વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વ્યુફાઈન્ડર : એ મેમોઈર : એક પ્રયોગશીલ અને સર્જકતાથી છલકાતા અભિનેતાના સ્મરણો

    હરેશ ધોળકિયા

    જીવનના દરેક ક્ષેત્રનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે તે દરેક ક્ષેત્રનો અલગ અલગ સમય હોય છે. તે દરેક સમયમાં તે ક્ષેત્ર વિશિષ્ઠ રીતે કામ કરે છે. આ વિશિષ્ઠતાથી જ તે ક્ષેત્ર ઓળખાય છે. અને એ રીતે જ તેનો અભ્યાસ કરવાનો આનંદ મળે છે.

    આવું એક ક્ષેત્ર છે ફિલ્મ જગત. છેલ્લા સો વર્ષથી આ ક્ષેત્ર ઉત્તમ રીતે કામ કરી રહ્યું છે. તેના પણ જુદા જુદા તબક્કા રહ્યા છે. તે દરેક તબક્કા વિશિષ્ઠ હતા. આજે પણ તે પોતાની રીતે કામ કરે છે.

    આવો એક તબક્કો હતો વીસમી સદીનો સાતમોથી નવમો દાયકો. સ્વતંત્રતા પછીનો દાયકો આદર્શવાદી ફિલ્મોનો હતો. પછીનો તબક્કો આવ્યો વાસ્તવિકતાનો. પહેલાના નાયકો હતા રાજકપૂર, દિલીપ કુમાર કે દેવ આનંદ. તો આ તબક્કાના અભિનેતાઓ હતા અમિતાભ, ધર્મેન્દ્ર વગેરે. તેમાં સમાજમાં જે હતાશા હતી તેને વ્યક્ત કરવાનો પ્રયાસ હતો. શોલે, દીવાર, ઝંઝીર, કાલા પથ્થર જેવી ફિલ્મો તત્કાલીન સમાજનું ચિત્ર આપે છે. આમાં ગુસ્સો દેખાડતો નાયક બતાવાય છે જે પ્રજાની હતાશાને ગુસ્સામાં વ્યક્ત કરે છે. સંગીતમય આદર્શવાદી ફિલ્મોમાંથી અચાનક આ હિંસક ફિલ્મો આવવા લાગી. સમાજ પણ અસ્વસ્થ થઇ ગયો.

    ત્યારે જ સમાંતરે કેટલાક દિગ્દર્શકો એવા આવ્યા જેમણે સમાંતર ફિલ્મો શરુ કરી. તેમાં સમાજનું વાસ્તવ હતું તો સમાજની નિર્દોષતા પણ હતી. એક તરફ અમિતાભ કે ધર્મેન્દ્ર કે વિનોદ ખન્ના કે શત્રુઘ્ન સિંહા હતા, તો સમાંતરે નાસીરુદીન શાહ જેવા પણ હતા. તેની પણ સમાંતરે એવી ફિલ્મો આવી જેમાં નિર્દોષ હાસ્ય પીરસવામાં આવ્યું. આ ફિલ્મોમાં ગોલમાલ, છોટીસી બાત વગેરે હતી. અને આવી જે ફિલ્મો આવી તેમાં એક અભિનેતા પ્રગટ થવા લાગ્યા. અમોલ પાલેકર. લાર્જર ધેન લાઈફ વ્યક્તિત્વ બતાવતા હતા અમિતાભ, તો આપણી બાજુમાં રહેતો આપણા જેવો ભોળો, ક્યારેક મૂર્ખ લાગે તેવો પાડોશી જેવો આ અમોલ પાલેકર. તદન સરળ પાત્ર, તદન સરળ અભિનય. ફિલ્મ પણ સાદી જ. છતાં અદ્ભુત મનોરંજન આપે. અમિતાભની મારામારીની ફિલ્મ જોયા પછી ભારે થયેલ મગજને આ અમોલ પાલેકરની ફિલ્મો હળવું કરી નાખે. અમોલ પાલેકરે એક નવી જ “ઈમેજ” ઊભી કરી. અંગ્રેજી છાપું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કાર્ટૂનના પાત્ર “કોમન મેન”ને વ્યક્ત કરતી. અમિતાભની સમાંતરે આ અમોલ પાલેકર પણ એટલા જ લોકપ્રિય હતા.

    આ અમોલ પાલેકરે તાજેતરમાં પોતાના સંસ્મરણોનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેનું નામ રાખ્યું છે “ વ્યુફાઈન્ડર : એ મેમોઈર. ” આ તેમની આત્મકથા નથી, પણ ફિલ્મ જગતના અનુભવોના સંસ્મરણો છે. ખાસ્સું દળદાર પુસ્તક છે-સવા ત્રણસો પાનાનું ! પણ એક વાર હાથમાં લઈએ તો મુકવાનું મન ન થાય તેવું રસિક. આ આત્મકથા ન હોવાથી તેનું બાળપણ, માતાપિતા, શિક્ષણ વગેરે જેવા કોઇ જ મુદાની ચર્ચા નથી. અંગત જીવનની પણ ખાસ ચર્ચા નથી. ક્યાંક ક્યાંક જ તે ડોકિયા કરે છે.

    અમોલ પાલેકરે બે ક્ષેત્રે કામ કર્યું છે: નાટકમાં અને ફિલ્મોમાં. યુવાનીમાં જ બેંકમાં નોકરી કરતા હતા ત્યારથી જ મરાઠી નાટકમાં કામ કરવું શરુ કર્યું. ત્યાર પછી હિન્દી અને મરાઠી  ફિલ્મોમાં અભિનેતા બન્યા. પછી પોતે નાટકો અને ફિલ્મો સર્જી. આજે નવમાં દાયકામાં પ્રવેશ્યા છે ત્યારે પણ એટલા જ સક્રિય છે અને ઉત્તમ નાટકો કરી રહ્યા છે. આ બધાના અનુભવો આપણને આ પુસ્તકમાં વાંચવા મળે છે. અને તે એટલા તો રસપ્રદ છે કે જાણે વાંચ્યા જ કરીએ.

    આપણને આ અનુભવો વાંચીને અમોલ પર આદર એટલા માટે થાય છે કે તેણે ત્યારના ઉત્તમ નાટ્યકારો અને ફિલ્મ દિગ્દર્શકો અને અભિનેતાઓ સાથે કામ કર્યું છે. ત્યારના ઉત્તમ નાટ્યકારો એટલે સત્યદેવ દુબે, વિજય તેંદુલકર, બાદલ સરકાર, ગીરીશ કનાર્ડ જેવા લોકો, તો હૃષીકેશ મુખર્જી, બસુ ચેટરજી વગેરે જેવા ફિલ્મના દિગ્દર્શકો. કોણ વધારે ઉત્તમ, તેની હરીફાઈ હતી. આ બધા સાથે કામ કરવું એ અભિનેતા માટે સદભાગ્ય અને લહાવો હતો. અમોલ એમાંના એક હતા. અને આ બધા તેનાથી ઘણા જ સીનીઅર હતા, ગુરુ સમાન હતા, છતાં અમોલ તેમના સાથે ખભે ખભા મિલાવી કામ કરતા હતા. તેમના પાસે શીખતા પણ હતા અને તેમના જેવા જ ઉત્તમ નાટકો કરતા પણ હતા. આ બધાના અનુભવો તે આ પુસ્તકમાં નિરાંતે વર્ણવે છે.

    બધા અનુભવો તો અહી કહેવા અશક્ય છે, પણ એકાદ-બે જોઈએ.

    અમોલ પાલેકર આ પુસ્તકમાં બળવાખોર દેખાય છે. તે મુક્ત વિચારમાં માને છે. એટલે કોઈ પણ નવીન વિચાર ધરાવતું નાટક કરવામાં તે ગભરાતા નથી. ક્યારેક તત્કાલીન સરકાર વાંધો લે, તો તે તેના સામે લડ્યા છે અને જરૂર પડી છે તો કોર્ટમાં પણ લડ્યા છે. એક નાટક માટે કેન્દ્રીય મંત્રી વસંત સાઠેએ મનાઈ કરી, તો તેમણે દેશના મોટા સાહિત્યકારો અને નાટ્યકારોની સહી લઇ ઇન્દિરા ગાંધીને પત્ર મોકલાવેલ. ઇન્દિરાજીએ પત્ર ખોલ્યો અને સહીઓ જોઈ ત્યારે હસીને તે જ પળે, પત્ર વાંચ્યા વિના જ, સાઠેની વાતને ઉડાડી દીધી અને પરવાનગી આપી દીધી. એક નાટક માટે રાજ્યના અધિકારીઓએ વાંધો લીધો, પણ પાલેકર ન માન્યા અને નાટક કર્યું જ. ત્યારે આ અધિકારીઓ તે અટકાવવા આવ્યા, પણ નાટક જોઈ એટલા ખુશ થયા કે સતત ચાર દિવસ જોવા આવ્યા. આવી તો અનેક ઘટનાઓ આ પુસ્તકમાં જોવા મળે છે.

    પણ મૂળ વાત એ કે તે સમગ્ર પુસ્તકમાં બળવાખોર અને સ્વતંત્ર વિચારક તરીકે રજુ થાય છે. પોતે જ એક જગ્યાએ લખે છે કે તેમનું સૂત્ર જ તેમણે લેખક કામુનું વાક્ય રાખ્યું છે: “ । am a rebel, therefore I exist.”  ( હું બળવાખોર છું; એટલે જ મારું અસ્તિત્વ છે.) અને એક વાર તે તેના દેશમાં ગયેલા ત્યારે તેની કબર પાસે ઊભીને કહેલ કે તેણે આ સૂત્ર પાળવાનો પ્રયાસ કર્યો છે.

    ફિલ્મોમાં પણ તેમણે પોતાની શરતે કામ કર્યું છે. તદન નવા બીનપરમ્પરાગત વિષયોને સ્પર્શ્યા છે. વિવિધ પ્રયોગો કર્યા છે. નવા નવા લોકો સાથે કામ કર્યું છે. પણ સતત સંઘર્ષરત રહ્યા છે. એટલે જ તેમણે પુસ્તકના અર્પણમાં લખ્યું છે, “ To those who believe in the power of resistance.” (જેઓ સંઘર્ષની શક્તિમાં માંને છે…!)

    સમગ્ર પુસ્તકમાં અનેક ઉત્તમ લોકો સાથે કામ પણ કર્યું છે અને જરૂર પડ્યે વિરોધ પણ કર્યો છે. અને છતાં સમગ્ર જીવન દરમ્યાન અગણિત મિત્રો સમગ્ર જગતમાં મેળવ્યા છે.

    પુસ્તકમાં એ પણ જોવા મળે છે કે તેમની આ કળા યાત્રામાં તેમની બે પત્નીઓ ચિત્રા અને સંધ્યાએ પણ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. તો પુત્રીઓએ પણ તેમને ટેકો આપ્યો છે. બધા  જ દિગ્દર્શકોએ પણ તેમની કદર કરી છે. તેમણે પણ અનેક કલાકારોને આગળ કર્યા છે. જયદેવ જેવા સંગીતકારને વિલુપ્ત થતા બચાવ્યા છે.

    આમ, સમગ્ર રીતે આ સંસ્મરણો વાંચીએ તો આપણને એક સક્રિય, પ્રયોગશીલ, સતત વિચારતો, બળવાખોર, વિચારક, નાટ્યકાર, અભિનેતા, દિગ્દર્શક, કાર્યક્રમ આયોજક, સર્જક જોવા મળે છે જે પોતાના જીવનની પળેપળનો આજ સુધી સર્જનાત્મક રીતે ઉપયોગ કરે છે અને ફિલ્મ અને નાટ્ય જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે. તેમની ફિલ્મો જોઈએ તો જ ખ્યાલ આવી જાય છે.

    અભિનેતા તરીકે તેમની ઉત્તમ ફિલ્મોમાં ગોલમાલ, છોટીસી બાત, રજનીગંધા, ચિતચોર, ભૂમિકા,
    ઘરોંદા, બાતો બાતોં મેં, અક્રીએત, નરમ ગરમ જેવી અનેક ફિલ્મો દેખાય છે. તો તેમણે પોતે જે ફિલ્મો બનાવી છે તેમાં ધ્યાસપર્વ, ધૂસર, અનકહી, કેરી, સમાંતર, થાગ, અનાહત, બન્ગરવાડી,પહેલી, થોડાસા રૂમાની હો જાયે વગેરે આવે છે. તો જે ઉત્તમ મરાઠી નાટકો કર્યા છે તેમાં બજીરાવ્યા બેટા, ચુપ ! કોર્ટ ચાલુ આહે, આધે અધૂરે, પગલા ઘોડા, દ્રૌપદી, હયવદન, વાસનાકાંડ, જુલુસ, પાર્ટી, રાશોમોનનો સમાંવેશ થાય છે. તો તેમને દૂરદર્શન પર કચી ધૂપ, આ બેલ મુઝે માર, નકાબ, મૃગનયની, પૌલ્ખુના, કૃષ્ણકલી જેવી ઉત્તમ ટી.વી. સીરીઝ આપી છે.

    આમ સમગ્ર પુસ્તક વાંચ્યા પછી આપણા સામે અમોલ પાલેકર એક સંપૂર્ણ કલાકાર તરીકે રજુ થાય છે.
    એટલું જ નહિ, તે સમાંતરે એક ઉત્તમ ચિત્રકાર પણ છે. પુસ્તકમાં તેણે પોતાના જ રેખાચિત્રો દોર્યા છે તે જોઇને તેની તે પ્રતિભા પણ આપણા સામે વ્યક્ત થાય છે.

    સમગ્ર પુસ્તક એ સંસ્મરણોનો ગુલદસ્તો છે. ક્યાય પોતાની ખોટી પ્રશંસા નથી. હા, દરેક બાબતમાં પોતાના વિચારોની સ્પસ્ટતા છે. પોતે જે મર્યાદાઓનો અનુભવ કર્યો છે તેની પણ કબૂલાત કરે છે. પોતાની સિદ્ધિઓ કહેતા પણ અચકાયા નથી. જરૂર પડે ત્યાં એક પણ પૈસો લીધા વિના કામ કર્યું છે, તો ક્યાંક યોગ્ય કદર ન થાય તો પૈસા માટે કોર્ટમાં પણ ગયા છે. કેટલાય કાર્યક્રમોને જાતે નાણાકીય મદદ કરી છે.

    પુસ્તકમાં કેટલાક ઉત્તમ ફોટો પણ છે જેમાં તેમની ફિલ્મો, વ્યક્તિઓ, એકાદ-બે વડીલોના ફોટા જોવા મળે છે. તેમના ચિત્રો તો પુસ્તકની શોભાને બમણી કરી નાખે છે.

    આત્મકથા કે ચરિત્ર કે સંસ્મરણો વાંચવા એક લહાવો છે. તેમાંથી જ વ્યક્તિનું ચારિત્ર્ય અને સમગ્ર વ્યક્તિત્વ જોવા મળે છે. તેમાં જ તેની પ્રતિભા વ્યક્ત થાય છે. આગળ પણ ઋષિ કપૂર કે નસુરીદીન શાહ જેવાએ પોતાની આત્મકથા કે સંસ્મરણો લખ્યા છે. આ પુસ્તક તે ખજાનામાં મૂલ્યવાન ઉમેરો કરે છે. તેને વાંચીને વાચક ભારતીય ફિલ્મ જગતના એક યુગમાંથી પસાર થાય છે અને અનેક પ્રતિભાશાળી વ્યક્તિત્વોના સંપર્કમાં આવે છે. આવા સંસ્મરણો એક ઉત્તમ દસ્તાવેજીકરણનું કામ કરે છે. અવશ્ય વાચનક્ષમ.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – સેકંડ લેફટેનન્ટ નરેન!

    વિમલાતાઈ

    નૂતન પર્વ થી આગળ

    ચીન સાથેની લડાઈ પૂરી થઈ હતી અને નરેન મને હંમેશાં કહેતો, “બાઈ, મારે સૈન્યમાં જોડાવું છે.’ હું મારા એકના એક દીકરાને સેનામાં મોકલવા માટે અચકાતી હતી, તેથી હું તેને સંમતિ આપતી ન હતી. એક દિવસ તો તેણે જઈને સૈન્યમાં ભરતી થવા માટે નામ લખાવી દીધું. જ્યારે તેને ટ્રેનિંગ પર જવાનું આવ્યું ત્યારે મેં તેને આનંદથી વિદાય આપી. મેં કહ્યું, “મારો પુત્ર અફસર બનીને આગળ આવતો હોય તો તેના ભવિષ્યની આડે હું કદી નહિ આવું.’

    પ્રથમ ટ્રેનિંગ માટે નરેનને પૂના જવાનું થયું. ત્યાં છ મહિનાનું પ્રશિક્ષણ પૂરું કર્યું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૬૪ના રોજ તેની જનરલ પરેડ હતી. આ પરેડ જોવા તેને ચાર પાસ મળ્યા હતા. તેમાંના બે પાસ અમારા માટે અને બે તેના ખાસ મિત્ર અને મિત્ર-પત્ની માટે મોકલ્યા હતા. નરેને મને અને સુધાને ખાસ બોલાવ્યાં હતાં, પણ જયુ તૈયાર થઈ ગઈ. તેથી હું, જયુ, નરેનનો મિત્ર સદાનંદ
    અને તેની પત્ની એમ અમે ચાર જણાં ર૪મીએ રાતે અમદાવાદથી નીકળી રપમીએ પૂના પહોંચ્યાં. રસ્તામાં વડોદરા સ્ટેશને મીના, તેના પતિ શ્રીકાંત અને મોન્ટી અમને મળવા આવ્યાં હતાં. મોન્ટી તો મને જોઈને એવો વળગી પડ્યો કે કોઈ પણ હિસાબે મને છોડતો નહોતો. અંતે તેને રડતો મૂકીને અમારે જવું પડયું.

    ૨૬મી જાન્યુઆરીના રોજ પરેડ થઈ, ત્યાર બાદ નાસ્તા-પાણી. કેમ્પમાં એવી સારી વ્યવસ્થા હતી કે ન પૂછો વાત. રાતે ભોજનવિધિ અને અન્ય કાર્યક્રમ હતો. ત્યાર પછી કોફી અને બિસ્કિટ લઈ અમે જેમને ત્યાં ઊતર્યા હતાં ત્યાં ગયાં. આ લોકો સજજન હતા અને અમારી ઘણી સારી સંભાળ લીધી. બીજે દિવસે અમે અમદાવાદ જવા નીકળ્યાં. નરેનને એક મહિનાની રજા હતી, જે પૂરી થતાં તેને બીજી ટ્રેનિંગ માટે બરેલી જવાનું હતું. તેને જોઈએ તેવી બધી વસ્તુઓ મેં બાંધી આપી અને તેની જવાની પૂરી તૈયારી કરી. નવી નવી નોકરી હોવાથી નરેનને કેટલાક મહિના સુધી પગાર જ મળ્યો ન હતો, તેથી અમદાવાદનો ઘરખર્ચ સુધા જ ચલાવતી હતી. જ્યારે નરેનને પગાર મળવા લાગ્યો એટલે તેણે અમને પૈસા મોકલવાની શરૂઆત કરી. બરેલીની ટ્રેનિંગ પૂરી થયા બાદ નરેનને લેફ્ટેનન્ટનો હોદ્દો મળ્યો.

    નરેન બરેલી હતો ત્યારથી તેનાં લગ્ન માટે ઘણા પ્રસ્‍તાવ આવવા લાગ્યાં હતાં, પણ નરેન તૈયાર ન હોવાથી અમને નકાર આપવો પડતો હતો. કેટલાક તો અમારાં સગાં-સંબંધીઓ તરફથી પણ પ્રસતાવ આવ્યા, આમાંનો એક પરદેશમાં રહેતા અમારા ભાણા તરફથી તેમની દીકરી માટે આવ્યો. તેમણે નરેનને પણ સીધો પત્ર લખ્યો હતો, પણ નરેને મને પૂછ્યું કે કન્‍યા કેવી છે. મેં જ તેને પત્ર લખ્યો કે તું આવીને જોઈ જા એમ કહી તેને અમદાવાદ બોલાવી લીધો. નરેન દસ દિવસની રજા લઈને અમદાવાદ આગ્યો. તેણે કન્યા જોઈ, તેની સાથે વાતચીત કરી અને લગ્ન માટે હા કહી. અહીં છોકરીવાળાઓ તાત્કાલિક લગ્ન લેવા માગતા હતા. નરેને કન્‍યા જોયાના ચોથા દિવસે તેમની મોટી દીકરીનાં લગ્ન લેવાઈ રહ્યાં હતાં તેથી કન્યાનાં સગાંઓએ બન્ને લગ્ન એકી સાથે પતાવી દેવા આગ્રહ કર્યો.
    અમારા માટે આ શક્ય ન હતું. મારા એકના એક પુત્રનાં લગ્ન હતાં. મારે તેનાં લગ્ન ઘણી હોંશથી કરવાં હતાં. મારા પિયરનાં સગાંવહાલાંઓએ તો તેમાં હાજર રહેવું જોઈએ કે નહિ? કન્યાના પિતાએ રાહ જોવાની ના પાડી. અમે પણ તેમને કહ્યું કે આવી રીતે ઉતાવળ કરીને અમારે લગ્ન નથી કરવાં. તેમણે તેમની મોટી દીકરીનાં લગ્ન પતાવ્યાં અને અહીં નરેને તેના યુનિટમાં જવાની તૈયારી કરી. આ થતું હતું ત્યાં મરેન માટે બીજી એક જગ્યાએથી માગું લઈ કન્યાનાં મારી નરેનને અને અમને મળવા આવ્યાં. તેઓ વાતચીત કરતાં હતાં ત્યાં પ્રથમ પ્રસ્‍તાવવાળા નરેનને મળવા
    આવી પહોંચ્યા. નરેનને મનાવીને તેઓ તેને પોતાને ઘેર લઈ ગયા અને વાતચીતને અંતે ૭મી ફેબ્રુઆરીએ લગ્ન લેવાનું નક્કી કર્યું.

    નરેનની રજા પૂરી થતાં તે પાછો ગયો. લગ્ન માટે તે ફરીથી રજા લઈને આવવાનો હતો. વધૂ-વરપક્ષ તરફથી પરસ્પર વ્યવહાર કરવાની વાતો થઈ ગઈ. લગ્નની તારીખ નજીક આવી છતાં અમારી કશી જ તૈયારી થઈ ન હતી. નરેન રજા પર આગ્યો ત્યાર બાદ અમે તૈયારી કરવાનું શરૂ કર્યું. કંકોતરી છપાવી, મહેમાન આવ્યા અને ૧૯૬૫ની ૭મી ફેબ્રુઆરીની વહેલી સવારે નરેનનાં લગ્ન
    લેવાયાં. પણ મારી જે પ્રકારની ધામધૂમથી લગ્ન લેવાની આકાંક્ષા હતી, જે ભાવના હતી તેમાંનું કશું જ ન થયું. કન્યાના પિતાને પાછા આફ્રિકા જવાનું હતું તેથી ઉતાવળે જેમતેમ લગ્ન પતાવી દીધાં. આમ તો બીજો પ્રોગ્રામ સારો થયો, પણ વર માતા તરીકેની જે મારી હોંશ હતી તે પ્રમાણે કશું જ ન થયું. તેમાં પણ કન્યાની મા પરદેશ હતી અને લગ્ન માટે આવી શક્યાં ન હતાં, તેથી વિધિપુરઃસરની રસમ કોણ પૂરી કરે? મારી મરજી કે હોંશ પૂરા ન થયા, પણ મેં તેમાં સુધ્ધાં સમાધાન માની આનંદ માણ્યો. લગ્નમાં ખર્ચ પણ ઘણો થયો, પણ મને મારી પોતાની કહી શકાય તેવી પુત્રવધૂ મળી! લાંબા સમયથી મેં વહુની રટ લગાવી હતી, તેના ફળસ્વરૂપે મારા ઘરમાં લક્ષ્મી આવી. અમારી રસમ પ્રમાણે નરેને તેનું નામ અનુરાધા રાખ્યું. હું તેને અનુ કહીને બોલાવવા લાગી.

    નરેનનો યુનિટ ઝાંસી ખાતે હતો, અને લગ્ન પછી ત્યાં જવાનો હતો. તેણે મને સાથે જવાનો ઘણો આગ્રહ કર્યો, પણ સુધાનાં લગ્ન નક્કી થયાં હતાં તેથી તેને એકલી મૂકીને મારાથી જવાયું નહિ.

    સુધાએ પોતાનાં લગ્ન તેમના ઘરની સામે રહેનારા જે યૂવાન સાથે નકકી કર્યા હતાં તેમાં તેનાં માતાપિતાનો કટ્ટર વિરોધ હતો. વળી તેઓ સમાજના આગેવાન હોવાથી અમારા પાડોશીઓએ તેમનો સાથ આપી બાઈ અને તેમનાં બાળકો માટે લગભગ બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી કરી હતી. એટલું જ નહિ, પણ રવિ, જેનો જીવ બયાવવા બાઇએ પોતાની અર્ધી ઉપરાંત બચત આપી હતી, તેની આગેવાની નીચે તેના સ્થાનિક મિત્રો બાઈના કટ્ટર વિરોધી બની ગયા હતા. આવી હાલતમાં બાઈ સુધાને અને જયુને એકલાં મૂકી ઝાંસી જઈ શક્યાં નહિ. વળી સુધા નોકરી કરતી હતી અને જયુ કોલેજના બીજા વર્ષમાં હતી. -સંપાદક

    નરેન અનુને લઈ ગયો ત્યારે તેની બટાલિયન ઝાંસીમાં હતી. ત્યાં જઈને બે-ત્રણ મહિના થયા હશે ત્યાં અચાનક લડાઈ શરૂ થઈ ગઈ, તેથી તેને અનુને એકલી ઝાંસી મૂકી લડાઈને મોરચે જવું પડયું. એપ્રિલમાં અનુ નરેનના ઓર્ડરલી સાથે અમદાવાદ આવી. દેશની સીમા પર તો ખૂનખાર લડાઈ ચાલી રહી હતી અને તેમાં નરેન સાવ મોખરા પર હતો. અમે તો એવા રડતાં હતાં કે ન પૂછો વાત. મને તો જરા પણ ચેન પડતું નહોતું. રાતદિવસ હું દત્તાત્રેયનો જાપ કરતી હતી. લડાઈના આઠ દિવસ સુધી નરેનના કોઈ સમાચાર નહોતા. વહુ તો બિચારી હાલમાં જ લગ્ન કરીને પતિગ્ર્હે આવી હતી. તેનાં માતાપિતા અને પરિવાર આફ્રિકામાં હતો. અનેક સૈનિકો અને અફસરો મૃત્યુમુખે પડી રહ્યા હતા. લડાઈની આ ભયાનક અસરનો ડર અમને સૌને સતાવી રહ્યો હતો. એક વાર તો નરેને આખી બટાલિયનને બચાવી હતી. મૃત્યુથી તે કદી ડર્યો નહિ અને મારી ફૂખને તેણે કદી લજાવી નહિ. એક વીર પુત્રની માતા તરીકે મને કેટલું ભૂષણ લાધ્યું અને એક શૂરવીરની પત્ની તરીકે અનુએ કેટલું ગૌરવ અનુભવ્યું હરે તેનું વર્ણન કરી શકતી નથી.

    એક રાતે મોરચા પરથી તાર આવ્યો. અમે અત્યંત ગભરાઈ ગયાં. કોણ જાણે તારમાં શા સમાચાર હશે તેની આશંકાથી અમે વ્યગ્ર થઈ ગયાં. ઈશ્વરની કૃપાથી તારમાં નરેનની સલામતીના સમાચાર હતા. મેં ભગવાનને પેંડાનો પ્રસાદ ચઢાવ્યો.

    વીસબાવીસ દિવસ પછી લડાઈનું જોર ઓછું થયું અને જૂન મહિનામાં હા-ના કરતાં કરતાં સુધાનાં લગ્ન પતાવ્યાં. સુધાનો પતિ ડૉકટર હતો અને મીનાની જેમ તેણે પણ સ્નેહલગ્ન કર્યા હતાં. લગ્નમાં તેનાં સાસરિયાંનો વિરોધ હોવાથી તેમણે તેને સ્વીકારી નહિ, તેથી લગ્ન પછી પણ તેને મારી પાસે જ રહેવું પડયું. અનુ ઝાંસી ગયા બાદ તરત ગર્ભવતી થઈ હતી. તેનો પ્રસૂતિકાળ નજીક આવતાં તેની મોટી બહેન જે બેળગાંવ રહેતી હતી, તેણે અનુને ડિલિવરી માટે પોતાને ત્યાં બોલાવી. એટલામાં લડાઈ પણ બંધ થઈ હતી અને બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થપાતાં «રેન દસ દિવસની રજા લઈ ઘેર આવ્યો. અમે બધાં તેનું સ્વાગત કરવા સ્ટેશન પર ગયાં હતાં. તે ટ્રેનમાંથી ઊતરતાં અમે તેને હાર પહેરાવ્યો. મારો દીકરો લડાઈ જીતીને પાછો આવ્યો હતો. તેણે લડાઈનું વર્ણન કર્યું અને મોરચાની જે વાતો કહી તે સાંભળીને અમારાં ચિત્ત થરથરી ગયાં. યુદ્ધની યાદગીરી તરીકે તેણે યુદ્ધના મેદાનમાં તેની બટાલિયન પર વરસેલા બોમ્બના ધારદાર, મોટા અને એક એક
    કિલો વજનના ભારે ટુકડા જોઈ મારા મનમાં તો કાંઈનું કાંઈ થઈ ગયું. દસ દિવસ કેવી રીતે વીતી ગયા તેની ખબર પણ ન રહી. જતાં પહેલાં નરેને તેના મિત્રોને અને અમને સૌને સુંદર પાર્ટી આપી અને ત્યાર બાદ અનુને બેળગાંવ મૂકી નરેન પાછો પંજાબ ગયો.

    બે મહિના બાદ અનુની ડિલિવરી થઈ જેમાં તેને ઘણી તકલીફ થઈ. તેનું ઓપરેશન કરવું પડયું, પણ તેને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી સમયસર સારો ઉપચાર થયો અને તેનો જીવ માંડ માંડ બચ્યો. અનુને કન્યારત્ન પ્રાપ્ત થયું. મારા માટે તો પૌત્ર કે પૌત્રી, બધું સમાન હતું. અહીં સુધા પણ ગર્ભવતી હતી. તારકંદની સંધિ થયા પછી થોડા દિવસ બાદ સુધા પણ પ્રસૂત થઈ અને તેને પુત્ર આવ્યો. તેનાં સાસુ-સસરા હવે ઘણાં ખુશ થઈ ગયાં અને આખા લત્તામાં તેમણે પેંડા વહેંચ્યા. મેં પણ મારી પૌત્રીના આગમનની ખુશીમાં બરફી વહેંચી અને દોહિત્ર માટે પેંડા. સુધાનો પુત્ર દોઢ મહિનાનો થયો ત્યારે તેનાં સાસુ પોતે અમારે ઘેર આવ્યાં અને સુધાને અને તેના પુત્રને લઈ સૌપ્રથમ મંદિર ગયાં અને ત્યાર પછી સ્વખુશીથી પોતાને ઘેર લઈ આવ્યાં. આ પહેલાં તો તેઓ સુધા સાથે વાત પણ નહોતાં કરતાં. સુધાએ અને તેમના પુત્રે પોતે જ લગ્ન કર્યા હતાં તે તેમને નહોતું ગમ્યું. આમ છતાં સુધાને લઈ ગયા બાદ તેમણે સુધાને દીકરીની જેમ રાખી. ત્યાર પછી તેમણે

    પૌત્રનો નામકરણવિધિ ઘણી ધામધૂમથી અને ઉલ્લાસપૂર્વક ઊજવ્યો. મેં મારા દોહિત્ર માટે અમારી પરંપરા મુજબ “બાળંત-વીડા’ – જેમાં નવજાત શિશુ માટે મારા હાથે બનાવેલ ઊનનો સેટ, સુંદર ભરતકામ કરેલ નાનકડી રજાઈ, ટચૂકડું ઓશીકું, સોનાનો રઇ તથા ચાંદીની જણસ મૂડી હતી તે ભેટ તરીકે મોકલ્યાં. સમારંભમાં ભાગ લેનારા બધા લોકોએ તેનાં ઘણાં વખાણ કર્યા. સુધાનાં લગ્નમાં મારાથી જે બન્યું તે આપ્યું તેવું જ મેં તેના બાળકના નામકરણવિધિ વખતે આપ્યું.

    બે-એક મહિના બાદ નરેનને રજા મળતાં તે અનુ તથા મારી વડાલી પૌત્રીને લઈ ઘેર અમદાવાદ આવ્યો. મારી પૌત્રીનો નામકરણવિધિ પણ મેં ખૂબ ભવ્ય રીતે ઊજવ્યો. આ વખતે નરેનને બે મહિનાની રજા હતી અને તે પૂરી થતાં જયુ અને હું પણ તેની સાથે જવાનાં હતાં તેથી અમે જવાની તૈયારીમાં પડી ગયાં. અમે અમારું મકાન ખાલી કરીને જવાનાં હતાં તેથી જે સામાન સાથે લઈ જવાના ન હતાં તેની વ્યવસ્થા કરવાની હતી. અમે આલતુફાલતુ સામાન માળિયા પર ચઢાવી દીધો. સારો સામાન તથા ફર્નિચર મીનાને ઘેર રાખ્યાં અને અમારું મકાન ભાડે આપ્યું. મીનાનો મોન્ટી મારો ઘણો હેવાયો થયો હતો. તેને મૂકી જતાં મને ઘણું દુ:ખ થયું હતું. મેં તેને તેની માતાની જેમ જ સાચવ્યો હતો અને તેની માંદગી,સ્વસ્થતા – બધાંમાં હું તેની સાથે હતી, તે દસ દિવસનો હતો ત્યારથી હું તેને સંભાળતી હતી, તેથી તેને મૂકી જતાં મને ઘણું વસમું લાગ્યું હતું. સુધાના પુત્ર સાથે એટલી માયા બાંધી « શકાઈ તેનો તો જન્મ થતાં જ તેનાં દાદા અને દાદીમા તેને લઈ ગયાં હતાં. મોન્ટી તો અષ્ટપ્રહર મારી સાથે જ રહેતો હતો. તેને મૂકીને ગયા બાદ તેણે મીનાને ઘણી હેરાન કરી.

    ૧૯૬૬ના મે મહિનાની ૧૧મી તારીખે અમે અમદાવાદ છોડયું. પહેલાં અમે જલંધર સ્ટેશન પર ઊતર્યા અને ત્યાંથી મિલિટરીની ગાડીમાં બેસી કરતારપુર નામના ગામે ગયાં.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • અંદરથી | શું બોલીએ

    અંદરથી 

    – અશોક ચાવડા ‘બેદિલ

    આમ લાગે ન આગ અંદરથી,
    કોઈ તો છે સજાગ અંદરથી.

    હાથ લાગે છતાં ન પકડાતા,
    છે અરીસામાં દાગ અંદરથી.

    બ્હારથી એકદમ સલામત છું,
    માત્ર છે નાસભાગ અંદરથી.

    દૃશ્ય સઘળાં થઈ ગયાં છે સ્થિર,
    આ જ મોકો છે જાગ અંદરથી.

    તાપ-સંતાપ તપ સુધી પ્હોંચે,
    તો જ પ્રકટે વિરાગ અંદરથી.

    શું બોલીએ
    ~ રમેશ પારેખ

    શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
    ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

    બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
    આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

    આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
    બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?

    ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
    શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?

    બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
    એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?

    લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
    એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

  • વાદ્યવિશેષ (૩૫) – ફૂંકવાદ્યો (૧૦) હાર્મોનિકા/માઉથ ઓર્ગન – (૨)

                                                        પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    આપણે ગઈ કડીમાં હાર્મોનિકા વિશે માહીતિ મેળવી અને કેટલાંક ગીતો માણ્યાં. આ કડીમાં એ જ વાદ્ય સાથે આગળ વધીએ.

    ફિલ્મી વાદ્યવૃંદોમાં જે કુશળ હાર્મોનિકા વાદકો થઈ ગયા, તેમાં મિલન ગુપ્તા, સઈકેત મુખોપાધ્યાય, ભાનુ ગુપ્તા અને રાહુલદેવ બાર્મનનાં નામ ટોચ પર મૂકી શકાય. આપણે મિલન ગુપ્તાએ આ વાદ્ય પર વગાડેલું ફિલ્મ સી આઈ ડીનું ગીત ‘અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં’ સાંભળીએ. કલાકારે જે નજાકતથી એકેએક સૂરને ન્યાય આપ્યો છે એ તેમનું કૌશલ્ય પ્રગટ કરે છે.

    હવે માણીએ હાર્મોનિકાના અંશો વડે સજાવાયેલાં કેટલાંક ચુનંદાં ફિલ્મી ગીતો.

    શરૂઆતમાં સાંભળીએ ૧૯૫૯ની ફિલ્મ કૈદી નંબર 911નું ગીત ‘મીઠી મીઠી બાતોં સે બચના જરા’. સંગીતકાર હતા દત્તારામ. પરદા ઉપર એક બાળકલાકાર હાર્મોનિકા વગાડતી/તો જોઈ શકાય છે.

    ફિલ્મ દોસ્તી(૧૯૬૪)નાં લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતનિર્દેશનમાં બનેલાં ગીતો આજે પણ લોકપ્રિય છે. તે પૈકીનાં બે ગીતો હાર્મોનિકાના અંશોથી સભર હતાં. એ ગીતો, ‘જાનેવાલોં જરા મૂડ કે દેખો મુઝે’ અને ‘રાહી મનવા દુખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ’ એક પછી એક માણીએ.

    https://www.youtube.com/watch?v=NvHi1C-ck54&list=RDNvHi1C-ck54&start_radio=1

     

    https://www.youtube.com/watch?v=uPR7qUMNV0k&list=RDuPR7qUMNV0k&start_radio=1
    ૧૯૬૪ની સાલમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ કાશ્મીર કી કલી માટે ઓ.પી. નૈયરે યાદગાર ગીતો બનાવ્યાં હતાં, એ ફિલ્મનું એક ગીત ‘કીસી ના કીસી સે કભી ના કભી’ સાંભળીએ. સમગ્ર વાદ્યવૃંદમાં સૌથી પ્રભાવક હાર્મોનિકાના અંશો છે.

    https://www.youtube.com/watch?v=ugoWC_VoxoU&list=RDugoWC_VoxoU&start_radio=1

    ૧૯૬૫ની ફિલ્મ વક્ત ની સફળતામાં રવિએ સ્વરબદ્ધ કરેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. ઉક્ત ફિલ્મનું એક હાર્મોનિકાના અંશો ધરાવતું ગીત ‘દિન હૈ બહાર કે તેરે મેરે ઈકરાર કે’ માણીએ.

    ફિલ્મ તકદીર (૧૯૬૭)નાં ગીતો પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં બન્યાં હતાં. ઉક્ત ફિલ્મના ગીત ‘આઈયે બહાર કો હમ બાંટ લે’ના વાદ્યવૃંદમાં હાર્મોનિકાના ટૂકડાઓ માણી શકાય છે.

    ૧૯૭૧ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ પરાયા ધન માટે સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘આજ ઉન સે પહેલી મુલાકાત હોગી’ સાંભળતાં હાર્મોનિકાના અંશો કાને પડતા રહે છે.

    ૧૯૭૧માં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ મેરે અપને માટે સલિલ ચૌધરીએ સંગીત આપ્યું હતું. તેમના વાદ્યવૃંદમાં ભાગ્યે જ હાર્મોનિકાનો સમાવેશ થયો હશે. પણ પ્રસ્તુત ગીત ‘હાલચાલ ઠીકઠાક હૈ’ અપવાદ ગણાવી શકાય.

    ફિલ્મ શોલે (૧૯૭૫)માં હાર્મોનિકા પર વગાડાયેલી એક ધૂનનો ઉપયોગ એક કરતાં વધારે વાર સાંભળવા મળે છે. આ ધૂન કોઈ ગીત સાથે સંકળાયેલી ન હોવા છતાં યાદગાર બની રહી છે. રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં ભાનુ ગુપ્તા નામના વાદક કલાકારે આ ધૂન વગાડી છે.

    ૧૯૮૧ની ફિલ્મ લવ સ્ટોરી માટે રાહુલદેવ બર્મને ગીતો તૈયાર કર્યાં હતાં. તે પૈકીનું ગીત ‘યે લડકી જરા સી દિવાની લગતી હૈ’ હાર્મોનિકાના કર્ણપ્રિય અંશો ધરાવે છે. એક તબક્કે નાયક હાર્મોનિકા વગાડતો જોઈ શકાય છે.

    ફિલ્મ કાનૂન મેરી મુઠ્ઠી મેં(૧૯૮૪)નું ગીત ‘મમ્મી ડેડી કા પ્યાર’ હાર્મોનિકાના અંશોથી ભરેલું છે. સંગીત રાજકમલનું છે.

    આ કડીમાં અહીં અટકીએ. આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળીશું.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલસુફીભર્યાં ગીતો – ૩૯ – बनाते है दुनिया को एक आनंद आश्रम

    નિરંજન મહેતા

    ૧૯૭૭ની ફિલ્મ ‘આનંદ આશ્રમ’નું ગીત છે

     

    ख़ुशी बाँट ते है अपनी
    लेके जो औरो के ग़म
    वही बनाते है दुनिया को
    एक आनंद आश्रम
    सफल वही जीवन है
    औरों के लिए जो अर्पण है

    प्यार न भूलेंगे सूरज का
    हम सब धरती वाले
    मर मर कर देता है जीवन
    जल जल के उजाले

    हर दिल में जीते है वो
    औरों के लिए जो मर जाये
    याद वही रहते है जो
    औरों के लिए कुछ कर जाये
    ख़ुशी बाँट ते है अपनी
    लेके जो औरो के ग़म
    वही बनाते है दुनिया को
    एक आनंद आश्रम

    જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ અવિરત ચાલતી જ રહે છે. કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેણે આ અનુભવ્યું નહિ હોય. પરંતુ અન્યના દુઃખમાં સહાયક બની તેના દુઃખમાં ભાગીદાર બને તો તે આ જગતને એક આનંદમય સ્થાન બનાવી લે છે. જે પોતાનું જીવન અન્યોને સમર્પિત કરે છે તેનું જીવન સફળ કહી શકાય. કેટલાય સંતો અને મહાત્માઓ આ પ્રકારનું જીવન જીવતા હોય છે અને તેથી લોકો તેમને માન અને આદર તો આપે છે પણ સાથે સાથે કહે છે કે તેમનું જીવન એક આદર્શ જીવન છે.

    કુદરતની કેટલીયે શક્તિઓ માનવજીવન માટે અવિરત કામ કરે છે. જેમ કે સૂરજ પોતે સળગીને તેના તેજ વડે મનુષ્યને જીવન પ્રદાન કરે છે અને ઉજાસ આપે છે. આપણે આ વાતને વિસરવી ન જોઈએ.

    જે વ્યક્તિ બીજા માટે મારી ફીટે છે તે સૌના હૃદયમાં વસી જાય છે. લોકોમાં તે વ્યક્તિની યાદ કાયમ રહે છે જે બીજા માટે કોઈને કોઈ રીતે મદદરૂપ બને છે. બીજાના દુઃખમાં પોતાનાં વ્યહવારથી ખુશી વહેચે છે તે જ આ જગતને એક રહેવા લાયક આનંદમય સ્થાન બનાવે છે.

    ફિલ્મની શરૂઆતમાં આ પાર્શ્વગીત તરીકે મુકાયું છે જેના રચયિતા છે ઇન્દીવર અને સંગીત આપ્યું છે શ્યામલ મિત્રએ. સ્વર છે યેસુદાસનો.

    https://youtu.be/P3Ry9eLczSo?list=RDP3Ry9eLczSo

     


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • પંખીઓના દેશમાં

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    એક હતો માછીમાર. એ રોજ પોતાની નાનકડી હોડી લઈને દરિયામાં જાય, જાળ નાખે, માછલીઓ પકડે અને પાછો આવે. એ માછલીઓ વેચીને જે પૈસા મળે એમાંથી એનું ગુજરાન ચાલે.

    એક દિવસ એવું થયું કે આ માછીમાર દરિયામાં જાળ નાખીને બેઠો હતો ત્યારે ઓચિંતું દરિયામાં ભયંકર તોફાન આવ્યું. મોટા મોટા મોજાં ઉછળવા માંડયા. આવા ભારે તોફાનમાં માછીમારની હોડી એક મોટા મોજા સાથે ઉપર ઊંચકાઈ. માછીમાર ખૂબ ડરી ગયો. ભયના માર્યા એણે પોતાની આંખો બંધ કરી દીધી. માછીમારની આંખો ખુલી ત્યારે તોફાન શાંત થઇ ગયું હતું. એની હોડી ધીરે ધીરે ચાલી રહી હતી. એણે દૂર નજર કરી. અરે! પોતે ક્યાં આવી ગયો હતો? થોડેક દૂર જમીન દેખાતી હતી પણ આ એના ઘરવાળી જગ્યા તો ન હતી! હોડી આપોઆપ પેલી જમીન તરફ ખેંચાઈ રહી હતી. માછીમાર ચૂપચાપ બેસીને જોતો રહ્યો.

    થોડીક જ વારમાં માછીમારની હોડી જમીનને અડી ગઈ. એ કૂદકો મારીને જમીન ઉપર ઉતર્યો અને ચારેબાજુ નજર કરી. એને જે દેખાયું એ જોઇને એ તો આશ્ચર્યચકિત થઇ ગયો. ચારેબાજુ ફળો અને ફૂલોથી લચી પડેલાં લીલાંછમ વૃક્ષો હતાં. એમાંથી નીકળતી સરસ સુગંધ હવામાં ફેલાઈ રહી હતી. રંગબેરંગી પતંગિયા ઉડાઉડ કરતાં હતાં. અમુક પતંગિયા જમીન ઉપર જાજમ જેવા લાગતા પોચા, સુંવાળા ઘાસ ઉપર ગલોટીયાં ખાઈ રહ્યાં હતાં. વૃક્ષોમાંથી પંખીઓનો કલરવ સંભળાતો હતો. દૂર સોનેરી પહાડો દેખાતાં હતા. એના ઉપરથી આછા ભૂરા રંગના ઝરણાં વહી રહ્યાં હતા. માછીમારે ઉપર નજર કરી અને એ આભો જ બની ગયો. આકાશમાં કેટલાય મેઘધનુષ ઝૂલતા દેખાતા હતા!

    થોડી વાર સુધી તો માછીમાર આજુબાજુ જોતો રહ્યો. એણે ક્યારનું કંઈ ખાધું પણ ન હતું. એને પેલાં ફાળો ખાવાનું મન થયું. એ વૃક્ષો તરફ આગળ વઘ્યો. માછીમાર હજુ બે ડગલાં જ ચાલ્યો હતો ત્યાં એને એક અવાજ સંભળાયો, “ક્યાં જાય છે? ઊભો રહે!’

    આવા મીઠા અવાજે કોણ બોલ્યું? માછીમાર કંઈ વિચારે એ પહેલા તો આકાશમાંથી એક પરી ઉડતી ઉડતી આવી અને એની સામે આવીને ઊભી રહી ગઈ.

    એણે ફરીથી પૂછ્યું, “ક્યાં જાય છે?”

    “પેલું ફળ ખાવા. ભૂખ લાગી છે.’

    ‘હા, પણ આ પંખીઓનો દેશ છે. તારે અહીં રહેવું હોય, અહીંથી કંઈ પણ ખાવું હોય તો તારે પંખી બનવું પડે.”

    “પંખી!’ મારે પંખી બનવાનું?
    “હા. નહીં તો જતો રહે પાછો તારા દેશમાં.’

    માછીમારને તો આ દેશ બહુ જ ગમી ગયો હતો. એ ક્યાં આવી ચડ્યો હતો એની જ એને ખબર ન હતી. હવે પાછું કેવી રીતે જવું એની પણ એને ખબર ન હતી. પંખી તો પંખી, અહીં રહેવા તો મળશે. આમે ય રોજ રોજ દરિયામાં જઈને, માછલીઓ પકડીને એ કંટાળી ગયો હતો.

    ‘શું વિચારે છે? બનવું છે પંખી?’

    “હા હા. હું પંખી બનીશ. પણ મને કયું પંખી બનાવશો?’ માછીમારે પૂછ્યું.
    ‘જો હું ચાર નામ બોલીશ. એમાંથી એક પસંદ કરજે”, પરીએ કહ્યું.

    ‘સારું.’ માછીમારે જવાબ આપ્યો. એનું હૃદય જોરથી ધડકતું હતું.

    “મોર? મોર બનાવું તને?’

    માછીમારે થોડીવાર વિચાર કર્યો. પછી બોલ્યો, ‘મોર જેવા પંખી બનવામાં શું મજા? મોર તો કેટલું ઓછું ઊડી શકે? ના, મોર નહીં. કોઈ લાંબુ ઉડવાવાળું પક્ષી.’

    * તો સમડી? સમડી બહુ લાંબુ ઊડી શકે.’ પરી હસીને બોલી.

    “પણ એનો અવાજ તો કેવો ખરાબ હોય! બોલે ત્યારે ચીસો પાડતી હોય એવું લાગે. મને કોઈક મીઠું બોલવાવાળું પંખી બનાવો ને!’ માછીમારે પોતાની પસંદગી બતાવી.
    “કોયલ બનવું ગમશે તને?’

    કોયલ? પેલી કાળી કાળી કોયલ? એને તો પોતાના રંગની એટલી શરમ આવે કે કાયમ છૂપાયેલી જ રહે છે. મારે એવી કાળી કોયલ નથી બનવું.’

    ‘હમમમ. તારે ઉડવાવાળું, સુંદર, કર્કશ નહીં, એવું કોઈ પંખી બનવું છે ને?’ પરીએ પૂછ્યું.

    “હા. હા. એવું જ. હવે તમે બરાબર સમજ્યા.’

    ‘તો પછી તને ફૂલસુંન્ઘણી [સન બર્ડ] બનાવી દઉં. એનામાં આ બધા લક્ષણ છે.’

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘ફૂલ સુંન્ઘણી? પેલું નાનું પંખી? જે ઊંધું લટકીને ફૂલોનો રસ પીએ છે? અરે! એ તો કેટલું નાનું હોય છે? મારી હથેળીમાં સમાઈ જાય. એવડું નાનું પંખી બનીને હું શું કરું? બીજું કંઇક કહો ને!’ માછીમાર હવે ઉતાવળો થયો હતો.

    ‘હવે કશું નહીં નાદાન માણસ. તેં તને મળેલી ચારેય તક ગુમાવી દીધી છે. તને મેં બધાં સરસ પક્ષીઓની પસંદગી આપી હતી. મોર બહુ ઊડી ન શકે પણ એ કળા કરે ત્યારે દુનિયાનું સહુથી સુંદર પક્ષી હોય છે. સમડીની દ્રષ્ટિ કેટલી તેજ હોય! દૂર સુધી જોઈ શકે. કોયલ કાળી ખરી, પણ એના જેવો મીઠો અવાજ બીજા કોઈ પંખીનો નથી. અને પેલું નાનું, તારી મુઠ્ઠી જેવડું ફૂલસુંન્ઘણી પંખી તો બહુ મોટું કામ કરે છે. એ ફૂલોની રજ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈને ફૂલો ઉગાડવામાં મદદ કરે છે.”

    ‘આ બધી તો મને ખબર જ ન’તી. સારું મને કંઈ પણ બનાવી દો.’ માછીમાર ઢીલા અવાજે બોલ્યો.

    ‘ના’, પરી મક્કમતાથી બોલી. “તને કોઈનામાં કંઈ સારું દેખાતું નથી. એટલે તને આવા સરસ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. હું તને તારા દેશમાં પાછો મોકલી દઉં છું. જા અને માછલીઓ પકડ.”

    માછીમાર કંઈ બોલે એ પહેલા તો એ એની હોડીમાં હતો અને હોડી એના ગામના દરિયાકિનારે ઊભેલી હતી.

    હવે રોજ એ પાછો દરિયામાં માછલી પકડવા જાય છે. પંખીઓના દેશને યાદ કરે છે અને નિસાસા નાખે છે. જો કે હવે એ એટલું શીખ્યો છે કે કોઈનામાં કશું ખરાબ જોતો નથી. એ સમજી ગયો છે કે બધામાં કંઇક તો સારું હોય જ છે.


    ગિરિમા ઘારેખાન  | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯

  • ઋતુના રંગ : ૫ :

    ગિજુભાઈ બધેકા

    ભાવનગર.

    તા. ૧૯ – ૨ – ૩૬

    વહાલાં બાળકો !

    કાં, આજકાલ શિયાળો છે કે ઉનાળો ? હમણાં ઋતુ બહુ વિચિત્ર છે. સવારે ધુમ્મસ જેવું હોય છે; સૂર્ય લાલ ચોખ્ખો નથી ઊગતો. બપોરે વળી માથું તપે એવો તાપ પડે છે, અને રાતે (આજે તો) પવન સખત ફૂંકાય છે ને ઠંડી લાગે છે. આ ઋતુ એટલે બધા કહે છે કે ઋતુની સંધિ. નહિ શિયાળાની કોરી ઠંડી, નહિ ઉનાળાની કડક ગરમી. હમણાં તો હવામાં ઠંડીને બદલે ભેજ છે, અને ચોખ્ખા તડકાને બદલે વચ્ચે વચ્ચે વાદળિયો તડકો નીકળે છે. આમાં રોગચાળો બહુ ચાલે. શીળી, ઓરી, કફ, ઇન્ફ્લ્યુએન્ઝા, શરદી, બધા રોગો આવે વખતે નીકળે.

    આજ તો બાળકોને પણ બરાબર ન ગમ્યું. બહાર ગરમી લાગી એટલે અંદર ઓરડામાં આવી કામે લાગ્યાં; વળી અંદર ઠંડી લાગી એટલે પાછાં અખાડામાં તડકે આવ્યાં. બાળકોને ઋતુઓના ફેરફારની બહુ સારી રીતે ખબર પડે છે. જ્યારે તડકો પડે ત્યારે બધાં બાળકો સંગીતના ઓરડામાં હોય છે, અને ઠંડી પડે ત્યારે લગભગ આખો ઓરડો ખાલી હોય છે. એમ તો પક્ષીઓને, પશુઓને, સૌને હવાના ફેરફારની ખબર તો પડે જ; પણ ખાસ કરીને પક્ષીઓને એની બહુ ખબર પડે છે. તેઓ ગાય, નાચે, માળા કરે, ઈંડાં મૂકે, એ ઉપરથી આપણે જાણી શકીએ કે હમણાં કઈ ઋતુ છે.

    આ શિયાળો ઊતરવા આવ્યો ને વસંત બેઠી એટલે પક્ષીઓ વધારે લહેરમાં આવ્યાં છે. સક્કરખોરાના રંગો એટલા તો સુંદર થાય છે, કે બસ ! અને ઝીણી ઝીણી ઘૂઘરીઓ વગાડતો હોય એવું ગળું વગાડે છે, અને લળી લળીને ફૂલોમાંથી રસ ચૂસે છે. એની મસ્તી અને રંગબદલી ઋતુની અસરને કારણે છે. આંબે મોર બેઠા છે, અને કોયલને ગળે ગાન પણ ફૂટવા લાગ્યાં છે. હવે આખો ઉનાળો કોયલ કુહુ કુહુ કુહુ કુહુ કર્યા કરશે. હમણાં પાછું ટુકટુક જરા સંતાઈ ગયું છે; એનો અવાજ આવતો નથી. હમણાં હવા પાછી ઠંડી થઈ ગઈ છે એ એનું કારણ છે. ટુકટુકને ઉનાળો પ્રિય.

    વળી જુઓ પેલો ખાખરો જોયો ? ખાખરો એટલે કેસૂડો. ખાખરાને બંગાળીમાં પલાશ કહે છે. જુઓ છો એનાં ફૂલો ? દૂરથી કેવાં સુંદર લાગે છે ? એક કવિએ એને વનની અગ્નિજ્વાળા કહેલ છે. સાચે જ એ કેવાં લાલચોળ છે ! અગ્નિની જ્વાળા જેવાં ? આ કેસૂડાંને લોકો સૂકવે છે. એનું કેસરી લાલ પાણી કરી લોકો હુતાશનીમાં સામસામે ઉડાડે છે. કેસૂડાનું પાણી બહુ સુંદર દેખાય છે. ઉનાળાની જ્યારે લૂ વાશે ત્યારે નાનાં બાળકોને એની માતાઓ કેસૂડાંના પાણીએ નવડાવશે.

    હવે તમે નજરે જોઈ શકો છો કે લોકોએ શાલ-દુશાલા બાજુએ મૂક્યા છે; ગરમ બંડીઓ અને ગરમ ફરાકો હવે થોડાં દેખાય છે. હવે તમે પણ ગરમ કપડાં પહેરવાનું છોડી દીધું હશે, અને હવે શગડીએ તાપતાં પણ નહિ હો.

    તમે જરા ધ્યાન રાખી પવનની લહરીઓને અનુભવજો. હવે સૂસવતા વાયરા નથી વાતા; હવે હળવી હળવી જરા જરા મીઠી મંદ પવનની લહરી આવવા લાગી છે. થોડે દહાડે આ લહરીઓમાં ખૂબ મીઠાશ આવશે. પછી ઉનાળો જામશે ને પછી લૂ પણ વાશે; પણ એને હજી વાર છે.

    વળી આ આંબે મોર પણ બેઠો દેખાય છે. હજી જોકે શરૂઆત છે, પણ એ ઊતરતો શિયાળો ને બેસતી વસંત બતાવે છે. હવે કોયલ આસ્તેથી ટહુકવા લાગી છે, ખરું ?

    હવે લોકોનું ધમધમ કામ કરવાનું જોર નરમ પડશે. હવે કામ કરતાં થાક લાગશે અને બગાસાં આવશે. હવે દિવસ ટૂંકો મટી લાંબો થવા લાગ્યો છે. જુઓ ને, પહેલાં તો પાંચ સાડાપાંચે અંધારું થઈ જતું; હવે તો ૬-૩૦ સુધી દિવસ રહે છે અને સાત સુધી અજવાળું રહે છે. સૂરજ ઊગે છે પણ વહેલો. એમ છે, સમજ્યાં ? હવે શિયાળો જવા લાગ્યો છે ને ઉનાળો આવવા લાગ્યો છે. પણ હજી પૂરા ઉનાળાને વાર છે. હજી માટલાનાં પાણી વગર ઠારે ઠંડાં છે; હજી પાછલી રાતે ગોદડાં ઓઢવાં પડે છે. હજી ઘામનું તો નામનિશાને નથી દેખાતું.

    વારુ ત્યારે રામરામ !

    લિ. તમારો

    ગિજુભાઈ


  • પપ્પુ પેરટ

    લતા જગદીશ હિરાણી

    પપ્પુ પેરેટ અને સોનુ સ્પેરો બંનેને બહુ ભૂખ લાગી હતી.

    પપ્પુ પેરેટ કહે – શું કરીશું ? ઝાડ પર કોઈ ફ્રૂટ નથી. જે છે એ બધા કાચા છે. કેમ ખાવા ? બહુ ભૂખ લાગી છે.

    સોનુ સ્પેરો તો રસ્તામાં બેસી જ ગઈ – ને બહુ ભૂખ લાગી છે. હવે ખાવાનું નહીં મળે તો હું ઊડી નહીં શકું.

    સોનુ સ્પેરો બેસી ગઈ એટલે પપ્પુ પેરટે પણ રોકાઈ જવું પડ્યું.પપ્પુ કહે – જો સોનુ આમ બેસી જઈશું તો કોઈ આપણા માટે ખાવાનું લાવી નહીં દે. આપણે તો શોધવું પડશે. મહેનત તો કરવી જ પડશે.

    સોનુ માની ગઈ. એ કહે કે હું થાકી ગઈ છું. ભૂખ લાગી છે પણ તારી વાત સાચી છે. મહેનત કરીએ.

    પપ્પુ પેરટ અને સોનુ સ્પેરો ખાવાનું શોધી શોધીને થાકી ગયા પણ કશું મળે નહીં.

    એવામાં રસ્તામાં મોનુ મંકી મળ્યો. બંનેને ઢીલા ઢફ જોઈને કહે – શું થયું છે તમને ? કેમ આમ માંદા જેવા લાગો છો ?

    પપ્પુ કહે – જો ને મોનુ,  આ માણસો બધા ફળો કાચા ઉતારી ગોડાઉનમાં ભરી દે છે.  ઝાડ પર અમારા માટે કાંઈ રહેવા દેતા નથી. એમની આજુબાજુ ફરતાં યે ડર લાગે છે. અમને પીંજરામાં પૂરી દે છે અમે તો હવે જંગલમાં ભૂખે મરીએ છીએ.

    સોનુ સ્પેરો સામે જોઈને મોનુ મંકી બોલ્યો – તારે પણ આવી જ મુશ્કેલી છે ?

    સોનુ કહે – હા હું પણ ભૂખે મરું છું. પહેલાં તો બધા લોકો અમને ચણ નાખતા. હવે કોઈ ચણ નાખતા નથી. રોટલી ભાત કંઈ વધે એ પણ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને નાખે છે. અમારે એ થેલી કેમ ખોલવી ! અમારે માળો બાંધવાની યે ક્યાંય જગ્યા રહી નથી…

    મોનુ મંકી કહે – આ માણસ બહુ મતલબી થઈ ગયા છે. હું જાણું છું. તેઓ પશુ પંખીનો કંઈ વિચાર જ નથી કરતા. ચાલો, પહેલાં તમારા માટે ખાવાની વ્યવસ્થા કરું. એમ કહેતાં મોનુ ભાગ્યો.

    એક ફળની લારીવાળો જતો હતો.

    એ ઝાડ પર ચડયો, ત્યાંથી સીધો ફળની લારી પર કૂદ્યો.

    બંને હાથમાં પાક્કા સરસ મજાના ફળ લઇ આવ્યો અને પપ્પુ પેરેટ ને આપ્યા.

    ફરી કુદતો કુદતો રસ્તા પર ગયો.

    એક અનાજના વેપારી ની દુકાન હતી.

    વેપારી એકલો બેઠો હતો.

    મોનુ મંકીએ હૂપ કરતો કૂદકો લગાવ્યો.

    વેપારી ડરીને ભાગ્યો.

    મોનુએ જુવાર અને ચોખા મુઠ્ઠીમાં ભરી લીધા.

    જઈને સોનુ સ્પેરો પાસે ઢગલો કરી દીધો.

    પપ્પુ અને સોનુ રાજી રાજી થઈ ગયા.

    બંને મોનુને થેન્ક્યુ કહ્યું.

    બંને બોલ્યા, ‘હવે આપણે પણ માણસ પાસેથી આંચકી લેતા શીખવું પડશે નહીંતર એ આપણને જીવવા નહીં દે.

    મોનુ કહે – સાચી વાત. આપણે પશુ-પંખીને સભા કરી સૌને આ વાત સમજાવીશું.

    ત્રણે હસતાં હસતાં છૂટા પડ્યાં.


    લેખકના બાળવાર્તાસંગ્રહ ‘એક હતી વાર્તામાંથી

  • નજરે પડતી પ્લાસ્ટિકના કચરાની સમસ્યા હીમશીલાની ટોચ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    “બેટા, ઘરનો કચરો ક્યાં ફેંકવાનો?”

    “કચરાપેટીમાં.”

    “શાબાશ. અને કચરાપેટી ભરાઈ જાય એટલે એને ક્યાં ઠાલવવાની?”

    “બાજુવાળાના ઘર આગળ.”

    દેખીતી રીતે આ ભલે ટુચકો લાગે, પણ ઘણા ખરા કિસ્સામાં આ હકીકત છે. ફરક એટલો કે ‘બાજુવાળા’નો અર્થ જરા વિસ્તરે છે. આપણાં નગરો કે શહેરોનો કચરો મોટે ભાગે આસપાસના કોઈ ગામની ભાગોળમાં ઠાલવવામાં આવે છે. પણ આવું માત્ર નગર કે શહેર નહીં, દેશો સુદ્ધાં કરતા હોય છે એમ કહીએ તો ઝટ માનવામાં ન આવે. વધુ નવાઈ પમાડે એવી વાત એ છે કે આ રીતે કચરો ફેંકવાનું ‘રિસાયકલિંગ’ના રૂપાળા ઓઠા હેઠળ કરવામાં આવે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    દર વરસે ધનાઢ્ય અને વિકસીત દેશો પ્લાસ્ટિકના ટનબંધી કચરાની નિકાસ ગરીબ, વિકાસશીલ કે અવિકસીત દેશોમાં કરે છે. આવા દેશોમાં આયાત કરાયેલા આ કચરાનો અંત છેવટે લેન્‍ડફીલમાં ઠાલવીને કે બાળીને આવે છે. કેમ કે, આ દેશોમાં કચરાના વ્યવસ્થાપન માટે જરૂરી માળખાકીય સવલતો અપૂરતી હોય છે. આને કારણે આ વિસ્તારની જમીન, લોકોના સ્વાસ્થ્ય અને સમગ્ર પર્યાવરણ પર કેટલી વિપરીત થાય છે એની કલ્પના જ કરવી રહી. આ પ્રથા કે પદ્ધતિ ‘વેસ્ટ કોલોનીઅલીઝમ’ એટલે કે ‘કચરાના અથવા પ્લાસ્ટિક સંસ્થાનવાદ’ તરીકે ઓળખાય છે.

    ‘સંસ્થાનવાદ’ જેવો શબ્દ આની સાથે સાંકળવાનું કારણ છે. આ વ્યવસ્થા સાથે અસમાનતા અને શોષણ સંકળાયેલાં છે. આમ જુઓ તો, પરોક્ષ રીતે, અને આમ જુઓ તો પ્રત્યક્ષ રીતે પણ. સંસ્થાનવાદી માનસિકતા એટલે પોતાનાં સંસ્થાનોમાં રહેલા નૈસર્ગિક સંસાધનો અને લોકો પોતાના ઊપયોગ અને ઊપભોગ માટે જ હોવાની માનસિકતા. ભલે તેમનું જે થવું હોય એ થાય. અંગ્રેજી સંસ્થાનો નાબૂદ થયાં, પણ સંસ્થાનવાદી માનસિકતા હજી પ્રવર્તી રહી છે. કેવળ તેનું સ્વરૂપ બદલાયું છે. વર્તમાન સમયમાં ધનાઢ્ય દેશો પોતાને ત્યાંનો કચરો અન્ય દેશોમાં મોકલે છે, અને તેના કારણે પર્યાવરણને થતું નુકસાન ભોગવવાનું પણ એ દેશોને ભાગે આવે છે. આવો કચરો આયાત કરનારા દેશો આનાથી અજ્ઞાન ન હોય, પણ આર્થિક મજબૂરી તેમને એમ કરવા પ્રેરે છે. આ જ સંસ્થાનવાદ.

    આમ શાથી કરવું પડે? તર્ક સ્પષ્ટ છે.

    પ્લાસ્ટિકનો ઊપયોગ સતત વધતો જતો હોય ત્યારે અઢળક કચરો સર્જાય એ સ્વાભાવિક છે. આ કચરાના નિકાલની બે જ રીત છે. તેનું દહન કરવું કે પછી ક્યાંક ઠાલવવો. પોતાના દેશમાં આવા કચરાને ઠાલવવા પર અનેક પાબંદીઓ હોય એ સંજોગોમાં તેના દહનનો જ એક માત્ર વિકલ્પ બચે છે. પણ પ્લાસ્ટિકના દહનને કારણે પર્યાવરણના પ્રદૂષણની સમસ્યા સર્જાય છે, એને ડામવાનો પ્રયાસ મોટા ભાગના દેશોનો હોય છે. આથી કેટલાક દેશો બેમાંથી એકે વિકલ્પ અપનાવવાને બદલે આવા કચરાની ક્યાંક નિકાસ કરે છે. આ નિકાસ એવા દેશમાં કરવામાં આવે છે કે જ્યાં કચરાના નિકાલ માટેનાં નિયંત્રણો ઓછાં હોય. આ રીતે ઊચ્ચ આવક ધરાવતા અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશો વરસોથી પોતાના દેશના પ્લાસ્ટિકના કચરાની નિકાસ કરતા આવ્યા છે. તેમનો દાવો એવો છે કે આ કચરાને રિસાયકલ કરવા માટે નિકાસ કરવામાં આવે છે.

    અલબત્ત, વાસ્તવિકતા અનેકગણી સંકુલ છે. ‘એન્‍વાયર્ન્મેન્‍ટલ ઈન્વેસ્ટીગેશન એજન્‍સી’ (ઈ.આઈ.એ.)ના ૨૦૨૩માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, નેધરલેન્‍ડ, જર્મની, યુ.કે, બેલ્જિયમ, ફ્રાન્‍સ, ઈટાલી, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા બિન-ઓ.ઈ.સી.ડી. દેશોમાં કચરાની નિકાસ કરવામાં સૌથી અગ્રક્રમે હતા. ‘ઓ.ઈ.સી.ડી.’ એટલે ‘ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્‍ડ ડેવલપમેન્‍ટ. આ સંગઠન એવા ૩૮ લોકશાહી દેશોનું સંગઠન છે, જેઓ પોતે અપનાવેલી નીતિઓના અનુભવો વહેંચે છે અને વૈશ્વિક સ્વાસ્થ્યની જાળવણીને લક્ષ્યમાં લઈને આર્થિક તેમજ સામાજિક નીતિઓ વિકસાવે છે. ઉલ્લેખનીય છે કે ભારત આ સંગઠનનું સભ્ય નથી. આવા રૂપાળા હેતુ માટે બનેલા સંગઠનના સભ્ય દેશો વૈશ્વિક સ્વાસ્થ્યને જાળવવા માટે સંગઠનના સભ્ય ન હોય એવા દેશોમાં પ્લાસ્ટિકનો કચરો મોકલી આપે એ કેવું! સંગઠનના સભ્ય ન હોય એવા દેશો શું આ પૃથ્વી પર વસેલા નથી?

    એટલે બીજી રીતે વિચારીએ તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ કેવળ પર્યાવરણલક્ષી જ નહીં, રાજકીય અને સામાજિક સમસ્યા પણ છે. દરિયાકિનારે ફેંકાતી પ્લાસ્ટિકની શીશીઓ અને કોથળીઓ તેમજ પ્લાસ્ટિકમાં અટવાઈ જતા દરિયાઈ કાચબાની તસવીરો ખરેખર તો આ મુદ્દાના એક જ પાસાને દર્શાવે છે. સમગ્ર કથા તેમાં કહેવાતી નથી. વાસ્તવમાં ધનાઢ્ય દેશોમાંનું, રિસાયકલ થયા વિનાનું સઘળું પ્લાસ્ટિક કાં દરિયામાં અને એનો મોટો હિસ્સો ગરીબ દેશોમાં ઠલવાય છે, અને આ દેશોમાં ઠલવાયા પછી તે લેન્‍ડફીલમાં, અન્યત્ર ખુલ્લામાં કે નામ પૂરતું રિસાયકલ થતું હોય એવા સ્થળે પહોંચે છે. આની પર્યાવરણીય કે સામાજિક ગંભીરતા બાબતે ભાગ્યે જ કશું કહેવાય કે બોલાય છે. દરિયાકિનારે ઠલવાતા કચરાની તસવીરોમાં જોવા મળતી ભયાનકતા કરતાં આ અનેકગણી વધુ ગંભીર બાબત કહી શકાય.

    વીસેક વર્ષ સુધી ચીન પ્લાસ્ટિકના તેમજ અન્ય પ્રકારના કચરાની સૌથી વધુ પ્રમાણમાં આયાત કરતું હતું. સ્થાનિક સંસાધનોના અભાવે ધનાઢ્ય દેશો પાસેથી તે આવો કચરો સ્વીકારતું. પણ એનાં ગંભીર પરિણામ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ ક્ષેત્રે જોવા મળ્યા. આથી ૨૦૧૮માં ચીને પ્લાસ્ટિકના કચરાની આયાત બંધ કરી. એ પછી પશ્ચિમી દેશો એશિયા અને આફ્રિકાના દેશોમાં આવા કચરાની નિકાસ કરી રહ્યા છે. પાંચેક વર્ષ અગાઉ જર્મનીથી મોકલાયેલાં, પ્લાસ્ટિકના કચરાનાં એકસો એકતાલીસ કન્‍ટેનર તુર્કી પહોંચ્યાં હતાં, પણ એ દરમિયાન તુર્કીમાં નીતિ બદલાઈ ગઈ હોવાથી આ તમામ કન્‍ટેનર આમતેમ અટવાતાં રહ્યાં હતાં. આના પરથી લાગે છે કે પ્લાસ્ટિકના કચરાના નિકાલની સમસ્યા નજરે પડે છે એનાથી અનેકગણી મોટી અને ગંભીર છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮-૯– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સંભારણું – ૮ – પ્રિન્સિપાલ

    શૈલા મુન્શા

    આજનું આ સંભારણું અમારી શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ઈન્દુબહેનને સમર્પિત છે. ઓગસ્ટ ૮/૨૦૨૫ના રોજ એમણે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં. અમે સહુ એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમનો ૧૦૦મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. મેં ૧૯૬૭માં અગિયારમું ધોરણ પાસ કર્યું, અને આજે પણ ઈન્દુબહેનને અમે યાદ છીએ.

    પાયાની કેળવણી અને કેળવણીનો પાયો. કેળવણીની વાત કરીએ તો સાથે કર્તા પણ આવે અર્થાત કેળવણી આપનાર, અધ્યાપક, શિક્ષક; સાદી ભાષામાં કહીએ તો ગુરૂ.

    જન્મભૂમિ પ્રવાસી મુંબઈના સમાચાર પત્રમાં તા.૧૪/૧૧/૨૦૨૧ એ શ્રી ઈન્દુબહેન પટેલ મારા શાળા જીવનના પ્રિન્સિપાલ માટે છપાયેલ લેખ આ સંભારણું લખવામાં નિમિત્ત છે. જોગાનુજોગ આજનો દિવસ ભારતમાં બાળદિન તરીકે ઉજવાય છે અને બાળકોના જીવનમાં માત પિતા, તેનો પરિવાર અને ત્યારબાદનું ઘડતર નિશાળમાં થતું હોય છે. આવી જ અમારી શાળાના આજીવન શિક્ષિકા, પ્રિન્સિપાલ ઈન્દુબહેન વિશે વિસ્તારપૂર્વક લેખ છાપાંમાં આવે એનાથી વધુ બાળદિનની ઉજવણી બીજી કઈ હોઈ શકે!!!!

    કલ્યાણી અને અલકા અમારી શાળાની સહપાઠી, છેલ્લાં ત્રણ મહિનાથી એક લેખ લખવાનો મનસૂબો કરી રહ્યાં હતાં, અને એ લેખ હતો અમારી શાળાના પ્રિન્સિપાલ, અમારાં સહુના માર્ગદર્શક ઈન્દુબહેન પટેલ. ભારત સ્વતંત્ર થયું એ અરસામાં વિલે પાર્લે પૂર્વમાં નાનકડી ગલીમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળા. નામ એનું શ્રી નવસમાજ મંડળ સેકેંડરી હાઈસ્કૂલ. શરૂઆતમાં આ શાળા ચૈતન્ય બાળમંદિરના નામે ઓળખાતી. અમારા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે આ શાળાનું ઉદઘાટન  ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે થયું હતું. ઈન્દુબહેન શરૂઆતનાં વર્ષોથી જ શાળામાં જોડાયેલાં અને આજીવન શાળા સાથે  સંકળાયેલા રહ્યાં. કેટકેટલાં ઉમદા શિક્ષકોએ અમારા ઘડતરમાં અગત્યનુ યોગદાન આપ્યું છે, એ સહુ મોતીઓને એક સૂત્રે સાંકળનાર એવું વિલક્ષણ મોતી એ અમારી શાળાનાં પ્રિન્સિપાલ ઈન્દુબહેન પટેલ.

    અત્યારે ઈન્દુબહેન ૧૦૦ વર્ષ પૂરા કરી ચૂક્યાં છે, આજની તારીખે પણ એમની સાથેની પ્રત્યેક મુલાકાતમાં તાજગીનો અનુભવ થાય. કોઈ પ્રકારની ફરિયાદ નહિ, કોઈ અપેક્ષા નહિ, પોતે સંપૂર્ણ સ્વસ્થ. જ્યારે મળીએ ત્યારે ઉમળકાભેર આવકારે, અને ભાવભીનાં આદર સત્કારથી નવાજે. એમના નિખાલસ ચહેરા પર મંદ સ્મિત હમેશા હોય જ. જીવન જીવવાનો અભિગમ એમની પાસેથી શીખવા જેવો. આવી વિલક્ષણ વ્યક્તિએ કરેલા અથાક પરિશ્રમ અને નિઃસ્વાર્થ ત્યાગની સાધના દ્વારા અમારી કેળવણીનો પાયો મંડાયો હતો.

    ઈન્દુબહેન દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખે. કોના કુટુંબમાં કેટલાં સભ્યો છે, ઘરની શું પરિસ્થિતિ છે, એ બધાથી વાકેફ રહેતાં.

    મારા માટે ૨૦૧૮ની મારી ભારત યાત્રા એક વિશેષ સંભારણા જેવી બની ગઈ હતી. સહુથી વધુ મારો  મહાઆનંદ વડીલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સિપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. તેમના પિતાશ્રી સ્વ. જયસુખલાલ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખાદીધારી વ્યક્તિ. એમણે પોતાની લાડકી દીકરીને સંપૂર્ણ પીઠબળ આપેલુંં. આજીવન અવિવાહિત રહીને ઈન્દુબહેને કેળવણીના ક્ષેત્રમાં યોગદાન આપવાનું અને જીવનભર ખાદીના વસ્ત્રો અંગીકાર કરવાનું નક્કી કર્યું ત્યારે પિતાનો સંપૂર્ણ સહકાર મળેલો.

    મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમાં એમનો નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા બધું જાતે જ કરે છે.

    મેં એસ.એસ.સી ૧૯૬૭માં પાસ કર્યું. મારી શાળા ચૈતન્ય બાળમંદિરમાંથી વિકાસ પામી માધમિક શાળા બની ગઈ. અમારી શાળામાં દર વર્ષે ત્યારે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો એસ.એસ.સી.નો બીજો ક્લાસ હતો.  ૧૯૬૭ પછી ઈન્દુબહેનને મળવાના અવસર ઓછાં થતાં ગયાં, પણ એમણે જે સાહિત્યનો રંગ અમને લગાડ્યો એ મારા માટે આશીર્વાદ બની ગયો. મને બરાબર યાદ છે સાતમા ધોરણની શરૂઆતમાં અમને શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા “પાટણની પ્રભુતા” વાંચવાનુ કહ્યું હતું અને બધા વાંચે એટલા માટે વાર્ષિક પરિક્ષામાં એ નવલકથામાંથી વીસ માર્કનો સવાલ પૂછશે એવી જાણ કરી હતી.

    એ ઉમદા સાહિત્યના વાંચને મારામાં વધુ સારા પુસ્તકો વાંચવાની તલપ જાગી. આમ પણ નાનપણથી નિંબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામ મળ્યાં હતાં અને અમેરિકા આવ્યા પછી થોડી સમયની મોકળાશે લેખનકાર્ય પણ શરૂ થયું હતું. ભારતમાં શિક્ષિકા હતી અને અહીં આવ્યા પછી પણ શિક્ષિકા જ રહી, ફરક એટલો કે અહીં દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું. એ  બાળકોના નિર્દોષ તોફાનો, એમની તકલીફો પર નાના રોજિંદા પ્રસંગો લખવાનુ શરું કર્યું અને પછી એ “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ખાસ ઈન્દુબહેનનો ઉલ્લેખ કર્યો છે કે એમની પ્રેરણાએ જ મને ઉમદા સાહિત્ય વાંચની ટેવ પડી અને આગળ જતાં મારા લખાણમાં પ્રગતિ થતી રહી.

    મેં “બાળ ગગન વિહાર” પુસ્તક ઈન્દુબહેનને મોકલાવ્યું હતું, જ્યારે હું ૨૦૧૮માં એમને મળી ત્યારે આટલા વર્ષો પછી પણ ઈન્દુબહેનને હું, મારા ઘરના સહુ, અમારી વિશેષતા યાદ હતી.  મેં નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી એ એમને બરાબર યાદ હતું.  મારી મમ્મીના હાથનો નાસ્તો એમણે ચાખ્યો હતો એટલે મમ્મીની રસોઈના વખાણ અને મારી નાની બહેન પારુલ બધાના સમાચાર વિગતવાર પૂછ્યાં. મારા અમેરિકાના દિવ્યાંગ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક એમણે વાંચ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખૂબ જ ખૂશ હતા. ઘણી વાતો કરી. એ મુલાકાત મારા જીવનનું એ અમૂલ્ય સંભારણું છે.

    ૨૦૧૮માં અમે બધા ૧૯૬૭ના S.S.C batch ના મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.

    પ્રભુ કૃપાથી ૨૦૧૮ની સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી, ક્યાંય અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પૂરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહીં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ગઈ નથી!!

    જન્મભૂમિના લેખે કેટલાં સ્મરણ તાજા કરાવી દીધાં. ઈન્દુબહેનના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓ તૈયાર થયા હશે પણ એમણે કોઈ પર હાથ ઉપાડ્યો નથી અને જ્યારે મેં એમને મારા ભારતના મારા હાથ નીચે ભણી ગયેલા ૧૯૮૫, ૧૯૮૭ના વર્ષના વિદ્યાર્થીઓએ મારા સન્માનમાં મોટા પાયે આયોજન કરેલાં મેળાવડાની વાત કરી અને જે આદરપૂર્વક એ સહુ આજે પણ યાદ કરે છે એ જાણી તો એ એટલાં ખૂશ થઈ ગયાં કે મારો ખભો થાબડી કહે “વાહ તેં એક શિક્ષિકા તરીકે આજે મારું પણ ગૌરવ વધારી દીધું”

    મારી ૨૦૧૮ની ભારતયાત્રા મારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જે ઊર્જાથી ઈન્દુબહેને અમને સિંચ્યા હતાં તેનું આજ મૂળસ્ત્રોત, અમારી કેળવણીનો પાયો વર્ષો પહેલાં નંખાયેલો, પરંતુ પાયાની એ કેળવણીનો રંગ અમે વર્ષો પછી પારખ્યો.

    ખૂબ આભાર કલ્યાણી અને અલકાનો. એમના લેખમાંથી ઘણી માહિતી મેં મારા લેખમાં લીધી છે.

    ઈશ્વરને એટલી જ પ્રાર્થના છે કે અમારા લાડીલા ઈન્દુબહેન હંમેશા સ્વસ્થ રહે અને એમના આશીર્વાદ સદા અમારા સહુ પર વરસતા રહે.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com