આપણે ધ્રુવદાદાની સમુદ્રાન્તિકે,અકુપાર અને અતરાપી નવલકથાની ગમતી અને મનને સ્પર્શી જાય એવી ઘણી વાતો કરી જેમાં દાદાના માનવીય પ્રેમ,પ્રકૃતિ પ્રેમ ,માનવસંબંધો વિગેરે વિશેનાં ઉત્તમ વિચારો જાણ્યા.તેમની નવલકથા લખવાની એક નોખી જ ભાત પણ જાણી. પરતું આજે આપણે જે ધ્રુવદાદાની નવલકથાની વાત કરવાનાં છીએ તેનો તો વિષય જ સાવ નોખો છે. આપણે વાત કરવાના છીએ ‘તિમિરપંથી’ નવલકથાની. તિમિરપંથી એટલે અંધારાનાં સફરી કે અંધારામાં ફરનાર એટલે સામાન્યભાષામાં આપણે જેને ચોર કહીએ તેની. તિમિરપંથીનો એક મને સમજાતો બીજો અર્થ એટલે જે જીવનસફરમાં ભટકી ગયાં છે તેવા લોકો અથવા જેને સાચો કે અજવાળાવાળો રસ્તો ખબર નથી. જે અંધકારમાં પંથ ખેડી રહ્યાં છે અથવા જેને જીવનમાં જીવવા માટે અંધકારમાં જ ફરવાની ફરજ પડી છે.
આ નવલકથામાં ધ્રુવદાદાએ વાત કરી છે એવી જાતિનાં લોકોની જેમને તેમનાં ગુજરાન માટે કે જીવન જીવવા માટે ચોરી,લૂંટ કે ડકૈતનો જ આશરો લેવો પડે. આ જાતિ એટલે છારા,વણજારા,ડફેર,સાંસી,પારધી,અડોડિયા લોકો- જે આખી જાતિ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેરા-તંબુ લઈને વિચરતી હોય છે.તેમનો જીવનનિર્વાહ તેઓ ખૂબ કુશળતા પૂર્વક ચોરી કરી,ખિસ્સા કાપી,દુકાનમાંથી સંતાડીને માલ ચોરીને કે ખેતરમાંથી અનાજ ચોરીને કરે છે.
તિમિરપંથી નવલકથામાં ધ્રુવદાદાએ આ દરેક જુદીજુદી જાતિનાં લોકો કેવી કુશળતા પૂર્વક ચોરી કરે છે ,તેમનાં ચોરીમાં પણ કેવા નીતિનિયમો હોય છે,પેઢી દર પેઢી આ ચોરી કરવાની રીત તેઓ કેવીરીતે તેમના બાળકોને શિખવાડે છે,આ બધી ઝીણી ઝીણી વિગતો ,લોકો પાસેથી,પોલીસ અધિકારીઓ પાસેથી,જુદાજુદા લોકોનાં જાત અનુભવ જાણીને રજૂ કરી છે.
તિમિરપંથીઓની વાત જ્યારે વાંચીએ ત્યારે કેટલીયે વાર તેમની દયનીય જીવનસફર સાંભળી હ્રદય કંપી જાય. વનવગડામાં કે રેતીનાં રણમાં જીવજંતુ,જંગલી રાની બિલાડાં કે સાપ,ઉંદર અને વીંછીની સાથે જ જમીન પર સૂવાનું. ન ઘરનાં કે ગામનાં ઠેકાણાં, ખાવાપીવાનાં કે જીવનનિર્વાહ માટે કોઈ આવકનું ઠેકાણું નહીં. ચોરી કરીને કે ભીખ માંગીને ધુતકાર પૂર્વક જે મળે તે ખાઈને જીવન જીવવાનું.આ સરનામા વગરનાં માણસ પણ આપણાં જેવા માણસ જ છે તો ભગવાને આમને કેમ આવો જન્મ આપ્યો હશે ! !એવો વિચાર પણ મનને સતાવે.ધ્રુવદાદાનું આ પુસ્તક વાંચીએ તો જ તમને તેમની જિંદગી કેવી હોય છે? તે સમજાય.
તેમનાં ઉતારાનાં નજીકનાં ગામમાં કોઈપણ ચોરી ચપાટી થાય તો આ લોકોનાં આખા દંગાંનાં લોકોને પોલીસ જાણ્યાબૂઝ્યા વગર ઢોર માર મારે અને પકડીને જેલમાં પણ પૂરી દે. આ લોકોનાં જીવન વિશે જ્યારે જાણીએ ત્યારે આપણાં જેવાંજ માણસો એવા આ તિમિરપંથીઓ માટે આપણે પણ કંઈ વિચારવું જોઈએ તેમ જરૂર વિચાર આવે. આપણું મન પણ તેમની દયનીય દશા માટે વિચારનાં વંટોળે ચડે.
ધ્રુવદાદાનાં બધાં પુસ્તકોની જેમ જ આ નવલકથાની નાયિકા પણ સરસતિ એટલે સતિ છે. દાદાની બધીજ નાયિકાની જેમ સતિ પણ ચતુર,બાહોશ,કુશળ અને બધાં કરતાં સાવ જુદીજ સ્ત્રી છે.તેના બાળપણથી લઈને લગ્નજીવન સુધીની તેનાં જીવનની આસપાસની વાતો આ નવલકથામાં ગુંથાએલી છે. માનવ સંવેદનાનું સચોટ આલેખન તો કોઈ ધ્રુવદાદા પાસેથી શીખે.
સતિએ બખૂબીથી કરેલી ચોરીઓ તેમજ તેમનાં ચોરી માટેનાં નીતિનિયમોની વાત પણ છે. સતિને આ જીવનસફરની વાતો સાથે આપણને દાદાએ ઊંડાં તત્વજ્ઞાનની કેટલીએ વાતો સમજાવી છે.સતિને તેની નાની નાનકી અનેક વાર્તાઓ દ્વારા જ્ઞાન આપે છે અને કુશળતા શીખવે છે. પોતાની કુશળતાની અને વિદ્યાની વાત કરતા નાનકીનાની કહે છે,” આપણા વિશે લોકો માને છે તે આપણે પણ માનવા માંડીએ ત્યારે વિદ્યા આપણને છોડી જવાની”એટલે આપણી આવડત કે કુશળતાનું અભિમાન ન કરવું તેમ સમજાવે છે.અને મહાગુરુનાં નામે નાનકી કહે છે,” તમારા વિશે જે કહેવાતું હોય તે ભલે ,પણ તમે પોતાની આવડત,મનની સ્વસ્થતા,હાથપગના હુન્નર,ગતિ, પોતાના શ્વાસ અને વિશ્વાસ સિવાય કશા પર નિર્ભર રહેશો નહીં.” આમ કહી આત્મનિર્ભરતાની વાત કરે છે.
એક ખૂબ સરસ વાત આ નવલકથામાં મને સમજાઈ તે એ છે કે જીવનમાં દરેકે દરેક માણસ તે મોટું કામ કરતો હોય કે નાનું પણ તે ક્યાંક ને ક્યાંક કશીક ચોરી તો કરે જ છે. આ તિમિરપંથીઓ સમાજમાં જાણીતાં,વગોવાયેલા ચોર છે અને બીજા અનેક લોકો ઉજળિયાત સફેદ વસ્ત્રોમાં ફરતાં ,મોટા ધંધા કરતાં,સમાજનાં મોભી બનીને ફરતાં,સફેદ કપડાંમાં છુપાએલાં સફેદ ચોર છે. પણ તે ચોર પકડાતાં નથી પણ એકવાર આંખ બંધ કરી જન્મેલ દરેક માણસ પોતાની જાતને પૂછે ,કે તેપણ ક્યાંક,કશીક ચોરી તો કરે જ છેને? હા ,તેમાં કોઈક અપવાદ હોઈ શકે ,પણ કેટલાં ? તેતો દરેકનાં મન જ બતાવે! અને ભગવાન જાણે!
બદલાતાં સમય સાથે વહી સતિને તેનાં આખા સમાજને ભણતર આપવા શાળા કરવી છે.અને પ્રકાશમય સવાર તિમિરપંથીઓને બતાવવી છે .દાદાએ સમગ્ર સમાજને તેમની પણ આ કાર્ય માટે જવાબદારી છે તેમ આડકતરી રીતે સૂચવ્યું છે.
આ સાથે મને યાદ આવ્યું આ ધ્રુવગીત-
આખો અવતાર અમે શોઘતા રહ્યા ને એક સંસ્કારી ઝાડવું ભળાયું નહીં. હોઈ શકે મારા ટેવાયેલા કાનને કે ભણતી મિજાજને કળાયું નહીં.
માન્યું ‘તું જુગ જૂના વરસાદી જંગલમાં એકાદું ઝાડવું તો ભણતું હશે ભેગા થઈ એક ગુરુ પાળીને રોજ કોઈ ગરબડિયા ધ્યાન-બ્યાન કરતું હશે ચોર્યાશી લાખમાંથી ઝાડવાંનો શ્રેષ્ઠ એવું મૂળમાંથી કેમ સમજાયું નહીં. હોઈ શકે મારા ટેવાયેલા જ્ઞાનને કે ગણતા દિમાગને કળાયું નહીં.
એકાદા મોરલાને થાવું તો જોઈએ કે ચાલ કંઈક સદભાષા બોલીએ પોપટ જો પટ્ટ દઈ શીખે છે રામ અને આપણે આ ટહુકા નવ છોડીએ એકએક મોર અમે ગણતા જઈ સાંભળ્યું ને તોય સીતારામ સંભળાયું નહીં. હોઈ શકે મારા ટેવાયેલા કાનને કે જાણતલ જાતને કળાયું નહીં.
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. જેમ મેં અગાઉ જણાવ્યું તેમ કવિવર ટાગોરને સતત એવું લાગ્યા કરતુ કે કોઈક અણદીઠીચેતના, કોઈક અગમ્યશક્તિ તેમને સર્જન કરવા પ્રેરી રહીછે. આ દિવ્ય શક્તિથી અભિભૂત થઇ કવિવર કહેતા કે મારીસર્જનાત્મકતા એ “મારી” નથી પણ આ દિવ્ય શક્તિ મનેહાથ પકડીને કરાવી રહી છે. તેમના માટે એ દિવ્ય શક્તિ, એ પરમચેતના તેમની સર્જનત્મકતાની ધરોહર હતી. કવિવર એક આધ્યાત્મિક કવિ હતા. આધ્યાત્મ એટલે કે “spirituality” તેમના વ્યક્તિત્વ સાથે એકરૂપ થયેલ હતું . તેઓ એવું દૃઢ પણે માનતા કે દરેકના આત્માની સરગમ એ દિવ્ય શક્તિ સાથે સતત જોડાયેલી છે અને ધબકતી રહે છે. અને તેઓ એ પરમાત્મા સાથે પ્રાર્થનાના માધ્યમથી સતત જોડાયેલા રહેતા. અને કદાચ એટલે જ કવિવરે તેમની અનેકાનેક રચનાઓ, એ દિવ્ય શક્તિને પ્રાર્થના રૂપે સંબોધીને કરેલી છે.
આજે આપણે પણ એવી જ એક રચના કે જે પૂજા પારજોયમાં(વિભાગમાં) અને પ્રાર્થના ઉપ-પારજોયમાં (ઉપ વિભાગ) વર્ગીકૃત થયેલી છે અને જે કવિવરની એ દિવ્ય શક્તિ સાથેની સાતત્યતા પ્રદર્શિત કરે છે તેને જાણીશું અને માણીશું . આ એક પ્રાર્થના છે જેની રચના ગુરુદેવે ૧૯૧૩ માં કરી હતી. અને તેનું શીર્ષક છે তোমারি নাম বলবো – Tomari Naam Bolbo” અર્થાત “સતત તારા જ નામનું સ્મરણ હું કરું …”.
આ રચનાનું સ્વરાંકન રાગ ખંભાજ પર આધારિત છે અને તેને ત્રિતાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. આ રચનાના સ્વરાંકન પર બંગાળના લોક સંગીત – બાઉલ સંગીતની પણ છાંટ જોવા મળે છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું..
સતત તારા જ નામનું સ્મરણ હું કરું…
મુજ ભીતરના ગહન એકાંતે કદી હુંવિચરું કદી મારાવિચારોના ગૂઢ અરણ્યે વિહરું અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
ભાષા અને શબ્દોના શણગારનેછોડીને મૌનનીસૌમ્ય સાદગીનેહું ધારણ કરું અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
આશા અને અપેક્ષાનાબંધનોની પેલે પાર બસ, પ્રેમના રંગે રંગાવાનીઆજીજીહું કરું અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
મારી ખુશીઓ અને અશ્રુઓનાઅર્ધ્ય મહી બસ, એક તારા સુંદર ચહેરાના દર્શન કરું અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
કારણ અને તારણનીમાયાજાળને ત્યજીને બસ, તારી અસીમ કૃપાનો અહેસાસ કરું અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
પ્રત્યેક શ્વાસનીસરગમ પર સવાર થઈને બસ, હર ક્ષણે, હર પળે તને યાદ હું કરું અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
આ સરળ રચનામાં કવિવરે કદાચ એક જીવનના અંતિમ ધ્યેયને પામવાની એક ચાવી આપી દીધી છે. કવિવર આ રચનામાં પોતાની પ્રત્યેક મન:સ્થિતિમાં એ દિવ્ય શક્તિના નામને સ્મરવાની વાત કરે છે. આનંદના અવસરે કે વિષાદના વમળે, ભીતરે ડગ માંડતા કે જગત સાથે ચાલતા, કોઈ પણ કારણ અને અપેક્ષા વિના પ્રભુના નામને સ્મરવાની વાત કવિવર અહીં કરે છે. મૂળ રચનામાંતો કવિવર એમ પણ કહે છે કે જેમ નાનું બાળક પોતાની માને જે રીતે સતત ઝંખતું હોય, તેવી રીતે હું તારું સ્મરણ કરું.
પ્રત્યેક સ્થળ, સમય અને સંજોગોને પેલે પાર જઈને પણ જો આપણે મનથી સતત નિરંતર એ દિવ્ય શક્તિનું સ્મરણ કરી શકીએ તો તો કદાચ “Art of Living” સિદ્ધહસ્ત થઇ જાય. મને આજથી ૨૯ વર્ષ પહેલા કોઈકે એક ખુબ સરસ વાક્ય કહ્યું હતું અને એ વાક્ય મારા મનમાં અંકિત થયી ગયેલું છે. “I want to live the life with keeping Krishna in the center” પ્રભુને કેન્દ્રમાં રાખી તેનું સતત સ્મરણ કરતા કરતા પ્રત્યેક કાર્ય કરીએ તો કદાચ જીવનને એક નવા જ પરિમાણથી માણી શકીએ.
આપણા વેદ અને પુરાણો પણ સતત નામ સ્મરણ કે નામ સંકીર્તનનો મહિમા વર્ણવે છે. નામ સ્મરણ એટલે કે સતત પ્રાર્થના એ કદાચ પ્રભુ સુધી પહોંચવાનો સીધો અને સરળ માર્ગ છે. નવધા ભક્તિના નવ પગથિયામાં, સ્મરણ અને કીર્તન એ પહેલા બે પગથિયાં છે. શ્રીમદ ભગવદ્દ ગીતાના નવમાં અધ્યાય “” માં સતત કીર્તનનો મહિમા વર્ણવતા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે
આ રચનામાં કવિવર અકારણ એટલે કે કોઈ પણ કારણ વગર અને કોઈ પણ અપેક્ષા વગર પ્રભુને સ્મરવાની વાત કરે છે તે તેમના ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ભાવને ફલિત કરે છે. સામાન્યતઃ આપણી રોજિંદી જિંદગીમાં આપણે મસ્ત બની ને વિહરતા હોઈએ છીએ પણ જયારે જીવનમાં અચાનક અણધાર્યો વણાંક આવે કે પ્રભુની મદદની જરૂરિયાત ઉભી થાય, કંઈક કારણ ઉદ્ભવે ત્યારે આપણે પ્રાર્થનાનો સહારો લેતા હોઈએ છીએ અને दुःख में सुमिरन सब करे, सुख में करे न कोई પંક્તિઓને સાર્થક કરતા હોઈ છીએ. પણ જો આપણે સતત એ દિવ્ય શક્તિનું સ્મરણ કરતા રહીએ અને તેને કેન્દ્રમાં રાખીને દરેક પ્રવૃત્તિ કરતા જઈએ તો ” जो सुख में सुमिरन करे, तोह दुःख काहेको होय” પંક્તિઓ આપણા જીવનમાં પણ સાર્થક થાય. મેં હમણાં એક ખુબ ગહન વાક્ય વાંચ્યું ” The value of persistent prayer is not that God will hear us, but that we will finally hear God”. અર્થાત સતત સ્મરણ – પ્રભુ આપણને સાંભળે એટલે નથી કરવાનું પણ આપણા અંતરમાં રહેલા દિવ્ય શક્તિનો અવાજ આપણે સાંભળી શકીએ એટલે કરવાનું છે. અને જો આ ચોમેર થતા ઘોંઘાટમાં આપણને એ અંતરનાદ સંભળાઈ જાય તો તો ખરેખર सच्चिदानन्दની પ્રાપ્તિ થઇ જાય…
તો ચાલો, કવિવરે આ રચનામાં દર્શાવ્યું છે તેમ પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક પાળે એ દિવ્ય શક્તિનું સતત સ્મરણ કરવાનો પ્રયત્ન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો.
સોમા વરસમાં પ્રવેશનાં ઉંબર અઠવાડિયાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સાથે નાભિસંબંધ ધરાવતો ભારતીય જનતા પક્ષ પરસ્પર અને પોતપોતાની વિજયક્ષણો ને કસોટીક્ષણો એક સાથે અનુભવતાં માલૂમ પડે છે. સ્વરાજની અમૃતવર્ષી અને સંઘની પોતાની શતવર્ષીમાં આ પક્ષ અને પરિવાર આખો પોતાની કટોકટી સામેની સાચીખોટી લડાઈ પર કંઈક સોનેરી મદાર પણ બાંધી રહેલ છે.
૧૯૭૫ની ૨૬મી જૂન સાથે કોંગ્રેસે ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીને સવાલિયા દાયરામાં મૂકી દીધી હતી એ અલબત્ત સાચું છે. પણ ૨૬મી જૂન સામે લડતના મુદ્દે ને મોરચે સંઘ પરિવાર ક્યાં હતો, કેમ હતો, કેટલે હતો, એ પ્રશ્ન હજારો મિસાબંદીઓમાં એના મોટા હિસ્સા છતાં હતો, છે અને રહેશે. અહીં વાતની શરૂઆત ઓગસ્ટ ૧૯૭૫માં યરવડા જેલમાંથી તત્કાલીન સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસે વડાપ્રધાનને લખેલા પત્રથી કરવાનો ખયાલ છે, જેમાંથી કટોકટી બાબતે સંઘ પરિવારની સંમિશ્ર ને સંદિગ્ધ ભૂમિકા સોડાય છે. બાવીસમી ઓગસ્ટે દેવરસ ઈંદિરા ગાંધીને લખે છે કે અહીં જેલમાં આકાશવાણી થકી પંદરમી ઓગસ્ટનું લાલ કિલ્લા પરનું આપનું ભાષણ સાંભળ્યું. આપનું વક્તવ્ય ‘સમયોચિત ને સંતુલિત’ હતું. વાચક યાદ રાખે, આ કટોકટીની જાહેરાત પછીનું અને એને ઘોર વાજબી ઠરાવતું પ્રવચન હતું જે દેવરસને ‘સમયોચિત ને સંતુલિત’ જણાયું હતું. વળી, એમણે ઉમેર્યું હતું કે ‘સમાજની સૌ સાચી શક્તિઓ પોતપોતાનાં ક્ષેત્રમાં પ્રામાણિકતાથી મચી પડે’ એવું જે આપે (ઈંદિરા ગાંધીએ) કહ્યું તે મુજબ ‘સંઘની શક્તિનો યોજનાપૂર્વક ઉપયોગ દેશના ઉત્થાન માટે જરૂરી છે.’
ઈંદિરા ગાંધી સાથે ‘દેશના ઉત્થાન’માં જોડાઈ શકવાના ગર્ભિત સૂચનથી ધાર્યું ઠેકાણું નહીં પડ્યા પછી નવેમ્બર ૧૯૭૫માં વાત આગળ ચાલે છે. દસમી નવેમ્બરે દેવરસ વડાપ્રધાનને લખે છે: ‘સર્વોચ્ચ અદાલતે આપની ચૂંટણીને કાયદેસર ઠરાવી તે માટે અભિનંદન ઘટે છે.’ (કટોકટીકાળે સર્વોચ્ચ અદાલત પાસેથી કેવી રીતે ચુકાદા મેળવાતા એ બધું ઈતિહાસદર્જ છે.) વારુ. વચનમાં વળી કંઈક વાર્તિક સાથે દેવરસનો પત્ર પરાકાષ્ઠાએ પહોંચવા કરે છે: ‘શ્રી જયપ્રકાશ નારાયણજીના આંદોલનના સંદર્ભમાં સંઘનું નામ લેવામાં આવે છે. ગુજરાત આંદોલન, બિહાર આંદોલન સંબંધે સરકાર તરફથી સંઘનું નામ વારંવાર ને વિનાકારણ જોડવામાં આવ્યું છે… આ આંદોલનો સાથે સંઘનો કોઈ સંબંધ નથી.’ આ ‘છેડાફાડ’ શા વાસ્તે છે તે બાબતે દેવરસ પત્રોત્તરની પ્રતીક્ષા સાથે વાતનો બંધ વાળતાં ફોડ પાડે છે કે દૂષિત પૂર્વાગ્રહ છોડી આપ સંઘના હજારો લોકોને મુક્ત કરો અને સંઘ પરનો પ્રતિબંધ દૂર કરો. આમ કરવાથી સંઘના લાખો સ્વયંસેવકોની શક્તિ ગેરસરકારી રાષ્ટ્રોદ્ધારક કામોમાં લાગશે. આટલે મહિને પણ ઈંદિરા ગાંધી અનુત્તર છે એટલે પવનારમાં વિનોબાજીની સંનિધિમાં આચાર્ય સંમેલન યોજાઈ રહ્યું છે અને તરતમાં ઈંદિરાજી પણ એમને મળશે એવા ભણકારા વચ્ચે દેવરસ વિનોબાજીને સાધવા રાગે છે: ઈંદિરાજીના મનમાંથી અમારે અંગેની ગેરસમજ દૂર કરી પ્રતિબંધ ઉઠાવડાવી લો. અમારા હજારો સ્વયંસેવક મુક્ત થતાં વેંત રાષ્ટ્રસેવાનાં ગેરસરકારી કામોમાં એમની સાથે જોડાઈ જશે, તે આ પત્રોનો સાર છે. દેખીતી રીતે જ, જેપી આંદોલન સાથે કોઈ સંબંધ જ નહોતો એવા દાવા સાથેની આ સળંગ રજૂઆત કોઈ જનવાદી લડાયક તબકાની છાપ જન્માવતી નથી. બીજી બાજુ, નાના દેશમુખ સરખા સંઘશ્રેષ્ઠીઓ ભૂગર્ભ મોરચે હતા એ પણ હકીકત છે. એટલે શંકાનો લાભ આપી સમુદાર સમજૂતની રીતે વિચારીએ તો દેવરસ કાં તો વ્યૂહાત્મક રમત રમી રહ્યા હતા અગર સંઘમાં બે મત હતા.
આંદોલનના હિસ્સા તરીકે જયપ્રકાશ માર્ચ ૧૯૭૫માં નવી દિલ્હીમાં જનસંઘના અધિવેશનને સંબોધવા ગયા ત્યારે એમના દિલખુલાસ સંબોધન પછી આભાર માનવા ઊભા થયેલા વાજપેયીએ પણ દિલ ખોલ્યું હતું કે (સામાન્યપણે દેશભક્તિના ગર્જનતર્જનની રાજનીતિ કરતાં) અમારે માટે આ એક જુદો અનુભવ છે… અબ હમ આમ જનતા કે આંદોલન સે જુડ રહે હૈ ઔર ઈસ દૌરાન હમારા ચરિત્ર બદલ રહા હૈ! જૂનાનવા સંસ્કારો વચ્ચેની કશ્મકશ વરતાય છે તેમ કેવળ વ્યૂહાત્મક જ નહીં મૂલ્યાત્મક મૂલવણીના પ્રશ્નો પણ ઊભા થાય છે. જનસંઘ સાંસદ સ્વામી ત્યારે આબાદ ઝળક્યા હતા. છતે વૉરન્ટે એ ગૃહમાં હાજરી ભરી વિદેશ મોરચે પહોંચી ગયા હતા. એક અંતરાલ પછી દેશમાં પુન: કાર્યરત હતા ત્યારે માધવરાવ મૂળેએ એમને લગભગ રોતી આંખે કહ્યું કે તમે પાછા નાસી જાવ, કેમ કે અહીં તો મોટી સંખ્યામાં સંઘસાથીઓએ વિધિવત શરણાગતિનો પત્ર તૈયાર કરી નાખ્યો છે અને તહકૂબીના એક ભાગ તરીકે તમારા જેવાને પકડાવી દેવાનુંયે નક્કી છે.
મૂળે ત્યારે સિનિયરો પૈકી હતા. અહીં દેવરસના જે પત્રો ખપમાં લીધા છે તે મહારાષ્ટ્ર વિધાનસભાના પટલ પરથી તેમજ અધિકૃત સંઘ પ્રકાશન ‘હિન્દુ સંગઠન ઔર સત્તાવાદી રાજનીતિ’ (દેવરસ, જાગૃતિ પ્રકાશન) દ્વારા પ્રાપ્ય છે. સ્વામીની મુલાકાત પણ ઈન્ટરનેટ પર સુલભ છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩ – ૮– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
ભારતીય સીમાના સુરક્ષા ગાર્ડની ચોકી કહો કે નજર, એનાથી બચીને હું આગળ વધ્યો. બપોરના બાર વાગ્યાનો સમય હશે, પણ હજુ બંકરોમાંથી કોઈ બહાર નીકળેલું દેખાતું નહોતું. શક્ય છે ગાઢ નિદ્રામાં હશે. શક્ય છે કે, આવા ધોળા દહાડે કોણ માઈનો લાલ સીમા પાર કરવાનું સાહસ કરશે એવું વિચારીને એકદમ નિશ્ચિંત બનીને બંકરમાં બેઠા હશે.
મુઠ્ઠીઓ વાળીને તેજ ગતિએ મેં ગાડી તરફ દોટ મૂકી. પસીનાના રેલાથી શરીર તરબતર થવા માંડ્યું. અત્યારે તો નજર સામે ફક્ત મારા ભાઈનો ચહેરો દેખાતો હતો. એની હાલત ખૂબ ગંભીર છે, એવા સમાચાર મળ્યા હતા.
નીલમ (કૃષ્ણગંગા)ની એ સાવ ઓછી વસ્તીમાં ભયંકર શાંતિ પથરાયેલી હતી. સીમાની પેલે પાર એ રહેતો હતો એટલે એના માથે પાકિસ્તાનીનું લેબલ લાગ્યું હતું. સંદેશો લાવનારે તો એ પણ કહ્યું હતું કે, અર્ધ અભાનાવસ્થામાં પણ એ મને જ યાદ કરે છે.
આવો સંદેશો મળ્યા પછી ન તો મને ચેન પડવાનું હતું કે ન તો હું શાંતિથી બેસી શકવાનો હતો. એક બસ પુલ જ ઓળંગવાનો હતો. ફક્ત પાંચ જ મિનિટ લાગે એમ હતી, પણ ખુલ્લેઆમ એ પાર કરવો એ કપરું હતું છતાં મુઠ્ઠીઓ વાળીને હું દોડતો રહ્યો.
હજુ તો થોડો જ આગળ વધ્યો હોઈશ અને કરડો અવાજ સંભળાયો.
“થોભી જા.” પગમાંથી ચેતન સાવ ઓસરી ગયું. સામે બે સિપાહી રાઇફલ તાકીને ઊભા હતા.
“ભારતીય લાગે છે.” એકે કહ્યું.
“ગિરફ્તાર કરી લો એને.” બીજાએ કહ્યું.
“નહીં, નહીં ભાઈસા’બ. હું નથી ભારતીય કે નથી પાકિસ્તાની. કાશ્મીરી છું. પે….લું તૂટ્યુંફૂટ્યું ઘર દેખાય છે ને એમાં મારો ભાઈ રહે છે. બહુ બીમાર છે. ખુદા સિવાય એનું કોઈ નથી. ફક્ત અડધા કલાકની રજા આપો તો એની ખબર પૂછી આવું, દવા આપી આવું. અરે, કંઈ નહીં તો પાણી પીવડાવી આવું.”
એક સિપાહીએ તો મારી ગરદન પર બંદૂકથી ગોદો માર્યો. જાણે ભૂકંપ આવ્યો હોય એમ મારા હોશ ઊડી ગયા, ગાત્રો ગળી ગયાં. પછી તો મને બંકરમાં લઈ ચાલ્યા. ત્યાં પહેલેથી કેટલાય સિપાહીઓ હતા. એમણે તો હું ભારતીય જાસૂસ જ છું એમ કહી દીધું ને પછી તો મને જે માર પડ્યો છે!!
“સાફ સાફ લખી આપ કે, તું પાકિસ્તાનનો દુશ્મન, ભારતીય જાસૂસ છું.”
“મારે એવું કહેવાનું કે, જેની બીમારીના સમાચારે હું આટલો પરેશાન હતો એ મારા ભાઈનો દુશ્મન છું?”
મને હેડ-ક્વાર્ટર લઈ જવામાં આવ્યો.
મારા ભાઈનું ઘર એની એકદમ પાસે હતું. મેં કેટલીય વાર કાકલૂદી કરી કે. “ભલે મને હાથકડી પહેરાવો, હાથકડી પહેરાવીનેય મને મારા ભાઈના ઘર સુધી તો લઈ જાવ. બસ, ખાલી એની ખબર પૂછી લઈશ”
પણ, કોણ મારું સાંભળે? ઉપરથી મારા શરીર પરના ખુલ્લા ઘા પર મીઠું ભભરાવામાં આવ્યું. હું બેહોશ થઈ ગયો.
બેહોશીમાંય જાણે નજર સામે ખાટલા પર પડેલો અંતિમ શ્વાસ લેતો, વારંવાર પાણી માંગતો મારો ભાઈ દેખાતો હતો. ક્યાંય દૂર સુધી પાણીનું નામનિશાન નહોતું દેખાતું. બેડીની તીણી ધારવાળી ખીલીથી ઉઝરડા પડેલા મારા એક હાથમાંથી લોહી વહેતું હતું. જાણે એની તરસ છીપવવા એ કામ ના લાગવાનું હોય એમ એ લોહીની ધાર નીચે મારા બીજા હાથનો ખોબો ધરી દીધો. જેવો હું એના મોં પાસે લોહી ભરેલો ખોબો ધરું એ પહેલાં તો એને છેલ્લું ડચકું લીધું અને શ્વાસ છોડી દીધા.
બેભાન અવસ્થામાંય મારા મોંમાથી ચીસ નીકળી ગઈ, “સર્વનાશ થાય માણસજાતના આવા વિચારોનું જેણે ઈશ્વરે સર્જેલી આ જમીનને ટુકડાઓમાં વહેંચી દીધી. અરે, ભાઈ તે વળી ભાઈનો દુશ્મન હોતો હશે?”
બેહોશીમાંથી જાગ્યો ત્યારે “આમ બહાર જો.” કહીને સિપાહીઓએ બારીની બહાર ઈશારો કર્યો. બારીની બહાર મારા ભાઈનો જનાજો જતો દેખાયો.
“મને થોડી વાર માટે તો છોડો. મારે એનો ચહેરો જોવો છે, એના જનાજાને કાંધ આપવી છે.”
“અમને ખબર છે કે એ તારા ભાઈનો જનાજો જઈ રહ્યો છે, પણ શું થાય; અમેય લાચાર છીએ. તને એમાં જોડાવાની રજા ના આપી શકીએ.”
“અરે ભાઈ, તમે લાચાર છો પણ ઑફિસર પાસેથી તો રજા લઈ શકો ને?” મેં વિનંતી કરી.
“એ લોકો પણ લાચાર છે અને કોની રજા લઈ શકાય એની અમને કોઈને ખબર નથી.”
હું તો લાચાર હતો, પણ મારાથીય વધુ એ લોકો લાચાર હતા.
લંડનમાં ઊછરીને મોટી થયેલી શ્વેતા અબજોપતિ પિતા મિ. મિત્તલનું એકનું એક સંતાન. આમ તો એ અને એમનાં પત્ની દીકરીને ભારતમાં કોઈ સંજોગોમાં ન પરણાવે પણ સામે કાર્તિક પણ એવા જ તવંગર કુટુંબનો હોનહાર પુત્ર હતો. અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીમાં કામ ક્લર્યા પછી કંપનીએ એને બધી સુખસગવડો સાથે એને ડોલરમાં પગાર આપવાની શરતે દિલ્હીમાં આવેલી કંપનીની શાખામાં મેનેજર પદે મૂક્યો હતો. બંને પક્ષે માતા-પિતા વિદેશમાં અને શ્વેતા તથા કાર્તિક દિલ્હીમાં . શરૂ શરૂમાં શ્વેતાના મનમાં ગભરાટ હતો.
‘કાર્તિક, તું તો આખો દિવસ તારા કામમાં રોકાયેલો હશે. આ તદ્દન અજાણ્યા શહેરમાં હું એકલી શું કરીશ?’ ‘ડાર્લિંગ, જરાય ચિંતા ન કરીશ. તારી પાસે ગાડી, ડ્રાઈવર હાજર જ રહેશે. મૉલમાં જઈને શૉપિંગ કરજે. મલ્ટીપ્લેક્સમાં મનગમતી ફિલ્મો જોજે, ફેસબુક પર મિત્રો બનાવજે અને ફાઈવસ્ટાર હૉટેલમાં લંચ લેજે. રાત્રે દસેક વાગ્યા સુધીમાં હું આવી જઈશ. પછી તો આપણે સાથે જ હશું ને?’કાર્તિકએના ગાલ પર ટપલી મારતાં કહ્યું.
શ્વેતાને ડર હતો એટલું આ શહેર એને અજાણ્યું ન લાગ્યું. ધનાઢ્ય લોકોની વસ્તીવાળા વિસ્તારો અમેરિકાની યાદ અપાવે એવા ને એટલા જ વિકસી ગયા હતા. સવારે કાર્તિકના ગયા પછી એણે ડ્રાઈવરને પૂછ્યું, આપણે ‘સીટીલાઈટ’ મૉલ જવું છે. ગાડી તૈયાર છે?
‘જી મેડમ, આપ આવો એટલે નીકળીએ.’ડ્રાઈવરે વિવેકપૂર્વક જવાબ આપ્યો. શ્વેતાએ તૈયાર થઈને એક નજર અરીસા તરફ નાખી. ગયે અઠવાડિયે જ ખરીદેલા ડાયમન્ડના ઈઅરીંગ્સ એના ચહેરા પર ખૂબ શોભતાં હતાં, અને કાર્તિકે એના જન્મદિવસે ભેટ આપેલા સ્કર્ટ અને ટૉપ તો કેટલાં સુંદર લાગતાં હતાં ! પોતાનુ ગોલ્ડન બ્રાઉન પર્સ ખભે ભરાવી, બારણું ખેંચી એ બહાર નીકળી. ગાડીમાં બેસતાંની સાથે એને યાદ આવ્યું –‘વરસાદના દિવસો છે. ગમે ત્યારે જોરદાર વરસાદ આવી જાય છે. છત્રી લેવાની તો રહી જ ગઈ.’ વળી ઘર ખોલી, છત્રી લઈને એણે ધડામ દઈને બારણું બંધ કર્યું.
મૉલમાં જઈને બે-અઢી કલાક સુધી ફરીફરીને એણે ઢગલાબંધ વસ્તુઓની ખરીદી કરી. જાતજાતનાં સૌંદર્ય પ્રસાધનો, ચાર-પાંચ જોડી બૂટ, ચંપલ અને સેન્ડલ, તદ્દન નવી ફેશનની પર્સ, કપડાં-મનગમતી ચીજો મળી જવાથી એ ખુશ હતી. બધી વસ્તુઓ કાઉન્ટર પર આવ્યા પછી એણે બીલ બનાવવા કહ્યું.
‘ચાલીસ હજાર મૅમ, કેશ કે ક્રેડિટ કાર્ડ ?’કાઉન્ટર પરનાં યુવાને પૂછ્યું . ‘ક્રેડિટ કાર્ડ. ’ સ્મિત કરતાં શ્વેતાએ કહ્યું અને પર્સ લેવા ખભે હાથ લગાવ્યો ત્યાં એ ચમકી ઊઠી. ખભે પર્સ હતું જ નહીં . એ યાદ કરવા મથી રહી, ક્યાં ગયું પર્સ? એકાએક એને યાદ આવ્યું . છત્રી લેવા જ્યારે એ દરવાજો ખોલીને ઘરમાં ગઈ ત્યારે પર્સ ઘરમાં જ ભૂલી ગઈ હતી. ઘરની ચાવી પણ એણે પલંગપર ફગાવી હતી એ પણ લેવાની રહી ગઈ હતી. હવે? ક્રેડિટ કાર્ડ , રોકડા પૈસા, મોબાઈલ, ઘરની ચાવી—બધું જ ઘરમાં અને એ ઘરની બહાર !
‘સૉરી, મારું ક્રેડિટ કાર્ડ ઘરે ભુલાઈ ગયું છે. હું કાલે આવીને આ બધો સામાન લઈ જઈશ.’ એણે વીલે મોઢે કહ્યું.
કાર્તિકની ઑફિસ તો અહીંથી ૨૫-૩૦ કિ.મી. દૂર. રાત્રે દસ સિવાય એ આવશે નહીં . અત્યારે વાગ્યો છે બપોરનો એક. શું કરવું ને ક્યાં જવું? નહીં કોઈ સગાસંબંધી કે નહીં કોઈ મિત્રો. અને મૉલમાંથી ખાલી હાથે પાછી આવેલી જોઈને ડ્રાઈવર રાજનને નવાઈ લાગી પણ મૅડમને પુછાય તો નહીં ! એણે ગાડી ચાલુ કરીને પૂછ્યું, ‘મૅડમ કઈ તરફ લઉં?’
આજે જિંદગીમાં પહેલી વાર શ્વેતાએ પૈસા વગર ઘરની બહાર પગ મૂક્યો હતો. કંઈ સમજાતું નહોતું કે આવી પરિસ્થિતિમાં રાત્રે દસ વાગ્યા સુધી એ શું કરશે? ‘કોઈ પબ્લીક ગાર્ડન તારી જાણમાં હોય તો ત્યાં લઈ લે.’પછી અત્યંત સંકોચથી એણે કહ્યું, ‘રાજન , તારી પાસે કેટલા પૈસા છે? મને આપને ! તને ઘરે જઈને આપી દઈશ.’
રાજને લંબાવેલ હાથમાંથી વીસ રૂપિયા લેતાં એને યાદ આવ્યું કે બે દિવસ પહેલાં ડ્રાઈવરે પોતાની માંદી માની દવા લાવવા પાંચસો રૂ. એડવાન્સ માંગેલા ત્યારે પોતે ઘસીને ના પાડેલી. એને મનોમન શરમ આવી. ગાર્ડનમાં દાખલ થઈને ઝાડની છાયામાં મૂકેલા બાકડા પર એ બેસી પડી. માનસિક થાક અને ભૂખથી એ અકળાઈ ગઈ હતી. અચાનક એનું ધ્યાન ગયું તો નીચે ઘાસમાં બેસીને બે-ત્રણ મેલાઘેલા છોકરાઓ કાગળની પ્લૅટમાંથી કશુંક ખાઈ રહ્યા હતા. એણે પૂછ્યું, ‘ શું ખાવ છો?’
બીજા છોકરાએ ગાર્ડનની બહાર ઊભેલી લારી તરફ હાથ લંબાવ્યો. સવારના ફક્ત એક ગ્લાસ જ્યૂસ પીને એ ઘરેથી નીકળી હતી. હવે તો પેટ જાણે પાતાળમાં પહોંચી ગયું હતું. લારી પાસે જઈ એ શાક-પૂરીની દસ-દસ રૂ.ની બે પ્લૅટ લઈ આવીને એક રાજનને આપી ત્યારે રાજનને એટલી નવાઈ લાગી કે એ મોઢું ફાડીને જોઈ રહ્યો . ખાવાનું ક્યાં પાણીથી, કેવાં વાસણમાં, કોણે બનાવ્યું હશે એની જરાય ચિંતા કર્યા વિના એ ટેસથી ખાવા લાગી. ખાઈ તો લીધું , પણ પાણી ક્યાં? છોકરાઓ નળ નીચે ખોબો ધરીને પાણી પીતા હતા. એણે પણ કોશિશ કરી. ઘણું પાણી ઢોળાયું ને થોડું પીવાયું પણ એને મજા પડી.
કાર્તિક રાત્રે ઘરે આવ્યો ત્યારે શ્વેતા વૉચમેનની પ્લાસ્ટિકની ખુરશી પર બેઠી હતી. ઘર ખોલીને શ્વેતાની પહેલી નજર પર્સ પર પડી ત્યારે એને લાગ્યું કે , પર્સ જાણે એની સામે હસીને કહી રહી હતી, ‘કેમ , આજે મેં તને જિંદગીના કેવા પાઠ ભણાવ્યા?’ એણે કાર્તિકને કહ્યું પણ ખરું, ‘એક નાની એવી ભૂલે મને કેટલું બધું શીખવાડ્યું ?
બીજે દિવસે આખી બપોર એણે પોતાના કબાટમાંથી અત્યાર સુધી અકબંધ પડેલી સાડીઓ, પરફ્યૂમ, બૂટ-ચંપલ બધું કાઢ્યું અને મનમાં બોલી, ‘મારી પાસે આટઆટલું તો છે, નવું લેવાની શી જરૂર? ’ પછી રાજનને બોલાવી એને એક હજાર વીસ રૂપિયા આપીને કહ્યું, ‘આ વીસ ગઈ કાલે લીધા હતા તે અને હજાર તારી માની દવા અને ફ્રૂટ માટે. પણ હા, તું ફરીથી મને પેલા પાર્કમાં લઈ જજે હં ! પેલા છોકરાઓને આઈસ્ક્રીમ ખ્વડાવવાનો છે.’
અસરાર ઉર્દુ શબ્દનો અર્થ થાય રહસ્યો કે ભેદ. અસરાર જામઈ નામના એક ઉર્દુ વ્યંગ રચનાકાર થઈ ગયા અને મોહસીન અસરાર તેમ જ અસરાર અકબરાબાદી નામના અન્ય શાયર પણ. આજે જેમની ગઝલ ઉલ્લેખી છે એ આમાંના એકે નથી.
અહીં આપેલી એકમાત્ર ખૂબસુરત ગઝલ સિવાય એમનું ફિલ્મોમાં કોઈ પ્રદાન જણાતું નથી.
ગર યે ઝમીં નહીં વો મેરા આસ્માં તો હૈ યે ક્યા હૈ કમ કે કોઈ મેરા મેહરબાં તો હૈ
મંઝિલ મિલે – મિલે ન મિલે ઈસકા ગમ નહીં મંઝિલ કી જુસ્તજુ મેં મેરા કારવાં તો હૈ
ઐ માદરે વતન ન યું તૂફાને ગમ સે ડર કુરબાં તેરે લિયે તેરા હર નૌજવાં તો હૈ..
કોઈ રક્તદાતાએ એવું જોયું છે કે એનું રક્ત સીધું એક શીશીમાં જાય અને એ શીશીમાંથી જ બીજો છેડો નીકળે જે રક્ત લેનાર દર્દીના શરીરમાં જાય? આટલું સાંભળતાં જ જાણકારો કહેશે કે એક નહીં, ત્રણ ત્રણ રક્તદાતાઓના શરીરમાંથી રક્ત એક જ શીશીમાં જાય અને એ જ શીશીમાંથી એક છેડો દર્દીના શરીરમાં જાય એવું પણ જોયું છે. આવી અનોખી તબીબી સિદ્ધિ નિર્માતા-દિગ્દર્શક મનમોહન દેસાઈએ પોતાની ફિલ્મ ‘અમર અકબર એન્થની’માં દેખાડી છે. 1977માં રજૂઆત પામેલી આ ફિલ્મ મને બારેક વર્ષની વયે, મુંબઈના ‘બાદલ’ થિયેટરમાં જોવા મળેલી. રજૂઆતના એકાદ બે સપ્તાહમાં જ મારા પિતરાઈ ભાઈબહેનો કિશનભાઈ, મયુરભાઈ અને સુજાતાબહેન સાથે હું ગયેલો. ફિલ્મ કેવી હોવી જોઈએ એ હજી સમજણ નહોતી પડતી, પણ મારાં એ ત્રણે પિતરાઈઓએ બહાર નીકળતાં જ કહેલું, ‘ટાઈમપાસ ફિલ્મ છે. ગોલ્ડન જ્યુબિલી આરામથી કરશે.’ ખ્યાલ છે ત્યાં સુધી આ ફિલ્મે પ્લેટીનમ જ્યુબિલી કરેલી. એ પછીનાં વરસોમાં પણ મુંબઈ રહેતા મારા કાકા શૈલેષ પરીખને ત્યાં જવાનું થાય ત્યારે તેઓ આ ફિલ્મનો ઉલ્લેખ ‘સરસ ફિલ્મ’ તરીકે કરતા. આજે મને એ સમજાય છે કે ફિલ્મમાં તર્ક, કાર્યકારણ વગેરે જેવાં પાસાંનું મહત્ત્વ ઘણું હોય છે, પણ મનમોહન દેસાઈ પોતાની ફિલ્મનું પેકેજિંગ એ રીતે કરતા કે દર્શકો આવું કશું વિચારે નહીં. તેમને શુદ્ધ મનોરંજન મળે અને ‘પૈસા વસૂલ’નો સંતોષ થાય.
આ ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જે આનંદ બક્ષીએ લખેલાં અને લક્ષ્મીકાન્ત – પ્યારેલાલે સંગીતબદ્ધ કરેલાં. આ પૈકીનાં છ ગીતો ખૂબ જાણીતાં છે. ‘પર્દા હૈ પર્દા’ (મહમ્મદ રફી), ‘દેખ કે તુમ કો દિલ ડોલા હૈ’ (કિશોરકુમાર, મુકેશ, મ.રફી અને લતા), ‘માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વિસ’ (કિશોરકુમાર, અમિતાભ બચ્ચન), ‘તૈયબઅલી પ્યાર કા દુશ્મન હાયે હાયે’ (મ. રફી અને સાથીઓ), ‘શિરડીવાલે સાઈબાબા’ (મ. રફી અને સાથીઓ) તેમજ ‘અનહોની કો હોની કર દે’ (કિશોરકુમાર, મહેન્દ્રકપૂર, શૈલેન્દ્રસિંહ). આમાંનું ‘શિરડીવાલે સાઈબાબા’ કોણ જાણે કયા કારણથી, પણ લગ્નના વરઘોડાઓમાં બહુ ગવાય છે. આ છ ગીત ઉપરાંત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે મ.રફીના સ્વરમાં ગવાયેલું એક ગીત પણ હતું. ફિલ્મનાં ટાઈટલ દરમિયાન રક્તદાનવાળી આખી સિક્વન્સ ચાલતી રહે છે. ડૉક્ટર પલ્સ ચેક કરે, સ્ટેથોસ્કોપ લગાડે, કશુંક નોંધે- આ બધી હરકતો અત્યારે જોતાં મનોરંજન આપે છે, પણ કોને ખબર સીત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં આ રીતે થતું પણ હોય!
ફિલ્મના ટાઈટલ્સ દરમિયાન સંભળાતા ગીતના શબ્દો આ મુજબ છે:
माँ सिर्फ नाता नहीं
ये कुछ और भी है
माँ से बिछड़ के भी
ये टूट जाता नहीं
ये सच है कोई कहानी नहीं
ये सच है कोई कहानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
फूलों की पहचान है रंग-ओ-बू से
पहचाने जाते हैं ईन्सान लहू से
ईन्सान लहू से
हाँ ईससे बडी कुछ निशानी नहीं
हाँ ईससे बडी कुछ निशानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
ये खून जिसने पैदा किया है
वो दूध माँ का सब ने पिया है
सब ने पिया है
क्या इसकी कीमत चुकानी नहीं
क्या इसकी कीमत चुकानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं
खून खून होता है पानी नहीं.
આ આખું ગીત અહીં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
“મા ! તમે ક્યાં જવા તૈયાર થયા છો ? મારે તમારી સાથે આવવું છે.”
“અરે ભૂંડી ! તેં તો મૂરત્યમાં જ “ક્યાં કારો” કર્યો ? “કેણપા જાવ છો” એમ નથી કહી હકતી ?” વીરુમાએ પૌત્રીને ખખડાવી નાખી.
“ભલે મા ! કેણપા જાઓ છો ? મારે આવવું છે.”
“હું અહીં સિમાડે આવેલ પંચવટીની વાડીએ જાવ છું. ન્યાં તારી જેવડું કોઇ નૈ હોય. ન્યાં માલપરા-સોહલા-અણિડા-આંકડિયા અને આપડું ગામ સાજણાવદર- એમ પાંચ ગામની મારી જેવડીયું મોટી ઉમરની બાયુંને દર વરહે શરાવણ મહિનામાં ગોદાવરી બા વાડીએ કિરતન કરવા ભેગ્યું કરે છે. એમાં તને ટપો નહીં પડે. છતાં આવવું હોય તો હીંડ્ય, વાડી કંઇ બહુ છેટી નથી.
.” અરે ઊભી રે ઊભી રે, વાલામૂઈ ! હાલવા કાં માંડી ? આ કૂતરું કાન કરે છે ઇ નથી ભળાતું ? વીરુમાએતો પૌત્રીને એકદમ રોકી
“મા, ઇ તો એના કાનમાં ખજવળ આવે એટલે એમ કરતું હશે. એમાં આપણે શુંકામ ઊભા રહી જવાનું ?”
“તું તો ઢાંઢા જેવડી થૈ તોય પૂરી ભાન નો આવી ! આપણે કોઇ સારા કામે બહાર જતા હોઇએ અને કૂતરું કાન કરે એટલે અપશકન થયા ગણાય બેટા !” “અપશુકન થાય તો શું થાય મા ?” પૌત્રીને અપશુકનમાં સમજણ ન પડી.
“સોપડા તો તું ગાંહડી એક ફેરવ્ય છો, એમાં ક્યારેય અપશકનની વાત આવતી જ નથી ?” જો અપશકન થાય તો જે કામે જતા હોઇએ એમા સદ્ધિકલ્યાણ નો થાય, કૈંક ને કૈંક નો થાવાનું થાય બાઈ !’વીરુમાએ પૌત્રીને અપશુકનનું શાસ્ત્ર સમજાવ્યું.
“ તો હવે આપણે બહાર જવાનું બંધ રાખવું પડશે ને મા ?” નિરાશ થઈને પૌત્રી બોલી.
“ના ભૈ ના ! ઘડીક ઊભા રહી જઈ નીચે બેહી ગયા પછી હાલતા થઈએ તો અપશકન ટળી ગયા ગણાય.[થોડીવાર પછી] હાલ, હવે હાલતા થાઇ, હવે વાંધો નહીં”. માનો આવો ઉકેલ સાંભળી પૌત્રીને ઇંતેજારી થતાં પૂછી રહી કે “ તે હેં મા ! કૂતરાંથી બીજા કોઇ અપશુકન થાય ખરા ?” મા એ ખુલાસો કરતા કહ્યું, “થાય ને બેટા ! કોઇની ડેલી કે ખડકીને બારણે કૂતરાં ભેળાં થૈ લાંબા રાગે કાણ [રોવું] માંડે એટલે સમજવું કે એ ઘર માથે ભાર આવ્યો છે. કૂતરાં જમને ભાળતાં હોય, એ ઘરે કોઇ ગઢ્ઢા-બુઢ્ઢાનો જીવ લેવા “જમ”ના આવવાના એંધાણ લાંબા રાગે રોઇને કુતરાં આગમ ભાખતા હોય એવું હું એકલી નહીં, આખા ગામની બાયું સમજે છે, તું ન સમજી ?” “હેં મા ! કૂતરાની જેમ બિલાડી કાન કરે તો અપશુકન ન થાય ?” પૌત્રીને તો “કાન કરવા” માં બહુ રસ પડ્યો..
“અરે બાઈ ! તને તો શેનીય ખબર નથ્ય. બહાર જતા હોઇએ અને મીંદડી આડી ઉતરે તોય અપશકન થાય.”
“પણ મા ! મારા મામાના ઘેર પાળેલી બિલાડી છે. એ તો ઘેર આમથી તેમ ભટકાયા જ કરતી હોય છે, એનું શું સમજવું ?” પૌત્રી કેડો છોડતી નહોતી. ““ હેં બેટા, તારામાં કે દિ સમજણ આવશે ? પાળેલી મીંદડીનો બાદ નહીં. બીજી મીંદડી જ નડે.”
“તો તો પછી કૂતરાં-બિલાડાંની જેમ આપણાં ગામડાઓમાં તો ઘોડા-ગધેડા-બકરાં-ઘેટાં-ગાયો-ભેંશો જેવા જાનવરો બહુબધા હોય છે. આમાનાં કોઇ શુકન કે અપશુકન કરાવે ખરા ?” પૌત્રીએ વીરુમાનો છોડતી નહોતી.
“છોડી તું તો બહુ ચીબાવલી ! પડપૂછ મૂકતી જ નથી. આમ ધ્યાન રાખીને હાલ્ય, જો સામેથી વિહલા ભરવાડનું ભેંહોનું ખાડું હાલ્યું આવે છે, એકાદી શીંગડે ચડાવી દેહે ને તો આપણે તો આંય ને આંય કિરતન ગાતા થૈ જાહું. એને જ અપશકન થયા ગણાય”
“અને મા, જો ગાયો સામી મળે તો શું થાય ?” પૌત્રીના સવાલો તો ઉપરા ઉપરી આવ્યે જ રાખતા હતા..“જો એકાદી ગાય કે ગાયોનું આખું ટોળું સામું મળે તો –ગાય તો માતાજી ગણાય- બહુ સારા શકન થયા ગણાય.”
“અને મા, ઘોડા-ગધેડા સામા મળે તો ? પૌત્રીને મન તો બધાં પ્રાણી સમાન હતાં “ઘોડા-ગધેડા સામા મળશે ત્યારે જોયું જાહે, પણ તું જરાક હેઠું જોઇને હાલ્ય, ક્યાંક પડી આખડી તો તારી બાને હું શું જવાબ દૈશ કે મોટે ઉપાડે લઈ ગ્યા તા કીરતન કરવા હારે ને લંગડી કરીને લાવ્યા ?” “નહીં મા, હું નીચે જોઇને, બરાબર ધ્યાન રાખીને જ ચાલુ છું ને ! અરે મા, પણ અહીં જુઓ તો, રસ્તામાં આવો વાંકોચુંકો સુંવાળો લીસોટો કોણે કર્યો હશે ?” પૌત્રીએ મા ને મારગમાં દેખાઇ રહેલો લીસોટો દેખાડ્યો.
“અરે વાલામૂઈ ! આ તો અહીંથી એરુ [સાપ] હાલ્યો હશે એનો લીહોટો ધૂળમાં અંકાઇ ગયેલો છે. એ તો સારું કર્યું કે આપણે આવ્યા પહેલાં જ અહીંથી પસાર થઈ ગયો. ન કરે નારાયણ ને બરાબર આપણી સામેથી જ જો આડો ઉતર્યો હોત તો તો નક્કી પાછું સાજણાવદર જાવું પડત. એરુ આડો ઉતરે ઇ તો મોટા અપશકન કહેવાય ! સારું થયું કે એ નીકળી ગયા પછી આપણે આવ્યા”
“તમારી ઇ વાત ખરી હો મા ! પણ આવા ખેતર-વાડીઓના રસ્તાના કાંઠેના ઘાસ-પૂસ કે ઝાળા-ઝાપટામાં તો કાચિંડા-નોળિયા-ઘો-સાપ-ઉંદરડાં જેવા જંગલી જીવડાં હરતાં ફરતાં હોય. આવા સ્થળો તો એનાં રહેણાક ગણાય, એવી અમારા પર્યાવરણના પીરયડમાં સરે વાત કરી હતી.” “અરે ગગી ! ઇ તો સારું છે કે અત્યારે મે [વરસાદ] ની રત્ય નથી. નહીં તો આપણે આમ હાલ્યા જતા હોઇએ અને જો બાજુમાં ચંદન ઘો નીકળે તો તો કઠણાઇ જ બેહી જાય !” – “ એવું કેમ મા ?” પૌત્રીએ વળી ચોખવટ માગી.
“એવું કહેવાય છે કે ચંદનઘો ઉપર વીજળીને બહુ દાજ્ય છે. એને તો એ ભાળી ન મૂકે. એટલે ચોમાહામાં ક્યાંય ચનદનઘો નજરે થાય તો ઝટ ઝટ દૂર ભાગી જવું, એમાં ભૂલ નો કરવી હો દીકરી ! હવે આગળ જો, ઓલ્યા મોટાં ઝાડવા દેખાય છે ને, ઇ ગોદાવરીબાની વાડીના જ છે. વાડી હવે ઢુકડી આવી ગઈ છે. તને એક વાત પહેલેથી જ કહી દઉં છું કે ન્યાં તો પાંચ ગામની બાયું ભેળી થઈ હશે. તે બધ્યુ કીરતન કરશે, રાહડા ગાશે, કાળુભાર નદીના બેલડિયે ધરે નાવા જાશે અને પછી ગોદાવરીબા બધાને ફરાળ કરાવશે. એટલે છેક રોંઢો ઢળ્યે બધા છૂટા થાહે. પણ મારી વાત બરાબર હાંભળ્ય, આજ સવારના પહોરમાં માતાના મઢના લીમડે ,મારી સામું જોઇ જોઇ કાગડો બોલતો હતો. નક્કી કોઇ મહેમાન આવશે જ ! એટલે આપણે તો ફરાળ કર્યા ભેળું જ ખેંતાળી મૂકવાનું, તે વહેલું આવે સાજણાવદર ! આપણે બીજાનો વદાડ નહીં.સમજી ?” માએ ચેતવણી આપી.
“તે કાગડો બોલે એટલે મહેમાન આવે અને કબૂતર-હોલું કે કોયલ-ચીબરી બોલે તો ?” પૌત્રીને બધાં પંખી સરખાં લાગતાં હતાં.
“તેં ઠીક યાદ કરાવ્યું. ઘરના મોભારે જો હોલું બોલે તો એનો અરથ એમ થાય કે એ ઘર માથે ભાર છે, એ ય અપશકન જ ગણાય. અને ચીબરી ! ચીબરી તો બોલીને એવા ગભરાવી મૂકે કે પછી રાત્ય આખી ઊંઘ જ ન આવે ! લે હવે પડપૂછ મૂક્ય પડતી, જો વાડીના દરવાજે ગોદાવરીબા આવકારો દેવા ઊભાં છે. હેઠી નમીને પગે લાગજે પહેલાં. બા, આ મારા પશાની છોડી-ભણે છે સુરતમાં. લે હવે પૂછ્ય [પૌત્રીને સંબોધીને] શકન-અપશકનનું આ બા ને અને કર્ય ચોખવટ તારા મનના મુંઝારાની. આખી વાટે પડપૂછ કરી કરી મારો તો જીવ ખાઇ ગઈ છે હો બા !” વીરુમાએ ગુંચવણનો હવાલો ગોદાવરીબાને સોંપ્યો.
“કેમ બેટા, કેવી ચોખવટ કરવાની બાકી રહી ગઈ છે ? કહે, મને જાણ હશે એટલાની વાત કરીશ.” ગોદાવરીબાએ પ્રશ્ન સંભાળ્યો.
“ગોદાવરીબા ! આ મારી મા શુકન અને અપશુકનની એવી વાત કરે છે કે મને કાંઇ ગળે ઉતરતું નથી. શું આવું કાંઇ સાચું હોય ?”
“જો બેટા, બીજી બહેનો આવી રહી છે, એમનુંયે પહેલાં સ્વાગત કરી લઈએ. શુકન-અપશુકનનો તો લાંબો જવાબ આપવો પડે તેવું છે. એમ કરજે, હમણા ધીરજ રાખ. પણ આપણે સભામાં બેસીએ ત્યારે તું મને આ પૂછજે. શુકન-અપશુકનનું ભૂત તો ઘણી બહેનોને વળગેલું છે. મારે તો તમામ બહેનોને આ કહેવું પડે તેવું છે.” ગોદાવરીબાએ તત્પૂરતી વાત વાળી લીધી.
ભગવાનના ફોટા સામેની ધૂપ-દીપની વિધિ પૂર્ણ થયે સત્સંગની શરૂઆતપૂર્વે ગોદાવરીબાએ ઊભા થઈ સૌની સમક્ષ રજુઆત કરી કે “બહેનો, સાંભળો ! આપણાં કીર્તનમંડળમાં કાયમ સાથે રહેતા વીરુમાને તો તમે બધા ઓળખો છો. તેઓની સાથે આજ તેમની પૌત્રી નિરાલી પણ આવી છે. જે સુરતમાં અભ્યાસ કરી રહી છે, એ આપણને કેટલાક સવાલો પૂછવા માગે છે. બોલ બેટા નિરાલી ! તારે શું પૂછવું છે ?” ગોદાવરીબાએ રજુઆત કરવાની રજા આપી.
“ગોદાવરી બા, મારી મા મને એવી વાત કરે છે કે ક્યાંય બહાર જતાં હોઇએ ત્યારે કોઇ “ક્યાં કારો” કરે, કૂતરું કાન કરે, કે બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય, ને સાપ આડો ઉતરે તો તો મોટા અપશુકન થાય. અને જે કામે જતા હોઇએ ત્યાં સફળ ન થવાય” એવું કંઇ હોતું હશે બા ?” નિરાલીએ પોતાના મનનો મુંઝારો રજુ કર્યો.
“જો બેટા ! આ બધા તો આપણી જેમ કુદરતે જન્માવેલા જીવ છે. અને એ બધા માટે હરતા ફરતા રહેવું અને એનાં અંગ-ઉપાંગોને હલાવ્યા કરવાનું સ્વાભાવિક ગણાય. એ ભલેને એની રીતે હર્યાંફર્યાં કરતાં, એમાં આપણને શું ફેર પડવાનો હોય ?”
“સાવ એવું ના હોય હો ગોદાવરી બા ! મારી સાસુ કહેતા હતા કે સારાકામે બહાર જતા હોઇએ અને કોઇ “બે જીવસોતી બાઈ” [પ્રેગનંટ} સામી મળે અને કોઇ “કુંવારકા” અગર “પનિહારી” સામી મળે તો એ બેમાં લાખ ગાડાનો ફેર ગણાય.એક કરે અપશકન અને બીજીથી થાય શકન !” તો મારી સાસુની વાત સાચી નહીં ?” મંડળમાં બેઠેલી બહેન રંભાથી કહ્યા વિના ન રહેવાયું.
“ જો રંભા, આવો વહેમ માત્ર તારો જ નહીં, આપણામાંથી જેટલા જેટલાનો હોય તે બધા એ વહેમને ખંખેરી નાખજો. શુકન કે અપશુકન એ આપણા મનમાં ઘર કરી ગયેલા માત્ર વહેમ છે. જેના ઉદરમાં નવો જીવ સંચરી રહ્યો છે એવી બહેન સામી મળે એ તો બધાં કરતાં સારું ગણાય. એનો તો સત્કાર કરવો જોઇએ. એને બદલે આપણે સ્ત્રીઓ ઊઠીને એને ઉવેખવાનું વલણ લઈએ એતો આપણા માટે શરમજનક ઘટના ગણાય.ગંભીતાથી વિચારજો સૌ બહેનો. બોલ બેટા નિરાલી,બીજી કઈ બાબતની ચોખવટ જોઇએછે
“ગોદાવરી બા, મેં મારી માને એવું પૂછ્યું કે જો ઘોડા-ગધેડા સામા મળે તો શુકન થાય કે અપશુકન ? તો જવાબ ન આપ્યો.”
“એના વિશે પણ એવો જ ભ્રમ લોકમાનસમાં ઘર કરી ગયેલો છે. એની વાત કરું તો માત્ર નિરાલી જ નહીં, બધી બહેનો ધ્યાનમાં લો કે માત્ર આપણામાં જ આવી અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે એવું નથી, પણ મેં હમણાં ફૂલછાબ દૈનિકમાં વાંચ્યા પ્રમાણે એક વખત ખુબ જ ભાવનાશાળી એવા વૈષ્ણવ સંપ્રદાયનું એક કુટુંબ સમાજના એક મોટા આચાર્યને ત્યાં સત્સંગ માટે રહેવા ગયું. 8 દિવસ મહારાજશ્રીના સાન્નિધ્યમાં ખુબ મજા કર્યા પછી નવમા દિવસે કુટુંબના વડાએ પોતાને ઘેર જવાની રજા માગી એટલે મહારાજશ્રીએ આગ્રહ કર્યો કે આનંદ આવતો હોય તો ભેળાભેળ એક દિવસ વધારે રોકાઇ જાઓ તો સારું. પણ કુટુંબના વડાએ જ્યારે ખુબ વિનતિ કરી હવે રજા આપો એવું કહ્યું એટલે મહાત્માને થયું કે એમને બહુ જરૂરી કામ હશે, ભલે જતા. એમણે હા પાડી.
એ પરિવાર ગયો. અને હજુ માંડ થોડો સમય થયો હશે ત્યાં બધા પાછા આવ્યા. મહારાજશ્રીને આશ્ચર્ય થયું કે કેમ પાછા આવ્યા હશે ? મહારાજશ્રીએ પૂછતાં જવાબ મળ્યો કે , બાપજી ! અમે જઈ રહ્યા હતા અને હજુ થોડે દૂર ગયા ત્યાં એક ગધેડો સામો મળ્યો એટલે અમો પાછા આવ્યા છીએ. આ ૨૧મી સદીમાં એવા સત્સંગી વૈષ્ણવ પરિવાર પણ આવા ભ્રમમાંથી બહાર નથી, બોલો !”
“ગોદાવરી બા, મારીમા એમ પણ કહે છે કે મોભારે હોલું બોલે કે ઘર સામે ચીબરી બોલે એટલે એ ઘર માથે “ઘાત” ગણાય, એ સાચું ?” “અરે દીકરી, હોલું તો સાવ ભોળું ને ગરીબડું પંખીડું છે. એને પોતાનો માળો સરખો બનાવતાયે નથી આવડતું. એ શું બોલે છે એની એને ખુદને ખબર હોતી નથી. અને ચીબરી અને ઘુવડ તો આપણી મોલાતોના રાતના રખેવાળ છે. રાત્રિ દરમ્યાન ખેતીપાકોને નુકશાન કરનારા ઉંદરડાંઓને પકડી પકડી ઓહિયા કરી જનાર ખેડૂતોના મિત્રો ગણાય.
અને સાંભળ, આપણે માણસો તો આવી સાવ હંબક માન્યતાઓને મગજમાં સાચવી રાખી માત્ર શુકન-અપશુકન જ નહીં, પણ પ્રકૃતિના કેટલાક પશુ-પક્ષીઓનો નાશ નોતરવા સુધીના કુકર્મો કરતા અચકાતા નથી. આપણા જ દેશમાં દિલ્હી વિસ્તારમાં એવી અંધશ્રદ્ધા પ્રસરે છે કે “દિવાળીના તહેવારમાં જો ઘૂવડની બલિ ચઢાવવામાં આવે તો ધન-સંપતિમાં વધારો થાય છે”. આમ સ્વાર્થી લોકો આવી આંધળી શ્રદ્ધામાં નિર્દોષ પંખીઓનો જીવ લે છે. દર વરસે દિવાળીએ મોટી સંખ્યામાં ઘૂવડોની બલિ ચઢાવવામાં આવે છે. આવુંજ તો ન જ કરાયને બેટા ? આ પૃથ્વી ઉપર માત્ર માણસોને જ જીવવાનો અધિકાર છે શું ? નાનેથી માંડી મોટા સુધીના બધા જીવો-પછી તે જમીન પર વસનારા હોય, પાણીમાં વસનારા હો કે આકાશે વિહરનારા હોય-બધા જ પ્રકૃતિના સંતાનો છે. બધાને પ્રકૃતિએ સમાન જ રક્ષણ અને ભક્ષણની સૂઝબૂઝ અને સુવિધા બક્ષેલી છે. સૌને સૌની રીતે વર્તન કરવા દેવામાં આપણને વાંધો શેનો છે ભઈ !
અરે, અભ્યાસ બાદ વિજ્ઞાનિકોનું તારણ છે કે મનુષ્યોએ ખુદની રક્ષા માટે અન્ય નાના-મોટા જીવો સૌ જીવોને બચાવવા જરૂરી છે. આપણે ત્યાંની મનુષ્યોની વસાહતોમાં મકાનોની દિવાલો પર હરતી ફરતી ગરોળીઓ અને આંગણબાગમાં કુદાકૂદ કરતાં દેડકાં જેવા જીવો લુપ્ત થયા તો માઠા પરિણામો મળી શકે છે. માણસની તંદુરસ્તીને વેડતી કેટલીય જીવાતોનો સફાયો કરવાનું કામ ગરોળી-દેડકાં કરી રહ્યા છે. આવા જીવોની જ્યારે જ્યારે સંખ્યા ઘટી છે ત્યારે ત્યારે બીમારીઓએ મનુષ્યોની મુશ્કેલીઓ વધારી છે.
આવાં પશુ-પક્ષીઓના આવાગમન કે બોલવા થકી શુકન-અપશુકન થવાના હોય એવો તો અમોને કે અમારા પંચવટી આખા પરિવારને વિચાર સુદ્ધાં કદિ આવ્યો નથી. અમારે તો અહીં વાડીના આ દરવાજામાં દાખલ થયા ભેળા જ ગાયો ને બળદિયા તો ભાંભરે [બોલે] પણ, મોર અને ઢેલડીએ ગહેકવા માંડે, અમારો રોટલિયો રખેવાળ ગલો તો પગમાં મોર્ય મોર્ય આળોટવા માંડે ! અરે, અમારી પાલતુ મધમાખીઓ પણ ગણગણાટ કરતી માથા ઉપર ભમવા લાગે ! એ બધાની આવી લાગણીને શું શુકન કે અપશુકન જેવા વાહિયાત ભ્રમમાં ખપાવવાના ? એ બધાં તો અમે વાડીએ આવ્યા એનો હરખ અને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે એવું અમે માનીએ છીએ બેનડી ! બસને હવે ! ખુબ વાતો થઈ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની. આપણે હવે કીર્તન શરુ કરીએ.
દૂધરાજ (Paradise Flycatcher) ને ઉડતા જોવું એ એક જાદુઈ અનુભવ છે. જેમણે આ પક્ષી જોયું છે તેઓ સહમત હશે કે જ્યારે તે તેની લાંબી રિબીન જેવી પૂંછડી સાથે ઝાડ પરથી ઉડે છે, ત્યારે આ પક્ષી એક અલૌકિક દૃશ્ય બનાવે છે. તેની અનોખી અને ભવ્ય ગતિ આપણને યાદ અપાવે છે કે કુદરત આવા મોહક સૌંદર્યનું ઘર છે, અને આપણે આપણા વ્યસ્ત જીવનમાં ઘણીવાર તેમને અવગણીએ છીએ.
હું ગિરનારના જંગલની એક કેડી પર ચાલતો હતો, ત્યારે મેં દૂધરાજને પહેલી વાર જોયું હતું. ગાઢ જંગલના છાંયડામાં નાના નાળાના કિનારે એક ઝાડની ડાળખી પરથી બીજી તરફ ઊડતી અને તેની લાંબી સફેદ રિબિન જેવી પૂંછડી ફરકાવતી તે ખૂબ જ મોહક લાગે છે. થોડી વાર એક ડાળી પર જઈ ને બેસે અને તેનું ખૂબ સુંદર કાળું ચળકતું માથું ફેરવી ઊડતા જીવજંતુઓ શોધે અને એક જંતુ દેખાતાં જ તેની પાછળ ઊડી તેને હવામાંજ ચાંચ વડે પકડી લે છે. તમે પક્ષીઓનું અવલોકન કરતા હો કે સામાન્ય વોક પર નીકળ્યા હો, આ પક્ષી એ દિવસને એક ખાસ યાદમાં ફેરવી નાખે છે.
[‘સફેદ પૂછ’ પ્રકારનો નર ઇન્ડિયન દૂધરાજ, નરની ઓળખ સફેદ પૂંછથી અને કાળા ચળકતા માથા થી થાય છે]પ્રાણી સામ્રાજ્યમાં, મોટા ભાગે નર પક્ષી જ પોતાના બોલ્ડ અને આકર્ષક લક્ષણો સાથે અલગ પડે છે, અને ભારતીય દૂધરાજમાં પણ એવું જ હોય છે. પુખ્ત નર પક્ષીના આકર્ષક સફેદ પીંછા અને લાંબી સફેદ પૂંછને કારણે આ પક્ષી હિન્દી અને ગુજરાતીમાં દૂધરાજ તરીકે ઓળખાય છે. તેની પાછળ આવતો રાજ શબ્દ રાજવીપણાનો સંકેત આપે છે, જે આ પક્ષીના ભવ્ય દેખાવમાં પ્રતિબિંબિત થાય છે. આ પક્ષીને શાહ બુલબુલ તરીકે પણ ઓળખવામાં આવે છે જે તેને બીજો રાજાશાહી સંદર્ભ આપે છે.
માદા પક્ષી દેખાવમાં એટલું ચળકતું હોતું નથી અને તેનું માથું ગ્રે-બ્લેક જેવા રંગનું હોય છે અને પૂંછડીના પીંછા નર જેટલા લાંબા હોતા નથી અને તેની પાંખ અને પાછળનો ભાગ રુફસ એટલે કે નારંગી રંગ જેવો હોય છે! નર પક્ષી પણ બે અલગ અલગ રંગના જોવા મળે છે! અમુક નરની પાંખ અને પૂંછડીના પીંછા સફેદ હોય છે જ્યારે અમુકની પૂંછડી અને પાંખના પીંછા માદા જેવા નારંગી જેવા રંગના હોય છે!
[ નર દૂધરાજનો બીજો પ્રકાર, જેની પૂંછ અને પાંખ નારંગી હોય છે]દૂધરાજ સમગ્ર ભારતમાં પાનખર અને એવરગ્રીન જંગલો, મેંગ્રોવ્સ અને ભારતીય ઉપખંડના લીલાછમ શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ પક્ષીઓ કુશળ હવાઈ શિકારીઓ છે, જે તીડ, ભમરો, ફૂદા અને પતંગિયા જેવા હવામાં ઉડતા જંતુઓને પકડવા માટે ગાઢ કેનોપીમાંથી સરકતા અને ઊડતા જોવા મળે છે.
[ડલ ગ્રે રંગ ધરાવતી માદા દૂધરાજ]મધ્યપ્રદેશ, ગુજરાતથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં દૂધરાજ રહેણાંક વસ્તી ધરાવે છે પરંતુ હિમાલય અને ભારતના ઉત્તરીય પ્રદેશોમાં રહેતા ફ્લાયકેચર્સ શિયાળાની ઋતુમાં સ્થળાંતર કરે છે. હિમાલયમાં રહેતા પક્ષીઓ મેદાનોમાં આવે છે, જ્યારે દૂધરાજની બાકીની ઉત્તરીય વસ્તી નીચે તરફ દક્ષિણ ભારત અને શ્રીલંકા જાય છે.
દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આ પક્ષી રેસિડેન્ટ (નિવાસી) છે, જ્યારે કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં ખાલી શિયાળામાં જ જોવા મળે છે!
આ પક્ષી ચોમાસાના પહેલાના સમયે પ્રજનન કરે છે જેથી બચ્ચા આવે ત્યારે તેમના માટે ખોરાક સ્વરૂપે જીવજંતુઓ પુષ્કળ મળી રહે! પ્રજનન કાળ દરમીયાન, સંભવિત સાથીઓને પ્રભાવિત કરવા માટે, નર ઘણીવાર સુંદર પ્રણય વર્તન કરે છે, ચપળ, એક્રોબેટિક ફ્લાઇટ્સમાં હવામાં ઉડાન ભરે છે, અને તેમની પૂંછડીઓ સ્ટ્રીમરની જેમ પાછળ રહે છે.
બંને નર અને માદા દૂધરાજ માળો બનાવવામાં અને બચ્ચાઓને ઉછેરવામાં સમાન ભૂમિકા ભજવે છે.તેઓ ઝાડની ડાળીઓના ફાંટામાં ઉત્કૃષ્ટ કપ આકારનો માળો બનાવે છે. નર અને માદા બંને માળો બનાવવા માટે કરોળિયાના જાળા, છોડના રેસા અને ઝાડની છાલ જેવી સામગ્રી લાવે છે.
[દૂધરાજની માદા તેના બચ્ચા માટે ઊડતા કીટક મારી લઈ આવે છે]મુખ્યત્વે ઉડતા જંતુઓનો ખોરાક લઈને, ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાયકેચર જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, કુદરતી અને ખેતીલાયક લેન્ડસ્કેપ્સ બંનેમાં સંતુલન જાળવી રાખે છે. બગીચાઓ, અને જંગલમાં તેમની હાજરી ફક્ત દેખીતી સુંદરતા કરતાં વધુ છે – તે એક સ્વસ્થ, કાર્યરત ઇકોસિસ્ટમનો સંકેત છે.
છતાં, ભારતમાં ઘણી અન્ય પક્ષીઓની પ્રજાતિઓની જેમ, તેઓ ગંભીર પડકારોનો સામનો કરે છે. શહેરીકરણ અને વનનાબૂદીને કારણે રહેઠાણના નુકશાન અને વિભાજનથી સુરક્ષિત માળા બનવાની જગ્યાઓની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. ઘણા પક્ષીઓ હવે માનવ સર્જિત લેન્ડસ્કેપ્સમાં અનુકૂલન કરવા મજબૂર છે, જ્યાં એક સમયે ગાઢ જંગલો હતા ત્યાં હરિયાળીના પોકેટ્સ શોધે છે.
આ પક્ષીઓનું રક્ષણ કરવાનો અર્થ એ છે કે તેઓ જેના પર આધાર રાખે છે તે રહેઠાણોનું રક્ષણ કરવું. કચ્છની ખુલ્લી ઝાડીઓમાં હોય કે ગિરનાર અને ગીરના લીલા, છાંયડાવાળા જંગલોમાં, ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાયકેચરની હાજરી આપણને સમજાવે છે કે જ્યારે કુદરતને પૂરતી શ્વાસ લેવાની જગ્યા મળે તો તે કેટલી સુંદર હોઈ શકે છે!