વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. કમલેશ લુલ્લા – વિજ્ઞાન અને કલાની યાત્રા [૨]

    આ પહેલાં આપણે ડૉ. કમલેશ લુલ્લાની ‘વિદેશ આગમન પૂર્વેની‘ જીવન યાત્રાથી અવગત થયાં.
    હવે આગળ ……..

    વિદેશ આગમન પછી

    એમએસ. યુનિવર્સિટીમાં પીએચડી પૂર્ણ કર્યા પછી તરત જ, ટૂંકી અભ્યાસી મુલાકાત માટે યુએસએ જવા માટે ફેલોશિપ મળવા માંડી. તે સમયે ઘણી યુનિવર્સિટીઓની મુલાકાત લીધી,અવનવા અનુભવો મળ્યા અને  છેવટે મિડવેસ્ટર્ન યુનિવર્સિટીમાં ફેકલ્ટી પદની ઓફર મળી; તે પદ સ્વીકાર્યું. ૧૯૭૮ની સાલમાં સૌ પ્રથમ ‘ઈકોલોજી’ વિષયમાં સંશોધનના વધુ કામ અંગેની પ્રવૃત્તિ શરૂ કરી. વેસ્ટ વર્જિનીઆ યુનિ.માં માત્ર ૬ જ મહિના જેવા ટૂંકા ગાળામાં એ કામ પૂરું કર્યા પછી તરત જ Indiana State Universityમાં મુલાકાતી પ્રોફેસર તરીકે ‘જૉબ ઑફર’ મળી. તે સમયે સંશોધન પ્રવૃત્તિઓ દરમિયાન, પ્રોફેસર પોલ મૌસેલને મળવાનું બન્યું. તેઓ અવકાશ ‘રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી’માં સંશોધન કરી રહ્યા હતા. પ્રોફેસર મૌસેલે અવકાશ વિજ્ઞાનમાં મારા રસ અને રુચિને  ઓળખ્યાં, પોષ્યાં, મૂલવ્યાં અને બીજી પીએચડી. ડીગ્રી માટે માર્ગદર્શક બનવાની ઓફર કરી.

    આમ, પેલું અતિશય મનવાંછિત કામ શરૂ થયું અને તે Space Research Work. જાણે અંદરના સ્વપ્નાની પાંખો સળવળી ઊઠી. એ વિષયમાં પીએચડી. કરવાની ઇચ્છા જાગૃત થઈ. તેથી સ્પેસ રિમોટ સેન્સિંગમાં બીજી પીએચડી ડિગ્રી પૂર્ણ કરી અને યુનિવર્સિટીમાં ભણાવવાનું ચાલુ રાખ્યું.

    બીજી તરફ હજી દેશમાં એમએસ. યુનિવર્સિટીની જૉબ તો ચાલુ હતી. તેથી an international research center તરફથી મળેલ ‘ઓફર’ના કામ માટે રજા મૂકીને, માત્ર ટૂંકા ગાળા માટે જ અમેરિકા આવ્યો હોઈ, ભારત પાછા જઈ, યુનિ.ની ચાલુ જૉબમાં રાજીનામુ આપ્યું, પરિવારને પ્રેમથી મળ્યો. મળેલી સુંદર તકની વાત કરી. સૌના આનંદ અને સંમતિ સાથે એ જ વર્ષના ડિસેમ્બર મહિનામાં અમેરિકા પાછા ફર્યો..

    પોતે જ્યાં જન્મ્યા હોઈએ, આર્થિક સંકડામણો વચ્ચે ઉછર્યા હોઈએ તે કુટુંબને, જ્યાં શિક્ષણ લીધું તે શહેરને અને પોતાની માતૃભૂમિને છોડવાનું જરાયે સહેલું ન હતું. પણ સૌથી વધુ કપરું બન્યું માતાને છોડવાનું. વડોદરામાં પીએચડી.ના અભ્યાસકાળ દરમ્યાન, જ્યારે સવારે કૉલેજ, બપોરે નોકરી અને સાંજે સંશોધનના કામ પછી મોડી રાત્રે લેબોરેટરીમાંથી ઘેર આવતો; ત્યારે માતા ગરમ ગરમ જમવાનું પીરસતાં. ઘડિયાળ સામે જોયા વગર, ગમે તેટલા વાગ્યા હોય પણ લાગણીસભર ચહેરે જમાડતાં. માતાના એ પ્રેમથી અળગા થવાની વેળા અસહ્ય હતી, ઘણી જ કપરી હતી પરંતુ જીવનની એક નવી દિશા કંડારવાના સ્વપ્નને ફળીભૂત કરવા માટે તે બધું જ છોડીને, મન મજબૂત રાખી અમેરિકા આવ્યો.

    ૧૯૮૩માં સંશોધન કાર્ય પૂરું કરી, પીએચડીની બીજી પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ૧૯૮૩થી ૧૯૮૮ સુધી Indianaની સ્ટેઈટ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી. ૧૯૮૩નું વર્ષ મારા માટે સોનેરી અને નસીબવંતુ બની ગયું. કારણ કે, એ જ વર્ષમાં મુલાકાત થઈ; તે જ કોલેજના પ્રોફેસર મીસ મેરીએન મર્સીડીઆ સાથે; જ્યાંથી જિંદગીનું એક નવું  ઉજ્જવળ પાનું ઉઘડયું.

    મેં અનુભવ્યું કે, મીસ મેરી તેજસ્વી વ્યક્તિ છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, વિવેકી છે અને સાવ જ સાદગીમાં માને છે. મેકઅપ વગેરે જરાયે કરતાં નથી. વળી તે ભારતીય સંસ્કૃતિને માનથી જુએ છે. તે સમયે ત્યાં જે કોઈ થોડા ઘણા બેંગોલી, ગુજરાતી અને અન્ય ભારતીય મિત્રો હતા તેમની સલાહ હતી કે, “વિદેશી છોકરી સાથે લગ્ન ન કરવા. એ લોકો આપણા જેવાં ન હોય. ફટાક દઈને છૂટાં થઈ જાય”. વડોદરામાં રહેતા સગાંસંબંધીઓની પણ એજ સલાહ હતી. પણ પરિવારમાં ભાઈઓનો કે માતાનો વિરોધ ન હતો. ઊલટાંનું માતાએ તો કહ્યું હતું કે “બેટા, રૂપાળીને પરણજે. તને સુખી કરે તેવું તને ચોક્કસ લાગે, તો તારો નિર્ણય મને ગમશે જ.” આમ, સામાજિક અને કૌટુંબિક વિચારધારાઓ વિરોધાભાસથી વહેતી જણાઈ! છેવટે મેં મારા આત્માના અવાજ મુજબ મીસ મેરી સાથે ૧૯૮૩માં લગ્ન કર્યા અને ત્યારથી તેણી બન્યાં ડો. મિસીસ મેરીએન લુલ્લા. તેમને ભારત લઈ જઈ કુટુંબીજનો સાથે મુલાકાત કરાવી. સંપૂર્ણ ભારતીય પોશાક ( પંજાબી સલવાર-કમીઝ, ગુજરાતી સાડી વગેરે) પહેરી મિસીસ મેરી આનંદપૂર્વક સૌને મળ્યાં, અને આજની તારીખ સુધી અમારું દાંપત્યજીવન સુખપૂર્વક ચાલી રહ્યું છે. હા, પેલા સલાહ દેતા મિત્રોની ભારતીય પત્નીઓ તેમને છોડીને ચાલી ગઈ છે તેવું એક-બે કેસમાં બન્યું છે!!!

    અમારા બંને સંતાનો પોતપોતાના ક્ષેત્રેમાં સ્થાયી થયાં છે. દિકરો ડોક્ટર છે અને હાલ ઍરિઝોનામાં V.A. (Veterns Administration) હોસ્પીટલમાં સેવાકાર્યમાં પ્રવૃત્ત છે અને દીકરી Criminal Justice of Lawમાં Ph.D માટે સંશોધનની પ્રવૃત્તિમાં કાર્યરત છે.

    આ જીવનગાથાનું આગળનું મુખ્ય પ્રકરણ હવે શરૂ થાય છે હ્યુસ્ટનના નાસા સેન્ટરમાં પ્રવેશથી. તે પહેલાં એક નાનકડા સંઘર્ષની વાત.

    ૧૯૭૯-૧૯૮૧ના સમયમાં જ્યારે હું ઇંડિયાના સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો તે અરસામાં  Iran hostage crisis ચાલી રહી હતી. તે સમયે ૫૦૦ થી વધુ ઈરાનીઓએ યુએસ ઍમ્બૅસી પર હુમલો કર્યો અને ૬૬ અમેરિકન ઍમ્બૅસીના કર્મચારીઓને પકડી લીધા. આ કટોકટી, રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટર હેઠળ શરૂ થઈ હતી અને ૪૪૪ દિવસ સુધી ચાલી હતી. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક અમેરિકન પ્રજામાં ‘ઈમિગ્રન્ટ’ વિરોધી લાગણીઓ પેદા થઈ હતી. ઇન્ડિયાના સ્ટેટ યુનિવર્સિટી એક નાના રૂઢિચુસ્ત શહેરમાં છે. એટલે ત્યાંના સ્થાનિક અમેરિકનો પૂર્વના દેશોના વસાહતીઓથી ખૂબ નારાજ હતા.

    આ ઘટના જાન્યુઆરી ૧૯૮૦માં બની હતી. યુનિવર્સિટીના કેમ્પસમાં એક દિવસ બપોરના સમયે હું એક બિલ્ડીંગથી બીજા બિલ્ડીંગમાં જવા માટે ચાલતો હતો., રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક વાન મારી નજીક આવીને ઊભી રહી. તેમાં ઓછામાં ઓછા ૫-૬ ગોરા અમેરિકન યુવકો હતા. તેઓએ તેમની બારીઓ નીચે ફેરવી અને ખૂબ જ જોરજોરથી ગમે તેમ બોલવા લાગ્યા. કેટલાક અપમાનજનક શબ્દો અને પછી “ઈરાનીઓ અને સાઉદીઓ ઘરે જાઓ” બૂમો પાડવા માંડ્યા! આ યુવાન અમેરિકનોને ઈરાનીઓ અને ભારતીયો વચ્ચેનો ફરક પરખાતો જ ન હતો. તેથી જાણી શક્યા નહિ કે આ વ્યક્તિ ઈરાની નથી, પણ ભારતીય છે. મને ડર લાગ્યો કે તેઓ શારીરિક હુમલો કરશે અથવા બીજી કોઈ હાનિ પહોંચાડશે. મને ક્યારેય આટલો ડર લાગ્યો નથી પણ હું વાનમાં આ માણસો તરફ ન જોવાનો પ્રયત્ન કરતો ચાલતો રહ્યો. “ઈરાનીઓ અને સાઉદીઓ ઘરે જાઓ” એવી બૂમો પાડ્યા પછી થોડી મિનિટો સુધી વાન આગળ વધી. હું જાણું છું કે અમેરિકનો ઈરાની કટોકટીથી ખૂબ જ નારાજ હતા, પરંતુ મને ખ્યાલ ન હતો કે ઘણા અમેરિકનો ભારતીય, ઈરાની અથવા સાઉદી ઈમિગ્રન્ટ્સ વચ્ચેનો તફાવત જાણી શક્તા ન હતા.

    પછી જ્યારે આ હકીકતની વાત યુનિવર્સિટીના કેટલાક મિત્રો અને સહકાર્યકરોને સંભળાવી ત્યારે તે સૌને ખૂબ દુઃખ લાગ્યું કે, તેમના શહેરમાં આવું બન્યું. તેઓએ સંપૂર્ણપણે,આત્મીય ભાવે સહાનુભૂતિ દર્શાવી અને મદદની ઓફર પણ કરી. મને, ત્યારે સમજાયું કે એકંદરે અમેરિકનો સારા અને મૈત્રીપૂર્ણ લોકો છે. ભલે એક અમેરિકન કે જેણે મારું અપમાન કર્યું હશે, ત્યાં દસ અમેરિકનો હતા જેમણે મને ટેકો આપ્યો અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો.


    ક્રમશઃ

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૬

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    ગ્લોબલ વૉર્મિંગની અસર

    પરેશ ૨. વૈદ્ય

    પણે જોયું કે વાતાવરણની બધી ઘટનાઓમાં પવન મુખ્ય ભાગીદાર છે; અને પવનની ગતિ કે દિશા ઉષ્ણતામાન પર આધાર રાખે છે. એટલે વૈશ્વિક ઉષ્મન્ (ગ્લોબલ વૉર્મિંગ )ની અસર ચોમાસાની ઘટનાઓ ઉપર પડે તે સ્વાભાવિક છે. છેલ્લાં અમુક વરસોથી ઋતુઓ, વાતાવરણ અને ચોમાસાં બાબત એવા ઘણા પ્રસંગ બન્યા છે જે અભૂતપૂર્વ હોય. ઉત્તર ભારતમાં વધારે પડતી વીજળી પડે, મુંબઈમાં એક સ્થળે એકી વખતે સેંકડો સેન્ટીમીટર વરસાદ પડી જાય કે ન્યૂયોર્કમાં વિક્રમ સ્થાપતો બરફ પડે – એ બધાંનો સંબંધ નિષ્ણાતો વૈશ્વિક ઉષ્મન્ સાથે જોડે છે. આ પ્રસંગો તો ધ્યાન ખેંચનારા હતા પરંતુ આ મોટાંમસ વાતાવરણમાં હળવે હળવે પણ કશું બનતું જ રહેતું હોય છે, જેના સરવાળાથી લાંબે ગાળે કેટલાંય આશ્ચર્યકારક પરિણામ જોવા મળે. એ સંભાવનાઓનો ક્યાસ કાઢવા પહેલાં સંક્ષેપમાં ગ્લોબલ વૉર્મિંગની વાતને સમજી લઈએ.

    વૈશ્વિક ઉષ્મન્ કેમ ?:

    આપણી પૃથ્વી દૂરના કોઈ પણ ગ્રહ તરફ જઈ રહેલાં અવકાશયાન જેવી છે. તેમાં બહારથી સૂર્યપ્રકાશ સિવાય કશું જ આવતું નથી કે બહાર જતું નથી. ખોરાક-પાણી જે સંસાધનો લઈને નીકળ્યા હો તેમાંથી જ નીભાવવાનાં હોય છે. સૂર્યપ્રકાશની ઊર્જામાંથી મોટો ભાગ ઉષ્ણતારૃપે હોય છે. જેટલી ગરમી આવે છે તે બધી અહીં રહી જતી નથી. અમુક હિસ્સો ઉપરનાં વાતાવરણ સુધી આવી પાછો જાય છે, તો અમુકને વાદળાં પરાવર્તિત કરે છે. નીચેનું વાતાવરણ થોડી ઉષ્મા શોષે છે અને જે ધરતી સુધી આવે તે તેને ગરમ કરે છે. ધરતી ઠંડી પડે ત્યારે પાછી એ ઉષ્માને અવકાશ તરફ મોકલી આપે છે.

    ગ્રીનહાઉસ વાયુઓ :

    પાછી મોકલાતી ગરમી વાતાવરણની આરપાર થઈ અવકાશમાં જવી જોઈએ. પરંતુ કેટલાક વાયુઓ આ વળતાં મોજાંઓને વાતાવરણની આરપાર જવા નથી દેતા. તેને રોકે છે અને તેથી વાતાવરણ ગરમ થાય છે. આવા વાયુઓમાં મુખ્ય તો પાણીની વરાળ છે. એ તો પરાપૂર્વથી હાજર જ છે. આથી જ પૃથ્વીનું સરેરાશ ઉષ્ણતામાન શૂન્યની નીચે ૧૫0 સેલ્શિયસમાંથી વધી વધીને ૧૬સેલ્શિયસ સુધી આવી અટક્યું છે. આ પરિસ્થિતિ તો સમતોલનની હતી, પરંતુ માણસના આવ્યા પછી જે વાયુઓ નવા ઉમેરાયા તેને કારણે જરૂર કરતાં વધારે ઉષ્મા પૃથ્વી પર રોકાઈ રહી છે.

    કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, નાઈટ્રોજનના ઑક્સાઈડ, સલ્ફરના ફ્લોરાઈડ, ક્લોરોફૉર્મ, રેફ્રીજરેટરમાં વપરાતો ફ્રેયોન – એવું પંદરેક વાયુઓનું લિસ્ટ છે જે ભાગતી ગરમીને શોષીને પૃથ્વીનું ઉષ્ણતામાન વધારી રહ્યા છે. સૌથી અગત્યનો વાયુ કાર્બન ડાયોક્સાઈડ છે કારણ કે તે ઊર્જાના વપરાશ જોડે સંકળાયેલો છે અને તેથી વસતી વધારા અને જીવનધોરણ સાથે વધતો જ રહે છે. બસ્સો વર્ષ પહેલા તેનું પ્રમાણ હવાના દર લાખ ભાગે ૨૮ ભાગ જેટલું હતું (એટલે દશ લાખે ૨૮૦. તેને 280 ppm – parts per million કહે છે) તે હવે 470 ppm થઈ ગયું છે. તેનાં પરિણામોની ચર્ચા તો માધ્યમોમાં થઈ જ રહી છે. આપણે અહીં માત્ર ચોમાસાં અને વરસાદના સંદર્ભે તેની અસરની જ વાત કરીશું.

    દેખાઈ રહેલી અસરો :

    વૈશ્વિક ઉષ્મનની અસરોનું બીજું નામ જ ‘Climate Change’ (આબોહવામાં ફેરફારો) એવું છે, એટલે વાતાવરણ પર અસર કરશે તે તો અપેક્ષિત હતું. તે પરથી એ પણ વિચારી શકાય કે ચોમાસાં પર અસર થશે; પરંતુ ચોક્કસપણે એ અસર શું હશે તે ઠરાવવા માટે કોઈ ગણિતનું સૂત્ર કે થિયરી ન હતાં. જે અસરો પ્રત્યક્ષ દેખાય તેને સમજાવવા પ્રયત્ન કરી શકાય. આમ છતાં બે બાબતે વૈજ્ઞાનિકો એકમત હતા. તે એ કે આત્યંતિક ઘટનાઓ (પૂર, દુકાળ, વાવાઝોડાં) વધશે. આજ સુધી ન બન્યું હોય તેવું બનશે. આપણા દેશમાં વરસાદની પ્રદેશો વચ્ચેની વહેંચણીમાં ફેરફાર થશે.

    આ દિશામાં જે સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેની વાત કરીએ.

    ૧.      આત્યંતિક ઘટનાઓ ધાર્યા કરતાં વહેલી જ શરૂ થઈ ગઈ છે. સરેરાશ ઉષ્ણતામાન હજુ ૧ સે. જ વધ્યું છે ત્યાં જ હવામાન અસાધારણ દેખાય છે. યુરોપમાં દર વરસે આપણે ત્યાં આવે તેવાં પૂર આવવા લાગ્યાં છે અને ઉષ્ણતામાન ૪૦ સે.સે. જેટલું ઊંચું પહોંચ્યું છે. ૨૦૨૧ જુનમાં કેનેડામાં ૪૯.૬ અંશ સે ઉષ્ણતામાન પહોચ્યું અને ૭૦૦ મૃત્યુ થયાં. ભારતમાં પણ ૫૦ સે.થી ઉપર ઉષ્ણતામાન કદી ગયું ન હતું, પરંતુ ગયા વર્ષે રાજસ્થાનનાં ચૂરૂમાં ૫૧.૮ સે.નો વિક્રમ થયો છે.

            વરસાદ બાબત પણ ઇતિહાસ બનવા લાગ્યો છે. ૨૬ જુલાઈ ૨૦૦૫માં માત્ર સાંતાક્રુઝમાં જ એક દિવસમાં ૮૦-૯૦ ઈંચ વરસાદ થયો. એક જ રાજ્યમાં અમુક તાલુકાઓમાં આખી ઋતુમાં વરસાદ જ ન પડે અને બીજા વિસ્તારોમાં  સામાન્ય હોય તેવું ય હવે બને છે. CEEW નામની સંસ્થાએ આવી ઘટનાઓ પર નજર રાખી છે. ૧૯૭૦ થી ૨૦૦૫નાં ૩૫ વર્ષમાં ભારતમાં ૨૫૦ આત્યંતિક ઘટનાઓ બની; પણ તે પછીનાં ૧૫ વર્ષમાં જ ૩૧૦ ઘટના થઈ ચૂકી છે!

            અગાઉ વરસમાં ત્રણ જગ્યાએ પૂર આવતાં, હવે અગિયાર જગ્યાએ આવે છે. પહેલાં ૧૯ જિલ્લા સરેરાશ આવી ઘટનાઓથી પ્રભાવિત હતા, હવે ૫૫ છે ! વીજળી પડવા વિષે તો આપણે એનાં પ્રકરણમાં જોઈ જ ગયાં.

    ૨.      વિશ્વ સ્તરે ગ્લોબલ વૉર્મિંગ પર અભ્યાસ કરનારી સંસ્થા ‘ઈન્ટર ગવર્નમેન્ટ પૅનલ ઑન ક્લાઈમેટ ચેન્જ’ (IPCC)એ તેના ચોથા અહેવાલમાં કહ્યું છે કે જગતના સૂકા વિસ્તાર વધુ સૂકા થશે અને જ્યાં વરસાદ વધુ છે ત્યાં વધશે. જો કે ભારતમાં આનાથી ઉલટું બની રહ્યું છે. કચ્છ-રાજસ્થાનમાં વરસાદ વધ્યો છે અને ઈશાન રાજ્યોમાં ઘટ્યો છે. પણ આગળ શું થશે તે કહી ન શકાય. અત્યારે જ ગુજરાત સબડિવીઝનમાં સરેરાશ ૧૫ મિ.મી. વરસાદ ઘટયો છે. આ અભ્યાસની વધુ વિગતો સાથેનાં ચોકઠામાં આપી છે.

    ૩.      વરસાદની વધ-ઘટ તો ખેડૂતો માટે એક સમસ્યા હતી જ તેમાં હવે ચોમાસાંનાં ટાઈમટેબલની અનિશ્ચિતતા ઉમેરાણી છે. કુદરતનું કેલેન્ડર હતું કે કેરળમાં પહેલી જૂને ચોમાસું બેસે; તેમાં બે ત્રણ દિવસનો ફરક પડી શકે. મુંબઈમાં ૧૦ જૂને દસકાઓ સુધી આ તારીખો પળાતી આપણે જોઈ છે. પરંતુ છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી આ તંત્ર ખોરવાયું છે. કેરળમાં અમુક વાર મે મહિનાની ૨૫ તારીખે ચોમાસું બેઠું છે તો ક્યારેક છઠ્ઠી જૂને. મુંબઈમાં એક વરસાદ થઈ, પછી જુલાઈ સુધી વરસાદ જ ન થાય તેવું ય બન્યું છે. આ તો ઉદાહરણો છે. આખા દેશના દરેક પ્રદેશને પોતપોતાનું ટાઈમટેબલ છે. વરસાદની ખાતરી ન હોય તો ખેડૂત મોંઘા ભાવનું બિયારણ નાંખે શા માટે? ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ખૂબ મોડાં ચોમાસાને કારણે મગની વાવણી થઈ જ ન શકી અને તેલીબિયાં થોડાં જ થયાં.

                    આથી ઉલટું, ક્યારેક ચોમાસું પૂરું થવાનું નામ નથી લેતું ત્યારે પણ ખેડૂત પરેશાન થાય છે. લણવાને તૈયાર ડૂંડા ભીંજાય અથવા લણેલો પાક ખળામાં આવે પછી વરસાદ થાય તો અસહાયતા અનુભવાય છે. ગ્લોબલ વૉર્મિંગ આવી અનિશ્ચિતતાઓ હજુ વધારશે. પ્રશ્ન માત્ર ખેડૂતની આવકનો નહીં, માણસજાતની અન્ન સુરક્ષાનો છે. એક પ્રદેશમાં પાક નિષ્ફળ જાય તો બીજા પ્રદેશમાંથી આવે. પરંતુ આખા દેશમાં પાક બગડે તો આયાત કરવી પડે. આપણા ઉપયોગની દરેક વસ્તુ વિશ્વનાં બજારમાં નથી મળતી. વિચાર એ પણ કરવો પડે કે આખા વિશ્વમાં હવામાન બદલાશે ત્યારે આયાત કરવા માટે અનાજ મળશે કે કેમ.

    ૪.      આપણે જોયું હતું કે વાવાઝોડાં ઉત્પન્ન થવાનાં કારણોમાં મુખ્ય ઘટક સમુદ્રની સપાટી પરનાં પાણીનું ઉષ્ણતામાન છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે એ ક્રમશઃ વધતું જાય છે અને તેથી વાવાઝોડાંની શક્યતા પણ વધતી જાય છે. દેશના પૂર્વ અને પશ્ચિમ તરફ સમુદ્રોમાં સરેરાશ વરસે બે-ત્રણ તોફાન આવતાં તે વધીને છ-સાત થઈ જ ગયાં છે. એ હજુ વધવાની સંભાવના છે. તેનાથી થતું જાન અને માલમત્તાનું નુકશાન ચિંતાજનક છે. કેટલીક વાર વાવાઝોડા ડિસેમ્બરમાં આવી પાક પણ બગાડી જાય છે.

    ૫.      અમુક અભ્યાસુઓએ ચિંતાની બીજી વાત કહી છે. આપણું ચોમાસું દેશની ધરતી અને સમુદ્રનાં ઉષ્ણતામાન વચ્ચેના તફાવતના કારણે આવે છે. જો સમુદ્રનું ઉષ્ણતામાન વધતું જાય તો તફાવત ઘટતો જાય. આમ ચોમાસાનું જોર ઘટતું જશે. તુરત નહીં પરંતુ દૂરનાં ભવિષ્યમાં ચોમાસાની પ્રક્રિયા જ અનિશ્ચિત થઈ જાય તો શું થાય તેની કલ્પના આપણા દેશ માટે ભયજનક છે.

    ૬.      આપણી ઋતુઓ ઉપર અલ-નીનોની અસર તો સમજાવા લાગી છે. દર ત્રણ-ચાર વરસે તેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ થાય છે અને આપણે તેને સહન કરીએ છીએ. પરંતુ ઉષ્મનના  કારણે અલ-નીનો વધુ વાર આવે તેની શક્યતા છે. તો ચોમાસાંના વરસાદની માત્રા અને સમયપત્રકમાં ફેરબદલ થઈ શકે. આનાં સામાજિક પરિણામો પણ હશે.

    ગ્લોબલ વૉર્મિંગની અસર તો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી વિશ્વમાં બધે જ થઈ રહી છે પરંતુ ચોમાસાંની પ્રક્રિયા પર થનારી અસર માત્ર આપણી સમસ્યા છે. ખેતીપ્રધાન દેશ હોવાને કારણે અર્થવ્યવસ્થા ઉપર તો અસર ખરી જ, પણ પાણીની પ્રાપ્યતા પર સવા અબજ લોકોનાં જીવન ટક્યાં છે. એટલે ગ્લોબલ વૉર્મિંગ વિરુદ્ધનાં પગલાં બીજા દેશો કરતાં વધારે ઉત્સાહથી આપણે ઉપાડવાનાં છે. તેમાં ઊર્જાની બચત સૌથી મોખરે આવે. એ કામ સરકારો નહીં પરંતુ નાગરિકોએ કરવાનું છે. એ બાબતે જાગૃત થઈએ અને બીજાંને જાગૃત કરીએ.

     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગાંધીજી(૧૮૬૯-૧૯૪૮) તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વાર કચ્છ ગયા હતા. એકવીસમી ઓકટોબર ૧૯૨૫થી ચોથી નવેમ્બર ૧૯૨૫ની બે અઠવાડિયાની તેમની દીર્ઘ કચ્છયાત્રાનું આ શતાબ્દી વરસ છે. ગાંધીજીએ ‘ કચ્છ કોઈ દિવસ જોયું નહોતું અને તે જોવાની ઈચ્છા’  હંમેશા રહેલી. વળી સતત ભારતભ્રમણથી તેમનું શરીર નબળુ પડી ગયું હતુ. કચ્છયાત્રાના આયોજકોએ તેમનો પ્રવાસ ‘ ઘોંઘાટરહિત તથા આરામભર્યો બનાવવાનું’ વચન આપ્યું હતું તે આ પ્રવાસનું એક બાહ્ય પ્રયોજન હતું. ૧૯૨૫ અને ૧૯૨૭ના બે વરસોનો ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો અને સમાજિક સુધારા માટે સવિશેષ ઉપયોગ કર્યો હતો. એટલે કચ્છયાત્રાના વાસ્તવિક ઉદ્દેશો- દેશબંધુ રેંટિયા સ્મારક માટે દાન મેળવવું, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, સ્વચ્છતા, ગોસેવા, વૃક્ષારોપણ અને જતન ઉપરાંત પ્રજાજીવનમાં રાષ્ટ્રીય પ્રવૃતિ માટે નવચેતન આણવું તથા રાજતંત્રને સજાગ કરવું – વગેરે હતા.

    ૧૯૨૫ના વરસમાં કચ્છમાં દેશી રજવાડાની રાજવટ હતી. મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા કચ્છનરેશ હતા.તેમના તંત્ર અંગે પ્રજાએ ગાંધીજીને ઘણી ફરિયાદો કરી હતી.એટલે ગાંધીજીએ તેમના પ્રવાસમાં ફેરફાર કરીને મહારાવ રાજમાં હોય ત્યારે કચ્છ જવાનું ગોઠવ્યું હતું. કચ્છના શ્રેષ્ઠીઓ અને આગેવાનોએ મળીને પ્રવાસ ગોઠવ્યો હતો પણ ઔપચારિક રીતે ગાંધીજી કચ્છના રાજાના મહેમાન હતા અને રાજ્યે પણ તેમની સગવડો સારી પેઠે સાચવી હતી. રાજાએ ખુદની મોટર ગાંધીજીને પ્રવાસ માટે આપી હતી. બધા રસ્તા મોટર ચાલી શકે એવા નહોતા એટલે બળદગાડા, ચાડીકા, પાલખી, રેંકડો, મિયાનો, મછવો વગેરેનો ઉપયોગ કરવો પડ્યો હતો.રજવાડાએ રાજધાની ભુજમાં ગાંધીજીનો ઉતારો સંસ્કૃત પાઠશાળામાં રાખ્યો હતો. ગાંધીજીના સહયાત્રીઓમાં સરદાર પટેલ, મહાદેવભાઈ દેસાઈ , મુંબઈના સ્થાનિક યજમાનો અને બીજા થોડા લોકો હતા.

    મહાદેવભાઈની ડાયરી, ગાંધીજીનો અક્ષરદેહ અને કચ્છ યાત્રા વિશેના બીજા લખાણોનું સંપાદન ” કચ્છમાં ગાંધીજી” (સંપાદક- રમેશ સંઘવી) માં ગાંધીજીની કચ્છયાત્રાના વર્ણનો અને મૂલ્યાંકન વાંચવા મળે છે. યાત્રા પૂર્વે ગાંધીજીએ કચ્છવાસીઓ પાસે “અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા” રાખી હતી.(નવજીવન, તા.૨૩.૦૮.૧૯૨૫)આ સંદર્ભમાં તેમની યાત્રાનું શતાબ્દી સ્મરણ કરવા જેવું છે.

    ગાંધીજી અને સહયાત્રીઓ મુંબઈથી આગબોટમાં માંડવી આવ્યા હતા. એ સમયનું માંડવી મહાદેવભાઈના શબ્દોમાં ‘ભૂંડાભૂખ’ જેવું તો કચ્છ ઝાડ કે કશી છાયા વિનાનું,પરદેશથી કમાઈને વર્ષમાં એકાદ મહિનો આવતા ધનિકોના દૂરથી દેખાતાં ઊંચા મકાનોનું  અને સૂકા ધૂળવાળા રસ્તાનું હતું.

    ગાંધીજીની પહેલી જાહેર સભા ભુજની નાગરોની વાડીમાં હતી. સભાસ્થળે અંત્યજોને આવવા તો દીધા હતા પણ ” ગાંધીજીની  બેઠકની પાછળ એક ખૂણામાં  દોરડાથી બાંધી લીધેલા એક ખંડમાં’ તેમને બેસાડ્યા હતા. આ જોઈને ગાંધીજી વ્યથિત થયા. તેમના ભાષણમાં તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું” મને બોલાવી અંત્યજોનો અનાદર કરવો, એ તો મારો સખત અનાદર છે. હું અસ્પૃશ્યતાને ભારેમાં ભારે કલંક માનું છું. અંત્યજને પ્રાણસમા માનું છું. જ્યાં અંત્યજોનો તિરસ્કાર થતો હોય ત્યાં હું ઊભો ન રહી શકું.” આખરે સભામાં હાજર લોકોનો આભડછેટમાં માનતા અને ના માનતા એવા બે બાબતે હાથ ઉંચા કરાવીને ગાંધીજીએ મત લીધા અને પરિણામ? ગાંધીજીના શબ્દોમાં ” સભાનો વધારે ભાગ ઈચ્છે છે કે અંત્યજોએ એમની આગળ કરેલી વાડ ન ટપવી જોઈએ”  એટલે ગાંધીજીએ પોતાનું સ્થાન અંત્યજોને જ્યાં જુદા બેસાડ્યા હતા તેમની વચ્ચે લીધું અને બાકીનું ભાષણ પૂરું કર્યું.

    ગાંધીજીની કચ્છની બાકીની સભાઓમાં આભડછેટમાં નહીં માનનારા બિનદલિતો સાથે દલિતો અને આભડછેટમાં માનનારા એવી જુદી બેઠક વ્યવસ્થા થતી હતી. કોટડા(રોહા)માં અંત્યજ શાળાની પાયા વિધિ ગાંધીજીના હાથે થઈ હતી. પરંતુ કોટડાની અંત્યજ શાળા એ રીતે નોખી-અનોખી થવાની હતી કે કોઈપણ અંત્યજેતર, શિક્ષક સુધ્ધાં, અંત્યજ બાળકને અડવાના નહોતા.અંત્યજ શાળાના ખાતમુર્હતમાં અંત્યજને આવવા દીધા નહોતા! સરદાર પટેલની સમજાવટથી આભડછેટમુક્ત શાળા થશેનું વચન લઈને ગાંધીજીએ શાળાનો પાયો નાંખ્યો પરંતુ  દલિત બાળકો માટેની તે શાળા કદી બની નહીં.૧૯૬૯ના ગાંધી જન્મશતાબ્દી વરસે ગાંધીજીની કચ્છયાત્રાના સ્થળોની રિવિઝીટ કરીને નારણદાસ ઠક્કરે લખ્યું હતું કે, ” ગાંધીજીના હાથે થયેલું શીલારોપણ  ફોક ગયું છે. કચ્છની પ્રજા માટે આ બાબત પ્રાયશ્ચિતના નિમિત્ત રૂપ છે.”

    માંડવીમાં તો ગાંધીજી માટે ઉતારો અને સભાસ્થળ માંડમાંડ મળી શક્યું. જે એંસી વરસના શ્રીમંત સાધુએ સભા માટે પોતાની જગ્યા આપી હતી તેમને આયોજકોએ સભામાં દાખલ થવાના બે દરવાજા કે બે રસ્તા –એક અંત્યંજો માટે અને બીજો અંત્યજેતર માટે હશે – એવી શરતે મનાવ્યા હતા. દલિતો માટે સભાસ્થળે પ્રવેશવાનો દરવાજો  શહેરની દીવાલ અને બ્રહ્મપુરી(સભાસ્થળ)ની દીવાલ વચ્ચેની શાશ્વત શૌચસ્થાન તરીકે વપરાતી ગલી હતી. ગાંધીજીને આ  વાતની ખબર પડતાં ગાંધીજી અને તેમની સાથેના મહેમાનો દલિતો માટેના શૌચગલીના અતિ ગંદા રસ્તે જ સભામાં દાખલ થયા. આ વાતે સભાસ્થળના માલિક સાધુ નારાજ થઈને સભાસ્થળ તો છોડી ગયા. તેમની બ્રહ્મપુરી અભડાઈ ગઈ એટલે તેમના માણસોએ દલિતો પર લાઠીઓ વરસાવી. આખરે ગાંધીજીને સભા બરખાસ્ત કરવી પડી. બીજે દિવસે બહાર મેદાનમાં સભા કરવાનું જાહેર કર્યુ. આ સભામાં એક તરફ દલિતો અને બીજી તરફ બાકીના અને બંને વાડાથી અલગ ગાંધીજીનો માંચડો એવી વ્યવસ્થા થઈ હતી. ગાંધીજીને જે માનપત્ર અપાયું તેમાં ‘ અસ્પ્રુશ્યતાનો અઘરો કોયડો અમે સમજ્યા નથી’  એમ લખ્યું હતું. સન્માન પત્ર પ્રમુખે ધ્રૂજતે હાથે ગાંધીજીના હાથમાં ઉપરથી નાંખ્યું હતું.

    માંડવીથી મુન્દ્રાના રસ્તે ભુજપુરમાં સવારે સભા હતી.યુવાનો તે માટે ઉત્સાહી હતા પરંતુ ‘ વડીલોને સભામાં અસ્પૃશ્યો આવે તે માન્ય નહોતું’  અને ‘ અસ્પૃશ્યોના સગા ભાઈ કહેવાતા ગાંધીજીને સન્માનપત્ર પણ આપવું નહોતું’  .એટલે ગાંધીજી સભાસ્થળે આવીને બેસી ગયા પણ કોઈ આવ્યું નહીં. આખરે દલિત વસ્તીમાં સભા થઈ હતી. મુન્દ્રાની સભામાં પણ દલિતોનો જુદો વાડો હતો અને તેમાં સભાના યોજકો સહિત ગામના એકેય બિનદલિત તો નહોતા જ દલિતો માટેની શાળાના શિક્ષક અને મુસલમાનો પણ નહોતા. આ સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે,  ‘  આજે મારી છાતીને ચીરો તો તમે જોશો કે એમાં રુદન ભરેલું છે કે ઓ જીવ, આ તે કેવો હિંદુ ધર્મ કે જ્યાં અંત્યજોની કોઈને કશી પડી નથી,આખા ગામમાંથી, અંત્યજોની વહારે ધાનાર એકપણ નથી! ‘ . કચ્છની છેલ્લી સભા અંજારમાં થઈ તેમાં ગાંધીજીના આગ્રહે સ્વાગત સમિતિના સભ્યો દલિતો ભેળા બેઠા તો ખરા પણ ઘરે જઈને નહાઈ લીધું હતું.

    કચ્છયાત્રામાં ગાંધીજીના સહયાત્રીઓ આભડછેટમાં માનતા નથી એટલે તેમને દલિતોની જેમ પતરાળામાં જમવાનું આપવામાં આવતું હતું. યાત્રામાં સ્વયંસેવક તરીકે છેકથી સાથે રહેલા પાંચ નાગર યુવાનોને નાતબહાર કરવાનો ઠરાવ યાત્રા દરમિયાન જ થઈ ગયો હતો.બ્રાહ્મણો અને જૈનોની નાતે પણ તેમના નાતભાઈઓ યાત્રામાં જોડાઈને અભડાયા તે બદલ નારાજગી કે રોષ વ્યક્ત કર્યા હતા. માંડવીની સભાનું સ્થળ બ્રહ્મપુરી અભડાઈ જતાં તેનું શુધ્ધિકરણ થયું હતું. ગાંધીજીના એકાદ ઉતારે દલિતોને પ્રવેશબંધી હતી તો એક બે પછીથી ગંગાજળ અને ગો મુત્રથી શુધ્ધ કર્યા હતા.

    ગાંધીજી યાત્રાના આરંભે ભુજ આવ્યા ત્યારે તેમના ઉતારે લોકોની ભીડ રહેતી હતી. પરંતુ અસ્પૃશ્યો વિશેના તેમના વિચારો અને વલણ પછી પાછા જતાં ભુજ આવ્યા ત્યારે ઉતારે કોઈ નહોતું. ગાંધીજીને મુંબઈના કર્ણાક બંદરેથી કચ્છ આવવા શેઠ કાનજી જાદવજીએ આગબોટ ભાડે રાખી હતી.પરંતુ  પ્રવાસ પૂરો કરી તે જામનગર જવા નિકળ્યા ત્યારે તુણા બંદરે સ્ટીમરવાળાએ દોઢસો રૂપિયા ભાડુ માંગ્યું ત્યારે તે આપનાર કોઈ નહોતું.અંતે ફાળાના જમા કરાવવાના બાકી નાણામાંથી તે ચુકવ્યા હતા.

    ગાંધીજીની સો વરસ પહેલાંની બહુઉદ્દેશીય કચ્છયાત્રાને એકલા આભડછેટના મુદ્દે મૂલવતાં કહેવું પડે કે તેને સફળતા-નિષ્ફળતાની દ્રષ્ટિએ તોલી ન શકાય. સદી પૂર્વેની ભારતીય સમાજની માનસિકતા આભડછેટના બદલાયેલા સ્વરૂપો જોતાં ચાલુ વર્તમાન કાળ લાગે છે. ગાંધીજીની કચ્છ્યાત્રાના પંચોતેર વરસો પછી કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ પછીનું પુનર્વસન નાતજાતના ધોરણે જ થયું જ છે ને?  કચ્છ આજે આભડછેટ મુક્ત કે દલિત અત્યાચારો મુક્ત છે તેવું કહી શકાય એમ નથી.જમીન સુધારાના વિવિધ કાયદાઓ હેઠળ જમીન વિહોણા દલિતોને મળેલી જમીનો પર માથાભારે તત્વોના દબાણમાં કચ્છ જિલ્લો અવ્વલ છે. ૨૦૨૪ના વરસમાં અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળ દલિત અત્યાચારના નોંધાયેલા બનાવોમાં કચ્છ જિલ્લો એકથી દસમાં છે. અને દલિત હત્યામાં એકથી પાંચમાં છે. આભડછેટ અને ભેદભાવના મુદ્દે ગાંધી-આંબેડકરનું કામ કેટલું બાકી છે તે આ વિગતો પરથી સમજાય છે.

    કવિવર રવીન્દ્રનાથ ટાગોર ‘ હે મુજ દુર્ભાગી દેશ’ ને જે કહે છે તે જ આપણું અંતિમ શરણ છે ” તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઉભો છે, તેણે તારા જ્ઞાતિ અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધો છે.  જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારેકોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ, તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.”


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પયમ્બર બનાવીએ

     

    ૫ મે ૨૦૧૭ના રોજ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતામાં પ્રથમ વાર શ્રી શોભિતભાઈ દેસાઇને સાંભળવાનો અવસર સાંપડ્યો. તે સમયે મોટે ભાગે, મસ્તીથી સુંદરી અને શરાબની વાતો કરતા અને અભિનય કલાથી સૌને આંજી દેતા એક જલસાના જ્યોતિર્ધર તરીકેની છાપ મનમાં ઉપસી હતી. તે પછી તેમના તરફ્થી મળેલ “હવા પર લખી શકાય” એ ગઝલ સંગ્રહના પાનાંઓ ઉપરછલ્લાં ફેરવ્યાં હતાં. આજે ફરી શાંત નીરવ પળોમાં એકી બેઠકે આખુંયે પુસ્તક વાંચ્યું. જેમ જેમ વંચાતું ગયું, આનંદની માત્રા વધતી ગઈ. તેમના અભિનયથી અનેકગણી વધુ આંતરિક સમૃદ્ધિ આ ગઝલોમાંથી સ્પર્શાતી ગઈ.

    ૧૧૯ પાનાંના આ પુસ્તકમાં, અજબની મગરૂરી અને ખુમારીથી લખાયેલી પ્રસ્તાવનાથી માંડીને છેલ્લી ગઝલ “બેડો પાર લાગે છે મને” સુધી અનેકવિધ ભાવોનો સાગર લહેરાય છે. એમાં ઇશ્કે મિજાજીના શેર હોય કે, વૃક્ષોપનિષદનાં પાનાંઓમાં પ્રકૃતિપ્રેમ છલકાતો હોય, જગતની કે વિધાતાની વિષમતા પરનો આક્રોશ હોય કે મદિરાના વિલાસી શેરો હોય પરંતુ એ બધાની વચ્ચે બહારથી નાસ્તિક જણાતા આ શાયરની ભીતરમાં ઈશ્કે હકીકી, પયગમ્બરી સતત રમતી અને તરતી દેખાઈ આવે છે અને એ સંવેદના અવિરતપણે ગઝલપ્રેમ રૂપે લળી લળી ઢળે છે.

    આજે આ સંપૂર્ણ કાવ્યસંગ્રહનો આસ્વાદ કરવાનું મન હોવા છતાં માત્ર એક ગઝલ વિશે જ રસદર્શન કરીશ. તે પહેલાં શ્રી શોભિતભાઈના જાણીતા શેરો સિવાયના, મને ખૂબ ગમેલાં નીચેના શેરોનો આનંદ લેવા જેવો છે.

    § ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા
    ગઝલના શેર તો પયગંબરીના ફૂલો છે!

    § નાગર ગઝલ લખે છે, ત્યજીને પ્રભાતિયાં
    કરતાલ,તાલ આપી રહી છે અઝાનને.

    § છો ઉછાળો બે અઢી ફૂટ ઊંચે એને આભમાં
    તો ય મરકે છે શિશુ,વિશ્વાસ એનું નામ છે.

    § જીવનમાંથી અમે છત્રી વગેરે હાંકી કાઢ્યાં છે.
    વહાવી વીજ, ભગવાને અમારા ફોટા પાડ્યા છે.

    § તું તો કેવળ બન્યોતો’તો નદીઓથી
    ક્યાંથી લઈ આવ્યો આટલી ખારાશ?

    § સતત એના સ્મરણને કેન્દ્રમાં રહેવું જ ફાવે છે.
    બહુ જૂના ભ્રમણને કેન્દ્રમાં રહેવું જ ફાવે છે.

    § શબ્દો બિચારા ક્યાંથી તને વર્ણવી શકે?
    કંઈ શક્ય છે કહેવું?તું હોવાનું પર્વ છે.

    § ઝળહળતી માણસાઈ,અવતાર માનવી છે.
    ઈશ્વરને માનવાનો આધાર માનવી છે.

    § ક્ષીણ કપરા કાળમાં એ ઉંચકી લેશે તને,
    છાપ એક જ હોય,ઇશ્વર તો સદા મોજુદ છે.

    § અકલ્પનીય ખજાના મળી જવાના તને
    બહું જ સીધું છે જીવવું,સરળ બની તો જો!

    § અડું જરા તો આંગળીએથી સરી જતું અંધારું
    રેશમ લાગે જાડું એવી રાત હતી ખામોશ.

    § તન તાંબુ મઢેલું સજી ઝુલે છે રબારણ
    ચક્ડોળની આ હાટને ગજવામાં ભરી લઉં.

    § છે આમ તો ક્ષિતિજ પર પૂરબમાં આછું ટપકું
    ગાઢા તિમિરનું કિંતુ સૂર્યત્વ થઈ રહ્યું છે.

    § સૂરજ પહેલો ઉગ્યો,બ્રહ્માંડના અસ્તિત્વનો ત્યારે,
    બની ગઈ એ જ, પંખીઓએ જે ગાઈ હતી ભાષા.

    § અફીણી ઊંઘમાં વર્ષો સુધી ભાગીને જોયું મેં
    પરંતુ આખરે આવી ગઝલ,જાગીને જોયું મેં.

    § નિરાકાર થઈને ગગન ખૂંદવાનો મને ગર્વ છે બહુ હવા ઓળખે છે.
    સદાકાળ ચાહ્યું છે શુભ મેં ગઝલનું મને એટલે શ્રી સવા ઓળખે છે.

    § લખેલી લાગણીઓનો અહીં આભાર માનું છું.
    ગઝલ આવી એ પહેલાં માંડ સમજાઈ હતી ભાષા!

    § ધબકતા માનવોમાંથી જ ઇશ્વર શોધવા બેઠા.
    નવો જે મંત્ર આપે એ કલંદર શોધવા બેઠા.

    § તું,વગર આકારનો, સાકાર લાગે છે મને.
    પૂર્વજોના સહુ સ્મરણો તહેવાર લાગે છે મને.

    ઉપરના બધા જ શેરોમાં વિવિધ વિચારો, અવનવા કલ્પનો સાથે વેરાયેલા પડ્યાં છે. પણ મુખ્ય સૂર સંભળાય છે તે પરમ તરફની પ્રતીતિનો, વિશ્વાસનો, ગઝલની ગરિમાનો અને ભાષાના ગૌરવનો. આ બધાની વચ્ચે, પોતાને નરસિંહના વંશજ કહેતા આ નાગરની કલમે અવતરેલ “પયમ્બર બનાવીએ” ગઝલ મારા મનના માંડવે તોરણ સમ બની ગઈ.

    પયમ્બર બનાવીએ..

     શોભિત દેસાઈ

    મન ઈર્ષ્યા-દ્વેષ-રાગનું જોહર બનાવીએ
    પૂજે મનુષ્યતા એ પયમ્બર બનાવીએ.

    વિસ્મય સદાનું આંજી દઈ આંખમાં અને
    છલકે કરુણા ફક્ત એ સરવર બનાવીએ.

    નમણી અસીમતા જ મઢી હોય આમતેમ
    છત હોય જેને આભની એ ઘર બનાવીએ.

    વીણી વીણીને પૂર્વગ્રહો ફેંકીએ બધા,
    સ્વીકારીએ તમામ, જીવન તર બનાવીએ.

    દેખાડતા ન ફરીએ હથેળી કે કુંડળી,
    પુરુષાર્થને જ ખુદનું મુકદ્દર બનાવીએ.

    રસદર્શનઃ

    “હવા પર લખી શકાય”ના પાના નં ૩૩ ની ઉપરોક્ત ગઝલના મત્લામાં ઉચ્ચ વિષયનો ઉઘાડ અને આહવાહન આપતા કવિ કહે છે કે,

    મન ઈર્ષ્યા-દ્વેષ-રાગનું જોહર બનાવીએ
    પૂજે મનુષ્યતા એ પયગમ્બર બનાવીએ.

    આંતર-મનને ચકાસવાની, એમાં રહેલી આસુરી વૃત્તિઓનો નાશ કરવાની, જોહર બનાવીને નાબૂદ કરવાની અને સાથે સાથે માનવતાની પૂજા કરે એવા પયગંબર બનવા,બનાવવાની સીધી વાત અહીં કરી છે. એ માટેના ઉપાયો અને રીતો પણ ધીરે ધીરે,સહજતાથી આગળના શેરોમાં વર્ણવ્યાં છે. સૈથી પ્રથમ તો કહે છે કે ‘આંખમાં વિસ્મય આંજીને’ એટલે કે શિશુ સહજ નિર્દોષતા અને નિર્દંશતાનો ગર્ભિત ઈશારો કર્યો છે. કરુણા છલકાવવાની છે,એટલું જ નહિ,”છત હોય જેને આભની એ ઘર બનાવીએ”. અહીં કોઈ નાના મોટાં મકાનની વાત નથી.આભની છત ક્યારે મળે ? જ્યારે તમે વિશ્વને ઘર બનાવો તો જ ને? અહીં કવિવર શ્રી ઉમાશંકર જોશીના “વ્યક્તિ મટી બનું વિશ્વ-માનવી”નો પડઘો પડતો સંભળાય છે.

    ચોથા શેરમાં એ કહે છે કે, નાના, મોટા, જેટલા હોય તે બધા પૂર્વગ્રહોને વીણી વીણીને ફેંકી દઈ જીવનને જેવું છે તેવું સ્વીકારી,તરબતર કરીએ. આ નાની સૂની વાત નથી. જાત, જગત અને જીવનની વ્યથા અને વિષમતાઓને હટાવવાનો આક્રોશ છે,ઝંખના છે, તૈયારી પણ છે એ માટે . કેવી તૈયારી?

    દેખાડતા ન ફરીએ હથેળી કે કુંડળી,
    પુરુષાર્થને જ ખુદનું મુકદ્દર બનાવીએ.

    અહીં વળી એક વધુ સરસ વિષય છેડ્યો! પ્રારબ્ધ અને પુરુષાર્થનો, મહેનત અને મુકદ્દરનો, કિસ્મત અને કર્મના અધિકારનો…

    માત્ર પાંચ જ શેરોની ટૂંકી બહરની આ ગઝલમાં કવિ શ્રી શોભિત દેસાઈએ ભીતરની વાચાને યોગ્ય શબ્દો પ્રયોજીને સુપેરે ઢંઢોળી છે. મહદ અંશે ઈશ્કે મિજાજીના આલાપ છેડતા અને મુશાયરામાં મંચ ગજાવતા આ રંગીન શાયર અનાયાસે અહીં પયગંબરીના ફૂલો ધરી બેઠા છે જેનો આનંદ સહ સ્વીકાર છે. કારણ કે, સાંપ્રત સમયમાં આવા પોકારની જરૂરિયાત છે! “બનાવીએ” રદીફની સાથે ઘર, તર, સરવર સઘળા કાફિયામાં સતત પયગંબરનો નાદ ઝીલાયો છે. આવી ઉંચી ભાવના આલેખતી નરસિંહના વંશજની, ગઝલકાર શ્રી શોભિત દેસાઈની કલમને વંદન.

    અસ્તુ…..

    દેવિકા રાહુલ ધ્રુવ

  • એક છોકરી નામે અનન્યા

    મંજૂષા

     વીનેશ અંતાણી

    ધા રો કે એકવીસ વર્ષની કાલ્પનિક છોકરીનું નામ અનન્યા છે. એના એક દિવસ પર નજર નાખીએ. સવારે સાડા સાતે એલાર્મ વાગ્યું, પણ ઊઠવાનું મન ન થયું. કાલ રાતે એણે મોડે સુધી કામ કર્યું હતું. એ ઉજાગરામાંથી બહાર આવી નહોતી. ત્યાં જ એની મમ્મીની બૂમ સંભળાઈ – ‘અનન્યા, ઊઠી ગઈ? કૉલેજ જવાને મોડું થાય છે.’ એ પરાણે બેઠી થઈ. રોજની જેમ પહેલું કામ સેલફોન ઉપાડી ‘ફેસબુક’, ‘વ્હૉટ્સએપ’, ‘ઇન્સ્ટાગ્રામ’ વગેરેમાં નવી પોસ્ટ જોઈ ગઈ. કેટલીક પોસ્ટ ફોરવર્ડ કરી, કેટલીકને રિસ્પોન્સ કરી.

    અનન્યાએ પરિવારને સંમત કરવાનો છે. પોતાની આઇડેન્ટિટી ઊભી કરવાની છે. એ પડકારનો સામનો કરવા તૈયાર છે

    ફટાફટ તૈયાર થઈ. ફેડેડ જીન્સ અને ઓવર સાઇઝની હૂડી પહેરી રૂમમાંથી બહાર આવી. માએ ગરમ નાસ્તો તૈયાર રાખ્યો હતો, પણ અનન્યાએ એક સફરજન થેલામાં નાખ્યું અને ટોસ્ટ ખાતી ખાતી ચંપલ પહેરવા લાગી. એને જોતાં જ પપ્પાના કપાળ પર સળ પડ્યા. એ બોલ્યા, ‘બેટા, શર્માઅંકલનો ફોન હતો. આઇ. એ. એસ.ની તૈયારી માટે કોચિંગ ક્લાસ શરૂ થઈ ગયા છે. તારે જલદી એનરોલ કરવી લેવું જોઈએ.’

    અનન્યાએ આ જ વાત પપ્પા પાસેથી ઘણી વાર સાંભળી છે, પરંતુ એ આઇ. એ. એસ. કે એમ. બી. એ. કે બેન્ક જેવાં ક્ષેત્રોમાં જોબ કરવા માગતી નથી. એના મતે એ બધી મિડલ ક્લાસ મહત્ત્વાકાંક્ષા છે. એ ઘરેડમાં બંધાઈને ચીલાચાલુ જીવન જીવવા માગતી નથી. એનાં સપનાંની દુનિયા અલગ છે.

    એણે પપ્પાને જવાબ આપ્યો, ‘જોઉં છું, હમણાં તો હું અમારા ઓનલાઇન બિઝનેસના પ્રોજેક્ટમાં બિઝી છું.’

    પપ્પાએ છાપું ટિપાઈ પર ફેંક્યું અને બોલ્યા, ‘બેટા, જિંદગી માત્ર પ્રોજેક્ટ્સથી નથી ચાલતી. એ બધું હવાતિયાં મારવા જેવું છે. તારે કોઈ સ્ટેબલ કેરિયરનો વિચાર કરવો જોઈએ.’

    અનન્યાના માથા પર ‘સ્ટેબલ’ અને ‘કેરિયર’ શબ્દો હથોડાની જેમ વાગ્યા.

    અનન્યા અને એના ત્રણ દોસ્તોએ ઓનલાઈન શોપિંગ માટે ‘વિન્ટેજ વાઇબ’ નામની એપ શરૂ કરી છે. તેઓ અલગ અલગ રાજ્યોનાં પરંપરાગત શૈલીના પોશાકોનું ઓનલાઇન વેચાણ કરવા માગે છે. લગ્ન જેવા સામાજિક પ્રસંગે કે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં પરંપરા અને આધુનિકતાના મિશ્રણવાળા પોશાકનું મોટું બજાર એમને મળી શકે તેમ છે. શરૂઆતમાં મુશ્કેલી પડશે, છતાં અનન્યાને વિશ્વાસ છે કે એમનું આ વેન્ચર ખૂબ સફળ થશે. એ લોકો સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સ પર યોગ્ય સમયે યોગ્ય લોકો સુધી એમનો કન્સેપ્ટ પહોંચાડી શકે તો એમનો બિઝનેસ સારી રીતે ચાલશે. નાના પાયે શરૂઆત કરી બિઝનેસ વિસ્તારી શકશે. અનન્યા એના મિત્રોની જેમ કોઈની સહાયતા વિના પોતાના પગ પર ઊભી રહેવા માગે છે.

    આખો દિવસ મિત્રો સાથે સતત ચેટ કરતી રહી. તેઓ એમના પ્રોજેક્ટની ઓનલાઇન જાહેરાત માટે આકર્ષક રીલ્સ બનાવી રહ્યાં છે. ઑફ બીટ આઇડિયાસ એમનો જીવનમંત્ર છે. કેટલીય બાબતોની ઉગ્ર ચર્ચા મિત્રોમાં ચાલતી રહે છે. તેઓ જાણે છે કે આ પ્રકારે કામ કરવાથી જ ‘બેસ્ટ રિઝલ્ટ’ મળશે. એમને શ્રેષ્ઠથી ઊતરતું જોઈતું નથી. અનન્યા અને એના મિત્રો સફળતાની વ્યાખ્યા બદલી નાખવા માગે છે. તેઓ કામ અને જીવન વચ્ચે બેલેન્સ જાળવવા માગે છે. નવા વિચારો, નવાં સાહસો, ઉત્તમ સર્જનાત્મકતા એમનો આદર્શ છે. એ લોકો એકલા નથી, હજારો યુવાન-યુવતીઓ તંગ દોરડા પર ચાલી રહ્યાં છે.

    અનન્યા મોડી સાંજે ઘેર આવી. સીધી એના રૂમમાં ઘૂસી ગઈ. એની બહેનપણીએ નવી રીલ બનાવી હતી. એ એડિટ કરી અપલોડ કરી ત્યાં જ પપ્પા આવ્યા.

    એમણે પૂછ્યું, ‘શું કરે છે?’

    અનન્યા: ‘નવી રીલ અપલોડ કરી.’

    પપ્પા: ‘ઓહ, તમારી સ્ટુપિડ રીલ અને તમારું સ્ટુપિડ વેન્ચર.’

    અનન્યાને પપ્પાની કોમેન્ટ ગમી નહીં. એણે કહ્યું, ‘પપ્પા, અમારું વેન્ચર સ્ટુપિડ નથી. અમે સફળ થઈશું અને ખૂબ પૈસા કમાશું.’

    પપ્પાએ નિસાસો નાખ્યો. ચશ્માં સરખાં કરી બોલ્યા: ‘બેટા, દુનિયા તમારા તુક્કાઓ પર ચાલતી નથી. અનુભવ વિના કોઈ બિઝનેસ ન કરાય. તું તારી શક્તિ વેડફે છે. શર્માજીની દીકરીએ સી. એ.ની એક્ઝામ પાસ કરી અને સારી કંપનીમાં ગોઠવાઈ ગઈ. સાચી સફળતા એને કહેવાય. તમે લોકો તો સમય બરબાદ કરો છે.’

    અનન્યાને અપમાન લાગ્યું. એ પપ્પાને કહેવા માગતી હતી – તમને મારા જેવી યુવા પેઢીનાં સપનાંની ખબર નથી. તમે લોકો અમને સિરિયસલી કેમ લેતા નથી? પહેલાં અમને સ્વીકારો અને પછી અમને માર્ગદર્શન આપો. પ્લીઝ, ડૉન્ટ ક્રિટિસાઇઝ અસ.

    એ કંઈ બોલે ત્યાં એની મમ્મી આવી અને બોલી: ‘તારા પપ્પાની વાત સાચી છે, અનન્યા, એમ ઉતાવળે આંબા ન પાકે એ વાત તમારે સમજવી જોઈએ.’

    અનન્યાનો મૂડ ખરાબ થઈ ગયો. રાતે જાગતી પડી હતી. એનાથી પાંચ વર્ષ નાનો ભાઈ આરવ પણ જાગતો હતો. એણે પૂછ્યું, ‘દીદી, તને લાગે છે કે તમે તમારા કામમાં સફળ થશો?’

    અનન્યા: ‘ચોક્કસ સફળ થશું. આજે લોકોને ઘેર બેઠા ચોઇસ અને ઉત્તમ સર્વિસ જોઈએ છે. અમે ડ્રેસિસ ઉપરાંત બીજી કેટલીય વસ્તુઓ પણ લોકોને સહેલાઈથી મળે એવું પ્લાનિંગ કરી રહ્યાં છીએ.’

    આરવે કહ્યું, ‘પણ મમ્મી-પપ્પાને ગમતું નથી.’

    અનન્યા ખૂબ ધીમેથી બોલી, ‘એમણે મારામાં ભરોસો રાખવો જોઈએ,’

    નવ્ય યુવા પેઢીના ઉંબરે ઊભેલા આરવે કહ્યું, ‘દીદી, મને ખાતરી છે કે તમે તમારા વેન્ચરમાં સફળ થશો. હું તમારી સાથે છું.’

    અનન્યાએ હજી ઘણે દૂર જવાનું છે, પરિવારને સંમત કરવાનો છે અને પોતાની આગવી આઇડેન્ટિટી ઊભી કરવાની છે. એ કોઈ પણ પડકારનો સામનો કરવા તૈયાર છે. નવ્ય યુવાપેઢીનો અભિગમ સમજાવતું એક ક્વૉટ એને યાદ આવ્યું:

    ‘અમે સફળતા પાછળ આંધળી દોટ મૂકતાં નથી, સફળતાને અમારા તરફ આકર્ષીએ છે. અમને વિશ્વાસ છે, અમારા માટે યોગ્ય છે એ સામે ચડીને અમારી પાસે આવશે. અમને કોઈ રોકી શકશે નહીં.’


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • સપ્ટેમ્બર ૧૯૩૨થી સપ્ટેમ્બર ૧૯૪૭ અને ગાંધી

    તવારીખની તેજછાયા

    ગાંધી અને આંબેડકર વચ્ચે મતભેદ હતા, પણ બન્નેનો હેતુ સમાજ સુધારવાનો જ હતો. પુના કરાર પછી ગાંધીજી દલિતોના હક માટે સતત લડ્યા.

    પ્રકાશ ન. શાહ

    સપ્ટેમ્બર ૧૯૩૨ના પુના કરારની પિછવાઈ પર ગાંધી જયંતીના પૂર્વ દિવસોમાં આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે આંબેડકરને દાપો દરમાયો આપી શકનાર સયાજીરાવ ગાયકવાડ ગામમાં ઘર અપાવી શક્યા નહોતા એ ઐતિહાસિક તથ્યને વામપંથીઓને ઉપજાવેલ કથાનક તરીકે ધરાર ઘટાવનાર મંડળી મુખપોથી પર મચી પડી છે. ભાઈ, આંબેડકર વિશે ગાંધી તરફે અગર ગાંધી વિશે આંબેડકર તરફે કે પછી બંને બાબતે મૂલ્યાંકનભેદ જરૂર હોઈ શકે. પણ દલિત હોવું એ કેવી અમાનવીય અનવસ્થા હોઈ શકે એનું પ્રત્યક્ષ નિદર્શન જ્યારે એક દસ્તાવેજી હકીકત તરીકે આપણી સામે આવે ત્યારે એને વગર આધારે પડકારીએ તે કદાચ એવી માનસિકતા સૂચવે છે જેમાં ન્યાયી પરિવર્તન પરત્વે કશોક અંતરિયાળ અવરોધ હોઈ પણ શકે.

    ગોપાલ ગુરુ જેવા અભ્યાસીને ગાંધીનો જે ગુણ વસ્યો છે તે તો એ કે આ એક એવો ઉજળિયાત નેતા નીકળ્યો જે દલિતો સાથેના ભેદભાવને ખોટો ગણવા ઉપરાંત તેમાં પોતાનું સામાજિક દાયિત્વ પણ જાણેસમજે છે અને એના સ્વીકારપૂર્વક પ્રાયશ્ચિતબુદ્ધિથી મંડી પડે છે. મુદ્દે, ગોપાલ ગુરુના આ અવલોકનને એક પાયાની વિગત તરીકે સ્વીકારીએ તો જે એક બીજો પ્રશ્ન ઘણી વાર જોવા-અનુભવવા મળે છે એના કળણમાં ખૂંપવામાંથી ઊગરી શકીએ. ‘અમારા ગાંધી વિ. તમારા આંબેડકર’ કે ‘તમારા ગાંધી વિ. અમારા આંબેડકર’ આવી છાવણીઓ રાજકીય અગર બીજી સામસામી મોરચાબંધી વાસ્તે સગવડભરી હશે પણ સમાજ નવનિર્માણની દૃષ્ટિએ તે નથી દુરસ્ત, કે નથી તંદુરસ્ત.

    ‘અમારા ગાંધી’ સ્કૂલને કોણ યાદ અપાવશે એમની કચ્છયાત્રાના આ શતાબ્દી વર્ષમાં કે આંબેડકર સામે મોરચો ખોલવા ગાંધીને ખપમાં લેવાતા ભલે હોય- એમની કચ્છયાત્રામાં ડગલે ને પગલે એમની સાથે સલામત અંતરનો (કહો કે અસ્પૃશ્યવત વહેવાર કરતો) એક ઉજળિયાત તબકો ત્યારે હતો. અને, ‘અમારા આંબેડકર’ સ્કૂલને કોણ યાદ અપાવશે કે પ્રાયશ્ચિતબુદ્ધિથી તમારી તરફે ઝૂકવા સબબ ગાંધી કઈ હદે હડધૂત થઈ રહ્યા હતા.

    પુના કરાર પછી નવેમ્બર ૧૯૩૩ થી જુલાઈ ૧૯૩૪ ના આશરે નવ મહિનાના ગાળા માટે ગાંધીએ બાર હજાર માઈલ કરતાં વધુ પ્રવાસ હરિજન યાત્રા નિમિત્તે ખેડ્યો હતો. આ ગાળા દરમ્યાન, પુનાની મુલાકાત વખતે એમના મિશનને લક્ષમાં લઈ જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. માત્ર હડધૂત થયે નહીં અટકતાં હત્યાનું નિશાન બનવું, એ કેમ જાણે ગાંધીની ઈતિહાસનિયતિ ન હોય!

    આ જ માનસ ૧૯૪૪માં મહાબળેશ્વરમાં ગાંધી પર છૂરા સાથે હુમલાની કોશિશ વાટે પ્રગટ થયું હતું. અદ્વૈત, તત્ત્વજ્ઞાનનું અભિમાન પોકારતી પ્રજા દલિત ને મુસ્લિમ બાબતે આવી ને આટલી આળી કાં કે એક સર્વજન હિતેચ્છુ જીવનસાધકને મારવા લે. ગાંધીએ ત્યારે પણ હુમલાખોર (ગોડસે)ને કહ્યું હતું કે સેવાગ્રામ આવી મારી સાથે થોડા દિવસ રહો- આપણે એકબીજાને સમજીએ.

    બિલકુલ આ જ વહેવાર હતો ગાંધીનો સુહરાવર્દી સાથે. જુલાઈ ૧૯૪૬ના ‘ડાયરેક્ટ એક્શન’ના બંગાલ હીરોને ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૪૭માં ગાંધીએ કહ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન સારુ એ શરતે રોકાઉં કે તમે એક ફકીર પેઠે મારી સાથે જોડાઓ. શાંતિ સ્થપાઈ – માઉન્ટબેટનના શબ્દોમાં પંચાવન હજારનું દળ ન કરી શક્યું તે આ ‘વન મેન આર્મી’એ કર્યું! પંજાબની અશાંતિ સાદ દેતી હતી પણ ગાંધીએ ગાંઠ મારી હતી કે અહીં શાંતિ સ્થાપું તો ત્યાં જવુંયે ફળદાયી થઈ શકે.

    સપ્ટેમ્બર ૧૯૪૭માં સ્વરાજી ભારતે ગાંધીના પ્રથમ અનશન જોયા. જેના યશસ્વી અંત પછી, શાંતિ મિશન સારુ દિલ્હી જવા ઉપડતા ગાંધીને સ્ટેશને વિદાય આપવા જનારાઓમાં એક સુહરાવર્દી પણ હતા, આંખમાં આંસુ સાથે. મહાબળેશ્વરોત્તર ગોડસેમાં એવો કોઈ બદલાવ આવ્યો નહીં તે આપણે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ જોયું જ્યારે માધવ રામાનુજના કવિબોલમાં કહીએ તો એક સાથે બબ્બે સૂરજ આથમ્યા હતા: સમજવાલાયક મુદ્દો અહીં કદાચ એ એક જ છે કે ભાગલાની જોગવાઈ મુજબ પાકિસ્તાનને આપવાની થતી રકમના અમલ માટેના આગ્રહને કારણે હું ગાંધીનો જાન લેવા પ્રેરાયો તે બહુ જાડું વિધાન છે.

    જે દૃશ્યો ગાંધીએ દિલ્હીમાં જોયાંજાણ્યાં તેની અસર એમના હૃદયને કઈ હદે થઈ હશે? બીજી ઓક્ટોબરે એમના જન્મદિવસે મળવા માઉન્ટબેટન પહોંચ્યા ત્યારે ગાંધીએ કહ્યું કે પહેલાં હું સવાસો વરસ જીવવાની વાત કરતો હતો, હવે એવું નથી કહેતો. અલબત્ત, એમનું જીવન હતું તો સ્વાર્પણ-સમર્પણ સાક્ષાત. એમના અંતિમ ઉપવાસ, જાન્યુઆરી ૧૯૪૮ અધવચ, વળી દિલ્હીની અશાંતિ શમાવનારા બની રહ્યા. પાકિસ્તાનને અગાઉથી મુકરર રકમ આપવાના વિધિવત નિર્ણય છતાં ગાંધીના અનશનનો અંત ત્યારે આવ્યો નહોતો એ અધોરેખિતપણે નોંધવું જોઈએ.

    એમણે એક વ્યાપક ભૂમિકા લીધી હતી: સરહદની બંને બાજુએ લઘુમતીની સંભાળ લેવાય. પાક પંજાબની પ્રતિનિધિ સભામાં મુખ્યમંત્રીએ કહ્યું કે ગાંધીના ઉપવાસે અમને લઘુમતીની સંભાળ વાસ્તે ઝકઝોરી મૂક્યા છે.

    વાતનો બંધ વાળવામાં છું ત્યાં જોઉં છું કે બીજી ઓક્ટોબરે જો ગાંધી જયંતી છે તો દશેરા પણ છે. સંઘને સો વરસ પૂરાં થશે. શાંતિની અપીલમાં ગાંધીજી સાથે સંયુક્તપણે જોડાવાની ગો‌ળવલકરે ના પાડી હતી: મારું સમર્થન છે તેમ તમે જરૂર કહી શકો- પણ સહીમાં નહીં જોડાઈ શકું…

    સંઘવિચાર ને ગાંધીવિચાર વિશે, લગીર રહીને- યથાપ્રસંગ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧ – ૧૦– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • સંતાનપ્રાપ્તિ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    તિરુચ્ચી શહેરનું બજાર લોકોની ચહલપહલથી જીવંત લાગતું હતું.

    મારે ખમીસ માટે સફેદ કાપડ લેવું હતું. બજારની તમામ દુકાનોમાં ફરી વળ્યો. ચાર વાગ્યાનો નીકળ્યો હતો. છ વાગ્યા, પણ બજારમાંથી ગુલ કરી દેવામાં આવ્યું હોય એમ કોઈનીય પાસે સફેદ કાપડ હતું નહીં. ક્યાંક કોઈની પાસે હોય તો એ લોકો ખૂબ વધુ પૈસા માંગતા. કાળાબજારનું સફેદ કાપડ મારે લેવું નહોતું.

    અંતે બજારમાંથી બહાર નીકળ્યો. સામે જ ફાટેલું ખમીસ અને મેલી ધોતી પહેરેલા એક ભિક્ષુકે હાથ લંબાવીને આજીજી કરી, “માલિક બેચાર આના આપો, તમારાં બાળબચ્ચાં સુખી રહેશે.”

    જોકે એ સાવ ભિક્ષુક જેવો નહોતો લાગતો. આજે એના શરીરમાં નબળાઈ હતી, પણ આ પૂર્વે એ સ્વસ્થ હશે એવું લાગ્યું. મને જોઈને અચાનક બે હાથે ચહેરો ઢાંકીને ત્યાં પડેલા મોટા પત્થર પર બેસી ગયો. બાજુમાં ખોળામાં એક વર્ષનું બાળક લઈને ચીંથરા જેવા વસ્ત્રોમાં લપેટાયેલી યુવતી બેઠી હતી. યુવતી જાણે કોઈ દારુણ વ્યથામાં હોય એમ રડી રહી હતી. એનાં આંસુઓનો અભિષેક બચ્ચાં પર થઈ રહ્યો હતો.

    હું એ યુવતી અને એનાં પતિને ઓળખી ગયો. નજીકના ગામમાંથી કમાણી માટે કેટલાય વણકર પરિવારની જેમ એ લોકો પણ સેલમ આવ્યાં હતાં. એ યુવતીને પહેલાં જોઈ ત્યારે તંદુરસ્ત હતી, પણ આજે પાણીના અભાવે લીલીછમ વેલ સૂકાઈ ગઈ હોય એવી લાગતી હતી. કેટલીય માનતા પછી થયેલો દીકરો ભૂખ-તરસ છીપાવવા અંગૂઠો ચૂસી રહ્યો હતો. પેટ તો એનું પાતાળે પહોંચ્યું હતું.

    એમની દારુણ સ્થિતિ જોઈને, એમની વાત સાંભળીને મારું મન દ્રવી ઊઠ્યું.

    બચ્ચાંના હાથમાં આપેલો રૂપિયો એ યુવતીએ લઈ લીધો.

    “કોઈ નોકરી અપાવી દો માલિક. અમે બંને જણાં નોકરી કરીશું. ખાવાનું જોયે ત્રણ દિવસ થઈ ગયા છે.”

    નોકરી મળવી સાવ સરળ નહોતી. મેં એમને મારું સરનામું આપીને અઠવાડિયા પછી મળવાનું કહ્યું. પતિપત્નીના વેદનાભર્યા ચહેરા પર કૃતજ્ઞા છલકાઈ. મારી પાસે નોકરી માંગવાના સંજોગ ઊભા થયા એ એને બહુ કઠતું હતું.

    બંને જણ સાથે બે વર્ષ પૂર્વે થયેલી મુલાકાત મને યાદ આવી.

    શ્રીલંકાથી ધનુષકોટિ બંદર પર ઉતરીને સામે ઊભેલી ઈન્ડોસિલોન એક્સપ્રેસમાં બેઠો હું બારીની બહાર જોઈ રહ્યો હતો. એક તરફ સમુદ્ર તટ, બીજી તરફ ઝૂંપડીઓ, ગંદકીથી ખદબદતું વાતાવરણ, ગંદા પાણીમાં રમતાં અને યાત્રીઓ જે પૈસા સાગરદેવને ચઢાવે એ માછલીની જેમ ડૂબકી મારીને શોધી કાઢતાં બાળકોને જોઈને હૃદયમાં ટીસ ઊઠી હતી. થોડી વારે ડબ્બામાં પતિપત્ની ચઢ્યાં. સંતાનપ્રાપ્તિ માટે રામેશ્વરમ્ ગયાં હતાં. ધનુષકોટિ સમુદ્ર તટ પર ડૂબકી મારીને ભીનાં વસ્ત્રોમાં પાછા જઈ રહ્યાં હતાં.

    પ્લેટફોર્મ પર ઊભેલા બે સહાયક પંડાઓને નક્કી કરેલા રૂપિયા આપ્યા. પંડાઓને વધુ પૈસા જોઈતા હતા. નિશ્ચિત કરેલા રૂપિયાથી એક પણ વધુ રૂપિયો આપવાની પત્નીએ ના પાડી દીધી.

    “આવા કંજૂસ લોકોને ક્યાંથી બાળક થાય?” પૈસા આપવાની રકઝકથી અકળાયેલા પંડાએ અત્યંત તિરસ્કારભર્યા શબ્દોમાં કહ્યું.

    ઝેર જેવા એ શબ્દો તો મારા કાળજાનેય વીંધી ગયા. પતિ સ્તબ્ધ થઈ ગયો. પત્નીની આંખોમાંથી આંસુ છલકાયાં.

    “ત્રણ રૂપિયા મારો એના મ્હોં પર.” પત્ની ક્રોધિત થઈને પતિને કહ્યું.

    પૈસા લઈને પંડાઓ ચાલવા માંડ્યા. ટ્રેન ઊપડી. પતિએ કેટલુંય સમજાવ્યું, પણ કેમેય કરીને પત્નીનાં આંસુ રોકાતાં નહોતાં.

    “આવી દાદાગીરી, આવી નિર્લજ્જતા? આ માટે આપણે અહીં આવ્યાં હતાં?” બાળકને જન્મ ન આપી શકવાની પીડા પર એ પંડાઓએ આકરો પ્રહાર કર્યો હતો.

    એમની વ્યક્તિગત બાબતમાં મારે બોલવું ન જોઈએ, પણ બેચાર શબ્દોથી સાંત્વના આપવા હું મથ્યો. થોડી વાર પછી એ સહજ થઈ.

    પતિ વણકર હતો. સાળ પર કપડું વણતો. પત્ની ચરખા પર સૂતર કાંતતી. કરકસરથી ઘર ચાલતું. બચત પણ કરી લેતાં. લગ્નને આઠ વર્ષ થયાં, પણ સંતાન નહોતું. પતિને કોઈ ફરક નહોતો પડતો, પણ પત્નીમાં ધીરજ ખૂટી હતી. રામેશ્વરમ્ આવવાં એક વર્ષથી પૈસા ભેગાં કરતાં હતાં.

    પતિને આવી વાતોમાં વિશ્વાસ નહોતો, પણ પત્નીનું મન રાખવા એ આવ્યો હતો. ધનુષકોટિથી તિરુચ્ચી સુધી એમની સાથે વાતો થતી રહી. બંનેમાં ખૂબ પ્રેમ હતો. સફરનો ભરપૂર આનંદ લેતાં હતાં. સ્ટેશન પર ભિક્ષુકને પૈસા આપતાં. કોઈ સ્ટેશન પરથી ફૂલ તો અન્ય સ્ટેશન પરથી સંતરા, તાજી કાકડી લઈને મઝાથી ખાતાં.

    તિરુચ્ચી આવ્યું તો જાણે કેટલાય સમયના પરિચિતો છૂટાં પડતાં હોય એવું લાગ્યું.

    *******

    લાંબા સમય પછી આજે બજારમાં મળ્યાં ત્યારે એમની હાલત જોઈને અત્યંત દુઃખ થયું. કમ-સે-કમ મારા આપેલા રૂપિયાથી એ દિવસે એમને ખાવાનું મળી ગયું જશે એ વિચારથી ત્યારે મને જરા રાહત થઈ.

    આજે બજાર તરફ હું નીકળ્યો અને ઓચિંતી એ જ યુવતી મારી સામે આવીને ઊભી રહી. એની આંખોમાં અકથ્ય પીડા હતી.

    કહેતી હતી કે, બાળક પતિને સોંપીને એ ખાવાનું શોધવા ગઈ હતી. પાછી આવી ત્યારે દીકરો ગાયબ હતો. એનો છોકરો કોઈ ઊઠાવી ગયું હતું. પોલીસમાં રિપોર્ટ લખાવવો જરૂરી હતો. ચાલતાં ચાલતાં આખા રસ્તે એ “મારો રાજ્જા દીકરો ક્યાં ગયો”નું રટણ કરતી રહી. રસ્તામાં કોઈનીય પાસે બાળક જોતી તો તરત ઊલટ-તપાસ કરવા માંડતી. ધીરે ધીરે એનું આક્રંદ વધતું ચાલ્યું. હું સમજી શકતો હતો, કેટલીય માનતા પછી સંતાનપ્રાપ્તિ થઈ હતી.

    એના પતિના ચહેરા પર પણ ઘેલછાની છાયા દેખાતી હતી.

    પોલીસમાં રિપોર્ટ લખાવી દીધાં પછીય કેટલાય દિવસો સુધી બાળકનો પત્તો ન મળ્યો.

    એક દિવસ કેરી વેચવાવાળો મારા ઘેર આવ્યો. સરસ મઝાની કેરીઓથી ટોપલી ભરેલી હતી. એને જોઈને હું ચોંક્યો. એ અન્ય કોઈ નહીં, પેલો અભાગી બાપ હતો જેના સંતાનની ભાળ મળતી નહોતી.

    “શું થયું, દીકરો મળ્યો?”

    “નહીં મળે.” કહેતા એની આંખો ભરાઈ આવી.

    “દીકરો ખોવાયો જ નથી. પચાસ રૂપિયામાં આ પાપીએ એને વેચી દીધો છે.”

    “હેં, દીકરો વેચી દીધો? તારું મન કેવી રીતે માન્યું? કેટલી માનતા પછી દીકરો થયો હતો?” આઘાતથી મારો અવાજ ઊંચો થઈ ગયો.

    “શું કરું માલિક, દીકરાનું પેટ ભરવા એ ભૂખી રહેતી. દીકરાને બચાવવા એ પોતાનો પ્રાણ આપવા તૈયાર હતી. એક શેઠને બાળક જોઈતું હતું. એનું જતન સારી રીતે કરશે એવું વચન આપ્યું. સૌની એમાં જ ભલાઈ છે એમ વિચારીને દીકરો વેચી દીધો. એ રૂપિયામાંથી કેરી વેચવાનો ધંધો શરૂ કર્યો. રોજ બેચાર રૂપિયા મળી જાય છે. દીકરો વેચ્યાની ખબર પડશે તો એ જીવ આપી દેશે. એને કહી દીધું છે કે, ધંધો કરવા તમે રૂપિયા આપ્યા છે.”

    હું સ્તબ્ધ. હતો. ગરીબી, લાચારી માણસને આ હદે લઈ જાય?


    પી.વી. અખિલન લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • તાણાવાણા

    સરયૂ પરીખ

    દરેક વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે અન્યના વર્તનને મૂલવે છે. ત્યારબાદ ક્રિયા અને પ્રતિક્રિયાના આધારે સંબંધો વિકસે છે.


    જન્મભૂમિ છોડીને અમેરિકામાં હમણાં આવીને વસેલાં અમને, તરુ અને દેવની નવી ઓળખાણ થઈ. અમે નવદંપતિઓ, એકમેકના મિત્રો બની ગયાં. પ્રિન્સટન, ન્યુજર્સીનો પહેલો શિયાળો સાથે મ્હાણી ને વસંતમાં મજા કરી. તરુ અને દેવ ભારતમાં શ્રીમંત પરિવારમાં ઉછરેલાં. દેખાવડો અને ઊંચી કક્ષાની નોકરી કરતો દેવ અને ફેશનેબલ તરુની જોડી લાજવાબ લાગતી હતી. ‘બધુ તરત જોઈએ’ ટેવવાળી તરુને કાર અને કામવાળા વગરની અગવડો કેમ સહન કરવી એ ખબર નહોતી પડતી. અમેરિકાની રોજની રામાયણ તરુને ભારે લાગતી. પત્નીને ખુશ રાખવા, દેવ તેની મરજી મુજબ ઘર ચલાવવા દેતો. તેવામાં, એક બેડરૂમ વાળા એપાર્ટમેન્ટમાં દેવના મમ્મી-પપ્પા ભારતથી બે મહિના માટે આવ્યાં. હવે તરુની તકલીફો અને મારી પાસે તેની ફરિયાદો શરૂ થઈ ગઈ…સ્વજનો આવે તેનો આનંદ થવાને બદલે અણગમો થાય, ત્યારે બધું અવળું જ દેખાય.

    “મમ્મીને નણંદોના ઘર ભરવા છે. ગઈકાલે સ્ટોરમાં લઈ ગયા તો ખરીદી શરૂ કરી. મારી પસંદગી માટે સાસુજી ‘આ તો ભંગાર છે’ એમ કહ્યું, ને મને એટલો ગુસ્સો આવ્યો કે હું તો સ્ટોરના બારણા પાસે જઈ ઊભી રહી. એના દિકરા સાથે બેગોમાં ખબર નહીં શું ખરીદીને બહાર આવ્યાં.”

    આમ ગમતા ન ગમતાની વાતોમાં ત્રણેક સપ્તાહ નીકળી ગયા. એક સાંજે, દેવ અને તેના પિતા ચાલવા નીકળ્યા ત્યારે અમારા એપાર્ટમેન્ટ પર અટક્યા અને  અમને આમંત્રણ આપતા જણાવ્યું. “તરુના જન્મદિવસે પાર્ટી રાખી છે. થોડા અહીંના મિત્રો અને મારા છ પિતરાઈ ન્યૂયોર્કથી આવશે. તરુને તેમની કંપની ગમે છે.”

    પાર્ટીને દિવસે હું અને એક બેનપણી રસોઈમાં મદદ કરવા ગયાં. સાસુમાના આદેશ મુજબ ખાંડવી વગેરે વાનગીઓ તૈયાર કરી. વચ્ચે વચ્ચે તરુ મારી સામે જોઈ આંખોના ઈશારે અણગમો બતાવતી. અમે પાર્ટીના સમયે તરુને ઘેર આવી પહોંચ્યાં. તરુ તેના શોખ મુજબ સરસ તૈયાર થઈ બધાની મહેમાનગતી કરતી હતી, દેવના પિતા ભારતમાં ડોક્ટર હતા. તેમની સાથે અમે ખૂબ વાતો કરી.

    દેવ તેના પિતરાઈઓની વ્યગ્રતાથી રાહ જોઈ રહ્યો હતો. “બે કલાક આવતા લાગે, તેથી મોડું થયું હશે,” એમ અટકળો થતી હતી ત્યાં ફોન આવ્યો. એ જમાનામાં તો ફોનબુથ શોધીને ફોન કરવો પડતો. વાત પતાવી દેવે મહેમાનોને જણાવ્યું, “એ લોકોની કાર અટકી પડી છે. આવતા ખબર નહીં…કેટલી વાર લાગશે! કહ્યું છે કે, તમે જમી લેજો.” જાણે રંગમાં ભંગ પડ્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું. તરુ મારા કાનમાં કહે, “જાણીને આમ કર્યું હશે?” તેનો મૂડ ખરાબ થઈ ગયો…નઠારી નિરાશાને કારણો દોડતાં મળી જાય.

    બીજે દિવસે સવારે અમારા એપાર્ટમેન્ટમાં ચા સાથે આગલી સાંજની વાતચીત ચાલતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી. “અત્યારમાં કોણ આવ્યું?” કહેતાં મેં બારણું ખોલ્યું.

    સંકોચપૂર્વક ઊભેલા દેવના પપ્પાને જોઈ આશ્ચર્ય થયું. “માફ કરજો અત્યારના પહોરમાં આવ્યો છું.” તેમના ગળગળા અવાજમાં લાચારી હતી. મારા પતિ એકદમ બારણા નજીક આવીને તેમનો હાથ પકડીને અંદર લઈ આવ્યા. મેં ચાનો કપ ધર્યો. પોતાને શાંત કરવા તેમણે ચા પી લીધી. અમારી પ્રશ્નાર્થભરી નજરના જવાબમાં વડીલ બોલ્યા.

    “અમે આખી રાત સુતા નથી. તરુ અને દેવની તકરારનો અવાજ અમને સંભળાતો હતો. બારેક વાગે તરુ એકદમ બહાર આવી અને આગલું બારણું ખોલી બહાર દોડી. પાછળ દેવ દોડ્યો અને જરા ખેંચીને પાછી અંદર લઈ ગયો. અમે બન્ને હેબતાઈ ગયાં. પછીની રાત હું બારણા આડો સૂઈ રહ્યો, રખેને ફરી…” પિતાની આંખ ભીની થઈ ગઈ.

    મારી સામે જોઈ વડીલ આગળ બોલ્યા. “મને ખબર છે કે તરુને તમારા માટે સારો ભાવ છે. પહેલે દિવસથી તમારી વાત કરતી રહી છે. અત્યારમાં અહીં આવવું પડ્યું કારણ કે, સવારથી દેવ મનાવે છે પણ તરુ રૂમની બહાર આવવાની ના પાડે છે. પથારીમાં સૂનમૂન પડી છે. જો તમે આવીને તેને સમજાવી શકો તો…”

    તેમની દર્દભરી વિનંતી મને સ્પર્શી ગઈ. “આપ વિનંતી નહીં હુકમ કરો. હું હમણાં જ કપડાં બદલીને આવું છું.”

    દેવ અને તેના પપ્પા પરસાળમાં બેઠા હતા. મારી સામે આભારની લાગણીથી જોઈ રહ્યા. આવા વાતાવરણમાં મા-બાપનું દિલ કેટલુ કોચવાતુ હશે તે મને હવે બરાબર સમજાય છે. દેવના મમ્મીએ વિલાયેલે ચહેરે મને અંદર આવકારી. ટેબલ પર ચાની ટ્રે અને કપ પડ્યા હતા. હું બેડરૂમનું બારણું ખોલી દાખલ થઈ. તરુના રૂમમાં જરા અંધારું હતું તેથી મેં પડદો ખોલ્યો, અને તરુ મને જોઈ આશ્ચર્યથી બેઠી થઈ ગઈ. તેની પથારી પાસે ખુરશી ખેંચી હું બેઠી. લાલ સૂજેલી આંખોમાંથી એક અશ્રુ સરી પડ્યું. હું તેનો હાથ પકડીને થોડીવાર બેસી રહી. મા વિનાની ઉછરેલી, તરુ, શ્રીમંત પિતાની એકની એક દીકરી. જેને પાણી માગે ત્યાં દૂધ મળતું, તે દૂર દેશમાં સાવ એકલી પડી ગઈ હોય તેવી લાગતી હતી. મને દેખીને કોઈ પોતાના પક્ષમાં છે, તે ભાવ તેના ચહેરા પર જણાયો.

    “મને કોઈ સમજતું જ નથી. દેવને મારી કરતા તેના સગાઓની વધુ દરકાર છે.” બોલતાં તરુને એક ડૂસકું આવી ગયું.

    દેવના સગાઓ સારા સ્વભાવના હતાં. એમને પણ વહુ દિકરા સાથે સારા સંબંધની દરકાર છે, તે ચોખ્ખુ દેખાતું હતું. પણ, તરુનો દ્રષ્ટિકોણ અલગ હતો જેને લીધે તેને બધું ઊંધું દેખાતું હતું. અત્યારે એ વિશે વાત કરવાનો અર્થ નથી એમ સમજી મેં કહ્યું, “મારે ચા પીવાની બાકી છે. ચાલ બહાર, આપણે તૈયાર ચાને મજેસથી ન્યાય આપીએ.”

    અમે રસોડામાં ગયાં. દેવ અને તેના મમ્મી-પપ્પાએ હસીને આવકાર્યા. બને તેટલું હળવું વાતાવરણ કરી, હું ઘરે ગઈ. નક્કી કર્યાં પ્રમાણે તરુ મને બપોરે મળવા આવી.

    મારી સાથે, દેશમાં અને અહીં થયેલી ખાટી અને મીઠી, ઘટનાઓની વાતો કરી. તેને પોતાનો પક્ષ જ બરાબર લાગતો હતો. તેનો આત્મવિશ્વાસ અને પોતાની માન્યતાઓમાં મક્કમતા સાંભળી મેં એટલું જ કહ્યું, “તરુ! તારે તારા લગ્ન જીવનમાં સ્થિરતા અને સંવાદિતા લાવવી હોય તો દેવના સ્વજનોને માન આપતા શીખ. તું જેટલા સ્નેહ અને સન્માન આપશે તેનાથી તને બમણા વળતરમાં મળશે.”

    પોતાના સાથી માટે દરકાર હોય તો, તેની ખુશીના કારણ સમા, તેના સ્વજનોની અવગણના કેવી રીતે કરી શકાય? મોટાભાગના લગ્નો જાણે સુખ-સગવડતાની વ્યવસ્થા છે…તેમાં પ્રેમ એક શબ્દ બનીને રહી જાય છે. આગળ ફરિયાદ ચાલી. તરુની વાતોમાં દેવ ઉપર વિશ્વાસની ખામી જણાતી હતી. “દેવ સેક્રેટરી સાથે લંચ માટે જાય છે.” તેની આશંકાઓ કેટલા અંશે સાચી છે તે જાણવું મુશ્કેલ હતું. પરંતુ આ વિચારો તરુને દુખી કરી રહ્યાં હતાં. મેં તેને બને તેટલી સમજાવી. દરેકને પોતાના સ્વભાવની વિચિત્રતા દેખાતી નથી, અને એ જ દુખનું કારણ છે, તે માનવા દેતી નથી. બીજુ એ પણ તથ્ય છે…કોણ બીજાની સલાહથી પોતાના વિચારો બદલે છે?

    સાંજના દેવનો ફોન આવ્યો. સંકોચ અને અકળામણ સાથે બોલ્યો, “મને ખબર નથી પડતી કે તેને કેમ ખુશ રાખવી! તેના બાપાની જેમ મારાથી તેની દરેક ઈચ્છાઓની પૂર્તિ ન થાય.”

    “ખરેખર શું કારણ છે તે કહેવું તો મુશ્કેલ છે. સાંભળ્યું છે ને? દુખે પેટ ને કૂટે માથું! એક વાત જણાવું કે તરુને તમારા પર વિશ્વાસ નથી.” જ્યારે મેં સેક્રેટરી સાથે લંચની વાત કરી તો દેવ છેડાઈ પડ્યો. “લે! હું તેને કહું છું કે મને લંચ બનાવીને સાથે આપ. તો કહેશે, બહાર લઇ લે જે ને.”

    હું ઘણીવાર તરુ અને દેવના મમ્મી-પપ્પા સાથે જઈને બેસતી અને તેમની વચ્ચે સમભાવ વધે તેવા પ્રયત્ન કરતી. તેઓ મારા ખૂબ આભારી હતાં કે મેં તરુની ગાડી પાટે ચડાવી આપી. આમ ચણભણ સાથે મમ્મી-પપ્પાનો જવાનો દિવસ આવી ગયો.

    તરુ અને મેં નોકરી એક જગ્યાએ લીધી તેથી ઘણો સમય સાથે ગાળ્યો. અમુક વ્યક્તિઓને બાદ કરી, સહકાર્યકરો સાથે સારો મનમેળ હતો. દેવની નોકરીમાં ઘણી તરક્કી થઈ રહી હતી. હું બે મહિના માટે ભારત ગઈ હતી એ દરમ્યાન તરુ એક પુત્રની માતા બની. જ્યારે હું તરુને ઘરે નવજાતને જોવા ગઈ તો બાળકના પગ વાંકા હોવાથી લાકડાની પટ્ટીથી અમુક રીતે ગોઠવેલા હતા.

    “ખબર છે, મારી જેઠાણી લંડનથી આવેલી અને શું બોલી હતી? કહે, ‘આવો તે છોકરો હોય’?” તરુ ઉશ્કેરાઈને બોલી, “હાં, એના બે છોકરાઓ પરિપૂર્ણ છે ને?”

    “એમ! પૂનમ આવી હતી?” હું તરુની જેઠાણીને કોલેજ કાળથી ઓળખુ. અમે વડોદરામાં એક જ હોસ્ટેલમાં હતાં. પૂનમનો ઠસ્સો અને અભિમાનથી હું પરિચિત હતી પણ માની ન શકી કે પૂનમ આવું બોલી હોય. ­­

    આવા ખટરાગ અને ખેરિયતના પ્રસંગો બનતા રહ્યાં. બે વર્ષને અંતે અમારે નોકરીને કારણે અમેરિકાના બીજે છેડે, કેલિફોર્નિયા સ્થળાંતર થયું અને સમયના વહેણમાં દૂર થઈ ગયા. અમારા સંસારમાં વ્યસ્ત હતાં. ઓચિંતા, એક સંગીતના કાર્યક્રમમાં દેવના પિતરાઈ, રાજુભાઈ મળી ગયા. ખાસ વાત ન થઈ પણ અમે એકબીજાનો ફોન નંબર લઈ લીધો.

    એક દિવસ દેવનો ફોન આવ્યો, “હેલ્લો, હું અહીં રાજુભાઈને ઘરે આવ્યો છું અને કાલે તમને મળવા આવું?” અમે તે સાંભળીને ખુશ થઈ ગયાં. તરુ અને દેવને મળ્યાંને સાત વર્ષ થઈ ગયા હતાં. અમે બન્નેને મળવા માટે ઉત્સુક હતાં. પણ આ શું? દેવ એકલો જ આવેલો.

    “કેમ છો?” પછી તરત મેં પૂછ્યું, “તરુ ક્યાં?”

    “અરે વાત ન પૂછો. તમારી બનપણીએ તો મારા પગ નીચેથી જમીન ખેસવી દીધી હતી.” દેવ મજાક કરતો લાગ્યો. તેણે બધી વાત કરી.

    “તમે ગયા પછી, અમારા બીજા દીકરાનો જન્મ થયો. જીવન ગાડી ખાબડખૂબડ ચાલતી હતી. તરુની પસંદનું આલિશાન ઘર અને બને તેટલી સગવડતાઓમાં અમે ગોઠવાયાં. તકરારના વિષયોનો તોટો નહોતો. તે ઉપરાંત, તેના શંકાસ્પદ સ્વભાવનો ઉપાય નહોતો મળતો. મેં આંખ આડા કાન કરી નોકરી પર ધ્યાન આપ્યું.” દેવની વાત અમે સાંભળી રહ્યાં.

    “એક દિવસ તરુએ મને ચોંકાવી દીધો. એક નામી વકીલ તરફથી છૂટાછેડાના કાગળ મોકલ્યા ત્યારે મને ખબર પડી કે મારી પાછળ તરુના વકિલનો ગુપ્તચર ફરતો હતો. મારી એક મિત્ર, ડોક્ટર માલ્તીનું દવાખાનું મારી ઓફિસથી નજીક હતું તેથી અમે કોફી કે જમવા ક્યારેક સાથે હોઈએ એ ફોટાઓ રજુ કરી મને રખડેલ સાબિત કરી દીધો. મારી મિલકતના ૬૦% અને બાળકો માટે દર મહિને મોટી રકમ આપવાનો કોર્ટનો હુકમ છે.”

    અમે સંવેદનાથી તેની સામે જોઈ રહ્યાં.

    દેવ આગળ બોલ્યો, “પણ, એ મુશ્કેલ સમયમાં, હું અને માલ્તી નજીક આવ્યાં અને પ્રેમતારથી બંધાયાં. અમે બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા.” દેવના ચહેરા પર મધુર મલકાટ આવ્યો.

    મન, મગજ અને દ્રષ્ટિકોણની વાત ન્યારી છે. સંબંધોની ઈમારત પ્રસંગોપાત વાણી-વર્તન લેવડદેવડના આધારે, ચણાતી જાય છે…કે…ભાંગતી જાય છે.

     કારણો તો દોડતાં મળે

    અહમ્ અંતરના ઓરતાને વાંચું,
    મળે  કારણ  ના એનું કો’ સાચું.
    જેને રૂસણામાં રોળવું હો આંસુ,
    તો  કારણો  તો  દોડતાં  મળે.

    તરડ ઝીણી પર હિમાળા છાંટા,
    જરી લહેરખી ને થરથર રુવાંટા.
    ખર્યા  શબ્દો  ને ફૂલ બને કાંટા,
    ને  કારણો  દિલ  તોડતાં મળે.

    સ્વાર્થરેખા  ને  સંકુચિત   મુઠ્ઠી,
    બંધ  બારી  સુગંધ  જાય  રૂઠી.
    દે દસ્તક પણ ખોલવા ન ઊઠી,
    ને  કારણો  ઉર  સોરતાં   મળે.

    ઘનઘેરાં  વાદળ   ભલે  ઝૂક્યાં,
    પણ,  કાણા કળશમાં જળ સૂકાં.
    જ્યાં બહાનાનાં બારસાખ મૂક્યાં,
    ત્યાં  કારણો  જીવ  કોરતાં મળે.

    ——

    Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com

  • ગુજરાતના લાડીલા ગીતકાર, સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસ

    નવી લેખમાળા

    આજથી દર મહિનાના પહેલા શનિવારે સુશ્રી રાજુલબેન કૌશિકનાં સૌજન્યથી ‘સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ’ લેખમાળા માણીશું.

    –  સંપાદક મંડળ, વેગ ગુર્જરી


    સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ

    આલેખનઃ રાજુલ કૌશિક

    આપણા જન્મથી માંડીને જીવનની અંતિમ ક્ષણ સુધી અનેક પ્રકારે સંગીત જોડાયેલું છે. નાનાં હોઈએ ત્યારે હાલરડાંથી શરૂ થઈને જોડકણાં સુધી પહોંચેલું બાળપણ, જરા મોટાં થઈને સપનાંમાં રાચીએ ત્યારે વળી કોઈ નવો આલાપ, સમય સરતો જાય તેમ આત્માને લગતાં ભજનો અને અંતે ઈશ્વરનાં નામની ધૂન સાથે વિદાય.

    ભારતીય સંગીત પ્રાચીનકાળથી ભારતમાં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું સંગીત છે. આ સંગીતના મૂળ સ્ત્રોત વેદોને માનવામાં આવે છે. સામવેદ એ સંગીતને લગતો વેદ છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું.

    સમય જતા સ્થળ અને સંજોગો સાથે સંગીતની સૂરાવલીઓ બદલાઈ. આપણાં ભારતીય સંગીતમાં કવિતા, ગીત, ગરબા, ગઝલોનાં પ્રકાર પ્રખ્યાત થયા એની સાથે સાથે પૉપ સોંગ, રૅપ સોંગ, જાઝ મ્યુઝિક પણ આવ્યાં અને આપણે એ પાશ્ચાત્ય સંગીતને આવકાર્યા પણ ખરા.

    ગીત સંગીતના પણ કેટલા પ્રકારો? સામાન્ય રીતે પ્રચલિત કહી શકાય એવા સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. એમાં આ સુગમ ગીત-સંગીત માટે તો કહેવાય છે કે એ ભારતીય સંગીત વિદ્યાનું એક એવું અંગ છે જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય અને દરેક એક જણ પણ નિરાંતે ગાઈ શકે.

    આ બધું જોતાં જોતાં કે સાંભળતાં સાંભળતાં એક વાત સમજાઈ કે, જે સરળ છે, જે સુગમ છે, ગેય છે એ આપણે જલદી સ્વીકારી શકીએ છીએ. કદાચ શાસ્ત્રીય સંગીત શીખવું, અરે શીખવાની વાત તો દૂર ક્યારેક ક્યારેક સમજવાનું ય ક્યાં સૌ માટે સરળ હોય છે?

    આપણા આદ્ય કવિથી માંડીને કેટલાય અદ્યતન કવિઓ, ગીતકારો, ગઝલકારો, ભજનિકોના નામ આપણાં મનમાં ચિરસ્થાયી છે અને રહેશે. ભારતના પ્રાંતોની વાત કરીએ તો દરેક પ્રાંતની લોકકથાની જેમ એનાં લોકગીતો, સંગીત પણ ખૂબ પ્રચલિત છે.

    ભારતનાં પ્રાંતોની વાત કરીએ તો કયો ગુજરાતી હશે જે વિશ્વભરમાં જઈને વસ્યો હોવા છતાં ગુજરાતી ગીત, ગરબા વિસર્યો હશે?

    જ્યાં એક ગુજરાતી હશે  કે જ્યારે ગરબાની વાત આવે ત્યારે તો શ્રી અવિનાશ વ્યાસનું નામ સૌથી મોખરે જ લેવાય. એનું એક કારણ એ તો ખરું જ કે એમણે ગુજરાત અને ગુજરાતીઓને ગાતાં કર્યાં. એમની સાવ સરળતાથી ગાઈ શકાય એવી રચનાઓ ઘેર ઘેર પહોંચી છે. અમદાવાદથી માંડીને આફ્રિકા, ઑસ્ટ્રેલિયા કે અમેરિકા બધે જ એમના ગીતો ગવાય છે. એનું એક દૃષ્ટાંત આપું, વાત છે, ૨૦૨૪ની. અહીંની અમેરિકાની એક નવરાત્રીમાં અમે ગયાં હતાં ત્યાં દસ ગીત કે ગરબામાં સાત ગીત કે ગરબા તો અવિનાશ વ્યાસના જ હતાં. મઝાની વાત તો એ હતી કે આપણાં ગુજરાતીઓ તો આ ગીત-ગરબાઓથી પરિચિત હોય એ તો સમજ્યા પણ એક અમેરિકન છોકરી ભાંગી તૂટી ગુજરાતીમાં ‘છોગાળા તારાં, છબીલા તારાં ગાતી હતી.

    સાચે એ એટલી આનંદની વાત હતી કે આજે એ યાદ કરું છું તો એનો રોમાંચ આજેય અનુભવું છું. એનું એક કારણ એ હોઈ શકે કે, અવિનાશ વ્યાસના ગીતો સાવ સરળ અને છતાં લયબદ્ધ.   લોકગીતોની જેમ એ પણ લયબદ્ધ ગાઈ શકાય. એ ગીતો આપણી સાથે એટલી હદે વણાઈ ગયાં છે કે, એ સાંભળતાની સાથે આપણું મન અને તન ઝૂમી ઊઠશે.

    આપણે ફિલ્મોમાં ઘણીવાર નદીમાં હલેસા મારતાં નાવિકને ગાતા જોઈએ છીએ. ‘નદીયા ચલે ચલે રે ધારા. ચંદા ચલે ચલે રે તારા, તુઝ કો ચલના હોગા’. એમાં હલેસાનો લયબદ્ધ અવાજ કેવો ભળી જાય? એવી રીતે ટીપ્પણીનો તાલ કે ઉખડખાબડ રસ્તા પર હંકારાતા ગાડાનાં પૈડાં કે બળદોના ગળે બાંધેલા ઘૂઘરાનો અવાજ. કહેવાનો અર્થ એ કે આવા ગીતોના રણકાર અને અજાણપણે એ અવાજના લય સાથે ભળી જતાં પોતાના તાનમાં રહીને ઊઠતા સૂર, સ્વ-મસ્તીમાં ગવાતાં ગીત એ બધાં, લોકગીત કે લોકસંગીત, જે આપણે જ્યારે મન થાય ત્યારે ગાઈ શકીએ.  એમાંથી મળે એ છે નિજ આનંદની અવસ્થા. આવા ગીતો માટે ખાસ કોઈ પ્રહર કે સમય સાચવાવાનીય જરૂર નહીં. મન થાય ત્યારે ગણગણી લેવાય.

    આવા ગણગણી લેવા ગમે એવાં ગીતો કે જોમમાં લાવી દે એવા ગરબાની વાત કરીએ ત્યારે શ્રી અવિનાશ વ્યાસ યાદ આવ્યા વગર રહે ખરા?

    માટે હવે આવા જ તન-મનને તરંગિત કરી દે એવા મારાં-તમારાં-સૌનાં મનમાં વસેલા અને ઘર ઘરને ગુંજતું કરનાર ગીતકાર, સંગીતકારની વાત માંડવી છે. આપણા જીવનના દર એક શુભ-મંગળ પ્રસંગને યાદ કરીએ તો મનમાં એક સૂરીલા ગીતનો ગુંજારવ તો ઉઠે જ ને?

    તો બસ મળીએ સાવ નજીકના સમયમાં ગુજરાતના લાડીલા ગીતકાર, સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસને.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં સપ્ટેમ્બર ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah Art Creations for September 2025

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com