વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડૉ. જયંત બી. મહેતા [૪]

    ગયા અંકમાં આપણે ડૉ. જયંત મહેતાના લગ્ન અને તેમના ઈસ્ટ આફ્રિકાના અનુભવો વિશે જાણ્યું. આજે હવે છેલ્લા મણકામાં તેમના અમેરિકાના અનુભવોની વાત માંડીએ.


    પૂર્વ અને પશ્ચિમના ધર્મો

    થોડા વર્ષો પછી જ્હોનસન​ સિટીમાં ભારતીય કુટુંબોની સંખ્યા વધવા લાગી. દરેક પરિવારમાં આ પ્રશ્નો હતા. હિંદુ બાળકોને અહીંની શાળામાં ખ્રિસ્તી ધર્મનું અધ્યયન અને પ્રચાર થતો. યહૂદી કુટુંબના બે-ત્રણ પરિવારે તો આ અંગે કોર્ટમાં કેસ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં ૯૦ ટકા લોકો ચુસ્ત પ્રોટેસ્ટન્ડ​- ખ્રિસ્તી ધર્મ પાળે છે. એટલે લઘુમતી ધર્મ પરંપરા વિશેની સમજણ ખૂબ ઓછી હતી. આ પરિસ્થિતિનો ઉકેલ શોધવા મેં ત્રણ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી.

    (૧) સ્કૂલ​ અને શાળામાં હિંદુ ધર્મ વિશે પ્રવચનો આપ્યાં.

    (૨) અમેરિકામાં જન્મેલા હિંદુ કુટુંબના કિશોરોને ધર્મ શિક્ષણ આપવું.

    (૩) ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ અને અન્ય ધર્મના નેતાઓ સાથે પરિસંવાદ- સેમિનાર ગોઠવવા.

            આ ત્રણેય પ્રવૃત્તિમાં મને અન્ય ભારતીય ડૉક્ટરોની ખૂબ સહાયતા મળી. ૧૯૯૭ ની સાલમાં મેં એક ગ્રાન્ટ માટે અરજી કરી અને સ્થાનિક હૉસ્પિટલ​ અને બે-ત્રણ સંસ્થાઓ તરફથી વિવિધ ધર્મોનું શિક્ષણ આપવાની મારી અરજી મંજૂર થઈ. દર વર્ષે ઑક્ટોબર મહિનામાં પાંચ પ્રવચન-સેમિનારનું આયોજન થયું. વિવિધ ધર્મોના નેતાઓને બોલાવ્યા અને પૂર્વ અને પશ્ચિમના વિચારો વચ્ચે પ્રશ્નોત્તરી અને ચર્ચાની વ્યવસ્થા કરી. આ કાર્યક્રમ સાત વર્ષ સુધી ચાલ્યો અને મોટી સંખ્યામાં શ્રોતાઓ આવ્યા. વક્તાઓ પણ વિદ્વાન અને સહિષ્ણુ વિચારસરણીવાળા હતા. કોઈ બોસ્ટનથી આવ્યા, તો કોઈ ન્યૂયોર્કની યુનિવર્સિટીમાંથી. મુસ્લિમ ધર્મના વડાઓને પણ આમંત્રણ આપ્યું. ટેનેસીના આ વિસ્તારમાં આવા શિક્ષણ સમારંભનું આયોજન કદી થયું જ ન હતું. આ કાર્યક્રમ ખૂબ સફળ થયો.

    સાતેક વર્ષ પછી આ વાર્ષિક કાર્યક્રમ બંધ કરવો પડ્યો. કારણ કે મારી સામે મારા પોતાના આરોગ્યનો પ્રશ્ન ઊભો થયો. મારા હાર્ટના ધબકારામાં એકાએક વધારો થયો. ૬૫-૭૦ ને બદલે દર મિનિટે ૧૬૦ સુધી ધબકારાનું પ્રમાણ વધી ગયું. પ્રારંભમાં તો ડૉક્ટરે ‘ચિંતા અને ડિપ્રેશન’ જેવું નિદાન કર્યું. પરંતુ હાર્ટ સ્પેશિયાલિસ્ટે હૃદયની વિદ્યુત જ્ઞાનતંતુઓની પરીક્ષા કરીને કારણ શોધી કાઢ્યું.(Paroxysmal Atrial Tachycardia) જેની સારવાર માટે મારા હૃદયને ઇલેક્ટ્રિક રેડિયો સારવારની જરૂર પડી. (Radio frequency ablation of the heart)

    આ દિવસોમાં બીજી કરુણ ઘટના બની. ભારતમાં મારી બા બીમાર હતી અને મારે ભારત જવું હતું, છતાં હું ન જઈ શક્યો. થોડા દિવસો પછી મારી બાનું મૃત્યુ થયું. પણ હું ન જઈ શક્યો. હિંમત કરીને લાંબી મુસાફરીનું જોખમ લીધું હોત તો કદાચ જઈ શક્યો હોત, તેવું આજે મને લાગ્યા કરે છે. સ્વદેશનો ઝુરાપો મને કદી નથી નડ્યો. મારી બાને ન મળી શક્યો એનો અફસોસ મારા હૃદયમાંથી કાઢતાં વર્ષો લાગ્યાં. મારી જાતને હું માફ નથી કરી શકતો. મારી સંવેદના ક્યારેક મારી દુશ્મન બને છે.

     

    રાજકારણ: બે ધારી તલવાર

    જ્હોનસન​ સિટી આવ્યા પછી ટી.બી. નિવારણના પ્રયાસો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ (Rural Health)વિકસાવવાનો કાર્યક્રમ મેં શરૂ કર્યો. પબ્લિક હેલ્થના મેડિકલ ડિરેક્ટર અને મેડિકલ કૉલેજ​ના આસિસ્ટન્ટ ડીન​ તરીકે ગ્રામ્ય વિસ્તારમાં સારી આરોગ્ય સારવાર પદ્ધતિ ઉપલબ્ધ થાય તે ખૂબ આવશ્યક છે તેવું મને લાગ્યું. આ માટે મેં કેન્દ્ર સરકાર પાસે આશરે એક મિલિયન ડોલરની આર્થિક સહાયરૂપે ગ્રાન્ટ અરજી પ્રસ્તુત કરી.

    ૧૯૭૨ની સાલમાં ‘ટીમ ગ્રાન્ટ’નો ખ​ર​ડો ધારાસભામાં પ્રસ્તુત થયો હતો. તે મુજબ અમેરિકામાં મેડિકલ કૉલેજ​ની સંખ્યામાં વધારો કરવો તેવો પ્રસ્તાવ હતો. અમારા વિસ્તારના કૉંગ્રેસ​ સભ્ય (Congressman Of North East TN)શ્રી જીમ ક્વીલીને આ ખરડાને ટેકો આપવામાં મુખ્ય ભાગ ભજવ્યો. ટેનેસીમાં મેમ્ફીસમાં મેડિકલ કૉલેજ​ હતી. નેશ​વીલની વેન્ડરબેલ્ટ કૉલેજ​ ખાનગી સંસ્થાની હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા બીજી મેડિકલ કૉલેજ​ શરૂ થાય તેવા પ્રયત્ન ગતિશીલ​ થયા હતા. નોક્સવીલ (Knoxville)માં મેડિકલ કૉલેજ​ શરૂ થાય તેવા સંજોગો હતા. પરંતુ કૉંગ્રેસ​મેન ક્વીલીને ધારાસભાના ખરડામાં યુક્તિપૂર્વક સુધારો સૂચવ્યો કે નવી મેડિકલ કૉલેજ​ વેટરન​ હૉસ્પિટલ​થી ૫૦ માઇલના અંતરમાં જ હોવી જોઈએ. સિદ્ધાંતની દ્રષ્ટિએ નિવૃત્ત સૈનિકોને મદદ થાય તેવો આશય હતો. પરંતુ છૂપો આશ​ય એવો હતો કે મેડિકલ કૉલેજ ​નોક્સ​વીલને બદલે જ્હોનસન​ સિટીમાં આવે. ખરડો પસાર થતાં આ કામ સફળ થયું અને જ્હોનસન​ સિટીમાં નવી મેડિકલ સ્કૂલને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી. શ્રી જીમી ક્વીલીન​ની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ અને મેડિકલ કૉલેજ​ની સ્થાપના થયા પછી અમારી મેડિકલ કૉલેજ​નું નામાભિધાન થયું, ‘James H. Quillen College Of Medicine.’

    મારી ગ્રાન્ટને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળે તે માટે પબ્લિક હેલ્થના જનરલ ડિરેક્ટર મારા મિત્ર મિ. બેલેમી અને ડીન ડૉ. ડગલાસની મદદથી અમે કૉંગ્રેસ​મેન શ્રી ક્વીલીનની મદદ માગી. એમના તરફથી એક ફોન વોશિંગ્ટન પહોંચ્યો અને માત્ર એક સપ્તાહમાં અમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ! રાજકારણનો આ પ્રભાવ! આ મિલિયન ડોલરની મદદથી જ્હોનસન​ સિટીની આજુબાજુના પાંચ ગામડાંમાં આરોગ્ય કેન્દ્રની શરૂઆત થઈ. જ્યાં આરોગ્ય સારવારનો અભાવ હતો, ત્યાં લોકોને આ સગવડ મળવા લાગી. આ કાર્યક્રમના પ્રતાપે મને બે-ત્રણ પારિતોષિક પણ મળ્યા અને મિ.ક્વીલીન​ સાથે મૈત્રી પણ થઈ. આ કૉંગ્રેસ​મેન એમના વિસ્તારના નાગરિકોને વિવિધ પ્રકારની મદદ કરતા. નિવૃત્ત સૈનિકોને પેન્શન અપાવવામાં પણ ખૂબ સહાય કરતા. મારા એક ભાઈને ગ્રીનકાર્ડ અપાવવા મેં અરજી કરેલી, જે અમુક મુદત મર્યાદાને કારણે સ્થગિત થઈ ગયેલી. કૉંગ્રેસ​મેન ક્વીલીનની ઑફિસ​ના એક ટેલિફોનની મદદથી મારી અરજીને પણ મંજૂરી મળી ગઈ.

    થોડા વર્ષો પછી જિમી ક્વીલીન​ ગુજરી ગયા. એમને કોઈ સંતાન નહોતું. એટલે એમના દસ્તાવેજ મુજબ (Will) મુજબ ૧૪ મિલિયન જેવી મોટી રકમનું દાન અમારી મેડિકલ કૉલેજ​ અને ઇસ્ટ ટેનેસી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું. એમના મૃત્યુ પછી એમની સહાયથી પ્રાપ્ત થયેલી ગ્રાન્ટનો અંત આવ્યો! રાજકારણની બીજી ધારદાર બાબત એવી કે મેડિકલ સ્કૂલમાં ઊભા કરેલા મારા કાર્યક્રમમાં મારે પીછેહઠ કરવી પડી. મેડિકલ કૉલેજ​ના આસિસ્ટન્ટ ડીન તરીકેની પદવી મારે છોડવી પડી. તે પછીના ૨૦ વર્ષમાં જ્યારે જ્યારે કોઈ નેતૃત્વ ધરાવતા પદ માટે અરજી કરી, ત્યારે તે નકારવામાં આવી. ધોળા લોકોની બહુમતીમાં આ રંગભેદની નીતિ હશે અને રાજકારણની રમત આ પરિસ્થિતિ માટે જવાબદાર છે એવું મને લાગ્યું. મારા જીવનમાં એક પ્રકારની નિરાશાનાં વાદળ છવાઈ ગયાં.

    બીજો કિસ્સો અમારા ગામના એક ડૉક્ટરનો છે. ડૉ. જુલી ગેલેગર (સાચું નામ નથી) બાળકોના રોગના નિષ્ણાત છે. એમના એક દર્દીને તાવ, માથાનો દુખાવો વગેરેની બીમારી હતી. અને ડૉ. ગેલેગરની સારવાર છતાં તબિયતમાં સુધારો ન હતો. એટલે એ સાત વર્ષની છોકરીનાં માતાપિતા તેમની દીકરીને લઈ મારા ટી.બી. ક્લિનિકમાં આવ્યાં. મેં પ્રથમથી જ ચોખવટ કરી કે હું બાળકોના દર્દ વિશે કશું જાણતો નથી. મેં એમની દીકરીને તપાસી, છાતીનો ફોટો પડાવ્યો અને મણકામાંથી પાણી કઢાવી (CSF Fluid) ટી.બી.નો ટેસ્ટ કરાવ્યો. મારી ધારણા સાચી પડી. આ સાત વર્ષની છોકરીને મગજનો ટી.બી. હતો.(TB Meningitis) મેં તે મુજબ સારવાર શરૂ કરી. ડૉ. ગેલેગરનું સ્વમાન ઘવાયું. એમણે મારા નિદાન અને સારવાર અંગે શંકા ઊભી કરી અને નેશ​વીલ​ વિભાગના વડા ડૉ.એન્ડરસનને ફોન કર્યો. ડૉ.એન્ડરસન અનુભવી ડૉક્ટર હતા અને જાણતા હતા કે રાષ્ટ્રીય નામનાવાળી ડેન​વર​ના ટી.બી. સેન્ટરમાં મેં રિસર્ચ​ ફેલોશિપ​ કરી છે. એમણે ડૉ. ગેલેગરને સ્પષ્ટ કહ્યું, “ટી.બી.ની બાબતમાં ડૉ. મહેતાના નિદાન અને સારવાર અંગે હું કદી શંકા નથી કરતો. ઊલટું મને મૂંઝવણ થાય તેવો કેસ મળે, તો હું ડૉ. મહેતાની મદદ માગું છું.” સદભાગ્યે ડૉ. ગેલેગરનો રોષ શમ્યો. છ મહિના પછી દર્દીનો ટી.બી. મટી ગયો, ત્યારે એમને શાંતિ થઈ અને મને આનંદ! ટી.બી., મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગોનું પ્રમાણ અમેરિકામાં ખૂબ ઓછું છે. એટલે અહીંની મેડિકલ કૉલેજમાં આ વિશેનું ખાસ શિક્ષણ અપાતું નથી.

    ત્રીજો પ્રસંગ છે મારાં દર્દી મિસિસ જેકબનો. ૬૫ વર્ષની વિધવા બાઈ. એમને અસ્થમાની બીમારી. સિગારેટ પીવાની જૂની આદત, એટલે ફેફસાંને નુકસાન પણ થયેલું. મેં લગભગ દસ​ વર્ષ સુધી એમની સારવાર કરેલી. ઘડપણ ઉપરાંત એમને બીજા પણ મેડિકલ પ્રશ્નો હતા. ડાયાબિટીસ, સાંધાનો દુખાવો…લિસ્ટ લાંબુ છે. જીવનની અંતિમ અવસ્થાની સારવાર અંગે પણ ચર્ચા કરેલી. પરંતુ એમણે Living will જેવા કોઈ દસ્તાવેજ તૈયાર કર્યા જ નહીં. ૧૯૯૦માં મારે ભારતની મુલાકાતે જવાનું થયેલ. ચાર અઠવાડિયા પછી હું પાછો અમેરિકા આવ્યો, ત્યારે મારા પાર્ટનર ડૉ. ફેરોએ મને સમાચાર આપ્યા કે મિસિસ જેકબ આઇ.સી.યુ. માં છે અને કૃત્રિમ મશીનથી જીવન ટકાવી રાખ્યું છે. હું તુરંત મિસિસ જેકબની મેડિકલ સારવાર અંગે આઇ.સી.યુ.માં પહોંચી ગયો. એમનાં ગળામાં ટ્યૂબ​ અને ખોરાક માટે નાક વાટે હોજરીમાં ટ્યૂબ​ અને લોહીની નળીમાં (vain)પણ IV Tubes! આ દ્રશ્ય જોઈને મારું હૃદય કંપી ગયું. મિસિસ જેકબ છેલ્લા ચાર દિવસથી બેભાન અવસ્થામાં હતાં. ચારે બાજુ બીપ બીપ​ અવાજ હતા. ખોરાક, પાણી વગેરે કૃત્રિમ રીતે અપાઈ રહ્યું હતું. એમની દીકરી ઍટલેન્ટાથી આવી હતી. એણે વિનંતી કરેલી “આ કૃત્રિમ સાધનો બંધ કરી મમ્મીને કુદરતના નિયમો અનુસાર મૃત્યુની અંતિમ ક્ષણો ગૌરવપૂર્વકની મળે તેવી સારવાર વ્યવસ્થા કરવી જોઈએ.” મને પણ આ વાત વાજબી લાગી. કૃત્રિમ સાધનો, શ્વાસનળી અને આ બધું… આ પરિસ્થિતિમાં મને વાજબી ન લાગ્યું. મેં પ્રશ્ન કર્યો,

    “તો પછી આ શ્વાસનળીમાં નાખેલી ટ્યૂબ​ને કાઢવામાં તકલીફ શું છે?”

    “આ નર્સ અને Ethics committee (નીતિ નિયમ સમિતિ) લેખિત લીવિંગ વીલની માગણી કરે છે!” મિસિસ જેકબે કદી આવા કોઈ કાગળો તૈયાર કર્યા ન હતા. આઇ.સી.યુ. (ICU)માં આવું ઘણીવાર બને છે. એટલે હું પરિસ્થિતિ સમજી શક્યો. મેં નર્સ સાથે વાતચીત કરીને હૉસ્પિટલ​ના નિયમો વિશે વિશેષ માહિતી મેળવી લીધી. ખૂબ વિચાર કર્યો અને મનોમન નક્કી કર્યું કે આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ રસ્તો કાઢવો જ જોઈએ. મિસિસ જેકબને જેમ​ જીવનનો અધિકાર છે, તેમ સાહજિક કુદરતી મૃત્યુનો પણ અધિકાર છે. વૃદ્ધ, બેભાન અને અનેક દર્દોથી પીડાતી વ્યક્તિને મેડિકલ ટૅકનૉલૉજી અને કૃત્રિમ સાધનોથી ટકાવી રાખવાનો શું અર્થ? ઑફિસ​માં જ​ઈને મેં એમની મેડિકલ​ ફાઇલ​ તપાસી. ત્યાં મને એક લીટી ​જ​ડી ગઈ! બે વર્ષ પહેલાં મિસિસ જેકબે મને કહ્યું હતું કે, “આ રેસ્પીરેટર દ્વારા બેભાન અવસ્થા હોય, તો જીવન ટકાવી રાખવાની મારી ઇચ્છા નથી.” આ વાત મેં એમના મેડિકલ ચાર્ટમાં નોંધી હતી. આ માહિતી મેં હૉસ્પિટલ​ના વકીલ Ethics Committee અને (માનવતા હકની સમિતિ) સમક્ષ રજૂ કરી. જેથી મારી અને મિસિસ જેકબની દીકરીની વિનંતીને માન્યતા મળી. તે દિવસે દીકરીની હાજરીમાં જ મેં રેસ્પીરેટરની સ્વિચ બંધ કરી અને શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની ટ્યૂબ​ ધીમેથી કાઢી અને માત્ર ઑક્સિજન​ આપવાની શરૂઆત કરી. લગભગ અડધા કલાકમાં મિસિસ જેકબે દેહ​ છોડ્યો. મને દુઃખ થયું, પરંતુ વિશેષ પ્રકારનો સંતોષ થયો કે દર્દીની ઇચ્છા પ્રમાણે એને નૈસર્ગિક મૃત્યુનો અધિકાર આપ્યો.

    અન્ય એક​ પ્રસંગ પ્રત્યેક ડૉક્ટરને માથે લટકતી તલવાર જેવો છે. ૧૯૮૯ ની સાલનો એક પ્રસંગ છે. ૩૫ વર્ષનો એક યુવાન ઇમરજન્સીમાં આવ્યો. એને ન્યુમોનિયા હતો, એટલે દવાખાનામાં દાખલ કર્યો. બીજે દિવસે એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઑક્સિજન​નું પ્રમાણ ઘટવા લાગ્યું. રાત્રે આઠ વાગ્યે નર્સે મારા રેસિડન્ટને Resident Doctor ને બોલાવ્યો. જેણે ફોન દ્વારા દર્દીની પરિસ્થિતિની ચર્ચા મારી સાથે કરી. અમે દર્દીની છાતીનો ફોટો પડાવ્યો. જેમાં સ્પષ્ટ દેખાયું કે ફેફસાંમાં પાણી ભરાયું છે. રાત્રે ન​વ​ વાગ્યે ફેફસાંમાંથી પાણી કાઢવાની ગોઠવણ કરીને હું હૉસ્પિટલ​ આવ્યો. કૉલેજ​ના અધ્યાપક તરીકે રેસિડન્ટ ડૉક્ટરને શીખવવાની મારી ફરજ છે. એટલે મેં આ રેસિડન્ટ ડૉક્ટરને ફેફસાંમાંથી પાણી કેમ કાઢવું તે શીખવવાનું શરૂ કર્યું. રેસિડન્ટ​ મેડિસિનના બીજા વર્ષમાં હતો. એટલે સાવ નવો નિશાળીયો ન હતો. મારી દેખરેખ હેઠળ એણે પાણી કાઢવા સોય​ નાખી. પરંતુ પાણી કાઢતાં ફેફસાંની બહારના પડળમાં હવા ઘૂસી ગઈ. મેં તુરંત સિરીંજ​ દ્વારા એ હવા ખેંચી કાઢી. પરંતુ થોડી હવા તો રહી જ ગઈ. બીજે દિવસે છાતીનો ફોટો (Chest X-Ray) ફરી કઢાવ્યો. ફેફસાંમાં પાણી તો ન હતું, પણ બિનજરૂરી હવાનું પ્રમાણ વધી ગયું હતું. વિચાર કર્યા પછી મેં સર્જનને બોલાવી દર્દીની છાતીમાં એક નળી મુકાવીને આ હવા ખેંચી કાઢવાની વ્યવસ્થા કરી. ફેફસાંના નિષ્ણાત તરીકે મારો નિર્ણય વાજબી હતો અને સર્જનને પણ આ નિર્ણય ગમ્યો. બે-ત્રણ દિવસમાં દર્દીની તબિયત સુધારા ઉપર હતી. ત્યાં એક રાત્રે એને તાવ આવ્યો અને લોહીની તપાસ કરતાં Infection વધ્યું હોય તેવું લાગ્યું. નવી Antibiotics અને જરૂરી સારવાર પછી અમે Chest Tube કાઢી નાખી. દર્દીનું સ્વાસ્થ્ય ખૂબ સુધર્યું, એટલે મેં એને હૉસ્પિટલમાંથી રજા આપી અને બે અઠવાડિયા પછી ઑફિસ​માં પુનઃ તપાસ માટે આવવાની Appointment આપી.

    બે અઠવાડિયા પછી ફેફસાંની તપાસ માટે દર્દી આવ્યો. તબિયત સુધરી ગઈ હતી, પરંતુ દર્દીને નોકરી માટે હાજર થવાને બદલે એક અઠવાડિયાની રજાની જરૂર લાગી. એટલે એ માટેનું ફૉર્મ​ પણ મેં ભરી આપ્યું. બીજા અઠવાડિયે દર્દી નવું ફૉર્મ​ લાવ્યો. દર્દી કારને રંગ (CAR PAINT) સ્પ્રે કરવાનું કામ કરતો હતો અને હું જો આ ફૉર્મ​ ભરી આપું, તો એની કંપની દ્વારા હૉસ્પિટલ​ની સારવારનો ખર્ચો અને નોકરીમાં વિશેષ પૈસા મળે તેમ હતું. તેના વકીલે એને એવી સલાહ આપેલી કે ‘કાર પેઇન્ટ કરવાના વ્યવસાયથી એના ફેફસાંને નુકસાન થયું છે’ તેવું પ્રમાણપત્ર​ ડૉક્ટર​ તરફથી મળે, તો દર્દીને ખૂબ પૈસા મળે. આ વિષયનો અભ્યાસ કરીને મેં દર્દીને સમજાવ્યું કે કાર પેઇન્ટમાં રહેલાં કેમિકલ (Polyurethane) થી એને ન્યુમોનિયા નથી થયો. એની બીમારી જંતુજન્ય​ (Bacterial Infection) હતી. મારી વાતમાં સંપૂર્ણ સત્ય હતું, પરંતુ મારા દર્દીને આ વાત ન ગમી. કટાણું મોં કરીને એ ઑફિસ​ છોડીને ચાલ્યો ગયો. એક મહિના પછી પોલીસ ઑફિસર​ મારી ઑફિસ​માં આવ્યો અને કોર્ટના કેસ માટે ન્યાયાધીશ સમક્ષ હાજર થવાની નોટિસ​ આપી ગયો. દસ​ વર્ષની મેડિકલ​ પ્રૅક્ટિસ​માં આ પહેલો જ પ્રસંગ હતો. દર્દીએ બે મિલિયન ડોલરની માંગણી કરતો માલ​ પ્રૅક્ટિસ (Mal practice case)​ નો કેસ માંડ્યો હતો. કોર્ટ​નો કેસ, મારી પ્રતિષ્ઠા, મારી નિપુણતા ઉપર શંકાની તલવાર! મેં મારા વકીલને જાણ કરી. મિ. પર્લ​મેન બહુ અનુભવી વકીલ હતા. એમણે સલાહ આપી કે મારે ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. આ બહુ સામાન્ય કેસ હતો અને આમાં મારો કોઈ દોષ નથી. દર્દી અને એનો વકીલ આ બીમારીના આધારે ડોલર કમાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એમના કેસમાં કોઈ તથ્ય નથી. વકીલની ફી, કોર્ટમાં હાજર થવાનું… બે મિલિયન ડોલર…! હું સાચે જ ધ્રૂજી ગયો હતો. મારા મેડિકલ પાર્ટનરે પણ શાંતિ રાખવાની સલાહ આપી અને માલ​ પ્રૅક્ટિસ​ ઇન્સ્યૉરન્સના અધ્યક્ષે પણ મને બાંહેધરી આપી કે તબીબી સંરક્ષણનો વીમો બધો જ ખર્ચ ઉપાડી લેશે અને મિ. પર્લમેન​ બહુ અનુભવી વકીલ છે. માટે મારે સઘળી ચિંતા છોડી દેવી. સલાહ તો સાચી હતી. પરંતુ મારું મન વિચલિત થઈ ગયું. અચાનક સાપ કરડ્યો હોય તેવી વેદના થઈ.

    આ કેસ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો. છાપામાં સમાચાર પ્રગટ થયા. ડૉક્ટર મિત્રોનાં આશ્વાસન અને મૈત્રીપૂર્ણ વાર્તાલાપ મળ્યા હતાં અને રેસિડેન્ટે (શિખાઉ ડૉક્ટર​) મારી માફી પણ માંગી. તેની ભૂલ સૈદ્ધાંતિક રીતે મારી જ ભૂલ ગણાય. કારણ કે હું એનો શિક્ષક હતો. એટલે જવાબદારી તો મારા માથે જ આવે. એટલે આ બનાવ​ બહુ ગભરાવા જેવો ન હતો. પરંતુ મારી સંવેદનશીલતામાં વ્યથાનાં વમળ જાગ્યાં. સ્વમાન​, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ હણાઈ ગયાં. અંતે એ દિવસ આવ્યો, જ્યારે ન્યાયાધીશ સમક્ષ મારે જુબાની આપવાની હતી. બંને પક્ષના વકીલોએ જાતજાતની દલીલો કરી. મેં મારું વિધાન રજૂ કર્યું. મારા આનંદાશ્ચર્ય સાથે આ કેસનો સુખદ અંત આવ્યો. ન્યાયાધીશે કેસ કેન્સલ કર્યો અને મને નિર્દોષ જાહેર કર્યો.

    મારી મેડિકલ પ્રૅક્ટિસ​નો ત્રીજો પ્રસંગ પણ મારા સ્મૃતિપટ ઉપર અકબંધ છે.

    જ્હોની સ્મિથ. ૫૦ વર્ષનો ધોળો માણસ. કાર સમારકામનો ધંધો (Auto mechanic) કરે. મારી ગાડીમાં કોઈ પણ તકલીફ હોય તો એ ઠીક કરી આપે. જ્હોનને સિગારેટ પીવાની બૂરી આદત. એક દિવસમાં બે પેકેટ ખલાસ થઈ જાય. એક દિવસ ઑફિસ​માં બોલાવીને એને બીડી-સિગારેટથી થતા નુકસાનનું ભાષણ આપ્યું. ફોટા બતાવ્યા. મારા આશ્ચર્ય વચ્ચે એ માની ગયો અને એણે સિગારેટનું વ્યસન છોડી દીધું. અમારી વચ્ચે મૈત્રી હતી, એટલે મેં આ વિઝિટના પૈસા ન લીધા. ત્રણ મહિના પછી મારી ગાડી (Car) લઈને હું કોઈ સમારકામ (Repair) માટે ગયો હતો. ત્યારે મેં નોંધ્યું કે જ્હોનીને ઉધરસ હ​તી. ઉધરસને અંતે ગળફો આવ્યો. તેમાં લાલ રંગની છાંટ જોઈ. જ્હોનીના માનવા પ્રમાણે તો આ સાધારણ બીમારી હતી. મેં પૂછપરછ શરૂ કરી.

    “મટી જશે, ડૉક્ટર સાહેબ​. તમે ચિંતા ન કરશો.” જ્હોનીનો પ્રતિભાવ આવ્યો.

    મેં ગળફામાં લોહી હોઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરી અને ઑફિસ​માં આવવાની સૂચના આપી.

    “તમે નાહક ઑફિસ​ વિઝિટ​ ઊભી કરો છો. એમ કરો, મને એન્ટિબાયોટિક લખી આપો.”

    મેં પ્રિસ્ક્રિપ્શન તો આપ્યું, પણ ઑફિસ​ આવવાની તારીખ-સમય પણ લખી આપ્યાં. જ્હોની મારી ઑફિસ​માં આવ્યો, ત્યારે મેં એની છાતીનો ફોટો (Chest Radiograph) પડાવ્યો. એમાં ન્યુમોનિયાની અસર જણાઈ. મેં એને સમજાવ્યું કે મારે ટ્યૂબ​ નાખીને એના ફેફસાંની તપાસ કરવી જોઈએ.(Flexible Bronchoscopy) પરંતુ જ્હોની માન્યો નહીં. બીજા અઠવાડિયે મેં બીજો ફોટો (X-Ray)પડાવ્યો અને એમાં સુધારો જણાયો, એટલે (Flexible Bronchoscopy) વિશેષ તપાસ માટે બહુ આગ્રહ ન કર્યો. બે-ત્રણ મહિના વીતી ગયા. જ્હોનીને ગળફામાં ફરી લોહી નીકળી આવ્યું હતું. ફેફસાંમાં લાઇટવાળી નળી (Flexible bronchoscopy) નાખીને તપાસ કરી, ત્યારે બાયોપ્સી (Biopsy) નું પરિણામ આવ્યું કૅન્સર​! જ્હોની મારો મિત્ર હતો. આ સમાચાર આપતાં મને ખૂબ દુઃખ થયું. જરૂરી સારવાર કરી. ફેફસાંનું ઓપરેશન કરાવ્યું. પણ દોઢેક​ વર્ષમાં કૅન્સર​ જીત્યું અને હું હાર્યો. મારો મિત્ર જ્હોની ગુજરી ગયો. મેં એના ફેફસાંની તપાસ બે-ત્રણ મહિના વહેલી કરી હોત, તો એ કદાચ બચી ગયો હોત!

    ૪૫ વર્ષની મેડિકલ​ પ્રૅક્ટિસ​માં આવા ઘણા પ્રસંગો બન્યા. દર્દી ક્યારેક મિત્ર બને તો ક્યારેક દુશ્મન. મારી સંવેદના પણ ક્યારેક મારી મિત્ર બને તો ક્યારેક કટ્ટર શત્રુ.

    શારલોટમાં ડાકોર

    ડાકોરમાં દાદાની આંબાવાડી હતી તે હવે ફક્ત સ્મરણોમાં છે પણ અમારા કુંટુંબની લીલી વાડીનો સ્નેહસભર સંપ અમને અમેરીકામાં પણ મીઠા સંબંધોની હૂંફ પૂરી પાડે છે.

    મારા ચાર ભાઈઓ અને બહેન આશા સહપરિવાર શારલોટ(નોર્થ કેરોલીના)માં રહે છે. માલતીબહેન અને બનેવી પિનાકીનભાઈ પરિવાર સાથે કેનેડામાં રહે છે. માલતીબહેન અને આશાબહેન બંન્ને સમજુ અને પ્રેમાળ બહેનો અમને બધા ભાઈઓને રાખડીના પ્રેમભર્યા તંતુથી બાંધી રાખે છે. અમે બધા મળીએ ત્યારે ભૂતકાળનો આનંદ યાદ કરી એમાં તરબોળ થઈ જઈએ.

    અનુજ બંધુ ભાનુભાઈ પચાસ વર્ષ પહેલાં ભારતથી અમેરીકા આવ્યા. MBA ની ડીગ્રી મેળવી એમણે મોટેલના ધંધામાં ઝંપલાવ્યું અને સફળ થયા. બીજા ભાઈઓમાં હરીશભાઈ નિવૃત પ્રોફેસર છે. મધુભાઈનો મોટેલ બિઝનેસ ‘જલારામબાપાના ઓટલા’ની જેમ ચાલે. કોઈપણ ગુજરાતીને નિસ્વાર્થભાવે ભોજન અને ચા-પાણી આપવાનો એમને આનંદ.

    નટવર-વર્ષા વડોદરામાં રહી માબાપની ચાકરીનું પૂણ્ય કમાયા. શારલોટ નિયમિત આવે અને લાંબુ રોકાય તેથી દેશમાં રહેતા હોવા છતા વિખૂટા પડી ગયા એવું ન લાગે. બનેવી વિપુલભાઈ(આશાબહેનના પતિ) UPS Store ચલાવે છે. દૂરના સ્થળોના નકશા સાથે ડ્રાઈવરની સીટ સંભાળી લે આથી એમની સાથે મુસાફરીનો આનંદ અનેરો! અમેરીકાના કાયદાઓએ મને જ નહી મારા ભાઈ-બહેનોને પણ વસવાટનો હક આપ્યો તેથી વિશેષ આનંદ અને સંતોષ અનુભવું છું. શારલોટ અમારા પરિવાર માટે ડાકોરની યાદોનું યાત્રાધામ બની રહ્યું.

    અમેરિકામાં અરધી સદી:

    છેલ્લા પચાસ વર્ષમાં મને જે અનુભવો થયા તે અન્ય અમેરિકા સ્થિત ગુજરાતી ભાઈ-બહેનોને પણ થયા હશે. મારા સંઘર્ષમાં કોઈ અસાધારણ તત્ત્વ નથી. અમેરિકાની સ્વચ્છતા, નીતિ-નિયમો, સુંદર વ્યવસ્થા, આ બધું મને ખૂબ​ ગમે છે. નાગરિકોની સલામતી પ્રત્યે અહીંની સરકાર જાગૃત છે અને સક્ષમ છે. મેડિકલ ક્ષેત્રે કેટલાક નિયમો છે, જે દર્દીની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. અમારા ગામના લોકપ્રિય અને સફળ ડૉ. વીલીયમસન એક દિવસ દારૂ પીને હૉસ્પિટલમાં આવ્યા હતા. બીજે અઠવાડિયે એમનું મેડિકલ લાઇસન્સ રદ થઈ ગયું. ઇજિપ્તથી આવેલા ડૉ. અલીખાન એક યુવતીના ગર્ભાશયની તપાસ કરી રહ્યા હતા. એમની નર્સ એ રૂમમાં હાજર ન હતી. એમના ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો. સાબિતી મળે અને ડૉક્ટર દોષિત ઠરે તે પહેલાં જ એમનું લાયસન્સ રદબાતલ થઈ ગયું. દોષિત સાબિત થયા પછી એમને દસ વર્ષની જેલસજા મળી. દર્દીની સુરક્ષા અને સારવારની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ડોક્ટર પોતાની નિષ્ઠા જાળવી રાખે તે આવશ્યક છે. વિવિધ પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ ડૉક્ટરોએ અભ્યાસ ચાલુ રાખવો પડે છે (CME Credit) અને પાંચ વર્ષે પુનઃ પરીક્ષા આપીને પાસ થવું પડે છે.

    વ્યક્તિગત બાબતમાં મીનાએ નર્સિંગ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને હું મેડિકલ ક્ષેત્રે ખૂબ જ વ્યસ્ત હતો, પરિણામે બાળકોના શિક્ષણ પ્રત્યે પૂરતો સમય અને શક્તિ આપવામાં અમે કાચા ઊતર્યાં.  નાતાલ અને દિવાળી જેવા તહેવારની ઉજવણી સમયે પણ અમે કુટુંબ સાથે પૂરતો સમય નથી આપ્યો તેનો રંજ છે. પશ્ચાતાપની પોટલી માથે બાંધીને જિંદગીભર ફર્યા કરવાનો શું અર્થ?

    વડોદરામાં ભણતો હતો ત્યારે જે કાવ્યો રચ્યાં હતાં, તેનો એક સંગ્રહ ‘અધૂરા આંક’ નામથી છપાવેલો. અમેરિકા આવ્યા પછી જે સાહિત્ય સર્જન થયું તે વાર્તાસંગ્રહ અને કાવ્યસંગ્રહ રૂપે પ્રગટ થયું. ઈશાવાસ્ય ઉપનિષદના આધારે એક સુંદર પુસ્તક અંગ્રેજીમાં લખ્યું અને મુંબઈના ખ્યાતનામ પ્રકાશક દ્વારા પ્રગટ થયું. આ રીતે આઠ પુસ્તકો પ્રગટ થયાં. ૧૦૦ ઉપરાંત પરિપત્રો મેડિકલ વિષયનાં પ્રગટ થયાં. જેમાં સંશોધનાત્મક પ્રવૃત્તિનો પરિચય પ્રાપ્ત થાય છે.

    અધ્યાપન અને ટી. બી. ક્ષેત્રમાં સંશોધન કાર્ય માટે જે વેતન મળ્યું તે મેડિકલ પ્રેક્ટિસની આવકના પ્રમાણમાં ખૂબ નજીવું હતું. ચાલીસ વર્ષના સમયગાળામાં મેં જો Full time મેડિકલ પ્રેક્ટિસ કરી હોત તો ત્રણ-ચાર મિલિયન ડૉલર જેવી માતબર રકમ, વધારે કમાણી સાથે બેંકમાં જમા કરાવી શક્યો હોત. આ આર્થિક ભોગ આપ્યો તેનો મને કોઈ રંજ નથી. અંતરના આનંદ માટે આ અન્ય પ્રવૃત્તિ મને આવશ્યક લાગી હતી.

    વિવિધ ક્ષેત્રમાં સફળ યોગદાન માટે અનેક માનદ પ્રમાણપત્રો અને ૨૫ જેટલાં પારિતોષક મળ્યાં છે, તે સર્વેને એક બોક્સમાં બંધ કરીને માળિયા ઉપર ચડાવી દીધાં છે. માનપત્રોનો મોહ, હવે ઓગળી ગયો છે. છેલ્લા પચાસ વર્ષ એક સરિતાનાં જળની જેમ વહી ગયાં!

    હવે, હું ગૌરવપૂર્વક કહી શકું કે એક માનવપ્રેમી ડૉક્ટર​ હોવા ઉપરાંત હું એક સક્ષમ શિક્ષક પણ છું. જીવનને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી જોવાની અને માણવાની તક મળી તે મારા જીવનની ફલશ્રુતિ અને ઈશ્વરનો કૃપા પ્રસાદ છે.

    મેડિકલ કૉલેજ​ના રાજકારણમાં પણ ઘણા ખટમીઠા પ્રસંગો બન્યા. સારા શિક્ષક તરીકે મને બે પારિતોષિક મળ્યાં, પરંતુ આસિસ્ટન્ટ ડીનની પદવી ઉપર મુખ્ય અધ્યક્ષ ડીનશિપ​ માટેની મારી અરજી કદી સફળ થઈ જ નહીં. કાચની દિવાલો ઓળંગીને સફળતાના શિખરે પહોંચવાનું મારા નસીબમાં નહીં હોય. ૪૩ વર્ષની તબીબી સેવા, ટી.બી. ડિરેક્ટર તરીકે કુશળતાથી ટી.બી.નું પ્રમાણ ૨૪(24 per 100000) થી ઘટાડીને ૦.૫ (0.5 per 100000) જેટલું લાવવા છતાં મારી ઘણી તમન્ના અધૂરી રહી ગઈ. મારાં બાળકો હેતલ, સેજલ અને રવિન મને વારંવાર સમજાવે છે કે, “ડેડી, આ પ્યાલો અડધો ખાલી નથી, અડધો ભરેલો છે.” એમની દ્રષ્ટિએ અને મારા ધોળા મેડિકલ પાર્ટનરોના મત મુજબ મેં ઘણું બધું સિદ્ધ કર્યું છે. ૨૦૦૦ વિદ્યાર્થીઓ મારા શિક્ષણથી લાભ પામ્યા છે, અને લગભગ ૯૫ ડૉક્ટરો મારા હાથ નીચે અનુભવ લઈને સ્પેશિયાલિસ્ટ બન્યા છે. આ બધા ડૉક્ટર વિદ્યાર્થીઓ અમેરિકાના વિવિધ રાજ્યોમાં અનેક દર્દીઓની સેવા કરી રહ્યા છે. જે મારે માટે ગૌરવ અને આનંદની વાત છે.

    જ્હોનસન​ સિટીમાં ૪૫ વર્ષની મેડિકલ​ પ્રૅક્ટિસ​ કર્યા પછી હવે હું નિવૃત્ત થયો છું. અહીંના મંદિરનો હું ટ્રસ્ટી છું અને આ મંદિરના ઘડતરમાં મેં સક્રિય ભાગ આપ્યો છે. અહીં રવિવારે મેં ભગવત્ ગીતાના પાઠ ઊગતી પેઢીના કિશોર-કિશોરીઓને દિલ દઈને ભણાવ્યા છે. આવું સુંદર ગામ છોડવાની મારી ઇચ્છા નથી, પણ ઉંમર વધતાં મારે મારી પુત્રી નજીક રહેવા જવું છે. અહીં ૪૫ વર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રકરણને મારે બંધ કરીને નેશ​વીલ​ જેવા મોટા શહેર તરફ પ્રયાણ કરવાનું છે. અહીં મારી દીકરી સેજલ અને એનો પરિવાર છે. પુત્રી મોહમાંથી પૌત્ર મોહના ચક્કરમાં છું. સેજલના દીકરાનું નામ આનંદ છે અને એની સાથે શેતરંજ​ રમવાનો આનંદ છે. શારલોટમાં પણ કુટુંબીજનો છે અને અહીંથી સીધી Air Flight છે. નિવૃત્તિકાળમાં કૌટુંબિક પ્રેમ વધારે મહત્ત્વનો લાગે છે. ડાબા મગજમાં જ્હોનસન​ સિટી છોડવાનો અફસોસ છે, જમણા મગજ માં આનંદ અને ગૌરવની ઊર્મિઓ છે.

    ઉંમર વધતાં વિસ્મરણનું રણ વધતું જાય છે. સમયના પ્રવાહમાં સુખ-દુ:ખની અનેક​ ક્ષણોએ કોતરેલી વિવિધ આકૃતિઓ ધીરે ધીરે ભુંસાતી જશે. સ્મરણ​ ગંગામાં સ્નાન કર્યા પછી પુણ્ય​રૂપે જે પ્રાપ્ત થયું, તે મેં અક્ષર સ્વરૂપે અત્રે રજૂ કર્યું છે. આ વાંચીને તમને કશુંક ગમ્યું હોય તો તમારું. મને તો આ લેખન પ્રવૃત્તિની ફળશ્રુતિ રૂપે સંતોષ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.


    હવે પછી અવકાશ વિજ્ઞાનના સંશોધક, ડૉ. કમલેશ લુલ્લા,નો પરિચય કરીશું.

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૪

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    કૃત્રિમ વરસાદ

    પરેશ ૨. વૈદ્ય

    ચોમાસું એક તરફ વાવાઝોડાં અને તેથી આવતી જળરેલનો અનુભવ કરાવે છે તો ક્યારેક તેનાથી વિપરીત અનુભવ કરાવે છે: અનાવૃષ્ટિનો – અભાવનો. કાંઠાના વિસ્તારમાં એપ્રિલની મધયથી આકાશમાં રૂના ગાભા જેવાં સફેદ વાદળો દેખાય છે, તે દુષ્કાળનાં વર્ષમાં મે મહિનાના અંત સુધી ગાયબ રહે છે. અનુભવી ખેડૂત આ ચાળાથી ગભરાય છે. જો પૂરનાં પાણી પહેલે માળે ચઢી આવવાથી ડર લાગતો હોય તો સૂકાં તળાવ, કૂવા અને ખેતરથી પણ ડર લાગે છે. કંઈ ન કરી શકવાની લાચારી બંનેમાં સરખી છે. એક આપત્તિ ટૂંકા ગાળાની છે તો બીજું આખું વરસ રિબાવનારી છે.

    શહેર હો કે ગામડું, પીવાનાં પાણીની તંગી એ મોટો શ્રાપ છે. પરંતુ હાથમાં કોઈ ઉપાય ન હોવાથી લોકો પ્રાર્થના, રામધૂન કે હવન કરી પરિણામના ચમત્કારની રાહ જુએ છે. પશ્ચિમના દેશોમાં થોડા તાર્કિક લાગે એવા અતાર્કિક પ્રયોગો થયા છે. વાદળામાં દબાણ ઊંભું કરવાની આશામાં તેમાં સંખ્યાબંધ ફુગ્ગા ફોડવા કે તોપના ગોળા છોડવાનું લોકોએ કરી જોયું છે. મજબૂરીની આ અવસ્થા વચ્ચે ગઈ સદીની મધ્યમાં કૃત્રિમ વરસાદનો વિચાર આકાર લેવા માંડયો. ૧૯૪૬માં બર્નાર્ડ વેનેગુત નામના વૈજ્ઞાનિકે જોયું કે સિલ્વર આયોડાઈડ (ચાંદીનું એક રસાયણ)ના સૂક્ષ્મ કણો જો પાણીની વરાળ ઉપર છાંટો તો દરેક કણ ઉપર બરફનો સૂક્ષ્મ સ્ફટિક બાઝે છે. વાદળાં પણ વરાળનાં બનેલા હોય તેથી આ ઘટનાએ વિચારની નવી બારી ખોલી.

    બીજા પણ ત્રણ-ચાર પદાર્થો ધ્યાનમાં આવ્યા જેનો છંટકાવ વાદળાં ઉપર કરવાથી વરસવાને તૈયાર ન હોય તેવાં વાદળ વરસવાને લાયક બને છે. અા પ્રક્રિયાને ‘વાદળામાં બીજ મુકવા’ (Cloud seeding) એવું નામ અપાયું છે. સિલ્વર આયોડાઈડ ઉપરાંત સૂકો બરફ (એટલે ઘન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઈડ), સાદુ મીઠું, એલ્યુમિનિયમ સિલીકેટ વગેરે સીડીંગમાં વપરાય છે. કેટલાકે પ્રવાહી પ્રોપેન વાયુ (આપણો રાંધણ ગેસ)નો ઉપયોગ પણ કરી જોયો.

    સીડીંગ :

    પુસ્તકમાં અગાઉ આપણે જોઈ ગયાં છીએ કે ભેજ ઠરીને બનેલાં વાદળને વરસવા માટે યોગ્ય સંજોગો ઊભા થવા જોઈએ. અતિસૂક્ષ્મ જળકણો નીચે ન પડી શકે. એવાં હજારો સૂક્ષ્મ કણો એકઠાં થઈ એવડાં મોટાં બને કે જેને “ટીપાં” કહી શકાય તો તે ગુરૃત્વાકર્ષણની અસર હેઠળ આવી વરસાદરૃપે ધરતી પર પડે. આ માટે તેણે વાદળાંમાં જ ઘણીવાર ઉપરનીચે યાત્રા કરવી પડે છે. બીજી પણ સંકુલ પ્રક્રિયાઓ બને છે.

    સીડીંગ પાછળનો ખ્યાલ એવો છે કે એ પદાર્થના કણો એવાં કેન્દ્રો પૂરાં પાડે છે જેના ઉપર આસપાસ રહેલાં સૂક્ષ્મ જળકણો એકઠાં થાય. વાદળામાં કુદરતી રીતે પણ આવાં કેન્દ્રો હોય તો છે જ, જેવાં કે મીઠાંની કણીઓ, ધૂળ કે એરોસોલ કણો પરંતુ એ અપૂરતાં પડે છે તેથી વરસાદ નહીં પડતો હોય તેવી ધારણા સીડીંગ પાછળ છે. ખાસકરીને જો વાદળાંની ઘનતા ઓછી હોય તેવા સંજોગોમાં ધૂળના કણો અને જળકણો એકમેકથી દૂર હોય; આથી એની એકબીજાંને મળવાની સંભાવના ઓછી હોય છે.

    સીડીંગમાં વપરાતો પ્રત્યેક પદાર્થ પોતપોતાની રીતે મોટાં ટીપાં બનવાની પ્રક્રિયા શરૂ કરે છે. સાદું મીઠું ભેજશોષક છે, તેથી તેની કણી પોતાની આસપાસના ભેજને પોતા ઉપર લપેટાવા દે છે. સિલ્વર આયોડાઈડ અને સૂકો બરફ બીજી રીતે કામ કરે છે. વાદળામાં પાણીના અમુક કણનું ઉષ્ણતામાન બરફ જેટલું ઓછું હોવા છતાં તેનો બરફ બન્યો નથી હોતો. એ પ્રવાહીરૃપે જ હોય છે એટલે તેને ‘સુપર કૂલ’ અથવા સંતૃપ્ત પાણી કહે છે. સૂકા બરફનો ઠંડો (-૭૯ સે.) સ્પર્શ મળવાથી એ થીજીને બરફની કણી બને છે. એકવાર બરફ બને તે પછી તેના ઉપર પાણીના કણો ઠરવા લાગે છે અને પડ ઉપર પડ બરફનાં બનતાં જાય છે. અમુકથી મોટું કદ થાય તો એ નીચે પડવા લાગે છે. ઠંડા દેશોમાં એ કરા રૂપે કે સ્નૉ રૂપે પડે અને ગરમ દેશોમાં એ પડતે પડતે પાણી બની વરસાદ રૃપે વરસે છે.

    સિલ્વર આયોડાઈડ પણ એ જ રીતે કાર્ય કરે છે એની પસંદગી કરવાનું કારણ એ કે તેના સ્ફટિક અને બરફના સ્ફટિકની રચના સરખી છે. આથી સંતૃપ્ત પાણીનો બરફ બને ત્યારે એ સ્ફટિક સહેલાઈથી સિલ્વર આયોડાઈડના સ્ફટિક સાથે જોડાઈ જાય છે. તે પછી ઉપર મુજબ એ સાંકળ ચાલતી રહે છે.

    સિલ્વર આયોડાઈડ જ્યારે પાણીનો બરફ બનાવે ત્યારે ગલનની પ્રચ્છન્ન ઊર્જા ગરમીરૃપે બહાર પડે છે; તેને કારણે વાદળું વધુ ઊંચું જાય છે અને તેથી વધુ ઠંડુ પડે છે. આ પ્રકારની ગતિમાં જળકણો કે બરફના કણોનું કદ વધે છે. બરફની ગોળી અમુક કદથી મોટી થઈ જાય તો તૂટી જાય છે અને ફેલાઈને નવાં કેન્દ્રો બનાવે છે. એ નવા કણો પાસે એ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય અને છેવટે વાદળ વરસે.

    વ્યવહારમાં ઉપયોગ :

    આ વિચારની શોધ પછી શરૂનાં વર્ષોમાં (૧૯૪૯ થી ૧૯૫૨) તેનો ઉપયોગ ઈંગ્લેન્ડ અને અમેરિકામાં બહુ થયો. પરંતુ તેની સફળતા બાબત સ્પષ્ટતા નથી. અમુક અહેવાલ એવા છે કે તેનાથી વરસાદમાં ૧૫ થી ૧૭ ટકાનો વધારો થાય છે પરંતુ આપણા જેવા ચોમાસુ મુલકમાં એની જરૃરત વરસાદ વધારવા માટે નહીં પરંતુ ન આવતા વરસાદને લાવવા માટે છે અને તેમાં સફળતા બહુ નથી દેખાઈ.

    અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યનો એક કિસ્સો રસભર્યો છે. ત્યાં યુબા નામના શહેરે જળવિદ્યુત પ્લાન્ટ માટે વધુ પાણી મળી રહે તે દૃષ્ટિએ એક કંપનીને વાદળાંનું સીડીંગ કરવાનો કોન્ટ્રેક્ટ આપ્યો. પરિણામે ૨૯ ટકા વરસાદ વધ્યો તેવો દાવો કંપનીએ કર્યો, કશા નક્કર આંકડાઓના આધાર વિના જ. બીજી તરફ ક્યુબાના અમુક વિસ્તારમાં પૂર આવતાં ૬૪ મૃત્યુ થયાં અને લોકોએ કંપની પર ૬ કરોડ ડોલરનો નુકશાનીનો કેસ દાખલ કર્યો ! આઠ-દસ વરસ કેસ ચાલ્યા પછી કોર્ટે કહ્યું કે જવાબદારી કંપનીની નહીં, નગરપાલિકાની હતી. આ પ્રસંગ પછી અમેરિકામાં કૃત્રિમ વરસાદના પ્રયત્નો ઠંડા પડી ગયા. તે છતાં ઓસ્ટ્રેલિયાએ ૧૯૬૦ના દાયકામાં પ્રયત્નો કર્યા હતા.

    આપણે ત્યાં પહેલાં પ્રયત્નો મુંબઈમાં થયા. છેલ્લાં ૫૦ વર્ષમાં ત્રણ વાર એવું બન્યું છે કે વરસાદ ખેંચાઈ જતાં શહેર ખાલી કરાવવાની વાતો થવા લાગે. વિમાનથી સૂકા બરફનો છંટકાવ કરવા ઉપરાંત જમીન પરથી જ સિલ્વર આયોડાઈડને વાદળાં તરફ મોકલવાના પ્રયોગ બેત્રણ વાર થયા. મહાનગર પાલિકાને આ કામમાં જાણકાર નાગરિકોએ પણ મદદ કરેલી. પવાઈમાં આઈ.આઈ.ટી. પાછળની ટેકરીઓમાં મોટી મોટી સગડીઓ સળગાવી, તે ઉપર સિલ્વર આયોડાઈડ છાંટવામાં આવેલો. એ વરાળ થઈ આકાશમાં વાદળામાં ભળે. પરંતુ થોડાં ઝાપટાંઓથી વિશેષ કંઈ થયું નહીં. આને વરસાદ લાવવાના પ્રયત્ન કરતાં પ્રયોગ કહેવા વધુ યોગ્ય છે. આમેય મુંબઈને પાણી આપતાં તળાવો ભરવા માટે ધોધમાર વરસાદ પણ પૂરો નથી પડતો તો આ પ્રયત્નો કેટલાક મદદરૂપ થાય!

    આ રીતે આંધ્ર, તમિળનાડુ અને કર્ણાટકની રાજ્ય સરકારોએ પણ આ રીતે વરસાદ લાવવાના પ્રયત્ન કર્યા છે. પરંતુ જેમ આપ સમાન બળ નથી, તેમ કુદરતી મેઘ સમાન જળ આ રીતે મળ્યું નથી.

     બીજાં પ્રયોજનો :

    કૃત્રિમ વરસાદનાં જ્ઞાનનો ઉપયોગ કેટલીકવાર પાણી મેળવવા નહીં પરંતુ બીજા હેતુ માટે કરવામાં આવે છે. આથી આ શાસ્ત્રનું નામ ‘હવામાનમાં ફેરફાર કરવો’ (Weather Modification)એવું પણ અપાય છે. તેનો મહત્ત્વનો ઉપયોગ થંડર-સ્ટૉર્મની અને વાવાઝોડાંની તાકાત ઘટાડવામાં થયો છે. વાવાઝોડાંના નળાકારનાં કેન્દ્રથી થોડે દૂર રહીને, પણ તેની આરપાર વિમાન જાય છે અને સિલ્વર આયોડાઈડ છાંટતું જાય છે. તેનાથી જળબિંદુઓ ઠંડા પડી પાછાં નીચે પડે છે તો બીજી તરફ તેની પ્રચ્છન્ન ઉષ્માને કારણે વાદળાં વધુ ઉપર જાય છે. આથી વાવાઝોડાંની શક્તિ વધારે કદમાં વહેંચાઈ જતાં તેનો ગોળ ફરવાનો વેગ ઘટી જાય છે. આથી તેના દ્વારા થતું નુકશાન ઘટે છે. અમેરિકાએ ‘સ્ટૉર્મ ફ્યુરી’ નામે પ્રોજેક્ટ ચલાવી આવા ઘણા પ્રયોગ કર્યા.

    વાવાઝોડાંની તીવ્રતા ઘટાડવાનો પ્રયોગ

    આને મળતો પ્રયોગ રશિયાએ કરા અને બરફનાં તોફાનની તીવ્રતા ઘટાડવામાં કર્યો છે. અતિશય ઠંડા વાદળમાં કરા બનવા માંડે પરંતુ આયોડાઈડ છાંટવાથી એ વધુ મોટા થવા પહેલાં વરસી જાય છે. અમુકવખત માટે આ રીતે તોફાન નાથવાનાં કામમાં ઘણી કંપનીઓ લાગી હતી અને લાખોનો વ્યવસાય થતો હતો. આ પ્રયોગોમાં વિમાનના પાયલટની હિંમતને દાદ દેવી પડે, જે પ્રયોગ ખાતર જોખમી વિસ્તારમાં ધસી જવા તૈયાર હોય છે.

    ૨૦૨૧માં દુબાઈમાં ગરમી અસહ્ય થઈ જવાથી સરકારે કૃત્રિમ વરસાદ પાડીને ઉષ્ણતામાન ઘટાડવાની ચેષ્ટા કરી.

    વિયેટનામસાથેનાં યુદ્ધમાં અમેરિકા આકાશમાંથી બોંબમારો કરતું અને વિયેટકોંગ ગેરિલા જમીન પર લડતા. આથી અમેરિકાએ કૃત્રિમ વરસાદ ચાલુ રાખી ચોમાસું લંબાવ્યું હતું. જેથી જંગલમાં જમીન પર લડતા ગેરિલા યુવાનોને તકલીફ થાય. વિજ્ઞાનની કોઈ પણ શોધનો ઉપયોગ નકારાત્મક સ્વરૃપે થઈ શકે છે તેનું આ એક વધુ ઉદાહરણ.

    આછી પાતળી સફળતાવાળાં આ ક્ષેત્રે હવે ભારતીય હવામાનખાતાંએ વૈજ્ઞાનિક ઢબે કામ કરવા માટે પડવાનું નક્કી કર્યું છે. તેની એક સંસ્થા, પૂણેની “ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ટ્રોપીકલ મીટીયોરોલોજી” (IITM) હવે કૃત્રિમ વરસાદ માટે સંશોધન કરશે. તેનાં પરિણામો આપણા દેશની જરૃરતોને ટેકો આપશે તેવી આશા રાખીએ.

     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ

    નિસબત

    ચંદુ મહેરિયા

    અમદાવાદ ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાનીનું પ્રબળ દાવેદાર છે. દેશની નેમ છે કે વૈશ્વિક મંચ પર રમત ક્ષેત્રે તે ઉત્કૃષ્ઠ દેખાવ કરે અને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરે. તે માટેના સરકારી પ્રયાસોની દિશામાં એક મહત્વની પહેલ નેશનલ સ્પોર્ટસ પોલિસી ૨૦૨૫ છે. પચીસ વરસો પહેલાંની ૨૦૦૧ની રાષ્ટ્રીય ખેલકૂદ નીતિનું તે સ્થાન લેશે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ૨૦૨૫ની નવી ખેલકૂદ નીતિ અનેક બાબતોમાં નવીન છે. ખેલો ભારત નીતિ તરીકે ઓળખાવાયેલી નેશનલ સ્પોર્ટસ પોલિસીના પાંચ આધારસ્તંભ છે :  ઉત્કૃષ્ટતા, સામાજિક આર્થિક વિકાસ, લોકભાગીદારી અને રમત તથા શિક્ષણનું એકીકરણ. ભારતને વિશ્વસ્તરે અગ્રણી રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ પોલિસી પરિવર્તનકારી પહેલ લાગે છે. તેનો ઉદ્દેશ માત્ર રમતવીરો તૈયાર કરવાનો જ નથી પરંતુ અધિક સશક્ત, સ્વસ્થ અને સક્રિય નાગરિકો તૈયાર કરવાનો છે. તેનું એક લક્ષ ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાનીનું છે તો ૨૦૪૭માં દેશની સ્વતંત્રતાની શતાબ્દી વખતે ભારતને વિશ્વના પાંચ અગ્રણી રમત રાષ્ટ્રોમાં સ્થાન અપાવવાનું પણ છે. રમત પરિદ્રશ્યને નવો આકાર આપવા તાકતી સ્પોર્ટસ પોલિસી રમતના માધ્યમથી લોકોને સશક્ત બનાવવા સાથે દેશને વૈશ્વિક ખેલ મહાશક્તિ તરીકે સ્થાપવાની ઉમેદ રાખે છે.

    આંતરરાષ્ટ્રીય રમત હરીફાઈઓમાં સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે દેશમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધવા, તેમને ઉત્તમ તાલીમ આપી સ્થાનિકથી વૈશ્વિક રમતો માટે તૈયાર કરવા તે ખેલકૂદ નીતિની પ્રાથમિકતા અને પહેલું પગથિયું છે. આ માટે ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં રમતગમતના મૂળભૂત માળખા ઉભા કરાશે. વિશ્વસ્તરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. રમતવીરોના ઉત્કૃષ્ટ દેખાવ માટે વિજ્ઞાન ,આરોગ્ય અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.સામાજિક અને આર્થિક વિકાસ સાથે રમતોને જોડવામાં આવશે. સ્પોર્ટસ ટુરિઝમમાં વૃધ્ધિ, આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધાઓનું આયોજન, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કે સીએસ આરના માધ્યમથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને સહયોગ જેવાં આર્થિક પગલાં તો સામાજિક સમાવેશન થકી સમાજિક વિકાસ સધાશે. આદિવાસી, નબળાવર્ગો, દિવ્યાંગો અને મહિલાઓને રમતક્ષેત્રે આગળ આવવા ખાસ પ્રોત્સાહિત કરવામાં આવશે.. દેશી અને પારંપરિક રમતોને ઉત્તેજન આપવામાં આવશે. ખેલકૂદને લોકઆંદોલન બનાવવામાં આવશે. તે માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશો અને સમુદાય આધારિત કાર્યક્રમો કરવામાં આવ્શે. ૨૦૨૦ની શિક્ષણ નીતિને અનુરૂપ શાલેય પાઠ્યપુસ્તકોમાં રમતગમતને સામેલ કરવામાં આવ્શે.

    નવી ખેલકૂદ નીતિના સરકારક અમલ માટે તબક્કાવાર વિચારણા થવી જરૂરી છે. પોલિસીમાં કાયદાકીય માળખા સહ રમતગમતના વહીવટ માટે મજબૂત નિયામક તંત્ર સ્થાપિત કરવાની દરખાસ્ત છે. તે પ્રમાણે સંસદના  વર્ષાસત્રમાં નેશનલ સ્પોર્ટસ ગવર્નન્સ બિલ ૨૦૨૫ રજૂ થયું હતું. આ બિલમાં રમતોના વિકાસ અર્થે નેશનલ સ્પોર્ટસ બોર્ડ, નેશનલ સ્પોર્ટસ ઈલેકશન પેનલ અને નેશનલ સ્પોર્ટસ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવાની જોગવાઈ છે. સરકારના વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્યસરકારો, નેશનલ સ્પોર્ટસ ફેડરેશન, એથ્લિટ્સ, સ્પોર્ટસ એકસપર્ટ્સ અને લોકો સાથેના પરામર્શથી તૈયાર થયેલી રાષ્ટ્રીય ખેલકૂદ નીતિની સફળતા માટે જરૂરી નાણાકીય જોગવાઈ થવી જોઈએ. ભારત સરકારનું ચાલુ નાણાકીય વરસનું સ્પોર્ટસ બજેટ રૂ.૩૭૯૪ કરોડનું છે. તેમાંથી વિપક્ષી રાજ્યોને પણ ન્યાયી ફાળવણી થવી ઘટે.એ જ રીતે મોટા ભાગના રમત  સંઘો પર રાજકારણીઓનો કબજો છે. તે દૂર થાય અને ખેલાડીઓની પસંદગીમાં રાજકીય દખલ ન રહે તો જ સારૂ પરિણામ મળી શકે.

    રમતના ક્ષેત્રે સરકાર અને સમાજણું યોગદાન એકંદરે સંતોષજનક છે. ૧૯૫૧માં ભારતમાં પહેલી એશિયન ગેમ્સનું આયોજન થયું હતુ. ૧૯૫૪માં ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોર્ટ્સની રચના થઈ હતી.ભારત સરકારનું  યુવા અને  રમત મંત્રાલય ૧૯૮૨માં શરૂ થયું હતુ. ૨૦૦૦ના વરસમાં તેને પૂર્ણ મંત્રાલય મળ્યું હતું. ૧૯૮૪માં પહેલી ખેલકૂદ નીતિ ઘડાઈ તે પછી ૧૯૯૭ અને ૨૦૦૧માં ઘડાઈ હતી અને હવે ૨૦૨૫માં નવી નીતિ બની છે. ૧૯૮૬માં સ્પોર્ટસ આથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી.વૈશ્વિક આર્થિક પ્રવાહોની પણ રમતોને અસર થાય છે. ૧૯૯૧ની નવી આર્થિક નીતિ અને કેબલ ટેલિવિઝનના આગમન પછી રમતોમાં ક્રિકેટ ઉપરાંત  બીજી રમતો તરફ લોકોનું ધ્યાન ગયું છે. સરકારના વિવિધ અભિયાનો (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ,૨૦૧૪, ખેલો ઈન્ડિયા, ૨૦૧૭ અને  ફિટ ઈન્ડિયા, ૨૦૧૯ )એ પણ લોકોની રમતરૂચિ અને ભાગીદારી વધારી છે.

    પ્રાથમિક માધ્યમિક શાળા કક્ષાએથી જ પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તો સફળતાની તક વધુ રહે છે.પરંતુ માતા-પિતા અને શાળાઓ કે એકંદર સમાજ શિક્ષણની તુલનાએ સ્પોર્ટ્સને કેરિયર માનતા નથી. શાળા-કોલેજોમાં પણ રમત કોઈ મુખ્ય નહીં પણ વધારાની પ્રવૃતિ છે. તેને લીધે પાકા ઘડે કાંઠા ચડાવવા અઘરા બને છે. વળી બધાને વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જ બનવું છે. બીજી રમતો પ્રત્યે ઝોક ઓછો રહે છે. ભારતના સ્પોર્ટસ માર્કેટમાં ક્રિકેટનો હિસ્સો ૮૭ ટકા છે અને બાકીની સઘળી રમતો ૧૩ ટકામાં આવે છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને અન્ય રમતોને પ્રાથમિકતા આપવી બહુ અઘરી છે.

    અનેક વિવિધતા અને અસમાનતા ધરાવતા આપણા આ વિશાળ દેશમાં સમાવેશન પણ બહુ મુશ્કેલ બને છે. સમાજના નબળા વર્ગો, પૂર્વોત્તર ભારત , આદિવાસીઓ અને મહિલાઓને સમાવવાની નીતિમાં ઘોષણા છે. પરંતુ તે માટેનો કોટા પર્યાપ્ત છે ખરો? ૨૦૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વાર ૧૧૭ એથલિટ્સ મોકલ્યા હતા. આઝાદી પછીની આ સૌથી મોટી સંખ્યા હતી. પરંતુ એ જ ઓલિમ્પિકમાં અમેરિકાના ૫૯૪, ફ્રાન્સના ૫૭૨, ઓસ્ટ્રેલિયાના ૪૬૦ એથ્લિટ્સ હતા. એટલે ૧૪૦ કરોડની આબાદીના આપણા દેશમાંથી પ્રતિભાઓની ઓળખ, તાલીમ અને તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સુધી પહોંચાડવાની વહીવટી અને રાજકીય ઈચ્છાશક્તિ મહત્વની છે.

    નવી રમત નીતિ દેશમાં રમતો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા અને તેને વ્યાપક જન આંદોલન બનાવવાનું ધ્યેય રાખે છે. આ માટે દેશમાં સગવડો કેટલી છે તે પણ લાખેણો સવાલ છે. અમદાવાદને ઓલિમ્પિક રમતોનો આયોજન કરવાનું મળે તેનાથી હરેક ભારતીય ગદગદ હશે.પરંતુ અમદાવાદની ૮૫ ટકા શાળાઓ પાસે રમતના મેદાનો જ નથી. તેનું શું? . નવી શાળા શરૂ કરવા માટે શાળાના કુલ વિસ્તારનો ૩૦ થી ૪૦ ટકા ભાગ રમતના મેદાનનો હોવો જોઈએ તેવું સરકારી કાયદો કહે છે. પરંતુ કેટલી બધી શાળા-કોલેજો તો શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચાલે છે નહીં ? જો શાળા-કોલેજને પૂરતા વર્ગખંડો જ ન હોય તો મેદાનની તો વાત જ ક્યાંથી ભલા?. વળી માત્ર ખાનગી કે અનુદાનિત શાળાઓને જ નહીં સરકારી શાળાઓને પણ રમતના મેદાનો નથી.  રમતના મેદાનો વિના ક્યાં રમશું? બિહાર સરકારે  રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પોતાનું રમતનું મેદાન હોય તેની યોજના ઘડી છે. બિહારની ૩૩૮૪ ગ્રામ પંચાયતોમાં રમતના મેદાનોનું કામ પૂરૂ થયું છે. આ મોડેલ આખા દેશે અપનાવવ જેવું નથી શું?

    ભારતના લોકો રમતોના અઠંગ ચાહકો છે તે વિશે કોઈ બેમત નથી. આપણે આ સ્પોર્ટ્સ લવિંગ ઈન્ડિયાને સ્પોર્ટસ પ્લેઈંગ ઈન્ડિયા બનાવવાનું છે. તે કામ એકલી સરકારનું નથી. સૌનો સહયોગ હશે તો રમતપ્રેમી ભારત રમતું ભારત બની શકશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૨

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    જે પ્રવાસીને બધ્ધે જવાનું મન થયા કરતું હોય, તેને માટે દુનિયા અઘરી બનતી જાય છે, કારણકે નાના નાના બધા દેશોમાં ફરી વળવું કેવી રીતે? નાનકડા દેશો પણ બહુ સરસ હોઈ શકે છે, પ્રવાસીના મનને તો જરૂર આકર્ષી રહે છે.

    એવા એક નાનકડા દેશમાં જવાની તક ઊભી થઈ ત્યારે મને બહુ ખુશી થઈ. એ દેશ તે ગયાના. કોઈ લોકો એને ગુયાના પણ કહેતા હોય છે. એનું નામ તો સાંભળ્યું જ હતું. જવાનું મન પણ હોય જ, પણ એમ ને એમ જઈ ચઢવાનું બને નહીં.

    પણ જ્યારે સાંભળ્યું, કે અમેરિકાના ઓહાયો રાજ્યમાં વસતાં કેટલાંક ઇન્ડિયન ડૉક્ટરોની એક ટુકડી ગયાના જવાની હતી, ત્યારે તરત, એમના મદદગાર તરીકે, મેં પણ નામ નોધાવ્યું. એક દેશ જોવા તો મળે જ, પણ ત્યાંના સમાજને મદદરૂપ પણ થઈ શકવાનો વિચાર મને ખૂબ સ્પર્શી ગયો.

    બસ, આ પછી તરત ટિકિટ ખરીદવામાં કોઈ વાર કરી નહીં. ન્યૂયૉર્કથી ગયાના જવું હોય તો ક્યાંતો ટ્રિનિડાડ ટાપુ-દેશ, ક્યાંતો પનામા થઈને જવું પડે. ન્યૂયૉર્કથી કોઈ સીધી ફ્લાઇટ છે જ નહીં, સિવાય કે ગયાનિઝ લોકો માટે ક્યારેક જતી ચાર્ટર ઍર-સર્વિસ.

    ત્રણેક મહિના પહેલાં જ, હું ટ્રિનિડાડ અને ટૉબૅગો દેશમાં બીજી વાર જઈ આવી હતી. ત્યાંનાં મિત્રોને ફરીથી મળી આવવાની ઇચ્છા થઈ તો ગઈ, પણ બીજી બાજુ, મને પનામા ગયે તો ઘણાં વર્ષો થયાં હતાં. ફરીથી ત્યાં જવાની, અને ત્યાં રહેલાં મિત્ર-કુટુંબને મળી આવવાની આ તક વધારે સારી લાગી.

    તેથી, મેં ન્યૂયૉર્કથી પનામા થઈને ગયાના જવાની ફ્લાઇટ નક્કી કરી. આ ગ્રૂપમાંનાં બાકીનાં બધાં બીજી ફ્લાઇટો લેવાનાં હતાં, અને મારી પહેલાં ગયાનાના મુખ્ય શહેર જ્યૉર્જ ટાઉન પર પહોંચી જવાનાં હતાં. એકલાં જવાની મને તો વર્ષોની ટેવ છે, તેથી એવી કોઈ ચિંતા મને હતી નહીં.

    નીકળવાનું હતું તે આખી રાત ઊંઘ વગર જ ગઈ, કારણકે હું તો રાતે અગિયાર વાગ્યે ન્યૂયૉર્કના વિમાન-મથક પર પહોંચી ગઈ, પણ ફ્લાઇટ ઊપડવાની હતી વહેલી સવારે પોણા બે વાગ્યે. પછી પનામા સિટીના મથક પર બે-અઢી કલાક થોભવાનું હતું. ત્યાંથી જ્યૉર્જ ટાઉન માટે ફ્લાઇટ બદલવાની હતી.

    પનામાનો સમય ન્યૂયૉર્કથી એક કલાક પાછળ. ત્યાંના સવા પાંચ વાગ્યે સૂરજ હજી બહાર નીકળી નહતો આવ્યો. ઍરપૉર્ટ પરનાં કાફૅ અને દુકાનો હજી માંડ ખુલી રહ્યાં હતાં. તોકુમેન આંતર્રાષ્ટ્રીય વિમાન-મથક એકદમ નવું, અને ખૂબ મોટું છે. એક ફ્લાઇટમાંથી બીજી ફ્લાઇટ લેવા માટે લાંબું લાંબું, એક માઇલ જેટલું ચાલવું પડ્યું. પછી ક્યાંક બેસીને એકાદ કલાક હું ઊંઘી ગઈ.

    સવારના સાત થતાંમાં પનામા દેશ પરનું આકાશ ચમકતું ભૂરું હતું. હલકાં સફેદ વાદળો એમાં ફરતાં હતાં. એક તરફ પર્વતો હતા. એમની બે હરોળ મને દેખાતી હતી. પનામામાં કેટલા પહાડો હતા, તે હું ભૂલી ગઈ હતી. નજીકમાં દેખાતી ભૂમિ લીલીછમ હતી. ક્યાંક થોડી નાળિયેરીનું એકલવાયું ઝુંડ હતું.

    આ બધાંની દૂર પનામા સિટી રહેલું હતું – અતિઆધુનિક, ધબકતું, વિકસતું. મને એ ફરી વાર જોવા મળવાનું હતું, પણ થોડા દિવસ પછી.

    ઍરપૉર્ટ હવે બરાબર જાગી ગયું હતું. સવારે અસંખ્ય ફ્લાઇટ ત્યાંથી નીકળતી હતી – સૅન્ટ્રલ અમેરિકાનાં અનેક શહેરોમાં જવા. બૉર્ડ પર આવતાં નામો હું વાંચતી રહી – મનાગ્વા, આસૅન્સિયૉન, તેગુચિગલ્પા, ગ્વાયાકીલ; આહા, અને ત્યાં ત્યાંની મારી સફરોને કુમાશથી યાદ કરતી રહી. કેવાં કેવાં સાહસ કર્યાં છે!

    અમેરિકા, કૅનૅડા, યુરોપ વગેરે તરફ જતી ફ્લાઇટો માટે બીજો એરિયા હતો. આખી દુનિયામાંથી આવેલા લોકોની ખૂબ અવરજવર ચોતરફ થઈ ગઈ હતી.

    કોણ જાણે કયા કારણે, પણ મેં એક વાર ડિપાર્ચર બૉર્ડ પર નજર કરી, અને અવશ્ય જ, ગયાના જતી મારી ફ્લાઇટનો ગેટ નંબર બદલાઈ ગયેલો. એનો અર્થ એ, કે મારે હવે ઉતાવળે એ ગેટ પર પહોંચવું જોઈએ. ફરી લાંબું લાબું, એક માઇલ જેટલું ચાલવું પડ્યું. વહેલી સવારે જ્યાં ઊતરી હતી, ત્યાં જ ફરીથી પહોંચી. ખૂબ ભીડ થઈ ગઈ હતી ત્યાં તો.

    ગયાના જતું આ વિમાન સાંકડું ને લાંબું હતું. એમાં સાડા ત્રણ કલાક જવાનું હતું. બેઠાં બેઠાં, થોડી વાર આંખ મિંચાઈ ગઈ. ગયાનાનો સમય ન્યૂયૉર્ક જેવો જ હતો. સારું થયું, કે મેં ઘડિયાળમાં હજી બદલ્યો નહતો.

    આકાશમાં વરસાદી વાદળ છવાયાં હતાં, પણ હલકાં જેવાં હતાં, ડરામણાં નહતાં. વિમાન નીચું, જમીનની નજીક ગયું ત્યારે વાદળ આછાં થયાં, અને સૂરજનું તેજ નીકળી આવ્યું. બધી બાજુએ ગીચોગીચ લીલું હતું. કદાચ, ગયાના જેને માટે જાણીતું છે તે જંગલો હશે. ને પછી પણ ગાઢ લીલોતરી રહી. ક્યાંક વચમાં નાના મકાન જેવું દેખાય, પણ ખેતી જેવું ક્યાંય ના દેખાયું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ગયાનાનું મુખ્ય વિમાન-મથક ત્યાંના પૂર્વ-પ્રમુખ ચેડી જગાનના નામ પરથી ઓળખાય છે. ૧૯૯૭માં, એમના મૃત્યુ પછી આ નામ પાડવામાં આવ્યું હતું. મથકનું મકાન કોઈ બંગલા જેવું લાગે. એને ઘણું મોટું, તેમજ મૉડર્ન બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.

    આગમન ખંડની જગ્યા સાવ નાની હતી, અને પાસપૉર્ટ-તપાસનું કામકાજ ધીમું હતું. હું બહાર આવી ત્યારે સામાન આવી ગયો હતો. મેં આમતેમ નજર કરી, તો મારું નામ લખેલો કાગળ લઈને એક ભાઈ ઊભેલા. તરત જ, એમની સાથે હું બહાર નીકળી આવી. ત્યાં જ રસ્તો, ને ત્યાં જ ગાડી ઊભી રાખેલી. ન્યૂયૉર્કના ખૂબ મોટા ઍરપૉર્ટની ધમાલ પછી, આ બધું એવું તો નાનું ને નિરાંતનું લાગે.

    હવે જ્યૉર્જ ટાઉન શહેર સુધીનો ચાલીસેક કિ.મિ.નો માર્ગ પણ, આમ ધીમે ધીમે જ, કપાવાનો હતો.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સોમ્ય પ્રભાવની ધારિણી : દ્રોપદી

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    મહાભારતની ગૌરવશીલ નાયિકા દ્રૌપદી જન્મથી માંડીને મૃત્યુપર્યત એક વિરલ સ્ત્રી છે. રામાયણની સીતાની જેમ એ પણ અયોનિજા છે. પિતાએ કરેલા યજ્ઞના અગ્નિમાંથી એક ઝબકારની જેમ તે જાગી છે, સંસારપ્રવાહમાં વહી છે ને હિમાલયમાં ગરક થઈ ગઈ છે. વ્યાસે દ્રૌપદીને સાદ્યંત એક પ્રતીક તરીકે ઉપસાવી છે.

    અગ્નિજયા દ્રૌપદી (૧૯૪૦નું એક ચિત્ર)

    દ્રૌપદીનું પાત્ર ભાવકને માટે આદરમિશ્રિત વિસ્મય પ્રેરે તેવું છે.અગ્નિપુત્રી હોવાને નાતે દ્રૌપદીને મહાભારતનું આક્રમક પાત્ર માનવામાં આવ્યું છે, પણ મહાભારતનું દર્શન કરતાં આ માન્યતા તદ્દન ભ્રામક ઠરે છે. વ્યાસે આ પાત્રને ભારે જતનપૂર્વક ઉપસાવ્યું છે. દ્રૌપદી સાચા અર્થમાં સ્ત્રી છે – સંપૂર્ણ સ્ત્રી. સ્ત્રીમાં પ્રકૃતિદત્ત રીતે હોવા જોઈતા કુલીનતા, શાલીનતા, ધૃતિ, લજજા જેવા ગુણોની એ સ્વામિની છે. એના પાત્રમાં રહેલાં આ જીવનમૂલ્યો એ યુગે અપેક્ષેલાં છે કે તત્કાલીન છે એવું નથી. અનેક સંદર્ભે વ્યાસે આ મૂલ્યોનું સર્વકાલીન અર્થઘટન કર્યું છે. એ અર્થઘટનને તપાસતાં દ્રૌપદીનાં સ્ત્રીત્વનો વ્યાપ આધુનિક યુગ સુધી વિસ્તરે તેવો જણાય છે.

    દ્રૌપદીનો જન્મ અનાયાસે વેરની સામે વેરના વિચારમાંથી થયો છે એ સાચું. દ્રોણે કરેલા પરાભવથી અપમાનિત થઈને રાજા દુપદે દ્રોણાચાર્યનો વધ કરે તેવા પુત્રની ઇચ્છાથી યજ્ઞ કરાવ્યો છે. આ યજ્ઞને પરિણામે ધૃષ્ટદ્યુમ્ન પ્રગટ થયો ને એની સાથે દ્રૌપદી જોડકાં રૂપે પ્રગટી છે. જાણે એ આવી ચડી છે. આથી જ કદાચ એ આ જગતમાં સમાઈ ન શકે એવું એનું વ્યક્તિત્વ છે. દ્રૌપદી આ અર્થમાં જાણે કે આગંતુક છે. દ્રૌપદીના પ્રાકટ્યની ક્ષણે વ્યાસે તેનો પ્રથમ પરિચય આ રીતે આપ્યો છે : ‘તે યજ્ઞવેદીમાંથી જ સારા ભાગ્યવાળી, દર્શનીય અંગવાળી અને પ્રફુલ્લ તથા સુંદર અને
    શ્યામ નેત્રવાળી કુમારી પાંચાલી પણ પ્રગટી !’ પ્રાકટ્યના આ પ્રસંગને વધાવતાં વ્યાસ જેવો ઋષિ એ ક્ષણે સંપૂર્ણ કવિ બનીને ઉલ્લસિત ચિત્તે આગળ કહે છે, “તે શ્યામા કમલપત્ર જેવાં લોચનવાળી હતી, તેના વાળ નીલા ને વાંકડિયા હતા, નખ્‌ ઊંચા ને તામ્રરંગી, ભ્રમર સોહામણી… જાણે સાક્ષાત્‌ દેવકન્યા માનવીરૂપ ધરી ત્યાં આવી હતી !’ સામાન્ય રીતે નાયિકા ગૌરવર્ણની દર્શાવાય, પણ દ્રૌપદી શ્યામા છે. તેની શ્યામ કાંતિને વ્યાસે અનેકવાર અભિનંદી છે.

    દ્રૌપદીની અસામાન્‍્યતા ત્રણ રીતે જોવા મળે છે : તેનું પ્રાકટ્ય, તેનું લગ્ન ને છેલ્લે તેનું જીવનદર્શન.

    દ્રૌપદીની હેસિયતને જાણતા મહર્ષિ વ્યાસ સ્વયંવર સમયે પાંચ પતિઓને દ્રૌપદી સાથે પરણાવતાં ખચકાટ અનુભવતા દ્રૂપદને દ્રૌપદીનો પરિચય આપતાં જશાવે છે. ‘જેનું રૂપ સૂર્ય અને ચન્દ્ર જેવી કાન્તિવાળું છે અને જેની સુગંધ કોશ સુધી પહોંચે છે તે સ્ત્રી શું તારા પૂર્વકર્મથી જ અને દૈવયોગ વિના જ આ પૃથ્વીતલમાંથી પ્રગટી છે ?’ મહાભારતનું આ એક જ પાત્ર એવું છે જેમના માટે વ્યાસે આટલી મુખરતાથી વાત કરી હોય.

    સ્વયંવર સુધીની ઘટનાઓ દરમિયાનનો દ્રૌપદીનો પરિચય માત્ર સ્થૂળ વર્ણનને આધારે જ જોવા મળે છે. પાત્ર તરીકે એનો પ્રવેશ જરૂરથી આપણને એવા વહેમમાં નાખે કે એ ગર્વિલી છે. લક્ષ્ય સાધતા કર્ણને માટે “હું સૂતપુત્રને નહીં વરું’ એવી જાહેરાત એ ભર્યા મંડપ વચ્ચે કરે છે. અહીં દ્રૌપદી ઘમંડી નહીં પણ માનુની તરીકે પ્રવેશ કરે છે. જીવન વિશેના એના કેટલાક સ્પષ્ટ ખ્યાલો છે તેનો પહેલવહેલો પરિચય અહીં થાય છે. આમ કહેવા પાછળ કર્ણનું અપમાન કરવાનો એનો ઇરાદો નથી પણ પોતાની કક્ષાની સ્પષ્ટતા માત્ર છે. સ્વયંવર પહેલાં ધૃષ્ટદ્યુમ્ને ‘કુળવાન’ એવો શબ્દ વાપરીને કોણે ઊભા થવાનું છે એની સ્પષ્ટતા કરી જ છે.

    મહાભારતનું દર્શન કરતાં દેખાય છે કે દ્રૌપદી જેવી કલ્પવામાં આવી છે એવી મુખર નથી. એ મિતભાષી છે, વશચિત્ત છે. આ સદ્‍ગુણો એનામાં માત્ર વિક્સતા ન રહ્યા નથી પણ વખ્ત આવ્યે દેખાયા છે. કર્ણને નહીં પરણવાનો એણે લીધેલો નિર્ણય જેટલો સ્પષ્ટ છે એટલું જ વિસ્મય પ્રેરે એવું પાંચ પતિઓને પરણવા અંગે સેવેલું મૌન છે. પિતા દ્રુપદ અકળાય છે, સભા વચ્ચે પાંડવો, ધ્રુવપદ અને વ્યાસની આ અંગે ચર્ચા પણ થઈ છે. પણ જાજવલ્યમાન, માનુની એવી દ્રૌપદી આ પ્રસંગે કંઈ જ બોલતી બતાવાઈ નથી. અર્જુન એને જીતીને કુંભારને ઘેર લઈ જાય છે ત્યારથી માંડીને લગ્ન સુધી દ્રૌપદીનો કોઈ જ મનોભાવ નોંધાયો નથી. ઊલટું, આ આખા પ્રસંગ દરમ્યાન તેની અવસ્થા પ્રસન્નચિત્ત રહી છે. આથી એટલૂં તો સ્પષ્ટ થાય જ છે કે આ લગ્ન એના પર લદાયું હોય એવું લાગતું નથી. મહાભારતના અંત સુધી તે સુધી પોતાના પાંચેય પતિઓથી એ ગૌરવ પામી છે. આ ઘટના દ્રૌપદીના સંદર્ભે  વિલક્ષણ ગણાય તેવી છે.

    અનેક દુ:ખોનું ભાજન બનેલું હોવા છતાં દ્રૌપદીનું પાત્ર ભાગ્યવાન છે એમાં તો બે મત જ નથી. પાંડવોનાં દ્રૌપદી પ્રત્યેના પ્રેમ ને નિષ્ઠા પણ અજોડ છે. દેવર્ષિ નારદના કહેવાથી પાંડવોએ દ્રૌપદી સાથેનો ચોક્કસ પ્રકારનો વ્યવહાર નક્કી કર્યો છે. દરેક પતિની સાથે વર્ષ ગાળતી દ્રૌપદી એ સમયગાળા દરમિયાન બીજા પતિઓની ભાર્યા ન રહે એટલું જ નહીં પણ એના એકાંતનો પણ કોઈ ભંગ ન કરે એ શરતમાં પાંડવોએ દ્રૌપદીનાં શીલનું અસાધારણ ગૌરવ કર્યું છે એમ જ કહેવાય. પાંડવો સાથેનાં દ્રૌપદીનાં ધ્રમ્પત્યને બિરદાવતાં આથી જ કવિ વ્યાસે સહર્ષ નોંધ્યું છે, ‘સરોવરવાળી વનભૂમિ અને હાથીઓ જેમ એકબીજાથી પ્રસન્ન રહે તેમ પાંડવો કૃષ્ણાથી ને કૃષ્ણા પાંડવોથી પરમ પ્રસન્ન હતાં.’ પાંચ પતિઓ ધરાવતી દ્રૌપદી માટે દામ્પત્યજીવનની કોઈ વિષમતા નોંધાઈ નથી.

    દ્રૌપદીના જીવનની કરુણતા કહેવી હોય તો એ એક જ છે – તેના જેવી માનુની ને કુલીન સ્ત્રીનું કુરુસભામાં શાણા પુરુષોની વચ્ચે થયેલું અપમાન – ઘોર અપમાન. આ એક જ ઘટનાએ કરીને એ વિખેરાઈ ગઈ છે. એના વિખેરાઈ જવામાં પણ એનું દર્શન તો અખંડ જ રહે છે.

    મૂળ ગ્રંથને તપાસવાના અભ્યાસના અભાવે આપણે ત્યાં દ્રૌપદી વિશે એક ઘટનાછળ ઊભું થયું છે. યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞમાં આવેલા દુર્યોધને ધર્મરાજનો મયધાનવે ઊભો કરેલો અદ્ભુત મહેલ જોયો. આ મહેલને જોતી વખતે દુર્યોધન જળ-સ્થળનો ભેદ ન કરી શક્યો. પરિણામે દ્રૌપદીની મજાકનો ભોગ બન્યો ને દ્રૌપદીએ એના માટે “આંધળાનો પુત્ર આંધળો જ હોય’ એવી હાંસી કરી. આ હાંસીના ઉત્તરરૂપે વસત્રાહરણની ઘટના સરજાઈ તે. પણ વ્યાસે આવો કોઈ પ્રસંગ નોંધ્યો નથી. તેમના કથન મુજબ તો દુર્યોધન મહેલ જોતી વખતે જળ- સ્થળનો ભેદ કરી શકતો નથી ત્યારે ભીમ આદિ ચારેય ભાઈઓ હસ્યા છે. વાફૂબાણોથી તો આ ભાઈઓએ પણ દુર્યોધનને વીંધ્યો હોવાનું નોંધાયું નથી. દ્રૌપદી તો આ ઘટના સમયે ત્યાં ઉપસ્થિત જ નથી. આમ, દ્રૌપદીના પાત્ર સાથે ધમંડનું ગુરલક્ષણ વણાઈ જવાનું આ મોટું કારણ દૂર થતાં એના પાત્રને વધારે નિકટતાથી પામી શકાય છે. દ્રૌપદી જેવી અસામાન્ય નારી આવું હલકું વિધાન ન જ કરે એ તો એની હેસિયતને જોતાં સહેજે સમજી શકાય.

    દ્રૌપદીનું જીવન સતત પ્રવાહી રહ્યું છે. કેવા કેવા પ્રસંગોની વચ્ચેથી એણે પસાર થવાનું આવ્યું છે ! જીવનની વિષમ પળોમાં પણ સ્થૈર્ય સાચવવાની કલા દ્રૌપદીને હસ્તગત છે. એનું અપ્રતિમ બાહ્ય સૌંધર્ય આ ક્ષણે એના આંતરિક સોંદર્ય સાથે ભળીને તેના પાત્રને અખંડત્વ અર્પે છે. દ્યુતમાં કૌરવો દ્વારા એ જિતાઈ ત્યારે દુર્યોધનનો સેવક  લેવા ગયો ને સભામાં આવવા જણાવ્યું ત્યારે દ્રૌપદી કહે છે, “વિધાતાએ સાચે જએવું વિધાન નિર્મ્યુ છે કે, જ્ઞાની અને મૂર્ખ બંનેને સુખદુઃખનો સ્પર્શ થાય છે.” પણ લોકમાં એક ધર્મ જ પરમ શ્રેષ્ઠ કહેવાય છે. તેથી રક્ષા પામી રહેલો તે ઘર્મ અમને શાન્તિ પમાડશે.’ તેનું આવું તાટસ્થ્ય આ ક્ષણે પણ તેને ઘમંડી ઠેરવે એવું નથી. આ ક્ષણે એ યુધિષ્ઠિરની ભાર્યા સાબિત થાય છે. આટલું કહ્યા પછી એં ઉમેરે છે “આવો ધર્મ કૈરવોને પણ તજો.” વસ્ત્રાહરણના સંકટની શરુઆતથી જ વ્યાસે ભાવકોને દૌપદીનો એક કલ્યાણી સ્ત્રી તરીકે પરિચય આપી દીધો છં.

    દ્યુતના સારાય માહોલથી દ્રૌપદીને ઘૃણા જન્મે છે પણ તેથી કરીને યુધિષ્ઠિર પ્રત્યે રોષ નથી. તેણે સભા મધ્યે કરેલો પ્રશ્ન “હારેલા પતિ પોતાને દાવમાં કેમ મૂકી શકે’ એનો વિષાદ જ માત્ર દેખાય છે. યુધિષ્ઠિરને બહુ નજીકથી ઓળખે છે. જ્યેષ્ઠ પતિ પ્રત્યે એને અપાર આદર છં. આથી સભાને સંબોધીને એ કહે છે, “મહાત્મા ધર્મરાજ ઘર્મનિષ્ઠ છે અને સૂક્ષ્મ એવા ધર્મને નિપુણૉ જ પામી શકે છે. હું સ્વામીના ગુણને દૂર કરીને તેમના પરમાણુ જેટલાય દોષને જીભે આવવા દેવા ઇચ્છતી નથી. પાવરધા,અનાર્ય, દુષ્ટાત્મા, કપટખોર એવા જુગારના રસિયાઓ સામે ઓછા અબ્યાસવાળા રાજા હારી ગયા; તો મને આ સભામાં બોલાવીને (સૌને) સફળ મનોરથવાળા કેમ કર્યા?’ આ કુરુસભાના શ્રેષ્ઠ પુરુષો દ્રૌપદીને વિવશસ્થિતિમાં જોઈ રહ્યા છે એ આખીય વાત દ્રોપદી કાળના પલટાતરીકે જૂએ છે. આ સાક્ષીભાવે કરીને  તે સુખદુઃખનાં દ્વન્દ્વોથી એ ઉપર ઊઠી શકી છે. વસ્ત્રાહરણ થઈ શક્યું નહીં એ જ પણણી ક્ષણે એ કુરુવૃદ્ધોને પ્રણામ કરતાં કહે છે, ‘આ પહેલાં હું આપને પ્રણામ કરી શકી નથી ને એમાં મારો અપરાધ પણ નથી.’ એ સ્થિતિ જ એવી છે કે શિસ્તનો આચાર એનાથી વ્યક્ત કરી શકાયો નથી. વસ્ત્રાહરણના પ્રયત્નની ક્ષણોમાં આટલું નિર્મમ રહેવું એ વસ્ત્રાહરણ ન થયું એન! કરતાં ય મોટો ચમત્કાર ગણી શકાય.

    સત્ય અને ધર્મનાં સૂક્ષમ તલને જાણનારી દ્રૌપદીએ સભામાં ધૃતરાષ્ટ્ર સાથે પણ સૌમ્ય અને સંયત વ્યવહાર કર્યો છે. દ્રૌપદી રખેને નારાજ થઈ બેસશે એવા ડરથી ધૃતરાષ્ટ્ર એને વરદાન  માગવા કહે છે.ત્યારે પણ પોતાનું ઐશ્વર્ય માગવાને બદલે દ્રૌપદી યુધિષ્ઠિરની મુક્તિ માગે છે. બીજું વરદાન માગવા જણાવતા ધૃતરાષ્ટ્રને તે બીજા ચારેય ભાઈઓને મુક્ત કરવાનું કહે છે. આથી પ્રસન્ન થઈને ધૃતરાષ્ટ્ર તેને ત્રીજું વરદાન માગવાનું કહે છે ત્યારે દ્રૌઅપદીનો વિવેક મનનીય બની રહે છે.  તે કહે છે. ‘ લોભ ધર્મનાશનું મૂળ છે તેથી મને એનો ઉત્સાહ નથી. હું ત્રીજું વર્દાન પામવાને અયોગ્ય છું. વૈશ્યને એક વાર, ક્ષત્રિણીને બે વાર, રાજાને ત્રણ વાર બ્રાહ્મણને સો વાર વરદાન માંગવાનો અધિકાર છે. પાપી દાસત્વને પામેલા મારા પતિઓ હવે તેમાંથી તરી ઊતર્યા છે એટલે પોતાનાં પુણ્યકર્મો વડે મંગલપ્રાપ્તિ પામશે.’ પાંડવોની સાચા અર્થમાં સહધર્મચારિણી તરીકે અહીં પ્રગટતી દ્રૌપદીની આ સૌથી ઉચ્ચ સ્થિતિ છે. અહીં જ એના પાત્રને ઘમંડી ગણવાને બદલે સ્વગૌરવવાળું ગણવાનું ઉપયુક્ત જણાય છે.

    મહાભારતના વનપર્વમાં યુધિષ્ઠિર સાથે દ્રૌપદી ધર્મતત્ત્વની ગવેષણા કરે છે. ક્ષણિક તેને ધર્મતત્ત્વ મિથ્યા ભાસ્યું છે . યુધિષ્ઠિર જેવા ઉત્તમ પુરુષની પણ વિષમ ગતિ કરવા બદલ ધર્મને તે માફ કરી શકતી નથી. જે દ્રૌપદીને પાંચ પતિ હોવાનો કદી વિદ્રોહ નથી રહ્યો એ દ્રૌપદીનું યુધિષ્ઠિરે અનેક રીતે સમાધાન કર્યા છતાં આ અંગેનો વિદ્રોહ તેના ચિત્તમાં રહ્યો જ છે. એને વિષાદ છે જીવને કરેલી તેની વિડંબનાનો. આ વિષાદની પીડા એ જ તેનું અગ્નિઆત્મજા તરીકેનું જાણે કે પ્રતીક છે. એ જલી છે – સતત જલી છે. હિમાલયના આરોહણ સુધી એની જલન ઉત્તરોત્તર વધતી ગઈ છે.

    પાંડવોના વનવાસ દરમિયાન કૃષ્ણ ને સત્યભામા પાંડવોને મળવા આવ્યાં છે ત્યારે સત્યભામા સખીભાવે દ્રૌપદીને પતિને વશ કરવાનો ઉપાય પૂછે છે. દ્રૌપદીને પાંચેય પાંડવો કયા જાદુથી વશ છે એવી રમૂજ કરતાં સત્યાને દ્રૌપદી કંઈક નારાજ થઈને જણાવે છે કે વશ કરવાની ઇચ્છા તો નિમ્ન સ્ત્રીઓમાં હોય છે. પાંડવો તો મારા ગુણોને કારણે મને વશ છે. આમ કહીને દ્રૌપદીએ સ્ત્રીએ પાળવા જોઈતા આચારની ચર્ચા કરી છે. આજે એ મૂલ્યો કદાચ પ્રાચીન લાગે પણ દ્રૌપદીએ કરેલી ચર્ચામાં એક સ્વસ્થ વ્યક્તિને છાજે તેવાં ગુણલક્ષણોનું વર્ણન છે. એક ગૃહસ્થ સ્ત્રીનો દ્રૌપદીનો આદર્શ આવો છે : “હું વિનોદના પ્રસંગ સિવાય હસતી નથી; વારંવાર બારણે આવીને ઊભી રહેતી નથી. અતિ હાસ્ય કે અતિ રોષને છોડી દઉં છું.’ આ યાદીમાં માત્ર સ્ત્રીઓ પાસે અપેક્ષાયેલી કેટલીક વાતો પણ છે જે આજે આપણને વિચારમાં નાખી દે જેવી કે, શોક્યોને ચાહવાની, પતિ સેવાની, ઘરનો ભાર ઉપાડવાની વગેરે. આધુનિક ભાવકને તે સમયની સ્થિતિનો ચિતાર પણ આથી
    સાંપડે છે.

    દ્રૌપદી –  સૈરેન્ધ્રીના વેશમાં (ચિત્રઃ રાજા રવિ વર્મા)

    ગૌરવાન્વિત દ્રૌપદીની આભા વિરાટનગરના ગુપ્તવેશમાં પણ જરાય ઝંખવાતી નથી. વિરાટની રાણી સુદેષ્ણા, દાસીવેશે આવેલી દ્રૌપદીને જોઈને ઓઝપાઈ જઈને પૂછે છે, “તું કોણ છે ? તારું ભાષણ હંસ જેવું મધુર છે… દાસી તો તું કોઈ રીતે નથી જ. તું યક્ષી છે, દેવી છે કે પછી અપ્સરા છે ?… મારે ધરને આંગણે ઊગેલાં વૃક્ષો પણ તને જોઈને નમન કરી રહ્યાં હોય એવાં દેખાય છે.’ સુદેષ્ણાને ડર છે કે તેનો પતિ રાજા વિરાટ સૈરંધ્રીથી જિતાઈ જશે. ત્યારે દ્રૌપદી પોતાનો પ્રતાપ ઢાંકીને સુદેષ્ણાને સાંત્વન આપતાં જણાવે છે, “હું છંછેડી ન શકાય એવી છું. જે મને ઓઠું ન આપે. મારી પાસે પગ ન ધોવરાવે તેને ત્યાં વાસ કરવાથી મારા ગંધર્વ પતિઓ પ્રસન્ન રહે છે. જે પુરુષ મને બીજી સાધારણ સ્ત્રીઓ જેવી માનીને મારી અભિલાષા કરશે એ પુરુષ તે જ રાત્રે બીજા ખોળિયામાં વાસ કરશે, અર્થાત્‌ મૃત્યુ પામશે.’

    દ્રૌપદી સહજ રીતે જ પોતાને અસાધારણ માને છે. એની આ માન્યતામાં એના દુશ્મનને પણ સંમત જ થવાનું આવે એટલી નક્કરતા એના ગુણોમાં છે. સ્વાભિમાની દ્રૌપદીને ભાગે વારંવાર માનભંગ થયા કરવાનું આવ્યું છે અને તે પણ ચારિત્ર્યના રક્ષણ સંદર્ભે. દ્રૌપદીની એ નિયતિ છે. વનવાસ દરમિયાન બે પુરુષોએ તેને સતાવી છે – જયદ્રથ ને વિરાટના સાળા કીચકે. દુ:શાસને કરેલા વસ્ત્રાહરણના પ્રયત્નની પરાકાષ્ઠાની ક્ષણે તેમ જ આ બંને પુરુષો પાસે સપડાયાની ક્ષણે પણ દ્રૌપદીએ આ કોઈનું અકલ્યાણ ઇચ્છૂયું નથી, માત્ર સ્વરક્ષણ જ ચાહ્યું છે.

    પોતાની સાથે આવું વારંવાર થયા કરવાનું તેને અસાધારણ દુ:ખ છે. પણ એ દુ:ખ શાપમાં ફેરવાતું નથી એ ઘટના દ્રૌપદીનો સ્વ પરનો અસાધારણ કાબૂ દર્શાવે છે. એનું સતીત્વ અહીં સાબિત થાય છે. સાચે જ એ કલ્યાણી છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું એ રાત્રે અશ્વત્થામાએ પાંચ પાંડવપુત્રોને હિચકારી રીતે મારી નાખ્યા એ સાંભળીને વ્યાકુળ થયેલી દ્રૌપદી અનશનવ્રત ધારણ કરીને ધર્મરાજ પાસે બેસી જાય છે ને ભીમ અશ્વત્થામાને મારે એવી માગણી કરે છે. ભીમ અશ્વત્થામાનો મસ્તકમણિ લઈને આવે છે ત્યારે એ જ દ્રૌપદી વ્યાકુળતા ને ગુરસાનું શમન કરીને કહે છે, “મેં અશ્વત્થામા મરી જાય એમ ઇચ્છયું નહોતું. માત્ર તેને સજા કરવી જ જરૂરી હતી. તમારો ગુરુપુત્ર હોઈ, એ મારો પણ ગુરુ જ છે.’

    પાંડવોના મહાપ્રસ્થાન સમયે સૌથી પહેલી દ્રૌપદી પડે છે. ભીમ તેના પડવાનું કારણ યુધિષ્ઠિરને પૂછે છે. ઉત્તરમાં ધર્મરાજ દ્રૌપદીને અર્જુન તરફ પક્ષપાત હોવાનું કારણ જણાવે છે. જીવનમરમી એવા ધર્મરાજ માનવીના મનને ઊંડાણથી જાણે છે એટલે એમણે દ્રૌપદીની માનસિક ભૂમિકા અહીં સૂચવી હોય એવું જણાય છે, કારણ કે સમગ્ર મહાભારતમાં દ્રૌપદીને અર્જુન તરફ પક્ષપાત બતાવતી ક્યાંય દર્શાવાઈ નથી. કીચકવધ કરવા માટે ભીમને પ્રેરતી દ્રૌપદી, ભીમ પાસે પોતાની વ્યથા વ્યક્ત કરતાં દરંક પતિની એકસરખી ચિંતા કરે છે. તેને વિષાદ છે યુધિષ્ઠિર જેવા ધર્માત્મા દાસ થયાનો; ભીમ-અર્જુન જેવા પૌરુષ સભર પુરુષોનો પરાભવ થયાનો; નકુળ સહદેવ જેવા સૌમ્ય વીરોને અન્યાય થયાનો. આ પીડા તેને સમાન રીતે પીડે છે. હા, અને અર્જુમ જોડે સુભદ્રા જોડાય છે ત્યારે એ નારાજ થઈ છે ને વનમાં અર્જુન શસ્ત્રો મેળવવા સ્વર્ગ ભણી પ્રયાણ કરે છે ત્યારે “તમારા વિના અમને ભોગો ભોગવવા નહી  રૂચે’ એવું કહે છે ત્યારે પણ ભાઈઓ વતી કહે છે. બાકી એક સ્ત્રી તરીકે એ અર્જુનને વિશેષ ચાહતી હોય તો તે એનો દોષ તો ન જ ગણાવો જોઈએ.

    દ્રૌપદીનો યુધિષ્ઠિર સાથેનો સંબંધ એ રીતે જોવો રસપ્રદ થઈ પડે એમ છે કે ધર્મરાજનો જન્મ છે ને મૃત્યુ નથી; દ્રોપદીને જન્મ નથી ને મૃત્યુ છે. એ જાણે આવી ચડી છે ને પોતાની ભૂમિકા ભજવી ગઈ છે. કૃષ્ણ જેવા કૃષ્ણે કર્ણને પાંડવોના પક્ષમાં લેવા માટે જે લાલચો આપી છે તેમાંની એક એ લાલચ એ છે કે દ્રોપદી છઠ્ઠો ભાગ તેને આપશે. આ ભૂમિકા તેને ભાગે આવી હોત તો એ ભજવત કે કેમ એ પ્રશ્ન છે. કર્ણને દ્રૌપદીએ હંમેશા ઉપેક્ષ્યો છે. સવાલ માત્ર એટલો જ છે કે ક્યાંક દ્રૌપદીની ન સહી શકાય એવી અવગણના થઈ છે. આથી જ એ હિમાલયમાં જઈને ઠરી શકી છે. એને ઠારવા અગ્નિની ચિતા નહિ, હિમાલયનો ગાઢ આશ્લેષ જ કામ આપી શકે. વિરાટના એક તત્વમાંથી બીજા તત્ત્વમાં એ ગુણોએ કરીને પ્રવેશી છે. દિવ્ય તત્ત્વોના સંયોગમાંથી પ્રગટેલી દ્રૌપદીએ પોતાની દિવ્યતા જીવનભર નભાવી જાણી છે. આથી જ, વ્યાસે એને વિદ્રોહી નારી તરીકે નહીં પણ ન્યાય-અન્યાયનો વિવેક કરી શકતી એક સંયત પ્રભાવની ધારિણી તરીકે ઉપસાવીને તેને યોગ્ય કાવ્યન્યાય આપ્યો છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • જખમો પણ રચી શકે છે ખજાનો!

    ધિક્કારનાં ગીતો

    પીડા જીવનને નરક બનાવી શકે એ વાત ખરી, પરંતુ આપણા હૃદયમાં જો કુમાશ અને કરુણા હોય તો પીડાઓ જીવનને સમૃદ્ધ પણ બનાવી શકે.

    દીપક સોલિયા

    દિલ કો મિલે જો દાગ, જિગર કો મિલે જો દર્દ

    ઉન દૌલતોં સે હમને ખઝાને બના લિયે.

    યે હૂઈ ના બાત. પ્રેમીના ‘ઇમોસનલ અત્યાચાર’થી દાઝેલી પ્રેમિકા કહે છે કે તમારા કૃત્યને લીધે દિલ પર જે ડાઘ રહી ગયા અને હૃદયને જે દર્દ મળ્યું એ બધાનો પછી તો અમે ખજાનો બનાવી લીધો.

    ભૂતકાળની કડવી સ્મૃતિઓ પણ સમય જતાં સૃષ્ટિની એક રહસ્યમય પ્રક્રિયા દ્વારા મધૂર સ્મૃતિ બની શકે, હૃદયનો ખજાનો બની શકે, જીવનની સમૃદ્ધિ બની શકે એવા મતલબની વાત રશિયન લેખકે દોસ્તોયેવસ્કીએ કહેલી. કરુણ બાબતનો આવો સુખદ અંત આવે તે માટેની શરત એ છે કે આપણામાં થોડાં પ્રેમ-કરુણા હોવાં જોઈએ. બાકી આપણું પોતાનું જીગર જ અત્યંત કડવાશભર્યું બની ચૂક્યું હોય તો જૂના ખરાબ અનુભવો જીવનભર કાંટાની જેમ દિલમાં ભોંકાયા કરે.

    આપણી વાત ચાલી રહી છે ધિક્કાર ગીતોની એટલે કે એવાં ગીતોની જેમાં સ્ત્રી-પુરુષના સંબંધમાં લોચા પડે ત્યાર બાદ બેમાંનું એક પાત્ર ગીત દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરતું હોય.

    અગાઉના લેખોમાં આપણે જે ગીત -ઇમોસનલ અત્યાચાર-ની વાત કરી તેમાં તો સ્ત્રીની હાડોહાડ, અત્યંત કડવી અને ઇવન ગંદી ટીકાઓ જ છે. એમાં તો ભડકેલા ભાઈશ્રી પ્રેમિકાને ગણિકા ગણાવવાની હદે પણ ઉતરી જાય છે.

    અહીં બે બાબત નોંધવા જેવી છે. ફિલ્મોના ધિક્કાર ગીતોમાં પુરુષો દ્વારા ગવાયેલા ગીતો વધુ છે અને એમાં કડવાશ અને બદદુઆઓનું પ્રમાણ પણ ઊંચું છે. બીજી તરફ, પ્રેમમાં ખતા ખાનારી સ્ત્રીઓનાં ગીતોનું પ્રમાણ પણ ઓછું છે અને એમાં કડવાશ પણ ઓછી છે.

    સ્ત્રીપાત્રો જ્યારે પુરુષપાત્રો સામે ગીત રૂપે ફરિયાદ વ્યક્ત કરે ત્યારે પુરુષના ચારિત્ર્ય પર કીચડ ઉછાળવાને બદલે સ્ત્રી પોતાનું દર્દ પ્રમાણમાં શાંતિથી, મધૂરતાપૂર્વક, સુંદર રીતે વ્યક્ત કરતી હોય તેવું વધુ જોવામાં આવે છે.

    જેમ કે, લેખના આરંભે ટાંકેલી પંક્તિ, જે કહે છે કે પ્રેમીના અત્યાચારની સ્મૃતિઓમાંથી અમે ખજાનો રચી લીધો.

    ૧૯૫૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અદાલત’નું આ ગીત છે. ગીતકાર છે રાજેન્દ્ર કૃષ્ણ. ગીતનું મૂખડું આ પ્રમાણે છેઃ

    જાના થા હમસે દૂર, બહાને બના લિયે
    અબ તુમને કિતની દૂર, ઠિકાને બના લિયે.

    સિચ્યુએશન સ્પષ્ટ છે. પ્રેમી (પ્રદીપ કુમાર) તેની પ્રેમિકા (નરગિસ)ને છોડીને બહુ દૂર (બ્રિટન) જતો રહ્યો છે. ફિલ્મની વાર્તા એવી છે કે પ્રેમી જતાં પહેલાં પ્રેમિકાના પેટમાં બીજારોપણ કરતો જાય છે. પછી છોકરો જન્મે છે. વખાની મારી માતાએ ગણિકા બનવું પડે છે. છોકરો મોટો થઈને પબ્લિક પ્રોસિક્યૂટર બને છે. તેની પાસે

    એક કેસ આવે છે, જેમાં એક સ્ત્રી (તેની સગ્ગી માતા) આરોપી છે. તેના પર આરોપ છે, ખૂનનો… એટલે જ તો ફિલ્મનું નામ છે, અદાલત.

    અલબત્ત, અહીં કાનૂની અદાલતની વાત તો છે જ, પરંતુ વધુ ફોકસ દિલની અદાલત પર છે, જેમાં પ્રેગ્નન્ટ પ્રેમિકાને એકલી મૂકીને બેરિસ્ટર બનવા બ્રિટન જતો રહેલો પ્રેમી સ્પષ્ટપણે કસૂરવાર છે.

    પણ આ કિસ્સામાં પ્રેમિકા દેવ.ડીના દેવ જેવી કડવી, ઉદ્ધત, ઘમંડી નથી. તે ફરિયાદ પણ કરે છે તો અત્યંત સૌમ્ય શબ્દોમાં: અમારાથી દૂર જ જવું હતું. એટલે તમે બહાના શોધી કાઢ્યા. હવે તો તમે એકદમ દૂર વસવાટ કરી લીધો. બહાને બના લિયે… ઠિકાને બના લિયે…

    પ્રેમિકા આંસુભીની નીચી નજરે અને અત્યંત ઉદાસ સ્વરમાં ગાતાં ગાતાં કહે છેઃ

    રુખસત કે વક્ત તુમને જો આંસૂ હમેં દિયે
    ઉન આંસુઓં સે હમને ફસાને બના લિયે.

    આહ! પ્રેમીની વિદાયવેળાએ વહેલા આંસુઓનો શાહી તરીકે ઉપયોગ કરીને પ્રેમિકાએ વાર્તાઓ રચી લીધી, કલ્પનાઓની ઇમારત ખડી કરી લીધી.

    ગીત નાનકડું છે. એમાં બે જ શેર છે. એક શેર કહે છે કે તારા દીધેલા આંસુથી અમે કહાનીઓ રચી અને બીજો શેર કહે છે કે તેં દીધેલા ડાઘ-દર્દમાંથી અમે ખજાનો રચી લીધો. આને કહેવાય પીડાનું રચનાત્મક રૂપાંતરણ.

    સાવ દેશી, તળપદી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રેમી તો કડવાં કારેલાં જ આપી ગયેલો, પરંતુ સ્ત્રીએ તે કારેલાંનું સ્વાદિષ્ટ શાક બનાવી લીધું.

    આક્રોશની એકદમ આભિજાત્યપૂર્ણ અભિવ્યક્તિ આ ગીતમાં થઈ છે.

    અલબત્ત, ગીતકાર પુરુષ છે, પણ વાત સ્ત્રીના હૃદયની હોવાથી ગીતકારે ભારોભાર લાલિત્ય અને નજાકતથી વાત વ્યક્ત કરી છે.

    આ ગીત હૃદયને વીંધી નાખે એવું બન્યું હોવા પાછળનું કદાચ સૌથી મહત્ત્વનું પરિબળ છે તેનું સંગીત. સંગીતકાર છે મદન મોહન. ફિલ્મોમાં ગઝલોને સૌથી અસરકારક સંગીત સાથે પેશ કરવામાં મદન મોહનનો જોટો જડવો મુશ્કેલ છે.

    આ ગીત કેટલું હૃદયભેદી છે એ તો સાંભળવાથી જ સમજાય તેવી બાબત છે. યૂટ્યુબ પર આસાનીથી મળી શકે તેમ છે. મજબૂત શબ્દો, મોહક મ્યૂઝિક અને માતબર ગાયકીનો ત્રિવેણીસંગમ ધરાવતું આ ગીત અહીં પહેલાં એક વાર શાંતિથી વાંચી લીધા બાદ ફોન-લેપટોપ પર સાંભળશો તો પછી કદાચ આખો દિવસ એ તમારા મન-હૃદય પર કબજો જમાવશે અને બૅકગ્રાઉન્ડમાં સતત વાગ્યા કરશે.

    આ કામ કરવા જેવું છે. તો, આ છે આખું ગીત… માણો…

    જાના થા હમસે દૂર, બહાને બના લિયે
    અબ તુમને કિતની દૂર, ઠિકાને બના લિયે.

    રુખસત કે વક્ત તુમને જો આંસૂ હમેં દિયે
    ઉન આંસુઓં સે હમને ફસાને બના લિયે.

    દિલ કો મિલે જો દાગ, જિગર કો મિલે જો દર્દ
    ઉન દૌલતોં સે હમને ખઝાને બના લિયે.


     


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • સમાજવાદનાં ૯૦ વર્ષ: વર્ગથી વર્ણ સુધી…

    તવારીખની તેજછાયા

    દાદાભાઈ અને ફુલે બેઉ આમ તો સમકાલીન. દાદાભાઈ લાંબું જીવ્યા અને ફુલે મહારાષ્ટ્ર બહાર એટલા જાણીતા નહીં એથી એમની સમકાલીનતા ઝટ પકડાતી નથી.

    પ્રકાશ ન. શાહ

    હવે તરતના દિવસોમાં આપણે ત્યાં સમાજવાદનાં નેવું વરસ નિમિત્તે દેશભરના સમાજવાદીઓ પુણેમાં મળી રહ્યા છે એ જાણ્યું- અને એ જ અરસામાં, આ દિવસોમાં દાદાભાઈ નવરોજીની દ્વિશતાબ્દીનો માહોલ છે, એની વચ્ચે દેશના પહેલા સમાજવાદી તરીકે કોઈકે દાદાભાઈનું નામ લીધું એથી સાનંદાશ્ચર્ય થયું.

    સાનંદાશ્ચર્યની જિકરની વાંસોવાંસ બલકે જોડાજોડ લગરીક ચોંટડૂક કૌતુકે ભરી જિકર પણ કરી જ લઉં. સૂચિત સમાજવાદી મિલન નિમિત્તે જે ખટડુકમીઠડુક (ટીઝર) મહારાષ્ટ્ર છેડેથી આગોતરી જાણ સારુ રમતું મુકાઈ રહ્યું છે એમાંથી એક, દેશના પહેલા સમાજવાદી તરીકે ફુલેને ઓળખાવતી જાહેરાત પણ છે.

    દાદાભાઈ અને ફુલે બેઉ આમ તો સમકાલીન. માત્ર, દાદાભાઈ લાંબુ જીવ્યા અને ફુલે મહારાષ્ટ્ર બહાર એટલા જાણીતા નહીં એથી એમની સમકાલીનતા ઝટ પકડાતી નથી. દાદાભાઈના ચિંતનમાં માર્ક્સની જેમ વિશદપણે નહીં પણ વર્ગીય ઈંગિત તો વાંચી જ શકાય છે. ફુલે તો બેલાશક એમના વર્ણચિંતન અને સમતાલક્ષી સુધાર સારુ સુપ્રતિષ્ઠ છે. પશ્ચિમની પરંપરામાં આપણા સમાજવાદી ચિંતનમાં વર્ગસભાનતા આવી જરૂર, પણ આપણા હાડમાં પેંધેલી ગેરબરાબરીનું વર્ણકારણ સમાજવાદી ચિંતનમાં સ્વાભાવિક જ પકડાતાં વાર થઈ કેમ કે નવો ભણેલો વર્ગ પશ્ચિમ-સંપર્કે મૂડીવાદ સભાન હશે એટલો આપણે ત્યાંના વર્ણવાસ્તવ પરત્વે નહીં હોય.

    આ બેઉ દૃષ્ટાંત જાડાં સાધારણીકરણમાં ખપે એવું બને. બંને પ્રવાહોમાં પ્રસંગોપાત અપવાદ મળી રહે એવું પણ બને. પણ સમાજવાદી જવાહરલાલને ગાંધીજી અસ્પૃશ્યતામુદ્દે અગ્રતાવિવેકને ધોરણે મચી પડે, ભર સ્વાતંત્ર્યસંગ્રામે, તે સમજાતું નહોતું. જવાહરલાલ અલબત્ત અસ્પૃશ્યતા નિવારણને વરેલા હતા, પણ આર્થિક-સામાજિક વિષમતા નિર્મૂલન અપૂરતું હોઈ શકે એ વાનું એમને ત્યારે એવું ને એટલું નહીં પમાયું હોય એવું તમે બાંધે ભારે પણ કહી તો શકો જ. આંબેડકરની જદ્દોજહદમાં તમે જુઓ, સ્વાભાવિક જ વર્ણવાસ્તવે પ્રેરિત પ્રતિકારની એમની ભૂમિકા તરત ઊપસી રહે છે. જોકે, એમની આ પ્રતિભા ને પ્રતિમા એટલી હદે આપણી સામે આવી છે કે એમના જાહેર જીવનમાં એમણે જે એક આખો ગાળો સમાજવાદી અભિગમ પર સવિશેષ ભારપૂર્વક વ્યતીત કર્યો તે આપણે ચૂકી જઈએ છીએ અને સમગ્ર ચિત્રથી અનભિજ્ઞ રહી જઈએ છીએ.

    આશ્ચર્યકારક લાગે પણ સ્વરાજ નિર્માણની પડકાર પ્રક્રિયાના પ્રારંભે રાજ્યબાંધણી માટે સહજક્રમે ઊપસી ચૂકેલ નેહરુ-પટેલ ઉપરાંત જે નામો ગાંધીને સન સુડતાલીસમાં નેતૃત્વ માટે સૂઝી રહ્યાં એમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે જયપ્રકાશ અને નરેન્દ્ર દેવ તો બંધારણ ઘડતર માટે આંબેડકરનાં હતાં. આ ત્રયી બુર્ઝવા ને જૂનવાણી લેખાતા ગાંધીની એ સમજ દર્શાવે છે કે નવભારતમાં ન્યાયી સમાજ નિર્માણ સારુ વર્ગ ને વર્ણ બેઉ બાબતે સભાનતા જોઈશે. મહારાષ્ટ્રના સમર્પિત સમાજવાદી નેતા એસ. એમ. જોષીની એક વાત, વિગત તરીકે, મને સતત સ્પર્શતી રહી છે. એ કહેતા કે અમારી યુવાનીમાં અમારી સામે દૈવતરૂપ પરાક્રમી પ્રતિભાઓ તિલક અને સાવરકર જેવી હતી. પણ ગાંધીજી આવ્યા અને અમે સમજ્યા કે સમતા વગરની સ્વતંત્રતા અધૂરી છે. સ્વરાજ આડે બે’ક વરસ માંડ હશે ત્યારનો ગાંધી-નેહરુ પત્રવ્યવહાર જાણીતો છે, જેમાં નેહરુ ‘હિંદ સ્વરાજ’ને લગભગ બાજુએ મૂકીને ચાલે છે. પણ આ જ ગાંધી, બહુ મોડેથી ખબર પડી તેમ, ૧૯૩૬માં કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલની કારોબારી પર લાંબા ઈતિહાસમાં પહેલી વાર જયપ્રકાશ, નરેન્દ્ર દેવ અને અચ્યુત પટવર્ધન એ ત્રણ સમાજવાદી શખ્સિયતને સમાવવામાં કારગત નીવડ્યા હતા.

    જરી ઉતાવળે આ જે બધા વિગત લસરકા અહીં મારી રહ્યો છું એનો માયનો કહો તો માયનો ને મરમ કહો તો મરમ એ છે કે આંબેડકર જેને કોંગ્રેસનું (સ્વરાજ લડતના વડા પ્લેટફોર્મનું) એક ધરમશાળા કે કોથળા જેવું સ્વરૂપ કહેતાં તેમાં એક સર્વસમાવેશી શક્યતા હતી અને કથિત રૂઢિચુસ્ત મત વચ્ચે પ્રગતિશીલ સમાસ પ્રવેશની ગુંજાશ હતી. સ્વરાજ પછી કોંગ્રેસમાંથી સમાજવાદીઓ જુદા પડ્યા અને એક વૈકલ્પિક પક્ષ બાંધણીની એમની કોશિશ રહી.

    નરેન્દ્ર દેવના નેતૃત્વ હેઠળના સમાજવાદી પક્ષ અને કૃપાલાણીના નેતૃત્વ હેઠળના કૃષક મજદૂર પ્રજા પક્ષ એક થયા એમાંથી પ્રજા-સમાજવાદી પક્ષ આવ્યો. વળી, લોહિયાના નેતૃત્વમાં સમાજવાદી પક્ષ આવ્યો અને નવા એકીકરણ સાથે સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી આવી. પણ ૧૯૬૭7ના આંશિક ને ૧૯૭૭ના વધુ પ્રભાવક એકત્રીકરણ સાથે આ બળો જનતા પક્ષ રૂપે જે મેનિફેસ્ટો સાથે કટોકટી કોંગ્રેસ સામે ઊભર્યાં એમાં કોંગ્રેસ સામે અંદરબહારના નાનામોટા પ્રગતિશીલ ફિરકાઓ થકી લોકશાહી અને સમાજવાદી ખુશબો હતી… રોટી અને આઝાદી બંને!

    સમાજવાદીઓમાં એક લોહિયા હતા જેમને વર્ણવાસ્તવની પાકી ખબર હતી- અને એમણે સત્તાસ્થાનોમાં ને અન્યત્ર પિછડોં કી બહુમતી પર ભાર મૂક્યો. મુલાયમ ને લાલુનું રાજકારણ (અલબત્ત લોહિયાના સપ્તક્રાંતિ દર્શન અને જયપ્રકાશના સંપૂર્ણ ક્રાંતિ દર્શન અંગે ખોડંગાતું) પણ એનું એક નિદર્શન છે. કટોકટીવશ શિકસ્ત પામી, ધીરે ધીરે બહાર આવેલી કોંગ્રેસ, સમાજવાદ અને લિબરલ સંમિશ્રણ ચેષ્ટા સાથે બંધારણ પરના ભારપૂર્વક જાતિ જનગણનાને પ્રમુખતા આપતું આગળ વધી રહ્યું છે. નવા સમાજવાદી આંદોલનનો મિજાજ લોહિયા કહેતા તેમ ‘સડકો સૂની પડે તો સંસદ ભટકી પડે’ની તરજ પર પ્રગટ થવા કરે છે. ઉત્તર પ્રદેશ અને બિહારની કોંગ્રેસ-સમજૂતી, આ રીતે જોવા-સમજવા જેવી જરૂર છે…

    જોઈએ પુણે મિલનમાંથી શા સંકેતો સાંપડે છે!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭ -૯– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • “પ્યાર કો પ્યાર હી રહેને દો…!”

    જયશ્રી વિનુ મરચંટ

    આજે, ૨૦૧૬, ફેબ્રુઆરીની પહેલી તારીખ છે. સાંજના ૪ વાગ્યા છે. હું હાથમાંનો કોફીનો કપ ટીપોય પર મૂકી, સોફા પર બેસી, બારી બહાર, આકાશને પળવાર તાકતી રહી. કોઈ પણ વિચાર નહીં, બસ સાવ શાંત! મેં પગ લાંબા કર્યા ટીપોય પર. ઘરમાં મારા સિવાય, બીજું કોઈ નહોતું. મેં દેશી રેડિયો ઓન કર્યો. ફ્રીમોન્ટ, કેલિફોર્નિયાના દેશી રેડિયો પર, ૧૯૬૯ અથવા ૧૯૭૦નું, બ્લેક એન્ડ વ્હાઈટ બોલીવુડ મુવી, “ખામોશી”નું એક સુંદર ગીત, “હમને દેખી હૈં, ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ, હાથસે છુ કે ઉસે રિશ્તોંકા ઈલ્ઝામ ન દો!” વાગી રહ્યું હતું અને, ઓચિંતો, મને કે.જી. ક્લાસથી કોલેજકાળ સુધી, મારી સાથે ભણેલા, મારા ખૂબ વ્હાલા મિત્ર, સુધાંશુનો ૧૯૭૦નો પત્ર યાદ આવી ગયો! એની સાથે જ, મને એ મારા અમેરિકન સ્ટુડન્ટ લાઈફ અને યુનિવર્સીટીના કેમ્પસના દિવસો યાદ આવી ગયા.

    ૧૯૬૯-૧૯૭૦માં, ૨૦ વરસની હું, મુંબઈમાં કોલેજ પૂરી કરીને, આગળ અભ્યાસ કરવા માટે અમેરિકા નીકળી ગઈ હતી. આજે, આટલા વર્ષો પૂર્વે લખાયેલા એ પત્રના સ્મરણ સાથે જ, મારા વિચારોની અટારી પર બે ચહેરા ન જાણે કેમ, ઓચિંતા જ લટાર મારવા નીકળી પડ્યા. આ ચહેરા હતા, અમારી પ્રાથમિક શાળાના બે શિક્ષકો, શાહસર અને પ્રજાપતિસરના. બેઉ શિક્ષકો વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય અને પોપ્યુલર હતા.

    ૧૯૭૦ના ફેબ્રુઆરીની શિયાળાની (માઈનસ)-૨૦ ડિગ્રીવાળી, એ બર્ફીલી, ઠંડીગાર, મિશીગનની સાંજે, હું ક્લાસ પતાવીને ઘરે આવી. કમપ્યુટર હજુ તો “પા પા પગલી” ભરીને, યુનિવર્સીટીમાં “આવું-આવું” કરતું હતું તો ઇ-મેલની તો વાત જ શી? પ્રી-ઈન્ટરનેટના એ દિવસો હતા. અમે ગણીને ૩૫-૪૦ ઈન્ડિયા, પાકિસ્તાન અને શ્રી લંકાના વિદ્યાર્થીઓ એ યુનીવર્સીટીમાં ત્યારે ભણતા હતા. હું એક અમેરીકન ફેમિલી સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. ઘરની ખૂબ યાદ આવતી અને હું વતનથી સ્વજનો અને મિત્રોના પત્રોની કાગડોળે રાહ જોતી રહેતી. કોલેજમાંથી રોજ જેવી હું ઘરે આવતી કે ટપાલ પર તૂટી પડતી, એ જોવા કે, ઈન્ડિયાથી પત્ર આવ્યા છે કે નહીં. આમતેમની જંક ટપાલ, ખાસ કરીને તો ત્યારે તો બિલો પણ મેઈલમાં જ આવતા તોએ બાજુમાં મૂકી, ઈન્ડિયાથી આવેલા કાગળો પર, ભૂખ્યો સિંહ જે રીતે શિકાર પર તરાપ મારે, એમ હું તરાપ મારીને ખોલતી. બર્ફીલી મોસમમાં આ પત્રો વતનથી માતા-પિતાની, સ્વજનોની તથા સહુ મિત્રોની હૂંફ અને ગરમાવો લઈને આવતા. એ બધા જ પત્રો હું અનેકવાર વાંચતી અને આંખોમાંના ભીના વાદળો ક્યારે ચુઈ પડતા, ને, ક્યારે ઘરઝૂરાપો આંસુ બનીને વહેવા માંડતો એનું ભાન ન રહેતું.

    આજે એ પત્રની યાદ આવતાં જ, સુધાંશુનો ૧૯૭૦નો એ કાગળ ફરી વાંચવાનું મન થયું. હું ઊભી થઈ અને મારા જૂના પત્રોની ફાઈલોનો બોક્સ કાઢ્યો. અમે ભારતથી અમેરિકા મુવ થયાં હતાં ત્યારે અમારા ભણતરના સર્ટિફીકેટસ અને કામના અન્ય કાગળોની ફાઈલો સાથે લેતાં આવ્યાં હતાં.

    અમેરિકા આવ્યાં પછી,  મારા પતિદેવે, માનો કે ન માનો, મારા અને એમના સર્ટિફિકેટ્સ, અને જૂના પત્રો, કાગળો, વરસ પ્રમાણે ફાઈલ કરીને મૂક્યા હતા.

    મેં ૧૯૭૦ની ફાઈલ કાઢી અને ધેર ઈટ વોઝ! હું સુધાંશુનો, એ, થોડો જર્જરીત થયેલો અને કિનારીમાંથી ફાટી ગયેલો કાગળ, ભીની આંખે ન જાણે કેટલી વાર સુધી જોતી રહી. નોસ્ટાલજિયામાં, હું ભાવવિભોર થઈને બેઠી જ રહેત પણ આજે એ પત્ર વાંચવાની તાલાવેલી એટલી બધી હતી કે, આંખો લૂછી, મેં એ કાગળ વાંચવાનું શરુ કર્યું.

    સુધાંશુએ એ પત્રમાં લખ્યું હતુંઃ –

    “તને યાદ છે, જયુ, આપણા એલિમેન્ટરી સ્કૂલના શાહસર અને પ્રજાપતિસર? બધાં જ વિદ્યાર્થીઓમાં અને વિદ્યાર્થીઓના માતા-પિતામાં કેટલા પ્રિય હતા ને કેટલું માન હતું એ બેઉ સરનું? તું નહીં માને, પણ અહીં તો, આજે, કોઈ એ બેઉને ધિક્કારે છે તો કોઈ કહે છે કે, “છી, આવા શિક્ષકો આપણા બાળકોને ભણાવતાં હતાં? સારું થયું કે હવે રીટાયર્ડ થઈ ગયા છે, નહીં તો કેટલી ખરાબ અસર વિદ્યાર્થીઓ પર પડત?” કોઈ વળી કહે છે કે શાહસરની પત્નીનો ઈલાજ જાણી જોઈને બરાબર થયો નહોતો જેથી પત્નીના નામનો કાંટો જ નીકળી જાય! સાચું ખોટું તો ખબર નથી પણ શાહસરની પત્ની છેલ્લા બે વરસથી ખૂબ જ બિમાર રહેતા હતા. ગયા ડિસેમ્બર મહિનાના પહેલા વીકમાં જ એ ગુજરી ગયા હતા., બે મહિના થશે એમના મૃત્યુને. શાહસરની એક જ દિકરી છે જે લગ્ન પછી, છેલ્લા ૪ વર્ષોથી ન્યુયોર્ક રહે છે, એ પણ માતાના મૃત્યુ પછી, અહીં મહીનો રહીને પાછી જતી રહી.

    બે અઠવાડિયા પહેલાં જ ખબર પડી કે શાહસર પોતાનું ઘર ભાડે આપી પ્રજાપતિસરની સાથે રહેવા જતા રહ્યાં છે. પ્રજાપતિ સર તો સીંગલ જ હતાં. કોઈ કહે છે કે પ્રજાપતિસર અને શાહસર કોલેજકાળથી મિત્ર હતાં પણ પ્રજાપતિસરને શાહસર રોમેન્ટીકલી ગમતાં હતાં. પ્રજાપતિસર પોતે ગે છે. આથી જ એ પોતે પરણ્યા પણ નહીં અને શાહસરની પાસે જ અને સાથે જ કામ કરતાં રહ્યાં. હવે આ ઉમરે, શાહસર એમના આશિક સાથે ખુલ્લમખુલ્લા રહેવા જતા રહ્યા છે.

    કોને ખબર, મને આ બધી ઊડતી વાતો સાંભળી ખૂબ જ ખરાબ લાગ્યા કરતું હતું. મારા ને તારા જેવા કેટલા બધા સ્ટુડન્ટસ એમને ‘આઈડીયલાઈઝડ’ કરતાં હતાં, યાદ છે ને? મેં નક્કી કરી લીધું કે મારે જાતે જ જઈને સરને મળવું જોઈએ ને, હું ગયા અઠવાડિયે એમને મળવા ગયો. બેઉ ઘરે હતાં. એમણે મને પ્રેમથી આવકાર્યો. હું એમની પત્નીના ફ્યુનરલમાં પણ ગયો હતો. મેં એમને પૂછ્યું, “સર, તમારી તબિયત હવે કેમ છે? આન્ટીની કમી બહુ વર્તાતી હશેને?” એટલીવારમાં પ્રજાપતિસર ચા બનાવીને લઈ આવ્યા. ચા પીતાં મેં તો પૂછી જ લીધું, “સર, શું થયું છે? લોકો કેવી કેવી વાતો કરે છે? કહે છે કે તમે અને પ્રજાપતિસર…!” શાહસર હસીને, હાથ ઊંચો કરી, મને બોલતાં રોકીને બોલ્યાં, “દીકરા, મને નથી ખબર કે કોણ શું બોલે છે અને સાચું કહું તો મારે જાણવુંયે નથી! બોલ, તારે જાણવું શું છે બેટા? કોઈ સંકોચ રાખ્યા વિના પૂછ.”

    બે ઘડી માટે સદંતર મૌન. મને ખબર જ ન પડી કે હું શું પૂછું અને કઈ રીતે પૂછું. છેલ્લે, મેં હિંમતથી પૂછી જ નાંખ્યું, “સર, તમે બેઉ કપલ તરીકે સાથે રહો છો?” એમણે હસીને મને જે calm and composed જવાબ આપ્યો તે ખરેખર, અમેઝીંગ હતો. શાહસર નિર્દોષ હાસ્ય સાથે બોલ્યા, “મારા તરફ પ્રજાપતિને આકર્ષણ હતું એ વાત અમારા કોલેજ કાળથી માંડી, આજ સુધી, ન તો એણે મારાથી છુપાવી ક્યારેય અને ન તો મેં મારી પત્નીથી કે દિકરી મોટી થઈ ગઈ પછી એનાથી પણ છુપાવી. હું સજાતીય સંબંધોનો હિમાયતી નથી મને સજાતીય આકર્ષણ પણ નથી.           

    મને આજે પણ મિત્ર તરીકે પ્રજાપતિ માટે ખૂબ જ ભાવ છે અને હંમેશાં જ રહેશે. એ મને ચાહે છે પણ કદીયે ન તો એણે અજુગતું વર્તન કર્યું છે કે ન તો લાગણીઓનું વરવું પ્રદર્શન કર્યું છે! He has been nothing but very graceful and discreet throughout the life.

    આ બધું હું કે એ, કેટલા મહાન છીએ, એનું ડિંડિમ વગાડવા નથી કહેતો પણ જે હકીકત છે, એ જ તને જ કહી રહ્યો છું. હવે એને મારા તરફ સજાતીય પ્રેમ છે તો છે, એય કરે તો શું કરે? ને, એણે કર્યું શું છે, પ્રેમ જ કર્યો છે ને? ચોરી નથી કરી, ધિક્કાર નથી રાખ્યો કે હિંસા નથી કરી. બેટા, રાધાના સ્વરુપે હોય કે મીરાંના સ્વરુપે હોય, કે રુકમણિના રુપમાં હોય, પ્રેમ તો દરેક રૂપમાં ફક્ત પ્રેમ જ હોય છે. તો શું થઈ ગયું કે પ્રજાપતિનો મારા માટેનો પ્રેમ દુનિયાના સ્વીકૃત બંધનોમાં માપસર ફીટ નથી થતો?”

    હું અવાચક રહીને સાંભળ્યા કરતો હતો. એક ઊંડો શ્વાસ લઈને ખૂબ જ નેકી ભરેલી નજર- જે નજરને હું કદીયે નહીં ભૂલું – એ નજરથી મને જોઈને કહ્યું, “કદાચ તને શું, કોઈનેય ખબર નથી આજ સુધી, કે હું શા માટે અહીં રહેવા આવ્યો. બેટા, મારી પત્નીની માંદગી લંબાતી જતી હતી. મૃત્યુના ચાર દિવસ પહેલાં, મારી પત્નીએ પ્રજાપતિ પાસેથી વચન માગ્યું હતું કે જો એને કઈંક થઈ જાય તો પ્રજાપતિએ મને પોતાના ઘરમાં રહેવા લઈ જવો. ન જાણે કેમ પણ એને સાન આવી ગઈ હતી કે આ રોગ એનો જીવ લઈને જ જશે! ને, જો એને કઈંક થઈ ગયું તો એની યાદોમાં ઘેરાયેલો હું, એકલો, આ ઘરમાં હિજરાતો રહીશ. બેટા, એક અદભૂત જિંદગી મેં અને મારી પત્નીએ સાથે ગુજારી હતી. મારી પત્ની એના છેલ્લા શ્વાસ સુધી મારી જ ચિંતા કરતી રહી કે એના ગયા પછી હું કેવી રીતે એકલો જીવી શકીશ. આ જ કારણસર એ પ્રજાપતિને છેલ્લા દિવસ સુધી સમ આપીને મારી જ ભલામણ કરતી રહી કે એને કંઈ થઈ જાય તો પ્રજાપતિએ મને એના ઘેર લઈ જવો..! એને ખબર હતી કે મારી દીકરીના ઘરે હું અમેરિકા રહેવા નહીં જાઉં. બસ, આટલી જ વાત હતી કે મારી પત્નીની છેલ્લી ઈચ્છાને માન આપવા હું અહીં રહેવા આવી ગયો!”

    ચા પીવાઈ ગઈ હતી અને બાકીની વાતો એમણે દિલ ખોલીને કરી, “હવે અમે બેઉ મિત્રો સાથે રહીએ છીએ અને ભૂતકાળની વાતોમાં અથવા તો વર્તમાનની બીનાઓમાં મન પરોવીએ છીએ. વિજ્ઞાન, રાજકરણ અને સાહિત્યની ચર્ચા કરીએ છીએ. ક્યારેક નાટક, સિનેમા જોવા પ્રજાપતિ મને આગ્રહ કરીને લઈ પણ જાય છે. અમે આનંદમાં રહીએ છીએ. મને તો એ જ સમજણ નથી પડતી કે એકલા થઈ ગયા પછી આનંદમાં રહેવું શું પાપ કે ગુનો છે?”

    પ્રજાપતિસરે શાહસરને કહ્યું “તું દુઃખી કેમ થાય છે? સત્ય તને ખબર છે, મને ખબર છે.”

    શાહસર હસીને બોલ્યા, “મને તો ભાઈ, તારા માટે અપાર દુઃખ થાય છે. તને હું તારી રીતે ન મળ્યો ને તે છતાં બધાએ તારા પર અપવાદ મૂક્યો!”

    પ્રજાપતિસર હજુ કંઈ બોલે એ પહેલાં મેં પુછ્યું, “પણ સર, આ બધી વાતોની લોકોને ખબર કેવી રીતે પડી?”

    એમણે બાળસહજ નિખાલસતાથી કહ્યું, “તારા જેવા જ બે ચાર વિદ્યાર્થીઓ મળવા આવ્યા હતા ભાઈ. એમણે મને પૂછ્યું કે મેં મારી પત્નીની યાદોથી ભરેલું ઘર છોડી અહીં આવીને રહેવાનો નિર્ણય કેમ લીધો તો મેં તને જેમ સત્ય કહ્યું, એ જ એમને પણ કહ્યું. કદાચ એમાંથી કંઈ ડખો થયો હોય તો કોણ જાણે!”

    મારાથી રહેવાયું નહીં, ને, મેં તો એમને કહી દીધું “સર, બધાયને સાચું કહેવાની જરુર શું હતી?”

    એમનો આપેલો જવાબ તો સાચે જ, હું જિંદગી આખી નહીં ભૂલીશ, “બેટા, સહુ વિદ્યાર્થીઓને જિંદગી આખી અમે ભણાવતાં રહ્યાં કે સાચું બોલો, સત્યને સામા મોઢે અપનાવો. ને, આજે, જ્યારે જિંદગી અમારી પરીક્ષા લે છે ત્યારે હવે ચોરી કરીને કે ખોટું બોલીને પાસ થવું, એ, ન તો મારાથી થશે કે ન તો પ્રજાપતિથી થશે. આજે કઈં પણ વાંક, ગુના કે ખોટું કર્યા વિના, ખાલી સમાજના ડરે, હું જૂઠું બોલું કારણ કે મને પ્રજાપતિ કેમ આ રીતે ચાહે છે અથવા તો સમાજના ડાયરામાં ફીટ ન બેસે એવો અમારો આ કેવો સંબંધ છે, કે, જેનો અમારી કોઈ પાસે જવાબ નથી? બેટા, જેમ જિંદગીની પાસે દરેક સવાલોના જવાબ નથી હોતા તેમ જ માણસ પાસે દરેક સંબંધોના નામ પણ નથી હોતા!”

    પછી તો, અહીંની અને ત્યાંની વાતો કરીને, મેં એમની રજા લીધી. બહાર નીકળ્યો એમના ઘરેથી પણ એ એમનું છેલ્લું વાક્ય, ”જેમ જિંદગીની પાસે દરેક સવાલોના જવાબ નથી હોતા તેમ જ માણસ પાસે દરેક સંબંધોના નામ પણ નથી હોતા!”-  મારા મનમાં ઘર કરી ગયું. પણ, કોણ જાણે કેમ, જયુ, સરના આ છેલ્લા વાક્યની સાથે સરની સહુ વાતો સાંભળીને, મને તારી ખૂબ જ યાદ આવી ગઈ. તું હંમેશા દરેક સંબંધમાં ક્લેરીટી રાખવી પસંદ કરે છે અને શાહસરે પણ આટલી જ ક્લેરીટીથી એમના સંબંધની બધી વાતો કરી. જો તો ખરી, એમની વાતો લખવામાં, મેં પણ આટલો લાંબો પત્ર લખી પણ નાખ્યો! આશા છે કે તું મજામાં હોઈશ. કાગળ લખજે.. અને, તે પણ, સમયસર.. સમજીને? તારી “લા…લા.. લેન્ડ..”માં ખોવાઈ ન જતી…! અને અહીંનું કોઈ પણ કામ હોય તો મૂંઝાયા વિના લખજે. આવજે.”

    મેં વિચાર કરતાં કરતાં, પત્ર પાછો, ૧૯૭૦ની એ ફાઈલમાં મૂક્યો. શાહસરનું એ ભૂલાઈ ગયેલું વાક્ય, આ પત્ર વાંચ્યા પછી, મારા અંતર-મન પર છપાઈ ચૂક્યું હતુંઃ “જેમ જિંદગીની પાસે દરેક સવાલોના જવાબ નથી હોતા તેમ જ માણસ પાસે દરેક સંબંધોના નામ પણ નથી હોતા!”

    રેડિયો પર “નાનક” રસમલાઈની એડ આવી રહી હતી. “ખામોશી”નું ગીત તો ક્યારનુંય પૂરું થઈ ગયું હતું.  ઘરમાં કોઈ નહોતું આથી જ કદાચ મૂંઝાયા વિના બેસૂરા અવાજે મેં ગણગણવાનું શરુ કર્યું

    “હમને દેખી હૈં, ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ, હાથસે છુકે ઉસે રિશ્તોંકા ઈલ્ઝામ ન દો!
    સિર્ફ અહેસાસ હૈ યે, રુહસે મહેસૂસ કરો, પ્યારકો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો!”

    અને ગણગણતાં, પત્રવાળી ફાઈલ બોક્સમાં મૂકી, બોક્સ પાછો ક્લોઝેટમાં મૂકી, ક્લોઝેટ બંધ કરી દીધો.


    સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • હમીદ ખાન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ‘તક્ષશિલા ભડકે બળી રહ્યું છે.’

    અખબારમાં સમાચાર વાંચીને મને હમીદ ખાનની યાદ આવી.

    “હે ભગવાન મારા ભાઈ હમીદને અને એની દુકાનને આગમાંથી બચાવી લેજો.” મનોમન હું બોલ્યો.

    તક્ષશિલાના પૌરાણિક ખંડેર જોવા ગયો એને હજુ તો માંડ બે વર્ષ થયાં હશે. એક દિવસ આકરા તાપમાં ફરીને હું સખત થાકી ગયો હતો. અસહ્ય ભૂખ અને તરસ લાગી હતી. રેલ્વે સ્ટેશનથી બજાર તરફ કોઈ હોટલની તપાસ માટે ચાલવા માંડ્યું.

    બજારમાં હસ્તરેખાઓ જેવી સાંકડી ગલીઓ, ધૂળ, ગંદકી, ચારેબાજુથી આવતી ચામડાની વાસ વચ્ચે પસાર થવું સહેલું નહોતું, છતાં ચાલ્યા વગર આરો નહોતો.

    આખી બજાર ફરી વળ્યો, પણ કોઈ હોટલ ન મળી. હતાશ થઈને પાછો વળતો હતો ત્યાં ક્યાંક ચપાટી શેકાતી હોય એવી ભ્રમણા થઈ.

    હાશ, અહીંથી કંઈક મળી જશે એવી આશા બંધાઈ. અંદર ગયો તો સગડી પાસે બેઠો એક આધેડ પઠાણ ચપાટી શેકી રહ્યો હતો.

    “મને કંઈક ખાવાનું મળશે?” ચહેરા પર હળવા સ્મિત સાથે પૂછ્યું. અજાણી જગ્યા,અજાણ્યા લોકો વચ્ચે ફરતા પ્રવાસીઓ માટે સ્મિત મોટી મૂડી સમાન હોય એની મને ખબર હતી.

    “ચપાટી અને સબ્જી મળશે.”

    હું બેઠો. દુકાનની અંદર એક ખૂણામાં કાથીના ખાટલા પર બેઠેલા, તમાકુના ગોટેગોટા વચ્ચે દુનિયાથી બેખબર એવા દાઢીવાળા વૃદ્ધ હુક્કો ગડગડાવતા નજરે પડ્યા.

    “કયા મુલકથી?” થડા પર બેઠેલા આદમીએ મને પૂછ્યું.

    “મલબાર.”

    “હિંદુસ્તાનમાં છે?” મલબારનું નામ એના માટે અજાણ્યું હશે એવું લાગ્યું.

    “હા, હિંદુસ્તાનના દક્ષિણ ખૂણે મદ્રાસમાં છે.”

    “તમે હિંદુ છો?”

    “હા, હિંદુ છું.”

    “તો પછી તમે એક મુસલમાનના હાથનું બનેલું ખાવાનું ખાઈ શકશો?” એના ચહેરા પર વિકૃત હાસ્ય હતું.

    “અમારે સારી ચા પીવી હોય કે, બિરિયાની ખાવી હોય તો મુસલમાનોની હોટલમાં જ જઈએ છીએ.”

    અવિશ્વાસની નજરે એ મારી સામે જોઈ રહ્યો.

    “મલબારમાં અમે હિંદુ અને મુસલમાન હળીમળીને પ્રેમથી રહીએ છીએ. ભારતમાં મુસલમાનોએ  સૌથી પહેલી મસ્જિદ અમારા કોંટુગલ્લૂરમાં બાંધી હતી. મલબારમાં ત્યાં હિંદુ-મુસલમાન વચ્ચે વિખવાદ ઓછા છે.”

    એના ચહેરા પર વિસ્મય અને અવિશ્વાસ અકબંધ હતા.

    “હજુ મારા પર કે મારી વાતોમાં વિશ્વાસ નથી?”

    “તમારા પર વિશ્વાસ બેસે છે, પણ તમે હિંદુ છો એ વાત પર વિશ્વાસ નથી બેસતો કારણ કે અહીં કોઈ હિંદુ એક મુસલમાન પાસે ખુલ્લેઆમ આ નથી કહેતો. એમની નજરમાં તો અમે મુસલમાનો હંમેશાં જાલિમો જ રહીશું. હિંદુસ્તાનની પવિત્ર સંસ્કૃતિનો નાશ કરનાર હુમલાખોર જ રહીશું. અમારી આબરુ અને સલામતી માટે હજુ ઝઝૂમવું પડે છે.”

    એમની વાતોમાં ઈમાનદારી અને લાચારી હતી.

    “તમારું નામ?”

    “હમીદ ખાન. ખાટ પર મારા અબ્બા છે.”

    “ભાઈ, જ્યાં વિશ્વાસ નથી ત્યાં શેતાનનું જ રાજ. પ્રેમ અમૂલ્ય છે, પણ ભીખમાં માંગીને મળે તો એનું મૂલ્ય કેટલું અને વળી એનાં માટે ઝઝૂમવાનુંય ક્યાં સુધી? તમે જે પ્રેમ અને વિશ્વાસથી મારા ત્યાં આવ્યા, એ પ્રેમ-વિશ્વાસની મારા દિલ-દિમાગ સુધી અસર તો પહોંચે જ ને? હિંદુ અને મુસલમાનોએ એકબીજા પર પ્રેમ અને વિશ્વાસ રાખ્યો હોત તો…?” એ બોલતા બોલતા અટકી ગયા અને ચપાટી શેકવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

    તમારે દસેક મિનિટ રાહ જોવી પડશે.” કહીને એમણે એક છોકરાને બોલાવીને કંઈક કહ્યું.

    છોકરો દોડતો દુકાનની પાછળ તરફ દોડ્યો. થોડી વાર પછી થાળીમાં ભાત લઈને આવ્યો. હમીદ ખાને થાળીમાં ચાર ચપાટી અને એક કટોરી સબ્જી ઉમેરીને થાળી મારી તરફ સરકાવી. પેટ ભરીને જમ્યો.

    “કેટલા પૈસા થયા?”  ખીસામાંથી પૈસા કાઢતાં પૂછ્યું.

    “માફ કરો ભાઈ. પૈસાથી વાત ન કરો. તમે તો મારા મહેમાન છો.” હમીદ ખાને હસીને કહ્યું.

    “એ તમારી મોટાપ છે, તમે એક વેપારી છો. ખાવાનું આપ્યું એ મોટી મહેરબાની. એનો જેટલો આભાર માનું એટલો ઓછો, પણ પૈસા તો લેવા જ પડશે.” કહીને પાંચ રૂપિયાની નોટ એમની તરફ સરકાવી.

    હમીદ ખાને થોડા ખચકાઈને મારા હાથમાંથી પાંચ રૂપિયાની નોટ લઈને મારા હાથમાં પાછી મૂકી, “ભાઈ, સમજી લો કે પૈસા મળી ગયા. હવે આ તમારી પાસે જ રાખો. જ્યારે ફરી તક્ષશિલા આવો ત્યારે એક મુસલમાનની હોટલમાં જઈને બિરયાની ખાધી હતી એ યાદ કરજો સાથે તક્ષશિલામાં રહેતા હમીદ ખાન નામના તમારા આ ભાઈને પણ યાદ કરજો.”

    હમીદ ખાન એક નાના બાળકની જેમ હસીને મને વળગી પડ્યા.

    હમીદ ખાનથી છૂટા પડીને તક્ષશિલાના ખંડેર તરફ મેં ચાલવા માંડ્યું.

    ફરી હમીદ ખાનને ક્યારે મળાશે, અરે મળાશે કે કેમ એ ક્યાં ખબર હતી? પણ, હમીદ ખાનની હંમેશાં યાદ આવતી રહી.

    “ફરી મલબાર આવો ત્યારે એક મુસલમાનની હોટલમાં જઈને બિરયાની ખાધી હતી એ યાદ કરજો સાથે તક્ષશિલામાં રહેતા હમીદ ખાન નામના તમારા આ ભાઈને પણ યાદ કરજો.”  આ ક્ષણે પણ એના છેલ્લા શબ્દો મનમાં ગૂંજતા હતા.

    તક્ષશિલાના સાંપ્રદાયિક રમખાણોની આગમાં હમીદ ખાન અને એની નાનકડી દુકાન બચાવી લે એવી સાચા મનથી ભગવાનને પ્રાર્થના થઈ ગઈ.


    એસ. કે પોટ્ટેક્કાટ લિખીત મલયાલી વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૧૨૧ . સમાપન – મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    સવા બે વર્ષ પહેલાં ૩ જૂન ૨૦૨૩ ના રોજ ગીતકાર શૈલેંદ્રની ગઝલોથી શરૂ થયેલી આ લેખમાળા આજે ૧૨૧ માં હપ્તામાં ઉર્દુ ગઝલના સર્વોચ્ચ શિખર એવા મિર્ઝા ગાલિબની ફિલ્મી ગઝલોથી અંતિમ મુકામ પર પહોંચે છે. ત્યારથી આજ લગી આ શ્રુંખલા દર શનિવારે અવિરત ઈ – મેગેઝીન ‘ વેબગુર્જરી ‘ માં અઠવાડિક પ્રકાશિત થતી રહી છે. લેખમાળા શરૂ કરતાં પહેલાં એના આગાઝ અને અંજામના કવિઓ – શૈલેંદ્ર અને મિર્ઝા ગાલિબ  મુકર્રર હતાં પરંતુ એ બન્ને વચ્ચે ૧૧૯ કવિઓને આવરી લેવાશે એ અંદાજ નહોતો. ઉત્ખનન થતું ગયું અને સફરમાં એવા – એવા કવિઓ અને એમના દ્વારા રચિત ગઝલો મળતાં ગયા જેમાંના ઘણાના નામ અને કામ વિષે હું સાવ અપરિચિત હતો. શરુઆતના કવિઓની ઘણી ગઝલો ઉપલબ્ધ હતી એટલે દરેકની બબ્બે ગઝલો પસંદ કરી શકાઈ પરંતુ આગળ જતાં એવા કવિઓ આવ્યા જેમની એક ગઝલ પણ મુશ્કેલીથી મળી. છેક અંતે તો એવા કવિઓ જેમની એક ગઝલ સિવાય કશું ઠામ – ઠેકાણું જ નહીં !

    પહેલેથી નક્કી કર્યું હતું કે જે શાયરોએ ફિલ્મોમાં ગઝલો આપી હોય ( પછી એ ગઝલો લોકમાનસમાં ગઝલ તરીકે પ્રસ્થાપિત હોય કે ન હોય ! ) એમનો જ આ લેખમાળામાં સમાવેશ કરવો. વળી ૮૦ ના દાયકા પછીની ફિલ્મોના સંગીતમાં મને અંગત રીતે ઝાઝો રસ નથી અને જાણકારી પણ નથી એટલે એ સમયગાળા પછીની ફિલ્મો અને ગઝલકારોને બાકાત રાખ્યાં છે. એ મારી મર્યાદા છે અને એનો સ્વીકાર છે. ઉપરોક્ત મર્યાદાને કારણે નીરજ અને કવિ પ્રદીપ જેવા માતબર ગીતકારો અહીં લઈ શકાયા નથી. સામે પક્ષે ભરત વ્યાસ, નરેંદ્ર શર્મા, પંડિત ઈંદ્ર જેવા એ ગીતકારો કે જેમણે ગઝલ રચી હોય એવી કલ્પના પણ નહોતી એ આ શૃંખલામાં સામેલ છે.

    ફિલ્મોની શરુઆતથી અત્યાર લગી બહુ ઓછા સ્ત્રી ગીતકારો ફિલ્મોમાં આવ્યા છે. એમાંય ગઝલ આપનારા નહીંવત્. એટલે સમયગાળામાં છૂટછાટ રાખી ૧૯૯૦ માં આવેલા અને આ લેખમાળાના એકમાત્ર એવા સ્ત્રી ગીતકાર રાની મલિક અને એમની ગઝલો સમાવિષ્ટ કરી છે.

    ઘણા ગીતકારો એવાં છે જેમનું હિંદી ફિલ્મોમાં પ્રદાન નહીંવત્ છે પરંતુ ઉર્દુ જગતમાં એમની પ્રતિષ્ઠા અને દરજ્જો માતબર છે. એમાંના ઘણાને તો ફિલ્મી ગીતકાર કહેવા એ એમની શાનની તૌહીન જેવું ભાસે ( જેમ કે આ હપ્તામાં લીધેલા મહાન શાયર ગાલિબ ) પરંતુ ફિલ્મોમાં એમની ગઝલો લેવાઈ એ હકીકત હોઈ એમને સામેલ કર્યા છે.

    મારી છાનબીનનું ફલક મારી અંગત જાણકારી ઉપરાંત ઈંટરનેટ અને અમુક વિશ્વસનીય સાઈટ્સ જ હોઈ એવું બનવાનો સંભવ છે કે ફિલ્મોમાં ગઝલ લખનાર કોઈક ગીતકાર ધ્યાનમાં ન આવ્યા હોય અથવા કેટલાકની એકાધિક ફિલ્મી ગઝલ હોવા છતાં એક જ ધ્યાને ચડી હોય. વળી કેટલીક ગઝલો એના ત્રુટિપૂર્ણ ઓડિયો રેકોર્ડીંગને સાંભળીને લખી હોવાથી એ શબ્દોમાં અધૂરી કે ક્ષતિપૂર્ણ હોઈ શકે. એ ક્ષમસ્વ ગણવું !

    આટલા દીર્ધ ઉપસંહાર બાદ વાત કરીએ આ શ્રુંખલાના અંતિમ શાયર મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબની.

    ગાલિબ જ એક એવા શાયર છે જેમનું મોટા ભાગનું લેખન ગઝલ સ્વરૂપે થયું. એમની ગઝલો સમાપન – મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબ ફિલ્મ જેવા લોકપ્રિય માધ્યમમાં અભિવ્યક્તિ માટે ભારી પડે. એમની મોટા ભાગની રચનાઓ ક્લિષ્ટ અને ઉર્દુપ્રચૂર છે. અનેક રચનાઓ એવી જેના અઘરા શબ્દોના અર્થ જાણ્યા બાદ પણ અર્થ સાંપડે નહીં. અર્થઘટન પણ ભાવક પ્રમાણે અલગ અલગ ! કયા પ્રતિષ્ઠિત ગાયકે એમની રચનાઓ નથી ગાઈ ! રફી, લતા, આશા, તલત, મુકેશ, મેંહદી હસન, જગજીત, ચિત્રા, શુભા મુદ્ગલ, સી એચ આત્મા, સાયગલ, આબિદા પરવીન, અલી ઝફર, હરિહરન, બેગમ અખ્તર, ગુલામ અલી, મલિકા પુખરાજ, રાહત ફતેહ અલી ખાન, અહમદ – મોહમ્મદ હુસૈન સહિત લગભગ બધાએ ! એમના જીવન પરથી  સોહરાબ મોદીએ ૧૯૫૪ માં બનાવેલી ફિલ્મ ‘ મિર્ઝા ગાલિબ ‘ માં તલત મહેમૂદ અને સુરૈયાએ સોલો અને યુગલ ગીત સ્વરૂપે એમાંની સાત ગઝલ ગાયેલી. એક ગઝલ રફીએ પણ ગાયેલી. ( એ ફિલ્મમાં શકીલ બદાયુનીના લખેલા ત્રણ ગીત પણ હતા ! )

    ગુલઝારે ૧૯૮૮ માં બનાવેલી ટીવી સિરિયલ ‘ મિર્ઝા ગાલિબ ‘ માં પણ જગજીત – ચિત્રા અને ભૂપિંદર સહિત બીજા ગાયકોએ ગાયેલી એમની ગઝલો અને છૂટાછવાયા શેર ડગલે ને પગલે છે.

    ફિલ્મોમાં ગાલિબે રચેલી ગઝલોના સૌપ્રથમ સગડ ૧૯૩૩ ની ફિલ્મ ‘ યહૂદી કી લડકી ‘ માં મળે છે. એ ફિલ્મમાં સાયગલે એમની ગઝલ ‘ નુકતા ચીં હૈ ગમે દિલ ઉસકો સુનાએ ન બને ‘ ગાયેલી. ૧૯૪૦ ની ફિલ્મ ‘ કૈસ ‘ માં પણ કોઈ અજ્ઞાત ગાયકે એમની ગઝલ ‘ રહિયે અબ ઐસી જગા ચલ કર જહાં કોઈ ન હો ‘ ગાયેલી. એ પછી અલગ અલગ ગાયકો દ્વારા ‘ કશ્મીર હમારા હૈ ‘ ( ૧૯૫૦ ), અપના દેશ ( ૧૯૪૯ ), મૈં નશે મેં હું ( ૧૯૫૯ ), ઘાયલ ( ૧૯૫૦ ), લાલાજી ( ૧૯૪૨ ), માસૂમ ( ૧૯૪૧ ), ગાઝી સલાઉદ્દીન ( ૧૯૩૯ ), સરાય કે બાહર ( ૧૯૪૭ ) અને તાજેતરના વર્ષોમાં રાજધાની એક્સપ્રેસ ( ૨૦૧૩ ) અને હવાઈઝાદા ( ૨૦૧૫ ) માં ગાલિબની ગઝલોનો સમાવેશ થયેલો.

    એમની ફિલ્મોમાં લેવાયેલી વીસેક ગઝલોમાંથી ત્રણના અલ્ફાઝ જોઈએ :

    નુક્તા ચીં હૈ ગમે દિલ ઉસકો સુનાએ ન બને
    ક્યા બને બાત જહાં બાત બનાએ ન બને

    મૈં બુલાતા તો હું ઉસકો મગર ઐ જઝ્બ – એ – દિલ
    ઉસ પે બન જાએ કુછ ઐસી કે બિન આએ ન બને

    બોજ વો સર પે ગિરા હૈ કે ઉઠાએ ન ઉઠે
    કામ વો આન પડા હૈ કે બનાએ ન બને

    ઈશ્ક પર ઝોર નહીં હૈ યે વો આતિશ ‘ ગાલિબ ‘
    કે લગાએ ન લગે ઔર બુઝાએ ન બને

     

    – ફિલ્મ : યહૂદી કી લડકી ૧૯૩૩
    – કુંદનલાલ સાયગલ
    – પંકજ મલિક

    (મૂળ ગઝલ નવ શેરની છે. એમાંના આ બંદિશમાં લેવાયેલા ચાર શેર અહીં લીધા છે. આ જ ગઝલ ફિલ્મ ‘ મિર્ઝા ગાલિબ ‘ માં સુરૈયાના કંઠમાં છે.)

     

    યે ન થી હમારી કિસ્મત કે વિસાલે યાર હોતા
    અગર ઔર જીતે રહતે યહી ઈંતઝાર હોતા

    યે કહાં કી દોસ્તી હૈ કે બને હૈં દોસ્ત નાસેહ
    કોઈ ચારાસાઝ હોતા કોઈ ગમગુસાર હોતા

    તેરે વાદે પે જિયે હમ તો યે જાન જૂટ જાના
    કે ખુશી સે મર ન જાતે અગર ઐતબાર હોતા

    – ફિલ્મ : મૈં નશે મેં હું ૧૯૫૯
    – ઉષા મંગેશકર
    – શંકર જયકિશન

    ( મૂળ ગઝલ નવ શેરની છે. ફિલ્મના ગીતમાં માત્ર આ ત્રણ શેર લેવાયા છે.)

     

    કોઈ ઉમ્મીદ બર નહીં આતી
    કોઈ સૂરત નઝર નહીં આતી

    મૌત કા એક દિન મુઅય્યિન હૈ
    નીંદ કયું રાત ભર નહીં આતી

    આગે આતી થી હાલે દિલ પે હંસી
    અબ કિસી બાત પર નહીં આતી

    હમ વહાં હૈં જહાં સે હમ કો ભી
    કુછ હમારી ખબર નહીં આતી

    મરતે હૈં આરઝૂ મેં મરને કી
    મૌત આતી હૈ પર નહીં આતી..

    – ફિલ્મ : અપના દેશ ૧૯૪૯
    – પુષ્પા હંસ
    – પુરુષોત્તમ

    ( મૂળ ગઝલ દસ શેરની છે. ફિલ્મમાં લેવાયેલા પાંચ શેર અહીં રજુ કર્યા છે. ગઝલ ગાયિકા પુષ્પા હંસ ફિલ્મના નાયિકા પણ હતા. )

    આ શ્રૃંખલા જતનપૂર્વક આટલા લાંબા સમયથી વાંચનાર સર્વે ભાવકોને પણ હૃદયપૂર્વક ઋણી છું.

    અંતમાં  ઈ – મેગેઝિન ‘ વેબગુર્જરી અને એના સંપાદકોનો આભાર કેમ ભૂલાય ? એ મિત્રો સક્ષમ ભાવકો પણ છે. હૃદયપૂર્વક આભાર !


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


    આ લેખમાળાના બધા મણકા, ફિલ્મી ગ઼ઝલોનું અનોખું વિશ્વ પર ક્લિક કરવાથી  એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.