વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મહેન્દ્ર શાહનાં ઓગસ્ટ ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s creations of month of August 2025

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના ફૂંક વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો

    સંકલનઃ અશોક વૈષ્ણવ

    આર ડી બર્મનના ત્રણ સંગીત સહાયકો પોતપોતાનાં વાદ્યો વગાડવાની બાબતે બહુ જ નિપુણ હતા. મારૂતી (રાવ કીર) તાલવાદ્યોના, બાસુ (ચક્રવર્તી) ચેલોના અને મહોહરી (સિંગ) વાંસળી અને સેક્ષોફોન જેવાં ફૂંકવાદ્યોના નિષ્ણત હતા. જોકે તેને કારણે આર ડી બર્મનનાં ગીતોની વાદ્યસજ્જામાં આ વાદ્યોનું જ પ્રાધાન્ય હતું એવું તો નહોતું જ. આર ડી બર્મન અને તેના આ ત્રણેય સહાયકોએ બીજાં અનેક  વાદ્યો અને વાદ્ય વાદકોને તેમનાં સંગીતની વાદ્યસજ્જામાં બહુ જ કલ્પનાશીલ રીતે ઉપયોગમાં લીધા છે. આર ડી બર્મનના વાદ્યસજ્જાના ધ્યાનાકર્ષક પ્રયોગોની આ શ્રેણી અંગે જેમ જેમ મારી શોંધમાં હું ઊંડો ઉતરતો ગયો તેમ તેમ આવા અનેક નામી અનામી વાદ્યો અને વાદકોનાં યોગદાનો ધ્યાન પર આવતાં ગયાં.

    આ શ્રેણીના પહેલા બે લેખ – તાલ વાદ્યો અને તંતુ વાદ્યોના પ્રયોગો – માટે આર ડીની ટીમના એ વાદ્યના સહાયકને કેન્દ્રમાં રાખીને લેખની રજૂઆત હવે આ ત્રીજા લેખમાં અપ્રસ્તુત જણાય છે એવું કહી શકાય. પરંતુ શ્રેણીના પહેલા બે મણકાની સંરચના માટે જે સંગીત સહાયકની વાદ્ય નિપુણતાને પૂર્વધારણાને પાયારૂપ ગણી છે તેને જાળવી રાખવી એ દસ્તાવેજીકરણનાં સાતત્ય માટે જરૂરી જણાય છે. તેથી આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના ફૂંક વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો ના મણકાની રજૂઆત આર ડી બર્મનના સંગીત સહાયકો પૈકી ત્રીજા અને ફૂંક વાદ્ય (સેક્ષોફોન) નિષ્ણાત મનોહરી સિંગને કેન્દ્રમાં રાખીને કરી છે.

    ટેનોર સેક્ષોફોન, ટ્ર્મ્પેટ, વાંસળી, વ્હીસલીંગ, હાર્મોનિકા જેવાં ફૂંક વાદ્યોના પ્રયોગોનાં વૈવિધ્યનાં પ્રતિનિધિરૂપ ઉદાહરણ તરીકે પતિ પત્ની (૧૯૬૬)નાં ટાઈટલ સંગીતને સાંભળીએ. ટેનોર સેક્ષોફોન અને ટ્રમ્પેટ તો આ આખા સંગીતના પાયામાં છે.  તેમાં ફ્લ્યુટ (૦.૩૪ થી ૦.૩૮, ૨.૦૨ થી ૨.૦૪, ૨.૨૨ થી ૨.૩૦), વ્હિસલીંગ (૦.૪૯ થી ૦.૫૧) અને હાર્મોનિકા (૧.૨૮ થી ૧.૪૩) પોતાની અભિનવ હાજરી નોંધાવે છે.

    મનોહરી સિંગની (ઈંગ્લિશ) ફ્લ્યુટ પરની નિપુણતા તેમની સેક્ષોફોન વાદક તરીકેની ખ્યાતિ હેઠળ ઢંકાઈ ગઈ છે. એટલે, અન્ય ફૂંક વાદ્યોના પ્રયોગો તરફ વળતાં પહેલાં (ઈંગ્લિશ) ફ્લ્યુટના કેટલાક પ્રયોગોથી શરૂઆત કરીએ

    [નોંધઃ સંગીત વાદ્યોની મારી નગણ્ય કહી શકાય એવી ઓળખની મારી મર્યાદાને કારણે અહીં બધે મે (ઈંગ્લિશ) ફ્લ્યુટ એ શબ્દપ્રયોગ વાપરેલ છે, કેમકે હું જે કંઈ માહિતી મેળવી શક્યો છું તેમાં મનોહરી સિંગ (ઈંગ્લિશ) ફ્લ્યુટ વગાડે છે એવું મારૂં માનવું છે.]

    આજા આજા મૈં હું પ્યાર તેરા –  તીસરી મંઝિલ (૧૯૬૬)

    બાસ ગિટાર અને ડ્ર્મ્સનાં પ્રાધાન્ય માટે ખ્યાત ગીતમાં, ફ્લ્યુટના સુર (૧.૫૮ – ૨.૦૭ વગેરે) તેમની હાજરી હળવેકથી નોંધાવે છે.

    આઓ ગલે લગાઓ ના  – મેરે જીવન સાથી (૧૯૭૨)

    પંચમ સુરના પ્રયોગ સાથેની ક્લબ ગીતોના પ્રકારની આર ડીની આગવી શૈલીના આદર્શ નમુના સ્વરૂપ આ ધુનમાં પણ ફ્લ્યુટના માર્દવપૂર્ણ સુર (૧.૧૮ – ૧.૩૧ વગેરે) ગીતનાં સંમોહક વાતવારણમાં પોતાનું યોગદાન જમાવે છે.

    સાવન કે ઝૂલે પડે – કરૂણ ભાવનું વર્ઝન – જુર્માના (૧૯૭૯)

    આમ તો ગીતનાં સંગીતમાં સિતાર અને વાયોલિન પ્રમુખ વાદ્યોના સ્થાને છે. પરંતુ ૨.૧૬થી ૨.૩૨ દરમ્યાન એકથી વધારે ફ્લ્યુટનો પ્રયોગ કર્ણ ભાવને વધારે ઘેરો બનાવે છે.

    મ્હોહરી સિંગ વ્હિસલીંગ માં પણ માહિર હતા તે આપણામાંથી બહુ ઓછાં શ્રોતાઓને જાણ હશે. શોલે (૧૯૭૩)નાં ટાઈટલ સંગીતમાં બીજાં બધાં વાદ્યોની સાથે આર ડી બર્મને મનોહરી સિંગની વ્હિસલીંગનો પણ (૨.૦૯ થી ૨.૨૪) બહુ અભિનવ પ્રયોગ કર્યો છે.

    યે શામ મસ્તાની – કટી પતંગ (૧૯૭૧)

    શોલે (૧૯૭૩) પહેલાં આર ડીએ મનોહરી સિંગની વ્હિસલીંગ નિપુણતાને આ ગીતનાં પૂર્વાલાપમાં (૦.૦૫ – ૦.૧૨ અને ૦.૧૭-૦.૧૯)ને દેખીતી રીતે પરંપરાગત સ્થાને પ્રયોજી લીધેલ હતી.

    https://youtu.be/lbfWsIpXsCA?si=cBUtcsQmZ1I5dADy

    હવે આર ડી બર્મનનાં ગીતોમાં સેક્ષોફોનના કેટલાક રસપ્રદ પ્રયોગો જોઈએ.

    હસીના ઝુલ્ફોંવાલી – તીસરી મંઝિલ (૧૯૬૬)

    અલ્ટો સેક્ષોફોનનો એક જ ટુકડો (૧.૪૬ – ૧.૪૭) મનોહરી સિંગની સેક્ષોફોનની દક્ષતા અને પ્રયોગશીલતા માટે કેટલું બધું કહી જાય છે !

    મહેબૂબા મહેબૂબા – શોલે (૧૯૭૩)

    બાસ ગિટારના રણકતા સુર અને ત્યાં હાજર અન્ય પ્રેક્ષકો દ્વારા પગથી અપાતા તાલની રંગતમાં ટેનોર સેક્ષોફોનના સુર (૦.૨૫ – ૦.૨૭) ભળી જઈને આર ડી બર્મના ઘેરા સુરમાં ગીતના ઉપાડ માટે આમંત્રણ આપે છે. તે પછીથી યુ ટ્યુબ પરની અન્ય લાઈવ પ્રોગ્રામોની ક્લિપ્સમાં બીજા નિષ્ણાતો જણાવે છે તેમ) અંતરાના સંગીતમાં મનોહરી સિંગે ટેનોર સેક્ષોફોનના સુરને એવા  ભાવપૂર્વક રેલાવ્યા છે કે દિગ્દર્શકે ગીતનાં ચિત્રાંકનને લોંગ શૉટમાં લઈ જઈને તેનો ભાવ ઝીલ્યો છે. .

    આર ડી બર્મને પરંપરાગત પરિભાષામાં સંગીતવાદ્યોના ન હોય એવી વસ્તુઓના પ્રયોગો પણ કર્યા છે. પ્રસ્તુત ગીતમાં, ૦.૦૫ સુધી, બીયરની બોટલનાં મોં પાસે બાસુ ચક્રવર્તી ફુંક મારીને નવો જ પ્રયોગ કરે છે. 

    https://youtu.be/AgkfoRWOnoc?si=r9JoZYt1cmOWtlu4

    રાહ પે રહતે હૈં – નમકીન (૧૯૮૨)

    આમ તો ગીત આર ડીના પંચમ તાલ પર ગિટાર અને વાયોલિનના સુર પર ચાલતું રહે છે. બીજા અંતરા દરમ્યાન વાતાવરણ વરસાદી વાદળોથી છવાયેલું બની જાય છે. અહીં પણ વાતાવરણને અનુરૂપ ભાવ ફ્લ્યુટના સુરમાં મળવા લાગે છે. વરસાદ અટકે છે અને ત્રીજા અંતરા પહેલાંનાં સંગીતમાં સ્થાનિક લોકો પોતાની લોક શૈલીમાં ગાતાં જોવા મળે છે. પછી ટ્રક ફરી એક વાર પર્વતીય રસ્તા પર વળાંક લે છે. અને ફિલ્માઅંક્ન લોંગ શોટમાં જતું રહે છે. એ સમયે વાદ્યસજાનો દોર ( શ્યામ રાજ દ્વારા વગાડાયેલ હોવાનું જાણવા મળેલ છે એવા) ટેનોર સેક્ષોફોનના સુર લઈ લે છે.

    હિંદી ફિલ્મ સંગીતમાં ટ્ર્મ્પેટનું સ્થાન બહુ પહેલેથી રહ્યું છે. યુ ટ્યુબ પર જોઈશું તો આર ડી બર્મનનાં કેટલાંય ગીતોને આર ડીની ટીમના ટ્ર્મ્પેટ નિષ્ણાત કિશોર સોઢાએ લાઈવ કાર્યક્રમોમાં રજૂ કરાયેલાં જોવા મળશે. અહીં ટ્રમ્પેટના પ્રયોગોમાં જે પ્રયોગશીલતા જોવા મળતી હોય તેવાં કેટલાંક ઉદાહરણો પ્રસ્તુત કરેલ છે.

    શાલીમાર (૧૯૭૮)નાં ટાઈટલ મ્યુઝિકની અરૅન્જમેન્ટ કેરસી લોર્ડે કરેલ હતી. તેમાં પણ ૦.૩૦ થી ૦.૩૫ દરમ્યાન ટ્રમ્પેટના ટુકડાઓ સાંભળવા મળે છે. ૦.૫૭થી ૧.૧૬ અને પછી ૧.૧૪૩થી ૨.૨૭ સુધી તો ટ્રમ્પેટ કાઉન્ટર મેલોડીમાં આગેવાની લઈ લે છે.

    હંસીની મેરી હંસીની – ઝેહરીલા ઈન્સાન (૧૯૭૪)

    ગીતનો ઉપાડ યોડેલીંગ પ્રકારના આલાપથી થાય છે જે ૦.૫૧ થી ૧.૦૧ સુધી ટ્રમ્પેટના સુરમાં પરિવર્તિત થઈને ૧.૦૫ એ હળવા સુરમાં વિરમે છે.  પહેલા અંતરાના મધ્ય સંગીતમાં ૧.૫૦થી ૨.૦૮ દર્મ્યાન ટ્રમ્પેટના સુર ટેકરીના ઢૉળાવ  સાથે સંગત કરે છે. બીજા અંતરાનાં મધ્ય સંગીતમાં ૩.૧૨ થી ૩.૧૭ દરમ્યાન ગિટારના હળવા સુરની સાથે કાઉન્ટર મેલોડી સંગત કરતાં કરતાં વાયોલિનના સુરમાં ભળી જાય છે. એ પછીના અંતરાના મધ્ય સંગીતમાં, ૪.૨૦થી ૪.૩૮, ધીમે ધીમે ઊંચા સ્વરમાં જતાં ટ્રમ્પેટના સુર ખુલ્લાં મેદાનને ભરી દેતા લાગે છે.

    https://youtu.be/Zw8ocQ6c7A8?si=Uewjf8y862rOyI48

    રિમઝિમ ગીરે સાવન – સ્ત્રી અવાજમાં – મંઝિલ (૧૯૭૯)

    દેખીતી રીતે પુરુષ અવાજનાં વર્ઝનમાં ટ્રમ્પેટ ક્યાંય ્સાંભળવા નથી મળતું, પણ કિશોર સોઢાએ એવી ખુબીથી લાઈવ પ્રોગ્રામમાં ટ્રમ્પેટ પર રજૂ કર્યું છે જાણે ગીત ટ્રમ્પેટમાટે જ સર્જાયું હોય. આ વાતની સાહેદી પુરાતી હોય એમ ગીતના સ્ત્રી અવાજનાં સંસ્કરણમાં બહુ જ ધ્યાનથી સાંભળવા પડે એવા ૧.૦૪-૧.૦૬, ૧.૧ -૧.૧૪ અને ૧.૩૩-૧.૩૫ના ટુકડાઓ ખરેખર દાદ માગી લે છે.

    મોંની ફૂકથી વાગતાં વાદ્યોની સાથે ધમણની ફૂંકથી વાગતાં પિયાનો એકોર્ડિયનનું પણ હિંદી ફિલ્મોનાં ગીતોમાં આગવું સ્થાન હતું, શંકર જયકિશન જેવા તથા કથિત આગલી પેઢીના સંગીતકારોએ તો પિયાનો એકોર્ડીયનનો ભરપુર ઉપયોગ પણ કર્યો અને અવનવા પ્રયોગો પણ અસરકારક રીતે અજમવાયા હતા. આર ડી બર્મનનાં ગીતોમાં અગર સાઝ છેડા તો તરાને બનેંગે (જવાની દિવાની, ૧૯૭૨) જેવા પિયાનો એકોર્ડિયન પ્રાધાન્ય ગીતો કદાચ બહુ સાંભળવા નથી મળતાં.  તેમ છતાં, પિયાનો એકોર્ડિયનના કેટલાક અભિનવ પ્રયોગો એવા પણ છે કે જેમની તો નોંધ લેવી જ પડે.

    શાલીમાર (૧૯૮૧)નાં પાર્શ્વ સંગીતની રચના અને વાદ્યવુંદ બાંધણીની ગોઠવણી કેર્સી લોર્ડે કરી હતી. તેના એક ટુકડામાં (૨.૨૯ – ૨.૫૧) પિયાનો એકોર્ડિયનના સુર સાંભળવા મળે છે. આખાં સંગીતમાં પિયાનો એકોર્ડિયન સાંભળવા મળે એ તો લ્હાવો છે જ. પરંતુ વધારે નોંધપાત્ર બાબત એ છે કે એ પિયાનો એકોર્ડિયન હોમી મુલ્લાંએ વગાડેલ છે. કલકત્તાના શરૂઆતના દિવસોમાં હોમીમુલ્લાં પિયાનો એકોર્ડીયન (પણ) વગાડતા. પરંતુ મુંબઈ આવ્યા પછી હોમી મુલ્લાંએ તેમનું ધ્યાન ‘અન્ય ગૌણ’ તાલ વાદ્યો પર જ કેન્દ્રિત કર્યું હતું (Remembering Pancham – I). અહીં જે ક્લિપ મુકી છે તેમાં આ વાત હોમી મુલ્લાં અને કેર્સી અને બરજોર લોર્ડ સાથેના સંવાદમાં જોવા મળે છે.

    તુમ કો લગા મિલ કે – પરિંદા (૧૯૮૯)

    આ ગીતમાં મુખ્ય વાદ્ય પિયાનો છે. તેની સાથે (સુરજ સાઠેએ વગાડેલ) પિયાનો એકોર્ડીયનની ૧.૨૨ થી ૧.૨૯ દરમ્યાનની હાજરી વાદ્ય સંગીતને અનોખું પરિમાણ બક્ષે છે.

    છોટી સી કહાની – ઇજાઝત (૧૯૮૨)

    પૂર્વાલાપમાં (૦.૧૨ થી ૦.૨૪) ઝરણાના ખળખળાટના રૂપમાં જોડાય છે અને પછી મુખ્ય પ્રવાહના તાન ટુકડામાં ભળી જાય છે. આવો જ પ્રયોગ ૦.૫૯ – ૧.૦૬ અને ૨.૨૨ – ૨.૨૭ પર પણ સાંભળવા મળે છે. ૧.૪૪ અને ૧.૪૬ પરના નાના નાના ટુકડા તો કમાલ જ છે !

    આર ડી બર્મને પોતાના બલબુતા પર સ્વતંત્ર રીતે એસ ડી બર્મનનાં સંગીતમાં આપેલું સર્વ પ્રથમ યોગદાન હૈ અપના દિલ તો આવારા (સોલહવાં સાલ, ૧૯૫૮)માં વગાડેલ હામોનિકા છે. તે પછી જ્યારે, સ્વતંત્ર સંગીતકારો તરીકે, તેઓ અને લક્ષ્મીકાંત પ્યારેલાલ હજુ પોતાનું સ્થાન જમાવવા માટે લડી રહ્યા હતા, ત્યારે આર ડી એ જાનેવાલો જરા મુડકે દેખો મુઝે (દોસ્તી, ૧૯૬૪)માં દોસ્તીના દાવે વગાડેલ હાર્મોનિકાનો કિસ્સો પણ હવે તો દંતકથા જેટલો ખ્યા બની ગયો છે. એટલે, આર ડી બર્મનના ફૂંક વાદ્યોના પ્રયોગનોના લેખ હાર્મોનિકાના ઉલ્લેખ વગર કદાચ અક્ષમ્ય જ ગણાય.

    આર ડી બર્મનનાં પોતાનાં સંગીતમાં હાર્મોનિકાનો કદાચ સૌથી વધારે જાણીતો પ્રયોગ શોલે ૧૯૭૩માં લવ થીમ તરીકે ઓળખાતો ટુકડો છે. રાધાની ચુપચાપ સહન થઈ રહેલી વ્યથાને જય દ્વારા સંબોધાતા સ્વગત સંવાદ તરીકે તે ફિલ્મમાં રજૂ કરાયેલ છે.

    નીચેની ક્લિપમાં જણાવ્યા પ્રમાણે આ ટુકડાની બાંધણી બાસુ ચક્રવર્તીએ કરી હતી અને હાર્મોનિકા ભાનુ ગુપ્તાએ વગાડેલ.

    આર ડીનાં સંગીતમાં હાર્મોનિકાનાં સ્થાનનું મહત્વ સમજવા માટે, તેમની કારકિર્દીની શરૂઆતથી દરેક દાયકાની એક એક ફિલ્મનાં પ્રતિનિધિ ગીતને પસંદ કરેલ છે.

    આજ હુ મેરા દિલ મતવાલા – છોટે નવાબ (૧૯૬૧)

    મહેમૂદને પરદા પર, બકાયદા, યાદ રાખી રાખીને ખિસ્સામાંથી હાર્મોનિકા કાઢીને વગાડતો બતાવાયો છે. ૧.૦૮ થી ૧.૧૪ અને ૨.૧૧ થી ૨.૧૭ એમ બન્ને ટુકડાઓ ખુબ માર્દવથી રજૂ કરાયા છે.

    આજ ઉનસે મુલાક઼ાત હોગી  – પરાયા ધન (૧૯૭૧)

    પૂર્વાલાપનો ઉપાડ ફ્લ્યુટથી થાય છે જેને ૦.૧૭ થી ૦.૨૩ દરમ્યાન હાર્મોનિકા બહુ અદ્‍ભૂત કાઉન્ટર મેલોડી સંગાથ કરે છે. ૨.૩૨થી ૨.૫૦ દરમ્યાન હાર્મોનિકા વગાડવાની બહુ જાણીતી શૈલીઓ પૈકી એકને પ્રયોજેલ છે.

    દુક્કી પે દુક્કી – સત્તે પે સત્તા (૧૯૮૧)

    અહીં પણ ૦.૩૦ થી ૦.૩૬ વગેરે જગ્યાએ જગ્યાએ સચીનને જ પરદા પર હાર્મોનિકા વગાડતો બતાવાયો છે.

    ક્યા બુરા હૈ – લિબાસ (રજૂ નથી થયેલ)

    એકદમ મસ્તીભરી ધુનને અનુરૂપ જ હાર્મોનિકા પણ ૧૮.૩૨ થી ૧૮.૪૪ દરમ્યાન પોતાની હાજરી પૂરાવે છે.

    ફૂંક વાદ્યોના હજુ પણ ઘણા અભિનવ પ્રયોગો અહીં નહી આવરી લેવાયા હોય એ પૂરેપુરી સમજ સાથે આજના આ મણકો અહીં પુરો કરીશું.

    હવે પછી, આ શ્રેણીના છેલ્લા મણકામાં આર ડી બર્મનનાં વાદ્યવૃંદના ધ્યાનાકર્ષક પ્રયોગોમાં સ્વરતંતુઓના પ્રયોગોની વાત કરીશું.

     +                                       +                                       +

    Credits and Disclaimers:

    1. The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
    2. The photograph is taken from the internet, duly recognizing the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.
  • પ્રગતિ શ્રેષ્ઠ સમય આવવાની રાહ નથી જોતી

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    શ્રેષ્ઠ સમય

    સોમવારે
    કે સવારે ૬ વાગ્યે
    કે પછી જ્યારે અરાજકતા શાંત પડે છે,

    ત્યારે શરૂ થતો નથી

    જ્યારે તમે તમારી જાત સાથે જૂઠું

    કે તમે કાલે તે કરશો.

    કે પરિસ્થિતિઓ યોગ્ય હોવી જોઈએ.

    કે તમે હજી તૈયાર નથી.

            બોલવાનું બંધ કરો છો, તે ક્ષણથી જ તે શરૂ થાય છે.

    સૌથી મોટી સફળતા બાહ્ય પરિવર્તનથી આવતી નથી.

    તે આંતરિક પ્રામાણિકતાથી આવે છે.

    → વિલંબ કર્યા પછી વાટાઘાટો કરવાનું બંધ કરીએ.

    → જે સાચું છે ત્યાંથી જ શરૂ કરીએ.

    બહાનાબાજી પુરી થાય એટલે બહેતર સમયની શરૂઆત થાય.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • અસ્વસ્થતા દૂર કરવાના બે ઉપાયો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    જ્યારે આપણે કોઈ અનિશ્ચિત પરિણામ વિશે અસ્વસ્થ હોઈએ છીએ (અથવા તે થાય તે પહેલાં આપણી નિષ્ફળતાનો ખ્યાલ આવી જાય છે) ત્યારે આપણે જે ચિંતા અનુભવીએ છીએ ત્યારે આપણને ખૂબ જ નિષ્ક્રિયતા અનુભવાઈ શકે છે.  આપણે તેનો સામનો એટલી હદે જ કરીએ છીએ કે જેટલો આપણે આપણી વાત પર, કે પ્રયત્ન પર, ભરોસો હોય.  જ્યારે આપણે બચાવ કરવા ધ્યાન કેન્દ્રિત કરતાં હોઈએ છીએ, કે ચિંતાને મનથી દૂર કરવા, કે અન્ય કોઈ પણ ઓછામાં ઓછા પ્રતિકારના માર્ગ પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણે ભાગ્યે જ કંઈ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કે વિચાર શકીએ છીએ.

    બીજા પ્રકારની ચિંતા છે જે કંઈક કરવાની આપણી ઉત્સુકતામાંથી પેદા થાય છે. અહીં પણ આશંકાનું તત્વ બહુ પ્રભાવકારી હોય છે જેના કારણે તે એક પ્રકારનો ઉચાટ પેદા કરે છે. પરંતુ અહીં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અપેક્ષા કે પરિણામનો માપદંડ વધારીને, સંદર્ભનો દૃષ્ટિકોણ બદલીને અને નવી સીમાઓનું ખોળીને ચિંતાને હરાવવા પર.

    જો આપણે કંઈ પણ અર્થપૂર્ણ કરવા માટે તૈયાર છીએ, તો ચિંતા એ ખેલનો એક અનિવાર્ય ભાગ છે. તેને સ્વીકારી લઈ. જો સ્વીકારી શકીશું તો ધાર્યું ધ્યેય સિદ્ધ કરી શકાશે. ચિંતાને ઘેરી વળવા દઈશું તો તે આપણને અટકાવી પાડશે.

    પહેલેથી જ નિષ્ફળતાનો ડર હોવું અ બહુ માનવ સહજ છે. આપણો તેના પરનો પ્રતિભાવ આપણી તાકાતને મર્યાદિત કે આપણી શક્તિઓને સર્જનાત્મક બનાવે છે. હકીકતમાં, ઇતિહાસ ગવાહ છે કે ચિંતા વિના ક્યારેય કોઈ અર્થપૂર્ણ સર્જન થયું નથી.

    જેમ હેનરી વોર્ડ બીચરે ખૂબ જ યોગ્ય રીતે કહ્યું છે કે,

    “દરેક આવતીકાલના બે હાથ હોય છે. ચિંતાના હાથથી પકડવું કે શ્રદ્ધાના હાથથી પકડવું તે આપણો નિર્ણય છે.”

    તો, અગ્રણીઓ માટે આનો અર્થ શું છે?

    જો તમે કોઈપણ સ્તરે અગ્રણી છો, તો ચિંતા (તમારી પોતાની અથવા તમારી ટીમની આશંકા) પ્રત્યે તમારો પ્રતિભાવ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી ટીમ ફક્ત ત્યારે જ વધુ સારું કરી શકે છે જ્યારે તેમને ડરને સ્વીકારવા અને તેનાથી આગળની શક્યતાઓ જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • દોરડામાં સાપને જોવો સત્તાપક્ષની પ્રકૃતિ હોય છે કે નિયતિ?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    એક-બે નહીં, પચીસ પુસ્તકોને પ્રતિબંધિત કરાયાં છે. અગાઉ જમ્મુ અને કાશ્મીરને કેન્‍દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયા પછી અહીંના ગૃહ વિભાગ તરફથી ૫ ઓગષ્ટે આ મુજબનો એક આદેશ બહાર પાડ્યો છે. કાશ્મીર અંગે લખાયેલાં આ પચીસ પુસ્તકો પર કાશ્મીરના યુવાઓને ‘ગેરમાર્ગે દોરવાનો અને તેમને ‘હિંસા તેમજ ત્રાસવાદમાં ભાગ લેવા માટે ભડકાવવાનો’ આક્ષેપ છે. સરકારી આદેશ અનુસાર: ‘આ સાહિત્ય ફરિયાદ, ભોગ બનવાને અને ત્રાસવાદને વીરતા માનવાની યુવાઓની માનસિકતા પર ઘેરી અસર કરશે.’ આ પુસ્તકોના લેખકોમાં અરુંધતી રોય, એ.જી.નૂરાની, ક્રિસ્ટોફર સેડન, હાફ્સા કંજવાલ, અનુરાધા ભસીન, ડેવિડ દેવદાસ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાનો, પત્રકારોનો સમાવેશ થાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આ પ્રતિબંધ કેટલો વાજબી છે કે કેમ એની વાતને બદલે પ્રતિબંધ પાછળની માનસિકતાની વાત કરવા જેવી છે, કેમ કે, પુસ્તકો પર આપણા દેશમાં મૂકાયેલો આ પહેલવહેલો પ્રતિબંધ નથી. અગાઉની સરકારોએ પણ આ શસ્ત્રનો ઉપયોગ કરેલો છે. પુસ્તકો યા ફિલ્મ જેવા સાંસ્કૃતિક માધ્યમ પર પ્રતિબંધ મૂકવાનું વલણ અસલમાં અંગ્રેજ સરકાર દ્વારા આરંભાયેલું. કારણ બહુ સ્વાભાવિક છે. તેઓ વિદેશથી અહીં કેવળ રાજ કરવા આવેલા. રાજની વિરુદ્ધમાં જઈ શકે, એવી લાગણી ભડકાવી શકે એવી નાનામાં નાની ગતિવિધિ તેમની જાણબહાર હોય એ તેમને પોસાય નહીં. આથી તેઓ દૂધના દાઝ્યા ન હોવા છતાં છાશ ફૂંકી ફૂંકીને પીવાનું વલણ ધરાવતા હતા. એકાદ બે ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ થશે.

    મોહનદાસ ગાંધી હજી ‘ગાંધીજી’ નહોતા બન્યા એવે સમયે તેમણે એક પુસ્તક લખેલું. ‘હિંદસ્વરાજ’ નામના આ પુસ્તકમાં ગાંધીજીએ જાણે કે સ્વાધીન હિન્દુસ્તાનનો નકશો કંડાર્યો હતો. 1910માં પ્રકાશિત આ પુસ્તક પર અંગ્રેજી સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાયો, કેમ કે, તેમને આ પુસ્તક રાજવિરોધી જણાયું.

    વધુ એક ઘટના. હજી ફિલ્મઉદ્યોગ ભારતમાં પા પા પગલી માંડી રહ્યો હતો. એવે સમયે દ્વારકાદાસ સંપટ દ્વારા નિર્મિત અને અભિનિત ફિલ્મ ‘ભક્ત વિદુર’ની રજૂઆત ૧૯૨૧માં થઈ. મહાભારતના પાત્ર પર આધારિત પૌરાણિક કથાવસ્તુ હોવા છતાં આ ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવી, કેમ કે, તેના મુખ્ય પાત્ર ભક્ત વિદુરે ફિલ્મમાં ખાદીનો પોશાક પહેર્યો હતો. સરકારને તે ગાંધીજીએ આરંભેલી સ્વદેશી ચળવળના પ્રતીકરૂપ જણાયું અને ફિલ્મને પ્રતિબંધિત કરાઈ.

    એ જ રીતે, ૧૯૪૩માં રજૂઆત પામેલી ‘બોમ્બે ટોકિઝ’ની ફિલ્મ ‘કિસ્મત’ પણ અંગ્રેજી સરકારના રડારમાં આવી, કેમ કે, તેનું એક ગીત ‘દૂર હટો એ દુનિયાવાલોં, હિન્‍દુસ્તાન હમારા હૈ’ બહુ લોકપ્રિય બની ગયું હતું. અંગ્રેજી સરકારે ગીતના શબ્દો વિશે તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે ગીતકાર- કવિ ‘પ્રદીપે’ તેમાં અંગ્રેજોના દુશ્મન એવા જર્મન અને જાપાનીઓને ઉદ્દેશીને પંક્તિ લખેલી: ‘તુમ ન કિસી કે આગે ઝૂકના, જર્મન હો યા જાપાની.’ જો કે, તેમાં છુપાયેલો સંદેશ લોકો પામી ગયેલા, પણ દેખીતી રીતે અંગ્રેજ સરકાર એમાં કશું કરી શકે એમ નહોતી.

    આમ, અંગ્રેજ સરકારને આવી બાબતોમાં રાજદ્રોહની આશંકા જણાય તો એ કંઈક વાજબી ઠરે છે. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ‘રાજદ્રોહ’ જેવો મુદ્દો સાવ અસ્થાને બની રહે છે. આપણો દેશ લોકશાહી મૂલ્યોનો દેશ છે, જેમાં નાગરિકને બંધારણીય રીતે તમામ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. સત્તાપલટો લોકશાહીનું આવશ્યક અને અનિવાર્ય પરિમાણ છે. આમ છતાં, વખતોવખત જે તે સરકાર અંગ્રેજ શાસનકાળના આ શસ્ત્રનો ઉપયોગ કરતી આવી છે. આનો ભોગ વિવિધ ફિલ્મકારો, ચિત્રકારો, પત્રકારો, કાર્ટૂનિસ્ટો, કવિઓ કે લેખકો બનતા આવ્યા છે.

    આ સઘળાં કળાકીય અભિવ્યક્તિનાં માધ્યમો છે. તેનો એક પ્રભાવ અવશ્ય હોય છે, પણ ભારત જેવા દેશમાં તેનો એટલો પ્રભાવ ઊભો થાય કે જે સત્તાપલટો લાવવામાં કારણભૂત બની શકે એમ વિચારવું જરા વધુ પડતું છે. ઘડીભર ધારીએ કે સત્તાપલટો આવ્યો તો પણ એ છેવટે તો ચૂંટણી થકી આવશે. આપણા દેશની લોકશાહીનાં મૂલ્યોને અનુરૂપ એ પલટો અહિંસક રહેવાનો. અને જે તે સમયે સત્તાસ્થાને રહેલા કોઈ પણ પક્ષે સત્તાપરિવર્તનની નિયતિ સ્વીકારવી જ રહી.

    આની સામે એ પણ હકીકત છે કે સત્તાસ્થાને બેઠેલામાં એ સ્વીકારવા કે સમજવા જેટલી પુખ્તતા હોતી નથી, અને તે એમ જ ઈચ્છે છે કે પોતાનું શાસન સદાકાળ ટકે. બસ, આ લાલસા છેવટે ‘પ્રતિબંધ’ જેવા હથિયારના ઉપયોગ તરફ દોરી જાય છે. તેનો ખરો આશય તો એ કૃતિના સર્જકને પાઠ ભણાવવાનો કે ધોંસ જમાવવાનો હોય છે, કેમ કે, આપણા દેશની બંધારણીય લોકશાહીનાં મૂલ્યોનો પાયો એટલો તકલાદી નથી કે તે આવી કોઈ કૃતિથી ડગમગી જાય. પણ પોતાની વિરુદ્ધ કશું સર્જાય એ સત્તાપક્ષને ગમતી વાત નથી.

    કાશ્મીરમાં પ્રતિબંધિત કરાયેલાં પુસ્તકો બાબતે પણ આમ જ સમજવું. ભિન્ન મતનો આદર કરવામાં ગર્વ અનુભવવાની આપણી સંસ્કૃતિથી સાવ વિપરીત આ કૃત્ય છે. સરકારને એ બાબતનો પૂરો ખ્યાલ છે કે આ પુસ્તકોથી કાશ્મીરના યુવાનો કંઈ ગેરમાર્ગે દોરાવાના નથી. સાદા તર્કથી વિચારીએ તો અંગ્રેજીમાં લખાયેલાં આ પુસ્તકો વાંચનારા કેટલા? એ વાંચીને, એનાથી પ્રભાવિત  થઈને સરકાર સામે કોઈ કાર્યવાહી કરવામાં પ્રવૃત્ત થઈ જાય એ શક્યતા કેટલી? પણ આ પ્રતિબંધ મૂકાતાની સાથે પોલિસે પુસ્તકોની વિવિધ દુકાનોએ છાપો માર્યો અને પુસ્તકોની નકલો જપ્ત કરી. જે દેશમાં કરોડોની કિંમતનું નશીલું દ્રવ્ય ધરાવતાં આખાં ને આખાં કન્‍ટેનર છાશવારે પકડાતાં હોવાના સમાચારથી ટેવાઈ જવાય, ત્યાં પુસ્તકોની દુકાન પર છાપા મારીને પ્રતિબંધિત પુસ્તકોની નકલો જપ્ત કરાવવાનાં આવાં પગલાંનો હેતુ અગાઉ લખ્યું એમ ધોંસ જમાવવાનો જ હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે. સત્તાપક્ષ દોરડામાં સાપ જુએ તો એ એની પોતાની અસલામતિની ભાવનાનું પ્રતિબિંબ છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૦૮– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧

    આજથી સુશ્રી પ્રીતિબહેનના ગયાનાના પ્રવાસના વર્ણનની લેખમાળા શરૂ કરીએ છીએ.
    દર મહિને પહેલા અને ત્રીજા ગુરુવારે આ લેખમાળાના મણકા ક્રમશઃ પ્રકાશિત કરવાનું આયોજન છે.

    સંપાદક મંડળ, વેબ ગુર્જરી


    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    અનેક લોકો પ્રવાસે જતા હોય છે. મુખ્ય કારણ હોય છે નવા દેશો, ઐતિહાસિક સ્થાનો, કુદરતી સૌંદર્ય વગેરે જોવાની ઇચ્છા. એ સિવાય પણ, બીજી જગ્યાઓએ જનારા એવા પણ થોડા લોકો હોય છે, કે જે ક્યાંક મદદ કરવાના હેતુથી જતા હોય.

    હું પોતે બહુ વર્ષોથી દુનિયાનાં સ્થાનોમાં ફરતી ને વિચરતી આવી છું. તેથી, જ્યારે મદદ કરવા માટે ક્યાંક જવાની તક ઊભી થઈ, ત્યારે એને મેં જવા ના દીધી. જ્યારે મારા જાણવામાં આવ્યું, કે ગયાના દેશમાં ડૉક્ટરોનું એક ગ્રૂપ જઈ રહ્યું છે, ત્યારે બિન-તબીબી સ્વયંસેવક તરીકે, મેં એમાં નામ નોંધાવી લીધું.

    કદાચ કોઈને પ્રશ્ન થાય, કે તો આ ગયાના  ( Guyana) દેશ પૃથ્વી ઉપર છે ક્યાં? ખાસ્સી નવાઈ ભરેલી ઉપસ્થિતિ છે એની. સૌથી પહેલાં તો એ જાણવાનું, કે ગયાના દેશ મહાખંડ દક્ષિણ અમેરિકાના ઉત્તર કિનારા પર આવેલો છે. વળી, ગયાના દેશને ચારસો-બત્રીસ કિ.મિ. લાંબો સમુદ્ર-કિનારો મળેલો છે, પણ સહેલાણીઓને પ્રિય એવાં હલકાં મોજાંવાળો, સૂર્યસ્નાનને યોગ્ય રેતાળ કાંઠો ક્યાંય નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ગયાનાની ડાબી બાજુએ વૅનૅઝુઍલા દેશ છે, દક્શિણે બ્રાઝીલ દેશ છે, અને જમણી બાજુએ સુરિનામ દેશ છે. એક સ્પૅનિશ, બીજો પોર્તુગીઝ, અને ત્રીજો ડચ. પણ કેવી નવાઇ છે, કે ગયાનામાં આમાંની કોઈ ભાષાનો વપરાશ નથી. બલ્કે, ત્યાંની મુખ્ય ભાષા ઇંગ્લિશ છે.

    સત્તરમી-અઢારમી સદીમાં, ત્યાં ચઢી આવીને, ઓછોવત્તો સમય વસવાટ તો કરેલો સ્પૅનિશ, ડચ, ફ્રેન્ચ, પોર્તુગીઝ હકુમતોએ પણ, છતાં, છેલ્લે અમલ ઇંગ્લંડનો રહેલો, ને તેથી, ત્યાંની મુખ્ય ભાષા ઇંગ્લિશ રહી છે.

    વળી, ભૌગોલિક રીતે, ગયાના દેશ છે ઍટલાન્ટીક મહાસાગરને કિનારે, પણ એની ગણત્રી થાય છે કરીબિયન સમુદ્રમાંના, તેમજ કરીબિયન પ્રજાથી બનેલા અન્ય ટાપુ-દેશો સાથે.

    અંગ્રેજ સરકારનો અમલ કરીબિયન સમુદ્રમાંના બીજા ઘણા ટાપુઓ પર પણ રહેલો. જેમકે, ઍન્ટિગ્વા, ટ્રિનિડાડ અને ટૉબૅગો, સેન્ટ થૉમસ, સેન્ટ વિન્સન્ટ, ગ્રનેડા, બાર્બેડોસ વગેરે. તેથી, આ જળ-વિસ્તાર  ‘કૉમનવૅલ્થ કરીબિયન’, તેમજ ‘બ્રિટિશ વૅસ્ટ ઇન્ડીઝ’ તરીકે ઓળખાય છે.

    અઢારમી-ઓગણીસમી સદીમાં, અંગ્રેજ સરકારે, વહાણો દ્વારા, હજારો ઇન્ડિયનોને, આ ટાપુઓ પર મોકલ્યાં હતાં. ગયાના ટાપુ નથી, છતાં એ સમુદ્રના કિનારા પર રહેલો હોઈ, ૧૮૩૮માં ત્યાં પણ વહાણ નાંગરેલાં, અને કુલ ૪૧૪ ઇન્ડિયન સ્ત્રી-પુરુષો ત્યાં રહી ગયેલાં.

    વીસમી સદીમાં, ૧૯૬૦ના દસકાથી શરૂ કરીને, ધીરે ધીરે, આ બધાં સ્થાનો સ્વતંત્ર થતાં ગયાં. ગયાના દેશ બ્રિટિશ કૉમનવૅલ્થનો સદસ્ય બન્યો ૧૯૬૬માં, અને એ સ્વતંત્ર રિપબ્લિક બન્યો ૧૯૭૦માં.

    આ બધી જગ્યાઓએ, સત્તરમી સદીથી આફ્રીકાનાં પ્રજાજનોને ગુલામો તરીકે લાવવામાં આવતાં હતાં. અંગ્રેજ સરકારે ગુલામીની પ્રથા ૧૮૩૪માં નાબુદ કરી. પછી તો શેરડીનાં પ્લાન્ટેશન અને બીજાં કારખાનાં બંધ કરી દેવા પડ્યાં. કામ કરનારાંની ભારે અછત દૂર કરવા માટે, પછીથી સરકારે દરિયા-પારની ઇન્ડિયા, ચીન, પોર્તુગલ જેવી પોતાની કૉલૉનિઓમાંથી મજૂરો મોકલવાની વ્યવસ્થા કરી.

    આ રીતે, મુખ્યત્વે બંગાળ, બિહાર અને કેરાલા જેવા પ્રદેશોમાંથી લોકો આ જગ્યાઓમાં આવી વસ્યા. દસ વર્ષ કામ કર્યા પછી પાછાં ઇન્ડિયા જવા દેવામાં આવશે, એવું નક્કી થયેલું. થોડાં જણ પાછાં ગયાં પણ ખરાં, પણ વધારે જણ ત્યાં જ વસતાં રહ્યાં. કહેવાય છે, કે પાછાં જવાના પૈસા પણ ઘણાં પાસે હતા નહીં.

    ઉપરાંત, આ લોકોને લાવવામાં આવેલા નોકરીના નામ પર, પણ એમની રહેવાની ને ખાવા-પીવાની હાલત ખૂબ ખરાબ રહેતી. તેમજ, એમનો ઉપયોગ મજૂરો અને ગુલામો તરીકે જ કરવામાં આવતો, એમ નોંધાયું છે. હવે એકવીસમી સદીમાં, ઇન્ડિયનોનો ઐતિહાસિક આગમન-દિન આ બધી જગ્યાઓએ, દર વર્ષે, બહુ માનથી ઉજવાય છે.

    ગયાનાની વસ્તી સાડા સાતેક લાખથી થોડી જ વધારે છે. એમાંની નેવું ટકા વસ્તી દેશના કિનારાની નજીકમાં વસે છે.  દેશની અંદરનો મોટા ભાગનો વિસ્તાર લોકોના વસવાટને લાયક નથી, કારણકે ત્યાં ગાઢ વર્ષા-વન બનેલાં છે. દેશનો નકશો જોઈએ, તો બધે લીલો રંગ, અને વાંકીચૂકી નદીઓ દર્શાવતી ભૂરી લીટીઓ દેખાય.

    આ દેશમાં ભૂમિ-માર્ગ છે તેના કરતાં અનેક ગણા વધારે જળ-માર્ગ છે. નકશામાં દેશના મોટા રસ્તા પીળા રંગે ચિતરાયેલા છે. એક મોટો માર્ગ કિનારાના થોડા ભાગમાં જતો દેખાય છે, ને પછી એ ક્યાંક અધવચ્ચે અટકી જાય છે. બીજો એક મોટો માર્ગ ઉત્તર-દક્શિણ જતો બતાવાયો છે ખરો, પણ એની શું હાલત હશે, તે કહેવાય નહીં, કારણકે એ પ્રદેશ તો ગીચ જંગલોનો અને પહાડોનો છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    નકશામાં નદીઓ માટેની ભૂરી લીટીઓ ઘણી છે. જાણે દેશના શરીર પરની નસો ના હોય. આમાંની મોટી મોટી નદીઓમાં હોડી વાટે જવું પડે. કેટલીક નદીઓનાં નામ માઝારુની, કુયુની, પુરુની, વાઇની, ઍસૅકિબો, બુરો-બુરો, પોમેરૂન અને ડૅમૅરારા છે. બધાં જ નામ કેવાં અવનવાં લાગે છે.

    દેશમાં નાની-મોટી અસંખ્ય નદીઓ છે, ને ત્રણસો જેટલા તો ધોધ છે, જેમાંનાં થોડાં નામ છે અરુવાઇ, ઓરિન્ડુક, વાનોસોરો, સાકાઇકા, કાઇએટ્યર, બૅરિન્ગ્ટન બ્રાઉન, કિંગ ઍડવર્ડ સાત, ગવર્નર, ને કાનિસ્ટર વગેરે.

    આ પ્રદેશમાં મૂળ વસવાટ હતો ઑરૉનૉક તળ-પ્રજાનો. અનેક જગ્યા, નદી, ધોધ, પહાડો વગેરેનાં નામ એમની તળ-ભાષામાંથી આવેલાં છે. તે સિવાય ઘણાં નામ અંગ્રેજી ઓળખાણ પરથી આવેલાં છે. નકશામાં કોઈ જગ્યાનું નામ (ઇન્ડિયાનું) ઇન્ડિયન નથી દેખાતું.

    આજે ગયાનાની વસ્તીના ચુમ્માલિસ ટકા ઇન્ડિયન વંશના લોકોના બનેલા છે. સમાજમાં અને રાજકારણમાં, અગત્યનાં સ્થાનો પરની ઘણી વ્યક્તિઓ દોઢસો વર્ષ પહેલાં આવી વસેલા ઇન્ડિયન લોકોના વંશજ છે. દેશના હાલના પ્રમુખ ડોનાલ્ડ રામોતાર આમાંના જ એક છે. મૂળ બિહારી એવા રામ-અવતાર નામનું અપભ્રંશ થઈને રામોતાર બન્યું છે.

    હજી ગયાનામાં પ્રવેશ થતાં પહેલાં જ આવો થોડો પરિચય મેળવી લીધેલો. ને તેથી, મારા મનમાં, એને વિષે રસ અને કુતૂહલ વધી ગયાં હતાં.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આપણું જ આગવું ચોમાસું – ઝરણું : ૧૧

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    આંતરરાષ્ટ્રીય સહકારઆપણી મદદે

    પરેશ ૨. વૈદ્ય

    પ્રકરણની શરૂઆત એક ખંતીલા વિજ્ઞાનીની વાતથી કરીએ. ગઈ સદીની શરૃઆતમાં જર્મનીમાં લુઈ રિચાર્ડસન નામનો હવામાનશાસ્ત્રી થઈ ગયો. તેણે વિચાર્યું કે ભેજવાળી હવા કઈ રીતે પ્રવાસ કરશે તે જાણવા માટે ગણિતના સમીકરણો વાપરી શકાય. હવાને એક પ્રવાહી માની તેની ગતિનાં સમીકરણો લખી શકાય જેમાં આ ક્ષણની પરિસ્થિતિ ધ્યાનમાં લઈ, બદલાતાં ઉષ્ણતામાન અને દબાણની અસર હેઠળ જે ફેરફાર થાય તેને સમાવી લેવાય. તેને જળગતિશાસ્ત્રનાં (Hydrodynamic) સમીકરણો કહે છે; તેની મદદથી ભવિષ્યની સ્થિતિ ગણી કાઢી શકાય.

    રિચાર્ડસને ન્યૂરેમ્બર્ગ શહેર ઉપરની હવાની સ્થિતિનાં તારીખ ૧૦મી મે, ૧૯૧૦ના દિવસનાં અવલોકનો લીધાં. તેના પરથી સમીકરણો બનાવી તેનો ઉકેલ શોધ્યો. પરંતુ એની આગાહી તદ્દન ખોટી પડી !

    પરંતુ તેની અસફળતાએ ઘણું શીખવ્યું અને આગાહીની એક આખી પદ્ધતિ તેના પછી શરૂ થઈ જેને ન્યૂમરિકલ ફોરકાસ્ટિંગ – આંકડા આધારિત આગાહી- કહે છે. તે વિષે પછીનાં પ્રકરણમાં જોઈશું. પહેલાં એ જાણી લઈએ કે અસફળ કેમ રહ્યો. એનાં સમીકરણ ખૂબ મુશ્કેલ હતાં અને તેને છોડાવતાં ચાર-પાંચ દિવસ લાગ્યા. સ્વાભાવિક છે કે એટલી વારમાં તો વાતાવરણની પરિસ્થિતિ કેટલીય વાર બદલી ગઈ ! બીજું કે એનાં અવલોકનો તો શહેરની આસપાસના વિસ્તારોનાં, જમીનની સપાટીએ લીધેલાં હતાં પરંતુ આપણે હવે જાણીએ છીએ કે હવામાન ઉપર તો ખૂબ દૂરની પરિસ્થિતિની અસર પડે છે; તેમાં જમીનથી ઉપર આકાશમાંની હવા પણ આવી જાય. એ સમયે તેવાં અવલોકનો લેવાની તો સગવડ જ નહોતી. એટલે એનો વિચાર મૌલિક હોવા છતાં અધૂરી માહિતીના કારણે સાબિત ન થઈ શક્યો.

    રેડીયોસૉન્ડે :

    આ પરથી હવામાનશાસ્ત્રીઓ અવલોકનોનો વ્યાપ વધવાની અગત્ય સમજ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બલૂનોનો વપરાશ વધ્યો. હિલીયમ વાયુ ભરેલાં બલૂન હવા કરતાં હલકાં હોવાથી આકાશમાં ખૂબ ઊંચે જઈ શકે છે. તેની સાથે હવાનાં દબાણ, ઉષ્ણતામાન, દિશા, ભેજ વગેરે માપવાનાં યંત્રો ઉપર મોકલવામાં આવ્યાં. આવા બલૂનોને રેડિયોસૉન્ડે કહે છે. તે ભેગી કરેલી માહિતી રેડિયો ટ્રાન્સમીટરો દ્વારા નીચે મોકલતાં રહે છે.

    અમુક ઊંચાઈ (૨૦ થી ૩૦ કિ.મી.) એ પહોંચે ત્યારે અંદરના વાયુનું દબાણ બહારની પાતળી હવા કરતાં વધી જાય ત્યારે બલૂન ફાટી જાય છે અને સાથેનું યંત્ર પેરેશૂટની મદદથી નીચે આવે છે. એ વખતે પણ ફરીથી હવાની સ્થિતિમાં અવલોકન લેતું રહે છે. હજુ પણ એ બલૂનો તો વપરાય જ છે તે સાથે રોકેટો પણ કાર્યમાં જોડાયાં છે. આપણો અવકાશ કાર્યક્રમ આ પ્રકારનાં ‘સાઉન્ડીંગ રોકેટ’ રોહિણીથી જ શરૂ થયો હતો. એ પણ આજ લગી છોડાતાં રહ્યાં છે. આ ટેક્નોલૉજી ભારતને ‘યુનો’ના સહકારથી જ મળી હતી.

    વિશ્વસ્તરે યોજના :

    આટલું કર્યા પછી પણ અવલોકનો જમીન અને તેની ઉપરનાં આકાશમાં જ લઈ શકાતા હતાં. પૃથ્વી ફરતે ૭૦ ટકા વિસ્તારમાં તો સમુદ્ર છે. તેમજ ઉપરનાં વાતાવરણમાં અવલોકનો ન લેવાય ત્યાં સુધી આ માહિતી અધૂરી જ ગણાય. સદભાગ્યે ૧૯૫૭ પછી અવકાશ વિજ્ઞાનની બારીઓ ખુલી અને તે સાથે દુનિયાને પ્રેસિડન્ટ કેનેડી જેવા સૂઝબૂઝવાળા રાજપુરુષ મળ્યા. તેઓએ ૧૯૬૧ ના સપ્ટેમ્બરની યુનોની સામાન્ય સભામાં બાહ્ય અવકાશનો ઉપયોગ માનવીનાં ભલાં માટે કરવાની હાકલ કરી. ત્રણ માસમાં જ યુનોએ એક ઠરાવ (નં. ૧૭૨૧) પસાર કરી આ બાબતે કામ કરવા વિશ્વ હવામાન સંસ્થા(WMO)ને વિનંતી કરી. WMO અને વૈજ્ઞાનિક યુનિયનોની આંતરરાષ્ટ્રીય કાઉન્સિલે સાથે મળીને ૧૯૬૨માં નક્કી કર્યું કે હવામાન નિરીક્ષણનો કાર્યક્રમ World Weather Watch શરૂ કરવો. આપણે વાત કરી તેવાં અવલોકનો અને માપણી(Data) એકઠાં કરવાનું નક્કી થયું. આ માહિતીનો ઉપયોગ કરી વાતાવરણનાં ચલનનો અભ્યાસ કરવા માટે એક પ્રોજેક્ટ Global Atmospheric Research Project (GARP) પણ બન્યો.

    વિશ્વ હવામાન નિરીક્ષણ [World Weather Watch (WWW)] કાર્યક્રમનું લાંબા ગાળાનું લક્ષ એવું રાખ્યું કે ખંડીય ક્ષેત્રો (એટલે કે સમુદ્ર સિવાયના જમીન વિસ્તારો)માં દર એકસો કિલોમીટરનાં અંતરે હવામાન બાબત માપણી કરવી: જમીનની સપાટીએ અને ઊંચે. સમુદ્રમાં ટાપુઓ હોય ત્યાં પણ આ જ નિયમ રાખવો. જ્યાં ખુલ્લો સમુદ્ર છે ત્યા દર ૫૦૦ કિ.મી.એ કેન્દ્રો નાંખવા. ત્યારે તો આ વધુ પડતુ લાગ્યું પરંતુ વખત જતાં એનું મહત્વ સ્પષ્ટ થયું.

    વ્યાપક પ્રયોગો :

    એકવાર મોટી સંખ્યામાં માપણી કેન્દ્રોનું જાળું સ્થપાઈ ગયું પછી દેશોએ સાથે મળી તેનો ઉપયોગ કરવાનો વખત હતો. તે પેટે વૈશ્વિક હવામાન કાર્યક્રમે બે અગત્યના પ્રયોગો નક્કી કર્યા. એક ધ્રુવ પ્રદેશો માટે (POLEX) અને બીજો એશિયા-આફ્રિકાના ચોમાસાના વિસ્તારો માટે (Monsoon Experiment – MONEX).આપણે અહીં મૉનેક્ષ વિષે જ વાત કરીશું. જો કે આપણાં હવામાન પર ધ્રુવનાં હવામાનની પણ અસર તો છે જ. મોનેક્સ પાછળ હેતુ હતો કે ચોમાસાંની આખી પ્રક્રિયા સમજવી અને તેની આગાહીમાં શી ક્ષમતા/મર્યાદાઓ છે તેનું આકલન કરવું. આ વિસ્તારના દેશો પાસે સહકારની આશા હતી.

    ચોમાસુ પ્રયોગ (૧૯૭૭)નો પહેલો તબક્કો MONEX-77 નાને પાયે હતો. ત્રણ સ્ટીમરો અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ૯૦ દિવસ સુધી ફરતી રહી અને વિવિધ પ્રકારનાં અવલોકન લીધાં. પરંતુ MONEX-79 સહકાર્યની યાદગાર પ્રક્રિયા બની રહી, જેનાં ફળ આપણે હવે માણી રહ્યાં છીએ. તેમાં બે સમયગાળા ભારતીય ચોમાસાંનો અભ્યાસની દૃષ્ટિએ સઘન કામ માટે અપાયા ઃ પાંચમી જાન્યુઆરી થી ૫ માર્ચ તથા પહેલી મે થી ત્રીસમી જૂન-૧૯૭૯. તે પેટે જમીનની સપાટી પરનાં કેન્દ્રો, ઉપર વાતાવરણમાં સાત સ્તરે અને સમુદ્રમાં ઊંડે, એમ ત્રણે સ્થળે અવલોકનો લેવાયાં. તેનાં કેટલો ડેટા એકઠો થયો તે જુઓ.

    દોઢસો દેશોમાં ૯૨૦૦ હવામાન મથકો દિવસમાં અનેકવાર જમીન પર હવાનાં દબાણ, વેગ અને ઉષ્ણતામાન માપતાં હતાં. એમાનાં ૮૫૦ મથકોએ ઉંચાઈએ પણ અવલોકન લીધાં.

    પાંચ સ્ટીમરો આવા જ ડેટા સમુદ્ર પર લેતી હતી. તે સાથે ૭૪૦૦ વેપારી સ્ટીમરોને પણ આવાં અવલોકન લેવા માટે વિનંતી કરાઈ.

    સાઉન્ડીંગ બલૂનોમાંથી સમુદ્રમાં પડેલાં યંત્રોને ઉપાડી લઈ તેમાંથી અવલોકનો કાઢી સંસ્થાને મોકલવાનું કામ ૪૫ સ્ટીમરોએ માથે લીધું.

    કેટલાંક સ્થળોએ વિમાનો દ્વારા ઉપરના સ્તરનાં અવલોકન લેવાયાં. દશ વિમાને સમુદ્ર ઉપર ઉડી, ટાપુઓ ઉપર ૨૦૦૦ સ્થળોએ ટ્રાન્સમીટરો ઉતાર્યા.

    અવકાશ વિમાનમાં ત્યાં લગી પ્રગતિ થઈ હતી. કૃત્રિમ ઉપગ્રહોએ દર અરધા કલાકે વાદળાંના ચિત્ર આપ્યાં. કેટલાક દૂરના ટાપુ પરનાં બીજાં અવલોકનો પણ આવ્યાં. આટલે ઊંચેથી લેવાયેલી માપણીઓની જમીન પરના માપણી સાથે સરખામણી કરી ઉપગ્રહોની ક્ષમતાનું માપ પણ કાઢી શકાયું. એ ક્ષમતાને કારણે હવે વાદળાંની ગતિ, ઓછા દબાણનાં ક્ષેત્ર, વિકીરણ દ્વારા ઉષ્ણતામાનનું માપ વગેરે માહિતી નિયમિત મેળવવાનું બની રહ્યું છે.

    દક્ષિણ ગોળાર્ધમાં જમીનનો ભાગ ઓછો અને સમુદ્ર વધારે છે. તેથી ત્યાં હજારો તરતાં બોયાં મૂકી તેને અવલોકન કેન્દ્રો સાથે રેડિયો ટ્રાન્સમીટરોથી જોડી દેવાયાં.

    વિશ્વ હવામાન સંસ્થા

    (World Meteorological Organization)

    વિવિધ દેશોનાં હવામાન ખાતાઓને સાંકળતી યુનોની એક સંસ્થા છે, જેમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કે બાળ શિક્ષણ સંસ્થા (UNICEF)છે તેમ. ૧૯૩ સભ્ય દેશોવાળી WMOની સ્થાપના ૨૩મી માર્ચ ૧૯૫૦માં થઈ; પરંતુ માત્ર સ્વરૂપ બદલવાની વાત હતી. મૂળે .. ૧૮૭૯માં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા(IMO)નું વિશ્વયુદ્ધ પછીનું નવું રૂપ હતું. IMOના બનવા પાછળ ૧૮૭૩માં વિયેનામાં મળેલી હવામાનશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ હતી.

    WMO તેના સભ્ય દેશોને હવામાન તથા હવામાનમાં થતા ફેરફારના પ્રશ્ને મદદ કરે છે. મોનેક્સ પ્રયોગોનાં આયોજન માટે આપણે એના સદા ઋણી રહીશું.

    આટલો બધો ડેટા મળ્યા પછી તેને ગોઠવવો અને તેમાંથી વૈજ્ઞાનિક તથ્યોની તારવણી કાઢવી એ પણ ખૂબ વિશાળ કાર્ય છે. વિશ્વ હવામાન સંસ્થાહેઠળ એક ગ્લોબલ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ(GDPS) સ્થપાઈ. તેનાં કમ્પ્યુટરોએ આ કાર્ય કર્યું. આ ઉપરથી મહા શક્તિશાળી કમ્પ્યુટર (સુપર કમ્પ્યુટર)ની પણ અગત્ય સમજાઈ. આ પ્રયોગના ડેટાનું તો આરામથી વિશ્લેષણ થઈ શકે, પરંતુ તેના પછી રોજિંદી જીંદગીમાં આમાંથી ઘણાં અવલોકનો તો રોજ લેવાય છે. તેનું તુરંત વિશ્લેષણ કરવું પડે જે માત્ર સુપર કમ્પ્યુટરથી જ થાય, નહીંતર આગાહી મોડી પડે. ભારતે પાછળથી ‘પરમ‘ નામે સુપર કમ્પ્યુટર પ્રણાલીનો વિકાસ કર્યો.

    મોનેક્ષની માહિતી પરથી ચોમાસાંની ઉત્પત્તિ, પ્રવાસ, તેનું નબળાં હોવું, વગેરે બાબતો સમજતાં ઘણાં વરસો લાગ્યાં. પરંતુ એટલું સ્પષ્ટ સમજાયું કે ખૂબ દૂરદૂરના પ્રદેશોની ઘટનાઓ આપણાં ચોમાસાં ઉપર અસર પડે છે. આજે હવે આપણને આવાં વિધાનથી આશ્ચર્ય નથી થતું. આ જ્ઞાન પરથી આપણે આગાહીની પ્રક્રિયા કેમ ઘડી તે આવતાં બે પ્રકરણોમાં જોઈએ.


     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડૉ. જયંત બી. મહેતા [૧]

    સેવાયજ્ઞની શુભ ભાવનાથી અમેરીકાના ગામડાઓમાં જેમણે આરોગ્ય સંસ્થાઓ સ્થાપવામાં અગ્રક્રમે ફાળો આપ્યો છે તેવા ડો. જયંત મહેતાનો જન્મ ડાકોર(૧૯૪૫)માં થયો હતો.

    ૧૯૭૧માં તેઓ અમેરીકા આવ્યા ત્યાર પહેલાં ઈસ્ટ આફ્રિકામાં પણ ડોક્ટર તરીકે સેવા આપેલી. અમેરીકા આવ્યા બાદ ટેનેસીને છેડે આવેલા જોન્સનસીટી નામના નાનકડા શહેરમાં પીસ્તાલીશ વર્ષો સુધી સેવા આપીને અમેરીકન રૂઢિચૂસ્ત સમાજમાં એમણે માનભયું સ્થાન મેળવ્યું એટલું જ નહી પણ આસપાસના ગામડાઓમાં આરોગ્ય સંસ્થાઓ સ્થાપવામાં સરકારની મદદ મેળવવામાં સફળ રહ્યા. ૧૦૦ જેટલા પરિપત્રો અને સંશોધન લેખો અને અનેક પારિતોષિકોથી ઝળહળતા એમના તબીબી વ્યવસાયમાં ટી.બી.ની સારવાર માટે માતાની સ્મૃતિ સાથે એમણે ખુબ જહેનત ઊઠાવી છે.

    સાથે સાથે હિંદુ ધર્મ વિષેનું જ્ઞાન પ્રસારવા ઈન્ડો-અમેરીકન સંસ્થાની સ્થાપક સમિતિમાં જોડાઈને ધર્મ વિષેના ઘણા વ્યાખ્યાનો એમણે આપ્યા અને ગોઠવ્યા છે. ગુજરાતી સાહિત્ય સાથેનો એમનો મજબૂત નાતો એમના કાવ્યો અને અન્ય પ્રકાશનો પરથી સ્પષ્ટ છે.

    હાલ નેશવીલ, ટેનેસીમાં રહી મેડિકલના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત સાહિત્યિક પ્રવૃતિઓમાં પણ તેઓ રસ લે છે. આનંદ નામના દૌહિત્ર સાથે ચેસ રમવાનો આનંદ એ એમના નિવૃતિકાળની ઉમદા પળો છે.

    Email: jay.bm445@gmail.com

    અમેરિકાના નકશામાં પાતળા લંબચોરસ જેવું નાનું રાજ્ય દેખાય, તો તે છે ટેનેસી. આ રાજ્યના પૂર્વ છેડે એક રળિયામણું ગામ છે. નામ જ્હૉન​સન​ સિટી. વસ્તી માંડ ૪૫ હજારની. ૯૮% ધોળા અમેરિકન. ભારત ભલે મારી જન્મભૂમિ હોય, આ ગામ મારી કર્મભૂમિ છે.

    પ્રકૃતિએ મહેંદી મૂકેલા હાથના ખોબામાં એક સુંદર રમકડા જેવું ગામ ગોઠવ્યું હોય, તો તે જોહ્ન્સન સિટી જેવું જ લાગે! ચારે બાજુ એપેલેચીયન પર્વતોની મનોરમ્ય હારમાળા. અનેક લીલા વૃક્ષોની હરિયાળીથી આચ્છાદિત આ હારમાળા, પાનખરમાં લાલ, પીળી, બદામી અને કેસરી રંગોથી દીપી ઊઠે. હિમવર્ષા થાય ત્યારે ડુંગરાઓએ સફેદ ટોપી પહેરી હોય તેવું લાગે. આવા રમ્ય ગામમાં મેં ૪૫ વર્ષ સુધી ધીકતી મેડિકલ પ્રૅક્ટિસ​ કરી છે. હું આ ગામને ઓળખું છું અને આ ગામના લોકો મને ઓળખે છે. આ વિસ્તારની એક માત્ર મેડિકલ કૉલેજમાં હું ૧૯૭૭માં આવ્યો, ત્યારે અધ્યાપક તરીકે હું સાવ નવો અને અજાણ્યો હતો. આજે ૭૫ વર્ષની વયે આ પ્રોફેસરની પદવી છોડી, મેં નિવૃત્તિ સ્વીકારી છે. પરંતુ યુનિવર્સિટીએ વિશેષ સ્થાન આપીને અધ્યાપક તરીકેની મારી ઉપાધિ સાચવી રાખી છે. (Professor Emeritus)

    અહીં ગામના એક ટેકરા ઉપર મારું ઘર છે. હું આર્કિટૅક્ટ નથી, પણ આ ઘર બનાવ્યું ત્યારે એની યોજના, રચના વગેરે મેં કાગળ ઉપર દોરીને મારી કલ્પના પ્રમાણે મકાન બનાવ્યું, એટલે એને છોડતાં મને દુઃખ થશે. મકાનની બાલ્કનીમાં બેસીને આખા ગામનું સૌંદર્ય હું માણી રહ્યો છું. ‘૪ જુલાઈના દિવસે આતશબાજી ફૂટશે, ત્યારે મારે હાઇસ્કૂલનાં પ્રાંગણમાં પાર્કિંગ શોધવાની જરૂર નહીં પડે. ઘરની બાલ્કનીમાં બેસીને હું આ ઉત્સવને માણી શકીશ’ એવા વિચારોમાં ગૂંથાયો છું, ત્યારે અનેક ખટમધુરા પ્રસંગોની સ્મૃતિ મારા મગજમાં સરિતાની જેમ વહેતી થાય છે. ભૂતકાળની યાદ જાગૃત થાય છે.

     

    ડાકોરમાં જન્મ

    મારો જન્મ ગુજરાતના લોકપ્રિય યાત્રાધામ ડાકોરમાં. બ્રિટિશ હકુમતથી સ્વતંત્ર થવા માટે ભારતની જનતાએ સત્યાગ્રહની લડત હજી બે વર્ષ માટે ટકાવી રાખવાની છે. બીજા વિશ્વયુદ્ધનો અંત લગભગ નજીક આવ્યો છે.

    ડાકોરના એક બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો. પાંચ ભાઈ અને બે બહેનો. વિશાળ પરિવાર અને પિતાજી સ્કૂલમાં શિક્ષક. કમાણી કરનાર એક અને ખર્ચા અનેક. બે ટંક ખાવાનું મળી રહેતું. સવારે નાસ્તાની ટેવ નહીં. કેવળ એક પ્યાલો દૂધ મળે. કપડાં પણ બે જોડથી વિશેષ નહીં. આજે વિચાર કરું છું ત્યારે મને નવાઈ લાગે છે, કે મારાં માતા-પિતાએ એમનો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચલાવ્યો હશે? નજીવી આવક, અને છતાં અમે બધાં બાળકો કૉલેજ સુધી અભ્યાસ કરીને સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી શક્યાં.

    મારી બા માત્ર પાંચ ચોપડી ભણેલી અને બાર-તેર વર્ષની ઉંમરે પરણેલી. છતાં અમે વધારે ભણી-ગણીને પ્રગતિ કરીએ તેવી અદમ્ય ઇચ્છા સાથે એ અમને પ્રોત્સાહન આપતી. ‘ભણવામાં કોઈનો ભાગ નથી’ એના શબ્દો શિક્ષણના મહત્ત્વને પ્રગટ કરતા.

    આર્થિક કારણોસર ઘરમાં છાપું કે સામયિકો મંગાવવાનો શિરસ્તો ન હતો. પરંતુ પાંચમા ધોરણથી જ મને સાર્વજનિક લાઇબ્રેરીમાં જવાની ટેવ પડી, એટલે ‘કુમાર’, ‘અખંડ આનંદ’ જેવાં મૅગેઝિન વાંચતો. સાંજે અજય તાંમ્બવેકર અને હરીશ શાહ જેવા મિત્રો સાથે ચાલવા જતો. જ્યાં ક. મા. મુનશી અને ર.વ.દેસાઈની નવલકથાની અમે ચર્ચા કરતા. બાળપણથી જ સાહિત્ય ચર્ચામાં રસ જાગ્યો હતો. અનેક આર્થિક મુશ્કેલીઓ હતી, પરંતુ માતા-પિતાનો અઢળક પ્રેમ મળ્યો જેથી ગરીબાઈનો અહેસાસ કદી થયો નથી. પહેરવા માટે સ્કૂલના ગણવેશ ઉપરાંત માંડ બે જોડ કપડાં, અને તે જાતે જ ધોવાનાં અને ઇસ્ત્રી પણ જાતે જ કરવાની! ઘરમાં નોકર-ચાકર હતા જ નહીં…અમે જ નોકર અને અમે જ શેઠ!

    ડાકોર ગામની વસ્તી માંડ દસ હજારની. પરંતુ પૂનમને દિવસે ગામની વસ્તી પાંચ ગણી થઈ જાય. યાત્રાધામ ડાકોરમાં દ્વારકાધીશ શ્રી રણછોડરાયજીનું ભવ્ય મંદિર. દરેક પૂર્ણિમાએ ત્રીસ-પાંત્રીસ હજાર લોકો દર્શનાર્થે આવે. હવે તો આ વૈષ્ણવોની સંખ્યા લગભગ એક લાખ સુધી પહોંચે છે. ગામની સાંકડી, ધૂળવાળી શેરીઓમાં રવિવારે અને પૂર્ણિમાને દિવસે એટલા બધા યાત્રાળુઓ હોય કે ચાલવાની જગ્યા નથી તેવું લાગે! મોટા ભાગના એન.આર.આઇ.ને અમેરિકા જોયા પછી એમના વતનનું ગામ સાંકડું લાગે. પરંતુ મને એ જમાનામાં, ૧૧-૧૨ વર્ષની ઉંમરે મારું ગામ સાંકડું અને ગંદકીથી ઊભરાતું હોય તેવું લાગતું. લાઇબ્રેરીમાં બેસીને હું દેશ-વિદેશનાં પુસ્તકો વાંચતો અને ફોટા પણ રસપૂર્વક નિહાળતો. એટલે જાણે-અજાણે સરખામણી થઈ જતી.

    પૂર્ણિમા પછી ડાકોરની ગંદકીમાં ખૂબ વધારો થતો. ભૂસું, ભજિયાંના કાગળ, ડૂચા વગેરે ઠેર ઠેર રસ્તાઓ પર રઝળતાં દેખાય. આપણાં યાત્રાધામો પવિત્ર ગણાય, પરંતુ સ્વચ્છતાનો સદંતર અભાવ. નગર પંચાયત કે મંદિરના વહીવટદાર, પ્રજાહિત માટે નજીવા નાણાં ખર્ચે. યાત્રાળુઓને ઘણી અગવડ પડે. એમના ગયા પછી ગામના લોકોને પણ ઘણું સહન કરવું પડે. લોકોનાં પર્સ ચોરાય, સ્ત્રીઓના અછોડા ખેંચી લેવામાં આવે અને અન્ય અનેક ગોરખધંધા ચાલે, જેનું વર્ણન અત્રે પ્રગટ કરવાનો કોઈ અર્થ નથી. ગામના વેપારીઓ, ખાસ કરીને મગસ અને ગોટા વેચનારને ખૂબ નફો થાય. ડાકોરના ગોટા, લોટા અને જનોઈ જોટા ખૂબ વખણાય. યાત્રાળુઓ ખૂબ ખરીદી કરે. આ વાણિજ્યની આવકમાંથી યાત્રાળુઓને કે ગામલોકોને જે સુવિધા મળવી જોઈએ, તે કદી મળી જ નથી. આજે પણ નહીં!

     

    ગોમતી સ્નાન:

    ડાકોરના પ્રખ્યાત મંદિરની સામે ગોમતી તળાવ છે. અમે કિશોર અવસ્થામાં આ તળાવના પુલ ઉપરથી પાણીમાં ભૂસકો મારીને તરવાનું શીખેલા. આ તળાવ પવિત્ર ગણાય. એટલે યાત્રાળુઓ તળાવમાં સ્નાન કરીને ભગવાનનાં દર્શનાર્થે જાય. કેટલાક ભક્તો આ પાણીમાં હાથ-પગ ધોઈને પાણીનું આચમન કરે, પાણી માથે ચડાવે. અમેરિકા આવ્યા પછી સમજાયું કે આ જળ પવિત્ર હશે, પણ સ્વચ્છ નથી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પીવા લાયક પણ નથી. લોકો અહીં કપડાં ધુએ અને અનેક પ્રકારની ગંદકી ઠાલવે. સામે કિનારે સ્મશાન, એટલે શબની દહનક્રિયા પતે પછી વધેલાં હાડકાં પણ તળાવમાં જ પધરાવવાનો રિવાજ. આ તળાવમાં ઊતરવા માટે પથ્થરનાં પગથિયાં. જેના ઉપર શેવાળ-લીલ વગેરે બાઝે અને પગથિયાં ખૂબ જ લીસ્સા બની જાય. ગામલોકો આ પરિસ્થિતિ જાણે, પણ યાત્રાળુઓ અજાણ હોય. એક પૂર્ણિમાને દિવસે એક નવદંપતી દર્શનાર્થે આવ્યું. પવિત્ર જળને માથે ચઢાવવા, તાજા પરણેલા આ યુવાને તળાવમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પહેલા પગથિયે જ એનો પગ લપસ્યો. બીજું પગથિયું વધારે ચીકણું હતું. આ યુવાનનું માથું પથ્થર ઉપર ઝીંકાયું. એ બેભાન થઈ ગયો અને એનું શરીર તળાવનાં ઊંડા પાણીમાં સરકી ગયું! માથાના ઘામાંથી નીકળેલા લોહીથી તળાવનું પાણી લાલ લાલ થઈ ગયું. નવોઢા યુવતીએ ચીસો પાડી. બે-ત્રણ યુવકો દોડી આવ્યા. તળાવમાં પડ્યા અને યુવાનના શરીરને બહાર કાઢ્યું. એ દિવસોમાં C.P.R. કે તાત્કાલિક સારવાર જેવું કશું ઉપલબ્ધ ન હતું. આ યુવાન થોડી ક્ષણોમાં મૃત્યુ પામ્યો. આ પ્રસંગ પછી પણ ગોમતી તળાવનાં પગથિયાં સાફ કરાવીને શેવાળ કાઢવાનું કામ નગરપંચાયતે હાથમાં લીધું જ નહીં. ત્રણ મહિના પછી આવો કરુણ કિસ્સો ફરી બન્યો અને છાપામાં ચર્ચા ચાલી, ત્યારે આ પગથિયાં સાફ થયાં. યાત્રાળુઓને ચેતવણી આપતું બોર્ડ આવતાં લગભગ ત્રણ વર્ષ​ વીતી ગયાં.

    આવો બીજો પ્રસંગ મંદિરના પ્રાંગણમાં જ બન્યો. પૂર્ણિમાએ ભક્તોની એવી ભીડ જામતી કે લોકો ધક્કામુક્કી કરીને દર્શન કરવા કૂદાકૂદ કરતા. વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરોમાં વિવિધ ભોગ ચઢાવવામાં આવે છે. સવારે મંગળાભોગ થાય, તે પછી ગોવાળભોગ અને રાજભોગ થાય. સાંજે સુખડીભોગ ધરાવાય. આ ભોગ દરમિયાન મંદિરના ગર્ભદ્વારનાં બારણાં બંધ થાય. ભક્તો આ દરવાજા ખૂલે તેની રાહ જોતાં ગિરદીમાં ઊભા રહે. ઘણાંને બસ અથવા રેલગાડી પકડીને ઘેર પાછા જવાની ઉતાવળ હોય. આ ગિરદીમાં સોનાના અછોડા કપાય, પાકીટ ચોરાય, ધક્કામુક્કી થાય. સ્ત્રીઓને વિશેષ સહન કરવું પડે. એક પૂર્ણિમાને દિવસે મંદિરના દરવાજા ખૂલ્યા, ત્યારે લોકોનું ટોળું દર્શનાર્થે ગર્ભદ્વાર તરફ ધસી ગયું. એક વૃદ્ધ સ્ત્રી મંદિરના પ્રાંગણમાં જ પડી ગઈ. લોકોનું ટોળું એના શરીર ઉપર પગ મૂકીને દર્શન કરવા આગળ ધપ્યું. ભક્તો ઊંચે જોઈને દર્શન કરવા માટે તલપાપડ! પગ નીચે એક માનવ દેહ છે, તેનું તેમને ભાન જ ન રહ્યું! આ વૃદ્ધ વૈષ્ણવ બાઈ અન્ય લોકોના પગ તળે કચડાઈને મૃત્યુ પામી. કરુણતાની હદ તો એવી કે આ ઘાયલ સ્ત્રીને ઊભી કરવા જે નીચે વળ્યા, તે પણ પડ્યા અને ઘાયલ થયા. ઘાયલ વ્યક્તિઓની સારવાર કરવાની કોઈ સવલત અહીં ઉપલબ્ધ ન હતી. આવા પ્રસંગોનું પુનરાવર્તન પણ થયા કરતું. છતાં કાયદો, વ્યવસ્થા જેવા શબ્દો આ પ્રજાના જોડણીકોશમાં આવ્યા જ નહીં! બાળપણમાં જોયેલા આવા પ્રસંગોની ગાઢ અસર માનસપટ પર હજી પણ અકબંધ છે.

    અમારા ફળિયાનો વિસ્તાર ગોપાલપુરામાં થોડા ઘણા કિશોર મિત્રોને ભેગા કરી અમે ‘ગોપાલપુરા મિત્રમંડળ’ શરૂ કર્યું. મુખ્ય આશય તો ક્રિકેટ ટીમ શરૂ કરવાનો હતો, પણ ‘શેરી સફાઈ’ અને જાગૃતિ લાવવાના પ્રયત્નો અમે શરૂ કરેલા. પરંતુ કોઈ નોંધપાત્ર સુધારો થયો હોય તેવું મને યાદ નથી.


    ક્રમશઃ

     

  • બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે

    નિસબત

    ચંદુ મહેરિયા

    આઝાદી પછી તુરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઉઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે,  ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે,  ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે  નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે: (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) બપોરે ત્રણ-ચાર વાગ્યાના સુમારે( નાણાં મંત્રી તરીકેનું)  મારું રાજીનામું એમણે સ્વીકારી લીધું છે,  એવો પ્રધાન મંત્રીનો ( ઈન્દિરા ગાંધીનો)  મને પત્ર મળ્યો. એનો જવાબ પણ મેં એમને લખી મોકલ્યો હતો. એ જ સાંજે એમણે( વડાપ્રધાન શ્રીમતી ગાંધીએ)  ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એની જાહેરાત પણ કરી હતી. (પૃષ્ઠ ૫૨૨)

    The Front Page of Times of India on 20th July 1969
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    દેશે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી બિનજોડાણવાદી વિદેશનીતિ અને મિશ્ર અર્થતંત્રની આર્થિક નીતિ અપનાવી હતી. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને અવકાશ હતો. પરંતુ ખાનગી અને વેપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ નફાનો હતો તેના પર મોટા ઉધ્યોગપતિઓનું વચર્સ હતું. વળી તે શહેરો અને ઉચ્ચ વર્ગો માટે જ હતી. દેશના ગ્રામીણો અને ગરીબો જ્યારે નાનકડી રકમ માટે પણ  શાહુકારો પર નિર્ભર હતા ત્યારે બેંકોની પ્રાથમિકતા  ન તો ખેડૂતો હતા, ન ગરીબો, ન શ્રમિકો. આ સ્થિતિમાં બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ થવી સ્વાભાવિક હતી.

    બેંકોનું રાષ્ટ્રીયકરણ (Nationalisation) એટલે વેપારી કે ખાનગી બેંકોની માલિકી અને નિયંત્રણ સરકાર હસ્તક હોવું. બેંકોના રાષ્ટ્રીયકરણનો દીર્ઘ  ઈતિહાસ છે. ૨૭મી જાન્યુઆરી ૧૯૨૧ના દિવસે ત્રણ બેંકો( મુંબઈ, બંગાળ અને મદ્રાસની પ્રેસિડેન્સી બેંકો)ને એકત્ર કરીને અખિલ ભારતીય સ્તરની ઈમ્પીરિયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના થઈ હતી. ૧લી જુલાઈ ૧૯૫૫ના રોજ તેનું  રાષ્ટ્રીયકરણ કરીને ધી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એવું નામકરણ કર્યું હતું. ૧૯૩૫માં સ્થાપિત  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું ૧૯૪૯માં નેશનલાઈઝેશન થયું હતું. ૧૯૪૮થી સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ કરતા હતા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ માથે હતી ત્યારે જ બેંકો અને વીમાના રાષ્ટ્રીયકરણની માંગ બળવત્તર બની હતી. મે-૬૭માં મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC) માં આ મુદ્દો ચર્ચાયો હતો. તત્કાલીન વિત્ત મંત્રી મોરારજી દેસાઈનો મત હતો કે તેઓ રાષ્ટ્રીયકરણને એક સિધ્ધાંત તરીકે માનતા નથી પરંતુ સાધન માને છે. ‘ કોંગ્રેસે મિશ્ર આર્થિક નીતિ સ્વીકારેલી છે અને વારંવાર તેની જાહેરાત કરી છે અને તેથી રાષ્ટ્રીયકરણને હું કોઈ સિધ્ધાંત તરીકે સ્વીકારતો નથી, તેમ જ રાષ્ટ્રીયકરણની જરૂર હોય તો હું એના પક્ષમાં છું’ , એમ પણ તેમણે કહ્યું હતું. તરફેણ-વિરોધની લાંબી ચર્ચાઓ પછી સમાધાનરૂપે બેંકો પર સામાજિક નિયંત્રણની યોજના સ્વીકારવામાં આવી.જો કે તે લાંબુ ન ટકી અને રાષ્ટ્રીયકરણ થઈને જ રહ્યું.

    ઐતિહાસિક અને યુગપ્રવર્તક ઘટના ગણાતા બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય મોરારજીભાઈ પાસેથી નાણાખાતું પોતાના હસ્તક લઈને તુરત જ ત્યારના વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ લીધો હતો. સંસદનું સત્ર મળવાને આડા અડતાળીસ કલાક જ હતા તો પણ વટહુકમ મારફતે તેમણે રૂ. પચાસ કરોડથી વધુની થાપણો ધરાવતી ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેનો હેતુ સ્પષ્ટ કરતાં સરકારે કહ્યું હતું કે, ‘ રાષ્ટ્રીય પ્રાથમિકતા અને ઉદ્દેશો સાથે સુસંગત રહીને અર્થતંત્રના વિકાસની આવશ્યકતાઓ વધુ સારી રીતે સંતોષી શકાશે’.

    ૧૯મી જુલાઈ ૧૯૬૯ના આ વટહુકમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી. પરંતુ તે સંસદમાં ચર્ચાઈને  કાયદો બની ગયો. કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને ૧૦મી ફેબ્રુઆરી ૧૯૭૦ના સર્વોચ્ચ અદાલતના બહુમતી( ૧૦ વિ.૧) ચુકાદાથી તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. જોકે કેન્દ્રે હાર ન માની અને ૧૯૭૦ના ફેબ્રુઆરીની ૧૪મીએ બીજા વટહુકમથી બેંકોના પુર્નરાષ્ટ્રીયકરણનો માર્ગ લીધો. સર્વોચ્ચ અદાલતે જે વાંધા લીધા હતા તેને તેમાં દૂર કરાતાં તે કાયદેસર બન્યો અને ૩૧મી માર્ચ ૧૯૭૦ના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણનો વિધિવત કાયદો બની શક્યો. જોકે આ કાયદો પશ્ચાદવર્તી અસરનો હોઈ ખરેખર ૧૯મી જુલાઈ ૧૯૬૯થી બેંકોનું રાષ્ટ્રીયકરણ  માન્ય ગણાયું. ઈન્દિરા ગાંધીએ તેમના વડાપ્રધાન તરીકે ૧૯૮૦ના કાર્યકાળમાં  ૨૦૦ કરોડથી વધુ થાપણો ધરાવતી બીજી ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.એટલે કુલ ૨૦ રાષ્ટ્રીયકૃત બેંકો થઈ. ૨૦૧૯-૨૦માં વર્તમાન સરકારે કેટલીક બેંકોનો અન્યમાં વિલય કરતાં હાલમાં ૧૨ નેશનલાઈઝ બેંક્સ છે.

    બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે રાષ્ટ્રીયકરણના ઉદ્દેશો અને બેંકોની વર્તમાન સ્થિતિ તપાસવા જેવી છે. વેપારી બેંકો કેટલાક મૂડીપતિઓએ સ્થાપી હતી અને તેના પર તેમનો કાબૂ હતો.તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું. પહેલા તબક્કે ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણ સાથે જ આ વર્ચસ તૂટ્યું હતું અને બેંકિંગ ક્ષેત્રનો લગભગ ૮૦ ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો. એટલે આર્થિક કેન્દ્રીકરણને તેણે નાબૂદ કર્યું હતું.

    બેંકોના વ્યાપનો હેતુ મોટાપાયે સફળ થયો છે. જુલાઈ ૧૯૬૯માં ૮૨૬૨ બેંક શાખાઓ હતી. જે આજે ૯૦,૦૦૦ છે. એટલે બેંક શાખાઓમાં અભૂતપૂર્વ વૃધ્ધિ થઈ તેનું કારણ રાષ્ટ્રીયકરણ છે. નેશનલાઈઝેશન પહેલા ૧૯૫૧ થી ૧૯૬૮માં બેંકોના ધિરાણમાં ૬૮ ટકા ધિરાણ ઉધ્યોગોને અને માત્ર ૨ ટકા જ ખેતીને થયું હતું. હવે બેંક ધિરાણ તો વધ્યું જ છે પરંતુ તે નાના ખેડૂતો, સ્વરોજગાર ચાહતા લોકો, નાના અને મધ્યમ  ઉધ્યોગોને મળી રહ્યું છે. અર્થાત બેંક રાષ્ટ્રીયકરણનો જે હેતુ હતો કે બેંકોની લોન ગરીબો, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને નબળા વર્ગોને મળી રહે તે હેતુ બર આવ્યો છે.

    નેશનલાઈઝેશન પછી જ બેંકિંગસ્ટાફમાં અનામતનીતિનો અમલ થયો છે.તેને કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બેંક કર્મચારીથી લઈને મેનેજર થવાની તક મળી છે. મૂડીપતિઓના વર્ચસ હેઠળની બેંકોમાં આ શક્ય નહોતું. ગ્રામીણ ક્ષેત્રે પણ બેંકો પહોંચી છે. જોકે હજુ અંતરિયાળ ગામડાં કે આદિજાતિ વિસ્તારો સુધી તેની પહોંચ નથી. બેંકો સરકારી યોજનાઓના અમલ માટે તો ધિરાણ આપતી થઈ છે પરંતુ સાધન સહાય પણ આપે છે. એટલે રોકડ આર્થિક  ધિરાણ ઉપરાંત ખેતી કે વ્યવસાયના સાધનો માટે બેંક લોન મળતી થઈ છે. બેંક મેનેજમેન્ટનું વ્યવસાયીકરણ થયું છે અને તેમાં સમાજના કથિત નિમ્ન વર્ગોને સ્થાન મળ્યું છે. ખાનગી બેંકો ફડચામાં જાય ત્યારે થાપણદારને માથે જોખમ આવતું હતું.પરંતુ સરકાર હસ્તક બેંકો હોઈ થાપણદારોનો એ ભય દૂર થયો છે એટલે લોકો પોતાની બચત અને થાપણો બેંકોના હવાલે મોટા પાયે કરે છે. આજે બેંકોમાં રૂ.૧૪૦ લાખ કરોડ જમા છે. બેંકો એટલે નાણાની લેવડ-દેવડ, ધિરાણ-થાપણ, લાભ-નફો , અમીરો-ઉધ્ધ્યોગો એ છાપ ભૂંસાઈ ગઈ છે. સમાજના ગરીબ, વંચિત, નબળા વર્ગોના લોકો તેનું પગથિયું ચઢતા થયા છે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનની ચિંતા સેવી તેને સક્ષમ બનાવવાવું કામ બેંકો કરતી થઈ છે.

    જો કે રાષ્ટ્રીયકરણ પછી રાજકીય હસ્તક્ષેપ અને દબાણને કારણે ધિરાણો કરવામાં આવ્યા છે અને તે મોટા ધિરાણો પરત ન આવતાં એનપીએ (નોન પરફોર્મિગ એસેટ્સ) વધી છે. વળી બેંક એમ્પ્લોઈઝ યુનિયનો મજબૂત હોઈ તેને કારણે કાર્યક્ષમતા અને કામની ગુણવત્તા જોખમાઈ હોવાની છાપ ઉભી થઈ છે. રાષ્ટ્રીયકરણે બેંકોના વહીવટમાં નોકરશાહી વલણો વધાર્યા છે તે તેની મોટી મર્યાદા છે. એકંદરે ૧૯૯૧ના આર્થિક ઉદારીકરણ પછી અને ખાનગીકરણના વાયરા વચ્ચે બેંકોનું રાષ્ટ્રીયકરણ અકબંધ રહ્યું છે તે તેની મોટી સિધ્ધિ છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ज़िंदगी से बड़ी सज़ा ही नहीं

    :ગઝલઃ

    કૃષ્ણબિહારી ‘નૂર’

    ज़िंदगी से बड़ी सज़ा ही नहीं
    और क्या जुर्म है पता ही नहीं

    इतने हिस्सों में बंट गया हूँ मैं
    मेरे हिस्से में कुछ बचा ही नहीं

    सच घटे या बढ़े तो सच ना रहे
    झूठ की कोई इँतहा ही नहीं

    चाहे सोने के फ्रेम में जड़ दो
    आईना झूठ बोलता ही नहीं

    अपनी रचनाओं में वो ज़िन्दा है
    ‘नूर’ संसार से गया ही नहीं –

     

    :આસ્વાદઃ

    દેવિકા ધ્રુવ

    ‘નૂર’ તખલ્લુસથી ગઝલો લખતા લખનૌના જાણીતા શાયર કૃષ્ણબિહારીની ઉપરોક્ત ગઝલ આફ્રીન પોકારી ઊઠીએ તેવી છે.

    ૧૯૨૫માં જન્મેલ આ શાયરની ગઝલોએ, કાશ્મીરથી કન્યાકુમારી અને પંજાબથી બંગાલ સુધીના તમામ મુશાયરાઓ ગાજતા અને ગૂંજતા રાખ્યા છે. કહેવાય છે કે, ઊર્દૂ ગઝલોની એ રોશની હતા તો હિંદી ગઝલોના આધારસ્તંભ હતા.

    પહેલી વાર જ્યારે ‘યુટ્યુબ’ પર તેમના ખાસ અંદાઝમાં ઉપરોક્ત ગઝલ સાંભળી અને ફરીથી ખૂબસૂરત સંગીતકાર શ્રી સુજાત હુસેનખાંના અવાજમાં સાંભળવા મળી ત્યારે દિલથી સલામ થઈ જ ગઈ. તે પછી તો અનુપ જલોટા અને જગજીત સિંઘ વગેરે ગાયકોએ પણ આ ગઝલ ગાઈ છે.

    ટૂંકી બહેરના મત્લાથી થયેલી ચોટદાર શરૂઆત જ ભાવકના દિલમાંથી ‘આહ’ સર્જાવે છે. એ કહે છે કે,

    ज़िंदगी से बड़ी सज़ा ही नहीं
    और क्या जुर्म है पता ही नहीं

    વાહ..જિંદગીની તાસીરનું શું રેખાચિત્ર ઉપસાવ્યું છે!!!

    રહસ્યો અને વિસ્મયોથી ભરેલી આલમના વિવિધ રંગોમાં આ શાયરે જિંદગીને સજા ગણાવી! ને પછી તરત જ કહી દીધું કે સજા તો છે પણ કયા ગુનાની એ ખબર જ નથી! અહીં એક વ્યથિત માનવીને ચિત્રિત કર્યો છે. પણ બીજી જ ક્ષણે જાણે એની વ્યથાને પડદા પાછળ છુપાવીને, બહાર તો એક બેફિકરાઈભરી મસ્તી બતાવી છે. સાથે સાથે એક વ્યંગાત્મક ઈશારો પણ કરી દીધો છે. ગુના વગરની સજાભરી સ્થિતિ છે આ તો કેવો ન્યાય છે?!

    જિંદગી જ્યારે સજા જેવી આકરી લાગે ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ દર્દની કલ્પનાને ચિત્રિત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે..કવિ શ્રી અનિલ ચાવડાનો શેર અનાયાસે જ યાદ આવી જાય છે.

    “જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે.
    મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.”

    બીજા શેરમાં ‘નૂર’ એ ભાવને વધુ ઘેરો કરતા કેવા ધારદાર શબ્દો પ્રયોજે છે કે,

    इतने हिस्सों में बंट गया हूँ मैं
    मेरे हिस्से में कुछ बचा ही नहीं

    આમ જોઈએ તો સંસારના આ ચક્રમાં માનવી અનેક જાતના રોલ ભજવે છે. સ્ત્રી હોય કે પુરુષ, વ્યક્તિ માત્રનું જુદાંજુદાં રૂપે, સ્વરૂપે વિભાજન થતું જ રહેતું હોય છે. એ રીતે જ જિંદગી આખીયે જીવાઈ જાય છે. ને પછી સંધ્યા સમયે એક તાત્વિક વિચાર જાગી જાય છે કે, ખરેખર હું કોણ, મેં શું કર્યું? મારા ભાગે શું રહ્યું? આ પ્રકારનો ભાવ મોટેભાગે અસહ્ય બનતાં જીવન ખુદ સજા જેવું લાગે જ લાગે.

    ત્રીજો શેર વળી એક નવો વિચાર લઈને આવે છે. શાયર કહે છે કે, માણસમાત્રનો એક સ્વભાવ છે કે, સાચાંખોટાંની પરખમાં મહદ અંશે એ થાપ ખાઈ જાય છે. પણ સત્ય તો સત્ય જ રહે છે ને? એમાં વધઘટ ન ચાલે. વધઘટ થાય તેને સત્ય ન કહેવાય. એ તો અવિચલ છે, સર્વકાળમાં સ્થિર છે. દુઃખની વાત તો એ છે કે કસોટી, સચ્ચાઈની જ થયાં કરે છે, વારંવાર થયાં કરે છે. ઈતિહાસ કહે છે કે, જૂઠની કોઈ પરીક્ષા થતી નથી. સમાજ પરનો વ્યંગ છે આ. ‘બેફામ’ પણ કેવું સાચું જ કહી ગયા છેઃ “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.” આ શાયરને પણ આ જ પ્રશ્ન એટલો બધો મૂંઝવે છે કે ચોથો શેર હૈયાંના ઊંડાણમાંથી સરી પડે છેઃ

    चाहे सोने के फ्रेम में जड़ दो
    आईना झूठ बोलता ही नहीं.

    કોઈ ગમે તેટલા સોના,ચાંદી કે હીરાની ફ્રેઈમમાં જડાવીને રાજી થાય, કશું છુપાવી શક્યાની ઘડીભર મોજ માણી પણ લે. પરંતુ સાચી વાત તો એ છે કે, तोरा मन दर्पन कहलाये. ભીતરના ભાવો ચહેરા પર પથરાયા વગર રહેતા જ નથી. મનનું દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી. ખૂબ થોડા પણ ધારદાર શબ્દોમાં અહીં કેટલું બધું ઠલવાયું છે? લાઘવ એ સિદ્ધહસ્ત કવિઓની કલા છે, જે અહીં સુપેરે અનુભવાય છે. એટલે જ નૂર સાહેબના એક મિત્ર, નામે મુનવ્વર રાણા; ગૌરવભેર અભિવ્યક્તિ કરતાઃ “આ શાયર લખનૌનું હરતું ફરતું નૂર હતા! એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લખનૌની સભ્યતા, સંસ્કૃતિ, નઝાકત અને સ્નેહ છવાતો.”

    આમ તો આ ગઝલ ૯ થી ૧૦ શેરોની છે પણ અત્રે ચુનંદા શેરો પ્રસ્તૂત છે. અહીં યાદ આવે છે કે કલાકાર અમિતાભ બચ્ચનના અવાજમાં બોલાયેલ નૂર સાહેબની બીજી એક ગઝલનો શેર કે જે ગલીએ ગલીએ ગવાતો, લોકોની જીભે ચડી ગયો હતો. એનો ઉલ્લેખ કર્યા વગર કેમ ચાલે?

    ‘लफ़्ज़ों के ये नगीने तो निकले कमाल के
    ग़ज़लों ने ख़ुद पहन लिए ज़ेवर ख़याल के!

    ઑર મઝાની વાત તો છેલ્લે આ ગઝલના મક્તામાં આવે છે. તેમાં કવિ ખુદ કહે છે કે,

    अपनी रचनाओं में वो ज़िन्दा है
    ‘नूर’ संसार से गया ही नहीं .

    કેટલી સાચી વાત છે? જાણે ભાવકના મુખે નીકળતા ઉદગાર ન હોય! આવા ઉચ્ચકક્ષાના શાયર તેમની રચનાઓ દ્વારા સદા અમર જ રહેશે. શાયરને અને તેમની કલામને સો સો સલામ અને નમસ્કાર.