આવે, બહેનની સાથે હિંચકે ઝૂલવા..! આ નવા ભાઈ તો હિંચકે બેસતાં ને ચા-કોફી પીતાં, બહેન સાથે બેસીને પણ એકાદ આછા સ્મિત સિવાય, બેઉ વચ્ચે પેલા ઓરિજીનલ ભાઈ સાથેનું, ઊડીને આંખે વળગે એવું જે જાદુભર્યું કનેક્શન હતું તે ગાયબ હતું! બીજા અઠવાડિયે, પણ એ જ પેલા નવા ભાઈ, બહેનની સાથે હિંચકે ઝૂલતાં જોયા. આયેશા અને મને થયું કે ભાઈ માંદા હતાં ને કદાચ કઈંક એમને થઈ ગયું હશે અને બહેને નવા લગ્ન કરી લીધાં હશે!
આયેશાના ફળદ્રુપ ભેજામાં વળી એવો વિચાર પણ આવ્યો કે “કદાચ એમ પણ હોય કે બહેને છૂટાછેડા પણ આપી દીધાં હોય! ને નવા લગ્ન પણ કર્યા હોય!”
કોણ જાણે કેમ પણ આ વખતે આયેશાને તાલેવેલી હતી જાણવાની કે ઓરિજીનલ ભાઈનું શું થયું! ઓચિંતી જ આયેશા બોલી “ચલ, એક કામ કરીએ, આજે સાંજના, લાઈબ્રેરીમાંથી ઘરે જતાં પહેલાં ડોરબેલ મારીને પહોંચી જઈએ એમના ઘરે. બધા જવાબો મળી જશે.” મારે માનવા ન માનવાનો તો સવાલ જ ન હતો, કારણ અમારા બેઉની બેચેની વધી ગઈ હતી. અમને જવાબ જોઈતો હતો કે પેલા ઓરિજીનલ એડવોકેટભાઈને શું થયું હતું?
અમે લાઈબ્રેરીમાંથી સાંજના છ વાગે નીકળ્યાં અને સીધા સામેના કોટેજ પર પહોંચીને ડોરબેલ મારી. નજર અનાયસે જ પડી નેઈમ પ્લેટ પર, “Mr. and Mrs. Aanand R. Desai, MA, LLB, Advocate, High Court” જ હતું. એ વાંચીને મેં અને આયેશાએ નજર મેળવીને જાણે છાનો હાશકારો કરી લીધો.
ડોર ખોલવા, નવીકામવાળી આવી. એણે દરવાજો ખોલ્યો કે એની પાછળ પેલા નવા સુટેડબુટેડ ભાઈ આવ્યા અને બોલ્યા, “યસ, હાઉ કેન આઈ હેલ્પ યુ?”
ભાઈ બોલ્યાં, “હા, બોલો, હું જ એડવોકેટ આનંદ દેસાઈ છું. શું કામ છે અને તમે કોણ છો?”
ત્યાં જ અંદરથી અવાજ આવ્યો, “આનંદ, કોણ છે, દરવાજા પર?” અને પેલા બહેન બહાર આવ્યાં. “કોણ છો તમે અને શું કામ છે?”
હું તો ગુંચવાયેલી ઉંબરા પર જ ખોડાઈ ગઈ હતી પણ આયેશાએ સમયસૂચકતા વાપરીને કહ્યું, “કઈં નહીં આન્ટી, અમારે સાહેબનું ઓફીસનું કાર્ડ જોઈતું હતું.”
એડવોકેટ આનંદે પૂછ્યું, ‘તમને મારું નામ ઠામ કોણે આપ્યું?”
હું તો સાવ બાઘા જેવી જ થઈને ઊભી હતી પણ આયેશા બોલી, “સર, મારા પિતાજીને હાઈકોર્ટના કેસ બદલ કઈંક સલાહ લેવી છે અને અમે આ નેબરહુડમાં નવા છીએ. સાંજના પિતાજી ચાલવા નીકળ્યા હતા ત્યારે એક નેબરે આપનો હાઉસ નંબર આપીને કહ્યું કે આપ હાઈકોર્ટના વકીલ છો પણ એમને તમારી ઓફીસ ક્યાં છે એ નહોતી ખબર. આથી મારા પિતાજીએ કહ્યું કે આપના ઘરે ઊભી રહીને આપનું કાર્ડ લઈ આવું. અમે પાછળની ગલીમાં જ રહીએ છીએ, સર.”
આયેશાનો અવાજ એટલો તો કન્વીન્સીંગ હતો કે વધુ કઈં ન પૂછતાં, એડવોકેટે પોતાના ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યું અને આપીને કહ્યું, “હું એક વરસ માટે ઈંગ્લેંન્ડ ગયો અને પાછા આવીને નવા કાર્ડ છપાવ્યા છે, પણ એમાં ફોન નંબરનો એક છેલ્લો ‘૦’ ડીજીટ પ્રિંન્ટીંગ મીસટેકને લીધે છપાયો નથી. તો જરા કરેક્ટ કરી લેજો. ઓકે? અને શું નામ કહ્યું તમારા પિતાજીનું?”
આયેશાએ ફરીથી સમયસૂચકતા વાપરી, તરત જ જે નામ મનમાં આવ્યું તે બોલી નાખ્યું, “બી.પી. પટેલ, સર. એ તમને ઓફીસમાં ફોન કરશે. થેંક યુ.” અને ઝડપથી કાર્ડ લઈ, મારો હાથ પકડી, પ્રેક્ટીકલી, મને ખેંચીને ચાલવા માંડ્યું.
મિસ્ટર અને મીસીસ આનંદના ઘરનો દરવાજો બંધ થયો. આયેશાની પાછળ ઘસડાતાં હું આયેશાને પૂછતી રહી, “અરે, પણ આ બી.પી.પટેલ કોણ છે?”
મારી સામે આંખો કાઢીને એ બોલી, “ચૂપ રહે છે કે નહીં? જલદી ચાલ અને અહીંથી બહાર નીકળ!”
હું અને આયેશા એક-બે મિનીટ તો ચૂપચાપ સ્ટેશન સુધી પહોંચવા માટે ચાલતાં રહ્યાં. કોઈ કઈં બોલતું નહોતું! અમને એક સવાલનો જવાબ જોઈતો હતો કે કોણ હતા એ ઓરિજીનલ ભાઈ, જેમની સાથે એ મેજીકલ કેમેસ્ટ્રી છલકાતી હતી? શું દૂરના સંબંધી હતા? શું ફેમીલી મેમ્બર હતા? કોઈ જૂના યાર-દોસ્ત હતા? એના બદલે અમે બીજા અનેક સવાલો લઈ પાછા ફર્યા હતાં! એમાં આ બી.પી. પટેલ વધારામાં ઓછા હતા કે ઉમેરાયા!
છેવટે મૌન તોડી, આયેશા જ બોલી, “તેં નોટીસ કરી એક વાત? ભાઈ તો પહેલાવાળા નહોતા જ, પણ આજે જે કામવાળી હતી તે પણ પહેલીવાર આપણે ગયા હતા તે નહોતી! ભાઈની સાથે કામવાળી પણ બદલાઈ ગઈ હતી!”
મેં કહ્યું, “યાર, યુ આર રાઈટ, મેં તો એ જોયું જ નહીં કે નવી કામવાળી હતી! પણ આ મિસિસ દેસાઈ ભારે બ્રેવ છે હં…! એ પહેલાવાળા ભાઈ શું એમના જૂના બોયફ્રેન્ડ હતા કે નવા બોયફ્રેન્ડ, એની તો કદી ખબર નહીં પડે!”
પણ આયેશા તો કોઈ જુદી જ પીચ પર ઊભી હતી. એ બોલી, “યાર, એક વાત તો છે કે આ મિસીસ દેસાઈની હિંમતની દાદ દેવી પડે! ખુલ્લેઆમ, વરંડામાં બેસીને, આમ છડેચોક ઝૂલવું, તો એમને ડર નહીં લાગ્યો હોય કે કોઈ એમના પતિને કહી દેશે તો? દાદ તો આપવી જ પડશે દુનિયા કી ઐસી કે તૈસી કરવાની એમની હિંમતની! અને તે પણ એક-બે દિવસ, કે એક – બે અઠવાડિયા કે મહિના નહીં, પણ આખું વર્ષ એ ભાઈ સાથે આમ ખુલ્લંખુલ્લા દર સવારે ઝૂલવું!”
આટલું કહીને, આયેશા એક મિનીટ માટે ઓચિંતી ઊભી રહી ગઈ અને પછી, મોઢા પર બનાવટી ચિંતાના ભાવ લાવીને બોલી, “યાર, મને એક જ હવે ચિંતા થાય છે. લગ્નના ૨૦-૨૫ વર્ષો પછી, તારા “ગાતા રહે મેરા દિલ, તુ હી મેરી મંઝિલ”ના પ્રોગ્રામનું શું થશે હવે?”
મેં હસીને આંખ મીંચકારીને કહ્યું, “ગીત ગાવાનો ઈરાદો હવે તો વધુ પાક્કો થયો છે! એ પણ બે જણની સાથે ગાવાની હિંમત આવી ગઈ છે! અને, સાથે ‘મેન્ટલ હીન્ટ’ પણ કરી લીધી છે કે આવું કઈં થાય તો કામવાળી બદલી નાંખવી!”
અમે બેઉ ખડખડાટ હસતાં હતાં અને સ્ટેશન તરફ ચાલતાં હતાં. રસ્તા પર ચા કોફીની લારી હતી. લારીવાળાના ટ્રાન્સીસ્ટરમાંથી ગીત સંભળાયું, “મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્રકો ધુંવેમેં ઉડાતા ચલા ગયા!”
વાત હશે આઝાદી પહેલાંની. ખ્વાજા અહેમદ અબ્બાસની બાજુમાં એક ગરીબ વૃદ્ધા રહેતી હતી. ઉંમર સાઠ વર્ષ. નામ એમનું હકીમન પણ, વહાલથી સૌ એમને હક્કૂ કહેતાં. યુવાનીમાં જ વૈધવ્ય આવ્યું. જીવનભર કામ કરીને પોતાનાં સંતાનોને ઉછેર્યાં.
ઉનાળો હોય કે શિયાળો ગામ આખું રજાઈ ઓઢીને સૂતું હોય, પણ સૂર્યોદય થાય એ પહેલાં તો હક્કૂ જાગી જતી. ચક્કી પર અનાજ દળતી, ચરખો ચલાવતી. ભરતગૂંથણ, ખાવાનું બનાવવામાં, કપડાં ધોવામાં એનો આખો દિવસ ક્યાંય પસાર થઈ જતો. ખ્વાજા અહેમદનાં મોટામસ આંગણાની સરખામણીમાં સાવ નાનું એનું ઘર. નામ પૂરતી ઓસરી અને બે ઓરડીઓ, પણ ઘર એવું તો સાફ રાખતી કે હક્કૂના ઘરમાં જમીન પર પડેલી ચીજ પણ નિરાંતે ખાઈ શકાતી.
આખો દિવસ કામ કર્યાં પછી પણ હક્કૂનો ચહેરો ખુશહાલ. ઘેરા શ્યામ વર્ણ પર સફેદ વાળ, મજબૂત કાઠી, મરી ત્યાં સુધી સીધી ચાલ. હંમેશાં યાદ રહી જાય એવી હસમુખ હતી એ. છેલ્લા દિવસોમાં દાંત પડવાં માંડ્યા હતા એટલે બોલતી ત્યારે બોખલાતી પણ, એની વાતો હતી મઝાની. ક્યારેક શાહજાદાની, ક્યારેક પરીઓની તો ક્યારેક જીનની વાતો કરતી.
હક્કૂ ભણેલી નહોતી. આમ તો સ્ત્રી-પુરુષની બરાબરીની વાત ક્યારેય એણે સાંભળી નહોતી, પણ ક્યારેય એ પર્દામાં રહી નહોતી. જનતંત્ર, સમાજવાદ વિશે એને કોઈ માહિતી નહોતી હતી પણ, સ્વતંત્ર મિજાજની હક્કૂ પોતાનો કારોબાર બરાબર સંભાળતી. ક્યારેય કોઈ અમીર, અફસર કે કોઈ થાણેદારથી એ ડરતી નહીં. જીવનભર મહેનત કરીને પોતાનાં સંતાનો માટે એણે રૂપિયા એકઠા કર્યા હતા. એને બેંક શું છે એની ખબર નહોતી એટલે એ રૂપિયાના ચાંદીનાં દાગીના બનાવીને પહેરતી. ચાંદીનાં ઠોળિયાંથી તો એના લચી પડેલા કાન જેણે જોયાં હશે એને હંમેશાં યાદ રહી ગયા હશે. એ દાગીના એની વૃદ્ધાવસ્થા માટેની પૂંજી હતી એટલે એને મન એ દાગીનાનું મૂલ્ય ઘણું હતું.
પણ, એક દિવસ હક્કૂને જોઈ તો જોનારાં સૌ ડઘાઈ ગયા. ન તો એનાં કાનમાં ભારેખમ ઠોળિયાં, ન તો ગળામાં હાંસડી કે ન તો હાથમાં કડાં પણ, ચહેરા પર એ જ હંમેશનું સ્મિત.
બન્યું એમ કે, એ દિવસોમાં ગાંધીજી અલી બિરાદારાન સાહેબ સાથે પાણીપત આવ્યા હતા. ખ્વાજા સાહેબના નાનાના ઘેર ગાંધીજીનું ભાષણ હતું. સ્વરાજ્ય અને અસહકાર અદોંલન બાબતે હક્કૂને મુદ્દલ જ્ઞાન નહોતું, પણ સૌની સાથે એણે આ ભાષણ ભારે રસથી સાંભળ્યું. અંતે ફાળો ઉઘરાવવાનું શરૂ થયું તો હક્કૂએ પોતાની ઘડપણની પૂંજી જેવા તમામ દાગીના ઉતારીને આપી દીધા. હક્કૂની દેખાદેખીથી મહોલ્લાની અન્ય સ્ત્રીઓએ પણ પોતાના દાગીના ઉતારીને ફાળામાં આપી દીધા.
બસ, એ દિવસથી હક્કૂ ખિલાફતી બની ગઈ. ખ્વાજા સાહેબના નાનાના ઘેર જઈને એમના અબ્બા અને નાના પાસેથી સમાચાર સાંભળતી. ખિલાફત અથવા કોંગ્રેસના સમારોહ થતા તો ભારે ઉત્સાહથી એ જતી. પોતાની સૂઝબૂઝ મુજબ સિયાસી આંદોલનને સમજવા મથતી. અંગ્રેજ રાજ્ય ક્યારે ખતમ થશે એની પૃચ્છા કરતી.
અંતે જીવનભરની એની મહેનતના લીધે શરીર ખોખલું થવા માંડ્યું. પહેલાં આંખો, પછી પગ ગયા. હક્કૂએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું, પણ ચરખો ચલાવવાનું ન છોડ્યું. છોકરાંઓ મના કરતાં રહ્યાં છતાં આટલાં વર્ષોના અનુભવને લઈને આંખોની રોશની વગર એ કંઈક તો વણ્યાં કરતી. જાણવા મળ્યું કે એ એનું પોતાનું કફન વણતી હતી.
એની અંતિમ ઇચ્છા હતી કે, એ જ્યારે મરે ત્યારે સ્વહસ્તે વણેલું કફન એને ઓઢાડવું. જો અંગ્રેજી કપડાનું કફન ઓઢાડ્યું તો એના આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.
એની અર્થી નીકળી ત્યારે સૌ સગાંસ્નેહી અને પાડોશીઓ જોડાયાં. એની અંતિમ ઇચ્છા મુજબ ન સરઘસ, ન ફૂલ કે ઝંડો.
બસ એક માત્ર જાતે વણેલું ખાદીનું કફન અને એ કફનમાં લપેટાયેલો એનો દેહ.
ખ્વાજા અહેમદ અબ્બાસની વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.