-
ઇશ્વરના ઇ મેઇલ..૧૫
તારો, મારો સંબંધ એટલે…
નીલમ હરીશ દોશી
ખૂબસુરત રિશ્તા હૈ મેરા ઔર ખુદાકે બીચમેં
જ્યાદા મૈં માંગતા નહી ઔર કમ વો દેતા નહીપ્રિય દોસ્ત,
વાહ દોસ્ત, આજે તેં એક નવતર કામની શરૂઆત કરીને મને ખુશ કરી દીધો. આર્થિક રીતે તું એટલો ખમતીધર, એવો સક્ષમ નથી કે તું કોઇને પૈસાથી મદદ કરી શકે. પણ દોસ્ત, તારા દિલની અમીરાત કંઇ કમ નથી.અને મારી પાસે તો અંતરની અમીરાતને એજ નોંધ લેવાય છે એની તને જાણ છે ને ?
આજે તેં તારી આસપાસ રહેતા ઝૂંપડપટીના થોડા બાળકોને એકઠા કરીને રોજ સાંજે તેમને ભણાવવા માટે બે કલાક ફાળવ્યા. તારા ગામમાં કોઇ સાધુ મહાત્માની કથા વંચાતી હતી.તારા પડોશીએ તને તેમાં આવવાનો આગ્રહ કરો.પણ તારી પાસે એવો સમય કયાં હતો ? બધાએ તને સલાહ આપી કે થોડા દિવસ આ ભણાવવાનું કામ બંધ રાખીએ તારે કથા સાંભળવા આવવું જોઇએ. ભગવાનની કથાનો અનાદર ન કરાય.કથા શ્રવણ તો મોટું પુણ્ય છે. આવો મજાનો લાભ ઘેર બેઠા મળતો હોય ત્યારે આવા તુચ્છ બાળકોને લીધે એ ગુમાવે એ તો મૂરખ કહેવાય. એમને ભણાવીને તને કયાં પૈસા મળે છે તે તું એ કામ ન છોડી શકે ?
પણ દોસ્ત, તેં તો તારા ભીતરના અવાજને જ અનુસરવાનું રાખ્યું અને તેં કથામાં જવાને બદલે બાળકોને ભણાવવાનું તારું યજ્ઞ કાર્ય ચાલુ રાખ્યું. તેં કથા સાંભળી નહીં પણ તેં કથા જીવી.દોસ્ત, તને મારા સલામ.
તેં શરૂ કરેલો યજ્ઞ દોસ્ત, ચાલુ જ રાખજે. અને મારો સાથ તને મળવાનો જ. કાલે જ બે વ્યક્તિ આવીને તને સામેથી પૈસા પણ આપી ગયા ને ? કે આ પૈસાનો આ સારા કામમાં ઉપયોગ કરજો. દોસ્ત, સારા કાર્યમાં સહકાર આપોઆપ મળી જ રહેવાનો. બસ તારી નિષ્ઠામાં કોઇ ખોટ ન હોવી જોઇએ.
મને તો થાય છે આવા સારા કામનો ચેપ દરેકને લાગે. કથામંડપ ભલે સૂનો રહે અને એમાં બેસેલા હજારો લોકોના હાથ અન્ય માટે કામ કરતા થાય તો ? તો તારી સાથે મારો બેડો પણ પાર થઇ જાય. તારા દ્વારા કરવાવા ધારેલા મારા દરેક કાર્ય પૂરા થાય એ જોઇને મારું હૈયુ પણ નાચી રહે. દોસ્ત, આંખ, કાન, નાક દરેક ઇન્દ્રિયો મેં બધાને સરખી જ આપી છે. એ આંખોથી શું જોવું, એ હાથથી કેવા કાર્ય કરવા કે પગથી કયાં જવું એ નક્કી કરવાનૂં કામ તો દોસ્ત, તારું જ ગણાયને ?
દોસ્ત, તારી પાસે પૂજા, અર્ચના, પ્રાર્થના, શબ્દશક્તિ બધું જ છે. પરંતુ શ્રધ્ધાદીપ સતેજ થતો નથી. બસ અંતરનો એ શ્રધ્ધાદીપ ઝળહળી રહે એ આશા સાથે.
લિ. તારો જ અલ્લાહ, ઇશ્વર.
પ્રાર્થના એટલે જે શબ્દોમાં દિલનું નર્યું નીતરતું તેજ હોય.
જીવનનો હકાર
આજથી સંકલ્પ કરીએ કે મારા પરિચયમાં આવનાર સહુને હું થોડી ખુશી આપું.
-
…અને એ પુસ્તકોની દુકાને લાઈન લાગી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કોઈ વ્યક્તિ પોતાનાં અંગત પુસ્તકો એક પુસ્તકની દુકાનને આપી દે એ કંઈ એવી મોટી ઘટના છે કે સમાચારમાં ચમકે? પણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં ઈંગ્લેન્ડમાં આવો એક બનાવ બન્યો જેની પ્રસારમાધ્યમોમાં વ્યાપક નોંધ લેવામાં આવી. એની વિગત જોઈએ.
ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને પછી લંડનમાં સ્થાયી થયેલા ગાયક-સંગીતકાર-લેખક-ગીતકાર-અભિનેતા જેવી બહુવિધ ઓળખ ધરાવતા નિકોલસ કેવ ‘નિક કેવ એન્ડ ધ બેડ સીડ્સ’ નામના ખ્યાતનામ રોક બેન્ડના મુખ્ય સ્થાપકોમાંના એક છે. તેમનો આગવો ચાહકવર્ગ છે.
દક્ષિણ લંડનના હોવ શહેરમાં આવેલી ‘ઓક્સફામ બુક શોપ’ જૂનાં પુસ્તકો વેચતી ઈન્ગ્લેન્ડની સૌથી વિશાળ દુકાન છે, અને તેનો આગવો ગ્રાહક વર્ગ છે. સ્વાભાવિક છે કે આ દુકાનમાં અનેક જૂનાં પુસ્તકોની આવક થતી રહેતી હોય. જુલાઈ, ૨૦૨૫ના ત્રીજા સપ્તાહમાં નિક કેવ દ્વારા પોતાના અંગત સંગ્રહનાં આશરે બે હજાર પુસ્તકો આ દુકાનમાં દાનમાં અપાયાં. પુસ્તકો આ દુકાનમાં અપાયાની જાણ થતાં જ ચાહકોએ દુકાન પર લાઈન લગાડી દીધી. બહારગામથી પણ ચાહકો આવ્યા. આ પુસ્તકો કદાચ એવા દુર્લભ ન હોય એમ બને, પણ ચાહકો માટે એ બાબત મહત્ત્વની હતી કે એ પુસ્તકો પોતાના પ્રિય કલાકારના અંગત સંગ્રહનાં હતાં. દુકાનના એક કર્મચારીના જણાવ્યા અનુસાર એ પુસ્તકોમાં ફિલસૂફી, કળા, ધર્મ, જૂની પેપરબેક્સ સહિત અનેકગણું વૈવિધ્ય છે. આ ઊપરાંત, આવા કલાકારોના અંગત સંગ્રહના પુસ્તકોમાંથી અણધારી જે ચીજો મળી આવે અને એનાથી ચાહકોને જે જલસો પડે એની વાત જ શી કરવી! જેમ કે, કેટલાંક પુસ્તકોમાં બુકમાર્ક તરીકે વિમાનની ટિકિટો મૂકાયેલી છે. પુસ્તકો પર કેવનું નામ લખાયેલું નથી એ સંજોગોમાં આવી વસ્તુનું મૂલ્ય આગવું હોય છે. કેટલાંક પુસ્તકોમાં અમુક લખાણની નીચે લીટી દોરવામાં આવી છે, યા કેવના હસ્તાક્ષરમાં કશીક નોંધ લખાયેલી છે. તો કોઈક જાણીતા લેખકે ભેટરૂપે કોઈ પુસ્તક આપ્યું હોવાની નોંધ પણ છે. કોઈક પુસ્તકમાં આમસ્ટર્ડામ જવાનો કેવનો બોર્ડિંગ પાસ છે, તો કોઈકમાં સિગારેટનું ખાલી ખોખું છે. પોતાના પ્રિય કલાકારની આવી અંગત અને અનૌપચારિક વસ્તુઓ મેળવીને કયા ચાહકને આનંદ ન થાય!
એક તરફ ચોફેરથી એવી બૂમ સતત સંભળાતી રહે છે કે પુસ્તકોનું મહત્ત્વ સતત ઘટી રહ્યું છે અને તેનો વાચક વર્ગ ઓછો થઈ રહ્યો છે. આવા માહોલમાં આ સમાચાર જાણીને આનંદ અવશ્ય થાય, તો સાથોસાથ આપણા દેશની પરિસ્થિતિ સાથે સરખામણી પણ અનાયાસે થઈ જાય. દેશની વાત જવા દઈએ, આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણે આપણાં સાહિત્યકારોનાં સ્મારક પણ સાચવી શક્યાં નથી. ‘અસ્મિતા’ અને ‘ગૌરવ’ની મોટે ઊપાડે વાતો થતી રહે છે, પણ બે-ચાર અપવાદ સિવાય રાજ્યભરનાં પુસ્તકાલયોમાં વાચકવર્ગ ઘટ્યો છે એમ કહેવું અતિશયોક્તિ ગણાય એવી સ્થિતિ છે. એ ઘટ્યો નથી, પણ નહીંવત્ થઈ ગયો છે.
આવા ઉદાસીન, ઉપેક્ષિત અને અવગણનાના માહોલમાં એક વિશિષ્ટ સંસ્થાની નોંધ લેવી અનિવાર્ય બની રહે છે. એ છે ખેડા જિલ્લાના નડિયાદની ઝગડીયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદીર’ એટલે કે ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન, જેનું રૂપાંતર સ્મારકમાં કરવામાં આવ્યું છે. આ મકાનમાં ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખેલો. જીવનની ઊત્તરાવસ્થામાં તેઓ અહીં આવીને વસેલા, તેમજ તેમના બાળપણનો કેટલોક હિસ્સો પણ આ મકાનમાં વીતેલો. ગોવર્ધનરામનું ૧૯૦૭માં અવસાન થયા પછી તેમના નિવાસસ્થાનની પરિસ્થિતિ કેવી હશે એની લાંબી કથા છોડીને એના વર્તમાન વિશે વાત કરીએ તો આ મકાન ખરા અર્થમાં સાહિત્યિક ધામ બની રહ્યું છે. ગોવર્ધનરામ દ્વારા ઊપયોગમાં લેવાયેલા રાચરચીલા અને કલમ-કિત્તાઓ ઊપરાંત અહીં ગોવર્ધનરામની પ્રકાશિત થયેલી તમામ કૃતિઓની હસ્તપ્રત સચવાયેલી છે. આ ઊપરાંત ગોવર્ધનરામના અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો પણ અહીં જળવાયેલાં છે. વ્યવસાયે વકીલ, પ્રકૃતિએ દાર્શનિક અને નિજાનંદે લેખક એવા ગોવર્ધનરામના સંગ્રહનાં આ પુસ્તકો તેમના મનોવિશ્વની ઝાંખી કરાવે છે. આ પુસ્તકો પર ગોવર્ધનરામના હસ્તાક્ષરમાં લખાયેલું તેમનું નામ તેમજ એને ખરીદ્યાનું વર્ષ તો છે જ, સાથોસાથ પુસ્તકમાં તેમણે ઠેરઠેર કરેલી નોંધો, વાક્યો નીચે લીટીઓ જોઈને રોમાંચિત થઈ જવાય એવું છે.

નડીઆદ ખાતેનું ગોવર્ધનરામનું જન્મસ્થળ
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીનિક કેવ અત્યારે હયાત છે, અને તેમના ચાહકો તેમના પુસ્તકોમાં જોવા મળતી લીટીઓ કે નોંધ જોઈને રોમાંચ અનુભવતા હોય તો સો વર્ષ અગાઉ થઈ ગયેલા ગોવર્ધનરામનાં અંગત પુસ્તકો, એમના હસ્તાક્ષરો અને એમની કરેલી નોંધો જોઈને રોમાંચ ન થાય તો જ નવાઈ. વધુ આનંદની વાત એ છે કે દિલ્હીના રેખ્તા ફાઉન્ડેશનના સહયોગથી આ બધું જ ડિજિટાઈઝ થઈ ગયું છે અને ધીમે ધીમે તે ઈન્ટરનેટ પર નિ:શુલ્ક સુલભ કરાવાઈ રહ્યું છે. આનું મૂલ્ય સમજવા માટે સાહિત્યપ્રેમી હોવું જરૂરી નથી. આ સાહિત્યસ્મારક પાછળ નડિયાદના પ્રો.ડૉ. હસિત મહેતાની દૃષ્ટિ અને પ્રયાસો રહેલાં છે. વિદેશમાં જઈને સાહિત્યકારોનાં સ્મારકો જોઈને ‘અહોહો!’ થઈ જવાય છે, પણ જોવાની વાત એ છે કે આ સ્મારક વિશે સ્થાનિકોને ખાસ જાણકારી નથી. ઘણી વાર બહારગામથી યા વિદેશથી આવતા મુલાકાતીઓ કોઈ સ્થાનિકને લઈને આવે ત્યારે સ્થાનિકો આ સ્થળ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરે છે.
આપણા વારસાનું પુસ્તકિયું ગૌરવ લેવું સહેલું છે, પણ એ વારસાની જાળવણી બાબતે આપણો રેકોર્ડ તદ્દન કંગાળ રહ્યો છે. સંસ્કૃતિના ઝંડા ફરકાવીને ઠાલું ગૌરવ લીધા કરતાં વારસાની જાળવણી પ્રત્યે તો ઠીક, એના હોવા વિશે સભાન બનીએ તોય ઘણું.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭-૦૮– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આપણું જ આગવું ચોમાસું – ઝરણું ૮
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
વીજળી અને મેઘગર્જના
પરેશ ૨. વૈદ્ય
માટીની મીઠી સુગંધ અને વરસાદના રોમાંચની સાથે જ ડરાવનારા વીજળીના ચમકારા પણ ચોમાસાનો જ અવિભાજ્ય હિસ્સો છે. સિનેમામાં ભલે માત્ર નાયિકાઓ જ વીજળી અને ગર્જનાથી ડરતી હોય, પણ પડદા બહારનાં જગતમા એવા પુરૃષો પણ છે જેને કુદરતના આ ચાબખા ડરાવે છે. આકાશમાં પ્રકાશ ફેલાવતી આ દામિનીથી ડર શા માટે લાગવો જોઈએ ! તેનો ઉત્તર એ છે કે ઉપરાઉપરી આડાઅવળા લિસોટા ખેંચતી આ વીજળી આપણાં ઘર કે આપણાં શરીર પર ત્રાટકી શકે છે; તેનો આ ડર છે.
માનવામાં ન આવે, પરંતુ આંકડા કહે છે કે આપણા દેશમાં ચોમાસાનાં પૂરમાં જેટલાં મૃત્યુ થાય છે તેના કરતાં વધારે મૃત્યુ વીજળી પડવાથી દર વર્ષે થાય છે. આવા જ આંકડા બીજે પણ હશે જ. છેલ્લાં બે ત્રણ વર્ષમાં તકલીફ વધી છે. ૨૦૧૭ના જૂનની ૨૨ અને ૨૩ તારીખે, માત્ર બે દિવસમાં ઉત્તર પ્રદેશ અને બિહાર મળી વીજળી પડવાથી ૭૭ મૃત્યુ થયાં. ઢોર મર્યાં તે વધારામાં. એ જ વરસે જુલાઈમાં ઓરિસ્સામાં બે દિવસમાં ૩૩ મરણ થયાં. પછીને વરસે ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર મળી ૩૦૦ મૃત્યુ થયાં. ૨૦૨૧ના મે મહિનામાં આસામમાં જંગલમાં એક સ્થળે, એકીસાથે બચ્ચાં સહિત ૧૮ હાથી વીજળી ત્રાટકવાથી મરી ગયા. ઝૂંડમાં એક સાથે અડકીને ઊભા હશે તેવો અંદાજ છે. એ સમજી શકાય તેવું છે કે જેણે વીજળી પડતી જોઈ હોય તેમને જીવનભર તેનો ડર રહે પરંતુ ચોમાસાની પ્રક્રિયાનો આ ફરજિયાત હિસ્સો છે અને તેનાથી છૂટકો શક્ય નથી. હા, તેના વિષે વધુ જ્ઞાન મેળવી તેનાથી બચવાના ઉપાય વિશે વિચારી શકાય.
: કોષ્ટક – ૫:
ભારતમાં વીજળી પડવાથી થયેલાં મૃત્યુ
(વર્ષ ૨૦૧૯)
રાજ્ય
મૃત્યુની સંખ્યા ઉત્તરપ્રદેશ
૨૩૪ બિહાર ૧૭૦
ઓડિસા
૧૨૯ ઝારખંડ
૧૧૮ મધ્યપ્રદેશ ૧૦૨
મહારાષ્ટ્ર ૭૬
રાજસ્થાન
૬૧ આંધ્રપ્રદેશ ૫૮
કર્ણાટક ૫૭
(આંકડા Climate Resistant Systems Promotion Councilના સૌજન્યથી) ગાજવીજનાં વાદળ :
વાંચકોએ એ વાત તો નોંધી હશે કે જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે હંમેશાં જ વીજળી અને ગડગડાટ હોય જ તેવું નથી. જેમકે ભારતના પશ્ચિમ કિનારાના દક્ષિણ ગુજરાતથી કેરાળા સુધીના પટ્ટામાં વરસાદની ઋતુ શરૂ થાય ત્યારે ગાજવીજ હોય છે. તે પછી ચોમાસું જાય ત્યારે ફરી એ જોવા મળે છે, પરંતુ વચ્ચેના ગાળામાં વરસાદ શાંતિથી પડે છે. એનો અર્થ કે ગાજવીજ અમુક ચોક્કસ સંયોગોમાં જ થાય છે. વાદળાં જ્યારે પવનની ગતિના કારણે ઉપર નીચે થાય કે આમતેમ ફંગોળાય તેને વીજળી જોડે સંબંધ છે. એ ખાસ પ્રકારનાં વાદળને અંગ્રેજીમાં ‘થંડર ક્લાઉડ’ કહે છે; આપણે તેને ગાજવીજનાં વાદળ કહીશું. પ્રકરણ-૪નાં પરિશિષ્ટમાં વાદળના પ્રકાર જોયા તેમાંથી આ ‘ક્યુમુલોનિમ્બસ’ પ્રકાર છે, જેમાં ગાજવીજ અને વીજળી થાય છે.
ધરતીની નજીક, વચ્ચે અને બહુ ઉપર એમ વાદળાના ત્રણ થર આપણે જોયાં તેમાં આ પ્રકાર પહેલા અને બીજા થરને ભેદી, તેની આરપાર જાય છે. (જુઓ ચિત્ર ‘૭ડ’: પરિશિષ્ટ) વિમાનમાંથી જુઓ તો એ ઘટાટોપ ટાવરની જેમ બહાર જતો દેખાય છે. ગરમ અને ભેજવાળી હવા ઉપર ચઢવા માંડે ત્યારે અમુક સંજોગોમાં એ બને છે.
એમ થવા પાછળ હવામાનની એક રસભરી ઘટના છે. પાણીની બાષ્પ બને તે વખતે ઉષ્મારૂપે ઊર્જા વપરાઈ હોય છે. આથી ભેજવાળી હવામાં આ ઊર્જા (ઉષ્મા) સંઘરાયેલી માની શકાય. હવે જ્યારે હવા ઉપર ચડે અને ઠંડી પડતાં ભેજ બહાર આવવા લાગે ત્યારે પેલી ઊર્જા પણ પાછી મળવા માંડે છે. એટલે એ ગરમીથી હવા વધુ ઉપર ધકેલાય છે. તે દરમિયાન એ ફરીથી ઠંડી થઈ ભેજ બહાર પાડે છે અને તેથી નવી ઉષ્મા બહાર પડે છે. તેથી વધુ ઉપર જાય છે અને ત્યાં વાદળ બને છે. એટલે ઉષ્ણતામાન અને ભેજના અમુક સંજોગોમાં ઉપર જનાર હવા વધુ ને વધુ ઉપર ગયા કરે છે.
છેવટે આસપાસનાં વાતાવરણ સાથે બરાબરી થઈ જાય કે ભેજ પૂરો થઈ જાય ત્યારે જ રોકાય છે. સામાન્ય રીતે ૫-૭ કિ.મી. ચઢી જતાં વાદળ અપવાદરૂપે ક્યારેક ૧૫ કિ.મી. સુધી પણ પહોંચે છે. ૨૬ જુલાઈ ૨૦૦૫ના રોજ મુંબઈમાં જળબંબાકાર થયો ત્યારે ક્યુમુલોનિમ્બસ વાદળનો એક વિસ્તાર ૯ કિ.મી. સુધી ઉપર ચાલ્યો ગયો હતો, જે સમુદ્ર કિનારામાં ઓછું બને છે.
વીજળી કેમ થાય ?
વાદળાં જ્યારે આ રીતે ફંગોળાય ત્યારે ઘર્ષણને કારણે તેમાં રહેલાં સૂક્ષ્મ જળકણો અને સૂક્ષ્મ બરફના કણોમાં વિદ્યુતભાર પેદા થાય છે. તેને ‘સ્થિત વિદ્યુત’ કહે છે. (તેને સમજવા માટે સાથેનું ચોકઠું જુઓ).
થાય એવું છે કે ધન સંજ્ઞાના વીજભારો વાદળાંને ઉપરને છેડે જમા થાય છે અને ઋણ વીજભારો તેના જમીન તરફના નીચેના ભાગમાં એકઠા થાય છે. સરવાળે આ રીતે થોડે થોડે કરીને જમા થયેલા બંને તરફના વીજભારો વચ્ચે હજારો વૉલ્ટનું વીજદબાણ પેદા થાય છે. સામસામા વીજભારો જોડાઈ જતા નથી કારણ કે સામાન્ય હવા વીજળીના અવાહક (ઈન્સ્યુલેટર)નું કામ કરે છે. એક સેન્ટીમીટર હવાનો થર દશ કિલોવૉટનું વીજદબાણ ખમી જાય છે; એટલે કે વીજભારનાં બે જૂથ વચ્ચે ડિસ્ચાર્જ થવા નથી દેતો.
સ્થિત વિદ્યુત
આટલો નાનો પ્રયોગ કરી જુઓ. છાપાના કાગળના પાંચ મિલીમીટર જેટલા નાના નાના ટુકડા કરો અને ટેબલ પર પાથરો. હવે એક દાંતીયો તમારા સૂકા વાળમાં ચાર–પાંચ વાર ફેરવીને તુરત આ ટુકડાઓ ઉપર ધરો. કાગળના ટુકડા ઉંચકાઈને દાંતીયાના દાંતાને વળગશે.
આનું કારણ છે કે ઘર્ષણથી દાંતીયામાં વિદ્યુતભાર પેદા થયો છે. તેને સ્થિત વિદ્યુત(Static Electricity) કહે છે. તેનો એક ગુણ છે કે ધન વિદ્યુતભાર(Charge)ને કોઈ સપાટી નજીક લાવે તો ત્યાં વિરુદ્ધ સંજ્ઞાનો એટલે કે ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. તેને પ્રેરિત(Induced) વીજભાર કહે છે. દાંતીયાની બાબતમાં ઋણ વીજભાર હોય છે જે કાગળમાં ધનવીજ ભાર પેદા કરે છે. વિરુદ્ધ નિશાનીવાળા વીજભાર વચ્ચે આકર્ષણ થાય, તેથી કાગળો દાંતીયા તરફ જાય છે. વીજભાર જો વહેવા લાગે તો વીજપ્રવાહ બને છે. ઘરમાં જે વીજળી છે તે આ રીતે વીજભારનો પ્રવાહ છે.
બે વાદળો વચ્ચે કે એક જ વાદળાંના બે કોષ્ઠ વચ્ચે જો વીજદબાણ એક હદથી વધી જાય તો હવાનું ‘ઈન્સ્યુલેશન’ ભેદીને વીજ વહી જાય છે. બે ઈલેક્ટ્રોડ વચ્ચે તણખો (સ્પાર્ક) થાય તેવો ચમકારો થાય છે, જેને આપણે વીજળી થવી કહીએ છીએ. રસોડામાં ગેસ-લાઈટરને દબાવતાં એક ‘સ્પાર્ક’ બહારની વર્તુળાકાર સપાટી પરથી ઊડીને કેન્દ્રમાં રાખેલી પીન તરફ જાય છે, તેવી જ આ ઘટના છે. પરંતુ વાદળામાંનો સ્પાર્ક કરોડો ઘણો વધુ શક્તિશાળી છે.
વીજળીનાં રૂપો
વીજળી ત્રણ સ્વરૂપે જોવા મળે છે. એક તો લાંબા લીસોટાઓવાળી જાણીતી વીજળી. બીજીમાં આકાશ આખું ચમકી ઉઠે છે પરંતુ લીસોટા દેખાતા નથી. તેની પાછળ પણ લીસોટાવાળો ડિસ્ચાર્જ જ કારણરૂપ છે, પરંતુ આપણી સામેનાં વાદળાંની પાછળ કે ઉપર એ થતો હોવાથી માત્ર ઝબકાર જ દેખાય છે. ક્યારેક ક્ષિતિજ પાસે વીજળી થતી હોય તો પણ આવા ઝબકાર દેખાય.
ત્રીજી ઘટના આપણાં મકાનની લેવલે દેખાતી ગોળા વીજળી છે. બહુ ઓછા લોકોએ એ જોઈ છે, પરંતુ એ વહેમ નથી. ટેનીસ બોલ કે તેથી નાનો એવો ગોળો આમ તેમ ભટકે છે અને ‘પટ્ટ’ કરીને ફૂટી જતો હોય અદૃશ્ય થઈ જાય છે. એમ લાગે છે કે ઉપરથી પડતી વીજળી અને તેની સામે જમીન પરથી ઉઠનારા ‘લીડર’ લીસોટાના મળવાનાં સ્થાન પાસે એ થતી હશે. બદલાતાં વીજક્ષેત્રની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તેની અસર હેઠળ આયનીકરણ થયેલ વાયુનો ગોળો મુસાફરી કરવા લાગતો હોય તેવું બને.
મેઘગર્જના :
આ તો થઈ વીજળીના ચમકારાની વાત. તો મેઘ ગાજે છે તે ગડગડાટ શાથી થાય છે ? વીજભારની લેતીદેતી બહુ જ ઝડપથી થાય છે. કહો કે એક સેકન્ડના હજારમાં ભાગમાં પ્રચંડ વીજ પ્રવાહ વહેવાથી હવા બહુ જલદી ગરમ થાય છે અને વિસ્તરવાથી અચાનક જ તેનું કદ વધે છે. આજુબાજુની હવા પર આ રીતે દબાણ આવવાથી કડકડાટી થાય છે. વીજળીનો લીસોટો લાંબો હોવાથી તેના પ્રત્યેક ભાગ પરથી અવાજ ક્રમશઃ આપણા લગી પહોંચતો રહે છે. તેને કારણે ગડગડાટ લાંબો ચાલે છે.
આ ઉપરાંત વાદળાં, પર્વતો, ઈમારતો વગેરે પર અવાજનાં મોજાં અથડાઈને પડઘા પડે છે તે પણ ગડગડાટમાં જોડાય છે.
વીજળીનો પ્રકાશ તો તત્ક્ષણ દેખાય છે પરંતુ અવાજની ગતિ પ્રકાશ કરતાં ઘણી ઓછી હોવાથી મેઘગર્જનાને આપણા સુધી પહોંચતાં વાર લાગે છે. એક સેકન્ડે ૩૩૦ મીટર અવાજની ઝડપ છે. જેમ ચમકારાનું સ્થાન દૂર તેમ ચમકારા અને ગર્જના વચ્ચે સમયગાળો વધારે. આગલી વાર વીજળી થતી હોય ત્યારે ઘડિયાળ જોશો; દર ત્રણ સેકન્ડે એક કિલોમીટર એ હિસાબે વાદળાનું તમારાથી અંતર માપી શકશો.
વીજળી પડવી :
બે વાદળાં વચ્ચે વીજભાર વહે તેને ‘વીજળી થવી’ કહીએ છીએ, તે રીતે વાદળાં અને ધરતી વચ્ચે પણ વીજભાર પ્રવાસ કરી શકે. તેને ‘વીજળી પડવી’ કહેવાય. બહુ ઊંચાઈએ આવેલ વાદળામાંથી આવું બનવું સંભવ નથી, પરંતુ નીચાં વાદળો વખતે આમ બનવા પાછળ વીજપ્રેરણ(Induction)ની પ્રક્રિયા જવાબદાર છે. વાદળાંના તળિયે જે ઋણ વીજભાર છે તેના કારણે તેની નીચેની જમીન ઉપર વિરુદ્ધ સંજ્ઞાનો [એટલે કે ધન (+) સંજ્ઞાનો] વીજભાર ઉત્પન્ન થાય છે. વાદળું પ્રવાસ કરતું જાય તેમ તેના પડછાયાની જેમ ધરતી ઉપર ધનભારનો પટ્ટો બનતો જાય છે અને ચાલતો જાય છે. આ દરમિયાન મકાનો, ઝાડ, ટાવર એ બધાં પર પણ વીજભાર બનતો જાય છે.
આ વીજભાર અને વાદળાંના તળીયે બનેલ વીજભાર જો એકબીજાંને મળી જાય તો તેને ‘વીજળી પડવી’ કહે છે. આ ઘટના આપણી નજીક બનતી હોવાથી તેમાં માત્ર એક કડાકો થાય છે, ગડગડાટી થતી નથી. અનુભવથી વીજળી થવા અને પડવા વચ્ચેનો તફાવત સમજાય છે.
એક સેકન્ડે ૭૦૦૦ ફોટો લેતા કેમેરાથી વીજળી પડવાની ઘટનાનો અભ્યાસ કરનારાઓએ જોયું છે કે ઉપરથી નીચે લીસોટો આવે ત્યારે એક નાનો શો ચમકારો જમીનથી ઉપર તરફ જતો પણ દેખાય છે, એ બંને મળી જાયત્યારે બધો વીજભાર જમીનમાં સમાઈ જાય છે. શહેરોમાં વીજળી ઊંચા મકાન, કારખાનાની ચીમની કે ઝાડ પર પણ પડે છે. જેમ સ્થાન ઊંચું તેમ ડિસ્ચાર્જનો માર્ગ ટૂંકો થાય, તેથી કુદરત એ માર્ગ પસંદ કરે. ગામડામાં ખુલ્લામાં ચરતી ગાયો કે બકરી પર વીજળી પડવાનું બનતું હોય છે. તેનાં કારણનો અભ્યાસ નથી થયો, પરંતુ જમીન કરતાં ઊંચી સપાટી હોવા ઉપરાંત તેઓની અવાહક ખરી પણ એક કારણ હોઈ શકે. શક્ય છે કે વીજભારો તેનાં લાંબા શરીર પર જમા થતા હોય.
સલામતીના માર્ગો :
કુદરતનાં આ પ્રચંડ બળથી પૂરેપૂરા બચવાનું તો શક્ય નથી, પરંતુ માણસ પ્રયત્ન કરે છે. શહેરમાં વીજળી ગમે ત્યાં પડીને નુકશાન કરી શકે; તેના કરતાં એને સહેલો માર્ગ કરી આપવો તે એક ઉપાય છે. ઊંચા મકાનો પર અણીદાર ધાતુના તળીયા આ રીતે વીજળી ઝીલવા માટે મુકાય છે. અંગ્રેજીમાં તેને ‘લાઈટનીંગ એરેસ્ટર’ કહે છે. વાદળાંના વીજભારને પહેલાં તો એ પોતે છોડેલા વીજભારથી શિથિલ કરી દેવા પ્રયત્ન કરે છે. પરંતુ વીજદબાણ વધી જ જાય તો ડિસ્ચાર્જને જમીન લગી પહોંચવાનો સરળ રસ્તો કરી આપે છે. આ માટે સળીયાથી માંડી ધરતી સુધી ધાતુની પટ્ટી મુકાયેલી હોય છે, જે પડેલી વીજળીને જમીન સુધીનું ‘અર્થીંગ’ પૂરું પાડે છે. અમેરિકાનાં જાણીતાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ (જે ૧૨૫૦ ફૂટ ઊંચું છે.) ઉપર આ રીતે દર વર્ષે એક સો વાર વીજળી પડે છે અને જમીન સુધી પહોંચે છે !
અવકાશ રોકેટ છોડવાનું હોય અને આકાશમાં ગાજવીજનાં વાદળ હોય તો સોય જેવી અણીદાર ચીજોનો છંટકાવ વિમાન દ્વારા કરવામાં આવે છે, જે ધન અને ઋણ બંને વીજભારને આકર્ષી શિથિલ કરી નાંખે છે. વ્યવહારમાં આ માટે નાયલોનના દોરાઓને એલ્યુમિનિયમ ધાતુનું પડ ચડાવે છે. વીજળીની ઘટના આનાથી ૭૦ ટકા જેટલી ઘટી જાય છે.
શહેરની બહાર ખુલ્લામાં હો તો ઝાડ નીચે આશરો લેવો સલામત નથી, ખાસકરીને જો એકલું અટૂલું ઝાડ હોય તો. આજ વાત મોટાં મેદાનમાં ઊભેલા માણસને પણ લાગુ પડે તેથી ઊભડક બેસી જવું વધુ સલામત છે. ઊંચાં ઝાડોવાળા બગીચા કે વૃક્ષાચ્છાદિત રસ્તામાં વીજળી પડવાની સંભાવના(Probability) બધાં ઝાડ વચ્ચે વહેંચાઈ જવાથી જોખમ ઓછું થઈ જાય છે. મકાનમાં આશરો લેવો વધુ ઇચ્છનીય છે.
આગાહી થાય ?
વીજળી ક્યાં પડી શકે તેની આગાહી તો અસંભવ છે, પરંતુ ગાજવીજવાળાં વાદળ કઈ જગ્યા તરફ જશે તેટલું તો અગાઉથી જાણી શકાય. ભારતીય હવામાનખાતાંની વેબસાઈટ(www.imd.gov.in) પર હવે એ માહિતી મળે છે કે તમે જોતા હો તે ક્ષણે ભારતમાં ક્યાં ક્યાં વીજળી થઈ રહી છે. થોડા થોડા સમયાંતરે આ નકશો જોવાથી એ તોફાન ક્યાં જશે તેની આગાહી થઈ શકે. તે પછી નાગરિકો પોતાની સમજણ મુજબ તેનો ઉપયોગ કરી શકે. ગોવાળો પોતાનું ધણ ખુલ્લામાંથી ગામ તરફ લઈ જાય, ખેડૂતો ખળાંમાના માલને ઢાંકવાની વ્યવસ્થા કરે વગેરે.
ઉપગ્રહનાં ચિત્ર સિવાય બીજો પણ એક રસ્તો છે. વીજળી થાય ત્યારે પ્રચંડ વોલ્ટેજ હેઠળ ડિસ્ચાર્જ થતા હોવાથી વીજચુંબકીય મોજાં પેદા થાય છે. આપણા ઘરના રેડિયામાં વીજળી થાય ત્યારે ઘરઘરાટ થાય છે તે આ વિક્ષેપના કારણે (જો કે F.M. રેડિયોનાં પ્રસારણમાં આ બાધા નથી આવતી. માત્ર AM નામની જૂની સિસ્ટમમાં જ એ બને છે.) પૂનાની સંસ્થા Indian Institute of Tropical Meteorology એ મહારાષ્ટ્રમાં એવાં યંત્રોનું નેટવર્ક ગોઠવવાનું બીડું ઝડપ્યું છે કે તે નજીકમાં થતા વીજચુંબકીય વિક્ષેપોને ઝીલે અને તે પરથી તેની દિશા નક્કી કરે. આંધ્રની સરકારે આ કામ માટે અમેરિકાની એક કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે. ખેડૂતોને એક-બે કલાકનો સમય મળે તો તે જોઈતી તૈયારી કરી લે તેવો આ કાર્યક્રમોનો હેતુ છે.
નાઈટ્રોજનની મદદ :
સામાન્ય રીતે નુકસાન વેરતી વીજળી એક કામ ઉપયોગનું પણ કરી આપે છે. તે છે નાઈટ્રોજનનાં સ્થાયીકરણ(fixation)નું. હવામાં ૭૮ ટકા રહેલો નાઈટ્રોજન સામાન્ય રીતે નિષ્ક્રિય છે; સરળતાથી રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી હોતો. પરંતુ ઊંચા ઉષ્ણતામાને એ પ્રાણવાયુ કે હાઈડ્રોજન સાથે ભળે છે. વીજળી થાય ત્યારે ઉષ્ણતામાન આશરે ૩૦ હજાર અંશ સેલ્સિયસ થઈ જાય છે. તે વેળા નાઈટ્રોજન વિવિધ સંયોજનો બનાવે છે. વરસાદનાં પાણી સાથે એ જમીનમાં જાય છે અને તેને પોષક દ્રવ્યો મળે છે. જમીનનો નાઈટ્રોજન વનસ્પતિમાં પ્રોટીન સ્વરૃપે આવે છે. પ્રાણીમાત્રના સ્નાયુઓ તેના વડે ઘડાય છે. આમ વીજળી એક રીતે ઉપયોગી પણ છે.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા – નટવર ગાંધી : ‘મડલીંગ થ્રુ’–મારી સાવ અણધારી જીવન યાત્રા [૨]
ગયા સપ્તાહના મણકામાં આપણે શ્રી નટવર ગાંધીની નજરે વોશિંગ્ટન (ડી. સી.)ની તત્કાલીન અર્થવ્યવસ્થાનો પરિચય કર્યો.આજના મણકામાં હવે આગળ …..વૉશિંગ્ટન ફડચામાં ગયું!
૧૯૯૫માં વૉશિંગ્ટન ફડચામાં ગયું. વૉલ સ્ટ્રીટમાં એની આબરૂના કાંકરા થયા. કૉંગ્રેસે એના ચૂંટાયેલા રાજકર્તાઓ– મેયર અને કાઉન્સિલરો પાસેથી, નાણાંકીય બાબતોના બધા અધિકારો, અને સત્તાઓ ખૂંચવી લીધાં. એ કામગીરી સંભાળવા માટે કૉંગ્રેસે એક કંટ્રોલ બોર્ડ અને ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરની (સી.એફ.ઓ.ની) નિમણૂંક કરી. વધુમાં કૉંગ્રેસે સી.એફ.ઓ.ને અસાધારણ અધિકારો, હક્કો, સ્વતંત્રતા અને સત્તા આપ્યાં. વૉશિંગ્ટનની બધી જ નાણાંકીય જવાબદારી સી.એફ.ઓ.ને સોંપી. આનો અર્થ એ પણ થયો કે નાણાંકીય બાબતમાં કંઈ પણ ગોલમાલ કે આઘાપાછી થાય તો એ બધું ઓળઘોળ થઈને સી.એફ.ઓને માથે આવે.
વૉશિંગ્ટનના રાજકારણમાં આ હોદ્દો ખૂબ અગત્યનો ગણાય. ભારતમાં જે હોદ્દો નાણાંપ્રધાનનો ગણાય એના જેવો જ. જોકે, ભારતના નાણાંપ્રધાન કરતાં આ સી.એફ.ઓ.ની જવાબદારી, સત્તા અને સ્વતંત્રતા વધારે. આપણે ત્યાં નાણાંપ્રધાનને વડાપ્રધાનના હાથ નીચે કામ કરવાનું અને એ જે કહે તે કરવાનું. વડાપ્રધાનની વિરુદ્ધ એ કશું ન કરી શકે. ભૂલેચૂકેય એવું કાંઈ કરે તો એને ગડગડિયું મળે.
વૉશિંગ્ટનનો સી.એફ.ઓ. ભલે મેયર અને કાઉન્સિલ સાથે કામ કરે, છતાં પોતાની સમજણ પ્રમાણે એ એમનાથી વિરુદ્ધ પણ જઈ શકે. એ પોતે જ પોતાનો બોસ. મેયર કે કાઉન્સિલ સી.એફ.ઓ.ને કૉંગ્રેસની અનુમતિ વગર રજા ન આપી શકે. મેયર અને કાઉન્સિલની ટર્મ ચાર વરસની હોવા છતાં સી.એફ.ઓ.ને પાંચ વરસની ટર્મ આપવાનું કૉંગ્રેસે નક્કી કર્યું, એનો પગાર પણ કૉંગ્રેસે જ નક્કી કરીને કહ્યું કે જે પગાર અમેરિકન પ્રમુખના કેબિનેટ મેમ્બરને મળે છે તે સી.એફ.ઓ.ને આપવો.
વૉશિંગ્ટનના આખાય રાજતંત્રમાં નાણાંકીય ક્ષેત્રે કામ કરતા ૧૨૦૦ જેટલા લોકોનો બધો જ સ્ટાફ એના હાથ નીચે. મેયર કે કાઉન્સિલ પણ આ સી.એફ.ઓ.ની અનુમતિ વગર નાણાંકીય બાબતમાં કશું જ ન કરી શકે. દર વર્ષે સી.એફ.ઓ. જ નક્કી કરે કે ટૅક્સની આવક કેટલી થશે અને જે આવક હોય એનાથી વધુ ખર્ચ ન થાય તે જોવાની જવાબદારી પણ એની જ. એ જ નક્કી કરે કે વૉલ સ્ટ્રીટમાં જઈને કેટલું દેણું કરવું અને એ દેણું બરાબર નિયમસર ભરાય તેની જવાબદારી પણ એની જ.
આવી અસાધારણ સત્તા અને જવાબદારીવાળી સી.એફ.ઓ.ની પોઝિશન ઊભી કરવાનો મૂળ આશય એ હતો કે વૉશિંગ્ટન ભવિષ્યમાં ક્યારેય ફડચામાં ન જાય અને એની નાણાંકીય સ્થિતિ હંમેશ સદ્ધર રહે. થયું પણ એવું જ. હું જ્યારે ૧૯૯૭માં વૉશિંગ્ટનમાં ટૅક્સ કમિશનર થયો ત્યારે સરકાર લગભગ ૫૦૦ મિલિયન ડોલરના ફડચામાં હતી. અને જ્યારે ૨૦૧૩માં સીએફઓના હોદ્દા પરથી છૂટો થયો ત્યારે એની સિલકમાં દોઢ બીલિયન ડોલર જમા હતા! આ મહાન પરિવર્તનનો ઘણો યશ વૉશિંગ્ટનના પહેલા સી.એફ.ઓ. એન્થની વિલિયમ્સને જાય છે.
ન્યૂ યૉર્ક, ફિલાડેલ્ફિયા જેવાં મોટાં શહેરોને પણ વૉશિંગ્ટનની જેમ નાણાંકીય મુશ્કેલીઓ પડી હતી. એમણે પણ મોટી ખાધ અનુભવી હતી. એ બધામાંથી કોઈ પણ વૉશિંગ્ટન જેટલી ઝડપથી નાણાંકીય સદ્ધરતા ફરી મેળવી શક્યું ન હતું. કંટ્રોલ બૉર્ડ અને સી.એફ.ઓ.આવ્યા પછી જ વૉશિંગ્ટનના બોન્ડ્ઝ ‘જંક’ કેટેગરીમાંથી ‘ટ્રીપલ એ’ કેટેગરી સુધી પહોંચ્યા હતા. વૉશિંગ્ટનની આવી નાણાંકીય સદ્ધરતા સિદ્ધ કરવામાં મેં જે ભાગ ભજવ્યો છે એનું મને ગૌરવ છે. મારી આ સિદ્ધિ માટે મને ખૂબ માન અને સન્માન મળ્યાં છે. અનેક પ્રકારના અવોર્ડ્ઝ અને માનપત્ર મળેલાં છે. પણ એ બધાંમાં સૌથી નોંધપાત્ર જો હોય તો એ કે મારા શાસન દરમિયાન આવડું મોટું કૌભાંડ થયું છતાં હું ત્યાં બીજાં સાત વરસ સી.એફ.ઓ તરીકે ટકી રહ્યો હતો. એ કેવી રીતે?
આ ઝંઝાવાતમાંથી હું કેવી રીતે બચ્યો?
હું જ્યારે જ્યારે કોઈ મોટી મુસીબતમાં ફસાઉં છું ત્યારે એ ઝંઝાવાતમાંથી હેમખેમ પસાર થવા માટે એક વાત ખાસ યાદ રાખું છું. ટૅક્સ ઑફિસના કૌભાંડના મોટા ઝંઝાવાતમાંથી બચવા માટે પણ મને એ વાત બહુ કામ લાગી હતી. એ વાત આ છે : ટૅક્સ ઑફિસને સંભાળવામાં, એના તંત્રની વ્યવસ્થા બરાબર ગોઠવવામાં મેં મારાથી શક્ય તેટલા બધા પ્રયત્નો કરેલા ખરા? અને જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ હોય, એટલે કે મારાથી થતું હું બધું જ કરી છૂટ્યો હોઉં, તો ઓછામાં ઓછું મને તો શાંતિ અને ધરપત રહે કે મારાથી બનતું મેં બધું કર્યું, અને ન બનવા જેવું જે થયું તે મારા કાબૂ બહારની વાત હતી. હા, કૌભાંડ જરૂર થયું. એનો અર્થ એ થયો કે મેં જે સુધારાવધારાના પ્રયત્નો કર્યા હતા તે ઓછા પડ્યા, પરિણામે જે બન્યું એની જવાબદારી મેં સ્વીકારી લીધી.9 તમે જો તમારાથી થતું બધું જ કરી છૂટ્યા હો અને છતાં પણ જો તમે નિષ્ફળ જાવ અને એ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારો, તો એનાથી વધુ તમારી જાત આગળ તમે કે બીજા શું માગી શકે?
યોગાનુયોગ થયું પણ એમ જ. અહીં વૉશિંગ્ટનના રાજકર્તાઓ ટૅક્સ ઑફિસને સુધારવાના મારા પ્રામાણિક પ્રયત્નો જોઈ શક્યા હતા. એ પ્રયત્નો દ્વારા જે ધરખમ સુધારા થયા હતા એ પણ સ્પષ્ટ હતા. એથી જ તો તે બધાએ કહ્યું કે મારે મારું સુધારાવધારાનું કામ ચાલુ રાખવું. મારા રાજીનામાનો અસ્વીકાર થયો. એટલું જ નહીં, પણ ઊલટાનું મને બીજાં સાત વરસ એ જ હોદ્દા પર કામ કામ કરવાની તક મળી.
આ કટોકટી આવી અને એમાંથી હું પસાર થઈ ગયો. પણ એમાંથી શું પાઠ ભણવાનો છે? આ સંદર્ભમાં પ્રારંભમાં મેં વિખ્યાત ફ્રેંચ ફિલોસોફર Pierre Teilhard de Chardinનું જે વિધાન મૂક્યું છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. એ કહે છે કે કોઈ સંનિષ્ઠ માણસ ઉપર મોટી ઉપાધિ આવી પડે છે ત્યારે આવું કેમ થયું એવો પ્રશ્ન પૂછવાને બદલે આવી પડેલ બલાને ટાળવા એણે શું કર્યું એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ.
બીજી વાત એ છે કે જીવનમાં મુસીબતો તો આવ્યા જ કરવાની છે. એનાથી ગભરાઈએ તો જીવન કેમ જીવાય? અને જે લોકો કાંઠે ઊભા ઊભા તમાશો જુએ છે એ તો તમારી ટીકા કર્યા જ કરવાના છે. આમ કરો ને તેમ કરો એવી સુફિયાણી સલાહસૂચનાઓ પણ આપ્યા કરવાના. આમ કર્યું હોત તો વધુ સારું એવી વાતો પણ કરવાના. એ બધાથી ગભરાઈને આપણાથી હાથ થોડા ખંખેરી નખાય? કે જીવનમાંથી રાજીનામું થોડું અપાય? આ બાબતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ થીઓડોર રુઝવેલ્ટનું એક વિધાન હું હંમેશ ધ્યાનમાં રાખું છું: “It is not the critic who counts: not the man who points out how the strong man stumbles or where the doer of deeds could have done better. The credit belongs to the man who is actually in the arena, whose face is marred by dust and sweat and blood, who strives valiantly, who errs and comes up short again and again, because there is no effort without error or shortcoming…”
ક્રમશઃ
-
આદિવાસીઓના અસ્તિત્વ અને અધિકારોની રક્ષાનો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિન
નિસબત
ચંદુ મહેરિયા
એકવીસમી સદીની પહેલી પચીસીની પૂર્ણાહૂતિના આરે ઉભા રહીને દેશ અને દુનિયાના આદિવાસીઓની સ્થિતિ વિશે વિચારીએ છીએ તો શું લાગે છે? આજે પણ આદિવાસીઓનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ બરકરાર છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, અમાનવીય શોષણ અને અત્યાચારો, વેઠિયા મજૂરી અને બાળ મજૂરી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અભાવ, વિસ્થાપન અને સ્થળાંતર જેવી અનેક સમસ્યાઓથી તેમને પીડવામાં આવી રહ્યા છે. તેમના જળ, જંગલ અને જમીન છીનવાઈ રહ્યા છે.
આદિવાસી, ગિરિજન, વનવાસી, વનબંધુ, અત્વિકા, અનુસૂચિત જનજાતિ અને ટ્રાયબલ જેવા વિવિધ નામે ઓળખાતા આદિવાસીઓ પૃથ્વી પરના મૂળનિવાસી અને આદિ કાળથી વસતા અસલ વતની છે. વિશિષ્ટ સંસ્કૃતિ, ભૌગોલિક અલગાવ, કથિત મુખ્ય સમાજ સાથે સંપર્કનો સંકોચ, આદિમ લક્ષણોના સંકેત, પછાતપણું જેવી વિશેષતા ધરાવતા આદિવાસીઓની વિશ્વના ૯૦ દેશોમાં આશરે ૪૭.૬ કરોડ (વિશ્વની કુલ વસ્તીના ૬ ટકા) વસ્તી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં તેમની વસ્તી ૮.૬ ટકા ( ૧૦.૪ કરોડ) છે.ગુજરાતમાં ૮૯.૧૭ લાખ (કુલ વસ્તીના ૧૪.૮ ટકા) છે. દુનિયામાં, દેશમાં કે રાજ્યમાં ભલે તેમની વસ્તી લગભગ ૧૦ ટકાની આસપાસ હોય પરંતુ ગરીબીમાં તે અવ્વલ છે. કુલ ગરીબોમાં આદિવાસી ગરીબો સૌથી વધુ અર્થાત ૧૫ થી ૨૦ ટકા જેટલા છે. ભારતના કુલ ભૂભાગમાં ૨૦ ટકા આદિવાસી ક્ષેત્ર છે. રાષ્ટ્રીય સંસાધનોના ૭૦ ટકા ખનિજ, જંગલ, વન્ય પ્રાણી, જળ સંસાધન અને માનવ શ્રમ ત્યાં જ ઉપલબ્ધ છે. પરંતુ આદિવાસીઓ તેમના અસ્તિત્વ માટે નિરંતર સંઘર્ષ કરતા રહે છે. સરકારી વિકાસ યોજનાઓ તેમને વિસ્થાપિત કરે છે અને બે ટંક રોટલાના સાંસા તેમને સ્થળાંતરિત કરે છે. ભલે દેશનો સામાન્ય સાક્ષરતા દર ૭૩ ટકા હોય આદિવાસી સાક્ષરતાનો દર તેનાથી ઘણો નીચો ૫૯ ટકા જ છે. તેમાં આદિવાસી પુરુષોની સાક્ષરતા ૬૮.૫૩ ટકા અને મહિલા સાક્ષરતા ૪૯.૩૫ ટકા જ છે.
દુનિયાના સૌથી નબળા અને વંચિત સમૂહ એવા આદિવાસીઓની સ્થિતિમાં બદલાવ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રયાસો હાથ ધર્યા હતા.પરંતુ તેમનો માર્ગ આસાન નહોતો. યુનો રચિત વર્કિંગ ગ્રુપ ઓફ ઈન્ડિજિનસ પોપ્યુલેશનની પહેલી બેઠક ૯ મી ઓગસ્ટ ૧૯૮૨ના રોજ જિનિવામાં મળી હતી. તેણે આદિવાસી અધિકારોનું ઘોષણાપત્ર તૈયાર કરવું શરૂ કર્યું. ફસ્ટ ડ્રાફ્ટમાં આદિવાસીઓને તેમના વિસ્તારોમાં પારંપરિક શાસન વ્યવસ્થા લાગુ કરવાનો આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો હતો. જળ, જમીન, જંગલ પર અને ઉપલબ્ધ કુદરતી સંશાધનો પર પહેલો અધિકાર આદિવાસીઓનો રહેશે તેમ પણ જણાવ્યું હતુ. આ પ્રકારના આધિકારોનો અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ૧૯૮૨ થી ૧૯૯૪ એમ બાર વરસ સુધી પહેલો ડ્રાફ્ટ ચર્ચાતો રહ્યો. સતત સંઘર્ષ અને અથાક મહેનત પછી પચીસ વરસે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ યુનોમાં આદિવાસી અધિકારોનું ઘોષણા પત્ર સ્વીકૃત થઈ શક્યું હતું. વિશ્વના ૧૪૪ દેશોએ ઘોષણાપત્રનું સમર્થન કર્યું હતું, જ્યારે ૧૧ દેશો તટસ્થ રહ્યા હતા. દુનિયાના વિકસિત દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં વિરોધ કર્યો પણ પછી તેને સ્વીકાર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯માં અને ન્યૂઝીલેન્ડે ૨૦૧૦માં તેનો સ્વીકાર કર્યો હતો. આદિવાસીઓનો જંગલ, જમીન અને જળ સંસાધનો પર એકાધિકાર, આત્મ નિર્ણય અને સ્વશાસનનો અધિકાર, પૂર્વ સંમતિથીજ આદિવાસી વિસ્તારોના સંસાધનોનો ઉપયોગ વગેરે આદિવાસી અધિકારો ઘોષણાપત્રમાં સામેલ હતા.જોકે ઘોષણાપત્ર કાનૂની રીતે બાધ્યકારી નથી પરંતુ તેનાથી નૈતિક દબાવ બની રહે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૫ થી ૨૦૦૪ અને ૨૦૦૫ થી ૨૦૧૫ એમ બે દાયકા વિશ્વ આદિવાસી દાયકા રૂપે મનાવીને આદિવાસી અધિકારો માટે જાગ્રતિ આણી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આદિવાસી અધિકારો માટેની નવમી ઓગસ્ટ ૧૯૮૨ની પહેલી બેઠકની સ્મૃતિમાં ૧૯૯૪માં દર વરસે ૯ મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન ( INTERNATIONAL DAY OF INDIGENOUS PEOPLES) મનાવવાનું યુનોએ નક્કી કર્યું હતું. ૧૯૯૫થી વિશ્વ નવમી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ મનાવે છે.
વિશ્વ આદિવાસી દિવસ ઠાલી ઉજવણીનો દિવસ નથી પરંતુ તેની પાછળ કેટલાક ઉદ્દેશ રહેલા છે. આદિવાસીઓની આગવી સંસ્કૃતિ, વિશિષ્ઠ જીવનશૈલી, ભાષા અને અસ્તિત્વનો સ્વીકાર અને રક્ષણ, સમાજની કથિત મુખ્ય ધારાથી કપાયેલા આદિવાસીઓનું સન્માન, તેમના યોગદાનને માન્યતા, તેમના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત જ્ઞાનનું જતન-સંવર્ધન, બહારના તત્વોથી તેમના જળ, જમીન,જંગલનું રક્ષણ, અધિકારો માટેની જાગ્રતિ અને શોષણ સામે સંઘર્ષ, તે માટેની પ્રતિબધ્ધતા અને સંકલ્પના ઉદ્દેશ સાથે આદિવાસી દિવસની ઉજવણી થાય છે. દર વરસે કોઈ ચોક્કસ થીમ સાથે દુનિયામાં આદિવાસી દિવસ મનાવાય છે. ૨૦૨૩ના વિશ્વ આદિવાસી દિવસની ‘ થીમ પારંપરિક જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા’ , ૨૦૨૪માં ‘ સ્વનિર્ણય માટે પરિવર્તનના વાહક તરીકે આદિવાસી યુવાનો’ અને ૨૦૨૫માં ‘ આદિવાસીઓનો આત્મનિર્ણયનો અધિકાર, ખાધ્યસુરક્ષા અને સાર્વભૌમત્વનો માર્ગ’ ની થીમ યુનોએ નક્કી કરી છે.
ભારતમાં ૭૦૦ આદિવાસી જનજાતિ છે. પ્રકૃતિપૂજક આદિવાસીઓ વિકાસમાં છેલ્લે છે. એટલે બંધારણના વિવિધ અનુચ્છેદ હેઠળ આદિવાસીઓને વિશેષ સગવડો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ, નોકરી અને રાજનીતિમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અનામતની જોગવાઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના રાજકીય પ્રતિનિધિત્વ માટેની આ જોગવાઈઓને કારણે જ કદાચ આજે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના પદે આદિવાસી મહિલા વિરાજમાન છે. આઝાદીના પંચોતેર વરસો પછી શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજનીતિમાં આદિવાસીઓ થોડી પ્રગતિ સાધી શક્યા છે પરંતુ મંજિલ હજુ ઘણી દૂર છે.
અન્ય સમાજોની જેમ આદિવાસીઓમાં પણ પ્રભુત્વ ધરાવતો વર્ગ પ્રગતિમાં આગળ છે. પરંતુ કેટલીક આદિવાસી જાતિઓ સુધી કોઈ વિકાસ પહોંચ્યો નથી.એટલે સરકારે તેના તરફ વિશેષ લક્ષ આપ્યું છે. ઉચ્છંગરાય ઢેબર કમિશનની ભલામણો પરથી ૧૯૭૫માં ૫૨ અને ૧૯૯૩માં ૨૩ આદિવાસી જાતિઓને વિકાસમાં અતિપછાત તરીકે ઓળખવામાં આવી હતી. તેથી દેશની ૭૦૫ અનુસૂચિત જનજાતિમાં ૭૫ અતિ પછાત આદિવાસી જાતિઓ છે. પહેલાં તેની પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ(PTG) કે આદિમ જાતિ તરીકે સરકારી ઓળખ હતી. ૨૦૦૬થી તે બદલાઈને PVTG( PARTICULARLY VALNERABLE TRIBAL GROUPS, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ)ની થઈ છે. ગુજરાતની ૩૧ ટ્રાઈબ્સમાં કાથોડી, કોટવાળિયા, કોલધા, પઢાર અને સિદ્દી એ પાંચ પીવીટીજી છે.
ત્રણ દિવસ પછી આવતો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના ઉલ્લાસ સાથે સંકલ્પનો પણ દિવસ છે. આ સંકલ્પ સમાજ અને સરકાર બંનેએ લેવાનો છે. જ્યાં આદિવાસી વસ્તી ઓછી છે અને તે વોટ બેન્ક નથી તેવા અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો અને સમાજે ૨૦૦૮-૯માં અને તાઈવાને ૨૦૧૬માં આદિવાસીઓની જાહેર માફી માંગી હતી. સર્વોચ્ચ કેથોલિક ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે પણ આદિવાસીઓ પ્રત્યેના અન્યાય માટે જ્ઞમાયાચના કરી હતી. પરંતુ ભારતમાં તો બિનઆદિવાસીઓને આદિવાસીઓની યાદ તેમના ધર્મપરિવર્તન વખતે જ આવે છે. આ વલણ બદલાય તો આદિવાસી દિવસની ઉજવણી સાર્થક બને.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અહેસાસ…
જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
માસી, તમે માલા છો ને ? ‘ ત્રણ વરસની યુગ્મા વ્યોમાને વહાલથી વળગી રહી. ‘ના, હોં માસી મારા છે.’ છ વરસની ત્રિચા માસી પર પોતાનો કબજો કરવા આતુર હતી.
બંને છોકરીઓને આ સરસ સરસ માસી બહુ ગમી ગયા હતા. જોકે વ્યોમાનું ઠસ્સાદાર વ્યક્તિત્વ સૌને આકર્ષતું. પણ આ બાળકીઓની વાત તો અલગ હતી.
‘માસી ચાલો, આપણે કેરમ રમીએ..ત્રિચા તેનો હાથ ખેંચી અંદર પોતાના રૂમમાં લઇ ગઇ.વ્યોમા અભાનપણે ખેંચાઇ.ત્યાં તો યુગ્મા પોતાની મોટી સરસ મજાની ઢીંગલી..બાર્બી લઇ આવી અને પરમ ઉદારતાથી આ માસીને આપી. જાણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. વ્યોમા આ નિર્વ્યાજ સ્નેહના ઝરણામાં ભીંજાયા સિવાય કેમ રહી શકે ?
નિતાંત..નવો અનુભવ..અને પોતે છલોછલ ! આવી સભરતા તો કયારેય નથી અનુભવી. તેણે વહાલથી યુગ્માને તેડી લીધી.ત્યાં ત્રિચા રિસાઇ ગઇ.’માસી. મારી સાથે રમતા નથી..’વ્યોમા તેના ચહેરા પરના ભાવ પર ઓળઘોળ..!તે ખોળામાં યુગ્માને લઇ એક હાથમાં ઢીંગલી પકડી ત્રિચા સાથે કેરમ રમવા લાગી..કેટલા વરસો પછી….!
ત્યાં અંદરથી હાથ લૂછતી લૂછતી સોનાલી આવી, ‘ઓહ..આ છોકરીઓ તને હેરાન કરતી હશે..છે જ બંને જળો જેવી..બંને ચોંટી છે ને તને..! ચાલ, એ તો રમશે બંને જાતે..
‘ ના, સોના, તું તારે તારું કામ પતાવ. મને આ દીકરીઓ સાથે રમવાની મજા આવે છે. ‘ ‘જેવી તારી ઇચ્છા…યુગ્મા, ત્રિચા, આંટીને હેરાન ન કરતા હોં. ‘ ’ અમે કંઇ માસીને હેરાન નથી કરતા…અમે તો તેમની સાથે રમીએ છીએ..હેં ને માસી ? ‘ વ્યોમાએ હસીને હા પાડી. અને ફરીથી બંને સાથે રમવામાં મશગૂલ બની ગઇ. સોનાલીને આશ્ચર્ય તો થયું. પરંતુ કશું બોલી નહીં. ને રસોડામાં ગઇ.
સોનાલી અને યુગ્મા કોલેજની ખાસ બહેનપણીઓ..જોકે બંનેના સ્વભાવમાં..વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. અને છતાં બંનેની મૈત્રી અતૂટ રહી હતી. વ્યોમા બિન્દાસ અને નારી સ્વતંત્રતાની પૂરી હિમાયતી. કોઇ છોકરો તેની આસપાસ ફરકી શકતો નહીં. લગ્નસંસ્થામાં તેને જરા યે વિશ્વાસ નહોતો. નાનપણથી જ તેણે પોતાના ઘરમાં મમ્મીને હમેશા સહન કરતી, રડીને રહી જતી જોઇ હતી.થોડી મોટી થતાં તેની આસપાસમાં પણ અનેક સ્ત્રીઓનું શોષણ થતું…અન્યાય સહન કરતી જોઇ હતી. પરિણામે તેના મનમાં સતત નેગેટીવ વિચારો ચાલતા રહેતા. પુરૂષો બધા ખરાબ જ હોય. સ્ત્રીઓને અન્યાય જ કરતા હોય એવી એક ગ્રંથિ તેના મનમાં ઘર કરી ગઇ હતી. પરિણામે પોતે કયારેય લગ્ન નહીં કરે એવું તેણે નક્કી કરી લીધું હતું. અને એ જ માર્ગ પર તે ચાલી રહી હતી.
એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર તે નોકરી કરતી હતી. પૂરી સ્વતંત્ર..કંપનીના કવાર્ટરમાં એકલી આરામથી રહેતી હતી. હમણાં કંપનીના કામે તે આ શહેરમાં આવી હતી. અને તેની મિત્ર સોનાલી આ જ શહેરમાં રહેતી હોવાથી તેને ઘેર જમવા આવી હતી. બંને બહેનપણીઓ વરસો પછી મળી શકી હતી. બંને પોતપોતાની રીતે ખુશ હતી. બંનેના રસ્તા અલગ હતા. પરંતુ મૈત્રી તો આજે પણ લીલીછમ્મ રહી હતી. જમીને રાત્રે બધા સાથે બેઠા હતાં. સોનાલીનો પતિ શાલિન પણ એક મોટી કંપનીમાં જનરલ મેનેજર હતો. તેનો સ્વભાવ ખૂબ હસમુખો હતો. વ્યક્તિત્વ આકર્ષક હતું. બધા સાથે ગપ્પા મારતા હસી મજાક કરી રહ્યા હતા. શાલિન કહે, બહાર સરસ ઠ્ંડી હવા છે. ચાલો લોંગ ડ્રાઇવ પર જઇએ.
યુગ્મા અને ત્રિચાએ તાળીથી પપ્પાની વાતને વધાવી લીધી. બધા બહાર નીકળ્યા. બંને છોકરીઓ વ્યોમા સાથે ખૂબ ભળી ગઇ હતી. આખે રસ્તે તેમનો કિલકિલાટ ચાલ્યો. એ કલરવથી વ્યોમા છલકી રહી. બધાએ આઇસ્ક્રીમ ખાધો, પાન ખાધું બહાર ખુલ્લી હવામાં થોડીવાર બેઠા.શાલિન સોનાલીની જે સંભાળ લેતો હતો. વ્યોમા મૌન બનીને જોતી જ રહી હતી. કયાંક કશુંક સ્પર્શી રહ્યું હતું. કંઇક…… જીવનમાં શું ખૂટતું હતું ? રોજ ઓફિસેથી આવી જમી, થોડી વાર ટી. વી. પર આડીઅવળી ચેનલો ફેરવવાની, કે મેગેઝિનના પાના ઉથલાવી સૂઇ જવાનું..વહેલી પડે સવાર.રોજ એકલા એકલા કોની સાથે બહાર નીકળે ?
આજે અહીં કેવા મજા આવતી હતી. દિલમાં જાણે આનંદ છકલતો હતો. કેવી મીઠડી દીકરીઓ છે. અનેક વિચારોમાં વ્યોમા ખોવાઇ રહી.
બે દિવસ સોનાલીએ તેને પોતાને ઘેર જ રાખી. બે દિવસ જાણે બે કલાક બની ગયા હતા. બે દિવસ પછી વ્યોમા ઘેર ગઇ ત્યારે તેના મનમાં સોનાલીના શબ્દો પડઘાતા હતા. ’ વ્યોમા, એવું નથી લાગતું કે લગ્ન ન કરવાનો તારો નિર્ણય ખોટો હતો ? લગ્ન કરીને અમુક લોકો દુ:ખી થાય છે. તો એનાથી અનેકગણા લોકો સુખી પણ થાય જ છે. એ કેમ ભૂલી જાય છે ? અને સુખી કે દુ:ખી થવું એમાં કયારેક સંજોગો અને કયારેક માણસ પોતે ભાગ ભજવતો હોય છે. હજુ કંઇ મોડું નથી થયું. જીવનસંધ્યાએ એકલતા જીરવવી બહું આકરી લાગશે. મારો કોઇ આગ્રહ નથી. પણ એક વાર શાંતિથી વિચાર જરૂર કરજે.’ અને….વ્યોમાની નજર હાથમાં રહેલ પેપરમાં મેટ્રીમોનીયલ ..લગ્નવિષયક જાહેરાત પર ફરવા લાગી.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : યાત્રાએ જઈ રહેલાં માતાપિતાનું પોર્ટ્રેટ
બીરેન કોઠારી
માતાપિતા જાત્રાએ જઈ રહ્યાં હોય તો એ આનંદનો અવસર ગણાય. પણ ઘરમાં રહેલો તેમનો તરુણ પુત્ર આ કારણે ખૂબ એકલવાયાપણું અનુભવી રહ્યો છે. ભૂપેન ખખ્ખરે૧૯૭૧માં ચીતરેલા આ ચિત્રનું શિર્ષક છે: ‘Portraits of My Mother and My Father going To Yatra’/ યાત્રાએ જઈ રહેલાં મારા માતા અને પિતાનું પોર્ટ્રેટ.
આ તૈલચિત્રમાં લઘુચિત્ર/Miniature શૈલીનાં તત્ત્વોનો પુષ્કળ ઉપયોગ થયેલો જોઈ શકાય છે. લઘુચિત્રશૈલીમાં એક એક વસ્તુઓના ઝીણવટભર્યા આલેખન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પણ તે સપાટ (Flat) જણાતા હોય છે. એટલે કે તેમાં ઊંડાઈનું પરિમાણ અનુભવી શકાતું નથી. અહીં દોરાયેલાં વૃક્ષો, મકાન, દૂર દેખાતા પહાડો વગેરે લઘુચિત્રશૈલીનાં છે.
આ ચિત્ર દોર્યું ત્યારે ભૂપેન વડોદરાના રેસિડેન્સી બંગલો ખાતે રહેતા હતા. અહીં ચિત્રમાં ગ્રે રંગનો એ બંગલો જોઈ શકાય છે.

(Portraits of My Mother and My Father going To Yatra) પુત્ર ભૂપેનને મૂકીને માતાપિતા યાત્રાએ ગયાં હશે અને તેને લઈને તરુણ વયના ભૂપેનને જે ભયાનક એકલતા સાલી હશે એ ઘરમાં ખુરશી પર બેઠેલી માનવાકૃતિ અને તેની ફરતે બતાવેલા અવકાશ થકી ઉપસાવવામાં આવી છે. પૃષ્ઠભૂમિમાં ગંગા નદી અને તેનાં તીર્થસ્થાનો દર્શાવાયાં છે.
તીર્થયાત્રાનું મહત્ત્વ પ્રત્યેક શ્રદ્ધાળુઓ માટે આગવું હોય છે, અને એનો એક આનંદ પણ હોય છે, છતાં આ ચિત્રમાં આનંદને બદલે ઉદાસી અને એકલતા વધુ નજરે પડે છે. ભૂપેને આ ચિત્ર વિશે લખેલું: ‘સૌએ પોતપોતાનો ક્રોસ ઊંચકવો પડે છે.’ ચિત્રનાં મુખ્ય પાત્રો સામે જોતાં, જોઈ રહેતાં દર્શકને આનંદની અનુભૂતિ નહીં, પણ એક પ્રકારની વિહ્વળતા અનુભવાય છે.
ચિત્રની અગ્રભૂમિમાં પિતા પરમાનંદ અને માતા મહાલક્ષ્મીનું પોર્ટ્રેટ છે. પિતાની નજર સીધી દર્શકો સમક્ષ છે, જ્યારે માતા સહેજ બીજી તરફ જોઈ રહ્યાં છે. ભૂપેને એ વિશે લખેલું: ‘લગ્નબંધન થકી માતા અને પિતા સમાજની દૃષ્ટિએ એક ગણાય છે, પણ છતાં તેઓ અલાયદી વ્યક્તિ છે. આ કારણે મેં માતાને દૂર તરફ અને પિતાને દર્શક સમક્ષ જોતાં બતાવ્યાં છે.’
પોતાની ત્રુટિઓ પ્રત્યે સભાન, અને શીખવા માટે સદાય તત્પર રહેતા ભૂપેને વધુમાં લખેલું: ‘વૃક્ષો ધરાવતો લીલોછમ બગીચો અને નાનકડું તળાવ એકલતાના પ્રતીકાત્મક અર્થઘટનમાં કશો ઊમેરો કરતા નથી. તેને બદલે મેં હાથમાં રેકેટ પકડીને ટેનિસ કોર્ટમાં ઊભેલો એક જ ખેલાડી બતાવ્યો હોત તો એકલતા સારી રીતે ઉપસી શકત.’
ઈમારતના સ્તંભનો ઘેરો ગુલાબી પડછાયો જોનારનું ધ્યાન આકર્ષે છે.
ચિત્રમાંના કયા રંગોની પ્રેરણા ક્યાંથી મળી એનો ઉલ્લેખ કરતાં ભૂપેને લખેલું છે: ‘પીળો રંગ ગુલામ મોહમ્મદ શેખના ચિત્રમાંથી લીધો છે. મકાનનો બ્રાઉન રંગનો પડછાયો (ઈટાલિયન કલાકાર) કીરીકોના ચિત્રમાંથી લીધો છે. માતાનું પોર્ટ્રેટ તેમના એક ફોટોગ્રાફ પરથી બનાવ્યું છે. પિતાનું પોર્ટ્રેટ સ્મૃતિના આધારે બનાવ્યું છે. તે ચોકસાઈપૂર્ણ નથી. ફૂલહાર ગીવ પટેલના ચિત્રમાંથી લીધેલા છે.’
મઝા એ છે કે વિવિધ ચિત્રોમાંથી પ્રેરિત થઈને વિવિધ બાબતો ભૂપેને આ ચિત્રમાં બનાવી હોવા છતાં આખા ચિત્રની શૈલી પર ભૂપેનની મુદ્રા છે.
વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે અત્યાર સુધી ભૂપેનનાં ચિત્રોમાં માનવાકૃતિઓનું કદ ખાસ્સું નાનું રહેતું હતું. આ ચિત્રમાં એમણે માતાપિતાનાં પોર્ટ્રેટ બનાવીને પોતાની એ શૈલીને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આગળ જતાં વધુ વિકસતી રહી હતી, અને ભૂપેનની કારકિર્દીના મધ્યાહ્ને માનવાકૃતિઓ કેન્દ્રસ્થાને આવતી રહી હતી.
[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે
ડૉ. નાનકભાઈ ભટ્ટ
વહેતા પાણીમાં બીજાની વહારે જનારને સમાજ શૌર્ય શિરપાવ આપે છે. પરંતુ એ જ વ્યક્તિ નદીના પ્રવાહમાં તણાઈ જાય તો તેને મૂરખ ગણવામાં આવે છે. ‘એન્ડ ઇઝ વેલ એવરીથીંગ ઇઝ વેલ’ની આપણી મનોવૃત્તિ ઇતિહાસને પણ વર્તમાનના અનુકૂલનની ફુટપટ્ટીથી માપતી રહી છે. અને આ જ તો અયોગ્ય છે. આ વાત સ્વતંત્રતા અને મહાત્મા ગાંધીના યોગદાન સંબંધે પણ તપાસવા જેવી છે.
છેલ્લાં ૮-૧૨ વર્ષમાં ગાંધી વર્સિસ ગોડસે, વીર સાવરકર, હરીલાલ, રીટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા અને હવે ફ્રિડમ ઓફ મિડ નાઇટ પ્રકારની ફિલ્મો દ્વારા દર્શકો વચ્ચે એવું પ્રતિપાદિત કરવાનો ભરપૂર રાજકીય પ્રયત્ન થઈ રહ્યો છે કે “પાકિસ્તાન ગાંધીની વિચારસરણી અને જીદનું ફરજંદ છે. મોહનદાસની ભૂલોના પરિણામે આજે હિંદુ-મુસલમાન, એવું વૈમનસ્ય વિકસ્યું છે.”
ભારતના ઇતિહાસની પૃષ્ઠભૂમિથી મહાત્મા ગાંધી વિષયે ઊભા થતાં નેરેટિવ્સ (વ્યર્થ ખ્યાલ)ને તપાસીએ તો વર્ષ ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોધીને હરાવી આજના ઉઝબેકીસ્તાનના તૈમુર રાજવંશના રાજા બાબરે મરાઠા, રાજપૂતો અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે મુઘલ વંશની સ્થાપના કરી. એટલું જ નહીં પણ વિજ્ઞાન, સમાજરચના, અર્થવ્યવસ્થા, સંશોધન વિચારના પુરાવા સમાન ૩૦૦૦થી વધુ હસ્ત લિખિત ગ્રંથો ઝૂંટવી લેવામાં આવ્યા, બાળી નાખવામાં આવ્યા. સાંસ્કૃતિક વિરાસતનાં દસ્તાવેજ જેવાં નાનાં મોટાં ૧૪૦૦૦ સ્મૃતિ મંદિરો ખંડિત કરવામાં આવ્યાં, તોડી પાડવામાં આવ્યાં.
વેદ, ઉપનિષદ અને રામાયણ મહાભારતની પરંપરા સાથે જીવતા હિંદુ સમાજ ઉપર આ પ્રથમ પ્રહાર હતો. જેના ઘાવ મોગલવંશની ૪૦૦ વર્ષની ગુલામીએ રૂઝાવા દીધા ન હતા. તે પછી વર્ષ ૧૭૫૭ થી ૧૯૪૭ સુધી અંગ્રેજોએ પોતાના આર્થિક લાભ ખાતર દેશમાં ભાગલા પાડો અને રાજ્ય કરોની નીતિ અપનાવતાં દેશ દારૂણ ગરીબી, નિરક્ષરતા અને વર્ગભેદના વમળમાં રહ્યાનું ઇતિહાસ કબૂલે છે. અહીં એ હકીકત તો બિલકુલ સ્પષ્ટ છે કે ગાંધીજીના અસ્તિત્વ પહેલાં જ હિંદુ અને મુસલમાન તેવી સમાજ- વ્યવસ્થામાં દેશ વૈચારિક રીતે વિભાજિત થઈ ગયેલો. અંગ્રેજ પત્રકાર લુઇ ફિશર પોતાની નોંધમાં લખે છે-
આવા સ્પષ્ટ અભિપ્રાય છતાં પણ દેશના સીમાડાઓ તૂટ્યા અને વિઘટન થયું ત્યારે બંને કોમની અસંખ્ય સ્ત્રીઓ-બાળકો અને યુવકો કપાયાં. કૉંગ્રેસ અને ગાંધી લગભગ લાચાર સ્થિતિમાં રહ્યા અને બ્રિટિશ પાર્લામેન્ટે માઉન્ટ બેટનના સહારે કરોડો નાગરિકોને રઝળાવ્યા.
ઇતિહાસ નોંધે છે કે બીજું વિશ્ર્વયુદ્ધ અને છેક આંદામાન સુધી પહોંચી ગયેલ જાપાનનું લશ્કરી શાસન, સુભાષબાબુનું સ્થળાંતર અને જર્મનીથી ઊભી થયેલ નવી ગુલામ શાસન વ્યવસ્થા, ૨૬૮ રજવાડાઓની સ્વાયત્ત સત્તાની કપટનીતિ, મોગલ સામ્રાજ્ય તરફ વળવાની મુસ્લિમ લીગની રાજનીતિ, અત્યંત ગરીબ, રોગિષ્ઠ, અશિક્ષિત ભારતની પૃષ્ઠ ભૂમિ, બ્રિટન સરકારની અમાનવીય શોષણ નીતિ, બહુ મોટા ખેડૂત વર્ગમાં પ્રચલિત થઈ રહેલ અને અંગ્રેજો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી અફીણની ખેતી, કૉંગ્રેસના સદસ્યોની સત્તાલાલસા વગેરે પ્રશ્ર્નો આપણી સામે હતા.
કેન્સરની બીમારી વચ્ચે ઉગ્ર બનતી અલગ પાકિસ્તાનની માગણી બે વખત નિષ્ફળ ગયેલ. ગોળમેજી પરિષદ જેવાં રાજકીય, આર્થિક સામાજિક સીમાવર્તી ભયસ્થાનોના વમળમાંથી બહાર નીકળી દેશને અરાજકતા છતાં પણ નોધારો છોડવા માટે બ્રિટિશ પાર્લામેન્ટ પણ ઠરાવ કરી ચૂકી હતી ત્યારે બ્રિટનના અખબાર મોર્નિંગ પોસ્ટે તંત્રીલેખમાં નોંધ્યું છે કે “ભારતની સ્વતંત્રતાનું શ્ર્વેત પત્ર ખરેખર તો ભાગીદારીનું કરારનામું નથી પણ ભાગી છૂટવાની સમજૂતી છે.”
– ડૉ. નાનકભાઈ ભટ્ટ, મો.: ૯૮૯૮૪૬૩૪૮૯
ભૂમિપુત્ર : ૧૬ માર્ચ, ૨૦૨૫
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – વજ્રાઘાત
વિમલાતાઈ
સબસે ઊંચી ….. થી આગળ
એક દિવસ અમદાવાદથી લલિતાબાઈનો પત્ર આવ્યો. અમારાં ભાનુબહેનનાં લગ્ન મારાં મોટાં પુત્રવધૂના ભાઈ સાથે નક્કી થયાં હતાં. અમારા જમાઈ પૂનામાં સરકારી નોકરીએ હતા. મુંબઈમાં લગ્ન કરી ભાનુબહેન સીધાં પતિગૃહે જવાનાં હતાં, તેથી તેઓ મુંબઈ જાય તે પહેલાં અમને મળવા માટે બોલાવ્યાં હતાં.
અમે બધાં અમદાવાદ ગયાં. અમારે તો મુંબઈ જવાનું નહોતું, તેથી થોડા દિવસ અમદાવાદ રહી હું અને બાળકો ભાવનગર આવ્યાં.
ભાનુબહેનને સાસરે વળાવી લલિતાબાઈ, મોટા, મારાં પુત્રવધૂ, રવિ અને મધુ અમદાવાદ આવ્યાં.
વર્ષોથી લલિતાબાઈની તબિયત સારી રહેતી ન હતી. લાંબા સમયથી તેઓ માંદાં રહેતાં હતાં. તેમની માતાના અવસાન બાદ તેમણે જ તેમનાં બધાં ભાંડુઓને સંભાળ્યાં હતાં અને મોટાં કર્યા હતાં. તબિયત સારી નહોતી રહેતી છતાં પણ ભાઈ-બહેનોનો ભાર સંભાળવા તેમને નોકરી કરવી પડી હતી. રવિ પણ હજી તેની માંદગીમાંથી પૂરી રીતે બહાર આવ્યો નહોતો અને મીરજયી અમદાવાદ લલિતાબાઈના આધાર પર પાછો આવ્યો હતો. તેની સારવાર ચાલુ હતી તેથી તે નોકરી પણ નહોતો કરી શકતો. આખી જિંદગીની હાડમારીથી લલિતાબાઈ કંટાળી ગયાં હતાં.
ભાનુબહેનનાં લગ્નને ફક્ત દસ જ દિવસ થયા હતા. અમદાવાદ પાછા આવ્યા બાદ એક દિવસ લલિતાબાઈ કામે ન ગયાં. ઘરમાંની બધી વસ્તુઓ તેમની બહેનપણીને ઘેર રાખી, કોને કઈ વસ્તુ આપવાની છે, તેની વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી. કોનાં લગ્નમાં કોને કઈ ચીજ-જણસ આપવાની છે તેની વહેંચણી કરીને આપી દીધી. તે વખતે મોટાભાઈ આફિસે ગયા હતા. નરેન નિશાળમાં હતો. અમે ભાવનગર હતાં અને મારાં પુત્રવધૂ ભાનુબહેન અને પોતાના ભાઈની સાથે પૂના ગયાં હતાં. ઘરમાં બીજું કોઈ નહોતું. બપોરે બાર વાગે લલિતાબાઈએ. અગ્નિસ્નાન કર્યું.
અમારા મકાનના ઉપરના ભાગમાં એક ભાડવાત રહેતા હતા, તેમનાં પત્ની દાદરા પરથી નીચે ઊતરતાં હતાં ત્યારે તેમણે નીચેના રસોડામાંથી નીકળતા ધુમાડાના ગોટા જોયા. તેઓ અત્યંત ગભરાઈ ગયાં અને મોટે મોટેથી બૂમો પાડી આજુબાજુના લોકોને બોલાવ્યા. મોટાભાઈની ઓફિસ નજીક જ હતી, ત્યાં એક માણસને દોડાવ્યો, અને તેઓ પણ ઘેર આવી ગયા. તે પણ ગભરાઈ ગયા અને લલિતાબાઈને સીધાં હૉસ્પિટલ લઈ ગયા. લલિતાબાઈનું આખું શરીર દાઝી ગયું હતું અને બપોરે ચાર વાગ્યે તેઓ અવસાન પામ્યાં.
મોટાભાઈને જ્યારે જાણ થઈ કે લલિતાબાઈ દાઝી ગયાં છે, તેમણે મને તરત ટેલિગ્રામથી ખબર કરી. મને તો આ તાર રાતના આઠ વાગ્યા પછી મળ્યો. હવે અમદાવાદ જવા માટે રાતના ત્રણ પહેલાં કોઈ ટ્રેન નહોતી. આવા પ્રતિકૂળ સમયે મને સ્ટેશન પર મૂકવા કોણ આવે? મારા ઘરની બાજુમાં રહેતા પેલો ગરજુ નાલાયક માણસ જે મારી પાસેથી ધાકધમકી આપીને પૈસા લઈ ગયો હતો, તે પણ મને સ્ટેશન પર મૂકવા આવવા તૈયાર ન થયો. આથી હું રાતે જ સ્ટેશન પર પહોંચી ગઈ. રાતે અગિયાર વાગ્યે આખું સ્ટેશન ખાલી થઈ ગયું. હું એકલી બાઈ માણસ શું કરું? મેં સ્ટેશનમાસ્તર પાસે જઈને વિનંતી કરી કે મને વેઇટિંગરૂમમાં રહેવા દો. તેમણે કહ્યું, “જુઓ, બહેન, રાતનો સમય છે. વેઇટિંગરૂમમાં એકલાં બાઈમાણસની જવાબદારી હું લઈ શકું નહિ, પણ પ્લેટફોર્મ પર સામાન રાખવાની જાળીના ઓરડા જેવી જગ્યા છે, તેમાં તમે રાત રહી શકો છો, અને અંદરથી તાળું મારી શકો છો.’ આ ભલા માણસે મને જગ્યા આપી અને રાતની ડયૂટી પર એક પૉર્ટર હતો તેને મારી સંભાળ લેવાનું કહ્યું. તેમણે આટલી માનવતા દર્શાવી. તેમની પોતાની ડયૂટી પણ પરોઢિયે ટિકિટ કાપવાની હતી, તેથી તેમણે મને ટિકિટ કાઢી આપી.
બીજે દિવસે બપોરે ચાર વાગ્યે હું અમદાવાદ પહોંચી. ઘર તો સૂમસામ હતું. કોઈ જ ઘેર નહોતું. અમારી હવેલીની પાછળના ભાગમાં મારી નણંદબાના દીકરા રહેતા હતા. હું તેમને ત્યાં ગઈ. તેમણે અને તેમનાં પત્નીએ મને બધી હકીકત કહી, અને મને સ્નાન કરાવ્યું અને ભોજન કરાવ્યું. ત્યાર પછી હું ફરીથી અમારે ઘેર ગઈ ત્યારે રવિ અને મોટાભાઈ ઘેર હતા. હું તેમની પાસે પહોંચી ત્યારે બન્ને ભાઈઓ મારી પાસે ઘણું રડયા. ભાનુબહેનને તાર કર્યો હતો તે પણ પાંચમે દિવસે આવી પહોંચી અને હું ભાવનગર પાછી ગઈ.
લલિતાબાઈના અવસાન બાદ નરેનને આઠ-દસ મહિના અમદાવાદ જ રહેવું પડયું, તેનું એસ.એસ.સી.નું વર્ષ હતું. એસ.એસ.સી. બાદ નરેન મારી પાસે પાછો આવવાનો હતો. લલિતાબાઈની ચિરવિદાય બાદ નરેને અમદાવાદમાં ઘણી મુશ્કેલીમાં દિવસ કાઢયા.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ખેતરના શેઢેથી | વરસાદનો વાંધો
