-
એસ ધમ્મો સનંતનો – તાંત્રિક પરંપરા (૨) – રહસ્યવાદની ગતિશીલ પરંપરા
પ્રવાસી યુ. ધોળકિયા
અગાઉના લેખમાં આપણે તંત્ર વિજ્ઞાનનાં કેટલાંક પાસાંઓ જોયાં. તેમાં આપણે ઓશો રજનીશના મંતવ્યો જાણ્યાં હતાં
વીસમી સદીમાં શ્રી વ્રજ માધવ ભટ્ટાચાર્યે પણ તંત્ર પર સાધના કરી છે. તેમના વિચારો તેમનાં પુસ્તકો Saivism and the Phallic World અને The World of Tantra માં વિગતવાર વાંચવા મળે છે. આપણે અહી તે ટુંકમાં જોઈશું.
તેઓ લખે છે કે તંત્રમાં સનાતન પરંપરાના રહસ્યવાદ પર ગંભીર ચિંતન જોવા મળે છે. આ પરંપરા અવૈદિક છે, પણ તેનાં સારાં પાસાંઓનો તંત્રમાં સમાવેશ કરાયો છે. ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વની પ્રાચીન પરંપરાઓમાં તેને સ્થાન મળ્યું છે.
આ એક અતિ ગતિશીલ પરંપરા છે કેમકે તેનો આધાર વિશ્વમાન્ય માતૃશક્તિમાં છેં. માતૃશક્તિમાં શ્રદ્ધા ધરાવતા જાદુ, પ્રકૃતિપૂજા તેમ જ અનેક પ્રકારની રક્ત રંજીત વિકૃત સાધનાઓનો તેમાં પ્રવેશી ગઈ છે. પરંતુ, તંત્ર ઉપાસકને ભારતમાં યોગ્ય પરીક્ષણ પછી દીક્ષા અપાય છે. તેથી, માતૃશક્તિમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર જ તાંત્રિક માર્ગનો સાધક બની શકે.
અહીં શક્તિ સાથે પિતા તરીકે શિવની પણ એટલી જ ઉપાસનાને સ્થાન છે. આ વિજ્ઞાન કોઈ વ્યક્તિ હોય કે પછી સમુહ હોય તેને સમાન તકો પુરી પાડે છે. વળી, જગતના ધર્મોમાં જે કંઈ કર્મકાંડ છે તેનું ઉદ્ભવસ્થાન તંત્ર છે. આ પરંપરામાં આદ્યા શક્તિને ચંદ્રનું રૂપ માનવામાં આવે છે. પિતા શિવ તેને પોતાના મસ્તક પર ધારણ કરી ચંદ્રમૌલિ બન્યા છે. આ પરંપરામાં માતા એક શક્તિ, કુંડલિની, છે. તે જાગ્રત થાય છે ત્યારે સાધકમાં શક્તિનો ઝરો ફૂટે છે.
જગતના વિદ્યમાન ધર્મો ભલે એવો દાવો કરે કે તેઓ એક પરમ પિતામાં માને છે, પણ તેઓ વચ્ચે ભારે મતભેદ અને વિખવાદ છે. સામાન્ય પ્રજામાં તે વિશે સાચું જ્ઞાન હોતું નથી. ફક્ત તંત્ર પરંપરામાં જ સામાન્ય લોકોને સાધના માટે યોગ્ય ગણવામાં આવે છે. તેમાં આડી અવળી વાતોને કોઈ સ્થાન નથી. અહીં કોઈ આડંબરને સ્થાન નથી. પરિણમે બહારથી તંત્ર વિજ્ઞાનના વિરોધ છતાં તેને સાર્વત્રિક માન્યતા મળી છે. તંત્રમાં દરેક સાધકને પોતાના દેવી – દેવતાઓમાં અનન્ય શ્રદ્ધા છે, કેમકે આ દેવી – દેવતાઓ જ તેમને તંત્ર માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતી વિધિઓ શીખવામાં મદદ કરે છે.
આ વિજ્ઞાનમા વિધિ – વિધાનો ઉપરાંત ચિહ્નો, નિશાનીઓ, પ્રતિકો, રૂપ, અવાજ (Sound) અને તેના બેસવાના સ્થાન વિશે પણ સ્પષ્ટતા જોવા મળે છે. આ ચિહ્નો અને પ્રતીકોનો ઉપયોગ ધ્યાન સારી રીતે કરી શકાય એ માટે ધ્યાન કરતી વખતે કરવામાં આવે છે.
તંત્રમાં યોગ અને ધારણા એ ખરેખર આદ્યાશક્તિ અને શિવનાં અતિમૂલ્ય પાસાં છે. જોકે આદ્યા શક્તિ આધાત્રી (Matrix) હોવાથી અહીં મૂળમાં આદ્યા શક્તિ છે[1]. આ શક્તિમાંથી સર્જન પ્રક્રિયા થાય છે. આદ્યા શક્તિ કોઈ પણ પ્રકારની પ્રગતિનો અંતિમ છેડો છે. આ શક્તિ દરેક પંચમહાભૂતોનું સર્જન કરીને તેમનું સંયોજન કરે છે અને તેમનું વિઘટન અને વિનાશ પણ કરે છે. આ માતૃશક્તિ જ પરમ ચૈતન્યનું મૂળ છે, જેમાં લય પ્રલયની પ્રવૃતિ સતત ચાલતી રહે છે. તેથી જ શારદા તિલક તંત્ર જણાવે છે કે ‘ અમે એવી પરમ શક્તિની પ્રાર્થના કરીએ છીએ કે જે શિવ સહિત લાલ પુષ્પોના રંગથી વિભૂષિત છે તે અમારા દેહમાં જે સુષુમ્ણા નાડીનો નાદ છે તેને જાગૃત કરી અમને શિવત્વ તરફ દોરે અને કુંડલિની યોગનું ફળ આપે.’
સુષુમ્ણ નાદ એટલે માતૃ શક્તિ અને શિવનાં અર્ધનારીશ્વર રૂપમાં રહેલ પ્રથમ નાદ. આ નાદથી પૃથ્વીનું સર્જન થયું છે.તંત્ર એટલે સાર્વત્રિક રીતે લોકપ્રિય છે કે તેમાં માતામાં રહેલા પ્રેમનું પ્રસ્ફૂરણ થાય છે. બાઈબલમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે ઈશ્વરે પ્રથમ શબ્દ રચ્યો અને તેમાંથી સૃષ્ટિનું સર્જન થયું. આમ જગતના તમામ પ્રાચીન ધર્મોના પાયામાં તંત્ર હતું. પરંતુ વિદેશોમાં તે પછી તંત્ર સામે ભારે વિરોધ જાગ્યો. એટલે આ બધી તાંત્રિક પરંપરાઓ ભારતમાં આવી અને અહીંની તાંત્રિક પરંપરાઓમાં વિલિન થઈ ગઈ.
વિદેશોમાં આ પરંપરામાં યોની અને લિંગની પૂજા થતી. પરંતુ, ભારતમાં તેનું ઉર્ધ્વીકરણ કરવામાં આવ્યું. જોકે જ્યારે તંત્ર સાધના દ્વારા સાધક / સાધિકામાં કુડલિની જાગૃત થાય છે ત્યારે તેઓમાં જાતીય આવેગો (Sexual Impulses) પણ વધી જાય છે. તેથી તેઓમાં જો ઉર્ધ્વગામી વૃતિનો અભાવ હોય તો એ લોકો ભોગવિલાસી બની જાય છે. રાધા આવી ઊચ્ચ ભૂમિકા ધરાવતાં હોવાથી કૃષ્ણના સૂક્ષ્મ પ્રેમને પામી શક્યાં હતાં. એ રીતે સાધક / સાધિકા ઉર્ધ્વીકરણ દ્વારા જાતીય આવેગ પર નિયંત્રણ મેળવી શકે તો તો તેઓ પણ દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે.
તંત્રમાં ચિહ્નો, પ્રતીકો અને શ્રીયંત્રનો આધાર લેવામાં આવે છે. અથર્વવેદમાં પણ આ બધાંને સ્થાન છે. તૈતરિય અરણ્યક અને ચૈતર્ય અરણ્યકમાં પણ ચક્ર, મંત્ર અને યંત્રનો ઉલ્લેખ છે. વેદના શ્રૌતામણિ અને વાજપેય યજ્ઞોમાં વામાચાર તંત્રમાં વપરાતા નશાકારક પદાર્થોનો ઉલ્લેખ છે. તેથી જ કુલાર્ણવ તંત્રમાં અંદરખાને વેદયુક્ત આત્માનું અનુસંધાન જોવા મળે છે.વેદના યજ્ઞોમાં પશુબલિનું બાહુલ્ય હતું. તંત્રમાં એવું બાહુલ્ય ન હોવા છતાં પણ થોડે ઘણે અંશે પશુબલિનો પ્રયોગ થતો હતો. તેનો અર્થ એમ નથી કે ત્રંત્રના ઉદ્ગમ અને વિકાસના પાયામાં વેદ પરંપરા છે. તાંત્રિક પરંપરા સ્વતંત્ર રીતે ઉદ્ભવી છે.
પછી એવું બન્યું કે વેદ અને શ્રમણ પરંપરાઓમાં તાંત્રિક તત્ત્વોનો સમાવેશ થયો. શંકરાચાર્યના આનંદલહેરી ગ્રંથમાં પણ જે માતૃવંદના છે તેમાં તંત્રની અસર સ્પષ્ટ વર્તાય છે. ભગવાન બુદ્ધ અને ઈસુ ખ્રિસ્ત પણ સમર્થ તાંત્રિકો હતા, કેમકે કોઈ પણ ધર્મને વ્યાપક બનવું હોય તો તેને વિધિ – વિધાનો, ચિહ્નો અને પ્રતીકોનો આશ્રય લીધા વિના છૂટકો નથી. જ્યાં આ સાધનોનો ઉપયોગમાં લેવાય છે ત્યાં તેના પાયામાં તંત્ર છે. શંકરાચાર્યે પણ જ્યારે પરકાયા પ્રવેશ કર્યો હતો ત્યારે તેમણે તંત્ર વિજ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. એ રીતે વેદ અને તંત્ર વચ્ચે કોઈ તાત્ત્વિક વિવાદ નથી. તંત્ર ક્યારે પણ એવો દાવો કરતું નથી કે તે વેદથી પ્રાચીન છે.
તંત્રમાં સમાજના બધા વર્ગોને સ્થાન હતું. તેથી તેમાં કામાચાર, કુદરત વિરોધી જાતીય કત્યો, નશાનું સેવન તથા માંસ – માછલીનું ભક્ષણ સારા એવા પ્રમાણમાં પ્રવેશી ગયાં. પરિણામે, વૈદિક પ્રથામાં માનનારા વર્ગને તંત્ર સામે એક હથિયાર મળી ગયું. બન્ને વચ્ચેનો વિરોધ જાહેરમાં પ્રગટ થવા લાગ્યો. પરંતુ, તે સમયે પતંજલિ, વરાહ મિહિર જેવા મહાન યોગીઓએ મોરચો સંભાળી લીધો અને બન્ને પક્ષોના વિરોધીઓ વચ્ચે શાંતિ સ્થાપી. તે સમયે તંત્રના ઘણા મૂળભૂત ગ્રંથો લખાયા, જેમાં આ વિજ્ઞાનની સાચી દક્ષિણમાર્ગી વિધિઓને સમજાવવામાં આવી. ‘શિવ સૂત્ર’ના રચયિતા વસુગુપ્ત જણાવે છે કે આ વિજ્ઞાન તેમને સાક્ષાત શિવે આપ્યું હતું. ‘મોતોત્તર’ તંત્રના રચયિતા શ્રી કંથનાથ પણ આવું જ વિધાન કરે છે. પૌરાણિક ધર્મના વ્યાસ પરંપરાના જ્ઞાનીઓ પણ પુરાણમાં તંત્રના નકારાત્મક પાસાં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
તંત્રના સિદ્ધાંતો
તંત્ર પરંપરા તેના તાત્ત્વિક જ્ઞાનને અતિ ઉચ્ચ સપાટીએ સ્થાપિત કરે છે. તે આધ્યાત્મિક વિજ્ઞાન છે તેથી તેની વિધિઓ પણ માનવદેહમાં રહેલી અપૂર્ણતાઓને અતિક્રમિત કરે છે. તેનું અંતિમ લક્ષ્ય સાધક અને સાધ્યનું જોડાણ કરવાનું છે. તંત્ર જણાવે છે કે આ દેખાતું જગત દેખીતી રીતે ભલે શાશ્વત શક્તિથી સર્જાયું છે, પણ જગત ક્ષણભંગુર છે. શાશ્વત શક્તિ પોતાની લીલા રચીને સંસારને સર્જે છે. આ જગત જનની જ બ્રહ્મની વિશ્વ સર્જનની શક્તિનું પ્રગટ સ્વરૂપ છે. આપણે માનવો આ બધાંથી અજ્ઞાન છીએ. આપણામાં રહેલી અપાર શક્તિઓ તંત્ર સાધના દ્વારા જ્યારે પ્રગટ થશે ત્યારે માનવને અધ્યાત્મના શિખરે પહોંચતાં કોઈ રોકી નહીં શકે. માનવજાત મૂર્છિત અને અર્ધનિંદ્રિત અવસ્થામાં છે. તંત્ર સાધના તેને જગાડીને પરમ જ્ઞાની અને વિસ્તાર પામતી રહેતી દિવ્યતા તરફ આગળ વધતો રહેતો માણસ બનાવશે અને કાળને જાણે કે આલિંગન આપશે. આ માનવ આપણો મુક્તિદાતા – આજની ભાષામાં ‘યોગી સુપરમેન’ – કહેવાશે.
માનવ જાતમાં આ પ્રકારનાં જાગરણ માટે અનેક વિધિઓનો સંચય કરવામાં આવ્યો છે. આ વિધિઓમાં યોગિક આસનો, મુદ્રાઓ, ન્યાસ, મંત્રવિદ્યા અને તંત્રવિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવેલ છે. સાધક આ બધું યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ સાધ્ય કરતો જ હશે તો તેનામાં દેહમાં રહેલાં છ ચક્રો[2] – માનવીની જ્ઞાનતંત્રીય વ્યવસ્થાની મોટી શાખાઓ નજીક કરોડની સાથેના ઉર્જા કેન્દ્રો – મૂળાધારથી ઉર્ધ્વગામી થઈ સાતમા મસ્તકમાં રહેલા સહસ્ત્રાધારને છેદીને શિવ સાથે સાયુજ્ય પ્રાપ્ત કરી શકશે.
મંત્ર
ભારતના મંત્રોની વિદેશોમાં સમજ્યા વિના વગોવણી કરાતી આવી છે. મંત્રોનું ભાષાંતર શક્ય નથી. તેનું કારણ કે મંત્રનો કોઈ સામાન્ય અર્થ નથી. પરંતુ, સાધક માટે મંત્ર બહુ મહત્વના છે. મંત્રનું ઉચ્ચારણ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેનું મહત્વ છે. તેથી જેને આત્મજ્ઞાન તેને જ મંત્રનો કોઈ અર્થ હોય છે. મંત્ર આપણા કાનમાં વાગતો ઘંટડીઓનો ધુર રણકાર નથી કે નથી કોઈ માધ્યમમાંથી આવતો કર્કશ અવાજ કે ધ્વનિ. પરંતુ, ‘મહેશ્વર સૂત્ર’માં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૫૧ મૂળાક્ષરો ચોક્કસ પ્રકારના ધ્વનિતરંગો માનવ દેહની ગ્રંથિઓને જાગૃત કરે છે. આ એકાવન સ્વરોને એકીકૃત કરીને ૐકાર રચાયો છે. આત્મ – જાગૃતિ માટે પણ ધ્વનિતરંગ મહત્વના છે. તેથી જ નાદ શબ્દ વેદ, પુરાણ અને બાઈબલમાં સૃષ્ટિસર્જનના કારણોનું પ્રથમ ચરણ છે.
હવે પછીના મણકામાં તાંત્રિક પરંપરા વિશે હજુ વધારે થોડી વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
[1] દસ મહાવિદ્યા અને શિવના દસ સ્વરૂપ
(૧) મહાકાળી અને મહાકાલ.
(૨) તારા અને અક્ષોભ્ય
(૩) ષોડશી અને કામેશ્વર.
(૪) ત્રિપુરા સુંદરી અને દક્ષિણામૂર્તિ
(૫) માતંગી અને માતંગ
(૬) ભૂવનેશ્વરી અને ત્ર્યંબકેય
(૭) છિન્નમસ્તા અને ક્રોધભૈરવ, કબંધ
(૮) ઘૂમાવતી વિધવા રૂપે છે
(૯) બગલામૂખી અને મૃત્યુજંય, એકત્ર
(૧૦) કમલા અને સદાશિવ
પ્રકૃતિ અનુસાર દસ મહાવિદ્યાના ત્રણ સમુહ છે.
સૌમ્ય કોટી: ત્રિપુરા સુંદરી, માતંગી, ભુવનેશ્વરી,કમલા
ઉગ્ર કોટી. : મહાકાળી,છિન્નમસ્તા,ઘૂમાવતી, બગલામુખી.
સૌમ્ય અને ઉગ્ર કોટી : તારા,ત્રિપુરા સુંદરી,ભૈરવી.
મહાશક્તિ મહાકાળી સાક્ષાત મહામાયા આદિશક્તિ છે.
[2] સામાન્ય રીતે સાત ચક્રોને નીચે મુજબ વર્ણવવામાં આવે છે:
૧. મૂળાધારા (સંસ્કૃતઃ मूलाधार) પાયાનું અથવા મૂળ ચક્ર (કરોડરજ્જુ *કોકીક્સ*માં છેલ્લુ હાડકું)
૨. સ્વાધિસ્થાન (સંસ્કૃત: स्वाधिष्ठान) અંડકોશ/જનેન્દ્રિય
૩. મણીપુર (સંસ્કૃત: मणिपूर) નાભિ વિસ્તાર
૪. અનાહટા (સંસ્કૃતઃ अनाहत) હૃદય વિસ્તાર
૫. વિશુદ્ધ (સંસ્કૃતઃ विशुद्ध ) ગળું અને નાકનો વિસ્તાર
૬. અજના (સંસ્કૃતઃ आज्ञा) પિનીયલ ગ્રંથી અથવા ત્રીજી આંખ
૭. સહશ્રરા (સંસ્કૃતઃ सहस्रार) શિરની ટોચ; ‘નવા જન્મેલ બાળકનો પોચો ભાગ
-
ટૅકનોલૉજી આધારિત ખાદીવિકાસ અભિયાન
ડૉ. ભરત ભગત
“કુરિયને જેવી રીતે દૂધની ક્રાંતિ કરી તેવી રીતે મારે ખાદીની ક્રાંતિ કરવી છે.” શબ્દો હતા મિ.પ્રકાશ શાહના. મને આશ્ર્ચર્ય થયું એટલે પૂછી બેઠો : “તમને ખબર છે કે આખા દેશમાં વેચાતા કાપડમાં ખાદીનું વેચાણ અડધા ટકાથી પણ ઓછું છે. શું તમને આનાં કારણો ખબર છે ?” એમનો ત્વરિત ઉત્તર હતો : “મારા માટે સાડા નવ્વાણું ટકા માર્કેટ ખુલ્લું છે એ અગત્યનું છે અને સાથેસાથે એ પણ ખબર છે કે ખાદીની વસ્તુ લાંબી ચાલતી નથી. પડતર કિંમત ઊંચી છે અને એનાં કારણોની પણ મને જાણકારી છે.”મારાથી પુછાઈ ગયું : “શું આ તમે કરી શકશો ? એકલા હાથે આટલા વિરાટ કામને પહોંચી શકશો ? કુરિયને જિંદગીનાં પચાસ વર્ષ હોમી દીધાં હતાં અને તમારી પાસે કેટલાં વર્ષ છે એ કોઈને ખબર નથી.” તેમનો ત્વરિત જવાબ હતો : “જે કામ માટે કુરિયનને પચાસ વર્ષ લાગ્યાં તે એમના જેવા અસંખ્ય લોકોના અનુભવોનો અભ્યાસ કરી મને લાગે છે આ કામ હું એક દાયકામાં જ કરી શકીશ.” હું તેમની સામે આશ્ર્ચર્યથી જોઈ રહ્યો હતો ત્યારે તેમણે તેમનો ટ્રેડમાર્ક શબ્દ કહ્યો : “ના કેમ થાય ?”
કુરિયને બ્રાન્ડનેમ આપ્યું ‘અમૂલ’ અને મારી ખાદીનું બ્રાન્ડનેમ હશે ‘નિસર્ગ.’
આ વ્યક્તિમાં શ્રીમદ્ રાજચંદ્રનું અધ્યાત્મ, ગાંધીનો સાચો ગાંધીવાદ અને શ્રી શ્રી રવિશંકરજીના વસુદૈવ કુટુમ્બકમ્ નો સુભગ સમન્વય થયેલો છે. આવો પવિત્ર અને અદ્ભુત ત્રિવેણી સંગમ આ વ્યક્તિમાં સર્જાયેલો છે.
શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મનું સેવન કવચિત્ કોબા આશ્રમમાં રહીને કરે છે. તથા આ આશ્રમ દ્વારા અનેક વ્યક્તિઓ માટે આધ્યાત્મિક જીવન સહજ પ્રાપ્ત થાય એ માટે માનદ ટ્રસ્ટી તરીકે સક્રિય સેવાઓ આપી સંસ્થાના વિકાસ તથા નવસર્જનમાં અમૂલ્ય ફાળો આપે છે.
પ્રકાશભાઈના મનમાં સતત એક ચિંતા છે કે ગામડાંના ખેડૂત પાસેની જમીન વંશ પરંપરાગત વહેંચાતી ગઈ અને બીજી-ત્રીજી પેઢી આવતાં એટલી નાની થઈ ગઈ કે એની નીપજ કુટુંબ માટે સાવ અપૂરતી બની ગઈ. એમણે જોયું અને અનુભવ્યું કે છેલ્લા પાંચ દાયકાથી ગામડાં ભાંગી રહ્યાં છે અને ત્યાંના લોકો શહેર તરફ દોટ મૂકી રહ્યા છે. શહેરીકરણ વિસ્તરી રહ્યું છે. એમાં શહેરી જીવનમાં દેખાતાં ઝાકમઝોળ, સગવડો તથા વધુ સુખી થવાનાં સપનાં તો ખરાં જ, પરંતુ સૌથી અગત્યનું કારણ સ્થાનિક રોજી કમાવા માટેની સુવિધાઓનો અભાવ. ટેલિવિઝનના માધ્યમે શહેરોની સુખ-સમૃદ્ધિનાં દર્શન કરાવ્યાં અને માણસ માત્રને આકર્ષ્યો, પરંતુ સિમેન્ટ-કૉંન્ક્રીટના જંગલ જેવાં શહેરોમાં ફક્ત કામ અર્થે આવેલા, ઓછું ભણેલા ગ્રામવાસીઓ ઝૂંપડપટ્ટીમાં અથવા ગીચ મજૂર વિસ્તારમાં રહી બદતર જીવન જીવે છે. તથા બીજા લાખો લોકો શુદ્ધ હવા, પાણીવાળું ગ્રામ્યજીવન છોડીને મોકળાશ વગરનાં તથા શહેરોના પ્રદૂષિત વાતાવરણમાં ભાગદોડવાળું જીવન પસાર કરી રહ્યા છે. આ પણ એક કડવું સત્ય છે.
પ્રકાશભાઈએ એ જ છેડાને પકડ્યો, વાત કરી ખાદી ઉત્પાદનની પણ એની સાથે એમાં આધુનિકતાનો સમન્વય કર્યો. પ્રકાશભાઈએ વિશ્વ-વિખ્યાત ટેક્સટાઇલ મશીનરી બનાવવી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓ આધુનિક ટૅકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા જ હોય, પણ એમની પાસે અર્વાચીન અને આધુનિકનો મહત્તમ સમન્વય કરવાની સમજ હતી.
સફળ ઉદ્યોગપતિ હોવાને કારણે દરેક પ્રોજેક્ટમાં ઊંડા ઊતરવા ટેવાયેલા પ્રકાશભાઈએ ખાદી ઉત્પાદનના પ્રશ્ર્નો માટે અનેક ખાદી કેન્દ્રોની વ્યક્તિગત મુલાકાત લીધી. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં જાણીતા ખાદી ઉત્પાદકોને એક દિવસની શિબિરના આયોજન માટે આમંત્રિત કરી તલસ્પર્શી અભ્યાસ કર્યો. ઉત્પાદન માટેનાં સાધનો અને તેની પદ્ધતિ જૂનીપુરાણી છે તેથી પ્રોડક્શન તો આછું આપે જ છે પણ સૂતર તથા કાપડની ગુણવત્તા પણ યોગ્ય નથી. અટીરામાં એમણે ખાદીના તાર તથા મિલના સૂતરના તારના ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે અંબર ચરખાની ખાદીની તારની સ્ટ્રેન્થ (તાકાત) ઓછી છે. એટલે ખાદીનું કપડું લાંબું ચાલતું નથી. ‘પ્રકાશભાઈ પોતે એન્જિનિયર અને ટેક્સટાઈલ મશીન્સ બનાવે એટલે એમણે સ્પિનિંગના અનુભવી ટૅકનિશિયનો સાથે વાત કર્યા મુજબ નક્કી કર્યું કે પૂણી બનાવવા મશીન અદ્યતન જોઈએ, જેથી આગળ ઉપર અંબર ચરખા પર કંતાયેલું સૂતર પણ મજબૂત અને ટકાઉ બનશે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓના સંપર્ક પછી રૂમાંથી સારી કક્ષાની પૂણી બનાવવાનો પ્રોજેક્ટ નાના પાયે તૈયાર કર્યો.
કામ કરવા ઇચ્છતી વ્યક્તિને અંબર ચરખો મોંઘો નહીં પડે કે સોલારનો ઉપયોગ અમુક ચોક્કસ સમયે જ થઈ શકશે એ સમસ્યા અંગે મેં ધ્યાન દોર્યું તો એનો રસ્તો પણ એમની પાસે તૈયાર હતો. આ અંબર ચરખાનું રજિસ્ટ્રેશન ખાદી બોર્ડમાં થશે. એટલે એને સબસિડી મળશે તદુપરાંત સામાન્ય વ્યાજે લોન આપવા બેંકો તૈયાર છે. મહિને બે હજારનો હપ્તો ભરશે એટલે થોડાં વર્ષમાં ચરખાનો – શાળનો એ માલિક થઈ જશે. સોલાર પાવર ગ્રીડમાં જાય તો એ જ વીજ કંપની એને કાંતવાના સમયે વીજળી પરત કરશે એવું આયોજન થઈ રહ્યું છે. અત્યારના જમાનાના લોકોને ખાદી માટે બહુ માન નથી તો આટલું મોટું પ્રોડક્શન તમે વેચશો કઈ રીતે એ મારી ચિંતા સાથેનો મનોમન પ્રશ્ર્ન હતો પરંતુ પ્રકાશભાઈની આંખમાં અને તેમના સમગ્ર અસ્તિત્વમાં આત્મવિશ્ર્વાસ હતો.
અમારી ફાઈનલ પ્રોડક્ટ મિલના કાપડ જેટલી જ ગુણવત્તાસભર હશે અને મિલના પોતાના પ્રોડક્શન કરતાં થોડી ઘણી સસ્તી પણ હશે એટલે સી.એસ.આર. (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી)ની ભાવના સમજનાર મિલો આ ગ્રામોદ્યોગ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ લઈ વેચશે. ઉદાહરણ તરીકે અરવિંદ, રેમંડ જેવી મિલોના માલિકોએ આ અંગે તત્પરતા દાખવી જ દીધી છે. અમારી બ્રાન્ડ હશે નિસર્ગ-કુદરત, વ્યક્તિ એની જ કુદરત સાથે રહે, ત્યાં જ વિકસે અને ત્યાં જ સુખી જીવન ગાળે. આ સ્વપ્નું ગાંધીજીએ સેવ્યું હતું અને હવે એ પરિપૂર્ણ કરવાની દિશામાં અમે પહેલ કરી રહ્યા છીએ. પ્રકાશભાઈએ બહુ સરસ વાત કરી. “કોઈપણ કામની સફળતા માટે જરૂરી છે યોગ્ય નેતૃત્વ, ટેકનોલોજી અને સમર્પિત કાર્યકર્તાઓની ટીમ. આ બધું જ અમારી પાસે છે તો સફળતા મળશે જ અને એક ખાદી ક્રાંતિની શરૂઆત થશે જ.” સ્વપ્ન જોનાર અને એના માટે પ્રયત્નશીલ એવા પ્રકાશભાઈને સલામ.
ભૂમિપુત્ર : ૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ -
ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૪
પ્રીતિ શાહ-સેનગુપ્તા
ગયાનામાંની પહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી જવાનું હતું. જોકે મને થાય કે હું પોણો કલાક મોડી ઊઠી શકી હોત, કારણકે મને તૈયાર થઈને નીકળી જતાં અડધો કલાક પણ ના જોઇએ. છતાં, જાગી તો ગઈ જ, કારણકે ઊઠો, ઊઠોની બૂમો પડવા માંડેલી, અને બારણાં પર ટકોરા પડવા માંડેલા.
આ પહેલા દિવસથી જ ગયાનામાંની અમારી તબીબી-યાત્રા શરૂ થતી હતી, ને અમારે ઘણે દૂર પહોંચવાનું હતું. સવારે સાડા છ વાગ્યે તો અમે વૅનમાં હતાં. ટૂંકમાં “જિઓ” કહેવાતું જ્યૉર્જ ટાઉન શહેર તરત પાછળ રહી ગયું. ઝડપથી આવી ગયેલી, સુંદર ડૅમૅરારા નદીને અમે પાછી ઓળંગી.
આખે રસ્તે બીજી કેટલીયે નદીઓ આવતી રહી. સાવ નાની ખરી, પણ બધી જ પાણીથી છલોછલ. આવી જ રીતે, કેટલીયે વસાહતો પણ આવતી ગઈ. એ પણ નાની નાની – થોડાં ઘર, એકાદ શાળા, એકાદ ચર્ચ, બેએક મંદિર. આસપાસ હોય ડાંગરનાં ખેતર. બધાં લણાઈ ગયેલાં, એટલે જમીન ખાલી ને કથ્થાઇ દેખાય.
ક્યારેક નામનું પાટિયું આવે, પણ કોઈ વસાહત ના હોય. ને નામો પણ કેવાં -કોલમ્બસ, ઝીલૅન્ડ, હોપ, પૅરૅડાઇઝ, સારાહ, મૅરિ; અને ક્યાંક તો કલકત્તા પણ જોયું! એક વસાહતના પરિસરમાં એક સામટી સાત-આઠ મસ્જિદો પસાર થઈ, તો બીજે સામટાં મંદિરો પણ આવી જાય.
ક્યાંક રસ્તા પાસે ઘોડા ફરતા દેખાય. એમનો ઉપયોગ ચીજવસ્તુઓ લઈ જવા માટે થાય છે. ગાડાં સાથે જોડાયેલા ઘોડાઓ પણ જોયા. ક્યાંક રસ્તાની પાસે ગાયો ને બકરીઓ પણ જોઈ.
રસ્તા પરની સ્પીડ લિમિટ હતી કલાકના એંસી કિ.મિ.ની. બહુ નવાઇ લાગી. કઈ રીતે હોઈ શકે આટલી સ્પીડ અહિંયાં? એક લેનનો તો રસ્તો છે. વાહનો ઘણાં ઓછાં, તોયે બધાં ફાસ્ટ જઈ જ ક્યાંથી શકવાનાં?
ગયાના જેવા નાના દેશને પણ કુલ દસ વિભાગોમાં વહેંચેલો છે. જ્યૉર્જ ટાઉન ચાર નંબરમાં છે, તો અમે દક્શિણ દિશામાં જ્યાં જતાં હતાં, તે બર્બિસ વિભાગ પાંચ નંબરમાં છે.
ધરતી સાવ સપાટ છે આ તરફ. બરાબર દરિયાના લૅવલ પર છે. અમારી વૅનમાં તો સારી ઠંડક હતી, પણ બહાર સૂરજ ઘણો ગરમ હશે. જોકે આકાશમાં સફેદ વાદળ ઘણાં હતાં. આ બાજુ નાળીયેરી ખૂબ છે, ને હંમેશાં સુંદર દેખાય. થોડાં ગુલમહોર, કોઈ બીજાં સફેદ ફૂલોના ગુચ્છ, તેમજ સફેદ, પીળાં અને ગુલાબી રંગોનાં કરેણ જોવાં ગમે. આંબા પણ બહુ સરસ, રાજસ્થાની શૈલીનાં ચિત્રોમાં હોય તેવા લાગે. બદામનાં ઝાડ પણ ખરાં.
ઘણી વાર, લાંબી દાડીવાળાં, મોટાં, ગુલાબી કમળ રસ્તાની ધાર પર થયેલાં દેખાય. સ્થિર પાણીમાં અક્કડ ઊભાં હોય. સૌથી વધારે આકર્ષક લાગે. પણ ફોટો પાડવાની તક ના મળે. વૅન સડસડાટ ચાલી જતી હોય.
બર્બિસ નદીને પાર જવા માટે વેરો ભરવાનો આવ્યો. છ-સાત વર્ષ પહેલાં જ આ પૂલ બંધાયો છે, નહીં તો હોડી વાટે જ જવું પડતું. અત્યારે પણ અસંખ્ય હોડીઓ એમાં ફરતી રહે છે. કોઈ વહાણ કે મોટી બોટ પસાર થવાની હોય ત્યારે પૂલના બે ભાગ છૂટા પડીને ઊંચા થાય છે. ત્યારે બંને બાજુ, ટ્રાફીકને અટકી જવું પડે.

શું આ બર્બિસ નદી. એ પણ અનહદ મોટી. પહોળો પટ, અને છલછલ થતું અપાર જળ. હવે અમે, પૂર્વ બર્બિસ કહેવાતા, છ નંબરના વિભાગમાં પ્રવેશ્યાં. અહીં રસ્તા પર ગાડીઓ વધી હોય તેવું લાગ્યું. આ બાજુ મોટા ભાગનાં ઘર લાકડાંનાં થાંભલા પર બનાવેલાં હતાં. વરસાદના પાણીથી બચવા હશે, પણ સાથે જ, નાનાં પ્રાણીઓથી સાચવવા માટે પણ હોઈ શકે.
ન્યૂ ઍમ્સ્ટરડૅમ નામનું થાણું આવ્યું ત્યારે, આખરે એક ટાઉન જેવું લાગ્યું. ત્યાં ઘણાં ઘર હતાં, અમુક તો ખાસ્સાં મોટાં હતાં. ચર્ચ, મસ્જિદ, શાળા વગેરે પણ વધારે સંખ્યામાં હતાં. એક તો ઇથિયોપિયન ઑર્થૉડૉક્સ ચર્ચ પણ હતું. વળી, ચાઇનિઝ રૅસ્ટૉરાઁ અને ઇન્ડિયન સ્ટોર્સ પણ હતાં.
આટલે આવતાં અમને બે કલાક થયા હતા, જોકે અંતર તો હતું ત્રીસેક જ માઇલનું. આ પછી તરત અમે ‘ગે પાર્ક’ નામની જગ્યાએ આવી પહોંચ્યાં. ત્યાં વસાહત નાની છે, પણ ત્યાંનું મંદિર ખૂબ મોટું છે, અને બરાબર ધ્યાન ખેંચે તે રીતે, એકદમ રસ્તા પર, બનાવેલું છે.
બર્બિસના હિન્દુ સમાજનું આ શ્રી કૃષ્ણ મંદિર છે. અલબત્ત, મુખ્ય મંદિરમાં બધાં જ દેવ-દેવીઓ સ્થાપિત છે. મૂર્તિઓ, તેમજ એમનાં વસ્ત્ર-શણગાર ખૂબ જ સુંદર હતાં. જાણે જોતાં જ રહીએ. ગણેશ અને હનુમાનની સામે લાંબી દાંડીઓવાળાં, ખૂબ મોટાં ખુલેલાં લાલ-ગુલાબી કમળ મૂકેલાં હતાં.
આ મોટા મુખ્ય મંદિરની એક બાજુ પરના શિવમંદિરમાં, સુંદર શિવલિંગની આસપાસ બાર નાનાં લિંગ હતાં. બીજી બાજુ પર, કાલી માતા ઉપરાંત બીજી નવ દેવીઓનું મંદિર હતું. કાગળ અને પ્લાસ્ટીકના રંગીન હાર લટકાવીને સર્વત્ર શોભા કરેલી હતી.

શિવમંદિરમાં, સુંદર શિવલિંગની આસપાસ બાર નાનાં લિંગ સાથે જ, ઇન્ડિયાથી લાવવામાં આવેલી અનેક શોભનીય ચીજો – દેવોના ફોટા, ગુજરાતનાં તોરણો ને ચાકળા, ઓરિસ્સાના કપડાના લૅમ્પ વગેરે – ઠેર ઠેર ગોઠવેલી હતી. બધું સારું લાગે, અત્યંત ભક્તિપૂર્વક કરેલું લાગે.
પાછળ તરફ, એક મોટો હૉલ બનાવેલો છે, જેમાં નૃત્ય, સંગીત, રસોઇ, ભરત-ગુંથણ વગેરે માટેના વર્ગો ચાલે છે. આ બધું શીખવા, કાર્યક્રમોમાં ભાગ લેવા, કેટલાંયે છોકરાં નજીકથી, દૂરથી અહીં આવે છે.
ઉપરના માળે સાત-આઠ રૂમ બાંધેલા છે. અમારો ઉતારો ત્યાં હતો. એની એક તરફ સળંગ વરંડો હતો. ત્યાં તો ગરમી સાવ ભુલાઈ જાય તેવો, સરસ પવન વાતો હતો. અંદર કૃત્રિમ વાતાનુકૂલ હતું, અહીં બહાર કુદરતી ઠંડક હતી.
લીલું ઘાસ બધે ઊગી ગયું હતું. ફળદ્રુપ જમીન પરની દરેક નાળિયેરી પર કેટકેટલાં તો નાળિયેર. અહાહા, થઈ ગયું. જ્યારે ટાઇમ મળ્યો ત્યારે એ પ્રફુલ્લિત ગ્રામ્ય દૃશ્ય મેં જોયા જ કર્યું.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
કન્યા શિક્ષણ દ્વારા પરિવાર, કોમ્યુનિટી અને રાષ્ટ્રને શિક્ષિત કરવાનું ઉદાહરણ
સ્વરૂપ સંપટ
ઇ મેલ મળતાં જ એક્સાઇટમેન્ટનો પાર ન રહ્યો. લખ્યું હતું, ‘જોધપુરની રાજમાતા કૃષ્ણા કુમારી ગર્લ્સ સ્કૂલ તરફથી શુભેચ્છા.’
એવું કહી શકાય કે મારવાડના મહારાજા ગજસિંઘજી સાહેબે મને શાળાના સ્થાપના દિન નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરી હતી. એ વાંચીને ચહેરા પર સ્મિત છવાઇ ગયું – આવો વારસો અને દૃષ્ટિકોણ ધરાવતી શાળાના આમંત્રણને હું કઇ રીતે નકારી શકું?
અલબત્ત, તેની સાથે ઔપચારિક આમંત્રણ પણ ગરિમાસભર હતું જેના માટે જોધપુર પ્રખ્યાત છે. મેં સ્વીકારી લીધું અને ૧૨ ઓક્ટોબરે ત્યાં પહોંચવાનું અને બીજા દિવસે સવારે પાછા ફરવાનો વિચાર પણ કરી લીધો. આશ્ચર્ય વચ્ચે મહારાજા તરફથી મને એક વિનમ્ર સંદેશો મળ્યો: ‘એ માત્ર ફંક્શન માટે આવે તો મારી અને મહારાણી સાથે ચા-નાસ્તો ક્યારે કરશે?’
પરિણામે મેં પ્લાન બદલ્યો.
હું વહેલી પહોંચી ગઇ. મારે ‘બાલ સામંદ લેક પેલેસ’માં રહેવાનું હું જે ખરેખર સપનાં સમાન હતું. એક સમયનો શાહી પરિવારનો મોન્સૂન પેલેસ. ત્યાંથી ૧૨મી સદીમાં નિર્મિત થયેલું તળાવ – જેન ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ તળાવ હોવાનું કહેવાય છે, તેનું દૃશ્ય દેખાતું હતું. સૂર્યાસ્ત સમયે રણમાં લાલ રેતિયા પત્થરોની દીવાલો ચમકતી હતી અને પવનની લહેરખીઓમાં મોરના ટહુકા અને પેરાકીટ્સના સ્વર સંભળાતા હતા. રોયલ અને રોમાન્સનો આ પેલેસ છે. તેની દરેક કોરિડોર કંઇક કથા કહે છે.
બાલ સામંદની સુંદરતા તો મારી સ્મૃતિમાં હતી, પણ હું જેની રાહ જોતી હતી, તે ફંક્શન બીજા દિવસે હતું.
રાજમાતા કૃષ્ણા કુમારી ગર્લ્સ પબ્લિક સ્કૂલની સ્થાપના ૧૯૯૨માં મહારાજાએ તેમનાં માતા રાજમાતા કૃષ્ણા કુમારીજીના સન્માનમાં કરાવી હતી. તેનો હેતુ પશ્ચિમી રાજસ્થાનની કન્યાઓને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવાનો હતો. માત્ર છ છોકરીઓ સાથે શરૂ થયેલી નાનકડી શાળા આજે સાતસોથી વધારે વિદ્યાર્થિનીઓ ધરાવતી એક વિશાળ સંસ્થા બની ગઇ છે.
લગાતાર ત્રણ વર્ષોથી ભારતમાં આ સ્કૂલનું નામ ‘બેસ્ટ ગર્લ્સ ડે સ્કૂલ’ તરીકે લેવાય છે અને એ કેમ લેવાય છે, તે જાણવા માટે તો તમારે એની મુલાકાત જ લેવી પડે. રાયકા બાગનો કેમ્પસ જીવંત અને હેતુસભર છે. સ્કૂલમાં પ્રવેશતાં જ મને ખ્યાલ આવી ગયો કે આ માત્ર એક સ્કૂલ જ નથી, પણ કન્યા શિક્ષણ દ્વારા પરિવાર, કોમ્યુનિટી અને રાષ્ટ્રને પણ શિક્ષિત કરવાનું એક જીવંત ઉદાહરણ છે.

ફંક્શન દરમિયાન સ્કૂલનાં પ્રિન્સિપાલ નીરા સિંઘે મને ઉષ્મા અને ગર્વથી આવકારી. સ્થાપના દિનની ઉજવણી ‘છોટી સી આશા’ સમૂહગીત સાથે થઇ. નિર્દોષતાભર્યા એ સ્વર એકદમ શુદ્ધ હતા – જે તમારા મનમાં એક આશા જગાવે. મારો બોલવાનો સમય આવ્યો ત્યારે મેં એક નજર સામે બેઠેલી કન્યાઓના વિશાળ સમૂહ પર એક નજર નાખી – સંભાવનાઓથી ચમકતા હતા તેમના ચહેરા. મેં અજવાસ અને અંધકાર અંગે વાતની શરૂઆત કરી. કઇ રીતે એક નાનકડો દીપક અનેક દીવડાને પ્રજ્વલિત કરી શકે છે. મેં તેમને કહ્યું, ‘માત્ર એક પ્રકાશથી શરૂઆત કરવાની છે.’ રાજમાતા કૃષ્ણા કુમારીજીએ એ જ તો કર્યું હતું – એક દીપક પ્રગટાવ્યો અને આજે તેણે આ તમામ કન્યાઓના દિલના દીવા પ્રગટાવ્યા છે.
સામાજિક કલ્પનાઓ વિશે મેં કહ્યું – દુનિયા જેવી છે તેની દર્શાવવા માટે હિંમતની જરૂર છે, પણ એમ થવું જોઇએ. મેં એક નાનકડા બાળકની વાત કરી જે પોતાના પિતાને લોકલ ટ્રેન તરફ એમ કહીને લઇ જાય છે કે, ‘મારી ટ્રેનમાં દરેક માટે જગ્યા છે. એ પછી મેં એમને કલ્પનાશક્તિથી શું થઇ શકે તેની વાત કરી જે સૌને માટે ઉપયોગી હતી.
અમે શિક્ષણ સાથે સંબંધિત જવાબદારી, સેવા અને સમભાવ અંગે વાત કરી. ‘રચનાત્મકતા, સારવાર કે માત્ર સામાન્ય સંભાળ રાખીને પણ તમારામાંથી દરેક રાષ્ટ્રની સેવા કરી શકે છે.’ મેં તેમને કહ્યું કે માત્ર સેવા કરીને તેમની આગવી ઓળખ ઊભી કરે. એ પછી વિક્રમ-વેતાળની કથા પર રચનાત્મકતા અને કાલ્પનિકતાથી ભરપૂર એક નવીન નાટક ભજવાયું. વિદ્યાર્થિનીઓ તેમાં એટલી સરળતા અને આત્મવિશ્વાસથી અભિનય કરી હતી કે પળ વાર માટે તો હું ભૂલી જ ગઇ કે હું સ્કૂલની વિદ્યાર્થીઓનું નાટક જોઇ રહી છું. તેમનો પરફોર્મન્સ માત્ર મનોરંજક જ નહીં, વિચારણીય અને કલ્પનાસભર હતો. ઇવેન્ટમાં નાની બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ મને તેનું હાર્દ વધારે સ્પર્શી ગયું.
શિક્ષકોએ કન્યાઓને માત્ર પરફોર્મની જ તાલીમ નહોતી આપી, તેમણે વિચારવા, પ્રશ્નો પૂછવા અને અભિવ્યક્તિ અંગે પણ મદદ કરી હતી. સૌથી વધારે જો કોઇ બાબતો મને સ્પર્શી ગઇ તો તેમનું શિસ્ત અને સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન, ઉત્કૃષ્ટતા અને તાદાત્મ્ય, મહત્ત્વાકાંક્ષા અને માનવતાનું સંતુલન. સ્કૂલનું ધ્યેય છે ‘જીવન માટે શિક્ષણ’ જે છોકરીઓને જીવનમાં આવતા નકારાત્મક પડકારોનો હિંમતભેર સામનો કરતા શીખવે છે. સ્કૂલ્સ માટે સશક્તિકરણની વાત કરવાનું સરળ છે, જે વાસ્તવમાં જવલ્લે જ જોવા મળે છે. આરકેકેજીએસ સ્કૂલ માત્ર શિક્ષણ જ નથી આપતી, તેમનામાં પરિવર્તન લાવે છે.
બીજા દિવસે જોધપુરથી પાછી ફરતા, સૂર્યોદયનાં કિરણો બાલ સામંદ તળાવ પર પ્રકાશી રહ્યાં હતાં. તેનું નિર્મળ પાણી ચમકી રહ્યું હતું અને હું મારી કહેલી વાત અંગે વિચારી રહી કે પ્રકાશ અંધકારને દૂર કરે છે.
દાયકાઓ પહેલાં રાજમાતાએ આવો જ એક દીપક પ્રગટાવ્યો હતો. તેમના પુત્રે શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા જાળવવાની સાથે એ દીપકને પ્રજ્વલિત રાખ્યો છે જે હવે દરેક છોકરીઓ જે સ્કૂલમાં આવે છે, તેમનામાં પણ પ્રજ્વલિત છે. તેમનામાં ન હોય, તો બીજા કોનામાં હોય? અને અત્યારે નહીં તો પછી ક્યારે?
આરકેકેજીએસ સ્કૂલનો આ જ તો આત્મા છે અને ભારતની દીકરીઓ હોશિયાર અને નીડર છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ
-
આપણું જ આગવું ચોમાસું : વાદળાં અને તેના પ્રકાર
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
પરેશ ૨. વૈદ્ય
ઝરણુંઃ૪ માં ‘વાદળાં કેમ બને છે?’ એ વિષે ચર્ચા કરેલી.વાદળો ઘણા પ્રકારનાં હોય છે. વિવિધ સ્વરૂપોમાં દેખાય છે. જુદા જુદા આકાર, પ્રકાર તો ક્યારેક રંગ પણ જુદા. કોઈ કાળા ડીબાંગ તો કોઈ રૂના ઢગલાં જેવાં સફેદ. વિશ્વના વિવિધ પ્રદેશોમાં તેનો જુદો દેખાવ જોવા મળે. કેટલાંક વરસાદ આપી જાય તો કેટલાંક અમથાં અમથાં પ્રવાસ કરનારાં.અહીં વાદળાંના પ્રકારો વિશે સાદી સમજ રજૂ કરવામાં આવી છે.
આકાશમાં જો વાદળ દેખાઈ જાય તો તે વિવિધ સ્વરૂપોમાં દેખાય છે. જુદા જુદા આકાર, પ્રકાર તો ક્યારેક રંગ પણ જુદા. કોઈ કાળા ડીબાંગ તો કોઈ રૃના ઢગલાં જેવાં સફેદ. વિશ્વના વિવિધ પ્રદેશોમાં તેનો જુદો દેખાવ જોવા મળે. કેટલાંક વરસાદ આપી જાય તો કેટલાંક અમથાં અમથાં પ્રવાસ કરનારાં. નિષ્ણાંતો જ તેના દેખાવ પરથી તેના ઉદભવ અને કાર્ય બાબત કહી શકે પરંતુ સામાન્ય જન માટે અમુક સાદાં અવલોકન પૂરતાં છે.
ત્રણ જુદી જુદી ઊંચાઈએ વાદળાંનો વસવાટ છે. જમીનથી નજીક, મધ્યમાં અને બહુ ઉપર. દરેક સ્તરે ઓછામાં ઓછા બે પ્રકાર સ્પષ્ટ છે — એક ઘટાદાર, ગોટેગોટા જેવાં અને બીજાં પાતળાં, વિસ્તૃત ફેલાયેલાં. સૌથી ઉપરનો થર ૮થી ૧૦ કિ.મી. ઉપર હોય છે. શિયાળામાં ઘણીવાર સૂરજને આછો પાતળો ઢાંકી દેતાં ઝીણી ડિઝાઈનનાં આ વાદળાં છે. ક્યારેક તે ખેડેલાં ખેતરના ચાસવાળાં હોય તો ક્યારેક પંખીનાં પીછાં ફેલાયાં હોય તેવાં કે પછી જાળી પાથરી હોય તેવાં. અંગ્રેજીમાં તેને CIRRUS પ્રકાર કહે છે. આ ઊંચાઈએ હોતાં તે પાણી નહીં પણ બરફના સૂક્ષ્મ કણોનાં બનેલાં હોય છે.વચ્ચેની ઊંચાઈએ મળે તેને ALTO પરિવાર કહે છે. જમીનથી તેની ઊંચાઈ ૩થી ૬ કિ.મી. હશે. આનો થર પણ જાડો છે – ૧ થી ૨ કિ.મી. આમાં ઘટાદાર (Cumulus) અને પથરાયેલાં (Stratus) એમ બે પેટા પ્રકાર છે. આ વાદળાં વરસાદ આપી શકે છે. જો માત્ર આ થર હોય તો વરસાદ હંગામી, ટૂંકાગાળાનો હશે. સાથોસાથ નીચેનાં વાદળાં પણ હોય તો બંને મળીને સારો વરસાદ આપી શકે. ‘અલ્ટો’ વાદળામાં પાણી અને બરફ બંને હોઈ શકે.

સૌથી નીચેનો થર ઘનઘોર વાદળાંનો છે. જમીનથી માત્ર દોઢ કિલોમીટર દૂર એ તરતાં હોય છે. એના થરની જાડાઈ અરધો કિ.મી. હોય. પાણીનાં સૂક્ષ્મ ટીપાંથી બનેલાં આ વાદળ ચોમાસું ન હોય તો પણ દેખાય છે. ત્યારે એ સફેદ જ હોય છે. ઉદાહરણ તરીકે મે મહિનામાં દેશના પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં તે હોય છે. વરસાદની ઋતુમાં તેનો વિસ્તાર આકાશમાં વધી જાય છે. ઉષ્ણતામાન ઘટ્યું હોય તો તે થોડાં નીચે પણ ઉતરી આવે છે.

વાદળાંનો એક પ્રકાર છે જે આમ તો નીચેના સ્તરે હોય છે પરંતુ ભેજવાળી હવાની અસ્થિરતાના સંજોગોમાં એ ઊંચાઈના ત્રણે થરમાં વિસ્તરી શકે છે. તેનું અંગ્રેજી નામ Cumulo Nimbus છે; આપણે તેને ‘ગાજવીજનાં વાદળ’ કહી શકીએ કારણ કે ‘થંડરસ્ટોર્મ’ની ઘટના જોડે એ સંકળાયેલાં હોય છે. એની ઉત્પત્તિની વાત ‘વીજળી અને મેઘગર્જના’ના પ્રકરણ (પ્રકરણ-૮)માં કરી છે. આ વાદળાંમાં હવાની ઘનતા સ્થળે સ્થળે બદલાતી હોવાના કારણે વિમાન તેમાં હાલકડોલક થાય છે. ગાજવીજનાં વાદળમાં હવા ઉપર-નીચે પણ જતી હોય છે. વિમાનનું સંચાલન તેનાં વધુ મુશ્કેલી પેદા કરે છે. કેટલાક અકસ્માતો પણ તેનાં હવામાનમાં નોંધાયા છે.
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
તિલોર
પુસ્તક પરિચય
– ભદ્રા-વિક્રમ સવાઈ
ધ્રુવભાઈ ભટ્ટ સમયાંતરે તેમની કથાઓ પુસ્તક સ્વરૂપે આપતા રહ્યા છે. એ બીબાઢાળ નથી. દરેકે દરેકમાં એક આગવું પોત હોય છે. એ જ નીખરી આવતું હોય છે. અમે પ્રથમથી જ એમના ચાહક-ભાવક રહ્યા છીએ. આથી અમે એમની પુસ્તક-પ્રસાદીની વાટમાં જ હંમેશ રહેતા હોઈએ છીએ.

હજી હમણાં જ, તાજેતરમાં ‘તિલોર’ નામે – શીર્ષકથી પ્રકાશિત થયું છે. ધ્રુવભાઈ ક્યારેક એમનાં પુસ્તકોના શીર્ષકની છણાવટ પણ કરતા હોય છે. ‘તિલોર’ નામથી અમે એકદમ અજાણ હતા. એટલે ‘તિલોર’ શું? આથી તરત જ પુસ્તક ખોલ્યું. ત્યારે ખબર પડી કે આ એક કચ્છમાં વસવાટ કરતા પક્ષીનું નામ છે. પુસ્તકનો ઉઘાડ જ હૃદયસ્પર્શી છે. લેખક પક્ષી સાથે વાતચીત કરતા પૂછે છે, તારું નામ શું ? ‘તિલોર’ તેણે કહ્યું. નિશાળમાં ભણતી વખતે મેં કોઈ શબ્દકોશમાં ટિલોર શબ્દ વાંચ્યો હતો.
‘તમે બીજું બોલ્યા તે હશે. અમે તમારા જેટલું સરસ રીતે બોલી નથી શકતા.’ પેલાએ કહ્યું, અને ઉમેર્યું, ‘અને તિલોર પણ મારા એકલાનું નામ નથી. તમારી યાદી પ્રમાણે તો અમે અમારો આખો વંશ તિલોર કહેવાઈએ.’
આ જ વાત આગળ વધારતાં લેખક લખે છે, ‘હા, તારુંયે કોઈ નામ હોવું જોઈએ, હશે પણ ખરું પણ….’ ‘બસ આથી વધુ કોઈ કંઈ કહી શકતું નથી.’ હું બોલ્યો, ‘કુટુંબમાં કે સગાં-સંબંધીઓને, કોઈને તારા નામની ખબર ન હોય તે બહુ નવાઈ કહેવાય.’ ‘હા નવાઈ તો કહેવાય. પણ કોઈને તમે જેને કુટુંબ કહો છો તે ન હોય અને સગાં પણ બહુ જ થોડાં બચ્યાં હોય ત્યારે કોઈને એકબીજાનાં નામ ન આવડે તો તે નવાઈ નહીં કહેવાતી હોય.’ આ જાતનાં પક્ષીઓ વિલુપ્ત થતાં જાય છે એના સંદર્ભમાં કહેવાઈ છે. ત્યારે લેખક વ્યથા વ્યક્ત કરતાં લખે છે, ‘હું શું કરું ? છાતી ફાટી જાય તેવા ઉત્તરો મળે અને તરત બીજો એવો જ પ્રશ્ર્ન પણ પુછાય ત્યારે શું કરવું તેની ફરજ ભાગ્યે જ કોઈને હોય છે.’
પક્ષી સાથેના સંવાદ-વાતો ખૂબ મઝાનાં છે. આડકતરા ઈશારાઓ પણ છે, જે આપણે પકડવાના છે. પક્ષીઓની સાથે વાત કરતાં કરતાં તેમના અવાજને-ઉચ્ચારણને પકડી તેમનાં નામોની જે કલ્પના કરી છે એ અદ્ભુત છે. ‘અમે જન્મ્યા ત્યારે મા નજીક નહોતી, પણ કોઈ જોરથી બોલતું સંભળાયેલું, ‘યશ ક્લીક, જલદી કર યશ.’ એટલે અમે એક બચ્ચાનું નામ ‘યશ’ અને મારું નામ ‘ક્લીક’ એમ સમજેલાં. એવી જ રીતે બીજી જાતના પક્ષી ઘોરાડનાં બચ્ચાંનાં નામ પડેલાં. કોઈક બોલ્યું, ‘સૉ ક્યુટ’ એટલે એકનું નામ ‘સૉ’ અને બીજાનું ‘ક્યુટ’. ધ્રુવભાઈ લખે છે, ‘મેં સોઓઓ ક્યુઉઉટ પૂરા ભાવથી અને લહેકાથી બોલાતું હશે તેની કલ્પના કરી.’
આ પુસ્તકમાંની ઘણી બધી વાતો એકબીજા સાથે સંકળાયેલી છે. માનવતાની મહેક દરેકમાંથી ડોકાય છે જેમ કે ગંગાબા, કે રમીમા, આસ્કાના વગેરે સ્ત્રી પાત્રોમાં. સૌમાં અરસપરસ મદદ કરવાની સહજતા નજરે પડે છે. લેખકની એક વિશિષ્ટતા રહી છે કે એમની કથાઓમાં સ્ત્રી-પાત્રો એક આગવી રીતે તરી આવતાં હોય છે. એવું જ કંઈક આ પુસ્તકમાં પણ છે. રમીમા ગામમાં રહેતી બધી જ જિંદગીઓને સરળતાથી ઓળખતાં, પાસે આવવા દેતાં, સ્વીકારતાં અને તે જિંદગીઓની સમસ્યાને ઉકેલવા મદદ કરતાં. સૌ પ્રથમ પોતાની સમસ્યાને ઉકેલી. પરાણે વૃદ્ધ પુરુષ સાથે પરણી. તેના ત્રણ દીકરા સાથે. પરણી કે તરત જ બધાને લઈને, બીજા એક ગામમાં જઈને પોતાની જિંદગી કાળી મજૂરી સાથે જોડી દીધી. કડિયા-મજૂર તરીકે જ જીવ્યાં. ધીમે ધીમે ગામની સ્ત્રીઓને પણ એ જ કામમાં નિપુણ બનાવી પૈસા રળતી કરી. બચત કરતાં શીખવ્યું. કથાનાયકે જે બેંક ખોલી હતી તેમાં સૌનાં ખાતાં પણ ખોલાવ્યાં. સ્વનિર્ભર બનાવી. આપણે ત્યાં પહેલેથી જ સ્ત્રી સશક્તિકરણ હતું. માત્ર મહિલા દિવસ ન ઉજવાતો.
આવો એક બીજો પ્રસંગ જાણીએ. લેખકને, બેંક કર્મચારી હોવાથી ઝાડ-વૃક્ષો વાવવાનું ફરમાન થાય છે. એ માટે સૌની સાથે એ અંગે વાત કરે છે, એનું મહત્ત્વ સમજાવે છે. ઝાડ-વૃક્ષો જમીન પર રોપાવાં જ જોઈએ. ત્યારે ત્યાંનો સ્થાનિક એક અભણ માણસ કહે છે, “ઝાડ વાવો કે ગમે તે કરો. આ તો સરકારની માલિકીની વાત કરી, તો સરકાર બનાવનાર તો આપણે ને ! રાજા કે સરકાર માણસોએ કેમ રે’વું, કેમ નૈ એના કાયદા ભલેે નક્કી કરે પણ ધરતીએ કેમ રે’વું એ સરકાર થોડી નક્કી કરે ? સરકાર જમીનને વતાવે જ શું કામ ? જમીન ક્યાં મત આપવા ગઈ’તી ?” લેખકનું મનોમંથન ચાલે છે અને સ્વગત બોલે છે કે “આદિકાળથી આજ સુધી અનુત્તર રહેલી આ પરિસ્થિતિએ પૃથ્વીને અને તેના પર પાંગરેલા તૃણથી લઈને મનુષ્ય સુધીના તમામ સજીવોને અતિ, અતિ, અતિ વિષમ પરિસ્થિતિમાં મૂકી દીધો છે. ફરી પાછો પેલા અભણનો બડબડાટ સંભળાયો કે ‘જમીનુંને જેમ ફાવે તેમ રગડાવો, પણ યાદ રાખજો, ધરતી તો મા છે. એના ખોળામાં રે’વાય. એને ગમે તેમ રગડાય નૈ. કો’ક દી શ્રાપ દઈ બેસે ત્યારે ભારે પડી જાશે.’ આવો જ એક અનન્ય પ્રસંગ છે. એક રબારીની ભેંસ ખોવાઈ અને મળતી નથી. મુસલમાન બહેનને તે મળી. ભેંસ તો મરી ગઈ પણ તેનું બચ્ચું અદ્દલ તેની મા જેવું છે. એટલે મા નહીં તો તેનું બચ્ચું પરત કરવા જાય છે ત્યારે તે વખતનો વાર્તાલાપ હલાવી નાંખે તેવો છે. બંને પક્ષે હૃદયની વત્સલતા, માનવતા, સમજણની ઊંચાઈ નવાઈ પમાડે તેવી છે. આંખોમાં આંસુ ઊભરાઈ આવે તેવી છે. મનના મોટપની વાત સ્પર્શી જાય તેવી છે.
આવી જ વાતો ઊંટોને પણ છે. કાદવ વિસ્તારમાંથી પસાર થવાની અને કાદવમાં ફસાયેલા ઊંટને કાદવમાંથી કેવી રીતે બહાર કાઢવું તેની. સહિયારા પ્રયાસોથી આફતોને ઓળંગે છે તેની રોચક કથાઓ – પ્રસંગો છે. જત-ઊંટ એક જ તત્ત્વે સ્થિત છે. બંને એકબીજાથી એવા સંબંધિત છે કે એ સંબંધનું નામકરણ અશક્ય છે. એક-બીજાના સુખે-સુખી અને દુ:ખે દુ:ખી એવા અરસપરસ આશ્રિત છે. સાવલાપીર ફકીરાણી જત લોકોના પીર છે. એમનાં જે વચનો છે એનાથી જત લોકો બંધાયેલા છે. એ પણ સમજવા જેવું છે.
અભણના મુખેથી વિભાજનની વાત કહેવાઈ છે તે હૃદયને હલબલાવનારી છે. ઈબલાના મુખેથી જ સાંભળીએ : “જન્મથી તેની ઉંમરનાં સાઠ વરસ સુધી ઈબલો અને તેનાં ઊંટ, બકરાં-ઘેટાં કચ્છથી આ તરફ છેક બંગાળના છેડે અને આ તરફ સિંધ વીંધતાં બલોચ અને અફઘાન કબીલાઓમાં નિરાંતે જઈ શકતાં. ૧૯૪૭ના વરસાદી દિવસોમાં એક રાતે ન જાણે શું બન્યું કે આ બધાને કચ્છીભૂમિ વળોટવાની મનાઈ થઈ ગઈ. ‘રાતે સૂતા સુધી બેહદમાં હતાં સવારે જાગતાં પહેલાં તો હદમાં આવી ગયાં.’
“સંસ્કૃતિઓનાં આદાન-પ્રદાન અટકી પડ્યાં. આનંદના કે દર્દભર્યાં ગીતોની આપ-લે અટકી ગઈ, કહેવતો અને રહસ્યકથાઓ વિસરાવા માંડ્યાં. સરળ અધ્યાત્મની રેશમ-દોરી ક્યાંક ગંઠાઈ ગઈ. સાહિત્ય અને સંગીતના લય પણ બે ભાગમાં વહેંચાઈ ગયાં. મારા જેવાને એ ક્યારેય નથી સમજાવાનું કે અનહદને હદ લાગી જાય એટલે શું ?”
પુસ્તકનો ઉઘાડ જેટલો સુંદર છે એટલો જ અંત પણ સુંદર છે. કથાનાયક બેંકમાંથી રાજીનામું આપે છે. વતન જવા નોકરી છોડે છે. એટલે વિદાયવેળાએ સૌને હાય-હેલ્લો કરવા નીકળે છે. સોહનચીડિયા (પક્ષી) મળે છે ને પૂછે છે, “બોલો બોલો તમારાં નામ તો કહો. લોકો તમને જોઈને શું બોલે છે તે જાણું તો ખરો !” ‘મારું નામ’…. એક સોહનચીડિયા બોલી ‘પરહેપ્સ’ (ઙયવિયાત) કદાચ. લાસ્ટવન (હફતિં જ્ઞક્ષય) છેલ્લી એક માત્ર.
કવિ-લેખક ધ્રુવભાઈને સો-સો સલામ. ગૂર્જર ગ્રંથરત્નને પણ આવા પ્રકાશન બદલ અભિનંદન.
પ્રાપ્તિસ્થાન : ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧.
ભૂમિપુત્ર : ૧ એપ્રિલ, ૨૦૨૫
-
ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી : જ્વલંત કર્મશીલ અને હેતાળ ‘મા’
સુદર્શન આયંગાર
“બાબુભાઈ, આ તમારી કૉફી.”
“સુદર્શન તુમ્હારી ચાય બના લો, પાની ચડા દિયા હૈ, મેરી કૉફી બના લી હૈ.”
“બાબા, તુમ દૂધ લેને જા રહે હો ના, રાત કા દૂધ ખતમ હૈ.”
મળસ્કે ૫.૩૦ વાગ્યે બોલાતા આ શબ્દો હવે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના પરિસરમાં, દેસાઈ-ગાડેકર નિવાસમાં ક્યારેય કાને નહીં પડે. બોલનારી ડૉ. સંઘમિત્રા દેસાઈએ (ગુજરાતમાં ઉમાબહેન અને ઉમાદીદીને નામે જાણીતાં) ઇહલોકમાંથી અચાનક વિદાય લીધી. પહેલું વાક્ય જેને માટે હતું તે તો એના પિતા નારાયણ દેસાઈ, જેને અમે સહુ બાબુભાઈ કહીને સંબોધતા. તેઓ તો ૨૦૧૫માં જ ગયા. ઉમાબહેનને એક પછી એક સ્ટ્રોક આવ્યા. બીજા સ્ટ્રોકને સહન કરી તેમાંથી બને તેટલી સ્વસ્થતાપૂર્વક નીકળવાની કોશિશ મક્કમતાથી ચાલી રહી હતી. પહેલા સ્ટ્રોકથી તો આબાદ નીકળેલાં એવું કહેવાય. હારે એવાં તો હતાં નહીં. પણ ૨૭મી ના રોજ થયેલો હૃદયરોગનો ગંભીર હુમલો જીવલેણ નીવડ્યો. એમાંથી પણ કદાચ હેમખેમ નીકળ્યાં હોત ! એંજિઓપ્લાસ્ટી તો બરાબર થઈ પણ પછી હૃદયના એક વાલ્વને નુકસાન થયું, જેમાંથી આબાદ નીકળી શકાય એવું ન હતું. સર્જરી એક ઉપાય હતો. આશાનું કિરણ દેખાયું એટલે શરીર સામાન્ય થાય તે માટે વેંટિલેટર પર બે દિવસ માટે મૂક્યાં પણ દેવધાર્યું થયું અને ઉમાદીદી પરલોકની યાત્રાએ નીકળી ગયાં. એ અચાનક થયું અને તે સૌને આઘાતજનક લાગ્યું. ઑગસ્ટ મહિનાની ૨૪ (૨૦૨૫) ના રોજ આયુષ્યનાં ૭૭ વરસ પૂરાં કર્યાં હોત પણ વચ્ચે જ ગયાં.

ઉમા તો વેડછીની લાડકી દીકરી. વિદાય વેળાએ ગ્રામશાળામાં ભણતાં અને આજે હયાત લગભગ બધાં સહપાઠી મિત્રો, વડીલો અને સમવયસ્ક અને નાની બહેનો ઉમાદીદીની ગમગીન વિદાયમાં હાજર. ગ્રામશાળામાં સાથે ભણેલા અશોકભાઈ ચૌધરીના આંસુ તો ચાલ્યા જ જાય. આ દુ:ખદ પ્રસંગે એમની સાથે રહેલા અને નજદીકી અનુભવતા સહુ વિદાય આપવા પહોંચ્યા હતા.
મહાદેવ દેસાઈ-દુર્ગાબહેન અને ઓડિશાના નબકૃષ્ણ ચૌધરી-માલતીદેવીની પૌત્રી-દોહિત્રી અને નારાયણભાઈ-ઉત્તરાબહેનની દીકરી વારસામાં તો ઘણું-ઘણું લાવેલી અને તેના પર વેડછી, બનારસ, કલકત્તાનો ઉછેર, ભણતર અને ગાંધી-વિનોબાના બૃહદ પરિવારનું વાતાવરણ. એવા ઉછેરના લીધે ભાગ્યે જ કોઈ સ્વભાવ કે પ્રતિક્રિયા રૂપે વિચારદોષ. ક્યારેક નકારાત્મક થઈ જાય. બાકી તો ‘રંગાઈ જાને રંગમાં’ ગીતના બોલ જાણે પૂરેપૂરા આત્મસાત્ કર્યા હતા.
મા ઉત્તરાબહેન જાણે-અજાણે એમના આદર્શ થઈ ગયાં એવું એમને જોનારને લાગે. પિતાની વિદ્વત્તા પણ આવેલી જ હતી. ૧૯૪૮માં ભણતરના પાયા તો વેડછી ગ્રામશાળામાં જ નખાયા. નારાયણભાઈનો પરિવાર બનારસ તો ૧૯૬૦માં ગયો, ત્યાં સુધી વેડછી સ્વરાજ આશ્રમની ગ્રામશાળામાં જ ભણ્યાં. એમનું શાળાકીય ભણતર ઘણી જગ્યાએ થયું. વેડછી, વડોદરા, આંબલા, ઓડિશા અને છેલ્લે બનારસ. બનારસમાં ગંગાકાંઠે આવેલી અને ૧૯૨૭માં સ્થાપિત, જે. કૃષ્ણમૂર્તિની વિચારધારા પ્રેરિત રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં ભણવાનું થયું. એ મેધાવી છાત્રા હતાં.
૧૯૬૭માં નીલ રતન મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ, કલકત્તા (હાલ કોલકાટા)માં એમ.બી.બી.એસ.માં દાખલ થયાં. તબીબ તો થયાં, સાથે જ બંગાળી સરસ શીખ્યાં. ઓડિયા તો માતૃભાષા. આમ ગુજરાતી, ઓડિયા, બંગાળી અને હિંદી પર ગજબ પ્રભુત્વ ધરાવતાં થયાં. ઘણાં વર્ષો વેડછીમાં રહ્યાં એટલે સ્થાનિક ગ્રામજનો સાથે તેમની ચૌધરી બોલીમાં પણ સહજતાથી વાત કરતા એટલે એક આત્મીયતાનો નાતો બંધાતો. હિંદી સાહિત્ય પણ ઘણું વાંચ્યું. ગાંધી-વિનોબા સાહિત્ય અને વિચારજ્ઞાન તો માતા-પિતા અને ઘરે આવનારાં ઘણાં-ઘણાં મહેમાનો પાસેથી સહેજે મેળવ્યું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધના લીધે આજના બાંગ્લાદેશમાંથી હજારો હિજરતી ભારત આવ્યા. ત્યારે શરણાર્થીઓના શિબિરોમાં અનેક પ્રકારની સેવાઓ આપી. ૧૯૭૨માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. એ દરમિયાન ૧૯૭૨ના આરંભે ભાવિ જીવનસાથી સુરેન્દ્ર ગાડેકર સાથે પરિચય થયો. એ બાબા તરીકે ગુજરાતી સર્વોદય જગતમાં ઓળખાય છે. તેઓ આઈ.આઈ.ટી. કાનપુરના મેધાવી વિદ્યાર્થી અને ત્યાંથી ફિઝિક્સમાં ડૉક્ટરેટ મેળવી. બંને મળ્યાં અને બેઉને એકમેકમાં જીવનસંગાથી દેખાયા. ઑક્ટોબર ૧૯૭૨માં પરણી ગયાં. બહેન-બનેવીની વાતો ભાઈ નચિકેતા મારી સાથે હોસ્ટેલમાં રહેવા આવ્યો ત્યારે બડાઈથી કરે. અને હું તો પ્રભાવિત. બંનેને મળવાનું મોડેથી થયું.
૧૯૬૦-૬૧ થી ૧૯૮૯ સુધી એટલે લગભગ ૩૦ વરસ બનારસ-કલકત્તા-અમેરિકામાં ભણી, કામ કરી ખૂબ અનુભવ સાથે ૧૯૮૯માં ઉમાબહેન વેડછી પરત આવ્યાં. નારાયણભાઈ ૧૯૮૧માં ઉત્તરાબહેન સાથે વેડછી પાછા ફર્યા હતા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય શરૂ કર્યું. ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ આવીને જોડાયાં એનું એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન હતું. ત્યાર બાદ ઉમાબહેન અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અભિન્ન બની રહ્યાં અને આ સાથ મૃત્યુ સાથે જ છૂટ્યો. સુરેન્દ્રભાઈ અને ઉમાબહેને લોક- સેવક તરીકે જીવનદાન કર્યું. વિદ્યાલયના અંતેવાસી, શિક્ષક અને કર્મશીલ તરીકે જીવ્યાં. નારાયણભાઈના ગયા પછી તેઓ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ પણ રહ્યાં.
સંઘર્ષ અને રચના
૧૯૮૪માં યુનિયન કાર્બાઈડ, ભોપાલમાં ગેસલીકની ભયાનકતા અને ૧૯૮૬માં રશિયાના ચેર્નોબિલ અણુમથકમાંથી અકસ્માતે નીકળેલી રેડિયોએક્ટિવયુક્ત પ્રદૂષિત હવાએ માનવતાને હચમચાવી મૂકી. માણસના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સ્થાપવામાં આવેલા આ ઉદ્યોગોની ભયંકર આડઅસરના ભણકારા વાગ્યા. અપમૃત્યુ, ગંભીર માંદગીઓ, જન્મજાત ખોડખાંપણ વગેરેના કિસ્સાઓ પરત્વે જાગરૂક નાગરિકોની નિસ્બત જાગી. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના ડૉ. સુરેન્દ્ર ગાડેકર ભૌતિક જ્ઞાનના વિષયનિષ્ણાત અને ઉમાબહેન તબીબી જાણકાર. ગંભીર ચર્ચા-વિચારણા ચાલી. નારાયણભાઈ અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય યુદ્ધ અને અણુશસ્ત્રોની વિરુદ્ધ ચાલતાં આંતરરાષ્ટ્રીય મોરચાઓ અને આંદોલનને ટેકો કરનારાં અને સક્રિય રીતે જોડનારાં. દેશમાં અણુઊર્જા દ્વારા વીજળી બનાવવાનાં મથકોને લીધે થવા પામતી અને ભવિષ્યમાં થનારી અસરોના અભ્યાસ અને તે અંગેની લોકજાગૃતિ માટે અણુમુક્તિ પત્રિકા શરૂ કરવામાં આવી.
અણુમુક્તિની આ જે યાત્રા શરૂ થઈ તેમાં ઉમાબહેન પૂરેપૂરાં ખૂંપ્યાં. કાકરાપાર દેખાવો હોય કે કુડનકુલમ આંદોલન બધે જ પહોંચ્યાં. દિવસ- રાત જોયા વગર વિરોધના કાર્યક્રમોમાં આયોજન અને અમલીકરણ બેઉમાં મોખરે. સુરેન્દ્રભાઈ બૌદ્ધિક બળ અને ઉમાબહેન કર્મબળ. આખા દેશ અને દુનિયામાં આ દંપતીની ઓળખ અણુમથક વિરોધી બૌદ્ધિક અને કર્મશીલ તરીકે ઊપસી આવી. ડૉ. સંઘમિત્રા ગાડેકર જદુગોડા, ઝારખંડની યુરેનિયમની ખાણો હોય કે રાવતભાટા, રાજસ્થાનનું અણુમથક હોય, એમાં લોકઆરોગ્ય અને પર્યાવરણ પર થનારી જોખમી અસરો વિશેનો અભ્યાસ કરનાર પહેલા તબીબ છે. સ્વયંસેવકોની ફોજ ઊભી કરી વૈજ્ઞાનિક ઢબે સર્વે કરનાર ગાડેકર યુગલ દેશમાં મોખરે છે. આ મેડિકો-એંથ્રોપોલોજિકલ અભ્યાસો વડે એમણે લોકો અને સરકાર સમક્ષ સર્વેમાં બહાર આવેલાં પ્રમાણ મૂક્યાં કે જેમાં અણુમથકોની પાસેની વસ્તીમાં જન્મજાત ખોડખાપણ, વંધ્યત્વ, ચામડીના રોગો અને કૅન્સર જેવા રોગોનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે. અણુમથકો પાસેથી સાચા આંકડા મેળવવાના પૂરા પ્રયાસો કર્યા અને આ મથકો જાણકારી છુપાવે છે અને દેશની સુરક્ષા અંગેની નાજુક માહિતી છે એમ જણાવી માહિતી પૂરી નથી પાડતા તે હકીકત પણ સામે લાવ્યાં.
તેઓ બંને ગુજરાત કે દેશમાં ચાલતાં અનેક લોકઆંદોલન તરફ એક નજર તો રાખતાં જ. શક્ય હોય ત્યાં મુદ્દા અને લોકો સાથે ઐક્ય દર્શાવવા જોડાતાં પણ ખરાં. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તૈયાર થયેલા ગુજરાતના અને ગુજરાત બહારના કર્મશીલોની અવરજવર વિદ્યાલમાં હોય જ અને આવીને સલાહ-સૂચનો માંગે અને લે. ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી રમખાણોમાં બેઘર-બેહાલ થયેલા અને શિબિરોમાં રહેતા પરિવારોને મળી શાતા આપવાનું અને કોમી એખલાસ માટેના પ્રયાસો માટે સામેલ થવામાં ઉમાબહેન પાછાં નહોતાં પડ્યાં. માબાપથી વિખૂટાં પડી ગયેલાં બે બાળકોની વીતક જોઈ-સાંભળીને એવાં દ્રવી ઊઠ્યાં કે બેઉ ભાઈઓને વિદ્યાલય લઈ આવ્યાં અને એમનાં મા બનીને ઉછેરીને મોટા કર્યા. પાછળથી એનાં મા અને બહેનો મળી આવ્યાં, તેના મિલાપ માટે પણ એટલી જ જહેમત લીધી. પણ બાળકોએ નિર્ણય કર્યો કે ઉમાદીદી પાસે જ રહીને મોટા થશે. બેઉ વિદ્યાલયમાં જ ઊછર્યા. ઈમરાન ટેકનિકલ બાબતોમાં હોશિયાર હતો. શાળાએ ગયો, ભણ્યો પછી એ વડોદરા નિસર્ગોપચાર કેન્દ્રમાં જઈને માલિશના કામમાં તાલીમ પામ્યો. સરસ તૈયાર થયો અને આજે કચ્છના એક નિસર્ગોપચાર કેન્દ્રમાં માલિસ કરનાર તરીકે સેવા આપી રહ્યો છે. પરણ્યો અને એક બાળકનો પિતા છે. નાનો મોહસીન ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થઈ બ્રાઝીલ ગયો અને ત્યાં રોજગારી મેળવે છે. ઈમરાનને સમાચાર મળ્યા અને તરત ટ્રેન પકડી સવારે તો દીદી પાસે આવી ગયો. દીદીના નિષ્પ્રાણ દેહ પાસે પોક મૂકીને રડ્યો. એણે પાલક મા ખોઈ.
ઉમાબહેને વસ્ત્રવિદ્યાના દરેક પાસાની ઊંડી સમજ કેળવેલી. જયપુરના વસ્ત્ર વિદ્યા નિષ્ણાત ‘પાપાશા’ અને ઉમાબહેનની વસ્ત્રવિદ્યાની કાર્યશાળાઓએ વિદ્યાલયમાં કેટલાંય ભાઈ-બહેનોને તાલીમ આપી. ઘણા કારીગરો જે કામ વગરના થઈ ગયા હતા એમને રોજગાર મળતો થયો. એ જ સમયગાળામાં વાંસકામ માટે ભાઈ અશોક કોટવાળિયા અને તેની પત્ની પણ વિદ્યાલય પરિસરમાં વાંસકામ કરવા નિયમિત આવવા લાગ્યાં. ઉમાબહેન આર્કિટેક્ટ-ડિઝાઈનર બિનીતા પંડ્યા સાથે નવી ડિઝાઈનનો વિચાર કરે, ફર્નીચર બનાવવાના પ્રયોગો કરે અને કરાવે. આમ ગ્રામોદ્યોગના પ્રયોગો અને ઉત્પાદનનો એક નાનો પણ ખૂબ અસરકારક ગાળો ગયો. એક વિશેષ ઉલ્લેખ કરવો જ પડે. ખાદીની દુનિયામાં ભેળસેળનો પ્રવેશ તો ક્યારનો જ થઈ ગયો હતો. પણ ઉમાબહેને અંબર ચરખો પણ પાસ ન કર્યો. પેટી રેંટિયો જ કાંત્યો અને કંતાવ્યો. પેટી રેંટિયા પર કાંતણ યજ્ઞ તો છેલ્લે સુધી ચલાવ્યો. જરૂર પડી તો તે માટે ખાસ નિલગીરીના સ્થાનિક વૃક્ષમાંથી પેટી વગરનાં કિસાનચક્ર બનાવડાવીને સહજ સુલભ કર્યાં. મુ. તરલાબહેન વિદાય વેળાએ બોલ્યાં ‘સમૂહ કાંતણમાં ઉમા જોડે કાંતીને આંટી બનાવેલી તે દીકરીની વિદાય માટે કાઢી.’ નારાયણભાઈએ પેટી રેંટિયાના કાંતણને ચક્રોપચાર કહ્યું હતું અને એ ઉપચાર ઉમાબહેને પણ પહેલા સ્ટ્રોક પછી સફળતાપૂર્વક કર્યો. બીજા સ્ટ્રોક પછી પણ એ દિશામાં જ હતાં. ગુજરાતમાં ગાંધી માર્ગે વસ્ત્રવિદ્યા અને ગ્રામોદ્યોગના ક્ષેત્રે સફળ પ્રયોગો કરનાર વ્યક્તિઓની ગાંધીના ગયા બાદની પેઢીમાં ઉમાબહેનનું નામ મોખરે છે.
૧૯૮૯માં ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ કાયમી વસવાટ કરવા માટે વેડછી આવ્યાં એની પાછળ એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન પણ હતું. વેડછીમાં નારાયણભાઈ એકલા પડ્યા. દીકરી ઉમા સુરેન્દ્ર અને દુઆ (ચારુસ્મિતા)ને લઈ કાયમ માટે વેડછી આવી. ઉત્તરાબહેનનો વારસો તો ખરો જ અને ઉમા વિદ્યાલયની મા બની. ૧૯૮૯ થી ૨૦૨૫, જીવનના ૩૫ વરસ કંઈ ઓછા નથી હોતા ! ઉમાબહેને જીવનનાં આ ૩૫ વરસ સં.ક્રાં. વિદ્યાલયને સમર્પિત કર્યાં. સાબરમતી આશ્રમના મગનલાલ ગાંધી જોઈ લો અને વિદ્યાલયનાં ઉમાબહેન. વળી માની કુમાશ અને સ્ત્રીસહજ ઋજુતા તો જોવી જ રહી. ગૃહિણી, મા, શિક્ષક, મિત્ર, જ્વલંત કર્મશીલ એ તમામ ભૂમિકાઓ એક પાત્રમાં વણાઈ ગઈ. વળી સ્વાધ્યાય ચૂકી ન જવાય. સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન પુસ્તકો મંગાવે, વાંચે, વંચાવે અને ચર્ચાઓ થાય.
વિદ્યાલયમાં પ્રશિક્ષણ શિબિરો થાય, તે વિદ્યાલય સ્થાપનાનું એક મુખ્ય ધ્યેય. જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નું સૂત્ર આપ્યું પણ એનું ક્લેવર શું ? એ ઘડાયું વિદ્યાલયમાં. સંઘર્ષ, રચના, સ્વાધ્યાય, પ્રશિક્ષણ. સમૂહ જીવન, ઉત્પાદક શ્રમ અને વિચાર સૂત્ર – ત્રણેય પ્રશિક્ષણનાં અંગ. સંપૂર્ણ ક્રાંતિને સમજવા, અભ્યાસ કરવા માટેની જંગમ વિદ્યાપીઠ એટલે સં.ક્રાં. વિદ્યાલય. એના કુલગુરુ નારાયણ દેસાઈ ખરા, પણ મહામાત્ર તો ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાબહેન. વિદ્યાલયમાં કોઈ ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ નહીં; માત્ર પસાર થવાનું અને જેટલું નીખરી શકાય તેટલો નીખરવા પૂરતો અવસર. કાંતણ, વણાટ, રંગાઈ, વસ્ત્ર સીવણ, ખેતી કામ, બાગબાની, રસોઈ અને સફાઈ એ બધાને ગોઠવવાનું કામ ઉમાબહેનનું. ૨૦૦૬ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અમે થોડાક મિત્રો નારાયણભાઈને વિનંતિ કરવા આવ્યા કે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ બની માર્ગદર્શન આપે. ચર્ચાઓમાં ઉમાબહેન હાજર અને સક્રિય. એમણે ઘણી નિસ્બતો વ્યક્ત કરી હતી. આ જવાબદારીમાં શ્રમ, મુસાફરી અને કામ એ બધાં વિશે ઝીણવટથી પૂછપરછ કરી હતી, મા દીકરાને બહાર મોકલે ત્યારે બધી તપાસ કરે એવી જ તપાસ હતી.
ઉમાબહેનના મોસાળની વાત રહી ન જવી જોઈએ. ઓડિશાનો પ્રભાવી પરિવાર. ગાંધી-વિનોબા માર્ગે ઈમાનથી ચાલવાવાળા નબકૃષ્ણ ચૌધરી ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી ઓડીશાના મુખ્ય પ્રધાન. ઉમાબહેનનાં નાની માલતીદેવી ચૌધરી એવાં ક્રાંતિકારી કે પતિ મુખ્યપ્રધાન થયા ત્યારે ચોખ્ખું કહેલું કે લોક વિરુદ્ધ કામ કરશો તો તમારી સાથે લડનારી હું પહેલી હોઈશ! આ પરિવાર સાથે દીકરી ઉત્તરાબહેન પછી સંબંધો સાચવ્યા હોય તો ઉમાબહેને. એ પરિવારની નાની દીકરી એટલે કૃષ્ના માસી. અમે પણ માસી જ કહીએ. ઉમાબહેનની એ માસી કરતાં બહેનપણી વધુ. હજી એપ્રિલના આરંભમાં હું અંગુલ (ઓડિશાનું શહેર જ્યાં ચૌધરી પરિવારે આશ્રમશાળા કરી અને સ્થાયી થયા) ગયો હતો અને મેં ઉમાદીદીને ફોન કર્યો અને કહ્યું કે કંઈ સંદેશ ? ઉમાદીદી કહે કે માસીને વેડછી આવીને રહેવાનું કહેજે. માસી એક મહિના પછી લાંબું રહેવા આવવાનાં હતાં અને ઉમાબહેન તો ગયાં. માસીનો ફોન પર જ કરુણ વિલાપ !
વેડછી ગાંધી વિદ્યાપીઠના પરિસરમાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય. નારાયણભાઈ તો આદરણીય. ઉમાબહેન માટે પણ સૌને પ્રેમ. શિક્ષક, કાર્યકર અને વિદ્યાર્થીઓ બધા સાથે પ્રેમાળ સંબંધ. આગળ જણાવ્યું તેમ ગામની તો દીકરી જ. માંદગી અને મૃત્યુના સમયમાં વિદ્યાપીઠ અને ગામ બંને ઊમટ્યાં. અંત્યેષ્ટિ માટે અમારે કાંઈ કરવાનું આવ્યું જ નહીં. ઉમાબહેનના શાળાના સાથીઓ, મિત્રો, વડીલો, યુવાઓ બધાએ આવીને તમામ વ્યવસ્થા કરી અને મૃત શરીરને પણ કોમળતાથી અંતિમધામ પહોંચાડી ચૌધરી વિધિથી જ ગામની દીકરીને વિદાય કરી. ગામ સાથે આટલો ઘનિષ્ઠ અને પોતીકો સંબંધ ભાગ્યે જ કોઈ ગાંધી-વિનોબાના કાર્યકરને હશે. એક તેજસ્વિની, પ્રતિભાશાળી, ખંતીલી, ગાંધીવિચારને વરેલી અને એ જ રીતે જીવન જીવીને કિરતારના ઘરે ઊપડી ગઈ. એ દયામયે ઉમાબહેન માટે મંગળ મંદિરનાં દ્વાર ખોલ્યાં જ હશે અને એમને ઉરમાં લીધાં જ હશે.
‘આર્ચ’, ધરમપુર.
ભૂમિપુત્ર, ૨૫ જૂન ૨૦૨૫
-
અધ્યાત્મની ઉષા : મુક્તાબાઈ
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
‘કાળ અનંત છે અને પૃથ્વી વિશાળ છે.’ – એ ભવભૂતિવિધાન પ્રમાણે જગતના વિશાળ પટ ઉપર અનેક લોકોએ, જુદો જુદા ક્ષેત્રોમાં પોતપોતાની કક્ષા વિરલ અને ઉમદા રીતે પ્રગટ કરીને ઇતિહાસને વિભૂષિત કર્યો છે. કાળના અનંત પ્રવાહમાં થોડા સમય દરમિયાન આવીને કેટલોક વ્યક્તિઓ પોતાની અમીટ છાપ છોડી જતી હોય છે; કેટલીકનું નામ તો તેના યુગ સાથે પણ જોડાઈ જતું હોય છે; અને કેટલીક વ્યક્તિઓ સમય સાથે શાશ્વત રીતે સંકળાઈ જતી હોય છે. આ ત્રીજા પ્રકારમાં સમાવેશ પામતી વ્યક્તિઓ માટે આપણે ત્યાં ‘અવતાર’ એવો શબ્દપ્રયોગ કરરામાં આવે છે. સાંપ્રત સમયમાં આ શબ્દના અતિવપરાશને લઈને એનુ ગૌરવ ઘસાઈ ગયું જણાય, પણ મૂળમાં એનો અર્થ બહુ મોટો છે.
“અવતાર’ શબ્દનું વિવરણ આ રીતે કરવામાં આવે છે : તૃ – તરતિ – તરવું. तृ ધાતુને अव ઉપસર્ગ લાગતાં अवतरति શબ્દ બને છે. अवतरतिનો અર્થ છે – નીચે ઊતરે છે તે. એન! પરથી નીચે આવનાર વ્યક્તિ તે અવતાર – એવો અર્થ કરવામાં આવે છે.ઘરતી ૫૨ જન્મ પામીને જે વ્યક્તિ ક્રમિક રીતે વિકાસ ભણી ગતિ કરે છે તે ‘યાત્રી’ છે. અવતાર નથી. અગતાર તો તે છે જે કશુંક વિશેષ લઈને જન્મ્યો છે. દુનિયામાં આવીને એનામ! રહેલું વિશેષ તત્ત્વ, અનુકૂળતાએ પ્રગટ થતું રહે છે. એ તત્ત્વ, એનામાં જન્મજાત છે. આ પ્રકારની વ્યક્તિ, પોતાના જ આગળના સંદર્ભનો વંશ પોતાના લોહીમાં લઈને જન્મતી હોય છે જેના માટે કૃષ્ણે ‘शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते’ તથા ‘योगिनाभेव कुले भवति धीमताम्’ . મહારાષ્ટ્રના મહાન સંત તુકારામે પણ કહ્યું છે : आम्हीં वैकुंठवासी । आलो याची कारणासि।. “અમે વૈકુંઠવાસી છીએ. અમે ઉપરથી નીચે આવ્યા છીએ.’ ‘નીચે આવવું’ અહીં શ્લેષમાં વપરાયો છે. માણસ નીચેથી ઉપર જવું પસંદ કરે, અવતાર ઉપરથી નીચે આવવું પસંદ કરે. કારણ કે તેનું કામ છે સૌને સમાન બનાવવાનું; તેનો મંત્ર છે “सहनौभुनक्तु”. . પોતાને મળેલું ધન સૌ ભોગવે એવું જે ઇચ્છે તે અવતાર, ને એ ઇચ્છા અમલમાં આણે તેથી તેનું કાર્ય બને અવતારકૃત્ય.
‘અવતાર’નો અર્થ આપણે ચમત્કારિક વ્યક્તિ કરીને તેને કેવો અન્યાય કરી બેસીએ છીએ ! અવતાર તો મનુષ્યનો સંબંધ ‘સ્વ’ સાથે જોડે છે. આ પ્રકારના અવતારિત લોકો દુનિયાના પટ ઉ૫૨ અચાનક આવી ચડીને સમાજને કૃતાર્થ બનાવતા હોય છે. યુગે યુગે આવું અવતારકૃત્ય સતત ચાલતું રહે છે. યુગની માંગ પ્રમાણે અવતારનું રૂપ પણ ભિન્ન ભિન્ન રીતે પ્રગટ થતું રહેતું હોય છે . આથી જ દરેક અવતારી વ્યકિત મૌલિક મુદ્રા લઈને પ્રગટે છે; સ્ત્રીરૂપે પણ એનું પ્રાકટ્ય થાય છે ને પુરુષરૂપે પણ. આથી જ દરેક અવતારી વ્યક્તિને ઓળખવામાં સમાજ થાપ ખાઈ જાય છે, કેમકે એની મુદ્રા આગળના પ્રસ્થાપિત થઈ ચૂકેલા અવતાર કરતાં તદન જુદી હોય છે. આમ બનવાને કારણે દરેક અવતાર એના સમય પછી ઓળખી શકાતો હોય છે ને છતાં વૈચારિક તાજગીને લઈને કોઈ અવતારી વ્યક્તિ કદી વાસી બની જતી નથી. કહેવો હોય તો દરેક અવતારનો આ ચમત્કાર કહી શકાય.
સામાન્યતઃ અવતારી વ્યક્તિ અધ્યાત્મવિદ્યાનું સંસ્થાપન કરવા માટે જાણીતી બનતી હોય છે. અધ્યાત્મ એ મનુષ્યજીવનનું ચરમ લક્ષ્યબિંદુ છે. એને તાકવું જરૂરી હોઈ, આ પ્રકારની વ્યક્તિ દુનિયાના આધ્યાત્મિક વિકાસમાં રસ લે છે. આથી તેના વિચારોમાં એક પ્રકારની આત્યંતિકતા રહેલી હોય છે. અવતાર હોવાથી આ વ્યક્તિના વિચારો વરસાદની જેમ ઉપરથી આવતા હોય છે. તેમના આકાશી ખ્યાલોને કોઈ ધરતીની હેસિયત ધરાવતી શક્તિઓ જ પામી શકે છે. તેમનું અવતારકૃત્ય પણ, જો કે, આવી સમાનધર્મા વ્યક્તિઓ માટે જ હોય છે, કહો કે અનાયાસે એવું બની જાય છે. ઉપર ઉપરથી સરળ જણાતું તેમનું સર્વાગી વ્યક્તિત્વ ગૂઢતાથી સંકળાયેલું હોવાને લઈને, દેખાય છે તેવું સરળ રહેતું નથી. તેમના કહેવા પ્રમાણેનું, સમજાવ્યા પ્રમાણેનું આચરણ પણ તેમના અને નીચેના લોકોના ચેતનાભેદને લઈને દુષ્કર જણાય છે.
મધ્યકાલીન ભારતમાં એક સાથે આવા કેટલાક અવતારો, ઉપરથી નીચે આવેલી વ્યક્તિઓ તરીકે સ્પષ્ટ તથા જુદા તરી આવે છે તેમનાં વ્યક્તિત્વ, વિચારો અને દર્શનને લઈને. આ અવતારોમાં સ્ત્રીઓની સંખ્યા અલ્પ હોવા છતાં જેટલી છે તે સૌમાં મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરનાં બહેન મુક્તાબાઈ અગ્રિમ છે.

મધ્યકાલીન સ્ત્રી-સંતોમાં મુક્તાબાઈ એમના ઉછેર, વાતાવરણ ને વૈચારિક પરિવેશને લઈને બહુ જુદાં પડે છે. મધ્યકાલીન સ્ત્રી સંતોએ સામાન્ય રીતે ઈશ્વરપ્રાપ્તિ માટે ભક્તિમાર્ગનો આશ્રય લીધેલો. સ્ત્રી પ્રકૃતિગત રીતે જ સમર્પિત ચિત્ત ધરાવતી હોઈને, આ માર્ગ તેમને સહજસાધ્ય પણ હતો. આ ઉપરાંત મધ્યકાલીન સ્ત્રી સંતોની વાણીમાં સ્ત્રીસહજ લજજા, કોમળતા, ઈશ્વરને પ્રિયતમ ગણીને થયેલી આરતભરી ને ક્યાંક રતિસભર પ્રાર્થનાઓ વ્યક્ત થયેલાં જેનો મુક્તાબાઈમાં મહદંશે અભાવ પ્રવર્તે છે. મુક્તાબાઈની વાણીમાં જ્ઞાનાગ્નિનો પ્રકાશ નજરે ચઢે છે. તેમણે ખાસ કોઈ પ્રાર્થના કે ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો જેવા વિષયો વિશે વાત કરી નથી; તેમની રચનાઓમાં સંન્્યાસીનું કર્તૃત્વ, જીવ અને બ્રહ્મ વગેરે વિશેના તેમના વિચારોનો નીચોડ જ માત્ર વ્યક્ત થયો છે. આથી આખીય સંતપરંપરામાં મુક્તાબાઈ ધ્યાન ખેંચનારાં સ્ત્રી સંત તરીકે વ્યક્ત થાય છે.
મુક્તાબાઈને બાલ્યાવસ્થાથી જ નાથ સંપ્રદાયની દીક્ષા મળી છે. તેમના પૂર્વજો પૈઠણથી ચાર કોસને અંતરે ગોદાવરીના ઉત્તર તીરે આવેલા આપેગાઁવ નામના ગામના કુલકર્ણી અર્થાત્ તલાટી હતા. આ પૂર્વજોમાં અગ્રજ હરિહર પંત. હરિહરના વંશમાં ત્ર્યંબક પંત થયા. તેમની ઉત્તર વયમાં તેમના પર નાથ સંપ્રદાયના પ્રધાન આચાર્યોમાંના એક એવા ગોરક્ષનાથની કૃપા થયેલી. નાથ સંપ્રદાયના મૂળ પુરૂષ આદિનાથ શંકર ને એમના શિષ્ય ગોરક્ષ. ગોરક્ષના ગૈનીનાથ. આ પરંપરાની કૃપા મુક્તાબાઈના પૂર્વજોને મળી. ત્ર્યંબક પંતના પોત્ર વિઠ્ઠલ પંત મુક્તાબાઈના પિતા. વિઠ્ઠલ પંતમાં પણ બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યનું પ્રાચુર્ય હતું . પણ તેમ છતાં આળંદીના કુલકર્ણી સિઘો પંતની પુત્રી રુકિમણી સાથે તેમણે સંસાર ગ્રહણ કર્યો. સંસારમાં રહીને વૈરાગ્ય સેવતા વિઠ્ઠલ પંતને સંતાનપ્રાપ્તિ ન થવાથી સંન્યાસ લેવાની મનમાં રહેલી ઇચ્છા તેમણે પત્નીને જણાવી. પણ શ્વસુર તેમ જ પત્નીને સંતાનપ્રાપ્તિ વિના વિઠ્ઠલ પંતનો સંન્યાસ લેવાનો વિચાર અનુચિત જણાયો. સંસારથી વિરક્ત થયેલા ચિત્તવાળા વિઠ્ઠલે જ એક વાર શ્વસુરના મુખેથી સ્નાન કરવા માટે ‘જાઓ’ એવી આજ્ઞાને અનાયાસે મળેલી આજ્ઞા સમજીને કાશી તરફ પ્રયાણ કર્યું. કાશીમાં સ્વામી રામાનંદ, જેમને કબીરના પણ ગુરુ ગણાવવામાં આવ્યા છે, તેમની કૃપા વિઠ્ઠલને મળી. વિઠલે કાશીમાં જ સંન્યાસ ધારણ કર્યો.
વિટ્ઠલના ગૃહત્યાગ પછી તેમનાં પત્ની રુકિમણીબાઈએ પણ વૈરાગ્યમાં મનને જોડીને તપશ્ચરણનો પ્રારંભ કર્યો. બાર વર્ષના ગાળા પછી સ્વામી રામાનંદનું વિઠ્ઠલના ગામમાં આગમન થયું ત્યારે એક સંન્યાસી ધારીને રુકિમણીએ તેમને પ્રણામ કર્યા. સ્વામીજીએ તેમને પુત્રવતી થવાના આશીર્વાદ આપ્યા. રુક્મિણી પાસેથી તેની કથા સાંભળીને રામાનંદ સ્વ્ામીએ કાશી જઈને પોતાના શિષ્ય બનેલા વિટ્ટલને ફરીથી સંસારમાં જોડાઈ, સંતાનપ્રાપ્તિ કરવાનો આદેશ આપતાં જણાવ્યું કે આ જ તેમની નિયતિ હતી.
ગુરુઆજ્ઞાને સ્વીકારીને સંસારમાં ગ્રવેશેલા વિઠ્ઠલ પંતનાં સંતાનોએ માત્ર માતા-પિતાના ઘરમાં જ નહિ પણ સમગ્ર સંસારમાં અજવાળું પાથરી નાખ્યું. આ સંતાનો તે અનુક્રમે નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર, સોપાનદેવ અને મુક્તાબાઈ. મુક્તાબાઈની રગેરગમાં પ્રગટેલો જ્ઞાનાગ્નિ તેના જનમ પહેલાં જ ગોઠવાયેલી આ ભૂમિકામાં પડેલો હતો. આમાં મુક્તાબાઈનું અવતારી વ્યક્તિત્વ પણ કારણભૂત તો હતું જ. આ બંને કારણોથી મુક્તાબાઈના દર્શનમાં આગવી મહોર ઊપસી આવી.
કોઈ સંન્યાસીએ સંસારમાં પ્રવેશ કરીને ચાર બાળકોને જન્મ આપ્યો હોય એવો દાખલો આ પહેલાં કદી ન બન્યો હોવાને લઈને વિઠ્ઠલ પંતને પુષ્કળ તિરસ્કારેનો સામનો કરવો પડેલો. જ્ઞાતિએ, સમાજે – સૌ કોઈએ આ છયે જણનો બહિષ્કારે કર્યો. બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવાની પણ બ્રાહ્મણોએ ચોખ્ખી ના પાડી દીધી. આ પરિસ્થિતિથી મુંઝાયેલા વિઠ્ઠલ પંતે પરિવાર સહિત ગામ છોડીને ત્ર્યંબકેશ્વરમાં રહેવાનું શરૂ કર્યું.
ત્યંબકેશ્વરમાં એક વાર રાત્રિના સમયે વાઘ જોવાથી ગભરાયેલા વિઠ્ઠલ પંતે બાળકોને એકઠાં કરી તેમનું રક્ષણ કરવાના પ્રયત્નો કર્યા. તે દરમિયાન વિઠ્ઠલના મોટા પુત્ર નિવૃતિનાથ સૌથી છૂટા પડીને રસ્તો ભૂલી જવાથી અંજની પર્વતની ગુફામાં પહોચ્યા જ્યાં તેમને ગોરખનાથના શિષ્ય ગૈનીનાથનાં દર્શન થયાં. ગૈનીનાથે આ કોમળ બાળક પર પોતાની કૃપા વરસાવીને “अहं ब्रह्मास्मि” ના મંત્રથી તેમને દીક્ષિત કર્યા. આ સમયે નિવૃત્તિનાથની ઉમર માંડ દસ વર્ષની હતી ! ઘેર પાછા ફરેલા નિવૃત્તિએ પોતાને પ્રાપ્ત થયેલું જ્ઞાન, લધુબંધુ જ્ઞાનેશ્વરને આપ્યું. પાછળથી સોપાનદેવ ને મુક્તાબાઈ પણ નિવૃત્તિનાથનાં શિષ્યો બન્યાં. આમ, જીવનના ઉષઃકાળમાં જ મુક્તાબાઈનો પંથ અધ્યાત્મ ભણી તેને દોરી ગયો.
એક બાજુથી બાલ્યાવસ્થામાં જ આ ચારેય સંતાનોને જ્ઞાનદાન મળ્યું જેણે તેમનાં આંતર્ચક્ષુને હંમેશને માટે ખોલી આપ્યાં તો બીજી બાજુથી તેમણે પોતાનું જ્ઞાન કેવુંક પચાવ્યું છે તેનું પરીક્ષણ કરવા માટે તેમનાં જ્ઞાનની લગોલગ સામાજિક વિષમતાઓ આવતીકને ઊભી રહી. સંન્યાસીનાં સંતાનો હોવાને કારણે લોકોએ તેમનો બહિષ્કાર કર્યો. તેમને સતત હડધૂત કરવામાં આવ્યાં. ત્ર્યંબકેશ્વરના પંડિતોએ પણ વિઠ્ઠલ પંતનાં બાળકોને યજ્ઞોપવિત આપવાની ના પાડી દઈને દેહાંતનું પ્રાયશ્ચિત સૂચવ્યું. પોતાને કારણે બાળકોને બ્રાહ્મણત્વથી વંચિત રહેતાં જોઈને વિઠ્ઠલ પંતે દેહાંતનું પ્રાયશ્ચિત સ્વીકારવાનું નક્કી કરીને પ્રયાગ જઈને ગંગા નદીમાં દેહવિસર્જન કર્યું . વિઠ્ઠલની સાથે પત્ની રુકિમણીએ પણ મૃત્યુને આવકાર્યું. માતા-પિતાનાં મૃત્યુથી જગતનાં આશ્રયરૂપ બનનાર ચાર બાળકો તે સમયે તો નિરાશ્રિત બન્યાં. બાલ્યાવસ્થાથી જ જીવને આ ચારેયની સાથે વક્રતાથી કામ લીધું.
મુક્તાબાઈના જીવનમાં આવેલાં વિઘ્નો તેમના જીવનઘડતર માટે મહત્ત્વનાં પુરવાર થયાં એમ કહેવું યોગ્ય જણાતું નથી. બાળપણથી જ મળેલા જ્ઞાનપ્રકાશે કરીને મુક્તાબાઈ વિરક્તિમાં જ જીવતાં હતાં. તેમની વિશેષ અવસ્થા તેમને ડહોળાયેલા સંસારથી ક્યાંય ઊંચે સ્થાપિત કરતી હતી. આથી જ તેમની વાણીમાં સમાજ વિશેની કોઈ વાતનો ઉલ્લેખ જણાતો નથી. આત્મવિકાસ જ તેમનું ઘ્યેય હતું . કમળપત્ર પરનાં ઝાકળખબિંદુની જેમ મુક્તાબાઈ સંસારથી અળગાં જ રહ્યાં.
વિશિષ્ટ પ્રકારની, ઉચ્ચ વૈચારિક ભૂમિકાએ કરીને મુક્તાબાઈ જનસમાજનાં અધ્યાત્મગુરુ તરીકે ફેલાઈ શક્યાં નહિ હોય તેવું તેમની વાણીને જોતાં અનુમાની શકાય.
તેમણે બહુ ઓછો ઉપદેશ આપ્યો છે.એક વારે જ્ઞાનદેવ સાથે અને નામદેવ ને ચાંગદેવ સાથે તેમણે જે સંવાદ કર્યો છે તેમાં જ તેમનું જ્ઞાની કવયિત્રી તેમ જ સંત તરીકેનું વ્યક્તિત્વ સંપૂર્ણત: પ્રગટ્યું છે. આ સંવાદો પણ ખૂબ ઉપરની કક્ષાના છે. તેમની ભાષા સરળ છે પણ તેમના કથનનો ગૂઢાર્થ ઊંડો છે. તેમની ભાષામાં તેમનું યોગીત્વ છતું થાય છે. તેમને લાધેલું “अहं ब्रह्मास्मि” નું જ્ઞાન, તેમની વાણીમાં અનુભૂતિ બનીને પ્રગટ્યું છે. નાથ સંપ્રદાયના યોગીઓ વૈશ્વિક ઊર્જાની ઉપાસના પોતાના શરીરમાં જ કરતા હોય છે. જે બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે એવું માનતા આ સંતો પિંડની ઊર્જાને ઓળખવા માટે અહમૂને ગાળીને સ્વત્વની શોધ કરે છે. આથી તેમની શોધ કે મંજિલ પણ છે તો એક પ્રકારનું સમર્પણ જ, પણ તે ભક્તિની ભાષામાં પ્રગટ થતું નથી પણ જ્ઞાની પરિભાષામાં પ્રગટ થાય છે. મુક્તાબાઈના સંવાદોની પરિભાષા આ વાતની સાક્ષી પૂરે છે. જે સમયમાં સ્ત્રીનેવવવેદાધ્યયનનો અધિકાર નહોતો ત્યારે એક કિશોરીએ પોતાના વિચારોમાં જે ખુલ્લાપણું વ્યક્ત કર્યું છે તે સાનંદાશ્ચર્ય જગવે તેવું છે.
મુક્તાબાઈમાં દેખાતું હીર તેમના ગુરૂબંધુ ને ગુર્ એવા નિવૃત્તિનાથે પોષેલું છે. એક વિચારધારા પ્રમાણે મુક્તાબાઈના ગુર્ જ્ઞાનેશ્વર માનવામાં આવ્યા છે પરંતુ પોતાના અભંગોમાં મુક્તાબાઈએ સ્પષ્ટ રીતે નિવૃત્તિનાથનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો છે. જ્ઞાનેશ્વરના પણ ગુરુ નિવૃત્તિનાથ જ છે. આ દૃષ્ટિએ જ્ઞાનદેવ મુક્તાબાઈના ગુરુભાઈ છે. ઊલટાનું મુક્તાબાઈએ ક્યારેક જ્ઞાનદેવને શીખ આપી હોય એવું બન્યું છે. પણ જ્ઞાનદેવ એમના ગૂરુ નથી. તે તો મુક્તાબાઈના અભંગોમાં જ કહેવાયું છે. તેઓ કહે છે તેમ, ‘મને નિવૃત્તિએ સાવધાન કરી છે. મારા ગૂરુએ મને એક તત્ત્વનો (અર્થાત્ હરિનો) ઉપદેશ આપ્યો છે.’
આ તત્વ રંગાયેલાં મુક્તાબાઈએ પછીથી આગળના સંસારને ઇચ્છ્યો નથી.ગુરૃના ઉપદેશથી ઈશ્વર સાથે સંકળાયેલાં મુક્તાબાઈએ પોતાની સ્થિતિ દર્શાવતાં જણાવ્યું : *મે અભેદ્ય એવા ભેદને ભેદ્યો છે. મને મુક્તિ મળી છે. નિવૃત્તિએ મને પ્રાપ્તિની પ્રાપ્તિ ને નિવૃત્તિની નિવૃત્તિ કરાવી છે.’ ત્યારની સામાજિક લોકવાયકા પ્રમાણે મુક્તાબાઈએ લગ્ન ન કરગા પાછળનું કારણ તેમનો સામાજિક બહિષ્કાર હતો. સંન્યાસીનાં સંતાનો હોવાને લઈને તેમને ચાંડાલ ગણવામાં આવેલાં આથી તેમણે સંસાર માંડ્યો નહોતો. દેખીતી રીતે જ આ પ્રકારની વાયકા સમાજની જડ વિચારધારાને દર્શાવે છે. જ્ઞાનની ચરમ અવસ્થાને પામેલાં આ ચારેય ભાંડુઓને માટે સામાજિક આચારો વ્યર્થ બની ગયા હતા.નિવૃત્તિનાથે યજ્ઞોપવિત ધારણ કરાવવા માટે બ્રાહ્મણોને એટલા જ માટે વીનવ્યા હતા જેથી કુલાચારનો આદર થઈ શકે ને મૃત પિતાની ઇચ્છા સંતોષાય. આ સિવાય બાલ્યાવસ્થામાં જ જીવનના સારને પામી ચૂકેલાં આ બાલયોગીઓને સાંસારિક વ્યવહારોની તો શી પડી હોય ? આખરે તો આ પ્રકારની માન્યતાઓ તત્કાલીન સમાજની છવિ ઝીલવા પૂરતી જ મહત્ત્વ ધરાવતી હોય છે.
નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાનદેવ ને મુક્તાબાઈનું જીવન એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલું રહ્યું. સંસારની વિષમતાઓ વચ્ચે એકબીજાના ટેકાથી તેઓ રહી શક્યાં. મુક્તાબાઈ ત્રણે ભાઈઓનાં વિશ્રાંતિસ્થાન સમાં બની રહ્યાં. નિવૃત્તિનાથને માંડ (એક પ્રકારની વાનગી) ખાવાની ઇચ્છા થતાં મુક્તાબાઈ તે માટે ઘેર ઘેર ફર્યા પણ તેમને માંડ શેકવાનું વાસણ જ ન મળ્યું. જરા પણ નિરાશ થયા વિના તેમણે જ્ઞાનદેવની પીઠ ઉપર મોટાભાઈને માટે માંડ શેકી આપીને સૌને જમાડ્યા.
નિવૃત્તિનાથના ત્રણેય શિષ્યો – જ્ઞાનદેવ, સોપાનદેવ ને મુક્તાબાઈમાં મુક્તાબાઈ વિશેષ અધિકારી જણાય છે. તેનું એક ઉદાહરણ તાટીના અભંગનો પ્રસંગ ગણી શકાય. ભિક્ષા લેવા નીકળેલા જ્ઞાનદેવને એક વાર કોઈએ ભિક્ષા ન આપી એટલું જ નહિ પણ તેમને જોઈને પોતાનાં દ્વાર વાસી દીધાં. સમાજનો પોતા પ્રત્યેનો આટલો ઉપેક્ષાભાવ જોઈને ઉદાસ થયેલા જ્ઞાનદેવ રિસાઈને સિદ્ધ બેટમાં ભોંયરાં જેવી ઓરડીમાં જઈને બેસી ગયા. ઘેર આવેલા નિવૃત્તિનાથને જ્ઞાનદેવની ચિંતા થતાં ત્રણે ભાંડુ તેમની શોધમાં નીકળ્યાં. ‘જોગીનું સ્થાન જોગટા જાણે’ એ ન્યાયે મુક્તાબાઈ સિદ્ધ બેટમાં છુપાયેલા જ્ઞાનેશ્વર પાસે પહોંચી જઈને તેમની સ્થિતિ કળી શક્યાં ને તેમણે જ્ઞાનેશ્વર સાથે જે સંવાદ કર્યો તેમાં સમજાવટ હતી, વ્યવહારકુશળતા હતી, જ્ઞાનીનું દર્શન હતું ને મધુર ભાવે આપેલી શીખ પણ હતી. ‘તાટી(ઝૂંપડી)ના અભંગો’ના નામે જાણીતો થયેલો આ સંવાદ મુક્તાબાઈને બ્રહ્વાહિની ઠેરવે છે.
તેઓ મોટાભાઈને સમજાવતાં કહે છે :
“’જ્ઞાનેશ્વર, તમે સાધુ છો ને ? તો સાધુ મોટા મનના હોય છે. તેઓ દુનિયાના અપરાધ સહન કરે છે. લોકો ગુસ્સે થઈને અગ્નિ જેવા થાય તો પણ સાધુએ પાણીની જેમ ઠંડા થવું. શબ્દો રૂપી બાણ આપણને ખૂંચ્યાં હોય તો પણ તેને ઉપદેશ ગણવો. જગતરૂપી પટમાં બ્રહ્મ રૂપી દોરો પરોવાયેલો છે. તો પછી તમે કોને ધમકાવશો ? ઝાંપલું ખોલો ને ઘેર ચાલો.”
“સુખના દરિયામાં રહેનારને ઊંચ-નીચ ભાવ રહેતો નથી. આ દુનિયા તૃણવત્ છે.”
“લોકોએ અમને કેમ હેરાન કર્યા” એવી મનોવૃત્તિ રાખવી જોઈએ નહિ. આપણે જેમ મુક્ત થયાં છીએ તેમ દુનિયાને પણ મુક્ત કરીને રહેવું જોઈએ. આજે જે ઉચ્ચ છે તે કાલે નીચ પણ બની શકે છે, ને નીચ ઉચ્ચ. આ એક નાટક જેવો ખેલ છે. એ સ્થિર હોતો નથી. જો આપણે સૌ એકમાંથી જ ઉત્પન થયા છીએ તો પછી તેમનો ત્યાગ કરવો ઉચિત નથી. તેમની સારસંભાળ કરવી જ રહી. શૂન્ય અને સાક્ષી, વેદ અને ૐકાર જુદા નથી… તેથી આ બંનેને બાજુ પર રાખીને ઝાંપલું ખોલો.”
“અંદરખાને વિષયાસક્તિ હોય એવી કોઈ વ્યક્તિ ભગવાં વસ્ત્રો પહેરીને નામધારી સંન્યાસી થાય તેથી તેને સાઘુ કહી શકાય નહિ. ‘હું કોણ છું’ તેનો તમે જાતે વિચાર કરો. સર્વનો વિચાર કરવાવાળાને વિવેક છોડી જતો નથી. લોકોએ આપણને માન આપવું (એવી ઇચ્છા) અને પોતાનો પરમાર્થ લોકોમાં જાહેર થાય એવો ઢોંગ હવે બંધ કરો અને ઝૂંપડી ખોલો.”
“સંત કોને કહેવા ? – જેનામાં દયા, ક્ષમા, શાંતિ હોય; વિરક્ત કોને કહેવા ? – લોભ અને અહંભાવ જેનામાં નથી. જેના મુખમાં શુદ્ધ જ્ઞાનવાણી છે તે આ અને પરલોકમાં પણ સુખી હોય છે. નહિ જેવી કલ્પના કરીને શું બેઠા છો ? દ્વાર ખોલો.”
“તમે એક જ આ દુનિયામાં સાધુ છો ? બીજા કોણ નથી થયા તે બતાવો. બ્રહ્મદેવ થકી આ માયાની જાળ ફલાઈ છે કે નહિ ? “હું સાધુ છું’ એ માન્યતા માયા છે. આ માયાનું અસ્તિત્વ નહિ રહે ત્યારે દુનિયા બ્રહ્મરૂપ થશે. એવું જ્ઞાન પ્રાપ્ત કરીને સુખી થાવ. કામ, ક્રોઘ, લોભ છોડીને ઝૂંપડું ખોલો.”
“બ્રહ્મ જે – તે સ્થિતિથી તૈયાર થયેલું છે અને તેથી આપણે માટે પ્રાણીમાત્ર પૂજ્ય છે. ભૂલથી આપણે જાતે થપાટ ખાધી હોય તેથી નારાજ થવાની જરૂર «થી. જીભ દાંતમાં ચવાઈ જાય તેથી કાંઈ દાંત તોડી પડાય છે ? જેટલો મનસ્તાપ થાય તેટલું જ માણસમાં ડહાપણ આવે છ. પહેલાં લાખંડના ચણા ચાવવા પડે; પછી જ બ્રહ્મ પર નાચી શકાય. મનને મારીને, એટલે નિવૃત્ત થઈને હે જ્ઞાનેશ્વર ! બારણું ખોલો.”
“આપણે સુખના સાગર બનીને લોકોને બોધરૂપી પાણી પાઈને શાંત કરવા જોઈએ. જ્ઞાનદાન કરતી વખતે ભેદ રાખવો ન જોઈએ. સાધુને પોતાના – પારકાનો ભેદ હોતો નથી. … સ્ત્રીઓ અને શૂદ્રોને પણ ખૂલ્લા દિલથી જ્ઞાનદાન કરવું જોઈએ… તરી જવાના ઉપાયને સમજીને શાંતિથી દરવાજો ખોલો. ”
“તમે જ જો દુનિયાનું રૂપ લઈને બેઠા છો તો કોના ઉપર ગુસ્સો ઠાલવો છો ? આ દુનિયા જનાર્દન છે એવું સમજવાવાળાને ઉત્તમ સાધુ કહેવાય. જે વ્રત લીધું તે જો આચરણમાં મૂકી ન શકાય તો તેનો શો અર્થ છે ? ત્રાસ, ઉપદ્રવ, હેરાનગતિ, પશુવૃત્તિ જેવું કોઈ કરે તો અજ્ઞાનીને ક્રોધ આવે જ. આવા કોધના સમયે જો સાધુ ક્રોપિષ્ટ થાય તો તેણે કરેલો પરેમાર્થ વ્યર્થ ગયો સમજવો. હે જ્ઞાનેશ્વર, ઊચી દૃષ્ટિ રાખીને દરવાજો ખોલો.’
“કલ્પના અને ઉપાધિનો ત્યાગ કરવો એ જ સાધુની સમાધિ સમજવી. દુનિયામાં સહુ દ્વૈતીયાં છે. તમે કોની કોની સાથે વિવાદમાં પડશો ?…. પક્ષી આકાશમાં ગમે તેટલું ઊંચે ઊડતું હોય તો પણ એના પગ નીચે હોય છે. મન જ બધી ક્રિયાઓ કરે છે. …. હજુ પણ કંઈ બગડ્યું નથી. પરમાર્થના માર્ગે પાછા વળો અને બારણું ખોલો.”
“જો આસક્તિ છૂટતી ન હોય તો પર્વતો અને કંદરાઓ પર જઈને બેસવાનો શો અર્થ છે ?… જો અંતરમાં નિષ્કામભાવ ન હોય તો યોગ-ધર્મના આચરણથી શો ફાયદો ?… શંકા કાઢીને દ્વાર ખોલો.”
“*જો શુદ્ધ ભાવના હોય તો ભગવાન દૂર નથી. આપણે લોકોની માન્યતા પ્રમાણે ચાલવું અને તેમને આપણા સમાન માનવા એવી આપણાં માતા-પિતાની દોરવણી છે એ બાબત તમને કોણ શીખવશે ? તમે જ સારાંશ શોધી કાઢો. આ હું તમને ઉપદેશ કરું છું તે ગુરુ તરીકે નહીં પણ અંગત ભાવે કરું છું. તમને શો ઉપદેશ કરવાનો હોય ? મૂળમાં જ તમે બ્રહ્મરૂપ છો. આવો બોધ લઈને તરી જાવ ને દુનિયાને પણ તારો.”
જ્ઞાનેશ્વર જેવા સમર્થ જ્ઞાની ને સંબંધે મોટા ભાઈને આ પ્રકારે નમ્રતાપૂર્વક કાન પકડાવતી મક્તાબાઈનું ચિત્ર આંખ આગળ લાવવા જેવું છે. ગુરુ હોવા છતાં નિવૃત્તિનાથ પણ જે ન કહે તે મુક્તાબાઈએ કહ્યું છે. જ્ઞાનેશ્વરનાં નિમિત્તે આખરે તો મુક્તાબાઈનો જીવન, જગત, બ્રહ્મ વગેરે વિશેનો ખ્યાલ જ પ્રગટ થાય છે જે તેમને એક વૈરાગી સાધ્વી તરીકે પ્રસ્થાપિત કરે છે.
આવી જ રાતે મુક્તાબાઈએ બીજી વારનો સંવાદ મહારાષ્ટ્રના મહાન સંત નામદેવ સાથે કર્યો છે. આ સંવાદ પણ આંખ ઉઘાડનારો છે. નિવૃત્તિનાથ પાસે આવેલા નામદેવને મહાન ભક્ત જાણીને નિવૃત્ત સહિત સૌ પ્રણામ કરે છે પણ મુક્તાબાઈ તેમની ભક્તિને સ્વીકારવાતૈયાર નથી. તેમને મતે નામદેવની ભક્તિ હજુ કાચી છે. તેમનામાં જ્ઞાનપ્રકાશ જાગ્યો નથી. મુક્તાબાઈને મતે જંગલી ચણોઠી મોતી કરતાં પણ સુંદર દેખાતી હોવા છતાં શણગાર તરીકે કામ આવતી નથી. તેવું જ નામદેવના સાધુવેશનું છે. એ ચંદનનું ઝાડ છે પણ અહંકારરૂપી સાપ તેના થડ પર વીંટળાયો છે. તે ઝાડનો ઉપયોગ શો ? નિવૃતિનાથના સમજાવ્યા છતાં મુક્તાબાઈ નામદેવને પ્રણામ કરવા તૈયાર ન જ થયાં. તેમને મતે નામદેવ ભગવાનના ભક્ત હતા તેથી ઈશ્વરે તેમના પર કૃપા કરીને તેમને નિવૃતતિનાથ પાસે મોકલ્યા જેથી તેમનામાં જ્ઞાનપ્રકાશ જાગે.
મુક્તાબાઈએ છેવટે ગોરા કુંભાર (જેનો એક અર્થ ગોરખનાથ એવો કરવામાં આવ્યો છે) ને બોલાવીને તેમના વારા નામદેવની પરીક્ષા કરવામાં આવી. ગોરોબા એક સંત હતા ને ઉંમરમાં મોટા હતા તેથી તેમને બોલાવ્યા. તેમના હાથમાં ધોકા જેવું એક સાધન હતું જે તેમણે ત્યાં બેઠેલા સૌના માથા પર માર્યું. કોઈએ વિરોધ ન કર્યો પણ નામદેવે કર્યો. ત્યારે ‘કાચો ઘડો’ સાબિત થયા. શરમાયેલા નામદેવે પછીથી વિસોબાને ગુરુ કર્યા. આ વિસોબા તે મુક્તાબાઈના શિષ્ય. આમ નામદેવને આડકતરી રીતે મુક્તાબાઈનું શિષ્યત્વ સાંપડયું
નામદેવ ભક્ત હતા તો ચાંગદેવ એ સમયે મહાન સિદ્ધયોગી તરીકે પ્રખ્યાત હતા. સિદ્ધિઓનું અભિમાન ધરાવતા ચાંગદેવે, જ્ઞાનેશ્વરની ખ્યાતિ સાંભળીને તેમને એક પત્ર મોકલ્યો. આ પત્ર કોરો જ હતો કેમ કે ચાંગદેવ કરતાં જ્ઞાનેશ્વર ઉંમરમાં નાના હતા પણ જ્ઞાનમાં મોટા હતા. આથી તેમને સંબોધન કરવામાં મૂંઝવણમાં મુકાયેલા ચાંગદેવે પત્ર કોરો જ મોકલ્યો. આ પત્ર જોઈને વિનોદમાં મુક્તાબાઈએ ચાંગદેવને ‘કોરા’ ગણ્યા. તેમને મતે ચાંગદેવની પકવતા હજુ કાચી હતી. જ્ઞાનેશ્વરે ઉત્તરમાં ‘ચાંગદેવ પાષષ્ઠી’ને નામે પાંસઠ ઓળીનો પત્ર ચાંગદેવને મોકલ્યો. એ વાંચીને વાઘ પર સવારી કરીને ચાંગદેવ જ્ઞાનેશ્વરની પાસે આવ્યા ને તેમનાં મહાન સામર્થ્યને જોઈને અહમ્ છોડીને તેમના શિષ્ય થવાની ઇચ્છા વ્યક્ત કરી. આ સમયે જ્ઞાનેશ્વરે એ જવાબદારી મુક્તાબાઈને સોપી. વૃદ્ધ ચાંગદેવ એક કિશોરી પાસે શિપ્યભાવે આવ્યા તો ખરા પણ મુક્તાબાઈનો પરિચય તેમને થવો બાકી હતો.
મુક્તાબાઈ પાસે ગયેલા ચાંગદેવે સ્નાન કરતાં મુક્તાબાઈને નિર્વસ્ત્ર અવસ્થામાં જોઈને સંકોચપૂર્વક પીઠ ફેરવી લીધી ત્યારે તેમને ઉદ્દેશીને મુક્તાબાઈએ કહ્યું : “તમે નગુરા જણાવ છો. તમારા મનમાંથી હજુ સ્ત્રી-પુરુષના ભેદ ગયા નથી. ગોખને જોઈને જેમ વિકાર થતો નથી તેમ મને પણ ભીંતના ગોખ જેવી જાણો. ગાય વનમાં તેમ નગરમાં પણ નિર્વસ્ત્ર જ રહે છે. હું પણ આ ગાયના જેવી જ છું.” મુક્તાબાઈનાં આ વચનોથી ચાંગદેવનાં ચક્ષુ ખૂલી ગયાં ને જ્ઞાનેશ્વરનો પત્ર મુક્તાબાઈએ સહજમાં ઉકેલી આપ્યો.
ઈ.સ. ૧૨૦૧થી ૧૨૧૭ના – માત્ર સત્તર વર્ષીય આયુપટમાં મુક્તાબાઈએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ને યોગમાર્ગનું સમન્વયીકરણ કર્યા પછી આ ચારેય માર્ગને પણ વળોટીને વરાગ્યના અગ્નિમાં પોતાની તપાવેલી, ઝળહળતી પ્રજ્ઞાના પ્રકાશમાં જગત માટેનો દુર્ગમ માર્ગ સુગમ કરી આપડામાં સૌને મદદ કરી. મુક્તાબાઈનું સંતત્વ આત્યંતિક હતું. તેના વૈરાગ્ય અગ્નિમાં તે સમયના અનેક સંતોએ પોતાનું અહમ્ તપાવીને ભસ્મસાત્ કરીને મુક્તાબાઈને સદ્ગુરુ તરીકે મેળવવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું. આનુવંશિક રીતે મળેલા સંન્યાસને, પોતા તરફથી પણ સમૃદ્ધ કરી મુક્તાબાઈએ સંન્યાસને પણ ગૌરવ બક્ષીને માનવજાતને કૃતાર્થ કરી.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
શોધીએ સુખ, મળે દુઃખ!
ધિક્કારનાં ગીતો
ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં…
દીપક સોલિયા
૨૦૨૨માં ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે આપઘાત કરેલો. એ સફળ અભિનેત્રી હતી, પણ ટીવી ઇન્ડસ્ટ્રીથી એ કંટાળી ગયેલી. એ ૩૦ વર્ષની હતી અને લગ્ન કરવા માગતી હતી, પરંતુ એ શક્ય નહોતું બની રહ્યું. તેના આપઘાતની પ્રાથમિક તપાસમાં પોલીસને વૈશાલીના લખાણ પરથી એવું જાણવા મળ્યું કે વૈશાલીનો એક પ્રેમી, જે પોતે પરણેલો છે અને બે સંતાનોનો પિતા છે તે ન તો વૈશાલી સાથે પરણવા માટે તૈયાર હતો કે ન તો વૈશાલીને અન્ય કોઈ સાથે પરણવા દેતો હતો.
વાત ફક્ત વૈશાલીની નથી. જુવાનીમાં પ્રેમના મામલે ગોથું ખાનાર કોઈ પણ યુવતી જાણતી જ હોય છે કે આવા મામલે એ કંઈ પણ બોલશે તો દુનિયા તેની વાત સમજવાને બદલે તેને ફાડી ખાશે, ઊંચીઊંચી સલાહો આપશે, સવાલો પૂછશો કે ‘તેં આવું કર્યું જ શું કામ?’ માટે, પછી યુવતી ચૂપ થઈ જાય, ગુંગળાય…
અતિ સફળ હિન્દી ફિલ્મ’ જબ વી મેટ’માં હિરોઈન ગીત (કરીના કપૂર)નું આવું રૂપાંતરણ તમે કદાચ જોયું હશે અને તમને યાદ હશે. ઘરેથી ભાગીને પ્રેમી પાસે જતી રહેલી ગીતને પ્રેમી સ્વીકારતો નથી ત્યારે એ ડઘાઈ જાય છે. તેનો બધો ઉમળકો અને સ્ફૂર્તિ ગાયબ થઈ જાય છે. તે એક ઉદાસ શિક્ષિકા બની જાય છે. તેને ખબર છે કે ઘરેથી ભાગવાની ભૂલ તેની પોતાની હતી. તેને ડર છે કે હવે ઘરે પાછી જશે તો પોતાની એ ભૂલનો ખુલાસો કરવો તેને ભારે પડી જશે.
આવી સ્થિતિઓમાં, વાંક ભલે પુરુષનો હોય, પ્રેમીનો હોય, પરંતુ કંટાળેલી સ્ત્રી વાંક પોતાના માથે ઓઢીને ચૂપ થઈ જાય એવું બની શકે. બાકી, વાણી એ તો સ્ત્રીની મહત્ત્વની આવડત હોય છે, તેનું મહત્ત્વનું હથિયાર હોય છે, પરંતુ અમુક સંજોગોમાં સ્ત્રી બોલવાનું, લડવાનું છોડીને, નિયતિનો સ્વીકાર કરીને ચૂપ થઈ જતી હોય છે.
આ મુદ્દાને ફિલ્મ અદાલતની ગઝલમાં સારી રીતે વણી લેવામાં આવ્યો છેઃ
મજબૂર બહોત કરતા હૈ યે દિલ તો ઝુબાં કો;
કુછ ઐસી હી હાલત હૈ કે હમ કુછ નહીં કહતે.એવું નથી કે બોલવાની ઇચ્છા નથી થતી. દિલ તો બહુ જ વિનવણી કરે છે કે પ્લીઝ મને બોલવા દે, પણ સંજોગો એવા છે કે બોલી શકાય તેમ નથી. બાકી અંદર ભડાસ તો ઘણી છે,
કહને કો બહોત કુછ થા અગર કહને પે આતે;
દુનિયા કી ઇનાયત હૈ કે હમ કુછ નહીં કહતે.બોલવા બેસું તો ઘણું બોલી શકું તેમ છું, પણ દુનિયાની ઇનાયત છે, કૃપા છે, મહેરબાની છે કે હું બોલતી નથી. અહીં ઇનાયત શબ્દ મસ્ત રીતે વાપર્યો છે. એમાં કટાક્ષ છે. કડવાશ છે. કહેવું તો એવું છે કે દુનિયાના પાપે હું ચૂપ છે, પણ પાપ જેવો ભારે શબ્દ વાપરીને દુનિયાની ટીકા કરવાને બદલે યુવતી ઇનાયત-કૃપા-મહેરબાની જેવો પોઝિટિવ શબ્દ વાપરીને દુનિયાને ટોણો મારે છે.
અલબત્ત, પછી દુનિયાની સીધેસીધી ટીકા પણ કરે છેઃ કંઈક બોલું તો દુનિયાને તે ગમતું નથી, દુનિયા હોબાળો મચાવે છે. માટે હું ચૂપ થઈ ગઈ છું. પણ હું ચૂપ રહું એમાંય દુનિયાને વાંધો છે. દુનિયા પછી એમ કહીકહીને મારું માથું કાણું કરે છે કે તું કંઈ બોલતી કેમ નથી.
કુછ કહને પે તુફાન ઉઠા લેતી હૈ દુનિયા;
અબ ઇસપે કયામત હૈ કે હમ કુછ નહીં કહતે.બોલવામાં પણ પ્રોબ્લેમ અને ન બોલવામાં પણ પ્રોબ્લેમ… આ બે બાજુના દુઃખની અભિવ્યક્તિ કરતી આ ગઝલ ઉપરાંત ફિલ્મ અદાલતની ત્રીજી શાનદાર ગઝલ આ છેઃ
યૂં હસરતોં કે દાગ મહોબ્બત મેં ધો લિયે
ખુદ દિલ સે દિલ કી બાત કહી ઔર રો લિયે.અરમાનો બહુ હતા. એ અરમાનોને લીધે અમે ખરડાયા. ઇચ્છાઓના એ ડાઘને અમે પ્રેમના, રાધર પસ્તાવાના, આંસુથી ધોઈ રહ્યા છીએ. હવે આ મામલે દુનિયા સાથે ચર્ચા કરવાનો તો કોઈ મતલબ નથી એટલે ઉપરની ગઝલમાં કહ્યું છે તેમ અમે ચૂપ થઈ ગયા છીએ, પરંતુ અંદરખાને, દિલમાં જાત સાથે જાતનો સંવાદ ચાલુ છે. એ સંવાદમાં અમે ખુદની સમક્ષ ખુદની વ્યથા વ્યક્ત કરીએ છીએ અને રડી લઈએ છીએ. ખુદ દિલ સે દિલ કી બાત કહી ઔર રો લિયે.
નાયિકા આ ગઝલમાં ફરી એક વાર એ જ વાત કહે છે કે અમે ચૂપ રહીએ તો જમાનાને અમારી ચૂપકિદી મંજુર નથી અને જમાનો લોહી પીતો હોવા છતાં નિર્દોષ ભાવે એવું પૂછે છે કે મેડમ, તમે ચૂપ કેમ છો? કંઈક તો બોલો.
હોંઠોં કો સી ચૂકે તો ઝમાને ને યે કહાં
યે ચૂપ સી ક્યોં લગી હૈ, અજી કુછ તો બોલિયે.અને ગઝલનો સૌથી શાનદાર શેર આ છેઃ
ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં
ગમ રાહ મેં ખડે થે વો હી સાથ હો લિયે.વ્યાપક ઢબે, સહેજ અતિશયોક્તિ સાથે એવું કહી શકાય કે સમગ્ર માનવજાતની કથા આ એક શેરમાં વણી લેવાઈ છે. આપણે બધાં જ, આખી જિંદગી મથતાં તો હોઈએ છીએ ખુશ થવા માટે, પણ સુખ સાલું એવા સિક્કા જેવું છે જેની બીજી બાજુ દુઃખ છે. એટલે થાય એવું કે નીકળ્યા તો હોઈએ ખુશીની તલાશમાં, પણ રસ્તામાં દુઃખો વળગી પડે અને પછી એ જ આપણી સાથે ચાલ્યા કરેઃ ગમ રાહ મેં ખડે થે, વો હી સાથ હો લિયે.
શોધીએ સુખ. મળે દુઃખ.
જીના ઇસી કા નામ હૈ.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
દિવાળી એટલે ડિસ્કાઉન્ટની દિવાળી?
ચેતન પગી

દિવાળી પ્રકાશનું પર્વ છે એવું આપણે માનીએ છીએ. બજારમાં આંટો મારીએ તો એવું લાગે છે કે દિવાળી ડિસ્કાઉન્ટનું પર્વ છે. સામાન્ય માણસ મૂંઝાઈ જાય છે કે દિવાળી છે એટલે ડિસ્કાઉન્ટ છે કે ડિસ્કાઉન્ટ છે એટલે દિવાળી?
માળિયાંની સફાઈથી શરૂ થતા અને બેન્ક બેલેન્સની સફાઈ સાથે પૂર્ણ થતા દિવાળીના તહેવાર નિમિત્તે વાંચો ઇકો ફ્રેન્ડલી સુરસુરિયાંનો લેટેસ્ટ ડૉઝ.
- દિવાળીના દિવસોમાં ‘માળિયા’ જવા બસ પકડવી પડતી નથી. સ્ટૂલ પર ચઢીને પણ ત્યાં પહોંચી શકાય છે.
- હીં છપાયેલા અખબારી અહેવાલ મુજબ મધ્યમ વર્ગની એક અવાજે માગણી છે કે મોંઘવારી વધી જતા હવે દૂધની થેલી, કાંદા-બટાકા, સ્કૂટરનાં ટાયરની સેકન્ડહેન્ડ ટ્યૂબ કે કમરના દુખાવાની દવા જેવી વસ્તુઓની ખરીદીને પણ ‘દિવાલી શોપિંગ’માં ગણી લેવામાં આવે. જેથી આડોશપાડોશમાં ‘અમારું શોપિંગ થઈ ગયું’ એમ કહી શકાય.
- નવરાત્રિમાં નવ દિવસ હીંચ લઈને ગુમાવેલી ચરબી પાછી મેળવવાનો તહેવાર એટલે દિવાળી. • ટ્રાવેલ્સ બસોના ડ્રાઇવરોને પાઇલટનો દરજ્જો આપતો જો કોઈ તહેવાર હોય તો એ દિવાળી.
- આમ તો દિવાળીના દિવસોમાં વિમાનોમાં પણ મુંબઈ લોકલની જેમ લટકતા હેન્ડલ મૂકવા પડે એવી ભીડ જોવા મળતી હોવાથી પાઇલટો ‘એસ્ટ્રોનટ’નો દરજ્જો માગે તો ના પાડી શકાય નહીં.
- આ દિવસોમાં ઇન્ટરનેટ કે હેશટેગ વગર ટ્રેન્ડ કરતા શબ્દો એટલે ‘બોનસ’, ‘બોણી’ અને ‘કમાણી’ અને ત્રણેયની ‘ઉઘરાણી’ એ ટ્રોલિંગ.
- દિવાળી પહેલાં શાહરુખ, સલમાન કે દીપિકા પછી જેની ડેટ મળવી અઘરી છે એવી સેલિબ્રિટી એટલે પ્લમ્બર, પેઇન્ટર અને કાર્પેન્ટર.
- વેકેશનમાં છોકરાછૈયાંને રાજી કરવા રજા લેવા માટે કર્મચારીઓને કામચલાઉ ધોરણે બૂકી બનવું પડે છે. મોટા ભાગના કેસમાં સહકર્મચારીઓને દિવાળી પતી ગયા પછી મેચ તો ફિક્સ હતી એવી ખબર પડે છે.
- દિવાળી એવો તહેવાર છે જેમાં મોટેરા ઘૂઘરાની જીદ કરે છે અને બાળકો બંદૂકની.
- ડાયાબિટીસના પેશન્ટ હોય એવા ઘરના રસોડામાં સીસીટીવી કેમેરા મૂકવા પડે એવો તહેવાર એટલે દિવાળી.
- સીસીટીવી કેમેરા ન હોય એવામાં રસોડામાં મઠિયાં, સુંવાળી કે સોનપાપડીની ચીલઝડપે ઉઠાંતરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આ દિવસોમાં બજારમાં ક્યારે ખિસ્સું કપાઈ જાય અને રસોડામાં ક્યારે ડબો ખાલી થઈ જાય એની ખબર સુધ્ધાં પડતી નથી.
- મોટા ભાગનો નાસ્તો ‘બજારુ’ હોવાથી કોઈને ત્યાં મહેમાન બનીને જવાનો ફાયદો એ છે કે નાસ્તાનાં ખોટાં વખાણ કરવાની જરૂર પડતી નથી.
- આખું વરસ એસટી બસમાં વિન્ડો સીટનો આગ્રહ રાખનારા પેસેન્જરો દિવાળીના દિવસોમાં વિન્ડોમાંથી બસમાં પ્રવેશવા પણ તૈયાર થઈ જાય છે.
- પોતાના ગામ-શહેરમાં ‘કોઈક કારણસર’ ભાગ્યે જ ભેગા થતા લેણદાર અને દેણદાર બંનેનું માઉન્ટ આબુમાં સ્નેહમિલન કરાવે એવો તહેવાર એટલે દિવાળી.
- સોસાયટીનાં મેદાનો (જો હોય તો) આ દિવસોમાં ‘સતીષ ધવન સ્પેસ સેન્ટર’માં ફેરવાઈ જાય છે જ્યાંથી લૉન્ચ થતા રોકેટ જો દિશાભાન ગુમાવે તો ‘નાસા’માં પણ ન થાય એવી નાસભાગ જોવા મળી શકે છે.
- દિવાળીમાં અર્થશાસ્ત્રીઓને પણ ગોટે ચઢાવી દે એવો ગૂઢ વાક્યપ્રયોગ એટલે ‘શોપિંગ પતી ગયું’. તેઓ નક્કી જ નથી કરી શકતા કે ખરેખર શું ‘પતી ગયું.’’
- દર દિવાળીએ રાબેતા મુજબ ભાવ ભડકે બળતા હોવાથી હવે દીવા કરતાં પેટમાં વધારે તેલ રેડાય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
