વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ભૂલ કહે ભ્રમણાને…

    લાંબી અને અર્થ વગરની કવિતાઓ માટેની એક વ્યંગ રચનાઃ

    મૂળ કાવ્યની લોકપ્રિયતાને આધારે લખાયેલ પ્રતિકાવ્ય


    ભૂલ કહે ભ્રમણાને…  

    – નિર્મિશ ઠાકર

    ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:

    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કાલિન્દીનાં જલમાં ઝાંકી
    પૂછે કદંબડાળી
    યાદ તને બેસી અહીં કોણે
    રચી શબ્દની જાળી ?
    લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કરો કવિને જાણ:
    અરથની તાણ રહી છે વરતી !
    સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
    રાવ હવે ક્યાં કરવી ?
    છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    શિર પર ગોરસમટકી (?)
    ના એ છલકી કે નવ તૂટી,
    કંકર અંદર-બાહર વાગ્યા
    કશું ન નીકળ્યું ફૂટી !
    નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – નરેનની નોંધ

    વિમલાતાઈ

    પંજાબ થી આગળ

    ર૫મી મે, ૧૯૬૪ના રોજ બાઈએ પોતાની આત્મકથા લખવાની શરૂઆત કરી હતી. તેમનું આત્મવૃત્તાંત અહીં સુધી આવીને અટકી ગયું. અંતમાં તેમણે બે વાક્યો લખ્યાં હતાં, પણ પાછળથી તેમણે ચેકી નાખ્યાં હતાં, તેમાંના ઘણાખરા શબ્દો ઉકેલાયા, પણ જે વાત તેઓ કહેવા માગતાં ન હતાં તેને ઉકેલી અહીં કહેવાનો પ્રયત્ન નહિ કરું,

    બાઈએ આત્મકથા એક નોટબુકમાં લખીને પોતાની ટ્રેકમાં રાખી હતી. તેમના અવસાન બાદ મને જાણવા મળ્યું હતું કે આ નોટબુક મારી બહેન મીના પાસે હતી. સન ૨૦૦૭માં મીનાનું અકાળ અવસાન થયું. તે બીમાર થઇ તેના થોડા જ દિવસ પહેલાં તેણે આ નોટબુક સુધાને હવાલે કરી હતી અને તેને કહ્યું હતું કે કોઇ પણ હિસાબે ભાઇ પાસે પહોંચતી કરજે. સુધા જ્યારે ભારતથી પાછી અમેરિકા આવી ત્યારે તેણે મને આ નોટબુક મોકલી.

    પરમાત્માએ બાઇને અખૂટ ધૈર્ય, ચિંતન, ભક્તિ, સ્નેહ અને હિંમત આપી હતી. તેમની સ્મરણશક્તિ પણ અદ્ભુત હતી. તેમના કોઇ ગુણ અમે – તેમનાં બાળકો કેળવી શક્યાં નહિ: તેમની સ્મરણશક્તિ મને વારસામાં મળી, જે મૈ સાચવી રાખી. ચાર વર્ષનો હતો ત્યારથી બાઈના અને અમારા જીવનમાં બનેલી ઘટનાઓ મને યાદ છે. બાઈએ લખેલા કેટલાક પ્રસંગ વખતે હું હાજર નહોતો, તેને બાકાત કરીએ તો તેમણે જે કાંઇ અનુભવ્યું હતું, જે મેં જેયું હતું અને તેમની સાથે અનુભવ્યું હતું, તે બધું મને યાદ છે. તેમાંના કેટલાક પ્રસંગો સંવેદનશીલ, કેટલાક અસહ્ય અને અત્યંત પીડાજનક હતા. પિતાજીના અવસાન બાદ જેટલો વખત અમે અમદાવાદ રહ્યાં તે દરમિયાન બાઈ અને હું ફક્ત આંસુ ગાળીને સહેતાં રહ્યાં. મારી બહેનો તો ઘણી નાની હતી, પરંતુ તેમણે પણ ઘણું સહું, ઘણું વેઠ્યું અને તે તેઓ લાંબા સમય સુધી ભૂલી શક્યાં નહોતાં. હું ચાર વર્ષ અમદાવાદ ભણવા રહ્યો હતો, અને દર વેકેશનમાં ભાવનગર જતો. મારી ગેરહાજરીમાં દમુમાસીનાં બાળકો અને તેમનાં અન્ય સગાંઓએ બાઈને જે રીતે છેતર્યા, જે રીતે તેમને અપમાનિત કર્યા તેની વાત બાઈએ કે મારી બહેનોએ મને કદી કહી નહિ. તેઓ જાણતાં હતાં કે આ વાતોથી મારું મન દુભાશે અને હું ભણતર પૂરું નહિ કરી શકું.

    બાઈ એક એવા ઉચ્ચ અને સમૃદ્ધ જમીનદાર પરિવારમાંથી આવ્યાં હતાં, જેની સમૃદ્ધિ નિકટનાં સગાંઓએ આચરેલ અપામાણિકતા, છેતરપિંડી અને અંતે પિતાના વ્યસન અને રાજકીય કાવાદાવામાં નષ્ટ થઇ ગઈ હતી. બાઈના ચારિત્ર્યમાં તેમની પરંપરાગત નિર્મળતા,  વિમલ વર્તન, ધૈર્ય અને પ્રામાણિકતા દૃઢતાથી વણાયાં હતાં. અત્યંત અભાવના દિવસોમાં પણ તેમની વૃત્તિ, પારંપરિક ઉદારતા અને અસ્મિતામાં કદી એક કંપન સુધ્ધાં આવ્યું નહિ. લોકોની વાત જવા દર્દએ, પણ મારાં મોટાં ભાઇ-બહેન, મારા પિતાજીનાં ભાઈ-ભાભી અને અન્ય સગાંઓની દષ્ટિ પર પડેલા પડદાને કારણે તેમની નજરમાં એક સત્ય કદી આવ્યું નહિ: લગ્ન પૂર્વેના બાઈના જીવનમાં આવેલી ગરીબાઈ માટે બાઇ પોતે જવાબદાર નહોતાં.
    ઊંચી હવેલીના ખ્યાતનામ પરિવારના નબીરા એવા મારા પિતાજી સાથે તેમનાં લગ્ન થયાં, તે માટે પણ તેઓ જવાબદાર નહોતાં. તે જમાનામાં જ્યારે સરેરાશ ભારતીય પુરુષની આયુર્મયદા ૫૦ વર્ષ કરતાં પણ ઓછી હતી તે વખતે પિતાજીએ ૩૮મે વર્ષે બીજાં લગ્ન કરવા લીધાં તે માટે બાઇ જવાબદાર ન હતાં. પિતાજીના પરિવારને એવું જ કહેવામાં આવ્યું હતું કે, ‘ગરીબ ઘરની અનાથ છોકરી છે, જેનો બાપ દારૂના વ્યસનમાં મરી ગયો અને મા લોકોના ઢસરડા ખેંચવામાં ગુજરી ગઇ! આ છોકરીનો ઉદ્ધાર કરો.’

    પિતાજીએ બીજાં લગ્ન કર્યા તે તેમના પ્રથમ ઘરનાં સંતાનોને ગમ્યું નહોતું. દુઃખની વાત તો એ થઈ કે પિતાજી પરનો ક્રોધ તેમણે બધાંએ મળીને બાઈ પર વરસાવ્યો. એટલું જ નહિ, પણ તેમ કરવાની તેમણે એક પણ તક છોડી નહિ. મારા પિતાજીના અવસાન બાદ મારાં મોટાં ભાઇબહેનોનો અમારા પ્રત્યેનો ક્રોધ સીમા વટાવી ગયો. અમને – બાઇને અને અમને ચાર ભાઈળહેનોને અમારા મકાનની પાછળની નાનકડી ૧૦ બાય ૧૨ની ઓરડીમાં જગ્યા આપવામાં આવી. બાઈને કઇ વ્યક્તિ કયા વખતે શું કહેશે તેના ડરથી અમે ફફડતાં હતાં. મને હજી યાદ છે કે પિતાજીના અવસાન થયાના બીજા દિવસે બાઇ અમને બાળકોને લઈ એક ખૂણામાં દુ:ખગ્રસ્ત હાલતમાં આંસુ સારતાં બેઠાં હતાં. નાનકડી જયુ અને સુધા બાઈના પડખામાં બેઠી હતી. મીના અને હું આખા
    પ્રસંગથી હેબતાઈને બાઈની પાસે બેઠાં હતાં, ત્યાં મારા સૌથી મોટા ભાઈ આવી પહોંચ્યા. ગુરસાથી તેમનો ચહેરો તમતમતો હતો અને આવતાંવેત બાઈને કહ્યું, ‘તમે જ અમારા બાપુજીનો જીવ લીધો છે, હવે આ કાગળમાં સહી કરી આપો.’ બાઈ ચોધાર આંસુએ રડી પડ્યાં અને કહ્યું, ‘આ તમે શું કહો છો? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે, અને તમે…’

    ‘ચાલો હવે, બહુ થયું. અહીં સહી કરી આપો.’ ત્યાર બાદ તેમણે જે આકરા શબ્દો કહ્યા તે હજી મારી યાદગીરીમાં અંકાયા છે. તેઓ બોલતા જતા હતા અને ક્રોધથી તેઓ વારંવાર પોતાના હોઠ પર દાંત ભીસતા હતા. તેમનો તે વખતનો ભયપ્રદ ચહેરો હું કદી ભૂલી શક્યો નથી. ત્યારથી તેમની સામે જતાં હું ભયથી કાંપવા લાગી જતો.

    પિતાજીના અવસાન બાદ અમારી જે અકિંચન સ્થિતિ થઈ તે ટાળી શકાઈ હોત. બાઈએ ભાવનગરમાં મકાન લેવાનું નક્કી કર્યું ત્યારે મારાં મોટા ભાઇ-બહેનમાંથી કોઇએ પણ થોડી સહિષ્ણુતા બતાવી, એક દિવસ માટે ભાવનગર જાતે જઈ મકાનનાં કાગળ-પત્ર પૂરા કરી આપવામાં મધ્દ કરી હોત તો વાત જૂદી ૧! હોત. દમુમાસીને તેમની મોટીબહેન પ્રત્યે નાનપણમાં

    પણ પ્રેમ હતો કે નહિ તે વિશે હું સાશંક છું, પરંતુ બાઇ વૈધવ્યાવસ્થામાં આવી વિપત્તિજનક સ્થિતિએ આવી પહોંચ્યાં હતાં ત્યારે પણ દમુમાસીના પેટનું પાણી ન હાલ્યું, તેમણે કે તેમના પતિએ બાઈને મકાન લઈ આપવામાં આગેવાની લીધી નહિ, મારા માસા તે વખતે આખા ભાવનગર રાજ્યમાં પ્રખ્યાત અને બાહોશ પોલીસ અધિકારી તરીકે વાણીતા હતા. તેમના એક શબ્દ પર મકાનનો સોદો પતી જાય તેમ હતું પણ…

    મોટાભાઇની જેમ લલિતાબાઈ (જેમને હું માનથી ‘આક્કા’ કહીને બોલાવતો) ઘણાં કઠણ હૃદયનાં હતાં. મારા પ્રત્યેનું તેમનું વર્તન ચાર્લ્સ ડિકિન્સની નવલકથા “ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’માં ટચૂકડા પિપ્‌ અને તેની મોટી બહેન મિસેસ જો ગાર્જરી વચ્ચેના સંબંધનું વર્ણન મને તંતોતંત લાગુ પડે! પરંતુ મારી બાબતમાં થોડો ફેર હતો.

    આક્કાને મારા પ્રત્યે અત્યંત સ્નેહ હતો, જે તેમણે હૃદયમાં સમેટી રાખ્યો હતો.

    સામાન્‍ય માણસની નજરમાં ન આવે તે રીતે તેમણે પ્રદર્શિત કર્યો. આ સ્નેહ કેવળ બાઇ જોઈ શક્યાં હતાં. આનો તેમણે ઘણી વાર ઉલ્લેખ કર્યો છે.

    બાઈ એવાં તો પ્રેમાળ અને ક્ષમાશીલ હતાં, અને ધન્યતાની ભાવના તેમનામાં એટલી હદ સૂધી હતી કે કોઇ પણ વ્યક્તિ તેમના માટે કે અમારા માટે અલ્પ એવું કોઇ પણ કામ કરે અથવા સહાયતા કરે તેને અનન્ય ઉપકાર માની તેનું ત્રદણ જીવનભર ઉતારતાં રહેતાં. તેમના માટે અર્ધાં – અર્ધાં થઇ જતાં. આક્કાએ તેમની જેટલી અવહેલના કરી હતી, તેમના પ્રત્યે ફ્રરતા દર્શાવી હતી તેને સામાન્‍ય માણસ કદી માફ ન કરે. પણ આક્કાના અવસાનના સમાચાર સાંભળતાંવેત જે રીતે બાઈ એકલાં ભાવનગર સ્ટેશન પર ગયાં, અને આખી રાત લગેજના પીંજરામાં કષ્ટ ભોગવીને વિતાવ્યા બાદ મારા મોટા ભાઇઓને આધાર અને સહાનુભૂતિ આપવા અમદાવાદ આવ્યાં હતાં તેની મિસાલ જગતમાં ક્યાંય જેવા નહિ મળે.

    અમદાવાદમાં હું જબરા દબાણ હેઠળ ઊછર્યો હતો. એક અબોલ પક્ષીની જેમ ઊછરી રહ્યો હતો. મોટાંઓ આગળ હું કશું બોલી શકતો નહોતો કે ન મારાથી તેમના શબ્દની બહાર જઈ શકાતું. તેમની સૂચના મારા માટે આદેશ બની વતી. આ સમયમાં મારું ઘડતર એવી રીતે થયું કે મારા કરતાં કોઇ પણ વ્યક્તિ વય, અધિકાર કે સંબંધમાં મોટા હોય અને તેઓ મારા પ્રત્યે અન્યાયપૂર્ણ કઠોર શબ્દ વાપરે, કે ખોટી રીતે સવા કરે તો પણ હું સહન કરી લેવા લાગ્યો હતો. આ ખોડ મારા જીવનમાં લાંબા સમય સૂધી રહી હતી. મારૂં વ્યક્તિત્વ સાવ છૂંદાઇ ગયું હતું.

    મોટાભાઈના લગ્ન બાદ તેમનામાં જે અપૂર્વ પરિવર્તન આવ્યું – તેનું શ્રેય ભાભીને જાય છે. મારાં ભાભી અત્યંત સહૃદયી અને નરમ પ્રકૃતિનાં હતાં. લલિતાબાઇએ મારા મેટ્રિક સુધીનાં શિક્ષણની જવાબદારી લીધી હતી. હું દસમા ધોરણમાં હતો અને મારી પરીક્ષાને ચાર મહિના બાકી હતા ત્યારે તેમનું અવસાન થયું. દસમીની પરીક્ષા પછી મોટાભાઇ મને પાછો ભાવનગર મોકલી શક્યા હોત. તેમના પર એવો કોઈ અનુબંધ નહોતો કે મારું અગિયારમી સુધીનું શિક્ષણ તેમણે પૂરું કરવું જેઈએ. તેમણે ભાભીને આ વિષયમાં વાત કરી ત્યારે ભાભીએ તેમને આગ્રહપૂર્વક કહ્યું કે ગમે તે થાય, પણ નરેનનું શિક્ષણ પૂરું કરાવીને જ ભાવનગર મોકલીશું, મારા જીવનમાં નવો અધ્યાય લખાયો તે મોટાભાઇ તથા ભાભીની ઉદારતાને કારણે છે.

    બાઈની ૩૦મી પુણ્યતિથિ આવી રહી છે તે અરસામાં તેમણે મરાઠીમાં લખેલ આત્મકથાનું ગુજરાતીમાં ભાષાંતર પૂરું થયું. તે પ્રસિદ્ધ કરવાનો વિચાર કર્યો અને તે માટે મેં મુંબઈમાં રહેતા મારા મધુમામા સાથે વાત કરી. તેમણે કહ્યું, ‘અમારી બહેનના જીવનનાં છેલ્લાં વર્ષની માહિતી આપ્યા વગર તેમની આત્મકથા કેવી રીતે પૂરી થાય? તું ‘એપીલોગ’ (ઉપસંહાર) લખી તેમની આત્મકથા પૂરી કર.’

    બાઈના લેખન જેવી સહજ અને પ્રવાહી શૈલી મારી પાસે નથી. છતાં આવડશે તેવું લખીશ – As best as I can. બાઈના આત્મનિવેદનના છેલ્લા શબ્દોમાં મેં તેમની જે વ્યથા અનુભવી, તે મારા અંતઃકરણને વારંવાર સ્પર્શતી રહે છે. મારી આ અનુભૂતિને વાયા આપવાનો પ્રયત્ન અહીંયાં જરૂર કરીશ.

    બાઈનું હદય એટલું વિશાળ હતું કે આખા જીવનકાળ દરમિયાન તેમણે કોઈને એક શબ્દથી પણ દુઃખ પહોંચાડયું ન હતું. જીવનમાં તેમણે જે આપ્તજનો પાસેથી અપમાન, અવહેલના અને કટુ શબ્દોની વર્ષા અનુભવી હતી તેનું તેમણે ન તો વર્ણન કર્યું, કે તેમના વિશે તેમણે એક આકરો શબ્દ પોતાની આત્મકથામાં લખ્યો. જે વાતનું, જે ગ્રસંગનું તેમને અસહ્ય દુ:ખ થયું હતું તેને જ વાયા આપી. લોકો પર તેમણે કરેલા અસંખ્ય ઉપકાર વિશે તેમણે એક પણ અક્ષર નથી લખ્યો.

    સૌરાષ્ટ્ર ની ભોમકામાં એક શબ્દ છે, જેમાં સમગ્ર વિશ્વની ક્ષમા સમાઇ જાય છે: ‘હશે!’. હું પણ ‘હશે’ કહીને મારૂં કાર્ય પૂરું કરીશ. કેટલાક જૂના જખમ ખુલ્લા થશે, જે મારા જ હદય પર પડેલા છે. તે જોઇને કે વાંચીને મારા કોઈ પિયજનનું, આપ્તજન કે મિત્રનું મન દુભાશે તો તેમને એટલું જ કહીશઃ

    મારા કર કે ચરણથી થયેલ કોઇ કૃત્યથી, મારી વાણી અથવા કર્મથી, શ્રવણની ક્ષતિથી અથવા દૃષ્ટિદોષથી, મારા મનમાં ઉદ્ભવેલ વિચારના કારણે આપના પ્રત્યે કોઈ અપરાધ થયો હોય અથવા જાણતાં કે અજાણતાં મેં કોઈનું મન દુભાવ્યું હોય તો હે કરુણાના સાગર પરમાત્મા, અને મારાં પ્રિયજનો, મારા આ બધા અપરાધોની મને ક્ષમા બક્ષજો.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ફિલસુફીભર્યાં ગીતો – ૪૦ – जीना है तो हंस के जियो

    નિરંજન મહેતા

    ૧૯૯૦ની ફિલ્મ ‘થાનેદાર’નું ગીત છે

     

    जीना है तो हंस के जियो
    जीवन में एक पल भी रोना ना

    हसना ही तो है ज़िन्दगी
    रो रो के जीवन ये खोना ना

    आज यहाँ जो खो गया
    वो कल कहीं मिल जायेगा.
    पतडड़ में जो मुरझा गया
    वो फूल कल खिल जायेगा
    उम्मीद पे दुनिया चले
    मावूस जीवन में होना ना

    आंशू नहीं मोती है ये
    पलकों से वे टूटे नहीं
    कम हो कभी ना हौसला
    धीरज कभी छूटे ना
    कुशख दर्द से दिल हार के
    आंसू से दामन भिगोना ना

    https://youtu.be/fEoWaBmEjYg?list=RDfEoWaBmEjYg

    જીવનમાં તમે રડતા રહેશો તો કોઈ તમને સાથ નહિ આપે પણ તમે હસતા રહેશો તો અન્યો પણ તમારી સાથે સામેલ થશે. આવા જ પ્રકારની ફિલસુફી આ ગીતમાં દર્શાવી છે.

    તમારે જીવન સારી રીતે જીવવું હોય તો હસતા રહો. એક ક્ષણ પણ રડશો તો તમે જ દુઃખી થશો અને તમારૂ જીવન તમે જ નષ્ટ કરશો.

    તમણે લાગશે કે કશુંક તમે ગુમાવ્યું છે પણ યાદ રાખો ક્યારેકને ક્યારેક તે તમે પાછું મેળવશો. તો પછી દુઃખી થવાનો શું અર્થ છે? જેમ પાનખરમાં મુરઝાયેલ ફૂલ વસંત ઋતુ આવતા ફરી નવપલ્લવિત થાય છે તેમ.

    જીવન આશાઓ પર નિર્ભર છે. આશા છે એટલે તો આપણે જિંદગી જીવીએ છીએ. માટે નિરાશ ન થાઓ. આંખોમાંથી નીકળેલા આંસુને પાણી ન સમજો અને તેને મોતીના રૂપમાં જુઓ. ક્યારેય ધીરજ ન ગુમાવો. હસવાનું ન ભૂલશો. દર્દભરી સ્થિતિમાં પણ હિંમત હારીને આંસુ વહેવડાવીને આંસુઓથી જાતને ન ખરડાવો.

    એક જ સંદેશ, જીવનમાં હસતા રહો.

    આ ગીત બે વાર આવે છે. ઉપરના ગીતમાં દિલીપ તાહિલ પોતાના બાળકોને શીખ આપતા આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીતકાર છે બપ્પી લાહિરી. ગાયક કલાકારો અમિતકુમાર અને આશા ભોસલે.

    બીજા ગીતમાં નાની અદાકારા જીતેન્દ્રને આ જ ફિલસુફી સમજાવે છે જેમાં જયા પ્રદા પણ સાથ પુરાવે છે.

    ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીતકાર છે બપ્પી લાહિરી. ગાયક કલાકારો રીમા લાહિરી, અમિતકુમાર અને આશા ભોસલે.

    https://youtu.be/-Lz6otlemyY?list=RD-Lz6otlemyY


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • આર ડી બર્મનનાં સંગીતમાં વાદ્યવૃંદના સ્વરતંતુઓના ધ્યાનાકર્ષક ધ્વનિ પ્રયોગો

    સંકલનઃ અશોક વૈષ્ણવ

    આ શ્રેણી વિશેની સામગ્રી એકઠી કરતાં કરતાં મારા ધ્યાન પર આવ્યું કે આર ડી બર્મને તેમનાં સંગીતમાં સ્વરતંતુઓના ધ્વનિની અસરોના પણ આગવી રીતે પ્રયોગો કર્યાં છે. અનિલ બિશ્વાસથી લઈને સલીલ ચૌધરી કે શંકર જયકિશન જેવા ‘૪૦ – ‘૫૦ ના દશકોના અનેક સંગીતકારોએ કોરસના જે અવનવા પ્રયોગો કર્યા છે તે પ્રયોગો તો આર ડી બર્મને પણ કર્યા છે. પરંતુ, અહીં જે ધ્વનિ પ્રયોગોની વાત કરવી છે તે કોરસના ગાન કે વાદ્યવૃંદના પ્રયોગો કરતાં અલગ છે.

    આર ડી બર્મને પોતાના સ્વરમાં મેરા નામ હૈ શબનમ (કટી પતંગ, ૧૯૭૦)ના ઉત્તેજિત શ્વાસના કે પિયા તુ અબ તો આજા ( કારવાં, ૧૯૭૧) માં મોનિકા મોનિકા માય ડાર્લિંગ જેવા ઘેરા સ્વરનાં તાન કે મેરે જીવન સાથી (૧૯૭૨)નાં અને તે પછીનાં કેડીટ ટાઈટલ્સમાં અવાજના આરોહ અવરોહ કે અસંગીતમય લાગતા અવાજો જેવા કરેલા પ્રયોગોની પણ અહીં વાત નથી કરવી.

    જાયે રે જાયે બેલા કે આગે અમી જોડી જાનતમ જેવાં બંગાળી ગીતોમાં તેમણે કરેલ નાટકિયા કહી શકાય એવા પ્રયોગોની પણ અહીં વાત નથી કરવી.

    જોકે જો તેઓ ધારે તો કોઈ પણ ગાયક જેમ નિયમિત ગણાતી શૈલીમાં તેઓ કેવું સારૂં ગાઈ શકતા તે આ ક્લિપમાં સાંભળી શકાય છે.

    તો તેમનાં જેતે જેતે પાથો હેલી દેરી (ગીતકારઃ ગૌરીપ્રસન્ન મજુમદાર)નાં હિંદી સંસ્કરણ તેરે બિના ઝિંદગી સે કોઈ શિક઼વા નહીં (આંધી, ૧૯૭૫) માં કરેલા સ્વર, સુર કે તાલના ફેરફારોની પણ અહી વાત નથી કરવી.

    આ વાત આર ડી બર્મને ભૂત બંગલા (૧૯૬૫)માં મહેમૂદ અને સુરેશ સાથે મૈં ભૂખા હું નો જે નાટ્યાત્મક ભાગ ભજવ્યો હતો એવા પ્રયોગની પણ નથી.

     

    અહીં જે વાત કરીશું તે આર ડી બર્મન દ્વારા કરાયેલા એવા ધ્વનિ પ્રયોગોની છે જે પછીથી તેમની આગવી શૈલીની ઓળખ બની રહ્યા.

    પ્યાર કરતા જા – ભૂત બંગલા (૧૯૬૫) – મન્ના ડે , સાથી – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ આર ડી બર્મન

    અહીં પડઘાની અસર ઉભી કરવા આર ડી બર્મને ચાર પાંચ સહગાયકોને માઈક્રોફોનથી અલગ અલગ અંતરે ઊભા રાખ્યા હતા.

    ધીમે ધીમે કોઈ એક ધ્વનિ પ્રયોગને અલગ અલગ સીચ્યુએશનમાં અસરકારક રીતે રજુ કરવાની બાબતે આર ડી બર્મનને હથોટી આવતી ગઈ.

    ક્યા જાનું સજન હોતી હૈ ક્યા ગ઼મકી શામ – બહારોં કે સપને (૧૯૬૭) – લતા મંગેશકર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન

    બે ટ્રેક પર રીકોર્ડિંગ કરી અને પછી તેનું મિશ્રણ કરીને મૂળ ગીતના કાઉન્ટર મેલોડી અસર ઊભી કરીને અલૌકિક, પડઘાતી અસરનું વાતાવરણ રચ્યું છે.

    કોઈ આયા આને ભી દે – કાલા સોના ((૧૯૭૫) – આશા ભોસલે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન

    અહીં એક ટ્રેક પર આશા ભોસલેનો સ્વર હેલન માટે અને બીજા ટ્રેક પર પરવીન બાબી માટે પ્રયોજ્યો છે.

    કતરા કતરા મિલતી હૈ – ઈજ઼ાઝત (૧૯૮૭) – ગીતકારઃ ગુલઝાર – સંગીત આર ડી બર્મન

    અહીં બે ટ્રેકનાં મિશ્રણ વડે વર્તમાન અને ફ્લૅશબૅકની અસર ઊભી કરાઈ છે.

    હવે બે અલગ અલગ ટ્રેક પર રેકોર્ડિંગ કરવાને બદલે બે ગાયકોના સ્વરો એક સાથે અલગ અલગ સુરમાં રજૂ કરવાનો પ્રયોગ કર્યો છે

    જાન-એ-જાં ઢૂંઢતા ફિર રહા હું તુઝે – જવાની દિવાની (૧૯૭૨) – કિશોર કુમાર, આશા ભોસલે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન

    નાયક અને નાયિકા અલગ અલગ સ્થળોએ એકબીજાની સાથે સંવાદ કરતાં એવાં ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં ખાસો જાણીતો છે. અહીં બન્ને ગાયકોને (૦.૫૧ – ૧.૧૦, ૨.૩૯ – ૨.૪૬ વગેરે)  કાઉન્ટર મેલોડી સવ્રૂપે અલગ સુરમાં રજૂ કરવાથી નાયક અને નાયિકાની અલગ અલગ સ્થળે હાજરીને તાદૃશ કરાયેલ છે.

    આર ડી બર્મનની એક બહુ જાણીતી શૈલી બની ચુકેલ પ્રયોગ પા પા પાપા, કે તા આ રા તા આ રા જેવા બોલને પંચમ સુરમાં રણકાવ્યા કરવાની અલગ અલગ તરાહનો રાજા જાની (૧૯૭૩)નાં ટાઈટલ્સ સંગીતમાં ૨.૩૪ થી ૨.૪૭ સુધી ખાસ ધ્યાન ખેંચે છે.

    આ જ પ્રયોગનો વધારે વ્યાપક અભિનવ પ્રયોગ ફિલ્મના એક યુગલ ગીત જબ અંધેરા હોતા હૈ માં કર્યો. ૨.૫૦ થી ૩.૨૪ સુધી ‘હાર્મની’ તરીકે જાણીતી સુરાવલીમાં અને ટ્રંપેટના ઘેરા ષડજ્ સુર સાથે ૦.૦૩ /૦.૦૪ અને ૦.૦૯ /૦.૧૦ પેઠે આ પ્રયોગો સાંભળી શકાય છે.

    બડા કબૂતર (૧૯૭૩)નાં બેકગ્રાઉન્ડ ગીત દેખ સમય કા શૌખ કબૂતર ઉડતા હૈ (ભૂપિન્દર)માં  પા પા પા બોલનો ઉપયોગ ગીતની લયની ઝડપ સાથે કરવની સાથે થોડા લગ સુરમાં મુકીને કાઉન્ટર મેલોડીના સ્વરૂપે કર્યો છે.

    https://youtu.be/46hf66lbI2o?si=hxtINTNfnvrorE–

    રવાનુકારી નામ અથવા શબ્દ (ની રચના) (Onomatopoeia) એ કોઈ પણ સંગીત ધ્વનિના શબ્દ સ્વરૂપ માટે વપરાતો અંગ્રેજી શબ્દપ્રયોગ છે, જેમકે હેડકી માટે hiccup અથવા તો તમાચાના ધ્વનિ માટે સટાક,  pop up માટે પૉપ, ફેંટા ફેંટી માટે ધમ્મ, ફટાક ધડિંગ, ઝરણાનું ખળ ખળ વહેવું, ઓછાં તેલમાં ધીમા તાપે તળવા માટે સડસડવું, ઝોકું ખાવા માટે ઝ્ ઝ્ ઝ્ ઝ્ઝ્ઝ, ધણણણ ડુંગરા ડોલે વગેરે.  રવાનુકારનો બહુ પ્રચલિત પ્રયોગ પ્રાણીઓ કે પક્ષીઓના બોલ કે લોકો દ્વારા કરાતા એ હેય, ઓયવોય જેવા શબ્દોમાં પણ બહુ પ્રચલિત છે.

    ઇટાલીમાં એક દુકાનની બારીમાં એક બોર્ડ પર લખેલું છે કે આ શાંત ઘડિયાળો ઘડિયાળના અવાજની નકલ કરીને “નો ટિક ટેક ” બનાવે છે.

    Attribution: Dvortygirl, CC BY-SA 4.0 <https://creativecommons.org/licenses/by-sa/4.0&gt;, via Wikimedia Commons

    આર ડી બર્મને આવા રવાનુકાર પ્રયોગો માટે વાદ્યો અને સ્વર ધ્વનિઓના ઉપયોગ બખૂબી કર્યા છે.

    જીના ક્યા અજી પ્યાર બીના – ધન દૌલત (૧૯૮૦)

    હૈયા હુઈ ના વજન ઉંચકવાના અને ખેતરોમાં કામ કરવાના સ્વરોને ૦.૩૯ થી ૦.૪૬ દરમ્યાન ષડજ્‍ સુરમાં તાલની સંગતમાં અને ૧.૧૯થી ૧.૨૩ દરમ્યાન  કાઉન્ટર મેલોડી તરીકે પ્રયોજેલ છે.

    બાબુ એન્ટ્રી – ઍન્નૅ પિન્ટો પાસે કોગળા કરાવીને અસર ઉપજાવેલ છે – સત્તે પે સત્તા (૧૯૮૧)

    ભીની ભીની ભોર – દિલ પડોશી હૈ (૧૯૮૭)

    ૦.૩૪ થી જંતુઓ કે કુકડાના અવાજોની સાથે સ્વર મંડળના સુરો ભીની પરોઢની પ્હો ઉઘડવાનું વાતાવરણ ખડું કરે છે.

    રેશમી ઝુલ્ફેં નશીલી આંખેં – ઈંદ્રજીત (૧૯૯૧)

    ૧.૦૯ સુધી જૂદા જુદા અવાજો વડે દારૂના નશામાં મસ્ત યુવાનીઓની ધિંગામસ્તીને તાદૃશ કરવાનો પ્રયોગ કરાયો છે.

    પ્રીતમ આન મિલો  – અંગૂર (૧૯૮૧) – સપન ચક્રવર્તી – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન

    કંસારીની ચકચકાટ, કૂતરાનું ભસવું, હવામાં લહેરાતા પડદાઓનો હળવો ખળખળાટ. દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં. ઘોડાગાડીના પૈડોઓની શેરીમાં સંભળાતો અવાજ અને હવાનાં ફુંકાવાના નાદ વડે અંધારી, સુની રાતનાં વાતાવરણને વધારે રહસ્યમય કરે છે.

    આ ગીત દ્વારા આપણને આર ડી બર્મનની ગાયક તરીકે ખાસ જાણીતાં ન હોય એવાં કલાકારો પાસે અવનવા પ્રયોગો સહિતનાં ગીતો ગવડાવવાની કળાનો પરિચય મળે છે.

    આર ડી બર્મને સપન ચક્રવર્તી પાસે બીજાં ઘણાં ગીતો ગવડાવ્યાં છે, જેમાંથી મેરે સાથ ચલે ન સાયા (કિતાબ, ૧૮૭૭) અને ગોલમાલ હૈ ભાઈ ગોલમાલ હૈ (ગોલમાલ, ૧૯૭૯)તો ખાસ્સાં જાણીતાં પણ થયાં છે.

    આડવાત :

    સામાન્ય રીતે નિયમિત ગાયક તરીકે ગીત ન ગાતાં હોય એવાં કલાકારો પાસે ગીત ગવડાવવાના પ્રયોગો હિંદી ફિલ્મ સંગીતમાં સાવ નવા ન કહેવાય. જોકે આ રસપ્રદ વિષયની વાત અલગ જ લેખનો વિષય છે.

    અહીં એસ ડી બર્મને ઉપરોક્ત વિષયને બહુ જ સમાંતર કહી શકાય એવા પ્રયોગ રૂપે ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪)માં [સપન (સેનગુપ્તા) જગમોહન (બક્ષી) તરીકે જાણીતી સંગીતકારોની જોડીમાંના] જગમોહન અને આશા ભોસલે પાસે ગવડાવેલું દેખો માને નહીં રૂઠી હસીના (ગીતકારઃ સાહિર લુધીયાનવી) જરૂર યાદ આવે.

    આઓ જ઼ૂમે ગાયેં – પરાયા ધન (૧૯૭૧)

    આ ગીતમાં કિશોર કુમાર બલરાજ સાહની માટે બેકગ્રાઉન્ડમાં ગાય છે અને આશા ભોસલે પર્દા પર ગાતાં હેમા માલિની માટે પાર્શ્વસ્વર આપે છે. આમ કિશોર કુમારનો આખો ભાગ રવાનુસ્વારનો પ્રયોગ બની રહે છે.

    આ ગીતમાં આર ડી બર્મનના જાણીતા ધ્વનિ પ્રયોગો પૈકી લ લા લાલા ના બોલનો એક બીજો પ્રયોગ, પૂર્વાલાપમાં ૦.૦૯ થી ૦.૧૪, મુખડામાં ૧.૧૪ થી ૧.૨૬, મધ્યાલાપમાં ૨.૨૭થી ૨.૪૯ અને છેલ્લે ગીતના અંત ભાગ રૂપે ૩.૩૬ થી ૪.૦૨ સુધી પણ ધ્યાન ખેંચે છે.

    આ લ લ લા લા ના બોલ પણ આર ડી બર્મને જુદી જુદી રીતે પ્રયોજીને પોતાની સંગીત શૈલીની ઓળખનું એક આગવું પાસું બનાવેલ. યુ ટ્યુબ ચેનલ Adbhut Pancham Foundation  પર, આ પ્રયોગને આવરી લેતી ૮ કે નવ વિડીયો ક્લિપ્સ છે. એ બધી ક્લિપ મળીને આ પ્રયોગને લગતાં લગભગ ૮૦ થી ૯૦ ગીતો જોવા મળશે.

    અહીં તેમાંથી કેટલાંક ગીતો રજૂ કરેલ છે –

    મૈં ચલી  – પડોશન (૧૯૬૮)

    લા લા લા લા પૂર્વાલાપ તરીકે

    દુલ્હન મૈકે ચલી – મનોરંજન (૧૯૭૪)

    પોતાને પકડી જવા બદલ ‘છોકરીઓ’ લા લા લા વડે ‘પોલીસવાળા’ની મજાક ઉડાડે છે.

    હમ તુમ ઔર યે નશા – શૌકીન (૧૯૮૨)

    પિયાનોની સંગતમાં પૂર્વાલાપ તરીકે.

    આ ગીતમાં આર ડી બર્મને સપન ચક્રવર્તીનો ચિરાશ્રી ભટ્ટાચાર્ય સાથે એક નિયમિત પાર્શ્વગાયક તરીકે હિંમતવાન પ્રયોગ કર્યો છે.

    હિંદી ફિલ્મોનાં ગીતોમાં હું હું, કે હં હં, જેવા મોં વાટે ગૂંજન કરવાના પર્યોગો પણ થતા તો આવ્યા છે. પરંતુ, આર ડી બર્મને તો આ ધ્વનિપ્રયોગને પણ, પોતાની આગવી શૈલીમાં, અવનવી રીતે રીતે રજૂ કર્યા.  Adbhut Pancham Foundation પર  આ વિષયનાં ગીતોની રજૂઆત કરતી એક ક્લિપ, Hmmm R.D. Burman, છે. આ ક્લિપમાં અઠ્યાવીસ (!) જેટલાં ગીતો નોંધાયાં છે.

    એ પૈકી બે ગીતો નમુના રૂપે મુક્યાં છે –

    તુમ મેરી ઝિંદગી મેં – બોમ્બે ટુ ગોવા (૧૯૭૨)

    ૦.૨૩ થી ૦.૨૫ સુધી સંભળાતું મંદ મંદ ગુંજન ગીતના પૂર્વાલાપમાં ભળીને જાણે પરદા પરનાં પાત્રનાં મનમાં ગીતની શરૂઆત ગોઠવે છે.

    રાત બનું મૈં – મંગળસૂત્ર (૧૯૮૧)

    પતિની રાહ જોઈ રહેલી પત્નીને ગુંજનના થોડાક જ સુર પતિની હાજરીનો અહેસાસ કરાવે છે.

    આ શ્રેણીના આ ચાર લેખો વડે એટલું જરૂર સમજી શકાય છે કે આર ડી બર્મનને સંગીતની ગઈ પેઢીની કળા અને આવનારી પેઢીનાં વિજ્ઞાન વચેનો સેતુ શા માટે કહેવાયું હશે. તેમણે પરંપરાગત વાદ્યોના અને મૌખિક બોલના ધનિના જે પર્યોગો કર્યા તે પ્રયોગો જાણે આગળ જતાં ઈલેક્ટ્રોનિક વાદ્યો, રેકોર્ડિંગ તકનીકો અને વાદ્ય સજ્જા સુધીમાં પરિણમ્યાં એવું લાગે છે. આપણે તો અહીં એટલી નોંધ લઈએ કે ફિલ્મ સંગીતની એમના સમયની બદલાતી જતી તાસિર અને અતિનિપજમય સ્પર્ધા વચ્ચે પણ આર ડી બર્મને લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતની તાલિમના તેમના મૂળ સંસ્કારને પાશ્ચાત્ય સંગીતના સહારાની મદદથી અવનવા પ્રયોગો વડે જૂની, વર્તમાન, અને નવી પેઢી સુધી તેમનાં સંગીતના વારસાને ગુંજતો રાખ્યો ……….

    +                                       +                                       +

    Credits and Disclaimers:

    1. The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
    2. The photograph is taken from the internet, duly recognizing the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.
  • ઋતુના રંગ : ૬ :

    ગિજુભાઈ બધેકા

    ભાવનગર.

    તા. ૨૫ – ૨ – ૩૬

    વહાલાં બાળકો !

    હવે મારાથી એમ નહિ કહી શકાય કે અત્યારે કડકડતો શિયાળો છે. હવે વસંત અને પાનખર ભેળાં ભેળાં ડગલાં માંડવા લાગ્યાં છે. પાનખર લીમડાનાં, પીંપરનાં, બૂચનાં અને ઉમરાનાં પાંદડાં ખેરી રહી છે; વસંતે કુમળાં કુમળાં પાંદડાં લીમડા ઉપર અને ઊમરા ઉપર આણી દીધાં છે. સૂર્યના તાપમાં લીમડાની ટસરો ચળકે છે ત્યારે સુંદર લાગે છે. થોડા વખતમાં લીમડાનાં બધાંય પાન ખરી જશે, અને આખો લીમડો નવે પાન આવશે. પછી લીમડો ઉનાળાની ઊની હવામાં યે લીલી લીલી લહેરો લેશે.

    જુઓ, હવે પાકો ઉનાળો જરા દૂરદૂરથી દેખાવા લાગ્યો છે. મોગરો ઉનાળે મહેકી ઊઠશે. અત્યાર સુધી એ જાણે કે સૂતો હતો. જેમ શેળો, દેડકાં, વગેરે જનાવરો શિયાળો આખો ઊંઘે છે એમ મોગરો પણ ઊંઘતો હશે એમ લાગે છે. પાણી પાનારા પાણી પાઈ પાઈ મોગરાનો ક્યારો ભીનો ને ભીનો રાખતા; પણ આખા શિયાળામાં મોગરાએ પાંદડાં અને ડાળીઓ કાઢી જ નહિ. આ અઠવાડિયે તેણે નવાં પાન કાઢવા માંડ્યાં છે. હવે થોડા વખતમાં તે પાંદડાંથી ઢંકાશે, અને પછી પાંદડે પાંદડે કળીઓ બેસશે.

    વસંતની શરુઆત થઈ છે એટલે ઝીણી ઝીણી પાંખાળી જીવાત પણ થઈ છે; હવે પતંગિયાં પણ થશે. આ હવામાં ઊડતી જીવાત ખાવાને નાના નીલકંઠો ઠીક દેખાય છે. જરાક ઊભા રહીને જોઈએ તો તરત ખબર પડે કે નાના નીલકંઠો ઊડી ઊડીને હવામાંથી કંઈક પકડે છે.

    હવે સાપો નીકળવા માંડશે, શેળા પણ નીકળશે. અત્યાર સુધી તેઓ દરમાં ભરાઈને સૂતા હતા. શિયાળામાં સાપ, શેળાઓ અને એવાં બીજાંઓ દરમાં પેસીને નિરાંતે ઊંઘે છે. ટાઢ વાતી હશે એટલે બહાર જ ન નીકળે. હવે જરા ગરમી થવા લાગી છે એટલે શિકાર કરવા નીકળશે. ભારે ખૂબીની વાત છે કે આ જીવો શિયાળામાં ખાધાપીધા વિના કેટલો ય વખત સૂઈ રહે છે. અલબત્ત, તેઓ જરા જરા પાતળા તો પડે છે જ.

    હવે આઠદસ દહાડામાં હુતાશની આવશે. હુતાશની એટલે હોળી. હોળી તાપીને ટાઢ છેવટની જશે. મને લાગે છે કે હજી થોડીક ટાઢ પડશે. ગામડામાં તો અત્યારથી છોકરાઓ છાણાંલાકડાં શોધવા માંડ્યા હશે. પણ હમણાં હોળી વિષે વધારે નહિ લખું; એને એક વાર આવવા દ્યો.

    શિયાળુ-ઉનાળુ વિલાયતી ફૂલોમાં સોનસળીનાં ફૂલો હમણાં સરસ ઊઘડે છે. ફૂલદાનીની અને બાગની એ શોભા છે. તગરને કૂંપળો ફૂટવા લાગી છે; એકબે એકબે ફૂલો પણ આવે છે. ગુલાબ હજી એવો ને એવો લાલ ને સુગંધી ઊઘડે છે. હવે ધીમે ધીમે જૂઈ જામશે.

    મધમાખીઓ તો બારે માસ જાણે કામમાં છે. અત્યારે પણ જ્યાં ત્યાંથી ફૂલો શોધે છે, અને તેમાંથી મધ ખાય છે અને મધપૂડો પણ બનાવે છે. મધમાખીઓએ હમણાં જ એક બાલદીમાં નાનો મધપૂડો બનાવ્યો હતો.

    હવે પૂરેપૂરાં કાળાંબોજ રીંગણાં ઊલળી જશે. ગામડાનાં શાકો ઓછાં થશે અને ઉનાળે તો મળશે જ નહિ. શહેરમાં તો ઠીક છે, જે તે મળ્યા જ કરે છે.

    વારુ ત્યારે; આજે જરા ઉતાવળ છે એટલે વિશેષ હવે પછી.

    લિ. તમારા

    ગિજુભાઈના આશીર્વાદ


  • પીન્ટુ પતંગિયાના દોસ્ત

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    એક સુંદર નાનકડો બગીચો હતો. બગીચામાં જાતજાતના રંગબેરંગી ફૂલો ખીલે. લાલ અને પીળા, સફેદ અને ગુલાબી, જાંબલી અને કેસરી ફૂલોથી આખો બગીચો શોભે. રોજ સવારમાં આ ફૂલો ઉપર પોતાના સોનેરી, કૂણાં કૂણાં કિરણોનો હાથ ફેરવવા માટે સૂરજ પણ બગીચામાં આવે અને બધાં ફૂલોને હસાવી જાય. ફૂલો તો ખુશ થઈને આમતેમ ડોલે. આ સુન્દર ફૂલોને જોવા માટે, મળવા માટે, એમની સાથે વાતો કરવા માટે, રોજ સવારે ઘણાં બધા પતંગિયાં પણ બગીચામાં આવે. એ લોકો ત્યાં રમે, થોડી ઊડાઊડ કરે અને મજા કરે.

    એક દિવસ આ બગીચામાં એક નાનું, નવું પતંગિયું આવ્યું. નામ એનું પીન્ટુ. એ હજુ હમણાં જ પોતાના કોશેટામાંથી બહાર આવ્યું હતું. એણે ત્યાં ઘણા બધા પતંગિયાને રમતાં જોયા. કોઈ કોઈ પતંગિયા એકબીજા સાથે રેસ લગાવતા હતાં, કોઈ ફૂલો ઉપર ચક્કર ચક્કર ફરતાં હતાં અને કોઈ કોઈ નીચે ઘાસમાં ગુલાટિયાં ખાતા હતાં. પિન્ટુને પણ એમની સાથે રમવાનું મન થયું.

    પણ એ બધાં એની સામે કંઈ વિચિત્ર નજરે જોતાં હોય એવું એને લાગતું હતું. એને થયું કે પોતે નવું હતું અને બધા એને પહેલીવાર જોતા હતાં માટે એવું હશે. એક સુંદર પતંગિયું એક પાંદડા ઉપર બેઠું હતું. પીન્ટુ એની પાસે જઈને બેઠું અને એના તરફ પોતાની પાંખ ફફડાવી. પેલું પતંગિયું તો એના તરફ એક નજર નાખીને ત્યાંથી ઊડીને બીજે જતું રહ્યું. બીજા ઘણા પતંગિયાઓએ પણ એની સાથે એવું જ વર્તન કર્યું.

    પીન્ટુ તો બગીચામાં બધા સાથે રમવા આવ્યું હતું. એ મિત્રો બનાવવા આવ્યું હતું. પણ બધા પતંગિયાઓનું આવું વર્તન જોઇને એ તો દુઃખી દુઃખી થઇ ગયું. એને રડવું આવી ગયું. એની આંખો આંસુથી ભરાઈ ગઈ.

    એ તો એક સૂરજમુખીના ફૂલ ઉપર જઈને બેસી ગયું. પણ આંસુ તો અટકતાં જ ન હતાં. એના આંસુથી સૂરજમુખીની પાંદડીઓ પણ ભીની થઇ ગઈ. ત્યારે જ પીન્ટુની નજર એ ભીની પાંદડીઓ ઉપર પડતા પોતાના પ્રતિબિંબ ઉપર પડી અને એને તો એકદમ આઘાત લાગ્યો. એના શરીર ઉપર બીજા પતંગિયાની ઉપર હોય એવા કોઈ રંગ જ ન હતાં! એ તો સાવ ધોળું ધબડ હતું!

    હવે તો પીન્ટુનું રડવાનું એકદમ વધી ગયું. એને બીજા પતંગિયાઓના પોતાના તરફના ખરાબ વર્તનનું કારણ સમજાઈ ગયું.

    એ બધા તો કેવાં સુંદર લાગતાં હતાં! એના જેવા રંગ વિનાના પતંગિયા સાથે રમવાનું કોને ગમે? હવે તો કોઈ એની સાથે દોસ્તી નહીં કરે. બગીયો ગમે તેટલો સારો હોય પણ દોસ્તો વિના શું મજા? એકલા એકલા ફરવામાં, ઊડવામાં શું આનંદ આવે?

    પીન્ટુએ તો જોરજોરથી રડવા માંડ્યું.

    એનું આવું રડવાનું સાંભળીને સૂરજમુખીની સુસ્તી ઊડી ગઈ.

    એણે પિન્ટુને પૂછ્યું, ‘એઈ નાના પતંગિયા, તું કેમ આટલું બધું રડે છે? મેં તો ક્યારેય કોઈ પતંગિયાને રડતું નથી જોયું. બધાંને કાયમ રમતાં અને મસ્તી કરતાં જ જોયા છે. તને શું થયું?’

    પીન્ટુએ સૂરજમુખીને કહ્યું, ‘જુઓને,

    ‘હું તો ધોળું ધબડ છું.
    રંગો વગર છું,
    રમતું નથી કોઈ,
    દોસ્તો વગર છું.’

    એ સાંભળીને સૂરજમુખી તો જોરજોરથી હસવા માંડયું. એ એટલા જોરથી હસ્યું કે એની બધી પાંદડીઓ પહોળી થઇ ગઈ અને પીન્ટુ એની વચ્ચેના ખાડામાં પડી ગયું. એને લાગ્યું કે હવે તો આ ફૂલ પણ એની મશ્કરી કરે છે. એ વધારે ઉદાસ થઇ ગયું.

    પણ ત્યાં તો સૂરજમુખી બોલ્યું. ‘રંગ નથી એમાં રડવાનું શું? અહીં અમારી પાસે આટલા બધા રંગ છે. તને આપીશું. જો, તું જે ખાડામાં છે ત્યાં ઘણો બધો પીળો રંગ ભરેલો છે. તું એમાંથી થોડો તારી પાંખો ઉપર લગાવી દે. પછી વારાફરતી બધા ફૂલો પાસે જજે. બધા તને પોતાનો રંગ આપશે.’

    પીન્ટુ આ સાંભળીને ખુશ તો થયું. પણ એણે પૂછ્યું, ‘મને રંગ આપશો તો તમારો રંગ ખલાસ નહીં થઇ જાય?*

    સૂરજમુખી કહે, ‘ના ભાઈ ના. જેને જરૂર હોય એને પોતાની પાસેથી થોડું આપીએ તો આપડું ઓછું થોડું થઇ જાય? અને થોડું ઓછું થાય તો પણ શું? અમે તો સાંજ પડે કરમાઈ જઈશું. કાલે બીજા નવા ફૂલ નવા રંગો લઈને આવી જશે.’

    પીન્ટુ તો ઘણું રાજી થયું. એણે સૂરજમુખીના પીળા રંગથી પોતાની પાંખો પીળી કરી. લાલ ગુલાબે એની પાંખોની કિનારી લાલ રંગથી રંગી આપી. જાંબલી ફૂલોએ એના શરીર ઉપર જાંબલી રંગના છાંટણા કર્યા. સૂરજના કિરણોએ એની પાંખો ઉપર પોતાની આંગળીઓ ફેરવી અને એ પાંખો ચમકવા માંડી. પછી પીન્ટુ તો કેળ પાસે ગયું અને એના મોટા પાન ઉપર હજુ ટકી રહેલા ઝાકળના નાના ખાબોચિયામાં પોતાનું પ્રતિબિંબ જોયું. એના આનંદનો તો પાર ન રહ્યો. એ તો એકદમ સુંદર સુંદર બની ગયું હતું. એ વારાફરતી બધા ફૂલ પાસે ગયું અને બધાને ચૂમીને એમને વ્હાલ કર્યું. બધા ફૂલ પણ એને ખુશ જોઇને પાંદડીઓ ખોલીને હસવા અને ડોલવા માંડ્યા.

    પોતાના દોસ્ત ફૂલોનું આવું સરસ વર્તન જોઇને પતંગિયાઓને પણ પોતાની ભૂલ સમજાઈ. એમણે પણ આ નવા, નાના પતંગિયાને વ્હાલ કર્યું અને એને દોસ્ત બનાવી લીધું. પીન્ટુ બધાની સાથે ખૂબ રમ્યું. એણે પણ એમની સાથે ઊડવાની, ચક્કર ચક્કર ફરવાની રેસ લગાવી અને ઘાસમાં આળોટવાની મજા પણ લીધી.
    હવે એ રોજ સવારે બગીચામાં રમવા માટે જાય છે.

    પણ ફૂલોએ એને માટે શું કર્યું એ એણે બરાબર યાદ રાખ્યું છે. એ જઈને સહુથી પહેલા પોતાના પાકા દોસ્ત ફૂલોને મળે છે. એમને વ્હાલ કરે છે. એમના કાનમાં વાતો કરે છે અને પછી જ રમવા માટે જાય છે.

  • સંભારણું – ૯ – નવરાત્રી

    શૈલા મુન્શા

    હમણાં જ નવરાત્રીના તહેવારની સમાપ્તિ થઈ. હવે તો નવરાત્રી એક સર્વમાન્ય તહેવાર થઈ ગયો છે. દેશ વિદેશના યુવક યુવતીઓ ગરબાના તાલે  નૃત્ય કરે છે, હા એને નૃત્ય જ કહેવાય કારણ પારંપરિક ગરબાંની રમઝટ ભૂલાઈ રહી છે. નવ દિવસના નવલાં વસ્ત્રો, ચણિયા ચોળી, પુરુષો માટે ચોરણું, કેડિયું એમાં જ નવરાત્રીનો તહેવાર રહી ગયો છે. ભારત કરતાં પણ જાણે વિદેશોમાં આ તહેવાર વધુ ધામધૂમથી ઊજવાતો હોય એવું લાગે છે. મહિનાઓ પહેલાં મોટા મોટા જાણીતા ગાયકોને લાખો ડોલર આપી આવવા માટે આમંત્રણ અપાઈ જાય. મોટા સ્ટેડિયમમાં ઉજવણીની તૈયારી થવા માંડે અને માતાના ગરબાં પણ ફિલ્મી ગીતોના ઢાળમાં ગવાય. હજારો નવજુવાનો ભાતીગળ પોશાકો પહેરી ગરબે ઘૂમે, એમાં દરેક પોતાની ટોળી બનાવી પોતાના નવા નવા સ્ટેપ્સ રચી પોતાની મસ્તીમાં ઘૂમતાં હોય અને સ્ટેજ પરથી આમંત્રિત ગાયક પોતાના સૂર રેલાવતાં હોય.

    કોરોના કાળમાં તો આખું જગત જાણે પોતાના ઘરમાં કેદ થઈ ગયું હતું, પણ જ્યારે આ માહામારીને ડામવા વેક્સીન શોધાઈ એના પરિણામે લોકો થોડા ભયમુક્ત થયાં અને કેદમાંથી મુક્ત થયેલા લોકો બમણા ઉત્સાહે બધા ઉત્સવની જાહેર ઉજવણીમાં જાણે દુકાળમાંથી મુક્ત થયાં હોય તેમ રસ્તાં પર ઉતરી પડ્યાં, પછી ગણપતિનો તહેવાર હોય કે નવરાત્રી કે દુર્ગા પૂજા.

    ભારત જેમ ભાતીગળ પ્રજાનો દેશ છે તેમ દરેક કોમના પોતાના તહેવારો પણ હોય છે.

    ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રીની ઉજવણી કરતો એક વીડિયો મારી ખાસ બહેનપણીએ અમદાવાદથી મોકલ્યો અને મારું મન મારા બાળપણને ઓવારે પહોંચી ગયું.  મારી બહેનપણીનાં બિલ્ડીંગના આંગણમાં ગરબે ઘૂમતા નરનારીનો એ વીડિયો હતો, અને વચ્ચે માતાજીની છબી સાથે કાણાવાળી માટલીમાં અખંડ દીવો ઝળહળતો હતો. ફકત હું જ નહિ અમારું આખું સખીવૃંદ તરત પોતાના સ્મરણો તાજા કરી રહ્યાં.

    નવરાત્રી એટલે માતાજીની ભક્તિ આરાધના. ગરબો શબ્દ એ ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો છે. માતાજીની પૂજા વિધિમાં ઘટ એટલે કે કાણાવાળી માટલીને સરસ રંગી એમાં દીપની સ્થાપના કરવામાં આવે. અખંડ જ્યોત ઝળહળતી રહે એનું ધ્યાન રાખવામાં આવે, સવાર સાંજ માતાજીની આરતી થાય. ગામડામાં રહેતાં લોકો ગામના ચોરે માતાજીની ગરબીની સ્થાપના કરે અને સાંજ પડે સહુ નિત્યક્રમ પરવારી ગામના ચોરે ગરબાં રમવા ભેગા થાય. વારાફરતી સહુના ઘરેથી પ્રસાદ આવે અને પાંચ ગરબાં માતાજીના ગવાય પછી રાસની રમઝટ જામે. નાનકડી કન્યાઓ સરસ ચણિયા ચોળી પહેરી માથે માતાજીની ગરબી મુકી ઘેર ઘેર ફરે અને સહુ રાજીખુશી પાવલી, આઠ આના દક્ષિણા આપે. લોકો નવ દિવસના ઉપવાસ કરે, કોઈ ફક્ત ફળાહાર પર હોય, કોઈ એકવાર ફરાળ કરે, કોઈ નકોરડાં ઉપવાસ કરે. નવમે દિવસે નૈવેધ ધરાવે અને દશેરાએ ફાફડાં જલેબીનું સેવન કરે.

    શહેરોમાં પણ દરેક સોસાયટીના આંગણમાં આવી જ નવરાત્રી ઉજવાય.

    મને યાદ છે અમે સહુ બહેનપણીઓ એકબીજાની સોસાયટીમાં ગરબા રમવા જઈએ અને વળતાં ખોબોભરી પ્રસાદ લેતાં આવીએ. નાના બાળકો તો મધમાખીની જેમ પ્રસાદની થાળીની આસપાસ જ મંડરાતાં હોય. દરરોજ કોઈને ત્યાંથી માતાજીની બાધા લીધી હોય તેની માનતા પુરી કરવાં લ્હાણી થતી હોય અને સ્ટીલની વાડકી, નાની થાળી, પ્લાસ્ટિકના ડબ્બા એવી તો કેટલીય વસ્તુ ઘરમાં આવે.

    એક વીડિયોએ કેટલીય સ્મૃતિ જાગૃત કરી દીધી…

    આજે પણ તહેવારો તો ઉજવાય છે અને તહેવારોના નામે ડોનેશન પણ ઉઘરાવાય છે. માતાજીની મૂર્તિ કે ગણપતિના તહેવારમાં કોઈ ચોકલેટની મૂર્તિ બનાવે, કે કેળાની મૂર્તિ બનાવે, કે સોનાની ત્યારે વિચાર આવે કે પૈસાની આમ બરબાદી કરતાં કોઈ જરુરતમંદને મદદ કરવામાં એ પૈસો વપરાય તો સહુ દેવી દેવતાં વધુ પ્રસન્ન થાય.

    મન પણ ખરેખર અજીબ યાદોનો ભંડાર છે, જગત અત્યારે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, કેટલીય શોધ થઈ રહી છે, માણસ ચંદ્ર પર તો પહોંચી ગયો અને હવે લાખો ડોલર ખર્ચી પ્રવાસીઓને ઓર્બીટની સહેલ કરાવવાનું પણ બુકીંગ થઈ રહ્યું છે ત્યારે પણ જ્યારે મનના ખજાનામાંથી આવા યાદના સંભારણા જાગે છે અને એક નાનકડી ઘટના ક્યાંય તળિયે છુપાયેલી યાદ પળમાં જાગૃત કરી દે છે ત્યારે થાય છે કે એને માપવાનુ કોઈ યંત્ર શોધાયું જ નથી.

    આવા સંભારણાથી જ તો ડાયરીનાં પાના સમૃધ્ધ છે….


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • આવતી કાલની ઝાંખી !

    હરેશ ધોળકિયા

    યુવલ નોવા હરારી વર્તમાન જગતના એક સુપ્રસિદ્ધ ઇતિહાસકાર છે. તે ઇતિહાસનું જે અર્થઘટન કરે છે, તે આપણને ચોંકાવી દે છે. તેમણે આજ સુધીના ઇતિહાસનું અર્થઘટન કરતું પુસ્તક લખ્યું છે. નામ છે “ સેપીયંન્સ.” તેમાં  માનવજાતનો વીસ લાખ વર્ષનો ઈતિહાસ નોંધ્યો છે. પુસ્તક ઇતિહાસનું હોવા છતાં એક થ્રીલર નવલકથા જેવું પુસ્તક છે. એક પાનું પણ ન છોડી શકાય તેવું. વારંવાર વાંચવા જેવું. માનવજાતને સમજવા પ્રયત્ન કરનાર દરેકે વાંચવા જેવું પુસ્તક.

    હરારી અહીંથી ન અટક્યા. આ પુસ્તક પછી તેમણે બીજું પુસ્તક લખ્યું “ હોમો ડીયસ.” પહેલું પુસ્તક ભૂતકાળનું હતું, આ પુસ્તક આવતી કાલનું છે. પુસ્તકનું પેટા શીર્ષક છે “ આવતી કાલનો સંક્ષિપ્ત ઈતિહાસ.” એ પણ એવું જ રોમાંચક છે. એક એક મુદો લઇ તે એટલી તો સરળતાથી ને છતાં ખૂબ ઊંડાણથી સમજાવે છે કે વાંચ્યા જ કરીએ. તેમાં નાના નાના મુદાઓ જાણવા જેવા છે.

    શરૂઆતમાં તે લખે છે કે હજારો વર્ષોથી ત્રણ સમસ્યાઓ માનવજાતને હેરાન કરી રહી છે : દુકાળ, પ્લેગ અને યુદ્ધ. પણ ત્રીજી સહસત્રાબ્દી શરુ થતા જ માણસે તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન
    શરુ કર્યો છે. આ સમસ્યાઓ હજી દૂર નથી થઈ, પણ તેને દૂર કરી શકાય તેમ છે એ માન્યતા તો શરૂ થઇ જ ગઈ છે. તે દૂર કરવા માટે ભગવાનની જરૂર નથી એમ માનવાની પણ શરૂઆત થઇ ગઈ છે.
    આના કારણોમાં કોઈ માનવીય ગરબડ છે એમ માની તે જાણવા હવે તપાસ પંચ સ્થપાય છે. હરારી લખે છે કે ગઈ કાલે જે સમસ્યાઓ હતી તેના બદલે આજે બીજી જ સમસ્યાઓ છે.
    આ બાબતનાં તેના વિધાનો આપણને વિચાર કરતા કરી દે છે.

    તે લખે છે કે ઇતિહાસમાં પહેલી વાર ભૂખ્યા રહેવાને બદલે વધારે ખાઈને લોકો મરે છે.
    ચેપી રોગોને બદલે લોકો વૃદ્ધાવસ્થાના કારણે વધારે મરે છે.

    સૈનિકો, ત્રાસવાદીઓ અને અપરાધીઓના હાથે ન મરે તેના કરતા વધુ લોકો આત્મહત્યા કરી મરે છે.

    તે કહે છે કે હજારો વર્ષો સુધી કલ્પનાતીત લોકો દુકાળમાં મરી જતા હતા. ભારતમાં દુકાળ આવતો ત્યારે પાંચથી દસ ટકા લોકો તેમાં હોમાઈ જતા. પણ છેલ્લા સો વર્ષ દરમ્યાન ટેકનોલોજીકલ, આર્થિક અને રાજકીય વિકાસના કારણે સુરક્ષાનું મજબૂત કવચ ઘડાયું છે. તેના કારણે ગરીબીની લાઈન નાની થઇ ગઈ છે. પૃથ્વી પર હવે કુદરતી દુકાળ નથી રહ્યા. માત્ર રાજકીય દુકાળ રહ્યા છે. સીરીયા, સુદાન કે સોમાલિયામાં લોકો જો ભૂખે મરતા હોય તો તે એટલા માટે કે ત્યાના રાજકારણીઓ એમને એ રીતે મરવા દે છે. ભલે આજે પણ સેંકડો લોકો રોજ ભૂખ્યા સુવે છે, પણ મોટા ભાગના દેશોમાં બહુ ઓછા લોકો ભૂખે મરે છે.

    પછી ધડાકો કરતા લખે છે કે હકીકતે આજે મોટા ભાગના દેશોમાં અતિશય આહાર કરવો એ દુકાળની તુલનામાં ઘણી વિકટ સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં ૨૦૧૪મા ૮૫૦ મિલિયન કુપોષિત લોકોની તુલનામાં ૨.૧ મિલિયન લોકો વધારે વજનવાળા હતા. અનુમાન છે કે ૨૦૩૦માં અડધી માનવજાત ઓવરવેઇટથી પીડાતી હશે. ૨૦૧૦મા દુકાળ અને કુપોષણના કારણે દસ લાખ લોકોના મોત થયા હતા, જયારે મેદસ્વીપણાથી ત્રીસ લાખ લોકોના મોત થયા હતા.

    દુકાળ પછી માનવજાતનો મોટો દુશ્મન રોગ હતો. ચૌદમી સદીમાં રોગોના કારણે ફ્રાન્સમાં એક લાખ લોકો મર્યા હતા. પણ છેલા થોડા સમયથી રોગચાળામાં નાટકીય રીતે ઘટાડો આવ્યો છે. આજે બાળમૃત્યુનો દર ખૂબ જ ઘટ્યો છે. સામાન્‍ય દેશોમાં તેનો રેશીયો પાંચ ટકા છે, પણ વિકસિત દેશોમાં તો એક જ ટકો છે. ૧૯૬૭મા શીતળાને કારણે ૧.૫ કરોડ લોકો માર્યા ગયા હતા, પણ
    ૨૦૧૪મા એક પણ વ્યક્તિને શીતળાનો ચેપ લાગ્યો ન હતો ? ને ન તો કોઈનું મૃત્યુ થયું હતું. આજે તો શીતળાનું રસીકરણ પણ બંધ થઇ ગયું છે. આજે ડોકટરો અને જંતુઓની દોડમાં ડોકટરો
    તેજીથી દોડે છે. વિજ્ઞાનીઓ અગાઉની કોઈ પણ સારવાર કરતા બુનિયાદીરૂપે અલગ રીતે કામ કરે તેવી નવી ક્રાંતિકારી સારવારો અને પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે. હવે તો નેનો રોબોટ્સ આવી રહ્યા છે જેઓ લોહીમાં જઈ, પરિભ્રમણ કરી ને બીમારીઓ શોધી કાઢે છે અને જંતુઓ અને કેન્સરના કોષોને ખતમ કરે છે.

    કુદરતી આફતો તો માનવ સામે હારી રહી છે, પણ તકલીફ એ છે કે માણસ પોતે જ જોખમી બની રહ્યો છે. જે સાધનો ડોકટરોને ઝડપથી બીમારીઓને ઓળખવામાં અને તેની સારવાર કરવામાં સક્ષમ બનાવે છે, તે જ સાધનો સૈન્યો અને ત્રાસવાદીઓને પણ વધારે ભયાનક બીમારીઓ અને વિનાશક જર્મ્સ પેદા કરવા સક્ષમ બનાવે છે.

    ત્રીજો દુશ્મન છે યુદ્ધ. હજારો વર્ષોથી દુનિયામાં યુદ્ધોનો જંગલનો કાનૂન હતો. ક્યારે કોઈ કોના સાથે યુદ્ધ કરશે તેની કોઈને ખબર ન હતી. ભૂતકાળમાં વિકાસનું આયોજન થતું ત્યારે તેમાં યુદ્ધની સંભાવનાનો પણ ઉમેરો કરતા. વીસમી સદીમાં આ કાનૂન ખતમ તો નથી થયો, પણ તેને તોડી નાખવામાં આવ્યો છે. મોટા ભાગમાં યુદ્ધો વિરલ ઘટના બનવા લાગ્યા છે. કૃષિ પ્રધાન સંસ્કૃતિમાં પંદર ટકા લોકો યુદ્ધમાં મરતા હતા, પણ આજે પાંચેક ટકા મરે છે. એકવીસમી સદી શરૂઆતમાં તો કેવળ એક જ ટકો મર્યા હતા. ૨૦૧૨મા વિશ્વમાં પાંચ કરોડ સાઠ લાખ લોકોના અવસાન થયાં હતાં. તેમાં છ લાખ વીસ હજાર લોકો માનવીય હિંસાના ભોગ બન્યા હતા. ( યુદ્ધમાં એક લાખ વીસ હજાર અને અપરાધમાં પાંચ લાખ.) તેનાથી ઉલટું, આઠ લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને પંદર લાખ લોકો ડાયાબિટીસમાં મર્યા હતા. લેખક કટાક્ષ કરતા લખે છે કે આજે ગન પાઉડર કરતા ખાંડ વધારે જોખમી છે.

    આના સાથે સમાંતર આતંકવાદની પણ સમસ્યા છે. પણ લેખક કહે છે કે આતંકવાદ એ ચિંતાનો મુદો નથી. તે કહે છે કે આતંકવાદ એવા કમજોર લોકોની વ્યૂહરચના છે જેમની પાસે અસલી સત્તા નથી. એટલે તેમનામાં સૈન્યને હરાવવાની, દેશા સતા મેળવવાની કે શહેરોને તબાહ કરવાની તાકાત હોતી નથી. પણ આતંકવાદ કરતા જોખમી બાબતો બીજી છે. ૨૦૧૦મા વિશ્વમાં મેદસ્વીતા અને સંબંધિત બીમારીઓમાં ત્રીસ લાખ લોકો મરી ગયા હતા જયારે આતંકવાદીઓએ કેવળ ૭૬૯૭ લોકોની હત્યા કરી હતી. સામાન્‍ય યુરોપિયન અને અમેરિકન પર અલકાયદા કરતા કોકોકોલાનો ઘાતકી ખતરો વધારે છે.

    લેખક કહે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં આતંકવાદીઓ કરતા તેમની વિરુદ્ધનું વધારે પડતું રીએક્શન આપણી સલામતી માટે વધારે જોખમી સાબિત થાય છે. આતંકવાદીઓ આપણને જરૂર ઉશ્કેરે છે, પણ અંતે તો આપણા રીએક્શન પર જ બધો આધાર હોય છે.

    લેખક કહે છે કે એ પણ વિચારવાનું છે કે ઈતિહાસ શૂન્યાવકાશ ચલાવી લેતો નથી. દુકાળ, રોગ અને યુદ્ધની ઘટનાઓ જો દૂર થઇ રહી છે તો માનવના એજન્ડામાં બીજું કેંક ગોઠવાઈ જશે. એનો પણ સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે.

    એકવીસમી સદીમાં મનુષ્યની ડાયરીમાં દુકાળ, રોગ અને યુદ્ધ બદલે કઈ બાબતો મોખરે હશે ? તે કહે છે કે જે અસાધારણ આર્થિક વિકાસના કારણે આ બધાને કાબૂમાં લઇ આવ્યા છીએ, તે જ વિકાસ પૃથ્વી પર પર્યાવરણીય સમતુલા બગાડી રહ્યો છે. પ્રદુષણ, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સમસ્યાઓ વધી રહી છે. આ બાબતે કોઈ જ ગંભીર પ્રયાસો નથી થતા. વિકાસ અને પર્યાવરણ વચ્ચે પસંદગીનો સવાલ ઊભો થાય છે, ત્યારે વડાઓ વિકાસને જ પ્રથમ પસંદગી આપે છે. એટલે આ પાયમાલી ટાળવી હશે તો તેનાથી આગળ જઈ કામ કરવું પડશે.

    પુસ્તકનો આ માત્ર પથમ પ્રકરણનો જ સાર છે. શરૂઆત જ રસપ્રદ છે. આગળ વાંચીએ તો વધારેને વધારે તલ્લીન થતા જઈએ છીએ. ક્યારેક તે પણ જોશું.


    ( કચ્છમિત્ર : તા : ૫-૧૦-૨૫ : રવિવાર)
    ૦૦૦૦૦

    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. કમલેશ લુલ્લા – વિજ્ઞાન અને કલાની યાત્રા [૪]

    આ પહેલાં આપણે ડૉ. કમલેશ લુલ્લાની નાસાના અનુભવો અને યાદોની જીવન યાત્રાથી અવગત થયાં.
    આહે હવે અંતમાં તેમની સિદ્ધિઓ વિશે જાણીએ ……..

    સિદ્ધિઓ

    -‘Houston Federal scientist તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષોમાં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક સંશોધન માટે એકસોથી વધુ મેડલ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે.  તેમાંના કેટલાક અહીં નોંધું છું.

    -Three ‘NASA Exceptional Achievement medals’ for science, innovation and technology.

    – Luckas Memorial Award.

    – The Remote Sensing Medal from the American Association of Geographers.

    -Asian Space Award- ‘The Astronaut Ellison Onizuka Award ‘.

    -૨૦૧૫માં ભારતના પ્રમુખ શ્રી પ્રણવ મુખરજીએ NRI Presidential Award (પ્રવાસી ભારતીય સન્માન ચંદ્રક)  અને પુરસ્કાર દ્વારા બહુમાન  કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સ્પેઇસ સાયન્સ અને ટેક્નૉલૉજીમાં ઝળહળતી સિદ્ધિઓ માટે મળ્યો હતો.

    આ સન્માન માઇક્રોસોફ્ટના વડા સત્ય નડેલા સાથે શેર કર્યું હતું. એ વિશે વિગતવાર માહિતી આપવી ગમશે. કારણ કે તે સૌને માટે ખૂબ ગૌરવવંતી બની હતી.  ડો. અબ્દુલ કલામ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમા મારા વૈજ્ઞાનિક તરીકેના યોગદાનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ યોગદાનની કદર રૂપે અને અમેરિકા અને વિશ્વમાં પણ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે NRI તરીકે ભારતનુ નામ રોશન કરવા બદલ ભારત સરકારે ૨૦૧૫માં પ્રવાસી ભારતીય દિવસના ત્રિદિવસીય સંમેલનનું આયોજન કર્યું હતું. આ સમારંભનુ આયોજન, ખાસ ગાંધીજીના ૧૯૧૫મા આફ્રિકાથી ભારત પાછા ફર્યાને ૧૦૦ વર્ષ થયા એની યાદમા ગુજરાત ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને દુનિયાભરમાંથી મહાન નેતાઓ તથા ૫૦૦૦ થી વધુ NRI મહેમાનો આ પ્રસંગની શોભા વધારવા આવ્યા હતા. ૯ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ આ સમારંભ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના ચીફ મીનીસ્ટર શ્રીમતી આનંદીબેનની હાજરીમા યોજાયો હતો. તે સમયે મને આ “Most Prestigious NRI Pravasi Bharatiya Award and Medal” એનાયત કર્યો હતો.. આ એવોર્ડ પદ્મવિભુષણની હરોળમા મૂકી શકાય એટલી ઉચ્ચ કક્ષાનો છે. અને તે ભારતના  Vice President ના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.

    આ વિશેનું ગૌરવ અમેરિકા અને કેનેડામા વસતા દરેક ભારતીયને પણ થયું હતું. તેના પ્રતિક રૂપે હ્યુસ્ટનના કાઉન્સલેટ જનરલે ખાસ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. પછી જ્યારે આ એવોર્ડ લઈ ભારતથી અમેરિકા આવ્યો ત્યારે યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના ચાન્સેલર ડો. રેનુ ખતોર  પ્રેમથી અભિવાદન કરવા ખાસ એરપોર્ટ પહોંચી ગયા હતા.

    હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાએ પણ એ અંગે બહુમાન કર્યું હતું. સાહિત્ય સરિતાની એ બેઠકમાં ‘NRI પ્રવાસી ભારતીય’ તરીકેના એવોર્ડ વિશે વાત કરતા મને ખાસ એ જણાવવું ગમ્યું હતું કે, મને જે મેડલ ભારતના ઉપરાષ્ટ્રપતિના હાથે પહેરાવવામાં આવ્યો છે તે આજે હું અહીં મારા  સાહિત્યના પરિવાર વચ્ચે, દેવિકાબહેન ધ્રુવના હસ્તે પહેરવા ઈચ્છું છુ. મને એ પહેરતાં વિશેષ ગૌરવની લાગણી થશે. મને ખૂબ રાજીપો છે કે તે દિવસે સાહિત્યપ્રેમી અન્ય સૌ સભ્યોએ પોતે પણ  ગૌરવ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી…

    ૨૦૨૧ના જુલાઈ મહિનાની ૪થી તારીખે ન્યૂયૉર્કના કાર્નેગી ફાઉન્ડેશને “Great Immigrant, Great American,” national honor award” એવોર્ડ સાથે સન્માન કર્યું. ન્યુયોર્કનું કાર્નેગી ફાઉન્ડેશન એ દેશનું સૌથી જૂનું ગ્રાન્ટમેકિંગ ફાઉન્ડેશન છે, જેની સ્થાપના ૧૯૧૧માં સ્કોટિશ ઈમિગ્રન્ટ એન્ડ્રુ કાર્નેગી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા અમેરિકન જીવનમાં ઈમિગ્રન્ટ્સના વ્યાપક યોગદાનની ઉજવણી કરે છે. તે રીતે NASAમાં ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરનાર વૈજ્ઞાનિક તરીકે મારા યોગદાનને Prestigious Award દ્વારા નવાજ્યું હતું.

    ઓહાયો યુનિવર્સિટીના પ્રમુખે “genuine people-to-people ambassador for the United States” તરીકે ઓળખાણ આપી અને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં યુવાપ્રતિભા વિકસાવવા માટે કેટલું કામ કર્યું છે તેના માટે  સવિશેષ નોંધ લેવામાં આવી છે.

    જણાવતા આનંદ થાય છે કે, અત્યાર સુધીમા ૨૦૦ થી વધારે Research Publication અને ૮ પુસ્તકોનુ સંપાદન કર્યું છે અને છેલ્લું પુસ્તક “Wings on Orbit” જેમાં NASA ની છેલ્લા ત્રીસ વર્ષની Space Shuttle History નો નીચોડ છે તે ૨૦૧૧માં પ્રસિધ્ધ થયું છે. એ પુસ્તકને એક અમૂલ્ય ખજાના રૂપે વ્હાઈટ હાઉસની લાઈબ્રેરીમા મુકવામા આવ્યું છે એટલું જ નહિ, આ પુસ્તકની નકલ ભારતના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો અબ્દુલ કલામને તેમની ટેક્ષ્સાસની મુલાકાત દરમ્યાન ૨૦૧૧માં ભેટ રૂપે આપવામા આવ્યું હતુ.

    આ તબક્કે  યાદ આવે છે કે, જેમને  ગુરૂ સમાન ગણ્યા એ ભારતના વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈને રૂબરૂ મળી ના શકાયું પણ તેમની પ્રેરણા વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધવામા માર્ગદર્શક બની.. નાસામા જોડાયા બાદ ૨૨ વર્ષ સ્પેશ શટલ પર કામ કર્યુ અને શટલ રડાર નુ development કરવામાં સાત વર્ષ લાગ્યા. “Most accurate maping of Earth’. મારે મન NASA એટલે New Knowledge. NASA studies on space and develop Robonaut and Astronaut work together. Men and machine work together. પુસ્તક “Wings on Orbit” ની પ્રસ્તાવના John Young ( The man who walks on the moon) and Robert Cripper ( The first Space Shuttle Commander) જેવા મહાનુભાવોએ લખી છે.

    સંદેશ

    મને ભારત અને અમેરિકા બંને ભૂમિ પર ગર્વ છે. મને મારા ભારતીય મૂળ પર ગર્વ છે અને મને મારી અમેરિકન નાગરિકતા પર પણ ગૌરવ છે. હું જે સંસ્કૃતિમાં ઉછર્યો તે એ હતું કે આપણે સખત મહેનત કરવી જોઈએ. વધુ મહત્ત્વની વાત એ છે કે, સખત મહેનત કરવા ઉપરાંત, હંમેશા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણી પાસે કેટલાંક લક્ષ્યો અને ઉદ્દેશ્યો છે, જે તમે પૂરા કરવા માગો છો તે ફક્ત તમારા અને તમારા પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પણ સારા છે,

    યુવાન વર્ગને માટે મને ખૂબ મોટી આશાઓ છે કે, ગુજરાતની યુવા પેઢી માથે ગુજરાતનાં ઘડતરની જવાબદારી છે. ગુજરાતી યુવકમાં કોઈ કમી નથી! વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તાકાત આપણે બતાવીએ છીએ એ ગર્વની વાત છે પણ જ્ઞાન, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પણ આગળ આવવાની હાકલ છે. આજકાલની વૈશ્વિક જ્ઞાન વસાહતમાં, જ્ઞાન, વિજ્ઞાન વિના આર્થિક પ્રગતિ ટકી શકે તેમ નથી. ગુજરાતી યુવક કેવળ ધંધા વ્યાપારમાં જ આગળ આવી શકે તે ચીલાચાલુ માન્યતા નકામી છે. વૈશ્વિક ગુજરાતી વસાહતે એ સિદ્ધ કર્યું છે કે ગુજરાતી યુવાન ધારે તે મેળવી શકે છે. મને ગુજરાતી યુવાપેઢી પર સંપૂર્ણ ભરોસો છે કે તેઓ તેમની જવાબદારી સક્ષમ રીતે બજાવશે..

    ગુર્જર ભૂમિનો મહિમા તો ખૂબ જ પ્રાચીન છે. ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું ચમકતું ચિહ્ન બનવા તરફ વધી રહ્યું છે ત્યારે તે ભારતને જ નહીં સમગ્ર વિશ્વને તે દિશામાં દોરશે… મને જરાય શંકા નથી કે ગુજરાતની ગાથા સ્વર્ણ અક્ષરે જ લખાશે! “

    હું ગુજરાતમાં જન્મ્યો એટલે હું કહી શકુંઃ

    તારો બની ગગનમાં તરતો રહીશ હું!
    ભોમથી બ્રહ્માંડમાં વિસ્તરતો રહીશ હું! “


    સમાપ્ત


    હવે પછી સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવની ચાર દાયકા જૂની અને એથી પણ જૂની મનગમતી  મહેકની મજા માણીશું.
  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧૮

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    દૂઝણી ગાયની લાત

    પરેશ ૨. વૈદ્ય

    ગવદ્‍ગીતામાં અર્જુન કૃષ્ણને એમનું ખરું રૂપ દેખાડવાની વિનંતી કરે છે ત્યારે યોગેશ્વર તેને બે રૂપો બતાવે છે. એક રૂપ મોહક છે; તેનાથી દેવો ખુશ છે અને અર્જુન પણ પ્રભાવિત છે. પરંતુ એમનું બીજું રૂપ ભયજનક નીકળે છે. તેમનાં વિકરાળ મુખમાંથી જ્વાળાઓ નીકળે છે અને માનવો તેમાં હોમાતા જાય છે ને મરતા જાય છે. (અધ્યાય-૧૧મો). આપણું ચોમાસું પણ આવું જ વિશ્વરૂપ છે. તેનાં મોહક રૂપ ઉપર તો આપણે હમેશાં ફીદા છીએ પરંતુ ક્યારેક એ રૌદ્ર સ્વરૂપ પણ બતાવે છે.

    પહેલાં આનંદદાયક પાસું લઈએ.

    તેના વિષે તો ઘણું લખાયું છે અને ગવાયું પણ છે. તેમાં માત્ર વરસાદનાં સૌંદર્યની જ વાત છે તેમ નથી. ચોમાસાની રસપ્રદ સામાજિક અસર પણ છે. આપણા પૂર્વજોની જીંદગી માત્ર ખેતી પર ટકી હોવાથી એક વરસ રાહ જોવડાવતું ચોમાસું તેમને બહુ જ પ્રિય હતું. ત્રણ-ચાર મહિના સુધી ચાલતું હોવાથી એ આપણી સંસ્કૃતિ જ બની ગયું હતું. આ ઉત્સવપ્રિય દેશે મોટાભાગના તહેવારોને આ ઋતુમાં ગોઠવી દીધા. વિચારવા જેવું છે કે ચોમાસાંની બહાર આવતા તહેવારો – મહા મહિનામાં શિવરાત્રી, ચૈત્રમાં રામનવમી અને હનુમાનજયંતિ કે મહાવીર જયંતિ – એ ધાર્મિક રીતે ઉજવાય છે પરંતુ શ્રાવણમાં પડતી કૃષ્ણજયંતિ, ભાદરવાની ગણેશ ચતુર્થી કે આસોમાં આવતી દીવાળી – એ બધામાં ધર્મ કરતાં વધુ મહત્વ સામાજિક અને સાંસ્કૃતિક પાસાંને અપાયું.

    અષાઢમાં આવતા તીજ અને કાજળીનાં નાનાં વ્રતથી ચોમાસું શરૃ થાય છે. માત્ર ગુજરાત નહીં પણ ઉત્તર ભારતમાં પણ કન્યાઓ આ વ્રત ઉત્સાહથી મનાવતી. રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમીના મેળાઓ, શરદ પૂર્ણિમા આ બધા તહેવારો ચોમાસાંને ઉજવે છે. વિવિધ વૈષ્ણવ સંપ્રદાયોના હીંડોળા, જૈનોનાં ક્ષમાપના અને પર્યુષણ એમ ઘણું ઘણું ચોમાંસાની આસપાસ ગોઠવાયું છે.

    સામે પક્ષે:

    પરંતુ પ્રકૃતિના આ પુષ્કળ પ્રેમમાં આપણે ડૂબ્યાં રહીએ એનો અર્થ એ નથી કે બધું ‘ભયો ભયો’ છે. વરસે એક વાર આવતી ઋતુ હોવાથી એ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનાં દુખનું બેલડું પણ સાથે લાવે છે. વાવાઝોડાં અને વીજળીનો વિનાશ તો જ્યાં ચોમાસું નથી ત્યાં પણ હોય છે, કારણ કે એનો સંબંધ વરસાદ જોડે છે, ઋતુ જોડે નહીં. પરંતુ દિવસો સુધી સૂરજ ન દેખાય અને વરસાદની હેલી થતી રહે અને છેવટે જળબંબાકાર પૂર આવે એ માત્ર આપણી નિયતી રહી છે. સેંકડો ગાયો કે ભેંસોને તાણી જતા પ્રવાહના વિડિયો આપણે જોયા છે. એની મદદ કોઈ નથી કરી શકતું. રાતનાં અંધારામાં જાગો અને તમારાં ઘરમાં પાણી ફરી વળ્યું હોય તે ડરાવનારો અનુભવ છે. પરંતુ એ પાણી બે દિવસ રહીને ઉતરે ત્યારે કાદવ સાફ કરવો પડે તે ત્રાસ પેલા ડર કરતાં વધારે ચડિયાતો છે. આ બધું આપણી એક ઋતુને કારણે.

    અતિવૃષ્ટિ તો હંગામી છે; ચાર દિવસે તો સૂર્ય દેખાય છે. તેથી ઊલટું દુષ્કાળની પરિસ્થિતિ તો ધીમે ધીમે રીબાવનારી છે. અહીં બેઠે મંગળના ગ્રહ પર ગાડી ચલાવી જાણનારો માણસ આવતા વરસનું ચોમાસું વહેલું લાવી નથી શકતો ! અગાઉ જ્યારે માલસામાનની અવરજવરનાં સાધન ન હતાં ત્યારે દુકાળ ભૂખમરાનું કારણ બનતો. હવે એવાં મૃત્યુ નથી થતાં પરંતુ પીવાના પાણીના પ્રશ્નો થાય છે. ટેન્કરો એ વરસાદનો વિકલ્પ નથી. આથી વધુ અસર ખેતીને પણ પડે છે. વિચિત્રતા એવી છે કે દેશનાં સકલ ઉત્પાદન(GDP)ના માત્ર ૧૫ ટકા જ ખેતીમાંથી આવતા હોવા છતાં રોજગારીના ૪૬ ટકા એ વ્યવસાય ઉપર આધાર રાખે છે. ગામડામાં આવક ઘટે તેનાથી સમગ્ર અર્થતંત્ર પર અસર પડે છે.

    આખાં વરસના વપરાશનાં પાણીના ૮૦ ટકા માત્ર ત્રણ મહિનામાં જ વરસી જતા હોવાથી આપણી સામેનો મુખ્ય પડકાર તેને બીજા ૯-૧૦ મહિના સંઘરી રાખવાનો છે. તેમાં કુદરતનાં જે ઘટકો મદદ કરતાં હતાં તેને તો આપણે નાબૂદ કરતાં આવ્યાં છીએ તે આગળ જોયું. એટલે ‘વૉટર-શેડ મેનેજમેન્ટ’ નામની વિદ્યાશાખાનો જન્મ થયો. તેની અગત્ય કેટલી છે તે એ વાતથી સમજાશે કે એના પ્રયોગોથી રાળેગણના અન્ના હઝારે અને રાજસ્થાનના રાજેન્દ્ર સિંહ દેશમાં પ્રખ્યાત થઈ ગયા.

    પરંતુ પ્રશ્ન હલ નથી થયો. આમે ય અનિશ્ચિત એવું ચોમાસું વૈશ્વિક ઉષ્મન્ પછી વધારે અનિશ્ચિત થશે. એટલે ત્રણ-ચાર વરસે એક ચોમાસું નિષ્ફળ જવું સામાન્ય વાત છે. જો એના નિષ્ફળ જવાના ભયથી મુક્તિ પામવી હોય તો દર ચોમાસાંને અંતે આપણે ૧૦ મહિના નહીં પરંતુ ૨૦ મહિના માટે ચાલે તેટલું પાણી સંઘરવાની વ્યવસ્થા કરવી જોઈએ ! તો જ  વચ્ચેનાં નિષ્ફળ ચોમાસાંના વર્ષ દરમિયાન જીવન અને અર્થવ્યવસ્થા સુપેરે ચાલે. આજે  આપણે વરસાદથી આવતાં પાણીનો માત્ર દશમો ભાગ ડૅમ વગેરે સિંચાઈ વ્યવસ્થામાં સમાવી શકીએ છીએ. તો તેને બમણો કરવા માટે સીધો ઉપાય તો જળાશયો અને ડૅમની ક્ષમતા વધારવાનો જ છે.

    પરંતુ ડૅમો અને ખાસ કરીને મોટા ડૅમોની વિરુદ્ધમાં ઘણી દલીલો છે. તેમાં એક છે ડૅમનાં સંચાલનની. ભારે વરસાદ વખતે કેટલું પાણી રાખવું અને ક્યારે પાણી છોડવા માંડવું તે નિર્ણય સહેલો નથી. તેના પર ગણિતની મદદથી કંઈક સંશોધન કાર્ય કરી દિશાનિર્દેશો બનવા જોઈએ. ડૅમનો વિરોધ કરનાર મંડળોએ આ મુદ્દે કોઈ રચનાત્મક અને વ્યવહારુ ઉકેલ સૂચવવો જોઈએ. તે ન થાય ત્યાં લગી સરકારો તો પ્રજાની પાણીની માગણીનો જવાબ ડૅમથી જ આપતી રહેશે. આપણી ચોમાસાંની ઋતુવાળો દેશ છીએ એ તથ્યથી છૂટકારો નથી જ.

    આ છતાં આપણે આ ચોમાસાંની પૂજા કરતા રહીશું, તેને પ્રેમ કરતાં રહીશું. એ દૂઝણી ગાયની લાત છે. આપણે ખેતી આધારિત દેશ છીએ જ. દુનિયામાં બીજા દેશોમાં સરેરાશ ૧૧-૧૨ ટકા જમીન ખેતી પાછળ રોકાઈ છે (રશિયા ૧૧ ટકા, અમેરિકા ૧૬ ટકા અને પાકિસ્તાન ૨૦ ટકા), ત્યારે આપણી ઉપયોગી જમીનના ૪૯ ટકા એક કે બીજાં ખેડાણ હેઠળ છે. ‘ઉપર આભ અને નીચે ધરતી’ના સસ્તી મૂડીનાં આ બિઝનેસ મોડેલને આપણા બાપદાદાઓએ પસંદ કર્યું હતું; તેમાં સ્ટ્રક્ચરલ સુધારા કરતાં આપણને ઘણો સમય જશે. તે કરીને પણ આપણે ‘હોલસેલ’ ચોમાસાંવાળો મુલક જ રહેવાના. યુરોપ જેવું તૂટક-તૂટક, સરળ હપ્તામાં આવતું રિટેઈલ ચોમાસું સારું પણ એની કલ્પના કરવાથી વાસ્તવિકતા બદલવાની નથી.

    એટલે જે નથી તેને વાંછવા કરતાં ચાલો જે છે તેનો જ ઉત્સવ કરતાં રહીએ. મોરના ટહૂકા, જન્માષ્ટમીના મેળા, નવરાત્રિના દાંડીયામાં, દિવાળીના દીવાઓ અને નવાં વર્ષની હર્ષોલ્લાસભરી અપેક્ષાઓ જ આપણું ચોમાસું સમાયું છે તે યાદ કરી તેનો આનંદ માણીએ.


     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.