વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આંખે (૧૯૬૮)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    રામ સામુદાયિક શ્રદ્ધાનું પ્રતીક છે, અને એથી કોઈ પણ વ્યવસાયમાં તેમને, તેમના નામને આગળ કરવામાં આવે તો ‘તરી જવાય’. આ વ્યાપારી તથ્ય સૌ જાણે છે અને તેની સફળતાથી અજમાયશ પણ કરી લે છે. ‘પ્રકાશ પિક્શર્સ’ દ્વારા ૧૯૪૩માં ‘રામરાજ્ય’ ફિલ્મની રજૂઆત થઈ એટલે ફિલ્મક્ષેત્રે આ વિષયની સફળતા નિર્ધારીત થઈ ગઈ. રામ બનતા અભિનેતા પ્રેમ અદીબ અને સીતાની ભૂમિકા કરતાં શોભના સમર્થને લોકો પગે લાગતાં અને તેમના આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખતા. રામાયણના અલગ અલગ અધ્યાયોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનતી રહી અને મોટા ભાગની સફળ રહી. અલબત્ત, ‘પ્રકાશ પિક્ચર્સ’ દ્વારા આ સિવાય પણ અનેક મનોરંજક અને સફળ ફિલ્મોનું નિર્માણ થતું રહ્યું.

    દરેક દાયકે આ હકીકત નવેસરથી પુરવાર થતી આવી છે. રામાનંદ સાગરે ‘બરસાત’ના કથાલેખનથી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો અને આગળ જતાં સફળ નિર્માતા-દિગ્દર્શક બની રહ્યા. તેમની ફિલ્મો ઘણી સફળ રહેતી, પણ એને સાદા અર્થમાં ‘મસાલા’ કહી શકાય.

    રામાનંદ સાગરમાંથી તેઓ ‘રામાનંદજી’ કહેવાયા દૂરદર્શન પર તેમના દ્વારા નિર્મિત ધારાવાહિક ‘રામાયણ’થી. આ ધારાવાહિક પણ તેમની અગાઉની ફિલ્મોની જેમ સરેરાશ કક્ષાની, છતાં સફળ રહી. પચાસ વરસમાં લોકમાનસમાં કશો ફેર પડ્યો? આ ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવતા અરુણ ગોવિલ અને સીતાનું પાત્ર ભજવતાં દીપિકા ચીખલીયાને લોકસભાની ટિકીટ આપવામાં આવી અને એ બન્ને ચૂંટાઈ આવ્યાં. એ પછી એમણે શું કર્યું એ તો એ જાણે.

    રામાનંદ સાગરના હાથમાં ‘રામાયણ’ પછી જાણે કે ખાણ આવી ગઈ અને એમણે પૌરાણિક વિષયને ખૂંદવામાં કંઈ બાકી ન રાખ્યું.

    અહીં મૂળ વાત રામાયણની નથી, રામાનંદ સાગરની કરવાની છે. ‘રામાયણ’ બનાવતાં પહેલાં તેમણે નિર્માણ કરેલી કેટલીક ફિલ્મોનાં નામ જોવાથી ખ્યાલ આવશે કે એના વિષય મુખ્યત્વે રોમેન્ટીક અને થ્રીલર પ્રકારના હતા. ‘ઝિંદગી’ (૧૯૬૪), ‘આરઝૂ’ (૧૯૬૫), ‘ગીત’ (૧૯૭૦), ‘રોમાન્સ’ (૧૯૮૩), ‘સલમા’ (૧૯૮૫) જેવી ફિલ્મો રોમેન્ટિક પ્રકારની હતી. તો ‘લલકાર’ (૧૯૭૨), ‘જલતે બદન’ (૧૯૭૩), ‘ચરસ’ (૧૯૭૬), ‘અરમાન’ (૧૯૮૧) જેવી ફિલ્મો ખાસ કરીને યુદ્ધ, થ્રીલર, નશીલા દ્રવ્યોના વિષયને કેન્દ્રમાં રાખીને બનેલી.

    આવી જ એક ફિલ્મ એટલે ૧૯૬૮માં રજૂઆત પામેલી ‘આંખેં’.

    ‘સાગર આર્ટ ઈન્ટરનેશનલ’ દ્વારા નિર્મિત, રામાનંદ સાગર દ્વારા દિગ્દર્શીત ‘આંખેં’ એક દેશભક્તિની થ્રીલર પ્રકારની ફિલ્મ હતી. ધર્મેન્દ્ર, માલાસિંહા, સુજિતકુમાર, નઝીર હુસેન, લલિતા પવાર, મહેમૂદ સહિત અનેક કલાકારો તેમાં હતા. ફિલ્મનાં કુલ છ ગીતો હતાં, જેને સાહિર લુધિયાનવીએ લખેલાં અને રવિએ સંગીતબદ્ધ કરેલાં.

    (ડાબે) સાહીર અને રવિ

    ‘મિલતી હૈ જિન્દગી મેં મુહબ્બત કભી કભી’ (લતા), ‘લૂટ જા હો લૂટ જા’ (ઉષા મંગેશકર, આશા, કમલ બારોટ), ‘ગૈરોં પે કરમ, અપનોં પે સિતમ’ (લતા), ‘મેરી સુન લે અરજ બનવારી’ (લતા) અને ‘તુઝકો રખ્ખે રામ તુઝકો અલ્લા રખ્ખે’ (આશા, મન્નાડે) એમ પાંચ ગીતોમાં એક જ ગીતોમાં પુરુષસ્વર હતો. આખેઆખું પુરુષસ્વરમાં ગવાયેલું ગીત એક જ હતું, જે ગઝલસ્વરૂપે હતું અને ફિલ્મનું ટાઈટલ સોન્‍ગ હતું અને મહમ્મદ રફીએ ગાયેલું. આ ગીતમાં સમગ્ર ફિલ્મની કથાનો કેન્દ્રવર્તી સાર કહેવાઈ જાય છે. પંજાબી ઠેકામાં રચાયેલું આ ગીત સાંભળતાં ખ્યાલ ન આવે કે હકીકતમાં આ ગઝલ છે.

    ગીતના શબ્દો આ મુજબ છે.

    उस मुल्क की सरहद को कोई छू नहीं सकता
    जिस मुल्क की सरहद की निगेहबान है आँखें

    આ શબ્દો બોલાયા પછી પંજાબી શૈલીનો તાલ શરૂ થાય છે અને ગીત સંભળાય છે.

    हर तरह के जज़्बात का ऐलान हैं आँखें (2)
    शबनम कभी, शोला कभी, तूफ़ान है आँखें (2)

    आँखों से बड़ी कोई तराज़ू नहीं होती (2)
    तुलता है बशर जिसमें वो मीज़ान है आँखें (2)

    आँखें ही मिलाती हैं ज़माने में दिलों को (2)
    अनजान हैं हम-तुम, अगर अनजान है आँखें (2)

    लब कुछ भी कहें, उससे हक़ीक़त नहीं खुलती (2)
    इंसान के सच-झूठ की पहचान है आँखें (2)

    आँखें न झुकें तेरी, किसी ग़ैर के आगे (2)
    दुनिया में बड़ी चीज़, मेरी जान है आँखें (2)

    उस मुल्क की सरहद को कोई छू नहीं सकता (2)
    जिस मुल्क की सरहद की निगेहबान है आँखें (2)

    (बशर = માણસ, मीज़ान = ત્રાજવું)

    એટલી નોંધ જરૂરી કે આ જ નામની અન્ય ફિલ્મો ૧૯૫૦ માં, ૧૯૯૩માં અને ૨૦૦૨માં રજૂઆત પામી હતી.

    આ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.

     


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • બસ ! આટલી બાબતે ખ્યાલ – ખેતીમાં કાયમ ન્યાલ !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    ખેડૂત” એટલે શ્રમ થકી શરીર તોડનારો માત્ર મજૂર નહીં, “ખેડૂત” નો અર્થ છે- સમગ્ર ખેત વ્યવસ્થાનો એક “ઉત્તમ વ્યવસ્થાપક !” હા, એ વાત સાચી કે ખેડૂતના ભાગે બીજા ધંધાની સરખામણીએ શરીરશ્રમ ઠીક ઠીક વધારે કરવાનો થતો હોય છે. પણ એનો અર્થ એવો નથી કે આ ધંધાર્થીએ પંડ્ય તૂટી જાય એટલું માત્ર ‘બળ’ જ કર્યા કરવાનું અને બુધ્ધિને સાચવીને અભરાયે ચડાવી દેવી ! પંડ્ય મહેનતથી બહુ બહુતો પેટ ભરાય. અને પેટ તો  આ ધરતી પર જન્મેલો દરેક જીવ ક્યાં નથી ભરતો ? ખેડૂત તો ધરતી માતાને યે સાચવનારો રળાવ દીકરો છે. એણે પોતાનું પેટ ભરવા ઉપરાંત બીજા પ્રાણીઓનાયે પેટ ભરવાનો પુરુષાર્થ કરવાનો છે. ખેડૂતે તો કેટલાયે જીવોને પોષનારી એવી ખેતીને ચલાવવા માત્ર મજૂરનો રોલ નહીં પણ એક ઉત્તમ વ્યવસ્થાપકનો પાઠ ભજવવો પડે !

    હાથપગના બળ સાથે જ્યારે આંખ, કાન, મગજ અને હદય બધાનો પૂરો સથવારો સાંપડે ત્યારે તે પ્રક્રિયા માત્ર શરીરશ્રમ ન રહેતાં જીવમાત્રને પોષનારી આ ધરતીની પૂજા બની જાય છે. ખેતી માત્ર પેટ ભરવાનો ધંધો નથી.અગણિત જીવો વચ્ચે રહી અગણિત જીવોની રખેવાળી છે, કુદરત તરફથી વરસતી રહેતી કૃપા સૌમાં વહેંચનારી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાકે વ્યવસાયની રખેવાળી માટે પણ કેટલીક વાતો ધ્યાન પર રાખવી પડે તેમ છે. સેવાના સાધનનેય સક્ષમ તો રાખવું જ પડેને ભાઇ ! તો આટલું કરીએ.

    [૧] આજનું કામ આવતી કાલ પર કદિ ન છોડવું =   બીજું બધું ઘણું મળે પણ વહી ગયેલો વખત પાછો મળતો નથી. “આજ” અને “આવતી કાલ” વચ્ચેનો સમયગાળો તો હોય 24 કલાકનો. અત્યારનું સૂર્યકિરણની ઝડપે આગળ વધતું વિજ્ઞાન જ્યાં પળે પળે નવા પરિણામો દેખાડી રહ્યું હોય ત્યાં 24 કલાકનો ફેર જો આપણે પડવા દઈએ તો ક્યારેક ધાર્યું પરિણામ મેળવવામાં માપથી ઝાઝા મોડા પડી જઈએ હો ભૈલા ! ઘોડાની દોડમાં માત્ર ફેર ‘કાનહોરી’ નો હોય, કાંઇ બેત્રણ ‘નાડાવા’નો ન હોય ! નવી લાગતી વાતને અપનાવવામાં કે કંઇ જોખમી લાગતી વાતને છોડી દેવામાં વિલંબ થાય તો પાલવે જ કેમ ? ‘ફટ’ નિર્ણય ને ‘ઝટ અમલ’ માં અરધો પોણો દિવસ જો મોડા પડી જઇએ તો ક્યારેક કેટલું નુકશાન વહોરવું પડે તેનો અંદાજ હું કે તમે કરી શકીએ તેટલો સામાન્ય નથી હોતો.

    આજ કરવી જરૂરી હોય તેવી “વાવણી” કાલ પર ધકેલીએ કે આજે “હીટ”માં આવેલી ગાયને “આવતીકાલે ખૂંટ ભેગી કરી દેશું”  તેમ માની તેના તરફ બેદરકારી  રાખવી એટલે પરિણામ ? પરિણામમાં મળે મોટું મીંડું જ હો !

    [૨] ઉલળી કૂદકો ક્યારેય ન મારીએ = કોઇ નવી વાત, પધ્ધતિ કે બિયારણ વિષેનું આશ્ચર્યજનક પરિણામ સાંભળીએ એટલે પ્રયોગશીલ ખેડૂતનું મન તે અપનાવવા કુદાકૂદ કરવા માંડે જ !

    પંદરેક વરસ પહેલાં મને અમારા જૂના ગ્રામસેવક ભાઇએ હળદરની ખેતી જોવા રૂબરૂ આવવાનું આમંત્રણ આપ્યું. અમે પાંચ-છ જણા હળદરની ખેતી વિષે બધું જાણવા સમજવા ‘ગોપાળગ્રામ-ઢસા’ ગામે ગયા તો પાક પૂરો થઈ ગયેલો અને ખેંચી કાઢેલી હળદરનો ઢગલો  ફળિયા વચ્ચે પડેલો ભાળ્યો. વાવેતરની અને કરવી જોયતી માવજત વગેરેની વિગતો  તે ખેડૂત પાસેથી જાણી. અમને લાગ્યું કે સાહસ છે કરવા જેવું ! એટલે આખે આખો 300 મણનો ઢગલો એ ખેડૂતે કીધો એભાવે ખરીદી લીધો અને હળદર લગાડી દીધી સામટી જમીનમાં. ઘણીબધી માવજત, લાંબો સમયગાળો અને પિયતની પૂરતી સુવિધા દીધા પછી પણ પરિણામ ? ન અમને પૂરું ફાવ્યું પકવતા કે ન ફાવ્યું સરખી રીતે વેચાણ કરતા ! ઉત્પાદન તો થયું બમણું, પણ રાખી રાખીને એટલી સંગ્રહી રાખી કે તે …..અંતે ઢગલામાં જ સડી ગઈ ! [વેચાણ ન ફાવ્યું] અને અમારે ખાડ ભેળી કરવી પડી !

    અમારો વિસ્તાર નપાણિયો ! હળદરને વાવવી પડે ચોમાસા પહેલાં- અરે, ઉનાળે આગોતરી ઓરવાણ કરીને. નર્યા તડકા કરતાં તલકછાંયડી વધારે ફાવે તેવી હળદરને મનપસંદ ઝાડની છાયાં અમારે કાઢવી ક્યાંથી ? અને વળી વેચાણ બાબતે કશી હથરોટી તો હતી નહીં ! એટલે એવા ફસાયા કે હળદરનું નામ લેતાં બંધ થઈ ગયા !

    મારો ઇરાદો નવી વાતની પહેલ બાબતે દુર્લક્ષ સેવવાનો જરાયે નથી. નવી વાત જરૂર પકડીએ પણ તેને સ્પર્શતી બધી બાબતોનો અભ્યાસ કરી લઇએ અને પહેલા તેનો થોડી જમીનમાં પ્રયોગ કરી જોઇએ, પરિણામો ચકાસીએ અને પછી સારું લાગેતો જરૂર વિસ્તાર વધારીએ. આવું જો નહીં કરીએ તો ક્યારેક ઊંડા કૂવામાં ઉતરી ગયા પછી ઉપર ચડી બહાર નીકળવાનું દોરડું હાથ ના લાગે અને જે સ્થિતિ ઉતરનારની થાય તેવી આપણી થઈ રહેશે.

    [૩] કરકસર નાનો ભાઇ છે તે કદિ ન ભૂલીએ =   આપણા રોજિંદા વ્યવહારમાં, ઘર વપરાશમાં જે ખાદ્યસામગ્રી, કપડાં-લતા કે વાહનવ્યવહાર વગેરે વપરાશમાં “માપથી વધુ તો વપરાઈ નથી જતું ને ?” –“પથારી કરતાં સોડ્ય લાંબી તો નથી થઈ જતી ને ?” [નહિતર ટાટિયા ઉઘાડા રહે !] તેનું સતત ધ્યાન રાખતા હોઇએ છીએ.બસ એમ જ,

    ખેતી પણ એક વ્યવસાય છે. બાર મહિને આવક અને ખર્ચનો છેડામેળ તો જ ઉતરે જો કાયમખાતે ખર્ચ બાબતે ઝીણું કાંતવાની ટેવ હોય ! ખેત વપરાશી માલ-સામાન, મજૂરી અને અન્ય ખરીદીઓ વખતે કસીને કામ લેવાતું હોય.

    મારો પાડોશી છે હરખોભાઇ ! એણે કડવો કપાસ વાવેલો. એગ્રોની દુકાને ચૂસિયા મારવાની દવા લેવા ગયેલો. પરત આવતાં અમારો ભેટો થઈ ગયો. કંપનીની જાહેરાતની છાપ વાળો આખો થેલો દવાઓના કેનથી ભરેલો ભાળી હું પૂછી બેઠો , “ શું હરખાભાઇ ! આખો થેલો દવાઓનો ભર્યો છે કે શું ?” તો કહે, “ ગયો હતો ‘ગળો’ મારવાની દવા લેવા પણ શેઠિયો છે ઓળખીતો –કહે ‘ આજ નહીં તો કાલ, ઇયળો પણ પાકમાં આવવાની જ છે ને ? તે દિ દોડાદોડી ને હડિયાપાટી ન કરવી પડે માટે થેલામાં સાથોસાથ જ ભરતો જાને ! હું ક્યાં પૈસા અત્યારે માગુ છું ? માલ વેચાશે ત્યારે બિયારણ-ખાતર-પોતર અને આ દવાયું બધાનું ભેગું જ સમજી જાજે તુંતારે 1’ એટલે થયું કે લાવને લેતો જાઉં- તે દિ’ બીજો ધક્કો નહીં ને !”

    હું તમને કહું-એ તો વેપારી એટલો સારો કે હરખાભાઇને માત્ર રાસાયણિક ખાતર, બિયારણ અને દવાઓ જ ઉધારે આપ્યાં, બાકી ઉધારેથી ટ્રેકટર કે જીપ પણ લેતો જા એમ કહ્યું હોત તો મોઢાના મોળાં હરખાભાઇ ન જોયતાં આવાં રાક્ષસી સાધનો પણ ઘેર વસાવી અભરાઇઓ પર ખડકત !

    જેની જરૂર નથી તેવી ચીજ મફતમાં મળે તો પણ વહોરવી શું કામ ? જ્યાં પાંચથી હાલતું હોય ત્યાં સાત ન ખરચાય. હિસાબ બારું પગલું ભરીએ તો “આંધળો વણે અને વાછડો ચાવે” એવો ઘાટ થાય ! એક વાત તો સૌ ખેડૂતોએ ડાબા કાળજે લખી રાખવી કે ઝીણી-મોટી ખરીદી માટે જરૂરી રકમ બેંક કે મંડળીમાંથી છેવટે એકસામટી ઉપાડીને ઘેર રાખી મૂકીએ અને એમાંથી જોયતો માલ-સામાન વેપારી પાસેથી કસાય તેટલો કસીને , ગુણવત્તામાં સારો હોય તેવો પણ રોકડેથીજ ખરીદવાનો આગ્રહ રાખીએ. ઉધારી તો કરવી જ નહીં. ઉધારી કરી એટલે આપણે તો મર્યા જ સમજવું ! ઝીણો ઝીણો ઉધારીનો ભાર આપણા મનની ગણતરીમાં નથી આવતો હોતો અને છેલ્લે જતાં એ બધાનો સરવાળો અને ઉપર ચડેલ “રામ” [વ્યાજ] ભેળા થાય ત્યારે એચૂકવવા આપણે તો ગોઠણભેર થઈ જવું પડે ! વગર જોયતું બોલવું પણ જો નુકશાની વહોરી શકતું હોય તો વગર જોયતી વસ્તુની આડેધડની ખરીદી કેટલું નુકાશાન વહોરાવી દે એનું થોડું નક્કી છે મિત્રો !

    [૪] “નિરાશ કદિ થવું નહીં”  આવી વાત કરવી બહુ સહેલી છે. જ્યારે એનો અમલ કરવો એટલો જ અઘરો છે. આ બાબતે આપણે બાળકોને ગુરૂ બનાવવા જોઇએ. તે નાનું હોય અને બોલતાં કે ચાલતાં હજુ ના શીખ્યું હોય-પણ બોલવા અને ચાલવા બાબતના જે પ્રયત્નો કરતું હોય છે તે નિરાંતવા થઈ નિરખજો ક્યારેક ! ઉચ્ચારો તોતડા કરે, ખોટા કરે, અરે ! એના કહેવાનો ભાવાર્થ આપણે ન સમજી શકીએ તો ફરીવાર કહે, ત્રીજી-ચોથી-અનેકવાર કહે. હાથ અને મોઢાના હાવભાવ અને સંકેતો એમાં ઉમેરે, પણ તેની વાત સમજાવ્યે જ રહે ! જુઓને ચાલતાં શિખવું હોય ત્યારે કેટકેટલી વાર તે પડી જાય છે ? છતાં તે બેસી નથી રહેતું. ફરીવાર તે ઊભું થાય છે અને સતત પરિશ્રમ કરતાં રહી, અંતે નિર્ભયરીતે ચાલતા શીખી જાય છે. અરે ! એક રસ્તો બંધ કરી આપણે આડા ઊભા રહી જઈએ તો ઘડીક આપણને હટાવવા મહેનત કરે, ન હટીએ એટલે બીજો રસ્તો ખોળી કાઢે ! આપણને ખબર પણ ન હોય તેમ આપણા બે પગ વચ્ચેથી સરકીને પેલી બાજુ ગયે પાર કરતું હોય છે. તો પછી આપણે તો બાળક કરતાં ક્યાંયે મોટા છીએ.

    ખેતીના ધંધાની તાસીર જ એવી છે કે એમાં મુશ્કેલીઓ અને મુંઝવણોનો પાર હોતો નથી. ડગલે ને પગલે મુસીબતો મારતે ઘોડે આવી ચડતી હોય છે. ક્યારેક રોગ-જીવાત કે હવામાનનો કવા લાગી જવાથી આખી મોસમ નલ્લે પણ થઈ જાય તોયે શું ? “ચોમાસું” બગડ્યું, કંઇ જીંદગી થોડી હારી ગયા ? કાલ સવારે શિયાળુ મોલના મંડાણ થઈ જવાના હોય ! અને માનો કે એમાં પણ નબળું રહ્યું તો ? તો ઉનાળોયે જોતજોતામાં નીકળી જશે, અને પાછું ચોમાસું શરુ થવાનું જ છે ને ? “ઓણ” ન મળ્યું તો “પોર” મળી રહેશે, દિવસોના ક્યાં દુકાળ છે ભૈલા ! હા, થોડી કષ્ટિ જરૂર વેઠવી પડે, પણ જે જમીનમાં આપણે ખાતર-માવજત કર્યાં હોય અને પૂરું વળતર કોઇ કારણોસર મળવા ન પામ્યું હોય, તો પછીની સાલ એનીએ ધરતી સવાયું દોઢું આપ્યા વિના રહેતી નથી એવો વરસોનો જાત અનુભવ છે, એટલે જ કહુ છું કે આપણો પુરુષાર્થ ચાલુ હોય તો સવા-કવા કે ભાવ બાબતે પાછો ટન [ટોન] આવ્યા વિના રહેતો નથી. હા, એ માટે જરૂર હોય છે બસ ધીરજ અને હિંમત રાખવાની જ !

    [૫] ઇશ્વર ઉપરની શ્રદ્ધા કદિ ખોવી નહીં : હું નથી કહેતો કે દેવ-દેવીઓના દેવળોના દાદરા ચડવા અને પથ્થર એટલા દેવ બનાવી ખોટી અંધશ્રધ્ધા અને વહેમોના વમળમાં ઘસડાયા કરવું. વિચારો ! ખેતી આખો વ્યવસાય જ કુદરત સાથેના જીવંત નાતાનો વ્યવસાય છે. તમે જુઓને ! જમીન જીવતી, તેમાં વવાતું બીજ જીવતું, તેમાંથી ઉગેલ ઝાડ કે છોડવોયે હોય જીવતો ! અરે, અંદર લાગતી જીવાતો પણ જીવતી ! મોલાતની અંદર કામ કરતા મજૂરો અને પશુઓયે જીવતા ! અને કુદરતી પરિબળોની પાછી ધંધા પરની એવી અસરો કે વયવસાયમાં એકધારાપણું ક્યારેય જળવાય નહીં-તે વાત સાવ સાચી હોવા છતાં, આ ધંધાનું જમા પાસું એ છે કે બીજા બધા ધંધા તૈયાર માલને રૂપાંતરિત કરવાના. જ્યારે ખેતી ધરતીમાંથી નવું ઉત્પન્ન કરનાર. વળી સંપૂર્ણ પણે પ્રાકૃતિક હોવાથી તેમાં એક પણ પૈસાનું ખોટું કરવાનું આવતું નથી. પળે પળે કુદરત તરફથી નવી ચેતનાઓ પ્રગટતી રહેતી હોય છે. એટલે માણવા ધારી તો સઘળું કુદરતનું જ સાંન્નિધ્ય ગણાય ! માત્ર આર્થિક કમાણીને જ આપણા ધંધાના મુલ્યાંકનની ફૂટપટ્ટીમાં માપશું કે તેના દ્વારા જળવાઇ રહેતું શરીર સ્વાસ્થ્ય બાબતનું સુખ, ચોખ્ખાં દૂધ-ઘી, ખોરાક અને હવાપાણી, પ્રામાણિક કમાણી દ્વારા પ્રાપ્ત થતો રોટલો અને એમાંથી મળતો અનેરો આનંદ, એક જાતનો સંતોષ અને મનની શાંતિ, આ બધું  શું વ્યવસાય મૂલવણીમાં જમા પાસું ન ગણાય ? કીડીને કણ અને હાથીને મણ એનોએ દેવાવાળો છે. આપણે તો યોગ્ય દિશામાં પુરુષાર્થ કર્યે જવાનો. “મહેનતનું ફળ મળ્યા વિના રહેતું નથી” એવી કુદરત પરની શ્રધ્ધામાંથી કદિ ચલિત ન થઈએ.

    [૬] કોઇ વાત “ખાનગી” શું કામ ? સારી વાતનું વિસ્તરણ કરીએ : જેવી જેની મહેનત અને જેવી જેની દ્રષ્ટિ-એ પ્રમાણે સૌને ઓછી-વધતી ઉપજ મળી રહેતી હોય છે. પણ આપણને સારી લાગતી વાત બીજાને જણાવીએ નહીં તો એકલપેટા અને સ્વાર્થી-નર્યા “પેટભર્યા” જ ગણાઇએ ને ? સુખ વહેંચવાથી વધે છે. એક સફળ અનુભવ બીજા પાંચ જણાને કહીએ તો તેઓ પણ તેનો અમલ કરતા થાય. અને તો બધાને લાભ મળે. વળી કોઇ માઠો અનુભવ થયો હોય તો તેની પણ સૌને જાણ કરીએ કે “ભાઈ ! અહીં તો ઊંડો કૂવો છે, હું પડી ગયો હતો તે માંડ નીકળ્યો, તમે ધ્યાન રાખજો !” તો બીજા તો તેમાં પડતા બચી શકે ?

    [૭] દુ:ખ પણ વહેંચવાથી ઘટે છે: વરસો પહેલાં “સાગની ખેતી” વિશે અમે અંજાઇ ગયા હતા. વાડીમાં સારામાં સારી જમીન આપી, ફોરેસ્ટ વિભાગની ખડાધાર નર્સરીમાંથી સાગના સ્ટંપ લાવી 25 વિઘામાં રોપાણ કરેલું. ખાતરનો ધરવ, ટપકથી પિયત, સંરક્ષણમાંયે કોઇ જાતની મણા નહીં, સરભરામાં બસ, ગાદલું ને ગોદડું જ આપવાનું બાકી રહ્યું હતું. અને માળે શરૂ શરૂમાં હોંકારોયે એમ આપેલો ! રાજાના કુંવરની જેમ સડસડાટ વધીને વીસ વીસને પચીસ પચીસ ફૂટ સુધીની ઉંચાઈ પકડી ગયેલો ! અરે, આકાશવાણી રાજકોટ રેડિયો-“ગામનો ચોરો” પરથી અમે તો બે વાર્તાલાપ આપેલા કે “આવી સોના જેવી સાગની ખેતી બાજુ સૌરાષ્ટ્રના ખેડૂતોનું ધ્યાન કેમ ગયું નથી ?” પણ સાત આઠ વરસ પ્રભુને રીજવવા આગતા સ્વાગતા અને પૂજા રૂપી સેવા-ચાકરી કર્યા પછીયે એના થડિયાએ જોઇએ એટલી જાડાઇ ન પકડી ત્યારે પછી મુંઝાયા અને કારણો શોધવા લાગ્યા કે સાગની ખેતીમાં આપણે નાપાસ કેમ થયા ? અને અમે પકડ્યું કે પંચવટીબાગની જમીનમાં નીચે ખુબ ચીકણી એવી ‘ગોરમટી” માટી અને સુંઠિયા પથ્થરનો  મોટો દળ અને પછી તરત જ બેસી જાય કાળમીંઢ પથ્થર ! અને સાગ ચોપાણના સમય પછીથી વરસાદ બાબતે ઘણા ચોમાસાં રહ્યાં હતાં સાવ નબળાં, એટલે એને રેશનિંગથી ભાગે પડતું “ટપક” થી મળતું પિયત એને મન ઓછું પડતું હોય પાણી-બધાં કારણો એવાં થયાં ભેળાં કે સાગને અમારી વાડી ન ફાવી ! ને અમારે સાગનો વિદાય કાર્યક્રમ કરવો પડ્યો ! આ “અમે નાપાસ થયા એવી જાણ અન્ય ખેડૂતોને પણ કરવી જોઇએ” એને અમે ફરજ માની સૌને જાણ કરી. જેથી અન્ય ખેડૂતો તો સૌરાષ્ટ્રમાં સાગની મોટી ખેતી કરતાં પહેલાં પૂરી રીતે વિચારે.

    કોઇ વાત ખાનગી રાખવી શું કામ ? એક કરતા બે ભલા ! એકબીજાને મદદ કરીએ તો સંગઠનની એક તાકાત ઊભી થાય અને અનુભવોનો સરવાળો થાય તો ખેતી વધારે મજબૂત થાય ભલા !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • મહેમાન યાયાવર પક્ષીઓ (પેસેજ માઇગ્રેશન): પક્ષીઓની એક અનોખી યાત્રામાં ભારતની ભૂમિકા

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    દર વર્ષે, જેમ ચોમાસાના વાદળો વિદાય લે છે અને આકાશ સાફ થાય છે, ભારત પ્રકૃતિનાં એક મહાન નાટકનું મંચ બની જાય છ. અદૃશ્ય આકાશી માર્ગો પર કરોડો પક્ષીઓ  આખે આખા ખંડ પાર કરે છે, અને આ મહાયાત્રામાં ભારતખંડના જળાશયો, ઘાસના મેદાનો અને રણ તેમનાં લાંબા પ્રવાસના વિરામસ્થાન બને છે.

    શું છે ઋતુ અનુસાર સ્થળાંતર (પેસેજ માઇગ્રેશન)?

    ઉત્તર ગોળાર્ધમાં શિયાળો શરૂ થતાં, પક્ષીઓ ખોરાક, આશ્રય અને ગરમ હવામાનની શોધમાં દક્ષિણ તરફ પ્રવાસ કરે છે અને વસંતઋતુમાં, તેઓ આ લાંબી વાર્ષિક યાત્રા પૂર્ણ કરીને, દૂર ઉત્તરમાં તેમના સંવર્ધન સ્થળોએ પાછા ફરે છે.

    વિશ્વભરમાં ૨૦૦૦ થી વધુ પ્રજાતિઓ આ અદ્ભુત સ્થળાંતર કરે છે !

    પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાથી આફ્રિકા જતા પક્ષીઓ મધ્ય એશિયાઈ અને એશિયા-આફ્રિકા પક્ષીઓના ઉડ્ડ્યન હવાઈ માર્ગ (ફ્લાયવે)નો ઉપયોગ કરે છે.

    [યાયાવર પક્ષીઓના સ્થળાંતરનું સેન્ટ્રલ એશિયન ફ્લાયવે Source: Wikipedia]
    મધ્ય એશિયાઈ ઉડ્ડ્યન હવાઈ માર્ગ પર સ્થિત ભારત, લાખો સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ રોકાણ છે અને તેથી, પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ છે. ભારતના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ – વેટલેન્ડ્સ, ઘાસના મેદાનો, જંગલો અને દરિયાકિનારા – ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓને તેમના  માર્ગ પર આરામના સ્થળો પ્રદાન કરે છે;

    પરિણામે, પાનખર અને વસંત વચ્ચે ભારતમાં પક્ષી પ્રવૃત્તિ ટોચ પર પહોંચે છે.

    ભારતના કેટલાક મુખ્ય પેસેજ માઇગ્રન્ટ પક્ષીઓ, જે ઉત્તરપશ્ચિમ રાજ્યોમાં મોટી સંખ્યામાં આવે છે, તેમનું વર્ણન નીચે ફોટોગ્રાફ્સ સાથે કરવામાં આવ્યું છે;

    [Blue cheeked bee eater ©Param Mathur]

    બ્લુ-ચીક બી-ઈટર એટલે કે મોટો પતરંગો– લીલો ચમકદાર રંગ ગાલ પાસે હલકો વાદળી એન્ડ ગળાપર આછો કેસરી રંગ ધરાવતું સુંદર પક્ષી ટોળાંમાં ઉડી જંતુઓનો શિકાર કરે છે.

    યુરોપિયન રોલર (કાશ્મીરી ચાસ)

    યુરોપિયન રોલર (કાશ્મીરી ચાસ) – આકાશી રંગની પાંખો અને અદ્ભુત ઊડતી કરામતો કરતું તે માઇગ્રેશન દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના ખેતરો અને ખુલ્લા મેદાનોમાં રંગભરી હાજરી આપે છે.

    યુરોપિયન નાઇટજાર

    યુરોપિયન નાઇટજાર – દિવસ દરમિયાન ગાઢ ઝાડી ઝાંખરામાં ભળીને અદૃશ્ય થઈ જાય છે, પરંતુ સાંજ પડતાં તેના મોટા મુખથી ઊડતા જંતુઓનો શિકાર કરે છે. કમનસીબે ઉપરોક્ત દર્શાવેલ નાઈટજાર પક્ષીનું રાત્રી દરમિયાન ઝડપથી દોડતા વાહન સાથે અથડાઈ જવાથી મોત થયું, જેના કારણે તેની આફ્રિકા તરફની લાંબી યાત્રા અહીં જ સમાપ્ત થઈ ગઈ. આવી દુર્ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે માર્ગ અકસ્માતો વન્યજીવન માટે કેટલું મોટું જોખમ છે અને કેટલાં પ્રાણીઓ અજાણ્યે જ રસ્તા પર પોતાનો જીવ ગુમાવે છે.

    રૂફસ-ટેઇલ્ડ સ્ક્રબ રોબિન
    [Photo: Gaurang Bagda / Macaulay Library at the Cornell Lab of Ornithology (ML608783717)– used under CC license]

    રૂફસ-ટેઇલ્ડ સ્ક્રબ રોબિન – ચપળ અને ચંચળ, તેનું રૂફસ રંગનું પૂંછડું વારંવાર હલતું રહે છે, કચ્છના શુષ્ક કાંટાળા જંગલો અને રણ પ્રદેશોમાં તેનો પેસેજ માઇગ્રેશન સમયે જીવંત સ્વભાવ સ્પષ્ટ દેખાય છે.

    સ્પોટેડ ફ્લાયકેચર

    સ્પોટેડ ફ્લાયકેચર – નાનું અને સાદું દેખાતું ગળા પર ટપકા અથવા નાની લીટીઓ જોવા મળે છે, પરંતુ અત્યંત ચપળ; તે ડાળી પરથી ઉડીને હવામાં જંતુઓને ઝડપી લે છે.

    આ પક્ષીઓ એશિયન-આફ્રિકન ફ્લાયવે પર યુરેશિયાથી સ્થળાંતર કરે છે. ભારતમાંથી પસાર થયા પછી, તેઓ અરબી સમુદ્ર પાર કરે છે અને આફ્રિકા તરફ આગળ વધે છે, જ્યાં તેઓ શિયાળો વિતાવે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન તેઓ ઉત્તરપશ્ચિમ રાજ્યોમાં સૌથી વધુ જોવા મળે છે.

    ગુજરાતમાં વેટલેન્ડસ, શુષ્ક ઘાસના મેદાનો અને રણ ઉત્તમ રોકાણ સ્થળો પ્રદાન કરે છે. કચ્છના ગ્રેટર રણ અને નાનું રણ, અરબી સમુદ્રની નજીક હોવાથી અને જંતુઓ – ફૂદાં, ડ્રેગનફ્લાય, ભમરા, માખીઓ – થી સમૃદ્ધ છે – આદર્શ રિફ્યુઅલિંગ ગ્રાઉન્ડ તરીકે સેવા આપે છે જ્યાં પક્ષીઓ તેમના લાંબા સમુદ્ર ક્રોસિંગ માટે જરૂરી શક્તિ મેળવવા માટે વધુથી વધુ ખોરાક લે છે.

    જ્યારે મેં કચ્છના મોટા રણમાં આવેલા છારી ઢંઢ વેટલેન્ડ્ કન્ઝર્વેશન રિઝર્વની મુલાકાત લીધી – જે એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનો, બન્ની ઘાસના મેદાનોનો ભાગ છે – ત્યારે મેં આ ઇકોસિસ્ટમમાં જંતુઓનું વાસ્તવિક મૂલ્ય જોયું. યુરોપિયન રોલર્સ અને પતરંગા જેવા સ્થળાંતર કરનારાઓ સક્રિયપણે જંતુઓનો ખોરાક લેતા હતા. આ પક્ષીઓ, અન્ય ઘણા પક્ષીઓ સાથે, અસ્તિત્વ માટે જંતુઓ પર આધાર રાખે છે. બદલામાં, તેઓ પોતે ગરુડ, બાજ અને બઝાર્ડ જેવા શિકારી પક્ષીઓઓ અથવા શિયાળ, જંગલી બિલાડી, રણ બિલાડી અને રણ લોંકડી જેવા સસ્તન પ્રાણીઓનો શિકાર બને છે. દરેક કડી એકબીજા સાથે જોડાયેલી છે, અને જો એક તૂટે છે, તો આખી સિસ્ટમ તેની અસર અનુભવે છે.

    તે સાંજે, મને બીજું આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું. વેટલેન્ડ્સની બહાર કેમ્પસાઇટ પર, લાઇટોએ હજારોની સંખ્યામાં જંતુઓને આકર્ષ્યા હતા ત્યારે મને અંદાજ આવ્યો કે પક્ષીઓ સ્થળાંતર માટે રણ શા માટે પસંદ કરે છે. જ્યાં સુધી તેમાંથી ઘણા મૃત્યુ પામ્યા નહીં ત્યાં સુધી જંતુઓ બલ્બની આસપાસ અવિરતપણે ચક્કર લગાવતા હતા! પરંતુ મને સૌથી વધુ આઘાત નજીકના ક્રિકેટ સ્ટેડિયમનો લાગ્યો હતો. તેજસ્વી ફ્લડલાઇટ્સ મોડી રાત સુધી મેદાનને પ્રકાશિત કરતી હતી, અસંખ્ય જંતુઓ; જાણે તે લાઈટોની આસપાસ નાનો જંતુઓના વંટોળિયા ફરતો હોય એવડી માત્રામા લાઈટ તરફ આકર્ષાયા હતા અને તેમાંથી મોટાભાગના મૃત્યુ પામ્યા!

    પ્રકાશ પ્રદૂષણનો ખરો ભય અહીં રહેલો છે. તે જંતુઓની વસ્તીનો નાશ કરે છે, જેના પર સ્થળાંતર કરનારા પક્ષીઓ તેમની લાંબી મુસાફરી દરમિયાન આધાર રાખે છે. જો આવું ચાલુ રહેશે, તો આ પક્ષીઓ કાં તો તેમના માર્ગો બદલી શકે છે અથવા તેમની વસ્તીમાં ઘટાડો થાય છે.

    શાળાઓમાં, આપણને ઘણીવાર શીખવવામાં આવે છે કે પ્રકાશ પ્રદૂષણનો અર્થ એ છે કે આપણે હવે તારાઓ અને આકાશગંગાને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. પરંતુ તે દૃષ્ટિકોણ ખૂબ જ સાંકડો છે. મોટી તસવીર એ છે કે પ્રકાશ પ્રદૂષણ સમગ્ર ઇકોસિસ્ટમને જોખમમાં મૂકે છે, જંતુઓથી શરૂ કરીને અને તેમના પર આધાર રાખતા પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ સુધી.

    તેથી જ કચ્છના રણ જેવા સ્થળોનું રક્ષણ કરવું જોઈએ – ફક્ત સુંદરતાના લેન્ડસ્કેપ તરીકે જ નહીં, પરંતુ એવા સ્થળાંતર કરનારાઓ માટે મહત્વપૂર્ણ રિફ્યુઅલિંગ સ્ટોપ તરીકે પણ જેમનું અસ્તિત્વ તેમના પર નિર્ભર છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • માતૃભષામાં શિક્ષણ અને અંગ્રેજી ભાષા

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

    માતૃભાષામાં શિક્ષણ બાબતે શિક્ષણશાસ્ત્રીઓ કે શિક્ષણના નીતિ નિર્ધારકોમાં કોઇ બેમત નથી. ગુરુદેવ ટાગોર, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ પણ માતૃભાષામાં શિક્ષણના હિમાયતી હતા. આઝાદીના આરંભ કાળે દેશની શિક્ષણનીતિ ઘડવામાં જેમનું મોટું પ્રદાન હતું તે શ્રી જે પી નાયકે દેશની અગ્રણી શાળાઓમાં અંગ્રેજી ભાષાનાં પ્રભુત્વને શિક્ષણમાં ભયંકર વિરોધાભાસ તરીકે જોયેલું. કોઠારી કમિશન (1964-66) ના સભ્ય-સચિવ તરીકે તેમણે ત્રિભાષી (હિ‌‌ન્દી, અંગ્રેજી અને માતૃભાષા)ફોર્મુલ્યાના ગંભીરતાપૂર્વક અમલનો આગ્રહ રાખેલો. શાળામાં માતૃભાષાને પ્રાથમિકતા અને મહત્વને તેમણે શિક્ષણનો એક પવિત્ર મંત્ર ગણેલો. આમ છતાં કરુણતા તો એ છે કે ગુજરાતમાં અને કદાચ દેશભરમાં વધુ ને વધુ અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલતી જાય છે અને માતૃભાષામાં શિક્ષણ આપતી શાળાઓ બંધ થતી જાય છે. વાલીઓની એક આખી પેઢી આવી ગઈ છે કે જે પરિણામની દરકાર કર્યા વિના પોતાનાં બાળકોને કહેવાતી અંગ્રેજી માધ્યમની શળાઓમાં ભણાવવા હઠાગ્રહી બની છે.

    વાલીઓ એવી આશા અને ખોટી ધારણા સાથે પોતાનાં બાળકોને અગ્રેજી માધ્યમની શાળાઓમાં દાખલ કરે છે કે પોતાનું બાળક કડક્ડાટ અંગ્રેજી બોલતું થાય અને અંગ્રેજી ભાષા પર તેનો કાબૂ આવ્યેથી તેની ઉજ્જવળ કારકીર્દિ બને. એમની આ ધારણા સાચી હોય તો પણ એટલી બધી અંગ્રેજી માધ્યમની ખનગી શાળાઓ ફૂટી નીકળી છે કે અંગ્રેજીનો ઉપયોગ કરીને ભણાવી  શકે તેવા પૂરતા શિક્ષકો મળી જ ન શકે. આ ઉપરાંત ખાનગી શાળાઓમાં પગારનું ધોરણ એટલું નીચું હોય છે કે હોંશિયાર શિક્ષકો આવી શાળામાં કામ કરવું પસંદ કરે જ નહિ. પરિણામે જૂજ શાળાઓને બાદ કરતા મોટાભાગની શાળાઓમાં અંગ્રેજી માધ્યમ માત્ર ચોપડે જ છે. ઘણીખરી શાળાઓમાં અંગ્રેજી ભાષા પાઠ્યપુસ્તકો અને પરીક્ષા પૂરતી જ મર્યાદિત હોય છે. શિક્ષકો તો ભણાવવા માટે માતૃભષા કે હિ‌ન્દીનો જ આશરો લેતા હોય છે. મેં એવા  ગુજરાતી ભાષી માબાપ જોયા છે કે જે પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમની શાળામા મૂકવાની પૂર્વતૈયારી રૂપે એક વર્ષનાં બળકને ગુજરાતીને બદલે હિ‌ન્દીમાં બોલતા શીખવે છે! એવો અનુભવ પણ છે કે અમદાવાદ જેવા મોટાં શહેરમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓને પૂછાયેલા સવાલનો જવાબ તેઓ હિ‌ન્દીમાં આપે છે. આમ બાળકો નથી બરાબર અંગ્રેજી શીખી શકતા   કે નથી માતૃભાષા બરાબર આવડતી. તેમને તો બાવાનાં બેઉ બગડે છે. ઘણાખરાં વાલીઓને આ પરિસ્થિતિનો ખ્યાલ નથી અથવા તો તેઓ આ બાબતે બેદરકાર છે.

    આપણો મધ્યમ વર્ગ અને ઉપલો મધ્યમ વર્ગ આ પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીન હોય તો પછી આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગનું તો પૂછવુ જ શુ? આ પછાત વર્ગના લોકો એમ માને છે કે ઉપલા વર્ગના લોકો અંગ્રેજી ભાષા જાણવાને કારણે સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. આ ભ્રામક માન્યતાથી દોરવાઈને તેઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવા લાગ્યા છે. પોતાની જેમ પોતાના સંતાનોને હાડમારીભરી   જિંદગી જીવવી  ન પડે એ આશાએ તેઓ ઓછી આવક છતાં મફત શિક્ષણ ઉપરાંત અન્ય લાભો આપતી સરકારી શાળા છોડીને અંગ્રેજી માધ્યમની શાળામાં કમરતોડ મોંઘી ફી ભરે છે.

    પરંતુ હવે CBSE (સે‌ન્ટ્રલ બોર્ડ ઓફ સેક‌ન્ડરી એજ્યુકેશન)ને પ્રાથમિક શાળાના શરૂઆતનાં વર્ષોમાં અંગ્રેજી માધ્યમ બાબતે પુનર્વિચારણા કરવાની જરૂર જણાઇ છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર(Circular No: Acad-30/2025 Date: 22.05.2025)માં શાળાઓમાં પ્રાથમિક (પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 5)નાં માધ્યમ તરીકે માતૃભાષા અથવા પરિચિત સ્થાનિક ભાષા (Regional language) ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. મતલબ કે પ્રાથમિક શાળાના શરૂઆતનાં વર્ષોમાં શિક્ષણ માતૃભાષામાં આપવું. આ પરિપત્રના અમલમાં CBSE સફળ થશે તો શિક્ષણમાં ધરખમ ફેરફર થયો કહેવાશે. માત્ર એટલું જ નહિ ભવિષ્યના શિક્ષણકારો નવાઈ પામશે કે માતૃભાષામાં શિક્ષણ આપવાની આટલી સહેલી વાત વર્ષો સુધી કેમ કોઇનાં ધ્યાનમાં ન આવી!

    જો કે CBSE રાજ્યોનાં શિક્ષણ બોર્ડોનાં પ્રમાણમાં ઘણું જ નાનું બોર્ડ છે, પરંતુ શિક્ષણ જગતમાં તેનો એક દરજ્જો  છે તેમજ વ્યાપક પ્રભાવ  છે. એમ કહી શકાય કે રાજ્ય શિક્ષણ બોર્ડો તેને અનુસરવા પ્રેરાય છે ને કેટલાક રાજ્ય શિક્ષણ બોર્ડે પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી છે. પરંતુ હવે CBSE ના પરિપત્ર મુજબ -ભલે શરુઆતના વર્ષોમાં- શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીની જગ્યાએ માતૃભાષા રાખવાની નીતિને બધા જ રાજ્યબોર્ડ અનુસરશે તો શિક્ષણમાં સાચી દિશાનાં પરિવર્તનનો સોનેરી સૂરજ ઉગશે.

    આગળ આપણે જેમનો ઉલ્લેખ કર્યો તે જે પી નાયક( જયંત પાંડુરંગ નાયક 1907થી 1981) આપણી આઝાદીના લડવૈયા, મોટા વિદ્વાન ઉપરાંત શિક્ષણકાર પણ હતા. તેમનાં પુસ્તક-A Students’ History Of Education In India:-(જે તેમના અવસાન પછી પ્રગટ થયું હતું)માં તેમણે ખેદ વ્યક્ત કરેલો કે ત્રિભાષી ફોર્મ્યુલાનો અમલ ઢંગધડા વિના કરવામાં આવ્યો છે તો ક્યાંક સાવ કોરાણે મૂકાયો છે.

    રાજ્ય સરકારોએ કોઠારી કમિશનના અહેવાલને મંજૂરી આપ્યા બાદ ત્રિભાષી ફોર્મ્યુલાના અમલ માટે શાળાઓ પર કડક પરિપત્રો પાઠવ્યા. પરંતુ એ શાળાઓ પર આ પરિપત્રની ભાગ્યે જ અસર થઈ. કોઈ દૃઢ થયેલી પ્રણાલિકાઓ માટે આવા પરિપત્રો કારગત નીવડતા નથી. ખરેખર તો સમાજમાં આ બાબતે સભાનતા કેળવવાના પ્રયાસો જ પરિણામલક્ષી બનતા હોય છે.

    આગળ વધવા માટે અંગ્રેજી માધ્યમાં ભણવું જોઇએ એ ધારણા ખોટી હોવા છતાં સમાજે લગભગ સ્વીકારી લીધી છે. આની સામે(કદાચ રાજકીય હેતુથી) એવું પણ કહેવામાં આવે છે કે આપણને ગુલામીમાં વારસા રૂપે મળેલી અંગ્રેજીથી છેડો ફાડીને તેની જગ્યાએ સ્વદેશી ભાષાને મહત્વ આપવું જોઈએ. પરંતુ આ વાતમાં હજારો વર્ષોથી વંચિત જૂથોને દમ લાગતો નથી. તેમને તો એમ જ લાગે છે કે સમાજના પ્રભાવશાળી વર્ગનાં બળકો તેમજ નેતાઓ અંગ્રેજી ભાષાથી ખાટી ગયા છે. આથી એક ધારણા બંધાઇ છે કે શરૂઆતના ધોરણોમાં જો અંગ્રેજી શીખવવામા આવે તો જ અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવી શકાય. બધા જ વિષયો અંગ્રેજીમાં ભણાવીને આગળ પડતી શાળાઓ (મોટાભાગની CBSE શાળાઓ‌‌‌)એ આ ધારણાને મજબૂત બનાવી છે. પરિણામે દેશમાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ- ખાસ કરીને જે રાજ્યનું સંચાલન કાંઇક અંશે નબળું છે એવા ઉત્તર ભારતના રાજ્યોમાં- વધવા લાગી.

    વર્ષો પહેલાની વાત છે કે દિલ્હીની એક કે‌ન્દ્રીય વિદ્યાલયનાં પહેલાં ધોરણનાં બાળકો અઠવાડિયાના સાત વારના નામ હિ‌ન્દીમાં બોલી શકતા ન હતા. આટલી નાની વયે બાળકોને માત્ર અંગ્રેજી જ આવડે એવી ઇચ્છા કોઇની પણ થોડી હોય?   પરંતુ સમાજના એક ચોક્કસ વલણે આ સ્થિતિ ઊભી કરી છે.

    CBSE દ્વારા માતૃભાષાની હિમાયત તેની મૌલિક વિચારણાની પેદાશ નથી. એણે તો નવી શિક્ષણ નીતિ સાથે સુસંગત રહેવા માટે જ લીધેલો નિર્ણય છે. એક રીતે તે માત્ર કર્મકાંડ જ છે. આમ છતાં આ નિર્ણય આવકાર્ય તો છે જ. જો કે તેનો અમલ કરવા માટે મોટી તૈયારી અને મહેનતની જરૂર તો પડવાની.

    એવો સવાલ તો થશે જ કે તો પછી અંગ્રેજી ભાષાનું શું કરવું? ચોક્કસ, અંગ્રેજી ભાષાનું જ્ઞાન આવશ્યક છે જ. એન્જિનિયરિંગ, મેડીકલના કે એ પ્રકારની વિદ્યાશાખામાં જ્યાં અંગ્રેજી ભાષામાં જ શીખવું પડે છે  ત્યાં  વિદ્યાર્થીઓને      અંગ્રેજી જાણવું જરૂરી છે જ ઉપરાંત સાહિત્ય સહિત કોઈપણ વિષયનો ઊંડો અભ્યાસ અંગ્રેજી વિના ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એ માટે પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમ હોવું જરૂરી નથી ઉલ્ટાનું બળકો અને વાલીઓ માટે એક મોટો બોજ બની રહે છે. એક ભાષા તરીકે અંગ્રેજીનું મહત્વ સ્વીકારીએ, પરંતુ ભાષાનું શિક્ષણ અન્ય વિષયો કરતા જરા અલગ છે. નાની વયનાં બાળકોને અપાતાં ભાષાશિક્ષણમાં સુધારો કરવો હોય તો પ્રચલિત માન્યતા અને પ્રાથમિકતાઓથી આગળ જઈને વિચારવું પડશે. બાળપણમાં ભાષા શીખવી એ બૌધિક વિકાસનું એક પાસું છે અને તેને માટે દૃષ્ટિવંત શિક્ષક અને કેટલાક વધારાના સંસાધનોની પણ જરૂર પડે છે. જે તે ભાષા શીખવા માટે એક પર્યાવરણ ઊભું કરવું પડે. સંગીત, નાટક અને અન્ય લલિત અભિવ્યક્તિના માધ્યમો પણ બાળકની ક્ષમતામાં વધારો કરે છે. આ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે બહુભાષી વર્ગખંડ જ યોગ્ય છે. પરંતુ આજની શિક્ષણ પ્રણાલી ભાષાને એક ઇતિહાસ, ભૂગોળ જેવા એક વિષય તરીકે જ માને છે એટલું જ નહિ એમ પણ માને છે કે બાળકોને પરીક્ષામાં સફળતા મળે એટલે ભયોભયો.

    પરીક્ષાલક્ષી આ વલણ તાજેતરમાં વધુ ને વધુ વણસતું જાય છે. માનો કે કોઈ શિક્ષક આ વલણને બાજુ પર મૂકીને યોગ્ય રીતે શિક્ષણ આપવાનો પ્રયાસ કરી કરે તો તે તેમ કરી શકે એમ પણ નથી. ખાનગી શાળાઓ અને શિક્ષણ પ્રણાલિકા પોતે પણ શિક્ષકને સ્વાયત રીતે કામ કરવા દે તેમ નથી. કેં‌‌ન્દ્રીય વિદ્યાલયોમાં તો દરેક અઠવાડિયામાં દરેક વિષયમાં દરેક ભાગને શીખવવા માટે દેશ આખામાં એકસરખું સમયપત્રક હોય છે. જો કે આ સમયપત્રકનું ચૂસ્ત રીતે પાલન કરી શકાતું નથી અને એ વ્યવહારમાં શકય પણ નથી. તો પણ આ પ્રથા શિક્ષકને અભ્યાસક્રમ અથવા પાઠયપુસ્તકના દરેક ભાગને અન્ય શિક્ષકોની ઝડપે જ પૂર્ણ કરવાની ફરજ પાડે છે. ખાનગી શાળાઓમાં પણ આ જ સ્થિતિ છે. આવી વ્યવસ્થામાં શિક્ષકોને પોતાની ગતિથી અભ્યાસક્રમના ધ્યેયો પૂરા કરવા માટે બહુ ઓછી મોકળાશ છે.

    ભાષા તરીકે અંગ્રેજી શીખવાને આવકારીને મૂળ વાત પર આવીએ તો માતૃભાષામાં શિક્ષણની એક પરિણામલક્ષી ઝૂંબેશ ઉપાડવાની તાતી જરૂરિયાત છે. આ ઝૂંબેશની સફળતામાં શિક્ષણનું અને સમાજનું હિત તો છે જ, ઉપરાંત બાળકોના માથેથી એક મોટો બોજ ઉતરતા બાળકોને બાળપણ માણવા મળશે. સૌથી મોટી વાત એ છે કે શિક્ષણને નામે વાલીઓનું શોષણ થતું અટકશે અને ખાસ કરીને મધ્યમ વર્ગનું અનુકરણ કરતા આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગને બહુ મોટી રાહત થશે.

    (આ લેખ માટે નેશનલ કાઉ‌ન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ   એ‌ન્ડ ટ્રે‌નિંગ-NCERT-ના ભૂતપૂર્વ ડાયરેક્ટર તથા ભાષા શિક્ષક -ખાસ કરીને બાળકોની ભાષાના- શ્રી‌ ક્રીષ્ન કુમારના ૨૮ જૂન ૨૦૨૫ ના ઈન્ડીયન એક્ષ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલા લેખનો આધાર લેવામાં આવ્યો છે. શ્રી ક્રિષ્ન કુમારનો पढ़नाजरा सोचना[1] નામનો શૈક્ષણિક લેખોનો એક સંગ્રહ પણ હિ‌ન્દી ભાષામાં પ્રકાશિત થયો છે.)


    [1] पढ़ना, जरा सोचना


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ‘સેલ્ફી’ આનંદ નહીં, પણ ઉત્તાપ કરાવે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    દરેક યુગની પોતાની આગવી સમસ્યાઓ હોય છે. માનવજાતની ઉત્ક્રાંતિ થઈ ગયા પછી માનવજીવનમાં સંસ્કૃતિનો આરંભ થયો ત્યાર પછી એ સતત વિકસતો રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની શોધ પછી તેનું જીવન સમૂળગું બદલાઈ ગયું છે, અને હજી એ સતત બદલાઈ રહ્યું છે. માનવપ્રકૃતિ એવી છે કે એક તરફ એકવિધતાથી એ કંટાળે, તો બીજી તરફ નવિન બાબતનો ઝટ સ્વીકાર કરતાં પણ ખચકાય. ટેક્નોલોજીના આગમન પછી, અને ખાસ તો ટેક્નોલોજીના પરિવર્તનની ઝડપ વધ્યા પછી અનેક ફણગા એમાંથી ફૂટે છે. એ સારાં કે નરસાં હોવાના પ્રમાણભાનની ખબર પડે એ પહેલાં તો ટેક્નોલોજી બદલાઈ જાય છે. ટેક્નોલોજી સાથે સંકળાયેલી આવી એક સમસ્યાનું નામ છે ‘સેલ્ફી’.

    મોબાઈલ ફોનના આગમનને પગલે તેમાં અનેકવિધ સુવિધાઓ અનિવાર્યપણે આવતી થઈ, જેમાં કેમેરા લગભગ આવશ્યક બની ગયો. આ કેમેરાનો લૅન્સ સરળતાથી આગળપાછળ ફરી શકતો હોવાથી સ્વછબિ ખેંચવી અત્યંત સુગમ બની ગઈ. ૨૦૦૨માં એક નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’ શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો. આ સુવિધા અને આ શબ્દ જાણે કે મોબાઈલ ફોન દ્વારા આવેલી ક્રાંતિ અને તેના ઉપયોગના અતિરેકના પ્રતિક સમો બની રહ્યો.

    કોઈ પણ નવી ટેક્નોલોજી આવે એટલે તેને ઝડપથી અપનાવી લેવા બાબતે યુવાઓને અવિવેકી ગણીને તેમની મજાક ઊડાવાય એમ બનતું આવ્યું છે, પણ ‘સેલ્ફી’ની ઘેલછાએ ઉંમરના બાધને પાછળ મૂકી દીધો છે. થોડા સમય અગાઉ થયેલા એક અભ્યાસમાં ‘સેલ્ફી’ લેવા જતાં થયેલા મૃતકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ હોવાનું જણાયું હતું. મૃત્યુના કારણ તરીકે ‘સેલ્ફી’ હોય એ વાત જ કેટલી વિચિત્ર કહેવાય! આમ છતાં, ‘સેલ્ફી’ લેવા માટે જાતભાતનાં દુ:સાહસ કરતા લોકોને જોયા પછી આમ થાય એની નવાઈ લાગતી નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘સેલ્ફી’ની ઘેલછાએ હવે એક નવું પરિમાણ ઊઘાડી આપ્યું છે, એ પણ એટલું જ વિચિત્ર છે. આપણા દેશનાં વિવિધ શહેરોમાં સૌંદર્યોપચારનાં કેન્‍દ્રો ધરાવનાર ‘ધ એસ્થેટિક્સ ક્લિનિક્સ’ દ્વારા એક અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં જણાયું કે ખાસ કરીને યુવાઓમાં વધતી જતી ‘સેલ્ફી’ની ઘેલછાને કારણે હવે ‘કોસ્મેટિક સર્જરી’ની માંગમાં ઊછાળો આવી રહ્યો છે. પોતાના દેખાવને બહેતર બનાવવા માટેની શસ્ત્રક્રિયા એટલે ‘કોસ્મેટિક સર્જરી’. ‘જર્નલ ઑફ કોસ્મેટિક ડર્મેટોલોજિ’માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં પાંચ હજાર લોકોને સામેલ કરાયા હતા. એમાં જણાયું કે સતત ‘સેલ્ફી’ લઈને, તેને ‘એડિટ’ કરીને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર મૂકવાની લતને કારણે યુવાઓ પોતાની શકલસૂરત સુધ્ધાં બદલાવવા લાગ્યા છે. અલબત્ત, આ હજી આરંભિક અહેવાલ છે, છતાં મૂળ વાત છે વધી રહેલી ‘કોસ્મેટિક સર્જરી’ની સંખ્યા અને તેની પાછળનું કારણ.

    સાજશણગાર એક વાત છે, અને કોસ્મેટિક સર્જરી બીજી વાત છે. અગાઉ ૨૦૧૯માં ‘ધ એસ્થેટિક્સ ક્લિનિક્સ’ દ્વારા દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદના ત્રણ હજાર યુવાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં જણાયેલું કે ‘સેલ્ફી’ લઈને એને પોસ્ટ કરવાની વૃત્તિને કારણે ‘સોશ્યલ એન્‍ક્ઝાયટી’ એટલે કે સામાજિક વ્યગ્રતામાં દેખીતો વધારો થાય છે. પરિણામે યુવાઓના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. અભ્યાસમાં એમ પણ જણાયું કે ‘કોસ્મેટિક સર્જરી’ની ઈચ્છા ખાસ કરીને યુવતીઓમાં વધુ જોવા મળે છે. અભ્યાસમાં વધુમાં જાણવા મળ્યું કે ‘એડિટ’ કર્યા વિના મૂકાયેલી ‘સેલ્ફી’ તરત ચિંતામાં વધારો કરે છે, પણ ‘એડિટેડ’ સેલ્ફીઓ આત્મવિશ્વાસ અને આકર્ષણ બન્નેમાં ઘટાડો કરે છે.

    એ પછીના આ નવિનતમ અભ્યાસ હાથ ધરનાર સંશોધકના જણાવ્યા અનુસાર આજકાલ અનેક યુવાઓ પોતાની ‘એડિટ’ કરેલી ‘સેલ્ફી’ લઈને આવે છે, અને જણાવે છે કે પોતે એકદમ એના જેવા જ દેખાવા ઈચ્છે છે. પહેલાં આવા કિસ્સા એકલદોકલ અને અપવાદરૂપ હોવાનું લાગ્યું, પણ આ અભ્યાસ થકી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવા કિસ્સા છૂટાછવાયા નહીં, પણ એક ગંભીર પ્રવૃત્તિ બની ચૂક્યા છે. ‘સેલ્ફી’ની લત અસલી છે, અને યુવાઓને એ સર્જરી તરફ ધકેલી રહી છે. એટલે કે આ કેવળ ‘કોસ્મેટિક’ એટલે કે સૌંદર્ય પૂરતો મામલો નથી, પણ માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા છે.

    વિશેષજ્ઞોએ આ બાબતને કેવળ પરિવર્તન નહીં, પણ એક ગંભીર પડકાર ગણાવ્યો છે. કેવળ શારિરીક જોખમની વાત આમાં નથી, પણ ‘સેલ્ફી’ જે રીતે યુવાઓની ઓળખ, માનસિક સ્વાસ્થ્ય અને સૌંદર્યની સમજણને બદલી રહી છે એ ચિંતાજનક બાબત છે. આ પડકારને પહોંચી વળવા માટે કેટલાંક સૂચનો કરાયાં છે. જેમ કે, શાળા અને કોલેજના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે, યુવાઓને ડીજીટલ તસવીરો અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક સમજાવવામાં આવે, ડૉક્ટરો અને ક્લિનિક દરદીઓની મનોવૈજ્ઞાનિક સ્થિતિને સમજે એ પછી જ કોસ્મેટિક સર્જરી માટે સંમતિ આપે વગેરે…

    પોતાનો દેખાવ બહેતર કરવા માટે ‘કોસ્મેટિક સર્જરી’ કરવાનો મામલો તદ્દન વ્યક્તિગત છે, અને જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે. આમ છતાં, આના મૂળમાં ‘સેલ્ફી’ની ઘેલછા હોય એ જરા વિચિત્ર લાગે એવું છે. ‘સેલ્ફીસંસ્કૃતિ’એ કદાચ યુવાઓને નવી ઓળખ આપી હશે, પણ તેનાં દુષ્પરિણામ આ રીતે સામે આવે એ ગંભીર બાબત છે. કેવળ ‘સંપૂર્ણ સેલ્ફી’ ખેંચવાની લ્હાયમાં યુવાઓ પોતાની વાસ્તવિક સુંદરતા તેમજ આત્મવિશ્વાસ ગુમાવી બેસે એ કેવું વિચિત્ર કહેવાય! સામે પક્ષે ‘કોસ્મેટિક સર્જરી’ કરનાર પણ પોતાની જવાબદારી સમજે અને એમ કરાવનારના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ ઈચ્છનીય છે. હજી તો આ સમસ્યાની માંડ ઓળખ થઈ છે. પણ જે રીતે એ વકરી રહી છે એ જોતાં તેને અવગણવામાં આવશે તો એ વધુ ખરાબ પરિણામ લાવશે એ નક્કી છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧-૯– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડૉ. જયંત બી. મહેતા [૩]

    ગયા અંકમાં આપણે ડૉ જયંત મહેતાનઈ કિશોરાવસ્થા અને કૉલેજ કાળની યાદો સાથે પરિચય કર્યો.

    હવે આગળ…


    લગ્નના બજારમાં:

    ૧૯૬૫ના અરસામાં ડાકોરનો સમાજ રૂઢિચુસ્ત હતો. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજમાં દીકરા-દીકરીનાં લગ્ન બ્રાહ્મણ પરિવારમાં જ થતાં અને બૃહદ અંશે વડીલોની ઇચ્છા મુજબ થતાં. વર્ણ વ્યવસ્થા ઉપરાંત પેટા જાતિ પણ પ્રચલિત હતી. એટલે ત્રિવેદી બ્રાહ્મણોમાં પણ ‘તડ’ પેટા જાતિ હતી. મારા વડીલ બંધુનો વિવાહ તેમની સંમતિ વિના જ થયો હતો. મારા લગ્ન અંગે મારે બે-ત્રણ ઉમેદવારમાંથી એક નક્કી કરીને પિતાજીને જાણ કરવી એવું નક્કી થયેલું. પરંતુ ભાવી જીવનસાથીને મળવા જતાં ગામમાં અફવા ફેલાતી કે ફલાણાનો વિવાહ નક્કી થયો છે. મારો મિત્ર હરીશ, આ પરિસ્થિતિને કુંભારના ‘માટલાં બજાર’ સાથે સરખાવતો. “મોટાભાગના માટલાં તો ટકોરા મારવા જતાં જ તરડાઈ જાય છે!” આ વિધાનનો મને કરુણ અનુભવ થયો. જ્યારે કોઈ કન્યા માટે વિવાહનું માગું આવે અને અફવા ઊડે, ત્યારે એ છોકરીની પ્રતિષ્ઠા જાળવવા હું યથાશક્તિ પ્રયત્ન કરતો. મારા માતા-પિતાના મગજમાં આ વિશે ગેરસમજ થતી. ‘હું ફલાણી છોકરીનો બચાવ કરું છું. એનો અર્થ, કે મને એ કન્યા સાથે વિવાહ મંજૂર છે.’ તેવું તેઓ માની લેતા. મારે ચોખવટ કરવી પડતી. સામાજિક દબાણ હેઠળ મારા પિતાશ્રીનો એવો આગ્રહ કે મારે બનતી ત્વરાએ વિવાહ માટે કોઈ છોકરી પસંદ કરી લેવી. જ્ઞાતિ બહારની કોઈ છોકરી સાથે સગાઈ અને તે પછી લગ્ન થાય તેવી શક્યતા માટે એમણે મને કોઈ અવકાશ આપ્યો જ નહીં. લગ્ન તો જ્ઞાતિમાં અને તે પણ પેટા જ્ઞાતિ (તડ) મુજબ થવા જોઈએ તેવો તેમનો આગ્રહ. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણનો છોકરો, નાગર બ્રાહ્મણ કે તપોધન બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન કરી શકે નહીં તેવો ચુસ્ત નિયમ! આવા સંજોગોમાં મારે માટે નિર્ણય લેવાનું શક્ય ન હતું.

    એક દિવસ મારી હોસ્ટેલમાં હું વાંચનમાં મગ્ન હતો, ત્યારે બારણે ટકોરા પડ્યા. હોસ્ટેલનો પટાવાળો સંદેશો લાવ્યો કે ડૉક્ટર સી. જે. શાહ સાહેબ (રેક્ટર) મને મળવા માંગે છે. એમનું રહેઠાણ અમારી હોસ્ટેલના ત્રીજા માળે હતું. સાહેબે મને કેમ બોલાવ્યો તે મને સમજાયું નહીં. મારી કંઈક ભૂલ થઈ હશે? મને વિચાર આવ્યો. હું રાત્રે મોડે સુધી વાંચતો, એટલે બીજા કોઈ વિદ્યાર્થીએ ફરિયાદ કરી હશે? આવા બધા વિચારો સાથે હું શાહ સાહેબના રહેઠાણે પહોંચ્યો. શાહ સાહેબે મને અંદર બોલાવીને પેંડા ભરેલી વાડકી આપીને કહ્યું, “જયંત, આ પેંડા તારે માટે છે. અભિનંદન!” મને ખૂબ નવાઈ લાગી. “શેના પેંડા છે?” મેં નમ્રતાથી પૂછ્યું. “હું ડાકોર દ્વારકાધીશનાં દર્શનાર્થે ગયો હતો. ત્યાં મંદિરમાં જ તારા પિતાશ્રી મળ્યા. એમણે સંદેશો કહેવડાવ્યો છે કે તારા વિવાહ થઈ ગયા છે. છોકરીનું નામ છે મીનાક્ષી.” (શાહ સાહેબે આ સગાઈના શુભ સમાચાર રૂપે પેંડા ખરીદ્યા અને મને ભેટ ધર્યા.) મારે માટે આ સમાચાર આનંદ કરતાં આઘાતના વિશેષ હતા. હું મીનાક્ષીને ઓળખતો હતો અને જીવનસાથી માટે મેં એની પસંદગીનો વિચાર કર્યો પણ હતો. પરંતુ હું નિર્ણય લઉં તે પહેલાં જ મારી સગાઈ થઈ ગઈ! આ સંબંધ જે રીતે નક્કી થયો અને મારી સમક્ષ આ બાબતનો સંદેશો જે રીતે પ્રસ્તુત થયો, તેની માઠી અસર મારા અને મીનાક્ષીના ભાવિ ઉપર પડી. અમે પરણી ગયાં, પરંતુ ટકોરા મારતાં પહેલાં જ માટલામાં તિરાડ પડી ગઈ. સંબંધોની મીઠાશ પુનઃ કેળવતાં ઘણો સમય લાગ્યો. મારા ઘરનાં સર્વે સ્નેહીજનો એવું માને છે કે મારું લગ્ન એક પ્રેમલગ્ન છે! આ ઘટનાનું રહસ્યમય સત્ય માત્ર હું જ જાણું છું.

    ઇસ્ટ આફ્રિકા

    ભારતથી અમેરિકા આવવા તબીબોએ ECFMG નામની પરીક્ષા પાસ કરવાની હોય છે. આ માટેનાં પરીક્ષા કેન્દ્ર પહેલાં ભારતમાં જ હતાં. પરંતુ સરકારે બંધ કરાવ્યાં, એટલે પરદેશમાં જઈને પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ હતી. મેં નૈરોબી કેન્દ્ર ભર્યું. અનિલ અને દિલીપ નામના બે મિત્રોની સહાયથી નૈરોબી (કેન્યા) જવાની વ્યવસ્થા થઈ ગઈ. પરંતુ ત્યાં જવામાં અને ત્યાં પહોંચ્યા પછી અનેક મુશ્કેલીઓ પડી. પૈસાનો અભાવ, ત્યાં રહેવાની વ્યવસ્થાની કેટલીક અગવડ. એટલે મેં નોકરીની તપાસ શરૂ કરી. નૈરોબીમાં હું હરિવદન પટેલને ઘેર રહેતો હતો. આગાખાન હૉસ્પિટલ​માં મને નોકરી તો મળી, પરંતુ હૉસ્પિટલે એક લાખ​ શિલિંગ​ની બાંહેધરી માગી. ડૉક્ટર​ વર્ષ પૂરું કર્યા વિના રાજીનામું આપે, તો હૉસ્પિટલ​ના સ્ટાફને વિશેષ મુશ્કેલી પડે. એટલે એમણે આવો નિયમ બનાવ્યો. ‘નોકરી મળી છે’ તેવો પત્ર (Job offer) લઈને હું હરિવદનભાઈને ઘેર આવ્યો, ત્યારે મારા ચહેરા ઉપર હર્ષ​-શોક મિશ્રિત લાગણી જોઈને તેમણે પ્રશ્ન કર્યો, “જયંત​ભાઈ, શું મુશ્કેલી છે?” મેં એક લાખ શિલિંગની બાંહેધરી (Bank certified Bond or Deposit) ની વાત કરી. હરિવદનભાઈ સાથેનો સંબંધ નવો હતો અને એ મારા કુટુંબી પણ​ ન હતા. છતાં વિના સંકોચે એમણે એક લાખ શિલિંગની બાંહેધરી આપવાનું સ્વીકાર્યું. “તમે ગભરાશો નહીં. હું એક લાખ શિલિંગ બેંકમાં જમા કરાવીશ​ અને હૉસ્પિટલ​ને બાંહેધરી આપીશ.” આ પ્રસંગ અહીં એટલા માટે રજૂ કરું છું કે એમની માનવતા અને નિ:સ્વાર્થ ભાવે મને મદદ કરવાની ભાવના મને સ્પર્શી ગયાં. મેં નૈરોબીમાં નોકરી લેવાને બદલે જિન્જા (Jinja, Uganda)માં નોકરી શોધી કાઢી. કારણ કે એમની સજ્જનતાનો ઉપયોગ કરવાનું મને વાજબી લાગ્યું નહીં.

    જિન્જામાં નોકરી શરૂ કર્યા પછી બીજો અસાધારણ પ્રસંગ બન્યો. મીલ્ટન​ ઓબોટેની ગેરહાજરીમાં ઈદી અમીને લશ્કરી બળવો કર્યો અને યુગાન્ડાની સત્તા પોતાને હસ્તક કરી. તે દિવસે હું હૉસ્પિટલ​માં નાઇટ​ ડ્યૂટી કરી રહ્યો હતો. સાંજે છ વાગ્યાનો સમય હતો. હું એક દર્દીને તપાસી રહ્યો હતો. વૉર્ડ​માં લગભગ ૨૦ જેટલા ખાટલા હતા. બધામાં દર્દીઓ હતા. ત્યાં હૉસ્પિટલ​ના બધા ખાટલા ભરેલા જ રહેતા. અચાનક બંદૂક ફૂટ​વાના અવાજ આવ્યા. થોડી ક્ષણો પછી આઠ-દસ સૈનિકોની ટુકડી ‘લેફ્ટ-રાઇટ’ કરતી મારા વૉર્ડમાં આવી. બધા સૈનિકો પાસે બંદૂક હતી. એના વડા ઑફિસરે એની લાન્ગો ભાષામાં એક દર્દીની પૂછતાછ વિશે મને પ્રશ્નો પૂછવા માંડ્યા. મને એની ભાષા સમજાઈ નહીં અને આ ઑફિસર​ ઉતાવળમાં હોય તેવું લાગ્યું. મારા સદભાગ્યે મારી બાજુમાં એક આફ્રિકન નર્સ​ ઊભી હતી. એણે મને જવાબો આપવામાં મદદ કરી. લશ્કરી ઑફિસરે​ બેડ નંબર અને દર્દીનું નામ શોધીને જે દર્દીની તપાસ માટે આવ્યા હતા, તે તરફ પ્રયાણ કર્યું. એ દર્દી ચાદર ઓઢીને ચહેરો સંતાડી સૂતો હતો. અફસરે એની ચાદર ખેંચી કાઢી. બીજા એક સૈનિકને પૂછીને ખાતરી કરી કે આ કહેવાતો દર્દી એ જ વ્યક્તિ છે, જેની શોધમાં તેઓ અહીં આવ્યા હતા. બંદૂકની બે ગોળીઓ ફૂટી. મોટો ધડાકો થયો. મારા વૉર્ડ​માં જ, મારી અને નર્સની હાજરીમાં જ સૈનિકોએ આ વ્યક્તિને હૉસ્પિટલ​ના વૉર્ડ​માં જ ગોળીથી ઠાર કર્યો. પછી જાણે ‘કશું બન્યું જ નથી’ તેમ વર્તીને ‘લેફ્ટ-રાઇટ’ કરતાં વૉર્ડ​ની બહાર નીકળી ગયા. હું, નર્સ અને બીજા દર્દીઓ આ બનાવ જોઈને હબકી ગયાં. લશ્કરી ઑફિસર​ને, દર્દીને બહાર લઈ જવાની કે ન્યાયાધીશની પરવાનગી માગવાની કોઈ જરૂર ન લાગી. દયા, કાયદો, માનવતા બધું ઊડી ગયું. તે દિવસ પછી યુગાન્ડાની સુંદર નોકરી છોડીને અમેરિકા આવવાની તૈયારી શરૂ કરી. જાન્યુઆરી ૧૯૭૨માં હું અમેરિકા આવ્યો.

    ભગવાનની કૃપા એટલી કે અમેરિકા આવવાની પરીક્ષા ( ECFMG) હું સમયસર પાસ કરી ચૂક્યો હતો. તેથી ઈદી અમીને લશ્કરી બળવો કર્યો, તે દિવસથી જ મને શંકા હતી કે ભારતીય વંશજ પ્રજા માટે યુગાન્ડામાં પ્રશ્નો ઊભા થશે. મોટી સંખ્યામાં ભારતીય વંશજ પ્રજાને હિજરત કરીને ભારત, ઇંગ્લેન્ડ કે કેનેડા જવું પડ્યું. મોંઘા ઘર યુગાન્ડામાં જ મૂકી દઈ, સાથે થોડું સોનું-ચાંદી લઈને જે ભારત પહોંચ્યાં, તેમને ઍરપૉર્ટ​ ઉપર ખૂબ જ મુશ્કેલી પડી તેવું મેં અમેરિકા આવ્યા પછી જાણ્યું. ભારત સરકારે, યુગાન્ડાથી રાતોરાત છૂટી નીકળેલી પ્રજાને સહાયતા કરવાને બદલે, કસ્ટમના અધિકારીઓએ આ પ્રજાને હેરાન કરવાનું શરૂ કર્યું! કેનેડાની સરકારે આ હિજરત કરીને આવેલી પ્રજાને આવકાર આપ્યો અને સહાયતા કરી! આ બધી ઘટનાઓ બની તેના પ્રારંભમાં જ હું અમેરિકા આવી ગયો. પરંતુ મારે માટે પ્રશ્નોની હારમાળા હતી જ. જિન્જા ઉતાવળમાં છોડ્યું, એટલે ગરમ કપડાં કે ઠંડીમાં અનુકૂળ પડે તેવા સાધનો ન હતાં. જાન્યુઆરીની ચોથી તારીખે આવ્યો, ત્યારે શિકાગોમાં ચાર ઇંચ બરફ હતો. સફેદ ચાદર દૂરથી તો સુંદર લાગે, પણ હાથમાં બેગ લઈને ચાલવાનું ખૂબ મુશ્કેલ હતું. મીના સગર્ભા હતી. એટલે એને સાચવવાનું પણ મુશ્કેલ હતું. પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. વિલ્સન​ ઍરપૉર્ટ​ ઉપર આવ્યા હતા. પરંતુ અન્યોન્યને શોધી કાઢતાં ખૂબ મુશ્કેલી પડી. છેવટે અમે હૉસ્પિટલ​ પહોંચ્યાં. જ્યાં રહેવા માટે એક રૂમની વ્યવસ્થા હતી. મીનાને ઊબકા-ઊલટી જેવી ફરિયાદ હતી અને શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ. પહેલા સાત-આઠ દિવસ તો એણે દૂધ અને ફળ-ફળાદિથી જ​ ચલાવી લીધું. શિખાઉ ડૉક્ટર માટે નવા વાતાવરણમાં ગોઠવાઈ જવાનું ખૂબ​ કપરું થઈ પડ્યું. જિન્જા હૉસ્પિટલ​માં તો હું મેડિકલ ઑફિસર​ હતો અને શિકાગોની હૉસ્પિટલ​માં તો કેવળ શિખાઉ (intern) ડૉક્ટર!

    શિખાઉ ડૉક્ટરનો પગાર નજીવો અને અઠવાડિયામાં ૬૦-૭૦ કલાકનું કામ! ભારતમાં મિત્રો પાસેથી રૂપિયા અને યુગાન્ડામાંથી ઉછીના લીધેલા શિલિંગ​! માનસિક બોજો પણ હતો જ. નવી સંસ્કૃતિ, નવી રીતભાત! સાતેક મહિના પછી મીનાની પ્રસૂતિનો દિવસ આવ્યો, ત્યારે night call duty પણ મારી જ હતી. એટલે એની સારવારમાં મેં મદદ કરી. અમારાં જીવનમાં પ્રથમ બાળક- દીકરીનો જન્મ થયો! હું અને મીના એટલા બધા થાકી ગયેલાં કે હેતલના આગમનની ઉજવણી કરવાનો ઉમંગ પણ શેષ​ રહ્યો ન હતો. બે-ત્રણ અઠવાડિયા પછી હૉસ્પિટલ​નું બિલ આવ્યું ૩૫૦૦ ડૉલર​​ અને ડૉક્ટરનું બિલ ૩૦૦ ડૉલર​​. ૧૯૭૨ની સાલમાં આ રકમ અમારે માટે બહુ મોટી હતી. હેલ્થ ઇન્સ્યૉરન્સ​ હતો. પણ પ્રેગનન્સી મેં નોકરી શરૂ કરી, તે પહેલાં હતી. એટલે હેલ્થ ઇન્સ્યૉરન્સે ખર્ચો આપવાની મનાઈ કરી. મારી પત્નીની સારવાર મેં કરી હતી, પણ હૉસ્પિટલે​ ડૉક્ટરની સારવારનું બિલ પણ મને જ મોકલ્યું! અગાઉનું દેવું, અણધાર્યો ખર્ચો અને ગાડી ખરીદવાના નાણાંનો અભાવ! આટલી તકલીફ ઓછી હોય તેમ જાણવા મળ્યું કે અમારો પ્રોગ્રામ AMA દ્વારા મંજૂર થયો નહીં. એટલે ઇન્ટર્નશિપ​નું વર્ષ રિપીટ​ કરવું પડ્યું. આ માટે નવી નોકરી છોડીને શિકાગોથી ન્યૂયોર્ક નવી ઇન્ટર્નશિપ​ શરૂ કરવી પડી. મીના અને મારા લગ્નજીવનમાં એક બાળક અને નવો દેશ, નવો વેશ! મીનાને ભરતગૂંથણ અને નવી નવી વાનગી બનાવવાનો શોખ. મારે દિવસના દસ કલાક કામ કરવાનું અને વચ્ચે સમય મળે તો ગુજરાતી અથવા અંગ્રેજી કવિતા વાંચીને મારો માનસિક ત્રાસ હળવો કરવાનો! રથનાં બે પૈડાં સરખાં ન હોય તો કૃષ્ણ ભગવાનને પણ સારથિ થવાનું મુશ્કેલ થઈ જાય. અમે તો સામાન્ય માનવી! આ પ્રારંભની સમસ્યાસભર​ ગાથાઓનું વિગતે વર્ણન કરું તો આખું પુસ્તક લખી શકાય! દર ત્રીજે દિવસે Night duty આવે. જેમાં આખી રાત દર્દીઓની સારવારમાં અથવા પેઇજ​રના જવાબો આપવામાં નિદ્રાદેવી દુર્લભ બની જાય. મીના આદર્શ ગૃહિણી છે; પરંતુ ગુજરાતીમાં M.A.કર્યું હોવા છતાં એને ગુજરાતી સાહિત્યમાં  રુચિ નથી. અહીં આવીને તેણે નર્સિંગનો અભ્યાસ શરૂ કર્યો.

    ૧૯૭૫-૭૬ માં તાલીમ પૂરી કર્યા પછી ફેફસાંના રોગના નિષ્ણાત તરીકે પ્રાઇવેટ પ્રૅક્ટિસ​ પ્રારંભ કરવાની અનેક તકો હતી. પરંતુ મારી બાની ટી.બી.ની બીમારી જોયા પછી મેં ટી.બી. ના નિષ્ણાત પણ થવું તેવો નિર્ણય કરેલો. એટલે એક વર્ષની વિશેષ તાલીમમાં ટી.બી. વિષય સાથે રિસર્ચ​ ફેલોશિપ​ કરી અને નોંધપાત્ર વૈજ્ઞાનિક પરિપત્રો પ્રગટ કર્યાં. આ બધું પતાવીને ૧૯૭૭ માં હું જ્હોનસન​ સિટી આવ્યો. આ ગામમાં ટી.બી.નું પ્રમાણ ખૂબ વધારે હતું. અહીં મારા અનુભવ અને ઉત્સાહની ખૂબ જરૂર હતી. વ્યવસાય માટે ઘણી બધી ઑફર​ હતી. પણ મેં સ્વેચ્છાએ ઓછા પગારવાળા આ ગ્રામીણ વિસ્તારમાં નોકરી સ્વીકારી. ૪૫ વર્ષના સમયમાં અહીં મને ઘણા બધા અનુભવો થયા. મેડિકલ​ પ્રૅક્ટિસ​, કૉલેજ​માં પ્રાધ્યાપક અને મેં નવેસરથી શરૂ કરેલો ટી.બી. પ્રોગ્રામ! આ ગામમાં પણ મુશ્કેલીઓની અછત ન હતી. પરંતુ અહીં મને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી. લગભગ ૯૫ જેટલા વૈજ્ઞાનિક સંશોધનપત્રો, પરિપત્રો પ્રગટ કર્યાં. આશરે ૧૫ જેટલા ઍવૉર્ડ​​ મળ્યા. સારા અધ્યાપક તરીકે મેડિકલના વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો. પરંતુ મારી સફળતાની વાતો અહીં પ્રસ્તુત કરવામાં મને રસ નથી. ત્રણ-ચાર પ્રસંગો, જે મારા સ્મૃતિપટ ઉપરથી ભુંસાતા નથી, તે અત્રે પ્રસ્તુત કરીશ.

    ૧૯૭૭ ની સાલમાં જ્હોનસન સિટી આવ્યાં, ત્યારે આ વિસ્તારમાં ભારતીય કુટુંબોની સંખ્યા નહિવત્ હતી. મીના શોપિંગ માટે મોલમાં ભારતીય પોશાક પહેરીને જાય, તો લોકો તાકી તાકીને જોયા કરતા. J.C.Press ના ખબરપત્રીએ તો ઇન્ટરવ્યૂ લીધો, ફોટા લીધા અને અખબારમાં આ બધું છપાયું પણ ખરું! મારી દીકરીએ સ્કૂલમાં એવું કહેલું કે “અમે ઇન્ડિયન છીએ.” એટલે શિક્ષકોએ એવું ધાર્યું કે અમે ચ​રોકી-અમેરિકન ઇન્ડિયન છીએ. સ્કૂલના એક કાર્યક્રમમાં અમે રેઇન​ ડાન્સ (Rain dance) કરીશું તેવી તેમની અપેક્ષા હતી. તાજમહેલની નાની આકૃતિ અને મહાત્મા ગાંધીના ફોટા જોઈને શિક્ષકોને નવાઈ લાગી. ‘સત્યના પ્રયોગો’ ની અંગ્રેજી નકલ મેં શિક્ષકને ભેટમાં આપી. બે વર્ષ પછી આ ગામમાં અમે એક નવું મકાન શોધ્યું. મિ. ટેઇલર​​ એના બિલ્ડર હતા. ગામના ભદ્ર વિસ્તારમાં આ ઘર હતું, એટલે મિ. ટેઇલર​ મને વેચવા માટે આનાકાની કરતા હતા. એમને ચિંતા હતી કે આજુબાજુના ધોળા અમેરિકનને આ નહીં ગમે. મારા પાર્ટનર ડૉ. જોસેફ​ ફેરો પણ આ વિસ્તારમાં જ રહેતા હતા. એટલે મેં ફેરો દ્વારા બિલ્ડર સાથે વાર્તાલાપ ગોઠવ્યો. પછી હું મકાન ખરીદી શક્યો. રંગભેદની નીતિની પાતળી રેખાઓમાં કેટલાક શબ્દો ઉકેલવા ખૂબ અઘરા છે. ઘર નક્કી કર્યા પછી પણ જે થોડું ઘણું બાંધકામ બાકી હતું, તે પૂરું કરતાં મિ.ટેઇલર​ને બહુ વાર લાગી. મેં પૂછ્યું,

    “મિ.ટેઇલર​, આ મકાનનું બાંધકામ બહુ ધીમું ચાલે છે. આમ કેમ?”

    “તમારી લોન માટે તમે અરજી નથી કરી એવું બેંક મેનેજરે મને કહ્યું અને આ ગામમાં લોન મંજૂર થતાં મહિનો લાગશે!” બિલ્ડરે જવાબ આપ્યો.

    બીજે દિવસે સવારે હું બેંકમાં ગયો અને મેનેજર સાથે વાતચીત કરી. બે-ત્રણ દિવસમાં બેંક મેનેજર અને મિ. ટેઇલર વચ્ચે શું વાર્તાલાપ થયો તે મને ખબર નથી, પરંતુ સાત-આઠ દિવસમાં બાકીના બાંધકામનું કામ પૂરું થઈ ગયું અને આઠમે દિવસે અમે અમારાં નવા મકાનમાં ગૃહપ્રવેશ કરી શક્યાં.

    ટેનેસી રાજ્યના નાના ગામના આવા અનુભવોની ગાથા પણ લાંબી છે. એક દિવસ મારી દીકરી શાળામાંથી ઘેર આવી, ત્યારે મેં એની આંખોમાં આંસુ જોયાં. મેં એને પૂછ્યું કે, “કેમ બેટા, શું થયું?” એણે વિગતવાર મને સમજાવ્યું કે, “આપણે રવિવારે ચર્ચમાં નથી જતાં, તે જાણીને બધા શિક્ષકો મારાથી નારાજ છે. એક શિક્ષકે તો મને કહ્યું કે જો હું જીસસ ક્રાઇસ્ટને નહીં સ્વીકારું, તો રૌરવ નરકમાં જઈશ. હું હવે ગભરાઈ ગઈ છું, એટલે આ બાઇબલ વાંચું છું.” મારા ઘરમાં પૂજાઘર હતું. ત્યાં બેસીને મેં મારી દીકરી સાથે પ્રાર્થના કરી અને બીજે દિવસે J.C.Pressના તંત્રીને ફોન દ્વારા બધી વાત સમજાવી. મારા સદભાગ્યે તંત્રીશ્રીના માતુશ્રી મારા દર્દી હતાં. તંત્રીએ એક સ્ટાફ​ મેમ્બરને મારે ઘેર મોકલી. એણે ઘરમાં રાખેલા પૂજાઘરના ફોટા લીધા. મેં ભગવત્ ગીતાના બે ત્રણ શ્લોકો સમજાવ્યા અને સનાતન ધર્મની વાત ટૂંકાણ​માં રજૂ કરી. J.C.Pressની રવિવારની પૂર્તિમાં આ વાત છપાઈ, એટલે મેં મારી દીકરીના શિક્ષકને નકલ મોકલી. તે પછીના દિવસોમાં હું શાળાના પ્રિન્સિપાલ​ સાહેબને મળ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે એ મારી ફરિયાદને સમજી શક્યા. એમણે મને શાળાના શિક્ષકોની મિટિંગમાં હિંદુ ધર્મ વિશે પ્રવચન આપવા બોલાવ્યો, ત્યારે કેટલાક શિક્ષકોના ચહેરા ઉપરનો રંજ હું જોઈ શક્યો. આ બધા પ્રસંગો પછી પણ રવિવારે સાંજે યહોવા વીટનેસ ચર્ચના ઉત્સાહી યુવાનો, બાઇબલની નકલ આપવા મારે ઘેર વારંવાર આવતા. આજે પણ મારા ખ્રિસ્તી મિત્રો, વારંવાર મને ધર્માંતરની સલાહ આપે છે.


    ક્રમશઃ

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૩

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    ઓણ ચોમાસું કેવું ?

    પરેશ ૨. વૈદ્ય

    ચોમાસા પર અસર કરતી ઘટનાઓ અને વાતાવરણનાં અવલોકનોની સામગ્રીથી સજ્જ થઈને ચાલો આપણે પાછાં આગાહીના પ્રદેશમાં આવીએ.

    વિજ્ઞાન આધારિત આગાહીના સમયગાળાની દૃષ્ટિએ ત્રણ પ્રકાર છે.

    .      ટૂંકાગાળાની આગાહી : એ અત્યારથી માંડી ત્રણ દિવસ સુધીની ઘટનાઓ માટે હોય.

    .      મધ્યમગાળાની આગાહી : ત્રણ દિવસથી શરૂ કરી દશ (કે પંદર) દિવસ સુધીના ગાળાનો વરતારો આપે.

    .      લાંબાગાળાની આગાહી : તેમાં ૧૫ દિવસથી આગળ અમુક મહિના પછીની ઘટનાની અટકળ હોય, પરંતુ વ્યવહારમાં એ આવનારી ઋતુ બાબત જ હોય છે. ભારતના સંદર્ભમાં તેણે બે પ્રશ્નોના ઉત્તર દેવાના હોય છે. એક કે ચોમાસું કેવું રહેશે અને બીજું કે એ ક્યારે બેસશે?

    ભારતીય હવામાન ખાતું પહેલા પ્રશ્નનો ઉત્તર દર વરસે એપ્રિલ મહિનાનાં ત્રીજા સપ્તાહમાં આપે છે. ચોમાસું બેસવાની તારીખના પ્રશ્નનો ઉત્તર લાંબાગાળાની આગાહીની ટેકનીકથી નથી આપી શકાતો. એ મધ્યમગાળાનો પ્રશ્ન છે એટલે કેરળમાં ચોમાસું બેસવાની તારીખથી બે સપ્તાહ અગાઉ તેનો અંદાજ આપવામાં આવે છે. ત્રણેય સમયગાળાની આગાહીઓ માટે જુદી જુદી રીત કામ લાગે છે.

    આગાહીની પદ્ધતિઓ :

    હવામાન શાસ્ત્રીઓ પાસે મુખ્યત્વે ત્રણ રીતો છે.

    અનુભવના આધારે : વૈયક્તિક અંદાજથી

    આંકડાકીય પદ્ધતિ :Numerical forecast

    સંખ્યાશાસ્ત્રને આધારે :Statistical forecasting

    વાંચકોને જાણીને ખુશી થશે કે, વ્યક્તિગત અનુભવના આધારે આગાહી કરવાનું તદ્દન લુપ્ત નથી થઈ ગયું. આજે પણ ટૂંકાગાળાના જે વરતારા સાંભળીએ છીએ તે હવામાનશાસ્ત્રી પોતાના અનુભવ અને અંદાજ પ્રમાણે જ આપેલા હોય છે. પરંતુ એ અંદાજ એવો નહીં સમજવો કે ‘ચકલી ધૂળમાં નહાય છે એટલે કાલે વરસાદ પડશે.’ એના પાસે જે હકીકતો, અવલોકનો અને આંકડા આવે તેમાં એ પોતાનું હવામાન બાબતનું જ્ઞાન અને અનુભવ ઉમેરે છે અને તેમ અંદાજ કરે છે.

    આંકડા આધારિત પદ્ધતિ એ આધુનિક રીત છે અને કમ્પ્યુટરો આવ્યા બાદ તેનો ઉપયોગ વ્યવહારિક બન્યો છે. પ્રકરણ ૧૧માં રિચાર્ડસનની વાત વાંચી. તેણે આ પદ્ધતિ વાપરી હતી પરંતુ તેમાં એક ખોટ હતી કમ્પ્યુટર જેટલી ઝડપી ગણતરીનો અભાવ. એટલે એ ચાલી નહીં. ‘ન્યૂમરિકલ’ આગાહીની આ રીતમાં વાતાવરણના ફેરફારોને વૈજ્ઞાનિક સિદ્ધાંતોની મદદથી સમજવાની કોશિશ કરવામાં આવે છે. પછી તેને ગણિતીક સૂત્રો કે સમીકરણોનાં રૃપમાં મૂકવામાં આવે છે. હાઈસ્કૂલમાં કૂટપ્રશ્નોના અભ્યાસને યાદ કરો. તેનાં પહેલાં આપણે દીધેલા સવાલને સમીકરણનાં રૂપમાં મૂકતાં અને પછી તેને છોડાવી અજ્ઞાતની કિંમત કાઢતાં.

    જળગતિશાસ્ત્રના સિદ્ધાંતો વાપરીને વાતાવરણમાં થતા ફેરફારોને પણ સમીકરણો રૂપે લખી શકાય. તે માટે ઘટના પાછળનાં પરિબળોનું જ્ઞાન હોવું જોઈએ ખરું. સમજવા ખાતર સાદુ ઉદાહરણ લઈએ. અમુક સ્થળે સૂર્યની કેટલી ગરમી આવી મળે છે તે જાણી લઈએ તો ધરતી કેટલી ગરમ થાય તે ખબર પડે. એટલી ગરમીથી કેટલી હવા, કેટલી ઊંચી ચડી જશે અને તેની જગ્યા લેવા કેટલા અંતરથી ઠંડી હવા ધસી આવશે તે નક્કી કરવું સૈદ્ધાંતિક રીતે શક્ય છે. જો તેમ કરી શકાય તો ધસી આવતી હવાનો વેગ પણ અંદાજી શકાય. આ બધાં માટે અમુક ધારણાઓ સાથે જે સૂત્ર સમીકરણ ઘડી કાઢીએ તેને ‘મોડેલ’ કહે છે અને તે બનાવવાની પ્રક્રિયાને ‘મોડેલીંગ.’

    શાળામાં આપણે ઘણાં સમીકરણો ઉકેલ્યાં છે. એ બધી રીતોને વિશ્લેષણાત્મક ઉકેલ (Analytical Solution)કહે છે. પરંતુ વાસ્તવિક જગતનાં સમીકરણો એટલાં સીધાં સાદાં નથી હોતાં. છોડવાં મુશ્કલ હોય તેવાં સમીકરણો માટે વિશ્લેષણની રીતને બદલે આંકડાકીય રીત અપનાવાય છે. તેને ન્યૂમરિકલ રીત (Numerical Solution) કહે છે. એમાં પણ ઘણી પેટા-પદ્ધતિઓ છે જેનો વિસ્તાર અહીં જરૂરી છે. (જિજ્ઞાસુ વાંચકો તેને લગતાં પુસ્તકો જોઈ શકે.) એક તદ્દન સાદી રીત એવી છે કે અંદાજે ગમે તે કિંમત ચલ ‘x’ માટે મૂકી જવાબ મેળવાય છે અને તે જવાબ વાળી કિંમત ફરીથી સમીકરણમાં મૂકી નવો જવાબ મેળવાય છે. આવું અનેકવાર કરવાથી છેવટે ચોકસાઈવાળો ઉત્તર મળે છે.

    કમ્પ્યુટરો આ કામ સારી રીતે કરી શકે છે. તેથી રિચાર્ડસનની રીતને દાયકાઓ પછી નવું જીવન મળ્યું છે. હવામાન શાસ્ત્રની આ શાખાને ન્યૂમરિકલ ફોરકાસ્ટીંગ – આંકડાકીય આગાહી કરવી – તેવું નામ અપાયું છે. આ રીતો એવી ઘટનાઓ માટે સફળ રહી છે જેનો વ્યાપ મોટો હોય (જેમ કે૧૫૦૦ કિ.મી. સુધી અસર કરતી ઘટનાઓ) અને જીવનકાળ એકથી ત્રણ દિવસનો હોય. મધ્યમ ગાળાની આગાહીની જરૂર વધવાથી તેમાં પણ આનો ઉપયોગ હમણાંથી થાય છે. માત્ર્ા સ્થાનિક હોય તેવી ઘટનાઓ માટે આ પદ્ધતિ સફળ નથી થતી.

    સંખ્યા શાસ્ત્રની મદદ :

    ટૂંકાગાળાની આગાહી માટે ઉપગ્રહોનાં ચિત્રો અને મધ્યમગાળા માટે પવનના પ્રવાહોનું જ્ઞાન કામ લાગે છે; પરંતુ લાંબા ગાળાની આગાહીમાં એ બંનેનો ઉપયોગ નથી. ઓગસ્ટમાં શું થશે તે જો એપ્રિલમાં જાણવું હોય તો વાતાવરણનાં અવલોકનોનો શો ઉપયોગ થાય ? તેથી વિજ્ઞાનીઓ આ માટે ‘સંભાવના’ (Probability)ની ભાષામાં વાત કરે છે. મૉનેક્સ પ્રોજેક્ટમાંથી એટલું શીખવા મળ્યું છે કે હવામાન અનેક ઘટકોથી પ્રભાવિત થાય છે; અને અમુક તો દૂરદૂરની ઘટનાઓ છે. એટલે ગણિતનો ઉપયોગ કરવો હોય તો એ જાણવા માટે કરવાનો છે કે કયા ઘટકની અસર વધારે અને કોની ઓછી. આ માટેપાછલાં ઘણાં વર્ષોની માહિતી કમ્પ્યુટરને સોંપવામાં આવે છે. Regression Analysis નામની પદ્ધતિથી કમ્પ્યુટર આ ઘટકોનો ફાળો કેટલો તે ગણી આપે છે. તેના પરથી આગાહી કરાય છે.

    સમજવા માટે આપણે ભારતના વાયવ્ય ભાગ (રાજસ્થાન, પંજાબ વગેરે)માં થનાર વરસાદની વાત લઈએ. લાંબા ગાળાની સરેરાશ કરતાં એ કેટલો વધુ (કે ઓછો) થશે તે ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ.

    R = 0.76 A + 1.43 B + 25. 8 C – 0.13 D

    (હવામાનખાતું વખતોવખત ગણિત સુધારતું રહે છે; આ સૂત્ર પહેલાં વપરાતું હતું.)

    આ સૂત્ર (કે સમીકરણ)માં

    R એટલે છેલ્લાં ૫૦ વર્ષની સરેરાશ કરતાં આ વરસે કેટલો વધુ/ઓછો થશે તે આંકડો છે.

    ઘટક A= કેરળ ઉપર એપ્રિલ મહિને હવાનું સરેરાશ દબાણ

    ઘટક B=એ વખતે આર્જેન્ટિનામાં હવાનું દબાણ

    ઘટક C= વિષુવવૃત્ત પર આવેલ જકાર્તા, ડાર્વિન અને સેચેલસ ટાપુઓ પર જાન્યુઆરીથી મે મહિના દરમિયાનનું સરેરાશ હવાનું દબાણ.

    ઘટક D= લુધિયાણામાં એપ્રિલમાં સરેરાશ ઉષ્ણતામાન.

    અહીં A, B, C, D સાથે જે આંકડાઓ છે તે ગયાં પચાસ વર્ષના ડેટા પરથી કમ્પ્યુટરે નક્કી કરી આપ્યા છે. જેમ આંકડો મોટો તેમ તેની અસર વધારે. આંકડો ઋણ હોય તો અસર વરસાદ ઘટાડવાની. આ સૂત્ર બની ગયા પછી આ વર્ષના A, B, C, D આંકડાઓ તેમાં મૂકવાના રહે. જો Rની કિંમત ૦.૦૫ મળે તો ૫ ટકા વરસાદ સરેરાશ કરતાં વધુ થશે તેવું એ લોકો જાહેર કરે.

    આખા દેશ માટે :

    આ જ પદ્ધતિએ આખા દેશના સરેરાશ વરસાદની આગાહી એપ્રિલમાં કરવામાં આવે છે. લાંબા ગાળાની આવી આગાહી ભારતમાં ૧૯૮૮નાં ચોમાસાં માટે કરવામાં આવી હતી. તેવખતે ૧૬ ઘટકો (કે સૂચકો) ને અગત્યના માનીને સમીકરણ બનાવેલું. એમાં છ ઉષ્ણતામાનને લગતા હતા, ત્રણ હવાના પ્રવાહને લગતા, પાંચ હવાના દબાણના અને એક ઉત્તરના પહાડો પરના બરફની માત્રાનો હતો. છેલ્લો સૂચક ‘અલ-નીનો’ જોડે સંકળાયેલ છે. આ રસપ્રદ ઘટના વિષે ગયાં પ્રકરણમાં વાંચી ગયાં.

    થોડાં વર્ષોના અનુભવથી જણાયું કે આટલા બધા સૂચકો અગત્યના હતા નહીં. ૨૦૧૩નાં વર્ષમાં માત્ર આઠ પ્રાચલ લેવાયા અને છેલ્લાં પાંચ વર્ષથી માત્ર પાંચ સૂચકોના આધારે જ હવામાન ખાતું આગાહી કરે છે. આ શીખવાની પ્રક્રિયા હતી અને વિજ્ઞાનની સારી ખાસિયતમાં એ આવે. તેથી એ વરસોમાં ક્યારેક આગાહી ખોટી પડી હોય તો પણ તેની ટીકા કરવાનો કોઈ અર્થ નથી. વર્ષ ૨૦૨૦ માટે નીચે મુજબના ઘટકોને લેવાયા હતા.

    ક્રમ મહિના

    પ્રાચલ

    . ડિસે.-જાન્યુઆરી ઉત્તર આટલાંટિક અને ઉત્તર પ્રશાંત સાગરનાં પાણીનાં ઉષ્ણતામાન વચ્ચેનો તફાવત
    . ફેબ્રુઆરી હિંદ મહાસાગરનાં પાણીનું વિષુવવૃત્ત નજીક ઉષ્ણતામાન
    . ફેબ્રુમાર્ચ પૂર્વ એશિયા નજીક સમુદ્રની સપાટીએ હવાનું સરેરાશ દબાણ
    . જાન્યુઆરી વાયવ્ય યુરોપમાં જમીન નજીકની હવાનું ઉષ્ણતામાન
    . ફેબ્રુમાર્ચ પ્રશાંત મહાસાગરનાં વિષુવવૃત્ત પાસે ગરમ પાણીની માત્રા

    ક્રમાંક ૩ અને ૫ના સૂચકો અલ-નીનો જોડે સંકળાયેલ છે. આ ઘટકો ઉપરાંત બીજા દેશો તરફથી કરાતા અવલોકનો અને તારણોને પણ હવામાન ખાતું ધ્યાન પર લે છે. પરાેક્ષ રીતે આમાં અલ-નીનોને સંલગ્ન હકીકતો પણ સમાવાઈ છે. ખાતાંએ ‘મોન્સૂન મિશન’ નામે પ્રોજેક્ટ શરૂ કર્યો છે તે પરથી બનેલ Climate Ferecosting Systemમાંથી મળેલ માહિતી ને પણ છેલ્લાં ત્રણ વરસથી સમાવી લેવામાં આવે છે. એપ્રિલમાં કરેલ વરતારામાં માર્ચ સુધીની પરિસ્થિતિને વણી લેવાય છે. એટલે જૂનમાં ફરીથી સુધારેલી આગાહી બહાર પાડે છે, જેમાં ત્યાર લગીનાં અવલોકનો વાપરવાથી ચોકસાઈ વધે છે.

    અગાઉનાં ઉદાહરણમાં જોયું હતું તેમ અહીં પણ લાંબા ગાળાની સરેરાશ (Long Period Average, LPA) કરતાં વરસાદ કેટલો વધુ કે ઓછો થશે તે કહેવાય છે. અત્યારે ભારતની આ સરેરાશ ૮૮ સે.મી. વરસાદની છે. જેમ કે ૨૦૨૨ માં તેના ૯૯ ટકા વરસાદની આગાહી છે. આમાં ૪ ટકા ભૂલની સંભાવના પણ રહેલી હોય છે. એટલે LPAના ૯૫ ટકાથી ૧૦૩ ટકા વરસાદ થઈ શકે. વાર્ષિક આગાહી કેટલીક અસરકારક છે તે કોષ્ટક-૭માં બતાવ્યું છે.

    કોષ્ટક૭ :  આગાહી કેટલી સાચી ?

    વર્ષ આગાહી

    (ટકામાં)

    ખરેખર વરસાદ

    (ટકામાં)

    સાચી કે ખોટી અલનીનો

    પરિસ્થિતિ

    ૨૦૦૫ ૯૮ ૯૩ ખોટી ન્યૂટ્રલ
    ૨૦૦૬ ૯૩ ૯૩ ખરી ન્યૂટ્રલ
    ૨૦૦૭ ૯૩ ૧૧૨ ખોટી લાનીના
    ૨૦૦૯ ૧૦૦ ૯૮ ખરી ન્યૂટ્રલ
    ૨૦૧૦ ૧૦૨ ૧૦૨ ખરી લાનીના
    ૨૦૧૧ ૯૫ ૧૦૨ ખોટી લાનીના
    ૨૦૧૨ ૯૬ ૯૨ સાચી લાનીના
    ૨૦૧૩ ૯૮ ૧૦૬ સાચી અલનીનો
    ૨૦૧૪ ૯૩ ૮૮ ખોટી અલનીનો
    ૨૦૧૫ ૯૩ ૮૪ ખોટી અલનીનો
    ૨૦૧૬ ૯૩ ૮૬ ખોટી ન્યૂટ્રલ
    ૨૦૧૭ ૧૦૬ ૧૦૫ ખરી
    ૨૦૧૮ ૯૭ ૯૧ થોડી ખોટી ન્યૂટ્રલ
    ૨૦૧૯ ૯૭ ૧૧૦ ખોટી (પણ સારી) ન્યૂટ્રલ
    ૨૦૨૦ ૧૦૦ ૧૦૯ ખરી ન્યૂટ્રલ
    ૨૦૨૧ ૧૦૧ ૯૯ થોડો સમય લા નીના    
    ૨૦૨૨ ૯૯ થોડો સમય લા નીના

    કોઠા ઉપર નજર નાંખતાં સ્પષ્ટ છે કે આગાહીનો અંદાજ આશરે અરધા વર્ષોમાં ખરો અને અર્ધામાં ખોટો છે. તેમાં કેટલાક કિસ્સા રસપ્રદ છે. જેમ કે ૨૦૦૭માં LPAના ૯૩ ટકા વરસાદની આશા હતી. ૪ ટકાની ભૂલ ઉમેરો તો પણ ૯૭ ટકા થાય. તેને બદલે ૧૧૨ ટકા વરસાદ થયો. તેની પાછળનું કારણ લા-નીના છે. અલ-નીનોના આ જોડીદાર વિષે આવતાં પ્રકરણમાં વાંચી લીધા પછી આ કોષ્ટક પર ફરીથી નજર નાંખવાથી આ ઘટકનું મહત્ત્વ સમજાશે. તેમ આગાહીનાં કાર્યની સંકુલતા પણ સમજાશે. આ વર્ષ ૨૦૨૨ માટે LPA ના ૯૯ ટકા વરસાદની આગાહી છે. એ રીતે સતત ચોથું વર્ષ સારા વરસાદનું થાય તેવી વિરલ સંભાવના છે.

    ક્ષેત્રિય વિતરણ :

    આપણા વિશાળ દેશમાં પ્રદેશો-પ્રદેશો વચ્ચે વરસાદની માત્રામાં ઘણી ભિન્નતા છે તે આપણે અગાઉ વાંચી ગયાં. આથી દેશ આખાની સરેરાશ વરસાદની આગાહીનો બહુ ઉપયોગ રહેતો નથી. આથી હવામાન ખાતાંએ દેશના પાંચ ભૌગોલિક ભાગ કર્યા છે અને દરેક વિભાગ માટે અલાયદી આગાહી પણ બહાર પાડવાનું શરૂ કર્યું છે. તેના માટે જુદાં ‘મોડેલ’ વિકસિત કર્યાં છે, જેનું ઉદાહરણ આપણે જોયું. આ રીતે પ્રાદેશિક આગાહીને કારણે જે તે વિસ્તારના ખેડૂતો અને પ્રજાને વધુ સગવડ થાય છે.

    અને છેલ્લે – હવામાનની આગાહી ખોટી પડવા વિષે કાર્ટૂનો અને ટૂચકાઓ આપણે જોયાં છે. આ પછી કદાચ વાંચકને તેમાંથી આનંદ નહીં મળે. વિધિની મજાક એ છે કે જ્યારે હવામાન શાસ્ત્રી સૂકાં વરસની આગાહી કરે છે ત્યારે આ મજાક ઉડાડનાર લોકો જ એ ખોટો પડે તેવી આશા રાખે છે ! છે ને માનવ મનની બલિહારી.

    આગાહી કેટલી અગાઉથી ?

    હવામાનની કોઈ પણ ઘટનાની આગાહી કેટલી પહેલાં કરી શકાય?

     તેનો આધાર એ ઘટના કેટલો સમય ચાલનારી છે તેના ઉપર છે. જેમ કે ગામમાં વંટોળિયો આવે તે ૧૦૧૫ મિનિટ ચાલે છે; તો તેની આગાહી ૧૫૨૦ મિનિટ અગાઉ થઈ શકે. તેથી અગાઉ જે નિરીક્ષણ કરો તો વચ્ચેના ગાળામાં બદલાઈ જઈ શકે. ત્રણ મહિના ચાલતાં ચોમાસાંની આગાહી બહુ તો ત્રણ મહિના પહેલાં થાય. થઈ સમય અંગેની ચોકસાઈની વાત.

    સ્થળ વિષે પણ એવું છે. વાદળાંનો એક સમૂહ વરસાદ પાડી શકે તેવો લાગતો હોય તો અંદાજ કાઢી શકાય કે સૌરાષ્ટ્ર ઉપર વરસશે. પરંતુ કયા તાલુકા કે કયા ગામ ઉપર વરસે તે કહી શકાય.

    આગાહી ઘટનાથી જેટલી વહેલી કરાય તેટલી તેની અચોક્કસતા વધારે. ગુરુવારનાં ઉષ્ણતામાનની આગાહી સોમવારે કરો તો સે. જેટલી ખોટી પડી શકે. (અથવા આગાહીમાં એટલી રેન્જ આપવી જોઈએ) પરંતુ બુધવારે આગાહી સે. ની ચોકસાઈથી કરી શકાય.



    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સંસ્પર્શ – ૧૫

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    યાજ્ઞસેની, પાંચાલી, અગ્નિકન્યા, કૃષ્ણા….જેવા અનેક નામોથી આપણે જેને ઓળખીએ છીએ તે દ્રુપદની પુત્રી ,સાક્ષાત અગ્નિમાંથી પ્રગટેલી ,પાંચ પાંડવોની પત્ની ,ઈન્દ્રપ્રસ્થની સામ્રાજ્ઞી ,બુદ્ધિ અને સુંદરતામાં સર્વશ્રેષ્ઠ એવી દ્રૌપદીનાં નામ અને ગુણોથી કોણ અપરિચિત હોય? પરતું ધ્રુવદાદાએ તેમની અગ્નિકન્યા નવલકથામાં આપણને દ્રૌપદીનાં એક અજાણ નામનો પરિચય કરાવ્યો છે, તે છે મુક્તકેશા. મિત્રો, તમે આ નામ જાણતાં હતાં? દ્રૌપદીનાં આ નામ સાથે દ્રૌપદીનાં જન્મથી લઈને તેનાં અંતિમ પ્રસ્થાન સુધીનાં જીવનને ધ્રુવદાદાએ પોતાની રીતે કલ્પી, દ્રૌપદીનાં ચરિત્રનું નિર્માણ શા માટે થયું હશે ?તેનું સુંદર કલ્પન આ નવલકથામાં કરી, દ્રૌપદીનાં સ્ત્રીપાત્રને એક નવી જ ઊંચાઈએ લઈ ગયા છે.

    દ્રૌપદીનાં પાત્રને વર્ણવતાં મહાભારતની કથાનાં કેટલાંક અંશોનું વર્ણન પણ કર્યું છે. અનેક જીવન ઉપયોગી સંવાદો દ્વારા જીવન સત્યોને રજૂ કરતાં નવલકથાને એક નવો આયામ આપ્યો છે.

    નવલકથાની શરૂઆતમાં જ ઋષિ ઉપાયાજ અને દ્રુપદનાં સંવાદમાં જ્યારે દ્રુપદરાજા ઋષિને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવવા માટે આમંત્રણ આપે છે ત્યારે ઋષિ  ઉપાયાજ ખૂબ સરસ વાત કરે છે કે, “સંતતિ અને સંપત્તિ વહાલાં ભલે લાગે. પરતું  સુખનું નિર્માણ બંનેમાંથી એકપણ કરી શકે નહીં. સુખની શરુઆત ઈચ્છાની પૂર્ણાહુતિથી જ થાય છે.”

    આમ કહી ધ્રુવદાદાએ આપણને કેટલી મોટી વાત સમજવાનું કહ્યું છે, કે સુખ કયાંયથી મળતું નથી. તમારી ઈચ્છાની પૂર્ણાહુતિ જે દિવસે થઈ જાય પછી સર્વત્ર સુખ જ છે. સૌ દુ:ખોનું મૂળ જ ઈચ્છાઓ છે. ઉપાયાજ ઋષિ યજ્ઞ કરાવવા માટે આવવાની દ્રુપદરાજાને ના પાડે છે અને કહે છે ,” યજ્ઞ તો જીવમાત્રનાં કલ્યાણ અર્થે કરાય. સ્વાર્થી હેતુ માટે રાજાઓ યજ્ઞ કરાવશે ત્યારે ધર્મ વિલીન થઈ જશે.” આમ કહી ધ્રવદાદાએ યજ્ઞ શા માટે થવા જોઈએ અને સ્વાર્થી હેતુથી થતાં યજ્ઞોથી ધર્મ વિલીન થાય છે એવો ગર્ભિત સંદેશ પણ આપી દીધો છે.

    ધ્રુવદાદાનો આ એક વિચાર પણ ખૂબ ગમે એવો છે,  જે તેમણે  શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનાં સંવાદ થકી મૂક્યો છે. કૃષ્ણ દ્રૌપદીને કહે છે, “કેટલાક માનવીઓ ચોક્કસ કાર્ય માટે જન્મ લેતા હોય છે. તેમને અંગત લાગણીઓ અને ગમા અણગમાને અવગણીને પણ આનંદથી જીવવું પડે છે; અને દ્રૌપદી ,કદાચ તમે પણ એમાંના એક છો, જેમની આર્યાવર્તને અત્યારે ખૂબ જરૂર છે.”

    આમ આ સંવાદ રચી દાદાએ દ્રૌપદીનું પાત્ર એક ખાસ હેતુસર વ્યાસમુનિએ રચ્યું છે અને એક સ્ત્રીનાં પાત્રનું વિશિષ્ટ હેતુ માટે સર્જન થયું છે તેમ સૂચવ્યું છે.

    દ્રૌપદીનાં પાત્ર દ્વારા જગતની દરેક સ્ત્રીને સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં આવતાં અનેક કષ્ટો, યાતનાઓ, દુ:ખો સહન કરીને પણ સ્ત્રી સોનાની જેમ ચળકતી અને ચમકતી રહી, આભૂષણ બની બીજાની જિંદગીને ચમકાવી શકે છે. ભલેને તેને માટે તેને અગ્નિમાં તપવું પડે. એટલે જ કૃષ્ણ પણ દ્રૌપદીને કહે છે,” તમે સ્ત્રી છો અને સમર્થ છો જ,કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રદ્ધાનો છે.”

    આમ ધ્રુવદાદાએ તેમની અગ્નિકન્યા નવલકથામાં દ્રૌપદીનાં પાત્રને ખૂબ વિશિષ્ટ રીતે આલેખી ,હંમેશની જેમ સ્ત્રી પાત્રની મજબૂતાઈ દર્શાવી નારીનાં ગૌરવને બિરદાવ્યું છે. સાથે સાથે ધ્રુવદાદાએ વ્યાસમુનિનાં દ્રૌપદીને ઉદ્દેશીને કહેવાએલ સંવાદમાં, દ્રૌપદીનાં પાત્રને શીરે કેટલી મોટી જવાબદારી છે તેનું પણ સરસ આલેખન કર્યું છે.

    વ્યાસ મુનિ દ્રૌપદીને કહે છે, “પાંચે પાંડવો એક તંતુએ બંધાઈ રહે તેમાં આર્યાવર્તની પ્રજાનું હિત અમે જોયું છે. પાંચે જણા જુદુંજુદું વ્યક્તિત્વ ધરાવે છે અને પાંચે જણા અપ્રતિમ છે. એમને બાંધી રાખવાનું કામ આ જગતમાં ફક્ત બે જ જણ કરી શકે તેમ છે એક તારી સાસુ, જે હવે વૃદ્ધ થયાં છે અને બીજી પાંચાલી તું. તારા માથે ઘણો બોજો છે. પાંચેય પાંડવો સળગતા અંગારા જેવા છે. તે ક્યારેય બુઝાય નહીં, એ તારે જોવાનું છે. ફક્ત તું જ એ કરી શકીશ.”

    દાદાએ દ્રૌપદીનાં પાત્રની જવાબદારી એક જ સંવાદમાં સમજાવી તેના પાત્રને અદ્ભુત ગૌરવ બક્ષ્યું છે. નવલકથાની આગળની વાત આવતા અંકે, પરતું આ સાથે યાદ આવેલ ધ્રુવગીત તો માણીએ…

    ‘કહે માર્ગ ક્યાં જઈશ પૂછ્યા વગર બસ અમે ફક્ત ચાલ્યે જશું જિંદગીભર,
    અહીં ઊગશે દશગણું એમ ઈચ્છયા વગર હેત વાવ્યે જશું જિંદગીભર.

    અમે જિંદગીના ખભે ટેકવીને ઘણી દર્દભીની પળો રોઈ લીધી,
    પરતું પ્રતિક્ષણ પ્રતિજ્ઞા ધરી કે સમયને હસાવ્યા જશું જિંદગીભર.

    કરો કલ્પના કોઈ અધરાત લઈને અતિથિ તમારે ઘરે પણ પધારે,
    તમે દ્વાર ખોલી મૂઠીભર ધરો છો તો તે પર ચલાવ્યે જશું જિંદગીભર.

    ન રેશમ ખાદી ન ભગવું ન ધોળું ન કંથા સમું કંઈ સ્વીકારી શક્યો હું,
    મને વસ્ત્રમાં કોઈ ઓળખ જડી નહીં કે બેસીને રંગ્યે જશું જિંદગીભર.

    ભલે ને સનાતન નથી જિંદગી પણ અમારું સનાતનપણું છે સલામત,
    ફરી કોઈ જન્મે મળો’નું નિમંત્રણ હસીને સ્વીકાર્યે જશું જિંદગીભર.

    મને પર્વતોના શિખર પર મળે તું પછી તું મને સાવ સન્મુખ નિહાળે,
    ફરક બેઉનાં દર્શનોમાં હતો શું તે બન્ને વિચાર્યે જશું જિંદગીભર.

    કોઈપણ જાતની કોઈના તરફથી આશા કે અપેક્ષા વગર હસતાં હસતાં હેત વહેંચીને જિંદગી જીવવાની સુંદર વાત કરતું ધ્રુવગીત આપણને પણ અપેક્ષા,ઈચ્છા વગર સૌને પ્રેમ કરતાં કરતાં જીવન જીવવાની શીખ આપી જાય છે.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ

    નિસબત

    ચંદુ મહેરિયા

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વરસના આરંભ પૂર્વે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બૌધ્ધિક વિમર્શ બેઠક યોજાઈ હતી. તેમાં સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર, સ્મશાન અને પાણીની બાબતમાં  હિંદુઓ વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ. અર્થાત હિંદુઓ મંદિર, સ્મશાન અને પીવાના પાણીમાં દલિતો સાથે કોઈ આભડછેટ પાળતા હોવા જોઈએ નહીં. સ્વતંત્રતાના પંચોતેર વરસ પછી અને હિંદુઓના સર્વોચ્ચ સાંસ્કૃતિક સંગઠન આરએસએસની સ્થાપનાના શતાબ્દી વરસે પણ હજુ દલિતો માટે અલગ સ્મશાનો છે, પીવાના પાણી અને મંદિરોમાં ભેદભાવ પળાય છે તેની આ સ્વીકૃતિ છે.

    દલિતોમાં દલિત કહો કે મહા દલિત એવા ડોમ( દલિતોની એક પેટા જ્ઞાતિ) ની  આમ તો દેશના પંદરેક રાજ્યોમાં વસ્તી છે. ભારતની જડ જ્ઞાતિ પ્રથાએ અન્ય દલિતોની જેમ તેમના માથે પણ કેટલાક કામો થોપ્યા છે. એટલે ઢોલ વગાડવા, સફાઈ કરવી, ઝાડુ- ટોપલા-ટોપલી અને વાંસની જુદી જુદી ચીજો બનાવવી અને વેચવી જેવા કામો તો એ કરે છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મોક્ષ નગરી વારાણસીના ડોમ મૃતદેહના અગ્નિ સંસ્કારનું કામ કરે છે. શિવજીના શાપરૂપી વરદાનથી બંધાયેલા વારાણસીના ડોમ વિશે કહેવાય છે કે જો ડોમના લાકડાની ચેહ અને તેના હસ્તે મુખાગ્નિનો અગ્નિ મળે તો મૃતકને મોક્ષ મળે છે. આ હિંદુ માન્યતા અને પરંપરા નિભાવતા ડોમ મસાણ અને મોક્ષની મોકાણ વચ્ચે જિંદગી બસર કરે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૪.૧૩ કરોડ દલિતો છે. જે રાજ્યની કુલ વસ્તીના ૨૦.૭ ટકા છે. યુ.પી.ની દલિત વસ્તીમાં ડોમ ૦.૩ ટકા( ૧,૧૦,૩૫૩) જ છે. તેમાં વારાણસીમાં તો માત્ર ૪,૦૦૦ જ  ડોમ છે. વારાણસીમાં ગંગાના છ થી આઠ કિ.મી.ના કિનારે લગભગ ૮૮ ઘાટ છે. તેમાં એક નવો નમો ઘાટ પણ છે. પરંતુ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર એ  બે ઘાટ પર  શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ડોમ અહીં શબના અંતિમ સંસ્કારની તમામ કામગીરી બજાવે છે. ડોમ રાજા કહેવાતા ડોમ આગેવાન મૃતકના સગાને ચેહના લાકડા વેચે છે અને અગ્નિદાહની અગ્નિ આપે છે. એટલે ડોમ રાજાની અગ્નિ અને મણિકાર્ણિકા ઘાટ મૃતકને મોક્ષ પ્રદાન કરે છે તેવી માન્યતા પ્રવર્તે છે.

    ડોમનું શબ દહનનું કામ આસાન નથી. ગંગાના સ્મશાન ઘાટે બારે મહિના , ચોવીસે કલાક અને બધી જ ઋતુઓમાં શબ દહનનું કામ ચાલતું રહે છે. વારાણસીના અઢી હજાર ડોમ પુરુષો વારાફરતી આ કામ કરે છે. મૃતદેહ આવે ત્યારે તેના માટે ઘાટ પરના ચબૂતરા પર ચેહ તૈયાર કરવાથી માંડીને તે બળીને ખાખ  ન થઈ જાય ત્યાં સુધી તેમાં અગ્નિ પેટાવતા રહેવું પડે છે. કોઈ પણ મોસમમાં અગ્નિ સન્મુખ રહ્યા કરવું બહુ મુશ્કેલ છે. આ કામ માટે તેમને બહુ મોટી રકમ મળતી નથી. એક અગ્નિ સંસ્કારના અઢીસો રૂપિયા મળે છે. કહેવાય છે કે રોજની ૮૦ થી ૧૦૦ અને વરસે ૩૦,૦૦૦ લાશોના દાહસંસ્કાર અહીં થાય છે પરંતુ કોઈ એક વ્યક્તિને જ આ બધી રકમ મળતી નથી. ઘણાં ડોમ પરિવાર તેના પર નભે છે.

    પ્રાચીન નગરીનું ગૌરવ ધરાવતી કાશી, વારાણસી કે બનારસ વિશે તો ઘણું લખાયું છે પરંતુ તેના ડોમ વિશે ખાસ કશું લખાયું નથી. એ મહેણું પત્રકાર રાધિકા અયંગરના દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પુસ્તક ફાયર ઓન ધ ગંગાજ: લાઈફ અમંગ ધ ડેડ ઈન બનારસે ( Fire on the Ganges : Life Among the Dead in Banaras) ભાંગ્યું છે. સતત આઠ વરસોની મહેનત પછી લખાયેલા આ પુસ્તકે ડોમના રોજિંદા જીવનની વાસ્તવિકતાને સમાજ સમક્ષ ઉજાગર કરી છે. આ પુસ્તકમાં ડોમના જીવનની દયનીય સ્થિતિ, જટિલ વાસ્તવિકતાઓ અને મહિલા તથા બાળકોની હાલતને જરાય જજમેન્ટલ બન્યા વિના લેખિકાએ આલેખી છે. કથિત ઉચ્ચ જ્ઞાતિઓના સામાજિક માપદંડોને ફગાવીને શિક્ષણ, કૌશલ્ય અને વૈકલ્પિક ધંધા-રોજગારના માધ્યમે નવો માર્ગ પસંદ કરેલ વ્યક્તિઓ (ભોલા,  કોમલ, ડોલી અને લક્ષ્ય) ના સંઘર્ષો અને આકાંક્ષાઓનું ચિત્રણ  લેખિકાએ કર્યું છે.

    સોળ હિંદુ સંસ્કારોમાંના અંતિમ સોળમા સંસ્કારમાં મહત્વની ભૂમિકા ભજવતા અને એટલે પૂજનીય હોવા જોઈતા ડોમ  કેવા ઉપેક્ષિત છે તે બનારસની આધ્યાત્મિક ભવ્યતાના આલેખન છતાં ઓઝલ રહી શકતું નથી. હિંદુ મૃતકના મુક્તિદાતા ડોમ ખુદ અનેક જંજીરોથી જકડાયેલા છે. આભડછેટ, ગરીબી, નિરક્ષરતા, વૈકલ્પિક રોજીનો અભાવ અને સતત આગની વચ્ચે રહેવું જાણે કે તેમની નિયતિ બની ગઈ છે. તેમના બાળકો પણ આ જ વાતાવરણમાં જીવે છે. મહિલાઓ ઘરનો ચૂલો ફૂંકે છે. બાળકો ઘાટ પર શબ પરથી ઉતરેલા કફન ભેગા કરી મૂળ દુકાનદારોને ઓછા દામે વેચી આવે છે. ઘણા ડોમના ઘરનો ચૂલો સવાર સાંજ ઘાટ પરના અડધા બળેલા લાકડાથી સળગે છે. ક્યારેક આ લાકડા પર લાશના માંસના લોચા પણ ચોંટેલા હોય છે.   ” મણિકર્ણિકા ઘાટ, વારાણસી: એ લેન્ડસ્કેપ ઓફ ડેથ’ માં અમિતા સિન્હાના જણાવ્યા મુજબ એક શબના અંતિમ સંસ્કારથી ૨.૭ કિલો રાખ નીકળે છે. ઘણા ડોમ આ રાખને કાણાવાળા વાસણથી ગાળે છે , ખંગાળે છે. એવી આશાએ કે  કદાચ તે રાખમાંથી મૃતદેહ પરનું કોઈ કિંમતી ઘરેણું મળી જાય!

    શિવનગરી વારાણસીના ડોમની વાસ્તવિકતા દિલને ઝકઝોરી નાંખે તેવી છે. ટાઢ, તડકો કે વરસાદ તો તે  વેઠે છે પરંતુ હંમેશા મૃત્યુની સમીપે રહેવાનું હોઈ તે જીવનના સુખને દારુ કે ગાંજાના વ્યસનથી માણે છે. ડોમ બાળકો શિક્ષણથી મુક્ત જ રહે છે. જે થોડા ભણવા જાય છે તેમને શાળામાં અલગ નહીં તો આઘા બેસાડાય છે. દલિતો , ગરીબો, આદિવાસીઓ, શ્રમિકોના સંતાનોના ભણતર સામે શોષકો સવાલ કરે છે કે જો તે ભણશે  તો અમારા વૈતરાં કોણ કરશે? મરેલાં ઢોર કોણ ખેંચશે? ખેતી કોણ કરશે?  તેમ બનારસના ડોમ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માંગતા વિદેશીને સંભળાવાય છે કે તો પછી અમારા શબ કોણ સળગાવશે?  બિનદલિતોનું  આ વલણ તો જાણે સમજ્યા. દલિત ચિંતક તુલસી રામ તેમની આત્મકથા “મણિકર્ણિકા” ના પહેલા જ પૃષ્ઠ પર લખે છે, ” મણિકર્ણિકા ઘાટ પર સદિયોંસે  જલતી ચિતાએં કભી નહીં બુઝીં. અત: મૃત્યુ કા કારોબાર યહાં ચૌબીસોં ઘંટે ચલતા રહતા હૈ. સહી અર્થો મેં મૃત્યુ બનારસ કા બહુત બડા ઉધ્યોગ હૈ. અનગિનત પંડો કી જીવિકા મૃત્યુ પર આધારિત હૈ. સબસે જ્યાદા કમાઈ ઉસ ડોમ પરિવાર કી હોતી હૈ, જિસસે હર મુર્દા માલિક ચિતા સજાને કે લિએ લકડી ખરીદતા હૈ” ( પ્રુષ્ઠ-૯)

    વારાણસીના ડોમને પણ આ કામ કોઠે પડી ગયું છે. શિવનું વરદાન તેમને મળેલું છે અને તેથી  તેઓ મોક્ષદાતા છે તેવા ગુમાનમાં કે ભગવાને સોંપેલી ફરજ કંઈ થોડી છોડાય તેવી માન્યતાવશ તેઓ બીજું કશું વિચારતા નથી. મણિકર્ણિકા ઘાટ પર પણ કામની વહેંચણીના નામે ઉચ્ચનીચ જેવી વ્યવસ્થા છે. સૌથી ઉપર ડોમ રાજા, પછી તેના નાયબો અને છેલ્લે લાશો સળગાવનારા છે. એટલે આ કામમાં જે સૌથી મુશ્કેલ કામ કરે છે તે સૌથી વધુ ગરીબ અને ઉપેક્ષિત ડોમ છે.

    પરંતુ પરિવર્તનના સંસારના નિયમથી ડોમ પણ અછૂતા રહી શક્યા નથી. મુખ્યત્વે પુરુષપ્રધાન આ કામમાં જમુનાદેવી જેવા વિધવા ડોમ મહિલાએ  ઝંપલાવ્યું છે. રાધિકા અયંગરે લખ્યું છે તેમ વારાણસીના એક ડોમ યુવાને આ કામને તિલાંજલી આપીને શહેરમાં સરકારી નોકરી શોધી છે. તે તેની ત્રણ ભત્રીજીઓને સાથે ભણાવવા લઈ ગયો છે તે આવતીકાલની ઉજળી આશાની એંધાણી છે. ડોમ રાજા જગદીશ ચૌધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા ચૂંટણીના પ્રસ્તાવક બનાવ્યા કે તેમને  મરણોપરાંત પદમશ્રીથી નવાજ્યા તેનું પ્રતીકાત્મક તો પ્રતીકાત્મક,  ઘણું મૂલ્ય છે. આવા નાના-મોટા ફેરફારો ડોમનું દળદર ફેડે અને સઘળા હિંદુઓ માટે પાણી, મંદિર અને સ્મશાનના ભેદ ન હોવા જોઈએ તેવી સંઘ સુપ્રીમોની અરજ  આહ્વવાન બને તો કેવું સારું.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૫

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વારઆપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

    આજની રચના કવિવરની આધ્યાત્મિકતાના એક નવા પરિમાણનો પરિચય કરાવે તેવી છે. પ્રકૃતિ અને પરમેશ્વરના પરમ ઉપાસક એવા કવિવર “બ્રહ્મ”ની અનુભૂતિ પોતાની બહાર નહિ પણ પોતાની ભીતર કરતા.  અંધશ્રદ્ધા અને ક્રિયાકાંડના પ્રખર વિરોધી એવા કવિવર શ્રી રામકૃષ્ણ પરમહંસ દ્વારા પ્રભાવિત થયેલ હતા. કદાચ એટલેજ કવિવરે  ઘણી બધી રચનાઓ નિરાકાર બ્રહ્મને કેન્દ્રમાં રાખીને કરી છે. વેદ-ઉપનિષદના પ્રખર અભ્યાસી કવિવર માનતા કે આત્મામાં રહેલા પરમાત્મા સાથેનું સતત સાનિધ્ય અને સાતત્ય અનુભવતા રહેવું અને એ પરમ ચેતનાની પ્રાપ્તિ માટે સતત પ્રત્યનશીલ રહેવું તેજ મનુષ્યનો અંતિમ ધ્યેય છે. ગુરુદેવ ભીતર રહેલા “બ્રહ્મ”સાથે એકાકાર થવા માટે અસહય વિરહનો તાપ સતત અનુભવતા.

    ગુરુદેવની આદ્યત્મિક્તાના આજ પરિમાણને દર્શાવતી એક રચના કે જે પૂજાપારજોયમાં (વિભાગમાં) અને વિરહ ઉપ-પારજોયમાં (ઉપ વિભાગ) વર્ગીકૃત થયેલી છે તેને આપણે આજે જાણીશું અને માણીશું. આ રચનાનું શીર્ષક છે তোমার পূজার চলে (Tomar Pujar Chole) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે ” એક તને જ હું વિસરી ગયો… “. ૧૯૧૪માં રચાયેલી આ રચના રાગ પીલુ પર સ્વરબધ્ધ થયેલી છે અને દાદરા તાલમાં તાલબદ્ધ કરેલ છે. .

    મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    એક તને જ હું વિસરી ગયો…

    તારા પૂજનના કાજને આજ ધરી આગળ
    ક્રિયા-કર્મનો અંચળો ઓઢીને  ફરતો રહ્યો
    રીતિ-રિવાજની રફ્તાર તો રાખી મેં યાદ
    પણ, હરિ ફક્ત તને જ હું એમાં વિસરી ગયો

    ખડકી દીધા ફુલહારના ઢગ તારી આગળ
    એ ઢગલા મહી તું આખેઆખો દટાઈ ગયો
    અને હરિ, તારા ચરણ-સ્પર્શ કરવાનું હું ચૂકી ગયો
    એક તને જ હું એમાં વિસરી ગયો

    રચી દીપ-અગરબત્તીની હાર તારી આગળ
    એ ધુમાડો તારી આસપાસ વીંટળાઈ  ગયો
    અને હરિ, તારી હાજરીનો અહેસાસ હું ચૂકી ગયો 
    એક તને જ હું એમાં વિસરી ગયો 

    રટતો રહ્યો શ્લોક-આરતી સતત તારી સમક્ષ
    એ નાદ મહીં તું સાંગોપાંગ જાણે દટાઈ ગયો
    અને હરિ, તારો પોકાર સાંભળવાનું હું ચૂકી ગયો 
     એક તને જ હું એમાં વિસરી ગયો 

    કરતો રહ્યો આ બધું તને પામવાના ભ્રમ તળે
    પણ એ થકી મારા જ અહમને હું પોષતો રહ્યો
    ખોળ્યા કરું છું તને મંદિર-મજારની અટારીએ
    પણ હરિ,મારી ભીતરે જ  શોધવાનું હું ચૂકી ગયો
    એક તને જ હું એમાં વિસરી ગયો

    ©અલ્પા શાહ

    આ રચનામાં કવિવરે એક નિખાલસ કબૂલાત દ્વારા એક એવા વિષયને રજુ કર્યો છે કે જે મારા, તમારા સૌના મનમાં એક પ્રશ્નબીજ રોપી દે છે. તટસ્થ ભાવે વિચારો તો આ રચનામાં કવિવર ધાર્મિક હોવું  (“being religious”)  અને આધ્યત્મિક હોવું (“being spiritual”) એ બે વચ્ચે જે ભેદરેખા છે તે પ્રકાશમાં લાવ્યા છે.

    હું અંગત રીતે એવું માનું છું કે ધર્મ અને ધાર્મિક માન્યતાઓ એ તો સૌની પોતપોતાની અંગત બાબત છે અને પ્રત્યેક વ્યક્તિ માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે અને તેમાં કશું ખોટું પણ નથી. આપણે સૌ એ દિવ્ય શક્તિ સાથે જુદા જુદા માધ્યમ અને રસ્તાઓ થી જોડાતા હોઈ છીએ. પણ આ રચનામાં કવિવરે પરમાત્માને પામવા થતા ક્રિયા-કર્મ માં આપણે એ કર્મ પાછળનું હાર્દ વિસરી તો નથી જતાને તે પ્રશ્નને વાચા આપી છે…

    પ્રભુની પૂજાના ભાગરૂપે ધાર્મિક ક્રિયા-કર્મ અને રીતિ-રિવાજોનું પાલન કરવું-ન કરવું એ તો સૌની અંગત બાબત છે પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે આ ક્રિયા-કર્મ કરતા પહેલા એક વાર જરા પોતાની અંદર રહેલા આત્મા સાથે વાત કરી લેવી… ક્યાંક આપણે આ ક્રિયા-કર્મ માત્રને માત્ર આપણો ખુદનો અહમ સંતોષવા કે લોકોને બતાવવા કે આંજી દેવા તો નથી કરતાને? આ ક્રિયા-કર્મ કરવા પાછળનું હાર્દ તો આપણે વિસરી નથી જતાંને? આ ક્રિયા-કર્મ પાછળનો આપણો ભાવ તો અણીશુદ્ધ છે ને? શબરીના એઠાં બોર આરોગનાર શ્રીરામ અને છપ્પનભોગ છોડી વિદૂરની ભાજી ખાનારો મારા શ્યામ તો આપણે જાણીએ છીએ તેમ ફક્ત ભાવના ભૂખ્યા છે અને આપણા મનમાં રહેલા ભાવ બીજું કોઈ જાણી શકે કે નહિ, પણ એ તો ચોક્કસ જાણે છે…

    કવિવર આવીજ કંઈક વાતને આ રચના દ્વારા માર્મિક રીતે રજુ કરે છે…શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે

    ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |
    मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: || 11||

    અર્થાત દરેક મનુષ્ય જે ભાવ અથવા માધ્યમથી મારી સાથે જોડાય છે તે જ રીતે હું તેની સાથે પાછો જોડાઉં છું. એટલે જો પરમેશ્વર સાથે આપણે ફૂલહારના ઢગલા થકી કે દીવા-અગરબત્તીના સુગંધિત ધુમાડા થકીજ જો આપણે સ્થૂળ રીતે ઉપરછલ્લી રીતેજ જોડાવા માંગતા હોઈશું તો પ્રભુ પણ આપણી સાથે કદાચ એ રીતે જોડાશે. પણ આ ફૂલહાર અને અગરબત્તી-દીવાની વચ્ચે પણ, જો આપણે આપણી ભીતર રહેલા “બ્રહ્મ” સાથે અંતરનું જોડાણ સાધવા પ્રયત્નશીલ રહીશું તો કયારેક આપણે પણ એ દિવ્ય શક્તિનું સતત સાતત્ય અને સાનિધ્ય અનુભવવાને કાબેલ બની શકીશું…

    તો ચાલો, આપણી ભીતર રહેલા પરમાત્મા કે “બ્રહ્મ” સાથે સાતત્ય સાધવાનો પ્રયત્ન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,



    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.