-
આત્મઘાતનો નિશ્ચિત માર્ગ એટલે હિમાલય ક્ષેત્રમાં વિકાસ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘અમે પેઢીઓથી આ નદીની સાથે રહેતા આવ્યા છીએ. પણ હવે એ અમારી નદી રહી નથી. એ સાવ અજાણી બની ગઈ છે.’ આ ઉદ્ગાર ઉત્તરાખંડના ધરાલી ગામે ખીરગંગા નદીએ જે તબાહી કરી એ વિસ્તારના એક દુકાનદારના છે. સાવ સીધાસાદા જણાતા આ કથનની ગંભીરતાને સમજવા જેવી છે. પહાડી વિસ્તારોમાં લોકો કુદરતની સાથે જીવતા હોય છે, એમ વિવિધ કુદરતી પ્રતિકૂળતાઓ સાથે અનુકૂલન પણ સાધી લેતા હોય છે. પણ હવે જે પ્રતિકુળતાઓ કુદરત આદરી રહી છે તેની પાછળ માનવસર્જિત પરિબળો જવાબદાર છે. હકીકતમાં ધરાલીની દુર્ઘટના થઈ એના માંડ એકાદ મહિના અગાઉ હિમાચલ પ્રદેશના સિરાજમાં જાણે કે આનું રિહર્સલ થયેલું. વરસાદને પગલે પૂર આવ્યું. ઝરણાં ધસમસતાં બન્યાં. મકાનો ધસી પડવા લાગ્યાં અને પુલ જાણે કે રમકડાંનાં બનેલાં હોય બટકવા લાગ્યા. જોતજોતાંમાં બાખલી-નાલ અને થુનાગ વચ્ચેનો આખો વિસ્તાર સંપર્કવિહોણો થઈ ગયો. મદદ માટે કોઈ ત્યાં નહોતું પહોંચી શક્યું. એ વિસ્તારની એક પ્રૌઢાએ કહ્યું, ‘અમે ઘણાં તોફાન જોયાં છે. પર્વતો એની સામે અડીખમ રહેતા. પણ આ વખતે એ પડી ભાંગ્યા.’ કહેવાનો સાર એટલો કે પ્રાકૃતિક કોપની નવાઈ નથી, પણ એની સામે ઝીંક ઝીલવાની પ્રકૃતિની ક્ષમતા સતત ઘટી રહી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી હિમાલયમાં ઠેરઠેર વિકાસયોજનાઓ થઈ રહી છે. એક અભ્યાસ અનુસાર અગાઉની એટલે કે આ વિસ્તારના વર્તમાન ઔદ્યોગિક વિકાસની સરખામણીએ હિમાલયના વિસ્તારનું તાપમાન ૧.૮ અંશ સેલ્સિયસ જેટલું વધારે છે, જે ઘણું કહેવાય. શેને કારણે આ સ્થિતિ આવી? આનો સીધો જવાબ છે અહીં આવેલી બહુરાષ્ટ્રીય કંપનીઓને કારણે. આ વિસ્તારનો અભ્યાસ સૂચવે છે કે છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન આ વિસ્તારમાં આવેલી ચાલીસ બહુરાષ્ટ્રીય કંપનીઓ આ વિસ્તારમાં કરાતા ચાલીસ ટકાથી વધુ કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે. આવી કંપનીઓમાં તેલ અને વાયુ કંપનીઓ, કોલસાની કંપનીઓ તેમજ કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ તગડો નફો રળે છે, પણ તેની વિપરીત અસરોનો ભોગ બનવાનું સ્થાનિકોના ભાગે આવે છે.
આવી કેટલીક કંપનીઓનાં નામ છે: સાઉદી અરામ્કો, એક્ઝોનમોબીલ, શેવરોન, ગઝપ્રોમ, નેશનલ ઈરાનીયન ઓઈલ કમ્પની, કોલ ઈન્ડિયા વગેરે. સવાલ એ છે કે શું આ બધું રાતોરાત થયું? અજાણતાં થયું? અણધાર્યું થયું?
શહેરી અભ્યાસ અને સંચાલન ક્ષેત્રે નિષ્ણાત ગણાતા, શિમલા શહેરના નાયબ મેયરપદે રહી ચૂકેલા ટિકેન્દરસિંહ પંવારે આખો ઘટનાક્રમ સમજાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ૧૯૯૦ના દાયકામાં કેન્દ્રીય સરકારે આ સમગ્ર વિસ્તારના આર્થિક માળખાને નવેસરથી ગૂંથવાનો આરંભ કર્યો. લોન, પ્રોત્સાહક અભિગમ અને નીતિઓમાં કરાયેલું પરિવર્તન-આ તમામ બાબતો જળવિદ્યુત, પ્રવાસન તેમજ રીઅલ એસ્ટેટના ક્ષેત્રને વેગ મળે એ રીતે તૈયાર કરાતાં ગયાં. નાણાંભીડ અનુભવતાં રાજ્યો આવકમાં વૃદ્ધિ માટે આતુર હતાં. તેમણે ઝાઝું વિચાર્યા વિના આનો સ્વીકાર કરી લીધો. સ્થાનિકોને કહેવામાં આવ્યું કે આ ‘વિકાસ’ છે, વાસ્તવમાં એ વિનાશનો માર્ગ બની રહ્યો હતો. પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ઘટાડો, પર્યાવરણની મંજૂરીઓમાં તોડમરોડ તેમજ પરંપરાગત રીતે પ્રચલિત જમીનના ઉપયોગની પદ્ધતિઓને કોરાણે મૂકીને કેવળ આવક પર ધ્યાન કેન્દ્રિત કરાયું.
એક વાર આ માર્ગની પસંદગી થઈ અને તેના પરની સફર આરંભાઈ એ પછી હિમાલયનાં રાજ્યો માટે પાછા ફરવાનો અવકાશ રહ્યો નહીં. વિકાસના કેન્દ્રીય મોડેલમાં સ્થિરતાને બદલે ઝડપ, અન્ય જરૂરિયાતને બદલે કેવળ બાંધકામને પ્રાધાન્ય અપાતું ગયું. મોટા ભાગના માટે પસંદગી કેવળ બે નઠારા વિકલ્પો વચ્ચે જ હતી: વિકાસની દોડમાં જોડાઈ જવું કે પછી નાણાંના ધસમસતા પ્રવાહથી વંચિત રહેવું.
ઉત્તરાખંડમાંનો ચાર ધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો પ્રકલ્પ જોઈએ તો ખ્યાલ આવશે કે નવસો કિ.મી.ના પ્રકલ્પને સમગ્ર દૃષ્ટિએ જોવાને બદલે તેને નાના નાના ટુકડામાં વિભાજીત કરી દેવામાં આવ્યો. ઢાળ અતિશય ઊતારવાળા બન્યા, ભંગારને પાણીના વહેળાઓમાં ઠાલવવામાં આવ્યો, નિકાલની વ્યવસ્થાને નજરઅંદાજ કરવામાં આવી. આને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો. પણ આ કંઈ અણધાર્યું નહોતું. એનો કાર્યકારણનો સંબંધ સમજવો સરળ છે. મંત્ર એક જ હતો: બસ, ઊતાવળે કામ પતાવો, અને લોકોની ધાર્મિક લાગણીને પંપાળો. પર્યાવરણનું અને સ્થાનિક લોકોનું જે થવું હોય એ થાય.
હિમાચલ પ્રદેશમાં પણ ઠેરઠેર આ જ કથા છે.
શહેરી આયોજનના નિષ્ણાતો પોતાના આયોજનમાં જવલ્લે જ પર્યાવરણ કે હવામાનના ખતરાઓને ધ્યાને લે છે. જે તે વિસ્તારની વહનક્ષમતાનો અભ્યાસ કાં થતો નથી, કાં અવગણાય છે. ગેરકાયદે બાંધકામ અમુક દંડ કે લાંચ થકી કદાચ કાનૂની બની શકે, પણ પર્યાવરણ માટે એ જોખમી મટી જતું નથી.
ટિકેન્દરસિંહે એ પણ જણાવ્યું છે કે હિમાલયના વિસ્તારોમાં સ્થાનિક લોકોની આગવી પદ્ધતિ હતી. ગ્રામજનો નદીના પટને ચોખ્ખો રાખતા, કેમ કે, તેઓ જાણતા કે નદીનો કાંપ અને તેનો પ્રવાહ છલકાશે તો એને જગ્યા જોઈશે. મકાનો ઢોળાવ પર રહેતા, નહીં કે તીવ્રતમ ઊતાર પર. પગથિયાં બનાવીને કરાતી ખેતી પાણીની ગતિને મંદ કરતી. આવી તો અનેક પદ્ધતિઓ પ્રચલિત હતી. સિરાજમાં વસાહતો એ રીતે બનાવાતી કે ભૂસ્ખલનથી તેને ઓછામાં ઓછું નુકસાન થાય. હવે આખો મામલો ‘પ્રોપર્ટી’ અને ‘રીઅલ એસ્ટેટ’નો બની ગયો છે. ખાલી જગ્યાનું મહત્ત્વ પર્યાવરણની દૃષ્ટિએ નહીં, નાણાંના તોલે તોળાય છે. સડક બનાવવા માટે વધુ પડતો ઢાળ રાખવો, પાર્કિંગ સ્થળ બનાવવા માટે નદીના મેદાન પર કોન્ક્રિટ કરવું, કોઈ પ્રકલ્પ માટે થઈને વનવિસ્તાર ઘટાડતા જવો- આ બધું નૈસર્ગિક સુરક્ષાને ઘટાડે છે. બાકી રહે એ વાદળ ફાટવાનો કે વાવાઝોડા જેવો કુદરતી પ્રકોપ પૂરું કરે છે.
આ વિસ્તારનો વિકાસ જોઈને આપણે હજી હરખાઈ રહ્યા છીએ અને એનું ગૌરવ અનુભવી રહ્યા છીએ એનો અર્થ એટલો કે ‘મહામૂર્ખ’ની વ્યાખ્યા શોધવા માટે શબ્દકોશને ફંફોસવાની જરૂર નથી.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪-૯– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૨
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
અલ–નીનો શું છે ?
પરેશ ૨. વૈદ્ય
હાથી કેવો લાગે છે તે સમજવા માટેના પાંચ અંધજનોના પ્રયત્નની વાત આપણે જાણીએ છીએ. મોનેક્સ કાર્યક્રમ અને તે પછીના સંયુક્ત અભ્યાસથી અગાઉ ભારતીય ચોમાસાં વિષે આપણી સમજણ પણ એવી જ કંઈક હતી. માત્ર આપણી ઉપરનાં વાતાવરણનો અભ્યાસ કરવાથી ચોમાસાંની ઘટનાનું સમગ્ર ચિત્ર ન મળી શકે તે આ પ્રયોગોથી સ્પષ્ટ થયું. આ નવા જ્ઞાનમાં એક અણધારી વસ્તુ હાથ લાગી તે ‘અલ-નીનો’ની ઘટના.

‘અલ-નીનો’ની ઘટના આ શબ્દ થોડાં વર્ષોથી જ સામાન્ય જનના શબ્દકોષમાં આવ્યો છે. હવામાનશાસ્ત્રીઓ માટે પણ એ બહુ જૂનો નથી. છેલ્લાં ચાલીસેક વર્ષથી જ તેને સમજવાની ગડમથલ થઈ રહી છે. આ એક કુદરતી ઘટના છે. જેમાં દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ કિનારે, પેરૂ દેશની નજીકના સમુદ્રમાં ત્રણ ચાર વર્ષમાં એકવાર ગરમ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળે છે. એટલે ત્યાંના લોકો માટે આ શબ્દ જૂનો છે. પરંતુ ભારતીય ઉપખંડના ચોમાસાં જોડે તેનો સંબંધ જોડાયો તે પછી એ વૈજ્ઞાનિક શબ્દકોષમાં દાખલ થયો.
ઉચ્ચારમાં અરબી લાગતો આ શબ્દ ખરેખર સ્પેનિશ ભાષાનો છે. તેનો અર્થ છે “નાનો છોકરો”. ઘટના મોટાભાગે નાતાલની આસપાસ બનતી હોવાથી ‘નાના છોકરા’નો ભાવાર્થ ‘બાળ ઈશુ’ છે. સમુદ્રમાં જે સ્થળે પાણી ગરમ હોય તે જગ્યાએ સારો વરસાદ થાય છે. આથી ત્રણચાર વર્ષે એકવાર દક્ષિણ અમેરિકાને કાંઠે સારો વરસાદ થાય છે. આવું ક્યારેક બનતું હોવાથી જ લોકોએ તેને ઈશુનું લાડકું નામ આપ્યું હશે. પરંતુ જ્યારે એ લોકો ખુશ હોય છે ત્યારે આપણું ચોમાસું નબળું જવાની સંભાવના બને છે. આ કેમ બને તે સમજવા વિશ્વના નકશામાં પ્રશાંત મહાસાગર પર નજર નાંખો. આ સાગરની બે તરફ જમીનની કુદરતી સરહદ બનેલી છે. એક બાજુ ચીન, મલયેશિયા, ફિલીપાઈન્સ વગેરે દેશો તો સામે બે અમેરિકા ખંડો. જ્યારે જ્યારે પૂર્વ છેડે, અમેરિકા ખંડ પાસે સમુદ્ર વધુ ગરમ હોય છે ત્યારે પશ્ચિમ છેડે એ ઓછો ગરમ હોય છે અને આપણું નસીબ આ પશ્ચિમ છેડા જોડે બંધાયેલું છે. તેથી તે વર્ષે આપણે કોરાં રહી જઈએ છીએ. (ચિત્ર-૨૦)

ભારતનું સ્થાન બતાવતો વિશ્વનો નકશો પવનનું વલોણું :
સમુદ્રના સામસામા કિનારાઓ વચ્ચે આ ‘ઉંચક-નીચક’ શાને થાય છે તે સમજવું રસપ્રદ છે. કુદરતની એવી ઉપકારક એક રચના છે કે તળાવ કે સમુદ્રનાં પાણી ઉપર સૂર્યનો તાપ પડવાથી માત્ર તેનું ટોચનું પાણી જ ગરમ થાય છે. ઉષ્ણતાનયન (પ્રવાહીમાં ગરમી પ્રસરવાને લગતા)ના નિયમ પ્રમાણે ગરમ પાણી ઊંચે ચડે છે, નીચે નથી જતું. આથી તળાવમાં ડૂબકી મારો તો શીતળ જળનો અનુભવ થાય છે. આમ જો ન હોત તો કુમળા જળચર જીવોને ગરમ થતાં જતાં પાણીમાં જીવવું મુશ્કેલ બન્યું હોત. જો કે એવું પણ નથી કે સતત ગરમી પડયા કરવાથી ઉપરનું પાણી અમર્યાદ ગરમ થઈ જાય કે ઉકળવા માંડે.
આમ ન બનવાનું કારણ છે કે પાણી થોડું તો ઉપર-તળે થતું જ હોય છે. સમુદ્રમાં ભરતી-ઓટ થોડે અંશે આ માટે જવાબદાર છે. પરંતુ વધારે અગત્યનું કારણ પવનો છે, જે સરોવરોને પણ લાગુ પડે છે. પવનના ધક્કાને કારણે હીલોળા લેતું પાણી એક તરફ ધકેલાય છે. ત્યારે તેની જગ્યાએ કાંઠા પાસે નીચેનું પાણી ઉપર આવે છે. (જુઓ ચિત્ર) આને અંગ્રેજીમાં Upwelling કહે છે. આમ થવાને કારણે સમુદ્રનાં પાણીનાં પોષક તત્ત્વો અને કાર્બન ડાયોક્સાઈડ ભળવાનું ઉપયોગી કામ પણ થાય છે.

સમુદ્રનું પાણી ઉપર-તળે થવું આ સાદી ઘટનાના આપણાં ચોમાસાં જોડે સંબંધ જાણવા ફરીથી પ્રશાંત સાગરનાં ચિત્ર પર જઈએ. સામાન્ય રીતે પવનની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે, એટલે કે દક્ષિણ અમેરિકાથી ફિલીપાઈન્સ (કે ભારત) તરફ. આથી અમેરિકા ખંડના કિનારાનું પાણી ધક્કા ખાઈને પશ્ચિમ તરફ જાય ત્યારે ત્યાં પેટાળમાંથી ઠંડુ પાણી ઉપર આવી તેની જગ્યા લે છે. આથી ઈક્વાડોર, પેરૂ વગેરે દેશોની નજીકનો કાંઠો ઠંડો રહે છે. ગરમ પાણી એશિયા આવે ત્યારે ત્યાં સપાટીની ભેજવાળી હવા ગરમ થઈ ઉપર ચઢે છે. તેનાથી વરસાદ આવે છે. પરંતુ પેરૂ, ચીલી વગેરે કોરાં રહે છે.
પરંતુ આશરે ચાર વરસે પવનની દિશા ઉલટાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયાથી ચીલીની દિશામાં જતા પવનના ધક્કાથી આ તરફનું ગરમ પાણી પણ તે તરફ જાય છે. એટલે વરસાદની ઋતુ દક્ષિણ અમેરિકા પાસે થાય છે. પશ્ચિમ કિનારે અપ-વેલીંગ થવાથી સમુદ્ર ઠંડો થાય છે અને વરસાદની તકો ઘટે છે. દર ચાર પાંચ વર્ષે થતી પવનની દિશાની આ ઉલટફેરને બગીચામાંના હીંચકા કે ઊચક-નીચક જોડે સરખાવી શકાય. વિષુવવૃત્તથી થોડે દક્ષિણ તરફ આ થતું હોવાથી તેને આ ઘટનાને ‘દક્ષિણી આવર્તન’ કહે છે. અલ-નીનો તેની સાથે જોડાયેલ હોવાથી કેટલાક નિષ્ણાતો બંનેને જોડીને આ ઘટનાને ‘El-Nino Southern Oscillation’ એટલે ટૂંકાણમાં ENSO (એન્સો) જ કહે છે. ચોમાસાંને લગતાં સાહિત્યમાં આ શબ્દ દેખાય તો તેને અલ-નીનો જ સમજવો.
જો આ ઘટના જુલાઈ-ઓગસ્ટમાં બને તો એ આપણા ચોમાસાંનો સમય છે. તેથી વરસાદની માત્રા ઉપર તેની અસર પડે છે. પરંતુ એવું નથી કે ચોમાસું તદ્દન કોરું જાય, કારણ કે બીજા ઘટકો પણ વરસાદની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. પરંતુ વરસાદ ઘટી તો જાય છે. પરંતુ આ જ ઘટના નવેમ્બર-ડિસેમ્બરમાં બને તો તેની અસરની જાણ નથી થતી. તે વખતે પૂર્વ આફ્રિકામાં ચોમાસું હોય છે એટલે ત્યાં વરસાદ ઘટે છે. પેલી તરફ પેરૂ, ઈક્વાડોરમાં વરસાદ વધવાની સાથે સાથે કેલિફૉર્નિયા ઉપર વાવાઝોડાંની સંખ્યા પણ વધે છે.
હવામાનશાસ્ત્રીઓએ છેલ્લાં ૧૧૦ વર્ષના આંકડાઓનો અભ્યાસ કર્યો છે. તે પ્રમાણે જ્યારે આપણે ત્યાં દુકાળ પડ્યા (વર્ષ ૧૯૭૨, ૧૯૮૭, ૧૯૯૭, ૨૦૦૨, ૨૦૦૯) તે વર્ષો જરૂર અલ-નીનોનાં હતાં. પરંતુ એવાં ય કેટલાંક વર્ષ હતાં કે જ્યારે અલ નીનો હતો તેમ છતાં વરસાદ ઉપર અસર નહોતી થઈ. વળી દેશ મોટો હોવાથી કેટલાક પ્રદેશોને અસર ન પણ થાય. ૨૦૦૯નાં ચોમાસાનું ઉદાહરણ છે, જે સામાન્ય અલ નીનોનું વર્ષ હતું. ત્યારે દેશમાં વરસાદ ઓછો તો થયો પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધુ વર્ષા થયેલી. ત્યાં લગી કે ભુજમાં પૂર પણ આવેલું. કચ્છની નજીક ઓછા દબાણનું ક્ષેત્ર થવાની સ્થાનિક ઘટનાને અલ-નીનો જોડે સંબંધ ન હતો.

લા–નીના :
પ્રશાંત મહાસાગરને પેલે છેડે પાણી ગરમ થવાને બદલે અસાધારણ રીતે ઠંડું થઈ જાય તો તે ઘટનાને ‘લા-નીના’ કહે છે. સ્પેનિશમાં એનો અર્થ થાય છે ‘નાની બાળકી’ આમ બને તો એ કાંઠે વરસાદ સામાન્ય કરતાં પણ ઓછો થાય છે. ભારતમાં લા-નીનાવાળાં વરસોમાં કદીય દુકાળ નથી પડ્યો તેવું અવલોકન છે. મોટાભાગનાં વર્ષો એવાં હોય છે જેમાં અલ-નીનો કે લા-નીના બંને નથી હોતાં. આવાં વર્ષોને સામાન્ય કહી શકાય. પરંતુ એવાં વર્ષોમાં પણ દુકાળ પડયા છે ખરા.
અલ–નીનોની આગાહી :
આ ઘટનાથી દુનિયામાં ઘણી જગ્યાએ અસર પડે છે. આથ્ાી ચોમાસાંની જેમ એની પણ આગાહી કરવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરે છે. એ અને લા-નીના શા માટે થાય છે, અથવા કહો કે પ્રશાંત સાગરમાં પવનોની દિશા અમુક વર્ષે શા માટે ઉલટી હોય છે તેની પૂરી સમજણ તો હજુ નથી પડી. જેમ ચોમાસાંને સમજવા માટે નિરીક્ષણો કર્યા હતા, તેમ અલ-નીનો માટે પણ વિસ્તારિત કાર્યક્રમ ચાલો છે. સાથેનાં ચિત્રમાં જે ગંજાવર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે દર્શાવી છે.

અલ નીનોના અભ્યાસનો કાર્યક્રમ ૧. જાડી રેખાઓ તે વ્યાપારી જહાજોના માર્ગ બતાવે છે. એ માર્ગે જ્યાં જહાજો સમુદ્રની સપાટી ઉપર તેમ જ પાણીમાં સેંકડો મીટર ઊંડાઈએ વિવિધ માપણીઓ કરે છે.
૨. નાનાં તીર છે તે તરતાં બોયાં છે. એ સપાટીએ પવન/હવા બાબતનાં અવલોકનો લઈ તે ઉપગ્રહોને મોકલે છે. સમુદ્રના પ્રવાહની દિશા પણ બોયાંની મુસાફરીથી ખબર પડે છે.
૩. ટપકાંની ઊભી કતાર છે તે સ્થાયી બોયાં (લંગર નાંખીને ઊભાં રાખેલાં) છે. તરતાં બોયાં જેવું કામ કરવા ઉપરાંત પાણીમાં ઊંડે પણ ઉષ્ણતામાન માપે છે.
૪. કિનારાઓ નજીક (*) આ નિશાન છે તે ભરતી માપક ગેજ છે. તેવા ગેજ મધદરિયે પણ છે. સમુદ્રનાં પાણીની સપાટીની ઉંચાઈ માપે છે. ભરતી ઉપરાંત ગરમીને કારણે પાણીનું કદ વધે તેથી પણ ઊંચાઈ બદલે છે. આપણાં ચોમાસાંની આગાહી આ ઘટક ધ્યાનમાં લેવાય છે કારણ કે એ પરોક્ષ રીતે અલ-નીનોની માપણી છે.
આ બધી માહિતીના ભંડાર પરથી પવન અને પાણીના પ્રવાહો વચ્ચેના સંબંધને લાગતાં ગણિતિક ‘મોડેલ’ બને છે. તેના પરથી અલ-નીનો આવવાનો અંદાજ ઘણા મહિના અગાઉ કાઢવામાં આવે છે. આ માત્ર સાવચેતી છે, માણસ પાસે તેને રોકવાનો કોઈ ઉપાય નથી ! તે છતાં અલ-નીનોનાં આગમનની વાતથી નિરાશા ફેલાવાને કારણ નથી. વૈજ્ઞાનિક માહિતીનો ઉપયોગ અછતનાં આયોજનમાં કરી શકાય. બાકી અલ-નીનોનાં નામથી પહાડ તૂટવા જેવી વાતો મેગેઝીનો અને છાપાંઓ કરે છે તેવું ભયંકર એ પ્રાણી નથી. એનું નામે ય ખબર ન હતી ત્યારે પણ દર ૫-૭ વર્ષે દુષ્કાળનો સામનો તો આપણે કરતાં જ આવ્યાં છીએ. તેમાંના કેટલાક દુકાળ એને કારણે હશે એવું હવે સમજાય છે.
હા, કુદરતની એક અજબ ઘટના તરીકે તેનું અચરજ જરૂર થાય. છેક ૨૦,૦૦૦ કિલોમીટર દૂરથી આપણાં જીવન પર અસર પાડે છે તે પરથી કવિ ભાસ્કર વોરાનું વર્ષાગીત ‘તારે રે દરબાર મેઘારાણા’ યાદ આવે છે. જાણે દૂર વાગતી કોઈ ગેબી વીણા આપણા વરસાદને પોતાની તરફ નચાવે છે. કવિએ તો વળી સાગરનું કનેક્શન પણ જોયું છે, જાણે અલ-નીનોની વાત પરથી જ ગીત રચ્યું હોય.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડૉ. જયંત બી. મહેતા [૨]
ગયા અંકમાં આપણે ડૉ જયંત મહેતાનાં શિશુકાળની યાદો સાથે પરિચય કર્યો.હવે આગળ…..
આશાનું કિરણ:
બાળપણની મારી સ્મૃતિમાં કેવળ આક્રોશ, હતાશા કે નિરાશાની જ લાગણીઓ હતી, તેવું લખવું વાજબી નથી. અન્ય બાળકો અને કિશોર અવસ્થાના દોસ્તોની સાથે ક્રિકેટ રમવાનો આનંદ પણ હતો. મિત્રો સાથે જોરદાર ચર્ચાઓ થતી. શેતરંજની રમત અને પત્તાંબાજી પણ ખરી. પુસ્તકાલયમાં બેસીને વિવિધ પ્રકારનાં પુસ્તકો વાંચવાનો આનંદ પણ મળ્યો હતો. બ્રાહ્મણ કુટુંબમાં જન્મવાનો બીજો એક લાભ હતો. યજમાન આવે ત્યારે બ્રહ્મભોજનનો રિવાજ હતો. એટલે લાડવા અને વિવિધ પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજન માટે આમંત્રણ મળતાં. આ એક સુખનો સમય! સંસ્કૃત પાઠશાળામાં ગુરુજી શ્લોકો બોલતાં શીખવતા, તે પણ મને ખૂબ જ ગમતું. આ બધા પ્રસંગોની જે સ્મૃતિ છે, તેમાં બે પ્રસંગો મારા માનસપટ ઉપર હજી તાજા હોય તેવું મને વારંવાર લાગ્યું છે.
ઉનાળાની રજાઓમાં કોઈપણ પ્રકારની ફી લીધા વિના શ્રી ગિરિજાશંકર પંડ્યા અમને ગણિત શીખવતા. ઘરનું કેરોસીન બાળીને ફાનસના અજવાળામાં ભણાવતા. મને ભૂમિતિ, અંકગણિત, બીજગણિત શીખવાનો ખૂબ લાભ મળ્યો. બાર વર્ષના શાળાના અભ્યાસ દરમિયાન ગણિતમાં મારા માર્ક્સ ૯૦ ટકાથી વધારે આવતા. જેનો યશ પંડ્યા સાહેબને જાય છે. ઘણીવાર પંડ્યા સાહેબ થાકી જાય, ત્યારે અન્ય વિદ્યાર્થીઓને શીખવવાની જવાબદારી મને મળતી. તેથી નાની ઉંમરે મને શિક્ષક થવાના કોડ જાગ્યા. વર્ષો પછી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા આ ગણિતનો અભ્યાસ મને ખૂબ ઉપયોગી થઈ પડ્યો. કારણ કે સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રિ મેડિકલમાં Biology (જીવશાસ્ત્ર) ઉપરાંત ગણિતના ગુણાંક પણ મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે ઉપયોગી હતા. ભણવાનું અને ભણાવવાનું મને ગમતું, એટલે ફાજલ સમયે ગુજરાતી નવલકથાઓથી કંટાળું, ત્યારે હું ગણિતના દાખલા ગણતો અને એમાં મને વિશેષ આનંદ મળતો. ઉમાશંકર જોશી અને જયંત પાઠકનાં કાવ્યો મને ગમતાં. પરંતુ બ.ક. ઠાકોરનાં કાવ્ય વાંચું, ત્યારે મને પ્રશ્ન થતો કે આમાં કાવ્યતત્ત્વ ક્યાં છે? વાંચ્યા પછી આનંદ ઓછો આવે. કૉલેજકાળમાં રાજેન્દ્ર શાહનાં કાવ્યો પણ મને ગમતાં. સુરેશ જોશીની વાર્તાઓ અને કવિતાઓ તો અમેરિકા આવ્યા પછી વાંચવા મળી. મૅટ્રિક પાસ થયો ત્યાં સુધીમાં ક.મા.મુનશી અને ર. વ. દેસાઈની લગભગ બધી જ નવલકથાઓ હું વાંચી ચૂક્યો હતો.
ડાકોરનો બીજો પ્રસંગ મારા પિતાશ્રીની બીમારીનો છે. અમે ભાઈ-બહેનો પિતાજીને ‘મોટાભાઈ’ના સંબોધનથી જ બોલાવતા. મોટાભાઈના પેટમાં દુખાવો થતો. એમની બીમારી પ્રસંગે હું ખૂબ ચિંતાતુર રહેતો. આખા કુટુંબની આર્થિક જવાબદારી પિતાજી માથે હોવાથી એમને ઘણી ચિંતા રહેતી હતી. અમારા ફેમિલી ડૉક્ટર શ્રી હરિહર જોશી. મારા હરિપ્રસાદ મામાના ખાસ મિત્ર હતા. એટલે હરિહર ડૉક્ટરને પણ અમે ‘મામા’ શબ્દથી જ સંબોધતા અને ડૉક્ટર પણ અમને “આવો ભાણાભાઈ” એવા સ્નેહથી સત્કારતા. નાની-મોટી બીમારીમાં એ અમારા કુટુંબની સારવાર કરતા અને ફી લેવાની કે બિલ મોકલવાની સ્પૃહા એમણે કદી કરી હોય તેવું મારી સ્મૃતિમાં નથી. મારા મોટાભાઈની બીમારી સમયે હું દોડીને ડૉક્ટર મામાને તેડવા જતો. ડૉક્ટર આવે એટલે મારી બા પાણી ગરમ કરે. જેથી ઇન્જેક્શનની સિરીંજ અને સોય વગેરે ઉકાળીને ચોખ્ખી કરી શકાય. ડૉક્ટર આ પ્રક્રિયા દરમિયાન હસતાં હસતાં કહેતા: “શશિબેન, સ્ટવ ચાલુ છે, તો એક કપ મસાલાવાળી ચા પણ મૂકી દો.” મારી બા સહર્ષ એમને માટે ચા બનાવતી. ઇન્જેક્શન પછી મોટાભાઈને સારું લાગતું. નોંધપાત્ર બાબત એ છે કે ઇન્જેક્શન આપીને ડૉક્ટર મામા દવાખાને પાછા ફરતા, જેથી બીજા દર્દીઓની સારવાર થઈ શકે. સાંજે દવાખાનું બંધ કરીને પોતાને ઘેર જવાને બદલે ડૉક્ટર સાહેબ અમારાં ઘરની બીજી મુલાકાત લેતા. મોટાભાઈ જોડે બેસતા. એમનું મન હળવું થાય તેવી વાતચીત કરતા. પિતાજીને આ શાંતિ, ધીરજ, વાર્તાલાપ વગેરે માનસિક સારવારથી વિશેષ ફાયદો થતો. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ મુલાકાત પણ દર્દીની સારવારનો અગત્યનો હિસ્સો છે તે વાત મને વર્ષો પછી સમજાઈ. મેડિકલ કૉલેજમાં જવાની પ્રેરણા મને આવા સ્નેહી ડૉક્ટર મામાના વર્તનમાંથી મળી. થોડા શબ્દો, પણ ઊંડી સમજ. એમની માનવતા અને દર્દીને સમજવાની શક્તિ પ્રત્યે મને ખૂબ જ સન્માનની લાગણી ઉત્પન્ન થઈ. જે ડૉક્ટર તરીકેના મારા વિકાસ માટે ખૂબ લાભદાયી બની.
ડાકોરમાં મને સારા મિત્રો પણ મળ્યા. હરીશ શાહ મારા કરતાં ખૂબ હોશિયાર. શાળામાં મારો નંબર પ્રથમ આવે. પરંતુ એનું કારણ, હરીશ મારા કરતાં એક વર્ષ પાછળ. જો એ મારા વર્ગમાં હોત, તો મારો નંબર પ્રથમને બદલે દ્વિતીય થઈ જાત! અમે દરરોજ સાંજે ચાલવા જઈએ. ગુજરાતી સાહિત્યની ચર્ચા થાય. લાઇબ્રેરીમાં બેસીને જે વાંચ્યું હોય તેની ટીકા ટીપ્પણ થાય. ‘ગુજરાતનો નાથ’ અને ‘જય સોમનાથ’ જેવી નવલકથાઓની તુલના થાય. અમારી સાથે વિજ્ઞાનના શિક્ષક શ્રી ચંપકભાઈ દોશી હોય, તો અમેરિકા અને રશિયા જેવા દેશોમાં થઈ રહેલાં નવા સંશોધનોની ચર્ચા કરે. ડાકોરના બાલ્યકાળ દરમિયાનનો એક અનુભવ હું કદી નહીં ભૂલી શકું.
મારી બાને ટી.બી.ની બીમારી થઈ ત્યારે ડાકોરના ડૉક્ટરોએ મોટા શહેરમાં સારવાર માટે જવાની સલાહ આપી. આર્થિક રીતે એ શક્ય ન હતું અને સૅનેટોરિયમમાં પણ જંતુનાશક ઍન્ટિબાયોટિક ઉપલબ્ધ ન હતી. ૧૯૫૨-૫૩ની સાલમાં સ્ટ્રેપ્ટોમાયસિન સિવાય અન્ય દવાની શોધ થઈ ન હતી.
આવા સંજોગોમાં મારાં માતા-પિતાના જીવનમાં કેવું અસહ્ય સંકટ આવી પડ્યું અને એમણે કેવી રીતે પ્રશ્નોના ઉકેલ શોધ્યા એની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. નડિયાદના એક પ્રખ્યાત વૈદ્ય (મણિલાલ વૈદ્ય) ની મદદ મળી. જેમણે આયુર્વેદિક પદ્ધતિથી મારી બાના રોગની સારવાર કરી. બે-ત્રણ મહિના મારી બા નડિયાદમાં રહી. આ સમય દરમિયાન અમે બાળકો મા વિનાના. પિતાજી નોકરી કરે, રસોઈ પણ બનાવે અને અમને તૈયાર કરીને સ્કૂલમાં મોકલે! એમને ભગવાનમાં અટલ શ્રદ્ધા. વહેલી સવારે ગાયત્રી મંત્રના જાપ પણ કરે. આ ગાળામાં હું પણ પ્રાર્થના કરતો અને પિતાજીને ઘરકામમાં મદદ કરતો. મારી બહેનના લાંબા વાળને કેમ વ્યવસ્થિત કરવા, ચોટલો કેવી રીતે વાળવો… આવું બધું ઘરકામ હું શીખી ગયો. ભગવાનની કૃપાથી બાનો ટી.બી. મટી ગયો. ટી.બી. સ્પેશિયાલિસ્ટ તરીકે મને એવું લાગે છે કે ૧૯૫૨ ના અરસામાં માત્ર આયુર્વેદિક પદ્ધતિથી ટી.બી. મટી જાય અને તે પછી ૫૦-૬૦ વર્ષ સુધી ડાયાબિટીસ હોવા છતાં ટી.બી.નો ઊથલો ન આવે એ ચમત્કારિક ઘટના કહેવાય! આજે પણ માતા-પિતાની શ્રદ્ધાનું બળ મને માનસિક ધરપત અને પ્રેરણા આપે છે.
પૈસાની અછત હોવા છતાં ઉત્તમ શિક્ષણ મળ્યું. સમાજમાં ખૂબ રૂઢિચુસ્ત અને બંધિયાર વિચારસરણી હતી. છતાં ડાકોરમાં એવા શિક્ષકો મળ્યા, જે નિ:સ્વાર્થ ભાવે અમને ટ્યૂશન આપતા. નાણાંની અપેક્ષા રાખ્યા સિવાય, વિદ્યાર્થી ઘેર આવે, તો આ શિક્ષકો ઉમંગથી ભણાવતા. મારા પિતાજી નજીવા પગારમાંથી ક્યારેક ગરીબ વિદ્યાર્થીની ફી પોતાના ગજવામાંથી ભરી દેતા, જેથી કોઈ વિદ્યાર્થીને પૈસાના અભાવે સ્કૂલ છોડવી ન પડે. શાળાનું શિક્ષણ પૂરું કરવાનો અનુરોધ ઘણા વિદ્યાર્થીઓને આપતા અને જરૂર લાગે ત્યાં પાઠ્યપુસ્તકો વગેરેની વ્યવસ્થા કરી આપતા. ભગવાનના દર્શનાર્થે જે હજારો ભક્તો ડાકોરના મંદિરમાં આવે છે, તેમની શ્રધ્ધા ભક્તિને મારા શત શત વંદન. ડોંગરેજી મહારાજ ભાગવત્ કથા કરતા, પરંતુ દક્ષિણાની અપેક્ષા બિલકુલ નહીં. એક કથામાં ધાર્યા કરતાં વધારે આવક થઈ, ત્યારે બધી જ રકમ બ્રાહ્મણ સમાજની સંસ્થાને દાનમાં આપીને, માત્ર બસ ભાડું રાખીને ઘર તરફ પ્રયાણ કરી ગયેલા. પુનિત મહારાજ દરેક પૂર્ણિમાએ ભજનનો કાર્યક્રમ રાખતા. હૃદયસ્પર્શી ભજનોની રચના પોતે કરતા અને મધુર કંઠે ગાતા. લોકો જે ભેટમાં આપે તે અન્નક્ષેત્રમાં દાન રૂપે આપી સવારની બસ પકડી, અમદાવાદની એમની નોકરીમાં હાજર થઈ જતા. કોઈ મિથ્યા આડંબર નહીં. બાલમંદિરના શિક્ષક ઠાકોરભાઈ રેંટિયો કાંતીને પોતાનાં કપડાં તૈયાર કરતા અને સાધારણ પગારથી થોડા રૂપિયા બચે તે સમાજસેવામાં ખર્ચતા. આ રીતે જોતાં, ડાકોરમાં અસાધારણ વિરોધાભાસ જોવા- જાણવા મળ્યો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી:
મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી, અંગ્રેજી માધ્યમમાં ભણવા વડોદરા જવાનું નક્કી કર્યું. આર્થિક મુશ્કેલી તો હતી. પરંતુ કેન્દ્ર સરકારની સ્કૉલરશિપ મળે, એટલે મ.સ. યુનિવર્સિટીમાં જવાની મારી ઇચ્છાને થોડું સમર્થન મળ્યું. ત્યાં એક અણધાર્યો વિકલ્પ ઊભો થયો. નવી વિજ્ઞાન વિષયક કૉલેજ શરૂ થતી હતી. અજય તાંમ્બવેકરને અને મને ચાર વર્ષની સ્કૉલરશિપ સાથે કપડવંજ આવવાનું આમંત્રણ મળ્યું. કૉલેજના પ્રિન્સિપાલ સાહેબ ડાકોર આવ્યા. એમનો આશય હતો, ડાકોરના થોડા ‘હોશિયાર’ વિદ્યાર્થીઓને તેમની કૉલેજમાં લાવવાનો. પિતાજી પીગળ્યા. તેમની ઇચ્છા એવી કે મારે કપડવંજ ભણવા જવું. જેથી ખર્ચો બચે. છેવટે મારે તરકીબ કરવી પડી. પિતાજીને નરહરિ જ્યોતિષી પ્રત્યે સન્માન અને ખૂબ ભરોસો. એમણે નરહરિજીને જમવા આવવાનું આમંત્રણ મોકલ્યું. આગલી રાત્રે હું જ્યોતિષ મહારાજને મળી આવ્યો અને ખૂબ વિનંતી કરી કે ‘મારે વડોદરા ભણવા જવું છે, એટલે એ દિશા જ મારે લાયક ‘શુભ’ છે. તેવું પંચાંગ અને મારા જન્માક્ષરમાંથી શોધી રાખજો.’ જોષીજીએ મારી માન્યતા સ્વીકારી અને બીજે દિવસે મારા પિતાજીને સલાહ આપી કે ‘આ કિશોર માટે વડોદરાની દિશા લાભદાયી છે અને એ દિશામાં એનું ગ્રહબળ સારું છે.’ પિતાજી માની ગયા અને મને એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ પ્રારંભ કરવાની સુંદર તક સાંપડી. શ્રીમતી ચંપાબેન-બાબુરાવે અભ્યાસ અર્થે લોન આપવાની તૈયારી દાખવી, એટલે મારો ઉત્સાહ વધ્યો. મારે તો ગણિતના અધ્યાપક થવું હતું, પરંતુ પિતાજીનો આગ્રહ મેડિકલ કૉલેજ તરફ ઢળતો. મારા વડીલ ભાઈ શ્રી પ્રમોદભાઈ તથા એમના મિત્ર શ્રી ટી.સી. શાહ દ્વારા પણ આવું જ સૂચન આવ્યું.
“તારે અધ્યાપક થવું છે, તો ડૉક્ટર બનીને મેડિકલ કૉલેજમાં ભણાવજે.” સાહેબે તર્કપૂર્વકની દલીલ કરી. આમ ખૂબ ઇચ્છા ન હતી, છતાં મેં મેડિકલ કૉલેજનું અરજીપત્ર ભર્યું. ઇન્ટરવ્યૂ આવ્યો.
“તારે કયા કારણસર ડૉક્ટર થવું છે?” સાહેબે પ્રશ્ન પૂછ્યો. વાજબી જવાબ તો એવો હોય કે ગરીબોની સેવા કરવા માટે તબીબ થવું છે. પરંતુ યુવાન વયની ખુમારીમાં મેં જવાબ આપ્યો,
“મારા પિતાજીની ઇચ્છા છે, એટલે ફૉર્મ ભર્યું છે. મારા અનુજ બંધુઓ મેડિકલમાં જઈ શકશે કે કેમ, તે મને ખબર નથી. એટલે આ મારી કૌટુંબિક ફરજ સમજીને આવ્યો છું.”
મેડિકલ કૉલેજમાં એડમિશન મળવું ખૂબ જ મુશ્કેલ હતું. છતાં મને પ્રિ મેડિકલમાંથી બીજા કોઈ ટેસ્ટ લીધા સિવાય સીધો જ પ્રવેશ મળી ગયો. ઓળખાણ કે ભલામણ ચિઠ્ઠી સિવાય આવું બને તે નવાઈ ગણાય. ગણિતના ગુણાંક સારા હતા. પણ જીવશાસ્ત્રમાં માત્ર ૬૫ ટકા હતા. વડોદરાને બદલે બીજા કોઈ સ્થળે ભણવા ગયો હોત, તો મારું જીવન કોઈ બીજી દિશામાં વળ્યું હોત. વિધાતા ક્યારે, કેમ, શું નિયત કરે છે, તે જાણવાનું માનવ માટે શક્ય નથી. વડોદરાની મેડિકલ કૉલેજ અને સયાજી હૉસ્પિટલમાં એવા ઘણા પ્રસંગો બન્યા કે એ બધાનું વર્ણન કરવા બેસું, તો નાનું પુસ્તક થાય. અહીં માત્ર બે-ત્રણ પ્રસંગોનું બયાન રજૂ કરીશ.
મેડિકલ કૉલેજના ત્રીજા વર્ષમાં એક રબારી કુટુંબની સ્ત્રી મારી દર્દી હતી. હું ક્લિનિકમાં હતો, ત્યારે આ દર્દીની સારવાર કરવાનું કામ મને સોંપવામાં આવ્યું. આ યુવાન સ્ત્રી, એના પતિ અને સાસુ સાથે બહુ દૂરથી સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે આવી હતી. વડોદરામાં રહેવાની સગવડ નહીં હોય, એટલે આ કુટુંબ ઝાડ નીચે રહેતું હતું. એની ફરિયાદ હતી પેટમાં દર્દ અને ઝીણો તાવ. એના પતિ અને સાસુમાની ફરિયાદ હતી, ‘આ વહુ ચાર વરસથી પરણી છે. પણ એને એક પણ સંતાન નથી થતું.’ ઊંચી, રૂપાળી, તંદુરસ્ત લાગતી આ યુવતીના ચહેરા ઉપર ગ્લાનિ અને ઊંડી હતાશાના ભાવ ઊપસી આવતાં. એની શારીરિક તપાસ કરતાં જાણવા મળ્યું કે નાભિના નીચેના ભાગમાં એના પેટમાં ગાંઠ હતી અને પેટના એ ભાગને અડતાં એને ખૂબ દુખાવો થતો. ૧૯૬૦-૬૫ ના અરસામાં સયાજી હૉસ્પિટલમાં નિદાન માટેની સુવિધા લગભગ નહિવત્ હતી. કેટ સ્કેન (CAT SCAN) તો ક્યાંથી હોય? લોહી અને પેશાબની તપાસ કરાવી. પેટનો ફોટો પાડવો હોય તો મોટા સાહેબની પરવાનગી લેવી પડે. થોડી સિફારસ લગાવી, ત્યારે એને દવાખાનામાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો. ગાયનેકૉલૉજિસ્ટને બોલાવ્યા કન્સલ્ટેશન માટે. બે દિવસ તો જનરલ સર્જન અને ગાયનેકૉલૉજિસ્ટ વચ્ચેની વાદ-વિવાદમાં ગયા. કૅન્સરની બીમારી હશે તેવી ધારણા હતી.
ત્રીજે દિવસે આ યુવતીનું ઑપરેશન થયું. હું વિદ્યાર્થી તરીકે ઑપરેશન થિયેટરમાં હાજર હતો. ગર્ભાશયની ડાબી બાજુએ જે ગાંઠ હતી, તે કાઢવા જતાં મારા પ્રોફેસરને વિચાર આવ્યો કે એમાં સોય મૂકીને તપાસ કરવી કે આ કયા પ્રકારની ગાંઠ છે. આ તપાસ કરતાં તુરંત ખબર પડી કે આ ગાંઠમાં તો પરુ છે અને પરુ કાઢ્યા પછી જે નાની ગાંઠો મળી છે, તે ટી.બી.ને કારણે છે! કૅન્સર નથી એ જાણીને મને આનંદ થયો. પરંતુ દર્દી અને એનાં કુટુંબીજનોએ તો એક જ પ્રશ્ન પૂછ્યો, “આ સ્ત્રી સગર્ભા થશે કે નહીં?” મને ખૂબ ગુસ્સો આવ્યો. આ યુવતીની સાસુની દ્રષ્ટિએ સ્ત્રીના જીવનનું મુખ્ય ધ્યેય બાળકો પેદા કરવાનું! યુવતીનો પતિ થોડો સમજુ હતો અને પત્ની પ્રત્યે એને વહાલ અને મૈત્રીપૂર્ણ વલણ હતું. છતાં સાસુમાની અપેક્ષાને કારણે બંને બહુ ઉદ્વેગમાં હતાં. પરિસ્થિતિ સમજાવવાના પ્રયત્નો લગભગ નિષ્ફળ ગયા. ગર્ભાશયની એક બાજુની ટ્યૂબ કાપવી પડી હતી. એટલે આ યુવતી સગર્ભા બને તેવી શક્યતા ઘટી ગઈ હતી. દસ દિવસ પછી ટી.બી. ની દવા શરૂ કરીને યુવતીને ઘેર મોકલી. પરંતુ મારા મનમાં ટી.બી.થી સર્જાતી કરુણતા અને સ્ત્રીજીવનની કફોડી પરિસ્થિતિની ગાઢી અસર પડી. સામાજિક કાર્યકર્તા કે કુટુંબની સહાયતા કરી શકે તેવી કોઈ સંસ્થા કે વ્યવસ્થા ન હતી. ટી.બી.ની દવા એક મહિના સુધી ચાલે તેટલી દવાખાના તરફથી આપવામાં આવી હતી. પરંતુ ટી.બી.ની સારવાર તો બાર મહિના સુધી ચાલે. વડોદરાથી ૪૦ માઇલ દૂર, એક ગામડામાં રહેતી આ બાઈ એની શેષ દવા ક્યાંથી મેળવશે? રબારી કુટુંબ એક સ્થળેથી બીજા સ્થળે ફરતું રહે, એટલે ભરોસાપાત્ર તબીબી સારવાર ક્યાંથી મળે? આ બધા પ્રશ્નોથી હું અકળાઈ ગયો. પરંતુ અન્ય ડૉક્ટર અથવા સારવાર પદ્ધતિને આ બાબતની કોઈ ચિંતા જ ન હતી. એમનો અભિગમ આવા અનેક કેસ જોયા પછી રીઢા ગુનેગાર જેવો બેદરકાર થઈ ગયો હશે?
બીજો પ્રસંગ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર-નર્સની મર્યાદિત સંખ્યાને કારણે ઊભા થતા પ્રશ્નો અંગે છે. ક્લિનિકમાં સો-દોઢસો દર્દીઓ આવતા. અમે ત્રણ-ચાર વિદ્યાર્થીઓ, બે-ત્રણ શિખાઉ ડૉક્ટરો અને એક અનુભવી ડૉક્ટર. માત્ર બે નર્સો! જે અધ્યાપક અને અનુભવી ડૉક્ટર આવતા, તે માનદ અધ્યાપક. અર્થાત્ તેમની પોતાની પ્રાઇવેટ મેડિકલ પ્રૅક્ટિસ હોય. પરંતુ સયાજી હૉસ્પિટલમાં સેવા આપવા આવે અને અમને ભણાવે. દર્દીઓની આટલી મોટી લાઇન હોય, ત્યાં ભણાવવાનો સમય ક્યાંથી હોય? આ લાઇનમાં ત્રણ-ચાર દર્દીઓ, જે સારા કપડાં પહેરીને આવ્યા હોય, તે માનદ અધ્યાપકના ખાનગી દર્દીઓ હોય. સાહેબે અગાઉથી જ નક્કી કર્યું હોય કે એમના X-Ray પાડવાના છે અથવા મોંઘા ટેસ્ટ કરવાના છે. આ દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાની જરૂર ન હતી. ફોટા પડાવીને સાંજે ખાનગી ક્લિનિકમાં જવાનું. જ્યાં માનદ અધ્યાપક (Honorary Professor) એમની સારવાર કરતા. X-Ray અને મોંઘા ટેસ્ટ સરકારી હૉસ્પિટલમાં, અને સારવાર ખાનગી ક્લિનિકમાં! ફી મળતી આ ડૉક્ટરશ્રી માનદ અધ્યાપકને! મેડિકલ કૉલેજનું બજેટ એટલું ઓછું કે કાયમી પૂરા પગારદાર અધ્યાપકોને નોકરીમાં રાખવાના નાણાં જ ન હતાં અને હોય તો પણ ઓછા પગારમાં ડૉક્ટરો, સરકારી નોકરી શા માટે સ્વીકારે?
આવા અનેક પ્રસંગો જોયા પછી એક વિચાર મારા મગજમાં ઘોળાયા કરતો. આવી સ્થિતિમાં ડૉક્ટર, દર્દીની ઉત્તમ પ્રકારની સારવાર કેવી રીતે કરી શકે? જેમ ડાકોરથી ભાગી છૂટી મારે વડોદરા આવવું હતું, તેમ વડોદરા છોડીને પરદેશ ચાલ્યા જવું જોઈએ, એ વિચાર મારા મનમાં દ્રઢ થતો ગયો. M.B.B.S. થયા પછી M.D.ના વિશેષ અભ્યાસ માટે જે આર્થિક સગવડ જોઈએ, તે તો મારી પાસે હતી જ નહીં. બીજી બાજુ મારા પિતાશ્રી મારું ભણતર ક્યારે પૂરું થાય અને મારો પગાર ક્યારે શરૂ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. નાના ભાઈ-બહેનો હતાં. જેમનાં ભણતરનો બોજ પણ પિતાજીના માથે હતો જ. મારા વડીલ બંધુ પ્રમોદભાઈની આર્થિક સહાયતા મળતી અને અંબુ કાકાની પણ મદદ મળી રહેતી. પરંતુ અન્યના આધારે જીવન જીવવાનું મારે માટે અસહ્ય બનતું જતું હતું. કુટુંબને આર્થિક સહાય કરવાનું તો બાકી હતું. આ સમય દરમિયાન હું મારા પિતાજી માટે આર્થિક બોજારૂપ હતો, તેવી ભાવના મારા દિલમાં પ્રબળ બની.
એ દિવસોમાં (અત્યારે પણ) વડોદરા મેડિકલ કૉલેજના ઘણા સ્નાતકો ભારત છોડીને પરદેશ જતા. ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવાનો ઉમંગ હતો. આ દેશોમાં કમાણી પણ સારી હતી અને પૈસા કમાવવા કાળાબજારના ધંધા કરવાની જરૂર ન હતી. બૃહદ અંશે ડૉક્ટરોના મગજમાં ‘પરદેશ ભણી-ગણીને ભારત પાછા આવીશું’ તેવો વિચાર હતો. મારા મગજમાં આવો વિચાર ન હતો. અમેરિકામાં અભ્યાસ કરીને ત્યાં જ રહેવું અને પરદેશમાં રહીને સ્વદેશની સેવા કરવી તથા ભાઈ-બહેનોને યથાશક્તિ મદદ કરવી તેવો આદર્શ મારા મનમાં સ્થિર થતો ગયો. આરોગ્યની સવલતોનો અભાવ, ઉપરાંત રાજકારણના ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી મેં અને મારા સહાધ્યાયીઓએ ભારત છોડી અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મનમાં એક જોરદાર દ્વિધા હતી. ‘ભારતની જનતાને ડૉક્ટરોની આવશ્યકતા હતી અને અમે ભાગી જઈએ તો ભારતનું બુદ્ધિધન પરદેશમાં ચાલ્યું જાય.’ તે વિચાર હૃદયમાં શૂળની જેમ ખૂંચતો હતો. આજે પચાસ વર્ષ પછી પણ આ દંશ ઘટ્યો નથી.
ક્રમશઃ
-
વારો…
જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
અમિતને નોકરી માટે રોજ ટ્રેનમાં અપડાઉન કરવું પડતું. જોકે અપડાઉન કરવાવાળો તે કંઇ એકલો થોડો હતો ? તેના જેવા સેંકડૉ લોકો આજીવિકા માટે અપડાઉન કરતાં રહેતા. અમિતને રોજ પાલઘરથી મુંબઇના એક પરા મલાડ સુધી જવું પડતું. અને અમિત હમેશાં છેક છેલ્લી મિનિટે જ સ્ટેશને પહોંચતો. તેથી કાયમ ઉતાવળમાં જ રહેતો. પણ આજે ઓફિસમાં ખાસ કોઇ કામ નહોતું. અને બોસ પણ આજે ગેરહાજર હતા. તેથી તે ઓફિસેથી જલ્દી નીકળી ગયો. અને પરિણામે સ્ટેશને બહુ વહેલો પહોંચી ગયો. પણ તેના વહેલા પહોંચવાથી કંઇ ટ્રેન થોડી વહેલી આવી જાય ?
હવે કરવું શું ? સમય પસાર કરવા પાસે કંઇ નહોતું. તેણે કોઇ છાપુ કે મેગેઝિન મળે તો તે લેવા ચારે તરફ નજર દોડાવી. પણ કમનશીબે આજે જ બુક સ્ટોલ બંધ હતો. પાલઘરના આ નાનકડા સ્ટેશન પર બીજું કશું ખાસ મળે તેમ નહોતું. તે બેન્ચ પર બેસીને કંટાળ્યો. કયારેય આવી રીતે બેસવાની ટેવ નહોતી તેથી સમય પસાર થતો નહોતો. અહીં બીજું કંઇ મળે તેવી શકયતા પણ નહોતી. તે સ્ટેશન પર આંટાફેરા કરવા માંડયો. ઓફિસેથી વહેલાં નીકળ્યો તો સ્ટેશન પર પ્રતીક્ષા કરવી પડી. ફાયદો શું થયો ? આવું વિચારી રહેલ અમિતની નજર અચાનક એક ચાની કીટલી લઇને ફરતા છોકરા પર પડી. તેને ચા પીવાનું મન થયું. સમય પસાર કરવાનો આનાથી ઉત્તમ ઉપાય બીજો શું હોઇ શકે ?
તે ઝડપથી પેલા છોકરા પાસે ગયો.ને એક ચા માગી. છોકરાએ કહ્યું, ‘ સાબ, બે મિનિટ થોભો ‘
અમિતને નવાઇ લાગી. તેણે પૂછયું કેમ ? ’ સા’બ , મારો દોસ્તાર હમણા આવવો જ જોઇએ. અત્યારે મારો વારો નથી.
‘ એટલે ?’ એટલે કે અત્યારે હું કોઇ ઘરાકને ચા ન આપું.. અત્યારે સાંજે સાત વાગ્યા સુધી મારા દોસ્તારનો વારો છે. મારો વારો સાત વાગ્યા પછી શરૂ થશે. અમિતને તેની વાત સાંભળી થોડી નવાઇ લાગી. વધુ સ્પષ્ટતા કરવા માટે તેણે પૂછયું, ‘ તારો ને તારા દોસ્તારનો વારો એટલે ? મને કંઇ સમજાયું નહીં.. ‘ એટલે એમ કે અમે બંને એ ટાઇમ વેંચી લીધો છે. આ નાનું સ્ટેશન છે..તેથી બહું ઘરાક મળે નહીં. એટલે સવારે જેટલા ઘરાક આવે તે મારા . અને બાર થી સાત વાગ્યા સુધીમાં જે ઘરાક આવે તે મારા દોસ્તાર કિસનાના. અત્યારે એનો ટાઇમ છે એમાં મારાથી ધંધો ન કરાય અને હમણાં એ આવવો જ જોઇએ. તે પગે થોડો લંગડાય છે, તેથી તેને પહોંચતા થોડી વાર લાગે છે.
” પણ…મારી ગાડી આવી જાય તો ? હું થોડી રાહ જોવાનો ? અને કોઇને તાત્કાલિક ચા પીવી હોય તો ? એક જણ ન હોય ત્યારે તો બીજો ચા આપી શકે ને ? આમ તો તમે બે ય રહી જાવ ને ? ” અમિતે પૂછયું. ’ ‘ના, સા’બ એવું કંઇ થાય તો તો અમે એકબીજાના વારામાં પણ ચા તો આપી દઇએ પણ પૈસા તો જેનો વારો હોય તેને જ આપી દઇએ. સા’બ ભાઇબંધ સાથે ગદ્દારી કયારેય ન કરીએ હોં. એકબીજાનું સાચવી લઇએ.’
‘ લો, સા’બ આ આવી ગયો..કિશનો…!
અમિત આ છોકરાની વાત સાંભળી રહ્યો. આજે જ ઓફિસમાં થયેલ મિત્રતાની ચર્ચા તેને યાદ આવી ગઇ. મિત્રતાની કેવી મોટી મોટી વાતો..પણ..સાવ જ ખોટી..હકીકતે અંદરખાને તો બધા એકબીજાના પગ જ ખેંચતા રહેતા..કે પાછળથી જાતજાતની રમત જ રમતા..અને તે પણ મિત્ર હોવાના દાવા સાથે…અહીં કોઇ દાવા નહોતા… મિત્રતાની કોઇ ચર્ચાને. કોઇ વ્યાખ્યાને અવકાશ નહોતો.અને અહીં તેની જરૂર પણ કયાં હતી ? અહીં તો હતી વણકહી દોસ્તી…સાચી મિત્રતા..
ત્યાં લંગડાતો…હાંફતો કિશનો જલ્દી જલ્દી સા’બ માટે ગરમાગરમ ચા કાઢવા લાગ્યો.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
નિસબત
ચંદુ મહેરિયા
તેઓ અમેરિકાના પહેલા ભારતીય મૂળના, શ્યામવર્ણી, મહિલા ઉપરાષ્ટ્રપતિ હતાં. તેઓ સાન ફ્રાન્સિસકોના પહેલાં બ્લેક મહિલા ડિસ્ટ્રીક્ટ એટર્ની અને કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતાં. તેઓ યુ.એસ.એ.ના બીજા અશ્વેત મહિલા સેનેટર હતાં. ૨૦૨૪માં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડન્ટ ઈલેકશનના મુકાબલામાં આ ડેમોક્રેટ ઉમેદવારે કહ્યું હતું કે આ પદ પર કદાચ હું પહેલી મહિલા હોઈ શકું છું. પરંતુ અંતિમ નહીં હોઉં. હા, વાત છે કમલા હેરિસની. અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટની. અમેરિકાના પહેલાં મહિલા રાષ્ટ્રપતિ બનવાની જેમનામાં અપાર સંભાવના જોવાતી હતી તે કમલા હેરિસની તાજેતરની સત્તાના રાજકારણથી નિવૃતિની જાહેરાત આંચકો આપનારી છે તો તેના કારણો ચિંતા ઉપજાવનારા છે.
સાઠ વરસના ભારતીય માતા અને જમૈકીય પિતાના દીકરી કમલા (જન્મ ૨૦.૧૦.૧૯૬૪) કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મ્યાં હતાં.હાવર્ડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.આફ્રિકી અમેરિકી કર્મશીલો અને બૌધ્ધિકોની વચ્ચે તેમનો ઉછેર થયો હતો. માતા-પિતાના છૂટા પડ્યા પછી એકલ માતાના સંતાન તરીકે પણ તેમનામાં આકાશ જ સીમા છેનો માબાપે રોપેલો વિશ્વાસ જીવંત હતો. એટલે કાયદાના સ્નાતક બનીને કમલા હેરિસે વકીલાતનો આરંભ કર્યો ત્યારે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ જુદો માર્ગ અપનાવ્યો. જેણે તેમને વિવાદ અને લોકપ્રિયતા બંને અપાવ્યા હતા. ૨૦૦૪માં એક ક્રિમિનલ ગેંગના સભ્યે પોલીસને ગોળી મારી મારી નાંખ્યો. આ ઘટનાથી આક્રોશિત લોકોએ હત્યારાને મોતની સજાની માંગ કરી હતી.પરંતુ ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ કમલાએ અદાલતમાં મોતની સજાની પ્રે જ કરી નહીં. તેથી તેમનો વ્યાપક વિરોધ થયો.પરંતુ તેઓ પોતાની વાતને વળગી રહ્યાં.તેઓ સજા કરતાં ગુના રોકવામાં માનતા હતા. ભારે સજાથી ગુના રોકી શકાશે નહીં એટલે ન્યાય વ્યવસ્થામાં સજાને બદલે ગુના ઘટે તેવા ન્યાયિક સુધારાના તે તરફદાર હતા.
૨૦૧૫માં કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર અને અમેરિકી સેનેટનું સભ્યપદ બે પૈકી એકની પસંદગી કરવાનું આવ્યું ત્યારે કમલાની સહજ પસંદ સેનેટર થવાનું હતું. એમ કરીને રાષ્ટ્રીય રાજનીતિ તેમની પ્રાથમિકતા હોવાનું દર્શાવ્યું હતું. સેનેટર બનીને તેમણે રાષ્ટ્રીય મંચની તક ઝડપી જે તેમને અમેરિકાના પ્રેસિડન્ટના ઈલેકશનના ઉમેદવાર સુધી લઈ ગઈ હતી. ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ શરૂઆતમાં હત્યા, યૌન ઉત્પીડન, લૂંટ અને ચોરીના કેસો લડ્યા હતા. નાના અને અહિંસક ગુનાઓની મોટી સજાના તેઓ કાયમ વિરોધી રહ્યા.
રાજનેત્રી કમલા હેરિસે હથિયારો પર પ્રતિબંધ, આરોગ્ય સેવાઓમાં સુધારો, યૌન ઉત્પીડન રોકવું, પ્રગતિશીલ કર સુધાર, ડ્રીમર્સને નાગરિકતા જેવા કાર્યો માટે પ્રયાસો કર્યા હતા. જો બાઈડેનના ડેપ્યુટી તરીકે તેમણે મોંઘવારી ઘટાડવા સંબંધી કાયદો ઘડવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી. ડોકટરોએ લખેલી દવાઓના ભાવોમાં ઘટાડો અને ઈન્સ્યુલિનની નિર્ધારિત રકમ તેમણે નક્કી કરાવી હતી. પૂર્વે ૨૦૦૭-૦૮માં મોટી અમેરિકન બેંકોને નાણાંકીય સંકટમાં ફસાયેલા લોકોને અપાતી રાહતમાં વધારાની તેમણે ફરજ પાડી હતી. સજા કે દંડ વ્યવસ્થામાં ફેરફાર અર્થાત અપરાધિક ન્યાય પ્રણાલીમાં સુધારો એડવોકેટ કમલાનું ધ્રુવ કાર્ય હતું. તેના પરથી તેઓ ક્યા અમેરિકી નાગરિકોના પક્ષે હશે તે જણાય છે.
૨૦૨૪માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચારમાં કમલા હેરિસના ભાષણો અને વાયદાથી તેમની રાજનીતિ પરખાય છે. ગર્ભપાતના અધિકારનો સ્વીકાર અને એક સમાન પ્રજનન અધિકારો, મકાન અને ખાધ્ય પદાર્થોના ભાવોમાં ઘટાડો, ઉધ્યોગો, મોટી કંપનીઓ અને વાર્ષિક ચાર લાખ ડોલરની આવક ધરાવતા લોકો પરના ટેક્સમાં વૃધ્ધિ અને બાકીના કરદાતાઓ પરનો કર બોજ ઘટાડવો, ગાઝામાં યુધ્ધની સમાપ્તિ પણ યુધ્ધગ્રસ્ત યુક્રેનને મદદ જારી રાખવી જેવા વચનો તેમણે આપ્યા હતા કે આ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ કર્યા હતા. જોકે આયાત જકાત(ટેરિફ) અંગેના તેમના વિચારો વર્તમાન અમમેરિકી પ્રમુખ જેવા જ હતા. હરીફ ઉમેદવાર ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાનું વચન આપતા હતા ત્યારે કમલાબહેન એકવીસમી સદી અમેરિકાની હશે, ચીનની નહીં તેમ કહી જરા જુદી રીતે અમેરિકાની મહાનતાનું ગાણું ગાતા હતા. પ્રેસિડન્ટ ઈલેકશનમાં હાર પછી તેમણે જંગ જારી રહેવાનું એલાન કર્યું હતું.
કમલા હેરિસના માવતર જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમની વચ્ચે ભૌતિક ચીજ વસ્તુઓના બટવારા માટે કોઈ ઝઘડો થયો નહોતો.પરંતુ મઝિયારા પુસ્તકોની વહેંચણી માટે તે જરૂર ઝઘડતા હતા. આવા માબાપનું સંતાન વાચક અને લેખક ન હોય તો જ નવાઈ! ટ્રમ્પ શાસનના પહેલા કાર્યકાળના મધ્ય ભાગમાં લખાયેલું અને ૨૦૧૯માં પ્રગટ થયેલું કમલા હેરિસનું પ્રથમ પુસ્તક ધ ટ્રુથ વી હોલ્ડ: એન અમેરિકન જર્ની હતું. કમલા હેરિસના સરકારી વકીલ અને સેનેટર તરીકેના અનુભવોનું તેમાં બયાન છે અને તેમનું રાજકીય ઘોષણાપત્ર પણ છે. અમેરિકામાં પ્રવર્તતા રંગભેદના ભયાનક સ્વરૂપ, ન્યાય વ્યવસ્થા અને આરોગ્ય સેવાને સમજવા-જાણવા આ પુસ્તક ઉપયોગી છે. નાગરિક અધિકાર આંદોલનના દૌરમાં જન્મેલા અને બ્લેક લાઈવ્સ મેટર આંદોલનના ઉદય કાળમાં રાજનીતિમાં રહેલા કમલા હેરિસની બીજી કિતાબ ૧૦૭ ડેઝ આ મહિને પ્રગટ થવાની છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ૧૦૭ તણાવપૂર્ણ દિવસોની અંદરની વાતો આ પુસ્તકમાં લેખિકાએ વર્ણવી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીના પરાજય પછી પણ કમલા સક્રિય હતા અને ડેમોક્રેટને નેત્તૃત્વ આપી રહ્યાં હતાં. ૨૦૨૬ની કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીના તેઓ ઉમેદવાર બનવાના હતા. આ માટેની તૈયારીઓ પણ ચાલતી હતી. એ સંજોગોમાં તેમણે ધ લેટ નાઈટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટમાં રાજનીતિથી અલવિદાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા છે. કમલા હેરિસે તેના કારણો જણાવતાં કહ્યું છે કે મારા મનમાં છેલ્લા છ-આઠ માસથી લોકોની સેવા કઈ રીતે કરવી તેની વિચારણા ચાલતી હતી. અંતે મને લાગ્યું છે કે હવેથી હું કેલિફોર્નિયાના ગવર્નરના પદથી લઈને કોઈપણ પદ માટે ચૂંટણી નહીં લડું. કારણ? તેમને લાગ્યું છે કે અમેરિકાની રાજકીય વ્યવસ્થા પડી ભાંગી છે અને તેઓ લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે પૂરતાં મજબૂત નથી. દેશમાં જે સિસ્ટમ છે તેમાં પરિવર્તન લાવવાની તાકાત તેમનામાં બચી નથી. તેમણે આ મુદ્દે ખૂલીને એમ પણ કહ્યું છે કે ટ્રમ્પ શાસનમાં મેડિકેટમાં કાપ, અદાલતી ચુકાદાઓને નજરઅંદાજ કરવા, સંસ્થાઓને નબળી પાડવી કે તેનો રાજકીય ઉપયોગ કરવો અને અમીરો પરના કરવેરામાં મોટાપાયે ઘટાડો જેવાં પગલાં અમેરિકાને કેમ કનડતાં નથી? જે લોકો પોતાને અમેરિકી લોકતંત્ર અને સિસ્ટમના રક્ષક માને છે તેમણે આત્મસમર્પણ કરી દીધું છે અને મેં અમેરિકામાં આ પહેલા આવી સ્થિતિ કદી જોઈ નથી. અમેરિકી લોકતંત્રનું તળિયું દર્શાવતા ટ્રમ્પશાસન સામેનું આ તહોમત નામુ નથી તો શું છે બીજું?
કમલા હેરિસની અમેરિકન મીડિયાએ એક સમયે લેડી ઓબામાની છબી ઉભી કરી હતી. તેઓ બરાક ઓબામાનો વારસો આગળ વધારશે એવી વાતોના પ્રત્યુત્તરમાં કમલાબહેને કહ્યું હતું કે મારો ખુદનો વારસો છે. મારે બીજા કોઈના વારસાને આગળ નથી વધારવાનો. તો પછી મજબૂત નેતાની છાપ ધરાવતાં કમલા હેરિસનો સત્તાકારણ ત્યાગનો નિર્ણય કેમ? હાલ તો આપણે એ વાતે આશ્વસ્ત છીએ કે કમલા હેરિસે રાજનીતિ છોડી છે, જાહેર જીવન નહીં. સત્તાકારણ છોડ્યું છે, લોકકારણ નહીં. તેઓ હવે દેશભરમાં ફરશે. લોકોને મળશે.લોકો પાસે મત નહીં માંગે પણ તેમની વાત સાંભળશે.
રાજનીતિ ત્યાગનું કમલા હેરિસનું પગલું આક્રમક ટ્રમ્પ સામે આત્મસમર્પણ છે કે પછી બે ડગલાં પાછળ હઠી સમય આવ્યે છલાંગ લગાવવાની રણનીતિ છે તે હાલ કલ્પવું મુશ્કેલ છે. હિલેરી ક્લિન્ટન, કમલા હેરિસ અને મિશેલ ઓબામા અમેરિકાના પહેલા મહિલા પ્રેસિડન્ટ બનવાની પ્રતિભા, ક્ષમતા, સામર્થ્ય અને સંભાવના ધરાવતા રાજનેત્રીઓ છે. હિલેરી અને હેરિસના પારોઠના પગલાં પછી મિશેલ માટે તક છે?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
દ્વિશતાબ્દીપુરુષ દાદાભાઈ નવરોજી
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
તે દિવસે હું ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસ લેખનની પિતૃપ્રતિમાવત ડો. રતન રુસ્તમ માર્શલ પાસે જઈ ચડ્યો ત્યારે ડોસા મોટો ચશ્મો ચડાવી દાદાભાઈ નવરોજીનું બૃહદ્ ચરિત્ર વાંચી રહ્યા હતા. કંઈક ‘શર’માં આવ્યા હશે કે કેમ, મને સહસા એ ૧૮૯૩ની લાહોર કોંગ્રેસનું એમનું અધ્યક્ષીય ભાષણ સંભળાવવા લાગ્યા:
‘હંમેશ એટલું યાદ રાખીએ આપણે કે આપણે સૌ એક જ માતૃભૂમિનાં સંતાન છીએ. ખરે જ, હું એક હિંદીજન છું અને મારા વતન ને સૌ હમવતનીઓ તરફે ફરજથી બંધાયેલ છું- પછી હું હિંદુ હોઉં કે મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તી કે અન્ય કોઈ ધરમ મજહબનો, એ બધાથી અધિક હું એક હિંદીજન છું; ને હિંદી હોવું એ સ્તો આપણી રાષ્ટ્રીયતા છે.’ ઈચ્છું કે દ્વિશતાબ્દીપુરુષ દાદાભાઈનું અસહ્ય અંગ્રેજી ગદ્ય રતન માર્શલની ઢબે જાણે બુઝુર્ગ સોરાબ મોદી બેતબાજીની તરજ પર ધ્રોપટ જતા હોય તેમ રજૂ કરી શકું?
વારુ, કોંગ્રેસના પ્રમુખપદે તો દાદાભાઈ એ પહેલાં પણ ચૂંટાયા હતા, છેક ૧૮૮૬માં. એટલે કે સ્થાપનાના બીજે વરસે જ. પણ ૧૮૯૩નું એમનું પ્રમુખપદ એક જુદો જ ચમકારો લઈને આવ્યું હતું: હવે એ લંડનના ફિન્સબરી સેન્ટ્રલ મત વિસ્તારમાંથી નીચલા ગૃહ (હાઉસ ઓફ કોમન્સ)માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. લંડનથી હિંદ પહોંચ્યા, પ્રમુખપદ સંભાળવા ત્યારે મુંબઈ, પુણે, અમદાવાદ-વડોદરા, દિલ્હી, અમૃતસર થતે થતે એ લાહોર પહોંચ્યા ત્યાં સુધીમાં દેશ આખામાં એક ચૈતન્યનો સંચાર થઈ ગયો હતો.
પુણેના સ્વાગત સમારોહમાં લોકમાન્ય તિલકે વ્યક્ત કરેલ હૃદયભાવમાં એ ચૈતન્યની ઝલક ઝિલાયેલી છે: ‘હિંદના નવા રાજકીય ધર્મના તમે નેતા છો’, કહી તિલકે ઉમેર્યું હતું, ‘એક એવા જણ છો જે નાના-મોટા સઘળા ભેદભાગલાને ઓળાંડી ગયા છો.’
તિલકે આ દર્શન કર્યાં ત્યાં સુધી દાદાભાઈ જરી જુદે છેડેથી પહોંચ્યા હતા. વંદેમાતરમની રુમાની કુરબાનીની એમને કદર તો હશે, પણ એમણે પકડેલો છેડો આર્થિક રાષ્ટ્રવાદનો હતો- ‘ડ્રેઈન થિયરી’નો. અંગ્રેજ અમલ અને અમલદારો, અહીંથી કમાઈ અહીં નથી ખરચતા કે નથી રોકાણ કરતા, મહેસૂલી આવકનો નોંધપાત્ર હિસ્સો ઈંગ્લેન્ડભેગો થઈ જાય છે. એ મુદ્દો એમણે ૧૮૬૭ ના અરસામાં લંડનમાં છેડ્યો હતો જ્યારે હજુ કોંગ્રેસની સ્થાપના આડે પણ ૧૮ વરસ હતાં.
લંડનની બ્રિટિશ મ્યુઝિયમ લાઈબ્રેરી જ્યાં આસન જમાવી કાર્લ માર્ક્સે ‘કેપિટલ’નો લેખનજગન માંડ્યો હતો, દાદાભાઈ ત્યાં જ પ્રાપ્ય સત્તાવાર સ્ત્રોતોને આધારે ડ્રેઈન થિયરી પર કામ કરી રહ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિ અને મૂડીવાદના સર્જનથી માંડી સર્વહારા વર્ગ થકી સંભવિત ક્રાંતિ સહિતની થિયરી માર્ક્સના નામે ઈતિહાસદર્જ છે. પણ કેવળ મૂડીવાદ નહીં, ખુદ રાજ્ય જ સંસ્થાનવાદને રસ્તે સાંસ્થાનિક પ્રજાની બેહાલી સર્જે છે એ આખી શોષણ યંત્રણાની નિરૂપણા તે દાદાભાઈનો વિશેષ છે.
માર્ક્સ અને દાદાભાઈ વચ્ચે સ્વલ્પ પણ પરિચયનિમિત્ત બેઉના સોશિયલ ડેમોક્રેટ મિત્ર હિંડનબર્ગ હોઈ શકે એવી ગણતરી છે. લિબરલ ઘરાણાના દાદાભાઈ આંતરરાષ્ટ્રીય સોશિયલિસ્ટ સંધાન પણ ધરાવતા એટલે સ્તો ૧૯૦૬માં વળી એક વાર કોંગ્રેસ પ્રમુખ તરીકે તિલક-ગોખલે બેઉ છેડેથી એમના પર કળશ ઢળ્યો હતો. (જોકે ૧૯૦૭ આવતા સુધીમાં દાદાભાઈ અંગે મવાળ અભિપ્રાય વધુ પડતા જહાલ પ્રકારનો ને જહાલ અભિપ્રાય વધુ પડતા મવાળનો વરતાવા લાગ્યો હતો. પરિણામે તે વરસે સુરત કોંગ્રેસ માટે એમનું નામ બાજુએ રહ્યું હતું. નવસારીનું સંતાન સુરતમાં વણપોંખાયું રહ્યું!)
હમણાં મેં આંતરરાષ્ટ્રીય સંપર્કોની જિકર કરી. સ્ટુટગાર્ટની પરિષદ જે માદામ કામાના ધ્વજપ્રાગટ્યે ઈતિહાસમંડિત છે તેની યોજક સંસ્થા સાથે દાદાભાઈ હતા. જેનું ધ્રુવગાન મેઘાણીની કલમે ઊતરી આવ્યું છે તે સેકન્ડ ઈન્ટરનેશનલના કોઈક કાર્યક્રમમાં રોઝા લકઝમબર્ગ અને કૉટ્સ્કી સાથેનો એમનો ફોટો પણ હમણેનાં વરસોમાં રમતો થયો છે. હાઉસ ઓફ કોમન્સના ચૂંટણી જંગમાં એમને મળી રહેલા સહયોગીઓમાં ફ્લોરનેસ નાઈટિંગેલ અને એમિલી પેન્કહર્સ્ટ જેવાંયે હતાં. પેન્કહર્સ્ટ સાથેના એમના પરિચયનું રહસ્ય સફેજેટ મૂવમેન્ટ (મહિલા મતાધિકાર ચળવળ) સાથેના સંધાનનું હતું.
પેન્કહર્સ્ટ-દાદાભાઈના સંપર્કવશ વિકસેલી નાગરિક સમજ એ હતી કે મતાધિકારવંચિત સ્ત્રીઓની ‘ગુલામી’ જો ખોટી છે તો સંસ્થાન હેઠળની સ્ત્રી-પુરુષ સૌની ગુલામી પણ ખોટી છે. ઈંગ્લેન્ડમાં દાદાભાઈના ચૂંટણી પ્રચારમાં મુંબઈ બેઠે બહેરામજી મલબારીએ ચાપ ચડાવેલો તર્ક એ હતો કે મુંબઈ કોઈ ચડાઈથી જીતાયેલ મુલક નથી. એ સમજૂતીની (ચાર્ટરગત) વ્યવસ્થા છે એટલે ઈંગ્લેન્ડમાં નાગરિકને હોય એવા જ અધિકાર મુંબઈવાસીના હોમરુલ ઝુંબેશના પાયામાં આગળ ચાલતાં તમને આ તર્કનું અનુસંધાન જોવા મળે છે.
એલ્ફિન્સ્ટન કોલેજમાં એકાઉન્ટન્સીના અધ્યાપક રહેલા દાદાભાઈએ ગાયકવાડીમાં થોડોક વખત દીવાનપદું પણ કીધું’તું, પણ મુંબઈના જાહેર જીવનમાં એમના નામ સાથે ઈતિહાસજમે એક વિશેષ મુદ્દો છ-સાત કન્યાશાળાઓ મિત્રો સાથે શરૂ કરી તે છે. પારસી ધર્મ સંસ્કાર અને સમાજ સુધારને વરેલ ‘રાસ્તગોફતાર’ એ ગુજરાતી પત્ર પ્રકારની કામગીરી માટે પણ તે સંભારાશે. આગળ ચાલતાં કરસનદાસ મૂળજી સ્થાપિત ‘સત્યપ્રકાશ’ આ પત્ર સાથે જોડાઈ ગયું હતું. ગોખલે-ગાંધી સહિત એક આખી ઝળહળતી યાદી દાદાભાઈને ઓછેવત્તે અંશે સેવનારાઓની છે. રાષ્ટ્રવાદ નકરી એક રુમાની અપીલે ન અટકતાં આર્થિક બુનિયાદ પર મુકાયો એમાં કંઈક ઈંધણ, કંઈક ઊંજણ આંતરરાષ્ટ્રીય ધોરણે વિચરી અને વિચારી શકતી આ પ્રતિભાને નામે તવારીખમાં નોંધાયેલ રહેશે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩ -૯– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : બંદૂક સાથેનો મુક્તિવાહિની સૈનિક
બીરેન કોઠારી
‘સૈનિક’ શબ્દ કાને પડતાં જ આપણી નજર સમક્ષ ચુસ્ત, ગણવેશમાં સજ્જ, હાથમાં હથિયાર લઈને ટટ્ટાર ઊભેલા માણસની આકૃતિ ખડી થઈ જાય. સ્ફૂર્તિ, સજ્જતા અને શિસ્તની તે પ્રતિકૃતિ હોય. આની સરખામણીએ ભૂપેન ખખ્ખરે દોરેલું બંદૂક સાથેનો મુક્તિવાહિની સૈનિક/Muktibahini Soldier with a gun શિર્ષકવાળું ચિત્ર સાવ વિરોધાભાસી જણાય.
૧૯૭૨માં તેમણે તૈલરંગો વડે બનાવેલા આ ચિત્રનો સમયગાળો પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે બાંગ્લાદેશનું સર્જન થયા પછીનો છે. સ્થાનિક બાંગ્લાદેશી યુવકોને ભારતીય સેનાએ પ્રશિક્ષણ આપીને મુક્તિવાહિની નામે ફોજ તૈયાર કરી હતી, જેણે ગોરિલા પદ્ધતિએ હુમલા કરીને પાકિસ્તાની સેનાને થકવી દીધી હતી. આવો જ એક મુક્તિવાહિની સૈનિક ભૂપેને ચીતર્યો છે.
તે ગણવેશમાં નહીં, પણ બનિયાન જેવા ઘરેલુ પહેરવેશમાં છે. ચશ્મા પહેરે છે, જે કદાચ કોઈ સૈનિકના ચહેરા પર ભાગ્યે જ જોવા મળે. તેના ચહેરા પર આક્રમકતા કે ક્રૂરતાનો નહીં, પણ શાંતિનો ભાવ છે. તેની દૃષ્ટિ સીધી જ દર્શક તરફ હોવાથી આ ભાવ વધુ પ્રબળપણે અનુભવાય છે. હજી વધુ ધ્યાનથી જોઈએ તો સૈનિકના ચહેરામાં ખુદ કલાકારના એટલે કે ભૂપેનના ચહેરાની ઝલક જોઈ શકાય છે.

ચિત્રની ડાબી તરફ બાંગ્લાદેશનો, અને જમણી તરફ ભારતનો રાષ્ટ્રધ્વજ છે. ભૂપેને પોતે લખ્યું છે એ મુજબ, ‘ભારતના પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે અનેક કલાકારો રાજકીય ચિત્રો દોરવા પ્રેરાયા. મને અફસોસ એટલો જ છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી હું એ માટે પ્રેરાયો. કોણ જાણે કેમ, પણ શરૂઆતમાં હું એ માટે પ્રેરિત નહોતો થયો.’
ચિત્રની પશ્ચાદ્ભૂમાં યુદ્ધનાં દૃશ્યો છે, જેમાં વિમાન, ટેન્ક, સૈનિકો વગેરે બતાવાયાં છે. ત્રણ મુક્તિવાહિની સૈનિકો પણ છે. ભૂપેને લખ્યું છે: ‘યુદ્ધ પોતે કંઈ સારી બાબત નથી, છતાં ઘણી વાર તે રાષ્ટ્ર માટે ફરજિયાત બની રહે છે. જેમ મહાભારતમાં સામે પક્ષે પોતાનાં સ્વજનોને જોઈને અર્જુન લડવાની ના પાડી દે છે, ત્યારે ભગવાન કૃષ્ણ તેને ‘ધર્મયુદ્ધ’ માટે તૈયાર કરે છે.’
ભૂપેનના લખ્યા મુજબ તેમણે આ ચિત્રમાં યુદ્ધના સેનાપતિઓને અગ્રતા નથી આપી, કેમ કે, આખરે એ બાંગ્લાદેશની સ્વતંત્રતા માટેની લડાઈ હતી. આ યુદ્ધમાં સ્વાતંત્ર્યનો હેતુ મુખ્ય હતો.
આ ચિત્રમાં તેમણે પોતાની શૈલીમાં પરિવર્તન કર્યું છે. તે તૈયાર થયું છે તૈલરંગો વડે, પણ તેનો ઉપયોગ જળરંગો જેવો છે, એટલે કે તે જળરંગની જેમ પારદર્શક અને પાતળા છે. આ ચિત્રમાંનાં વિમાન, ટેન્ક, સૈનિકો તેમણે અખબારોમાં તેમજ ‘ધ ઈલસ્ટ્રેટેડ વીકલી’માં પ્રકાશિત તસવીરોના આધારે બનાવ્યાં છે, જ્યારે મુક્તિવાહિની સૈનિકોનું ચિત્ર ‘ઈન્ડિયન ન્યુસ રિવ્યુ’ની તસવીરના આધારે બનાવ્યું છે.
[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પથરો
લતા હિરાણી
સુમી ફળિયામાં વાસણ ઉટકતી હતી. તડકામાં એની ગોરી ચામડી પર રતાશ પથરાઈ ગઈ હતી. જાણી જોઈને એણે સાડલાને પીઠ પરથી ખસી જવા દીધો હતો. સુરેશ એને જોઈ રહ્યો, એને બાથમાં લેવાનું મન થયું. ઓહ…. ઓસરીમાં ખાટ પર બેઠેલા બા…
સુમી વહુની દિનચર્યા અને સુરેશની બોલચર્યા બા જ નક્કી કરતા. એમને એક જ કામ, ઓસરીમાં ખાટ પર બેઠાં બેઠાં બધી હિલચાલ પર નજર રાખવી ને પરિસ્થિતિની લંબાઈ પહોળાઈ નક્કી કરી વેતર્યા રાખવી. કેટલા વખતથી ભગવાનનું દેરુંય ઓરડામાંથી ઓસરીમાં ફેરવવાનો વેંત કરતા હતા પણ આ પાણિયારું ને હિંચકાખાટ નડતા હતા. ખાટ વગર બાને જાણે ઘડીયે ન ચાલે. સુરેશને કાને બાનો સાદ પડ્યો.
“હા, બા”
“ત્યાં શું ઊભો છો ? જા ઝટ મારા ચશ્મા સમા કરાવવા દીધા છે, આજે દેવાના છે. લેતો આવ.”
“હા, બા” જીભ પર કાયમ માટે સ્થિર થયેલા શબ્દો બહાર આવ્યા.
********
સુમી પરણીને આવી ને રાત પડે બેય મળતાં ત્યારે એને તુંકારા પર આવતા દિવસો લાગ્યા હતા. સુરેશને એ બહુ વહાલી લાગતી પણ એની સાથે કેમ વર્તવું એમાં એ મુંઝાયા કરતો. આજ સુધી સ્ત્રીના નામે એની આંખ સામે હતા બા. એને અડોશપાડોશમાં જવાનો મોકો ન આવે એનું ધ્યાન બા રાખતા. સુરેશે ભણવાનું અને બા કહે એમ કરવાનું. બાપુજીય એમાં અપવાદ નહોતા. ઘરની આ જ શિસ્ત. દીકરાના લગ્નના થોડાક દિવસ પછી બાએ એને હાથમાં લીધો.
‘પેટે પાટા બાંધીને તને ઉછેર્યો છે દીકરા ! હું તારી સગી જનેતા ને આ તો પારકી છોકરી કે’વાય ! ગગા, મારી વાત ગાંઠ બાંધીને સાંભળી લે, નકર પસ્તાવાનો વારો આવશે. આ કાલ હવારની છોકરીના વેણથી ભરમાઈશ નહીં. આજકાલની છોકરીને નખરાં બહુ આવડે. જરા કડપ રાખવાનો, શું સમજ્યો !’
‘હા બા ! – સુરેશ સમજી ગયો.
રાત પડે ઓરડામાં જતાં પહેલાં એ કડપ પહેરવા પ્રયત્ન કરતો ને સુમીનો ચહેરો જોઈને કૂણો પડી જતો. બિચારી ભોળી ભટાક છે, કેવી મીઠી વાતો કરે છે ! સુમીની પારેવા જેવી આંખોમાં એ પાંખો ફફડાવ્યા કરતો ને સવારે બાના અવાજ સાથે નીચે પટકાતો. બા કહે એ સાચું જ હોય. પાંખોડિયો વિચાર ત્યાં અટકી જતો ને ભાંખોડિયા ભરવા માંડતો તાજા બનેલા પતિનો કડપ !
બાને કહેલો ‘જેશી કૃષ્ણ’વાળો અવાજ બદલાઈ જતો ને એ ઊંચા અવાજે સાદ પાડતો,
‘સુમી, બાની ચા બનાવી કે નહીં ! આટલી વાર કેમ લાગે છે !’ એને જરી હાશ થતી. વાતે વાતે બાની આજ્ઞા માથે ચડાવવાના અજાણ્યા થાકનુંય આ હાથવગું ઓસડ હતું.
સુમી વિમાસણમાં રહેતી, – રાત પડે સાંપડે છે એ પતિ સાચો કે આ ધોળા દિ’નો ? દિ’ ઊગતાં જ આ સમૂળગા બદલાઈ કેમ જાય છે ? બાની સામે કપરકાબી પછાડવાનું એને મન થતું. એ એવું કરી શકતી નહીં. એ ભગવાનનો પાડ માનતી હાશ, આ છોટુ તો છે ! સુમી પરણીને આવી ત્યારનો એને છોટુનો સંગાથ. બપોર ઢળતાં જ એ છોટુની વાટ જોઈ રહેતી. નિશાળેથી એ સીધો દફતર સાથે ભાભી પાસે પહોંચી જતો.
“ભાભી પે’લા મને સુખડી દ્યો.’
સુમીએ ઓસરીમાં ખાટ તરફ નજર નાખી હતી. બાએ સાંભળ્યુ હતું પણ એ એમ જ હાથમાં માળા લઈને બેસી રહ્યા. માળા કરતાં એ બોલતા નહીં, એવું નહોતું. માળા હાથમાં રાખીને સુરેશને મોટું ભાષણ ઠોકી દેતા, સુમીને ધમકાવી લેતા અને બાપુજીનીયે ખબર લઈ નાખતા. છોટુએ બાની સામે જોયું પણ નહીં. ખાટ પાસે જઈ બા હાથ લંબાવે એ પહેલાં ત્યાં પડેલો ડબ્બો ખોલી, ફટાક કરતા બે દડબા ઉપાડી લીધા.
બાનું મોઢું બગડયું, – ‘માપ રાખ.’
‘બા, બે જ લીધા છે’ કહેતો ભાભી પાસે ભાગી ગયો.
રોજ આવું કાંઈક થયા કરતું ને સુમીની નજરમાં છોટુ હીરો બની રહેતો. ઠરવાનું ઠેકાણું એ જ. છ મહિનામાં તો સુમી ને છોટુની દોસ્તી પાકકી થઈ ગઈ હતી. ગરમ ગરમ રોટલી, રોટલા ઉતરતા ને મા દીકરો જમવા બેસી જતા. બાપુજી આવે ત્યારે જમે. એના રોટલા ઉપરેય બા જ ઘી ચોપડી દેતા. ઘીની ટોયલી ને ડબો બધું તાળાબંધ કોઠારમાં રહેતું. ‘કાલ હવારની છોકરી, એને શું ખબર પડે !’
*******
છોટુને નવાઈ લાગતી, ભાભી પેટથી જ કેમ જાડા થવા માંડ્યા ! સુમી કાઠીએ દુબળી ને પાછી ખાવાપીવામાં બાની કડકાઈથી એની તબિયત ખાડે જવા માંડી. રાતે એ સુરેશ પાસે રાવ કરતી.
’’અતારે મારે બે જીવનું ભારણ તોય બા ધરાઈને ધાન ખાવા નથ દેતા!’
સુરેશ એને હળવેથી પંપાળતો, ’’બસ, એકવાર છોકરું આવી જવા દે. જોજે, બાને વ્હાલ આવશે ને એટલે બધું બદલાઈ જશે. હમણાં બા કહે એમ કર.’
ધીમેધીમે ફરિયાદ, રાવ સઘળું શાંત થઈ ગયું. સુમી ચૂપ થઈ ગઈ. એ રાતવાળા સુરેશ પાસે થોડું જીવી લેતી. દિવસમાં મૂંગીમંતર. બા કાંઈ પણ કહે, જવાબ આપવો જ નહીં. માથાકૂટ તો ટળે. સાર એ આવ્યો, બાના શબ્દોમાં ‘પથરા જેવી છે. સાવ નીંભર!’
સુમીને દીકરી જન્મી. ‘હે ભગવાન, આણે તો પથરો જણ્યો !’ હવે જુદી મોંકાણ ઉપડી !
સુમીને બાળક ખાતર પણ થોડુંક બોલવું પડતું.
– બા રોટલા પર છાંટો ઘી નાખી દ્યો ને ! આ ભુખી છોકરી નકરું ચુસ્યા જ કરે છે તે….
– હા, હવે રાણીબાને ધાવણ ખુટે છે ! ઘીના ભાવ સાંભળ્યા છે બાપ જન્મારે !
‘જરી તો દયા માયા રાખ હવે. આ છોકરું નિહાકા નાખે” બાપુજી ક્યારેક ભલે વાંઝિયુંયે, બોલી નાખતા.
‘તમતમારે જઇને નારણની દુકાને બેહો. બૈરાની વાતમાં ડફાકા નો મારો.’
સુરેશને સાંઠીકડા જેવી દીકરીની ખાસ માયા નહોતી થઈ. એને પણ દીકરાની આશા હતી. એ નાનકડો કુમળો લોચો એનેય પાણો લાગવા માંડ્યો હતો.
સુમીના પિયરમાં માતાજીની આડી હતી, દીકરીને સુવાવડ માટે ન તેડાય.
‘પિયરીયાં છુટી પડ્યા છે. દીકરી દઈ દીધી તે જાણે પાછું વળીને જોતાં જ નથી.’ બા બોલ્યા.
‘બા, માતાજી આડા ન ઉભા હોત તો મારા બાપુજી તેડી જ જાત. બસ સવા મહિને નાહી લઉં એટલે મારી બા મને એક દિ’ય અહીં નૈ રેવા દ્યે.’– પથરો થઈ ગયેલી સુમીની આંખમાંથી ધાર ચાલી.
– જોયા જોયા હવે મોટા માતાજીવાળા. લવરી બંધ કર !
સુરેશને માઠું તો લાગ્યું પણ બા…….
છોટુને બહુ ઇંતેજારી હતી કે ભાભીની ઢીંગલી મોટી થાય એટલે એને રમાડવા લઈ જવાય. નાનકડી બબુડી હાથ પગ હલાવે ત્યારે એને આનંદ અને આશ્ચર્યથી જોઈ રહેનાર સુમી સિવાય આ એક જ હતો.
છોકરીને ઝાડા થઈ ગયા’તા. સુમી રોતાંરોતાં બાને સંભળાય એમ સુરેશને આજીજી કરતી હતી.
– હવે ઘરના ઓસડિયાથી ફેર નહીં પડે. મારી છોકરીને દાક્તર પાસે લઇ જાવ. એનું પેટ છુટી પડ્યું છે.
છોકરીના દેહમાં આમેય કાંઈ હતું નહીં. આ બીમારીના કારણે હાથ પગ દોરડી જેવા થઈ ગયા હતા. ચાર દિવસથી એનો ઝાડો બંધ નહોતો થાતો તોય બા, દેશી ઉપચાર જ સારા એ વાતે ટસના મસ નહોતા થતા. એની ચામડી હવે લટકવા માંડી’તી પણ વાટણ ને ચટામણ ચાલતા રહ્યા ને એ નાનકડા બાળે પાંચમા દિવસે માના ખોળે છેલ્લા શ્વાસ લઈ લીધા. બાએ ફાઇનલ કહી દીધું – હશે, જેવી લેણાદેણી.
વાતે વાતે રોઈ પડતી સુમીની આંખ કાચની થઈ ગઇ’તી કે શું ? સુરેશ ગભરાયો. અડોશી પડોશી છાના ઘુસપુસ કરતાં આવ્યા. સુમીને છેલ્લી વાર એનું મોઢું બતાવ્યું ને એ તો જાણે પથ્થરની મુરત ! ચોવીસ દિવસના લોચાપોચાને કપડામાં વીંટી દાટી આવ્યા. આવીને સુરેશ નાહ્યો ને ફળીયામાં બેઠો.
સુમીએ સુરેશને જોયો ને મોટા અવાજે પોક મુકી, છાતી કૂટતી જાય ને રોતી જાય. શેરી આખી ધ્રુસ્કે ચડી ગઈ. સુમીનું કલ્પાંત પેટની જણીના મોત જેટલું જ આ નિર્દયી લોકો માટે હતું.
‘અરે, કેવા કઠણ કાળજાના આ મા દીકરો! પોતાનું લોહી, પોતાનું બીજ ને કાંઈ દયા માયા નહીં…..’
સુરેશને સમજાયું નહીં કે હવે રહી રહીને સુમી ને શું થયું ! હજી છોકરીને લઈને નીકળ્યા ત્યાં સુધી તો આંખ કોડા જેવી હતી ! પણ સુમીનો વલોપાત એની અંદર કંઈક ઓગાળી નાખતો હોય એવું લાગ્યું. શેરી આખી ટોળે વળી ગઈ હતી.
‘છાની રે બટા ! એ તો જેમ ઉપરવાળાએ લખ્યું હોય એમ થાય. આપણું થોડું હાલે છે ? ભાયગમાં હશે તો કાલ હવારે બીજું છોકરું આવશે.’ બાએ ડાયલોગ માર્યો. સુરેશને બાની સમજણ માટે માન થયું. બા ભલે કડક હોય પણ એને ય માયા તો છે હોં !
બાપુજી શહેરમાં શાંતિકાકાની ખબર કાઢવા ગયા’તા. પછી ચાર પાંચ દિ’ રોકાઈ ગયા અને એમાં આ બધું બની ગયું. બાપુજી આવ્યા ને જાણ્યું. એ બા સાથે કંઈ ન બોલ્યા. બહુ દુઃખી અવાજે એમણે સુરેશને કહ્યું,
– હવે મા’ણા થા તો હારું.
સુરેશે સુમીને મનાવવા બહુ પ્રયત્ન કર્યા. એનો અફસોસ પણ છાનો રહેતો નહોતો. પોતે ફરીને આવું થવા નહીં દે, બીજું બાળક આવશે ત્યારે એ બરાબર ધ્યાન રાખશે….. પણ એવી કોઈ હૈયાધારણથી સુમીને કળ વળે એમ નહોતી.
સુમીના બા-બાપુજી આવીને સુમી ને તેડી ગયા હતા. બાએ વાયદો કર્યો’તો કે સુમીને પંદર દિ’માં પાછી મોકલી દેવી. ઘરમાં કોઈ કામ કરનારું છે નહીં. બાથી તો હવે કામ થાય નહીં ને વળી છોકરું રહ્યું નહીં, નહીંતર જુદી વાત હતી.
પંદર દિ’ થયા ને સંદેશો આવ્યો, સુમીની તબિયત સારી નથી, હમણાં નહીં આવે. મહિનો થયો, બે મહિના થયા, સુમીના આવવાના કોઈ અણસારા નહોતા. બાથી કામ નહોતું થતું. સુમી વગર સહુને ફાંફા પડી ગયા’તા. વેવાઈને બે-ત્રણ વાર કહેવડાવ્યું પણ જવાબ ગોળ ગોળ મળ્યા કરતો.
સુરેશે પોતાના દોસ્તની બહેન, જેને સુમી ના ગામમાં પરણાવી હતી એની સાથે ચિઠ્ઠી મોકલી,
“તારા વગર મારા હાલ બુરા છે. એક વાર તું આવી જા. હવે તને કોઇ દુખ પડવા નહીં દઉં…..” કોઇ જવાબ નહીં.
……………….
શાંતિકાકાએ આ સંબંધ કરાવેલો એટલે છેવટે એને વચ્ચે પડવાનું થયું. શાંતિકાકાએ પહેલાં સુમી ને એકલી બેસાડીને વાત કરી જોઈ. ધ્રુસ્કે ધ્રુસ્કે રોતાં રોતાં એ કહે,
– હું બાનું નથી રોતી પણ એવા એ કોક દિ’ તો બોલે મારી ભેરમાં ! હું રાત’દિ એના ઘરમાં વૈતરું કરતી જ ‘તી ને ! મારી દીકરી લાકડા જેવી થઈ ગઈ ‘તી, તોયે બાપ ઊઠીને એના પેટનું પાણી કેમ નો હાલ્યું ?
સુમીની કરમ-કથની સાંભળીને એના બા-બાપુજીનું લોહી તપી ગયું હતું. એમનું પૈસેટકે સમૃદ્ધ ઘર હતું. સુરેશનું ખોરડું નબળું પણ એકનો એક દીકરો જાણીને એમણે દીકરી પરણાવી હતી. આમેય દીકરીની વીતક તો જાણતા હતા. ધીરેધીરે સહુ સુધરશે એમ માની સમસમીને બેસી રહ્યા હતા. આ સુવાવડમાં આડો આંક વળી ગયો. એમણે શાંતિકાકાની સાથે બધું બાની સામેના વિરોધ સમેત કહેવડાવી દીધું, જેનો સાર હતો, – ‘અમારે છુટું કરવું છે.’
સુરેશના ઘરમાં સોપો પડી ગયો. બા સડક થઈ ગયા. દીકરીના બાપ થઈને વેવાઈ આમ ખુલ્લે આમ પોતાની ઉપર આરોપ મુકશે એવી એમને કલ્પના નહોતી. દીકરો ક્યાંક વહુનો ન થઈ જાય કે સુખી ઘરની છોકરી ક્યાંક દીકરાની કાનભંભેરણી કરી મા વિરુદ્ધ ચડાવે નહીં, એ વિચારનું જ આ પરિણામ હતું. સુરેશને સુમી નજર સામે તરવરતી. સુમી હતી તો રોજ મા દીકરો ગરમ ગરમ ખાવા પામતા ! સવારમાં ઉઠતાંવેંત બીચારી કામે ચડી જતી ને રાત સુધી નવરી ન થતી ને તોય પોતાનો પડ્યો બોલ ઝીલનારી અને બધી ઇચ્છાને વશ !
બાથી કામ અને સુરેશથી બા સહન નહોતા થતાં. એના કાનમાં બાપુજીના એ દિવસના શબ્દો યે ઘુમરાતા, – “માણા’ થાજે હવે..
આખરે આ દિવસ આવી પહોંચ્યો. સુમીના બાપુજી કાગળિયા કરવા આવવાના હતા.
************
સવારના અગિયાર વાગ્યા હતા. ઓસરી તપી ગઈ ‘તી લીમડાના ઝાડનો છાંયો આજે તાપને રોકતો નહોતો.
‘રામ રામ રા મ રા મરા મરા..’ની માળા જપતાં બા ખાટે બેસી રહ્યા. બાનો માળા ફેરવતો હાથ ધ્રુજતો’તો કે હોઠમાંથી ફફડતા શબ્દો ! આમેય માળા કરતાં કરતાં મનમાં રોજ કેટલીયે ગોઠવણ ચાલતી હોય, આજે એમાં ફડકો ઉમેરાયો હતો. તાપ લાગતો ‘તો પણ અંદર જવાની પગમાં તાકાત નહોતી વરતાતી.
‘મારે શું છે ? આ રહી તમારી છોકરી ! પૂછી લ્યોને ! શેનું દુખ છે ? અમે ખાવા નથી દેતા ? ઓઢવા પહેરવા નથી દેતા ? ને આ મારો દીકરો ! છે એનામાં કોઈ એબ ? ઘરમાં ગણીને ચાર મા’ણા’ ! નથી કોઈ આગળ કે નથી પાછળ. કામેય શું હોય ! હજી અંગુઠા જેવડી છે તે ક્યારેક વઢવું યે પડે ! વાંક હશે ત્યારે કહેતા હઇશું ને …..’ માળા ફેરવતાં ફેરવતાં બાના હોઠ ફફડતા હતા.
‘બોલો બોલો હજી.. બાકી રહ્યું હોય તો.. ‘ બાપુજી ઓરડા પાસેથી પસાર થતાં અકળાઈને બોલ્યા
બાના હાથમાંથી માળાનો જરા ઘા જેવું થઈ ગયું. ગોઠણે હાથ ટેકવી ઉંહકારા કરતાં ઊભા થયા. માળા લઈને ઠેકાણે મુકી. આડે દિવસે આવું થયું હોય તો પછી એક કલાક સુધી બાની વાણી અસ્ખલિત ચાલ્યા કરે પણ આજે બા મુંગામંતર થઈ ગયા. બાપુજી બોલતાં તો બોલી ગયા પણ પછી એને પસ્તાવોય થયો. ભલે કબુલ ન કરે પણ એનેય મનમાં ફડકો તો છે જ.
પતિની વાતનો જવાબ વાળ્યા વગર બાએ વ્યવસ્થા શરુ કરી દીધી,
‘છોટુને કે’જો નિહાળેથી સીધો એના ઘરે વયો જાય. છોકરું છે. અમથો તમાશો ભાળે.’
હજી તો બાનું વાક્ય પૂરું થાય ત્યાં તો છોટુ દફતર ઉલાળતો ઠેકડા મારતો આવી પહોંચ્યો.
‘મારી બા કે’તા ‘તા કે આજે ભાભી આવવાના છે.’
‘તું જા તારે ઘેર. ભાભી આવશે એટલે તને બોલાવશું હોં !’
બાનું સાંભળવાની એને ક્યાં આદત હતી ! એ અંદર જઇને લપાઈ ગયો. ચિંતામાં બાને એનું ધ્યાન ન રહ્યું.
‘કાલ હવારની છોકરી..અમથું વાતનું વતેસર કર્યું છે !’ – બા ફરી બોલ્યા પણ અવાજમાં એમનો અસલ મિજાજ ક્યાં હતો ?
બાપુજી હવે ચુપ રહ્યા. આજે સવારથી બાના હાથમાંથી વારે વારે કંઈક પડી જતું હતું. સુરેશને ચા પીવા બોલાવ્યો તોયે જાણે ગુનો કરતા હોય એવો દબાયેલો અવાજ લાગ્યો હતો. બાપુજીને ઘડીક વિશ્વાસ નહોતો આવતો કે પોતે જે જુએ છે એ સાચું છે કે નહીં ? પત્નીનું આ રુપ એમના માટે જુદું હતું. જો કે કારણ સમજાય એવું હતું તો યે…..
હાથમાં ગીતાજી લઈ એ બેઠા પણ એમનું મન શ્લોકમાં લાગ્યું નહીં.
તડકો ફળિયામાંથી તરતો તરતો ઓસરીમાં ફેલાઈ ગયો હતો. અંદર ઓરડામાં અંધારું કળાતું હતું. સુરેશે આવીને જાળીનો પડદો ખેંચ્યો અને પછી અંદર જઇ બેઠો. એને હવે પોતે સાણસામાં ફસાઈ ગયો હોય એમ લાગતું હતું. આજ સુધી બા કહે એમ કર્યે રાખ્યું હતું.
‘હજી અંગૂઠા જેવડી છે, એને શું ખબર પડે!’ – પણ મામલો વધી ગયો. ક્યાંક બધાની હાજરીમાં ફ્જેતી ન થાય !’ એને રહીરહીને સુમી યાદ આવતી હતી.
મેં જરા કડપ રાખ્યો પણ એ તો બિચારી ગરીબ ગાય જેવી હતી. ક્યાં કોઇ દિ’ સામે થઇ છે ! બા અમથા… અને આ પહેલી દીકરી આવીને મરી ગઇ ત્યારે બિચારી કેવી રોઈ રોઈને અર્ધી થઈ ગઈ તી પણ કોણ જાણે ત્યારે મારી આંખેય પાટા બાંધેલા હતા !
બાએ કહ્યું ‘તું, ‘હશે, પા’ણો ગ્યો” એમાં હું યે પા’ણો જેવો થઈ ગ્યો તો.
બપોર પછી સુરેશે ઓસરીમાંથી ખાટ છોડી નાખી. બેય બાજુ લાંબી શેતરંજી નાખી. બાપુજી વચ્ચે બેઠા ને સુરેશ ખૂણામાં ગુમસુમ બેસી ગયો.
સાંજના ચારેક વાગે બધા એક પછી એક આવી ગયા. બે કાકા, ફુઆ અને બે ગામના વડીલ. સુમીના બે મામા, કાકા ને એના બાપુજી પાંચેય સાથે આવ્યા. પાછળ પાછળ સુમીય લાજ કાઢી ઘરમાં આવી. એના બાપુજીએ સુમીને સાથે લીધી હતી કે એને આપેલો દાગીનો ને મોંઘી ચીજવસ્તુ પાછી લઈ લે. બા મંદિરવાળા ઓરડામાં હતા. સુમી સુરેશ સામે એક નજર નાખી ખૂણાની ઓરડીમાં જતી રહી. સુરેશની યાચનાભરી આંખો પળવાર ઊંચી થઈ ને ઢળી ગઈ. બા કાઢી ન મૂકે એ બીકે છોટુ એ ઓરડીમાં ચૂપચાપ બેઠો હતો. ભાભીને ચોંટી પડ્યો. સુમી રોઈ પડી.
“તો હવે શું કરવું છે ?” ગામના વડીલ ડાહ્યાબાપા બોલ્યા.
“હવે આમ ને આમ નો ખેંચાય. અમારી પારેવા જેવી છોકરી…” સુમીના મામાએ જવાબ વાળ્યો
“ભાઇ હાચું ઇ છે કે સુરેશનો કંઇ વાંક નથી. સાસુ વહુની થોડીક ચણભણ છે.. બધું થાળે પડી જશે તમે માનો તો…” સુરેશના કાકાએ સમાધાનના સુરમાં કહ્યું.
”આને તમે થોડી ચણભણ કયો છો ? વેવાણ મારી છોકરીને ભરખી જશે !” સુમીના બાપુજી ગુસ્સામાં લગભગ ઉભા થઇ ગયા.
“મોટાભાઈ, શાંતિ રાખો. તમારું બીપી વધી જશે. આમેય હવે આપણે ફેંસલો કરવાનો જ છે.” સુમીના કાકા બોલ્યા
“જુઓ વેવાઈ, અમે કાન બંધ કરીને બેઠા નહોતા. બધીય વાતું વહેતી વહેતી અમારા સુધી પહોંચતી જ ‘તી. સુમી ગાળીગાળીને કહેતી ‘તી તોય એના બોલ્યામાંથી અમે પામી જતાં ‘તા કે દીકરી સુખી નથી. અમે અત્યાર સુધીમાં ઓછી બાંધછોડ નથી કરી. વેવાણ જમાનાના ખાધેલ છે અને સુરેશચંદ્ર કે તમે, કોઈ એને બે વેણ કહી શકતા નથી.. સો વાતની એક વાત. હવે અમારે છેડાછૂટકો કરવો છે.”
“ભાઈ તમે માનો તો હવે હું એને વારીશ. તમારી દીકરીનું હું ધ્યાન રાખીશ બસ?” બાપુજી ખચકાતા બોલ્યા.
”રહેવા દો વેવાઈ. આજ સુધી તમે કેમ ન બોલ્યા?”
અંદરથી રડવાનો અવાજ આવ્યો.
બારણામાંથી છોટુએ ડોકિયું કર્યું.. “બા બધું સાંભળે છે હોં… “
“તું અહીં મોટાની વાતમાં કેમ ડબડબ કરવા આવ્યો છો? જા તારા ઘરે જા.. અને વચ્ચેનું બારણું બંધ કરતો જા.” બાપુજી બોલ્યા.
છોટુએ બારણું અધુકડું વાસ્યું.
ચર્ચાઓ ફરી ઉગ્રતાથી થઈ. પ્રસંગો, ઘટનાઓના ફરીફરીને પોષ્ટમોર્ટમ થયાં. એના નવા નવા અર્થઘટનો અને તારણો… પરિણામ એક જ … અમારી છોકરીને અમે પાછી લઈ જશું.
સુરેશ નીચું મોં કરીને બેઠો હતો. આમે ય ગામડાગામમાં મા દીકરો વગોવાઈ ગયા હતા. આજે સૌની વચ્ચે સાવ ઉઘાડા થયા.
“હશે ભાઈ, તમારે સમાધાન નથી જ કરવું તો આનો અંત લાવો. લઈ જાવ તમારી દીકરીને અને મોટાભાઈ, વહેવારે સુમીના આણામાં પિયરમાંથી જે આપ્યું હોય એ તમે પાછું આપી દો એટલે વાત પૂરી, બીજું શું?” ચતુરકાકા નિવેડા પર આવી ગયા.
“હા, બધુંય આપી દો પાછું એટલે પંચ પાસે લખત કરાવી લઈએ. કોરટમાં પતતાં તો બહુ વાર લાગે.”
ઘરમાંથી એક પછી એક ચીજ વસ્તુઓ આવતી ગઇ. વાસણો, મોતીના તોરણ, ચાકળા, ઝુમર, ગાદલું, રેશમી રજાઈ, કપડાં, દાગીના……. સુમીના બાપુજી પાસે આણામાં આપેલી વસ્તુઓનું લિસ્ટ હતું. એ પ્રમાણે બધું ઓસરીમાં ખડકાતું ગયું. ટેમ્પાવાળાને ય બોલાવી લીધો.
છોટુ મોટાદાદાની બીકે બહાર નહોતો આવતો પણ કાન માંડીને બેઠો હતો. એકબાજુ ભાભી રોતા’તા ને બીજી બાજુ બા રોતા’તા. હવે દીકરાનું ઘર ભાંગતું હતું અને પોતે કાંઈ કરી શકતા નહોતા.
“એ અમારા છે.” શાંતિકાકાના હાથમાં રહેલા સાંકળા જોઈ સુમીના કાકા બોલ્યા.
“આ તો મને યાદ નહોતું તે થયું પુછી લઉં. સાંકળા તો અહીંથી યે ચડાવ્યા હોયને !”
એમણે ઓરડામાં ઉભેલી સુમીની સામે જોયું અને સાંકળા વેવાઈને આપી દીધા.
બધો હિસાબ પુરો થયો.
“સુમી બેટા, તું તૈયાર છો ને ? ચાલ ચંપલ પહેરી લે.” મામાએ પુછ્યું અને નિસાસો નાખ્યો.
“કોને ખબર હતી કે મારે તને આમ પાછી ય લઈ જવી પડશે!”
સુમીની હિંમત છુટી ગઈ હતી. એ સૌની દોરવાઈ દોરાતી હતી. પિયર ગઈ ત્યારે તો એને લાગ્યું હતું કે બસ હવે એ છુટી આ નરકમાંથી. એને સુરેશ યાદ આવી જતો પણ એ કઠણ થઈને બેસી રહેતી. આવો નમાલો વર શું કામનો ? મા પાસે મિંયાની મિંદડી ! જમ જેવી સાસુ સાથે જન્મારો કેમ નીકળે ! પણ આજે જેવી સામસામી ચર્ચા શરુ થઈ ને સુમીના હાથ-પગ પાણી પાણી થવા માંડ્યા હતા. મામાએ ચંપલ પહેરવાનું કહ્યું અને એનું શરીર કોથળા જેવું થઈ ગયું. આંખે અંધારા આવી ગયા. જેમતેમ પગ નાખ્યા. ડાબા, જમણાનું યે ઓસાણ ન રહ્યું.
મામાએ સુમીનો હાથ પકડ્યો. બીજા લોકો બહાર નીકળી ચુક્યા હતા.
અચાનક છોટુ દોડતો આવ્યો. સુમીભાભીનો પાલવ ખેંચતો બોલ્યો,
“તમે તમારી બધીય વસ્તુ લઈ જાવ, અમારી નંઈ.”
સુમીના મામા બાઘાની જેમ જોઈ રહ્યા.
“લગન થ્યા ત્યારે શીલાકાકીએ મને કીધું’તું, ભાભી તો અમારા છે.”
ધ્રુસ્કા ઉપર ધ્રુસ્કા… અને સુમીએ પગમાંથી ચંપલ ફેંકી દીધા.
-
મારી દાદી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
અન્યની દાદી-નાનીની જેમ મારી દાદી પણ વૃદ્ધ દેખાતી હતી. સૌ કહેતા એમ, યુવાનીમાં એ સુંદર હશે, પણ છેલ્લાં વીસ-વીસ વર્ષથી હું એનો આવી અઢળક કરચલિયોવાળો ચહેરો અને એટલી જ કરચલિયોવાળી કાયા જોતો આવ્યો છું. આજે એનું નાનું કદ, મોટું શરીર, કમરથી વળી ગયેલી દાદીમાને જોઈને એ યુવાનીમાં સુંદર લાગતી હશે કે કેમ એ વિશે પણ શંકા થાય છે. હા, સારી દેખાતી હોવાની શક્યતા સાવ કાઢી નાખવા જેવી નથી.
એના શરીરનું સંતુલન જાળવવાનું હોય એમ એનો એક હાથ કમર પર રહેતો અને બીજા હાથમાં જપમાળા લઈને ભજન ગણગણતી ઘરમાં ફરતી. ચોતરફ બરફથી છવાયેલા પહાડોને જોઈને મનમાં શાંતિનો ભાવ જાગે એમ ચાંદીની જેમ ચમકતા વાળ અને સાફસૂથરા સફેદ વસ્ત્રો પહેરેલી દાદીને જોઈને મનમાં શાંતિ અનુભવાતી.
મારી અને દાદીમા વચ્ચે સરસ મૈત્રી હતી. મારાં માતાપિતા જ્યારે શહેરમાં રહેવાં ગયાં ત્યારે મને દાદીમા પાસે મૂકીને ગયાં. બસ, ત્યારથી હું અને દાદીમા સાથે રહ્યાં. સવારે મને જગાડતી, નવડાવીને સ્કૂલે જવા તૈયાર કરતી ત્યારે મીઠા અવાજમાં પ્રાર્થના ગાતી રહેતી જેથી મને પણ પ્રાર્થના યાદ રહી જાય. એનો અવાજ સરસ હતો એટલે સાંભળવો ગમતો.
લાકડાની પાટી, સરપટની કલમ અને માટીનો ચાક એક થેલીમાં મૂકીને નિશાળે વિદાય કરતી. હા, જઉં તે પહેલાં રોટલી પર જરા અમસ્તું ઘી અને સાકર ચોપડીને ખવડાવતી. મને મૂકવા આવે ત્યારે કૂતરાઓ માટે વાસી રોટલી સાથે રાખતી અને રસ્તાનાં કૂતરાંઓને ખવડાવતી. એ મને નિશાળે મૂકવા આવતી કારણ કે મારી નિશાળ ગુરુદ્વારાનો જ એક ભાગ હતી જ્યાં અમને વર્ણમાળા અને સવારની પ્રાર્થના શીખવાડમાં આવતી.
અમે બાળકો વરંડામાં કતારબંધ બેસીને વર્ણમાળા કે પ્રાર્થના ગાતા. દાદી અંદર જઈને ગ્રંથ સાહેબના પાઠ કરતી. સાંજ પડે બંને સાથે ઘેર જતાં. દાદીમાને જોઈને ગલીના કૂતરાં રોટલી માટે પાછળ પાછળ ઘર સુધી આવતાં.
સાંજે દાદીમા એનાં બાળપણની, દેવી-દેવતા કે દેવદૂતોની વાતો કરતી અને હું સાંભળતો.
શહેરમાં મા-બાપુ બરાબર ગોઠવાયાં ત્યારે અમને બોલાવી લીધાં.
બસ ત્યારથી અમારી ઘનિષ્ઠતા ખતમ થવાં માંડી. હું અંગ્રેજી સ્કૂલમાં જવા માંડ્યો ને દાદીનું મારી સાથે નિશાળે આવવાનું બંધ થઈ ગયું. અહીંયા રસ્તા પર કૂતરાંઓ નથી હોતાં એટલે દાદીએ આંગણાંમાં પંખીઓને દાણા નાખવાનું શરૂ કર્યું.
થોડા દિવસ સુધી તો સવારે નિશાળે જવા મને જગાડીને તૈયાર કરતી. સાંજે પાછો આવું ત્યારે ગુરુજીએ શું શીખવાડ્યું એ પૂછતી. હું અંગ્રેજી શબ્દો, પશ્ચિમી જ્ઞાન અને વિજ્ઞાન, આકર્ષણનો નિયમ, આર્કિમિડીઝનો નિયમ, દુનિયા ગોળ છે એ બધું કહેતો, જે એને સમજાતું નહીં અને ગમતું પણ નહીં એટલે ધીમેધીમે એ ઓછું થતું ગયું.
એને અંગ્રેજી સ્કૂલોનું ભણતર સાવ બેકાર લાગતું. ભગવાન અને ધર્મ અંગે કંઈ ભણાવવામાં નહોતું આવતું એ એને ભારે કઠતું.
એક દિવસ જ્યારે અમને સંગીત શિખવાડવામાં આવશે એવું કહ્યું તો એ ખૂબ પરેશાન થઈ કારણ કે એને મન સંગીત એટલે ભોગ-વિલાસ.
સંગીત નાચવાવાળા કે ભીખ માંગવાવાળા જેવી હલકીવરણ માટે હોય અને સભ્ય લોકોએ એનાથી દૂર રહેવું જોઈએ એવું માનતી. અને એ પછી તો અમારો સંબંધ જાણે સાવ ખતમ જ થઈ ગયો. દાદીમાએ ચુપચાપ આ દૂરી સ્વીકારી લીધી. કોઈનીય સાથે વાત નહોતી કરતી. બસ, ભજન ગણગણતાં રેટિંયો કાંત્યા કરતી.
સાંજે થોડો સમય બહાર આવીને વરંડામાં બેસતી. રોટલીનાં ઝીણાં ઝીણાં ટુકડા કરીને ચકલીઓને નાખતી. ક્યારેક ચકલીઓ એની પાસે આવીને બેસતી. દાદી એમને બેસવા દેતી. સાંજનો એ અડધો કલાક એનાં માટે સૌથી સુખનો સમય હોય એવું સ્મિત એ સમયે એના ચહેરા પર દેખાતું.
જ્યારે ઉચ્ચ ભણતર અર્થે પાંચ વર્ષ માટે વિદેશ જવાનું નક્કી થયું ત્યારે દાદીને દુઃખ થશે એવું મને લાગતું હતું, પણ એ સ્વસ્થ હતી. સ્ટેશન મૂકવા આવી ત્યારે પણ માળા ગણતાં ગણતાં પ્રાર્થના કરતી રહી. દાદીએ મારું માથે ચૂમી લીધી ત્યારે હું એને કહી ન શક્યો કે એ ચુંબન મારા માટે કેટલું મૂલ્યવાન હતું. પાંચ વર્ષે પાછો આવ્યો ત્યારે એ સ્ટેશને મને લેવા આવી. આશ્ચર્યની સાથે આનંદ થયો.
એની ઉંમર સ્થગિત થઈ ગઈ હોય એમ પાંચ વર્ષ પહેલાં એ હતી એવી જ આજે લાગી. કોઈ ફરક નહોતો. મને આલિંગનમાં લીધો ત્યારે પ્રાર્થના ગણગણવાનું ચાલું હતું. સાંજ પડે પહેલાંની જેમ ચકલીઓને દાણા નાખતી વખતે ચહેરા પર એ જ આનંદ, પણ સાંધ્ય પ્રવૃત્તિમાં પરિવર્તન દેખાયું. એ દિવસે એણે પ્રાર્થના કરવાના બદલે પડોશની સ્ત્રીઓને એકઠી કરીને જૂના ઢોલક પર યોદ્ધાઓની ઘર-વાપસીનાં ગીતો જોશભેર ગાતી રહી.
હું આવ્યો એના બીજા દિવસે એને તાવ ચઢ્યો. ડૉક્ટરના મતે એ સામાન્ય તાવ હતો, પણ દાદી કહેતી હતી કે હવે એનો અંત નજીક છે અને હવે જે સમય છે એ માત્ર પ્રાર્થનામાં લીન રહેવા માંગે છે.. અમારા વિરોધ છતાં આખો સમય શાંતિપૂર્વક માળા ગણતી અને પ્રાર્થના કરતી રહી.
અચાનક અમે કશું વિચારીએ કે સમજીએ એ પહેલાં એનાં હાથમાંથી માળા સરી પડી, હોઠ અને આંખો બંધ થઈ ગયા. ચહેરો સફેદ પૂણી જવો થઈ ગયો. પ્રથાનુસાર એને પથારીમાંથી જમીન પર લઈને સફેદ કપડું ઓઢાડી દીધું અને સૌ અગ્નિદાહની તૈયારીમાં પડ્યાં.
સાંજે દાદીને લેવા એના રૂમમાં ગયા ત્યારે આથમતા સૂર્યનો સોનેરી તડકો રેલાતો હતો. એ સોનેરી તડકામાં કેટલીય ચકલીઓ ચુપચાપ બેઠી હતી. દાદીની જેમ મા પણ એમનાં માટે રોટલીનાં ટુકડાં લઈ આવી. પણ, ચકલીઓ એ તરફ ધ્યાન આપ્યાં વગર બેસી રહી. જેવા દાદીની અર્થી લઈને બહાર આવ્યા કે ચુપચાપ ઊડી ગઈ.
બીજા દિવસે રોટલીનાં એ ટુકડાંઓ કચરાપેટીમાં નાખવા પડ્યાં.
ખુશવંત સિંહ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૧૧૯.આગા મહશર શિરાઝી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આજના ગીતકાર છે આગા મહશર શિરાઝી. એમની લખેલી આ એકમાત્ર રચના ગઝલ છે અને એ ૧૯૪૩ ની ફિલ્મ ‘ તકદીર ‘ માંથી છે. શમશાદ બેગમ સાથે કોણ પુરુષ ગાયક છે એની માહિતી નથી અને કળાતું પણ નથી. ગઝલના શબ્દો –
સૂરજ કી તરહ રૌશન તકદીર હમારી હૈ
બદલે જો ઝમાને કો તકદીર હમારી હૈમન – જિસ્મ ધિરે હૈં સબ ભારત કે સપૂતોં કે
હીરોં સે ચમકતી વો ઝંજીર હમારી હૈઈસ મુલ્ક પે હમકો હૈ પૈદાઈશી હક હાસિલ
ઈસ મુલ્ક કી જો શય હૈ જાગીર હમારી હૈ..– ફિલ્મ : તકદીર ૧૯૪૩
– શમશાદ બેગમ અને અજ્ઞાત પુરુષ ગાયક
– રફીક ગઝનવી
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
