વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ડૉ. ભુપેન હઝારીકા

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

     

    આજથી આઠ દસ વર્ષ પહેલાં કેપ્ટન નરેન્દ્રભાઈ ફણસેએ તેમના બ્લૉગ પર તેમના ‘અસામાન્ય અનુભવો’ની યાદો ટપકાવતાં ટપકાવતાં હિંદી ફિલ્મોનાં ગીતોને પોતાની તદ્દન આગવી રીતે યાદ કર્યાં હતાં. તેમની એ યાદોને તેમણે ‘સંગીતની કેડીએ’, ‘જિપ્સીનો વિસામો’ જેવાં શીર્ષકો હેઠળ સાંકળી લીધેલ હતી.

    એ લેખો ગીત અને વિષય વૈવિધ્યની દૃષ્ટિએ તો ફરી ફરીને વાંચવાનું મન થાય જ છે, પણ તેની સાથે એ ગીતો સાથે તેમની યાદો અને વિચારોને પણ જાણવા માણવાની અનેરી મજા છે.

    કેપ્ટન સાહેબની સહમતિથી એ લેખો પૈકી કેટલાક લેખો આપણે વેબગુર્જરી પર  દર મહિનાના ત્રીજા શનિવારે રજૂ કરીશું.

     

    સંપાદક મંડળ, વેબ ગુર્જરી


    ડૉ. ભુપેન હઝારીકા

    ડૉ. ભુપેન હઝારિકા (૮-૯-૧૯૨૬ થી ૫-૧૧-૨૦૧૧)ની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે Inland Waterways Authority of India દ્વારા  શરૂ  કરાયેલા  આ  વર્ષ  દરમ્યાન  ચાલનારા  કાર્યક્રમો દ્વારા ડૉ. હઝારિકાનાં સંગીત  અને કાર્યક્રમો વડે આસામની સંસ્કૃતિ અને નદીઓ સાથેનાં ઘનિષ્ઠ જોડાણને અંજલિ અપાશે..

    કેપ્ટન નરેન્દ્ર ફણસેનો ડૉ. ભુપેન હઝારિકાની અંજલિ સ્વરૂપ લેખ તેમના બ્લૉગ પર ૭ નવેંબર ૨૦૧૧ના રોજ પ્રકાશિત થયેલો.


    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    ગુવાહાટીમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગાયક તન્મયતાથી ગાઇ રહ્યા હતા. વરસતા વરસાદમાં શ્રોતાઓ એટલી જ તન્મયતાથી સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થવાની જાહેરાત કરવા કાર્યક્રમના સંચાલક સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની પાસે ‘ફક્ત એક ખાસ ગીતની ફરમાએશ આવી. સંચાલકે સહી જોઇ, ચિઠ્ઠી મોકલનાર તરફ જોયું, માનથી ગરદન હલાવી અને તરત ગાયક પાસે ગયા. વિનંતિ રજુ થઇ અને ગાયકે આસામીયામાં ગીત ગાયું, ‘મોઇ એતી જાજાબોર..’

    ગાયક હતા ડૉ. ભુપેન હઝારીકા. ફરમાયેશ મોકનાર હતા ભારતના તે સમયના પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીજી. વાહ તે ગાયક અને વાહ તેમના ચાહક!

    જિપ્સી ભુપેનદાને અંજલિ આપવા માટે લેખ લખવા બેઠા અને તેમના મિત્ર શ્રી. ગજાનન રાવલે તેમને બિરેન કોઠારીએ તેમના પોતાના બ્લૉગમાં લખેલ લેખ,  ઘેઘૂર કંઠના સ્વામીની વિદાય તરફ ધ્યાન દોર્યું. બિરેનભાઇના  ચિત્રફલક સમા એ લેખમાંથી ભુપેન’દાનાં ગીતોનો આંશિક  રંગપટ અહીં પ્રસ્તુત કરેલ છે.

    ૧૯૮૮માં દૂરદર્શન પર પ્રાઈમ ટાઈમમાં આવતી ‘લોહીત કિનારે’ના શીર્ષક ગીત

    ओ मोरे सजना  BRAHMAPUTRA THE SON OF BRAHMA નું થીમ ગીત

    https://youtu.be/Uj8JppzXiY4?si=iOkhFg3dp0ivMYKO

    ओ गंगा बहती हो क्यूँ નું પહેલાનું એક સંસ્કરણ , ગીતકારઃ નરેન્દ્ર શર્મા

    દિલ હૂમ્ હુમ્ કરે – રૂદાલી (૧૯૯૩)  – ગીતકારઃ ગુલઝાર

    ભુપેન હઝારિકાના સ્વરમાં

    લતા મંગેશકરના સ્વરમાં

    ફિલ્મ દરમિયાં’નું ગીત.

    ફિલ્મ ‘દમન’ નું ગીત

    ૧૯૭૪માં આવેલી આત્મારામ નિર્દેશીત ફિલ્મ આરોપ’ને તેમના સંગીત દિગ્દર્શનવાળી પહેલી હિન્દી ફિલ્મ કહી શકાય,

    લતા મંગેશકર સાથે ભૂપેનદાનું ‘એક પલ’ ફિલ્મનું એક અદભૂત યુગલ ગીત

    ચિત્રકાર મકબૂલ ફિદા હુસેને દિગ્દર્શીત કરેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ગજ ગામિનીમાં પણ તેમનું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત

    અને અંતમાં અટલજીની વિનંતિથી ભુપેનદા’એ ગાયેલ ગીત – હું એક યાયાવર – જિપ્સી છું, ‘મોઇ એતી જાજાબોર’ સાંભળીશું.

    https://youtu.be/fFH4fqfINNQ?si=1GiSTiTAWv1qHqsb

    બિરેનભાઇના બ્લૉગમાં “આમિ એક જાજાબોર’ છે તે મૂળ અસમીયા ગીતનું બંગાળી ભાષાંતર છે.


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ઉતાવળે કરેલા નિર્ણયો અમને યે ભારે પડી ગયા !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    જીંદગીમાં સંજોગો બધા સાનુકૂળ રહ્યા હોય તો ‘પાસ’ તો જરૂર થવાતું હો ય છે,  પરંતુ ‘નાપાસ’ થવાના પ્રસંગો પણ કાંઇ થોડા હોતા નથી. આજ નાપાસ થયાના થોડા પ્રસંગો યાદ કરવા છે.

    [૧] “સંબંધી-સગા”  થવાની ઉતાવળ:  વાત છે ૧૯૫૫ની સાલની. મારા કાકાના સસરાનું ગામ ભટવદર, અને ભટવદરમાં બીજાયે ઘણા સગા રહે. કુટુંબના વડીલ તરીકે મારા બાપાને અવાર-નવાર તેમને ત્યાં જવાનું થાય. આજે પણ ગામડા ગામનો એવો રિવાજ કે આડોશ-પાડોશ, સ્નેહી-સંબંધીને ત્યાં મહેમાનને ચા-પાણી પીવામાટે તેડી જાય. ભટવદરમાં ભગવાનભાઇ ગોરસિયા આબરૂદાર પટેલ. એમને ત્યાં તો મારા બાપાને ફેરે ફેરે ચા-પાણી અર્થે જવાનું બને જ ! મારા બાપા અને ભગવાનભાઇનો એવો જીવ મળી ગયો કે એક દિવસ ભગવાનભાઇએ દરખાસ્ત મૂકી કે “ ભીખાપટેલ ! મારે દીકરિયું છે પાંચ અને તમારે દીકરા છે પાંચ. હાલોને આપણે “સગા” થઈએ !” મારા બાપા કહે,” આતો ગોળ પેય ગળ્યું ! તો પછી…તમારી આ ‘ઢીંગલી’ મેં પાસ કરી લીધી. હવે હાલો મારી સાથે મારે ગામ.અને ભગવાનપટેલ આવ્યા અમારે ઘેર.મારાથી નાના મારા ભાઇ નરશીને દેખાડ્યો. [મારી સગાઈતો કહે છે કે ભાખણભરિયા હાલતા તે દિ’ કરી વાળેલી.] ઘડીક વિચાર કરી ભગવાનપટેલ કહે,” મને દીકરો બેક મોટો લાગે છે !” તો મારા બાપા કહે,” કંઇ વાંધો નહીં, આપણે સગા થવું એ વાત પાક્કી જ છે તો પછી એ ભલે બાકી રહ્યો, એ…. રામજી ! અહીં ઓરો આવ્ય, આ છોકરામાં ધ્યાન પડે છે તમારું ?” અને રામજીની સામું જોઇ ભગવાનપટેલ બોલ્યા કે “ હા, આ બરોબર ! આપણે  દીકરી દીધી તમારા આ રામજી છોરા વેરે ! અને ચૂંદડી-ઘરેણું ચડાવી વેવિશાળ જાહેર કર્યું.

    હવે બન્યું એવું કે પાંચમે વરસે ભગવાનપટેલના આવ્યા સમાચાર કે “મોટી બે દીકરિયુંની સાથોસાથ આ નાની દીકરી “સમુ” નાયે વીવા કરી વાળવા છે, એટલે લગ્ન લઈ બ્રાહ્મણ આવશે, વધાવી લેજો”. અમે મુંઝાયા. આ તો બાળલગ્ન કહેવાય ! અને રામજીને તો હજુ ભણવાનું ઘણું બાકી હતું. ભગવાન પટેલ જેવા સારા સગા હોવાછતાં અમારે એ સંબંધ ફોક કરવો પડ્યો. તમે જ કહો ! એકબીજાની લાગણીમાં આવી જઈ, આગળ-પાછળનું ઝાઝું વિચાર્યા વિના ઉતાવળે લીધેલા નિર્ણયથી સંબંધ તો વિંખાયો પણ ભગવાનભાઇ જેવા સાથેની ગાઢ મૈત્રીમાં ભંગ પડ્યો ! ભટવદર સગાને ત્યાં મારાબાપા જાય તો ભગવાનભાઇ મોઢું બતાવતા બંધ થઈ ગયા !

    [૨] હળદરની ખેતી બાબતે ઉલળી કૂદકો માર્યો :  મહેંદ્રસિંહ શેખવા-અમારા ગ્રામસેવકની બદલી સાવરકુંડલા થયેલી. હું, બાબુભાઇ જાદવાણી, મગનભાઇ જોષી અને બીજા બે જણ- અમારે સાવરકુંડલા જવાનું થયું,અને શેખવાભાઇને મળવા બોલાવ્યા. શેખવાભાઇ તો ખેતીની સારી બાબતો સૌ ખેડૂતોને પહોંચાડવામાં ખરા માહીર ! કહે,”હીરજીભાઇ ! આટલા બધાનો તમારો મેળ જોઇ, અહીંની હળદરની ખેતી દેખાડવાનું મને મન થયું છે, છે ગાળો ?” મેં કહ્યું, તમે દેખાડતા હો એ જોવા-સમજવા ગાળો લેવો જ પડેને ? હા, આવી જાઓ જીપમાં.” અને અમે ગયા ગોપાળગ્રામ-ઢસા જ્યાં હળદર વાવી હતી તે ખેડૂતને ખેતરે. તો હળદર ખેંચી લીધેલી.ગયા ઘેર.ડેલીમાં ઘરતાં જ ફળિયાંમાં હળદરના ગાંઠિયાનો મોટો અણીશગ ઢગલો ભાળ્યો,ને માળું મન લલચાયું હળદરની ખેતી કરવા !

    હળદર તલક છાંયડામાં થઈ શકતો પાક છે એવી માહિતી મેં મેળવેલી, એટલે સાગના પ્લાંટેશન વચાળે થોડીક હળદરનો પ્રયોગ કરી જોવાની ગણતરીથી મેં દસ મણ બિયારણનું બાનું આપ્યું. ત્યાંથી બહાર નીકળ્યા પછી અમારા વડીલ બાબુભાઇ કહે, મને વધુ વિસ્તારમાં હળદર વાવવાનું મન થાય છે, એ ભાઇને ફોન કરીને કહો કે તમારે જે ભાવ લેવો હોય તે લેજો, પણ અમારે તમારા હળદરના આખા ઢગલાની જરૂર છે.” અને સાચ્ચે જ, બે ટ્રેક્ટર લઈ બધી જ હળદર ભરી આવ્યા અને  ખેતી કરી. હળદરની માવજત, સેવા-ચાકરી રસથી કર્યાં. હળદર થઈ ખુબ સારી પણ જે સમયે લીલી હળદરની માંગ બજારમાં હોય ત્યારે જો હળદરની કાપણી કરી હોય તો પૂરા ભાવ લઈ શકાય એવો અનુભવ નહીં ને એ વખત વીતી ગયો ! પછી તો કરી સૂકવણી,પણ કંઇ વળ્યું નહીં. નાનકડો પ્રયોગ કરી, બધી વિગતો જાણ્યા વિના જે મોટી બથ ભરાઇ ગઈ અને હળદરની ખેતી નુકશાની વહોરાવી ગઈ.

    [૩] “જથ્થાબંધ કામ” ના લોભે ઉધારીમાં ખેતીકામ કર્યું :   વરસો પહેલાં મારા નાનાભાઇ નરશીએ એગ્રો સર્વિસ સેંટર શરૂ કરી ટ્રેકટરો દ્વારા ભાડેથી ખેડૂતોના ખેતીકામો કરવાનું ચાલુ કરેલું. બાજુના ગામ-ગઢાળીના એક ખેડૂતે એક મહિનો પૈસાની ખમત માગી ૧૦૦ વીઘા જમીનમાં ટ્રેકટરની ખેડ કરી દેવા માગણી કરી. અમારે કામની સિઝન ઢીલી હતી અને કામ સો વિઘા જેવું એક જ જગ્યાએ મળતું હતું,અને મહિના કેડે તો એ ભાડાના પૈસા કંઇ નથી દેવાનો એવું થોડું છે ? માની  અમેતો ખેતીકામ કરી દીધું. ભાડાની રકમ કંઇક ૧,૪૦૦-૧,૫૦૦ જેવી થતી હતી. એણે કરેલા વદાડ પ્રમાણે મહિનો વિત્યો એટલે યાદ અપાવ્યું,તો કહે હજુ થોડા દિ’ ખમો. બે મહિના,અઢી મહિના, ત્રણ મહિના થયા પણ માળો પૈસા દેવામાં ગલ્લા તલ્લા કરે ! જણ હતો જાણીતો,પણ એનાં પેટમાં પાપ હશે એવી અમને ખબર નહીં. છેવટે એક દિવસ આકરા થઈ ઉઘરાણી કરી તો માળો ઉલળ્યો ! “હીરજીભાઇ ! પૈસાતો સામા તમારે દેવા પડે એમ છે.” કેમ ?” હું તો આભો જ બની ગયો.તે કહે-“ તમારા ટ્રેક્ટરે તો જમીન પોચી કરવાને બદલે એવી ટોરી નાખી હતી કે મારે લાકડાના હળનો હલસો [સમૂહ] કરી ઊખેડવી પડી ! ખરચો તો મારે થયો છે,ને ઉલટાના ઉઘરાણી કરો છો ?” બોલો,શું કહેવું આમને ? ત્રણ ત્રણ મહિના ટટળાવ્યા પછીયે બાંડો જવાબ દઈ દીધો ! દેવદેરાં ચડતાં ચડતાં અમારાથીયે જથ્થાબંધ કામની લાલચે ખોટી ઉતાવળ થઈ ગઈ ને હડમાનની હડીએ ચડી જવાયું. એ ખેડૂતનો સ્વભાવ-દાનત કેવા છે એ વિષે કોઇ અન્ય ઓળખીતાનો અભિપ્રાય લઈને પછી ઉધારે કામ કરવાને બદલે ઉલળી કૂદકો મારી દીધો ને ૧૫૦૦ રૂપિયાનું આંધણ મૂકાઇ ગયું. પછીથી તો ધંધો ન થાય તો ન કરવો બાકી ઉધારે કોઇનું  કામ કરવું નહીં તેવું નીમ લીધું.

    [૪] “સાગ” વાવી-સોનું લણવાની વાતમાં આવી ગયા :  વરસો પહેલાં એક એવો જુવાળ ઊભો થયેલો કે “સાગ વાવો અને સોનું લણો” લોકો પાસેથી યુક્તિ પૂર્વક પૈસા ખંખેરાવાની એવી સ્કીમો યુક્તિબાજોએ કાઢેલી કે “૫૦૦ રૂપિયા રોકો,અને સાગનો છોડવો દોતી પંદર વરસે લાખો કમાઓ”  અમે એવી પૈસા રળાવી આપતી કંપનીની સ્કીમોમાં તો નાણાં ન રોક્યા, પણ “સાગની ખેતીમાં ખૂબ કમાણી હશે” એવુ માની લઈ, અમારી વાડીમાં ૨૫ વીઘામાં બહારથી સ્ટંપ લાવી સાગ-સેવનનું  વાવેતર કર્યું, અને ડ્રીપ બેસાડી, ખાતર-પોતરની માવજત આપવામાં કોઇ ખામી ન રહેવા દીધી. ગાદલું ને ગોદડું બે જ આપવાનું બાકી રાખેલું, પણ સાગે જોઇએ એવો હોંકારો ન આપ્યો. ઉંચાઇ પકડી ગયો,પણ માળો ડીલે લોંઠકો થાય તો કંઇ ઇમારતી બર નીકળે, અને તો કંઇક પૈસા ભળાય ! નીચે પથ્થરવાળી અમારી ચીકણી જમીન અને અમારું નપાણિયું અને ગરમ વાતાવરણ સાગને ફાવશે કે નહીં તેનો લાંબો અભ્યાસ કર્યા વિના કરી નાખેલી ઉતાવળ અમને નડી અને 6-7 વરસે સાગને જેસીબી મૂકી કાઢવો પડ્યો. જે અમારી ૨૫ વીઘા જમીનની ૭ વરસની કમાણી લઈને ગયો !

    [૫]  પશુના બાહ્ય દેખાવમાં મોહી ગયા :

     [અ]……  ખ્યાલ તો હતો જ કે “ ગાય-ભેંશ જેવું દુઝાણું  ખરીદવું હોય તો તે વિયાંણેલું હોય તેવું ખરીદાય,અને નજર સામે દોહરાવીને એ શેલો વાળવા દે છે ને, એના ચારે આંચળ સરખા વરસે છે ને? દોહવામાં અકોણાઇ તો  નથી કરતું ને ? એ હથવાર થઈ ગયેલ નથીને ? તે દૂધ કેટલું કરે છે ? વગેરેની જાત ખાતરી કરી પછી જ  વહીવટ કરાય.અને આપણે જો વેચવાનું થાય તો બને ત્યાં સુધી વિયાંણા પહેલાં જ વેચી દેવાય,એવી વાતની ખબર હોવા છતાં ૨૦૧૨ની સાલમાં એક ગાય ખરીદવામાં ખોટી ઉતાવળ કરી ગયા અને દુ:ખી દુ:ખી થઈ ગયા. ગાય હતી બાજુના જ ગામના ખેડૂતની. વાને ગોરી, માથે-કાને-શિંગડે ‘ગિર’નાં જ લક્ષણો દેખાડતી, બાધલ અડાણ  અને પૂરી હાડેતી. એણે કહ્યું કે “વિયાંવાને એક મહિનાની વાર છે” એ ભાઇના વેણ ઉપર વિશ્વાસ રાખી રૂપિયા ૩૨ હજાર રોકડા દઈ દોરી લીધી. એક મહિનો ઉતર્યો, બે મહિના ઉતર્યા, ત્રણ મહિના ઉતર્યા પણ ગાય વિયાંવાના એંધાણ જ વરતાવે નહીં ! છેવટે સાડા ત્રણ મહિને વિયાણીતો ખરી,પણ બચ્ચાં જણ્યાં બે ! દૂધ એને પાવું કે આપણે દોહવું ? અને દોહવા બાબતે એવી ગાંડાઇ આદરી કે ન શેલો વાળવા દે કે ન આંચળને અડવા દે ! એવા પાટા ઉલાળે કે કરવું શું ? પછી તો  આગલા પગ ખીલા સાથે બાંધી પરાણે દોહવાય એટલું દોહીને વેતર પૂરું કરેલું બોલો ! થકવાડી દીધા એ ગાયે તો અમને. નીકળ્યા હતા “દૂઝણું“ ખરીદવા અને સામાના વિશ્વાસમાં આવી ગાય ખરીદવામાં અમે કરેલી ઉતાવળ અમને કેવી ભારે પડી ગઈ કે જેની વાત થાય તેમ નથી !

    [બ]……….   ખેડૂતોમાં એક એવીયે કહેવત છે કે ‘દૂઝાણું દોહીને લેવાય, અને બળદિયો અવાણીને ખરીદાય” વાત સાવ સાચી છે. અમારે ઘરની ગાયુના બે વાછરડા ઉછેરી એકરંગા બળદની જોડી બનાવેલી. એમાં જીવડું અડી જવાથી એક બળદ મરી ગયો ને જોડી ખંડિત થઈ ગઈ. અમે ચહેરે-મોરે અને રંગે-રૂપે અમારા બળદ જેવો હોય એવા બળદને ખરીદવાની તપાસમાં હતા અને વાવડ મળ્યા કે ગુંદાળામાં આવો એક બળદ વેચાવ છે. અમે ત્યાં ગયા.બળદ જોયો. રંગ,રૂપ, ઉંચાઇ,મોકલી, શિંગડાંનો ઘાટ અસ્સલ અમારા બળદ જેવા જોઇ, બળદ અમને ખૂબ ગમી ગયો, અને રૂપિયા ૪,૧૦૦ રોકડા આપી બળદ દોરતા જ આવ્યા.ઘેર આવી અમારા બળદની સાથે ઊભો રાખ્યો તો આંખ્યો ઠરી. માન્યું કે આપણે આપેલ ૪,૧૦૦ રૂપિયા વસૂલ !

       પણ રજકાવાયું ખેડવા લોખંડી હળે નાંગળ્યાં,ને બે ઉથલ વળ્યા ત્યાં માળો બેસી પડ્યો ! અલ્યા ભારે કરી, આતો ખૂંટલ નીકળ્યો ! ધરમાંથી કાઢી-ફોહલાવી ઊભો કરી ફરી ધરમાં નાખ્યો તો આઘેરેક હાલી ફરી બેસી ગયો.અમે તો એ વેચનાર ભાઇને ફરિયાદ કરી કે ‘તમે અમને ખૂંટલ બળદ આપ્યો.’ તો કહે “ હેં ભાઇ ! તમે હતા તો ખેડૂત,કાંઇ કુંભાર નો’તા ! બળદિયાને ખરીદતાં પહેલાં અવાણીને લીધો હોતતો ? અમે ક્યાં અવાણવાની ના કીધી’તી ? હવે તો એ બળદ શેરાય ગયો ગણાય.તમે પાછો મૂકી જાઓ તો પછી કોઇ ખરીદે જ નહીં.તમારા કર્યાં તમે ભોગવો, આવજો !”

         અમે છ મહિના સુધી શરૂઆતમાં હળવું સાંતી, પછી થોડું ભરતિયું ગાડું, અને છેલ્લે લોઢાનું હળ, એમ ધીરે ધીરે બળે વળગાડી માંડ ખૂંટલવેડા ભૂલવાડેલા ! બળદના રૂપ-રંગ જોઇ અવાણવાનું ભૂલી ગયા અને ખોટી ઉતાવળનું કેવું માઠું પરિણામ ભોગવ્યું તે અમારું મન જાણે છે.

    [૬] ભૂંડડાંના ત્રાસે ધીરજ ખોવરાવી :  2010ની સાલમાં મગફળીની ખેતીનો અભ્યાસ કરવા ચીન જવાનો મોકો મળેલો,અને ત્યાંની સફળ ખેતી પદ્ધતિને પંચવટી બાગમાં અમલમાં મૂકી મગફળીનું વાવેતર કર્યું. પણ ભૂંડનો એટલો બધો ત્રાસ શરૂ થયો કે ન પૂછો વાત ! બીજ વાવ્યાં ત્યારથી રાત્રિ-રખોપું શરૂ કરવું પડ્યું. એના ત્રાસથી ઉગરવા ફરતું કાપડ બાંધી જોયું, ઝટકો મૂકી જોયો, પણ બધામાં નાપાસ ! વિચાર આવ્યો કે આપણી વાડી ફરતું ફેન્સિંગ તો છે, તેની સાથે નીચેથી અઢી-ત્રણ ફૂટ ઊંચી લોખંડની ઝાળી-નેટ લગાવી દીધી હોય તો ભૂંડના ત્રાસમાંથી કાયમખાતે વાડી બચી જાય.

    નાનોભાઇ વજુ રહે અમદાવાદ.એને કર્યો ફોન કે “તપાસ કરી અમદાવાદમાંથી 100 વીઘા ફરતી લગાડી શકાય તેવી લોખંડની નેટ જલ્દી મોકલાવી દે. તેણે તો બીજા જ દાડે 5000 રનીંગ ફૂટ નેટ મોકલી દીધી અને અમે ત્રણ-ચાર દિવસમાં વાડી ફરતેની ફેન્સિંગ સાથે લગાડી દીધી, ને થયું કે હાશ ! હવે ભૂંડના ત્રાસમાંથી તો બચ્ચ્યાં ? રાત્રિ-રખોપું બંધ કર્યું. પણ ત્રીજા દિવસે આંટો મારતાં મગફળીના પ્લોટમાં ભૂંડડાંએ કરેલું નુકશાન નજરે ચડ્યું. અરે ! ઘોળા દિવસે ચીકુડીના  ઘેરામાંથી નીકળી, નેટના કાણાં સોંસરવા ગરકી ભૂંડના બચ્ચાંને ભાગતાં ભાળ્યા ! હવે સમજાયું કે “નેટ જલ્દી મોકલો” એવા અમારા આદેશ પાલનની ઉતાવળમાં નેટ નાનાં કાણાંવાળી છે કે મોટા કાણાંવાળી એનીયે ચોક્કસાઇ કરાયા વિના ઉતાવળથી નેટ ખરીદાઇ ગઈ અને પરિણામે નેટના કાણાં મોટાં આવી જતાં, બચ્ચાં નેટ સોંસરવા નીકળી જાય,અને મોટા ભૂંડ નેટમાં માથું મારે ત્યાં કાણું વધુ  મોટું થઈ જતાં ભૂંડ પણ આરપાર આવી-જઈ શકે સગવડ સચવાઇ રહી. સવાલાખ રૂપિયા નેટ પાછળ ખર્ચાયા છતાં અમારાથી થઈ ગયેલ ઉતાવળ અમને ભૂંડના ત્રાસમાંથી ન બચાવી શકી.

    [૭].માપબારી ઉતાવળે તો બિયારણમાં “દગા” શરૂ કરાવ્યા: પાંચેક વરસ પહેલાં ધોળા તલની સરખામણીએ કાળા તલની જબરી માંગ ઊઠેલી. ખેડૂતો બસ કાળા તલનું બીજ…કાળા તલનું બીજ.. એમ કાળાતલના બિયારણની ગોતણે ચડી ગયેલા. પાડોશી દેવોભાઇ મોંઘાભાવે ખરીદી લાવેલ બીજમાંથી થોડો નમૂનો કાઢી મને બતાવતાં કહે, “ જૂઓ તો કેમ લાગે છે આબિયારણ ?“ મેં એ તલને બે હથેળી વચ્ચે ભીંસ આપી ચોળ્યા,તો હથેળીમાં રંગ ચોટ્યો,  મેં કહ્યું,”દેવાભાઇ ! આમાં થોડું પાણી નાખોતો” અને થોડું પાણી નાખી, ખૂબ દબાણ આપી ઘસ્યા તો ઉપરથી કાળો રંગ જાંખો થઈ, અંદરથી તલનો રંગ ધોળો દેખાયો. એ બીજ વાવવાનું બંધ રખાવેલું બોલો ! કાળાતલ….કાળાતલ કરી કરી ખેડૂતોએ બિયારણ બાબતે એવી માંગ ઊભી કરેલી કે વેપારીઓ ધોળા માથે કાળો રંગ ચડાવી ખેડૂતોને છેતરવાના ધંધે ચડી ગયેલા.

    માપથી જાજી ઉતાવળ વિવેકભાન ભૂલાવી નિર્ણય લેવામાં કેવી થાપ ખવરાવી જાય છે એના આ દ્રષ્ટાંતો પરથી ધડો લઈ  ધ્યાન આપતા જે કોઇ થઈશું એને પછી પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે એટલું તો ખરું ને મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • કબુતર તો ખરું પણ લીલું?

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    જ્યારે મારા મિત્રએ મને એક વાર કહ્યું કે તેણે લીલું કબૂતર જોયું છે, ત્યારે મેં તેની વાત પર વિશ્વાસ ન કર્યો. મેં હસીને કહ્યું કે તેણે જોયું તે પોપટ જ હશે અને તેનાથી જોવામાં કંઈક ભૂલ થઈ હશે- કારણ કે, કબૂતરો તો ભૂખરા રંગના હોય છે, ખરું ને? (ત્યારે પક્ષીનિરક્ષણનો મારો શોખ હજી વિકસ્યો નહોતો), પણ તેણે આગ્રહ રાખ્યો કે તેણે જે જોયું તે ખરેખર લીલા રંગનું કબૂતર હતું, જે વડના ઝાડ પર બેઠેલું હતું. જિજ્ઞાસાથી, હું બીજા દિવસે તેની સાથે જોવા ગયો.

    મેં જે જોયું તે જોઈને આશ્ચર્યચકિત રહી ગયો, તે સાચે હતા – લીલા રંગના કબૂતરો! ફક્ત એક જ નહીં, પરંતુ તેમનો આખો સમૂહ એક મોટા વડના ઝાડની ઊંચી ડાળી પર બેઠો હતો. થોડા દિવસો સુધી હું તેના વિશે વિચારવાનું બંધ કરી શક્યો નહીં. મેં તેમને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં કંઈક નવું જોયું – જમીન પર ઉતરી અનાજ ખાતા સામાન્ય કબૂતરોથી વિપરીત, આ લીલા કબૂતરો ફળો ખાઈ રહ્યા હતા, ખાસ કરીને વડ અને પીપળાના ઝાડના ટેટા. ત્યારથી, મને મારા મિત્રોને પૂછવામાં આનંદ આવતો કે શું તેઓએ ક્યારેય લીલા કબૂતર જોયા છે – અને પછી તેમને એક બતાવીને આશ્ચર્યચકિત કરી દેતો!

    Yellow footed green pigeon (Treron phoenicopterus)એ ભારતીય ઉપખંડ અને દક્ષિણપૂર્વ એશિયાના ભાગોમાં જોવા મળતી લીલા કબૂતરની એક સામાન્ય પ્રજાતિ છે. તે મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી છે. મરાઠીમાં, તેને હરોલી અથવા હરિયલ કહેવામાં આવે છે. તેને ઉપલા આસામમાં હૈથા અને નીચલા આસામમાં હૈટોલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રજાતિના પક્ષી ફ્રુગીવોર હોય છે એટલે કે ફળ ખાવાનું પસંદ કરે છે. વહેલી સવારે, તેઓ ઘણીવાર જંગલ વિસ્તારોમાં અથવા શહેરી બગીચાઓમાં, ખાસ કરીને વડના વૃક્ષોની ટોચ પર તડકો લેતા જોવા મળે છે. તેમનું શરીર નરમ લીલું, ખભા પર લીલેક-ગ્રે રંગનો  ધબ્બો અને તેજસ્વી પીળા પગ છે જેથી તેનું અંગ્રેજી નામ યેલો ફૂટેડ ગ્રીન પિજન પડયું છે.

    જો તમે તેની આંખો દૂરબીન વડે જોવો તો તે ખૂબ જ સુંદર ગુલાબી રંગની દેખાય અને તેનો નમ્ર અવાજ – લાંબો “હૂ” જાણે સિટી વગાડતા હોય તેવો – ઘણીવાર આસ-પાસના અવાજ વચ્ચે ધ્યાન બહાર રહી જાય છે. હરિયલ તેના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષો પર જ પસાર કરે છે અને ભાગ્યે જ જમીન પર ઉતરે છે.સામાન્ય રીતે માર્ચથી જૂન સુધી તેમનો માળો બાંધવાનો સમય હોય છે. તે ફળ આપતા ઝાડના પાંદડાઓમાં એક નાજુક પ્લેટફોર્મ પર માળો બનાવે છે.

    હરિયલ ફળ ખાનારા પક્ષી છે. તેઓ મોટાભાગનો સમય ઝાડની ટોચ પર વિતાવે છે, અંજીર, બેરી અને અન્ય ફળો ખાય છે. આ ખોરાકને કારણે, તેઓ પ્રકૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે – તેઓ બીજના ફેલાવામાં મદદ કરે છે, તેમની ચરક દ્વારા વૃક્ષોના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. આ રીતે, તેઓ બીજ ફેલાવી નવા વૃક્ષો ને ઊગવામાં મદદ કરે છે જેથી જંગલનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે.

    આ કબૂતરોને ખોરાક આપતા વૃક્ષો – ખાસ કરીને જંગલી અંજીરની પ્રજાતિઓ જેમ કે વડ (ficus benghalensis) અને ઊંબરો (ficus racemosa) જેને ગુલર પણ કહે છે- આપણા જંગલોમાં સૌથી મૂલ્યવાન વૃક્ષોમાંના એક છે, તેમના ફળો લગભગ આખું વર્ષ ઉપલબ્ધ હોય છે અને અસંખ્ય પક્ષીઓ, ચામાચીડિયા અને વાંદરાઓને ટેકો આપે છે. તેઓ ખરેખર “કીસ્ટોન પ્રજાતિઓ (keystone species)” છે, જે જંગલની આહાર કડીને અકબંધ રાખે છે. બીજી બાજુ, પીપળાનું વૃક્ષ (ficus religiosa) મંદિરો અને રસ્તાઓની નજીક પવિત્ર અને સામાન્ય હોવા છતાં, તે ખરેખર જંગલનું વૃક્ષ નથી. કુદરતી જંગલોમાં, તે ઘણીવાર આક્રમક રીતે ફેલાય છે, સ્થાનિક વનસ્પતિ સાથે સ્પર્ધા કરે છે. પીપળાના વૃક્ષોની અનિયંત્રિત સંખ્યામાં હાજરી કરતાં જંગલી વૃક્ષો જેમ કે ઊંબરો અને વડની હાજરી સ્વસ્થ જંગલની નિશાની છે.

    મહારાષ્ટ્રના આ રાજ્યપક્ષી હરિયલનો ઉલ્લેખ જૂના ગીતો અને કવિતાઓમાં શાંતિ અને સંવાદિતાના પ્રતીક તરીકે કરવામાં આવ્યો છે.

    આજે પણ, ઘણા લોકો એ જાણીને આશ્ચર્યચકિત થાય છે કે આવા રંગબેરંગી કબુતર તેમના પોતાના શહેરો અને ગામડાઓમાં અસ્તિત્વ ધરાવે છે.

    જો કે આ પ્રજાતિ હજુ પણ સામાન્ય રીતે જોવા મળે છે અને તેના અસ્તિત્વ પર કોઈ મોટો ખતરો નથી, પણ મોટા ફળ આપતા વૃક્ષો અને જંગલના પટ્ટાઓનું નુકશાન સ્થાનિક સ્તરે તેની સંખ્યાને અસર કરી શકે છે. મોટા વટવૃક્ષો અને ફળ આપતા વૃક્ષોની હાજરી અને રક્ષણ આ પક્ષીઓને શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખીલતા રહેવામાં મદદ કરે છે.

    જ્યારે પણ હું હરિયલના જૂથને વહેલી સવારના સૂર્યપ્રકાશમાં તડકો સેકતા જોઉં, ત્યારે મને આશ્ચર્યનો તે પહેલો દિવસ યાદ આવે છે. ક્યારેક, આવી નાની શોધ આપણને યાદ અપાવે છે કે પરિચિત સ્થાનો પણ કેટલા અપરિચિત હોઈ શકે છે.

    હરિયલને મોટા વૃક્ષો પર નરી આંખે ગોતવું થોડુંક અઘરું લાગી શકે, પણ તેનું ગીત ઓળખી શકાય છે: એક સમૃદ્ધ ધીમી સંગીતની સીટી જે “વ્હીટ-વા-હૂ”, “હૂ-હૂ” જેવી સાંભળવામાં લાગે છે. અથવા તો વૃક્ષો નીચે તેની જલેબી આકારની લીલી-સફેદ ચરક જોઈ આ પક્ષી ની હાજરી નો અંદાજો આવી શકે.

    આગલી વખતે જ્યારે તમે તેને સાંભળો, ત્યારે નજીકના પીપળ અથવા વડ તરફ જુઓ તો કદાચ તમને આ સુંદર પક્ષીની ઝલક મળી જાય.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ફૂટપાથ:કબજો બળવાનનો

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    ખબર નથી પડતી કે શાથી કેટલાક લોકોનાં મગજમાં એવી ખોટી માન્યતા ઘૂસી ગઈ છે કે અમદાવાદ શહેરમાં રસ્તાની બન્ને બાજુઓની જ્ગ્યાએ જે પગથીઓ બનાવવામાં આવી છે તે પગે ચાલતા રાહદારીઓ માટે બનાવવામાં આવી છે. ખરેખર તો તે સુખીસંપન્ન લોકોની કાર પાર્ક કરવા માટે કે દુકાનદારોનો માલ ખડકવા માટે બનાવવામાં આવી છે. કેટલીક વખત ત્યાં ચાની કીટલી કે ભજિયાંની લારી પણ મૂકાતી હોય છે. આ ઉપરાંત શાકભાજી કે અન્ય ચીજોનાં વેચાણ માટેની લારીઓ કે પથારા તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. જો કે આ ચાની કીટલીવાળા, ભજિયા કે શાકભાજી વેચતા લારીવાળા જેવા નાના માણસો પોતાનો ધંધો ઊંચા જીવે કરતા હોય છે, કારણ કે ગમે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણખાતાવાળા તેમના પર ત્રાટકે તેવો ભય તેમને સતત રહ્યા કરતો હોય છે.

    આજથી પચાસસાંઈઠ વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં બહુ ઓછા લોકો પાસે કાર હતી. તેથી સત્તાવાળાઓ લોકોને ફૂટપાથ પર ચાલવા દેતા. તેમને થતુ કે આમ પણ ફૂટપાથો ખાલી પડી રહે છે, તો છો ને લોકો તેના પર ચાલતાં. પરંતુ હવે વિકાસ થતા વધારે ને વધારે લોકો પાસે કાર આવવા લાગી. આથી પગે ચાલનારાઓ સમજીને ફૂટપાથો તેમના મૂળમાલિકો એવા ફોરવ્હીલધારકોને સોંપી દેવા લાગ્યા છે. જો જગ્યા વધે તો બાઇક કે સ્કુટર જેવા બે પૈડાના વાહનો પણ ત્યાં મૂકી શકાય છે. પરંતુ કોઇએ પણ ત્યાં ચાલવાનો વિચાર સુધ્ધા ન કરવો જોઇએ. અણહકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો અનૈતિક જ છે.

    કેટલાક દોઢ ડાહ્યાઓ યુરોપઅમેરિકાનો દાખલો આપતા કહેતા હોય છે કે ત્યાંની ફૂટપાથોનો ઉપયોગ લોકો ચાલવા માટે જ કરતા હોય છે. વળી ફૂટપાથો પણ ખૂબ ચોખ્ખી હોય છે. પશ્ચિમની સંસ્કૃતિથી અંજાયેલા આ લોકો પહેલેથી જ ભારતીય સંસ્કૃતિના વિરોધી છે.

    કારધારકોની વાત કરીએ તો તેઓ નાગરિક તરીકે ખૂબ જાગૃત છે. ક્યારેક ફૂટપાથ પર તેમની કાર મુકવા માટેની જગ્યાએ શાકભાજીવાળા કે અન્ય ધંધો કરનારા આવી જાય છે તો તેઓ તરત જ મ્યુનિ. કોર્પોરેશનમાં ફોન કરીને જાણ કરી દે છે. તંત્ર પણ પોતાની કાર્યક્ષમતા બતાવીને ત્વરિત પગલા ભરે છે. પેલા શાકભાજીવાળાની લારીઓ ઉપાડી જાય છે. પંદરેક દિવસ સુધી આ લોકો પોતાનો ધંધો બંધ રાખીને આરામ કરી શકે છે. પછી ઉછીના પાછીના હજાર પંદરસો જેવા રૂપિયા ભેગા કરીને દંડ ભર્યા બાદ પોતાની લારી પાછી મેળવી લેતા હોય છે. આ રીતે ખોટમાં ચાલતા મ્યુનિ કોર્પોરેશનને આવક પણ થાય છે.

    શહેરોમાં બહુમાળી મકાનો વધવા લાગ્યા છે. બિલ્ડર તરફથી દરેક ફ્લેટ દીઠ એક કારનું પાર્કિંગ ફાળવવામાં આવે છે. અહીં રહેવા આવતા લોકો ખૂબ ગરીબ હોવાથી શરૂઆતમાં તેમની પાસે માત્ર એક જ કાર હોય છે. પરંતુ ક્યારેક તેમના સગાસબંધીઓને તેમની ગરીબીની ખબર પડી જાય છે અને તેમના મોમાંથી ઉદગાર નીકળી પડે છે, ”અરેરે આ લોકો કેટલા બધા ગરીબ છે કે તેમની પાસે માત્ર એક જ કાર છે!” આથી આ લોકોએ પોતાની ગરીબીથી શરમાઇને કોઇપણ હિસાબે બીજી કાર લેવી પડે છે. આ માટે તેમણે એક્ઠા કરેલાં કાળાં નાણાંનો અને સરકારી કર્મચારી હોય તો લાંચરૂશ્વત રૂપે લીધેલી રકમનો ભોગ આપવો પડે છે. કાર તો બીજી આવી, પરંતુ સોસાયટીમાં પાર્કિંગની વ્યવસ્થા એક જ કાર માટે હોય છે. આથી નાગરિકહિતોની રખેવાળ એવી સરકાર (મ્યુનિસિપાલિટિ) તેમને માટે કાર પાર્ક થઈ શકે તેવી ખાસ્સી પહોળી ફૂટપાથ બનાવી આપે છે.

    પરંતુ બને છે એવું કે શહેરમાં કેટલાક લોકો એવા છે કે જેમને નાગરિક જીવનની કોઈ ગતાગમ જ નથી હોતી. આવા લોકો વાહન લીધા વગર પગપાળા જ નીકળી પડે છે. મને તો હંમેશા એ સવાલ મુંઝવતો હોય છે કે જેમની પાસે કોઈ વાહન ન હોય તે લોકો પોતાના ઘરની બહાર નીકળે જ છે શા માટે? કદાચ એ લોકો ‘ફૂટપાથ’ નામને કારણે ગેરસમજ કરે છે કે એ જ્ગ્યા તેમને પગે ચાલવા માટે બનાવવામાં આવી છે. ભલા ગાંધીરોડ એટલે એવું થોડું છે કે ત્યાં ગાંધી અટકધારીઓ જ ચાલી શકે? એ નામ તો મહાત્મા ગાંધીનાં માનમાં પાડવામાં આવ્યું છે. એ જ રીતે કારનું એક્સિલેટર કે બ્રેક દબાવવા માટે અત્યંત ઉપયોગી એવા પગનું ઋણ સ્વીકરવા માટે ‘ફૂટપાથ’ એવું નામ આપવામાં આવ્યું છે!

    ક્યારેક એવું બને છે કે ફૂટપાથ પર પાર્ક કરેલાં વાહનોની આગળ કે પાછળ જ્યાં પણ જગ્યા મળે ત્યાં પગપળા ચાલતા લોકો ઘૂસી જાય છે. એ લોકોને ખ્યાલ નથી આવતો કે કારને સ્ટાર્ટ કરતી વખતે તેને આગળપાછળ કરવામાં કાર ચાલકને કેટલી મુશ્કેલી પડે છે? તો પણ આપણા ઉદાર હૃદયવાળા કારચાલકો રાહદારીને બીજી કોઇ મોટી સજા ન કરતા તેની સામે માત્ર ગુસ્સાભરી નજરે જોઈને છોડી મૂકે છે.

    તસવીર નેટ પરથી લીધી છે

    રસ્તા પર પગપાળા નીકળી પડનારાઓમાંથી કેટલાક વેદિયા લોકો એવી ફિશિયારી મારતા હોય છે કે આજે સમગ્ર વિશ્વની માથે જ્યારે વાતાવરણમાં કાર્બનનાં ઉત્સર્જનને કારણે એક મોટી પર્યાવરણીય કટોકટીનું જોખમ ઝળુંબી રહ્યુ છે ત્યારે અમે લેશ માત્ર કાર્બનનું ઉત્સર્જન કરતા નથી. એ રીતે અમે હવાને ઝેરી બનાવતા નથી અને હવાને ચોખ્ખી રાખીએ છીએ. એટલું જ નહિ અમે રોડ પર અમારું ભારણ પણ વધારતા નથી. પરંતુ આમ કહીને તો તેઓ દુનિયા આખીના પર્યાવરણવિદોની જેમ પોતાને પણ વિકાસ વિરોધી સાબિત કરી રહ્યા છે. શું આ લોકોને તેની જાણ નથી કે અવનવી અને મોંઘી કારો વડે દેશના રસ્તાઓ કેવા શોભી રહ્યા છે? વળી કાર અને અન્ય ઓટો વાહનોનાં ઉત્પાદન તથા વેચાણને કારણે કેટલા બધા લોકોને રોજગારી મળે છે એ વાત પણ આ લોકો ભૂલી જાય છે. આવા મિથ્યાભિમાનીઓ, તમે જાણી લો કે કાર્બનનાં ઉત્સર્જનમાં તમારો ફાળો નથી તો દેશનો જીડીપી વધારવામાં પણ તમારો ફાળો શૂન્ય જ છે.

    અગાઉ જણાવ્યા પ્રમાણે જેમની પાસે વાહન ન હોય અથવા તો જેમણે વાહન ચલાવવું ન હોય તેમાનાં ઘણા લોકો ઘરે બેસી રહેવાને બદલે ઘરની બહાર નીકળી પડે છે. તે લોકો એવા હઠીલા હોય છે કે ફૂટપાથ પર જગ્યા ન મળી તો શું થયું? અમે તો રોડ ઉપર ચાલીશું. એમાં સિનિયર સીટીજનોની તો વાત જ છોડો. તે લોકો ઘેર બેસીને હરિભજન કરવાને બદલે સાંજના ટ્રાફિકના સમયે જ બહાર ફરવા નીકળી પડે છે અને ક્યારેક અકસ્માતને નોતરે છે. અકસ્માતને કારણે કોઇક પદયાત્રીએ તેમનાં એકાદનું અસ્થિનુંભંજન થતા તેમણે લાંબો સમય સુધી ઘેર રહેવું પડે છે. બીજી રીતે કહીએ કે પગપાળા નીકળવાની તેમને યોગ્ય સજા મળી જ જાય છે. ક્યારેક તો તેમનો સ્વર્ગવાસ થતા વાહનચાલકોને તેમનાથી કાયમી છૂટકારો મળી જાય છે. આ રાહદારીઓનું તો જે થવાનું હોય એ થાય પરંતુ બિચારા વાહનચાલકોને તો ખૂબ મુશ્કેલીઓનો સમનો કરવો પડે છે. તેમનો સમય તો બગડે છે ઉપરાંત ક્યારેક જડ એવા કાયદાનો પણ સામનો કરવો પડે છે. આમછતાં આ વહનચાલકોને ન્યાય આપવા માટે કહેવું જોઇએ કે તેઓ કાળજી રાખીને વાહનો ચલાવે છે. તેનો પુરાવો એ છે કે રોડ પરના અકસ્માતોથી થતા કુલ મૃત્યુંમાં પદયાત્રીઓનાં મૃત્યુનું પ્રમાણ વીસ ટકાથી[1] વધારે નથી!

     

    વાહનચાલકો સાથે સરકાર એક મોટો ભેદભાવ રાખી રહી છે. તેમની પાસેથી રોડ ટેક્સના નામે પૈસા ઉઘરાવે છે, પરંતુ પગે ચાલીને નીકળી પડતા રાહદારીઓ પાસેથી રાતી પાઈ પણ લેતી નથી. ન્યાયની દૃષ્ટિએ જોતા આ ભેદભાવ દૂર થવો જ જોઈએ. આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આ ભેદભાવ દૂર કરવા માટે વાહનચાલકોએ હજુ સુધી આંદોલન કર્યું નથી. પદયાત્રીઓએ વાહનચાલકોની આ કૃપાદૃષ્ટિની કદર કરવી જોઈએ. જેમ રસ્તા પર નીકળતા ઢોર પર પ્રતિંબંધ મૂકવામાં આવ્યો છે તેમ પગે ચાલીને નીકળવા પર સરકાર પ્રતિબંધ ફરમાવે તે પહેલા જ લોકોએ રોડ પર તેમજ ફૂટપાથ નામે ઓળખાતી જ્ગ્યા પર થોડી મોકળાશ હોય તો પણ ત્યાં ચાલવાનું સ્વેચ્છાએ બંધ કરી દેવું જોઇએ. આમ કરવાથી જેના વિના સૂરજ કદાચ તપવું ત્યાગી દે[2] એ સમાજના ઉપલા વર્ગ પ્રત્યેની ફરજ બજાવ્યાનો સંતોષ પણ થશે ઉપરાંત ભલે કબજો બળવાન એમ કહેવાતું હોય પરંતુ એ સત્યની પ્રતીતિ પણ થશે કે કબજો તો બળવાનોનો જ હોય છે.

    [1] *આ આંકડો ગૂગલ પરથી મળ્યો

    [2] ** આ વાક્ય મેઘાણીનાં કાવ્ય ‘કાલ જાગે’ ની એક પંક્તિ પરથી સુઝ્યું


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • નામમાં શું રાખ્યું છે? કાનૂનસુધાર કહો કે શોષણ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    શેક્સપિયરના વિખ્યાત નાટક ‘રોમિયો અને જુલિયટ’નો એક જાણીતો અને બહુ વપરાતો સંવાદ કંઈક આવો છે, ‘નામમાં શું રાખ્યું છે? ગુલાબને કોઈ પણ નામે ઓળખો, તે એટલું જ સુવાસિત અને મહેંકતું રહેશે.’ કહેવાનો અર્થ એ કે કોઈ વ્યક્તિના મૂળભૂત ગુણ કે ગુણધર્મ વધુ મહત્ત્વના છે, ચાહે એનું નામ ગમે તે હોય. ઘણી વાર એમ લાગે કે આપણી સરકારોએ શેક્સપિયરનું આ વાક્ય બરાબર આત્મસાત કરી લીધું છે, પણ જરા જુદી રીતે. કોઈ કર્મચારીને ‘કર્મયોગી’ કહેવાથી એ ખરેખર એવો બની જશે? શ્રમિકને ‘શ્રમયોગી’ તરીકે સંબોધવાથી એનું શોષણ અટકશે? મૂળ પ્રશ્ન નિસ્બતનો છે, અને એનો અભાવ હોય તો નામ ગમે એ રાખો, કશો ફરક પડતો નથી.

    ગુજરાત સરકારે ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) ૨૦૨૫ વિધેયક’ ભારે વિરોધ વચ્ચે વિધાનસભામાં પસાર કર્યું અને એને કાનૂનનું સ્વરૂપ આપ્યું. એ મુજબ શ્રમિકો માટે કામના કલાકોની મર્યાદા વધારીને રોજના બાર કલાકની કરવામાં આવી છે. સાથોસાથ એવી જોગવાઈ છે કે એક સપ્તાહના કામના કુલ કલાકો ૪૮ કલાકથી વધુ ન હોવા જોઈએ. બીજી પણ અનેક જોગવાઈઓ છે. રાજ્યમાં વધુ ને વધુ ઉદ્યોગોને આકર્ષવા માટે અને આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રવર્તમાન કાનૂનમાં આ સુધારા જરૂરી હોવાનું શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું છે. સાથોસાથ શ્રમિકોના હિતોનું ધ્યાન રાખવાનો તેમજ વધુ નોકરીઓ ઊભી કરવાનો પણ આશય હોવાનું જણાવાયું છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સ્વાભાવિક છે કે કાગળ પર આવી જોગવાઈઓ રાખવામાં આવે જ. પણ વાસ્તવિકતા શી હોય છે એ જાણવા જેવું છે. વડોદરાસ્થિત ‘પીપલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્‍ટર’ (પી.ટી.આર.સી.) ૧૯૯૨માં થયેલી એની સ્થાપનાથી વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના મુદ્દે કાર્યરત છે. વ્યાવસાયિક રોગો વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવી, તેના વિશે શિક્ષણ આપવું, એ વિશે સંશોધન કરવું, રોગોના પીડિતોને શોધવા અને સામાજિક સુરક્ષા કાયદા હેઠળ તેમના કાનૂની અધિકારો મેળવવામાં મદદ કરવી વગેરે કામ તે નિષ્ઠાપૂર્વક કરી રહી છે. સીલીકોસીસ રોગને કારણે મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને આર્થિક વળતર અપાવવા માટે તેણે નોંધપાત્ર કામ કર્યું છે. હમણાં આ સંસ્થાએ ‘કેદમાં કાયદા’ શિર્ષકથી એક પુસ્તિકા પ્રકાશિત કરી છે, જેમાં ખરેખર તો આ સંસ્થાના જગદીશ પટેલ અને ચિરાગ ચાવડા દ્વારા હાથ ધરાયેલા એક અતિ મહત્ત્વના અભ્યાસની વિગતો છે. આ અભ્યાસ કરવા માટે સંસ્થા શી રીતે પ્રેરાઈ એ જાણવા જેવું છે. ત્રણેક વર્ષથી મોરબીમાં સીલીકોસીસ અંગે જાગૃતિ, તેના દર્દી શોધવા, સીલીકોસીસથી પીડિત કામદારને વળતર યોગ્ય વળતર મળે અને તેમના પરિવાર મૂળભૂત જરૂરિયાતોથી વંચિત ન રહે એ માટે સંસ્થા કાર્યરત છે. આ દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે સીલીકોસીસથી પીડિત કામદારોમાં ઘણા ઈ.એસ.આઈ.(કામદાર રાજ્ય વીમાયોજના)ના કાયદા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં કામ કરતા હતા, પણ યોગ્ય અમલીકરણને અભાવે આ કાયદાનો લાભ તેમને મળી શકતો ન હતો. આટલું ઓછું હોય એમ, રોજગારના અપૂરતા પુરાવાના અભાવે કામદાર વળતર ધારા હેઠળ તેઓ વળતર માટેનો દાવો પણ કરી શકતા નહોતા. તેમનું વેતન પણ ૨૧,૦૦૦ થી ઓછું હતું. આવી પરિસ્થિતિ નિહાળીને સંસ્થાએ નિર્ણય લીધો કે રાજ્ય સરકારના સામાજિક સુરક્ષાના કાયદાના અમલીકરણ બાબતે અભ્યાસ હાથ ધરવો.

    આ અભ્યાસ મુખ્યત્વે સીરામીકનું ઉત્પાદન કરનારા એકમો, એ સિવાયની અન્ય ચીજોનું ઉત્પાદન કરનારા એકમો અને સેવા ક્ષેત્રના કેટલાક એકમોના મળીને કુલ બે હજાર કામદારો માટે કરવામાં આવ્યો. એટલે કે કુલ બે હજાર કામદારોને નિર્ધારીત પ્રશ્નાવલિ આપવામાં આવી અને તેમના ઉત્તર મેળવવામાં આવ્યા. આ અભ્યાસનાં વિગતવાર પરિણામો અને તારણો ‘કેદમાં કાયદા’ પુસ્તિકામાં છે, જે ‘પી.ટી.આર.સી.’ના જગદીશ પટેલ પાસેથી મંગાવી શકાય (ઈ-મેલ: jagdish.jb@gmail.com). કેટલીક મુખ્ય બાબતો જોઈએ તો, આ અભ્યાસ અનુસાર ૯૩ ટકા કામદારોને ઈ.એસ.આઈ.કાયદા હેઠળ યોગદાન આપવામાં આવતું નથી. કાયદા મુજબ, દસ કે તેથી વધુ કામદારોને રોજગારી આપતા એકમોમાં રૂ. એકવીસ હજાર સુધીનું વેતન મેળવનાર કામદારોને ‘કામદાર રાજ્ય વીમાકાયદા’માં આવરી લેવામાં આવે છે. કામદારો અને નોકરીદાતા બન્ને આ વીમાના પ્રિમીયમ પેટે નિર્ધારીત ટકાવારીમાં યોગદાન આપે છે. આ અભ્યાસમાં જણાયું કે ૯૨ ટકા કામદારોનું પ્રોવિડન્‍ટ ફન્‍ડ કાપવામાં આવતું નથી. વીસ કે વધુ કામદારોને રોજગારી આપતા એકમોમાં આ કાનૂની જોગવાઈ ફરજિયાત છે, કેમ કે, ખાનગી ક્ષેત્રના કામદારોને વયનિવૃત્તિ પછી પેન્‍શન જેવા લાભ મળતા નથી. એ જ રીતે અભ્યાસમાં જાણવા મળ્યું કે ૯૦  ટકા કામદારોને પગારપાવતી અપાતી નથી. પગારપાવતી પણ ફરજિયાત કાનૂની જોગવાઈ છે, જેમાં નોકરીદાતાનું નામ, સરનામું, સંપર્ક વિગતો તેમજ વેતનની વિગતો, જેમ કે, કેટલા દિવસનું છે, ઓવરટાઈમ હોય તો એ, પગાર સાથે અને કપાત પગારની રજાઓની સંખ્યા, ઈ.એસ.આઈ. અને પી.એફ.યોગદાનની કપાતની રકમ તેમજ લોન યા દંડ હોય તો એની વિગત પણ ઉલ્લેખાયેલી હોવી ફરજિયાત છે.

    આમ, શોષણ પૂરેપૂરું થાય છે, પણ એમાંય પુરુષ કામદારોની સરખામણીએ મહિલા કામદારોનું, અને સ્થાનિક કામદારોની સરખામણીએ સ્થળાંતરિત કામદારોનું વધુ થાય છે.

    વિશ્વભરમાં ‘સીરામિક કેપીટલ’ તરીકે ખ્યાતનામ એવા મોરબીના કામદારોની આ સ્થિતિ છે. કુલ ૨૯૦ ઔદ્યોગિક એકમો પૈકી ફક્ત ૨૭એકમો ઈ.એસ.આઈ.કાયદાનો અમલ કરે છે. જોવા જેવી વાત એ છે કે મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં ઈ.એસ.આઈ. કાયદો છેક ૧૯૬૮માં અમલી બનાવાયો હતો. તેના ૫૭ વર્ષ પછી પણ અમલ બાબતે આ સ્થિતિ છે. ફરીને વાત એ જ મુદ્દે આવે છે કે કામદારોના રક્ષણ માટે કેવળ કાયદા બનાવી કાઢવા પૂરતા નથી. એના અમલ માટેનું  તંત્ર ગોઠવાય તો પણ મહત્ત્વની બાબત છે એ માટેની વૃત્તિ. કાયદો બનાવનારના તેમજ એનો અમલ કરનારના એમ બન્ને પક્ષે.

    આ અભ્યાસની વધુ વિગતો આગામી સપ્તાહે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯- ૧૦– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૭

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    પાણીના વપરાશની સૃષ્ટિ

    પરેશ ૨. વૈદ્ય

    હીં સુધી પુસ્તકમાં ધોધમાર વરસતાં પાણીની, તેના થકી મળતા આનંદની અને તેને સંઘરવાનાં સ્થાનોની વાત કરી. હવે વાત કરીએ તેના વપરાશની. પ્રથમ દૃષ્ટિએ તો ખૂબાખૂબ પાણી આપણી પાસે છે. એટલે જ તો “પાણી જેમ પૈસા વહેવા” જેવી કહેવતો છે, જાણે પાણી વાપરવામાં તો પાછું વાળી જોવાની જરૃર નથી. આમ છતાં વિશ્વના સંદર્ભમાં જુઓ તો અહીં દુનિયાની વસતીનો સાતમો ભાગ રહે છે પરંતુ પાણીના માત્ર ચાર ટકા સ્રોતો ભારતમાં છે. તે છતાં આપણે ખુશ છીએ ચોમાસાંની અમી દૃષ્ટિના કારણે. વિશ્વનાં ક્ષેત્રફળના બે ટકા ધરતી જ હોવા છતાં ચાર ટકા પાણી જો મળતું હોય તો સુખી તો ખરા જ. તેથી જ કચ્છ-રાજસ્થાન જેવા ઈલાકા બાદ કરતાં પાણી એ કોઈ મુદ્દો જ ન હતો. ‘સોને કી ચીડિયા’ બનવા માટે પૂરતું પાણી અહીં હતું.

    પરંતુ આ ‘પ્રેમ પારાવાર’ જેવી મનઃસ્થિતિમાં ખલનાયક છે વસતી વધારો. થોડા ફેરફાર સાથે ધરતી પર વરસતાં પાણીની માત્રા નિયત છે. ભારત ઉપર આશરે ૩૮૦૦ અબજ ઘનમીટર પાણી પડે છે. ૧૯૫૧માં એ એટલું હતું અને ૨૦૨૧માં પણ એટલું જ છે. ત્યારે આપણે ૪૦ કરોડ હતા, આજે ૧૩૫ કરોડ. સાદા ભાગાકારથી સમજાશે કે માથાદીઠ પાણીની પ્રાપ્તિ ચોથા ભાગની થઈ ગઈ. આજે આ આંકડો વરસે ૧૨૦૦ ઘનમીટર આસપાસ છે. વિશ્વની સરેરાશ ૧૪૦૦ ઘનમીટર છે. એટલે કે આપણે વિશ્વથી આગળ હતાં, હવે પાછળ રહી ગયાં છીએ. સરેરાશ આખા દેશની છે; કોઈને વેડફવા માટે પાણી છે તો કોઈને પ્રચંડ અછત છે ! પાણીના ઉપયોગને મુખ્ય ત્રણ હિસ્સામાં બતાવી શકાય. ખેતી માટેનો વપરાશ, ઘરગથ્થુ વપરાશ અને ઉદ્યોગો તેમ જ વીજળી ઉત્પાદનનો વપરાશ.

    ઘરેલુ ઉપયોગ :

    આમાં મુખ્યત્વે ન્હાવું-ધોવું અને ખાવું-પીવું આવે. વધુમાં ઘર આગળનો બગીચો કે વાહન ધોવાનું પાણી. પાણીના ઉપયોગનાં ત્રણ ક્ષેત્રોમાંથી ઘરગથ્થુ વપરાશમાં સૌથી ઓછું પાણી જોઈએ છે. પરંતુ એ વસતીની પ્રત્યેક વ્યક્તિને જોઈતું હોવાથી આ ઉપયોગ અગત્યનો છે. પ્રજાનાં સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીનો આધાર પણ રોજ મળતાં પાણીની પર્યાપ્તતા ઉપર છે. પાણીની તંગી રહેવાસીઓ વચ્ચે કે રહેવાસીઓના સમૂહો વચ્ચે (ક્યારેક ગામ-ગામ વચ્ચે કે રાજ્ય રાજ્ય વચ્ચે) તણાવનું કારણ બનતી હોય છે.

    વ્યક્તિદીઠ કેટલું પાણી ?

    ભારત દેશનું ક્ષેત્રફળ ૩૨. લાખ ચોરસ કિલોમીટર છે. તેના ઉપર વરસે સરેરાશ ૧૧૬ સે.મી. વરસાદ પડે છે. તેને પાણીની ઊંચાઈ ગણાય. ક્ષેત્રફળ અને ઊંચાઈનો ગુણાકાર એટલે ઘનફળ (કે કદ). વાંચક કરી જુએ. તો ખ્યાલ આવશે કે દેશને વરસાદ મારફત ૩૮૦૦ અબજ ઘનમીટ૨ પાણી મળે છે પરંતુ બધું વાપરવા માટે પ્રાપ્ત નથી. તેમાંથી અરધાંથી વધુ બાષ્પીભવનથી ઉડી જતું હોય છે – સીધું જળાશયો, નદીઓમાંથી અને વૃક્ષો મારફત. એટલે આશરે ૧૮૦૦ અબજ .મી. પાણી ૧૩૦ કરોડ લોકોને વાપરવા મળે છે.

    એટલે દર વ્યક્તિએ

          ૧૮૦૦ અબજ .મી./ ૧. અબજ લોકો

                                       = ૧૩૮૦ ઘનમીટર

    આટલું પાણી આપણે ઘરમાં પ્રત્યક્ષ રીતે નથી વાપરતાં. માત્ર તુલના કરવાનો માપદંડ છે. તેમાંથી આપણા માટે અનાજ ઊગે છે, લોખંડ બને છે, રેલવે દોડે છે અને મકાનો બને છે. બધું કરીને છેલ્લે અમુક તો સમુદ્રમાં પણ પાછું જવું જોઈએ ને ? તે પણ જાય છે.

    જીવનશૈલી પ્રમાણે એક જણની પાછળ રોજનું ૫૦ લિટરથી માંડીને ૪૦૦ લિટર જેટલું પાણી વપરાતું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નું પ્રમાણ શહેરી સુધરાઈઓ માટે ૧૪૦ લિટર છે. પરંતુ કોઈક જ શહેર આટલું આપી શકે છે. શહેરની ઝુંપડપટ્ટીઓમાં કે ગામડામાં, જ્યાં પાણી માથે ઊંચકીને લાવવું પડે છે ત્યાં વ્યક્તિદીઠ ૫૦ લિટરમાં જ ચલાવી લેવાય છે. એક અંદાજ છે કે જો નગરપાલિકા તમારા માટે ૧૦૦ લિટર પાણી છોડે તો લીકેજ અને બીજા બગાડ પછી તમને ૭૦ લિટર જ મળે છે.

    બાથટબની સંસ્કૃતિ

    શીતળ પાણીમાં પડયા રહેવાનો અનુભવ આલ્હાદક છે. નદી અને તળાવમાં તરનારા જાણે છે. તેની નકલ કરવા પશ્ચિમના દેશોએ બાથટબનો વિચાર આણ્યો, જેમાં ત્યાંની આબોહવા મુજબ ગરમ પાણી ભરે છે. તેઓની ફિલ્મો અને કાર્ટૂનોમાંથી નકલ કરી આપણે ત્યાં પણ બાથટબ આવ્યાં.

    પરંતુ ત્યાં વ્યક્તિદીઠ દોઢસો લિટરથી ઓછું પાણી પ્રાપ્ત હોય તે શહેરમાં એક જણ માત્ર નહાવા પાછળ દોઢસોથી બસ્સો લિટર પાણી ખર્ચ કરી નાંખે તે કેટલું વ્યાજબી ?

    શહેરમાં પાણીની માત્રા કરતાં વધુ મહત્ત્વ તેનાં દબાણ (પ્રેશર)નું છે. બહુ ઓછાં ઘર છે જેનાં રસોડાં સુધીની ઊંચાઈએ સુધરાઈનું પાણી પહોંચતું હોય. આનો સંબંધ પાણીના સ્ટૉક સાથે હોવા છતાં એ એક ઈજનેરી સમસ્યા છે. ઈચ્છાશક્તિ હોય તો તેનો ઉકેલ શક્ય છે.

    વૉટર સપ્લાયની વિડંબના:

    કોઈ શહેરમાં અનરાધાર વરસાદ થાય ત્યારે પૂર આવે છે. ચારે બાજુ પાણી જ પાણી. ઘરમાંથી, રસ્તામાંથી કે આંગણામાંથી તેને કાઢ્યું કઢાતું નથી. પરંતુ એ જ વખતે ઘરના નળમાં પીવાનું પાણી કદાચ ન પણ હોય. રોજ એ અરધો કલાક આવતું હશે તો આજ પણ અડધો જ કલાક આવશે !

    છે ને વિચિત્રતા. કુદરતી પાણીની વ્યવસ્થાથી આપણે કેટલાં દૂર થઈ ગયાં તેનું આ દૃષ્ટાંત છે. આધુનિક સમયમાં આપણા ઘરમાં આવતાં પાણીનો સ્રોત આપણાં ગામમાં નથી! મુંબઈમાં પાણી સવાસો કિલોમીટરથી આવે છે અને કચ્છમાં સાતસો કિલોમીટર દૂરના નર્મદા ડૅમમાંથી. આ કામમાં ઈન્જિનિયરીંગ અને સરકારી શાસન વ્યવસ્થા પણ જોડાઈ જાય છે, જેની પોતાની કામ કરવાની ઢબ છે. એટલે એવું પણ બની શકે કે તમારાં ગામની નજીક જ ખૂબ પાણી હોય તે છતાં તમારા નળમાં ન આવે.

    પીવાનાં પાણીની ગુણવત્તા સારી રાખવી પડે છે. આથી તેનું મૂલ્ય પણ છે પરંતુ એ મુશ્કેલી છે કે એ જ ગુણવત્તાનું પાણી નહાવામાં અને ટોયલેટની ફ્લશ ટાંકીઓમાં પણ વાપરીએ છીએ. ઓછી ગુણવત્તાવાળાં ‘ગ્રૅ વૉટર’ માટે જુદી લાઈન પણ નથી હોતી. હવે બોર-વેલનાં પાણી વાપરવાનો વખત આવ્યો છે એટલે કેટલીક સોસાયટીઓ આ માટે વધારાનો ખર્ચ કરવા લાગી છે. સમય આવી ગયો છે કે મકાન બનાવતી વેળા જ પાણીના પુનરુપયોગનું પ્લાનિંગ કરીએ.

    ઉદ્યોગ અને વીજળી :

    આપણી પાસેની જળરાશિનો ત્રીજો ભાગ આ ક્ષેત્રને જોઈએ છે. કારખાનાં સ્થપાયા પહેલાં રાજ્યે તેને પાણી મળી રહેવાની ખાતરી આપવી પડે છે. અમુક ઉદ્યોગો જેમ કે રાસાયણિક કારખાનાં, રિફાઈનરીઓ, કાગળ અને ખાંડના કારખાનાં ખૂબ પાણી માગે છે. એક ટન કાગળ બનાવવામાં અઢી લાખ લિટર પાણી વપરાઈ જાય છે. કેટલાક ઉદ્યોગોને પાણી બહુ શુદ્ધ ન હોય તો ચાલી જાય છે. બીજું જમા પાસું એ છે કે પાણીની પૂરી કિંમત આપતા હોવાથી ઉદ્યોગો પાણીનો બગાડ નથી કરતા. ‘શુદ્ધ કરી ફરી વાપરો’ (Treat & Reuse) નો મંત્ર ઘણી જગ્યાએ ચાલે છે.

    આથી ઉલટું, રસાયણિક ઉદ્યોગો પોતાનાં પ્રદૂષણથી નદીનાળાના શુદ્ધ પાણીને બગાડી તેને વપરાશ માટે અયોગ્ય બનાવે છે. ખાણ અને ખનીજ ઉદ્યોગ પણ પાણીનું પ્રદૂષણ કરે છે. આવું ન થાય તે માટે દરેક રાજ્યએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બનાવ્યાં છે; પરંતુ તે માત્ર પ્રજાને ભોળવવા માટે હોય છે. આ બોર્ડોની હાજરી છતાં જળસ્રોતો રંગરંગીન અને ગંધાતાં જ હોય છે.

    ખેતી :

    પાણીનો સૌથી વધુ ઉપયોગ કરનાર વ્યવસાય ખેતી છે. દા.ત. એક કિલોગ્રામ ઘઉં પેદા કરવા માટે ૫૦૦ લિટર પાણી ખર્ચ થાય છે. એક એકરના ચોખાના પાકને દશ હજાર ઘનમીટર પાણી જોઈએ. કપાસનો એક એકર ૧૫ હજાર ઘનમીટર પાણી પીએ છે. ખરીફ પાકના ૬૦ ટકા તો ઉપરથી પડતા વરસાદથી નભી જાય છે. પરંતુ બાકીના ૪૦ ટકાને સિંચાઈનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવી પડે છે. રવી પાકનો મોટો ભાગ સિંચાઈથી થાય.

    હરિયાળી ક્રાંતિનાં વરસોમાં સરકારોએ પાણી અને વીજળી સસ્તા ભાવે (ક્યારેક વિના મૂલ્યે) આપ્યાં. આથી વીજળીનો વિનાકારણ વ્યય તો લોકોએ કર્યો જ, પરંતુ તેનાથી ભૂગર્ભ પાણી અમર્યાદ રીતે ખેંચી તેનું પણ નુકશાન કર્યું. પંજાબમાં દર વર્ષે ભૂગર્ભજળની સપાટી ૧૦ ફૂટ નીચે જાય છે ! તેથી હવે ખેંચેલાં પાણીમાં ક્ષાર આવે છે. ક્ષારવાળું પાણી આપીને જમીન પણ બગાડી. વધુ પડતાં પાણીના કારણે જમીનનો કસ, રાસાયણિક ખાતર અને જંતુનાશકો વહીને નદીનાળામાં ગયાં.

    ખેતીમાં પાણીની જરૂરિયાત

    (પ્રતિ એક કિલોગ્રામ ઉત્પન્ને)

    પાક

    પાણી (લિટરમાં)

    ઘઉં

    ૫૦૦

    જુવાર

    ૭૦૦
    ડાંગર

    ૧૦૦૦

    ડુંગળી

    ૭૦૦

    શેરડી

    ૧૫૦૦

    ફર્ટિલાઈઝર

    ૨૭૦

    લિટર ડીઝલ

    ૩૦

    બીજી તરફ આબોહવાના કુદરતી નિયમોની વિરુદ્ધ જઈને રોકડીયા પાક લેવાય છે. અગાઉ જોયું તેમ ગીર અને મહાબળેશ્વરના વરસાદની પેદાશ કચ્છમાં ઉગાડીએ છીએ. તેની પાછળ માત્ર આર્થિક તર્ક છે. એ પેદાશો નિર્યાત કરવાથી વિદેશી હૂંડિયામણ મળે છે તેથી બેન્કો અને સરકારો પણ આ અભૂતપૂર્વ કામમાં મદદ કરે છે. હવે તો ફૂલો ઉગાડીને પણ નિર્યાત થાય છે, જેના માટે વિમાન કંપનીઓ ખાસ ઉડ્ડયનો ગોઠવે છે. પરંતુ ખેતીની પેદાશો વિદેશ મોકલવાનો અર્થ થાય કે આપણે પાકની સાથે આપણું અમૂલ્ય પાણી પણ નિર્યાત કરીએ છીએ.

    અખાતના દેશો જ્યારે એક કિલો બાસમતી આપણી પાસેથી ખરીદે ત્યારે એક હજાર લિટર પાણી એને મફત મળે છે ! દાડમ, સ્ટ્રોબેરી કે ચોખાના પૈસા એ ભૂગર્ભનાં તેલની આવકથી ચૂકવે છે અને તેના બદલામાં આપણું ભૂગર્ભનું પાણી લઈ જાય છે ! એના પાસે ભૂગર્ભમાં જેટલું તેલ છે, તેટલું આપણી પાસે ભૂગર્ભમાં પાણી છે ખરું ?

    સૂકું ભવિષ્ય :

    પૈસાની જેમ પાણી !

    આજ તો ઉડાઉ માણસો માટે એવો શબ્દપ્રયોગ કરીએ છીએ કે તો પાણીની જેમ પૈસા વાપરે છે.”

    પરંતુ જેમ જેમ પાણીની છત ઘટતી જશે, એક દિવસ આવશે જ્યારે કરકસરીયા માણસ માટે કહેવાશે :

    તો ભાઈ પૈસાને પાણીની જેમ સાચવે છે!”

    અંગત વપરાશ, ખેતી અને ઉદ્યોગોને જોઈતું પાણી આજે તો આપણે જેમે તેમે મેળવી લઈએ છીએ. પરંતુ વપરાશ વધતો રહેવાનો છે. વસતી વધારાના બે ટકા, ખેતીનો વિકાસ ચારેક ટકા અને ઉદ્યોગોના સરેરાશ ૬-૭ ટકાના દરે વરસો વરસ પાણીની જરૂરત વધતી રહેવાની. આથી માથાદીઠ પ્રાપ્યતા ઘટતી રહી છે તે ઘટતી જ રહેશે. યુનોની વ્યાખ્યા મુજબ પ્રતિ વ્યક્તિ વરસે ૧૦૦૦ ઘનમીટરથી ઓછું પાણી હોય તો તેને પાણીની તાણ વાળો (Water Strssed) મુલક કહે છે. આજનો ૧૨૦૦ ઘન મીટરના આંકડો જોતાં બે-ચાર વરસે આપણે ત્યાં પહોંચી જઈશું.

    ખરી વાત તો એ છે કે દેશના કેટલાય પ્રદેશો તો આ કેટેગરીમાં છે જ. આપણે વાત આખા દેશની કરીએ છીએ. અકલ્પ્ય ભલે લાગે, આ વાસ્તવિકતા છે. કદાચ ગ્લોબલ વૉર્મિંગ કરતાં પણ આ સંકટ વધુ મોટું બની શકે છે. આ પરિસ્થિતિ ટાળવી અશક્ય છે પરંતુ તેને સમયમાં દૂર ઠેલી શકાય. વાપરેલાં પાણીનો પુનરુપયોગ કરવાની રીતો શોધવી પડશે. જુદા જુદા ઉપયોગ માટે પાણીની જુદી ગુણવત્તા ઠરાવવી જોઈશે. જેથી નીચી ગુણવત્તાનું પાણી તેની યોગ્ય જગ્યાએ વાપરી શકાય.

    આવું ઉદ્યોગોમાં તેમ જ ખેતીમાં પણ શીખવું પડશે. તેથી આગળ જતાં તબક્કો આવશે સમુદ્રનાં પાણીને શુદ્ધ કરી વાપરવાનો. ગુજરાતીમાં તેને નિર્લવણીકરણ અને અંગ્રેજીમાં desalination કહે છે. એના પર કાર્ય તો ચાલુ જ છે પરંતુ તેની પ્રક્રિયાઓ ખૂબ ઊર્જા વાપરે છે. એટલે જેમ એવું પાણી વધુ વપરાય તેમ તેમ ગ્લોબલ વૉર્મિંગ વધે. એટલે સરવાળે વાત આવે બચતની. એ જ શાશ્વત મંત્ર છે અને રહેશે.


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. કમલેશ લુલ્લા – વિજ્ઞાન અને કલાની યાત્રા [૩]

    આ પહેલાં આપણે ડૉ. કમલેશ લુલ્લાની ‘વિદેશ આગમન પછીની‘ જીવન યાત્રાના અનુભવોથી અવગત થયાં.
    હવે આગળ ……..

    નાસાની યાત્રા

    અવકાશ સંબંધિત સંશોધનનાં કામમાં મારી બીજી પીએચડીએ ખૂબ મોટો ભાગ ભજવ્યો. સંશોધનના એ કામ માટે અમે Space Observation Data Base નો ઉપયોગ કરતા. નાસાને આ વાતની માહિતી મળતાં મારી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે કોન્ફરન્સ દરમ્યાન વાટાઘાટો, ચર્ચા વગેરે પણ થતાં. તે પછી ખૂબ ઉચ્ચકક્ષાના રીસર્ચ પેપર અંગે એક નામ પ્રસ્થાપિત થયું. પરિણામે મને સ્પેસ શટલ પ્રોગ્રામમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરવા માટે નાસામાંથી આમંત્રણ મળ્યું.

    હવે અહીં પસંદગીનો નાનકડો સંઘર્ષ નજર સામે આવ્યો. હ્યુસ્ટનના નાસા, Johnson Space Centerનું આમંત્રણ સ્વીકારવું એટલે પત્નીના વતનથી ૯૦૦ માઈલ દૂર થવાનું, પત્નીની સ્થાયી થયેલ જૉબને છોડવાની અને અઢી વર્ષનો દીકરો અને એકાદ વર્ષની દીકરી એમ બે નાનાં બાળકોને નવા અને જુદા માહોલમાં ઉછેરવાનાં. તે ઉપરાંત ઠંડીના વાતાવરણમાંથી  (Indiana State) ગરમીના રાજ્યમાં (Texas) સેટ થવાનું. તેથી શરૂઆતમાં મેં ૧૯૮૮ના જાન્યુઆરીથી ૬ મહિનાની રજા લઈને હ્યુસ્ટન જવાનું નક્કી કર્યું.  તે  સમય દરમ્યાન, પસંદગીનું કામ, ઉજળી તકો અને મનના ઉત્સાહને કારણે એક ગજબનો સંતોષ  થયો અને તે પછી છેવટે નાસા સાથે જ જોડાયેલા રહેવાનું નક્કી કર્યુ. પત્નીએ પોતાની કારકિર્દીને છોડી દીધી અને અન્ય મુશ્કેલ લાગતી પરિસ્થિતિઓને પણ સ્વીકારી લીધી.

    આ કુટુંબ ભાવના અને સમજણપૂર્વકનો, સરળ રીતે કરેલો સ્વીકાર મારે મન ઘણી બધી રીતે મૂલ્યવાન બની ગયો. ખાસ કરીને એક વિદેશી નારી તરીકે નોંધનીય પણ ખરો જ! બાકી મેરીએન પોતે પણ કૉલેજમાં સાયકોલૉજીના પ્રોફેસર તરીકે  જૉબ કરતાં હતાં. તેમને માટે પણ એ પરિસ્થિતિ વિકટ જ બની હશે ને? મારી સિદ્ધિઓ પાછળ તેમનો ફાળો પણ ઘણો મોટો છે. સાચું જ કહેવાયું છે ને કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે.

    અહીં એટલે કે હ્યુસ્ટનના નાસા સેન્ટરમાં, ૧૯૮૯માં મારે એક એવી વ્યક્તિને મળવાનું બન્યું જેમને જોવા માટે ૧૯૬૯ની સાલમાં એક નાના છોકરા તરીકે, વડોદરાથી હું મુંબઈ પહોંચ્યો હતો; અને જેમણે મારા મનમાં અંતરિક્ષ સંબંધિત સંશોધનના સ્વપ્નનું બીજ રોપ્યું હતું; તે અમેરિકન એસ્ટ્રોનટ ડો. નીલ આર્મસ્ટ્રોંગને મળવાનું અને રૂબરૂમાં સાંભળવાનું મળ્યું. મારા જેવા એક અતિ સાધારણ આર્થિક સંજોગોવાળા માણસના જીવનમાં ક્યારેય આ ઘટના પણ ઘટશે એ માની શકાય તેમ હતું જ નહિ. ભારતમાં, વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈએ પણ પ્રેરણા આપી હતી. કારણ કે તેઓ ભારતીય વૈજ્ઞાનિકોને અવકાશ સંશોધનમાં જોડતા હતા! પરંતુ મારા માટે ભારતમાં તે શક્ય ન હતું. તેથી વર્ષોથી સેવેલ સ્વપ્ન કે કોઈ દિવસ નાસામાં પોતે હ્યુસ્ટનમાં કામ કરશે, જ્યાં નીલ આર્મસ્ટ્રોંગ રહેતા હતા, તે સિદ્ધ થતું અનુભવાયું.

    આ ઉપરાંત, હ્યુસ્ટનમાં બીજી એક મુલાકાત ચંદ્રયાત્રી કેપ્ટન જ્હોન યંગ સાથે પણ થઈ, કે જેઓ યંગ ઍપોલો ૧૬ના મિશન દરમ્યાન,૧૯૭૨માં ચંદ્ર પર ગયા હતા અને સૌથી વધુ ઉડાન ભરનારા અવકાશયાત્રીઓમાંના એક હતા. એટલું જ નહિ, ઘણાં વર્ષો સુધી મુખ્ય અવકાશયાત્રી તરીકે નાસામાં સેવાઓ આપી હતી. આમ, એક પૃથ્વી વિજ્ઞાન શાખાના ચીફ તરીકે આ અવકાશયાત્રી મિ.જહોન યંગને પ્રથમ મળ્યો હતો અને ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં અવકાશ સંશોધન પરની કોન્ફરન્સ માટેનો ઇન્ટરવ્યુ લીધો હતો. તે સમયની વાત  યાદ કરું છું ત્યારે થાય છે કે, ચંદ્ર પરના પ્રથમ માણસ નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા પ્રેરિત વડોદરાના યુવાન છોકરા માટે, ચંદ્ર પર સૌથી વધુ વખત જનાર મિ. જ્હોન યંગ સાથે ૩૦ મિનિટ સુધી વાત કરવી તે ખરેખર એક સ્વપ્ન સાકાર થયાની સંવેદના અનુભવાઈ હતી..

    આ સંવેદના શબ્દની સાથે એક વાત યાદ આવે છે જેની નોંધ કરવી મને ગમશે. અગાઉ જણાવ્યું તે મુજબ, વિજ્ઞાનની સાથે સાથે મને સાહિત્ય તરફ પણ એટલો જ પ્રેમ છે. હ્યુસ્ટનની  ગુજરાતી સાહિત્ય સરિતાનો હું સભ્ય છું અને સમયની અનુકૂળતા મુજબ અચૂક હાજરી પણ આપું છું. મને યાદ છે કે ૨૦૧૨ની સાલમાં સાહિત્યની એક બેઠકમાં મેં ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’નું ( નીલ આર્મસ્ટ્રોંગે લીધેલું પિક્ચર) એક ચિત્ર સૌને બતાવ્યું અને આપ્યું.

    એટલું જ નહિ, ચંદ્રની સપાટી પરથી ઉગતા એ નાનકડા ભૂરા ગોળાને જોઈને જે વિચાર કે કલ્પના જાગે તે મુજબ રચના કરવા માટે સૌ સભ્યોને પ્રેર્યા. હ્યુસ્ટનની ભૂમિ સાહિત્યરસિકોથી સમૃદ્ધ છે તેથી લગભગ ૧૩ થી ૧૫ જેટલા સાહિત્યપ્રેમીઓએ પોતપોતાની રચના કરીને મોકલી. મેં પોતે પણ એક પદ્યરચના કરી. તેનો મુખ્ય ભાવ એ હતો કે, આ પૃથ્વી જ આપણું ઘર છે. હું માનુ છૂં કે આપણા પ્રિય નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર એકલા નો’તા ગયા. ચંદ્રની ધરતી ઉપર ઉભા રહીને તેઓ બોલ્યા હશે કે માનવજાતનો વિશાળ વિકાસ છે આ. તેઓ (નીલ) તો સમગ્ર માનવને લઈને ગયા ત્યારે મારી કલ્પનામાં હું ચંદ્ર ઉપર જ હતો. તેમણે ચંદ્ર ઉપરથી નિહાળ્યો દુર દુર એ ભુરો ચમકતો ગ્રહ. મારી કલ્પનાઓ મહીં તેમના એકલાની ભાવના જ નહીં. તમામ માનવ જાતની ભાવનાઓ એ ભુરા ગ્રહમાં અનુભવતો રહ્યો.”

    મારી રચનાના શબ્દો હતાઃ

    ઓ ચંદ્ર ! તુ તો ચમકતું વેરાન રણ..કે જાપ જપતો અવાવરો ખંડ
    અદભૂત સુંદર, નિર્જિવ છતાં પ્રેરણા આપતો પૃથ્વીનો સખા
    તારા ભુખરા બદામી તટ પરેથી દેખાય નમણી ધરા બુંદ સમ
    આકર્ષે સમગ્ર સમુદ્રો અને લીલુડી ધરતીને સમાવવા પોતા મહીં

    સમજાયો મને અર્થ ઘરનો અહીં, જ્યારે હું પહોંચ્યો ચંદ્ર તુજ ધરાએ..
    મારું હૃદય ધબક્યું ત્યારે..જા,ઘરે જા; મધુર ઘરે જલ્દી જા, જલ્દી જા
    મારા રોકેટ છે તૈયાર..મારા સાથી છે ઉતાવળા, જવા તેમની જન્મ ભોમ.
    હા, ગૃહથી સુંદર કંઈ જ નથી..આપણો ગ્રહ પૃથ્વી..

    ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની એક બેઠક્માં નાસાનું આ અલૌકિક ચિત્ર, પદ્મશ્રી  ડો  કુમારપાળ  દેસાઇને  પણ ભેટ આપ્યુ હતું.

    હવે ફરી મારી વાત આગળ વધારું. ડૉ. સેલી રાઈડ યુએસએની પ્રથમ મહિલા અવકાશયાત્રી હતી અને તેણે ૧૯૮૨માં સ્પેસ શટલ પર ઉડાન ભરી હતી. આ ડૉ. સેલી રાઇડે યુવા વિદ્યાર્થીઓ માટે એક વિજ્ઞાન કાર્યક્રમ વિકસાવ્યો અને મારી સાથે કામ કર્યું કે જેમાં “EARTH KAM” વિકસાવવા માટે પૃથ્વી અવલોકનોના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે સેવા આપી હતી,

    આ ઉપરાંત એક વધુ રોમાંચક પ્રસંગ. ડૉ. કલ્પના ચાવલાની સ્પેસ શટલ ફ્લાઇટ્સમાં પૃથ્વી અવલોકનો અને ઇમેજિંગ ઑપરેશન માટે મુખ્ય મિશન વૈજ્ઞાનિક તરીકે સેવા આપીને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. પૃથ્વી અવલોકનો માટે વરિષ્ઠ અવકાશયાત્રી-તાલીમ નિષ્ણાત તરીકે, space shuttle & International space station astronauts in Earth sciences and on-orbit imaging payloads માં વીસ વર્ષ સુધી તાલીમ આપી. ભારતીય અમેરિકન અવકાશયાત્રી ડૉ. કલ્પના ચાવલાની મિશન નિષ્ણાત તરીકે ઉડાન ભરેલી બંને વખતની ફ્લાઇટ્સ સમયે સહાયક તરીકે મેં કામગીરી બજાવી હતી. તે સમયે વિશ્વભરના સંશોધકોની યુવા પેઢીને પ્રેરિત કરવા ડૉ. કલ્પના ચાવલાના જીવન અને કાર્ય વિશે વ્યાપકપણે પ્રસારણ કર્યું હતું.

    ૨૦૦૩માં સ્પેસ શટલ અકસ્માતમાં જ્યારે કલ્પના ચાવલાનું અન્ય અવકાશયાત્રીઓ સાથે અવસાન થયું ત્યારે નાસા દ્વારા મારા હિન્દી ભાષાકૌશલ્યનો ઉપયોગ કરીને વિશ્વવ્યાપી હિન્દી પ્રેક્ષકો સાથે વાત કરવા વિનંતી કરવામાં આવી હતી; કારણ કે  કલ્પના ચાવલા  ભારતમાં જન્મેલ હિન્દી ભાષી અવકાશયાત્રી હતાં. તે સમયે લાખો શ્રોતાઓ નાસા વિશે, કલ્પના વિશે અને અન્ય વિગતવાર માહિતી સાંભળવા માટે જોડાયા હતા. અને ત્યારે મેં સ્પેસ શટલ અકસ્માત વિશે ‘વોઈસ ઓફ અમેરિકા રેડિયો શો’ પર  હિંદીમાં પ્રસારણ કર્યું હતું.

    આમ, ભાષા અને વિજ્ઞાનનો સમન્વય, કલા અને વિજ્ઞાનની એકસૂત્રતા કેવી રીતે અને કેવા સંજોગોમાં આપમેળે સધાઈ જાય છે તેનો અનુભવ એક વિશેષરૂપે યાદગાર બની ગયો.

    શ્રીમતી સુનિતા વિલિયમ્સ, નાસામાં અવકાશયાત્રી ઉમેદવાર તરીકે જોડાયાં હતાં ત્યારે પણ મેં અને મારી ફ્લાઇટ સપોર્ટ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આપવામાં આવેલ વિજ્ઞાન બ્રીફિંગમાં હાજરી આપી હતી. ૨૫ થી વધુ સ્પેસ શટલ ફ્લાઇટના અવકાશયાત્રીઓએ તે ફ્લાઇટમાં, આ યોગદાન માટે, ટોકન પ્રશંસા તરીકે વ્યક્તિગત સ્મૃતિચિહ્નો આપ્યાં હતાં. ડૉ. સ્ટીવ હૉલી- અવકાશયાત્રી જેમણે પ્રસિદ્ધ હબલ ટેલિસ્કોપનું સમારકામ કર્યું હતું, વાસ્તવમાં તેમની સાથે એક અમેરિકન અને ભારતીય ધ્વજ અવકાશમાં ઉડાડ્યો હતો અને તે ધ્વજ, ફ્લાઈટની સફળતા માટે, મને અર્પણ કર્યો હતો. અત્યાર સુધીમા ઘણાં બધાં Astronauts ને તાલીમ આપેલ છે પણ આ બે નામ જે મુખ્યત્વે આપણું ધ્યાન ખેંચે તે છે સુનિતા વિલિયમ્સ અને સદ્દગત કલ્પના ચાવલા.

    હાલમાં ભારતીય વિદ્યાર્થીઓની યુવા પેઢીઓ માટે “ Kalpana’s India: Stunning Views of India from Space”  નામની ઈ-બુકનું કામ ચાલુ છે જેથી યુવાનોને અવકાશ સંશોધકો બનવાની પ્રેરણા મળે.


    ક્રમશઃ

  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

    નિસબત

    ચંદુ મહેરિયા

    આપણા દેશમાં પુસ્તકાલય આંદોલનનો આરંભ વ્યક્તિગત પ્રયાસોને કારણે શક્ય બન્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભૂતકાળમાં અને આજે પણ કેટલાક પુસ્તકપ્રેમીઓએ ખુદના કે મિત્રોના પુસ્તકો, સામયિકો, અખબારો દ્વારા નાના પાયે તેની શરૂઆત કરી હતી. એક સમય હતો જ્યારે અખબારો માત્ર અમીરોના ઘરની જ શોભા વધારતા હતા. સામાન્ય માણસો સુધી તેની પહોંચ નહોતી. માત્ર  કેરળના જ નહીં ભારતના પુસ્તકાલય આંદોલનના જનક કે.એન. પણિક્કરના ઘરે જ્યારે છાપું આવતું થયું ત્યારે તેમની આસપાસના પાંચ-પચીસ લોકો ભેગા થઈને તે વાંચતા-સાંભળતા. પછી તેમના ઘરે આવતા અખબારોની સંખ્યા વધી, વાંચનારા વદ્યા તો પુસ્તકો પણ આવ્યાં અને નાના પાયે પુસ્તકાલય શરૂ થયું હતું. લોકભાગીદારી કે સ્વયં લોકોએ શરૂ  કરેલી નાની-નાની લાઈબ્રેરી વાંચન સંસ્કૃતિના વિકાસનો પ્રાણ છે.

    આમ પણ દુનિયા આખી વાંચવાની બાબતમાં પછાત મનાય છે. તેમાં વળી મોબાઈલના વળગણે લોકોમાં વાચનની આદત ઓર ઘટાડી દીધી છે. અમેરિકામાં રોજ અચૂક વાંચતા લોકો ૨૦૦૪માં ૨૮ ટકા હતા. જે ઘણાં ઓછા કહેવાય.  હવે લગભગ  વીસ વરસો પછી ૨૦૨૩માં તે ઘટીને ૧૬ ટકા જ થઈ ગયા છે. અમેરિકામાં વાર્ષિક ત્રણ ટકાના દરે વાચન ઘટ્યું છે. તેને સંશોધકો ચોંકાવનારું અને ચિંતાજનક ગણાવે છે. એક સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં ભણતા ૧૬ થી ૨૦ વરસની ઉમરના ૬૧ ટકા કોલેજ વિદ્યાર્થીઓ રોજ પાંચ કલાક ફોન મચડે છે. તેમાં ૬૩.૩૦ ટકા છોકરીઓ અને ૬૧.૩૩ ટકા છોકરાઓ છે. રજાઓમાં  તો તેમનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી જાય છે. માંડ ૨૯ ટકાને જ વાંચવું ગમે છે. હા, વાંચવું ગમે છે. વાંચે છે તેમ નહીં.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સાક્ષરતાનું પ્રમાણ જ્યાં ઓછું છે તેવા ભારત સહિતના દેશોમાં વાચન પણ ઓછું હોય તે સ્વાભાવિક છે.પરંતુ સાક્ષરતા દરમાં થયેલી વૃધ્ધિના પ્રમાણમાં વાચન વધ્યું નથી. તેનું કારણ વાચન સંસ્કૃતિનો અભાવ તો છે જ પુસ્તકાલયોનો અભાવ પણ છે. એટલે સરકાર અને સમાજ બંને વાચન વધે તે દિશામાં પ્રયાસરત બન્યા છે.

    સાક્ષરતામાં ટોચે રહેલા કેરળે વિદ્યાર્થીઓમાં પાઠયપુસ્તકો સિવાયનું વાચન વધે તે માટે એકડે એકથી પ્રયાસો હાથ ધર્યા છે. ગયા શૈક્ષણિક વરસથી કેરળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ દીઠ એક અખબાર હોય તેવી વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓએ રોજ અખબાર વાંચવું તેને અભ્યાસક્રમનો હિસ્સો બનાવ્યો છે. જોકે તેના ધાર્યા પરિણામો મેળવવા અને વિદ્યાર્થીઓમાં વાચનની નિયમિત આદત કેળવાય તે માટે મૂલ્યાંકન કસોટી અને ગ્રેસિંગ માર્કસની યોજના પણ કરવી પડી છે.

    કેરળ વાચનમાં અગ્રેસર છે અને પુસ્તકાલયોનું પિયર છે. કેરળનું ભાગ્યે જ એવું કોઈ નગર કે કસ્બો હશે જ્યાં એકાદ જાહેર પુસ્તકાલય ન હોય. કેરળ સો ટકા સાક્ષર રાજ્ય હોવાનો આ જાહેર પુરાવો છે. કેરળમાં આજે ૯,૦૦ જાહેર પુસ્તકાલયો છે. આઝાદી પછી કેરળમાં સૌથી પહેલી સામ્યવાદી સરકાર રચાઈ હતી. કામદારો-કિસાનો જમીનદારીમાંથી મુક્ત થયા તેની સાથે તેમનામાં વાચન અને ચિંતનની પરિપાટી વિકસે તે માટે પણ પુસ્તકાલયો જરૂરી હતા. વળી ત્યાં સાક્ષરતાનો દર પણ સૌથી ઉંચો છે એટલે પણ વાચન વધારે છે. પણ આજે કેરળ જો વાચનની આદત કેળવવા અખબારોનું વાચન પ્રાઈમરી સ્કૂલોના અભ્યાસક્રમમાં સામેલ કરે તો સમજાય છે કે સ્થિતિ કેટલી ગંભીર છે.

    સયાજીરાવ ગાયકવાડ જેવા ઉદાર રાજાના પ્રતાપે ગુજરાતમાં આઝાદી પૂર્વે જ ગાયકવાડી ગામોમાં પુસ્તકાલયો સ્થપાયાં હતાં અને કથિત અસ્પૃશ્યો સહિતના બાળકો માટે શિક્ષણ ફરજિયાત હતું. આજે તો આપણે ડિજિટલ ઈન્ડિયા અને ડિજિટલ ગુજરાતના યુગમાં છીએ. પણ ગુજરાતમાં સરકારી પુસ્તકાલયો ૧૯૭ જ છે. કદાચ આગામી એક બે વરસોમાં રાજ્યના તમામ તાલુકાઓ સરકારી પુસ્તકાલયોની સુવિધા મેળવી શકશે. ગુજરાતની અઢી ટકા શાળાઓમાં જ ડિજિટલ લાઈબ્રેરી છે. જે કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને પુડુચેરી કરતાં ક્યાંય ઓછી છે. ‘ વાંચે ગુજરાત’ નું અભિયાન તો થયું છે પરંતુ શું વાંચે અને ક્યાં વાંચેનો સવાલ નિરુત્તર છે. એ દ્રષ્ટિએ ગુજરાતે વાચન સંસ્કૃતિના વિકાસ માટે ઘણી મોટી કામગીરી કરવાની બાકી છે.

    કેરળના કુનુર જિલ્લાના ચેરુપુઝા ગામમાં પુસ્તકદેવનું મંદિર છે મહારાષ્ટ્રનું ભિલાર બુક વિલેજ તરીકે પ્રખ્યાત છે. વિશ્વ પુસ્તક દિવસ(૨૩મી એપ્રિલ), રાષ્ટ્રીય વાચન દિન( ૧૯મી જૂન) ઉજવાય છે. ૨૦૨૩માં કેરળના કુન્નુરમાં ઈન્ડિયન લાઈબ્રેરી કોંગ્રેસનું અધિવેશન  યોજાયું હતું. તેમાં ત્રણ હજાર ગ્રંથપાલો સાથે અધધધ પાંચ લાખ લોકો ઉપસ્થિત હતા. દેશમાં લાઈબ્રેરીઓ વધે, અંતરિયાળ ગામડાઓ અને આદિવાસી વિસ્તારો સુધી તે સ્થપાય તે માટે લાઈબ્રેરી કોંગ્રેસ પ્રતિબધ્ધ છે. પુસ્તકાલયો માત્ર પુસ્તકની આપલેના કેન્દ્રો કે પુસ્તકોના સંગ્રહસ્થાનોને બદલે સાંસ્કૃતિક  કેન્દ્રો બને અને તેમાં વાચન સંબંધી અનેક પ્રવૃતિઓ થાય તે દિશામાં કામ થવું જોઈએ.

    કર્ણાટકના મૈસુર નજીકના કેન્નાલ ગામે છોંતેર વરસના અનેક ગૌડાએ બાવીસ ભારતીય ભાષાઓ અને ઘણી વિદેશી ભાષાઓના પંદર લાખ પુસ્તકોની લાઈબ્રેરી ઉભી કરી છે તે માટે તેમણે જીવનભરની કમાણી આપી દીધી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરના અંકિત શર્માએ ઘરે ઘરે ફરીને પુસ્તકો ભેગા કરી ૩,૦૦૦ પુસ્તકોની લાઈબ્રેરી ઉભી કરી છે. તેર જ વરસની આકર્ષણ સતીષે તેલંગણા અને તામિલનાડુમાં  ૨૧ લાઈબ્રેરી સ્થાપી છે. તે શાળા, હોસ્પિટલ અને અનાથાલયની નજીક પુસ્તકાલય સ્થાપે છે. જેથી યોગ્ય લાભાર્થી સુધી પુસ્તક પહોંચે.

    તમિલનાડુની જેલોમાં કેદીઓ માટે પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે. તેના કારણે કેદીઓ વચ્ચેના ઝઘડા અને તણાવ ઘટ્યા છે. ઉત્તરપ્રદેશના કોમી હિંસાગ્રસ્ત બાગપત, મુઝફ્ફરનગર અને શામલીના ગામડાઓમાં બાળકો માટે બાઈક લાઈબ્રેરી શરૂ થઈ છે. આ પ્રયાસે બાળકો મોબાઈલ છોડી વાચન તરફ વળ્યા છે. મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પુસ્તક મેળાઓએ લોકોને રાહતનો માર્ગ દેખાડ્યો છે. એટલે પુસ્તકો માત્ર માહિતી, શિક્ષણ, જ્ઞાન માટે જ નહીં મનુષ્યજીવનના પ્રશ્નોને સુલઝાવવામાં પણ મદદગાર છે.

    કવિવર દલપતરામે અમદાવાદમાં પહેલા પુસ્તકાલયની સ્થાપનાને વિદ્યા વધે એવી આશનું થાનક ગણ્યું હતું. વાચન સંસ્કૃતિનો વિકાસ આજે પણ વિદ્યા વધવાની આશા જન્માવે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઝગમગતી દિવાળી

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    તહેવારોની મહારાણી દિવાળીની સવારી આવી પહોંચી હતી.ઘર ઘરમાં સફાઇ, રંગરોગાન, દીવાઓ, ફટાકડા, રંગોળી, તોરણ, નવા કપડા, દાગીનાની ખરીદી, અને જાતજાતના ફરસાણ..મીઠાઇ બનાવવાની તૈયારી ચાલુ થઇ ચૂકી હતી. દરેક ઘરમાં પોતપોતાના બજેટ મુજબ તૈયારીઓ ચાલુ હતી. દિયાની તો લગ્ન પછીની આ પહેલી દિવાળી હતી…

    પિયરમાં તો દિવાળી કદી ઘરમાં કરી જ નથી..એ બધી લપ કોણ કરે ? આખો દિવસ થાકીને  કૂચે મરી જાવ..ગધેડાની જેમ કામ કર્યા કરો..એકબીજાને ઘેર દોડાદોડી કરો…એ બધી જંજટમાં દિયાના મમ્મી, પપ્પા કદી પડયા નહોતા.દિવાળી આવે એટલે ઘરને તાળા લગાવી બહારગામ ઉપડી જવાનું..આરામથી ફરવાનું..વરસોથી દિયાએ આ જ ક્રમ ઘરમાં જોયો હતો. અહીં પણ તેને હતું કે પોતે પતિ સાથે કયાંક બહારગામ ફરવા ઉપડી જશે..પૈસાની કોઇ કમી નથી. અને અમનને બીજા કોઇ ભાઇ બહેન પણ નથી. ફકત સાસુ, સસરા જ છે. તેમનો સ્વભાવ પણ સારો છે. કોઇ જાતનું બંધન નથી. પહેલી દિવાળી બંને સાથે કોઇ સરસ જગ્યાએ મનાવશે. તેણે અમનને દિવાળીનો પ્લાન પૂછયો..ત્યારે અમને હસીને કહ્યું, “અમારો પ્લાન દરેક વરસે નક્કી હોય જ છે.”

    દિયા ખુશ થઇ ઉઠી..તો અમને પ્લાન બનાવી લીધો છે.ઘરમાં ખરીદીનો દોર ચાલ્યો.. ફટાકડાઓ.. દીવાઓ,  રંગો.. અરે,અમન આપણે બહારગામ જવાનું છે..આટલા બધા ફટાકડાઓને આ બધી વસ્તુઓનું શું કરીશું ? મમ્મી, પપ્પા એકલા આટલા ફટાકડાનું શું કરશે ?

    દિયા, આપણે ચારેય સાથે બહારગામ જઇએ છીએ. દિવાળી ઉપર મમ્મી, પપ્પા એકલા થોડા રહે ? દિયાએ મન મનાવ્યું..ઠીક છે..આમ પણ સાસુ, સસરાનો સ્વભાવ કચકચિયો નથી. વાંધો નહીં.

    પણ તો પછી આટલી બધી વસ્તુઓ..? દિયા…દિવાળી ઉજવવાની અમારી રીતે જરા જુદી છે.

    જુદી એટલે ?

    દિયા, વાત એમ છે કે આપણે વરસોથી દિવાળીમાં એક અનાથાશ્રમમાં જઇએ છીએ..પૂરા પાંચ દિવસ ત્યાં રહીએ છીએ…અને ત્યાંના બાળકો સાથે દિવાળી મનાવીએ છીએ..હકીકતે એ આશ્રમ આપણા એક દૂરના સ્નેહીએ બંધાવેલ છે..પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ તેમણે આ કામમાં હોમી છે. આપણે હમેશા તો ખાસ કશું કરી શકતા નથી.પરંતુ વરસમાં એકવાર તેમને માટે કશુંક કરી શકીએ એટલી શક્તિ તો ભગવાને આપણને આપેલી જ છે.બાકી બધું તું ત્યાં નજરે જોઇશ..અનુભવીશ ત્યારે આપોઆપ સમજાઇ જશે.

    દિયાને આશ્ચર્ય તો થયું..એવા આશ્રમમાં કેમ ગમશે ? દિવાળી જેવો તહેવાર આ રીતે વેડફવાનો ? આ બધું તેને ગમ્યું તો નહીં..પણ  કશું બોલી નહીં. સાસરામાં પહેલી દિવાળીએ કંકાસ કયાં કરવો ?આવતે વરસે દેખા જાયેગા..એમ મન મનાવી તે મૌન રહી. અને ધનતેરસને દિવસે આખી કાર છલોછલ સામાનથી ભરાઇ..અને ચારે જણા ઉપડયા..શહેરથી લગભગ ૧૦૦ કિ.મિ. દૂર ભૂલકાઘર પાસે પહોંચ્યા. ત્યાં તો બધા જાણે તેમની રાહ જોઇને જ બેઠા હતા. બે  બેડરૂમનો નાનકડો પણ બધી સગવડતાવાળો મજાનો ફલેટ હતો. બધા તેમાં ગોઠવાયા…

    બીજે દિવસે સવારે ધનતેરશ હતી..વહેલી સવારે આશ્રમના બાળકો સાથે દિયા અને ઘરના બધા જોડાયા..પછી પ્રાગણમાં બધાએ સાથે મળીને રંગોળી કરી..દીવડા પ્રગટાવ્યા..બાળકો સતત કિલ્લોલ કરી રહ્યા. બે નાનકડી  બાળાઓ તો દિયાને વળગી પડી. સાથે લાવેલ ચોકલેટ બધાને અપાઇ..જાતજાતની રમતો અમન અને તેના મમ્મી, પપ્પાએ બધાને રમાડી..બપોરે અને સાંજે સરસ જમણવાર ગોઠવાયો. આશ્રમની વાડીમાં બધાએ સમૂહ ભોજન કર્યું..પિકનીકનો આનંદ માણ્યો…અને રાત્રે ફટાકડાનો ઢગલો.. મોટેરા બધા ખુરશી નાખીને બેઠા અને બાળકોએ ફટાકડા ફોડવાનો આનંદ લેતા હતા. ચારે તરફ હસી, ખુશી…દીવાનોના ઝગમગ પ્રકાશથી સઘળું વાતાવરણ ઝળાહળા..એક છોકરી આવીને દિયાનો હાથ પકડી ખેંચી ગઇ અને તેના હાથમાં ફૂલઝડી પકડાવી…

    પછી તો બધા દિયા અને અમનને ઘેરી વળ્યા..દિયા પણ જાણે નાનકડી છોકરી બની ગઇ..બધા સાથે ફટાકડા ફોડવામાં તે પણ જોડાઇ ગઇ… બીજા ચારે ય દિવસ રોજ જુદો જુદો કાર્યક્રમ ગોઠવાતો રહ્યો. બાળકોના ચહેરા પર પથરાયેલી ખુશી એ દિયાના દિલમાં પણ રોશની ફેલાવી..એક નવા જ આનંદની અનુભૂતિથી દિયા પણ છલકી રહી..બીજાને આનંદ આપીને પોતાને જે આનંદ મળ્યો હતો..એનો અહેસાસ કંઇક અલગ જ હતો..આવી ખુશી તો દિયાને જિંદગીમાં કદાચ પ્રથમ વાર મળી હતી…

    અને હવે પોતે દર વરસે આ ખુશી જરૂર મેળવશે એવો સંકલ્પ અહીંથી જતી વખતે દિયાના અંતરમાં અનાયાસે થઇ ચૂકયો હતો..સાચી દિવાળી કદાચ તેણે પહેલી વાર મનાવી હતી..જે અન્યને આનંદની બે ચાર પળ પણ આપી શકે છે તે જાતે કદી એનાથી વંચિત કેમ રહી શકે ?


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • જસ્ટિસ ચાગલા: પાપની જડ આ કટોકટી જ છે!

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    કે વા એ દિવસો હતા ને કેવી એ રાતો હતી… ગુજરાત ત્યારે સ્વાધીનતાનો ટાપુ કહેવાતું! ૨૬ જૂન, ૧૯૭૫થી ૧૨ માર્ચ, ૧૯૭૬ના અલ્પાયુ પણ અપ્રતિમ એ દિવસો, જેપી આંદોલનની આબોહવામાં ગુજરાતમાં જન્મેલા જનતા મોરચાના શાસનના હતા, જેણે ઈંદિરાઈ થકી બંધ દુનિયા વચાળે ખુલ્લાપણાનું ખમીર દાખવ્યું હતું.

    આ ટાપુયોગ, ઓક્ટોબર ૨૦૨૫માં કેમ તીવ્રપણે સાંભરી આવ્યો? ભાઈ, ૧૨મી ઓક્ટોબર ઢૂંકડી છે અને જેમ કાનમાં તેમ નજરો સામે ગૂંજતા ને તરતા ઉદગારો છે: અંધારાં જાશે ને અજવાળાં આવશે. પચાસ વરસ પર મળેલી નાગરિક સ્વાતંત્ર્ય પરિષદમાં બોલતાં જસ્ટિસ એમ. સી. ચાગલાએ ઉચ્ચારેલા આ શબ્દો છે. પરિષદ દરમ્યાન, દરુ-તારકુંડે કહેતા હતા, ચાગલાએ વાત વાતમાં અમને એકથી વધારે વખત કહ્યું, હું ભારતમાં છું કે ક્યાં.

    ૧૯૭૫ના જૂનની ૨૫/૨૬મીએ કટોકટીના અમલ પછી આંતરરાષ્ટ્રીય પરિમાણ ધરાવતી રાષ્ટ્રીય સ્તરની આ એક મોટી ઘટના હતી. જયપ્રકાશ અને મોરારજી દેસાઈ સહિતનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હજારો કાર્યકરો મિસાબંદી હતા. સર્વોચ્ચ અદાલત હેબિયસ કોર્પસ બાબતે નામકર ગઈ હતી. એટર્ની જનરલે અદાલતમાં દો ટૂક શબ્દોમાં કહ્યું હતું કે પોલીસની ગોળી કોઈનું નિશાન લે તો સરકાર જવાબદેહ નથી. મૂળભૂત અધિકારો મૂર્છિત હતા.

    આ માહોલમાં સિટીઝન્સ ફોર ડેમોક્રસી (જનતંત્ર સમાજ)ની પહેલથી અમદાવાદમાં નાગરિક સ્વાતંત્ર્ય પરિષદનું મળવું મોટી વાત હતી. દિલ્હીમાં વિઠ્ઠલ મહાદેવ તારકુંડે અને અમદાવાદમાં ચંદ્રકાન્ત દરુ, આ બેની ધરી જનતા મોરચા દીધ સુવાણમાં એની પૂંઠે હતી…

    બાય ધ વે, એક એકરાર કરું? ૧૯૭૪માં જયપ્રકાશે તારકુંડેના સહયોગમાં જનતંત્ર સમાજ સ્થાપવાની પહેલ કરી ત્યારે મારો કાચો પ્રતિભાવ (સંઘર્ષના નવોત્સાહમાં) ‘વળી એક લૉયર્સ ક્લબ’નો હતો. પણ દરુ સ્થાપના અધિવેશનમાં ભાગ લઈ અમદાવાદ આવ્યા અને એમ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ઉપક્રમે એમનો જાહેર વાર્તાલાપ યોજ્યો ત્યારે આ પ્રકારના ઉપક્રમની ઉપયોગિતા કંઈક સમજાઈ હતી. પણ મિસા મહોત્સવ શરૂ થયો ત્યારે કોરટકચેરી થકી ને અન્યથા પડ જાગતું રાખવામાં આ મંડળીએ જે વિત્ત દાખવ્યું તે અજ્ઞેયે ‘બૌદ્ધિક બુલાયે ગયે’માં જે જીલબ્બે મંડળી ચીતરી છે એના કરતાં જમાતજુદેરી સૂરતમૂરતનું હતું.

    એ દિવસોનો એક જોગાનુજોગ તો મને વારે વારે સાંભરે છે. જનતા મોરચા અને લોકસંઘર્ષ સમિતિની સંકલન સમિતિ કવચિત મુખ્યમંત્રી બાબુભાઈના નિવાસસ્થાને મળે એવું પણ બનતું. એમને ત્યાં પ્રવેશતાં સામી ભીંતે જ અશ્વમેધના ઘોડાને આંતરતા લવ-કુશનું ચિત્ર નજરે પડતું. એમાં અમને ગુજરાત ને તામિલનાડુ એ બે ઈંદિરામુક્ત રાજ્યોનાં દર્શન થતાં. અને દરુની ટીમ! હરિભાઈ શાહ ને પ્રસન્નદાસ પટવારી તો હોય જ. પણ રાજ્યશાસ્ત્રના અધ્યાપકો કીર્તિદેવ દેસાઈ, પ્રવીણ શેઠ, દિનેશ શુક્લ, જે. કે. પટેલ. એમાં પણ જેકે તો દરુની નાતના… રેડિકલ હ્યુમેનિસ્ટ. (હમણાં ૨૦૦૨માં એ આબાત ચમક્યા’તા- ગુજરાતના મુખ્યમંત્રીને પોતાના વિદ્યાર્થી તરીકે ડિઝઓન કરીને!) સંઘર્ષ સમિતિના વ્યાપક વર્તુળમાં જેપીના સન બયાલીસના સાથી બી. કે. મઝુમદાર અને બેલાશક ગુજરાતમાં જેપીની રૂખ સૌથી પહેલાં પકડનાર પૈકી ભોગીલાલ ગાંધી વિનાનું વરિષ્ઠ મંડળ કલ્પી શકાતું નથી.

    આરંભે જસ્ટિસ ચાગલાના જે ધન્ય ઉદગારો સંભાર્યા તે વસ્તુત: દિનેશ શુક્લના ગુજરાતી અનુવાદને આભારી છે. ‘ભૂમિપુત્ર’માં એ છપાયું ને પ્રેસ સીલ થયું. ચાગલાએ આત્મકથાની ‘રોઝિઝ ઈન ડિસેમ્બર’માં નારાયણ દેસાઈના સ્મરણપૂર્વક એ ખાસ સંભાર્યું પણ છે. અમદાવાદની નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ સંભારું છું તો મીનુ મસાણી ને એસ. એમ. જોષી જેવા જૂના જોગીઓને તેમ પછીથી શાહ તપાસ પંચ થકી નમૂનેદાર કાર્યહેવાલ આપનાર જસ્ટિસ જે. સી. શાહ અને તરુણ કાનૂની પ્રતિભા સોલી સોરાબજ, યંગ ટર્ક કૃષ્ણકાન્ત, સાંસદો મોહન ધારિયા ને પુ. ગ. માવળંકર, આરઝી હકૂમત વેળાનાં જલતાં જિગર પૈકી ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી ને કંઈકેટલા.

    મને લાગે છે, ચાગલાના યાદગાર ભાષણની લગરીક પણ ઝલકઝાંખી વગર આ અક્ષરકૂચ અધૂરી લેખાશે. એમણે આરંભે જ ૧૯૨૧માં ગાંધીજીએ જે ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું તે સંભાર્યું હતું કે સ્વરાજમાં લોકો ઘેટાં જેવાં નહીં હોય. પોતાના વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું પ્રાણાન્તે પણ રક્ષણ કરશે. પણ આજકાલ ‘ક્યારેક હું વિમાસણમાં પડી જાઉં છું કે હું જાગતો છું કે કોઈ ભયંકર દુ:સ્વપ્ન જોઈ રહ્યો છું.’

    આગળ ચાલતાં એમણે ઉમેર્યું હતું કે ‘આજે જે હજારો લોકો જેલમાં પડ્યા છે તેમને પોતાનો વાંકગુનો શો છે તે પણ ખબર નથી. અને જ્યાં આરોપ જ ન હોય ત્યાં બચાવ પણ શી રીતે કરે?… મને લાગે છે પાપની જડ આ કટોકટી છે.’ વળી, એમણે ‘વડાપ્રધાન એ કોઈ એવાં દેવી નથી કે જેમને મંદિરમાંથી ન ખસેડી શકાય,’ એવી સ્પષ્ટોક્તિ સાથે ઉમેર્યું હતું કે આ માગણીનો જવાબ હાલ ઈંદિરાજી અનિવાર્ય છે એવો અપાય છે, પણ ‘લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને અનિવાર્ય કહેવું એ લોકશાહીના આત્મા વિરુદ્ધ આચરાયેલું પાપ છે.’

    ખરું જોતાં આખું ભાષણ જ આપવું જોઈએ, પણ એનું કદ આ તનુકાય કોલમ ક્યાંથી ઝીલી શકે. સર્વોદય કાર્યકર રજની દવેનું પુસ્તક, ‘સરમુખત્યારી સામે લોકસંઘર્ષની કથા’ વર્ણવતું હાલ પ્રેસમાં છે. ગુજરાતીમાં સુલભ પુસ્તકોને મુકાબલે વધુ સર્વગ્રાહી હોઈ શકતા આ પુસ્તકમાં ચાગલાનો વિસ્તૃત પાઠ પણ સુલભ થશે.

    હમણાં તો, ચાગલાના અંતિમ વચનો સાથે આ નોંધ સમેટું: ‘રાતનું અંધારું સૌથી વધુ ઘેરું હોય ત્યારે જાણવું કે ઉષ: કાળ દૂર નથી.’


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૮– ૧૦– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.