-
ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશની વિવિધ કલાકૃતિઓ
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot on Ganesh Chatoorthee
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
આપણું જ આગવું ચોમાસું – ઝરણું : ૧૦
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
આગાહીનો કોયડો
પરેશ ૨. વૈદ્ય
કોઈને એ વાતનું આશ્ચર્ય થાય કે ટેક્નોલૉજીથી સજ્જ માણસ આજે નિયત સમયે રોકેટ છોડી મહિનાઓ બાદ એ મંગળના ગ્રહ પર ક્યારે પહોંચશે અને કયા સ્થળે ઉતરણ કરશે તે જણાવી શકે છે પરંતુ અરબી સમુદ્ર પરથી દેશમાં દાખલ થતા ભેજનો અમુક જથ્થો કયા પ્રદેશ પર ક્યારે અને કેટલો વરસશે કે પછી નહીં જ વરસે તે છાતી ઠોકીને કહી નથી શકતો !
પરંતુ આશ્ચર્ય થવું ન જોઈએ. તેનું મુખ્ય કારણ એ કે પેલું રોકેટ માણસે પોતે મોકલ્યું છે અને એ તેના કાબૂમાં છે. પરંતુ પેલું વાદળું તો વાતાવરણનાં મહા ઘમ્મર વલોણાંનો એક ભાગ છે. એ ૧૨૦૦૦ કિ.મી.ના વ્યાસની પૃથ્વી ફરતું ૪૫ કિ.મી.ના જાડા થરમાં વીંટળાયેલું છે. ૫૦ લાખ અબજ ટન (પાંચડા ઉપર ૧૫ મીંડાં)નો હવાનો આ જથ્થો સ્થિર નથી. એ પૃથ્વીને સમાંતરે તો ક્યારેક ઉપર તરફ વહ્યા કરે છે. તેને ભગવાન ભાસ્કર એકસો અબજ મૅગાવૉટના દરે ઊર્જા પૂરી પાડયા કરે છે. આ પ્રચંડ ગતિ સમુદ્રમાં પણ હજારો માઈલના વિસ્તારમાં પ્રવાહો પેદા કરી તેને વલોવ્યા કરે છે. આપણું વાદળું જ્યાં પહોંચે ત્યાં સ્થાનિકે શું દબાણ, ભેજ કે ઉષ્ણતામાન છે તેના પર તેના વરસવાનો આધાર છે.
આ સમગ્ર પરિસ્થિતિનું ઠીક ઠીક ભાન હોવા છતાં તેને ગણિતનાં સૂત્રમાં બાંધીને તેની વર્તણૂંક ભાખી શકાય તેટલું જ્ઞાન હજી નથી. આથી જ ટુચકાઓની જેમ હવામાન શાસ્ત્રીની મજાક ઉડાવવાને બદલે જેણે અને તેના પુરોગામીઓએ આગાહીની ક્ષમતા મેળવવા શું શું કર્યું તેનો આપણે તાગ લઈશું.
આગાહી કોને જોઈએ ?
યુરોપના દેશોમાં જ્યારે બે ઓછા પરિચિત સજ્જનો મળે અને વાત કરવા માટે વિષય ન હોય તો ઔપચારિકતા ખાતર હવામાન બાબત પૂછપરછ કરે છે. “આજે હવામાન ખુશનુમા છે” અથવા “તમારે ત્યાં મોસમ કેવી છે?” વગેરે. ત્યાં હવામાન દિવસાદિવસ બદલાતું હોવાથી આનો કંઈ અર્થ છે; એટલે જ ત્યાં હવામાનની આગાહી લોકો રસથી વાંચે કે સાંભળે છે. એના ઉપરથી એ લોકો તે દિવસનો કે બીજા દિવસનો કાર્યક્રમ પણ ઘડે છે.
આપણે ત્યાં સામાન્ય માણસને હવામાનના હેવાલ કે રોજિંદી આગાહીમાં રસ નથી જણાતો. કેટલાક લોકો શિયાળામાં ગઈ રાત્રે ઉષ્ણતામાન કેટલું ઓછું થઈ ગયેલું તે જાણવા પ્રયત્ન કરે છે. પરંતુ વરસાદના વરતારાની નથી ચિંતા કરતા કે નથી તેનો ભરોસો. આથી ઉલટું એવો વર્ગ છે જેને આગાહીનો ખૂબ ઉપયોગ હોય. સમુદ્રમાં જનારા માછીમારો અને નાવિકોને સમુદ્ર તોફાની નથી તે જાણવું હોય છે. વિમાનના પાયલોટોને તો વરસાદ ઉપરાંત હવાનાં દબાણ વગેરેની પણ માહિતી જોઈએ છે. ક્રિકેટની સીઝનમાં ટીમો અને પ્રેક્ષકો ઝાકળ અને વરસાદની ચિંતા કરતા હોય છે. (કે જેથી ડકવર્થ-લુઈસ સૂત્ર લાગુ ન પડી જાય!) આટલું તરતનાં હવામાન વિષે. લાંબાગાળાની આગાહી એટલે આવનારાં ચોમાસાં બાબત તો ખેડૂતો ઉપરાંત અર્થશાસ્ત્રીઓ અને સૂકા પ્રદેશના રહેવાસીઓને પણ રસ હોય છે.
પ્રાચીન રીતો :
અગાઉના જમાનાની ફુરસદની જિંદગીમાં ટૂંકાગાળાની આગાહીની જરૂર ન જણાઈ હોય, પણ ચોમાસાની ચિંતા તો આજ કરતાં ય વધુ હતી. તેથી પારંપરિક રીતોથી આગાહી તે કાળથી થતી આવી છે. તેનું ધોરણ જે તે કામનાં પ્રાપ્ત જ્ઞાનની માત્રા પ્રમાણે બદલાતું રહ્યું છે. પંચાંગ શોધાયાં તે પછી ભારતમાં વરસાદ નક્ષત્રોનાં વાહનો પ્રમાણે આવે તેનું મનાવા લાગ્યું. આજે પણ લોકો તેવાં વાહન (દેડકો, બળદ, હાથી) નાં નામ લઈ વરસાદના વરતારા આપે છે. આ લેખકનાં નાનીમા અખાત્રીજના દિવસે કાચી માટીનાં કોડિયાંમાં પાણી ભરી તેના તૂટવાની પ્રક્રિયા પરથી ચોમાસાંના ચાર માસના વરસાદની માત્રાની આગાહી કરતાં. આ રિવાજ રાજસ્થાનમાં હજુ ચાલે છે. શક્ય છે કે કચ્છ-રાજસ્થાન જેવા સૂકા પ્રદેશમાં હવામાંના ભેજની માત્રા અગત્યનું ઘટક હોઈ તેનો કોડિયાં તૂટવા જોડે સંબંધ હોય.
આથી થોડી વધુ વ્યવસ્થિત આગાહી ગુજરાતમાં જાણીતાં ભડલી વાક્યોમાં છે. ભડલી પોતે કવિ હતા કે એમની દીકરીનું નામ ભડલી હતું તે વિષે મતાંતર પ્રવર્તે છે. તે વાતને છોડી તેના ૮૦થી ઉપર દોહાની વાત કરીએ. વાત તો તેનાં આવનારાં ચોમાસાં બાબત છે પરંતુ બહુ ઓછું અવલોકન પર આધારિત છે. જેમ કે એક દોહામાં હોળીના દિવસે પવનની દિશા પરથી વરસાદની માત્રા ભાખે છે. બાકી મોટાભાગે વાર અને તિથીના સંજોગો પરથી ભવિષ્યવાણી કરેલ છે. ઉદાહરણ રૂપે, ‘મહા સુદ સાતમનાં સોમવાર હોય તો દુકાળ પડે’ અથવા ‘ફાગણમાં પાંચ મંગળવાર આવે તો ય દુકાળ પડે.’ તેમાં કશું આધારભૂત ન લાગે. દેશની ઘણી ભાષાઓમાં આવી રચનાઓ હશે જ. પણ હવામાનનો આધાર સ્થળ ઉપર છે તેથી એક રાજ્યના દોહા બીજાં રાજ્યને લાગુ પડે તે જરૃરી નથી.
જેમ જેમ ચોમાસાની પ્રક્રિયાના વ્યાપકતા અને વિવિધ સ્થળોનો સંબંધ સમજાવા લાગ્યો. તેમ તેમ આગાહીમાં પારંપરિક ડહાપણની અગત્ય ઘટવા લાગી અને પશ્ચિમમાંથી આવેલી વધુ વ્યવસ્થિત અને પ્રમાણિત પદ્ધતિ તરફ નજર નાંખવી પડી.
આધુનિક રીતો:
એ રીતોની સફળતાની વાત કરવાને હજુ વાર છે પરંતુ તેના પ્રયત્નોમાં બે વાત જરૂર નોંધપાત્ર છે. એક એ કે ત્યાં હવમાનનું માત્ર નિરીક્ષણ કરતા બેસી ન રહી તેના પ્રાચલોની માપણી બાબત પણ વિચાર થયેલો. ટોરીસેલીએ છેક ઈ.સ. ૧૬૪૪માં હવાનું દબાણ માપવાનું સાધન ‘બેરોમીટર’ બનાવ્યું. તે પછી ફર્ડિનાન્ડે થર્મોમીટર અને ભેજમાપક બનાવ્યાં. ઈ.સ. ૧૬૬૭માં હવાનો વેગ માપવા માટે એનેમોમીટર મળ્યું. વાતાવરણ તરફ ભૌતિક દૃષ્ટિએ જોવાનાં આ સાધનો હતાં. વાતાવરણની વર્તણૂંક સમજવા માટે આ પૅરામીટરોની માપણી અગત્યની હતી. ઈ.સ. ૧૮૨૦માં બ્રાન્ડેસે હવામાનનો ચાર્ટ બનાવ્યો અને ૧૮૬૦ સુધી ૫૦૦ હવામાન કેન્દ્રો બની ગયાં હતાં. અમેરિકી સેનાએ હવામાનની આગાહીનો પહેલો ૨૪ કલાકનો રિપોર્ટ પહેલીવાર ૧૮૭૦માં બહાર પાડયો. પછી ૧૮૯૦થી આ કામ મુલ્કી ખાતાં (વૅધર બ્યૂરો)ના હાથમાં સોંપાયું.
બીજી વાત વધારે આશ્ચર્યકારક છે. તે એ કે ભારત પણ હવામાન અવલોકનોની બાબતમાં અમેરિકાથી બહુ પાછળ નહોતું. અહીં મદ્રાસમાં પહેલી વેધશાળા છેક ૧૭૯૬માં સ્થપાઈ હતી અને ૧૮૭૫માં આપણું હવામાન ખાતું સ્થપાયું જેનું નામ આજે પણ એ જ છે ઈન્ડિયા મીટીયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD). ત્યારે ૭૭ હવામાન કેન્દ્રો ખુલ્લી ચૂક્યાં હતાં.
પરંતુ આ સિદ્ધિ આપણા ગોરા સત્તાધીશોની હતી. બ્રિટનથી ભારત નોકરી કરવા આવેલ અંગ્રેજોને અહીંના વિચિત્ર ચોમાસામાં રસ પડયો હતો. તેથી તેઓ પોતાને ત્યાં હતી તેવી વ્યવસ્થા ગોઠવતા હતા. ઈતિહાસની કડવી હકીકત છે કે આપણા લોકોને આ બધી વ્યવસ્થાની ન ખબર હતી, ન રસ હતો. આખા દેશનાં હવામાન કેન્દ્રોએ ૧૫મી જૂન ૧૮૭૮ના દિવસે ખાતાના વડા મથક સિમલા તાર કરી પોતપોતાનાં અવલોકનો મોકલ્યાં. તેના આધારે દેશનો પહેલો હવામાન રિપોર્ટ ૧૭ જૂને જારી થયો. આ પછીથી બધાં હવામાન કેન્દ્રોને ‘સિમલા ઓફિસ’ તરીકે ઓળખાય છે. (આજે ય પૂનામાં ‘સિમલા ઓફિસ’નું બસ સ્ટોપ છે!)
આપણે વાંચી ગયા કે અહીંનાં ચોમાસાંના હવાના પ્રવાહો વિષે હેડલી અને વૉકરે અભ્યાસ કર્યો. ગીલ્બર્ટ વૉકર પોતાની કેમ્બ્રિજની નોકરી છોડી અહીં હવામાન ખાતાના વડા બનીને આવેલા. તેનાથી ય પહેલાં એક વડા શ્રી બ્લેન્ફોર્ડે એમ ભાખેલું કે જો હિમાલયના વાયવ્ય ભાગમાં શિયાળામાં બરફ વધારે હોય તો પછીનાં વર્ષે ચોમાસું નબળું જાય. (આ ઘટકને આજે ય હવામાન ખાતું આગાહી કરતા ધ્યાનમાં લે છે!)
છતાં મુશ્કેલી છે :
જે ગામમાં ચોવીસ કલાકમાં એક જ બસ આવતી હોય ત્યાંના લોકોને એ બસનું મહત્ત્વ ખૂબ હોય. એ વેળાસર આવશે કે નહીં તેની પણ ચિંતા હોય. જો આજની બસ ચૂકાઈ ગઈ તો પછીની બસ તો છેક કાલે જ મળે અને તે ય આવે તો !
ભારતનું ચોમાસું પણ એ બસ જેવું જ છે. આ વરસનું ચોમાસું નિષ્ફળ જાય તો આવતાં વરસ પહેલાં મદદની કોઈ આશા જ નહીં. આથી જ ‘ઓણ ચોમાસું કેવું હશે !’ એ પ્રશ્ન પ્રાણપ્રશ્ન છે.
અનેક લોકોના પ્રયત્નોથી એક વાત વૈજ્ઞાનિકોને સમજાઈ હતી કે યુરોપમાં હવામાનની આગાહી કરવી એ વાત ભારતમાં ચોમાસાંની આગાહી કરવા કરતાં જુદી હતી. એઘટના જ જુદી છે અને તેના પર અસર કરનારાં પરિબળો અકળ હતાં. વૈજ્ઞાનિક આધારવાળી આગાહીનો ઈતિહાસ ભલે જૂનો હોય, ભારતીય ચોમાસાં બાબતનું જ્ઞાન માંડ પચાસ વર્ષ જૂનું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય સહકારનો ફાળો ઘણો મોટો છે.
આધુનિક સમયમાં – ખાસ કરીને બીજાં વિશ્વયુદ્ધ પછી – વિજ્ઞાનનાં બધાં ક્ષેત્રે વિચારની આપ-લે કરવાની પરિપાટી વિકસી છે. આપણે તેનો આભાર માનવાનો છે કારણ કે એને કારણે આપણાં ચોમાસાંનો બહુ મોટો પાયે અભ્યાસ થયો છે. બીજા દેશનાં સાધનો, વૈજ્ઞાનિકો અને કમ્પ્યુટરો તેમાં વપરાયાં. આજ લગીનું જે જ્ઞાન – અહીં સુધીમાં પ્રકરણોમાં જે વાંચી ગયાં તે માહિતી – આ સામૂહિક જ્ઞાનયજ્ઞનું પરિણામ છે. આવતાં પ્રકરણમાં સહકારની એ અજાણી પણ અનોખી કહાણી વાંચીશું.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા – નટવર ગાંધી : ‘મડલીંગ થ્રુ’–મારી સાવ અણધારી જીવન યાત્રા [૪]
નટવર ગાંધી દ્વારા પોતાનાં વ્યક્તિત્વનો પરિચય આપણે ગયા સપ્તાહે કર્યો.
હવે આજે અંતિમ મણકો …..
અમેરિકાની બલિહારી
આજે નિવૃત્ત થયા પછી મારી સીએફઓ તરીકેની તેરેક વર્ષની કારકિર્દીનો હું વિચાર કરું છું ત્યારે થોડીક વસ્તુઓ સ્પષ્ટ થાય છે. પહેલી વાત તો એ કે વિશ્વની મહાસત્તા સમા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના સીએફઓ થવું એ મારે માટે ન માન્યામાં આવે એવી મોટી વાત હતી. એક તો હું પહેલી પેઢીનો એશિયન ઈમિગ્રન્ટ, બોલું ત્યારે મારી ભાષામાં ઇન્ડિયન ઉચ્ચારોની છાંટ હજી પણ સ્પષ્ટ તરી આવે. ભલે હું અમેરિકન સીટીઝન થયો, પણ દેખાવમાં પ્રેક્ટિકલી ફૉરેનર જ જોઈ લો. અહીં કાળાઓની બહુમતિ. વૉશિંગ્ટન એક જમાનામાં ચોકલેટ સિટી તરીકે ઓળખાતું. એનું આખું રાજકારણ કાળાગોરાના ભેદભાવથી રંગાયેલું. દાયકાઓથી ગોરા કૉંગ્રેસમેન અને તેમના ખાંધિયાઓ અહીં રાજ કરતા હતા. ડિસ્ટ્રીક્ટની બહુધા બધી ઉચ્ચ કક્ષાની પોઝિશન એ લોકો પચાવીને બેઠા હતા. હોમરુલ મળ્યા પછી કાળા લોકો અને તેમના પોલીટિશિયનોને થયું કે આ તો આપણું શહેર છે, એ બધી પોઝિશન હવે કાળા લોકોને મળવી જોઈએ. આ કારણે વિલિયમ્સ મેયર થયા એ પહેલાં આવી કોઈ પોઝિશનમાં કોઈ ગોરો માણસ મળે તો એ અપવાદ રૂપે જ.
આવા તીવ્ર રંગભેદથી કલુષિત રાજકારણમાં મારા જેવા એક ‘ફૉરેનર’ને સીએફઓની અત્યંત અગત્યની પોઝિશન મળે અને એ પોઝિશન ઉપર હું તેર તેર વરસ ટકી રહું એ મોટી અજાયબીની વાત છે. વધુમાં એ પણ નોંધવું ઘટે કે આ તેરે તેર વરસ મેં ચાર કાળા મેયરના હાથ નીચે કામ કર્યું અને મારી પાંચ પાંચ વાર નિમણૂક થઈ તે કાળા મેયરોએ જ કરેલી. હું એમ નથી કહેતો કે અમેરિકામાં કાળા ગોરાનો રંગભેદ સાવ નાબૂદ થયો છે કે અહીં ડીસ્ક્રીમિનેશન નથી, પણ મારું કહેવાનું એટલું જ છે કે એ બધા રંગભેદ અને ડીસ્ક્રીમિનેશનની વચ્ચે પણ અમેરિકનોમાં પારકી પ્રજાને સ્વીકારવાની અને પોતાના કરવાની અદ્દભુત ઉદારતા છે. એટલું જ નહીં, પણ એ ઇમિગ્રન્ટ પ્રજાને પોતાની રીતે જીવવાની, પોતાનો વિકાસ કરવાની તક અમેરિકા આપે છે. આ ઉદારતાને કારણે જ આખી દુનિયાના લોકો અમેરિકા આવવા તલપાપડ થાય છે.
હું તો ત્યાં સુધી કહીશ કે હું જે વ્યક્તિગત પ્રગતિ અમેરિકામાં કરી શક્યો તે બીજે ક્યાંય કરી શકત નહીં. અને આપણા દેશમાં તો નહીં જ નહીં. હું આવું વિધાન કરું છું ત્યારે ઘણા મિત્રો કહે છે કે હું દેશને અન્યાય કરું છું. મને કહેવામાં આવે છે કે હું જો દેશમાં વધુ રહ્યો હોત તો આટલી જ, બલકે આનાથી વધુ પ્રગતિ કરી શક્યો હોત! મારે ધીરજ રાખવાની જરૂર હતી. હું દેશમાંથી ઉતાવળે નીકળી ગયો. મને એમ પણ કહેવામાં આવે છે કે હજી પણ મારે દેશમાં જઈને સેટલ થવું જોઈએ. કેટલાક મિત્રો નિવૃત્ત થઈને દેશમાં જઈને સેટલ થયા છે. અને ત્યાં તેમને બહુ ફાવી ગયું છે. આવી વાત નીકળતાં હું એમને વિવેકથી ના પાડું છું. કહું છું કે હવે અમેરિકા જ મારો દેશ છે. અહીં મને પચાસથીય વધુ વર્ષ થયાં. સંતાનોના જન્મ અને ઉછેર અહીં જ થયાં. એમનાં સંતાનો પણ અહીં જ જન્મ્યાં અને ઉછર્યાં. એ બધાં તો જન્મથી અમેરિકન છે. જે દેશ અને પ્રજાએ મને ઉદારતાથી સ્વીકાર્યો અને મારો વિકાસ કરવાની અદ્ભુત તક આપી એને હું કેમ છોડી શકું? જે થાળીમાં ખાધું છે તેમાં કેમ થુંકાય?
અહીં રહેવામાં અમેરિકાની અનેક આધુનિક સગવડવાળું સુંવાળું જીવન તો છે જ, એની ના કેમ પડાય? પણ સાથે સાથે આ દેશનું મને જે આકર્ષણ છે તે મારા એક સૉનેટમાં આ રીતે રજૂ કર્યું છે :
ગમે ધનિક દેશ આ, પણ વિશેષ આકર્ષણ
ઈમર્સન પ્રબુદ્ધ, લિંકન વિમુક્તિદાતા તણું,
થરોનું, વ્હીટમેન, ટ્વૈન, કવિ એમીલીનું મને;
ભલે ઉર વસે સદા જનમભોમ મા ભારતી,
પરંતુ મન, કર્મ, ધ્યાન, દૃઢ આત્મના નિશ્ચયે,
કૃતજ્ઞ ધરું ધૂળ મસ્તક અમેરિકાની સદા.અમેરિકા નહીં છોડવાની મારી દલીલ ઇન્ડિયા છોડવા માટે પણ લાગુ ન પડે? જે દેશે મને જન્મ આપ્યો, જિંદગીનાં પહેલાં પચીસ વરસ સુધી મારું જતન કર્યું, તેને મેં શું છોડ્યો નહીં? એમાં મારી કૃતઘ્નતા નથી? પણ સામે એમ પણ દલીલ થઈ શકે કે મેં દેશ છોડ્યો કે મને દેશમાંથી ધકેલવામાં આવ્યો? આ આત્મકથાના પહેલા ભાગના મુંબઈના પ્રકરણમાં મેં મારી દેશદાઝની વાત કરી છે, પણ સાથે સાથે મને મુંબઈમાં પડેલ અસહ્ય હાડમારીનું વર્ણન કર્યું છે. સીડનહામ જેવી ઉચ્ચ કક્ષાની કૉલેજમાંથી બી.કોમ.ની ડીગ્રી લીધા પછી પણ મને એક સામાન્ય ક્લાર્કની નોકરી મેળવવામાં કે દૂરના પરાંમાં એક નાનકડી ઓરડી લેવામાં એટલી મુશ્કેલી પડી હતી કે હું મુંબઈ છોડવા તૈયાર થઈ ગયો હતો. આવી મુશ્કેલીઓ સહન કરવામાં હું કાંઈ નવી નવાઈનો ન હતો. મારા જેવા ભણેલાગણેલા અસંખ્ય લોકોની પણ આ જ કહાણી હતી. કોઈ એમ ન કહી શકે કે મેં પ્રયત્નો કરવામાં પાછું વાળીને જોયું છે, કે મારી દેશદાઝ ઓછી હતી. હતાશાના એ દિવસોમાં હું ખલિલ જીબ્રાનની કવિતા, ‘Pity the Nation’નો મકરંદ દવેએ કરેલો અનુવાદ, ‘એ દેશની ખાજો દયા,’ વારંવાર ગણગણતો.
દેશને છોડીને અહીં આવીને રહી જવામાં દરેક વિચારશીલ ભારતીયને એક પ્રકારની મથામણ તો રહે છે જ. મારી એ મથામણ મેં મારા એક સોનેટમાં આ મુજબ રજુ કરી છે :
જરૂર તજી હિંદની સરહદો, પરંતુ મટ્યો
નથી જ નથી હિન્દી હું, તજી નથી જ એ સંસ્કૃતિ
કદી બૃહદ હિંદની, નથી ભૂગોળ પૃષ્ઠે ભલા,
સીમિત કદી ભવ્ય ભારત, વળી સવાયો થઈ
અમેરિકન, હું થઈશ ગુજરાતી ગાંધી તણો,
ઉદારઉર, ક્ષાંત નાગરિક હું બનું વિશ્વનો,
સદૈવ રટું મંત્ર એક: વસુધૈવ કુટુંબકમ્!આજે જીવનના સંધ્યાકાળે દેશ વિશેની જૂની વાતો ઉખેળવાનો કોઈ અર્થ નથી. માત્ર એટલું જ કહીશ કે જીવનમાં મેં જે કેટલાક અગત્યનાં પગલાં ભર્યા છે તેમાં અમેરિકા આવવાનું તે બહુ જ મહત્ત્વનું પગલું હતું. એ બાબતનો મેં ક્યારેય રંજ કર્યો નથી. ઊલટાનું જ્યારે જ્યારે દેશની મુલાકાતે જાઉં છું ત્યારે જે કાંઈ જોઉં, સાંભળું છું ત્યારે થાય છે કે મારું અમેરિકા આવવાનું પગલું મારે પોતાને માટે નિશંક સાચું હતું. દરેક વ્યક્તિની કૌટુંબિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તેથી જ તો આજથી સાઠેક વર્ષ પહેલાંની મારી પરિસ્થિતિ જોતાં જો મારું અમેરિકા આવવાનું પગલું યોગ્ય હતું તો બીજાઓ માટે પણ એ ઉચિત હોય એવું કહેવાની ધૃષ્ટતા હું નહીં કરું.
નિવૃત્તિમાં પ્રવૃત્તિ
૨૦૧૪ની શરૂઆતમાં છેલ્લાં લગભગ સાંઠેક વર્ષોથી કંઈક ને કંઈક કામમાં પ્રવૃત્ત રહેલો હું હવે નિવૃત્ત થયો! સીએફઓના અગત્યના જોબમાંથી હું રિટાયર થયો ત્યારે મારે શું કરવું અને ખાસ તો શું ન કરવું તેનો મને સ્પષ્ટ ખ્યાલ હતો કે. સામાન્ય રીતે સીએફઓ જેવી ઉચ્ચ કક્ષાની પોઝિશનમાંથી નિવૃત્ત થયા પછી કન્સલ્ટિંગ કરવાની તક બહુ મળે. તમારા ક્ષેત્રમાં હોશિયાર છો, વધુ જાણકાર છો, અને એ બાબતમાં મદદ કરી શકશો એ બહાને અમેરિકાની કન્સલ્ટિંગ કંપનીઓ તમને હાયર કરે. પણ મૂળ આશય તો તમારી લાગવગ અને ઓળખાણથી તમે જ્યાં કામ કર્યું હોય ત્યાં એમને મોટા કોન્ટ્રેક્ટ અપાવશો એ હોય છે. મેં નક્કી કર્યું હતું કે એવું દલાલીનું કામ હું નહીં કરું. મોટી કંપનીઓ તમારી ખ્યાતિને લીધે એમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમણૂંક કરે અને તમારાં સલાહસૂચન માગે. પણ આવી બોર્ડ અપોઈન્ટમેન્ટ માટે એ લોકો ૫૦-૬૦ની ઉંમરના લોકો પસંદ કરે. એ ઉંમર તો હું ક્યારનોય વટાવી ચૂક્યો હતો. એટલે કોર્પોરેટ બોર્ડ્સની બારી મારે માટે બંધ હતી.
એવામાં અહીંની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાંથી કોલ આવ્યો કે તમે અમારે ત્યાં બે વરસ માટે Distinguished Policy Fellow તરીકે આવો. પણ મારે કોઈ યુનિવર્સિટીમાં પ્રૉફેસર થઈને પાછું ઍકાઉન્ટિંગ ભણાવવું નહોતું. એમાં ક્લાસની તૈયારી કરવી પડે, લેટેસ્ટ ઍકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને પ્રેક્ટિસનો વળી અભ્યાસ કરવો પડે, એ બધું આ મોટી ઉંમરે કરવાની ઇચ્છા નહોતી. એ મારા રસના વિષયો પણ ન હતા. એક જમાનામાં કરવું પડે એટલે એવું કંટાળાજનક કામ કરેલું, પણ હવે એવું કાંઈ નહીં કરવાનું મેં નક્કી કરેલું. વધુમાં મેં નક્કી કર્યું હતું કે આ જતી જિંદગીએ બને ત્યાં સુધી ન ગમતી એવી એક પણ વસ્તુ નહીં કરું. મેં યુનિવર્સિટીવાળાઓને શરત મૂકી કે હું ભણાવીશ નહીં. યુનિવર્સિટીના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના હેડ મને કહે કે તમારે ભણાવાની જરૂર નથી. ક્યારેક ક્યારેક મ્યુનિસિપલ ફાઈનાન્સ વિશે લેકચર આપજો, તમારા ડિસ્ટ્રીક્ટના અનુભવ વિશે વિદ્યાર્થીઓ સાથે વાતો કરજો, અમને જરૂર પડે સલાહસૂચનાઓ આપજો. આમ બે વરસની એ અપોઈન્ટમેન્ટ લીધી.
બીજી એક અગત્યની પ્રોફેશનલ પ્રવૃત્તિમાં હું વર્લ્ડ બૅંક સાથે કન્સલ્ટિંગ કરું છું. હું જ્યારે ડિસ્ટ્રીક્ટનો સીએફઓ હતો ત્યારે ઘણી વાર બૅંકના અધિકારીઓ મને ડિસ્ટ્રીક્ટના અનુભવો વિશે પ્રવચન આપવા બોલાવતા. એમને માટે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશો માટે ડિસ્ટ્રીક્ટ જે રીતે કથળેલી નાણાંકીય પરિસ્થિતિમાંથી ઊગરીને જે રીતે સદ્ધર થયું તે એક અનુકરણીય દાખલો હતો. દેશ ગરીબ હોય કે સમૃદ્ધ, પણ જો પ્રાથમિક નાણાંકીય જવાબદારીની અવગણના થાય તો દેવાળું કાઢવા સુધી જવું પડે એ સમજાવવા માટે ડિસ્ટ્રીક્ટ એક જીવતો જાગતો દાખલો હતો. બૅંકના અધિકારીઓએ મને વિનંતિ કરી કે હવે હું નિવૃત્ત થયો છું તો ડિસ્ટ્રીક્ટના આ નાણાંકીય ઉદ્ધારની વાતો કરવા પરદેશ જાઉં ખરો? મેં ખુશીથી હા પાડી. તો આમ બૅંકના આશ્રયે હું દક્ષિણ કોરિયા, જોર્ડન, ટર્કી, ઇન્ડિયા અને ઇથિઓપિયા ગયો છું. બૅંકના આ મિશનમાં મને એશિયા અને આફ્રિકાના ઘણા બધા ફાઈનાન્સિયલ ઑફિસરોને મળવાની અને એમની સાથે ચર્ચાવિચારણા કરવાની તક મળે છે. સાથે સાથે દુનિયા ભમવાની તક મળે છે.
વૉશિંગ્ટનના ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરનો અગત્યનો હોદ્દો ધરાવતા હોવાથી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા મને અનેક આમંત્રણો મળતાં. સીએફઓના મારા હોદ્દાની રુએ મારાથી બનતી કાયદેસરની બધી મદદ એમને કરતો. નિવૃત્ત થયા પછી અહીંની પ્રખ્યાત શેક્સપિયર અને અરીના સ્ટેજ થિયેટર કંપનીઓના બોર્ડ મેમ્બર થવાનું નિમંત્રણ મળ્યું. આમ તો આવી બોર્ડ મેમ્બરશીપ માટે હજારો ડોલર આપવા પડે, પણ મારી બાબતમાં થિયેટર કંપનીઓ મારી મેમ્બરશીપનો જુદી રીતે લાભ લેવા માંગતી હતી. એમને એમ છે કે હું મારી ઓળખાણ અને લાગવગથી ડિસ્ટ્રીક્ટ પાસેથી ગ્રાન્ટ કે બીજી કોઈ રીતે એમને માટે મદદ મેળવી શકીશ! આ બોર્ડ મેમ્બરશીપનો એક ફાયદો એ કે અહીંની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાની તક મળે. વધુમાં વૉશિંગ્ટનની સાંસ્કૃતિક દુનિયાના અગ્રણીઓનો પરિચય થાય. આવી સંસ્થાઓ ચલાવવી કેટલી મુશ્કેલ છે તે પણ સમજાય.
છેલ્લાં દસેક વરસથી હું અહીંની વિખ્યાત મેટ્રોપોલિટન ક્લબનો મેમ્બર છું. ૧૮૬૩ અમેરિકાની દારુણ સિવિલ વોર જ્યારે ચાલતી હતી ત્યારે એની સ્થાપના થએલી. અત્યારે વ્હાઈટ હાઉસની બાજુમાં એ જે ક્લબ હાઉસમાં છે તે બિલ્ડિંગ પણ સોથી પણ વધુ વરસ જૂનું છે. માત્ર અમેરિકાના જ નહીં પણ આખી દુનિયાના અગત્યના માણસો એમાં જોડાવા ઇચ્છે એવી એ ક્લબની મહત્તા છે. એબ્રાહમ લિંકનથી માંડીને લગભગ બધા જ અમેરિકન પ્રેસિડેન્ટ, સેનેટરો, કૉંગ્રેસમેન, એમ્બેસેડર્સ, કેબીનેટ મેમ્બર્સ, યુનિવર્સિટી પ્રેસિડેન્ટ વગેરે એના મેમ્બર્સ છે. હું મેમ્બર હોવાથી ત્યાં થતા અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળે છે. વૉશિંગ્ટનના અગ્રણી નેતાઓ અને અગત્યના નાગરિકોનો ત્યાં પરિચય થાય છે. આ બધી પ્રવૃત્તિઓ પન્ના નાયકના સહકારથી અને સાંનિધ્યમાં જ થાય છે. નલિનીના અવસાન પછી પન્નાનો સહવાસ એ મારા જીવનનું એક અત્યંત ઊજળું અને અવિભાજ્ય પાસું છે.
આ લખવાનો મુખ્ય આશય તો જાતને હિસાબ આપવાનો છે. મનુષ્ય જીવન જીવવાની જે અમૂલી તક મળી છે તે મેં વેડફી નાખી છે કે એ તકનો મેં કઈં સદુપયોગ કર્યો છે તે ચકાસવું હતું. એ ઉપરાંત આગળ જણાવ્યું છે તેમ હું મહત્ત્વાકાંક્ષાના મહારોગથી સદાય પીડાતો રહ્યો છું, અને હજી પણ પીડાઉં છું. જે કાંઈ ધાર્યું હતું તે સિદ્ધ નથી થયું તે તો સ્પષ્ટ જ છે, પણ એ માટે મેં યથાશક્તિ અને યથામતિ પ્રયત્નો કર્યા છે કે નહીં તે તો વાચકમિત્ર જ નક્કી કરી શકે.
-
“નળાખ્યાન ની દર્શનીય નાયિકા : દમયંતી
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
“મહાભારત અને ‘રામાયણ’ના બંને સમર્થ ઋષિકવિઓએ તેમનાં અપૂર્વ પાત્રો દ્વારા સત્ તત્વનું મહિમાગન કર્યું છે. માંડીને ‘મહાભારત’ કહેતા વ્યાસનું કથચિતગ્ય તો એક જ છે – “સત્ય છે ત્યાં જય છે.’ પરંતુ વ્યાસનું તા સત્યસ્થાપન આપણાજેવા વિનિમયચાહક ભાવકોના ચિત્તમાં એક પ્રકારનો સંક્ષોભ ઊભો કરે છે. અનેક પાત્રોને લઈને આપણું ચત્ત સંદેહથી ભરાઈ જાય છે. ‘મહાભારત’ વાંચીને બળવો ઉઠાવતું મન બોલી પડે છે: “ક્યાં છે સત્યનો જય ? ભીષ્મ, વિદુર. કુંતી. પાંડુ, દ્રૌપદીથી માંડીને સત્યના પરમ આશ્રયરૂપ ધર્મરાજ યુધિષ્ઠિર સુધ્ધાં સત્યની લપટમાં રાખ-ખાખ થી જતા નથી લાગતા ? ક્યાં છે મહર્ષિ વ્યાસનો કાવ્યન્યાય ? આવા પ્રશ્નો જાગે છે ત્યારે શંતિથી વિચાર કરતાં વ્યાસનો મર્મ પામી શકાય છે. આ પાત્રોને જોતાં લાગે છે કે આ મહામાનવો જીવનની અપાર વિસંગતિઓની વચ્ચે સત્ તત્વની ઉપાસના ત્યજતાં નથી. એ જ તો છે સત્યનો જય. કેવું હશે એ તત્ત્વ જેનો આશ્રય પાત્રોએ કોઈ પણ ભોગે જતો કર્યો નથી ! આ ઘટના એક સાથે વ્યાસનો, તેમનાં વિરલ પાત્રોનો અને સત્યનો મહિમા પ્રગટ કરે છે ને સત્યનું સંસ્થાપન કરવામાં સકળ થાય છે.
મહાભારતત નું આવું એક સત્ય ને સત્ત્વશીલ પાત્ર છે દમયંતી. એ પુણ્યશ્લોક નળરાજાની પત્ની છે એ તો એની ઓળખનો બાહ્ય ખંડ છે. મહત્ત્વ એ વાતનું છે કે એ દમયંતી છે – રૂપ, ગુણમાં જેણે જગત પર શાસન કર્યું છે એવી દમયંતી છે. ‘મહાભારત’નાં ‘વનપર્વ’માં અર્જુનના વિયોગથી દુઃખી થયેલા યુધિષ્ઠિરને સમાશ્ચાસિત કરવા વ્યાસે ઋષિ બૃહદસ્વના મુખ પરથી ૭૯ અધ્યાય નળ-દમયંતીની કથા માટે ફાળવ્યા છે. વ્યાસે ધાર્યુ હોત તો તેમણે દમયંતીને પણ દ્રૌપદીના પાત્ર જેટલો જ ઉઠાવ આપ્યો હોત. પણ અહીં વ્યાસને ઉતાવળ છે. યુધિષ્ઠિરના ચિત્તને શાંત કરવાની. આથી દમયંતીનું પાત્ર વ્યાસે ઉપર ઉપરઘી આલેખ્યું છે ને તેમ છતાંય એનાં નિરવઘ વ્યક્તિત્વથી આકર્ષાઈને દમયંતીની આકર્ષક રેખાઓ દોર્યા વિના વ્યાસ પણ રહી શક્યા નથી.
વ્યાસની અપૃરી ઇચ્છાની પીર્તિ ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત આખ્યાનકાર પ્રેમાનંદના હાથે ‘નાળાખ્યાન’ માં જાણે થઈ છે. ગુણાનુરાગે કરીને પ્રેમાનંદ દમયંતી પર ઓવારી ગયા ચે ને દમયંતીને પોતાના અભિવાદનનું ભાજન બનાવી છે. પ્રેમાનંદની કલમે વ્યાસનું આ મહામૂલું પાત્ર ભારે ઊંચકાયું છં. અનેક સંદર્ભ પ્રેમાનંદની આ નાયિકા ‘દર્શનીય’ બની છે.
‘દર્શનીય’ શબ્દનો પ્રેમાનંદનો પ્રથમ અર્થ સ્થૂળ છે. અપરિણીત નળરાજાના દરબારમાં આવેલા દેવર્ષિ નારદ, નળના મનમાં દમયંતી પ્રત્યેનું આકર્ષણ જગવવા દમયંતીનાં શારીરિક સૌંદર્યનું અભિભૂત થઈ જવાય તેવું વર્ણન કરે છે. તેમને મતે દમયંતીનું સૌંદર્ય અનંત છે. તેનો ચોટલો, વદન, હાથ, રોમ, દાંત, – શું વખાણવું ? કહેતા નારદ ખારસાં લાંબાં વર્ણનને અંતે પણ ‘જ્યમ સાગરમાંથી ચંચ જળની ભરે પક્ષીજંન’ કહીને જાણે એ વર્ણનને અધૂરૂં મૂકે છે ! આ પ્રકારની સ્થૂળ દર્શનીયતાને ચગાવીને વર્ણવતા દેવર્ષિ એક જ ક્ષણમાં દમયંતીની સૂક્ષ્મ પાત્રતાને –
“જો થઈ ત્યજ્યું હશે સર્વસ્વ જે તીર્થ નાહ્યો હશે સમસ્ત;
જેણે હિમ ગળ્યા હશે અસ્થ, તે તો ગ્રહશે હરિવદનીનો હસ્ત.”કહીને કેવી તો ઝળહળ કરી દે છે ! હજુ તો આ દમયંતીને “સતી’નું બિરુદ તો પછી મળવાનું છે. આથી જ કદાચ દમયંંતીની પતિપરાયણતાનો નહીં, એના સત્ તત્ત્વનો ગ્રેમાનંદને મહિમા કરવો હોય તેવું જણાય છે. અલબત્ત, તેની પતિનિષ્ઠા આ સત્ તત્વનો એક ભાગ તો છે જ.
નારદની આંખે દમયંતીને જોયા પછી ભાવકને તેનું દર્શન હંસની આંખે કરવાનું આવે છે. નારદ ને હંસનો અભિપ્રાય તંતોતંત મળતો આવે છે. હંસને મતે તો દેવોનો અમૃતકુંભ જયારે પીતાં પીતાં ખાલી થાય છે ત્યારે દમયંતીની વાણીને અમૃત માની લઈને દેવો કુંભમાં તેને ભરી દે છે ! હંસ પણ નળને કહી દે છે :
“યજ્ઞ યજન ધ્યાન કીધાં હશે તીર્થ સમસ્ત:
તેણે પૂણ્યે પુણ્યશ્લોકજી, ગ્રહેશો હરિઆનનીનો હસ્ત.”અત્યાર સુધી પરોક્ષ રહેલી દમયંતી પ્રત્યક્ષ તો થાય છે ત્યારે જ્યારે નળ દેવોનું દૂતત્વ કરવા, દમયંતી દેવોને પરણે એ માટે તેને સમજાવવા દમયંતીના આવાસમાં વેશપલટો કરીને જાય છે. આ ક્ષણે પણ કવિ પોતાના પ્રિય, પુણ્યશ્લોક નાયક નળ કરતાં પણ દમયંતીનું વિશેષ ગૌરવ કરતાં કહે છે :
“તારૂણીનું તેજ તાપ ન સહેવાય, ઝબકા ને નળ ઝંંખવાય..”
સૌંદર્યથી ઝળહળ થતી દમયંતીનો બુદ્ધિવૈભવ પણ એટલો જ દેદીપ્યમાન છે. સ્વયંવરમાં પોતાને વરવા માટે આવેલા દેવો નળના રૂપમાં ઉપસ્થિત છે. આથી દમયંતી પ્રણામપૂર્વક સોને તેમના પિતાનું નામ પૂછે છે. આ તેની પહેલી યૂક્તિ છે. સતી માટે કરીને કોઈ પિતા તો ન જ બદલે એવું માનતી દમયંતીની ધારણા ખોટી પડે છે કેમ કે ચારેય દેવો નળના જ પિતાનું નામ પોતાના પિતા તરીકે આપે છે ! આથી દમયંતી તેમને જણાવે છે કે દેવો તો તેના પિતા સમાન છે. તેમણે દમવંતીને આશીર્વાદ આપવાના હોય કે સ્વયંવરમાં ઉમેદવારી નોંધાવવાની હોય ? તેનો આ પાસો સવળો પડે છે ને દેવો શરમાઈને પ્રગટ થાય છે. વિનયનમ્ર બનીને દમયંતીએ નારીશક્તિનો અહીં કુમાશપૂર્વક પરિચય કરાવ્યો છે. પાવિત્ર્ય અને પ્રાવીણ્યનો તેનામાં રહેલો સુમેળ તેની દર્શનીયતાને ભારે ઓપ આપે છે. નળમાં રહેલી પ્રામાણિકતા તેણે માપી લીધી છે. દેવોનું દૂતત્વ કરવા આવેલો નળ, પોતે દમયંતીને ચાહતો હોવા છતાં તેને દેવોને પરણવા સમજાવીને દેવોની ઉચ્ચતા વર્ણવે છે. નળમાં રહેલી આ સમતા દમયંતીને આકર્ષી ગઈ છે. આથી જ કદાચ તેણે દેવોનાં વ્યક્તિત્વને નળ પાસે વામન ગણીને નળની જ પતિ તરીકે પસંદગી કરી છે. આ પ્રકારનો નીર-ક્ષીર વિવેક તેને બુદ્ધિમાન સ્ત્રી ઠેરવે છે.

નળનું રૂપ ધારણ કરી સ્વયંવરમાં ઉપસ્થિત તમામમાંથી પોતાના પતિ (નળ)ની પસંદગી કરતી દમયંતી. નંદલાલ બોઝનું એક ચિત્ર. સત્યએ જેના પર પસંદગી ઉતારી છે એવી આ “સતી’ સ્ત્રી પર ઝળુંબવા માટે જી્રનની વિષમતાઓ તૂટી પડવાની જાણે કે રાહ જોઈ રહી હોય તેમ “નળાખ્યાન ‘માં કળિનું પાત્ર પ્રવેશે છે ને નળ-દમયંતીના સુખી દામ્પત્ય પર વિષાક્ત નજર નાખે છે. કળિના પ્રતાપે નળની નિર્મળ મતિને ડાઘ લાગે છે તે એ ભાઈ પુષ્કર સાથે નળ દ્યુત રમવા તૈયાર થાય છે. દમયંતીનો સમજાવ્યો પણ એ સમજતો નથી ને હારે છે. આ ક્ષણે પણ દમયંતીને કવિ જાગ્રત બતાવે છે ને એ રીતે ફરીથી નળ એની પાસે ઝાંખો પડતો સૂચવાય છે.
પતિ સાથે વનમાં જતી દમયંતી દુ:ખોની જાળમાં ફસાય છે, પણ એનું હીર સાયા અર્થમાં ત્યારથી જ પ્રગટવાનું શરૂ થાય છે. પ્રેમાનંદે ઉમેરેલા પ્રસંગ પ્રમાણે દમયંતીને દેવો તરફથી હાથમાં અમૃત રહેવાનું વરદાન મળ્યું છે. આથી ભોજન માટે નળ લાવેલાં માછલાં દમયંતીનો સ્પર્શ પામીને સજીવન થઈ જાય છે. કળિના પ્રવેશથી કલુષિત ચિત્ત થયેલા નળને આથી દમયંતી પર ક્રોધ ચઢે છે ને વનમાં દમયંતીને એકલી મૂકીને નળ ચાલ્યો જાય છે.

નળ દ્વારા ત્યજાયેલી દમયંતી – વનવાસમા – ચિત્રઃ રાજા રવિ વર્મા નળ વિનાની વિરહી દમયંતી વિલપતી, ટૂટતી ભમી રહી છે ત્યારે એક અજગર તેનો પગ ગળે છે. દમયંતીને આ દુ:ખમાંથી પારધીને વેશે આવેલો કલિ છોડાવે છે ને ધમયંતીને પોતાની પત્ની બનવા કહે છે. પારધીની માગણીથી ત્રસ્ત થયેલી દમયંતી પોતાને બચાવવા માટે હરિે પ્રાર્થે છે ત્યારે તેણે કરેલી પ્રાર્થનામાં રહેલો મર્મ જોવા જેરો છે :
‘સત હોય સદા નિરંતર, અસત્યથી હોઉં સ્વતંતર’
દમયતી અસત્યથી સ્વતંત્ર છે માટે ‘સતી’ છે. હંમેશાં અન્યનું કલ્યાણ વાંછતી દમયંતી સ્વરક્ષણ અર્થે પારધીને સત્યબળે નષ્ટ કરે છે તો પણ પોતાને અપરાધી માને છે !
નળ પ્રત્યેનો દમયતીનો પ્રેમ અનુપમ છે. તાપસ વેશે આવેલો કલિ દમયંતીને નળના ક્ષેમકુશળ જણાવીને કહે છે કે “નળ તો બીજી સ્ત્રી શોધે છે.” ત્યારે દમયંતી કહે છે :
“લક્ષ નારી કરો રાજન, પણ માહારે તો નળનું ધ્યાન.”
નળના નળત્વને એ બરોબર જાણે છે, પ્રમાણે છે. નળને શોધતી દમયંતી એને મળેલા રેપારીઓને નળની ઓળખ આપતાં કહે છે : “દીઠે અડસઠ નળે જાત્ર.” સાચે , નળે પુણ્ય કર્યા છે જેથી કરીને દમયંતી જેવી સ્ત્રી પાસે તે આવી ઓળખ પામ્યો છે.
અપાર વિપત્તિઓ પછી દમયંતી માસીના રાજ્યમાં પહોંચીને બાહ્ય રીતે ઠરીઠાગ થાય છે પણ એનું આંતરમન વ્યાકુળ છે. નળ વિના વિરામ કેવો ?
“દમયંતિ મંદિરમા પળે, આવાસ ન આણ્યા આંખડી તળે
તેમ જ
“કહે દમયંતિ રાખ મામ, નહિ કરું હું નીચ કામ”
કહેતી દમયંતીની ગરિમા એની દર્શનીયતાનો એક બીજો આયામ દર્શાવે છે.
અંતનાં કડવાંઓમાં સોંધર્યમંડિતા દમયંતીનું આંતરસોંદર્ય કમળની જેમ ખીલતું જાય છે. પ્રેમાનંદે કરેલાં બીજાં અગત્યનાં ઉમેરણ મુજબ, માસીની પુત્રી દમયંતીનો હાર કળિ લઈ જાય છે, ને આરોપ આવે છે દમયંતી ઉપર. આ ક્ષણે દમયંતીએ પોતે શું કરી શકે છે તે બતાવ્યું છે. ચોરીના આરોપથી પુણ્યપ્રકોપ પ્રગટાવતી દમયંતી પોતાનો વિષાદ પ્રગટ કરે છે હરિ પાસે. દમયંતી માટે મન ખોલવાની આ એક જ જગા હોઈ શકે. જોવાનું તો એ છે કે દમયંતીએ વ્રત, તપ, યોગ, ધ્યાન – કશું જ કર્યું નથી. કર્યું છે, ગીતાની ભાષામાં કહીએ તો, શુદ્ધ સ્વધર્માચરણ. સ્વધર્માચરણનો પ્રતાપ આ ક્ષણે તેની વાણીમાં જોમ બનીને પ્રગટ્યો છે :
“હો હરિ સત્યસંથાતી, હું ક્યંહીએ તથી સમાતી.”
એ પૂછે છે : ‘હરિ, હું શા માટે દુખ પામું ?’ ને પછી લાલ આંખ કરીને ‘લેનારું ફાટી પડજો’ કહેતી દમયંતીના રોષ સાથે જાણે અપરાધભાવે કરીને હરિનો રોષ પણ પ્રગટ્યો હોય તેમ હારનો વરસાદ થાય છે.
જીવન તેમ જ જગતને દમયંતીએ ભારે સમજપૂર્વક જોયું છે. એમાંથી એ હારી જવાય તેવી તંગ પરિસ્થિતિ વચ્ચે ગુજરી છે ને તેમ છતાં એનામાં કોઈ ફરિયાદી વૃત્તિ નથી. માસીને ઘેર પિયરથી આવેલા પુરોહિત પૂછે છે, “નાથજીએ કાં મૂકી ?” ત્યારે દમયંતી કહે છે : “ને કંઈ હું ચૂકી.’ એના ઉત્તરમાં રહેલો આ સાક્ષીભાવ વિરલ સ્વાસ્થ્યનો સૂચક છે. પિયર પહોંચેલી દમયંતી એનામાં રહેલા બુદ્ધિવૈભવને ફરી કામે લગાડીને પોતાની કંકોતરી લખાવડાવીને ફરીથી સ્વયંવર રચવાનો ડોળ કરે છે. એ લગ્ન એટલું તાત્કાલિક લેવાયું છે કે અશ્વવિઘા જાણતો નળ જ આટલા ટૂંકા સમયમાં પહોંચી શકે. તેમ જ જ્યાં નળ હોય ત્યાં આ સમાચારથી તેનામાં રહેલો પ્રેમી ઉશ્કેરાઈને ઝડપથી પહોંચે તેવું દમયંતીનું માનવું છે.
દમયંતીનું અનુમાન સાચું પડે છે ને નળ મારતે રથે દમયંતી પાસે પહોંચે છે. અલબત્ત, તેનું રૂપ બાહુકનું છે. શાપને કારણે હવે તે સૌંધર્યશ્રીથી મંડિત રહ્યો નથી. પણ દમયંતી તેના વિચિત્ર રૂપથી સહેજ પણ વિચલિત થતી નથી. તેને મન મૂલ્ય છે ગુણોનું. બાહુકની પરીક્ષા કર્યા પછી તેની પાસે પણ દમયંતી મન ઠાલવે છે. જેમાં પ્રિયતમાના અધિકારે સૌમ્યતાથી અપાયેલો ઠપકો પણ છે. શાપમાંથી મુક્ત થયેલા નળનું મૂક અભિવાદન કરતી દમયંતીના મનમાં નળ પ્રત્યે કોઈ અભાવ નથી.
દમયંતીની દર્શનીયતા અહીં પૂર્ણત્વને પામે છે. કલિથી એ અકલુષિત રહી શકી તેના મૂળમાં તેની અનન્ય માનુષી પ્રતિભા પડેલી છે. આ રીતે એ નળનું પણ અતિક્રમણ કરે છે.
પ્રેમાનંદનું “નળાખ્યાન? વાંચતાં પહેલી નજરે દમયંતી કરુણનો વિભાવ બનતી લાગે, પણ હકીકતમાં એવું નથી. સહજ રીતે એણે જીવનના આટાપાટાને પાર કર્યા છે. શ્રી અનંતરાય રાવળે દમયંતીના પાત્રને આદર ને સહાનુભૂતિ જીતી જતું પાત્ર કહ્યું છે, પણ એમનાથી જરા જુદા પડીને એમ કહેવાનું મન થાય છે કે એણે સહાનુભૂતિ તો પ્રેમાનંદકાલીન શ્રોતાવર્ગની ઝીલી હોય તો ભલે, સહૃદય ભાવક તો એની આંતરશ્રીનું દર્શન કરીને ધન્યતા જ અનુભવે છે.
માત્ર દમયંતીને કારણે જ “નળાખ્યાન’ નળ-દમયંતીના સત્યનું સ્થાપન કરવામાં કામિયાબ નીવડ્યું છે. નળ પરથી કલિની છાયા પણ દમયંતીને કારણે જ હટી શકી છે. નળ બીજી વાર પુણ્યશ્લોક બની શક્યો છે તે પણ આ જ કારણે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વડીલોની દરકાર સમાવેશી અને સંવેદનશીલ સમાજની જરૂરિયાત
નિસબત
ચંદુ મહેરિયા
ખાસ્સા વિરોધ વચ્ચે યુરોપિયન દેશ ડેન્માર્કે નોકરીની નિવૃતિ વય વધારીને ૭૦ વરસની કરી છે. ભારતની ૧૦ ટકા વૃધ્ધ વસ્તીમાંથી ૭૦ ટકાને જીવન ગુજારા માટે કામ કરવું પડે છે. દેશમાં સૌથી ઓછી (૭.૭ ટકા) વૃધ્ધ વસ્તી ધરાવતા રાજ્ય બિહારે યુવા આયોગની રચના કરી છે. દેશનું સૌથી સાક્ષર રાજ્ય કેરળ સૌથી વધુ વૃધ્ધ વસ્તી(૧૬.૫ટકા) ધરાવે છે. તેણે માર્ચ ૨૦૨૫માં વરિષ્ઠ નાગરિક આયોગની રચના કરી છે. જાપાનની ૧૨.૩ કરોડની કુલ વસ્તીમાં ૩.૬ કરોડ(૨૯.૩ ટકા) લોકો ૬૫ વરસ કરતાં વધુ વયના છે. જાપાનમાં પંદર વરસથી ઓછી ઉમરની વસ્તી ૧૧ ટકા જ છે. ૨૦૨૧માં ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ ૧૦.૧ ટકા હતું. પરંતુ ૨૦૨૫માં ગુજરાતની અંદાજિત ૭.૩૨ કરોડની કુલ આબાદીમાં ૬૫ ટકા( ૪.૭૭ કરોડ) લોકો ૩૫ વરસ કરતાં ઓછી ઉમરના છે. દેશ-વિદેશમાં વસ્તીના કેવા વિરોધાભાસો જોવા મળે છે તેના આ કેટલાક નમૂના છે.
આગામી વરસોમાં વૃધ્ધ વસ્તી બાળ વસ્તી કરતાં વધુ હશે તેના સંકેતો મળી રહ્યા છે. એટલે વૃધ્ધોની વિશેષ દરકાર સમાવેશી અને સંવેદનશીલ સમાજના નિર્માણ માટેની તાતી જરૂરિયાત છે. ૧૯૬૧માં ભારતમાં વૃધ્ધજનોની વસ્તી ૫.૧ ટકા હતી જે આજે વધીને બમણી થઈ ગઈ છે. કેરળમાં ૧૬.૫ ટકા, તમિલનાડુમાં ૧૩.૬ ટકા, હિમાચલ પ્રદેશમાં ૧૩.૧ ટકા, પંજાબમાં ૧૨.૬ ટકા વસ્તી ૬૦ વરસ કરતાં વધુ ઉમરના વરિષ્ઠ નાગરિકોની છે. ઘટતો પ્રજનન દર અને ઓછો મૃત્યુ દર, મોટી ઉમરે લગ્ન, અવિવાહિત વસ્તીનું વધતું પ્રમાણ, બાળક ન હોવું કે ઓછા બાળકો હોવાં, રોજગાર માટે વિદેશ કે અન્ય રાજ્યોમાં વસવાટ, સરેરાશ આયુષ્યમાં વૃધ્ધિ જેવા કારણોથી વૃધ્ધ વસ્તી વધી રહી છે અને બાળ કે યુવા વસ્તી ઘટી રહી છે.
બાળ કે યુવા વસ્તી કરતાં વૃધ્ધ વસ્તી વિશેષ કાળજી માંગે છે. એજિંગ ઈન ઈન્ડિયા: ચેલેન્જિસ એન્ડ ઓપર્ચ્યુનિટી રિપોર્ટમાં વૃધ્ધ વસ્તીની બદહાલ સ્થિતિ જણાવી છે. પોણા ભાગના વૃધ્ધો આર્થિક પરાધીનતામાં જીવે છે.તેમણે મોટી ઉંમર કે ખરાબ સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પેટનો ખાડો પૂરવા કામ કરવું પડે છે. કેરળ જેવા રાજ્યમાં રોજગારીની તલાશમાં યુવાનો દેશ કે રાજ્ય બહાર વસતા હોઈ વૃધ્ધોની દરકાર લેનાર કોઈ નથી. આશરે સાડા ત્રણ કરોડની કેરળની વસ્તીમાં દર પાંચે એક ઘરની ઓછામાં ઓછી એક વ્યક્તિ રાજ્ય બહાર વસે છે. એકલા રહેતા પુરુષો કરતાં એકલી રહેતી મહિલાઓ કે વિધવાઓની વસ્તી વધારે છે. પેટ પૂરતું ખાવાનું ન મળવું કે કુપોષણ તે વૃધ્ધોની મોટી સમસ્યા છે. ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હ્રદય સંબંધી બીમારીઓથી તે પીડાય છે. તેમની પહોંચ મોંઘી આરોગ્ય સેવાઓ સુધી નથી અને સરકારી આરોગ્ય સેવાઓ ખસ્તાહાલ છે. તણાવ અને એકલતા જેવા માનસિક વ્યાધિથી પણ તે પીડાય છે. ઉપેક્ષા, ભેદભાવ અને દુર્વ્યવહાર સહેવો પડે છે.

https://www.researchgate.net/publication/310813128_Supportive_care_for_older_people_with_frailty_in_hospital_An_integrative_review/citation/download
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીવરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં થઈ રહેલા વધારા અને તેમની બદતર હાલત અંગે સરકાર ચિંતિત છે. ૨૦૧૧માં ભારત સરકારે વૃધ્ધજનો માટે રાષ્ટ્રીય નીતિ ઘડી હતી. આ નીતિમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ વરિષ્ઠ નાગરિક આયોગની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. કેરળ દેશનું પહેલું રાજ્ય છે જેણે વરિષ્ઠ નાગરિક આયોગ બનાવ્યું છે. ૨૦૦૬માં વૃધ્ધ દેખભાળ નીતિ ઘડનારું પણ કેરળ પ્રથમ રાજ્ય હતું. કેરળની હાલની ૧૬.૫ ટકા વૃધ્ધ વસ્તી આગામી પચીસેક વરસોમાં વધીને બમણી થવાની શક્યતા હોઈ તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
કેરળનું સિનિયર સિટિઝન કમિશન કેરળ વિધાનસભાએ પસાર કરેલા સર્વસંમત વિધેયક (જે હવે કાયદો બન્યું છે) થી રચાયું છે. તેમાં અધ્યક્ષ ઉપરાંત ત્રણ સભ્યો છે. તેમનો કાર્યકાળ ત્રણ વરસનો નિર્ધારિત કર્યો છે. કમિશનના તમામ સભ્યો સિનિયર સિટિઝન હોય , સભ્યોમાં એક અનુસૂચિત જાતિ, જનજાતિમાંથી અને એક મહિલા હોય તેવી જોગવાઈ કરી છે. આ કમિશન વૃધ્ધોના કલ્યાણ, સલામતી, પુનર્વાસ, જાગ્રતિ, સશક્તિકરણનું કાર્ય કરશે. કમિશન સમક્ષ આવતી ફરિયાદોની તો તે તપાસ કરશે જ કેટલીક બાબતે સુઓમોટો પણ કરશે. રાજયની વૃધ્ધજન નીતિના ઘડતરમાં તે સલાહકારનું કામ કરશે. વૃધ્ધાવસ્થા સંબંધી બીમારીઓમાં તે વૃધ્ધો સુધી આરોગ્ય સેવાઓ પહોંચે, તેમના આરોગ્યની નિયમિત તપાસ થાય, સ્ટ્રેસ, ડિપ્રેશન, અલ્ઝાઈમર જેવી માનસિક બીમારીઓની પણ સારવાર મળે, તેમના જમીન-મિલકત કે ભરણપોષણના ગૂંચવાયેલા પ્રશ્નોમાં કાનૂની સહાય જેવા કાર્યો પણ આયોગ કરશે.વરિષ્ઠ નાગરિકોના કૌશલ્ય , જ્ઞાન અને અનુભવોનો લાભ સામુદાયિક વિકાસ કાર્યો અને સેવાઓને મળે તે માટે પણ તે પ્રયત્ન કરશે.
કેરળ સરકારે વરિષ્ઠ નાગરિક આયોગની રચનાના છ મહિના પછી તાજેતરમાં વૃધ્ધજનો માટેની રાજ્યનીતિનો મુસદ્દો જાહેર ચર્ચા માટે રજૂ કર્યો છે. વરિષ્ઠ નાગરિકોના સન્માન, કલ્યાણ અને સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના નિર્ધાર સાથેના આ મુસદામાં વૃધ્ધોની ઉપેક્ષા અને દુર્વ્યવહાર અંગે રાજ્યની ઝીરો ટોલરન્સની નીતિની ઘોષણા કરવામાં આવી છે. વૃધ્ધજનોના કલ્યાણ, સુરક્ષા, નાણાકીય સલામતી, દેખભાળ અને સરવાળે જીવનની ગુણવત્તામાં સુધારો જેવી બાબતો માટે વધુ દ્રઢ અને પ્રગતિશીલ કાયદો ઘડવાની નેમ વ્યક્ત કરી છે. રાજ્યનીતિમાં જણાવ્યા પ્રમાણે નવા કાયદામાં વડીલોના કલ્યાણ સંબંધી નિયમોનો ભંગ કરનારને કઠોર દંડ કરવાની જોગવાઈ થશે.વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે કાર્યો કરવા નાણાની જરૂર રહેવાની એટલે રાજ્યસરકાર તેના બજેટમાં પાંચ ટકા સિનિયર સિટિઝન્સ કાર્યો માટે ફાળવશે તેવી જાહેરાત કરી છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બજેટના ૧૦ ટકા ફાળવે તેવી ભલામણ કરી છે. વધુ નાણાકીય જરૂરિયાત માટે સંપત્તિ કર પર સેસ નાંખવાની પણ જોગવાઈ કરવાની સરકારની ઈચ્છા છે.
અનુભવ અને જ્ઞાનમાં સમૃધ્ધ પણ અવસ્થાએ લાચાર એવા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવી તે વ્યક્તિ , સમાજ અને સરકારનું કર્તવ્ય છે. વળી આર્થિક રીતે નબળા કે વંચિત વર્ગોના વૃધ્ધોને સવિશેષ સહન કરવું પડે છે. તેથી વરિષ્ઠ નાગરિકો માટેની નીતિ અને કલ્યાણ કાર્યક્રમો સમાનતાના ધોરણે વિચારવા જોઈએ.પૈસાદાર અને ગરીબ બંને આર્થિક સ્થિતિના વૃધ્ધોની એક સરખી દરકાર લેવાય તેવાં પગલાંની આવશ્યકતા છે. જો આપણે સમાનતાના ધોરણે વૃધ્ધોના કલ્યાણ કાર્યક્રમો વિચારીશું તો ભવિષ્યમાં સંવેદનશીલ અને સમાવેશી સમાજના નિર્માણમાં સહાય મળશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નવી શોધો અને પ્રચંડ પ્રગતિ તરફ પ્રયાણ
તવારીખની તેજછાયા

ડો. વિક્રમ સારાભાઈ પ્રકાશ ન. શાહ
ભારત હજુ પરમાણુ બોમ્બ ક્લબમાં પ્રવેશ્યું નહોતું એ વર્ષોની એક સાંભરણ.
અમે અમદાવાદમાં સર્વોદય મંડળના ઉપક્રમે ત્યારે નાગરિક અને પરમાણુ શક્તિ પર એક જાહેર વિમર્શ યોજ્યો હતો. નારાયણ દેસાઈ અને જયન્તિ દલાલ વગેરે એને સંબોધવાના હતા. એટમિક એનર્જી કમિશનના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ ત્યારે અમદાવાદમાં હતા અને એમણે પણ (માત્ર હાજર રહેવાની શરતે) સામેલ થવાનું સ્વીકાર્યું હતું. વક્તાઓમાં એક જનસંઘના વસન્ત ગજેન્દ્ર ગડકર પણ હતા. એમણે ચર્ચામાં એક તબક્કે કહી નાખ્યું કે આપણે અણુશક્તિમાંથી બોમ્બ નહીં બનાવીએ તો શું ભજન ગાવાના મંજીરા બનાવીશું? એક મોટી બાબતમાં લગભગ બચકાના એવો લોકરંજની પ્રતિભાવ એમનો હતો. (અલબત્ત, આગળ ચાલતાં ઈંદિરાજી સહિત રાજકારણીઓના મોટા હિસ્સાને આ ભૂમિકા અનિવાર્ય લાગવાની હતી.) અણુશક્તિના શાંતિમય ઉપયોગ અને અગ્રતા વિવેકને ધોરણે અપેક્ષિત વિમર્શમાં એ જોકે એક અણધાર્યો ફણગો ફૂટ્યો હતો. પણ જયન્તિ દલાલે એમની હંમેશની દક્ષ શૈલીએ તરત દરમ્યાન થઈ કહ્યું હતું- આપણા શ્રોતાઓમાં વિક્રમભાઈ પણ છે એનો જરી લિહાજ કરીએ.
પાછળથી, જયન્તિભાઈને ત્યાં વિક્રમભાઈને મળવાનું થયું, રંજનબહેનના હાથની એમને ભાવતી દાળઢોકળી પર, ત્યારે મેં કહ્યું કે તમે હોદ્દાની રૂએ જાહેર ચર્ચામાં મૌન ઈષ્ટ ગણ્યું હોય તો પણ તમારો એકંદર વૈચારિક અભિગમ તમારે કોઈક રીતે તો સમજાવવાની તક લેવી જોઈએ. એમણે જવાબમાં મને આઈઆઈટી (મદ્રાસ)ના એમના પદવીદાન પ્રવચનની એક નકલ થમાવી હતી.
(મધુ રાયના અનુવાદમાં પછીથી એ ‘નિરીક્ષક’માં પ્રગટ થયું પણ હતું.)
સરસ, સમીચીન શીર્ષક હતું એમના દીક્ષાન્ત અભિભાષણનું, ‘વિજ્ઞાનયુગમાં વિખેરાતો માનવી.’
૧૯૬૮-૬૯માં એ વાત કરી રહ્યા હતા:
‘છેલ્લાં પાંચ વર્ષોમાં દુનિયામાં અદભુત પરિવર્તનો આવી ગયાં છે. નેહરુ, કેનેડી, ખ્રશ્ચોફનાં નામ શાંત થઈ ગયાં છે. શસ્ત્રસરંજામથી લચી પડતાં રાષ્ટ્રો હજી વધુ ને વધુ શસ્ત્રો પોતાની પીઠ પર લાદ્યે જાય છે. દુનિયાભરમાં ઠેર ઠેર હિંસા ને ખૂનામરકી વ્યાપી ગયાં છે. ચંદ્રની મુસાફરી કે ભારતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પહેલાંની જેમ આકર્ષક વિષયો નથી રહ્યા. ચીન, અમેરિકા કે ભારતની જિંદગીમાં વિચિત્ર ઘમસાણો આવી ગયાં છે…
‘આજના યંત્રયુગમાં મશીન અને મશીની સાધનો સાથે આપણને કામ પડ્યું છે… મશીનોના ક્રમને અનુસરીને ચાલીએ છીએ, જીવીએ છીએ. વધુ ને વધુ ઉત્સાહ અને ઝુંબેશથી નવી નવી શોધો કરતો માનવી હવે તો કુદરતના ક્રમને ભેદીને, વાતાવરણને ભેદી બહાર જવા મથે છે…’
‘કુદરતનું કામ કુદરત કરે ત્યાં સુધી તો એ પોતાના જાદુથી એની સમતુલા રાખી શકે છે, પણ કુદરતી વ્યવસ્થામાં બહારથી કોઈ માનવનિર્મિત દબાણ કે કામ આવે છે ત્યારે કુદરત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અત્યારે જે ગતિથી નવી નવી શોધો થાય છે, તે જોતાં દુનિયા ઉત્તરોત્તર વધતી જતી ઝડપે પ્રચંડ પ્રગતિ કરી રહી છે, અને અસંખ્ય માણસો, વસ્તુઓ પુરાણાં પડતાં જાય છે…’
ગમે તેમ પણ, માનવી કુદરતના ક્રમને ને વાતાવરણને ભેદીને બહાર જવાની શક્તિ ધરાવતો થયો છે ત્યારે અગ્રતાની દૃષ્ટિએ સરળ વિજ્ઞાનવિવેક શો હોય, એનું સંક્ષિપ્ત પણ સટીક ને સચોટ સમાપન વિક્રમ સારાભાઈએ આ પદવીદાન પ્રવચનમાં આ શબ્દોમાં કર્યું હતું:
‘મારી નજરે, આપણને વધુ અગત્યનાં હોય એવાં કાર્યોનાં રેખાંકન અને વિકાસમાં સૌથી વધુ મૂડીરોકાણ થવું જોઈએ. કિફાયતી કિંમતનું સ્કૂટર કે નાની મોટરકાર પૂરી પાડે એવી સારી યાતાયાત વ્યવસ્થા, દસ વરસમાં ગામે ગામ ટેલિવિઝન લાવી શકે એવી સમૂહ-સંપ્રેષણ વ્યવસ્થા હાઈડ્રો-ઈલેક્ટ્રિક, એટોમિક કે થર્મલ યુનિટોના સંમિલિત વિનિયોગથી ગ્રામ વિસ્તારમાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા અને આપણી પોતાની સરહદી જરૂરતો તેમજ આપણી પોતાની યુદ્ધશૈલીની દૃષ્ટિએ ઉપયોગી એવાં સંરક્ષણ સાધનો ઉપર (આપણા દરિયાપારના મિત્રો આપણને જે વેચવા, ભેટ આપવા કે એમના તકનીકી માર્ગદર્શન નીચે બનાવવાનું મુનાસિબ સમજે તે સાધનો ઉપર નહીં) આધાર રાખતી સંરક્ષણ વ્યવસ્થા આવશ્યક છે.’
અટક્યા’તા અલબત્ત આશાના સૂર પર-
‘હું માનું છું કે માણસનાં અનેકવિધ કર્મોનાં અનિયંત્રિત દિશાઓમાં નાસતાં પરિબળો એકાએક આપણા અણુએ અણુ છૂટાં પાડી નાખે તે પહેલાં એમને ઈચ્છિત માર્ગે વહેવડાવવાની દૂરંદેશીતા આપણામાં છે.’
બરાબર એંશી વરસ થયાં હિરોશીમા-નાગાસાકી ઘટનાને. ઉમાશંકરે આખી યુગચર્ચાને સમેટતા નાગાસાકીના પ્રાસમાં ‘હવે શું બાકી’ પ્રકારનો ભાવ પ્રગટ કર્યો હતો. પરમાણુ બોમ્બથી એચ બોમ્બ અને કદાચ એથીયે આગળ વધી ગયા પછી આ બધી પૂર્વ ચર્ચાનો કોઈ અર્થ રહે છે ખરો, એવો કંઈક સવાલ પણ પૂછી તો શકાય. પણ અણુ બોમ્બના નિર્માણ પૂર્વે અને તે પછી પણ આઈન્સ્ટાઈન સરખાએ અનુભવેલ મનોમંથન, રૂસના સખારોવ જેવા એચ બોમ્બના જનકે બંધ દુનિયામાં મુક્તિ ચળવળ સારુ અનુભવેલી છટપટહટ અને નાગરિક અધિકાર ચળવળ સાથે સાધેલ સંધાન, આ બધું જ બેમતલબ ને બેમાની છે?
બટ્રાન્ડ રસેલે લખેલ ‘હેઝ મેન અ ફ્યુચર’ વાંચવાનું દાયકાઓ પૂર્વે બન્યું હતું. એમાં ઉપસ્થિત થયેલ ચિંતા, નિસબત ને પ્રશ્ન કદાચ એટલાં જ નીંગળતાં અનુભવાય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦ – ૮– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
સંપાદકીય નોંધ‘નવી શોધો અને પ્રચંડ પ્રગતિ તરફ પ્રયાણ’ ( શ્રી મધુ રાય અને ‘નીરિક્ષક’નાં સૌજન્યથી) અને મૂળ અંગ્રેજી સંસ્કરણ ‘The Uncertainty and Obsolescence’ (સાયંસ વાયર’નાં સૌજન્યથી ) આ સાથે બીડેલા છે. -
જે અપરાધી, તે ફરિયાદી!
ધિક્કારનાં ગીતો
ભાષાની અશુદ્ધિ ક્યારેક ગીતને વધુ ચોટદાર પણ બનાવી શકે છે.
દીપક સોલિયા
સામાન્ય રીતે ઇમોશનલ અત્યાચાર દ્વિપક્ષી હોય છે. ફક્ત પ્રેમિકા જ પ્રેમી પર કે પ્રેમી જ પ્રેમિકા પર ઇમોશનલ અત્યાચાર ગુજારી શકે એવો કોઈ નિયમ નથી. અને છતાં, ઇમોસનલ અત્યાચારના મામલે એક પક્ષ જ્યારે ભેંકડો તાણે ત્યારે એ તો ફક્ત પોતાના પર ગુજારાઈ રહેલા અત્યાચારનાં રોદણાં જ રડશે. એવે વખતે ફરિયાદી પાર્ટી એ નહીં જોઈ શકે કે એ પોતે પણ સામેની પાર્ટી પર કેવો જુલમ ગુજારી રહી છે.
આ મુદ્દો સાબિત કરતા એક ગીતની આપણે વાત કરી રહ્યા છીએ. એ ગીત છે, ફિલ્મ દેવ.ડીનું ઇમોસનલ અત્યાચાર, જેમાં કવિ ફરિયાદ કરતાં કરતાં પ્રેમિકાને વેશ્યા કહેવાની હદે પહોંચે છેઃ
ઝિંદગી ભી લે લે યાર કિમ મી
બોલ બોલ વ્હાય ડિય યુ ડિચ મી હોર…હોર એટલે વેશ્યા.
આ તે કોઈ રીત છે? છોકરી છોડી જાય એટલે એને વેશ્યા ગણાવી દેવાની? અને આ જ તમારી કક્ષા હોય, આ જ તમારા સંસ્કાર હોય, આવા જ તમારા લખ્ખણ હોય તો પછી છોકરી છોડી ન જાય તો બીજું શું કરે?
એટલે, ગીતમાં ભલે પ્રેમિકાને સવાલ પૂછાયો છે કે હે વેશ્યા, તું મને શા માટે છોડી ગઈ? પણ જવાબ આ સવાલમાં જ આવી જાય છે કે હે ભાઈ દિલજલા, તું કોઈને સ્ત્રીને વેશ્યા કહેવાની હદે જઈ શકે એવો છીછરો માણસ છે એટલે પેલી તને છોડી ગઈ.
દેવ.ડીમાં (અને એ ફિલ્મ જેના પર આધારિત છે તે શરદબાબુની નવલકથા દેવદાસમાં પણ મહદંશે) એવું દર્શાવાયું છે કે હીરો દેવ પોતે જ ઇમોશનલી સ્ટેબલ નથી. એનું ફટકે ત્યારે તે એ પોતાની પ્રેમિકા પારો પર હાથ પણ ઉપાડી લે છે. પારોની સરખામણીમાં દેવસાહેબ અમીર હોવાથી થોડા લાટસાહેબના વહેમમાં પણ છે. આવા અભિમાની, વાતે વાતે ખોટું લગાડી બેસનારા દેવ સામે પ્રેમિકા નારાજ થઈ જ શકે. ફિલ્મમાં તો એવું પણ દર્શાવાયું છે કે કાચા કાનનો દેવ ફોરેનમાં ભણીને પાછો ફરે છે ત્યારે તે લોકોમાં ચાલી રહેલી કાનાફૂસીને સાચી માની લે છે અને પારોના ચારિત્ર્ય પર શંકા કરે છે. પારો પોતાની ‘નિર્દોષતા અને પવિત્રતા’ સાબિત કરવા મથે તો છે, પણ દેવ હૈ કિ માનતા નહીં. એ પારો પર ખરાબ ચારિત્ર્યનો આરોપ મૂકીને તેને ખરાબ રીતે ખખડાવી નાખે છે. દેવની આવી દાનવતા જોઈને પારો નારાજ થઈ જાય છે.
બાકી દેવ પ્રત્યે પારોને પ્રેમ તો બહુ હતો. પારો બહુ સંભાળ રાખતી હતી પોતાના પ્યારા દેવની. પણ પારોના પ્રેમની દેવ કદર ન કરી શક્યો. દેવ જડ હતો. દેવ આળસુ હતો. દેવ શંકાશીલ હતો. દેવનો મેલ ઇગો બહુ નાજૂક હતો. સામે પક્ષે પારો છેવટે મનુષ્ય હતી. એ કેટલું વેઠે? જ્યારે સહનશક્તિની હદ આવી ગઈ ત્યારે ભડકેલી પારો માબાપે પસંદ કરેલા મૂરતિયા સાથે પરણી ગઈ.
તો આમાં વાંક કોનો? સ્પષ્ટપણે દેવનો.
આમાં ઇમોસનલ અત્યાચાર કોનો? સ્પષ્ટપણે દેવનો.
અને છતાં અન્યાય કરનાર દેવ પોતે જાણે અન્યાય વેઠનાર પીડિત હોય તેમ આત્મદયાથી પીડાય છે અને પારોના લગનપ્રસંગે એટલો બધો દારૂ ઢીંચે છે કે એ લથડિયા ખાવા લાગે છે, ચાલતાચાલતા રસ્તામાં આવતા લોકો સાથે ભટકાય છે. બધાનું ધ્યાન દેવ પર જાય છે. દેવ પોતે તમાશો બની જાય છે. બાળ-સખીનો લગ્નપ્રસંગ જાળવી લેવાને બદલે દેવ એ પ્રસંગમાં વિઘ્નરૂપ બની રહે છે.
અને આ તરફ, મંચ પર પેલા બે બેન્ડબાજાવાળા દેવના દિલની લાગણીને વાચા આપવાનું ચાલુ રાખતાં છેલ્લે ગાય છેઃ
તૌબા તેરા જલવા તૌબા તેરા પ્યાર
તેરા ઇમોસનલ અત્યાચાર
જાઓ, જાઓ ઓ દિલબર…ખેર, દિલબર તો જઈ જ રહી હતી, કન્યાવિદાયને હવે થોડી જ મિનિટોની વાર હતી, પરંતુ એટલામાં ભાઈ દેવ ચિક્કાર દારૂના પ્રચંડ પ્રભાવ હેઠળ ધરતી પર ભફાંગ કરતાં એવી રીતે પટકાય છે કે ચહેરો ધૂળ સાથે અફળાવાને કારણે ખાસ્સી ધૂળ ઊડે છે અને ધૂળની એ લઘુ-ડમરી સાથે ગીત પૂરું થાય છે.
ફિલ્મમાં ગીત જોનારને સ્પષ્ટ સમજાય કે આમાં વાંક તો પુરુષનો જ છે, પણ આખી ફિલ્મ જોયા વિના એનો ફક્ત ઓડિયો કે ઇવન વીડિયો જોવામાં આવે ત્યારે ભલભલા સ્વસ્થ પુરુષ એવું માનવા પ્રેરાય કે હા યાર, સ્ત્રીઓ તો બહુ ઇમોસનલ અત્યાચાર ગુજારે…
આવું થવાનું કારણ એ છે કે ગીત તેના ઢીંચાક સંગીત અને અણિદાર શબ્દોને લીધે ભારે અસરકારક બન્યું છે. ગીતમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ તેને નિરાળું અને યાદગાર બનાવવામાં ઉપયોગી નિવડે છે. જેમ કે,
સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં…
અરે વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ…
હો ગઈ દિલ કે પાર ટ્રેજેડી, ટ્રેજેડી…આ પ્રયોગશીલતા (કે પ્રયોગખોરી તમને જે લાગે તે) આમ તો ગીતકારની ગણાય, પણ અસલમાં નિર્દેશક અનુરાગ કશ્યપનો આમાં હાથ હોવાની શક્યતા પૂરેપૂરી. અનુરાગ કશ્યપની અન્ય ફિલ્મોનાં ગીતોમાં પણ અંગ્રેજી-હિન્દીની એકદમ હટ કે ભેળસેળ જોવા મળતી હોય છે. જેમ કે, અનુરાગની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરના બીજા ભાગના એક ગીતના આ શબ્દો જુઓઃ
જો ભી રોંગવા હૈ ઉસે
સેટ રાઈટવા કરો જી
નહીં લૂઝિયે હોપ
થોડા ફાઈટવા કરો જી.વાત આટલી જ છે, ‘જે ઠીક નથી તેને ઠીક કરો, આશા ન છોડો, થોડું લડો’. પણ આટલી સાદી વાત કહેવામાં હિન્દી-અંગ્રેજી ભાષાનું જે રીતે મિશ્રણ કરવામાં આવ્યું છે તેને લીધે જુદી અસર પેદા થાય છે.
હિન્દી-અંગ્રેજીની આવી ભેળસેળ ઇમોસનલ અત્યાચાર ગીતને પણ ભારે ફળી છે. અને આ ગીતને ફળ્યા છે પેલા બે બેન્ડવાજાવાળા (એમાંના એકની ભૂમિકા નવાઝુદ્દીન સિદ્દીકીએ ભજવી છે). ફિલ્મમાં બેન્ડવાજાવાળાને ઘુસાડવા એ પણ અનુરાગ કશ્યપની ખૂબી છે. ગેંગ્સ ઓફ વાસેપૂરના બેય ભાગમાં અનુરાગે બેન્ડવાળાના પાત્રમાં યશપાલ શર્મા પાસે જબરાં ગીતો ગવડાવ્યા છે. બીજા ભાગના આરંભે સરદાર ખાન (મનોજ બાજપેયી)નો જનાજો ઊઠે છે ત્યારે તોતડો બેન્ડવાળો ખોટી-ખરાબ હિન્દીમાં બરાડે છેઃ યાદ તેડી આએગી, મુઝ કો બડા શતાયેગી.
ટૂંકમાં, બેન્ડનો ઉપયોગ, ભાષાની ભેળસેળ, સંગીતનું જોશ અને સૌથી વધુ તો ગીતના આ બે શબ્દો – ઇમોસનલ અત્યાચાર- આ બધાના સંગમને લીધે દેવ.ડીનું આ ગીત એક ‘સદાબહાર’ ધિક્કાર ગીત બની રહ્યું છે.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’
વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’(‘કવિલોક’ પ્રકાશન,૧૯૮૬) છે. તેમાં ‘અખાની પરંપરાને જાળવીને’ કવિએ હાસ્યકટાક્ષના છપ્પા રચ્યા છે.. કવિએ અંત્યાનુપ્રાસ સાથેની ત્રણ-ત્રણ પંક્તિનું એકમ સ્વીકાર્યું છે. ઓપિનિયન મેગેઝીન-યુ.કે. માંથી સાભાર સ્વીકાર સાથે અત્રે પ્રસ્તુત છે.
અક્ષર અંગઃ
એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન,
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગમતો ચાહી,
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળેઆચાર્ય અંગ
ઑફિસ મધ્ય બિરાજે જંત, સકલ આચરે એવો ખંત,
નીજનું પોત ન જુએ લગીર, પરનાં ધોવા નીકળ્યો ચીર
મુખથી વહેતો સૂક્તિ ધોધ, હૃદય મહીં ક્યાં કરવી શોધઅધ્યાપક અંગ
ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઇડ મહીં ત્યાં બૂડે જ્ઞાન !વિદ્યાર્થી અંગ
ભણવું નામે ઊઘડ્યો દેશ, વસ્તીનો તોટો ન્હૈ લેશ;
માંહોમાંહે બકતા હોડ : ‘પુસ્તકિયા દુનિયાને છોડ’.
થોડાં વર્ગે ઝાહા બહાર, વિદ્યાર્થી કોણ ઊતર્યું પાર ?કલાકાર અંગ
એક જીવ આ ભમતો ફરે, ચિત્ત એનું તો ક્યહીં ન ઠરે :
કલા કાજ લીધો અવતાર, હું છું એનો તારણહાર’.
પતંગિયાને ફૂલ નહિ એક, રંગ રંગ પર ઊડણ-ઠેક.તંત્રી અંગ
થઈ બેઠો મોટો તંત્રી : ‘હું સહુનો સાચો સંત્રી’.
ખટ્ટ ખટાખટ બોલે યંત્ર, રોલર-કૂખથી પ્રસવે મંત્ર,
ફાવે તે લખવાની છૂટ, સોયનાકેથી કાઢે ઊંટ.પ્રકાશક અંગ
અક્ષરની દુનિયાનો દેવ, અક્ષર પાડ્યાની ક્યાં ટેવ?
અક્ષરનાં થોથાં એ કરે, થોથાંથી તો હાટ જ ભરે,
લખનારો ત્યાં આવે જાય, મંદિરમાં જ્યમ જન ઉભરાય.સેવક અંગ
એક જીવના એવા ઢંગ, કાચિંડો જ્યમ બદલે રંગ,
રંગ બદલતો મન હરખાય, ના કોઈનાથી એ પરખાય,
’સેવક સેવક’ સહુ કો કહે, મનથી ઝાઝું તન લહલહે.ડૉક્ટર અંગ
વસંત દર્દોની લહેરાય, હરખ વૈદ્યનો ખિસ્સે માય !
’મડદાં ચીર્યાં એ ભૂતકાળ’, તબીબ વિચાર છે તત્કાળ:
’પ્રગતિ સાચી તો જ ગણાય, જો જીવતાંને ચીરતો થાય.’રાજકારણી અંગ
કંજ-કાનને ભમતો ફરે, ભૃં ભૃં કરતો ડોઝું ભરે,
ઘડીમાં અહીં તો ઘડીમાં તહીં, મર્કટને તરુ નિજનું નહીં,
દિશા બદલતી ડુગડુગી વાય, ગુલાંટ ખાતો એ ગમ ધાય.પ્રધાન અંગ
એક ઈસમનો અક્કડ વેશ, ખુરશી દેખી ઢીલો ઘેંશ,
’ખુરશી મા ને ખુરશી બાપ’, રૂંવે રૂંવે એ જપતો જાપ,
પહોંચ્યો ખુરશીની જ્યાં કને માણસ મટીને મતીરું બને.નગર અંગ
ઝાઝાં રસ્તા ઝાઝાં ધામ, ધામથી ઝાઝાં માણસરામ,
માણસરામની હડિયાદોટ, પગને ક્યાં પગલાંની ખોટ ?
ખોટ હોય તો કેવળ એક, પચી’ કલાકનો દિન ના છેક !વિવેચક અંગ
એક જંતનો એવો તંત: વાંચું તેનો આણું અંત’.
ઘૂમે કાગળિયે મેદાન, વ્યંઢળ ને વળી કાઢી જાન !
કલમ સબોડે પાડે ત્રાડ, ખીલીથી ખોતરવો પ્હાડ !નીજ અંગ
ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ,
કામ કામથી કાગળ ભરું, જળ વિનાની સરિતા તરું,
અક્ષર નામે લખતો ઘણું, પ્રગટે જો કંઈ પોતાપણું ! -
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – સુખદુઃખ મનમાં ન આણીએ ! પણ…
વિમલાતાઈ
વજ્રાઘાત થી આગળ
અમે રહેતા હતા તે બિલ્ડિંગમાં એક ખાનદાન બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ભાઈ, બહેન, પતિ અને પત્ની. તેમને એક જ દીકરો હતો. તેઓ અમને હંમેશાં મદદ કરતાં. કોઈ ને કોઈ બહાને તેઓ મને મહિનામાં પાંચ-દસ રૂપિયાની સહાયતા અચૂક કરતાં. તેમણે મને તેમની ઓળખાણવાળા કાપડના અને કરિયાણાના વેપારી પાસે પોતાની અંગત બાંહેધરી પર ખાતું ખોલાવી આપ્યું. મારો ચોખ્ખો અને પ્રામાણિક વહેવાર જોઈ આ દુકાનદારો મને જોઈએ એટલો સામાન આપતા. હું પણ દર મહિને તેમની પાઈએ પાઈ ચૂકવી આપતી. આમ છતાં અમે જે હાલાકીમાં દિવસ કાઢયા અને દુઃખમાં દિવસ ગુ્જાર્યા તેનું તો વર્ણન પણ કરવું હવે મને પ્રશસ્ત નથી લાગતું.
આર્થિક તંગી તો એવી હતી કે ન પૂછો વાત. તેવામાં મારા બનેવીની ફરીથી બદલી થઈ. આ વખતે તેમને એવા ગામમાં મૂકવામાં આવ્યા હતા જેને પોલીસખાતામાં “કાળા પાણીની સજા’ કહેતા. તેઓ લાંબી રજા પ૨ ઊતરી ગયા અને ભાવનગર આવ્યા. પોતે એકલા તેમના મોટા ભાઈ – જે અમારી બાજુમાં જ રહેતા હતા અને મારી પાસેથી ધમકી આપીને બસો રૂપિયા લઈ ગયા હતા અને કદી પાછા આપ્યા નહિ, તેમને ત્યાં ઊતર્યા. દમુ, તેની બે યુવાન દીકરીઓ, એક જમાઈ, તેમની દીકરી, દમુનો નરેન જેવડો પુત્ર, દમુનાં વિધવા જેઠાણી અને તેમનાં બે છોકરાં – તેમને બધાંને મારે ત્યાં રાખ્યાં. કાયમની આર્થિક મુશ્કેલીથી એક તો હું અત્યંત પરેશાન હતી, તેમાં આ નવ માણસોનો પરિવાર મારે ત્યાં આવી પડ્યો. એક દિવસ કોઈ કારણસર હું મારું માનસિક સંતુલન ગુમાવી બેઠી. કશાનું ભાન રહ્યું નહિ અને સાવ ગાંડા જેવી થઈ ગઈ હતી.
અમારા બિલ્ડિંગમાં એક ભાઈ રહેતા હતા જે મારા મોટા પુત્રની સાથે ભણ્યા હતા અને તેમની જેમ તારખાતામાં નોકરી કરતા હતા. તેમણે મોટાને તાર કર્યો કે તમારાં બા અત્યંત બીમાર છે તો તત્કાળ ભાવનગર આવો. મોટા તાર મળ્યાના ચાર દિવસ પછી આવ્યા. તેમણે બધા સાથે વિચારવિમર્શ કર્યો કે બાઈનું શું કરવું. દમુએ કહ્યું, “અમારી બદલી થઈ છે, તો હું વળી આને મારી સાથે ક્યાં લઈ જઉં? મારી બહેનનું તમારે જે કરવું હોય તે કરો,’ કહી એ તો છટકી ગઈ.સૌએ મને હોસ્પિટલમાં દાખલ કરવાનો વિચાર કર્યો. મને નવાઈ લાગે છે કે લોકોમાં સાજાંનાં સગાં અને પૈસાના ગુલામ થવાની વૃત્તિ કેવી રીતે આવતી હશે? પોતાનાં આપ્તજન માટે આવું કોઈ કરતું હરો?
પરંતુ ઈશ્વરની કુપા અને મારાં ચારે બાળકોનાં સદ્ભાગ્ય કે મારી તબિયત એકદમ સુધરી ગઈ. નહિ તો મારું અને મારાં બાળકોનું શું થાત એની તો કલ્પના પણ કરી શકતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે મારા સગા બનેવીએ મારા તરફ આંગળી દર્શાવી દમુને સખ્ત ચેતવણી આપી હતી કે, “આ બાઈના હાથનું પાણી પણ પીવાનું નથી. તમને કંઈ થઈ બેસશે! મારી પુત્રી મીના સમજુ હતી તેણે આ વાત સાંભળી હતી અને મને સાવ સાજી થઈ ગયા બાદ આ વાત કહી આવા હતા મારાં હિતચિંતક સગાં! મારા બનેવીના પેલા નાલાયક ભાઈએ મને મારા પૈસા પાછા આપ્યા જ નહિ. ફક્ત તેમની પત્નીએ ચોરીછૂપીથી થોડા રૂપિયા મને પહોંચાડયા હતા.
આખો પ્રસંગ બન્યો ત્યારે નરેન દસમા ધોરણમાં હતો અને મોટાને ત્યાં અમદાવાદમાં ભણતો હતો, તેને મોટાએ આ વાત કરી ન હતી.
સંપાદકની પૂર્તિ: બાઇએ જીવતેજીવ કદી પણ કોઇને દુભાવ્યાં નહોતાં, તેથી તેમના જીવનના આ છેલ્લા વર્ષમાં જ્યારે તેમણે આ આત્મકથા લખી, તેમાં કોઇના પણ માટે કટુતા દશવી નથી, અને કોઈના પ્રત્યે કટુ વચન લખ્યાં નથી. બાઈએ અહીં જે પ્રસંગ લખ્યો છે તેનું કારણ તેમની મોટી દીકરી મીનાએ વર્ષો બાદ કહ્યું. દમુનો મોટો દીકરો કિશન – જે નરેન કરતાં એક વર્ષે નાનો હતો, તે અત્યંત તુમાખી, ઉદ્દંડ અને ભાવવિરહીત હતો. તેનામાં તેના પિતાની સત્તાનું અભિમાન હતું અને તે વખતે એકનો એક પુત્ર હોવાથી તે અતિ લાડમાં ફાવે તેવા અત્યાચાર કરતો. બાઈના શિર પર દમુના આવડા મોટા પરિવારની જવાબદારી નાખી તેમના બનેવીએ તો હાથ ધોઇ નાખ્યા હતા. તે દિવસે બાઇએ બપોરની રસોઈ પતાવી, બધાંને જમવા બેસાડ્યાં. કિશને તે વખતે જમવાની ના કહી. બધાંનાં ભોજન પતી ગયા બાદ બાઈએ વાસણ ધોયાં અને શ્વાસ ખાવા જરા બેઠાં હતાં ત્યાં કિશને આવીને બાઈને કહ્યું, ‘મારા માટે હમણાં ને હમણાં જમવાનું બનાવી આપો.’ બાઈ ચિંતામાં વ્યગ્ર હતાં અને કિશનને કહું, “બધાં જમવા બેઠાં હતાં ત્યારે કેમ ન આવ્યો? થોડો ખમી જા તો તને કંઈક બનાવી આપીશ.’ બસ, આટલી વાત અને કિશનનો પારો સાતમા આસમાન પર પહોંચી ગયો. તેણે ચીસ પાડીને કહ્યું, ‘તું મને ના પાડે છે?’ કહી તેણે બાઇને કચકચાવીને લાત મારી. બાઈ આ અણધાર્યા હુમલાથી પડી ગયાં. આજ સુધી બાઇને તેમનાં સગાં કે સાવકાં બાળકોમાંથી કોઇએ પણ તુંકારો કરીને બોલાવ્યાં નહોતાં, ત્યાં તેમની ઉપર હાથ ઉપાડવાની તો વાત ક્યાં થાય? તેમને એટલો આઘાત લાગ્યો કે મગજની સમતુલા ખોઇ બેઠાં. તેમના માનસમાં ૧છ૦૧છ૫ડાં૦૦ આવી ગયું અને ભ્રમણાવસ્થામાં લગ્ન પછીના એવા યુગમાં પહોંચી ગયાં જ્યારે તેઓ વઢવાણ કેમ્પમાં હતાં. જાણે તેમના પતિ ઓફિસમાંથી ઘેર આવતા હોય તેવું લાગે અને તેમના માટે પાન બનાવવા લાગી જતાં. તેમને કશાનું ભાન નહોતું, હાથમાં પાન હોય તેમ હથેળી પર ચૂનો અને કાથો લગાડવા લાગતાં, ત્યારે દમુની મોટી દીકરીઓ તેમની મજાક ઉડાવવા પીપળાનું પાન લાવી બાઈના હાથમાં મૂકતાં અને બાઇ તેનું બીડું બનાવતાં. આમાંની સૌથી મોટી દીકરી તેના પતિ અને બે બાળકો સાથે બાઈને ત્યાં આશ્રિત થઈને રહેતી હતી. દમુ જણે આ મજાક હોય તેમ તેમાં ભાગીદાર બની હસ્યાં કરતી. તેમના પરિવારના આ ટોળામાં મીના, સુધા અને જયુ એટલાં નાનાં અને અલપસંખ્યક થઇ ગયાં હતાં કે આ બધું જોઇને તેમનાથી રુદન સિવાય બીજું કંઈ શક્ય ન હતું. ફક્ત દમુનાં વિધવા જેઠાણી દમુની આ દુષ્ટ છોકરીઓને વઢતાં અને બાઈનું ધ્યાન રાખતાં હતાં.
નરેન એસ.એસ.સી.માં પાસ થઈ ગયો અને ભાવનગર આવ્યો. મારે એને ઉચ્ચ શિક્ષણ આપવું હતું અને કૉલેજમાં મોકલવો હતો. પરંતુ મારી પાસે તો તેને આગળનું શિક્ષણ આપવા માટે એક પાઈ પણ બચી નહોતી. મારા બનેવી પાસે મારી લેણી રકમ લેવા જતી ત્યારે ‘આજ નહિ, કાલ આવો’ એવા વાયદા કરતા. તેમની બદલી નજીકના ગામમાં જ થઈ હતી. જ્યારે જ્યારે હું મારા પૈસા લેવા તેમની પાસે જતી ત્યારે દમુનાં દેરાણી-જેઠાણી કટાણું મોં કરી મારી સામે જોઈ મોઢું મચકોડતાં. મહામુશ્કેલીએ મેં તેમની પાસેથી નરેનની પહેલી ટર્મની ફી કઢાવી.
પણ મારો નરેન એટલો લોકપ્રિય અને લાગણીવશ છોકરો હતો કે તેના બધા પ્રોફેસર તેને પુસ્તકો વગેરે આપતા. આમ કરતાં નરેન ઇન્ટરની પરીક્ષામાં પાસ થયો. મારી દીકરીઓ પણ હવે હાઈસ્કૂલમાં આવી હતી. એમને પણ ફી ભરવી પડતી ન હતી. મહિનાના ફક્ત છ આના ભરવા પડતા. ભાવનગરમાં એક જગ્યાએ એવી યોજના હતી કે ત્યાં વાર્ષિક દસ રૂપિયા ભરવાથી મારી દીકરીઓને નિશાળનાં ઘણાંખરાં પુસ્તકો મળી રહેતાં. થોડાં પુસ્તકો વેચાતાં લેવા પડતાં. વર્ષ પૂરું થતાં ચોપડીઓ પાછી આપતાં દસ રૂપિયા પાછા મળે. મેં તેમનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આ રકમ જમા કરાવી રાખી.
ભાવનગરમાં શિક્ષણ વિનામૂલ્યે મળતું હોવા છતાં મને ઘર ચલાવવા મળતી રકમમાંથી ખર્ચ પૂરો થતો નહોતો. દિવસે દિવસે મોંઘવારી વધતી જતી હતી અને અનાજનું પૂરેપૂરું રેશનિંગ હતું. સરકારી દુકાનમાંથી જે સામાન મળે તેમાંથી જ પૂરું કરવું પડતું. રેશનિંગ પણ વિચિત્ર પ્રકારનું હતું. કોઈ કોઈ વાર ફક્ત ચણાનો લોટ જ વધારે મળે અને ઘઉંનો લોટ સાવ ઓછો! આમ થાય ત્યારે બેસનની રોટલી બનાવવી પડતી. ઘણી વાર એકલો બાજરો મળતો. આથી બાજરાના રોટલા અને બાજરીની ખીચડી બનાવવી પડતી. આવી રીતે બેહાલીમાં મેં દિવસ કાઢ્યા.
આવી વિકટ પરિસ્થિતિમાં પણ મારાં ચારે બાળકોએ કદી રંજ, નાખુશી કે અણગમો પ્રદર્શિત કર્યા નહિ. નરેન તો કૉલેજમાં જતો હતો, પણ તેણે કદી પણ મારી પાસે સારાં કપડાંની માગણી કરી નહિ. આવો સમજુ મારો દીકરો હતો. મારી બહેન દમુએ પણ મને કદી જ મદદ કરી નહિ. એ તો જવા દો, મેં આપેલા પૈસાની મને જરૂર પડતી ત્યારે પણ મને અણીના સમયે તેની પાસેથી કદી પૈસા મળ્યા નહિ. આથી મારાં બાળકોને વેકેશન પડતું, ત્યારે હું દમુના ઘેર વેકેશન ગાળવા જવા લાગી. તે મહિનાના ખર્ચની જે બચત થતી તેમાંથી મારી દીકરીઓ માટે વર્ષના કપડાં સિવડાવતી.
નરેન બી.કૉમના પહેલા વર્ષની પરીક્ષામાં પાસ થઈ ગયો. છેલ્લા વર્ષની બીજી ટર્મમાં તે આવ્યો ત્યારે તેની તબિયત અચાનક બગડી ગઈ. ચાર દિવસમાં તેનો જમણો પગ એવો દુખવા લાગ્યો કે તે ચાલી પણ નહોતો શકતો. અમારા બિલ્ડિંગમાં ઘણા સારા લોકો રહેતા હતા. આમાંના એક ભાઈ તખ્તસિંહજી હૉસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમણે અને અમારા અન્ય પાડોશીઓએ નરેનને હૉસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરી અને મોટા ડૉક્ટરને બતાવી તેને દાખલ કરાવ્યો. બીજા ડૉક્ટરોએ આવીને નરેનને તપાસ્યો અને પૂછયું કે તે શું કરે છે, કઈ કૉલેજમાં ભણે છે. બધી વાત જાણી, તેને બરાબર તપાસી તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. અમે ઊંડી તપાસ કર્યા પછી રોગનું નિદાન કરીશું. તેમને લાગ્યું કે કદાચ બોન ટી.બી. હશે. સદ્ભાગ્યે એક્સ-રે લીધા બાદ તેમણે કહ્યું કે આ કોઈ ગંભીર બીમારી ન હતી. નરેનને એક પગના એક મોટા મજ્જાતંતુની બીમારી થઈ હતી [સાઈટિકા-સંપા.], ત્યાર બાદ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. હું તો એટલી ગભરાઈ ગઈ કે મને થયું, મને જ કંઈ થઈ બેસવાનું છે. એકાદ કલાક બાદ તેને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા ત્યારે મને ખબર પડી કે તેને એક મોટું ઇંજેક્શન એપિડ્યુરલ –સંપા.] આપ્યું હતું. નરેન હૉસ્પિટલમાં હતો ત્યારે હું આખો દિવસ તેની પાસે બેસી રહેતી હતી. હૉસ્પિટલ ખીચોખીચ ભરાયેલી હોવાથી દર્દીઓના ખાટલા મુખ્ય વૉર્ડની સાંકડી પરસાળમાં પણ ગોઠવ્યા હતા, તેમાંનો એક પલંગ નરેનનો હતો. પુરુષોનો વૉર્ડ હોવાથી હું ત્યાં રાતે રોકાઈ શકતી ન હતી, તેથી રાતે ઘેર જતી. વૉર્ડના બધા પેશન્ટ અને તેમનાં સગાં મને ઘણી ધીરજ અને હિંમત આપતાં અને કહેતાં, તમારા દીકરાનું અમે ધ્યાન રાખીશું.
એક દિવસ મુખ્ય વૉર્ડમાંના એક દર્દીનું અવસાન થયું અને તેના પાર્થિવ દેહને નરેનની સાવ નજીકથી લઈ જવાનો હતો. કોણ જાણે મને કેવો ડર લાગ્યો, હું તેને મારા ખભાનો આધાર આપી તે દિવસે ધીરે ધીરે ચલાવીને ત્યાંથી દૂર સુધી લઈ ગઈ. તે રાતે તેને એકલો ત્યાં મૂકી જતાં મને ઘણું દુઃખ થયું. હૉસ્પિટલમાં મારી ઓળખાણનાં એક મેટ્રન હતાં તેમને ભલામણ કરી કે નરેનનું ધ્યાન રાખજે. નરેનનો સ્વભાવ સારો હોવાથી બધી નર્સ અને સ્ટાફ તેની સાથે સારો વર્તાવ કરતાં હતાં. દસ-પંદર દિવસ બાદ તેને થોડું સારું લાગતાં હૉસ્પિટલમાંથી તેને રજા આપી. હવે તે ચાલી શકતો હતો, પણ પગમાં થોડો દુખાવો રહી ગયો હતો.
નરેન ઘેર આવ્યા પછી મારા પાડોશીઓના આગ્રહને વશ થઈ મેં ત્યાંના એક દેવીના મંદિરના પૂજારીને ઘેર બોલાવ્યા અને નરેનની હાલત વિશે પૂછ્યું. તેમણે કહ્યું કે નરેનને ભૂત-બાધા થઈ છે, અને તેના નિવારણ માટે ચાળીસ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો તમે આ વિધિ નહિ કરો તો તમારો દીકરો નહિ બચે. આ તો મારા લગભગ આખા મહિનાનો ખર્ચ હતો. આટલી રકમ ક્યાંથી ઊભી કરવી? નરેને મને કહ્યું, “બાઈ, આપણે આવું કશું નથી કરવું. મેં એક સારા જ્યોતિષીને ગ્રહ બતાવ્યા ત્યારે તેમણે કહ્યું કે મારા એક પગમાં અકસ્માત દુખાવો થવાનો છે, અને કૉલેજની એક ટર્મ બગડશે.” આથી મેં પેલા તાંત્રિક પાસેથી વિધિ કરાવ્યો નહિ. ત્યાર બાદ રૂવાપરી પાસે એક ભલા નાગર ગૃહસ્થ ડૉકટર અરવિંદભાઈ પાસે અમે નરેનને લઈ ગયાં. તેમણે નરેનને તપાસી તેને ઘણાં ઇંજેક્શન અને દવાઓ આપી તેથી તેને ઘણું સારું થયું, અને તે હરવાફરવા લાગ્યો.
ડૉકટર એવા સજ્જન હતા કે તેમણે અમારી પાસેથી ટ્રીટમેન્ટ કે દવાનો એક પૈસો પણ ન લીધો. તેમણે નરૈનને કહ્યું, “તું વિદ્યાર્થી છે. તારી પાસેથી હું પૈસા ન લઈ શકું.” ત્યાર પછી નરેન અમદાવાદ ગયો. ત્યાં અમારે ભાણા (મારી નણંદના દીકરા) ડૉકટર હતા તેમણે પણ નરેનને સારવાર આપી અને તે તદ્દન સાજો થઈ ગયો.
હવે મારું નસીબ પણ જોર કરવા લાગ્યું. રવિ પણ સાવ સાજો થઈને અમદાવાદ પાછો આવી ગયો હતો. તેને તેની જૂની નોકરી પાછી મળી ગઈ અને તેણે મારી પાસેથી લીધેલા પૈસાનું વ્યાજ આપવાનું શરૂ કર્યું. હવે મને માસિક પચાસ રૂપિયા મળવા લાગ્યા અને ઘર વ્યવસ્થિત રીતે ચાલવા લાગ્યું. આ પહેલાં અમારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી ત્યારે મારા નજીકના સગા થતા દિયરની બદલી ભાવનગર થઈ હતી. અમે કોઈ કોઈ વાર એમને મળવા જતાં. આવા કોઈ પ્રસંગે તેમની દીકરીઓ સરકારી મોટરમાં ફરવા જતી ત્યારે મારી નાની પુત્રીઓ તેમને વિનંતી કરતી કે, “અમને પણ ફરવા લઈ જાવ.” તે વખતે આ છોકરીઓ ગમે તેવા શબ્દો બોલીને કહેતી, “તમારાં કપડાંનાં તો ઠેકાણાં નથી. તમને કોઈ ક્યાંય નહિ લઈ જાય. અમારી સાથે જવાનું નામ ન લેતાં.” પણ તેમના ઘરમાં મોટો પ્રસંગ આવી પડે ત્યારે મદદ માટે મને જ બોલાવતાં. માણસે કદી પણ પોતાની શ્રીમંતાઈનો ગર્વ ન કરવો જોઈએ. મને તો આવા ઘણા અનુભવ આવ્યા.
નરેન માંદગીને કારણે બી.કૉમ.ની પૂરી પરીક્ષા આપ્યા વગર નોકરીની શોધમાં અમદાવાદ ગયો. શરૂઆતમાં પાકી નોકરીનું કોઈ ઠેકાણું પડ્યું નહિ. એક જગ્યાએ તેને માસિક ચાળીસ રૂપિયાના પગારે પાર્ટ-ટાઈમ કામ મળ્યું. ઘરમાં સાવ બેસી રહેવા કરતાં તાત્કાલિક રીતે જે કામ મળે તે લઈ લેવું સારું એમ સમજી તેણે આ નોકરી સ્વીકારી લીધી, અને તેમાંથી મને પૈસા મોકલવા લાગ્યો. રવિને પણ હવે નોકરી મળી ગઈ તેથી તેણે મારી પાસેથી લીધેલા કર્જની રકમનો હપતો બાંધી આપ્યો. આમ મને માસિક પંચોતેર રૂપિયા મળવા લાગ્યા અને મારો ઘરસંસાર સારી રીતે ચાલવા લાગ્યો.
ભાવનગરમાં મોટા અધિકારીના પદ પર મારા જે દિયર હતા તે રિટાયર થઈ ગયા અને તેમનું પલ્લું એકદમ પલટાઈ ગયું. હોદ્દો હતો ત્યાં સુધી તેમના ઘરમાં કોઈ જાતનું તાલતંત્ર ન હતું. ઘરમાં આવક-જાવકનો કોઈ હિસાબ નહોતો. સવારનું ભોજન નીકળે તો સાંજનું કેવી રીતે નીકળશે તેવા સાંસા થઈ ગયા. હવે એવો સમય આવી ગયો કે તેમની એ જ અભિમાની દીકરીઓ ભર બપોરે ખાલી થેલીઓ લઈને મારી પાસે જ દાળ, લોટ જેવી વસ્તુઓ લેવા દર ત્રીજેચોથે દિવસે આવવા લાગી. હું પણ આપી આપીને કેટલું આપું? છતાં પણ મેં તેમને બને તેટલી મદદ કરી. આવી રીતે મારા સગા દિયરે પણ મારી પાસે પૈસાની માગણી કરી. મને કહ્યું કે પૈસા આપો તો આપણે સાથે મળીને બિઝનેસ કરીશું. નરેનને પણ મોટા થતાંની સાથે તૈયાર વ્યવસાય મળી જશે. મને ખબર હતી કે મારા પતિની પૈતૃક જાહોજલાલી મારા આ દિયરની બેદરકારીને કારણે નષ્ટ થઈ ગઈ હતી. હવે તેમની પાસે કાંઈ કરતાં કાંઈ બચ્યું ન હતું. પૈસા અને પદ હતાં ત્યારે તેમનાં પત્ની પોઠિયાની જેમ ઘરેણાંથી લદાઈને બહાર નીકળતાં. ઘરમાં પણ એક રાજાને ઘેર હોય તેવી જાહોજલાલીમાં રહેતાં હતાં. તેમની નોકરી ગયા બાદ તેમણે કરેલા વ્યાપારમાં તેમની પાઈએ પાઈ ડૂબી ગઈ અને જે થયું તે કહેવામાં સાર નથી. ખેર, મેં તેમને કશો જવાબ આપ્યો નહિ. વળી મારી પાસે રોકડા પૈસા તો બચ્યા નહોતા.
જે જે લોકોને મેં અણીને વખતે તેમની જરૂરિયાતમાં પૈસા આપ્યા હતા તે મને કદી પૂરી રીતે પાછા મળ્યા નહિ. ફક્ત રવિ પર મને વિશ્વાસ હતો. મારી દીકરીઓ હવે મોટી થવા લાગી હતી. તેઓ તેમની બહેનપણીની માએ શરૂ કરેલ સામાજિક મંડળમાં જોડાઈ અને મંડળ દ્વારા સામાજિક કુરિવાજોની વિરુદ્ધ યોજાતી નાટિકાઓમાં ભાગ લેવા લાગી. નાટિકાની પ્રેક્ટિસ માટે તથા જ્યારે કોઈ વાર નાટક ભજવવાનું થતું ત્યારે તેમને મોડી સાંજે પણ પાછા આવવું પડતું આ જોઈ અમારા બિલ્ડિંગના લોકો અમારી કુચેષ્ટા કરવા લાગ્યા. મને મારી દીકરીઓના ચારિત્ર્ય અને મેં તેમનામાં રેડેલા સંસ્કાર પર પૂર્ણ વિશ્વાસ હતો. વળી આ સંસ્થા ચલાવનાર બહેન પોતે એક અત્યંત સંસ્કારી અને ખાનદાન પરિવારનાં હતાં, તેથી હું મારી દીકરીઓને તેમની પોતાની પુત્રી સાથે મોકલવામાં ક્ષોભ નહોતી અનુભવતી. મને થતું, મારી પારાવાર ઈચ્છા હોવા છતાં મને પોતાને તો કશું જ્ઞાન મળી શક્યું નહિ તથા કોઈ જાતની સ્વતંત્રતા મળી ન હતી. મારી પુત્રીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે તો તેઓ હોશિયાર થશે અને જીવનમાં પ્રગતિ સાધી શકશે, એવું ધારી હું તેમને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા મોકલવા લાગી.
કેટલાક મહિના બાદ નરેનને એક વીમાકંપનીમાં રૂપિયા એકસોના પગારની નોકરી મળી. હવે તે અમારા ત્રણ નંબરના પુત્ર – જે રવિથી નાનો હતો – ને ઘેર રહેવા ગયો, અને ત્યાં રહેવાનો ખર્ચ આપવા લાગ્યો. કોઈ કોઈ વાર વધારે પૈસા પણ આપવા પડતા હતા. તેમ છતાં પગારમાંથી તે અમને પણ પૈસા મોકલતો. આમ તેણે ઘણી તકલીફ વેઠી. હવે મારી આવક માસિક એકસો પાંચ રૂપિયાની થઈ અને પરિસ્થિતિ ઘણી સુધરવા લાગી. ફરીથી મધના માટલા ફરતી માખીઓ બણબણવા લાગી! મને તો બધા પ્રકારના અનુભવ આવી ગયા હતા. વઢવાણમાં પતિગૃહે હતી ત્યારે મારાં જેઠાણી તેમના આઠ જણના પરિવાર સાથે અમારે ઘેર દર વર્ષે દોઢ-બે મહિના રહી જતાં, અને પૂરા અધિકાર સાથે અમારા ઘરમાંથી જે જોઈએ તે વસ્તુઓ ઉપાડી જતાં. તેમણે મને કદી કહ્યું નહિ કે, “બાઈ તમે અમદાવાદ અમારે ત્યાં આવજો.” હું અમારાં મોટાં સંતાનોને મળવા કદીક અમદાવાદ જતી ત્યારે પણ મને ઘેર મળવા આવવા માટે કહ્યું નહિ. જાણે તેમને અમારી શરમ ન આવતી હોય! ચડતીપડતી તો બધાંને આવતી હોય છે, પણ તેમણે મારી આવી વિડંબના હંમેશાં કરી.
મીના અને સુધા હવે એસ.એસ.સી.ના વર્ગમાં આવી હતી અને મારી સૌથી નાની – ડૉલી દસમા ધોરણમાં. હવે નરેને અમને અમદાવાદ લઈ જવાનો વિચાર કર્યો. તેણે તેના મોટા ભાઈઓને આ વિશે પૂછયું ત્યારે ત્રણે ભાઈઓએ કહી નાખ્યું કે તારી પોતાની જવાબદારી પર તેમને લાવવાં હોય તો લઈ આવ. અમે તને કોઈ જાતની મદદ નહિ કરી શકીએ. નરેને કહ્યું, “કશો વાંધો નહિ. મારી તો એ મા છે. તેને અને મારી બહેનોને મારી જવાબદારી પર લાવીશ.”
આ વાત ચાલતી હતી ત્યાં હું એકદમ માંદી પડી ગઈ, તેથી નરેન મને એકલીને અમદાવાદ ત્રણ નંબરના જે ભાઈ (મધુ)ને ઘેર રહેતો હતો ત્યાં લઈ આવ્યો ત્યાં મોટા દવાખાનામાં મને તપાસી મારી સારવાર શરૂ કરી. અહીં હું એક મહિનો રહી. મારા ત્રણ નંબરનાં પુત્રવધૂએ મારું સારું ધ્યાન રાખ્યું. મને શી માંદગી હતી તે કોઈને ખબર ન હતી, તેથી હું તેમની દીકરી (મારી પૌત્રી)ને સંભાળતી અને તે મારી પાસે આખો દિવસ રહેતી. તે મારી સાથે એવી હળી ગઈ હતી કે તેને મારા વગર જરા પણ ન ચાલતું. મારી પાસે આવવા તે રડવા લાગતી. એક દિવસ મારી વહુની કામવાળીએ મને કહ્યું, “બાઈ હવેથી તમે બેબીને લેશો મા.” આ કહ્યું ત્યારે મને કલ્પના આવી કે મને કોઈ ગંભીર માંદગી થઈ છે. ઘણાં ઇંજેક્શન લીધા બાદ મને સારું થયું. મારા ઇંજેક્શન, દવાદારૂ વગેરેનો બધો ખર્ચ એકલા નરેને કર્યો.
સાજી થયા બાદ હું ભાવનગર પાછી ગઈ અને ફરીથી રૂવાપરીના પેલા ભલા ડૉકટર અરવિંદભાઈને તબિયત બતાવી. તેમણે તપાસ્યા બાદ મને કહ્યું કે મને વધારે પડતા વાયુનો વિકાર છે, તેથી પેટમાં દર્દ થતું હતું. તેમણે મને દવા આપી અને નરેને અપાવેલાં ઇંજેક્શનથી મારી તબિયત સારી થઈ.
અમદાવાદના અમારા મકાનમાં નીચેનો એક ભાગ ખાલી થયો તેથી નરેન અમને લેવા ભાવનગર આવ્યો. મોટા ભાગનું પેકિંગ તો અમે કરી લીધું હતું. નરેન આવ્યા બાદ મેં બાકીનો સામાન પેક કર્યો. મેં કોઈનું કરજ માથા પર રાખ્યું નહોતું. કરિયાણાની દુકાન, દૂધવાળા, અનાજની દુકાન – એમ બધાંના પૈસા મેં ચૂકવી આપ્યા હતા. અમે હવે ભાવનગરથી કાયમ માટે વિદાય થયાં. અમારા બિલ્ડિંગના બધા લોકો સાથે મારી અને મારી દીકરીઓની એવી માયા બંધાઈ હતી કે જ્યારે અમે ત્યાંથી નીકળ્યાં ત્યારે બધા લોકો ઘણું રડ્યા. રડતાં રડતાં મને તેમણે કહ્યું, “તમે જાવ છો તેથી આખું બિલ્ડિંગ ખાલી થઈ ગયું.”
જેટલો વખત અમે આ બિલ્ડિંગમાં રહ્યાં બધા લોકો પરત્વે અમારો ઘનિષ્ઠ હેત-સંબંધ બંધાયો હતો. આખા મકાનનાં નાનાં બાળકોને રોજ રાતે હું વાર્તાઓ કહેતી. સૌરાષ્ટ્રમાં રહ્યાંતે દરમિયાન મારા બનેવીના હોદ્દાને કારણે મારી બહેન મને જુદાં જુદાં સ્થળો જોવા લઈ જતી અને ઘણી યાત્રાઓ કરી. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર તો હું ઠેઠ ગુરુ દત્તાત્રેયની ટૂંક ચઢી આવી હતી. તળેટીએ આવેલ બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા, અડી કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટ, લડાઈના છૂપા રસ્તા, તોપ અને જે જગ્યાએથી સિદ્ધરાજે રાખેંગાર પર ઘેરો નાખી જે જગ્યાએથી સૈન્ય દાખલ કર્યું હતું તે પણ જોયું. રા’ખેંગારની મોટી કોઠાર હજી જેમની તેમ છે, તે પણ જોઈ. ત્યાંથી સોમનાથ પાટણ જઈ સોમનાથના જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા. સિહોર જવાનો મોકો મળ્યો ત્યારે પણ જોવા લાયક સ્થળોનાં દર્શન કર્યાં. ઋષિના તપોબળથી જે સ્થાન પર નદી વહેવા લાગી હતી તે જોઈ અને પાલિતાણાનાં શિખરો ચઢી આવી. આવી જ રીતે નિંગાળા-ગઢડાનાં સ્વામીનારાયણનાં મંદિર, સાળંગપુરના હનુમાનજી, ગોપનાથ, મીઠી વીરડી – આ બધું જોયું. ફક્ત દ્વારકા જવાનું રહી ગયું!
સૌરાષ્ટ્ર છોડ્યું અને એક નવા યુગમાં પ્રસ્થાન કર્યું.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ફિલસુફીભર્યાં ગીતો – ૩૮ – ज़िन्दगी की यही रीत है
નિરંજન મહેતા
૧૯૮૭ની ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’નુ આ ગીત ફરી એકવાર જિંદગીની ફિલસુફી દર્શાવે છે.
ज़िन्दगी की यही रीत है हार के बाद ही जीत है
थोड़े आँसू हैं थोड़ी हँसी आज ग़म है तो कल है ख़ुशी
ज़िन्दगी की यही रीत …ज़िन्दगी रात भी है सवेरा भी है ज़िन्दगी
ज़िन्दगी है सफ़र और बसेरा भी है ज़िन्दगी
इक पल दर्द का गाँव है दूसरा सुख भरी छाँव है
हर नए पल का नया गीत है
ज़िन्दगी की यही रीत …ग़म का बादल जो छाए हम तो मुस्कराते रहें
अपनी आँखों में आशाओं के दीप जलाते रहें
आज बिगड़े तो कल फिर बने आज रूठे तो कल फिर मने
वक़्त भी जैसे इक मीत है
ज़िन्दगी की यही रीत …જિંદગીના ઉતાર ચઢાવ માટે તો બહુ બધું કહેવાયું છે જેમાં આ ગીત પણ સામેલ છે.
જો તમે હકારાત્મક વલણ રાખશો તો તમેં જરૂર માનશો કે ભલે આજે હાંર થઇ છે પણ આગળ ઉપર વધુ પ્રયત્ન કરવાથી જીત જરૂર હાંસલ થશે.
આજે ભલે તમે હારને કારણે દુઃખી હશો પણ ભવિષ્ય તમારા મુખ પર જરૂર હાસ્ય લાવશે જ્યારે તમે ફતેહ કરશો.
જિંદગી તો બેધારી તલવાર છે. તેમાં દુઃખ પણ છે અને સુખ પણ છે. કોઈ પણ વ્યક્તિ આ બેને અવગણી નથી શકતો કારણ જિંદગીની આ જ લઢણ છે.
દુઃખના દિવસોમાં બધે અંધકાર દેખાશે પણ તેને પાર કરી લેશો તો આશાનું કિરણ જરૂર દેખાશે. આમ તો જીવન એક અવિરત યાત્રાનો પર્યાય છે તો સાથે સાથે વિશ્રામનો પણ પર્યાય છે.
ક્યારેક દુઃખનો સમય આવે છે પણ સમય જતાં તે બદલાઈ જાય છે અને સુખની છાયા પ્રાપ્ત થાય છે. આવનાર દરેક ક્ષણ એક નવો જ અહેસાસ કરાવે છે. ભલે દુઃખના વાદળ મંડરાય પણ તમે જો તેને અવગણીને પ્રસન્ન રહેશો તો તમે સુખના આગમનને આવકારશો. ભલે આજે કામ બગડ્યું પણ આવતી કાલે તે સુધરી શકે છે જે આપણા હાથમાં છે. તેવી જ રીતે આજે રિસાયેલ મિત્ર કાલે ફરી દોસ્ત બની શકે છે કારણ સમય જ એવો મિત્ર છે જે આ શક્ય કરી શકે છે.
અનીલ કપૂર અને બાળકો પર રચાયેલ આ ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે કિશોરકુમારનો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
