વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કૃત્રિમ પ્રજ્ઞા વિશેનું સૌથી મોટું અસત્ય ઉઘાડું પાડીએ

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    બધાં એવું જ કહેતાં સાંભળવા મળે છે કે કૃત્રિમ પ્રજ્ઞા (AI) સંસ્થાને વધારે ઝડપી બનાવે છે.
    આ વાત સાચી નથી.

    કૃત્રિમ પ્રજ્ઞા (AI) ને ઝડપ સાથે સંબંધ નથી.
    કૃત્રિમ પ્રજ્ઞા (AI) નો સંદર્ભ જાગૃતિ, તકેદારી સાથે છે.

    એ ચેતાતંત્રની એવી ઊંચી કક્ષા છે જે સંસ્થાને સમયની સાથે સાથે જ – દરેક ટીમો, બજારો અને ગ્રાહકોની આરપાર – આપોઆપ જ સહજપણે સભાનતા કેળવવામાં મદદ કરે છે.

    અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર માનવથી મશીન તરફ નથી..
    અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર પારિસ્થિતિકી પરિબળો તરફ છે.


    → બહેતર સંસ્થાઓ ઝડપથી નથી બનતી. તેનું ઘડતર તો સહજ જાગૃતિથી થાય છે.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સંસ્થાઓ શા માટે શીખતી નથી?

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    જે સંસ્થાઓ સતત શીખતી નથી, સતત અનુકૂલન સાધતી નથી અને સતતપણે જે કંઈ શીખે છે તેને અમલમાં મૂકાતી નથી, તે સતત થતાં રહેતાં પરિવર્તન અને સ્પર્ધા પોતાના માર્ગ પરથી ખડી પડવાની શક્યતા વધુ હોય છે. આવા સમયમાં જ્યારે COVID19 જેવા રોગચાળા, કે અમેરિકા દ્વારા અપનાવાઈ રહેલા ટેરિફનાં પગલાંઓનો માર્ગ જેવી આકસ્મિક ઘટનાઓ કામ કરવાની રીતો, વપરાશ અને વ્યવસાયિક મોડેલોમાં મૂળભૂત ફેરફાર કરાવડાવે છે. આવા સંજોગોમાં જે સંસ્થાઓએ સતત શીખતાં રહેવાની સંસ્કૃતિ બનાવી રાખવા માટે રોકાણ કર્યું છે તે ટકી રહેવા અને વધારે વિકસિત થવાની શક્યતા વધુ હોય છે.

    પીટર સેન્જે તેમના પુસ્તક[1]માં સતત શીખતી રહેતી સંસ્થાને આ મુજબ વ્યાખ્યાયિત કર્યું છે:

    જ્યાં લોકો સતત તેમની ક્ષમતાને એટલે વિસ્તારતાં રહે છે કે તેઓ ખરેખર ઇચ્છે છે એવાં પરિણામો લાવી શકે, જ્યાં વિચારસરણીના નવા અને વિસ્તૃત ઉદાહરણોનું પોષણ થાય છે, જ્યાં સામૂહિક આકાંક્ષા બધાં બંધન મુક્ત થાય છે, અને જ્યાં લોકો સતત સમગ્ર ચિત્રને એક દૄષ્ટિ આવરી લેવાનું શીખી રહ્યા છે.”

    જો આપણે ઝડપથી બદલાતી દુનિયામાં ખરેખર સતત શીખતી રહેતી સંસ્થાઓ બનાવવી હશે તો આપણે ઔપચારિક શિક્ષણ પદ્ધતિઓથી આગળ વધવું પડશે. વ્યક્તિઓ જો શીખશે નહીં તો સતત શીખતી રહેતી સંસ્થા શક્ય નથી. એ સ્વશિક્ષણ પણ પોતે નક્કી કરેલાં અને ભવિષ્ય માટે જરૂરી માપદંડોનાં ધોરણને ઊંચા લઇ માટે તેમની આંતરિક પ્રેરણાને બળ પામતું હોવું જોઈએ.  વાતાવરણમાં અનૌપચારિક શિક્ષણ અને સામૂહિક સમજણ-નિર્માણને પ્રોત્સાહન મળતું હોય, ત્યારે લોકો એકબીજા સાથે કામ કરવાના સંદર્ભમાં સૌથી વધુ શીખે છે.

    અહીં સંસ્કૃતિ પર ભાર એટલે મૂક્યો છે સંસ્થાઓ કેવી રીતે શીખે છે અને અર્થપૂર્ણ પરિણામો લાવવા માટે તેઓ જે શીખે છે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેમાં સંસ્થાની સંસ્કૃતિ સૌથી મોટા અવરોધોમાંથી એક હોઈ શકે છે.  ઔપચારિક શિક્ષણ, સાધનો અને પદ્ધતિઓમાં ગમે તેટલું રોકાણ કરવમાં આવે પણ, જો સંસ્થા પાસે એવી સંસ્કૃતિ ન હોય જ્યાં લોકોને કોઈ પણ ભય વગર પ્રયોગ કરવા અને પોતાના અનુભવો બીજાં સાથે વહેંચવા  માટે પ્રોત્સાહિત કરવામાં આવે, તો વાસ્તવિક અર્થમાં નવું શીખવાનું કદાચ અગ્રતા ન પામે.

    કંપનીઓ સતત શીખતી રહેતી સંસ્થાઓ બનવા માટે અને બની રહેવા માટે શા માટે સંઘર્ષ કરે છે?

    HBR ના નવેમ્બર ૨૧૦૫ ના અંકમાં, ફ્રાન્સેસ્કા ગિનો અને બ્રેડલી સ્ટેટ્સ દ્વારા “Why Organizations Don’t Learn?” શીર્ષક હેઠળનો એક લેખ છે જેમાં લેખકો સંસ્થાઓને શીખવા દેતા ન હોય એવા સાંસ્કૃતિક અને વ્યક્તિગત પૂર્વગ્રહોની રૂપરેખા આપે છે.  આ લેખમાં તે પૂર્વગ્રહોને દૂર કરવા માટે ઉપયોગી ટિપ્સ પણ અપાયેલ  છે.

    અહીં એક  સ્કેચનોટ છે જેમાં મેં સંસ્થાઓને શીખવાથી રોકતા મુખ્ય પૂર્વગ્રહોને દૂર કરવાના ઉપાયો દર્શાવ્યા છે. આ પૂર્વગ્રહોને દૂર કરવા માટે શું કરી શકાય છો તે જાણવા માટે, HBRનો એ લેખ જરૂરથી વાંચવો જોઈએ.

    મમળાવવાં ગમે એવાં કેટલાંક અવતરણો

    “કામ કરતાં કરતાં શીખવાને બે પરિસ્થિતિઓ હેઠળ થતી તરીકે કહી શકાય છે. પ્રથમ, શીખવાનું ત્યારે થાય છે જ્યારે કોઈ સંસ્થા તેના હેતુ મુજબનાં પરિમાણ સિદ્ધ કરે છે; એટલે કે, તેની ક્રિયા માટેની સંરચના અને ક્રિયા દ્વારા મળતાં વાસ્તવિક પરિણામ વચ્ચે મેળ હોય છે. બીજું, શીખવાનું ત્યારે થાય છે જ્યારે હેતુ અને પરિણામ વચ્ચેની મેળ ખાતી નથી અને હેતુ કે પરિણામને સુધારી લેવામાં આવે છે; એટલે કે, જે કારણે મેળ નથી ખાતો તેને મેળમાં ફેરવવામાં આવે છે. જ્યારે આપોઆપ મેળ બનવા લાગે કે પ્રક્રિયાઓને મેળ બનાવા લાગે ત્યારે પુનરાવર્તીય શીખવાનું એકવડું પાશ જોડાણ (single-loop learning) બને છે. જ્યારે જે કંઈ બંધબેસતું ન હોય તેનાં કારણો શોધી, તેને લગતાં પરિબાળોને તપાસીને પછી શીખવાની પ્રક્રિયામાં સુધારા કરવામાં આવે છે ત્યારે બેવડું પાશજોડાણ double-loop learning બને છે.

    – ક્રિસ આર્ગીરિસ, બિઝનેસ (૨૦૦૩) માં “ધ મેનેજર્સ એકેડેમિક”


    અગ્રણીઓ તરીકે આવતીકાલ સાથે કામ પાર પાડતી વખતે આપણું કામ સંપૂર્ણપણે પરિશુદ્ધ યોજનાઓ બનાવવાનો પ્રયાસ કરવાનું નથી. આપણું  કામ એવી સંસ્થાઓ બનાવવાનું છે જે આપણી અધૂરી પડી રહેલી યોજનાઓને હાથ પર લેતી રહી શકે અને તેમને પૂરી કરીને અમલમાં મુકી શકે એટલી લવચીક, અનુકૂલનક્ષમ  અને સર્વતોમુખી હોય. શીખતી રહેતી સંસ્થાઓની આ આવશ્યક અને પર્યાપ્ત લાક્ષણિકતા છે. તે શિક્ષણ સંગઠનનું આવશ્યક પાત્ર છે.

    – ગોર્ડન આર. સુલિવાન અને માઈકલ વી. હાર્પર, Hope is Not a Method (૧૯૯૭)


    “આપણી પ્રવર્તમાન વ્યવસ્થાપન પ્રણાલીએ આપણા લોકોને નષ્ટ કરી દીધા છે. લોકો આંતરિક પ્રેરણા, આત્મસન્માન, ગૌરવ, શીખવાની જિજ્ઞાસા, શીખવામાં આનંદ સાથે જન્મે છે. તેની આ નૈસર્ગિક શક્તિઓના વિનાશની પ્રક્રિયા બાળપણથી શરૂ થાય છે – શ્રેષ્ઠ પોશાક માટે ઇનામ, શાળામાં ગ્રેડ, સુવર્ણ ચંદ્રક જેવી શાળાથી થતી શરૂઆત યુનિવર્સિટીનાં ભણતર સુધી ઉપર ને ઉપર જ જતી રહે છે. વ્યાવસાયિક કારકિર્દી દરમ્યન લોકો, ટીમો અને વિભાગોને ક્રમ આપવામાં આવે છે, ટોચ  પ હો તો પુરસ્કાર, નીચલા સ્તરે રહો તો સજા. ઉદ્દેશ્યો દ્વારા સંચાલન, ભાગે પડતો હિસ્સો, પ્રોત્સાહનજનક પગાર, વ્યવસાય આયોજનો, અલગ અલગ વિભાગવાર, અલગથી નક્કી કરવામાં આવે છે. આ પ્રણાલિકાઓ જાણ્યેઅજાણ્યે, તેમજ અજાણ રહીને, વધુ નુકસાનનું કારણ બને છે.”

    ― પીટર એમ. સેન્જે, The Fifth Discipline: The Art & Practice of The Learning Organization


    [1] The Fifth Discipline: The Art and Practice of the Learning Organization


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૩

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ન્યૂયૉર્કની એક સાંજે ઘેરથી નીકળેલી. પછી બે ફ્લાઇટ લઈને, પનામા દેશમાં થઈને, હવે ગયાના દેશમાં આવી પહોંચી, ત્યારે અઢારેક કલાક વીતી ગયેલા. ઊંઘ, થાક, ભૂખ જેવી રોજિંદી જરૂરિયાતો વિષે માગણી કે ફરિયાદ થાય તેમ નહતું. એવો ખ્યાલ પણ આવ્યો નહતો.

    ગયાના દેશના જગાન આંતર્રાષ્ટ્રીય વિમાન-મથકેથી નીકળીને, જ્યૉર્જ ટાઉન કહેવાતા મુખ્ય શહેર સુધી જતાં એક કલાક ઉપર સમય લાગ્યો. ચાલીસેક કિ.મિ.નું અંતર તો હતું જ, પણ રસ્તો એક જ લેનનો. એક્કેક વાહન જ સામસામે જઈ શકે. વળી, ઘણી ટ્રકો જતી હોય, અને બધી, સ્વભાવ પ્રમાણે ધીમે જતી હોય.

    અમારે પણ ધીમાં જવું પડતું હતું. પણ મને એ માટે કંટાળો નહતો આવતો. મને તો અહીંનું જીવન જોવા મળતું હતું. આ નવા જોવાતા દેશ વિષે નોંધ લેવાતી જતી હતી. જેમકે, કેટલાક બહુ સરસ મોટા આવાસ જોવા મળ્યા, પણ વધારે તો, રસ્તાની બંને બાજુએ નાનાં, અને સાદાં પણ સુઘડ, ઘરો જ આવેલાં હતાં. દેશની પ્રજા મુખ્યત્વે એમાં વસતી હતી.

    એ જ રીતે, નાની નાની શાળાઓનાં મકાન દેખાતાં ગયાં. બપોરના ત્રણ-સાડા ત્રણનો સમય થયેલો. શાળાઓ છૂટી ગઈ હતી, તેથી ઠેકઠેકાણે છોકરાંઓ, હસતાં-રમતાં ઘર તરફ જતાં હતાં. આ દેશની આવનારી પ્રજા હતી, ને એ આનંદિત હતી, તે જોઈને સારું લાગતું હતું.

    ઘરો અને શાળાઓની વચ્ચે વચ્ચે બનેલાં હતાં મંદિરો, મસ્જિદો, દેવળો. બાંધકામ નાનાં જ હોય, પણ સરસ લાગે. કોઈના પર ડિઝાઇન ચીતરેલી હોય, ક્યાંક બહાર મૂર્તિઓ ગોઠવેલી હોય. શિખર, ઘુમ્મટ ને મિનારા જેવી નિશાનીઓ તે તે ધર્મની ઓળખ આપતી રહે. બેએક સાદાં ચર્ચની બાજુમાં નાનાં કબ્રસ્તાન હતાં. હિન્દુ ઘરોની બહાર લાંબી, રંગીન ધજાઓ ફરકતી હતી.

    ડૅમૅરારા નદીનો વિશાળ પટ
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ને ત્યાં તો દેખાઈ ડૅમૅરારા નદી. કેટલો વિશાળ પટ, કેવું છલોછલ જળ. જાણે કોઈ મહાનદ. શું સુંદર એનું રૂપ. અચાનક હવે જાણે સ્થાનનું સ્વરૂપ ટ્રૉપિકલ આઇલૅન્ડ જેવું બની ગયું. એવા જ પ્રકારની વનસ્પતિ હતી સર્વત્ર. આંબા, કેળ, પપૈયાં, નાળિયેરીનું પ્રાચુર્ય. સફેદ કરેણના છોડ વારંવાર દેખાયા, પણ બીજાં ફૂલો નથી લાગતાં. કદાચ સપ્ટેમ્બરની ઋતુમાં ઓછાં ફૂલ ખીલતાં હશે. હવામાં ગરમી ને ઘામ ઘણાં છે હજી.

    જ્યૉર્જ ટાઉન શહેર નજીક આવતાં, મોટા રસ્તાની એક તરફ ગલીઓ બનેલી દેખાતી ગઈ. એ બધો રહેવાસી વિસ્તાર હતો. ત્યાં ઘણાં સારાં સારાં ઘર છે. દુકાનો બીલકુલ નહીં. આ ગલીઓમાં બે-ત્રણ વાર વળ્યા પછી ગાડી ઊભી રહી. મારો ઉતારો આવ્યો હતો છેવટે.

    જૂથનાં બધાં ક્યારનાં આવી ગયેલાં, ને તેથી થોડો આરામ કરી શક્યાં હતાં. મારો એક દિવસ, ને એક રાતનો સમય ઊભાં-બેઠાં જ વીત્યો હતો. તોયે મને થાક નહતો લાગ્યો, કારણકે મન બહુ આનંદમાં હતું. ને આરામ કરવાને હજી વાર હતી, કારણકે અમારે માટે એક જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

    મોહમ્મદ અને નતાશા નામના એક સ્થાનિક દંપતીનો આલિશાન નિવાસ જોઈને અમે આભાં બની ગયાં. પ્રવેશદ્વારની આગળ તુલસીનું મોટું કુંડું મૂકેલું. એ પહેલો આવકાર. બે માળના મોટા મકાનમાં, અંદર બધે સફેદ આરસની ફર્શ, બેસવાનો વિશાળ કક્શ, ઘરની ફરતે પહોળો વરંડો, બહાર ખૂબ મોટું કમ્પાઉન્ડ. અમે ગયાના ગયાં હતાં ત્યાંનાં ગરીબ પ્રજાજનોને તબીબી સલાહ-સહાય આપવા, પણ આવતાંની સાથે, સૌથી પહેલાં અમને ગયાનાની શ્રીમંતાઇનો અનુભવ મળી રહ્યો હતો.

    જમવાનું પણ બહુ સરસ હતું. અનેક ચીજો બનાવેલી. બધી શકાહારી, અને આપણે ક્યારેય ખાધી ના હોય એવી. જોકે ભજિયાં-પકોડાં પણ સાથે હતાં. બહુ ભાવથી જમાડ્યાં અમને.

    પછી એવા જ ભાવથી, સંગેમરમરનાં પગથિયાં ચઢીને, અમે ગૃહનો પૂજાકક્ષ જોવા ગયાં. આમ તો આ દંપતી મુસ્લિમ હતું, પણ વિશ્વાસ રાખે હિન્દુ ઇશ્વરની કૃપા પર. પૂજા-કક્ષ મોટો હતો, ને એમાં દેવ-દેવીઓની હકડેઠઠ હતી. વસ્ત્ર-આભૂષણોથી સજ્જ મૂર્તિઓ ઝળહળ થતી હતી. સાથે જ, સાત ઘોડાઓના રથમાં વિરાજમાન સૂર્ય ભગવાન પણ હતા.

    નતાશા કહે, કે એ સવારે ને સાંજે, એમ બે વાર પૂજા કરે છે. અગરબત્તી સળગાવે, અભિષેક કરે, ને સ્તુતિ-ભજનોની ટેપ વગાડે. વળી, તાજાં કમળફૂલ પણ ધરાવે. કમ્પાઉન્ડમાં ખાસ કમળ ઉગાડ્યાં છે. મોટાં ગુલાબી ફૂલ, લાંબી દાંડી સાથે તોડીને, પાણીમાં રાખે. રોજ સવારે આગલાં કાઢી નાખીને, તાજાં ગોઠવે. કહે, કે હું જેટલી વધારે પૂજા કરીશ, તેટલો લાભ હું ને મારું કુટુંબ પામીશું.

    મોહમ્મદ હોલસેલ કરિયાણા અને શેરડીના બિઝનેસમાં હતો. ગયાનાનાં એના જેવાં ધનિક કુટુંબો સાથે ભળતો, અને રાજકારણીય વ્યક્તિઓ સાથે સંપર્ક રાખતો. એક ઇન્ડિયન વંશીય ગયાનિઝ મિનિસ્ટરને એણે અમને મળવા માટે આમંત્ર્યા હતા.

    સાથે જ, ગયાનાનાં કેટલાંક ગામોમાં તબીબી સારવારને માટે અમારા જૂથને લઈ જવાની ગોઠવણ જેમણે કરી હતી, તે વ્યક્તિ, એક ઇન્ડિયન-ગયાનિઝ સ્વામીજી પણ ઉપસ્થિત રહેલા. ગ્રામીણ પ્રદેશોમાં આવી સહાયની કેટલી જરૂર હોય છે, તે વિષે એમણે વાત કરી.

    આખી સાંજ અમારે માટે ખૂબ રસપ્રદ રહેલી. ગયાનાના પ્રવાસની શરૂઆત બહુ સરસ થયેલી. હવે અમે બધાં પાછાં હોટેલ પર ગયાં. ને આખરે, મારા સરસ રૂમમાં જઈને આરામ કરવાનો સમય મને મળ્યો.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સાગરતળે પડેલા ઊઝરડા નથી દેખાતા કે નથી રુઝાતા

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પર્યાવરણને થઈ રહેલા નુકસાન વિશે વાત થાય એટલે તરત જ આપણને જમીનનું, હવાનું અને જળનું પ્રદૂષણ યાદ આવી જાય. જળપ્રદૂષણમાં પણ મુખ્યત્વે નદી, તળાવ અને એવા જળાશયોમાં કરાતું પ્રદૂષણ વધુ ચર્ચાય છે. તેની સરખામણીએ દરિયામાં કરાઈ રહેલું પ્રદૂષણ અને તેનાથી થતું નુકસાન સામાન્ય સંજોગોમાં ઝટ ધ્યાને પડતું નથી, અને તેને કારણે ખાસ ચર્ચાતું નથી.

    સાગરતટે વસનારા મોટા ભાગના લોકોનો તેમજ એ સિવાયના ઘણા લોકોનો રોજિંદો ખોરાક દરિયાઈ આહાર હોય છે, જેમાં માછલીનું પ્રમાણ વધુ હોય છે. અલબત્ત, આવો આહાર ખાનારા ભાગ્યે જ જાણતા હશે કે પોતાની થાળીમાં પીરસાયેલી માછલી શી રીતે ત્યાં પહોંચી હશે! હકીકત એ છે કે મોટા ભાગનો દરિયાઈ આહાર ‘બોટમ ટ્રોલિંગ’ના નામે ઓળખાતી પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરાયો હોય છે. નામ સૂચવે છે એમ ‘બોટમ ટ્રોલિંગ’ એટલે દરિયાને તળિયે ઔદ્યોગિક જાળ નાખીને પકડવાની પદ્ધતિ.

    પહેલાં આ પદ્ધતિ વિશે વાત. વ્યાપારી ધોરણે માછલીઓ પકડવાની માછીમારીની આ પદ્ધતિમાં વજનદાર જાળને સાગરના તળ પર આમતેમ ઢસડવામાં આવે છે. આને કારણે તળમાં રહેલા માછલી સહિતના અન્ય જીવો જાળમાં ફસાય છે. ધાતુના ‘હળ’માં આવેલી જાળમાં કંઈ એકલા દરિયાઈ આહાર જ ફસાય એવું ઓછું છે? વચ્ચે જે પણ આવે એને આ જાળ સમાવી લે છે. ‘નેશનલ જિઓગ્રાફિક’ના એક અંદાજ અનુસાર આ પદ્ધતિથી વિશ્વભરમાં વરસેદહાડે ત્રણ કરોડ મેટ્રિક ટન દરિયાઈ આહાર પ્રાપ્ત થાય છે.

    સ્કૉટલેન્ડના સમુદ્રના તળિયે છીપ પકડવા માટે કરાતાં ‘બોટમ ટ્રૉલિંગ’થી થતું નુકસાન
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    માછલી પકડવાની આ સૌથી નુકસાનકારક પદ્ધતિ છે, કેમ કે, મોટે ભાગે એ માછલીની સાથોસાથ પરવાળાં, વાદળીઓ, દરિયાઈ કાચબા, શાર્ક અને બીજું જે કંઈ જાળમાં આવે એને એકઠું કરે છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત ‘ગ્રીનપીસ’ સ્વૈચ્છિક સંગઠનના જણાવ્યા અનુસાર, યુરોપના કેટલાક વિસ્તારોમાં આ પદ્ધતિએ પકડાયેલી ૯૨ ટકા વસ્તુઓ માણસ માટે કામની નથી હોતી. અકસ્માતે અને અનાયાસે પકડાયેલા આવા મૃત કે મૃત:પ્રાય શિકારોને પાછા દરિયામાં ફેંકવામાં આવે છે.

    આ તો હજી દેખીતું નુકસાન થયું. દરિયાઈ પર્યાવરણને આ પદ્ધતિ વિવિધ રીતે હાનિકારક છે. તે પરવાળાંના ખડકોને નષ્ટ કરી દે છે. દરિયાઈ જૈવવિવિધતાને તે ગૂંગળાવી મૂકે છે. દરિયાને તળિયે સદીઓથી સંઘરાયેલા કાર્બનને તે મુક્ત કરી દે છે. એક અંદાજ મુજબ, આ પ્રવૃત્તિને કારણે પ્રત્યેક સેકન્‍ડે ફૂટબોલના એક મેદાન જેવડો દરિયાના તળનો વિસ્તાર ઘસાઈને છોલાઈ જાય છે. પણ કથા આ નથી. ખરી કથા એ છે કે માછીમારીની આ પદ્ધતિને કારણે થઈ રહેલા દરિયાના તળના નુકસાનના વૈજ્ઞાનિક પુરાવાનો ઢગ ખડકતો રહે છે, છતાં તે બંધ થવાનું નામ લેતી નથી. જાણે કે સાગરનાં મોજાં તળે એ ઢંકાયેલી રહે છે. અને આમ થતું રહે એ માટે રાજકીય નિષ્ક્રિયતા તેમજ અનિચ્છાશક્તિ મુખ્ય પરિબળ બની રહ્યાં છે.

    આ પદ્ધતિને કારણે પર્યાવરણને થતું નુકસાન કાયમી હોય છે. જે સંરચનાઓને બનતાં સેંકડો કે હજારો વર્ષ લાગ્યાં હોય તે આ જાળની એક જ થપાટે નષ્ટ થઈ જાય છે.

    આગલે વરસે કરાયેલા એક અભ્યાસમાં જણાયું કે ઔદ્યોગિક ઊપયોગવાળી આવી જાળને કારણે સાગરતળના કાંપમાં ધરબાયેલા કાર્બનના જૂના જથ્થાને ખલેલ પહોંચે છે. તેને કારણે આ કાંપ અંગારવાયુને મુક્ત કરે છે, જેનું પ્રમાણ પ્રતિ વર્ષ ૩૭ કરોડ મેટ્રિક ટન જેટલું હોય છે. સરખામણીથી વધુ ખ્યાલ આવશે કે વિશ્વભરના સમગ્ર ઊડ્ડયન ઉદ્યોગ દ્વારા ઉત્સર્ગ કરાતા અંગારવાયુનો જથ્થો આટલો હોય છે.

    વૈજ્ઞાનિક અભ્યાસમાં જણાયું છે કે છેલ્લા સાતથી દસ વરસ દરમિયાન, સાગરના તળિયાના કાંપની સપાટી અસ્તવ્યસ્ત થવાથી નીકળતો ૫૫-૬૦ ટકા અંગારવાયુ પૃથ્વીના તાપમાનમાં વધારો કરી રહ્યો છે, અને દરિયામાં રહેલો બાકીનો 40-45 ટકા અંગારવાયુ દરિયાના એસિડીકરણમાં વૃદ્ધિ કરી રહ્યો છે, અને દરિયાઈ જૈવપ્રણાલિને હાનિ પહોંચાડી રહ્યો છે. દરિયાઈ જીવોની આહારકડી ખોરવાય છે, વધુ પડતી માછીમારીને કારણે નબળી પડેલી અન્ય પ્રજાતિઓને પણ તે નષ્ટ કરે છે.

    એવું નથી કે આ પદ્ધતિ વડે થતા નુકસાનની સત્તાતંત્રને જાણ નથી. જાણ પૂરેપૂરી છે, અને કેટલાક વિસ્તારોમાં આ પદ્ધતિ પ્રતિબંધિત પણ છે. છતાં વિશ્વભરમાં પ્રચલિત વિવિધ પદ્ધતિઓમાં પચીસ ટકા માછીમારી આ પદ્ધતિએ થાય છે. આ પદ્ધતિએ થતી કુલ માછીમારીમાં ૬૪ ટકા હિસ્સો ચીન, વિયેટનામ, ઈન્‍ડોનેશિયા સહિત દસ દેશોનો છે. ચીન, વિયેટનામ જેવા દેશોમાં આ પદ્ધતિને નિયંત્રિત કે પ્રતિબંધિત કરતા કાનૂન પણ બનેલા છે. અભાવ છે તેના કડક અમલનો.

    ઘણાખરા દેશોએ પોતાની રાષ્ટ્રીય સીમાની અંદર આ પદ્ધતિને પ્રતિબંધિ કરી હોય તો પણ રાષ્ટ્રના અધિકારક્ષેત્રની બહાર આવેલા ખુલ્લા સમુદ્રમાં કોણ આને નિયંત્રીત કરવાનું? એક તો આ પદ્ધતિ સસ્તી અને આકર્ષક છે, એટલે કે તેના દ્વારા વધુ દરિયાઈ જીવો પકડી શકાય છે. બીજું કે કેટલાય દેશની સરકારો આ પદ્ધતિએ માછીમારી કરવા પર ભારે રાહત આપે છે. નિયંત્રણ માટે નીતિઓ બને તો પણ તેનો ચુસ્ત અમલ જોવા મળતો નથી, અને માછીમારી લૉબી બહુ બોલકી તેમજ વગદાર છે.

    આમ, આ મામલે શું સરકાર કે શું નાગરિક, સૌ સરખા જ જવાબદાર છે. કાયદાથી બચી શકાશે, પણ કુદરતને થતું નુકસાન ક્યાં સુધી છૂપું રહી શકશે? એ એક યા બીજા સ્વરૂપે પોતાનો પરચો બતાવી જ રહ્યું છે, અને હજી વધુ રૌદ્રરૂપે તે સામે આવશે.

    આ બાબતે સૌ કોઈ ભેગા મળીને આ પ્રથાને તિલાંજલિ આપે તો જ નુકસાન અટકવું સંભવ છે. પણ એ શક્ય બને એમ હાલ તો જણાતું નથી.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૯– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. કમલેશ લુલ્લા – વિજ્ઞાન અને કલાની યાત્રા [૧]

    જન્મઃ વડોદરા,વર્ષ, ૧૯૪૮.

    વિજ્ઞાન શાખામાં સ્પેસ સાયન્સના રિસર્ચ સ્કોલર. ડબલ પીએચ.ડી

    અમેરિકા આગમનઃ ૧૯૭૮.

    હાલ ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં.

    પ્રવૃત્તઃ નાસા સેન્ટરમાં સ્પેસ શટલ પ્રોગ્રામમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે.

    નાસામાં ૩૪ વર્ષ પૂરા કર્યા છે. તેઓ “Space Journal’ના ચીફ એડિટર છે અને  દુનિયાના ૮૫ થી વધુ દેશોમા આ Journalનું, પ્રસારણ કરી રહ્યા છે.

    તેમના ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક સંશોધન માટે એકસોથી વધુ મેડલ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

    ભારત સરકારે ૨૦૧૫માં “Most Prestigious NRI Pravasi Bharatiya Award and Medal” થી ડો. કમલેશ લુલ્લાને નવાજ્યા હતા. આ એવોર્ડ પદ્મવિભુષણની હરોળમા મૂકી શકાય એટલી ઉચ્ચ કક્ષાનો છે. અને તે ભારતના  Vice President ના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.

    ડો. લુલ્લા અત્યાર સુધીમા ૨૦૦ થી વધારે Research Publication અને ૮ પુસ્તકોનુ સંપાદન કરી ચૂક્યા છે. છેલ્લું પુસ્તક “Wings on Orbit”  એક અમૂલ્ય ખજાના રૂપે ‘વ્હાઈટ હાઉસ’ની લાઈબ્રેરીમા મુકવામા આવ્યું છે.


    વિદેશ આગમન પૂર્વે

    ગુજરાતના જાણીતા વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પીટલમાં મારો જન્મ થયો હતો. માતપિતાનું હું ૮મું સંતાન.  કુટુંબ સાધારણ, મધ્યમ આર્થિક સ્થિતિનું, કુલ સાત ભાઈઓ અને બે બહેનો. પ્રારંભિક જીવન ખંડેરાવ માર્કેટ પાસે, કલા ભવન અને દાંડિયા બજાર પાસેની કાછીયા પોળમાં વીત્યું હતું. બાળપણમાં હું દિવસ દરમિયાન સ્થાનિક શાળામાં જતો અને સાંજ પ્રો.માણેકરાવની વ્યાયામશાળા (અખાડા)માં પસાર કરતો હતો.. ત્યાં ઉમદા રાજા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિઓ, લોકમાન્ય ટિળક, વીર સાવરકર, સુભાષ બોઝ  અને  ભગતસિંહ જેવા અન્ય મહાન દેશભક્તોના ફોટાઓ સતત મારી નજર સામે જોવા મળતા.

    માતપિતા કદી પરિવારની નબળી દશા વિશે અમને વાત ન કરે પરંતુ આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, દાદાજીના અકાળે મૃત્યુ પછી પિતાજી પર નાની ઉંમરમાં જવાબદારી આવી પડી હતી અને દસ્તાવેજીના અભાવે, ભાગીદારોએ ધંધાપાણીમાં છેતરપીંડી કરી. પરિણામે આર્થિક રીતે પરિસ્થિતિ ઘસાતી ચાલી. મારા જન્મ સમયે માત્ર એક જ બેડરુમવાળા ભાડાના મકાનમાં અમારું બહોળું કુટુંબ રહેતું હતું.

    માતા ઘણાં મહેનતુ હતાં. તેથી પિતાજીની હાડમારીના સમય દરમ્યાન એક યા બીજી રીતે આર્થિક રીતે સહાયરૂપ થતાં. પરિવારની દૈનિક જવાબદારીઓ ઉપરાંત પોતાની સીવણકળાના હુન્નરને અને પોતાની  કોઠાસૂઝને કામે લગાડી ઘરગથ્થું કામો કરી કરીને ઘણી મદદ કરતાં રહેતાં હતાં. તે ઉપરાંત સંતાનોને સારું શિક્ષણ આપવાની તેમની નેમ હતી. તેથી ઘરમાં શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં તત્પર રહેતાં. જેમ શિવાજીની માતા જીજાબાઈએ નિર્ભય બનવા અને જીવનમાં લક્ષ્ય હાંસલ કરવાની પ્રેરણા આપી હતી, તેમ માતાએ  મને નિર્ભય બનવા, સમર્પિત બનવા અને ઊંચા સપનાને સાકાર કરવા જ્ઞાન મેળવવાની પ્રેરણા આપી હતી! મોટી બહેન તારાબહેને પણ શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ સાધવાની પ્રેરણા આપી હતી..

    મોટા ભાઈ પ્રો. ગુરુજી હરિગોવિંદ લુલ્લા તો મારા માર્ગદર્શક અને ગુરુ હતા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આદર્શોના પ્રચારમાં સામેલ હતા. તેથી આગલી પેઢીના આ બધા મહાન નેતાઓનો પ્રભાવ મન પર સતત રહ્યા કરતો..

    હું હંમેશાં કહેતો રહું છું કે, મેં બે પીએચડીની ડીગ્રી મેળવી, એક માતા માટે અને બીજી પોતાને માટે!

    પરિવારનો મોટો આધાર નારી ઉપર હોય છે અને જેમનાં વિચારો ઉમદા હોય છે તેમને કોઈ વિઘ્નો નડતાં નથી હોતાં. એ રીતે આર્થિક વિટંબણાઓની વચ્ચે પણ અમે બધાં જ ભાઈબહેન ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા. મોટાભાઈ અને બહેન તો પીએચડી થઈ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોતપોતાના ક્ષેત્રમાં પ્રોફેસર તરીકે પણ જોડાયાં. મેં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ free education આપતી શાળાઓમાં કર્યો.

    સમગ્ર અભ્યાસકાળ દરમ્યાન મોટાભાઈનો ફાળો નોંધપાત્ર બની રહ્યો. મોટાભાઈ અંગ્રેજી વિષયના કોલેજ લેવલના પ્રોફેસર હતા અને ગ્રામર શીખવતા. રોજના ૫૦૦ થી ૬૦૦ પાનાં  (અંગ્રેજી પુસ્તકોનાં) વાંચવાનો આગ્રહ રખાવતા. તેથી યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જઈને તો વાંચતા જ, પણ પુસ્તકો ઘેર લાવીને પણ તે વાંચતા. દર અઠવાડિયે અંગ્રેજી પાકું કરાવતા. તે પછી લેખનનું ‘હોમવર્ક’ આપતા.

    આ સંદર્ભમાં એક મઝાનો અને યાદગાર પ્રસંગ યાદ આવે છે અને ચહેરા પર હાસ્ય છવાઈ જાય છે. જ્યારે હું ૧૧માં ધોરણમાં વિદ્યાર્થી હતો ત્યારે મારા ભાઈ, મારા ગુરુ અને શિક્ષક શ્રી હરિગોવિંદ લુલ્લાએ મને અંગ્રેજીમાં (વિષય તરીકે ભાષા) ૧૦૦ નિબંધો લખવાનો પડકાર ફેંક્યો હતો. આ પડકાર મારી વિચાર શક્તિને ચકાસવા, મારી લેખનશક્તિને તાગવા, સહનશક્તિ કેળવવા અને સર્જનાત્મક ગદ્ય કંપોઝ કરવાની મારી ક્ષમતાને તપાસવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એ પડકારને પહોંચી વળવા હું આખી રાત જાગતો રહ્યો. પહેલા મેં ૧૦૦ વિષયોની યાદી બનાવી  કે ક્યા વિષયો પર મારે નિબંધો લખવા.. બીજું, મેં આ નિબંધમાં કઈ મુખ્ય થીમ્સ/સામગ્રી આવરી લેવી છે તેની વિગતવાર રૂપરેખા તૈયાર કરી.. ત્રીજું મેં સંબંધિત વિષયો અને મુદ્દાઓને એકસાથે સંકલિત કરીને પછી મારી સૂચિને પ્રાથમિકતા આપી. માતા સ્વ. શ્રીમતી દેવીબાઈએ પ્રેમથી તૈયાર કરાયેલા ચાના ઘણા કપ સાથે આખી રાત જાગ્યો અને છેવટે હું ૨૪ કલાકમાં ૧૦૦ નિબંધ લખી શક્યો!  આ અનુભવે મને આખી જિંદગી મારી વરિષ્ઠ વૈજ્ઞાનિક અને નેતૃત્વની સ્થિતિમાં મદદ કરી છે!

    આ રીતે શાળાના અભ્યાસ ઉપરાંત ઘરમાંથી જ વાંચન અને લેખનના પાઠ મળતા રહ્યા હતા, અને તેમાંથી જ વિચારશક્તિ, એકાગ્રતા, લેખનકલા વગેરેનું શિક્ષણ મળતું ગયું. તે સમયે ખૂબ મુશ્કેલીઓ અનુભવાતી હતી, પણ તેને જ કારણે જુદી જુદી ભાષાઓમાં અને વિષયોમાં રસ પડવા માંડ્યો. આજે અંગ્રેજી ઉપરાંત ઘણી ભારતીય ભાષાઓ બોલી શકવાનો આનંદ મળે છે. – ઉદાહરણ તરીકે ગુજરાતી, હિન્દી, કચ્છી, મરાઠી, પંજાબી, ઉર્દૂ. Really, it was a real training of critical thinking and systematic writing on any subject.

    વડોદરાની સંસ્કાર નગરીમાં ઉછરી રહેલા યુવાકિશોર તરીકે ત્યારે મને, પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના મધુર અવાજમાં કૃષ્ણકથા અને ભગવદકથા સાંભળવાની તક મળી હતી. તે ઉપરાંત પ્રતિભાશાળી રામ ભગત પાસેથી સાંજની રામકથા સાંભળવાનો લહાવો પણ મળ્યો હતો. આ પ્રેરણાદાયી વક્તાઓની છટા અને અસરકારક વક્તવ્યને કારણે જાહેરમાં કેવી રીતે નિર્ભયપણે બોલવું તે શીખવાનું મળ્યું.

    માધ્યમિક શાળાના ગુજરાતીના શિક્ષકે મને ગુજરાતી સાહિત્ય તરફ દોરવણી આપી,. તે ઉપરાંત, હાઈસ્કૂલના વર્ષો દરમિયાન,  એક પ્રેમાળ પરંતુ કડક  શિક્ષક- શ્રી ભાનુભાઈ કે.વૈદ્ય મળ્યા. તેમણે પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જગાડ્યો. તેમણે મહાકવિ પ્રેમાનંદના જીવન અને તેમની કવિતાઓ પરનાં પુસ્તકો આપ્યાં, કલાપી અને મેઘાણી સાથે પરિચય કરાવ્યો. ગુજરાતી ભાષા પ્રત્યેના મારા પ્રેમે, વિજ્ઞાનમાં અદ્યતન ડીગ્રી હોવા છતાં સાહિત્ય સાથે સંકળાયેલા રહેવાની પ્રેરણા આપી. તે સમયે પ્રેમાનંદ, કલાપી, સુંદરમ, પ્રિતમ વગેરેની કવિતાઓમાં ખૂબ રસ પડતો. તેમની કવિતાના શબ્દો મનમાં પડઘાયા કરતા હતા.

    બીજી તરફ સાયન્સના શિક્ષકોએ હોશિયાર વિદ્યાર્થી હોઈ વિજ્ઞાનના વિષયો તરફ વાળ્યો. તે સમયે તો કૉલેજમાં જવા માટે માત્ર ત્રણ જ શાખાઓ હતી. આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ, અને તેમાં પણ સારા ટકા મેળવનાર વિદ્યાર્થી તો સાયન્સમાં જ જતા. મારું ધ્યાન તો પરિવારની અર્થિક પરિસ્થિતિને લીધે સારી નોકરી અને વધુ પગાર મળે તેનાં પર વિશેષ હતું. વળી એસ.એસ.સી. બોર્ડમાં ઘણાં સારા ટકા/માર્ક્સ સાથે બીજા નંબરે આવ્યો હતો. તે ઉપરાંત મન ઉપર રેડિયમની શોધ કરનાર વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જીવનકથાની  પણ ઘેરી અસર પડેલી હતી. આ બધા પરિબળોને કારણે મેં એમ.એસ.યુનિ.ની સાયન્સ શાખામાં પ્રવેશ કર્યો.

    શરૂઆતનાં વર્ષોમાં સવારની કૉલેજ અને ત્યાંથી સીધા બપોરે શૈક્ષણિક નોકરી કરી અર્થ ઉપાર્જન કરતો,. નાનપણથી મહેનતની આદત તો પડેલી જ હતી તેથી કપરા સંજોગો હોવા છતાં ખૂબ ઊંચા ગુણાંક સાથે બીએસસી અને એમએસસી પરીક્ષા સફળ રીતે સંપૂર્ણ કરી શક્યો. કહેવાય છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. સતત અને અવિરત મહેનત કર્યા કરતો. પરિણામે આવી મહેનત, કાર્યદક્ષતા અને કાબેલિયતને કારણે વિજ્ઞાન શાખાના ડીન પ્રો. પાઠકે પીએચડીના અભ્યાસ માટે બધી જ સવલતો કરી આપી. એટલું જ નહિ, સીનીયર આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકેની જૉબ પણ આપી.

    ત્યારબાદ બરોડાની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીકાળના માર્ગદર્શક અને તે પછી પીએચડી.ના અભ્યાસ દરમ્યાન પણ માર્ગદર્શક એવા, પ્રો. ચંદ્રવદન હીરાલાલ પાઠકના સંપર્કમાં આવવાનું થયું. પ્રો.પાઠક એક સાચા ગાંધીવાદી હતા, આખી જિંદગી ખાદી પહેરી હતી અને તેઓ દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા કે માતૃભાષા દ્વારા જ વિજ્ઞાન શીખવું જોઈએ.. પ્રો. સી.એચ. પાઠક ગુજરાતના એવા પ્રથમ વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે અમેરિકન બાયોલોજીના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને તેને પ્રકાશિત કરાવ્યો, જેથી ગુજરાતની કોલેજો ગુજરાતીમાં વિજ્ઞાનનાં પુસ્તકોનો ઉપયોગ કરી શકે. આ પ્રોફેસર પાઠકે વિજ્ઞાન શીખવામાં માતૃભાષાના મહત્વ વિશે મારા વિચારો પર ઘેરી અસર ઉપજાવી.

    અત્રે એક બીજા મજેદાર કિસ્સાની વાત કરવી ગમશે. જ્યારે એમએસસીનો અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે ગણિતના પ્રોફેસર બી.એમ પંડ્યા, સાહિત્ય તરફ પ્રેરણા આપી રહ્યા હતા! કારણ કે, ફેકલ્ટીના વાર્ષિક મેગેઝીનમાં  વિદ્યાર્થીઓ તરફથી લેખ, કવિતા વગેરે મૂકવાનાં હતાં. વારંવાર તેઓ તરફથી આ વિશે કહેવામાં આવતું. તેથી શરૂઆતમાં હું આવડે તેવાં મુક્તકો લખીને મોકલતો. ક્યારેક  જોડકણાં જેવી નાની નાની રચનાઓ પણ લખતો.. ધીરે ધીરે તે પ્રોફેસરે સાયન્સ ફેકલ્ટી માટે વાર્ષિક મેગેઝિનનું સંપાદન કરવા પ્રોત્સાહિત કર્યો. મેં તે જવાબદારી સ્વીકારી અને મેગેઝિનને સાહિત્યિક બનાવવા માટે દિવસ-રાત કામ કર્યું. તેને કારણે મારી પ્રથમ કવિતા પણ ગુજરાતીમાં પ્રકાશિત કરવાની મંજૂરી મળી.

    મને લાગે છે કે, વિજ્ઞાન ક્ષેત્રમાં સાહિત્યની તે પ્રવૃત્તિ પણ જીવનમાં એક turning point હતું, જેને કારણે હું કવિઓ અને ગઝલકારોને વધુ વાંચતો થયો. તેમના નામો અને  રચનાઓથી વધુ પરિચિત થતો ગયો. તે ઉપરાંત સંગીત સાંભળવાનો રસ પણ વધવા માંડ્યો. વડોદરામાં ગુજરાતીઓની સાથે સાથે મરાઠી પ્રજા ઘણી. તેથી સંગીતની મહેફિલોમાં પણ મોટાભાઈની સાથે જ જતો.. ભીમસેન જોશી જેવા કલાકારોને સાંભળીને મારા કલાપ્રેમી જીવને ખૂબ આનંદ મળતો. તો બીજી તરફ એક  વૈજ્ઞાનિકનો જીવ, કશુંક સ્વયં નવું કરવાની સતત ઝંખના વિશે સજાગ હતો. આ બંને દ્વંદ્વો અલગ છતાં ક્યારેય નડ્યાં નથી. ઊલટાનું હું તો માનું છું કે હમેશાં મારા માટે પૂરક બનતા રહ્યાં છે.

    અંતરમાં  રહેલા એ બીજમાં  અચાનક એક સવારે સળવળાટ થયો. એક પ્રેરણાદાયી ઘટના ઘટી જેને કારણે  ભીતરના સ્વપ્નને એક સંચાર મળતો અનુભવાયો. સાલ ૧૯૬૯. બીએસસી થઈ ગયા પછીનું એ વર્ષ. તે સમયના અમેરિકાના પ્રમુખ  (નં ૩૭ ) હતા મિ. રીચાર્ડ નિક્સન. તે અરસામાં ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર મિ.નીલ આર્મસ્ટ્રોંગ, તે પછીના ઍસ્ટ્રોનટ મિ. બઝ ઍલડ્રીન અને એક ત્રીજા હતા મિ. માઈક કોલીન્સ; આ ત્રિપુટીના અવકાશી અભિયાન ‘Apollo Moon Mission’ અંગે, અમેરિકાની યુએસ. ઍંમ્બેસીએ, ભારતના મુખ્ય અને મોટાં મોટાં શહેરોમાં પ્રદર્શન ગોઠ્વ્યું હતું. હજી તે સમય સુધી ઘરમાં કોઈ ટેલિવિઝન. ફોન, કાર, પંખા કે એવી બીજી કોઈ આધુનિક સવલતોવાળા સાધનો હતા નહિ. એક માત્ર મોટાભાઈએ ખરીદેલો, નાનો, જૂનો રેડિયો હતો, અને તે પણ ‘ઑલ ઈંડિયા રેડિયો’ પર આવતા સમાચારો સાંભળવા પૂરતો જ; જેથી કરીને જગતમાં શું ચાલી રહ્યું છે તેનાથી માહિતગાર રહી શકાય. આ રેડિયો ઉપર જ્યારે એક દિવસ સમાચાર પ્રસારિત થતા સાંભળ્યા કે, તરત જ ભીતરમાં એક  અનોખી ઊર્જાત્મક ચીનગારી પ્રગટી.

            I was inspired to hear the words of Neil Armstrong “Houston, Tranquility base here, the Eagle has landed”! This inspired me to someday get involved in space related research and work in space programs. This created a  burning desire for me to aim for higher goals. I never imagined that years later I would live in Houston and work at NASA!

    સહરાના રણ જેવી તરસ લઈને, તરત જ, મોટાભાઈ સાથે આ પ્રદર્શન જોવા માટે વડોદરાથી મુંબઈ ગયો.  અમેરિકન ઍમ્બેસી, દિલ્હી તરફથી યોજાયેલ આ પ્રદર્શનમાં અંતરીક્ષ યાત્રીઓને, તેમના કામને અને સાધનો વગેરેની દિલચશ્પ વિગતો જોવા, સાંભળવા, માણવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને પણ એ મહેચ્છા પૂરી પાડી. ત્યાંથી પાછા આવતાં મન વિચારોને ઝોલે ચડ્યું. અંતરિક્ષ સંબંધિત સંશોધન અને કામ કરવા માટેનાં સ્વપ્નાઓનાં બીજને એક દ્રઢ સંકલ્પનો આકાર મળ્યો. એક જબરદસ્ત પ્રેરણા મળી.  એક એવી સભાનતા પણ હતી જ કે પોતે એક અતિ સાધારણ કુટુંબની વ્યક્તિ, કઈ રીતે અને ક્યાંથી પહોંચી શકાશે; છતાં પણ એ ક્ષણોને, એ પ્રેરણાને અને મળેલી એક ઝળહળ જ્યોતિને સતત નજર સામે રાખીને આગળ વધતો ગયો..

    માસ્ટર્સ ડીગ્રીના અભ્યાસ તરફ મન એકાગ્ર કર્યું. એમાં જ્વલંત સફળતા મેળવી. ૧૯૭૨માં એમ.એસ. યુનિવર્સિટીમાં વિજ્ઞાન ફેકલ્ટીમાં પ્રથમ વર્ગ અને ઉચ્ચ વિશિષ્ટતા સાથે માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી પૂર્ણ કર્યા પછી તરત જ શિક્ષણ પદની ઓફર મળી. તે સમયે ઘણી સાહિત્યિક અને નાટક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું થતું.. પરંતુ ધ્યાન પીએચડી કરવા પર જ રહ્યું હતું. જેથી યુનિવર્સિટીમાં પ્રોફેસર બની શકાય. તે વર્ષો દરમિયાન, ડૉ. હોમી ભાભા, ડૉ. વિક્રમ સારાભાઈ અને ડૉ. જે.જે. ચિનોય- તમામ ગુજરાતી વૈજ્ઞાનિકોના કામની પ્રેરણા મળી કે જેમણે ભારતને વિશ્વના નકશા પર મૂક્યું હતું. જો કે, MSU કેમ્પસમાં તે સમય દરમિયાનની બે સૌથી યાદગાર ઘટનાઓ હતી (a) ડૉ. એમ.એસ. સ્વામીનાથન- ભારતના કૃષિ સંશોધનના તેજસ્વી આર્કિટેક્ટ અને (b) મેડિસિનમાં નોબેલ પારિતોષિક વિજેતા, યુએસએ.ના ડૉ. હરગોવિંદ ખુરાના સાથે મુલાકાત થઈ કે જેમણે યુનિ.માં વ્યાખ્યાન આપ્યું હતું.

    તે પછી Ecology વિષય પર  પીએચડીનું કામ શરૂ કર્યું.  અહીં એક સંઘર્ષ ઊભો થયો.  નિર્ધારિત સંશોધન કામ અંગે કોઈ સાધનો કે સગવડો ઉપલબ્ધ ન હતાં. હવે કરવું શું? તેથી પોતાની રીતે જાતે જ Ecology & Environmental Science શીખવા માંડ્યું અને એક પ્રોફેસરની સાથે મળીને સંશોધન શરૂ કર્યું..

    યુનિવર્સિટીના યુવાન શિક્ષક તરીકે, MSU. કેમ્પસમાં “યુથ ઇકોલોજિકલ સોસાયટી- “YES” નામનું જૂથ શરૂ કર્યું હતું, જેથી યુવાનોને પર્યાવરણની સમસ્યાઓ, પ્રદૂષણ, અસ્વચ્છ જીવનની સ્થિતિ વિશે જાગૃત કરી શકાય અને તેમને પર્યાવરણને સ્વચ્છ રાખવા, પ્રદૂષણ ઘટાડવામાં સામેલ કરવામાં આવે. લોકોને સ્વચ્છ આરોગ્યપ્રદ જીવન જીવવામાં મદદ કરવાનો તે એક નાનો પણ સફળ પ્રયાસ હતો. આજે એ વાતની ખુશી છે કે ભારત હવે સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ છે. વર્ષો પહેલાંનો એ પ્રયાસ, સમય કરતાં આગળ હતો!

    ૧૯૭3-૭૪ના વર્ષની એક બીજી મહત્ત્વની વાત. તે સમયે એમ.એસ. યુનિ.ના ચાન્સેલર પોતાની કોલેજમાં એક વૈજ્ઞાનિકને બોલાવતા. તે રીતે Ecologyના નિષ્ણાત વૈજ્ઞાનિકને મળવાનું બન્યું. તે પછી તો. તેમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો, સતત સંપર્ક ચાલુ રાખ્યો અને મનમાં એક મક્ક્મ નિર્ધાર કર્યો. પોતાના ખર્ચે, ટ્રેઈનનું ભાડું ખર્ચી વારાણસી ગયો.. એક મહિના સુધી કોઈને ઘેર પૈસા આપીને રહેવાનું નક્કી કર્યું અને બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ની લેબોરેટરીમાં જઈ ત્યાંના નિષ્ણાતો પાસેથી સંશોધનની  જુદી જુદી રીતો શીખ્યો. ત્યાંથી પાછા આવી વડોદરામાં એક રીસર્ચ laboratoryની સ્થાપના કરી. તે પછી ૧૯૭૭માં પીએચડીની પ્રથમ ડીગ્રી મેળવી. ગૌરવપૂર્વક કહેવાનું ગમે છે કે, મારી આ પહેલી પીએચડી. માતાને નામ.

    ત્યારબાદ ૧૯૭૮માં an international research center તરફથી અમેરિકાની વેસ્ટ વર્જિનીઆની યુનિવર્સિટી તરફથી સંશોધનના કામ માટે આમંત્રણ મળ્યુ.


    ક્રમશઃ

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૫

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    વર્ષાજળનો સંગ્રહ અને ઉપયોગ

    પરેશ ૨. વૈદ્ય

    માત્ર મનુષ્ય નહીં પરંતુ પ્રાણીઓ અને વનસ્પતિ સહિત આખી સજીવ સૃષ્ટિનાં અસ્તિત્વનો પાયો પાણી જ છે. પાણી સતત મળતું રહે તે માટે કુદરતે જળચક્રની યોજના આપી છે. સમુદ્રમાંથી ઉઠેલ ભેજ વાદળાં બની વરસે અને તેનો ઘણી ભાગ પાછો વહીને સમુદ્રમાં પાછો જાય. જે હિસ્સો સમુદ્ર સુધી ન પહોંચે તે પણ છેવટે ભેજરૂપે વાતાવરણમાં જઈ મળે છે. આમ એક ચક્રિય પ્રક્રિયા ચાલતી રહે છે, તે જળચક્ર. સાદા શબ્દોમાં એમ કહી શકાય કે પહાડ પર પાણી વરસે અને સમુદ્રમાં જઈ મળે, તે વચ્ચેની તેની યાત્રાની આજુબાજુ આપણી બધાંની જિંદગીઓ ગોઠવાયેલ છે.

    પાણીનો ઉપયોગ ભલે આખી જીવસૃષ્ટિ કરતી હોય, તેના સંગ્રહ અને ઉપયોગની રીતો માનવજાતના વિકાસની સાથે બદલતી રહી છે. માણસની ગેરહાજરીમાં પાણી જ્યાં વરસે ત્યાંથી ઢાળ મુજબ માર્ગ કરતું નદી કે નાળાં મારફત સમુદ્ર તરફ જાય છે. યાત્રામાં કેટલુંક પાણી જમીનમાં ઉતરે છે; એ સરવાણીઓ પણ છેવટે સમુદ્ર તરફ જ જાય છે. પરંતુ તે પહેલાં તે ત્રણ રીતે વહેંચાય છે.

    ૧.      જમીનના ઉપલા થરમાં જે પાણી છે તે વનસ્પતિને કામ આવે છે. મૂળ દ્વારા તેને ઉપર ખેંચી ઝાડ તેને પાદડાં સુધી પહોંચાડે છે, જાણે ઝાડ પોતે એક પંપ હોય તેમ! પાંદડાં મારફત એ ભેજ રૂપે વાતાવરણમાં પાછું ભળી જાય છે.

    ૨.      તેથી થોડે નીચે જાય ત્યાં તે માટી અને છિદ્રાળુ ખડકોમાં સંઘરાય છે. (એને માટે અંગ્રેજીમાં શબ્દ છે “એક્વિફર” (Aquifer)

    ૩.      આ થર જ્યારે સંતૃપ્ત થઈ જાય અથવા એ ખડકોમાં તિરાડો હોય તો પાણી એ માર્ગે વધારે ઊંડા થરમાં જાય છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ભૂગર્ભ જળના બે સ્તર છે. એક નજીક અને બીજો બહુ ઊંડો. બીજા થર સુધી પાણી ઉતરવાની ગતિ બહુ ધીમી છે. થોડા પાણીને ત્યાં પહોંચતાં સેંકડો વર્ષ લાગે છે.

    જળચક્ર અને વૉટર-ટેબલ

    કૂવાઓ :

    માણસે જ્યારે ભટકવાનું બંધ કરી સ્થાયી થવાનું વિચાર્યું ત્યારે સ્વાભાવિક રીતે જ જળાશયો અને નદીઓની પાસેનાં સ્થાન પસંદ કર્યા. તે પરથી જ જાણીતી સંસ્કૃતિઓ સિંધુ, યુફ્રેટીસ-ટાઈગ્રીસ કે પછી નાઈલની આસપાસ વિકસી. જ્યારે એને નદીથી દૂર જઈ વસવું પડયું ત્યારે વિકલ્પો આવ્યા. સૌથી સહેલું હતું તળાવ ખોદવાનું. વરસાદનું પાણી તેમાં જમા થતું. એ સૂકાઈ જાય ત્યારે આસપાસની જમીનમાં ખાડા કરી તેમાંથી માણસ પાણી કાઢતો. આ પરથી કૂવાનો વિચાર જન્મ્યો.

    કૂવાની ઊંડાઈ જમીનની સપાટીની તદ્દન નજીકથી માંડીને ૨૫-૩૦ મીટર સુધી જાય. ઉત્તર ભારતનાં નદીનાં મેદાનો તેમ જ આંધ્ર-ઓરિસ્સામાં કૂવા ૪-૬ મીટરે જ પાણી આપે છે. બીજી તરફ પશ્ચિમ કે મધ્ય ભારતમાં અમુક સ્થળે ૨૦ મીટર પણ જવું પડે છે. તેને ‘વોટર ટેબલ’ કહે છે. અહીંથી પાણી કાઢવા માટે જાત મહેનત અથવા પ્રાણી (ઘોડા અને બળદ)નો ઉપયોગ થતો. તેથી ઉપયોગ મર્યાદિત હતો. વીજળીની મોટરથી પાણી કાઢવું એટલું સરળ થયું કે લોકો અમર્યાદ રીતે પાણી ખેંચવા લાગ્યા.

    કૂવા ગળાવવા

    કૂવા ગાળવો કેગળાવવો ક્રિયાપદ આજે મોટાભાગના વાંચકો માટે અજાણ્યું હશે. જેઓ નાનાં ગામ કે ગામડામાં રહે તેમણે જોયું હશે કે દર ચારપાંચ વર્ષે કૂવો ખાલી કરવામાં આવે છે. પાણી કાઢી કાઢીને વહેવડાવી દેવાય છે. કૂવા ઉઘાડા હોય છે તેથી તેમાં પક્ષીઓની હગાર, ઝાડપાનનો કચરો, ક્યારેક મરેલાં પંખી, દોરડાં, ઈંઢોણી, ધોવા આણેલાં કપડાં કે દડા, સાબુ વગેરે ઘણું બધું પડતું હોય છે. અશુદ્ધિઓ વારંવાર તો કાઢી શકાય પણ અમુક વર્ષે ગાળવાની ક્રિયામાં નીકળી જાય છે. તે પછી તેમાં નવું પાણી આવે છે. એવું પણ બને કે સફાઈ દરમિયાનએક્વિફરનાં છિદ્રો સારી રીતે ખુલી જાય તો નવું પાણી વધારે વેગથી પણ આવે. તે સફાઈનો આડફાયદો.

    વસતી વધારા અને ઔદ્યોગિકરણના કારણે કેટલાંય સ્થળોએ સાદા કૂવા અપૂરતા પડવા લાગ્યા. આથી માણસે ભૂગર્ભજળનાં નીચેનાં સ્તરમાં જઈ ખાખાંખોળાં શરૂ કર્યાં. આ તળે પહોંચવા માટે જે વ્યવસ્થા વપરાય તેને પાતાળ કૂવા અથવા ‘બોર-વેલ’ કહે છે. એને ખોદવાની પદ્ધતિ પણ જુદી છે.

    બંધારા અને ડૅમ :

    વહેતી જતી નદીમાં પાણીની સપાટી ઓછી હોય તો ઉનાળામાં તદ્દન સૂકાઈ જાય. નદીનાં પાતળાં વહેણમાં ઢોરોને નવડાવવા વગેરેનાં કામમાં અગવડ થાય. આ જોઈને માણસે વહેતાં પાણીના માર્ગમાં માટી નાંખી બંધારા ઊભા કર્યા. જેથી તેને એક સ્થળે ઊંડુ પાણી મળે. એ સપાટીથી ઉપરનું પાણી આગળ જાય અને નદી વહેતી રહે. આનો વધારાનો ફાયદો એ થયો કે આસપાસની જમીનમાં પાણી પચવાથી હરિયાળી થઈ. નજીકના કૂવાના સ્તર પણ ઊંચા આવ્યાં. ચેક ડૅમ અને ‘પરકોલેશન’ ડૅમના નામે સરકારે પણ પછીથી આવા કાર્યક્રમ સૂકા પ્રદેશમાં ચલાવ્યા.

    ડૅમના બીજા પ્રકારમાં દિવાલ ઊંચી બની અને તેની પાછળના જળાશયમાં પાણીની સપાટી ઘણી ઊંચી લેવાઈ. એમાંથી કાઢેલી કૅનાલ ઊંચી સપાટીના કારણે પાણીને દૂર સુધી લઈ જઈ શકે છે. સિંચાઈમાં આનો ઉપયોગ થયો. આ જ દીવાલ વધુ ઊંચી થાય તો ત્યાંથી પાણીને એકદમ નીચે પાડતાં જળવિદ્યુત મળે. ભાખરા-નાંગલથી શરૂ થઈ સરદાર સરોવર સુધી બનેલી આવી યોજનાઓને ‘બહુલક્ષી’ ડૅમ કહે છે. ડૅમમાંથી છોડાયેલ પાણીનું અંતિમ ગંતવ્ય સ્થાન તો સમુદ્ર જ છે. કૅનાલમાં છોડાતું પાણી સમુદ્રને બદલે ખેતરોમાં જઈ સીધું ભેજરૂપે વાતાવરણમાં ભળે છે.

    વૃક્ષો અને જંગલો :

    સાગરથી સાગરની યાત્રામાં જંગલોનું મહત્ત્વ ઘણું છે. જમીનના ભેજને વાતારણમાં છોડવાનું વૃક્ષનુ કામ તો આપણે જોયું. પરંતુ વૃક્ષો પાણીને જમીનમાં ઉતારવામાં પણ મદદ કરે છે. ડાંગ કે મહાબળેશ્વરનાં જંગલોમાં જનારાઓએ જોયું હશે કે ઝાડનાં સૂકાં પાંદડાં, ડાળખીઓ, પક્ષીઓની હગાર વગેરેનો એક થર જમીનને ઢાંકે છે. વરસાદનું પાણી એ થર પર પડે તો વહી જવાને બદલે તેને ભીનો કરી જમીનમાં નીચે ઉતરે છે. પહાડનાં ઢોળાવવાળાં જંગલોમાં જો આ થર ન હોય તો પાણી પોતા જોડે માટી લઈને નીચે તરફ વહી જતું હોત. વહેતું પાણી જમીનમાં શોષાતું નથી, પણ કાંપ પર પડેલું પાણી શોષાય છે. વધારે વરસાદમાં આ પાણી વહેવા લાગે તો પણ માટીને બદલે કાંપને લઈને નીચે જાય છે. તેનાથી નદીનાં મેદાન અને ડેલ્ટા પ્રદેશ ફળદ્રુપ બને છે. જો માટી વહી જાય તો ઝાડનાં મૂળીયાં ઉઘાડાં પડી ઝાડ જ પડી જાય છે.

    ઝાડોના ઉચ્છવાસનો કારણે હવામાં ભેજનું પ્રમાણ વધે છે અને એ વાતાવરણમાં ઠંડકનો અનુભવ કરાવે છે. મહત્તમ અને લઘુત્તમ ઉષ્ણતામાન વચ્ચેનો તફાવત પણ ઓછો રહે છે. સામાન્ય અવલોકન છે કે વૃક્ષ આચ્છાદિત વિસ્તારોમાં સૂકા પ્રદેશ કરતાં વરસાદ વધારે પડે છે. આવો ફરક સમુદ્રકાંઠાથી દૂરનાં ક્ષેત્રોમાં વધુ સ્પષ્ટ દેખાય છે કારણ કે ત્યાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. વિશ્વનાં સૌથી મોટાં અને ગાઢ જંગલ – દક્ષિણ અમેરિકાનાં એમેઝોન જંગલના વિસ્તારમાં વરસાદ માટેના ભેજના ૫૦ ટકા વૃક્ષોને કારણે મળે છે.

    જમીનમાં પચેલું પાણી ઝાડોમાં મૂળીયાંઓની સપાટીની મદદથી નીચે ને નીચે જતું રહે છે. આ ભૂગર્ભ જળનો મુખ્ય હિસ્સો છે. જેમ સપાટી ઉપર ઝરણાંઓ મળી નદી બને છે, તેમ ભૂગર્ભમાં પણ પાણીનો સારો પ્રવાહ નિર્માણ થાય છે જે ઢોળાવની દિશામાં નદીની માફક જ વહે છે. ખડકોમાં તિરાડ હોય તો તેની મદદથી પણ નીચે જાય છે. કેટલાંય આવાં ભૂગર્ભ ઝરણાં જમીનની અંદર જ વહીને સમુદ્રને પણ મળે છે.જો કે તેવાં પાણીનું પ્રમાણ વધારે નથી.

     વર્તમાન પરિસ્થિતિ :

    પાણીના સંગ્રહ અને વિતરણની પરાપૂર્વથી ચાલતી આવેલી વ્યવસ્થા ગઈ સદી સુધી તો બરાબર ચાલી. પરંતુ ગઈ સદીની મધ્યથી તેમાં અડચણો આવવા લાગી છે. નદીઓ અને કૂવા બાબત આપણી પ્રચલિત ધારણાઓ બદલાઈ રહી છે. હવે વહેતી નદીઓ અપવાદ બનતી જાય છે. કૂવામાંથી પાણી કાઢી નહાઈ લેવાનો સાદો ખ્યાલ એક રોમાંચકારી વિચાર થઈ ગયો છે. ડૅમ બંધાયા પરંતુ એ વિવાદનું કેન્દ્ર રહ્યા છે. તેની પાછળના વિસ્તારમાં ખેતીની જમીન, જંગલો અને ગામો ડૂબાણમાં જાય છે અને સ્થળાંતરના પ્રશ્નો ઊભા કરે છે.

    બંધના કારણે નદીનો પ્રવાહ રોકાઈ જાય કે ઘટી જાય છે; તેના કારણે તેનાં તળમાં રહેલા ‘ઍક્વીફર’ (ભૂગર્ભ જળસંગ્રહો) સૂકાઈ જાય છે. આથી આસપાસના કૂવાઓમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે. એક જીવંત સિસ્ટમ ધીરેધીરે મરી રહી છે. શહેરમાંના તળાવો ભરી દઈ જમીન બીજા ઉપયોગમાં લેવાથી પણ આ જ પરિણામ આવ્યાં છે. વહેતી નદીમાં ઉપરથી માટી અને કાંપ આવતાં તે નીચવાસને ફળદ્રુપ બનાવતાં. હવે એ ઉપયોગી પદાર્થો ડૅમનાં તળીયે નકામા પડી રહે છે અને વધારામાં ડૅમની પાણી સમાવવાની ક્ષમતા ઘટાડે છે.

    ભાખરા-નાંગલનો બંધ એક વખતે દેશનાં આધુનિક તીર્થસ્થાનમાં ગણાતો. તેની મદદથી પંજાબના ખેડૂતોએ હરિયાળી ક્રાંતિ આણી. પરંતુ તે માટે અમર્યાદ પાણી, જંતુનાશકો અને રાસાયણિક ખાતર વાપર્યાં. હવે પાઘડીનો વળ છેડે આવ્યો છે. જમીન બગડી ગઈ છે અને રસાયણોના પરિણામે પંજાબના બે જિલ્લાઓ કેન્સરના વિક્રમ તોડે છે. ડૅમના કારણે થતાં નુકશાનની યાદીમાં હાલમાં હિમાલયમાં ચમોલી ખાતે ગ્લેશિયર ઘસતાં જળવિદ્યુત કેન્દ્રોમાં થયેલ વિનાશની વાત છે. આ કેન્દ્ર માટે જળાશય બનાવવા માટે ફોડાતા ડાયનેમાઈટે પહાડોમાં એટલાં કંપન ઊભાં કર્યાં છે કે ત્યાં જમીન ધસવાના (લેન્ડ સ્લાઈડ)ના પ્રસંગો વધતા જાય છે. જોષીમઠની આ હોનારતે કેદારનાથની યાદ અપાવી, જ્યાં પણ ગ્લેશિયર ખસ્યો હતો.

    ચિંતાની વાત એ છે કે ઉત્તરાખંડ રાજ્ય પોતાને વીજળીની બાબતમાં “આત્મનિર્ભર” બનાવવા માગે છે અને આવાં ૫૪ વિદ્યુત કેન્દ્રોનું આયોજન છે; ૧૬ બની ગયાં છે અને ૧૩ બની રહ્યાં છે. હિમાલયની નાજુક ઈકોલોજીમાં કશું પણ કરતાં પહેલાં સંભાળપૂર્વક અભ્યાસ કરવો જરૃરી છે તે આ બતાવે છે.

    ભૂગર્ભજળ વપરાશ:

    પાણીના સંગ્રહની દૃષ્ટિએ ભૂગર્ભ જળ એ બેન્કમાં બાંધેલી થાપણ (Fixed deposite) જેવું ગણાય. પરંતુ પાણીનાં યોગ્ય વ્યવસ્થાપનની ગેરહાજરીમાં આ સ્રોતને એક સહેલા વિકલ્પે આપણે વાપરતા ગયા. આજે શહેરી વપરાશનું પચાસ ટકા અને ગ્રામીણ ક્ષેત્રે પીવાનાં પાણીના ૮૫ ટકા ભૂગર્ભમાંથી આવે છે. સિંચાઈની જરૂરતના ૬૫ ટકા પણ આ જ સ્રોતમાંથી લેવાય છે. આપણાં ભૂગર્ભ જળપંચે (ગ્રાઉન્ડ વૉટર કમિશન) એક હેવાલમાં આઝાદી પછીના આંકડાને ૨૦૦૮-૦૯ના આંકડાઓ સાથે સરખાવ્યા છે તે આ મુજબ છે.

    ૧૯૫૦૫૧

    ૨૦૦૮૦૯

    સાદા કૂવા

    ૩૮ લાખ

    કરોડ

    બોર કૂવા

    હજાર

    ૫૬ લાખ

    ડીઝલ પંપ

    ૬૬ હજાર

    ૪૬ લાખ

    વીજળી પંપ

    ૯૩ લાખ

    ખાનગી પાતાળ કૂવા

    ૬૮ હજાર

    દરેક પ્રકારના કૂવાઓની સંખ્યા વધતી ગઈ પરંતુ તેની સામે જમીનમાં ઉતરતું પાણી ઘટતું ગયું. કાચા રસ્તાઓ પર હવે ડામર અને કોન્ક્રીટ પથરાય છે. ઘરનાં વિશાળ આંગણા અને બીજી ખુલ્લી જગ્યાઓમાં ટાઈલ્સ નંખાય છે. પહાડમાં જંગલો ઘટતાં જવાથી ત્યાંથી સીધું પાણી જમીનમાં જતું તે ખૂબ ઘટી ગયું છે. બેન્કમાં એવું કોઈ ખાતું છે જેમાં પૈસા જમા ન કરાવો પરંતુ વારંવાર ઉપાડયા કરો ? આપણે એવું માનીને ચાલીએ છીએ. આથી કૂવાઓની અને પાતાળ કૂવાઓની સપાટી નીચે જતી જાય છે.  તાજાં સર્વેક્ષણમાં ૨૦૦૭-૧૭ના એક દશકમાં કેટલા કૂવાઓને અસર થઈ તે આ મુજબ છે.

    તમિળનાડુ

    ૮૭ ટકા (૫૩૮)

    મહારાષ્ટ્ર

    ૫૭ ટકા (૧૫૬૨)

    આંધ્રપ્રદેશ

    ૭૫ ટકા (૭૫૧)

    પંજાબ

    ૮૫ ટકા (૨૩૪)

    (કૌંસમાં આપેલ સંખ્યા સર્વેમાં લીધેલા કૂવાઓની છે.)

    આ પછીનાં ચાર વર્ષમાં પરિસ્થિતિ બગડી જ હોઈ શકે. દેશના ત્રીજા ભાગના વહીવટી એકમો (તાલુકા અને બ્લૉક)માં ભૂગર્ભ જળની પરિસ્થિતિ ગંભીર કે અતિ ગંભીર છે. પરંતુ પ્રજા તેનાથી બેખબર છે. ક્ષારીય પાણીને શુદ્ધ કરવાની ટેકનોલોજી (રિવર્સ એસ્મોસિસ : R.O.) સહેલાઈથી પ્રાપ્ય હોવાથી ભૂગર્ભ જળનો ઉપયોગ અમર્યાદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જ્યાં લાખો વરસો જૂનું ભૂગર્ભજળ પીવા માટે વપરાય છે, ત્યાં જ કેટલાક લોકો કેસર કેરી, સ્ટ્રોબેરી કે ડ્રેગનફ્રુટ જેવા પાક લે છે, જે વરસાદી વિસ્તારના પાક છે. અને આથી પાતાળકૂવાઓ વધુ ને વધુ ઊંડા થતા જાય છે.

    સમગ્રપણે આપણે પાણીના સંગ્રહની કુદરત આધારિત વ્યવસ્થામાં વધારે પડતી દખલ કરી રહ્યાં છીએ. અંગ્રેજીમાં એક શબ્દ છે sustainability; ગુજરાતીમાં તેના માટે એવો એક શબ્દ નથી આવ્યો જે અંગ્રેજી શબ્દનું હાર્દ સમજાવે. પણ તેનો ભાવાર્થ કૈંક આવો છે: કોઈ પ્રક્રિયા કે કાર્ય એવા હોય જે કાળાંતરે પોતાના દમ ઉપર જ ચાલુ રહી શકે તો તે sustainable છે. આ વ્યાખ્યા મુજબ જલચક્ર અને ખાસ કરી ને નદીની કુદરતી વ્યવસ્થા હવે ‘સસ્ટેઇનેબલ’ રહી નથી. ઘણા લોકોને એ સમજાય છે પરંતુ ઘડિયાળના કાંટા ઉલટા ફેરવવાની હિંમત સમાજ કે સરકારમાં દેખાતી નથી.


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ કેમ કાયમી બની શકી નહીં?

    નિસબત

    ચંદુ મહેરિયા

    લગભગ સવા નવ દાયકા પૂર્વેનો પૂના કરાર આજે ય  ચર્ચાસ્પદ છે. ચોવીસમી સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ થયેલો પૂના કરાર દલિતોના વર્તમાન રાજકીય, શૈક્ષણિક અને વહીવટમાં પ્રતિનિધિત્વનો પાયાનો દસ્તાવેજ છે. પૂના કરારમાં કરવામાં આવેલી  દલિતો માટેની શિક્ષણ, નોકરીઓ અને ચૂંટણીઓમાં ખાસ સવલતોની જોગવાઈઓ પછી ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્યધારા અને સ્વતંત્ર ભારતના બંધારણમાં પણ સમાવવામાં આવી હતી. જોકે  ડો. બાબાસાહેબ આંબેડકરની માંગણી દલિતો માટે અલગ મતાધિકારની હતી. પરંતુ તેની વિરુધ્ધના ગાંધીજીના આમરણ અનશનને કારણે તે પડતી મુકવી પડી હતી. એટલે પૂના કરાર દિનને દલિતોનો બહુમતી વર્ગ ધિક્કાર દિન કે વિરોધ દિન તરીકે મનાવે છે.

    ભારતની ભાવિ રાજ્યવ્યવસ્થાની ચર્ચા માટે લંડનમાં  ગોળમેજી પરિષદો યોજાઈ હતી. ડો.આંબેડકરે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. પરંતુ મુસ્લિમો અને બીજાઓના કોમી મતદારમંડળોની માંગણી સ્વીકારનાર કોંગ્રેસ  અને ગાંધીજી દલિતોની માંગણીના મુદ્દે નામકર ગયા હતા. દલિતો માટે અલગ મતદારમંડળને ગાંધીજી ‘ હિંદુ સમાજનો નાશ કરે તેવું ઝેર’  માનતા હતા. જ્યારે ગોળમેજી પરિષદમાં આ મુદ્દે કોઈ નિર્ણય ન થઈ શક્યો ત્યારે  આખરી ફેંસલો  કરવાનું તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન રામ્સે મેકડોનાલ્ડ પર છોડવામાં આવ્યું. તેમણે અલગ મતાધિકારને માન્ય રાખતાં ગાંધીજીએ તેના વિરોધમાં પૂનાની યરવડા જેલમાં આમરણ ઉપવાસની ઘોષણા કરી અને તેની જાણ બ્રિટિશ સરકારને કરી હતી.

    રામ્સે મેકડોનાલ્ડે  તેમના આઠમી સપ્ટેમ્બર ૧૯૩૨ના ઐતિહાસિક પત્રના અંતમાં લખ્યું હતું કે , ‘ ભારતીય પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વની બાબતમાં સર્વસંમતિ સાધી શક્યા નહીં એટલે બ્રિટિશ સરકારે અનિચ્છાએ આ બાબતે નિર્ણય કરવો પડ્યો છે.’  ‘ અલગ મતદાર મંડળનો સરકારનો નિર્ણય અફર’  હોવાનું જણાવી તેમણે ‘ જુદી જુદી કોમો વચ્ચે સમજૂતી થાય તો એ સમજૂતીનો અમલ કરવા સરકાર નિર્ણય બદલશે ‘ તેમ કહીને જવાબદારી ડો.આંબેડકરના શિરે મૂકી હતી..

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આમરણ ઉપવાસમાંથી ગાંધીજીનો જીવ બચાવવાની કપરી જવાબદારીના બોજ તળે દબાયેલા બાબાસાહેબે અલગ મતાધિકારની માંગણી પડતી મૂકી અને રાજકીય અનામતોથી સંતોષ માન્યો.પૂના કરારની નવ જોગવાઈઓ પૈકીની ત્રીજી  મહત્વની જોગવાઈ  એ હતી કે પ્રાંતિક  અને કેન્દ્રિય ધારાસભાઓની અનામત બેઠકો પર મુખ્ય ચૂંટણી પહેલાં દલિત ઉમેદવારની પ્રાથમિક ચૂંટણી કરવામાં આવશે. એ જોગવાઈ મુજબ અનામત બેઠકોના દલિત મતદારો પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારો ચૂંટી કાઢશે. એ ઉમેદવારો મુખ્ય ચૂંટણીમાં ઉમેદવારી કરીને દલિત-બિનદલિત તમામ મતદારોના મત માગશે. એટલે કે ચાર ઉમેદવારોની  પેનલ નક્કી કરવાનું સંબંધિત મતવિસ્તારોના દલિતોના હાથમાં હતું.  પરંતુ તે ચારમાંથી મુખ્ય ચૂંટણીમાં કોણ જીતશે એ નક્કી કરવાનું કામ દલિત-બિનદલિત બંને મતદારોના હાથમાં હતું.

    પૂના કરારની શરતો, ખાસ કરીને સંયુક્ત મતદાર મંડળની મતદાન પધ્ધતિ નક્કી કરવા બ્રિટિશ સરકારે ‘હેમન્ડ કમિટી’ની રચના કરી હતી. આ સમિતિમાં ચર્ચાયેલા મુદાઓમાં એક મુદ્દો પ્રાથમિક  ચૂંટણી અંગેનો હતો. પૂના કરારમાં પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારની પેનલ ચૂંટી કાઢવાની વાત હતી. ચાર ઉમેદવારો એટલે ઓછામાં ઓછા ચાર કે વધુમાં વધુ ચાર, એ વિશે હેમન્ડ સમિતિ સમક્ષ વિવાદ થયો હતો. કોંગ્રેસ ઈચ્છતી હતી  કે જે અનામત બેઠક પર   ચાર કરતાં ઓછા દલિત ઉમેદવારો હોય,  તે બેઠક ખાલી રહેવી જોઈએ.

    ડો.આંબેડકરના મતે, મુખ્ય આશય યોગ્ય દલિત પ્રતિનિધિત્વનો અને તે માત્રને માત્ર દલિતો જ નક્કી કરે તેનો હોવાથી  પ્રાથમિક ચૂંટણીમાં ચાર ને બદલે ત્રણ, બે, કે એક દલિત જ ઉમેદવાર હોય તો પણ તે બેઠક ખાલી રાખવાની જરૂર નથી.  તેમને એવું લાગતું હતું કે પ્રાથમિક ચૂંટણીમાં દલિત મતદારો પોતાના સમાજમાંથી ચાર ઉમેદવારોને બદલે  કોઈ એક ઉમેદવારને જ સર્વાનુમતે પસંદ કરે, તો એ ઉત્તમ કહેવાય. કોંગ્રેસને તે મંજૂર નહોતું.,  કારણ કે દલિતો એકતા સાધીને ચારને બદલે એક જ ઉમેદવાર પસંદ કરે તો પોતાનો કહ્યાગરો  દલિત ઉમેદવાર જીતાડવાની કોંગ્રેસની ઈચ્છા પૂરી ન થાય. એકથી વધારે દલિત ઉમેદવારો હોય તો જ કોંગ્રેસ તેમની વચ્ચેની હરીફાઈનો લાભ ઉઠાવીને, બિનદલિત મતોના જોરે પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારને જીતાડી શકે. હેમન્ડ સમિતિએ ડો.આંબેડકરની રજૂઆત સ્વીકારી હોવાનું ખુદ ડો.આંબેડકરે નોંધ્યું છે, પણ એ મુજબ મુખ્ય ચૂંટણી પહેલાં પ્રાથમિક ચૂંટણીઓની જોગવાઈનો અમલ થયો હોય એવું જણાતું નથી.

    ૨૩મી એપ્રિલ ૧૯૩૩ના રોજ ડો.આંબેડકર ગાંધીજીને યરવડા જેલમાં મળ્યા ત્યારે પણ પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ અંગે  ચર્ચા થઈ હતી. ડો.ધનજંય કીર બાબાસાહેબના જીવનંચરિત્રમાં આ સંદર્ભે લખે છે કે બાબાસાહેબે ગાંધીજીને કહેલું, ‘ અસ્પૃશ્ય વર્ગના ઉમેદવારોને(પ્રાથમિક અને મુખ્ય, એમ) બે ચૂંટણીઓ લડવાનો ખર્ચ આકરો પડે છે. માટે, પ્રાથમિક ચૂંટણીને સામાન્ય ચૂંટણીમાં વિલિન કરવી જોઈએ. જે દલિત ઉમેદવારને સામાન્ય ચૂંટણી લડવી હોય તેણે પ્રાથમિક ચૂંટણીમાં ઓછામાં ઓછા પચીસ ટકા મત મેળવવા પડે, એવી શરત રાખવી જોઈએ’  ( ડો.આંબેડકર: જીવન અને કાર્ય,  ડો.ધનંજય કીર, પૃષ્ઠ- ૨૭૯)

    પૂના કરારના મુસદ્દાને આખરી ઓપ આપતા પહેલાં , બાબાસાહેબે પ્રાથમિક ચૂંટણીની શરત અંગે પોતાના સાથીદારો સાથે વિગતે ચર્ચા કરી હતી. ત્યાર પછી જ તેમણે પ્રાથમિક ચૂંટણીની શરત માન્ય રાખી હતી. પરંતુ પ્રાથમિક ચૂંટણીમાં દલિતોના મત મેળવવામાં મોખરે રહેતા ડો. આંબેડકરના પક્ષના ઉમેદવારો સામાન્ય કે મુખ્ય ચૂંટણીમાં બિનદલિત મતદારોના મતો મેળવવામાં પાછળ રહેતા હોઈ હારી જતા હતા. એટલે બાબાસાહેબ કહેતા હતા કે અમને મતો મળે છે પરંતુ બેઠકો મળતી નથી. કોંગ્રેસની પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારોને જ જિતાડવાની આ ચાલને કારણે દલિતોને લાયક પ્રતિનિધિત્વ મળી શક્યું નહીં.

    રાજકીય અનામત બેઠકોની વર્તમાન નીતિમાં દલિત હિતને બદલે પક્ષીય હિતને પ્રાધાન્ય આપતા દલિત ઉમેદવારો ચૂંટાય છે તે સ્થિતિમાં રાજકીય અનામત બેઠકોની નીતિને વધુ અસરકારક બનાવતી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને બાબાસાહેબે સૂચવેલા સુધારા સાથે કાયમી ધોરણે અમલી બનાવવાની  સબળ માગ ઊઠાવવાની આવશ્યકતા છે. દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તેવી(અંશત: અલગ મતદાર મંડળની જોગવાઈ જેવી) આ શરત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા બનવો જોઈએ.

    પૂના કરારના ત્રાંણુ વરસના અંતિમ દિવસે  ગાંધીના ગુજરાતના દલિતો સંકલ્પ દિન(૨૩મી સપ્ટેમ્બર)ની ઉજવણીમાં રમમાણ છે. યુવાન આંબેડકરે વડોદરા રાજ્યમાં આભડછેટના કારણે ઘર ન મળતા નોકરી છોડવી પડી હતી. ૨૩મી સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ વડોદરા છોડતાં પહેલાં તેમણે સજળ આંખે નાતજાતના ભેદને તેના મૂળમાંથી ખેંચી કાઢવાનો સંકલ્પ કર્યો હતો. તેની સ્મૃતિમાં ઉજવાતા સંકલ્પ દિવસે દલિતો પૂના કરારની પાયાની પણ વિસારે પાડી દેવાયેલી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને નવા રૂપે અમલી બનાવી બાબાસાહેબના અલગ મતાધિકારના સંકલ્પને સાકાર કરવાનું પ્રણ લેશે કે?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – તાંત્રિક પરંપરા (૧) – થોડી પ્રાથમિક સમજ – વિજ્ઞાન ભૈરવ તંત્ર

    – પ્રવાસી યુ. ધોળકિયા

    પુરાણ, આગમ, અને તંત્ર એ મહાસાગરરૂપી સનાતન પરંપરાના હિંદુ ધર્મના ત્રણ સ્તંભો છે. પુરાણ અને આગમ પર આપણે અગાઉ વાત કરી ચૂક્યાં છીએ. સનાતન પરંપરાના અંતિમ સ્તંભ, તંત્ર, વિશે હવે થોડી વાત કરીશું.

    તંત્ર શબ્દ કાને પડતાં જ સામાન્ય હિન્દુ થોડો ગભરાશે અને શંકાશીલ બનશે. તેનું કારણ એ છે કે તેના મન સામે તંત્ર વિશે એક નિશ્ચિત છબી સામે આવશે. સામાન્ય હિન્દુને મન તંત્ર એટલે ભૂતપ્રેત, વશીકરણ, સંમોહન અને અનેક અવૈદિક પ્રક્રિયાઓ છે. પરંતુ હકીકત એ છે કે તંત્ર એમ મહાન વૈજ્ઞાનિક પરંપરા છે. તેની અવદશાના ચિતાર માટે આપણા જ વામાચારીઓ, અઘોરીઓ અને કાપાલિકો જવાબદાર છે. અત્રે તંત્ર વિશે સાચી સમજ આપવાનો પ્રયાસ કરેલ છે.

    ચર્ચાનો પ્રારંભ કરીએ તે પહેલાં તેની સંખ્યા વિશે જાણવું રસપ્રદ રહેશે.

    સામાન્ય રીતે તંત્રની સંખ્યા ૬૪ છે, જેની યાદી નીચે મુજબ છેઃ

    ૧. મહામાયા શામ્બર ૧૭. લલિતા ૩૩. પિંગળા ૪૯. ગાંધર્વ
    ૨. યોગિની જાળ ૧૮. શ્રી શક્તિ ૩૪. તારાહી ૫૦. ત્રિલોક મોહન
    ૩. તત્વ ૧૯. મહા મહેશ્વરી ૩૫. મુંડમાળા ૫૧. હંસ પાર મહેશ્વર
    ૪. અસિતાંગ ભૈરવ ૨૦. કુમારી ૩૬. માલિની વિજય ૫૨. હંસ મહેશ્વર
    ૫. રૂરૂ ભૈરવ ૨૧. બાલા ૩૭. સ્વચ્છંદ ભૈરવ ૫૩. કામધેનુ
    ૬. ચંડ ૨૨. માત્રિકા ૩૮. મહા નિર્વાણ ૫૪. વાણી વિલાસ
    ૭. ક્રોધ ૨૩. સંત કુમાર ૩૯. ચિંતામણી ૫૫. કામિકા
    ૮. ઉન્મત ૨૪. સમયાચાર ૪૦. ત્રિલોક ૫૬. માયા
    ૯. સ્વતંત્ર ૨૫. ભૈરવી ૪૧. વિશ્વ સાર ૫૭. કુવિચક
    ૧૦. કારિણી ૨૬. વાલકેશ્વરી ૪૨. મૃત ૫૮. વિજ્ઞાન લાલિકા
    ૧૧. ઉત્તરા ૨૭. કુકુટેશ્વર ૪૩. મહાખેચરી ૫૯. સિદ્ધ યમલ
    ૧૨. નીલ ૨૮. વિશુદ્ધ દેવેશ્વર ૪૪. ટોડલ ૬૦. કલ્પ સૂત્ર
    ૧૩. વીર ૨૯. સંમોહન ૪૫. વારાહી ૬૧. મસ્ત્ય સુક્ત
    ૧૪. કાલી ૩૦. ગોપીનાથ ૪૬. રાજ રાજેશ્વરી ૬૨. શિવાગમ
    ૧૫. નારાયણી ૩૧. બ્રહોદ્‍મી ૪૭. મહા મહેશ્વરી ૬૩. ડામર
    ૧૬. ત્રિપુરા ૩૨. ભૂત ભૈરવ ૪૮. ગવાક્ષી ૬૪. મેરૂ

    તંત્રનો વિષય એટલો વિશાળ છે કે તેના પર સંક્ષિપ્તમાં લખવું મુશ્કેલ છે.  તેથી, આપણે આ વિષય પર ત્રણ ચાર રહસ્યવાદીઓના વિચાર અહીં જણાવીશું.

    બટુક ભૈરવની સાધના કરનાર, પ્રસિદ્ધ તાંત્રિક ઋષિનાન્દી જણાવે છે કે તંત્રના સંસ્થાપક ભગવાન શિવ છે. તેઓએ સાત કરોડ મંત્રોની રચના કરી છે. વિશ્વમાં એવી એક પણ ધાર્મિક કે આધ્યાત્મિક પરંપરા નથી જેમાં આ સાત કરોડ મંત્રોમાંથી કોઈ ને કોઇ મંત્રનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય.

    ગુજરાતના પરખ ઓમ ભટ્ટ પણ તેમના તાંત્રિક અનુભવોને આધારે એવું જણાવે છે કે આપણે તંત્રનો સાત્વિક દક્ષિણાચારી માર્ગ અપનાવવો જોઈએ અને વામાચારથી બચવું જોઈએ. તંત્ર કોઈ મેલી વિદ્યા કે સિદ્ધિ માટે કરવાનું વિજ્ઞાન નથી. આ માર્ગે યોગ્ય ગુરુનું માર્ગદર્શન મેળવી શિવતત્વમાં લીન થવાનું છે.

    શ્રી સદ્‍ગુરુ વાસુદેવ પોતાના પ્રવચનોમાં જણાવે છે કે આજથી હજારો વર્ષ પહેલાં હિમાલયના કૈલાસ પર્વત પર શિવ એકાએક પ્રગટ થયા. અહીંના શીખર પર ત્યારે સપ્તર્ષિઓ તપશ્ચર્યામાં લીન હતા. શિવ ત્યાં પધાર્યા અને અર્ધનગ્ન અવસ્થામાં ધ્યાનસ્થ થયા. જાગૃત થઈને ઋષિઓએ શિવને જોયા. અનેક વર્ષ વીતી ગયાં છતાં શિવ ધ્યાનસ્થ જ રહ્યા.  ઋષિઓ પણ શિવ જાગૃત થાય તેની રાહ જોઈને વર્ષો સુધી બેસી રહ્યા. અંતે શિવ જાગ્યા અને ઋષિઓને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. પરંતુ, ઋષિઓ અડગ રહ્યા. એટલે શિવે પ્રસન્ન થઈને સપ્તર્ષિઓને તંત્ર ઉપરાંત અન્ય તમામ રહસ્યવાદી વિધિઓથી વિદિત કર્યા.  તે પછી શિવે ઋષિઓને આદેશ આપ્યો કે તેઓએ વિશ્વમાં જઈને પોતે મેળવેલા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે.

    વિજ્ઞાન ભૈરવ તંત્ર

    વિજ્ઞાન ભૈરવ તંત્ર પર ઓશો રજનીશના પ્રવચનોની પૂર્વભૂમિકા સમજવા જેવી છે. તેઓ કહે છે કે વિજ્ઞાન ભૈરવ તંત્ર એ તત્વજ્ઞાન કે બૌદ્ધિક પ્રક્રિયા નથી. અહીં વિધિઓ અને ઉપાયોની ચિંતા કરવામાં આવે છે. તંત્રનો અર્થ જ વિધિ-ઉપાય માર્ગ છે. તત્વજ્ઞાન પૂછે છે કે અસ્તિત્વ શા માટે છે? વિજ્ઞાનનો અભિગમ ” શા માટે?” નહીં, પણ “કઈ રીતે” વિચારવાનો છે. વિજ્ઞાન પૂછે છે કે અસ્તિત્વ કઈ રીતે છે? અહીં અસ્તિત્વ શા માટે છે તે નથી સમજાવાયું પણ અસ્તિત્વ કઈ રીતે છે તે સમજવા માટે  વિધિ છે તેથી તેને વિજ્ઞાન ગણવામાં આવે છે.

    તત્વજ્ઞાનનું જ્ઞાન સામાન્ય છે. તે સમજવા માટે મગજ -વિચાર શક્તિ-ની જરૂર છે. જ્યારે તંત્રને સમજવા માટે વ્યક્તિએ  પોતાની વિચાર પ્રક્રિયા તેમ જ પોતાની જાતને બદલવી પડે છે. આ બદલાવ સંપૂર્ણ, સ્થાયી, પરિવર્તન માગે છે. જ્યાં સુધી વ્યક્તિ સાવે સાવ બદલી જતી નથી ત્યાં સુધી તેને તંત્ર પુરેપુરૂં સમજાતું નથી. તંત્ર એક અનુભવ છે.

    વિજ્ઞાન ભૈરવનો પ્રારંભ દેવી (પાર્વતી) શિવને પ્રશ્ન કરે છે તેનાથી થાય છે. એ પ્રશ્નો લાગે છે તાત્વિક, પણ શિવ તેના ઉત્તર તત્વજ્ઞાનના આધારે નથી આપતા. ઉદાહરણ તરીકે, દેવી પૂછે છે કે ‘હે પ્રભુ ! તમારૂં સત્ય સ્વરૂપ શું છે?’ તેનો ઉત્તર શિવ સીધે સીધો નથી આપતા, પરંતુ એ સ્વરૂપ કઈ રીતે છે તે સમજવા માટે એક વિધિ આપે છે. શિવે ૧૧૨ તાંત્રિક વિધિઓ આપેલી છે. એવું બને કે એમાંની કોઈ એક વિધિ આપણને લાગુ પડે. કે પછી એવું પણ બને કે એક પણ વિધિ આપણને લાગુ ન પણ પડે. તેથી શિવે અનેક વિધિઓ બતાવવી પડી છે.

    આ વિધિઓ આપણા જીવનમાં કઈ રીતે ચમત્કાર સર્જી શકે છે તે તો અનુભવથી સમજાય. જો એ અનુભવ ન કરીએ તો વિધિઓ વાંચવી કે સાંભળવી એ સમયનો દુરૂપયોગ જ છે.  જો આપણને એક પણ વિધિ ન સ્પર્શે તો આધ્યાત્મિકતાનો માર્ગ છોડી દેવો હિતાવહ ગણાય.

    તંત્ર કહે છે કે અસ્તિત્વ અખંડ – એક – છે. તેમાં દ્વૈતને સ્થાન નથી. શુભ-અશુભ, શુદ્ધ-અશુદ્ધ, નૈતિક-અનૈતિક. પુણ્ય-પાપ કે સુખ-દુઃખ બધું માનવ સર્જિત છે. તે આપણી માન્યતાઓ છે. તેમાં કોઈ વાસ્તવિકતા નથી. આ બધું માનવ નિર્મિત હોવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ પર તેની કોઈ અસર પડતી નથી.  શિવ બતાવે છે કે કોઈ વિધિ કરવામાં આવે તો જ તે વિધિને ઓળખી શકાય. તત્વજ્ઞાનના પ્રશ્નના ઉત્તરથી આપણને સંતોષ થાય, પણ આપણામાં પરિવર્તન ન આવે. તંત્ર કોઈ પ્રશ્નનું સમાધાન નથી આપતું પણ તે સમાધાન પ્રાપ્ત કરવાની વિધિ બતાવે છે.

    તંત્રમાં જે સંવાદ દ્વારા જ્ઞાન આપવામાંઆવ્યું છે તે સંવાદ ગુરુ શિષ્ય વચ્ચેનો નહીં પણ પતિ પત્ની વચ્ચેનો, અતિ ગાઢ અને ગહન, છે. તેથી સાધકે ગુરુ સાથે પત્નીભાવ અને ગુરુએ સાધક સાથે પતિભાવ ભજવવાનો છે. આમ ન થાય તો સાધકને કોઈ જ્ઞાન-શક્તિ મળતાં નથી. અહીં કોઈ બુદ્ધિનો ઉપયોગ પણ કરવાનો નથી. સંવાદને એક વ્યવસ્થા તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ છે. શિવ પાર્વતી વચ્ચે કોઈ વાદ વિવાદ નથી. શબ્દોનો કોઈ વ્યય નથી. સીધાં સાદાં વચનો દ્વારા જગતનું ઉચ્ચતમ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન સાધક માટે સુલભ બને છે.

    વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવના વચનો બહુ ટુંકાં,સૂત્ર  સ્વરૂપે, મુકવામાં આવ્યાં છે. તેમાં ચૈતન્ય પ્રાપ્ત કરવાની વિધિઓ આપવામાં આવી છે. અહીં તો સાધકને ચૈતન્યની પાર જવાનું છે. માનવ મૂર્છિત છે. વિજ્ઞાન ભૈરવ તંત્રની આ વિધિ મૂર્છિત માનવને જગાડવાનું કામ કરે છે.

    આ વિજ્ઞાનને વિજ્ઞાન ભૈરવ એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં ચૈતન્ય પ્રાપ્ત કરવાની તક છે. તે ભૈરવ એટલા માટે છે કે તેમાં ચૈતન્યથી પાર જવાનો માર્ગ છે. અહીં શિવને ભૈરવ અને પાર્વતીને ભૈરવી કહેવામાં આવ્યાં છે.

    આ વિધિઓ અતિ પ્રાચીન છે. તે સંપૂર્ણ  અને અંતિમ છે તેથી તેમાં કઈ જોડવાનું નથી રહેતું. આ તાંત્રિક વિધિઓમાં બધી સંભાવનાઓ રહેલી છે.  તેમાં સુધારાને કોઈ અવકાશ નથી. તે સૌથી પ્રાચીન હોવા છતાં સૌથી તાજી અને નવીનતમ જ છે. અહીં ૧૧૨ વિધિઓ દ્વારા રૂપાંતરણ કરી શકાય છે.

    પશ્ચિમે આપેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ યુરોપની નથી અને ખ્રિસ્તીઓની પણ નથી. તંત્રની વિધિઓ કોઈ ધર્મ (એટલે કે હિંદુ ધર્મ) કે પંથની નથી.

    તેમાં વિશ્વાસને સ્થાન નથી. તેમાં કંઈક કરવાનું છે. માનવે આ વિધિઓનો સહારો લઈને ભવસાગરમાં ઝંપલાવવાનું છે. જે રીતે આઈનસ્ટાઈનના સાપેક્ષવાદને પુરેપુરો જાણકારોની સંખ્યા એકદમ જૂજ છે તેમ તંત્રને જાણનારાઓની સંખ્યા બહુ ઓછી છે.

    માનવી જે સમજતો નથી તેને પોતાનું અપમાન સમજીને તેની નિંદા કરે છે. તંત્ર બધાં દ્વૈતોથી પર છે તેથી સામાન્ય લોકો તેને સમજી શકતાં નથી, અને પરિણામે તેનો તિરસ્કાર કરે છે. એ લોકો તંત્રને અનૈતિક માને છે. તંત્ર એ તો ઔષધ સમાન છે. જે રીતે ઔષધ સંત અને પાપી વચ્ચે ભેદ કરતું નથી તેમ તંત્ર પણ સમાજના બધા વર્ગોને સમાન માની તેઓ માટે પરિવર્તિત થવાનો માર્ગ ખુલ્લો કરે છે. અન્ય કોઈ પણ ધર્મ માનવમાં પરિવર્તન લાવી શકતો નથી. પરિણામે આટલા બધા ધર્મો હોવા છતાં સમાજ ક્રૂર અને કુરૂપ બન્યો છે. જુદા જુદા ધર્મોના અનુયાયીઓને સમાજની રીતરિવાજની પદ્ધતિઓની કોઈ પરવા નથી હોતી. જ્યારે તંત્ર ક્યારે પણ અનૈતિક બનવાનું કહેતું નથી. તે તો માનવીને પોતાની જાતને બદલવાની અનેક તકો આપે છે.

    વિજ્ઞાન ભૈરવની ૧૧૨ વિધિઓ એટલી અસરકારક અને સિદ્ધ છે કે કોઈ પણ જ્ઞાની, પયગંબર, મસીહા કે બૌદ્ધ કે જૈન ઉદ્ધારકોએ એમાંની કોઈને કોઈ વિધિનો ઉપયોગ ચોક્કસ કર્યો હશે. સાઈબાબા જેવા સુફીઓ પણ આ વિધિઓમાંની એક એવી રાત્રી જાગરણનો ઉપયોગ કરીને જ્ઞાની બન્યા હતા. આમ વિજ્ઞાન ભૈરવ તંત્રની ૧૧૨ વિધિઓનું જો શિવે સર્જન ન કર્યું હોત તો વિશ્વમાં કોઈ ધર્મનું પ્રાગટ્ય શક્ય ન બન્યું હોત.

    આધુનિકમાં આધુનિક આણ્વિક વિજ્ઞાન કે ક્વૉન્ટમ ભૌતિક શાસ્ત્ર કે ડિજિટલ ટેક્નોલોજિ જેટલું જ વિજ્ઞાન ભૈરવ તંત્ર વિજ્ઞાન હોવા છતાં સાર્વત્રિક, આધુનિક અને સમયની સાથે પ્રાસંગિક રહેનારું શાસ્ત્ર  છે. આ વિધિઓ કાળથી પર છે. તે ભૂતકાળમાં જેટલી પ્રાસંગિક હતી તેટલી જ આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે. તે શાશ્વત છે, સાર્થક છે અને સનાતન છે. વિજ્ઞાન ભૈરવની ૧૧૨ વિધિઓ વિના માનવ ઉત્કર્ષ અશક્ય છે.


    હવે પછીના મણકામાં તાંત્રિક પરંપરા વિશે હજુ વધારે થોડી વાત કરીશું. વિશે વાત કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • અલગતામાં એકતા

    દેવિકા રાહુલ ધ્રુવ

    સાવ જ વિરોધાભાસી શિર્ષક! અલગતા એટલે જ જુદાંપણું. તેમાં વળી એક્તા એટલે શું? સાવ સીધી જણાતી વ્યાખ્યાને થોડા નોખા દૃષ્ટિકોણથી જોવાની પણ એક મઝાની અને સાર્થક રીત હોય છે.

    સમગ્ર જગતને પાઠ ભણાવતો ૨૦૨૦ના વર્ષનો એક સમય હતો. એ કોવિડકાળ દરમ્યાન એક સ્પષ્ટ વિઝન મળ્યું. ઘણું બધું હુન્નર બહાર આવ્યું. વ્યક્તિ-સ્વાતંત્ર્ય ધરી બેઠેલા આ વિશ્વને એક મંત્ર, નવી રીતે મળ્યો અને તે સૌની સાથે રહેવાનો. સતત દોડતા રહેતા માણસની અંદર પડેલી કલાને બહાર આણનારો પણ આ શક્તિનો એક અલગ અંદાઝ હતો. પણ તે સમયની વાતો લખવાનો અત્રે ઉપક્રમ નથી.

    મુખ્ય વાત તો એ પછીના સમયમાં એટલે કે,બે મિલિયન જેટલા લોકોની કાયમી વિદાય પછી મોટા ભાગની વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આવ્યું. પ્રકૃતિમાં પણ ક્યાં નથી આવ્યું? ‘ગ્લોબલ વૉર્મિંગ’થી તો સૌ કોઈ જ્ઞાત છે જ. એવા એક મોટા પરિવર્તનમાંથી પસાર થવાનું બન્યું અને તેને કારણે જે અલગ અલગ જગા અને અલગ અલગ વ્યક્તિઓને નિકટતાથી મળવાનું મળ્યું ત્યારે સમજાયું કે, તેમાં પણ કેટલી અને કેવી એક્તા છે.

    માધવ રામાનુજની એક કવિતા છે કે,”એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના હું જઈ શકું.”આવી સલામતીની ચાહના મનુષ્યમાત્રને હોય છે. આ પંક્તિઓ એટલા માટે યાદ આવી કે, જે નવા સ્થળાંતરની વાત કરવી છે તે ૨૦૨૧ની સાલ સુધી ફક્ત જમીન હતી. તે પછીના માત્ર બે જ વર્ષના ગાળામાં તદ્દન નવી વસાહત ઊભી થઈ અને ૧૦૦થી વધુ પરિવારોએ રહેવાનું જાણે કે, નવેસરથી શરૂ કર્યું. એટલે કે દરેક વ્યક્તિ એકબીજાંને મળતી થઈ, ઓળખતી થઈ અને મૈત્રી કેળવતી ગઈ. હવે આ બધા જ લોકો  વિશ્વના અલગ અલગ દેશોમાંથી આવી સ્થાયી થયેલા છે. અહીં જાપાનીઝ છે, યુરોપિયન છે અને આફ્રિકન અમેરિકન છે. ચાઈનીઝ, વિયેટનામી અને ભારતીય પણ છે. ટૂંકમાં કહું તો વિશ્વના ઘણા અલગ અલગ દેશના લોકો એક વિસ્તારમાં વસે છે. પણ દરેકને આનંદ, શાંતિ, સલામતી અને મૈત્રીની ભાવના એકસરખી છે. દરેક પરસ્પર સહાયકર્તા બનીને રહે છે. એકમેકના ઘેર આરમથી ‘ડોરબેલ’ વગાડીને જઈ શકે છે. અવારનવાર ડબ્બા-ઉજાણીઓ કરે છે.  અમેરિકા જેવા દેશમાં તો આ નવી નવાઈની વાત ને!  એટલે કે, માનવમાત્રમાં  જન્મજાત મળેલા લોહીના એકસરખા લાલ રંગની જેમ જ જીવનની પાયાની સંવેદનાઓ એકસરખી છે. આ છે રોજબરોજના વ્યવહારમાં અનુભવવા મળતી વિવિધતામાં એકતા.

    કોઈપણ દેશની વાત કરીએ તો, અનેક ધર્મો, જાતિ, સંપ્રદાય, ભાષાઓ, રીતરિવાજો, વિવિધ પરંપરાઓ વગેરે છે છતાં મૂળભૂત રીતે સૌ શાંતિ ચાહે છે જ. કોઈને લડાઈ ઝઘડા ગમતાં નથી. મતભેદ હોવા છતાં મનભેદ ન થાય તે સૌ કોઈ ઝંખે છે. પ્રેમ, આનંદ અને સલામતી ભર્યું જીવન પણ દરેકને જીવવું ગમે છે જ. અલગતામાં આ એકતાની વાત છે; ભાવોની, વિચારોની, ઇચ્છાઓની એકતા. તાજાં જન્મતાં બાળકોનાં રુદનની ક્રિયા પણ એકસરખી જ. આ બધી તો મનની,લાગણીઓની વાતો.પણ બાહ્ય રીતે મનુષ્ય, પશુ, પંખી દરેક ઘણી રીતે અલગ હોવાં છતાં, જીવ માત્રને આંખ,કાન, નાક, હાથ,પગ, હૃદય સૌને મળ્યાં છે. આ બધી અલગતામાં એકતા નથી શું?

    પ્રકૃતિમાં પણ આવા જ એક પ્રકારની harmony છે. ફૂલોના રંગ, રૂપ અલગ પણ સુગંધ ફેલાવવાનું કામ તો એકસરખું  જ. વૃક્ષોના પ્રકાર,આકાર અને ફળો અલગ પણ એનાં પાનનો રંગ તો લીલો જ. પાણીના પ્રવાહ પ્રમાણે એ ઝરણું, તળાવ,નદી કે સાગર તરીકે દેખાય અલગ; પણ એના ગુણ તો એક સરખા જ ને? એ જ રીતે પર્વત, ખીણ, રસ્તા વગેરે ઘણું ઘણું ગણાવી શકાય; અને એ વિષે ખૂબ ઊંડા ઉતરતાં જતાં કેટલું બધું નજર સામે આવીને ઊભું રહે છે?

    આ સંદર્ભમાં એક સરસ પ્રસંગનું મનમાં સંધાન થયું. અહીં જે એકતાની વાત કરી છે તેમાં ઉમેરો કરીએ તો, પશુઓમાં પણ શિસ્ત અને કાળજી રાખવાની ભાવનાનું જોયેલું એ દૃશ્ય ખૂબ અજાયબી પમાડે તેવું હતું. થોડાં વર્ષો પહેલાં અમે પૉર્ટલેન્ડના એક નાનકડા ગામમાં રાત રહ્યાં હતાં. વહેલી સવારમાં ખુલ્લાં ખેતરોમાં ચરતી ગાયોનું ધણ દેખાયું. ગાયોની કડક શિસ્તબદ્ધતા જિંદગીમાં પહેલી વાર, નજર ન ખસેડી શકાય તે રીતે સતત ચાળીસેક મિનિટ સુધી જોવા/માણવા મળી. એમાં એવું હતું કે, લગભગ ૨૦૦થી પણ વધારે ગાયો તેમની નક્કી કરેલ જગાએ, બરાબર દસ-દસનાં ગ્રુપમાં જઈ રહી હતી. સૌથી પ્રથમ એક ગાય, લીડરની જેમ આગળ ચાલે; તેની પાછળ પાછળ દસેક ગાયો ચાલે. થોડે આગળ જઈને પેલી પહેલી ગાય પાછું વળીને ત્રાંસી નજરે જુએ અને ઊભી રહે. જ્યાં સુધી પાછળની બીજી ૧૦ ગાયોની લીડર-ગાય, ચાલવાની શરૂઆત ન કરે ત્યાં સુધી રાહ જુએ. જેવું એ બીજું ગ્રુપ ચાલવાની શરૂઆત કરે તે પછી જ પહેલું ગ્રુપ આગળ ચાલે. એ પ્રમાણે એક પછી એક બધી ગાયોનાં ગ્રુપ્સ અનુસરે. બરાબર એ જ રીતે એ એ ગાયોનાં લગભગ ૨૦-૨૨ જેટલાં ગ્રુપ્સ બને અને બધાં જ ખૂબ વ્યવસ્થિત, હારબંધ અને શિસ્તબદ્ધ રીતે ચાલે. કોઈ મિલિટરીની ટુકડીની જેમ જ. એ જોવાનું એટલું આશ્ચર્યજનક લાગે કે વાત નહિ. પછી એક નાનકડું વાછરડું ઘણે દૂર રહી ગયું હતું; તો છેલ્લાં ગ્રુપની લીડર-ગાય પાછી વળીને વાછરડાને લઈ આવી. વળી ત્યાં સુધી તેનું ગ્રુપ પણ રાહ જોતું ઊભું રહી ગયું હતું! ઓહોહોહો.. અદ્ભૂત દૃશ્ય જોવા મળ્યું. આ તે કેવી સમજણ! કેટલી નૈસર્ગિક ચેતના! ઘડીભર એમ પણ લાગે કે જાણે શિક્ષકો પોતપોતાના વર્ગના વિદ્યાર્થીઓને દોરી જતા ન હોય! તે પછી તો ઈશ્વરની આ લીલા પર, મૂંગા વિશ્વના વિસ્મયો પર વારી જવાયું. મહત્ત્વનો મુદ્દો એ છે કે, માનવી કરતાં અલગ આ પ્રાણીઓમાં/પશુઓમાં પણ કેવી અને કેટલી એકતા! એવા  કંઈ કેટલાયે વિચારો મન પર સવાર થઈ ગયા.

    આ ઉપરથી એમ કહી શકાય કે, સંગીતાના સાત સૂરોને પોતાના અલગ તાર છે, સૂર છે; પણ તેમાંથી નીકળતું સંગીત તો એક જ છે જે જીવનને સભર બનાવી દે છે. સ્વતંત્ર વ્યક્તિત્ત્વ ધરાવતા અને સાથે રહેતા માનવીઓનો સમાજ જો અલગતામાં એકતાની વાત સ્પષ્ટપણે સમજી જાય  તો વિશ્વ આખું સંગીતમય બની જાય, પ્રસન્નતાથી છલકાઈ જાય. જે રીતે અલગ અલગ સંવેદનાના રંગો એક જ કેનવાસના ફલક પર કેવાં સુંદર સુંદર ચિત્રો દોરી શકે છે ! અલગ અલગ અક્ષરો ભેગાં મળી અવનવા શબ્દોનું સર્જન કરે છે અને એ શબ્દોની બનેલ જુદીજુદી પંક્તિઓમાં રહેલ ભાવોની એકતા કેવું કાવ્યસર્જન કરે છે? રંગબેરંગી જાતજાતના ફૂલો ભેગાં મળી એક સુંદર હારમાળા બનાવે છે. અરે, લગ્નની ચોરીમાં બેઠેલ બે અલગ વ્યક્તિઓ પણ ‘હું અને તું’માંથી ‘આપણે’ની એકતા રચે છે. આમ અલગતા એક સ્વતંત્ર બાહ્ય બંધારણ છે અને એકતામાં આંતરિક આભા છે. એટલે કે અલગતા એકત્ત્વની એક સર્જનાત્મક દૄષ્ટિ ઊભી કરે છે.

    શ્રી અબ્દુલ કલામે સાચું જ કહ્યું છે કે, આપણી ભિન્નતા આપણું ગૌરવ છે અને આપણું એકપણું આપણું બળ છે.” અંગ્રેજીમાં પણ કોઈકે આ જ વાત એક સચોટ ઉદાહરણ દ્વારા ટાંકી છે  કે,” Like branches of a tree, we may grow in different directions, yet our roots remain as one.”


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • સમાનતા, સ્વતંત્રતા, ન્યાયનો સમાજવાદી મર્મ

    તવારીખની તેજછાયા

    ભારતમાં સમાજવાદ અને સામ્યવાદ માત્ર રાજકીય વિચારધારા નથી, પરંતુ સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજના લોકશાહી જીવન સુધીના માર્ગદર્શક તત્ત્વો છે.

    પ્રકાશ ન. શાહ

    પુણેના સમાજવાદી મિલનની હવા બંધાતી આવતી હશે અને માર્ક્સવાદી નેતા સીતારામ યેચુરીની વરસી નિમિત્તે ઈતિહાસવિદ ઈરફાન હબીબનું વ્યાખ્યાન સાંભળવાનું બન્યું. બરાબરની લોકશાહી અને ખરાખરીનો સમાજવાદ, અનિવાર્ય છે એ એમના વ્યાખ્યાનનો- સમતા, સ્વતંત્રતા, ન્યાયની ભૂમિકાએ સૂર હતો. પણ લગરીક અચરજ અને સહજ આનંદ સાથે, હબીબની વધુ વિગતોમાં જવાનો લોભ ટાળીને, ખાસ એક વાત અહીં લગભગ અધોરેખિતપણે અંકિત કરવા ઈચ્છું છું તે એ કે એમણે આરંભમાં જ દાદાભાઈ નવરોજીને વિશેષ રૂપે સંભાર્યા, અને એવું જ સ્મરણ રમેશચંદ્ર દત્ત (આર. સી. દત્ત)નુંયે કર્યું.

    આ બંને અભ્યાસીઓએ આપણે ત્યાં બ્રિટન હસ્તકના સાંસ્થાનિક શોષણનું દુર્દૈવ વાસ્તવ જે અભ્યાસયુક્ત ધોરણે રજૂ કર્યું છે એમાં ન્યાયી કહેતાં સમાનતા અને સ્વતંત્રતાએ મંડિત સમાજ માટેની આહ ને ચાહ ભરેલી છે.

    અહીં ગાંધીજી અને ‘હિંદ સ્વરાજ’નેય સંભારી લઉં, જરી? ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે એમણે ચીંધેલાં પુસ્તકોમાં પણ આ બેઉનો ઉલ્લેખ છે. તો, માર્ક્સવાદ, સમાજવાદ, ગાંધીવિચારનાં સ્ત્રોતસ્થાનોમાં કેટલુંક સામ્ય ખસૂસ છે. સ્મરણ એમ તો રસ્કિન કૃત ‘અન ટુ ધ લાસ્ટ’નુંયે ક્યાં નથી થતું? એનો ભાવગ્રાહી ને નામમાં તો કદાચ ક્યાંયે આગળ જતો અનુવાદ ‘સર્વોદય’ ગાંધીનામે ઈતિહાસદર્જ છે.

    આઠ-નવ દાયકા પાછળ જઈને વાત કરું તો બ્રિટિશ પાર્લમેન્ટમાં પહેલી વાર જ્યારે નોંધપાત્ર સંખ્યામાં સમાજવાદીઓ ચૂંટાઈ આવ્યા ત્યારે થયેલા સરવે પ્રમાણે એમના પૈકી ઘણા રસ્કિનને વાંચીને લેબર પાર્ટીમાં જોડાયા હોવાનું માલૂમ પડ્યું હતું.

    સ્રોતસામ્યની જિકર હમણાં કરી. એમાં એક વિલક્ષણ લાગતો મુદ્દો પણ ઉમેરી તો શકાય- અને તે છે નૈતિક પ્રેરણા. સમાજવાદ (સામ્યવાદ)ની માર્ક્સીય અવધારણ ભૌતિકવાદી પ્રતિપાદન પર અવલંબિત છે એ વિગત ખોટી નથી. માર્ક્સે વિષમતા સરજતી ને કાયમ રાખતી પ્રક્રિયાને ધોરણે સામાન્યપણે જેને વૈજ્ઞાનિક સમાજવાદ કહે છે તેની ઊહાપોહભેર માંડણી જરૂર કરી. પણ આ વિષમતા પરત્વે જે અક્ષમ્ય અભિગમ, જે અસહનીયતા માર્ક્સ અને સાથીઓને પક્ષે હશે એમાં એક અમાનવીય સ્થિતિ કેમ બરદાસ્ત કરી શકાય, એવી નૈતિક પ્રેરણાવશ મન્યુ અલબત્ત હોય જ.

    સમાજવાદના માર્ક્સપૂર્વ ચિંતકોને યુરોપિયન- સ્વપ્નિલ, તરંગી, ગુલાબી કહેવામાં આવે છે, પણ શું માર્ક્સ કે શું માર્ક્સપૂર્વ સમાજવાદી ચિંતનની પૂંઠે વિષમતા નિર્મૂલન સારુ નૈતિક પ્રેરણા નહોતી એમ કહી શકાતું નથી.

    આપણે ત્યાં તો સમાજવાદનો ઉદય બહુધા ગાંધીપ્રવેશ પછીની ઘટના છે. એ ખરું કે ગુજરાતમાં ‘ફેબિયન’ સમાજવાદ જેવો પ્રથમ ખયાલ કદાચ અનસૂયા સારાભાઈ એમના લંડનવાસ થકી લઈ આવ્યાં હશે. પણ સમાજવાદી જમાવડો દાંડીકૂચ પછી તરતનાં વરસોમાં નાસિક જેલમાં બદ્ધ તરુણ સ્વાતંત્ર્યસૈનિકોને આભારી હતો. તે પૂર્વે જોકે, તાશ્કંદમાં ભારતીય ક્રાંતિકારીઓનો સામ્યવાદી સંપર્ક પણ બન્યો હતો. અહીં સામ્યવાદનો ઉલ્લેખ થતો રહ્યો છે તો થોડીક વાત એ પણ કરી લઈએ કે લોકશાહી સમાજવાદને પણ માર્ક્સીય ચિંતનનો પાસ જરૂર લાગેલો છે. લેનિન-સ્તાલિનના રૂસમાં જે મોડેલ વિકસ્યું તે પશ્ચિમ યુરોપની લોકશાહી પરંપરાથી વિપરીત હતું. આપણે માર્ક્સની આપણી સમજને રૂસી મોડેલ સાથે ગોટવી દઈએ છીએ તે પણ સામ્યવાદ અંગેના આપણા આકલનને અવળી દિશામાં લઈ જાય છે- કંઈ નહીં તો પણ કુંઠિત તો કરે જ છે.

    એક બીજો પણ પ્રશ્ન છે- આપણા સ્વરાજસંગ્રામમાં સામ્યવાદીઓએ કંઈક કિનારો કર્યો હોય એવોય તબક્કો આવેલો છે. અસહકારના દિવસોમાં કોલેજ છોડી સંગ્રામમાં ઝુકાવનાર જયપ્રકાશ એ દોર પછી અમેરિકા જઈ મહેનત-મજદૂરીનું જીવન જીવી સમાજશાસ્ક્ષના અભ્યાસમાં ઊંચી પાયરીએ પહોંચતે માર્ક્સવાદના રંગે રંગાઈ ગયા હતા.

    સ્વદેશ પાછા ફર્યા ત્યારે એમણે સામ્યવાદી ચળવળમાં જોડાવું પસંદ પણ કર્યું હોત, પણ સ્વારજસંગ્રામ અંગે ત્યારે સામ્યવાદીઓમાં ચોક્કસ આકલનવશ જે અંતર અને દ્વિધાભાવ હતો એ જોયા પછી જયપ્રકાશે ગાંધી અને કોંગ્રેસ સાથે રહેવું પસંદ કર્યું અને આગળ ચાલતાં કોંગ્રેસ સમાજવાદી પક્ષનો સૂત્રપાત કરનારા બન્યા.

    ગાંધીજીએ તરુણ સમાજવાદીઓને સમજવા સારુ મળવા બરક્યા ત્યારે નરેન્દ્ર દેવે એમને બહુ સરસ કહ્યું હતું કે તમે અને કોંગ્રેસ સભાખંડમાંથી સડકો ને શેરીઓમાં પહોંચી એમાં કિસાન કહો, કામદાર કહો, એમની વધુ ને વધુ હિસ્સેદારીને ધોરણે સ્વરાજને સમતાલક્ષી બનાવવાની અમારી ધખના છે. અલબત્ત, તેઓ એ ગાંધી સાથે વાત કરી રહ્યા હતા જેણે ચંપારણના ખેડૂતો ને અમદાવાદના મજૂરોનો મોરચો લડી જાણ્યો હતો.

    સ્વરાજ પછીના સમાજવાદી આંદોલનમાં નેહરુ ને ગાંધીનું ખેંચાણ ઓછેવત્તે અંશે રહ્યું. સામ્યવાદી આંદોલન પણ સ્વરાજના આરંભે સશસ્ત્ર બગાવતના પ્રયોગ પછી સરવાળે લોકશાહી પ્રક્રિયામાં જોડાઈ ગયું છે અને એક તબક્કે, વી. પી. સિંહના વારામાં આપણે જોયું તેમ એક પા સામ્યવાદી પક્ષો તો બીજી પા ભાજપ બેઉનો સરકારને ટેકો હતો.

    આખો આલેખ અલબત્ત ઉતાવળે અને કંઈક આઘોપાછો ચાલે છે. પણ સાર એ છે કે કટોકટીવાદ કે રાજ્ય મૂડીવાદ એ કોઈ ઉગાર નથી. કથિત રાષ્ટ્રવાદ અને સાગરીત મૂડીવાદનું વાસ્તવ આપણી સામે છે. વર્ણ અને વર્ગની સમજ સાથે ન્યાયમૂલક અભિગમ વિના આરો નથી હોવાનો. સંવિધાન પરના ભાર અને સામાજિક ન્યાય માટેની પ્રતિબદ્ધતાનું રાજકારણ જ ધોરણસરના વિકલ્પ ભણી લઈ જઈ શકે. સ્વરાજનાં અમૃતવર્ષોમાં અગાઉના ટૂંકા ગાળાના કટોકટીરાજ અને હાલની અઘોષિત કટોકટી સિવાયની પસંદગી સાદ દે છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪ -૯– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.