-
એમ. એન. રોય : શસ્ત્રખોજ માટે પરદેશની વાટ પકડી
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
બારમી ફેબ્રુઆરીના દિવસે જોગાનુજોગ ગાંધી શ્રાદ્ધ પર્વે જે. કે. (પ્રો. જયંતી કે. પટેલ) ગયા બાણુમે વરસે. વર્ષોથી એક પ્રકારે ઘરબંધ જિંદગી બસર કરી રહ્યા હતા, પણ એક મસ્તી અને સોશિયલ મીડિયા સાથે એ વ્યાપક સંપર્કોમાંયે હતા. ખાસ કરીને, રેશનલિસ્ટ વર્તુળમાં એ કંઈક ખાસંખાસ જેવા હતા. જોકે, મારો અને એમનો પહેલો પરિચય રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકેનો, અને સ્વાધ્યાય ક્ષેત્રે એ રૂસોના ‘સોશિયલ કોન્ટ્રેક્ટ’ના અનુવાદથી માંડી આગળ ચાલતાં આફ્રિકાના વિશેષ અભ્યાસથી ઝળક્યા.
અહીં ઝળકવાની જિકર કરી તે સાથે એમનો એક ઝબકાર પણ સાંભરી આવ્યો- તેવીસેક વરસ પર બે હજાર બેના ઘટનાક્રમ સંબંધે ત્યારના રાજકીય નેતૃત્વને એમણે પોતાના પૂર્વ વિદ્યાર્થી તરીકે ધરાર ‘ડિસઓન’ કર્યું હતું, સરા જાહેર. રહો, હું અહીં કોઈ વૈયક્તિક વિશેષાંજલિ આપવા નથી ઈચ્છતો. એમ તો, જનતા મોરચાને ધોરણે અમે ૧૯૭૫ની ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે પાટડી-દસાડા પંથકમાં ભીમાભાઈ રાઠોડની ઉમેદવારીને યશસ્વી બનાવવા એ મહિનો માસ મચી પડ્યા હતા એ પણ કેમ ન સંભારું? પણ એમને વિશે નહીં પરંતુ એમને મિશે લખવા કલમ ઉપાડી છે, એતો ગુજરાતમાં એક આખી ચળવળ, નાની પણ રાઈના દાણા શી એક મળતાં મળે એવી બિરાદરી પરત્વે આદર ને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વાસ્તે: ‘મહાગુજરાત આંદોલનમાં જયન્તિ દલાલ આદિના સથવારાથી માંડી કટોકટી પ્રતિકાર સહિત આ બધી જે જે. કે.ની સંડોવણી રહી એની પૂંઠે એમનું રેડિકલ હ્યુમેનિસ્ટ હોવું એ ચાલના ઓછેવત્તે અંશે હતી.
આ રેડિકલ હ્યુમેનિસ્ટ વિચારધારાના અગ્નયાયી એમ. એન. રોય (૧૮૮૭-૧૯૫૪) હતા એટલે રોયિસ્ટ તરીકે ઓળખવાનો ચાલ છે. બે શબ્દો કહું રોય વિશે. સ્વાતંત્ર્ય ચળવળના શરૂ શરૂના અંગાર અને બંકિમ-વિવેકાનંદના સંસ્કાર, આગળ ચાલતાં ક્રાંતિકારી ચળવળમાં ભળ્યા અને શસ્ત્રખોજ સારુ દેશ બહાર ગયા. અમેરિકામાં ત્યારે દેશનિકાલ લાજપતરાય પણ હતા. એમણે સંભાર્યું છે કે મને મળેલા ક્રાંતિકારી તરુણોમાં રોય એમની મેધા અને સમર્પિતતાથી જુદા તરી આવતા. આખી દાસ્તાંમાં તો અહીં ક્યાંથી જઈ શકાવાનું હતું, પણ મારતી કલમે એટલું જરૂર કહી દઉં કે એમના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ એક વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) લગી લઈ ગયું. લાંબા વિદેશવાસ પછી પરત થઈ એ કોંગ્રેસ મારફતે સ્વાતંત્ર્યલડતમાં સક્રિય બન્યા પણ એમનું વિચારવલોણું એમને માર્ક્સવાદની પેલી મેર (બિયોન્ડ માર્ક્સિઝમ) લઈ ગયું અને એમાંથી મૂળગામી માનવવાદ (રેડિકલ હ્યુમેનિઝમ)નો ઉદભવ થયો. કોઈ ઈશ્વરની આસપાસ અગર ‘રાષ્ટ્ર’ની ફરતે અગર તો એવી કોઈ બીજી ‘કલેક્ટિવિટી’માં નહીં પડતાં માનવકેન્દ્રી ચિંતન એ એમનો મૂળગામી અભિગમ હતો.
એમનો આ વિચારઝુકાવ ગુજરાતમાં પહેલવહેલો તૈયબ શેખ મારફતે આવ્યો. શેખ એમના વિદેશવાસ દરમ્યાન સંપર્કમાં આવેલા વિચારબંધુ તરીકે વિકસી રહ્યા હતા. મૂળે કપડવંજના ગુજરાતી, વોરા. અસહકારની ચળવળ દરમ્યાન જેલવાસી થયેલા કેટલાક ગુજરાતી યુવાનોની ભાળ મેળવી, પોતે અંગ્રેજ સરકારના વોરંટ હેઠળ હતા એ દિવસોમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. એ રીતે શરૂઆતમાં રોયમાં ભરતી થયેલા પૈકી ચંપકલાલ ભટ્ટ, ભગવતીપ્રસાદ ભટ્ટ, દશરથલાલ ઠાકર અને ઠાકોરપ્રસાદ પંડ્યા હતા. વાંસોવાંસ, આગળપાછળ, ચંદ્રકાન્ત દરુ ને થોડે અંતરે નડિયાદના વિનુભાઈ પટેલ (બાબુભાઈ જશભાઈના ભાઈ) પણ ખરા. કોંગ્રેસની અંદર એક સમાંતર વિચારકેન્દ્ર તરીકે રોયની પ્રતિભા ખાસી ઊંચકાઈ એ અરસામાં એમણે અમદાવાદનીયે મુલાકાત લીધી હશે. (ઉમાશંકર લાંબા સમય લગી એ એક સોનેરી સંભારણું ટાંકતા કે પોતે એક રૂપિયાની ટિકિટ લઈને પ્રેમાભાઈ હૉલમાં રોયને સાંભળા ગયા હતા.)
આ આરંભકારો કેવુંક ગજું કાઢી શક્યા હશે એનો એક દાખલો આપું. ગુજરાત કોંગ્રેસમાં ડેલિગટની ચૂંટણીમાં દરબાર ગોપાળદાસ અને ભક્તિબાને હરાવીને ચંપકલાલ ચૂંટાઈ આવ્યા હતા! પહેલી ઘાલના રોય સાથીઓમાં એમ તો જેમ દરુ-દશરથલાલ તેમ દુર્ગાશંકર ત્રિવેદી પણ ખરા. સરખેજના આ યશસ્વી સરપંચ પાછા પ્રવૃત્તિ સારુ પ્રેસ ચલાવી જાણે અને પાછલાં વર્ષોમાં જરૂર પડ્યે રોય દંપતીનું દફતર (આર્કાઈવ્ઝ) તૈયાર કરવામાંયે ખૂંપી શકે. પ્રોપાયટરી (દીવાન બલ્લુભાઈ) હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક દરુ કાયદો ભણી બંધારણીય ક્ષેત્રે અકુતોભય વિલસ્યા ને કટોકટી દરમ્યાન ‘ભૂમિપુત્ર’ ને ‘સાધના’ના કેસોમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને મુદ્દે એક રાષ્ટ્રીય સ્તરે પ્રતિમાન પુરુષ તરીકે ઉભર્યા. આ બધા સીનિયર રોયમાર્ગીઓ પછીની અગ્રપેઢીમાં જયંતી પટેલ અને બિપિન શ્રોફનું સહજ સ્મરણ થઈ આવે. કટોકટી પછી બિપિન શ્રોફે પોતાના જિલ્લામાં જનતા નેતૃત્વ સાહ્યું અને તે પછી તરતનાં વરસોમાં પ્રગતિશીલ ને વૈજ્ઞાનિક કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રયોગ પણ કર્યો. છેલ્લાં પંદર-વીસ વરસથી સંયોગવશ ને સ્વાસ્થ્યવશ એ અમેરિકામાં વધુ સમય ગાળે છે, પણ વૈશ્વિક માનવવાદથી માંડી લોકશાહી દૃષ્ટિએ વર્તમાન શાસનસમીક્ષા સહિતની લેખી સામગ્રીની એમની સાતત્યમંડિત સોશિયલ મીડિયાઈ, વધતી વય અને ઘટતી સક્રિયતાના સમીકરણને ભોંઠું પાડે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૫ – ૦૩– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં વૃદ્ધાવસ્થાનાં રેખાચિત્રો – ભાગ ૨
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot – Old Age Part 2
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – મૂળ વગરની વેલ
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
પિયરને આખરી વિદાય, પણ ગંતવ્ય ક્યાં? થી આગળ
મનમાં ઘણી ઉમેદ રાખીને વડોદરા આવી. આગળ શું કરવું તે વિશે થોડા દિવસ ઊંડો વિચાર કર્યો અને અંતે નક્કી કર્યું કે હું નર્સ થઈશ. તે સમયે ગાયકવાડ સરકારે સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે ઘણી સારી યોજનાઓ બનાવી હતી અને તે પણ વિનામૂલ્યે મળે તેવી વ્યવસ્થા કરી હતી. નર્સની ટ્રેનિંગ માટે ફક્ત પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હોય તેવી સ્ત્રીઓને ટ્રેનિંગનું પ્રશિક્ષણ અપાતું, વળી તે માટે અંગ્રેજી આવડવું જ જોઈએ તેવી શરત ન હતી. રહેવા ઉપરાંત ભોજનની સગવડ મફત હતી અને ઉપરથી માસિક વીસ રૂપિયા પગાર પણ અપાતો. તેમ છતાં બાઈજીમાસીએ અને મામાએ મને નર્સિંગ સ્કૂલમાં જવાની પરવાનગી ન આપી. હું નિરાશ થઈ, પણ બીજા કોઈ કોર્સ મળતા હોય તેની તપાસ. કરતાં જાણવા મળ્યું કે સરકારે સ્ત્રીઓ માટે ઉદ્યોગશાળા ખોલી હતી, અને માસિક બે આના ભરવાથી ત્યાં દાખલો મળતો. અહીં ગાજ-બટન લગાડવાથી માંડી કપડાં સીવવા અને બીજાં ઘણાં કૌશલ્ય પ્રાપ્ત કરવાનું શિક્ષણ આપવામાં આવતું હતું.
મારાં માસીએ ત્યાં જવાની પણ ના પાડી દીધી.
બાઈજીમાસી આવું શા માટે કરતાં હતાં તેનો મને અંત સુધી ખ્યાલ ન આવ્યો. તે વખતે યુવાન છોકરીઓ અંબોડાને બદલે એક ચોટલો બાંધીને ફરતી, તેની પણ મને તેમણે છૂટ આપી નહિ. મારી બહેનપણીઓ બહાર ફરવા જતી અને સાઇકલ ચલાવવા શીખતી. મને તો બહાર ફરવા જવાની પણ મનાઈ હતી. ભણેલી અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આવેલી સ્ત્રીઓનાં પ્રગતિશીલ વ્યાખ્યાનો કાર્યક્રમ યોજાતો ત્યાં જવાની પણ મને કદી રજા ન આપી. આવાં હતાં અમારાં માસીબા!
એક દિવસ મારી બહેનપણી મને પરાણે સાઇકલ ચલાવવાનું શીખવા લઈ ગઈ. મને ઘણું ગમ્યું, પણ એક દિવસમાં કોઈ થોડું જ શીખી શકે? મને અંગ્રેજી શીખવાનો ઘણો શોખ હતો, પણ ઘરમાં કોઈ એવું માણસ ન હતું જે મને અંગ્રેજી શીખવી શકે. હું તો હવે જીવનથી કંટાળી ગઈ હતી. પણ શું કરીએ?
વડોદરા આવીને મને એક વર્ષ થઈ ગયું. આ સમયમાં ન તો હું કોઈ હુન્નર શીખી શકી કે ન તો મારાં લગ્ન માટે કોઈએ, પ્રયત્ન કર્યો. તેવામાં બાઈજીમાસીની દીકરી આઠ વર્ષની બાળકીને મૂકી સ્વર્ગસ્થ થઈ. જમાઈ તેને બાઈજીમાસીને ત્યાં મુકી ગયા. બાઈજીમાસી માટે હવે હું એક અદશ્ય-અજ્ઞાત વ્યક્તિ બની ગઈ. ત્યાં કાઠિયાવાડમાં દમુને તેના જેઠ હદ ઉપરાંતનો ત્રાસ આપવા લાગ્યા. તેમની પછાત મનોવૃત્તિ તો ઠીક, પણ સ્વભાવ ઘણો વહેમી હતો. બારી પાસે ઊભા રહેવાની પણ આજ્ઞા દમુને ન હતી. તે વખતે મને લાગ્યું કે આવા લોકોના ઘરમાં મારાં લગ્ન ન થયાં તે સારું થયું. આવો ત્રાસ હું કદાપિ સહન કરી શકત નહિ.
મારા એન્જિનિયર મામા હવે વડોદરા રહેવા આવ્યા હતા. હું સાવ નાની હતી ત્યારે બા સાથે હું તેમની સાથે ખાનદેશ રહેવા ગઈ હતી. હવે બાની જગ્યા મેં સંભાળી અને રોજ સવારે વહેલાં ઊઠી, નિત્યકર્મ પતાવી મામીને મદદ કરવા હું તેમના ઘેર પહોંચી જતી. આખો દિવસ ત્યાં રહી રાતે દસ વાગ્યે સૂવા માટે માસીને ત્યાં પાછી જતી. રોજ રાતે મામી મને પહોંચાડવા મારી સાથે આવતાં. મામી એટલાં ભલાં હતાં કે તેમણે કદી મારી સાથે કોઈ જાતનો ભેદભાવ નહોતો રાખ્યો. જે પોતાનાં બાળકોને પીરસતાં, તે જ મને આપતાં. ફક્ત એક જ વાતની તેમને ચીડ હતી; કોઈ વાર સવારે તેમને ત્યાં પહોંચવામાં મોડું થાય ત્યારે જરા ગુસ્સો કરતાં, કારણ કે તેમના ઘરમાં પાંચછ બાળકો અને દસ-બાર મોટા માણસોનો જમેલો હતો. આ બધાંનું ભોજન રાંધવા ઉપરાંત બીજાં ઘણાં કામ મામીને એકલાંને કરવાં પડતાં. આ કારણથી મારે તેમને મદદ કરવા જવું પડતું. અગાઉ મામાની સ્થિતિ સારી હતી ત્યારે રસોઈ કરવા માટે મહારાજ હતા, પણ તેમણે સાબુનું કારખાનું કાઢ્યું તેમાં તેમને મોટી ખોટ આવી. અલકાપુરીમાં તેમનો મોટો બંગલો હતો તે વેચવો પડયો. તેમનો બીજો બંગલો હજી પણ દાંડિયાબજારમાં છે.
બાઈજીમાસીને ત્યાં હવે તેમની પૌત્રી ઉપરાંત જમાઈની અગાઉની પત્નીનાં બે બાળકો – એક દીકરો અને દીકરી પણ રાખ્યાં હતાં. મજાની વાત તો એ હતી કે મારાં સગાં માસી અમારાથી છાનું રાખી ચોરીછૂપીથી પોતાની સગી પોત્રીને સારું સારું ખવડાવતાં! મને બધી ખબર પડતી હતી છતાં મેં તેની કદી પરવા કરી નહિ. તેમનું સંકુચિત માનસ ત્યારે વ્યક્ત થતું હતું જ્યારે તેઓ મારી હાજરીમાં છાશ પણ વલોવતાં નહિ, કારણ કે તેમાંથી માખણ નીકળે તો તે અમે જોઈ જઈએ! મારા બાપુજીના રાજ્યમાં તો નહિ, પણ મારા પરમ પૂજ્ય બાબાને ઘેર અમે બધાંએ. દૂધ, ઘી, મેવા-મીઠાઈ અને ફળફળાદિ ધરાઈને ખાધાં હતાં, તેથી મને તેનો અભરખો જરાયે નહોતો કે નહોતું. મને બાઈજીમાસીના આવા વર્તનનું માઠું લાગ્યું.
ધીરે ધીરે તેમની આ જાતની વૃત્તિ હદ બહાર ગઈ હતી. ચૈત્ર મહિનામાં હળદી-કંકુના આમંત્રણ આવે ત્યારે બધી સ્ત્રીઓ સારી સારી સાડી પહેરીને જતી. મને પણ આમંત્રણ આવતું ત્યારે મને મારાં મામી સુંદર સાડી કાઢી આપતાં. મારી જરૂરિયાતનાં કપડાં પણ મામી જ સિવડાવી આપતાં. માસીએ કદી એક સાડી પણ લઈ આપી નહિ. તેમની કંજૂસાઈની વાતનો અંત જ ન હતો! આમ જોવા જઈએ તો તેમને એક પૌત્રી સિવાય વારસમાં બીજું કોઈ ન હતું. તેના સિવાય માસીના નજીકના સગામાં કેવળ હું અને દમુ હતાં. ઘરની માલિકી નાનીની હતી, પણ તેમનું બાઈજીમાસી સામે કશું ચાલતું નહિ. નાની પણ તેમનાં આશ્રિત જેવાં જ હતાં.
આમ ને આમ મને વડોદરા આવીને બે-ત્રણ વર્ષ થઈ ગયાં. દિવસ વીતતા હતા. એક દિવસ ખબર આવ્યા કે દમુ ગર્ભવતી છે! આ તેનું પ્રથમ બાળક હોવાથી તેણે ડિલિવરી માટે પિયર જવું જોઈએ. દમુનાં ભાગ્ય ખૂલી ગયાં, કારણ કે બાઈજીમાસીએ. તેને ડિલિવરી માટે વડોદરા બોલાવી. દમુ આવી તો ખરી, પણ તેને બાઈજીમાસીનું વલણ અને સંકુચિત વૃત્તિ ક્યાંથી ગમે? એ તો થોડા દિવસ પણ ન રોકાઈ અને ભાવનગર પાછી જતી રહી.
મારા ભાગ્યનો ઉદય હજી થયો ન હતો. બધાંનાં મહેણાંટોણાં ખાઈને દિવસ વ્યતીત કરતી હતી. હું ઈશ્વરને રોજ પ્રાર્થના કરતી કે હે પરમેશ્વર, મને મારી બા પાસે લઈ જા પણ ભગવાને મારી આર્જવભરી પ્રાર્થના સાંભળી નહિ.
પૂરા સમયે દમુને દીકરી આવી, પણ દમુની હાલત ગંભીર હતી. મારો જીવ અધ્ધર થઈ ગયો. મારા બનેવીએ મને દમુને મળવા બોલાવી પણ માસીએ મને મોકલી નહિ. “આટલે દૂર જુવાન છોકરીને એકલી ક્યાં મોકલું?’ કહી વાત ટાળી નાખી. સદ્ભાગ્યે બે દિવસ પછી ભાવનગરથી તાર આવ્યો કે દમુની તબિયત સુધારા પર છે અને મારે ત્યાં જવાની જરૂર નથી. આ સાંભળી મારા જીવમાં જીવ આવ્યો. દમુ અને તેની દીકરીના સમાચાર આવતા ગયા, અને જ્યારે તેની દીકરી આઠેક મહિનાની થઈ ત્યારે મારી ચિંતા દૂર થઈ.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ભૃણ હત્યા | તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
ભૃણ હત્યા
– એષા દાદાવાળા
મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનોયે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?તમારું પણ કેવું પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દીકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાંય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને ?તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
– કાજલ ઓઝા
તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
બીજાની આંખોમાં તરવાનું છોડ.વાયદાનાં ફૂલોની મોસમ તો વીતી ગઈ
વગડે વગડે હવે ફરવાનું છોડ.તારી આંખોમાં ભલે ખાલીપો ઝૂરતો
બીજાની રાતોને ભરવાનું છોડ.તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ.પગલાંની છાપ હવે ક્યાંય નથી પડવાની
છોડ બધું, નીકળી જા… ડરવાનું છોડ.એની સુગંધે ક્યાં લગી જીવીશ તું ?
એક એક શ્વાસ માટે મરવાનું છોડ.તારી ભીતર આખો ઝાકળનો દેશ છે.
તડકાના ટુકડા સંઘરવાનું છોડ.તારી ભીનાશ એની સમજણની બહાર છે
રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
જાણી લે, ફૂલ નથી – ખરવાનું છોડ.બીજાથી જુદો, પણ એય નર્યો માણસ છે.
માગવા-તરફડવા-કરગરવાનું છોડ.કોણે કીધું કે તને કોઈ નથી ઝંખતુ – ચાહતું
એક પછી એક સાપ ડંખવાનું છોડ. -
ફિલ્મી ગઝલો – ૯૩. મુનશી દિલ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મુનશી દિલનું મૂળ નામ હતું અઝીઝ અહમદ. ગીતકાર ઉપરાંત એ લેખક અને નિર્દેશક પણ હતા. ભાગલા પછી એ પાકિસ્તાન જતા રહેલા. ત્યાં પણ કેટલીક ફિલ્મોનું લેખન અને નિર્દેશન કર્યું. અહીં ભારતમાં એમણે દો ભાઈ અને મુલાકાત એ બે ફિલ્મો નિર્દેશિત કરી. મહારાણા પ્રતાપ, વામિક અઝરા, લૈલા મજનુ ફિલ્મોના સંવાદ અને વાર્તા પણ એમણે લખી.
રાજ મહલ, લૈલા, નૂર મહલ, હોલીડે ઈન બોમ્બે ( ૧૯૪૧ ), શિકારી ( ૧૯૩૨ ) અને ઇકરાર જેવી ફિલ્મોમાં ચાલીસથી વધુ ગીત લખ્યા.
એમાં ગઝલ આ એક જ –
કુછ જાન ન થી પહચાન ન થી હમ ઉનસે મુહબ્બત કર બૈઠે
નાદાન જવાની કા સૌદા હમ દિલ કી બદૌલત કર બૈઠેઅબ ચૈન નહીં આરામ નહીં, હર બાત હૈ ઉનકી યાદ હમેં
આંખોં મેં તડપતે હૈં આંસુ, દો દિન મેં યે હાલત કર બૈઠેમુરઝા ગઈ હોટોં કી કલિયાં, હંસને કા ઝમાના બીત ગયા
આ જા મુજ પર મરને વાલે, અબ મિલને સે નફરત કર બૈઠે– ફિલ્મ : રાજ મહલ ૧૯૫૩
– આશા ભોંસલે
– ગોવિંદ રામ
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
આમંત્રણને લગતાં ગીતો – और कुछ देर ठहर और कुछ देर न जा
નિરંજન મહેતા
આ શીર્ષક હેઠળ કેટલાક ગીતો તાં. ૦૮.૦૨.૨૦૨૫નાં લેખમાં સમાવ્યા હતાં. આ લેખમાં ત્યાર પછીના થોડા વધુ ગીતોનો સમાવેશ કરાયો છે.
૧૯૬૫ની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ગીત એક સમારંભમાં ગવાતું ગીત છે
ओ मेरे प्यार आजा बनके बहार आजा
दिल में है तीर तेरा पाऊँ न चैन हायકલાકાર છે તનુજા. સાથે કલાકાર છે મેહમુદ. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. ગાયિકા છે લતાજી.
૧૯૬૭ ફિલ્મ ‘રાઝ’નું ગીત એક વિરહ ગીત છે.
अकेले हैं चले आओ जहाँ हो
कहाँ आवाज़ दें तुमको कहाँ हो
अकेले हैं चले आओરાજેશ ખન્ના પર રચિત આ ગીતના શબ્દો છે શમીમ જયપુરીના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાનાર કલાકાર રફીસાહેબ. ગીત બબીતાની યાદમાં ગવાયું છે.
આજ ગીત બીજીવાર આવે છે જે બબીતા પર રચાયું છે. ગીતના શબ્દો છે શમીમ જયપુરીના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાનાર કલાકાર લતાજી. ગીતની શરૂઆત ઉપરના શબ્દોથી થાય છે પણ પછી આ ગીતના શબ્દો આગલા ગીતથી જુદા છે
૧૯૬૭ની ફિલ્મ ‘બહારો કે સપને’નું આ ગીત ઉદાસ બેઠેલા રાજેશ ખન્નાને સંબોધાયું છે.
आ जा पिया तोहे प्यार दूँ
गोरी बइयां तोपे वार दूँ
किस लिये तू इतना उदास
सूखे सूखे होंठ अँखियों मे प्यास
किस लिये किस लिये होઆશા પારેખ પર રચાયેલ આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. ગાયિકા લતાજી.
૧૯૬૭ની ફિલ્મ ‘આખરી ખત’નું આ ગીત ચાલી જતી ઇન્દ્રાણી મુકરજીને સંબોધીને રાજેશ ખન્ના ગાય છે
और कुछ देर ठहर
रात बाक़ी है अभी रात में रस बाक़ी है
पाके तुझको तुझे पाने की हवस बाक़ी है
और कुछ देर ठहर और कुछ देर न जाકૈફી આઝમીના શબ્દો અને ખય્યામનું સંગીત. ગાયક રફીસાહેબ.
૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલથીફ’નું આ ગીત દેવઆનંદ પાછળ પાગલ તનુજા તેને આમંત્રણ આપે છે કે તું આવ અને જે કરવું હોય તે કર.
रात अकेली है, बुझ गए दिये
आके मेरे पास, कानों में मेरे
जो भी चाहे कहिये, जो भी चाहे कहियेગીતકાર મજરૂહ સુલતાનપુરી જેનાં શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયિકા આશા ભોસલે.
૧૯૬૮ની ફિલ્મ ‘નીલકમલ’ નું ગીત એક પ્રેમી પોતાની પ્રેયસીને યાદ કરીને આવવાનું કહે છે.
आ जा आ जा आ जा
तुझको पुकारे मेरा प्यार
आजा मैं तो मिटा हूँ तेरी चाह मेंરાજકુમાર આ ગીત વહીદા રેહમાનને સંબોધીને ગાય છે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૮ની ફિલ્મ ‘તીસરી મંઝીલ’નું આ ગીત એક હોટેલમાં ગવાયું છે જે શમ્મીકપૂર આશા પારેખને ઉદ્દેશીને ગાય છે.
आ जा आ जा मैं हूँ प्यार तेरा
अल्लाह अल्लाह इन्कार तेरा ओગીતકાર છે મજરૂહ સુલતાનપુરી. સંગીતકાર છે આર. ડી. બર્મન અને ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.
૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નું આ ગીત એક જુદા જ પ્રકારનું ગીત છે જેમાં ટ્રેનમાં મુસાફરી કરતી શર્મિલા ટાગોરને બાજુના રસ્તેથી જીપમાં જતા રાજેશ ખન્ના સંબોધીને ગાય છે.
मेरे सपनों की रानी कब आयेगी तू
आई रुत मस्तानी कब आयेगी तू
बीती जाये ज़िंदगनी कब आयेगी तू
चली आ आ तू चली आઆનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને ગાયક છે કિશોરકુમાર.
૧૯૬૯ની ફિલ્મ ‘મહલ’નું ગીત એક કેબ્રે ડાન્સર દ્વારા આમંત્રણ અપાતું ગીત છે.
आईये आपका इंतज़ार था
देर लगी आने में तुमको
शुक्र्र हैं फिर भी आये तोह
आस ने दिल का साथ न छोड़ाડાન્સર છે ફરીદા જલાલ જે દેવઆનંદને ઉદ્દેશીને ગાય છે. આનંદ બક્ષીના શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. આશા ભોસલેના સ્વર સાથે દેવઆનંદનો સ્વર પણ મુકાયો છે.
૧૯૭૧ની ફિલ્મ ‘બલિદાન’નું ગીત છે
चले आओ दिल में बचा के नज़र
आहिस्ता आहिस्ता आहिस्ता
ज़माने को होने न पाए खबर
आहिस्ता आहिस्ता आहिस्ताદેવકુમારને આમંત્રણ આપનાર કલાકારનું નામ નથી દર્શાવાયું પણ ગીતના ગીતકાર છે વર્મા મલિક અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયિકા લતાજી.
હજી થોડા ગીતો બાકી હોય તે હવે પછીના લેખમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
પરિવર્તન – દીર્ઘદર્શનથી થતી શરૂઆતનું અમલીકરણનાં રૂપાંતરણમાં અંત
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
મોટા પાયે પરિવર્તન કરવાની પહેલ માટે અગ્રણીઓ ખાસ્સાં ઊંચાં સ્તરનું દીર્ઘદૃષ્ટિ ચિત્ર રજુ કરે છે અને પછી ટીમને તેમાં સાંકળી લેવા માટે વ્યૂહરચના બનાવે છે. કેટલીક વાર, ટીમ આ ભવ્ય દ્રષ્ટિકોણથી એટલી વધુ પડતી ઉત્સાહિત થઈ જઈ અને અટવાઈ જાય છે કે તે ભવ્ય દ્રષ્ટિકોણની નજીક લઈ જાય એવી વ્યૂહરચના અથવા કાર્ય યોજના જ સ્પષ્ટ નથી કરી શકાતી. પરિણામે પરિવર્તન માટે આયોજન કરવું મુશ્કેલ બની રહે છે. દીર્ઘદર્શન ચિત્રનું ફલક વિશાળ હોય છે,પણ તેને અમલમાં મુકવા માટેની પ્રક્રિયાઓ અને પગલાંઓ બહુ ચોક્કસ હોવાં જરૂરી છે. અમલીકરણના સમગ્ર સમયગાળા દરમિયાન ટીમ પ્રેરિત રહે તે જરૂરી બની રહે છે. એ માટે બધી સંભવિત અનિશ્ચિતતાઓ સાથે કામ પાર પાડવા દરેકની તૈયારી હોવી જોઈએ..
વ્યક્તિગત અનુભવના આધારે, અહીં કેટલીક વ્યાપક વ્યૂહરચનાઓ રજુ કરી છે જે પરિવર્તનનાં આયોજન અને અમલ કરતી વખતે મદદરૂપ બની રહી શકે છે:૧. ‘આયોજન – ચક્ર‘ ટૂંકા રાખવાં: પ્રવૃત્તિઓની લાંબી સૂચિ સાથે તૈયાર એક દિશામં કરાયેલું આયોજનની અસફળતાની લગભગ નિશ્ચિત બની રહે છે. લાંબાં લાંબાં ‘આયોજન -ચક્ર’ ટીમને બહુ બધી વિગતોમાં ગુંચવી પાડી શકે છે અને બધાને એક સાથે સંકળાયેલાં રાખવામાં અડચણ બની રહે છે. નથી. આયોજન – અમલ –પ્રતિસાદ – સમીક્ષા ચક્ર નાના ભાગોમાં વહેંચી નાખવાથી અમલનું કામ ઝડપથી ચાલી શકે છે. ટુંકં ચક્રોમાં એકઠી થતી માહિતી સામગ્રીનાં વિશ્લેષણ પછીના તબક્કઓનાં આયોજનમાં મદદ કરી શકે છે.
૨. આયોજન સરળ રાખવું: પરિવર્તનની દરેક પહેલને અનેક અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડતો હોય છે જે ક્યારેક બધું અવ્યવસ્થિત કરી મુકી શકે છે. બહુ ઝીણી ઝીણી વિગતોનું આયોજન કરવાથી આ અનિશ્ચિતતાઓ અમલીકરણને પાટા પરથી ખેરવી નાખે. પરિવર્તન માટે આયોજન સરળ હોવું જોઈએ તેમાં એટલાં મુખ્ય લક્ષ્યો અને મહત્ત્વની પ્રવૃત્તિઓ આવરી લેવાવાં જોઈએ જે ટીમને અનિશ્ચિત પરિસ્થિતિઓનું સંચાલન કરવામાં મોકળાશ પુરી પાડે.
૩. ટીમને આયોજનમાં સામેલ કરો: સરળ છતાં ખૂબ જ અસરકારક વ્યૂહરચના, જે ટીમને પરિયોજનાના સ્વીકારને સુનિશ્ચિત કરવામાં અને આયોજનના અમલ માટે સર્વગ્રાહી દિશાનિર્દેશ તૈયાર કરવામાં મદદરૂપ બને છે.
૪. આયોજન વહેલેથી કરો અને નિયમિત સમયે સમીક્ષા કરતાં રહો: લાંબા ગાળાના પરિવર્તનની પહેલમાં, સતત આયોજન/ફરી ફરી આયોજન મહત્વપૂર્ણ છે. સીમાચિહ્નો ખસેડવા પડે છે અને પ્રવૃત્તિઓને ફરીથી પ્રાથમિકતા આપવી પડે છે. દરેક તબક્કાના અંતે યોજનાની સમીક્ષા કરો અને ટીમના ધ્યાનનાં લક્ષ્યને પણ એ દિશા તરફ ફેરવો.
૫. માહિતી આદાનપ્રદાન સ્પષ્ટ રાખો: જ્યારે યોજનાઓ બદલાય, ત્યારે માહિતી આદાનપ્રદાનની સાંકળો અને કડીઓ સ્પષ્ટ રાખવી મહત્વપૂર્ણ છે. સંબંધિત ટીમો અને હિતધારકોને આ ફેરેફારોનાં કારણ, અસરો અને જોખમો જાણવાની જરૂર છે.
એ તો અનુભવસિદ્ધ છે કે મોટા પાયે થતા કે વ્યૂહાત્મક ફેરફારોને લાગુ કરવા એ જંગલમાંથી ચાલવા જેવું છે. તમે જાણો છો કે તમે ક્યાં જવા માંગો છો, પરંતુ ત્યાં પહોંચવાનો માર્ગ/નકશો સ્પષ્ટ નથી. આ વાત, નવી કારકિર્દી તરફ વળવું, વ્યવસાય શરૂ કરવો વગેરે જેવાં નોંધપાત્ર વ્યક્તિગત પરિવર્તન માટે પણ એટલી સાચી છે.
મહત્વપૂર્ણ બાબત : તમારે તમારી યોજના પર સતત ધ્યાન રાખતાં રહેવાની, સમીક્ષાઓમાંથી મળતા પદાર્થપાઠોમાંથી શીખતા રહેવાની અને તે જ મુજબ આયોજન અને અમલને ફરીથી ગોઠવતા રહેવાની જરૂર છે.
મજાની વાત : શ્રેષ્ઠ માર્ગ શોધવાની શોધ અને જો એ શોધ યોગ્ય રીતે કરવામાં આવે, તો મંઝિલે પહોંચવાના આનંદની મજા જ જુદી છે !
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ટુથપેસ્ટની (સાચી) વાત – અને તેનો પદાર્થપાઠ
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
હમણાં એક વાર મારી ટુથપેસ્ટે નવી રીતે બહાર આવવાનું નક્કી કર્યું.
એ આડી ફાટી. તેનાં કાયમનાં મોઢીયાંમાંથી બહાર આવવાને બદલે હવે તે બાજુમાંથી બહાર આવતી હતી!

ટૂથપેસ્ટની ટ્યુબ હમેશ તમે ઇચ્છો એમ વર્તતી નથી.આપણા વ્યવસાયની જેમ.
આખી વાતની ખૂબીની મજા જ અહીં છે: બ્રશ તો તેમ છતાં કરી જ શકાય છે …જેમ ખાસ ધ્યાન આપતાં હોઇએ તો આપણો વ્યવસાય અવળા સંજોગોમાં પણ ચલાવી શકાય તેમ જ …
યાદ રહે:
- જો ધ્યાન ધ્યેય પર કેન્દ્રિત હોય તો, કાર્યપદ્ધતિઓ મહત્ત્વની નથી બની રહેતી.
- કાર્યપદ્ધતિઓ જો આદત બની જાય તો ધ્યેય ધૂંધળું પડી જઈ શકે છે.
- ધ્યેય પર જો ‘સભાન નજર’ રાખી હોય અને કાર્યપદ્ધતિઓમાં પરિવર્તનક્ષમ અનુકૂલન રાખ્યું હોય તો, નવોત્થાનની તકોની બારીઓ ખુલ્લી જ રહેતી હોય છે.
નવોત્થાન ચિક્કટ (કે પછી ‘ચોટડૂક (!)’ નીવડી શકે …. કે પછી જીવનનો ધબકાર બની શકે …
પસંદ તમારી છે.
પાદ નોંધ:
નવીનીકરણ કરતી વખતે કાર્યપદ્ધતિઓ ગમે તે હોય એ મહત્ત્વનું નથી. પરંતુ એક વાર નવીનીકરણ કરી લીધા પછી કાર્યપદ્ધતિઓ બહુ મહત્ત્વની બની જાય છે. શૂન્યથી એક અને એકથી અનેક બે અલગ જ દુનિયા છે. એ બંનેની કામ કરવાની રીતભાત સમજવી જરૂરી છે! ✌
પાદ પાદ નોંધ: જીવનમાં તમારી કારકિર્દીનું પણ તમારા વ્યવસાય જેવું જ છે!
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સસ્તી અને ઝડપી ફેશન પાછળની દોટ પર્યાવરણ માટે મોંઘી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
છેલ્લા ઘણા વખતથી ‘ફાસ્ટ ફેશન’ શબ્દ ચલણમાં આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘સસ્તામાં તૈયાર થયેલાં અને એવા જ દરે વેચાતાં વસ્ત્રો, જે અદ્યતન શૈલીનાં વસ્ત્રોની નકલ જેવાં હોય છે અને પ્રવર્તમાન પ્રવાહ સાથે તાલ મિલાવવા માટે તે દુકાનોમાં ઝડપભેર અને જથ્થાબંધ ઠાલવવામાં આવે છે. નામ મુજબ તેમાં ડિઝાઈન, ઉત્પાદન, વિતરણ અને વેચાણ- બધું જ ઝડપી હોય છે. આશય એ કે છૂટક વ્યાપારીઓ વધુ પ્રમાણમાં વૈવિધ્યવાળાં વસ્ત્રો મોટા જથ્થામાં ખરીદે અને ગ્રાહકો સસ્તી કિંમતે વધુ ફેશનેબલ તેમજ વૈવિધ્યયુક્ત વસ્ત્રો ખરીદી શકે. ‘ફાસ્ટ ફેશન’ શબ્દ ૧૯૯૦ના દાયકામાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ‘ઝારા’ નામની બ્રાન્ડના આરંભ ટાણે ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ અખબાર દ્વારા ચલણી બનાવાયો હતો. ડિઝાઈનના તબક્કાથી સ્ટોર સુધી ફક્ત પંદર દિવસમાં વસ્ત્રને પહોંચાડવાના ‘ઝારા’ના મિશન માટે આ શબ્દ વપરાયો હતો. આજે વિશ્વભરમાં ‘ઝારા’, ‘ફોરએવર 21’, ‘એચ એન્ડ એમ’, ‘યુનિક્લો’ જેવી બ્રાન્ડ ‘ફાસ્ટ ફેશન’ ક્ષેત્રે અગ્રણી ગણાય છે, જે ભારતમાં પણ કાર્યરત છે. ભારતમાં ‘ઝુડિઓ’ સહિત અનેક બ્રાન્ડ ઝડપભેર લોકપ્રિય બની રહી છે.
હકીકત એવી છે કે ખિસ્સાને પરવડતી આ શૈલી પર્યાવરણ માટે ભારે હાનિકારક છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મોટા પ્રદૂષકોમાં આ ઉદ્યોગ ત્રીજા ક્રમે સ્થાન પામે છે. જળ પ્રદૂષણથી લઈને કાપડનો કચરો, ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન જેવી તેની વિવિધ અસરો છે. પ્રતિ વર્ષ તે ૧૪,૧૦૦ કરોડ ઘન મીટર પાણીનો વપરાશ કરે છે અને વૈશ્વિક કાર્બન ફૂટપ્રિન્ટમાં દસ ટકા હિસ્સો તેનો હોય છે. સ્વાભાવિક છે કે આ કારણે આ ઉદ્યોગ વિશેષ ચિંતાનું કારણ બન્યો હોય!
ડિસેમ્બર, ૨૦૨૩માં દુબઈમાં ભરાયેલી ૨૮ મી યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઑફ ધ પાર્ટિઝ એટલે કે ‘સી.ઓ.પી.૨૮’માં પહેલવહેલી વખત આ ઉદ્યોગમાં વપરાશમાં લેવાતા અશ્મિજન્ય ઈંધણના ઊપયોગને દૂર કરવા વિશે વાત થઈ. આ સભાના આરંભે ‘સસ્ટેનેબલ’ (ટકાઉ) ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ટેલા મેકાર્ટની તેમજ આ ક્ષેત્રના અન્ય ફેશન અગ્રણીઓને આ ઉદ્યોગનાં આગામી પેઢીના ઊકેલ દર્શાવવા માટે નિમંત્રવામાં આવ્યાં.
સામાન્ય છાપ એવી હોય છે કે પ્રદૂષણ ફેલાવવા માટે રાસાયણિક કંપનીઓ જવાબદાર હોય છે. કપડાં જેવી ‘નિર્દોષ’ ચીજ બનાવવામાં શું પ્રદૂષણ થાય? આ ગેરમાન્યતા દૂર કરવા માટે કેટલાંક તથ્યો જાણવા જેવાં છે.
ફેશનઉદ્યોગ હવાઈ અને દરિયાઈ મુસાફરી કરતાં વધુ પ્રમાણમાં વાયુઓનું ઉત્સર્જન કરે છે. થોડા ઊપયોગ પછી ઝડપી નિકાલ થવાને કારણે આમાં રિસાયકલીંગ શક્ય બનતું નથી. આને કારણે પચાસેક હજાર કરોડ ડોલરની કિંમતનો જંગી કચરો પેદા થાય છે. આમ તો, આના માટે ગ્રાહકો જવાબદાર હોય છે, પણ દુકાનદારો સુદ્ધાં ન વેચાયેલાં કપડાંને ફેંકી કે બાળી નાખે છે. કપડાં થકી માઈક્રોપ્લાસ્ટિકનો મોટો જથ્થો પેદા થાય છે, કેમ કે, તે હવે નાયલોન કે પોલિએસ્ટરનાં બને છે, જે ટકાઉ પણ છે અને સસ્તાં પણ. પ્રત્યેક વાર તેને ધોતાં અને સૂકવતાં અસંખ્ય સૂક્ષ્મ તાંતણાં તેમાંથી છૂટા પડે છે, જે છેવટે જળમાર્ગમાં જઈને ભળે છે. અંદાજ મુજબ પાંચેક લાખ ટન તાંતણાં પ્રતિ વર્ષ સમુદ્રમાં પહોંચે છે.
બીજી અનેક આવી વિગતો છે, જે સરવાળે ફાસ્ટ ફેશનની વિરુદ્ધમાં જાય છે. આનો કોઈ ઊપાય ખરો? વ્યક્તિગત સ્તરે આનો ઊપાય કરી શકાય ખરો, પણ એકલદોકલ જણ કરે તો એનો ખાસ અર્થ સરતો નથી. કેમ કે, હવે સમગ્રતયા નાણાં બેફામપણે ખર્ચવાનું પ્રમાણ એ હદે વધ્યું છે કે તેને નિયંત્રણમાં લાવવું લગભગ અશક્ય જણાય છે. એટલે વ્યક્તિગત સ્તરે પ્રયત્ન ઊપરાંત નીતિગત સ્તરે એ ઊપાય અમલી બને એ જરૂરી છે. જે વિપુલ પ્રમાણમાં ઊર્જાનો વપરાશ આ ઉદ્યોગમાં થાય છે એ જોતાં તેમાં પુન:પ્રાપ્ય ઊર્જાનો ઊપયોગ વધતો જાય એ ઈચ્છનીય છે, કેમ કે, ઊર્જાનું આ સ્વરૂપ સ્વચ્છ છે. ઊર્જાનો કરકસરયુક્ત ઊપયોગ કરે એવાં યંત્રોનો ઊપયોગ વધે એ જરૂરી છે. ઊર્જાનો વપરાશ ઘટાડે, ઉત્સર્જન ઘટાડે અને ઊત્પાદકતા તેમજ ગુણવત્તાને વધારે એવાં યંત્રોના ઊપયોગને પ્રોત્સાહન મળે એવી નીતિ આવશ્યક છે. આના માટે સૌર ઊર્જાનો વિકલ્પ સૌથી સક્ષમ ગણાય છે. એ જ રીતે પવન ઊર્જા પણ ગણાવી શકાય.
આ વિગતો પરથી ખ્યાલ આવશે કે આપણે જેને ‘ફેશનેબલ’ અને ‘ખિસ્સાને પરવડે એવું’ ગણીને ખરીદી લઈએ છીએ એ હકીકતમાં પર્યાવરણ પર કેટલી વિપરીત અસર કરે છે. ઉદ્યોગગૃહોની નજર નફા પર હોય એ સમજાય એવું છે, પણ તેની પાછળની દોટ પર્યાવરણને કેટલી નુકસાનકારક બની રહે છે એ કદાચ જાણવા છતાં તેઓ એને અપનાવી શકતા નથી. પર્યાવરણ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનો ભરાય અને તેમાં ઉચ્ચસ્તરીય ચર્ચાઓ ભલે થતી રહે, સ્થાનિક સ્તરે એ માટેનાં પગલાં લેવાય એવી સંભાવના ઓછી લાગે છે. અર્થતંત્રને ઊંચે લઈ જાય એવી નીતિઓ સામે પર્યાવરણ માટે ખતરારૂપ હોય એવી નીતિઓ ખાસ કારગર નીવડી શકતી નથી. કદાચ તે બનાવવામાં આવે તો પણ છેવટે એ કાગળ પર રહે એમ બનતું હોય છે.
એટલે ઉત્પાદકના સ્તરે તેમજ ઉપભોક્તાના સ્તરે એમ બન્ને તરફી પગલાં લેવાય તો આ સમસ્યાનો ઊકેલ આવી શકે. ત્યાં સુધી પર્યાવરણને જે નુકસાન થવાનું હશે એ થઈ ગયું હશે એ ચોક્કસ.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭-૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સંબંધોની ગરિમા
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
સંબંધોની દુનિયા કેટલી નિરાળી છે નહી? મન મેળ હોય ત્યારે મહિનાઓ સુધી મળવાનું ન થાય તો ય કોઈ ફરિયાદો નથી હોતી પણ મળીને જો મનદુઃખ થાય તો કાચની જેમ તિરાડ પડતા પણ વાર નથી લાગતી અને પછી તો મન-મોતી અને કાચ તૂટ્યા પછી એ ક્યાં સંધાય છે અને માટે જ આપણે એની નાજુકતા પારખીને એનું જતન કરીએ છીએ ને?
અહીં વાત કરવી છે બે મિત્રોની. બંને વચ્ચે અત્યંત ગાઢી મૈત્રી. દોસ્તીની મિસાલ આપી શકાય એવી. બંનેની પ્રકૃતિ પણ લગભગ એક સમાન. હવે એકવાર એવું બન્યું કે બંને જણ પ્રવાસાર્થે નિકળ્યા. વચ્ચે રસ્તામાં રેતાળ વિસ્તારમાંથી પસાર થતા હતા. કોઈપણ કારણસર બંને ચર્ચા પર ઉતરી પડ્યા. આવું તો ઘણી વાર એમની સાથે બન્યું હતું એટલે એમાં કોઈ નવાઈની વાત પણ નહોતી. બંને વચ્ચે વાદ હતો, સંવાદ હતો પણ ક્યારેય વિવાદ નહોતો. પણ ક્યારેય નહોતું બન્યું એવું એ દિવસે બન્યું. ચર્ચામાંથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્રના ગાલ પર તમાચો માર્યો.
બીજા મિત્રએ જરાય અકળાયા વગર રેતી પર લખી દીધું, “ આજે મને મારા સૌથી જીગરી મિત્રએ તમાચો માર્યો.”
અને બંને મિત્ર આગળ ચાલ્યા. થોડીવારના મૌન પછી બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું અને વાત પતી ગઈ. આગળ જતા નદી આવી. નદી પાર કરવા જતા બીજા મિત્રનો પગ પાણીમાં લપસ્યો અને એ પાણીના વહેણમાં તણાવા લાગ્યો. પહેલા મિત્ર કે જેણે ઉશ્કેરાઈને તમાચો મારી દીધો હતો એણે પોતાના જીવની પરવા કર્યા વગર વહેણમાં તણાતા મિત્રને બચાવી લીધો.
કિનારે આવીને થોડીવાર શ્વાસ હેઠો બેસતા પેલા બીજા મિત્રએ એક શિલા પર અણીદાર પત્થરથી કોતર્યું, “ આજે મારા સૌથી જીગરી મિત્રએ મારો જીવ બચાવ્યો.
આ જોઈને પહેલા મિત્રને નવાઈ લાગી. એને થયું કે પહેલા રેતી પર લખ્યું અને હવે શિલા પર કોતર્યુ કારણ?
બીજા મિત્રને કારણ પૂછતાં એણે જવાબમાં શું કહ્યું એ આપણે એના જ શબ્દોમાં જાણીએ.
“ તેં મને તમાચો માર્યો ત્યારે મને ખરેખર ખૂબ દુઃખ થયુ હતું. તું મારી સાથે આવો વ્યહવાર કરે એ મારા માન્યમાં આવતું નહોતું. આઘાત પણ ઘણો લાગ્યો જ હતો . મારે મારા આઘાતને, મારા ઉભરાને ઠલવી દેવો હતો જેથી મારું મન હળવું થઈ જાય આથી મેં મારા દુઃખને રેતી પર લખીને વ્યક્ત કર્યું. રેતી પરનું લખાણ પવનના સપાટાની સાથે ઉડી જાય છે ને? એની પરનું લખાણ ભૂંસાઈ જાય છે ને? એવી રીતે સમયના સપાટાની સાથે મારું દુઃખ પણ ઉડી જાય અને મનમાંથી ભૂંસાઈ જાય એવું હું ઇચ્છતો હતો. જ્યારે તેં મારો જીવ બચાવ્યો ત્યારે એ ઉપકાર મારે હંમેશ માટે યાદ રાખવો હતો. કોઈ આપણી પર ઉપકાર કરે એ પત્થરની લકીરની જેમ આપણા હ્રદયમાં કાયમી અંકિત થયેલું રહેવું જોઈએ, હંમેશ માટે મનમાં જડાઇ રહેવું જોઈએ ને ? આથી મેં એને શિલા પર કોતરી દીધું.
કેવી સરસ વાત! સંબંધોના વ્યહવારો પણ રેતી અને પત્થર પરના લખાણની જેવા જ હોવા જોઈએ. તકલીફ કે દુઃખની વાત મનમાંથી જેટલી જલદી વિસરી જઈએ એટલું આપણા માટે અને આપણા સંબંધોની સાચવણી માટે જરૂરી છે. પ્રસિધ્ધ અમેરિકન મોટિવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સ કહે છે એમ આપણા જીવનની ગુણવત્તા એ ખરેખર તો આપણા સંબંધોની ગુણવત્તા કેવી છે એના પર આધાર રાખે છે .
સીધી વાત- સંબંધોની ગુણવત્તા, સંબંધોની ગરિમાનો આધાર આપણા પર છે. એ ગુણવત્તા- એ ગરિમા સાચવવા શું યાદ રાખવું અને શું વિસારે પાડવું એ આપણે નક્કી કરવાનું છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
