-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. કમલેશ લુલ્લા – વિજ્ઞાન અને કલાની યાત્રા [૪]
આ પહેલાં આપણે ડૉ. કમલેશ લુલ્લાની નાસાના અનુભવો અને યાદોની જીવન યાત્રાથી અવગત થયાં.આહે હવે અંતમાં તેમની સિદ્ધિઓ વિશે જાણીએ ……..સિદ્ધિઓ
-‘Houston Federal scientist તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષોમાં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક સંશોધન માટે એકસોથી વધુ મેડલ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમાંના કેટલાક અહીં નોંધું છું.
-Three ‘NASA Exceptional Achievement medals’ for science, innovation and technology.
– Luckas Memorial Award.
– The Remote Sensing Medal from the American Association of Geographers.
-Asian Space Award- ‘The Astronaut Ellison Onizuka Award ‘.
-૨૦૧૫માં ભારતના પ્રમુખ શ્રી પ્રણવ મુખરજીએ NRI Presidential Award (પ્રવાસી ભારતીય સન્માન ચંદ્રક) અને પુરસ્કાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સ્પેઇસ સાયન્સ અને ટેક્નૉલૉજીમાં ઝળહળતી સિદ્ધિઓ માટે મળ્યો હતો.
આ સન્માન માઇક્રોસોફ્ટના વડા સત્ય નડેલા સાથે શેર કર્યું હતું. એ વિશે વિગતવાર માહિતી આપવી ગમશે. કારણ કે તે સૌને માટે ખૂબ ગૌરવવંતી બની હતી. ડો. અબ્દુલ કલામ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમા મારા વૈજ્ઞાનિક તરીકેના યોગદાનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ યોગદાનની કદર રૂપે અને અમેરિકા અને વિશ્વમાં પણ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે NRI તરીકે ભારતનુ નામ રોશન કરવા બદલ ભારત સરકારે ૨૦૧૫માં પ્રવાસી ભારતીય દિવસના ત્રિદિવસીય સંમેલનનું આયોજન કર્યું હતું. આ સમારંભનુ આયોજન, ખાસ ગાંધીજીના ૧૯૧૫મા આફ્રિકાથી ભારત પાછા ફર્યાને ૧૦૦ વર્ષ થયા એની યાદમા ગુજરાત ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને દુનિયાભરમાંથી મહાન નેતાઓ તથા ૫૦૦૦ થી વધુ NRI મહેમાનો આ પ્રસંગની શોભા વધારવા આવ્યા હતા. ૯ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ આ સમારંભ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના ચીફ મીનીસ્ટર શ્રીમતી આનંદીબેનની હાજરીમા યોજાયો હતો. તે સમયે મને આ “Most Prestigious NRI Pravasi Bharatiya Award and Medal” એનાયત કર્યો હતો.. આ એવોર્ડ પદ્મવિભુષણની હરોળમા મૂકી શકાય એટલી ઉચ્ચ કક્ષાનો છે. અને તે ભારતના Vice President ના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.
આ વિશેનું ગૌરવ અમેરિકા અને કેનેડામા વસતા દરેક ભારતીયને પણ થયું હતું. તેના પ્રતિક રૂપે હ્યુસ્ટનના કાઉન્સલેટ જનરલે ખાસ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. પછી જ્યારે આ એવોર્ડ લઈ ભારતથી અમેરિકા આવ્યો ત્યારે યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના ચાન્સેલર ડો. રેનુ ખતોર પ્રેમથી અભિવાદન કરવા ખાસ એરપોર્ટ પહોંચી ગયા હતા.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાએ પણ એ અંગે બહુમાન કર્યું હતું. સાહિત્ય સરિતાની એ બેઠકમાં ‘NRI પ્રવાસી ભારતીય’ તરીકેના એવોર્ડ વિશે વાત કરતા મને ખાસ એ જણાવવું ગમ્યું હતું કે, મને જે મેડલ ભારતના ઉપરાષ્ટ્રપતિના હાથે પહેરાવવામાં આવ્યો છે તે આજે હું અહીં મારા સાહિત્યના પરિવાર વચ્ચે, દેવિકાબહેન ધ્રુવના હસ્તે પહેરવા ઈચ્છું છુ. મને એ પહેરતાં વિશેષ ગૌરવની લાગણી થશે. મને ખૂબ રાજીપો છે કે તે દિવસે સાહિત્યપ્રેમી અન્ય સૌ સભ્યોએ પોતે પણ ગૌરવ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી…
૨૦૨૧ના જુલાઈ મહિનાની ૪થી તારીખે ન્યૂયૉર્કના કાર્નેગી ફાઉન્ડેશને “Great Immigrant, Great American,” national honor award” એવોર્ડ સાથે સન્માન કર્યું. ન્યુયોર્કનું કાર્નેગી ફાઉન્ડેશન એ દેશનું સૌથી જૂનું ગ્રાન્ટમેકિંગ ફાઉન્ડેશન છે, જેની સ્થાપના ૧૯૧૧માં સ્કોટિશ ઈમિગ્રન્ટ એન્ડ્રુ કાર્નેગી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા અમેરિકન જીવનમાં ઈમિગ્રન્ટ્સના વ્યાપક યોગદાનની ઉજવણી કરે છે. તે રીતે NASAમાં ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરનાર વૈજ્ઞાનિક તરીકે મારા યોગદાનને Prestigious Award દ્વારા નવાજ્યું હતું.
ઓહાયો યુનિવર્સિટીના પ્રમુખે “genuine people-to-people ambassador for the United States” તરીકે ઓળખાણ આપી અને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં યુવાપ્રતિભા વિકસાવવા માટે કેટલું કામ કર્યું છે તેના માટે સવિશેષ નોંધ લેવામાં આવી છે.
જણાવતા આનંદ થાય છે કે, અત્યાર સુધીમા ૨૦૦ થી વધારે Research Publication અને ૮ પુસ્તકોનુ સંપાદન કર્યું છે અને છેલ્લું પુસ્તક “Wings on Orbit” જેમાં NASA ની છેલ્લા ત્રીસ વર્ષની Space Shuttle History નો નીચોડ છે તે ૨૦૧૧માં પ્રસિધ્ધ થયું છે. એ પુસ્તકને એક અમૂલ્ય ખજાના રૂપે વ્હાઈટ હાઉસની લાઈબ્રેરીમા મુકવામા આવ્યું છે એટલું જ નહિ, આ પુસ્તકની નકલ ભારતના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો અબ્દુલ કલામને તેમની ટેક્ષ્સાસની મુલાકાત દરમ્યાન ૨૦૧૧માં ભેટ રૂપે આપવામા આવ્યું હતુ.
આ તબક્કે યાદ આવે છે કે, જેમને ગુરૂ સમાન ગણ્યા એ ભારતના વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈને રૂબરૂ મળી ના શકાયું પણ તેમની પ્રેરણા વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધવામા માર્ગદર્શક બની.. નાસામા જોડાયા બાદ ૨૨ વર્ષ સ્પેશ શટલ પર કામ કર્યુ અને શટલ રડાર નુ development કરવામાં સાત વર્ષ લાગ્યા. “Most accurate maping of Earth’. મારે મન NASA એટલે New Knowledge. NASA studies on space and develop Robonaut and Astronaut work together. Men and machine work together. પુસ્તક “Wings on Orbit” ની પ્રસ્તાવના John Young ( The man who walks on the moon) and Robert Cripper ( The first Space Shuttle Commander) જેવા મહાનુભાવોએ લખી છે.
સંદેશ
મને ભારત અને અમેરિકા બંને ભૂમિ પર ગર્વ છે. મને મારા ભારતીય મૂળ પર ગર્વ છે અને મને મારી અમેરિકન નાગરિકતા પર પણ ગૌરવ છે. હું જે સંસ્કૃતિમાં ઉછર્યો તે એ હતું કે આપણે સખત મહેનત કરવી જોઈએ. વધુ મહત્ત્વની વાત એ છે કે, સખત મહેનત કરવા ઉપરાંત, હંમેશા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણી પાસે કેટલાંક લક્ષ્યો અને ઉદ્દેશ્યો છે, જે તમે પૂરા કરવા માગો છો તે ફક્ત તમારા અને તમારા પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પણ સારા છે,
યુવાન વર્ગને માટે મને ખૂબ મોટી આશાઓ છે કે, ગુજરાતની યુવા પેઢી માથે ગુજરાતનાં ઘડતરની જવાબદારી છે. ગુજરાતી યુવકમાં કોઈ કમી નથી! વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તાકાત આપણે બતાવીએ છીએ એ ગર્વની વાત છે પણ જ્ઞાન, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પણ આગળ આવવાની હાકલ છે. આજકાલની વૈશ્વિક જ્ઞાન વસાહતમાં, જ્ઞાન, વિજ્ઞાન વિના આર્થિક પ્રગતિ ટકી શકે તેમ નથી. ગુજરાતી યુવક કેવળ ધંધા વ્યાપારમાં જ આગળ આવી શકે તે ચીલાચાલુ માન્યતા નકામી છે. વૈશ્વિક ગુજરાતી વસાહતે એ સિદ્ધ કર્યું છે કે ગુજરાતી યુવાન ધારે તે મેળવી શકે છે. મને ગુજરાતી યુવાપેઢી પર સંપૂર્ણ ભરોસો છે કે તેઓ તેમની જવાબદારી સક્ષમ રીતે બજાવશે..
ગુર્જર ભૂમિનો મહિમા તો ખૂબ જ પ્રાચીન છે. ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું ચમકતું ચિહ્ન બનવા તરફ વધી રહ્યું છે ત્યારે તે ભારતને જ નહીં સમગ્ર વિશ્વને તે દિશામાં દોરશે… મને જરાય શંકા નથી કે ગુજરાતની ગાથા સ્વર્ણ અક્ષરે જ લખાશે! “
હું ગુજરાતમાં જન્મ્યો એટલે હું કહી શકુંઃ
“તારો બની ગગનમાં તરતો રહીશ હું!
ભોમથી બ્રહ્માંડમાં વિસ્તરતો રહીશ હું! “
સમાપ્ત
હવે પછી સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવની ચાર દાયકા જૂની અને એથી પણ જૂની મનગમતી મહેકની મજા માણીશું. -
આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૮
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
દૂઝણી ગાયની લાત
પરેશ ૨. વૈદ્ય
ભગવદ્ગીતામાં અર્જુન કૃષ્ણને એમનું ખરું રૂપ દેખાડવાની વિનંતી કરે છે ત્યારે યોગેશ્વર તેને બે રૂપો બતાવે છે. એક રૂપ મોહક છે; તેનાથી દેવો ખુશ છે અને અર્જુન પણ પ્રભાવિત છે. પરંતુ એમનું બીજું રૂપ ભયજનક નીકળે છે. તેમનાં વિકરાળ મુખમાંથી જ્વાળાઓ નીકળે છે અને માનવો તેમાં હોમાતા જાય છે ને મરતા જાય છે. (અધ્યાય-૧૧મો). આપણું ચોમાસું પણ આવું જ વિશ્વરૂપ છે. તેનાં મોહક રૂપ ઉપર તો આપણે હમેશાં ફીદા છીએ પરંતુ ક્યારેક એ રૌદ્ર સ્વરૂપ પણ બતાવે છે.
પહેલાં આનંદદાયક પાસું લઈએ.
તેના વિષે તો ઘણું લખાયું છે અને ગવાયું પણ છે. તેમાં માત્ર વરસાદનાં સૌંદર્યની જ વાત છે તેમ નથી. ચોમાસાની રસપ્રદ સામાજિક અસર પણ છે. આપણા પૂર્વજોની જીંદગી માત્ર ખેતી પર ટકી હોવાથી એક વરસ રાહ જોવડાવતું ચોમાસું તેમને બહુ જ પ્રિય હતું. ત્રણ-ચાર મહિના સુધી ચાલતું હોવાથી એ આપણી સંસ્કૃતિ જ બની ગયું હતું. આ ઉત્સવપ્રિય દેશે મોટાભાગના તહેવારોને આ ઋતુમાં ગોઠવી દીધા. વિચારવા જેવું છે કે ચોમાસાંની બહાર આવતા તહેવારો – મહા મહિનામાં શિવરાત્રી, ચૈત્રમાં રામનવમી અને હનુમાનજયંતિ કે મહાવીર જયંતિ – એ ધાર્મિક રીતે ઉજવાય છે પરંતુ શ્રાવણમાં પડતી કૃષ્ણજયંતિ, ભાદરવાની ગણેશ ચતુર્થી કે આસોમાં આવતી દીવાળી – એ બધામાં ધર્મ કરતાં વધુ મહત્વ સામાજિક અને સાંસ્કૃતિક પાસાંને અપાયું.
અષાઢમાં આવતા તીજ અને કાજળીનાં નાનાં વ્રતથી ચોમાસું શરૃ થાય છે. માત્ર ગુજરાત નહીં પણ ઉત્તર ભારતમાં પણ કન્યાઓ આ વ્રત ઉત્સાહથી મનાવતી. રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમીના મેળાઓ, શરદ પૂર્ણિમા આ બધા તહેવારો ચોમાસાંને ઉજવે છે. વિવિધ વૈષ્ણવ સંપ્રદાયોના હીંડોળા, જૈનોનાં ક્ષમાપના અને પર્યુષણ એમ ઘણું ઘણું ચોમાંસાની આસપાસ ગોઠવાયું છે.
સામે પક્ષે:
પરંતુ પ્રકૃતિના આ પુષ્કળ પ્રેમમાં આપણે ડૂબ્યાં રહીએ એનો અર્થ એ નથી કે બધું ‘ભયો ભયો’ છે. વરસે એક વાર આવતી ઋતુ હોવાથી એ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનાં દુખનું બેલડું પણ સાથે લાવે છે. વાવાઝોડાં અને વીજળીનો વિનાશ તો જ્યાં ચોમાસું નથી ત્યાં પણ હોય છે, કારણ કે એનો સંબંધ વરસાદ જોડે છે, ઋતુ જોડે નહીં. પરંતુ દિવસો સુધી સૂરજ ન દેખાય અને વરસાદની હેલી થતી રહે અને છેવટે જળબંબાકાર પૂર આવે એ માત્ર આપણી નિયતી રહી છે. સેંકડો ગાયો કે ભેંસોને તાણી જતા પ્રવાહના વિડિયો આપણે જોયા છે. એની મદદ કોઈ નથી કરી શકતું. રાતનાં અંધારામાં જાગો અને તમારાં ઘરમાં પાણી ફરી વળ્યું હોય તે ડરાવનારો અનુભવ છે. પરંતુ એ પાણી બે દિવસ રહીને ઉતરે ત્યારે કાદવ સાફ કરવો પડે તે ત્રાસ પેલા ડર કરતાં વધારે ચડિયાતો છે. આ બધું આપણી એક ઋતુને કારણે.
અતિવૃષ્ટિ તો હંગામી છે; ચાર દિવસે તો સૂર્ય દેખાય છે. તેથી ઊલટું દુષ્કાળની પરિસ્થિતિ તો ધીમે ધીમે રીબાવનારી છે. અહીં બેઠે મંગળના ગ્રહ પર ગાડી ચલાવી જાણનારો માણસ આવતા વરસનું ચોમાસું વહેલું લાવી નથી શકતો ! અગાઉ જ્યારે માલસામાનની અવરજવરનાં સાધન ન હતાં ત્યારે દુકાળ ભૂખમરાનું કારણ બનતો. હવે એવાં મૃત્યુ નથી થતાં પરંતુ પીવાના પાણીના પ્રશ્નો થાય છે. ટેન્કરો એ વરસાદનો વિકલ્પ નથી. આથી વધુ અસર ખેતીને પણ પડે છે. વિચિત્રતા એવી છે કે દેશનાં સકલ ઉત્પાદન(GDP)ના માત્ર ૧૫ ટકા જ ખેતીમાંથી આવતા હોવા છતાં રોજગારીના ૪૬ ટકા એ વ્યવસાય ઉપર આધાર રાખે છે. ગામડામાં આવક ઘટે તેનાથી સમગ્ર અર્થતંત્ર પર અસર પડે છે.
આખાં વરસના વપરાશનાં પાણીના ૮૦ ટકા માત્ર ત્રણ મહિનામાં જ વરસી જતા હોવાથી આપણી સામેનો મુખ્ય પડકાર તેને બીજા ૯-૧૦ મહિના સંઘરી રાખવાનો છે. તેમાં કુદરતનાં જે ઘટકો મદદ કરતાં હતાં તેને તો આપણે નાબૂદ કરતાં આવ્યાં છીએ તે આગળ જોયું. એટલે ‘વૉટર-શેડ મેનેજમેન્ટ’ નામની વિદ્યાશાખાનો જન્મ થયો. તેની અગત્ય કેટલી છે તે એ વાતથી સમજાશે કે એના પ્રયોગોથી રાળેગણના અન્ના હઝારે અને રાજસ્થાનના રાજેન્દ્ર સિંહ દેશમાં પ્રખ્યાત થઈ ગયા.
પરંતુ પ્રશ્ન હલ નથી થયો. આમે ય અનિશ્ચિત એવું ચોમાસું વૈશ્વિક ઉષ્મન્ પછી વધારે અનિશ્ચિત થશે. એટલે ત્રણ-ચાર વરસે એક ચોમાસું નિષ્ફળ જવું સામાન્ય વાત છે. જો એના નિષ્ફળ જવાના ભયથી મુક્તિ પામવી હોય તો દર ચોમાસાંને અંતે આપણે ૧૦ મહિના નહીં પરંતુ ૨૦ મહિના માટે ચાલે તેટલું પાણી સંઘરવાની વ્યવસ્થા કરવી જોઈએ ! તો જ વચ્ચેનાં નિષ્ફળ ચોમાસાંના વર્ષ દરમિયાન જીવન અને અર્થવ્યવસ્થા સુપેરે ચાલે. આજે આપણે વરસાદથી આવતાં પાણીનો માત્ર દશમો ભાગ ડૅમ વગેરે સિંચાઈ વ્યવસ્થામાં સમાવી શકીએ છીએ. તો તેને બમણો કરવા માટે સીધો ઉપાય તો જળાશયો અને ડૅમની ક્ષમતા વધારવાનો જ છે.
પરંતુ ડૅમો અને ખાસ કરીને મોટા ડૅમોની વિરુદ્ધમાં ઘણી દલીલો છે. તેમાં એક છે ડૅમનાં સંચાલનની. ભારે વરસાદ વખતે કેટલું પાણી રાખવું અને ક્યારે પાણી છોડવા માંડવું તે નિર્ણય સહેલો નથી. તેના પર ગણિતની મદદથી કંઈક સંશોધન કાર્ય કરી દિશાનિર્દેશો બનવા જોઈએ. ડૅમનો વિરોધ કરનાર મંડળોએ આ મુદ્દે કોઈ રચનાત્મક અને વ્યવહારુ ઉકેલ સૂચવવો જોઈએ. તે ન થાય ત્યાં લગી સરકારો તો પ્રજાની પાણીની માગણીનો જવાબ ડૅમથી જ આપતી રહેશે. આપણી ચોમાસાંની ઋતુવાળો દેશ છીએ એ તથ્યથી છૂટકારો નથી જ.
આ છતાં આપણે આ ચોમાસાંની પૂજા કરતા રહીશું, તેને પ્રેમ કરતાં રહીશું. એ દૂઝણી ગાયની લાત છે. આપણે ખેતી આધારિત દેશ છીએ જ. દુનિયામાં બીજા દેશોમાં સરેરાશ ૧૧-૧૨ ટકા જમીન ખેતી પાછળ રોકાઈ છે (રશિયા ૧૧ ટકા, અમેરિકા ૧૬ ટકા અને પાકિસ્તાન ૨૦ ટકા), ત્યારે આપણી ઉપયોગી જમીનના ૪૯ ટકા એક કે બીજાં ખેડાણ હેઠળ છે. ‘ઉપર આભ અને નીચે ધરતી’ના સસ્તી મૂડીનાં આ બિઝનેસ મોડેલને આપણા બાપદાદાઓએ પસંદ કર્યું હતું; તેમાં સ્ટ્રક્ચરલ સુધારા કરતાં આપણને ઘણો સમય જશે. તે કરીને પણ આપણે ‘હોલસેલ’ ચોમાસાંવાળો મુલક જ રહેવાના. યુરોપ જેવું તૂટક-તૂટક, સરળ હપ્તામાં આવતું રિટેઈલ ચોમાસું સારું પણ એની કલ્પના કરવાથી વાસ્તવિકતા બદલવાની નથી.
એટલે જે નથી તેને વાંછવા કરતાં ચાલો જે છે તેનો જ ઉત્સવ કરતાં રહીએ. મોરના ટહૂકા, જન્માષ્ટમીના મેળા, નવરાત્રિના દાંડીયામાં, દિવાળીના દીવાઓ અને નવાં વર્ષની હર્ષોલ્લાસભરી અપેક્ષાઓ જ આપણું ચોમાસું સમાયું છે તે યાદ કરી તેનો આનંદ માણીએ.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
નિસબત
ચંદુ મહેરિયા
તમિળ અભિનેતા વિજયની વેલુસમ્યપુરમ, કરુરની રાજકીય રેલી અને રોડ શોમાં ઉમટેલી ભારે ભીડથી સર્જાયેલી અવ્યવસ્થામાં ૪૧ લોકોના મોત થયા છે. ભીડને કારણે થતાં મોતની આ કોઈ પહેલી દુર્ઘટના નથી અને ભીડના સુચારુ સંચાલનના અભાવે તે કદાચ છેલ્લી પણ નહીં હોય.
ગયા વરસના જુલાઈમાં ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના મુગલગઢી ગામે ભોલે બાબાની સત્સંગ સભા પછી મચેલી નાસભાગ અને બાબાના દર્શનની તાલાવેલીથી સર્જાયેલી અંધાધૂંધીમાં ચગદાઈને ૧૨૩ લોકો મરણને શરણ થયા હતા. ઉત્તરાખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરના શ્રાવણી મેળામાં પહાડી રસ્તા પર વીજળીનો તાર પડવાની અફવા પછી લોકો ગભરાઈને ભાગતા સીડીઓ પરથી પડતાં ૬ લોકો માર્યા ગયા હતા. પ્રયાગરાજ કુંભમેળાની ભગદડમાં ૩૧ લોકોના જીવ ગયા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કુંભ યાત્રીઓની ભારે ભીડ તો હતી જ. ટ્રેઈનના પ્લેટફોર્મ બદલાવાની વાતે ભીડ દોડી અને ૧૮ લોકો માર્યા ગયા હતા. આઈપીએલની મેચમાં આ વરસે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની તાબડતોબ ઉજવણીમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સટેડિયમમાં ઉમટેલી અસીમિત ભીડમાં ચગદાઈને ૧૧ લોકોએ મોત મેળવ્યું હતું.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૧૯૯૬ થી ૨૦૨૨માં STAMPEDE TRAGEDY (નાસભાગની દુર્ઘટના) ૩૯૩૫ હતી તેમાં ૩,૦૦૦ લોકોના મરણ થયા હતા. એક અન્ય અહેવાલ મુજબ ૨૦૨૫ના પહેલા છ મહિનામાં નાસભાગની છ દુર્ઘટનાઓમાં ૭૮ લોકોના મોત થયા હતા.

તસવીરઃ નેટ પરથી
આ તસવીર માત્ર સંદર્ભ સમજવા માટે જ લીધેલ છે. તેને લેખમાંનાં વસ્તુ જોડે સીધો સંબંધ નથીરાજકીય રેલીઓ અને સભાઓ, મેળા, યાત્રા, કથા, સત્સંગ અને અન્ય ધાર્મિક આયોજનો, તહેવારો અને ઉત્સવોની ઉજવણીઓ, સ્પોર્ટ્સ, ઈવેન્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન, એસ્કેલેટર, મૂવિંગ વોકવે, કોન્સર્ટ, સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો, મોલ, સેલિબ્રિટીના ફિલ્મ પ્રમોશન અને કોમર્શિયલ એડર્વટાઈઝના રોડ શો, સરઘસો, અનાજ વિતરણ અને મહિલાઓને સાડી કે બીજી જરૂરિયાતની વસ્તુઓનું મફત વિતરણ, કુદરતી આફતોમાં જરૂરિયાતોનું વિતરણ, તોફાનો, રમખાણો, આગ લાગવી અને અફવા ફેલાવી તથા સરકારી સમાંરભો એવા મોટા આયોજનો છે કે જેમાં મોટી ભીડ ભેગી થાય છે કે કરવામાં આવે છે. આ આયોજનોમાં ભીડનું યોગ્ય સંચાલન ન થાય કે તેનું નિયંત્રણ ન થાય ત્યારે દુર્ઘટના સર્જાય છે. ભીડની નાસભાગ જીવલેણ બને છે અને અનેક લોકો ઘાયલ થાય છે.
ભારત જેવા વિશાળ દેશમાં મોટા રાજકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક આયોજનો રોજેરોજ થતા હોય છે તેમાં ખૂબ બધા લોકો ભેગા થાય છે. જો આ ભીડનું સરળ અને સુચારુ પ્રબંધન ન થાય તો દુર્ઘટનાઓ ઘટે છે. નબળું અને અપૂરતું ભીડ વ્યવસ્થાપન, રાજકીય શક્તિ પ્રદર્શન માટે હજારોની ભીડ ભેગી કરવી પણ સલામતીની વ્યવસ્થા ન કરવી, સભા કે આયોજન સ્થળની ક્ષમતા કરતાં વધુ લોકોની ભીડ ભેગી થવી,અચાનક ગભરાટ કે અફવા ફેલાવી, અયોજન સ્થળે વીજળી જતી રહેવી કે ઓછો પ્રકાશ, નેતા, અભિનેતાનું મોડુ પહોંચવું કે વિલંબથી લોકો કંટાળીને થાકી જાય, સાંકડા રસ્તા, આયોજન સ્થળે પ્રવેશ અને ગમનના અલગ રસ્તા ન હોવા કે લોકોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા ન હોવા,આયોજકો, પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ, નાસભાગ, ધક્કામુક્કી અને અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા અપૂરતી સલામતી વ્યવસ્થા, દુર્ગમ સ્થળ, પહાડી કે ઢોળાવવાળા રસ્તા, બેરિકેડસ , રેલિંગ કે પુલ તૂટવો, લપસી જવાય તેવી જગ્યા, મંદિર કે બીજા ધાર્મિક સ્થળનું પ્રવેશદ્વાર અચાનક ખૂલવું જેવા કારણોથી ભીડ અનિયંત્રિત બને છે, અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાય છે.
મોટા સમારંભો કે આયોજનોમાં લોકોની આવજા સલામત, વ્યવસ્થિત અને સુચારુ રીતે પાર પાડવાની પ્રક્રિયા એટલે ભીડ પ્રબંધન કે ક્રાઉડ મેનેજમેન્ટ. માનવસર્જિત દુર્ઘટનાઓ રોકવા માટે ભીડ પ્રબંધન મહત્વનું સાધન છે. એટલે જો ક્રાઉડ મેનેજમેન્ટ યોગ્ય હોય તો ક્રાઉડ કન્ટ્રોલ કરવામાં સરળતા રહે છે. આ માટે આયોજકો સાથે સ્પષ્ટ આયોજન જાણવું અને સંકલનમાં રહેવું જરૂરી છે. જો આયોજકોની જાણ બહાર કે તેમણે શાશનને જણાવ્યું ન હોય અને ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી થાય ત્યારે તેનું સંચાલન પોલીસ અને વહીવટી તંત્ર માટે જવાબદારી અને પડકાર બંને છે.
જ્યાં હજારો લોકો એકત્ર થવાના હોય તેવા આયોજનોમાં અગાઉથી રિહર્સલ કરવું જોઈએ.મોકડ્રિલ કરવી જોઈએ. આધુનિક ક્રાઉડ મેનેજમેન્ટ ટેકનિક, મેડિક્લ , ફાયર અને બીજી એજન્સીઓની સ્થળ પર હાજરી, ઈમરજન્સી એકઝિટ તથા ડિજિટલ મોનિટરિંગ ભીડને નિયંત્રણમાં રાખવા અનિવાર્ય છે. જ્યાં ધક્કામુક્કી કે નાસભાગની શક્યતાઓ વિશેષ છે તેવા વિસ્તારને અલગ તારવવા અને તબીબી ટીમ હાજર રાખવી. સીસીટીવી, જીપીએસ, ડ્રોન અને થર્મલ કેમેરાનો ઉપયોગ કરવો, ભીડને કાબૂમાં રાખવા તેને નાના જૂથોમાં પ્રવેશ આપવો કે બહાર જવા દેવી , ભીડના અનુમાન માટેની સિસ્ટમ ઉપયોગમાં લેવી. આ પ્રકારના પગલાંથી ભીડથી થતી નાસભાગ રોકી શકાશે. ભીડ નિયંત્રણ મુશ્કેલ જરૂર છે પરંતુ ભીડ પ્રબંધનથી ભીડભંજન બનવું અશક્ય નથી.
લોકોએ પણ આ પ્રકારની સ્થિતિ ઉભી થાય ત્યારે સંયમ અને ધીરજથી કામ લેવું જોઈએ. ઘાંઘા થવાથી કે મગજ ગુમાવવાથી પોતાને અને બીજાઓને પણ વધુ મુશ્કેલીમાં મૂકી શકીએ છીએ તે યાદ રાખવાની જરૂર છે.
ભીડને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ સમયે આયોજકો અને સરકારની સંવેદનહીનતા જોવા મળે છે. બેંગલુરુ દુર્ઘટના વખતે જ્યારે સ્ટેડિયમની બહાર લોકો કચડાતા રહ્યા હતા કે મરી રહ્યા હતા ત્યારે આઈપીએલની ટીમનું સન્માન ચાલતું હતુ અને તેમાં કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ હાજર હતા. કુરુરમાં લોકો મરી રહ્યા હતા ત્યારે અભિનેતા વિજય સભાસ્થળ છોડી ગયા હતા. પછીથી તેમણે મૃતકોને આર્થિક સહાય જરૂર કરી પણ તત્સમયે તેમનું વર્તન સંવેદનહીન હતું તેની આલોચના અદાલતે કરી છે. પ્રયાગરાજ કુંભ મેળામાં તો મૃતકોની સંખ્યા જ જાહેર થતી નહોતી અને જે જાહેર થઈ છે તે વિશ્વસનીય નથી.
ક્રાઉડ મેનેજમેન્ટ અંગેના વર્તમાન કાયદા કે નિયમો ઉપરાંત રાજ્યો અને કેન્દ્ર સરકારે દિશાનિર્દેશો જારી કર્યા છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની એસઓપી( સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) માં સોશિયલ મીડિયા અને પડોશી દેશોમાં જેન-ઝી અશાંતિને ધ્યાનમાં રાખીને પણ નિર્દેશો આપવામાં આવ્યા છે. કર્ણાટક સરકારે નવું ક્રાઊડ કન્ટ્રોલ બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે. તેમાં ભીડ પ્રબંધનની જોગવાઈઓ સાથે વિરોધપક્ષોના વિરોધ પ્રદર્શનો પર લગામ મૂકતી જોગવાઈઓ કરીને વિપક્ષનો ભારે વિરોધ સહન કરવો પડ્યો છે. એટલે બિલને વિધાનસભાની સમિતિને વધુ સમીક્ષા માટે સોંપવું પડ્યું છે. જેમ હાથરસમાં ભોલે બાબાને બીજેપી સરકારે તેમ કરુરમાં એકટર વિજયને ડીએમકે સરકારે તે સાવ નિર્દોષ ઠરે તેવું વલણ રાખ્યું છે. લોકોના જીવનમરણમા પણ રાજકીય પક્ષોનું રાજકારણ યથાવત રહે છે.
હાથરસથી કરુરની દુર્ઘટનાઓ હ્રદયવિદારક છે અને સંચાલન તંત્ર સામે અનેક સવાલો ઉઠાવે છે. ભીડ નિયંત્રણ માટેની સંવેદનશીલ અને ચોક્કસ નીતિ કે કાયદાનો અભાવ અને મોટા આયોજનોથી લોકોના થતા મોતને હળવાશથી લેવાની માનસિકતા કરૂરની દુર્ઘટનાનું પુનરાવર્તન રોકી શકશે તેમ લાગતું નથી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંસ્પર્શ- ૧૬
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥આમ તો સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા માટે આ શ્લોક ઈશાવાસ્ય ઉપનિષદમાં લખાયો છે. પરબ્રહ્મ સ્વયંમાં પરિપૂર્ણ છે તેમજ તે જગતનાં સૌ પ્રાણીઓમાં વ્યાપ્ત છે. દરેક જીવોમાં હોવા છતાં તે સ્વયંમાં પરિપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લેવા છતાં પૂર્ણ જ રહે છે.
આ ઉપનિષદનાં શ્લોકની વાત ધ્રુવદાદાએ દ્રૌપદીનાં ચરિત્ર આલેખનમાં ખૂબ સુંદર રીતે આલેખી છે. સૌ પ્રથમ દાદાએ દ્રૌપદીને સમર્થ સ્ત્રી તરીકે સ્થાપીને કહ્યું કે “કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી.” આમ કહી દ્રૌપદી કોઈ સામાન્ય સ્ત્રી નથી પરતું કૃષ્ણ અને કૃષ્ણા જુદા સ્વરૂપે એક જ છે તેમ દર્શાવ્યું. દ્રૌપદીનું ચરિત્ર, સતીત્વ, સૌંદર્ય, વાક્છટા, બુદ્ધિમતા, કૃષ્ણ સાથેની અસામાન્ય મૈત્રી, પાંચે પતિઓ સાથે એક સરખો પ્રેમપૂર્ણ વ્યવહાર, બધું જ અવર્ણનીય, અદ્ભુત,અભિન્ન. શું આ કોઈ સામાન્ય સ્ત્રીની વાત છે?

દ્રૌપદીની માતાને ખબર પડે છે કે તેમની પુત્રી ,પાંચ પતિઓની પત્ની બનવાની છે ત્યારે તે પુત્રીને પૂછે છે ,” બેટા, તેં પાંચ પતિઓની પત્ની બનવાનો સ્વીકાર કર્યો પરતું તારા મનોભાવ, તારી પવિત્રતા, તારા સ્ત્રીત્વનું શું?” ત્યારે દ્રૌપદીએ જે જવાબ આપ્યો છે, તે ધ્રુવદાદાનાં દ્રૌપદીનાં સતીત્વ વિશેનો ખૂબ સુંદર વિચાર દર્શાવે છે અને તે દ્વારા તે અગ્નિકન્યાનાં દ્રૌપદીનાં પાત્રને તેજસ્વી અને સશક્ત બનાવે છે.
દ્રૌપદી તેની માને કહે છે, “મા,મારા મનની ચિંતા ન કરો, એ હંમેશા મારા વશમાં છે. પવિત્રતા વિશે કહું તો માતા કુંતીના પુત્રોને જુદાજુદા દેવોનું વરદાન છે, છતાં તેમની પવિત્રતા પૂજનીય છે. મારે મન સત્યનાં ગૌરવ અને આચરણ એ જ સતીત્વ છે. સ્ત્રીના સતી હોવા વિશે બીજાં જે અર્થઘટનો કરાતા હોય કે વ્યાખ્યા થતી હોય તેનો હું સ્વીકાર કરતી નથી. એક સ્ત્રીનું પોતાના સ્ત્રી હોવાનું ભાન જ તેને સતીત્વ પ્રદાન કરે છે, આપોઆપ”.
એથી પણ વધારે અર્જુન જ્યારે સુભદ્રાને પરણીને આવે છે ત્યારે સુભદ્રા દ્રૌપદીને મળવા જતાં ખૂબ સંકોચ અનુભવે છે ત્યારે ધ્રુવદાદાએ જે સંવાદ દ્રૌપદી દ્વારા બોલાવ્યો છે તેમાં મને ઉપનિષદનાં પડઘારૂપ ‘પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે’ સંભળાય છે.-
‘દ્રૌપદીની એકએક ગતિમાં તેનું લાવણ્ય અને ગૌરવ પ્રગટ થતાં હતાં. દ્રૌપદી સામે સંકોચાતી સુભદ્રાને કહે છે,” સાંભળ સુભી!” મારા પ્રેમમાં ભાગ પડાવવો તે જગતની કોઈ સ્ત્રી માટે શક્ય નથી.”
સુભદ્રાએ અનુભવ્યું કે ,”જગત જેને પ્રેમ તરીકે ઓળખે છે તે લાગણીથી ઉપરની એક અવસ્થામાં આ સ્ત્રી જીવે છે. આ સ્થિતિ દરેકને પ્રાપ્ત થતી નથી. સ્ત્રીનાં પ્રેમિકા, માતા, પત્ની, બહેન- આ બધાં સ્વરૂપો ઉપરાંત તેનું પોતાનું એક સ્વરૂપ હોય છે. તેને કદાચ પૂર્ણ સ્ત્રીત્વ કહી શકાય. દ્રૌપદી તે અવસ્થાની નજીક છે અને પૂર્ણમાં ભાગ પડે તો પણ તે પૂર્ણ જ રહે છે.”
ધ્રુવદાદાના દ્રૌપદીનાં પ્રેમ માટે રચાએલા આ સંવાદને વાંચી દરેક વાચકને પ્રેમ એટલે શું અને એક પત્નીને તેના પતિ તરફનાં પ્રેમમાં કેટલો વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ, પ્રેમની દૈવી તાકાત કેવી હોવી જોઈએ, જેવા અનેક વિચારોનો વંટોળ મનોજગતમાં જાગે છે.
આ બધાં કારણોથી જ ધ્રુવદાદાની નવલકથા ભલે મહાભારતનાં કેટલીયે વાર ચર્ચાઈ ગયેલ પાત્રોને અનુલક્ષીને હોવા છતાં આપણને કંઈ નવી દિશામાં જ વિચારવા પ્રેરે છે. પ્રેમનાં પૂર્ણ સ્વરૂપનું દર્શન કરાવતાં દાદાએ પ્રેમની સર્વોચ્ચ દશાનું વર્ણન કર્યું છે. જે કાબિલેદાદ છે. તેમની બધી નવલકથામાં દાદાએ આડકતરી રીતે ગીતા, ઉપનિષદ,વેદોની વાણીને સંવાદમાં વણી જીવન જીવવાની સાચી દ્રષ્ટિ કેળવવા આપણને પ્રેર્યા છે.પછી તે ધ્રુવગીત પણ કેમ ન હોય!
આ સાથે જ પોતાની ચિંતા ન કરવાનું કહી શ્યામળાને નિરાંતે સૂવાનું કહેતા ધ્રુવદાદાનું સરસ ધ્રુવગીત પણ ગાઈએ, જેમાં દાદા પણ મિત્રભાવે શ્યામળા સાથે શું વાત કરે છે તે જાણીએ.
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા,
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા.
આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવમાં,
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને ક્યાં કાઢું આરતનાં વેવલાં,
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કર્યું કે કારવશું બાપલા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો પછી ઓઢશું,
બાકી આ તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠ્ઠો ઉકેલશું,
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગવાના આપો બે કામળા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.આવી ગયા તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું,
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું,
માંડી ચોપાટ હવે જાતે ઉકેલવી છે તમને શું અમથા રમાડવા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.ધ્રુવદાદાએ શ્યામળા સાથે તે એકદમ નિકટ હોય અને સહજ રીતે વાત કરતાં હોય તેવી રીતે ગીત રચ્યું છે. પરમને એકવાર રામ અને બીજીવાર શ્યામળા ઉદેશતાં દાદા,રામ કહોકે શ્યામ બધાં એક જ પરમનાં જુદાજુદા નામ છે ,તે પહેલી પંક્તિમાં જ સમજાવી દીધું છે.
પોતાની જીવન ફિલસુફીની વાત કરતાં શ્યામળાને મિત્રભાવે કહે છે કે, ‘તું મારી કંઈ ચિંતા ન કરીશ. આ જગતમાં આવ્યો છું તો હું મારી લડાઈ મારી જાતે લડીશ ,જેવું પડશે તેવું દઈશ. પ્રભુ તારે તો કરોડો ભગતોની ભીડનું ધ્યાન રાખવાનું છે. સૌ પોતપોતાની ફરિયાદ કરવા ઊભા છે . તારે તો માણસો સાથેસાથે દેવોનું પણ ધ્યાન રાખવાનું છે. તારે આટલાં બધાંનું ધ્યાન રાખવાનું છે એમાં હું મારી ઈચ્છાઓનો ટોપલો ક્યાં ખોલું? હું મારું ફોડી લઈશ.તું મારી ચિંતા ન કર.’
દાદા કહે છે, ‘હું તો મને જે મળશે તે ખાઈ લઈશ અને જે મળશે તે પહેરી ઓઢી લઈશ .બે કોથળા ઓઢીને ચલાવી લઈશ,મને કોથળા ઓઢવાનો છોછ નથી. પણ મારે તારી પાસે બે કામળાની માંગણી નથી કરવી. મારાં જીવનની તડકી,છાંયડીને અને જીવતરનાં કોયડાને હું જાતે ઉકેલીશ.’
આમ કહી ભગવાનને સતત ફરિયાદ કરતાં અને પોતાની ઈચ્છાઓ અને માંગણીઓને પૂરી કરવા રોજ રામ-કૃષ્ણને ભજતાં લોકો પર સરસ કટાક્ષ કરતાં ગીતની રચના દાદાએ કરી છે.
તેમજ સંસાર રૂપી ચોપાટની રમતનાં પોતાનાં કોયડા પોતે જાતે જ ઉકેલશે એમ કહી દાદા કહેવા માંગે છે કે, ‘તમારી મુશ્કેલીઓની ફરિયાદો કરવાનું બંધ કરી ,તેનો ઉકેલ જાતે જ લાવો અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મોજ સાથે હસતાં હસતાં જીવનપથ પર આગળ વધતાં શીખવાનું દાદા કહે છે.’જીવનને ચોપાટની રમતનું રૂપક દર્શાવી, રમતમાં જેમ સોકટાને આડું-અવળું પાડે, તો રમનારે જ એને વ્યવસ્થિત રીતે રમવું પડે ને! તો આ જીવનની બાજીને પોતે જ પોતાની રીતે રમી, મુશ્કેલીઓમાંથી પોતાનો રસ્તો કાઢવાની શીખ દાદા આપણને આપે છે.
પરમ સાથે વાત કરતા દાદાએ જીવનને સરળ અને સહજ રીતે જીવવાની કેવી સુંદર વાત કહી છે !
અને, શ્યામળાંને પણ જાણે હસતાં હસતાં કહી દીધું કે, ‘મારી ચિંતા કર્યા વગર તું નિરાંતે સૂઈજા….મારી જીવન ચોપાટની રમત હું મારી જાતે રમીશ, સાદ દઈને તને હેરાન નહીં કરું.
આમ નાની નાની વાત માટે પ્રભુ પાસે માંગણીની ટહેલ ન નાંખવાની શીખ આ ગીત દ્વારા દાદાએ સૌને આપી છે.
-
મનુભાઈ પંચોળી: કટોકટી એ સ્વરાજનો નાશ!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
દર્શક, આપણા મનુભાઈ પંચોળી સ્તો, આપણી વચ્ચે હોત તો આજે બરાબર એકસો અગિયાર વરસના થયા હોત! જોકે, અત્યારે હું લખી રહ્યો છું એમાં કોઈ જન્મજયંતી વિશેષ તરેહના ટાંચણટિપ્પણનો ખયાલ મુદ્દલ નથી. માત્ર, જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ના કટોકટીરાજના પચાસી ગાળામાં ત્યારે આપણા સારસ્વતો કેવી રીતે વ્યક્ત થયા હતા એની ઝલક ઝાંખી રૂપે થોડીક વાત કરવા વાસ્તે દર્શક સરખું રૂડું ઓઠું લેવું છે, એટલું જ.
પણ દર્શક જેવાને એ ગાળામાં જે લખવા-બોલવાનું થયું હશે, એ એમના સાહિત્યમાં કિંચિત સચવાયું હોય તો પણ વિશિષ્ટ સંચયોમાં તો તે પહોંચવું જ જોઈએ ને. અને હા, સ્વામી આનંદ જેવા લડવૈયા ને કરવૈયા એવા જ અનુત્તમ ગદ્યસ્વામીએ જીવનના આખર મહિનાઓમાં ૧૮૭૫ના જૂન-ડિસેમ્બરના ગાળામાં દિલ રેડીને જે લખ્યું, એની તો શી ખબર તે વખતના સીમિત દાયરા બહાર ક્યાંય નોંધ પણ લેવાઈ હશે કે કેમ.
દર્શક બહારગામ હશે ને કટોકટી જાહેર થઈ. ઘરે, સણોસરા પહોંચ્યા ત્યારે ઘરમાં પ્રવેશતાં જ નજર એ તામ્રપત્ર પર પડી જે એમને સ્વાતંત્ર્યસૈનિકને નાતે મળ્યું હશે. સ્વાતંત્ર્યસૈનિક હોઈ પતિ-પત્ની બંને પેન્શનના અધિકારી હતાં… પણ ‘તે તો અમે નહોતું લીધું. દેશસેવાનું એટલું અલ્પ મૂલ્યાંકન કરવું નહોતું. પણ તામ્રપત્ર લીધું હતું. આપણાં સંતાનો, સંતાનોનાં સંતાનો જુએ, ગૌરવ લે, પ્રેરણા અનુભવે તેવી સમજથી લીધેલું. આની હવે જરૂર હતી ખરી?… થયું, ક્યાં છે તે સ્વરાજ જેમાં રવિ ઠાકુરે પ્રાર્થ્યું હતું કે ‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર, જ્ઞાન જેથા મુક્ત…’ ક્યાં છે તે સ્વરાજ જેને માટે પંદર વર્ષની કિશોર વયે મારા ઊઘડતા આકાશ સમા ભાવિને નાખી દઈ અજાણ વાટે ચાલી નીકળ્યો હતો, જેને માટે મેં માથાં પછાડતી મારી બહેનને છોડી હતી? કટોકટીની તારીખે સ્વરાજ નાશ પામ્યું છે. અને મેં રાજ્યપાલશ્રીને પત્ર લખવા કલમ ઉપાડી…’
અને શું લખ્યું એમણે આ પત્રમાં?
‘સ્વરાજ લાવવા, ટકાવવા અને વિકસાવવામાં અલ્પ છતાં મારી શક્તિ મુજબનો બધો ફાળો આપનાર, દેશ અને દેશનાં ગરીબ ભાઈબહેનોને ચાહનાર દેશવત્સલ નાગરિક તરીકે મારાથી કહ્યા વિના રહેવાતું નથી કે દેશ પર લાદેલી કટોકટી સ્વરાજના હેતુ અને સ્વરાજના સિદ્ધાંતને ઉથલાવી મૃત:પ્રાય કરનાર છે.’ ‘વર્તમાન સરકારની નીતિ અને વ્યવહાર સામે લોકો શાંત, અહિંસક વિરોધ કરતા હતા. લાખોનાં સરઘસો પટણા, દિલ્હી, કલકત્તામાં નીકળ્યાં હતાં, અને જે ગાંધીયુગનો હું સાક્ષી છું તેના કરતાંયે ચડી જાય એવી શાંતિ આ સરઘસો, સભાઓમાં જળવાયેલી, મેં બિહાર અને બીજે સ્થળે જોઈ છે.’ ‘આ સ્થિતિમાં આંતરિક અશાંતિનો ભય હતો તેવું કોઈ સમજુ નાગરિકને ગળે ઉતરે તેવું નથી.’ ‘
કટોકટી વાજબી કારણે કે વાજબી સમયે મુકાઈ છે કે નહીં તે સંબંધમાં કોઈ અદાલતમાં પણ જઈ શકે નહીં, તેવો બંધારણીય સુધારો લાવી સરકારે પોતાની પાસે કોઈ આધાર નથી તેવું તો આડકતરી રીતે કબૂલ્યું ગણાય, પણ નાગરિકોના રાજ્યને પ્રશ્ન પૂછવાના કે યોગ્યતા તપાસવાના મૂળભૂત અધિકારને નઠોરતાથી ઝૂંટવી લીધો છે. આ સ્વરાજ નથી.’ ‘સ્વરાજમાં નાનામાં નાના નાગરિકને સરકારને પૂછવાનો, ખુલાસો માગવાનો અધિકાર છે, કારણ કે સરકાર સંતાન છે, નાગરિકો તેના જન્મદાતા છે.’
‘આ સ્વરાજ નથી, કારણ કે પ્રજાની નાડીના ધબકારા દર્શાવનાર યંત્ર સમા વર્તમાનપત્રોને મોંએ તાળાં મરાયાં છે…’ ‘હું કોઈ પક્ષમાં નથી. કોઈ પક્ષનાં હિતો માટે આ લખતો નથી. સ્વરાજ ઝંખતા, તે માટે યથાશક્તિ ભોગ આપેલા અને ભોગ આપવા ઈચ્છતા નાગરિક તરીકે આ લખું છું.’ ‘અત્યારે આ નાગરિકતા કટોકટી, સેન્સરશિપ, મિસા, સંરક્ષણ ધારાના અવિચારી અમલ નીચે ડૂબી રહી છે તેવું લાગે છે. તેવે વખતે હું મૌન રહું તો મારા આજ સુધીના સમગ્ર જીવનને લાંછન લાગે… આથી હું આ બધાંનો વિરોધ કરું છું અને વિરોધ રૂપે મને અપાયેલ ‘સ્વરાજસૈનિક’ તરીકેનું તામ્રપત્ર આપના દ્વારા સરકારને પાછું મોકલું છું…’
દર્શકને પણ થોડાં અઠવાડિયાં ત્યારે જેલની હવા ખાવા મળેલી. ક્યારેક જે જેલમાં એમણે ‘દીપનિર્વાણ’ નવલકથા લખી હશે, જે વાંચીને ઉમાશંકરે એમનામાં ગોવર્ધનરામના સાક્ષર જીવનનો આદર્શ ચરિતાર્થ થતો જોયો હતો, એ જ જેલનાં આ અઠવાડિયાં એક જુદા જ સર્જનની સોગાત લઈને આવ્યાં: કેદીઓ પાસે મહારભારતનું પારાયણ કર્યું. દર્શકનો આ પ્રકારનો પહેલો જ પ્રયોગ હતો. અનસૂય આનંદ છતાં કંઈક નાજુક અદેખાઈ, એવો એક હૃદયભાવ પ્રગટ કરું?
દર્શક પકડાઈને અમારી વડોદરા સેન્ટ્રલ જેલમાં આવ્યા હોત તો! એ દિવસોમાં અમે બાબુભાઈ જશભાઈને અક્ષરશ: કંઠસ્થ ‘રઘુવંશ’નું આકંઠ પાન કર્યું હતું. દર્શક હોત અને મહાભારતનો સમો બંધાયો હોત. જોકે, શરૂમાં હું પાલનપુર સબ જેલમાં હતો ત્યારે દર્શકની પરોક્ષ મુલાકાત યાદગાર બની રહી હતી. મહેન્દ્ર મેઘાણીએ જે સાહિત્ય મોકલી આપ્યું તેમાં દર્શકનાં મેઘાણી વ્યાખ્યાનો પણ હતાં.
ન ભૂતો ન ભવિષ્યતિ એવું આ મેઘાણી-ઘટન હજુ સુધી તો છે, દર્શકના એકસો અગિયારમે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૫– ૧૦– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૬
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
કવિવર ટાગોરને સમગ્ર વિશ્વ્ એક spiritual poet એટલેકે આધ્યાત્મિક કવિ તરીકે જાણે છે. કવિવર પરમાત્મા સાથે ક્રિયા અને કર્મ થી પર અનુભૂતિ અને અહેસાસ થી જોડાયેલ હતા એટલેજ તેમની આધ્યાત્મિકતામાં થી એક અગમ્યતા (mysticism) ઉભરતી હતી અને જે તેમની કલમ દ્વારા તેમની રચનાઓમાં પણ છલકાતી હતી. નિરાકાર ભક્તિથી પ્રભાવિત થનાર ગુરુદેવ માટે પ્રકૃતિ (“nature and all other living beings”) અને પુરુષ (“human”) માંજ તેમના પરમાત્માના દર્શન થતા. ગુરુદેવના જીવનકાળમાં પણ એક કપરો કાળ આવ્યો જયારે લગભગ દસ વર્ષના ગાળામાં તેમને પાંચથી વધુ અગંત સ્વજનો ગુમાવ્યા. જીવનમાં આવેલા આ ઝંઝાવાત પછી તેઓ પરમાત્માનું નૈકટ્ય વધુ ઉત્કટતાથી અનુભવવા લાગ્યા. એ દિવ્ય શક્તિનું સતત સાનિધ્ય અનુભવવા લાગ્યા. એ પરમ ચૈતન્ય સાથે એક અતૂટ પ્રેમના બંધને બંધાવા લાગ્યા. પરમાત્મા સાથેની આ નૈકટ્ય, સાન્નિધ્ય અને સાતત્યની અનુભૂતિ તેમની કલમ દ્વારા પ્રગટ થતી રહી અને જગતને “ગીતાંજલિ” નામની અજોડ સાહિત્ય કૃતિની ભેટ મળી જેના માટે કવિવરને 1913માં નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. In the preface of Gitanjali, Irish poet W.B. Yeats wrote that the prose and verses in this book teaches us that essentially, we love God not just believe in HIM.ગીતાંજલિમાં લખેલ કવિતાઓની સાથે સાથે ગીતબિતાનની રચનાઓમાં પણ કવિવરે પરમાત્મા તરફનો તેમનો ઉત્કટ પ્રેમ સતત વહેતો મુકેલ છે. ” “त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव” ” જેમ કવિવર એ દિવ્યશક્તિને પોતાનું સર્વસ્વ ગણતા.
આ “त्वमेव बन्धुश्च सखा त्वमेव”ને સાર્થક કરતી એકરચના કે જે પૂજા પારજોયમાં(વિભાગમાં) અને “વિવિધ” ઉપપારજોય માં વર્ગીકૃત થયેલી છે તેને આપણે આજે જાણીશું અને માણીશું. આ રચનાનું શીર્ષક છે “চিরসখা হে, ছেড়ো না মোরে” (Chirosakha He Chhero Na More) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “એક તારો જ મને નિરંતર સંગાથ”. 1899માંરચાયેલી આ રચના રાગ બિહાગ પર સ્વરબધ્ધ થયેલી છે અને તેને ત્રિતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.
એક તારો જ મને નિરંતર સંગાથ…
બસ,ઝાલી રાખજે સદાય તું મારો હાથ
હરિ, એક તારો જ મને નિરંતર સંગાથ
તું જ મારો ચિરસખા, તું જ મારી આશ
હરિ, એક તારો જ મને નિરંતર સંગાથઆ જગતમાં હું સતત આમતેમ વિચરું
કો‘દિ અટવાઉં અને કો‘દિ રસ્તો ભૂલું
ચીંધજે મારગ સાચો તું જ દિવસ-રાત
હરિ, એક તારો જ મને નિરંતર સંગાથચોમેર ભીડ મહી, થાય તારો આભાસ
અનંત એકાંતે થાય તારો જ અહેસાસ
પળે પળે આપજે મને તારો પરમ સાથ
હરિ, એક તારો જ મને નિરંતર સંગાથએક તું જ બન્યો નિરાધારનો આધાર
તારી કરુણા વરસે છે સદા અપરંપાર
પ્રત્યેક શ્વાસ મારો, છે તારો જ પ્રસાદ
હરિ, એક તારો જ મને નિરંતર સંગાથ©અલ્પા શાહ
બંગાળીમાં રચાયેલી આ રચનામાં લગભગ ૫ -૬ પંક્તિઓ છે. કવિવર આ રચના દ્વારા લાઘવમાં સાગરનો સમાવેશ કરી ગયા. આપણે સૌ આપણી મતિ અને સ્તિથી પ્રમાણે પરમેશ્વરને વિવિધ સ્વરૂપે યાદ કરીએ છીએ. કોઈક પરમેશ્વરને બાળ સ્વરૂપે લાડ લડાવે તો કોઈક પરમપિતા તરીકે આદરપૂર્વક પૂજે તો કોઈક અર્જુન અને દ્રૌપદીની જેમ પરમેશ્વરમાં એક પરમ સખા , એક ચિરસખાની અનુભૂતિ કરે. આપણા સાંસારિક અને લૌકિક સંબંધોમાં પણ મિત્રતાના સબંધની ગરિમા અને ગૌરવ વિષે ઘણું લખાયું છે અને ચર્ચાયું છે. અને આપણે સૌએ એ મિત્રતા રૂપી વરદાનને અનુભવ્યું પણ હશે. આ રચનામાં તો કવિવર પરમેશ્વરને જ અલૌકિક પરમ મિત્ર તરીકે સ્થાપે છે અને હકથી સતત સાતત્ય અને સાન્નિધ્યની માંગણી પણ કરે છે.
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत्।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम्।।9.18।।શ્રીમદ ભગવદ-ગીતાના નવમાં અધ્યાયમાં ભગવાન સ્વયઁ કહે છે સમગ્ર જીવશ્રુષ્ટિનો હું જ પરમ લક્ષ્ય, પાલનહાર,સ્વામી, સાક્ષી, ધામ, આશ્રયસ્થાન અને મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર તથા અવિનાશી બીજ છું. અહીં મિત્ર માટે “सुहृत्” શબ્દનો પ્રયોગ થયો છે. “सुहृत्”નો અર્થ થાય સારા હૃદયવાળો, અર્થાત શ્રેય ઇચ્છવાવાળો “well-wisher”.
આપણા સાંસારિક સંબંધોમાં પણ મહદઅંશે મિત્રો આપણા well-wishers જ હોય છે. આ well-wishing attitude જ કદાચ મિત્રતાના સંબંધને તેનું તેની ગરિમા અને ગૌરવ અપાવે છે. અને જો કદાચ આ well-wishing attitude ના હોય, તો એ સંબંધને મિત્રતા સિવાયનું બીજું કોઈક નામ આપવું પડે. તો પછી અહીં તો પરમાત્મા સાથેના સંબંધની વાત છે.આપણું શ્રેય તેમના થી સારું તો કોણ ઈચ્છી શકે અને એજ વિચારને શબ્દોમાં કવિવરે આ રચનામાં વહાવ્યો છે.
તો ચાલો, આપણા સૌના “ચિરસખા”નું સ્મરણ કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
અઝેલિયાનાં ફૂલ
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
સબર્બન ન્યૂજર્સીના મોટા સરસ ઑડિટોરિયમમાં ગુજરાતી નાટક જોવા આવનારાંની ઘણી ભીડ થઈ ગઈ હતી. હંમેશ મુજબ શરૂ થવાને વાર હતી. હૉલનાં બારણાં ખોલવામાં આવ્યાં નહતાં. લૉબીમાં જ અસંખ્ય લોકો આમથી તેમ જતા હતા, ભીડ વધારતા હતા, ઘોંઘાટ કરતા હતા. લોપા ફરિયાદ કરવા લાગી ગઈ હતી. મોંઢું બગાડી એણે કહ્યું, ખ્યાલ આવ્યો ને હવે કે હું કેમ આવા પ્રોગ્રામોમાં જતી નથી?
એની ફ્રેન્ડ કોકિલાએ બહુ આગ્રહ કરેલો. કહેલું, મુંબઇથી ગ્રૂપ આવ્યું છે. ને નવું જ નાટક લઈને આવ્યા છે એ લોકો. બહુ જ હસવાનું છે. પણ ભીડ, ઘોંઘાટ ને વિલંબને કારણે લોપા એટલામાં જ થાકી ગઈ. લૉબીનો કોઈ જરા ખાલી ભાગ શોધવા એ પાછળ તરફ ગઈ. બારણાંથી દૂર એ બાજુ ભીડ જરા ઓછી હતી ખરી. કોકિલાને બોલાવી લેવા એણે મોંઢું ફેરવ્યું તો સામે જ ચંદ્રાને જોઈ. એ પણ કોઈ બહેનપણીને શોધી જ રહી હતી. લોપા અને ચંદ્રા બંને પહેલાં જરા ચોંકી ગયાં. મળવાનું કલ્પ્યું નહતું બેમાંથી કોઈએ.
પછી ફૉર્મલી હસીને અરસપરસ કેમ છો કહ્યું. વધારે કશી વાત થાય તે પહેલાં બંનેની સાથીદારો આવી ગઈ, ને હૉલમાં જવા માટે બારણાં પણ એ જ ઘડીએ ખોલાયાં. લોપાનું ધ્યાન હવે ક્યાંયે ના રહ્યું. એક્ચ્યુઅલી એ જરા હચમચી ગઈ હતી. ઘણા વખતે ચંદ્રાને જોઈ. સ્હેજ સૂકાયેલી લાગી, એણે વિચાર્યું. ને સાથે દિવાકર કેમ નહતો? બંને સાથે જ હોય. એકલાં ક્યાંય જાય જ નહીંને. જૂના કોઈ વખતની ચીડ એના મન પર અત્યારે ચઢી આવી. કે પછી દિવાકર દેખાયો નહીં? લોપાએ આમ-તેમ જોવા મોંઢું જરા ફેરવ્યું.
ખાસ કોઈ ઓળખીતું દેખાતું જ નથી, નહીં? કોકિલા બોલી. પણ તું ચંદ્રાને ઓળખે છે તેનો મને ખ્યાલ નહતો. કેવું થયું, નહીં? – એની જિંદગીમાં?
શું થયું?, લોપાએ ચમકીને પૂછ્યું. મને કશી ખબર નથી.
પડદો ખૂલવા માંડ્યો હતો, નાટક શરૂ થતું હતું. કોકિલા વાત કરી ના શકી. લોપાએ વિચાર્યું, શું થયું હશે? માંદગી આવી હશે? છોકરાના ઍંગેજમેન્ટ તૂટ્યા હશે? કે પછી ચંદ્રા અને દિવાકરના ડિવોર્સ થયા હશે? ના, એ અનુમાન લોપા પોતે જ માની ના શકી. એવી તો શક્યતા જ નહતી.
ં ં ં ં ં
ઑડિયન્સમાં હસવાનું ચાલુ થઈ ગયું હતું. લોપાના કાન સુધી એ કશું પહોંચતું નહતું. એ વિચારોમાં મગ્ન થઈ ગઈ હતી. કે પછી સ્મરણોમાં. મહિનાઓ પછી, સતત ઘવાયા કરવાની સ્થિતિ માંડ કંઇક સુધરી હતી. ને ત્યાં આમ ચંદ્રા મળી ગઈ. બધા ઘા ફરી જાણે ખુલી ગયા. અંદર ને અંદર લોહી ફરી વહેવા માંડ્યું હોય એમ લોપાને લાગ્યું.
કોઈને કહેવાય એવી વાત નહતી. એ વાત છુપી રહી શકી હતી તે ય નવાઇ જ ને. દિવાકર ઘરમાં સાવ નૉર્મલ રહેતો હતો. જોકે ઘર જ એની પ્રાયોરિટી હતી, તે સ્પષ્ટ હતું. લોપાને પહેલેથી જ આ કેટલું ખટકતું, પણ એ ક્યાં કશું પણ બદલી શકે તેમ હતી?
લોપાના મનમાં કડવાશ ભરાઇ આવી. આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. હજી ક્યાં રુઝ આવી હતી હૃદય પર. એમ તો ઍફેર ટૂંકો જ હતો. વધારે તો વાતો જ થતી રહેલીને? સ્માર્ટ વાતો – વાતોની સ્માર્ટ, ઝડપી આપ-લે, જુદી જુદી કેટલીયે વાતો. પહેલવહેલી વાર કૉમન ફ્રૅન્ડ્સ સુમિતા ને શિશિરને ત્યાં જમવામાં એ બે મળેલાં. એટલેકે લોપા અને દિવાકર-ચંદ્રા. કેમ છો?, ક્યાંનાં છો?, શું કરો છો? – જેવી વાતો ત્રણેય જણે સામસામે કરેલી, પણ થોડી વારે ચંદ્રા મહિલા-ગ્રૂપમાં જઈને બેઠેલી, ને લોપા એકલી પડી ગયેલી.
પછીથી દિવાકર અને લોપા વાઇનના ગ્લાસ હાથમાં લઈને પાછળના પૅટિયો પર ઊભેલાં. નીચેના છોડ પર અઝેલિયાનાં ફૂલ ખીચોખીચ ખીલેલાં હતાં. કેવા સરસ રંગ છે, લોપા બોલેલી. ગુલાબી અને સફેદ.
અમારે ત્યાં પણ બહુ જ સરસ અઝેલિયા થયાં છે. એક છોડ પર સફેદ છે. પણ જાંબલી અને ફૂલગુલાબી ફૂલોવાળા છોડ ઘણા છે, દિવાકરે કહેલું.
અરે વાહ, તમે ફૂલગુલાબી જેવો શબ્દ જાણો છો?
અરે, ચંદ્રાએ બરાબર શીખવાડી દીધો છે. ગાર્ડનિંગનો શોખ મને છે, પણ મેમસાહેબ કહે તેમ કરવું પડે.
બંને હસેલાં. સૌથી સારી ગણાતી નર્સરી ક્યાં છે એની વાત પરથી ફોન નંબરની લેવડ-દેવડ થયેલી. તમે ફોન કરજોને. હું એનું નામ-સરનામું આપીશ, લોપાએ કહેલું.
આ રીતે ફોન શરૂ થયેલા. એક-બે વાર તો દિવાકરે ચંદ્રાને જણાવેલું. એ સ્વાભાવિક હતું. પણ ફોન કૉલ ચાલુ રહ્યા, ને એણે ચંદ્રાને કહેવાનું છોડી દીધું. દિવાકર સાથે વાતો કરવાની લોપાને એટલી મઝા આવતી હતી. દરેક બાબત માટે દિવાકર પાસે કંઇક ને કંઇક કહેવાનું હોય જ. માહિતી ના હોય ત્યારે પણ એ જવા તો ના જ દે. સ્હેજ ગપ્પું મારે. ક્યારેક લોપા એને સાચું માની બેસે, કયારેક પકડી પાડે. ને પછી એનું હસવું માય નહીં. કમાલ છો હોં. ગપ્પું પણ સાચું હોય તેવું મારો છો. આવે વખતે દિવાકરે એને કહેલું, પ્લીઝ, તમે મને તમે ના કહો.
તો તું પણ મને તમે ના કહેતો. આમ બંને વચ્ચે ફૅમિલિયારિટી વધતી ગયેલી.
મોટે ભાગે દિવાકરની પાસે માહિતી હોય જ. એમેરિકન શૅરમાર્કેટ હોય, રાજકારણ હોય, સ્પૉર્ટ્સ હોય, કે પછી મૂવીની વાત હોય – દિવાકરે વાંચેલું હોય અથવા જોયેલું હોય. એની પાસે ઓપિનિયન હોય જ. કોઇક વાર જાણી જોઈને લોપા દલીલ કરે – મૂવીની બાબતમાં તો ખાસ. એમાંથી જ એક વાર એ ખરેખર ચિડાઈ ગયેલી. સિરિયસ મૂવીઝ બોરિંગ હોય છે એવું તું કઈ રીતે કહી શકે છે? સાવ મૂરખ જેવી સ્લૅપસ્ટિક કૉમેડી જ જેને ગમતી હોય એની સાથે સમય બગાડવાનો કોઇ અર્થ નથી, વગેરે વગેરે. કોણ જાણે સંસારની કઈ બાબતથી કંટાળેલી હશે એ દિવસે કે છેલ્લે એનાથી ફોન પછાડાઈ ગયેલો.
એ કદાચ પહેલો ઝગડો. એ પણ સાવ અર્થ વગરનો, બીજે દિવસે લોપાને લાગેલું. એ દિવાકરના ફોનની રાહ જોતી રહેલી. પાંચ દિવસ. છ દિવસ. એ હવે ફોન નહીં કરે તો? ને એ પહેલી વાર એણે સંતાપ અનુભવ્યો – દિવાકરની ગેરહાજરીનો. ત્યારથી એક બીજ રોપાયું દિવાકરને માટેની ઝંખનાનું.
દસેક દિવસ પછી એણે મન મક્કમ કરીને ફોન જોડ્યો. કદાચ છે ને દિવાકર ઉપાડે. પણ ચંદ્રાએ જ લીધેલો. લોપાએ કારણ વિચારી રાખેલું. એણે કહ્યું, શનિવારે હું એક નાનું ડિનર કરી રહી છું. તમે બંને આવશો જમવા? સુમિતા ને શિશિરને પણ કહ્યું છે.
દિવાકર ઘેર નહતો. એ પછી તમને ફોન કરશે, એમ ચંદ્રાએ કહ્યું.
હાશ, દિવાકર ફોન તો કરશે. લોપાને ધરપત થઈ.
ફોન તો જાણે દિવાકરે કર્યો, પણ એ ફૉર્મલ થઈ ગયેલો, અને જમવા આવવાનું નહીં ફાવે એમ કહ્યું. લોપાએ એને મનાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, મને લંચ માટે નહીં મળે? મારા તરફથી માફી-લંચ, બસ?
એક જ વાર કૉમન ફ્રૅન્ડ્સને ત્યાં મળ્યાં પછી ત્રણેક મહિના ફોન દ્વારા જ સંપર્ક રહ્યો હતો. લોપા મનથી દિવાકરની નજીક થઈ ગયેલી. તેથી એ દિવસે લંચ માટે મળ્યાં ત્યારે એ જરા સેલ્ફ-કૉન્શિયસ હતી. દિવાકરને જોઈને એને ભેટવાનું મન થયેલું, પણ એણે રોકેલું. દિવાકરે જ્યારે કહ્યું કે બહુ સરસ લાગે છે વૅસ્ટર્ન આઉટફિટમાં, ત્યારે લોપાને ઇન્સ્ટિન્ક્ટીવલી લાગેલું કે દિવાકર પણ એના તરફ ખેંચાયો છે. બંનેની આંખો મળેલી. એમાંથી કશાક અર્થ પસાર થયા હતા.
દિવાકરનો ગુસ્સો ઊતરી ગયો હતો. એ લોપા માટે એક ભેટ લેતો આવેલો. એક કુંડામાં તાજાં ખીલેલાં ઘેરા જાંબલી રંગનાં ફૂલ હતાં. ઓહ, અઝેલિયા?, લોપા બોલી.
મને યાદ છે, હોં, કે તને અઝેલિયા ગમે છે. સૉરી કે ફૂલગુલાબી રંગનાં ના મળ્યાં. ચળકતા લીલા કાગળમાં લપેટેલું કુંડું લોપાને આપતાં એણે કહ્યું. અને ગ્રીક ભાષામાં એક શબ્દ છે – અઝાલેઓસ, એટલે કે સૂકી જમીન. એના પરથી આ ફૂલનું નામ પડ્યું. પણ સાચો ઉચ્ચાર એઝાલિઆ છે, મૅડમ, પડી ખબર?
હા ભઇ, તમારા જેવું હોશિયાર કોઈ હોઈ શકે કાંઈ?
બંને હસીને હળવાં થઈ ગયાં, પણ મળવાનું ઉતાવળમાં જ થયું હતું. એક એક સૅન્ડવિચ ખાવાનો જ સમય મળ્યો હતો. ફરી જલદી મળીએ, દિવાકરે કહેલું. મૂવી જોવા જવું છે?
તું નક્કી કરજે, લોપા બોલેલી.
એને થતું હતું કે જાણે ખસે જ નહીં ત્યાંથી. પણ- ચાલ, હું જાઉં, કહી દિવાકર એની ગાડી તરફ જતો રહ્યો. લોપા એને જતો જોઈ રહી.
આટલામાં જ, કેટલાંયે સંવેદન મિશ્રિત થઈ એના ચિત્તને ગુંચવી રહ્યાં. જે થઈ રહ્યું છે તે બહુ ખરાબ કહેવાય? જોકે કશું થયું છે જ ક્યાં? આ એક વાર તો મળ્યાં. મનમાં જે ફીલિન્ગ થાય છે તેને પ્રેમ કહેવાય? પણ ફોન પર વાત કરતાં કરતાં પ્રેમ થઈ જતો હશે? ઇમ્મૉરલ કહેવાય એને? પણ કોઈને દુ઼ઃખ ના થવા દઈએ તો? ને આ તો મૈત્રી છે. બે મિત્રો એકબીજાંને ગમી ના જાય? મૈત્રીનો વિચાર આવતાં લોપા નિશ્ચિન્ત થઈ ગઈ. સંબંધ વધી ગયા પછી પણ લોપા આ જ લૉજિક જાતને સમજાવતી રહી.
દિવાકર શક્ય હોય ત્યારે લોપાને ત્યાં જવા માંડ્યો હતો. રાતે તો એ ભાગ્યે જ જઈ શક્યો હતો, પણ બપોરે ઑફિસમાંથી નીકળી જતો. છતાં અઠવાડિયામાં ત્રણેક કલાકથી વધારે મળવાનું બનતું જ નહીં. લોપા ગુસ્સે થતી, રડી પડતી, દિવાકરને પકડી રાખતી, પણ એ ચાલી જ જતો. લોપા ફરી મળવાની રાહ જોતી રહેતી.
દિવાકરે એક દિવસ અણધાર્યું જ એને કહ્યું કે હવે એ એફૅર ચાલુ રાખી નહીં શકે. દરેક જણમાં એક ‘સેવન્થ -સાતમી- સેન્સ’ હોય છે, એણે કહ્યું હતું. ચંદ્રાને કંઇક આછો વહેમ પડવા માંડ્યો હોય એવું એને લાગતું હતું. કદાચ બેડરૂમમાં દિવાકરની વર્તણૂંક જરા જેટલી પણ બદલાઇ હોય. લોપાની સાથે શરીર અને મનથી એ સંકળાયો હતો, ને ગમે તેટલું સાચવે-સંભાળે તો પણ પત્નીને કશું બદલાયાનો ખ્યાલ આવી જ જઈ શકે. કુટુંબને એ તૂટી જતું તો જોઈ શકે તેમ જ નહતો. છોડવાનો હોય તો તે લગ્નેતર સંબંધ જને?
લોપાનો હાથ પકડીને એણે આવું બધું સમજાવ્યું હતું. લોપા સમજતી હતી – પરિણામ શું આવી શકે તે, છતાં આ સંબંધના અંતની વાતના ચાબખા ખાઈ એનું હૃદય લોહીલુહાણ થઈ ગયું હતું. પછીના મહિનાઓમાં એનું વજન ઊતરી ગયું, છાતી બેસી ગઈ, ઉદાસીનો ભાર એને ગુંગળાવી રહ્યો. આખરે એ ત્રણેક મહિના ઇન્ડિયા જતી રહી. લગભગ વરસ આમ નીકળી ગયું હતું.
ં ં ં ં ં ં
ઉદાસ થઈને લોપા બેસી રહી હતી, ને નાટક દરમ્યાન એના વિચાર ચાલુ રહ્યા હતા. છતાં, મળવાની-છૂટાં પડવાની, પ્રેમની-ઝગડવાની બધી ક્શણો યાદ કરવાની શક્તિ એનામાં રહી નહતી. હૉલમાં બેઠાં બેઠાં જ એ અશક્ત થઈ ગઈ હતી.
મોટરમાં કોકિલા અને એના હસબંડ નાટકમાંની જોકો યાદ કરી કરીને હસતાં રહ્યાં. છેક લોપાને ઉતારતી વખતે કોકિલા બોલી, અરે, હું ભૂલી જ ગઈ તને કહેવાનું. બનેલું એવું કે ગાડીને અકસ્માત થયેલો ને ફેફસાંમાં ધુમાડો એટલો ભરાઈ ગયેલો કે દિવાકર બચી નહતો શક્યો. પણ ચાલ, અત્યારે જઇએ. કાલે ફોન કરજે. વધારે વાત કરીશું.
લોપા ત્યાં જ પથ્થરની હોય તેમ ઊભી રહી. આઘાતથી એ જડ થઈ ગઈ હતી. જે મહિનાઓ દરમ્યાન એ દિવાકરના પ્રેમમાંથી મનને વાળવા મથતી રહી હતી ત્યારે દિવાકર પોતે તો ક્યારનો યે ચાલી નીકળેલો. જેને અખંડ રાખવા માગતો હતો તે કુટુંબ અકલ્પ્ય રીતે તૂટી ગયું હતું.
ઘરની અંદર જઈને આખી રાત લોપા તરફડતી રહી. હૃદય કલ્પાંત કરતું હતું, ને એની આંખો સૂકી હતી. સવારે એણે કોકિલાને ફોન ના કર્યો. સીધો ચંદ્રાને જ કર્યો. એ પોતાની વાત કરવા નહતી માગતી. ને જે છૂપું રહ્યું હતું તેને છતું કરવા પણ નહતી માગતી. જો શક્ય હોય તો એ ચંદ્રાને સાંત્વન આપવા માગતી હતી.
જોકે ચંદ્રા ઉપરથી સ્વસ્થ થઈ ચૂકી હતી. એની ફરજ હવે બે દીકરાઓ તરફ હતી. ને એને સંતોષ હતો કે દિવાકરના શરીરના ઑર્ગન પહેલેથી નક્કી કર્યા પ્રમાણે દાનમાં આપવામાં આવ્યા હતા. કેટલાં જણને એ મદદ કરતો ગયો. એની બે કિડની, લીવર, અને હૃદય પણ ટ્રાન્સપ્લાન્ટ માટે આપી દેવાયું હતું.
અરે, એની આંખો તો કદાચ સૌથી વધારે કામમાં આવી હતી. આમ તો આવાં દાન ગુપ્ત જ રખાતાં હોય છે, પણ એ જ હૉસ્પિટલમાં એક એમેરિકન વૃધ્ધાને બહુ જરૂર હતી, ને તાત્કાલિક ઑપરેશન કરવામાં આવેલું. લોપાએ હિંમત કરીને ચંદ્રાને એનું નામ પૂછ્યું. વાતો કરતાં કરતાં ભાવની એવી ભરતી ચંદ્રાના મન પર ચઢી હશે કે એણે સહજ ભાવે નામ કહી દીધું. વળી કહે, આન્ટી એટલાં થૅન્કફુલ છે કે વારંવાર ફોન કરતાં રહે છે, છોકરાઓ માટે કેક બનાવી આપે છે.
ચંદ્રા સાથે વાત કરીને લોપાને થોડી શાંતિ લાગી. જીવતેજીવે દિવાકર પત્નીને સુખી રાખવા માગતો હતો, ને મરણમાં એ પત્નીને ગૌરવ બક્શતો ગયો હતો. લોપા મનોમન લજવાઇ પણ ખરી. જે પોતાનો નહતો, ને થઈ શકે તેમ નહતો, એનો કેટલો વાંક કાઢતી રહી હતી એ છેલ્લા એક વર્ષથી. ને ચંદ્રા? પંદરેક વર્ષનો સંસાર વિચ્છિન્ન થઈ ગયો હતો, તે છતાં કેટલી ડિગ્નિટીથી જીવી રહી હતી.
ં ં ં ં ં
એક સવારે બેલ સાંભળીને મિસિસ ચાન્સેલરે બારણું ખોલ્યું. સાદાં કપડાં પહેરેલી એક દેખાવડી ઇન્ડિયન સ્ત્રી પગથિયા પર ઊભી હતી. એ સમજી ગયાં કે કુટુંબની વ્યક્તિ હશે – પોતાને આંખોનું દાન કરનારના કુટુંબની. એમણે કહ્યું, આવોને અંદર.
લોપા એ હસતી આંખોમાં જોઇ રહી હતી. જે આંખોને એ ગમી ગઈ હતી તે જ આંખો હતીને આ. પોતે જેની સાથે નજર પરોવી બેસી રહેતી હતી તે જ આંખો હતીને આ. જે છોડીને જતો રહ્યો હતો તે પ્રેમપાત્રની બચી રહેલી છેલ્લી નિશાની હતી આ. બસ, એક વાર એને ફરી જોઈ લેવી હતી.
લોપાના હાથમાં તાજાં સુંદર ઘેરા ફૂલગુલાબી રંગનાં અઝેલિયા ફૂલનું રૂપેરી કાગળમાં લપેટેલું કુંડું હતું. બે હાથ લંબાવીને એણે એ એમની સામે ધર્યું. આ તમારે માટે લાવી છું.
ઓહ. મને અઝેલિયા બહુ જ ગમે. થૅન્ક્સ, મિસિસ ચાન્સેલરે કહ્યું. આવોને અંદર. એક કપ ચ્હા પીને જાઓ.
લોપા અપલક એ હસતી આંખોમાં જોઇ રહી હતી. થૅન્ક્સ, પણ આજે નહીં, કહી હાથથી ગૂડબાય જણાવી એ પગથિયાં ઊતરી ગઈ. મોટરમાં બેસી જોરથી એણે આંખો મીંચી દીધી. દિવાકરને એમાં એ હંમેશ માટે બચાવી રાખવા માગતી હતી.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
લ્યો આવી ગઈ દિવાળી | આજ દિવાળી કરો
લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.ઉદાસીઓના ફટાકડાઓઝટપટ ફોડી દઈને,ચહેરા ઉપર ફૂલઝડી સમઝરતું સ્મિત લઈને;કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.સૌની ભીતર પડ્યો હોય છેએક ચમકતો હીરો,ચલો શોધીએ ભીતર જઈનેખુદની તેજ-લકીરો;ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.– અનિલ ચાવડા
અમારે આંગણે પણ આજ દિવાળી કરો,તમે આવી અમારી રાત અજવાળી કરો!અમે તો ઊંબરે કૈં લાભ-શુભને ચીતર્યાં,હવે સાર્થક તમે એ વિઘ્ન સૌ ટાળી કરો!અહીં તો દર્દો-ગમની રેત ઊડે છે સતત,હસી થોડું તમે વસ્તી હરિયાળી કરો!અમે આ જિંદગી શણગારી છે ત્રેવડ મુજબ,તમે સ્પર્શી બધી બાજુથી રૂપાળી કરો!અમે છીએ સ્વયં બરછટ બહુ સાચું ‘સુધીર’,તમે ઓઢી ઘડીભર જાત સુંવાળી કરો!—કવિ સુધીર પટેલ
( ‘મનપસંદ સંકલન’માંથી..)
-
અમિટ સ્મૃતિ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ફાગણી પૂનમનો ચંદ્ર ગંગાની વહેતી ધારા પર પર રોશનીનો અભિષેક કરી રહ્યો હતો. વાસંતી વાયરાથી આંદોલિત પાણી પર એક મોટી નાવ આસ્તેથી સરકી રહી હતી. આનંદથી ઊઠતો નગરનો કોલાહલ કેટલીય ગલીઓ પાર કરીને આ શાંત વાતાવરણ સુધી સંભળાતો હતો.
મનોહરદાસ જમીને નિરાંતે બેઠા હતા.
‘બાબુજી, સિતાર લઈ આવું, આજે તો હોળી છે ને?” વાળુ કરીને ઊભા થતા ગોપાળે પૂછ્યું.
“ના, આજે અને કાલે હોળીના આ બે દિવસોમાં નથી હું સિતાર વગાડતો કે નથી હું નગરમાં જતો.”
“અરે આ કેવું! તહેવારના દિવસોમાં નાવ પર રહેવાની વાત મનમાં જરાય બેસતી નથી.” ગોપાલને આશ્ચર્ય થયું.
ગોપાળ અન્ય યુવકોની જેમ દરેક તહેવારો ઉજવવા ઉત્સુક રહેતો, પણ સિત્તેર વર્ષની ઉંમરે પહોંચેલા મનોહરદાસનું વ્યક્તિત્વ જ એવું હતું કે એમની સામે પોતાની ઈચ્છા કે મરજી પ્રગટ કરવાની એનામાં હિંમત નહોતી.
એ હોળી-ધુળેટીના વાતાવરણથી દૂર જ ભાગતા. ગાળાગાળી અને રંગોથી એમને નફરત હતી. પચાસ વર્ષથી એ હોળી રમ્યા નહોતા.
ગોપાળના ચહેરા પર કારણ જાણવાનું કુતૂહલ જોઈને એમણે વાત માંડી.
વાસ્તવમાં મનોહરદાસ ગોપાળના મોટાભાઈ ગિરધરદાસ સાથે ઝવેરાતનો વેપાર કરતા હતા. ત્યારે તો મુંબઈમાં દુકાનો નહોતી અને ભારતભરમાં દોડતી રેલગાડી પણ નહોતી. લાંબી સફર માટે રથ અને એક્કા હતા. ઉત્તર ભારતની સડકો બંગાળથી કાબુલ સુધી વિશાળ અજગરની જેમ ફેલાયેલી હતી. માંડ બેચાર કોસ નિર્જન હતા બાકી બધા રસ્તા પથિકોની અવરજવરથી ભરેલા રહેતા. સડક પર પાણીની પરબ, દુકાનો, વિશ્રામ માટે પડાવ અને સરાઈઓ જોવા મળતી.
તે સમયે વાણિજ્યમાં બનારસ સૌથી વિખ્યાત હતું.
એક રાત્રે દસના સુમારે મનોહરદાસ અને ગિરિધરદાસ હોળીદહનનો ઉત્સવ જોઈને સરાઈ પર પહોંચ્યા જ હશે ને એક વેપારીનો પત્ર મળ્યો કે, એ બીજા દિવસ સુધી જ પ્રયાગમાં રોકાવાનો છે. આ વેપારી પાસે લાખોનો માલ વેચાવાની શક્યતા હતી.
બીજા દિવસની સવારે તો સૂર્યકિરણો ધરતી સુધી પહોંચે એ પહેલાં બંને જણ એક્કો કરીને પ્રયાગ જવા નીકળી ગયા. એક્કાચાલકની સાથે બનારસના લાઠીબાજ રઘુનાથ મહારાજ પણ હતા. એ સમયની યાત્રામાં જ્યાં જાનમાલનું જોખમ હોય ત્યારે આવા લોકોને સાથે રાખવા આવશ્યક હતા.
પૂરઝડપે દોડતા એક્કામાં બેઠેલા બંને જણનાં મન દક્ષિણી વાયરાના સ્પર્શ, આમ્રમંજરીની સુગંધની માદકતાથી પ્રસન્ન હતા. ધીમેધીમે તડકો માથે ચઢવા માંડ્યો અને ગરમીની સાથે તરસ વધી. અહીંથી ગામ એક કોસ અને સરાઈ બે કોસ જેટલાં દૂર હતાં, પણ રસ્તામાં આંબાના ઝાડની નીચે એક કૂવો દેખાયો.
મનોહરદાસે આ રમણીય જગ્યા પર એક્કો રોકાવ્યો. ઝાડ પર બેઠેલાં પંખીઓના મીઠ્ઠા કલરવથી પવન પણ સૂરીલો બની ગયો હતો.
એક્કો ઊભો રહ્યો ત્યાં પાકી છતના વરંડાવાળી ગોળ, ચણા, મીઠું, સત્તુ જેવી ચીજોની દુકાન નજરે પડી.
રઘુનાથે વેપારી પાસેથી ઠંડાઈના ફૂલો લઈને ઠંડાઈ તૈયાર કરી. ઠંડાઈની સુગંધથી સૌનું મન તર થઈ ગયું. એટલામાં એક મંજુલ સ્વર સંભળાયો. અવાજની પાછળ પાછળ દુકાનના મેડાની સીડીઓ ઉતરીને નીચે આવતી એક ચૌદ વર્ષની છોકરી દેખાઈ. એકદમ દેહાતી દેખાતી છોકરીને જોઈને લાગ્યું કે એ ભરપૂર રંગોથી હોળી રમી હશે. મદિરાલયના ખુલતા દ્વાર જેવી એની આંખોમાંથીય ગુલાલની છોળ છલકતી હતી. પાંપણ પરનો રંગ પણ ઝાંખો નહોતો થયો. એવી તો ચેતનાથી છલોછલ છોકરી હતી કે એકવાર નજર પડે તો એની સામે જ જોયા કરવાનું મન થાય.
ચારેકોર ફાલેલી લીંબોળીના ફૂલ અને આમ્રમંજરીમાંથી વહેતી સુગંધ, સાથે ઠંડાઈના સ્વાદથી મન તર હતું કે પેલી છોકરીના યૌવનના પ્રભાવથી?
ગામથી દૂર અલગ આ કૂવો સમસ્ત સૃષ્ટિની સૌથી સુંદર જગ્યા હોય એવું મનોહરદાસને લાગ્યું. ક્ષણભર માટે સ્વપ્નલોકની સુંદરી નજર સામે હોય એવો ભાસ થયો. મનોહરદાસ મલકાઈને એને જોતા રહ્યા.
રસ્તા પર એક બળદગાડાવાળો બળદોને દોરવાની જરૂર જ ન હોય એમ બંધ આંખે વિરહના ગીતો ગાતો જતો હતો. બળદોને રસ્તાની જાણ હોય એમ એમની મેળે ચાલ્યા જતા હતા. ગાડાવાળાના ગીતોમાં ઉપાલંભ હતો કે આવેદન? પેલી છોકરી પણ કમર પર હાથે ટેકવીને ધ્યાનથી સાંભળતી હતી.
ગિરધરદાસ અને રઘુનાથ કૂવા પરથી હાથ મોં ધોઈને પાછા આવ્યા ત્યારેય મનોહરદાસ એમ જ મોહવશ અવસ્થામાં બેઠા હતા. મનોહરદાસને જોઈને બંને હસી પડ્યા. મનોહરદાસની તંદ્રા તૂટી. ઊભા થઈને એક્કા પર સવાર થયા.
કલાકમાં પ્રયાગ પહોંચી ગયા. બીજા દિવસે પાછા આવ્યા તો ત્યાં કોઈ દુકાન નહોતી. કૂવા પર પાણી પીતા કોઈ વટેમાર્ગુ પાસેથી ગામમાં બનેલી દુર્ઘટનાની જાણ થઈ. ધુળેટી રમતી વખતે નશામાં આવીને કેટલાક લોકોએ દંગલ મચાવ્યું જેમાં એ દુકાનદાર પણ સામેલ હતો. રાત્રે એની દુકાન પર ધાડ પાડી એને તો મારી નાખ્યો. એ પછી એની છોકરીનો ક્યાંય પત્તો નથી.
“અરે, એ માતાજી તો હતી જ એવી. એને તો કંઈ ન થાય તો જ નવાઈ.” રઘુનાથના અવાજમાં એ છોકરી પ્રત્યે અજડતા, અવહેલના હતી.
રઘુનાથની વાત મનોહરદાસને અત્યંત કઠી. એમની આંખોમાં હુતાશની પ્રગટી, પણ એ ચૂપ રહ્યા.
એ પછી દર વર્ષે વેપાર અર્થે પ્રયાગ જવાનું થતું રહ્યું. એકવાર પાછા આવવાના સમયે એ જ કૂવા પાસે રોકાવાનું થયું તો ત્યાં વરંડામાં એક વિકલાંગ દરિદ્ર યુવતીને પડેલી જોઈ. એનું ચાલવાનું લગભગ અસંભવ હશે એવું લાગતું હતું. એના ચહેરા પર ઘેલછાભર્યું હાસ્ય હતું. મનહરદાસને થોડાં વર્ષ પહેલાંની ઘટના અને એ અલ્લડ છોકરી યાદ આવી ગઈ.
બસ, એ દિવસથી એમણે હોળી ન રમવાની પ્રતિજ્ઞા લઈ લીધી. ગિરધરદાસે અનેકવાર મનહરદાસને હોળી રમવા અનુરોધ કર્યો પણ હૃદયની નિર્બળતા કહો કે મનની દૃઢતા મનહરદાસ ક્યારેય હોળી રમવા તૈયાર ન થયા.
“બસ ગોપાલ, પચાસ વર્ષથી હું આ બે દિવસ બનારસના કોલાહલથી દૂર આ નાવ પર સમય પસાર કરું છું.”
જયશંકર પ્રસાદ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
એક સાલ (૧૯૫૭)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
કોઈ ફિલ્મનું એક જ ગીત અલગ અલગ રીતે મહિલા અને પુરુષ ગાયક દ્વારા ગવાયું હોય ત્યારે સામાન્ય રીતે પુરુષ ગાયક દ્વારા ગવાયેલું ગીત વધુ અસરકારક બની રહે છે, એમ મને લાગે છે. અમુક અપવાદ અલબત્ત, ખરા જ કે જેમાં મહિલા ગાયકની આવૃત્તિ ચડિયાતી હોય, જેમ કે, ‘બહાર’નું ‘કસૂર આપ કા, હજૂર આપકા‘ ગીતમાં શમશાદ બેગમ મેદાન મારી જતાં લાગે, જ્યારે કિશોરકુમારનું ગીત સરખામણીએ ફિક્કું લાગે. બન્ને આવૃત્તિઓ બરોબરીની હોય અને દોરાભાર પણ ઊતરતી ન હોય એવું હેમંતકુમાર અને ગીતાદત્ત દ્વારા અલગ અલગ ગવાયેલાં એક જ ગીતમાં અનેક વાર લગભગ નિરપવાદ રીતે બન્યું છે. પણ આ અપવાદ છે. જે પણ ગીતની આવૃત્તિ લતા કે આશા દ્વારા ગવાઈ હોય અને એ જ ગીત અન્ય પુરુષ ગાયક દ્વારા ગવાયું હોય તો એમાં મહદંશે પુરુષ ગાયકનું ગવાયેલું ગીત વધુ અસરકારક બની રહે છે.
૧૯૫૭માં રજૂઆત પામેલી ‘ગોયલ સિને કોર્પોરેશન’ નિર્મિત, દેવેન્દ્ર ગોયલ દિગ્દર્શીત ‘એક સાલ’ના અતિ વિખ્યાત ગીત ‘સબ કુછ લૂટા કે હોશ મેં આયે તો ક્યા કિયા’ પણ આ જ શ્રેણીમાં બેસે છે. આ ગીત તલત મહેમૂદે તેમજ લતા મંગેશકરે અલગ અલગ રીતે ગાયું છે, પણ તલત મહેમૂદનું ગીત એક વાર સાંભળી લઈએ પછી એ કાનમાંથી ખસવાનું નામ નથી લેતું. એમના અવાજમાં વ્યક્ત થતું સાહજિક દર્દ એટલે ઊંડે સુધી સાંભળનારને અસર કરી જાય છે કે પછી એ સ્વરને બદલે બીજા કોઈ સ્વરમાં આ ગીત કલ્પી શકાતું નથી.

‘એક સાલ’માં અશોકકુમાર, મધુબાલા, મહેમૂદ, કુલદીપ કૌર, મીનૂ મુમતાઝ, મદનપુરી જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મમાં નવ ગીતો હતાં, જે પૈકીનાં આઠ પ્રેમ ધવને લખેલાં અને એક ગીત રવિએ. રવિની મુખ્ય ઓળખ સંગીતકાર તરીકેની, પણ તેમણે અનેક ગીતોને સ્વર આપ્યો છે, એમ ગીત લખ્યાં પણ છે. આ ફિલ્મમાં સંગીત રવિનું હતું.
‘તૂ જિયે હઝારો સાલ ગોરી’ (આશા અને સાથીઓ), ‘ચલે ભી આઓ’ (લતા), છુમ છુમ ચલી, પિયા કી ગલી (લતા), ‘દિલ તો કિસી કો દોગે’ (મ.રફી), ‘અરે સુનો રે સુનો’ (ગીતાદત્ત, એસ.બલબીર), ‘સબ કુછ લૂટા કે હોશ મેં આયે’ (તલત) , ‘સબ કુછ લૂટા કે હોશ મેં આયે’ (લતા) ગીતો પ્રેમ ધવને લખેલાં હતાં. તો હેમંતકુમાર અને લતા દ્વારા ગવાયેલું ‘ઉલઝ ગયે દો નૈના’ રવિએ લખ્યું હતુંં.
મહમ્મદ રફીના સ્વરે ગવાયેલું ગીત ‘કિસકે લિયે રુકા હૈ, કિસકે લિયે રુકેગા’ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે છે. આ ગીત ફિલ્મ દરમિયાન પણ બે વાર, એટલે કે કુલ ત્રણ વાર સાંભળી શકાય છે.
એક તો ગીતના શબ્દો બહુ જ સમૃદ્ધ છે, અને એ મહમ્મદ રફી દ્વારા ગવાયા છે. આ બન્નેનું સંયોજન કેવું કર્ણપ્રિય નીવડી શકે એનું આ ગીત ઉત્તમ ઉદાહરણ છે.
किसके लिए रुका है, किसके लिए रुकेगा
करना है जो भी कर ले, ये वक़्त जा रहा है
ये वक़्त जा रहा है
किसके लिए रुका है, किसके लिए रुकेगा
करना है जो भी कर ले, ये वक़्त जा रहा है
ये वक़्त जा रहा है,
किसके लिए रुका है….पानी का बुलबुला है, इंसान की ज़िंदगानी
दम भर का ये फ़साना, पल भर की ये कहानी
हर सांस साथ अपने, पैगाम ला रहा है
हर सांस साथ अपने, पैगाम ला रहा है
करना है जो भी कर ले, ये वक़्त जा रहा है
ये वक़्त जा रहा है
किसके लिए रुका है…અહીં ટાઈટલ્સ પૂરાં થાય છે, અને ગીતનો એક હિસ્સો પણ.
એ પછી ફિલ્મમાં ગીતનો આ હિસ્સો સંભળાય છે, જેમાં માત્ર મુખડું અલગ છે, અને બાકીનું ગીત ટાઈટલમાં હતું એ જ છે.
ग़ाफ़िल तुझे घड़ियाल ये, देता है मनादि
गर्दूं ने घडी उम्र की, इक और घटा दीकिसके लिए रुका है, किसके लिए रुकेगा
करना है जो भी कर ले, ये वक़्त जा रहा है
ये वक़्त जा रहा है
किसके लिए रुका है, किसके लिए रुकेगा
करना है जो भी कर ले, ये वक़्त जा रहा है
ये वक़्त जा रहा है,
किसके लिए रुका है….पानी का बुलबुला है, इंसान की ज़िंदगानी
दम भर का ये फ़साना, पल भर की ये कहानी
हर सांस साथ अपने, पैगाम ला रहा है
हर सांस साथ अपने, पैगाम ला रहा है
करना है जो भी कर ले, ये वक़्त जा रहा है
ये वक़्त जा रहा है
किसके लिए रुका है…ગીતનો ત્રીજો હિસ્સો ફિલ્મના અંત ભાગે આવે છે, જેના શબ્દો આ મુજબ છે.
दुनिया बुरा कहे तो, इल्ज़ाम ये उठा ले
खुद मिट के भी किसी की तू ज़िंदगी बचा ले
दिल का चराग तुझको रस्ता दिखा रहा है
दिल का चराग तुझको रस्ता दिखा रहा है
करना है जो भी कर ले ये वक़्त जा रहा है
ये वक़्त जा रहा है
किसके लिए रुका है….(मनादि = ઘોષણા, गर्दूं =આકાશ)
ગીતના ત્રણે હિસ્સા સળંગ આ લીન્ક પર સાંભળી શકાય છે.
ઊર્દૂશાયર નાઝી શાકીરના આ જાણીતા શેઅરનો ઉપયોગ પ્રેમધવને ગીતમાં સહેજ ફેરફાર સાથે કર્યો હોય એમ લાગે છે.
बुलंद आवाज़ से घड़ियाल कहता है कि ऐ ग़ाफ़िल
कटी ये भी घड़ी तुझ उम्र से और तू नहीं चेताhttps://youtu.be/IaCNVExE2s0?si=19vMQuFlzIJW_FWh
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
