-
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : જનતા વૉચ રિપેરીંગ
બીરેન કોઠારી
અંગ્રેજોના ભારતમાં આગમનની સાથેસાથે બીજી અનેક ચીજોનું આગમન થયું. અઢારમી સદીમાં ‘કંપની સ્કૂલ’ તરીકે ઓળખાતી ચિત્રશૈલી પ્રચલિત બની. યુરોપીય ચિત્રકળાનાં વિવિધ સ્વરૂપોનું ભારતમાં આગમન થયું, જેને ભારતીય ચિત્રકારોએ પણ અપનાવ્યાં. મૂળ ભારતીય એવી લઘુચિત્રશૈલીમાં યુરોપીય કળાનાં તત્ત્વોનું મિશ્રણ કરીને તેમણે અનેક ચિત્રો દોર્યાં. આ ચિત્રોના વિષય તરીકે મુખ્યત્વે ભારતીય જનજીવન, તેનું વૈવિધ્ય, જાતિ-જનજાતિ અને તેના વ્યવસાયો વગેરે રહેતાં. કંપની ચિત્રશૈલીનો ઊંડો પ્રભાવ ભારતીય ચિત્રકારો પર રહ્યો. અનેક ચિત્રો તેમણે ચીતર્યાં.
ભૂપેન ખખ્ખરે કદાચ આ ચિત્રશૈલીથી પ્રેરિત થઈને પોતે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આ ચિત્રશ્રેણી ‘Trade paintings’ તરીકે ઓળખાય છે. ૧૯૭૦ના દાયકામાં ભારતીય નગરોમાં જે કેટલાક સામાન્ય વ્યવસાયો હતા એને તેમણે ચીતરવાનું શરૂ કર્યું. આ વ્યવસાયો એવા હતા કે જેમાં કશો ભપકો નહોતો. તેને ‘વ્યવસાય’ કહેતાં પણ અમુક લોકો ખચકાય એવો તેનો પ્રકાર, અને છતાં એ આપણા રોજિંદા જીવનના અંગ જેવા હતા. વડોદરા શહેરના મુખ્ય વિસ્તારોમાં ભૂપેન હરતાફરતા અને સ્કેચ દોરતા. એ પછી તેમણે એક પછી એક ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.
આ શ્રેણીએ કલારસિકોનું ધ્યાન આકર્ષ્યું- ખાસ કરીને વિદેશી કલારસિકોનું, કેમ કે, ભૂપેનના ચિત્રોમાં જે ભારત જોવા મળતું હતું એ તેમણે ક્યાંય જોયું ન હતું. ભારત એટલે ગ્રામ્ય જીવન, યોગ, મદારી, રાજાઓની ભૂમિ- આ ખ્યાલ પ્રચલિત હતો. તેને બદલે ભૂપેનનાં ચિત્રોમાં એક શહેરીપણું જોવા મળતું હતું. આ શહેરીપણું બિલકુલ ભારતીય પણ હતું.
1972માં તેમણે ચીતરેલું ‘જનતા વૉચ રિપેરિંગ’ નામનું આ તૈલચિત્ર એ શ્રેણીમાંનું એક છે. દુકાનનું નામ સુદ્ધાં તેમણે ગુજરાતીમાં લખેલું છે. આંખે બિલોરી કાચ પહેરીને કાંડા ઘડિયાળના નાના નાના પૂરજાની મરમ્મત કરતા ઘડિયાળીના હાથ પણ કદાચ એ કારણથી જ તેના શરીરના પ્રમાણમાં નાના ચીતર્યા છે. બહારની તરફ પૂર્ણ કદનાં બે કાંડા ઘડિયાળ ચીતરાયેલાં છે, અને અંદરની દિવાલ પર સામે દિવાલ ઘડિયાળો છે, તો બૉક્સમાં એલાર્મ ઘડિયાળના ડબલાં છે.

[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પંજાબ
વિમલાતાઈ
સેકંડ લેફ્ટેનન્ટ નરેન થી આગળ
કરતારપુર તાલુકાનું મથક હતું. ત્યાંથી નરેનનો યુનિટ ઘણો દૂર – હમીરા નામના ગામની નજીક હતું. તેને ત્યાં આવવાજવામાં ઘણી તકલીફ થતી હતી. એક દિવસ તો બટાલિયનમાંથી પાછા આવતાં તેની ગાડીને ભયંકર અકસ્માત નડયો અને તેના જીવ પર આવી પડેલું સંકટ ટળી ગયું. સાંઈબાબાની કૃપાથી તેને બહુ ઈજા « થઈ, પણ અમે અને અનુએ વિચાર કર્યો કે નરેનના યુનિટની નજીક જ રહેવા જઈએ. હમીરામાં તો બેચાર ઝૂંપડાં જ હતાં તેથી અમે નક્કી કર્યું કે બટાલિયનની નજીક તંબુમાં રહેવા જઈશું. સારો દિવસ જોઈ અમે બધાં હમીરા તંબુમાં રહેવા ગયાં.
નરેનને મિલિટરીમાં બે વર્ષ થયાં અને તેને લેફ્ટનન્ટનું પ્રમોશન મળ્યું!
તંબુમાં રહેવાનું અમને સૌને ઘણું ગમ્યું. ખુલ્લી જગ્યા, મોકળી હવા અને નજીક જ ગ્રાન્ડ ટ્રંક રોડ હતો. તેના પર આવતાંજતાં વાહનો અમે ઘણી ગંમતથી જોતાં. તંબુની આજુબાજુ મોટું કમ્પાઉન્ડ હતું, તેમાં અમારા ઓર્ડરલીએ ઘણાં શાકભાજી વાવ્યાં હતાં. આમ અમારા દિવસ ઘણા આનંદથી વ્યતીત થતા હતા.
હમીરા આવીને અમને ચાર મહિના થયા હતા તેવામાં મારા ભાઈ મધુનાં લગ્ન નવેમ્બરની ચાર તારીખે મુંબઈમાં લેવાનું નક્કી થયું. તેણે મને અત્યંત આગ્રહ કરીને લગ્નમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું હતું. તેના પિતા – અમારા યેસુબાબાએ જ અમને ઉછેર્યા હતાં. મારો તો આ એકનો એક ભાઈ હતો –
સગો કહો કે પિતરાઈ – મારો તો એ એકલો ભાઈ હતો. તેનાં લગ્નમાં તો મારે જવું જ જોઈએ.તે જ વખતે જયુ બી.એ. પાસ થયાના સમાચાર આવ્યા, અને તેને તેનું ડિગ્રીનું સર્ટિફિકેટ લેવાના સમારંભમાં હાજરી આપવા અમદાવાદ જવાનું હતું. તેથી ૧૧મી ઓક્ટોબર ૧૯૬૬ના રોજ જયુ અને હું જલંધરથી રાતની ટ્રેનથી અમદાવાદ જવા નીકળ્યાં. નરેન તો બૉર્ડર પર હતો તેથી મને પાંચ જ મિનિટ માટે મળીને તેને પાછા જવું પડયું. તેણે અમને ખુશીથી જવાની રજા આપી. સ્ટેશન પર મને મૂકવા અનુ, મારી પપી (પૌત્રી કાશ્મીરા) અને નરેનની બટાલિયનના કેટલાક અફસરો આવ્યા હતા. ટ્રેનમાં અમને સારી જગ્યા મળી. મારે અનુને એકલી મૂકીને જવું પડ્યું. શું કરું? જયુનું કૉન્વોકેશન ૨૦મી ઓકટોબરે હતું.
૧૩મી ઓકટોબરના રોજ વહેલી સવારે અમે અમદાવાદ પહોંચ્યાં. સુધા અને તેનો પતિ અરુણ અમને લેવા સ્ટેશન પર ગયાં હતાં, પણ તેમણે અમને જોયાં નહિ. અમે સ્ટેશન પરથી એલિસબ્રિજ મીનાને ઘેર પહોંચી ગયાં. મારો અવાજ સાંભળી મોન્ટી જાગી ગયો. મને જોઈને તે એવો તો વળગી પડયો! ચાર મહિના બાદ તેને તેની બાઈ મળી હતી! એ તો ઘણો ખુશ થઈ ગયો.
મધુનાં લગ્ન મુંબઈમાં હતાં તેથી હું, સુધા અને જયુ ૨૮મી ઓકટોબરે મુંબઈ ગયાં. સુધા તેની માસી-સાસુને ત્યાં ઊતરવાની હતી અને જયુ તથા હું મધુને ઘેર. મધુને ઘેર પહોંચ્યાં ત્યારે ખબર પડી કે તેણે મકાન બદલાવ્યું હતું. અમને લેવા મધુ દાદર સ્ટેશન પર ગયો હતો, જ્યારે અમે બોરીવલી ઊતર્યા તેથી આ ગોટાળો થયો. ખેર, અમે ટેક્સી કરીને મધુનું ઘર શોધી કાઢ્યું. અમે તેનાં લગ્ન માટે ખાસ દૂરથી આવ્યાં હતાં તેથી તેને ઘણો આનંદ થયો. ૪ નવેમ્બરના રોજ મધુનાં લગ્ન થયાં. લગ્નસમારંભ સાદાઈપૂર્વક પણ સુંદર રીતે યોજવામાં આવ્યો હતો. અમને એમ.એ. થયેલ, ઊંચા પદ પર નોકરી કરનાર સુંદર સ્વભાવની ભાભી મળી. મારી બહેનો, બાઈ (મારાં કાકીને પણ અમે આ નામે બોલાવતાં) તથા અમને અમારી ભાભીએ ખૂબ સારી રીતે સાચવ્યાં.
લગ્ન પછી હું તરત અમદાવાદ પાછી જવાની હતી, પણ મારી સૌથી નાની બહેન (મધુથી નાની) માલિનીનું મોટું ઓપરેશન થવાનું હતું. બાઈએ અને મધુએ મને રોકાઈ જવા કહ્યું તેથી હું મધુને ત્યાં રોકાઈ અને સુધા, અરુણ અને જયુ પાછાં અમદાવાદ ગયાં. દિવાળી બાદ માલિનીનું ઓપરેશન થયું. આ ઘણું મોટું, ગંભીર અને અઘરું ઓપરેશન હતું તેથી અમે બધાં માનસિક રીતે ઘણાં અસ્વસ્થ હતાં. બધાં ઓપરેશનના પરિણામથી ભયગ્રસ્ત હતાં. પ્રભુકૃપાથી ઓપરેશન સફળતાપૂર્વક પતી ગયું અને દસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ માલિની ઘેર આવી.
૨૮મી નવેમ્બર ૧૯૬૬ના રોજ હું ઘેર અમદાવાદ આવી ત્યારે મને નરેનના ઓર્ડરલીનો એવો સુંદર પત્ર મળ્યો. હમીરામાં જાણે તેનો નિત્યનિયમ હોય તે પ્રમાણે તેણે મારી ઘણી સેવા કરી હતી.
તેનો પત્ર હું અહીં તેની જ ભાષામાં ઉતારું છું –
૨-૧૦-૧૯૬૬
પૂજ્ય માતાજી કો અબ્દુલ કા સાદર પ્રણામ.
આગે સમાચાર વહ હૈ કિ આપકા ખત સાહબ કો મિલા. સમાચાર માલૂમ હુવા આપ ભગવાન કી દયા સે અચ્છા! તરહ પહુંચ ગયે વહ સુન કર મૃઝે બહુત ખચી હઈ. આપ ઉઘર ભગવાન કી દવા સે રુજીખુશી સે હોંગે એસા આશા કરતા હૂં ઔર આપકો ભગવાન રાજીખુરી સે રખ્ખે એસી પ્રાર્થના કરત! હૂં.
આપ વહાં સે જબસે ગયે હૈ તબસે મુઝે બહુત દુઃખ હો રહા હૈ. વહાં તક કી મુઝે કામ કરને જે મન નહિ લગત, મગર આપ ભી ક્યા કર સકતીં! હૈં ઔર મૈં ભી ક્યા કર સકતા હૂં? મજબૂરી એક એસ! ચીઝ હૈ કિ ઉસકે સામને ઇન્સાન કુછ નહી કર પાતા. આપ વહ જરૂર સોચેગે કિ મુઝે આપકે જાને પ૨ ઇતના દુઃખ ક્યો હુવા. મુઝે ઇસ લિવે દુઃખ હો રહા હે કિ મેરે માં-બાપ મેરે બચપન કેં હીં સ્વર્ગવાસી હો ચૂકે થે. મુઝે માં-બાપકા પ્યાર નહિ મિલા થા, મગર આપ જબસે વહાં પર આવે કે તબસે મૈને સોચા થા કિ ચલો, બાપકા પ્યાર નહિ મિલા તો સહી, માંકા થ્યાર તો મિલ ગવ! મૈં આપકો મેરી માં સમઝતા હૂં. બચ્ચા કો બાપકા પાર નહિ મિલા તો ભી ચલેગા, મગર માંકા પ્યાર બચ્ચા કો બહત જરૂર હૈ. મૂઝે આપસે માંકા પ્યાર મિલા થા, મગર ભગવાનને વહ ભી દૂર કર દિયા. ભગવાન ભી હમ જૈસે લોગો પર બહુત નારાજ રહતા હૈ. ખેર, છોડો ઇસ બાત કો.
અપ ઘર જાતે સમય મૈં આપકો ફુછ કહ નહિ સકા. આપ યહાં થે તબ મૈને કોઈ ક!મ કિયા ઉસમેં કોઈ ગલતી હો ગયી હો તો માફ કર દેના. ઔર મુઝે આપ જરૂર માફ કરેગે એસી આશા રખત! હું.
અચ્છા, અબ જ્યાદા કુછ નહિ લિખતા હૂં. ખત મિલતે હી ખતકા જવાબ જરૂર દેના. કૈ આપ કે ખતકા બહુત બહુત ઇન્તઝાર કર રહા હૂં. આપકે ઘરમેં સભી લોગો કો પ્રણામ ઓર બચ્ચો કો ય્યાર.
યહાં મુનિયા રુજીખુશી સે હે આપ ઉસકા ફિક્ર મત કરના. આપકા પતા મુઝે ભેજ દેના.
આપકા અબ્દુલ.
જવશ્રીબહન કો નમસ્કાર. કહ દેના મેરે સે કોઈ ગલતી હુઈ હો તો માફ કરના.
– અબ્દુલનો આ પ્રેમાળ પત્ર વાંચી મને પણ ઘણો આનંદ થયો. મેં પણ તેને તેની માતા પ્રમાણે સ્નેહપૂર્ણ પત્ર લખ્યો.
મુંબઈથી પાછાં આવતાં પહેલાં હું બાઈજીમાસીને મળવા ગઈ હતી. તેમણે મને તેમની પાસે રહેવા માટે ઘણો આગ્રહ કર્યો, પણ મારું રિઝર્વેશન થઈ ગયું હોવાથી હું તેમની પાસે રોકાઈ શકી નહિ. તેઓ ઘણાં વર્ષોથી તેમની નાની બહેન (મારાં સૌથી નાનાં માસી) પાસે રહે છે. બાઈજીમાસીની દીકરી નાની વયમાં જ ગુજરી ગઈ હતી, અને પાછળ ત્રણ વર્ષની પુત્રીને મૂકી ગઈ હતી. ત્યારથી બાઈજીમાસીએ તેને દીકરીની જેમ સાચવી હતી અને આખી જિંદગી તેની આગળપાછળ વિતાવી હતી. તેમની પાસે જે કાંઈ હતું તે બધું તેમણે આ પૌત્રીને આપ્યું. એટલે સુધી કે છેલ્લે તેમણે અમારા નાનાજીનું વડોદરાનું મકાન વેચ્યું તેમાંથી પણ મોટી રકમ આ પૌત્રીને આપી. દમુ અને હું તેમની સગી ભાણીઓ હતી, પણ અમને એક પાઈ પણ આપી નહિ. અરે, આ છેલ્લી વારનું તેમને મળવા ગઈ ત્યારે પણ તેમણે મને એક ગજ કાપડું આપ્યું નહિ!
મારાં નાનાં માસીએ મને પોલકું બનાવવા માટે કાપડ આપ્યું. નાનાં માસી અને તેમના પતિ બાઈજીમાસીની ઘણી સેવા કરે છે. મને તો એક જ ઇચ્છા છે કે બાઈજીમાસી ઓછામાં ઓછું તેમના માટે તો કંઈ કરતાં જાય ! મને જે રીતે બધાએ દગો આપ્યો અને મારું બધું ગયું, તેવી જ રીતે મારી બાની પણ બધી મિલકત ગઈ હતી.
ખેર, અમદાવાદ પાછી આવી અને મને મીનાને ઘેર ઊતરવું પડયું. મારું ઘર ભાડે આપ્યું હતું તે હજી ખાલી થયું નહોતું તેથી મને ઘણો ત્રાસ ભોગવવો પડયો. જમાઈને ત્યાં પણ કેટલું રહેવું ? અંતે ૭મી માર્ચ ૧૯૬૭ના રોજ અમારા ભાડવાતે એક રૂમ ખાલી કરી આપી. આ પતિ-પત્ની ઘણાં સારાં અને પ્રેમાળ માણસ હતાં. મારી મુરકેલી સમજી તેમણે મને રૂમ આપી તેથી હું અને જયુ ત્યાં રહેવા જઈ શક્યાં.
હવે મારી બન્ને આંખોએ સાવ ઓછું દેખાવા લાગ્યું હતું તેથી હું આંખ તપાસાવી આવી.
+ + + +
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
જતાં પહેલાં | પડકારવો હતો
જતાં પહેલાં
– જયા મહેતા
જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમદૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમકોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…
પડકારવો હતો
અશોકપુરી ગોસ્વામી
દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો. -
કોમેડી ગીતો – जहाँ चार यार मिल जायें ,वहीं रात हो गुलज़ार
નિરંજન મહેતા
આ શ્રેણીનો આ ત્રીજો અને છેલ્લો ભાગ પ્રસ્તુત કરૂ છું. અહી મુકાયેલા ગીતો બાદના વર્ષોના ગીતો નજરમાં નથી એટલે જેટલા મળ્યા તેટલા ગીતો આપની સમક્ષ રજુ કરૂ છું.
સૌ પ્રથમ જોઈએ ૧૯૭૧ની ફિલ્મ ‘કારવાં’ નું આ ગીત
दैया हाय में ये कहाँ आ फसी
हाय रे फसी कैसे फसी
रों आवे ना आवे हसी
पापे बचालो तुषिઅમરીશ પુરીથી બચવા આશા પારેખ વેશ બદલી ભાગે છે પણ તેમાં ગરબડ થાય છે એટલે તેનાથી ઉપરના શબ્દો ગવાય છે. તેને સાથ આપ્યો છે જીતેન્દ્રએ. મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. રમુજી અવાજ આશા ભોસલેનો.
૧૯૭૪ની ફિલ્મ ‘કુંવારા બાપ’ જે મેહમુદની જીવન કથની પરથી બન્યું એમ કહેવાય છે તેનું ગીત છે
मैं हूँ घोड़ा, ये है गाड़ी, मेरी रिक्शा सब से निराली
ना गोरी है ना ये काली, हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वालीરિક્ષા ચલાવતા રમુજી રીતે પ્રસ્તુત કરે છે મેહમુદ જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે રાજેશ
રોશનનું. સ્વર છે. કિશોરકુમાર અને મેહમુદના.
૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’નું ગીત ભાંગના નશામાં ધૂત રાજેશ ખન્ના અને મુમતાઝ પર રચાયું છે.
जय जय शिव शंकर
काँटा लगे न कंकरजो प्याला तेरे नाम का पिया
ओ~ गिर जाऊँगी, मैं मर जाऊँगी
जो तूने मुझे थाम न लियासो रब दीજુદા જુદા ભાવ દર્શાવતા આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન કિશોરકુમાર અને લતાજી ગાયકો.
૧૯૭૫ની ફિલ્મ ‘ચુપકે ચુપકે’ જે ખુદ એક રમુજી ફિલ્મ છે તેનું આ ગીત માણવા લાયક છે. :
चल शुरू होजा उहुं उहुं
(खांसता है)
है हा है हा
(गला ठीक करता है)
सा आ अ आ आ आ अरे !
बस बस बस बस ! सा पे रुक गया
आगे बढ़ रेरे के आगे क्या है गा
अरे वाह वाह वाह वाह!क्या गले में तासीर हैये बात है !
तो माचल वापस आजा अपनी जगह पे
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર વચ્ચેની આ જુગલબંધી આજે પણ લોકો માણે છે. આનંદ બક્ષીનાં શબ્દો, સચિનદેવ બર્મનનું સંગીત. ગાયકો કિશોરકુમાર અને રફીસાહેબ૧૯૭૬ની ફિલ્મ ‘સબ સે બડા રૂપૈયા’નું આ ગીત જેમાં પૈસાને મહત્વ આપનાર પર એક કટાક્ષમય ગીત છે.
न बिवी न बच्चा न
बाप बड़ा न माइयाँ
थे व्होल थिंग इस धेट के
भैया सबसे बड़ा रुपैयान बिवी न बछा न
बाप बड़ा न माइयाँ
थे व्होल थिंग इस धेट के
भैया सबसे बड़ा रुपैयाએક પાર્ટીમાં ગવાતા આ ગીતના કલાકાર છે મેહમુદ જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત આપ્યું છે બાસુ મનોહારીએ. ગીત ખુદ મેહમુદે ગાયું છે.
૧૯૭૭ની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’નું આ ગીત એક જુદા જ પ્રકારની રમુજ આપે છે.
मम्मी ओ मम्मी
तू कब सास बनेगी
जब जब मेरी शादी होगी
तब तब तब तू दादी होगी
वान वान वान वानપોતાની ઉંમર થઇ હોવા છતાં દેવેન વર્માનાં લગ્ન થયા નથી હોતા એટલે તે પોતાની મમ્મી પીલુ વાડિયાને તે તરફ આ ગીત દ્વારા ધ્યાન દોરે છે. ગીતના શબ્દો છે ગુલઝારના અને સંગીતકાર છે રાજેશ રોશન. ગાયક કિશોરકુમાર.
આ જ ફિલ્મનું બીજું ગીત પણ એક સિચ્યુએશન કોમેડી ગીત છે.
रोल रोल माको निसा
माको निशा दोबारा
रोल रोल माको निसा
माको निशा दोबाराअरे दम निकल न
जाये जरा दम लगा
दम निकल न
जाये जरा दम लगाઅશોકુમારનું કુટુંબ ઘર બદલવા કારમાં જાય છે ત્યારે કાર ખોટકાઈ જાય છે અને બધાએ ધક્કા મારવા પડે છે. ત્યારે આ ગીત બધાને જોશ આપવા અશોકકુમાર ગાય છે જેના શબ્દો છે ગુલઝારનાં અને સંગીત છે રાજેશ રોશનનું. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૭ની બહુ પ્રચલિત ફિલ્મ ‘અમર અકબર એન્થની’નું ગીત જોઈએ.
तय्यब अली प्यार का दुशमन हाय हाय
मेरी जान का दुश्मन
हाय हाय हाय हायतय्यब अली प्यार का दुशमन हाय हाय
मेरी जान का दुश्मन
हाय हाय हाय हायનીતુ સિંહના પ્રેમમાં રિશી કપૂરને મુકરી દાદ નથી આપતો એટલે પોતાનું ખુન્નસ કાઢવા રિશી કપૂર ત્રિપંથી લોકોની સહાય લઇ મુકરીને પરેશાન કરે છે. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયક રફીસાહેબ.
૧૯૭૮ની ફિલ્મ ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’નાં આ ગીતમાં ફરી એકવાર રિશી કપૂર અને મુકરી સામસામે છે.
मनु भाई मोटर चले पाम पं पाम
चोपती जायेंगे न भेल पूरी खाएँगे
चोपती जायेंगे न भेल पूरी खाएँगे
अछि अछि सुरतो से नजरे लड़ायेंगे
हल्ला मचाएंगे गुल्ला मचाएंगे
बैंड बाजा बजेगा धूम धूम धूमપોતાની મોટર ચાલુ ન થતા રિશી કપૂરને મુકરી વિનંતી કરે છે જે તેના સાથીદારો સાથે મળી કરી આપે છે અને પછી તેમાં સૌ બેસી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. કિશોરકુમારનો સ્વર.
૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’ જે હ્રીશિદાની એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે તેનું આ ગીત આજે પણ વગાડાય છે.
गोल माल है भइ सब गोल माल है
अरे गोल माल है भइ सब गोल माल है
हर सीधे रस्ते की एक टेढ़ी चाल है
सीधे रस्ते की एक टेढ़ी चाल है
गोल माल है भइ सब गोल माल हैઅમોલ પાલેકર, આનંદ અને અન્યો સાથે આ ગીતમાં ભાગ લે છે જેના શબ્દો છે ગુલઝારનાં. આર. ડી. બર્મનનું મધુર સંગીત અને ગાયકો છે આર. ડી. બર્મન અને સપન ચક્રવર્તી
૧૯૭૯ની ફિલ્મ ‘મિ. નટવરલાલ’નું આ ગીત આમ તો બાળગીત ગણાય પણ અંતમાં અમિતાભના મુખે જે શાવ્બ્દો મુકાયા છે તેને લઈને આ ગીત કોમેડી ગીત બની ગયું છે.
आओ बच्चों आज तुम्हे
एक कहानी सुनाता हूँ मैं
शेर की कहानी सुनोगे
मेरे पास आओ मेरे
दोस्तों एक किस्सा सुनो
मेरे पास आओ मेरे
दोस्तों एक किस्सा सुनोકલાકારો છે અમિતાભ બચ્ચન, માસ્ટર રવિ અને અન્ય. આનદ બક્ષીની રચનાને રાજેશ રોશનનું સંગીત સાંપડ્યું છે જેને સ્વર આપ્યો છે ખુદ અમિતાભ બચ્ચને. સાથ આપ્યો છે માસ્ટર રવિએ.
૧૯૮૦ની ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ બે કલાકારોની સ્પર્ધાનું પ્રતિક છે
अरे तूने अभी देखा नहीं,
देखा है तो जाना नहीं,
जाना है तो माना नहीं,
मुझे पहचाना नहीं,दुनिया दीवानी मेरी,
मेरे पीछे पीछे भागी,
किस में है दम यहाँ,
ठहरे जो मेरे आगे,
मेरे आगे आना नहीं,
देखो टकराना नहीं,
किसी से भी हारे नहीं हमઅમિતાભ બચ્ચન અને શશી કપૂર એકબીજાને નીચા પાડવા પેંતરા રચતા હોય છે જેમાં આ ગીત દ્વારા તેઓ બાળકોને પ્રભાવિત કરવા પ્રયત્ન કરે છે. અનજાનનાં શબ્દોને સંગીત આપ્યું છે રાજેશ રોશને. કિશોરકુમારનો સ્વર.
૧૯૮૦ની ફિલ્મ ‘ખુબસુરત’ જે એક કોમેડી સાથે સાથે સંદેશાત્મક ફિલ્મ છે તેનું ગીત છે :
अरे सुन सुन सुन दीदी तेरे लिए
एक रिश्ता आया है
सुन सुन सुन लड़के मैं
क्या गुण सुन सुन दीदी सुन यययय
सुन सुन सुन दीदी तेरे लियाરેખા પોતાની બહેન આરાધના દેશપાંડેને હેરાન કરવા આ ગીત ગાય છે જેના શબ્દો છે ગુલઝારનાં અને સંગીત છે આર.ડી.બર્મનનું. રમુજી સ્વર છે આશા ભોસલેનો.
૧૯૮૦ની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ એક જુદા પ્રકારની ફિલ્મ હતી જેમાં લગ્નેતરના સંબંધને વણી લેવાયો છે.
ठन्डे ठन्डे पानी से
नहाना चाहिए
हो हो
ठन्डे ठन्डे पानी
से नहाना चाहिए
गाना आये या ना आये
जाना चाहिएકલાકારો છે સંજીવકુમાર અને વિદ્યા સિંહા. અને બાળ કલાકાર. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે રવીન્દ્ર જૈને. સ્વર છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના.
૧૯૮૧ની ફિલ્મ ‘લાવારીસ’નું આ ગીત ઠેર ઠેર ગવાય છે.
मेरे अंगने में तुम्हारा क्या काम है
जो है नाम वाला वही तो बदनाम है
मेरे अंगने में तुम्हारा क्या काम हैજુદા જુદા પ્રકારની મહિલાઓને આવરી લેતા આ ગીતમાં અમિતાભ બચ્ચન પોતાની આગવી કળા દાખવે છે. સાથે છે રણજીત અને અન્ય. શબ્દો છે અનજાનના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયું છે સ્વયં અમિતાભે.
૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નું આ ગીત સાત કુંવારા ભાઈઓ પર બનાવાયું છે.
तुमने वो क्या देखा जो कहा दीवाना
हमको नहीं कुछ समझ ज़रा समझाना
प्यार में जब भी आँख कहीं लड़ जाये
तब धड़कन और बेचैनी बढ़ जाये
जब कोई गिनता है रातों को तारे
तब समझो उसे प्यार हो गया प्यारेप्यार तुम्हें किस मोड़ पे ले आया
कि दिल करे हाय, हाय कोई ये बताए क्या होगा
प्यार हमे किस मोड़ पे ले आया
कि दिल करे हाय, हाय कोई ये बताए क्या होगाઉંમરલાયક થવાથી તેઓ પોતાની ભાવના આ ગીત દ્વારા રજુ કરે છે. કલાકરો છે સચિન, શક્તિ કપૂર વગેરે. ગુલશન બાવરાના શબ્દો અને આર.ડી.બર્મનનું સંગીત. ગાયકો છે આર.ડી.બર્મન, ગુલશન બાવરા, કિશોરકુમાર અને સપન ચક્રવર્તી.
૧૯૮૨ની ફિલ્મ ‘જીવન ધારા’નું આ ગીત એક પ્રસંગે બાળકોને ખુશ કરવા ગવાયું છે. :
गंगाराम कंवरा रह गया
गंगाराम कंवरा रह गया
गंगाराम कौन है
कौन है ये गंगाराम
अरे गंगाराम कौन है
गंगाराम कौन है
गंगाराम है एक तोते का नाम
तोताराम कंवरा रह गया
गंगाराम कंवरा रह गयाગીતની શરૂઆતમા જુદા જુદા અભિનય દ્વારા અમોલ પાલેકર બાળકોને આનંદ આપે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૮૩ની ફિલ્મ ‘નૌકર બીબી કા’નું આ ગીત રિસાયેલ પત્નીને ઉદ્દેશીને ગવાયું છે. :
हे संभल
अरे लोग मुझे क्यूँ देते हैं ताना
हाँ मैं हूँ बीवी का दीवाना
अरे तो क्या हुआ
ज़माना तो है नौकर बीवी काધર્મેન્દ્ર અનીતા રાજ માટે આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. કિશોરકુમાર અને નિશી કોહલી ગાયકો.
૧૯૮૪ની ફિલ્મ ‘શરાબી’નું ગીત છે
जहाँ चार यार मिल जायें,वहीं रात हो गुलज़ार
जहाँ चार यार जहाँ चार यार मिल जायें ,
वहीं रात हो गुलज़ारजहाँ चार यारमहफ़िल रँगीन जमे ..महफ़िल रँगीन जमे, दौर चले धूम मचेनज़र
देखे नये चमतकार, जहाँ चार यार…
महफ़िल रँगीन जमे …महफ़िल रँगीन जमे,
दौर चले धूम मचेनज़र देखे नये चमतकार, जहाँ चार यार…રસ્તા ઉપર અજાણ્યા લોકો સાથે દારૂની મજા લેતા અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે પ્રકાશ મેહરાના અને સંગીતકાર છે બપ્પી લાહિરી. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૮૯ની ફિલ્મ ‘જાદુગર. જેમાં અમિતાભ બચ્ચન એક જાદુગરનો રોલ ભજવે છે તે પોતાની પડોસન જયા પ્રદાથી પરેશાન હોય છે એટલે તે કૂકડાઓ દ્વારા પોતાની વ્યથા રજુ કરે છે.
ए दीवाने जैसे जाता है
है दीवाना जैसे जाता है
ज़ंजीरें तोड़के
अरे मुर्गा निकल गया
मेरा दरबे को छोड़ के
तो पडोशन
पडोशन अपनी मुर्गी को
रखना संभाल मेरा
मुर्गा हुआ है दीवाना
हा पडोशन अपनी मुर्गी
को रखना सम्भालજાવેદ અખ્તરનાં શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર ખુદ અમિતાભનો.
૧૯૯૧ની ફિલ્મ ‘દુશ્મન દુનિયા’નું ગીત છે
बकरे वाला ये बाबा हिदायत करे
झाड़ू खाने में आना बुरी बात है
बुरी बात है
आ गए तो बैठो घडी दो घडी
आ के यु लौट जाना बुरी बात हैઆ રમુજી ગીતના કલાકાર અને ગાયક છે મેહમુદ, રવીદ્ર જૈનના શબ્દો અને અનુ મલિકનું સંગીત
આ સાથે આ શ્રેણી સમાપ્ત કરૂ છું.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
કોને કહું દિલની વાત (૧)
બીરેન કોઠારી
આપણા દેશની લોકશાહી માટે જેમ ૧૯૭૫નું વર્ષ એ દરમિયાન લદાયેલી કટોકટીને કારણે મહત્ત્વપૂર્ણ બની રહ્યું, એમ ફિલ્મક્ષેત્ર માટે પણ આ વર્ષ અગત્યનું કહી શકાય એવું હતું. આજે, એટલે કે વર્ષ ૨૦૨૫ માં જેની રજૂઆતની સુવર્ણ જયંતિ રંગેચંગે ઊજવાઈ એવી ‘શોલે’ ફિલ્મ આ વર્ષે રજૂઆત પામી. અલબત્ત, તેણે ધીમે ધીમે ગતિ પકડી. તો ‘શોલે’ની લગભગ સમાંતરે, સાવ મર્યાદિત બજેટ ધરાવતી અને કોઈ મોટા કલાકારો ન ધરાવતી ફિલ્મ ‘જય સંતોષી મા’ની રજૂઆત પણ આ જ વર્ષે થઈ, અને તેણેય ઈતિહાસ સર્જ્યો.
૧૯૭૦ના દાયકાનો આ બરાબર મધ્યકાળ.
આગળની પેઢીના અનેક સંગીતકારો હજી કાર્યરત હતા, તો આગલી પેઢીના સહાયક તરીકે કામ કરી ચૂકેલા કાબેલ લોકો સ્વતંત્ર સંગીતકાર તરીકે ઓળખ બનાવી રહ્યા હતા. આમાં રાહુલ દેવ બર્મન, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, સોનિક-ઓમી વગેરે મહત્ત્વનાં નામ કહી શકાય. વનરાજ ભાટિયાએ પણ આ જ દાયકામાં ફિલ્મસંગીતક્ષેત્રે પ્રવેશ કર્યો.
હજી આગળના વર્ષે, એટલે કે ૧૯૭૪માં વધુ એક સંગીતકારપુત્રે પદાર્પણ કરેલું. એ હતા રોશનના પુત્ર રાજેશ રોશન. તેમની પહેલવહેલી ફિલ્મ ’કુંવારા બાપ’નાં ગીતો લોકપ્રિય બન્યાં હતાં. ૧૯૭૫માં તેમની બીજી ફિલ્મ રજૂઆત પામી, જેના કલાકારો પ્રમાણમાં નવા હતા. પણ તેનાં ગીતો જાણીતાં બની રહ્યાં હતાં. પણ તેનાં પાંચ ગીતો પૈકીનું એક ગીત એવું હતું કે જેણે સૌનું ધ્યાન આકર્ષ્યું. આમ થવાનું કારણ તેની ધૂન નહોતી, પણ શબ્દો અને સ્વર હતાં.
એક તો એ આખેઆખું ગીત અંગ્રેજીમાં હતું. એ સમયે ગીત સાંભળવાનો મુખ્ય સ્રોત રેડિયો હોવાથી તેના શબ્દો પૂરેપૂરા ભાગ્યે જ સમજાતા હતા. પણ ગાયિકાનો અવાજ કમાલનો હતો. એકદમ તાજગી ધરાવતો, કોઈની પણ અસરથી સાવ મુક્ત એ સ્વર હતો પ્રીતિ સાગરનો.

૧૯૭૫માં રજૂઆત પામેલી કેટલીક એવી ફિલ્મોનાં નામ પર નજર ફેરવીએ કે જેનાં ગીતો એકંદરે જાણીતાં બનેલાં: આક્રમણ (સંગીતકાર: લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ), આંધી (આર.ડી.બર્મન), અમાનુષ (શ્યામલ મિત્રા), અપને રંગ હઝાર (લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ), છોટી સી બાત (સલીલ ચૌધરી), ચોરી મેરા કામ (કલ્યાણજી-આણંદજી), ચુપકે ચુપકે(એસ.ડી.બર્મન), દીવાર (આર.ડી.બર્મન), ધરમકરમ (આર.ડી.બર્મન), ધર્માત્મા (કલ્યાણજી-આણંદજી), દો જાસૂસ (રવીન્દ્ર જૈન), દો જૂઠ (શંકર-જયકિશન), એક મહલ હો સપનોં કા (રવિ), ગીત ગાતા ચલ (રવીન્દ્ર જૈન), જાન હાજિર હૈ (જયકુમાર પાર્ટે), જય સંતોષી મા (સી.અર્જુન), કાગઝ કી નાવ (સપન-જગમોહન), કાલા સોના (આર.ડી.બર્મન), ખેલ ખેલ મેં (આર.ડી.બર્મન), ખુશ્બૂ (આર.ડી.બર્મન), મૌસમ (મદનમોહન), મીલી (એસ.ડી.બર્મન), નિશાન્ત (વનરાજ ભાટિયા), પોંગા પંડિત (લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ), પ્રતિજ્ઞા (લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ), પ્રેમકહાની (લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ), રફૂચક્કર (કલ્યાણજી-આણંદજી), રફ્તાર (સોનિક-ઓમી), સલાખેં (રવીન્દ્ર જૈન), સંન્યાસી (શંકર-જયકિશન), શોલે (આર.ડી.બર્મન), તપસ્યા (રવીન્દ્ર જૈન), ઊલઝન (કલ્યાણજી-આણંદજી), વૉરંટ (આર.ડી.બર્મન), ઝખ્મી (બપ્પી લાહિડી), અને ઝમીર (સપન ચક્રવર્તી).
આ ઊપરાંત પણ અન્ય ફિલ્મો આ વર્ષે રજૂઆત પામેલી, પણ તેમનાં ગીતો ખાસ જાણીતાં બન્યાં નહોતાં. આવી અનેક ફિલ્મોનાં અનેક ગીતોમાં પણ ‘જુલી’ના ગીતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. પ્રીતિ સાગરે ગાયેલું એ ગીત હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખેલું અને રાજેશ રોશને સંગીતબદ્ધ કરેલું. આ ગીત પછી પ્રીતિ સાગરે પાછું વાળીને જોયું નથી. અનેક ફિલ્મોમાં તેમણે ગીતો ગાયાં અને પોતાના સ્વર થકી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. જો કે, કારકિર્દી પાછળ આંધળી દોટ મૂકવાને બદલે તે પસંદગીપૂર્વક આગળ વધ્યાં અને કેવળ ફિલ્મી ગીતોનાં ગાયિકા બની રહેવાને બદલે અનેક પ્રકારનાં ગીતો ગાયાં. ખાસ કરીને ભજનો અને બાળકો માટેનાં અંગ્રેજી ગીતોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. તેમની ગાયકીની વિશેષતા એ હતી કે ગાયનનો પ્રકાર કે ભાષા કોઈ પણ હોય, તેમનો સ્વર એમાં બરાબર બંધબેસતો. નહીંતર અંગ્રેજી ગાયનથી કારકિર્દીનો ધમાકેદાર આરંભ કરનાર ગાયિકા ભજનગાયિકા તરીકેની ઓળખ શી રીતે બનાવી શકે?
તેમની આવી જ એક વિશેષતા એટલે તેમણે અનેક ભારતીય ભાષામાં ગાયેલાં ગીત.
અહીં કુલ દસ ભારતીય ભાષાઓમાં તેમણે ગાયેલાં ગીત મૂકવામાં આવ્યાં છે. આ ગીત ફિલ્મનાં પણ છે, અને બિનફિલ્મી પણ. એ તમામમાં કશું સામાન્ય હોય તો એ છે પ્રીતિ સાગરના કંઠનો જાદુ.
તેલુગુ ફિલ્મ ‘પ્રેમ કાનૂકા’માં તેમણે ગાયેલું ગીત.
બંગાળી ડિસ્કો ગીત, જે સંભવત: કોઈ આલ્બમનું છે.
તેમણે ગાયેલું એક કોંકણી ગીત, જે પણ કોઈ આલ્બમનું છે.
તેમણે ગાયેલું એક પંજાબી ગીત, જે બિનફિલ્મી છે.
ભોજપુરી આલ્બમનું એક ગીત, જે એસ.એન.ત્રિપાઠીએ સંગીતબદ્ધ કરેલું છે.
મરાઠીમાં ભાવગીતનો પ્રકાર બહુ જાણીતો છે. આ લીન્ક પ્રીતિ સાગરે ગાયેલાં ભાવગીતોનાં આલ્બમની છે.
પ્રીતિ સાગરે ગાયેલું આ એક ગુજરાતી ગીત. તેમાં ‘ણ’ અને ‘ળ’ના ઉચ્ચારની સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે એવી છે.
ઉડિયા ફિલ્મનું આ ગીત અક્ષય મોહન્તી સાથેનું યુગલ ગીત છે.
આ તમિલ ગીત બિનફિલ્મી છે.
પ્રીતિ સાગરે ગાયેલું આ કન્નડ ગીત પણ બિનફિલ્મી છે.
પ્રીતિ સાગરનાં ઘણાં બધાં ગીતો યુ ટ્યૂબ પર સુલભ હોવાને કારણે શોધી શોધીને સાંભળવાનું બને છે, અને દરેક ગીતમાં તેમની આગવી મુદ્રા કળાઈ આવે છે.
પ્રીતિ સાગરના કંઠના ચાહક હોવા છતાં કદી એમ નહોતું વિચાર્યું કે તેમને મળવાનું બનશે. પણ ગયે વરસે એવી એક તક મળી. એના વિશે વધુ વાત આગામી કડીમાં.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
મહેન્દ્ર શાહનો નવરાત્રી ઉત્સવનાં ચિત્રોનો કલાસંપુટ
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot – Navratri Festival
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ત્યારે અને અત્યારે : રસોડામાં શાંત ક્રાન્તિ
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
સંદેશવ્યવહાર કે કમ્પ્યૂટર જેવાં ક્ષેત્રોમાં ફેરફાર ઝડપથી થયા. તેથી પરિવર્તન થયું તે જણાયું. જો ફેરફાર ક્રમશઃ, ધીરેધીરે થાય તો ટૂંકા ગાળામાં એનો અહેસાસ નથી થતો. પરંતુ ૭૦-૭૫ વર્ષમાં કુલ ફેરફાર ઘણા થયા હોય છે. આવું એક સ્થળ છે રસોડું. અહીં સતત કશુંક નવું બનતું રહ્યું છે, પરંતુ આપણે એનાથી ટેવાતા ગયા એટલે પરિવર્તન જણાયાં નહીં. વાસ્તવમાં ૭૫ વર્ષમાં રસોઈઘરમાં એટલા ફેરફાર થયા છે કે “ત્યારે’ ત્યાં જે હતું તેમાંનું કંઈ જ આજે નથી. ઊલટું કહો તો, આજે જે જોઈએ છીએ તેમાંથી કંઈ જ આઝાદી વખતે નહોતું, સિવાય કે લાકડાનાં ચકલો-વેલણ !

૧૯૫૦નાં રસોડાં ઉપર એક નજર નાખીએ. એ આજ જેવો નાનો ઓરડો જ હતો. પ્રવેશદ્વારથી દૂરના ખૂણે ત્રણ ઇંચ ઊંચા પડથાર ઉપર માટીનો ચૂલો છે. ચૂલાથી વાચકો પરિચિત હશે જ. અંગ્રેજી *C’ અક્ષરના આકારના દશેક ઇંચ ઊંચા ચૂલાને ઉપર ત્રણ ઠોંગા છે, જેના આધારે તપેલું કે તાવડી રહી શકે. એની બાજુમાં પાટલા ઉપર ઊભડક પગે ગૃહલક્ષ્મી બેઠી છે. અહીં બધું કામ બેઠેબેઠે જ થાય છે. પાસેની દીવાલમાં એક-બે ગોખલા છે (ગોખલો એટલે બારણાં વિનાનો કબાટ). તેમાં મસાલાના ડબ્બા કે જમવાનાં વાસણ પડ્યાં છે, જેને બંને હાથ લંબાવીને લઈ શકે છે. હા, અહીં નળ નથી, કારણ કે ગામમાં જ નળ નથી! રસોઈ માટે પાણી કળશા કે લોટાઓમાં આજુબાજુ રાખ્યું છે. જે પાણી ઢોળાય – ભૂલથી કે હેતુપૂર્વક – તે એક ખાળમાંથી બહાર જાય છે. રાત્રે એ જ ખાળમાંથી ઉંદર આવે છે. તે છતાં ખાળ અનિવાર્ય છે, કારણ કે રસોડું ધૂએ તો પાણીના નિકાલ માટે બીજી કોઈ વ્યવસ્થા શક્ય જ નથી.ત્યારનાં બળતણો.
એ જમાનામાં રસોઈ માટે બે જ ઈંધણ હતાં – લાકડાં અને કોલસા. ચૂલામાં લાકડાં બળે અને કોલસા સગડીમાં. ચૂલાના ખુલ્લા ભાગમાંથી બે-અઢી ફૂટ લંબાઈનાં લાકડાં દાખલ થતાં. છાણાંનો ટુકડો સળગાવીને તેની નીચે મૂકો તો આગ પેટે. એને વખત લાગે. મહેમાન આવે તે ફટ ગૅસ લગાડી ચા બનાવી દઈએ છીએ, તેવું ત્યારે સંભવ ન હતું.જવાળા પ્રગટે તે પહેલાં રસોડામાં ધુમાડો પ્રસરે. એને જવા માટે રસોડામાં છેક ઉપર, છત નજીક, એક બારી રહેતી. ગરમ ધુમાડો ઉપર જાય તેટલું વિજ્ઞાન બધાને ખબર હતી. કેટલાક લોકોએ ચૂલાની પાછળની દીવાલમાં બાકોરું બનાવ્યું હતું. એ સીધું મકાનની છત ઉપર ખૂલતું, જેવું આજે બેકરીમાં હોય છે તેમ. આમ છતાં રસોડાની દીવાલો અને છત કાળાં જ રહેતાં અને તેનો કોઈને સંકોચ નહોતો, કારણ કે એ તો ‘ઘરે-ઘરે માટીના ચૂલા’ જેવું હતું! લાકડાં બળતાં જાય તેમ બહેન તેને અંદર તરફ ધક્કો મારતી જાય. રસોઈ પૂરી થાય ત્યારે લાકડાનાં ઠૂંઠાં બચ્યાં હોય. તેય જો જુસ્સાથી બળતાં હોય તો તેના ઉપર પાણી મારી બુઝાવી દેવાતાં. ત્યાં રાખ બચે જેને એકઠી કરી વાસણ ઘસવામાં વપરાય.
કોલસા બે પ્રકારના આવતા : લાકડાં બાળીને પાડેલા અને ખનીજ કોલસા. લાકડાંવાળા કોલસા નરમ અને જલદી બળે. એનાથી દીવાલ ઉપર દાખલાય ગણતા અને ક્રિકેટની વિકેટ પણ ચીતરતા! ખનીજ કોલસા (કૉક) ધીમા બળે પણ લાંબું ચાલે. કોલસા બાળવા માટેની સગડી પણ બે પ્રકારની. એક લોખંડની, ઉપર-નીચે બે ખાનાંવાળી નળાકાર રચના. તેથી જૂની પેઢીની સગડી એટલે જૂની (પતરાંની) બાલદીની અંદર સફેદ માટીની જાડા થરથી બનાવેલી. ખાસ્સી ભારે રહેતી. ઉપરના ખાનામાં કોલસા બળે અને નીચેનાં ખાનામાં રાખ એકઠી થાય. એને કાઢવા માટે બાલદીના પતરાને કાપીને ચાર ઇંચની ‘બારી’ રાખી હોય! એમાંથી જ દહન માટે હવા પણ અંદર જાય.
હજુ એક બળતણ હતું કેરોસીન, જે પ્રાઇમસ (સ્ટવ)માં વપરાતું. સગડી-ચૂલાથી કંટાળેલા લોકોએ એ વસાવ્યા. પણ ઘણા જણ માટેની પરંપરાગત રસોઈ માટે એ ઉપયોગી ન હતા. ફૂલકા રોટલી એની ઘાસતેલની જ્યોત ઉપર ફુલાવવા માટે નાખવાનું ગૃહિણીઓને ગમે નહીં. એને પેટાવવો પણ સમજદારીનું કામ હતું. બરાબર ન થાય તો જ્યોત વાદળીને બદલે પીળી બળે, જેનાથી વાસણ કાળાં થાય. ૬-૦ સગડી લગાડવા કરતાં ભલે એને લગાડવાનો સમય ઓછો થતો, પરંતુ ચાર-પાંચ મિનિટની ઝંઝટ તો હતી, જેમાં ક્યારેક મોટો ભડકો પણ થતો. સ્ટવ ફાટવાના પણ કિસ્સા બન્યા છે. એના વિકલ્પ રૂપે વર્તુળાકાર વાટવાળા અવાજ વિનાના સ્ટવ પણ આવ્યા હતા, જે ૧૦-૧૨ વર્ષ ચલણમાં રહ્યા અને અદશ્ય થઈ ગયા.કેરોસીન ત્યારે વિદેશથી આયાત થતું, ક્રૂડ તેલમાંથી બનતું. ભારતમાં એક જ તેલક્ષેત્ર આસામમાં હતું. ક્રમશઃ આપણાં પોતાનાં તેલક્ષેત્રો મળતાં ગયાં. તેમ-તેમ રાંધણગૅસનો વપરાશ વધતો ગયો. તત્ક્ષણ ચાલુ કરી શકાય એ તેનો સૌથી ઉપયોગી ગુણ હતો. આ ઉપરાંત રસોડાં કાળાં થતાં અટક્યાં. ગૅસના ચૂલા ઊભા રસોડામાં પ્લૅટફૉર્મ ઉપર અને બેઠા રસોડામાં જમીન નજીક, એમ બંને સ્થળે ચાલી જાય છે. આધુનિક રસોડામાં માઇક્રોવેવ દ્વારા ગરમી મેળવતી “ઓવન’ અને ઇન્ડક્શન હીટર પણ આવ્યાં. ઇન્ડક્શન સગડી જોવામાં જૂના વખતમાં હૉસ્ટેલોમાં વપરાતી હૉટ-પ્લેટને મળતી આવે છે. હૉટ-પ્લેટ તારની જ કોઇલથી ગરમ થતી, જેને રેઝિસ્ટન્સ (એટલે કે વીજપ્રવાહને અવરોધીને મળતી) ગરમી કહે છે. તેને બદલે ઇન્ડક્શન (એટલે કે પ્રેરિત વીજપ્રવાહ)થી ચાલતી સગડી પોતે ગરમ નથી થતી. એના ઉપર વાસણ મૂકો તો વાસણની અંદર પેદા થતા પ્રેરિત વીજપ્રવાહથી વાસણ ગરમ થાય છે. આ નવાં ઉપકરણો વિશે આછો અણસાર પણ પચાસ વર્ષ પહેલાં નહોતો.
જોકે ધુમાડો તદ્દન ગયો છે તેમ કહી ન શકાય. ગામડાંમાં અને શહેરી ઝૂંપડપટ્ટીઓમાં હજુ લાકડાં બાળવામાં આવે છે અને ધુમાડામાં લોકો જીવે છે.
રસોઈનાં પાત્રો
જેમ ત્યારનાં અને આજનાં બળતણો જુદાં છે, તેવું જ રસોડામાં દેખાતાં વાસણોનું છે. ત્યારે પિત્તળ, લોખંડ અને ક્યારેક માટીનાં પાત્રો વપરાતાં જે આજના રસોડામાં છે જ નહીં, અને આજે જે વાપરીએ છીએ તેમાંનાં કેટલાંકની તો ત્યારે કલ્પના પણ ન થઈ હોત. ત્યારે વાસણો માટે મુખ્ય ધાતુ પિત્તળ હતી. એ તાંબા અને જસત (Zinc)ની મિશ્ર ધાતુ છે. કેટલાંક ખાસ પાત્રો કાંસાનાં બનતાં, જે તાંબા સાથે કલાઈ (Tin)ના મિશ્રણથી બનેલ ધાતુ છે. લોખંડની કડાઈ, તાવેથા, ચીપિયા વગેરે હતાં, જે મર્યાદિત ઉપયોગ કરી શકાય. કોઈ ઘરોમાં માટીનાં હાંડલાં ખીચડી ચડાવવા વપરાતાં કે ક્યારેક દહીં જમાવવામાં. મોંહે-જો-ડેરોથી ૧૯૫૦ સુધી સતત ટકી આવેલી એ હાંડી એક વિરલ ચીજ કહી શકાય.
પિત્તળનો મુખ્ય પ્રશ્ન એ હતો કે તેમાં ખાટા પદાર્થો રાખી ન શકાય. તેવું જ તાંબાનાં પાત્રોનું અમ્લ સાથે થતું. આ ધાતુઓ પ્રક્રિયા કરે તો ઝેરી ઉપપેદાશો ખાવામાં ભળે, આથી દરેક વાસણને અંદરથી સપાટી ઉપર કલાઈનું પાતળું પડ ચડાવવું પડતું. વપરાશમાં આ કલાઈ ઘસાઈ જતી, તેથી કલાઈ કરાવતાં રહેવું પડતું. કલાઈ કરનારા શેરીએ-શેરીએ ફરતા અને જે ફળિયામાં બે-ચાર ઘરનાં વાસણ મળી રહે તો ત્યાં બેસી પડતા. જમીનમાં નાનો ખાડો કરી તેમાં કોલસાનો અંગાર કરે અને તેના ઉપર વાસણને ગરમ કરી કલાઈ લગાડે. પીળું વાસણ અચાનક ચાંદી જેવું ચમકવા લાગે એ જોવાની બાળકોને બહુ મજા પડતી. લોખંડનાં નાનાં-નાનાં વાસણોને કાટ ન લાગે તે માટે ‘ઇનેમલ’નું પડ ચડાવતા. એને પ્રચલિત ભાષામાં ‘કોડી’નાં વાસણ કહેવાતાં. એય હવે ક્યાંય જોવા નથી મળતાં.૧૯૬૦ના દાયકામાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ આવ્યાં. એ હંમેશાં ચમકતાં રહેતાં, લિસ્સાં હતાં તેથી સાફ કરવાં સહેલાં હતાં અને ખાસ તો તેમાં કલાઈ કરવાની જરૂર નહોતી. એને ખટાશનો બાધ નહોતો અને કાટ પણ ન લાગે. આજે આ રોજિંદું લાગે છે, પણ ત્યારે એ અગત્યની ભેટ હતી. ભારતમાં ત્યારે સ્ટેનલેસ સ્ટીલ બનતું નહીં તેથી વાસણો વિદેશથી આયાત કરેલાં પતરાં (શીટ્સ)માંથી બનતાં. તે છતાં એ પરવડે તેવી ‘રેન્જ’માં હતાં. ૧૯૭૬ પછી એ સ્ટીલ અહીં બનવા લાગ્યું તેથી વાસણો સસ્તાં અને પ્રચલિત થયાં. એટલે સુધી કે જૂનાં કપડાંને બદલે વાસણ આપી જનારી સ્રીઓના ટોપલામાં હવે આ વાસણો દેખાવાં લાગ્યાં.
એલ્યુમિનિયમનાં પણ વાસણ આવ્યાં, પરંતુ તેની ચમક હવાના ભેજમાં ઝાંખી પડી જતી. તેના ઉપાય તરીકે હિન્ડાલ્કો કંપનીએ ‘હિન્ડાલિયમ’ નામે મિશ્ર ધાતુ બનાવી જેની ચમક કાયમી હતી અને મજબૂત હતી, જેથી પાત્રોમાં ગોબા ન પડતા. ઇન્ડક્શન સગડી સાથે વાપરવા માટે સ્ટીલના વાસણના તળિયામાં એલ્યુમિનિયમ કે તાંબાનો પણ ઉપયોગ નવો છે. તેથી વીજવાહકતા સારી હોવાથી એ જલદી ગરમ થાય છે.


સૌથી મોટું આશ્ચર્ય જૂની પેઢીને માટે કાચનાં વાસણો છે, જે માઇકોવેવ માટે ખાસ બનાવ્યાં હોય છે. ડાઇનિંંગ ટેબલ ઉપર મેલામાઇન, લા’ઑપાલા અને સિરામિક્સની જે પ્લેટો અને બાઉલ
દેખાય છે તે બધાં નવી ટેક્નોલૉજીની ઊપજ છે. એ ક્રમશઃ આવ્યાં છે એટલે ચોંકાવતાં નથી.વીજ ઉપકરણો :
ગુજરાતી ભાષાનાં આ ક્રિયાપદો જુઓ : ખાંડવું, ફૂટવું, પીસવું, લસોટવું, વાટવું, ભરડવું અને વલોવવું. આ બધી પાકશાસ્ત્રની પ્રક્રિયાઓ છે, જેના માટે જુદાજુદા આકારનાં સાધનો હતાં. તેમાંનાં મોટાં ભાગનાં પથ્થરનાં હતાં, કેટલાંક લોખંડનાં કે લાકડાનાં ! સ્વાદના શોખીનોની નજરે દરેક પ્રક્રિયા આગવી હતી, પરંતુ એ બધી જ ગૃહિણીનાં બાવડાંના બળે થતી. ઇલેક્ટ્રિસિટી આવ્યા પછી (પણ ઘણા સમય બાદ) આ બધાંનું યાંત્રીકરણ થઈ ગયું છે. મોટા ભાગની ક્રિયામાં તો મિક્સર-ગ્રાઇન્ડર એકલું જ કરી આપે છે, તો કેટલીક લુપ્ત થઈ ગઈ છે. સંભવ છે કે કેટલાક સ્વાદ આપણે હંમેશ માટે ખોઈ દીધા હોય, પણ એ પરિવર્તનનો ભાગ છે.
એક આધુનિક સાધન છે જેમાં વીજળીનો ઉપયોગ નથી – તે છે પ્રેશર કૂકર. એ સમય બચાવે છે, બળતણ બચાવે છે અને કેટલાકના મતે ખોરાકમાં પૌષ્ટિક તત્ત્વો જાળવી રાખે છે. ઘણાને
નવાઈ લાગશે, પરંતુ ૫૦ વર્ષ પહેલાં પણ વરાળથી ખોરાક પકાવવાનો ખ્યાલ હતો. તે માટે ખાસ બનાવટનાં કૂકર પણ બનતાં, (જુઓ ચિત્ર) કેન્ડલવાળા વૉટર ફિલ્ટરની જેમ એક ઉપર બીજું એમ બે વાસણ હતાં. એક નળી જેવી રચનાથી વરાળ નીચેનાં ખાનામાંથી ઉપરનાં ખાનામાં જતી. વાલ્વ કે રબ્બરની ગાસ્કેટની હોવાથી વરાળનું દબાણ વધારે ન હતું, છતાં રસોઈ ચડવાનો સમય ઘટતો અને બળતણનો બચાવ થતો જ. માણસમાં મૌલિકતા હમેશાં જ રહી છે!!
સૌજન્યઃ જુલાઈ ૨૦૨૫ * નવનીત સમર્પણ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઇશ્વરના ઇ મેઇલ..૧૭
પિંડ હજુ બંધાતો નથી..
નીલમ હરીશ દોશી
ટકોરા દઇશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઇ દીવાલ તોડીને તને મળવા નહી આવું.પ્રિય દોસ્ત,
દોસ્ત, તને ખબર છે તારે દરવાજે હું અનેક વાર ટકોરા મારું છું.પણ કમનસીબે તારા નિત્યના કોલાહલમાં મારા ટકોરા તને સંભળાતા નથી. અને હું પાછો ફરી જાઉં છું. તને મળવાની મારી ઇચ્છા અધૂરી જ રહી જાય છે.હું કંઇ તું ઇચ્છે અને તું ઓળખે એ જ સ્વરૂપે તને મળવા આવું એ જરૂરી નથી. તેં મને અનેક ઘાટ, આકાર, સ્વરૂપ આપ્યા છે.પણ હું તો નિરાકાર..કોઇ પણ આકાર ધારણ કરીને, કોઇ પણ સ્વરૂપે તારી સમક્ષ આવી શકું છુંતું કદાચ કહીશ કે તો પછી મારે તમને ઓળખવા કેમ ? દોસ્ત, કોઇ પણ ગરીબ, કોઇ જરૂરિયાતમંદ, કોઇ દુખી માણસ તારી પાસે આવે ત્યારે બની શકે એમાં કોઇ એકાદમાં હું પણ હોઇ શકું. તો દોસ્ત, એવી કોઇ વ્ય્કતિનો તારે હાથે તિરસ્કાર ન થાય એ માટે સતર્ક રહીશ ? મારો કોઇ ભરોસો નહીં કે મારું કંઇ ઠેકાણું નહીં કે હું કયા સ્વરૂપે, કયારે આવું ? તું જો તારે આંગણે આવેલ દરેક માનવનું સન્માન કરવાની આદત પાડે તો એમાં હું ગમે તે સ્વરૂપે આવું તો પણ મારું સન્માન થઇ જ જાય ને ?
દોસ્ત, ગઇ કાલે જે ચાલી ગઇ છે એની ચિંતા ન કર. ભૂતકાળ એ જીવનનો એક ભાગ છે. તેને વર્તમાન જીવનમાં કેવી રીતે ગોઠવવો તે સમજ માગી લે છે.સંજોગો ન બદલી શકાય તો વાંધો નહીં આપણે તો બદલી શકીએ ને ? બદલાવાનું આપણે છે. અને તો સંજોગો આપોઆપ બદલાશે. ખીલીનું માથુ દીવાલ તરફ રાખીને હથોડા મારીશું તો ખીલી દીવાલમાં નહી જાય, જરૂર દીવાલ બદલવાની નહી, ખીલીની દિશા બદલવાની છે.
મોત, એકલતા, ગરીબી, વૃધત્વ, બીમારી આ બધુ આપણા હાથમાં નથી. પણ આપણા હાથમાં છે આપણું મનોબળ, આંતરિક સામર્થ્ય, મક્કમતા, ધીરજ, પુરુષાર્થ..
તને અનન્ય વિચારશક્તિ ધરાવતું મગજ આપ્યું છે. જેની મદદથી તું જીવન પ્રત્યેનો તારો અભિગમ બદલી શકે છે. જીવનને જુદી રીતે નિહાળી શકવાનું સામર્થ્ય ધરાવી શકે છે. એક જ વાતને તું અનેક રીતે મૂલવી શકે છે. કઇ રીતે મૂલવવું એનો આધાર તારી પોતાની વિવેકબુધ્ધિ પર છે અને દોસ્ત, તને મારામાં શ્રધ્ધા હોય કે ન હોય, મને તારામાં અખૂટ શ્રધ્ધા છે. મારા શ્રધ્ધાને તારા પરિશ્રમનું, તારી નિષ્ઠાનું, તારી સચ્ચાઇનું પીઠબળ મળશે ને ?
દોસ્ત, જીવનમાં સારી નરસી દરેક પળ આવતી રહે છે, સારી, નરસી ઘટનાઓ બનતી રહે છે પણ કમભાગ્યે આપણું ધ્યાન ખરાબ ઘટનાઓ પર વધારે રહે છે. તેથી ઘણી મજાની અને પ્રસન્ન ક્ષણો ચૂકાઇ જાય છે. દોસ્ત, તારી દ્રષ્ટિ જીવનની સુંદરતા તરફ રહે એવી આશા સાથે
લિ, તારો દોસ્ત, ઇશ્વર
પ્રાર્થના એટલે પરમ સાથેની નિસ્બત, કોઇ અકળ સાથે જોડાતો દિલનો તંતોતંત નાતો
જીવનનો હકાર
અગર ઇશ્વરને ચાહો છો તો ઇશ્વર તમને ચાહે એવા કાર્ય કરો.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
હ્યુસ્ટનનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કલમનો ઉત્સવ’…
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૨મી બેઠક રવિવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૫ ના રોજ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી, જેમાં આશરે ૯૫-૯૭ જેટલા સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી-વંદનાથી થઈ હતી.
ત્યારબાદ નરેન્દ્રભાઈ વેદે આ ખાસ બેઠક “કલમનો ઉત્સવ”નાં મુખ્ય મહેમાન, ગુજરાતનાં સુપ્રસિદ્ધ કવિ શ્રી કૃષ્ણ દવે અને તેમનાં ધર્મપત્ની મધુબેન, હ્યુસ્ટનનાં કવયિત્રી દેવિકાબહેન ધ્રુવ, મુખ્ય પ્રાયોજક ડૉ. કોકિલાબહેન પરીખ અને હાજર રહેલા સૌ ગુજરાતી સાહિત્ય રસિકોનુ સ્વાગત કર્યું હતું, તથા આ houseful કાર્યક્રમ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. તત્પશ્ચાત, શ્રી હસમુખભાઈ દોશીએ મુખ્ય મહેમાન શ્રી કૃષ્ણ દવેનું અને કોકિલાબહેન પરીખે કવિશ્રીનાં ધર્મપત્ની મધુબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
બેઠકના પ્રથમ તબક્કાની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતાએ મુખ્ય મહેમાનનો પરિચય આપતાં જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ દવે, એ આબાલવૃદ્ધ સૌને એમનાં કાવ્યો થકી આનંદ કરાવતા માતૃભાષા ગુજરાતીના ખૂબ જ લોકપ્રિય અને અનેક ઍવોર્ડોથી સન્માનિત એક ઉમદા કવિ છે. અત્યાર સુધી એમનાં છ કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયાં છે; જેમાં બાળકાવ્યો, ગીતો, ગઝલો, વ્યંગકાવ્યો, લયબદ્ધ અને અછાંદસ કાવ્યોનો સમાવેશ થાય છે. તેઓની કાવ્યપઠન-યાત્રા ગુજરાતનાં નાનાં-નાનાં ગામડાંઓથી માંડીને ભારતનાં શહેરો ઉપરાંત વિદેશમાં મસ્કત, દુબઈ, કેન્યા, ઈંગ્લેંડ, અમેરિકા, અને સાઉદી અરેબિયામાં વસતા ગુજરાતીઓ સુધી વિસ્તરી છે.
સભાનું સુકાન કવિશ્રીને સોંપાતા જ એમણે એમની પ્રખ્યાત કવિતા “મારી સાથે આવો” રજૂ કરી હતી અને ત્યારબાદ માળામાં મોતી પરોવતાં હોય એમ એક પછી એક “તો ચાલને રમીએ પળ બે પળ,” “કેમ છે, મઝામાં છે ભાઇ?” “કોઈ ઉગાડૅ એમ કદી ઉગવાનું નંઈ,” “અમને શું ફેર પડે બોલો,” “આપણે તો મલકાતાં રહીએ,” “વાત શું કરે,” “અમે તો ક્યાંય ગયાં નંઈ” એમ બાર કાવ્યોનું પઠન કરીને સભાની વાહવાહી ઝીલી હતી.

આ રજૂઆતોમાં જે બે ગઝલો એમણે રજૂ કરી તે વિશેષ ધ્યાનાકર્ષક રહી. એ હતી રામાયણ અને મહાભારતનાં પાત્રોને વણી લઈને લખાયેલી ગઝલો – ‘આવશે, એ આવશે.’ અને ‘એક માથાકૂટ.’
‘ જે કરવાનાં હતાં જ નહીં,એ કામ કર્યાની માથાકૂટ છે.
મોરપીંચ્છને હડસેલીને, મુકુટ ધર્યાની માથાકૂટ છે.’બેઠકનાં દ્વિતીય તબક્કામાં શ્રી કૃષ્ણ દવેના હસ્તે ગુજરાતી સાહિત્ય સરિતાનાં વરિષ્ઠ સભ્ય અને ગુજરાતી ડાયસ્પોરાનાં કવયિત્રી દેવિકાબહેન ધ્રુવનાં કાવ્યસંગ્રહ ‘અહીં જ બધું’ નું વિમોચન થયું હતું, જે સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. કોકિલાબહેન પરીખ દ્વારા દેવિકાબહેનનો પરિચય અપાયા બાદ દેવિકાબહેને એમનું વક્તવ્ય રજૂ કર્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતી સાહિત્ય સરિતા ૨૪મું વર્ષ સમાપ્ત કરીને ૨૫માં વર્ષમાં પ્રવેશે છે એની ખુશી તો એમને હતી જ, પણ એ ઉપરાંત એમના શબ્દોની સાધનાને સાર્થક કરતા આ પુસ્તકનાં વિમોચનની જે અનેરી ખુશી એમની વાણીમાંથી ઝરી એ હાજર રહેલાં સૌએ અનુભવી હતી.
ત્યારબાદ પુસ્તકનાં વિધિવત વિમોચન પ્રસંગે શ્રી કૃષ્ણ દવેએ દેવિકાબહેનને ખૂબ શુભેચ્છાઓ પાઠવીને એમનાં કાવ્યસંગ્રહમાંથી થોડાંક ચૂંટેલા કાવ્યોનું પઠન કરીને એમની લેખનકળાને બિરદાવી હતી.

એ પછી દેવિકાબહેને પણ એમનાં મનગમતાં કાવ્યો “લ્યો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે” અને “શતદલ પંખ ખીલત પંકજ પર” વગેરે વાંચી સંભળાવ્યાં હતાં જેમાં એમની કલમ પરની હથોટી સુપેરે વ્યક્ત થઈ હતી.
ત્યારબાદ સંસ્થાનાં વરિષ્ઠ સભ્ય એવાં ભાવનાબહેન દેસાઈના સુમધુર કંઠે દેવિકાબહેનની બે સુંદર રચનાઓ ‘કલમને કરતાલે’ અને ‘અણધારી આ હલચલ થઈ ગઈ’ સાંભળવાનો અનેરો લ્હાવો પણ મળ્યો, જેમાં શબ્દ સાથે સૂરનો સુભગ સમન્વય પ્રેક્ષકોએ માણ્યો હતો.
કાર્યક્રમના આ બીજા તબક્કાના અંતે સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈએ દેવિકાબહેનને સન્માન-પત્રક અર્પણ કરીને સૌને એ વાંચી પણ સંભળાવ્યું હતું.
ત્રીજા તબક્કામાં શ્રી કૃષ્ણ દવેએ હળવી શૈલીમાં થોડાંક બાળગીતો રજૂ કરીને સૌને ખડખડાટ હસાવીને વાતાવરણમાં હળવાશ ભરી દીધી હતી. વળી, શ્રમથી ચહેરા પર જે પરસેવો રેલાય એની પર જ્યારે ગીત રજૂ કર્યું અને ‘પણ આ માઈક મળે તો કોઈ છોડે?’ એની રમૂજી લઢણમાં રજૂઆત કરી ત્યારે તો શ્રોતાઓમાં જાણે હાસ્યનાં મોજાં જ ફરી વળ્યાં! અંતમાં “વાંસલડી.કોમ, મોરપીંછ.કોમ” ની રજૂઆતને સૌએ ખૂબ માણી અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
આ યાદગાર બેઠકના સમાપન પહેલાં, હાજર રહેલ ૯૫ વર્ષના વાર્તાકાર શ્રી આનંદરાવ લિંગાયતે સભાને બે શબ્દોથી સંબોધી, વાંચન અને લેખન તરફ ભાર મૂક્યો હતો, સંસ્થાના સ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું તથા ડો. શ્રી કમલેશ લુલ્લાએ શ્રી કૃષ્ણ દવેને નાસાનું એક પિક્ચર ભેટ ધર્યું હતું.. આ ઉપરાંત શ્રી રાહુલ ધ્રુવે પણ પુસ્તક વિમોચન અંગે કવિનું બહુમાન કર્યું હતું.
છેલ્લે બેઠકની અપ્રતિમ સફળતા માટે જેઓએ તન, મન, ધનનું અનુદાન કર્યું હતું એ સર્વેનો નરેંદ્રભાઈ વેદે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં મુખ્ય મહેમાન શ્રી કૃષ્ણ દવે અને તેમના ધર્મપત્ની મધુબહેનનો એમનાં અમૂલ્ય સમય માટે, હ્યુસ્ટનનાં કવયિત્રી દેવિકાબહેન ધ્રુવનો એમનાં કાવ્યસંગ્રહનાં વિમોચનની તક આપવા માટે, મુખ્ય પ્રાયોજક ડૉ. કોકિલાબહેન પરીખ અને જગદીશભાઈ કોઠારીનો એમના નાણાંકીય સહયોગ માટે તથા હસમુખભાઈ દોશીનો એમના હરહંમેશ અનુદાન અને માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો. આ ઉપરાંત, અન્ય અનુદાતાઓ ઈનાબહેન પટેલનો રેડિયો પ્રસારણ માટે, શ્વેતાબહેન શ્રોફનો પ્રાર્થના અને કાર્યક્રમના અહેવાલ-લેખન માટે, ભાવનાબહેન દેસાઈનો કાવ્યોની સ્વરબદ્ધ રજૂઆત માટે, પ્રકાશભાઈ મજમુદારનો sound system માટે, જયંતભાઈ પટેલનો photography માટે, અવનીબહેન મહેતાનો flyer design અને videography માટે, દેવિકાબહેન ધ્રુવનો જોડણીસુધાર માટે, રિદ્ધિબેન દેસાઈનો અહેવાલને વેબસાઈટ પર upload કરવા માટે, City of Sugar Landનો હોલ માટે, તથા અન્ય અગણિત સ્વયંસેવકોનો એમનાં મૂલ્યવાન સહયોગ માટે આભાર માન્યો હતો.
છેવટે, આ કાર્યક્રમની વિવિધ લાક્ષણિક પળોને વાગોળતાં-મમળાવતાં, કાર્યક્રમના આયોજનને બિરદાવતાં તથા Honest Restaurant નાં boxed dinnerને સાથે ઘરે લઈ જતાં સૌ ભાઈબહેનો છૂટાં પડ્યાં હતાં.
અસ્તુ..
અહેવાલ લેખનઃ શ્વેતા શ્રોફસંપાદનઃ દેવિકા ધ્રુવ
-
રાવણ દહન – મહેન્દ્ર શાહ – હિંદુ જૈન મંદિર, પિટ્ટસબર્ગ – તા. ૫ ઓક્ટોબર ૨૦૨૫
