-
વરસાદને બાળકની જેમ ઓઢીએ
મંજૂષા
વીનેશ અંતાણી

હૈદરાબાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આખી રાત ધીમો વરસાદ વરસ્યો પછી વાદળઘેરી ધૂંધળી સવાર કોઈ વેદકાલીન સમય જેવી લાગતી હતી. તે સમયનો અનુભવ કરવા હું શિરીષ પંચાલ દ્વારા સંકલિત અને સંપાદિત ‘ભારતીય કથાવિશ્વ’ ગ્રંથનો પહેલો ભાગ લઈને બેઠો હતો. એમાં એમણે ઋગ્વેદની ઋચામાં જોવા મળતા કથાસંકેતોની વિગતે વાત કરી છે. હવામાં વરસાદ છે, મારું ધ્યાન વર્ષાઋતુ સાથે જોડાયેલી વિગતો પર છે.
શિરીષભાઈએ ગ્રંથના આરંભે ભારતીય કથાસહિત્યની પૂર્વભૂમિકા સમજાવતો વિશદ્દ અભ્યાસલેખ આપ્યો છે, એમાં એક જગ્યાએ લખે છે: ‘કેટલીક પ્રાકૃતિક ઘટનાઓને વેદમાં જુદી રીતે જોવામાં આવી છે. સૂરજ વાદળ તળે ઢંકાઈ જાય એ ચિત્ર સાર્વત્રિક છે. ઋગ્વેદની એક ઋચા એમ કહે છે કે ઇન્દ્રે વજ્ર ફેંકીને વાદળાંને ચીર્યાં અને એટલે સૂરજ બહાર આવ્યો, અંધકારનો નાશ થયો. વિજ્ઞાન કહે છે કે સૂર્ય અને પૃથ્વી જે અંતરે છે તે અંતરને કારણે જ પૃથ્વી પર જીવસૃષ્ટિ શક્ય બની. સૂર્યને કારણે જ પૃથ્વી પર સંસ્કૃતિઓ ટકી, કૃષિસંસ્કૃતિ સૂર્યને કારણે. જલનો એક પર્યાય જીવન છે, જલ વિના અહીં કશું જ શક્ય ન બને.
વળી ભારતની પ્રાકૃતિક ભૂગોળ જોઈશું તો અહીં ત્રણ ઋતુ છે. દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોને બાદ કરીએ તો અહીં બારે માસ વરસાદ પડતો નથી. વળી, ચોમાસા દરમિયાન જે વરસાદ પડે તે પણ અનિયમિત. ઋગ્વેદથી માંડીને મધ્યકાળ સુધી, અર્વાચીન કાળ સુધી, ભારતમાં લાખો લોકોનાં મૃત્યુ દુકાળમાં થયાં. વેદમાં પણ વચ્ચે વચ્ચે ઉલ્લેખો આવશે કે બાર બાર વરસનો દુકાળ પડ્યો. આ પરિસ્થિતિને કારણે અહીંના લોકો સૂર્ય, ઇન્દ્ર, વરુણને પ્રાર્થે એ સ્વાભાવિક છે. યજ્ઞયાગાદિનાં મૂળ પણ અહીં જોવા મળશે. નદીનાળાં છલકાય એમાં ભારતીય ઋષિઓએ ઇન્દ્રને કારણભૂત માન્યા.’
આ જ ગ્રંથમાં ઇન્દ્રને લગતી ઋગ્વેદની કેટલીક ઋચાઓ આપી છે. એમાંની બે ઋચા જોઈએ: ‘ઇન્દ્રે ભૂપ્રદેશમાં વહેનારી ચાર નદીઓને મીઠા પાણીથી ભરી દીધી’; ‘હે ઇન્દ્ર, વર્ષાકાળમાં મેઘોને વિદાર્યા, જળદ્બારો ખોલ્યાં, જળપૂર્ણ મેઘોને મુક્ત કર્યા, મોટા મોટા પહાડ તોડ્યા, જળધારા વહાવી.’
વર્ષાના વાતારણમાં મને હિમાચલ પ્રદેશના કવિ દેવની એક સુંદર કવિતા ‘ઋતુપર્વ મિંજર’ અચૂક સાંભરે અને એ વિશે વારંવાર લખવાનું મન થાય છે. વર્ષાઋતુમાં હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં મકાઈના ડોડા પર રેષાઓ ફૂટે પછી ચંબામાં સાત-આઠ દિવસોનો મેળો ભરાય છે. આ પર્વને ત્યાંના લોકો મિંજર કહે છે.
કવિ દેવ ‘ઋતુપર્વ મિંજર’ કાવ્યમાં કહે છે: ‘જુઓ, તે મદમસ્ત – અલ્લડ – રસિક પ્રવાસી મેઘ દિશાઓને બાથમાં ભરી, મિંજરનો ધ્વજ ફરકાવતો ચંબાનાં મેદાન, આંગણાં અને ઘરમાં પાછો ફરવા લાગ્યો છે. પહાડો, ગાઢ વનો, ઊંડી ખીણો, ધરતીનો ઉભાર જોઈ વ્યાકુળ થઈ ઊઠેલો મેઘ રાતના પાછલા પહોરે, ધીમા પગલે, આકાશમાંથી ચુપચાપ નીચે ઊતરી આવ્યો છે અને પછી ધરતીનું બધું જ પોતાની બાહોમાં ભરી આખી રાત બેસુધ જેવો પડ્યો રહે છે. પરોઢ થતાં જ એ ઢળી પડશે કાચી કંદલી પર, અહીંથી તહીં, દૂર સુધી… ‘સવારનો તડકો નીકળશે ત્યારે કુંજડીઓની હાર સ્નાન કરવા નીકળશે અને પનિહારીઓ ગાગર ઉપાડી પનઘટ પર પહોંચશે ત્યારે આ મેઘ પનિહારીઓને એકલી જોઈ ચીડોનાં વનમાંથી બહાર નીકળશે અને એમને ઘેરી લેશે. પનિહારીઓ પાછી ફરશે ત્યારે એમનાં ભીનાં લથબથ અંગો અને સ્વપ્નિલ આંખો જોતાં જ લોકોને ખબર પડી જશે કે ઋતુપર્વ મિંજર ઊજવવા માટે પ્રવાસી વાદળો ગઈ રાતે ઘેર પાછાં આવી ગયાં છે.’
કોઈએ કહ્યું છે કે વરસાદનું દરેક ટીપું એક નવો આરંભ છે. એથી આપણે વરસાદની ચાતકનજરે વાટ જોઈએ છીએ. ચાતક પક્ષી વિશે લોકોમાં એક જાણીતી માન્યતા છે કે એ વરસાદના પાણી સિવાય બીજું પાણી પીતું નથી. તરસ્યું ચાતક એની ચાંચ આકાશ સામે ખુલ્લી રાખી મહિનાઓ સુધી વરસાદની રાહ જુએ છે અને વરસાદનું પાણી ધરાઈને પી લે પછી એના મધુર અવાજથી વાતાવરણને છલકાવી દે છે. ભારતીય સંગીત, ચિત્રકળા, સાહિત્ય અને પછી તો ફિલ્મોમાં વરસાદનો મહિમા ગાવામાં આવ્યો છે.
વરસાદ વિશે દુનિયાભરમાં અનેક લોકવાર્તાઓ મળે છે. આફ્રિકાના એક દેશ કેમરૂનમાં વારંવાર દુષ્કાળ પડે છે. એ સમયે દૂર દૂર સુધી ક્યાંય પાણી મળતું નથી. મોટાં ભાગનાં તળાવો, નદીનાળાં સુકાઈ જાય. એવામાં કોઈ ગામના તળાવમાં થોડું પાણી બચ્યું હતું. એ તળાવમાં રહેતી એક માછલીએ શપથ લીધા હતા કે પાણીના છેલ્લા ટીપા સુધી ગામને તરસ્યું રહેવા દેશે નહીં. ગામની એક સ્ત્રી પાણી માટે તલસતાં એનાં સંતાનો માટે તળાવમાંથી પાણી લેવા ગઈ અને છેલ્લા ટીપા સુધી બધું પાણી ઘડામાં ભરી લીધું. ત્યારે માછલીએ એને કહ્યું કે સ્ત્રી એને પણ પાણીની સાથે લઈ જાય. સ્ત્રી માછલીને પોતાની સાથે ઘેર લઈ ગઈ. સ્ત્રીએ ખપ પૂરતું પાણી પોતાના માટે રાખી બાકી વધેલું પાણી ગામના લોકોમાં વહેંચી દીધું. પછી એ ખાલી ઘડામાંથી માછલીને કાઢવા જતી હતી ત્યાં જ જોયું તો આખો ઘડો ફરી પાણીથી ભરાઈ ગયો હતો. સ્ત્રીને બહુ આશ્ર્ચર્ય થયું. એણે નવા પાણીની પણ અગાઉ જેવી વ્યવસ્થા કરી, ઘડો ફરી પાણીથી ભરાઈ ગયો. એમ કરીને માછલીએ દુષ્કાળના કારમા સમયમાં આખા ગામને પાણી વિના તરસ્યું રહેવા દીધું નહીં.
શ્રાવણ પછી ભાદરવો અને પછી ચોમાસાની વિદાય. શરદઋતુમાં આકાશમાંથી વાદળાં વિદાય લેશે. નદી-તળાવોનાં નીર નીતરીને ચોખ્ખાં થઈ જશે અને આપણે ફરી વરસાદની રાહ જોવા લાગશું. વરસાદ આપણી વયના દરેક તબક્કા સાથે જોડાયેલો રહે છે. વરસાદનો આનંદ માણવા માટે આપણું બાળપણ સાચવી રાખીએ. વરસાદને બાળકની જેમ ઓઢીએ, યુવાનોની જેમ માણીએ અને વૃદ્ધાવસ્થામાં વીતેલાં ચોમાસાંને વાગોળતાં રહીએ.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
બુદ્ધ અને મહાવીર: ક્ષત્રિયજાયા લોકતંત્રનાં સંતાન
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હમણાં જ પર્યુષણનો માહોલ પૂરો થયો, એટલે થોડી વાત મહાવીર વિશે કરું- અને તે પણ બને તો નાગરિક છેડેથી.
બુદ્ધ હો કે મહાવીર, આપણા સમયમાં એમને વિશે ને મિશે વાત કરવાનું મને સદૈવ આકર્ષણ રહ્યું છે, કેમ કે તથાગત ને તીર્થંકર, બુદ્ધ ને મહાવીર, બેઉ રાજકુળના હશે તો હશે (બલકે છે જ); પણ બંને ક્ષત્રિયજાયા લોકતંત્રનાં સંતાન છે. બેઉ વિભૂતિઓની, જેમ કે, ઉપદેશભાષા જ જુઓ ને: જ્ઞાનચર્ચા આખી સંસ્કૃતમાં ચાલતી’તી પણ એમ વેંત ઊંચે ડહાપણ ડહોળવાને બદલે એમણે લોકભાષામાં વાત કરવાનું પસંદ કર્યું. મહાવીરે અર્ધમાગધીમાં તો બુદ્ધે પાલીમાં અડધોઅડધ મગધ જે ભાષા વાપરતું હતું, અર્ધમાગધી, મહાવીરે એમાં કામ લીધું. મગધ પંથકનો કેટલોક ગ્રામવિસ્તાર (પલ્લી) જે ભાષા વાપરતો હશે, પાલી, બુદ્ધે એમાં કામ લીધું. તથાગત ને તીર્થંકર બંનેએ લોકભાષા મારફતે રોડવ્યું એ તો છેક જ સાદો પણ બિલકુલ બુનિયાદી દાખલો છે.
જે વજ્જી ગણરાજ્ય સાથે (જેની રાજધાની વૈશાલી હતી એની સાથે) બેઉ પોતપોતાને છેડેથી સંકળાયેલા હતા. એમાં પણ મહાવીર તો વૈશાલીના ઉપનગર વત્ ક્ષત્રિયકુળના હતા- જ્યાં તે કાળની મર્યાદામાં પ્રાતિનિધિક રૂપે કામ ચાલતું. મર્યાદિત પણ જે મતદારો હતા તે ‘રાજા’ને ચૂંટતા. બુદ્ધ ને મહાવીર બંને આ રીતે રાજઘરાનાના હતા; પણ પ્રથા તો ગણરાજ્યની હતી એટલે એમનો મિજાજ કોઈ ઉપરથી પરબારા ઊતરી આવેલ જણનો (આજકાલ જેમ નૉનબાયોલોજિકલ વિભૂતિયે જોવા મળે છે એવો) નહોતો. પોતે જે પ્રથાનું સંતાન હતાં તેને વિશે એમનો ખયાલ કેવો હશે તે બૌદ્ધ પરંપરામાં સચવાયેલ એક સંવાદ પરથી સમજાય છે. રાજા અજાતશત્રુ, કેમ કે તે રાજાશાહી રાજા છે, યુદ્ધ તો એમનો ખાનદાની પેશો કહેવાય.
આ અજાતશત્રુ, પોતાના મંત્રી વર્ષકારને બુદ્ધ પાસે મોકલે છે કે અમે વજ્જી ગણરાજ્ય પર આક્રમણ કરવા ઈચ્છીએ છીએ તો આપના આશીર્વાદની જરૂર છે. વાતે સાચી, રાજા મુઆ છીએ તો યુદ્ધ તો કરવું જ પડે. અને એય સાચું કે તમે ભગવાન થયા હો એટલે આંખ મીંચીને આશીર્વાદે ટટકારવા પડે! પણ બુદ્ધ જેનું નામ, તમે જુઓ, ડાબે વર્ષકાર ઉભેલ છે અને જમણે શિષ્ય આનંદ છે- તો એ આનંદને સંબોધીને વાત શરૂ કરે છે: ‘વજ્જીઓ નિયમિત સભા રૂપે મળી વિચાર વિનિમયપૂર્વક નિર્ણય કરે છે!’ ‘હા.’ ‘સભામાં અને નગરજીવનમાં વૃદ્ધોનું સન્માન જળવાય છે?’ ‘હા.’ ‘ગણરાજ્ય આખામાં સ્ત્રીઓની સલામતી સચવાય છે?’ ‘અને નાનાવિધ લોકસ્થાનકોનું સન્માન અનુભવાય છે?’ ‘હા.’ આ સંવાદ પછી (ભલે આનંદ સામે જોતે છતે) વર્ષકાર જોગ બુદ્ધનો જવાબ શો હોય, સિવાય કે ‘તો પછી, એમને કોણ જીતી શકે!’
મહાવીરચર્ચાને પૂરક-પોષક બૌદ્ધ પરંપરાની વાત નીકળી જ છે તો આપણે ત્યાં દલાઈ લામાની હિજરતી તિબ્બત સરકારોનોયે એક દાખલો આપી જ દઉં. જરૂર પડ્યે શસ્ત્ર સજી શકનાર એડ બગાવતી મિજાજના બૌદ્ધ લેખકે અજાતશત્રુ સંદર્ભે ચાલેલ સંવાદનું અભિનવ અર્થઘટન પણ કીધું છે: તમારાં ઉપલાં/નીચલા ગૃહ બરાબર મળતાં રહે છે? તમારાં સ્થાનકો (યુનિવર્સિટી, લાઈબ્રેરી, મ્યુઝિયમ વ.) સચવાય છે? તમારા ‘વૃદ્ધો’ એટલે કે સર્જકો, કલાકારો, વિચારકો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતોનું માન જળવાય છે? એમની સલાહ કાને ધરાય છે? (મહાભારત સાંભરે છે- તે સભા, સભા નથી જેમાં વૃદ્ધો નથી. તે વૃદ્ધો, વૃદ્ધો નથી જે ધર્મ એટલે કે સત્ય વદતા નથી.)
વારુ, આ જે ગણરાજ્યનો લોકમિજાજ એમાંથી યુદ્ધ અંગે કેવોક અભિગમ વિકસે? રાજ્યો વચ્ચે, ખાસ કરીને સામ્રાજ્યશાહી તો તે વિના ચેન જ ન પડે. મુસોલિની કહેતો, સ્ત્રીને સારુ જેમ માતૃત્વ તે રાજ્યને સારુ યુદ્ધ એ સહજ ઘટના છે! પણ મહાવીરનો ઉપદેશ જે રાજાઓ સ્વીકારતા ગયા તે શો હતો? વૈશાલી ગણતંત્રના રાજા ચેટક અનાક્રમણનું વ્રત લે છે. મતલબ, પોતાના ઉપર પ્રહાર ન થાય ત્યાં સુધી સામા પર પ્રહાર કરવો નહીં.
રાજ્યનું શસ્ત્રો પરત્વે વલણ કહેવું હોય તો કહ્યું કે અવ્યાપારનું. વળી ઉમેર્યું, અવિતરણનું- અને હા, શસ્ત્રોના અલ્પીકરણનું (આજની ભાષામાં નિ:શસ્ત્રીકરણનું.) નવાઈ લાગે પણ સ્વાતંત્ર્યનો ખયાલ તો એવો કે મહાવીરે કોઈની પાસે ‘દીક્ષા’ લીધી નથી. આગળ ચાલતાં પોતે સંઘ રચ્યો ત્યારે પણ સંઘમાં જોડાયા વિનાયે કોઈ જ્ઞાની (અશ્રુત્વા કેવળી) થઈ શકે એમ અક્ષરશઃ કહ્યું. વળી સ્પષ્ટ કર્યું કે મારા ધર્મસંપ્રદાયમાં આવો તો જ મુક્તિ. ધર્મતત્ત્વ, કહો કે સત્ય, અનેક છેડેથી જોઈ અને સમજી શકાય છે. કોઈ એક જ છેડો તે સાચું નથી. બધા મળીને સમગ્ર ચિત્ર બને છે.
આ જે અનેકાન્ત દૃષ્ટિ, એ જૈન પરંપરાનો અભિગમવિશેષ છે. બુદ્ધ અને મહાવીરની પરંપરામાં આપણા સમયમાં ગાંધીનું આવવું એ નવી સહસ્ત્રાબ્દી જોગ શુભ શકુન છે. ચારેક દાયકા પર સરસ કહ્યું હતું, એકાવન જેટલી નોબેલ પ્રતિભાઓએ કે માનવ સંસ્કૃતિએ આગે બઢવા સારુ ‘બે જ ચાવીઓ છે- શાંતિમય સહઅસ્તિત્વ અને સવિનય કાનૂનભંગ. ગાંધીપરંપરામાં નેલ્સન મંડેલા આવ્યા અને નાગરિક જીવનમાં ક્ષમાપના પર્વને નવી ઓળખ મળી- ટ્રુથ એન્ડ રીકન્સિલિએશન કમિશન. મહાવીરનું અગ્રચરણ સ્તો!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭ – ૮– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ત્રિકોણનો ત્રીજો ખૂણો
અંકિતા સોની
લાલ રંગના ડ્રેસમાં સંપૂર્ણ સજ્જ થઈને આરસી સ્વાતિ અને અજયના રિસેપ્શનમાં જવા નીકળી. વેન્યુની ઝગમગાટ એના ચહેરા પર અંધારું કરી રહી હતી. નવદંપતીને શુભેચ્છા પાઠવવા માટે સ્ટેજ પર જતાં પહેલાં મન મક્કમ કરીને હોઠ પર બનાવટી સ્મિત સજાવી લીધું. ગિફ્ટ આપીને ફોટોસેશન પતાવતાં સ્વાતિએ હળવેથી એનો હાથ દબાવ્યો અને જરા લુચ્ચું હસી. આરસીના હૃદય પર આઘાતના લીસોટા પડ્યાં અને ધીરેથી એ ત્યાંથી સરકી ગઈ. ઘરે આવતાં જ આંસુઓનો બાંધ તૂટી પડ્યો. અજયને યાદ કરીને એ ક્યાંય સુધી રડતી રહી.
થોડા દિવસ બાદ સ્વાતિ અને અજય અમેરિકા જવા રવાના થયાં, પણ આરસીએ ન તો ફોન કર્યો કે ન રૂબરૂ મળવા ગઈ. જો કે અંદરખાને અજય પણ ઈચ્છતો હતો કે આરસી ત્યાં ન આવે. તેઓના જવાથી આરસીને જીવન અર્થવિહીન લાગવા માંડ્યું હતું. સ્કૂલ બસથી માંડીને કૉલેજની પિકનિક સુધીની સફરમાં અજય હોય તો આરસી હોય જ. અજય માટે આરસી વિહોણું વિદેશગમન પ્રથમ વાર જ હતું.
સાંજ પડ્યે આરસી દરિયાકિનારે જતી અને અજયને યાદ કરીને આંસું સારતી. ક્યારેક ભીની રેતીમાં આંગળા ખોસીને અજયનું નામ લખતી ત્યાં ગોઝારી લહેર આવીને પાણી ફેરવી નાખતી ત્યારે એ લહેરમાં એ સ્વાતિને જોતી. દિવસો વીતતા ગયા. મહિનાઓ પણ વીતવા લાગ્યા. દુઃખનું ઓસડ દહાડા એમ આરસી ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. ઓફિસના કામમાં પોતાની જાતને ડુબાડીને દુનિયાથી સાવ વિખૂટી પડવા ઈચ્છતી આરસીને ક્યાં ખબર હતી કે શાંત પાણી જેવા જીવનમાં ઊઠેલાં વલયો હજુ ભયંકર વાવાઝોડાને નિમંત્રણ આપી રહ્યાં છે!
જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં. આ ત્રણ વર્ષમાં સ્વાતિ અવારનવાર આરસીને પોતાના અજય સાથેના ફોટા મોકલતી રહેતી તો ક્યારેક ફોન પર લાંબી વાતો કરતી. એની વાતોના જવાબમાં ખાલી હોંકારો ભણતી આરસી પાસે વાતો કરવા જેવું આમ પણ શું હતું? ઓફિસમાં હવે એ જુનિયરની પોઝિશન પરથી સિનિયર બની ગઈ હતી.
એક વખત કોલેજના ગેટ ટુ ગેધરમાં આરસીની જૂની મિત્ર રિયા મળી ગઈ. લગ્ન પછી રિયા દિલ્લીમાં સેટલ થઈ ગયેલી એ પછી પહેલી વાર જૂના મિત્રોને મળવા આવેલી. પાર્ટીમાં સામેલ તમામ સહપાઠીઓ સાથે મુલાકાત બાદ એક ખૂણામાં ચૂપચાપ બેસેલી આરસીને એણે ધબ્બો માર્યો.
“એઈ..કેમ એકલી બેઠી છે? અજય ક્યાં છે? એની સાથે ક્યાંક ઝગડો કરીને તો નથી આવી ને!” રિયાએ અજાણતાં જ આરસીની દુઃખતી રગ પર હાથ મૂક્યો.
“અજય..અજય અમેરિકા છે..સ્વાતિ સાથે..” આરસી ધીમેથી બોલી.
“કેમ સ્વાતિ સાથે? એ નખરાળીએ અજયને તારી પાસેથી ચોરી તો નથી લીધો ને..!” રિયાએ હસતા હસતા પૂછ્યું. હવે આરસીથી રહેવાયું નહીં. એણે પર્સ લઈને ઝડપથી ત્યાંથી ચાલતી પકડી. આરસીના વર્તન પરથી રિયાને કંઈક કાચું રંધાયું હોવાનો ભાસ થયો. પાર્ટીમાં હાજર અન્ય મિત્રો દ્વારા એને અજય અને સ્વાતિના લગ્નની જાણ થતાં રિયાને આંચકો લાગ્યો. ‘અજય આરસી સાથે આવું કરી જ ન શકે..જરૂર સ્વાતિ કોઈ રમત રમી ગઈ હશે..’ એ વિચારવા લાગી.
રિયા આરસી અને અજયની બાળપણની મિત્ર હતી. આરસી અને અજય બંનેની પાક્કી દોસ્તી પાછળ ફૂટેલા પ્રેમના અંકુરની એકમાત્ર સાક્ષી રિયા જ હતી. સ્કૂલમાં એકબીજાનો નાસ્તો ખાઈ જવાથી શરૂ થયેલી બંનેની લડાઈ કોલેજના બીજા વર્ષે પ્રપોઝ ડેના ગુલાબ પર પૂર્ણ થઈ ગયેલી. સ્કૂલથી માંડીને કૉલેજ સુધી સાથે જ રહેલા આરસી અને અજયની જોડી સર્વસ્વીકૃત બની ગયેલી. ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને આરસી આગળ ભણવા નહોતી માંગતી. જ્યારે અજય માસ્ટર ડિગ્રી મેળવવા મોટા શહેરમાં જવા થનગની રહ્યો હતો. આરસીના જીવનમાં વિયોગનો યોગ બસ ત્યારથી શરૂ થયો.
અજયે મોટા શહેરની જાણીતી કૉલેજમાં એડમિશન લીધું. શરૂઆતમાં આરસી સાથે રોજ ફોન પર લાંબી વાતો થતી પછી અભ્યાસની વ્યસ્તતામાં એમાં કાપ મૂકાતો ગયો. અભ્યાસ પૂર્ણ થતાં જ એને એક કંપનીમાં નોકરી મળી ગઈ. ત્યાં બોસની દીકરી સ્વાતિ સાથે અજયની રોજની મુલાકાત દોસ્તીમાં પરિણમી. સ્વાતિ ખૂબ જ ચંચળ અને રૂપાળી. વળી કામના બહાને ઓફિસમાં એની અવરજવર ખૂબ રહેતી. અજય શરૂઆતમાં સ્વાતિ સાથે નજર સુદ્ધાં મિલાવતો નહીં. ચપળ અને બોલકણી સ્વાતિ આખરે અજય સાથે દોસ્તી કરવામાં સફળ રહી. એક વાર મળવા આવેલી આરસીની ઓળખાણ અજયે સ્વાતિ આગળ પોતાની ભાવિ પત્ની તરીકે જ આપેલી. એ પછી સ્વાતિ અને આરસી વચ્ચે પણ મિત્રતાનો સેતુ બંધાયો. છતાં સ્વાતિએ અજયની સાથે લગ્ન..!
અમેરિકાથી સ્વાતિએ ત્રણ વર્ષ બાદ ઓચિંતો ફોન કર્યો. ઔપચારિક વાતોના દોર પરથી મૂળ તંતુ સાધવા એ પ્રયત્ન કરી રહી.
“આરસી, તું લગ્ન ક્યારે કરીશ?” સ્વાતિના સૂરમાં પહેલી વાર આરસીને સહાનુભૂતિ અનુભવાઈ.
“મારે હવે લગ્ન નથી કરવા.” આરસીથી બોલી જવાયું .
“સાંભળ, હું ઇન્ડિયા આવી રહી છું. નેક્સ્ટ વીક. આપણે મળીએ.” સ્વાતિના અવાજમાં થોડો ફફડાટ વર્તાતો હતો.
બીજા અઠવાડિયે સ્વાતિ અમેરિકાથી પરત આવી હતી. આરસી મળવા ગઈ ત્યારે સ્વાતિને જોઈને તેણે આશ્ચર્ય અનુભવ્યું. સાવ નિસ્તેજ ચહેરો અને શરીર તો બિલકુલ લેવાઈ ગયેલું. ઊંડી ઉતરી ગયેલી આંખો નીચેના ખાડા, ખરબચડા ગાલ, આછા થયેલા વાળ, ગળામાં સાફ સાફ દેખાતી નસો, ઢીલા પડી ગયેલા હાથપગ.. ક્યાં પહેલાની સ્વાતિ અને ક્યાં અત્યારની..! આરસીએ આમતેમ નજર નાખીને અજયની ગેરહાજરીની ખાતરી કરી. કદાચ અજય હોય તો પણ એને મળવામાં હવે આરસીને કશો રસ બતાવવો નહતો. છતાં પણ મનમાં તો ઊંડે અજયને એક વાર જોઈ લેવાની ઈચ્છા અકબંધ હતી.
“આરસી, અજય નથી આવ્યો. હું એકલી જ આવી છું. ” આરસીની મૂંઝવણ કળી જતાં સ્વાતિ બોલી. સ્વાતિને વાત ક્યાંથી શરૂ કરવી એ સમજાતું નહોતું. આરસી પણ ચૂપચાપ હતી.
“આરસી, શું તને મારા માટે નફરત નથી થતી? મેં તારી સાથે દગો કરીને અજય સાથે… ” સ્વાતિ નિ:સાસો નાખતી બોલી.
“અજયે જે કંઈ કર્યું હશે તે વિચારીને જ કર્યું હશે. બાળપણથી ઓળખું છું એને..” આરસી મૌન તોડતા બોલી.
આરસી, આજે મારે તને બધું કહી દેવું છે. ત્રણ ત્રણ વર્ષથી સંગ્રહેલો હૃદયનો તમામ બોજ હળવો કરવો છે. અજય દગાબાજ નથી…” સ્વાતિને બોલતાં બોલતાં ઉધરસ ચડી. આરસીએ ઊભા થઈને એના વાંસે હાથ ફેરવ્યો. જરાક સ્વસ્થ થઈને સ્વાતિએ ફરીથી અટકેલી વાતનો દોર શરૂ કર્યો.
“આરસી..એક દિવસ અન્ય શહેરમાં આવેલી અમારી ફેકટરીનું નિરીક્ષણ કરવા હું અને અજય કાર લઈને જતા હતાં. ત્યાં અચાનક અજયની તબિયત બગડી. મેં કારને ઝડપથી હોસ્પિટલ તરફ વાળી. ડૉકટરે તપાસ કરતાં માલૂમ પડ્યું કે અજયના હૃદયમાં છિદ્ર છે. આ સમાચારથી મારા પગ તળેથી જમીન ખસી ગઈ. અમે શહેરના ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ છિદ્ર મોટું થતું જતું હોવાથી સર્જરી શક્ય નહોતી. અજય નહોતો ઈચ્છતો કે તું દુઃખી થાય એટલે તને કશી જાણ ન કરી. અજયની પાસે જિંદગીના દિવસો બહુ થોડા હતાં ત્યારે મને અહેસાસ થયો કે હું પણ અજયને પ્રેમ..! તારું જીવન દુઃખમય ન બને એટલે અજયે અને મેં તને દગો દેવા માટે લગ્ન… એથી કદાચ તું અમને નફરત કરે અને અન્ય સાથે લગ્ન કરીને તારી જિંદગી સુધારે. મારાથી દિનપ્રતિદિન બગડતી એની હાલત જોવાતી નહોતી એટલે એને લઈને અમેરિકા આવી ગઈ. અમેરિકામાં પણ ઘણા ડૉકટરોને બતાવ્યું પણ પરિણામ શૂન્ય હતું. અજયના કહેવાથી અવારનવાર હું તને અમારા ફોટા મોકલતી પણ તારો કોઈ વિરોધ મને જણાયો નહીં.” સ્વાતિની વાત સાંભળતા આરસીની આંખો વરસી પડી.
“આટલું બધું થઈ ગયું અને મને જણાવ્યું પણ નહીં? મને કયા ગુનાની સજા આપી એણે? એ ગુનેગાર તો છે જ કારણ કે એણે જાણી જોઈને તારું જીવન પણ…” બોલતા બોલતા આરસીનો કંઠ રૂંધાયો.
“ના..એ ગુનેગાર નથી..એ જાણતો હતો કે મને પણ કેન્સર..અને હવે તો મારી પાસે પણ દિવસો ઓછા છે..” સ્વાતિના સ્વરમાં ઢીલાશ આવી ગઈ.
“શું? તને પણ? મારે અજયને મળવું પડશે..”સ્વાતિના ખભે હાથ મૂકી આરસી મોટેથી બોલી.
“અજય આપણને છોડીને જઈ ચૂક્યો છે.. ઘણે દૂર..” સ્વાતિના શબ્દો આરસીની છાતીમાં ભોંકાયા અને એ ત્યાં જ ઢળી પડી.. અજય સાથેની અધૂરી યાત્રા પૂરી કરવા..!
-
ધબકાર
પ્રવિણા કડકિયા
“જીગર, જલદી કર મને સખત દુ:ખે છે. લાગે છે એકાદ કલાકમાં બાળક આવી જશે.”
જીગર અને જીનીનું પ્રથમ બાળક થોડા વખતમાં ધરતી પર આવવા ઉતાવળ કરી રહ્યું હતું. જીગર અને જીની આમ તો બાળપણથી સાથે રમીને મોટાં થયાં હતાં. એક બાળમંદિરમાં ભણવા જતાં. જ્યારે જીની પહેલાં ધોરણમાં હતી ત્યારે જીગર ચોથા ધોરણમાં હતો. ઉનાળાની રજામાં બંને સાથે રમતાં.
એ જમાનામાં ટી.વી. ન હતા. સેલ ફોનનો વિચાર સ્વપ્નમાં પણ નહોતો આવતો. ફોન જ ન હતા તો પછી બીજા ફોનની વાત ક્યાં કરવી. ત્રીજે માળે રહેતા કુલકર્ણી અંકલને ત્યાં ફોન હતો.
તેઓ બેંકમાં મેનેજર હતા. બેંક મારફતે ફોન મળ્યો હતો.
આખા મકાનનાં રહેવાસીઓ ફોન કરવા તેમને ત્યાં આવે અને બધાંનાં ફોન પણ તેમને ત્યાં આવે ત્યારે
તેમનો નોકર સૌને બોલાવવા આવે. સુહાસ આંટી હસીને બધાંનું સ્વાગત કરે. તેમની દીકરી જીની પ્રેમાળ અને હસમુખી હતી.જીગરનો પરિવાર પણ આ મકાનમાં રહેતો હતો. જીગર, જ્યારે કોલેજમાં આવ્યો. જીનીનું રૂપ તેની આંખમાં વસી ગયું. જીની સાથે દોસ્તી હતી. કોલેજમાં આવી ત્યારે બંને ઘણીવાર બસમાં સાથે થઈ જતાં. ક્યારે પ્રેમ થયો ખબર ન પડી.
જીગર લગ્ન પછી મોટું ઘર લઈ તેમાં રહેવા ગયો. બે બેડરુમવાળા નવા ઘરમાં જીગર, મમ્મી અને પપ્પાએ જીનીને પ્રેમે આવકારી. જીગર અને જીની નોકરી કરતાં. સાંજે ઘરે આવ્યા પછી જીની મમ્મીને કામમાં મદદ કરતી. તેને જરા પણ ઘરમાં નવું ન લાગતું.
લગ્નને બે વર્ષ થયા. જીની અને જીગરને ત્યાં નવીન મહેમાનનું આગમન થવાનું હતું. ઘરમાં આનંદમંગલ છવાયો. ગર્ભાધાનનો સમય જીની માટે કઠણ હતો. બંને ડોક્ટર પાસે જાય ત્યારે જાણવા મળે કે બાળક સરસ રીતે માના ગર્ભમાં પોષાઈ રહ્યું છે. જીની ઉમંગ બતાવે પણ તેનું મોઢું ચાડી ખાય કે કંઈક ગરબડ છે. જીગર અને જીનીના પ્યારની એ પહેલી નિશાની હતી. જીગર, જીની માટે હંમેંશાં ચિંતિત રહેતો. જીગર અને તેના મમ્મી તેમજ પપ્પા જીનીનું ધ્યાન રાખતાં. જીનીને નવ માસ દરમિયાન ઘણી તકલીફ રહેતી. ડોક્ટરના કહેવા પ્રમાણે આ પ્રથમ ડિલિવરી છે એટલે આવું બનવું સામાન્ય છે. જ્યારે ખબર પડી કે આવનાર બાળક દીકરી છે, ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. યથા સમયે દીકરી આવી. જીગર જીની પર વારી ગયો. જીની સમાન સુંદર દીકરીને વહાલથી નવડાવી રહ્યો હતો, ત્યાં એક નર્સ દોડતી આવી. જીનીને ગભરામણ થઈ રહી છે. શ્વાસ લેવાની તકલીફ થાય છે. નરમ તબિયતને કારણે જીની જીવનની બાજી હારી ગઈ. દીકરીને જન્મ આપતી વખતે જીનીને અસહ્ય દર્દ થયું હતું.
એ સમયે હોસ્પિટલમાં એક અકસ્માતનો કેસ આવ્યો. અકસ્માત ગંભીર હતો. ગાડીનો ચાલક ઘટના સ્થળ પર મોતને ભેટ્યો. તેની બાજુમાં બેઠેલી યુવતીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. હૃદયને ઈજા થઈ હતી. જીગરના કાને આ વાત આવી. જીની ગુમાવી તેનું દુઃખ હતું. જીગરે દીકરીને છાતી સરસી ચાંપી. આનંદ અને દુઃખની વચ્ચે ઝોલા ખાતો જીગર વિચારમાં ડૂબી ગયો. માતા અને પિતા સાથે વિચાર વિનિમય કર્યો. અંતે જીનીનું હૃદય તે અકસ્માતમાં ઘાયલ થયેલ સ્ત્રીને આપવાનું નક્કી કર્યું.
એ યુવાન સ્ત્રીનું જીવતા રહેવું જરૂરી હશે ? સારા નસીબે સમયસર બધું કાર્ય સફળતાપૂર્વક પાર પડી ગયું. જીનીએ મૃત્યુ પછી જીનીનું આપેલું બલિદાન સાર્થક થયું. જીગરને આત્મસંતોષ થયો. આવો નિર્ણય લેવો સહેલો ન હતો.
જીગર દીકરીને લઈને ઘરે આવ્યો. જીગરની મમ્મીએ દીકરીની જવાબદારી ઉપાડી લીધી. દીકરી સચવાઈ તો ગઈ, પણ ક્યારેક બાળકી રડવા ચઢે ત્યારે એને શાંત રાખવી કપરી બની જતી.
થોડા સમય પછી જીનીને કારણે જે નવું જીવન પામી હતી તે ચેતના જીનીના પરિવારનો આભાર માનવા જીગરને ઘરે પહોંચી.
ઘરનું દૃશ્ય સામાન્ય નહોતું. નાની દીકરીને શાંત રાખવાનો સહુ નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા હતા. થોડો સમય તો ચેતના એ જોઈ રહી પછી ચેતનાએ કહ્યું, ‘મને પ્રયત્ન કરવા દો ‘! અને…અને.. તેના હાથમાં આવતાં વેંત જીગરની દીકરી શાંત થઈ ગઈ. અચાનક આવો ચમત્કાર જોઈ સહુને નવાઈ લાગી.
‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ જેવા હાલ હતા. નવું હૃદય પામેલી, ચેતના હૃદય મળવાથી સારી થઈ. તેના માનવામાં ન આવ્યું કે જે હૃદય એનામાં ધબકી રહ્યું છે તે આ નાની બાળકીની માનું છે જે દીકરીને જોઈ જોરથી ધબકવા લાગ્યું હતું. ભાન ભૂલી ચેતનાએ નાની દીકરીને છાતી સરસી ચાંપી. જે બાળકીએ માના ગર્ભમાં નવ મહિના પ્રેમથી ગુજાર્યા હોય તે આ હૃદયના ધબકારા કેવી રીતે ભૂલે !
તે ચેતનાના હાથમાં આવી કે તરત રડતી બંધ થઈ ગઈ. જીગર તેમજ તેના માતા અને પિતા નવાઈ પામી ગયા.
માતા સાથે જોડાયેલી આ અબુધ બાળા માતાના ધબકારા ઓળખી ગઈ. જીગર વિચારમાં પડી ગયો. જીગરની માતાએ, ધીરેથી કાનમાં કહ્યું ,’બેટા. આપણી વહાલી દીકરી ધબકારા ઓળખે છે.’ સંતાનો માટે માબાપ શું નથી કરતાં? ઘણા મનોમંથન પછી, લગભગ છ મહિના પછી જીગર, ચેતના સાથે લગ્નથી જોડાયો..
આ તે કોનો? ક્યાંથી? કેવો હૃદયાનુબંધ!
-
ફિલ્મી ગઝલો – ૧૧૮. કુલદીપ સિંગ ‘ ચાંદ ‘
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
કુલદીપ સિંગ ‘ ચાંદ ‘ સાહેબે ૧૯૫૮ ની ‘ તકદીર ‘ ફિલ્મમાં માત્ર બે ગીતો લખ્યા. અહીં આપી છે એ એકમાત્ર ગઝલ સિવાયના ગીતનું મુખડું હતું ‘ જબ હમ હૈં તો ફિર ક્યા ગમ હૈ ‘ જે શમશાદ બેગમે ગાયેલું.
એમની કેવળ એક ગઝલ તે આ –
આ દિલ સે દિલ મિલા લે, નઝરોં કે તીર ખા લે
તિરછી નિગાહોં વાલે આ દિલ સે દિલ મિલા લેમસ્તી ભરી બહારેં, હમ કિસ તરહ ગુઝારેં
પહલુ મેં દિલ પુકારે, દિલ કી લગી બુઝા લેયે રાત હૈ સુહાની, ભરપૂર હૈ જવાની
ઝુલ્ફોં કી છાંવ મેં આ, ઉલ્ફત કે ગીત ગા લેદુનિયા હૈ એક સરાયે, કોઈ આએ કોઈ જાએ
દો દિન કી ઝિંદગી મેં, એક બાર મુસ્કુરા લે..– ફિલ્મ : તકદીર ૧૯૫૮
– ગીતા દત્ત
– ધનીરામ
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ (૩૪) – ફૂંકવાદ્યો (૧૦) હાર્મોનિકા/માઉથ ઓર્ગન – ૧
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
એક સમય એવો હતો કે પાંચથી સાત વરસની ઉમરનાં બાળકોનાં રમકડાંમાં પાવો અને/અથવા મોઢાવાજાનો સમાવેશ જોવા મળતો. બિલકુલ પ્રાથમિક કક્ષાનાં આ ‘વાદ્યો’નું આયુષ્ય આઠ-દસ મહિના અથવા તેનાથી પણ ઓછું રહેતું. એમાં પણ મોઢાવાજાને જાળવવું વધુ અઘરું હતું, કારણકે તેનું માળખું અત્યંત તકલાદી હોતું અને તેના સૂરો પણ કોઈ પણ ક્ષણે વાગતા બંધ થઈ જતા. પરિણામે આ વાદ્યની જનસામાન્ય ઉપર છાપ એક તકલાદી રમકડાથી ઉપર નથી બની.
પણ, હાર્મોનિકા અથવા માઉથઓર્ગન તરીકે ઓળખાતું આ વાદ્ય રમકડાના ‘મોઢાવાજા’ કરતાં ઘણું વિશેષ છે, પ્રાથમિક પરિચય કેળવતાં ખ્યાલ આવશે કે દેખાવે અત્યંત નાનકડું અને કદાચ પ્રભાવહિન આ વાજિંત્ર ખાસ્સું સક્ષમ અને ઉપયોગી છે.
હાર્મોનિકા એક ફૂંકવાદ્ય છે, પણ તે અન્ય ફૂંકવાદ્યોથી એ રીતે અલગ પડે છે કે તેને વગાડવા માટે વાદકે હાર્મોનિકાની અંદર ફૂંક મારી, હવા દાખલ કરવાની તો હોય જ છે, સાથે સાથે તેણે વાદ્યના માળખામાંથી હવા બહાર શોષવાની પણ જરૂર રહે છે. તેની રચનામાં લાકડા અને/અથવા સ્ટીલની બનેલી એક લંબઘન ચેમ્બરમાં સમાવિષ્ટ ધાતુની પાતળી પતરીઓ હોય છે. વાદ્યમાં હવા દાખલ કરવાથી અને તેમાંથી હવા બહાર શોષવાથી જે તે પતરી કંપન અનુભવે છે અને તે કંપનને આનુષંગીક સ્વર પેદા થાય છે,.
હાર્મોનિકાની રચના અને તેને વગાડવાની પદ્ધતિને અનુલક્ષીને તેના વિવિધ પ્રકારો જોવા મળે છે. આપણે માત્ર પ્રાથમિક પરિચય કેળવવો હોઈ, બે જ પ્રકાર વિશે વાત કરીએ. જે સૌથી સાદો પ્રકાર છે, તેને ડાયાટોનિક હાર્મોનિકા કહેવાય છે. તેમાં મુખ્ય માળખાની ઉપરની બાજુએ એક પાતળી પટ્ટી ઉપર આઠ, દસ, બાર કે સોળ ચોરસ કે ગોળ છીદ્રો હોય છે. આવા હાર્મોનિકાની એક મર્યાદા તે છે કે કોઈ પણ સૂરવલીના તીવ્ર અને કોમળ સ્વરો ડાયાટોનિક વાદ્યની મદદથી છેડી શકાતા નથી. આ મર્યાદા દૂર કરવા માટે ઉપરની પટ્ટીના એક છેડે એક બટન જેવી રચના જોડવામાં આવે છે અને તે પટ્ટી ચાલુ વાદને એક છીદ્રથી બાજુના છીદ્ર સુધી સરકાવી શકાય છે. બટન સાથે સ્પ્રિંગજોડી હોવાથી દબાવેલી પટી બટનને છોડી દેવાથી મૂળ જગ્યાએ પરત આવી જાય છે, આમ, સાદા માઉથઓર્ગનની મર્યાદા તેના ક્રોમટિક પ્રકાર વડે અતિક્રમી શકાય છે, નીચે ડાબી બાજુએ ડાયાટોનિક અને જમણે ક્રોમેટિક પ્રકારનાં હાર્મોનિકા જોઈ શકાય છે. નોંધનીય છે કે મોટા ભાગની પાશ્ચાત્ય ધૂનો ડાયાટોનિક પ્રકારના હાર્મોનિકા વડે છેડી શકાય છે, જ્યારે ભારતીય સંગીત પર આધારિત ધૂનો માટે ક્રોમેટિક પ્રકારના હાર્મોનિકાનો ઉપયોગ અનિવાર્ય હોય છે.

ડાયાટોનિક હાર્મોનિકા ક્રોમેટિક હાર્મોનિકા હાર્મોનિકાના સ્વરનું એક ઉદાહરણ સાંભળીએ. શુભ્રાનીલ સરકાર નામનો એક યુવાન ક્રોમેટિક પ્રકારના હાર્મોનિકા પર અતિશય કુશળતાથી રાગ સારંગ મલ્હાર વગાડી રહ્યો છે. આ વાદન માણવાથી ખ્યાલ આવે છે કે બટનની મદદથી પટ્ટીને સંચાલિત કરીને વાદક કલાકાર ધાર્યા સૂર નિષ્પન્ન કરે છે.
હવે જેના વાદ્યવૃંદમાં હાર્મોનિકાનો ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો માણીએ.
હિન્દી ફિલ્મી સંગીતના ઢાંચામાં ક્રાંતિકારી બદલાવ લાવનારા સંગીતનિર્દેશકોમાં સી. રામચંદ્રનો સમાવેશ થાય છે. ૧૯૪૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ શહનાઈનાં તેમનાં બનાવેલાં ગીતોએ દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી. તે પૈકીનું આજે પણ લોકપ્રિય એવા ગીત ‘આના મેરી જાન મેરી જાન’ માં હાર્મોનિકાનો ધ્યાનાકર્ષક ઉપયોગ થયો છે, પરદા ઉપર નાયકને આ વાદ્ય વગાડતો દર્શાવાયો છે.
ફિલ્મ દિદાર(૧૯૫૧)નાનૌશાદના નિર્દેશનમાં બનેલા ગીત ‘બચપન કે દિન ભૂલા ના દેના’ ના વાદ્યવૃંદમાં હાર્મોનિકાના અંશો સ્પષ્ટ માણી શકાય છે. પરદા ઉપર ઘોડેસવારી કરતાં કરતાં ગાઈ રહેલાં બાળકો સાથે દોડી રહેલા તેમના રખેવાળને હાર્મોનિકા વગાડતો ચિત્રાંકિત કરાયો છે.
ફિલ્મ એક હી રાસ્તા(૧૯૫૬)ના હાર્મોનિકાપ્રધાન ગીત ‘સાંવરે સલોને આયે દિન બહાર કે’ માણતાં જોઈ શકાય છે કે સાયકલની આગળની ટોકરીમાં બેઠેલો બાળક હાર્મોનિકા વગાડતો રહે છે. સંગીત હેમંતકુમારનું છે.
૧૯૫૭ની ફિલ્મ દેખ કબીરા રોયાના ગીત ‘હમ પંછી મસ્તાને’માં સંગીતનિર્દેશક મદનમોહને માઉથ ઓર્ગનના કર્ણપ્રિય અંશો ભરી દીધા છે.
૧૯૫૭ની જ ફિલ્મ બારીશનું એક ગીત ‘દાને દાને પે લીખા હૈ’ સાંભળતાં ખ્યાલ આવે કે તેમાં વાગતા હાર્મોનિકાની ધૂન થોડેઘણે અંશે આપણે ઉપર માણ્યું તે ગીત ‘આના મેરી જાન મેરી જાન’ને મળતી આવે છે. આમ હોવું સ્વાભાવિલ છે, કારણ કે બન્ને ફિલ્મોના સંગીતકાર સી. રામચંદ્ર છે.
https://www.youtube.com/watch?v=M71STM3yZV0&list=RDM71STM3yZV0&start_radio=1
હવે માણીએ ૧૯૫૮ની ફિલ્મ સોલવાં સાલનું એક ગીત ‘હૈ અપના દિલ તો આવારા’, જે હાર્મોનિકાના રાષ્ટ્રગીત તરીકે જાણીતું છે, સચીનદેવ બર્મનના સ્વરનિર્દેશનમાં હેમંતકુમારે ગાયેલા આ ગીતના વાદ્યવૃંદમાં માઉથ ઓર્ગનના એકદમ પ્રભાવક અંશો કાને પડતા રહે છે.
https://www.youtube.com/watch?v=r7eS2ELDarQ&list=RDr7eS2ELDarQ&start_radio=1
ફિલ્મ કાલી ટોપી લાલ રૂમાલ(૧૯૫૯)માં સંગીત ચિત્રગુપ્તનું હતું. આ ફિલ્મનાં હાર્મોનિકાના પ્રભાવક અંશો ધરાવતાં બે ગીતો- ‘ઓ કાલી ટોપીવલે જરા નામ તો બતા’ અને ‘લાગી છૂટે ના’ એક પછી એક માણીએ.
૧૯૬૦ની ફિલ્મ મંઝીલ માટે સચીનદેવ બર્મને એક અનોખી ધૂન ધરાવતું ગીત ‘ચૂપકે સે મીલે પ્યાસે પ્યાસે’ બનાવ્યું હતું. તેમાં હાર્મોનિકાનો પ્રભાવક ઉપયોગ થયો છે.
ફિલ્મ પ્યાર કી પ્યાસ(૧૯૬૧)નું હાર્મોનિકાના કર્ણપ્રિય ટૂકડા ધરાવતુ ગીત ‘આયા જનમદિન આયા વસંત દેસાઈના નિર્દેશનમાં બન્યું હતું.
આજે અહીં અટકીએ. આવતી કડીમાં હાર્મોનિકાના અંશો ધરાવતાં વધુ ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
વર્તુળ અને વમળ
દેવિકા રાહુલ ધ્રુવ
વર્તુળ…એટલે એક ગોળ આકાર. ભૂમિતિનો એક આકાર એ સૌ કોઈ જાણે છે. પૃથ્વીથી માંડીને બ્રહ્માંડમાં કેટલું બધું ગોળ છે? કંકણથી માંડીને કૂંડાળા સુધીની કેટલીયે વસ્તુઓ/પદાર્થો/જગાઓ વગેરે વગેરે. ગણવા બેસીએ તો પાનાંઓ ભરાઈ જાય. કદાચ એક આખું પુસ્તક બની જાય! મુદ્દો માત્ર આકારનો નથી. એથી કંઈક વિશેષ છે અને તે એ કે, આ ગોળ આકારના વર્તુળમાં કેટલું બધું ભર્યું પડ્યું છે?
ગણિતજ્ઞની ભાષામાં કહેવા બેસીએ તો વર્તુળમાં ત્રિજ્યા છે, વ્યાસ છે, એનો પરિઘ છે; અરે, વર્તુળની અંદર ખૂણાઓ પણ પડે વગેરે વગેરે.. મીકેનીકને પૂછીશું તો એ વાત કરશે સાઈકલના પૈડાથી માંડીને પંખા અને પાઈપ્સ સુધીની તમામ વસ્તુઓ વિશે. ખાવા-પીવાના શોખીન જીવને એમાં સરસ મઝાનો સ્વાદિષ્ટ લાડુ કે મસાલેદાર બટાકાવડા જ દેખાશે ને? સાહિત્યકારની નજરમાં, વર્તુળમાં વલયો દેખાશે અને પછી એમાંથી અવનવા ભાવોનું સર્જન થતું જણાશે. કોઈ કવિતા,વાર્તા કે નવલકથા પણ લખી નાંખશે. જીવનની ગતિ પણ ચક્રાકાર છે. એમાં કોઈ આગળ નથી કોઈ પાછળ નથી.
આમ છતાં આ વર્તુળમાં વમળો પડે છે અને તે પણ જાતજાતનાં અને ભાતભાતનાં. એની રીતો અને પ્રકારો પણ અવનવા. તો આ વમળ શું છે? વમળ શબ્દ જ એવો છે કે આપણને અમળાવી નાંખે છે! પાણીમાં થાય તો જે તેની સપાટીની ઉપર આવીને ચક્ક ચક્કર ફરતું દેખાય તેને ભમરી કે ઘૂમરી કહીએ છીએ અને મઝાથી ચાલતાં જીવનમાં આવી જાય તો એવાં વમળને તકલીફ, મુશ્કેલી, આફત, ગૂંચ કે વિઘ્ન વગેરે કહીએ છીએ. એટલે કે, માનસિક અને શારીરિક બંને જાતના વમળો થતાં હોય છે.
તો હવે સવાલ એ ઊભો થાય છે કે, વમળો શેને કારણે થાય છે? એક વાત તો ચોક્કસ જ છે કે, શરીરના આરોગ્યમાં ઘણીવાર ખોટા લેવાઈ ગયેલા ખોરાકને કારણે પેટમાં વમળો ઊભા થતાં હોય છે. કોઈને વળી ઊંચે ઊડતાં વિમાનમાં કે ચાલતાં વાહનમાં પણ પેટમાં વમળો જેવી લાગણી થતી હોય છે. પણ જે સૌથી મોટાં વમળો છે તે માનસિક હોય છે. કશોક ડર,ખોટા વિચારો, કંઈક ચિંતા અને તેને કારણે માનસિક તણાવ ઊભો થાય છે જેને પરિણામે એમાં આવી જનાર માનવી આખો ને આખો રહેંસાઈ જાય છે. એને કારણે ઘણીવાર તો ખતરનાક પરિણામો આવતાં હોય છે.
અહીં એક નાનકડી વાર્તા યાદ આવે છે. એક માણસ હતો. એના નાનકડા પરિવારમાં એ સરસ અને સુખી જીવન જીવતો હતો. એનું મિત્ર-વર્તુળ પણ મઝાનું હતું અને એ રીતે એના જીવનવર્તુળમાં ક્યાંય કશી કચાશ ન હતી. પણ એનો પોતાનો સ્વભાવ અધીરો અને ઉતાવળિયો હતો. નાની નાની બાબતમાં એને ઉશ્કેરાટ થઈ જતો. એક દિવસ એને સવારમાં ઉઠતાં જરા મોડું થયું. પછી તો એના મગજમાં ઉચાટ અને દોડાદોડીના વમળો ઊભાં થવા માંડ્યાં. એટલાં બધાં કે સવારની ચા પીતાં પીતાં ઢોળાઈ ગઈ, હાથમાંથી રકાબી પડી ગઈ, કાચના ટુકડાઓ ઘરમાં વેરાઈ ગયા. તેને સાફ કરવાના કામને કારણે તૈયાર થવામાં મોડું થયું. પછી તો ઓફિસ મોડા પહોંચાશે એવા ભયમાં ગાડી પૂરપાટ દોડાવી. પરિણામે અકસ્માત થયો અને ભાઈ હોસ્પિટલ ભેગા થયા. આ બધું જોઈ/જાણીને એની દીકરી મનથી વ્યથિત થઈ, સ્કૂલે ગઈ પણ એનું ચિત્ત ચક્ડોળે ચડ્યું. પરીક્ષાનો દિવસ હતો. પરેશાન મનથી પેપર તો જેમતેમ પૂરું કર્યું. પણ એ નિષ્ફળ થઈ. પરિવારમાં સૌને દોડાદોડ થઈ. ઇશ્વરકૃપાએ પોતે બચી તો ગયા પણ પગના ફ્રેક્ચરને કારણે થોડા મહિના માટે ખાટલાવશ થયા.
આમ, આવા માનસિક વમળો, દરિયાનાં મોજાંઓની વચ્ચે થતાં વમળોની જેમ ઘણું નુક્સાન પહોંચાડે છે અને ઘણીવાર તો ખેદાનમેદાન કરી નાંખે છે.
આમ, વર્તુળ અને વમળ બંને ગોળ છે. પણ કેવો અને કેટલો મોટો ફરક છે? દેખીતી રીતે બંને એકમેક સાથે સંકળાયેલાં લાગે ખરાં. કારણ કે, વમળો વર્તુળમાં જ થાય છે, ક્યારેક વર્તુળને કારણે જ થતાં હોય છે. તે છતાં બંને લાક્ષણિક રીતે અલગ છે. વર્તુળ-કોઈપણ પ્રકારના, મોટેભાગે જરૂરી હોય છે; જ્યારે વમળો બિનજરૂરી છે અને તેને નિવારવાનાં હોય છે. ખૂબ સારા વાંચનથી, ગમતીલી પ્રવૃત્તિઓથી અને સમજણપૂર્વકની યોગ્ય અને નિયમિત રીતભાતથી માનસિક વમળો દૂર કરી શકાય છે. કુદરતી વમળો માટે તો ઘણી સાવચેતીની યાદી મળી શકે છે.
વમળો જ્યારે એની માઝા મૂકે ત્યારે આંધી, વાવાઝોડા, હરિકેન વગેરે કંઈ કેટલીયે હોનારત સર્જે છે. અમેરિકામાં આવતાં આવાં હરિકેનને તો જુદાંજુદાં નામો પણ આપવામાં આવે છે. દા.ત. કેટરીના,હાર્વી,આઈક,બેરિલ વગેરે. આ હરિકેન શબ્દ પર થોડું વધુ ઊંડાણથી વિચારું છું તો લાગે છે કે, એ સાચે જ ‘હરિની કેઈન’ જ-લાકડી જ છે. બીજો ભાવાર્થ એ પણ થાય કે, એ માનવી માટેની દીવાદાંડી છે અને તે પણ કુદરતી! વાહ! સાચે જ, તે સમયે અને પછી પણ કેટલાં પાઠ ભણવાના મળે છે? અને છતાં માનવીનું ચક્ર તો એય… એમનું એમ જ રહે છે! વર્તુળ અને વમળની આવી વાતોના સંદર્ભમાં કેટલાંક અવતરણો ટાંકવાનું મન થાય જ.
“ when the round world spins, sometimes it is not the earth, it is your soul asking you to pause.”
“in the whirl of mind & brain, you do not lose balance- you lose your sense of circle.”
“બહારના ચક્રવાત કરતાં વિચારોના વમળો વધુ ભીષણ હોય છે.”
સમાપનમાં તો, ફરીફરી આ વિષય પર એ જ વાત કહેવાનું મન થાય કે, જીંદગીની ગતિ વર્તુળાકારે ચાલે છે. એમાં કોઈ આગળ નથી કે કોઈ પાછળ નથી. ખોટી હોડની દોડમાં વમળો ઊભાં કરી ખુદને નુકસાન પહોંચાડવા કરતાં પાણીના શાંત પ્રવાહની જેમ વહેતાં રહેવામાં જ મઝા છે અને કદાચ એમ વહેતાં રહેવા છતાં સામે કોઈ કુદરતી કે આકસ્મિક વમળોની વચ્ચે પસાર થવાનું થાય, તો ધીરજ અને શાંતિનાં હલેસાંનો સાથ એ જ સૌની દીવાદાંડી. એ જ આખરી ધ્યેય કે મુકામ સુધી પહોંચાડશે એવી શ્રદ્ધા પણ ખરી જ.
-
એસ ધમ્મો સનંતનો – આગમ શાસ્ત્ર : [૨] શિવાગમ અને અન્ય આગમો
પ્રવાસી યુ. ધોળકિયા
આગમ શાસ્ત્રના ગયા મણકામાં આપણે વૈશ્નવ આગમોનો ટૂંક પરિચય મેળવ્યો. આજે હવે શિવ આગમો અને અન્ય આગમો વિશે સંક્ષિપ્ત વિવેચન કરીએ.
વૈષ્ણવ આગમનાં પાંચરાત્ર સંહિતામાં નારદ કહે છે કે બ્રહ્માજીથી ઘાસનું તણખલું એ વિષ્ણુ (કૃષ્ણ) સ્વરૂપ છે. વિષ્ણુ વેદમાં વર્ણિત બ્રહ્મ છે આ રીતે જ કામિકા આગમમાં શિવના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. –
“આપ જ સમગ્ર વિશ્વના કર્તા હર્તા છો. વિશ્વમાં જે કંઈ ઉપર નીચે છે તે આપનું જ સ્વરૂપ છે. આપ માનવમાત્રના મુક્તિદાતા છો. આપે જ સૃષ્ટિનું સર્જન, તેની જાળવણી અને તેનું તિરોધાન કરીને કૃપા વરસાવો છો. આપ જ માનવને હકારાત્મકતા તરફ દોરી જાઓ છો. આખું બ્રહ્માડ આપમાં સમાઈ જાય છે.”
શિવાગમ
આધુનિક તંત્ર નિષ્ણાત શ્રી ઋષિનાન્દી જણાવે છે કે વિશ્વના તમામ ધર્મના રચયિતા શિવ છે. એવું મનાય છે કે તેઓએ ૭ કરોડ મંત્રોની રચના કરી હતી.
શિવાગમોને વ્યવસ્થિત રૂપ મહાજ્ઞાની વાસુદેવે આપ્યું. આપણે અગાઉના લેખોમાં જોયું હતું તેમ માતા પાર્વતી શિવને ધર્મ અને અધ્યાત્મના પ્રશ્નો પૂછે છે. શિવ તેમને આ આગમોમાં મૂર્તિશાસ્ત્ર, મંદિરોની રચના, લિંગ તથા મૂર્તિ સ્વરૂપે બીરાજેલા મહાદેવની પૂજાવિધિ કઈ રીતે કરવી તેની સમજણ આપે છે.
કૈલાશનાથ મંદિરની એક તક્તી પર શિવાગમોના ૨૮ ગ્રંથોનાં નામ કોતરવામાં આવ્યાં છે. તેમાં સૌથી પ્રસિદ્ધ કામિકા આગમ અને ઇશાન શિવ ગુરુપદે પદ્ધતિ છે. કામિકા આગમમાં ૧૨,૦૦૦ જેટલા મંત્રો છે. આ બે આગમો પર પ્રભુત્વ મેળવવા માટે આજીવન સમર્પિત રહેવું પડે છે. આ આગમના આચાર્યોમાં વાસુદેવ ઉપરાંત દક્ષિણ ભારતના નીલકંઠ સ્વામી, તીરૂ મુરારી, મણિકાવ સાગર, સુંદરર નબિયાર, નંબિ સમંદર અને સૌથી પ્રસિદ્ધ તેવરમ હતા. દક્ષિણ ભારતના પલ્લવ રાજવીઓએ શિવાગમ પ્રેરિત શિવ ધર્મ સ્વીકાર્યો. તેઓએ તેનો પ્રચાર અને પ્રસાર ફક્ત દક્ષિણ ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ કર્યો. પરિણામે દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા વિયેટનામ, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા અને ઇન્ડોનેશિયામાં પલ્લવ સમ્રાટોએ શિવ ધર્મ સ્થાપી ત્યાં પૂર્વે પ્રચલિત બૌદ્ધ ધર્મનો લગભગ વિનાશ કર્યો. આવી જ પરિસ્થિતિ તેઓએ દક્ષિણ ભારતમાં પણ કરી.
શિવાગમને વ્યવસ્થિત કરનાર વાસુદેવ જણાવે છે કે સાક્ષાત શિવે તેમને આ જ્ઞાન પ્રત્યક્ષરૂપે આપ્યું. તે પછી વાસુદેવને આત્મસાક્ષાત્કાર થયેલ. શિવાગમના પ્રચાર અને પ્રસારમાં પણ ભારતની અન્ય પરંપરાઓની જેમ સંવાદનો આધાર લેવામાં આવ્યો હતો. આ લેખમાં પણ આપણે શ્રી વ્રજમાધવ ભટ્ટાચાર્યના ગ્રંથ ‘શૈવિઝમ એન્ડ ધ ફૅલિક વર્લ્ડ’ અને ગુગલસર્ચનો આધાર લીધો છે.
શિવાગમોમાં શિવનાં પાંચ મુખની પૂજન અને અર્ચનની વિધીનું પ્રાધાન્ય છે. આ આગમોમાં શિવનાં પાંચ મુખોમાંથી કઈ રીતે આગમો રચાયાં તે વિશે જ્ઞાન આપવામાં આવ્યું છે. આ પાંચ મુખોનું ટુંક વર્ણન આ પ્રમાણે છેઃ
૧) સદ્યોજાત મુખઃ તેમાં પશ્ચિમ દિશામાં વિશ્વ સમાયેલું છે. આ મુખમાંથી કામિકા આગમ, યોગર્થ અને અજીત આગમની ઉત્પતિ થઈ છે.
૨) વામદેવઃ તે ઉત્તર દિશા સૂચવે છે. તેમાં દીપ્ત સૂક્ષ્મ, અંશુમાન વગેરે આગમો છે.
૩) અઘોરઃ તે દક્ષિણ દિશા સૂચવે છે. તેનાં આગમોમાં રૌરવ, મુક્ત, વિમલ, મુખબિંબ વગેરે છે.
૪) તત્પુરુષઃ તે પૂર્વ દિશાનો નિર્દેશ કરે છે. તેનાં આગમોમાં લલિત, ઈશાન, શિવ ગુરુદેવ પદ્ધતિ ઈત્યાદિ છે.
૫) ઈશાનઃ દસે દિશાઓ તેમાં સમાઈ જાય છે. તે શિવાગમના મૂળભૂત ૨૮ આગમોનો સ્રોત છે.
૨૮ મુખ્ય શિવાગમો પરથી વિશાળ સંખ્યામાં આ શાસ્ત્રના ઉપાગમો હતા જેમાં લાખોની સંખ્યામાં શ્લોકો અને મત્રો હતા. આજે બહુ ઓછાં ઉપાગમો મળે છે. આગમોમાં સંસ્કૃત વર્ણમાળામા ૫૧ મૂળાક્ષરો તથા બીજમંત્રોને આધારે રચાયેલા અદ્ભૂત મંત્રો જોવા મળે છે. આ વર્ણમાળામાંથી પછીથી જુદા જુદા શાસ્ત્રીય રાગોની રાગમાળા બની. આ રાગોનો ઉપયોગ મંદિરની પ્રદક્ષિણા કરતી વખતે કરવામાં આવે છે.
શિવાગમોમાં મુખ્ય ‘માલિનીવિશ્વાસ’, ‘સ્વચ્છંદ’, ‘વિજ્ઞાન-ભૈરવ’, ‘આનંદ ભૈરવ’, ‘મૃગેન્દ્ર’, ‘માતંગ’, ‘સ્વયંભૂ’, ‘રુદ્રયામલ’ અને ‘કામિકાગમ’ વગેરે મહત્વનાં છે.
+ + +
કામિકા આગમ અને અન્ય શિવાગમો આપણને કઈ રીતે જાગૃત થઈને જીવન જીવવું તે શિખવે છે. ગુરુ ઉપાસક અને સાધકની યોગ્યતા પ્રમાણે તેમને પરમ ચેતના સાથે જોડાઈને પ્રવૃત્તિમય જીવન કઈ રીતે જીવવું તેનું માર્ગદર્શન આપેછે. આ રીતે આ શાસ્ત્ર આપણને પશુમાંથી શિવ પશુપતિ સાથે મિલન કરવાનું માધ્યમ બને છે.
કામિકા આગમ બે ભાગમાં વહેંચાયેલું છે. તેના પ્રથમ ભાગમાં ૭૫ પ્રકરણો છે. તેને શિવનું મુખ (શીર્ષ) સમાન ગણવામાં આવે છે. બીજા ભાગમાં ઘણાં પ્રકરણો છે. આમાંથી બે વિષય આપણે ટુંકમાં જોઈશું.
વર્ણમાળાના વર્ણનું વિજ્ઞાન
વર્ણમાળાના ૫૧ વર્ણનું વિજ્ઞાન સમજવાથી સાધકને તે વર્ણનો પ્રભાવ જાણવા મળે છે. ‘અ’ વર્ણથી ‘ક્ષ’ વર્ણનો આધાર લઈને શિવમાર્ગ પર કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન મળે છે. આ વર્ણમાળામાંથી જ વિવિધ મંત્રોનું સર્જન થાય છે. યોગ્ય ગુરુના સાન્નિધ્યમાં સાધક મંત્ર વિજ્ઞાન પર પ્રભુત્વ મેળવીને શિવમય બની શકે છે. આગમશાસ્ત્રના મંત્રો સનાતન પરંપરાના આત્મા અને દેહ સમાન છે.
પ્રાણપ્રતિષ્ઠા
સનાતનીઓ માટે શિવમૂર્તિ અને શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા એક અતિઆવશ્યક પ્રક્રિયા છે. પ્રથમ તો જે સ્થાન પર પ્રસ્તુત મૂર્તિ કે લિંગનું સ્થાપન કરવાનું હોય જેને પવિત્ર જળના કળશથી પવિત્ર કરવામાં આવે છે. પછી મૂર્તિ / લિંગને પણ આ જળથી પવિત્ર કરીને ગુરુ શિવને એ સ્થાને પધારવાનું અહ્વાન કરે છે. આ સમયે ગુરુની યોગ્યતાની પણ કસોટી થાય છે, કેમકે તેણે પોતાની સમગ્ર ચેતના અને પંચપ્રાણોનો આધાર લઈને મૂર્તિ / લિંગમાં પ્રાણનો સંચાર કરવાનો હોય છે. આ માટેના મંત્રો આ મુજબ છેઃ

આ રીતે ગુરુ મૂર્તિ કે લિંગમાં સૌ પ્રથમ પ્રાણ સંચાર કરે છે. તે પછી તેના બધાં અંગોમાં પ્રાણનો સંચાર કરવામાં આવે છે. મૂર્તિની આંખ ઉઘાડવાની ક્રિયા (ઉન્મિલન) પણ એક મહત્વની પ્રક્રિયા છે.
આમ જ્યારે મૂર્તિ કે લિંગ ચેતનામય બની જાય છે ત્યારે ગુરુ સૌ પ્રથમ તેનાં પૂજન અર્ચન કરે છે. આપણા જેવા સામાન્ય ભક્તોને તે પછી મૂર્તિ કે લિંગની પૂજા કરવાની છૂટ મળે છે.
પ્રાણપ્રતિષ્ઠા એ બહુ જ ગંભીર અને વિશ્વમાં બેજોડ પ્રક્રિયા છે.
+ + +
શાક્ત આગમો અને અન્ય આગમો
વૈષ્ણવ આગમોને જે રીતે સંહિતા કહેવામાં આવે છે તે રીતે શાક્ત આગમોને તંત્ર કહેવામાં આવે છે. આમ આગમ અને તંત્ર વચે કોઈ ભેદ નથી. આ આગમોમાં આદ્યાશક્તિને સમગ્ર સૃષ્ટિનું મૂળ કહેવામાં આવે છે. સૃષ્ટિનું સર્જન પણ આ શક્તિ જ કરે છે.
આમ તો શાક્ત આગમોની સંખ્યા ૭૭ દર્શાવવામાં આવે છે.પરંતુ, ખરી રીતે તો, તેના હજારો ગ્રંથો મળે છે. શાક્ત આગમોમાં પણ શક્તિ અને શિવના સંવાદોમાં જ બધા સિદ્ધાંતોની સમજ આપવામાં આવી છે. પરંતુ, અહીં શક્તિને એટલાં શક્તિશાળી રજૂ કરાયાં છે કે તેમના વિના શિવ એ શવ સમાન છે.
આગમ-તંત્ર ગ્રંથોમાં મહાનિર્વાણ, કુલર્ણવ, કુલસાર, પ્રપંચસાર, તંત્રરાજ, રૂદ્રયમલ, બ્ર્હ્મા યમલ, વિષ્ણુ યમલ અને ટોડલ મુખ્ય છે. તે ઉપરાંત અહિબુર્ધન્ય, સનત કુમાર, નારદ, મેરૂ ઈત્યાદિ ગ્રંથો છે.
ગણેશ અને સૂર્ય આગમો નષ્ટ થઈ ગયાં છે. તેથી તેના વિશેના જ્ઞાન અંગે પુરાણોનો આશ્રય લેવો પડે છે. આ ગ્રંથોને આધારે આ બન્ને દેવોની અને તેમની મૂર્તિઓની પૂજા અને સાધના કરવામાં આવે છે.
+ + +
આગમોનું વિષયવસ્તુ
બન્ને આગમોની સંખ્યા ઘણી છે. એ બધાં જુદા જુદા સમયે લખાયેલાં છે. તેથી વિદ્વાનો આગમોના વિષયવસ્તુને બે વિભાગોમાં વર્ણવે છે.
[૧]
ચર્ચાપાદ – ધાર્મિક વિધિઓ કઈ રીતે કરવી અને તે સમયે કયા નિયમોનું પાલન કરવુ, સારી વર્તણૂક અને ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ, સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે કઈ રીતે સામંજસ્ય સ્થાપી કઈ રીતે શાંતિથી જીવવું, રહેઠાણનાં ઘરો વચ્ચેની ચણતરની સમજ
ક્રિયાપાદ – મંદિરના દેવોનું સ્થાપન અને તેમની પ્રાણપ્રતિષ્ઠા તથા પુજન વિધિ, મંદિરોની સંરચના વિશે વૈજ્ઞાનિક જ્ઞાન, પુજારીએ પાળવાના નિયમો, મંદિરમાં કરાતી દૈનિક પૂજા અને ખાસ ઉત્સવો વખતે કરાતી પૂજાવિધિ પર વિવેચન
યોગપાદ – ધ્યાનની વિધિઓ વિશે વિશદ્ માર્ગદર્શન, રાજયોગ અને અન્ય યોગ પદ્ધતિઓ દ્વારા સાધકની કુંડલિની જાગ્રત કરી તેને શિવત્વ પમાડવાની વિધિ વિશેનું વિજ્ઞાન
જ્ઞાનપાદ – પરમ શિવતત્વ વિશે ગહન વિશ્લેષ્ણ, આત્મા, પ્રકૃતિ અને મુક્તિમાર્ગ પર અનન્ય ચર્ચા
કામિકા આગમમાં રાજાઓ અને તેમના દરબારીના ભવ્ય પ્રાસાદો કઈ રીતે બાંધવા, સામાન્ય પ્રજાના ઘરોની રચના, ગ્રામો, નગરો તથા શહેરો તેમજ કુવા, તળાવો વગેરેની બાંધણી વગેરે વિશે સૂક્ષ્મ ચર્ચા જોવા મળે છે. મૂળ મંદિર ઉપરાંત દેવાલયો તથા રહેણાક વિસ્તારમાં બંધાતાં કોઈ પણ મંદિરોમાં દેવોની સ્થાપન વિધિ, લિંગ રચના અને તે સમયે મૂળ મંદિર જેવી બધી જ વિધિઓ કરવાનું વિધાન છે. આ જ આગમમાં દિક્ષાર્થીઓ, આચાર્યો અને ગુરુઓ વડે પાળવાની આજ્ઞાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
[૨]
ચર્ચા પાદઃ દૈનિક પૂજાવિધિ અને અર્ચનવિધિમાં કોઈ ભૂલચુક થાય તો તેનાં પ્રાયશ્ચિત અને દેહશુદ્ધિમાટેની આજ્ઞા, શિવને જળસિંચન તથા અન્ય દ્રવ્યો સાથે પૂજન-અર્ચન, રૂદ્રાક્ષ માળાથી શિવનું જપ વિધિથી સ્મરણ
ક્રિયાપાદઃ મંત્રજાપ દ્વારા આત્મજાગૃતિ કેળવવી, સંધ્યા વિધિ, હોમ અને નાના મોટા યજ્ઞો, કઈ રીતે જીવન વ્યાપન કરવું તે વિશે ગુરુને સૂચના
જ્ઞાનપાદઃ શિવ પર ગહન ચિંતન અને મનન, દક્ષિણ ભારતના શિવ માર્ગમાં ત્રણ વિભાગો – પશુ (માનવી), પાશ (માયાનાં બંધન) અને પતિ (શિવ – નો આધાર લઈને માનવે મુક્તિ કેમ પામવી તે પર પ્રચંડ ચર્ચા જોવા મળે છે.
+ + +
આગમ શાસ્ત્રોની સમજ વિના હિંદુ ધર્મની પરંપરાનું જ્ઞાન અપૂર્ણ છે. આગમોને લઈને આપણી આ મહાન પરંપરા સનાતન અને સંપૂર્ણ બની શકી છે.
હવે પછીના મણકામાં તાંત્રિક વિદ્યા વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ઉત્તરાખંડમાં વિકાસ એટલે વિનાશની ગેરન્ટી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઉત્તરાખંડ, એની નાજુક ભૂગોળ અને સર્વોચ્ચ અદાલતની હિમાચલ પ્રદેશ વિશેની ટીપ્પણી વિશે ગયા સપ્તાહે આ કટારમાં લખાયું, પણ એ પહેલાં ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની દુર્ઘટના બની અને ભારે તબાહી સર્જાઈ. અલબત્ત, આવું પહેલી વાર બન્યું નથી, અને છેલ્લી વાર પણ નહીં હોય. આ દુર્ઘટના શી રીતે બની એ વિશે પ્રસાર માધ્યમોમાં વિગતવાર આવી ગયું છે. આથી ટૂંકમાં એનો ઉલ્લેખ કરીને મુખ્ય વાત પર આવીએ.
સાગરતળથી આશરે ૮,૬૦૦ ફીટ પર વસેલા, ઉત્તરાખંડના ધરાલી ગામેથી ખીરગંગા નદી પસાર થાય છે. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અહીં વરસેલા મૂશળધાર વરસાદને પગલે આવેલા ‘ફ્લેશ ફ્લડ’ને કારણે જે તબાહી સર્જાઈ એણે જાનમાલનું પુષ્કળ નુકસાન કર્યું. આ દુર્ઘટનાની વિડીયો ક્લીપોમાં મકાનો પત્તાંના મહેલની જેમ જમીનદોસ્ત થતાં જોઈ શકાય છે. તબાહી પછીનાં, સમગ્ર વિસ્તાર કાદવમાં ગરક થવાનાં દૃશ્યો હૈયું ધ્રુજાવી દે એવાં છે. બચાવકાર્યો પૂરજોશમાં ચાલે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી પહેલી નજરે નૈસર્ગિક આપત્તિ લાગે એવી આ ઘટના પાછળ ખરેખર તો અનેક પરિબળો જવાબદાર છે. મૂશળધાર વરસાદ કુદરતી ગણાવી શકાય, પણ તેને પગલે જે તબાહી થાય એ ઘણે ભાગે માનવસર્જિત કારણોથી થાય છે. આમ તો આ કંઈ એવું ગહન કે જટિલ સંશોધન નથી, બલકે નજરે દેખાતું ઉઘાડું સત્ય છે. આવી ઘટનાઓ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ઠેરવી દેવું સૌથી સહેલું પલાયન છે.
આવી ઘટનાઓ બને ત્યારે નીતિવિષયક બાબતો વિશે વિચારવું જરૂરી બની રહે છે, જે સમગ્ર વિસ્તારના પરિસ્થિતિવિજ્ઞાનને સુસંગત હોય. પશ્ચિમી હિમાલયનું આ ક્ષેત્ર ભૂપૃષ્ઠની રીતે બહુ નાજુક ગણાય છે. દરમિયાન જળસ્રોતના સંસાધન અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી મુખ્ય સંસ્થા કેન્દ્રીય જળ આયોગ દ્વારા આ ‘ફ્લેશફ્લડ’ માટે વાદળ ફાટવાને કારણભૂત ગણાવ્યું છે. બીજી તરફ ભારતીય મોસમવિજ્ઞાન વિભાગે આનાથી સાવ વિપરીત અહેવાલ જણાવ્યો છે. ઉત્તરકાશીની ભૌગોલિક રચના વિશિષ્ટ છે. આ જિલ્લો હિમાલયના દક્ષિણ ઢોળાવ પર આવેલો છે. તેનું આવું સ્થાન અને ઉપરથી સતત વરસાદ-આ બન્ને બહુ ઘાતક સંયોજન છે. ફ્લેશફ્લડ અને ભૂસ્ખલન માટેની ‘આદર્શ’ કહી શકાય એવી પરિસ્થિતિ અહીં ઉદ્ભવે છે. અમસ્તું પણ પર્વતીય વિસ્તારમાં નાનાં ઝરણાં પણ ચોમાસા દરમિયાન પાણીનો ધસમસતો પ્રવાહ બની જતાં હોય છે, અને ઘણી વાર તે વહેણ પણ બદલે છે. હિમાલયમાં પ્રવાસ કરનાર સૌ કોઈ જાણતા હશે કે ચોમાસામાં તો ઠીક, રોજેરોજ પણ બપોર પછીના સમયમાં ઝરણામાં પાણીનું વહેણ ધસમસતું વહેવા લાગે છે, કેમ કે, ઊપરના ભાગે રહેલો બરફ ઓગળવા લાગે છે. તાજેતરનાં વરસોમાં ગ્લેશિયર ઓગળવાની ઘટનાઓ વધી રહી છે, જેને કારણે આ જોખમ વધ્યું છે. ઉત્તરકાશીમાં થયેલા વિનાશ પાછળનું એક પરિબળ કુદરત ખરું, પણ એ સિવાયનું જે પરિબળ છે એ માનવીય છે.
આ સમગ્ર વિસ્તાર ‘ભાગીરથી ઈકોસેન્સિટીવ ઝોન’ (ઈ.એસ.ઝેડ.)નો હિસ્સો છે. ઈ.સ. ૨૦૧૨થી અપાયેલા આ દરજ્જાનો હેતુ ગંગોત્રી અને ઉત્તરકાશી નગર વચ્ચેના ૪,૧૦૦ ચો.કિ.મી. વિસ્તારને અનિયંત્રીત વિકાસ સામે સુરક્ષા કવચ પૂરું પાડવાનો હતો. કેમ કે, આડેધડ થઈ રહેલો વિકાસ છેવટે કુદરતી આપત્તિ સામેની સુરક્ષાને નબળી બનાવે અને તેનાથી થતા નુકસાનમાં અનેકગણી વૃદ્ધિ કરે. ‘ઈકોસેન્સીટીવ ઝોન’ જાહેર કરવા છતાં આ વિસ્તારના વિકાસને નિયંત્રીત કરી શકાયો નથી. આ વિસ્તારની નદીઓનાં વહેણ અવરોધાય છે, યા સંકોચાય છે. પ્રવાસનઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉન્માદભર્યા ઉત્સાહમાં કેન્દ્રની તેમજ રાજ્યની સરકારે આ વિસ્તારની ભૂપ્રણાલિ અને જૈવપ્રણાલિની સંવેદનશીલતાને અવગણી છે. ‘ઈ.એસ.ઝેડ.’ દ્વારા અપાયેલી ચેતવણીઓને અનેકવાર અવગણી છે. આનું મોટું ઉદાહરણ એટલે ચાર ધામને સાંકળતા ચતુર્માર્ગી રોડનો પ્રકલ્પ. અત્યાર સુધી અતિશય કઠિન ગણાતી આ વિસ્તારોની યાત્રાને આસાન બનાવવા માટે આ પ્રકલ્પ આરંભાયો છે. સમજાય એવું છે કે પુણ્ય પ્રાપ્ત કરવાની લોકોની ઘેલછા અને વૃત્તિને પોષવા-પંપાળવા માટે એ વધુ છે. આ સમગ્ર વિસ્તારનું નાજુક ભૂપૃષ્ઠ આટલું દબાણ વેઠી શકે એમ નથી એ કોઈને પણ સમજાય અને દેખાય એવું છે. પ્રવાસન થકી પ્રાપ્ત થનારી આવક ગમે એટલી વધુ હશે, પણ તે આ વિસ્તારને થનારા પ્રાકૃતિક નુકસાન સામે કંઈ નથી. પ્રવાસીઓની અવરજવર એ હદે વધે કે અહીંની નાજુક જૈવપ્રણાલિ તેની સામે ઝીંક ઝીલી ન શકે અને એવા માહોલમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થાય ત્યારે બચવું મુશ્કેલ બની જાય.
હમણાં થયેલી તબાહીમાં સતત વરસાદ અને કળણ જેવા બની રહેલા કીચડાના ટેકરાને કારણે રાહત કામગીરી ઘણી મુશ્કેલ બની રહી છે. ઉત્તરાખંડમાં આ પહેલાં પણ આવી દુર્ઘટનાઓ બનેલી છે. એમાંથી કશો બોધપાઠ લેવાયો હોય એમ હજી સુધી લાગ્યું નથી. આથી દરેક વખતે થનારી દુર્ઘટના વધુ ભયાવહ બની રહે છે. આ અંગેની નીતિઓ ઘડનારના ધ્યાનમાં આટલી સાદી વાત ન આવી હોય એ શક્ય નથી. સવાલ છે જળવાયુ પરિવર્તન, વિકાસદોટ, સ્થાનિક અને ક્ષેત્રીય પર્યાવરણ, સ્થાનિકો સામે ઊભા થતાં જોખમો, તેમજ આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલિ- આ બધા વચ્ચે સંતુલન અને સંકલન જળવાય એ જરૂરી છે. અલબત્ત, આ બધાની સાથોસાથ ભ્રષ્ટાચારના અનિવાર્ય પરિબળને પણ અવગણી શકાય નહીં. ઉત્તરાખંડના વિકાસ બાબતે અત્યારે તો બાજી હાથમાંથી નીકળી ગઈ લાગે છે, કેમ કે, ચતુર્માર્ગી રોડનો પ્રકલ્પ પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. આપણી સંવેદનાની ધાર હજી પણ થોડીઘણી રહી હોય તો એ આવનારાં વરસોમાં સાવ બુઠ્ઠી થઈ જશે એ નક્કી છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૦૮– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સંભારણું – ૭ – મૈત્રી સખીઓ સાથે!
શૈલા મુન્શા
એકાવન વર્ષ પહેલાનો એક ફોટો મને મરા એક આલ્બમમાંથી મળ્યો જે મારી સહેલી ક્રિશ્નાના લગ્નનો ફોટો હતો. ૧૯૬૯માં ક્રિશ્નાના લગ્ન થયાં હતાં
એક ફોટાએ કેટલાય સંસ્મરણોનો જુવાળ મનમાં જગવી દીધો. ક્રિશ્નાને હું એક સ્કુલમાં ભણતા. એ મારાથી એક વરસ આગળ પણ પાર્લામાં અમે સામસામેના બિલ્ડીંગમાં રહેતાં એટલે સહિયરપણું સહજ હતું. સાથે સ્કૂલે જઈએ, એકબીજાને ત્યાં પરીક્ષા વખતે વાંચવા રાત રોકાઈએ એવી તો કેટલીય યાદોથી મારું બાળપણ અને મુગ્ધાવસ્થા સભર છે.
શાળાના એ દિવસો એ મસ્તી એ સહિયરપણું આજ સુધી અકબંધ રહ્યું છે. જોવાની ખૂબી એ છે કે ક્રિશ્નાના લગ્નમાં અમે ચારે બહેનપણીઓ હાજર હતી જે સ્કૂલમાં એક જ ક્લાસમાં અગિયારમાં ધોરણ સુધી હતી. હું, વર્ષા, મીના અને દિપ્તી.
{ફોટામાં ક્રિશ્નાની બાજુમાં હું અને છેલ્લે દિપ્તી છે. નરેંદ્રભાઈની બાજુમાં વર્ષા અને છેલ્લે મીના છે.}
ક્રિષ્નાના લગ્ન થયા ત્યારે અમે હજી કોલેજમાં હતા અને ક્રિષ્ના લગ્ન કરી અમેરિકા પહોંચી ગઈ. થોડો વખત એના ભાઈ બહેન પાસેથી ક્રિશ્નાના સમાચાર મળતા રહ્યાં, પણ પછી તો અમે ચારે પણ પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા.સહુ લગ્ન કરી જુદા જુદા શહેરમાં ગોઠવાઈ ગયા. વર્ષા, મીના અમેરિકા આવી ગયા, હું મુંબઈ અને દિપ્તી તો છેક નેપાળ પહોંચી ગઈ.
અમારા ચારની મૈત્રી તો પણ જળવાઈ રહી, પણ ક્રિશ્ના સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો. એના સમાચાર મળતા રહેતા કારણ વર્ષા અને મીના જ્યારે ભારત આવે તો મળવાનુ થતું.
૨૦૦૦ની સાલમાં મારે પણ અમેરિકા કાયમ માટે જવાનું થયું. વર્ષા પાસેથી ક્રિશ્નાનો ફોન નંબર મળ્યો અને એકાદ બે વખત વાત થઈ. હું હ્યુસ્ટન એ કેલિફોર્નીઆ. સંપર્ક ધીરેધીરે ઓછો થતો ગયો.
અમેરિકી વ્યસ્ત જીવનમાં મિત્રતા પર જાણે એક પડદો પડી ગયો. અચાનક ૨૦૦૯ની એક સવારે ક્રિશ્નાનો ફોન આવ્યો. “શૈલા, ત્રણેક મહિના પછી હું હ્યુસ્ટન અમારા મિત્રના દીકરાના લગ્નમાં આવવાની છું તો આપણે જરૂર મળીશું. હું તને સમય અને તારીખ જણાવીશ.”
ત્રણ મહિના થવા આવ્યા, ક્રિશ્નાનો ફોન નહિ, કોઈ સમાચાર નહિ; મને પણ થયું કદાચ ક્રિષ્નાને સમય નહિ મળ્યો હોય, લગ્નમાં આવીને જતી રહી હશે. અમેરિકામાં વસતા ભારતીય લોકો પોતાના બાળકોના લગ્ન કદાચ ભારત કરતાં પણ વધુ ધામધૂમથી ઉજવતા હોય છે અને પાછું બધું સમયસર થતું હોય એટલે કદાચ ક્રિશ્નાને સમય નહિ મળ્યો હોય એમ મન મનાવી હું વાત ભુલી ગઈ પણ ક્રિષ્ના નહોતી ભુલી.
શનિવારની સવાર એટલે આરામથી ઊઠી હજી હું મારી કોફીનો આનંદ માણી રહી હતી અને ફોનની ઘંટડી રણકી. ક્રિષ્નાનો ફોન હતો, “શૈલા હું હ્યુસ્ટનમાં છું, સોરી સોરી આગળથી જાણ ના કરી શકી પણ આજે હું એક વાગ્યા સુધી ફ્રી છું. અમારે જાન લઈ બે વાગ્યે નીકળવાનું છે અને અમે આ હોટલમાં છીએ. તને મળવા આવવાનુ ફાવશે?”
હું એકદમ ઊભી થઈ ગઈ, નસીબજોગે એની હોટલ મારા ઘરથી લગભગ અર્ધા કલાકના અંતરે હતી. હમણા કલાકમાં આવું છું કહી અમે ફટાફટ તૈયાર થઈ નીકળી પડ્યા.
૧૯૬૯માં ક્રિશ્નાના લગ્ન થયા પછી ૨૦૦૯ લગભગ ચાલીસ વર્ષે હું ક્રિષ્નાને જોતી હતી. જેવી હું એના રુમમાં ગઈ અને અમે એકબીજાને ભેટી પડ્યા. ચાલીસ વર્ષનુ અંતર ખરી પડ્યું. અમારી યાદોને વાતોનો અસ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો અને નરેંદ્રભાઈને પ્રશાંત એના મૂક સાક્ષી બની રહ્યા. બે કલાક ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી. ક્રિશ્નાને તૈયાર થવાનુ હતું એટલે અમે ઘરે જવા નીકળ્યા પણ ક્રિશ્નાના એ મિત્રોએ અમને જમ્યા વગર જવા ના દીધા. એ મારવાડી કુટુંબનુ આગ્રહભર્યું નિમંત્રણ અને દાલ બાટીનું ભોજન જમી અમે ઘરે પહોંચ્યા.
ફરી પાછું થોડા વખતમાં અમે અમારી જિંદગીમાં મશગુલ થઈ ગયા. નંબર મારા મોબાઈલમાંથી ખબર નહિ પણ જતો રહ્યો અને પાછો લાંબો સમય વીતી ગયો.
દિપ્તી અને હું નિયમિત વાતો કરતાં અને પાછો વર્ષા મીનાનો સંપર્ક થયો, અને અમે એક વોટ્સેપ વીડયો ગ્રુપ બનાવ્યું.વોટ્સેપનું અમારું વીડિયો ગ્રુપ જેમાં અમારા ચાર સાથે અરુણા પણ જોડાઈ અને અમે નિયમિત મહિનામાં એકવાર વીડિયો કોલ પર વાતો કરવા માંડ્યા. સ્કૂલની વાતો, બીજા મિત્રોની વાતો, સ્કૂલનાં મસ્તી તોફાનોની વાતો કલાક બે કલાક ક્યાં પસાર થાય એની ખબર પણ ના રહે, અને ફરી વર્ષાની મહેરબાનીથી ક્રિશ્નાનો સંપર્ક થયો અને મૈત્રીના તાર પાછા જોડાઈ ગયા.
ક્રિશ્ના સાથે પાછા જાણે કદી છુટા પડ્યા જ નથી એમ યાદોના તાર સંધાઈ ગયા. જ્યારે એને એના લગ્નનો ફોટો મોકલ્યો તો કેટલાય સંસ્મરણો જાગી ઉઠ્યા અને આ લેખ લખાઈ ગયો.
લોકો આજની ટેક્નોલોજી વખાણે કે વખોડે પણ મારા માટે એ આશીર્વાદરુપ છે, જેના કારણે આજે મારા ફોનના ટેરવે હું મારા મિત્રોના સંપર્કમાં છું, ભૌગોલિક અંતર ગાયબ થઈ ગયું છે. મન થાય ત્યારે એકબીજા સાથે વાત થાય એકબીજાને રુબરુ જોવાય.
આ ઉંમરે જ્યારે સંતાનો પોતાના જીવનમાં વ્યસ્ત હોય ત્યારે મિત્રોનો સાથ અને એ યાદો જીવન જીવવા જેવું બનાવે છે એ મારો જ નહિ સહુ મિત્રોનો અભિપ્રાય છે. આ મૈત્રી સદાય આમ જ મઘમઘતી રહે.
મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી!રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી!મળ્યા ન મળ્યા રોજ, રહ્યા આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો એ દિલની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!(સહુ મિત્રોને સમર્પિત આ કાવ્ય}
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
