વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૧૧૭. શૌકત જૌનપુરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    શૌકત જૌનપુરી સાહેબે માત્ર આ એક ગીત લખ્યુ છે જે ગઝલ છે.

    આ સિવાય કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

     

    મુહબ્બત મેં કશિશ હોગી તો એક દિન તુમકો પા લેંગે
    ઈસી સૂરત સે હમ બિગડી હુઈ કિસ્મત બના લેંગે

    સિતારોં મેં ગુલોં મેં, ચાંદ મેં તુમ મિલ હી જાઓગે
    કહાં તક હૈ મુહોબત મેં હકીકત – આઝમા લેંગે

    ઝમાને કો દિખા દેંગે કે દો દિલ કૈસે મિલતે હૈં
    ઈસી દુનિયા મેં હમ તુમ દૂસરી દુનિયા બના લેંગે..

    – ફિલ્મ : ખૂબસુરત ૧૯૫૨
    – તલત મહેમૂદ
    – મદન મોહન


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ટાઈમમશીન

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    ઉનાળાનો સમય હતો. શાળાઓમાં લાંબી રજાઓ હતી. શહેરમાં એક હોલમાં વિજ્ઞાનમેળો ભરાયો હતો. દસ વર્ષના શુભમને વિજ્ઞાનમાં ઘણો જ રસ હતો. એને વિજ્ઞાનને લગતાં પુસ્તકો વાંચવા પણ બહુ ગમતાં. આ વિજ્ઞાન મેળામાં પુસ્તકો પણ વેચાતા હતા. શુભમના પપ્પા અને દાદા એને વિજ્ઞાન મેળો જોવા લઇ ગયા.

    મેળામાં જવા માટે ઘણી ભીડ હતી. ટિકિટબારી પર હતી લાંબી લાઈન! દાદાજી બાજુમાં એક ખુરશી ઉપર બેસી ગયા. શુભમ એના પપ્પા સાથે લાઈનમાં ઊભો રહ્યો અને એમની સાથે વિજ્ઞાનની રસપ્રદ વાતો કરતો રહ્યો. એના પપ્પાએ એને કહ્યું, “વિજ્ઞાનની નવી શોધોને કારણે હવે પછી માણસોનું જીવન વધારે ને વધારે આરામદાયક થતું જશે.’ વાતોવાતોમાં ટિકિટબારી ઉપર એમનો નંબર આવી ગયો. ત્રણે ય જણ ટિકિટ લઈને મેળામાં દાખલ થયા.

    શુભમને ત્યાં બહુ જ મજા પડી. મેળામાં વિજ્ઞાનના સિધ્ધાંતથી ચાલતી જાતજાતની રમતો હતી. ત્યાં સાઈકલ ચલાવીને એનાથી પેદા થતી ઉર્જાથી ઉપર બાંધેલા બોલને ખસેડવાની એક રમત હતી. શુભમ બોલને થોડોક ખસેડી શક્યો. પછી એ સાયકલ ચલાવીને લાઈટનો બલ્બ સળગાવવાની રમતો પણ રમ્યો. એ બધી રમતો શુભમને બહુ જ ગમી. એણે મેળામાંથી થોડા પુસ્તકો પણ ખરીદ્યાં. એ મેળામાં હવે પછી કેવી કેવી શોધો થવાની છે એ પણ નાનાં નાનાં મોડલ્સ મૂકીને બતાવ્યું હતું.

    મેળામાં એક ટાઈમ મશીન મૂક્યું હતું. એમાં બેસીને જેને જે સાલમાં જવું હોય એમાં જઈ શકાય એવી ચાવીઓ હતી. ત્યાં બાળકોની ઘણી ભીડ હતી. શુભમને પપ્પાની કહેલી વાત યાદ આવી. હવે પછી જિંદગી કેવી આરામ દાયક બનશે એનો અનુભવ કરવા માટે એને ટાઈમ મશીનમાં બેસવાનું મન થયું.
    એ તો પપ્પાને પૂછીને, ટાઈમ મશીનની ટિકિટ લઈને એમાં બેસી ગયો. એણે થોડા વર્ષો પછીનું બટન દબાવ્યું. જગ્યાના નામ માટે એણે પોતાની શાળાનું નામ લખ્યું. મશીન તો ચાલુ થયું. શુભમે આંખો
    મીંચી દીધી.

    મશીન ઊભું રહ્યું. એની ઘરઘરાટી સંભળાતી બંધ થઇ એટલે શુભમે આંખો ખોલી. મશીન એને એની સ્કૂલમાં લઇ ગયું હતું. સ્કૂલના બદલાઈ ગયેલા સુંદર મકાનને જોતો શુભમ એક ક્લાસ પાસે પહોંચ્યો. એમાં વિદ્યાર્થીઓ બેઠા હતા. એમની પાટલી ઉપર પુસ્તકોને બદલે દરેકના હાથમાં “પામ ટોપ’ હતાં. ઈલીકટ્રોનીક બોર્ડ ઉપર ટીચરે ઘણી બધી એપ્લીકેશનના નામ લખ્યાં હતા. એ કહેતાં હતા કે તમારે હોમવર્કમાં આ બધી એપ્લીકેશન ડાઉનલોડ કરીને લાવવાની છે. શુભમે એ બધા નામ વાંચ્યા. ઘણા બધા નામ એને માટે નવા હતાં. ત્યાં તો ટીચરે એક રમતની એપ્લીકેશનનું નામ લખ્યું અને કહ્યું કે રમતના પિરિયડમાં આપણે આ રમત રમવાની છે. શુભમને નવાઈ લાગી-રમતના પિરિયડમાં બહાર જઈને નહીં રમવાનું?

    એટલામાં બે ત્રણ વિદ્યાર્થીઓ શુભમ ઊભો હતો ત્યાંથી પસાર થયાં. એણે એમને ઊભા રાખ્યાં અને એમના નામ પૂછ્યાં. એ લોકોને માત્ર અંગ્રેજી ભાષા જ આવડતી હતી. શુભમે એના થેલામાંથી કાઢીને
    પુસ્તકો એમને આપ્યાં. એ લોકો પુસ્તકોને પહેલીવાર જોતાં હોય એવી રીતે જોવા માંડયા. પછી એક છોકરાએ પૂછ્યું, “આ શું છે?”

    “અરે, તને આની નથી ખબર?’ શુભાંગને ઘણું જ આશ્ચર્ય થયું. “આ તો પુસ્તક છે. આને વાંચવાની બહુ મજા આવે. એમાંથી આપણને જ્ઞાન પણ મળે. હું તમને ગીફ્ટ આપું છું. તમે વાંચજો.’

    એક છોકરાએ પુસ્તક હાથમાં આમતેમ ફેરવીને જોયું. પછી પૂછ્યું, ‘આ કેવી રીતે ખુલે? આનો પાસવર્ડ શું છે?”

    એના આવા પ્રશ્નથી શુભમ તો આશ્ચર્યચકિત થઇ ગયો. આ લોકોને પુસ્તકની નથી ખબર?
    પેલા લોકોને પુસ્તકો લેવામાં બિલકુલ રસ ન હતો.

    શુભમને ઘણું બધું જોવું હતું. પણ આટલું જોઇને જ એ નિરાશ થઇ ગયો. એ પાછો ટાઈમ મશીનમાં જઈને બેસી ગયો અને વિજ્ઞાનમેળામાં પાછો આવી ગયો. શુભમનું ઊતરેલું મોં જોઇને એના પપ્પાને કંઇક ખ્યાલ તો આવી ગયો.

    એના દાદાજીએ એનો હાથ પકડીને પૂછ્યું, ‘જોઈ આવ્યો બધું? શું શું જોયું મને કહેજે. તને તો એ વધારે સવલતોવાળો સમય બહુ ગમ્યો હશે.”

    શુભમે જોરથી માથું ધુણાવતા કહ્યું, “ના દાદાજી. સગવડો મળે. પણ જે સમયમાં મારી ભાષા ન હોય, પુસ્તકો ન હોય અને મેદાનોમાં રમવાનું ન હોય એવા સમયમાં જવું મને ન ગમે.’


    [ભાવિક પરિષદ]


    ગિરિમા ઘારેખાન  | મો-૮૯૮૦૨૦૫૯૦૯

     

     

  • ઋતુના રંગ : ૪ :

    ગિજુભાઈ બધેકા

    ભાવનગર.

    તા. ૧૨ – ૨ – ૩૬

    વહાલાં બાળકો !

    હજી શિયાળો ચાલે છે. એમ એ કાંઈ ઝટ નહિ જાય. ટાઢ હોળી તાપીને જશે, અને જતાં જતાં પૂછડું પછાડશે. તે વખતે છેલ્લી વારની ઠંડી પડી જશે.

    હા, હમણાં જરા ગરમ હવા થઈ છે. ગિજુભાઈએ ગરમ બંડી કાઢી નાખી છે. ગિજુભાઈને ટાઢ બહુ વાય છે; જ્યારે ગિજુભાઈ બંડી કાઢી નાખે ત્યારે સમજવું કે હવે ઉનાળો નજીક છે.

    પણ હજી શિયાળાનો વા વારંવાર વાય છે. શિયાળુ પંખીઓ હજી અહીં છે. શિયાળો ગાળવા આવેલું થરથરા હજી એક થાંભલેથી બીજે થાંભલે બેસે છે, અને જરા નીચે બેસી પાછું ઊંચું થઈ ઊડી જાય છે. પેટ અને નીચલો ભાગ ઈંટ જેવો લાલ અને ઉપલો કાળો, એવો એનો રંગ છે; જરાક નિરાંતે જોશો તો તુરત તે ઓળખાશે. તે ઝટઝટ ઊડી જાય છે, એટલે તમને નિરાંતે જોવા તો નહિ જ દે.

    વારુ, હવે થોડીક ગરમીની શરૂઆત થઈ છે, એટલે ટુકટુક દેખાવા લાગ્યું છે. આપણા વાળાના થાંભલે તે બેઠેલું દેખાશે. થાંભલામાં હવે તે પોતાની ચાંચે ગોળ ઊભો ખાડો પાડશે, અને આગળ ઉપર તેમાં તે પોતાના માળા મૂકશે. ટુકટુક પોતાનો માળો બાંધતું નથી, પણ લાકડામાં ખોદી કાઢે છે.

    ટુકટુક રૂપાળું પક્ષી છે. તેની ચાંચનો ઉપરનો ભાગ લાલ રંગનો છે, અને પીછાં લીલા રંગનાં છે; તેને જોવું ગમે તેવું છે. હવે જેમ ગરમી વધતી જશે તેમ તેમ ટુકટુક બોલશે. પોતાનું ડોકું એક વાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ હલાવશે, અને દરેક વખતે તે ટુક…..ટુક બોલશે. આપણે અજાણ્યા હોઈએ તો આપણને લાગે કે આમ કોણ કરતું હશે ? કોઈને પક્ષીનો વહેમ તો જાય જ નહિ. જ્યારે બરાબર ગરમી પડશે ત્યારે તેનો એવો અવાજ આવશે કે જાણે કોઈ લુહાર ઠામ ઘડે છે. ટણિંગ ટણિંગ એવો અવાજ આવશે. એટલે તો કેટલાક એને લુહારીડો કહે છે. અંગ્રેજીમાં તેને કોપરસ્મીથ કહે છે.

    વારુ, હવે શિયાળો ઊતરશે એટલે ગરીબ લોકો રાજી થશે. હાથેપગે ચડી ગયેલો મેલ એની મેળાએ મેળાએ ઊખડશે. એવી કહેવત છે કે ” ફાગણે ફુવડનો ય મેલ જાય. ”

    હમણાં જામફળ-જમરૂખ સુંદર આવે છે. જામફળ ધોળાં અને રાતાં બે જાતનાં થાય છે. તમને કઈ જાતનાં ભાવે છે ? મને તો બન્ને જાતનાં ભાવે છે. શિયાળાનું બીજું ફળ બોર છે. એ તો તમે ધરાઈને ખાતાં હશો. આપણે એક વાર બાલમંદિરમાં ગાજર અને બોર આણ્યાં હતાં, ખરું ? ગાજર ફળ નથી પણ કંદમૂળ છે. ગાજર ખવાય, હો ! ગાજરમાં વિટામીન છે. અમે નાના હતા ત્યારે ગાજર બહુ ખાતા. કરડ કરડ ખાધે જ રાખતા. એનો વચલો ભાગ ન ખાતા; એ કડવા જેવો લાગે. ગાજર ખાઓ, મૂળા ખાઓ, રીંગણાં ને પાપડી ખાઓ; આ બધાં શિયાળુ શાક ખાઓ. ચણા-રીંગણાંનું શાક પણ ખાશો જ ખાશો.

    બાકી તમારે ત્યાં અડદિયો, ગડદિયો, ગૂંદરિયો, બૂંદરિયો, એવા પાક કર્યા હોય તો તે પણ ખાઓ; બદામપાક ને સાલમપાક ખાઓ. ગરીબનાં છોકરાં રોટલા ખાય, તમે પાક ખાઓ.

    આ તો શિયાળો છે; હવે ઉનાળો આવશે. તે વખતે દાઢી ડગડગાવે એવી ટાઢ કેવી હતી તે પણ તમે ભૂલી જશો. તે વખતે કહેશો કે શિયાળો કેવો હતો ? વારંવાર શિયાળો આવશે ને વારંવાર પાછું તમે ભૂલી જશો. એમ છે, ત્યારે ! એ જ.

    લિ. તમારો

    ગિજુભાઈ


  • નાનકડી રિયા

    લતા જગદીશ હિરાણી

    નાનકડી રિયા. એને વાંચવાનું બહુ ગમે. એને પુસ્તકો એવાં વ્હાલાં કે ન પૂછો વાત !! શાળાનું ઘરકામ પૂરું થયું નથી કે વાર્તાની ચોપડી કાઢી નથી.. એની પાસે પુસ્તકોનો ખજાનો. વાર્તા, જોડકણાં, ઉખાણાં, બાળકાવ્યોના કેટલાંય પુસ્તકો. એમાંય વાર્તાઓનો તો ખજાનો. પ્રાણીકથાઓ, પરીકથાઓ, સાહસકથાઓ, વિજ્ઞાનવાર્તાઓ…

     

    નાની રિયા ભણવામાં ખૂબ હોંશિયાર હતી. સ્કૂલેથી ઘરે આવે કે તરત પોતાના ટેબલ પર બેસી જાય. ચપટી વગાડતામાં તો ટીચરે આપેલું હોમવર્ક ફટાફટ પૂરું. એ પહેલાં એને ખાવાપીવાની વાત પણ યાદ ન આવે.

    રિયાને વાંચવું બહુ ગમે. એના મમ્મી-પપ્પા અને બીજાં લોકો એના માટે ભેટ તરીકે પુસ્તકો જ લાવે. બધાંને ખબર કે રિયાને પુસ્તકો જેવી મજા બીજા કશામાં આવે નહિ !

    રિયા પહેલેથી આવી નહોતી. પહેલાં એવું હતું કે રિયા પોતાનું હોમવર્ક, ભણવાનું એ બધું તો બરાબર કરી લે પણ પછી વિડિયો ગેમ રમવા બેસી જાય. પણ એક વર્ષ એના ક્લાસટીચર તરીકે અમીબહેન આવ્યા એ પછી રિયા બદલાઇ ગઇ. રિયાની મમ્મી એને ભણવા સિવાય પણ બીજાં પુસ્તકો વાંચવા માટે કહેતી પણ મમ્મીની વાતની રિયા પર કોઇ અસર થતી નહોતી. અમીબહેને તો જાણે જાદુ કર્યો. ક્લાસમાં લહેકાથી એકશન સાથે વાર્તા કહે અને પછી રંગબેરંગી પુસ્તકો બતાવે. એટલે બાળકો એ વાંચવા લલચાય.

    એમણે રિયાનેય સરસ મજાની વાર્તાના પુસ્તકો આપવાનાં શરુ કર્યા. પ્રાણીઓના રંગીન કાર્ટૂનવાળા પુસ્તકો એ ઉત્સાહથી ઘરે લાવવા માંડી પછી તો પરીઓ ને રાક્ષસો ને કેવીયે અજબગજબની વાર્તાઓના પુસ્તકો એના મિત્ર બની ગયાં..

    એકવાર એવું બન્યું કે રિયાના ઘરમાં ઘણાં મહેમાનો આવ્યાં. એને હજુ વેકેશન ચાલતું હતું. હજી તો એને કેટલીયે ચોપડીઓ વાંચી લેવી હતી પણ ઘરમાં ક્યાંય શાંતિથી બેસીને વાંચવાની જગ્યા જ નહિ, રિયા કરે શું ? એણે તો મોટી મોટી ચાર પાંચ વાર્તાની ચોપડીઓ દફતરમાં ભરી અને ઉપડી જંગલ તરફ !!

    “મમ્મી, ઘર ખાલી થશે એટલે આવીશ. ત્યાં સુધીમાં મારે ઢગલો એક વાર્તા વંચાઇ જશે.” મમ્મી કંઇ કહે એ પહેલાં તો રિયા ભાગી.

    રિયાનું ગામ નાનું હતું. ગામને અડીને જ જંગલ આવ્યું હતું. રિયા સડસડાટ જંગલમાં પહોંચી એક ઝાડ નીચે બેસી ગઇ. એક પછી એક ચોપડીઓ લેતી જાય અને વાર્તાઓ વાંચતી જાય. રિયા વાંચવામાં મશગુલ થઇ ગઇ હતી. આમેય રિયા વાંચવાનું શરુ કરે એટલે એને ન લાગે ભૂખ કે ન લાગે તરસ. ચોપડી જ એને માટે ચોકલેટ, બરફી કે પિત્ઝા !!

    અચાનક રિયાનું ધ્યાન ગયું. એની સામે  જ મોટો ડાલામથ્થો સિંહ ઊભો હતો !! લાંબી કેશવાળી, મોટી આંખો, પહોળા પંજા ને એમાં તીણા ન્હોર !! બાપ રે બાપ, હવે શું કરવું ? એવો વિકરાળ સિંહ કે એને રિયાનો નાસ્તો કરતાં જરાય વાર ન લાગે.

    રિયા બહુ બહાદૂર હતી અને ચતુર પણ. મુસીબતમાં એનું દિમાગ કમ્પ્યુટરની જેમ કામ કરતું. એણે હિંમત કરીને સિંહને હુકમ કરી દીધો,

    ”એય, ઊભો ઊભો જુએ છે શું ? ચાલ બેસી જા. તને વાર્તા કહું છું. આવો મોટો ઝાડ જેવો પણ તને વાંચતા તો આવડતું નથી !!”

    સિંહ ડઘાઇ ગયો ને મુંઝાઇ પણ ગયો. આવડી અમથી છોકરી એના પર હુકમ કરતી હતી !! અને એની વાત સાચી હતી. એને ક્યાં વાંચતા આવડતું હતું ? એ શરમનો માર્યો ચુપચાપ બેસી ગયો.

    રિયાએ વાર્તા વાંચવાની શરુ કરી દીધી. અરે વાહ, સિંહને તો મજા પડી ગઇ. એણે કદી વાર્તા સાંભળી જ નહોતી !! થોડીવાર થઇ ને બીજો સિંહ આવ્યો. પેલા સિંહને બેઠેલો જોઇને એય ચુપચાપ બેસી ગયો. આમ જ સિંહો આવતા રહ્યા. જાણે સિંહોનો દરબાર ભરાયો  ને રિયા સૌની રાણી !!

    વાર્તાની ચોપડી પૂરી થઇ ને સિંહોની સમાધિ ભંગ થઇ. તેઓ એકબીજા સામે જોવા લાગ્યા ને અચાનક પેલા સિંહને યાદ આવ્યું કે પોતાને ભૂખ લાગી હતી અને શિકારની શોધમાં નિકળ્યો હતો. રિયા બોલીબોલીને થાકી ગઇ હતી અને હવે એને બીક પણ લાગતી હતી. એને મમ્મી યાદ આવતી હતી.

    પેલો સિંહ કહે, “તેં અમને સરસ વાર્તાઓ કહી. થેંક્યુ. પણ હવે તૈયાર થઇ જા. મને ભૂખ લાગી છે. હું તને ખાઇશ.”

    બીજો સિંહ કહે કે મને પણ ભૂખ લાગી છે, આ મીઠ્ઠી છોકરીને હું ખાઇશ.

    ત્યાં તો ત્રીજો, ચોથો બધા રિયાને ખાવા માટે એકબીજા સામે ઘુરકિયાં કરવા લાગ્યા.

    ઓહ, રિયાને ઉપાય મળી ગયો. એ એક મોટા પથ્થર પર ચડી ગઇ અને ઘાંટો પાડી બોલી,

    ”ચુપ થઇ જાઓ બધાં. હું એકલી છું અને તમે આટલા બધા. કોઇ એક સિંહ મને ખાશે તોયે એનું પેટ માંડ ભરાશે. આપણે એવું કરીએ. જુઓ, હું બહાદૂર છું એટલે જે સિંહ બહાદૂર હોય એ મને ખાય. તમે નક્કી કરો કે કોણ બહાદૂર છે !!”

    સૌએ આ વાત સ્વીકારી લીધી. ઘુરકિયાં કરતા જાય અને અંદરોઅંદર લડતા જાય. આ બાજુ સિંહો લડવામાં પડ્યા અને બીજી બાજુ રિયા હળવેથી પાછા પગલે નીકળી ગઇ. દોડતી દોડતી ઘરે પહોંચી ગઇ.

    સિંહો અંદરોઅંદર લડીને ઘાયલ થઇ ગયા અને એક સિંહને યાદ આવ્યું, “અરે પેલી મીઠડી ક્યાં ?”

    મીઠ્ઠી રિયા તો ઘરે મમ્મીએ બનાવેલી ઇડલી ઝાપટતી હતી ને મમ્મી-પપ્પાને પોતાની બહાદૂરીની કથા કહેતી હતી !!!…..

  • ફાટેલું આકાશ થીંગડાંથી સંધાય?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

     

    પહેલાં કેટલાક આંકડા: ઈ.સ.૧૯૫૮માં દોઢ લાખ, ઈ.સ.૧૯૯૬માં ત્રણ લાખ, ઈ.સ.૨૦૦૦માં સાડા આઠ લાખ, અને ઈ.સ.૨૦૨૯માં ત્રીસ લાખ કરતાં વધુ. આ વિગતો છે ઊત્તરાખંડમાં આવેલા ગિરિમથક મસૂરીની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યા. એ કેટલી ઝડપથી સતત વધતી રહી છે એનો કંઈક અંદાજ આનાથી મળી શકશે. આશરે બે હજાર મીટરની ઊંચાઈએ આવેલા આ નાનકડા નગરની વસતિ, ઈ.સ.૨૦૧૧ની વસતિ ગણતરીના અહેવાલ અનુસાર ૩૦,૧૧૮ નોંધાયેલી છે. ઈ.સ.૨૦૨૩ના આંકડા અનુસાર અહીં ૩૦૩ હોટેલો, ૨૦૧ હોમસ્ટે અને છ ધર્મશાળા આવેલાં છે. ઊંચાઈ પર સપાટ જગ્યાના અભાવને કારણે અહીં ફક્ત ૧,૨૪૦ વાહનો પૂરતી જ જગ્યા છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પણ આ વાત કરવાની શી જરૂર પડી? આ રાજ્યની સરકારે એક નિર્દેશ બહાર પાડ્યો છે કે હવે મસૂરીની હોટેલો, ગેસ્ટહાઉસ, હોમસ્ટેના માલિકોએ પોતાને ત્યાં ઊતરતા મુલાકાતીઓની નોંધણી ઊત્તરાખંડ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સંચાલિત ઈન્‍ટરનેટ પોર્ટલ પર કરાવવાની રહેશે. આવો વિચાર સરકારને અચાનક નથી આવ્યો. હકીકતમાં ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ (એન.જી.ટી.) દ્વારા નીમાયેલી એક સમિતીના ૨૦૨૩ના અહેવાલમાં આ વિસ્તારની અતિ નાજુક જૈવપ્રણાલિની જાળવણી માટે ૧૯ પગલાં સૂચવાયાં છે. એમાંના એક મુજબ કોઈ જૈવપ્રણાલિ કે નિર્ધારીત વિસ્તારમાં તેની વહનક્ષમતા કરતાં વધુ બોજ ન પડે એટલે કે એટલા વિસ્તાર દીઠ વ્યક્તિઓની સંખ્યા વધી ન જાય એ સુનિશ્ચિત કરવું જરૂરી છે. બોજ પડે તો નૈસર્ગિક સ્રોતને ઘસારો પહોંચે અને સરવાળે પર્યાવરણને નુકસાન થાય.

    બીજી તરફ જોઈએ તો છેલ્લી વસતિ ગણતરી પછીના અંદાજ મુજબ, ૨૦૨૩૭માં એમાં ૨૩ ટકાનો, અને ૨૦૫૨માં ૫૨ ટકાનો વધારો થશે. અત્યારે મસૂરી પાણીની તંગી અનુભવી રહ્યું છે. એક તરફ અહીંના રહેવાસીઓની પ્રાથમિક સુવિધાઓ અને બીજી તરફ પર્યટકોના આગમનને કારણે આ સ્થળને પહોંચતો ઘસારો.

    પ્રવાસીઓની નોંધણી તો ઓગણીસ સૂચન પૈકીનું એક છે. સવાલ એ છે કે આ પગલાંથી આ સમગ્ર વિસ્તારની પર્યાવરણપ્રણાલિને થઈ ગયેલું, થઈ રહેલું અને થનારું નુકસાન અટકાવી કે ટાળી શકાશે ખરું?

    એક ઉદાહરણથી આખી વાત સમજીએ. ઓરકેસ્ટ્રામાં ‘કાઉન્‍ટર મેલડી’ નામનું એક વાદન હોય છે. આ વાદનપ્રકારમાં સાવ વિરુદ્ધ પ્રકારની સૂરાવલિઓ એક સાથે શરૂ થાય, જેની તીવ્રતા જુદી જુદી હોય. એક ઊંચેથી શરૂ કરીને નીચે આવે, તો બીજો નીચેથી શરૂ કરીને ઊંચી તીવ્રતા પર જાય. આવું વાદન પરંપરાગત, એકમેકને સુસંગત હોય એવા વાદનથી વિપરીત હોવાને કારણે જરા જુદું, છતાં બહુ કર્ણપ્રિય લાગે. પણ ‘કાઉન્‍ટર મેલડી’ને પર્યાવરણની વાત સાથે શો સંબંધ?

    ખરેખર જોતાં-વિચારતાં એમ લાગ્યા વિના રહે નહીં કે ઊત્તરાખંડ હોય કે એવું બીજું કોઈ પણ સ્થળ હોય, બધે આવી ‘કાઉન્‍ટર મેલડી’ જ વાગી રહી છે. એક તરફ ‘એન.જી.ટી.’ દ્વારા પર્યાવરણને જાળવવા માટે વિવિધ ઊપાયો સૂચવવામાં આવે, અને એની સમાંતરે સરકાર વિવિધ વિકાસયોજનાઓ દ્વારા જે તે સ્થળના પર્યાવરણની ખો વાળી દે. પરિણામે પર્યાવરણ પર થનારી ગંભીર અસરમાં કશો ઘટાડો થાય નહીં, અને કર્મકાંડ જેવાં બે-ચાર પગલાં અમલી બની રહે, જે એના મૂળભૂત હેતુથી સાવ દૂર, કેવળ યાંત્રિક ક્રિયાકલાપ બની રહે.

    મસૂરી અને એના જેવાં અન્ય પ્રવાસન સ્થળોની ખરી મૂડી છે એનું નૈસર્ગિક સૌંદર્ય. આ જ બાબત સ્થાનિકોની આજીવિકાનો પણ મહત્ત્વનો સ્રોત. વધુ પ્રવાસીઓ એમ વધુ આવક. આ તક કોણ છોડે? છેવટે એની વહનક્ષમતા કરતાં અનેકગણા વધુ પ્રવાસીઓ વરસોવરસ ઠલવાતા જાય, અને અહીં રહેવાની મઝા માણીને, જાણ્યેઅજાણ્યે અહીંના પર્યાવરણને નુકસાન પહોંચાડતા જાય.

    એટલે કેવળ સરકારનો, પ્રવાસીઓનો કે એકલા નાગરિકોનો, કોઈનો દોષ કાઢી શકાય એમ નથી. કોરોનાકાળ પછી બીજું એક વલણ વ્યાપકપણે જોવા મળ્યું છે કે લોકો જાણે કે જીવનની અનિશ્ચિતતાને પામી ગયા હોય એમ પુષ્કળ પ્રમાણમાં બહાર ફરતા થઈ ગયા છે. આ બધાનો ભોગ છેવટે પર્યાવરણે બનવું પડે છે.

    આ વાત ઉત્તરાખંડની છે, પણ દેશની સર્વોચ્ચ અદાલતે સાવ અલગ રીતે હિમાચલ પ્રદેશ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આ રાજ્યમાં થઈ રહેલો આડેધડ વિકાસ નિયંત્રણમાં નહીં રાખવામાં આવે તો પર્યાવરણનું સંતુલન ભયાનક હદે ખોરવાઈ જશે. જસ્ટિસ પારડીવાલાના વડપણ હેઠળની બેન્‍ચે જણાવ્યું કે અમે રાજ્ય તેમજ કેન્‍દ્ર સરકારને ભારપૂર્વક જણાવીએ છીએ કે કેવળ નાણાં રળવા જ બધું નથી. પર્યાવરણના ભોગે નાણાં રળી શકાય નહીં. જો આજની ગતિએ આવું થવાનું ચાલુ રહેશે તો એ દિવસ દૂર નથી કે સમગ્ર રાજ્ય શોધ્યું નહીં જડે.’ તેમણે એમ પણ કહ્યું કે ઈશ્વર કરે ને એવું ન થાય. આથી યોગ્ય દિશામાં પર્યાપ્ત પગલાં લેવાં અતિશય જરૂરી છે.

    અલબત્ત, સમગ્ર પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે વિકાસની ગાડી ઊતરતા ઢાળ પર ઊભેલી છે અને એની બ્રેક ફેઈલ થઈ ગઈ છે. કેમ કે, જે ઝડપે અને જે પ્રમાણમાં આ રાજ્યોમાં વિકાસ થઈ રહ્યો છે એ જોતાં એમાં પાછા વળવાપણું હોય એમ અત્યારે જણાતું નથી.

    પ્રવાસ માનવજીવન માટે આવશ્યક છે, અને માનવસંસ્કૃતિના વિકાસમાં તેનું ઘણું પ્રદાન રહેલું છે. હવે આ જ પ્રવાસ માનવજાત માટે નુકસાનકારક પુરવાર થાય એ દેખાઈ રહ્યું છે. પર્યાવરણને બચાવવા કે જાળવવા થતા પ્રયાસો છે ખરા, પણ છૂટાછવાયા, અને ઘણા ખરા કિસ્સામાં ‘કાઉન્‍ટર મેલડી’ જેવા. એમ લાગે છે કે ‘બુંદ સે બિગડી હૌજ સે નહીં આતી’ કહેવત પર્યાવરણની વર્તમાન પરિસ્થિતિને બરાબર લાગુ પડે છે. આ નિરાશા નહીં, પણ વાસ્તવિકતા છે.


    (નોંધ: આ લેખ લખાયો અને પ્રકાશિત થયો એની વચ્ચેના અરસામાં ઉત્તરાખંડની દુર્ઘટના બની છે. તેના વિશે હવે પછી.)


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૦૮– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ભીડ

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    “તમે કુંભમેળામાં જઈ આવ્યા?” પ્રયાગરાજમાં મહાકુંભ ચાલતો હતો તે વેળાએ એક મિત્રે મને પૂછ્યું.

    “ના, નથી ગયો.”

    “શું વાત કરો છો ? હજુ સુધી નથી ગયા? જ‌ઇ આવો, જઈ આવો. હવે થોડા દિવસો જ બાકી છે છે.”

    “પણ મારી ઇચ્છા કુંભમેળામાં જવાની નથી, ત્યાં જવાથી શું ફાયદો થાય?.”

    “અરે આટઆટલું માણહ જાય છે તે કાંઇ અમસ્તું જતું હશે?”

    “એ કાંઇ ખબર નથી, પરંતુ મને કાંઈ જરૂર જણાતી નથી”

    “કાંઇ નહિ, ના જવું હોય તો.” મિત્રે નાખુશ થતા કહ્યું.

    સામાન્ય રીતે માનવામાં આવે છે કે કુંભમેળામાં જઈને પ્રયાગરાજમાં ડૂબકી મારવાથી પૂણ્ય મળે છે. પરંતુ ઉપર પ્રમાણે ઘણાબધા મિત્રો-સગાસબંધીઓ સાથે વાત કર્યા પછી મને લાગ્યું કે કુંભમેળામાં જઈને પૂણ્ય મેળવવાનો હેતું ઉપરછલ્લો જ હોય છે. ખરેખર તો ત્યાં ખૂબ લોકો જઈ રહ્યાં છે માટે આપણે પણ જવું જોઇએ એવી સમજને કારણે લોકો જતા હોય છે..

    આવી રીતે એક શેઠિયાને ત્યાં લગ્નનાં રિસેપ્શનમાં જઈ આવ્યા પછી મારા એક સબંધીએ મને પ્રસંગના વખાણ કરતા કહ્યું

    “આને કહેવાય પ્રસંગ કર્યો.”

    “એટલે?” મેં પૂછ્યું.

    “અરે આખા પાર્ટીપ્લોટમાં નાખી નજર કરો ત્યાં માણહ ને માણહ જ દેખાય” એમ કહ્યા પછી જમવાનાં દરેક કાઉ‌ન્ટર પરની ભીડની વાત કરી. આમ પ્રસંગની સફળતા પણ તેમાં થયેલી આમંત્રિતોની ભીડને આધારે નક્કી થાય છે.

    માત્ર શુભપ્રસંગને જ નહિ સ્મશનયાત્રા કે બેસણાને પણ આ જ માપદંડ લાગુ પડે છે.

    કેટલાક ગામોમાં અને લગભગ દરેક શહેરમાં એવું બનતું હોય છે કે અમુક મંદિરો વર્ષો સુધી સૂનાં પડ્યા હોય છે. રસ્તે ચાલનાર તેની નજીકમાંથી પસાર થાય તો પણ કદી તેની સામે જોતા નથી હોતા. ભાગ્યે જ કોઇનો પગફેર ત્યાં થતો હોય છે. પરંતુ અચાનક એ મંદિરના દેવ કે દેવીનાં(વાસ્તવમાં તો પૂજારીનાં કે ટ્રસ્ટીઓનાં) ભાગ્ય ખૂલી જાય છે અને લોકો ત્યાં જવાનું શરૂ કરે છે. કોઇ પ્રચારથી કે અન્ય કોઇ કારણે વધારે લોકો ત્યાં જવા લાગે છે. પછી તો એક વખત જો ભીડ જામી તો જેમ પૈસો પૈસાને ખેંચે છે તેમ ભીડ પણ ભીડને ખેંચવા લાગતી હોય છે.

    દાકતરોનાં કહેવા મુજબ કોલોસ્ટ્રોલ બે પ્રકારના હોય છે એક સારું કોલોસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલોસ્ટ્રોલ. તે જ રીતે ભીડના પણ બે પ્રકારો હોય છે એક નહિ ગમતી ભીડ અને બીજી મનપસંદ ભીડ. રેલગાડીમાં, બસમાં કે રસ્તા પરના ટ્રાફિકને કારણે થતી ભીડ લોકોને ગમતી નથી. પરંતુ એ જ લોકો જ્યારે મેચ ચાલતી હોય છે ત્યારે સ્ટેડિયમમાં માત્ર ભીડનો આનંદ લેવા જ જતા હોય તેમ લાગે છે. એ જ રીતે ક્રિકેટનો વર્લડકપ કે એવી મોટી મેચ જીત્યા પછી તેની ઉજવણી કરવા જાણે આખું શહેર રસ્તા ઉપર ઉતરી પડ્યું હોય એટલી મોટી ભીડ થાય છે. અહીં પણ આનંદ તો ભીડનો ભાગ બનવાનો હોય છે. ચોક્કસ તિથિએ કે તહેવારે મંદિરોમાં કે યાત્રાધામોમાં થતી ભીડ એ લોકોની પસંદગીની ભીડ છે. અહીં ભગવાનની મૂર્તિના દર્શન કદાચ થાય કે ન થાય પરંતુ ભીડમાં જ ભગવાનનાં દર્શન કરીને લોકો ધન્ય થતા હોય છે.

    જેમ માણસનાં જીવનમાં દસકાદસકી આવે છે તેમ કેટલાક દેવોને પણ તડકીછાંયડી આવતી હોય છે. અમદાવાદથી પચાસેક કિલોમીટરના અંતરે જ આવેલું હોવા છતાં ‘ગણપતપુરા’ નામ પણ મેં અગાઉ સાંભળેલું નહિ. અચાનક ત્યાંના ‘બાપા મોરિયા’નાં ભાગ્ય ખૂલી ગયા. કોઇ પ્રચાર થયો કે નહિ એની ખબર નથી પરંતુ લોકો અહીંના ગણપતિની કૃપા મેળવવા ઉમટી પડ્યા. ગામોગામથી અને અમદાવાદ જેવા શહેરના દરેક વિસ્તારમાંથી ગણપુતપુરા જવા માટે ખાસ બસો ઉપડવા લાગી. મંદિરમાં દર્શનિયાઓની ભીડ થવા લાગી. પરંતુ હવે ત્યાંના ‘સ્વામી સૂંઢાળા’નો દસકો બદલાયો હોય એમ લાગે છે. એ યાત્રાધામમાં દર્શાનાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે.

    પરંતુ કેટલાક લોકોની શ્રીમતાંઇ પેઢી દર પેઢી ચાલું જ રહે છે. એટલું જ નહિ ધનસંપત્તિ વધતાં જ જાય છે. તેમને કોઇ દસકાદસકી આવતા નથી. આ વાત ડાકોર કે અંબાજી જેવા યાત્રાધામોને વિશેષ લાગુ પડે છે. દિનપ્રતિદિન અહીં આવતા યાત્રાળુઓની સંખ્યા વધતી જ જતી હોય છે. ક્યારેક ભીડને લીધે થતી ધક્કામુક્કીને કારણે થતાં મૃત્યુના સમાચારો પણ ભાવિક ભક્તોની ભીડમાં ઓટ આણી શકતા નથી.

    લોકો કહેતા હોય છે કે નેતાઓને ખુરશી પસંદ હોય છે. પરંતુ નેતાઓ માનતા હોય છે કે ખુરશી સુધી પહોંચવાનો રસ્તો સભાઓ કે રેલીઓની ભીડમાંથી પસાર થાય છે. જે નેતાની સભામાં વધારે લોકો આવે તે નેતાની ચૂંટણી જીતવાની શક્યતા વધારે એમ માનવામાં આવે છે. આથી ગામોગામથી લોકોને બોલાવીને ભીડ એક્ઠી કરવામાં આવે છે, તો ક્યારેક શ્રોતાઓની સંખ્યા ઓછી હોય તો કેમેરાની કરામતથી મોટી ભીડ બતાવવામાં આવે છે.

    નેતાઓને જેમ ભીડ પસંદ હોય છે તેમ જેમનો વ્યવસાય ‘હાથકી સફાઈ’ હોય છે તેવા કલાધરોને માટે પણ પોતાનાં કલાકૌશલ્ય માટે બસમાં, ટ્રેનમાં, બજારોમાં કે જ્યાં પણ વધારે માણસો એક્ઠા થતા હોય તેવા ભીડભરેલાં સ્થળો અનુકૂળ હોય છે. આથી એવા સ્થળો પર તેઓ પોતાના વ્યવસાયની પસંદગી ઉતારતા હોય છે. નેતાની રેલીમાં મંચસ્થિત નેતાનું અને નીચે સભામાં ગોઠવાઇ ગયેલા ‘હાથકી સફાઇ. ના કલાધરોનું કામ મૂળભૂત રીતે એક જ હોય છે. જો કે  બન્નેમાં થોડો ફરક તો હોય જ છે. મંચ પરના નેતા ચૂંટણી જીત્યા પછી પ્રજાના પૈસા સેરવી લેવાનું કામ કરતા હોય છે. જ્યારે નીચે સભામધ્યે રહેલા કલાધરો તાત્કાલિક પોતાનું કામ આટોપી લે છે. આ કલાધરો સભામાં હાજર રહેલા સુરક્ષા કર્મચારીઓ અને સામાન્ય સભાજનોમાં ભેદ કરતા નથી. કોઇ વખત પોલીસ ઈ‌ન્સેપેક્ટર જેવા મોટા સુરક્ષા કર્મચારીના ખિસ્સા પણ અસુરક્ષિત બની જાય છે. બીજો એક મોટો ફરક એ હોય છે. નેતાનાં રક્ષણ માટે મંચ પર સુરક્ષા કર્મચારીઓ રાખવામાં આવે છે. જ્યારે પેલા સામાન્ય કલાધરો તો નોધારા અને તદ્દન અસુરક્ષિત હોય છે. તેઓ કદાચ કોઇનાં ખિસ્સાનો ભાર હળવો કરતા પકડાઇ જાય તો ટોળું તેમનો ન્યાય કરવા લાગી જાય છે.

    કેટલાક રાજકીય પક્ષો કે નેતાઓ માને છે કે સત્તા સુધી પહોંચવા માટેનો ટૂંકો રસ્તો ભાષા ધર્મ કે પ્રદેશના નામે પ્રજાના અલગ અલગ સમૂહ વચ્ચે વૈમનસ્ય ઊભું કરીને તે દ્વારા કરાતા તોફાનોમાથી પસાર થાય છે. કોઇ એકલદોકલ નાગરિકને આ માટે ઉશ્કેરવાનું શક્ય નથી બનતું. આથી નેતાઓ ભીડ એક્ઠી કરીને લોકોને ઉશ્કેરે છે. આટલું કર્યા પછી નેતાનું કામ પૂરું થાય છે અને નેતાનું લક્ષ્ય પૂરું કરવા માટે ભીડ કામ શરૂં કરી દે છે. કેટલીક વખત નેતાનું આ કામ નેતા વતી અને નેતાના લાભાર્થે ધર્મગુરુઓ સંભાળી લેતા હોય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એમ કહેવાય છે કે માણસને સૌથી વધારે પજવનાર હોય તો એ તેનાં મગજમાં થતી વિચારોની ભીડ છે. આથી આધ્યાત્મિક માર્ગના ભોમિયાઓ વિચારોને કાબૂમાં રાખવા માટે ધ્યાનના પ્રયોગો સૂચવતા હોય છે. આ પ્રયોગો કેટલા સફળ થાય છે તેની જાણકારી નથી, પરંતુ માણસ ભીડનો ભાગ બને છે ત્યારે તેના મગજમાંથી વિચારો સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. કોઇ રસ્તે જતા માણસને તમે સામેની બિલ્ડિ‌ન્ગ કે રસ્તે જતી બસ પર પથ્થર મારવનું કહેશો તો તેના મગજમાં હાજર રહેલા વિચારોને કારણે તમને પાગલ સમજશે. પરંતુ એ જ માણસ જ્યારે ભીડનો ભાગ બનશે ત્યારે પૂરેપુરો વિચારમુક્ત થઈને સમૂહની સાથે પથ્થરમારામાં જોડાઇ જાય છે. આમ ભગવાન બુધ્ધ, જે કૃષણમૂર્તિ કે ઓશો રજનીશ જે કરી શક્યા નથી તે માણસને વિચારમાંથી મુક્તિ આપવાનું કામ ભીડ પળવારમાં કરી શકે છે. જેમ લોઢું લોઢાને કાપે છે તેમ માણસ બાહ્ય જગતની ભીડનો ભાગ બનીને પોતાનાં મગજમાંના વિચારોની ભીડથી છૂટકારો મેળવી શકે છે!


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • આપણું જ આગવું ચોમાસું – ઝરણું ૯

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    વાવાઝોડાં

    પરેશ ૨. વૈદ્ય

    વીજળી અને મેઘગર્જનાની જેમ વરસાદ સાથે જોડાયેલી બીજી ડરાવનારી ઘટના છે વાવાઝોડાંની. એનું રૌદ્ર રૂપ અને તાકાત ઘણાં વધારે છે. એ વરસાદ જોડે સંકળાયંલાં છે તે ખરું, પરંતુ વાવાઝોડું પોતે એ ચોમાસાની ઘટના નથી. ચોમાસાંની ઋતુ ન હોય તેના પ્રદેશોમાં પણ એ આવે છે. ભારતીય ઉપખંડમાં વાવાઝોડાં ચોમાસાથી પહેલાં અથવા ચોમાસું પૂરું થાય તે પછી તુરત આવે છે. જો કે આ નિયમમાં છેલ્લાં બેએક વર્ષથી અપવાદ દેખાયા છે; ચોમાસાની અધવચ્ચે પણ વાવાઝોડાં આવ્યાં. બાકી સાધારણપણે મે મહિનામાં અને પછી ઓક્ટોબર-નવેમ્બરમાં એ આવે છે. છેલ્લાં ત્રણ વરસ બાદ કરતાં, સામાન્ય અનુભવ એવો છે કે મોટા ભાગનાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં જન્મે છે; અરબી સમુદ્રમાં ઓછી સંખ્યામાં અને ઓછી શક્તિવાળા તોફાન આવે છે.

    જેમ ચોમાસું દુનિયામાં અમુક સ્થળોએ જ છે, તે રીતે વાવાઝોડાં પણ અમુક ચોક્કસ વિસ્તારોમાં જ આવતાં જણાયાં છે. ચિત્ર-૧૫માં આ ક્ષેત્રો જોઈ શકાય છે. આપણા ઉપરાંત એ પૂર્વ એશિયાના દેશો (ફિલીપાઈન્સ વગેરે)માં દેખાય છે. ત્યાં એ પ્રશાંત મહાસાગર બાજુથી આવે છે. બીજો વિસ્તાર વેસ્ટ ઈન્ડિઝના ટાપુઓ છે, જ્યાં ક્યારેક તો આટલાંટિક સમુદ્રમાં ઉઠેલું તોફાન ધરતી પાર કરી પ્રશાંત સાગર તરફ જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી લટાર મારી આવે છે. કુદરતી પ્રક્રિયા એકની એક જ હોવા છતાં વિશ્વના જુદા જુદા પ્રદેશો એને જુદાં નામથી ઓળખે છે. ગુજરાતીમાં આપણે વાવાઝોડું કહીએ છીએ તેનું અહીં અંગ્રેજી નામ Cyclone (સાયક્લૉન) છે. એવું તોફાન વેસ્ટ ઈન્ડિયન ટાપુઓ ઉપર ‘હરિકેન’ કહેવાય અને જાપાનને કાંઠે ટાઈફૂન. આ બધાં વચ્ચે એક સામ્ય છે કે એ બધાં વિષુવવૃત્તની નજીકથી શરૂ થયાં હોય છે. પછી ભલે હજારો કિલોમીટરની યાત્રા કરી દૂરનાં સ્થળે પટકાતાં હોય અને ત્યાં વિનાશ વેરે.

    વિશ્વમાં વાવાઝોડાંને પાત્ર વિસ્તારો

    ઉત્પત્તિ :

    બીજાં પ્રકરણમાં આપણે આંતરવૃત્તિય મિલન ક્ષેત્ર (ITCZ)ની વાત કરી ગયાં. વિષુવવૃત્તની નજીકના આ પટ્ટામાં સામસામી બે દિશામાંથી પવનો આવી મળે છે અને ઉપર જાય છે. ઋતુ બદલતી હોય ત્યારે આ પટ્ટા પાસે પવનો અસ્થિર થાય છે. તેવામાં જો અમુક સ્થળે પાણીનું ઉષ્ણતામાન આસપાસ કરતાં ય વધી જાય તો ત્યાંની હવા વધુ ઝડપે ઉપર જાય છે. તો ત્યાં નાનો શો ઓછાં દબાણનો વિસ્તાર બને છે. તેને ભરવા ITCZ સિવાયની કોઈ ત્રીજી દિશામાંથી હવા ધસી આવે તો અસ્થિરતા નિર્માણ થાય છે. તે વખતે ITCZ નો પટ્ટો વિષુવવૃત્તની ઉપર જ હોય તો કંઈ નથી થતું, પરંતુ જો ઉત્તર કે દક્ષિણમાં પાંચ અંશ અક્ષાંશ જેટલો ખસી ચૂક્યો હોય તો ત્યાં પૃથ્વીનાં ધરીભ્રમણનો વેગ ભાગ ભજવે છે. પેલી ધસી આવતી હવાની દિશાને એ મરડે છે અને ચક્રિય ગતિ શરુ થઈ જાય છે. ગોળ ફરતી હવા ઉપર પણ જતી હોવાથી પાણીની સપાટી પર હવાનું દબાણ હજુય ઓછું કરે છે તેથી વળી વર્તુળાકાર ગતિ વધે છે અને અસ્થિરતાનું ‘વિષચક્ર’ શરૂ થઈ જાય છે.

    ઉત્પત્તિનો શરૂઆતનો તબક્કો

    મધ્યમાં ઓછાં દબાણવાળી આ પ્રણાલિ ITCZના પટ્ટાથી વિખૂટી પડી એક સ્વવંત્ર ઘટના તરીકે ફરે છે. આ થઈ વાવાઝોડાંની શરૂઆત. ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ ઉત્તર ગોળાર્ધમાં આ ચક્ર ઘડિયાળના કાંટાથી વિરુદ્ધની દિશામાં ફરે છે (anti-clockwise) અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં. એક પંપની જેમ એ સમુદ્રની સપાટી પરની ભેજવાળી હવાને ઉપર ધકેલતું રહે છે; ઉપર જઈ ઠંડી થતાં એ હવાના ભેજના વાદળાં બનતા રહે છે. ગાજવીજનાં વાદળાંની વાત કરી ત્યારે આપણે જોયું કે ભેજવાળી હવા ઠંડી પડે ત્યારે પોતાની આંતરિક ઊર્જા બહાર ફેંકે છે અને એ ગરમીના કારણે હવાનો જથ્થો વધુને વધુ ઉપર જતો રહે છે. આ પ્રક્રિયામાં અહીં તો વળી વર્તુળાકાર ગતિ પણ છે. એટલે વાદળાંનો એક ઊંચો નળાકાર રચાય છે અને ઉપર પહોંચી વાદળાં બહાર તરફ ફેલાતાં રહે છે. ઉપગ્રહનાં ચિત્રમાં એ થાળી જેવું દેખાય છે. સમુદ્રથી એ ૧૦-૧૨ કિ.મી. ઉપર હોય છે અને એનો વ્યાસ ૩૦૦-૪૦૦ કિ.મી.નો હોઈ શકે. સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ૨૭૦ સે. કે તેથી વધુ હોય ત્યારે જ વાવાઝોડાં સર્જાય છે.

    આંતરિક રચના :

    સાથેનાં ચિત્ર માં એક વાવાઝોડાંનો ઊભો છેદ (એટલે કે આંતરિક ઘટના) બતાવ્યો છે. તેના કેન્દ્રમાં કંઈ નથી. ત્યાં ઊભા હો તો માથે ભૂરું આકાશ દેખાય. આ વાવાઝોડાંની આંખ છે, તેનો પાંચ થી પચાસ કિ.મી.નો વ્યાસ હોઈ શકે. તે પછી મુખ્ય દિવાલ છે અને તેની બહાર વાદળાંના તૂટક તૂટક નળાકારો છે. આ બધું ફરે છે અને ‘ક્યુમુલો નિમ્બસ’ પ્રકારનાં વાદળાં નીચેનાં સ્થળોએ વરસાદ વરસાવતાં રહે છે.

    વાવાઝોડાંનો ઊભો છેદ

    આ આખી પ્રણાલિ હટતી પણ રહે છે. જેમ ભમરડો ફરતો ફરતો હટતો રહે છે તેવું જ વાવાઝોડું પણ કરે છે. આ ગતિ ઠગારી છે. ક્યારેક રોજના ૨૦-૨૫ કિ.મી. ખસે તો ક્યારેક કલાકો સુધી એક જગ્યાએ ઊભી જઈ હવામાનશાસ્ત્રીઓ અને લોકોની ધીરજની પરીક્ષા લે છે. એનો ખસવાનો માર્ગ ધીરે ધીરે વૈજ્ઞાનિકોને સમજાવા લાગ્યો છે. એ ઉપગ્રહનાં ચિત્રો સાદાં રડાર અને ડૉપ્લર રડારની મદદથી તેના ઉપર નજર રખાય છે. આમ છતાં એ આગાહી કરતાં જુદા માર્ગે ચાલ્યું જાય તો આશ્ચર્ય નથી. કલાકે ૨૦૦ કિ.મી. ઝડપે ફરતો ભમરડો માર્ગમાંથી થોડો હટી જાય અને સરવાળે જુદી જ જગ્યાએ પહોંચી જાય તે સમજાય તેવી વાત છે.

    ચિત્ર-માં વાવાઝોડાં નિસર્ગનો માર્ગ બતાવ્યો છે.

    વાવાઝોડા નિસર્ગનો માર્ગ | સૌજન્ય : (ભારતીય હવામાન ખાતું)

    વાવાઝોડાંનાં માર્ગ :

    બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાં સામાન્ય રીતે અરબી સમુદ્રનાં વાવાઝોડાં કરતાં વધુ શક્તિશાળી હોય છે અને તે મુજબ તેનો માર્ગ પણ એકદમ નક્કી નથી. પરંતુ અરબી સમુદ્રનાં વાવાઝોડાંનો માર્ગ ભાખવો સરળ છે. એ વેરાવળ કાંઠે આવે તેવું જ મનાય છે. તાજેતરમાં મોટાભાગનાં વાવાઝોડાં ઓમાન તરફ વળી જાય છે. પૂર્વ કાંઠે તમિળનાડુમાં નાગાપટ્ટનમ્, આંધ્રમાં વિશાખાપટ્ટનમ્ અને ઓરિસ્સામાં પારાદીપ અને જગન્નાથપૂરીની આસપાસ પટકાય છે. તોફાનનો માર્ગ કેવો હશે તેનો આધાર ઠેકઠેકાણે સમુદ્ર તેને કેટલીક ગરમ-ભેજવાળી હવા પૂરી પાડે છે તેના ઉપર છે. ગુજરાત તરફ આવતાં, ત્યાં સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ઓછું હોવાથી તેને મળતી ઊર્જા ઘટતી જાય છે. તેથી તેની ગતિ પણ ઘટે છે. પોતાનો વરસાદ એ સમુદ્રમાં જ ઠાલવી દે છે. ત્યારે એ પોતાની આંતરિક ગતિના કારણે ઓમાન તરફ વળી જાય છે. આથી ઉલટું, એક વાવાઝોડું ઓખા પાસેથી પૂર્વ તરફ વળી કચ્છના અખાતમાં ઘૂસેલું. તેના પાણીમાંથી નવી ઊર્જા લઈ એ કંડલા ઉપર ત્રાટક્યું હતું. ઈતિહાસમાં અગાઉ આવું ક્યારેય નહોતું બન્યું.

    જમીનને સ્પર્શ :

    વાવાઝોડું ત્રાટકવુ એટલે તેની આંખ સમુદ્ર છોડી જમીન પર દાખલ થવી. એનાથી થતો વિનાશ ત્રણ પ્રકારે થાય છે.

    ૧. હવાની ગતિના કારણે. આંખની આસપાસ નળાકારની સામસામી દિવાલોમાં હવાની ગતિ પણ વિરુદ્ધ દિશામાં હોય છે. એકસોથી બસ્સો કિલોમીટરની આ ગતિના કારણે ઝાડ ઉખેડવા તો સામાન્ય વાત છે; લોખંડના થાંભલા પણ મરડાઈ જાય છે.

    ૨. સમુદ્રનું પાણી ફેલાવાથી નળાકારના કેન્દ્રમાં સમુદ્રની હવા સતત ઉપર ખેંચાતી હોવાથી જેવું વાવાઝોડું જમીનને સ્પર્શે કે તેનું ઓછું દબાણ સમુદ્રનાં પાણીને જ ઊંચકીને કાંઠે ફેંકે છે. તેમાં યાંત્રિક શક્તિ હોવાથી નુકશાન થાય છે અને વધારામાં ખેતી અને રહેણાંક ખારા પાણીમાં ડૂબે છે.

    ૩. પાણીનું પૂર. વાવાઝોડાંનાં વાદળો ક્યુમ્યુલોનિમ્બસ પ્રકારનાં છે, જે સહેલાઈથી વરસે છે. આંખની દિવાલમાં ભરપૂર પાણી હોય છે. જે વરસવાથી પૂર આવે છે. કેન્દ્રની બહારના વિસ્તારમાં પણ સારો વરસાદ થાય છે, જે અંતર પ્રમાણે ઘટતો જાય છે.

    પવનની ઊર્જા ઝાડો અને ઈમારતો સાથે સંઘર્ષમાં ખપી જાય છે; સમુદ્રનો સંપર્ક કપાઈ જવાથી નવી ઊર્જા મળતી નથી. આમ ક્રમશઃ ચક્રવાત ઘટતો જઈ આગળની યાત્રા નીચા દબાણનાં ક્ષેત્ર (ડિપ્રેશન) તરીકે કરે છે અને માત્ર વરસાદ આપે છે. જે વાવાઝોડામાં કેન્દ્રનું દબાણ બહુ ઓછું હોય (જેમ કે ૯૯૫ મિલીબાર) તે નુકશાન તો કરે જ છે પણ દેશની અંદર લાંબી યાત્રા કરે છે. બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાંની અસર છેક રાજસ્થાન પહોંચવાના પણ દાખલા છે.

    સાથેના કોષ્ટકમાં વાવાઝોડાંની તીવ્રતાનો તેમાંના પવનોની ગતિ જોડે સંબંધ બતાવ્યો છે. હવાના દબાણના આંકડા નથી બતાવ્યા પણ તે તીવ્રતા ઠરાવવામાં ભાગ લે છે.

     

    : કોષ્ટક:

    વાવાઝોડાંની તીવ્રતા

    નામ

    પવનની ઝડપ (કલાકે)
    સામુદ્રિક માઈલ

    કિલોમીટર

    નીચાં દબાણનું ક્ષેત્ર

    (ડિપ્રેશન)

    ૧૭ થી ૨૭ ૩૧ થી ૫૦
    અતિ નીચાં દબાણનું ક્ષેત્ર ૨૮૩૩ ૫૧ થી ૬૨
    વાવાઝોડું

    (Cyclonic Strom)

    ૩૪૪૭ ૬૩ થી ૮૭
    તીવ્ર વાવાઝોડું

    (Severe Cyclonic Strom)

    ૪૮૬૩ ૮૮ થી ૧૧૬.
    અતિ તીવ્ર વાવાઝોડું

    (Very Sever Cyclonic Strom)

    ૬૪૧૧૯ ૧૧૮૨૨૧
    સુપર સાઈક્લોન ૧૨૦થી વધારે ૨૨૨થી વધારે

    નોંધ: વાવાઝોડાંની આગાહી નાવિકો માટે બહુ અગત્યની છે. આથી પવનની ઝડપ સામુદ્રિક માઈલમાં બતાવવાનો રિવાજ છે.

    એક સામુદ્રિક માઈલ (નૉટ) = .૧૫ માઈલ = .૮૫ કિલોમીટર

    સામાન્ય રીતે આપણા સાગરોમાં ઉત્પન્ન થતાં વાવાઝોડાં કરતાં એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડાં વધારે તીવ્ર હોય છે. ૨૦૦૫નાં ‘કટ્રિના’ની ઝડપ ૨૦૦ કિ.મી./કલાક હતી અને અમેરિકાનાં ન્યૂ આર્લિયન્સ રાજ્યને રગદોળી નાંખ્યું હતું. ઈતિહાસમાં સૌથી પ્રબળ તોફાન “હૈયાન” હતું, જે ૩૧૫ કિ.મી.ની ઝડપે ફિલીપાઈન્સ પર ત્રાટકેલું.

    શૈતાનનાં નામો:

    તાઉતે વાવાઝોડું (TAUKTAE)

    ૧૭મી મે ૨૦૨૧ના ગુજરાતને કાંઠે ત્રાટકેલ વાવાઝોડું તાઉતે અમુક રીતે અનોખું હતું. (તેના નામમાંમૌન છે.) પહેલું તો અરબી સમુદ્રમાં મે મહિનામાં આટલાં વહેલાં વાવાઝોડાં નથી આવતાં. બીજું કે આખી યાત્રામાં કાંઠાની ઘણી નજીકથી (૮૦ થી ૧૩૦ કિ.મી.) પસાર થયું. આથી ગુજરાતથી પહેલાં ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નુકશાન કરતું આવ્યું.

    તેનાં રીતે પૂર્વ તરફનાં સ્થાનને કારણે સૌરાષ્ટ્રમાં વેરાવળ કરતાં પૂર્વ તરફ (ઊના અને દીવની વચ્ચે) જમીનને અડક્યું અને તે પછીની મુસાફરીમાં પણ એણે ભાવનગર જિલ્લાને નુકશાન કર્યું. જેવું પહેલાં નહોતું બનતું. અરબી સમુદ્રનાં તોફાનોની ઝડપ ૨૦૦ કિ.મી.થી વધારે ક્યારેક ગઈ છે, પરંતુ ઉત્તર તરફ જતાં ઘટી જતી. આથી ૧૮૦ કિ.મી. જમીનને સ્પર્શનારું દાયકાઓમાં પહેલું તોફાન હતું.

    યમરાજના આ દૂતોને નામથી ઓળખવાની પ્રથા ભારતીય ઉપખંડમાં તાજેતરમાં જ આવી છે. પશ્ચિમના દેશોમાં પહેલાંથી છે. હિન્દ મહાસાગરનાં વાવાઝોડાં પહેલાં તો માત્ર શહેરના નામ અને વર્ષથી ઓળખાતાં. જેમ કે ઢાકા (૧૯૯૧), પારાદીપ (૧૯૯૯) વગેરે. હવે આ વિસ્તારના ૧૩ દેશો પોતપોતાનાં પસંદગીનાં નામોની યાદી દિલ્હીમાં આવેલ પ્રાદેશિક હવામાન કેન્દ્રને આપે છે. વારાફરતી દેશો નામ ચૂંટે છે. હમણાંથી વાવાઝોડાંની સંખ્યા વધી હોવાથી નામોનો ભંડાર જલદી ખતમ થાય છે.

    વૈશ્વિક ઉષ્મનની અસર:

    સામાન્ય રીતે અરબી સમુદ્ર કરતાં બંગાળના ઉપસાગરમાં વધારે સંખ્યામાં વાવાઝોડાં બને છે. વર્ષ ૧૮૯૧થી ૧૯૯૦નાં એકસો વર્ષમાં પૂર્વ ભાગમાં ૨૬૨ વાવાઝોડાં ઉઠયાં હતાં જ્યારે પશ્ચિમમાં (એટલે અરબી સમુદ્રમાં) માત્ર ૩૩ એટલે કે બેત્રણ વરસે એક. પરંતુ તે પછી પરિસ્થિતિ બદલાઈ છે. સરેરાશ વરસે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં પણ આવવા લાગ્યું છે. બીજી વિશેષતા છે કે માત્ર મે અને ઓક્ટોબર/નવેમ્બરને બદલે વાવાઝોડાં ચોમાસાની વચ્ચે પણ આવવા લાગ્યાં છે. ૨૦૧૯માં કુલ ૧૧ તોફાન ઉઠયાં, જેમાંથી ૪ અરબ સાગરમાં હતાં અને ૭ બંગાળના ઉપસાગરમાં. આ સંખ્યા વધતી જ રહેવાની.

    રામેશ્વરમનું સુપર સાયક્લોન

    વર્ષ ૧૯૬૪ના ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં શ્રીલંકાની પૂર્વમાં ઉઠેલ વાવાઝોડું ઉત્તર તરફ જવાને બદલે પશ્ચિમ તરફ આવ્યું અને રામેશ્વરમ્ પાસે ધનુષકોડી નામનાં ગામને સાફ કરી ગયું. ડૉ. અબ્દુલ કલામનું વતન રામેશ્વરમ્ એક ટાપુ ઉપર છે. તેને તમિલનાડુની ધરતી સાથે જોડતો પુલપંબન પુલકહેવાય છે. ૨૩મી ડિસેમ્બરે જ્યારે ૨૪૦ કિ.મી.ના પ્રચંડ વેગવાળું વાવાઝોડું ત્યાં આવ્યું ત્યારે પુલ ઉપર એક ટ્રેન હતી. સમુદ્રનાં પાણીની ઝાપટ ટ્રેનને નીચે પાડીને તાણી ગઈ. પુલને નુકશાન થયું પરંતુ ઊભો રહ્યો. ( ૨૦૨૧ માં તેના સ્થાને નવો પૂલ બંધાયો છે.)

    ૨૦૧૪માં પંબન પુલની શતાબ્દી પ્રસંગે ડૉ. કલામ ખાસ હાજર રહ્યા અને બાળપણમાં સંસ્મરણો તાજાં કરતાં કહ્યું કે પુલ પાર કરી રોજ સામે કાંઠે ભણવા જતા. આટલું શક્તિશાળી વાવાઝોડું તે પછી છેક ૧૯૯૯માં ઓરિસ્સામાં આવ્યું.

    વાવાઝોડાંની બાબતે સંતોષની વાત એ છે કે એની આગાહી બહુ વહેલી અને વધુ સચોટ થવા લાગી છે. આંધ્ર અને ઓરિસ્સાની સરકારોએ વાવાઝોડાં દરમિયાન લોકોને શરણ આપવાના ‘શૅલ્ટર’ બનાવ્યા છે. આગાહીનો લાભ લઈ પ્રજા આ સલામત સ્થળે આવી જાય છે. એક ઉદાહરણ તરીકે જુઓ તો ૧૯૯૯નાં વાવાઝોડામાં ૯૮૮૭ જાન ગઈ હતી જ્યારે તેનાથી બીજા નંબરનાં વાવાઝોડાં ફાઈલીન અને ફણી (અનુક્રમે ૨૦૧૩ અને ૨૦૧૯)માં અનુક્રમે ૪૫ અને ૮૯ લોકોએ જ જાન ખોયા. આ રાહત પછી વૈજ્ઞાનિકોની આગાહી ક્યારેક આઘી પાછી થાય તો ટીકા કરવાપણું ન હોવું જોઈએ. બીજી તરફ અવકાશ વિજ્ઞાનનો આવો પ્રજાલક્ષી ઉપયોગ કરવાનું જેમણે સૂઝયું તે ડૉ. વિક્રમ સારાભાઈને લાખો લોકોનાં વંદન.



    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા – નટવર ગાંધી : ‘મડલીંગ થ્રુ’–મારી સાવ અણધારી જીવન યાત્રા [૩]

    ગયા સપ્તાહે આપણે જોયું કે એમ મોટાં કૌભાંડના ભાર હેઠળ વૉશિંગ્ટન ડી સી આર્થિક રીતે ફડચામાં ગયું તેમ છતાં સી એફ ઓ તરીકે નટવર ગાંધી એ પ્રકરણમાં કેમ અણિશુદ્ધ બહાર આવ્યા.
    હવે આગળ …….

    મારી દ્વિધા

    ઘણાનું જીવન મોટે ભાગે સરળ અને સીધી રીતે આગળ વધેલું દેખાય. એમની જીવન પ્રગતિનો ક્રમ કંઈક આવો હોય છે:  વ્હાલ ભર્યા કુટુમ્બમાં જન્મ અને ઉછેર, જીવનની મુખ્ય જરૂરિયાતોની કોઈ તંગી નહીં, સારી નિશાળ અને ખ્યાતનામ કોલેજમાં અભ્યાસ, સંપન્ન કુટુમ્બ. અભ્યાસ માટે અમેરકાગમન, બાપાની પેઢીમાં પહેલેથી જ ગલ્લા ઉપર બેસી જવાની સગવડ, અથવા તો લાગવગને કારણે મોટી જાણીતી કમ્પનીઓમાં મળતો એકઝીકયુટીવ જોબ, સારા અને પ્રતિષ્ઠિત કુટુમ્બની ભણેલી ગણેલી છોકરીની સાથે લગ્ન, પ્રસન્ન દામ્પત્ય અને પછી બે ત્રણ સંતાનો, વગેરે. આમાનું કશું મારી જિંદગીમાં થયું નહીં.  મારું કંઈક ઊંધું જ પડ્યું. અકરમીનો પડિયો કાણો એમ એકેએક દાવ અવળો જ પડ્યો.  કંઈક ગડથોલા ખાધા. અથડાયો, પછડાયો. અમેરિકનો આવી અણધારી જીવનયાત્રાને muddling through કહે છે.

    મારો જન્મ ૧૯૪૦માં સાવરકુંડલામાં થયો.  ૨૦૨૧માં હું આ લખું છું ત્યારે મારી ઑફિશિયલ ઉંમર ૮૧ની ગણાય. સાચી ઉંમર તો રામ જાણે! મારો જન્મ ઘરે થયેલો. અમારા ગામમાં નહોતી કોઈ હૉસ્પિટલ કે ન કોઈ પ્રસૂતિગૃહ. ઘરે દાયણ આવે. અમે ભાઈ બહેનો બધાં આમ ઘરે જ જન્મેલાં. અમારા જન્મનો કોઈ ઑફિશિયલ રેકોર્ડ ન મળે. આજે પણ દેશમાં લગભગ ૫૯% જેટલા જન્મોનો કોઈ ઑફિશિયલ રેકોર્ડ નોંધાતો નથી. જો જન્મતારીખ જ ન નોંધેલી  હોય તો ઉજવવાની વાત કેવી? મને યાદ નથી કે અમારા ઘરમાં મારી, કે બીજા કોઈની પણ જન્મતારીખ ક્યારેય ઉજવાઈ હોય.

    સાવરકુંડલા એ જમાનાના કાઠિયાવાડમાં હતું. પછીથી ગુજરાતમાં ભળ્યું. એ નાના ગામની વસ્તી ત્યારે લગભગ વીસેક હજારની હશે. આમ તો એ બે ગામો હતાં: સાવર અને કુંડલા. વચ્ચે નાવલી નદી. જ્યારે ધોધમાર વરસાદ વરસતો ત્યારે એમાં બંને કાંઠા છલકાઈ જાય એટલાં પૂર આવતાં. પૂર ઓસરે નહીં ત્યાં સુધી બન્ને ગામ વચ્ચેનો વ્યવહાર બંધ થઈ જાય. બન્ને ગામને જોડતો કોઈ બ્રીજ ત્યારે નહોતો. હવે તો નદી જેવું કાંઈ રહ્યું નથી.

    ૧૯૫૭માં હું મુંબઈ નોકરી કરવા આવ્યો.  ત્યાં મુળજી જેઠા માર્કેટમાં ગુમાસ્તા તરીકે નોકરી મળી અને મારી કારકિર્દી શરૂ થઈ. ૧૯૬૫માં મુંબઈ છોડ્યું. અમેરિકા આવ્યો.  મુંબઈના એ આઠ વરસો દરમિયાન મેં અસહ્ય હાડમારી ભોગવી. સારી નોકરી અને રહેવાની ઓરડી શોધવા કઈંક ખત્તા ખાધા. અમેરિકામાં પણ કંઈક નોકરીઓ કરી. ઘણે ઠેકાણે રહ્યો અને છેવટે ૧૯૭૭માં હું વૉશિન્ગટનમાં ઠરીઠામ થયો.  છેલ્લા ૪૪ વર્ષોથી ત્યાં જ રહું છું, અને એવી ધારણા છે કે બાકીની રહીસહી જિંદગી અહીં વૉશિન્ગટનમાં જ પુરી કરીશ.  બાકી તો રામ જાણે!

    આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિંદગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો! મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વૉશિંગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વૉશિંગ્ટોનિઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વૉશિંગ્ટોનિઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે.

    કોઈને પણ પૂછો તો કહેશે કે આ જીવનયાત્રા એક નીવડેલા અને સફળતા પામેલા માણસની છે. છતાં મને એમ કેમ થયા કરે છે કે મેં જિંદગી વેડફી છે? આજે જીવનસંધ્યાએ મને નિષ્ફળતાનો ડંખ કેમ સતત પજવે છે? દિવસ ને રાત આ જ વિચાર આવ્યા કરે છે કે મેં જિંદગીમાં શું ઉકાળ્યું? આ સમસ્યાના મૂળમાં છે બીજાઓ સાથે હંમેશ સરખામણી કર્યાં કરવાની મારી ખરાબ આદત. હું જ્યારે બીજા સિદ્ધહસ્ત લોકોની–લેખકો, વિચારકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંશોધકો વગેરેની વાતો વાંચું સાંભળું છું ત્યારે ઈર્ષાથી સમસમી ઊઠું છું. થાય છે કે એ લોકોની સિદ્ધિઓની સરખામણી સામે મેં કાંઈ જ મેળવ્યું નથી. એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી હું સતત પીડાઉં છું. જે મળ્યું છે તેનો સંતોષ અને આનંદ સાવ નથી એવું નથી, પણ એ ક્ષણિક જ હોય છે. તત્કાલ સંતોષની લાગણી અનુભવીને તરત મારું મન છટકીને જે નથી મળ્યું તે તરફ વળે છે અને નથી મળ્યાનું દુઃખ પેટ ચોળીને ઊભું કરે છે. અર્ધા ભરાયેલા પાણીના ગ્લાસને જોઉં છું તો મને ભરેલો ભાગ નથી દેખાતો, ખાલી ભાગ જ દેખાય છે! આ દ્વિધાનું મારે શું કરવું?

    બધા લોકોને કંઈક અને કંઈક મહત્ત્વાકાંક્ષા હોય છે. એ મનુષ્ય સહજ છે. અને જો માણસ યથાશક્તિ પ્રયત્ન કરે અને ઈશ્વરકૃપા હોય તો એ ધારેલી ઇચ્છાઓ સફળ થવાની શક્યતા છે. મારી મહત્ત્વાકાંક્ષા કોઈ જુદા જ પ્રકારની છે. જે લોકો આદર્શ તરીકે મારા કલ્પનાવિશ્વમાં ઘર કરીને બેઠા છે તેમનો વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે એ લોકો સુધી મારાથી આ ભવમાં તો પહોંચાય જ નહિ. રાજકીય ક્ષેત્રે નહેરુ, રુઝવેલ્ટ કે ચર્ચિલ; સાહિત્યમાં એડમંડ વિલ્સન, ટી એસ એલીએટ, ઉમાશંકર જોશી, સુરેશ જોષી, ચેખોવ, નેબોકોવ, કે નાયપોલ; ચિંતકોમાં વિટગનસ્ટાઈન કે વિલિયમ જેમ્સ જેવા જો મારા ખ્યાલમાં હોય તો હું એમને આ જિંદગીમાં કયારે પહોંચવાનો છું?

    મારા જીવનની આદર્શ વ્યક્તિ: ગાંધીજી

    અને આ બધાં ઓછાં હોય તેમ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિને આદર્શ તરીકે ઠેઠ કિશોરવયથી મેં માની હોય તો એ છે : ગાંધીજી! હાઈસ્કૂલમાં ગુજરાતી ગદ્યપદ્યના પાઠ્યપુસ્તકમાં ગાંધીજીની આત્મકથાનાં થોડાંક પ્રકરણ હું ભણ્યો હતો. એ મારો ગાંધીજીનો પહેલો પરિચય. એ પ્રકરણોમાં તેમના શરૂઆતના આફ્રિકાના દિવસોની, ખાસ કરીને ટ્રેનમાંથી તેમને ધક્કો મારી કાઢી મુકાયેલા અને સિગરામમાં એમની પર પડેલો સખત માર, ત્યાં તેમનો જે હુરિયો બોલાયેલો તે બધી વાતો હતી. નિરાડંબર અને સરળ ગુજરાતીમાં લખાયેલી આ વાતો મને એટલી તો ગમી કે દોડીને લાઇબ્રેરીમાં જઈ એમની આત્મકથા લઈ આવ્યો.

    બસ, ત્યારથી મને ગાંધીજીનું ઘેલું લાગ્યું. એમણે જે પ્રામાણિકતાથી પોતાને વિશે લખ્યું હતું—એમના બાળલગ્ન, યૌવનસહજ જાતીય ઉત્સુકતા, ભીરુતા, લંડનમાં એમના ખાવાપહેરવાના હાસ્યાસ્પદ પ્રયોગો, મુંબઈમાં એમના વકીલ થવાના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં પડેલી અસહ્ય હાડમારીઓ—આ બધી વાતો આત્મકથાને અત્યંત રસપ્રદ બનાવે છે, પરંતુ સાથે સાથે એ એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવે છે. સરળ, નિખાલસ અને નિરાડંબર શૈલીમાં લખાયેલી આ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં, પણ વિશ્વસાહિત્યનું એક ઉત્તમ આત્મનિવેદન છે.

    અને છતાં એમની આત્મકથા એમના જીવન અને ખાસ કરીને એમની મહત્તા સમજવા માટે ઉપયોગી નથી નીવડતી. એટલું જ નહીં પણ એ poor guide છે. આત્મકથા અને એમનાં બીજાં લખાણોમાં એમનું વલણ ‘મો સમ કૌન કુટિલ ખલ કામી’નું, સતત self-deprecatory જ રહ્યું છે. પોતે કેવા સામાન્ય હતા; કેવા બીકણ હતા; કેવા શરમાળ હતા; વિદ્યાર્થી તરીકે, વકીલ તરીકે જ્યાં જ્યાં એમણે હાથ અજમાવ્યો ત્યાં બધે જ શરૂઆતમાં કેવા પાછળ પડેલા; પુત્ર, પતિ અને પિતા તરીકે કેવા નિષ્ફળ નીવડ્યા–આવી જ પોતાની મર્યાદાઓની, ખામીઓની જ વાતો. ક્યાંય બણગાં ફૂંકવાની વાત નહીં. કોર્ટમાં પહેલો કેસ લડવા ઊભા થયા તો પગ ધ્રૂજવા લાગ્યા! એવું જ થયું કૉંગ્રેસના અધિવેશનમાં પહેલી વાર ઠરાવ રજૂ કરવા ઊભા થયા ત્યારે. કોઈ સાંભળે નહીં.

    બીજા સમકાલીન ભારતીય નેતાઓ કેવા મહાન હતા એની ખાસ નોંધ કરે: ફિરોજશાહ મહેતા તો મુંબઈના ‘બેતાજ બાદશાહ, અને મુંબઈના સિંહ હતા…અને હિમાલય જેવા, લોકમાન્ય તિલક સમુદ્ર જેવા તો ગોખલે ગંગા જેવા.’ આ બધા અને બીજાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ જેમની મહત્તાનાં વખાણ કરતાં એમની જીભ સુકાતી નહોતી, તેમાંથી કોઈ પણ મારી દૃષ્ટિએ ગાંધીજીની કક્ષાના હતા નહીં. આમ કહેવામાં હું એ નેતાઓની મહત્તા સ્વીકારતો નથી એવું નથી, પણ એટલું જ કહેવાનું કે એમાંનું કોઈ પણ એમની કક્ષાનું ન હતું, એવી હતી ગાંધીજીની બહુમુખી પ્રતિભા અને મહાનતા.

    છતાં એમણે પોતાના સામાન્ય દોષો કે ભૂલોને કેવું મોટું સ્વરૂપ આપ્યું હતું! પોતે ભૂલ કરે તો એ ‘પહાડ જેવડી ભૂલ’ હોય એમ વાત કરે! નાનપણમાં કિશોર સહજ એકાદ બીડી ફૂંકી કે થોડું માંસ ખાઈ લીધું કે થોડું ખોટું બોલ્યા, અથવા તો વેશ્યાવાડામાં એક આંટો માર્યો અને તે પણ સાવ નકામો—આવી ઝીણી ઝીણી વાતને એમણે ચોળીને ચીકણી કરી છે. એમાંય પિતાના મૃત્યુ સમયે એમની સાથે હોવાને બદલે પોતે પત્ની સાથે સૂતા હતા તેનો ડંખ તો એમને જિંદગીભર સતાવતો રહ્યો હતો. બિનકસરતી નબળું શરીર; ચોર, ભૂત અને સાપના ભયથી રાતે દીવા વગર અંધારામાં ન સૂઈ શકે એવો બીકણ સ્વભાવ, ભણવામાં સાવ સામાન્ય—આવું બધું ભોળાભાવે વાંચતા હું એમ માનતો થઈ ગયો કે આવો સાવ સામાન્ય માણસ જો મહાત્મા થઈ શકતો હોય તો હું શા માટે ન થઈ શકું?

    ત્યારથી જ નક્કી કરેલું કે થવું તો ગાંધીજી જેવા થવું! ગાંધીજી મારું જિંદગીભરનું obsession રહ્યા છે. દેશમાં જાઉં અને જો હું અમદાવાદ ગયો હોઉં તો જરૂર સાબરમતી આશ્રમમાં આંટો મારું, અને દિલ્હી ગયો હોઉં તો રાજઘાટ પર. મારી દૃષ્ટિએ સ્વતંત્ર ભારતના આ સૌથી અગત્યનાં પવિત્ર તીર્થસ્થાનો છે. જતી જિંદગીએ જ્યારે હું કવિતા ભણી વળ્યો ત્યારે મારી ગાંધીભક્તિ મેં ચાર સૉનેટમાં વ્યક્ત કરી છે.

    બહુમુખી પ્રતિભા

    ગાંધીજી કેવા મહાન હતા તે તો મને પરદેશમાં આવ્યા પછી સમજાયું. દેશમાંથી બહાર નીકળ્યા પછી ઘણું બધું ફરવાનું થયું છે, અમેરિકામાં તેમ જ દુનિયાના અનેક દેશોમાં. કોઈ પણ ઠેકાણે જાઉં, તક મળે તો બુકસ્ટોરમાં જરૂર આંટો મારું. જોઉં કે લોકો શું વાંચે છે, ખરીદે છે. બાયોગ્રાફીના સેક્શનમાં જોઉં તો ગાંધીજી વિશે સ્થાનિક ભાષામાં લખાયેલાં કે અનુવાદ થયેલાં પુસ્તકો, ખાસ તો એમની આત્મકથા જરૂર જોવા મળે. એમના વિશે અનેક ભાષાઓમાં કેટલું બધું લખાયું છે! છતાં ભાગ્યે જ એવું વરસ જાય કે પશ્ચિમમાં એમના વિશે કાંઈક અને કાંઈક નવું દળદાર પુસ્તક ન લખાયું હોય. શરમની વાત તો એ છે કે એમની માતૃભાષા ગુજરાતીમાં જ એમનું કોઈ આધારપૂર્ણ, પ્રમાણભૂત અને સમતોલ જીવનચરિત્ર હજી સુધી લખાયું નથી. જે લખાયું છે તેમાં મોટે ભાગે એમની પ્રમાણભાન વિનાની પ્રશસ્તિગાથા જ હોય છે. આવાં રેઢિયાળ જીવનચરિત્રોમાં મને આપણી યુનિવર્સિટીઓના સંશોધનનાં નીચાં ધોરણો દેખાય છે, અને સાથે સાથે આપણા પ્રૉફેસરોની સંશોધન પ્રત્યેની ઉદાસીનતા અને પાંડિત્ય કેળવવા માટે જરૂરી ઉદ્યમનો અભાવ પણ દેખાય છે.

    વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં મારી અટક સાંભળતા તરત પ્રશ્ન પુછાય: તમે મહાત્માના કંઈ સગા થાવ કે? આજે મને અમેરિકા આવ્યે પચાસ વરસ થયાં. વિદેશવાસનાં આ વર્ષો દરમિયાન જે કાંઈ થોડી ઘણી મુશ્કેલી પડી તેની સરખામણી ગાંધીજીએ લંડન અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં જે હાડમારીઓ સહન કરી હતી તેની સાથે ન જ થઈ શકે. પરંતુ એમણે જે નીડરતા અને આત્મવિશ્વાસથી વિદેશવાસની હાડમારીઓનો સામનો કરેલ તે મારે માટે આજે પણ અજાયબીની વાત છે! ક્યાંથી આવી એ નીડરતા? એ આત્મવિશ્વાસ?

    સ્વાતંત્ર્ય સંગ્રામમાં બોમ્બ ફેંકીને પકડાવાના ડરે ભાગીને સંતાઈ જતા ક્રાંતિકારીઓની હિંમતની વાત ઘણી વાર થાય છે. ત્યારે આ ભડવીર માણસ ભાગવાની વાત કરતો નથી. એ તો બ્રિટિશ રાજ્યને ચેલેન્જ આપીને કહેતા કે હું અહીંયા છું આવીને મને પકડી જાવ. કોર્ટમાં બ્રિટિશ જજને કહે છે કે હા, મેં જ બ્રિટિશ રાજ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી છે, તમે મને જે જેલની સજા આપશો તે ખુશીથી ભોગવીશ. તમારો કાયદો કહે તેમ જ મને વધુ ને વધુ સજા કરો! દેશના રાજકારણમાં ગાંધીજી આવ્યા ત્યાં સુધી આપણા નેતાઓ દર વર્ષે ભરાતા કૉંગ્રેસના અધિવેશનમાં ભભકાદાર અંગ્રેજીમાં ભાષણો અને ઠરાવો કરીને સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલતા હતા! એમાંથી ભાગ્યે જ કોઈની ત્રેવડ હતી કે બ્રિટિશ સરકારના જુલમી વહીવટને સામે ચાલી પડકારે અને કહે કે તમારે જે કરવું હોય તે કરો, હું તમારી જેલથી ડરતો નથી. દેશની સ્વતંત્રતા માટે હું જેલમાં જવા તૈયાર છું. એ લડતમાં જો મરવું પડે તો હું મરવા તૈયાર છું. આવી ‘કરેંગે યા મરેંગે’ની ખુમારી એક વખતના આ બીકણ માણસમાં ક્યાંથી આવી? અને આવી ખુમારી બીજાં કેટલાં નેતાઓમાં હતી?

    ગઈ સદીની શરૂઆતમાં જ્યારે યુરોપના ધુરંધર નેતાઓ પહેલા વિશ્વયુદ્ધના મહાન હિંસક મોરચાઓની મસલત કરી રહ્યા હતા ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના અંધારા ખૂણામાં અહિંસક મોરચાનું આયોજન કરી રહ્યા હતા. અહીં જ એમણે organized nonviolent mass movement—સંગઠિત સામૂહિક પણ અહિંસક આંદોલનના શ્રી ગણેશ માંડ્યા. એ એમને કેવી રીતે સૂઝ્યું? અમેરિકાની સિવિલ રાઈટ્સ મુવમેન્ટ હોય કે, આરબ સ્પ્રિંગ હોય, કે બાલ્ટિક દેશોની સ્વતંત્રતા મેળવવાની ઝુંબેશ હોય—આખી દુનિયાના લોકો એ અહિંસક ચળવળનો દાખલો લઈને આજે જુલમગારોના ત્રાસમાંથી મુક્તિ પામે છે.

    ગરીબમાં ગરીબ, દુઃખીમાં દુઃખી લોકોની સેવામાં એમણે જીવન ઓગાળી દીધું, તો આવી લોકસેવા કરવાની ધગશ એમને ક્યાંથી લાગી? આવું સમસંવેદન એમને કેવી રીતે મળ્યું? દેશના ગરીબોની વ્યથા સમજવા માટે એમની સાથે એ આત્મસાત થયા. માત્ર શબ્દોથી નહિ, પણ રોજબરોજના જીવનવ્યવહારમાં, ખાવા, પીવા અને પહેરવામાં. વાતો કરીને નહિ, પણ પોતાનું જીવનપરિવર્તન કરીને. અસ્પૃશ્યતાનિવારણ કરવું હોય તો ભંગીવાસમાં જઈને રહેવું પડે. ગ્રામોદ્ધાર કરવો હોય તો ગામડાંઓમાં જઈને ગામડિયાઓની સાથે જઈને રહેવું પડે. આમ દેશના દુઃખિયારાઓની પરિસ્થિતિનું એમનું જ્ઞાન એ પોથીમાંના રીંગણાનું નહીં, પણ જાત અનુભવનું હતું. એ કહેતા: “I do not know whether you have seen the world as it really is. For myself, I can say I perceive the world in its grim reality every moment.” (૧૯૧૮).

    એમને એ પણ ખબર હતી કે દેશની ગરીબી હઠાવવી હોય તો એ કોઈ સ્લોગન કે વરદીની, કે પંચવર્ષીય યોજનાની વાત ન હતી. તે માટે તો ગરીબો વચ્ચે રહીને કામ કરવાની વાત હતી. આ એક બે દિવસ કે વરસ બે વરસની વાત ન હતી, એમાં તો જીવન અર્પી દેવું પડે, અપાર ધીરજ ધરવી પડે. કંઈક સવળાં પાસાં ન પડે તો હિમ્મત ન હરાય કે નિરાશ ન થવાય. એમણે બરાબર કહેલું કે : “I am not a quick despairer.” (૧૯૨૨) આવી નિરંતર સેવા કરવામાં જ એમણે એમના જીવનની સાર્થકતા જોઈ હતી: “For men like me, you have to measure them not by the rare moments of greatness in their lives, but by the amount of dust they collect on their feet in course of life’s journey.” (૧૯૪૭)

    માત્ર રાજકારણ જ નહિ, પણ જીવનના એકેએક ક્ષેત્રમાં એમણે આખીયે જિંદગી સતત પ્રયોગ કર્યા કર્યા છે. સાચા અર્થમાં એ પ્રયોગખોર મહાત્મા હતા. ખોરાક, પોશાક, શિક્ષણ, આરોગ્ય, બાળ ઉછેર, સેક્સ, ગ્રામસેવા, ધર્મ, સાહિત્ય, અર્થશાસ્ત્ર–જીવનનું ભાગ્યે જ કોઈ એવું પાસું હશે કે જે વિશે એમણે વિચાર ન કર્યો હોય, કે એ બાબતમાં કંઈક એમણે અજમાવ્યું ન હોય કે જેમાં એમને કંઈક ને કંઈક કહેવાનું ન હોય. અને એ બધું કહેવામાં એમણે કોઈ સંકોચ નહોતો રાખ્યો. જીવનભર જેમ એ કાર્યરત રહ્યા હતા, તેમ એ કંઈ ને કંઈ લખતા પણ રહ્યા. એમના સમગ્ર લખાણના ગ્રંથોની સંખ્યા સો સુધી પહોંચી છે! આ માણસ શરમાળ હતો? “શરમાળપણું એ મારી ઢાલ” એમ કહેતો!

    માટીમાંથી માનવ બનાવવાનો એમની પાસે જાદુ હતો. દેશનાં ગભરુ લોકો જે હંમેશ બ્રિટિશ રાજકર્તાઓથી ફડફડતાં હતાં તેમનો ભય એમણે દૂર કર્યો. કહ્યું કે કોઈથી ગભરાવાની જરૂર નથી. એટલું જ નહીં પણ બધા જ ત્રાસ કરનારા લોકો હતાં તેમની સામે શીંગડા ભરાવતા શીખવાડ્યું. દેશમાં અબળા ગણાતી સ્ત્રીઓને પણ એમણે ઘરમાંથી બહાર લાવી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડી અને એમને જેલમાં જતી કરી! ગાંધીયુગમાં દેશને કેવા કેવા મહાન માણસો મળ્યા! અને માત્ર રાજકારણમાં જ નહીં, પણ જીવનના અનેક ક્ષેત્રે. અનેકવિધ લોકોસાથે વિધવિધ સંજોગોમાં કામ કરવું અને કરાવવું એ એમની અદ્ભુત ખૂબી હતી. એ એમને ક્યાંથી મળી? બલિદાન અને ત્યાગની અપેક્ષા જ્યારે એ બીજા પાસે રાખતા ત્યારે એ બાબતમાં તેમણે પોતાનું નામ પહેલું નોંધાવ્યું હોય જ.

    એમના માનવ સંબંધો, એમની સેવાભાવના સર્વથા નિર્વ્યાજ હતાં. આઠેક દાયકાની જિંદગી પછી એ કયો દલ્લો મૂકી ગયા? સાબરમતી આશ્રમમાં એ મિલકત હજી એમને એમ પડી છે : રેંટિયો, ચપ્પલ, ચશ્માં, ડેસ્ક વગેરે નિત્ય જીવનની જૂજ જરૂરિયાતની વસ્તુઓ. ૧૯૪૭ના ઑગસ્ટની પંદરમીએ મુખ્યત્વે એમના જ નેતૃત્વ નીચે દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે એ ક્યાં હતા? રાજધાની દિલ્હીમાં સ્વતંત્રદિનની ઉજવણીમાં એ નહોતા પડ્યા, કે સ્વતંત્ર ભારતના પ્રમુખ કે વડા પ્રધાન થવાની તજવીજમાં નહોતા પડ્યા. એ તો બંગાળનાં કોમી હુલ્લડોમાં ફસાયેલા નિરાધાર લોકોની સેવામાં, એમને બચાવવામાં જાનના જોખમે પગપાળા ગામડે ગામડે ઘૂમતા હતા. આવો નિસ્વાર્થ ભાવ એમનામાં ક્યાંથી આવ્યો?

    કહેવાય છે કે છેલ્લાં બેએક હજાર વર્ષમાં ગાંધીજી જેવો માણસ દુનિયાને જોવા મળ્યો નથી. મહાન વિજ્ઞાની આઇનસ્ટાઇને તો ત્યાં સુધી કહ્યું કે ભવિષ્યમાં લોકો એમ માનશે પણ નહિ કે આવો માણસ આ પૃથ્વી પર એક વાર સદેહે જીવ્યો હતો. સહજ જ પ્રશ્ન થાય કે આવી મહાન વિશ્વવિભૂતિને હું આદર્શ માનીને બેસું એનો અર્થ શો? એમના જેવા થવાનું મારું ગજું નથી એવું કહેવું પણ નિરર્થક છે. મને ખાત્રી છે કે આ ભવમાં તો હું ક્યારેય આ આદર્શ સુધી પહોંચવાનો નથી જ નથી. તો પછી જે અશક્ય છે તેને આદર્શ માનીને શા માટે બેસવું? મેથેમેટિક્સમાં Asymptotic—અનંતસ્પર્શીય—એવો એક કન્સેપ્ટ છે. એટલે કે પરિઘથી ફંટાયેલી એક લીટી બીજી એક લીટીને મળવા પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એ નજીક આવે છે, પણ કદીયે એ બે લીટીઓ મળી શકતી નથી. છતાં મળવાનો એ પ્રયત્ન તો ચાલુ જ રહે છે.

    બલવંતરાય ઠાકોરની એક પંક્તિ છે : ‘નિશાન ચૂક માફ, કિન્તુ નહીં માફ નીચું કદી.’ કોઈ મને એમ ન કહી શકે કે મારું નિશાન નીચું છે! આખરે જીવનમાં આપણે કશુંક અગત્યનું મેળવવું હોય તો તેને માટે નિરંતર અસાધારણ પરિશ્રમ કરવો જોઈએ. માણસમાં ઈશ્વરદત્ત પ્રતિભા ભલે હોય પણ જો એ પ્રતિભાબીજની માવજત ન કરી હોય તો એ વિશિષ્ટતા અચૂક વેડફાઈ જવાની. મારામાં કોઈ ઈશ્વરદત્ત શક્તિ કે મેધાવી બુદ્ધિ તો નથી જ નથી, પરંતુ જે કોઈ થોડીઘણી છે તેની પણ મેં માવજત નથી કરી. એ જાળવણી માટે અસાધારણ પરિશ્રમપરાયણતા હોવી જોઈએ એ મારામાં નથી. છતાં આવા અસાધ્ય ધ્યેયની પાછળ પડી રહેવામાં હું મારા જીવનનો વિકાસ જોઉં છું. આ અનંતસ્પર્શીય આદર્શની પ્રાપ્તિની મથામણમાં જ હું જીવનની સાર્થકતા જોઉં છું.

    મોટી નવાઈની વાત એ છે કે જીવનસંધ્યાએ જ્યારે આ લખી રહ્યો છું, ત્યારે પણ આ અસાધ્યતાની વાસ્તવિકતા હું સ્વીકારી શકતો નથી. હું હજી પણ જે લેઇટ બુમર મહાનુભાવોએ મોટી ઉંમરે સિદ્ધિઓ મેળવી છે તેમનો અભ્યાસ કર્યા કરું છું અને ઊંડે ઊંડે આશા રાખું છું કે કદાચ મારું પણ એવું થાય! ઘણો વખત આ બાબતમાં પશ્ચિમ જર્મનીના ભૂતપૂર્વ ચાન્સલર કોનરાડ એડીનાવર અને આપણા મોરારજી દેસાઈ જે બન્ને બહુ મોટી ઉંમરે પોતાના દેશના મુખ્ય સૂત્રધાર થયેલા એ મને બહુ કામે લાગતા! જો કે જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ આ યુક્તિ બહુ ચાલશે નહીં.

    અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી.એફ.ઓ. તરીકે મેં જે ભાગ ભજવ્યો તે અહીંના ટીવી છાપાં ઉપરાંત દેશના ટીવી છાપાંમાં પણ ઓછુંવત્તું આવ્યું. આમ હું દેશમાં પણ ક્યારેક ક્યારેક છાપે ચડ્યો. મને ઘણી વાર પૂછવામાં આવે છે કે ડિસ્ટ્રીકની નાણાંકીય પરિસ્થિતિમાં જે ધરખમ ફેરફાર થયા એ કેવી રીતે થયા? “તમે જે કામ વૉશિંગ્ટનમાં કર્યું તે દેશમાં ન થઈ શકે? દેશની નાણાંકીય પરિસ્થિતિ કેવી રીતે સુધરે? તમે જે કામ કર્યું છે તે વિશે કેમ લખતા નથી?” એક ભારતીય ઈમિગ્રન્ટ પરદેશ, અને તેમાંય અમેરિકામાં જઈને આ કામ કેવી રીતે કરી શક્યો હશે તે કુતુહલના જવાબમાં પણ કઈંક અંશે આ આત્મકથા લખાઈ છે. તેથી જ તો અહીં મારા પ્રોફેશનલ જીવનની ગતિવિધિ વધુ છે. અંગત જીવનની મથામણો પ્રમાણમાં ઓછી છે. અને જે છે તે પણ પ્રોફેશનલ જીવનમાં અનિવાર્યતઃ અંતર્ગત હતી તે જ છે.

    જન્ક બોન્ડના સ્ટેટસમાંથી વૉશિંગ્ટનનું AA and AAA સુધીના બોન્ડ રેટિંગ સુધી ઝડપથી પહોંચવું એ અમેરિકન મ્યુનિસિપલ ફાઈનાન્સ ક્ષેત્રે ખરેખર જ અસાધારણ ઘટના હતી. મારા પ્રોફેશનલ જીવનની એ એક મહાન ઘટના હતી. છતાં હું જ્યારે મારા જીવન વિશે વિચાર કરું છું ત્યારે થાય છે કે સોલોમન ગ્રંડીની12 સાધારણતાની પેલી વાત, મારી આજુબાજુના હજારો અને લાખો લોકોની જેમ મને પણ લાગુ પડે જ છે. ભલે ને મને મારા જીવનની આ સાધારણતા સ્વીકારવાનું આકરું લાગતું હોય, પણ હું મારી જાતને આજે પૂછું છું: કે ભાઈ, તેં ક્યો મોટો વાઘ માર્યો છે કે તું આ બધું લખવા બેઠો? તું ક્યાં મોટો ગાંધીજી કે ચર્ચિલ થઈને બેઠો છે કે લોકોને તારા જીવનમાં રસ હોય? આ પ્રશ્ન મને પણ સતાવે છે.

    મારા ભાવનાસૃષ્ટિના આદર્શો સુધી પહોંચું કે ન પહોંચું, તેની બીજાઓને ન પડી હોય તે હું સમજી શકું છું, પણ મને એ નિષ્ફળતાનો મોટો ડંખ રહ્યો છે. અને એ સમજવા હું પ્રયત્ન કરું છું. આત્મકથન એ આત્મશોધનનો જ એક પ્રકાર છે. હું તો ત્યાં સુધી કહું કે જ્યાં સુધી તમે લખો નહીં ત્યાં સુધી તમે શું વિચારો છો તે જાણવું મુશ્કેલ છે. એ દૃષ્ટિએ હું આ લખીને જાતને પામવાનો પ્રયત્ન કરું છું. કદાચ બીજું કાંઈ નહીં તો ઓછામાં ઓછું મારી નિષ્ફળતા વિશે જરૂર લખી શકું. માલ્કમ મગરીજ નામના એક બ્રિટિશ પત્રકારની આત્મકથાનું શીર્ષક છે, Chronicles of Wasted Time. એ પ્રમાણે આ મારી નિષ્ફળતાની રામકહાણી છે એમ માનો. ઉપરવાળો મને પૂછે એ પહેલાં મારે જ મારી જાતનો હિસાબ આપવો છે, કે ભાઈ તને જીવન જીવવાની જે ઉમદા તક મળી તેનું તેં શું કર્યું? આ જિંદગીમાં તેં શું ઉકાળ્યું? અને જીવનની પરીક્ષામાં હું જો નપાસ થયો તો કેમ થયો?

    સાડા સાત દાયકાની આ જિંદગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવા લેબલ લગાડવા એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરૂર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે તો એ વાતમાં હું માત્ર એમની બડાશના બણગા જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવન સાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે જેને ઇંગ્લીશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોલકલ્પિત છે!13

    કશું પણ આત્મકથન આખરે તો જાત વિશેની જાહેરખબર જ હોય છે. લેખક ઢંઢેરો પીટાવીને ગામને કહે છે કે જુઓ હું કોણ છું, મેં શું શું કર્યું છે, વગેરે. એ દૃષ્ટિએ પ્રખ્યાત અમેરિકન કવિ એમિલી ડિકિન્સને (Emily Dickinson) જે ચેતવણી આપી છે તે વિચારવા જેવી છે :

    How dreary—to be—Somebody!
    How public—like a Frog—
    To tell one’s name—the livelong June—
    To an admiring Bog!

    આજે જીવનસંધ્યાએ બેઠો બેઠો હું વિચારું છું કે હું જીવન કેમ જીવ્યો, હું ક્યાં ક્યાં ભમ્યો, મેં શું શું જોયું, કોને કોને મળ્યો, કોણે કોણે મારો હાથ પકડ્યો, અને મેં કોના કોના હાથ પકડ્યા, કોને કોને મેં દુભવ્યા, કોને અન્યાય કર્યો, ક્યાંથી મને નિર્વ્યાજ પ્રેમ મળ્યો અને મેં કોને એવો જ પ્રેમ આપ્યો–આવી બધી વાત લખવી છે. જે ઠેકઠેકાણે, દેશ વિદેશમાં અનેક નોકરીઓ કરી છે, તેની જ વાત કરું તોય મને મારી ગતિવિધિનો ખ્યાલ આવે. વધુમાં મારી જિંદગીમાં જે બન્યું છે તે વાત જો હું સચ્ચાઈ અને પ્રામાણિકતાથી કરું તો એમાંથી કંઈક નક્કર નીપજે.

    રોબર્ટ ફ્રોસ્ટની એક પ્રખ્યાત કવિતા ‘Road Not Taken’ની અંતિમ પંક્તિઓ છે : ‘Two roads diverged in a wood, and I­— I took the one less travelled by, and that has made all the difference.’ મારું કંઈક ઊંધું જ થયું છે. મેં જે રસ્તો પકડ્યો તે ચીલાચાલુ હતો, બધા જે રસ્તે જતા હતા તે બાજુ હું વળી ગયો. ભાગ્યે જ જ્યાં કોઈ જતું ત્યાં જવાનું જોખમ મેં નથી લીધું. એમ કેમ થયું? મેં એવા દાખલાઓ જોયા છે કે માણસ એકલો હિમાલયના પ્રવાસે નીકળી પડે અને છ મહિને પાછો આવે. એક મિત્ર મુંબઈથી હીચ હાઈકિંગ કરીને અફઘાનિસ્તાન પહોંચ્યા પછી ઘરે કાગળ લખીને જણાવ્યું કે અહીંથી હું યુરોપ જવાનો છું. આવું કોઈ સાહસ મેં કર્યું જ નથી. એમ કેમ?

    હું સ્કૂલમાં હતો ત્યારે તોફાની છોકરાઓમાં મારી ગણતરી નહોતી થતી. ક્યારેય કોઈ છોકરીની છેડતી કરી હોય, નિશાળમાં માસ્તરનો હુરિયો બોલાવ્યો હોય, તોફાન કર્યાં હોય, મારામારી કરી હોય, ક્લાસમાં ગુટલી મારી ફિલ્મ જોવા ગયો હોઉં–એવું કશું જ મેં કર્યું નથી. અમેરિકનો જેને ‘messing around,’ કહે છે, એવું મેં કંઈ કર્યું જ નથી. ઊલટાનું મારી ગણતરી ડાહ્યાડમરા છોકરામાં થતી! પશ્ચિમના દેશોમાં જે વિશ્વયુદ્ધો થયાં તેમાં અસંખ્ય કિશોરો અને યુવાનો જોડાયેલા. સોળ, સત્તર વરસનો છોકરો લશ્કરમાં જોડાય અને દુનિયા ફરી આવે. પ્રખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે જ્યારે ઇટલીમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ગયેલા અને ઘવાયેલા ત્યારે તેની ઉંમર માત્ર અઢાર વરસની હતી! વિન્સ્ટન્ટ ચર્ચિલ પચીસના થયા એ પહેલા ક્યુબા, ઇન્ડિયા, સુદાન અને સાઉથ આફ્રિકાની લડાઈઓમાં ભાગ લઈ ચૂક્યા હતા. આપણા દેશમાં પણ ત્રીસી અને ચાલીસીના દાયકામાં ઉછરેલા કિશોરો અને યુવાનોને દેશની સ્વતંત્રતાની ઝુંબેશમાં જોડાવાની તક હતી. ખુદ મારા પિતાશ્રી જ કિશોરવયમાં જેલમાં જઈ આવેલા. લાઠીનો માર ખાઈ આવેલા. આવું કોઈ સાહસ કરવાની મારા જમાનાના કિશોરોને કોઈ તક મળી નથી, અને જો મળી હોય તો મેં તો લીધી જ નથી.

    ઘરમાંથી મને જો ગિરનારના પર્યટનમાં જવાની પણ જો રજા ન મળતી હોય તો લશ્કરમાં જોડાવાની તો વાત ક્યાં કરવી? છોકરાઓને શિસ્ત મળે તે માટે એનસીસી અને એસીસીમાં જોડાવાની તક સ્કૂલમાં મળતી. એમાં છોકરાઓને યુનિફોર્મ મળે, કૂચ કરવા મળે, લાઠી કેમ ચલાવવી એની ટ્રેનિંગ મળે. મારે એમાં ખૂબ જોડાવું હતું, પણ ઘરેથી સ્પષ્ટ ના પાડી: આપણે એવા કોઈ લશ્કરનાં ધીંગાણાં કરવા નથી જવું! સ્કૂલના કેટલાક છોકરાઓને એ યુનિફોર્મમાં કૂચ કરતા જોઈ ઈર્ષાથી હું જલી જતો.

    કૌટુંબિક પરિસ્થિતિ, બીજાઓ પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન, બીજાઓની મારા માટેની શું અપેક્ષાઓ છે, મારે માટે શું ધારશે એનો જ સતત ખ્યાલ કરીને મેં હંમેશ સરળ દેખાતો રસ્તો લીધો છે. એ સહીસલામતીવાળું પગલું ભરવામાં હું મારી ગભરુ મનોદશા જ જોઉં છું. કટોકટીના ટાણે લોકોની ઐસી તૈસી કરીને મન ફાવે તેમ કરવાની મારામાં હિમ્મત કોઈ દિવસ આવી નથી. જેમ કોઈ સાહસી લોકો બધું ફગાવીને ચાલી નીકળે અને મનનું ધાર્યું કરે છે તેવું મેં ક્યારેય કર્યું નથી. એમ કરવામાં સાહસ છે, જોખમ છે, પણ સાથે સાથે નવું અજમાવવાનું, નવી સીમાઓ ઓળંગવાનું અને નવી ક્ષિતિજો સુધી પહોંચવાનું excitement પણ છે જે મેં કદી અનુભવ્યું નથી.

    જો કે આજે જે નથી કર્યું અને જે ગુમાવ્યું છે તેનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. આશય માત્ર છે સમજવાનો કે શા માટે હું જોખમ લેતો નથી. અલબત્ત, અહીં એક માણસની આપવીતીની વાત છે. આવી આત્મકથા વ્યક્તિના ગમા અણગમા અને પૂર્વગ્રહોથી રંગાયેલી હોય એ સ્વાભાવિક છે.


    ક્રમશઃ

     

  • પર્યુષણ નિમિત્તે જૈન ધર્મને આવરી લેતી કળાકૃતિઓ

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kala Sampoot – jain Artwork Paryushan Parva

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારતમાં પાર્લામેન્ટના મેમ્બરને સેલરી મળે છે પરંતુ પંચાયતના સભ્યને મળતી નથી. દેશના પ્રધાનમંત્રીને પગાર મળે છે પણ ગામના સરપંચને મળતો નથી! લોકતંત્રના પાયાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કોઈ જ પગાર ન મળે પણ ટોચનાને મળે તે જરી વિચિત્ર લાગે છે નહીં? એટલે પંચાયતથી પાર્લામેન્ટ અને સરપંચથી વડાપ્રધાન સુધીના લોકપ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ કે કેમ અને કેટલો તે સવાલ હંમેશા ચર્ચાતો રહ્યો છે.

    આઝાદીના સાડા સાત દાયકે પણ સાંસદો અને ધારાસભ્યોના પગાર માટે દલા તરવાડી નીતિ ચાલે છે. આ માનનીયો પોતાનો પગાર પોતે જ નક્કી કરે છે અને વધારે છે. વળી તેમાં ગાંધી-વૈધ્યનું સહિયારાપણું અડીખમ છે. પગાર વધારાના મુદ્દે સત્તાપક્ષની સાથે  વિરોધપક્ષ પણ બરાબરનો જોડાયેલો હોય છે. ગુજરાત જેવામાં તો  હાલ પગાર વધારાની માંગણી જ ક્ષીણ વિરોધ પક્ષના ધારાસભ્યો કરે છે.

    લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું વેતન છેલ્લે ૨૦૧૮માં વધારવામાં આવ્યું હતું. તેના સાત વરસો પછી ૨૦૨૫માં સાંસદોના પગાર-ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર વધારાની સરાહનીય બાબત એ છે કે વેતન વૃધ્ધિ પારદર્શી પ્રક્રિયાથી કરવામાં આવી છે. વરસે ૩.૧ ટકાના દરે સાત વરસનો કુલ ૨૪ ટકા પગાર વધારો કર્યો છે .જે વાજબી લાગે છે.

    ૨૦૧૮માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી દર પાંચ વરસે આપોઆપ સાંસદોના વેતનમાં વૃધ્ધિ થાય અને તેને મોંઘવારી તથા ફુગાવા સાથે જોડવામાં આવે તેવો પ્રસ્તાવ લાવ્યા હતા. ફાયનાન્સ બિલ ૨૦૧૮થી સંસદ સભ્યોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ ૧૯૫૪માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારાથી સાંસદોના વેતનની પ્રક્રિયાને બિનરાજકીય અને પારદર્શી બનાવવામાં આવી છે અને વેતન માટેનું વ્યવસ્થિત તંત્ર ઉભું કરવામાં આવ્યું છે..

    સાંસદોને મહિને જે રૂ. ૧ લાખ પગાર મળતો હતો તેમાં છેલ્લા સુધારાથી રૂ. ૧.૨૪ લાખ મળે છે. પગારમાં અન્ય ભથ્થાં ઉમેરતાં માસિક રૂ.૨.૮૬ લાખ થાય છે. સાંસદોને મતવિસ્તારની દેખરેખ માટે રૂ.૮૭,૦૦૦, કાર્યાલય ખર્ચ માટે રૂ.૭૫,૦૦૦ અને સંસદની બેઠક ચાલુ હોય ત્યારે દૈનિક રૂ. ૨૫૦૦ ભથ્થું પણ આપવામાં આવે છે. માનનીયોને આવાસ ઉપરાંત  વીજળી, પાણી, ટેલિફોન, ઈન્ટરનેટ, હવાઈ અને રેલવે મુસાફરી સાવ નિશુલ્ક કે નજીવા દરે મળે છે.

    લોકશાહીનું પારણું ગણાતા યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)માં મધ્યયુગમાં સાંસદોના ખર્ચા લોકફાળાથી પૂરા થતા હતા. સત્તરમી સદીમાં તે પ્રથાનો અંત આવ્યો. છેક વીસમી સદીના આરંભ સુધી હાઉસ ઓફ કોમન્સના મેમ્બર્સ અવેતનિક હતા. ઈ.સ. ૧૮૩૮માં સાંસદોને વેતન મળવું જોઈએ તેવો પ્રસ્તાવ સૌ પ્રથમ વખત આવ્યો હતો. ૧૮૭૦ થી ૧૮૯૫ દરમિયાન સંસદમાં પાંચ વખત તેના પર ચર્ચા થઈ હતી. વીસમી સદીના આરંભે લેબર પાર્ટીના ઉદય સાથે સાંસદોના પગારની માગણી બળવત્તર બની. ૧૯૧૧માં પહેલી વખત હાઉસ ઓફ કોમન્સના સભ્યોને ૪૦૦ પાઉન્ડ વાર્ષિક  વેતન મળતું થયું. એ સમયે યુ.કેમાં માથાદીઠ આવક ૭૦ પાઉન્ડ હતી. વર્તમાનમાં (એપ્રિલ ૨૦૨૫માં) યુ.કે.માં સાંસદોને વરસે ૯૩,૯૦૪ પાઉન્ડ વેતન-ભથ્થા મળે છે. જોકે હાઉસ ઓફ લોર્ડસના સભ્યોને કોઈ વેતન મળતું નથી.

    ભારતની પહેલી લોકસભાના સભ્યોને માસિક રૂ. ૪૦૦ પગાર મળતો હતો. આજે તે વધીને રૂ. સવા લાખ અને ભથ્થા સાથે લગભગ ત્રણ લાખ થયો છે. અત્યાર સુધીમાં અગિયાર વખત સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભ્યોના પગાર વધારા સાથે સરેરાશ ૪૦ વખત સાંસદો-ધારાસભ્યોના પગારમાં વૃધ્ધિ થઈ છે. કેન્દ્ર અને રાજ્યોના કર્મચારી-અધિકારીને હાલમાં સાતમા વેતન આયોગની ભલામણો મુજબના પગારો મળે છે. એટલે કે તેમના વેતનમાં માત્ર સાત જ વખત વધારો થયો છે જ્યારે જનપ્રતિનિધિઓએ મનમાની આચરીને ખુદના પગારો ચાળીસ વખત વધાર્યા છે.

    લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પગાર-ભથ્થાં તર્કસંગત પણ જોવા મળતા નથી. કેટલાક રાજ્યોની વિધાનસભાના સભ્યોના પગારો લોકસભા-રાજ્યસભાના સભ્યો કરતાં વધારે છે. તો ક્યાંક વડાપ્રધાન કરતાં મુખ્ય મંત્રી વધારે પગાર મેળવે છે. તેલંગણા(જ્યાં હાલમાં કોંગ્રેસની સરકાર છે) ના મુખ્યમંત્રીને મહિને રૂ.૪,૧૦,૦૦૦ પગાર મળે છે.  જે દેશના તમામ મુખ્યમંત્રીઓમાં સૌથી વધુ છે. ગુજરાતના મુખ્યમંત્રીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કરતાં રૂ.૪૪,૦૦૦ ઓછો પરંતુ મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કરતાં રૂ. ૬૬,૦૦૦ વધુ પગાર મળે છે. એક મોટી મહાનગરપાલિકા જેવા દિલ્હીના મુખ્યમંત્રીનો પગાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કરતાં તો વધારે છે જ કદાચ દેશમાં બીજા ક્રમે સૌથી વધુ પગાર તે મેળવે છે.

    પંચાયતી રાજ લોકતંત્રની આધારશિલા છે પરંતુ ગ્રામ, તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યોને કોઈ પગાર મળતો નથી. સરપંચને ઘણી નાણાકીય સત્તાઓ મળી છે પરંતુ તે ખુદ અવેતનિક છે. તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો અને સમિતિના સભ્યોને નજીવું માનદ વેતન મળે છે. જો ધારાસભ્યો અને સાંસદોને પગાર-ભથ્થાં મળતા હોય તો પંચાયતના સભ્યોને કેમ નહીં તેનો કોઈ યોગ્ય જવાબ મળતો નથી.

    દુનિયાના બીજા લોકશાહી દેશોએ લોકપ્રતિનિધિઓના પગારોમાં વૃધ્ધિ માટે તટસ્થ સભ્યોની સમિતિની રચના કરી છે અને તેની ભલામણો પરથી પગારમાં વધારો થાય છે.પરંતુ ભારતમાં આજે પણ સાંસદો અને ધારાસભ્યોના પગાર વધારાનો નિર્ણય તેઓ પોતે જ કરે છે. પરિણામે સાદગીના સંકલ્પ સાથે દિલ્હીમાં સત્તાનશીન થયેલી આમ આદમી પાર્ટીએ પહેલા જ સત્તાકાળમાં ધારાસભ્યોના પગારમાં ૪૦૦ ટકાનો વિક્રમી વધારો કર્યો હતો. ચૂંટાયેલા સભ્યોને ઘર ખર્ચ  ઉપરાંત રાજકીય કામકાજ માટે નાણાની જરૂર હોય છે એટલે તેમને પગાર તો મળવો જ જોઈએ એવી દલીલ સ્વીકારીને પણ કહેવું પડે છે કે ચૂંટણીઓમાં લખલૂટ નાણા વહાવનારને પ્રજાના કરવેરાના નાણામાંથી જીવન ગુજારા માટે પગાર-ભથ્થા આપવા જોઈએ નહીં કે તેમના વિલાસી મોજશોખ પૂરા કરવા માટે.

    જનપ્રતિનિધિઓ જે સમાજ સેવા કરે છે તે નિસ્વાર્થ ભાવે કરે છે કે સેવાને બદલે મેવા મેળવવા માટે કરે છે?  જો સાંસદો-ધારાસભ્યો વેતન ભથ્થા મેળવે છે તો તે વેતન મેળવતા અધિકારી-કર્મચારી જેવા ગણાય.તો તેમની શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા અને  પગારભોગી જાહેરસેવકોને લાગુ પડતા ડિસિપ્લિન એન્ડ કન્ડકટ રુલ્સ તેમને  લાગુ પાડવા ન જોઈએ?.

    વેતન મેળવતા સરકારી અધિકારી – કર્મચારીઓના કામના કલાકો અને કામકાજની સાથે લોકપ્રતિનિધિઓની તુલના રસપ્રદ છે.’ધ એન્યુઅલ રિવ્યુ ઓફ સ્ટેટ લોઝ’ નામક પીઆરએસ લેજિસ્લેટિવનો ૨૦૨૩નો અહેવાલ જણાવે છે કે ૨૦૨૩ના વરસમાં રાજ્યોની વિધાનસભાઓની બેઠકો આખા વરસમાં ૨૩ દિવસ જ મળી હતી. એટલે ૩૬૫ દિવસમાં તેઓએ ૨૩ જ દિવસ વિધાનસભામાં હાજરી આપી છે. બાર રાજ્યોની વિધાનસભાઓએ સો કલાકથી ઓછું કામ કર્યું છે. લગભગ ૪૫ ટકા વિધેયકો રજૂ થયા  તે જ દિવસે કે બીજા દિવસે મંજૂર થયા હતા એટલે ચર્ચાનો પર્યાપ્ત સમય મળ્યો નથી. ૨૦૨૩માં લોકસભાનું શિયાળુ સત્ર ૪૩ કલાક ૨૭ મિનિટ જ ચાલ્યું હતું. તેની ઉત્પાકતા ૪૦ .૦૩ ટકા જ હતી. શું આ હકીકતોથી તેમની પગાર માટેની કોઈ પાત્રતા જણાય છે ખરી?

    લોકપ્રતિનિધિઓને નાણાકીય અગવડો ન વેઠવી પડે અને તેઓ કાયદા ઘડવાનું તેમનું કામ મોકળાશથી કરી શકે, પોતાનો સંપૂર્ણ સમય તે જે હેતુ માટે ચૂંટાયા છે તેના માટે ખર્ચે તે માટે તેમને પગાર-ભથ્થા મળવા જોઈએ તેમ કહેનાર પણ તેમની ધારાકીય કામગીરીથી નિરાશ થાય છે.

    જ્યારે રાજકારણમાં ધનબળનો મોટો ઉપયોગ થાય છે અને સામાન્ય આર્થિક  સ્થિતિની વ્યક્તિએ ચૂંટાવું દુષ્કર બન્યું છે ત્યારે લોકપ્રતિનિધિઓને વેતન આપવું તે લોકોના નાણાંનો દુર્વ્યય છે. દેશમાં કરોડો લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોય લાખો યુવાનો બેરોજગાર હોય , અપાર મોંઘવારી હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આટલી બધી સગવડો અને પગાર-ભથ્થાં આપવા કેટલા ઉચિત છે તેવો સવાલ હંમેશા થતો રહેવાનો.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.