વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૩]

    પહેલાં શ્રી બાબુ સુથારની કૉલેજકાળની ‘કાચબા કથા’ની સફરનો આપણે સંગાથ કર્યો.
    હવે આગળ….


    એ સાથે મેં ફરી એક વાર ‘ઘર’ બદલ્યું. હું સંતરામપુર ગયો. ત્યાં મને એક વિચિત્ર કહી શકાય એવી એક જગ્યાએ ઓરડી ભાડે. એ ઓરડીમાં જવા માટે મારે એક છાપરા પર નાખેલાં પતરાં પર ચાલીને જવું પડતું. એથી અવાજ પણ આવતો. એને કારણે આડોશપાડોશને ખબર પડી જતી કે હું ઘેર છું કે બહાર. જો કે, કોલેજ ત્યાંથી નજીક હતી. ચાલતાં જવાય એટલી નજીક. કોલેજનું પુસ્તકાલય પ્રમાણમાં ઠીક હતું. હું મારો મોટા ભાગનો સમય વાંચવામાં અને થોડોક સમય લખવામાં ગાળતો. એ વખતે મેં થોડાંક એકાંકી લખેલાં. એમાંનાં એકબે ભજવાયેલાં પણ ખરાં.

    સંતરામપુરમાં મારે આચાર્ય સાથે એકબે બાબતે મન ખાટું થયેલું. એટલે મેં બીજે નોકરી શોધવાનું ચાલુ રાખેલું. પરિણામે મને મુંબઈના વિલે પાર્લેમાં આવેલી મણીબેન નાણાવટી કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળેલી. પછી સંતરામપુર મારા માટે ‘ટ્રોય’ બન્યું. હું એને છોડીને મુબંઈ ગયો.

    મુંબઈ જતી વખતે મેં મારાં તમામ લખાણો ગોધરામાં મારા નાનાભાઈના ત્યાં એક કોથળામાં મૂકેલાં. મારો નાનો ભાઈ પણ ટેલિફોન ઓપરેટર બનેલો. પણ, એક વાર ગોધરામાં ભારે વરસાદ પડ્યો. પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાયેલું. એ પાણીમાં એક સાપ તણાતો તણાતો નાનાભાઈના ઘરમાં, મેં જેમાં મારા લખાણો મૂકેલાં એ કોથળામાં, ઘૂસી ગયો. અને નાનાભાઈએ એ સાપને અને મારાં લખાણોને પણ નદીમાં પધરાવી દીધેલાં. એણે મને કહેલું: ભાઈ, સાપ બહુ મોટો હતો. એને કોથળામાંથી બહાર કાઢવાને બદલે મેં તો કોથળો જ પધરાવી દીધો પાણીમાં. ત્યાર પછી મેં કદી નાટક લખવાનો પ્રયાસ કર્યો નથી.

    મુંબઈમાં હું શરૂઆતમાં ત્યારે ઘાટકોપરમાં રહેતાં સર્જક દંપતિ ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં રહેલો. એમણે મારી ખૂબ કાળજી રાખેલી. બેત્રણ મહિના પછી હું ત્યાંથી મલાડ રહેવા ગયેલો. એ ઘર પણ એમણે જ શોધી આપેલું. એમાં એમના એક વિદ્યાર્થી મુકેશએ ચાવીરૂપ ભૂમિકા ભજવેલી. એ મકાન, જો મારી સ્મૃતિ મને દગો ન કરતી હોય તો, અંજલિ કિચનવેરના માલિકોનું હતું. ત્યાં હું કોઈ પણ ભાડું આપ્યા વિના છએક મહિના રહેલો. ત્યાર બાદ એમને ઘરની જરૂર પડી ને હું પાછો ત્યાંથી વિલે પાર્લેમાં, કોઈક મરાઠી નિવૃત્ત અધિકારીના ત્યાં, પેઈગ ગેસ્ટ તરીકે રહેવા ગયો. એ અધિકારી એકલા હતા. ખૂબ દારુ પીતા. મારી અને એમની વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થતી. એ દારૂ પીવે ત્યારે મરાઠીમાં બોલતા અને હું દારૂ પીધા વગર ગુજરાતીમાં કે હિન્દીમાં ને ક્યારેક અંગ્રેજીમાં બોલતો. આમ તો એ અધિકારીએ મને ‘પેઈંગ ગેસ્ટ’ની કોટિમાં મૂકેલો પણ મારે ખાવાપીવાનું બહાર હતું. ખાલી સુવાનું જ ત્યાં.

    ત્યાં જ, પાછી મારી નોકરી ગઈ. કેવળ ઓડિસિયસને જ નહીં, દરેક માણસને એક એક પોસોઈડોન મળતો હોય છે. એ તમને ક્યાંય સ્થિર ન થવા દે અને તમારા ગંતવ્ય સ્થાને પહોંચવા પણ ન દે. મારે પણ એવો એક દેવ હશે એવું મને લાગે છે. મને હજી ખબર નથી કે મારી નોકરી કેમ ગયેલી. કદાચ કેટલાક લોકોને હું વધારે પડતો ગામડિયો લાગતો હોઈશ. પણ, સત્તાવાર મને એમ કહેવામાં આવેલું કે સરકાર મારી નિમણૂંક મંજુર કરતી નથી. આ પોઝિશન સરકાર અનામત ઉમેદવાર માટે ખાલી રાખવા માગે છે. પણ, સાચે જ એવું ન હતું. મને ઊંડે ઊંડે વહેમ છે કે હું ત્યાં પહેલેથી જ અનિચ્છનિય હતો. મારો ઇન્ટરવ્યુ લેનારામાંના એક નિષ્ણાતે મારી પસંદગી ન થાય એ માટે મારા રસના ન હોય એવા ઘણા પ્રશ્નો પૂછેલા. કમનસીબે, એ નિષ્ણાત પાછા મારા મિત્ર પણ હતા.

    મણીબેન નાણાવટીમાંથી નોકરી ગયા પછી પાછો હું બેકાર બની ગયો. હવે તો મારાથી ટેલિફોન ખાતામાં પણ પાછા જવાય એમ ન હતું. ત્યાં આધુનિકીકરણ શરૂ થઈ ગયું હતું. એના એક ભાગ રૂપે, ટેલિફોન ખાતું વરિષ્ઠ કામદારોને સ્વેચ્છાએ નિવૃત્ત થવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હતું.

    યોગાનુયોગ, એ વખતે ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિ શરૂ થઈ રહી હતી. દાદરમાં કે દાદરની આસપાસમાં જ ક્યાંક એમની ઓફિસ હતી. ભરત નાયકે મને કહ્યું કે ત્યાં જા. એમણે એકબે પત્રકારોનાં નામ પણ આપેલાં. હું એમને મળ્યો. એમણે ચીફ સબ એડીટર શ્રી પાઠકને વાત કરી. પાઠક ખૂબ સજ્જન માણસ હતા. એમણે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહને વાત કરી. એમણે મને ઓફિસમાં બોલાવીને પૂછેલું, “અનુવાદ કરતાં આવડે છે?” મેં હા પાડેલી. બીજા દિવસે એમણે મારો ઇન્ટરવ્યુ ગોઠ્વયો. હું પાસ થઈ ગયો. અને ગુજરાત સમાચારે મને સબ એડીટરની નોકરી આપી. પગાર બારસો રૂપિયા. એ જ ગાળામાં મણીબેન નાણાવટીએ પણ મને પાર્ટ ટાઈમ કામ ચાલુ રાખવાનું કહ્યું. એમનો અને ગુજરાત સમાચાર બન્નેનો પગાર અધ્યાપકના પગાર કરતાં વધારે હતો. પણ, હવે મેં જીંદગીમાં બે નોકરીઓ કરવાનું શરૂ કર્યું.

    ત્યારે હું અવારનવાર મુંબઈથી વડોદરા જતો. ખાસ કરીને સુરેશ જોષીને મળવા. એમને મળ્યા પછી હું મારા વતનમાં જતો. મારાં માબાપને મળવા. એક વાર સુરેશ જોષીએ કહ્યું કે તમે હવે વડોદરા પાછા આવતા રહો. એમણે મને લોકસત્તાના ત્યારના તંત્રી નવીન ચૌહાણ પર એક ચીઠ્ઠી લખી આપી. એમાં લખ્યું હતું: બાબુભાઈ મારા વિદ્યાર્થી હતા. જો એમને કોઈક નોકરી આપી શકાય તો સારું. ચૌહાણે એ ચીઠ્ઠી વાંચીને મને કહ્યું, “લોકસત્તામાં તો કોઈ જગ્યા નથી. પણ, વડોદરામાં સંદેશ શરૂ થાય છે. ત્યાં જાઓ. એ લોકોને જરૂર છે.” હું કારેલી બાગમાં આવેલા ‘સંદેશ’ કાર્યાલયમાં ગયો. એ લોકોએ મારો ઇન્ટરવ્યુ લીધો અને મને મુંબઈ કરતાં ઓછો પગાર આપવાનું કહ્યું. મારે ગરજ હતી. મેં અગિયારસો રૂપિયાનો પગાર સ્વીકારી લીધો. અને પછી હું વાજતેગાજતે પાછો મુંબઈ છોડીને વડોદરા આવ્યો.

    વડોદરામાં મારા મિત્ર અર્જુનસિંહ હતા જ. થોડો વખત હું એમની સાથે રહ્યો. પછી મેં મારી સ્વતંત્ર ઓરડી ભાડે કરી. એ દરમિયાન મેં ચારપાંચ ઠેકાણે ગુજરાતી વિષયના અધ્યાપક માટે અરજી કરી. પણ, મને ક્યાંય નોકરી ન મળી. એક દિવસે મેં વિચાર્યું: લાવ, હવે વધુ એક માસ્ટર ડીગ્રી લેવા દે. કદાચ એને કારણે મને કોઈક નોકરી મળી જાય.

    એ દરમિયાન હું ભાષામાં વધુ રસ લેવા માંડ્યો હતો. પણ, મારો પહેલો પ્રેમ ભાષાની ફિલસૂફી હતો. બીજો પ્રેમ ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ. અર્થાત્, ભાષાશાસ્ત્ર. મેં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કરવાનું નક્કી કર્યું. સુરેશ જોષીને એ ગમ્યું ન હતું. પણ, મારી પાસે બહુ ઓછા વિકલ્પો હતા.

    મેં બે વરસમાં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કર્યું. ત્યાર પછી મેં ધાર્યું હતું એવું થયું. મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં Teaching Assitantની નોકરી મળી ગઈ. હવે મારી પાસે બે નોકરીઓ થઈ. સવારે ભાષાશાસ્ત્ર ભણાવવાનું, સાંજે સંદેશમાં સબ-એડીટર તરીકે કામ કરવાનું. ત્યારે મારું અંગ્રેજી ખૂબ સારું ન હતું. મારા કરતાં મારા વિદ્યાર્થીઓ વધુ સારું અંગ્રેજી બોલતા હતા. હું ખૂબ જ ધ્યાનથી એમને સાંભળતો અને મારું અંગ્રેજી સુધારતો. મેં મારા વિદ્યાર્થીઓને એ રીતે મારા ગુરુ બનાવેલા. જો કે, મને ભાષાશાસ્ત્રની વાત અંગ્રેજીમાં કરવામાં ઝાઝી મુશ્કેલી ન હતી પડતી.

    એ દરમિયાન મારા એક મિત્ર ઉપેન્દ્ર નાણાવટીએ એમની વગ વાપરીને મને યુનિવર્સિટી કેમ્પસને અડીને આવેલા પ્રતાપ ગંજના એક મકાનનું ખાલી ગરાજ ભાડે અપાવડાવ્યું. એ ગરાજને બારણું ન હતું. દરવાજો હતો. ભાડું કેવળ સો રૂપિયા હતું. જાજરું બહાર હતું. મારું અને મકાનમાલિકના નોકરનું સહિયારું. બાથરૂમ અંદર. પણ, પતરાં જડીને બનાવેલો. ઉપરથી ખુલ્લો. મેં લોખંડનું એક ટેબલ જાતે બનાવીને એના પર દશીઓ વાળો સ્ટવ રાખવાનું શરૂ કરેલું. એ મારું રસોડું હતું. હું સ્ટવ પર રાબેતા મુજબ ખીચડી બનાવતો. હવે એ મારું ઘર હતું. પણ પેલા ઓડિસિયસ જેવું નહીં. ત્યાં કોઈ રાહ જોનાર ન હતું. પેલા ઈનિઅસ જેવું. ચરણ રૂકે ત્યાં ન કાશી નહીં, ન મથુરા. પણ, ત્યાં ઘર. ઇસપના કાચબા જેવું.

    હું ત્યાં રહેતો હતો ત્યારે સુરત પાસે આવેલા સાયણનાં રેખા પંચાલ સાથે મારું લગ્ન થયું. અમે બે વાર લગ્નમાં નિષ્ફળ ગયેલા અમારી જ જ્ઞાતિના એક સામાજિક કાર્યકરના મેરેજ બ્યૂરો દ્વારા મળેલાં. રેખાને માંસાહારી અને દારૂ પીતો છોકરો ન હતો જોઈતો. એને ભણેલો છોકરો જોઈતો હતો. એમાં હું ફૂલ્લી પાસ હતો.

    પછી અમે બન્નેએ ગરાજમાં અમારો સંસાર શરૂ કર્યો. ત્યાં મારા દીકરા હેતુનો જન્મ થયો. ત્યાર પછી છએક મહિને અમારા મકાનમાલિકને અમારા પર દયા આવી. એથી એમણે અમને એમના મૂળ ઘરમાં એક બેડરૂમ રસોડું કાઢી આપ્યું. અમે ગરાજ છોડીને એ ઘરમાં રહેવા ગયાં.

    ત્યાં બેએક વરસ રહ્યાં હોઈશું. એ દરમિયાન મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં અધ્યાપકની કાયમી નોકરી મળી ગઈ. એ પણ બે વાર નકારાયા પછી. અને એ સાથે હું અધ્યાપકોના ક્વાટર્સમાં રહેવાને લાયક બન્યો. મેં એ માટે અરજી કરી. અને મને યુનિવર્સિટીની નજીકમાં જ એક બેડરૂમ, એક બેઠક રૂમનો ફ્લેટ મળ્યો.

    ત્યાં છ-સાત મહિના રહ્યા હોઈશું ને મને યુનિવર્સિટીએ રસોડામાં પણ હાથી બાંધી શકાય એવડું મોટું ઘર રહેવા આપ્યું. એ ઘરની એક જ મુશ્કેલી હતી. હું ત્યારે મિત્રોને મજાકમાં કહેતો: હું બે ages વચ્ચે રહું છું. એક તે leak-age અને બીજી તે seep-age. કેમ કે ચોમાસું આવતું ત્યારે એ ઘરમાં ઉપરથી leakage થતું ને નીચેથી seepage. સદ્નસીબે, હું નાનો હતો ત્યારે મારા ઘરમાં પણ leakage બહુ થતું. બા એની નીચે વાસણો મૂકી દેતી. અમે એમાં ટપકતા પાણીના અવાજને સાંભળતા સૂઈ જતા. એ યુક્તિ અને અનુભવ મને અહીં પણ કામ આવી ગયેલાં. એ માટે અમે સાતેક વાસણો રાખેલાં. ઘણી વાર અમારે એ સાતેય વાસણો વાપરવાં પડતાં. હું રેખાને કહેતો: જલતંરગ વાગે છે. એ ઘરમાં ગણપતિનાં વાહનો પણ ઘણાં હતાં. રાતે અમે સૂતા હોઈએ ત્યારે એ વાહનો વાસણની પાટલી પર દોડધામ કરી મૂકતાં. એને કારણે ઘણી વાર વાસણો પણ નીચે પડતાં. રેખા કહેતી કે હવે સવારે પાછાં મૂકીશ. જો કે, એ વાહનો સાથે કામ પાર પાડવામાં પણ મારા નાનપણના અનુભવો કામ લાગેલા. મારાં બા ઉંદરો સાથે લડવાને બદલે ઉંદરો સાથે ભાઈબંધી કરતાં. એ પાટલી પર વાસણો ખાસ્સાં ત્રાંસાં મૂકીને ઉંદરોને દોડવાની જગ્યા કરી આપતાં. એથી બહુ બહુ તો સવારે પાટલી પરથી ઉંદરની લીંડીઓ સાફ કરવી પડતી પણ વાસણો ખૂબ ઓછાં નીચે પડતાં. મેં રેખાને એ યુક્તિ અપનાવવાનું કહેલું. થોડીક કામ લાગેલી.

    હવે હું એમ.એસ. યુનિ.માં સત્તાવાર કાયમી અધ્યાપક થઈ ગયો હતો. આ બાજુ મારા કુટુંબમાં પણ અનેક દુર્ઘટનાઓ બની ગયેલી. મારા નાનાભાઈએ પુષ્કળ દેવું કરી નાખેલું. એમાં કેટલુંક દેવું મારા એક ઓળખીતાનું પણ હતું. એ દેવું ચૂકવવા અમારે એક ઘર, ભેંસ અને જમીન બધું જ વેચી દેવું પડેલું. બધી જમીન વેચતાં મારા ભાગે પંચોતર હજાર રૂપિયા આવેલા. એમાંથી મેં મારાં માબાપનું બધું જ દેવું ચૂકવી દીધેલું. મારા હાથમાં માંડ ચાલીસ હજાર બચેલા. અમે એ પૈસા રોકીને એક ઘર લેવાનું નક્કી કર્યું અને અમે ગરીબ લોકોના આવાસના એક કોર્નરમાં બે સ્ટુડીયો રાખી એ બન્નેને ભેળવી દઈ બે બેડરૂમ એક બાથરૂમનો એક એપાર્ટમેન્ટ ખરીદ્યો. એ વખતે નવી સોસાયટી બનતી હોય ત્યારે જે તે ડેવલેપરે અમુક મકાનો ગરીબો માટે રાખવાં પડતાં. જો કે, એમાંના બહુ ઓછાં ઘર ગરીબો પાસે જતાં. આ ઘર બીજા માળે હતું. એની નીચે દુકાનો હતી. હવે તો પહેલા માળે પણ દુકાનો અને ઓફિસો બની ગઈ છે. એ ઘર ખરીદતી વખતે ઘણા મિત્રોએ મદદ કરેલી. મેં મારી યામાહા મોટરબાઈક વેચી દીધેલી અને રેખાએ એનાં ઘરેણાં પણ વેચી દીધેલાં.


    ક્રમશઃ

  • ઇશ્વરના ઇ મેઇલ..૧૯

    અનહદની રણભેરી..

    નીલમ  હરીશ દોશી

    માયાના ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી,
    હૈયાના કંગાલ મનોરથ દીધા આજ વધેરી
    વાગી અનહદની રણભેરી..

    વેણીભાઇ પુરોહિત

    પ્રિય દોસ્ત,

    તારી ફરિયાદ મળી. આટઆટલા ભજન, કીર્તન , પૂજા પાઠ, હોમ હવન, તીર્થયાત્રાઓ પછી પણ તને મારો સાદ કદી સંભળાયો નથી. દોસ્ત, તારી વાત સાચી છે.પણ હકીકતે તારો સાદ જ મારા સુધી કયાં પહોંચ્યો છે ? મારા સુધી તારો સાદ પહોંચે તો હું જવાબ આપી શકું ને ? બની શકે તને જાણ જ ન હોય કે તારો સાદ મારા સુધી કયારે અને કેવી રીતે પહોંચે ? દોસ્ત, મારા સુધી તારી પ્રાર્થના, તારો અવાજ પહોંચાડવાની એક જ રીત છે. મારા અન્ય દુખી બાળકોના આંસુ લૂછવા. શક  તેટલી તેમને  મદદ પહોંચાડવી, તન, મન કે ધન કોઇ પણ રીતે મદદ કરી શકાય. અરે, આર્થિક કે શારીરિક રીતે સક્ષમ ન હોઇએ ત્યારે પણ ફકત માનસિક સધિયારો..બે સારા શબ્દથી પણ કોઇના ઘાવ રૂઝાવી શકાય.દોસ્ત, એ કંઇ બહું અઘરું કામ નથી જ ને ? પરંતુ આપણે તો એ પણ કયાં કરીએ છીએ ? એમાં યે કંજૂસાઇ ? એમાં યે સમય નથી ના બહાના. તારી પાસે જો બીજા્ની વ્યથામાં ભાગ લેવાનો ,  મ સમય ન હોય તો મારી પાસે તારી વ્યથા કે તારી માગણી પૂરી કરવા માટે સમય કયાંથી હોવાનો ? દોસ્ત, સમજાય છે મારી વાત ?

    સારી રીતે ભજન ગાવા એ મજાની વાત છે. પણ જે પણ કામ કરીએ એ ભજન માનીને પૂરા ભાવથી કરીએ તો એ કાર્ય કેવું દીપી ઉઠે ? અને ભજન કરતા પણ ભજન જેવું કાર્ય મને વધારે પસંદ છે. એ તો તું જાણે જ છે ને ? તારું દરેક કાર્ય મને અર્પણ કરતો હોય તે ભાવ મનમાં રાખીને કરીશ તો એ કામ ઉત્તમ જ થશે અને પછી કોઇ ખોટું કામ કરતા તું અચકાઇશ. બસ એ ખચકાટ જાગે તો પણ ભયો ભયો. એ ખચકાટ જ તને એક દિવસ સાચી દિશા તરફ દોરી જશે.

    ગંગાકિનારે નળમાં જે પાણી આવે છે એ પણ ગંગાનું જ હોય છે.  અને છતાં ત્યાંના લોકો પણ ગંગામાં જ સ્નાન કરવા જાય છે .શા માટે ?

    કેમકે ગંગાનો વહેતો પ્રવાહ એ નર્યા હાઇડોર્જન અને ઓકિસજનનું સંયોજન નથી. એ પાણીમાં કરોડો દેશવાસીઓની હજારો વરસથી ઘૂંટાયેલી આસ્થા  ભળી છે એથી એ ફકત પાણી નથી. પવિત્ર ગંગાજળ છે.

    દોસ્ત, કોઇ પણ કામનું આવુ જ છે, જે કામમાં ભાવના ભળે ત્યારે એ કામ ન રહે, યોગ, યજ્ઞ બની જાય.અને મને આવા યજ્ઞની હમેશા ઝંખના રહી છે.

    લિ. તારો ઇશ્વર,અલ્લાહ

    પ્રાર્થના એટલે હાથ લંબાવવાના નહીં, પણ હાથ. જોડવાના.

    જીવનનો હકાર.

    કંઇ પણ નવું શોધવું હોય તો એની પાછળ પહેલા ખોવાવું પડે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • સંસ્પર્શ -૧૮

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    પ્રતિશ્રુતિ’ નવલકથાની શરૂઆત ધ્રુવદાદાએ મહાભારતમાં કુરુક્ષેત્રનાં યુદ્ધ પછી ભિષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હોય છે ત્યારે તેમના શ્રીકૃષ્ણ સાથેના સંવાદથી કરી છે.

    શ્રીકૃષ્ણ ભિષ્મ પિતામહને પૂછે છે કે “પિતામહ, રાજગાદી-ત્યાગ,સંસારનો નકાર,સંબંધોનો તિરસ્કાર, જીવનનો અસ્વીકાર અને ભીષણ પ્રતિજ્ઞાઓ કરવાથી જ જન્માંતરો, ઋણ અનુબંધરહિત જીવી શકાય છે? જો એમ હોત તો બધાં તેમ ન કરત.?”

    આમ પૂછી, કૃષ્ણ એક રાત માટે સાક્ષીભાવે ભિષ્મ પિતામહને તેમના જન્મ, જીવન અને તેમણે લીધેલ પ્રતિજ્ઞા વિશે વિચારી, પૂરી ગંભીરતાપૂર્વક તેના પરિણામો અંગે વિચારવા કહે છે.

    ધ્રુવદાદાએ નવલકથામાં આખા મહાભારતનું ભિષ્મનાં પાત્ર સાથેનું સુક્ષ્મ અવલોકન કરી ખૂબ રસસભર મૂલ્યાંકન કર્યું છે. પોતાનાં અલગ અંદાજ સાથે મહાભારતનું કથન નજર સમક્ષ ભજવાઈ રહેલા નાટક જેવું રસપ્રદ શૈલીમાં લખાયું છે.મહાભારતનાં અનેક શ્લોકો અનુવાદ સાથે ટાંકીને ધ્રુવદાદાએ તેમની નજરે મહાકાવ્યની અનેક અજાણી રહી ગયેલી વાત રજૂ કરી ઐતિહાસિક સફર આપણને કરાવી છે.

    ભિષ્મના માતા સત્યવતી એટલે મત્સ્યગંધા ,જે માછલીનાં પેટમાંથી જન્મેલા હતાં તે મત્સ્યકન્યા રૂપે સૌને નૌકામાં નદી પાર કરાવતાં હતાં. આ વાત સૌ કોઈ જાણતું હોય પરતું તે જ સત્યવતી કૃષ્ણ જન્મ સમયે યમુનામાં જઈ વાસુદેવ કૃષ્ણને યમુના પાર કરાવવા પહોંચી ગયાં હતાં તે આપણે ન જાણતા હોઈએ. આવી નાની નાની અનેક વાતો દાદાએ પ્રતિશ્રુતિમાં આવરી લીધી છે.

    ભિષ્મ પિતામહે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી તેથી તે ભિષ્મ કહેવાયા, પણ શું તે યોગ્ય હતું ? તેમના જીવનની આ પ્રતિજ્ઞાથી તેમણે મા સત્યવતી, અંબા, અંબિકા અને અંબાલિકાનાં જીવનમાં જે ઝંઝાવાત લાવ્યા હતાં તે યોગ્ય હતા? તેમની એક પ્રતિજ્ઞા પૂરી કરવા તેમજ મુક્તિની ઈચ્છાએ તેમણે મા સત્યવતી સમેત કેટલી સ્ત્રીઓનાં સુખનાં સપના રગદોળી નાંખ્યાં.

    દ્રૌપદીનાં વસ્ત્રાહરણ સમયનું પિતામહનું મૌન અને ગાંધાંરીને પોતાનાં અંધ પુત્ર માટે પુત્રવધૂ તરીકે માંગવી વગેરે પ્રંસંગોને ભિષ્મ પિતામહ દ્વારા જ મરણપથારીએ સ્મરણ કરાવી , દાદાએ પોતાની રીતે સરસ મૂલવણી કરી છે. ભિષ્મ પિતા માટેનાં પોતાનાં વિચારોને દાદાએ જુદા જુદા પાત્રોનાં સંવાદો દ્વારા રજૂ કર્યા છે.

    દ્રૌપદી ભિષ્મ પિતામહને પોતાની સાથે ખાંડવપ્રસ્થ આવવાનું કહે છે ત્યારે પિતામહ કહે છે કે ,”હું હસ્તિનાપુરનો સેવક છું એટલે તમારી સાથે ન આવી શકું.”

    ત્યારે દ્રૌપદી પિતામહને કહે છે કે “પાંડવો પણ સત્યવતીનાં જ વંશજો છે.” ભિષ્મ ત્યારે દ્રૌપદી પર ગુસ્સે થઈ જાય છે. મરણપથારીએ એ યાદ આવતા તેમને સમજાય છે કે, “મેં તો સંસારથી અને રાજકાજનાં વળગણોથી દૂર રહેવાના આશયથી જ પ્રતિજ્ઞા કરી હતી.

    આજે જોઉં છું કે ગંગા, સત્યવતી, અંબા, દ્રૌપદી,કૃષ્ણ, પાંડવો, અસંખ્ય સૈનિકો-ન જાણે કોને કોને મારી પ્રતિજ્ઞાનાં દુષ્પરિણામો સહવાનાં આવ્યા!”

    આમ ભિષ્મ પ્રતિજ્ઞાએ ભલે ભિષ્મ તરીકે પિતામહને બિરદાવ્યા, પરતું દાદાએ આ નવલકથામાં પોતાની રીતે તેની જુદી જ મૂલવણી કરી છે.

    શ્રીકૃષ્ણ -ભિષ્મના છેલ્લા સંવાદમાં કૃષ્ણ કહે છે, “પિતામહ, જુદું તમે જીવ્યા છો. જુદું જીવવાની ઝંખનામાં તમને ક્યારેય એ ન દેખાયું કે મનુષ્યો સાથે સહજ રીતે જીવવા માટે આપણી મહાનતા દર્શાવવા કરતાં તેમનાં સુખદુ:ખને અનુભવવા, સમજવા તે સરળ ઉપાય છે.”

    મા ગંગા પણ ભિષ્મને કહે છે, “બેટા, મુક્તિ માટેની લીલામાંથી પસાર થતાં રહીને જીવનને ‘લીલા’ સમજીને જીવવું તે જ તો વાસ્તવમાં સ્વર્ગ છે, સુખ છે તે કેમ તને ન સમજાયું?”

    આ નવલકથામાં ભિષ્મ તેમની પ્રતિજ્ઞાઓ થકી કેટલીયે વાર જીવનનાં અનેક પડાવ પર અસહાય બની અટવાઈ જતા દેખાયા છે. ભિષ્મનાં પાત્ર દ્વારા ધ્રુવદાદા આપણને સમજાવવા માંગે છે કે મોક્ષ એ જ જીવનનો હેતુ હોવો ન જોઈએ પરતું એક સાચા, સરળ, સહજ, સહૃદયી મનુષ્ય બનીને જીવી, સહજતાથી આનંદપૂર્ણ જીવન જીવવું એ જ શ્રેષ્ઠ જીવન જીવવાની રીત છે.

    માઈધારમાં લખાએલ એક સુંદર ધ્રુવગીત.

    ‘ફરી ફરી સાથમાં રહેશું, ફરીવાર નદીએ ન્હાશું,
    ફરીવાર ચોકમાં ગાશું રે….

    વળી પાછા આવજો કહેશું, આવજો કહેશું, આવજો કહેશું રે….
    ફરીવાર ચોકમાં ગાશું રે….

    નભે નભ ગોતશું તારા, મને જડે એટલા મારાં
    વીણીને વેરતા રહેશું રે, વળી પાછા આવજો કહેશું,

    વળી પાછાં આવજો કહેશું, ફરી ફરી સાથમાં રહેશું,
    ફરીવાર નદીએ ન્હાશું, ફરીવાર ચોકમાં ગાશું રે…

    મનોમન કાનમાં કહેશું, નથી કંઈ છૂટવા જેવું,
    ચોરાશી લાખમાં રહેશું રે, વળી પાછા આવજો કહેશું. આવજો કહેશું…રે…

    ફરી ફરી સાથમાં રહેશું, ફરીવાર નદીએ ન્હાશું
    ફરીવાર ચોકમાં ગાશું રે…..


     

  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ૨૦૨૦માં તત્કાલીન વન અને પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ લોકસભા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ૨૦૧૬થી ૨૦૨૦નાં પાંચ વરસોમાં હાથીઓના હુમલાથી ૨૫૨૯ લોકો માર્યા ગયા હતા. એ જ સમયગાળામાં હિંસક પ્રાણી ગણાતા વાઘના હુમલામાં ૨૦૦ માનવનાં મોત થયાં હતાં! એકવીસમી સદીના બીજા દાયકાના ઉત્તરાર્ધનાં પાંચ વરસોમાં ઓડિશામાં ૪૪૯, પશ્ચિમ બંગાળમાં ૪૩૦, ઝારખંડમાં ૩૮૦, અસમમાં ૩૫૩, છત્તીસગઢમાં ૩૩૫, તમિલનાડુમાં ૨૪૬, કર્ણાટકમાં ૧૫૯, કેરળમાં ૯૩ અને મેઘાલયમાં ૨૫ લોકોનાં મરણ હાથીઓના હુમલામાં થયાં હતાં. ૨૦૧૯થી ૨૦૨૪માં હાથી-માનવ સંઘર્ષના સૌથી વધુ બનાવો પૂર્વી ભારતનાં પાંચ રાજ્યો ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ અને છત્તીસગઢમાં બન્યા હતા. તેમાં ઓડિશામાં ૬૨૪ અને છત્તીસગઢમાં ૪૭૪ લોકોને હાથીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. એવું નથી કે આ સંઘર્ષમાં માત્ર માણસો જ મરે છે. ૨૦૧૯થી ૨૪ના પાંચ વરસોમાં ૫૨૮ હાથીઓનાં પણ મોત થયાં હતાં. માનવજનિત કારણોથી હાથીઓનાં થયેલાં મોતમાં ૩૯૨ હાથીઓને તો માણસોએ વીજળીના કરંટથી મારી નાંખ્યા હતા. આ વિગતો પરથી માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેટલી વિકરાળ,  ભયાનક અને  ગંભીર  છે તેનો ખ્યાલ આવે છે અને તત્કાળ ઉકેલની જરૂરિયાત ચીંધે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સંકટગ્રસ્ત કે લુપ્તપ્રાય: થવાની કગાર છે  પર છે તેવા જંગલી હાથીની સંખ્યા ભારતમાં ૨૦૧૭માં થયેલી ગણતરી પ્રમાણે ૨૯૯૬૪ હતી, જે વિશ્વના હાથીઓની સંખ્યાના  ૬૦ ટકા હતી. ૨૦૨૧-૨૫માં ભારતમાં ૨૨,૪૪૬ હાથી હતા. જે ૨૦૦૭ કરતાં ૨૦ ટકા ઓછા હતા. છેલ્લા સો વરસમાં વિશ્વમાં માણસોની વસ્તી ચાર ગણી વધી છે પણ આફ્રિકન હાથીઓની ૯૦ ટકા તથા એશિયનની ૭૦ ટકા ઘટી છે.

    એશિયન હાથીની ભારતીય ઉપપ્રજાતિના જંગલી હાથી બુધ્ધિશાળી, સંવેદનશીલ અને અત્યધિક સામાજિક પ્રાણી છે. તેનું વજન સરેરાશ ૯૦૦ થી ૭૦૦૦ કિ.ગ્રામ અને લંબાઈ ૬ થી ૧૧ ફૂટની હોય છે. માત્ર નર હાથીને જ દાંત કે દંતશૂળ હોય છે. આશરે ૬૦ વરસનું  આયુષ્ય ધરાવતા હાથીની ઘ્રાણશક્તિ ખૂબ જ વિકસિત હોય છે. જન્મ સમયે  હાથી બાળ (મદનિયું) એક મીટર ઉંચુ અને ૯૦૦ કિલોગ્રામ વજનનું હોય છે. ચારેક વરસ તે માતાના દૂધ પર નભે છે. હાથી મુખ્યત્વે જંગલો અને ઘાસનાં મેદાનોમાં વસે છે અને ઘાસ, પાંદડાં તથા ફળ ખાય છે. એક હાથીનો રોજનો આહાર ૧૦૦ લીટર પાણી સાથે ૧૦૦ થી ૧૫૦ કિ.ગ્રા. છે. આહારની શોધમાં અને તે આરોગવામાં તે દિવસનો ૭૦ થી ૯૦ ટકા હિસ્સો ખર્ચે છે.

    હાથીના કુદરતી આવાસો એવા જંગલો નષ્ટ થઈ રહ્યાં છે. હાથીના વિચરણના માર્ગો જે એલિફન્ટ કોરિડોર કહેવાય છે તે અવરોધાતા રહ્યા છે એટલે આહાર અને આવાસની તલાશમાં હાથીઓને મજબૂરીવશ માનવવસ્તીમાં અને તેમના ખેતરોમાં આવવું પડે છે. એટલે માનવી અને હાથી વચ્ચે સંઘર્ષ થઈ રહ્યા છે. પૂર્વે વનવિસ્તાર વિશાળ અને કૃષિ સીમિત હતી એટલે હાથીઓને ખોરાકની શોધમાં ખેતરોમાં આવવું પડતું નહોતું.પરંતુ ખેતી, માનવ વસ્તી અને ખાણોના વિસ્તારથી હાથીના કુદરતી આહારોના વિસ્તારો સંકોચાતા તે લોકવસવાટમાં આવે છે. ભારતના પશ્ચિમ ઘાટમાં ઝુંડમાં રહેવા ટેવાયેલા હાથીઓને જમીનના અન્ય ઉપયોગ અને વિકાસ કામોમાં ચોમેર વૃધ્ધિથી અલગ થવું પડ્યું છે. તે પણ સંઘર્ષનું એક કારણ છે.

    માનવ વસ્તીમાં વૃધ્ધિ અને વન્યજીવોના પ્રાકૃતિક આવાસોમાં ઘટાડાની અસર બંને પર પડે છે. આવાસ અને આહારની હાથીઓની શોધ માનવી સાથેના ટકરાવમાં પરિણમે છે. તેનાથી માનવ મોત , ખેતી તથા સંપત્તિને  નુકસાન થાય છે. એલિફન્ટ કોરિડોરમાં ઉધ્યોગો આવ્યા છે અને ખનન વધ્યું છે. કોલસા અને બીજા ખનિજોની ધમધમતી ખાણો અને વાહનોના અવાજોથી હાથીને મુશ્કેલીઓ પડે છે. સ્ટોન ક્રશિંગ અને ખાણોમાં બ્લાસ્ટિંગથી પણ હાથી માનવ પર હુમલા કરે છે.

    બીજી તરફ લોકો હાથીથી તેમની ખેતી બચાવવા કે તેમના પર અને તેમનાં ઘરો પરના હુમલાથી બચવા હાથી પર હુમલા કરે છે. ખેતરો પર વીજ કરંટ , હાથીના ઝુંડને ભગાડવા મશાલો લઈને જવું કે જંગલમાં આગ લગાડવી, હાથીઓને ઝેર આપવું,  હાથી દાંત માટે નર હાથીનો શિકાર કરવો, બદલાની ભાવનાથી હત્યા કરવી જેવા કારણોથી હાથીઓને મારી નાંખે છે.

    ઓડિશા, અસમ અને બીજાં રાજ્યોના આદિવાસીઓને હાથીઓના હુમલાથી સવિશેષ સહન કરવું પડે છે.જ્યારે ચાના બગીચા કે ખેતરોમાં મજૂરીથી તેમનું  દળદર ફીટતું નથી ત્યારે તે ગામમાં પાછા ફરી ખેતી કરે છે. પરંતુ તેમની ટૂંકી ખેતી જંગલમાં કે જંગલને અડીને આવેલી હોય તેમના પાક હાથી ખાઈ જાય છે. વન પેદાશો અને લાકડા માટે આદિવાસીઓ જંગલ પર આધારિત છે.પરંતુ મહુડાની સીઝનમાં પણ તે હાથીના ડરે જંગલમાં જઈ શકતા નથી. એકલા છત્તીસગઢમાં પાકને નુકસાન થયાની ૬૦,૦૦૦ ઘટનાઓ નોંધાઈ છે. સરકારી વળતર મળે નહીં તો ગરીબો કરે શું? એટલે માનવ-હાથી સંઘર્ષ વધતો રહે છે.

    હાથી સંરક્ષણ માટે કાયદાકીય જોગવાઈઓ છે. વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ હાથીના શિકાર અને વ્યાપાર પર પ્રતિબંધ છે. ભારત સરકારે હાથીને રાષ્ટ્રીય પશુ વારસો ગણ્યો છે, પરંતુ આપણી વિકાસ યોજનાઓના ઘડતરમાં હાથી સહિતના વન્ય પશુઓ પર પડનારી અસરો અને તેનાથી લોકો સાથેના ટકરાવનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી. દેશમાં ૩૩ જેટલા હાથી અભયારણ્યો અને ૧૫૦ એલિફન્ટ કોરિડોર હોવાનો સરકારનો દાવો છે. હાથી સંરક્ષણ પ્રોજેકટ અને ગજ સુરક્ષા , જનસુરક્ષા જેવી યોજનાઓ ઘડી છે. વન વિભાગ ડ્રોન અને રેપિડ રિસ્પોન્સ સ્કીમ દ્વારા જંગલમાં હાથીઓનાં ઝુંડ આવ્યાની જાણકારી મેળવી લાઉડસ્પીકર દ્વારા લોકોને જંગલમાં ન જવા ચેતવે છે, પરંતુ આ પૂરતું નથી.

    હાથી ઉપયોગી પ્રાણી છે. તેનું ધાર્મિક મહત્વ તો છે જ,  પરંતુ તે જે ઝાડના પાંદડાં , ડાળાં , ફળ ખાય છે અને નીચે ફેંકે છે તે અન્ય નાના વન્ય જીવોનો ખોરાક બને છે. તેના મળનો પણ જંગલમાં ખપ છે. તે ઝાડના પાંદડા તોડે છે કે ફળો ખાય છે ત્યારે બાકીના બીજ જમીન પર પડે છે અને તે આપમેળે અંકુરિત થાય છે. એટલે હાથીનો નાશ કે ઘટાડો પાલવે તેવો નથી.

    માનવ-હાથી સંઘર્ષ નિવારણનાં કાયમી અને ઠોસ  પગલાં વિચારવાની જરૂર છે. હાથી માટે જંગલોનું બચવું જરૂરી છે. કાયદેસર અને ગેરકાયદે ખનન તેના વિચરણ માર્ગોને બાધિત ન કરે તે જોવું જોઈએ. હાથીઓ માટે જંગલનો વિસ્તાર બચાવવો જેટલો જરૂરી છે એટલો જ હાથીઓનું પસંદગીનું જંગલ વિકસિત કરવાની પણ જરૂર છે કે જ્યાં તેને ખોરાક અને પાણી મળી રહે. ખેતરોમાં ઉગેલો પાક હાથી ખાઈ ન જાય એટલે લોકો ખેતરોની વાડ પર વીજળીનો કરંટ ઉતારે છે. તેનાથી હાથી પ્રવેશી શકતા નથી અને પ્રયત્ન કરે તો વીજળીના કરંટથી મરી જાય છે.તેથી  ખેતરોની વાડ પર સોલાર ફેન્સિંગ કરવા વિચારી શકાય. જંગલની નજીકના ખેતરોમાં હાથીઓનો ખોરાક ન બની શકે તેવા પાક (દાત.મરચાં) ઉગાડવા જોઈએ. જો હાથીને જંગલોમાં પૂરતો આહાર અને પાણી મળી રહે તો કદાચ તે માનવ વસ્તીમાં ન આવે એટલે અનાજ જેવા પોષ્ટિક અને ઉર્જાદાયક વાંસનું રોપણ જંગલોમાં થવું જોઈએ. રેલવે અને સડકોનું નિર્માણ હાથીઓને અગવડ પડે તે પ્રકારે ન થવું જોઈએ.

    હાથી અને માનવી વચ્ચેનો ભૌગોલિક અલગાવ વ્યવહારુ નથી. માનવ અને હાથીનું સહઅસ્તિત્વ સૈકાઓથી રહ્યું છે. કથિત વિકાસે તેને અવરોધ્યું છે .એટલે તે અવરોધ શક્ય એટલો ઘટાડવાની આવશ્યકતા છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    રામનાથ ગોયન્કા વ્યાખ્યાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેકોલ વિવાદ છેડ્યો એથી એક રીતે રાહત થઈ કે એમના રડાર પર બચાડા જવાહર જ છે એવું છેક નથી! અલબત્ત, એકંદર રાષ્ટ્રીય ચળવળમાં અંગ્રેજી કેળવણી સામે અને એના નોંધપાત્ર પ્રણેતા મેકોલે સામે ફરિયાદ જરૂર રહી છે, પણ અંગ્રેજ સરકારના ચાર્ટરની મર્યાદામાં ઉછરેલી બનારસ યુનિવર્સિટી પેઠે ગાંધીએ વિદ્યાપીઠ બાબતે પારકી સરકારની તમા ન કરી એની પૂંઠે હતું એવું સ્વસ્થ, સ્પષ્ટ દર્શન હાલના સત્તાકીય રાજકીય પ્રતિષ્ઠાન પાસે છે કે કેમ તે તપાસની બાબત છે.

    એક વાત સાચી કે સાંસ્થાનિક માનસિકતામાંથી ઊંચે ઊઠ્યા વગર આપણો જયવારો તો શું કશો આરોઓવારો પણ નથી. કિશોરાવસ્થામાં સરસંઘચાલક ગોળવલકરને એકાધિક વાર સાંભળવાનું બન્યું ત્યારે એમને પ્રિય જણાતું એક શબ્દ ઝૂમખું સંઘબાહ્ય વ્યાપક અનુલક્ષીને ‘ઇંગ્લિશમેન ઈન બ્રાઉન સ્કિન’ એ હતું. જરી કમરપટા તળેની ભાષાની રીતે પ્રસંગોપાત ‘મેકોલે કી ઓલાદ’ જેવા પ્રયોગો સાંભળવા મળે છે, તે પણ એ જ ધાટીમાં છે. એવું તો શું કર્યું’તું મેકોલએ, ભાઈ? 1835ની એની મિનિટ્સ સાથે દેશમાં અંગ્રેજ ઢબછબના સંસ્થાવિધાન સાથે, માધ્યમિક સ્તરેથી અંગ્રેજીમાં જ શિક્ષણનો પાયો નખાયો.

    ૧૮૫૭માં જે યુનિવર્સિટીઓ આવી એને સારુયે રોડ મેળ તે રોલ મોડેલ એ ધાટીએ પાકાં હતાં. અરબી કે સંસ્કૃત, કશાની પ્રત્યક્ષ જાણકારી વિના મેકોલેએ કહેલું કે અંગ્રેજીમાં સુલભ ઉત્તમ સાહિત્યના ભંડાર સામે અરબી-સંસ્કૃતનાં ચુનંદા પુસ્તકો માંડ એક છાજલીના ઘરાક હોય તો હોય. આ વિધાન અલબત્ત મેકોલેની પ્રતિભા જોતાં છેક જ છીછરું છે. ઘણી વાર મેકોલેની ટીકામાં તે બ્રહ્માસ્ત્રની જેમ વપરાતું પણ હોય છે. પણ મેકોલેની સુખ્યાત અગર વિપરીત અર્થમાં વિખ્યાત મિનિટ્સને એના સમગ્ર સંદર્ભમાં જોવાનો વ્યાયામ, ચોક્કસ મતભેદ છતાં, આગ્રહપૂર્વક કરવા જેવો છે.

    અંગ્રેજ કાળે પહોંચતા લગીમાં જ એક દુર્દૈવ વાસ્તવ આપણા હાડમાં ઝમેલું બલકે જળોની જેમ પેંધેલું હતું તે ધ્યાનમાં લઈએ તો મારો આગ્રહ સમજાશે. બે જ વાનાં લઉં, નમૂના દાખલ: એક તો મેકોલેએ ભલે અંગ્રેજી માધ્યમના રસ્તે પણ શિક્ષણનાં દ્વાર વર્ણભેદ વગર સૌને માટે ખોલ્યાં. ધરમપાલે ‘બ્યુટીફૂલ ટ્રી’માં વર્ણવેલ ભવ્યોદાત્ત પરંપરા વિશે ક્યારેક અલગથી ચર્ચા કરવી રહે છે. પણ સંસ્કૃત અગર અરબી ધારાનું શિક્ષણ જેમને માટે ખુલ્લું હશે તે સમાજનો કેટલો હિસ્સો હશે? બીજું, દેશભાષાઓમાં (ત્યારે ‘વર્નાક્યુલર’ એ સંજ્ઞા વપરાતી, એમાં) કેટલું શક્ય હશે એ પ્રશ્ન હતો.

    આપણે જેને કારકૂની કેળવણી એવું નામ સાભિપ્રાય આપ્યું, એ મૂળમાં તો મેકોલેએ કલ્પેલી એક એવી વ્યવસ્થા હતી કે ભલે નાનો પણ વર્ણભેદ વગરનો એક વર્ગ અંગ્રેજી શિક્ષણ પામી સરકાર અને લોક વચ્ચે પરસ્પર સમજની રીતે ‘ઘટન’નું કામ કરશે. આ પ્રક્રિયા શરૂ થાય તે પછી આગળ ચાલતાં, બધા વિષયો દેશભાષાઓમાં ઊતરવા લાગશે અને ભણાવાશે. વડાપ્રધાનનું ભાષણ હવામાં હશે એવામાં જ ઈતિહાસમાં રમેલાં રુચિકા શર્માની ટિપ્પણીમાં સવિતાબાઈ ફુલે (૧૮૩૧-૧૮૯૭)ની એક અતિસૂચક રચના ઊતરી આવી હતી- ‘ઈંગ્રજ માઉલી આલી.’ ઈંગ્લિશ માડી આવી…

    અને શું હતી એની પૂર્વ પંક્તિ? ‘પેશવાઈ ગેલી.’ જે વ્યવસ્થામાં સમાજના મોટા વર્ગને (શુદ્ર આદિને) અવકાશ નહોતો તે અંગ્રેજી રાજ ને શિક્ષણ સાથે ઊભો થયો. જ્યોતીબા ફુલે એક બાજુ જો ‘અમારા શુદ્રોના રાજા’ તરીકે શિવાજીનો મહિમા કરતા હતા તો નવી કેળવણી થકી લાધેલ પરિચયવશ ટોમ પેઈનના વિચારોને ધોરણે ન્યાય ને સમતાની નવી ભૂમિકાએ પણ વાત કરતા હતા. આ જે નવી વાત બની રહી હતી એનો પૂર્વ સંકેત બંગાળ છેડેથી રામ મોહન રાય (૧૭૭૨-૧૮૩૩) તરફથીયે મળ્યો હતો:

    સંસ્કૃત પાઠશાળા અને નવી કોલેજ વચ્ચે પસંદગીનો પ્રશ્ન આવ્યો ત્યારે એમની હિમાયત કોલેજ માટે હતી. ગમે તેમ પણ, પોલિસી રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા ડી. શ્યામ બાબુએ ભલે અંગ્રેજીમાં પણ સૌને માટે, રિપીટ, સૌને માટે શિક્ષણ ખુલ્લું થયું એ માટેની પહેલ બદલ મેકોલેને મહાત્મા મેકોલે તરીકે ઓળખાવ્યા છે. મહાત્મા ફુલે અને મહાત્મા ગાંધી ઉપરાંતના આ ત્રીજા મહાત્માની પ્રતિષ્ઠા કરવાનુંયે લોજિક નથી એમ કહી શકાશે, વારુ? છેલ્લાં વર્ષોમાં દલિત બૌદ્ધિક ચંદ્રભાણ પ્રસાદે હર પચીસમી ઓક્ટોબરે મેકોલે જયંતી મનાવવાનો ચાલ શરૂ કીધો છે તે આ સંદર્ભમાં તરત યાદ આવે છે.

    બલકે, સ્મરણીય તો એમનો બાંકા ખાતેનો એ પ્રકલ્પ પણ છે જેને અન્વયે ઈંગ્લિશ નામે દલિત દેવીની પ્રતિમા ખડી કરાઈ છે. સ્વાભાવિક જ નાનાં કદ-કાઠીની પણ આ પ્રતિમા સામેનો નમૂનો ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ છે. (દસ-પંદર વરસ પર ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’નું મોડેલ તો ક્યાંથી હોય? માથે મસમોટી હેટ- કથિત નીચલી વરણ માટેના ડ્રેસકોડની એસીતેસી- જમણા હાથમાં પેન અને ડાબા હાથમાં? અલબત્ત, બંધારણ સ્તો, જેણે વરણ માત્રને સમાન હક્ક બક્ષ્યા.

    આંબેડકરે ક્યારેક કહેલું ને કે અંગ્રેજી તો સિંહણનું દૂધ છે! એવું તો નથી ને કે મેકોલેના અભિગમથી નાતજાતગત ઊંચનીચને વટવાની જે શક્યતા ઊભી થઈ તે સત્તા-પ્રતિષ્ઠાન માત્રને લાગુ પડતા ઉજળિયાતને સોરવાતી નથી? અલબત્ત, ગાંધી જેવો ખરી દૂંટીનો અવાજ મેકોલે-માહોલ સામે ઊઠે છે એ કાળજે ધરવા જોગ છે, એની વાત યથાવકાશ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૦ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    બીરેન કોઠારી

    ગુજરાતમાં કોઈ સાહિત્યકારના નિવાસસ્થાનને સંગ્રહાલય તેમજ જીવંત સ્મારકનું સ્વરૂપ અપાયું હોય, સાંપ્રત પ્રવાહોની સાથે કળા અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે ધમધમતું હોય, એવું આજે કદાચ એક માત્ર સ્થળ હોય તો તે છે નડીઆદમાં આવેલું વિખ્યાત સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન-સ્મારક, જે ‘શ્રી ગોવર્ધનરામસ્મૃતિ મંદિર’ તરીકે ઓળખાય છે.

    આ મકાનમાં ગોવર્ધનરામે જીવનનો મહત્ત્વનો સમયગાળો વીતાવ્યો હતો. પોતાની યશોદાયી કૃતિ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ તેમણે પોતાના આ નિવાસ દરમિયાન લખ્યો હતો.

    ઈ.સ.૧૯૦૭માં ગોવર્ધનરામના અવસાન વખતે તેમનું નિવાસસ્થાન ગીરવે મૂકાયેલી સ્થિતિમાં હતું. એ પછી ૧૯૫૬ની ૧૦મી જાન્યુઆરીએ દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદે મુંબઇમાં ગોવર્ધનરામ-શતાબ્દીની ઉજવણી અંતર્ગત ‘ગોવર્ધનરામ સ્મારક સમિતિ’ રચાઈ. એ જમાનામાં રૂપિયા પચીસ હજાર જેટલી માતબર રકમનું ભંડોળ એકઠું કરીને ગીરવે મૂકાયેલા ગોવર્ધનરામના મકાનને સમિતિ દ્વારા પાછું મેળવવામાં આવ્યું અને તેની વ્યવસ્થાનું કામ નડીયાદના અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયનું સંચાલન કરતા ‘ઉમેદકુમારી મંદિર ટ્રસ્ટ’ને સોંપાયું.

    ૧૯૫૬થી આજ દિન સુધીમાં ત્રણ ત્રણ વખત આ સ્મૃતિમંદિરમાં મોટાં સમારકામ કરાવીને તેને પડુંપડું થતાં અટકાવાયું છે. વચ્ચેના સમયગાળામાં સાવ ઉપેક્ષિત દશામાં રહેલા આ સ્મારકને ઈ.સ. ૧૯૯૦માં નવું રંગરોગાન કરાવીને ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું.

    (નડિયાદમાં આવેલું ગોવર્ધનરામ સ્મૃતિમંદીર)

    ૨૦૦૫માં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ નિમિત્તે સ્મૃતિમંદિરનું સમારકામ ભારે ખર્ચે કરવામાં આવ્યું. ત્યાર બાદ ૨૦૨૨માં આ મકાનના વધુ એક હિસ્સાનો કબજો મળતાં સ્મૃતિમંદિર વધુ અવકાશયુક્ત અને સુવિધાયુક્ત બની શક્યું. આ સ્થળ વર્તમાન સમયના સંદર્ભે વિસરાયેલા એ કાળખંડને જીવંત કરે છે અને તેનો ‘સ્મૃતિમંદીર’નો દરજ્જો સાર્થક કરે છે. પ્રો.હસિત મહેતાની સક્રિયતા, સમર્પણ અને સાતત્યપૂર્વકના પ્રયત્નોને કારણે આ સ્થળ આ દરજ્જો હાંસલ કરી શક્યું છે. હસિતભાઈએ અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સ્વયંસેવક તરીકે આ સ્થળ સાથે સાંકળ્યા છે અને સમર્પિત કાર્યકર્તાઓની મજબૂત ટીમ ઊભી કરી છે. નડિઆદની યુ.ટી.એસ. મહિલા આર્ટ્સ કોલેજના પ્રાચાર્ય પ્રો.ડૉ. હસિત મહેતા પડકારજનક કામ માટે જાણીતા છે. આ કૉલેજમાં પણ તેઓ ઉદાહરણરૂપ કામ કરી રહ્યા છે, જેનું આલેખન અલાયદું કરવું પડે. પોતાની વિદ્યાર્થીઅવસ્થાથી ડાહીલક્ષ્મી પુસ્તકાલય સાથે સંકળાયેલા હસિતભાઈએ વરસોની આકરી સાધના પછી આ સ્થળોને ધબકતાં રાખ્યાં છે, અને પોતાના જેવા બીજા અનેક સમરસિયાઓને આમાં સાંકળ્યા છે, જેને કારણે આ સ્થળ તેની પ્રવર્તમાન સ્થિતિમાં જોઈ શકાય છે અને હજી તેમાં અવનવાં આકર્ષણો ઊમેરાતાં જાય છે.

    (હવે દિવંગત),  વયોવૃદ્ધ, નિવૃત્ત સનદી અધિકારી કુલીનચંદ્ર યાજ્ઞિકની સૂઝબૂઝને કારણે નડિયાદના મોટા ભાગનાં (બત્રીસેક) સાક્ષરોના નિવાસસ્થાનની ઓળખ થઈ શકી છે.

    આ સ્મૃતિમંદિરમાં ગોવર્ધનરામ વાપરતા હતા તે તમામ રાચરચીલું તેમજ તેમના અંગત વપરાશની અનેક ચીજવસ્તુઓ સચવાયેલી છે. તેની એક ઝલકથી તેનું મૂલ્ય સમજી શકાશે.

    • ગોવર્ધનરામ પહેરતા હતા એ અસલ લાલ રંગની પાઘડી
    • લેખન માટે તેઓ ઉપયોગમાં લેતા હતા એ કિત્તા અને શાહીદાન
    • તેમનાં કુટુંબીજનો અને પરિચિતોની ફ્રેમ કરેલી અસલ તસવીરો
    • તેમનો હીંચકો અને ઈઝી ચેર, દીવાલ ઘડીયાળ, પુસ્તકો મૂકવાની ફરકડી
    • ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખવા તેમણે ઉપયોગમાં લીધેલું ટેબલ અને ખુરશી
    • તેમના અભ્યાસખંડનું પાણિયારું અને પિત્તળની ગોળી (માટલી)
    • ‘ગો.મા.ત્રિ.’ કોતરેલા બે કાષ્ઠ પાટલા, જેનો ઉપયોગ તેઓ જ્ઞાતિભોજન વખતે કરતા
    • પોતાના વકીલાતના કાર્યકાળ દરમિયાન તેમણે લખેલા કેટલાંક પત્રો
    • તેમની સ્ક્રેપબુક/ટાંચણપોથીની એક હ્સતપ્રત.
    • ‘સરસ્વતીચંદ્ર’ના ચારેચાર ભાગની લેમિનેટ કરાયેલી હસ્તપ્રતો,
    • તેમની કૃતિઓ ‘સ્નેહમુદ્રા’, ‘લીલાવતી જીવનકલા’, ‘દયારામનો અક્ષરદેહ’, તથા સો વર્ષ સુધી અપ્રકાશિત રહેલા નાટક ‘ક્ષેમરાજ અને સાધ્વી’ની હસ્તપ્રત
    • ગોવર્ધનરામનો જ્ઞાનવિસ્તાર દર્શાવતો તેમનો ગ્રંથભંડાર, જેમાં અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનાં મળીને કુલ ૧૦૦૬ પુસ્તકો છે. આ પુસ્તકોમાં ગોવર્ધનરામે પોતાના હસ્તાક્ષરમાં લખેલું પોતાનું નામ, પોતે કરેલી નોંધો તેમજ અન્ડરલાઈન મહત્ત્વની વિગતોનો સંદર્ભ આપી રહે છે.
    • ગોવર્ધનરામ વિશેનું મોટા ભાગનું સંદર્ભસાહિત્ય એટલે કે તેમના વિશેનાં વિવિધ લખાણોનો વિપુલ જથ્થો અહીં ઉપલબ્ધ છે, જે પ્રકાશ વેગડ સંપાદિત ‘ગોવર્ધનવિવેચન સંદર્ભ’ના આધારે એકત્ર કરાયો છે.

    સ્મૃતિમંદિરમાં સચવાયેલી આ તમામ ચીજવસ્તુઓમાં આજે પણ ગોવર્ધનરામની ચેતના અનુભવી શકાય છે. વળી આ સ્મૃતિમંદિર ગોવર્ધન-અભ્યાસ માટેની એક સ્વાધ્યાયપીઠ પણ બની રહે છે.

    (ગોવર્ધનરામ દ્વારા  વપરાશમાં  લેવાયેલી  વિવિધ  ચીજો વચ્ચે મૂકાયેલી તેમની  આદમ કદની પ્રતિમા)

    આ રીતે સાહિત્ય અને કળાના વિવિધ આયામોથી સજ્જ આ સ્મારકમાં કેવળ એક સાહિત્યકારના સાહિત્યની જ નહીં, તેના પારિવારિક અને સામાજિક જીવનની અને એ કાળખંડની જીવંત ઝાંખી મળે છે. અસલના વખતના તેમના ઓરિજીન હીંચકા ઉપર મૂકાયેલું ગોવર્ધનરામનું આદમકદનું પૂતળું સ્મારકના આ માહોલને જીવંત બનાવે છે. અહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અઢળક વિદ્યાર્થીઓ અને અનેક સાહિત્યપ્રેમીઓના પ્રવાહને બીજી બાબતો ઉપરાંત હીંચકે ઝૂલતા ગોવર્ધનરામ સાથેના સેલ્ફીનું પણ આકર્ષણ હોય છે.  મુલાકાતીઓના રસસંવર્ધન માટે અહીં ઊભી કરાયેલી ઑડિયો ગાઈડની અને ડૉક્યુમેન્‍ટરી ફિલ્મની આધુનિક સુવિધા સ્મારકનું મહત્વ અને પ્રસ્તુતતા સમજવામાં મદદરુપ બને છે.

    હવે એક સાહિત્યિક તીર્થધામ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામેલું સ્મૃતિમંદિર ગુજરાતના સાહિત્યરસિકો અને અભ્યાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે. આ સ્થળ વિશેની વિગતવાર માહિતી તેમજ તેની વર્ચ્યુઅલ ટૂર તેની વેબસાઈટ www.govardhanramsmrutimandir.com  પર ઉપલબ્ધ છે. આ સ્થળની રૂબરૂ મુલાકાત લેવા માટે ઈમેલ gsmrutimandir@gmail.com દ્વારા સંપર્ક કરવા વિનંતી. દર બુધવારે અહીં સાપ્તાહિક રજા હોય છે. બાકીના દિવસોએ તે સવારના ૯.૦૦ થી સાંજના ૬.૦૦ સુધી ખુલ્લું હોય છે.

    ****

    ગોવર્ધનરામની ચીજવસ્તુઓ, તેમના અંગત ગ્રંથભંડાર ઊપરાંત સાહિત્યપ્રેમીઓ, ઇતિહાસપ્રેમીઓ, પ્રવાસપ્રેમીઓ, જિજ્ઞાસુઓ, અભ્યાસુઓ, તેમજ સંશોધકોને રસ પડે એવું આ સ્થળનું વધારાનું એક આકર્ષણ એટલે અહીંનું વિશિષ્ટ પુસ્તકાલય. ઓગણીસમી-વીસમી સદીનાં આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, જેમાં હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત પુસ્તકોનો સમાવેશ થાય છે.

    ગુજરાતનાં જૂજ સામયિક-પુસ્તકાલયોમાં ગોવર્ધનરામ સ્મૃતિમંદિરનો ગૌરવપૂર્ણ ઉમેરો થયો છે. અહીં વિવિધ વિષયનાં સાડા ત્રણસો જેટલાં ગુજરાતી, અંગ્રેજી સામયિકોનાં કુલ મળીને છવ્વીસ હજારથી વધુ  અંકો બાઈન્ડિંગ કરીને સુવ્યવસ્થિત રીતે સચવાયેલાં છે. આ સામયિકોમાં ‘બુદ્ધિપ્રકાશ’નો શૂન્ય નંબરના, ૧૮૫૪માં પ્રકાશિત થયેલા શિરોરેખા ધરાવતા ગુજરાતી લિપિવાળા પ્રથમ અંકથી માંડીને ૭૦ વર્ષ સુધીના અંકો, ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિકના પ્રારંભના અંકો, રમણલાલ નીલકંઠ સંપાદિત ‘જ્ઞાનસુધા’, જેમાં ‘ભદ્રંભદ્ર’ ધારાવાહિકરૂપે પ્રકાશિત થયેલી, ગોર્વધનરામ ત્રિપાઠીનું ‘સમાલોચક’, મુંબઈના જન્મભૂમિ દૈનિકના ૧૯૩૦ થી ૧૯૬૦ના દૈનિક અંકો, ‘યમદંડ’ જેવાં અનોખા વિષયનું સો વર્ષ જૂનું સામયિક, જયંતિલાલ મોરારજી મહેતાનું ‘દેશી રાજ્ય’, અને ‘ભાવનગર સમાચાર’,  ઝવેરચંદ મેઘાણીના સંપાદન હેઠળનું ‘ફૂલછાબ’, ’ભિષગ્ભારતી’,‘સ્વદેશવત્સલ’,‘બ્રાહ્મણ’,‘હિન્દુ મિલનમંદીર’ જેવાં વિશિષ્ટ સામયિકો સહિત અનેક સામયિકોનો સમાવેશ થાય છે.

    ઝવેરચંદ મેઘાણીના પરિવારે ભારે જતનપૂર્વક જાળવી રાખેલી તેમની અસલ હસ્તપ્રતો હવે તેમણે સ્મૃતિમંદિરને સુપરત કરી છે. મેઘાણીના હસ્તાક્ષરમાં લખાયેલાં કાવ્યો, લેખો, ટીપ્પણીઓ અને બીજાં અનેક લખાણોએ સ્મૃતિમંદિરના ખજાનામાં અનોખી મૂલ્યવૃદ્ધિ કરી છે.

    આજે અહીં આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    હવે પછી દર મહિનાના ત્રીજા સોમવારે ‘આદિમુદ્રિત ગ્રંથવૈભવ’  શ્રેણી અંતર્ગત  આવા એક એક પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય અને  એ પુસ્તકની લીન્‍ક અહીં આપવામાં આવશે.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • થાય સરખામણી તો | રમત થઇ ગઇ

    થાય સરખામણી તો

    બરકત વિરાણી ‘બેફામ’

    થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
    એમના મહેલને રોશની આપવા, ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

    ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારો’ય છે
    એક તો કંઈ સિતારા જ નહોતા ઉગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

    કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા
    ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે, વાટ કન્તુ બીજાને બતાવી દીધી

    કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જીંદગીમાં અસર એક તન્હાઈની
    કોઈએ જ્યાં અમસ્તુ પૂછ્યુ, કેમ છો, એને આખી કહાણી સુણાવી દીધી.

    જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
    જાત મારી ભલે ને તરાવી નહી, લાશ મારી પરંતુ તરાવી દીધી.


    રમત થઇ ગઇ

    શૂન્ય પાલનપૂરી

    પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
    કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.

    હાર કે જીત જેવું કશું ના રહ્યું,
    જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.

    નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
    લાગણીઓ બધી એકમત થઇ ગઇ.

    મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
    એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.

    જિંદગીએ હસીને કહ્યું મોત ને,
    આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.

    સ્વપ્ન નો’તું – છતાં જઇને ભેટી પડ્યા,
    ‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧ લું. – અમર રહો માતા કોરીયા !

    ઝવેરચંદ મેઘાણી

     

    કોરીઆની રાજધાની શીઉલ શહેરની એક નિશાળમાં એક દિવસ મેલાવડો મળ્યો હતો. જાપાની બડેખાંઓએ બાળકોને રાજ–ભક્તિનાં ભાષણો દીધાં. શિક્ષકોએ પોતાના મહેમાનોને ગળે ફુલહાર પહેરાવ્યા. બધાં બાળકો સભા ખતમ થવાની આતુર હૃદયે રાહ જોતાં હતાં. એ શેની વાટ જોતાં હતાં ? મીઠાઈની ?

    છેવટે એક તેર વરસનો કિશોર બાળક મોખરે આવ્યો, ને બહુજ વિનયભર્યું એક ભાષણ કર્યું. જાપાની અમલદારો ખુશ ખુશ થઈ જાય એવું રાજભક્તિથી તરબોળ એ ભાષણ. હતું. ભાષણનો અંત આવતો હતો. બોલનાર બાળકે શરીર ટટ્ટાર કર્યું, એની છાતી ધસીને બહાર આવી, ને એની આખોમાં કોઈ ઉંડા નિશ્ચયની કાંતિ ઝળકી રહી.

    એ નિશ્ચય શાનો હતો ? મોતને ભેટવાનો. બાળક એવા શબ્દો ઉચ્ચારવા જતો હતો કે જે શબ્દોએ હજારોનાં માથા લીધાં હતાં. બાળકને આ વાતની ખબર હતી. એણે એ શબ્દો ઉચ્ચાર્યા. “હવે થોડુંકજ બોલવા દેજો. તમારી પાસે અમે એકજ વસ્તુ માગી લઇએ.”

    આટલું કહેતાં, એનો હાથ છાતી ઉપર પડ્યો. એ સાથે તો ત્યાં બેઠેલા સેંકડો બાળકોના હાથ પોતપોતાની છાતીમાં પેઠા. જાપાનીઓ ઝબક્યા ! બાળકોએ પોતાના ડગલાની અંદર, છાતી ઉપર શું સંતાડ્યું હશે ? પિસ્તોલો, બોમ્બો કે ન્હાની ન્હાની કાતિલ છુરીઓ ?

    બોલનાર બાળકનો હાથ બહાર આવ્યો; એ હાથમાં માતૃભૂમિનો એક નાજૂક વાવટો ! એણે હાકલ કરી, “અમારી મા અમને પાછી સોંપો ! અમર રહો માતા કોરીઆ.”

    ચારસો હાથ આકાશ તરફ ઉંચા થયા; ચારસો ન્હાના વાવટા હવામાં ઉડવા લાગ્યા. ચારસો કંઠની અંદરથી ધ્વનિ ઉઠ્યો, “અમર રહો મા, અમર રહો મા, અમર રહો, માતા કોરીયા.”

    ટપોટપ ગજવામાંથી સરકારી નિશાળોનાં સર્ટીફીકેટો ટુકડે ટુકડા થઈને જમીન ઉપર પડ્યાં. અને મીઠાઈ વહેંચવા આવેલા મહેમાનોને દિગ્મૂઢ હાલતમાં મૂકીને ચારસો રોષયુક્ત, ગર્વયુક્ત, ભયમુક્ત ચહેરાઓ મંડપમાંથી એકતાલે કદમ મૂકતા બહાર નીકળ્યા. પ્રવાહમાં જેમ પ્રવાહ મળે તેમ બાળક બાળિકાઓનાં ટોળાં એકઠાં થયાં, ને માતા કોરીયાનો જયઘોષ કરવા લાગ્યાં.

    આ કાંઇ તમાશો નહોતો. કોરીયાનું પ્રત્યેક બાળક પણ જાણતું હતું કે જાપાની રાજ્ય, કોરીઆનો વાવટો ઉડાવનારનું માથું ઉડાવે છે; પછી તે માથું બાળકનું હો કે બાલિકાનું.

    નાગી તલવારો લઈને સરકારી સીપાઈઓ એ બાળકોની સુંદર મેદિની ઉપર તૂટી પડ્યા. ચારસો બાલક બાલિકા પકડાયાં. ઘણાં યે ઘવાયાં. પાદરીઓની ઈસ્પીતાલોમાંથી પંદર રમણીઓ પિતા જીસસનાં પ્યારાં શિશુઓની સહાયે દોડી. એ પણ પકડાણી. કુમારીકાઓએ કસી કસીને પોતાનાં અંગ ઉપર ચોળીઓ ને ચડ્ડીઓ શીવી લીધેલી, તે ચીરીને સીપાઈઓએ બધીને નગ્ન કરી ભર બજારે ઉભી રાખી. માતા કોરીઆનાં સંતાનોની આંખમાથી આ દેખાવે લોહી ટપકાવ્યાં, છેડાયેલી જનતા તોફાન પર આવી. લોકો રાવ લઈને પોલીસના વડા પાસે દોડ્યા. જાપાની અધિકારીએ જવાબ વાળ્યો કે “રમણીઓને નગ્ન કરવાનું જાપાની કાયદામાં મંજુર છે.”

    આ જાપાન કોણ ? આપણી માતાની એશિયાઈ બહેન ! જેણે સૈકાઓ સુધી જુલ્મની સાંકળો ઉચકીને આખરે એક દિવસ એ સાંકળોને તોડી નાખી; જેણે પોતાના શૌર્યથી, ને કળાકૌશલ્યથી આખા યુરોપને તેમજ અમેરીકાને ચકિત કર્યું; જેણે જગતમાં એશિયાની ઇજ્જત જાળવી.

    આવું પ્રતાપી, ને સમૃદ્ધિશાળી, જાપાન કોરીયાને શા માટે સંતાપે છે ? બે કરોડ નિર્દોષ ને શૂરવીર મનુષ્યોએ એનો શો અપરાધ કર્યો છે ? દુનિયાના એક ખુણામાં પડ્યો પડ્યો એ પ્રાચીન દ્વીપકલ્પ ચાર હજાર વરસો થયાં સ્વતંત્રતા ભોગવતો હતો, પોતાનો કીર્તિવંત ને નિષ્કલંક ઇતિહાસ પોતાનાં બાલકોને ભણાવી રહ્યો હતો. એનાં સંતાનોને ગાવાની કવિતા હતી, પોતાના સુંદર મનોભાવો પ્રગટ કરવા એને શિલ્પકળા હતી. પોતાને આંગણે બેઠી બેઠી એ પ્રજા પેગોડા બાંધીને બુદ્ધ દેવની બંદગી કરતી હતી. આવી નિરપરાધી શાંતિપ્રિય પ્રજાએ જાપાનનું શું બગાડ્યું ?

    સવાલનો જવાબ સવાલથી જ દઈએ. ઈજીપ્ત અને આયર્લાંડે ઈંગ્લાંડનું શું બગાડ્યું ? હંગેરીએ આસ્ટ્રીઆનું શું બગાડ્યું ? કોંગોવાસીઓએ બેલજીઅમનું શું બગાડ્યું ? અને ભારતવર્ષે બ્રીટાનીઆનો શો અપરાધ કર્યોં ?

    કોરીયાનો અપરાધ એટલો કે એણે પોતાની ભૂમિ ઉપર જાપાનને પગ મેલવા દીધો; એણે જાપાનને નીતિ ને સાહિત્ય શીખવ્યાં; શિલ્પ અને ફિલ્સુફી શીખવ્યાં. વધુ અપરાધ એ કે કોરીયા ચીનને આશરે આનંદ કરી રહ્યું હતું. એથીયે વધુ અપરાધ એ કે એના કેટલાએક અણસમજુ સંતાનોએ જાપાની લોકોને પોતાની ભૂમિમાં દાખલ થતા અટકાવ્યા, ને થોડાકને ઠાર કર્યા. સહુથી મોટો અપરાધ તો એ કે કોરીયામાં વેપાર વાણિજ્ય બહુ કસદાર હતાં, એને બહુજ મોટાં મોટાં કિમતી બંદરો હતાં, પણ વેપાર ખીલવનારા વેપારીઓની કોરીયામાં ખેંચ હતી ! કોરીયાનો રાજવહીવટ ચાર હજાર વરસો થયાં ચાલતો પણ, એમાં જાપાનની નજરે ઘણા દોષો હતા ! કોરીઆમાં રેલ્વે હતી, પણ એની સુવ્યવસ્થા કરનારા જાપાની અમલદારો નહોતા ! રે ! કોરીઆમાં સોનાની ખાણો હતી !

    પરદુઃખભંજન જાપાને આ નાનકડી તોફાની પ્રજાને શી રીતે, ને કેટલી કેટલી મુશીબતે ઠેકાણે આણી તેનો ટુંકો ઇતિહાસ તપાસીએ. સીતેર વરસનો ટુંકો આ ઇતિહાસ છે.

    આવતા અંકેઃ  પ્રકરણ ૨ જું. – પ્રભાતનું શાંતિસ્થાન.

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક કલાકાર: ગાયકો એકથી વધુ [૨]

    નિરંજન મહેતા

    આ શ્રેણીનો પ્રથમ લેખ ૮ નવેમ્બર ૨૦૨૫ના પ્રકશિત થયો હતો જે દેવઆનંદ પર હતો. આજના લેખમાં શમ્મીકપૂરને લગતી માહિતી અપાઈ છે.

    સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૬ની ફિલ્મ ‘બોય ફ્રેન્ડ’

    देखो न जाओ ऐ जान-ए-मन
    दिल ना दुखाओ ऐ जान-ए-मन
    हमसे नज़र तो मिलाओ, एक दफ़ा मुस्कुराओ
    देखो न जाओ ऐ जान-ए-मन

    આ ગીત શમ્મીકપૂર અને મધુબાલા પર રચાયું છે જેના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે સુબીર સેન અને લતાજીના.

    આ જ ફિલ્મના અન્ય ગીતો જે શમ્મીકપૂર પર રચાયા છે તે ગીતોને સ્વર મળ્યો છે રફીસાહેબનો. જેમાનું એક ગીત છે

    मुझे अपना यार बना लो फिर देखो मज़ा प्यार का
    अरे आज़माँ के देखो दिल कैसा है दिलदार का

    આ ગીતમાં ગીતકારના બે નામ છે – હસરત જયપુરી અને શૈલેન્દ્ર. સંગીતકાર છે શંકર જયકિસન અને સ્વર છે રફીસાહેબનો.

    આ ઉપરાંત અન્ય ગીતો પણ છે જે રફીસાહેબના સ્વરમાં છે.

    શમ્મીકપૂરની ૧૯૫૯ની ફિલ્મ ‘ઉજાલા’નું મસ્તીભર્યું ગીત છે

    झूमता मौसम मस्त महीना
    चाँद सी गोरी एक हसीना
    आँख में काजल मुँह पे पसीना
    ऐसे में मुश्किल कर के जीना
    या अल्लाह दिल ले गई

    મન્નાડેના સ્વરમાં આ ગીત છે જેના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયાકિસને

    અન્ય ગીત છે

    दुनिया वालों से दूर, जलने वालों से दूर
    आजा आजा चलें, कहीं दूर, कहीं दूर, कहीं दूर

    ये प्यार का जहाँ है, हर दिल पे महरबाँ है
    कुछ और ये ज़मीं है, कुछ और आसमाँ है
    न ज़ुल्म का निशाँ है, न ग़म की दास्ताँ है
    हर कोई जिसको समझे, वो प्यार की ज़ुबाँ है

    મુકેશના સ્વરમાં આ ગીત છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલ્તાનપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

    તો ત્રીજું ગીત છે

    यारों सूरत हमारी पे मत जाओ
    यहाँ भी दिल है यूँ हमसे न कतराओ
    यारों सूरत हमारी
    हम भी हैं दिल के शाहजहान

    આ ત્રીજું ગીત રફીસાહેબના કંઠે મુકાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું.

    આમ ન કેવળ ગાયકો પણ આ ગીતોના ગીતકાર પણ ત્રણ જુદા જુદા છે.

     

    ૧૯૬૨ની ફિલ્મ ‘પ્રોફેસર’માં પણ આ પ્રકારના ગીતો છે

    मैं चली मैं चली देखो प्यार की गली
    कोई रोके न मुझे मैं चली मैं चली
    न न ना मेरी जां देखो जाना न वहाँ
    कोई प्यार का लुटेरा लूटे न मेरी जां

    કલ્પના અને શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું.

    બીજું ગીત છે

    ये उमर है क्या रंगीली
    ये नज़र है क्या नशीली
    प्यार मे खोए खोए नैन
    हमारा रोम रोम बेचैन
    हमारा ही जमाना है

    મુજરા પ્રકારના આ ગીતમાં ત્રણ સ્વર છે. મન્નાડે, આશા ભોસલે અને ઉષા મંગેશકરના. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત છે શંકર જયકિસનનું..

    ૧૯૬૩ની ફિલ્મ ‘બ્લફ માસ્ટર’નું આ ગીત તો આજે પણ જન્માષ્ટમીના ઉત્સવમાં ધૂમ મચાવે છે.

    गोविंदा आला रे आला ज़रा मटकी .संभाल बृजबाला
    गोविंदा आला रे
    अरे एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला
    अरे एक दो तीन

     

    આ ગીતના ગાયક છે રફીસાહેબ

    તો આ જ ફિલ્મનું અન્ય ગીત છે

    सोचा था प्यार हम ना करेंगे

    सूरत पे यार हम ना मरेंगेफिर भी किसी पे दिल आ गयासोचा था प्यार

    આ ગીતના ગાયક છે મુકેશ.

    હજી એક વધુ ગીત છે જેને અન્યએ કંઠ આપ્યો છે.

    ऐ दिल अब कहीं न जा

    न किसी का मैं, न कोई मेराजब चले हम, राह उलझी प्यार दुनिया ने कियाराह सीधी जब मिली तो सब ने ठुकरा दियान किसी को चाह मेरी न किसी को इंतज़ारकिस लिये फिर मुड़ के पीछे देखना बार-बार

    આ ગીતમાં સ્વર છે હેમંતકુમારનો.

    ત્રણેય ગીતના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    ‘શમ્મી કપૂર ‘બ્લફ માસ્ટર’ છે એટલે સાયરાબાનુ સાથે કવ્વાલીમાં ગાવાની તક મળે એટલે સ્ત્રીવેશ ધારણ કરી લે છે. હવે એ ગીતમાં શમ્મી કપૂર માટે શમશાદ બેગમનો સ્વર લેવાયો છે. સાયરા બાનુ માટે ઉષા મંગેશકરનો સ્વર લેવાયો છે.

    ૧૯૬૫ની ફિલ્મ ‘જાનવર’માં શમ્મીકપૂર પર રચાયેલા ગીતો આમ તો રફીસાહેબે ગાયા છે જેમાનું એક છે

    हो तुम से अच्छा कौन है
    दिल लो जिगर लो जान लो
    हम तुम्हारे हैं सनम
    तुम हमे पहचान लो

    આ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન.

    પણ આ જ ફિલ્મના અન્ય એક ગીતમાં મન્નાડેનો સ્વર છે. આ ગીતના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. મન્નાડેને સાથ આપ્યો છે લતાજી અને આશા ભોસલેએ.

    आँखों आँखों में
    किसी से बात हुई
    किसी से बात हुई
    ये दिल भी जाने
    जो दिल के साथ हुई

    આશા છે આ લેખ મિત્રોને માટે રસપ્રદ બન્યો હશે. કોઈ ફિલ્મનો ઉલ્લેખ બાકી હોય તો ધ્યાન ખેંચવા વિનંતી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • મૌસમ (૧૯૭૫)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    जी ढूँडता है फिर वही फ़ुर्सत कि रात दिन
    बैठे रहें तसव्वुर-ए-जानाँ किए हुए

    (तसव्वुर-ए-जानाँ = પ્રિયજનની સ્મૃતિ)

    આટલું વાંચીને ઉતાવળે કોઈ કહી શકે કે ‘જી ઢૂંઢતા હૈ’ નહીં, હકીકતમાં ‘દિલ ઢૂંઢતા હૈ’ આવે. વાત ખરી, કેમ કે, ગુલઝારે ‘મૌસમ’ માટે લખેલા ગીતનું મુખડું ‘દિલ ઢૂંઢતા હૈ’થી શરૂ થાય છે. પણ ગુલઝારે મૂળ ગાલિબનો આ શેર મુખડા તરીકે લઈને આગળનું ગીત પોતાની રીતે લખ્યું છે. ‘દિલ ઢૂંઢતા હૈ’ નામના આલ્બમના આરંભે ગુલઝારે કહ્યું છે, ‘મિસરા ગાલિબ કા હૈ, કૈફિયત હરેક કી અપની અપની.’ શાયરની પંક્તિઓમાં દરેકને પોતાની કથાવ્યથા પડઘાય ત્યારે એ કૃતિ અજરામર બની જતી હોય છે. એ હદે કે ઘણી વાર સર્જકનું નામ પણ વિસરાઈ જાય, પણ શબ્દો યાદ રહી જાય.

    ઉપરના શેરવાળી ગાલિબની ગઝલનો મત્લઅ આ મુજબ છે.

    मुद्दत हुई है यार को मेहमाँ किए हुए
    जोश-ए-क़दह से बज़्म चराग़ाँ किए हुए

    અને મક્તઅ આ મુજબ છે.

    ‘ग़ालिब’ हमें न छेड़ कि फिर जोश-ए-अश्क से
    बैठे हैं हम तहय्या-ए-तूफ़ाँ किए हुए

    (जोश-ए-क़दह = શરાબના પ્યાલાની ખનક, बज़्म= મહેફિલ, चराग़ाँ= દીપ પ્રગટાવવાનું કાર્ય, जोश-ए-अश्क = રુદનનો વેગ, तहय्या-ए-तूफ़ाँ = તોફાનનો સામનો કરવાનો દૃઢ સંકલ્પ)

    (આખી ગઝલ રેખ્તાની આ લીન્ક પર વાંચી શકાશે.https://www.rekhta.org/…/muddat-huii-hai-yaar-ko…)

    ૧૯૭૫માં રજૂઆત પામેલી સુનંદિની પિક્ચર્સ નિર્મિત, ગુલઝાર દિગ્દર્શીત ‘મૌસમ’માં શર્મિલા ટાગોર (બેવડી ભૂમિકા), સંજીવકુમાર, ઓમ શિવપુરી, સત્યેન કપ્પૂ,દીના પાઠક વગેરેની મુખ્ય ભૂમિકા હતી.

    આ ફિલ્મની કથા સ્કૉટિશ લેખક એ.જે.ક્રોનિનની નવલકથા ‘ધ જ્યુડાસ ટ્રી’થી પ્રેરિત હતી. ફિલ્મમાં પાર્શ્વસંગીત સલીલ ચૌધરીનું હતું, જ્યારે ગીતો મદનમોહને સંગીતબદ્ધ કર્યાં હતાં. ગીતકાર હતા ગુલઝાર. ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં. ‘છડી રે છડી કૈસી ગલે મેં પડી’ (લતા, રફી), ‘મેરે ઈશ્ક મેં લાખોં ઝટકે’ (આશા) અને ‘રુકે રુકે સે કદમ, રુક કે બાર બાર ચલે’ (લતા) ઉપરાંત ‘દિલ ઢૂંઢતા હૈ’ બે આવૃત્તિમાં હતું. એક લતા અને ભૂપીન્દરે ગાયેલું યુગલ ગીત, જે ખુશમિજાજી હતું, જ્યારે બીજું ભૂપીન્દરે ગાયેલું એકલગીત, જે ઉદાસીયુક્ત હતું.

    (ડાબેથી) ભૂપીન્‍દર અને ગુલઝાર

     

    ભૂપીન્દરે ગાયેલા એકલગીતને ફિલ્મમાં ટાઈટલ સોન્ગ તરીકે લેવામાં આવ્યું હતું. ફિલ્મનો આરંભ જ ઉદાસીભર્યા સંગીતથી થાય છે, અને ભૂપીન્દરનો ઘેરો સ્વર એ માહોલને વધુ ઘૂંટે છે. ગીતમાં ફ્લુટ અને તંતુવાદ્યસમૂહના સુંદર અંશો છે, પણ જાણે કે ભૂપીન્દરનો દર્દીલો, ઘેરો સ્વર જ વધુ યાદ રહી જાય છે.

    ગીતના શબ્દો આ મુજબ હતા.

    दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन
    दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन
    बैठे रहे तसव्वुर-ए-जानाँ किये हुए
    दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…

    जाड़ों की नर्म धूप और आँगन में लेट कर
    आँखों पे खींचकर तेरे आँचल के साए को
    औंधे पड़े रहे कभी करवट लिये हुए
    दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…

    या गरमियों की रात जो पुरवाईयाँ चलें
    ठंडी सफ़ेद चादरों पे जागें देर तक
    तारों को देखते रहें छत पर पड़े हुए
    दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…

    ફિલ્મનાં ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે.

    એકલગીતમાં છેલ્લો એક અંતરો પણ છે, જે ટાઈટલ વખતે નથી.

    बर्फ़ीली सर्दियों में किसी भी पहाड़ पर
    वादी में गूँजती हुई खामोशियाँ सुनें
    आँखों में भीगे भीगे से लम्हे लिये हुए
    दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…

    આ ગીતની ખુશનુમા આવૃત્તિ લતા અને ભૂપીન્દરના સ્વરમાં છે. એમાં ભૂપીન્દરે એક મુખડું જ ગાયું છે, જ્યારે અંતરા લતાના સ્વરમાં છે.

    એકલગીતના પુરુષસ્વરમાં પહેલા અંતરાની બીજી લીટી आँखों पे खींचकर तेरे आँचल के साए को છે, જ્યારે યુગલ ગીતમાં એ જ અંતરો મહિલા સ્વરમાં ગવાયેલો હોવાથી તેમાં आंचल ને બદલે दामन શબ્દ વપરાયો છે.

    યુગલગીતના સમાપન પછી પણ ભૂપીન્દરના એકલ સ્વરમાં મુખડાનું આવર્તન છે.

    આ આખું ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)