વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૯૪. હર્ષ ટંડન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    કેવા કેવા ગીતકારો આ ઉત્ખનન દરમિયાન મળી આવ્યા છે ! એમાંના એક આ હર્ષ ટંડન.

    ૧૯૫૩ ની ફિલ્મ ઠોકરમાં નવ ગીત હતા અને સાત ગીતકાર ! ( મજાઝ લખનવી, પ્રેમ ધવન, રાજા મેંહદી અલી ખાન, ઉદ્ધવ કુમાર, કવિતા, શોર નિયાઝી અને આજના ગઝલકાર હર્ષ ટંડન ) ઠોકર એટલે એ ફિલ્મ જેમાં મજાઝ લખનવીએ લખેલી વિખ્યાત નઝ્મ ‘ ઐ ગમે દિલ ક્યા કરું ઐ વહશતે દિલ ક્યા કરું ‘ તલત મહેમૂદ સાહેબે ગાયેલી. એ નઝ્મનું આશા ભોંસલેના અવાજમાં પણ એક સુમધુર સંસ્કરણ હતું. એનો મુખડો એ જ તલત વાળો પરંતુ અંતરા નોખા હતા. એ અંતરા હર્ષ ટંડન જી એ લખેલા.

    ઠોકર ફિલ્મની આ ગઝલ એ હર્ષ ટંડને ફિલ્મો માટે લખેલી ( ઉપરોક્ત નઝ્મ ઉપરાંત ) એકમાત્ર રચના –

    કુછ તુમ જો કહો હમ સે તો કુછ તુમ સે કહેં હમ
    ખુલ જાએં સભી રાહેં મુહબ્બત કી ઈસી દમ

    ઝુલ્ફોં કો ઝટક કર તેરે પહલુ સે જો ચલ દૂં
    અરમાન પુકારેં તેરે ‘ થમ થમ ‘ જરા ઝાલિમ

    સાગર મેં ભિગો કર જો નઝર ડાલ દૂં તુજ પર
    રંગીન હો દુનિયા તેરી ઘુલ જાએં તેરે ગમ

    હમ એક અદા મેં કભી લે લેતે હૈં જાં ભી
    ખુશ હોં તો દિખા દેતે હૈં જન્નત ભી યહીં હમ

    ( હમ – કાફિયા હમ – રદીફ પ્રકારની ગઝલ )

    – ફિલ્મ : ઠોકર ૧૯૫૩
    – આશા ભોંસલે
    – સરદાર મલિક


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • પ્યાર કી પાસ (૧૯૬૧)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    હિન્દી ફિલ્મોનાં અનેક ગીતો એ હદે લોકપ્રિય થઈને આપણા જીવનમાં ગોઠવાઈ ગયાં છે કે ઘણી વાર યાદ કરવું પડે કે આ કોઈક ફિલ્મનું ગીત છે. દો આંખે બારહ હાથ’નું ‘એ માલિક તેરે બંદે હમ’ ઘણે અંશે આ શ્રેણીમાં મૂકી શકાય. બીજાં પણ અનેક છે. આ ગીતના રચયિતા ભરત વ્યાસ હતા. હિન્દી સિનેમાના ગીતકારોમાં હિન્દુસ્તાની- ઉર્દૂનું પ્રાચુર્ય હતું એવે સમયે ભરત વ્યાસ, પ્રદીપ, નરેન્દ્ર શર્મા, સરસ્વતીકુમાર ‘દીપક’ જેવા ગીતકારોએ વિશુદ્ધ હિન્દી શબ્દો પ્રયોજીને અદ્‍ભુત ગીતો લખ્યાં. ગીતોના શબ્દો દમદાર અને એને ધૂનમાં ઢાળનાર સંગીતકારો પણ એવા પ્રતિભાવંત કે એના થકી જે રચાયું એ વિસરવું મુશ્કેલ બની રહે.

    ભરત વ્યાસની જુગલબંદી મુખ્યત્વે એસ.એન.ત્રિપાઠી (૧૮ ફિલ્મો), ચિત્રગુપ્ત (૧૨ ફિલ્મો), વસંત દેસાઈ (૧૨ ફિલ્મો) જેવા સંગીતકારો સાથે જામી. સી.રામચંદ્ર સાથે તેમણે ફક્ત ચાર જ ફિલ્મો કરી, પણ એ પૈકીની એક ‘નવરંગ’નાં ગીતો એવાં બન્યાં કે એમ જ લાગે આ જુગલબંદીએ અનેક ગીતો સર્જ્યાં હશે. જો કે, સૌથી નવાઈની વાત એ છે કે એસ.એન.ત્રિપાઠી જેટલી જ, એટલે કે ૧૮ ફિલ્મો ભરત વ્યાસે અવિનાશ વ્યાસ સાથે કરી છે.

    વસંત દેસાઈ સાથેની ફિલ્મો પૈકી ‘તૂફાન ઔર દિયા’, ‘દો આંખે બારહ હાથ’, ‘મૌસી’, તેમજ ‘ગૂંજ ઉઠી શહનાઈ’નાં ગીતો અતિશય લોકપ્રિય બની રહ્યાં. આ ફિલ્મનાં ગીતોમાં ભરત વ્યાસની અને વસંત દેસાઈની આગવી મુદ્રા હતી. વસંત દેસાઈ સાથે ભરત વ્યાસની આવી જ એક ફિલ્મ એટલે ‘પ્યાર કી પ્યાસ.’

    અનુપમ ચિત્ર નિર્મિત, મહેશ કૌલ દિગ્દર્શીત આ ફિલ્મની રજૂઆત ૧૯૬૧માં થયેલી. હની ઈરાની, શ્રીકાન્ત, નિશી, મનમોહન કૃષ્ણ, ડેવિડ, મનોરમા જેવા કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી.

    (ભરત વ્યાસ)

    સિનેમાસ્કોપમાં બનેલી આ પ્રથમ રંગીન ભારતીય ફિલ્મ હતી.

    (વસંત દેસાઈ)

    આ ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, પણ જાણે કે આખી ફિલ્મ ગીતોથી ભરપૂર હોય એમ લાગે છે, કેમ કે, અનેક ગીતો એકથી વધુ વખત ફિલ્મમાં વાગે છે. ‘મેરે અંગના મેં ઉજિયાલા, મેરી ગોદી મેં ગોપાલા‘ (લતા, ગીતાદત્ત, સાથીઓ), ‘ઉત્તર મેં હૈ ખડા હિમાલય, દક્ષિણ મેં હૈ સાગર વિશાલ‘ (મન્નાડે, લતા, ગીતા, બેબી રેણુ, સાથીઓ), ‘પ્યાસ બુઝાને સબ કે મનકી, ઝૂલા બનકે પ્યાર આયા‘ (લતા, આશા, મહેન્દ્ર કપૂર, સાથીઓ), ‘ચંદા ઢલે, પંખા ઝલે, મૈયા તુમ્હારી‘ (લતા), ‘આયા આયા જનમદિન આયા‘ (બાળસ્વરોમાં), ‘ઝૂલો મોરે લલના, ગોદી કા પલના‘ (લતા, આશા, સાથીઓ) અને ‘પ્યાર કી પાસ’ (રફી, લતા, સાથીઓ). આ પૈકીનું ‘પ્યાર કી પાસ’ ગીત ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું છે. આ ગીતનું કોરસ, એની સંગીતરચના સાંભળીને ‘તૂફાન ઔર દિયા’ કે ‘દો આંખે બારહ હાથ’નાં ગીતો યાદ ન આવે તો જ નવાઈ.

    ‘ચંદા ઢલે, પંખા ઝલે, મૈયા તુમ્હારી’ ગીત ફિલ્મમાં ત્રણ વખત અલગ અલગ પરિસ્થિતિમાં આવે છે. ‘ઝૂલો મોરે લલના, ગોદી કા પલના’ પણ બે વખત આવે છે. તેમજ ફિલ્મના અંતે ‘આયા આયા જનમદિન આયા’ સાંભળી શકાય છે. ‘પ્યાસ બુઝાને સબ કે મનકી, ઝૂલા બનકે પ્યાર આયા’ નો એક અંતરો પણ ફિલ્મમાં પુનરાવર્તિત થાય છે.

    ટાઈટલ દરમિયાન સંભળાતા ગીતના શબ્દો આ મુજબ છે.

    प्यार की प्यास,
    प्यार की प्यास,
    प्यार की प्यास,
    क्या धरती और क्या आकाश
    क्या धरती और क्या आकाश
    सबको प्यार की प्यास
    प्यार की प्यास,
    प्यार की प्यास

    सरिता को सागर की प्यास
    सागर में लहरों का वास
    सरिता को सागर की प्यास
    सागर में लहरों का वास
    लहरें उठ-उठ जाना चाहें
    पूनम के चंदा के पास
    मन से मन को, हर जीवन को
    मन से मन को, हर जीवन को
    सब को एक विश्वास
    प्यार की प्यास,
    क्या धरती और क्या आकाश
    सबको प्यार की प्यास
    प्यार की प्यास,
    प्यार की प्यास

    આ એક અંતરા સાથે ટાઈટલ ગીત પૂરું થાય છે. એ પછી આ ગીતનો આ અંતરો ફિલ્મમાં વચ્ચે સાંભળી શકાય છે.

    पहली किरण को छूकर के
    फूल चमन का खिल जाता
    एक प्यार के चुम्बन से
    जड़ पत्थर भी हिल जाता
    जुग-जुग के प्यासे चातक को
    जुग-जुग के प्यासे चातक को
    एक बूँद की आस
    प्यार की प्यास
    क्या धरती और क्या आकाश
    सबको प्यार की प्यास
    प्यार की प्यास, प्यार की प्यास

    આની સાથે જ ટાઈટલવાળો આખો અંતરો પુનરાવર્તિત થાય છે.

    सरिता को सागर की प्यास
    सागर में लहरों का वास
    सरिता को सागर की प्यास
    सागर में लहरों का वास
    लहरें उठ-उठ जाना चाहें
    पूनम के चंदा के पास
    मन से मन को, हर जीवन को
    मन से मन को, हर जीवन को
    सब को एक विश्वास
    प्यार की प्यास,
    क्या धरती और क्या आकाश
    सबको प्यार की प्यास
    प्यार की प्यास

    હજી એક વાર ફિલ્મમાં આ ગીતનો નીચે મુજબનો અંતરો સંભળાય છે.

    प्यार की प्यास,
    प्यार की प्यास,
    प्यार की प्यास,
    क्या धरती और क्या आकाश
    सबको प्यार की प्यास
    प्यार की प्यास, प्यार की प्यास

    लाखों तारों की आँखें
    रात को भर-भर आती हैं
    भोर भए तो कलियों पर
    शबनम बन झर जाती है
    प्राण का पतझड़ पल-पल ढूँढे
    जीवन का मधुमास
    प्यार की प्यास,
    क्या धरती और क्या आकाश
    सबको प्यार की प्यास
    प्यार की प्यास

    प्यासा-प्यासा जग सारा
    प्यासी जग की हर धारा
    महा प्यास की प्यास लिए
    प्यासा खुद सरजनहारा
    प्यास की धरती पर ईश्वर ने
    प्यास की धरती पर ईश्वर ने
    लिखा सृष्टि इतिहास
    प्यार की प्यास

    क्या धरती और क्या आकाश
    सबको प्यार की प्यास
    प्यार की प्यास
    प्यार की प्यास

    આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે. પણ તેના અંતરા આડાઅવળા છે. મોટા ભાગની લીન્કમાં એક કે બે અંતરાવાળું જ ગીત છે. અહીં લખેલા અંતરા ફિલ્મમાં આવતા ક્રમાનુસાર છે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ત્યારે અને અત્યારે : જમાનો હૉર્સપાવરનો, કાર્બનમુક્ત વાહનવ્યવહાર

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.

    પરેશ ૨. વૈદ્ય


    હૉર્સપાવર શબ્દથી તો ઘણા વાચકો પરિચિત હશે. મકાન ઉપરની ટાંકીમાં પાણી ચડાવતી કે કૂવામાંથી પાણી કાઢતી મોટરોની શક્તિ દર્શાવતો એ એકમ છે. એમ તો મોટરસાઇકલ કે સ્કૂટરના એન્જિનની કાર્યશક્તિ પણ હોર્સપાવરમાં મપાય છે, પરંતુ રોજિંદા વ્યવહારમાં તેના કદની જ વાત કરીએ છીએ – જેમ કે ૧૨૫ સી.સી. કે ૯૦ સી.સી. (બંને વચ્ચે સીધો સંબંધ પણ છે). હવે, શક્તિનો દર માપવાના એકમમાં ઘોડો ક્યાંથી આવ્યો?

    જેમ્સ વોટે અઢારમી સદીમાં વરાળથી ચાલતું એન્જિન બનાવ્યું ત્યારે તેની તાકાત બતાવવા કશીક તુલનાની જરૂર હતી. ત્યારે ઇન્ગ્લેન્ડમાં કૂવામાંથી કોસ દ્રારા પાણી કાઢવા માટે ઘોડા જોતરાતા, જેમ આપણે ત્યાં બળદ વપરાતા તે રીતે. અમુક સમયમાં ઘોડા દ્વારા થતા કાર્યને એન્જિનના કાર્ય જોડે સરખાવી તેણે એન્જિનની ક્ષમતાને ‘હોર્સ’ પાવરમાં ગણી કાઢી. ત્યારથી એ એકમ કાયમ થઈ ગયો.

    યંત્રો આવ્યાં તે પહેલાં માણસનાં કામ પ્રાણીઓ કરતાં હતાં. ઇન્ગ્લેન્ડમાં જે સ્થિતિ ૨૫૦ વર્ષ પહેલાં હતી તેવી ભારતમાં ૭૫ વર્ષ પહેલાં પણ હતી જ. ઘોડા ઉપરાંત બળદ, ઊંટ અને ગધેડાં ભાર ખેંચવાનું કામ કરતાં. તેમાં માલસામાનની હેરફેર ઉપરાંત માણસોની આવજાવ (વાહનવ્યવહાર) પણ આવી જાય. શહેરમાં ઘોડાગાડી (ટાંગા) અને ગામડાંમાં બળદગાડાં એ કામ કરતાં જે આજે ઓટોરિક્ષા અને છક્ડા કરે છે.

    આજે જે તદ્દન જરૂરી લાગે છે તેવાં સ્કૂટર તો હતાં જ નહીં. ઓટોરિક્ષા અમદાવાદ, વડોદરા અને સુરતમાં દેખાવા લાગી હતી. ઘોડાગાડીનો ઉપયોગ બીમાર અથવા વૃદ્ધ સ્વજનોને ડૉક્ટર પાસે લઈ જવામાં થતો કે સામાન સાથે રેલવે સ્ટેશને જવામાં થતો. તે સિવાય ગામના પ્રતિષ્ઠિત સજ્જનો, જેવા કે, ડૉક્ટરો, ન્યાયાધીશ, વગેરે તેમાં મુસાફરી કરતા.

    અમારા ગામની એકમાત્ર કૉલેજ વસતિથી થોડી દૂર હતી. નિવાસની જગ્યા મુજબ વિદ્યાર્થીઓને બેથી ચાર કિ.મી. ચાલવું પડતું. પરંતુ તેની કોઈને નવાઈ ન લાગતી. ઊલટું, જે થોડા સાઇકલથી આવતા એ જ જુદા તરી આવતા. આજે આટલું કોઈ ચાલતું નથી, બલ્કે, કોઈ પણ કૉચિંગ ક્લાસને દૂરથી ઓળખવા હોય તો સ્કૂટીઓની કતારથી ઓળખી શકો છો! સ્કૂટરો ‘૭૦ અને ‘૯૦ના દાયકામાં આવ્યાં અને જે શહેરોનો વિસ્તાર જૂના ગામ કરતાં બહાર વધ્યો હતો ત્યાં તેનું ચલણ વધારે હતું. ક્રમશઃ તેણે લોકોની ચાલવાની આદત કાઢી જ નાંખી!

    કોઈ પણ પ્રકારનો ભારી સામાન આજે ટ્રક તેમ જ ટેમ્પો (ત્રણ અને ચાર પૈડાંવાળા)માં લઈ જઈએ છીએ. ફર્નિચર, થોકબંધ કરિયાણું, હોલસેલ શાકભાજી, રિપેર કરવાનું એર-કન્ડિશનર, સિમેન્ટની થેલીઓ, રેતી, પેઇન્ટ – બધું જ. ચાલીસ વર્ષ પહેલાં આ ટેમ્પો ન હતા તો શું થતું? કામ અટકતાં નહીં, બળદગાડી, ઊંટગાડી, ગધેડાગાડી અને ક્યારેક માણસ પોતે ખેંચે તેની ગાડી આ હેરફેર કરી આપતાં. રેતી અને ઈંટો તો સીધાં ગધેડાં ઉપર થેલાઓ ગોઠવીને લઈ જવાતાં. અંદાજ એવો છે કે આ જાનવરો આશરે અરધા હોર્સપાવર જેટલી શક્તિથી કામ કરી શકે છે. પરંતુ એ કામ કરવા માટે એને વીજળી કે પેટ્રોલ/ડીઝલની જરૂર નથી પડતી. એ ઘાસ, ચણા, ગાજર કે ભૂસું ખાઈને આ સેવા આપે છે. વૈશ્વિક ઉષ્મન્ ની ચિંતા કરીએ છીએ ત્યારે યાદ કરવા જેવું છે કે આવાં લાખો જાનવરોને કામ પરથી કાઢી મૂક્યાં તેની કાર્બન ડાયોક્સાઇડ કિંમત કેટલી બધી છે? એવું નથી કે આ પ્રકારનાં વાહનો ઘટવાથી રસ્તાઓ ઉપર શિસ્ત આવી છે. આજેય રખડતી ગાયો, ભૂંડો અને કૂતરાં રસ્તા ઉપર આતંક ફેલાવી રહ્યાં છે.

    અંગત મોટરકાર

    ૧૯૫૦ અને ‘૬૦ના દસકોમાં સામાન્‍ય માણસની મહત્ત્વાકાંક્ષા આ રહેતી – “ઘરની ગાડી અને ફૉર ફિગર સેલેરી’. એટલે કે હજાર રૂપિયાથી વધુ પગાર. અને લોકોક્તિ જેવી આ મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ
    જ ન શકે તે પણ સ્વપ્નાં જોનારને ખબર જ હતી. સમય અચાનક કેવો બદલી શકે છે તેનું પણ આ ઉદાહરણ છે. આજે મધ્યમવર્ગમાં ઘણાં ઘરોમાં પોતાની કાર છે અને પગાર પાંચ આંકડામાં તો નીચેની
    પાયરીએ મળે છે. ‘ત્યારે’ અમારા ગામમાં માંડ ૧૦-૧૨ અંગત મોટર હશે. અમારા ઘરના વિસ્તારમાં બે જ કાર હતી અને એ બંને સંસદસભ્ય હતા! આ લેખકને અંગત કારમાં બેસવાનો મોકો ૧૪ વર્ષની વયે મુંબઈ ફરવા આવ્યા ત્યારે મળેલો. યજમાનને ઘરે ગાડી હતી. પરંતુ મારા પોતાના શહેરમાં એ ૪૦ વર્ષની વયે જ બન્યું, જ્યારે મિત્રોએ કાર ખરીદી.

    જો વાચક પોતાને પ્રશ્ન પૂછે કે, ‘હું અંગત કારમાં પહેલી વાર ક્યારે બેઠો?’ તો તેનો ઉત્તર વાચકની ઉંમર પ્રમાણે બદલશે. આજની પેઢી માટે એ એટલું સામાન્‍ય છે કે પ્રશ્ન જ અસંબદ્ધ લાગશે. જ્યારે જૂની પેઢી માટે એ એવો વિરલ અનુભવ હતો કે એ બરાબર યાદ હશે.

    પરગામની મુસાફરી

    એક ગામથી બીજે ગામ જવાની વ્યવસ્થામાં જ્યાં રેલવે બનેલી હતી તે નસીબદાર હતા. દિલ્હી-મુંબઈ રેલમાર્ગ આઝાદીથી બહુ પહેલાંનો છે, તેને કારણે દક્ષિણ ગુજરાતને સગવડ સારી જ હતી. સૌરાષ્ટ્ર અને ગાયકવાડી વિસ્તારોને પણ નેરોગેજ લાઇનો હતી. બાકીનો જે ભાગ માત્ર સડકોથી જોડાયેલ હતો તેમની પરિસ્થિતિ આજની તુલનાએ તદ્દન પ્રાથમિક હતી. સાઇકલ અને બદળગાડાં ખરી વાસ્તવિકતા હતાં. મુંબઈ પ્રાંતની એસ.ટી. સેવા જો કે ૧૯૫૦માં શરૂ થઈ ગઈ હતી, પણ કચ્છને તેનો લાભ ૧૯૫૭ પછી જ મળ્યો. લાકડાંનું બૉડી અને લાકડાંની સીટો બસમાં હોય તેવી કલ્પના પણ આજે મુશ્કેલ લાગે છે. રસ્તા પણ કાચા – ડામર રોડ અપવાદ હતા – એટલે બસ પસાર થઈ જાય અને ધૂળની ડમરી ઉડાડતી જાય એ દંશ્ય રોજિદું હતું. ચોમાસામાં એસ.ટી.ની સેવામાં બંધ કરવી પડતી (ચોમાસાનું જુદું સમયપત્રક બહાર પડતું એ જ રસ્તાની હાલતનું રહસ્ય છતું કરે છે!.) ગુજરાતનું રાજ્ય જુદું થતાં રસ્તા અને એસ.ટી. સેવા બંને બહુ ઝડપથી સુધર્યા. આજે તો ખાનગી બસો અને અંગત મોટરકારોથી હાઈ-વે ધમધમતા હોય છે.

    એ નોંધવા જેવું છે કે તદ્દન નજીવી વ્યવસ્થામાંથી ઊઠીને ૬૦ વર્ષમાં જે સ્થાને આપણે પહોંચ્યા છીએ તેમાં ટેકનોલોજીનો બહુ મોટો ફાળો નથી. મુખ્યત્વે લોકોની માંગણી સંતોષવાની વહીવટી તંત્રની તૈયારી અને દેશની આર્થિક સ્થિતિમાં સુધારો એ બે કારણો ગણી શકાય. પરંતુ પ્રગતિની કિંમત તો હોવાની જ.
    વાહનોની સંખ્યામાં વર્ષે ૧૫ ટકાનો વધારો થઈ રહ્યો છે (વિકસિત દેશોમાં એ અરધાથી ૪ ટકા જેટલો જ છે). તેને અનુરૂપ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ૧૪ ટકાના દરે વધે છે, જેમાંથી ૮૫ ટકા આપણે આયાત કરવી પડે છે. વાતાવરણમાં ૧૯૬૦માં દર લાખે ૩૨ ભાગ કાર્બન ડાયોક્સાઇડ (૩૨૦ ppm) હતો તે અત્યારે ૪૨ ભાગ (૪૨૧ ppm) થઈ ગયો છે. આમાં ગુજરાતનો પણ ફાળો છે. ભારતમાં સૌથી વધુ વાહનો (૪૦ લાખ મોટર, ૨.૧ કરોડ દિચક્રી વાહનો) ગુજરાતમાં છે!

    પેટ્રોલ-ડીઝલના દુષ્પ્રભાવોના ઉપાયો તો તંત્રવિજ્ઞાન શોધી રહ્યું છે. ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી મોટર આવી છે; જોકે પ્રચલિત નથી થઈ શકી. એનો લાભ તો જ છે જો એને ચાર્જ કરનારી વીજળી ‘રીન્યુએબલ’ સ્રોતમાંથી મળી હોય. બીજી તરફ ટેકનોલોજી નવું આશ્ચર્ય આપવાની તેયારી કરે છે. ડ્રૉનની ટેકનોલોજી પરથી પ્રેરણા લઈ બેટરીથી ચાલતાં વિમાન બની રહ્યાં છે. એનાથી બહુ લાંબાં નહીં તેવાં અંતર માટે એર-ટૅક્સીની સગવડ ઊભી થશે! બળદગાડાં કરતાં એ કેટલું બધું જુદું હશે!


    સૌજન્યઃ નવનીત સમર્પણ * નવેમ્બર ૨૦૨૪


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૮

    વિભાજીત ભારતની ભૂગોળને એક નકશે મુકનાર પ્રથમ માનવી – ફ્રાન્સિસ બુકાનન

    લેખન-સંકલન : યાત્રી બક્ષી

    ભારત ભૂમિ ની પ્રાકૃતિક સંપદા વિવિધ રાજ-રજવાડા-સામ્રાજ્યો વચ્ચે વહેંચાઈ ગયેલી હતી. આ વહેંચાઈ ગયેલા વૈભવ ને વેચવા એક વેપારી કંપની બ્રિટિશ રાજ ની છત્રછાયા માં વિધિવત સર્વેક્ષણો કરાવી રહી હતી. આપણે જોયું કે હજુ ૧૬મી-૧૭મી સદી સુધી જે કોઈ પશ્ર્ચિમી જગતથી ભારત આવતા તેઓ ભલે આધિપત્ય જમાવતા પરંતુ સ્થાનિક માનવ સંપદા ને માત્ર નોકરશાહી ઢબે નહિ જ્ઞાન ના ભંડાર તરીકે જોઈ શકતા. મલબાર ના પ્રકૃતિ વૈભવ ના દસ્તાવેજ માં તે પ્રતિબિંબ થાય છે. બીજી તરફ ભારત ના રાજા- વજીરો-વેપારીઓ માં આ બાબતે સદંતર ઉદાસીનતા જોવા મળે છે-ક્યાંય સખાવતો થી પ્રાકૃતિક સંપદા અને માનવ ઉપ્લબ્ધીઓને સાચવવા તરફ ની નોંધપાત્ર પહેલ જોવા મળતી નથી. કદાચ ક્યાંક દસ્તાવેજો હશે તો પણ તે વ્યક્તિગત સ્તરે પ્રાંતીય ભાષામાં નોંધ રૂપે ચોક્કસ હશે, પરંતુ પશ્ર્ચિમી દુનિયાથી પ્રવેશેલા વેપારી કંપનીઓ ના જાણકારો ને પોતે કામે રાખી પોતાની ભૂમિ વિશે અભ્યાસો વિશ્ર્વ સમક્ષ મુકવાની ચેષ્ટા કોઈ ભારતીય રાજા કે શહેનશાહ ની દેખાતી નથી. જો કોઈ દસ્તાવેજ રૂપે હોય તો જરૂર તેને પ્રકાશમાં લાવવી જોઈએ.

    આવે સમયે યુરોપ ખંડ માં એકછત્રીય સત્તા જમાવી બેઠેલા બ્રિટિશ રાજ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વિધિવત સમગ્ર ભારતીય દ્વીપકલ્પ- જંબુદ્વિપ ની પ્રાકૃતિક સંપદા ઉપર અભ્યાસો શરુ કરે છે. જેમાં સૌથી મહત્વ નું નામ આવે છે- ફ્રાન્સિસ બુકાનન- હેમિલ્ટન. આગળના લેખ માં એક વિદેશી ના અનમોલ યોગદાન ને જાણ્યું, આજે તેવા જ બીજા ‘બુકાનન- હેમિલ્ટન’ વિષે જાણીશું.

    ક્યારેક જેમ સંઘર્ષમય બાળપણ અને જીવન સારી એવી માહિતી આપે છે તેમ સરળ અને સુખી બાળપણ ક્યારેક પ્રતિભાઓ ને સહાનુભૂતિ અને વાર્તા નું પાત્ર ત્યારેજ બનાવે છે છે જયારે તેની કોઇ ઉપલબ્ધી અનિવાર્યપણે ઉલ્લેખનીય હોય. ૧૭૬૨ માં જન્મેલા ફ્રાન્સિસ બુકાનન નું એ કૈક એવું જ છે.

    ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટન તરીકે ઓળખાતા, એક સ્કોટિશ સર્જન, સર્વેયર અને વનસ્પતિશાસ્ત્રી હતા જેમણે ભારતમાં એમની ફરજ દરમયાન ભૂગોળશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. બુકાનન એક વ્યવસ્થિત પરિવાર, ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષિત કારકિર્દી ધરાવનાર અભ્યાસુ હતા. તેઓ નું જીવન સરળ અને સતત પ્રગતિ ધરાવતું રહ્યું. ૧૭૮૩માં તેઓ યુનિવર્સીટી ઓફ એડિનબર્ગ થી મેડિસિન માં અનુસ્નાતક થયા. અહીં એમનો થીસીસ ફેબ્રિસ ઈન્ટરમિટન્સ (મલેરિયા) પર હતો. તેઓ એડિનબર્ગ માં જહોન હોપ નીચે વનસ્પતિશાસ્ત્ર પણ ભણેલા કે જેઓ લિનિયસ પદ્ધતિ થી વનસ્પતિશાસ્ત્ર ભણાવતા.

    ત્યારબાદ મર્ચન્ટ નેવી માં એશિયા ની સફર ખેડતા જહાજો માં એક ચિકિત્સક સર્જન તરીકે સેવા આપી તેઓ બંગાળ પ્રેસિડેન્સીની તબીબી સેવામાં જોડાયા. તેઓ ઈન્સ્ટિટ્યુશન ફોર પ્રમોટીંગ ધ નેચરલ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયાના અધિક્ષક પણ હતા. અગાઉ નિમણૂક કરાયેલ સર્જનની બદલી તરીકે બર્માના અવા કિંગડમમાં રાજકીય મિશન માટે સર્જન નેચરલિસ્ટ તરીકે બુકાનનની તાલીમ આદર્શ હતી. અવા મિશન સી હોર્સ પર સફર કરીને કલકત્તા પાછા ફરતા પહેલા આંદામાન ટાપુઓ, પેગુ અને અવામાંથી પસાર થયું હતું. બુકાનન ને બંગાળ મેડિકલ સર્વિસ માં ૧૮૯૪ થી ૧૮૧૫ સુધી ફરજ બજાવવા મળી.

    આ દરમ્યાન ૧૭૯૯માં, ટીપુ સુલતાનની હાર અને મૈસુરના પતન થતા ભારતનો ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે મજબૂત ટક્કર આપતો આખરી સુલતાન અને સલ્તનત ઢેર થયા. અને બ્રિટિશ રાજ સમગ્ર ભારત નું દોહન કરવા સક્રિય થયું. આ સમયે બુકાનન ને દક્ષિણ ભારતનું સર્વેક્ષણ કરવાનું કહેવામાં આવ્યું. પરિણામે મદ્રાસથી મૈસૂર, કેનેરા અને મલબાર (૧૮૦૭) ના પ્રદેશોમાંથી પ્રવાસ થયો.અંતિમ મૈસૂર યુદ્ધ પછી દક્ષિણ ભારતમાં તેમની ફરજ ની શરૂઆત બોટેનિકલ, કૃષિ અને પ્રાણીશાસ્ત્રીય માહિતી તેમજ તેમના વિસ્તારમાં જોવા મળતી માટી અને કુદરતી સંસાધનો વિશેની જાણકારી એકત્ર કરવાના આદેશ સાથે કરી હતી.

    બુકાનને તેના પ્રથમ સર્વેક્ષણમાં ‘શોધેલી વસ્તુઓમાંથી એક કેરળમાં મળી આવતી ‘લેટેરાઇટ સોઇલ’ હતી. બુકાનનને તેને ” માટી” અથવા ” માટી- જણાવી નોંધ્યું કે આ નરમ લાલ માટી જે હવા અને ગરમીના સંપર્કમાં આવવાથી સખત બને છે તે મકાન નિર્માણના હેતુઓ માટે આદર્શ છે, જે આ વિસ્તારમાં લાંબા સમયથી જાણીતી છે પરંતુ સૌપ્રથમ વિશ્ર્વ સમક્ષ એક માટી ની લાક્ષણિકતા રેકોર્ડ કરવામાં આવી હતી અને તેને નામ આપવામાં આવ્યું હતું.

    તેમણે બે સર્વેક્ષણો હાથ ધર્યા, પહેલો ૧૮૦૦માં મૈસુરનો અને બીજો બંગાળનો ૧૮૦૭-૧૪માં. ૧૮૦૩ થી ૧૮૦૪ સુધી, તેઓ કલકત્તામાં ભારતના ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીના સર્જન હતા, જ્યાં તેમણે એક પ્રાણી સંગ્રહાલયનું પણ આયોજન કર્યું હતું જે ભવિષ્યમાં કલકત્તા આલીપોર પ્રાણી સંગ્રહાલય બનવાનું હતું. ૧૮૦૪ માં, તેઓ બેરકપુર ખાતે વેલેસ્લી દ્વારા સ્થાપિત ભારતના પ્રાકૃતિક ઇતિહાસને પ્રોત્સાહન આપવા માટેની સંસ્થાના પ્રભારી હતા.૧૮૦૭ થી ૧૮૧૪ સુધી, બંગાળ સરકારની સૂચનાઓ હેઠળ, તેમણે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારક્ષેત્રમાંના વિસ્તારોનું વ્યાપક સર્વેક્ષણ કર્યું. તેને ટોપોગ્રાફી, ઈતિહાસ, પ્રાચીન વસ્તુઓ, રહેવાસીઓની સ્થિતિ, ધર્મ, કુદરતી ઉત્પાદન ખાસ કરીને મત્સ્યોધોગ, જંગલો, ખાણો, કૃષિ -શાકભાજી, ઓજારો, ખાતર, પૂર, ઘરેલું પ્રાણીઓ, વાડ વિશે વિગતો નોંધવાનું કહેવામાં આવ્યું હતું. સર્વેમાં ખેતરો, અને જમીનની મિલકત. લલિત અને સામાન્ય કળા અને વાણિજ્ય,નિકાસ અને આયાત, વજન અને માપ અને માલસામાનની અવરજવર, વગેરે તમામ પાસાઓ નો સમાવેશ થતો હતો. આ સર્વેમાં તેમની સાથે એક કુશળ વનસ્પતિ કલેક્ટર પણ હતા. યુનાઈટેડ કિંગડમની મુખ્ય લાઇબ્રેરીઓમાં સાચવેલ ગ્રંથોની શ્રેણીમાં, ભારતીય માછલીની પ્રજાતિઓ પર તેમણે કરેલ એક મહત્વપૂર્ણ કાર્યનો સમાવેશ થાય છે, આ પ્રજાતિ ગંગા નદી અને તેની શાખાઓમાં જોવા મળે છે (૧૮૨૨), જે ૧૦૦ થી વધુ પ્રજાતિઓનું વર્ણન કરે છે જેને અગાઉ વૈજ્ઞાનિક રીતે માન્યતા ન હતી. તેમણે આ પ્રદેશમાં ઘણા નવા છોડ પણ એકત્ર કર્યા અને તેનું વર્ણન કર્યું. ભારતીય અને નેપાળી, છોડ અને પ્રાણીઓના પાણીના રંગોની શ્રેણી એકત્રિત કરી, જે કદાચ ભારતીય કલાકારો દ્વારા દોરવામાં આવેલા ચિત્રોમાં વપરાયા હતા. જે હવે લંડનની લિનિઅન સોસાયટીની લાઈબ્રેરીમાં છે.

    ૧૮૦૭ થી ફ્રાન્સિસ બુકાનને ઉત્તર બંગાળ અને બિહારમાં અભ્યાસ પ્રવાસ હાથ ધરીને તેમના સૌથી યાદગાર સાહસની શરૂઆત કરી. તેમણે આ પ્રદેશના સર્વેક્ષણમાં સાત વર્ષ ગાળ્યા. તેમના અહેવાલો આંકડાકીય, ભૌગોલિક અને વંશીય વર્ણનોના ઘણા ભાગોમાં ચાલ્યા, જેની હસ્તપ્રતો હવે બ્રિટિશ લાઈબ્રેરીના ઓરિએન્ટલ વિભાગમાં સચવાયેલી છે. તેમના અહેવાલોના કેટલાક ભાગો મરણોત્તર છાપવામાં આવ્યા છે. તેમણે બર્મા, ચટગાંવ, આંદામાન ટાપુ, નેપાળ અને ઉત્તર બંગાળ અને બિહારની શોધખોળ કરી અને આ વિસ્તારોની વનસ્પતિશાસ્ત્ર, ભૂગોળ, કૃષિ, અર્થતંત્ર, સામાજિક માહિતી અને સંસ્કૃતિનો વિગતવાર સર્વે કર્યો.આ સર્વેને આધારે ‘એન એકાઉન્ટ ઓફ ધ કિંગડમ ઓફ નેપાળ (૧૮૧૯)’ પણ તેમણે લખ્યું.

    ૧૮૦૭માં પૂર્વ ભારતના સર્વેક્ષણ માટે કોર્ટ ઓફ ડિરેકટર્સ દ્વારા બુકાનનને આપવામાં આવેલા નિર્દેશો ઉપર આદરેલા તેમના સઘન પ્રયાસો એક સુસંયોજિત, સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અને જિજ્ઞાસા મૂલ્ય સાથે હાથ ધરેલા અભ્યાસો તરીકે દેખાશે. બુકાનનને ટોપોગ્રાફી અને પ્રાકૃતિક સંસાધનો, મેદાનો, માટી, પર્વતો, નદીઓ, બંદરો, નગરો અને હવામાન સાથેના પેટાવિભાગો વિશે જાણ કરવા કહેવામાં આવ્યું હતું. આ તમામ તથ્યો સ્વતંત્ર ભારત દેશ માટે તે સમયના ભારતની ભૂભૌગોલીક પરિસ્થિતિ વિશેનો વિશાળ વૈજ્ઞાનિક ડેટાબેઝ પૂરો પડે છે. ૧૮૦૯ અને ૧૮૧૩ ની વચ્ચે ફ્રાન્સિસ બુકાનનનું સર્વેક્ષણ કાર્ય ઓગણીસમી સદીની શરૂઆતમાં બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના સામાજિક અને સાંસ્કૃતિક ઈતિહાસના સૌથી વિગતવાર માહિતી સ્ત્રોતોમાના એક છે. તેઓ ૧૮૧૪માં કલકત્તા બોટેનિકલ ગાર્ડનના સુપરિન્ટેન્ડેન્ટ બન્યા, પરંતુ તેમની ખરાબ તબિયતને કારણે તેમને ૧૮૧૫માં બ્રિટન પાછા ફરવું પડ્યું.

    બુકાનનએ ભારતમાં વનસ્પતિશાસ્ત્ર અને પ્રાકૃતિક ઈતિહાસ સંશોધન માટે વીસ વર્ષ સમર્પિત કર્યા, અને તેમના આ કાર્યને કારણે ભારતીય વનસ્પતિશાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ પર સંખ્યાબંધ પેપર્સ અને પુસ્તકો પ્રકાશિત થયા. ત્યારબાદ ઇંગ્લેન્ડ પાછા ફર્યા પછી, તે તેનો મોટાભાગનો સમય વનસ્પતિશાસ્ત્ર પર વિતાવે છે. ૧૮૨૦ માં તેણે તેના મિત્ર, જેમ્સ સ્મિથને લખ્યું હતું કે ” મને વિજ્ઞાન માટે સૌથી વધુ ઉપયોગી લાગે છે તે કામ હોર્ટસ માલાબેરિકસ અને ફ્લોરા એમ્બોઇનેસિસ પર કોમેન્ટ્રી પ્રકાશિત કરવાનું છે” આ બંને ભારતમાં કાર્યરત યુરોપિયનોની અગાઉની પેઢીના વનસ્પતિશાસ્ત્રીઓના કામ છે.

    જીવવિજ્ઞાન ની શાખાઓ માં પ્રજાતિની શોધકરનાર નું સત્તાવાર નામ સંક્ષેપ માં નોંધવામાં આવે છે. આ રીતે ઘણી શોધમાં બુકાનન નું સંક્ષેપમાં નામ બુચ. હેમ. તરીકે જોવા મળે છે. તેમણે વર્ણવેલ છોડ અને પ્રાણીઓ પર તે લાગુ કરવામાં આવે છે, જોકે આજે સામાન્ય રીતે એકથિઓલોજીમાં (માછલીઓનું વિજ્ઞાન) જોવા મળે છે અને ‘ફિશબેઝ’ દ્વારા “હેમિલ્ટન, ૧૮૨૨” પસંદ કરવામાં આવે છે. હેમિલ્ટોન તેમનું ભારત છોડ્યા બાદ નું ઉપનામ હતું.

    તેમના માનમાં જે ટેક્સન નામ આપવામાં આવ્યું છે તેમાંના કેટલાક જોઈએ તો સરિસૃપ શ્રેણીમાં- ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટનનું સ્મરણ દક્ષિણ એશિયાઈ કાચબાની એક પ્રજાતિના વૈજ્ઞાનિક નામ જીઓક્લેમીસ હેમિલ્ટોની (બ્લેક પોન્ડ ટર્ટલ- કાળા તળાવના કાચબા) તથા માછલી ઓ માં થ્રીસા હેમિલ્ટોની, બર્મીઝ ગોબીએલ ટેનીયોઇડ્સ બુકાનન (ડે. ૧૮૭૩) નોટ્રોપિસ બુકાનન મીક (૧૮૯૬)સાઇલોરહિન્ચસ હેમિલ્ટોની કોનવે, ડિટ્ટમેર, જેઝીસેક અને એચ. એચ. એનજી, મુલેટ ક્રેનિમુગીલ બુકાનન (બ્લીકર ૧૮૫૩) મુલેટ સિકામુગીલ હેમિલ્ટોની (ફ્રાન્સિસ ડે ૧૮૭૦) રામા રામા- રામા બુકાનિન (બ્લીકેર૧૮૬૩), બ્રહ્મપુત્રાની અતિવિશિષ્ટ માત્ર બ્રહ્મપુત્રા માં જ જોવા મળતી માછલી વગેરેનો સમાવેશ થાય છે. આમ લગભગ ૭૦ ટેક્સા ના નામ ફ્રાન્સિસ બુકાનન સાથે જોડાયા છે.

    બુકાનન પ્રાકૃતિક ઇતિહાસની બહાર વ્યાપક રુચિઓ ધરાવતા હતા. તેમણે તેમની મુલાકાત લીધેલી જમીનો અને લોકો વિશે માહિતીના વિશાળ સમૂહને એકત્ર કરવા માટે નિરીક્ષણ અને ઝીણવટભરી રેકોર્ડિંગ માટેની આગવી જન્મગત પ્રતિભાનો ઉપયોગ કર્યો હતો. જો કે, આમાંની મોટાભાગની માહિતી તેમના સર્વે અહેવાલો, જર્નલો અને અન્ય હસ્તપ્રતોમાં અપ્રકાશિત રહી છે, અને તેથી આ ક્ષેત્રો માટે જ્ઞાનના નિર્માણમાં તેમની ભૂમિકાની ઓછી પ્રશંસા કરવામાં આવી છે. આતુર અને સક્ષમ વનસ્પતિશાસ્ત્રી હોવા છતાં, કમનસીબે તેમની બહુવિધ વનસ્પતિશાસ્ત્રીય શોધો ખાસ પ્રચલિત નથી. આ વિષય પરની તેમની મોટાભાગની સામગ્રી આર્કાઇવલ સંગ્રહોમાં અપ્રકાશિત છે. આમાં તેના મૂળ રેકોર્ડ્સ અને કાર્યકારી નોંધોનો પણ સમાવેશ થાય છે . વિશેષ તો ક્ષેત્રીય સ્તરેથી એકત્ર કરવામાં આવેલી ’અઢળક માહિતી ની નોંધો’ ને સુવ્યવસ્થિત કરવાની પોતાની આગવી પદ્ધતિ અને તેના પ્રકાશન માટે કરવામાં આવેલી ગોઠવણો માટેની ’આંકડાકીય’ કોષ્ટકોનો ડેટા બેઝ ઉભો કરવાની પદ્ધતિઓ દર્શાવે છે. આ પણ એક અલગ વિષય તરીકે બહાર લાવવાની જરૂર છે કારણકે તે સમયે ડેટા કમ્પાઇલેશન માટે કમ્પ્યુટર્સ નહોતા. નેપાળના છોડને વર્ગીકૃત કરવા માટે જૂસીયુની પ્રાકૃતિક પ્રણાલી સાથેના તેમના પ્રયોગો અને યુરોપ અને જાપાન સાથે નેપાળી વનસ્પતિના જૈવ-ભૌગોલિક જોડાણોની તેમની માન્યતા – બ્રિટન અને ભારતમાં તેમના સાથી દેશવાસીઓ એ બંને કરતાં આગળ છે તે નોંધપાત્ર છે. ફ્રાન્સિસ બુકાનનનું જીવન એક જીવનચરિત્રકારના ધ્યાનની રાહ જોઈ રહ્યું છે જે તેની ઘણી રુચિઓ, પ્રવૃત્તિઓ અને પ્રભાવોને ન્યાય આપી શકે છે.

    પૂર્વગ્રહો થી દૂર રહી પૃથ્વી પર વિલસતી પારાવાર કુદરત ને સુગ્રથિત રીતે દસ્તાવેજીત કરનારા તરીકે કોઈ પણ માનવી ને જોઈએ ત્યારે આ તમામ કેડી કંડારનારાઓનું મહામૂલું યોગદાન સમજી શકાય છે.


    (સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો)


    યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ઑક્ટોબર, ૨૦૨૪

  • ખેપિયાને ખતમ કરો

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    “આ શું સર્કસ ચાલી રહ્યું છે?” વાસ્તવિક જીવનમાં ઘણી વાર કશી અર્થહીન બાબત આકાર લે ત્યારે આવા ઉદ્‍ગાર સામાન્ય રીતે નીકળતા હોય છે.

    ક્રિકેટમાં આજે સામાન્ય બની ગયેલી રાત્રિમેચ, સફેદ રંગનો બૉલ, ક્રિકેટરોનાં રંગબેરંગી ગણવેશ અને ઝાકઝમાળના અસલ જનક હતા ઓસ્ટ્રેલિયાના ધનકુબેર કેરી પેકર. ક્રિકેટ મેચ માત્ર દિવસે જ રમાતી, ક્રિકેટરો શ્વેત ગણવેશ પહેરતા અને બૉલનો રંગ કેવળ લાલ હતો એવે સમયે કેરી પેકરે પોતાનાં નાણાંના જોરે ક્રિકેટને વધુ મનોરંજક બનાવવાનો પ્રયત્ન કરેલો. તેમની એ ચેષ્ટા ત્યારે ‘પેકર સર્કસ’ તરીકે જાણીતી બનેલી. એ જ રીતે રાજકારણમાં કશી મનોરંજક પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ ‘સર્કસ’ શબ્દ પ્રયોજાય છે. દેશની પહેલવહેલી કોંગ્રેસેતર પક્ષની બનેલી જનતા પક્ષની સરકાર માટે પણ પ્રસારમાધ્યમોમાં ‘જનતા સર્કસ’ જેવા શબ્દનો ઊપયોગ જોવા મળેલો.

    આ લખનાર જેવા અનેક સર્કસપ્રેમીઓને આવી સરખામણી સર્કસના અવમૂલ્યન સમી જણાય એ સ્વાભાવિક છે. વિચારતાં જણાય છે કે સર્કસ સાથે આવી પરિસ્થિતિની સરખામણી કરવાનો હેતુ સર્કસને ઊતારી પાડવાનો નહીં, પણ સંબંધિત પરિસ્થિતિમાંથી સર્કસની જેમ નીપજતી અર્થવિહીનતા સહિતના મનોરંજનને કારણે હોય છે. સર્કસમાં અનેકવિધ કરતબો દેખાડવામાં આવે, પણ તેનો અંતિમ હેતુ પ્રેક્ષકોના મનોરંજનનો છે. ‘સર્કસ’ સાથે સરખામણીની આવી પૂર્વભૂમિકા જણાવવી સકારણ છે. કેમ કે, અખબારોમાં પ્રકાશિત થતાં સમાચારોનાં મથાળાં વાંચીને એક તરફ ભરપૂર મનોરંજન મળે છે, તો બીજી તરફ આવી ઘટનાઓ સમાચાર બને છતાં કોઈના પેટનું પાણી સુદ્ધાં ન હાલે એ વક્રતા વિષાદપ્રેરક છે.

    બે ઘટના જોઈએ, જે તાજેતરની છે. અમેરિકાના પ્રમુખપદે બીજી વખત ચૂંટાયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ બેફામ નિવેદનો અને ચિત્રવિચિત્ર પગલાંના સીલસીલાને કારણે અખબારોનાં મથાળાં ચમકાવતાં રહ્યાં છે. પોતાનો બેફામ અને મૂડીવાદી અભિગમ તેઓ પોતે છુપાવતા નથી. અખબારો પોતાના માલિકોના ઝુકાવ મુજબ ટ્રમ્પ વિશેનાં સમાચારોને વિવિધરંગી ઝાંય આપે છે. આવા માહોલમાં એક ઘટના એવી બની કે ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિકનાં સ્ટાફ કાર્ટૂનિસ્ટ એન ટેલ્નેસે રાજીનામું મૂકવાનું પસંદ કર્યું- આ દૈનિક સાથે છેક ૨૦૦૮થી સંકળાયાં હોવા છતાં! એન ટેલ્નેસ દ્વારા બનાવાયેલું એક કાર્ટૂન પ્રકાશિત કરવાનો અખબાર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો. સત્તરેક વર્ષથી આ અખબાર સાથે સંકળાયેલાં એન સાથે આવું પહેલવહેલી વાર બન્યું. અલબત્ત, અખબારે નકારેલા એ કાર્ટૂનનું કાચું રેખાંકન એન દ્વારા વિવિધ માધ્યમો પર મૂકાઈ રહ્યું છે, ત્યારે એ જાણવાની જિજ્ઞાસા થયા વિના રહે નહીં કે એવું તે શું હતું એ કાર્ટૂનમાં?

    કાર્ટૂનમાં પ્રમુખ ટ્રમ્પનું પૂતળું બતાવાયું છે. એ પૂતળાને ટેક અને મિડીયાના વિવિધ માલિકો નાણાંકોથળી ધરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ પોતાની તરફદારી કરવા માટે પ્રમુખને ધરાવાતો આ ‘ચઢાવો’ છે. આ ધનપતિઓના જૂથમાં ફેસબુક અને મેટાના સ્થાપક- સી.ઈ.ઓ માર્ક ઝકરબર્ગ, એ.આઈ.ના સી.ઈ.ઓ. સામ અલ્ટમેન, એલ.એ.ટાઈમ્સના પ્રકાશક પેટ્રિક સૂ-શિઓંગ, વૉલ્ટ ડિઝની કમ્પની તથા એ.બી.સી.ન્યુઝ અને વૉશિંગ્ટન પોસ્ટના માલિક જેફ બેઝોસને દર્શાવાયા છે.

    આ પરિસ્થિતિ આમ તો બંધ આંખે પણ જોઈ શકાય એટલી ઉઘાડી છે, છતાં એને કાર્ટૂનમાં દેખાડવું અખબારમાલિકોને ઠીક ન લાગ્યું. તેમણે એ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો. જે દેશનું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય મિસાલરૂપ ગણાતું હોય એ દેશમાં એકવીસમી સદીના આધુનિક ગણાતા સમયમાં આવી ઘટના બને એ નવાઈ કહેવાય!

    આ ઘટનામાં કાર્ટૂનને નકાર્યું અખબારમાલિકોએ, તો ભારતમાં ખુદ સરકાર એક કાર્ટૂન સામે ઊતરી આવી. ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમેરિકાની મુલાકાતે હતા એ જ સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ત્યાં ગેરકાયદે રહેતા ભારતીયોને હાથપગમાં બેડી પહેરાવીને લશ્કરી વિમાનમાં સ્વદેશ પરત ધકેલી રહ્યા હતા. ભારતના વડાપ્રધાનના તેમની સાથેના મૈત્રીના દાવાનો તેમણે એ પગલા દ્વારા છડેચોક ઊપહાસ કર્યો. આ ઘટના અખબારોમાં ચમકી. પણ તેને ધ્યાનમાં રાખીને તમિલ સામયિક ‘આનંદ વિકટન’ના કાર્ટૂનિસ્ટ હસિફ ખાને આ પરિસ્થિતિ પર એક કાર્ટૂન ચીતર્યું. એમાં એક ખુરશીમાં ટ્રમ્પ અને બીજી ખુરશીમાં નરેન્દ્ર મોદી બેઠેલા બતાવાયા છે. ટ્રમ્પના ચહેરા પર ઊપહાસભર્યું હાસ્ય છે, જ્યારે વડાપ્રધાન મોદીના હાથપગ બેડીઓથી બંધાયેલા છે- બિલકુલ સ્વદેશમાં ધકેલાયેલા ગેરકાયદે ભારતીયોની જેમ! આ સમગ્ર ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ સેવેલી ચૂપકીદી પર કાર્ટૂનમાં કટાક્ષ છે. આ કાર્ટૂન સામયિકની ડીજીટલ આવૃત્તિમાં વેબસાઈટ પર મૂકાયા પછીની સાંજે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી સામયિકને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી કે સામયિકને શા માટે પ્રતિબંધિત કરવામાં ન આવે. સાથોસાથ આ સામયિકની વેબસાઈટને પણ બ્લૉક કરી દેવામાં આવી.

    શરમજનક પરિસ્થિતિ ઊભી થાય એ ચાલે, પણ એની પર વ્યંગ્ય ન સહન થઈ શકે એ કેવી વિચિત્રતા! અને આ પગલું કોઈ જૂથ કે સમુદાય દ્વારા નહીં, ખુદ સરકાર દ્વારા લેવામાં આવે ત્યારે એમ લાગ્યા વિના રહે નહીં કે સરકારનું વલણ ‘કીલીંગ ધ મેસેન્‍જર’નું છે. આ અંગ્રેજી રૂઢિપ્રયોગ એવી પરિસ્થિતિ માટે ચલણી છે જેમાં અણગમતા સમાચારનું વહન કરનાર ખેપિયાને જ મારી નાખવામાં આવે-દુર્ઘટના બની હોવાના સમાચાર પાઠવવા સિવાય તેની કોઈ ભૂમિકા નથી એની જાણ હોવા છતાં!

    અલબત્ત, આવી ઘટના કંઈ પહેલવહેલી નથી કે છેલ્લી પણ નહીં હોય. કેમ કે, ઈતિહાસ બહુ ક્રૂર ખેલાડી હોય છે. આપખુદ અને આત્મમુગ્ધ લાગતા શાસકને સારો કહેવડાવે એવા શાસક એ ભવિષ્યમાં પેદા કરતો રહે છે અને ‘આ શું સર્કસ ચાલી રહ્યું છે?’ જેવો સવાલ પૂછવાની તક દરેક યુગે આપતો રહે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬- ૦૩– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મેરે મહબૂબ મેં ક્યા નહીં

    મંજૂષા

     વીનેશ અંતાણી

    આમ તો ૧૮૭૬થી ૧૮૯૩નો સમયગાળો યાદ રાખવાનું કારણ નથી, પરંતુ રશિયાની બે વ્યક્તિ વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર પીટર ચાય્કોવસ્કી અને નાદેઝદા વોન મૅકની અદભુત પ્રેમકથાના સંદર્ભમાં એ સમયગાળો અવશ્ય યાદ આવે.

    દુનિયાભરમાં અનેક પ્રેમકથાઓ જાણીતી છે. ચવાઈ ગયેલો લાગતો પ્રેમ જેવો વિષય ક્યારેય જૂનો થતો નથી. ક્યારેક અચાનક એવું કશુંક બને છે કે પ્રેમ ચર્ચામાં આવી જાય છે. દરેક પ્રેમપ્રસંગમાં કોઈક વિરલ તત્ત્વ જોડાયેલું હોય છે. પીટર ચાય્કોવસ્કી અને નાદેઝદાની પ્રેમકથા ઘણી રીતે વિલક્ષણ છે.

    બંને પ્રેમીઓ વચ્ચે ઘણા વિરોધાભાસ હતા. પીટર મધ્યમ વર્ગનો અને નાદેઝદા ધનાઢ્ય વિધવા. નાદેઝદા પીટરથી નવ વરસ મોટી. પીટર અપરણિત હતો અને નાદેઝદા બાર સંતાનોની માતા હતી. પતિના મૃત્યુ પછી નાદેઝદાએ એમનો વિશાળ કારોબાર સંભાળ્યો હતો. એ કોઈની સાથે સંપર્ક રાખતી નહોતી. એકાંતવાસમાં રહેતી હતી. નાદેઝદાને સંગીતમાં ઊંડી રુચિ અને સમજ હતી. આ સંગીતપ્રેમ એને અને પીટરને નજીક લાવ્યો. પીટર એનું બધું ધ્યાન સંગીતમાં પરોવી શકે તે માટે નાદેઝદાએ એના સંસારની બધા જ પ્રકારની જવાબદારીઓ પોતે ઉપાડી લીધી. જોવાની વાત એ છે કે એમના તેર વરસના પ્રેમસંબંધમાં એ બંને એક પણ વાર રૂબરૂ મળ્યાં નહોતાં. એકબીજાને પત્રો લખતાં રહ્યાં અને એમાં એમનો પ્રેમ વિકસતો ગયો. નાદેઝદાએ પીટરને લખેલા અંતિમ પત્રમાં લખ્યું હતું: ‘મને ભૂલશો નહીં, ક્યારેક યાદ કરજો.’ પીટર નાદેઝદાને ક્યારેય ભૂલ્યો નહોતો. એ મરણપથારીએ હતો ત્યારે સન્નિપાતમાં જેને ક્યારેય મળ્યો નહોતો એ પ્રેમિકાને યાદ કરતો રહ્યો હતો. એમનો સંબંધ અકળ હતો, જાણે બંને પ્રેમીઓને કોઈ સપનું આવ્યું હોય.

    કવિ યજ્ઞેશ દવેએ આ પ્રેમકથા એમના પુસ્તક ‘મૈં તો ચુપચાપ ચાહ રહી’માં આલેખી છે. પ્રેમમાં પડવા માટે કોઈ ઉંમર હોતી નથી કે કોઈ ચોક્કસ સમય હોતો નથી. ક્યારેક એ અચાનક થઈ જાય છે, ક્યારેક લાંબા સહવાસ પછી બે વ્યક્તિને સમજાય છે કે તેઓ વર્ષોથી પ્રેમમાં છે, માત્ર એમણે એમના સંબંધને એ રીતે જોયો નથી. સાચા પ્રેમી, લગ્ન પહેલાં અને લગ્ન પછી, એકબીજાના જીવનમાં અઢળક અજવાળું ફેલાવી દે છે. એમાં એમના આત્માનો ઉજાસ ભળે ત્યારે પ્રેમ દૈવી બની જાય છે.

    કેનેડાની ફિલ્મ ક્રિટિક ક્રિસ્ટિનાએ કહ્યું છે તેમ એ એના પ્રેમી – પતિ રોઝને ઘણી વાર મળી હતી, પરંતુ એમાં ખાસ બન્યું નહોતું. ઘણા સમય પછી બંને એક ફિલ્મના પ્રેસ-સ્ક્રિનિંગની પાર્ટીમાં આકસ્મિક જ બાજુબાજુમાં બેઠાં. તે સાથે જ એમને લાગ્યું કે તેઓ બે અલગ વ્યક્તિ નથી, એક જ વ્યક્તિ છે. ત્યાર પછી પાર્ટીમાં હાજર બધાં લોકો એમના માટે અપ્રસ્તુત બની ગયાં હતાં. માત્ર ક્રિસ્ટિના હતી અને રોઝ હતો.

    આ સંદર્ભમાં પોલેન્ડની મહાન કવયિત્રી વિસ્સાવા શિંબોર્સ્કાની એક કવિતા ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ યાદ આવે. એમાં કહ્યું છે કે બે પ્રેમીઓ કેટલીય વાર એકબીજાની બાજુમાંથી પસાર થઈ ગયાં હતાં. ક્યારેક રિવોલ્વિંગ દરવાજામાંથી અંદર પ્રવેશ કરતાં કે બહાર જતાં, ક્યારેક ભીડમાં, જાણે પ્રેમ એમની સાથે કોઈ રમત રમતો હોય. કદાચ એક થવાનો સમય હજી પાક્યો નહોતો. પછી એક ઘડી આવી જ્યારે નિયતિએ એમને એક કરી દીધાં. મૅટ નામનો એક પુરુષ બારમાં ગયો અને ત્યાં એને બહુ જ ગમતું પ્રેમગીત રજૂ કરવા બેન્ડના ગાયકને ફરમાએશ કરી. ગાયકે સામેની ટેબલ પર બેઠેલી યુવતીને બતાવીને એને કહ્યું કે એણે પણ એ જ ગીતની ફરમાએશ કરી છે. મૅટે એ યુવતીને જોઈ અને પછી તરત એના મિત્રને કહ્યું: ‘હું પેલી છોકરી સાથે લગ્ન કરીશ.’ બન્યું પણ એવું. બંને સંપર્કમાં આવ્યાં, પ્રેમમાં પડ્યાં અને સુખી લગ્નજીવનનો આનંદ માણવા લાગ્યાં.

    બૉબ નામનો તરુણ યુવક ૧૯૫૫માં હાઈસ્કૂલમાં ભણતો હતો. એક દિવસ એણે સ્ટડી હોલમાં ઍનેટ નામની છોકરીને પહેલી વાર જોઈ. તે સાથે જ એના પ્રેમમાં પડ્યો. બંને સાથે ફરવા લાગ્યાં. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો થયો પછી તેઓ અલગ શહેરોમાં ભણવા ચાલ્યા ગયાં. સમય જતાં અન્ય વ્યક્તિઓને પરણી ગયાં. ત્યાર પછીનાં વર્ષોમાં એમની વચ્ચે સંપર્ક રહ્યો નહોતો. બૉબની પત્નીનું અવસાન થયું પછી થોડા સમયે એને ખબર પડી કે ઍનેટનો પતિ પણ ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યો છે અને એ એકલી રહે છે. બૉબના મનમાં ધરબાયેલો પ્રેમ જાગી ઊઠ્યો. ૨૦૧૭માં એક દિવસ એ પાંચસો માઈલ એકધારું ડ્રાઇવ કરી ઍનેટ પાસે પહોંચ્યો. એણે બીજું કશું ન કર્યું, સુગંધિત પુષ્પગુચ્છ એની સામે ધર્યો અને કહ્યું – ‘હું બૉબ.’ તરુણાવસ્થાનાં પ્રિયજનો બાસઠ વર્ષ પછી ફરી મળ્યાં અને અધૂરી પ્રેમકથા પૂરી કરવા સાથે જીવવા લાગ્યાં.

    પ્રેમીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ જ નહીં, એનો પડછાયો, એ આસપાસ ક્યાંક છે એવો અહેસાસ માત્ર પ્રિયજનના હૃદયમાં ભરતી લાવી દે છે. હિન્દીનાં કવયિત્રી સંગીતા ગુંદેચાએ એમની કવિતા ‘પરછાઈ’માં એવા જ અહેસાસની કોમળતા ગૂંથી છે. નાયિકા સ્નાન કરવા સરોવરના જળમાં ઊતરી છે ત્યારે એને પાણીમાં, કમળનાં ફૂલો પર, એક પડછાયો દેખાય છે. એ સમજી જાય છે કે પાછળ કોણ ઊભું છે, છતાં એ મોઢું ફેરવીને જોતી નથી. માત્ર કમળની પાંખડીઓને હળવેથી સ્પર્શ કરે છે અને એનો ગુલાબી રંગ એની ભીતર છેક સુધી ઊતરી જાય છે. પ્રેમના અનેક રંગ હોય છે, અનેક સ્પર્શ હોય છે, અનેક સુગંધ હોય છે. પ્રેમીની સ્મૃતિ પણ વ્યક્તિને સભર બનાવી દે છે અને જીવન જીવી જવાનું કારણ આપે છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • મોબાઇલ કંપનીઓએ પણ કદી કલ્પ્યાં ન હોય એવાં સ્માર્ટફોનનાં ફીચર્સ

    ચેતન પગી

    અપણે ઇન્ડિયનો અદભૂત પ્રજા છીએ. આપણે નક્કી કરીને બેઠા છીએ કે સરકાર ગમે તે સ્કીમ-સુવિધા શરૂ કરે કે કંપનીઓ ગમે એ પ્રૉડક્ટ બહાર પાડે પણ આપણે એનો ઉપયોગ પોતાને ઠીક લાગે એમ જ કરીશું. કંપનીવાળા ભલે મેગી નામે નુડલ્સ બહાર પાડે આપણે એના ભજિયાં બનાવીને વેચી મારીશું. પંજાબ ભણી તો લસ્સી વલોવવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સગા કાને સાંભળ્યું છે. આપણે ત્યાં ઇન્સ્ટાગ્રામની રીલો જોઈને ટૂથપેસ્ટથી વાસણ માંજનારા કે કૉલ્ડડ્રિંક્સનો જંતુનાશક તરીકે ઉપયોગ કરનારા લોકો પણ પૃથ્વીલોકમાં મળી આવશે. આમ તો કંપનીવાળાઓએ ખાણી-પીણીની વસ્તુઓ તાજી રહે એ માટે ફ્રીજ બનાવ્યું છે. પણ આપણે વધેલું ખાવાનું ફેંકી દેતા જીવ ચાલે નહીં એ માટે એને ફ્રિજમાં મુકવાનું પસંદ કરીએ છીએ કારણ કે બે-ત્રણ દિવસ પછી ફ્રિજમાંથી ફેંકી દઈએ ત્યારે જીવ એટલો કચવાતો નથી. હવે તો પુસ્તકો પણ એટલા માટે ખરીદાય છે કે ડ્રોઇંગ રૂમમાં સરસ ગોઠવીને મુક્યા હોય તો ફોટોમાં બેકગ્રાઉન્ડ તરીકે સારા લાગે. ઇમેજીન કરો તમે હેવી મેકઅપ કરીને ફોટો પડાવ્યો હોય અને પાછળ ઝેર તો પીધા છે જાણી-જાણી કે માનવીની ભવાઈ પડ્યાં હોય. આ રીતે તમે સ્વપ્રેમીની સાથે સાહિત્યપ્રેમી છો એ દર્શાવી શકો છો.

    આવું જ મોબાઇલ ફોનનું છે. હવે આપણને ફોન વિના ચાલતું નથી (પહેલા રિસાઇ જતા લોકો પહેરેલાં કપડે બહાર નીકળી જતાં. હવે મોબાઇલ ફોન લઈને બહાર નીકળી જાય છે.) જોકે, એવું નથી કે ફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા, ફોટો પાડવા કે ઇન્ટરનેટ વાપરવા માટે કરવામાં આવે છે. જેમ નુડલ્સનાં ભજિયાં બનશે એવું મેગીવાળાઓએ કદી કલ્પ્યું નહોતું એમ મોબાઇલ ફોન બનાવતી કંપનીઓએ પણ લોકો એના કેવા-કેવા ઉપયોગ કરશે એની કલ્પના કરી નહીં હોય. વાંચો મોબાઇલનાં એવાં ફીચર જે ફોન બનાવતી કંપનીઓએ વિચાર્યાં નહીં હોય…

    અણગમતાઓને દૂર રાખતું ફીચર: મોબાઇલવાળાઓએ નામ સાથે ફોન નંબર સેવ કરવાની સુવિધા આપે છે. પણ હવે લોકો નંબર એટલા માટે સેવ કરે છે જેથી કૉલ આવે તો ફોન ન ઉપાડવાની ખબર પડે. (જો કે આમાં એટલું સાચવવું પડે કે જેણે તમને કૉલ કર્યો છે એ તમારી આસપાસ ન હોય). બિઝિ છો એવું બતાડવા ઉપયોગી ફીચર: ઑફિસ, સોસાયટી કે જાહેરમાં ઘણીવાર એવી સિચ્યુએશન આવતી હોય છે કે કોઈની સાથે વાત કરવાનો તમારો મૂડ હોતો નથી. કે ઔપચારિકતા ખાતર સ્માઇલ આપીને ‘કેમ છો’ કહેવાની ઈચ્છા હોતી નથી. આ સ્થિતિમાં તમે કોઈનો કૉલ આવ્યો ન હોય તો પણ ફોન કાને માંડીને વાત કરતા હોવાનો ડોળ કરો છો. ક્યારેક કોઈ ફંક્શનમાં તમે એકલા ઊભા છો ત્યારે સાવ બાઘા જેવા ન લાગો એટલા માટે પણ ખાલી-ખાલી ફોન કાને માંડીને વાત કરતા હોવાનો ડોળ કરી શકાય છે.

    વેવ કરવાનું ફીચર: ભીડમાં કે જાહેર જગ્યાએ દૂરથી કોઈ મિત્ર કે પરિચિત હાથ હલાવીને ‘હાય’ કરે ત્યારે તમે હાથ નહીં પણ મોબાઇલ ફોન હલાવીને ‌વળતું ‘વેવ’ કરો છો. ખાસ કરીને જ્યારે મોંઘો ફોન હોય ત્યારે લોકો આ ‘ફીચર’નો અવશ્ય ઉપયોગ કરે છે. (અલા, પંચોતેર હજારનો ફોન લીધો છો લોકોને દેખાડવું તો પડે ને?) એકધારા જીવનથી કંટાળી ગયા છો? વૉલપેપર-ડીપી બદલો: રોજ ન્હાઇધોઈને નોકરીએ જવાનું, સાંજે ધોયેલા મૂળાની જેમ પાછા આવવાનું અને ખાઇ-પી, મોબાઇલ મંતરીને સૂઈ જવાનું. અને સવારે જાગીને ફરી પાછા ઑફિસ. આ રુટિન લાઇફમાં ચેન્જ લાવવા માટે બીજા કોઈ ઓપ્શન ન હોય ત્યારે મોબાઇલ ફોનના વૉલપેપર બદલી નાખવા કે વૉટ્સએપમાં ડીપી ચેન્જ બદલતા રહેવું. એનાથી કંઇક બદલાઈ રહ્યું છે એવું લાગ્યા કરશે.

    આ તો લેખકે જાતે અજમાવેલા ફીચર છે. આમાં, તમે પોતે ડેવલપ કરેલા ફીચર પણ ઉમેરી શકો છો.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

  • પુત્ર

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    વાલ્મીકિ રામાયણમાં રામનો પ્રથમ પ્રવેશ પુત્રના રૂપમાં થયો છે. તરુણાવસ્થાથી જ રામમાં પ્રગટતી ગયેલી પિતૃભક્તિ સમયાંતરે વાલ્મીકિ વ્યક્ત કરતા રહ્યા છે. પિતા તરીકે દશરથે રામને કદી આદેશ આપ્યો નથી. જ્યાં જ્યાં તેમને આદેશ કરતા માનવામાં આવ્યા છે, ત્યાં ત્યાં ખરેખર તો તેમને રાજા તરીકે અથવા તો પરિસ્થિતિની વિવશતાથી નિર્ણય લેવાનો આવ્યો છે. રામે આ પ્રકારની પરિસ્થિતિના સંદર્ભમાં પિતાએ જે કરવું પડે તેમ છે તેને આદેશ ગણીને માથે ચઢાવ્યું છે. વાલ્મીકિએ આવી દરેક પરિસ્થિતિને સૂક્ષ્મ નજરે નિરીક્ષી છે.

    રામની પિતૃભક્તિના પ્રાગટ્યની પહેલી જ ક્ષણ છે તાડકાવધનો પ્રસંગ. વિશ્વામિત્રની સાથે રાક્ષસોનો સંહાર કરવા ગયેલા તરુણ રામની સમક્ષ ભયંકર રાક્ષસી તાડકા ઉપસ્થિત થાય છે ત્યારે વિશ્વામિત્ર, રામને તેનો વધ કરવા પ્રેરે છે. વિશ્વામિત્રનાં ઉત્સાહ વધારનારાં વચનોનો સવિનય ઉત્તર આપતાં રામ જણાવે છે : “ભગવન્ ! અયોધ્યામાં મારા પિતા મહામના મહારાજ દશરથે અન્ય ગુરુજનોની ઉપસ્થિતિમાં મને એ ઉપદેશ આપેલો કે ‘બેટા ! તું પિતાના કહેવાથી,પિતાનાં વચનોનું ગૌરવ જાળવવા કુશિકનંદન વિશ્વામિત્રની આજ્ઞાનું નિઃશંક થઈને પાલન કરજે; ક્યારેય પણ એમની વાતની અવહેલના ન કરજે.’ પિતાના એ ઉપદેશને સાંભળીને આપ બ્રહ્મવાદી મહાત્માની આજ્ઞાથી તાડકાવધ સંબંધી કાર્યને ઉત્તમ માનીને હું કરીશ. એમાં શંકા નથી.” વિશ્વામિત્રની આજ્ઞા શિરોધાર્ય કરવા પાછળ પિતાની આજ્ઞાનું રામને મન, વિશેષ મૂલ્ય છે.

    રામમાં સ્થાયીભાવે રહેલી પિતૃભક્તિનો ઉછાળ અનુભવાય છે રાજ્યાભિષેક ને રાજ્યવિચ્છેદની ક્ષણે. આગલા દિવસે મંત્રીઓ સાથે પરામર્શન કરીને મહારાજ દશરથે રામને બોલાવીને તેમના રાજ્યાભિષેકની જાહેરાત કરી છે ને બીજી સવારે જ કૈકેયીએ માગેલાં વરદાનથી ત્રસ્ત થયેલ દશરથને કૈકેયીના ભવનમાં રામને બોલાવવાની ફરજ પડી છે ત્યારે ત્યાં આવેલા રામ, પિતાને નીચે મુખે બેઠેલા જોઇને કૈકેયીની પૂછે છે : ‘મારાથી અજાણતાં (જાણતાં તો શક્ય જ નથી) કોઈ અપરાધ તો નથી થઇ ગયો ને જેથી પિતાજી મારાથી નારાજ થયા હોય?.. મહારાજને અસંતુષ્ટ કરીને અથવા એમની આજ્ઞા ન માનીને એમને ગુસ્સે કરીને હું બે ઘડી પણ જીવવા ઈચ્છીશ નહીં .. મનુષ્ય જેને કારણે આ જગતમાં જન્મે છે, એવા પ્રત્યક્ષ દેવતા પિતાની હયાતીમાં એ એને અનુકૂળ વર્તાવ શા માટે ન કરે ?”

    પિતાની અપ્રસન્નતાથી જ ખિન્ન થઇ ગયેલા રામ, આવો પ્રતિભાવ આપતી વખતે પોતા પર આવનાર વિપત્તિથી બિલકુલ અજાણ છે. કૈકેયી, રામના આ પ્રકારના પ્રતિભાવને જોઇને કુશળતાથી પોતાની વાતને ગોઠવતાં જણાવે છે: “રામ, સત્ય જ ધર્મનું મૂળ છે. સત્પુરુષોનો પણ આ જ નિશ્ચય છે. ક્યાંક એવું ન થાય કે તારે કારણે મહારાજ મારા પર ગુસ્સે થઈને પોતાનાં એ સત્યનો ત્યાગ કરી બેસે. એમનાં સત્યનું જેવી રીતે પાલન થાય એવી રીતે તારે કરવું જોઈએ. રાજા જે કહેવા માગે છે તે શુભ હોય કે અશુભ, તું જો એનું પાલન કરવા ઈચ્છે તો હું તને સઘળી વાત કહું. રાજાની વાત તારા કાને પાડીને ક્યાંક હતી ન હતી થઇ જાય, તું એની આજ્ઞાનું પાલન કરી શકે તો જ હું તને બધું સ્પષ્ટ કહી શકું. એ પોતે તને કંઈ નહીં કહે.”

    કૈકેયીના આ શબ્દોથી વ્યથિત થયેલા રામનો ઉત્તર છે : “અરે ! ધિક્કાર છે ! તમારે મારે માટે આવી વાત મોઢામાં નહીં કાઢવી જોઈએ. હું મહારાજનાં કહેવાથી આગમાં પણ કુદી શકું. તીવ્ર વિષનું ભક્ષણ પણ કરી શકું અને સમુદ્રમાં પણ ઝંપલાવી શકું. મહારાજ મારા ગુરુ, પિતા અને હિતૈષી છે. હું તેમની આજ્ઞા મેળવી શું ન કર શકું ? માટે હે દેવી ! રાજાને જે ઈપ્સિત છે તે વાત મને કહો. હું પ્રતિજ્ઞા કરું છું કે હું તેને પૂર્ણ કરીશ. રામ બે રીતની વાત કરતો નથી.” રામની નિશ્ચયાત્મક પિતૃભક્તિનો પ્રારંભ છે.

    રામના કહેવાથી કૈકેયી (દશરથ નહીં) રામને વનવાસ ને ભરતનાં રાજ્યારોહણની માગણી સંભળાવે છે ત્યારે તદ્દન નિર્વિકાર ભાવે ઉત્તર વાળતા રામ, દશરથ ને કૈકેયી –બંનેના પુત્રરૂપે આત્યંતિક રૂપમાં પ્રગટ થયા છે : “મા, બહુ જ સારું. તો એમ થાવ. હું મહારાજની પ્રતિજ્ઞાનું (આજ્ઞાનું નહીં) પાલન કરવા માટે જટા અને ચીર ધારણ કરીને વનમાં રહેવા માટે અવશ્ય અહીંથી ચાલ્યો જઈશ…. હું માત્ર તમારા કહેવાથી પણ મારા ભાઈ ભરત માટે આ રાજ્યને, સીતાને, વહાલા પ્રાણને તથા તમામ સંપત્તિને પણ પ્રસન્નતાપૂર્વક જાતે જ અર્પી દઉં, ત્યાં સ્વયં મહારાજ – મારા પિતા આજ્ઞા આપે અને એ પણ તમારું પ્રિય કરવા માટે- ત્યારે હું પ્રતિજ્ઞાનું પાલન કરતાં એ કાર્ય શા માટે ન કરું ? તમે મહારાજને આશ્વાસન આપો. મહારાજની આજ્ઞાથી આજે જ દૂતો શીઘ્રગામી ઘોડા પર ભરતને મામાને ત્યાંથી બોલાવવા જાય. હું પિતાની વાત પર વિચાર કર્યા વિના ચૌદ વર્ષ વનમાં રહેવા માટે આજે જ ચાલ્યો જઈશ… દેવી, હું ધનનો ઉપાસક થઈને સંસારમાં રહેવા માંગતો નથી. તમે વિશ્વાસ રાખો. મેં પણ ઋષિઓની માફક નિર્મળ ધર્મનો આશ્રય લીધો છે. પૂજ્ય પિતાનું જે પણ કાર્ય હું કરી શકું તેમ છું એને પ્રાણાન્તે પણ કરીશ. તમે એને મારા દ્વારા થયું જ સમજો. પિતાની સેવા અથવા એની આજ્ઞાનું પાલન કરવા જેવું મહત્ત્વપૂર્ણ ધર્માચરણ સંસારમાં બીજું કોઈ નથી.

    “જોકે પિતાએ જાતે મને કહ્યું નથી, તોપણ તારા કહેવાથી જ હું ચૌદ વર્ષ સુધી આ પૃથ્વી પર નિર્જન વનમાં નિવાસ કરીશ. તમારો મારા પર સંપૂર્ણ અધિકાર છે. હું તમારી (પણ) પ્રત્યેક આજ્ઞાનું પાલન કરી શકું. તોપણ તમે જાતે મને ન કહીને આ કાર્ય માટે મહારાજને કષ્ટ આપ્યું એનાથી લાગે છે કે તમને મારામાં કોઈ ગુણ દેખાતા નથી..”

    દશરથની સાથોસાથ કૈકેયીનાં પણ સંપૂર્ણત: પુત્ર સાબિત થતા રામ, કૌશલ્યાનું દુઃખ કલ્પીને વેદના અનુભવે છે ત્યારે પણ, એમની પિતૃભક્તિ લેશમાત્ર પણ ચલિત થતી નથી. પોતે જે નિર્ણય લીધો છે તે વિશેષ કે ઉદાત્ત છે તેવું તો રામે વિચાર્યું સુદ્ધાં નથી; બલકે પોતા પહેલાં પણ મહાપુરુષોએ આ પ્રકારનું જ આચરણ કર્યું હોઈ, પોતાનો નિર્ણય પુરોગામીઓને અનુસરતો છે એવું રામનું મંતવ્ય છે. આથી જ કૌશલ્યને સમજાવતાં રામ જણાવે છે: ‘દેવી, કેવળ હું જ આ પ્રકારે પિતાના આદેશનું પાલન કરું છું એવું નથી. જેની મેં હમણાં ચર્ચા કરી (સગરપુત્રો, પરશુરામ આદિ) એ બધાંએ પિતાના આદેશનું પાલન કર્યું જ છે. મા ! હું તારાથી પ્રતિકુળ કોઈ નવીન ધર્મનો પ્રચાર કરી રહ્યો નથી. પૂર્વકાળના ધર્માત્મા પુરુષોને પણ આ જ અભિષ્ટ હતું. હું તો માત્ર એમના દ્વારા ચાલવામાં આવેલા માર્ગનું અનુસરણ જ કરું છું. આ પૃથ્વી પર જે બધાંને માટે કરવું યોગ્ય છે, એ જ કરવા હું જઈ રહ્યો છું. પિતાની આજ્ઞાનું પાલન કરનાર કોઈ પણ પુરુષ ધર્મથી ભ્રષ્ટ થતો નથી.

    રામના આ સંવાદોમાં જોઈ શકાય છે કે રામની પિતૃભક્તિની વિભાવના એમની જીવનનિષ્ઠા સાથે, વિવેક સાથે સંલગ્ન છે. રામના અભિપ્રાયને સાંભળીને યથાર્થ કહેવાય તેવી દલીલ કરતી કૌશલ્યાનું કહેવું છે તેમ, એ પણ રામની માતા હોઈ, તેનો પણ રામ ઉપર દશરથ જેટલો જ અધિકાર છે, દશરથના વિપેક્ષ, તે એવું ઈચ્છે છે કે રામ વનમાં ન જાય. રામ જો દશરથની વાતનો સ્વીકાર કરે તો તેમણે કૌશલ્યાની વાત પણ સ્વીકારવી જ પડે. રામ જો એવું કરવા માગતા ન હોય તો છેવટે કૌશલ્યાને પણ સાથે લઇ જાય એવો પ્રસ્તાવ કૌશલ્યા મૂકે છે. વિનયપૂર્વક માતાની બંને વાતનો રદિયો આપતા રામનો ઉત્તર માત્ર એક પિતૃભક્તનો ન રહેતાં જીવનધર્મી સંન્યાસીનો બની રહે છે : “જે કાર્યમાં ધર્મ વગેરે બધા જ પુરુષાર્થોનો સમાવેશ ન થતો હોય એવું કાર્ય ન કરવું જોઈએ. જે માત્ર અર્થપરાયણ હોય એવી વ્યક્તિ લોકમાં બધા માટે દ્વેષનું ભજન બને છે. ધર્મવિરુદ્ધ કામમાં અત્યંત આસક્ત રહેવું એ પ્રશંસનીય નહિ, બલકે નીંદનીય છે. મહારાજ મારા ગુરુ, રાજા અને પિતા હોવાની સાથે વૃદ્ધ હોવાથી સમ્માનીય છે. તેઓ ક્રોધથી, હર્ષથી અથવા કામથી પ્રેરાઈને પણ આપણને કોઈ કાર્ય માટે આજ્ઞા આપે તો આપણે ધર્મ સમજીને તેનું પાલન કરવું જોઈએ. જેના આચરણમાં ક્રૂરતા ન હોય તેવો કયો પુરુષ પિતૃઆજ્ઞારૂપી ધર્મનું પાલન ન કરે? આથી પિતાની આજ્ઞાનું પાલન કરવા પ્રત્યે હું બેદરકાર નહીં રહી શકું.” એટલું જ નહીં, જ્યારે ધર્મના પ્રવર્તક એવા મહારાજ હજુ વિદ્યમાન છે અને વિશેષતઃ પોતાના ધર્મમય માર્ગ પર સ્થિર છે એવા સંયોગોમાં માતા એક વિધવા સ્ત્રીની જેમ મારી સાથે ચાલી શકે નહીં એવું લક્ષ્મણ પ્રત્યે રામે જણાવ્યું છે. લક્ષ્મણને સમજાવતાં રામ ઉમેરે છે : “માત્ર ધર્મહીન રાજ્ય માટે હું મહાન ફળદાયક ધર્મપાલન રૂપ સુયશને પાછળ ન ધકેલી શકું. જીવનઅધિક સમય સુધી રહેતું નથી. એના માટે કરીને આજે હું અધર્મપૂર્વક આ તુચ્છ પૃથ્વીનું રાજ્ય લેવા ઈચ્છતો નથી.”

    પિતૃઆજ્ઞાને જીવનધર્મ માનતા રામ, વનમાં જતાં જતાં પિતાને પૂરા સમાદારપૂર્વક જણાવે છે : “મને ન આ રાજ્યની, ન સુખની, ન પૃથ્વીની, ન આ સંપૂર્ણ લોકોની, ન સ્વર્ગની અને ન જીવનની ઈચ્છા છે. મારા મનમાં જો ઈચ્છા હોય તો આટલી જ કે આપ સત્યવાદી બનો. (તમારું વચન મિથ્યા ન થાય.) પિતા દેવતાઓનાય દેવતા મનાયા છે. આથી હું દેવતા સમજીને આપની આજ્ઞાનું પાલન કરીશ. નિષ્પાપ મહારાજ ! સત્પુરુષો દ્વારા અનુમોદિત આપની આજ્ઞાનું પાલન કરવામાં જેટલું મારું મન લાગે છે એટલું ઉત્તમ ભોગોમાં કે મારા પ્રિય પદાર્થમાંય લાગતું નથી. આથી આપના મનમાં જે દુઃખ છે તે દૂર થઇ જવું જોઈએ.”

    “આજે આપને મિથ્યાવાદી બનાવીને હું અક્ષય રાજ્ય, બધા પ્રકારના ભોગ, વસુધાનું આધિપત્ય, મિથિલેશકુમારી સીતા તથા અન્ય કોઈ અભિલાષિત પદાર્થને પણ સ્વીકારી નહીં શકું. મારી એકમાત્ર ઈચ્છા એ જ છે કે આપની પ્રતિજ્ઞા સત્ય થાવ.” પિતા પ્રત્યેના આદરની રામની ક્ષણોમાં તેમની નિર્મળતા, નિર્મમતા ને દ્રઢનિશ્ચય પણ પ્રતીત થાય છે.

    રામને વનમાં છોડવા ગયેલા સુમંત્રને પણ રામ તરત અયોધ્યા પાછા ફરવા જણાવે છે જેથી કૈકેયીને ખાતરી થાય કે રામ વનમાં ગયા છે અને પરિણામે દશરથ મિથ્યાવાદી ન ઠરે.

    રામની પિતૃભક્તિ આ પ્રસંગોને લઈને તો વિશેષતઃ પ્રગટી જ છે પણ વાલ્મીકિની કવિ નજરે કેટલીક ઝીણી ક્ષણોમાં પણ રામનો મહાન પિતૃપ્રેમ અભિવ્યક્ત કર્યો છે. મિત્ર ગુહના મહેમાન થયેલા રામનું આતિથ્ય કરતા ગુહે રામ સમક્ષ અનેક પ્રકારના ખાદ્ય – પેય પદાર્થો મૂક્યા છે ત્યારે રામ વનવાસી હોઈને રાજસી ભોજન લેવાની પોતાની અશક્તિ દર્શાવે છે. નિરાશ થયેલા ગૃહ રામની બીજી કોઈ સેવા કરવા અંગે પૂછે છે. આ ક્ષણે રામની પિતૃભક્તિની એક ઝીણી ક્ષણ કવિનજરે પકડાઈ છે. રામ જણાવે છે : “મારા રથના ઘોડા મહારાજ દશરથને બહુ પ્રિય છે. એમના ખાવા-પીવાનો સુંદર પ્રબંધ કરવાથી મારી યોગ્ય પૂજા થઇ જશે.” થોડા જ સમય પહેલાં પિતાની ઈચ્છાથી વનવાસ સેવવા આવેલા રામના હૃદયમાં પિતાના સ્થાનનો વ્યાપ કેવો ને કેટલો છે એનું આ એક જ ઉદાહરણ પ્રમાણ છે.

    વનવાસમાં અંતભાગમાં સીતાની શોધ કરીને પાછા ફરેલા હનુમાન સીતાનો ચૂડામણિ લાવ્યા છે એ જોઇને શોકના સમયે પણ રામને ચૂડામણિ સાથે સંકળાયેલ લગ્નપ્રસંગ ને એ સાથે પિતાનું સ્મરણ થાય છે.

    રામની પિતૃઆરાધના ને એ નિમિત્તે વ્યક્ત થતી એમની જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા નાની કે મોટી – કોઈ પણ ક્ષણોમાં – વ્યક્ત થઇ છે ત્યારે પુત્રરૂપમાં પ્રગટતા રામ પૂર્ણતઃ પુત્ર પ્રમાણિત થયા છે.

    રામની પિતૃભક્તિ ને એ સંદર્ભે તેમના કેટલાક સંવાદો ત્યારની પિતૃપ્રધાન સંસ્કૃતિનો અંગુલિનિર્દેશ કરતા જણાય; પણ રામની માતૃભક્તિ પણ એટલી જ મનનીય છે. વારંવાર કૌશલ્યા – સુમિત્રાની ચિંતા કરતા રામે વનવાસ ને લંકાના યુદ્ધ દરમ્યાન પોતાની માતૃભક્તિ પ્રગટ કરી જ છે. વનમાં આવેલા ભરતને સમજાવતાં રમે માતા-પિતા ગમે તે પ્રકારની આજ્ઞા આપવાનો હક્ક ધરાવે છે એમ કહી ને માતાનુંય સમાન મુલ્ય કર્યું છે. વનવાસની પ્રથમ રાત્રિએ વિલાપ કરતા રામે પોતે કૌશલ્યાને વિરહવેદનામાં છોડી આવ્યાની વેદના લક્ષ્મણ પાસે ગદગદ કંઠે વ્યક્ત કરી છે.

    પિતાના આદેશને આત્યંતિક રીતે માથે ચડાવવા પાછળ રામની પિતૃભક્તિ ઉપરાંત રાજનિષ્ઠા ને ધર્મ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ પણ પ્રધાન ફાળો આપ્યો હોય એવું વિશેષ રીતે સ્પષ્ટ થાય છે.


    ‘અસંગ લીલાપુરુષ’ માંથી લીધેલ


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સામ્યવાદ સામે સમયવાદનો વિજય

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,
    સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

    ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
    ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.

                                      અંકિત ત્રિવેદી

    ૨૦૧૫ના સાહિત્યના નોબલપ્રાઈઝ વિનર સ્વેતલાના એલેક્ઝીવિચ ઘણા અંગ્રેજી બોલનારા વાચકો માટે અજાણ્યું નામ હોવાનું એક કારણ એ છે કે એ કોઈ ચોક કે ચોકમાં, કૂંડાળા કે વર્તુળમાં ન હતા. ખૂણામાં રહીને શાંતિથી શબ્દતપ કર્યું. તેના પુસ્તકોએ સંઘર્ષ અને ભયાનક હોનારતમાંથી જીવિત રહેલાઓની પીડાને અદભુત વાચા આપી છે. ચર્નોબીલથી કાબુલ સુધીના લોકોના ઊર્મિસભર જીવન પર એમણે પ્રકાશ પાડ્યો છે. સ્વેતલાનાને જ્યારે નોબલ પ્રાઈઝ જીત્યાનો અભિનંદનનો કોલ મળ્યો ત્યારે તેઓ કપડાને ઈસ્ત્રી કરી રહ્યા હતા અને તેનો પ્રતિસાદ હતો ‘ફેન્ટાસ્ટીક !’ ન કોઈ બુમાબુમ, ન ખુશીથી ઊછળી પડવું. એક ગરિમાપૂર્ણ ઉદ્દગાર માત્ર. કેવું સમતોલ વ્યક્તિત્વ ! આજની સ્ત્રી ચાર દીવાલમાંથી ચાર દિશા તરફ વિસ્તરી છે.

    સ્વીડીશ અકાદમીના સેક્રેટરી સારા ડેનિયસનાં કહેવા પ્રમાણે એલેક્ઝીવિચ અત્યંત માનવતાવાદી બેલારશિયન લેખિકા છે. તેઓ જે લખે છે તે માત્ર ઘટનાઓનો ઈતિહાસ નથી પરંતુ માનવીય સંવેદનાઓનો ઈતિહાસ છે. સ્વેતલાનાને જે નોબલપ્રાઈઝ મળ્યું છે એ  તેમના સમયની વેદના અને હિંમતના સ્મારકરૂપ વૈવિધ્યપૂર્ણ લખાણો માટે મળ્યું છે. તેઓ કહે છે કે ‘મારા પુસ્તકોમાં સાચુકલાં માણસો બોલે છે. રાષ્ટ્રના સર્વસામાન્ય ઇતિહાસની સાથોસાથ દરેક વ્યક્તિ પોતાના જીવનની વાતને પોતાના શબ્દોમાં ઢાળી રેકોર્ડ કરાવે છે. તેમની વાતોની પ્રમાણિક કથાઓ, એમણે સંઘરેલા અભિનેતાઓના કે બીજા ફોટાઓ તેમના વિષયવસ્તુના પાત્રો સાથે સમીપતાનો ભાવ સર્જે છે. તેના મુલાકાતીઓના આત્મસંભાષણમાંથી તેણી એક ઈતિહાસ રચે છે. જેનાથી વાચક ભલે ગમે તેટલા અંતરે દૂર હોય પણ તેમને એ સ્પર્શે છે. કારણ કે સંવેદનાસભર ઇતિહાસની તવારીખરૂપે એ વર્ણવાયા છે.

    વાસ્તવિકતાએ તેમને હંમેશા ચુંબકની જેમ આકર્ષ્યા છે. પીડા પણ આપી છે અને સંમોહિત પણ કર્યા છે. લોકોના આવા વાસ્તવને તેઓ કાગળ પર ઉતારવા માગતા. અચાનક જ માણસની સંવેદનાઓને વાચા આપતો આ સાહિત્યપ્રકાર તેમને ખૂબ ગમી ગયો જે સાક્ષીઓની બાંહેધરી અને દસ્તાવેજ સમો હતો. તેઓ કહે છે કે ‘મેં આ જ રીતે દુનિયાને જોઈ છે અને સાંભળી છે. એટલે જ આ લખાણો વ્યક્તિગત અવાજોના સમૂહગાન રૂપે, રોજ જીવાતા જીવનની વિગતોથી બનતું એક કોલાજ છે. મેં આ રીતે જ તેમના માનસિક અને સંવેદનાત્મક સત્વને સમગ્રતાથી ઓળખ્યું. આ જ રીતે હું એકીસાથે લેખક, સંવાદદાતા, સમાજશાસ્ત્રી, માનસશાસ્ત્રી, અને ઉપદેશક બની શકી.

    તેમણે કહેલા અનેક વાક્યો સુંદર ક્વોટ રૂપે લોકોને પ્રેરણા આપે છે. મૃત્યુ વિશેના તેમના પુસ્તક ‘વોઈસીઝ ફ્રોમ ચર્નોબિલ’ (૨૦૦૫)માં તેમણે કહ્યું છે કે ‘મૃત્યુ એ દુનિયાની સૌથી સુંદરતમ ચીજ છે. કોઈ એનાથી બચી શક્યું નથી. મૃત્યુ સૌને તાણી જાય છે – દયાવાનને, ક્રૂર માણસોને, પાપીને સૌને. એનાથી સુંદર કોઈ વસ્તુ પૃથ્વીપર છે જ નહીં.’ ચર્નોબીલની ઘટના એ વીસમી સદીની સૌથી ભયાનક ટેકનિકલ દુર્ઘટના હતી. જેમાં ૨.૧ મિલિયન લોકો તેના રેડીએશનથી અસર પામ્યા હતા. અને લગભગ ૯૯,૦૦૦ કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. આ કહાની ખૂબ  લાંબી છે.

    સ્વેતલાના કહે છે કે ‘હું હંમેશા મારા અંદરના માંહ્યલાને-સહજ સ્ફૂરણાને અને અંદરના અવાજને વળગી રહું છું. જો તમને ખબર હોય કે કઈ તરફ જવું, કઈ દિશા સાચી તો પ્રેરણા ગમે ત્યાંથી મળી શકે છે. જો જાગૃતિ હોય કે તમે સજાગ હો તો તમારી સર્જનાત્મકતામાં-સર્જનની જ્યોત કે જુસ્સામાં એ તણખાંનુ કામ કરે છે. એલેક્ઝીવિચને તેની વાર્તાઓ શેરીમાંથી સંભળાતા અવાજોમાંથી સાંપડી, જે તેની આજુબાજુ જ સંભળાતા હતા. આ રીતે જ તેની શ્રેષ્ઠ વાર્તાઓ આપણને સાંપડી. તેના પુસ્તકો દ્વારા વાચકો તેના પ્રશ્નો પોતે જાતે વિચારવા તરફ વળે તેવું તેઓ ઈચ્છતા હતા. સર્જનનો વિષય શ્રોતાને શું વિચારવું એ કહેતો નથી પરંતુ જે તે બાબત માટે તેને વિચારતા કરે છે. તે બોધ કે સંદેશા તરફ વિવેચનાત્મક રીતે વિચારવાની તક આપે છે.

    સ્વેતલાનાએ કહ્યું ‘પૈસાના બદલામાં હું એક જ ચીજ ખરીદી શકું-હું સ્વતંત્રતા ખરીદું.’ નોબલ પુરસ્કારે સ્વેતલાનાને સ્વાતંત્ર્ય આપ્યું છે. હવે તેઓ બે પુસ્તક લખી રહ્યા છે. ૧૯૮૩માં તમણે ‘વોર્સ અનવુમનલી ફેસ’ પૂર્ણ કરી. જેમાં બસો(૨૦૦) સોવિયેત સ્ત્રીઓના અવાજોનો સંગ્રહ છે. સામ્યવાદી પાર્ટી દ્વારા આનો નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ પછી ગોર્બોચેવ ફરજમાં આવ્યા અને રાજકીય વાતાવરણ બદલાયું. અંતે આ પુસ્તક પ્રકાશિત થયું અને તેની લગભગ બે મિલિયન કોપીઓ વેચાઈ. સામ્યવાદ સામે સમયવાદનો વિજય થયો. સર્જનના સૈલાબને કોઈ રોકી શકતું નથી. આ નવલકથા પણ બીજા વિશ્વયુદ્ધના જુદા જુદાપાસાઓ પર બોલાતી સ્ત્રીઓના આત્મસંભાષણની જ બનેલી છે.

    સ્વેતલાનાનું દરેક પુસ્તક ૫૦૦ થી ૭૦૦ ઈન્ટરવ્યુંનો અર્ક છે. તેઓ લખે છે કે ‘હું લોકોને સમાજવાદ વિશે પૂછતી નથી. હું તેઓને પ્રેમ, ઈર્ષા, બાળપણ કે વૃદ્ધાવસ્થા, સંગીત, નૃત્ય કે હેરસ્ટાઈલ જેવી અસંખ્ય ભિન્ન વિગતો વિશે પૂછું છું જે જીવનના આઘાતોમાં સાવ ભૂંસાઈ ગયેલું હોય છે. આ જ માત્ર આપત્તિઓની પાછળની ઘટનાઓ વિષે જાણવાનું એક માત્ર માળખું છે અને એકમાત્ર પ્રયત્ન છે.’

    તેઓ કહેતા કે ‘કોઈ આધુનિક ટેકનોલોજી આપણને પ્રેમ, પીડા અને સંવેદનાની જરૂરિયાતથી મુક્ત કરી શકાતી નથી. આપણે એ વાતથી પણ ટેવાતા નથી કે આપણા સમયગાળા દરમ્યાન આપના માટે જે કંઈ નિર્માણ થયેલું છે તે સઘળું મર્યાદિત છે. તે બધાની એક અવધિ છે. ‘ધ વુન્ડેડ ડીયર ઓફ ઈટર્નલ હન્ટ’માં પણ તે કહે છે કે ‘પીડા એ એક કલા છે. જીવનમાં અંતે બધું જ સ્મરણોમાં ફેરવાઈ જાય છે. મૃત્યુ વિના આ જીવનને સમજી શકાતું નથી. પ્રેમ આપણને આપણી જાતમાં ડૂબાડે છે.’

    વિવેચકોના માટે સ્વેતલાનાના પુસ્તકો બેલારશિયન લેખિકા એલીસ એડમોવિચનાં વિચારોને મળતા આવે છે. જો કે સ્વેતલાના પોતે પણ આ વાતને પોતાના પરની પ્રાથમિક અસર રૂપે ટાંકે છે. તે કહે છે કે ‘આગળ ઉપર તેણે હજુ ઘણું કામ કરવાનું છે. હજુ ઘણા વળાંકો આવશે.’ તેણીના ક્ષેત્રમાં સૌથી ઉચ્ચ સન્માન મેળવ્યા પછી એલેક્ઝીવિચ આ ખેલમાંથી ખસી જતા નથી. એના બદલે નવું લખવાનું ચાલુ જ રાખે છે અને વળી સતત નાવીન્યપૂર્ણ લખવા કરે છે. નોબલ પ્રાઈઝ મળ્યાથી વધુ આનંદ તેમને એ વાતનો છે કે તેમના લખાણની કદર થઈ છે. નોબલ કમિટિને પણ અભિનંદન કે ‘સાહિત્યના નવી વિધા તરફ પણ દ્રષ્ટિ કરી’ જૂનવાણી અને કચડાયેલા સામાન્ય વર્ગની સંવેદનાની અભિવ્યક્તિને વાચા આપનાર આ લેખિકાને સો સો સલામ….


    ઇતિ

    ભાર વગરના ભણતર જેમ ભાર વગરનો ભગવાન મારે સમાજને આપવો છે.

    મોરારિબાપુ


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કાર્યસંસ્કૃતિ, કાર્યજીવનનું સંતુલન, કાર્યબોજ અને કાર્યસપ્તાહ

    નિસબત

    ચંદુ મહેરિયા

    જાપાનીઝ શબ્દ હારાકિરી (આત્મહત્યા) થી તો આપણે સુપરિચિત છીએ પણ ‘કારોશી’  આપણા ભાવજગત અને વિચારજગતમાં શાયદ નવો શબ્દ છે. અત્યાધિક કાર્યબોજ તળે કામ દરમિયાન કે કામના કારણે થતું મોત એટલે કારોશી. જાપાનમાં વરસે દહાડે પચાસેક લોકોના મોત આ કારણે થાય છે. ભારતમાં જ્ઞાતિ કે આર્થિક વ્યવસ્થાના લીધે ગટર કામ, સફાઈ કામ અને હાથથી થતી મળ સફાઈના કામમાં જોતરાયેલા કામદારોના, કામના જોખમ અને સલામતીના સાધનોના અભાવે,  દર વરસે હજારેક મોત થતાં હશે પણ તેની ખાસ કોઈ નોંધ લેવાતી નથી કે તેમના કામને ટોક્સિક વર્ક અને તે કાર્યસંસ્કૃતિને વિષાક્ત કહેવામાં આવતી નથી. આપણે આ પ્રકારના કામો અને કાર્યબોજ અંગે એટલે પણ વિચારતા નથી કે કામ કરનારા બધા સમાજના કથિત નીચલા તબકાના અને નિર્ધન લોકો હોય છે. જોકે ભારે કામગરા  જાપાનીઓ કારોશી મોતથી ચિંતિત છે અને તેમણે તેનો ઉકેલ પણ શોધ્યો છે. જાપાનની અનેક કંપનીઓએ વીકલી વર્કિંગ ડે ઘટાડીને ચાર કર્યા છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ઈન્ટનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર ભારતમાં અડધાથી વધુ કર્મચારી અઠવાડિયે ૪૯ કલાકથી વધુ અને દૈનિક ૧૦ કલાક કામ કરે છે. દક્ષિણ એશિયાના દેશોમાં કામના અધિક કલાકોમાં ભારતનું સ્થાન ભૂતાન પછીના બીજા ક્રમે છે. આ સ્થિતિ હોવા છતાં અહીં કામના કલાકો વધારવાની ચર્ચા છે ત્યારે દુનિયાના બહુ બધા દેશોમાં સાપ્તાહિક કાર્ય દિવસો ઘટાડવાનો વાયરો વહી રહ્યો છે. ૨૦૨૪ના વરસથી સિંગાપોરમાં ફોર ડે વર્કિગ વીક અમલી બન્યુ છે. સિંગાપોર આ બાબતમાં એશિયાનો પ્રથમ દેશ છે.

    જાપાન સરકારના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશની ૮૫ ટકા કંપનીઓ અઠવાડિયે બે રજા અને આઠ ટકા કંપનીઓ અઠવાડિયામાં ત્રણ રજા આપે છે. ૨૦૨૧માં ફોર ડે વીક નો વિચાર પહેલીવાર રજૂ થયો હતો અને હવે તો તેને સરકારનું પણ સમર્થન છે. સરકારના વર્ક સ્ટાઈલ રિફોર્મ અભિયાનમાં કામના કલાકો ઘટાડવા, સૌને અનુકૂળ આવે તેવો કાર્યસમય, મર્યાદિત ઓવરટાઈમ અને વાર્ષિક રજાઓમાં વૃધ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આરંભના નબળા પ્રતિસાદ પછી હવે આ પગલું લોકપ્રિય થઈ રહ્યું છે. વર્ક લાઈફ બેલેન્સમાં વધારા માટે સાપ્તાહિક કાર્ય દિવસો ચાર કરવાનું પગલું મોટું પરિવર્તન આણનારું બની શકે છે.

    જાપાન ઉપરાંત જર્મની, અમેરિકા, યુ.કે,  સિંગાપોર, ચીન, સ્પેન, પોર્ટુગાલ, કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં પણ ચાર દિવસીય કાર્ય સપ્તાહ અંશત: અમલી બની રહ્યું છે. સાપ્તાહિક કામના દિવસોમાં ઘટાડો થવાના અનેક સારા પરિણામો જોવા મળી રહ્યા છે. કર્મચારીઓમાં જે કામનો થાક અને તાણ જોવા મળતા હતા તે ઘટ્યાં છે. વધુ આરામ અને ઉંઘ લઈ શકે છે. નવા અઠવાડિયે ઉત્સાહિત જણાય છે. વૃધ્ધ વસ્તીમાં વધારો અને ક્રિયાશીલ વસ્તીમાં ઘટાડાનો ઉકેલ મળી શક્યો છે. કર્મચારીના શારીરિક-માનસિક આરોગ્યમાં સુધારો જણાયો છે. બળતણની બચત થાય છે. પરિવારને વધુ સમય આપી શકે છે. ત્રણ રજાઓમાં ફેમિલી ટુર કે લાંબા સમયથી પડતર પારિવારિક કામો આટોપી શકાય છે. કાર્ય દિવસોમાં ઘટાડાથી ઉત્પાદનમાં  નોંધપાત્ર ઘટાડો થયો નથી. વળી આ પગલું ફુગાવો અને વેતન માટે સુરક્ષારૂપ બની શકે છે. નિયમિત કામદારો માટે તે બહેતર જીવન સંતુલન સાધી શકે છે તો અંશકાલીન કામદારોને વધુ કલાક રોજી આપી શકે છે. સાપ્તાહિક કાર્ય દિવસોમાં ઘટાડાને વિશ્વવ્યાપી બનાવવા માટે ‘ ફોર ડે વીક ગ્લોબલ ‘  સંસ્થાની રચના પણ થઈ છે.

    કામકાજી અઠવાડિયાના દિવસો ઘટવાથી ખરાખોટા કારણોસર બીમારીની રજાઓ લેતા કર્મચારીઓની સંખ્યામાં ૬૫ ટકા ઘટાડો થયો છે. પરંતુ હજુય કશું ખૂટતું હોય તેમ ચીનની એક કંપની,  જો કર્મચારીનું કામ પર જવાનું મન નથી, દિલ ઉદાસ છે, તણાવ મહેસૂસ થાય છે તો ભલે કામ પર ના આવો તે તમને અનહેપ્પી લીવ આપશે. વાર્ષિક ૧૦ વધારાની અનહેપ્પી લીવ આપતી આ કંપની આ રજાનો મેનેજમેન્ટ ઈન્કાર નહીં કરે તેવો પણ નિયમ ઘડે છે! જાપાનની આઈટી કંપનીએ ચાલુ નોકરીએ દારુ પીવાની છૂટ આપી છે  અને જો દારુ ચડી જાય તો હેંગઓવર લીવની ઓફર કરી છે! ભારતમાં અસમની રાજ્ય સરકારે તેના સરકારી કર્મચારીઓને માતા- પિતા કે વિકલ્પે સાસુ-સસરા સાથે સમય વિતાવવા દર વરસે બે રજા આપવાનો નિર્ણય કર્યો છે. તેલંગણા અને આંધ્ર સરકારે તેના મુસ્લિમ કર્મચારીઓને રમજાનના મહિનામાં રોજ એક કલાક વહેલા કામ છોડવાની મંજૂરી આપી છે.

    કામદારો- કર્મચારીઓ પર સરકારો કે કંપનીઓ ઓવારી જાય છે કે તેમને અછોવાના કરે છે તેમ લાગે પણ તેનું કારણ તેમનો સ્વાર્થ છે અને આવાં પગલાં પાછળ તાજેતરની મહારાષ્ટ્ર્ની બે ઘટનાઓ જવાબદાર લાગે છે. બર્ન આઉટ કે થાકનો સામનો વિશ્વભરના કામદારો-કર્મચારીઓ કરી રહ્યા છે. છવ્વીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કામના અત્યાધિક બોજથી તંગ આવીને જીવનનો અંત આણ્યો હતો.પુણેની એક કંપનીના સેલ્સ એસોસિયેટે ટોક્સિક કહેતાં વિષાક્ત વર્ક પ્લેસ અને એથી પણ વધુ ઝેરીલા બોસથી તંગ આવીને નોકરી છોડી હતી. પરંતુ તેમની રાજીનામાની ઘટના એટલે પણ છાપરે કે છાપે ચડી હતી કે આ મહાશયે બોસની ઉપસ્થિતિમાં ઢોલ નગારાં સાથે વાજતેગાજતે કામને અલવિદા કરી હતી. કાશ! આવું આ દેશના બહુમતી અસંગઠિત ક્ષેત્રના કામદારો કરી શકે!

    ફોર ડે વર્કિગ વીક, વર્ક સ્ટાઈલ રિફોર્મ, ટોક્સિક વર્ક કલ્ચર, ટોક્સિક વર્ક, ટોક્સિક વર્ક પ્લેસ,  બર્ન આઉટ, સર્વિસ ઓવર ટાઈમ, વર્કલોડ, વર્કફોર્સ, વર્ક લાઈફ બેલેન્સ, ઈમોશનલ સેલેરી ટ્રેન્ડ આ અને આવા બીજા માત્ર અંગ્રેજી ભાષાના નહીં નવા જમાનાના શબ્દો છે અને તે પ્રત્યેકની પાછળ આહ, આંસુ અને શોષણ સામેના સંઘર્ષનો દીર્ઘ ઈતિહાસ છે. હરિકથા અનંતાની જેમ આ કામપુરાણ પણ અનંત છે. પરંતુ અંતે એક વધુ નવી વાત. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે અમેરિકી કોમેડિયન ટ્રેવર નોઆનાના કાર્યક્રમ ‘ વ્હોટ નાઉ?’ માં ગંભીરતાથી કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામની આરામદાયક અને સંતુલિત સ્થિતિ ઉભી કરશે. તે લોકોની નોકરીઓ છીનવી લેશે નહીં. ભવિષ્યમાં કામના દિવસો ઘટીને ત્રણ જ રહેશે તેમ પણ ગેટસે કહ્યું હતું. તેમનું માનવું હતું કે માનવશ્રમ ઓછો થશે અને યંત્રો કામ  કરશે. એઆઈ માનવી માટે ખાવાનું ય તૈયાર કરશે અને ઓફિસ કામ પણ કરશે. લાગે છે સ્વર્ગ ઢુકડું છે નહીં?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.