વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ઇશ્વરના ઇ મેઇલ..૧૩

    મારી ભીતર ચંદનનો લેપ..

    નીલમ  હરીશ દોશી

    ये रास्ते ले ही जाएंगे….मंजिल तक, तू हौसला  रख, 
    कभी सुना है कि अंधेरे ने 
    सुबह ना होने दी हो..?

     

    પ્રિય દોસ્ત,

    દોસ્ત, આજે ફરી એકવાર  તારા કાર્યથી મારી ભીતરમાં જાણે ચંદનનો લેપ થઇ ગયો. ને મને કેવી યે ટાઢક મળી. આજે તું  કોઇ ઇન્ટરવ્યુ આપવા જતો હતો. ખૂબ ઉતાવળમાં હતો.ત્યાં રસ્તામાં કોઇ અકસ્માત થયેલો તેં જોયો. અને તેં જોયું કે કોઇ યુવક ઘવાઇને લોહીલુહાણ હાલતમાં ત્યાં પડયો હતો. ખાસ્સું ટોળું તો જમ અથયેલું પણ યુવકને હોસ્પીટલે પહોંચાડવાવાળું કોઇ નહોતું. કયાંક પોલીસના લફરામાં ફસાઇએ તો ? કે કોઇ પાસે સમયનો અભાવ હતો. કોઇ નિર્લેપ બનીને ખસી જતું હતું.તો કોઇ  બૂમો પાડતા હતા.પણ આગળ આવીને કોઇ જવાબદારી નહોતા લેતા.

    તેં એ બધું જોયું અને તારા ઇન્ટરવ્યુનો વિચાર કર્યા સિવાય તે યુવકને હોસ્પીટલે પહોંચાડયો. એ અજાણ્યા યુવકને તાત્કાલિક લોહી આપવું પડે તેમ હતું. તારું લોહી એને મેચ થતું હતુમ. તેં તુરત  તેં લોહી આપવાની સંમતિ દર્શાવી અને લોહી આપ્યું એ યુવકના માતા, પિતા પહોંચ્યા ત્યાં સુધી તું ખડે પગે એ અજાણ્યા યુવક સાથે રહ્યો. એ યુવકના માતા પિતાએ ભીની આંખે તારો આભાર માન્યો.

    હવે તને તારો ઇન્ટરવ્યુ યાદ આવ્યો અને તું દોડયો. જોકે તેં વિચાર્યું હતું કે હવે જવાનો કોઇ અર્થ નથી કેમકે ખાસ્સું લેઇટ થયું હતું છતાં તું ગયો તો ખરો જ. તારા દિલમાં કોઇનો જીવ બચાવ્યાનો સંતોષ છલકતો હતો. નોકરી ભલે જાય પણ એક સારું કામ થયું એથી તારા સાતે કોઠે જાણે દીવા પ્રગટયા હતા.

    અને તારા આશ્વર્ય વચ્ચે તેં ઇન્ટરવ્યુના સ્થળે પહોંચીને જોયું તો ઇન્ટરવ્યુ લેવા આવનાર સાહેબ કોઇ અગમ્ય કારણસર લેઇટ થયા હતા. તને હાશકારો થયો. નિસ્વાર્થભાવે અન્યની સંભાળ લેનારની કાળજી તો મારે રાખવી જ રહી ને ?  તારો ઇન્ટરવ્યુ સરસ ગયો. અને તને નોકરી પણ મળી ગઇ. તારી ભીતરની આસ્થા વધારે દ્રઢ બની જ હશે કે કરેલું સત્કર્મ કદી વ્યર્થ જતું નથી. દોસ્ત, તારા આ કાર્યથી હું ખુશ છું અને મારા આશીર્વાદ હમેશા તારી સાથે છે. બસ આ કેડીએ ચાલતો રહેજે અને અન્યને પણ પ્રેરણા બનતો રહેજે.

    દોસ્ત, જીવનમાં આવા નાના નાના સત્કાર્યોનું મૂલ્ય જરા યે ઓછું નથી. અન્ય કોઇ નોંધે કે ન નોંધે, હું આવા કાર્યોની નોંધ જરૂર રાખું છું એ શ્રધ્ધા રાખજે. આ જ તો મારી સાચી સેવા, પૂજા છે. મને આવી જ કોઇ પૂજાનો ખપ છે. ભકતના, સાધુ, સંતના કોઇ  લેબલ સિવાયના આવા માનવની મને ગરજ છે.તું બનીશને આવો મને ગમતો માનવ?

    લિ.તારો જ ભગવાન


    પ્રાર્થના એટલે ચૈતન્યની વસંત. ભાવ સમાધિમય પ્રસન્ન વાતાવરણ.

    જીવનનો હકાર

    જો આપણે આંતરિક રીતે ભરપૂર હશું તો આપણે જાણીતા છીએ  કે નહીં તેનું કોઇ મહત્વ  નહી રહે.

  • પીગળતી જતી હીમનદીનો રેલો ઘરઆંગણે આવી પહોંચશે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પર્યાવરણ બાબતે ચિંતા કરવાની પણ એક ફેશન બની રહી છે. એમ કરવાથી પોતાને સારું લાગે, અને એવું અનુભવાય કે આપણે પર્યાવરણ બાબતે સજાગ છીએ. ફેશન તો ફેશન, એ બહાનેય પર્યાવરણ બાબતે ચર્ચા થાય એ જરૂરી છે. કેમ કે, પર્યાવરણને થઈ રહેલું નુકસાન એટલું આગળ વધી ગયું છે કે એમાંથી કયું ક્ષેત્ર બાકી હશે એ સવાલ છે. માનવવસવાટ હોય એવાં સ્થળોએ તો નુકસાન છે જ, પણ માનવવસવાટ ન હોય એવાં સ્થળોએ પણ પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.

    એ બાબતથી હવે ભાગ્યે જ કોઈ અજાણ હશે કે વૈશ્વિક સ્તરે તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે સમુદ્રના પાણીનું સ્તર વધી રહ્યું છે, કેમ કે, ઠંડા પ્રદેશોમાં રહેલા ગ્લેશીઅર એટલે કે હીમનદીઓ પીગળી રહી છે. આમ છતાં, ગ્લેશીઅરના પીગળવાની ઝડપે નવેસરથી ચિંતા ઊભી કરી છે.

    ‘નેચર’ પત્રિકા દ્વારા કરાયેલા એક નવિનતમ અભ્યાસમાં જણાયું છે કે ઈ.સ.૨૦૦૦થી ૨૦૨૩ દરમિયાન ગ્લેશીઅરોએ દર વર્ષે ૨૭,૩૦૦ કરોડ ટન બરફ ગુમાવ્યો છે. આ સમયગાળામાં ગ્લેશીઅરોનો કુલ ૬,૫૪,૦૦ ટન જથ્થો પીગળ્યો છે, જેને પરિણામે વૈશ્વિક સ્તરે સમુદ્રતળ ૧૮ મિ.મી. ઊપર આવ્યું છે. એટલે કે ગ્લેશીઅર પીગળવાને કારણે પ્રતિ વર્ષ ૦.૭૫ મિ.મી. જેટલું જળસ્તર ઊંચું આવતું ગયું. વિશેષત: ૨૦૧૨ – ૨૦૨૩ના ઉત્તરાર્ધના સમયગાળા દરમિયાન બરફ પીગળવાનો દર પૂર્વાર્ધના એટલે કે ૨૦૦૦ – ૨૦૧૧ના સમયગાળા કરતાં ૩૬ ટકા વધુ હતો. યુનિવર્સિટી ઑફ ઝ્યુરીકના ગ્લેશીઅરનિષ્ણાત સેમ્યુઅલ નસબોમરના જણાવ્યા અનુસાર આ સદીની આખર સુધીમાં ગ્લેશીઅરનો જથ્થો ઘટતો જશે અને સંભવત: એનો દર વધશે.

    ગ્રીનલેન્‍ડ અને એન્‍ટાર્ક્ટિકાની હિમચાદરો કરતાં અલગ એવી હીમનદી એટલે કે ગ્લેશીઅર ઈ.સ.૨૦૦૦ આસપાસ આશરે ૭,૦૬,૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં વિશ્વભરમાં પ્રસરેલી હતી. તેના પીગળવાથી અનેક બાબતો અસરગ્રસ્ત થાય છે. સ્થાનિક ભૂસ્તરથી લઈને દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રાદેશિક જૈવપ્રણાલિઓ, પ્રાદેશિક જળસ્રોતો, વૈશ્વિક જળચક્ર તેમજ ઊર્જાચક્રોનો તેમાં સમાવેશ થાય છે.

    ઈન્‍ટરગવર્ન્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈ.પી.સી.સી.) દ્વારા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન અને ગ્લેશીઅરના પીગળવા સંબંધી ગરમી પેદા કરતી ગતિવિધિઓ બાબતે નક્કર અને તત્કાળ પગલાં લેવાની જે અપીલ કરેલી એનો અમલ હાથ ધરવાનો આ સમય છે.

    ગ્લેશીઅરના જથ્થાનો અંદાજ મેળવવા માટે સંશોધકોએ ક્ષેત્રીય તેમજ ઉપગ્રહ થકી વિવિધ અભ્યાસ હાથ ધરીને વિગતો એકઠી કરી હતી. ગ્લેશીઅરના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સૌ પ્રથમ વાર ૨૨ માર્ચના રોજ ‘વિશ્વ ગ્લેશીઅર દિવસ’ની ઉજવણીની ઘોષણા યુનેસ્કો દ્વારા કરવામાં આવી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આપણી આ વિશેષતા રહી છે કે પહેલાં એક ચીજને મરણતોલ હાલતમાં લાવી મૂકવાની અને પછી એનો કોઈ દિવસ નક્કી કરીને દર વરસે એની ઉજવણી કરવાની. સીધો અર્થ એ કરી શકાય કે જેના દિવસની ઉજવણી કરવામાં આવે એનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું સમજવું. એક સમય એવો હતો કે એવું મનાતું કે ગ્લેશીઅરો આદિથી અનંત સુધી શાશ્વત રહેશે. આવા, ‘શાશ્વત’ મનાતા ગ્લેશીઅરનું હવે અસ્તિત્વ જોખમાઈ ગયું છે. સામાન્ય રીતે, લોકોની નજરથી દૂર રહેનારા આ ગ્લેશીઅર માનવજીવન માટે અત્યંત લાભદાયી છે. એ સતત પીગળતા રહે તો સમુદ્રનું સ્તર ભયજનક રીતે વધતું રહે, અને તેના કાંઠે આવેલા વિસ્તારોને તે ડૂબાડી શકે. ગ્લેશીઅરની હવામાન પર અનેક અસરો છે. મોટા ભાગની નદીઓમાંની જળરાશિ તેને આભારી છે. તેમજ તાપમાનના નિયંત્રણ તથા સંતુલનમાં તેની મહત્ત્વની ભૂમિકા છે.

    આપણી વિવિધ ગતિવિધિઓને કારણે વૈશ્વિક તાપમાનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વક્રતા એ છે કે આ ગતિવિધિઓ થકી ખાસ કશું મેળવી લેવાનું નથી, સિવાય કે સમૃદ્ધ અને વિલાસી જીવનશૈલી. ઝડપ, ટેક્નોલોજી અને સંપર્કક્ષમતા એવાં પરિબળો છે કે જેની કોઈ ટોચમર્યાદા નથી. એ જેટલાં પણ હોય, ઓછાં જ લાગે અને હંમેશાં એ વધુ ને વધુ મેળવવાની લાલસા જાગે. આને કારણે અનેક નૈસર્ગિક  સંસાધનોનો સોથ વળી ગયો છે, અને હવે એની ઝડપ ધાર્યા કરતાં અનેકગણી વધી છે. અશ્મિજન્ય ઈંધણનો વપરાશ બેકાબૂ બન્યો છે, જેની સીધી અસર વૈશ્વિક તાપમાન પર થાય છે.

    ટેક્નોલોજીનો એક ઊપયોગ ગ્લેશીઅર પર થતી વિપરીત અસરના અભ્યાસનો અવશ્ય છે, અને તેના થકી બરાબર જાણી શકાયું છે કે તે કેટલી ઝડપે સંકોચાઈ રહી છે. પણ તેને લગતાં પગલાં આપણે ભરવાનાં છે. અહીં ફરી એક વાર એ સવાલ થાય કે એકલદોકલ નાગરિક તરીકે આપણે શું કરી શકીએ?

    વ્યાપક સ્તરે પર્યાવરણનો પ્રશ્ન આવે ત્યારે આ મૂંઝવણ હંમેશાં થતી હોય છે, કેમ કે, તેમાં સામૂહિક, નીતિગત પ્રયાસો વધુ કારગર નીવડે છે. પણ એ યાદ રાખવું જરૂરી બની રહે છે કે સમૂહ આખરે વ્યક્તિઓનો બનેલો છે. પર્યાવરણને હાનિ પહોંચે એવી અનેક ચીજવસ્તુઓ આપણે વાપરતા હોઈએ છીએ. એ આદત પર સહેજ નિયંત્રણ લાવીએ તો પર્યાવરણને થતું નુકસાન ઘટાડી શકાય. સીધેસીધું ગ્લેશીઅર પીગળતું અટકાવી ન શકીએ તોય શું? જે, જ્યાં અને જેટલું થઈ શકે એ કરીએ તો ઘણું.

    પ્રવાસે જતી વખતે જે તે સ્થળને આપણે કઈ હદે નુકસાન પહોંચાડીએ છીએ એ વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે ગમે એટલાં નાણાં કોઈની પણ પાસે હોય, પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ એનાથી થઈ શકવાની નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કેરીઃ પેટીમાંથી પેટમાં પહોંચતું પરમસુખ

    ચેતન પગી

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પીળું હોય એ બધું ભલે સોનુ ન હોય પણ માર્ચથી મે-જૂન સુધીના દિવસોમાં બજારમાં જેટલું પીળું દેખાય એ બધું જ કેરી હોવાની પૂરેપુરી સંભાવના છે. જેમનો જન્મ સિત્તેર, એંસી કે નેવુંના દસકામાં થયો છે એ એવી છેલ્લી પેઢી છે જેમણે કેરી આંબેથી તોડીને પણ ખાધી છે અને બજારમાંથી તોડીને સોરી, ખરીદીને ખાધી છે. એમણે પારકા આંબેથી કેરી તોડવા બદલ માર પણ ખાધો છે અને મોંઘા ભાવની કેસર ખરીદીને ખિસ્સાં પર માર પણ સહન કર્યો છે.

    આપણે ત્યાં ઋતુઓ ભલે છ હોય પણ સિઝન અગણિત છે. જેમાં વરસની શરૂઆતમાં આવતી પતંગની સિઝનથી લઈને પિચકારીની સિઝન, સ્કૂલના ચોપડા-યુનિફોર્મની સિઝન, અથાણાં કરવાની સિઝન, મરચું-હળદર ભરવાની સિઝન ફરવા જવા સુધીની સિઝનો સામેલ છે (હવે ચૂંટણીઓ બારેમાસ આવતી હોવાથી એની સિઝન લિસ્ટમાંથી દૂર કરવામાં આવી છે). બધી જ સિઝનોનો લાભ લઈ શકાય એ માટે બજારમાં સિઝનેબલ વેપારીઓનો અલગ ચોકો જોવા મળે છે. તેઓ ચાલતી કોઈ પણ ગાડી (સિઝન)માં ચઢીને વકરો કરી જાણે છે.

    જોકે, આ બધી સિઝનોમાં શિરમોર છે કેરીની સિઝન. આ સિઝનમાં ભાજપને સમર્થન આપતા હોય એવા આદમીઓ પણ આમ પાર્ટીમાં જોડાયા વિના રહી શકતા નથી. આ સિઝનમાં તમે ફ્લેટના પાંચમા માળે જવા માટે સીડીઓ ચઢવાનું પસંદ કરશો તો દરેક ફ્લેટની બહાર ડસ્ટબિન પર કેરીની ખાલી પેટીઓ જોવા મળશે. ના, કેરીના ગોટલા જોવા નહીં મળે, કારણ કે ગુજરાતીઓ માત્ર કેરીમાંથી જ નહીં પણ ગોટલામાંથી પણ ગમતો ‘રસ’ કાઢવાના ઉપાયો જાણે છે. કેરી એ કદાચ એકમાત્ર એવું ફળ છે જેને સિઝન દરમિયાન કાપીને, ચૂસીને કે રસ કાઢીને ખાઈ શકાય છે અને અથાણાં બનાવીને આખું વરસ ખાઈ શકાય છે. આપણને કેરી ખાવાની ઉતાવળ હોય છે એમ વેપારીઓને કેરીમાંથી કમાઈ લેવાની ઉતાવળ હોય છે. ગરમી વકરી હોય ત્યારે એમને કેરીમાંથી વકરો કરવાની તક મળે છે.

    સ્કૂલમાં ભણાવવામાં આવતું મેથ્સ અને બજારનું મેથ્સ અલગ હોય છે. બજારમાં તમને બે કિલો કેરીમાંથી કાઢવામાં આવેલો ચાર કિલો રસ પણ મળી જશે. આ દાખલો તમને ગણિતના સર પણ સમજાવી નહીં શકે. માત્ર મેથ્સ જ નહીં અહીં બજારના બાયોલોજીના સિદ્ધાંતો પણ જુદા હોય છે. જે કેરીને પાકતા વનસ્પતિશાસ્ત્રના નિયમ પ્રમાણ આઠ દિવસ લાગે એ કેરી વેપારશાસ્ત્રના નિષ્ણાતો બે દિવસમાં પકવી શકે છે. આ વેપારીઓ જુદા પ્રકારની કાર્બન ક્રેડિટને હકદાર છે.

    તમને ભલે કેરીમાં રસ હોય, વેપારીઓને નફામાં રસ છે. આંબે લાગતા મોર સાથે આરંભ થયેલું કેરીનું અસ્તિત્વ સ્વાદ રસિયાઓના વન્સ મોર વન્સ મોરની ડિમાન્ડ સાથે પેટમાં ઓગળી જાય છે. કેરીનો માત્ર સ્વાદ નહીં પણ સુગંધ પણ વૈવિધ્યસભર છે. કાચી કેરી, આછી-પાતળી પાકેલી કેરીથી લઈને અથાણાં માટેની કેરી સુધીની સુગંધની લાંબી રેન્જ માણી શકાય છે.

    કોઈ મસમોટા મલ્ટિપ્લેક્સમાં પાંચ-સાત સ્ક્રીન પર અલગ-અલગ ટેસ્ટની ફિલ્મો ચાલતી હોય એમ કેરી પણ સ્વાદનું અનોખું મલ્ટિપ્લેક્સ છે. જેમાં તમે અનેક પ્રકારની કેરી મનેફાવે એ રીતે માણી શકો છો એ પણ ઇન્ટરવલ પાડ્યા વિના.

    આજકાલ નાની અમથી વાતોમાં લોકો ઓફેન્ડ થઈ જતા હોય છે. વડોદરાથી સુરત જતી એસ. ટી. બસમાં ચઢેલા મુસાફરે જાણે કોઈ ટ્રોફી જીતી લાવ્યો હોય એવા ગર્વ સાથે કેરીની પેટીઓ બસના માળિયે ચઢાવીને સીટ ગ્રહણ કરતાં એણે કહ્યું, ફળોના રાજાની સિઝન છે. કેરી ખાવી તો પડે જને?’ બાજુમાં બેઠેલો મુસાફર દક્ષિણ ગુજરાત ભણીનો હતો. એણે કહ્યું, ‘ઠીક છે. પણ કેરીને ફળોનો રાજા કહેવાની જરૂર ખરી?’ જવાબમાં પેલા ભાઈએ માત્ર એટલું પૂછ્યું, ‘તમે ક્યારેય ચીકુનું અથાણું ખાધું છે?’ એ પછી બંને વચ્ચે કોઈ સંવાદ થયો હોય એવું બસ કન્ડક્ટરને યાદ નથી.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

  • કાર્ટૂનકથા (૨૪)

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના  ચોવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયું હતું.

    બીરેન કોઠારી

    વાર્તાવ્યંગ્ય

     


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પ્રાકૃતિક ખેતી નાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના પ્રેરક, સમર્થક અને હિમાયતી છે. તેમના પ્રયાસોથી ગુજરાતમાં કેટલાક ખેડૂતો અને ગાંધી સંસ્થાઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જ્યારે ખેતી અને ખેડૂત બેઉ સંકટમાં છે ત્યારે પ્રાકૃતિક ખેતી તેમનો ઉગારો છે અને રાસાયણિક ખેતીનો આશાવાદી વિકલ્પ છે.

    દેશ આઝાદ થયો ત્યારે આપણે ખાધ્યાન્નની બાબતમાં સાવ જ પરાવલંબી હતા. લગભગ બધું જ અનાજ બીજા દેશોમાંથી આયાત કરવામાં આવતું હતું. હરિયાળી ક્રાંતિ અને ખેતીના યાંત્રિકીકરણે આપણે અન્નની બાબતમાં ન માત્ર સ્વાવલંબી થયા પણ વધારાનું અનાજ પણ પકવતા થયા છીએ.પરંતુ તેના કારણે અનેક સમસ્યાઓ પણ પેદા થઈ છે. રાસાયણિક ખાતરો,  હાઈબ્રીડ બિયારણો અને  જંતુનાશકોને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક ખેતીથી કૃષિ ઉત્પાદન વધ્યું છે પરંતુ ખર્ચ પણ વધ્યો છે અને સિંચાઈ માટે પાણીનો વપરાશ વધતાં જમીનના તળ ઉંડા ગયાં છે. ખાધ્યસામગ્રી જંતુનાશકોને કારણે નુકસાનકર્તા બની છે. એટલે પર્યાવરણ, જમીન અને પાણીને બચાવવા તથા રસાયણમુક્ત ખોરાકની ચીજો માટે હવે પ્રાક્રુતિક ખેતીનો વિકલ્પ અપનાવાઈ રહ્યો છે.

    સજીવ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, વૈદિક ખેતી અને શૂન્ય બજેટ ખેતી જેવા વિવિધ નામે ઓળખાતી કૃષિ પધ્ધતિમાં રાસાયણિક ખાતરો  અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી..પશુઓના છાણનું દેશી ખાતર, ગૌમુત્ર, પંચદ્રવ્ય, મશીનોને બદલે હાથથી ચલાવી શકાય તેવા કૃષિ ઓજારોના ઉપયોગથી  આ ખેતી થાય છે. પ્રાક્રુતિક ખેતી ફાયદાકારક છે, સરળ છે તેમ મહેનત અને સતત દેખભાળ માંગી લેતી ખેતી પધ્ધતિ છે. તેમાં સ્વદેશી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.

    રસાયણ મુક્ત પારંપારિક એવી આ ખેતીના જનક એક જાપાની અને એક ભારતીય કિસાન હતા. માનવ, જમીન, છોડ અને પશુ આધારિત આ ખેતીના ઘણાં ફાયદા છે.  પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત આવે છે. નાના અને સીમાંત ખેડૂતો માટે તે આશીર્વાદરૂપ છે. કુદરત કે વરસાદ આધારિત ખેતીમાં પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને રોવા વારો આવે છે જ્યારે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો હોઈ પ્રતિકૂળ સંજોગોમાં નુકસાન પણ ઓછું થાય છે. કૃષિ ખર્ચ ઘટાડવા અને આવક વધારવા માટે આ ખેતી લાભદાયી છે. જમીનની ફળદ્રુપતા વધે છે. ખેતરોમાં ખેતી માટે ઉપકારક અળસિયા વધુ જોવા મળે છે. રસાયણો અનેક જંતુનાશકોથી મુક્ત હોઈ આરોગ્ય માટે ફાયદાકારક છે. અળસિયા જેવા જીવો જમીનમાં વધવાથી જમીન ભેજવાળી રહે છે. માટીના ઢેફાં બને છે, જેનાથી હવાપાણી સહેલાઈથી જમીનમાં ઉતરી શકે છે. પાણીનો વપરાશ ઓછો થાય છે.

    જમીન , પાણી અને પર્યાવરણ સુધરે છે તે મોટો લાભ છે. રસાયણિક ખેતીથી થયેલા ભૂમિક્ષરણને તે અટકાવે છે. વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં રાસાયણિકની તુલનામાં પ્રાકૃતિક ખેતીના પાકો ટકી રહે છે તેવું અનુભવે જણાયું છે. દેશમાં ૧૬.૬ ટકા લોકો કુપોષિત હોય અને ૭૪.૧ ટકા લોકો જો પોષક આહારનો ખર્ચ વહન કરી શકે તેમ ન હોય તેવા ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઓફ યુનાઈટેડ નેશન્સ (FAO)ના રિપોર્ટને સાચો માનીએ તો પ્રાકૃતિક ખેતીથી તેમને પોષક આહાર મળી શકે છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે તેમને બહારથી કોઈ ચીજ ખરીદવી પડતી નથી. યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને જમીનમાંથી જ પાકને જરૂરી પોષક્તત્વો મળી રહે છે. પાણી અને વીજળીની જરૂરિયાતમાં મોટો ઘટાડો થાય છે. રાસાયણિક ખેતીથી ખેતરોમાં જે ઝેર વાવવામાં આવતું હતું તેનાથી છૂટકારો મળે છે.

    ભારતમાં ખેતી પર નભતી વસ્તીનો પંચ્યાસી ટકા હિસ્સો નાના આને સીમાંત ખેડૂતોનો છે. જે બેથી ચાર એકર જમીન ધરાવે છે. તે પ્રાકૃતિક ખેતી અપનાવે અને જીવન ગુજારા માટે જ ખેતી કરતા હોય તો તેમને ખર્ચ ઓછો આવે છે અને દેવાથી બચી શકે છે. સરકાર અને સમાજના સાર્થક પ્રયાસોના લીધે નાના અને સીમાંત ખેડૂતોને સંતોષજનક આવક અને રોજી મળી શકે છે. ઘરના ગુજરાન ઉપરાંત થોડી બીજી આવક પણ થાય છે. પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી અને ફળોની બજારમાં વધુ માંગ છે એટલે જો બજાર અને વેચાણની યોગ્ય વ્યવસ્થા થઈ શકે તો તે વરદાન સમાન છે. નાના ખેડૂતો સ્વપ્રયત્નોથી અને થોડી કૃષિ નિષ્ણાતોની મદદથી રાસાયણિક ખેતીથી બિનઉપજાઉ થયેલી જમીનને પ્રાકૃતિક ખેતીના એક બે પાકથી વધુ ઉપજાઉ બનાવી શકે છે.

    કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો પ્રાકૃતિક ખેતી માટે ખાસ સવલતો આપે છે. ડિસેમ્બર ૨૦૨૪થી ભારત સરકારે નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ( NMNF)નો આરંભ કર્યો છે. આગામી બે વરસોમાં તેનું લક્ષ્યાંક છે કે પંદર હજાર સમૂહોને અને એક કરોડ ખેડૂતોને આવરી લઈને ૭.૫ લાખ હેકટર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવી. આ માટે એક હજાર બાયો રિસર્ચ  સેન્ટર શરૂ કરવામાં આવશે. રાસયણિક ખેતી માટે સરકારને વરસે પાંચ કરોડ ટન ખાતરની આયાત કરવી પડે છે. વળી ખાતર પર સરકાર ખેડૂતોને રૂ.  એક લાખ કરોડની સબસિડી ચૂકવે છે. જો છાણિયા ખાતરનો ઉપયોગ વધે તો મોંઘું વિદેશી હુંડિયામણ બચે, આયાત ઘટે અનેક ખાતર સબસિડી પણ ઓછી થાય .

    પ્રાકૃતિક ખેતીની સૌથી મોટી મર્યાદા કે ખામી તેમાં ખેત ઉત્પાદન રાસાયણિક ખેતીને મુકાબલે ઓછું હોય છે તે છે. અલબત્ત તેની સામે બીજા અનેક ફાયદા છે જ. પણ જ્યારે સમગ્ર ખેતી બજાર આધારિત હોય ત્યારે ઓછું ઉત્પાદન ખેડૂતોને તેના તરફ આકર્ષતા રોકે છે. કૃષિ નિષ્ણાત દેવિંદર શર્માના મતે રાસાયણિક પધ્ધતિથી પકવેલા અનાજના આહારમાં કિલોએ પર્યાવરણને ત્રણ ગણું નુકસાન થાય છે તે પ્રાકૃતિક ખેતીથી અટકે છે. એટલે આ બાબતે ખેડૂતોમાં જાગ્રતિ જરૂરી છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    દુનિયાની માત્ર ૦. ૯ ટકા ખેતીની જમીનની પર જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારત સરકારના મિશન હેઠળ પણ બહુ ઓછી કૃષિ ભૂમિને પ્રાકૃતિક ખેતી તળે લાવી શકાઈ છે. જેમ ઉત્પાદન ઓછું તેમ પ્રાકૃતિક ખેતીના શાકભાજી, ફળો અને અનાજ મોંઘા છે તે પણ મોટી મર્યાદા છે.એટલે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા અનાજના ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમ એસપી)  અલગથી જાહેર કરવાની ખેડૂતોની માંગ છે. જો મધ્યાન્હ ભોજન યોજના અને આંગણવાડીઓને ભોજન અને નાસ્તામાં માત્ર પ્રાકૃતિક ખેતીથી પકવેલી ચીજો જ વાપરવાનો નિયમ થઈ શકે તો આ ખેતીને ટકવાનું બળ મળી રહે.

    દેશની ૬૦ થી ૭૫ ટકા વસ્તી ખેતી પર આધારિત છે અને જીડીપીમાં કૃષિનું યોગદાન ૧૩.૬ ટકા છે ત્યારે આપણી અંદાજપત્રની જોગવાઈઓ તેને અનુરૂપ છે ખરી?  ભારત સરકારના ગત ૨૦૨૪-૨૫ના બજેટમાં ખેતી માટે ૧.૫૨ લાખ કરોડની જોગવાઈ હતી જે કુલ બજેટના માંડ ૩ ટકા હતી.  જ્યારે નીતિનિર્માતાઓ માટે કૃષિ ક્ષેત્રની આવી ઉપેક્ષા હોય ત્યારે પ્રાકૃતિક ખેતીની પ્રગતિ બહુ ધીમી રહેવાની તે નક્કી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જીવનની ખાટી મીઠી : છે કોઇ જવાબ ?

    નીલમ  હરીશ દોશી

    અક્ષરા અને નિશાંતના નિશાંતના પ્રેમલગ્ન  હતા. અને સામાન્ય રીતે બને છે તેમ નિશાંતના પ્રેમનો રંગ ચાર વરસમાં તો કયાં ઉડી ગયો એ ખબર પણ ન પડી. અને દ્રષ્ટિ બદલાતા પહેલા એકબીજાના ગુણ દેખાતા હતા. ખૂબીઓ દેખાતી હતી.એ જ હવે અવગુણ..ખામી બની સામે આવવા લાગ્યા.

    પુત્રીના જન્મ પછી અક્ષરાનું ધ્યાન  સ્વાભાવિક રીતે જ દીકરી પાછળ વધુ રહેવા લાગ્યું. અને  પ્રેમલે તેમાં સાથ આપવાને બદલે તેને પોતાની અવગણના માની લીધી.

    અને એ કારણ હોય કે ગમે તે પણ તે તેની જ ઓફિસની આસ્થા તરફ આકર્ષાયો.આકર્ષાવા માટે કારણોની ખોટ તો કોને, કયારે  હોય છે ? દિવસે દિવસે એ આકર્ષણ વધતું ચાલ્યું. અને પછી તેને નામ અપાયું ફરી એકવાર પ્રેમનું. અને અક્ષરાથી આ વાત કયાં સુધી છૂપી રહી શકે ?  હજુ તો એ વાત પર ઝગડો થાય એ પહેલા જ એક દિવસ ઓફિસે ગયેલ નિશાંત ઘેર પાછો આવ્યો જ નહી. આવી ફકત તેની એક ચિઠી..જેમાં તેણે બહુ સાદા શબ્દોમાં જણાવ્યું હતું કે

    ‘આપણા બનેના સ્વભાવનો મેળ ખાય તેમ નથી. અને તેથી તે તેની જિંદગીથી દૂર જાય છે. શકય હશે તો પૈસા મોકલાવતો રહીશ. અને બાકી તેને જે કરવું હોય તે કરવા સ્વતંત્ર છે. ’

    શું કરવું તે અક્ષરાને સમજ ન પડી. એકલી એકલી રડે પણ કેટલો સમય ? પિયરના દરવાજા બંધ હતા. મા બાપ હતા નહીં અને ભાઇ ભાભી રાખે તેમ હતા નહીં. સાસરામાં પણ એવું કોઇ નહોતું.જે તેનો  વિસામો બની શકે. બે વરસની પુત્રી અને તે હવે નિશાંતના શબ્દોમાં કહીએ તો સ્વતંત્ર હતા. !

    જીવનનાવ એકલા હાથે સામે પૂરે  હંકારવાની હતી. કલકલ વહેતા જળ અચાનક થંભી ગયા હતા. શું કરવું તે દિશા શોધવાની હિમત પણ થોડા સમય માટે જાણે તે ગુમાવી બેઠી હતી.પરંતુ માસુમ પુત્રીને ઉછેરવાની હતી..તેનામાં રહેલ  “મા “ જાગી ઉઠી. અને જીવન સંઘર્ષ શરૂ થયો. પ્રશ્નો તો ઘણાં આવ્યા..પરંતુ અક્ષરાની અંદરની સ્ત્રી  અને મા હવે હારવા નહોતી માગતી. સંજોગોને આધીન થઇ રડવાને બદલે તેણે મક્ક્મતાથી સામનો કર્યો.

    સદનશીબે અક્ષરાએ સંગીતમાં વિશારદ કરેલ.તેથી ધીમે ધીમે તેણે સંગીતના ટયુશન શોધ્યા. નોકરીનો સવાલ નહોતો કેમકે નાનકડી પુત્રીને કોને ભરોસે મૂકીને જાય ? તે દીકરીને એકલે હાથે ઉછેરવા લાગી. એ ટયુશનની આવકમાંથી દીકરીને સારી સ્કૂલમાં ભણાવવી, તેની જરૂરિયાતો પૂરી કરવી..રસ્તો કંઇ આસાન તો નહોતો જ. છતાં દસ વરસની આકરી તપસ્યા પછી સંગીતની દુનિયામાં તેનું નામ, એક સ્થાન થયું. જીવન થોડુ સરળ બન્યું. પુત્રી પણ હવે બાર વરસની થઇ હતી. પુત્રીના પિતા વિષેના પ્રશ્નના જવાબમાં તેણે સરળતાથી જે સત્ય હકીકત હતી તે જ કહી દીધી હતી. જેથી એક સત્ય સો જૂઠાણાથી બચાવી શકે. પણ….અચાનક આજે દસ વરસો બાદ નિશાંત વાવાઝોડાની જેમ ફરી એકવાર તેની જિંદગીમાં આવ્યો. પોતાની ભૂલની માફી માગી. તે પોતાની કથની કહેતો રહ્યો, પ્રેમની દુહાઇ દેતો રહ્યો. હવે તે એકાકી બની ગયો હતો. જીવનમાં એક ઠોકર તેણે ખાધી હતી..પસ્તાયો હતો. સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો તેને માફી મળવી જોઇએ..ગઇ ગુજરી ભૂલી જવા તેણે અક્ષરાને વિનંતિ કરી. પણ અક્ષરાએ તેની કોઇ વાત સાંભળવાની શાંતિથી ના પાડી દીધી.

    ‘ મને એમાં હવે કોઇ રસ નથી. તમારા કહ્યા મુજબ હું સ્વતંત્ર છું. અને રહેવા માગુ છું. મને તમારા માટે નફરત કે પ્રેમ કંઇ નથી.મારે માટે તમે જે ક્ષણે કંઇ પણ કહ્યા સિવાય અમને છોડીને ચાલ્યા ગયા હતા..તે ક્ષણથી જ અજનબી બની ગયા હતા. અને અજનબીના કોઇ વર્તનનું દુ:ખ લગાડવાનું ન હોય.’

    નિશાંતે જયારે બહું કહ્યુ ત્યારે તેણે ધીમેથી ફકત એક જ પ્રશ્ન પૂછયો,

    ‘ તમારી જગ્યાએ હું કોઇ સાથે ચાલી ગઇ હોત ને દસ વરસ પછી આવીને માફી માગી હોત તો તમે આપી શકત ખરા ? ‘

    નિશાંત શું બોલે ?

    આવા પ્રશ્નનો જવાબ આમ પણ પુરૂષ પાસે કયારેય હોતો નથી. પુરૂષ કરે એ એક નાની એવી ભૂલ માત્ર..અને સ્ત્રી કરે એ પાપ…આ આપણા સમાજની તાસીર છે. પુરૂષપ્રધાન સમાજનું આ સામાન્ય લક્ષણ છે. સ્ત્રી એવી કોઇ ભૂલ કરીને વરસો પછી આવે ત્યારે કોઇ પુરૂષ એને સ્વીકારી શકે ખરો ? સદીઓથી અગિનપરીક્ષા સીતા જ દેતી આવી છે ને ? વસ્ત્રાહરણ દ્રૌપદીનું જ થતું આવ્યું છે. અને કોઇ સ્ત્રી જયારે આ બધી પ્રથા સામે અવાજ ઉઠાવે છે ત્યારે એને બંડખોર કે નારીવાદીનું લેબલ લગાડી દેતા  સમાજને જરાયે વાર કયાં લાગે છે ? કયાં સુધી ? આખરે કયાં સુધી ? નિશાંતની જેમ આપણા કોઇ પાસે એનો જવાબ છે ખરો ?


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : કોલાજ દ્વારા કર્યો આરંભ

    બીરેન કોઠારી

    વિસંગતિ, વક્રતા અને વિચિત્રતા આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. રોજબરોજ એવાં કેટલાંય દૃશ્યોના આપણે સાક્ષી કે હિસ્સેદાર બનતાં હોઈએ છીએ કે આપણે એની સાવ ઉપેક્ષા કરતા થઈ જઈએ છીએ. કોઈક મોંઘાદાટ સ્થળે પેટ ભરીને ખાધા પછી, ઘણું બધું ચાખવા ખાતર મંગાવીને એ ન ભાવતાં તેને એમનું એમ રહેવા દીધા પછી બહાર આવીએ અને પોતાના વાહનમાં ગોઠવાઈએ ત્યાં જ કોઈક મહિલા કે બાળક આવીને આપણી આગળ હાથ લાંબો કરતી પોતાના પેટ તરફ ઈશારો કરે છે અને આપણે એને અવગણીને વાહનની ચાવી ફેરવીએ છીએ. હરવાફરવાના સ્થળે વિવિધ રાઈડમાં ટિકિટ ખરીદીને બેઠા પછી એ સ્થળેથી બહાર આવીએ ત્યારે કોઈક બાળક ફુગ્ગા કે પ્લાસ્ટિકનાં રમકડાં વેચવા માટે આપણી આગળ ધરે છે. એની કાંખમાં નાનો ભાઈ કે બહેન પણ હોઈ શકે. આપણે એને અવગણીને આગળ વધી જઈએ છીએ. માર્ગની આજુબાજુથી ગેરકાયદે દબાણો તોડવા માટે આખું તંત્ર કામે લાગી જાય, પણ માર્ગની વચ્ચે આવેલી કબર કે મંદિર પર લોકોની એવી ભીડ ઉમટે છે કે ટ્રાફિક જામ થઈ જાય. કોઈ બહુમાળી ઈમારતના દાદર ચડતાં તેના લાલ ખૂણા આપની નજરે પડે છે, અને એ લાલ રંગની ઉપર મૂકાયેલી વિવિધ દેવીદેવતાઓ કે સંતોની છબિ ધરાવતી ટાઈલ્સ આપણને દેખાય છે. ધર્મસ્થાનોની અંદર ઉમટતી શ્રદ્ધાળુઓની ભીડ અને તેની બહાર જોવા મળતી ભિક્ષુકોની ભીડ જોયા પછી સવાલ થાય કે ભિક્ષુકો ક્યાં વધારે છે? અંદર કે બહાર? ધર્મસ્થાનની અંદર દિવસમાં ચચ્ચાર વાર કદાચ સફાઈ થતી હશે અને એ સેવા આપવા માટે ‘સેવકો’ પડાપડી કરતા હશે, પણ એ જ ધર્મસ્થાનની બહારની દિવાલે લાલ અક્ષરે લખ્યું હશે, ‘સ્વચ્છતા જાળવો’ અથવા ‘અહીં ગંદકી કરવી નહીં.’

    આવી તો કેટલીય પરિસ્થિતિઓ આપણા રોજિંદા જીવનમાં પેદા થતી રહે છે. ભૂપેન ખખ્ખરની ઝીણી નજરે આવી બાબતો આવતી, અને તેમની લાક્ષણિક રમૂજ તેમાં ભળતી. આથી સાવ શરૂઆતમાં તેમણે કોઈક વિષય પર ચિત્રો બનાવવાને બદલે કોલાજ બનાવ્યાં.

    સસ્તાં, ફૂટપાથિયાં ચિત્રો- ઓલિયોગ્રાફમાંથી કાપેલી દેવીદેવતાઓની છબિઓને ચોંટાડીને તેની આસપાસ લાલ, ભૂરો, પીળો જેવા ભડકીલા રંગોના થપેડા કર્યા. એની પર ‘ગ્રાફિટી’ (ભીંત પર લખાયેલાં લખાણો) પણ એમની એમ રાખી. અમુક કોલાજમાં તેમણે કંતાનના ટુકડા ગોઠવીને એની પર રંગના થપેડા લગાવ્યા છે. આમાં અલબત્ત, ‘ચિત્ર’ કહી શકાય એવું કશું નહોતું. જે હતું એ સંયોજન અને કલ્પના હતી. પણ તેમનાં આવાં કોલાજની નોંધ લેવાઈ. ભૂપેન આવી બાબતો પર ટીપ્પણી કરતા નહીં, કેમ કે, આ સારું ને પેલું ખરાબ, એવી કોઈ વાત તેમણે કહેવી નહોતી. તેમને તો એ જ દર્શાવવું હતું કે આમ છે.

    તેમના સાવ શરૂઆતના ગાળાના કેટલાક કોલાજ અહીં મૂકેલા છે.


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જયપ્રકાશ નારાયણ: સંપૂર્ણ ક્રાંતિના મહાનાયક

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    હવે થોડાં અઠવાડિયાં, અને કટોકટીરાજ જાહેર થયું એની પચાસવરસીએ પહોંચીશું. તે નિમિત્તે વર્તમાનમાં ખોડાઈ લગરીક ભૂત ને કંઈક ભાવિ જોવાતપાસવાનો સણકો કમબખ્ત કેડો મેલતો નથી.

    ૨૦૨૫ના જૂનની પાંચમીના ઉંબર કલાકોમાં ઊભી આજે ૧૯૭૪ અને ૧૯૭૫ના જૂનની પાંચમી નિમિત્તે થોડીક દિલખુલાસ નુક્તેચીની કરવા ચહું છું.

    ૧૯૭૫ના જૂનના પહેલા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ગુજરાતના ચૂંટણી પ્રવાસમાં હું જયપ્રકાશજીની જોડે હતો. વચ્ચે વચ્ચે યદૃચ્છા વાતો થતી રહેતી એ ગુજરાત વિશે કંઈક પૂછેસંભારે; વળી આ દિવસોમાં બિહારમાં શું હશે, શું નહીં, એનીયે વાત કંઈક સ્વગતોક્તિની રીતે કરે. મુદ્દે, આગલા વરસની, ૧૯૭૪ની, પાંચમી જૂન એમને સારુ ખાસ હતી. અને ઓણ એ તારીખે તે બિહારમાં નથી, એનો કંઈક વસવસો પણ એમને હશે. જતી જિંદગીએ, જોકે નવપ્રભાતે, એક સિપેહસાલાર જુએ એવાં ક્રાંતિસપનાં એ જોતા હશે- અને તાકડે પોતે સીધી સમરભૂમિ એટલે કે બિહારમાં નથી, એ વાસ્તવિકતાએ કંઈક સોરવાતા પણ હશે. નવનિર્માણના છાત્રયુવા સમુદાય સાથે દોસ્તી દિલ્લગી ને દિલની વાતો કરવાનો તો ગાંધી-રુઝાન ધરાવતી બિરાદરી સાથે લોકઆંદોલનને સંભવિત વળાંકની રીતે પ્રગટ મંથનનો એક દોર પૂરો કરી એમણે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં દિલ્હી મુકામ કીધો હતો. વડાંપ્રધાન ઈંદિરા ગાંધી સાથે તેમ વિપક્ષ નેતાઓ સાથેની વાતચીતમાં હજુ એ સંવાદખોજની ભૂમિકાએ હતા. બિહાર પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો. શાંતિમય હિલચાલની શરતે એમણે યુવાનોનું નેતૃત્વ સ્વીકાર્યું ને આંદોલન આગળ ચાલ્યું.

    મને સાંભરે છે, એ જ મહિનાઓમાં તો ધર્મવીર ભારતીએ કાવ્યકેમેરે આબાદ ચિત્ર કંડાર્યું હતું:

    ખલક ખુદા કા, મુલુક બારશાકા હુકુમ શહર કોતવાલકા
    હર ખાસો આમકો આગાહ કિયા જાતા હૈ કિ ખબરદાર રહેં
    ઔર અપને અપને કિવાંડો કો અંદરસે કુંડી ચઢાકર બંદ કર લેં
    ગિરા લેં ખિડકિયોં કે પરદે ઔર બચ્ચોં કો બહાર સડક પર ભેજેં
    ક્યોં કિ એક બહત્તર બરસકા બૂઢા આદમી
    અપની કાંપતી કમજોર આવાજ મેં સડકોં પર
    સચ બોલતા હુઆ નિકલ પડા હૈ!

    જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમને મન મુદ્દો કેવળ રાજીનામાંમાં સીમિત નહોતો. ધોરણસરની નવી ચૂંટણીની વાત તો જાણે ખરી, પણ કાયદા કાનૂનની ન એવીતેવી વાતે અગર આટેપાટે અટકવાનો ખયાલ મુદ્દલ નહીં: ગાંધીમાહોલમાં એ આઝાદીના જંગમાં કૂદી પડ્યા હતા તે માત્ર ગોરા સાહેબોને સ્થાને કાળા કે ઘઉંવરણા સાહેબોના સ્થાપના સારુ તો નહીં- એ લડાઈ સમાજ પરિવર્તનની હતી. વંદેમાતરમનો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના દોર સાથે નકરા રાજપલટાથી આગળ જવા સારુ હતો. સન સુડતાલીસ પછી ધારો કે એ ધારા છૂટી ગઈ હોય તો હવે આ એના પુન:આ‌વાહનની પળ હતી- હાસ્તો, ’૪૭નું ઊંધું ૭૪!

    ૧૯૭૪ની પાંચમી જૂને એટલે સ્તો પટણાના ગાંધી મેદાનમાં વિરાટ રેલીને સંબોધતા જયપ્રકાશે કહી નાખ્યું’તું કે આ જંગ સાપનાથ જાય અને નાગનાથ આવે એટલા પૂરતો નથી… સંપૂર્ણ ક્રાંતિનો આ જંગ છે, સંપૂર્ણ ક્રાંતિનો! બરાબર અંતે વરસ પૂરું થઈ રહ્યું છે ને ત્યારે પોતે પટણામાં એની રૂ-બ-રૂ યાદ આપવા વાસ્તે નથી એનો એમને કંઈક ખટકો હતો. સ્વગતોક્તિની રાહે એ કંઈક ગણગણતા પણ જણાયા હતા- ગર મૈં વહાઁ હોતા. સામ્રાજ્ય પરિવરત્નના આંદોલનમાં સત્તા પરિવર્તન – વિધાનસભાની ચૂંટણીએ ફતેહ સાથે અને છતાં બેડો ગરક તો નહીં થઈ જાય ને એ એમની અમૂઝણ હતી.

    ગમે તેમ પણ, નડિયાદની જાહેર સભા પછી વિઠ્ઠલ વિદ્યાલયમાં ઉત્સાહી યુવજનો સાથે વાર્તાલાપ કરવાનો બન્યો ત્યારે જયપ્રકાશ પાછા અસ્સલ મિજાજમાં આવી ગયા. કોઈએ ચંબલના બાગીઓ વિશે પૂછ્યું તો એમણે જે જવાબ આપ્યો એ હતો પણ રસિક એટલો જ સૂચક કે એના કરતાં હાલનું કામ લગાર કાઠું છે! વડોદરા પહોંચ્યા, જ્યોતિના ગેસ્ટ હાઉસમાં- ને એ કંઈક આરામ સારુ આડા પડ્યા ત્યાં મને (અલબત્ત એમના માટે) મળવા પત્રકાર મિત્રો કિરીટ ભટ્ટ ને વિક્રમ રાવ આવી પહોંચ્યા. એમની ચિંતા રાજ્યના મંત્રી અને પૂર્વ મેયર ઠાકોરભાઈ જેવા બધી જ રીતે પહોંચતા ઉમેદવાર સામે જનતા મોરચાના આજીવન સેવાવ્રતી ને અક્ષરશ: અકિંચનવત પેંઢારકરની ઉમેદવારીને અંગે હતી. એ તો વાત કરીને ગયા, પણ જેપી ઊઠ્યા ત્યારે એમને મેં આ વાત કરી. પેંઢારકરને એ જૂના સમાજવાદીને નાતે જાણતા પણ હશે. એમણે મને કહ્યું, તું એક ચિઠ્ઠી લખીને તૈયાર રાખજે અને મારા વક્તવ્યમાં હું હાલની ચૂંટણીપ્રથા ને આકરા ખર્ચા વિશે કહું કે તરત મને આપજે. હું એક રાજકીય સંપન્ન સામે સમર્પિત વિપન્નનું સમર્થન એ લોકશાહીની જરૂરત છે તે નામજોગ સમજાવીશ.

    કહેવાની જરૂર નથી, આ ચિઠ્ઠી કરામતે ચૂંટણી પરિણામમાં રંગ દાખવ્યો હતો! બીજે દિવસે રાત્રે રાજકોટની સભા પૂર્વે મેં ચિમનભાઈ શુક્લને કહ્યું કે જેપીના ભાષણ પૂર્વે અમારી સાથેનાં મંદાબહેન, બિહાર આંદોલનનું ધ્રુવગીત ગાશે: ‘જયપ્રકાશ કા બિગુલ બજા તો જાગ ઊઠી તરુણાઈ હૈં.’ જયપ્રકાશે ભાષણની શરૂઆતમાં જ આ ગાન સંભાર્યું ને કહ્યું કે તે કોઈ ચૂંટણીગીત નથી. પરિણામ પછી પણ ચાલુ લડતનું એ સંકલ્પગાન છે ને પોતે એની જોડપંક્તિ ઉમેરી: ‘તિલક લગાને તુમ્હેં જવાનોં ક્રાંતિ દ્વાર પર આયી હૈ.’

    જૂન ’૭૪થી જૂન ’૭૫ વચ્ચેની એક વરસની મજલમાં જેપી ભરજોસ્સે કદાચ જોતા હતા કે તિલક ને દ્વાર વચ્ચે અંતર હોવાનું છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૪ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • સામે કાંઠે | ગઝલ ભેજની

    સામે કાંઠે

    ચંદ્રકાન્ત શાહ

    આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?

    આ કાગળને બે કાંઠે જે
    અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
    એનાથી તું પલળે છે ત્યાં જેવું
    હું પણ એવું પલળું છું અહીં!

    શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
    અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
    આવ ઊતર કાગળમાં-
    હું પણ મારું ધુબકો
    ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?

    કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?

    કાગળની ચોફેર અવાજો સૂનકારના
    ધોધમાર ને લથબથ લથબથ
    ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?

    સીનસીનેરી ઝાંખીપાંખી
    લીલોતરી નીતરતી તારી આંખ
    વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?

    મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
    તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?

    આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?


    ગઝલ ભેજની

    – હર્ષદ ચંદારાણા

    આ હવામાં આજ કેવળ ભેજ છે
    આંસુઓનો એક દસ્તાવેજ છે

    દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
    કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે

    સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
    ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?

    હાથ પાસે પેન, કાગળ, મેજ છે
    નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે

    જેમ પાણીમાં વમળ આમેજ છે
    આ હવામાં એમ છૂપો ભેજ છે

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : હિંમતનગર

    વિમલાતાઈ

    ગૃહિણી જીવન અને સંસારની આંટીઘૂંટી થી આગળ

    ચિત્ર-વિચિત્ર અનુભવો બાદ અમે રાજકોટ છોડ્યું. હિંમતનગર જવા માટે અમારે અમદાવાદ ટ્રેન બદલવાની હતી તેથી બે દિવસ અમદાવાદ રોકાઈને અમે હિંમતનગર પહોંચ્યાં. અહીં અમારી રહેવાની વ્યવસ્થા ત્યાંના રાજાસાહેબના જૂના મહેલમાં કરવામાં આવી હતી. જૂના દરબારગઢ તરીકે જાણીતી વાસ્તુમાં ઘણા સ્વતંત્ર આવાસ હતા, તેમાંના એકમાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો. સરકાર તરફથી અમને એક ઓર્ડરલી આપવામાં આવ્યો હતો. અમને સાવ એકલવાયું ન લાગે તે માટે અમે વઢવાણથી જીબાને પણ બોલાવી લીધાં.

    નરેન તથા ત્રણે દીકરીઓને નિશાળમાં દાખલ કરાવ્યાં, નિશાળ દરબારગઢની સામે જ હતી તેથી મનમાં ધરપત હતી. થોડા દિવસ બાદ રજવાડાની નોકરીમાં રખાયેલા નવા અધિકારીઓ આવવા લાગ્યા. શરૂઆતમાં તેમને પણ અમારી જેમ દરબારગઢમાં ઉતારો અપાયો. બધા અફસરો સહકુટુંબ આવ્યા હોવાથી મને ઘણો આનંદ થયો, કેમકે શરૂઆતના બે-ત્રણ મહિના મને એકલતા ઘણી સાલતી હતી આવેલા પરિવારમાંના એક શ્રી દાતાર વડોદરાના હતા. તેમની સાથે અમારો ઘનિષ્ઠ સંબંધ બંધાયો. શ્રીમતી દાતાર અને મારી વચ્ચે બહેનો જેવો સંબંધ થઈ ગયો.

    કેટલાક દિવસ બાદ અમારા માટે નવા બંગલા બંધાતા હતા તેમાં અમે રહેવા ગયાં. અહીં આવ્યા બાદ એમના સ્વભાવમાં ઘણું સારું પરિવર્તન આવ્યું. મને જૂના બંધિયાર વાતાવરણમાંથી થોડી સ્વતંત્રતા મળ્યા જેવું લાગ્યું અને હવે મને પાડોશમાં રહેતા અફસરોની પત્નીઓ સાથે સંપર્ક રાખવાની, હળવામળવાની અને વાતચીત કરવાની છૂટ મળી હતી. આમ તો એમનો સ્વભાવ જરાય વહેમી નહોતો. એક વાર એમણે અમારે ત્યાં અંગ્રેજ પાદરીસાહેબને બોલાવ્યા હતા, ત્યારે એમણે તેમનું સ્વાગત મારી પાસેથી હસ્તધૂનન જેવી અંગ્રેજી પદ્ધતિથી કરાવ્યું હતું. તેમને હારતોરા પણ મારી પાસેથી પહેરાવ્યા હતા. પાદરીસાહેબે મહારાષ્ટ્રીયન ભોજન કરવાની ઇચ્છા દર્શાવી હતી તેથી મેં તેમના માટે પૂરણપોળી જેવા ઘણાં વ્યંજનો રાંધ્યાં. તેઓ ઘણા ખુશ થઈ ગયા અને જતી વખતે મને તેમનાં ઘણાં ધર્મપુસ્તકો આપતા ગયા.

    અમારાં જીબા હવે વૃદ્ધ થઈ ગયાં હતાં અને અમારા પરિવારને તેમણે વીસ વર્ષ સાથ આપ્યો હતો. મારી સાથે તેઓ આઠ વર્ષ હતાં. તેમણે મારી એટલા પ્રેમથી સેવા કરી હતી અને મારાં બાળકોને એવાં સાચવ્યાં હતાં જે હું કદી ભૂલી શકીશ નહિ. તેમના ગયા બાદ હિંમતનગરનાં જ એક પ્રૌઢ બહેન અમારે ત્યાં કામે આવ્યાં. તેઓ પણ ઘણાં સારાં હતાં. રાતે મારા પગ દબાવ્યા વગર ઘેર ન જતાં. સરકાર તરફથી પણ એક ઓર્ડરલી મળ્યો હતો જે ઘરનું બીજું બધું કામ કરતો. હું મારા માણસોને મારાં સ્વજનોની જેમ સંભાળતી. ખાવાપીવાની બાબતમાં મેં કદી પણ તેમની સાથે ભેદભાવ કર્યો નહિ. ઘરમાં બધાં માટે જે રાંધતી તે જ તેમને જમાડતી. આપણા નોકરો પર સ્વજન જેવી મમતા રાખવી જોઈએ એવું હું માનું છું.

    અમારા માટે બંધાતો સરકારી બંગલો પૂરી રીતે તેયાર નહોતો થયો તેમ છતાં મે માસમાં અમે ત્યાં રહેવા ગયાં. કામ ચાલુ હોવાથી બંગલામાં મને જોઈએ. તેવા સુધારા-વધારા મેં કરાવી લીધા તેથી બંગલો ઘણો સુંદર થઈ ગયો હતો. બીજા બંગલા તૈયાર થઈ ગયા બાદ બાકીના અફસરો પણ ત્યાં રહેવા આવી

    ગયા તેથી અમને સારો પાડોશ મળ્યો અને વ્યક્તિગતરૂપે અમારું જીવન હવે ઘણી સુખશાંતિથી વ્યતીત થતું હતું.

    બંગલો પ્રશસ્ત હતો તેથી અમારા અગાઉના ઘરના પુત્રો – મોટાભાઈ અને રવિનાં લગ્ન હિંમતનગર કરવાનું અમે નક્કી કર્યું. લગ્નની તેયારી મેં ઘણા હોંશથી શરૂ કરી. સાધનસામગ્રી ભરવાનું શરૂ કર્યું, અને તે માટે મેં ત્રણ મણ ખાંડ, આઠ ડબા કેરોસીન, બે ડઝન કોલસાની ગૂણો – આમ મોટા પાયા પર સામાન ભર્યો. મેં પોતે છ-સાત જાતનાં અથાણાં બનાવી રાખ્યાં. અમારા પુત્રો માટે મેં પ્રેમથી આટલા મોટા પાયા પર તૈયારી કરી રાખી હતી! બંગલાના કંપાઉંડમાં બાગબગીચો પણ સુંદર રીતે સજાવ્યો હતો અને તેમાં ભાત ભાતનાં ફૂલના છોડ અને ગુલાબ લગાડયાં હતાં. હું ઘણી ખુશ હતી. મને થયું, હવે આપણા સુખના દિવસ આવી પહોંચ્યા!

    નવી જગ્યા હતી તેથી કે કોણ જાણે કેમ, ‘એમની’ તબિયત વચ્ચે વચ્ચે નાદુરસ્ત રહેવા લાગી. તેમને કાંઈ ને કાંઈ થતું જ રહેતું. એવામાં નરેનને સખત તાવ આવ્યો અને તાવમાં ચીસો પાડવા લાગ્યો. બેભાન અવસ્થામાં મને કહેતો હતો, “બાઈ, જુઓ, પેલો કાળો કાળો માણસ મને બોલાવે છે, અને કહે છે મારી સાથે ચાલ. એની આંખો લાલઘૂમ છે અને મોટા મોટા દાંત છે.”

    હું તો ઘણી ગભરાઈ ગઈ. મેં તેને ભગવાનનું નામ લેવાનું કહ્યું અને મેં  પોતે રામનામનો જપ શરૂ કર્યો. સતત તેના માથા પર મીઠાનાં પાણીનાં પોતાં રાખ્યા ત્યાર પછી તે થોડો શાંત થયો. તેને થોડું ઠીક લાગ્યું જ્યારે તે શુદ્ધિમાં આવ્યો, ત્યારે તેણે મને કહ્યું, “સાચે જ, બાઈ, એ માણસ મને તેની સાથે જવાનું કહેતો હતો.” ઈશ્વરે મારા પર કૃપા કરી અને નરેન સાજો થયો. ત્યાર પછી તેને એવી કોઈ મોટી માંદગી નડી નહિ.

    આ પ્રસંગ બાદ અમારા પ્રથમ ઘરની સૌથી નાની દીકરી ભાનુ અને ભત્રીજાની પુત્રી ખેડબ્રહ્મા અને ઈડર જોવા માટે અમારે ત્યાં આવ્યાં. સમીસાંજનો સમય હતો અને “તેઓ” તેમના નિયમ પ્રમાણે છાંટોપાણી કરવા બેઠા હતા. હું રસોઈ કરતી હતી  ત્યાં ભાનુ આવી. અમે થોડી વાતચીત કરી ત્યાં અચાનક મારી સામે જોઈને તેણે કહ્યું, “બાઈ, તમારા ભાલ પર કંકુ નથી. ઝટ જઈને લગાડી આવો.”

    મારા સૌભાગ્ય-ચિહ્નની બાબતમાં હું ઘણી ચોકસ હતી, તેથી હું સફાળી ઊઠી અને અરીસામાં જોવા ગઈ કે શું ખરેખર જ હું કંકુ લગાડવાનું ભૂલી ગઈ હતી કે કેમ? અરીસાની ભાજુમાં જ હું કંકાવટી રાખતી. મેં અરીસામાં ડોકિયું કર્યું તે “એમણે” જોયું, અને ટીખળમાં એવું કંઈ બોલ્યા કે મારા હૃદય પર જાણે ચીરો પડ્યોઃ “હવે અરીસામાં શું જુએ છે? તારું સૌભાગ્ય કુમકુમ તો જવા બેઠું છે.”

    મેં ગભરાઈને કહ્યું, “આવા અભદ્ર શબ્દ શા સારુ બોલતા હશો?”

    આ વાત થઈ ત્યારે જ્યેષ્ઠ મહિનો ચાલતો હતો. તે સમય તો મેં કંપતા

    મનથી જેમતેમ કરીને ગુજાર્યો, પરંતુ લગભગ છ મહિના બાદ ભગવાનને ઘીનો દીવો કર્યો, પણ અચાનક મારા હાથેથી દીવો નીચે પડી ગયો. ત્રીજા અપશુકન ત્યારે થયા જ્યારે મારા હાથેથી કંકુથી છલોછલ ભરેલી રૂપાની કંકાવટી ઊંધી પડી ગઈ. એક અગમ્ય વ્યાધિમાં મારા દિવસ ગુજરવા લાગ્યા.

    નવા બંગલામાં રહેવા ગયાને બે-અઢી મહિના થયા હતા. થોડા દિવસથી એમનું માથું અત્યંત દુખવા લાગ્યું. શિરદર્દની દવા ચાલુ કરી તેનાથી થોડા દિવસ આરામ રહ્યો, પણ ફરીથી મસ્તકમાં ભયંકર દુખાવો ઊપડ્યો. દુખાવો પણ એવો કે અસહ્ય ચસકા ઊપડતા. પણ તેમણે તેની વધુ પરવા ન કરી અને મોટા પુત્ર અને રવિનાં લગ્નની તૈયારી કરવામાં ધ્યાન પરોવવા લાગ્યા. લગ્ન માટે “એમણે” એક ડઝન શર્ટ, છ પાયજામા, બે ઉત્તમ પ્રકારના સૂટ વગેરે સિવડાવવા આપ્યાં.

    અમારા આઠ વર્ષના લગ્નજીવનમાં એમણે આટલાં બધાં કપડાં એકસાથે કદી પણ સિવડાવવા આપ્યાં ન હતાં. આમ બીજે ધ્યાન પરોવવાનો પ્રયત્ન કરવા છતાં તેમની શિરદર્દની બીમારી ઓછી થવાને બદલે વધતી જ ગઈ. તેવામાં એમના એક ખાસ મિત્રની નાની દીકરી સખત માંદી પડી ગઈ. આખી રાત તેના કપાળ પર મીઠાનાં પાણીનાં પોતાં રાખવા પડતાં હતાં. લોકો વારાફરતી તેમને ત્યાં આખી રાત બેસતા. “એમનું માથું ભયંકર દુઃખતું હતું છતાં પણ તેમણે ત્યાં આખી રાતનો ઉજાગરો કર્યો. તેમના મિત્રે કહ્યું પણ ખરું કે, “દાદા, તમારી પોતાની તબિયત સારી નથી, તો તમે ઘેર જઈને આરામ કરો. જરૂર પડશે તો તમને આવવાનું જરૂર કહીશ.” તેઓ શાના માને? તેમણે મિત્રને કહ્યું, “જુઓ, કાલે ઊઠીને મને કંઈ પણ થાય તો મારી પાસે કોણ આવશે?”

    આ વાતને આઠ જ દિવસ થયા હતા. શ્રાવણ મહિનો બેઠો હતો. એક દિવસ ઓફિસમાં એમનું માથું ઘણું દુખવા લાગ્યું. આમ પણ એમની તબિયત સારી નહોતી રહેતી તેથી તે દિવસે સવારે જ ઓફિસમાંથી એક મહિનાની રજા લઈને ઘેર આવ્યા. આવીને મને કહ્યું, “આજે મારું માથું ઘણું જ દુખે છે. મારે જમવું નથી, તો તું જમી લે. હું જરા આરામ કરું છું.” તેઓ ન જમે તો હું પણ જમતી નહિ તે તેઓ જાણતા હતા. તેથી તે દિવસે તેમણે મને પરાણે જમવા બેસાડી. હું જમવા બેઠી ત્યારે જ તેઓ સૂવાના ઓરડામાં આરામ કરવા ગયા.

    બપોરે બે વાગ્યાના સુમારે તેઓ જાગ્યા અને મને કહ્યું, “હવે મને થોડું ઠીક લાગે છે. ચાલ હું જમી લઉં.” મેં જમવાનું ગરમ કર્યું અને થાળી પીરસવા લાગી. જમતાં પહેલાં એમને થોડી બ્રાંડી પીવાની ટેવ હતી, તેથી થોડી બ્રાંડી પી અને જમ્યા.

    થોડો વખત આરામ કર્યો ત્યાં અમારા પાડોશમાં રહેતા અફસરોની સ્ત્રીઓ એમની તબિયત જોવા આવી. તેમની સાથે વાતો કર્યા બાદ બધી બહેનોએ એમને કહ્યું, “દાદા, તમારાં પત્ની ઘણી નાની ઊમરનાં છે, અને તેમનાં ખોળામાં ચાર-ચાર નાનકડાં બાળકો રમવાની વયના છે. બાઈ માટે કંઈક તો કરી રાખો!”

    તેમણે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે. મારી તો હવે ઉમર થઈ ગઈ છે તે હું જાણું છું. જરા તબિયત સારી થાય એટલે બધી વ્યવસ્થા સરખી રીતે કરવાનો છું.” થોડી વાર બાદ બધી બહેનો ઘેર ગઈ. રાતે આઠેક વાગ્યાના સુમારે એમના મસિયાઈ ભાઈ, જે વઢવાણમાં પોલીસઈન્સ્પેક્ટર હતા, તેમનો માણસ ચિઠ્ઠી લઈને આવ્યો. તેમણે લખ્યું હતું કે, “હું હિંમતનગર આવ્યો છું, તો મને મળવા આવો.” મેં તેને બારોબાર સંદેશ આપ્યો કે એમની તબિયત સારી નથી તેથી તેઓ આવી શકે તેમ નથી. બને તો તમે આવો તો સારું. થોડી વાર બાદ તેમનો માણસ પાછો આવ્યો અને તેમનો સંદેશ આપ્યો કે તેઓ “દાદાને મળવા કાલે આવશે.” કોણ જાણે કેમ પણ તેઓ મળવા આવી શક્યા નહિ.

    બીજે દિવસે મોડી સવાર સુધી એમણે મારી સાથે ઘણી વાતો કરી. ચા પીધી, પણ જમ્યા નહિ. બપોરના લગભગ દોઢ વાગ્યા હતા અને હું મારી દીકરીઓના વાળ ઓળતી હતી ત્યાં એમણે મને બોલાવીને કહ્યું, “અલી, અહીં મારી પાસે આવીને બેસ.” મેં ત્રણે દીકરીઓને મારાં ખાસ બહેનપણી મિસિસ દાતાર પાસે વાળ ઓળાવવા મોકલી. બે વાગ્યાના સુમારે વાત કરતાં કરતાં એકદમ એમને કોણ જાણે શું થઈ

    આવ્યું, બેભાન થઈને આમતેમ દોડવા લાગ્યા. મેં બૂમ પાડીને પાડોશીઓને બોલાવ્યા. આઠ-આઠ માણસો એમને ઝાલીને પથારીમાં સુવડાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેમને રોકી શકતા નહોતા. હું તો ઘણી ગભરાઈ ગઈ. હૈયું બેસી ગયું. હું તો ચોધાર આંસુએ રડવા લાગી. આજુબાજુ રહેતા બધા અફસરો દોડી આવ્યા. એમની હાલતમાં ફેર ન પડ્યો તેથી રાતે અમદાવાદ મોટા દીકરાઓને તાર કર્યો.

    આખી રાત બધા એમની પાસે બેસી રહ્યા. ત્યાં અમારી જ્ઞાતિના એંજિનિયર હતા, તેઓ અને તેમનાં પત્ની મને ધીરજ આપતાં હતાં, હિંમત રાખવા સમજાવતા હતાં, પણ મને ક્યાંથી ધીર આવે? મારા કાળજાના કટકા થતા હતા. હે ભગવાન, આ કેવું અરિષ્ટ મારા મસ્તક પર આવી પડ્યું?

    અમારા પાડોશીએ તાર કર્યો, તેમાં બંને મોટા પુત્રોને ફક્ત એટલું લખ્યું હતું કે તાત્કાલિક રીતે અહીં આવી જાવ. ત્યાં લલિતાબાઈને એવું લાગ્યું કે દીકરાઓનાં લગ્નની વાત કરવા માટે તેમને બોલાવ્યા છે, તેથી તેમણે ફક્ત મોટાને અને રવિને મોકલી આપ્યા. પોતે ન આવ્યાં. બંને ભાઈઓએ બીજે દિવસે રવિવારે આવીને જોયું તો અહીં આવી ગંભીર પરિસ્થિતિ હતી. વિધિની કરણી તો જુઓ, પુત્રોનાં લગ્ન માટે તેમણે સીવવા આપેલા સૂટ અને અન્ય કપડાં પણ તે જ વખતે તૈયાર થઈને આવ્યાં. એમને તો કશું પણ જોવા, સમજવાની શુદ્ધિ નહોતી. એમને તપાસવા ત્રણ-ત્રણ ડૉકટરો આવી ગયા, પણ તેમને કશું સમજાયું નહિ કે એમને શો વ્યાધિ હતો. એમના મગજમાં પાણી થયું હતું [મેનિન્જાઈટિસ –સંપાત્ર] તેનું નિદાન આ ડૉકટરો કરી શક્યા નહિ. તેમણે કહ્યું, “દાદાને વિષબાધા થયા જેવું લાગે છે.” હું તો હેબતાઈ ગઈ. એમને એવું કશું કરવાનું કોઈ પ્રયોજન જ ન હતું.

    અમારી બંનેની વચ્ચે ઘરમાં કોઈ પણ કારણસર કદી પણ કંકાસ થયો નહોતો. રાજકોટ છોડ્યા બાદ તો અમારા દિવસો ઘણી જ સુખશાંતિમાં વ્યતીત થતા હતા. કોણ જાણે આ ડૉકટર કેવા હતા! કેટલાય દિવસથી એમને માથામાં અસહ્ય દુખાવો થતો હતો તેનો તેમણે નિદાન કરતી વખતે વિચાર જ ન કર્યો. એક તો તેઓ યોગ્ય નિદાન ન કરી શક્યા, અને ઉપરથી તેમની આ હાલત અંગે અમારા મોટા પુત્રોએ દોષનો તમામ ટોપલો મારા માથા પર એક નિ:સહાય કમનસીબ સ્ત્રી પર ઢોળ્યો. જરા વિચાર કરો તો, શું મને મારાં ચૂડીચાંદલો અને સૌભાગ્ય વહાલાં નહોતાં? જેમના પર મારું સમગ્ર જીવન અવલંબી રહ્યું હતું, એમને હું શા માટે હાનિ પહોંચાડું? મારા જ પગ પર હું શા માટે કુહાડી મારી લઈશ? કોઈ આનો જવાબ આપી શકશે? અમારા પુત્રોએ તો મારા પર અસહ્ય શબ્દપ્રહાર કરી લીધા, અને કહ્યું, આ નાનકડા શહેરમાં એમનો ઉપચાર થઈ શકે તેમ નથી. એમને અમદાવાદ લઈ જઈએ.

    અંતે તેમણે સાંજના પાંચ વાગ્યાની ટ્રેનમાં એમને અમદાવાદ લઈ જવાનું નક્કી કર્યું. મારી પેટીને તાળું લગાવીને મેં મિસિસ દાતારને ત્યાં રાખી. એમની ઓફિસના ચાર મિત્રો, એક નોકર અને અમે બધાં અમદાવાદ જવા નીકળ્યાં, ત્યારે મારી કેવી વ્યથા, એટલું દારુણ દુઃખ થયું હશે એનું વર્ણન કરી શકાય તેમ નથી, અને કરું તો પણ કોઈને એની વિકટતાનો ખ્યાલ નહિ આવે. તે વખતે મને એવું લાગ્યું કે અમારા આખરી વિયોગનો સમય આવી પહોંચ્યો છે. મારું હૃદય વિદર્ણ થઈ ગયું. આંખમાંનાં અશ્રુ સુકાતાં નહોતાં.

    ખેર, ટ્રેન ચાલવા લાગી. તેઓ તો ચોવીસ કલાક બેહોશ હાલતમાં હતા. ટ્રેનમાં સમીસાંજે થોડી ક્ષણો માટે એમને ભાન આવ્યું. ચારે તરફ નજર નાખીને મારી તરફ જોયું અને મને જ બોલાવી. મને કહ્યું, “મને પાણી આપ.” મેં તરત એક નાના પવાલામાં પાણી ભર્યું અને એમના હોઠ સુધી લઈ ગઈ તો મને કહે,

    “અલી, મારા મોટા ટંબ્લરમાં પાણી લાવ.” એમને હંમેશાં એક રતલ પાણી રહે એવડા મોટા ગ્લાસમાં પાણી પીવાની ટેવ હતી. મેં તરત તેમાં પાણી ભરીને પિવડાવ્યું. પાણી પીધા બાદ તેઓ ફરી બેભાન થઈ ગયા. રાતે આઠ વાગ્યે અમે અમદાવાદ પહોંચ્યાં. સ્ટેશન પર પહેલેથી જ એમ્બ્યુલન્સ કાર તૈયાર રાખવાનું કહી રાખ્યું હતું તેથી એમ્બ્યુલન્સમાં બેસી અમે સૌપ્રથમ ઘેર ગયાં. અમારો ભાણેજ ડૉકટર હતો અને ઘરમાં પણ બે ડૉકટર રહેતા હતા. તેમણે બીજા બે નિષ્ણાતોને બોલાવ્યા. આ પાંચ ડૉકટરોની કમિટીએ એમને તપાસીને તરત જ નિદાન કર્યું કે એમને મેનિન્જાઈટિસ છે અને તત્કાળ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ખસેડવાનું કહ્યું. અમારા “મોટાં” પુત્ર-પુત્રીઓએ તો મને ક્યારનીયે એમ્બ્યુલન્સમાંથી ઉતારી દીધી અને મને અને મારાં બાળકોને મૂકીને હૉસ્પિટલ જતાં રહ્યાં. પણ મારાથી થોડું રહેવાય તેમ હતું? નાનાં બાળકોને નોકરને હવાલે કરી, મારાં મસિયાઈ નણંદને લઈ હું સીધી હૉસ્પિટલ પહોંચી ગઈ.

    મારો આધારસ્તંભ, મારો મોભ તૂટી પડ્યો હતો, ત્યાં છોકરાંઓની શું ચિંતા કરું?

    એમને દાખલ કરવામાં રાતના બે વાગી ગયા. મારું તો જાણે અસ્તિત્વ જ નહોતું એવું જાણી બધાંએ મને બાજુએ રાખી. આખી રાત હું બાજુએ ઊભી આંસુ સારતી હતી. કોઈએ મારા તરફ ધ્યાન આપ્યું નહિ કે ન તો મને એમની નજીક જવા દીધી. એમની સ્પેશિયલ રૂમમાં જવાની રાહ જોઈ જોઈને હું થાકી, અને વહેલી સવારે હું ઘેર ગઈ. બીજે દિવસે અમારા “મોટેરા”એ મને હૉસ્પિટલ જવાની પરવાનગી આપી ત્યારે હું ત્યાં જઈ શકી. એમની રૂમમાં જઈને જોયું તો તેઓ નિશ્ચેષ્ટ પડ્યા હતા. થોડી વારે મોટા ડૉકટર આવ્યા અને એમની બેહોશ અવસ્થામાં જ એમના મગજમાંથી સિરિંજ વતી પાણી કાઢ્યું.

    ત્રીજે દિવસે સવારે હું, મારાં માસી-સાસુમા અને અન્ય ઘણા લોકો હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેઓ ભાનમાં આવ્યા હતા. માસીબાને જોતાં જ તેઓ ઓળખી ગયા, અને તેમને પૂછ્યું, “ઓ હો, યમુનામાસી, તમે વળી ક્યારે આવ્યાં?” એમને તો ખ્યાલ હતો કે તેઓ હજી હિંમતનગર છે. આટલું બોલીને તેઓ પાછા બેહોશી તરફ વળી ગયા. આમ તેઓ થોડી થોડી વારે ભાનમાં આવતા અને પાછા બેહોશ થઈ જતા હતા. એમની આવી હાલત હતી છતાં પણ અમારાં મોટાં સંતાન મને એમની પાસે સાંજના ફક્ત અર્ધો કલાક જ બેસવા દેતાં હતાં. મને એમની સેવા પણ કરવા દીધી નહિ. એમની પત્ની તરીકેનો અધિકાર મારી પાસેથી ખૂંચવી લેવાયો હતો.

    ફરી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે ઈશ્વરે એમની વાચા છીનવી લીધી. હું તેમની પાસે ગઈ તો એકટક મારી સામે જોતા જ રહ્યા. હાથ વડે નિશાની કરી મને પૂછ્યું, “તું ક્યાં હતી? બાળકો ક્યાં છે?” ત્યાર પછી ડાબા હાથ પર જમણા હાથની આંગળી વડે લખવાની નિશાની કરી વારંવાર કાગળ-પેન્સિલ માગ્યાં. તેઓ મને શું કહેવા માગતા હતા એ તો ઈશ્વર જ જાણે. મને તો એમની પાસે એકલાં બેસવાની પણ એમનાં પુત્રો અને લલિતાબાઈએ મનાઈ કરી હતી, ત્યાં એમને કાગળપેન્સિલ ક્યાંથી આપું? વારે વારે તેઓ કાગળપેન્સિલ માગતા હતા, પણ તેમના પુત્રોએ તેમની વિનવણી તરફ જરા પણ ધ્યાન આપ્યું નહિ. તેમને ડર લાગતો હતો કે કોણ જાણે એમના પિતાજી બાઈને શું લખીને આપી જશે!

    છઠ્ઠે દિવસે સાંજે એમને મળવા હું ગઈ ત્યારે મારાં સગાં નણંદ મારી સાથે હતાં. આ વખતે પણ એમણે હાથની નિશાની વડે મને કાંઈ કહેવાનો પ્રયત્ન કર્યો.  ત્યાર પછી મારા મંગળસૂત્ર પર હાથ મૂકીને નિશાની કરી કે, “આ હવે જઈ રહ્યું છે.” મારા કંકુ તરફ આંગળી કરીને નિશાની કરી કે, “તારું સૌભાગ્ય કુમકુમ પણ હવે ભૂંસાઈ રહ્યું છે.” એમને ખબર પડી ગઈ હતી કે તેઓ હવે પ્રભુને ધામ જઈ રહ્યા છે. અમારાં મોટાંઓએ તો નરેનને પણ એમની પાસે ફક્ત એક જ વાર જવા દીધો હતો. હૉસ્પિટલમાં આવતી સ્ત્રીઓ પણ કહેવા લાગી, “કેવા લોકો છે, આ? આવા સમયે પણ પત્નીને પોતાના પતિ પાસે રહેવા નથી દેતા?” મારું તો કાળજું ચૂર ચૂર થઈ રહ્યું હતું. મારા હૃદય પર શી વીતતી હશે તેનો કોઈને ખ્યાલ નહિ આવતો હોય?

    સાતમા દિવસે એમની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેમને ઓક્સિજન પર રાખવા પડ્યા. એમનાં મોટાં છોકરાંઓ મને તો એમના શરીરને પણ સ્પર્શ કરવા દેતાં નહોતાં. એમણે જીવતેજીવ મારો એમની સાથેના સંપર્કનો વિચ્છેદ કરી નાખ્યો. રવિવારે બપોરે બે વાગ્યે તેઓ ફરી ભાનમાં આવ્યા અને ત્યાં હાજર હતા તેમને બધાંને પૂછવા લાગ્યા, “બાઈ ક્યાં છે? નરેન ક્યાં છે?” કોઈએ જવાબ ન આપ્યો અને તેમની આંખમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યાં. (આ વાત મને ઘણા દિવસ બાદ જાણવા મળી). એમની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી એની મને ખબર પડી ગઈ હતી, પણ એમની અંતિમ રાત્રિએ મને એમની પાસે રહેવા ન દીધી. મને બધાંએ ઘેર મોકલી દીધી.

    સોમવારે, એકાદશીને દિવસે પરોઢિયે પાંચ વાગ્યે મને દુખના સાગરમાં છોડી તેઓ સ્વર્ગે ગયા. તેમણે પ્રાણ ત્યાગ કર્યો એની મને ખબર પડવા દીધી નહિ. એમના અંતિમ શ્વાસ વખતે મને એમની પાસે રહેવા દીધી નહિ. સવારે છ વાગ્યે એમના દીકરાઓએ મને હૉસ્પિટલ લઈ જવા કોઈકને અમારે ઘેર મોકલ્યા. આ માણસે પણ મને કહ્યું નહિ કે તેઓ તો ક્યારના ચિરવિદાય લઈ ચૂક્યા હતા. હૉસ્પિટલમાં પહોંચીને જોઉં છું તો એમના પાર્થિવ દેહને એમની રૂમની બહાર કાઢીને સ્મશાનયાત્રા માટે તૈયાર કરી રાખ્યા હતા. મને તો તેમનું અંત્ય દર્શન પણ કરવા દીધું નહિ. એમની નનામી જોઈને હું બેભાન થઈને પડી ગઈ. મારું શિરછત્ર ભગવાને છીનવી લીધું હતું. એક પહાડ જેવડું દુઃખ કેવળ ત્રીસ વર્ષની વયે આ અભાગણીના કર્મમાં આવી પડયું હતું. મારા શિર પર આકાશ તૂટી પડયું હતું. એમના આધારને કારણે મને કદી પણ કોઈ વાતની અછત, ઊણપ, દુખ કે વ્યથા ભાસ્યાં નહોતાં. એમની સેવામાં મેં મારી અંગત હોંશ, ગમો-અણગમો, વ્યક્તિગત પસંદગી બધું જ બાજુએ રાખ્યું હતું. એમની છત્રછાયા નીચે સારા, નરસા – બધા પ્રસંગોને મેં મધુર પ્રસાદ તરીકે સ્વીકારી લીધા હતા. હાય રે દૈવ! મારા વિધાતાએ મારાં બાળકોને અનાથ કરી નાખ્યાં. આ દુર્દેવી સ્ત્રીના નસીબમાં આવડું મોટું દુ:ખ નાખીને એ તો ચાલ્યા ગયા. હવે પછીના મારા દિવસો કેમ કરીને કાઢીશ? લગ્નજીવનના દસમા વર્ષમાં મેં હજી હમણાં જ પ્રવેશ કર્યો હતો. હવે મારું અને મારાં બાળકોનું શું થશે અને કેવી રીતે અમારા દિવસો ગુજરશે એની ચિંતામાં મને દિવસમાં પાંચ પાંચ વાર બેહોશીની “ફિટ” આવવા લાગી. નરેન ફક્ત નવ વર્ષનો હતો અને મારા પિયરનો મને કશો જ આધાર નહોતો. મારાં કાકીની પરિસ્થિતિ પણ સારી ન હતી. એમની મોટી દીકરી નલિની શિક્ષિકા થઈ હતી અને તેમના પરિવારનું ભરણપોષણ એ જ કરતી હતી. અમારો ભાઈ – કાકીનો એક માત્ર પુત્ર – કેવળ તેર વર્ષનો હતો, તેથી તેમના તરફથી કશા પણ આધારની મને અપેક્ષા ન હતી. મારી પાસે લગ્નમાં મળેલા ઘરેણાં અને એમની ગ્રેચ્યુઇટીની થોડીઘણી રકમ હતી.

    એમના સ્વર્ગવાસના ત્રીજા દિવસે અમારા મોટા દીકરાઓ અને લલિતાબાઈએ હિંમતનગરથી મારી ટૂંક મંગાવી લીધી અને તે ખોલી, તેમાંના બધા કાગળ-પત્ર, દસ્તાવેજ વગેરે હસ્તગત કરી લીધાં. હું એવી શોકમગ્ન હતી કે તેમના આ કૃત્ય સામે હું એક અક્ષર પણ બોલી શકી નહિ. આવી હાલતમાં મને આધાર આપનારું કોઈ નહોતું. મારા કોઈ હિતૈષીએ વડોદરા રહેતાં મારાં બાઈજીમાસીને અને કાકીને મારા વૈધવ્યની જાણ કરતો પત્ર લખ્યો હતો, તેથી પત્ર મળતાં જ ચોથે દિવસે તેઓ આવી પહોંચ્યાં ત્યારે મને મારાં પોતાનાં કહી શકાય તેવા આપ્તજનની સાંત્વના મળી. મારી હાલત અસહાયતાની પરાકાષ્ઠાએ પહોંચી હતી. એક તો મારાં બાળકો નાનાં હતાં અને પિયરનો કશો આધાર નહોતો. પિયરના મારા એકમાત્ર આધાર મારા યેસુબાબા હતા, એમને તો પરમાત્માએ ક્યારના અમારી પાસેથી ઝૂંટવી લીધા હતા. હું એવી તો ગભરાયેલી હતી, અને મારા હૃદય પર એવો ધ્રાસકો પડ્યો હતો કે મારી આસપાસ શું થઈ રહ્યું છે એનો મને ખ્યાલ જ નહોતો. એમના બારમા અને તેરમા દિવસના ધાર્મિક વિધિ મારા દિયરે પૂરા કર્યા.

    પંદરમે દિવસે બધા વિધિ પતી ગયા અને શોક પ્રદર્શિત કરવા આવેલા આપ્તજનો ગયા કે તરત અમારાં મોટાં ચિરંજીવી લલિતાબાઈએ પોતે આગેવાની લઈ, અમારા પરિવારની કોઈ પણ જ્યેષ્ઠ વ્યક્તિને મધ્યસ્થ તરીકે બોલાવ્યા વગર ઘરમાંની બધી કીમતી વસ્તુઓ, મારી સાસુમાનાં ઘરેણાં, ચાંદીનાં વાસણો – જે કેટલાંય કિલોગ્રામ વજનનાં હતાં – આપસમાં એટલે પોતાના સગા ત્રણ ભાઈઓ, પોતે અને ભાનુ વચ્ચે વહેંચી લીધાં. સાસુમાનાં ઘરેણાં અને જર-જવાહરમાંથી મને કશું મળ્યું નહિ. મારો તો આધારસ્તંભ જ તૂટી પડ્યો હતો તેનો શોક કરવાનું છોડી આવી ક્ષુલ્લક ભાંજગડમાં મને પડવું નહોતું. મને કોઈનું કાંઈ જોઈતું નહોતું.

    લલિતાબાઈએ મારી પાસે મને લગ્નમાં મળેલાં ઘરેણાં રહેવા દીધાં, અને થોડી ચાંદીની વસ્તુઓ આપી. મારું સર્વસ્વ તો “એ” હતા – જેમને ઈશ્વરે લઈ લઈ લીધા હતા. લગ્નજીવનનાં માત્ર દસ વર્ષ પૂરાં થયાં ત્યાં તો પરમાત્માએ મારા જીવનમાં રાખથી રંગોળી ભરી. આમ જોવા જઈએ તો એમનું શરીર સુદૃઢ હતું. એમને જોઈને કોઈ પણ ન કહી શકે કે તેઓ આટલાં બધાં સંતાનોના પિતા હતા. એમનું જવું તેને તો મારા દુર્દેવી નસીબનો જ દોષ માનવો રહ્યો. એક સ્ત્રી માટે વૈધવ્ય કરતાં બીજું મોટું દુઃખ કયું હોઈ શકે?


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com