-
વાદ્યવિશેષ (૨૮) – ફૂંકવાદ્યો (૫) – સુષીર ફૂંકવાદ્યો – ટ્રમ્પેટ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં સુષીર ફૂંકવાદ્યો વિશે વધુ જાણીએ. આ વાદ્યોમાં માઉથપીસ(જ્યાંથી વાદ્યમાં ફૂંક મારી, હવા દાખલ કરવામાં આવે છે)થી સહેજ આગળ રીડ તરીકે ઓળખાતી રચના આવેલી હોય છે. રીડ એટલે સાદી ભાષામાં સાવ પાતળી, ફૂંક મારવાથી જેમાં કંપન પેદા થઈ શકે તેવી પટ્ટી. તેને તળપદી ભાષામાં પતરી પણ કહેવાય છે. આવાં વાદ્યોને પણ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે – સીંગલ રીડ અને ડબલ રીડ.
રીડ અને માઉથપીસની વચ્ચે હવા દાખલ કરવાથી રીડમાં કંપન ઉત્પન્ન થાય છે, જેને લીધે ધ્વની પેદા થાય છે. અત્રે ધ્યાન ખેંચવું જરૂરી છે કે હાર્મોનીકા/માઉથ ઓર્ગન જેવું પહેલી નજરે રમકડા જેવું લાગતું વાજીંત્ર પણ એક પ્રકારનું રીડવાદ્ય છે.
બ્રાસ પ્રકારનાં ફૂંકવાદ્યોમાં હવા દાખલ કરવામાં આવે ત્યારે તે પડઘાઈને બહાર નીકળતી વેળા ધ્વની પેદા કરે છે. વાદ્યોનો આ સમૂહ ‘લેબ્રોફોન્સ’ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારનાં વાદ્યોમાંથી બહાર આવતી હવાને નિયંત્રિત કરી, ધાર્યો સૂર ઉપજાવવા માટે બટન્સની વ્યવસ્થા હોય છે. મુખ્ય બે પ્રકાર પ્રમાણે જે તે વાદ્યમાં વાલ્વ અથવા હવાનળીને સરકાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. મૂળભૂત સિધ્ધાંત એક જ હોવા છતાં આ વાદ્યોમાં તેમની રચના. આકાર તેમ જ વગાડવાની પધ્ધતિને અનુલક્ષીને અનેકવિધતા જોવા મળે છે. ટ્રમ્પેટ, કોર્નેટ અને ફ્રેંચ હોર્ન ઉપરાંત અન્ય પણ વાદ્યો આ સમુદાયમાં સમાવિષ્ટ છે. નીચે અનુક્રમે ટ્રમ્પેટ, કોર્નેટ અને ફ્રેંચ હોર્નની છબીઓ જોઈ શકાય છે.

આ વાદ્યો સામાન્ય રીતે રસ્તે ચાલતા વરઘોડા સાથેનાં બેન્ડમાં વગાડાતાં જોવા/સાંભળવા મળે છે. આથી જનસામાન્યને મન તેમની બહુ કિંમત નથી હોતી. હકીકત અલગ છે. એ સમજવા માટે આપણે ટ્રમ્પેટને કેન્દ્રમાં રાખી, આગળ વધીએ.
હિન્દી ફિલ્મી સંગીત પાર્શ્વગાનરૂપે શરૂ થયું તેની શરૂઆતના તબક્કામાં સ્થાનિક કક્ષાએ પ્રાપ્ય એવાં વાદ્યોનો જ ઉપયોગ થતો હતો. એકાદ દસકા પછી વાદ્યવૃંદમાં ધીમેધીમે ફેરફારો થવા લાગ્યા અને તેમાં પાશ્ચાત્ય વાદ્યો ઉમેરાવા લાગ્યાં. તે પૈકીનું એક હતું ટ્રમ્પેટ. માત્ર ત્રણ જ બટન્સ વડે સૂરોને નિયંત્રિત કરવાના હોવાથી ટ્રમ્પેટનું વાદન અઘરું અને પડકારદાયક છે. કારણ સ્પષ્ટ છે – કોઈ પણ ધૂન વગાડવા માટે માત્ર ત્રણ બટન્સની મદદથી જ ધ્વનિનિયંત્રણ કરવાનું હોય છે. આમ હોવાથી આરોહ અવરોહની નજાકતને બહુ સ્થાન નથી મળતું. નિયંત્રણ ન રહે તો આ વાદ્યના સૂરોને કર્કશ થતાં વાર ન લાગે, કારણ કે આ સ્વરો આમ પણ બહુ કોમળ નથી હોતા. જો કે ઉસ્તાદ સાજીંદાઓ શી રીતે આ પડકારને ઝીલે છે તે સાંભળવાથી જ ખ્યાલ આવશે.
કિશોર સોઢા નામના એક પીઢ કલાકારે ટ્રમ્પેટ ઉપર વગાડેલું ફિલ્મ મેરે હમદમ મેરે દોસ્તનું ગીત ‘ના જા, કહીં અબ ના જા’ સાંભળતાં ખ્યાલ આવશે કે આ સામાન્ય દેખાતા વાદ્યનો ઉપયોગ કરતી વેળા ફૂંક્ની તીવ્રતા અને માત્ર ત્રણ જ બટન્સના નિયંત્રણ વડે કેવા કેવા સૂરો નિપજાવી શકાય છે.
હવે સાંભળીએ કેટલાંક ટ્રમ્પેટ પ્રધાન હિન્દી ફિલ્મી ગીતો.
૧૯૪૬માં પ્રદર્શિત થયેલી અને અસાધારણ સફળતાને વરેલી ફિલ્મ અનમોલ ઘડીના ગીત ‘આવાઝ દે કહાં હૈ’માં સંગીતકાર નૌશાદે ટ્રમ્પેટનો બખુબી ઉપયોગ કર્યો છે.
ફિલ્મ દુલારી(૧૯૪૯)નું અતિશય મધુર ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી’ આજે ૭૫ વર્ષ પછી પણ એટલું જ લોકપ્રિય છે, જેટલું શરૂઆતના ગાળામાં હતું. આ ગીતમાં ટ્રમ્પેટના અંશો આસાનીથી પારખી શકાય છે. સ્વરનિયોજન નૌશાદનું છે.
સંગીતકાર બેલડી શંકર-જયકિશને તેમની પહેલી જ ફિલ્મ બરસાત(૧૯૪૯)થી જ હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં નવાનવા પ્રયોગો કરી, ક્રાંતિ સર્જી દીધી હતી. આ ફિલ્મનું ટ્રમ્પેટપ્રધાન ગીત ‘પતલી કમર હૈ’ સાંભળીએ. ગીતની શરૂઆતથી જ ટ્રમ્પેટના અંશો કાને પડતા રહે છે.
૧૯૫૧ની એક સંગીતપ્રધાન ફિલ્મ ઢોલકના સંગીતકાર શ્યામસુંદરના સ્વરનિયોજનમાં બનેલા ગીત ‘મૌસમ આયા હૈ રંગીન’ના વાદ્યવૃંદમાં વિવિધ વાદ્યો સાથે ટ્રમ્પેટના ટૂકડાઓ પણ સંભળાતા રહે છે.
શંકર-જયકિશનના નિર્દેશનમાં સ્વરબદ્ધ થયેલાં ફિલ્મ ન્યુ દિલ્લી (૧૯૫૬)નાં ગીતો ખુબ લોકપ્રિય બન્યાં હતાં. તે પૈકીના ગીત ‘નખરેવાલી’માં શરૂઆતથી જ ટ્રમ્પેટના યાદગાર અંશો સાંભળવા મળે છે.
૧૯૫૮માં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ચલતી કા નામ ગાડીની સફળતામાં સચીનદેવ બર્મનનાં સ્વરબદ્ધ કરેલાં ગીતોનો મોટો ફાળો હતો. આ ફિલ્મનું એક યુગલગીત ‘હાલ કૈસા હૈ જનાબ કા’ માણીએ. ટ્રમ્પેટના અંશો આસાનીથી પારખી શકાય છે.
ફિલ્મ આનંદ(૧૯૭૦)નાં ગીતોનું સંગીત સલિલ ચૌધરીએ તૈયાર કર્યું હતું. તેનાં ચારેચાર ગીતોની લોકપ્રિયતા આજે પાંચ દસકા પછી પણ બરકરાર છે, આમાંનું ગીત ‘જીંદગી કૈસી હૈ પહેલી’ સાંભળતાં ખ્યાલ આવે છે કે મન્ના ડેની ગાયકી જેટલો જ પ્રભાવ ટ્રમ્પેટવાદન ઉભો કરે છે.
૧૯૭૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ રામપુર કા લક્ષમણ માટે રાહુલદેવ બર્મને ગીતો તૈયાર કર્યાં હતાં. તે ફિલ્મનુ એક ટ્રમ્પેટપ્રધાન ગીત ‘અલબેલા રે રૂક જાના’ માણીએ.
ફિલ્મ યાદોં કી બારાત (૧૯૭૩) માટે પણ સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું, આ ફિલ્મના એક સદાબહાર ગીત ‘લે કર હમ દિવાના દિલ’ના વાદ્યવૃંદમાં ટ્રમ્પેટના ધ્યાનાકર્ષક અંશો સમાવિષ્ટ છે.
ફરી એક વાર સલિલ ચૌધરીનું સ્વરબદ્ધ કરેલું એક ટ્રમ્પેટપ્રધાન ગીત ‘કંઈ બાર યૂંહી દેખા હૈ’ સાંભળીએ. આ ગીત ૧૯૭૪ની ફિલ્મ રજનીગંધામાં સમાવાયું હતું.
૧૯૭૭ની સાલમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ હમ કિસી સે કમ નહીં નાં ગીતોએ એ અરસામાં ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી. સંગીત રાહુલદેવ બર્મનનું હતું. આપણે આ ફિલ્મનું ગીત ‘બચના એ હસીનોં, લો મૈં આ ગયા’ સાંભળીએ. શરૂઆતથી જ ટ્રમ્પેટના ટૂકડાઓ કાને પડતા રહે છે, વળી પરદા ઉપર નાયકના હાથમાં આ વાદ્ય જોઈ શકાય છે.
આ કડીની આખરમાં ફિલ્મ ધરમ વીર (૧૯૭૭)નું લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા સ્વરબદ્ધ કરાયેલું ગીત ‘સાત અજૂબે ઈસ દુનિયા મેં’ સાંભળીએ. વાદ્યવૃંદમાં ટ્રમ્પેટનો ધ્યાનાકર્ષક ઉપયોગ થયો છે.
આવતી કડીમાં ફરીથી મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
શૂન્યનું મૂલ્ય
દેવિકા રાહુલ ધ્રુવ
શૂન્ય આમ તો શૂન્ય છે, છતાં એનું મૂલ્ય છે. શૂન્યમાંથી સર્જન થાય છે, સર્જનને આકાર મળે છે, આકારમાંથી રૂપ રચાય છે. રૂપ શબ્દોમાં ગૂંથાય છે. શબ્દો થકી એની વ્યાખ્યા બને છે. વ્યાખ્યામાંથી જડ-ચેતનની અવસ્થા મળે છે અને એનાં ગુણધર્મો સમજાય છે. આમ, શૂન્ય આદિ છે, અંત છે. કહો કે, સર્વસ્વ છે.
વિકિપીડિયા પરની માહિતી મુજબ શૂન્ય, દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર છે. તે પ્રમાણે શૂન્ય એટલે કે, ૦ એ એક સંખ્યા છે. શૂન્યની શોધ ભારતીય ગણિતના જ્ઞાતા આર્યભટ્ટે કરી હતી. કોઈપણ સંખ્યાને શૂન્યથી ગુણાકાર કરો તો શૂન્ય જ જવાબ મળે છે. કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે.
થોડી વધારે વિગતો જોઈએ તો, ઈ.સ. ૪૫૮ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે. તે ઉપરાંત તક્ષશિલા સાથે જોડાયેલી પ્રાચીન ભારતની પાડુંલિપીમાં પણ શૂન્યની નોંધ જોવા મળે છે. આ પાડુંલિપી વિશે એમ પણ જાણવા મળ્યું છે કે તે ત્રીજી અથવા ચોથી સદીની રચના છે. એટલે કે તેને આ જગતમાં શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ ગણવામાં આવે છે. તે સિવાય વિષ્ણુનાં એક હજાર નામોમાંનું એક નામ છે, શૂન્ય. વળી જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી આઠમું નક્ષત્ર શૂન્ય ગણાય છે; તો સંગીતમાં પણ તાલના જે છ મુખ્ય અંગો છે તેમાંનું બીજું અંગ છે શૂન્ય. જેને ખાલી પણ કહીએ.
બીજી એક આધારભૂત માહિતી મુજબ, શૂન્યનું કોતરકામ પણ થયેલું છે. ક્યાં અને ક્યારે તેની માહિતી પણ રસપ્રદ છે. મધ્યભારતનાં ગ્વાલિયર શહેરની વચ્ચોવચ આઠમી સદીમાં એક ભવ્ય કિલ્લો બન્યો હતો અને નવમી સદીમાં આ કિલ્લામાં પહાડમાંથી કાપીને ગુંબજોવાળું એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. તેને ચતુર્ભુજ મંદિર પણ કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે. સમગ્ર વિશ્વમાં આ એક જ એવી જગ્યા છે, જ્યાં શૂન્યનું કોતરકામ જોવા મળે છે..
શૂન્યની શોધ ભારત સિવાય કોઈ અન્ય દેશમાં કેમ ન થઈ તેની પાછળનાં પણ ઘણાં કારણો મળી આવે છે. એક વિચાર/કારણ એવું ગણાવવામાં આવે છે કે, કેટલીક સંસ્કૃતિઓમાં શૂન્ય વિષેના વિચારો સારા નહોતા. જેમ કે, યુરોપમાં ધર્મગુરુઓએ ઈસુખ્રિસ્તની શરૂઆતના દિવસોમાં શૂન્યના ઉપયોગ પર લગામ લગાવી દીધી હતી. તેમનું માનવું હતું કે ઈશ્વર જ બધું છે. જે અંક શૂન્યતાનું નેતૃત્વ કરે, તે રાક્ષસી છે! આનાથી વિપરીત વાત એ છે કે, ભારતમાં શૂન્યની વિભાવના હજારો વર્ષોથી પ્રચલિત હતી. તેનાં પણ મૂળ જોઈએ.
સંસ્કૃત શબ્દ ‘શૂન્ય’ ‘વ્યર્થ કે ખાલી’ના અર્થમાં વપરાતો. શૂન્ય શબ્દ ‘શ્વિ’ (ઊગવું) ધાતુના ભૂતકૃદંત ‘शून’માંથી આવ્યો છે. ઋગ્વેદમાં તેનો અર્થ ‘અભાવ’ કે ‘ઊણપ’ લેવામાં આવે છે. આ શબ્દ ‘ખાલીપણું’ અને ‘ક્ષમતાનો અભાવ’ બે વિવિધ અર્થવાળા શબ્દોનું સંધાન કરી બનાવેલો છે. તે પછી બૌદ્ધોનો ‘શૂન્યતા’નો સિદ્ધાંત મળ્યો, જેમાં મનને બધી અસરોથી અલિપ્ત રાખવાની બાબત આવે છે. આમ, ભારતના આધ્યાત્મિક જ્ઞાન અને શૂન્યની શોધ વચ્ચે ગાઢ સંબંધ છે. આધ્યાત્મિકતાએ જ શૂન્યને જન્મ આપ્યો છે.
આકાશ એક અવકાશ છે, ખાલી ખાલી છે, શૂન્ય છે. છતાં કેટલું સભર છે! સુખ કે દુઃખ, હર્ષ કે શોક કોઈપણ સ્થિતિમાં સામાન્યથી અસામાન્ય માણસ ઊંચે આકાશ તરફ નજર કરે છે, હાથ ફેલાવે છે. શૂન્યની આ તે કેવી અજાયબી છે!
ભારતીય અધ્યાત્મમાં શૂન્યનો આવિષ્કાર થયો અને અધ્યાત્મમાંથી શૂન્યે ગણિતશાસ્ત્ર તરફ વળાંક લીધો. અન્ય દેશો વિજ્ઞાન અને અધ્યાત્મના સંબંધને હજી હવે આજે જોડે છે, પણ આપણે હજારો વર્ષ પહેલાં એ બંને વચ્ચેનો સંબંધ જોડી શક્યાં હતાં. આપણી સંસ્કૃતિમાં તો શૂન્યવાદને પણ સ્વીકારવામાં આવ્યો છે. શૂન્યવાદ એટલે જગતમાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં એવો મત. એટલે કે, બીજા શબ્દોમાં એ નાસ્તિકવાદ કહેવાય! એનો અર્થ એમ પણ કરી શકાય કે, જગતમાં કોઈપણ વાદ અસ્તિત્વ ધરાવતો નથી એવો મત એટલે શૂન્યવાદ.
હવે ગણિતમાં શૂન્ય વિશે વિચારીએ તો શૂન્ય બીજી સંખ્યાઓથી અલગ છે. અલગ એ રીતે કે, ૧થી ૯ સુધીનો પ્રત્યેક નંબર સંખ્યાની હાજરી દર્શાવે છે. જ્યારે શૂન્ય સંખ્યાની ગેરહાજરી દર્શાવે છે. કશું ન હોવાની પરિસ્થિતિ શૂન્યતા છે. (ફરીથી અધ્યાત્મ!) આગળ જણાવ્યું તેમ શૂન્ય, દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર છે. તે પ્રમાણે ૦ એટલે કે, શૂન્ય એ એક સંખ્યા છે. કોઈપણ સંખ્યાને શૂન્યથી ગુણાકાર કરો શૂન્ય જ જવાબ મળે છે. કોઈપણ સંખ્યાનો શૂન્યથી ભાગાકાર થઈ શક્તો નથી. કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. શૂન્ય (૦) નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન શૂન્ય જ (૦) થાય છે. વધું ઊંડાણમાં ઉતરતાં ‘વિશ્વકોશ’ના એક લેખમાંથી જાણવા મળ્યું કે, પતંજલિના યોગસૂત્રમાં, પિંગળના છંદસૂત્રમાં, ખગોળશાસ્ત્રના ગ્રંથોમાં અને બ્રહ્મસ્ફૂટસિદ્ધાંત ગ્રંથોમાં પણ જુદીજુદી રીતે શૂન્યનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. પણ મુખ્યત્ત્વે સાદી સમજ પ્રમાણે તેનું સ્થાનિક મૂલ્ય (place value) ગણાવી શકાય.
એક જરા જુદો અભિગમ. આજે સવારે જ એક લેખ વાંચવામાં આવ્યો જેમાં શ્રી પરેશ અંતાણીએ સુંદર વાત લખી છે કે, “ભગવાન બુદ્ધ કહે છે જગતમાં એક જ એવી વસ્તુ છે કે જેનો નાશ થતો નથી. બધું નષ્ટ થયા બાદ પણ જે શેષ રહે છે. તે’ શૂન્ય’ છે. શૂન્યતા મુક્તિનો દરવાજો છે. જે પ્રમાણે આકાશ શૂન્ય છે એ જ રીતે આપણી ભીતર પણ આકાશ છે, જે શૂન્ય છે જેને વેદાંતમાં ‘ચિદાકાશ’ કહે છે. મન જયારે સંકલ્પ- વિકલ્પ, રાગ-દ્વેષથી મુક્ત થઈ જાય, બધા દ્વંદ્વો દૂર થઈ જાય, એવી ભીતરી શૂન્યતા મુક્તિ છે. મુક્તિ એ કોઈ એવું સ્થળ નથી કે જ્યાં જઈને રહી શકાય. ક્યારેક આપણે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે એકાદ ક્ષણ માટે પણ શૂન્ય થઈ જઈએ છીએ. કંઈ કરવાનું ન રહે, એવું જીવનમાં બને છે. એક કામ કરવા જેવું છે, ક્યારેક પાંચ મિનિટ ધ્યાનમાં બેસો. આમાં ક્યારેક એવી ક્ષણ આવે છે કે, જ્યારે સાધક શૂન્ય થઈ જાય છે, એ ક્ષણ મુક્તિની છે.”
બૌદ્ધોમાં તો શૂન્યતાનો મહાવરો કવિતા કરવામાં, સંગીતમાં બંદિશની રચનામાં, ચિત્રકામ કે શિલ્પકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં કેળવવાનો સૂચવ્યો છે. આના અનુસંધાનમાં કેટલાંક સુવાક્યો અને શેર-શાયરી પર પણ નજર કરી જ લેવાય.
કહેવાય છે કે જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહિ. કારણ કે, શૂન્ય પછી કેટલા અને કેવા આંકડા લખવા આપણા હાથની વાત છે.
શૂન્યની બહાર તું ભલે ફેંકાઈ જાય, કિંમત શૂન્યની બહાર નીકળ્યા પછી જ થાય.
Starting from zero can be a gift. If you don’t have much to begin with, you don’t have much to lose.
Don’t fear for facing failure in the first attempt. Because even the successful Math starts with ‘Zero’ only. — Dr. Abdula Kalam.
जीवनका लक्ष्य शून्य होना है और हम अंकोके पीछे भाग रहे है।
मैं भी शून्य, तुम भी शून्य, सब शून्य का हिसाब है।
शून्य से शून्य जुड़ गया, फिर भी शून्य ही जवाब है।‘શૂન્ય’ પાલનપુરીના શૂન્ય પર મઝાના શેર ઃ
ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.‘શૂન્ય’ ભરપુર આ અમૂલ્ય વાતોને અંતે સમાપનમાં કહેવું જ રહ્યું કે, આધુનિક યુગમાં બ્રહ્માંડને સમજવા માટે ‘ખાલીપણું’ (nothingness) એ મુખ્ય ચાવી ગણાય છે અને વિશ્વની તમામ સફળતાનો પાયો આ શૂન્ય પર જ મનાય છે.
આંકડાની શરૂઆત પહેલાં શૂન્ય હોય છે ( ૦૧,૦૨ વગેરે); અને જ્યારે આંકડાની પછી શૂન્ય આવે છે, ( ૧૦, ૧૦૦, ૧૦૦૦ વગેરે) ત્યારે એનું મૂલ્ય વધતું રહે છે. આમ છતાં વધુ નવાઈ એ વાતની છે કે, માનવીને એ કહેવું ગમતું જ નથી કે “હું શૂન્ય છું”!
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
એસ ધમ્મો સનંતનો – બે મહાકાવ્યો: શ્રીમદ્ રામાયણ અને મહાભારત [૧]
પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન પરંપરાના એક ઘટક પૌરાણિક હિંદુ ધર્મ પર હવે આપણે પ્રકાશ પાડીશું.
અગાઉના લેખમાં આપણે નોંધ્યું છે કે આગમ અને તંત્ર એ આ પૌરાણિક ધર્મના બે સ્તંભો છે. અત્રે આપણે એ પણ જણાવીએ કે પૌરાણિક ધર્મનાં બીજાં બે મહત્ત્વનાં અંગો રામાયણ અને મહાભારત છે.
પ્રસ્તુત લેખના આ પહેલા ભાગમાં આપણે આ બે મહાકાવ્યો પર સંક્ષિપ્ત ચર્ચામાં કથા પ્રારંભ, બન્ને મહાકાવ્યોનાં અલગ અલગ સંસ્કરણો, રામાયણ અને મહાભારત કાળનો સમાજ જેવાં પાસાં આવરી લઈશું.
કથા પ્રારંભ
વાલ્મિકી રામાયણ અનુસાર એક વાર ઋષિ નારદ વાલ્મિકીના આશ્રમમાં પધાર્યા ત્યારે તેમણે (ચોવીસમા) વ્યાસે પૂછ્યું કે સંપૂર્ણ ગુણો ધરાવતી વ્યક્તિ આજે સંસારમાં કોણ છે. તેના પ્રત્યુત્તરમાં ઋષિએ જણાવ્યું કે આવા નરશ્રેઠ અયોધ્યાના રામ છે. તેઓએ એવો પણ અનુરોધ કર્યો કે વાલ્મિકીએ રામના જીવન પર એક ગ્રંથની રચના કરવી જોઈએ. આ રીતે બન્ને ઋષિઓના સંવાદમાંથી રામાયણની કથાની રચના થાય છે.
મહાભારતના યુદ્ધ પછી પાંડવોના બચી ગયેલા એક માત્ર પુત્ર પરિક્ષિતનું નાગ કરડવાથી મૃત્યુ થાય છે ત્યારથી મહાભારતની કથાની રચનાનો પ્રારંભ થાય છે. પરિક્ષિતનાં મૃત્યુથી નાગજાતિ પર ક્રોધિત થયેલ પરિક્ષિતનો પુત્ર જન્મેજય નાગજાતિનો વિનાશ કરવા સર્પયજ્ઞ પ્રયોજે છે. નાગજાતિ સાથે રક્ત સંબંધ ધરાવતા આસ્તિક નામના જ્ઞાની તે સમયે જન્મેજયને આ યજ્ઞ ન કરવા સમજાવે છે. જોકે એ પ્રક્રિયામાં વિલંબ થવાથી તક્ષક નાગ સિવાયના બધા નાગ સર્પયજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગયા હોય છે. એ પછી, જન્મેજયને આ બધી વાતનો સંદર્ભ સમજાવવા માટે, કથાની અંદર કથાનાં સ્વરુપે, મહર્ષિ વેદવ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી
બન્ને મહાકાવ્યોનાં અલગ અલગ સંસ્કરણો
વ્યાસ પરંપરાનાં જે કુલ ત્રીસ નામો પુરાણ સાહિત્યમાં મળે છે તેમાં રામાયણની રચના કરનારા વાલ્મિકી વ્યાસનો ચોવીસમો ક્રમ છે. ભારતીય વિદ્વાનોને એવો ડર લાગ્યો કે આજથી લગભગ ૧૪,૦૦૦ વર્ષ પૂર્વે, ત્રેતા યુગમાં, જેની રચના થઈ હતી તે વાલ્મિકી રામાયણ કાળક્રમે લોકોના સ્મરણમાં ન રહે. તેથી, તે પછીના ત્રીજા, દ્વાપર, યુગમાં પણ રામાયણ ગ્રંથની રચના કરવાનું વિદ્વાનોએ ચાલુ રાખ્યું. એ ગણતરી પ્રમાણે રામાયણની એકંદરે ૩૦૦થી વધુ, જુદી જુદી, કૃતિઓ રચાઈ છે. જેમાં વશિષ્ઠ રામાયણ, ગિરધર રામાયણ, આનંદ રામાયણ થતાં તુલસી કૃત પ્રાકૃત હિંદીમાં લખાયેલ રામચરિત માનસ અગ્રગણ્ય ગણાય છે.
રામના સ્વર્ગવાસના ૮,૪૦૦ વર્ષ બાદ મહાભારતની રચના અઠ્યાવીસમા વ્યાસ, વેદ વ્યાસે, કરી. બ્રિટિશ શાસન દરમ્યાન અંગ્રેજી ભાષા જાણનારા શિક્ષિત ભારતીયોનો એક બહુ મહત્ત્વનો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તે પૈકી બે વિદ્વાનો, બંગાળના કે એમ ગાંગુલી અને એમ એમ દત્તે મહાભારતના અંગ્રેજી ભાષામાં અનુવાદો પ્રસિદ્ધ કર્યા. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ પૂનાની વિશ્વવિખ્યાત સંસ્થા, ભંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટે વિદ્વાન શ્રી વી એસ સુકઠણકરને મહાભારતનાં અંગ્રેજી સંસ્કરણનું કાર્ય સોંપ્યું. આ વિદ્વાને પચાસ વર્ષના અથાક પરિશ્રમ બાદ મહાભારતનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કર્યો.[1] આ જ અરસામાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા વિભાગે રામાયણનો પ્રમાણભૂત અંગ્રેજી અનુવાદ કર્યો. [2]

આ પછી પણ આ બન્ને મહાકાવ્યોના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલુ જ રહ્યું. આ સદીના પ્રારંભમાં બહુશ્રુત વિદ્વાન વિવેક દેવરોયે આ બન્ને મહાકાવ્યોનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. શ્રી દેવરોય જણાવે છે કે તેઓએ આ અનુવાદો માટે અનુક્રમે શ્રી સુકઠણકરનાં મહાભારત અને એમ એસ યુનિવર્સિટીના રામાયણના આધારભૂત ગ્રંથોનો ઉપયોગ કર્યો છે.

દેવરોય જણાવે છે કે રામાયણના સાત કાંડમાંથી પ્રથમ બાલકાંડમાં અનેક શ્લોકો પાછળથી ઉમેરવામાં આવ્યા છે. તેઓ એમ પણ માને છે કે સાતમો ઉત્તરકાંડ સંપૂર્ણપણે પ્રક્ષિપ્ત છે. રામાયણ કરતાં મહાભારત કદમાં ચાર ગણું છે. તેની રચના એવી છે કે તેમાં પ્રક્ષિપ્ત કરવાનું સાહસ ભારતના કોઈ પણ પંડિત કરી શકે તેમ નથી. સંશોધનને અંતે દેવરોયે રામાયણમાં ૧૮,૦૦૦ શ્લોક અને મહાભારતમાં એક લાખ શ્લોકને બદલે ૭૮,૦૦૦થી થોડા વધારે શ્લોકોને પ્રમાણભૂત માનીને તેનો અનુવાદ કર્યો છે.
રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?
વાચકોને એવી અનુભૂતિ ચોક્કસ થતી હશે કે અષ્ટાવક્ર ગીતા, બ્રહ્મસૂત્ર, તેના પર લખાયેલ ટીકાઓ, દક્ષિણ ભારતના શંકરાચાર્ય, રામાનુજ, માધવાચાર્ય, નિમ્બાર્ક અને વલ્લાભાચાર્યનાં વેદાંત પરના હિંદુ ધર્મના અનેક અદ્ભૂત ગ્રંથો છે. તો પછી રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?
તેનો જવાબ પોંડીચેરી (હવે પુદુચેરી)ના શ્રી અરવિંદોએ આપેલા પ્રત્યુત્તરમાં જોવા મળે છે. તેઓ સંમક્ષ જ્યારે આ વિષયે ચર્ચા કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે પ્રાચીન ભારતમાં એક પણ ગ્રંથ લખાયો ન હોત અને તમામ મંદિરો અને સ્થાપત્યોનો નાશ થઈ ગયો હોત તો પણ રામાયણ અને મહાભારત દરેક ભારતીયનાં મનોવિશ્વમાં એટલાં વ્યાપ્ત છે કે તેઓ આપણાં રાષ્ટ્રીય સ્મારકો (national monuments) છે. તેમના થકી આપણી પૌરાણિક પરંપરા સચવાઈ છે.
રામાયણ અને મહાભારતની ચર્ચા સાથે સાથે કેમ?
આ બન્ને ઘટનાઓ વચ્ચે ૮,૦૦૦થી વધારે વર્ષોનો ગાળો હોવા છતાં બન્ને વચ્ચેનું સામ્ય આંખે વળગે એવું છે. રામાયણના નાયક, શ્રી રામ,નો જન્મ ઇક્ષ્વાકુ કુળમાં, આજથી લગભગ તેર થી ચૌદ હજાર વર્ષની વચ્ચે થયો હતો. અયોધ્યાના સૂર્ય વંશની સ્થાપના વૈવસ્ત મનુએ કરી હતી. પુરાણ ગ્રંથોમાં ઇક્ષ્વાકુ કુળના ૬૩ રાજવીઓની નામાવલી સચવાઈ છે. દિલીપ, ભગીરથ અને રઘુ જેવા પ્રતાપી રાજાઓ આ કુળમાં થયા હતા. રામના પિતા દશરથ આ કુળના આડત્રીસમા વંશજ હતા. આપણાં સદભાગ્યે નેપાળમાં મળી આવેલી ડાયરીમાં ઇક્ષ્વાકુ કુળના ૯૫ રાજવીઓના નામ દર્શાવાયાં છે. આ વંશે દુનિયામાં સૌથી દીર્ઘતર શાસન આ વંશે કર્યું હતું. વિવેચકો માને છે કે ખરી રીતે તો આ વંશમાં પાંચસોથી વધારે રાજવીઓ થયા હશે. પરંતુ, પુરાણકર્તાઓ નોંધે છે કે સ્થળ સંકોચને કારણે આ યાદી ટુંકાવાઈ છે
રામાયણનો અભ્યાસ કરતાં જણાય છે કે તે યુગમાં અખંડ ભારતમાં અયોધ્યા જેવાં ૨૦૦ રાજ્યો હતાં. પરંતુ, રામાયણમાં અયોધ્યા ઉપરાંત માત્ર મિથિલા (બિહાર–નેપાળ)ના સૂર્યવંશ અને કિષ્કિંધા (કર્ણાટક)ના વાનર અને સમુદ્રપાર દક્ષિણના રાક્ષસ કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાભારતનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમાં ચંદ્રવંશની કથા વર્ણવવામાં આવી છે. આ વંશની સ્થાપના ઇક્ષ્વાકુ મનુની પુત્રી ઇલાના પતિ બુદ્ધે કરી હતી. આ વંશનો વિસ્તાર તેના વંશજ પુરુએ કર્યો હતો પુરાણગ્રંથો અને મહાભારતમાં આ વંશનો ઇતિહાસ ત્રુટક ત્રુટક મળે છે. મહાભારતની કથા પ્રમાણે, ચંદ્રવંશનો અંતિમ તબક્કો ચાલતો હતો ત્યારે હસ્તિનાપુર ઉપરાંત અન્ય પચાસ રાજ્યો હતાં. કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે આ રાજ્યો બે ભાગમાં વહેંચાઈ ગયાં હતાં. મોટા ભાગનાં રાજ્યો કૌરવ પક્ષે યુદ્ધ લડ્યાં. પાંડવોના પક્ષે બહુ ઓછાં રાજ્યો હતાં. પરંતુ અવતાર પુરુષ શ્રીકૃષ્ણની સહાય પાંડવોના પક્ષે હતી એટલે યુદ્ધ બન્ને પક્ષના ૫૦-૫૦ પ્રતિશત બળથી લડાયું.
રામના ચારિત્ર્ય અંગેની ટીકાઓ
રામાયણ અને મહાભારતના તેમણે કરેલા અનુવાદની પૂર્વભૂમિકામાં વિવેક દેવરોય જણાવે છે કે રામનું વ્યક્તિત્વ બહુ ધીરગંભીર અને સરળ છે. મર્યાદાપુરુષ અને કુળની આબરૂ તથા ધર્મનાં સંવર્ધન માટે રામ કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા કે વિગ્રહ વોરી લેવા સર્વદા તૈયાર હતા. તેમાં છતાં, આજની વિદેશી પ્રજાઓ અને ભારતનો શિક્ષિત વર્ગ રામની જે ટીકાઓ કરે છે તે જાણવા જેવી છે.
રામ વિશે મુખ્યત્વે આક્ષેપો છે કે,
૧) શુપર્ણખાનો બહુ વરવી રીતે પરિહાસ કરી રામે સ્ત્રીજાતિનું અપમાન કર્યું.
૨) સુગ્રીવને આપેલા વચન ખાતર વૃક્ષની પાછળ છુપાઈને વાલીનો છળકપટથી વધ કર્યો.
૩) રાવણની હત્યા પછી અયોધ્યા પાછા ફરતાં પહેલાં સીતામાતાને અગ્નિપરીક્ષા આપવા કહ્યું.
૪) અયોધ્યા પાછા આવ્યા પછી લોકટીકાથી ડરી જઈને ગર્ભવતી સીતાનો ત્યાગ કર્યો.
૫) સીતા ત્યાગ વખતે લક્ષ્મણે વિરોધ નોંધાવ્યો તો તેમને બહુ અપમાનિત કર્યા.
એક લેખમાં આ આક્ષેપોનો વિસ્તૃત ઉત્તર આપી શકવો સંભવિત નથી. તેથી, સંક્ષિપ્તમાં અત્રે તેની સમજ રજૂ કરી છે.
૧) રામ અને સીતાને પર્ણકૂટિમાં શુપર્ણખા મળે છે ત્યારે પોતાની મર્યાદા ચૂકી જઈને, અન્ય સ્ત્રી, સીતા,ને ખુબ અપમાનજનક ભાષામાં નીચાં પાડે છે. આથી વિવેચકોના મતે, શુપર્ણખા દંડને લાયક હતી.
તે ઉપરાંત, વાલ્મિકીએ ભારતીય શાસ્ત્રોના પ્રમાણિત નવ રસ પૈકી હાસ્ય રસનો પ્રયોગ અહીં કરેલો જોઈ શકાય છે. એટલે આ આખો પ્રસંગ એ પરિપ્રેક્ષ્યમાં લઈએ તો કશું અજુગતું નથી.
૨) વાલીનો અપરાધ અક્ષમ્ય હતો. માત્ર નાના વાંક માટે તેણે પોતાના વફાદાર ભાઈનો ત્યાગ કર્યોં એટલું જ નહીં પણ સુગ્રીવની પત્ની સાથે બળજબરીથી લગ્ન કરવાનો વધારે મહાન ગુનો કર્યો હતો. તેથી રામે તેનો વધ કર્યોં એમાં કોઈ દોષ નથી થતો.
૩) રાવણનો વધ કર્યા પછી રામે સીતા માટે નિંદનીય વાક્યોનો પ્રયોગ કર્યો ત્યારે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે સીતાજીએ અગ્નિપ્રવેશ કર્યો. અહીં એ નોંધવું જોઈએ કે અગ્નિપ્રવેશ એવી વિધિ હતી જેનો પ્રયોગ વ્યક્તિ પોતાના ચારિત્ર્યની વિશુદ્ધતા સાબિત કરવા માટે કરે છે. પરીક્ષા દરમ્યાન વ્યક્તિએ અગ્નિ સમક્ષ ઊભા રહીને બોલવાનું હોય છે. એ સમયે અગ્નિની જ્વાળાઓ જો ઉર્ધ્વગમન કરે તો વ્યક્તિ નિર્દોષ છે તેમ સાબિત થાય. સીતાજીના કિસ્સામાં પણ આવું જ થયું. આ પ્રસંગ પછી તરત જ સીતાને સ્પર્શ કરીને રામ સીતાને કહે છે કે તમારી નિર્દોષતા વિશે મને કોઈ સંશય ન હતો.પરંતુ ભવિષ્યમાં પણ કોઈ આ બાબતે તમારા પર કોઈ આક્ષેપ ન થાય એટલે જ મેં આ પ્રયોજ્યું હતું.
(૪-૫) અયોધ્યા આવ્યા પછી શુદ્ર શમ્બૂકનો રામ દ્વારા વધ, ગર્ભવતી હોવા છતાં સીતાનો ત્યાગ અને તે સમયે આનાકાની કરતા લક્ષ્મણને અપમાનજનક શબ્દો કહેવા એ ત્રણેય પ્રસંગો રામાયણના સાતમા, ઉત્તરકાંડ, માં છે. આ સંપૂર્ણ કાડ પ્રક્ષિપ્ત છે. તેથી આ ત્રણ આક્ષેપ માટે રામને અપરાધી ઠેરવવાનો કોઈ આધાર નથી. સત્ય તો એ છે કે રાવણના વધ પછી રામે રાવણ, તેના ભાઈઓ અને અન્ય રાક્ષસોની મરણોપર્યાંત તર્પણ વિધિ કરી હતી. વિભિષણને વિધિવત શ્રીલંકાનું રાજ્ય સોંપ્યું. અને તે પછી, સીતા અને લક્ષ્મણ તેમજ હનુમાન, વિભિષણ અને યુદ્ધ દરમ્યાન સાથ આપનાર અન્ય સહયોગીઓ સાથે પોતે, પુષ્પક વિમાનમાં અયોધ્યા પરત ફર્યા.
રામાયણ અને મહાભારત કાળનો સમાજ
તેમના બન્ને મહાકાવ્યોના અનુવાદની પૂર્વભૂમિકામાં વિવેક દેવરોય જણાવે છે કે બન્ને મહાકાવ્યોમાં ગદ્ય અને પદ્ય રચનાઓનો પ્રયોગ કરાયો છે. પાંડવ અને શ્રીકૃષ્ણ પહેલાં શ્રીરામ થઈ ગયા. પરંતુ આ કૃતિઓમાં સમાજનું જે ચિત્રણ જોવા મળે છે તેમાં મહાભારતના સમયનો સમાજ બહુ પહેલાંનો, પ્રારંભિક કક્ષાનો, જણાય છે. આ સમાજને અતિ ઘાતકી અને અમાનવીય બતાવાયો છે. રામયણનો સમાજ સુસંકૃત છે. એટલે કે તે મહાભારતના સમય પછીના સમાજ પછી અસ્તિત્વમાં આવ્યો હોય એવું સ્પષ્ટ જણાય છે. વિવેક દેવરોયનાં આ કથન સાથે આ લેખક સહમત નથી. સત્ય તો એ છે કે રામાયણનો સમાજ સત્(કૃત) યુગ પછીના ત્રેતાયુગનો છે, તેથી તેમાં સાદગી અને અહિંસા જોવા મળે છે.
ઉદાહરણ તરીકે, આ સંદર્ભમાં આધુનિક લેખક શ્રી રામના વિચારો જાણવા જેવા છે. તેઓ જણાવે છે કે કૈકેયીએ પોતાને અપાયેલાં વચનોની પૂર્તિ કરવા માટે દશરથ દ્વારા રામને ચૌદ વર્ષનો વનવાસ અપાવ્યો. પોતાનાં પત્ની, સીતા, અને નાના ભાઈ લક્ષ્મણ, સાથે જ્યારે રામે વન ભણી પ્રયાણ કર્યું ત્યારે અયોધ્યાનાં સમગ્ર પ્રજાજન તેઓની પાછળ પાછળ ચાલી નીકળ્યા અને રામ સાથે તેઓ પણ વનવાસ કરશે એવો સંકલ્પ જાહેર કર્યો. તેની સામે, જુગારમાં હાર્યા પછી અન્ય પાંડવો, કુંતી અને દ્રૌપદી સાથે યુધિષ્ઠિર ચૌદ વર્ષના વનવાસ માટે જ્યારે નીકળ્યા ત્યારે હસ્તિનાપુરની પ્રજાએ આવો કોઈ ઉમળકો પ્રદર્શિત નહોતો કર્યો.
આપણે પણ હજુ એક વધારે ઉદાહરણ લઈને વિવેક દેવરોયનાં વિધાનને ખોટું પાડી શકીએ. રામાયણમાં રામના વનવાસ દરમ્યાન શ્રી, નિષાદ, કેવટ અને શબરી જેવાં છેવાડાનાં લોકોને પણ સમાન દરજ્જો આપીને તે સમયના સમાજની સમગ્ર સમાવેશકતાની મહાનતા દર્શવાઈ છે. તે સામે મહાભારતમાં લાક્ષાગૃહની ઘટનામાં મહેલને આગ લાગે તે પહેલાં પાંડવો, કુંતી અને દ્રૌપદી પોતાની જગ્યાએ આગમાં હોમાઈ જવા જે વૃદ્ધ લોકોને મુકે છે તે આદીવાસીઓ છે. આમ મહાભારતના સમયમાં જ્ઞાતિપ્રથાનું દુષણ જોવા મળે છે. જેવાં કે,
૧) ધૃતરાષ્ટ્ર અંધ છે. ગાંધારીથી તેમને થયેલા ૧૦૦ પુત્રો લગભગ મૃત અવસ્થામાં જન્મ્યા હતા. તેમનો ઉછેર ઘડામાં મૂકીને કરવામાં આવે છે. વિવેચકોનું કહેવું છે કે ધૃતરાષ્ટ્ર અતિશક્તિશાળી અને કામી હતા. તેથી, ખરેખર તો આ પુત્રો મહેલની દાસીઓ અને અન્ય સેવાઓ આપતી કન્યાઓથી ધૃતરાષ્ટને જ થયેલાં સંતોનો હતા.
૨) તો વળી બધા જ પાંડવોનો જન્મ કુંતી અને માદ્રીના વેદવ્યાસ સાથેના નિયોગ સંબંધથી થયો છે, તે પર ઢાંકપિછેડો કરવા માટે પાંચ પાંડવોને ધર્મ, ઇન્દ્ર, અશ્વિનીકુમારો વગેરે સાથે સાકળવામાં આવ્યા છે. કર્ણનો જન્મ પણ સૂર્ય સાથેના લગ્નેતર સંબંધથી જ થયો હતો.
૩) રામાયણમાં રાજા જનક હળ ખેડતા હોય છે ત્યારે ધરતીમાંથી મળેલા ઘડામાંથી તેમણે દીકરી સીતા મળે છે. આમ સીતાને કૃષિ સાથે જોડીને સમાજની પ્રગતિશીલતા જોઈ શકાય છે, તેની સામે મહાભારતમાં દ્રૌપદીનો જન્મ અગ્નિજ્વાળામાંથી થયેલો બતાવાયો છે. આમ અગ્નિની વિનાષક વૃતિને દ્રૌપદીના પાત્ર દ્વારા માનવીય રૂપ અપાયું છે. મહાભારતના યુદ્ધનામ મૂળમાં એક કારણ દ્રૌપદીનો ધખધખતો ક્રોધ પણ છે.
૪) દ્રોણ બ્રાહ્મણ હોવા છતાં યુદ્ધમાં એક ક્ષત્રિયની જેમ સક્રિય બને છે. ભીષ્મ ક્ષત્રિય હોવા છતાં આજીવન બ્રહ્મચર્ય ધારણ કરીને સન્યાસી જેવું જીવન ગાળે છે.
રામ-રાવણ યુદ્ધમાં અનેક પ્રકારનાં વિનાશક આયુધોનો ઉપયોગ થયો છે. રાવણ અને અનેક રાક્ષસોનો વધ પણ થાય છે. પરંતુ રાક્ષસ સંસ્કૃતિને કોઈ હાની નથી થઈ. લંકાનું રાજ્ય પણ કાયદેસરના ઉત્તરાધિકારી, વિભિષણ,ને જ સોંપી દેવાય છે. આમ, રામાયણમાં ભારતની આર્ય સંસ્કૃતિ, દક્ષિણ ભારતની અર્ધ આર્ય (વાનર) સંસ્કૃતિ અને લંકાની સંપૂર્ણ અનાર્ય (રાક્ષસ) સંસ્કૃતિઓને જોડાવાનો પ્રયાસ થયો છે. દ્વાપર સમાજનાં વધી ગયેલાં દૂષણોને સુધારવાને બદલે મહાભારતનાં યુદ્ધ દ્વારા કુરુવંશ, પોતાના યાદવ વંશ ને એવા અનેક વંશોના નાશનો માર્ગ મહાભારતમાં અવતાર પુરુષ તરીકે શ્રીકૃષ્ણએ પસંદ કર્યો છે.
ભારતના ઇતિહાસના સુવર્ણ કાળ જેવો પ્રાચીન યુગ પણ અહીં કાયમ માટે અંત થાય છે, તે પછી આપણો દેશ એ મહાનતાની કક્ષા ક્યારે ય પહોંચી શક્યો નથી.
બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના હવે પછીના બીજા ભાગમાં ‘રામાયણ-મહાભારત કાળમાં વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ, કુરુ વંશવૃક્ષ, મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના, મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણતરી તેમજ આ મણકા માટે આધાર લીધેલા અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
[1] The Mahabharata by V S Sukthankar
[2] The Valmiki Ramayana Edited By P. C. Divanji 1963 – Oriental Institute
-
રક્ષા મુદ્રા
ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
રક્ષા મુદ્રા શબ્દોથી મનમાં જે દૃશ્યો રચાય એનાથી ઘણું જ વિપરીત એ મુદ્રાનું પ્રચલિત નામ છે! હું જેને રક્ષા મુદ્રા ગણાવું છું એનું પ્રચલિત નામ ‘પશુપતિ સીલ’ Pashupati Seal છે. પ્રત્યેક ભારતીય બાળક એનાથી પરિચિત હશે એમ માનું છું. માધ્યમિક કક્ષાના સમાજશાસ્ત્રના પાઠ્ય પુસ્તકમાં આ છબી હોય છે.

ચિત્ર ૧ રક્ષા મુદ્રા
સાભાર: વિકિપીડિયાઆ મુદ્રા પર અઢળક વિશ્લેષણ થયું છે. ટૂંકમાં, મુંએ-જો-ડેરો સ્થળેથી મળેલી આ મુદ્રા ૪૩૭૫-૪૦૨૫ વર્ષ પુરાણી છે. અણિશુદ્ધ ચોરસ આકારની મુદ્રા ૩.૫૬ સેમી x ૩.૫૩ સેમી x ૦.૭૬ સેમી કદના સ્ટીએટાઈટ કે શંખજીરું અથવા અભ્રકના પથ્થર પર કોતરણી કરી તપાવીને બનાવવામાં આવેલી છે. કોઈ માટીના પાત્ર પર આ મુદ્રાથી ચિહ્ન અંકિત કરાતું હશે એમ એની રચના પરથી લાગે છે. વિદ્વાનોએ એમાં દર્શાવેલ આકૃતિઓ અને અક્ષરો પર વિસ્તૃત લખ્યું છે. હું મારી દૃષ્ટિએ એનું વિશ્લેષણ કરું છું.
મુદ્રામાં ચાર પ્રાણી આકૃતિઓ સ્પષ્ટ છે હાથી, વાઘ, ગેંડો અને મહિષ/ભેંસ/પાડો. નાની બે હરણની આકૃતિઓ બેઠેલી વ્યક્તિના નીચેના ભાગે છે. વ્યક્તિ લાકડાના બનેલા બાજઠ પર બેસી હોય એમ લાગે છે. હાથી સિવાય સર્વે પ્રાણીઓના મુખ વ્યક્તિ બાજુ છે. વ્યક્તિને ત્રણ મુખ જણાય છે. દાઢી-મૂછ નથી. માથે મહિષના શીંગ છે. વચ્ચે જટા જેવો આકાર જણાય છે જેમાં આઠ લટ છે અથવા કોઈ જલધારાઓ ફૂટતી હોય એમ જણાય છે. અથવા માથે સર્પ મુખ હોય અને બે પૂંછડીઓ આજુબાજુ લંબાતી જણાય છે. આંખો ધ્યાનસ્થ મુદ્રામાં છે. વક્ષ પર છ માળાઓ કે છ ધારીઓ વાળું કવચ પહેરેલું છે. શરીરનો મધ્ય ભાગ સુડોળ છે. કેડ પર કંદોરો છે. અન્ય એક સૂત્ર કે નીચેના વસ્ત્રનો ઉપરનો ભાગ વળેલો હોય એમ જણાય છે. કદાચ વચ્ચે વસ્ત્ર/સૂત્રનો છેડો લંબાયેલો છે અથવા ઉપસ્થ (લિંગ) છે એવું પણ જણાય છે. મુનિઓ લંગોટ પહેરે એવું વધુ લાગે છે. બંને પગ મૂળ બંધ કે સિદ્ધાસન મુદ્રામાં વળેલાં છે. બંને હથેળીઓ ઊંધી કરીને ગોઠણ પર મૂકેલી છે. એટલે, એ ભદ્રાસન મુદ્રા જણાય છે. વ્યક્તિના ડાબા હાથમાં આઠ નાના અને ત્રણ મોટા કંકણ કે બલોયા છે, જ્યારે જમણા હાથમાં ત્રણ નાના અને બે મોટા કંકણ દેખાય છે. તૂટેલા ભાગમાં અન્ય ચાર નાના અને એક મોટા કંકણ હોવાની શક્યતા જણાય છે. એટલે, કુલ ૧૫ નાના કંકણ અને ૬ મોટા કંકણ છે. મોટા કંકણ બાજુબંધ પણ હોઈ શકે છે. વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, કુમાર વયની હોય એમ જણાય છે. ઉપર ૬ કે ૭ અક્ષરો છે. લખાણ અંગે પણ અનેક વિશ્લેષણ ઉપલબ્ધ છે. એ લખાણ જમણેથી ડાબે જતું “મહિષા”, “વાસુક્ર” ઇત્યાદિ હોવાનું કહેવાય છે.
આ બધાં પ્રતીકોને ઉકેલવા પ્રયત્ન કરીએ. ચિત્રો ૨, ૩, ૪, ૫, અને ૬ જુઓ.

ચિત્ર ૨ આદ્યશક્તિ ( સાભાર: https://www.art-prints-on-demand.com/a/harappan/figure-of-a-mother-goddes-4.html)

ચિત્ર ૩ નૃત્યાંગના (સાભાર: https://www.harappa.com/blog/dancing-girl-figurine)

(ચિત્ર ૪ યોગીરાજ (સાભાર: https://www.harappa.com/slide/priest-king-mohenjo-daro)

ચિત્ર ૫ આદ્યશક્તિ (સાભાર: https://www.harappa.com)

ચિત્ર ૬ યોગિની વૃષાનના (સાભાર: https://commons.wikimedia.org/wiki/File:Yogini_Vrishanana_-_National_Museum,_New_Delhi.jpg)
આવા અનેક ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે રક્ષા મુદ્રામાં દર્શાવેલ વ્યક્તિ યુવાન સ્ત્રી છે અને ધ્યાનસ્થ છે. એ સમયના પુરુષો દાઢી-મૂછ રાખતા. હાથમાં બલોયા જેવી બંગડીઓ અને ગળામાં હાર સ્ત્રીઓ પહેરતી. વળી, સ્ત્રીઓ વિવિધ શૈલીમાં વાળને બાંધતી. ચિત્ર ૨ પ્રમાણે આદ્યશક્તિના વાળ અને મુગટનું બંધારણ રક્ષા મુદ્રાના વ્યક્તિને મળતાં આવે છે. ચિત્ર ૫ થી વધુ સ્પષ્ટ થાય છે કે મુદ્રામાં દર્શાવેલ વ્યક્તિ સ્ત્રી જ છે. વળી, એ પ્રચલિત નામ પ્રમાણે પશુપતિ નથી!
થોડું ધ્યાન મધ્ય આફ્રિકાની દિશામાં લઈ જઈએ. ચિત્ર ૭, ૮ જુઓ.

ચિત્ર ૭ અશાંતિ લોકો અને તેમના પ્રતીકો (સાભાર: https://www.yaden-africa.com/the-culture/african-tribes/ashanti)

ચિત્ર ૮ મહિષશિંગી મુગટધારી અશાંતિ યુવક (સાભાર: https://africaonlinemuseum.org/map/ghana/ashanti-kingdom/photos/)
ઉપરના ચિત્રો પરથી જણાય છે કે સિંધુ સરસ્વતી સંસ્કૃતિ અને આફ્રિકી સંસ્કૃતિમાં સમાનતા છે. વળી, આફ્રિકી સંસ્કૃતિમાં પૃથ્વી માતાને ‘અસાસા યે’ નામે ઓળખવામાં આવે છે. Indusscript.net વેબસાઇટ પ્રમાણે રક્ષા (પશુપતિ) મુદ્રા પરનું લખાણ “આશાશં માં” અથવા “આશાશન્ માન” હોવાનું જણાય છે. સંસ્કૃતમાં “આશાશ”નો અર્થ “આકાશનું” છે. અથર્વ વેદમાં કાંડ ૧૦, સૂક્ત ૫, મંત્ર ૨૯ અન્વયે આપ: દેવતા માટે એવું કહેવાયું છે કે –
विष्णोः॒ क्रमो॑ऽसि सपत्न॒हाशा॑संशितो॒ वात॑तेजाः। आशा॒ अनु॒ वि क्र॑मे॒ऽहमाशा॑भ्य॒स्तं निर्भ॑जामो॒ यो॒૩स्मान्द्वेष्टि॒ यं व॒यं द्वि॒ष्मः। स मा जी॑वी॒त्तं प्रा॒णो ज॑हातु ॥
અર્થાત્ – આપ વિષ્ણુના પરાક્રમ જેવા અને શત્રુઓનો સંહાર કરનાર છો. ઉપ દિશાઓએ આપને તેજસ્વી, કાર્યમાં પ્રવૃત્ત, તીક્ષ્ણ અને વાયુના તેજથી પરિપૂર્ણ કર્યા છે. આપ અવાંતર દિશાઓમાં વિશિષ્ટ પરાક્રમ કરો. અવાંતર દિશાઓના અનિષ્ટોને અમે ત્યાંથી દૂર કરી છીએ. અમારા દુષ્ટ શત્રુઓ જીવિત ના રહી શકે. પ્રાણ એમનો ત્યાગ કરો.
ભાવાર્થ – પવિત્ર કાર્યોમાં વ્યસ્ત રહી હું સંપૂર્ણ શરીરને સશક્ત બનાવું છું અને રોગો દૂર કરું છું.
આ મંત્રમાં “આશાસંશિત:”નો અર્થ છે દિશાઓથી તીક્ષ્ણ કે સશક્ત બનવું. અવાંતર દિશા એટલે જ્યારે સૂર્ય ભૂમધ્ય રેખાથી ઉત્તરમાં હોય છે ત્યારે જણાતી દિશાઓ. બે કે ત્રણ નક્ષત્રો ભેગાં મળી એક નિશ્ચિત આકાર બનાવતા હોય છે. ઉત્તર ગોળાર્ધ એટલે કે ભારતમાં વર્તમાન સમયમાં ઉત્તરાયણનો આરંભ (ડિસેમ્બર ૨૧/૨૨/૨૩) મૂળ નક્ષત્રમાં થાય છે. લગભગ ૬૭૦૦ વર્ષો પૂર્વે પૂર્વ કે ઉત્તર ભાદ્રપદા નક્ષત્રમાં ઉત્તરાયણનો આરંભ થતો હતો. મહિષ કે પાડો યમ અર્થાત દક્ષિણ દિશા સૂચવે છે. જો પૂર્વ ભાદ્રપદા એ મહિષ છે એમ સ્વીકારી લઈએ તો ત્યાંથી ૯૦ અંશે જ્યારે વસંત વિષુવકાળ હોય (માર્ચ ૨૦/૨૧/૨૨) એ મૂળ નક્ષત્ર છે, જેને પશ્ચિમ દિશા ગણી શકાય. અવધૂત પરંપરામાં મૂળ નક્ષત્રનું પ્રતિનિધિત્વ વ્યાઘ્ર કરે છે. દક્ષિણાયન (જૂન ૨૦/૨૧) હસ્ત કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. હસ્ત નક્ષત્ર એ હાથી છે, જેને ઉત્તર દિશા ગણી શકાય. વર્ષા વિષુવકાળ (સપ્ટેમ્બર ૨૨/૨૩) મૃગશીર્ષ નક્ષત્ર છે, જે ગંડક એટલે કે ગેંડો છે, જેને અમૃતનું દ્યોતક પૂર્વ દિશા ગણી શકાય.

ચિત્ર ૯ નક્ષત્ર સ્થિતિ ૬૨૦૦ વર્ષ પૂર્વ ( સાભાર: https://www.geogebra.org/m/hPzeVrAD)
મૃગશીર્ષ વર્ષ આરંભ અને સમગ્ર નક્ષત્ર વર્ણન તૈત્તિરીય સંહિતામાં ઉપલબ્ધ છે. શ્રી બાળગંગાધર ટીળક મહારાજે તેમના ગ્રંથમાં આ વાત નોંધેલી છે (https://archive.org/details/orionortheantiqu021979mbp). અર્થાત્ ચાર મુખ્ય પ્રાણીઓ ચાર દિશા કે વર્ષના ચાર ભાગ દર્શાવે છે.
સાત પ્રાણીઓ (મહિષ, ગંડક, હાથી, મનુષ્ય, વ્યાઘ્ર, મૃગ જોડી) સાત ગ્રહોનું પ્રતિનિધિત્વ હોય એવું પણ જણાય છે.
હાથી અને વાઘ વચ્ચે કુમાર આકૃતિ છે એ કોઈ કથાનો ભાગ જણાય છે. બે હરણોની જોડી જે યોગિનીના આસન નીચે છે એ વાહન જણાય છે. ઋગ્વેદ મંડળ ૧૦, સૂક્ત ૧૪૬ અરણ્યાનિ સૂક્ત છે જે વનમાં સ્થિત માતા અરણ્યાનિ અથવા વનદુર્ગા પર છે. માતા અરણ્યાનિ સર્વેને અન્ન આપે છે અને હિંસક પશુઓથી રક્ષા કરે છે.
અય્યપ્પા સ્વામી પરંપરાની કથા પ્રમાણે દત્તાત્રેય અને લીલા (કે અનઘા) એકબીજાને શ્રાપ આપે છે. દત્તાત્રેય મહિષાસુરરૂપે અને લીલા એની બહેન મહિષી રૂપે જન્મે છે. હરિહરપુત્ર મણિકાન્ત વનમાં વાઘણનું દૂધ લેવા જાય છે જયાં રાક્ષસી મહિષી સાથે યુદ્ધ કરીને જીતે છે. મણિકાન્ત એ જ અય્યપ્પા કે મણીકંદન સ્વામી.
ઉપરોક્ત માહિતી અને સંદર્ભો જોડીને મને જણાય છે કે, મુદ્રા એ રોગ, પ્રાણીઓ ઇત્યાદિથી રક્ષણ માટે છે. મુદ્રામાં સ્થિત વ્યક્તિ પૃથિવી માતા છે. તેમના કંકણ શુક્લ કે કૃષ્ણ પક્ષની ૧૫ તિથિઓ દર્શાવે છે. છ બાજુબંધ ઉત્તરાયણ કે દક્ષિણાયનના ૬ માસ દર્શાવે છે. મસ્તક પર મહિષ શીંગ સૂર્ય અને ચંદ્ર અથવા ઇડા અને પિંગળા નાડીઓ દર્શાવે છે. મસ્તક પર સર્પ એ કુંડલિની સુષુમ્ણા નાડી દ્વારા ઊર્ધ્વગામી હોવાનું પ્રતિક છે. ચાર મુખ્ય પ્રાણીઓ ચાર દિશા કે વર્ષના ચાર અગત્યના દિવસો દર્શાવે છે. આસન નીચે મૃગ જોડી નવા વર્ષનો આરંભ મૃગશીર્ષ નક્ષત્ર હોવાનું પ્રતીક છે. હાથી અને વાઘ વચ્ચે ઊભેલી વ્યક્તિ માતા પૃથિવીના સંતાન રૂપે છે. મુદ્રા પરનું લખાણ “આશાશં માન” અર્થાત્ આકાશથી ઘડાયેલ અને આકાશમાં સ્થિત એટલે કે માતા પૃથિવી હોવું જોઈએ. થોડો ઉચ્ચાર ભેદ સ્વીકારીએ તો એ “અશાસન માન” અર્થાત્ જન-સામાન્યનું અથવા અરાજકીય હોઈ શકે. વચ્ચેનો અક્ષર ઐતિહાસિક ૐ અક્ષર હોવાની શક્યતા છે.
આ વિષયે વધુ સંશોધન અને વિચારો આવકાર્ય છે.
|| ૐ તત્ સત્ ||
સંદર્ભ સૂચિ:
૧. https://www.researchgate.net/publication/340776796_Decoding_enigmatic_Indus_Seal_Pashupati
૨. https://www.academia.edu/50773885/Harappan_female_headgear_iconography_revealed_Gupta_Harappan_Code_Part_2_
૩. https://www.academia.edu/50961732/Harappan_composite_animal_iconography_enigma_cracked_Dr_Gupta_Harappan_code_2021_Part_3_HARAPPAN_YALLI
૪. https://timenomad.app/posts/astrology/philosophy/2024/08/03/the-nakshatras.html
૫. https://indusscript.net/
૬. https://www.harappa.com/category/subject/writing
૭. https://bharatdiscovery.org/
૮. https://www.valmikiramayan.net/utf8/baala/sarga47/bala_47_prose.htm
૯. https://en.wikipedia.org/wiki/Ayyappan
૧૦. https://indianculture.gov.in/retrieved-artefacts-of-india/artefact-chronicles/yogini-vrishanana
૧૧. https://briannekeith.substack.com/p/the-winter-solstice-and-mula-the
૧૨. https://www.yaden-africa.com/the-culture/african-tribes/ashanti
૧૩. https://gods-goddess.fandom.com/wiki/Asase_Ya
૧૪. https://vedicscripture.com/atharvaveda/10/5/0/29
૧૫. https://www.geogebra.org/m/hPzeVrAD
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
સંસ્પર્શ – ૮
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
જીવનમાં મોજ કોણ કરી શકે? જે ખૂબ વિદ્વાન છે તે, જેણે ખૂબ વાંચ્યું છે તે કે જેની પાસે ખૂબ પૈસા છે તે ?
ના, તમે આવા ભ્રમમાં હોવ તો તરત જ તેને દૂર કરો. તમને એક એક ઉદાહરણ સાથે વાતો કરતા કરતા ધ્રુવદાદા ‘સમુદ્રાન્તિકે’ ની કથામાં સમજાવી દે છે કે, આ દરિયા કિનારે વસતા લોકો ભણેલાં નથી, તેમની પાસે એક ટંક ખાવાનો રોટલો અને કાંદો છે, પણ તેઓ કોઈ ફરિયાદ વગર મોજથી જીવે છે. તેમનું હ્રદય દરિયા જેટલું વિશાળ છે. તેમણે વેદ, ઉપનિષદ વાંચ્યાં નથી, પણ તેમને માણસ માણસ પ્રત્યે અખૂટ પ્રેમ છે. પ્રકૃતિ, પશુપંખી અને પરમની બનાવેલ સમગ્ર સમષ્ટિને તે સાચા હ્રદયથી મનભરીને પ્રેમ કરે છે. સચ્ચાઈથી ચાહે છે. જેમાં ક્યાંય દેખાડો કે દંભ નથી અને તે અનુભવને આપણી સાથે વહેંચી દાદા આપણને પણ એ જ નિર્દોષતા સાથે સરળતા અને સહજતાથી પ્રેમ કરવાનું શીખવે છે.
‘સમુદ્રાન્તિકે’ માં ધ્રુવદાદાએ દરિયા કિનારે વસતા લોકોની વાતચીતમાંથી તારણ કાઢી, સંવાદોમાં જે શબ્દો મૂક્યાં છે તે ખરેખર એક એક વાક્યમાં આપણને જીવનનું તત્વજ્ઞાન પીરસી જાય છે. એક વૃદ્ધ સ્ત્રી જે ચાલી પણ નથી શકતી, તે દરિયે નહાવા આવે છે. તેને જ્યારે કહેવામાં આવે છે કે “એક ડોલમાં દરિયાનું પાણી લાવી આપીએ,તમે તેનાથી નાહી લો.”
ત્યારે તે કહે છે,” દરિયો કંઈ ડોલમાં ના સમાય.” કેટલી મોટી વાત કરી આ વૃદ્ધાએ ! દાદા કહે છે, આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પણ તેને અહીં લાવનાર માત્ર ધર્મ નથી. તે તો તેના દરિયાને મળવા આવી છે. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા – છીપલાની ભેટ ધરીને શણગાર્યું છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે. તેના સમગ્ર જીવનનાં કડવા-મીઠાં સ્મરણોનો જે સાક્ષી રહ્યો છે. એ દરિયો આ વૃદ્ધાને સાવ પોતીકો લાગે છે. તેને દરિયાને મળવું છે કારણ તે તેના દરિયાને અઢળક પ્રેમ કરે છે, તે તેના પ્રેમમાં ભીંજાઈ જીવનની પાછલી અવસ્થામાં આનંદ લેવા ઈચ્છે છે.
સમુદ્રાન્તિકેનો નાયક,રાત્રે ક્રિષ્ના સાથે દરિયામાં શઢવાળી હોડીમાં સફર કરી રહ્યો હોય છે, ત્યારે પણ ક્રિષ્ના કહે છે, ”બધાંને બે જણ હંકારે, એક ઉપરવાળો ને બીજો દરિયો.’ ભગવાન જેટલી જ લાગણી, પ્રેમ અને મહત્વ તેઓ દરિયાને આપે છે અને આ ખારાપાટનાં લોકોનો પ્રકૃતિનાં સર્જનપર પ્રેમ જોઈ, આપણો દૃષ્ટિકોણ પણ દરિયા માટે બદલાઈ જાય છે.
સુખી માણસ કોણ? કે સુખની વ્યાખ્યા શું ? મોજમાં જિંદગી કેવી રીતે ગુજારાય ? તેનો સુંદર સંદેશ પણ આ દરિયા કિનારે વસતા લોકો આપણને આપે છે. દરિયા કિનારાની આ પથરાળ જમીનમાં અનાજ પકવવું કેટલું અઘરું છે? ભર બપોરની પરસેવે રેબઝેબ કરતી ગરમીમાં કામ કરતાં ખેડૂત આદિવાસીને જ્યારે નાયક પૂછે છે ,
“કેમ છે?”
ત્યારે તે જવાબ આપે છે,
“હાકલાં છીએ.”
એટલે કે ખૂબ મઝામાં છીએ અને ધ્રુવદાદાના સૌને ખૂબ ગમતાં ગીતનું સર્જન થાય છે.
ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલી ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે
આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે.ધ્રુવદાદાનું સૌને ખૂબ ગમતા આ ગીતમાં દાદા કહેવા માંગે છે,
આપણી પાસે પ્રભુની કૃપાથી બધું જ હોવા છતાં કોઈ પૂછે કે ,”કેમ છો ?”તો આપણને અનેક ફરિયાદો હોય છે. આ આદિવાસી ખેડૂત પાસે ફાટેલા કપડાં, માથે ધગધગતો તપેલો સૂરજ, કાળીમજૂરીને અંતે પરાણે મળતો રોટલો અને રહેવા માટે નાની ઝૂંપડી છે છતાં પણ એ આનંદસભર જિંદગી જીવે છે. પોતે રસ્તે જનારને પણ પોતાનો સાવ અંગત હોય તેમ “બાપા ! હાકલા છીએ” તેમ કહે છે.
જિંદગી કેમ જીવવી જોઈએ ? ફરિયાદ વગર મોજથી, તે આ નાના માણસ પાસેથી શીખવાનું છે. તે તો દરિયા પાસે રહી દરિયાની જેમ જ હિલ્લોળા લેતો પોતાનું જીવન ગુજારે છે.
તેણે તો તેનાં ફાટેલા ખિસ્સામાં પણ પોતાની મોજને સાચવીને મૂકી છે. તેની પાસે કોઈ કિંમતી ખજાનો નથી પણ તેના આનંદ અને મનની મોજનો ખજાનો કિંમતી દરદાગીના અને પૈસાથી પણ વધારે છે. એની ભીતરની મોજ એટલી મોટી છે કે તેને પેટી પણ નાની પડે છે. એ એના, અંદરનાં આનંદથી એટલો છલોછલ છે એટલે રસ્તે જતાં આવતાં લોકો પણ તેને પોતાનાં લાગે છે. એને ક્યારેય એકલાપણું લાગતું નથી. આનંદથી હર્યોભર્યો આ દૂબળો, હંમેશા મેળામાં ફરતો હોય તેવો આનંદ અનુભવે છે. તેને ક્યાં જવાની જરૂર છે હિમાલયમાં તપ કરવા કે શાસ્ત્રોને વાંચવાંની !
અને આ મસ્તમૌલા આદમીને જોઈ ધ્રુવદાદા આગળ ગાય છે.
આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાંઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે
આપણે તો કહીએ કે દરિયા -શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છેજીવનની કઠિનાઈઓ સાથે જીવતાં આ નિર્મળ હૃદયનાં લોકોનાં જીવનમાં આંખમાં પાણી આવી જાય એટલી મુશ્કેલીઓ આવે છે પણ તેની સામે તેઓ ઝઝૂમે છે, પણ તેમની ભીતર રહેલી પ્રેમની ,લાગણીની તેમજ દરેક માનવને સૃષ્ટિનાં સર્જનને અને તેના થકી પરમને ચાહવાની ભીનાશ ઓછી નથી થતી. દરિયાની ભરતી ઓટની ચિંતા કિનારાને કરવી હોય તો કરે, દરિયો તો તેની જરાયે પરવા કરતો નથી. એવી રીતે દરિયા કિનારે વસતાં માનવીઓ પણ સૂરજ આથમે કે ઊગે, સુખ દુ:ખ આવે અને જાય પરતું આકાશની જેમ અડગ રહી તેમનો જીવન જીવવાનો સિદ્ધાંત અને સરળતા, નિખાલસતા અને પ્રેમને એમનેમ રાખીને મોજમાં જીવે છે. તેમજ દરિયાશી મોજને પણ કુદરતની રહેમ સમજે છે.
ધ્રુવદાદાનું આ ગીત દુનિયાનાં દરેકે દરેક માનવીને કેટલી મોટી શીખ આપી જાય છે ! આપણે માત્ર ને માત્ર આ ગીતને યાદ રાખીને જીવીએ તો પણ હંમેશા ખુશી અને આનંદથી દરિયા જેવી મોજમાં જીવી શકીએ.
-
વધુ એક અભયારણ્યમાં વિકાસયોજના
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વિકાસલક્ષી અનેકવિધ સમાચાર જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે સહુ કોઈ જાણે કે આયોજનાબદ્ધ રીતે કુદરતનું, કુદરતી સંસાધનોનું નિકંદન કાઢવા બેઠા છે. માનવસંસ્કૃતિનો આટલો બધો વિકાસ કદાચ થઈ પણ જાય તો સવાલ એ રહે છે કે એનાં ફળ ભોગવવા માટે કોઈ રહેશે ખરું? પોતાની આસપાસની સૃષ્ટિ-ચાહે એ પ્રાણી સૃષ્ટિ હોય કે વનસ્પતિ સૃષ્ટિ-નિકંદન કાઢવામાં માનવે પાછું વાળીને જોયું નથી, અને હજી આ દોટ ચાલુ છે.
એક સમાચાર અનુસાર, જાન્યુઆરી, ૨૦૨૫માં ‘રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ’ દ્વારા આસામના હોલોંગાપાર ગિબ્બન અભયારણ્યમાં તેલ અને વાયુની શોધ માટે ડ્રીલીંગની મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ અતિશય સંવેદનશીલ છે. સૂચિત પ્રકલ્પ ૪૪,૯૯૮ હેક્ટરમાં પ્રસરેલો હશે.
સૌ પ્રથમ આ સ્થળનું મહત્ત્વ સમજવા જેવું છે. આપણા દેશની એક માત્ર વાનર પ્રજાતિ હૂલૉક ગિબ્બન આ અભયારણ્યમાં જોવા મળે છે, અને તેના નામ પરથી જ તેનું નામ રાખવામાં આવ્યું છે. પશ્ચિમમાં જોવા મળતા હૂલૉક ગિબ્બન પ્રજાતિના વાનરો આસામમાં બ્રહ્મપુત્ર અને અરુણાચલ પ્રદેશમાં દિબાંગ નદીની પ્રણાલિમાં દક્ષિણ તટે ઊંચાં વૃક્ષવાળાં જંગલોમાં વસે છે. વિશ્વભરમાં વસતી અન્ય ૧૯ પ્રજાતિના ગિબ્બનની જેમ અહીંના ગિબ્બન પણ તેમના આવાસ પર તોળાતા ખતરાને કારણે જોખમગ્રસ્ત પ્રજાતિમાં ગણાય છે.
આ અભયારણ્ય એક પ્રકારે ‘વનદ્વીપ’ બની ગયો છે, એટલે કે તેણે આસપાસનાં વનક્ષેત્રો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. ગિબ્બનનો નિવાસ વૃક્ષની ઘટામાં હોય છે, આથી વૃક્ષોની ઘટા બાબતે તેઓ વધુ સંવેદનશીલ હોય છે.
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તેમજ ભારતીય વન્યજીવ સંસ્થાન અને આસામના વનવિભાગના પ્રતિનિધિઓ દ્વારા કરાયેલા સ્થળ નિરીક્ષણમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ડ્રીલીંગની પર્યાવરણ પર થનારી તાત્કાલિક અસર મર્યાદિત હશે. અલબત્ત, પર્યાવરણની રીતે સંવેદનશીલ વિસ્તારમાં ડ્રીલીંગ કરવાનો તેમણે પ્રબળ વિરોધ કર્યો. સ્થળ નિરીક્ષણ અહેવાલમાં જણાવાયું છે કે, ‘આ અભયારણ્ય હૂલૉક ગિબ્બનનો મહત્ત્વપૂર્ણ આવાસ છે. સમિતિને જણાયું છે કે સંશોધનાત્મક ડ્રીલીંગથી આ વિસ્તારને ખાસ નુકસાન નહીં થઈ શકે. પણ વ્યાપારી ડ્રીલીંગની અનુમતિ અહીં આપી શકાય એમ નથી. આ કામ કરનારી એજન્સીએ વચન આપ્યું છે કે તેઓ આ ક્ષેત્રમાં વ્યાપારી ડ્રીલીંગ નહીં કરે.’ એજન્સીએ આશ્વાસન આપતાં જણાવ્યું છે કે આ ગતિવિધિ આ વિસ્તારમાં હાઈડ્રોકાર્બન ભંડારની જાણકારી પ્રાપ્ત કરવા પૂરતી જ છે. અહીંથી હાઈડ્રોકાર્બન મળી આવે તો પણ તેના ડ્રીલીંગનું કામ સંવેદનશીલ વિસ્તારની બહાર જ કરવામાં આવશે અને સમગ્ર કાર્ય દરમિયાન કોઈ પણ ખતરનાક પદાર્થનો ઊપયોગ કરવામાં નહીં આવે.
ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા પણ પર્યાવરણની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અનેક આકરી શરતો મૂકી છે.
ડ્રીલીંગના પ્રકલ્પની વાત થાય ત્યારે અહીંથી પસાર થતી એક રેલ્વેલાઈન વિશે પણ વાત કરવી જરૂરી બની રહે છે. ગૌહાટીના પશુવિદોએ ૧.૬૫ કિ.મી. લાંબા આ રેલ્વેમાર્ગનો રુટ બદલવાનો પ્રસ્તાવ અગાઉ કરેલો, કેમ કે, આ રેલ્વેમાર્ગને કારણે પૂર્વ આસામનું આ અભયારણ્ય બે અસમાન વિભાગમાં વહેંચાઈ ગયું છે. પશુવિદોના અહેવાલ અનુસાર આ અભયારણ્યમાં બ્રોડગેજ લાઈનની પાર ગિબ્બનની આવનજાવનને સુવિધાજનક બનાવવા માટે એક કૃત્રિમ છત્રનો પુલ બનાવવો જરૂરી છે. આ ટ્રેકનું વીજકરણ હજી બાકી છે.
અગાઉ ૨૦૧૫માં પૂર્વોત્તર સીમાંત રેલ્વે દ્વારા લોખંડનો એક પુલ બનાવાયો હતો, પણ ગિબ્બન માટે તે ઊપયોગી નીવડી શક્યો નહીં. એના ચાર વર્ષ પછી વન વિભાગ અને આરણ્યક દ્વારા એક પ્રાકૃત્રિક છત્રવાળો પુલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ, પણ રેલ્વેમાર્ગની જાળવણી માટે રેલ્વેવિભાગ દ્વારા નિયમીત રીતે કરાતી વૃક્ષોની કાપકૂપને કારણે વાનરોની અવરજવર અસરગ્રસ્ત થઈ તે થઈ. એ યથાવત બની શકી નહીં.
આખી વાતનો સાર એટલો કે વન્ય સૃષ્ટિ એક વાર અસરગ્રસ્ત થાય એ પછી તેની અસર દૂરગામી હોય છે. તે આપણી મરજી મુજબ વિકસતી નથી. વિકાસની માનવજાતની તરાહ એવી રહી છે કે વિકાસયોજના અગાઉ તે પર્યાવરણ પર પડતી તેની અસરો વિશે કાગળિયાં ભરી ભરીને અભ્યાસ કરશે, પણ છેવટે તે એ જ કરશે જે તેણે કરવા ધાર્યું છે. અસરગ્રસ્ત પ્રજાતિ કંઈ આવા અહેવાલોની શરમ ભરતી નથી કે નથી એ મુજબ અનુસરતી. એ પુરવાર થયેલી હકીકત છે કે વિકાસયોજનાઓ આરંભે મર્યાદિત પ્રમાણમાં જ હોય છે, પણ ધીમે ધીમે તેનો વ્યાપ એટલો વિસ્તરતો જાય છે કે તેમાં વિકાસ કેન્દ્રસ્થાને આવી જાય છે, અને આસપાસની જીવસૃષ્ટિની જાળવણી હાંસિયામાં ધકેલાઈ જાય છે.
આજે સંશોધનાત્મક ડ્રીલીંગથી શારકામનો આરંભ થશે, અને ક્યારે તેનો હેતુ વ્યાપારી બની જશે એની ખબર પણ નહીં પડે, કેમ કે, એ પછી આંકડાની કલાબાજીઓ અને અર્થતંત્રનાં આંબાઆંબલીઓ ભૂલાવી દેશે કે અહીં ગિબ્બન પ્રજાતિના દુર્લભ વાનરોનો વસવાટ હતો. પશુવિદો, પર્યાવરણવિદો કે એ પ્રજાતિના અન્ય લોકો ગમે એ ચેતવણી આપે, વિકાસના આંકડા સર્વોપરી છે, અને તેની આગળ બધા અહેવાલો કે અભ્યાસ પાણી ભરે છે.
આસામનું આ અભયારણ્ય હોય કે બીજા કોઈ રાજ્યનું અન્ય અભયારણ્ય હોય, એકેમાં વિકાસયોજનાઓ શરૂ થયા પછી સતત આગળ ને આગળ જ વધતી રહી છે, અને સરવાળે પર્યાવરણનો ભોગ તેણે લીધેલો છે. આનાં પરિણામોની વિપરીતતાની કલ્પના કરવાની પણ જરૂર નથી, કેમ કે, એ પણ શરૂ થઈ જ ગયાં છે. હવે તો એમ જ ઈચ્છવાનું મન થાય છે કે હોલોંગાપારમાં શારકામ દરમિયાન હાઈડ્રોકાર્બનનો ભંડાર ન મળે તો સારું! એ વિસ્તાર તો સચવાશે!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સિનેમા કે સરકસઃ કિટલીની પાટલીએ ચાય વગરની ચર્ચા
ચેતન પગી
મેચનો ટાઇમ હોય ત્યારે કરસનની કિટલીએ ખાસ ઘરાકી હોતી નથી. એટલે એ બેઠો બેઠો રીતસર માખો મારતો હતો. ત્યાં જ ભૂરાને જોઈને એની આંખો ચમકી. શર્ટના બે બટન ખુલ્લા રાખીને અને ડાબો ખભો ઊંચો કરીને ભૂરો આવી રહ્યો હતો. એને જોઈને કરસને કોમેન્ટ કરી. ‘ભૂરારારા… પુષ્પા જોઈ પાડ્યું એમને? કેવું લાગ્યું પિચ્ચર?’ ભૂરાનો જવાબ, ‘હાસ્તો, કાલે અડધી રાતના શોમાં મેળ પડ્યો.’ ‘પણ અલ્યા કેવું પિચ્ચર છે એ તો કહે તો જોવું કે નહીં એની ખબર પડે.’ કશું બોલ્યા વિના ભૂરો કિટલીની પાટલીએ ગોઠવાયો. સ્કૂ
લની પાટલી કરતાં વધારે દિવસ એ કિટલીની પાટલીએ બેસીને ‘ભણ્યો’ હતો. કરસન આ કિટલી સ્કૂલનો પ્રિન્સિપાલ અને રોજ આવતા-જતા ઘરાકો ટીચર. દરેક પાસેથી ભૂરાએ ના શીખવાનું અને શીખવાનું શીખ્યો હતો. પાટલીએ ગોઠવાયેલા ભૂરાને જોઈને કરસનને થયું કે હવે આ ઉધાર ચા માગશે. પણ એવું બન્યું નહીં. ભૂરાએ પેન્ટના પાછલા ખિસ્સામાં ખોસેલું ‘રેડ બુલ’નું ટીન કાઢ્યું. જોકે, ઢાંકણું ખોલીને ‘રેડ બુલ’ પીતા ફાવ્યું નહીં એટલે એણે કરસનના છોકરા પાસેથી રકાબી માગી. રકાબીમાં ‘રેડ બુલ’ રેડીને એણે પહેલો સબડકો માર્યો.
આ સીન ચાલી રહ્યો હતો ત્યારે કરસન વિચારતો હતો કે કાયમ ઉધારમાં ચા ઠપકારી જતા ભૂરા પાસે રેડ બુલના પૈસા ક્યાંથી આવ્યા હશે? જોકે કરસનને ખબર નહોતી કે કાલે રાતે પિક્ચર જોવા ગયા હતા ત્યારે શેઠના છોકરાએ ‘રેડ બુલ’ ભૂરાને આપી હતી. આમ તો ભૂરો ઘરે બેસીને પણ ‘રેડ બુલ’ પી શકતો હતો પણ રાતે જોયેલું પિચ્ચર કેવું છે એ કહીને છાકો પાડી દેવાની ચૂલ એને જંપીને બેસવા દેતી નહોતી. વાતોના તડકા કરીને ગામ ગજવી દેવા માટે કિટલીથી બેસ્ટ જગ્યા બીજી કઈ હોઈ શકે?
આવી જ કોઈક કથિત કિટલીએ ચા વેચીને એક ચાવાળો આખો દેશ ગજવી રહ્યો છે એ ભૂરો સારી રીતે જાણતો હતો. કરસનની ફરમાઈશ બાદ ભૂરાએ કહ્યું, ‘કરસનકાકા, મારી આખી લાઇફમાં મેં આવું પિચ્ચર જોયું નથી. આટલું કહીને ભૂરાએ મસાલા બ્રેક લીધો. ગજવામાંથી મસાલાની પડીકી ખોલી એમાંથી એક ચપટી મોઢામાં પધરાવી. ભૂરો આખા એરિયાનો એકમાત્ર અધિકૃત રિવ્યૂઅર છે. માત્ર ફિલમ જ નહીં. અનાજ, પાણી, વાસણ, કપડાં, પાઉં-ભાજી, દાબેલી, નવા ભાડુઆત, નવી સ્કિમથી લઈને નવા આઇસક્રીમ સુધી બધી જ બાબતો વિશે એની પાસે અભિપ્રાય રહેતો. અને એરિયાની પ્રજા પણ એને પૂછ્યા વિના ફિલમથી લઈને શેરબજારમાં રોકાણ કરતી નહીં.
આજે વારો ‘પુષ્પા‘નો હતો. આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં લોકો પુષ્પાની જ વાતો કરતા. પહેલાના વખતમાં વહેલી સવારે પ્રભાત ફેરીઓ નીકળતી. હવે લોકો સવાર સવારમાં પુષ્પા જોવા ટિકિટની લાઇનમાં ઊભા રહે છે. (એને તમે પુષ્પાફેરી કહી શકો) આમ તો ટિકિટના પૈસા ભૂરાને પરવડે એમ નહોતા પણ શેઠના છોકરા પાસે એક વધારાની ટિકિટ હતી એટલે એને ચાન્સ મળ્યો હતો. ચા રસિયા ઘરાકની ગેરહાજરીમાં કરસનને નાછૂટકે ભૂરામાં રસ લેવો પડી રહ્યો હતો.
પૈસાની પેટી પાટલી નીચે સરકાવીને એણે ભૂરાને પૂછ્યું, ‘પિચ્ચરની સ્ટોરી શું છે?’ ભૂરાએ કહ્યું, પેલ્લા સીનમાં પુષ્પા ઊંધો લટકે છે અને છેલ્લા સીનમાં આડો ફાટે છે. વચ્ચેના આખા પિક્ચરમાં એ પોલીસ સ્ટેશનથી લઈને સીએમની ઓફિસ સુધી બધી જગ્યાએ ફૂલ દાદાગીરી કરી આવે છે. ‘પણ સ્ટોરી શું છે?’ કરસને ફરી પૂછ્યું. ભૂરાએ આગળ વધાર્યું, ‘એક સીનમાં નદીમાં ટ્રકો તો બીજા સીનમાં દરિયામાં બળદગાડાં દોડાવે છે. અને બીજા એક સીનમાં મસ્ત ડાન્સ કરે છે.’ ‘પણ અલા સ્ટોરી શું હતી?’ કરસને કંટાળીને વધુ એકવાર પૂછ્યું. ભૂરાએ પણ કંટાળીને કહ્યું, ‘શું કરસનકાકા તમે પણ! ફિલમમાં જોરદાર ફાઇટિંગ છે, મસ્ત સોંગ છે, થોડી કોમેડી છે, ઇમોશન ડ્રામા છે. પછી સ્ટોરી ના હોય તો ચાલે યાર. તમે પણ જોઈ આવો આજે રાતે જ.’ કરસને નિસાસો નાખતા કહ્યું. રહેવા દે હવે. વાર્તા ના હોય તો જોવાનો શું મતલબ. એના કરતાં હું સરકસ જોઈ પાડીશ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
-
ચંદ્રકાંત બક્ષીના શબ્દોનો રોમાંસ
સુશ્રી મૌલિકા દેરાસરી વેબ ગુર્જરીનાં શરૂઆતનાં વર્ષોમાં સંપાદક મંડળનાં સક્રિય સભ્ય હતાં. પછીથી તેમની વ્યાવસાયિક પ્રાથમિકતાને કારણે તેઓએ વેબ ગુર્જરીની તેમની જવાબદારીમાંથી મુક્તિ લીધી.તેમનું પુસ્તક, ‘ચંદ્રકાંત બક્ષીના શબ્દોનો રોમાંસ’, ચંદ્રકાન્ત બક્ષીના શબ્દો અને શબ્દ પ્રયોગોનું એક આખું સંકલન છે. આ પુસ્તક પર પર તેમણે કામ તો દસ બાર વર્ષ પહેલાં કરેલું, પણ પુસ્તક પ્રકશિત કરવાનું હવે શક્ય બન્યું.૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ તેમનાં પુસ્તક ‘ચંદ્રકાંત બક્ષીના શબ્દોનો રોમાંસ’ નાં લોકાર્પણનો કાર્ય્રક્રમ સુરતમાં યોજાયો હતો.
આ પ્રસંગે વેબ ગુજરી મૌલિકાબેનને હાર્દિક અભિનંદન પાઠવે છે.સંપાદક મંડળ, વેબ ગુર્જરી

પુસ્તક મેળવવા પ્રવીણ પ્રકાશન,રાજકોટના કોન્ટેક્ટ નં.9265044262 તથા 9615696155 ઉપર સંપર્ક કરી શકાય છે…સાહિત્ય પ્રેમીઓને વિશેષ ડીસ્કાઉન્ટથી મળી શકશે.
સુશ્રી મૌલિકા દેરાસરી નો સંપર્ક maulika7@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સાત પગલાં સર્જનનાં આકાશમાં
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !– મારિના ત્સ્વેતાયેવા
અનુવાદ: પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનારીક્રાંતિનું ઝળહળ લઈને આવતું ચોવીસ કેરેટનું કુંદન એટલે કુન્દનિકા કાપડિયા. કુન્દનિકા મૃત્યુ પામ્યા એવું કહેવા કરતા ‘paased away’ એવું કહેવું વધુ ગમે છે. કારણ કે સહજ રીતે એમના આત્માની એક ખૂબસૂરતી સાથે તેઓ અહીંથી પસાર થયા. જે પારદર્શક હતો. માણસ તૂટી પડે અને મૃત્યુ પામે. ઈશાજી જિંદગીભર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભા રહ્યાં અને મૃત્યુ પામ્યા. કોઈ ઉત્તમ સર્જક કે કલાકારની વિદાયથી જ્યારે આપણે ખળભળી ઉઠીએ, મૃત્યુ સામે ‘Why ?’નો વંટોળ લઈ મન ચકરાવે ચડે ત્યારે સમજાય કે એમના સર્જનથી તેઓ આપણા અસ્તિત્વમાં સાવ ઓગળી ગયા હોય છે. આપણો અંતરંગ હિસ્સો બની ગયા હોય છે. એણે જ આપણી સારી-નરસી લાગણીઓને ઘડી હોય છે, ઉછેરી હોય છે, પંપાળી હોય છે..અરે, ક્યારેક છંછેડી પણ હોય છે. એટલે જ આપણી વાતો, સર્જન કે વિચારોમાં એ સર્જકના વિચારો પડઘાયા કરે છે. કદી ન ભરી શકાય તેવો ખાલીપો એ ભાવકની ભીતર મૂકી જાય છે. ઇશા કુન્દનિકા એક એવી જ એક હસ્તી, એવા જ ઘુસણખોર સર્જક જેણે સૌ વાચકોના હ્રદયમાં એક અલગ સ્થાન બનાવી અડીંગો જમાવ્યો. ગુજરાતી સાહિત્યને ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ જેવી ઉત્તમ કૃતિઓ આપનારાં સર્જક કુન્દનિકાબહેનનું ૯૩ વર્ષે વલસાડસ્થિત નંદીગ્રામ આશ્રમમાં અવસાન થયું. સાહિત્યકાર વર્ષા અડાલજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “એક સ્ત્રી તરીકે, પોતાનાં સ્વપ્નો માટે જીવવું, પોતાના આદર્શોને અનુરૂપ એક સમાજનું નિર્માણ કરવું એ સૌથી મોટી વાત છે. આ કામ કુન્દનિકાબહેને આ જ સમાજની વચ્ચે રહીને કરી બતાવ્યું. તેઓ પોતાના કામ થકી અનેક જીવનને સ્પર્શ્યાં છે.”

કુન્દનિકા મુખ્યત્વે વાર્તાકાર અને નવલકથાકાર છે. નારીમુક્તિ અને પુરૂષ સમકક્ષ સામાજિક દરજ્જામાં માનનાર અને ખરા અર્થમાં જીવનવિકાસનાં સહપથયાત્રી તરીકે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનાર પોતાના જીવનમૂલ્યોને ઉદારભાવે ખુલ્લા મનથી સમજનાર વિચારશીલ એવું સુધારાવાદી પ્રબુધ્ધ પાત્ર મળે તો જ લગ્ન કરવું નહીતર કુંવારા રહીને સાચા અર્થમા કર્મશીલ જીવન વિતાવવું આવા દ્રઢ નિર્ધાર સાથે જીવન જીવતા કુન્દનિકા કાપડિયામાં જીવનમૂલ્યો પ્રત્યેની દ્રઢ આસ્થા અને ધૈર્ય સૌના માટે પ્રેરક બને એમ છે, આના જ પરિણામ સ્વરૂપે કદાચ ૧૯૬૮માં મોટી વયે મકરંદ દવે જેવા પ્રતિભસંપન્ન અને તત્વદર્શી પ્રબુધ્ધ કવિ સાથે એમનાં લગ્ન થયાં. કવિ શ્રી મકરંદ દવે સાથે લગ્ન સંબંધે જોડાયા પછી તેઓ ‘સ્નેહધન‘થી ઓળખાવા લાગ્યા. પહેલા તેમણે ફ્રિલાન્સ લેખિકા તરીકે કામ કર્યું. ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ સામાયિકમાં અને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’માં સંપાદક તરીકે કામ કર્યું. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે ધરમપુર નજીક વાંકલ ગામે ‘નંદીગ્રામ’ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. નંદીગ્રામ આશ્રમના પાયામાં કુન્દનિકાબહેન અને મકરંદ દવેના આદિવાસીઓને પગભર કરવાના આદર્શો છે. આ વિસ્તારમાં રહેતાં આદિવાસી લોકોને જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને સ્વાવલંબી બનાવવા નંદીગ્રામ કામ કરે છે. પોતાના અંગત મિત્રોમાં ‘કુંદન’ તરીકે અને નંદીગ્રામમાં અને સાહિત્યજગતમાં ‘ઈશામા’ તરીખે ઓળખાતા.
કુન્દનિકાજીના સર્જનમાં પ્રકૃતિ દ્વારા, મનુષ્યત્વ અને સ્નેહની પ્રતિષ્ઠા દ્વારા પરમતત્વને પામવાનો મહિમા છે. ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ સામાન્ય માણસ જીવનના મુલ્યોને ત્યજતો નથી. એ વિપરીત સંજોગોમાં પણ લડે છે. ટકે છે અને જીતે છે. આ રીતે માનવ મૂલ્યોને એ કોઈ વ્યક્તિ કે ઘટના સંદર્ભે શોધવા કે સમજવા પ્રેરે છે. સાત્વિકતા તરફ દોરી જતું વિચારદોહન તેને ઉર્ધ્વ તરફ ગતિ કરાવે છે. વાસ્તવ સાથે નિસ્બત લઈને આવતી તેમની કૃતિઓ દર્શાવે છે કે તેઓ સમાજઘડતર માટે સતત પ્રયત્નશીલ છે. એથી જ એક ચિંતનશીલ સર્જક તરીકે તેઓનું પ્રદાન ખૂબ પ્રભાવશાળી અસરકારકતા ઉપજાવે તેવું છે. આપણા ઉત્તમ સર્જકો ધૂમકેતુ ,શરદબાબુ અને ટાગોર તેમજ શેક્સપિયર અને ઈબ્સનમાંથી તેમને પ્રેરણા મળેલી. આ ઉપરાંત તેમણે જે કાંઈ વાચ્યું એની અસર એમના પર થતી ગઈ અને તેમના રસ-રુચિ ઘડાતા ગયા અને સાહિત્ય દ્વારા સમાજને કશુંક આપવાની ભાવના પ્રબળ બનતી ગઈ.
અભ્યાસનિષ્ઠ સુશિક્ષિત સર્જક કુન્દનિકાજીના અહેસાસ અને અભિવ્યક્તિ વાચકોના ભીતરને સ્પર્શી, મન-હૃદય પર અંકિત થઈ ગયા છે. વાચકના અસ્તિત્વમાં એ એવા ભળી જાય છે કે જે પછી હયાતી હિલ્લોળા લેતી ઝૂલવા લાગે છે. સુકુનના ‘સ’માં ઝબકોળાઈને જિંદગી સાક્ષીભાવના સમ્યક ‘સ’ના સરનામે પહોંચી જાય છે. ‘પરોઢ થતા પહેલા’ જ એ જાણે ‘ચંદ્ર, તારાં, વૃક્ષ, વાદળ’ને સ્પર્શે છે. અંતરના ઉઘડતા દ્વારે ‘વધુ અને વધુ સુંદર’ને પામીને વાચકમાં ‘વસંત આવશે’ની શ્રદ્ધાને સીંચે છે. એટલે જ પછી ઝરુખે બળતા દીવાનું મંદ મંદ અજવાળું સતત રેલાયા કરે છે અને શાતા આપે છે. ભીતરમાં ભળી ગયેલી એક ગમતીલી હસ્તીની હાજરી આપણને આપણી જ ઓળખ ભણી દોરી જાય છે. આપણે આપણને જ જડી જઈએ છીએ. જાણે એનું સર્જન એ આપણા જ મનને વાચા આપતું હોય એવું અનુભવાય છે. એક નવો-નૂતન સંબંધ લેખકના પાત્રો સાથે જન્મ લે છે અને એ ભાવકને હસાવે છે, હરખાવે છે, રડાવે છે, મહેકાવે છે, ફણગાવે છે, ઝુલાવે છે, બેઠો કરે છે, સીંચે છે, સહેલાવે છે, સંકોરે છે…
તેઓની વિશેષ રસરુચિ ટૂંકીવાર્તા લેખનમાં હતી. તેઓ જે ઘટનાઓનું નિરૂપણ કરતા તેની પાછળના પરિબળો અને વૈચારિક ભૂમિકામાં એમને વધુ રસ પડતો. આ સંદર્ભે બહુ ગણ્યાગાંઠ્યા વાર્તાકારો જોવા મળે છે. એમના દ્રષ્ટિકોણમાં રસાળ શૈલી સાથેનું ચિંતન જોવા મળે છે. કુન્દનિકાજીએ પ્રકૃતિ અને ફિલસૂફી જેવા વિષયોને પણ વિશેષ રીતે પ્રયોજ્યા છે. ‘પરોઢ થતા પહેલા’ની એમની વાર્તાઓમાં વારંવાર એવું ફલિત થતું લાગે કે જીવનમાં આવી પડેલી વિપદાઓને, દુઃખના તત્વને અતિક્રમીને માણસે આનંદરૂપ અસલ સત્વ સાથે અનુસંધાન સાધવું જોઈએ. નવલકથા ‘અગનાપીપાસા’માં બૌદ્ધિક કરતા સ્નેહભીના હૃદય પર વધુ આસ્થા પ્રગટ કરે છે.
એમના અનેક કથાનકમાં સમાજના વિવિધ સ્તરમાંથી આવતી નારીને કુન્દનિકાજીએ બહુવિધ સ્વરૂપોમાં વર્ણવી છે. એ સમૃધ્ધ કે ગરીબ, શિક્ષિત કે અલ્પશિક્ષિત, ઉજળિયાત કે પછાત કોઈ પણ હોય શકે. નારીજીવનની જટિલ અને ગુઢ સમસ્યાઓમાંથી એ ઉપસી આવે છે. આપણા દંભી, સ્વાર્થી અને પુરુષપ્રધાન રૂઢિગત સામાજિક માળખામાં પીસાતી સ્ત્રીની પીડાને તે ઉજાગર કરે છે. બદલાતા સમયને અનુસરીને ક્યાંક વિચારોમાં પરિવર્તન આવ્યું છે ખરું. જેને લઈને સ્ત્રી સ્વતંત્ર રહીને વૈયક્તિક આદરસન્માન પામી છે. પરંતુ પુરુષ બરોબરીનો દરજ્જો હજુ એને નથી જ મળી શક્યો. અન્યાય, અત્યાચાર અને અપમાન જાણે એની નિયતિ છે. નારીમુક્તિ માટેનો પ્રબળ વિદ્રોહ કુન્દનિકાનાં લેખનમાં સતત તારસ્વરે પડઘાય છે.
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત દીર્ઘનવલ ‘સાત પગલાં આકાશમાં’ બહુચર્ચિત થઇ છે. સમાજમાં વિવિધ પ્રકારે થતા સ્ત્રીના શોષણની વાત અહીં આલેખાઈ છે. ‘સાત પગલા આકાશમાં’ – લેખિકા ‘આદર્શ’ નહીં પરંતુ ‘સાચી’ સ્ત્રીનું ચિત્ર રજૂ કરે છે. સ્ત્રી અબળા નહીં પણ ‘અતિબળા’ એવી નારીશક્તિ છે. અહી મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. અંગ્રેજી ભાષાના જાણીતા નારીવાદી લેખિકા શશી દેશપાંડે પણ સ્ત્રીઓ ગૃહિણી તરીકે વૈતરું કરી પોતાની ઓળખ, સંવેદનશીલતા અને સર્જકતા ગુમાવી બેસે છે એનું ચિત્ર આલેખતા કહે છે કે ‘She has lost her name. She is known as somebody’s wife, somebody’s sister, somebody’s mother or daughter. Who is this ‘sombody’ ? નારીવાદના પ્રથમ પગરવ સમા ઇબ્સનના ‘ઢીંગલી ઘર’ નાટકમાં આપણને ગૃહત્યાગ માટે ઉંબર બહાર ડગ મૂકવા જતી નોરાના મુખે નારીવાદી સૂર સંભળાય છે. તેમ કુન્દનિકાજી પણ અણીદાર પ્રશ્ન પૂછી બેસે છે કે…
“કામ કરવા માટે પતિનું ઘર
આરામ કરવા માટે માનું ઘર,
તો પછી પોતાનું ઘર ક્યું ? “.સ્ત્રી હોવાથી સતત અવહેલનાનો અનુભવ થવો એ દુ:ખદ સત્ય છે. ‘એ રૂમ ઓફ વન્સ ઓન’માં વર્જિનિયા વૂલ્ફ મેરી બેટનના પાત્ર દ્વારા પોતાના મનમાં ઉઠતા પ્રશ્નોને વાચા આપે છે. મેરી બેટન કહે છે, ‘દરવાજા બહાર પુરાવું એ દુઃખદ છે તો એથી વધુ દુઃખદ દરવાજા અંદર પુરાવું છે.’
પરંતુ ઓશોથી પ્રભાવિત એવા નીડરપણે જીવનારા અમૃતા પ્રીતમ તો નારીશક્તિને ઝંઝોડતા કહે છે કે ‘No destiny is responsible, you have to creat yourself. Be your own effect. The total responsibility is yours. આવો, અંતમાં સાત પગલા આકાશમાં’ની નાયિકા વસુધાના મુક્તિના આકાશમાં ડોકિયું કરીએ.
”વસુધાએ રેતીથી મુઠ્ઠી ભરી અને પોલી આંગળીઓમાંથી સરવા દીધી.
થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસાર થઇ ગયું….
બધું કાળના પ્રવાહોમાં વહી ગયું હતું.
હવે સામું હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર
તારાઓથી ઝળક્તું આકાશ.”
ઇતિ
આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું હું વધુ પસંદ કરું છું.
-એમર્સન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સવેતનિક પાદરી અને નનની આવક આવકવેરાને પાત્ર છે!
નિસબત
ચંદુ મહેરિયા
વરસ ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય અંદાજપત્રમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. બાર લાખ કરવામાં આવી છે. એટલે કે હવે વરસે બાર લાખ રૂપિયા કમાતી વ્યક્તિને કોઈ આવકવેરો ભરવો પડશે નહીં. સરકારના આ નિર્ણયને વ્યાપક આવકાર મળી રહ્યો છે. પરંતુ પંચ્યાસી વરસ પૂર્વેની એક બીજી આવકવેરાની મુક્તિ પરત લેવામાં આવી છે અને તેને દેશની સર્વોચ્ચ અદાલતની પણ મહોર લાગી છે તેની ખાસ ચર્ચા થતી નથી.
છેક અંગ્રેજોના જમાનામાં, ૧૯૪૪માં, સવેતન કામ કરતાં ખ્રિસ્તી પાદરીઓ અને સાધ્વીઓએ કોઈ આવકવેરો ભરવો નહીં તેવો આદેશ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ તેમનું વેતન ધર્મસંસ્થાને અર્પણ કરી દે છે. આઝાદી બાદની સરકારોએ પણ આ નિર્ણય બરકરાર રાખ્યો હતો. સિત્તેર વરસ પછી ૨૦૧૪માં આવકવેરા વિભાગે આદેશ કર્યો કે જે પાદરી અને નન સરકારી તિજોરીમાંથી પગાર મેળવે છે તેમના ટીડીએસની પણ કપાત કરવાની રહેશે. આ નિર્ણયનો વિરોધ થયો અને તેને અદાલતમાં પડકારવામાં આવ્યો.
આકરી તાવણી પછી ખ્રિસ્તી ધર્મમાં નન કે પ્રિસ્ટનું પદ મળે છે. ખ્રિસ્તી સાધુ-સાધ્વીએ નિર્ધનતા, આજ્ઞાકારિતા અને શુધ્ધતા એ ત્રણ પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે.તેમણે ઘર-પરિવારનો ત્યાગ કરી એકલા અને અલગ રહેવાનું હોય છે. તેઓ લગ્ન કરી શકતા નથી.તપસ્વીનું જીવન જીવવાનું હોય છે. નન અને પાદરી ધનહીનતાના શપથ ગ્રહણ કરે છે.એટલે તેમણે કોઈ ધન સ્વીકારવાનું હોતું નથી કે સંપત્તિ ભેગી કરી શકતા નથી. મિલકત વસાવી શકતા નથી. પોતાના જૂના પરિવારમાં આકસ્મિક સંજોગો સર્જાય અને કોઈ ઉત્તરાધિકારી ન હોય ત્યારે પણ તે કુટુંબનો વારસો પ્રાપ્ત કરી શકતા નથી.
તેમણે સમાજના ભલાનું, કલ્યાણનું કામ કરવાનું હોય છે. કેટલાંક સાધુ-સાધ્વી શાળા-કોલેજોમાં અધ્યાપક હોય છે તો કેટલાક આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે. ગવર્નમેન્ટ ગ્રાન્ટ મેળવતી શાળા-કોલેજ અને હોસ્પિટલ કામ કરતા ફાધર કે નનના કિસ્સામાં તેઓને સરકારી તિજોરીમાંથી પગાર મળે છે. જોકે તેઓ તેમનું સંપૂર્ણ વેતન ચર્ચને દાનમાં આપી દે છે. જેનાથી લોકોના કલ્યાણના કામો થાય છે. અર્થાત તેઓ વેતન લે છે ખરા પરંતુ તેનો અંગત ઉપયોગ કરતા નથી પરંતુ લોકહિતાર્થે તે નાણાનું દાન કરી દે છે. સમાજ કલ્યાણના ઉમદા હેતુથી કામ કરતા સાધુ-સાધ્વીને તેમની આવક પર કોઈ ઈન્કમટેક્ષ ભરવો પડતો નથી તેવું છેક આઝાદી પૂર્વે ચાળીસના દસકથી નક્કી થયું હતું.
પરંતુ ૨૦૧૪માં જ્યારે આવકવેરા વિભાગે ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થામાં કાર્યરત ફાધર-નન પણ આવકવેરાને પાત્ર છે અને તેમના ટીડીએસની કપાત કરવી અનિવાર્ય છે તેવી સૂચના આપી અને અમલ થયો ત્યારે તેનો ભારે વિરોધ થયો હતો. ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓએ આ નિર્ણયને અન્યાયકર્તા ગણાવી અદાલતમાં ધા નાંખી હતી. મદ્રાસ હાઈકોર્ટની એકલ પીઠે મિશનરીઓની અપીલની તરફેણમાં ચુકાદો આપ્યો પરંતુ સરકારે તે સામે અપીલ કરતા એકથી વધુ જજોની બેન્ચે અગાઉનો ચુકાદો ઉલટાવ્યો અને સરકારના નિર્ણયને માન્ય રાખ્યો. કેરળે હાઈકોર્ટે પણ નન અને પાદરીની આવક આવકવેરાને પાત્ર છે તેવો ચુકાદો આપ્યો હતો.
રાજ્યોની વડી અદાલતોના વિરુધ્ધના ચુકાદા સામે ૯૩ જેટલી પિટિશનો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. મિશનરીઓની દલીલ હતી કે જ્યારે કેથોલિક નન અને પાદરી સ્વૈચ્છિક ગરીબી, નિર્ધનતા કે ધનહીનતા ( vow of poverty ) અર્થાત કોઈ ધન ધારણ નહીં કરવાના શપથ લે છે ત્યારે તેમની સ્થતિ નાગરિક મૃત્યુ ( સિવિલ ડેથ) ની હોય છે. એટલે તેમણે કોઈ કરવેરા ચુકવવાના હોતા નથી.
નવેમ્બર ૨૦૨૪માં ત્ત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા વાય.વી.ચંદ્રચૂડની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચે મિશનરીઓની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. અદાલતનો ચુકાદો હતો કે આવક ધારણ કરતા દેશના તમામ નાગરિકો એ ધર્મના બાધ વિના સમાન રીતે કરવેરા ભરવાના હોય છે. આવકવેરા કે કરવેરાના કાયદા તમામ નાગરિકો માટે એક સમાન છે અને તેમાં કોઈ સાધુ-સાધ્વીને મુક્તિ મળી શકે નહીં.. જો નન અને પાદરી સરકારી અનુદાનમાંથી વેતન મેળવતા હોય તો તેમણે પણ આવકવેરો ભરવો પડે. બંધારણના અનુચ્છેદ ૨૫ મુજબ તેમાં કોઈના ધર્મ સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ થતો નથી. કોઈ ધાર્મિક પ્રથાઓની પરવા કર્યા વિના નન અને ફાધરનો ટીડીએસ કાપવાનો સરકારી નિર્ણય સર્વથા ઉચિત છે. ધર્મને વચ્ચે લાવ્યા વિના કાયદાનો સમાન ધોરણે અમલ થવો જોઈએ. આજે ખ્રિસ્તી પાદરી તેમનું વેતન ચેરીટેબલ ટ્રસ્ટમાં જમા કરાવે છે એટલે આવકવેરો લાગુ ના પડે તેવી દલીલ કરે તો કાલે બીજા ધર્મોના સાધુ-સંતો પણ આવી માંગણી કે દલીલ કરી શકે છે.એટલે સરકાર કે અદાલત ધર્મના ધોરણે કોઈ છૂટ આપી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મિશનરીઓના વકીલની પાદરી કે નનની સિવિલ ડેથની સ્થિતિનો પણ સ્વીકાર કર્યો નથી. કોઈ વ્યક્તિની એવી કાયદાકીય સ્થિતિ કે જેમાં તે શારીરિક દ્રષ્ટિએ જીવિત છે પરંતુ નાગરિક કે સામાજિક સભ્યના રૂપમાં કોઈ અધિકારો કે વિશેષાધિકારોથી વંચિત હોય તેને સિવિલ ડેથ કે નાગરિક મૃત્યુ કહેવાય છે. અદાલતની દલીલ હતી કે જો સિવિલ ડેથની સ્થતિ હોય તો તે સવેતન નોકરી જેવી નિયમિત ગતિવિધિ પણ કરી શકે નહીં.. વળી તેમનું વેતન સરકાર ચર્ચમાં જમા કરાવતી નથી.પરંતુ વેતનધારક ખુદ તેના ધાર્મિક નિયમો અનુસાર જમા કરાવે છે. એટલે પગારધારક પગાર પોતાના અંગત ઉપયોગ માટે રાખતો નથી અને દાન કરી દે છે એટલા માત્રથી તેને આવકવેરામાંથી મુક્તિ મળી શકે નહી. નન અને પાદરીના ધર્મસંસ્થાને ચેરિટી માટે દાનથી તેમની કરદેયતા મટી જતી નથી. લોકોના કરવેરાથી એકત્ર થયેલા નાણા જેને પણ વેતનરૂપે ચુકવાય તેણે કાયદેસરનો ટીડીએસ કપાવવો જ પડે.
ધાર્મિક લઘુમતી એવા ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓને આવકવેરો લાગુ પડે છે તેવો નિર્ણય કદાચ વહીવટી હોઈ શકે છે. પરંતુ ૨૦૧૪માં કેન્દ્રમાં રાજકીય સત્તાપલટા પછીનો આ નિર્ણય છે. એટલે તેમાં લઘુમતી તરફની રાજકીય કુદ્રષ્ટિનો સવાલ ઉઠી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામયિક ‘ પાંચજન્ય’ એ આવકવેરાની આ છૂટને “ ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે વિશેષાધિકાર મેળવવાનું દુ:સાહસ “ ગણાવ્યું છે ત્યારે લઘુમતીના તુષ્ટિકરણ અને લઘુમતીની રંજાડની દલીલો પણ સામસામી થઈ શકે છે..
સમાજ કલ્યાણ માટે કામ કરતી ધાર્મિક સંસ્થાઓ સહિતના ચેરિટેબલ ટ્રસ્ટોને અપાતા દાનને આવકવેરાની ચોક્કસ કલમ હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવાનો નિયમ છે અને તેનો ભરપૂર લાભ લઈને આવકવેરાથી બચનારો એક વર્ગ પણ દેશમાં મોજુદ છે. એ સંજોગોમાં પોતાની સંપૂર્ણ આવક લોકકલ્યાણ માટે દાન કરી દેનાર ખ્રિસ્તી સાધુ-સાધ્વીની આવક કાયદેસર આવકવેરાને પાત્ર હોઈ શકે છે પરંતુ તે ચેરિટેબલ ટ્રસ્ટને મળેલી આવકવેરાની મુક્તિ મર્યાદા હેઠળ કદાચ મુક્તિને પાત્ર હોવાનું પ્રમાણપત્ર પણ તે મેળવી શકે છે. એટલે આ બાબતમાં એક હાથે આપવાનું અને બીજા હાથે લઈ લેવાનું પણ બની શકે તેમ છે. તેનાથી કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સંતોષાય અને વહીવટી કામ વધે તેમ પણ બનવા જોગ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
